ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિતોપદેશની કથાઓ


મૃગ અને કાગડાની મૈત્રીકથા

મગધ દેશમાં ચંપકવતી નામના મોટા વનમાં લાંબા સમયથી એકબીજાના મિત્ર થઈને મૃગ અને કાગડો રહેતા હતા. હવે આ મૃગ જ્યાં ઇચ્છા થાય ત્યાં ફરતો હતો. તેનું હૃષ્ટપુષ્ટ શરીર જોઈને એક શિયાળે વિચાર કર્યો, ‘આનું સ્વાદિષ્ટ માંસ હું ક્યારે ખાઈ શકું? પણ પહેલાં તો મારે તેને વિશ્વાસમાં લેવો પડે.’ એમ વિચારી તે મૃગ પાસે જઈને બોલ્યો, ‘અરે મિત્ર, મજામાં છે ને?’ મૃગે પૂછ્યું, ‘કોણ છે તું?’ શિયાળે કહ્યું, ‘હું ક્ષુદ્રબુદ્ધિ નામનો શિયાળ છું. બાંધવો કોઈ હવે રહ્યા નથી. એટલે મરણતોલ સ્થિતિમાં રહું છું. તારા જેવો મિત્ર મળ્યો એટલે ફરી આ સંસારની માયામાં પ્રવેશ્યો છું. હું તારો અનુચર થઈને રહીશ.’ મૃગે હા પાડી. એટલામાં સૂર્યનારાયણ અસ્તાચળે જઈ પહોંચ્યા. બંને મૃગના નિવાસે ગયા. ત્યાં ચંપક વૃક્ષની ડાળી પર સુબુદ્ધિ નામનો કાગડો રહેતો હતો. તે મૃગનો મિત્ર હતો. તેણે બંનેને — મૃગને અને શિયાળને — સાથે આવેલા જોઈ પૂછ્યું, ‘અરે મિત્ર ચિત્રાંગ, આ તારી સાથે કોણ છે?’ ‘આ શિયાળ મારી સાથે દોસ્તી કરવા માગે છે.’ કાગડો બોલ્યો, ‘મિત્ર, અચાનક આવી ચઢેલા અજાણ્યા સાથે દોસ્તી ન કરાય.’ કહ્યું છે- જેના કુળ, સ્વભાવનો આપણને પરિચય ન હોય તેવાને કદી રહેવા માટે જગ્યા ન આપવી. બિલાડાને કારણે જરદ્ગવ નામનો ગીધ મૃત્યુ પામ્યો હતો.’ તે બંનેએ પૂછ્યું, ‘કેવી રીતે?’ એટલે કાગડાએ વાત માંડી.

ગીધ અને બિલાડાની કથા

ભાગીરથીના કાંઠે ગૃધ્રકુટ નામનો પર્વત. તેના પર એક મસમોટો પીપળો. તેની બખોલમાં એક જરદ્ગવ નામનો ગીધ રહેતો હતો. તેના નખ અને આંખ દૈવયોગે બળી ગયા હતા. તેના ભરણપોષણ માટે ઝાડ પર રહેતાં બધાં પક્ષીઓ જીવદયાથી પ્રેરાઈને થોડો થોડો ભાગ આપતાં હતાં. આમ ગીધનો જીવનનિર્વાહ ચાલતો હતો અને તે પંખીઓનાં બચ્ચાંને સાચવતો હતો. એક વખત દીર્ઘકર્ણ નામનો બિલાડો પંખીઓનાં બચ્ચાંને ખાવાની ઇચ્છાથી ત્યાં આવ્યો. તેને જોઈને બચ્ચાં ચીસાચીસ કરવાં લાગ્યાં. એટલે ગીધે પૂછ્યું, ‘કોણ આવ્યું છે?’ ગીધને જોઈને બિલાડો ગભરાઈ ગયો, મનમાં બોલ્યો, ‘હવે મારું આવી બન્યું.’ જ્યાં સુધી ભય આવ્યો ન હોય ત્યાં સુધી એનાથી ગભરાવું, પણ ભય જોયા પછી એ દૂર કરવાનો ઉપાય કરવો. હવે નાસી જવાની મારામાં શક્તિ નથી. જે થવાનું હોય તે થાઓ. પહેલાં તો હું એનો વિશ્વાસ સંપાદિત કરું. પછી તેની પાસે જઉં.’ આમ વિચારી તે બોલ્યો, ‘આર્ય, તમને વંદન.’ ગીધે પૂછ્યું, ‘તું કોણ છે?’ ‘હું બિલાડો છું.’ ગીધે કહ્યું, ‘તું અહીંથી જતો રહે. નહીંતર હું તને મારી નાખીશ.’ બિલાડાએ કહ્યું, ‘પહેલાં મારી વાત તો સાંભળો. પછી મારી નાખવો હોય તો મારી નાખજો. શું કોઈ જાતિને કારણે પૂજાય છે? તેની ગતિવિધિ જાણ્યા પછી જ તે વધ્ય બને અથવા તેની પૂજા થાય.’ ગીધે પૂછ્યું, ‘તું અહીં શા માટે આવ્યો છે?’ બિલાડાએ કહ્યું, ‘હું ગંગાતીરે દરરોજ સ્નાન કરું છું, બ્રહ્મચારી છું. ચાંદ્રાયણ વ્રત કરું છું. તમે ધામિર્ક છો, વિશ્વાસપાત્ર છો, એમ બધાં પંખીઓ તમારાં વખાણ કરે છે. તમે વિદ્યાવાન છો, વડીલ છો એટલે તમારી પાસે જ્ઞાન મેળવવા હું આવ્યો છું. પણ તમે તો મને મારવા તૈયાર થયા છો. એવા ધર્મના જાણકાર? શત્રુ પણ આપણે ત્યાં અતિથિ થઈને આવે તો તેનો સત્કાર કરવો. વૃક્ષ પણ તેનો ધ્વંસ કરવા આવનાર પરથી પોતાની છાયા કાઢી લેતું નથી. ધનના અભાવે મીઠાં વચનથી પણ અતિથિનું પૂજન કરવું. બેસવા માટે સાદડી, વિશ્રામ માટે જમીન, પીવા માટે પાણી, મધુર વાણી — સજ્જનને ત્યાં આટલું તો હોવાનું. સાધુઓ નિર્ગુણ પ્રાણીઓ પર દયા કરે છે, ચંદ્ર ચાંડાલના ઘર ઉપરથી ચાંદની દૂર કરતો નથી. બ્રાહ્મણોનો ગુરુ અગ્નિ, અન્ય વર્ણોનો ગુરુ બ્રાહ્મણ, સ્ત્રીનો ગુુરુ એક જ પતિ, અને અભ્યાગત તો બધે જ ગુુરુ. જે ઘેરથી અતિથિ નિરાશ થઈને પાછો ફરે તે અતિથિ પોતાનું પાપ આપીને તેનું પુણ્ય લઈ જાય છે. ઉત્તમ જાતિને ત્યાં નીચ જાતિની વ્યક્તિ આવે તો પણ તેનો સત્કાર કરવો, કારણ કે અતિથિ દેવ છે.’ આ સાંભળી ગીધે કહ્યું, ‘બિલાડાઓને માંસ બહુ ભાવે છે. અહીં પંખીઓનાં બચ્ચાં રહે છે એટલે હું આમ કહું છું.’ આ સાંભળી બિલાડાએ કાને હાથ દઈ દીધા, જમીનને જમણો પગ અડકાડ્યો, ‘મેં ધર્મપ્રવચનો સાંભળી વૈરાગ્ય લીધો છે. ચાંદ્રાયણ વ્રત લીધું છે. પરસ્પર વિવાદ કરતાં ધર્મશાસ્ત્રો પણ એકી અવાજે અહિંસા પરમ ધર્મ છે એમ માને છે. જેઓ બધા પ્રકારની હિંસા ત્યજી દે છે, જે બધાં દુઃખ સહી લે છે, જે બધાને આશ્રય આપે છે તે સ્વર્ગે જાય છે. મરણ પછી તો આપણી સાથે ધર્મ જ આવે છે, બીજા બધા તો શરીર નાશ પામે એટલે નાશ પામે છે. જે બીજાનું માંસ ખાય છે તેનું શું થાય છે? ખાનારને ક્ષણિક આનંદ મળે છે અને બીજો જીવ ગુમાવે છે. હું મારીશ એવા વિચારથી માનવીને જે દુઃખ થાય છે તે કોઈ અનુમાન કરીને પણ કહી નહીં શકે. વનમાં ઊગેલા શાકભાજીથી પણ પેટ તો ભરાય છે તો પછી આ પાપી પેટ માટે વધારે મોટું પાપ શા માટે કરવું?’ આમ ગીધનો વિશ્વાસ જીતી લઈ તે ઝાડની બખોલમાં રહેતો થયો. આ દરમિયાન બિલાડો પંખીઓનાં બચ્ચાંને દરરોજ પકડતો અને ખાઈ જતો. જેમનાં બચ્ચાં નાશ પામ્યાં હતાં તે બધાં પંખીઓએ એ ઘટનાનું કારણ જાણવા પ્રયત્ન કર્યા. આની ખબર જેવી બિલાડાને પડી તેવો તે નાસી ગયો. પંખીઓને પેલી બખોલમાં બચ્ચાનાં હાડકાં મળ્યાં, એટલે તેમણે માની લીધું કે આ ગીધ જ આપણાં બચ્ચાંને ખાઈ ગયું છે. એટલે બધાં પક્ષીઓએ ભેગા મળીને તે ગીધને મારી નાખ્યું.’ આ સાંભળી શિયાળ ખીજાઈ ગયું, ‘મૃગ સાથે તારી પહેલી મુલાકાત થઈ ત્યારે તેને તારા વિશે પણ કશી માહિતી ન હતી. અને છતાં તમારો પ્રેમ દિવસે દિવસે વધતો કેમ ગયો? જ્યાં વિદ્વાન નથી ત્યાં થોડો બુદ્ધિશાળી પણ પૂજાય છે. જ્યાં વૃક્ષો ન હોય ત્યાં એરંડો પણ વૃક્ષ ગણાય. આ પોતાનો- આ પારકો એવો વિચાર તો મંદ બુદ્ધિવાળા ઠરે, ઉદાર લોકો તો આખી પૃથ્વીને પોતાનું કુટુંબ માને. જેમ આ મૃગ મારો મિત્ર છે તેવો તું પણ મિત્ર.’ આ સાંભળી મૃગે કહ્યું, ‘આમ સામસામી વાતો કરવાથી શું? બધા એકઠા મળીને સુખદુઃખની વાતો કરીશું. કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી, પ્રસંગ પડ્યે જ મિત્રો થાય, શત્રુ થાય.’ કાગડાએ કહ્યું, ‘ભલે ત્યારે.’ પછી બધાં પોતપોતાનાં સ્થાને ગયાં. એક દિવસ જ્યારે કાગડો ન હતો ત્યારે શિયાળે મૃગને કહ્યું, ‘મિત્ર, આ વનની બાજુમાં એક પાકેલા અનાજનું ખેતર છે. હું તને લઈ જઈને બતાવીશ.’ પછી શિયાળે મૃગને ખેતર બતાવ્કહ્યું. હવે મૃગ દરરોજ ત્યાં જઈને અનાજ ખાવા લાગ્યો. હવે ખેતરના માલિકે એક દિવસ અનાજ ખાઈ જતા મૃગને જોયો એટલે તેણે જાળ પાથરી. મૃગ જેવો ત્યાં અનાજ ખાવા આવ્યો કે તે જાળમાં ફસાઈ ગયો. મૃગ મનમાં બોલ્યો, ‘પારધીની આ જાળમાંથી મને મિત્ર સિવાય બીજું તો કોણ છોડાવી શકે?’ હવે શિયાળ તેની પાસે જઈને વિચારવા લાગ્યું, ‘ચાલો, મારી લુચ્ચાઈથી ઇચ્છા તો પાર પડી. આ મૃગનું ચામડું ઉતારી લેશે ત્યારે મને તેનાં માંસ અને લોહીભીનાં હાડકાં ખાવા મળશે. ઘણા દિવસ સુધી મને ઉજાણી કરવા મળશે.’ શિયાળને પાસે આવેલો જોઈ મૃગ આનંદમાં આવી જઈને બોલ્યો, ‘મિત્ર, પહેલાં તો આ જાળ કાપી નાખ અને મને બચાવ. આપત્તિમાં મિત્ર, યુદ્ધમાં શૂરવીર, દેવામાં શુદ્ધ દાનતવાળો, દ્રવ્ય ખલાસ થાય ત્યારે સ્ત્રી અને મુશ્કેલીમાં બંધુ- આ બધાંની કસોટી થાય. ઉત્સવમાં, સંકટમાં, દુકાળમાં, રાજ્યક્રાંતિમાં, રાજદ્વારે, સ્મશાને — જે પડખે ઊભો રહે તે જ સાચો બંધુ.’ પરંતુ આ શિયાળ જાળ જોતાં જોતાં વિચારે ચઢ્યો, ‘આ જાળ બહુ મજબૂત છે.’ પછી તેણે મૃગને કહ્યું, ‘આ જાળ આંતરડાંમાંથી બનાવી છે. આજે પવિત્ર દિવસ છે, તો મારા દાંત વડે એને સ્પર્શું કેવી રીતે? મારા વિશે કશી ગેરસમજ ન થતી હોય તો હું કાલે સવારે આ જાળ કાપીશ.’ એમ કહી ત્યાં જ તે લપાઈ રહ્યો. હવે કાગડાએ જોયું, સાંજ પડી ગઈ છે તો પણ મૃગ કેમ ન આવ્યો, આમતેમ તેની શોધ કરવા લાગ્યો, એમ કરતાં કરતાં તે જાળમાં સપડાયેલા મૃગ પાસે આવી ચડ્યો, ‘આ શું થયું?’ ‘મિત્રની શિખામણ ન માની તેનું આ પરિણામ. જે હિતેચ્છુ મિત્રનું હિતવચન સાંભળતો નથી તેને દુઃખી જ થવું પડે છે. તે માનવી શત્રુને આનંદ આપનાર જ થાય છે.’ કાગડાએ પૂછ્યું, ‘તે લુચ્ચો ક્યાં છે?’ મૃગે કહ્યું, ‘મારા માંસની ઇચ્છા કરતો આટલામાં જ ક્યાંક છુપાઈ ગયો હશે.’ કાગડાએ કહ્યું, ‘મેં પહેલાં જ તને કહ્યું હતું. મેં કોઈ અપરાધ કર્યો નથી એમ બોલનાર પર વિશ્વાસ ન કરાય. ગુણવાન લોકો પણ ઠગાઈ જતા હોય છે. જેમનું આયુષ્ય પૂરું થયું હોય તેઓ દીવો ઓલવાતાં આવતી દુર્ગંધ પારખી શકતા નથી, તેઓ મિત્રનું વચન સાંભળતાં નથી. અરુન્ધતીનો તારો જોઈ શકતા નથી. કોઈ ઘડામાં ઉપર અમૃત હોય અને અંદર ઝેર હોય એવાનો ત્યાગ કરવો જોઈએ.’ પછી નિસાસો નાખીને કાગડાએ કહ્યું, ‘અરે લુચ્ચા, આ પાપીએ શું કરી નાખ્યું? મધુર મધુર વાતો કરીને, ખોટા ખોટા ઉપચારો કરીને જેમને વશ કર્યા હોય એવા શ્રદ્ધાળુ અને આશાવાળા નિર્દોષોને ઠગવામાં શી મહત્તા? જે શુદ્ધ હૃદયવાળો છે, જે વિશ્વાસુ છે, જે ઉપકાર કરે છે તેની સાથે પાપાચરણ કરનારને હે ભગવતી પૃથ્વી, તું કેમ ધારણ કરે છે? દુર્જન સાથે મૈત્રી કેવી? તેને પ્રેમ ન કરાય. દુર્જન તો અંગારા જેવો છે. તે સળગતો હોય તો હાથ બાળે અને ઓલવાઈ ગયો હોય તો હાથ કાળા કરે. મચ્છર દુર્જનની જેમ પહેલાં પગે પડશે, પછી પીઠે ડંખ. દુર્જન મીઠું મીઠું બોલે તો પણ વિશ્વાસ ન કરવો, તેના જિહ્વાગ્રે મધ પણ હૃદયમાં હળાહળ ઝેર. સવારે કાગડાએ ખેતરના માલિકને ત્યાં આવતાં જોયો. તેના હાથમાં ધોકો હતો. જોઈને તરત જ કાગડાએ કહ્યું, ‘જો મૃગ, હવે તું જરાય હાલ્યાચાલ્યા વિના પડી રહેજે, જાણે તું મરી જ ગયો છે. હું જેવું કશુંક બોલું ત્યારે ઊઠીને તરત જ નાસી જજે.’ કાગડાએ જેવું કહ્યું તે પ્રમાણે મૃગે કર્યું. ખેડૂત મૃગને જોઈ હરખાયો, તેણે મરેલા મૃગને જોયો. ‘અરે, આ તો તેની જાતે જ મરી ગયો.’ એટલે તેણે તરત જ જાળમાંથી તેને બહાર કાઢી જાળ સમેટવા લાગ્યો. ત્યાં તરત જ કાગડો બોલ્યો એટલે મૃગ નાસી ગયો. તેને નાસતો જોઈ ખેડૂતે ધોકો ફેંક્યો પણ ધોકો હરણને ન વાગ્યો પણ શિયાળને જ વાગ્યો અને તે મરી ગયું.

