રણ તો રેશમ રેશમ/પાંચસો વર્ષ પહેલાંના જોર્ડનની ઝલક : દાના

From Ekatra Wiki
Revision as of 15:15, 18 October 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૨૧) પાંચસો વર્ષ પહેલાના જોર્ડનની ઝલક : દાના
Ran to Resham 26.jpg

જોર્ડન તો જાણે ખીણોનો દેશ છે. રોજ અનેક ખીણોની મુલાકાત થાય. વાદી મુસા, વાદી મુજીબ, વાદી રમ, વાદી અસ્સીર, વાદી જદીદ, વાદી ફરાસા, વાદી મહાલીમ, વાદી મતાહી, વાદી નુમાઈર, વાદી સિયાઘ, વાદી અલ ઝર્રા, પછી હવે અમે વાદી દાનામાં નીચે ઊતરી રહ્યાં છીએ. શહેરોથી દૂર જતાં ગયાં તેમ તેમ ડુંગરાળ જમીન પર ફેલાયેલાં ખુલ્લાં મેદાનો વચ્ચેથી અમે પસાર થતાં રહ્યાં. મેદાનોમાં ક્યાંક વણજારાઓનાં ઝૂંપડાં તથા આસપાસ ચરતાં તેમનાં પશુઓ દેખાતાં હતાં. ક્યારેક નાનકડાં ગામડાં પણ દેખાય. ગામડાં સાવ સાદાં. એકેય જાજરમાન કે ખર્ચાળ ઇમારતો વિનાનાં હતાં. આવું જ ‘તફીલા’ નામનું એક ગામ છોડ્યા પછી અમે વાદી દાનામાં નીચે ઊતરી રહ્યાં છીએ. એક પણ વાહન સામું મળતું નથી. એક પણ મનુષ્ય પણ દેખાતો નથી. કોઈ નિર્જન વેરાનમાં પ્રવાસ કરતાં જાણે અમે સમય પારની કોઈ અલગ જ દુનિયામાં પ્રવેશી રહ્યાં છીએ! વાદી દાનામાં એક નાનકડું ગામડું છે, જે પાંચસો વર્ષ પહેલાં વસ્યું, ત્યાર પછી ત્યાં ખાસ કાંઈ જ બદલાયું નથી. આ ગામનું નામ પણ દાના જ છે. આ દાના વળી પાછી એક વધારે ઊંડી ખીણની ધાર ઉપર વસેલું છે. આ ખીણનું નામ છે : વાદી અરાબા. દાનામાં ઊભા રહીને આ અત્યંત ઊંડી ખીણ ઉપર નજર નાંખીએ, તો દૂર સુધી ફેલાયેલું અભયારણ્ય દેખાય. આ દાના નેચર રિઝર્વ જોર્ડનનો મોટામાં મોટો નેચર રિઝર્વ છે તથા આ સ્થળ જોર્ડનનું અતિ અગત્યનું ઇકો-ટુરિઝમનું મથક છે. આપણે મન વન એટલે ઊંચાં ઊંચાં ઘટાદાર વૃક્ષો, નદી, ઝરણાં તથા જળપ્રપાતોથી જીવંત એવી કોઈ જગ્યા. વળી કોઈ વિષુવવૃત્તીય વનમાં જાવ તો સૂરજનો પ્રકાશ પણ જમીન સુધી ન પહોંચે તેવાં અરણ્યો તથા દરિયા જેવી ઍમેઝોન નદીનાં દર્શન થાય, જ્યારે અહીં દાનાની કિનારી પર ઊભા રહીને વાદી અરાબામાં ફેલાયેલું જોર્ડનનું આ મોટામાં મોટું અરણ્ય નિહાળીએ, ત્યારે ખ્યાલ આવે કે, આપણે બાંધેલી તમામ વ્યાખ્યાઓ સાપેક્ષ હોય