ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/મિસર દેશ

From Ekatra Wiki
Revision as of 16:16, 7 May 2024 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


મહીપતરામ નીલકંઠ

મિસર દેશ





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • મિસર દેશ - મહીપતરામ નીલકંઠ • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ




કેરોમાં સવારે અમે ઊઠ્યા એટલે ખબર આવી કે અમારે ઝટ ઝટ નાસ્તો કરી આઠ વાગે આગની ગાડીમાં ચડવું છે. એથી શહેર તથા ત્યાંથી સાત ગાઉપર પિરામિડ નામે જૂના કાળની પ્રખ્યાત ઇમારતો છે તે જોવા જવાનો અમને વખત મળ્યો નહીં. કેરો મિસર દેશની રાજધાની છે. રાતે સુવાના તથા ખાવાના મળી દર માણસ પાસે રૂ. ૫) લીધા. મેં ત્યાંનું કાંઈ ખાધું નહીં, તોપણ એટલા જ રૂપિયા માટે આપવા પડ્યા. બધી હોટેલોમાં એવો જુલમી દર કે ધારો હોતો નથી. માર્ગમાં આસપાસનાં ખેતરો તથા ગામડાં અમે જોયાં. જમીન ગૂજરાતના જેવી સપાટ અને રસાળ દેખાતી હતી. ખેતીની નિશાની ચોતરફ જોવામાં આવતી અને દેખાવ રળિયામણો હતો. નીલ નદી અને તેની શાખાઓનાં પાણી ધીમે ધીમે વહેતાં હતાં, અને તડકાથી ચળકતાં હતાં. ગામડાનાં ઘરો માટીનાં બાંધેલાં હતાં, અને ગરીબ હાલતમાં જણાતાં હતાં. ઘણાં ઘરોને મથાળે ઢળતા પડાળનાં છાપરાં નહોતાં, પણ સપાટ માટીનાં છાજ જેવું હતું. એક ખેડૂતને એક મેર પાડો અને બીજી મેર નાનું ઊંટ જોડી ખેડતાં મેં જોયો. રસ્તે લોકો જતા આવતા હતા; તેમાંના કોઈ ગધેડા ઉપર અને કોઈ ખચર ઉપર બેઠા હતા. સ્ત્રીઓને મોઢે બુરખા હતા, માત્ર તેમની આંખો અને કપાળ ખુલ્લાં હતાં. રેલવેમાં બેસવાના પૈસા મળે નહીં માટે તે લોક એમ મુસાફરી કરતા હતા. તેમના પોશાકનો રંગ કાળો હતો, અને તે એવો હલકો હતો કે તેના પહેરનાર કંગાલ હાલતમાં હોય એવું લાગ્યું. મારી જોડે ગાડીમાં બેઠા હતા તેમના બોલવામાંથી એવું નીકળ્યું કે મિસર દેશનો પાદશાહ બિચારા ખેડૂતોને ઘણા જ નીચોવે છે, તેમની મહેનતનાં ફળમાંથી તેમને સુખે ખાવા જેટલું પણ બરાબર રહેવા દેતો નથી. મોટાં શહેરોમાં પૈસાદાર લોકો છે, પણ ગામડાના લોક છેક નિર્ધન અને દુખીઆ છે. આગળ ચાલતાં રેતીનું મેદાન આવ્યું. તેથી સર્વે બહુ જ હેરાન થયા. ધૂળ અને રેતીથી આકાશ છવાઈ ગયું, અને તેના હુમલાથી અમારાં નાક અને આંખોનો બચાવ મુશ્કેલીએ કરી શક્યા. પવનનું જોર ઘણીવાર રહ્યું, તેથી કાયર કાયર થઈ ગયા. પાછલે પહોરે વરસાદ આવ્યો ને તોફાન નરમ પડવા માંડ્યું. સાંજે અમે સિકંદ્રિયામાં પહોંચ્યા. માર્સેલ્સની રાહે જનારાની આગબોટ તૈયાર હતી, તેથી તેમને પાધરા