રણજિતરામ ગદ્યસંચય – ૧/ઈસુનુ વર્ષ ૧૯૦૮
માનવજીવનના ઇતિહાસ પંચાંગોથી નથી ઘડાતા તોપણ એક વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી હોય તો ભવિષ્યમાં તવારીખ- નવેશનું કામ સરળ થઈ જાય. ગુજરાત પોતાની પ્રવૃત્તિનું સરવૈયું કાઢે તો અનેકધા લાભ થવાનો સંભવ છે.
ગયા વર્ષથી ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કરવાની જે પ્રથા આ માસિક ‘જ્ઞાનસુધા’માં શરૂ થઈ છે તેને અન્વયે, મુખ્ય ઉદ્દેશને સહેજ વિસ્તારી આ લેખ લખવામાં આવ્યો છે.
આવો લેખ લખવાનાં સાધનો[1]મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી. સરકારી ત્રિમાસિક રિપોર્ટોમાં પુસ્તકોની નામાવલી ઘણી મોડી છપાય છે; વળી ‘રજિસ્ટર’ કરવા ન મોકલેલાં તેમજ દેશી રાજ્યોમાં પ્રકટ થયેલા ગ્રંથો તેમાં નોંધાતા નથી, એટલે આવો લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વાંચકોને વિનંતી છે.
જેવું જીવન તેવું સાહિત્ય. જીવનમાં વહેતાં બળોનો પ્રભાવ સાહિત્યમાં અંકાય છે. એટલે એ બળો વિષે કાંઈક જાણવું અવશ્યનું થાય છે. મનુષ્યોના ઐહિક અને આમુષ્મિક અર્થો સિદ્ધ કરવા નાના પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે, અને એ પ્રવૃત્તિઓમાંથી જન્મતાં બળો માનવજીવન ઘડે છે. ધર્મ, સંસાર, રાજ્ય આદિ પરત્વે થતી પ્રક્ષોભણા – મંથનના પડઘા સાહિત્યમાં સંભળાય છે યા તો તેમનો પટ સાહિત્યને બેસે છે.
ધર્મ પરત્વે ખ્રિસ્તી પાદરીઓને લીધે જે પ્રક્ષોભણ થયું હતું તે બહારથી શમ્યું છે, પણ અંતર પ્રક્ષોભણા શરૂ થઈ ચૂકી છે. પાદરીઓ અને તેમનાં કામ તરફ અણગમો ફેલાતો જોવામાં આવે છે. આ અણગમો બતાવતી વખતે તેમણે ફેલાવેલી કેળવણી અને આણેલી ધાર્મિક જાગૃતિ વીસરી ન જવી જોઈએ. કન્યાકેળવણી માટે તેમ જ સસ્તે દરે માધ્યમિક અને ઊંચી કેળવણી આપવા એમણે ઓછું કર્યું નથી. ગુજરાતમાં રેવરંડ એંડ્રુઝ કે મૅકનીકોલ જેવા પાદરીઓ આવશે તો આ અણગમો ઘટવાનો સંભવ છે.
પ્રાર્થનાસમાજના અનુયાયીઓએ ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરવામાં સારો ફાળો આપ્યો છે. બંગાળની બ્રાહ્મસમાજ અને મુંબઈના પ્રાર્થનાસમાજમાં તેવું ચેતન સ્ફૂરતું જણાય છે. એ ચેતનના પ્રભાવ નીચે ગુજરાતની પ્રાર્થનાસમાજ પણ આવશે. ‘જ્ઞાનસુધા’ આ પંથનું માસિક છે.
કાઠિયાવાડમાં જન્મેલા દયાનંદ સરસ્વતી પંજાબમાં નવું જીવન લાવી શક્યા. ગુજરાત હજુ એમના સિદ્ધાંતોની મૂલવણી કરી શક્યું નથી. સુરત જિલ્લાના ગામડામાં નવી શક્તિ, નવી દૃષ્ટિ આર્યસમાજથી આવી છે.
આર્યસમાજમાં હિંદીપ્રજાનું ઐક્ય કરવાની શક્તિ છે. હિન્દુ, મુસલમાન, પારસીને એ પંથમાં આદરસત્કારથી લેવાય છે. મિ. ખબરદાર એ પંથના કવિ છે. શાસ્ત્રાર્થની વિતંડા એ પંથ છોડી દે તો ઘણું કરી શકે. આ પંથ તરફથી મુંબઈમાં એક સાપ્તાહિક નીકળે છે.
પરમહંસ રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના શિષ્યો ગુજરાતમાં હશે તો તે છૂટાછવાયા છે.
યુરોપ અમેરિકાથી આવેલા બ્લાવટસ્કી અને ઓલ્કોટે સ્થાપેલી ‘થિયોસોફિકલ સોસાયટી’ સુરત અને કાઠિયાવાડમાં પ્રબળ છે. ધર્મશિક્ષણ અને જ્ઞાનપ્રસારણ માટે હિંદમાં બીજે તેમ આપણે ત્યાં એ મંડળ તરફથી પ્રયાસ થાય છે. એ મંડળના અનુયાયીઓ તરફથી સાહિત્યસેવા પણ થાય છે. એ મંડળના સિદ્ધાંતોનું પ્રતિપાદન જેમાં કર્યું હોય એવા અંગ્રેજી ગ્રંથોનાં ભાષાંતર તેમજ એ સિદ્ધાંતો ચર્ચતા સ્વતંત્ર ગ્રંથો દર વર્ષે ગુજરાતના ‘થિયોસોફીસ્ટો’ તરફથી પ્રગટ થાય છે. રા. મણિલાલ નથુભાઈ દોશીએ એ પંથના સાહિત્યમાં એક સ્વતંત્ર પુસ્તક લખી વધારો કર્યો છે. પ્રો. મણિલાલનું ‘સુદર્શન’ અને સુરતમાં નીકળતું ‘જિજ્ઞાસુ’ એ પંથનાં વાજિંત્રો છે. અગાઉ એ મંડળ તરફ યુવાન વર્ગ જેટલો આકર્ષાતો હતો તેટલો હાલ આકર્ષાતો નથી. પારસીઓમાં એ મંડળના સિદ્ધાંતો પ્રસરતા જાય છે.
હવે વડોદરા અને બીલખામાં ચાલતા સંપ્રદાયો – શ્રીમન્નૃસિંહાચાર્ય અને શ્રીમન્નથુરામ શર્માએ પ્રચલિત કરેલા સંપ્રદાયોની પ્રવૃત્તિ નિહાળીએ.
શ્રીમન્નૃસિંહાચાર્યે પ્રકટાવેલી સાહિત્યધારા એમના અવસાન પછી સુકાઈ નથી પણ વિપુલ થતી જાય છે. ‘મહાકાલ’, ‘પ્રાતઃકાલ’, ‘યમદંડ’, ‘ધર્મધ્વજ’, ‘ભક્ત’ આદિ એ સંપ્રદાયનાં વાજિંત્રો છે. ખ્રિસ્તીઓની માફક પોતાના સિદ્ધાંતો સરળતાથી ફેલાવવા અને પોતાની ભાવનાનુસાર ગુજરાતનું જીવન ફેરવાય એવી જોગવાઈ ઉપજાવવા નાના પ્રકારના ગ્રંથો શ્રી શ્રેયઃસાધક વર્ગ તરફથી વખતોવખત બહાર પડે છે. વર્ષમાં એ મંડળના સર્વે અનુયાયીઓ બે વખત એકત્ર થાય છે. આ સમારંભોના પ્રસંગે થયેલાં ભાષણો અને ભજનો સંગ્રહાઈ પ્રકટ કરવામાં આવે છે. પ્રો. મણિલાલના મરણ પછી પર્યેષક ચર્ચા ગુજરાતમાં મોળી પડી ગઈ છે, તોપણ શ્રેયઃસાધકો તરફથી એ દિશામાં વિવેચનો અવારનવાર થયાં જાય છે. પ્રો. જેકીસનદાસ કણીઆ અને રા. રા. નર્મદાશંકર દેવશંકર જેવા દાર્શનિક એ મંડળમાં છે. એ મંડળને અમેરિકાના એમના જેવા જ ઉદ્દેશવાળાં મંડળો સાથે સંબંધ છે.
દરેક નવા પંથમાં આદ્ય શિષ્યાઓ સારી સેવા બજાવે છે. વિધવાઓના ઉદ્ધાર સારુ અને સ્ત્રીશિક્ષણ માટે જેવા પ્રયાસો બંગાળ, મદ્રાસ, મહારાષ્ટ્ર કે પંજાબમાં થયા છે તેવા ગુજરાતમાં કરવા તેઓ ઉદ્યુક્ત થયાં છે.
આપણા દેશમાં હાલમાં ઘુમતાં નવાં રાજકીય કે સાંસારિક બળોને ઉત્તેજન કે પોષણ આ પંથમાંથી મળશે તો વલ્લભ કે સ્વામિનારાયણના સંપ્રદાય જેવું એનું જીવન નહીં થાય.
બીલખાના આનંદાશ્રમ તરફથી ‘ઉપદેશ ગ્રંથાવલિ’ નામે ચોપાનિયું દર મહિને બહાર પડે છે. ઉપનિષદ્, ગીતા, યોગના ગ્રંથો વગેરે વગેરેનાં રહસ્ય પણ પ્રગટ થાય છે.
આ બન્ને પંથોમાં નવું કાંઈ નથી, જૂનું છે તે ફરી કહેવામાં આવે છે. જડ થયેલા પંથોમાંથી નીકળી આ નવા – નવા એટલે જડ નહીં એવા – પંથમાં ભળે છે. સામાજિક સુધારણા પરત્વે એ પંથોની દૃષ્ટિ ઉદાર છે.
જૂના સંપ્રદાયોમાં પણ દેશમાં થયેલી જાગૃતિના પડઘા સંભળાય છે. વૈષ્ણવો પોતાની પરિષદ ભરે છે, હજુ એ મંડળ તરફથી પોતાના સંપ્રદાયના ગ્રંથોની પ્રસિદ્ધિ, તેમના તરજુમા, વગેરે થવું જોઈએ તેવું થયું નથી; આચાર્યોની કેળવણી અને પૈસા ખરચવાની સત્તા વિશે ચર્ચા થઈ નિર્ણય થયા નથી; જમાનાને યોગ્ય એમનાં ક્રિયાકાંડમાં – મંદિરોમાં થવા જોઈતા સુધારા સૂચવાયા નથી; વગેરે વગેરે. સ્વામિનારાયણ અને શંકરાચાર્ય વચ્ચે થયેલા ઝઘડાની સલાહસંપથી પતાવટ થઈ ગઈ છે અને નાહકનું ઊભું થયેલું ધતિંગ જતું રહ્યું છે. એ પંથોમાં હજુ જાગૃતિ આવી લાગતી નથી. ‘સનાતન ધર્મ મહામંડળ’ જેવી સંસ્થાના વક્તાઓ, સંન્યાસીઓ વગેરે તરફથી લોકોને તેમનો ધર્મ સમજાવવા અથવા પોતાની વિદ્વત્તા પ્રદર્શિત કરવા વ્યાખ્યાનો થયાં જાય છે. બાહ્ય આઘાતોથી તેમ જ રાજકીય ભીંસથી સનાતનીઓના મમત અને અંધશ્રદ્ધા છૂટશે અને વિવેકબુદ્ધિનો ઉપયોગ વધશે એવું લાગે છે.
દિવસે દિવસે ભગવદ્ગીતાનો પ્રચાર અધિકાધિક વધતો જાય છે, અનેક દૃષ્ટિબિંદુથી તેનાં ભાષાંતરો થાય છે, તેના પર વિવેચનો થાય છે, નાનાવિધની તેની આવૃત્તિઓ પણ કઢાય છે. રા. અનંતપ્રસાદ ત્રિકમલાલનું રામાનુજાનુયાયી ભાષાંતર ગયે વર્ષે બહાર પડ્યું છે. રાધનપુરના માજી દીવાન પોતાની જિંદગીનો નમતો પહોર કથાકીર્તનમાં ગાળે છે. ‘આનંદ’ નામનું માસિક પણ એમના લેખોથી ભરાય છે.
ધર્મગ્રંથો અમુક ભાષામાં જ વાંચવા જોઈએ એમ નથી. તેમાં સમાયેલા વિચારો દરેક જણને પોતાની જન્મભાષામાં પ્રાપ્ત થાય તો જ તે વિચારો સમજી આચારમાં ઉતારી સંસાર સાર્થક કરી શકાય. પદ્યબંધ ભાષાંતર પંડિત ગટુલાલજી તેમ જ બીજાઓ તરફથી થયું હતું. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો દેહ પડ્યો ત્યારે એમનું કરેલું પદ્યબંધ ભાષાંતર પ્રેસમાં હતું, અને જાહેરખબર ઉપરથી જણાય છે કે થોડા વખતમાં રા. નાનાલાલ દ. કવિ ગીતાનું સમશ્લોકી ભાષાંતર બહાર પાડનાર છે.
ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે ગ્રંથપ્રસિદ્ધિ એ ઉત્તમ સાધન છે એવું એ પંથના અનુયાયીઓ માને છે અને તે સારુ અઢળક દ્રવ્ય ખર્ચે છે. આર્યધર્મ શાસ્ત્રો પણ એવી જ રીતે ગુજરાતમાં પ્રચાર પામે એવા સ્તુત્ય ઉદ્દેશથી ભિક્ષુ અખંડાનંદે ‘સસ્તું સાહિત્ય વર્ધક મિત્રમંડળ’ સ્થાપ્યું છે. ત્રણ આનાના જૂજ મૂલ્યે ‘ભગવદ્ગીતા’ મળી શકે એવી આવૃત્તિ એ મંડળે છપાવી છે. એક સાપ્તાહિક પત્રમાં જે આરોપો અને નિંદા એ મંડળ ઉપર વર્ષાવવામાં આવ્યાં હતાં તે તદ્દન અયોગ્ય અને અનુચિત હતાં. એમની યોજના વાંચી વિચારી જવા દરેક દેશી જનને અમારી વિનંતિ છે, અને યથાશક્તિ, યથામતિ એ યોજનાને ઉત્તેજન આપવાથી દેશને અનેકવિધનો લાભ થવાનો સંભવ છે.
ધર્મ – રાજ્ય – સંસારના મહાપ્રશ્નોના નિરાકરણ કરવામાં અનેક રીતે ભગવદ્ગીતા સહાયભૂત થશે એવી દૃઢ પ્રતીતિ જનસમાજમાં ફેલાતી જાય છે.
જૈનોમાં પણ ધર્મજાગૃતિ થઈ છે. અનેક સ્થળે સભાઓ સ્થપાઈ છે, પ્રાચીન ગ્રંથો છપાય છે, ગુજરાતીમાં ભાષાંતરો થાય છે, ધાર્મિક વિધિઓ બરાબર પાળી શકાય એટલા સારુ તેમના સંબંધી સરળ લખાણો થાય છે. મંદિરોના જીર્ણોદ્ધાર થાય છે, તેમ જીવનના ધર્મના જીર્ણોદ્ધાર કરવા પણ પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. શ્રીમદ્ રાજચંદ્રે પ્રગટાવેલા વિચારોના પડઘા ‘સનાતન જૈન’માં સંભળાય છે, અને જૈનસંઘમાં ઉદારતા, ગંભીરતા અને ઉચ્ચતા પ્રેરવા એ મહાનુભાવના અનુયાયીઓ મથે છે. સંઘના ત્રણ વિભાગને એકત્ર કરવા, ધર્મમાં વિવેકબુદ્ધિને પ્રવેશ આપવા, રાજ્ય – સંસારના પ્રશ્નોમાં લક્ષ આપવા ‘સનાતન જૈન’ પોકારી પોકારી પોતાના હમદીનોને જાગૃત કરે છે. એમનામાં સ્ત્રીકેળવણી વધે છે, પણ નારીપ્રતિષ્ઠા ઉન્નત કરવા વિચારણા થતી લાગતી નથી.
મુસલમાનોમાંથી પણ સુસ્તી ઊડી ગયેલી લાગે છે. અલીગઢ અને ઢાકાથી પ્રગટેલા વિચારપ્રવાહમાં યુગયુગની ચડેલી રજ ધોવાઈ જશે.
પારસીઓમાં પણ પોતાનો ધર્મ યથાર્થ સમજવા – સમજી તે મુજબ આચરવા – પ્રવૃત્તિ ચાલી રહી છે.
સર્વત્ર સ્ફૂરણ પેઠું છે – જાગૃતિનાં ચિહ્ન દૃષ્ટિને પથે ચડે છે.
ધર્મમંદિરોની ઊપજ સાર્વજનિક કામોમાં વાપરવા માટે વડોદરામાં સરકારી કાયદાથી સરળતા થઈ છે, અને બીજે લોકમતથી સરળતા થવાનો સંભવ છે.
બંગાળા કે મહારાષ્ટ્રમાં જેટલું રાજકીય વિષયોમાં ધ્યાન અપાય છે તેટલું ગુજરાતમાં અપાતું નથી. અર્ધા ઉપરાંત ગુજરાતમાં છૂટાંછવાયાં નાનાંમોટાં દેશી રાજ્યો છે. આ ‘સ્વરાજ્ય’માં રાજકીય ચળવળ જન્મી શકતી નથી. અમદાવાદ કે સુરતના રહેનારને જેટલી લાગણી બંગાળ કે પંજાબના લોકોના સુખદુઃખ માટે થાય છે તેટલી જૂનાગઢ કે ભાવનગરની રૈયતને એકબીજા સારુ નથી થતી. મુંબઈમાં જે પ્રતાપ કચ્છી, કાઠિયાવાડીઓ દાખવે છે તે ‘દેશ’માં બતાવી શકતા નથી. તોપણ સમગ્ર હિંદમાં ફરી વળતી રાજકીય ભરતીનાં મોજાં ગુજરાતમાં પણ ફરી વળ્યાં છે. વડોદરાના દેશાભિમાની નરેશ્વરે પોતાની રૈયતનું રાજકીય જીવન કેળવવા માંડ્યું છે. તે ઉપરાંત સુરતમાં ઈ. સ. ૧૯૦૭માં કૉંગ્રેસમંડપમાં અને બહાર જે દારુણ યુદ્ધ થયું તેની અસર ગુજરાતમાં થઈ. ગુજરાતમાં બે વખત કૉંગ્રેસ ભરાઈ; એક અમદાવાદમાં અને બીજી સુરતમાં. આ બે વખતે જણાયેલી લોકોની જાગૃતિમાં ઉત્સાહ—આગ્રહ—રસમાં આસમાન જમીનનો ફેર લાગે છે.
ગુજરાતમાં નેતા નથી : બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ વગેરે પ્રાંતોમાં છે તેવા નેતા નથી. મુંબઈમાં, અમદાવાદમાં કે દેશી રાજ્યોમાં બુદ્ધિશાળી ગુજરાતીઓ અનેકઘા દેશહિતનું કામ બજાવે છે. પણ ગુજરાતને દોરનાર નેતાઓની તો ખોટ જ છે. અમે સર્વે ગુજરાતી છીએ—હિંદુ, મુસલમાન, પારસી હોવા છતાં ગુજરાતી છીએ — એવી ભાવના જનેજનમાં જગાવે અને દક્ષિણી કે બંગાળીના જેવો પ્રતાપ ગુજરાતીઓ ગુજરાતમાં અને ખંડખંડના પરદેશનિવાસમાં બતાવે એવા એમને શક્તિમાન કરે એવા નેતાની આપણે ત્યાં ખોટ છે. હિંદુસ્તાનનાં વર્તમાન ભવિષ્ય ઘડવામાં અને તેને અંગે ઊભા થતા મહાપ્રશ્નો ઉકેલવામાં અમે પણ સામેલ છીએ. અમારામાં પણ એ સૌ સારુ જોઈતાં સામર્થ્ય, બુદ્ધિ, લાગણી, આગ્રહ અને ઉત્સાહ છે એવી આત્મશ્રદ્ધા ગુજરાતીઓમાં લાવનાર આચાર્યની જરૂર છે. હિન્દુસ્તાનને તુરતાતુરત ‘આર્થિક સ્વરાજ્ય’ અને ‘કેળવણીના સ્વરાજ્ય’ ની ખાસ જરૂર છે. વેપારી ગુજરાતના હાથમાં આર્થિક સ્વરાજ્ય મેળવવાનું છે. જે પ્રાંતના લગભગ પોણા ભાગ ઉપર દેશી હકૂમત છે, જે પ્રાંતની ચારે કૉલેજો લોકોને આધીન છે, અમદાવાદ, ગોધરા, ભરૂચ, સુરત સિવાયની, હાઈસ્કૂલો પણ એવી સ્થિતિમાં છે; પ્રાથમિક કેળવણી ગામેગામ ફેલાવવાનું કામ જ્યાં ઘણી સરળતાથી થઈ શકે એમ છે ત્યાં કેળવણી પણ લોકોના હાથમાં આવી તેમને ઉપયોગી થઈ પડે એવું સ્વરૂપ લઈ શકે એમ છે છતાં યોગ્ય નેતા–વિચારકોની બિનહયાતીને લીધે ગુજરાત પાછળ છે. આફ્રિકામાં ગોરાઓની સામે જંગ મચાવવામાં હિંદીઓને સેનાની જે પ્રાંતમાંથી મળી આવ્યો છે તે પ્રાંતમાંથી નેતા—વિચારક તેને પોતાને સારુ કેમ નથી જન્મતા? ગુજરાતમાં વિચાર કરી શકે એવા પુરુષો સરકારી યા રજવાડી નોકરીમાં છે. વેપારીઓ અસંસ્કારી અને અણકેળવાયેલા હોય છે એટલું જ નહીં પણ ધર્મની ઘેલછામાં એટલા બધા મશગૂલ રહે છે કે બીજી કોઈ પ્રવૃત્તિ તેમને રુચતી જ નથી. આનંદની વાત છે કે ઉદ્દામ અને વિનીત પક્ષના જન્મથી વેપારીઓની આંખ ઊઘડી છે.
આપણા વાનપ્રસ્થ થયેલા અનુભવી અધિકારીઓ (દીવાનો, ન્યાયાધીશો, મામલતદારો વગેરે) નિવૃત્ત થયેલા વકીલ, દાક્તરો, દેશસેવા કરવા કેમ ઉદ્યુક્ત નથી થતા? ફક્ત દી. બ. અંબાલાલ સા. દેસાઈ હાલ ગુજરાતની વિધવિધરંગી પ્રવૃત્તિમાં ભાગ લે છે. ગુજરાતમાં પૈસો છે, યૌવન છે, બુદ્ધિ છે, ફક્ત તેનો સદુપયોગ કરવાની જરૂર છે.
