રણજિતરામ ગદ્યસંચય – ૧/કાર્યનો પ્રદેશ
વીરત્વ તેમ રસિકતા માટે કાઠિયાવાડ સુપ્રસિદ્ધ છે. જે દિવસે મથુરાથી યાદવોએ આવી એ ભૂમિમાં નિવાસ કીધો તે દિવસથી એનાં પુણ્ય ઉદય પામ્યાં છે. એનાં સંતાનોનો ઉજ્જ્વળ ઇતિહાસ સુવિદિત છે. વર્તમાનકાળમાં પણ ભારતવર્ષની અને ગુજરાતની સેવા કરવાના દેદીપ્યમાન પ્રસંગો કાઠિયાવાડીઓએ ઊજવ્યા છે. એવી પુણ્યભૂમિનાં સંતાનો તરફથી અવિરત સાહિત્ય સેવા કરવાને આ પત્ર દ્વારા જે પ્રસંગ ઉપસ્થિત કરવામાં આવ્યો છે તે પ્રસંગ વધાવી લઉં છું અને સેવાના પ્રદેશોનો યથાશક્તિ નિર્દેશ કરવા પ્રવૃત્ત થાઉં છું.
ભારતવર્ષમાં નવું ચેતન આવતું જાય છે, કર્તવ્યના નવનવા પ્રસંગો જન્મતા જાય છે. રાષ્ટ્રભાવના પ્રબળ થતી જાય છે. આવા સમયમાં કેટલાંક લક્ષ્ય પણ નક્કી થતાં જાય છે. ભારતવર્ષ ખંડ છે. એના વિસ્તાર, વસ્તી, હવા, સંસ્કૃતિ આદિની વિવિધતાને લીધે એક દેશ જેવો એનો વિકાસ થવો કઠિન છે, પરંતુ એના જે જે સ્વાભાવિક ભાગો છે તે પ્રત્યેકનો વિકાસ એના વિકાસનું લક્ષ્ય રાખી શકાય છે, બલ્કે આવશ્યક છે. ભારતવર્ષની ઉન્નતિ સાધવી હોય તો ગુજરાતે, મહારાષ્ટ્રે, આન્ધ્રે, કર્ણાટકે, કલિંગે, બંગાળે, હિંદુસ્તાને, પંજાબે, સિંધે, રાજસ્થાને, માળવાએ ઉન્નત થવું ઘટે છે. પ્રત્યેક અંગ વિકસિત થાય તો પછી સમગ્ર ભારતવર્ષ શે પછાત રહેશે?
આથી પ્રતીત થાય છે કે ભારતવર્ષની ઉન્નતિ માટે ગુજરાતે પોતાની ઉન્નતિ કરવાની છે. ગુજરાતના ઉત્કર્ષ માટે ગુજરાતનાં અંગોએ મહેનત કરવાની છે. કાઠિયાવાડ ગુજરાતનું અંગ છે. એણે પોતાનો ઉત્કર્ષ એવી રીતે સાધવાનો છે કે તેથી ગુજરાત અને ભારતવર્ષનો ઉત્કર્ષ થાય.
ઉક્ત ઉત્કર્ષના માર્ગમાં ક્રમણ કરવાના કેટલાક ઉપાયોનો સંક્ષેપમાં નિર્દેશ કરીશું.