છે. અહીં રણપ્રદેશમાં અરણ્ય એટલે પથરીલા ઢોળાવો પર છૂટાંછવાયાં નીચાં વૃક્ષોની બિછાત. નવાઈની વાત તો એ છે કે, આટલા પાંખા પણ ૩૨૦ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા આ વનમાં પણ અસંખ્ય પ્રકારનાં પશુ-પંખી વસે છે. જેમકે, ૬૦૦ જાતની વનસ્પતિઓ, ૨૦૦ પ્રકારનાં પંખીઓ તથા ૪૦ પ્રકારનાં ચૌપગાં જનાવરો. દાનામાં એ તમામ વિશેની માહિતી આપતું એક નાનું મ્યુઝિયમ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે, મનુષ્યની જેમ દરેક સજીવમાં તીવ્ર જિજીવિષા હોય છે તથા પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીને અસ્તિત્વને ટકાવી રાખવાની વારસાગત આવડત હોય છે. અહીંનાં લાંબાં શિંગડાંવાળી બકરી જેવાં આઈબીસ નામનાં ચોપગાં જાનવર ઉપરાંત ભૂરી ગરોળીઓ વિશ્વવિખ્યાત છે. આ મ્યુઝિયમની સાથે એક દુકાન પણ હતી, જેમાં સ્થાનિક લોકકલાના નમૂનાઓ મળતા હતા. જોર્ડનની ચાંદી ઉપરની કલાકારીગરી વિખ્યાત છે. વસ્તુઓ ખૂબ મોંઘી હતી અને આપણે ત્યાંની કલાકારીગરીની સરખામણીમાં ખાસ આકર્ષક પણ ન લાગી. પણ અહીં ખાસ આસ્વાદ્ય તો હતું, અહીંનું સમયાતીત વાતાવરણ. પંદરમી સદીમાં શી રીતે અહીં પહેલવહેલો મનુષ્ય આવી પહોંચ્યો હશે? કેમ તેણે છેક અહીં વસવાનું પસંદ કર્યું હશે? શી રીતે દૂરદૂરની અજ્ઞાત જગ્યાઓએ ગામડાં વસ્યાં હશે? છેક ત્યારથી કેવી રીતે ઊંડી ઊંડી ખીણોમાં વિપરીત સંજોગો ઉપર વિજય મેળવીને લોકો આનંદપૂર્વક રહેતાં હશે? આવા પ્રશ્નોનો જવાબ મેળવવો હોય તો શહેરો તથા ઐતિહાસિક સ્થાપત્યોથી દૂરના દાના જેવા કોઈક અજાણ્યા ગામડાની મુલાકાત લેવી પડે. દાના ગામના નામે બે-ત્રણ સાંકડી ધૂમિલ ગલીઓની કોરે પીળા પથ્થરોની ચોરસ શિલાઓની બનેલી દીવાલોવાળાં ઘરો છે. લગભગ દરેક ઘરની આસપાસ ઘસાઈને ખરી પડેલા પથ્થરોના ઢગલા દેખાય. પડું પડું થતાં આવાં ઘરોમાં પણ લોક તો મસ્તીથી જીવતું જ દેખાય. મોટે ભાગે ઘરો પર્વતના ઢોળાવની ધાર પર વસેલાં હોય, એટલે જ્યાં જુઓ ત્યાંથી ઊંડી ખીણમાં વિસ્તરેલું ઝાંખું-પાંખું વન પણ દેખાયા જ કરે. અહીં જમીન કરતાં પણ વધારે આકાશનો મહિમા લાગ્યો. પ્રદૂષણમુક્ત સ્વચ્છ આકાશ, તેમાં વળી છૂટાંછવાયાં વાદળો આકાશની ભૂરાશને વધારે