રણજિતરામ ગદ્યસંચય – ૧/ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
નડિયાદના નાગરવેપારી ધીરજરામ ત્રવાડી મુંબઈ, સુરત અને નડિયાદમાં વેપાર કરતા હતા. તેઓ પોતાના ધંધામાં બાહોશ અને કુનેહબાજ હતા, તેમ જ ધર્માદા કરવામાં અત્યંત ઉદાર હતા. ગોવર્ધનરામના પિતા માધવરામ ત્રવાડીની ઉંમર જ્યારે દશેક વર્ષની હતી ત્યારે ધીરજરામનો કાળ થયો; અંતકાળે વેપારની સુપ્રત પોતાના જમાઈ નવલરામને કરી, તેમ જ કુટુંબ અને વેપારની પ્રતિષ્ઠા વધારનાર કોઈ મહાત્મા આવશે એવી ભવિષ્યવાણી કહી. કાશીથી કે તે તરફના પ્રદેશમાંથી કુટુંબકલેશને લીધે નાસી આવેલા મુનિમહારાજ નામના સાધુને, ત્રવાડી કુટુંબમાં, ધીરજરામની ભવિષ્યવાણીને લીધે, તેમની વિધવા ઉમીયાકોરે સ્થાન આપ્યું. મુનિમહારાજના વહીવટથી વેપાર અસલ મુજબ ધીકતો રહ્યો; પણ એમણે વૈભવ પુષ્કળ વધારી દીધો. સાસુના મરણ પછી એ વૈભવ ઘટાડવા ગોવર્ધનરામનાં માતુશ્રીએ મુનિમહારાજને કહ્યું : ‘મહારાજ! હાટ એનું એ છે, પણ વાણિયો બદલાયો છે.’ ઇંગિત સમજી મુનિમહારાજે વૈભવ ત્યાગી માધવરામનાં બાળગોપાળ ગોવર્ધનરામ અને શણગારલક્ષ્મીને ઉછેરવામાં બાકીનું જીવન ગાળ્યું. બચપણમાં જ આવા સાધુનો ગોવર્ધનરામને સમાગમ થયો. વિ. સં. ૧૯૧૧ની વિજયાદશમી જેવા પુનિત અને ઇતિહાસપ્રસિદ્ધ દિવસે માધવરામનાં પત્ની શિવકાશીએ નડિયાદમાં પોતાના પિયરના ઘરમાં ગોવર્ધનરામને જન્મ આપ્યો. બાળક જન્મથી જ અનારોગ્ય રહેતો. એક સંબંધીના હૃષ્ટપુષ્ટ બાળક સાથે તેનો વિનિમય કરવાની માતાને ઉત્કંઠા થયેલી પણ તે સંબંધીની અનિચ્છા વગેરેને લીધે ઉત્કંઠા અતૃપ્ત રહી અને કુલોદ્ધારક ને કુલદીપક બાળક કુળમાં જ ઉછર્યો. સમગ્ર જીવનપર્યંત ગોવર્ધનરામની તબિયત વિવિધ વ્યાધિથી પીડિત રહેતી. તેનાં બીજ કદાચ આમ નાનપણના અનારોગ્યને લીધે ખોવાયેલાં. પિતાની વેપારની મોટી પેઢી મુંબઈમાં હોવાથી ગોવર્ધનરામનો ગુજરાતી અભ્યાસ બુદ્ધિવર્ધક શાળામાં થયો હતો. વિ. સં. ૧૯૧૭માં મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, જેઓ ધીરજરામ ત્રવાડીના ભાઈ શિવરામના પૌત્ર થતા હતા તે મુંબઈ ભણવા ગયા. બે વર્ષ પછી આંખના વ્યાધિને લીધે અભ્યાસ છોડી તેઓએ માધવરામની પેઢીની વ્યવસ્થા કરવા માંડી. આ વખતથી જ એમના સહવાસમાં ગોવર્ધનરામ આવેલા. આ અરસામાં સુધારણાની જુવાળો ઊછળતી હતી. પશ્ચિમના સંસર્ગે યુગપરિવર્તન જમાવ્યું હતું. યુરોપીય સંસ્કૃતિના સંસર્ગ ને ભીંસને લીધે સમગ્ર ભારતમાં ખળભળાટ થઈ રહ્યો હતો. પાદરીઓના ઉપદેશથી અને ઈંગ્લિશ સાહિત્યાદિના પરિચયથી ભાવનાઓ પલટાતી જતી હતી. ધર્મ અને સંસારના પ્રદેશમાં તુમુલ મંથન થઈ રહ્યું હતું. પ્લાસીના વિજયને સો વર્ષ થયાં હતાં— તે દરમ્યાન અંગ્રેજી અમલ ભરતખંડમાં બધે ફરી વળ્યો હતો. પરિણામે ઈ. સ. ૧૮૫૭ ના સીપાઈવિદ્રોહના ભડકામાં મધ્યકાલીન ભારત ભસ્મીભૂત થયું. અને રામમોહનરાય તથા રાધાકાન્તે નવીન યુગના આચાર્ય થઈ નવો જ પ્રકાશ રેલાવ્યો. એ પ્રકાશને લીધે ફ્રેંચ રાજ્યપરિક્રાન્તિની વીરહાકો અને કોમ્ટ, મિલ, બેન્થામ આદિ પાશ્ચાત્ય તત્ત્વચિંતકોના સિદ્ધાંતો દેશમાં રણકાર કરી રહ્યા હતા. સર વિલિયમ જોન્સ, અને તેના યુરોપીય અનુયાયીઓના ભગીરથ અભ્યાસને પરિણામે પ્રાચીન ભારતનું ગૌરવ યુરોપમાં ગવાતું હતું અને એ પ્રગતિના પડઘા આ દેશમાં પડતા હતા. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રત્યક્ષ પરિચયનાં સાધન સીપાઈવિદ્રોહના વર્ષમાં સ્થપાયેલાં વિશ્વવિદ્યાલયો દ્વારા હિંદીઓને પ્રાપ્ત થતાં હતાં. સંસ્કૃતનો અભ્યાસ વધારવા, યુરોપીય સંસ્થાઓના ઇતિહાસ-વ્યવસ્થાદિ વિશે વિશેષ માહિતી મેળવવા, તેમ જ ડાર્વિન, સ્પેન્સર પ્રભૃતિના વિચારોથી અને ‘સાયન્સ’ ના જીવન સાથે વધતા જતા સંબંધથી યુરોપમાં થતા વિચારાચાર વિવર્તના પ્રવાહમાં ઝીલવાના પ્રસંગ વિશ્વવિદ્યાલય ઉપજાવવા લાગ્યાં : ઉત્સાહ ને ઉચ્છેદને સ્થાને દીર્ઘદૃષ્ટિ ને વિચારશીલતાં ઉદ્ભવ્યાં. મૅક્ષમુલર પ્રભૃતિના અભ્યાસને લીધે તેમ જ સંસ્કૃતના જ્ઞાનના પ્રસારને લીધે નવીન ભારત બેને બદલે ત્રણ પ્રવાહમાં – યુરોપીય, અર્વાચીન ને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પ્રવાહોમાં નિમગ્ન થયું. એ પ્રવાહોની ઇષ્ટાનિષ્ટ ગતિ વિષે ગંભીર આલોચના ઉદય પામી. રા. રા. મનસુખરામને આ નવીન પ્રવૃત્તિનું અવગાહન થયું હતું. સાથે સાથે સંસ્કૃત સાહિત્ય અને દર્શનનો અભ્યાસ થતો જતો હોવાથી પ્રાચીન ભારત અને તેના આચાર્યો માટે તેમને અભિમાન સ્ફૂર્યું. આવા પુરુષના અહોનિશ સહવાસી ગોવર્ધનરામને તે અભિમાન સ્ફૂરે અને પ્રાચીન આર્યોની પર્યેષકવૃત્તિ તથા ઉદાસીનતા એમને સ્પર્શી જાય એ સહજ છે. ઇંગ્લિશ ભાષાનો અભ્યાસ નડિયાદમાં આરંભી ઇ. સ. ૧૮૬૮માં ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થયા. આ જ વર્ષમાં લગ્ન કરી બ્રહ્મચર્યાવસ્થામાં ગૃહી બન્યા. ચતુર અને મેધાવી અભ્યાસમાં આગળ વધતો હતો; અવલોકન અને વિવેકશક્તિ ખીલવતો હતો. માતાનાં અને બીજી સ્ત્રીઓનાં ગીતો, પિતાનાં ભજનો અને માણભટોની કથાથી જાગેલ રસિકતા સંસ્કૃત અને ઇંગ્લિશ સાહિત્યના આસ્વાદથી ઉચ્ચતર થતી હતી, અને દાંપત્યસ્નેહનાં મનોરાજ્ય કલ્પાવતી હતી, કોઈક વખત તેનો અનુભવ કરાવતી હતી, અને સંસ્કૃત કે ઇંગ્લિશ પદ્યબંધમાં આવિર્ભાવ પામતી હતી. ઈ. સ. ૧૮૭૧માં ‘મૅટ્રિક્યુલેશન’ માં પાસ થયા ત્યારે રા. મનસુખરામે ગોવર્ધનરામને ‘સિવિલ સર્વિસ’ ની પરીક્ષા માટે ઇંગ્લૅન્ડ મોકલવા ધાર્યું. પણ વિચાર અમલમાં મુકાયો નહીં. ઇંગ્લૅન્ડના વાતાવરણમાં ઘૂમી આવેલા ગોવર્ધનરામની પર્યેષણા અને ભાવનાઓએ કેવું સ્વરૂપ લીધું હોત તે કલ્પવું કઠિન છે. મૅટ્રિક્યુલેશનમાં રોમનો ઇતિહાસ વાંચતાં હેનિબાલની ઉગ્ર પ્રતિજ્ઞા તથા તેની અને સીપીઓની વિક્રમાકુલ કથા વાંચી જવાલા ભભૂકી ઊઠી હતી. કૉલેજમાં પ્રવેશ પામ્યા પછી ત્યાંના વાતાવરણે અને અભ્યાસે તે જ્વાલા અખંડ રાખી. પણ ઈ. સ. ૧૮૭૨માં જીવન આસપાસ ફરી વળતી જ્વાલાઓમાં તપતા ગોવર્ધનરામે ભડકા શાન્ત કરવા પ્રયત્ન આરંભ્યા અને ભડકા હોલવતાં ગરમી ઊડી ન જાય તેની સંભાળ લીધી. જ્વાલા શાન્ત કરવાની વૃત્તિએ રગેરગમાં વૈરાગ્ય પ્રસરાવ્યો અને જનહિતની વાસના સ્ફુરાવી. કૉલેજમાં આગ્રહી અને રસિક પણ ગરીબ સહાધ્યાયીઓ હરિરામ ઉત્તમરામ ભટ્ટ અને રામચંદ્ર વિષ્ણુ ગોખલેના સહવાસમાં એ વાસના અધિક દૃઢ અને ઉત્તેજિત થઈ. હરિરામ અને ગોવર્ધનરામના જીવ અદ્વૈત પામ્યા હતા—બંને એકબીજાની અભિલાષાઓ, સુખોપભોગનાઓ ને વેદનાઓમાં સહભાગી થતા. ગોવર્ધનરામની કવિતાઓ હરિરામ પાસે વંચાતી અને બંને મિત્રો તેનું રસપાન યથેચ્છ કરતા. ‘સ્નેહમુદ્રા‘ એકવાર આ મિત્રને અર્પણ કરવા ઇચ્છા થયેલી પણ જેના વિચ્છેદથી એ કાવ્ય પ્રગટ્યું હતું તે હરિલક્ષ્મીને અર્પણ થયું. પ્રણયશીલા પત્ની અને સાનુરૂપ સુહૃદના સહવાસમાં ગોવર્ધનરામનું આંતરજીવન વિકસતું ચાલ્યું. કૉલેજમાં મંડળીઓ સન્મુખ ભાષણ આપવાના રિવાજ મુજબ ઈ. સ. ૧૮૭૩માં ‘Is there any Creator of the Universe?’ અને ‘Stale of Hindu Society in the Bombay Presidency’ નામના બે નિબંધો વાંચ્યા. કવિતાના સ્વરૂપ વિષે પણ નિબંધ વાંચ્યો હતો અને ત્યારે જે વિચારો બાંધ્યા હતા તે જ વિચારો પોતાનાં કાવ્યોમાં અનુસ્યૂત છે તથા ‘સમાલોચક’ માં એક વખતે તે પ્રસિદ્ધ કર્યા હતા. મીઠા અને સુખના દિવસો વહી ગયા – જીવનવીણાનો તાર તૂટ્યો. એક બાળકને મૂકી ગાઢ સ્નેહનો રસ ચખાડી હરિલક્ષ્મી ઈ. સ. ૧૮૭૪માં પંચત્વ પામી. વિરહથી થયેલી વ્યથાથી એવો મર્મભિદ્ કરુણ રસ ગોવર્ધનરામના જીવનમાં વ્યાપી ગયો હતો કે સંસ્કૃત અને ગુજરાતીમાં શોકગીત રચવા છતાં તે રસ ન ખૂટતાં, દ્વિતીય લગ્નથી થયેલાં બાળકોથી વીંટળાયેલા ગોવર્ધનરામને ઘણીવાર મધ્યરાત્રિએ અશ્રુરૂદ્ધ કરતો. મૃત્યુ અને વિચ્છેદથી કવિત્વના ઊંડાં ઝરણાં ફૂટી નીકળે છે – તેમનાં સ્ફુલિઙ્ગથી ભાવનાઓના અપ્રતિમ આદર્શો ભભૂકી ઊઠે છે તેમ સ્નેહચ્છેદથી માનસસ્નેહનો ઉચ્ચગ્રાહ અને મહિલાઓ પ્રતિ ઘણામિશ્ર સાનુકંપા અને બહુમાનની વૃત્તિ પ્રગટ્યાં. કોમલ, ભાવસ્નિગ્ધ, કલ્પનાશીલ અને મહેચ્છુ હૃદયને ચૂર્ણ કરવા આ વિરહ શક્તિમાન ન હોય તેમ આ જ અરસામાં માધવરામની પેઢી ભાંગી. સુદૃઢ વ્યવસ્થાને અભાવે, સગાં અને ન્યાતીલાઓના સંતાપ ને સ્પર્ધાથી તેમ જ દીર્ઘદૃષ્ટિ યથાર્થ ન વાપરવાથી એકમાર્ગી ને ભલા પરમવૈષ્ણવ માધવરામની દુકાન ભાંગી. —ચિત્ત, હૃદય અને શરીર ક્ષુબ્ધ થયાં. ગર્ભશ્રીમાનને મનોરાજ્યમાં ઊડતા આવો ઉદ્વેગપ્રદ ને ચિત્ત વિહ્વલ કરનારો પ્રખર ઝપાટો લાગ્યો. માનસિક સમતોલન દોલાયમાન થયું અને પરિણામે ઉત્તરપત્રો ફાડી નાખવાથી બી. એ. માં નાપાસ થયા. હૃદયમાં ઘૂઘવતા શોક અને સંતાપનાં તોફાનો આ વખતે લખાતી કવિતા મારફત ગોવર્ધનરામ શાંત કરતા. પાંખ પર પ્રહાર થવાથી પૃથ્વી પર પડેલા પંખીરાજની દૃષ્ટિ વેદના ખમતી ખમતી ગગનભેદી રહી. અવડીન—હતાશ ગોવર્ધનરામની લોકકલ્યાણ સાધવાની પ્રતિજ્ઞા તીવ્રતમ અને વેગભરી બની.
‘I know not me and care not how I fare!
I live to work and work for other’s good.’