પ્રથમ કાઠિયાવાડમાં સૌએ એકતાની લાગણી કેળવવી અને અનુભવવી. કાઠિયાવાડ એટલું બધું વિભક્ત છે કે સંસારમાં સગપણો છતાં રાષ્ટ્રીય એકતા એનામાં નથી. ગાયકવાડી રાજ્યમાં જે શુભ પ્રવૃત્તિ થતી હોય તે પ્રત્યે કાઠિયાવાડમાં બીજે આદર, સહાનુભૂતિ કે સહાય નથી. તેમ એક રાજ્યમાં જુલ્મ થતો હોય તો બીજા સુખી રાજ્યની રૈયત તરફથી તેમના મોક્ષ માટે ચળવળ થતી નથી. સંસારની પણ એકતા નથી. ઝાલાવાડ, ગોહીલવાડ, સોરઠ અને હાલારથી સમાજના સંબંધો પણ વિભક્ત છે. પ્રથમ કર્તવ્ય છે કે કાઠિયાવાડીઓએ પોતાની એકતા અનુભવવી. પછી ગુજરાતીઓ તરીકેની એકતા કેળવવી. હજુ કાઠિયાવાડીઓમાં એવું છે કે અમે ગુજરાતીઓ નથી, પણ એ ભૂલ છે, મોટો અપરાધ છે; જેમની જન્મભાષા ગુજરાતી છે તેઓ સર્વે ગુજરાતી છે. કરાંચી, મુંબઈ, રંગુન વગેરે સ્થળે વસતા કાઠિયાવાડીઓમાં અમે ગુજરાતીઓ છીએ એવી ભાવના, એવું અભિમાન હોય તો ભારતવર્ષના વર્તમાન જીવનમાં ગુજરાતીઓનાં ‘પ્રતિષ્ઠા અને સન્માન’ નથી એવી શોચનીય સ્થિતિ રહેત નહીં. માટે અમે સૌ ગુજરાતીઓ છીએ અને બંગાળીઓ, મહારાષ્ટ્રીયનો વગેરે જેમ પોતાનો ઉત્કર્ષ સાધે છે તેમ અમે પણ સાધીશું, એવા વ્રતનિષ્ઠ થવું જોઈએ. પછી અમે હિંદીઓ છીએ એવી ઉત્તમ લાગણીથી પ્રજ્વલિત થવું જોઈએ.
આ ભિન્ન ભિન્ન શ્રેણીની એકતા જગાડવા, પોષવા અને વધારવા કેળવણીની જરૂર છે. કાઠિયાવાડમાં દેશી રાજ્યો છે; પરદેશમાં કાઠિયાવાડીઓ વિપુલ દ્રવ્ય ઉપાર્જન કરે છે. આવી સ્થિતિમાં પ્રાથમિક શિક્ષણથી કોઈ સ્ત્રીપુરુષ વિમુખ હોવાં ન જોઈએ. ઉચ્ચ શિક્ષણને માટે હજુ વધારે સંસ્થા સ્થાપવાની જરૂર છે. માત્ર બે જ કૉલેજો એ શરમાવનારું છે. દશ કૉલેજો અથવા એક યુનિવર્સિટી કાઠિયાવાડ સહજ નિભાવી શકે એમ છે. શિક્ષણના સર્વવિધના પ્રચાર માટે જેટલી જેટલી દિશામાંથી પ્રયાસ થઈ શકે એમ હોય તે સર્વનું વ્યવહારુ સૂચન થઈ કાર્યમાં પરિણમવું જોઈએ.
એકતા સાધવામાં લગ્નવ્યવહાર જબરું સાધન છે. એટલે સ્ત્રીકેળવણીનો વિશેષ પ્રચાર થાય તો સારું. માતાઓ સુશિક્ષિત હશે તો ભવિષ્યની પ્રજા ઝોળીમાંથી ઉદાત્ત ભાવના અને ચારિત્ર્યવાળી થશે.
આ જમાનો લોકશાસનનો છે. કાઠિયાવાડમાં હજુ એક વ્યક્તિનું શાસન છે. ભારતવર્ષનું લક્ષ્ય લોકશાસન અથવા રાજનિયંત્રિત લોકશાસન છે. એ પ્રકારના રાજ્યવહીવટના સિદ્ધાંતો શા છે? એ સિદ્ધાંતો અમલમાં આણવા માટે પ્રજા કેવા ચારિત્ર્યથી સંપન્ન હોવી જોઈએ? એ ચારિત્ર્ય શી રીતે સંપાદન કરવું? જુદાં જુદાં રાજ્યોનો વહીવટ કેવો છે? રૈયતને કેટલે દરજ્જે લાભ કે હાનિકારક છે? લોકશાસનની દૃષ્ટિએ સંતોષપ્રદ છે? કેવા નાના ફેરફારોથી એ વહીવટ લોકશાસન રફતે રફતે થઈ શકે? જુદાં જુદાં રાજ્યોની જુદી જુદી રાજ્યવહીવટ પદ્ધતિના મુકાબલાથી રૈયતનું સુખ અને રાજ્યતંત્ર પર તેમના અંકુશ અને પ્રભાવના માર્ગ સૂઝે એવી ચર્ચા થવી જોઈએ.