ઉપસાવતાં હોય તેવું લાગે. દાનામાં પર્વતની ધાર પર ઝળૂંબતી અગાશી પરથી સૂર્યોદય તથા સૂર્યાસ્ત જોવાનો મહિમા છે. ગામમાં વસતાં લોકોમાંથી બે-ત્રણ કુટુંબો, જેમની પાસે અન્યોની સરખામણીમાં જરાક મોટી જગ્યા છે, તેમણે ઘરમાં કે ઘરની આસપાસ જ વધારાના ઓરડા ઉતારીને સાદી હોટેલો બનાવી છે. સમય પારના વાતાવરણને અનુભવવા પ્રવાસીઓ અહીં આવીને રોકાય છે. નીચે ખીણમાં તથા તેમાં વિસ્તરેલા વનમાં ભમવા માટે અનેક રસ્તાઓ છે. ગામના સ્થાનિક યુવાનો જ ભોમિયા બનીને પ્રવાસીઓને એ કેડીઓ પર ફરવા લઈ જતા હોય છે. આ ટ્રેકમાંથી કેટલાક સહેલા અને ટૂંકા છે, તો કેટલાક ખૂબ અઘરા તથા લાંબા પણ છે. નીચેની ખીણમાં ઊંડે ગામથી તેરેક કિલોમીટર દૂર ૬૦૦૦ વર્ષ પહેલાંની ત્રાંબાની ખાણ પણ મળી આવેલી છે. કહેવાય છે કે, તે સમયની આ મોટામાં મોટી ખાણ હતી, જેનો ઉલ્લેખ બાઇબલમાં પણ કરાયો છે. ત્યાં સુધી પણ કેડીએ-કેડીએ ઢાળ ઊતરતાં જઈ શકાય છે. જોખમી રસ્તાઓ પર પણ ચાલનારાં પ્રવાસીઓની અહીં કોઈ કમી નથી! જોર્ડનના અન્ય સ્થળોની જેમ અહીં પણ લોકો મળતાવડા તથા હાર્દિક આતિથ્યસભર છે. જોર્ડનમાં જ્યાં જાવ, ત્યાં સ્થાનિક લોકો તમને ચા પીવા તથા વાતો કરવા અચૂક આવકારે. અહીં પ્રવાસીઓને આવકારવાનો આ શિરસ્તો તો છે જ. સાથે સાથે પ્રવાસીઓ પણ પોતાના આમંત્રણને માન આપી, તેમની સાથે હળેભળે તે સ્થાનિકોને ગમે છે. આખાય પ્રવાસ દરમિયાન આવા કેટલાક પ્રસંગો મળ્યા અને તે મધુર સંભારણાં બની ગયાં. દાનામાં સુલેમાન અને એની પત્ની આઝમાને ત્યાં ચા પીને ગપ્પાં માર્યાં, તે એમાંનું એક. આઝમાના ઘરની નાનકડી ડેલી જેવા પ્રવેશદ્વારમાંથી અંદર જાવ, એટલે ઘર-આંગણે એક ઊંચા વૃક્ષની આસપાસ ગુલાબના છોડ તથા થોડાક અન્ય ફૂલછોડથી શોભતો લીલોછમ્મ બગીચો સ્વાગત કરતો દેખાય. ઊંચા વૃક્ષની ફરતે ઓટલો બાંધેલો છે. વૃક્ષની છાયામાં નિરાંતે બેસી રહેવાનું મન થાય તેવું ત્યાંનું વાતાવરણ. નાનકડા એ બગીચાની સામે ફળિયાની સામે કોર એક સાંકડો દાદર દેખાય, જે પહેલે માળે એક અગાશી તથા હૉલ સુધી લઈ જાય. ઉપર જાવ એટલે જમણી બાજુ અગાશીમાં ઝૂંપડી જેવું સુલેમાનનું ઘર છે અને ડાબી તરફના મોટા હૉલમાં આગળના ભાગમાં સાદાં ટેબલ-ખુરશી મૂકીને