રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તેજસિંહ

પાત્રો

તેજસિંહ ... રાજા
અબલા ... રાણી
સાધના ... રાણીની મા
વાચસ્પતિ ... રાજગુરુ
દેવસેન,    } ...સરદારો
સ્કંદ,
આદિત્ય,
અણહિલ,   } ...સૈનિક
હરિહર
બે પહેરેગીર

[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]

પ્રવેશ ૧ લો.

૧ લો પહેરેગીર : અલ્યા! ઊંઘી ગયો કે? ૨ જો : કેમ જાણ્યું કે ઊંઘી ગયો? ૧ લો : પિનાકની પેઠે કમાન થયેલા ભાલા પર અઢેલી વળેલો ઊભો છે. તેથી જાણ્યું. ૨ જો : આમ વળેલો ઊભો છું એટલે ભૂખનું દુઃખ ઓછું લાગે છે. ૧ લો : એ ખોટી વાત છે. એથી તારા કમ્મરબંધ જેટલી જ ગરજ સરે છે. ટટ્ટાર થતાં ઊલટી વધારે કકડીને ભૂખ લાગે છે. ૨ જો : આમ ક્યાં લગી ચાલવાનું છે? ૧ લો : વહાણો આવે ત્યાં લગી — તદ્દન સમજાય એવું છે. ૨ જો : ખરું, પણ વહાણો ક્યારે આવશે? ૧ લો : એની ખબર મને શી રીતે પડે? ઊંચે ધાર તરફ નજર કર. ત્યાં ઊંચે જો ઇન્દ્રમંડપ પર ચોકીદાર ઊભો છે અને દસ ગામે લાંબે નજર ફેરવે છે. એને ખબર હોય તો હોય! મઠીઆ ડુંગરાની પછાડી વહાણ આવતાં હશે. ૨ જો : પણ દુશ્મનો આવવા દેશે ત્યારે ને. ૧ લો : દુશ્મનો પાસે વહાણો નથી. ૨ જો : વાડની માફક આપણા આખા દેશને ફરી વળે એટલાં વહાણ એની પાસે છે. બે મહિના થયાં એ ગુલામ જેવો આપણને ઘેરી વળ્યો છે તેમ ફરી વળે એટલાં છે. ૧ લો : બે મહિના! ૨ જો : તને ખબર છે આજે બપોરે મને શું ખાવા મળ્યું હતું? આઠ દિવસ પર જે રોટલો કરડતાં દાંત કકડ્યા હતા તે જ રોટલાનું તળીઉં. સાચે, નખે નખે મેં તે પર ત્રણ સાથિયા કાઢ્યા. અમે પણ ફરી ઠીક મળ્યા! પણ આજે, તે જ રોટલો ઊલટથી ભચડાવી ગયો...રાજાના લગ્નના દિવસનું જુગતું જમણ! ૧ લો : શું તું એમ માને છે કે હઝુરસાહેબને વધારે હતું? ૨ જો : એમની કને વધારે હોત તો શું આપણે બધા આમ મરણીયા થાત, આપણો કચ્ચરઘાણ વળવા દેત, રણમાં આગળ ઝુકાવત, શરમ રાખત કે? કશાની ચોકી નથી કરવાની એવું જાણતા ન હોત તો અહીં સાંકળે બાંધેલા કૂતરાની માફક પડી રહી પહેરો ભરત કે? ૧ લો : સોનું જોઈએ એટલું છે. ૨ જો : સોનું! હં, સોનું! સોનું મારી પાસે પણ પુષ્કળ છે. કેશવપુરમાં મારા ભોંયરામાં ધન દાટ્યું છે. હં!......તે એ! શિવપુર પાછળ રહેલી બાયડીઓ કને ખાવાનું રહ્યું હશે......ઢોર જીવતાં હશે તો દૂધ પણ. ૧ લો : હા, બૈરાંઓને ત્યાં લહેર છે –તારી વહુ નથી. ખરું ને? ૨ જો : એક દુશ્મને મારી વહુની લાજ લૂંટીને મેં બન્નેના જાન લીધા!(અટકે છે) ઠીક! બાયડીઓને ખાવાનું જોઈએ; દૂધ પણ. પણ કેટલો વખત–(ધીમેથી પાસે આવતાં હથિયારોનો ખડખડ અવાજ) જો લગ્ન ખરેખર પૂરું થયું છે. ૧ લો : ચૂપ જો, બૂઢો અણહિલ આવે છે– હજૂરની ઢાલ સાથે (બીજો પહેરો ભરવા માંડે છે.)

પ્રવેશ ૨જો

[અણહિલ પ્રવેશે છે. ઢાલને એની જગ્યાએ ભેરવે છે, અને વીખરાયેલાં હથિયારો બાજુ પર ગોઠવે છે.] અણહિલ : કેમ, કાંઈ ખબર આવ્યા? ૧ લો : ના! અણહિલ : તમને ભૂખ લાગી છે? ૨ જો : હા. અણહિલ : ભૂખ બૈરાંને લાગે. ચિત્ત ઠેકાણે રાખો! આપણી જુવાન રાણી આગળ આવાં કરમાયેલાં મોં બતાવશો મા. લગ્નદિવસે એવું શોભતું નથી.

