આત્માની માતૃભાષા/14: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિશીથનું પ્રબળગતિ લીલા-સ્તોત્ર|રમણ સોની}} <poem> <center>૧</center> નિશી...")
 
No edit summary
Line 98: Line 98:
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૮}}
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૮}}
</poem>
</poem>
{{Poem2Open}}
જો દરેક વાર ન આકર્ષે, જો દરેક વાચને નવેસર ન મૂંઝવે, જો દરેક વખતે નવાં વિસ્મય-રોમાંચ ન પ્રેરે, જો જ્યારેજ્યારે વાંચીએ ત્યારેત્યારે ફરીફરીને આંખ સામે ને કાનમાં નવે રૂપે ન ઊઘડે, ને એમ જો હંમેશાં પ્રહર્ષક પીડા ન આપે — તો કિમ્ કવે: તસ્ય કાવ્યેન?
*
‘નિશીથ’. ઘણી વાર વાંચ્યું છે. કેટલીક વાર તો સડસડાટ વાંચ્યું છે — એવું એ દ્રુતલયગતિ છંદકાવ્ય છે. આજે વાંચું છું ત્યારે એ આમ ઊઘડે છે:
'''નિશીથ હે!'''
'''નર્તક'''
'''રુદ્ર—'''
'''રમ્ય!'''
ટૂંકોસરખો ઉપજાતિ, એ આમ ચાર યતિ ખમે? પણ પ્રવેશક પંક્તિને હું જરા ઇરાદાપૂર્વક ધીમી ગતિની કરું છું — નિશીથ (મધ્યરાત્રિ)ને સાક્ષાત્ કરી લેવા માટે. નિશીથ નર્તકના ‘રૂપમાં’ સમક્ષ થાય છે, પછી રુદ્ર નર્તક રૂપે, પછી વળી રમ્ય નર્તક રૂપે. પછી વળી, કાન ચમકે છે: કવિ કેવળ રૂપ-વર્ણન કરતા નથી, ‘તે'ને જ સંબોધે છે. એટલે ઘોષ સંભળાય છે — ‘હે નર્તક, રુદ્ર-રમ્ય!’
બસ. પછી આ ઘોષ સતત, દ્રુત ગતિથી, આખા કાવ્યમાં પ્રસરતો-સંભળાતો રહે છે. જુદાંજુદાં રૂપ ઉપસાવતું આ હે — સંબોધન કાવ્યમાં નવ વાર આવે છે. અવાજ અને આકારનું યુગપત્ નૃત્ય પણ મારા ચિત્તમાં, સમાન્તરે, ભજવાય છે.
*
ખંડ: ૧ના પહેલા ખંડકમાં નર્તકનું રૂપ રચવામાં કવિએ વિરાટ તત્ત્વોને યોજ્યાં છે — સ્વર્ગંગા, ‘ઘૂમતા ધૂમકેતુ’ અને નિહારિકાઓ (‘તેજોમેઘો’). પણ અલંકરણ-શણગાર એવો થયો છે કે નટરાજનું ભવ્ય રૂપ રમણીય પણ લાગે છે. જાણે પહેલી પંક્તિના ‘રમ્ય’ સાથે આ ‘ભવ્ય'નો સુ-સંગત પ્રાસ રચાઈ રહે છે. કવિની ઉત્સવપ્રિયતા તો જુઓ: ‘તેજોમેઘોની ઊડે દૂર પામરી.’ અને પામરીને દૂર સુધી ફરફરતી દેખાડવા એમણે શાલિનીમાં એક શ્રુતિ ઉમેરી દીધી!
ને બીજા-ત્રીજા ખંડકમાં નટરાજનું વેગીલું નૃત્ય. ભવ્યને ગતિ મળે તો કેવું રોમહર્ષણ નૃત્ય-દર્શન પ્રાપ્ત થાય એનો આ ઉત્તમ, કદાચ વિરલ, નમૂનો છે. ‘ભૂગોલાર્ધે પાયની ઠેક લેતો’ નટરાજ ‘તાલી લેતો દૂરના તારકોથી’ — ત્યારે એના નૃત્યવેગની સાથે ઉન્નત-તાનો, ધ સબ્લાઇમનો, અનુભવ પણ કરાવે છે. ‘પ્રતિક્ષણે’ ચકરાતી-ઘૂમતી પૃથ્વી સાથે નિશીથનું આ ‘ચિરકાલ’ નર્તન એક પરિચિત ભૌગોલિક ઘટનાને સજીવ કરી મૂકે છે — એને કેવું અદ્ભુત સંચારી રૂપ આપે છે! પ્રબળગતિ નૃત્યને લયોચિત રાખનાર પાર્શ્વસંગીત આ ખંડની છેલ્લી પંક્તિમાં કવિ સંભળાવે છે: ‘બજંત જ્યાં મંદ્ર મૃદંગ સિંધુનાં.’ મૃદંગોના મંદ્ર ઘોષને શ્રવણસુલભ કરતા એકધારા નાસિક્ય ધ્વનિઓ જાણે કે સાહજિક રીતે પ્રગટી આવ્યા છે.
