સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભોળી ભરવાડણ

૩. ભોળી ભરવાડણ

નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી.
ભોળી રે૦



અનાથના નાથને વેચે આહીરની નારી;

શેરીએ શેરીએ સાદ પાડે: લો કોઈ મોરારી.
ભોળી રે૦



મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;

વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી.
ભોળી રે૦



બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતક એ પેખે;

ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે.
ભોળી રે૦



ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;

દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી.
ભોળી રે૦