પ્રવેશ ૩જો

[ઘોંઘાટ કરતા લોકોથી વીંટળાયેલા તેજસિંહ અને અબળાના હાથ પકડી રાજગુરુ તંબુના આંગણામાં આવે છે. તેમની આગળ ધૂપદાની વીંઝતા બે બટુકો, પાછળ સાધના, દેવસેન, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો અને સેનાનીઓ. તંબુના દરવાજાઓની કનાતો નીચી ઢાળેલી છે. પહેરેગીરો ચાલ્યા જાય છે. રાજગુરુ રાજારાણીના હાથ મૂકી દે છે, સાધના તરફ ફરે છે. તેજસિંહ ગમગીન અને વિચારગ્રસ્ત ઊભો રહે છે. અબલા આસપાસ લજ્જાલુ પૃચ્છક દૃષ્ટિ નાંખે છે. દુઃખદ શાંતિ.] અણહિલ(આસ્તેથી) : રાજેન્દ્ર, નવયૌવના રાણીનો સત્કાર વાણીથી કરવો જોઈએ. તેજસિંહ(આસ્તેથી) : કરવો જોઈશે? (ધૂપદાનીવાળા છોકરાની ગરદન પકડી) છોકરા, એટલું બધું આકરું નહીં; ધુમાડો અમારાં નસકોરામાં ઠેઠ ગરી જાય છે. ધૂપદાની ધરવાની ન હોય ત્યારે તું શું કરે છે? બટુક : મારી તરવાર ધરું છું, નામદાર! તેજસિંહ : બરાબર છે. જલદી તરવાર પકડ નહિતર પાછળ પડી જઈશ. (ધીમેથી) અણહિલ, વહાણ દેખાતાં નથી ને? અણહિલ : ના, હજૂર પણ આપની નવોઢા રાણી સાથે બોલો તો ખરા. તેજસિંહ : ઠીક.......ત્યારે હવે હું વહુવાળો થયો. એમ ગુરુદેવ? રાજગુરુ : અહીં આપની રાણી ઊભાં છે, રાજેન્દ્ર આપનો શબ્દ સાંભળવા તલસે છે. તેજસિંહ : રાણીજી, જોઈતો શબ્દ જડતો નથી માટે ક્ષમા કરો. રણક્ષેત્રોના ખોળામાં ઊછર્યો છું, માણસના નિવાસનાં બીજાં સ્થળોનો પરિચય નથી. મારી સાથે આવી જિંદગી ગાળવાનું તને ભારે પડશે. અબળા : રાજેશ્વર...મારી બાએ...મને શીખવ્યું છે...(અટકી પડે છે.) તેજસિંહ : (હેતનો દેખાવ કરી) તારી બાએ શું શીખવ્યું છે? અબળા : પત્ની સ્વામીને આધીન છે–સંકટના સમયમાં તો ખાસ કરીને; મારી બાએ આટલું શીખવ્યું છે, પ્રભુ. તેજસિંહ : તમારે સ્ત્રીઓ માટે એ તદ્દન વાસ્તવિક અને ધર્મ્ય હશે...પણ સંકટના સમયે પતિ પણ પત્નીને આધીન હોય તો? સાસુજી! પણે શકટપુરમાં પત્નીઓ પાસે હરણીયાં દોડાદોડ કરે છે. દિવસોના દિવસો થયાં મારા સિપાહીઓને ખાવાનું મળ્યું નથી. એ હરણીયાં એમને ખાવા આપો એવી મારી સલાહ છે. [સાધના સાથું નમાવે છે] રાજગુરુ : મારા રાજેન્દ્ર! તેજસિંહ : હે! ગુરુદેવ, હમણાં જ રણભૂમિ પરના લગ્નમંડપમાં આપ સુભાષિત વાણી બોલ્યા છો. આટલી વારમાં ફરી ઉપદેશ આપવા વૃત્તિ થઈ છે? રાજગુરૂ : કહેવા વૃત્તિ થઈ છે, દુઃખ આપનો આત્મા કોરી ખાય છે એટલે. તેજસિંહ : ખરે જ? આપ શું એમ ધારો છો? ચાલો ત્યારે સાંભળીશ. રાજગુરુ : સાંભળ, ઈશ્વરી કોપની મૂર્તિ સરીખો તું અમારામાં ઉદય પામ્યો છે. જુવાન......પ્રજાએ તારાં વર્ષો નથી ગણ્યાં પણ તારાં પરાક્રમો, રાજીખુશીથી વૃદ્ધોએ તારી જુવાનીને નમન કર્યું છે. વિનમ્રતમ હોઈ તારે માટે સેવાનાં લાંબાં વર્ષો હોવાથી, તું જોતજોતામાં અમારો શાસ્તા થયો. ઈશાદિત્યના સુવર્ણતખ્ત પરથી – જે તખ્ત પર એક વેળા દયા ઇન્સાફ આપતી હતી, જ્યાંથી હસતે મુખડે તિષ્યરાજ ક્ષમા આપતા હતા, ત્યાંથી તારા ખૂની શબ્દો ગાજી ઊઠ્યા.....ને ઝેરી ઘા માફક આપત્તિ અમને હેરાન કરી રહી છે. વિશ્વકર્મા પહાડના ઊના વાયરામાં અહીંથી તહીં હેરાન થતાં બૈરાંછોકરાં સાથે અમે છાવણી નાંખી પડ્યાં છીએ; અને દુશ્મનો, તેમના ભાડુતી સિપાઈઓથી આપણને ઘેરી રહ્યા છે. તેજસિંહ : બરાબર ઘેરી રહ્યાં છે. હા, હા! સોંસરા ઉંદર પણ આવી શકે નહીં. રાજગુરુ : સમુદ્ર ભણી આપણી નજર આશાપ્રેરી દોડે છે; ત્યાંથી ભોજન આવશે. તેજસિંહ : વહાણોના કાંઈ જ વાવડ નથી? અણહિલ(હળવેથી) : બિલકુલ નથી. રાજગુરુ : દુઃખથી નવા વિગ્રહ માટે અમે શસ્ત્રબદ્ધ થયા તે પહેલાં, સ્વતંત્ર મનુષ્યો તરીકે, અસલથી ચાલતા આવેલા રિવાજ મુજબ તારે માટે રાણી પસંદ કરવાનો અમે નિશ્ચય કીધો. પોતાના શરીર દ્વારા તું અનુભવી શકે કે ઈશ્વર શા માટે મૃત્યુ ચાહે છે, તેટલા સારુ અમે અસલી રિવાજ પાળ્યો છે. તેજસિંહ : તમારો રાજા જિંદગીને ઘણી વધારે ચાહે છે એવું તમને લાગ્યું? રાજગુરુ : મારા રાજેન્દ્ર! તેજસિંહ : નહીં જ, એમ ધારવાની હિંમત તમારામાં નથી, કારણ કે આ જીવનની દરેક પળ તમને ખસીઆણા પાડશે... અસલના રિવાજ મુજબ જરૂર હોય છતાં, શા માટે આ બાળક વસ્તુ સાથે તમે મારાં લગ્ન કીધાં?—તે એટલી બાળક છે કે તમારી અને મારી આગળ બીકથી થરથરે છે. અને પોતાની માના છેડામાં સંતાય છે; અને ખાસ કરીને આવા યોગ્ય દિવસે, લગ્નના મંગલગીત ભૂખ ગાય છે ત્યારે...આમ ઊંચે જુઓ, રાણીજી,—અર્ધા કલાકથી મળેલા ઇલ્કાબથી તને બોલાવવી જોઈએ; મારા નાથ! હજુ તારું નામ પણ હું જાણતો નથી. વિનવું છું. મારા સામું જો! મને ઓળખે છે? અબળા : આપ રાજેશ્વર છો, નામદાર! તેજસિંહ : ઠીક, પણ તારી નજરમાં હું મનુષ્ય હોવો જોઈએ, રાજા નહીં...તારી આગળ કેવી જાતનો મનુષ્ય ઊભો છે તેની તને ખબર છે?...જો! અત્યાર લગી આ હાથો લોહીમાં બોળવામાં આવ્યા છે. મરદાની જંગમાં રેડાયેલા માનવલોહીમાં નહીં – હું તેની વાત કરતો નથી. કારણ કે તેથી મનુષ્યની કીર્તિ વધે છે – પરંતુ અશસ્ત્રી રક્તહીન બાળકોનાં લોહીમાં, –(કંપે છે) – આવા હાથે તારા કંઠને આશ્લેષ કરવા આવું તો તું આનંદ પામીશ?......સાચે, મારું કહેવું તું સાંભળે છે? મારો સ્વર લલિત, મધુર નથી? જરાક કર્કશ છે. ખૂન કરવા જોસથી આરડેલા હુકમથી તે થાકેલો છે. આવી મોહક કર્કશતામાંથી કોમળ સ્વરો તું સાંભળશે ત્યારે તારો આનંદ અવનવો થશે. હું આ જન્મસિદ્ધ કાન્ત નથી એ આ શાણા પુરુષો જાણતા હતા. એટલે જ એઓએ મને મારો ધંધો શીખવ્યો......અથવા છાવણીમાં જિંદગી ગુજારવાથી થતા કંટાળાથી તમારા રાજાને છેતરવાનું તમારું કર્તવ્ય છે એમ માનો છો? સુવર્ણમય શતવપ્રમાં મહાન ન્યાયવર્ષે જેવી રીતે મોજ માણી અને રૈયતનો સંહાર કરવા પોતાના ખોજાઓને મોકલ્યા હતા તેમ? હા, હા, હા રાજગુરુ : નામદાર, સંભાળજો નહીંતર પિત્તો ઉછળશે. તેજસિંહ : ગુરુવર્ય, ધ્યાન ખેંચવા માટે ઋણી છું પણ એ નિરર્થક છે. આ તો મારા લગ્નની ગમ્મત છે......પણ હવે તમારી સાથે ખરા દિલથી બોલીશ......(આસન પર ઊંચે ચડે છે.) ઇશાદિત્યના સુવર્ણ આસન પર, જ્યાં દયા ઇન્સાફ આપતી હતી ત્યાં અફસોસ કે હું મારું સ્થાન મેળવી નહીં શકું. દુશ્મનોના પાટનગરમાં બળતણ માટે તેના કટકેકટકા થાય છે...તેમ તિષ્યરાજની પેઠે હસતે મુખડે હું માફ પણ કરી શકતો નથી, કારણ કે હવે કોઈને માફીની જરૂર નથી... દુશ્મનોની પ્રશસ્ત જાતિમાંથી ભૂખ્યા વાઘનું ટોળું જન્મ પામ્યું છે — એમને જેર કરવા પણ વાઘની જરૂર છે. આપે, ગુરુદેવ, મને ઈશ્વરી કોપની મૂર્તિ કહી, પણ હું તે નથી...હું તો ફક્ત તમારી નિરાશાની મૂર્તિ છું. સારા જીવનમાં જેણે કશાની અભિલાષા નથી રાખી, કશાની અપેક્ષા નથી રાખી. એવો હું તમારી સૌની આગળ ઊભો રહું છું અને એવો જ તમારી સમક્ષ કામે આવીશ. તે તમે જાણો છો, તેથી જ ગુપ્ત રીતે મને ઠપકો આપવામાં તમે સૌ ભૂલ કરો છો. મને ખોટો ન પાડો!...તમારી નમેલી ભ્રમરોની નીચેથી હું સ્પષ્ટ વાંચી શકું છું. આપણા પાસા અવળા પડે છે માટે મને હોળીનું નાળિયેર કરો મા. એટલી તમને મારી સલાહ છે. આદિત્ય : દેવ, અમને ઘા ન મારો......અમારા લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું આપનું છે. આ ઘરડાઓ સાથે અમને કઢામાં ન નાંખો. દેવસેન : અમે ડોસાઓ બીજાઓની પેઠે લડીએ છીએ; અને જુવાન, તેમની જ માફક ચાહીએ પણ છીએ. તેજસિંહ : ચાલો, એટલેથી પતાવો. સંકટમાં મિત્રો અંદર અંદર કેવા લડી પડે છે તે તમારી રાણી જલદીથી સારી રીતે શીખશે. તમે છાવણીમાં થઈને જાઓ ત્યારે સૈનિકોને કહો – એ એક જ વાત રાજાને આજે કચવે છે – આ આનંદના દિવસે કેમ ખરું ને – જોઈએ તેવું લગ્નનું જમણ જમાડવાની તાકાત મારામાં નથી......અથવા હજુ કદાચ – અણહિલ! અણહિલ : (જમણી તરફ તરત જ આવેલા પહેરેગીર સાથે ગભરામણમાં ગૂપચૂપ વાત કરતો હતો) : જી, હજુર. તેજસિંહ : આપણા કોઠારમાં હજુ શું છે? ડોસા? અણહિલ : (સંક્ષોભ અંકુશમાં રાખી) આપે આપનો સર્વે ખોરાક આપી દીધો છે. તેજસિંહે : પૂછું છું કે શું પડ્યું રહ્યું છે? અણહિલ : એક વટલોઈ ભરેલું બગડેલું દૂધ ને બે ફુગાયેલા રોટલા. તેજસિંહ : હા, હા, હા! હવે જુઓ, રાણીજી! કેવો મુફલેસ ધણી તમને મળ્યો છે? લોકો કહે છે તેમ ત્યાં વહાણો આવ્યાં હોય તો દરેકની લાયકાત મુજબ સર્વેની બાદશાહી મહેમાનગીરી કરીશ – પણ તેમને એ જણાવશો નહીં, રખેને તેમનો આહ્લાદ કથળે. પણ કહેજો કે જો રણશીંગા સાંભળે તો તમારે માટે સારું સારું ભોજન પીરસાશે, એટલું બધું –(પોતા તરફ સરી આવતા અણહિલને) શું છે? અણહિલ : (ધીમેથી) પહેરો ગયો. વહાણો નાશ પામ્યાં. તેજસિંહ : (સહેજ પણ ચહેરો બદલ્યા વગર) નાશ પામ્યાં કેમ – કેવી રીતે? અણહિલ : દ્રોહથી. તેજસિંહ : હં, ઠીક! અહં, સાથે બેસી સૌએ ખાધું હોત જમણ- સર્વેને પીરસ્યું હોત, સ્ત્રીઓ માટે મેવો અને મીઠાઈ...(સિંહાસન પર ગબડતો પડે છે અને દૂર શૂન્ય દૃષ્ટિ નાંખે છે.) માણસો : રાજાને શું થયું? રાજાની સામે તો જુઓ! અબલા : ખરેખર ભૂખ્યા થયા છે, બા! (પાસે જાય છે, માણસો આઘા ખસે છે) મારા રાજા! તેજસિંહ : સ્ત્રી, તું કોણ છે? શું કરવાની છે, સ્ત્રી! અબલા : સ્વામી, મદદ કરી શકું? તેજસિંહ : હં! તમે રાણી છો. માફ કરો, તમે પણ સૌ દરગુજર કરો, ભાઈઓ. રાજગુરુ : આપનું બળ સમેટવું જોઈશે, રાજેન્દ્ર! આદિત્ય : હા, હજૂર, અમારી સૌની ખાતર. માણસો : અમારી સૌની ખાતર. તેજસિંહ : વ્યાજબી છે. તમારી ચેતવણી ખરે વખતે છે. સુંદરીઓ, તમે સૌ તમારી છાવણીમાં જાઓ એટલી મારી વિનંતિ છે. અમારે મસલત કરવી છે. ગુરુદેવ, આપ અમને સહીસલામત પહોંચાડો. સાધના : (આસ્તેથી) બહેન, પ્રણામ કરી લે. અબલા : ( ,, ) માડી, હવે મારી સાથે એ નહીં બોલે? સાધના : પ્રણામ કરી લે! (અબલા આજ્ઞા પ્રમાણે વર્તે છે.) તેજસિંહ : તમારું સૌનું કલ્યાણ થાઓ! [અબલા, સાધના, રાજગુરુ જાય છે. બહાર પ્રશંસાધ્વનિ એમને વધાવે છે]

