રણજિતરામ ગદ્યસંચય – ૧/નવલકથા
નાની વાર્તામાં ફક્ત એક જ પાત્ર હોય છે. અમુક પ્રસંગથી તેની સાંસારિક અથવા માનસિક સ્થિતિ તદ્દન પલટાઈ જાય છે. નવલકથામાં અનેક પાત્રોનું સંઘર્ષણ થવાથી એકબીજાનાં જીવન અરસપરસ રંગાય છે. આપણી હંમેશની જિંદગીમાં આપણા સહવાસમાં જે જે વસ્તુઓ આવે છે તેની અસર આપણા પર થયા વિના રહેતી નથી. આપણી જિંદગી પ્રતિબિંબરૂપે દેખાડનાર નવલકથા હોવાથી સંસારની વાસ્તવિકતા ત્યાં સંપૂર્ણપણે જળવાઈ રહે છે. અંગ્રેજી સાહિત્યના સંસર્ગમાં આવ્યા પછી નવલકથાનું સાહિત્ય આપણે ઉપજાવ્યું છે. ‘નવલકથા’ શબ્દ જ અંગ્રેજી ‘નૉવેલ’ ઉપરથી પ્રચારમાં આવ્યો છે, નૉવેલ શબ્દ પણ વપરાય છે. બંગાળમાં ઉપન્યાસ શબ્દ પ્રચારમાં છે. વિદેહ મણિલાલ નભુભાઈએ ‘સંસારચિત્ર’ શબ્દ સૂચવ્યો હતો. નવલકથાનું સાહિત્ય પરદેશથી આવ્યું છે છતાં નવા વતનના સંસ્કાર પામ્યું છે. ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં નજર ફેરવીએ તે નવલકથાની ગરજ સારે એવું સાહિત્ય શામળે લખ્યું હતું એમ માલુમ પડે છે. રાગબદ્ધ કે છંદોબદ્ધ લેખ લખવાનો પ્રચાર એટલો બધો હતો કે પ્રેમાનંદનાં નાટકો બાદ કરતાં ગદ્યમાં તે વખતે ઘણા જ જૂજ ગ્રંથો લખાયા છે. શામળે વાર્તાઓ છંદોબદ્ધ જ કરી છે. શામળે વસ્તુ હિંદી ગ્રંથો, ભાટચારણોના રાસા, જૈનના રાસા, ફારસી કિસ્સા આદિ સ્થળેથી સંગ્રહ્યું છે. તેના લખાણનું સ્વરૂ૫ તેણે તુલસી, વચ્છરાજ, વગેરે ગુર્જર કવિઓ તેમ જ કેટલાક હિંદી કવિઓના લખાણોની ધાટી પર ઘડ્યું છે. આધુનિક ગુર્જર સાહિત્યના ઉદયકાળે શામળની અસર ઘણી જ હતી. એના મુખ્ય અનુયાયી કવીશ્વર દલપતરામ હતા. શામળની જ ધાટી પર એમણે નાનપણમાં એક વાર્તા પણ લખી હતી. સુતરીયા નામના એક પારસી લેખકે ‘કુળવંતી વિલાપ’ નામની વાર્તા શામળના જ ચીલામાં ચાલી રહી છે. ગુજરાતમાં નવલકથા – જનસ્વભાવ, સંસારના પ્રતિબિંબનું દર્શન કરાવનાર તરીકે જવલ્લે જ લખાઈ છે. એક સમર્થ પ્રજાના આચારવિચાર સાથે થયેલા સંઘટનના પરિણામે જે જે પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય અને તેમાંથી જે જે સંદેશાનું વહન થાય તે સંદેશા પહોંચાડવા સાધનોની જરૂર પડે છે. શરૂઆતમાં ‘નાટકો’ ને સાધનો તરીકે વાપરવામાં આવ્યાં. તે વખતના સંસારસુધારા વિશેનાં નાટકો જોઈશું તો આપણી ખાતરી