તેમાં ચડાવી દીધા, ને હું તથા બીજા સાઉધામ્પટનને માર્ગે જનારા હોટેલમાં ગયા. મોટા સિકંદર પાદશાહના વસાવેલા આ પ્રખ્યાત શહેર વિષે મારા મનમાં ઘણા વિચાર આવ્યા તેથી પોણી રાત જાગતાં કહાડી. બીજે દહાડે પાછલે પહોરે પાંચ વાગતાં સાઉધામ્પટનની આગબોટ ઉપડવાની હતી તેથી તે દહાડો અમને શહેર જોવાને મળ્યો. સિકંદ્રિયા શહેર મોટું નથી પણ સ્વચ્છ ને ભભકાદાર તથા શોભિતાં ઘરોએ તથા દુકાનોએ ભરેલું છે. ઇમારતોની બાંધણીની તરેહ વિલાયતી છે. દુકાનોની રચના સુંદર છે. શહેરની આસપાસ સારી વાડીઓ છે. અહીંનું બંદર વગવાળું છે ને હમેશ વહાણોએ ભરેલું રહે છે. બે હજાર વરસ ઉપર અથવા કદાપિ તેની અગાઉ બાંધેલા બે કીર્તિસ્તંભ મેં જોયા. એકનો આકાર સોયના જેવો છે, તેથી તેને “સોયમિનાર” કહે છે. અને બીજાનું નામ “પૉમ્પીમિનાર” છે. એવું કહેવાય છે કે, ઇટાલીના અસલના રૂમ શહેરનો નામચો સરદાર પૉમ્પી કરીને હતો. તેની યાદગીરીને માટે બાંધ્યો. સોયમિનાર મિસર દેશની ક્લિઓપેટ્રા રાણીની નામનાને માટે છે, એવું કહેવાય છે. એ મિનારા ઊંચા અને મજબૂત છે, ને નવાઈ એ છે કે તેઓ આખા સલંગ પત્થરના છે. એ મોટા પથરા કેમ લાવ્યા હશે ને શી તદબીરથી ઊભા કર્યા હશે તે હાલના વિદ્વાન શિલ્પશાસ્ત્રીઓના સમજવામાં પૂરું આવતું નથી. સૌથી ખુશકારી અને આશ્ચર્ય પમાડનારી ઇમારત પાદશાહનો મહેલ છે. એ હાલ તરતનો બાંધેલો છે. એને શણગારવામાં અને સુખદાયક કરવામાં કાંઈ જ કસર કરી નથી. એનાં દીવાનખાનાં, બેઠકો, સુવાના ઓરડા, અને બીજા ભાગો એવા ખૂબસુરત છે કે હું જોઈને દંગ થઈ ગયો! એનો સામાન શું સુંદર અને કીમતી છે!! ભૂમિ ઉપર પાથરેલા ગાલીચા ચીનાઈ મખમલ જેવા સારા છે. જેમની મેહેનતનો પૈસો એમાં વપરાયો છે, તે બાપડાઓને ઓઢવા પાથરવાને તળાઈ ગોદડાં મળતાં નથી, ને બેસવાને સાદડી પણ નથી. મિસર દેશના લોક મુસલમાની ધર્મ માને છે; અને પોતાના સરકારની ગુલામગીરીમાં છે, એટલે પાદશાહના અખત્યાર ઉપર રૈયતની શેહ નથી. પાદશાહની મરજીમાં આવે તેમ કરે, લોકનું તેના ઉપર કાંઈ જ ચલણ નથી. તેથી જબરજસ્તીથી માલ લેવો, માર મારવો, વગર તજવીજે તથા વગર ગુન્હે કેદ કરવા, લોકોને પૂછ્યા વગર કર લેવા, વગેરે જુલમી રાજરીતિના બીજા જંગલી ધારા ચાલે છે. પાદશાહ અસલ પરદેશી, પણ હાલ તો એજ દેશમાં રહે છે, તેથી લોકોનું છીનવી લીધેલું ધન તેમનામાં જ ખરચાય છે એટલું ઠીક છે. પાદશાહ, તેના અમલદારો તથા અમીરો તુર્ક લોક છે, તેઓ અંગ્રેજ લોકના જેવા સુધરેલા અને શાણા નથી, ને આળસુ ઘણા છે. તેથી રાજ કરવામાં ન્યાય તથા દયાનો ઉપયોગ થોડો જ કરે છે. તેઓ લોકોના ભલા ઉપર ધ્યાન આપતા નથી.

