રણજિતરામ ગદ્યસંચય – ૧/ડાહ્યાભાઈ ધોળશાજી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ડાહ્યાભાઈ ધોળશાજી

ઈ. સ. ૧૮૯૪માં અમદાવાદની મીશન સ્કૂલમાં गम् गच्छનાં રૂપાખ્યાન શીખનારને સ્વપ્નેય પણ ખ્યાલ નહોતો કે ઈ. સ. ૧૯૦૬માં અર્થાત્ બાર વર્ષ જેટલી ટૂંક મુદત બાદ પોતાના સંસ્કૃત શિક્ષકના જીવનની જાહેર સેવાની નોંધ લેવાનો પ્રસંગ આવશે. આઠદશ વર્ષ જેટલા અલ્પ સમયમાં શ્રી દેશી નાટક સમાજના મર્હુમ માલિક રા. રા. ડાહ્યાભાઈ ધોળશાજી લોકાદરની પૂર્ણ જાહોજલાલીમાં વિદેહ થયા એ બીના ઉક્ત સ્મૃતિસંસ્કાર પ્રદીપ્ત કરે છે એટલું જ નહીં પણ પોતાનાં નાટકોમાં ઠેર ઠેર જે ઉપદેશ અંશસ્વર તરીકે ગાયો છે તે તેમના પોતાના જ જીવનમાં તેમણે સાક્ષાત્કાર કર્યો એવી પ્રતીતિ કરાવે છે. એ અંશસ્વર કયો?

‘કાયા કાચો કુમ્ભ છે, જીવ મુસાફર પાસ,
તારો ત્યાં લગી જાણજે, જ્યાં લગી શ્વાસોશ્વાસ.’
વીણાવેલી.

જીવન નશ્વર છે; પંખીનો મેળો જામ્યો છે, ઘડી પછી તે વીખરાઈ જશે, પાણીમાં વાદળનો પડછાયો પડ્યો છે, પળ પછી પડછાયો વિલુપ્ત થશે; ચાંદની પથરાઈ છે, ચંદ્ર અસ્ત થયો ને સર્વત્ર અંધકાર ફેલાયું; મનુષ્યની મેદની જામી છે, માણસો વેરાયાં અને બધે સુનકાર છે; કાયાનો ઘડો કાચો છે અને ફૂટતાં વાર નથી: આવી રીતે રા. રા. ડાહ્યાભાઈએ ઇહજીવન નાશવંત છે એવો ઉપદેશ બોધ્યો છે. સંસાર પ્રત્યે વિરાગ ઉપદેશનારાનાં દૃષ્ટિબિંદુ વિવિધ હોય છે. સંસારના કર્દમમાં પચી રહી વિશાળ આકાશમાં ઊડવાની જેને સહેજ પણ અભિલાષા નથી, અર્થાત્ અધમ જીવન જીવનારને ઉન્નત આચરણો આચરવાની વૃત્તિ નથી તેને અધમતામાંથી ઉદ્ધારવા નશ્વરતાનો બોધ કરવામાં આવે છે : અધમતા અનેકરંગી હોય છે! સ્વહાનિપ્રદ ને પરહાનિપ્રદ એવાં બે વિશાળ સ્વરૂપ થઈ શકે. બેશક જગતની ઘટના એવી છે કે પોતાને અધમ કરનાર વસ્તુ જગતને પણ અધમ બનાવે છે અને તેથી ઊલટું પણ થાય છે. ફક્ત સ્પષ્ટતાને ખાતર ઉક્ત સ્વરૂપો લખ્યાં છે. રા. રા. ડાહ્યાભાઈનું રંગભૂમિ પર વિહરતું વિશ્વ સાંકેતિક છે તેથી જે વસ્તુસંવિધાન અને પાત્રઘટના ત્યાં ગોચર થાય છે તે પણ સાંકેતિક છે. પાપનું સૂક્ષ્મ અને તીક્ષ્ણ પૃથક્કરણ નથી તેમ જુગુપ્સા કે સંપૂર્ણ વૈરાગ્ય ઊપજે એવું કલાવિધાન નથી. પશ્ચાત્તાપના દાવાનળમાં શુદ્ધ થતાં કંચન પાત્રો જેવાં ઉત્કૃષ્ટ પાત્રો જવલ્લે જ દર્શન દે છે. Poetic Justice (અર્થાત્ કવિઓની સૃષ્ટિમાં વપરાતી ન્યાયબુદ્ધિ – સત્યનો જય અને પાપનો ક્ષય)નું અવલંબન લેવામાં આવ્યું છે. પોતાના બધા પાસા અવળા પડે અને છેવટે જીવનનો હેતુ નિષ્ફળ નીવડે એ શઠપાત્રોના અનુભવ છે. તેઓની અધમતા, સ્વાર્થસાધના, ઈર્ષ્યા, અસૂયા, કામવાંછના, અહંતા આદિમાં સમાયેલી છે. પોતાનો હેતુ બર લાવવા અનેક પ્રપંચો તેઓ રમે છે. પોતાનું મમત્વ પ્રતિપાદવા નાનાવિધના અનાચારો આચરે છે. આવી જેની રહેણી છે તેઓ પૂર્ણ અંશે આત્મશ્રદ્ધાશીલ હોવા જોઈએ. દુનિયા ઉથલાવી નાખવાની – ધાર્યું સાધવાની શક્તિ આપણામાં છે એવી જ્યાં લગી પ્રતીતિ ન હોય ત્યાં લગી તેમનાથી એક ડગલું પણ ભરવું બને એમ નથી. ઉત્તમ જીવનોને આત્મશ્રદ્ધા (Self confidence) ઉન્નત પથે લઈ જાય છે પરંતુ પામર જીવો તો તેથી અભિમાની, દમામી, મમતીલા, જોહુકમી અને ખારીલા થાય છે. આપણા લૌકિક નીતિશાસ્ત્રે આ દુર્ગુણોની સખત ખંખેરણી કરી છે. નીતિતત્ત્વો એવાં વિચિત્ર છે કે મર્યાદામાં રહીને દુર્ગુણો પણ સદ્ગુણો થઈ શકે છે અને મર્યાદા છોડતાં જ સદ્ગુણો દુર્ગુણો થઈ જાય છે. રાજ્યની લગામ તાણીને પકડવી જોઈએ પણ તે નિયમસર. હદબહાર ખેંચાણ થતાં જુલ્મના રૂપમાં બાદશાહી કબર ફેરવાઈ જાય છે અને પરિણામે પદભ્રંશના કે વિદ્રોહ થાય છે. તે જ પ્રમાણે અભિમાન, મમત, દમામ વગેરે પણ શુભ અને કલ્યાણકારી કામો કરી શકે છે એ વાત રા. ડાહ્યાભાઈના લક્ષ બહાર રહી ગઈ હતી. ઉચ્છંખલ દુર્ગુણોનાં હાનિપ્રદ પરિણામો જ એમણે બતાવ્યાં છે. એ દુર્ગુણોનું જનન અને પોષણ શી રીતે થાય છે તે યથાર્થ જાણવાની ઉત્કંઠા અતૃપ્ત જ રહે છે. દુર્ગુણોને ધિક્કારવામાં આવ્યા છે તે તેમનાં અનિષ્ટ પરિણામને લીધે જ નહીં – જન સમાજને જાલીમ નુકસાન તેઓથી થાય છે તે સારુ નહીં પણ મનુષ્યની નિર્બળતા અને અંધતાની ખાતર.