પ્રવેશ ૪થો

[તેજસિંહ, આદિત્ય, દેવસેન, અણહિલ, પહેરેગીર, સામંતો] તેજસિંહ : સ્ત્રીઓ અને બ્રાહ્મણને મોકલી દીધાં, હવે જે થવાનું છે તેની નિસ્બત આપણે લડવૈયાઓને છે. ક્યાં છે પહેરેગીર? ભાઈ, આગળ આવ. માણસો(બબડતાં) : ધાર પરનો પહેરેગીર! પહેરેગીર! તેજસિંહ : ભાઈઓ, સાંભળો વહાણ નાંશ પામ્યાં છે. [ઘોંઘાટ, દુઃખની કીકીયારી.] શાંત પડો; શાંત, વીરો! તારું નામ હરિહર છે? પહેરેગીર : શાંત, વીરો! ગરીબ પરવર! તેજસિંહ : ક્યારથી પહેરો ભરે છે? પહરેગીર : કાલ સવારથી, હજૂર. તેજસિંહે : ક્યાં છે તારી જોડનાં બે સોબતી? પહેરેગીર : તેઓ ધાર પર છે, આપના હુકમ પ્રમાણે, નામદાર. તેજસિંહ : ઠીક, તમે શું જોયું? પહેરેગીર : ખુદાવિંદ, સમુદ્ર પર મીનાક્ષીની ભૂશિરને પેલી મેર, વિશ્વકર્માનો ધુમાડો ઊતર્યો એટલે આજે સાંજના છેલ્લા પહોર લગી અમારી નજરે કાંઈ આવ્યું નહીં. એવામાં વહાણ દેખાયાં – સંખ્યા પાંચની હતી – કિનારાની તદ્દન નજીક – મૌર્યોના જમાનાનું ખંડિયેર નગર દટાયેલું છે ત્યાં......... અમારામાંનો એક ઉતાવળે આવવા તૈયાર થયો, એવામાં – તેજસિંહ : ઊભો રહે? વહાણો પર સંકેત શો હતો? પહેરેગીર : આગળનું શઢ આડકતરું વીંટાળેલું હતું અને — તેજસિંહ : અને? પહેરેગીર : તૂતક આગળ આસોપાલવનો ઝુમખો. તેજસિંહ : આસોપાલવ તમે નજરે જોયો? પહેરેગીર : આપ નામદારને નિહાળું છું તેવી જ રીતે. તેજસિંહ : ઠીક પછી? પહેરેગીર : પછી, દુશ્મનો ખારવાનાં જે વહાણોથી ખોરાક મેળવે છે તેમને પેલાં વહાણોની આસપાસ વીંટળાઈ વળતાં જોયાં, અને તરત જ. તેજસિંહ : તરત જ શું? પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો. [માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ. [પહેરેગીર ચાલ્યો જાય છે.]

