રણજિતરામ ગદ્યસંચય – ૧/સુપર્ણા
બંગલાના પગથિયા ઉપર સુપર્ણા ઊભી હતી. કમ્પાઉંડમાં લીમડાની ડાળે દોરડું બાંધી પશુપતિ હીંચકા ખાતો હતો. પતિના માંસલ અને મેદમય શરીર પર રમતાં આથમતાં કિરણો શ્યામ રંગને ભાતભાતના તેજથી ભભૂકાવતાં અને કસરતનું તેજ મુખ પર સ્ફુરતું તે જોતાં છતાં સુપર્ણા પ્રસન્ન નહોતી. તે અંતરમાં બળેલી હતી. લીલા ઘાસથી રમ્ય લાગતા સામેના કમ્પાઉંડમાં પરેડ થતી હતી. ‘રાઈટ–લેફટ’નો ધ્વનિ અવિરત ઊઠતો હતો. યુરોપના રણસંગ્રામોમાં બ્રિટિશ પ્રજાનો વિજય કરાવવા અને પોતાનું અમૂલ્ય લોહી રેડી હિંદીઓ અને અંગ્રેજોના સંબંધ વધારે ગાઢ મમતાવાળા કરવા અને એ રીતે ભારતવર્ષનો ઉદય સાધવા, અજ્ઞાત રીતે, જે હિંદીઓ લશ્કરમાં સિપાહી થવા ભાગ્યશાળી થયા હતા તેમની તાલીમ જોવાથી રોમાંચિત થવાને બદલે સુપર્ણા હંમેશ નિઃશ્વાસ નાંખતી. પણ આજે તે નિસાસા નહોતા ઊઠતા. આજનો નિસાસો, આજની યંત્રણા વધારે મર્મભેદી હતાં. તેનું સુંદર તેજસ્વી મુખ ગ્લાન અને નિસ્તેજ થયું હતું. એટલી બધી વેદનામાં તલ્લીન હતી કે સ્તબ્ધવ્યાપાર લાગતી હતી. સુપર્ણા પરેડ જોવામાં હંમેશના રિવાજ મુજબ મશગૂલ છે એવું પશુપતિ ધારતો હતો. પોતાના વિનોદમાં એવી મોઝ માણતો હતો કે પત્નીની કરમાશ એની નજરે ચડી જ નહોતી. સુપર્ણાને એવી તે શી વેદના હતી? એનો સંસાર દુઃખી હતો? એને શેની કમી હતી? લક્ષ્મીની પરમ કૃપા તેના પર હતી. સત્તા હતી, વૈભવ હતો, યૌવન હતું, રૂપ હતું; સાસુસસરાના ચારે હાથ હતા; પતિ પ્રાણનાથ હતા. સૂર્યનાં કિરણોની પેઠે કુટુંબને અજવાળતી હતી. છતાં શેની ઊણપ હતી? વિપુલતાના ઓડકારથી તે હેરાન હતી? કુટુંબમાં સર્વને ઉલ્લાસમાં રાખતી સુપર્ણા જાતે કેમ ખિન્ન હતી? જેનો પડ્યો બોલ વડીલો ઉપાડતા અને જેના નાનામોટા મનોરથો સંતોષવા તે કેમ વિષાદમાં હતી? ગર્વથી છકી જવાથી કોઈ નાનીમોટી બાબતમાં એને ઓછું આવ્યું હતું? તેના હૃદયમાં શેની આગ બળતી હતી? ‘આમ ને આમ વખત ગુમાવે છે. ભણવામાં બિલકુલ લક્ષ નથી. શું થશે એમનું અને મારું?’ સુપર્ણાના હૈયામાં સળગતી હોળી જોઈ? પશુપતિ વિદ્યાવાન નહોતો તેમ વિદ્યા પ્રાપ્ત કરવાની સહેજ પણ વૃત્તિ તેને નહોતી. સુપર્ણા કેળવાયેલી હતી? કેટલો અભ્યાસ કર્યો હતો? ચાર ગુજરાતી ચોપડી શીખી કેટલાં વર્ષથી નિશાળેથી ઊઠી ગઈ હતી? આમ છતાં પતિને વિદ્વાન કરવા કેમ તલસતી હતી? પોતે સુશિક્ષિત હોત તો ‘સમાન શીલવ્યસન’ના સાહચર્ય અર્થે પતિને વિદ્યાસંપન્ન કરવાની પિપાસા તીવ્ર જાગે એ સ્વાભાવિક છે. પશુપતિને ભણવાની જરૂર નહોતી. લખલૂટ ઉડાવે, માણવા હોય તેટલા વિલાસવૈભવો માણે તોયે ખૂટે નહીં એટલું દ્રવ્ય એના પિતાએ મેળવ્યું હતું. પિતાની અનુપમ પ્રતિષ્ઠા હતી. પિતાની લક્ષ્મી સાથે પ્રતિષ્ઠા પણ વારસામાં મળશે એવી, વખતે એની સમજણ પણ હશે. આટલું છતાં એ વિદ્યાનો ખપ પડશે તો ક્યાં વિદ્યાને નોકર રાખી નથી શકાતી? જેની પાસે પૈસો છે તેનું જગત ગુલામ છે. જે સંસારમાં સુપર્ણા મહાલતી ત્યાં આવાં દૃષ્ટિબિન્દુ નિષ્કંટક રાજ્ય કરતાં હતાં. એને પોતાને પણ પૈસાનો, સત્તાનો, વૈભવનો, સૌંદર્યનો, યૌવનનો, હોંશિયારીનો, આવડતનો તોર હતો. જગત આખાને તુચ્છ લેખતી હતી. તોયે કેમ પતિને વિદ્યા પ્રાપ્ત કરવા ઉત્કંઠ હતી? સુપર્ણાને વિદ્યા પર પ્રેમ હતો? પોતે વિદ્યા મેળવવા પ્રયત્નો કરતી હતી? પતિમાં વિદ્યા નહોતી – પતિને વિદ્યા મેળવવાનો કંટાળો હતો તો સુપર્ણા જેવી સહધર્મચારિણીની ફરજ નહોતી કે પશુપતિની ન્યૂનતા પોતે પૂરવી? ‘અન્યોન્યની ન્યૂનતા પૂરે દંપતી’ એવું ‘સ્નેહમુદ્રા’ કહે છે. આજન્મદાસી સુપર્ણા વિદ્યાસંપન્ન હોય તો પછી બીજી રીતે વિદ્યાને નોકર રાખવાની જરૂર જાગે જ શેની? પણ – પણ પતિમાં વિદ્યા ન હોય ત્યારે પત્નીએ વિદ્યા મેળવવી જોઈએ ખરી? એથી જીવનમાં વિષમતા નહીં આવે? પ્રભુસ્થાને પતિને રાખી શકાશે? સતીત્વ અખંડ રહી શકશે? સુપર્ણાનું જીવન કલંક નહિ પામે?