‘દશા કરે તે કોઈ ન કરશે, મૂર્ખ કરે અભિમાન;
પ્રાણી બિચારું તુચ્છ મગતરું, કાળ કથા અણજાણ;
હુંપદમાં મરડાઈ મરે પણ, ધાર્યું કરે ભગવાન – દશા૦’

મનુષ્યથી પર કોઈ એક શક્તિ છે – જે દશા, સમય, નશીબ કે કર્મના નામે રા. ડાહ્યાભાઈના નાટકમાં ઉલ્લેખાઈ છે – તેને આધીન માનવી છે, તેના નચાવ્યા તે નાચે છે. ભવિષ્યનું ક્ષિતિજ ધુમ્મસથી આવૃત્ત છે – ત્યાં શું છે તે કહી પણ નથી શકાતું. જરાક દોડતાં ઊંધે માથે બોખ જેવા ખાડામાં નિપાત થવાના છે છતાં આંધળો થઈ માનવી દોડી જાય છે. છતાં ‘હું’ ‘હું’ કરતો તે ફરે છે તે ખોટું છે – અહંભાવ રાખવો તે પાપાચરણ છે. સમયના સામર્થ્ય આગળ આવો ભાવ ટકતો નથી – મગતરાં જેવાં માનવીને ચોળાતાં વાર શી?
વસ્તુસ્થિતિ આમ છે ત્યારે વર્તવું શી રીતે? દશાને તાબે થાઓ. સુખદુઃખ સરખાં ગણો. જે સ્થિતિ પ્રાપ્ત થાય તેનો તિરસ્કાર ન કરતાં તે આદરથી સત્કારો. મુફલીસ ભટકતા કઠિયારા સાથે પિતાએ વીણાને પરણાવી, પોતાના કર્મમાં જે હશે તે થશે એમ ધારી પતિભાવ સંપૂર્ણતઃ કઠિયારાની શુશ્રુષામાં સમર્પ્યો. પોતાને વેઠવી પડતી આસમાનીસુલ્તાનીમાં મેવાડનો વીરકિરીટી રાણો પ્રતાપ પણ આ જ સિદ્ધાંતના અન્વયે સહેજ પણ વિષમતા વિના જીવન ગાળે છે.
આ સિદ્ધાંતો અમને તો ઊણા લાગે છે. ‘હું’ ‘હું’ કરતો માનવી સંસારનું શ્રેય કેમ ન સાધી શકે? ઉદાત્ત અહંભાવવાળો વૉશિંગ્ટન કે મીકાડો પોતાના દેશનો ઉદ્ધાર કરી શકે છે, વિજ્ઞાની કે વૈદ નવી નવી શોધખોળ કરી શકે છે, અને માનવીની અપ્રતિમ સેવા બજાવી શકે છે. સેનાની રણક્ષેત્રમાં વિજય મેળવે છે ઇત્યાદિ. કર્તવ્યનો ઉચ્ચ આદર્શ નિષ્કામના અને સમર્પણમાં મનાયો છે; અહંભાવને ભસ્મીભૂત કરવામાં નહીં. વીણાના જીવનની ખરી કસોટી એનો પતિ રાજકુંવર ન નીકળતાં કઠિયારો જ રહ્યો હોત ત્યારે થાત. ગરીબ દેખાતા નાયકો અન્તે રાજબીજ નીવડે એવો સંપ્રદાય ઉચ્ચ આદર્શ ઉત્પન્ન કરી શકતો નથી. જીવનની નશ્વરતા દુઃખીને દિલાસો દેવા બોધાય તો ઠીક છે. સુખદુઃખ ફરતા ફરતી છાંયડી જેવાં છે એમ માનવાથી દુઃખની વેદના ઓછી થાય છે પણ તેથી કર્તવ્યપરાયણતા પ્રદીપ્ત થતી નથી. પોતાનું કે પારકાનું કલ્યાણ કરવાની વૃત્તિ અને આચરણ ઉદ્ભવતાં નથી. સંસાર ક્ષણભંગુર છે એવા નિરાશાવાદથી જનસમાજને અનેકધા હાનિ થાય છે. સમાજ કદાચ, નિર્વીર્ય, બેનૂર, અઋજુ અને વખતે તો અતીવ અધમ થાય છે. હિંદુસ્તાનને આજ નિરાશાવાદનો ખપ નથી. પ્રોત્સાહક આશાવાદનો નિનાદ દિશાઓ મુખરિત કરશે—શતકોની બધિરતા દૂર કરશે ત્યારે જ આ પતિત દેશનો ઉદ્ધાર થશે. ‘એક ફૂલ ખરે તે માટે શોચો નહીં પણ બીજો ફૂલછોડ વાવો’ એવો ઉપદેશ પીશું ત્યારે જ અમારું જીવન પ્રફુલ્લ ખીલશે.
વળી મનુષ્યને અધ અને દશાનું રમકડું ગણવાથી ‘અનુભવ’ એવી વસ્તુને નિષ્કાસન આપવામાં આવે છે – મનુષ્યનું મનુષ્યત્વ ખૂંચવી લેવામાં આવે છે. દશાના દાબમાં રહેનાર સ્વતંત્ર નથી એમ માન્યા છતાં સ્વતંત્ર આચરણ કરે છે. Determinismમાં માન્યા છતાં આચરણો Free Willથી આચરે છે. રા. ડાહ્યાભાઈની ફિલસૂફી આટલે અંશે ન્યૂન લાગે છે.
કર્મને આધીન થવામાં પણ એક પ્રકારનો અહંભાવ રહ્યો છે. કઠિયારા સાથે પરણેલી વીણા, વેષધારી મારવાડના કુમાર સાથે પરણેલી વેલીના ઉપર મનમાં સરસાઈ ભોગવે છે અને છેલ્લા પ્રવેશમાં એ જ અહંભાવ પિતાને ટાણો મારવાની યુક્તિ રચવાની પ્રેરણા કરે છે. દશા, સમો, કર્મ આદિનો પ્રભાવ સ્વીકાર્યા છતાં પરિણામ આવું આવે છે.
