રણજિતરામ ગદ્યસંચય – ૧/નર્મદજયંતી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નર્મદજયંતી

અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા (પૂર્વની ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેસન) તરફથી ગુર્જર સાક્ષરોની જયંતી પાળવાનો ઉપક્રમ ગયા વર્ષથી આરંભાયો છે. ગયે વર્ષે ત્રણ જયંતી ઊજવાઈ હતી. આ સાલ નર્મદાશંકરની જયંતીથી શરૂઆત થઈ છે. તા. ૨૪મી ઑગસ્ટે, આ જયંતી પળાઈ હતી. તે વખતે રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીનો લખેલો લેખ વંચાયો હતો. આ લેખ વસન્ત (શ્રાવણ)માં છપાયો છે. તેનો સાર નીચે લખ્યા મુજબ છે : નર્મદાશંકરના પિતા લાલશંકર દવે સુરતના વડનગરા બ્રાહ્મણ હતા. તેઓ લહિયાનો ધંધો કરતા. કેળવણીના આરંભકાળે શિલાછાપમાં છપાતી ચોપડીઓ તેઓ લખતા, અર્થાત્ તેમનાં હાથનાં લખેલાં પુસ્તકોથી કેળવણીનું બીજ રોપાયું હતું. આથી એક રીતે ગુજરાતના અર્વાચીન વિકાસ સાથે તેમનો સંબંધ છે. આ જ લાલશંકરના દીકરા નર્મદાશંકરે પોતાની સ્વશક્તિથી લખેલાં પુસ્તકોથી ગુજરાતી સાહિત્યની અને ગુજરાતના જનમંડળની અનન્ય અને અપૂર્વ સેવા કરી. નર્મદાશંકર મુંબઈમાં જ ઊછર્યા હતા. નાનપણમાં તેઓ બહુ શાણી અને ઠાવકી પ્રકૃતિના હતા. અભ્યાસકાળમાં પણ રમતગમતથી તે દૂર રહેતા અને બાલ્યમાંથી જ બુદ્ધિચમત્કાર તો તેમનામાં જણાયો હતો. એમની પત્ની ઉંમરે થવાથી આઠ મહિના પર્યંત કૉલેજમાં કરેલો અભ્યાસ છોડી સુરત જઈ ઘર માંડવું પડ્યું. નિર્વાહ માટે નાનીસરખી નોકરી સ્વીકારી. મુંબઈની હવા, નવી કેળવણીનો આંજી નાંખતો પ્રકાશ, સત્ત્વવાળું મન અને યૌવનનું સામીપ્ય એ ચારે તત્ત્વો આ વખતે નર્મદાશંકરમાં એકઠાં થયાં હતાં; અને તેના સંયુક્ત બળે તેની મનોવૃત્તિઓ અનેક અનેક દિશામાં ઉછાળા મારતી હોય એમ જણાય છે. સાથે સાથે નવા જમાનાનો રાગ પણ લાગ્યો હતો. નિબંધો લખવા, મંડળીઓ સ્થાપવી, તેમાં ભાષણો આપવાં–અપાવવાં વગેરે ઊંચી આકાંક્ષાવાળાં અને જનસમાજને ફાયદો કરનારાં કૃત્યો શરૂ થઈ ગયાં હતાં. વિદ્વાન દાખલ પ્રસિદ્ધિ મેળવવાનો ઉત્તેજક અભિલાષ તેમનામાં ઉત્પન્ન થઈ ચૂક્યો હતો. ‘ભભકાદાર હોદ્દો મેળવી કે મહાવિદ્યા ભણી કે સુધારાનાં કામ કરી કોઈ પ્રકારે હું દુનિયામાં નામાંકિત શી રીતે થાઉં’ તેની જ તુલના અને બુટ્ટાઓ રાતદિવસ ઊઠ્યા કરતા હતા. સુરતમાં દલપતરામ અને તેમની કવિતા સંબંધી કંઈક શ્રવણ થયું હતું. ધીરા ભગતનાં પદોથી કવિતાનો અભ્યાસ આરંભાયો હતો. પત્નીના મરણથી પાછા મુંબઈ આવી વસ્યા હતા. ત્યાં ભણવું, કમાવું, બૈરી કરવી એ બધું આનંદને માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી જ આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ – શેર જુવાર તો મળી રહેશે – એ મહાન નિશ્ચય સાથે નર્મદે પોતાનું કવિજીવન શરૂ કર્યું.’ ‘શેર જુવાર તો મળી રહેશે’ એ કેવી શ્રદ્ધા! ધનનો વૈરાગ્ય એ મોટાઈ કમાવાનું પહેલું પગથિયું છે. હોદ્દાનો અભિલાષ છોડી દઈ નર્મદાશંકરે ‘કવિ’ થઈને પ્રસિદ્ધિ મેળવવાનો નિશ્ચય કર્યો. સંસ્કૃત વ્યાકરણ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર વગેરે સર્વ સિદ્ધ કર્યા વિના ‘કવિ’ પદ ધારણ કરવું ઠીક ન લાગવાથી ઘણી મહેનત, ખંત અને નમનતાઈથી તત્સંબંધી ગ્રંથો મેળવી તેમનો પરિચય કર્યો. બધી સામગ્રી સંપાદન કર્યા પછી સને ૧૮૫૮ના નવેમ્બર માસમાં નોકરીનું રાજીનામું આપી, નર્મદાશંકરે શારદાસેવનમાં કાળ નિર્ગમન કરવાનું કઠિન વ્રત લીધું. આ વખતે નર્મદનું વય ૨૪ વરસનું હતું. કવિ થવાનો ઉચ્ચાભિલાષ, અને તેને માટે સામગ્રી સંપાદન કરવામાં વાપરેલી ઊંચી ખંત ઉપરથી નર્મદાશંકર કેવા earnest હતા તે જણાય છે. Earnestness એ મોટાઈનું પ્રથમ લક્ષણ છે. નર્મદ ‘કવિ,’ લેખક અને પ્રજાને ઉપદેશ કરનાર તરીકે પ્રસિદ્ધ થયો. આ સ્વાંગ તેણે કેવી રીતે પાર પાડ્યો તે અજાણ્યું નથી. મુંબઈમાં હજી સુધી ‘કવિ’ એ શબ્દ નર્મદાશંકરનો જ બોધક છે. આટલા ઉપરથી ‘કવિ’ જનમંડળની હૃદયગુહામાં કેવો પ્રબળ પ્રતિબોધ પાડી શક્યા છે એ સહજ સમજાશે. કલમથી પ્રસિદ્ધ થવાનો તેમનો મનોરથ સર્વ રીતે સફળ થયો. તે સફળતા તે હલકી લોકપ્રિયતા માત્ર જ નહીં. લેખક અને શારદાના ઉપાસક તરીકે તેમ જ ગુજરાતી ભાષાની તેમણે અદ્વિતીય સેવા બજાવી. ગુજરાતી ભાષાના પ્રથમ કોષકર્તા તરીકે તેમ જ ગુજરાતી ભાષાના અર્વાચીન ગદ્યના પ્રથમ પ્રણેતા તરીકે નર્મદાશંકરની કીર્તિ જ્યાં સુધી ઇતિહાસ રહેશે ત્યાં સુધી કાયમ રહેશે. તેમનાં પદ્યો પણ ગુર્જર સાહિત્યમંડળમાં તેમને ઊંચું સ્થાન આપે છે. કવિ પોતે કહી ગયા છે કે સને ૧૮૫૯ જે અરસામાં એમણે કલમ માત્રથી નિર્વાહ કરવાનો નિશ્ચય કર્યો તે વખતથી તેઓ ‘સંસ્કારી’ સુધારક થયા, એટલે એમનું કવિજીવન એમના સુધારકજીવન સાથે જ શરૂ થયું એમ કહી શકાય. કવિતા દ્વારા એમણે સુધારાના વિષયો ઉપર બહુ અસરકારક ઉપદેશ કર્યા, અને તે કવિતામાં દેખાતી કવિના આત્માની સત્યનિષ્ઠાથી સુધારાના સંબંધમાં