છંદોલય ૧૯૪૯

From Ekatra Wiki
Revision as of 00:07, 23 March 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


Chandolay-Title.jpg


છંદોલય ૧૯૪૯

નિરંજન ભગત


પ્રારંભિક


અનુક્રમ


અર્પણ:
બહેન અને બાપુજીને

જાગૃતિ

છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી ર્હે સકલ કલિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે; અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નાચી ર્હે, જલછલક જોબંન વહને
વહે, જ્યારે ના ર્હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્હે તે પર ઢળી;
નવાણોયે કાંઠાભર રગરગે ર્હે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!

૧૯૪૩
 

સ્વપ્ન

સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
ઉન્માદ શો રગરગે રટના ગવાઈ!
શો મત્ત પ્રાણ! મદિરામય શી જવાની!
ક્યાંયે નથી નજરમાં અવ કો કિનારા,
ને દૂરની ક્ષિતિજના સહુ લુપ્ત આરા,
જ્યાં રાત ને દિન ચગે રવિચંદ્રતારા
એ આભથીય પર કલ્પનના મિનારા!
આ શૂન્ય તો સૃજનની શતઊર્મિ પ્રેરે!
હ્યાં જે સુગંધરસરંગ ન, શા અપારે,
એ સૌ અહો પ્રગટ રે મુજ બીનતારે !
સૌંદર્ય શું સભર સપ્તકસૂર વેરે !
ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!

૧૯૪૩
 

અકારણે

અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય!

મારે અધર સ્મિત ફૂટે
તો ઝાકળ થૈને છાય,
નેનમાંથી જો નીર છૂટે
તો હસી હસી ન્હાય;
વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!

લોકની માયા શીય કીધી
તે નિજમાંયે ના માય,
કોકની છાયા જોઈ લીધી
કે ચરણ ચૂમવા જાય;
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!

૧૯૪૮
 

અગનગીત

મારે એક અગનગીત ગાવું!
લાવાની લખધારે મારી લાગણીઓને ન્હાવું!

મૌન ગેબની ગુહા ગજાવું
દીપકનો સૂર છેડી,
શૂન્ય તિમિરને પંથ સજાવું
કનક તેજની કેડી,
સૂરજની શય્યા પર પોઢી રુદ્રસ્વપ્ન હું લાવું!

આજ પ્રગટવો એવો લય
ને પ્રલયનૃત્યનો તાલ;
કે ભૂંસી ભાવિનો ભય
ને ભૂલી જવો ભૂતકાલ;
ત્રણે કાળને હૈયે મારે ઝાળ બનીને છાવું!
મારે એક અગનગીત ગાવું!

૧૯૪૮
 

વિદાય

વિદાય, પ્રિય કલ્પના, અવ વિદાય દેવી, સખી!
અકેલ મનમ્હેલને શયન કૈંક રાતો રહી,
મને સકલ સંગનાં સ્વપનની જ વાતો કહી;
પરંતુ પ્રિય, અંતમાં તવ વિદાય લેવી લખી!
વિદાય, પ્રિય, શેષ આ મિલનરાત રે કલ્પના!
અહીં પલકવાર ર્હૈ નજરબ્હાર ચાલી જશે,
છતાંય મન વેદનામુખર થૈ ન ખાલી થશે,
હશે નયનમાં ન નીર, નહિ હોઠપે જલ્પના!
હવે ક્ષિતિજપાર કો અવર ઝૂલણે ઝૂલજે,
અહીં સ્મરણમાં ન એક પણ ગીત મૂકી જજે,
અબોલ મુજ અંતરે અફળ પ્રીત મૂકી જજે,
મને ક્ષણિક સંગના પથિકને હવે ભૂલજે!
વિદાય પ્રિય, જા! તને મનકથાય ક્હેવી નહીં,
હવે ગહન મૌનમાં મનવ્યથા જ સ્હેવી રહી!

૧૯૪૪
 

સપનું સરી જાય

મારું સપનું સરી જાય!
નીલનિકુંજે ચંપાનું કોઈ ફૂલ રે ખરી જાય!
ભ્રમર ન્હોતો ગુંજતો જેના કાનમાં ગોપનગીત,
પ્રગટી ન્હોતી ક્યારેય જેના પ્રાણમાં મિલનપ્રીત,
વિજન વાટે અબોલ જેવું જેને અધર સ્મિત,
એને રે કોઈ વ્યાકુલ વાયુ શીદને હરી જાય?
નમણી નારના શ્વાસ સમી એની વાસ ક્યાં રે ઢોળાય?
કિયે તે ગોકુલગામ રાધાશો રંગ એનો રોળાય?
ધૂપ સમું એનું રૂપ એને હવે ખોળ્યું તે કેમ ખોળાય?
અજાણ એવી પ્રીત કોઈ એના પ્રાણને કરી જાય!
મારું સપનું સરી જાય!