ઇંગ્લિશ ભાષામાં લખેલા જોડકણામાં જનહિત-કર્તવ્યના ઉગ્ર આગ્રહની ગર્જના સંક્ષોભથી મેઘાચ્છન્ન હૃદયે કરી છે. દુકાન ભાંગવાથી પિતા નડિયાદ ગયા ત્યારે રા. મનઃસુખરામને ત્યાં રહી ગોવર્ધનરામે અભ્યાસ કર્યો. જે વર્ષમાં દયાનંદે આર્યસમાજ અને બ્લાવટ્સ્કીએ Theosophical Society સ્થાપ્યાં તે જ વર્ષમાં પ્રાચીન આર્ય ધર્મનું ગૌરવ અને મહત્ત્વ ગાનાર ગ્રેજ્યુએટ થયો. આ વખતે ‘Scope of University Education’ નામનો લેખ વાંચ્યો, ‘Influence of Asceticism on the Social Morality of the Hindus’ નામના સંકલ્પેલા લેખને સુધારી Friendly Society સન્મુખ ‘Asceticism in my sense of the term’ એવું નામ આપી વાંચ્યો. ‘A mind retiring from the vain external colours and talks of nature into the real inward soul and, heart of the whole and a blind furious rush into the battlefield of benevolence, looking ever onwards caring never for the uplifted sword and their wounds and undaunted by the browbeatings of Death and Defeat’ તેમ જ ‘It is a ceaseless industry for its own sake and tending to the good of Society.’ — આ લેખમાંથી આપેલા ઉતારા એમના વૈરાગ્યનું સ્વરૂપ સ્પષ્ટ આંકે છે. જે વૈરાગ્ય એમના જીવનમાં પ્રસરી રહ્યો હતો — જે વૈરાગ્ય ‘સરસ્વતીચંદ્ર’ માં આલેખ્યો છે, તેની રૂપરેખાઓ આ લેખમાં દર્શન દે છે. પરતંત્ર અને અવસન્ન ભારતના ઉદ્ધાર માટે નિષ્કામ ને પ્રવૃત્તિપૂર્ણ વૈરાગ્ય આવશ્યક છે એવો સિદ્ધાંત ગોવર્ધનરામના અનુભવો ઊપજાવે છે. ઉલ્લાસ, ઉત્સાહ મરી ગયાં છે; નિરાશા, અવસાદ, આધિવ્યાધિ કેર વર્તાવી રહ્યાં છે ત્યારે નિઃસ્વાર્થ કલ્યાણ, ઉડ્ડયન, પ્રવૃત્તિમાં ભાવો આશ્વાસન – ઉત્તેજન આપે છે, મૃતઃપ્રાય થતા જીવનને સંજીવની સુંઘાડી ચેતનમય રાખે છે. પત્નીનાં સ્નેહાવશેષ ઉપર ‘હૃદયરૂદિતશતક’ ની સમાધિ ચણી હતી. ભવભૂતિનો કરૂણારસ ગીર્વાણભાષામાં ગોવર્ધનરામના મર્મભિદ્ શોકથી પુનર્જન્મ પામતો હતો. રસનું પાન કરવાનો અધિકારી હરિરામ કરછમાં નોકર હતો ત્યાં બાલપત્ની અને વૃદ્ધ પિતાને રઝળતાં મૂકી વિદેહ થયો. તુલ્લુ અને ગોખલે પણ એને જ પંથ પળ્યા. હૃદયમાં ઊંડા વ્રણ ખોદાતા ગયા. શોકધારા અધિક વેગથી ફૂટવા લાગી. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં શોકગીતિ રચવા માંડી. પહેલી એલએલ. બી. પાસ કરી એમ. એ. નો અભ્યાસ સાહિત્ય(અંગ્રેજી અને સંસ્કૃત, તેમાં ન્યાય ઐચ્છિક વિષય) લઈ કર્યો. એક પછી એક થતા ઋતુના સખત ફેરફારોથી ગિરિરાજની વજ્રછાંટો પણ ઘસાઈ જાય છે, તેમ પ્રખર અને ભૈરવ વિપદથી ભયસ્નિગ્ધ ગોવર્ધનરામ મસ્તિષ્કવ્યાધિ(Brain disease)થી પીડાવા લાગ્યાં. આશામાં સુનકાર ડરાવતો ઊભો. મનોરાજ્યો ધ્વસ્ત થઈ ગયાં. જીવનને આંગણે ત્રણ પ્રતિજ્ઞા ગોવર્ધનરામે લીધી હતી : (૧) એલએલ. બી. થઈ (૨) નોકરી ન કરતાં સ્વતંત્ર વકીલાત કરવી ને (૩) ૪૦ કે ૪૨ વર્ષે નિવૃત્ત થઈ લોકકલ્યાણ સાધવા જીવન અર્પવું. આ પ્રતિજ્ઞાનુસાર ગ્રેજ્યુએટ થયા ત્યારે દી. બા. મણિભાઈ જશભાઈએ કચ્છમાં આપવા માંડેલી રૂ. ૩૦૦ ની નોકરી ન સ્વીકારનાર ઋણી અને આધિવ્યાધિગ્રસ્ત હોવાથી રૂ. ૧૨૫/– ના પગારે ભાવનગર ગયા. દીવાન શામળદાસની મહેરબાનીથી કામ જૂજ હતું. તેથી કાયદાનો અભ્યાસ થઈ શક્યો અને પૈતૃક ઋણશોધન તથા કુટુમ્બપોષણનાં સાધન પ્રાપ્ત થયાં. ભાવનગરમાં ગોવર્ધનરામ જનસ્વભાવ નિરીક્ષતા હતા અને જીવનના અનેક પ્રશ્નો વિશે આલોચના શરૂ કરી હતી. રા. મનઃસુખરામના સાક્ષર, મિત્રમંડળના સહવાસમાં લેખક થવાની અભિલાષા ઊગી હતી. ‘મનોદૂત’ અને ‘હૃદયરુદિતશતક’ નામનાં ખંડકાવ્યો અને સુંદરજી જીવાજી પારિતોષિક મેળવવા લખેલી ‘વિધિકુણ્ઠિત’ની કથા સંસ્કૃતમાં લખ્યાં હતાં. પરચૂરણ કાવ્યો ઉપરાંત ‘Jiji The Mother of Shivaji’ નામનું વિસ્તીર્ણ પદ્યબંધ ઇંગ્લિશમાં કર્યું હતું. બંગાળી લેખકોને જેમ સમજાયું હતું તેમ ઇંગ્લિશ અને સંસ્કૃત ભાષાઓ વર્જી ગુજરાતીમાં લેખ લખવા માંડ્યાં. ગીર્વાણ ભાષાના રસિયાની રા. રા. મનસુખરામના પ્રભાવ નીચે લખાતી ગુજરાતી ભાષા પ્રૌઢ, પ્રલયવાહી, સંસ્કારી અને અર્થગંભીર બની હતી. કાવ્યો ઉપરાંત વાર્તા લખવા વસ્તુ યોજાતાં હતાં. ધર્મજન્મ અને સત્યવ્રતાના પુત્ર દુઃખજન્મનો ઇંગ્લિશમાં દિનચર્યાલેખ લખી હૃદયનો શોકભાર હલકો કરવા માંડ્યો હતો. કામ, રતિ(માનસસ્નેહ,), લક્ષ્મી, અકિંચનતા, દ્વેષ, દુનિયાની આસમાનીસુલતાની, રમણીઓનાં પવિત્ર સતીત્વ અને અધમ દુરાચારનાં સ્વરૂપ સમજવા ને ગુજરાતને સમજાવવા વસ્તુ ગૂંથાતાં હતાં. મુંબઈ, સુરત અને ગામડાંઓની જિંદગી આલેખવા ધારણા થતી હતી. માનસસ્નેહ અને મન્મથના પ્રભાવ ત્રણ મિત્રોની કથા દ્વારા બતાવવા નવલકથાનું અસ્થિપિંજર ઊભું