ચંદનદાસ અને લીલાવતીની કથા

બંગાળમાં કૌશાંબી નામની એક નગરી. ચંદનદાસ નામે ખૂબ ધનવાન વણિક ત્યાં રહેતો હતો. મોટી ઉંમરે તેણે કામવાસનાને વશ થઈને, ધનના ગર્વને કારણે લીલાવતી નામની કન્યા સાથે લગ્ન કર્યું. તે કન્યા તો યૌવનના પુરબહારમાં હતી. તેને વૃદ્ધ પતિથી સંતોષ થતો ન હતો. હિમથી દુઃખી થતા માનવીઓ ચંદ્રથી અને તાપે પીડાતા લોકો સૂર્યથી આનંદ પામતા નથી. તેવી રીતે વૃદ્ધાવસ્થાથી જીર્ણ પતિથી સ્ત્રીઓનું મન આનંદ પામતું નથી. જેના વાળ ધોળા થઈ ગયા હોય, ઘસાઈ ગયા હોય તે પુરુષમાં કામાવેગ ક્યાંથી? સ્ત્રીઓ તો બીજા પુરુષમાં રસ લેતી હોઈ કામોત્તેજક અંશને ઔષધ ગણે. હવે આ ચંદનદાસ તો લીલાવતી પાછળ ગાંડો હતો. બધા જ માનવીઓને ધનની આશા હોય, જીવવાની આશા હોય, વૃદ્ધ પુરુષને તો તરુણ વયની પત્ની પ્રાણ કરતાંય વહાલી હોય. આવો વૃદ્ધ વિષયો ભોગવી ન શકે, વિષયો ત્યજી ન શકે. પડી ગયેલા દાંતવાળો કૂતરો હાડકું ચાટીને આનંદ મેળવે તેમ તે વણિક પોતાની પાસે પત્નીને રાખીને પંપાળ્યા કરતો હતો. હવે આ લીલાવતી કુલમર્યાદાને ઉલ્લંઘતી કોઈ એક વણિકપુત્રના પ્રેમમાં પડી. સ્વતંત્રતા, પિયરમાં લાંબા સમય સુધીનો નિવાસ,યાત્રા ઉત્સવોમાં પુરુષો સાથેની મૈત્રી, નિયમબંધન વિનાના પુરુષોનો સંસર્ગ, વિદેશનિવાસ, વારાંગનાઓ સાથે મૈત્રી, પતિની વૃદ્ધાવસ્થા, ઈર્ષ્યાળુ પતિ, પતિની વિદેશયાત્રા — આ બધાં સ્ત્રીનો વિનાશ કરનારાં પરિબળ છે. સ્ત્રીઓનાં દૂષણ કયાં? — માદક પદાર્થોનું સેવન, પતિવિરહ, યથેચ્છા વિરહ, બીજાનાં ઘરમાં સૂવું-રહેવું: આ છ દૂષણ. સ્ત્રી સુંદર પુરુષને જોઈ — પછી તે ભાઈ હોય કે પુત્ર હોય — તેના પ્રેમમાં પડે છે. યોગ્ય સ્થળ ન હોય, અનુકૂળ સમય ન હોય, પ્રેમ વ્યક્ત કરનાર પુરુષ ન હોય આ બધાંને કારણે સ્ત્રીઓનું સતીત્વ ટકી રહે છે. …એક વખત લીલાવતી રત્નોની માળાનાં કિરણોથી શોભતા પલંગ ઉપર પેલા વણિક પુત્ર સાથે નિરાંતે બેઠી હતી ત્યારે તેની જાણબહાર એ પલંગ ઉપર જ પોતાના પતિને બેઠેલો જોતાં તે એકદમ ચોંકી અને તેના પતિના વાળ ઝાલી પતિને પાસે ખેંચ્યો અને તેને ગાઢ આલિંગન આપી ચુંબન કરવા માંડી. એ અવસરનો લાભ લઈ પેલો વણિકપુત્ર નાસી ગયો. આમ અચાનક પતિને આલિંગન કરતી જોઈ પાસે રહેતી કુટ્ટની વિચારવા લાગી. આ પતિને અકસ્માત આલિંગન કેમ આપે છે? પછી તેણે તેના આલિંગનનું સાચું કારણ જાણી લીધું અને ખાનગીમાં લીલાવતી પાસેથી પૈસા પડાવ્યા.

કર્પૂરતિલક હાથી અને શિયાળની કથા

બ્રહ્મારણ્યમાં કર્પૂરતિલક નામનો એક હાથી હતો. તેને જોઈને બધાં શિયાળ વિચારવા લાગ્યા, જો કોઈ પણ રીતે આ હાથી મરે તો એના આ શરીરમાંથી આપણને ચાર મહિનાનું ભોજન મળે. એક ઘરડા શિયાળે પ્રતિજ્ઞા કરી, હું મારી બુદ્ધિ વડે એનું મોત આણું. પછી તે શિયાળ હાથી પાસે સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યો, ‘દેવ, મારા પર કૃપા કરો.’ હાથીએ પૂછ્યું, ‘તું કોણ છે? અને ક્યાંથી આવ્યો છે?’ તેણે કહ્યું, ‘હું શિયાળ છું. વનનાં બધાં પ્રાણીઓએ ભેગાં મળીને મને મોકલ્યો છે. રાજા વિના રહેવું યોગ્ય ન ગણાય. તમે સ્વામીના બધા ગુણ ધરાવો છો, એટલે તમારો રાજા તરીકે અભિષેક કરવો છે… રાજા મેળવવો એ સૌથી પહેલી જરૂરિયાત છે. પછી સ્ત્રી અને ધન આવે. રાજા વિના પત્નીનું અને ધનનું રક્ષણ કેમ થાય? વરસાદ જેમ બધાંનો આધાર તેમ રાજા પણ બધાં પ્રાણીઓનો આધાર. વર્ષાઋતુમાં ધારો કે વરસાદ ન પડે તો પણ માણસ જીવી શકે પણ રાજા ક્રોધે ભરાય તો જીવવું મુશ્કેલ થઈ પડે. એટલે તમે મારી પાછળ પાછળ આવો.’ કર્પૂરતિલક હાથી પણ રાજા થવાના લોભે શિયાળની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મોટા ગારામાં દટાઈ ગયો. હાથીએ કહ્યું, ‘હે મિત્ર, હવે શું કરું? હું કીચડના ગારામાં દટાયો છું. પાછું વળીને મારી સામે જો.’ શિયાળે હસીને કહ્યું, ‘દેવ, મારી પૂંછડી પકડી બહાર નીકળો. મારા જેવા તુચ્છ પશુના વચન પર વિશ્વાસ રાખ્યો તો તેનું ફળ તમે ભોગવો.’ એટલે ઊંડા કાદવમાં દટાયેલો હાથી મૃત્યુ પામ્યો અને બધાં શિયાળ તેને ખાઈ ગયા.

નંદક અને સંજીવક

દક્ષિણ દેશમાં સુવર્ણવતી નામે નગરી. ત્યાં વર્ધમાન નામે વણિક રહેતો હતો. તે ધનવાન હતો છતાં બીજા જ્ઞાતિજનોને વધુ સમૃદ્ધ જોઈને મારે પણ વધુ પૈસો મેળવવો જોઈએ એવો વિચાર કર્યો. આમ વિચારી તે વણિક નંદક અને સંજીવક નામના બે બળદને ગાડે જોડી, અનેક પ્રકારની ચીજવસ્તુઓને લઈને નીકળી પડ્યો. પછી રસ્તામાં સંજીવક નામના બળદનો ઘૂંટણ ભાંગ્યો એટલે તે જમીન પર પડી ગયો. એટલે સંજીવકને ત્યાં જ વનમાં પડતો મૂકી બીજા નગરમાં જઈ એક હૃષ્ટપુષ્ટ બળદને લઈ આવી આગળ ચાલી નીકળ્યો. તેના ગયા પછી થોડા દિવસે સંજીવક બળદ ત્રણ પગ પર ભાર આપીને ઊઠતો થયો. ત્યાં નિરાંતે આહારવિહાર કરી વનમાં તંદુરસ્ત થયો અને આનંદમાં રહેવા લાગ્યો. તે વનમાં પિંગલક નામનો સિંહ રહેતો હતો. તે એક દિવસ ખૂબ તરસ્યો થઈ પાણી પીવા યમુના નદીના કાંઠે ગયો. ત્યાં એ પહેલાં કદી ન સાંભળેલો એવો સંજીવકનો અવાજ સાંભળ્યો. તે ગભરાઈ ગયો અને પાણી પણ ન પીતાં તે પોતાના સ્થાને જતો રહ્યો. તેને આવી ચકિત અવસ્થામાં કરટક અને દમનક નામના બે શિયાળે જોયો. દમનક કરટકને કહેવા લાગ્યો, ‘અરે, આ આપણો રાજા તરસ્યો હોવા છતાં પાણી પીધા વિના અહીં આવીને મૂગોમંતર કેમ બેઠો છે?’ કરટકે કહ્યું, ‘આપણને તો એની સેવા કરવી ગમતી જ નથી, તો પછી તે શું કરે છે તેની ચિંતા આપણે શા માટે કરવી? આપણો કોઈ પણ વાંકગુનો નહીં અને છતાં આપણું અપમાન કર્યું છે અને આપણે બહુ દુઃખ ભોગવ્યું છે.’ આ સાંભળી દમનકે તેને સમજાવ્યો. ‘મનમાં આવો વિચાર પણ નહીં આણવો. એમ કહી તેણે ખીલો ખેંચનાર વાનરની કથા કહી. એ પછી એક ગધેડાની કથા કહી.

