રણજિતરામ ગદ્યસંચય – ૧/દોલત
‘કેમ શિવલાલ! આજે બૈરાંઓમાં પીરસવા નથી ગયો? અત્યારમાં જ જમવા બેસી ગયો?’ ગડબડે સવાલ કર્યો. શિવલાલ નિરુત્તર, નીરવ રહ્યો પણ સુરજલાલ એના વતી જવાબ આપતો હોય તેમ બોલ્યો : ‘બહુ વર્ષ ફાંફાં માર્યાં પણ માએ કરેલો વિવાહ ફોક થઈ નથી શક્યો.’ ‘બિચારાના મનસુબા પાર પડે એવું રહ્યું જ નથી,’ વચમાં માધુ બોલી ઊઠ્યો. ‘કેમ બચ્ચા માધુ, તું પણ ફાટ્યો કે?’ શિવલાલે પોતાનો રોષ દર્શાવ્યો, ‘તમને બધાને હસવાની મઝા આવે છે પણ અહીં મારું કાળજુ કપાઈ જાય છે. જો વધારે તમે તડપાંચ કરશો તો જોવા જેવું થશે.’ ‘શું, બચ્ચાજી, મારામારી કરવી છે? તારા જેવા ‘ફેશનેબલ જેન્ટલમેન’ હાથ ઉગામશે? ધમાધમીમાં આ તારા ઓળેલાં પટિયાં વિખરાઈ જશે, તારી નેકટાઈ છૂટી જશે અને કફમાં ખોસેલો રૂમાલ ખોવાઈ જશે અને સફેદ ધોતિયા જેવું બોટીયું ધૂળમાં રગદોળાશે, અને હાડકાંપાંસળાં રંગાશે તે તો વધારામાં.’ ગડબડે એકદમ વાગ્ધારાથી શિવલાલને ડરાવી દેવાનો પ્રપંચ રચ્યો પણ એથી શિવલાલ વધારે ઉશ્કેરાયો. ગડબડને મારવા જતો હતો ત્યાં બાબુએ આવી એને પીરસવા ઊઠવા આગ્રહ કર્યો; હાથ પકડી રસોઈ આગળ ખેંચી ગયો અને તેના હાથમાં જુલમ અને રૂઆબથી બીરંજની થાળી આપી; બૈરામાં પીરસવા જવા તાકીદ આપી. બાબુની બહેન રૂપાળી હતી; નાતની ‘ફેશનેબલ’ કન્યાઓમાં તેનો દોરદમામ જુદો જ હતો, તેની સાથે સગાઈ કરવા શિવલાલનું મન ઊછળતું, બાબુની સાથે તેથી જ સારપ રાખવાની જરૂર હતી. તેના સુખન શિવલાલ ઉથાપતો નહીં. નાતમાં પ્રેસ ઍક્ટ કે ડિફેન્સ ઑફ ઈંડિયા ઍક્ટ નહોતો. સી. આઈ. ડી. પણ નહોતા. ટૂંકાક્ષરી રિપોર્ટર નહોતા. પછી સ્ત્રીઓ વાણીનું સ્વાતંત્ર્ય પૂરેપૂરું વાપરે એમાં એમનો શો દોષ? પીરસનારાઓ ઘણુંખરું કિશોરો અને યુવાનો હતા. ‘ઉમેદવારો’ હતા. પક્ષિણીથી સંવનિત થવા નરપક્ષીઓ જેમ પોતાનાં પિચ્છ સમારી કળા કરે છે, નૃત્ય કરે છે, કંઠ ખોલી સુમધુર સંગીત રેલાવે છે તેમ જ્ઞાતિની અવિવાહિતા કિશોરીઓ અને યુવતીઓ – તેમની માતાઓ અથવા સ્ત્રી–સગીઓનું ધ્યાન ખેંચવા નાના પ્રકારનાં મોહાસ્ત્ર ફેંકતા હતા. તેમની ચાલવાની છટા, તેમની કપડાં પહેરવાની અને વાળ ઓળવાની ફેશન, તેમનાં રંગ, રૂપ, ઘાટ, એ સર્વ પરથી પ્રતીત થતી તેમની સમૃદ્ધિ. ‘ઉમેદવારો’ની કન્યાઓના ચિત્તમાં વિચારના વિષય બન્યા હતા. કંઈ કંઈ જુવાન હૃદયો વિવશ બનતાં હતાં. રૂપવંતી કે ‘ફેશનેબલ’ કન્યાઓની પાતળમાં અનેક વાનગીઓ અસ્ખલિત પીરસાતી; તેમનો મિજાજ અને તજવીજ સાચવવા, તેમનો પડ્યો બોલ ઉપાડવા ‘તીડનું ટોળું’ ખિજમતમાં હાજર હતું. ‘આખી નાતમાં પ્રેમદા તે તો પ્રેમદા જ છે. સૌંદર્યનો અવતાર જ છે. નરી પારસણ જ હોય એવી છે. એની બેસવાની પણ ખૂબી ઓર, એની જમવાની છટા પણ કેવી ‘ઇસ્થેટિક્!’ સ્થાન પસંદ કરવામાં પણ એની ચતુરાઈ. કેવા આછા અજવાળામાં બેઠી છે પણ વીજળી જેવી ચમકે છે. ઘરેણાં અને કપડાંમાં રંગની એકતા પણ કેવી સાચવી છે? કેવી છાનીમાની મારા સામું જુએ છે? મારા હૈયાની હોળી તે જાણે છે. બાબુ પાસે જ્યારે જ્યારે જાઉં છું ત્યારે ત્યારે મારી સાથે વાત કર્યા વિના રહેતી જ નથી‘ આવા આવા વિચારો શિવલાલના ચિત્તમાં આવવા લાગ્યા. તે પીરસતો હતો પણ તે માત્ર યંત્રવત્. પ્રેમદા બેઠી હતી એટલામાં જ તે થાળી લઈ ફરતો હતો. ‘દોલત, તારા વરને કહે ને બીરંજ પીરસી જાય. પેલી પ્રેમદાને બીરંજ ભાવતો નથી છતાં તેની તહેનાતમાં કેમ ઘૂમે છે? બળ્યું બહેન! તારાથી કેમ જોવાય છે? ભરી નાત વચ્ચે આ તમાસો!’ ઇચ્છાએ અક્કલ વગર જે હોઠે આવ્યું તે બોલી દીધું. ‘બહેન કંદર્પલીલા, ઊંઘ આવે છે? ચાલ ઘેર સુવાડી આવું?’ દોલત શું જવાબ આપે? હિન્દુ બાલિકાની લજ્જા, વાત બહેનપણી આગળ કરવી કઠણ ત્યાં હૈયાના આગળા મોકળા કરવાનું તો બને જ ક્યાંથી? સમયસૂચકતા વાપરી તેણે પોતાની નાની બહેનને ઊંચકી ઘર તરફ પ્રયાણ કર્યું. સાદી, વહાલસોઈ દોલતને જોતાં શિવલાલના હૈયાએ ઊંડો નિઃસાસો મૂક્યો.
*
ઓરડો હતો વિશાળ છતાં જૂના વખતનો. ઝાંખું પડેલું, જાળાવાળું; બંધ પડેલું ઘડિયાળ એક ભીંત પર હતું ત્યારે બીજી ભીંત પર નાનું સસ્તું ‘ટાઈમપીસ’ કાળની ગતિ બતાવતું હતું. ‘કેલેન્ડરો’ પણ ત્રણ ચાર લટકતાં હતાં. જૂના કાળના ‘કેલેન્ડરો’માંથી કાપી લીધેલી આલ્બર્ટ, વિક્ટોરિયા, દાદાભાઈ, રોબર્ટ્સ, રિપન વગેરેની છબીઓ; રવિવર્માની મોહિની, ‘ઑટોટાઈપ’ કંપનીનાં એકબે ચિત્રો, કુટુંબની સ્ત્રીઓનાં કે છોકરાંઓના ફોટોગ્રાફો પણ ભીંત ઢાંકતાં હતાં. ખીંટીઓ પર પુરુષો અને સ્ત્રીઓનાં કપડાં લટકતાં હતાં. આખા ખંડમાં પુસ્તક બિલકુલ નહોતાં. ઓરડાની વચમાં ગોળ કાળું ટેબલ હતું. તેની આસપાસ આઠદસ ખુરસીઓ જુદા જુદા લાકડાની, ઘાટની, રંગની, કાળની હતી. ચા પીતાં પીતાં ભાઈબંધોમાં રસથી અનેક વાતો થતી હતી : ‘આખરે શિવલાલ અને દોલતનાં લગ્ન થયાં, ભાઈ ઘણાયે ઊંચા અને નીચા થયા પણ પરણવું પડ્યું.’ ‘પેલી પ્રેમદાનો પણ રૂપિયો અપાયો?’ ‘હેં! હેં! ક્યારે? પેલા માંદા કૂતરા સાથે એનો વિવાહ!’ ‘માંદો કહો, કૂતરો કહો ને જે કહેવું હો તે કહો પણ એના જેટલો પૈસો ક્યાં છે? શિવલાલને પરણી હોત તો ઘરનું વૈતરું કરવામાં સામળી પડી જાત અને નવી નવી ફેશનનાં કપડાં કે ઘરેણાં પહેરવાનો ઓરીઓ વીતત ખરો કે? આ તો હુતો અને હુતી થવાની.’ ‘અલ્યા સાંભળ્યું કે પેલા મહાદેવના વિવાહ ઓછંડાયા હતા તે પાછા એની એ જુગલ સાથે થયા.’ ‘શું કહો છો? ત્યારે ઓછંડાયા શું અને પાછું નવું નાટક કર્યું શું?’ ‘એ તો ‘લવમેરેજ’ છે. જુગલ કહે મારે તો એ જ પતિ; પરણાવવી હોય તો પરણાવો નહિતર કુંવારી રહીશ. એકબીજાના કાગળો માબાપના હાથમાં આવ્યા. પરણ્યા પહેલાં દંપતીધર્મનો લહાવો લીધાનો વહેમ ગયો, પછી શો રસ્તો?’ ‘પણ આ શિવલાલનો જન્મારો કેમ જશે?‘ ‘બધાંના જાય છે તેમ એનો જશે – જવા દે થોડાં વર્ષ ને પછી એ બાયડી શ્વાસ અને પ્રાણ થઈ જશે. આપણી નાતમાં આવું ઘણું બન્યું છે.’
*
‘કાલે રાત્રે માહ્યરામાં શિવાએ કેવું તોફાન કર્યું?’ ‘આ બધા સૌન્દર્ય અને વિલાસના કીડાઓમાં વિવેક, સંયમ, શાણપણ ક્યારે આવશે?’ ‘આ બધી માત્ર છોકરવાદી છે, એમનું જ્ઞાન જેવું છીછરું છે તેવું એમનું વર્તન પણ.’ ‘માત્ર છોકરવાદી નથી; માત્ર છીછરાપણું નથી.’ નદી પરથી ઠંડા પવનની સુરખી આવી. બોલનાર પરસેવાથી અને ઉકળાટથી મૂંઝાતો હતો તે ઊભો થયો અને ખુરસી ઉપર ચડી અભરાઈ પરથી ચારપાંચ પુસ્તકો નીચે ઉતાર્યાં. તેમની ધૂળ ખંખેરતાં ખંખેરતાં તે બોલવા લાગ્યો, ‘દિવસે દિવસે આ સવાલ ગંભીર થતો જાય છે. અંગ્રેજી શિક્ષણથી આપણી જુવાનીમાં અનેક મહેચ્છાઓ થાય છે, આપણને પણ ક્યાં નહોતી? અને હાલ ક્યાં બધી શમી ગઈ છે? આપણા પર જે સંસ્કારો પડ્યા અને પડતા જાય છે તે આપણને વિપથે નથી જવા દેતા એ આપણું પરમ સૌભાગ્ય છે.’ પવન બંધ થવાથી પાછો બફારો થવા લાગ્યો. પંખો હાથમાં લઈ ગરમી ઓછી કરતો કરતો બોલ્યો, ‘ઇંગ્લૅંડમાં ‘લવમેરેજ’ થાય છે માટે આપણે ત્યાં થવાં જોઈએ. દરેક વિદ્યાર્થીને હવે ‘કોર્ટીંગ’ કરવાની હોંશ છે. નાતો જમે છે ત્યારે, વરઘોડા નીકળે છે ત્યારે અને માહ્યરામાં લગ્નવિધિ થાય છે ત્યારે શું થાય છે તે તમે ક્યાં નથી જાણતા?’ ‘ખરું, પણ આમની ભાવના તદ્દન વિપરીત લાગે છે. પોતાનું રૂપ, પોતાનો ઘાટ, પોતાની વિદ્યા, પોતાની પ્રતિષ્ઠા, પોતાની લક્ષ્મી ગમે તેવાં હોય છતાં દરેક યુવકને ગોરી, નમણી, ફૂટડી, ફેશનદાર, નાજુક, શ્રીમંત કન્યા જોઈએ છે.’ ‘કોઈને ભણેલી કે ગુણવંતી કન્યા જોઈતી નથી. પોતાની સાથે હરીફરી શકે, ભભકાદાર કપડાં પહેરી શકે એવી ચંચલ પૂતળીઓ જોઈએ છે. ખરા સંસ્કારી જીવન માટે આતુરતા નથી. યુવતીઓ માત્ર સહચરીઓ અને દાસીઓ રહેવાની નથી પણ માતાઓ થવાની છે એ ભૂલી જવાય છે. સંસાર વિકટ છે. વિભક્ત કુટુંબોમાં યુવાન સ્ત્રીપુરુષોમાં વધારે આવડત, હોંશિયારી, શાણપણ, બળ, ચારિત્ર્ય, નીતિ હશે તો જ તેઓ સુખી થશે. માત્ર રૂપ કે રંગ સુખી નથી કરતાં. રૂપ અને પૈસો નાશવંત છે. ચારિત્ર્ય જ માત્ર અમર છે. દેશની ઉન્નતિ કરે એવાં કુટુંબોની જ્યારે જરૂર છે ત્યારે આવા સંયમહીન વિલાસોમાં રચીપચી જીવન ગાળવાની ભાવના દેશને હાનિકારક છે.’ ‘દેશને એમના જીવનમાં સ્થાન જ ક્યાં છે? યુવાન કન્યાઓ તો માત્ર એટલું જ સમજે છે કે હીરામોતીના દાગીના પહેરવા મળ્યા, રેશમી અને કસબી લૂગડાં પહેરવા મળ્યાં એટલે સ્વર્ગ મળી ગયું.’
*
‘ભગવાન! ભણી એટલે કોણ જાણે કેવુંયે પાતક કર્યું! સ્વામીને નહોતી ગમતી પણ સાસુજીએ પોતાનો બોલ જાળવવા વિવાહ તોડવા ન દીધા, પણ સાસરે આવ્યા પછી જુદો જ અનુભવ થાય છે. પતિનો અનુરાગ નથી તેમ અણરાગ – દ્વેષ પણ નથી, મારી પાછળ ગાંડા થઈ જતા નથી, મારામાં લુબ્ધ નથી થતા તેમ મારું અપમાન કરતા નથી, મને કનડતા નથી, મને મૂંઝવતા નથી, મને સહેજ પણ ઓછું આવે એવું વર્તન રાખતા નથી. ઊલટું મને એમ લાગે છે કે એમના દિલમાં મારે માટે લાગણી જન્મતી જાય છે. મને મારામાં શ્રદ્ધા છે કે પતિની હું પ્રેમપાત્ર થઈશ, એમના સહવાસ વિના એમનાં લક્ષણો વિશે મેં જે કલ્પના કરી હતી તે તદ્દન ખોટી નીવડી છે, મારો અને એમનો સંબંધ અંતરાય વિના મીઠો રહેશે તો અમારો સંસાર અવશ્ય સુખી થવાનો. પણ પરણીને સાસરે આવી ત્યારથી સાસુજીને શું એ કૂડું પડ્યું છે કે જેમાં ને તેમાં મહેણાંટોણાં માર્યા કરે છે, મારી વિદ્યાને વગોવે છે, મારાં માબાપને ગાળો દે છે. ઘરમાં હું દુહાગણ છું, અળખામણી છું, (રડે છે) પતિ સારો દિવસ ઘરમાં રહે છે છતાં અરધી રાતે જ હું એમની પાસે જઈ શકું. દિવસે જવાની સખત મનાઈ. ચાનો પ્યાલો પણ આપવા ન જવાય. નહાવા બેસે ત્યારે કપડાં કે સાબુ પણ ન મુકાય. જમવા બેસે ત્યારે પીરસાય પણ નહીં. સાસુજી સાથે વાત કરે ત્યારે તે વાત સંભળાય નહીં. આખો દિવસ ઘરકામ કર્યા કરવું. શું સાસુજી દીકરાનો સંસાર આ રીતે સુખી કરવા માગે છે? હશે, મારે મનમાં ઓછું લાવવું નહીં. મારી વિદ્યા મને મૂંઝાવા નહીં દે, મારાં બધાં સંકટ કાપશે અને મારા જીવનનું લક્ષ્ય સાધવા સમર્થ કરશે. ‘વિદ્યા વધારવાની પણ અહીં સામગ્રી નથી. ન મળે પુસ્તકો, ન મળે ચોપાનિયાં કે ન મળે વર્તમાનપત્રો. આ કારાગારમાં ઊંચી રસિક વાતો કરવાની કે સાંભળવાની સ્વપ્ને પણ તક નહીં. ગામમાં સરખી સાહેલીઓ પણ નથી. છે તે ક્ષુદ્ર વિશ્વમાં મહાલનારી. હશે, એવો અફસોસ શા કામનો? જે ભાથું આજ લગીમાં મેળવ્યું છે તેનો જ ઉપયોગ કરીશ તે થોડો છે? વિચારો તો ઘણા દિવસ કર્યા. હવે જ તેમને આચારમાં ઉતારવાના વિકટ પ્રસંગો આવતા જાય છે, તેમાં વિજય મળે તો જ સાચી વિદ્યા પ્રાપ્ત કરી કહેવાય. મૂંઝવણ થશે તો મારો ભગવાન ક્યાં દૂર છે? ‘પણ ભક્તિ કરવા કે વિચાર કરવા ફુરસદ ક્યાં છે? આ અસંસ્કારી સ્ત્રીઓમાં કૃત્રિમ–ગુલામગીરીનું જીવન ગાળવાનું છે. હૃદયમાં દાવાનળ ભડભડતો હોય છતાં મુખ ઉપર સૌમ્ય પ્રસન્નતા રાખવાની છે. સૌનો પડ્યો બોલ ઉપાડવાનો છે અને બધાની ખિજમતમાં ખડે પગે રહેવાનું છે.’