કર્યું હતું. ‘સદ્ગુણચંદ્રની કસોટી’ માં મન્મથની સત્તા નિરૂપવાનો વિચાર તે અપૂર્ણ રહેવાથી અમલમાં નહોતો મુકાયો. બેકનના નિબંધોના અનુવાદ પણ આરંભ્યા હતા. અંગ્રેજોની જામતી નવી રાજ્યસત્તાથી કાઠિયાવાડમાં નિયમ ને વ્યવસ્થા જામતાં હતાં. સ્વતંત્ર સત્તા અને ક્ષાત્ર ઉદ્રેક ન્યૂન થતાં હતાં ત્યારે સંક્રાંતિકાળમાં જૂના નવા રાજા, જૂના નવા કારભારીઓ, પોલિટિકલ એજંટ વગેરેના આચારવિચાર–ખટપટમાં વસનાર ગોવર્ધનરામ નવલકથા લખવા પોતાની આસપાસના સંજોગો ઉપયોગમાં લેતા હતા. ‘સરસ્વતીચંદ્ર’ની મૂળ કથા યોજાઈ હતી. પ્રસિદ્ધ થયેલી કથામાં જેટલું ભાવનાને પ્રાધાન્ય છે તેટલું મૂળ કથામાં નહોતું. હરસ, આંખનો દુખાવો, મગજના વ્યાધિથી પીડાતાં પીડાતાં કાયદાનો અભ્યાસ કરી ત્રણ વખત ગોવર્ધનરામ એલએલ. બી. ની પરીક્ષામાં બેઠા, પણ નિષ્ફળ થયા. ચોથે પ્રયત્ને સફળ થયા. આ વખતે ભાવનગર અને જૂનાગઢમાં ન્યાયખાતામાં મળતી જગ્યાઓ ન લેતાં મુંબઈ જઈ વકીલાત આરંભી – વકીલાત દરમ્યાન ગુજરાત, કાઠિયાવાડ અને દક્ષિણમાંથી કેસ મળતા એટલું જ નહીં પણ રાજા રજવાડા તથા ભિન્ન ભિન્ન કોમો - હિંદુ, પારસી, મુસલમાનના ધર્મગુરુઓના કેસો પણ એમને મળેલા. ગુજરાતની રગેરગ પરખવાનો અચ્છો પ્રસંગ આથી એમને મળ્યો હતો. વકીલાત અન્નપૂર્ણાના સાધન તરીકે કરતા હતા છતાં ગમે તેવો કેસ હોય તોપણ બાહોશીથી અને પ્રામાણિકપણાથી તે ચલાવતા. આથી ન્યાયાધીશો, વકીલો અને અસીલો તેમનાથી પ્રસન્ન રહેતા અને વખતે વખતે તેમને માટે સન્માન ને પૂજ્યભાવ ધરાવતા. મુંબઈમાં સ્વસ્થ થયે નિયમિત વાંચન અને મનન શરૂ કર્યું. સાહિત્ય, ધર્મ, ઇતિહાસતત્ત્વચિંતન ને ધારાશાસ્ત્રના ગ્રંથો વાંચવા ઉપરાંત આલેખન, (drawing) કવાયત, વિગ્રહ, શાસ્ત્રાદિના ગ્રંથો પણ જોતા. ઇંગ્લિશ દૈનિક કે માસિક પત્રો વાંચી તારણ કાઢતા કે ઉતારી લેતા. ગુજરાતીમાં માસિક પ્રગટ કરવાની યોજના પણ લખી કાઢી હતી. વડોદરામાં વિદ્યાખાતામાં રૂ. ૫૦૦/-ની જગ્યા આ વખતે મળતી હતી પણ તે નહીં સ્વીકારી. મિ. મલબારીએ બાલવિવાહ અને વિધવાઓની સ્થિતિ વિશે પ્રગટ કરેલા લેખોથી ભરતખંડના વિદ્વાનોમાં સંક્ષોભણ થયું હતું. એવામાં મિ. મલબારીના અંગ્રેજ મિત્રોના આગ્રહ અને દબાણને લીધે સરકારે સંમતિવયનો કાયદો કર્યો. ગોવર્ધનરામ આ કાયદાની વિરુદ્ધ નહોતા પણ સુધારક અને સંરક્ષક પક્ષ વચ્ચે થયેલી ઝપાઝપીમાં તટસ્થ ઊભા રહી એમણે જોયું કે દેશમાં નેતા નથી. તેમ જ સુધારકો સંરક્ષકોનો પક્ષવાદ બરાબર સાંભળતા નથી એ ભૂલ કરે છે. સંરક્ષકો અને પ્રાચીનપક્ષ તેમ જ સુધારકો ગુણદોષ જાણવાથી જ પ્રજાના નેતા થઈ શકાય. A priori વિચાર મગજમાં ભરી દેશહિત સાધવા મથનારથી પોતાની શુભેચ્છાનાં હાનિપ્રદ પરિણામો જોવાતાં નથી એ ખ્યાલમાં આવ્યું. પોતાને ઊભા થતાં આવડ્યા પહેલાં બીજાને ચાલતાં શીખવવાના પ્રયત્ન થતા જોઈ ખિન્ન થયા. હેનીબાલ અને સીપીઓનાં પરાક્રમ કરવાના–ઇટાલી કે અમેરિકાને સ્વતંત્ર કરવાના વિગ્રહ ચલાવવાના જમાના જેવો હાલ વખત નથી. તે જમાનાનાં સત્ત્વ અને સ્વદેશપ્રેમની તથા ડહાપણની દેશને જરૂર છે. દેશસેવામાં આવા વિચારથી પ્રવૃત્ત થાય છે અને એ સેવાના પરિણામની જોખમદારી સમજવા પોતાને અજરામર કલ્પે છે. વધારે જ્ઞાન તથા અનુભવ મેળવવા જગતનો ઇતિહાસ અભ્યસવા અને જીવનના વ્યવહારમાં પણ એક પ્રકારનો ઇતિહાસ હોવાથી તે નિરીક્ષવા કાર્યક્રમ ઘડે છે. સંસાર, શરીર, બુદ્ધિ, નીતિ અને રાજ્યના સંબંધમાં પોતાના સ્વદેશીઓ જાગૃત, વીર્યવાન અને સમૃદ્ધ કેવી રીતે થાય તેની મીમાંસા કરે છે. લશ્કરી બળવાથી નહીં પણ પ્રજાનું આંતરજીવન ઉન્નત અને ધર્મનિષ્ઠ વિકસે ત્યારે જ દેશનો ઉદ્ધાર થશે એવી પ્રતીતિ થવાથી પ્રજાનું આંતરજીવન સ્પર્શવા કેવા ઉપાયો લેવા તે વિચારે છે. જાહેર હિલચાલોમાં ભાગ લેવા અનુત્સુક રહેતા : કારણ કે એવી હિલચાલો ક્ષણિક હોય છે – ‘A breath can unmake them as a breath has made’ એવું ગોવર્ધનરામ આવી હિલચાલો માટે ધારતા. હાલ મચી રહેલા કોલાહલમાં – પશ્ચિમના પ્રવાહથી જૂની સંસ્થાઓ ખોદાતી જોઈ ગોવર્ધનરામ નિશ્ચય કરે છે કે : ‘I wish to produce or to see produced a people who shall be higher and stronger than they are, who shall be better able to look and manage for themselves than is the present helpless generation of my educated and uneducated countrymen.’ ભારતવર્ષના દેદીપ્યમાન ભૂતકાળ અને ગંભીર વર્તમાનકાળના ક્રાન્તદર્શીને લાગ્યું કે પરંપરાભંગ વિના નવા યુગને આવશ્યક અને યોગ્ય બળો તથા સંજોગો દેશમાં ઉત્પન્ન કરવા, ભૂતકાળનો ઇતિહાસ ઉકેલી, ક્યારે ક્યારે અને કેવી કેવી રીતે પ્રજાના નેતાઓએ પ્રજાજીવનના મહાપ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું તે જાણી તે જ માર્ગે ઇતિહાસવૃદ્ધ આર્યપ્રજાનું પ્રગમન કરાવવું. સહસ્રરંગી આસમાનીસુલતાનીમાં અખંડ અને ભાસ્વર રહેલી આર્યતાના ગુણો આ બૂતશિકસ્ત જમાનામાં નાશ ન પામે માટે તે ગુણોનું સામર્થ્ય ને ઔચિત્ય સંપૂર્ણતઃ બતાવવું. ‘દોષને પાળવાથી જેમ હાનિ છે તેથી અધિક હાનિ ગુણોના તિરસ્કાર કરવાથી છે. દોષ સુધારવામાં પ્રયત્ન નથી પડતો તેટલો ગયેલા ગુણોને શોધી કાઢતાં—પ્રાપ્ત કરતાં પડે છે.’ ઈ. સ. ૧૮૮૭ની વસંતઋતુમાં ‘સરસ્વતીચંદ્ર’ની કથા પ્રગટ કરી. ઉક્ત વિચારોથી જ એ ગ્રંથોનો દેહ બંધાયેલો છે. ગુજરાતી સાહિત્યમાં અને પ્રજાજીવનમાં પ્રચંડ પ્રકાશ પડ્યો. કલ્પના, રસ, વિચાર, ભાવના, કલા, જનસ્વભાવની વિવિધ કોટિઓ આ ગ્રંથમાં દૃગ્ગોચર થાય છે. પ્રકાશથી તિમિર ઊડી ગયાં—અનેક પદાર્થોમાં તેનું પરાવર્તન થવાથી તેઓ પ્રકાશવા લાગ્યાં — ચેતન અને જીવન સર્વત્ર સ્ફૂરવા લાગ્યાં. દેશને પ્રયાણ માટે દિશા બતાવવા હાલ ઊઠતા પ્રશ્નો વિશે નિબંધો લખવા ધારણા હતી; પણ દેશકાળનો વિચાર કરી તે પ્રશ્નો નવલકથા લખી ચર્ચ્યા– અમૂર્તને બદલે મૂર્ત સ્વરૂપમાં કલાવિધાનથી આલેખ્યા. પ્રાચીન પુરાણકથા અને દંતકથાઓનો નવીન વિચારના શરીર તરીકે ઉપયોગ કરવાની ગૅટેની પદ્ધતિ અંગીકાર કરી હતી. બૌદ્ધ ધર્મની અવનતિના કાળમાં બ્રાહ્મણ ધર્મના પુનરુત્થાન માટે શંકરાચાર્ય પ્રભૃતિએ જે ઉપાયો લીધા હતા તેવા ઉપાયો દ્વારા અર્વાચીનકાળમાં પ્રજાને પ્રગતિની દિશા બતાવી. જૂનું કેવું હતું, તેના ગુણદોષ કેવા હતા, નવી વિદ્યાથી તેમની શી દશા થાય છે, નવી વિદ્યા કેવાં બળો ઊપજાવે છે, તેના ગુણદોષ કેવા છે ઇત્યાદિ દૃષ્ટિબિંદુથી વર્તમાનકાળ નિરીક્ષવો અને જે કલ્યાણપ્રદ અને ઉન્નતિસાધક સાધન પ્રાપ્ત થાય તે વડે આગળ ઘૂમવું. માનવજીવનની ઉત્કૃષ્ટાવકૃષ્ટ પરિસ્થિતિ કરનાર ભાવનાઓ – મહાશક્તિઓ સ્નેહ, ધર્મ ને વૈરાગ્ય છે; એ ત્રણના વિરોધ, સમવાય કે ઔદાસીન્યથી માનુષજીવન કેવું થાય તે; એ ત્રણ ભાવનાઓ જેમના જીવનમાં ઘૂમી રહી છે તેઓ વિપ્રલંભના(Temptation) તુમુલ પ્રભંજનથી શરીર, મન અને આત્મા અત્યંત ક્ષુબ્ધ થવા છતાં પરાજય પામતા નથી પણ ઓર કેવી રીતે પોતાનું અને જગતનું શ્રેય સાધે છે તે આ ગ્રંથમાં આલેખ્યું છે. આર્યતા— આર્યસંસ્કૃતિ શું છે? કેવી છે? મનુષ્યજાતિના ઇતિહાસમાં તેનું કયું સ્થાન છે? કેવું મહત્ત્વ છે? જીવનના કેવા ઉચ્ચગ્રાહો જગતને એણે અર્પ્યા છે? – નાનપણથી આર્યતાનો સંસ્કારી અને અભિમાની આ જ ગ્રંથમાં આ પ્રશ્નોની મીમાંસા ઉપાડે છે. આ જ વર્ષમાં ‘રસસુંદરી અને તત્ત્વાનંદસ્વામી‘નું અપૂર્ણ કાવ્ય લખવા માંડ્યું. રસ અને તત્ત્વ—હૃદય અને મનમાં અદ્વૈતથી જ જીવન રમણીય, ઉચ્ચ અને વિશાળ બને છે. પત્ની અને મિત્રોના મૃત્યુથી ફૂટેલું કવિત્વ ‘વિપ્રલંભ કે સંસ્કારમુદ્રા‘ને નામે શબ્દોમાં વ્યક્ત થતું હતું. તે ઈ. સ. ૧૮૮૯ માં ‘સ્નેહમુદ્રા‘ને નામે પ્રસિદ્ધ થયું. મન્મથમાં ઉત્પન્ન થતો સ્નેહ માનસસ્નેહ થઈ જાય છે, જગતમાં વ્યાપી જાય છે; ધર્મની પ્રચંડ જ્વાલા સળગાવનાર અને તે અખંડ રાખનાર માનસસ્નેહ છે; એ સ્નેહ ઊપજાવનાર મહિલાઓ જગતમાં કેવી દિવ્ય ઉદ્ધારક શક્તિઓ છે; સ્નેહમાંથી જાગેલી ધર્મની તીવ્ર ભાવના જગતનું કલ્યાણ સાધી શકે છે. આવા આવા ‘સ્નેહમુદ્રા‘ના સંદેશા છે. ‘સરસ્વતીચંદ્ર‘માં સ્નેહનું જે સ્વરૂપ નાયકનાયિકાના જીવનમાં વ્યાપ્ત જણાય છે તે આ કાવ્યમાં કવિત્વમય રીતિએ આલેખ્યું છે. ઉપનિષદ્ અને ભક્તિમાર્ગના પ્રવાહ ક્યાંથી નીકળ્યા, ક્યાં વહ્યા, ક્યાં થંભ્યા અને મલિન થયા વગેરે ઐતિહાસિક અને ધાર્મિક વિચારણા શરૂ કરી હતી; તેનાં ફળ છૂટક નિબંધોમાં અને ‘સરસ્વતીચંદ્ર’ માં આપ્યા છે. દર્શનો અને સંપ્રદાયના અભ્યાસમાંથી ‘લક્ષ્યાલક્ષ્ય સિદ્ધાંત’ તારવ્યો. ‘ન્યૂ ઓરિયેન્ટલ બેંક’ તૂટવાથી રૂ. ૨૭૦૦/– ખોયા. વિલ્સન કૉલેજમાં ‘Classical Poets of Gujarat’ નો લેખ વાંચ્યો. મોજની ખાતર ગુજરાતી સાહિત્ય વાંચ્યું હતું છતાં આ લેખ, પરિષદનું વ્યાખ્યાન, દયારામનો અક્ષરદેહ – એ ત્રણ અપ્રતિમ લેખો એમણે લખ્યા છે. ‘સરસ્વતીચંદ્ર’નો બીજો ભાગ આ અરસામાં પ્રસિદ્ધ કર્યો અને ત્રીજા ભાગ માટે વસ્તુ યોજવા માંડ્યું. રજવાડાની દુર્દશા તથા ભારતના ઉત્કર્ષ માટે તેમનામાં રહેલી શક્તિ અસ્ફુટ રહેતી જોઈ ક્ષત્રિયોને સંક્રાન્તિકાળમાં કેમ વર્તવું તે દર્શાવ્યું. મરાઠા, મોઘલ અને રોમના રાજ્યોના ઇતિહાસની આંખે તેમના રોગ તપાસ્યા અને તેનું