થશે કે નવલકથા જો ત્યારે સારી રીતે ખેડાઈ હોત તો નાટકો ન લખાત. કરસનદાસ મૂળજી, નગીનદાસ તુલસીદાસ, રણછોડભાઈ, ઉદયરામ વગેરેની કૃતિનાં અને ‘કાન્તા’ ના નિર્માણમાં અતિશય ફરક છે. રણછોડભાઈનાં જયકુમારી વિજયમાં લાંબા સંવાદ, લાંબા પત્રો વગેરે નવલકથાને યોગ્ય પ્રસંગો ઘણા છે. ત્યાં શામળની અસર ઘણી પ્રબળ જોવામાં આવે છે. કજોડાં, કન્યાવિક્રય, પ્રેમલગ્ન, મદ્ય અને વેશ્યાના સહવાસથી થતી ખુવારીનું દિગ્દર્શન કરાવવા, જનસમૂહને તે માર્ગેથી દૂર ખસેડવા નાટકો લખાતાં. હાલ નાટકોનું એ કર્તવ્ય ખલાસ થયું છે. નાટક સંબંધીની આપણી ભાવના દિન-પરદિન વધતી જાય છે. શેક્સપિયરનાં નાટકોનો પરિચય થતાં આપણી તત્સંબંધી ભાવના તદ્દન ફેરવાઈ ગઈ છે; તેનું પરિણામ એવું આવ્યું છે કે હવે નાટક લખવાની હિંમત કરતાં વિશિષ્ટ સાક્ષરો અચકાય છે. રા. રા. દોલતરામ કૃપારામ પંડ્યાનું ‘અમરસત્ર’ કેટલું બધું નિર્માલ્ય છે! સંસ્કૃત નિયમાનુસાર નાટક લખવા બેઠા પરંતુ નિર્માણશક્તિની ઊણપ હોવાથી એમનું નિબંધન નિકૃષ્ટ પંક્તિમાં આવી ગયું છે! પ્રારંભમાં નાટકથી જે હેતુ સારવા ઉદ્દેશ રખાતો તે હેતુ સાધવા નવલકથાનો હાલ આશ્રય લેવામાં આવે છે. વસ્તુસ્થિતિ આમ બદલાઈ છે છતાં પ્રારંભનો આચાર હજુ તદ્દન નાબૂદ થયો નથી. ‘વસન્ત’માં પ્રસિદ્ધ થતું ‘બાલસિંહ મોતીબા’નું નાટક તે સમયનો સંપ્રદાય જાળવી રાખે છે. નવલકથાસાહિત્યનો પરિચય થતાં આપણી ભાષામાં નવલકથાનો જન્મ થયો. વાર્તા, કહાણી, ટુચકા, કિસ્સા આદિથી નવલકથા કેવી રીતે જુદી પડે છે તે જાણવું આવશ્યક છે. વાર્તા, કહાણીમાં અમુક હકીકત, વૃત્તાંત કેવી રીતે બન્યાં હતાં તે વર્ણવવા ઉપરાંત બીજું કાંઈ વિશેષ નથી હોતું. ટુચકામાં અમુક ખાસિયતના મનુષ્યો વિશેના હાસ્યોત્પાદક પ્રસંગો અથવા શિખામણ મળે એવા પ્રસંગોનું ટૂંકું કથન હોય છે. કિસ્સામાં કોઈ પણ પ્રકારનું ઐક્ય નથી હોતું; અદ્ભુત પ્રસંગો એક પછી એક આવતા જાય છે; મુખ્ય નાયકના પાત્ર ઉપર જ વિશેષ ધ્યાન અપાય છે, તેનાં પરાક્રમ, ગૌરવ, મહિમા વધારવામાં જ જ્ઞાન, પ્રતિભા આદિ શક્તિઓનો ઉપયોગ થાય છે. મુખ્ય નાયકનાં પાત્ર નિર્મવામાં પુષ્કળ લક્ષ આપવાથી બીજાં પાત્રોનું નિર્માણ સારું થઈ શકતું નથી. નવલકથા અને ઉપરના કથાપ્રભેદોમાં મોટો ભેદ વસ્તુગુંફન પરત્વે હોય છે. વાર્તા