ધોબી અને ગધેડાની કથા

વારાણસીમાં કર્પૂરઘટક નામનો એક ધોબી રહેતો હતો. એક વખત તે પોતાની જુવાન પત્ની સાથે મોજમજા કરીને ગાઢ નિદ્રામાં સરી પડ્યો હતો. તે વખતે તેના ઘરમાં ચોરી કરવા એક ચોર તેના ઘરમાં ઘૂસ્યો. બારણે એક ગધેડો બાંધ્યો હતો, કૂતરો બેઠો હતો. આ ચોરને જોઈ ગધેડાએ કૂતરાને કહ્યું, ‘આ ચોરને જોઈને તારે શેઠને જગાડવા જોઈએ.’ કૂતરાએ આ સાંભળી કહ્યું, ‘મારા કામમાં તારે માથું મારવું નહીં. રાતદિવસ તેના ઘરની ચોકી કરું છું. એટલે હવે તેને કશી ચિંતા નથી. મારી કિંમત સમજાતી નથી. ખાવાનું પણ સરખું આપતો નથી.’ ગધેડાએ સામો જવાબ આપ્યો, ‘અરે કામ કરવાનો વળી બદલો શાનો? એવી આશા રાખનાર નકામા.’ કૂતરાએ સામો જવાબ આપ્યો, ‘કામ પડે ત્યારે જ ચાકરની ચિંતા કરે તે શેઠ પણ નકામો.’ એટલે ગધેડો મોટે મોટેથી ભૂંકવા લાગ્યો. તેનો અવાજ સાંભળી ધોબી જાગી ગયો, અને મીઠી ઊંઘમાંથી જાગ્યો એટલે ગુસ્સે થયો. લાકડી લઈને ગધેડાને બહુ માર્યો અને ગધેડો મરી ગયો. … આ પછી દમનક સામે ચાલીને પંગિલક પાસે ગયો. રાજાએ તેને માન આપીને બેસાડ્યો, પછી રાજાએ તેનાં ખબરઅંતર પણ પૂછ્યાં. દમનકે બધી વાત કાઢી, ‘તમે પાણી પીવા ગયા પણ પાણી પીધાં વિના કેમ પાછા આવ્યા?’ પંગિલકે કહ્યું, ‘ એ ખાનગી વાત છે. હમણાં વનમાં કોઈ અપૂર્વ પ્રાણી આવ્યું છે. મેં કદી ન સાંભળેલો એવો મોટો અવાજ પણ સાંભળ્યો. તે બહુ બળવાન હોવો જોઈએ.’ દમનકે સિંહને ધીરજ બંધાવતાં કહ્યું, ‘હું જીવું છું ત્યાં સુધી તમારે બીવાને કોઈ કારણ નથી.’ દમનક અને કરટક ત્યાંથી ચાલી નીકળ્યા. પછી કરટકે કહ્યું, ‘આપણા હાથે ભયનું નિવારણ થશે કે નહીં તે જાણ્યા વિના તે આવી પ્રતિજ્ઞા કેમ કરી?’ એટલે દમનકે કહ્યું, ‘મેેં એ ભયનું કારણ જાણી લીધું. તે બળદનો અવાજ હતો. બળદ તો આપણો પણ શિકાર, સિંહનો તો વધુ મોટો શિકાર.’ પછી દમનકે સિંહ, અને ઉંદરની વાત કહી. હવે દમનક અને કરટક સંજીવક પાસે ગયા. કરટક મોટાઈનો દંભ કરી ઝાડ નીચે બેઠો. દમનકે સંજીવક પાસે જઈને કહ્યું, ‘અરે બળદ, સાંભળ. પિંગલક રાજાએ આ વનની રક્ષા માટે કરટકને સેનાપતિ તરીકે નીમ્યો છે. આ સેનાપતિની આજ્ઞા છે કે તારે કરટક પાસે તરત જ જવું. નહીં તો આ વનમાંથી જતો રહે. જો તે ગુસ્સે થાય પછી કશું કહેવાય નહીં.’ એટલે સંજીવકે ગભરાઈ જઈને કરટક પાસે જઈને તેને પ્રણામ કર્યાં. ‘બોલો, મારે શું કરવાનું છે?’ કરટકે કહ્યું, ‘તું જો અહીં રહેવા માગતો હોય તો અમારા રાજા પાસે જઈને વંદન કર.’ સંજીવકે કહ્યું, ‘પણ સિંહ મને મારી નાખે તો. મને અભય વચન આપો તો હું તેની પાસે જઉં. તમે તમારો જમણો હાથ મારા હાથમાં મૂકો.’ કરટકે કહ્યું, ‘એવો ડર ન રાખ.’ પછી બંને શિયાળ સંજીવકને થોડે દૂર બેસાડી સિંહ પાસે ગયા. બંનેએ રાજાને પ્રણામ કર્યાં. રાજાએ કહ્યું, ‘તેં એ પ્રાણી જોયું?’ દમનકે કહ્યું, ‘હા મહારાજ, મેં તેને જોયો. તે ભયંકર છે. તે મહાન હોઈ તમારા જેવા મહાનને મળવા માગે છે. પણ એ બહુ બળવાન છે. એટલે યુદ્ધની તૈયારી કરીને મળવું. માત્ર અવાજથી ડરી ન જવું.’ શબ્દનું કારણ જાણવું અને પછી જ વિચારવું. સાંભળો એક કુટ્ટનીની વાર્તા.

કરાલા નામની કુટ્ટનીની વાર્તા

‘શ્રી પર્વતમાં બ્રહ્મપુર નામના નગરમાં ઘંટાકર્ણ નામનો એક રાક્ષસ રહેતો હતો એવી એક અફવા સંભળાતી હતી. કોઈ એક ચોર ઘંટ લઈને દોડતો હતો અને વાઘે તેને મારી નાખ્યો અને પછી તે ચોરને ખાઈ ગયો. હવે ચોરના હાથમાં રહેલો ઘંટ પડી ગયો અને તે વાંદરાંઓને મળ્યો. આ તો વાંદરાં એટલે વારે વારે તે ઘંટ વગાડવા લાગ્યા. નગરના માણસોએ વાઘે ખાધેલો ચોર જોયો અને વારે વારે ઘંટારવ સાંભળવા લાગ્યા. ગામલોકોએ માની લીધું કે કોઈ ઘંટાકર્ણ નામનો રાક્ષસ છે અને તે જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે મનુષ્યભક્ષી બને છે, પછી ઘંટ વગાડે છે. ગામલોકો તો ગામ છોડીને નાસી ગયા. હવે તે નગરમાં કરાલા નામે એક કુટ્ટની રહેતી હતી. ઘંટ કસમયે વાગે છે તો શું એ વાંદરાંઓ વગાડતા હશે? મનમાં એવો વિચાર કરીને જાતે જઈ ખાત્રી કરી આવી. પછી રાજા પાસે જઈને બોલી, ‘મહારાજ, જો તમે થોડો ખર્ચ કરો તો હું આ ઘંટાકર્ણને વશ કરું.’ રાજાએ હા પાડી અને તેને ધન આપ્યું. એ ધન વડે તેણે મંડપરચના કરાવી, ગણપતિ વગેરે દેવતાના પૂજનનો ઢોંગ કર્યાે અને વાંદરાંઓને બહુ ભાવે તેવાં ફળ લઈ વનમાં ગઈ, ચારે બાજુએ ફળ વેર્યાં. વાંદરાં ફળની લાલચે ઘંટ મૂકીને ફળ લેવા દોડ્યાં અને કુટ્ટની ઘંટ લઈને નગરમાં આવી, લોકોએ તેને બહુ માન આપ્યું.’

મુનિ અને ઉંદરની કથા

મહર્ષિ ગૌતમના તપોવનમાં મહાતપ નામે એક મુનિ હતા. તે મુનિએ પોતાના આશ્રમમાં કાગડાના મોેંમાંથી નીચે પડી ગયેલું ઉંદરનું બચ્ચું જોયું. સ્વાભાવિક દયાથી તે મુનિએ તેને અનાજના દાણા ખવડાવી પાળ્યું પોષ્યું. પછી એક બિલાડો તેને ખાઈ જવા દોડી આવ્યો. તે ઉંદર મુનિના ખોળામાં બેસી ગયો. એટલે મુનિએ કહ્યું, ‘તું બિલાડો થઈ જા.’ એટલે તે બિલાડો થઈ ગયો. હવે તેને કૂતરાની બીક લાગી. ‘જો તને કૂતરાની બીક લાગે છે તો તું કૂતરો થઈ જા.’ એટલે તે કૂતરો થઈ ગયો પણ હવે તેને વાઘની બીક લાગી. મુનિ તો સમજતા હતા કે આ વાઘ નથી પણ ઉંદર છે. બધા પણ કહેતા હતા કે આ મુનિએ ઉંદરને જ વાઘ કર્યો છે. આવું બધું સાંભળીને ઉંદરમાંથી વાઘ બનેલાને પોતાની અપકીર્તિ થતી લાગી. એટલે તેણે મુનિ ઉપર જ હુમલો કર્યો, મુનિએ એનો આશય જાણીને કહ્યું, ‘પાછો ઉંદર થઈ જા.’ એટલે તે હતો તેવો જ ઉંદર થઈ ગયો.

બ્રાહ્મણ અને ત્રણ ધુતારાની કથા

ગૌતમ મુનિના આશ્રમમાં યજ્ઞ કરનાર એક બ્રાહ્મણ હતો. યજ્ઞ માટે બીજે ગામથી એક બકરો લાવી, ખભે ઊંચકીને તે જતો હતો. ત્રણ ધુતારાઓએ તે બ્રાહ્મણને જોયો અને બકરો પડાવી લેવાની તેમને ઇચ્છા થઈ. એવો વિચાર કરી ત્રણે જણ એકેએક ગાઉના અંતરે બેઠા, અને બ્રાહ્મણની રાહ જોવા લાગ્યા. પહેલા ધુતારાએ બ્રાહ્મણને જોઈને પૂછ્યું, ‘અરે બ્રાહ્મણ, આ કૂતરાને ખભે નાખીને ક્યાં ચાલ્યા?’ બ્રાહ્મણે કહ્યું, ‘આ કૂતરો નથી પણ યજ્ઞ માટે આણેલો બકરો છે.’ થોડી વાર પછી બીજા ધુતારાએ પણ એવું જ પૂછ્યું. એ સાંભળીને બ્રાહ્મણને મનમાં વહેમ પડ્યો એટલે બકરાને જમીન પર મૂકી થોડો વિચાર કર્યો અને પછી પાછો બકરાને ઊંચકીને ખભે મૂક્યો, અને આગળ ચાલવા લાગ્યો. ફરી તેને ત્રીજો ધુતારો મળ્યો. તેણે પણ બ્રાહ્મણને એવું જ પૂછ્યું. ‘ચોક્કસ, મારી મતિને ભ્રમ થયો છે.’ બકરાને ત્યાં જ મૂકીને સ્નાન કરી ઘેર ગયો અને ત્રણ ધુતારાઓ બકરાને રાંધીને ખાઈ ગયા.