તથા પાછળના ભાગમાં ભીંતેભીતે લંબાતા ઓટલા પર ગાદી-તકિયા મૂકીને રેસ્ટોરાં બનાવેલું છે. દાદર નીચે ડાબી તરફ એમનું રસોડું છે તથા હૉલની નીચેના ઓરડાઓમાં પ્રવાસીઓના ઉતારા બનાવાયા છે. આઝમા તથા સુલેમાને ખૂબ ભાવપૂર્વક અમને સૌને ચા પિવડાવી. અહીં સેજ નામની વનસ્પતિને તજ તથા અન્ય સુગંધી જડીબુટ્ટીઓને ઉકાળીને બનાવેલી જરાક વધારે મીઠી પણ દૂધ વગરની કાળી ચા પીવા-પિવડાવવાનો રિવાજ છે. મહેમાન આવે એટલે ઈનેમલની મોટી કીટલી ભરીને ચા ઉકાળવા મૂકી જ દેવાની. આઝમા હસમુખી હતી. એનો ચહેરો બેદૂઈન મહિલાઓ કરતાં સાવ જુદો હતો. આમ તો તે જરાય દેખાવડી ન કહી શકાય, પરંતુ તેનો હસમુખો ચહેરો તથા દિલના નિર્મળ ભાવ તેને રૂપાળી બનાવતા હતા. વાત કરતાં જાણવા મળ્યું કે તે જોર્ડનમાં જન્મેલી નહોતી. આઝમા તો ઇન્ડોનેશિયાથી કામ કરવા જોર્ડન આવેલી તેમાં આ ખીણમાં છેક નીચે વસેલા દાના ગામના સુલેમાનના પ્રેમમાં પડી ગઈ અને કાયમ માટે દાનામાં વસી ગઈ! અમે તૂટીફૂટી ભાષામાં ખૂબ વાતો કરી. તેની સાથે ફોટા પડાવ્યા. એ લોકોના રસોડામાં એક બીજી સ્ત્રી પણ હતી. સુલેમાનની બીજી પત્ની હશે? નહીં હોય કદાચ! પૂછ્યું તો નહીં, પણ અમે એને પણ ફોટા પડાવવા આમંત્રી. દાનામાં અમે એક સરકારી ગેસ્ટહાઉસ પણ જોયો. એના રૂમોની ગૅલેરીમાંથી ખીણનું સુંદર દૃશ્ય દેખાતું હતું. વળી ગામથી દૂર ખીણની ધાર પર એક દસ-બાર ટેન્ટવાળી કૅમ્પસાઇટ પણ અમે જોઈ. કૅમ્પસાઇટ પર ગરમાગરમ ભોજન અમારી રાહ જોઈ રહ્યું હતું. ભારતીય ભોજન તો અહીં ક્યાંથી મળે? પરંતુ શુદ્ધ શાકાહારી ખાવાનું રોજ મળી રહેતું હતું. અહીં ટામેટાં ખૂબ ઊગે છે, એટલે ટામેટાંના રસામાં નાખેલા સાંતળેલાં શાક લગભગ રોજ પીરસાતાં. બાકી હમૂસ, પીટ્ટા, સાલસા, ફલાફલ, ફળો, ભાત, સ્થાનિક ચટણીઓ વગેરેની મેળવણીમાં પોતપોતાની કલ્પનાશક્તિને કામે લગાડીને સ્વાદિષ્ટ ભોજન બનાવી લેવામાં અમારી ટોળકી હોશિયાર બની ગઈ હતી. ખરેખર તો એક ટીમ-સ્પિરિટ હતો, જે પ્રવાસની દરેકે દરેક ક્ષણને આનંદતરબોળ કરીને યાદગાર બનાવી દેતો હતો. હા, એ વાત પણ ખરી છે કે, પ્રવાસન ઉદ્યોગ અહીં ઝડપભેર વિકસી રહ્યો છે અને પ્રવાસીઓને વિસ્મયાંકિત કરી દેતાં અનેક આકર્ષણો અહીં હાજર છે.