*
‘આજ શિવલાલને ત્યાં જઈ આવ્યો. દિલ ખોલી એણે વાત કરી. મેં ધાર્યું તેમ જ નીવડ્યું. જે દોલતની રૂપહીનતા એને સાલતી હતી તે જ દોલતના ગુણોથી એનું જીવન ફરી ગયું છે.’ ‘તેં પણ ઊડતી ઘણી વાત સાંભળી છે. આમ પણ એનામાં ઘણો ફેર પડી ગયો છે.’ ‘કહે છે કે એના મંદવાડમાં દોલતે એની ચાકરી એવી સારી કરી કે એ દોલતનો ગુણપૂજક થઈ ગયો છે. મંદવાડમાં હું એક વાર ખબર પૂછવા ગયો હતો ત્યારે મેં નજરોનજર પરિચર્યા જોઈ હતી. સુશિક્ષિત પરિચારિકા જેવી સારવાર કરે તેવી કરતી હતી અને વધારામાં પતિ માટે સ્નેહાળ હિન્દુ સુન્દરીનો ભાવ તે સારવારમાં ઓતપ્રોત હતો.’ ‘એના બાપે છોકરીને કેળવણી તો સારી આપી છે.’ ‘શિવલાલનો મિત્ર માણેકલાલ કહેતો હતો કે આવી સારવાર આપણી નાતમાં કોઈ પ્રૌઢા કરી શકે એમ નથી તો પછી યુવતીની તો વાત જ શી? આવી માંદગી શિવલાલને દર વર્ષે ભોગવવી પડે છે. મહિનો-દોઢ મહિનો ખાટલાવશ રહેવું પડે છે અને શક્તિ બધી પાછી મેળવતાં બે-ત્રણ મહિના જાય છે. પણ આ વખત તો આઠ દિવસમાં જ હરતોફરતો થઈ ગયો. શક્તિ ક્ષીણ જ ન થઈ હોય એવું લાગ્યું’તું. બાયડીની સારવારનો જ એ પ્રતાપ હતો એવું એનું માનવું છે.’ ‘પહેલાં તો પુસ્તકશાળા કે ભાષણોમાં જતો નહીં. હવે બધે જાય છે. ઉમંગથી બધામાં સામેલ થાય છે. નાતની અને ગામની સંસ્થાઓમાં ખરા દિલથી કામ કરે છે.’ ‘એના પહેરવેશમાં ફેર પડી ગયો છે. અંગ્રેજશાઈ બધું જ હતું તે ઓછું થયું છે.’ ‘સ્ત્રીકેળવણીનો મોટો હિમાયતી થઈ પડ્યો છે. સ્ત્રીઓ સંબંધી એના વિચારો પણ ફરી ગયા છે. લલિતકલાઓના પ્રદર્શનમાં ફેશનદાર રૂપવંતી યુવતીઓની સાથે ફરવામાં જે લહાવો એને મળતો હતો તે લહાવો હવે ગુણવંતી અને સંસ્કારી સ્ત્રીઓના સહવાસમાં તે શોધે છે. જેમના રૂપથી એ મોહ્યો હતો. તેમનાં ચરિત્ર જાણી ખિન્ન થયો છે.’ ‘પેલી પ્રેમદાના ‘પરાક્રમો’ જોયાં ને? સ્ત્રીનું ભૂષણ શીલ, સત, ફેશન કે રૂપ નહીં; વૈભવ, મોજ, એશઆરામ, તુમાખ નહીં, પવિત્રતા એ જ ખરું ભૂષણ. એ જ હીરામોતીનો અલંકાર. આપણાં બાળકોને પૈસા અને વૈભવના વાતાવરણમાં ઉછેરીએ છીએ; પવિત્રતા, શીલ, સાધુતાના વાતાવરણમાં નહીં. છોકરીનું સાસરું શ્રીમંત શોધીએ છીએ – પવિત્ર અને સંસ્કારી નહીં.’ શિવલાલ આવી રીતે અનેક મિત્રમંડળોમાં સંલાપનો વિષય બનતો.
*
‘ઓરડામાં હવે કેવી વ્યવસ્થિતતા છે? કેવો આરામ છે? દોલતને આ બધું કરવાનો વખત ક્યાંથી મળે છે? મારી બાના રાજ્યમાં ઘરનું નાનુમોટું સર્વે કામ એને કરવું પડે છે. મારા ભાંડુઓની પ્રીતિપાત્ર બની રહી છે. સૌ ભાભી પાછળ ઘેલાં છે. અમારા સૌની ગુરુ થઈ બેઠી છે. અમારા સંસ્કાર જાગૃત કરવા કે અમારામાં નવા સંસ્કાર પાડવા થઈ શકે તેટલું મીઠાશથી, વિવેકથી, સુશીલતાથી કરે છે. રૂપ નહીં પણ ગુણ જ જગતમાં અમર છે, સફળ છે, કીર્તિવંત છે એનું દોલતને ન પરણ્યો હોત તો માને કેવી રીતે ભાન થાત?......