૧૯૪૮
 

કોને?

તને કે સ્વપ્નોને,
કહે, હું તે કોને
ચહું – સ્વપ્ને તું ને સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં?

૧૯૪૩
 

પરિચય

અહો, આ તે કોના પરિચય વિનાના વદનને,
હસીને હેરંતા,
કટાક્ષો વેરંતા,
નિહાળું છું? આ તે મદભર વસંતે મદનને
નિહાળું વર્ષંતો મૃદુલ શર, જે મગ્ન રતિમાં?
અહો, આ તો નાની,
નિહાળું છું છાની,
પ્રિયાની કીકીમાં પ્રતિછવિત મારી જ પ્રતિમા!

૧૯૪૮
 

સજ્જા

રે શી સજ્જા! પ્રિય, શિર પરે સિન્દૂરે રમ્ય રેખા
ને અંબોડે અલકલટમાં પુષ્પવેણીય ઝૂલે,
તારે કાને અધિકતર શોભા ધરી કર્ણફૂલે
ને ભાલે શી ટમક ટીલડી, ચન્દ્રની બીજલેખા;
તારે આંજ્યાં અતલ નયનો અંજને, તોય નીલાં;
ગાલે લાલી, અધર પર શો રાગ, શી રૂપલીલા!
ને તોયે આ સકલ અધૂરી પ્રેમની પૂર્ણ સજ્જા,
એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા!

૧૯૪૮
 

ધ્રુવતારા

એ જ આભે એ જ તારા,
એ જ સૌની એની એ છે તેજધારા,
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં!

સૌમ્ય એવી શી છટામાં,
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં,
જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં
નેનના બે ધ્રુવતારા,
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં!
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા!

૧૯૪૮
 

સુધામય વારુણી

એક ચૂમી,
મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી
બસ એક ચૂમી મેં લીધી;
શી સ્વર્ગની જ સુધા પીધી!
એકેક જેનું બિન્દુ
એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ!
વળી તો એ જ બિન્દુ
પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ!
અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી
કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ!

૧૯૪૭
 

મૃત્તિકા

બે ફૂલ ફૂટ્યાં!
ચાંચલ્યનું ચુંબન દૈ પ્રિયાના
હિલ્લોલતા સ્રોવરને હિયાના,
વસંતના વ્યાકુલ વાયુ છૂટ્યા,
ને ફૂલ ફૂટ્યાં!

બે ફૂલ ફૂટ્યાં!
સો પાંખડીનો શણગાર ધારી,
જ્યાં સૃષ્ટિનાં પંકજ જાય વારી,
પરાગ શા ચંદનલેપ ઘૂંટ્યા;
બે ફૂલ ફૂટ્યાં!

બે ફૂલ ફૂટ્યાં!
લજ્જામુખીને ભયભીત ચિત્તે,
સૌંદર્યનાં બે છલકંત ગીતે,
શા દેહછંદે યતિબંધ તૂટ્યા,
ને ફૂલ ફૂટ્યાં!

બે ફૂલ ફૂટ્યાં!
જે મૃત્તિકા નિત્ય કઠોર જાણી,
એ તો અહીં માર્દવ ર્હૈ છ માણી,
શાં સ્નિગ્ધ! કાઠિન્ય છતાં ન ખૂટ્યાં;
બે ફૂલ ફૂટ્યાં!

૧૯૪૭
 

હે કૃષ્ણા

મુજ મુગ્ધ દૃષ્ટિનું ચંચલ પંખી,
ચિર સુંદરને ઝંખી,
જલમાં, થલમાં,
ને નભતલમાં,
બેય નયનની પાંખ પસારી ભમતું,
જેને ક્યાંય ન ગમતું,
એ અવ નંદે,
જેમ લાસ્યનું નૃત્ય નંદતું છંદે,
રે તવ રૂપની ડાળે,
તવ સ્વપ્નોને માળે
વસતું, હસતું અવ દિનરાત્રિ,
જે દૂર દૂરનું યાત્રી;
અવ તૃપ્ત એહની તૃષ્ણા
રે તવ દર્શનથી, હે કૃષ્ણા!