બંગાળની સર્વ પ્રવૃત્તિનું મૂળ જેમ કલકત્તા, મહારાષ્ટ્રની સર્વ પ્રવૃત્તિનું મૂળ જેમ પૂણા છે, તેમ ગુજરાત અને ગુજરાતીઓની સર્વ પ્રવૃત્તિનું મૂળસ્થાન અમદાવાદ થવું જોઈએ. સાહિત્યમાં અમદાવાદ જેમ અગ્રસ્થાન લેતું જાય છે. તેમ, રાજકીયાદિ વિષયોમાં પણ તેણે લેવું જોઈએ.
કુળ ઉજ્જ્વલ રાખવા સારી સંતતિ ઉછેરવાની માબાપોને જેટલી ફિકર અને કાળજી હોય છે તેનાથી વિશેષ ફિકર અને કાળજી નવા નેતાઓ ઉત્પન્ન કરવા માટે હાલના નેતાઓએ રાખવી જોઈએ.
ઉદ્દામ અને વિનીત પક્ષ વિશે રૂપકની ભાષા વાપરીએ તો ઉદ્દામ પક્ષ દેશનું હૃદય અને વિનીત પક્ષ દેશનું મગજ છે, એમ કહી શકાય. બન્નેના સાહચર્યથી ફાયદો છે – વિરોધથી નહીં. વ્યવહારનિપુણ ગુજરાતી બન્ને પક્ષની ભાવના અને કાર્યપદ્ધતિનાં સારાસાર તપાસી રુચતું જ સ્વીકારશે.
લૉર્ડ મોરલીએ કરવા ધારેલા રાજકીય સુધારાનો દેશને લાભ અપાવવો બન્ને પક્ષના હાથમાં છે. આ રીતે આરંભાયેલી રાજકીય પ્રવૃત્તિ ઉદાર નયવાન ગાયકવાડના રાજ્યમાં સારી વૃદ્ધિ પામી ગુજરાતનાં બીજાં દેશી રાજ્યોમાં ચાલતું અંધેર દૂર કરાવી પ્રતિનિધિ રાજ્ય—પ્રજાશાસક રાજ્ય—ચલાવવા ગુજરાતીઓને તાલીમ આપશે.
આફ્રિકામાં ગુજરાતીઓએ અતુલ વીરત્વ દાખવ્યું છે. સ્ત્રીઓએ પણ રજપુતાણી જેવું શૌર્ય દાખવ્યું છે. હિંદુ, મુસલમાન, પારસીઓએ એકત્ર થઈ ગુજરાતી નામ દીપાવ્યું છે.
રાજ્ય અને સંસાર સાથે સંબદ્ધ અર્થપ્રાપ્તિ અને શિક્ષણ વિશે થોડુંક વિચારીએ. કરાંચીથી મુંબઈ લગીનો દરિયો ગુજરાતીઓથી ઊભરાય છે; ઇંગ્લૅંડ, ફ્રાન્સ, આફ્રિકા, ચીન, જાપાન જાય છે તે તો જુદું. મુંબઈ અને અમદાવાદમાં વરાળયંત્રથી રૂની બનાવટ કરે છે. તેઓ અનેક નવા હુન્નરો ઉપજાવી દેશને આબાદી કરી શકે એવા છે. તેમની વૃત્તિ એ તરફ દોડી છે. જોઈતાં લાયકાત, કેળવણી અને સાધનો મેળવી તેઓ એ દિશામાં પ્રયાણ કરશે. સ્વદેશપ્રેમ અને પ્રામાણિકતાથી છલબલતાં હૈયાવાળાં મગજો જ્યારે એમાં પડશે ત્યારે જ સાફલ્ય મળશે.
ગયે વર્ષે બૅંકો, મિલોમાં વધારો થયો હતો તોપણ વેપાર અને હુન્નરઉદ્યોગ શી રીતે વધે તે વિશે હજુ જોઈએ તેવો ગુજરાતમાં વિચાર થયો નથી, અને થતો હોય એમ લાગતું નથી. વેપાર મહાજન [2] (Chamber of Commerce), ઔદ્યોગિક ને વ્યાપારી શિક્ષણ, ઉદ્યોગવેપારના ગ્રંથ, માસિકો, કાચા ને તૈયાર માલનાં સંગ્રહસ્થાનો, બૅંકો, વહાણો, રેલવે, ઇત્યાદિ અસ્તિત્વમાં લાવી, સાહસ—આગ્રહ—પ્રામાણિકતા—જ્ઞાન—ઉદ્યમશીલતા જગાવી, કેળવી અનેકવિધ આર્થિક ખીલવણી થઈ શકે. જાપાન, અમેરિકા ગયેલા દક્ષિણી, બંગાળીઓ કરતાં વિશેષ દેશપ્રેમી અને દેશોદય સારુ અભિલાષક પરદેશ ખેડતા ગુજરાતી વેપારી ક્યારે થશે? મરાઠી અને બંગાળીમાં પરદેશ ગયેલા દક્ષિણી કે બંગાળીઓ નાનાવિધના લેખ લખી પોતાના દેશભાઈઓને જાગૃત અને માહિતગાર કરે છે. આફ્રિકામાં મંડાયેલા કુરુક્ષેત્રનું મહાભારત કહેનાર કેમ કોઈ ગુજરાતી સૂતપુરાણી નીકળી નથી આવ્યો? વેપારી વર્ગ કેળવાશે ત્યારે જ ગુજરાતનું ભાગ્ય ઊઘડશે.
કેળવણીના મહાપ્રશ્ન વિશે આપણે ત્યાં છેક જ વિચાર – પ્રયત્ન થયા નથી એમ નથી. સરકારે જે ‘પ્રાથમિક કેળવણીની પદ્ધતિ દાખલ કરી તેમાં મર્હુમ માધવલાલ હરિલાલે સુધારો વધારો કર્યો; સાયન્સ અને હુન્નરનું જ્ઞાન આપવા પ્રો. ત્રિ. ક. ગજ્જરે વિચાર્યું અને એકલે હાથે દેશને એ જ્ઞાનનું અગત્ય સમજાવ્યું. ગાયકવાડ સરકાર અને મુંબઈના ધનાઢ્યોને લીધે કલાભવન, વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, ટાટા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આદિ સંસ્થાઓ હયાતીમાં આવી છે; મુંબઈમાં અને બીજે સ્થળે વેપારી કેળવણી આપવા શાળાઓ – વર્ગો ચલાવવામાં આવે છે, અને હાલના આપણા ના. ગવર્નરના આગ્રહને લીધે વેપારી કેળવણી આપવાની સારી યોજના થવાની વકી છે. એમના જ પ્રયાસથી સાયન્સનું પણ આપણને સંગીન જ્ઞાન મળશે એવી આશા છે. આપણા શ્રીમંતોએ ઉદારતાથી ના. ગવર્નરની સાયન્સ શીખવવાની યોજના વધાવી લીધી છે. પ્રો. ત્રિ. ક. ગજ્જરના સ્ત્રીકેળવણી વિશેના વિચારનું ફળ ‘સેવાસદન’માં પ્રત્યક્ષ થતું જાય છે. વડોદરાના શિક્ષકમંડળના વાર્ષિક સંમેલન સિવાય કેળવણી વિશે જાહેર ચર્ચા થતી નથી.
આમ છતાં પણ હજુ આ દિશામાં બહુ કરવાનું છે. સરકારી અથવા ખાનગી નોકરી મેળવવાની લાયકાત કેળવણીથી આવે છે એવું સામાન્યતઃ મનાય છે, અને એ જ હેતુથી માબાપો પોતાનાં બાળકોને કેળવે છે. કેળવણી લેવાથી જીવન ઉન્નત થાય છે, નાના પ્રકારના હુન્નર, ઉદ્યોગ, વેપાર થઈ શકે છે, ખીલવી શકાય છે, દેશનો અને જાતિનો ઉત્કર્ષ થાય છે વગેરે વગેરેનું ભાન લોકોને જરાયે નથી. એક ચીલો પડ્યો છે તે પર થઈને સૌ ચાલ્યા જાય છે, પણ તે રસ્તે જવાથી સૌને લાભ થશે કે હાનિ થશે તેનો ખ્યાલ નથી. માબાપોને કેળવણીનાં ઉદ્દેશ અને ભિન્ન ભિન્ન સ્વરૂપોની ખબર નથી. શિક્ષકો અને વિચારકોનું લક્ષ હજુ આ મહત્ત્વના પ્રશ્ન તરફ ખેંચાયું નથી. ધર્મગુરુઓ તો પોતે જ અભણ હોય, જ્ઞાનપ્રકાશની જ વિરુદ્ધ હોય ત્યાં તેમની પાસેથી આશા રાખવી નિરર્થક છે. પંજાબમાં આર્યસમાજે અત્રત્ય અને પાશ્ચાત્ય વિચારસરણીનો સંવાદ લાવે એવી કેળવણી આપવા ‘ગુરુકુળ’ નામની સંસ્થા સ્થાપી છે અને કલકત્તાની કૉલેજો ઉપર જ્યારે સરકારી કાયદાના યમદૂતો પાશ લઈ ફરી વળવા લાગ્યા ત્યારે ‘રાષ્ટ્રીય કેળવણી’ રૂપ પાર્ષદો બંગાળની કેળવણીને ‘રાષ્ટ્રીય યુનિવર્સિટી’ રૂપી વૈકુંઠમાં લઈ જવા ઉદ્યુક્ત થયા છે. ગુરુકુળ અને રાષ્ટ્રીય શાળાઓમાં શિક્ષણથી વિદ્યાર્થીઓના જીવન – વિચાર – પ્રવાહ અમુક રીતે વહેવડાવવાનો ઉદ્દેશ છે; એટલે એ ઉદ્દેશ સાધવા આવશ્યક એવા કેટલાક વિષયોને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું છે, પરંતુ આ દેશની વિવિધરંગી પ્રજાને વિવિધ પ્રકારની સંપૂર્ણ કેળવણી મળે એવી વ્યવસ્થા અથવા વિચારણા થઈ નથી.
ગુરુકુળની પદ્ધતિમાં ધાર્મિક અભ્યાસ મહત્ત્વનો લેખાય છે, રાષ્ટ્રીય કેળવણીમાં ઇતિહાસના અભ્યાસને એ સ્થાન અપાય છે. પરધર્મી અને પરદેશી રાજ્યકર્તા પોતાને આધીન વિવિધધર્મી પ્રજાને કેળવણી આપે ત્યારે સાંપ્રદાયિક શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન ન આપે એ વાજબી છે. આપણી નિશાળોમાં એવું શિક્ષણ અપાતું ન હોવાથી તે આપવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુરુકુળ જેવી અથવા આ દેશમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા સ્થપાયેલી શાળાઓની ઘાટી ઉપર કાઢેલી સંસ્થાઓમાં ‘ધાર્મિક શિક્ષણ’ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે; જૈનોની માફક સરકારી નિશાળોમાં વ્યતીત થતા કાળ ઉપરાંત અવકાશનો જે વખત બાળકોને મળે છે તેમાં ધાર્મિક–વ્યાવહારિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે; અલીગઢની મુસલમાન કૉલેજ કે કાશીની હિંદુ કૉલેજ જેવી સંસ્થાઓમાં એક જ ધર્મના અનુયાયીઓને શિક્ષણ આપી તેમનું ધર્મતેજ ઝળહળતું રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે યા તો હિંદુ ધર્મના સર્વ મતપંથને અનુકૂળ આવે એવાં સર્વમાન્ય તત્ત્વો હિંદુ શાસ્ત્રોમાંથી વીણી કાઢી ક્રમવાર પોથીઓ રચી શાળાઓમાં ચલાવવામાં આવે છે.
છેલ્લી પદ્ધતિ ‘થિયોસોફિકલ સોસાયટી’ ને લીધે પ્રચારમાં વધુ ને વધુ આવતી જાય છે. ગાયકવાડી રાજ્યમાં પણ એવો જ માર્ગ અખત્યાર કરવામાં આવ્યો છે. મુંબઈની આર્ય પ્રતિનિધિ સભા, બીલખાના આનંદાશ્રમ નિવાસી શ્રીમન્નથુરામ શર્માના શિષ્યો, દ્વારિકાના શંકરાચાર્ય આદિ તરફથી ગુજરાત-કાઠિયાવાડનાં તીર્થસ્થાનોમાં ‘ગુરુકુળ’ જેવી સંસ્થાઓ ઊભી કરવા પ્રયત્નો થાય છે. આર્યસમાજના ‘ગુરુકુળ’ માટે સારું ફંડ જમા થયું છે; મિસિસ એની બિસાંટની સૂચનાથી પારસીઓમાં પોતાની કૉલેજ સ્થાપવાનો વિચાર સ્ફૂર્યો છે; દ્વારિકાના શારદાપીઠના શિષ્યવર્ગ તરફથી નર્મદાતટે એક સંસ્થા ઊભી થઈ છે, એમ સાંભળવામાં આવ્યું છે.
આ બધી પ્રવૃત્તિના લાભ હશે, પણ પૃથ્વીની આગળ વધેલી અને વધતી પ્રજાઓની સાથે હરીફાઈમાં ઊતરી વિજયવંત થવા આ જાતની કેળવણી આપણને સમર્થ કરશે કે નહીં એ પ્રશ્ન તો ઊભો જ રહે છે. ધાર્મિક શિક્ષણ આપવાની સર્વે યોજનામાં ‘ધર્મના ઇતિહાસ’નું શિક્ષણ સામેલ રાખવું જોઈએ. દરેક સંપ્રદાયવાળાની પોતાના અનુયાયીઓને સંપ્રદાયના સિદ્ધાંત અને વિધિકર્મથી વાકેફ રાખવાની ફરજ છે. એ ફરજ અદા કરવા જૈનપદ્ધતિ અંગીકાર કરવી ઘટે છે.
ઇતિહાસનું શિક્ષણ આપણને હાલ ખાસ અગત્યનું છે; પરંતુ વેપારી અને હુન્નરબાજ ગુજરાતને એકલા એવા શિક્ષણથી પાલવે એમ નથી. સરળતાથી અને થોડા વખતમાં સમસ્ત ગુજરાતીઓને વાંચતાંલખતાં આવડે એવી કેળવણીની ઘણી જરૂર છે. વેપારી, ખેડૂત, મજૂર, સર્વેને તેની જરૂર છે. રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળે રાત્રિશાળાઓ સ્થપાઈ છે તે તેમ જ ભરૂચમાં નવાં સ્થપાતાં કારખાનાંઓમાં ઉઘાડવામાં આવેલી નિશાળો એ દિશામાં થયેલું પ્રયાણ સૂચવે છે. આ ઉપરાંત આપણે ત્યાં ધુરંધર વેપારીઓ પાકે, હોંશિયાર પ્રતિભાશાળી હુન્નરી નરો પેદા થાય; દેશી રાજ્યોની કે સરકારી અમલદારી કરી દેશોદય સાધે એવા ઉદાત્ત રાજપુરુષો કેળવાય, દેશી રાજ્યો ઉત્તમ રીતે ચલાવી પ્રજાનું સાહચર્ય મેળવી હિંદીઓમાં સ્વરાજ્ય ચલાવવાની શક્તિ કેળવે એવા ઉદાર રાજાઓ ઉત્પન્ન કરે, પ્રજાનો ધર્મ વિશુદ્ધ, પ્રખર અને ભાસ્વર રાખે એવા આચાર્યો બનાવે, આપણી લડાયક જાતોને માલિક સારુ લડવા હાલની યુદ્ધકળાથી વાકેફ કરે, આપણા ખલાસીઓને કેળવી જબરા વહાણવટી બનાવે, આપણા દેશમાં સાહિત્ય, ઇતિહાસ, ચિંતન, સાયન્સ, કળા, ધર્મ ફેલાવે–વધારે–ઘડે એવાં ચેતનનો વરસાદ વરસાવે, આપણી સ્ત્રીઓને જ્ઞાનસંપન્ન કરી તેમના જીવનમાં પ્રકાશ આણે અને આપણા દેશીઓને શરીરે અને હૃદયે આરોગ્ય, હૃષ્ટપુષ્ટ કરે એવી કેળવણીની – એવી કેળવણી વિવિધ સંસ્થા – પ્રણાલીદ્વારા મેળવવાની ખાસ અગત્ય છે. કેળવણીનાં આ વિવિધ અંગો વિશે વર્તમાનપત્રો કે માસિકોમાં ચર્ચા થતી નથી – લોકોમાં એ વિશે ભાષણો કે કથા થતી નથી; પરંતુ એ વિષય સંબંધી ચર્ચા-વિચારણા ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે.
આપણી માધ્યમિક કેળવણી ઘણી જ અસંતોષપ્રદ નીવડી છે. મુંબઈના હાલના ના. ગવર્નર તેમાં ફેરફાર કરવા ઉત્સુક છે. પરંતુ આપણને જે ફેરફારો જોઈએ છે – ગુજરાતને જે ફેરફારો જોઈએ છે – તેને એમની યોજનાઓમાં સ્થાન મળે તો સારું. આપણને નાનપણથી સાયન્સ અને વાણિજ્ય જ્ઞાન મેળવવાની જરૂર છે. એમણે એ વિષયોને ફક્ત કૉલેજના અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે. વળી કેળવણી ઉપર માબાપોના વિચારોનો જે પ્રભાવ પડવો જોઈએ તે એમની યોજનાથી પડે, એમ નથી; પાઈનું શાક લેવું હોય તો ચાર દુકાને ફરનારા લોકો કેળવણી અને ધર્મ જેવી બાબતમાં જરા પણ વિચાર કર્યા વિના ગાડરીયા પ્રવાહની માફક ચાલ્યા જાય એ શું?
પ્રાથમિક કેળવણીનો સર્વત્ર ફેલાવો થવાની અગત્ય વિશે આગળ ઉપર કહી ગયા છીએ. કાઠિયાવાડનાં દેશી રાજ્યોમાં ઘણે સ્થળે પ્રાથમિક શિક્ષણ મફત આપવાની ઉદારતા બતાવાઈ છે – જૂજ આવતી ઊપજ બંધ કરી પ્રતિષ્ઠા મેળવાઈ છે. પરંતુ તેના ફેલાવા માટે, તેને સંગીન બનાવવા માટે, રૈયતમાંના દરેક જણને પોતાને અનુકૂળ કેળવણી મળી શકે એવી સહેજ પણ પ્રવૃત્તિ એમની તરફથી થઈ નથી. અસલ જેમ મંદિરોને અને બ્રાહ્મણોને ગરાસ અપાતા તેમ જો કેળવણીખાતાને ગરાસ આપી ઊપજ-ખર્ચની બાબતમાં સ્વતંત્ર બનાવવામાં આવે તો દેશી રાજ્યોમાં કેળવણી સારો જ પ્રતાપ બતાવે.
પ્રાથમિક કેળવણી મફત અને ફરજિયાત કરવાની માગણી સરકારને વારંવાર કરવામાં આવે છે, પણ એ માગણી ઉપર ધ્યાન અપાયું નથી. મુંબઈ બેટમાં એવી યોજના કરવા માટે નિમાયેલી કમિટીએ ઉક્ત માગણીની વિરુદ્ધ રિપોર્ટ કર્યો છે. ભાવનગરના દીવાન રા. રા. પ્રભાશંકર દ. પટણીએ અને મુંબઈની ‘મ્યુનિસિપલ‘ નિશાળોના ઉપરી મિ. વેલીનકરે પણ એ માગણી અવાસ્તવિક છે એમ બતાવ્યું હતું. કેળવણીનો વિસ્તાર કરતા આગમચ તેને સંગીન બનાવો એવું કહેવામાં આવે છે તે માન્ય છે; પરંતુ બન્ને સાથે સાથે થઈ શકે અથવા અમુક સ્થળે સંગીનપણા પર વધારે ધ્યાન અપાય અને બીજે બધે જ્ઞાનપ્રસારણ ઉપર લક્ષ અપાય એવું પણ બની શકે. સરકાર ઉપર જ આધાર રાખી બેસી ન રહેતાં ધનાઢ્યો, રાજાઓ, આચાર્યો, ન્યાતો વગેરે તરફથી લોકોને વાંચતાં લખતાં આવડે એવું કરવાનું કામ ઉપાડી લેવામાં આવે તો ઘણું સારું. બ્રાહ્મણો, સંન્યાસીઓ, બાવાઓ વગેરે નિરૂદ્યમી —દુરાચરણી લોકોનું પૂરું કરવા પાછળ દાનને નામે વપરાતો પૈસો સરસ્વતીદેવીનાં મંદિરો સ્થાપી નિભાવવામાં ખર્ચાવાની જરૂર છે.
સ્ત્રીકેળવણી સંબંધી પણ લોકોની આંખ ઊઘડી છે અને દિન પર દિન તેનો વધારો થતો જાય છે. શહેરો અને ગામડામાં લોકમત ઘણો જ એની તરફેણમાં વળતો જાય છે, અને ગામડામાં છોકરા-છોકરીઓ હારે રહી ભણે છે. વડોદરા રાજ્ય તરફથી તેમ જ સરકાર તરફથી કન્યાવાંચનમાળા પ્રસિદ્ધ કરવામાં આવી છે, અને એ રીતે બાલકબાલિકાઓના શિક્ષણપ્રવાહ છૂટા પાડ્યા છે. પરંતુ આ વાંચનમાળા આજની આપણી વૃત્તિઓને રુચે એવી નથી. હોપની દેખરેખ નીચે લખાયેલી વાંચનમાળામાં આપણને જૂઠા ગણી સાચું બોલવાનો અને પ્રામાણિકતાથી વર્તવાનો ઠેર ઠેર ઉપદેશ અપાયો હતો તેમ આ નવી કન્યાવાંચનમાળામાં પણ નીતિના ઉપદેશને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઉપદેશભર્યા પાઠો જીવન પ્રફુલ્લ કરે એવા નથી; વખતે બાળી નાંખે એવા છે. ગૃહ્યકલા સંબંધીનું જે તત્ત્વ ઉમેરવામાં આવ્યું છે તે આ વાંચનમાળાનો એક શુભ અંશ છે. અમદાવાદની સ્ત્રી-શિક્ષકશાળા (Female Training College)નો અભ્યાસક્રમ પણ સુધારવામાં આવ્યો છે.
