રચનાવલી/૧૮૪

From Ekatra Wiki
Revision as of 16:03, 22 June 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૮૪. રહસ્યો (નુરુદીન ફારાહ)


માણસને ઓળખવો હશે તો એકલા વિજ્ઞાનથી નહીં ચાલે. એકલા વિજ્ઞાને જગતને અને માણસને ખાડામાં નાખ્યા છે. માણસની શ્રદ્ધા, એની કપોળકલ્પના, એના દિવા તરંગો, એની માન્યતાઓ, એના વિધિવિધાનો, એની રૂઢિઓ, એના રીતરિવાજો અને એની પ્રણાલિઓ આ બધાંને પણ સાથે લઈને ચાલવું પડશે, પશ્ચિમના જગતે નર્યા તર્કનો આધાર લઈને માણસની આંતરિક સમૃદ્ધિની ઉપેક્ષા કરી છે. પશ્ચિમનું સાહિત્ય એની જ દુહાઈ દઈ રહ્યું છે. પશ્ચિમના આવા સાહિત્યની સામે પૂર્વના કેટલાક લેખકોએ અને માથાફરેલ આફ્રિકી નવલકથાકારોએ એમના પોતાના પ્રદેશની હવાને પોતાનાં લેખનોમાં ફૂંકી છે. આવા લેખકોમાં છેલ્લા પચીસ વર્ષથી આગળ તરી આવેલા ઘણાં નામોની વચ્ચે નુરુદીન ફારાહનું નામ મહત્ત્વનું છે. આફ્રિકાના પૂર્વકાંઠે કેન્યા અને ઇથોપિયાને અડીને આવેલા સોમાલિયા પ્રદેશનો ચહેરો ઝડપથી બદલાઈ રહ્યો છે. સોમાલિયાના પ્રદેશવાસીઓનો ઇતિહાસ બતાવે છે કે એમણે ભૂતકાળમાં દૂર દૂર એશિયાના ઘણા દેશો સુધી વેપારી તરીકે જંગી વહાણવટું ખેડ્યું છે. સાથે સાથે છેલ્લા દાયકાઓમાં રખડતા પશુધારી કબીલાઓમાંથી ઘણા બધાએ વિશ્વબજારમાં ઝંપલાવ્યું છે. આમ છતાં એમની જૂની માન્યતાઓ અને શ્રદ્ધાઓ બહુ બદલાયેલી નથી. બાપ અને દીકરો, મા અને દીકરી જુદી જુદી જીવનશૈલીથી જીવતાં હોવા છતાં એમણે એકબીજાનો સંપર્ક ગુમાવ્યો નથી. નુરુદ્દીન ફારાહ આવા સોમાલિયા પ્રદેશોમાંથી આવે છે. એની માતા તરફથી સોમાલિયાની મૌખિક પરપંરા વારસામાં મળી છે. વળી, ભણાવી ગણાવીને મોટો કર્યો છતાં પુત્ર છેવટે માત્ર લેખક બનીને ઊભો રહ્યો એનો એના પિતાને રંજ છે પણ નુરુદીન ફારાહ કહે છે કે ‘હું મારા માતાપિતાથી બહુ જુદા જગતમાં જીવું છું. અમે મળીએ છીએ ત્યારે પ્રવાસીઓ વિશ્રામ કક્ષમાં મળે એમ મળીએ છીએ. અમારી દિશાઓ જુદી જુદી છે.’ નુરુદ્દીન ફારાહની શરૂની ત્રણ નવલકથાઓએ એને માટે ખાસ્સો યશ કમાવી આપ્યો છે, તો દેશવટો પણ રળી આપેલો. સરમુખત્યારના હાથમાં રહેલા સોમાલિયાની એમાં કથની છે. આ ત્રણ નવલકથાઓમાં પરિવારોની આંટીઘૂંટી સાથે ભયાવહ રાજનીતિના તાંતણાઓ ગૂંથાયેલા છે. એમાં પરદેશી શાસકો ચાલી ગયા પછીની યાતનાઓ, એના ભર્યા, એની મહત્ત્વાકાંક્ષાઓને વર્ણવ્યાં છે. ખાસ તો નુરુદ્દીન ફારાહનો સ્ત્રીપાત્રો તરફનો અભિગમ જુદો છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પર ગુજારેલા અત્યાચારોથી એ સભાન છે એની સમર્થ નવલકથાઓમાં એ રહસ્યો પ્રગટ કરવા ઇચ્છતો નથી કે પછી પ્રગટ કરી શકતો નથી પણ એમાં એની કલ્પનાની વિશિષ્ટતા અને સમૃદ્ધિ જોવાય છે. નુરુદીન ફારાહની તાજેતરની નવલકથાનું શીર્ષક જ ‘રહસ્યો’ છે. એવું લાગે છે કે નુરુદીનને સોમાલિયાના રાજકારણ કરતાં પરિવારોનાં કાવાદાવા, જાદુટોણાં, જાતીય વૃત્તિ- વગેરેમાં વધુ રસ છે. ‘રહસ્યો’માં આમ તો સાહિત્યમાં અનેકવાર આવી ગયેલી પિતાની શોધનો વિષય ઝડપ્યો છે. અહીં પિતાની શોધ નીકળેલા એક પાત્રની, એટલે કે કાલામાનની કથા છે. પણ એ કથાને લેખકે ૧૯૯૧ની આસપાસમાં સોમાલિયામાં જે વંશીય લાવા ફાટી નીકળેલો એની પહેલાં એને ગોઠવેલી