૫. તા. ૧૩મી એપ્રિલે અમે યુકસાઈન નામે આગબોટમાં બેસી સાંજરે ભૂમધ્યસમુદ્રમાં પેઠા. એ વખતે ઠંડો પવન વાતો હતો તથા દરીઓ ઉછળતો હતો; મને તથા મારા ભટને ફેર આવવા લાગ્યા, તથા દરીઓ લાગ્યાની બીજી નિશાનીઓ જણાઈ, તેથી અમે પાધરા સૂઈ ગયા, ને ભરનિદ્રામાં રાત કહાડી. બીજે દહાડે મારા જીવને પાછું સુખ થવા લાગ્યું ત્રીજે દહાડે તો પવન નરમ પડ્યો, અને અમે બંને સારા થયા. એ દહાડે ઝાઝ એટલું સ્થિર ચાલતું હતું કે ઉભા રહીને મારી મેળે મારી દાઢી બોડતાં મને જરા પણ આંચકો લાગ્યો નહિ. જોઈએ તેવી ગરમી પડતી હતી, ને હું ફેરા ફરીને કસરત કરી શકતો હતો, વહાણના કપ્તાન, તથા દાક્તર, તથા ઉતારૂઓ જોડે મારે ઘણી વાર વાતચીત થતી હતી, ને વાંચવાને સારાં પુસ્તકો હતાં તેથી અણગમો થતો નહિ. કોઈ કોઈ વહાણ જતાં આવતાં જણાતાં હતાં; મોટી બિહામણી માછલીઓ પણ વખતે રાણીને મથાળે આવતી હતી. આ દરીઆમાં ભરતી ઓટ થતી નથી.