આ બૃહન્નૃત્યના સાક્ષાત્કારમાં છંદનો ફાળો પણ મોટો છે. આ કાવ્ય પહેલી વાર વાંચેલું ત્યારથી ઉમાશંકરનો આ શાલિની છંદ મને બહુ જ ગમતો રહ્યો છે. નૃત્યદૃશ્ય અને છંદની જુગલબંદીએ હંમેશાં મારું માથું ડોલાવ્યું છે. ને ક્રમશ: છંદની ઉપકારકતાને મારા મનમાં ઉતારી છે. નૃત્યનાં તાલઠેકા અને લયગતિ શાલિનીમાં બરાબર ઊતર્યાં છે — માત્ર શાલિનીમાં જ શા માટે; ઉમાશંકરે અહીં ઉપજાતિના ફલકને વિસ્તારીને જે વિવિધ છંદ-ભાતો, ને એમાં છંદ-પ્રયોગો, સરજ્યાં છે, એ બધાંમાં આ નિશીથ-ગતિ-લય બરાબર ઊતર્યો છે. છંદ-ભાતની બધી વાત કરવામાં તો ‘ગ્રંથ[લખાણ] અતિ ઘણૂં થાય’ એટલે માત્ર એક જ દૃષ્ટાંત: બીજા ખંડકની પાંચ પંક્તિઓમાં, શાલિનીની ચાર પંક્તિની વચ્ચે સહસા પ્રવેશી જતી ઉપેન્દ્રવજ્રાની પંક્તિ ‘પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી', નટરાજ પરથી ક્ષણેક ધ્યાન ખસેડીને, એ જ ગતિલયમાં, ‘ચકરાતી’ પૃથ્વીને દૃશ્યમાન કરે છે એમાં છંદની વિશિષ્ટ ભૂમિકા જોઈ શકાય છે — હું તો જોઉં જ છું.
*
બીજો ખંડ. નૃત્યરત નિશીથનો પ્રભાવ. કવિએ ચાર જ પંક્તિઓ લીધી છે. વેગ, હવે આ-વેગ; પ્રીતિપૂર્ણ કામાવેગ. પહેલી બે પંક્તિઓમાં વ્યાપકનો, સૃષ્ટિનો કામ-રોમાંચ છે. કવિ કહે છે, હે નિશીથ! તારા પાયર્થીપાય નીચે પૃથ્વી ‘મીઠું’ ચંપાય છે; ને હે નિશીથ! તારા સ્પર્શથી આકાશ(દ્યૌ)ને તારક-પલકારનો ‘તેજરોમાંચ’ થાય છે. વિરાટ પ્રકૃતિનું રતિ-ઉદ્દીપન. એ સાથે જ એ રતિ-ઉદ્દીપન માનવોમાં સંક્રાન્ત થાય છે. પ્રીતિમાં પરસ્પર ‘પરોવાયેલાં’ દંપતીના હૃદયમાં જાગતો ને મચી રહેતો વિકાર`વંટોળ’. કવિએ માર્મિક શબ્દપ્રયોગ, બલકે અર્થસંકેત, કર્યો છે — ‘તું-હૂંફે.’ નિશીથનો સ્પર્શ નથી — દંપતીના એકાંતમાં વિશ્વસ્ત બની રહેતી એની અદૃષ્ટ પ્રેરકતા છે. આકાશનો તેજરોમાંચ વ્યાપક છે, આ દંપતી-વિકારોદ્દીપન અંગત ને એમ સંગોપિત છે. છતાં વેગ અને ઉદ્રેકનો તંતુ તો બરાબર જોડાયેલો રહે છે — ‘લયોચિત્અ.’ વેગ એ નૃત્યનું તેમજ રતિ-ઉદ્દીપનનો સમાન (કૉમન) ઘટક છે એટલે મને વળી, આ કાવ્યની રચનાસંદર્ભે, ફરી શાલિની યાદ આવ્યો: ગાગાગાગા ગાલગા ગાલગાગા. ૧૪ શ્રુતિઓમાંથી ૯ ગુરુશ્રુતિઓવાળો ને અવાન્તરે ૨ લઘુશ્રુતિઓને ગૂંથીને વિશિષ્ટ લય-આલેખ ઉપસાવતો આ છંદ ઉદ્રેકશીલ દ્રુત હૃદયધબકારના વેગને ઝીલવામાં પણ કાર્યસાધક (ફંક્શનલ) બનતો લાગે છે.