વળી નૈરાશ્ય જે પ્રગટ કરવામાં આવ્યું છે તે હિમ જેવું છે. બાળી નાખે એવું છે. જેમના દહાડા નબળા નથી – જેઓ વૈભવમાં રાચે છે તેમના તરફ જ નૈરાશ્યના કટાક્ષ ફેંકવામાં આવ્યા છે. વસંતમાં વિહરનારને પાનખરનું સ્મરણ આપવાથી કે યૌવનમાં મહાલનારને વાર્ધક્યનું ચિત્ર બતાવવાથી શો અર્થ સરતો હશે? ઉત્સાહ, ઉમંગ, આશા, અભિલાષા, ઉડ્ડયન આદિ જગાવવા જો દશાના ફેરફારો વિશે કહેવામાં આવ્યું હોત તો કેવું સારું થાત? મહેનત કરો —મંડ્યા રહો—કોઈક દિવસ પણ ઉત્તર કે દક્ષિણ ધ્રુવના પ્રદેશમાં પહોંચશો, કોઈક દિવસ પણ હિમાલયના ઉત્તુંગતમ શિખરે માનવી જઈ ઊભો રહેશે, કોઈક દિવસ પણ પૃથ્વી અને બીજા ગ્રહો વચ્ચે અવરજવર થશે, કોઈક દિવસ પણ માનવી પ્રયોગશાળામાં ઊપજાવી શકશો એવો ઉપદેશ જગતનું કલ્યાણ સાધે છે; નૈરાશ્યમાંથી આશા પ્રગટાવે ત્યારે જ જીવનસાફલ્ય.
સહેજ વિસ્તારથી રા. ડાહ્યાભાઈના ઉપદેશોનો પ્રધાન ઉપદેશ વિવેચ્યો છે. વિરક્તિ આગળ કહ્યું તેમ વિવિધ કારણસર ઉપદેશવામાં આવે છે. કર્દમમાં ન પડી રહે —ઉડ્ડયનની પળો વિરલ છે માટે તેનો થાય તેટલો શુભ ઉપયોગ કરી લે. પાપાચરણથી તારું અને જગતનું નુકસાન થાય છે, ક્ષણભંગુર જીવનમાં એટલું નુકસાન શા માટે કરે છે? માથે આવી પડેલી દશામાં વિષમતા વિના જીવન ગાળ : આદિ આદિ પ્રસંગો માટે સંસારનો વૈરાગ્ય અને ક્ષણભંગુરતાનો ઉપદેશ લાભપ્રદ છે.
સાથે સાથે રા. ડાહ્યાભાઈનાં શઠપાત્રો વિશે સંક્ષેપમાં વિવેચન કરી લઈશું. આ પાત્ર સંસ્કૃત નાટકોમાં હાલ જે સ્વરૂપમાં તે ગુર્જર રંગભૂમિ પર જોવામાં આવે છે તે સ્વરૂપમાં નથી. શેક્સપિયર અને અંગ્રેજી નવલકથાનો પ્રભાવ જેમ જેમ આપણી રંગભૂમિ પર વધતો ગયો તેમ તેમ આ પાત્રનો વિકાસ થતો ગયો. એ પાત્રોમાં શેક્સપિયરના આએગો(Iago)ની છાયા જણાય છે. પ્રપંચ, સ્વાર્થ, સ્ત્રીલંપટતા અને ભોળાઓને પોતાનાં રમકડાં બનાવવાની કળાના તેઓ ઉસ્તાદ હોય છે. સતીને તેઓ હેરાન કરે છે– તેનું સતીત્વ કસે છે. સતીત્વ આ પ્રમાણે કસવામાં આવે છે તેમ પૂજ્યભાવથી પ્રશંસવામાં આવતું હોય તો કૌશલ ઉત્તમ થાય.
કરુણાંત પ્રબંધોમાં જેવું શાઠ્ય કુશળ અભિનય દ્વારા પાડી શકાય છે તેવું સુખાંત પ્રબંધોમાં નથી થતું. શઠપાત્રોની શઠતા એકતાનાત્મક હોય છે. વિવિધરંગી નથી હોતી. વળી એક જ નટ દરેક નાટકમાં શઠ થતો હોવાથી શઠની શઠતા કરતાં તે નટના વ્યક્તિત્વ પર પ્રેક્ષકોનું લક્ષ જાય છે. અભિનય પણ બીબાંની ભાત જેવા થઈ જાય છે. શઠ અને તેના સાગ્રીતોની પાત્રતા મારફત સાંકેતિક રીતે સમાજમાં પ્રચલિત અનર્થો રા. ડાહ્યાભાઈએ ઝાટકી કાઢ્યા છે. વ્યભિચાર; વેશ્યાસંગ, મદ્યપાન, લોભ વગેરે સપાટામાં આવી ગયા છે. શઠની પાત્રતા આગળ નાયકની પાત્રતા ઝાંખી પડી જાય છે. આ દૂષણ ઇંગ્લૅંડની રંગભૂમિનું પણ છે. ગુર્જર રંગભૂમિ પર રા. ડાહ્યાભાઈને લીધે જ આજ શઠ અવિરલ થયો છે.
શઠ અને નાયિકાને સંઘર્ષણમાં આવવાના અનેક પ્રસંગો બને છે. શઠની મોહજાળમાં તે સપડાતી નથી અને પોતાના શીલને અખંડ જાળવી રાખે છે. જૈન સૂરિઓના કથાનક પરથી રા. ડાહ્યાભાઈએ પોતાનાં નાટકોનાં વસ્તુ લીધાં છે. સૂરિઓ શીલનો મહિમા હંમેશ ગાતા. એટલે રા. ડાહ્યાભાઈનાં નાટકોમાં પણ એનો મહિમા ગવાયેલ જ. શીલ અને પાતિવ્રત્ય સંબંધી પાત્રોનાં સંભાષણો અને ગાયનો દરેક નાટકમાંથી મળશે.