પ્રવેશ ૫મો

[તેજસિંહ, આદિત્ય, દેવસેન, સ્કંદ, બીજાઓ, સામંતો] તેજસિંહ : બિરાદરો, તમારી સલાહ! આદિત્ય : પ્રભુ, સલાહ અમને સૂઝતી નથી. તેજસિંહ : દેવસેન, તું! તારા અનુભવમાંથી કાંઈ? દેવસેન : સ્વામી, મહાન ઇશાદિત્યની સેવા મેં કરી છે. છતાં તે પણ કાંઈ આપી શકતી નથી. તેજસિંહ : ઠીક, ત્યારે, મને સૂઝે છે......સરળતઃ અને સત્વર સમજાય છે. મરી જાઓ! આવા અવિશ્વાસની નજર કેમ મારા તરફ કરો છો? મારું કહેવું નથી સમજતા? બીકણ દુશ્મનોની પેઠે શરીરે પછેડી લપેટી પીઠમાં ઘા કરવાનું પડોશીને કહેવાનો રસ્તો બતાવું છું એમ ધારો છો? ઠંડા પડો: શરમથી હું તમને બચાવીશ. કીર્તિની પ્રાપ્તિ પ્રત્યે દોરી નહીં જઈ શકું ત્યારે તમારી લાજ નહીં જવા દઉં. જ્યાં લગી ભાલો પકડવાની તાકાત આપણા ત્રીસ જણમાં છે ત્યાં લગી આપણું આ સ્થાન લેવાની કોઈની મગદુર નથી. પણ આખરે વખત આવશે. થોડી જ વારમાં ભૂખથી દુર્બળ થયેલો હાથ આક્રમણ કરતા ખૂનીઓ પાસે રહેમત માગવા લાંબો થઈ શકે નહીં. આદિત્ય : મહારાજ, કોઈ આભીર આવું કરતો નથી! તેજસિંહ : તું જેવો છું તેની ખાતરી તું કરાવે, પણ તારું શું થશે તેની જામીનગીરી તું મને નહીં આપી શકે; એટલે મારી સલાહ અને આજ્ઞા છે. છેલ્લા યુદ્ધ માટે સૌ સજ્જ થાઓ. પરોઢના ઝળઝળીયામાં આપણે કોતરોમાંથી કૂદી પડશું અને ખુલ્લા મેદાનમાં દુશ્મનોની સામે આપણો વ્યૂહ માંડશું. સર્વે : મહારાજ, એ અશક્ય છે. આદિત્ય : સ્વામી, વિચાર કરો, આપણા એકની સામે દુશ્મન સો છે. તેજસિંહ : તારો અભિપ્રાય, દેવસેન? દેવસેન : પ્રભુ, આપ અમને મૃત્યુના માર્ગે લઈ જાઓ છો. તેજસિંહ : હા, બરાબર મેં બીજું કહ્યું છે? શું તમે મને રણમાં એવો બિનપલોટાયેલો માનો છો કે પરિણામ મારા લક્ષ બહાર હોય? ત્યારે શા માટે ખચકાઓ છો? જ્યારે તિષ્યરાજ આપણા સેનાની હતા ત્યારે આપણે લાખ હતા, અત્યારે આપણે માત્ર પાંચ છીએ – તે સર્વેને મરતાં આવડતું હતું. આપણે – એમનામાંથી રહેલા સહેલા કંગાળ શું તે વીસરી ગયા હઈશું? સર્વે : ના, મહારાજ, ના! દેવસેન : પ્રભુ, તે ભયંકર પ્રસંગથી પરિચિત થવા જેટલો વખત આપો. તેજસિંહ : ભયંકર? તમને શું ભયંકર લાગે છે? મૃત્યુનો પરિચય મેળવવા સમય જોઈએ છીએ? લીલથી છવાયેલા જૂના પાણાની પેઠે જેની છાતી ઘાના ચાઠાથી અંકિત ન હોય એવો તમારામાં કોઈ નથી. આજ વીસ વર્ષ થયાં તમે મૃત્યુને ઉડાવ્યું છે પણ હવે સાક્ષાત્ આવ્યું છે ત્યારે આભીરો શું ‘ભયંકર’ એવો ઉદ્ગાર કાઢશે? તમે શું કરશો? ભૂખ્યા સૂઈ રહેશો? એકબીજાને ખાઈ જશો? સારું, હું તમારી સાથે એમ વર્તીશ નહીં! હું નહીં જ! આવતી કાલે મારો ભાલો અને ઢાલ લઈ, તમારા ડૂબતા ભાગ્યનો નાયક મને બનાવ્યો ત્યારથી જે મૃત્યુની ચોરની પેઠે રાહ જોઈ ઝૂરું છું તે મૃત્યુને મારી મેળે મળવા જઈશ – તું એકલો, મારા બુઢ્ઢા ગોઠીયા, મારી સાથે આવે છે ને? અણહિલ(પગે પડીને) : ખુદાવિંદ, મમતા માથે ચડાવું છું. સાથે આવવાનો સવાલ જ હોય? સર્વે : અમે પણ તૈયાર છીએ, રાજેન્દ્ર, અમે બધા. આદિત્ય : સુખનો માર્ગ બતાવવા માટે પ્રભુ, આપને ધન્યવાદ દેવો જોઈએ. એકદમ અમે આપની પાછળ સંગ્રામમાં ઊતરવા તૈયાર ન થયા માટે અમારા પર કોપ કરશો મા. હવે જ અમને આપના મહાન વિચારનું વિશદદર્શન થાય છે. શોક, અણબનાવ અને હતાશામાંથી અમે ઊઠીએ છીએ, મૃત્યુ તરફ ઢળી પડતા નથી......દરેક જણ બીજાનાં મુડદા ઉપર હસતાં ચાલશું એટલે તેની પેઠે જ રણશય્યામાં હસતા સૂશું...હાશ! સુવર્ણ કલશમાંથી અમૃતનું પાન થશે—ઉત્સાહપ્રદ ગમ્મતની મસ્તી માણશું. ખમ્મા, મારા નાથ. તારી ગાદીની કેટલીયે વાર ઇર્ષ્યા કરી છે, પણ હવે તે બિલકુલ રહી નથી. તેજસિંહ : આદિત્ય, તારી કલ્પનામાં હશે તેથી નિરાળી જ ઘટના ઘણું કરીને થશે. છતાં આભીરોમાં આવો જુસ્સો હજુ વસેલો જોઈ રાજી થાઉં છું. દેવસેન : દેવ, સેવકનો એક શબ્દ સૂણશો? મેં સોનેરી દિવસો જોયા છે... આપ વીરશ્રેષ્ઠ છો એટલું નહીં પણ સૌથી શાણા છો. ને હમણાં થાપ ખાધી તો, બચાવ કર્યા વગર, ખૂનીની સમશેરથી આપણા પ્રાણ જવાના......આપણા જ નહીં પણ રોગીઓના — અને બાળકોના — અને વહુઓના. તેજસિંહ : અંહ, સાચે, વહુઓ! એમનો તો વિચાર જ નહોતો આવ્યો? દેવસેન : પણ હવે આવતી કાલે આપણે જંગમાં ઊતરશું. બીજા અને ત્રીજા દિવસે — એટલો વખત આપણે ટકી શકીશું તો — એ ચમત્કારથી દુશ્મનો અને એમની પાછળ ખેંચાઈ આવતા ભીલ વગેરેના ટોળામાં આશ્ચર્ય અને ભય ફેલાશે...એમનો સદંતર નાશ આપણે નહીં કરી શકીએ, પણ તેઓ કોઈ જાય ત્યાં લગી આપણા લોહીથી તેમને હંફાવશું......અને જ્યારે એમના પક્ષમાં ભાલો કે ધનુષ્ય પકડવાની શક્તિ કોઈનામાં નહીં રહે ત્યારે એ હીજડાઓને કહેવાનો વખત આવશે ‘સુલેહથી ચાલ્યા જાઓ.’ તે વખતે તમારામાંથી કેટલા બચ્યા હશે? મને દહેશત છે કે બહુ નહીં! — તેજસિંહ (હસતાં) : આપણે, ખાતરીથી નહીં! સર્વે (ક્રૂર હાસ્ય કરતાં) : નહીં જ, અમે નહીં! દેવસેન : પછી આપણા ભાઈઓ બૈરાંછોકરાંઓ સાથે દુશ્મનની વચમાં જશે, અને માથું ઊંચું રાખી, ખુલ્લી તલવારે દુશ્મનની છાવણી સોંસરા નૂપુરવંપ્ર. પર રોટલાનો ટુકડો વેચાતો લેવા ઊતરી પડશે. સાચું માનજે, એમનો ધાક પડશે કે ભીલોનો કૂતરો પણ એમની સામે ભસવાની હિમ્મત નહીં કરે. તેજસિંહ : બૈરી અને છોકરાં! બૈરી અને છોકરાં! આપણે એમનું શું કામ છે? સ્કંદ : મહારાજાસાહેબ, આપ અમારાં વહાલામાં વહાલાનો તિરસ્કાર કરો છો. તેજસિંહ : હશે! સવારે જ્યારે ખોરાક વહેંચવામાં આવ્યો ત્યારે ઘણાં પેટ ભરવાનાં હતાં એટલું મને માહિત છે. નહીંતર આપણે ટકી રહેવા સમર્થ થયા હોત. તોપણ આટલી એક વાત તમને કહું છું – બહાર ઊભેલા માણસોને વીરપુરુષો તરીકે વ્રતનિષ્ઠ રહેનારાઓને આજ્ઞા કરું છું – આપણા નિશ્ચયની વાત કોઈ પણ સ્ત્રીને જણાવવી નહીં. સ્ત્રીઓનાં આંસુ અને ચીસથી કોઈ પણ માણસ પોચો પડ્યો હું સાંખીશ નહીં. સ્કંદ : પ્રભુ અમારી સહધર્મચારિણીઓ પાસેથી રજા ન લેવાનો હુકમ નિર્માણ છે. તેજસિંહ : મારી ઉપેક્ષા કરી તેમની રજા લેજો પણ લેતી વખતે મૂગા રહેજો. જેમને સ્ત્રીસંતતિ હોય તે શકટપુર જાય અને ખાવાપીવાનું લેતા આવે– થોડું પણ બચાવી રાખવામાં સ્ત્રીઓ મોજ માણે છે. પછી વાંઢાઓ સાથે બિસ્મિલ્લાહ કરે અને બને તેટલી લહેર માણી લે. દેવસેન : નિશ્ચય જણાવવાની સખ્ત મના કરો છો તો પ્રભુ! એમણે એમની વહુઓને તે શું કહેવું? તેજસિંહ : એમ કહો, મારા લગ્નનિમિત્તે મળવા આવ્યા છો! અથવા મનાય એવું લાગે તો કહેજો કે વહાણો આવ્યાં છે. ફાવે તે કહેજો. ફક્ત આટલી વાત તમારા મનમાં રાખજો. આદિત્ય : આપ નવોઢા રાણીને પણ નહીં મળો? તેજસિંહ : હેં? નહીં... સહેજ પણ વૃત્તિ થતી નથી. હવે લોકો સાથે વાત કરીશ. આદિત્ય, મારી વાણી તારા જેવી હોત તો કેવું સારું – સંદેશો ગૂંચવે એવો છે, મારે ઉત્તેજક શબ્દો ઉચ્ચારવા છે પણ તે સ્ફૂરતા નથી. ચાલો. [સર્વે જાય છે, અણહિલ ધીમેથી પાછળ ચાલે છે.]

પ્રવેશ ૬ઠ્ઠો

ટૂંક વખત રંગભૂમિ નિર્જન રહે છે. રાજાનો ઘાંટો સંભળાય છે. તેની વાણી જયઘોષથી વધાવાય છે. પછી થોડીક પળ વીત્યે, દુઃખનાં ગૂંગળાતાં ડૂસકાં. અણહિલ રંગભૂમિ પર આવે છે અને પડદા નજીકના ઠૂંઠા પર બેસે છે. પછી બે મશાલો સળગાવી કડામાં ભેરવે છે અને રાજાનાં હથિયાર સજ્જ કરે છે. બહાર ઉત્સાહનો નિનાદ ઊઠે છે, વળી પાછો ધીમો પડી જાય છે.

પ્રવેશ ૭મો

અણહિલ, રાજગુરુ વાચસ્પતિ (થાકથી ને આવેશથી લથડિયાં ખાતો.) અણહિલ : પૂજ્ય દેવ, આસને આપ નહી બિરાજો? વાચસ્પતિ : મહારાજા શું બોલે છે તે સાંભળવા તું નથી જતો? અણહિલ : એને અને મારે કાંઈ નિસ્બત નથી, ગુરુદેવ! મહારાજાસાહેબ અને હું – ઘણા લાંબા કાળથી કામ કરવામાં એકમત છીએ. વાચસ્પતિ : ખરે, યમના દૂત જેવાં ત્યાં આગળ તેઓ ઊભા છે. અણહિલ : ફિરસ્તા હોય કે જીત હોય, મારે મન એક જ છે. [ઉત્સાહનો ઘોષ નવેસરથી ઊડે છે અને તંબુઓની નજીક આવે છે.]