*
સુપર્ણાના પિતા ગરીબ હતા અને ગામડામાં રહેતા. માત્ર રૂપને લીધે શ્રીમંતને ત્યાં એનું લગ્ન થયું હતું. પતિનો વર્ણ શ્યામ હતો પણ કુમારિકાઓ સ્વયંવરા થઈ શકતી નથી. સાસુએ એને પસંદ કરી અને માબાપને એ પસંદગી અનુકૂળ હતી. બાલિકા તો પોતાનું અહોભાગ્ય માનતી. સગાંવહાલાં તરફથી સંસ્કાર પણ એવા જ પાડવામાં આવતા, મહેલોમાં રહેવાનું અને મોટરોમાં મહાલવાની વાત જેની તેની સાથે થતી. જ્યારે જ્યારે મુંબઈ જતી ત્યારે પોતાના શ્રીમંત સગાંઓને ત્યાં ઊતરતી. સુપર્ણા હોંશીલી છોકરી હતી. શ્રીમંતાઈના પાઠ મુંબઈમાં સમજતી. પિતા પાસે એટલો વૈભવ નહોતો. નહિતર પાઠ અનુભવમાં ઉતારત. પણ સાસરે અનુકૂળતા મળી. ‘હારમોનિયમ’ વગાડતાં શીખી, ભરતાંગૂંથતાં શીખી. ચિત્રો આંકતાં શીખી. ફેશનેબલ કપડાં પહેરતાં શીખી. ‘સેન્ટ પોંમેટમ’ વાપરતાં શીખી. થોડુંક અંગ્રેજી શીખી. નોકરો પર રોફ કરતાં શીખી. આટલું આટલું શીખ્યા છતાં દિલમાં ઘણી ઘણી ઊણપો રહેતી. દેશ અને નાતના રિવાજ એને સાલતા નહોતા. ઊલટા તે પાળવામાં તેને લાહવો હતો. છતાં નવી મોજ માણવા તે આતુર હતી. પણ પતિ બહુ શરમાળ હતા. ‘હારમોનિયમ અને પિયાનો’ વગાડવાનું શીખતી તેમાં તે ઉત્તેજન ન આપતા. માત્ર સાસુનું ઉત્તેજન હતું. ગાવું બજાવવું ક્યાં? માત્ર સ્ત્રીઓમાં? પુરુષો સમક્ષ એ કલાનું પ્રદર્શન કરવાની વૃત્તિને એના ઉછેરમાં અને વાતાવરણમાં સ્થાન નહોતું. પતિની સેવામાં એ કલા નિવેદિત કરતી પણ પતિ શરમાતા એટલે અંતરમાં બળતી. યૌવનના મળસ્કામાં સુપર્ણા હતી. સૌંદર્ય હતું. સારું ખાનપાન હતું. પોષાક, અલંકાર અને પ્રસાધન તેનાં યૌવન અને સૌંદર્યને દીપવવા તેમની ખિદમતમાં હંમેશ તૈયાર રહેતાં. પછી તેના બહારનું શું પૂછવું? પણ એ યૌવનના માલિકને તેની કદર નહોતી, મમત્વ નહોતું. સુપર્ણાની વિલાસવાંછના મનમાં ઊઠી મનમાં જ શમતી. રૂપગર્વિતા સુપર્ણાની પ્રશંસા પશુપતિ શાને કરે? કઈ હિન્દુ સ્ત્રી પોતાના રૂપના વખાણની આશા રાખે છે? સૌન્દર્યપ્રશંસા નિષિદ્ધ છે, પણ સુપર્ણાને નવા જમાનાના છાંટા ઊડ્યા હતા. જૂની સતીઓની માફક સુપર્ણાને પતિપૂજા કરવાની અને આરતી ઉતારવાની તીવ્ર હોંશ હતી પણ પતિ નાસતા ફરતા. સુપર્ણાનું સુખી જીવન આમ દુઃખી હતું. સુપર્ણાને સાવિત્રીચરિત્ર વાંચવું ગમતું. બહુ વાંચવાનો તો શોખ નહોતો. સાવિત્રી જેવી સતી થવા સુપર્ણાને એનાં સાસુ સદ્બોધ આપતાં. એમાંથી એને કોઈક કોઈક વાર એવું થતું કે સાવિત્રીએ પોતાનાં ઉભય કુળ તાર્યાં તેમ હું પણ તારું. સસરાને ત્યાં કુબેર અને ઇન્દ્ર તુષ્ટમાન હતા એટલે તારવાપણું રહ્યું નહોતું. પિયર સુખસંતોષ હતાં, માત્ર દ્રવ્ય નહોતું. પણ તેનો જોગ થઈ રહેશે. પતિમાં પ્રમાદ હતો, વિદ્યાનો અનુરાગ નહોતો, ઉચ્ચ અભિલાષ નહોતો. એમને ન તારું? એવી ઊર્મિ એક વાર ઊઠી. પણ સતી પતિથી તરે કે સતીથી પતિ તરે? મુંઝવણનો પ્રશ્ન કથાના પ્રસંગે સાસુજીને પૂછ્યો. તેમણે નિર્ણય આપ્યો : પતિ પ્રભુ છે; તે તારે તો સતી તરે; પણ સતી પતિને તારવાનું અભિમાન કરે તો વડવાગળી થાય. એ મનોરથ પણ ત્યાં જ અટક્યો. પતિથી પોતે વધારે ભણે તોપણ સતીપણાને લાંછન લાગે, ભણવાનું મન થતું તે દાબી નાંખ્યું.