‘સખી! જેને પતિનું માન – તેનાં ગાંધર્વ ગાયે ગાન;
પામે દેવી સમાન સન્માન – રમે રામા રસિક લઈ તાન.’
વીણાવેલી.
‘કરે કામની શું સંસારે, વારે વારે પતિને સંભારે
બધી આળ પંપાળ વિસારે, પતિ રામનું નામ ઉચ્ચારે—
ભલેને દાબો બ્રહ્માંડભારે, ભલેને કાપો તિક્ષણ ધારે—
દેહ ગેહ શુદ્ધિ નહીં, તૂટી ગઈ જગપ્રીત,
ગોરી તો ગાતી ફરે, રસીઆનું રસગીત;
ખાન પતિનું ને પાન પતિનું ગાન પતિ ગુલતાન.’
વીણાવેલી.
‘પટોળીએ ભાત પડી, પડી તે તો પડી પડી
સાચી પ્રીત સમજવી જેવી એક ચુંદડી
ફાટતાં બેહાલ થતાં ભાત દીસે ખડી ખડી
પતિવૃત્ત પટોળીએ પ્રીતભાત તેવી પડી
કમજાત પતિવ્રત રત્ન અરેરે ગુમાવે.’
સરદારબા.

એક પત્નીવ્રત અને એક પતિવ્રત એ રા. ડાહ્યાભાઈની ભાવના છે; બેશક એક પત્નીના મૃત્યુ બાદ બીજું લગ્ન પતિ કરી શકે છે. પતિ પરમેશ્વર છે — પૂજ્ય છે; પત્ની પર ગમે તેવો જુલમ ગુજારવાનો અધિકાર તેને છે. પત્નીનો તિરસ્કાર તે કરે છે. રા. ડાહ્યાભાઈ વનિતાદ્વેષી નથી; તેમનાં નાટકોમાં વનિતાસન્માન છે. તોપણ ‘ઉદયભાણ’માં ભાણજીનું ભાણીબા વિશેનું ગાયન, પત્ની વિશે પતિને ખોટી ભંભેરણીથી ઊપજતો સંશય વગેરે આપણને ખૂંચે છે. જ્યાંથી પોતાનાં વસ્તુ લીધાં હતાં તેના સંસ્કારોને લીધે આવું થયું હશે. સ્ત્રીઓથી પોતાના પતિઓનો ઉદ્ધાર થતો એવું ઘણાં નાટકોમાં આલેખાયેલું છે. શીલનો મહિમા વિષયપરત્વેના વિરોધને લઈ ગવાયો છે. શીલવતી સતીનો પ્રભાવ સંતતી પર, પાપવાંછનાહીન અનુચરો અને સમાગમીઓ, કે પ્રજા પર પડ્યો હોય એવું વિધાન નથી; સાધુની સાધુતા વધારે, વીરનું વીરત્વ ઉત્તેજે, અર્થાત્ મનુષ્યની દૈવી સંપત અધિક ઓજથી પ્રકટાવે એવા પ્રસંગ શીલગૌરવ દર્શાવવા યોજાયા નથી. આસુરી સંપતનો વિનાશ કરવા સાથે દૈવી સંપતને વધારે કલ્યાણ કરતું કલાવિધાન હિતાવહ અને પ્રેય છે. નીતિના સબળ પાયા પર જ દરેક નાટકની ઈમારત ચણાયેલી છે. રા. ડાહ્યાભાઈ એટલા બધા નીતિપ્રચારણ માટે આતુર હતા કે રુચિરતાની ક્ષતિ થાય તેવે પ્રસંગે પણ નીતિતત્ત્વો પ્રત્યક્ષ રીતે ઉદ્ઘોષ્યા વિના રહેતા નહીં. તેમનાં ગાયનોમાં એ તત્ત્વોનો સંભાર છે, પ્રલંબ ભાષણો દ્વારા એ તત્ત્વો ભાર દઈ પ્રેક્ષકો સમક્ષ રજૂ થતાં. આ દેશની પ્રજાને ‘શીખામણિયાં’ લખાણ (didactic writings) વધારે અસર કરે છે. રા. ડાહ્યાભાઈનાં નાટકોમાં આ તત્ત્વોનો જેટલો વિસ્તૃત ઉપયોગ થઈ શકે તેટલો કરવામાં આવ્યો હતો. સરળ પણ સચોટ ભાષામાં, કહેવતો, સંસ્કૃત અને ગુજરાતી ગ્રંથોના અભ્યાસે હાથ લાગેલા અલંકારો જેમાંના કેટલાંક વર્ષો થયાં હિન્દુ સમાજને પરિચિત હતાં તેમનો ઉપયોગ કરી પોતાને કહેવાનું રા. ડાહ્યાભાઈ કહેતા. એમના નાટક પર આ પ્રમાણે નીતિના પટા ઉજ્જ્વળ અને વિશાળ પડ્યા છે. પરોક્ષ ઉપદેશ જે કલાવિધાનનો પ્રધાન ઉદ્દેશ છે તે આજના અશિક્ષિત કે અલ્પ શિક્ષણવાળા શ્રોતાઓને માટે હિતાવહ નથી એમ માની પ્રત્યક્ષ ઉપદેશ એમણે ઉચ્ચ નાદે કર્યો છે. રા. ડાહ્યાભાઈની કૃતિનાં મુખ્ય લક્ષણ તપાસતાં પાત્રતા વિશે પણ વચ્ચે ચર્ચા કરી. વસ્તુસંવિધાન તપાસતાં પણ એમણે બજાવેલી સેવાની કદર પિછાનીશું. ગુર્જર રંગભૂમિ પર સંસ્કૃત નાટકોના વિદૂષક અને રંગલાનો અવતાર હાસ્યરસ ઉપજાવવા લાવવામાં આવતો. આથી સંકલના શિથિલ રહેતી અને રસનિષ્પત્તિમાં ક્ષતિ લાગતી. પારસી કંપનીઓએ આ દિશામાં સુધારો કર્યો હતો. રા. ડાહ્યાભાઈએ વિદૂષકને રૂખસદ આપી હાસ્યરસ જમાવવા અને સાથે સાથે ઉપદેશ આપવા ઉપકથા યોજી નાટકના મૂળ વસ્તુમાં સંયોજી લીધી. પ્રારંભમાં ઉપકથા છૂટી રહેતી. રફતે રફતે કૌશલથી ઉપકથા દાખલ કરવામાં આવી. મોલીયરનાં નાટકોની કથાને ગુજરાતી લેબાસમાં