ઔષધ બતાવ્યું. ‘યુરોપ અને એશિયાની મહાપ્રજાઓનાં લાક્ષણિક દૃષ્ટાંત’ના વ્યાખ્યાનમાં ઉત્થાન ધર્મ—પ્રવૃત્તિમાર્ગ જે વિશે ‘સરસ્વતીચંદ્ર’ ચોથા ભાગમાં વિસ્તારથી લખ્યું છે તેનો બોધ કર્યો. ધર્મ અને પર્યેષણા હંમેશ ચિંતનના વિષય હતા. રા. રા. મનઃસુખરામને ત્યાં આવતા સંન્યાસીઓ, વેદાંતીઓની સાથે ચર્ચા, આલાપ કરવાથી, પાશ્ચાત્ય અને અત્રત્ય તત્વચિંતનનો અભ્યાસ કરવાથી વિવિધ વિચારો સ્ફુરતાં લખાણોમાં પરિપક્વ સ્વરૂપમાં એ વિચારો દર્શાવ્યા છે. શોપનહોરના સિદ્ધાંતોને મળતા એમના સિદ્ધાંતો હતા. ચંદ્રાવલી અને વિષ્ણુદાસ દ્વારા તેમ જ ‘અરુણોદય’ માં છપાતા ‘સંસારપ્રતિબિંબ’ના કાવ્યમાં એ સિદ્ધાંતો પ્રકટ કર્યા છે. સ્નેહાળ કનિષ્ઠ ભગિની સમર્થલક્ષ્મીના અવસાનથી, ને સંધિવા તથા આંખના વ્યાધિથી સંતપ્ત થવાથી હૃદયને જબરો આઘાત લાગેલો. ભગિનીના સ્નેહની નિવાપાંજલિનું કાવ્ય ત્રીજા ભાગમાં પ્રસિદ્ધ કર્યું. કુટુંબને ઉન્નત કરવા તેઓ મથતા. માતાપિતાને, બેનોને, પત્નીને, સંતાનોને સંસ્કારી કરવા નાનાવિધના ઉપાયો યોજ્યા હતા. પત્નીને યોગવાસિષ્ઠ, પુત્રી લીલાવતીને ઉપનિષદ્ આદિ ગ્રંથો શાસ્ત્રી પાસે શીખવાડાવ્યા હતા. એ અભ્યાસનું પરિણામ લીલાવતીના જીવનમાં કેવું આવ્યું હતું તે ‘લીલાવતીની જીવનકલા‘ વાંચતાં પ્રતીત થાય છે. નિવૃત્ત થવાનો સમય પાસે આવતો ગયો. તેમ કામ ઓછું કરી નાંખવા માંડ્યું. ઈ. સ. ૧૮૯૭માં રા. રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને પોતાના સહાયક વકીલ કર્યા. અને ઈ. સ. ૧૮૯૮માં જેને વડીલ ગણતા હતા તે રા. રા. મનઃસુખરામની અનુજ્ઞા તથા તેમણે ઠેરવેલી શરતો કબૂલ રાખી નિવૃત્ત થયા. આ પ્રસંગે ઑ. ચિમનલાલ હરિલાલ સેતલવાડે ‘પાર્ટી’ આપી હતી. આ ‘પાર્ટી’ માં મળેલા સ્નહીઓ, વકીલો વગેરેની સન્મુખ નિવૃત્તિનિવાસના લાભ, અર્થશાસ્ત્ર, નિતીશાસ્ત્ર અને રસવિજ્ઞાનની દૃષ્ટિએ બતાવવા નોંધ તૈયાર કરી હતી. તે નોંધનો ઉપયોગ નહોતો કર્યો. ટીપ્પણમાં લખ્યું છે કે ‘ઈશ્વરે મને અમુક શક્તિઓ બક્ષી છે તેનો બને તેટલો ઉપયોગ કરવો તે મારો ધર્મ છે.’ વિ. સં. ૧૯૫૪ ની લલિતાપાંચમે નિવૃત્ત થયા અને મુંબઈના વકીલાત મંડળમાં ન બનેલો બનાવ બન્યો. કચ્છના રાવે પોતાની દીવાનગીરી આપવા માંડી. પણ દેશસેવામાં ઈશ્વરે આપેલી શક્તિઓના ઉપયોગમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યવાય ન આવે માટે તે સ્વીકારી નહીં. સ્વતંત્રતાના રસિકે પાંચમી વાર દાસત્વ કબૂલ્યું નહીં. લાઠીના રાજવી કવિ સુરસિંહજીની સાથેના સંબંધથી નડિયાદ સ્વસ્થ થઈ લાઠી ગયા અને ‘બજેટ’ વગેરેની વ્યવસ્થા કરી. ‘સ્નેહમુદ્રા’ ની રુરુદિષા ‘કલાપીના કેકારવ’માં પણ છે. ‘સરસ્વતીચંદ્ર’ નો ત્રીજો ભાગ આ વર્ષમાં પ્રગટ કર્યો. બીજે વર્ષે ‘સમાલોચક’માં ‘સાક્ષરજીવન’નો લેખ આરંભ્યો. આ દેશમાં સાક્ષરજીવન કેવું હતું તે તથા પર્યેષણા જીવનને કેવી રીતે રસે છે તે આ લેખમાં લક્ષ્યદૃષ્ટિથી બતાવ્યું છે. રોમનો ઇતિહાસ ગોવર્ધનરામને અતિશય પ્રિય હતો. સ્ટોઇક દર્શનનું રોમન પ્રજાના જીવનમાં કયું સ્થાન હતું તે આ લેખમાં નિરૂપ્યું છે. વેદાંતનું સ્થાન આર્યજીવનમાં કેવું છે તે આલેખવાની અભિલાષા અકાળ મૃત્યુથી અસંતુષ્ટ રહી. ઈ. સ. ૧૯૦૦માં માધવરામ–જેમનું મૃત્યુ ઈ. સ. ૧૮૯૭ માં થયું હતું તેના સ્મરણમાં જ્ઞાતિજનોની વંશાવલિ વિષે ગ્રંથ બહાર પાડ્યો. પિતાને યાત્રા કરાવી હતી તથા તેમની ઇચ્છા મુજબ તેમના ઠાકોરજીને મંદિર બંધાવી પધરાવ્યા હતા. ધર્મ(duty)ની ભાવના પ્રદીપ્ત અને તીવ્ર હતી. અતિથિધર્મ, કુટુમ્બ, જ્ઞાતિ, દેશ, ને મનુષ્યજાત પ્રત્યે બજાવ્યું છે. આ જ વર્ષમાં એમનું મહાન કાર્ય પૂરું થયું – સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ લખી રહ્યા. ઈ. સ. ૧૮૮૭માં પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ઈ. સ. ૧૯૦૧માં પૂર્ણ થયો. પોતાની પ્રજાને ‘સ્રજવા‘ની ઉદાત્ત અભિલાષાથી એ ગ્રંથ લખાયો છે. ‘ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો અને ભવિષ્યકાળમાં વિદ્યાર્થી થનાર અવસ્થાની, આજથી આપણી કલ્પના ઉપર પડતી પ્રતિચ્છાયા એ સર્વના મિશ્રણમાં વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિના પ્રકાશ, છાયા અને અંધકારમાં કે અધવચ રહેતા મનુષ્યોની સ્થિતિઓ કે સંક્રાન્તિઓ કેવી થાય છે તે દર્શાવવા ‘વ્યસ્થારક્ષક લોકાચાર અને સ્વતંત્રતાવિકાસક પાશ્ચાત્યાચારના નવીન ગુણોના ઉદ્ભાવક સંગત પ્રવાહોમાં તેમ સંક્રાન્તિકાળનાં કષ્ટોનાં ભ્રામર વચ્ચે વર્તમાનથી વ્યાકુળ અને ભવિષ્યથી ક્ષણમાં ઉદ્વિગ્ન કે