અમદાવાદનું ‘ઉદ્બોધન’ પત્ર નવી કન્યાવાંચનમાળા તૈયાર કરાવવા તત્પર થયું છે. મુંબઈના ‘સેવાસદન’ અને ‘ચંદા રામજી હિંદુ કન્યા વિદ્યાલય,’ સુરતના ‘વનિતાવિશ્રામ,’ રાજકોટની ‘હિંદુ કન્યાશાળા’ આદિ સંસ્થાઓને અંગે સ્ત્રીકેળવણીના અભ્યાસ – અને અભ્યાસગ્રંથો સંબંધી ઘણું કામ થવાની વકી છે. બાળકીઓને ઊંચું અને સંગીન શિક્ષણ આપવાને, તેમ પ્રૌઢ સ્ત્રીઓને જ્ઞાનસંપન્ન કરવા – કેળવવા – આ રીતે ગુજરાતમાં પ્રયાસો થતા જાય છે. સ્ત્રીઓ પણ જાતે આગળ પડી પોતાની બહેનોને કેળવવા ઉદ્યુક્ત થતી જાય છે. તોપણ હજુ સ્ત્રી-શિક્ષકોની ઘણી ખોટ છે અને તેથી સ્ત્રીકેળવણીનો ઘણો મંદ ફેલાવો થાય છે. અનાથ વિધવા સ્ત્રીઓને ભરણપોષણ મેળવવા સમર્થ કરે એવા હુન્નરો શીખવવાના પણ પ્રયાસો ચાલે છે. વડોદરામાં બંધુમંડળના સંમેલન પ્રસંગે એ નગર સારુ આવી યોજના ઉપસ્થિત કરવામાં આવી હતી. જૈન સંઘની વસ્તી જ્યાં જ્યાં મોટા જથ્થામાં છે ત્યાં ત્યાં પણ આવાં જ શુભ પગલાં લેવાયાં છે. ગયે વર્ષે ભાવનગરમાં એ લોકો તરફથી સારા દ્રવ્યસંચયથી એક શ્રાવિકાશાળા કાઢવામાં આવી છે. અમદાવાદમાં પણ શ્રાવિકાશાળાઓ ચાલે છે. એ કોમમાં સારી જાગૃતિ આવી છે. બીજાં નગરોમાં પણ બીજી ન્યાતો તરફથી એ દિશામાં પ્રગતિ થતી જાય છે.
પરંતુ એ બધાંથી લોકોને સંતોષ નથી થયો. જીવન પ્રફુલ્લ કરે, આપણા દેશમાં જાગેલાં નવાં ચેતનને જીવનમાં સંચી દેશ — જનસેવા માટે સમર્થ કરે એવી કેળવણી સ્ત્રીઓને આપવા ચળવળ ચાલે છે.
પરંતુ આ રીતે ઉપસ્થિત થયેલી સ્ત્રીકેળવણીની યોજનામાં સંસ્કૃતને અતિ મહત્ત્વનું લેખી વૃથા કાલક્ષેપ અને શક્તિવ્યય કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ધાર્મિક ગ્રંથો શીખવવામાં આવે તો શિક્ષણ સંગીન નીવડવા અને આચરણો સંસ્કારી થવા વધારે સંભવ છે. જેમને અવકાશ હોય – સારી કેળવણી ગુજરાતી ભાષા મારફત લીધી હોય અને રુચિ હોય તેમને સંસ્કૃત શીખવવાની બેલાશક જોગવાઈ કરી આપવી. ઇતિહાસ, ભૂગોળ જે વિષયો શીખવવાની હાલ આપણે ખાસ અગત્ય છે તે નિરર્થક ગણવામાં આવે છે, એટલે રાજકીય પ્રવૃત્તિને એથી ધોકો પહોંચવા સંભવ છે, માટે દેશપ્રેમીઓએ એ વિષયો ખાસ રસિકતાથી આનંદ મળે એવી રીતે શીખવાય એવો બંદોબસ્ત કરવો જોઈએ.
સ્ત્રીકેળવણી વિશે લખાય છે ઘણું પણ હવે જે કરવું જોઈએ તે બહુ થતું નથી. નિશાળો સ્થાપવી જોઈએ, સ્ત્રી-શિક્ષકો તૈયાર કરવાં જોઈએ, અને નાના પ્રકારની અભ્યાસપોથીઓ પ્રકટ કરવી જોઈએ વગેરે બાબતો પર લક્ષ આપવાની જ ઘણી જરૂર છે. એમને સારુ માસિકો, વર્તમાનપત્રો, ગ્રંથો પ્રકાશવાની – ભાષણો, કથા કરાવવાની પણ એટલી જ જરૂર છે. એમને વિનોદવ્યાયામ મળે એવી સંસ્થાઓ સ્થાપવાની પણ એટલી જ આવશ્યકતા છે. મુંબઈમાં સન્નારીઓ સારુ ‘જીમખાના’ સ્થપાયું છે. ગુજરાતમાં એમને માટે ‘સુંદરીસુબોધ’ અને ‘સ્ત્રીબોધ’ નામનાં બે માસિક નીકળે છે. એ બંને આપણી સ્ત્રીઓનાં જીવનને આનંદમય કરે છે; પરંતુ હજુ બંનેમાં વિકાસને અવકાશ છે, અને એવાં બીજાં માસિકોની જરૂર છે.
આવી રીતે થયેલી જાગૃતિને લીધે સ્ત્રીઓની ઉન્નતિ થતી જાય છે. તેઓમાં પણ જાગૃતિ આવી છે. ‘સેવાસદન’, ‘વનિતાવિશ્રામ’ જેવી સંસ્થાઓ એમને માટે અને એમના વડે અસ્તિત્વમાં આવી છે. દાદાભાઈ જયંતી ઊજવવામાં અગ્રેસર મુંબઈની સન્નારીઓ ‘પૈસાફંડ’ માટે સ્વયંસેવિકાઓ થઈ છે.
મુંબઈનું ‘ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ’ પણ સારું કામ કરે છે. દી.બ. અંબાલાલ અને રા. નાનાલાલ કવિએ એ મંડળમાં ગયે વર્ષે કરેલાં ભાષણો ઉત્તમ હતાં.
કેળવણી, લગ્ન, નારીપ્રતિષ્ઠા આદિ પ્રશ્નો નિરાકરણ લાવવા તેમજ પરદેશગમન આદિ સાંસારિક બંધનો દૂર કરવા તથા નીતિ ઉન્નત કરવા અર્થે કમી કરવા ન્યાતોની પરિષદ ભરાય છે. આ પરિષદોમાંથી હજુ કાંઈ પણ પરિણામ નીપજ્યું નથી ખરું, પણ એથી ગામેગામ ચેતન પ્રસરે છે અને યુગયુગની ઊંઘ ઊડી જાય છે. આર્થિક બળોને લીધે લગ્નની વય વધતી જાય છે, સ્ત્રીકેળવણી ફેલાતી જાય છે. ગાયકવાડ સરકારનો ‘બાલવિવાહ પ્રતિબંધક કાયદો’ પણ શુભ પરિણામી નીવડ્યો છે. વળી હિંદુ વ્યવહારશાસ્ત્રને પદ્ધતિસર ધારારૂપે (Codification of Hindu Law) ઘડવાનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આથી કૌટુંબિક અને દાંપત્યજીવનના સંબંધોમાં આર્થિક અને નૈતિક છૂટ જોઈતા પ્રમાણમાં મળી શકશે. જ્યારે હિંદના બીજા પ્રાંતો રાજકીય પ્રવૃત્તિમાં જ ઘૂમે છે ત્યારે ગુજરાત સંસાર અને ઘરનાં પ્રશ્નો વિચારી – નિરૂપી પોતાનું પ્રજાજીવન મજબૂત બનાવવામાં રત છે. ન્યાતોના મેળાવડા, ફંડો, માસિકો, આપણા સાહિત્યનું સ્વરૂપ, (આ વિશે આગળ વધુ કહેવામાં આવશે,) આપણાં અગ્રેસરોનાં વર્તનો વગેરે ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણાં સંસારગૃહ ઉન્નત કરવા તરફ આપણું લક્ષ છે.
ગુજરાતમાં ન્યાતોની પરિષદ મળે છે તેમના હેવાલ એકઠા કરવામાં આવે તો સંસારસુધારકને અને સમાજશાસ્ત્રીને એથી લાભ થાય એમ છે. પાશ્ચાત્ય શિક્ષણ, રાજ્ય અને આર્થિક સંવ્યવસ્થાના જે આઘાત આપણા પુરાણા રાફડા ઉપર થવા માંડ્યા છે. તેમના સામા આત્મસંરક્ષણની વૃત્તિના પ્રેર્યા ગુજરાતીઓ આ બધી ચળવળમાં પડ્યા છે. હાલમાં તેથી નાતોનું જોર વધતું લાગશે, પણ સાથે સાથે ઉદારતા પણ તેમના બંધારણમાં પેસશે જ અને ભવિષ્યમાં તેથી લાભ છે.
મુંબઈના કાયસ્થ સૉલિસિટર મિ. દફતરીએ ન્યાતોના ભેદભાવ દૂર કરી એકત્ર થવાની એક યોજના પ્રકટ કરી હતી. હરકિશનલાલના જેવી જ એ યોજના છે.
પહેરવેશ, ભોજન, આચારવિચાર, ભાવનાઓમાં સપાટાબંધ ફેરફારો થતા જાય છે. નારીપ્રતિષ્ઠા ઉન્નત કરવા પ્રયાસો અને ઉપદેશો થાય છે. મુંબઈમાં આ દિશામાંથી થતી પ્રવૃત્તિઓની અસર ગુજરાતમાં થાય છે તેમ અમદાવાદની ‘બંધુસમાજ’નાં લખાણોથી પણ એ અસર સબળ બને છે.
ગુજરાતની નીતિ ઊંચી થતી જાય છે કે કેમ એ ગુનાઓના રિપોર્ટો પરથી, કોર્ટોમાં ચાલતા કેસો ઉપરથી જણાય ખરું. ઉપરાંત દેશની જાહેર નીતિ(Public morality) પ્રગતિમાન છે કે કેમ તે પણ મીમાંસા કરવા જેવો વિષય છે. આ પ્રદેશમાં કોઈ ગુજરાતી વિચરશે અને અન્વેષણ કરશે તો જાણવાનું મળશે ખરું.
સ્વદેશીની હાકલો દેશમાં વાગે છે અને ખૂણેખૂણામાં સંભળાય છે. આ હાકલોની નૈતિક અસરો થતી હશે અને થવાની. ભવિષ્યમાં નીતિશાસ્ત્રીને એ પ્રશ્ન વિચારવો પડશે.
દેશમાં જે જે ભાવનાઓ અને તદનુસાર પ્રવૃત્તિઓ ઘૂમી રહી હોય તેમનું તાત્ત્વિક (metaphysical) અને નૈતિક (ethical) સ્વરૂપ ચિંતવવાની ખાસ આવશ્યકતા હોય છે. માટે જ હાલ આપણને એવા એક ચિંતકની જરૂર જણાય છે.
દરેક પ્રજાને પોતાના આદર્શો હોય છે – કાળે કાળે આદર્શો બદલાય છે પણ ખરા. એક વખત હિંદુસ્તાનમાં જીવનમુક્તનો આદર્શ લોકોમાં પુજાતો હતો. ગોવર્ધનરામે પણ એ જ આદર્શ ફરીથી ‘સરસ્વતીચંદ્ર’માં ઉપદેશ્યો છે. એ આદર્શ ચાલુ હતો એવામાં અર્હંત અને બોધિસત્વના આદર્શો જન્મ્યા. ત્યારપછી જીવનમુક્ત આદર્શ પાછો પુનર્જીવિત કરવામાં આવેલો, અને મુસલમાની સામ્રાજ્ય દરમ્યાન ભક્તનો આદર્શ જન્મ્યો. આજે આ બધા આદર્શો તદ્દન નષ્ટ નથી થયા, પરંતુ એમના મૂળ સ્વચ્છ—ઉગ્ર—પવિત્ર સ્વરૂપમાં તો નથી જ રહ્યા. હવે દેશમાં નવો આદર્શ ઉત્પન્ન થતો જાય છે. આ આદર્શ તે દેશવીરનો (patriot) છે. એ આદર્શમાં જીવનમુક્ત, બોધિસત્ત્વ અને ભક્ત એ ત્રણેના આદર્શો ભળી જશે. આમ બદલાતા આદર્શોના પરિણામ વિચારનાર ને ગુજરાતને સમજાવનાર કોઈ નહીં નીકળી આવે?
આ લેખ તવારીખ નથી પરંતુ હકીકતોની ખબર જેવો છે, એટલે દેશમાં ચાલતી રાજકીય, સાંસારિક, ધાર્મિક, આર્થિક પ્રવૃત્તિઓનો સાર કહેવાનું સાહસ વહોરવામાં નહીં આવે.
હવે આ લેખના મૂળ ઉદ્દેશ – સાહિત્યના સિંહાવલોકન પર આવીએ. પ્રથમ ક્રમિક પત્રોના અહેવાલ ઠીક પડશે, કારણ કે એમનાથી સાહિત્યને પોષણ તથા ઉત્તેજન સારું મળે છે.
માનવસૃષ્ટિમાં જન્મમરણ છે તેમ આ પત્રોની સૃષ્ટિમાં પણ બને છે. કેટલાં પત્રો ગયા વર્ષમાં મરણ પામ્યાં તે તો ચિત્રગુપ્તના ચોપડા સિવાય બીજેથી જાણી શકાય એમ નથી. છતાં જ્યોતિ, સાહિત્ય અને વાર્તા, સ્વદેશહિત, આર્યધર્મસુધા, વલસાડવર્તમાન(ઉર્ફે ગુર્જરગર્જના) આદિ અવસાન પામ્યાં એવું જણાયું છે. આ સ્થળે રા. રા. મૂળજી દુર્લભજી વેદ તરફથી નીકળવાના ‘એશિયા’ પત્રની નોંધ લેવી જોઈએ. રા. મૂળજીભાઈ દેશપ્રેમી, ઉદાત્ત ભાવનાભર્યા છે. એ દૈનિક પત્ર કાઢવામાં એમને ઊંચો અભિલાષ હતો. પરંતુ સરકારે જે સખત કાયદાઓ ગયે વર્ષે પસાર કર્યા તેને લીધે એમણે ધાર્યું હતું તેવી રીતે શેરોથી જોઈન્ટ સ્ટોક કંપની મારફત એ પત્ર ચલાવવું સંભવિત ન રહેવાથી એ અભિલાષ પડતો મુકાયો છે. તેમ સ્વદેશધર્મ, પટેલબંધુ, શિક્ષક, મોઢ બ્રાહ્મણ શુભેચ્છક, નાગર, અનાવિલ, ગર્જના, ચંડિકા, મેઘનાદ, ગદ્યપદ્યસંગ્રહ આદિ જન્મ્યાં પણ છે.
ચાલુ માસિકોમાં અનિયમિત ઘણાં ચાલે છે. ભારતજીવન અને જ્ઞાનસુધાનું દીર્ઘસૂત્રીપણું તો જાણીતું છે. જ્ઞાનસુધા આ સાલથી નિયમિત થવા તત્પર થયું છે. નવા અંકો જોતાં તે એક પંથના વાજિંત્ર કરતાં સાહિત્યનું ઉદાર માસિક થયું હોય એમ લાગે છે. ઉદાર તો એ માસિક ઘણાં વર્ષ ઉપરનું છે. એક વેળા ‘સુદર્શન’ ઉપર ખ્રિસ્તના ઉપદેશથી ભરેલાં દીન નામના લેખકનાં રચેલાં ત્રણ કાવ્યો મોકલવામાં આવ્યાં હતાં. એ વખતમાં એવાં જ ગીતો કાન્ત તરફથી એ જ માસિકમાં પ્રગટ થયાં હતાં. એટલે સુદર્શનકારે કાન્તને પુછાવ્યું કે ઉક્ત ગીતો તમારાં છે? તેમની ના આવી એટલે તે કાવ્યો એમણે પ્રસિદ્ધ ન કર્યાં, પણ એ કાવ્યો સાથે એક પ્રેમકાવ્ય હતું તે એમણે પ્રસિદ્ધ કર્યું. કાવ્યો સુદર્શનકારે પ્રગટ ન કર્યાં એટલે ત્રણમાંનું ‘બાળકો’ નામનું કાવ્ય જ્ઞાનસુધા અને સાહિત્ય ઉપર મોકલવામાં આવ્યું અને એ બન્ને માસિકોએ ઉદારતાથી તે છાપ્યું. સરસ્વતીદેવીની પૂજા કરતાં ધર્મ કે પંથ જોવાતાં હશે? કાવ્ય લખવાનો અધિકાર ફક્ત હિંદુઓને જ આપ્યો નહીં હોય. મુસલમાન, ઝરથોસ્તી કે ખ્રિસ્તીઓ આપણું સાહિત્ય અલંકૃત અને સમૃદ્ધ કરે એવાં અનુપમ કાવ્યો પોતાના ધર્મના સિદ્ધાંતોથી ભરેલાં રચે તો તેનો અનાદર શા માટે કરવો? આનંદની વાત છે કે આવી ભાવના હવે દૂર થતી જાય છે. પૂર્વ-પશ્ચિમના નિકટ થતા જતા સંબંધોથી અત્રત્ય સમાજની પ્રગતિ ખાતર પાશ્ચાત્ય ભાવનાઓનું આપણા દેશને અનુકૂળ સ્વરૂપ કરી લોકોમાં પ્રસરાવાય છે. Progress by fiction, અને અગસ્ત્યના સમુદ્રાચમન વિશે ગોવર્ધનરામ વારંવાર કહેતા એટલે એ રીતે ચાલતી પ્રગતિ ગુજરાતને સમજવી મુશ્કેલ નથી.
રાજકીય આગેવાનોમાં પડેલાં પક્ષથી સાપ્તાહિકોમાં પણ બે પક્ષ પડ્યા છે. મુંબઈના ગુજરાતીનો ઉદ્દામ ઝોક વિનીત થયો છે. શક્તિ, ગુજરાત, ગર્જના આદિ ઉદ્દામપક્ષી છે. Extremists અને Moderatesને બદલે હવે Nationalists અને Constitutionalists અભિધાન પ્રચારમાં આવતાં જાય છે. માટે તેમના અર્થસૂચક ગુજરાતી શબ્દો યોજવા જોઈએ. વસંતકારના યોજેલા ઉદ્દામ અને વિનીત શબ્દો ગુજરાતીને લીધે વધારે પ્રચારમાં આવ્યા અને એ રીતે સાક્ષરતાનો પ્રભાવ વર્તમાનપત્રોની ભાષા ઉપર અંકાયો. આપણે ત્યાં નવનવા ઊઠતા વિચારો માટે શબ્દ યોજી આપનાર વિદ્વાન જૂજ હોવાથી અને છે તેમનો વર્તમાનપત્ર સાથે સંબંધ ન હોવાથી કાં તો અંગ્રેજી શબ્દો જ (કૉક્સ, બૉયકોટ, પ્રૉટેસ્ટ વગેરે) વપરાય છે અથવા બંગાળ કે મહારાષ્ટ્રમાં યોજાયેલા સંસ્કૃત કે દેશજ(બહિષ્કાર, નિષેધ, મવાળ વગેરે) શબ્દો ગુજરાતીમાં વપરાતા થઈ જાય છે. શબ્દો બનાવવામાં આપણા વિદ્વાનો સંસ્કૃત પર જ નજર નાંખે છે, દેશજ — તળપદા શબ્દો કે ફારસી શબ્દોની શુદ્ધ (?) બ્રાહ્મણની માફક અવગણના કરે છે.
‘ગુજરાતી’ના તંત્રીમંડળમાંથી દુર્ગારામ મહેતાજીના પુત્ર રા. ગુલાબરાય નિવૃત્ત થયા છે, અને એ મંડળમાં આ વર્ષથી રા. અંબાલાલ બુલાખીરામ જાની નિમાયા છે. ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રીપદ ઉપર લલિત ગયા છે. ‘ઉદ્બોધન’નું તંત્રીમંડળ પણ બદલાયું છે. એના લેખકો લગભગ બધા ઊછરતા યુવાનો છે. એ માસિકના દિશાવલોકન જુદા જુદા આસામીઓ પાસે લખાવવામાં આવે છે. એમાં ગયે વર્ષે ‘તુર્કસ્તાનમાં પાર્લામેન્ટ’ અને ‘હિન્દીઓનો પરદેશ નિવાસ’ એ બે સારા લેખ આવ્યા હતા. રાજ્ય અને સંસારના મહાપ્રશ્નો વિશે સ્વતંત્ર સરળ લેખ લખાવી અથવા તરજુમા કરાવી લોકમત કેળવવો એ આ પત્રનો ઉદ્દેશ છે. એના ટૂંક જીવનમાં એણે જે ‘ઝલક’ બતાવી છે તે ઉપરથી એનું ભવિષ્ય આશાભર્યું અને ઉજમાળું લાગે છે. એ માસિકમાં જ અંત્યજ વર્ગના ઉદ્ધાર માટે લેખ આવ્યો હતો એ શું સૂચવે છે? સંસારસુધારાનાં વાજિંત્રો સિવાયના પત્રમાં આવો લેખ આવે એ, દેશમાં સ્ફૂરતી ઉદારતાનું પરિણામ નથી લાગતું?
માસિકોનાં કદ વધ્યાં છે. હિન્દી ગ્રાફિક સિવાય સર્વાંગ સચિત્ર માસિક ગુજરાતમાં નીકળતું નથી. જ્યોતિકારને પ્લેગે ગ્રસી લીધા ન હોત તો સર્વાંગસુંદર અને લલિત તથા સચિત્ર માસિક મેળવવા ગુજરાત કદાચ ભાગ્યશાળી થયું હોત. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીની સહાયથી ‘સમાલોચક’ સચિત્ર પ્રગટ થાય છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં આપણાં માસિકોમાં મોટો ફેરફાર થતો જાય છે. એક વ્યક્તિનાં માસિકો — પ્રો. મણિલાલનું સુદર્શન, ડો. ધ્રુવનું ચંદ્ર, કે રા. રમણ- ભાઈનું જ્ઞાનસુધા જેવાં માસિકોનો યુગ જતો જાય છે અને આપણાં માસિકોમાં autocracy કે oligarchyને બદલે democracyની સત્તા વધતી જતી લાગે છે. માસિકના તંત્રીઓ આચાર્ય થવા ઇંતેજાર નથી; તે ફક્ત આમંત્રણ કરી લેખ એકઠા કરનાર અને વાંચનારાઓને પહોંચાડનાર છે; વિચારવિનોદના લાવલઈજા કરનારા છે. ઘણા તંત્રીઓ તો મહિનાના મહિના સુધી પોતાના માસિકમાં એક આંકડો પણ લખતા નથી.
માસિકોનું વલણ પ્રજાસત્તાક થવાથી નાના પ્રકારના લેખોને સ્થાન મળવા માંડ્યું છે. સાયન્સ અને હુન્નરઉદ્યોગના લેખો આદરપૂર્વક સ્વીકારવામાં આવે છે. શિષ્ઠ માસિકો પારસી બોલીમાં લખાયેલા સારા લેખો છાપતાં અચકાતા નથી એ સારી વાત છે.
કેટલાંક પારસી, મુસલમાન અને હિંદુ માસિકો વાંચકો વખત ગાળવા લે છે અને એમની અંદરનો માલ પણ એવા ગ્રાહકોને રૂચે તેવો જ હોય છે. નાતોનાં, પંથનાં અને સંસ્થાઓનાં માસિકો પણ ઘણાં નીકળે છે. નાતોનાં ઘણાંખરાં માસિક નિર્માલ્ય છે. બ્રહ્મક્ષત્રિય ત્રિમાસિક અમને એ બધામાં સારું લાગે છે. નાતોને લગતા સંસાર, અર્થ, આદિના પ્રશ્નો સબળતાથી અને વિદ્વત્તાથી એમાં ચર્ચાય છે. એ માસિકમાં આવતાં કેટલાંક લખાણો સમસ્ત ગુજરાતને વાંચવા જેવાં છે; પરંતુ તે જ્ઞાતિ સિવાય બીજાઓને અપાતું ન હોવાથી તેનો લાભ માત્ર તે જ્ઞાતિના વાચકો સિવાય બીજાઓને મળતો નથી. કાઠિયાવાડનું ત્રિમાસિક અને અમદાવાદનું નાગર, નાગર કોમનાં પત્રો છે. બ્રાહ્મણોને માટે, વૈશ્યોને માટે પણ માસિકો પ્રગટ થાય છે, પણ તેઓમાં જોઈએ તેવો દમ નથી. ક્ષત્રિયો માટે, રાજસ્થાન આદિ પ્રદેશોમાં માસિકો નીકળે છે તેવાં અહીં નથી નીકળતાં.
પંથોનાં માસિકોમાં વૈષ્ણવોનાં માસિકો ઘણાં નીકળે છે. શ્રેયઃસાધકો તરફથી મહાકાલ, પ્રાતઃકાલ, યમદંડ અને ધર્મધ્વજ પ્રગટ થાય છે. ભક્ત, યોગેંદ્ર, આદિ માસિકો એ મંડળ તરફથી નહીં પરંતુ એ મંડળના અનુયાયીઓ તરફથી કઢાય છે. થિયોસોફી, પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, સનાતન ધર્મ મહામંડળ (જેનું આર્યધર્મ સુદ્ધાં વાજિંત્ર હતું) વગેરે વગેરેનાં વાજિંત્રો વિશે ઉલ્લેખ થઈ ગયો છે.
કેળવણીનાં ત્રણ માસિકો નીકળે છે. એક અંગ્રેજ સરકારનું, બીજું ગાયકવાડી રાજ્યનું અને ત્રીજું કડી પ્રાંત પંચાયતનું વાજિંત્ર છે. ગુજરાત શાળાપત્રમાં ઇતિહાસ, પ્રાકૃત, કાવ્યશાસ્ત્ર આદિને સારૂં સ્થાન અપાય છે. આ ત્રણેમાં તેજ કે ઉષ્મા નથી. પરંપરાથી ચાલ્યો આવતો ચીલો ચાલ્યો જાય છે. દેશને માટે સ્વતંત્ર કેળવણીના પ્રશ્ન ચર્ચાવતા માસિકની અતીવ આવશ્યકતા છે. ‘શિક્ષક‘ની પ્રગતિ ચાલુ રહેશે તો રસકસ વગરના થઈ પડેલા પોતાના કર્તવ્યક્ષેત્રમાં રસકસ પૂરવા તે કેટલેક અંશે શક્તિમાન થશે એવી આશા બંધાય છે.
વૈદકનાં બે-ત્રણ માસિકો નીકળે છે. શ્રેયઃસાધકો પણ એ વિષય પરત્વે ઘણું ધ્યાન આપે છે. ડૉ. જમનાદાસે આ માસિકમાં કેટલાક લેખ લખ્યા હતા, અને પોતે જે રોગોપચારની પદ્ધતિને અનુસરે છે તેને લોકપ્રિય કરવા સાપ્તાહિક— માસિકોમાં કલમ કસ્યા જાય છે.
મુંબઈમાં પારસીઓની પોતાની ઇસ્પિતાલ થઈ તે પ્રમાણે હિંદુઓની પોતાની ઇસ્પિતાલ કરવા ગયે વર્ષે લગભગ આઠ લાખ રૂપિયા કે તેથી વધારે ધર્માદા મળ્યા હતા.
વેપારીઓ, ધંધાદારીઓ, કારીગરો વગેરે માટે આપણે ત્યાં માસિકો નીકળતાં નથી. ઇંડિયન ટેક્ષ્ટાઈલ જર્નલ મિલઉદ્યોગના સંબંધમાં ઠીક નીકળે છે. બાકી પ્રો. ગજ્જરના રંગરસરહસ્ય જેવા માસિકની ખોટ હજુ પુરાઈ નથી. કલાભવનના શિક્ષકો તરફથી બે ત્રણ વાર એવું માસિક કાઢવા જાહેરખબરો પ્રસિદ્ધ કરવામાં આવેલી પણ માસિક નીકળેલાં નહીં. મુંબઈમાં હુન્નરસાગરની ઢબ ઉપર વિદ્યાકલાનિધિ નામનું માસિક ચલાવવામાં આવશે એવી જાહેરખબર જોવામાં આવી હતી, પણ માસિક નીકળ્યું જાણમાં નથી.
મુંબઈના દેશી વેપારીઓનાં મહાજન (Indian Merchants’ Chambers) તરફથી નવું માસિક નીકળવા માંડ્યું છે. એમાં આંકડાઓ અને માહિતી આપવામાં આવે છે; વેપારીઓને લગતા પ્રશ્નો ચર્ચવામાં નથી આવતા. આવી ચર્ચા કરવા આવી ગયેલા પ્રો. લીઝ સ્મિથનાં ભાષણોથી તેમ જ થોડા દિવસ ઉપર સ્થપાયેલા The Statistical Society of Western India નામના મંડળથી એ દિશામાં ઝલક આવવાની વકી છે.
ગપસપ જેવું વિનોદી પત્ર એક જ છે. હિંદીપંચના લેખોમાં સાહિત્ય દૃષ્ટિએ વિકાસ થતો જણાય છે. સ્ત્રીઓને માટે ફક્ત સુન્દરીસુબોધ અને સ્ત્રીબોધ સિવાય બીજાં પત્રો નથી. બાળકો માટે તો એકે પત્ર છે જ નહીં. પૂણામાં ખાસ બાળકો માટે જ નીકળતા ‘आनंद’ જેવા માસિકની ઘણી જ આવશ્યકતા છે.
ગયે વર્ષે નડિયાદમાં ગુજરાતી ભાષાના આધુનિક સ્વરૂપ વિશે રા. રા. કેશવ હર્ષદ ધ્રુવના પ્રમુખપદ નીચે ચર્ચા કરવામાં આવી હતી. એ ચર્ચા સમાલોચકમાં છપાઈ છે.
માસિકોમાં નવા યુવાન લેખકોનાં લખાણ વધતાં જાય છે અને તંત્રીઓ ઉદારતાથી તેમને સત્કારતા જાય છે એ આનંદની વાત છે. આપણું માસિક-સાહિત્ય ઘણું મહત્ત્વનું છે. એને લીધે ઘણા લેખકો જન્મી પોષાયા છે, એમને લીધે નવા વિચાર ફેલાયા છે — ફેલાવાય છે; જૂના સંરક્ષાય છે. માસિકોના તંત્રીઓના હાથમાં અમૂલ્ય પ્રસંગ અને તેમની સેવામાં ગુજરાતનું યૌવન આવી ઊભું રહે છે. દેશના અને જનસમાજના હિતને માટે એ પ્રસંગો વાપરવાની અને પોતાને સોંપાયેલા યૌવનને સુમાર્ગે ચઢાવી તેમની શક્તિનો દેશહિત અર્થે ઉપયોગ કરવાની જોખમદારી તેમને માથે છે. લખવાના કેફી વ્યસનથી યુવાન લેખકો ખુવાર થાય છે માટે તંત્રીઓએ પોતાના યુવાન લેખકોની વત્સલ ચિંતા રાખવી જોઈએ.
લિપિની ઝુંબેશ સારૂં વર્ષ ચાલી હતી. પહેલી સાહિત્ય પરિષદ ભરાયા પછી મુંબઈ સમાચારે ગુજરાતી લિપિનો પક્ષ લીધો હતો. એ પક્ષને રા. નરસિંહરાવે ગયે વર્ષે વધારે સબળ કરવા પ્રયત્ન કર્યો હતો. એમની દલીલો વાજબી છે અને સ્વીકારવા જેવી છે, પરંતુ દેશમૈયાના આરાધનમાં લિપિનો ત્યાગ કરવો એ મહત્વનું દુઃખ લાગતું નથી, એટલે નાગરી લિપિનું ભાગ્ય અમને તો ઊજળું લાગે છે. ગયા વર્ષમાં એ લિપિનો પગપેસારો વધતો ગયો છે. બેશક રા. નરસિંહરાવના લેખથી એને ખમવું તો પડશે જ.
વ્યાકરણ અને શબ્દશુદ્ધિ પરત્વે રા. નરસિંહરાવ ઘણાં વર્ષથી પોકાર ઉઠાવ્યા જાય છે. જોડણી માટે વર્ષો પર્યંત ચલાવેલી ઝપાઝપી સફળ નીવડતી લાગે છે. વ્યાકરણના પ્રશ્નોની એમની ચર્ચા વાસ્તવિક લાગતી હોવાથી એનું ભવિષ્ય પણ સારું જ આવશે. રા. કમળાશંકર આદિ સાથે થતા વિવાદ ઉપરાંત કેટલાક લેખોની ભાષા ઉપર એમણે વખતોવખત પ્રહાર કર્યા છે. પરંતુ એમના લક્ષમાં નીચેની બાબતો આવી હોય એમ લાગતું નથી. ભાષા પહેલી અને પછી વ્યાકરણ. બંધાતી ભાષા બીજી ભાષાઓનાં વ્યાકરણનાં બંધન સ્વીકારતી નથી. ગુજરાતી ભાષાનું વ્યાકરણ હજુ લખાયું નથી — સંસ્કૃત કે અંગ્રેજી વ્યાકરણની નજરે તો ઘણાં લખાયાં છે પરંતુ ગુજરાતી ભાષાના શબ્દ અને વાક્યપ્રયોગોના અભ્યાસ ઉપરથી ઉપજાવેલું વ્યાકરણ લખાયું નથી.
આવું વ્યાકરણ લખાયેલું ન હોવાથી દેશમાં વપરાતા અમુક પ્રયોગો પ્રતાપી લેખકને હાથે સંસ્કાર પામી સાહિત્યમાં દાખલ થાય તો તેમની સંસ્કૃત કે અંગ્રેજી વ્યાકરણના નિયમાનુસાર કસોટી કાઢવી એ વાજબી નથી લાગતું. રા. નરસિંહરાવે કાઠિયાવાડને ઘણો ગેરઇન્સાફ કર્યો છે. એમની બધી ચર્ચામાં એઓ નરસિંહ મહેતાની ભૂમિને તદ્દન વિસરી જ જાય છે.
હન્ટરના રચેલા ‘ગેઝેટીઅર’ની નવી આવૃત્તિ થઈ છે. તેના બીજા ગ્રંથમાં ગુજરાતી સાહિત્ય વિશે ડો. ગ્રીઅરસન લખે છે :
Gujarati has an old literature, dating from the fourteenth century which has been little explored. The oldest writers dealt with philology. The first poet was Narsingh Meheta (1413-79). He does not seem to have written any long work and his fame rests upon his short religious songs, many of which exhibit considerable grace. Among his followers we may mention Premanand Bhatt (flourished 1681) author of the ‘Narsingh Mehetanu Mameru’ Rewasanker(Translator of the Mahabharata), and Samal Bhatt. Gujrat has not yet produced a great poet approaching in excellence the mediaeval masters of Hindustan. Of more importance are its bardic chronicles already mentioned. Under English influence a number of works have issued from the press of late years, but these possess little originality, and are mostly translations.
આ વાંચી કોને હસવું નહીં આવે? એના ઉપર ટીકા કરવી નિરર્થક છે. ડો. ગ્રીઅરસને Linguistic Survey of India ની ગ્રંથમાળા પ્રગટ કરવા માંડી છે તેમાં ગુજરાતી ભાષા સંબંધી બે ગ્રંથો છે. એક ગ્રંથ છપાઈ ગયો છે. તેમાં ભીલી, ચારણી આદિ ગુજરાતની બોલીનો સંગ્રહ છે.
ગયે વર્ષે પ્રાચીન ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં કામ સારૂં થયું હતું. રા. છગનલાલ વિદ્યારામ રાવળે ‘સમાલોચક’, ‘ગુ. શાળાપત્ર’ અને ‘ગુજરાતી’માં સારી હકીકત લખી મોકલી હતી. એઓની શોધકવૃત્તિ ડગતી છે એટલે એમનાં અનુમાનો આગળ ઉપર નુકસાન કરનારાં થવાનો સંભવ છે. રા. કેશવલાલ પ્રેમચંદે જૈન રાસાઓની ફેરિસ્ત તૈયાર કરી ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા મારફત પ્રગટ કરી છે. એ ઉપરાંત પારસીઓના જ્ઞાનવર્ધકમાં પારસીઓનાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય વિશે ઉલ્લેખ થયો હતો.
ગયે વર્ષે માસિકોમાં सागर, રા. ચંદ્રશંકર પંડ્યા, રા. અતિસુખશંકર ત્રિવેદી, રા. મોહનલાલ દવે, રા. કાન્તિલાલ પંડ્યા, રા. નર્મદાશંકર પંડ્યા, રા. કૃષ્ણલાલ ઝવેરી, પ્રભૃતિ તરફથી સાહિત્યચર્ચા પણ સારી થઈ હતી. ‘ફુરસદ,’ ‘જ્ઞાનવર્ધક,’ ‘ગુજરાતી’ આદિ મુંબઈનાં પત્રોમાં ગ્રંથોની નોંધ નિયમિત રીતે લેવાય છે.
રા. કૃષ્ણરાવ દિવેટિયાએ હાલમાં ચાલતી કેટલીક પ્રવૃત્તિઓ ઉપહાસપાત્ર ઠરાવવા ‘વસન્ત’માં ‘ત્રિકાળદર્શન’ના મથાળા નીચે એક લેખ લખ્યો છે. એ લેખ ઉપરથી જણાય છે કે ત્રિકાળદર્શનના પૂરતા જ્ઞાનના અભાવે એ કોશિશ માત્ર હાસ્યજનક નીવડે એમાં નવાઈ નથી.
‘સ્ત્રીબોધ’ના સોનેરી આનંદોત્સવ પ્રસંગે અમદાવાદમાં પ્રો. ધ્રુવે ‘નારીપ્રતિષ્ઠાના ઐતિહાસિક દર્શન’ વિશે અને રા. રમણભાઈ મ. નીલકંઠે ‘સુધારાની પદ્ધતિઓ’ ઉપર ભાષણ આપ્યાં હતાં. પહેલું ભાષણ ‘વસન્ત’માં અને ‘છૂટું’ છપાયું છે. વખત થોડો મળેલો એટલે ભાષણ કરતી વખત ઘણી વાતો મૂકી દેવી પડી હતી; પણ પછીથી સમગ્ર ઐતિહાસિક દર્શન કરાવ્યું હોત તો વધારે સારું થાત. યજ્ઞમાં નારીપ્રતિષ્ઠાને કેવું સ્થાન હતું? સ્મૃતિકારોનું એ સંબધે શું કહેવું છે? પુરાણોમાં એની ભાવના કેવી છે? આદિ અનેક પ્રશ્નો છેડવામાં જ નથી આવ્યા.
રા. રમણભાઈનું ભાષણ આ માસિકમાં છપાયું હતું, એ વિષયના ઉપસંહાર જેવું છે.
મીરાંબાઈ કુંભાની રાણી નહોતી એવી વાત મેવાડના ઇતિહાસકાર શામળદાસે પ્રસિદ્ધ કર્યા પછી સમગ્ર હિંદમાં ધીમે ધીમે એ વાત કબૂલાતી જાય છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામે ગયે વર્ષે નવી શોધ વાસ્તવિક નથી એમ બતાવવા યત્ન કર્યો હતો. કવિ શામળદાસનો ઇતિહાસ મેવાડના નરેશને છપાવવો ઉચિત ન લાગવાથી અપ્રસિદ્ધ રહ્યો છે એમ સાંભળવામાં આવ્યું છે. એમના ઇતિહાસ ઉપરથી એમના એક શિષ્યે ‘મીરાંચરિત્ર’ હિંદીમાં લખ્યું છે અને તેના પરથી મીરાંબાઈ કુંભાની પટરાણી નહીં પરંતુ રાણા સંગની પુત્રવધૂ હતી એ વાદ ચાલ્યો છે. કવિ શામળદાસે જે કારણોસર પ્રચલિત આખ્યાયિકા ખોટી ઠરાવી છે તે બહાર આવ્યાં નથી એટલે એમની વિદ્વત્તાને ખાતર જ નવો મત સ્વીકારાયો છે. મીરાંના દંતકથાભર્યા જીવન પરથી કે એને નામે ગવાતાં હિંદી, ગુજરાતી, મરાઠી ગીતો ઉપરથી ખરી હકીકતનો નિર્ણય કરવાનું કામ મુશ્કેલ છે. કબીર, તુલસીદાસ વગેરેનાં પદો ઉપરથી પણ નિર્ણય પર આવી શકવાનો સંભવ થોડો છે, કારણ કે એમને નામે પણ અનેક પદો ગવાય છે. હિંદી સાહિત્યનો અને ભરતખંડના મધ્યકાલીન ધાર્મિક અને રાજકીય ઇતિહાસનો અભ્યાસ મીરાંનો જમાનો નક્કી કરવા આવશ્યક છે.
રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ સાયન્સના તત્ત્વચિંતનના ઉત્સાહી અભ્યાસી છે. કેટલાંક માસિકોમાં એમના એ સંબંધીના લેખો આવ્યા જાય છે. સરળ ભાષામાં સાયન્સની ગહન બાબતો તેઓ સમજાવે છે. સાયન્સમાં ચંચુપાત કર્યા વિના તેને જડવાદી કહી તે શબ્દથી ભડકનારાઓને રા. વિજયલાલના લેખો વાંચવા ભલામણ કરવી જોઈએ. સ્વદેશી હિલચાલને પ્રતાપે સાયન્સનું શિક્ષણ વધવાનું અને એ શિક્ષણના પ્રસારની સાથે આપણા જડ ઘાલી બેઠેલા વહેમો નિર્મૂળ કરવા સાયન્સના તત્ત્વચિંતનનો પણ પ્રસાર થવો જરૂરનો છે.
આજથી ઘણાં વર્ષ ઉપર ‘નવરાશ’ અને ‘ફુરસદ’ના તંત્રીએ અંગ્રેજી ઉપરથી એક ફારસ ગુજરાતીમાં લખેલો. ઉક્ત બીના જાણમાં ન હોવાથી ‘જ્ઞાનવર્ધક’ના એક ઊછરતા લેખકે, ફરી વાર એ ફારસ ગુજરાતીમાં ઉતાર્યો. આથી એ બે માસિકો વચ્ચે થયેલી ટપાટપીથી તેમના વાચકોને રમૂજ ઠીક આવી હશે.
આમ પારસી પત્રોમાં અંગ્રેજી લેખોના તરજુમા સ્વતંત્ર લેખ તરીકે છપાયે જાય છે તેમ આપણાં પત્રોમાં બંગાળી, મરાઠી, હિંદી કે અંગ્રેજીમાંથી થયેલાં ભાષાંતરો છપાય છે. જવલ્લે જ લેખકો તરફથી કબૂલવામાં આવે છે કે એમના લેખો ભાષાંતર છે. આવી જાતની ચોરીથી તંત્રીઓએ સાવધ રહેવાની જરૂર છે.
ધાર્મિક મંડળોનાં વાજિંત્રોમાં પણ આવું થાય તો બીજાને શો દોષ દેવો? ‘મહાકાળ’માં પ્રગટ થતી યોગિની નામની કથા Mata the Magician નામની અમેરિકન નવલકથા ઉપરથી સુધારાવધારા, ઘટાડા સાથે છપાય છે. વાચકોને ઉક્ત વાત જણાવેલી ન હોવાથી એ મંડળનો ઘણો ભાગ એ વાર્તાને સ્વતંત્ર કૃતિ ગણે છે અને એમાં વર્ણવેલી વાતો ખરી બનેલી હોય એવું માને છે.
છાપખાનાં વધતાં જાય છે તેમ તેમ પત્રોની સંખ્યા પણ વધતી જાય છે. ઘણાંખરાં પત્રોની કિંમત રૂ. સવા અને ‘ફર્મા’ ત્રણ કે ચાર બ્રહ્માને ત્યાંથી લખાઈ આવ્યા હોય તેમ લાગે છે! આ વધી પડેલો ઊકરડો ત્રાસરૂપ થઈ પડ્યો છે.
દક્ષિણમાં ઘણુંખરું સાપ્તાહિકોની કિંમત કરતાં માસિકોની કિંમત વધારે હોય છે, અને આપણાં માસિકો કરતાં તેમાં આવતાં લખાણો ઊંચા પ્રકારનાં અને વિવિધ વિષયોને લગતાં હોય છે.
દક્ષિણમાં તંત્રીઓ ઘણે ભાગે બ્રાહ્મણો છે, આપણે ત્યાં વૈશ્યો છે. બે વર્ષ ઉપર આપણા તંત્રીઓની સંખ્યાનું વર્ગીકરણ નીચે પ્રમાણે હતું : ૮ બ્રાહ્મણ, ૧ બ્રહ્મક્ષત્રી, ૧૭ પારસી, ૧૭ વાણિયા, ૨ લોહાણા, ૫ મુસલમાન, અને ૨ મરાઠા. આમાં પારસી, વાણિયા, લોહાણા અને મુસલમાન વૈશ્યનો ધંધો કરનારા હોવાથી ૪૧ વૈશ્ય તંત્રીઓ હતા એમ કહી શકાય. હમણાં શી સ્થિતિ છે તે જાણવા સાધન ઉપલબ્ધ નથી.