૧૯૪૮
 

મૌન

વસંતે આછેરા પુલક પરશે ચુંબન કર્યું,
પ્રિયા પૃથ્વીએ ત્યાં રૂપછલકતું યૌવન ધર્યું;
છકેલો ઘેલો દક્ષિણ પવન જ્યાં આતુર ધસ્યો,
મૂકી દૈ લજ્જા ને મૃદુલ કલિનો ઘૂંઘટ ખસ્યો;
અનંગે અર્પેલી અગન નિજ કંઠે અણબૂઝી
લઈ, ડાળે ડાળે વનવન ભમી કોયલ કૂજી;
ઉરોના ઉન્માદે સકલ જનનું મંન મલક્યું,
અહો, આજે જ્યારે મિલનમધુરું ગીત છલક્યું;
તને મેં સ્પર્શી રે જીવનરસની શીય તરસે,
વસંતે મોરેલા મુદિત મનના મુગ્ધ પરશે!
અરે, ત્યાં તો તારું મુખ શરમથી તેં નત કર્યું,
ન કીધા શૃંગારો, ગીત પણ નહીં, મૌન જ ધર્યું;
છતાં શી તૃપ્તિ થૈ મુજ તરસની ને મન હસ્યું,
અહો, એવું તારા મધુરતમ મૌને શુંય વસ્યું?!

૧૯૪૭
 

અશ્રુ

તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે
જાગી ર્હેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;
તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ
ડોલી ર્હે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!
મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર
માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે
માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;
રે એ આશા ક્ષિતિજ સરખી ર્હૈ ગઈ દૂર દૂર!
મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;
તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,
થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!
હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!
રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ
જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!?

૧૯૪૭
 

આગમન

ત્યારે હતી ઘોર નિશા છવાઈ!
સૂની દિશા, જ્યાં નહિ પંથ દીસે,
એકાંતનું મૌન મને શું ભીંસે;
ત્યાં રાગિણી તવ મુખે સહસા ગવાઈ!

તું ચંદ્રથી ચારુ સુહાસિની હે!
અંધારને તેજ થકી રસી ગૈ,
તારે સ્મિતે શાંત નિશા હસી ગૈ,
તું દૂરની ક્ષિતિજ પારની વાસિની હે!

શી રાગિણી, રમ્ય મિલાપસૂર!
ઝંકાર શો ઝાંઝરનો બજાવી,
સૂની દિશા તેં સહસા ગજાવી;
કે તું હિ તું નિકટ ને વળી દૂર દૂર!

યુગે યુગે મેં તુજને જ ઝંખી!
લીધી હતી દર્શન કાજ દીક્ષા,
દીધી મને તેં પણ આજ ભિક્ષા;
એકાંતની અધૂરપો શું તનેય ડંખી!

આવી ભલે તું સહસા જ આવી,
જ્યારે બુઊયાં દીપકનાં છ તેજ,
સૂકી ઝૂરીને મુજ ફૂલસેજ,
મારે છતાંય શુભ આગમનાન્દી ગાવી!

૧૯૪૬
 

તને ચ્હાતાં ચ્હાતાં

તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ મહીં સંપૂર્ણ વિલય!

હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!

કશી તારી લીલા, કવિ! ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!

૧૯૪૮
 

એક સ્મિતે

‘એ આવશે’ એમ રટી રહીને
મેં તો દિશાનાં સહુ દ્વાર હેર્યાં,
ને શૂળ સૌ કંટકની સહીને
મેં તો પ્રિયાને પથ પુષ્પ વેર્યાં.

ત્યાં તો હવા નૂપુરનાદ લાવી,
ઊડી રહ્યો પાલવ દૂર કંપી,
‘હા, એ જ એ હા, પ્રિય એ જ આવી’
કહી રહી ઝંખન કૈંક જંપી!

આવી છતાં એ જ ક્ષણે જતી ર્હૈ,
જાણે કશી ચંચલ વીજરેખા;
ને પૂર્ણિમાની રઢ મેલતી ગૈ
રહસ્યથી ગુંઠિત બીજલેખા!

રે હોઠનું ચુંબન પ્રાણપ્રીતે
દીધું ભલે ના, પણ એક દૃષ્ટિ
જો હોત કીધી, બસ એક સ્મિતે
મોરી વસંતે મુજ હોત સૃષ્ટિ!

૧૯૪૬
 

તો ભૂલી જા!