આદિમાં વસ્તુ હોય છે પરંતુ ગુંફનમાં વપરાયેલું કૌશલ નવલકથામાં ઓતપ્રોત હોય છે તેનાથી અતિશય નિકૃષ્ટ હોય છે. વસ્તુનું મુખ્ય કર્તવ્ય એક પ્રશ્ન(issue) ઉદ્ભૂત કરવો અને તેનો નિર્ણય કરવો. છેવટે નિરાકરણ શું થશે તે જાણવાની જિજ્ઞાસાથી પ્રેરાઈ વાંચનાર રસમાં બૂડી એકચિત્તથી આખી કથા વાંચી જાય છે. વાર્તા, કહાણી કિસ્સામાં ઘણી વેળા પ્રશ્ન ઉત્થાપિત કરવામાં આવતા જ નથી – કદી કદી આવે છે તો તેનું નિરાકરણ ઝટ પામી જવાય છે. વાંચનારનો રસ કિસ્સાનવીસ અદ્ભુત પ્રસંગો, ભાષાની છટા, વાક્ચાતુર્ય વગેરેથી જમાવે છે. નવલકથા આમનો આશ્રય લે છે છતાં વસ્તુગુંફન પરત્વે ઉત્પન્ન થયેલું કલાવિધાન ઓર જ પ્રકારની રસિકતા લાવે છે.[1] વસ્તુને આરંભ અને અંત હોવાં જોઈએ. આરંભથી અંતમાં ક્રમશઃ જવાનું જોઈએ, વચ્ચે અટકી પડવું ન જોઈએ. આરંભથી ક્રમશઃ વિકાસ પામતાં પરાકોટિએ પહોંચી ત્યાંથી ક્રમશઃ અંતે પહોંચવું જોઈએ. અમુક આકારમાં વસ્તુ ગૂંથાવું જોઈએ. આકાર લક્ષમાંથી ખસી ન જવો જોઈએ. આકારની ઘટના જોઈએ તેવી કરવા માટે જિંદગીને બરાબર તપાસવી પડે છે, પસંદગી કરવી પડે છે, સરસમાં સરસને અગાડી લાવવાનું હોય છે. ઘણું અપહ્નુત રાખી થોડાં ઉત્કૃષ્ટનું દર્શન કરાવી શકાય છે. રંધો મારી છોલી લીસું કરવું પડે છે. ઓપી, તાસી, ચળકતું કરવું પડે છે. વસ્તુના સર્વ અંગની નિષ્પત્તિ – નિર્મિતિ -સમપ્રમાણમાં થવી જરૂરની છે; એવું કૌશલ વપરાવું જોઈએ કે જેનું દર્શન કરાવવું આવશ્યક હોય તેનું જ દર્શન થાય. જે અપહ્નુત રાખવું હોય તે અપદ્ભુત જ રહે. કથાના વાણાતાણામાં કોઈ પણ તરેહની ખૂંચ રહી જવી ન જોઈએ. એક અંગ્રેજ લેખકના નીચેના શબ્દ ધ્યાનમાં લેવા જોગ છે. ‘Like the composition of a picture or a symphony, a plot in the first place should be decorative, it must disclose the beauty of balance, it must partake of the nature of a pattern. A plot cannot be like life: but life may on rare occasions, by sheer accident, fail into a design and so resemble a plot just, as ink spilt on a tablecloth will sometimes make a design.’ વસ્તુ નિર્દિષ્ટ થયા પછી વિગત, હકીકતનોં સવાલ રહે છે. સૌ સૌની તાકાત મુજબ વિગતનું આલેખન થાય છે. વિગત એકની એક હોય તોપણ વસ્તુગુમ્ફન પરત્વે પ્રતિભાશાળી જે ચિરંજીવતા તેને માટે પ્રાપ્ત કરી શકે છે તે હલકી પ્રતિનો લેખક નથી મેળવી શકતો. વિગત લાંબી કે ટૂંકી, છવાયેલી કે ખીચોખીચ રાખવી એનો આધાર જે વખતે તે નિબંધ રચાય તે વખતની સાક્ષર આબોહવા ઉપર હોય છે. પોતાની સન્મુખ જેટલી વિગત હોય તેટલીનો ઉપયોગ ન કરતાં તેમાંથી પસંદ કરી પોતાની કૃતિને ઉત્કૃષ્ટ બનાવવા તરફ કેટલાકનું લક્ષ હોય છે. કેટલાક બધી વિગતનો ઉપયોગ કરી ધારેલો અર્થ સાધે છે. વિગત માટે બે વાદ છે. મનુષ્યજીવન જેવું છે તેવું ને તેવું જ આલેખવું કે તેની સત્પળો જ આલેખવી? મનુષ્યજીવનમાં કલહ, અસંતોષ, ઈર્ષ્યા, વ્યભિચાર, ઇત્યાદિ પાપની અધમોધમ કોટિનું દર્શન કરાવી સદ્ગુણ તરફ મનુષ્યોને દોરવા એમાં ખરું કલાવિધાન સમાયું છે? દુર્ગુણ, પાપ ન હોત તો સદ્ગુણ, પુણ્યની કિંમત સમજાત નહીં. જગતમાં આ સર્વ દ્વંદ્વનું સંઘટ્ટન થાય છે, તેનું પરિણામ અનેકધા આવે છે, ને તે પરિણામનું નિરૂપણ ધર્મ વિવિધ રીતે કરે છે. સંઘટ્ટનનું દર્શન કરાવવું આવશ્યક છે, પરંતુ પાપના કર્દમમાં ખદબદતા કીડાનું જીવન, તેમને ખમવી પડતી વેદના, નિરન્તર એવા સહવાસમાં રહેવાથી ઊપજતી નિષ્ઠુરતા, — તેમાંથી પરિણમતી આત્મા અને મનુષ્યત્વને હાનિ આદિનું ભયંકર અને કારમી રીતે દર્શન કરાવવું એ કલાવિધાનનો હેતુ છે એવું એક વાદ સ્થાપિત કરે છે. મનુષ્યજીવનનું ખાસ લક્ષણ પાપનો કર્દમ નથી પરંતુ કદી કદી સ્વપ્ન માફક આવતી ધન્ય પળો છે – તેમને પકડી યથાસ્થિત આલેખન આપવામાં જ કલાવિધાયકનું કર્તવ્ય છે એવી બીજા વાદની ભાવના છે. મનુષ્યોની અધમતાને નિર્દયતાથી ચીતરવી એ ઘણાંને નહીં રુચે; તેથી પ્રથમ વાદને સર્વત્ર વિજય મળે એ શંકાસ્પદ છે. એમ છતાં એ વાદની ઘણી અસર થઈ છે. એ વાદનો મુખ્ય સિદ્ધાંત એવો છે કે જેવું વર્ણન કરવું હોય તે જાતે જોઈતપાસી આવવું જોઈએ. વિગતમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન આવવી જોઈએ. જે સ્થળનું, ત્યાં વસતા જે લોકોનું વર્ણન કરવું હોય તે સ્થળે જઈ તેમના ભેગા થોડો કાળ રહી ત્યાંની પૂર્ણ માહિતી મેળવી ધારેલું કામ હાથમાં લેવું. ઘણી વખત અંગ્રેજી વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ કે ફલાણો ફલાણો લેખક ફલાણા ગામમાં પોતાની નવી નવલકથા લખવા ગયો છે. આપણે ત્યાં તો ‘સુવર્ણપુર’ અને ‘રત્નનગરી’ તથા ‘સુન્દરગિરિ’ જેવાં ઉટંગ સ્થળો નીપજાવી કાઢવાનો પવન પડશે ત્યારે હયાત સ્થળોનો જોઈએ તેવો ઉપયોગ થશે. ઇતિહાસ કે કોઈ વિજ્ઞાન શાસ્ત્ર પરત્વેના વિષય પર નવલકથા લખવી હોય તો તે વિષયનું પરિપૂર્ણ જ્ઞાન સંપાદવું આવશ્યક ગણાય છે. જે સમયનો ઇતિહાસ ઉપયોગમાં લીધો હોય તે સમયના રીતરિવાજ; આચારવિચાર; રાજકીય કે આર્થિક સ્થિતિ; પહેરવેશ, સરસામાન વગેરેની સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. ‘વનરાજ ચાવડા’માં વનરાજને આ જમાનાનો મનુષ્ય બનાવ્યો છે એ કાળવ્યુત્ક્રમની જબરી ભૂલ લેખાય. ‘સિદ્ધરાજ જયસિંહ’માં પારસીઓની હાલની ઉદારતાનું ચિત્ર આપવું એ પણ એ જ દોષને આધીન છે. સ્થળનાં વર્ણન હોય તેવાં જ આપવાથી તે સ્થળો યાત્રાસ્થાન થઈ પડ્યાં છે – અમુક પ્રદેશનાં વાસ્તવ વર્ણન આપવાથી તેમના વિશેનું જ્ઞાન અવિચ્છિન્ન સ્થિતિમાં ફેલાય છે. [2]
- ↑ વસ્તુગુમ્ફન પ્રશ્નની કેટલી સેવા બજાવે છે તેનો એક દાખલો આપવાથી તેનું મહત્ત્વ સમજાશે. સરસ્વતીચંદ્ર અને કુમુદસુન્દરીનાં લગ્ન થવાનાં હતાં પરંતુ થયાં નહીં. કુમુદસુંદરી પ્રમાદધન સાથે પરણી; અમુક કારણસર પ્રમાદધન નદીમાં અદૃશ્ય થયો. કુમુદસુંદરી કુંવારી છે. હવે સરસ્વતીચંદ્રની સાથે કોનું લગ્ન થાય છે—કુમુદનું કે કુસુમનું તે જાણવાની ઉત્કંઠા ‘સરસ્વતીચંદ્ર’નો ત્રીજો ભાગ વાંચ્યા પછી દરેક વાંચનારને થઈ હતી. ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગ વિશે છૂટીછવાઈ જે હકીકત બહાર આવતી તે સાંભળતી વખતે પણ ‘લગ્ન’નો જ પ્રશ્ન ઊઠતો. ૧૯૦૧ની દિવાળી વખતે ચોથો ભાગ પ્રસિદ્ધ થયો. મુંબઈથી એ ભાગ ખરીદી લેખક પોતાને દેશ જતો હતો. આણંદના સ્ટેશને દાક્તર નાડ તપાસવા આવ્યો. એક પ્રવાસી મિત્ર ‘સરસ્વતીચંદ્ર’ વાંચતો હતો. ખાના આગળ આવતાં જ દાક્તરે સવાલ પૂછ્યો : ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ બહાર પડ્યો? છેવટે કોનાં કોનાં લગ્ન થયાં?’ લેખકે જવાબ આપ્યો કે કુસુમ અને સરસ્વતીચંદ્ર પરણ્યાં. દાક્તરની જિજ્ઞાસા સંતૃપ્ત થઈ. અમારા ખાનામાં બેઠેલાની નાડ જોયા વિના આગળ તે ચાલ્યો ગયો. છેવટે શું થયું તે જાણવાની ખાતર કિંમત વધારે લાગેલી હોવા છતાં ચોથા ભાગનો ઉપાડ કેટલેક સ્થળે સપાટાબંધ થયો હતો.
- ↑ ‘સાહિત્ય’ ૧૯૦૪