*
મનુષ્યના નિશ્ચયો પૂર્વભવનાં કર્મોને આધીન છે : સુપર્ણા સ્વતંત્ર નહોતી. જે કર્મો એને દરિદ્રતામાંથી લક્ષ્મીના ખોળામાં લઈ આવ્યાં તેમણે નવો ઘાટ રચ્યો. સસરાનાં સત્તાવૈભવથી એને નવી નવી સૃષ્ટિઓમાં વિહરવાના પ્રસંગો આવતા. ‘લેડીઝ ક્લબ,’ ‘કાફેશાંટંટ,’ ‘રિસેપ્શન,’ ‘પાર્ટીઓ’ ‘સભાઓ’, ‘અંગ્રેજી નાટકો’ અને ‘સિનેમેટોગ્રાફ’માં વિદ્વાન, સંસ્કારસંપન્ન, વિદગ્ધ સન્નારીઓના સમાગમમાં તે આવતી. અજ્ઞાનને લીધે, કેળવણીની ખામીને લીધે તે છોભીલી પડતી. સ્ત્રીઓના ભર્યા સમૂહમાં તે અટૂલી પડી જતી. કોઈ સાથે એને બહેનપણાં બંધાતાં નહોતાં. એના રૂપનો ગર્વ ઊતરી ગયો હતો. એને ઝાંખી પાડે એવી અનેક રૂપસીઓ ત્યાં આવતી. એની સત્તા કે લક્ષ્મીથી વધે એવી સત્તા અને લક્ષ્મીવાળી ઘણીયે સન્નારીઓ જ્યાં હોય ત્યાં એનો પ્રભાવ કોના પર પડે? પોતાનાં સગાંવહાલાં અને આશ્રિતોમાં જે રાજ્ઞી તરીકે વિરાજતી, દોર હકૂમત ચલાવતી તેની સ્થિતિ એક હલકી દાસીથી પણ નબત્તર થઈ જતી. નહોતી એને કશી આવડત; નહોતી ખીલેલી એની વિચારશક્તિ. એનો અહંકાર માત્ર ગળી ગયો. અલબત્ત એકદમ નહીં પણ ધીમે ધીમે. જેમ જેમ સંસારમાં પોતાની ખરી સ્થિતિ પામતી ગઈ તેમ તેમ. સુપર્ણાને સત્તાનો અને દમામનો શોખ હતો. એ સાચવી રાખવાનું મનોબળ પણ તેજસ્વી હતું. પોતાની અપકીર્તિનાં કારણો વિચારવા માંડ્યાં. જેટલી ન્યૂનતા હોય તે પૂરી પોતાની સત્તા અને દમામ એ ‘ભદ્ર’ મંડળમાં ચલાવવા એણે સંકલ્પ કર્યો. અંગ્રેજી શીખવા માંડ્યું. વર્તમાનપત્રો વાંચવા માંડ્યાં. રાજજીવન અને પ્રજાજીવન–આવિર્ભાવ કરનારી નાનીમોટી સંસ્થાઓ અને ચળવળોમાં જવા લાગી. તેમનાં ઇતિહાસ, ઉદ્દેશ, કાર્યકર્તાઓનાં જીવન નિરીક્ષવા લાગી. અવનવો સંસાર ખૂલતો લાગ્યો. મનના મેલ ઊતરવા લાગ્યા. જીવનમાં નવા જ હેતુ ઊભરાવા લાગ્યા. સુપર્ણા યૌવનમાં પ્રૌઢ થઈ; વિચારશીલ થઈ. આજ લગી જે ભાવનાઓ, જે મહેચ્છાઓ, જે વિલાસો, જે સંસ્કારોમાં તે ઊછરી હતી તે સર્વે ઊણા, અધૂરા અને વખતે વખતે વિપથે દોરી જનાર લાગ્યા. જૂના સંસારમાં પતિ રસ નહોતા લેતા અને નવામાં તો લે જ શાના? એમનું ગજું જ નહોતું. પતિપત્ની વચ્ચે અંતર વધતું જતું હતું. ક્રીતદાસીની પેઠે સુપર્ણા પતિની સેવા ખડે પગે કરતી. તેના