*
દૃષ્ટિફલક (આઈ-સ્પાન)ની કંઈક બહાર રહેતું નિશીથનું ભવ્ય-વિરાટ રૂપ હવે, ત્રીજા ખંડમાં, નયન-રમ્ય બને છે. દૂર નિહારિકાનાં સલિલે ખેલનારો નિશીથ હવે એની રમ્ય બલકે રમતિયાળ લીલાઓ સાથે નિકટ આવે છે (‘રંકાંગણે તું ઊતરે અમારે.’) આ ખંડનાં ક્રિયા-રૂપો જુઓ: ઝૂકંતો, રમંતો, ઝૂલંતો, લણંતો… આકાશનાં જ્યોતિરૂપો નિશીથની કંઈક મસ્તીખોર (બાળ)લીલા રૂપે સાક્ષાત્ થાય છે. (નક્ષત્રોને અલંકરણ-સજીવ કરનાર કાકાસાહેબ યાદ આવે જ — ઉમાશંકર પણ ‘નિશીથ’ સંગ્રહના ટિપ્પણમાં એમને યાદ કરે છે ને વળી આપણને સૂચવે છે: ‘જિજ્ઞાસુએ વરસભર, ને વિશેષત: નવેમ્બરમાં આકાશદર્શન કરવું.’)
પહેલા ખંડના વેગીલા રુદ્રનૃત્ય કરતાં અહીં ગતિ ઘટે છે — કંઈક લાસ્ય-નૃત્ય ભંગિમાઓ દેખાય છે. છેલ્લી પંક્તિને બાદ કરતાં, આ ખંડની પહેલી ૧૭ પંક્તિઓમાં ક્યાંય પણ કવિએ વેગભર્યો શાલિની યોજ્યો નથી. છંદની એક વધુ કાર્યસાધકતા. અગાઉના રમ્ય, ભવ્ય નિશીથની અહીં વળી એક જુદી ઓળખ ઊપસે છે: ‘હે રૂપોમાં રાચતા નવ્ય યોગી!’ અહીં ‘યોગીની’ લીલાઓ છે — ‘ધ્રુવશું રમંતો’ વગેરે વાંચતાં મનમાં સહસા ઝબકે છે: स रमते।
*
કાવ્યની સ્થાપત્ય-રચના કવિ-કૌશલ-આયોજિત પણ છે. ત્રીજા ખંડનો યોગી હવે, ચોથામાં, ‘શાન્તમના તપસ્વી’ રૂપે સાક્ષાત્ થાય છે. પેલું મૃદુ રમતિયાળ વિસ્મય હવે સમગ્ર સૃષ્ટિની ઉત્-ક્રાન્તિની રહસ્ય-જિજ્ઞાસામાં પલટાય છે. નિશીથનું એ અપ્રતિરોધ્ય વિસ્મય ‘જાૃંભાવિકાસ્યું મુખ…’ એવી મુદ્રા ધારણ કરે છે! મનુષ્ય દ્વારા થતા એના ‘દર્શન’નું ચિત્ર જોઈએ: અમાસનો નિગૂઢ અંધકાર. અમે માનવ(-મંદ-)દીવો ચેતવીને તને નિહાળવા જઈએ છીએ ત્યાં… એ જાૃંભાવિકાસ્યા ચંડ મુખનું દર્શન (એમાં બ્રહ્માંડદર્શન, એથી?) અમારે માટે અ-સહ્ય થઈ પડે છે: ‘સ્વરૂપ તારું શિવરુદ્ર વ્યોમે.’
રુદ્ર-રમ્ય-રુદ્ર એવા ક્રમિક રૂપ-વિવર્તોનો એક સર્જનાત્મક આલેખ — જાણે ચિત્રવિથિ આ કૃતિમાં ઊપસી રહે છે.
*
ચોથાનું સાતત્ય, ને વળી એમાં બીજા ખંડનુંય અનુસંધાન, પાંચમા ખંડમાં જોઈ શકાય છે. અમાસ-અષ્ટમી-પૂર્ણિમા એવા રાત્રિવિવર્તોમાં વ્યાપતા નિશીથનાં જાણે કે સર્વ રૂપો કવિને આલેખવાં છે. પેલો તપસ્વી, તે જ હવે (ફરી સક્રિયતા-પ્રેરક) સંન્યાસી — કપાળમાં અંધારની અર્ચના, શરીરે કૌમુદીશ્વેત-ભસ્મ, હાથમાં અષ્ટમીનું (ક્યારેક પૂર્ણિમાનું) કમંડલું. એના ‘રસપ્રોક્ષણ'થી હવે ફરી પ્રીતિ-ઉત્તેજનાનો સંચાર. સરખાવીએ બીજા ખંડના ‘વિકારવંટોળ મચે'ની સાથે આ ખંડના ‘હૈયાકમલો વિશે મીઠો… ચેતનનો પરાગ.’ અલબત્ત, એ પણ હૃદયને ‘મત્ત ચંચલ’ કરનાર તો છે જ. નિશીથ ખરા અર્થમાં ઉદ્દીપક જ છે — ‘સ્વયં સુનિશ્ચંચલ’. એથી આવાં (બીજા ખંડમાં છે તે અને અહીં પણ છે તે, એવાં) ‘શાંત તાંડવો'નો ખેલંદો છે નિશીથ. (બલવંતરાય જેવા કાવ્યમર્મજ્ઞે ‘તાંડવો શાંત કહેવાય ખરાં?’ એવો પ્રશ્ન કેમ ઉઠાવ્યો હશે એ સમજી શકાતું નથી.)