ગ્રંથપ્રસિદ્ધિનું નિરીક્ષણ કરતાં લોકસમૂહ માટે પ્રગટ થતા સાહિત્યનો ઉલ્લેખ કરીશું. અમદાવાદના સાહસિક ગ્રંથવિક્રેતા મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે અને વઢવાણ, મુંબઈના એવા જ ગ્રંથપ્રકાશકો નાના પ્રકારના વાર્તાઓના, ધર્મના, પુરાણોના, ભજનોના ગ્રંથો છપાવ્યે જાય છે. કોઈ મંડળ તરફથી એ લોકોએ પ્રગટ કરેલા સાહિત્યની દર વર્ષે સમાલોચના થવી ઘટે છે.
પાલીતાણાની જૈન ગ્રંથપ્રસારક મંડળી અને ભાવનગરની જૈન ધર્મ પ્રસારક મંડળી પણ એમના ધર્મનાં પુસ્તકો છપાવવાનું કામ સારા – વિશાળ પાયા ઉપર ચલાવ્યે જાય છે. ભિક્ષુ અખંડાનંદે સ્થાપેલા ‘સસ્તું સાહિત્યવર્ધક મંડળે’ ભગવદ્ગીતા, ભાગવત – એકાદશ સ્કંધ, એ બે પુસ્તકો બહાર પાડ્યાં છે, અને બીજા ગ્રંથો બહાર પાડનાર છે.
ઉદ્દામ પક્ષના લેખકો તરફથી ટિળક, પાલ, લજપતરાય, હૈદર રેઝા, અરવિન્દ ઘોષ પ્રભૃતિનાં ગ્રંથોનાં ભાષાંતર આ વર્ષમાં પ્રગટ થયાં હતાં. ‘ગુજરાતી’માં રાજ્યવિદ્યા વિશે લેખ આવે છે.
ગાયકવાડ સરકાર અને ગુ. વ. સોસાયટી તરફથી ઐતિહાસિક ગ્રંથોનાં અંગ્રેજીમાંથી ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. પ્રોટેસ્ટંટ રાણી એલિઝાબેથનો સમય, એ વડોદરામાં અને મરાઠી સત્તાનો ઉદય, અને દક્ષિણનો પૂર્વ સમયનો ઇતિહાસ અમદાવાદમાં, અને પોરબંદરના ઇન્સ્પેક્ટરનો રચેલો શાળોપયોગી હિંદનો ઇતિહાસ ગઈ સાલ છપાયાં હતાં.
ઇતિહાસ ઉપર આપણે ત્યાં બિલકુલ લક્ષ નથી અપાતું એ ખરેખર મોટા ખેદની વાત છે. લોકોમાં બિલકુલ historic sense નથી. તેમ ઇતિહાસરૂપી પ્રમાણનું મહત્ત્વ ખબર ન હોવાથી ખોટા વિચારોમાં ગોથાં ખાય છે.
આ વર્ષે વલ્લભીના મૈત્રકોનાં શાસનો જડ્યાં હતાં. પાલીતાણામાંથી હાથ આવેલું શાસન Epigraphica Indicaમાં પ્રસિદ્ધ થયું છે. રાજકોટના ઉમંગી અને આગ્રહી પ્રાચીન વસ્તુશોધક રા. વલ્લભજી હરિદત્ત આચાર્યને પણ શાસન મળ્યાં છે. આપણા હાલના તંત્રીઓને આ પ્રદેશમાં રસ પડતો ન હોવાથી આવાં શાસનો અને સિક્કાઓની નોંધ કોણ લે?
‘મુદ્રારાક્ષસ’ના ગુજરાતી ભાષાંતરની નવી આવૃત્તિના ઉપોદ્ઘાતમાં જે ઐતિહાસિક ભાગ રા. રા. કેશવલાલ ધ્રુવે લખ્યો છે તે હિંદના ઇતિહાસના એક અંધકારગ્રસ્ત પ્રદેશ પર પ્રકાશનું કિરણ ફેંકે છે.
બંગાળી સાહિત્ય અને પ્રજાજીવનના મહાન આચાર્ય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પ્રાતઃસ્મરણીય નામથી ગુજરાતમાં કોઈક જ અજાણ્યું હશે. વિદેહ નારાયણ હેમચંદ્રે એની કેટલીક વાર્તાઓનાં ભાષાંતર કર્યાં હતાં. ત્યાર પછી બીજાઓએ પણ કર્યાં છે. એની રાજસિંહ નામની નવલકથાનું ભાષાંતર કરનાર રા. કૃષ્ણલાલ ઝવેરીએ બંકિમચંદ્રના કૃષ્ણચરિત્રનું ભાષાંતર આજથી ઘણાં વર્ષ ઉપર કર્યું હતું. પરંતુ ‘પ્રેસ’માં શ્રીકૃષ્ણની બંસરીએ જૈનોને પણ મુગ્ધ કરી દીધા એટલે ચરિત્રને છપાતાં ઘણો વખત લાગ્યો. ચરિત્રમાં શ્રીકૃષ્ણના જીવનમાં ભાગવત, ગીતગોવિંદ, આદિને લઈને જે કાળાશ જણાતી હતી તે બંકિમચંદ્રે દૂર કરી છે. મહાભારતમાં જે પ્રકારનું વ્યાસજીએ શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું છે તે જ રીતે આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. લેખક કહે છે :
‘કૃષ્ણ બધી જગાએ, બધે વખતે, બધા ગુણોના તેજથી પ્રકાશિત હતો. તે કોઈનાથી જિતાય તેવો ન હતો, કોઈનાથી જિતાયો ન હતો, વિશુદ્ધ પુણ્યમય, પ્રીતિમય, દયામય હતો; પોતાનાં કર્તવ્ય કરવામાં કદી પાછો પડતો ન હતો. ધર્માત્મા, વેદજ્ઞ, નીતિજ્ઞ, ધર્મજ્ઞ, લોકહિતૈષિ, ન્યાયી, ક્ષમાશીલ, ધિક્કારવૃત્તિ વિનાનો, શાસન કરનાર, ભોળો, અહંકાર વિનાનો, યોગી અને તપસ્વી હતો. પોતે માણસની શક્તિ વાપરી કામ કરતો હતો, છતાં તેનું ચરિત્ર ઈશ્વરી હતું. એવી રીતની માનુષી શક્તિ વડે જ અમાનુષી ચરિત્ર વિકાસ પામે. તેના ઉપરથી તેના મનુષ્યત્વ અથવા ઈશ્વરત્વ વિશે અનુમાન, તે માણસ હશે કે ઈશ્વર હશે તેનો વિચાર, વાચક પોતાની શક્તિ મુજબ કરી લેશે.’
‘યથાર્થ હિંદુ આદર્શ(Hindu Ideal) તે તો શ્રીકૃષ્ણ જ, મનુષ્યત્વનું ખરેખરું આદર્શ સ્થાન તો તે જ.’
‘કૃષ્ણ તો સંસારી, ગૃહસ્થાશ્રમી, રાજનીતિનો જાણનારો, લડવૈયો, દંડપ્રણેતા, તપસ્વી અને ધર્મપ્રચારક હતો. સંસારીનો, ગૃહસ્થાશ્રમીનો, રાજાઓનો, યોદ્ધાઓનો, રાજપુરુષોનો, તપસ્વીઓનો, ધર્મવેત્તાઓનો, ટૂંકામાં કહીએ તો મનુષ્ય આખાના સઘળા અંગનો આદર્શરૂપ હતો.
લેખક પોતે કૃષ્ણને ઈશ્વર તરીકે માને છે છતાં આ ગ્રંથમાં તેનું મનુષ્યત્વ જ આલેખ્યું છે, અને હિંદુ પ્રજાએ પોતાનો પ્રજાકીય આદર્શ કેવો ઉન્નત મેળવ્યો હતો તે બહુ સારું બતાવ્યું છે.
રા. બ. ચિંતામણ વૈદ્યે પોતાના Epic India (મહાભારત અને રામાયણના સમયનું હિંદુસ્તાન)માં પણ શ્રીકૃષ્ણનું ચરિત્ર નિષ્કલંક અને ઉત્કૃષ્ટ હતું એમ જણાવ્યું છે.
મૂળ ગ્રંથોનો અભ્યાસ ઘટવાથી નાના પ્રકારના અનર્થો થાય છે. શ્રીકૃષ્ણના ઉક્ત ઉત્તમ ચારિત્ર્યને સ્થાને લંપટતા, કપટીપણું, ક્રૂરતા, નીચતા, અસત્યવાદીતા, ઘાતકતા આદિથી ભરેલું કલુષિત ચારિત્ર્ય જનસમાજમાં પ્રચાર પામ્યું છે. આવા ગ્રંથોને લીધે એ આદર્શણીય ચરિત્ર જોવાની ઉત્સુકતા વધશે એવી આશા છે. મહાભારતના બનાવો અને પાત્રોનો આવો કેટલો બધો વિનિપાત પુરાણો અને આપણા માણભટોએ કર્યો છે? મૂળ ગ્રંથો વાંચવાની ટેવ ન હોવાથી આ રસ્તે જે જણાતું તે મનાતું. પરંતુ હવે તો ગ્રંથો છપાયા છે અને સંસ્કૃતનું જ્ઞાન વધતું જાય છે. તે વખતે વેદ, શાસ્ત્ર, સ્મૃતિ આદિ ગ્રંથોનાં ખોટાં અપાતાં પ્રમાણો જાતે જોયા વિના ન માનવા દરેક જણે તત્પર રહેવું જોઈએ. જો આમ મૂળ ગ્રંથો જોવાની અને બંકિમચંદ્ર તથા રા. ચિંતામણ વૈદ્યે મહાભારત નિરીક્ષ્યું છે તે રીતે એ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવશે તો ગુજરાતમાં ચાલતી ગપો, વિતંડા નિર્મૂળ થશે. લોકોને ચેતનભર અને સજીવન કરે એવા આદર્શો મળશે. [3] શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય અને ‘મહિમ્ન’નું ભાષાંતર કરનાર રા. વિશ્વનાથ સદારામ પાઠકે નચિકેતાનું આખ્યાન નવલકથારૂપે લખી પ્રગટ કર્યું હતું.
અમદાવાદના ‘સસ્તા સાહિત્ય પ્રકાશક મંડળે’ અંગ્રેજીમાંથી મૈત્રેયીના નવલકથારૂપે લખાયેલાં જીવનચરિત્રનો તરજુમો પ્રગટ કર્યો છે.
અભયકુમાર મંત્રીનું જીવનચરિત્ર-એ જૈન ગ્રંથ છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ગયે વર્ષે અર્ધું ભાષાંતર બહાર પડ્યું હતું.
હિંદની બીજી ભાષામાં લખાયેલાં ગેરિબાલ્ડી અને મેટ્ઝિનીનાં ચરિત્રો ગુજરાતી ભાષામાં અનુવાદિત થયાં હતાં.
‘સ્ત્રીબોધ’માં અંકે અંકે રા. જીવનજી જમશેદજી મોદી ‘શાહનામાની સુંદરીઓ’ નામના લેખ લખતા હતા તે સમગ્ર સ્વરૂપમાં પ્રગટ થયો હતો.
પ્રો. બ. ક. ઠાકોરે મહાભારતમાં આવતાં સુન્દરી પાત્રોનાં જીવન વ્યાસજીની જ વાણીમાં ગુજરાતને રોશન કરવા માંડ્યાં છે. સતીઓનાં ચરિત્રો પુરાણો ઉપરથી અને રાજસ્થાન ઉપરથી અનેક લખાયાં છે. પરંતુ પ્રો. ઠાકોરની યોજના તે ગ્રંથોથી તદ્દન નિરાળી છે. મહાભારતમાં છૂટા છૂટા પ્રસંગે આલેખાયેલાં સ્ત્રીજીવન એકત્ર મૂર્તિમન્ત કરવા અને એમના જીવનમાં ઓતપ્રોત રહેલા આદર્શો આજની પ્રજાને આપવા એવો એમનો ઉદ્દેશ જણાય છે. શકુન્તલા, કુન્તી અને સાવિત્રી એ ત્રણ સન્નારીઓનાં જીવન એમણે અત્યાર સુધીમાં પ્રગટ કર્યાં છે.
આ સર્વે ગ્રંથોમાં – નાના પ્રકારનાં સતીમંડળોમાં મિસિસ જેમીસનની પ્રતિભા, પ્રસાદ, કલ્પના કે બાની તો નથી જ.
ફ્લોરેન્સ નાઈટીંગેલનું ચરિત્ર, ગુ. વ. સોસાયટી માટે સૌ. શારદા મહેતાએ લખ્યું હતું. સેવાસદન જેવી સંસ્થાની ઉપયોગિતા વધતી જશે અને નૈષ્ઠિક કે ગૃહસ્થ સેવિકાની સંખ્યા વધશે તથા તેમનાં કામની કદર થશે તેમ તેમ આ પરોપકારિણી સાધ્વી સ્ત્રીનું ચરિત્ર વિશેષ વંચાશે.
રા. લલ્લુભાઈ શામળદાસની પુત્રી સૌ. સુમતીએ પાશ્ચાત્ય સદ્ગુણી સ્ત્રીઓનાં ચરિત્રનું અંગ્રેજી ઉપરથી ભાષાંતર કર્યું હતું. તેમ જ ‘ગીતાર્થસાર’ નામનો લઘુ ગ્રંથ પ્રગટ કર્યો છે. ‘આનંદ’માં એમનું કરેલું એક ભાષાંતર છપાય છે.
‘બાળવિનોદ’, ‘શિશુસદ્બોધ’ આદિ ગ્રંથો બાળકોને માટે લખાયા છે. મુંબઈના રા. જગન્નાથ રાવળે ‘આનન્દમાલા’ ના બે ભાગ પ્રગટ કર્યા છે. રા. મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ પણ ગોંડલના રા. નાગરદાસ ધ્રુવના બાળકોને માટે લખેલા ગ્રંથો પ્રગટ કર્યા છે. બાળકોને માટે ગ્રંથોની ઘણી જ જરૂર છે. તે ગ્રંથો સારી છપાઈના અને સચિત્ર હોય તો સારું. મિ. સ્ટેડની Books for the Bairns અને Plays for Children નામની ગ્રંથાવલિઓ જેવાં,- મિ. એન્ડ્રુ લેઙ્ગ સંપાદિત પરેશાની કથામાળા(Fairy Tales) કે ઇંગ્લૅંડના જુદા જુદા ગ્રંથ પ્રકાશક મંડળના બાળકાવ્યોના ગ્રંથો જેવા ગ્રંથો આપણે ત્યાં રચાવાની ખાસ જરૂર છે. બાળકોને માટે મહારાષ્ટ્ર, બંગાળ વગેરે પ્રાંતોમાં માસિક નીકળે છે પરંતુ આપણે ત્યાં કાંઈ જ નથી. ‘સુન્દરીસુબોધ’ પ્રવર્તક મંડળનું પણ બાળસાહિત્ય પ્રત્યે દુર્લક્ષ છે. માતા, ભગિની, પુત્રી, શિક્ષક, રાજ્યકર્તી, ઉપદેશિકા, પંડિતા, સેવિકા આદિ સ્ત્રીજીવનનાં સ્વરૂપો કરતાં સ્ત્રીનું એકતાનાત્મક દાંપત્યજીવન આલેખવું એ એ માસિકને બહુ રૂચે છે.
વડોદરા સરકારે ‘દેશી રમતો’નો ગ્રંથ છપાવ્યો (તેમાં પણ છોકરીઓની રમતો નથી. ‘મરાઠી ખેલાંચેં પુસ્તક’માં છોકરા-છોકરીની રમતો છે.) ત્યાર પછી એ રમતોને શિક્ષણનો વિષય બનાવવા – એમાં રહી ગઈ હોય એવી રમતો મેળવવા કે પરદેશી રમતો આપણે ત્યાં દાખલ કરવા બિલકુલ પ્રયત્નો નથી થયા. ઇંગ્લિશ અભ્યાસક્રમોમાં organised games ને સ્થાન હોય છે તે આપણા શિક્ષકોને અને ‘ટ્રેઈનિંગ કૉલેજ’ના અધ્યાપકોને વિદિત હોવું જ જોઈએ.
બાળશિક્ષણમાં સંગીત પ્રવેશ પામતું જાય છે એ આનંદની વાત છે. બાળકાવ્યો સારાં લખાવાની ઘણી અગત્ય છે. નવલરામની ગરબાવળી અને રા. બાપાલાલની ગરબાવળી બાદ કરતાં ગરબાવળી અને ગીતોનાં જે પુસ્તકો અવારનવાર પ્રગટ થાય છે તેની અંદરની કવિતા કરતાં તો સ્ત્રીઓનાં જોડકણાં વધારે સારાં હોય છે.
અત્યાર સુધી જે ગ્રંથો બાળકોને માટે લખાયા છે તે તેમનો જુસ્સો પ્રફુલ્લ કરે એવા નથી.
બાળજીવનમાં કથા, સંગીત, નાટક અને રમતનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બાળશિક્ષણ તેજસ્વી બનવાનો સંભવ છે. કીંડરગાર્ટન દાખલ થયું છે પણ તે સંબંધીનું સાહિત્ય (literature) તદ્દન નિઃસત્ત્વ સંસ્કારહીન છે તેમ તેનો ઉદ્દેશ યથાર્થ પળાતો પણ નથી.
છતાં પણ માધવલાલ હરિલાલ દેસાઈએ બાળશિક્ષણ માટે જે ઉત્સાહ કેળવણી ખાતામાં પ્રગટાવ્યો હતો તે મંદ નથી પડ્યો. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેઇનિંગ કૉલેજના શિક્ષક રા. રા. ગંગાશંકર વૈષ્ણવે બાળસ્વભાવ સંક્ષેપમાં પણ સરળતાથી સમજાવવા લખેલા ગ્રંથની બીજી આવૃત્તિ થઈ છે. આ ગ્રંથ શિક્ષકને તેમ જ માબાપ ઉભયને ઉપયોગી છે. યુરોપ અમેરિકામાં આ વિષય ઉપર પુષ્કળ લક્ષ અપાય છે અને ત્યાં બાળસ્વભાવનો સૂક્ષ્મ અને અવિરત અભ્યાસ કરવાની પ્રયોગશાળાઓ પણ હોય છે. તેમ જ એ વિષયનું સાહિત્ય પણ બહોળું છે. આવા ગ્રંથના પ્રચાર અને સત્કાર વધતાં બાળકેળવણીનું સ્વરૂપ પલટાઈ સારું થવાનો સંભવ છે.
પરચૂરણ ગ્રંથોમાં વહેમખંડન, પુત્રધર્મ, ધાત્રીશિક્ષા, ખેતીવાડીનાં મંડળો વગેરે વગેરેની પ્રસિદ્ધિ થઈ હતી. ધાત્રીશિક્ષા વૈદ્યકલ્પતરુના તંત્રીની કૃતિ છે. ખેતીવાડીનાં મંડળનું પુસ્તક ઘણું ઉપયોગી છે. એ વિષય લોકપ્રિય કરવાની ફરજ આપણા પત્રકારોની છે. સીનોરથી નીકળતા અને ઝળક દાખવતા ‘પટેલ બન્ધુ’ નામના માસિકમાં એ ગ્રંથના કર્તા રા. છોટાલાલ બાબરભાઈ પટેલ એ જ વિષય ચર્ચે છે અને એ દ્વારા પોતાના વર્ગમાં એ બાબતનું જ્ઞાન ફેલાવવા આવશ્યક પ્રવૃત્તિ આરંભી છે. સરળ ભાષામાં અને ખેડૂતોથી સમજાય એવી રીતે એ વિષયની ચર્ચા અનેક રીતે થયા કરે તો અન્તે લાભ છે.
શ્રેયઃસાધકો વર્ષમાં બે વખત સાધન સમારંભ કરે છે. એ સમારંભ વખતે થયેલાં ભાષણો, કીર્તનો વગેરેનો સંગ્રહ છપાય છે. ગયે વર્ષે સદુપદેશ શ્રેણી(ઉક્ત સંગ્રહનું નામ છે)ના ૧૯ અને ૨૦મા ભાગો પ્રકટ થયા હતા. પ્રો. કણીઆએ કરેલાં શંકાનાં સમાધાન એ પંથની વિચારાચાર શ્રેણીનું દર્શન કરાવે છે. આ ઉપરાંત એમના ‘નિદ્રાનિરૂપણ’ તથા ‘રાગ એટલે પ્રેમ, એ વિરાગનું રહસ્ય છે’ એ બે ભાષણો એ સંગ્રહમાં છે. નિદ્રાનિરૂપણનો વિષય વૈજ્ઞાનિક છે – સર્વને તે વાંચવા જેવો છે. રા. નર્મદાશંકર દેવશંકરનો ‘વેદાંત નિબંધમાલા’ નો લેખ છે. રા. છોટાલાલ જીવનલાલનો ‘વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો જય શ્વસનક્રિયાથી થઈ શકે,’ એવું પ્રતિપાદન કરતો અપૂર્ણ લેખ એ સંગ્રહમાં છે. ૧૯મા અંકમાં રા. કૌશિકરામનો આર્યલગ્ન વિશે લેખ છે. હાલની લગ્નક્રિયાથી એમનો અત્મા કંપી ઊઠે છે. પ્રાચીન લગ્નની ક્રિયા અને ભાવના કેવાં હતાં તેનું નિરૂપણ એમનાં લેખમાં છે. લેખ સારો છે. શ્રેયઃસાધકો આવા વિચારોના આંદોલનથી જ કર્તવ્યસમાપ્તિ થયેલી માને છે કે પ્રાચીન આર્યલગ્નની ભાવના ઉત્તમ હોય તો તેઓ તે પ્રમાણે વ્યવહરવા પ્રવૃત્ત થાય છે?
આ લેખમાં ભાષણકારે કેટલીક પાશ્ચાત્ય વાતો પર સમજ્યા વિના આક્ષેપ કર્યા છે. ટૉલ્સ્ટૉયે લગ્ન ઉપર જે પ્રહારો કર્યા છે અને જે નિર્ણય આપ્યો છે. તેનો ઉપલક અભ્યાસી તેમ જ પ્લેટૉનિક સ્નેહ વિશે એકાદ અંગ્રેજી કોષમાં આપેલી વ્યાખ્યા જોનાર જણથી રા. કૌશિકરામના એ બેના સંબંધમાં કાઢેલા ઉદ્ગારોથી હર્યા વિના રહેવાશે નહિ. શ્રેયઃસાધકો તો એમની વાણી વેદવાણી તુલ્ય લેખતા હોય તેમ જ એમણે ઉલ્લેખેલી બીનાઓથી અજાણ હોય એટલે એમની સમક્ષ આવી નિરર્થક demagogic (લોકોની હલકી વૃત્તિ તૃપ્ત કરતી) વાણી ઉચ્ચારાય તો તે વિષે શંકાશીલ ન થાય એ સ્વાભાવિક છે. જેવી ભૂલ પાશ્ચાત્યો આપણી સંસ્થા, વિચારણા આદિ સમજતાં કે સમજાવતાં કરે છે તેવી ભૂલ તેમના સંબંધમાં જાણીજોઈને આપણે શા માટે કરવી?