કાદંબરી

અવન્તીમાં ઉજ્જયિની નામે નગરી છે. તેની શોભા અમરલોકથી પણ ચઢિયાતી છે. સકલ ત્રિભુવનનું તે એક આભૂષણ છે. કૃતયૃગની તે જન્મભૂમિ છે, ત્રણે ભુવનની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર શ્રી મહાકાલેશ્વર મહાદેવે પોતાને વસવા યોગ્ય ઉત્પન્ન કરેલી જાણે તે બીજી પૃથ્વી છે. તેને ઘેરીને આવેલા સમુદ્ર જેવો રસાતલ જેવી ઊંડી એક પાણીની ખાઈનો ગોળ પરીઘ તેની આજુબાજુ ફરી વળેલો છે. શંકરની એ નિવાસ પર પ્રીતિ જોઈ, ગગનને સ્પર્શ કરતાં શિખરવાળો કૈલાસ પર્વત આવ્યો હોય એવો, ત્યાં ચારે બાજુથી ચૂનાથી ધોળેલો ફરતો કોટ છે… મૃદંગના ગંભીર સ્વરથી ગાજી રહેલાં ધારાગૃહ, જ્યાં ઝીણાં જલકણના વરસાદથી દુુદિર્ન થઈ રહ્યો છે અને પથરાયેલા રવિકિરણના સમૂહથી બનેલાં ઇન્દ્રધનુષોને લીધે જે રમણીય દેખાય છે, ત્યાં કળા કરી ઊભેલા, નૃત્યવ્યસની, મત્ત મયૂરોના શબ્દથી કોલાહલ થઈ રહે છે. વિકસિત કુવલયથી મનોહર લાગતાં, પ્રફુલ્લ કમલથી ધવલ થયેલાં અભ્યંતરવાળાં તથા અનિમેષ દર્શન વડે રમણીય દેખાતાં ઇન્દ્રલોચન જેવાં સહ સરોવરથી તે નગરી શોભી રહેલી છે… એવા પ્રકારની એ નગરીમાં નલ, નહુષ, યયાતિ, ધુંધુમાર, ભરત ભગીરથ અને દશરથ જેવો પ્રજાની પીડ હરનાર રાજા તારાપીડ હતો. શેષનાગના જેવો તે ક્ષમાના ભારથી ગુરુ થયેલો હતો. નર્મદાપ્રવાહની પેઠે તે મહાવંશમાંથી ઉત્પન્ન થયેલો હતો. ધર્મનો જાણે તે અવતાર હતો અને પુરુષોત્તમનો જાણે પ્રતિનિધિ હતો. … ઇન્દ્રને જેમ બૃહસ્પતિ, વૃષપર્વને જેમ શુક્ર, દશરથને જેમ વસિષ્ઠ, રામને જેમ વિશ્વામિત્ર, યુધિષ્ઠિરને જેમ ધૌમ્ય, ભીમને જેમ દમનક, તથા નલને જેમ સુમતિ તેમ તે રાજાને શુકનાસ નામે બ્રાહ્મણ પ્રધાન હતા. બાળપણથી જ તેમને રાજા પર અતિ પ્રેમ હતો. નીતિશાસ્ત્રના પ્રયોગમાં તે કુશલ હતા. ભુવન રાજ્યભાર રૂપી નૌકાના તે નાવિક હતા. મ્હોટાંમ્હોટાં કાર્યસંકટોમાં પણ તેમની બુદ્ધિ પાછી હઠતી ન હતી. ધૈર્યનું તે ધામ હતા. સ્થિતિનું સ્થાન હતા. સત્યના સિંધુ હતા. ગુણગણના ગુરુ હતા. સર્વઆચારના આચાર્ય હતા અને ધર્મના ધાતા હતા. તે રાજાએ ઐરાવતની સંૂઢ જેવા સ્થૂૂળ, રાજલક્ષ્મીને ક્રીડા રમવાના ઉશીકા જેવા, સકલ જગતને અભયપ્રદાન રૂપી યજ્ઞદીક્ષા આપવાના સ્તંભ જેવા, ઝગઝગતા ખડગનાં કિરણોમાં ઢંકાઈ ગયેલા, અને અખિલ શત્રુકુલનો પ્રલય સૂચવતા ધૂમકેતુ જેવા પોતાના ભુજદંડ વડે, સપ્તદ્વીપ રૂપી વલયવાળી વસુધાને બાળપણમાંથી જ વશ કરીને તે શુકનાસ નામના પોતાના મિત્ર જેવા મંત્રીને સર્વ રાજ્યભાર સોંપી, પ્રજાઓને સ્વસ્થ કરી હતી, તથા સર્વ શત્રુઓના પ્રશમન થકી તેની સઘળી ચિતા દૂર થઈ હતી; તેથી બીજું કંઈ કર્તવ્ય શેષ રહેલું છે એમ તેને લાગ્યું નહિ… આ પ્રમાણે પ્રધાનને રાજ્યભાર સોંપીને તે રાજા યૌવનસુખનો અનુભવ લેવામાં કાલ નિર્ગમન કરતા. બહુ વર્ષ થયાં ત્યારે તે બીજાં પણ ઘણાંખરાં સાંસારિક સુખનો પૂર્ણ ઉપભોગ કરી રહ્યા, પરંતુ પુત્ર-મુખ-દર્શન રૂપી એક સુખ તેને મળ્યું નહિ… શંભુના જટાકલાપને જેવી ચંદ્રક્લા, વિષ્ણુના વક્ષ:સ્થલને જેવી કૌસ્તુભ પ્રભા, બલદેવને જેવી વનમાલા, સાગરને જેવી ભરતી, દિગ્ગજને જેવી મદલેખા, વૃક્ષને જેવી લતા, ચૈત્ર માસને કુસુમોદ્ગતિ, ચંદ્રને જેવી ચંદ્રિકા, સરોવરને જેવી કમલિની, આકાશને જેવી તારાઓની અને શેષનાગને જેવી ફણામણિની જ્યોતિ, તેવી તે રાજાને — ત્રિભુવનને વિસ્મય પમાડનારી, સ્ત્રી-વિલાસની જનની જેવી, સકલ અંત:પુરમાં પ્રધાનપદ પામેલી વિલાસવતી નામે રાજ્ઞી, આભૂષણ હતી. એક દિવસ રાજા જ્યારે રાણીને મહેલ જઈ ચઢ્યો ત્યારે તેણે એને એક નાની સુઘટિત શય્યા ઉપર બેઠે બેઠે રુદન કરતી જોઈ. એની આસપાસ ભરાયેલા દાસીમંડપની દૃષ્ટિ ચિંતાથી જડ બની ગઈ હતી તથા શોકથી સર્વ ચૂપ થઈ બેઠાં હતાં…ચોધાર આંસુ પડવાથી એનું વસ્ત્ર પલળી ગયું હતું; સર્વ અલંકાર એણે ઉતારી નાખ્યા હતા, રાજાને જોઈ ઊઠીને એણે સત્કાર કર્યો કે તરત જ નૃપતિએ એેને એ જ શય્યા ઉપર બેસાડી, અને પોતે પણ ત્યાં જ બેઠો. પરંતુ અશ્રુપાતનું કંઈ કારણ નહિ જાણવાથી તે જરા ગભરાટમાં પડ્યો, અને પોતાને હાથે જ એના ગાલ ઉપરથી આંસુ લ્હોઈ નાખતે નાખતે કહેવા લાગ્યો કે દેવી, અંત:કરણના પ્રબલ શોકભારથી મંદ અને નિ:શબ્દ રુદન તું શા સારુ કરે છે?… …આવું કહેવા પણ જ્યારે વિલાસવતીએ કંઈ પ્રતિવચન ન દીધું ત્યારે, વધારે વધારે આંસુ પડવાનું કારણ રાજા તેની દાસીઓને પૂછવા લાગ્યો. એટલે મકરિકા નામની તેની તાંબૂલવાહિનીએ રાજાને પ્રત્યુત્તર આપ્યો કે કોઈ મહાગ્રહથી પીડાતી હોઉં એમ નરેન્દ્રનો સમાગમ મ્હારે નિષ્ફલ થાય છે એ રીતની ચિંતા દેવીને થયા કરે છે. અને ઘણા કાળથી એ સંતાપ ભોગવે છે…રાણીજી પ્રથમ પણ શયન, સ્નાન; ભોજન, ભૂષણ-પરિગ્રહ આદિ ઉચિત દિવસ-વ્યાપારમાં પરિજનના અતિશય પ્રયત્નથી બળાત્કારે ચિત્ત પરોવતાં અને શોકાતુર જેવાં રહેતાં; પરંતુ આપના હૃદયને પીડાતી અટકાવવાને જરાયે વિકાર દર્શાવતાં નહિ. પણ આજ ચતુર્દશી છે તેથી ભગવાન મહાકાલેશ્વરનું પૂજન કરવા સારુ એ ગયાં હતાં ત્યાં મહાભારત કહેવાતું હતું, અને તેમાં એમણે સાંભળ્યું કે અપુત્ર જનને સ્વર્ગલોકની પ્રાપ્તિ નથી; પુ નામે નરકમાંથી તારે તે પુત્ર કહેવાય — એટલું સાંભળીને ઘેર આવ્યા પછી, દાસીઓ નમી નમીને પ્રાર્થના કરે છે તો પણ, નથી એ ભોજન કરતાં, નથી શણગાર સજતાં ને નથી ઉત્તર આપતાં… ભૂપતિએ તેના બોલી રહ્યા પછી જરા વાર શાન્ત રહી દીર્ઘ અને ઉષ્ણ નિ:શ્વાસ નાખીને કહ્યું કે દેવી! આમાં આપણાથી શું થાય એમ છે? જે વસ્તુ દૈવને અધીન છે, તેને સારુ અતિ રુદન કર્યેથી શું થવાનું?… ગુરુજન ઉપર દેવી! અધિક ભક્તિ રાખો; દેવતાઓની પૂજા દ્વિગુણિત કરો; ઋષિજનની સેવામાં આદર દર્શાવો…જ્યાં વિધાતાની આગળ કંઈ ઉપાય ચાલે એમ નથી ત્યાં હું શું કરું? માટે દેવી! આ સર્વ શોક મૂકી દો અને ધૈર્યમાં તથા ધર્મમાં બુુદ્ધિનું પ્રવર્તન કરો… ધર્મોપદેશ કરતાં વચનથી પુન: પુન: આશ્વાસન કરી, ઘણી વાર પછી ભૂમિપાલ ત્યાંથી પાછો ફર્યો… રાજાના ગયા પછી વિલાસવતીએ શોક મંદ પડવાથી, રીતિ પ્રમાણે, આભૂષણ પરિગ્રહ વગેરે યોગ્ય દિવસવ્યાપાર કર્યો, ત્યારથી દેવતાઓની આરાધનામાં, બ્રાહ્મણની પૂજામાં અને ગુરુજનની સેવામાં વધારે ને વધારે તેણે આદર દર્શાવવા માંડ્યો… પુત્રદર્શનની ઇચ્છાથી, દર્શને આવેલા બ્રાહ્મણો પાસે વેદપારાયણ કરાવતી, અહનિર્શ ચાલતી પવિત્ર કથાઓનું શ્રવણ કરતી, ગોરોચનાથી ભૂર્જપત્ર ઉપર લખેલા મંત્રવાળાં માદળિયાં પહેરતી, ઔષધિનાં રક્ષાસૂત્ર બાંધતી. એમ કરતાં કરતાં કેટલાક દિવસ પછી એક સમયે જ્યારે રાત્રિ ઘણી ખરી વીતી ગઈ હતી, તારાઓ થોડા થોડા અને ઝાંખા ઝાંખા દેખાતા હતા, અને આકાશ વૃદ્ધ પારાવતની પાંખ જેવું ધૂમ્ર થયું હતું ત્યારે રાજાએ સ્વપ્નમાં, હાથણીના મુખમાં જેમ મૃણાલ વલય તેમ, મહેલના શિખર પર સૂતેલી વિલાસવતીના મુખમાં સકલ કલાથી પરિપૂર્ણ ચંદ્રમંડલ પ્રવેશ કરતું જોયું. તેમાંથી જાગ્યો કે તરત જ તે ઊઠ્યો; હર્ષથી તેનાં લોચન વધારે પ્રફુલ્લ થઈને શયનગૃહને શ્વેત કરવા લાગ્યા; ઊઠીને તેણે શુકનાસને તે જ ક્ષણે બોલાવ્યા, અને સ્વપ્નની વાત તેમને કરી. હષિર્ત થઈને તેમણે પ્રત્યુત્તર આપ્યો કે દેવ! ઘણા કાળ પછી આજ આપણા અને પ્રજાના મનોરથ પરિપૂર્ણ થયા; હવે થોડા જ દિવસમાં મહારાજને નિ:સંશય પુત્ર-મુખ-કાલ નિરખવાનું સુખ મળશે. વળી આજ રાત્રે મને પણ સ્વપ્નમાં કોઈ ધોયેલાં શ્વેત વસ્ત્ર પહેરીને આવેલા, શાન્ત આકાર અને દિવ્ય આકૃતિના બ્રાહ્મણે દેવી મનોરમાના ખોળામાં મૂકેલું, વિકસિત, ચંદ્રકલા જેવા સ્વચ્છશત પત્રવાળું, ફરફરતાં હજારો કેશરથી ભરાઈ ગયેલું અને રસનાં ઝીણાં બંદુિ ટપકાવતું પુંડરીક દેખાયું છે… એમ તે કહેતો હતો તેવામાં જ રાજા તેનો હાથ ઝાલી અંદર ગયો, અને એ બંને સ્વપ્નો કહીને વિલાસવતીને તેણે આનંદ ઊપજાવ્યો… થોડા દિવસ પછી, સરસીમાં જેમ ચંદ્ર-પ્રતિબિંબ પ્રવેશ કરે તેમ વિલાસવતીમાં, દેવતાઓની કૃપાથી ગર્ભે પ્રવેશ કીધો. પારિજાતથી જેમ નન્દનવનની ઘટા, તથા કૌસ્તુભ મણિથી જેમ વિષ્ણુની છાતી, તેમ તે ગર્ભને લીધે રાણી વધારે વધારે શોભવા લાગી… તેના સર્વ પરિજનના પ્રધાનપદ પામેલી, સદા રાજકુલમાં વસવાથી ચતુર થયેલી, રાજાની પાસે સર્વદા રહેવાથી પ્રગલ્ભ બનેલી, અને સર્વમંગલ કાર્યમાં કુશલ, કુલવધના નામે એક વિખ્યાત વૃદ્ધ સ્ત્રી હતી. તેણે ત્યાર પછી એક શુભ દિવસે પ્રદોષ-સમયે જ્યારે ભૂપતિ અંદરના સભાખંડમાં બેઠેલો હતો…ત્યારે તેની પાસે જઈને કાનમાં ધીમેથી વિલાસવતીના ગર્ભનો વૃત્તાંત કહ્યો. તેનું આ અશ્રુત-પૂર્વ અને અસંભાવ્ય વચન સાંભળતાં જ જાણે અમૃતરસથી રાજાનાં અંગ પલળી ગયાં. તત્કાળ ઊભા થયેલા રોમાંકુરથી તેના શરીર પર કંટક વ્યાપી ગયા. આનંદરસથી તે વિહ્વલ બનવા લાગ્યો… એટલામાં તેની ચંચલ કીકીવાળી અને આનંદાશ્રુ બિન્દુથી ભીની થયેલી પાંપણવાળી દૃષ્ટિ શુકનાસના મુખ ઉપર પડી… શુકનાસને એ વૃત્તાંત વિદિત ન હતો તો પણ એ સમયને ઉચિત બીજું કંઈ અતિમહાન હર્ષનું કારણ જણાયું નહિ. તેથી શુકનાસ ચેતી ગયો, અને આસન ખસેડી, રાજાની છેક પાસે જઈ, ધીમે સ્વરે બોલ્યો, ‘મહારાજ! કેમ કંઈ સ્વપ્નદર્શનમાં સત્ય જણાય છે કે?… કહો કે આ શું બન્યું છે?’ એમ જ્યારે તે બોલી રહ્યો ત્યારે રાજાએ હસીને પ્રત્યુત્તર આપ્યો કે- ‘જે આણે કહ્યું તે જો સત્ય જ હોય તો તો સર્વ સ્વપ્નદર્શન સાચું પડ્યું (એમ કહેવાય) પણ મને એનો વિશ્વાસ પડતો નથી…મને એ જુઠ્ઠું કહેતી હોય એમ લાગે છે: માટે ચાલો એવું કહી તેણે સર્વ રાજલોકને વિદાય કરી, પોતાનાં અંગ ઉપરનાં સર્વ આભૂષણ ઉતારી કુલવર્ધનાને આપ્યા… પછી નરપતિ શુકનાસ સાથે ઊઠ્યો… અને તે આગળ ધરેલી — પવનથી હાલતી સ્થૂલ જ્યોતવાળી — પ્રદીપિકાઓના પ્રકાશથી ઓરડામાં ભરાઈ રહેલો અંધકાર દૂર કરતો કરતો અંત:પુરમાં આવી પહોંચ્યો. મણિપ્રદીપોએ જ્યાં તિમિર ટાળી મૂક્યું હતું એવા શયનગૃહમાં હિમાલયના શિલાતલ જેવા વિશાલ, અને ગર્ભવતી સ્ત્રીને ઉચિત એક શયન પર, ગોરોચનાથી ચિત્રેલા છેડાવાળાં, નવાં અને અતિશ્વેત બે વસ્ત્ર પહેરીને સૂતેલી વિલાસવતીને તેણે જોઈ. દાસીઓના ત્વરાથી પ્રસારેલા હાથને ટેકો દઈ, ડાબા ઢીંચણ પર હસ્તપલ્લવ મૂકી, હાલતા ભૂષણમણિના ઝણકાર સહિત જેવી વિલાસવતી ઊભી થતી હતી તેવું જ બહુ થયું, બહુ થયું, અતિ આદર જવા દ્યો, દેવી! મા ઊઠો — એમ કહી રાજા તે જ શયન પર બેઠો, અને સ્વચ્છ સુવર્ણના પાયાવાળા તથા ધવલ પ્રચ્છદવાળા, પાસે પડેલા બીજા શયન પર શુકનાસ પણ બેઠા. રાણીને પ્રફુલ્લ ગર્ભસહિત જોઈને હર્ષના ભાર વડે મંદ થયેલા મન વડે પરિહાસ કરતો કરતો રાજા બોલ્યો, ‘દેવી! શુકનાસ પૂછે છે કે કુલવર્ધના કહી ગઈ તે શું તેમ જ છે?’ એટલે વિલાસવતીના ગાલ ઉપર, અધર ઉપર, અને લોચન પર મંદ મંદ હાસ્ય પ્રકટ થયું, અને લજ્જા આવવાથી દંતકિરણના આકારમાં જાણે વસ્ત્ર વડે મુખ ઢાંકીને તેણે તરત જ નીચે જોયું. પણ જ્યારે રાજાએ પુન:પુન: પૂછ્યા કર્કહ્યું ત્યારે — મને શું કરવા વધારે વધારે શરમાવો છો? હું તો કંઈએ નથી જાણતી — એમ કહી, આંખની કીકી જરા વાંકી ફેરવી, મુખ નીચું રાખી, તેણે રાજાની તરફ જાણે ક્રોધયુકત દૃષ્ટિ નાખી. …… કેટલાક વખત પછી, ઇચ્છિત ગર્ભદોહનના સંપાદનથી હર્ષ પામેલી વિલાસવતીએ, પ્રસવકાલ પૂર્ણ થયેલી, એક શુભ દિવસે, અહનિર્શ ગળતા પાણીના ઘટીયંત્રથી તથા બહારથી આણેલી શંકુચ્છાયાથી કાળના અંશ માપનાર જ્યોતિષીઓએ ગ્રહણ કીધેલા લગ્નમાં, શુભ વેળાએ, મેઘમાલા જેમ મેઘ-જ્યોતિને જન્મ આપે તેમ, સકલલોકનાં હૃદયને આનંદકારી પુત્રને પ્રસવ્યો. તે જન્મ્યો કે તરત જ રાજકુલમાં, ત્વરાથી આમ તેમ દોડતા પરિજનોના સેંકડો ચરણ પડવાથી ધરાતલને ડોલાવતો, નગરને ગજવી મૂકતો ઉત્સવવૃદ્ધિનો ભારે ગરબડાટ મચી રહ્યો. નૃપતિનું હૃદય પુત્ર-મુખ-દર્શનરૂપી ઉત્સવને સારુ તલપી રહ્યું હતું તો પણ યોગ્ય દિવસ આવ્યો ત્યારે જ સૂતિકાગૃહમાં સર્વ પરિજનને દૂર કરી, શુકનાસની સાથે તે, જ્યોતિષીઓએ બતાવેલે શુભ મુહૂર્તે જઈ શક્યો… ત્યાં જલ અને અગ્નિનો સ્પર્શ કરીને રાજાએ પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો કે તરત જ રાજાએ, પ્રસવથી દૂબળી તથા ફીકી પડી ગયેલી વિલાસવતીના ઉત્સંગમાં પોઢેલા પ્રીતિજનક પુત્રને જોયો, તેની કાન્તિના સમુદયને લીધે ગર્ભગૃહના પ્રદીપોની પ્રભા ઝાંખી પડી ગઈ હતી. શેષ રહેલા ગર્ભરાગ વડે, ઉદય સમયના રક્ત રવિમંડલ જેવો, સંધ્યાકાળના રાતા ચંદ્રબિંબ જેવો, કલ્પવૃક્ષના કોમલ પલ્લવ જેવો, પ્રફુલ્લ કમલના સમૂહ જેવો, અને પૃથ્વી જોવા સારુ નીચે ઊતરેલા મંગલ જેવો તે શોભતો હતો…હજારો મનોરથે જેનું દર્શન પ્રાપ્ત થયું હતું તે તનયમુખને સ્પૃહાથી નિહાળી નિહાળીને રાજા આનંદ પામ્યો, અને પોતાને કૃતક્ૃત્ય માનવા લાગ્યો. સર્વ મનોરથ ફલિત થવાથી શુકનાસ, પ્રીતિથી વિસ્તાર પામતાં લોચન વડે એ પુત્રનાં અંગેઅંગ જોતો જોતો રાજાને ધીમે ધીમે કહેવા લાગ્યા: ‘જુઓ મહારાજ! ગર્ભપીડનથી હજી કુમારના અવયવની શોભા બરાબર સ્ફુટ તો થઈ નથી તથાપિ, આ સર્વ ચક્રવર્તીચિહ્ન એનું માહાત્મ્ય દર્શાવી આપે છે…’ એમ તે કહેતા હતા એટલામાં, દ્વાર પાસે ઊભેલા રાજલોકે ઝટ ખસીને જેને માર્ગ આપ્યો હતો, હર્ષથી જેના શરીર ઉપર રુવેરુવાં ઊભાં થયાં હતાં, અને લોચન જેનાં પ્રફુલ્લ થતાં હતાં એવા મંગલક નામના પુરુષે ત્વરાથી આવીને હસતે મુખે, રાજાને પ્રણામ કરી જણાવ્યું, ‘દેવ વૃદ્ધિ પામો! આપના શત્રુઓનો નાશ થાઓ. મહારાજ ઘણું જીવો! પૃથ્વીનો જય કરો! આપના પ્રસાદથી આર્ય શુકનાસની પણ જ્યેષ્ઠ બ્રાહ્મણ પત્ની નામે મનોરમાને, રેણુકાના પરશુરામ જેવો એક તનય પ્રસૂત થયો છે. હવે મહારાજની જેવી ઇચ્છા!’ નૃપતિએ અમૃતવૃષ્ટિતુલ્ય આ તેનાં વચન સાંભળ્યાં કે પ્રીતિથી તેનાં ચક્ષુ પ્રફુલ્લ થયાં અને તેણે પ્રત્યુત્તર આપ્યો, ‘અહો કલ્યાણપરંપરા. વિપત્તિ વિપત્તિને અને સંપત્તિ સંપત્તિને અનુસરે છે એ જનપ્રવાદ આજ સત્ય થયો. સર્વથા સુખદુઃખમાં સમતા દર્શાવીને વિધિએ પણ તમારી પેઠે અમને અનુવર્તન કીધું છે.’ એમ કહી, સત્વર આલિંગન દઈ, પ્રીતિથી પ્રફુલ્લ થયેલા મુખ વડે, હસતાં હસતાં પોતે જ શુકનાસનું ઉત્તરીય શિરપાવમાં લઈ લીધું. મનમાં આનંદ પામી, તે પુરુષને પણ તેના શુભ સમાચારને યોગ્ય અમૂલ્ય બક્ષિસ અપાવી પછી ઊઠીને એમ ને એમ જ તે શુકનાસને મંદિર જવા નીકળ્યો. તેની પાછળ નૃત્યક્રીડામાં આસક્ત હજારો નુપૂર વડે દિગંતરો ગાજી રહ્યા; વેગથી હાથ ઊંચો કરવાથી હાલતાં મણિવલયનો શબ્દ ત્યાં થઈ રહ્યો… એવી રીતે શુકનાસને મંદિર જઈ, રાજાએ બમણો ઉત્સવ કરાવ્યો.