પ્રવેશ ૮મો

એના એ જ રાજા (આંખોમાંથી આગના તણખા ઊડતા. ફિક્કો છતાં સ્વસ્થ.) તેજસિંહ : હથિયાર સજ્જ છે? — અહો, આપ કયાંથી ગુરુદેવ! વાચસ્પતિ : મહારાજા, મારા મહારાજા! તેજસિંહ : સાચે, હવે આપને નવા યજમાન ગોતવા પડશે, ગુરુદેવ. આપનો આશીર્વાદ આપવાના હો તો કૃપા કરી સત્વર આપો......આદિત્ય હમણાં આવશે. વાચસ્પતિ : દરેક મરતા જીવના થરથરાટથી તારી જાતને મુક્ત માને છે? તાત! તેજસિંહ : ગુરુદેવ, આપણા સંપ્રદાયનો હું સાચો ભક્ત હતો. એક વેળા તિષ્યરાજે કર્યું તેમ હું એના મંદિર બંધાવી શક્યો નથી. પણ જે નાશ કરવાનું હતું તે એના શ્રેય અર્થે મેં નાશ કર્યું છે. આશીર્વાદ માટે દંડવત પડું? વાચસ્પતિ : વત્સ, તારા કહેવાનો ભાવાર્થ મારાથી પમાતો નથી. તેજસિંહ : ગુરુદેવ, નથી સમજાતો તો દિલગીર છું. વાચસ્પતિ : તેં રજા લીધી? તેજસિંહ : રજા, કોની? ઊલટું મને તો ‘સ્વાગત’નો ધ્વનિ કરવાનું મન થાય છે; પણ હજુ ત્યાં કાંઈ નથી! વાચસ્પતિ (ભમ્મર ચડાવી) : આપની રાણીની રજા, પ્રભુ. તેજસિંહ : અત્યારે, હું પુરુષોનો સગો છું, ગુરુદેવ. પત્ની સાથે કાંઈ લાગતું વળગતું નથી. સલામાલેકુમ. [આદિત્ય અને અણહિલ પ્રવેશ કરે છે.] વાચસ્પતિ : આલેકુમ સલામ — પ્રભુ, તારા આત્મામાં પોતાનો પ્રસાદ ભરો! તેજસિંહ : ઋણી છું, ગુરુદેવ...અહો તું આવ્યો, આદિત્ય. [વાચસ્પતિ જાય છે.]

પ્રવેશ ૯મો

તેજસિંહ, આદિત્ય, અણહિલ (પછવાડાના ભાગમાં, રાજાનાં હથિયાર સજ્જ કરતો નિઃશબ્દ અંદર-બહાર આવ જા કરે છે.) તેજસિંહ : યોદ્ધાઓ શું કરે છે? આદિત્ય : જેમની વહુઓ છે તે શકટપુર ગયા છે...જરૂર તેઓ ત્યાં ખાશે, પીશે અને પોતાનાં બાળગોપાળ સાથે ખેલશે. તેજસિંહ : તારી વહુ અહીં છે? આદિત્ય : હા પ્રભુ! તેજસિંહ : તારાં છોકરાં? આદિત્ય : બે પુત્રો, પ્રભુ! તેજસિંહ : છતાં તું ગયો નથી? આદિત્ય : પ્રભુ, આપની તહેનાતમાં હાજર રહ્યો છું. તેજસિંહ : વખત કેટલો થયો છે? આદિત્ય : નવ વાગ્યા છે. તેજસિંહ : જેઓ સ્વતંત્ર – અવિવાહિત છે અને જેમની વહુઓ અહીં નથી તેઓ શું કરે છે? આદિત્ય : ધૂણી ધખાવી શાંત પડ્યા છે. [અણહિલ જાય છે.] તેજસિંહ : એમને માટે પણ કાંઈ ખાવાનું આવે તેવી જોગવાઈ કર. મેં ક્યારનો હુકમ કર્યો છે. શું તેઓ ઊંઘશે? આદિત્ય : કોઈ ઊંઘશે નહી. તેજસિંહ : મધરાતે, મને તેડવા આવજે. આદિત્ય : જી, જેવો હુકમ. (જવાનું કરે છે.) તેજસિંહ (ચિંતાના શેરડા પડે છે) : આદિત્ય, ઊભો રહે!...તું મારો હંમેશ પ્રતિસ્પર્ધી હતો. આદિત્ય : હતો, પ્રભુ. પણ ઘણા લાંબા કાળથી પ્રતિસ્પર્ધી મટી ગયો છું. તેજસિંહ (હાથ લંબાવીને) : આવ! (ગાઢ આશ્લેષથી બન્ને ભેટે છે, પછી હાથે હાથ મેળવે છે.) ખુશીથી તને અહીં પકડી રાખત, પણ તારે તારી વહુને મળી આવવું જોઈએ. [અણહિલ ફરી આવે છે.] ધૂણીની તાપણી તાપતા સિપાહીઓ માટે ખાવાનું લાવવાનો બંદોબસ્ત વીસરતો નહિ. તેમનું ચિત્ત વ્યગ્ર રહેવું ન જોઈએ. આવે વખતે વિચાર કરવાથી લાભ નથી. આદિત્ય : જી. હજુર. [આદિત્ય જાય છે.]

પ્રવેશ ૧૦મો

તેજસિંહ, અણહિલ તેજસિંહ : ચાલ, મારા ડોસા, પૃથ્વી પર હવે આપણે માટે કાંઈ કરવાનું રહેવું ન જોઈએ. વાતો કરશું? અણહિલ : ગરીબપરવર, મારા પર મહેરબાની કરશો. તેજસિંહ : હજુ મહેરબાની, આવે વખતે? જૂના દોસ્ત, મને લાગે છે કે તારે મને અડાવવો છે. અણહિલ : પ્રભુ, હું બુઢ્ઢો થયો. આપની જિંદગીનું રક્ષણ કરવા જોઈતા વખતથી વહેલાં મારો હાથ ભાલો પકડી થાકી જશે. મારી તકસીરથી આપનો નાશ થવો ન જોઈએ, નાથ...કોઈ ઊંઘતું નથી છતાં બાકી રહેલા બે કલાક મને મારા ખાટલામાં સૂવા રજા આપો. મારે માટે બીજો વિચાર લાવશો મા! તેજસિંહ (ઊંડી ચિંતાનો નવો ખટકો ખમતાં) : જા, પણ બહુ દૂર નહીં. અણહિલ : આપના તંબુ આગળ નિરંતર કૂતરાની માફક સૂઈ રહ્યા છું, પ્રભુ આ છેલ્લી રાતે એમાં બિલકુલ ફેર પડવાનો નથી...હુકમ છે હજૂર! તેજસિંહ : સુખી થા! [અણહિલ જાય છે.]