પડ્યા બોલ અમલમાં મૂકતી. તેની સુખસગવડ સાચવતી પણ પત્નીની સુખસગવડ માટે પતિ બેદરકાર હતો. શારીરિક સગવડો કરી આપવાનું કાર્ય માના હાથમાં હતું એટલે વહુને માટે દીકરાને ફીકર રહે શાની? માનસિક અને આધ્યાત્મિક સાહચર્યને માટે તસ્દી શા માટે લેવી? એ બધી જંજાળમાં કોણ ફસાય? આવી સ્થિતિમાં સુપર્ણા ઊભી ને ઊભી બળી જતી. તેનું રૂપ, તેનું યૌવન કરમાવા લાગ્યાં. પણ તેની પરવા કોને? પતિને સુશિક્ષિત થવા અનેક રીતે ઉશ્કેરતી પણ એના બધા પાસા અવળા પડતા. ઊંચે લઈ જવાના ગમે તેટલા પ્રયત્નો કરે છતાં તે જમીન પર સરી પડતો. જ્યારે જ્યારે દૂરથી પતિને બિનજરૂરી વ્યવસાયોમાં નિમગ્ન જોતી ત્યારે ત્યારે એ બળીને ખાખ થઈ જતી, પતિવ્રતા સતીને બહુ સાલતું. પતિને ઊંચેથી કડવો સુખન કહેવાય નહીં છતાં મર્મથી, રસથી, ધ્વનિથી, કટાક્ષથી જેટલું કહેવાય તેટલું કહેતી પણ બધું મિથ્યા હતું. તે હોલવાયેલો જ્વાળામુખી હતો.
*
શિક્ષણકાળે સુપર્ણાને સુભાગ્યે એક દેશવત્સલ, અભિજાત, સંસ્કારી સન્નારીનો સમાગમ થયો. જીવનનું કેન્દ્ર એથી મેળવી શકી. માત્ર વૈભવ, શોખ, મોજ, ફેશન, સાહ્યબીનું જીવન ગાળવામાં મનુષ્યત્વ નથી. એક પુરુષની સેવામાં ક્રીતદાસીની માફક પોતાનું સર્વસ્વ હોમતી હતી, દેહના દાનની સાથે મન અને આત્માના વિકાસ બંધ કરતી હતી તે કેટલું અન્યાયી, અપવિત્ર અને અધર્મ્ય હતું તેનું એને ભાન થયું. સ્ત્રી માત્ર પુરુષની પત્ની નથી પણ વસ્તુતઃ ભવિષ્યની સંતતિની જનેતા છે. એ કર્તવ્યને લીધે જ બેનું સાહચર્ય છે. સંતતિની ઉન્નતિ એનું લક્ષ્ય બની. જે દેશમાં તેઓ જન્મે તે સુંદર, પાવક, ઉન્નતિકારક, સમૃદ્ધ, સુખી, વીર્યશાળી, પ્રભાવી, પ્રતિષ્ઠાસંપન્ન, તેજસ્વી, ગૌરવશાળી ન હોય તો તેમાં તેમનો પ્રસવ કરવામાં પાપ છે એવી પ્રતીતિ થઈ. સંતતિ પરથી દેશની ચિંતા થઈ. દેશમાં હડહડતો કળિયુગ વ્યાપેલો જોયો. આધિ, વ્યાધિ, ઉપાધિ, સંકટ, ત્રાસ, સત્તાભિમાન શરીરનો અને આત્માનો ભૂખમરો, ભીરુતા, સ્વાર્થ, વિલાસ, ખુશામત – પોતાની જાતની અને પારકાની, દેશદ્રોહ, મિત્રદ્રોહ, જાતિદ્રોહ, ધર્મદ્રોહ, અનુદારતા, વિવેકશૂન્યતા, અપ્રામાણિકતા, આચારશિથિલતા વગેરે વગેરેના અવનવા રંગ જોયા. સુપર્ણામાં પશુપતિનાં સંતાનોની સાથે દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને મનુષ્યપ્રેમ જન્મ્યાં. જિંદગી અવિરત યજ્ઞ છે અને તેમાં પોતાના સર્વસ્વની આહુતિ આપવાની છે એની એને પ્રતીતિ થઈ. સુપર્ણાનું જીવન પલટાઈ ગયું. એના વિલાસવૈભવો ઓછા થયા. વ્યવહારુ પગલાં લીધાં પહેલાં પોતાની જાતને અનેક રીતે સંપન્ન અને સમર્થ કરવા લાગી. આયુની અવધો ટૂંકી છે. કાળ ક્યારે આવી ભક્ષણ કરશે તેનો ભરોસો નથી. જે ક્ષણો મળે તે સાર્થક કરવી. સાસુ, સસરા, પતિ, સંતાન — સર્વેની ખિજમત ઉઠાવતી, સસરાની સાહ્યબીની ફરજ અદા કરતી અને તેમાં મળતો અવકાશ આત્મોન્નતિમાં ગાળતી. આમ બેચાર વર્ષ વીતી ગયાં. હવે જ્યાં જતી ત્યાં એનો પ્રભાવ પડતો, એનાં જ્ઞાન, સંસ્કારિતા, સૌજન્ય, છટા, દેશદાઝ, સેવાપરાયણતા, ઉદારતા, પવિત્રતા સૌને મુગ્ધ કરતાં. લક્ષ્મી અને સરસ્વતીની ગમે તેટલી કૃપાપાત્ર હોય, સૌંદર્ય અને સત્તા ગમે તેટલાં હોય તોપણ સર્વે સ્ત્રીઓમાં એ જ રાજ્ઞી તરીકે વિરાજતી. આ સર્વે વ્યવસાયમાં સુપર્ણાના દિલમાં તુમુલ તોફાન જામતું. દર પળે પોતે આગળ વધતી હતી. પણ પતિ હતા ત્યાંના ત્યાં. પૂર્વના સુકૃત્યના બળે બગડતા નહોતા એટલો સંતોષ હતો.
*
જીવનની ભાવના બદલાઈ; વિચારો નવા નવા થવા લાગ્યા, અનુભવો નવા મળવા લાગ્યા. આવી સ્થિતિમાં કુમારાવસ્થાની જૂનીપુરાણી ભાવનાઓ ઊણી અને ખોટી લાગવા માંડી. પતિ પ્રભુ છે એ પાખંડ મત લાગ્યો. દેશ માત્ર પ્રભુ છે, પ્રભુનો પ્રતિનિધિ છે. કોઈ મનુષ્ય તે સ્થાન લેવા અધિકારી, યોગ્ય કે સમર્થ નથી તો પછી પશુપતિ તો હોય જ શાનો? પ્રભુ એવા હોવા જોઈએ કે જેમની સેવાથી આપણું શ્રેય થાય, આપણો આલોક ને પરલોક સુધરી જાય. પણ જેમના સમાગમથી ઊલટી અધોગતિ થતી હોય તેમને શી રીતે પ્રભુ તરીકે પૂજવા અને આરતી ઉતારવી? જૂની સતીઓમાં પોતે ન ગણાય તો ચિંતા નહીં પણ નવી સતીઓમાં પ્રતિષ્ઠા પામવાની તેને ખાતરી હતી. જે ઉત્તમ, પવિત્ર, દેશવત્સલ, સંસ્કારી માતા છે, જે પોતાના દેશની ઉન્નતિ અને પ્રતિષ્ઠાપ્રતાપ વધારે એવાં છોકરાંની જનની છે તે જ ખરેખરી સતી છે. પ્રભુતા પતિમાં દેખાતી કે આરોપાતી બંધ થઈ અને જીવનસહચારમાં તેની મૈત્રીની અપેક્ષા જણાઈ. પણ સમાનોમાં મૈત્રી હોય. બન્ને વચ્ચે આસમાન-જમીનનાં અંતર હતાં. મૈત્રી