ષષ્ઠીજાગરણ થઈ ગયા પછી જ્યારે દસમો વાસો થયો ત્યારે શુભ મુહૂર્તમાં કોટિ કોટિ ગાય અને સુવર્ણનું દાન કરીને, ‘સ્વપ્નમાં એની માતાના મુખ-કમલમાં મેં પરિપૂર્ણ ચંદ્રમંડલને પ્રવેશ કરતું જોયું હતું’ એમ વિચારી રાજાએ સ્વપ્નને જ અનુસરીને પુત્રનું નામ ચંદ્રાપીડ પાડ્યું. બીજે દિવસે શુકનાસે પણ બ્રાહ્મણને ઉચિત સર્વ ક્રિયા કરીને રાજાની અનુમતિ પ્રમાણે, પોતાના તનયનું વૈશંપાયન એવું વિપ્રજન યોગ્ય નામ પાડ્યું. પછી ચંદ્રાપીડને ચૂડાકરણ વગેરે બાલ્યક્રિયાઓ અનુક્રમે કરવામાં આવી અને એની બાલ્યાવસ્થા વીતી ગઈ. પછી તારાપીડ રાજાએ પુત્રનું મન ક્રીડામાં આસક્ત થતું અટકાવવા સારુ નગરીની બહાર ક્ષિપ્રા નદીને તીરે, અર્ધકોશ લાંબું, દેવગૃહ જેવું એક વિદ્યામંદિર બંધાવ્યું. રાજાની આવી નિયંત્રણામાં રહેલા ચંદ્રાપીડનું હૃદય અન્ય વિષયમાં ગ્રસ્ત ન હતું તેથી તેણે, પોતપોતાની કુશલતા દર્શાવનારા, તથા સુપાત્ર શિષ્ય મળ્યાથી ઉત્સાહથી ઉપદેશ કરતા આચાર્યો પાસેથી થોડા જ કાળમાં સર્વ વિદ્યાઓનો અભ્યાસ કરી લીધો. મણિદર્પણ જેવા અતિ નિર્મલ એ રાજપુત્રમાં સકલ કલાકલાપે પ્રવેશ કીધો; અને વ્યાકરણમાં, મીમાંસામાં, ધર્મશાસ્ત્રમાં… ભરતાદિનાં રચેલાં નૃત્યશાસ્ત્રમાં, નારદ વગેરેના સંગીતશાસ્ત્રમાં… પુસ્તકવ્યાપારમાં, મહાભારતમાં, પુરાણમાં, ઇતિહાસમાં, રામાયણમાં… અને એવી બીજી કેટલીક કલાઓમાં તેણે મોટી કુશળતા મેળવી. પ્રતિદિવસ અભ્યાસ કરતાં કરતાં તેનામાં ભીમસેનના જેવી, બાળપણમાં જ સર્વલોકને વિસ્મય પમાડતી મહાવીરતા દેખાઈ આવી. રમતમાં સહેજ જ જ્યારે તે હાથીઓનાં બચ્ચાનાં કર્ણપલ્લવ હાથ વડે પકડીને તેમને નમાવી દેતો હતો ત્યારે જાણે કામદેવને અવસર મળ્યો એટલે તે નવા સેવકની સમાન તેની પાસે આવવા લાગ્યો. લક્ષ્મીની સાથે તેની છાતી વિસ્તાર પામવા લાગી. બંધુજનોના મનોરથની સાથે એની જાંઘો ભરાવા લાગી. શત્રુઓની સાથે તેનો મધ્યભાગ ઓછો થવા માંડ્યો. દાનની સાથે તેનો નિતંબભાર વધવા લાગ્યો. પ્રતાપની સાથે રોમરાજિ ઊગવા લાગી. રિપુ સ્ત્રીઓના કેશની લટો સાથે તેના હાથ નીચે લટકવા લાગ્યા… ચંદ્રાપીડ આવી રીતે યૌવનાવસ્થામાં આવી પહોંચ્યો છે, સકલ કલાનું તેણે જ્ઞાન મેળવ્યું છે, અને અશેષ વિદ્યાનું તેણે અધ્યયન કર્કહ્યું છે એવું જ્યારે રાજાએ જાણ્યું ત્યારે આચાર્યોની અનુમતિથી તેને તેડાવવા સારુ બહાલક નામના સેનાપતિને બોલાવી, ભારે અશ્વબલ અને પાયદળ સાથે તેને એક શુભ દિવસે ત્યાં મોકલ્યો, વિદ્યાગૃહ પાસે તે આવી પહોંચ્યો કે દ્વારપાલો સાથે ખબર કહાવી તેણે અંદર પ્રવેશ કર્યો, અને ચૂડામણિ ભૂતલ સુધી નમાવી, મસ્તક વડે પ્રણામ કરી, રાજસમીપ જેમ બેસતો હોય તેમ વિનય સહિત પોતાની પદવીને યોગ્ય આસન ઉપર રાજપુત્રની અનુમતિથી તે બેઠો. પછી જરા વાર રહીને તેણે ચંદ્રાપીડ પાસે જઈ વિનયથી કહ્યું કે ‘કુમાર! મહારાજની એવી આજ્ઞા છે કે અમારા મનોરથ સર્વ પરિપૂર્ણ થયા છે, તમે શાસ્ત્રોનું અધ્યયન કર્કહ્યું છે, સર્વ કલાઓ શીખ્યા છો ને સકલ આયુધવિદ્યાઓમાં તમે મોટી પ્રતિષ્ઠા મેળવી છે માટે સર્વ આચાર્યોએ વિદ્યાગૃહમાંથી તમને નીસરવાને રજા આપી છે, શિક્ષા ગ્રહણ કરીને બંધનસ્થાનમાંથી બહાર નીકળેલા ગંધગજકુમાર જેવા, સકલકલા પરિપૂર્ણ પૂણિર્માના તરત ઊગેલા જેવા તમને ભલે સર્વ લોક જુએ અને ઘણા કાળથી દર્શનને સારુ ઉત્કંઠિત થયેલાં પોતાનાં લોચનને સફળ કરે. તમને જોવાને સર્વ અંત:પુર ઘણાં જ ઉત્સુક છે. વિદ્યાગૃહમાં વસતાં તમને આજ દશમું વર્ષ ચાલે છે, અને છઠ્ઠે વર્ષે તમે તેમાં પ્રવેશ કર્યો હતો. સર્વે માતાઓને દર્શન આપો, ગુુરુઓને અભિનંદન કરી, સ્વતંત્ર થઈ, રાજ્યસુખ તથા નવયૌવનના વિલાસ રુચિ પ્રમાણે અનુભવો. રાજલોકને સન્માન આપો. બ્રાહ્મણોનું પૂજન કરો. પ્રજાનું પાલન કરો અને બંધુવર્ગને આનંદ આપો. મહારાજે આપને મોકલેલો આ અખિલ ભુવનનો એક મણિ — વેગમાં પવન ગરુડ જેવો, ઇન્દ્રાયુધ નામનો અશ્વ દ્વાર પાસે ઊભેલો છે. ત્રણે ભુવનનું એ એક આશ્ચર્ય છે એમ જાણી પારસીઓના અધિપતિએ સમુદ્રતલમાંથી ઉત્પન્ન થયેલું આ અયોનિજન્મ અશ્વરત્ન જે મને મળેલું છે તે મહારાજને બેસવા યોગ્ય છે એવો સંદેશો કહાવી એને દેવ પાસે મોકલ્યો હતો. એને જોઈને લક્ષણ જાણનારાઓએ કહ્યું છે, ‘દેવ, જે લક્ષણ ઇન્દ્રના અશ્વમાં હતાં એમ સંભળાય છે તે જ આમાં છે; આના જેવો અશ્વ કદી થયો નથી અને થવાનો પણ નથી, માટે આરોહણ કરીને એનો અનુગ્રહ કરો. વળી ક્ષત્રિય રાજકુળમાં ઉત્પન્ન થયેલા, વિનયી, શૂરા, રૂપવાન, ચતુર અને કુલક્રમાગત આ સહ રાજપુત્રો જેમને તમારી સાથે રહેવા મોકલ્યા છે તેઓ અશ્વ પર બેઠા બેઠા, તમને પ્રણામ કરવાની લાલસાથી બહાર તમારી વાટ જુએ છે.’ એટલું કહીને બહાલક શાન્ત પડ્યો કે ચંદ્રાપીડે, પિતાની આજ્ઞા માથે ચઢાવી, બહાર નીકળવાની ઇચ્છાથી નવા મેઘની ગર્જના જેવા ગંભીર સ્વરે આજ્ઞા કરી કે ઇન્દ્રાયુધને અંદર લાવો. આજ્ઞા થતાં જ તે મહાન અશ્વને તેણે અંદર આણેલો જોયો, અને બંને તરફથી ચોકઠાનાં કનકનાં કડાં પકડીને પગલે પગલે હાથમાં રાખવાનો પ્રયત્ન કરતા બે પુરુષો તેને દોરી લાવતા હતા, પ્રમાણમાં તે ઘણો મ્હોટો હતો તેથી હાથ ઊંચા કરેથી જ પુરુષો તેના પૃષ્ઠ ભાગને સ્પર્શ કરી શકતા હતા — સન્મુખ આવેલા અખિલ આકાશનું તે જાણે પાન કરતો હતો. ઉદરને કંપાવતો તથા પૃથ્વીની ગુફાઓને પૂરી નાખતો, અતિ કઠોર શબ્દ વારંવાર કરવાથી, ખોટા વેગનું મિથ્યાભિમાન રાખનાર ગરુડનો જાણે તે તિરસ્કાર કરતો હતો…