ક્ષણમાં મેહિત ચિંતાઓની ભીડાભીડના દબાણ વચ્ચે સર્વસંગ્રહી ઉદારતા અને સારસંગ્રહી બુદ્ધિ તેમ જ ઉચ્ચગ્રાહી ઉદાત્તતા કેવી રીતે ઉદય પામે છે. આ સંક્રાન્તિનું વર્તમાનચિત્ર અને ઉદયકિરણોનું ભાવી ચિત્ર‘ દોરવા અને આ સંક્રાન્તિનું મંથન શાંત થયે હિંદુસ્તાનમાં કેવા પ્રકારનાં શાંતિ અને સ્વસ્થતા થશે તે કલ્પવાં એ આ ગ્રંથનો પ્રધાન ઉદ્દેશ છે. Darkness, error, strife ના પ્રસંગમાં નાયકનાયિકા ઉચ્ચગામી રહે છે. ચિરંજીવશૃંગની ગુફામાં થયેલાં તુમુલ માનસિક અને શારીરિક ઉન્માદથી તેઓ પરાસ્ત થતાં નથી. પણ સરસ્વતીચંદ્રનો વૈરાગ્ય તીવ્ર ને વિશુદ્ધ થયા છે, સ્નેહ નષ્ટ પામે છે અને સાધુજનોમાં વસ્યાથી અતિથિધર્મ અને લોકકલ્યાણની વાસનાના નિર્વાહાર્થે મુંબઈ જવા તત્પર થાય છે. આ ગ્રંથમાં આર્યધર્મનાં ઉચ્ચ સનાતન તત્ત્વો ચર્ચ્યાં છે; સ્નેહ, વૈરાગ્ય, કલ્યાણ, માનવધર્મ, દેશસેવાનાં ઉન્નત ને ગંભીર સ્વરૂપ પર્યેષક કલાથી બતાવ્યાં છે. University Town જેવું ‘કલ્યાણગ્રામ‘ કલ્પ્યું છે. વિચાર કરવાથી જ ગોવર્ધનરામને આ આદર્શ જડ્યો. પ્રો. ગજ્જરને કામ કરતાં કરતાં એ આદર્શ સૂઝ્યો. બંનેના આદર્શ સમાન થવાથી તેમને ગાઢ મૈત્રી થઈ હતી. ‘સરસ્વતીચંદ્ર અને કુસુમ’ નો ગૃહસ્થાશ્રમ બતાવવા કલ્યાણગ્રામની યોજના વ્યવહારમાં કેમ ચાલી તે દેખાડવા ‘ક્ષેમરાજ અને સાધ્વી’ નામનું નાટક લખ્યું હતું. ‘દમયન્તીદમનાન્ત’ અને ‘સરસ્વતી તથા માયા’ નાં અપૂર્વ નાટકોએ બતાવી આપ્યું હતું કે ગોવર્ધનરામમાં નાટ્યકારની શક્તિ નહોતી. ‘ક્ષેમરાજ’ પણ નિર્માલ્ય જેવું લખાયું હોવાથી અપ્રસિદ્ધ રહ્યું છે. બીજે વર્ષે ક્ષયરોગથી એમની જ્યેષ્ઠ મેધાવિની પુત્રી લીલાવતી મરણ પામી. તેની જીવનકલા લખી પિતાએ પોતાના શોકમાં ગુજરાતને સહભાગી કીધું. નડિયાદમાં દેશસેવા માટે યોજના કરવા માંડી. ‘Glory, public applause, eminence, moneys, public leaderships & c., are things I do not want at all.’ એવો વિચાર કરી લોકોનું શ્રેય કેમ સાધવું તે વિચારે છે. રાજા પ્રજાના સંબંધ વિશે પણ વિચારવા માંડે છે. ‘To understand the rulers I must study their ways of thinking, feeling, acting, and conduct in private life, in public, in society and politics, in ruling themselves and others including my own country, and in morals and religion, domestic and interracial.’ આ જ્ઞાન અધિક મળે માટે બીજી પ્રજાઓ વિશે પણ આવું જ્ઞાન મેળવવું અને અંગ્રેજોનાં, હિંદુસ્તાનમાં જે જે આચરણો થાય છે તે સૂક્ષ્મતઃ નિરીક્ષવાં અને ‘See how far as regards both England and India they are suitable or Inconvenient against prejudices or sentiments or against real benefits, how far they can or should be improved upon and how far not.’ આમ વિચારતાં જે જે નિર્ણયો પ્રાપ્ત થાય તે દર વર્ષે ચોપાનિયાં મારફત પ્રસિદ્ધ કરવા – એવા સ્વરૂપમાં પ્રગટ કરવા કે ઇંગ્લૅંડ, હિંદુસ્તાન કે બીજા દેશો એ નિર્ણયો તરફ આકર્ષાય અને વર્તમાન કે ભવિષ્યમાં રાજકીય વિચાર કે આચાર પર તેમનો પ્રભાવ અંકાય. આવું કામ ચાલુ રાખવા Thinkers અને Advisorsનો વર્ગ ઊભો કરવો. ‘For my own people I must study their life in all its aspects from their works and writings from the Vedic times upto the present date. It will be a study of my people in all their mental and physical traits as visible through literature and history, and through their conduct, failures, successes, changes, intentions organizations, and in the organism as a whole and in organic parts. I must study customs, social matters, political life, variable temperatures, tempers and idiosyncracies of castes and localities first in Gujarat and then throughout India. These things also to be studied through rituals and ceremonials, caste-practices and instincts and traditions and changes. I must study what my people were without British influences, and see how the advent and growth of the influences have changed them. આ ઉપરાંત પોતાના પૂર્વજોનાં wisdom, follies, powers and attainments વર્તમાન ભારતવાસીઓને જાણવાનું સાધન પ્રાપ્ત કરી આપવા ઉત્સુક હતા. પ્રાચીન ભારતનો ઇતિહાસ લખવાની કલ્પના આમ જન્મી હતી. એ યોજનાના સંબંધમાં લખે છે કે : ‘The whole must show what legacies of goods and evils