આપણી રંગભૂમિ પર આણ્યાં. આથી કાંઈક કૌશલ ઊંચું થયું. આ ફેરફાર પ્રેક્ષકોને પસંદ પડ્યો અને બીજી કંપનીઓએ પણ અખત્યાર કીધો. વાણિયા, વોરા, બાવા, પારસી, સસરાજમાઈ, અનેકપત્નીવિવાહ વગેરે કોમો અને સંબંધો તેમ જ સંસ્થાઓનાં દૂષણોથી જે રીતે આપણો સમાજ આનંદ મેળવે છે—એ દૂષણોના ઉપહાસથી એમનાથી થતી હાનિ સમજે છે તે જ રીતે એ સર્વનો રા. ડાહ્યાભાઈએ ઉપયોગ કીધો છે. આજની આપણી રંગભૂમિના અધ્યક્ષોનો હાસ્યરસનાં શક્તિ અને સ્થાન વિશેનો અભ્યાસ અધૂરો છે એ અસંદિગ્ધ વાત છે. શૃંગાર અને હાસ્ય, વીર અને હાસ્ય, કરુણ અને હાસ્ય તથા અદ્ભુત કે જુગુપ્સા અને હાસ્યના સમવાય કેવા અને કેટલે અંશે યોજવા જોઈએ તે હજુ રંગભૂમિના રસશાસ્ત્રીઓને શીખવાનું છે. હાસ્યોત્પાદક પ્રવેશો હલકા પ્રેક્ષકોને રીઝવવા, મોજમાં રાત ગાળવા આવેલાની વૃત્તિ સંતોષવા, કરુણ કે શૃંગારનું આધિક્ય છાંટવા, કે ‘સીનરી’ ગોઠવવામાં લાગતો વખત મેળવવા નાટકના તખ્તા પર ભજવવામાં આવે છે. રા. ડાહ્યાભાઈનાં નાટકોના આ પ્રસંગો પણ સાંકેતિક છે; આ જ દિવસે દિવસે નવીન થતા જતા આપણા સંસારનું તેઓ નિરીક્ષણ કરતા હતા એવી પ્રતીતિ કરાવનાર પ્રસંગો જવલ્લે જ એમની કલમથી લખાયા છે. ‘ઇલેક્શન અને ક્વૉરન્ટાઇન’નો ખેલ ફક્ત અપવાદરૂપ છે. તેમાં પણ ઉપહાસ અગ્રસ્થાને છે—પ્રતિનિધિરાજ્યતત્ત્વ આદિ નવીન પાશ્ચાત્ય રાજકીય પ્રશ્નો સમાજ સરળતાથી સમજી ઉપયોગમાં લઈ શકે એવા દૃષ્ટિબિન્દુનો આશ્રય લેવામાં નથી આવ્યો. કૉલેજનું શિક્ષણ લેનાર રા. ડાહ્યાભાઈએ પોતાનાં નાટકો દ્વારા રાજ્ય, સંસાર, ગૃહ અને ધર્મનાં પ્રશ્નો ચર્ચી શ્રોતાઓમાં અલૌકિક પ્રબળ ચેતન જગાવ્યું હોત તો જે જે સેવાઓ એમણે કરી છે તે વધુ શ્રેયસ્કર અને ચિરંજીવ થઈ હોત — ભારતના આધુનિક ઇતિહાસ ઘડનારની કક્ષામાં તેઓ સ્થાન પામ્યા હોત. ગાયનોના સંગીત વિશે ચર્ચા કરતાં અતિ વિસ્તાર થાય માટે આજ તે મુલતવી રાખવી વાજબી ગણાશે. રા. ડાહ્યાભાઈના ગરબા યોગ્ય લોકાદર પામ્યા છે. કાઠિયાવાડના રાસડા રા. રા. વાઘજી આશારામ ઓઝાએ નાટકોમાં દાખલ કર્યા. રા. રા. ડાહ્યાભાઈની રસિકતા આ રાસડાઓની રસનિષ્પાદન શક્તિ, પ્રેક્ષ (Scene) તરીકે અને સંગીત પરત્વેની ખૂબી પામી શકી. દરેક ખેલમાં અકેકો ગરબો સ્થાન પામ્યો. આ દેશના આલંકારિકોએ નાનાવિધની નાયિકા વર્ણવી છે તેવી નાયિકાના પ્રસંગો આછા પ્રકૃતિવર્ણનોથી રંગી ગરબામાં રા. ડાહ્યાભાઈએ આણ્યા છે. લય લલિત, સૂરાવટ મધુર અને ભાષા કોમળ છે; અલંકાર રૂચિકર છે; શૈલી સરળ અને સાદી છે; વચ્ચે વચ્ચે પ્રાચીન કાવ્યોની ભાષા, કે અલંકારો કે વિચારો સૌરસ્યથી ગોઠવ્યા છે. ગોપીગીતો અથવા કલગીતોરાની છટેલ મસ્તી કે અનીતિ છેકી નાંખી તેમની મનોહરતા, શ્રુતિપ્રિયતા, સુગમ્યતા, લાલિત્ય, માધુર્ય અને પ્રવાહીત્વ પોતાનાં ગીતોમાં રા. ડાહ્યાભાઈ લાવ્યા છે. આજનાં ઘણાં નાટકી ગાયનોમાં અસંબદ્ધતા, શિથિલતા, નિરર્થકતા, અવિશદતા, પ્રયોજનહીન શબ્દપ્રાચુર્ય વગેરે જે અરુચિકર તત્ત્વો હોય છે તે દૂષણો રા. ડાહ્યાભાઈનાં લગભગ બધાં ગીતોમાં નથી; બેશક સંપૂર્ણ અંશે શુદ્ધ તો બધાં નથી જ. હલકાં જોડકણાંને બદલે રસભર્યાં એમણે રચ્યાં છે. ગરબા અને નાયિકાને ગાવાનાં ગીતોના ભાવ સારા આલેખવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. કંચનીઓનાં ગીતો પણ ઉસ્તાદી સંગીતની પ્રસાદી પામ્યાં છે. ‘મોરી ધીરેસે ગગરી ઉતાર લીજે રે’થી શરૂ થતું ગીત ઉદાહરણ તરીકે બસ થશે. અલંકારો વર્ણવતાં જ ધારેલો ભાવ ઉદ્દીપન કરે—અર્થાત્ આજના પ્રેક્ષકવર્ગને સહેજ પણ આયાસ વગર તે ભાવ સમજાય એવાં પસંદ કરવામાં આવ્યાં છે.