એવા અદૃષ્ટપૂર્વ, અખિલ ત્રિભુવન રાજ્યને યોગ્ય તથા અશેષ-લક્ષણ સંપન્ન મહાન અશ્વનો દેવલોકને જ ઉચિત આકાર જોઈને, ચંદ્રાપીડ અતિધીર પ્રકૃતિનો છતાં એના હૃદયમાં વિસ્મય ઉત્પન્ન થયો, અને મનમાં વિચાર આવ્યો કે વેગસહિત ફરીને વીંટળાતા વાસુકિ નાગથી ચલિત થયેલા મંદર પર્વત વડે જ્યારે પૂર્વે સમુદ્રજલનું દેવદાનવોએ મંથન કર્યું ત્યારે આ અશ્વરત્નને ન કાઢતાં એમણે શું રત્ન કાઢ્યું? મેરુ શિલાતલ જેવા વિશાળ, આના પૃષ્ઠ પર જ્યારે ઇન્દ્ર નથી બેઠો ત્યારે એને ત્રૈલોક્ય રાજ્યનું ફળ પણ શું મળ્યું?… દેવતાઈ આકૃતિઓ પણ મુનિશાપને લીધે પોતાના પૂર્વશરીરનો ત્યાગ કરીને, શાપવચનના બળથી ઉત્પન્ન થયેલાં આવાં બીજાં શરીર ધારણ કરી શકે છે; કેમ કે એવું સંભળાય છે કે પૂર્વે સ્થૂલશિરા નામના મહાતપસ્વી મુનિએ અખિલ ભુવનના અલંકાર રૂપ રંભા નામની અપ્સરાને શાપ દીધો હતો. તેથી તે દેવલોક ત્યજીને અશ્વહૃદયમાં પ્રવેશ કરી, અશ્વહૃદયા નામની થઈ, મર્ત્યલોકમાં મૃત્તિકાવતી નગરીમાં શતધન્વા નામે રાજાની સેવામાં ઘણા કાળ સુધી વસી હતી… એમ ચિંતન કરતો કરતો જ આરોહણ કરવાની ઇચ્છાથી એ આસન ઉપરથી ઊભો થયો પછી અશ્વની પાસે જઈને પોતાના મનમાં કહેવા લાગ્યો.

