વાંકદેખાં વિવેચનો/નરસિંહનું ‘સુદામાચરિત્ર' – ‘મિત્ર' આધારિત રચના?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નરસિંહનું ‘સુદામાચરિત્ર’ – ‘મિત્ર’-આધારિત રચના?

‘સંસ્કૃતિ’, જાન્યુઆરી, ૧૯૭૪માં ઉમાશંકર જોશીની ‘નરસિંહનું સુદામાચરિત્ર’ વિશેનો એક લેખ પ્રગટ થયો છે.૧[1] એ લેખ એ કૃતિ વિશેની એક નવી જ સ્થાપનાથી ધ્યાન ખેંચે છે. એ સ્થાપના અને એ સ્થાપના તરફ લઈ જતી વિચારસરણીના મુદ્દાઓ નીચે પ્રમાણે છે : ૧. નવ પદના ‘સુદામાચરિત્ર’ની રચના નરસિંહે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ૨. અમુક સંદર્ભમાં ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. ૩. અમુક સંદર્ભમાં ‘મિત્ર’ શબ્દ અંતરાત્માએ ઓળખેલા નહીં પણ લોકજીભે ગવાતા મિત્ર માટે વપરાયો છે. ૪. એક શબ્દને એક વાર સરળ રીતે અને એ જ શબ્દને વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની, એક જાતના કટાક્ષની સ્થિતિ નિર્મી છે. ૫. આ કટાક્ષની સ્થિતિ કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ તરીકે કામ આપે છે. ૬. નરસિંહને માટે સુદામા એ પોતાની આદર્શ અસ્મિતા (ઑલ્ટર ઈગો)રૂપ છે. સમાનધર્મા છે અને તેથી સુદામાનો વિચાર કરતાં એ સુદામાની કૃષ્ણ સાથેની ‘મિત્રતા’ને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. ઉમાશંકરની આ સ્થાપના સર્જકબુદ્ધિવાળી, સાહસિક અને ચર્ચાસ્પદ જણાય છે. એને વિશે થોડો ઊહાપોહ કરવો જરૂરી છે. ૧ સૌપ્રથમ એ બાબત ધ્યાન ખેંચવા જેવી લાગે છે કે ઉમાશંકરે ‘બૃહત્કાવ્યદોહન’ અથવા ‘નરસિંહ મેહેતાકૃત કાવ્યસંગ્રહ’નાં નવ પદવાળા ‘સુદામાચરિત્ર’ના પાઠનો ઉપયોગ કર્યો છે. મગનભાઈ દેસાઈનું સંપાદન જોતાં જણાય છે કે ઉક્ત ગ્રંથોના કોઈકોઈ પાઠોને પ્રાપ્ત હસ્તપ્રતોનો ટેકો અલ્પ છે. એમાંના આઠમા પદને તો જૂની ત્રણ હસ્તપ્રતોનો ટેકો નથી તેથી તે પાછળથી દાખલ થયું હોય એમ માનવાને પૂરતું કારણ છે. ઉપરાંત, કૃતિની ભાવ-વિચાર-વ્યવસ્થાની દૃષ્ટિએ પણ એ પદ વિસંવાદી લાગે છે. જેમકે, સાતમા પદને અંતે ‘ભૂખનાં દુઃખની ભીડ ભાગી’ (મગનભાઈ દેસાઈ પ્રમાણે તો ‘મન તણી આરત સર્વે ભાગી’) એવી પંક્તિ પછી સુદામાને કૃષ્ણે કંઈ આપ્યું નહીં અને પીતાંબરી પણ ઉતારી લીધી એવો ખેદ પ્રગટ કરતા વર્ણવાય એ કેવું લાગે? અને આવા ખેદ પછી નવમા પદમાં એકાએક ‘ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દિન જાણી હુંને માન દીધું’ એમ આર્દ્રભાવે એ ગાતા દેખાય એ પણ કેવું? વિચારનો પલટો કેટલો આકસ્મિક અને અસ્વાભાવિક છે! બીજા આખ્યાનકારોએ અહીં કર્મના દોષની