‘સંસારને રૂડે રસોડે દેવતા દુઃખનો ભર્યો;
પેઠા વિષયદૂધ લાલચે તો મનબિલાડા ઠાર મુઓ;
સાચે ન સુખનો રોટલો છે પાણીમાંનો છાંયડો,
કૂતરા ખુએ કર્મમાં હાડકાંનો હાયડો.’
મોહિનીચંદ્ર
‘કળી કુમળી કેમ ઉપાડે, કોવાડાના માર,
ગુલાબના ઢગલામાં શોભે ધગધગતા અંગાર;
અંગ આપણું અબળા કહીએ, કહો ભાઈ અંગ તજીને રહીએ’ વગેરે
વીણાવેલી.
‘પોપટ પૂરીને પૂરું પાંજરે ન પાણી પાય,
મામો કહીને દૂધ સાપને તો દેવા જાય.’
વીણાવેલી.
‘બાંધે હવામાં બાપડાં પાપી બરફનાં માળીયાં,
કાળનો ઉકળાટ થાતાં હાય વહેતાં ચાલીયાં.’
સરદારબા.
‘પતિપરાયણ તારામતી ભીડ, નારાયણે જ નિવારી,
નરસિંહ મહેતાની હોંસથી હૂંડી, શામળીયાએ સ્વીકારી;
કંકોતરી વિના શ્રીકિરતારે પરણાવી ઓખાકુમારી.’
ઉદયભાણ.

આવાં અનેક ઉદાહરણો ટાંકી શકાય. કેવા કેવા પ્રકારનાં ઉપમાનો રા. ડાહ્યાભાઈ વાપરતા તેનો ખ્યાલ આપવા ઉપરનાં ઉદાહરણો પૂરતાં થશે એવી આશા છે. દંભી જોગ, કે સંસારીઓની અધમતા અને નિર્બળતા ખંખેરતાં અથવા ઈશ્વર પર ભરોસો રાખતાં જૂના ગુજરાતી કવિઓની શૈલી અખત્યાર કરી છે; તેથી તે તે ભાવવાળાં ગીતો લોકપ્રિય થયાં છે. ‘તુંહી તુંહી’થી શરૂ થતું સરદારબા નાટકમાંના ગુરુનું ગીત, ‘જોજો કૌતક જગનું કામ સધાય ઠગનું’ એ ધમલાનું ગીત, ‘નથી જગતમાં સાથ સંબંધી વિના ત્રિભુવન નાથ’ એ ભીખીનું ગીત, ‘સુંદર શામળીઆ, નામ જપીશ, નિત્ય તારું’ એ વીણાનું ગીત ઇત્યાદિ ગીતો વિશે પ્રશંસાવચન કથવાની જરૂર રહી નથી. ‘વીણાવેલી’માં કુંભારોનું ભજન, ‘ઉમાદેવડી’માં પૂજારીનું ભજન વગેરે પણ જૂનાં ભજનોની ધાટી પર રચાયેલાં હોવાથી શ્રોતાઓને રૂચ્યાં છે; બેશક નવીનતા, ચમત્કાર કે ગાંભીર્ય નથી. ઉપમાનો રમણીય કે સાધારણ વપરાયાં છે, કેટલેક સ્થળે તો ક્ષતિ ઊપજે છે.

‘લોભના લગડે નહીં લાધે–પ્રેમતણું પરવાળ જો,
સ્વારથ કાકાકૌઆ કોટે નહીં પ્રીત મોતીમાળ જો.’
વિજયાવિજય.

અહીંયા સ્વાર્થને કાકાકૌઆનો સંબંધ શી રીતે બેસાડ્યો છે? કાકાકૌઆ કોટે મોતીમાળ કેમ ન શોભે? શ્વેત અને શ્વેતના સમાગમથી સુન્દરતા અલૌકિક પ્રકાશી નીકળ્યા વિના રહે જ નહીં.

જગતમાં તે નરને ધિક્કાર – તજે જે પરણી ઘરની નાર,
બગાડે મૂરખ તે સંસાર, ભેળવે દીવેલમાં કંસાર.
વીણાવેલી.
‘કોને કહીયે કજોડાની કહાણી રે,
જેમ બળદ પીલાયે ઘાણી રે.’
સરદારબા.

વગેરે સ્થળે અવિશદતા અને ગ્રામ્યતા છે. ભાષા અમુક અંશે સંસ્કારી રા. ડાહ્યાભાઈએ વાપરી છે. વર્ણસગાઈ પર ઝોક જબરો છે.

‘બોલો મારા પ્રેમી પોપટજી બોલ બોલો,
બોલો બોલો મેના બોલાવે.’
ઉદયભાણ.
‘કોઈ ફૂલ લ્યો રે ફૂલ—
ફૂલ સાથે દિલ છે ડૂલ રે—’
ઉમાદેવડી.
‘જપતી પ્રીતમની જપમાળા જુવતી જો અલબેલી,
જોબન રસરંગે જોની આ બની ઘેલી.’
અશ્રુમતી.
‘પ્રીતમની પાછળ હું જોગણ બની,
વ્હાલાની વાંસે વિજોગણ બની રે—’
વિજયાવિજય.