લોકશાસનનું આવશ્યક અંગ લોકપ્રતિષ્ઠા છે. ખેડૂતો, વેપારીઓ, કારીગરો વગેરેની દરેક રાજ્યમાં રાજ્યપ્રતિષ્ઠા કેવી છે? શી રીતે તે સાદી થઈ શકે?
કાઠિયાવાડના રાજ્યવહીવટની નીડર, નિષ્પક્ષપાત, રાષ્ટ્રીય ચર્ચા કરનાર પત્રની ખાસ જરૂર છે. કોઈ પણ જાતની લાંચરુશ્વત લીધા વિના લોકોન્નતિનું જ લક્ષ્ય રાખી કામ કરવાનું છે.
પ્રજાઓમાં ચેતન જગાડનાર સામગ્રીઓમાં ઇતિહાસનું સ્થાન ઊજળું છે. કાઠિયાવાડનો ઇતિહાસ જેવો તેવો નથી. નવા યુગના નવા રાષ્ટ્રીય ચેતનને પોષે એવો, છતાં સત્યથી મુક્ત નહીં એવી રીતે ઇતિહાસ લખાવો જોઈએ.
દંતકથાઓ, વાર્તાઓ, દોહા, સોરઠા, ભજનો, રમતો, ઉખાણાં, રિવાજો વગેરે ભૂતકાળનું રસિક ચિત્ર ઊભું કરતી સામગ્રીનો સંગ્રહ અને રક્ષણ થવા ઉપરાંત આ નવા યુગને અનુરૂપ એવી સામગ્રીઓ નવેસરથી ઘડાવી જોઈએ.
સાહિત્યે પોતાનું સ્વરૂપ ફેરવવું જોઈએ. રાજાઓનાં ખોટાં વખાણ એ કવિતાનો કાર્યપ્રદેશ નથી. ભક્તિના નવા આવેશ, અનુભવ કે સ્વરૂપ વિનાનાં લૂખાં ભજનિયાં રચાતાં બંધ થવાં જોઈએ. વીરરસોત્પાદક કાવ્ય લખવા માટે કાઠિયાવાડના રાજાઓ, સેનાનીઓ, બહારવટિયાઓ, ચાંચિયાઓ, વેપારીઓનાં વૃત્તાંતો મોજૂદ છે. કુદરત એટલી બધી વિવિધ છે — સમુદ્ર છે, નદીઓ છે, તળાવો છે, ડુંગરો છે, ધારો છે, જંગલો છે, વાડીઓ છે, પશુપંખીઓ જાતજાતનાં છે—તે સર્વે નવનવી જાતની કવિતાની પ્રેરક નીવડે એવી છે.
જે એકતા, જે રાષ્ટ્રીય ચેતનનો પ્રારંભમાં ઉલ્લેખ કર્યો છે તેને ઉદ્દેશીને નવું સાહિત્ય થવું જોઈએ. હવે માત્ર એક રજપૂતના નાના લશ્કરને પાનો ચડાવવાનો નથી પણ આખી પ્રજાને જાગૃત કરી જીવનસંગ્રામમાં તેને વિજયવંતી કરવાની છે. હવે માત્ર એક ગામડાના નિરક્ષર લોકને ધર્મનો ગમે તેવો બોધ કરવા ભજનિયાં લખવાનાં નથી, પણ આખી પ્રજાની ધર્મભાવના જાગૃત થઈ પ્રદીપ્ત રહે એવાં પરમ સ્તોત્રો લખવાનાં છે. ઘણાં વર્ષ થયાં કાઠિયાવાડે સરસ્વતીદેવીનું અપમાન કર્યું છે. તેનું દિવ્ય પદ ધૂળમાં રગદોળ્યું છે. સમય આવ્યો છે, હવે નિજસ્વરૂપ પામવાનો.
૧૫-૦૭-૧૬