– તો ભૂલી જા, પ્રિય, મિલનના સ્વપ્નની કૈંક વાતો!
આછાં આછાં અધરસ્મિતમાં મેં કહી જે કથા ને
મૂગા મૂગા નયનજલમાં તેં વહી જે વ્યથાને;
એકાંતોમાં ઉભય ઉરના ઐક્યની કૈંક રાતો!
છો ભૂલી જા સ્મરણ પણ કે ‘હાય ભૂલી જતી રે;
– પ્રેમી, તારો જનમભરનો સાથ – ક્હૈ સાથ ચાલી
ને ચાલી ગૈ અધવચ અચિંતી જ દૈ હાથતાલી!’
છોને તારી નવલ દુનિયા આજ ખૂલી જતી રે!
છોને મારી વિજન દુનિયા, પ્રીતની છિન્ન આશા!
તોયે ન્યારી! સ્મિતસ્મરણમાં વેદના જ્યાં વસે છે;
ખંડેરોની બિચ મરણમાં જિંદગી જ્યાં હસે છે;
જેના સૌયે કિરણકિરણે ગીતની ભિન્ન ભાષા  :
જે હૈયાને અલગ જ થવું લાગતું હોય ઇષ્ટ
રે એ જાતાં, વિરહ પણ શો થૈ જતો ધન્ય, મિષ્ટ!

૧૯૪૪
 

એક ફૂલને

તારે ન રૂપ, નહિ રંગ સુગંધ, કૈં ના!
તારે વસંત પણ ના, અવ અંગ ઓઢી
કંથા જ પાનખરની; ચિરકાલ પોઢી
તારી સુદૂર સપને ચકચૂર નૈનાં!
રે મૃત્યુને શયન નીંદર આજ મીઠી!
છેલ્લી હતી મિલનરાત, સખી જતી ર્હૈ;
‘લે ફૂલ!’ એ જ બસ વાત મને હતી ક્હી;
તારે મુખે ચમક ત્યાર પછી ન દીઠી!
આજે વનેવન હસે, રસરંગફાગે;
જાગે વસંતપરશે ઝબકી જવાની
સૌ ફૂલની, અસર પાગલ કો હવાની;
તારે જરીય પણ ના બસ રંગ લાગે!
ના, ના; વસંત પણ છે જ તનેય એવી!
તારે પેલી સખીની સ્મરણસુરભિ અંગાંગ મ્હેકે છ કેવી!

૧૯૪૪
 

હવે આ હૈયાને

હવે આ હૈયાને હરખ નથી કે હેત કરજે!
તું તો અંકાશી કો સજલ ઘન થૈને દરસતી,
સદા મારું પ્યાસી હૃદય લુભવી; ના વરસતી!
અરે, એથી તો તું રણ સમ બની રેત ભરજે,
અને ધિક્કારોની પ્રબલતમ ઝંઝા સહીશ હું!
રચી દે હાવાં તું પ્રખર સહરાને, હૃદયના
ખૂણે ખૂણે; હાવાં જરીય પણ ર્હેજે સદય ના!
અને એ ધિક્કારે મુજ પ્રણયતૃપ્તિ લહીશ હું!
સદા જેનું હૈયું ચિર અચલતાની સહ રમે,
કદી એને તારાં ક્ષણિક સમણાંઓ બસ નથી;
મને ચાંચલ્યોની તરલ રમણામાં રસ નથી;
પછી છાયા જેવી તવ પ્રણયમાયા ક્યમ ગમે?
તને આજે લાવે ઘનસ્વરૂપમાં તે પવનને
કહી દે તું લાવે રણસ્વરૂપમાં રે અવ તને!

૧૯૪૫
 



તું હતી સાથમાં

તું હતી સાથમાં!
તું પ્રિયે, રમ્યગાત્રી,
હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ,
ને હું અને તું હતાં બે જ યાત્રી,
જતાં હાથ લૈ હાથમાં!
તું હતી સાથમાં!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કોઈ મુગ્ધા સમી મંજરી
ડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી,
એક નિ:શ્વાસ નમણો ભરી
આપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કુંજની કામિની કોકિલા,
કંઠ પર મેલતું કોઈ જાણે શિલા,
એમ ટહુકાર છેલ્લો કરી રોષથી,
ક્યાંક ચાલી ગઈ દૃષ્ટિના દોષથી!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
ચન્દ્રીએ ચારુ ને ચંચલ
દૃષ્ટિએ જોઈને દ્વેષથી
આડું ધારી લીધું વૈરના વેષથી
મુખ પરે શ્યામ કો મેઘનું અંચલ!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેર ભાળી ગઈ
આપણા સંગને,
ને પછી આછું આછું અડી અંગને
એવું તે શુંય એ વેર વાળી ગઈ!
મૌનમાં મગ્ન થૈ આપણે બે જણે
એમ ચાલ્યાં કર્યું હાથ લૈ હાથમાં!