પુરુષોએ પણ સ્ત્રીની પેઠે પ્રેમ અવ્યભિચરિત રાખવો એવું સબળતાથી કહેવામાં આવ્યું છે. સ્ત્રીપુરુષ ઉભયને માટે એકલગ્ન(monogamy) જ શ્રેયસ્કર છે. પુરુવિવાહ(Polygamy) ત્યાજ્ય છે. શ્રેયઃસાધકોની સંસારઘટનામાં આ સિદ્ધાંતો સ્વીકારાયા છે કે સ્વીકારાવાનો સંભવ છે?
જપતપથી નહીં પણ હાલમાં આપણા દેશમાં ઊઠતા પ્રજાકીય ને સાંસારિક મહાપ્રશ્નો સરળતાથી નિરૂપી વ્યવહારમાં આણવા પ્રવૃત્ત થાય તો જ શ્રેયઃસાધક સંપ્રદાયની ઉપયોગિતા હશે તેનાથી અધિકતર વધવાનો સંભવ છે. રા. કૌશિકરામ અને પ્રો. કણીયાના લેખો શ્રેયઃસાધકના તર્કશાસ્ત્રના(logic) ગુણદોષના અચ્છા નમૂના છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રણીત ‘દયારામનો અક્ષરદેહ’ એ કવિની કવિતાનું રહસ્ય પ્રગટાવતો ગ્રંથ છે. ગો. મા. ત્રિ. ની વિદ્વત્તાની છેલ્લી પ્રસાદી છે. Inductive appreciationનો ઉત્તમ નમૂનો છે. દરેક પ્રાચીન કવિનો આવી રીતે અભ્યાસ થાય તો જ તેમની કવિતા ખરી કિંમતે અંકાય. ગોવર્ધનરામને દરેક વસ્તુમાં સંદૃંશ જણાતો, તે સ્ફૂટ કરવામાં એમને અતિશય આનંદ પડતો. વલ્લભ સંપ્રદાયના સિદ્ધાન્તો દયારામની કવિતામાં કેવી રીતે વ્યાપ્યા છે, અને એની દરેકે દરેક ગરબીમાં સંપ્રદાયના સિદ્ધાન્ત નિરૂપક કાવ્યોમાં એ વ્યાપ્તિને લીધે શા શા અર્થ નીકળે છે તે સારી રીતે સમજાવ્યું છે. યોગ અને વેદાન્તની કુમક મેળવી દયારામની ભક્તિ સ્ફૂટ કરી છે. જે પ્રણાલિકા દ્વારા દયારામે ભક્તિરસ વહેવડાવ્યો છે તે પ્રણાલિકામાં રહેલા દોષોનું પણ સંક્ષિપ્ત – અતિ સંક્ષિપ્ત સૂચન છે.
રા. ગંગાશંકર વૈષ્ણવે ‘પદાર્થવિજ્ઞાનનાં મૂળતત્ત્વ, વ્યાખ્યાન ૧લું‘ સોસાયટી સારુ લખી આપ્યું હતું. આશા છે કે ધીમે ધીમે સોસાયટી એમની પાસે પદાર્થવિજ્ઞાનમાં સમાયેલા દરેકે દરેક વિષયોની સરળ, સપ્રયોગ અને સચિત્ર મીમાંસા કરાવશે.
રા. રતનજી શેઠના એકલે હાથે અને સખીદિલના સાહિત્યપ્રિય પારસી શ્રીમંતોની મદદથી ‘જ્ઞાનચક્ર‘(Encyclopedia) નામનો મોટો કોષ પ્રગટ કર્યા જાય છે. ગયે વર્ષે એ કોષનો સાતમો ગ્રંથ એમણે બહાર પાડ્યો છે. રા. રતનજી શેઠના કાવ્ય, નાટક, વાર્તા આદિના પ્રદેશમાં પણ પોતાની કલમ ઘુમાવે છે.
નાટક કંપનીઓ નવી નવી ઊભી થાય છે–લુપ્ત પણ થાય છે, પરન્તુ તેમનો ઇતિહાસ નોંધી રાખનાર એકે પત્ર કે સંસ્થા નથી. નાટક કંપનીવાળાઓએ મળી એક સંસ્થા કાઢવી. દરેક કંપનીએ એ સંસ્થાના સભાસદ થવું. એ સંસ્થાના ગ્રંથાલયમાં દરેક કંપનીના ખેલોની છપાયેલી ચોપડીઓ રહે. એ સંસ્થા તરફથી એક માસિક પ્રગટ કરવું. તેમાં અભિનય, સંગીત, સીનરી, વગેરેની ચર્ચા, સારા ખેલાડીની પ્રશંસા, નાટકોનાં અવલોકન, નાટ્યકળા અને તેના વિધાયકો ઉત્તમ શી રીતે થાય તેની મીમાંસા વગેરેને સ્થાન આપવું. આ સંસ્થા નાટક કંપનીઓ વચ્ચે ઊઠતી તકરારોની લવાદી પણ કરે અને એ રીતે એખલાસ રાખી પ્રજાના જાહેર વિનોદ રસિક અને સાત્ત્વિક કરવા તત્પર રહે.
ગયા વર્ષનાં નાટકોમાં કાઠિયાવાડી નાટક મંડળીનો ‘દેવકન્યા’ નો ખેલ સારો છે.
પારસી ખેલાડી ‘કાઉખટાઉ’ ની રંગભૂમિ ઉપરની કારકિર્દી ૨૫ વર્ષની થઈ એટલે તે નિમિત્ત તેની રૂપેરી ‘જ્યુબિલી’ ઊજવાઈ હતી. પારસીઓ અને બંગાળીઓમાં પોતાની કોમનાં આગળ પડતાં માણસો માટે અભિમાન હોય છે; આશાનું ઉજમાળું ચિહ્ન કોઈમાં જણાય તો તરત તેને ઉત્તેજન મળવાનું. આપણે ત્યાં એવાં ઉત્તેજન, કદરની ખામી જ છે. હૃદયની ઉદારતા અને મનની મોટાઈ ઓછાં છે.
રા. રા. મેહરજીભાઈ રતુરા પ્રણિત વાનપ્રસ્થ નાટકમાં વિષય થિયોસોફી– Theosophy અને ઑકલટિઝમ્ – Occultism છે – અને ભાષા પારસીશાઈ ઝડઝમકથી ભરેલી છે. શ્રીમતી ધનદાગૌરીનું રચેલું ‘શાંતિશિયળ નાટક’ એક સન્નારીની કૃતિ છે.
રા. રા. કેશવ હર્ષદ ધ્રુવે ‘મુદ્રારાક્ષસ’ના ભાષાંતરની બીજી આવૃત્તિ દેવનાગરી લિપિમાં પ્રગટ કરી છે. ભાષાંતર સરળ અને રસિક તથા પ્રસાદી છે. વિશાખદત્તની બાની કરતાં ભાષાંતરકારની બાની વિશેષ હૃદયસ્પર્શી છે. પરન્તુ આ આવૃત્તિનો ઉપોદ્ઘાત સૌથી મહત્ત્વનો ભાગ છે. રચાયું ત્યારની રાજકીય સ્થિતિ અને કાવ્ય, દર્શન, વ્યાકરણ વગેરે પ્રદેશમાં થતી પ્રવૃત્તિ એમાં આલેખાયાં છે. નાટકના બંધારણમાં કાલિદાસ પછી શા શા ફેરફારો થયા અને મુદ્રારાક્ષસનું બંધારણ કેવું છે તે; નાટક ઉપરથી તેનાં પાત્રોની ઐતિહાસિક હકીકત બીજેથી મેળવી વર્ણવી છે તે; વગેરે વગેરે અનેક ઉપયોગી બાબતો એ ઉપોદ્ઘાતમાં ભરેલી છે.
એમની ભાષા ઉપર સંસ્કૃત ગદ્યભાષાની સબળ અસર છે. પરન્તુ સમાસ અને શ્લેષનો ત્યાગ કર્યો છે એટલે જ એ અસર દીપી નીકળે છે.
એમના જેવા સમર્થ વિદ્વાનને હાથે લખાયેલા ઉપોદ્ઘાતના ઐતિહાસિક ભાગની ભાષા પોચી લાગે છે તે જોતાં આપણને એમ થાય છે કે ઇતિહાસ લખવાની ભાષા ગુજરાતમાં હજુ જન્મવાની છે.
વાર્તાઓ વાંચવાનો શોખ જબરો જાગ્યો છે. લગભગ બધાં ક્રમિક પત્રો વાર્તાઓ છાપે છે. કેટલાંક ખાસ વાર્તાઓનાં માસિકો નીકળે છે. પારસીઓમાં તો વિશેષ અંગ્રેજી, બંગાળી, મરાઠી અને હિંદી કે ઉર્દૂ ભાષામાંથી કરેલાં ભાષાંતરોથી શોખ સંતોષાય છે. કેટલીક વખત બે ત્રણ વાતોનો ખીચડો કરી નવી વાત ઊભી કરાય છે, અને ભાષાંતર કે અનુવાદ (adaptation) કર્યું હોય તે છતાં તે ન કબૂલવાની ગુજરાતના લેખકોને કુટેવ પડી ગયેલી હોવાથી એ બધી વાર્તાઓ સ્વતંત્ર કૃતિઓ જ લેખાય.
વાર્તાઓ બે પ્રકારની લખાય છે : (૧) અવકાશનો સમય ગાળવા તથા નવરાઓનો ક્ષુદ્ર જિજ્ઞાસારસ દ્રવાવા અદ્ભુત રસનો બહોળો ઉપયોગ જેમાં કરાયો હોય એવી વાર્તાઓ. આવી વાર્તાઓ અનેક બહાર પડે છે; (૨) ઉદ્દેશપુરઃસર લખાઈ હોય તે. સંસારના, ધર્મના કે ઇતિહાસના પ્રશ્નો ચર્ચવા નવલકથાનું સાહિત્ય સબળ સાધન હોવાથી એ રીતે એનો ઉપયોગ થાય છે.
બે મુદ્રિકા, ગુપ્તગુપ્તા, ગૃહલક્ષ્મી એ ડી. લક્ષ્મીદાસની કંપનીની પ્રસિદ્ધિ હતી. ‘ગુજરાતી’એ ‘પેશ્વાની પડતીનો પ્રસ્તાવ’ નામની કથા લાલન વેરાગણના નામથી પ્રખ્યાત થયેલી વાર્તાનો ફરીથી તરજુમો કરી ગ્રાહકોમાં વહેંચી હતી.
ઇલ્મે રૂહાની વિદ્યાનો પ્રભાવ દાખવતી ‘રશીદા’ નામની સચિત્ર વાર્તા રા. હાજીમહમદ અલારખીઆ શિવજીએ પ્રગટ કરી હતી. રા. હાજીમહમદ ગુજરાતી સાહિત્યના અદ્વિતીય મુસલમાન સેવક છે. કાવ્ય, વાર્તા, ધર્મ વગેરે વિષયોથી આપણું સાહિત્ય અલંકૃત કરે છે. એમના ગ્રંથોની છપાઈ, બાંધણી વગેરે એમની રસિકતા કેટલી ઊંચી છે તેનો ખ્યાલ આપે છે. રશીદાનાં ચિત્રો દક્ષિણી ચિત્રકાર રા. ધુરંધર પાસે ચીતરાવ્યાં છે. સચિત્ર વાર્તાઓ ગુજરાતી ભાષામાં કેવી સરસ રીતે પ્રગટ થઈ શકે તે રા. હાજીમહમદે બતાવ્યું છે.
રશીદાના દીબાચામાં રા. રતનજી ફરામજી શેઠનાએ ઇલ્મે રૂહાનીના પોતાને થયેલા અનુભવોનું બયાન કરેલું છે. એ વાર્તા અનેક રીતે આકર્ષણીય છે.
રા. હાજીમહમદ યુરોપ અમેરિકામાં વહાલા થઈ પડેલા ફારસી શાયર ઉમ્મર ખય્યમની કવિતાનું ભાષાંતર થોડાક વખતમાં પ્રગટ કરનાર છે.
અમદાવાદના ‘ગુજરાતી પંચ’ની બે ભેટવાર્તા ગયે વર્ષે બન્ધુસમાજના બે સભાસદે લખી આપી હતી. ‘ઉષાકાન્ત’ અને ‘પદ્મનાભ’નું સવિસ્તર અવલોકન બીજે લખવા વિચાર હોવાથી અત્રે આટલું સંક્ષિપ્ત ઉલ્લેખન બસ થશે.
‘સમાલોચક’માં શેઠ પુ. વી. માવજીએ ‘સંધ્યા’ નામની મરાઠા ઇતિહાસને લગતી કથા લખી હતી.
હવે ગયા વર્ષના કાવ્યસાહિત્ય તરફ નજર કરીએ. રા. કહાન ચકુ ગાંધી કૃત ‘શ્રીકૃષ્ણચરિત્ર’નું વૃત્તબંધ, રા. પાર્વતીપ્રસાદ કૃત ‘સુદામાચરિત્ર’નું વૃત્તબંધ, સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલું ‘શિશુપાળવધ’નું ભાષાંતર, મઢડાકર નાગરકૃત ‘સુશીલ યમુના’, રા. હરજીવન ત્રિપાઠી કૃત ‘વૈરાગ્યશતક અને બ્રહ્મજ્ઞાન’નું હિંદીમાંથી ભાષાંતર, નરમણિ કૃત ‘ભાનુપ્રકાશ’, રા. ભાઈશંકર કુબેરજીનાં ‘હૃદયરંગો’, નનામું પ્રગટ થયેલું ‘વીરસૂ’ નામનું કાવ્ય, અને રા. મગનભાઈ પટેલ કૃત ‘ક્ષાત્રપાળ પ્રતાપ’, રા. અરદેસર ખબરદારની ‘પ્રકાશિકા,’ રા. નાનાલાલ કવિનાં ‘કેટલાંક કાવ્યોનો ભાગ ૨જો’, રા. મૂળજી દુર્લભજી વેદની સેવાસદન માટે લખેલી ‘જાગૃતિમાળા’ વગેરે વગેરે ગયે વર્ષે મુદ્રાયન્ત્રોમાંથી પ્રસિદ્ધ થયાં હતાં.
આ ઉપરાંત માસિકોમાં રા. નરસિંહરાવ, સાગર, લલિત, સુમન્ત, કુંજ, સ્નેહજ્યોતિ, નૂતનશ્રી, વિશ્વ, દીવાનો, નાજુક, રા. મોહનલાલ પાર્વતીશંકર, રા. કરીમમહમ્મદ માસ્તર, રા. નર્મદાશંકર બાલાશંકર, રા. મૂળજી દુર્લભજી વેદ, ડૉ. હરિ હર્ષદ ધ્રુવ પ્રભૃતિનાં કાવ્યો પ્રગટ થયાં હતાં. ‘સમાલોચક’માં પ્રગટ થતી સવિતાની કવિતા રા. કહાનજી ધર્મસિંહ તરફથી સંગ્રહિત થઈ પ્રકાશ પામવાની છે. ‘વસન્ત’માં ઉષા નામના સ્ત્રેણ તખલ્લુસથી(pseudonym) લખાયેલું ‘સાવિત્રી અને સત્યવાન’નું કાવ્ય છપાયું હતું : સવિતાની કવિતા પ્રાચીન પદ્ધતિની છે; તોપણ એ કવિતા કાગળનાં ફૂલો જેવી નહીં પરંતુ કુદરતી તાજાં ખીલેલાં પુષ્પો જેવી છે.
નાજુક દખ્ખણ હૈદ્રાબાદમાં વસતો પારસી શાયર છે. પીટીટ ચરણનો અનુયાયી છે. એનાં ઘણાં નાનાં કાવ્યો અંગ્રેજીમાંથી તરજુમો કરેલાં હોય છે. હૈદ્રાબાદના જળપ્રલય વિશે અને સતી થયેલી એક પારસણ વિશે લખાયેલાં કાવ્યોમાં કવિત્વની ઝળક ઝળકે છે.
દીવાનો એક સારો ખેલાડી છે. ‘ગુજરાતી’માં એના તરફથી દેશભક્તિનાં કાવ્યો છપાય છે. મર્હુમ ખેલાડી અમૃતલાલ કે. નાયકના અવસાન પછી ઉર્દૂ સાહિત્યનો આપણને રસાસ્વાદન કરાવનાર હિંદુઓમાં દીવાનો અગ્રણી છે.
રા. મગનભાઈનું ‘ક્ષાત્રપાળ પ્રતાપ’નું કાવ્ય વીરરસની જે ખોટ આપણા સાહિત્યમાં છે તે પૂરવા લખાયું છે. આજથી ઘણાં વર્ષ ઉપર ‘સ્વાર્પણ’ નામનું કાવ્ય શિવાજીના સંબંધમાં પ્રગટ થયું હતું. તેના જેવું જ આ કાવ્ય નિર્બળ છે. દેશના વાતાવરણમાં થયેલા ફેરફારો મુજબ ‘સ્વાર્પણ’માં અને ‘ક્ષાત્રપાળ’માં ભાષા, જુસ્સો વગેરેનો વત્તોઓછો ભેદ છે. ક્ષાત્રપાળમાં વૃત્ત, ભાષા, જોડણી વગેરેના સંબંધમાં જે છૂટ લેવાઈ છે, તે જોતાં એમ લાગે છે કે આવાં કાવ્યો ન લખ્યાં હોય તો સારું, પછી વીરરસ જમાવવા એવી છૂટ લેવી પડતી હોય તો ઉપાય નથી! કાવ્યની રચના(Structure) અને કળા પણ દૂષિત છે.
હિંદુસ્તાનમાં જ્યારે હિંદુ-મુસલમાનને એક પ્રજા બનાવવાનો વિચાર સ્ફૂર્યો છે ત્યારે એ બન્ને જાતોએ પોતપોતાના પરસ્પરના વિગ્રહ ભૂલવા જોઈએ અને સાટે ભેગા મળી જે જે સેવા એમણે સરસ્વતી, કાર્તિકેય, વિશ્વકર્મા અને ઇન્દ્રદેવની કરી હોય તેનો લોકોમાં પ્રચાર કરી એખલાસ વધારવો જોઈએ. શિવાજી અને પ્રતાપનાં વીરત્વ જ્યાં લગી મુસલમાનોની વિરુદ્ધ બતાવાયાં હતાં એ વાત ભુલાઈ જાય નહીં તેમ જ એ વીરત્વની વીરત્વ તરીકે મુસલમાનો પણ કદર કરતા થાય નહીં ત્યાં સુધી એ વિશે મૌન ધરવું એ અમને મુત્સદ્દીગીરીનું લક્ષણ લાગે છે.
હિંદુઓ શિવાજી મહોત્સવ ઊજવે અને તેનાં વીરત્વનાં યશોગાન ગાય તો મુસલમાનો પણ ઔરંગઝેબનો મહોત્સવ ઊજવશે અને તેનાં જીવનનાં યશોગાન ગાશે.
બાબુ બંકિમચંદ્રે મુસલમાનોનાં જીવન ઘણી જ અધમતાભરેલાં આલેખ્યાં હતાં, ઘણા દેશભક્ત મુસલમાનોને એથી વ્યથા થઈ છે. ખુશીની વાત છે કે બંકિમચંદ્રે એવું જીવન દુરાચરણી ચીતર્યું હતું તે ઝેબુન્નિસાને રા. હરગોવન પ્રેમશંકર કવિએ યોગ્ય ન્યાય પોતાના ‘શિવાજી અને ઝેબુન્નિસા’ નામના કાવ્યમાં આપ્યો છે.
ગયા વર્ષના વિશિષ્ટ કાવ્યસાહિત્યનું અવલોકન કરતાં આગમચ સાહિત્યરત્ન, કાવ્યમંજરી અને કવિતાપ્રવેશ નામના સંગ્રહોની નોંધ લઈશું. રા. જીવાભાઈ પટેલે કાવ્યમંજરીમાં નરસિંહથી દયારામ સુધીના યુગના કાવ્યસાહિત્યમાંથી કેટલાંક સારાં કાવ્યો ગૂંથ્યાં છે. વિસ્તૃત ટિપ્પણથી દરેક કાવ્યનો શબ્દાર્થ અને હાર્દ બતાવવા સારો શ્રમ લીધો છે. પ્રાચીન કવિતાને ત્યારની કવિતાની ભાવનાથી તપાસવી હતી, અને તે ભાવનાને હાલની ભાવનાના સામ્યવૈષમ્યની ચર્ચા કરવી હતી. તેને બદલે રા. રમણભાઈના કવિત્વ વિશેના વિચારો પરથી લેખકે પ્રાચીન કવિતા મૂલવી છે. આથી પરીક્ષણ દૂષિત થયું છે. ગોવર્ધનરામની Inductive Criticism ની પદ્ધતિ અંગીકારી હોત તો સંગ્રહ કાંઈ નવું જ સ્વરૂપ અને તેજ દાખવત.
કાવ્યમાધુર્યકાર રા. હિંમતલાલ ગણેશજી અંજારિયાએ રા. કરીમમહમ્મદ માસ્તરની સહાયથી ‘કવિતાપ્રવેશ’ માં વિદ્યાર્થીઓને ગુજરાતી કવિતા ક્રમશઃ શીખવવા સરળ પડે એવાં કાવ્યોનો સંગ્રહ કર્યો છે. પ્રાચીન ગુજરાતી પદોના નમૂના આપ્યા છે. પીટીટ વગેરે પારસી શાયરોને પણ ઉદારતાથી સ્થાન આપ્યું છે.
શામળ, પ્રેમાનંદ અને ગિરધરનાં કવનોમાંથી હજુ પણ ઘણા કાવ્યખંડો લઈ શકાયા હોત. રા. રણછોડભાઈ ઉદયરામ, છોટાલાલ સેવકરામ, મનસુખ(ગંજનામુનો કર્તા), રા. ગણપતરામ રાજારામ, પ્રભૃતિનાં કાવ્યોથી પ્રવેશ કરાવવામાં સરળતા થાત. નર્મદાશંકરની કવિતાનું એક સ્વરૂપ – કુદરતવર્ણનનું સ્વરૂપ આ સંગ્રહમાં સ્થાન પામ્યું હોત તો સારું. કોષ ઘણો જ અપૂર્ણ છે. કાઠિયાવાડી દુહાઓ આખ્યાયિકા વિના આપ્યા છે, તેથી અર્થ સમજવાનું બનશે નહીં.