પ્રવેશ ૧૧ મો

તેજસિંહ, પછીથી અબલા. (તેજસિંહ એકલો પડવાથી, ખાટલા પર પડે છે. થાકેલું, કડવું સ્મિત ફરકાવતો તાકીને પોતાની બરાબર સામે જુએ છે. અબલા લજ્જાભરી આવે છે, એક હાથમાં મીઠાઈ ને મેવો ભરેલો કંડિયો છે; બીજા હાથમાં દારૂથી ભરેલો સોનાનો પ્યાલો છે. પાટ તરફ થોડાંક પગલાં ભરે છે.) તેજસિંહ (અર્ધો ઊઠીને) : કોણ છે? અબલા(બીતી, હળવે રહીને) : રાજેન્દ્ર, મને ઓળખતા નથી? તેજસિંહ (ખાટલા પરથી ઊઠીને) : દીવા ઝાંખા બળે છે.. તારો અવાજ અગાઉ સાંભળેલો છે...મારું શું કામ છે? અબલા : હું આપની રાણી છું, રાજેન્દ્ર. તેજસિંહ (થોડો વખત ચૂપ રહી) : તારે મારું શું કામ છે? અબલા : મારી બાએ મને મોકલી છે, આપને સારુ હું મિષ્ટાન્ન અને સુરા લાવી છું. બીજાઓ ખાય-પીએ છે એટલે મારી બાએ કહ્યું કે...(અટકી પડે છે.) તેજસિંહ : તું અંદર કેવી રીતે આવી?...સંત્રીએ તને આવતાં રોકી નહીં? અબલા (ટટાર થઈ) : પ્રભુ, હું રાણી છું. તેજસિંહ : હં, બરાબર. પણ, અણહિલે શું કહ્યું? અબલા : આપણો વૃદ્ધ ભાલેદાર પડ્યો પડ્યો ઊંઘે છે. હું એને ઓળંગી આવી, પ્રભુ. તેજસિંહ : અબલા. તારું કલ્યાણ થાઓ...મને ભૂખ નથી લાગી. તારું કલ્યાણ થાઓ. [નિઃશબ્દતા, અબલા ઊભી ઊભી અશ્રુપૂર્ણ દૃષ્ટિ એના પર નાંખે છે.] તેજસિંહ : હજુ પણ તારે કાંઈ અરજ કરવાની છે એવું મને લાગે છે. વગર સંકોચે બોલ. અબલા : મારા નાથ, ભરેલો કંડિયો લઈ ઘેર પાછી જઈશ તો બીજી સ્ત્રીઓ મને ફિટકાર દેશે...અને પુરુષો કહેશે કે– તેજસિંહે (સ્મિત કરતાં) : પુરુષો શું કહેશે? અબલા : હું આપના જરાયે લેખામાં નથી. મારા હાથથી જમવાની પણ વૃત્તિ આપને નથી થતી. તેજસિંહ : પુરુષોને બીજી વાતોનો વિચાર કરવાનો છે. અબલા, તેની ખાતરી મારા પંડના સોગન ખાઈ તને આપું છું – છતાં, તોપણ મારે લીધે તને બટ્ટો નહીં લાગવા દઉં. ત્યાં કંડિયો મૂક...હજુ પણ તમારી પાસે આવી વસ્તુઓ છે? અબલા : પ્રભુ, આ બે સપ્તાહ થયાં મારી બાએ, મેં અને બીજી સ્ત્રીઓએ અમારા ભાગમાંથી સારામાં સારું ઊંચું મૂકી છાંડ્યું છે.—આજ દિન લગી માંસ માટે પશુપક્ષી માર્યાં નથી. તેજસિંહ : ત્યારે તો તમને સ્ત્રીઓને કકડીને ભૂખ લાગી હશે, નહી વારુ? અબલા : એથી અમે હેરાન નથી થયાં...એ મિજાની માટે હતું. તેજસિંહ : સાચે! આજે અમે મિજબાની આપશું એવું તમારું માનવું હતું. અબલા : ઠીક ત્યારે શું મિજબાની નથી, પ્રભુ? તેજસિંહ : (છાનોમાનો અધર કરડે છે; ચોરીછૂપીથી અબલાને તપાસે છે) – અબલા તું બેસશે નહીં?... અત્યારમાં તને પાછી ઘેર જવા નહીં દઉં! તેથી પણ તને કલંક લાગે, નહીં? [અબલા મૌન રહે છે અને નીચું જુએ છે.]
તેજસિંહ : હું હુકમ કરું તો અહીં થોભવા તારી મરજી છે? અબલા : નાથ, પતિ સમીપ રહેવા પત્નીને શા માટે ઇચ્છા ન થાય? તેજસિંહ : હું — તારો — પતિ છું, એવી લાગણી ત્યારે શું તારા હૃદયમાં છે? અબલા : અલબત્ત, એથી બીજું શું હોય? ગુરુદેવે આપણને સંલગ્ન કર્યાં છે. તેજસિંહ : એમણે સંલગ્ન કર્યાં ત્યારે તને આનંદ થયો હતો? અબલા : હા...ના, ત્યારે આનંદ નહોતો થયો. તેજસિંહ : શા માટે નહોતો થયો? અબલા : કદાચ,...રખેને...વખતે, વખતે...પ્રભુ, હું બીની હતી, પ્રાર્થના કરતી હતી. તેજસિંહ : શા માટે પ્રાર્થના કરતી હતી? અબલા : આપને જેની જરૂર છે એવું અને મારાથી આપ અપેક્ષા રાખો એવું સુખ આપને આપવાની શક્તિ, મારા જેવી પરમેશ્વરની નમ્ર કિંકરીને પરમેશ્વર આપે માટે. તેજસિંહ : તારી પાસેથી જેની હું...એ વિશે પ્રાર્થના કરતી હતી? અબલા : નાથ, આપને માટે પીરસું? સુરા લાવું? તેજસિંહ : ના, ના!...આમ જો, અબલા! બહાર, આપણી તાપણી પાસે યોદ્ધાઓ છે—તેઓ ભૂખ્યા છે—મને ભૂખ નથી લાગી. અબલા : નાથ, આપને ગમે તે તેમને આપો...તેમને બધું આપી દ્યો! તેજસિંહ : તારું કલ્યાણ થાઓ, અબલા. (પડદો ઉપાડે છે.) અરે, પહેરેગીર, અંદર આવ, પણ જાળવીને, ડોસો ઊઠે નહીં... [પહેરેગીર આવે છે.] લે, મીઠાઈ અને સુરાનો આ કંડિયો; પ્રામાણિકતાથી વહેંચી લેજો;... કહેજે કે તમારી રાણીએ મોકલ્યું છે. પહેરેગીર : ખુદાવિંદ, રાણીસાહેબનો આભાર માનું? [તેજસિંહ ડોકું નમાવે છે. પહેરેગીર ઉલ્લાસથી રાણીને પગે પડી જાય છે.] તેજસિંહ : જા—મારે માટે ખાવાનું લાવ! અપ્સરા(મુંઝાઈને) : નાથ — કેમ — મને — બનાવો છો? તેજસિંહ : ત્યારે મારું કહેવું સમજતી નથી? જો મારી વહુ થવું હોય તો, તારે મને મારી મિલકત ધરવી જોઈએ, તારી નહીં! અબલા : મારી તે આપની જ મિલકત નથી, નાથ? તેજસિંહ : હં! (મૌન. તેના હાથ પકડે છે.) મને નાથ નહીં કહે, રાજા પણ નહીં કહે...મારું નામ તું જાણતી નથી? અબલા : આપનું નામ તેજસિંહ છે. તેજસિંહે : ફરીથી કહે જોઈએ! અબલા (હળવેથી, આડી ફરીને) : તેજસિંહ! તેજસિંહ : નામ વિચિત્ર તને લાગે છે? [અબલા ડોકું ધુણાવે છે.]
તેજસિંહ : ત્યારે આનાકાની કેમ કરે છે? અબલા : વિચિત્ર લાગે છે માટે નહીં, નાથ જ્યારથી મેં જાણ્યું કે આપની પત્ની તરીકે આપની સેવા કરવાની છે ત્યારથી રાતે અને દિવસે વારંવાર આપનું નામ મેં લીધા કર્યું છે. ફક્ત મોટેથી નથી ઉચ્ચાર્યું. તેજસિંહ : તારી જાણમાં એ આવ્યું તે પહેલાં મારે માટે તારો શો વિચાર હતો? અબલા : નાથ, એમ શા માટે પૂછો છો? તેજસિંહ : શા માટે જવાબ નથી આપતી? અબલા : નાથ, આપની ક્રૂર આજ્ઞાઓ વિશે સાંભળતી અને બીજાઓ આપનાથી ડરતા – ત્યારે વારંવાર વિચાર આવતો : આભીરોનું પ્રારબ્ધ જેને આવાં કામો કરવાની ફરજ પાડે છે તે કેટલો દુઃખી હોવો જોઈએ! તેજસિંહ : એવો તને વિચાર આવ્યો? એવો તને –? અબલા : એવો વિચાર મને આવ્યો તે શું અનુચિત હતું? તેજસિંહ : તેં કદી મારો ચહેરો જોયો નહોતો છતાં તું મને સમજી શકી? મારી આસપાસ રહેનારા ડાહ્યા માણસો અને કસાયેલા યોદ્ધાઓ મને સમજી શક્યા નહીં!...તું કોણ છે, સુંદરી મારું હૃદય વાંચતાં તને કોણે શીખવ્યું? – તને, સર્વમાંથી એકલી તને? અબલા : નાથ, હું - તેજસિંહ : બધા મારાથી થરથરતા અને ખાણમાં મારાથી સંતાઈ રખડતા પણ રસ્તો જોયો નહીં – સુભાગ્યે જે રસ્તે તેમનું રક્ષણ થયું હોત તે ખરો રસ્તો તેમણે જોયો નહીં. જલ્લાદની છરી તેમની ગરદન પર ઊતરતી ત્યારે પણ બાંધછોડની કંઈક વાત કરતા. એટલામાં લુચ્ચા દુશ્મનો આવ્યા, તેમની સાથે લડ્યા અને એક પછી એક અમારો સંહાર થયો. આમ લાખ નાશ પામ્યાં. મેં શોક અને ક્રોધનાં વસ્ત્રો વીંટાળ્યાં – લોહિયાળ ચીંથરાની પેઠે આશાને મેં ફેંકી દીધી, ભંગાણમાં તિરસ્કાર અને હાસ્યભર્યો હું કૂદી પડ્યો. મારાં પ્રત્યેના ત્રાસથી મારું હૃદય હલમલી રહ્યું હતું ત્યારે મારી આસપાસ મેં ત્રાસ વાવી દીધો. સર્વના લોહીથી એક વખત પણ હું મત્ત નથી થયો. મેં દુશ્મનને માર્યા, છતાં બધો વખત જાણતો હતો કે બધું ફોગટ છે! [વેદનાથી પીડિત થઈ શય્યા પર પડે છે; પોતાની સમક્ષ સીધું તાકીને જુએ છે.] અબલા (લજવાતી તેના પર વહાલનો હાથ ફેરવવાનો પ્રયત્ન કરે છે) : મારા વહાલા, બિચારા મહારાજા! વહાલા તેજ! તેજસિંહ (ડોકું ઊંચું કરી ગભરાયેલો આજુબાજુ જુએ છે) : મારા પ્રભુ, અહીં હું શું કરું છું?...તને શાને આ બધું કહું છું? આવો ભડભડીઓ છું માટે મને ધિક્કારતી નહીં...તેમ એમ પણ ન માનતી કે અનુતાપથી આ હકીકત કબૂલ કરવાની મને ફરજ પડી છે...કદાચ વધ્યો ને માટે મારા હૃદયમાં ઘૃણા થઈ છે, પણ મારું અંતઃકરણ એ સર્વેથી ઊંચે વિરાજે છે!... મારી મુફલિસ આભીર ગાદીથી ઘણું જ ઊંચું!...એમ મારા પર નજર કર... તારી આંખમાં એવું કાંઈક છે જેથી મારા અંતરના વિચારો તારી સમક્ષ પ્રગટ કરવાની મને ફરજ પડે છે...