બાળ કાવ્ય સંપદા/વાવણી

વાવણી

લેખક : પ્રહ્લાદ પારેખ
(1912-1962)

હાલો મારા શામળા ને હાલો મારા ધોળિયા,

આકાશે આવ્યો પેલો મેહુલો જો !
હાલો...



તારા તે રંગ કેરો મેહુલો છે, શામળા !

ને તારા તે રંગ કેરી વીજ અલ્યા ધોળિયા !
હાલો...



વાંકી છટાએ આવ્યો ડુંગરાની ધારે એ તો,
ઘેરી ઘટાએ આવ્યો ખેતરને આરે મારે;
ગઢને તે કાંગરેથી બોલાવે મોરલા ને,

માટીની સોડમ દેતી સાદ, અલ્યા શામળા !
હાલો...



સૂકી આ ધરતી માથે, જઈને ત્રણે સંગાથે,
કરવી છે લીલમવરણી ભાત;
મારા આ આયખાની સૂકી ને લીલીમાં છે

ધરતી ને ધોરીનો સંગાથ, અલ્યા ધોળિયા !
હાલો...