આ ઉતારાએ વર્ણસગાઈ, અનુપ્રાસ આદિ શબ્દાલંકારોનો કેવો વપરાશ થયો છે તે દાખવે છે. બેશક ગુજરાતમાં જે જાતની કવિતા આજ દિન લગી પ્રચારમાં છે – જે કવિતા લોકો હોંશથી વાંચે છે તેના કેટલાક ગુણો પોતાના ગાયનોમાં આણ્યાથી રા. ડાહ્યાભાઈએ લોકપ્રિયતા મેળવી એ સ્વાભાવિક છે. ફક્ત ગાયનો જ પ્રગટ કરવામાં આવે છે – સમગ્ર નાટકો છાપવામાં આવતાં નથી એટલે વિવેચન સંપૂર્ણતઃ યથાર્થ થઈ શકવાનો સંભવ નથી. ગદ્યની ભાષા, – વિવિધ વૃત્તિ દાખવતી ભાષા કેવી રીતે ઘડાઈ હતી, કેવા પ્રકારના સંવેગનો પાસ દેવામાં આવતો – એ વિશે ચર્ચવાને સાધનો નથી. ઉપદેશ આપતી વખત આલંકારિક ભાષાનો બહોળે હાથે ઉપયોગ કરવામાં આવે છે. આથી કહેવાનું સચોટ રીતે કહેવાય છે અને નટ શાબાશીની તાળીઓથી વધાવાય છે. કલ્પના કરતાં ‘દુનિયાદારી’ તરંગ(fancy) આવી ભાષા રચવામાં સહાય આપી શકે છે. ઉચ્ચ કવિત્વની આશા ખપુષ્પ મળે તો ફળીભૂત થાય. ‘ગૌડબંગાળાકાશી’ બંગાળની ભીખારણોની એક પછી એક ઊથલાતી છબી ઐક્યનું ભાન કરાવતી નથી તેમ જ જોનાર બાળકોને ફક્ત અલ્પજીવી આનંદ આપે છે, પણ તેમનાં જ્ઞાનને વધારતી નથી. એ જ પ્રમાણે કેટલીક વખત અલંકારપરંપરા સાંભળવાથી સૌરસ્યનું બાષ્પીભવન થાય છે, એકતા ખંડિત થાય છે અને શ્રોતાઓનાં જ્ઞાન કે અનુભવ હતાં તેવાં ને તેવાં રહે છે. રા. ડાહ્યાભાઈ વધારે જીવ્યા હોત તો એમનું કલાવિધાન હજુ વિકસત અને આવી ખામીઓ જતી રહી હોત. અભિનય પરત્વે બોલતાં કહેવું પડશે કે આજની આપણી રંગભૂમિ પર જેટલા અભિનયદોષ થાય છે તે સર્વથી પૂરે અંશે રા. ડાહ્યાભાઈના ખેલો મુક્ત નથી. ‘ટેબલો’ના અભિનયની ખૂબી પીછાની તેને રંગભૂમિ પર સ્થાન આપવા માટે પ્રેક્ષકો રા. ડાહ્યાભાઈના અતીવ આભારી છે. અમુક વૃત્તિ કે સંવેગ મૂક અને નીરવ રીતે પ્રકૃષ્ટ સ્વરૂપમાં દાખવનાર અભિનયની કિંમત આંકવા લેખિની અસમર્થ છે. જ્યારે હૃદયમાં તુમુલ તોફાન ચાલે છે, ભક્તિ અને પૂજ્યભાવના મહાધોધ ગડગડે છે, વૈરવૃત્તિ ભડભડ ભભૂકતી હોય છે ઇત્યાદિ પ્રસંગે માનવીની વાચા નિર્બળ થાય છે; ફક્ત તેના મુખ અને શરીરનાં બીજાં અંગોના હાવભાવથી હૃદયમાં ચાલતા વ્યાપારનાં પ્રભાવ કે માપ પમાય છે. ‘ટેબલો’ ક્રમશઃ તીવ્ર થતા જતા સંવેગ કે વિકારની પ્રબળ અને પ્રલંબ અસર નીરવ અભિનયથી ઊપજાવે છે. કરુણરસ જ્યારે ઘાડો જામ્યો હોય ત્યારે રસિક કલાવિધાન ‘ટેબલો’- નો ઉપયોગ કરે તો પ્રેક્ષકોને નવો પ્રકાશ – નવું જીવન જગાવતું ચેતન આપી શકે. વસ્તુ, ગીત, ભાષા અને અભિનય સંબંધી ‘ઉપર ચુટકી‘ કરેલી ચર્ચા આજના પ્રેક્ષકો વિશે સંક્ષેપમાં કાંઈ કહેવાને પ્રેરે છે. પૈસો કમાવા નાટકો ભજવવામાં આવે છે. દુકાનદાર પોતાનો માલ કેમ વધારે ખપે – પોતાને અધિક લાભ શાથી થાય એ વિચાર કરી વર્તે છે. તે જ પ્રમાણે નાટકવાળાઓ પોતાને ત્યાં પ્રેક્ષકની ઠઠ શાથી જામે અને પોતાને ત્યાં કેવી રીતે ટંકશાળ પડે એ હેતુ લક્ષમાં રાખી પોતાનો ધંધો ચલાવે છે. પ્રેક્ષકની રુચિને અનુસરવાથી નાટ્યકલા અધોગતિ પામે તે ઉક્ત દૃષ્ટિબિન્દુથી તેઓ દોષમુક્ત. પ્રેક્ષકોની રુચિ શું અધોગતિ આણે એવી છે? પ્રેક્ષકો કોણ હોય છે? સારો દિવસ કામ કરી થાકી ગયેલા લોકો જેઓ થાક ઉતારવા અને પોતાના સંસ્કારને અનુરૂપ આનંદ અને ગમ્મત મેળવવા નાટ્યગૃહમાં જાય છે. સખત મજૂરી કરનાર અધિક અંશે વિકારોને વશ હોય છે. પીઠામાં કે વેશ્યાલયમાં, આસાયશ માટે મળેલી રાત્રિ, નિર્ગમવાને બદલે અમુક વર્ગ નાટકશાળામાં રાત ગાળે છે. ઉક્ત સ્થળે પોષાતી વૃત્તિઓ નાટકશાળામાં ન પોષાય તો તેઓ નાટકોને ઉત્તેજન અને દ્રવ્યસહાય આપતા અટકી જાય. પૈસો રળવા બેઠેલા માલિકો એ વર્ગથી ઊપજતી દ્રવ્યની ખોટ ખમવા તૈયાર નથી; એટલે નાટકોમાં