રણજિતરામ ગદ્યસંચય – ૧/મલ્હાર ભીકાજી બેલસરે
સ્વર્ગસ્થ રા. મલ્હાર ભીકાજી બેલસરેનો જન્મ તા. ૨૨ મે ૧૮૫૩માં થયો. એમનું મૂળ વસ્તીસ્થાન પુણા જિલ્લામાં જેજુરીની પાસે આવેલું બેલસર ગામ હતું. તેમના પિતાનું નામ ભીકાજીપંત અને દાદાનું નામ મલ્હારરાવ હતું, એટલે જે તેમના દાદાનું નામ તે જ તેમનું નામ હતું. તેમના દાદા અસલ પેશવાઈમાં મરાઠી સરદાર હતા; અને કુલાબા જિલ્લાના નાગોઠણા પ્રાંતના પાગેદાર હતા. તેમના પિતાજી પંત અશિક્ષિત હોવાથી ભિક્ષુકવૃત્તિ કરતા. ભીકાજીપંતને ચાર પુત્ર અને બે પુત્રીઓ હતી. પુત્રોનાં નામ રંગોપંત, બાપુજી, મલ્હારરાવ અને ખંડેરાવ. પુત્રીઓનાં નામ બયાબાઈ અને બજુબાઈ, એટલે કે કૈલાસવાસી મલ્હારરાવ પોતાના પિતાના ત્રીજા પુત્ર હતા પણ અનુક્રમમાં ચોથા વંશજ હતા. ભીકાજીપંતે કુલાબા જિલ્લાના પેણ ગામમાં પોતાનું ઘરબાર બાંધીને વસતિસ્થાન કર્યું. રંગોપંત થાણા જિલ્લાના મોખાડા, ઉંબરગામ પેટાના મહાલકરી હતા. બાપુજી પેણ તાલુકાના સરકારી વકીલ હતા. કૈલાસવાસી મલ્હારરાવે પોતાના મોટા ભાઈની સાથે રહીને થાણામાં અંગ્રેજી ભાષાના નીચલા ધોરણોનો અને મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં ઉપલા ધોરણોનો અભ્યાસ કર્યો અને સને ૧૮૭૦માં મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં પાસ થયા. ત્યાર પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં આગળ અભ્યાસ કરીને સને ૧૮૭૩ માં એફ. એ. ની પરીક્ષા પાસ કરી. ઈ. સ. ૧૮૭૫માં રાજકોટ હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક નિમાયા. નોકરી પર હતા તોપણ તેમની વિદ્યાભિરુચિ પહેલાંની માફક કાયમ હતી. રાજકોટથી સુરત, સુરતથી પાછા રાજકોટ અને રાજકોટથી જૂનાગઢ બદલી થઈ. જૂનાગઢ ૧૮૭૭ થી ૧૮૮૩ સુધી પાંચ વર્ષ રહ્યા. આ બધે ઠેકાણે સુદૈવથી તેમના ઉપરી હેડમાસ્તર મર્હુમ રા. સા. ઉત્તમરામ નરભેરામ મહેતાજી જ હતા. રા. સા. ઉત્તમરામ તેમને અતિ ઉદ્યોગી, ઉત્સાહી અને પાપભીરુ સમજીને તેમના પર પ્રીતિ રાખતા. જૂનાગઢ હાઈસ્કૂલમાંથી બદલાઈને વીરમગામની ઍંગ્લો વર્નાક્યુલર સ્કૂલના હેડમાસ્તર તરીકે નિમાયા. ત્યાં સને ૧૮૮૭ સુધી રહ્યા. વીરમગામ આવ્યા પછી તેઓએ ગુજરાતી ભાષાનું માર્મિકપણે અધ્યયન કરવા માંડ્યું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ જાહેર કર્યા પ્રમાણે જ્હૉન સ્ટુઅર્ટ મિલનું લિબર્ટી નામક ગ્રંથનું ભાષાંતર સોસાયટી તરફ મોકલ્યું. તે પરીક્ષક કમિટીમાં મુકાઈને સર્વોત્તમ ઠર્યું, અને તેને માટે રૂ. ૧૫૦ નું ઇનામ મળ્યું. વીરમગામમાં પ્રાર્થનાસમાજ, નેટિવ જનરલ લાઇબ્રેરી, લોકહિતવર્ધક સભા અને જોઈન્ટ સ્ટૉક કંપની ઊભી કરીને તેની મારફત પહેલું છાપખાનું સ્થાપન કર્યું. સિવાય વીરમગામની મ્યુનિસિપાલિટીમાં ચેરમેન(Chairman) તરીકે સાર્વજનિક કામો કરતા હતા. તે વખતે વીરમગામમાં સબ-જજ રાવબહાદુર લાલશંકરભાઈ હોવાથી તેમની સાથે પ્રથમ પરિચય થયો. વીરમગામની લોકહિતવર્ધકસભાની મારફતે મુંબઈ અને કલકત્તામાં સને ૧૮૮૫ અને ૧૮૮૬ ની સાલમાં ભરાયેલી ઇંડિયન નેશનલ કૉંગ્રેસોમાં ડેલિગેટો મોકલ્યા. વીરમગામથી સને ૧૮૮૭ માં અમદાવાદની હાઈસ્કૂલમાં બદલી થઈ. અહીંયાં તેમને ગુજરાતી ભાષામાં એક સારી ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરીની ઘણી જ ખોટ છે એવું જણાયું, અને ત્યારથી ડિક્ષનરી લખવાનું કામ શરૂ કરવા માંડ્યું. એટલામાં રા. રા. હરિશંકર પાઠક તરફથી તેમને દ્રવ્ય સંબંધી મદદ મળી. તે ડિક્ષનરી ઈ. સ. ૧૮૯૫ માં છપાઈને બહાર પડી. આવી ડિક્ષનરી ગુજરાતી ભાષામાં પ્રથમ હોવાથી પહેલી આવૃત્તિની નકલો બેત્રણ વરસમાં ખપી ગઈ. બીજી આવૃત્તિ ઘણા વિસ્તૃત પ્રમાણ પર લખવાનું કામ ઈ. સ. ૧૮૯૯ માં હાથમાં લીધું. તે આવૃત્તિ ઈ. સ. ૧૯૦૫ માં છપાઈને બહાર પડી. આ ડિક્ષનરીના કામમાં વિશેષ કરીને રેવરન્ડ ડૉ. ટેલર તરફથી કેટલીક સૂચનાની અને મિસિસ ટેલર તરફથી શબ્દસંગ્રહની સારી મદદ મળી હતી. ઈ. સ. ૧૯૦૧ માં અમદાવાદ શહેરમાં સનાતન ભારત ધર્મ મહાપરિષદનું દ્વિતીય અધિવેશન થયું તેના તેઓ મુખ્ય સેક્રેટરી હતા. ઈ. સ. ૧૯૦૩ માં તેઓ અમદાવાદની મેલ ટ્રેનિંગ કૉલેજમાં વાઈસ પ્રિન્સિપાલ નિમાયા. પોતાની માતૃભાષા મરાઠી છતાં ગુજરાતી જેવી પારકી ભાષામાં પ્રાવીણ્ય સંપાદન કરીને ગુજરાતની ટ્રેનિંગ કૉલેજમાં વાઈસ પ્રિન્સિપાલની પદવી મેળવી એ તેમને વિશેષ ભૂષણાસ્પદ છે. ડિક્ષનરી જેવું ભારતી કામ એક હાથે થવાથી તેમના જ્ઞાનતંતુ પર ઘણી જ ખરાબ અસર થઈ, તેમને અપસ્માર(Appoplexy)નો રોગ થયો અને છેવટે ઈ. સ. ૧૯૦૬ની ૪થી એપ્રિલ બુધવારે(ચૈત્ર સુદ ૧૦ ને દિવસે) સવારમાં કલાક ૬-૪૫ મિનિટે તેમનું દેહાવસાન થયું. પ્રાર્થનાસમાજના પંથના તેઓ ઘણા ચુસ્ત અનુયાયી હતા. તેઓ વીરમગામ હતા ત્યારે તેમણે રા. બા. લાલશંકરભાઈની મદદથી પ્રાર્થનાસમાજ સ્થાપ્યો; તે હજુ ત્યાં ચાલે છે. અમદાવાદ આવ્યા પછી તેઓ અમદાવાદ પ્રાર્થનાસમાજના સભાસદ થયા. સમાજમાં તેઓ ઘણી વાર ઉપદેશ કરતાં તેમ જ વાર્ષિકોત્સવ વખતે પુરાણ વાંચતા. સંસાર સુધારાના સંબંધમાં તેઓ સુધારણાવાદી હતા. લોકરૂઢિને ચુસ્ત વળગી ન રહેતા. હાલના કાળને અનુસરીને લોકોએ પોતે રૂઢિ પાડવી જોઈએ એવો તેમનો મત હતો. હાલના જમાનાની આગળ, કે જેમાં