તથા ધનથી તો હરિની ભક્તિ ભૂલી જવાય - એ વાતો ગૂંથીને વિચારપલટાને સ્વાભાવિક બનાવ્યો છે, તેવું અહીં થયું નથી. ઉમાશંકરને પણ આ પદ અગવડરૂપ તો બન્યું છે. અહીં સુદામા જેવા સુદામા ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને – લૌકિક દૃષ્ટિબિંદુને વશ થઈ જતા એમને લાગ્યા છે. સવાલ એ છે કે આખા પદમાં આટલું ઘૂંટીને થયેલું આલેખન તે ક્ષણ માટે ક્ષણાર્ધ માટે આવેલો વિચાર? અંતરાત્માની સાક્ષીએ જેણે કૃષ્ણનો મૈત્રીભાવ અનુભવ્યો છે એ છેક પીતાંબરી પણ લીધી ઉતારી” એવું કહેવાની હદ સુધી જાય? આ સ્થિતિમાં હસ્તપ્રતોના આધારને લક્ષમાં લેતાં, આ પદને પ્રક્ષિપ્ત ગણવું એ જ યોગ્ય લાગે છે. પ્રેમાનંદ જેવાની અસર નીચે એ ઉમેરાયું હશે.

કૃષ્ણ માટે ‘મિત્ર’ શબ્દ, કાવ્યમાં પ્રક્ષિપ્ત પદને ગણતાં ચાર વાર અને પ્રક્ષિપ્ત પદને નહીં ગણતાં ત્રણ વાર વપરાયો છે. મગનભાઈ દેસાઈની આવૃત્તિમાં પાંચમા પદમાં ‘બાંધવ’ શબ્દ પણ વપરાયો છે. ‘દુરિજન લોક તે છોને લવતાં રહે’ એ પંક્તિમાં બીજા લોકોને મુખે વ્યંગ્યમાં ઉચ્ચારાતા ‘મિત્ર’નો ખ્યાલ (કૃષ્ણ જેવા કૃષ્ણ ‘મિત્ર’ છે ને જુઓ તો ભાઈ કેવી રીતે જીવે છે!) ઉમાશંકરને જણાયો છે. ‘કાવ્યદોહન’ના પાઠમાં એક ઠેકાણે સુદામાપત્ની સુદામાને કૃષ્ણના ‘સમોવડ’ લેખવતી જણાય છે. આટલી સામગ્રી ઉપર કોઈ સ્થાપના ફલપ્રદ રીતે થઈ શકે કે કેમ તે વિચારવા જેવું છે. કાવ્યની પહેલી જ પંક્તિમાં સુદામાપત્ની કૃષ્ણને સુદામાના ‘મિત્ર’ કહે છે તે તો ‘ભાગવત’નો જ અનુવાદ છે એ ઉમાશંકરે નોંધ્યું છે. બાકી ત્રણ વાર ‘મિત્ર’ શબ્દ સુદામાને મુખે આવે છે તે ‘મોહન’ની સાથે આવે છે, એટલે એમાં વર્ણસગાઈનું વલણ કામ કરી ગયું હોય એ શક્યતા નકારી શકાય તેમ નથી. ‘દુરિજન લોક તે, છોને લવતાં રહે’ એમાં નરસિંહે ‘મિત્ર’ શબ્દ પ્રયોજ્યો નથી જ, આપણે અર્થઘટન કરીએ એ જુદી વાત છે. ‘સમોવડને નવ ચૂકે ટાણે’ એ પંક્તિ મગનભાઈ દેસાઈની આવૃત્તિમાં ‘સમો વર્તે, નવ ચૂકે ટાણે’ એમ છે (અને કોઈ પાઠાંતર નોંધાયું નથી). એટલે ‘સમોવડને’ એ પાઠ પ્રમાણભૂત જણાતો નથી. એ જ કડીમાં ઉપરનીચેની પંક્તિઓમાં ‘સંત’ અને ‘ભક્ત’ શબ્દો જ પ્રયોજાયા છે એ નોંધપાત્ર છે. ‘બાંધવ’વાળી પંક્તિનો ઉમાશંકરે જ ઉપયોગ કર્યો નથી. કાવ્યમાં કૃષ્ણે સુદામાને ‘મિત્ર’ ‘વીરા’ ‘ભાઈ’ એવા શબ્દોથી સંબોધન કર્યું છે પણ ઉમાશંકરે યોગ્ય રીતે જ એનો ઉપયોગ કર્યો નથી. એ તો કૃષ્ણની મહાનુભાવતા. અહીં તો સુદામાનો કૃષ્ણ વિશેનો ભાવ એ જ મુદ્દો છે. તાત્પર્ય કે નરસિંહે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખી ‘સુદામાચરિત્ર’ની રચના કરી છે એવું કહેવા માટેની પર્યાપ્ત નિ:સંદિગ્ધ સામગ્રી કાવ્યમાં નથી. છતાં જે કંઈ સામગ્રી છે એનાં ઉમાશંકરે કરેલાં અર્થઘટનો તપાસવાં તો જોઈએ.