*
છેલ્લા ખંડમાં, ઉમાશંકર જ કહે છે એમS, નટરાજ રૂપને આવાહન છે — સ્પષ્ટ પ્રાર્થના છે. સ્તોત્રકાવ્યનું કંઈક રૂઢ રૂપ એથી ઊપસે છે. ‘મહિમ્ન’ સ્તોત્ર નિશીથના આવા રૂપ-આલેખનથી પણ પર્યાપ્ત, પૂર્ણ ન થઈ શક્યું હોત? થયું જ છે. વળી, પાંચમા ખંડના અંત પછી, કાવ્યની છેલ્લી પંક્તિ ‘નિશીથ, વૈતાલિક હે ઉષાના!'માં આખી રચના ફરીથી સમ પર આવે પણ છે. પરંતુ, એ વચ્ચેની, છઠ્ઠા ખંડની ૧૭ પંક્તિઓ ભરીને કવિએ કલ્યાણવાંછાની પ્રાર્થના કરી છે. ‘મારા દેશે', ‘લોક કેરાં', ‘ભોળુડાં લોકહૈયાં', ‘ન જાગશે'? અને ‘રક્તદ્રોતે દાસ્યદુર્ભેદ્ય તંદ્રા’ ‘ન તૂટશે'? એવા શબ્દોમાં આલેખાતી આરત કાવ્યને કઈ દિશામાં લઈ જાય છે? કવિ એ તો કંઈક બરાબર કહે છે કે, તું (નટરાજ) શ્રાન્તોને ચેતના દે છે, પ્રકૃતિપ્રિયાને શોભાવે છે, માનવોના મનમાં સ્વપ્નોનાં બી વાવે છે. આટલું તો એ કરે છે, એ પર્યાપ્ત નથી? પછી પાછું ‘ન આટલું તુંથી થશે? — નું ઉમેરણ?! કંઈક આવી પ્રાર્થના મુખર બની રહે છે: ‘તું અમારી નિત્યનવીન આશા છે, હે દેવ! તો તું અમારા પર આટલી કૃપા કર.’ છતાં ઉમાશંકર જોશી ટિપ્પણમાં લખે છે: ‘નિશીથને કાવ્યોચિત મૂર્તત્વ, વ્યક્તિત્વ (personification) પણ આપ્યું છે. પણ તે એને દેવ ગણવા કે ગણાવવાની આસ્થા વગર જ.’ (જુઓ, ‘નિશીથ', ૧૯૩૯, પૃ. ૧૯૧). ટિપ્પણમાં ‘સ્વપ્નો-આદશો-નાં બી’ એમ સ્વપ્નને આદર્શમાં સીમિત કર્યું છે એ પણ… નથી ગમતું.
પણ આ બધો કવિના સમયનો ને એમણે કરેલી આવી ટિપ્પણનો ઇલાકો છે. એમાંથી બહાર નીકળીને, એવી થોડીક ખલેલને મનમાંથી ખંખેરી નાખું છું તો એક અદ્ભુત કાવ્ય ‘નિશીથ'માં અનુભવું છું — છંદલયનું, અલંકરણનું કવિકર્મ-નકશીકામ અને સર્જકની ઉત્તમ કલ્પનાશક્તિ સંતૃપ્ત કરે છે.
* ‘નીશિથ’ સંગ્રહને અંતે ટિપ્પણમાં ઉમાશંકર જોશી લખે છેઃ ‘નટરાજરૂપને ફરી ચિત્તમાં પ્રત્યક્ષ કર્યું છે. માનવોના મનની માટીમાં સ્વપ્નો-આદર્શો-નાં બી વેરવાની એ મહાનટની શક્તિનું, પોતાના મંદ-પ્રમાદી રક્તવહેણમાં પ્રતાપી મનભર સંગીત સ્ફુરવવા માટે છેલ્લે આવાહન છે
{{Poem2Close}}
18,450

edits

Navigation menu