જે જે રૂપાળી કન્યાઓ માટે હું તલસતો હતો તે બધીના ભવાડા સાંભળી સાંભળી મારી જાતને ધન્યવાદ આપું છું. પૂર્વજન્મનાં પુણ્ય કે એ નરકમાંથી બચ્યો. એકને રાંધવાની આળસ છે, ધણીને પેટપૂરું ખવડાવતી નથી તો પછી સ્વાદિષ્ટ ભોજન રાંધવાનો સવાલ જ ક્યાં? એક રોજ માંદી રહે છે, ધણી પૈસે તેમ સુખે ખુવાર થઈ ગયો છે. એકને કસુવાવડ જ થયા કરે છે; અને નવાં નવાં કપડાં પહેરવામાં દેવું કરી ધણીનાં બાપીકાં ઘર હરાજ કરાવ્યાં છે. નવી નવી ફેશનનાં ઘરેણાં વારેવારે કરાવવામાં એકે પિતાનું પલ્લું અડધું કરી નાખ્યું છે; શીળી નીકળવાથી એક રૂપ ખોઈ બેઠી છે; રૂપના તુમાખમાં એક શીલભ્રષ્ટ થઈ બેઠી છે; એક પરણતાં જ વિધવા થઈ છે—રૂપના ગર્વમાં ન કેળવી આવડત, ન મેળવી વિદ્યા કે ન બાંધ્યું ચારિત્ર્ય, એટલે અત્યારે હેરાન હેરાન થાય છે. મેં બધી ચોકસાઈ રાખી છે. રૂપાળી ગઈ છે ત્યાં કોઈ સુખી નથી થયું. રૂપ એ જ એમનો ગુણ અને દુર્ગુણ પણ. ન મળે જૂની કે નવી સંસ્કારિતા. એમની વાત સાંભળો તો જુગુપ્સા આવે. વિચાર, લાગણી, ભાવના તદ્દન સામાન્ય. માત્ર ફેશનદાર કપડાં પહેરવામાં, માથાના વાળ ઓળવામાં અને રસ્તામાં કેડમાંથી વાંકી વળી સર્પગતિએ સૂર્યકિરણોની ચાલે ચાલવામાં બધી હોંશિયાર. તબિયત બધીની નાજુક અને બિમાર. ન મળે કોઈના શરીર પર લોહીની લાલી. સુખનાં જે જે સ્વપ્નાં મારા યુવાનમિત્રોએ કલ્પ્યાં હતાં તે બધાં ધ્વસ્ત થયાં છે. હા! ગામગપાટા હાંકવામાં સૌ કાબેલ છે, ભપકાદાર પહેરવેશ કરી મહાલવામાં એક્કો છે. મારી પણ એ જ વલે થાત, દોલત ન મળી હોત તો. મારું તો ભવન જ ફરી ગયું. મારા વિચારો ફરી ગયા, મારી ભાવના પલટાઈ ગઈ. મારો જીવનક્રમ પણ ફેરવાઈ ગયો. મારું જીવન સફળ કરવાના માર્ગ મને મળ્યો. રૂપની સાથે જે જે સંસ્કારિતાની હું અપેક્ષા રાખતો હતો —રૂપમાં અને ફેશનમાં સર્વે રહેલી હોય છે એમ હું માનતો હતો તે રૂપની સાથે જોઈ શક્યો નથી પણ ગુણે તો મારી ભૂખ જુદી જ રીતે મટાડી છે. અમારે ત્યાં એક વખત છબીઓનું સ્નેહજીવન હતું. હજુયે લુપ્ત નથી થયું. પત્નીની ત્રણચાર જાતની છબીઓ ઓરડામાં ટાંગવામાં અથવા ટેબલ પર મૂકવામાં જિંદગીનું પરમ સૌભાગ્ય હતું. કોચ ઉપર પતિ સૂવે અને પત્ની પગ આગળ નીચે બેસી ફીડલ વગાડતી હોય, પતિ ઊભા હોય અને પત્ની હારમોનિયમ વગાડતી હોય, પડદા ઉપર ચીતરેલી ઇંગ્લિશ ફૂલવાડીમાં જાણે કૂવારાકાંઠે પત્ની બેઠી હોય એવી એવી વિવિધ ઢબમાં છબીઓ પડાવવામાં અનેરો લહાવો હતો. અમારી પત્નીઓ આવી રીતે અમારી દેવીઓ થતી. તેમને વાંચવાનો કંટાળો રહેતો. તેમનામાંથી સગપણના સ્નેહ ઊડી જતા, વિવેક, વિનય, સૌજન્ય તેમનામાંથી અદૃશ્ય થતાં; છતાં અમારી તે દેવીઓ હતી. એમના સહવાસમાં અમે અમારી જુવાનીના સ્વર્ગમાંથી ધીમે ધીમે પૃથ્વી પર સરી પડતા હતા છતાં અમારી તે દેવીઓ હતી, આવું અમારું પૂર્વગ યુવાનોનું જીવન હતું. એમાંના એકે મને થોડા જ દિવસ ઉપર પૂછ્યું હતું : ‘વાર્તામાં અને કવિતામાં જેવા સ્નેહ વિષે વાંચીએ છીએ એવો સ્નેહ હિન્દુ સંસારમાં જોયો છે?’ પછી આવ્યો અમારો જમાનો. અમને જાગ્યો શોખ સંવનનનો. પૂર્વકાળનો એક બીજો વારસો અમારામાં સોળે કળા ઊતરી આવ્યો હતો. જુવાનો અને યુવતીઓને, બાળકો અને બાલિકાઓને ‘ફેશનેબલ’ કપડાંથી પોતાની નાગરિકતા અને રસિકતા માણવાની વિનાશક આદત પડી છે. અમને મન કે હૃદય શણગારવા કરતાં દેહ શણગારવો વધારે ગમે છે. એટલે શણગારના બહારમાં સ્ત્રીઓના દેહ અમને આકર્ષે છે. એ દેહો અને એમનું લાવણ્ય ખીલવવા વપરાતી નાના પ્રકારની યુક્તિઓ પ્રત્યક્ષ નિહાળવા, તૃપ્તિ થાય ત્યાં લગી તેમનું પાન કરવા, એ દેહોના વધારે ને વધારે સહવાસમાં આવવા અને ગુણો કરતાં રૂપ અને છટાથી એકબીજામાં લુબ્ધ થઈ અમારા સંસાર રચવાની મહેચ્છા પ્રવર્તે છે. છબીઓના સ્નેહજીવન પછી શણગારનું સ્નેહજીવન આવ્યું છે.’