તેઓ મુંબઈના જનમંડળ ઉપર સંગીન સંસ્કાર પાડી શક્યા. થોડા વર્ષના ગાળામાં વૈધવ્યચિત્ર, હિન્દુઓની પડતી વગેરે સુધારા સારુ પ્રોત્સાહન કરે એવાં આપણાં જનસમાજનાં દયાજનક ચિત્રો તેમણે પ્રસિદ્ધ કર્યાં, અને એ કાવ્યગ્રંથોને સુધારાનું ‘બાઇબલ’ એવું કોઈકવાર નામ આપવા સુધી પણ મિત્રમંડળમાં હિંમત ધરતા. તાત્પર્ય કે પોતાની આ કૃતિઓથી કવિ પૂર્ણ સંતોષ પામ્યા હતા, પોતે પોતાને કૃતકૃત્ય માનતા હતા, અને નવલરામભાઈ કહે છે કે, ‘આ વખતનો કવિના જીવનનો કીર્તિરંગ ન્યારો જ હતો.’ ‘હિંદુઓની પડતી’ તેમણે સને ૧૮૬૪માં લખી; નર્મગદ્ય સને ૧૮૬૫માં બહાર પડ્યું. તે પછી કવિ નર્મકોષ કરવામાં રોકાયા. તે દરમિયાન તેમના વિચારો ધીમે ધીમે બદલાતા ગયા, અને પરિણામ એવું આવ્યું કે સુધારાના ‘બાઇબલ’નો લખનાર કવિ ‘ધર્મવિચાર’માં પ્રાચીન ધર્મનો ચુસ્ત ઉપાસક અને આવેશવાન ઉપદેશક થયો. આ વિચારસંક્રમણ, વૃદ્ધાવસ્થા કે મરણસામીપ્યનું ચિહ્ન ન હતું એમ રા. નવલરામ પોતાના જ્ઞાનથી નિઃશંક કહે છે. અને તે કાળનું તથા નર્મદની પોતાની પ્રવૃત્તિનાં પ્રવાહનું દર્શન કરતાં આપણને પણ તે વિચાર સ્વાભાવિક સંક્રમણ લાગશે, તેના હૃદયના ખરાપણાની સાક્ષી પૂરશે, તથા સત્યશોધન અને સત્યસ્વીકાર કરવાના તેના ઉદાત્ત વ્રતનો જ પુરાવો આપશે. ‘રાજ્યરંગ’ લખવાના પ્રસંગે જુદા જુદા ઇતિહાસ જોતાં એમની દૃષ્ટિમર્યાદાનો વિસ્તાર થયો, નવું દૃષ્ટિબિન્દુ મળ્યું, ને તે પ્રકાશથી સુધારક વિચારો ફેરવાયા. નર્મદના એક પરમપ્રિય મિત્ર કીસનદાસ બાવાને ત્યાં એક સારો વાંસળી વગાડનારો આવ્યો હતો. તેણે એવી કુશળતાથી વાંસળી વગાડી કે શ્રોતા તલ્લીન થઈ ગયા. અને એક કલાક સુધી નર્મદાશંકર પણ જાણે સમાધિગ્રસ્ત થઈ ગયા. આ અનુભવ પછી શ્રીકૃષ્ણ ભગવાનની વાંસળી અને તેણે ગોપીને ઉત્પન્ન કરેલો મોહ વગેરે વાતોમાં કવિને સત્યનાં અંશો જણાવા માંડ્યાં. તે વખતથી હિંદુસ્તાનના પ્રાચીન ધર્મને શંકાથી નહીં પણ શ્રદ્ધાથી એમણે અવલોકવા માંડ્યો. સુધારકોની લોકપ્રિયતા insincerity વગેરેની સ્થિતિ થઈ. આ બધી પરિસ્થિતિથી પ્રાચીન પ્રવાહ નિમગ્ન થઈ કવિએ જ્ઞાનમાર્ગનું શરણ શોધ્યું. સુધારાનું ‘બાઇબલ’ લખનાર સનાતન સિદ્ધાંત સ્વીકારવા શક્તિમાન થયો. આ સ્થળે કહેવું જોઈએ કે સુધારાનું ‘બાઇબલ’ પણ કેવળ સત્યવિહીન નથી. નવા સંયોગોને અનુકૂળ થવારૂપ આપણા જ દૃષ્ટિબિન્દુથી આપણી પરીક્ષા કરી આપણા પ્રાચીન પ્રવાહથી વિશ્લેષ ન થાય તેવી રીતે સાધ્ય વસ્તુને ધ્યાનમાં