કાદમ્બરી કથાસાર

શૂદ્રક નામે એક મહા પ્રતાપી રાજા સભામાં બેઠો હતો તેની પાસે એક વેળા પ્રાત:કાળે લક્ષ્મી જેવી સ્વરૂપવતી એક ચંડાલકન્યા સોનાના પાંજરામાં પોપટ લઈ આવે છે, અને રાજાને તેનું અર્પણ કરે છે. પોપટ પ્રણામ કરી, એક આર્યા બોલી રાજાની સ્તુતિ કરે છે. આથી વિસ્મિત થઈ રાજા તેના વૃત્તાન્ત વિશે પ્રશ્ન પૂછે છે. પોપટ કહે છે કે વંધ્યાિટવીમાં પમ્પા સરોવર છે. તેની પાસે એક શાલ્મલી વૃક્ષમાં હું જન્મ્યો હતો. મારા પ્રસવ સમયે માતા મરણ પામી તેથી પિતા મને ઉછેરતા હતા. એક દિવસે શિકારને અર્થે આવેલા એક ક્રૂર ભીલે અમારા જ વૃક્ષ પર ચઢીને બીજા પોપટ સાથે મારા પિતાને પણ મારી નાખી નીચે નાખ્યા. તે વેળા હું એમના ખોળામાં લપાઈ ગયો હતો એટલે એમની સાથે જ ગડબડ્યો અને સૂકાં પાંદડાંના એક ઢગલામાં પડ્યો. ત્યાંથી હું પાસેના એક તમાલ વૃક્ષના મૂળમાં ભરાઈ ગયો. થોડી વારે તે ભીલ પેલાં મારી નાખેલાં પક્ષી લઈને ગયા પછી મને તરસ લાગી. પાણીની શોધમાં હું બહાર નીકળી આગળ જવા લાગ્યો પણ બપોરનો વખત અને પાંખો પૂરી આવેલી નહિ એટલે રસ્તામાં લથડતો હતો અને હાંફતો હતો તેવામાં સારે ભાગ્યે જાબાલિ મુનિનો પુત્ર હારીત કેટલાક સોબતીઓ સહિત તે રસ્તેથી ન્હાવા જતો હતો તેણે મને દીઠો અને દયા આવવાથી ઉપાડીને તળાવના કાંઠા ઉપર આણ્યો. ત્યાં જઈ, પાણીથી મને શુદ્ધિમાં આણી, સ્નાન કરી પાછા વળતાં એમને પોતાને આશ્રમ લઈ ગયો. મને જોઈ ત્રિકાલદર્શી જાબાલિ મુનિ બોલ્યા કે આ તો એના અવિનયનું ફલ ભોગવતો દેખાય છે. આ સાંભળી કુતૂહલથી આસપાસના મુનિજન મારો વૃત્તાન્ત પૂછવા લાગ્યા ત્યારે એમણે કહ્યું કે સંધ્યાકાળે આપણે આની વાર્તા કહીશું. હું કહેતો જઈશ તેમ તેમ આ બચ્ચાને પણ પોતાનો પૂર્વ વૃત્તાન્ત સાંભરતો જશે, પછી જ્યારે સ્વકર્મ સમાપ્ત કરીને સાયંકાલે સર્વ મુનિઓ ત્યાં ભરાયા ત્યારે એ ઋષિએ કહ્યું કે: ઉજ્જયિનીમાં તારાપીડ નામે રાજા રાજ્ય કરે છે. તેને વિલાસવતી નામે એક પટરાણી છે અને શુકનાસ નામે એક મહા પ્રવીણ પ્રધાન છે. એ રાજાને બીજાં સર્વ સુખ છતાં પુત્રનું સુખ ન હતું. વિલાસવતીને એક દિવસ તે વિશે શોક કરતી જોઈ તેણે એનું ઘણું આશ્વાસન કર્યું અને ધર્મ ઉપર આસ્થા રાખવાનો ઉપદેશ દીધો. થોડા જ કાળ પછી રાજાએ સ્વપ્નમાં વિલાસવતીના મુખમાં પૂર્ણ ચંદ્રને પ્રવેશ કરતા જોયો. શુકનાસે પણ તે જ રાત્રે સ્વપ્નમાં પોતાની સ્ત્રી મનોરમાના ખોળામાં એક બ્રાહ્મણ જેવી આકૃતિવાળા પુંડરીક(શ્વેત કમલ) મૂકતાં જોયો. કેટલેક દિવસે રાણીને ગર્ભ રહ્યાની વાત રાજાને વિદિત થઈ અને પ્રસવકાલ પૂર્ણ થયેથી તેણે એક પુત્ર પ્રસવ્યો. તે વેળા મનોરમાને પણ એક પુત્ર આવ્યો. રાજકુલમાં અને ઘેર ઘેર ઉત્સવ થઈ રહ્યો. રાજાએ પુત્રનું નામ સ્વપ્નને અનુસરીને ચંદ્રાપીડ રાખ્યું અને પ્રધાને વૈશમ્પાયન રાખ્યું. બંને પુત્ર મોટા થયા ત્યારે છઠ્ઠા વર્ષમાં, રાજાએ કુમારને માટે નગરીની બહાર એક વિદ્યામંદિર બંધાવ્યું અને ત્યાં એ બે બાળકને સર્વ શાસ્ત્રમાં પ્રવીણ ગુરુઓને સ્વાધીન કર્યા. દશ વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યા પછી ગુરુઓની અનુમતિથી રાજાએ તેમને ઘેર તેડી લાવવા એક અશ્વસૈન્ય મોકલ્યું તથા કુમારને માટે સમુદ્રમાંથી જન્મેલો એક ઇંદ્રાયુધ નામે ઉત્તમ અશ્વ મોકલ્યો. તે ઉપર અસવાર થઈ કુમાર રાજગૃહમાં આવી પહોંચ્યો તથા પિતા માતા અને શુકનાસને મળ્યો. ત્રીજે દિવસે સવારમાં જ એની માતાએ કૈલાસ નામના એક કંચુકી સાથે પત્રલેખા નામની એક સુન્દર રાજકન્યાને તામ્બૂલવાહિની તરીકે એની પાસે મોકલી. તે દિવસથી બંનેને અન્યોન્ય પ્રીતિ ઉત્પન્ન થઈ જે અહનિર્શ વધતી ગઈ. થોડા દિવસ પછી યુવરાજનો રાજ્યાભિષેક દિવસ પાસે આવતો જોઈ શુકનાસે એક વેળા તેને યૌવનના તથા લક્ષ્મીના મદ વિશે ઘણો જ અસરકારક ઉપદેશ આપ્યો, અને અભિષેક થયા પછી કુમાર દિગ્વિજયને અર્થ પત્રલેખા, વૈશમ્પાયન અને એક મોટા સૈન્ય સહિત બહાર નીકળ્યો. ત્રણ વર્ષ સુધી આખી પૃથ્વી ઉપર ફરીને સર્વત્ર જય મેળવતો મેળવતો તે એક દિવસ ઉત્તરમાં કૈલાસની પાસેના સુવર્ણપુર નામે ગામમાં આવી પહોંચ્યો, જે તેણે જીતી લીધું અને થોડા દિવસ સૈન્યનો પડાવ ત્યાં જ રાખ્યો. ત્યાંથી એક વાર મૃગયા સારુ નીકળ્યો હતો તેવામાં એણે એક કિન્નર લોકનું જોડું દૂરથી જોયું તેને પકડવાની ઇચ્છાથી એ પાછળ પડ્યો પણ તે લોક તો ત્રાસ પામી પર્વત પર ચઢી ગયા અને કુમાર એકલો જ પોતાના મુકામથી ઘણે જ દૂર નીકળી ગયો. આ જોઈ એ પશ્ચાત્તાપ સહિત પાછો ફર્યો અને તરસ લાગવાથી કોઈ તળાવની શોધમાં ફરતો હતો એટલામાં એક માર્ગ એની દૃષ્ટિએ પડ્યો અને તેને અનુસરતાં એક વિશાળ સરોવર આવ્યું. તેથી આનંદ પામી ઘોડાને જલ પાઈ પોતે પીને સંતુષ્ટ થઈ ઘોડાને બાંધી, એક વૃક્ષ તળે જરા સૂતો એટલામાં દૂરથી આવતો એક સંગીતધ્વનિ એને કર્ણે પડ્યો. એવા નિર્માનુષ અરણ્યમાં તે આશ્ચર્ય જેવું લાગવાથી તેની શોધ કરવા અશ્વ ઉપર બેસીને તે દિશા તરફ ચાલ્યો. ચાલતાં ચાલતાં, વૃક્ષોથી ઘેરાયેલું એક શિવાલય આવ્યું, ત્યાં અશ્વથી ઊતરી અંદર ગયો તો મૂતિર્ની સામે દિવ્ય સ્વરૂપવાળી, બ્રહ્મચર્ય પાળતી, એક કન્યાને વીણાથી શિવ-સ્તુતિ કરતી જોઈ. આ કન્યાની બ્રહ્મચર્યાવસ્થા જોઈ એને અધિક કુતૂહલ થયું તેથી ત્યાં જ એ બેઠો. થોડી વારે એ બહાર આવી ત્યારે ચંદ્રાપીડને જોઈ એણે આવકાર દીધો અને અતિથિસત્કારને અર્થે એને પોતાની ગુફામાં તેડી ગઈ. ત્યાં જઈ કુમારનો વૃત્તાન્ત પૂછ્યો તે એણે કહ્યો. ફલાહાર કરી રહ્યા પછી કુમારે તેનો વૃત્તાન્ત જાણવાની આતુરતા દર્શાવી ત્યારે ચોધાર આંસુ સહિત તે બોલી કે મારા જેવી પાપિણીનો વૃત્તાન્ત સાંભળે શું ફલ થવાનું છે? પણ ઇચ્છા હોય તો સાંભળો: ચંદ્રકિરણમાંથી નીકળેલા અપ્સરાઓના એક કુળમાં હું જન્મેલી છું. મારી માતાનું નામ ગૌરી છે. પિતાનું નામ હંસ છે. મારું નામ મહાશ્વેતા છે. હેમકૂટ પર્વત ઉપર મારા કુટુંબનો વાસ છે. એક વાર વસંત ઋતુમાં હું આ અચ્છોદ સરોવર ઉપર મારી માતા તથા સખીઓ સાથે સ્નાન કરવા આવી હતી અને સખીઓ સાથે વૃક્ષોની શોભા નિહાળતી નિહાળતી ફરતી હતી એવામાં મને કંઈક અપૂર્વ સુગંધ આવી, અને આગળ ચાલી તો મેં બે મુનિકુમાર જોયા. તેમાંના એક અતિ રૂપવાનના કર્ણમાં એક કુસુમમંજરી હતી. તે જોવાથી મને લાગ્યું કે આ સુગંધ તેની જ હશે. એ મુનિકુમારનું રૂપ જોતાં જ મદને મને પાશમાં નાખી દીધી અને એની પણ અવસ્થા મને જોઈને મારા જેવી જ થઈ, થોડી વારે મેં એના સોબતીને પૂછ્યું કે આ કોણ છે? અને આ કુસુમમંજરી શાની છે? તેણે કહ્યું કે ભગવાન શ્વેતકેતુ નામે મુનિનો લક્ષ્મીથી ઉત્પન્ન થયેલો આ પુંડરીક નામે પુત્ર છે. અને નંદન-વનદેવતાએ એને અર્પણ કરેલી પારિજાત વૃક્ષની મંજરી છે. આમ અમે વાત કરતાં હતાં તેવામાં પુંડરીક મારી પાસે આવી કહેવા લાગ્યો કે તને જો આ ગમતી હોય તો તું જ પહેર. એમ કહી તે એણે મારા કર્ણમાં પહેરાવી. પણ એટલામાં એના હાથમાંથી ગભરાટને લીધે માળા પડી ગઈ તે એણે જોઈ નહિ પરંતુ મેં લઈ લીધી અને મારા કંઠમાં નાખી. પછી મારી માતા જાય છે એમ સાંભળી હું પ્રણામ કરી પાછી ફરતી હતી તેવામાં બીજા મુનિપુત્રે આ માળા ગયા વિશે એને ઠપકો દીધો ત્યારે એણે મને ખોટો કોપ ધારણ કરી કહ્યું કે મારી માળા આપ્યા વિના તારે જવું નહિ. આ ઉપરથી મેં મારો એકાવલી હાર કાઢીને એના હાથમાં નાખ્યો પણ તે એને વર્ત્યો નહિ અને ત્યાંથી હું સ્નાન કરી ઘેર આવી. પણ જીવ મારો ત્યાં જ ચોંટ્યો હતો. થોડી વારે મારી એક દાસી જે પાછળ રહી હતી તે મારી પાસે આવી અને એક પત્રિકા આપી કહેવા લાગી કે જેણે તમને કુસુમમંજરી પહેરાવી હતી તેણે જ આ મોકલી છે, હરખાઈને મેં એ વાંચી તો મને બમણો વિકાર થઈ આવ્યો. અને દાસી સાથે હું એ વિશે વાત કરતી હતી એટલામાં એક મુનિકુમાર બારણે આવ્યો છે એવી દ્વારપાલે મને ખબર કરી, મેં તરત જ તેને અંદર લાવવા કહ્યું અને જોયું તો એ પુંડરીકનો મિત્ર કપંજિલ હતો. એણે આવીને ઘણી વાર સુધી શરમાયા પછી એના મિત્રની અતિ દુઃખી અવસ્થાનું મને યથાર્થ નિવેદન કર્યું. ઉપદેશ સઘળા વ્યર્થ ગયાથી એણે ધાર્યું હતું કે અમારા સમાગમ વિના બીજા કોઈ ઉપાયથી એ બચે એમ નથી. તેથી એ મને પ્રાર્થના કરવા આવ્યો હતો અને હું ઉત્તર આપું એટલામાં તો મારી માતા મારી પાસે આવે છે એ ખબર સાંભળવાથી એ ગભરાયો અને મને ફરીથી વિનંતિ કરીને ચાલતો થયો. માતા ગયા પછી મને ગડભાંગ થવા લાગી કે શું કરવું. આખરે ત્યાં જવાનો નિશ્ચય કરી, રાત પડી એટલે મારી દાસી તરલિકા સાથે છાનીમાની હું બહાર નીકળી તે તરફ ચાલી, પણ દુર્ભાગ્યને લીધે તે સ્થળ પાસે આવતાં જ મને રુદન કરતા કપંજિલનો સ્વર સંભળાયો અને ધબકતે હૈયે આગળ ચાલી તો મેં મારા પ્રાણનાથને કામની પીડાથી તત્કાળ મરણ પામેલા જોયા. આ જોઈ એકાએક ભૂમિ પર પડી, વિલાપ કરતી કરતી હું સાથે જ બળી મરવાનો નિશ્ચય કરતી હતી તેવામાં જ આકાશમાંથી એક દિવ્ય પુરુષ ઊતરી આવ્યો. તેણે મને આશ્વાસન દઈને કહ્યું કે પુત્રિ, પ્રાણત્યાગ કરીશ નહિ, પુનરપિ તમારો સમાગમ થશે. એમ કહી એ શબને ઉપાડી તે આકાશમાં જતો રહ્યો, કપંજિલ આ જોઈ ગભરાટમાં પડ્યો અને એને એ અદ્ભુત વૃત્તાન્ત વિશે પૂછવા લાગી તેનો ઉત્તર ન આપતાં કેડ બાંધી એ પણ રોષમાં જ પેલા પુરુષની પાછળ આકાશમાં દોડી ગયો. આ પ્રમાણે એકલી પડવાથી હું તો બમણી શોકાતુર થઈ. પણ પુન: સમાગમની આશાએ તે દિવસથી બ્રહ્મચર્ય ગ્રહણ કરીને આ ઠેકાણે મારી દાસી તરલિકા સાથે રહું છું. એમ કહી ચોધાર આંસુ પાડી એ રુદન કરવા લાગી. ચંદ્રાપીડને આથી ઘણો શોક થયો તથા દયા ઉપજી અને બહુ પ્રકારે એણે એને આશ્વાસન કીધું. પછી બહુ વારે આહાર કરી, રાત પડી એટલે ચંદ્રાપીડ એક શિલાતલ ઉપર સૂવાની તૈયારીમાં હતો તેવામાં એણે, તરલિકા વિશે વિચાર આવવાથી પૂછ્યું કે આપની દાસી તરલિકા કેમ દેખાતી નથી? ત્યારે મહાશ્વેતાએ કહ્યું કે ગંધર્વોમાં ચિત્રરથ નામે રાજા છે તેને કાદમ્બરી નામે પુત્રી છે. અમે બે સાથે ઉછર્યા છીએ એટલે બાલપણથી જ સહીપણાં છે. મારો આવો વૃત્તાન્ત સાંભળ્યો ત્યારથી એણે નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી મહાશ્વેતા દુઃખી છે ત્યાં સુધી હું પાણિગ્રહણ કરનાર નથી. એને લગ્નયોગ્ય અવસ્થામાં આવેલી જોઈ, એનું આ વચન સાંભળવાથી એનાં માતાપિતાને બહુ ખેદ થયો અને બીજો કોઈ ઉપાય ન ચાલવાથી આજ સવારે જ એક કંચુકીને મારી પાસે મોકલ્યો હતો અને મને કહાવ્યું હતું કે તું જેમતેમ કરીને તારી સખીને સમજાવે તો ઠીક. તે ઉપરથી તરલિકાને મેં મારા સંદેશા સહિત કાદમ્બરી પાસે મોકલી છે. આ સાંભળી, ચંદ્રાપીડ એ બધા વૃત્તાન્ત વિશે ચંતિન કરતો કરતો સૂઈ ગયો. પ્રાત:કાળમાં જ કેયૂરક નામે ગંધર્વકુમાર સાથે તરલિકા ત્યાં આવી પહોંચી. તેના કહેવાથી જણાયું કે કાદમ્બરી શિખામણ માનતી નથી. તેથી મહાશ્વેતાએ પોતે જ ત્યાં જવાનો નિશ્ચય કર્યો અને ચંદ્રાપીડને હેમકૂટ જોવા આવવાની વિનંતિ કરી, તે ઉપરથી એ બધાં ત્યાં ગયાં… કાદમ્બરીનો તથા ચંદ્રાપીડનો મેળાપ થતાં જ તેઓને પરસ્પર પ્રીતિ થઈ… એક દિવસ ત્યાં રહીને કુમાર પાછો કેટલાક ગંધર્વકુમાર સાથે ત્યાંથી પોતાના સૈન્ય પાસે આવ્યો. બીજે દિવસે તેની પાસે આવી કેયૂરકે વિનંતિ કરી કે આપના દર્શન વિના દેવી કાદમ્બરી અને મહાશ્વેતા દુઃખી છે માટે ફરીથી આપનું મુખ જોવા ઇચ્છે છે. ચંદ્રાપીડ આ સાંભળી, પત્રલેખાને લઈ, તેની સાથે ફરીથી હેમકૂટ ઉપર ગયો. ત્યાં એણે કાદમ્બરીને કામપીડાથી હિમગૃહમાં સૂતેલી જોઈ. કેટલીક શ્લિષ્ટ વાતચીત થયા પછી ત્યાંથી એ ઊઠી પાછો પોતાને મુકામે આવ્યો પણ કાદમ્બરીની ઇચ્છાથી પત્રલેખાને ત્યાં રહેવા દીધી. સૈન્ય પાસે આવતાં પિતાના તરફથી પત્ર લઈને આવેલા એક દૂતને તેણે જોયો. પત્રમાં લખ્યું હતું કે તમને જોયે બહુ દિવસ થઈ ગયા માટે આ પત્ર વાંચી રહો કે તરત જ તમારે આ તરફ આવવું. આ ઉપરથી એણે મેઘનાદ નામના એક સેવકને બોલાવીને કહ્યું કે પત્રલેખા થોડા દિવસમાં કેયૂરક સાથે અહીં આવશે તેને તેડીને તું આવજે. પછી સૈન્ય ઉપર વૈશમ્પાયનને નીમી, તેમને ધીમે ધીમે આવવા કહી પોતે એકલો જ કેટલાક સવાર સાથે ઉજ્જયિની તરફ ચાલ્યો. માર્ગમાં ચંડિકાનું મંદિર આવ્યું ત્યાં એક દ્રવિડ-ધામિર્ક રહેતો હતો. તેનો વિચિત્ર આકાર વિગેરે જોઈ એને ઘણો વિનોદ થયો. ઘેર આવ્યા પછી કાદમ્બરી વિના પોતે તલપતો હતો એટલામાં થોડા દિવસ પછી, મેઘનાદ પત્રલેખાને લઈને આવ્યો. પત્રલેખાએ કાદમ્બરીની દુઃખી અવસ્થાનો એને બધો વૃત્તાન્ત સંભળાવ્યો અને કહ્યું કે દેવીના પ્રાણ બચાવવાને સત્વર ત્યાં જવું જોઈએ. ચંદ્રાપીડ આ સાંભળી ચિન્તામાં પડ્યો કે શું કારણ બતાવી બહાર નીકળવું? આમ ગભરાટમાં પડ્યો હતો અને એક દિવસ ક્ષિપ્રાને તટે ફરવા ગયો હતો તેવામાં એણે દૂરથી કેયૂરકને કેટલાક સવારો સહિત આવતો જોયો. તેને ઘેર તેડી લાવી, સન્માન આપી, કાદમ્બરીનો સર્વ વૃત્તાન્ત પૂછ્યો તો તેણે પણ એની હૃદયવેધક વેદનાનું યથાર્થ વર્ણન આપ્યું અને કહ્યું કે હવે વિલંબ થશે તો દેવીના પ્રાણ ટકશે એવી કોઈ આશા નથી. આ સાંભળી ચંદ્રાપીડ વિચાર કરવા લાગ્યો કે વૈશમ્પાયન હોત તો કંઈ પણ સલાહ બતાવત, પણ હવે કરવું શું? શું બહાનું કાઢી બહાર જવું? આમ ચિન્તા કરતો હતો એટલામાં સૈન્ય નગરીથી થોડેક દૂર આવ્યાના સમાચાર એને મળ્યા તે ઉપરથી વૈશમ્પાયનને તેડવા સારુ પિતાની આજ્ઞા લઈ એ સૈન્ય તરફ ચાલ્યો પણ ત્યાં ગયો તો વૈશમ્પાયન મળે નહિ! આ જોતાં જ એને મૂર્ચ્છા આવી અને રાજપુત્રોએ જેમતેમ કરીને એને શુદ્ધિમાં આણ્યો. પછી ઘણી વારે મહાકષ્ટે એણે હિમ્મત ધરીને વૈશમ્પાયનનો વૃત્તાન્ત પૂછ્યો તો તેઓએ કહ્યું કે આપના ગયા પછી અમને વૈશમ્પાયન અચ્છોદમાં સ્નાન કરવા તેડી ગયા પણ એમને તો એ ભૂૂમિમાં પગ મૂકતાં જ કંઈક વિકાર થઈ આવ્યો તેથી બાવરા બની જઈને આમતેમ કંઈ શોધતા હોય તેમ ફરવા લાગ્યા. અમે પાછા ફરવાને બહુ સમજાવ્યા પણ માન્યા જ નહિ. આખરે ત્રીજે દિવસે થાકીને અમે કેટલાક માણસ એમની પાસે રાખી ચાલ્યા આવ્યા છીએ. આ સાંભળી ચંદ્રાપીડ શોક અને વિસ્મયમાં પડ્યો પણ વિચારવા લાગ્યો કે એક પાસેથી આ મને અનુકૂલ પડશે. વૈશમ્પાયનને તેડવા સારું પિતામાતા મને ના કહેશે નહિ, ત્યાંથી પછી હું કાદમ્બરી પાસે જઈશ. આમ વિચારી સૈન્ય સાથે પોતે ઉજ્જયિની પાછો આવ્યો… પછી મેઘનાદને, કેયૂરકને તથા પત્રલેખાને આગળથી મોકલી, માતાપિતા પાસેથી જેમતેમ કરી આજ્ઞા લઈ વૈશમ્પાયનને તેડવા જવા નીકળ્યો. પણ માર્ગમાં મેઘસમય નડવાથી ઘણે દિવસે એ અચ્છોદ પાસે પહોંચી શક્યો. ત્યાં આવીને ચોતરફ પેરો મૂકી શોધ કરી પણ વૈશમ્પાયન જડ્યો નહિ! તેથી એ વધારે ગભરાઈ ગયો પણ મહાશ્વેતાને કદાચ એની વાત જાણવામાં હશે એમ ધારી તેના આશ્રમ ભણી ચાલ્યો. ત્યાં આવ્યો તો રુદન કરતી મહાશ્વેતાને તરલિકાએ ઝાલી રાખેલી દીઠી. આ જોઈ, રખે ને કાદમ્બરીને કંઈ થયું હોય એમ શંકા આવવાથી એ ‘શું થયું’ એમ પૂછવા લાગ્યો ત્યારે મહાશ્વેતાએ એવી જ અવસ્થામાં ઉત્તર દીધો: આપના ગયાના ખબર સાંભળી, શોકાતુર થઈ હું હેમકૂટથી અહીં આવી ત્યારે મેં આપના જેવડા જ કુમારને અહીં ફરતો જોયો. મને જોઈ એની નજર બગડી તથા વાર્યા છતાં એ મારી પાછળ ભમવા લાગ્યો અને એક વાર રાત્રે હું શિલાતલ પર સૂતી હતી તેવામાં એ મારી સમીપ આવી કુવચન બોલ્યો તેથી મને ઝટ ઝાળ ચઢવાથી મેં એને શાપ દીધો કે પોપટની પેઠે તું સમજ્યા વિના ગમે તેમ બોલે છે માટે મારા સત્ય વચનથી તેવો જ થઈને તે જાતિમાં પડ. આવું કહ્યું કે તત્કાળ એ કાષ્ઠવત્ થઈ ભૂમિ પર પડ્યો. પણ એના મરણ પછી મેં સાંભળ્યું કે એ તો આપના મિત્ર હતા. આ સાંભળતાં જ ચંદ્રાપીડનું તો હૈયું જ ફાટી ગયું અને એને ભૂમિ પર પડતો જોઈ તરલિકાએ દોડી આવી ઝાલી લીધો. એનું મૃત્યુ થયું જોઈ મહાશ્વેતા વધારે ગભરાઈ ગઈ. પરિજન વિગેરે સૌ દોડી આવ્યા અને મહાશ્વેતાને ગાળો દઈ શોક કરવા લાગ્યા. એટલામાં ચંદ્રાપીડના આવવાની ખબર પત્રલેખાએ કહ્યાથી કાદમ્બરી તેને મળવા સારુ પત્રલેખા તથા બીજી સખીઓ સાથે ત્યાં આવી પહોંચી પણ ચંદ્રાપીડને મરણ પામેલો જોઈ મૂછિર્ત થઈ. પત્રલેખાને પણ મૂર્ચ્છા આવી. મૂર્ચ્છામાંથી જાગી એટલે કાદમ્બરી સહગમન કરવાનો નિશ્ચય કરી ચંદ્રાપીડનું મસ્તક ખોળામાં લઈને બેઠી. તેવામાં જ એના સ્પર્શને લીધે ચંદ્રાપીડના શરીરમાંથી એક જ્યોતિ બહાર નીકળ્યું અને તે અંતરીક્ષમાં રહીને મહાશ્વેતાને આશ્વાસન દઈ કાદમ્બરીને કહેવા લાગ્યું કે પ્રાણત્યાગ મા કર. ફરી તારો ચંદ્રાપીડ સાથે સમાગમ થશે. આ શરીરને અગ્નિસંસ્કાર આદિ ન કરતાં આમ ને આમ જ રાખી મૂકવું. એવું કહી તે અંતહિર્ત થઈ ગયું પણ પત્રલેખા તો એ જ્યોતિના શીતલ સ્પર્શથી મૂર્ચ્છામાંથી ઊઠી. દોડીને ઇંદ્રાયુધ સહિત સરોવરમાં પડી! ગભરાટમાં સર્વે ચકિત દૃષ્ટિથી સામું જોઈ રહ્યાં હતાં તેવામાં જલમાંથી એક મુનિકુમાર નીકળ્યો ને મહાશ્વેતા પાસે આવી પૂછવા લાગ્યો કે મને ઓળખો છો? તેણે તરત જ શું હું પાપિણી કપંજિલને પણ ન ઓળખું? એમ કહી પ્રણામ કરી સર્વ વૃત્તાન્ત પૂછ્યો. તેણે કહ્યું: તમને એકલાં મૂકી હું આકાશમાં એ દિવ્ય પુરુષ પાછળ ગયો ત્યારે એ મને ચંદ્રલોકમાં લઈ જઈને કહેવા લાગ્યો કે હું ચંદ્ર છું. મને તારા મિત્રે મરણ સમયે શાપ દીધો કે મને તું આવી પીડા આપી મરણ પમાડે છે માટે તું પણ મારા જેવી જ પીડા જન્મે જન્મે ભોગવી મરણ પામજે. આ શાપથી ક્રોધ પામી મ્હેં પણ તેવો જ શાપ એને સામો દીધો. પછી મને જણાયું કે એ તો મારો જામાતા થાય. પણ ‘જન્મે જન્મે’ કહ્યાથી એણે મારી સાથે બે વાર તો મનુષ્યલોકમાં જન્મવું પડશે. એનું શરીર અવિનષ્ટ રહે એટલા માટે હું અહીં લાવ્યો છું અને પુત્રીને મેં આશ્વાસન કીધું છે. આ વૃત્તાન્ત તું શ્વેતકેતુને કહી આવ. તે ઉપરથી હું દોડતો દોડતો કહેવા જતો હતો એટલામાં એક ક્રોધી, વિમાનમાં બેઠેલા દેવને મારી અડફટ વાગી તેથી તેણે મને શાપ દીધો કે અશ્વની સમાન વગર વિચાર્યે તું આમ ચાલે છે માટે અશ્વ જ થઈ પૃથ્વી પર પડ. આથી નિરાશ થઈ મેં ઘણી આજીજી કરી ત્યારે એણે એટલું કહ્યું કે મર્ત્યલોકમાં ચંદ્રમા તારાપીડને ત્યાં તથા તારો મિત્ર શુકનાસને ત્યાં અવતરશે માટે અશ્વ રૂપે પણ તું તારા મિત્ર સાથે રહી શકીશ અને તે રાજપુત્રના મરણ પછી શાપમુક્ત થઈશ. આ સાંભળતાં જ હું નીચે સમુદ્રમાં પડ્યો અને ત્યાંથી અશ્વ થઈ નીકળ્યો… હવે તમે સમજ્યાં હશો કે તમે જેને અજાણતાં શાપ દીધો તે મારા મિત્ર પુંડરીકનો જ અવતાર હતો! મહાશ્વેતા તો આ સાંભળી ઘણા જ શોકમાં પડી; તેને આશ્વાસન દઈ બાકીનો વૃત્તાન્ત જાણવા કપંજિલ પાછો ગગનમાર્ગે જતો રહ્યો. તેના ગયા પછી કાદમ્બરી ચન્દ્રાપીડના શરીરને ખોળામાં રાખી નિત્ય પૂજા કરતી ત્યાં રહેતી હતી. તેવામાં ઉજ્જયિનીથી કેટલાક દૂત આવી પહોંચ્યા, જેઓ સર્વ તે અશુભ સમાચાર લઈને પાછા ગયા. તે ઉજ્જયિની પહોંચતા હતા તેવામાં જ પુત્રને અર્થે દેવીની આરાધના કરવા નગરીની બહાર આવેલી વિલાસવતીએ તેમને દીઠા. સમાચાર પૂછતાં તેઓ કંઈ ઉત્તર આપી શક્યા નહિ એટલે એ અત્યંત વિલાપ કરવા લાગી. તારાપીડને ખબર થવાથી એ પણ મંત્રી સહિત દોડતો આવ્યો. વિલાસવતીને છાની રાખી તેણે સર્વ વૃત્તાન્ત પૂછી જોયો… અને ચંદ્રાપીડનું શરીર એવું ને એવું છે એમ સાંભળી ધૈર્ય રાખી રાણી, શુકનાસને વિગેરે સહિત ત્યાં જવા નીકળ્યો. ત્યાં જવા નીકળ્યો. ત્યાં આવી દર્શનથી જરા સુખ પામી વિરક્ત થઈ, વનવાસનો અંગીકાર કરીને રહ્યો.