મારા પર આવું સામર્થ્ય મેળવવાની શક્તિથી તને કોણે સંપન્ન કરી છે?...જતી રહે!...નહીં, ઊભી રહે...ઊભી રહે! હજુ, મારે તને કાંઈ કહેવું છે, તદ્દન રહસ્યમાં તારા જતાં પહેલાં...પણ મારે આમ રડવું ન જોઈએ, નહીં તો પહેરેગીર સાંભળી જશે...તારો કાન મારી તરફ નીચો ધર. હજુ લગી કદી પણ કોઈ માણસ પાસે કબૂલ કર્યું નથી, તેમ કોઈ દિવસ કબૂલ કરીશ એવો સંભવ પણ માન્યો નથી. મારા અંતરમાં ઈર્ષ્યા છે, તે મારું કાળજું કોરી ખાય છે, જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે – તને ખબર છે કોની?...તિષ્યરાજની...અલબત્ત, મસાણમાં બાળેલા તિષ્યરાજના... લોકો તેને ‘પ્રભાવી’ તિષ્યરાજ કહેતા અને આજે પણ તેઓ તેને ચાહે છે... અદ્યાપિ જ્યારે તેનું નામ સાંભળે છે ત્યારે લોકોની આંખો ચમકે છે. અબલા : અહો, પ્રભુ! આપ કેવા ઊકળ્યા છો? તેજસિંહ : તેં કદી તેને જોયો હતો? અબલા : કોઈ દિવસ નહી. તેજસિંહ : પાડ પ્રભુનો! જે યુદ્ધમાં તે કામ આવ્યો તેની સવારે જેવો તેને મેં જોયો હતો તેવો તેં જોયો હોત...સોનેરી બખ્તરમાં સજ્જ થયેલો... તેની નીચે સફેદ ઘોડો રવાલતો હતો, સૂર્યકિરણની પેઠે તેનાં ઝૂલફાં તેની આસપાસ ફરફરતાં હતાં. દુશ્મનની સામે જોઈ તે અટ્ટહાસ્ય કરતો. બાળકની પેઠે તે હસતો હતો! આહ, તેની માફક હસતાં મરવાનું! અબલા : નાથ, તેનું ભાગ્ય સરળ હતું! તે અહીંથી ગયા પણ વારસામાં આપને અર્ધું નષ્ટ થયેલું રાજ્ય સોંપી ગયા... પછી આપને કેવી રીતે હસવું આવત? તેજસિંહ (આતુરતાથી) : શું એમ નથી? – શું એમ નથી? – કેવી રીતે...હાશ, એથી ઠીક લાગે છે! (આડા ફરે છે) હાશ! તારાથી મને ઠીક લાગે છે! અબલા : દેવ, મારું હૈયું કેટલું ફુલાવો છો! તેજસિંહ : પણ જો તેં તેને જોયો હોત અને મારી સાથે મુકાબલો કર્યો હોત તો, તું મારા પર થૂંકત! અબલા (સ્નેહના આવેશથી) : પ્રભુ, વહાલા, વહાલા નાથ! આપને જ ફક્ત હું જોવત! [તેજસિંહ લજ્જા અને અવિશ્વાસભરી દૃષ્ટિ તેના પર આડકતરી નાંખે છે. પછી ધીમેથી ડાબી બાજુએ ચાલી જાય છે, સિંહાસન આગળની બેઠક પર બેસી જાય છે અને સિંહાસનમાં મોં દાબીને દારૂણ રૂદન કરે છે.] અબલા (શરમાતી તેની પાછળ જાય છે અને તેની જોડમાં ઘુંટણીયે પડે છે) : તેજ, વહાલા, ક્ષમા કર, મેં તને દુભવ્યો હોય તો! તેજસિંહ (ઊભો થઈ તેનો હાથ પકડે છે) : કોઈને કહીશ મા! અબલા : શું, પ્રભુ? તેજસિંહ : તેં મને રડતાં જોયો છે તે! સોગન ખા! અબલા : મને કહેવામાં આવ્યું છે કે હમણાં પણ હું તારા શરીરનો અંશ છું – તારા આત્માનો પણ!...તો પછી શા માટે સોગન ખાવા? તેજસિંહ : મારા શરીરની કલા હોય, તો મારી સોડમાં ભરાવ, એટલે તે મારાં આંસુ નહીં જોઈ શકે. અબલા : તારે બદલે મને તે લૂછવા દે! જો, એટલા માટે તો હું અહીં આવી છું. તેજસિંહ : હાશ, મને આરામ છે...આજ લગી કોઈ આભીર રોતો જણાયો નથી એટલે શરમનો માર્યો હું મરી જાત. તિષ્યરાજને બાળ્યા ત્યારે પણ અમે રોયા નહોતા...છતાં હું શરમાતો નથી...એકદમ કેમ હું સ્વસ્થ થયો તે સમજાતું હોત!...અબલે, મારે તને કાંઈ કહેવું છે, પણ હસીને મારો તિરસ્કાર કરીશ મા. અબલા : કેવી રીતે તારા તરફ દાંત કાઢું, વહાલા! તેજસિંહ : મને ભૂખ લાગી છે. અબલા (આશ્ચર્યથી ઊછળીને) : અફસોસ, આપે તો બધું આપી દીધું છે! તેજસિંહ : ના, બિલકુલ નહીં! પણ જા, જઈશ? [અબલા જાય છે.]
મારા ખાટલાની પછવાડે – ચૂલો જણાય છે? અબલા : અહીં રાખ પડી છે ત્યાં? તેજસિંહ : ત્યાં પેટી છે? અબલા : હા. તેજસિંહ : ઢાંકણું ઉઘાડીશ? અબલા : ઓ બા! ભારે છે! તેજસિંહ : હવે અંદર હાથ નાંખ! ઠેઠ અંદર, ઠેઠ અંદર...ત્યાં બુઢ્ઢા કંજૂસ અણહિલ – કેમ? અબલા (આશાભંગ થઈને) : રોટલાના બે ટુકડા; એટલું જ છે, નાથ? તેજસિંહ : સાચે, એથી વિશેષ નથી. અબલા : તાકીદે શકટપુર જઈ આવવાની અનુજ્ઞા છે?...કદાચ હજુ... તેજસિંહ : ના, ના...તેમને સૌને કકડાબુકડાની જરૂર છે...તે અહીં લાવ! હમશરીખો તરીકે આપણે વહેંચી લઈશું- હું? બન્ને માટે એ પૂરતું છે. લાવીશ? અબલા : હા જી. [તેની જોડમાં બેસે છે.]
તેજસિંહ : ચાલ, તે મને આપ! હાશ કેવું મજેદાર! સ્વાદિષ્ટ છે ને? પણ હું, તારે પણ ખાવું પડશે. અબલા : મને ધાસ્તી છે કે આપને માટે પણ પૂરતું નથી. તેજસિંહ : નહીં કબૂલતની વિરુદ્ધ...ઠીક...સ્વાદ સારો નથી? અબલા : આવી મીઠાશ અર્ધી પણ કદી ચાખી નથી. તેજસિંહ : જરા, નજીક આવ...તારા ખોળામાંથી કકડા ખાઈશ...પણ એકદમ મને ભૂખ કેમ લાગી? જો અત્યારે આપણે લગ્નનો કંસાર ખાઈએ છીએ. અબલા : બહાર, સુરા અને અન્નથી જમનારાઓથી વધારે સારી મિજબાની ખરું ને? તેજસિંહ : મેં તને નહોતું કહ્યું? પણ તારું આસન બરાબર નથી. અબલા : ના, હું બરાબર બેઠી છું. તેજસિંહ : ચાલ ઊભી થા! ઊભી થા તો જોઉં. અબલા (ઊઠીને) : બોલો? તેજસિંહ : ત્યાં ઉપર બેસ. અબલા : સિંહાસન ઉપર—પ્રભુની ખાતર—હું કેવી રીતે હિમ્મત કરૂં? તેજસિંહ : તું રાણી નથી! અબલા (નિશ્ચયપૂર્વક) : સાચેસાચું બેસવું જોઈશે! પણ ગમ્મતમાં – નહિ! તેજસિંહ : હં લાકડાના પાગલ ટુકડા! [સિંહાસન ઊથલાવી પાડે છે.] છેવટે કાંઈક કામમાં તો આવવું જોઈએ...વારુ, હવે એને અઢેલી ઊભી રહે. અબલા : વહાલા આપ વાજબી વર્તો છો? તેજસિંહ : (ચમકીને) નહીં જ!(સિંહાસન હતું તેમ ગોઠવે છે. તેનાં પગથિયાં પર અબલાને લઈ જાય છે અને ગાદી પર તેનું માથું રખાવે છે) બરાબર બેઠી — ખરું!... આવા નજીવા પદાર્થોનો અપરાધ આપણે નથી કરતા. રાજગુરુએ આ જોયું હોત — એમણે, હા! હા! હા! થોભ, હું ફરીથી ખાઈશ. અબલા : લો, જમો! તેજસિંહ : હજુ–તદ્દન હાલ્યાચાલ્યા વિના રહીશ! હું જાતે લઈ આવીશ. (પગથિયાં પર તેની પાસે ઘૂંટણિયે પડે છે.) હવે તારી સાથે હું ઘૂંટણિયે પડ્યો એવું શું નથી જે આપણે શીખતા નથી?...તું રમણીય છે...મારી માનું મને જરાયે સ્મરણ નથી અબલા : જરાયે નથી! તેજસિંહ : બેન પણ નહોતી...કોઈ નહોતું...જિંદગીમાં કોઈ દિવસ રમ્યો ખેલ્યો પણ નથી...પણ હવે છેલ્લું છતાં ઓછું અગત્યનું નહીં એવું શીખી લઉં છું. અબલા : કેમ છેલ્લું છેલ્લું? તેજસિંહ : પૂછો મા – નહીં? અહહ, તું, તું! હા, હા, હા, ખા તો ખરી. મારામાંથી કરડ-હું? આજ્ઞા પાળ, રાજગુરુએ કહેલાં મંત્રો યાદ છે ને? અબલા (કરડે છે ને – તરત જ ઊછળે છે) : પણ આપ કાંઈ પીશો ખરા ને? તેજસિંહ : અલબત્ત! દૂધનો કટોરો માત્ર લાવ! દૂધનો કટોરો માત્ર લાવ! અણહિલે કહેલી વટલોઈ તું ઓળખે છે? અબલા (સામી તરફ જોઈને) : આ જ કે! તેજસિંહ (ઊભા થઈને) : એ જ તારેય પીવું પડશે. અબલા : એ યોગ્ય ગણાય? તેજસિંહ : મને માલૂમ નથી પણ હોવું જોઈએ. અબલા : ઠીક ત્યારે થવા દો. [પીએ છે અને હસવાથી હાલે છે.] ઉંહું! ગંધ મારે છે. તેજસિંહ : મને આપ. (પીએ છે.) કાંઈ નહીં. (ફરીથી પીએ છે.) જા! અન્નદેવતાનો આવો તું તિરસ્કાર કરે છે?...ઠીક, ત્યારે તું કોણ છે? અહીં કેવી રીતે આવી! કહે મારું શું કામ છે! અબલા : તને હું ચાહીશ. તેજસિંહ : તું મારી સહધર્મચારિણી! –તું... (હાથ પ્રસારી બન્ને દોડી આશ્લિષ્ટ થાય છે. હળવેથી) મને ચુમ્બન નહીં દે? તેજસિંહ : કહેને, કેમ નહીં? અબલા : તારા કાનમાં કહીશ! તેજસિંહ : વારુ. અબલા : તારી દાઢી ઋક્ષ છે. તેજસિંહ (મોં ગભરાટમાં લૂછે છે. પછી ખોટો ગુસ્સો ધારણ કરીને) : મારી દાઢી કેવી છે! હું કોણ છું તેની તને ખબર નથી? તારા રાજાને આવું કહેવાની બેઅદબી તારામાં ક્યાંથી આવી!... કહે ફરી એકવાર ફરીથી કહે જોઈએ! પછી હું જોઈશ. અબલા (હસતાં) : ઋક્ષ — દાઢી — છે. તેજસિંહ : (હસતાં) હવે, ઊભી રહે!