૬. તા. ૧૭મીની રાતના ૧૨ કલાકે અમે માલ્ટે પહોંચ્યા. બીજે દહાડે સવારે હું તે જોવા ગયો. યુરોપનું પહેલું શહેર એ જ મેં જોયું. માલ્ટા નાનો સરખો દરીઆથી ચોમેર ઘેરાએલો પર્વત છે. અહીં વહાણને ઊભાં રહેવાની જગા સારી છે. અંગ્રેજ સરકારનાં થોડાંક લડાઈનાં વહાણ અહીં જાથુ રહે છે. એ બેટ અંગ્રેજ સરકારના કબજામાં છે. શેહેરની બાંધણી સારી જોવાલાયક છે. ઘરો મોટાં અને શોભિતાં છે. રસ્તા પણ સાફ રાખે છે. “સેંટજૉનનું” દેવળ, નામે એક મોટી ઇમારત મેં જોઈ. એવડી મોટી ઇમારત આગળ મારા જોવામાં આવી નહોતી. માંહેનો ભાગ સુંદર છે. આગળના વખતમાં ખ્રિસ્તી અને મુસલમાન લોકો વચ્ચે લડાઈ ચાલતી હતી. તેની યાદની ઘણીક નિશાનીઓ જેવી કે ચિત્રો, પૂતળાં વગેરે છે. આપણાં દેરાં કે મંદિરોમાં ને એમાં ઘણો ફેર છે. ખ્રિસ્તીઓનાં દેવળો આપણા દેશમાં છે તેજ તરેહનું એ છે. એમાં ઈસુખ્રિસ્ત તથા તેની મા નામે મરીઅમની કેટલીએક સુંદર મૂર્તિઓ તથા સોહામણી છબીઓ છે. બીજો સામાન પણ ઘણો ને સુશોભિત છે. માથે પાઘડી કે ટોપી સાથે એમાં પેસવા દેતા નથી તેથી માંહે ફરતી વેળા મારી પાઘડી મારે હાથમાં રાખવી પડી; માલ્ટાના ગવર્નરનો મહેલ છે તે પણ જોવા યોગ્ય છે. જૂના વખતનાં બખતરો તથા હથિયારો અહીં રાખેલાં છે. “ક્રુઝેડ” નામે લડાઈના ઇતિહાસથી જેઓ જાણીતા હશે તેમને ઉપલી બંને ઇમારતો તથા તેમાંની ચીજો મનોરંજક લાગશે. બજારની દુકાનો પણ શોભિતી છે. અહીંની નારંગી મને ઘણી જ મીઠી લાગી. મહોલ્લાઓમાં કોઈ કોઈ ઠેકાણે મેં કેટલાક માણસોને સગડીઓમાં કાંઈ શેકતાં ને ઉકાળતાં જોયા. મારા ભોમીઆએ કહ્યું કે તેઓ વેચવાને બુંદ શેકે છે ને ઉકાળે છે. માલ્ટાના લોકોની બોલી અરબી, તુર્કી અને ઇટાલિયન ભાષાઓ મળીને થઈ છે. પણ ત્યાં અંગ્રેજી બોલનારા ઘણા માણસો છે. બપોર પહેલાં અમે માલ્ટા છોડ્યું.

૭. તા. ૨૦મીએ મોટું તોફાન થયું. પવનનું જોર ઘણું વધ્યું ને પાણીથી છાલકો બહુ ઊંચી ઉછળવા લાગી. બંને બાજુઓથી આગબોટમાં પાણી આવતાં હતાં, ને તેના અફળાવાથી તથા પવનના ઘુઘવાટાથી ભયંકર અવાજ થતા હતા. બીછાનામાં અમારાથી સ્થિર સુવાય પણ નહિ; એક મેર ગબડીએ, વળી બીજી મેર ગબડીએ. કોઈ કોઈ વાર વહાણ એટલું વાંકું થાય કે જાણે હમણાં સૂઈ જશે. પાછલે પહોરે જરા નરમ પડ્યું, પણ આખી રાત વહાણ ઘણું ડોલતું હતું તેથી સુખે ઊંઘાયું નહિ. દહાડો ને રાત દુઃખમાં કાઢ્યાં. મારા ભટજીનો જીવ ચુંથાઈ ગયો ને બહુ હેરાન થયો. બીજે દિવસે વ્હાણે વાએ વળી પવનનું જોર વધ્યું ને આખો દહાડો જારી રહ્યું પણ સમુદ્ર તેટલો ઉછળતો નહોતો. રાતે બધું શમી ગયું. મેં ઝાઝના માણસને કહ્યું કે એ તોફાન ભારી હતું, ત્યારે તેઓ હસીને બોલ્યા કે એ તો અમારી ગણતીમાં પણ નથી; એવી લપટ ઝપટને અમે તોફાન નથી કહેતા. મહાસાગરોમાં જે મોટાં તોફાન થાય છે તેની આગળ એ કાંઈ નથી. મને આ બોલવું જરા પતરાજી ભરેલું લાગ્યું, પણ કેવળ ખોટું નહિ હશે. હવે મને ટાઢ જણાવા લાગી, પણ તેની જોડે તન્દુરસ્તી વધતી ગઈ. સ્પેન દેશના પર્વતોના બરફથી ઢંકાએલાં શિખરો દીસવા માંડ્યાં. ને આસપાસ વહાણો ઘણાં દેખાતાં હતાં

[ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન, ૧૮૬૨]