આટલું કહી જાબાલિ મુનિ બોલ્યા કે હવે તમે સમજયા હશો કે આ પોપટ કોણ છે અને એણે શું કર્યું છે… પછી વૈશમ્પાયન પોપટ કથા આગળ ચલાવે છે. થોડી વારે કપંજિલ એ આશ્રમમાં આવી પહોંચ્યે તેને જોઈ મને ઘણો હર્ષ થયો, તેણે મને પોતાનો વૃત્તાન્ત કહી પિતાનો સંદેશો કહ્યો કે શાપના અંત સુધી તારે જાબાલિ મુનિ પાસે જ રહેવું એમ કહી એ ઊડી ગયો. મને થોડા દિવસમાં પાંખો આવી અને મુનિના કહેવા પ્રમાણે સ્મરણ તો થયું હતું જ એટલે મહાશ્વેતાને મળવાની ઉત્કંઠાથી હું એક દિવસ આહારને બહાને આશ્રમમાંથી તે દિશા તરફ ઊડ્યો, પણ થાક લાગવાથી એક વૃક્ષ પર બેસી ઊંઘી ગયો, જાગ્યો ત્યારે તો પાશમાં પકડાયો હતો એમ જણાયું! સામે એક ચંડાલ ઊભો હતો તેને મેં છોડવાની વિનંતિ કરી પણ એ તો ઉપાડીને મને એના સ્વામીની પુત્રી પાસે લઈ ગયો. તેણે મને એક દુર્ગંધી પાંજરામાં પૂર્યો, મને આમ ચંડાલને હાથ જવાથી પશ્ચાત્તાપ અતિશય થયો તેથી હું બોલ્યોચાલ્યો નહિ અને એ કન્યાએ બહુ કહ્યું ત્યારે બીજે દિવસે મેં ફલાહાર કર્યો, એમ કેટલાક દિવસ ગયા પછી એક સવારે મેં જોયું તો એકાએક જ ચંડાલવાડો બદલાઈ ગયેલો ને મારું પાંજરું સોનાનું થઈ ગયેલું જણાયું. આથી વિસ્મય પામી હું પૂછવાનું કરતો હતો તેવામાં એ કન્યા ઉપાડીને મને અહીં લાવી. બાકી કંઈ હું જાણતો નથી. શૂદ્રકે આ સાંભળી મહા આશ્ચર્ય પામી એ કન્યાને બોલાવી, તેણે આવીને કહ્યું: મહારાજ, આપ ચંદ્રનો અવતાર છો અને આ આપનો પૂર્વજન્મનો મિત્ર વૈશમ્પાયન છે. માટે હું, એની માતા લક્ષ્મી, એને આપની પાસે લાવી છું. હવે આપના શાપનો અંત આવ્યો છે. એટલું કહી એ ઊડી ગઈ કે તરત જ શૂદ્રકને પૂર્વજન્મ સાંભરી આવ્યાથી કાદમ્બરીના વિરહની ભારે પીડા થવા લાગી. જે દિવસે દિવસે એટલી વધતી હતી કે આખરે તેની કાયા કાષ્ઠ જેવી થઈ ગઈ. વૈશમ્પાયનને પણ મહાશ્વેતાને લીધે તેમ જ થયું.

એવામાં એક વાર વસંત ઋતુમાં મદનોત્સવને દિવસે સાયંકાળે કાદમ્બરીના શરીરની પૂજા કરી અસહ્ય ઉત્કંઠાથી તેને છાને માને આલંગિન દીધું તો અચાનક તેનામાં જીવ આવ્યો. તેથી હષિર્ત થઈ બંને જણ સુખ પામતા હતાં અને ચંદ્રાપીડે પુંડરીકના સજીવન થવાની ખબર કહ્યાથી કાદમ્બરી મહાશ્વેતાને વધામણી ખાવા જતી હતી તેવામાં આકાશમાંથી કપંજિલ સહિત પુંડરીક ઊતરી આવ્યો. આ સમાચાર કાદમ્બરીની સખીએ દોડી તારાપીડ વગેરેને કહ્યા તથા કેયૂરકે જઈને કાદમ્બરી તથા મહાશ્વેતાનાં માતાપિતાને કહ્યા. તેઓ સર્વે ત્યાં હર્ષભર્યા આવ્યાં અને ઘણા કાળથી વાંછિત મનોરથ પૂર્ણ થયાં જોઈ કૃતાર્થ થયાં. કપંજિલે શ્વેતકેતુના વચનથી પુંડરીકને શુકનાસને સ્વાધીન કર્યો. પછી હેમકૂટ ઉપર જઈને ગંધર્વરાજે તથા હંસે ચારે જણનાં લગ્ન બહુ ઉત્સાહથી કર્યાં. પત્રલેખા એ ચંદ્રની પત્ની રોહિણીનો અવતાર હતી એક કાદમ્બરીના પૂછવાથી ચંદ્રાપીડે જણાવ્યાથી તે સાંભળીને કાદમ્બરીને ઘણો આનંદ થયો. અને પુંડરીકને સર્વ રાજ્યભારનું અર્પણ કરીને ચંદ્રાપીડે કાદમ્બરી સાથે યથેચ્છિત સુખ ભોગવ્યું. મહાશ્વેતા પણ ચિરવિરહિત પુંડરીક સાથે વસીને મહા સુખ પામી. (કથાસાર: છગનલાલ પંડ્યા)