*
‘કેમ પ્રમિલા, આવને બેન, બપોરે ક્યાં ચાલી? ને તારા કાકા બોલાવે.’ ‘કાકી, ક્યારે આવ્યાં? કાકાજી, જયશ્રીકૃષ્ણ.’ ‘આવ બહેન. હવે તો તું બહુ મોટી થઈ ગઈ. તારા સસરાનું શરીર તો સારું છે ને?’ ‘વાઘ જેવું હવે તો થયું છે. અખાડામાં બધાને કસરત રોજ કરાવે છે.’ ‘હેં. આટલી ઉંમરે! મેં સાંભળ્યું છે કે તમે બધાએ હમણાં સારી સારી પ્રવૃત્તિઓ ઉપાડી છે. તમારું ‘અંબામંડળ’ કેમ ચાલે છે?’ ‘અત્યારે ત્યાં જ હું જાઉં છું. ફુરસદે કાકી, તમે પણ ત્યાં આવજો. બપોરે બાર કે એકથી સાંજે ચારપાંચ વાગ્યા લગી સૌ સૌની અનુકૂળતા પ્રમાણે મળીએ છીએ.‘ ‘તમે આ બધાં ભેગાં થઈને નાતજાતની કુથલી કરતાં હશો.’ ‘ના, કાકી. ભણીએ છીએ, વાંચીએ છીએ, સીવતાં, વેતરતાં શીખીએ છીએ, કથા સાંભળીએ છીએ. વિધિઓ, ઉત્સવો, પૂજા, વ્રત વગેરેનાં રહસ્ય જાણીએ છીએ. પરિચર્યા, વૈદ્યક વગેરે વિશે શીખાય તેટલું શીખીએ છીએ. સંગીત, ચિત્ર, ભરતગૂંથણની લલિતકળાઓ શીખીએ છીએ. ગૃહકળાઓ અને ગૃહવ્યવસ્થાનું જ્ઞાન વધારીએ છીએ. શરીર નિરોગી અને તાકાતવાળું કરીએ છીએ. અમારા બધાંના જીવનમાં નવો રસ આવ્યો છે. અમારામાં નવું જોમ આવ્યું છે. સુખ પણ અજબ માણીએ છીએ.’ ‘પણ, વારુ, તમને એ બધું શીખવે છે કોણ અને એનું ખરચ શી રીતે કાઢો છો?’ ‘કાકા, અમારામાંથી ઘણી સ્ત્રીઓએ પોતાના અલંકાર વેચી દ્રવ્ય આપ્યું છે. માત્ર સૌભાગ્યનાં મંગલ ભૂષણો રાખ્યાં છે. ખર્ચમાં બને તેટલી કરકસર કરીએ છીએ. જુદી જુદી નાતમાં આવાં મંડળો છે તેમની સાથે જેટલું સહકાર્ય થઈ શકે તેટલું કરી ખર્ચ વહેંચી લઈએ છીએ અને વેરાયેલી આવડત અને જ્ઞાનસંપત્તિનો લાભ લઈએ છીએ. બાકી અમારામાં દોલતબહેન એવાં તો હોંશિયાર અને કાબેલ છે કે કોઈની અમને ગરજ પડતી નથી. બધે પહોંચી વળે એવાં છે. સાક્ષાત્ સરસ્વતીનો અવતાર.’ ‘કોણ પેલી દોલત! શિવલાલની વહુ! હવે બેને કેમ બને છે બહેન?’ ‘ઘણું જ સારું, કાકી! બન્ને ધણી-ધણિયાણીનો જેવો એકરાગ છે તેવો ક્યાંયે નહીં હોય, જ્ઞાતિમાં નવો રસ એ જ લાવ્યાં છે. વિલાસ, વૈભવને ઠેકાણે સેવાની ભાવના એમણે જ ફેલાવી છે. દોલત કહે છે કે માણસ સંસારમાં એકલો નથી પણ સર્વમાંનો એક છે. બધાંની સાથે એને નિસ્બત છે, લેણાદેણી છે. પંડના સુખ, મોજ કરતાં સર્વનાં સુખ, વૈભવ, આરામ માટે સૌ પ્રયત્ન કરે તો જ લાભ છે. અદેખાઈ, હરીફાઈ, પ્રપંચ, દગો, જૂઠાણું, છળકપટ, ટાપટીપ બધું નાશ પામે અને સૌનો આ ભવ અને પરભવ સુધરી જાય. તેમાંયે દરેક નાત પોતાના દેશને સુખી, સમૃદ્ધ, સબળ, સાધુ કરવા પોતે જ એવી બને તો કેવું સારું? નાતને લીધે આપણે જે સગવડો છે, જે સંબંધો છે, જે લાભ છે, તે બધું આપણા દેશના ઉત્કર્ષ માટે આપણા પંડના વિકાસ માટે ઉપયોગમાં લેવાય તો કેવું સારું? આપણે ગુજરાતીઓ છીએ એવું લાગશે તો પછી ઘણાં મોટાં ગુમાન, ઘણું અજ્ઞાન, ઘણો હ્રાસ, ઘણો નિપાત આપણી નાતોમાંથી કમી થઈ જશે.’ ‘પ્રભુ કલ્યાણ કરો એ છોકરીનું! સંસારસુધારાનું, દેશકલ્યાણનું એણે વ્યવહારુ પગલું લીધું છે. પ્રભુએ એને નિમિત્ત બનાવી છે તો યશ પણ આપશે. ગુજરાત હાલ કેવી અધમ દશામાં છે; કેટલો પાછળ છે તે જ્યારે આપણી નાતો સમજશે અને ગુજરાત માટે પોતાની નાત સુધારવા અને પ્રગતિમાન કરવા કેડ કસશે ત્યારે જ ગુજરાતનો સિતારો સિકન્દર થશે.’ ‘દૌલતબહેનનું રોજ એ જ કહેવું છે. સર્વે નાતોએ ગુજરાતીપણાની લાગણી કેળવવી અને નાતોનું નાતપણું અલગ રાખી ભળાય તેટલું ભળવું એ વિચારની અસર થવા માંડી છે. અહીંની બધી સ્ત્રીઓ મળી વિદ્યાલય અને આર્તાલય ચલાવવા તજવીજ કરે છે. અમારી પ્રવૃત્તિઓ શરૂ થયા પછી ગામમાં જાદુઈ ચેતન આવ્યું છે. જ્યારે આમાં પડ્યા ત્યારે જ જણાયું કે ભવિષ્યનો આપણે ત્યાં બિલકુલ વિચાર નથી — પુનર્જન્મને માનીએ છીએ છતાં આવતા જન્મને માટે બિલકુલ દરકાર નથી, પછી સંતતિને માટે તો હોય જ ક્યાંથી? આવી સ્થિતિમાં કેટલી બધી શક્તિ કટાઈ જાય છે, ક્ષીણ પામે છે, સ્તબ્ધ રહે છે કે ઊઘડતી જ નથી?’ ‘આ બધું અમને પણ જુવાનીમાં લાગ્યું હતું પણ અમારામાં વિચારના વેગ જેવું આચારબળ નહોતું, અમારામાં ત્યાગવૃત્તિ નહોતી, ભવિષ્યનો વિચાર નહોતો. અમને અમારા વિચારોમાં શ્રદ્ધા નહોતી. અમારું વિચારજીવન એ પણ અમારા વિલાસી જીવનનો એક વૈભવ—મોજ હતી. પ્રભુ! તમારા મનોરથ પૂરા પાડો.’ ચાંદનીનો બહાર ધીમે ધીમે ખીલતો હતો. ચૈત્રની શીતળ અને મધુર રજની જેવી રજની હતી. અગાસીમાં દંપતી વિનોદ કરતાં હતાં. દોલતના મોં ઉપર ચંદ્રપ્રકાશ પડતો હતો. તેણે ચાંદની જેવાં જ સફેદ વસ્ત્ર પહેર્યાં હતાં. શરીર પર કાચની બંગડી અને કપાળમાં ચાંલ્લો એ જ માત્ર મંગળ આભૂષણ હતાં. તેના હાથમાં સિતાર હતું. તેની કોમળ આંગળી તાર પર રમતી હતી. સિતારના સૂર સાથે કંઠના સૂરનો સંવાદ અદ્ભુત જામ્યો હતો. શિવલાલ સંગીતનું શ્રવણ કરતો હતો. દોલત રૂપ રૂપનો અંબાર નહોતી, તેનું મોં ઘાટીલું નહોતું. પણ તે કદરૂપી નહોતી, ઘઉંવર્ણી હતી. તેના મોં ઉપર તપસ્વીનું તેજ હતું. પવિત્ર ભાવનાનું ઓજસ હતું, તેની આંખોમાં એકાગ્રતાનું નૂર હતું. તેના કપાળ પર દૃઢ નિશ્ચય અને કાર્યસિદ્ધિની મુદ્રા હતી. આ સર્વ તેજમાં પ્રતાપ હતો પણ તે સ્નેહપૂર્વક હતો. રાજ્ઞી અને માતાનાં રૂઆબ અને વહાલ હતાં. કુદરતના પ્રકાશમાં, શીતળતામાં શાંતિ, ગંભીરતામાં આ મૂર્તિ શિવલાલને કોઈ દિવસ ન લાગેલી એવી હૃદયહર લાગતી હતી. તેનું સંગીત તેના જીવનની પાંખડીએ પાંખડી ઉઘાડતું હતું. આ સંગીત અનુપમ બન્યું છે. નાતોના ભેદપ્રભેદ ગુજરાતની સેવામાં, ગુજરાતની ઉન્નતિ સાધવાના પ્રયાસમાં — ભારતવર્ષને ચેતનવંતો કરવામાં, ગુજરાતનો ધર્મ બજાવવામાં કેવી રીતે દૂર થઈ જાય છે, નાતોની પ્રત્યેકની સામાજિક વ્યવસ્થા અને ખાસિયતો કાયમ રહી, અન્યોન્યની અલગતા, અતડાપણું, દ્વેષ, અસહકારિતા, સ્વાર્થપરાયણતા, રાષ્ટ્રવિમુખતા કેવી રીતે બળહીન, પ્રભાવશૂન્ય થઈ જાય છે તેનો આબેહૂબ ભાવ આ સંગીત ઉપજાવે છે. જે હૃદયમાંથી આ સંગીત ઊપજ્યું છે તે હૃદયની સેવાઓ પણ જુદે જુદે સ્થળે જુદે જુદે રૂપે પ્રકટ થતી જાય છે એટલે છૂટા છૂટા સૂરે નહીં પણ સંવાદી સંગીત સર્વ સ્થળે ગાજી રહેશે.’ ‘મને પોતાને એ મોટા સંતોષ થયા છે. તમારી સ્નેહપાત્ર થઈ શકી —’ ‘સ્નેહ એટલે શું તેનો અનુભવ તમે જેવો કરાવ્યો છે એવો અનુભવ મારા મૂર્ખ વિકારોમાં મને કદી થાત ખરો કે? હું કેવા ક્ષુદ્ર સ્નેહ માટે તલસતો હતો અને મને તમે કેવા માનુષ સ્નેહથી સુખી સુખી કરી દીધો છે! તમે મારાં સ્નેહપાત્ર ન થાઓ તો પછી કોણ થશે? પણ સુંદરી! મને સંશય રહે છે—સંશય કરવો એ મહાપાતક છે છતાં તેને દબાવી શકતો નથી, કે તમારા હૃદયમાં મને સ્થાન છે પણ હું તેનો અધીશ્વર—ચક્રવર્તી સમ્રાટ નથી. હું જાણું છું કે એ પદને માટે લાયક નથી છતાં મને ઓછું આવે છે.’ ‘આપ લાયક છો. આપના ગુણો હું જાણું છું તેટલા કોણ જાણે છે? મારા હૃદયે આપને ઘણાં વર્ષો પૂર્વે પિછાન્યા હતા તેથી જ હું સંતપ્ત નહોતી, પણ નાથ! મારા હૃદયનો અધીશ્વર મારો દેશ છે. આપનું સ્થાન માત્ર તેના પછી છે. દેશ અમર છે મનુષ્ય — પછી સ્નેહનું અદ્વિતીય પાત્ર મનુષ્ય પણ નશ્વર છે. એટલે હૃદયેશ્વર દેશ છે. હું નિરુપાય છું. આપને સર્વશ્રેષ્ઠ પદવી નથી આપી શકાતી. મારાં પાતિવ્રત્યમાં એથી લાંછન લાગતું હશે. પણ દેશનો ઉદ્ધાર એ મહત્ત્વનો પ્રશ્ન છે. માનવીઓની ન્યૂનતા, માનવીઓનાં સ્ખલનો ક્યારે નથી થતાં? સંપૂર્ણ વિશુદ્ધિ, સંપૂર્ણ નિર્દોષતા, સંપૂર્ણ પવિત્રતા માત્ર આદર્શ છે. હું આદર્શભ્રષ્ટ નથી પણ ત્યાં લગી પહોંચી શકી નથી. દેશની અને આપની સેવામાં મારો વિકાસ થયો છે — પણ નાથ! દેશ અને આપનાથીયે ઊંચું સ્થાન હૃદયમાં ઈશ્વરનું છે. તે નિરંતર સર્વત્ર વ્યાપેલો છે. છતાં હજુ હું એનું અધિરાજ્ય અનુભવી શકી નથી. તેનો સંપૂર્ણ સાક્ષાત્કાર થયો નથી.’ દોલતના હૃદયમાંથી ઊંડો નિસાસો નીકળ્યો. ‘આ તૃષ્ણા મૃત્યુ લગી અપૂર્ણ રહે છે. કોઈની તૃપ્ત થઈ છે? જેમ જેમ સાક્ષાત્કાર વધતો જાય છે તેમ તેમ વિશેષ ને વિશેષ માટે વાંછના પણ વધતી જવી જોઈએ. તમને તમારી સેવાઓમાં કેટલી બધી વાર એવો વિષમ અનુભવ થયો છે? તમારી સેવાઓથી તમને સંતોષ થયો છે? એક સેવાનો ઉપક્રમ થયો ત્યાં બીજી અનેક સેવાની જરૂર નથી લાગી?’ ‘સૌથી મૂંઝવણનો વિકટ પ્રશ્ન જનસેવા કે દેશોદ્ધાર નથી પણ વ્યક્તિમાત્રના આત્મવિકાસ અને પરનાં કલ્યાણ કાજે સ્વાર્થત્યાગ અને સમષ્ટિના હિત માટે શક્તિસંપન્નતાનો છે. એમાં નિરાશા ડગલે અને પગલે નિરુત્સાહી કરે છે. માત્ર બીજાઓના સંબંધમાં જ નહીં પણ મારી પોતાની જાત પણ એ સ્ખલનોથી મુક્ત નથી.’ ‘કર્તવ્યની ગંભીર ભાવના હોય ત્યારે આવો અસંતોષ રહે જ. મનુષ્યની પરિમિત શક્તિઓ — તેમાંયે હિંદુ સ્ત્રીઓની પ્રચલિત અવનત સ્થિતિમાંની શક્તિઓ અને તેમને ઉપયોગી થવાનાં ક્ષેત્રો અને સંજોગો અલ્પ અને વિકટ એ બધું ધ્યાનમાં લેતાં આટલાં વર્ષોમાં તમારાથી સિદ્ધ થયેલું કામ ઓછું નથી. કોઈ પણ દેશભક્તને નિરાશ કરે એવું નથી. તમે એકલાંએ મેટિઝની, કેવહર અને ગેરિબલ્ડી; ઝેશેન્યી અને પ્રેટુફીનું ભેગું કામ કર્યું છે, તમારી સાક્ષરસેવાએ ભાવના જાગૃત કરી છે, લોકોને નવું દૃષ્ટિબિન્દુ આપ્યું છે, પ્રસંગો અને ઉપક્રમો માટે તમારી જાતને તમે કેળવી છે. સંપન્ન કરી છે. તમે સંસ્થાઓ સ્થાપન કરી છે, ત્યાગ કર્યો છે, ભોગ, વૈભવ, વિલાસ ત્યજ્યા છે, તમે તમારું જીવન સાર્થક કર્યું છે.’ ‘આત્મપ્રશંસા સાંભળવી અથવા વાંચવી એ દોષ છે, તેમાંયે કાન્ત પાસે કાન્તાએ સાંભળવી એ સ્નેહનું ખંડન કરવા જેવું છે.’
*
‘લાડકીબહેન! રિપોર્ટ તૈયાર થઈ ગયો? ગુજરાતી સ્ત્રીઓની પરિષદની તારીખો નક્કી થઈ આવી છે. તે પહેલાં છપાવી પ્રકટ કરવાનો છે.’ ‘તૈયાર છે, મુખ્ય મુખ્ય વિગત સાંભળશો, દોલતબહેન?’ ‘હા, જોઈ જઈએ.’ ‘રોગ અને મૃત્યુની સામે ચલાવેલી લડતનો અહેવાલ છે. શરીરબળની વૃદ્ધિ માટે કરેલા પ્રયાસોનો વૃત્તાંત છે. જ્ઞાન પ્રસારણ માટે કરેલી વ્યવસ્થાનું વર્ણન છે, દારિદ્યનિવારણ માટે લીધેલા ઉપાયોની હકીકત છે. ઉદરનિર્વાહ માટે સ્ત્રીઓને જુદી જુદી રીતે લાયક કરવા કરેલી તજવીજનો અહેવાલ છે. જીવનમાં રસ આણવા ઉપસ્થિત કરેલી યોજનાઓનું વર્ણન છે. આ બધી પ્રવૃત્તિઓથી ગુજરાતને પ્રાપ્ત થયેલી પ્રતિષ્ઠા, ગુજરાતમાં જાગેલા ઉત્સાહ અને તેમને લીધે ગુજરાતે હિન્દુસ્તાનની કરેલી સેવા વિષે નિરૂપણ છે. લાગણીઓનો નહીં પણ સિદ્ધિઓનો વૃત્તાંત છે.’ ‘બહેન! જુદી જુદી નાતો છતાં, જુદા જુદા સંસ્કારો છતાં, જુદી જુદી કેળવણી છતાં, જુદા જુદા ઉછેર છતાં, જુદી જુદી સંપત્તિ છતાં આપણે આટલું કરી શક્યાં એ પરમ સંતોષની અને ભવિષ્યની ઉત્સાહી આશાની વાત છે. ગુજરાત! તું અમારી જન્મભૂમિ છે. તારા ઉત્કર્ષમાં અમારો ઉત્કર્ષ છે. તારી પ્રતિષ્ઠા એ અમારી પ્રતિષ્ઠા છે. તારી ઉપયોગિતા એ જ અમારી ઉપયોગિતા છે. તારી શક્તિ અને સંપત્તિ ભારતવર્ષને માટે છે અને અમારી શક્તિ અને સંપત્તિ તારે માટે છે. અમારું જીવન તને સમર્પ્યું છે અને નિરંતર સમર્પેલું રહેશે. સમર્પણમાં અમે મુક્તિ મેળવી છે. અમે મુક્ત તો તું પણ મુક્ત. રહેજે હંમેશ એવો મુક્ત!’