‘સાહિત્યરત્ન‘માં કાવ્ય, ગદ્ય અને નાટકનાં રત્નોનો સંગ્રહ છે. નિશાળોપયોગી બનાવવાનું હોવાથી બધાં જ રત્નો એમાં ન હોય તેમ એમાં સંગ્રહાયેલા ભાગ ‘રત્ન‘ પણ ન હોય એમ બનવું સહજ છે. છતાં પણ આપણા સાહિત્યનું એ ગ્રંથમાં સારું દર્શન થાય છે.
આ ત્રણે ગ્રંથોના ઉપોદ્ઘાતો સંતોષપ્રદ નથી.
રાજકોટની હિંદુકન્યાશાળા તરફથી દલપતકાવ્યમાંથી શાળોપયોગી ગરબીઓ સંગ્રહાઈ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
આમ આપણા સાહિત્યની કદર વધતી જાય છે. આવા સંગ્રહોના અભ્યાસ વધતા જાય છે, અને પરિણામે કવિત્વ જીવનમાં ઊતરશે અથવા સુપ્ત સંસ્કારો જાગ્રત કરશે એવી આશા છે.
અંગ્રેજી વિદ્યાનો પ્રભાવ આપણા જીવન પર વધતો ને વધતો પડતો જાય છે તેમ તેમ સાહિત્યમાં પણ મહત્ત્વના ફેરફાર થતા જાય છે. પરદેશના વિચારો, રૂપો, દૃષ્ટિ આદિની કલમ લાવી અહીંનાં એવાં ઝાડોમાં દાખલ કરવામાં આવે છે. યુરોપીયન કાવ્યશાસ્ત્રની પરિભાષામાં જેને Romanticism કહે છે તેનો યુગ શરૂ થઈ ગયો છે. Romanticism એટલે શું? પ્રો. હેરકર્ડ કહે છે :
‘It was an extraordinary development of imaginative sensibility. At countless points the universe of sense and thought acquired a new potency of response and appeal to man, a new capacity of ministering to, and mingling with his richest, and intensest life.’
બંગાળમાં તો આ હિલચાલ પુરજોશમાં ચાલે છે. આપણે ત્યાં પણ નવીન સાહિત્ય એનું જ ફરજંદ છે છતાં પુરવેગ ત્યાં કરતાં નરમ છે. Romanticism નું મોટામાં મોટું ફળ ‘સરસ્વતીચંદ્ર’ છે.
કવિ નર્મદાશંકર અને દલપતરામથી જ આ નવા યુગની શરૂઆત થયેલી. ત્યાર પછી ગ્રેજ્યુએટ કવિઓના રા. નરસિંહરાવ દીવેટિયા અગ્રણી થયા. કુસુમમાલા અને હૃદયવીણા નામના બે કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ કર્યા પછી એમની કવિત્વધારા બંધ થઈ ગઈ હતી. વચમાં થોડાંક કાવ્યભાષાંતરો પ્રગટ કર્યાં હતાં. બે એક વર્ષથી પાછી એ ધારા છૂટેલી છે. પરન્તુ જે કવિતાઓ પ્રગટ થઈ છે તેમાં હૃદયવીણાનો જ સૂર છે. પ્રગતિ કે વિકાસ થયેલો લાગતો નથી. ઊલટું એમની શક્તિ હ્રાસ પામતી જણાય છે.
રા. નરસિંહરાવની કવિતાની ગુણપ્રશંસા અનેકવાર રા. રા. રમણભાઈ નીલકંઠે કરી છે, અને ગુજરાત પાસે એ રીતે એ કવિતાની કદર કરાવી છે.
રા. નરસિંહરાવની કવિતાની છાપ અનેક કાવ્યલેખકો ઉપર પડી છે. એમની કવિતામાં કેટલાક અંતર્ગત દોષો છે. તેમ એ દોષોને લીધે બીજાઓના હાથમાં એ જાતની કવિતા વધારે દૂષિત બને છે. ‘વિલાસિકા’નું અવલોકન કરતાં રા. નરસિંહરાવે તેમાં (૧) વૃથા તર્કતરંગ (૨) અવિશદતા – ક્લિષ્ટતા અને (૩) લાગણીની અવાસ્તવિકતાના દોષો રહેલા છે એમ બતાવ્યું હતું. આમાં (૪) નિષ્પ્રયોજન શબ્દો અને અલંકારો, (૫) શબવત્ અંગ્રેજીનાં અનુકરણ, (૬) છદ્મમૃદુતા, (૭) કલ્પના અને વિધાનની પુનરુક્તિ (૮) અસ્પષ્ટતા (want of precision) અને (૯) કલ્પના તથા કલાની પંગુતાના દોષો ઉમેરી લો. રા. નરસિંહરાવની કવિતામાં આ દોષો પગલે પગલે નથી જણાતા? દરેક સ્થળે બોધ મેળવવાની વૃત્તિ રસભંગ નથી કરતી? કવિત્વ ઘણીવાર કલ્પનાને બદલે ચાતુર્યથી મુગ્ધ નથી થતું? ‘દેશાભિમાન’ શબ્દથી ભડકનારામાંના રા. નરસિંહરાવ પણ એક હોય એમ લાગે છે. એમના સમગ્ર કાવ્યસંગ્રહમાં દેશાભિમાનનું એક પણ સારું કાવ્ય છે? જ્યાં સહેજસાજ ઉદ્ગાર કાઢ્યા છે તે કેટલા નિર્બળ છે? એમણે ઉદ્દીપન કરેલા ભાવો કેટલી બધી વાર અવાસ્તવિક અને અસ્વાભાવિક હોય છે? એમનાં પ્રકૃતિનાં અવલોકન પણ વાસ્તવિક હોય છે? એમનાં વર્ણનો કેટલાં થોડાં આબેહૂબ હોય છે? વર્ણનમાંથી આપોઆપ રસાનુભવ થાય છે? જે વિષયનું અમુક વસ્તુથી સૂચન કરવામાં આવે છે તેનું સ્વાભાવિક રીતે થવું જોઈએ તેવું સૂચન થાય છે? સૂચક અને સૂચિત વિષયોમાં દેખીતો વિરોધ નથી જણાતો? પ્રાસ સાચવતાં અર્થવિરોધ ઘણીવાર નથી થઈ જતો? આવેગ વિચ્છિન્ન થવાથી અને વિચાર સંસ્ખલન પામવાથી ક્ષોભ નથી ઊપજતો? મનુષ્યહૃદયના એમના અનુભવો ન્યૂન નથી લાગતા? કાવ્યનો અંત સ્વાભાવિક રીતે લાવવો, વિવેક વાપરી નકામા અંશો મૂકી દેવાથી અને અગત્યના અંશો પર ભાર મૂકવાથી કલા કેમ સુષ્ઠુ અને સુંદર બનાવવી વગેરે જાણતી બાબતો એમનાથી કેટલી વાર સચવાઈ છે? સંક્ષેપમાં એમની કવિતામાં intensity અને sincerity અતિશય ન્યૂન લાગે છે. કવેતાઈ બાની(poetic diction)નાં કિંમતી વસ્ત્રાલંકારથી શણગારેલી એમની કવિતા કવિત્વહીન હોવા છતાં સારાં કાવ્ય તરીકે ઘણીવાર આદર મેળવે છે. [4]
મકરન્દની રસચર્ચાનું પણ યથાર્થ સમીક્ષણ કરવાની જરૂર છે. જેમ દલપતરામ, શામળ ભટ વગેરેને લીધે કવિતાના ખોટા ખ્યાલો ગુજરાતમાં પ્રચલિત થયા છે તેમ રા. નરસિંહરાવ અને રા. રમણભાઈને લીધે પણ કેટલાક ખોટા ખ્યાલો પ્રચારમાં આવતા જાય છે.
ગુજરાતે દક્ષિણની માફક સ્વરાજ્ય ગુમાવ્યું નહોતું એટલે ગુજરાતમાં નવા નવા યુગની રાજકીય ભાવનાઓ પ્રખર સ્વરૂપમાં જન્મી નહોતી. નાના પ્રકારના સાંસારિક રિવાજરસમોમાં કચરાતા ગુજરાતે સંસારસુધારણાનો અને તેની અંદર રહેલી ગૃહસુધારણાનો મહત્ત્વનો પ્રશ્ન ઉપાડી લીધો. ગૃહસુધારણામાં લગ્નનો પ્રશ્ન મોખરે આવ્યો. લગ્ન તે પ્રેમલગ્ન થવાં જોઈએ એ ભાવના જન્મી. ઈશ્ક(passion) અને સ્નેહનાં ગાન ગવાયાં. સૂફીવાદી કવિતાના અનુકરણમાં ઈશ્વરી સ્નેહ કે ઈશ્કનું દર્દ ગવાયું છે? અમને તો ઈશ્વરી સ્નેહના નામે ઈશ્કનું દર્દ જ ગવાયેલું લાગે છે. ગાનારાઓએ જાતે જ ટીકાઓ લખી ભ્રમ ઊભો કર્યો છે.
કલાપીએ પુરુષજીવનમાં સ્નેહશૂન્યતા પૂરનાર સ્નેહરાજ્ઞી મેળવવાની આર્ત્ત ચીસ અને પ્રલંબ રૂદન પોતાની કવિતામાં કર્યાં છે, અને એવા રૂદનના પડઘા હજુ પણ એમના અવસાન પછી ગુજરાતમાં બંધ પડ્યા નથી.
ઈશ્ક – સ્નેહશૂન્યતા પછી સ્નેહનું પુણ્યમય દર્શન થવું જોઈએ. તે દર્શન કરાવનાર રા. રા. નાનાલાલ દ. કવિ છે. ગોવર્ધનરામનાં સરસ્વતીચંદ્ર અને કુસુમ સ્નેહ ખાતર નહીં પરંતુ ધર્મ ખાતર પરણે છે. બીજા દેશોમાં તેઓ સખ્યભાવથી રહેત. અહીં લગ્નગ્રંથિ વિના એ સખ્યભાવ રાખવો મુશ્કેલ હોવાથી દેખાતો દાંપત્યભાવ એમણે સ્વીકાર્યો. બન્નેના જીવનમાં સ્નેહ તો શૂન્યતા પામી જાય છે, અથવા સ્નેહ છે જ નહીં.
કલાપી અને ગોવર્ધનરામની રૂરૂદિષા ઝીલી જગતનાં દુઃખોથી દબાતા રીબાતા લલિતે અશ્રુધારા વહેવડાવી છે. એ અશ્રુસ્નાનથી પાવન થઈ તેઓ ગૃહભાવનાં ગીતો લલકારે છે. સ્નેહ અને સંતતિ સ્ત્રીપુરુષના જીવનમાં કેવો પ્રકાશ લાવે છે તે सोहम् सोहम् અને साम्यના ભાવો મૂર્ત કરનારની કવિતા બતાવે છે. એમનાં દેશભક્તિનાં કાવ્યોમાં પણ આ જ ભાવો હોય છે. દેશમૈયાનાં બાળક તરીકે જ તેઓ દેશભક્તિની ધૂન જગાવે છે. હિંદુસ્તાનમાં કંપનીનું રાજ્ય મટી ઇંગ્લૅંડના રાજાઓનું રાજ્ય થયું તે બનાવને ૫૦ વર્ષ થયાં તે નિમિત્તે લખેલું એમનું કાવ્ય ‘રાજદંપતી’ને ઉદ્દેશી લખાયું હતું. એમની કવિતાનો હમણાં સંક્રાન્તિયુગ છે. છાતી ઉપરનો ઓથાર રૂંધણ કરતો મટ્યો છે, અને પાંખેના ફફડાટ સંભળાય છે. પરંતુ અજાણતાં શબ્દોની ભાવ વિનાની હાથચાલાકી ઘણીવાર થતી લાગે છે. એમની કવિતામાં લાલિત્ય, માર્દવ અને માધુર્ય છે. હૃદયને સ્પર્શી – હૃદયના તાર ઝણઝણાવી તેમાં સુપ્ત રહેલા અથવા તેને વિહ્વળ કરતા કરુણ ભાવો એમની કવિતામાં અનુકંપા પામી આશ્વાસન મેળવે છે.
આકાશમાં ઊડવા કરતાં એમને ઘરના છાપરા નીચેના ભારટીયા ઉપર બેસી ગાવાનું વધારે ગમે છે. અશ્રુકવિ મટી તેઓ ગૃહકવિ થવા વાંછે છે. હિંદુ ગૃહમાં સ્ત્રીપ્રતિષ્ઠા ઉન્નત કરવા તેઓ પ્રબોધે છે.
એમના ભજનિયામાં દીનતા, દયા, શ્રદ્ધા, અધીનતા છે.
એમણે લખ્યું છે ઘણું; પણ તેમાં સારાં કાવ્યોની સંખ્યા ઓછી છે. સૂર ઘણી વખત એકના એક જ હોવાથી એકતાનતા લાગે છે. ધીમે ધીમે ફેર પડતો જાય છે. ગૃહકાવ્યોના અનુપમ સૂરો જગાડશે એવી આશા છે.
ગૃહભાવના કવિ વિશે લખતાં એક વાતનો ઉલ્લેખ કરવો ઉચિત લાગે છે. આગળ ઉપર કહ્યું તેમ ગુજરાતમાં સંસાર – ઘર સુધારવા ઉપર લક્ષ વિશેષ અપાય છે. જો એ સંસ્કારી, વિશુદ્ધ, પવિત્ર અને સાત્ત્વિક થશે, રસ, વિચાર, ભાવનાથી છલબલશે તો જ આપણા પ્રજાજીવનના મહાપ્રશ્નો ઉકેલવામાં — નિરૂપવામાં અને અનુભવમાં ઉતારવામાં બિલકુલ મુશ્કેલી કે વિલંબ થશે નહીં.
‘આજકાલ દેશનું આત્મમાન સૂચવતી ‘સ્વરાજ્ય’ અને ‘સ્વદેશી’ની વીરહાક ચોપાસ વાગી રહી છે તે વચ્ચે થઈને આવતો હિન્દની અબળાનો રોઈ રોઈ બેસી ગયેલો સાદ પણ આપણે જરા વિશેષ કર્ણ દઈ સાંભળવો જોઈએ’ એ વાક્યો તેમ જ એના પ્રણેતા વિદ્વાને ટાંકેલો નીચલો અંગ્રેજી ઉતારો શું સૂચવે છે?
If a lesson is to be drawn it surely is that – as individuals there is on place like home, so with a state there is on institution like home; that a community can be great only where there are happy, harmonious and virtuous homes, and that homes can not be happy and haṛmonious and virtuous unless woman is accorded a worthy place in these homes, with freedom of action, with a consciousness of responsibility with the right, unfettered by circumstance or prejudice, to develop all that is best and noblest in her to the utmost perfection’(પ્રો. આનંદશંકર ધ્રુવ : નારીપ્રતિષ્ઠા, એ વિષયનું ઐતિહાસિક દર્શન.)
ગુજરાતના સાહિત્યનું – અર્થાત્ હૃદય અને મનનું લક્ષ ગૃહ અને ગૃહદેવી ઉન્નત બનાવવામાં જ પરોવાયેલું છે. પ્રાચીનકાળમાં પણ સંસ્કૃત સાહિત્યે ગુર્જરોના ગૃહોને વધાવ્યાં છે. મધ્યકાલમાં વૈરાગ્ય જ ગવાતો હતો ત્યારે પ્રેમાનંદે ગૃહભાવો ગાયા અને નવા જમાનામાં ગોવર્ધનરામ પણ એ જ ભાવો મૂર્તિમંત કરી આપણને સોંપી ગયા છે. ગૃહભાવોના ઉત્ક્રમણ(evolution) વિશે વિસ્તારથી લખાય એવું છે. પણ આ લઘુ લેખમાં તે અસ્થાને લેખાશે.
લલિત, રા. નાનાલાલ કવિ, રા. મૂળજી વેદ, પ્રભૃતિ કાવ્યલેખકો, બંધુસમાજ, રા. અમૃતલાલ પઢિયાર આદિ ગદ્યલેખકો પણ એ જ ભાવનાઓ તરફ આપણું હૃદય આકર્ષે છે. પ્રો. બળવંતરાય ઠાકોર જેવા વિદ્વાન પણ પોતાની અનેક દિશામાં ઘૂમતી સાહિત્યપ્રવૃત્તિને વિરમાવી સંસારના – નાતના – ઘરના પ્રશ્નોની મીમાંસા કરવામાં પડ્યા છે. સંસાર – ગૃહસુધારણા નરી બુદ્ધિથી નહીં પણ સાથે સાથે રસ ઉમેરી કરવી.
પણ આ રસની રેલમાં એટલું બધું નિમજ્જન થતું જાય છે કે આફ્રિકામાં જે વીરત્વ ગુજરાતનાં સંતાનો – નરનારીઓ દાખવે છે તે લેખકની પ્રતિભા ચમકાવતું નથી. ગુજરાતણો ત્યાં રજપૂતાણીઓ અને સ્પાર્ટન રમણીઓ જેવું હીર જેબાવે છે. હિંદુ મુસલમાન પારસી એક થઈ જઈ, જે ભૂમિમાં તેઓ જન્મ્યા છે તે ભૂમિનું ગૌરવ અધિક તીવ્ર ઓજસ્વી અને સાત્વિક બનાવે છે. પણ – પણ સરસ્વતીની વીણાના તારો એ કુરુક્ષેત્ર નિહાળતાં ધ્રૂજતા નથી. અમારાં સાહસ, વીરત્વ, પરાક્રમ, અર્પણ, જીવન, ક્યારે દેવી! ક્યારે વીણાના અને કંઠના મધુર સંગીતમાં રેલાવશો, એ સંગીતથી અમને હલમલાવશો – ઉત્તેજશો?
‘મોટી વાતોમાંથી Romance કે ઇતિહાસ હમણાં ગયાં છે; પણ નાની વાતોમાં બહુ રહ્યાં છે. x x x x ગુજરાતમાં હૃદય છે પણ બહાદુરી નથી : soft છે. Romanceનું એક અંગ છે : બીજું જગાડવું જોઈએ છીએ,’ એવી ભાવના જાગી છે એટલે નિરાશ થવાનું કારણ નથી.
રા. અરદેશર એમની ‘કાવ્ય રસિકા’માં દલપતરામના અનુયાયી બન્યા અને ‘પ્રકાશિકા’માં બેત્રણ ચરણોની ભેગી અસર તળે આવ્યા હોય એમ લાગે છે. આ કહેવાનું તાત્પર્ય એમ નથી કે એમની કવિતા ઉક્ત ચરણોની નકલ જ માત્ર છે, એમનો કવિત્વવારસો ક્યાંથી ઊતરી આવ્યા છે તે જ ફક્ત નિર્દેશવાનો ઉદ્દેશ છે. એમનું પોતાનું વ્યક્તિત્વ સ્પષ્ટ અને સબળ છે. એમણે નવા સૂર જગાડ્યા છે, તેમ દેશમાં ગવાતા સૂર પણ ઝીલ્યા છે.
સારી કવિતા લખવા અગાઉ ઘણી અજમાયશી કવિતા લખાય છે. આવી કવિતા કવિના જીવનચરિત્રમાં કે અવસાન પછી થયેલા કાવ્યસંગ્રહમાં પ્રસિદ્ધ થાય છે. અથવા અપ્રસિદ્ધ જ રહે છે. રા. અરદેશરે રા. નરસિંહરાવની માફક આ સૂત્રનું અનુકરણ નથી કર્યું એટલે એમનાં ત્રણે પુસ્તકમાં કેટલાંક નિર્માલ્ય કાવ્ય સ્થાન પામ્યાં છે. અજમાયશના કાળમાં કાવ્ય કરતાં પદ્યબંધ ઘણી વખત થઈ જાય છે. એમનાં કાવ્યો જોતાં કવિત્વનો દેહ એમને હાથે સારો બંધાતો અને અલંકૃત થતો લાગે છે; પરંતુ એ દેહમાં વસતો આત્મા પ્રફુલ વિકસે તો જ એમનું કવિત્વ ઝળકી ઊઠે.
દેહ ઘડતાં અનેક નવા છંદો – નવી ગરબીઓ એમણે રચ્યાં છે. કેટલીક ગરબીઓ જૂની છે–કાઠિયાવાડ તરફ પ્રચલિત છે, પરંતુ એમનાથી તો નવી જ રચાઈ છે. એમનાં ત્રણે કાવ્યસંગ્રહોના સમગ્ર દર્શનથી રા. અરદેશર ખબરદારને કવેતાઈ બાની (poetic diction) ઉપર સારો કાબૂ છે એમ લાગે છે. તરંગ(fancy) છે – કલ્પનાની છાંટ તેમાં ભરેલી છે. વિધાયક શક્તિ ખીલતી જાય છે. એ સર્વમાં વિચાર વધારે ને વધારે ભળશે તેમ તેમ ગાંભીર્ય વધશે. નવીનતા–ચમત્કાર, મનુષ્યના અંતરમાં નવો પ્રકાશ નાંખે એવો ચમત્કાર એમની કવિતામાં જરા ઓછો છે.
ભાષાની અને શૈલીની ક્લિષ્ટતા નથી : સરળતા છે. સચોટતા આવવી જોઈએ. ઘટ્ટ બંધારણ થવું જોઈએ. એમની કવિતાઓ શરૂઆતમાં ઘટ્ટ હોય છે, પછીથી ઓગળી જાય છે. એક જ વિચાર નવનવા દેહ ધારણ કરે છે એટલે વિચાર કે દેહના ચમત્કાર છૂટી પડે છે. ખૂબ વિચારે અને ઓછું લખે તો ઘણી વધારે સારી કવિતા લખી શકે એવાં ઉજમાળાં ચિહ્ન લાગે છે. વિચારો વધશે અને ખીલશે એટલે ચમત્કાર આવશે અને અનુકરણના અંશો હશે તેટલા એની મેળે જશે.