3

"સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે, - ‘મિત્ર મોહનતણું નામ લેતો’ ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે" એમ કહેવા માટે શો આધાર રહેલો છે? એ જ પદમાં ‘માંગતાં બાંધવ મર્મ છૂટે’ (‘બૃહત્ કાવ્યદોહન’માં ‘માગતાં તો બધો મર્મ છૂટે’) એમ ‘બાંધવ’નો સંકોચ અનુભવતા, ‘બાંધવ’થી પોતાના મર્મને રક્ષવા માગતો સુદામા આપણને દેખાય છે. અંતરાત્માની સાક્ષીએ મિત્ર હોય એની પાસે તો માગવાની જ આવશ્યકતા ન હોય પણ સુદામા એવું કહેતા નથી. એ તો ‘માગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધે ત્યહાં પ્રીત તૂટે’ એમ પ્રીત તૂટવાનો ભય વ્યક્ત કરે છે. આ પ્રીત કેવી હોય? આગળ ચાલતાં ઉમાશંકર કહે છે : “એમનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે.. પણ પત્નીમુખે કૃષ્ણ માટે ‘મિત્ર’ શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ?” આ તો ઉમાશંકરનું કવિશાઈ આરોપણ જ છે. પત્નીમુખે કૃષ્ણ માટે ‘મિત્ર’ શબ્દ ઉચ્ચારતાં સુદામા ભડકતા હોય એવું જરાયે લાગતું નથી. ઊલટાના એ કહેતા લાગે છે – હા. ભઈ, હા. કૃષ્ણ મારો મિત્ર ખરો. પણ અત્યારે તો મહિપતિ, ત્રિભુવનતાત, હું કિંકર કૃપણ પાપી. એની પાસે મારાથી દબાવીને વાત કેમ થાય? એને બાલપણાની પ્રીત યાદ પણ શાની આવે? દેખીતી રીતે જ, અહીં બધે વ્યવહારના મૈત્રીસંબંધનો જ સંદર્ભ છે. કૃષ્ણ-સુદામા સાથે ભણેલા એ એમની મૈત્રીનું કારણ. આ મૈત્રીસંબંધને કારણે તો સુદામાને કૃષ્ણ પાસે માગવા જવામાં શરમ આવે છે. અંતરાત્માની સાક્ષીએ જે મૈત્રી હોય તેમાં લજ્જા ન હોય, આશંકા પણ ન હોય. સુદામામાં લજ્જા અને આશંકા બન્ને છે. આ લજ્જા અને આશંકા ખોટી હતી એમ છેલ્લે, અલબત્ત, પ્રતીત થાય છે – ‘મિત્ર મોહન તણી પ્રિત સાચી’. કૃષ્ણે કેવા ભાવથી સત્કાર કર્યો એનો સુદામા આર્દ્રતાથી મનમાં વિચાર કરે છે અને કૃષ્ણની મહાનુભાવતાને પ્રગટ કરે છે. પોતે કેવા દિનહીન, દરિદ્ર, દુર્બળ ભિક્ષુક અને કૃષ્ણની કેવી મહાનુભાવતા — એ આ કાવ્યમાં સુદામાનો મુખ્ય ભાવ છે. સમાનતા કે સમોવડપણાની લાગણી ક્યાંય નથી. સુદામાપત્નીએ એને ‘સમોવડ’ ગણ્યો હોય તોયે એનું ઝાઝું મૂલ્ય નથી. ટૂંકમાં, સુદામા તેમ સુદામાપત્નીને મન કૃષ્ણ ઈશ્વરસ્વરૂપ છે - ભક્તાધીન દયાળુ ઈશ્વર છે. ‘મિત્ર’ તે તો વ્યવહારના સંબંધના સંદર્ભે. એમાં અંતરાત્માનો કોઈ સંબંધ અભિપ્રેત નથી.