છે. સોમાલિયાની રાજધાની મોગાડિશુની ગલીઓમાં સશસ્ત્ર માણસો ઘૂમી રહ્યા છે. ધોરીમાર્ગો પર અંતરાયો ખડા કરવામાં આવ્યા છે. લોકોને માટે મહત્ત્વનો પ્રશ્ન એ બની ગયો છે કે એ બધાં ક્યાંથી ઊતરી આવ્યા છે. દરેક જણ આ કે તે કબીલામાં પોતાના મૂળ પડેલાં છે તેવું ખોદીને ખણીને શોધી કાઢી રહ્યા છે. નગારાઓ સાથે ટોળાંઓ રખડી રહ્યાં છે, અને નર્યા વેરઝેરનાં ગાણાં ગવાઈ રહ્યાં છે. પોતાના મૂળની શોધમાં નીકળેલી પ્રજાની વચ્ચે કાલામાન એનું મૂળ, એના પિતા કોણ છે એનું રહસ્ય શોધી રહ્યો છે. કાલામાન આઠ વર્ષનો હતો ત્યારે પણ એને પોતાનું નામ કાંઈ વિચિત્ર લાગેલું. પોતાના દાદા નોશો પાસે પહોંચી પોતાનું નામ કોણે પાડ્યું એ કાલામાન જાણવા માંગે છે. આંબાના ઝાડ નીચે લાકડાના વાટકામાં ફળનું સલાડ ખાતાં ખાતાં દાદા જણાવે છે કે, ‘મારા કે તારા પિતાના નામથી સ્વતંત્ર તું ઊભો રહે એ માટે મેં તારું એવું નામ પાડ્યું છે. દાદા કાલામાનના જન્મ અંગેનું સ્મરણ કરતાં જણાવે છે કે એક ચકલી આવેલી એણે કહેલું કે પ્રસૂતિ કપરી હશે. સ્વપ્નમાં એક માખ આવેલી એણે કહેલું કે નવા જન્મેલા બાળકને જીવતું રાખવું હોય તો આમલીનો રસ પાજો. એક કાગડો જન્મ વખતે હાજર થયો અને ઝાડની ડાળી પરથી બોલેલો : ‘કાલામાન, કાલામાન.’ દાદા વાતને ટાળે છે. તેથી કાલામાનને થાય છે કે કોઈ રહસ્ય જરૂર છે.’ વળી ઉંમરમાં નાનો બાળક હતો તો પણ શોલૂન્ગોએ જાદૂટોણાં કરીને કાલામાનને વશમાં કરેલો, અને એને જાતીય રમતોમાં જોતરેલો. એ જ શોલૂન્ગોએ કાલામાનને પોતાનું રહસ્ય જાણવા ઉત્સુક કરેલો. પણ પછી કેટલોક સમય માટે શોલૂન્ગો સોમાલિયા છોડી અમેરિકા જતી રહે છે. ત્યાં લગ્ન કરે છે અને ફરી મોગાડિશુ પાછી ફરે છે. કદાચ એ પ્રાદેશિક સેનાને આર્થિક મદદ પણ પહોંચાડતી હોય. પણ શોલૂન્ગોનું મુખ્ય ધ્યેય તો સોમાલિયાના પુરુષોએ બળજબરીથી રચેલા એમના નિષેધોને તોડી પાડવાનું હતું, એમાં એ કાલામનના દાદા નોત્રોને પણ છોડતી નથી. આ બાજુ કાલામાન ધીમે ધીમે પિતાની શોધમાં આગળ વધે છે. વંશીય રમખાણોમાં રસ્તા વચ્ચે પડેલા મનુષ્યોના શબોની નજીકથી પસાર થવા છતાં કાલામાનનું ધ્યાન એ તરફ નથી. એ આરબાકો પાસે પહોંચે છે અને આરબાકો એને કેટલીક વ્યક્તિઓના નામ અને કેટલીક તારીખ આપે છે. આ ઉપરથી કાલામાન પોતા અંગેની વાત શોધી કાઢી લે છે. એની મા બનનારી સ્ત્રીના દુર્ભાગ્યની એ વાત હતી. એક પુરુષ ભૂખાળવો થઈને એની પાછળ પડી ખોટા લગ્નના પ્રમાણપત્ર દ્વારા સ્ત્રીને ફસાવે છે. આ પ્રમાણપત્રને જુગારમાં જીતી લઈને કોઈ બીજો પુરુષ સ્ત્રીને બ્લેકમેઇલ કરવા માંડે છે અને વર્ષોસુધી એ યુવાન સ્ત્રીને પોતાનો શિકાર બનાવે છે. આ પછી કોઈ એક સજ્જન એ યુવાન સ્ત્રીને છોડાવે છે એટલું જ નહીં એનો પતિ હોય, એના પુત્રનો પિતા હોય એમ એની સાથે ઘર માંડે છે પણ છેવટે કાલામાનને ખબર પડે છે કે એનો સાચો પિતા એને ક્યારેય મળવાનો જ નથી એ પોતે પોતાની મા ઉપર થયેલા સામૂહિક બળાત્કારનું ફરજંદ હતો. આમ, લોકોની વંશીય ઓળખ અને કાલામાનની પોતાની ઓળખ, એમ સમાન્તર ચાલતી પ્રવૃત્તિમાં અલબત્ત લોકોની વંશીય ઓળખ કરતાં જુદી રીતે, કોઈ ખૂન-ખરાબા કે દ્વેષ વગર કાલામાન પોતાની શોધ પૂરી કરે છે, એ આ નવલકથાનો કરુણ છતાં ઉદ્દામ સંદેશ છે.