we are born to, what we must do with them, and how we must think, behave and act on our account as well as in the interests of our future generations so as to keep pace with the age, to come forward in the race of nations at least for the purpose of self-preservation and development, to avoid the dangers of rotting and decaying, to preserve and get, and increase our self respect, health, strength, happiness, to be relieved from the diseases of childhood, imbecility and dotage, to carry forward the good work begun or left by our ancestors, to form and develop our own individuality as a nation and as a factor of civilization, to be felt and loved by our ruleres so as to hasten the moment that shall weld into one homogeneous organism the Aryans of India and England and make them live one life.’ આ સર્વ અભ્યાસનો સાર ઇંગ્લિશમાં દર વર્ષે બે ચોપાનિયાં પ્રગટ કરીને અને દર વર્ષે ગુજરાતીમાં એક નવલકથા લખી સ્વદેશીઓને રોશન કરવો. ધારાશાસ્ત્ર, સાહિત્ય, સંસારશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર કે રાજ્યનીતિના મહત્ત્વના પ્રશ્નો વિશે વખતોવખત ઇંગ્લિશ કે ગુજરાતી માસિકમાં લખવું. મુંબઈમાં ‘Some sidelights on Vedic mythology,’ અમદાવાદમાં ‘Some historical aspects of our social and domestic institutions,’ ‘Practical aspects of our ideals of life,’ ‘Higher Brahmanism in Ancient India,’ સુરતમાં ‘The aptitudes of the leading communities of Surat,’ અને વસો, સિદ્ધપુરમાં કરેલાં વ્યાખ્યાનો; East and West નામના માસિકમાં ‘Marriage Forms Under Ancient Hindu Law,’ ‘Ideals of Indian poverty;’ Indian Review માં ‘King as the parent of his state,’ આદિ લેખો આ ઉદ્દેશ અને અભ્યાસનાં ફલ હતાં. મુંબઈમાં આરંભેલો ઉપનિષદનો અભ્યાસ નડિયાદમાં ઊંડાણથી આગળ વધાર્યો. Survey of Indian Upanishad નામનો વિસ્તીર્ણ ગ્રંથ લખવા તૈયારી કરવા માંડી. ગુજરાતીમાં તેની રેખાઓ આલેખી ચરક, સુશ્રુત પ્રભૃતિના વૈદ્યક ગ્રંથો અને જ્યોતિષ ગ્રંથો પણ અભ્યાસ માટે વંચાયા. ‘Physics in Ancient India’ અને ‘Physiology in Ancient India’ નામના બે લેખો મરતા પહેલાં શરૂ કીધા. ઉપનિષદ્ નું તત્ત્વચિંતન વિમર્શતા લેખ લખવા રહી ગયા. યોગની પણ સાધના આરંભી હતી. ઈ. સ. ૧૯૦૫માં ગુજરાતી વિદ્વાનોની પ્રથમ પરિષદમાં ગોવર્ધનરામને પ્રમુખસ્થાન આપી ગુજરાતે એમની વિદ્વત્તા અને દેશસેવાની યોગ્ય કદર બતાવી. ગુજરાતી ભાષામાં પણ સચોટ અને પ્રલયવાહી વક્તૃત્વ થઈ શકે છે તે પ્રમુખસ્થાનના વ્યાખ્યાનથી સિદ્ધ કીધું. ગયે વર્ષે ઉનાળામાં આબુ, જયપુર વગેરે સ્થળે ગયા હતા. જયપુરમાં એક શાસ્ત્રીનો મેળાપ થયો હતો. ‘સરસ્વતીચંદ્ર’ નો સંસ્કૃતમાં સંક્ષેપ પ્રસિદ્ધ કરવાની તેની અભિલાષા તેણે ગોવર્ધનરામને જણાવી હતી. મુંબઈના એક શ્રીમંત યુવાન શેઠિયાને ત્યાં રહી તેનામાં ઉચ્ચ ભાવનાઓ જગાવવા રૂ. ૩૦૦/-ની જગ્યા આ અરસામાં અપાવવાની તજવીજ એક સ્નેહી તરફથી થઈ હતી. પણ પોતાના નિશ્ચયને મક્કમપણે વળગી રહીને – અન્નપૂર્ણાને માટે ચિંતા કરવાથી અને દ્રવ્ય લઈ ભાવનાઓ ‘વેચવા’ થી મહાપાતક પોતે આચરે છે એમ માની તે માગણી સ્વીકારી નહોતી એટલું જ નહીં પણ તે સ્નેહીને સખત ઠપકો આપ્યો હતો. યાત્રામાંથી બગડેલી તબિયત સુધરી નહીં અને આ વર્ષના(૧૯૦૭) જાન્યુઆરીની ૪ થી તારીખે મુંબઈમાં વાલકેશ્વરમાં તેમના પરમ સ્નેહી પ્રો. ગજ્જરના બંગલામાં તેમના દેહ તથા પ્રાણનો વિયોગ થયો. લેખક અને વ્યક્તિ તરીકે ગોવર્ધનરામનું જીવન ઉચ્ચ હતું. ધર્મની ભાવના પ્રબલ અને જાગૃત હતી. પ્રવાહપતિત ધર્મ પાળી સર્વ મનુષ્યોનો તેઓ અતિથિસત્કાર કરતા. ગુજરાતને જે જે આદર્શો અર્પ્યા છે તે ભવ્ય અને ગંભીર છે. એ આદર્શો જેમ જેમ ગુજરાતના જીવનમાં પ્રગટ થતા જશે તેમ તેમ ગુજરાતનો ઉદ્ધાર સત્વર થશે. આવો ઉષ્માવાન પ્રકાશ ગુજરાતમાં પહેલાં પડ્યો નહોતો અને હવે ક્યારે પડશે તે ભવિષ્ય જાણે છે. પ્રાચીન ભારતના ગુણદોષના તેઓ જ્ઞાતા હતા – એ જ્ઞાનને બળે નવીન ભારતના નેતા થવાથી જે યોગ્યતા એમનામાં આવતી હતી તે યોગ્યતાના લાભ મળી શક્યા નથી અને દેશ પાછો નેતૃવિહીન રહ્યો છે. મનુષ્ય માત્રને ધર્મ છે–હક્ક નથી એવું કહેનાર અને આચરનાર જે જે ચેતન જગાડી ગયો છે તેની ગુજરાત અર્ચના કરે છે તેમાં આ લેખક પણ ભાંગ્યુંતૂટ્યું સ્તોત્ર કરી વિરમે છે.