ન થઈ તો સ્નેહ હતો? ઘણો કાળ સુપર્ણા માનતી કે પોતાનું હૃદય પતિના હૃદયમાં જઈ વસ્યું છે. સ્નેહમાં મહાલતી હોય એવું માનતી પણ ધીમે ધીમે ફેરવાતા જીવનમાં એક દિવસ વીજળીનો પ્રકાશ પડ્યો. ‘પ્રાણનાથ’ તે માત્ર કાગળમાં સંબોધવાના જ પ્રાણનાથ લાગ્યા. વસ્તુતઃ પ્રાણનાથ ન લાગ્યા. જેને સ્નેહ માનતી હતી તે મોહ અને કામ જણાયાં. પોતાના અભ્યાસમાં સ્નેહનું જે સ્વરૂપ તે સમજી શકી હતી તેની છાંટ પણ પોતાના જીવનમાં ન લાગી. આ વખતે એને ઘણું લાગી આવ્યું. જિંદગી શૂન્ય બની ગઈ અને ઘણા કાળલગી મૂઢ રહી પણ ભક્તિયોગના પ્રતાપે વિશુદ્ધ થઈ અને પરમાત્માએ એને પ્રકાશતો માર્ગ દેખાડ્યો. સુપર્ણાના હૃદયમાં સ્નેહ હતો. તેનું પાત્ર પશુપતિ નહોતો તો સુપર્ણાના શરીરમાં જન્મેલાં બાળકો તેનાં પાત્ર હતાં. અને તે સૌને વર્તવાનો સૌથી અધિક પવિત્ર, વિશુદ્ધ અને તેજસ્વી પાત્ર દેશ હતો. સુપર્ણાનો આવો બ્રહ્મજન્મ થયો એટલે પતિના શિક્ષણની ચિંતા, દરકાર કે વાંછના નાશ પામ્યાં. પતિને સંસ્કારી અને સુશિક્ષિત થવું હોય તો થાઓ યા ન થાઓ પણ મારે તો મારા દેશને ખાતર એમની સાથે એમના જેવા રહેવાનું પાલવે એમ નથી. દેશ એના જીવનનું પરમ લક્ષ્ય થયું. એનાં આત્મા, બળ, હૃદય અને શરીરની સર્વ સંપત્તિઓ દેશને ચરણે નિવેદિત કરી. લક્ષ્મી અને સત્તા પણ તે જ લક્ષ્ય પ્રતિ વાળ્યાં. એને પોતાને એવા એવા પરચાઓ લાગવા માંડ્યા કે જૂની સતીઓનાં વૃત્તાંતો એને એમની સરખામણી નીરસ લાગ્યાં. કાંઈક અકથિત, અવર્ણ્ય, અદ્ભુત આનંદમાં તે વસતી અને જ્યાં ત્યાં સૌને તેનો અભિષેક કરતી. પોતાનો ધર્મ આખરે સમજી. કર્મસંયોગે બે જીવ એકઠા થઈ પતિપત્ની થાય છે પણ આખરે સૌની યાત્રા નિરાળી અને એકાકી છે. પતિને પોતાના વિકાસનો જ માત્ર અધિકાર નથી પણ પત્નીને પણ છે. પતિ જેવો દેશનો સંતાન છે તેવી જ પત્ની પણ છે. દેશસેવા પુરુષ કરતાં સ્ત્રીએ વધારે કરવાની છે. તે જનની છે. પોતાના જીવનમાં પતિની યોગ્યતા પ્રમાણે સ્થાન આપ્યું. જીવનનો ઉદ્દેશ સમજાયો અને તેની પ્રાપ્તિ માટે જીવનનો પ્રવાહ વહેવા લાગ્યો પછી વૈષમ્ય, દુઃખ, ગ્લાનિ, યંત્રણા ક્યાંથી રહે? પોતાનું જીવન સાર્થક કરી નાંખ્યું. સુપર્ણા એકલી ઊડી અને પરમાત્માના અનુગ્રહની પાત્ર બની.