અધમતા, ક્ષુદ્રતા કે ગ્રામ્યતા પ્રવેશે જ. બીજો વર્ગ અભણ અને અસંસ્કારી શ્રીમંતોનો છે. પૈસાના તુમાખમાં છકેલા મોજશોખ માણવાનું સ્થળ નાટકશાળામાં શોધે છે. જ્યાફત અને નાચરંગની મઝા નાટકના તખ્તા પર ઘૂમતાં પાત્રો પાસેથી મેળવે છે. આ દેશને જોઈએ એવા ધર્મનાં ધતીંગથી મોકળા જાહેર વિનોદો બહુ થોડા છે; ને જે છે તે પણ વિલુપ્ત થતા જાય છે. આવા સમામાં નાટકો વિનોદો મેળવવા જોવા જવાય એ સ્વાભાવિક છે. અંગ્રેજોના આવ્યા પહેલાં ભવાઈ કે કલગીતોરાવાળાની મહેફિલ કે અફિણીયાનો ડાયરો કે હોળી જેવા બિભત્સ તહેવારો વિનોદ ને વિરામ મેળવવાનાં સાધનો હતાં. જ્યારે આવાં અધમ સાધનોનો સંપ્રદાય પ્રચલિત હોય ત્યારે નાટકો ઉચ્ચગ્રાહી ભજવાય એ અસંભવિત છે. જે દેશમાં સહેજ પણ સંકોચ વિના અશ્લીલ ભાષાનો બારે પહોર ને બત્રીસે ઘડી ઉપયોગ થતો હોય, સ્ત્રીચરિત્ર અને એવી જાતના વિષયો વંચાતા કે ચર્ચાતા હોય ત્યાંના વતનીઓ પાસે ઊંચા સંસ્કારની આશા રાખવી એ ફોકટ છે. સંસ્કૃત અને ઇંગ્લિશ સાહિત્યના ગાઢ વાંચન —બેશક જીવનપર્યંત રહેતો સમાગમ તો નહીં જ – છતાં પણ જે દેશના ગ્રેજ્યુએટોની રસવૃત્તિ હલકી ટળી શકતી નથી, ત્યાંની રંગભૂમિ પર ઉત્કૃષ્ટ ભાવનામય કૃતિ ભજવાતી જોવાની અભિલાષા વ્યર્થ છે. નાટકશાળામાં પ્રેક્ષકો મઝા અને ગમ્મતને માટે જાય છે – જ્ઞાન કે અનુભવ લેવા નહીં. ધાર્મિક વધારે ધાર્મિક થાય, કે પાપી ઓછો પાપી થાય એવા હેતુથી અથવા નવીન ભાવના મેળવવા ત્યાં કોઈ જતું નથી. જેઓની રસવૃત્તિ સંસ્કારી નથી, કેળવાયેલી નથી, જગતમાં અનુપમ અને ઉન્નત સાહિત્યને જેમને સમાગમ નથી તેવા પ્રેક્ષકોને માટે ઉચ્ચ પ્રકારનાં નાટકો ન રચાય એ સર્વ રીતે વાસ્તવિક છે. રા. રા. ડાહ્યાભાઈ આ બધું સમજતા હશે. પોતાના પ્રેક્ષકોને ધીરે ધીરે સંસ્કારી કરવા, તેમની સન્મુખ તેમને પચે એવા આદર્શો મૂકવા, બને તેટલી ભભક ઓછી રાખી સંગીન ઉપદેશ આપવો – એવા કાંઈક એમના હેતુ હશે. પોતાની શક્તિના પ્રમાણમાં તેઓથી બન્યું તેટલું એમણે કર્યું છે – છતાં એમની વિદ્યા જોતાં વધારેની અપેક્ષા રહે છે. રા. રા. ડાહ્યાભાઈની કૃતિ વિશે સહેજસાજ કહ્યા પછી એમના જીવન વિશે બોલવાનું રહે છે. દૃઢતા અને મંડ્યા રહેવાના ઉત્તમ ગુણો એમનામાં હતા. શરૂઆતમાં આગ લાગવાથી તેમ જ બીજાં કારણોથી તેમને ખમવું પડ્યું હતું. છતાં નાસીપાસ ન થતાં પોતાનું ચિત્ત નાટકના પેશામાં લગાડી પોતાની કંપનીને આજની સ્થિતિ સંપાદી આપી. તેમ જ પોતાના જીવનનું સાર્થક્ય કીધું છે. અમદાવાદના ‘આનંદભવન’ ‘થિયેટર’માં પોતાની પુનર્જીવિત કંપની પાસે ‘ભોજરાજા’નો ખેલ ભજવાવ્યો હતો તે વખત અને આજનો ખેલ જોતાં રા. ડાહ્યાભાઈની બુદ્ધિ, હિંમત અને કાર્યકુશળતાનો ખ્યાલ આવશે. જ્યારે દુકાળના પંજામાં આ દેશ સપડાયો હતો ત્યારે પોતાનાં નાટકો ભજવી તેથી થતી ઊપજ રાંકાંઓના નિર્વાહ અર્થે એમણે આપી દીધી હતી. આવાં અપૂર્વ સ્વાર્થત્યાગ અને વિરલ દાનશીલતા તેમનામાં હતાં. પોતાની કોમની સેવા કરવા માટે, દુઃખી બંધુઓની વહાર કરવા માટે અને નાટકના ધંધાને સહેજ ઉન્નત કરવા માટે શ્રી માંગરોળ જૈન સભા તરફથી આજનો પ્રસંગ ઊજવાય એ સુસંગત અને યોગ્ય છે. આ પરાસ્ત દેશની અલ્પ પણ જે સેવા કરે છે, તે તેનું પ્રારબ્ધ ઉઘાડવામાં મદદ કરે છે – તે આ દેશનો ઉદ્ધાર સમીપ આણતી જાય છે માટે તે તે સેવાની કદર બુઝાવી જોઈએ અને ઋણ ફિટાવવું જોઈએ. શ્રી માંગરોળ જૈન સભાએ આવો સ્તુત્ય સમારંભ યોજ્યો માટે તેમને અનેકવાર ધન્યવાદ છે અને જેમના સ્મારક માટે અત્રે આપણે મળ્યા છીએ તેમની અને તેમના ધંધાની યોગ્ય કિંમત જો આજે આપણાથી અંકાઈ હશે તો સભાનો પ્રયાસ સફળ, ઉપયોગી અને આદરણીય લેખવો જોઈશે.