‘પ્રકાશિકા’માં સંગીતના અંશ ઊજળા છે. ભાવ પણ હૃદયાકર્ષી છે. ઉત્સાહ સર્વત્ર નજરે ચડે છે. ‘માતા અને તેનું બાળ,’ ‘બરાઈ,’ ‘હલદીઘાટ’ વગેરેમાં વિચાર કરતાં તરંગ અને ભાષાનું પ્રાધાન્ય વધારે છે. ‘અટુલી બાળા’ અને ‘દશરથ અને શ્રવણ વધ’ કલાપીનાં અનુકરણ છે. ‘અમારો દેશ’ અને ‘દેશભક્તની યાચના’ એ બે કાવ્યોમાં ઉત્સાહ અને શક્તિ છે, ગૌરવ અનુભવાય છે. બીજા દેશભક્તિનાં કાવ્યો કાં તો નિર્માલ્ય છે કે નરમ છે, તોપણ ‘અમે દેશી દેશી’ અને ‘ઓ [5] દિવ્ય અમારો દેશ’ એવાં વચન કાઢનાર પારસી નરવીર માટે ગુજરાતને અને સમગ્ર હિંદને અભિમાન હોવું જોઈએ. ‘હિન્દના દાદાનું સ્વદેશાગમન’ ઘણું સારું છે. પ્રસંગને અનુકૂળ છંદ વાપર્યો છે. વિચાર, લાગણી અને ભાષા એકરસ થઈ ગયાં છે – spiritથી રસબોળ થયાં છે. રા. અ. ફ. ખબરદારના કવિત્વના શુભ અંશો એમાં પ્રતીત થાય છે. આવું જ સારું કાવ્ય ‘આંસુડાં’ નામનું છે. પરંતુ લંબાણ જરા વિશેષ થઈ ગયું છે. ‘બહેનને આંગણે,’ ‘હાલરડું,’ ‘નવરાજનાં વધામણાં,’ ‘દિવ્યરથ,’ ‘વિદાય,’ ‘વહાલાની વેણુ,’ ‘ગોપિકા,’ ‘બંસરી,’ ‘વિયોગ,’ ‘નભગંગા,’ એટલાં સારાં કાવ્યો આ સંગ્રહમાં છે.
નવી ગરબીઓમાંની કેટલીક રસભરી છે. ખંડ હરિગીત ઉત્સાહપૂર્ણ છે – spirited છે. શિખરિણીના નવા યોજેલા પ્રસ્તાવ પણ રસપ્રપૂર્ણ છે.
પરંતુ કહેવું જોઈએ કે ‘પ્રકાશિકા’ કરતાં ‘વિલાસિકા’ માં એમની કવિતાનો વધારે સારો રસાનુભવ થાય છે.
રા. અરદેશર ખબરદાર આર્યસમાજના અનુયાયી છે. તેઓ પારસી કરતાં હિંદુ વધારે છે. હિંદુ પુરાણોમાંથી કાવ્યયોગ્ય વસ્તુ લે છે; પારસી તવારીખ કે ધર્મશાસ્ત્રમાંથી નહીં. કૉંગ્રેસના એક મુખ્ય અગ્રણી સર ફિરોજશાહ મહેતા માટે એમનું હૃદય આંદોલિત થાય છે. પરંતુ જુદ્દીન ઝઘડો એમને જરા પણ ક્ષુબ્ધ કરતો નથી. ‘ગોપિકા’ અને ‘બંસરી’ નાં કાવ્યો લખનાર પારસી સન્નારીનું જીવન આલેખતા નથી.
રા. નાનાલાલ દલપતરામ કવિનો એક કાવ્યસંગ્રહ ગયે વર્ષે પ્રકટ થયો હતો. તે આગમચ ‘કેટલાંક કાવ્યો’ના અભિધાનવાળો કાવ્યસંગ્રહ અને ‘વસન્તોત્સવ’ નામનું ખંડકાવ્ય પ્રગટ થયાં હતાં. રા. નાનાલાલની કવિતા વિશે રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હ. ધ્રુવ, રા. ઠાકોરલાલ હરિલાલ અને આ લેખના લખનારે પ્રસંગોપાત વિવેચન કરેલાં છે. ‘વસન્તોત્સવ’ ‘જ્ઞાનસુધા‘માં છપાયું ત્યારે રા. નરસિંહરાવે એના પર વિવેચન કર્યું હતું અને ગયે વર્ષે રા. ભાઈશંકર કુબેરજીએ[6] ‘વસન્ત’માં એ કાવ્યનું હાર્દ ખોટી રીતે ઉકેલ્યું હતું. ‘જ્ઞાનસુધા’માં [7] એમની ટીકાનો થોડોક (માત્ર અર્પણપત્રિકાનો) વાસ્તવ જવાબ મળી ગયો છે, અને પૂરેપૂરો મળશે એવી આશા છે.
રા. નાનાલાલની કવિતા ધ્વન્યાત્મક છે અને એમાં રહેલા ધ્વનિનો રસાનુભવ જેમ વિશેષ તેમ આનંદ પણ ઉન્નત અને ચિરસ્થાયી. ‘વસંતોત્સવ’ ધ્વન્યાત્મક ખંડકાવ્ય છે. વસન્ત એટલે નવજીવન. સવિસ્તર ચર્ચા આ લઘુ લેખમાં કરવી યોગ્ય નથી માટે બીજે કોઈ પ્રસંગે રા. નાનાલાલની કવિતામાં રહેલાં સૌંદર્ય, રસ, પ્રસાદ, પ્રતાપ, સંદેશા આદિની ગુજરાતને પીછાન કરાવીશું.
રા. નાનાલાલ રસપ્રદેશના બંડખોર જેવા સંકુચિત જીવનના કેટલાક પુરુષોને લાગે. પરન્તુ એવો દિવસ આવશે કે રસની રેલ તો વિરલ કવિહૃદયની પ્રસાદીમાંથી જ વહે છે એવું ગુજરાત કબૂલશે. રસનું પુણ્યમય, સાત્ત્વિક અને પ્રતાપી દર્શન તો એમની જ કવિતામાં થાય છે. કલાનું પણ સુઘટ અને સુષ્ઠુ દર્શન એ કવિતા કરાવે છે.
ભેદના પ્રશ્ન, યૌવના, માફ કરજે બાલા! સૌભાગ્યવતી, વિલાસની શોભા, રાજવીર, રાજયુવરાજને સત્કાર આદિ કાવ્યોના ધ્વનિ અને સંદેશાવિસ્તારથી સ્ફૂટ કરવાનો આ લેખમાં પ્રસંગ હોવાથી સામાન્ય કથન કરી સંતોષ પામશું.
યૌવના, સૌભાગ્યવતી કે રાજવીર જેવાં ચિત્રકાવ્યોમાં જે જે આનુષંગિક સામગ્રી આલેખી છે તે ધ્યાનમાં લેવાથી મૂળ ચિત્ર સંબંધે ઊઠતા ધ્વનિ સમજાશે અને કાવ્યનું કવિત્વ આનંદ ઉપજાવશે. કેટલાંક ગીતોમાં લગ્નનો પ્રશ્ન છે : લગ્નમાં સ્નેહ – પુણ્યમય સ્નેહને સ્થાન હોવું જોઈએ એ પ્રશ્ન છે. આપણી લગ્નતિથિ, પુનર્લગ્ન, વર્ધમાનપુરી, વિલાસની શોભા, સૌભાગ્યવતી આદિ કાવ્યોમાં કવિનો દાંપત્યસ્નેહ ઝળહળી ઊઠે છે.
રા. નાનાલાલની કવિતામાં રહેલા આશાવાદ, ગંભીર વિચારો, ઉત્કટ કે સરળ રસ, લલિત અને યોગ્ય પદાવલિ, મનોહર લય, દૂરગામી કલ્પના તીવ્ર અને સતેજ ધાર્મિકતા, એ કવિતાના વાંચનારને આનંદ આપ્યા વિના રહેતાં નથી.
લાઠી ઠાકોર સુરસિંહની કવિતા ગુજરાત વધાવ્યે જાય છે એ આનંદની વાત છે. સરળ ભાષા અને લાગણીમાં જે કવન એણે ગાયું છે તે ગુજરાતનાં સ્ત્રીપુરુષોનાં હૃદયમાં સમભાવ પામ્યું છે. સાગરના ભાષ્યથી તેમ જ રા. મોહનલાલ દવે કે રા. ચંદ્રશંકર પંડ્યા કે રા. અતિસુખશંકર ત્રિવેદી આદિનાં વિવેચનથી એ ‘કેકારવ’ વધુ ને વધુ લોકપ્રિય થશે.
નવી કવિતા નવી હોવાથી એનો આદરસત્કાર કરતાં પક્ષાપક્ષી કે મતાંતર સ્વાભાવિક રીતે જન્મ્યાં છે. રા. કમળાશંકર અને રા. તનસુખરામ ત્રિપાઠીની કવિત્વભાવના જુદી હોવાથી નવી કવિતા યથેચ્છ આદરસત્કાર કરનારાઓની ભાવના સાથે તેમનો મેળ નથી ખાતો. પરંતુ અંગ્રેજી કેળવણીના પ્રસાર સાથે, અંગ્રેજી રાજ્યને લીધે જન્મતી રાજકીય, સાંસારિક, ધાર્મિક ભાવનાઓને લીધે, પ્રજાના જીવનમાં નવા cultureની વ્યાપૃતિ થવાથી નવી કવિતા ગુજરાત સત્કારશે એવી અમારી તો દૃઢ પ્રતીતિ છે. સંરક્ષક અને ઉદાર પ્રાગતિક બંનેના સંઘર્ષણથી શુદ્ધ કાંચન કસાય છે અને તેની યોગ્ય કદર દુનિયા કરે છે. પ્રાગતિકોમાં પણ સંરક્ષક વૃત્તિ જન્મે છે તો સંરક્ષકો વધારે સંરક્ષક બને એમાં નવાઈ નથી. રા. નરસિંહરાવ અને રા. રમણભાઈ જેવા એક વખત પ્રાગતિક સુધારક લેખાતા વિદ્વાનો પોતાથી આગળ વધેલાની તરફ મક્કમ સંરક્ષકપણું બતાવે તો જૂના સંરક્ષકો નવામાં નવી થયેલી પ્રગતિથી દૂર નાસે અને તેના તરફ હવામાં તરવાર ઉછાળે એ બનવા જેવું છે. જૂનું એટલું બધું ટકવાનું નથી તેમ નવું એટલું બધું સત્કારવાનું નથી પણ બન્નેમાં રહેલા ઉપયોગી અંશો સ્વીકારાય છે તેમ સાહિત્યમાં પણ થશે. રાજકીય વિષયોમાં વ્યક્તિવાદ જેમ જેમ સ્વીકારાતો જશે તેમ જીવનના બીજા પ્રદેશોમાં પણ તેનો પ્રભાવ પડશે અને વ્યક્તિગત પ્રતાપની કદર ઉદાર હૃદયથી કરવી પડશે.
જગતમાં જન્મ, બાલ્ય, યૌવન છે તેમ વાર્ધક્ય અને મરણ પણ છે. ગયે વર્ષે આપણી સાક્ષર સેવા કરતાં કોણ કોણ ઇહજીવનમાંથી ચાલ્યા ગયા?
કચ્છના મહારાજાશ્રીના પ્રાઈવેટ સેક્રેટરી રા. રા. છોટાલાલ સેવકરામ પોતાની જ્ઞાતિના વેદાંતી અખા જેવા વેદાંતી હતા; મનસુખરામ સૂર્યરામના સ્નેહી હતા. કાવ્ય ઉપરાંત કોશ, ઇતિહાસ આદિ પ્રદેશોમાં પણ તેઓ ઘૂમ્યા હતા. એમની કવિતા જૂની ઢબની હતી છતાં ઊછળતી, ભેદતી હતી.
કચ્છના રેવન્યુ કમિશનર મિ. સચેદીના નાનજીઆણી ખોજા કોમના વિદ્વાન ગુજરાતી લેખક હતા. ‘ખોજાવૃત્તાંત,’ ‘ધર્મની સત્યતા,’ ‘સુખસન્માર્ગ,’ ‘મુક્તિદર્શક આખ્યાન’ આદિ એમની કૃતિ છે. એમનાં વિશાળ વાંચન, શોધક બુદ્ધિ અને ચિંતન આ ગ્રંથોમાં સ્પષ્ટ થાય છે. એમના દૃષ્ટાંતથી અનેક ખોજાઓ – મેમણો – વોરાઓ ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ કરવા ઉત્તેજાશે એવી આશા છે.
આ બન્ને પુખ્ત ઉંમરે પહોંચેલા ગૃહસ્થો હતા. પરંતુ ડૉ. હરિલાલ હ. ધ્રુવના જ્યેષ્ઠ પુત્ર રા. નરસિંહરાવ હ. ધ્રુવ ૨૫ વર્ષ પણ પૂરાં કરી શક્યા નથી. મુંબઈમાં મરકીથી યૌવન, આશા, ઉત્સાહમાં ઊછળતો એમનો દેહ અવસાન પામ્યો અને એમના અનેક મનોરથો ભાંગી પડ્યા. ‘ઊજળા વિશ્વના અન્ધ એકાન્તે પ્રજળતી,’ તરછોડાયેલી, નિરર્થક લેખાયેલી, ઉત્સાહિની તરુણ બાળાને લગ્નગ્રંથિથી વૈધવ્યમાંથી ઉદ્ધારી હતી. તેના સુપ્ત સંસ્કાર જગાવી સાહિત્યક્ષેત્રમાં તે સંસ્કારો દર્શાવવા તેને પ્રવૃત્ત કરી હતી. એમના જીવનના આ પ્રસંગથી એમની કવિત્વધારા છૂટેલી અને ઝમક દાખવી ગયેલી. શરૂઆતમાં એમની કવિતા એમના પિતાના અનેક દોષોથી ભરેલી હતી. પણ ધીમે ધીમે એઓ રા. નાનાલાલના ચરણ ભણી વળ્યા હતા. કવિતાનો દેહ એ ચરણની ઘાટી પર બાંધતાં શીખતા હતા; અને એ દેશમાં પધરાવવાની મૂર્તિ પણ તેજ ઝળકતી હતી એવામાં એમનું જીવન ખરી પડ્યું. બંગાળી સાહિત્યના વિશાળ અને ગંભીર અભ્યાસી હતા. ગુજરાત બંગાળ જેવું બનાવવા – ગુજરાતી સાહિત્ય બંગાળી સાહિત્ય જેવું સમૃદ્ધ કરવા અભિલાષ રાખતા. એમણે ‘વન્દેમાતરમ્’નું ભાષાંતર કર્યું હતું. બંગાળી વાર્તાનાં ભાષાંતર કર્યાં હતાં. એ પદ્ધતિ ઉપર નવી વાર્તા રચવા માંડી હતી. પરંતુ બેત્રણ સિવાય બીજી લખાઈ નહોતી.
પોતાના પિતાનું જીવનચરિત્ર લખવા અતિશય હોંશ હતી. જે જે પ્રદેશમાં પિતા ઘૂમેલા તે તે પ્રદેશનો અભ્યાસ પણ આરંભેલો. આથી એમના પિતાની માફક શક્તિ વિશીર્ણ થયેલી – વિકસેલી નહીં. પોતાના પિતાના અવસાન પછી તેમનું ‘ચંદ્ર’ માસિક થોડા વર્ષ ચાલી બંધ પડેલું તે એમણે પાછું ‘સાહિત્ય’- ને નામે દોઢ પોણા બે વર્ષ સુધી ચલાવ્યું હતું. ત્યાર પછી ‘જ્યોતિ’ના નામથી શરૂ કરેલું માસિક ત્રણચાર મહિના ચાલ્યું હતું. મરવા આગમચ સચિત્ર ‘જ્યોતિ’ કાઢવાની યોજના અને વ્યવસ્થા કરી હતી. પહેલો અંક લગભગ છપાઈ તૈયાર પણ થયો હતો.
ગુજરાતી ભાષાના હિંદુ, પારસી, જૈન, મુસલમાન સેવકોમાં એખલાસ (entente) વધારવાની હિલચાલ એમણે શરૂ કરી હતી. એઓ અરવિંદ અભિનવ, નરહરિ ધ્રુવ, શ્રીનારાયણ, અનુકૂલચંદ્ર પુરાણી આદિ અનેક તખલ્લુસથી લખતા, સંસાર અને ધર્મની સુધારણા માટે તીવ્ર આગ્રહ એમને હતો. બ્રહ્મસમાજના તેઓ અનુયાયી થયા હતા.
ગયે વર્ષે ગુ. વ. સોસાયટી તરફથી રા. રા. કમળાશંકર પ્રો. ત્રિવેદીનો ‘શાંકરભાષ્યાનુવાદ’ પહેલો ભાગ પ્રગટ થયો છે. ‘મહાકાળ’માં પ્રો. કણીઆનું શાંકરભાષ્ય ભાષાંતર પ્રગટ થાય છે. રા. રા. હીરાલાલ શ્રોફે ઉઠાવેલા પ્રશ્નનો(સદ્ગુરુ કોણ હોઈ શકે? ગૃહસ્થ કે સંન્યાસી) ઉત્તર હજુ એમના તરફથી અપાયો નથી.
રા. રા. અમૃતલાલ સુંદરજી પઢિયારના ગ્રંથોમાં જૂનાની નવી આવૃત્તિ નીકળતી જાય છે અને નવા પ્રકટ થતા જાય છે.
આમ આપણે સાહિત્યને પોષવાં – ઉછેરવા મશગૂલ છીએ. પરંતું સંગીત આદિ સાહિત્યના સહોદરો પ્રત્યે લક્ષ નથી. સંગીતનાં તત્ત્વો વિશેની ચર્ચા રા. નરસિંહરાવ દિવેટિયા અને રા. ગણપતરાવ બર્વે વચ્ચે ઊભી થઈ છે. રા. અરદેશરે નવી ગરબીઓ આપી છે. રા. લલિત, રા. નાનાલાલ આપણને જૂના રાગો નવા આત્માથી ભરેલા આપે છે. ભાવનગરના નરેન્દ્ર સર ભાવસિંહજી નવનવી સારીગમ ઊપજાવે છે. તેમાં ઊંચો રસ વહી શકે એવી પણ કેટલીક હોય છે. ‘સેવાસદન’માં ભજન થાય છે એટલે નવા–જૂના રાગો અને કવિત્વનો પ્રસાર મુંબઈમાં થવાનો સંભવ છે. બાકી તો સામાન્યતઃ સંગીત એટલે નાટકી ગાયનો, અથવા ઉસ્તાદી નસફુલામણી. બીટહોવન, વેગ્નર વગેરે સુવિખ્યાત પાશ્ચાત્ય ગવૈયાઓ જેવા ગવૈયા ગુજરાતમાં ક્યારે થશે?
ચિત્રકળા ઉપર પણ કાંઈ પણ લક્ષ અપાતું નથી. રવિ વર્માની પાશ્ચાત્ય ચિત્રકળાએ આપણને મુગ્ધ કરી દીધા એટલું જ નહીં પણ નાનાવિધની રસિક કળાઓ એના પ્રભાવ નીચે ચાલી ગઈ છે. ધુરંધર એ જ ચરણનો દક્ષિણી ચિત્રકાર અને મહાત્રે દક્ષિણી શિલ્પી છે. ભેદવાર જ ફક્ત કિરણાલેખની કળામાં કવિત્વ પ્રગટાવતો ગુજરાતી છે. બંગાળામાં દેશજ ચિત્રકળા જન્મી છે અને સત્કારાઈ છે. એવો રસ કે ભાવના આપણા જીવનમાં ઊતર્યાં નથી —જાગ્યાં નથી.
દરેક ગામમાં મકાનો બંધાયાં જાય છે પરંતુ સ્થાપત્યની સુંદરતા, રસિકતા ક્યાંયે અનુભવાતી નથી.
સ્ત્રૈણ રસિકતા કેળવાતી જાય છે – સૂક્ષ્મ થતી જાય છે. ભારે, બેડોળ દાગીનાને બદલે નાજુક, નકશીદાર, મનોહર અલંકારો પહેરાય છે. એમના પોષાકમાં પણ રસ આવતો જાય છે. આંતર જીવન રસથી રેલાતું જશે તેમ તેમ બાહ્ય સુંદરતા પણ ખીલશે.
ગુજરાતમાં હજી સંતોષ નથી, વધારે અને સારાને માટે તૃષા છે : એ વિકાસની ઉત્કંઠા છે.
હજી રસમાં પગ માંડીએ છીએ : એ રસ જીવનમાં ઊતરશે ત્યારે અન્ય દિશાઓ પણ ઊઘડશે. દૃષ્ટિસીમાને છેડો નથી, આપણે હજી થાક્યાં નથી.
આપણું યૌવન ઊછળતું; આગ્રહ નિશ્ચયશક્તિવંતું છે.
એપ્રિલ ૧૯૭૯
- ↑ સરકારી ત્રિમાસિક રિપોર્ટો, પત્રોના ગ્રંથસ્વીકાર અને ગ્રંથાવલોકન, ગ્રંથપ્રસિદ્ધિની જાહેરખબરો અને ખાનગી માહિતી સિવાય આવા લેખ લખવાનાં સાધનો નથી. પ્રસ્તુત લેખ માટે બને તેટલી માહિતી મેળવવા આ પત્રના તંત્રી રા. જીવનલાલે મુદ્રાયંત્રોના માલિકોને, ગ્રંથપ્રસારક મંડળોના મંત્રીઓને અને ગ્રંથવિક્રેતાઓને પત્રો લખ્યા હતા. પરંતુ મુંબઈની ડી. લક્ષ્મીદાસની કંપની, વડોદરાના શ્રી શ્રેયઃસાધક અધિકારી વર્ગ, ‘શારદાભવન’ પ્રેસ, અને અમદાવાદના ‘જૈનસમાચાર’ તરફથી જ જવાબ આવ્યા. જેમ જેમ આવા લેખની ઉપયોગિતા સમજાતી જશે તેમ તેમ આ દિશામાંથી સારી મદદ મળવાનો સંભવ છે.
- ↑ મુંબઈ અને અમદાવાદમાં એવાં મહાજન સ્થપાયાં છે. બીજે સ્થપાવાના જરૂર છે. ગુજરાતના મહાજનની સ્થાપના થવી જોઈએ.
- ↑ આવો ઉત્કૃષ્ઠ ગ્રંથ ભિક્ષુ અખંડાનંદના ‘અહાલેક’ પછી પણ રૂ. દોઢની ભારે કિંમતે છપાય તે યોગ્ય નથી લાગતું. પ્રૂફ તપાસવા જેટલી કાળજી રાખવી જોઈએ તેટલી રખાઈ નથી. ભાષાનો પ્રતાપ ઓગાળી નાંખવામાં આવ્યો છે, પ્રલયવાહી રસસરિતા નથી વહેતી; ભાષા ખરબચડી, શિથિલ અને નિર્બળ લાગે છે.
- ↑ આ સંબંધમાં, અવકાશ મળ્યે ઉદાહરણસહિત સવિસ્તર વિવેચન પ્રગટ કરવાની ધારણા છે.
- ↑ ‘ઓ’ ને બદલે ‘આ’ હોત તો મજા અનેરી જ આવત.
- ↑ ‘વસન્ત’ પૃ. ૭, અંક ૧૦, ૧૧
- ↑ ‘જ્ઞાનસુધા,’ માર્ચ ૧૯૦૯