ઉમાશંકરની દૃષ્ટિએ અંતરાત્માએ ઓળખેલા નહીં પણ લોકજીભે ગવાતા મિત્રનો ઉલ્લેખ પદ ૮માંની ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?’ એ પંક્તિમાં અને બીજા પદની ‘દુરિજન લોક તે છોને લવતાં રહે’ એ પંક્તિમાં સૂચન રૂપે રહેલો છે. એક પ્રક્ષિપ્ત પદની પંક્તિ છે અને બીજીમાં ‘મિત્ર’ શબ્દનો પ્રગટ ઉલ્લેખ નથી એ નોંધપાત્ર છે. પ્રક્ષિપ્ત પદને સ્વીકારીએ તોપણ એની પંક્તિમાં "સુદામા પોતે પણ ‘મિત્ર’ શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય” એવું માનવાની જરૂર નથી. સુદામાને એમની પત્નીએ જે મિત્ર પાસે જવા સૂચવ્યું હતું એની પ્રીતિ પ્રત્યે એમણે એ જ વખતે આશંકા ઉઠાવી હતી. અહીં એ આશંકા સાચી પડી હોય એવું એમને લાગે છે. એટલે આત્મોપહાસને તો કોઈ સ્થાન જ નથી, ઊલટું પહેલાં તેમજ અહીં ‘મિત્ર’ શબ્દનો એક સંદર્ભ છે એમ સમજાય છે – લૌકિક દૃષ્ટિએ જે મિત્ર છે તે. ટૂંકમાં, ‘મિત્ર’ શબ્દના જે કંઈ સંકેતો હોય તે બધા સંદર્ભમાં એક જ છે - ભગવાનસ્વરૂપ પણ વ્યવહારને સંબંધે મિત્ર એવા કૃષ્ણ એમાં કશી વ્યંજના નથી, વક્રોક્તિ નથી, કટાક્ષ નથી. પછી વક્રોક્તિ કે કટાક્ષ કાવ્યમાં સંઘટક તત્ત્વ છે એમ કહેવાનો પ્રસંગ તે રહે જ ક્યાંથી? ‘મિત્ર’ શબ્દ જે રીતે પ્રયોજાયેલો છે એ રીતે પણ એ કોઈ સંઘટક બળ નથી.