પ્રવેશ ૧૨મો

તેજસિંહ, અણલા, આણહિલ. [અબલા શરમાઈને માથું ધુણાવે છે.] અણહિલ : હજુર, હાક મારી? [આશ્ચર્યથી જડ થઈ ઊભો રહે છે. છાનામાના જતા રહેવાની તૈયારીમાં છે.] તેજસિંહ (સપાટામાં સ્વસ્થ થાય છે. સ્વપ્નમાંથી જાગતો હોય એવો દેખાય છે. શરૂઆતમાં જેવી મ્લાન મંદતા એનામાં હતી તેનો અધિકાર તેની રીતભાત અને દેખાવમાં આવે છે) : ઊભો રહે, થોભ, બહાર શું થાય છે? અણહિલ : શકટપુરથી યોદ્ધાઓ પાછા આવતા જાય છે. ઘણાની સાથે તેમની વહુઓ આવે છે. તેજસિંહ : સામંતો ભેગા થયા? અણહિલ : જી, હજૂર. તેજસિંહ : એક ક્ષણ વધારે તેઓ ખામોશ રાખશે? અણહિલ : જી, હજૂર. તેજસિંહ : મારેય વહુ છે. અણહિલ : જી, છે, હજૂર. [જાય છે.]

પ્રવેશ ૧૩મો

તેજસિંહ. અબલા. અબલા : તેજ, વહાલા શું થાય છે? તેજસિંહ (તેની સમક્ષ ઊભા રહી પોતાના હાથમાં તેનું માથું ભીડે છે) : સુખદુઃખના સમગ્ર સંસારમાં થઈને હાથોહાથ મેળવી આપણે ગયાં હોઈએ એવો અનુભવ આ ક્ષણે મને થાય છે. તે અદૃશ્ય થાય છે.–બધું અદૃશ્ય થાય છે. ફરીથી હું છું – હું હતો – ના, તે હું રહ્યો નથી – પણ તું સર્વે સ્ત્રીઓથી શ્રેષ્ઠ થા, રાણી...થઈશ? અબલા : દેવ, શી આજ્ઞા છે? તેજસિંહ : કાલાવાલા કે રૂદન નહીં કરે ને? અબલા : નહીં જ નાથ. તેજસિંહ : દિવસ જલદીથી ઊગશે, અમારી આગળ મૃત્યુ ઊભું છે. અબલા : નાથ, આપ શું કહો છો તે સમજતી નથી. આપણા ઉપર કોઈ હુમલો કરી શકે એમ નથી, અને વહાણ આવે ત્યાં લગી— તેજસિંહ : હવે વહાણ કદી આવવાનાં નથી. [અબલા કપાળ કૂટે છે ને પછી નિશ્ચલ ઊભી રહે છે.] તેજસિંહ : પણ અમે મરદો કેસરિયાં કરી રણમાં ઊતરવાના છીએ. અબલા : તે તમે નહીં કરી શકો—તે ખચિત — અશક્ય છે. તેજસિંહ : અમારે ઊતરવું જોઈએ. તું રાણી છે, પછી જોઈ શકતી નથી કે અમારે ઊતરવું જોઈએ. અબલા : હા – હું – જો...ઈ...શ...કું...છું. તેજસિંહ : રાજા મોખરે લડે છે. હવે આપણે જીવતાં મળી શકીશું નહીં...તેની તને ખબર છે ને? અબલા : હા ખબર છે!... [શાન્તિ, બન્ને એકેકના સામું જુએ છે.] તેજસિંહ : રણસંગ્રામમાં તારી શુભેચ્છાઓ સાથે લઈશ. [અબલાને પગે પડે છે. અબલા તેજસિંહના માથા પર હાથ મૂકે છે, તેના તરફ નીચી વળે છે અને ધ્રૂજતી ધ્રૂજતી તેના કપાળમાં ચુમ્બન કરે છે.] તેજસિંહ (કૂદી ઊભો થાય છે અને તંબુની કનાત ચીરી નાંખે છે) : રાહ જોતા હોય તે આવો.

પ્રવેશ ૧૪મો

એનાં એ જ. સાધના, દેવસેન, વાચસ્પતિ, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો. સાધના : રાજેન્દ્ર, આપની પાસે મારી બાળકીને મોકલી હતી...તમે મરદો જંગમાં ઊતરવાના છો એવું સાંભળ્યું છે...તે મને પાછી સોંપો. તેજસિંહ : લો, તમારી બાળકી! [સાધના અને અબલા જાય છે.]

પ્રવેશ ૧૫મો

અબલા અને સાધના સિવાય એના એ જ. તેજસિંહ (તેમની પાછળ તાકી તાકીને જુએ છે; જાગૃત થાય છે ત્યાં રાજગુરુને જુએ છે.) : ગુરુદેવ, કાલે સાંજે મેં આપની અવગણના કરી હતી. માફ કરો. મારી કૃતજ્ઞતાની લાગણી સ્વીકારો. હું પણ સારી રીતે જાણું છું, આભીરોને મૃત્યુ શા માટે પ્રિય છે?...(તરવાર પકડે છે.) ચાલો તૈયાર છો ને? છેલ્લી વિદાયગીરી લેવાઈ રહી? આદિત્ય : પ્રભુ! આપની આજ્ઞા અમે તોડી છે. અમારી વહુઓમાંથી કોણે આગળ પડી અથવા અમારામાંથી કોણે વાત કહી દીધી તે જાણી શકાતું નથી. સૌ તે જાણે છે એટલું નિ:સંશય છે. તેજસિંહ : ત્યારે તો સૌએ કકળાટ અને રડારોળ કરી મુક્યાં ને? આદિત્ય : પ્રભુ! અમારી ભમ્મરો પર મૃત્યુના આશીર્વાદની નીરવ મુદ્રા તેમણે અંકિત કરી છે. તેજસિંહ (અર્ધો પોતાની સાથે ઉદ્ગાર કાઢે છે) : તેમણે પણ! (મોટેથી) ખરે જ આપણે રાજવીઓની પ્રજા છીએ. એ આપણું કમભાગ્ય છે. ચાલો ત્યારે! [પાછળ, ફલંગ ભરતો જાય છે. બીજાઓ તેને અનુસરે છે. રાજાને વધાવતી નિનાદભરી લોકવાણી પર પડદો પડે છે.][1]


  1. *Sundermann નામના જર્મન લેખકના Teja નામના નાટકના ઇંગ્લિશ ભાષાન્તર ઉપરથી.