રાખી ફેરફાર કરવા તેની હિમાયત કરવી એમાં કાંઈ જ ખોટું નથી. સર્વથા આવશ્યક છે. અને આટલું ધ્યાનમાં રાખ્યા પછી નર્મદના ‘બાઇબલ‘માંથી આપણે ઘણો ઉપદેશ લઈ શકીએ છીએ. તે સત્યનિષ્ઠા, તે શ્રદ્ધા, તે સત્ય જોવાની અને નિરૂપણ કરવાની શક્તિ, હઠીલા અને અશિક્ષિત જનસમાજ આગળ તે કટુ સત્યો તે રીતે રજૂ કરવામાં સમાયેલી નીડરતા, તે અંતરાત્માનો જુસ્સો, તે હૃદયદ્રવ્યનો ઉકળાટ, ટૂંકામાં સમાજભક્તિમાં તે દૈવી સર્વસ્વદાન, જે ‘સુધારાના બાઇબલ’માં અને નર્મદાશંકરના જીવનચરિત્રમાં પગલે પગલે જણાય છે તેના ઉપર આપણું ધ્યાન ખેંચવાની આવશ્યકતા છે. સુધારાના સવાલોને વેગથી પ્રસિદ્ધિમાં આણવામાં ઇષ્ટ માનેલા માર્ગે પોતે ચડવામાં અને જનમંડળને ચડાવવાનો યત્ન કરવામાં, અને આખરે આત્મનિરીક્ષણ કરી પોતાના જ ઉપદેશેલા સુધારા સંબંધી સત્યાસત્યનો નિર્ણય કરવા ઉપર પોતાનું અને જનસમાજનું આવેશથી ધ્યાન ખેંચવામાં નર્મદાશંકરે આપણા દેશની અપૂર્વ સેવા બજાવી. સુધારાના સિદ્ધાન્તોનો આરંભથી એના મન ઉપર વેગવાન કાબૂ નહોતો તે સિદ્ધાન્તો રજૂ કરવામાં સત્ય અને નિર્દયતા અથવા પ્રેમ અને શૌર્યનો માર્ગ ન સ્વીકાર્યો હોત તો નર્મદાશંકર પણ તે કાળના અનેક સાધારણ માણસોની પેઠે શંકામાં ને શંકામાં જ નિર્વાણ પામત. નર્મદાશંકરના આત્માનો આ ઇતિહાસ એક પ્રસિદ્ધ સત્યની સાક્ષી પૂરે છે કે યોગ, અનન્ય યોગ, પછી તે ગમે તે વસ્તુમાં હોય તે પરિણામે સત્ય વસ્તુનું દર્શન કરાવે છે. નર્મદાશંકરે સુરતના પોતાના બંગલા ઉપર ‘પ્રેમ અને શૌર્ય’નો મંત્ર આલેખ્યો હતો. આ બે પરમ સિદ્ધાન્તને પહોંચાડનાર ઊર્મિઓને પોતાની જીવનનૌકાનો ધ્રુવ કરનાર કેટલા વિરલા છે? અને એમાં શો શક છે કે આ કામમાં આપણા જનસમાજની આ જ અમૃતવલ્લી છે. બંધુઓ! આપણા મુડદાલ જીવન ઉપર જરાક નજર કરો આપણે જે રીતનું જીવન ગાળીએ છીએ તે રીતનું જીવન તો આપણાં વૃક્ષો પણ ગાળે છે. તે પણ આપણી પેઠે પૃથ્વીમાંથી જીવનરસ ખેંચી પોતાના શરીરનું પોષણ કરે છે. તે પણ આપણી પેઠે પુષ્પપરાગથી ફલોત્પત્તિ કરે છે. બંધુઓ! આપણામાં શું વૈશેષ્ય છે જેથી આપણે મનુષ્યતાનું અભિમાન રાખવાને હકદાર થઈએ? જીવવાનો યત્ન કરો. જીવનનાં કાંઈક લક્ષ્ય નક્કી કરો, તે સિદ્ધ કરવાને ‘પ્રેમ અને શૌર્ય’નો મહામંત્ર રાખી સત્યપ્રયત્નો કરો. જે ઊંચા અભિમાનથી નર્મદના લેખો ભરાયા છે તે અભિમાનથી આપણે ભરાઈએ તો ગયેલી સ્થિતિ પાછા કમાવામાં કંઈ વિલંબ નહીં થાય. અભિમાન, અભ્યાસ, વિચાર, નિશ્ચય, ઉત્સાહ અને આગ્રહ એ દરેક કામમાં વિજયનાં પગથિયાં છે, અને ધૈર્યથી એનું અવલંબન કરીએ તો એવું શું છે કે જે આપણે પુનઃસંપાદન ન કરી શકીએ? આપણે અત્યારે અનેક રીતે અસંતુષ્ટ રહેવાનાં કારણો છે; તેના ઉપાય પણ આપણા હાથમાં જ છે, અને તે ઉપાય એ જ કે, ‘ધીરવીર’ થવું, આપણે આપણું શીલ જમાવવું. નિઃસંશય સમજો, અને પૂર્ણ શ્રદ્ધા રાખો કે શીલ એ જ સર્વને માટે સર્વ કામ માટે અમૂલ્ય ચિંતામણિ છે. નર્મદ પણ જીવનભર આપણી પરીક્ષા કરી કહે છે : ‘સ્વધર્મ ઉપર આસ્થા, જિતેન્દ્રિયપણું, શમદમ, શાન્તિ, સંતોષ, મહાત્મ્ય, ઔદાર્ય, સત્ય, પ્રામાણિકપણું, દયા, પરોપકાર, ગુણજ્ઞપણું, એ મનુષ્ય માત્રના ઉચ્ચ સદ્ગુણો આપણામાં નિસ્તેજ છે. કેવળ સંસારી સ્વાર્થ, સંશય, ભ્રમ, જૂઠ, કપટ, અપ્રામાણિકપણું, અસંતોષ, આશા, તૃષ્ણા, લોભ, ધનવંત કે મિત્રના આશ્રયથી ઉદ્યમ ખોળવો, સ્વાશ્રયનો વિચાર જ નહીં, બીજાનું સારું ખમાય નહીં, સ્ત્રી–વિષયમાં લલુતા, કામચોરી, કાળચોરી, વચનચોરી, ધનચોરી એ સર્વત્ર જોવામાં આવે છે. જ્યાં સુધી સદ્ગુણ પાળવા જ એવી ભક્તિ નહીં થાય ત્યાં લગી ધર્મ, અર્થ કે કામ કોઈપણ વિષયમાં ખરું મોટું ઊજળું કાર્ય પોતાના આ લોકના કે પરલોકના કલ્યાણને અર્થે કે આ લોકના સર્વેના કલ્યાણના અર્થે થવાનું નથી. અનેક પ્રકારની અવ્યવસ્થા છતે પણ ધીરજ રાખવી, દુઃખને ખમવું, પણ નીતિનું ઉલ્લંઘન કરવું નહીં એવી નિશ્ચયબુદ્ધિ, વૃત્તિ થયે જ લાભ છે’ અને બીજે ઠેકાણે : ‘ધીટ થઈને દુઃખ વેઠવું, બુદ્ધિનું અભિમાન મૂકી પરંપરાનું ધર્માચરણ પાળવું, પરદેશી ધર્મ, નીતિ, વસ્તુ ઉપર મોહ ન રાખવો, નિશ્ચય તથા ખંત અને ધૈર્ય તથા સત્યે ઉદ્યોગ કરવો. બીજા શબ્દોમાં ધીરવીર થવું, શીલનું સેવન કરવું, એ જ આપણી અત્યારની અસંતુષ્ઠિનાં કારણો દૂર કરવાનો અને આપણે જ વાંકે ખોવાઈ ગયેલાં આપણાં બળ, પરાક્રમ અને લક્ષ્મીનો પુનઃ સંયોગ પ્રાપ્ત કરવાનો ખરો ઉપયોગ છે.’ ખરાપણું એ નર્મદના જીવનની કૂંચી હતી. નર્મદ ખરો ગુજરાતી હતો. ગુજરાતી ભાષા, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતના રીતરિવાજ, ગુજરાતનો ધર્મ, ગુજરાતની ખૂબી તથા ખામીઓનો તે પૂર્ણ અભ્યાસી હતો. તેણે જે લખ્યું છે તે ખરી સ્વદેશભક્તિ, ખરા બન્ધુભાવથી, ખરા પ્રેમ અને શૌર્યથી લખેલું છે, તેનું આખું જીવન જાણે આ બે ભાવનાઓનો ગુજરાત અને ગુજરાતીઓને ઉદ્દેશીને સાક્ષાત્કાર કરવામાં જ ગાળ્યું છે. ગુજરાત આને માટે તેનું અત્યંત આભારી છે.