ઉમાશંકરે એ સાચું કહ્યું છે કે “નરસિંહની ભક્તિમાં આત્મઅવસાદ, આત્મ-અવહેલના, આત્મનિર્ભત્સના નથી.” પણ સુદામાને એવા નરસિંહની આદર્શ અસ્મિતારૂપ, સમાનધર્મા કેટલે અંશે ગણી શકાય? એ સાચું છે કે સુદામા અહીં પ્રેમાનંદના આખ્યાનમાં બને છે તેમ ઉપહસનીય બનતા નથી (જોકે પ્રક્ષિપ્ત પદને સ્વીકારીએ તો ઉપહાસને સહેજ અવકાશ રહે). પણ બીજી બાજુથી નરસિંહના જેવું આત્મગૌરવ અને ભગવન્મયતા પણ સુદામામાં અહીં નજરે પડતાં નથી. પોતાની દુર્બલતાની અને રંકતાની વાત એ કેટલા વળીવળીને કરે છે! એ માત્ર નમ્રતા રહેતી નથી. આત્મઅવહેલના બની જાય છે. ભક્તિ તરીકે ભગવાન પરનો અધિકારભાવ તો એ ક્યાંયે અનુભવતા નથી. ઈશ્વરની પ્રીતિમાં એના અંતર્યામીપણામાં જેટલો વિશ્વાસ સુદામાપત્નીને છે એટલો એમને નથી. ઊલટું એમની પત્ની એમના સંદેહને ટાળે છે. ખરેખર તો. ભાગવતના સુદામામાં જ પરમ ભગવન્નિષ્ઠા છતાં, ઋજુતા અને સંકોચશીલતા છે. નરસિંહ એ પાત્રને, એના તાત્પર્ય કે રસને બદલ્યા વિના બદલી શકે નહીં. બલકે એ લક્ષણોને ઉઠાવ આપીને જ કાવ્યની દૃષ્ટિએ વધુ લાભ લઈ શકે. એમણે એમ જ કર્યું છે. એટલે નરસિંહે સુદામામાં પ્રેમાનંદે મૂક્યાં છે તેવાં પ્રાકૃત લોભ-લાલચ, બાઘાઈ મૂક્યાં નથી અને એને ભક્ત તરીકે રજૂ કરી એકંદરે એનું ગૌરવ જાળવ્યું છે એટલા અંશે એમણે એમને સમાનધર્મા તરીકે જોયા છે એમ કહેવું હોય તો કહીએ, પણ નરસિંહને માટે સુદામા પોતાની આદર્શ અસ્મિતારૂ૫ છે એમ કહેવા સુધી જવા જેવું નથી. બન્ને વચ્ચેની ભિન્નતા ઊડીને આંખે વળગે એવી છે. નરસિંહની ભક્તિમાં આત્મીયતા, સમાનભાવ અને લાડ પણ આવે છે પણ મુખ્યત્વે એ ગોપીભાવની ભક્તિ છે. એ ભગવાનને ‘મિત્ર’ રૂપે જોતા નથી. ‘નાથ’ રૂપે જુએ છે. તેથી ‘મિત્ર-’તાને એ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે એવો તર્ક ખાસ બંધબેસતો નથી. સુદામાની મૂળ કથામાં જ મૈત્રીનો સંદર્ભ છે અને નરસિંહે એને સુદામાના ઉદ્ગારોમાં સહજ રીતે ઉપયોગ લીધો છે. સમગ્રપણે જોતાં નરસિંહના ‘સુદામાચરિત્ર’ વિશેનું ઉમાશંકરનું આ અર્થઘટન મને બધા સંદર્ભોને પૂરા લક્ષમાં લીધા વિના, કેવળ શબ્દોને પકડીને કલ્પનાશીલતાથી કરવામાં આવેલું અર્થઘટન જણાય છે. સહજ રીતે આવેલા શબ્દો પરથી જે મોટી સ્થાપના કરવા સુધી ઉમાશંકર પહોંચ્યા છે તેમાં સર્જન પરનો વિવેચનનો અત્યાચાર પણ કોઈને દેખાય તો નવાઈ નહીં

૨૨ માર્ચ, ૧૯૭૫ [‘ગ્રંથ’, નવેમ્બર ૧૯૭૫;
વિવેચનનું વિવેચન, ૧૯૭૬]



  1. ૧. ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ-૨’માંના નરસિંહવિષયક પ્રકરણનો એ એક ભાગ હતો.