દિનપ્રતિદિન નવી શાસ્ત્રીય શોધો બહાર પડે છે અને લોકોની ઐહિક યાત્રા સુખકર થતી જાય છે, એવા જમાનાની આગળ, કૂપમંડૂક જેવી સંકુચિત વૃત્તિથી દૃઢ થયેલી સ્થાનિક રૂઢિઓ નાબૂદ કરવી જોઈએ, એવું તેઓ ધારતા. એલ્ફિન્સ્ટન કૉલેજમાં વિદ્યાર્થી તરીકે શીખતા હતા ત્યારથી ભાષા સાહિત્ય સંબંધી વિષયોનો તેમને ઘણો શોખ હતો. ગુજરાત પ્રાંતમાં પ્રથમ નોકરી મળી ત્યારથી ગુજરાતી ભાષાનું બીજી ભાષાઓ સાથે(સંસ્કૃત અને મરાઠી) ઘણું જ મળતાપણું છે એમ માલૂમ પડવાથી ગુજરાતી ભાષાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધ્યયન કરવા લાગ્યા. પહેલવહેલાં તો ગુજરાતી લોકોની મધ્ય વસ્તીમાં રહીને કાંઈ નવાઈ જેવી કહેવતો, શબ્દપ્રબંધો અને વાક્યો માલૂમ પડતાં તે પોતાની સ્મરણવહીમાં નોંધ કરી રાખતા અને બીજી(એટલે મરાઠી, સંસ્કૃતમાં) ભાષામાં તેવી જ કહેવતો, વાક્યો વગેરેની સાથે સરખાવતાં ભેદ માલૂમ પડે તો તે ભેદ શાથી થયો, તેનું બીજા આસીસ્ટંટ માસ્તરો સાથે વિવેચન કરતા. અમદાવાદ હાઈસ્કૂલમાં હતા ત્યારે રા. રા. અમીધર રણછોડજી દેસાઈ અને રા. રા. તાપીશંકર પ્રાણશંકર દવે તરફથી વિવેચન કરવામાં મદદ મળતી. કૈલાસવાસી મલ્હારરાવે પ્રસિદ્ધ કરેલાં પુસ્તકો :
૧. હિંદુસ્તાનની રાજ્યપદ્ધતિ.
2. System of Government in India.
3. Guj. Eng. Dictionary (Two editions).
4. Dr. Bhandarkar’s Sanskrit First Book in Gujarati (3 editions)
5. Translation into Gujarati of R. S. Tarkhadker’s.(તર્ખડકરની) Marathi Translation Series (in 3 Parts).
૬. સ્વાતંત્ર્ય.
મરાઠી ભાષામાં એકે પુસ્તક પ્રસિદ્ધ કર્યું નથી. સ્વાભાવિક રીતે મરાઠી ભાષામાં લખવા કરતાં ગુજરાતી ભાષામાં ગ્રંથો લખવા તરફ તેમની વધારે પ્રવૃત્તિ હતી. નં રનું પૂના મેલ ટ્રેનિંગ કૉલેજના આસિસ્ટંટ માસ્તર મિ. વિષ્ણુ નાટેકરે મરાઠીમાં ભાષાંતર કર્યું છે. આ સિવાય તેમણે ઉર્દૂ, લેટીન અને ફ્રેંચ ભાષાનો અભ્યાસ કર્યો હતો. સાધારણપણે બીજા વિષયો કરતાં ભાષાસાહિત્ય વિષય તરફ વધારે લાગણી હતી. તેમણે મરાઠી ભાષાની કેન્ડી અને મોલ્સ્વર્થની ડિક્ષનરીઓની સુધારાવધારા સાથે બીજી આવૃત્તિ છપાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેને માટે તે વખતના કેળવણી ખાતાના વડા મિ. જાઈલ્સે જોઈતા શબ્દો, વાક્યો ઇત્યાદિનો સંગ્રહ કરવાનો મધ્ય વિભાગના મરાઠી શાળા માસ્તરોને હુકમ કર્યો હતો. અને તે પ્રમાણે મિ. હરિશંકર પાઠકને કેટલાંક manuscripts મળ્યાં છે. તેને માટે મરાઠી લેખકોની એક કમિટી નિમાઈ ને તેના મેનેજિંગ એડિટર (Managing Editor) કે. મલ્હારરાવ હતા.