જાણ્યું ના એય તે એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરશું તુંય ચાલી ગઈ,
ને અચાનક મને શૂન્યતા શીય સાલી ગઈ,
એ જ ક્ષણ જાણ્યું કે તું ન’તી સાથમાં!

૧૯૪૮
 

રે પ્રીત

રે પ્રીત, તું તો સુરલોકની સુધા,
મેં એમ માની તવ એક બિન્દુ
પીધું, થઈ તૃપ્તિ ન, કિન્તુ રે ક્ષુધા
જાગી, જલ્યો કો વડવાગ્નિ સિન્ધુ!

રે પ્રીત, તું તો વનરમ્યકુંજ,
મેં એમ માની કીધ જ્યાં પ્રવેશ,
રે ત્યાં દીઠો ચોગમ ભસ્મપુંજ,
એ રાખથી તો મુજ મ્લાન વેશ!

રે પ્રીત, તું પુષ્પિત કો વસંત,
માની લઈ હું તવ સ્પર્શ માગી
આવ્યો કશી આશભર્યો હસંત
ત્યાં ઝાળ શી પાનખરોની લાગી!

રે પ્રીત, તું જીવન દિવ્ય દેશે
માની લઈ મેં તવ પાસ મેલી
સૌ વાસનાને, પણ મૃત્યુવેશે
તેં તો અહો, શી અળગી ધકેલી!

રે પ્રીત, ભર્તૃહરિના ફલમાં તું મૂર્ત!
રે ધિક્ તને, છલમયી! છટ, હા, તું ધૂર્ત!

૧૯૪૬
 

આશ્લેષમાં

હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં
તું આવ, તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં!

૧૯૪૮
 

પાંડુનો પ્રણય

અસીમ અંધારની અરવ બીના
પરે તારકોનો મહાછંદ પ્રગટે નિશા,
એહનો લલિતલય લૈ, હવાની હિના
મંદ છલકાવતી, મુગ્ધ થૈ સૌ દિશા!
જેહની મત્ત મધુગંધથી મ્હેકતો
પ્રાણ શો સ્પર્શના સુખથકી બ્હેકતો!
નેત્રમાં ઘેનનાં અંજનો કોણ આંજી ગયું?
રોમરોમે કશું અંગ રાજી થયું!
એ પ્રભાતે જ પ્રિયનેત્રની ઝલકમાં
મૂક ઇંગિતનું ઇજન વાંચી લીધું,
ને અરે, પલકમાં
પ્રિયતણાં અંગઅંગે
અહો, એની અંગુલિએ એવું નાચી લીધું
કે જડ્યા પ્રાણ જ્યાં ગાઢ આશ્લેષમાં પ્રાણ સંગે,
અહો, એ જ ક્ષણથી હવાની હિના ને નિશા
ને હતી મુગ્ધ જે સૌ દિશા,
સકલનું સ્મરણ શું ભિન્ન જેવું થયું!
ને અહો, એ જ આશ્લેષમાં,
માદ્રીના વેષમાં,
મૃત્યુનું ગુપ્ત ગુંઠન કશું છિન્ન જેવું થયું!

૧૯૪૮
 

અંતિમ મિલન

નહીં, પ્રિય! નહીં, નહીં!
વિદાયનું વચન તું રખે પ્રિય, જાય કહી!
અંતિમ મિલન! એની ધન્ય ક્ષણે
મુખ ભલે મૌન ભણે!
એ વચન તું જરી જો ન વારી લેશે
તો ભવિષ્યના ભિન્ન તવ જીવનની કથા
એનું રૂપ ધારી લેશે!
ત્યારે કેવી હશે તવ મનોવ્યથા!
એ વચન તું જરી જો ન વારી લેશે
તો ભવિષ્યના ભિન્ન મુજ જીવનને પથે,
સારી સૃષ્ટિ મને જે કંઈ ક્હેવા મથે
એના સ્વરો તવ વચનનું રૂપ ધારી લેશે!
ત્યારે પ્રિય, વાણીહીન હશે તું ને બનીશ રે બધિર હું!
તેથી તો હે પ્રિય, ન હો અધીર તું!
મુખ ભલે મૌન ભણે!
અંતિમ મિલન! એની ધન્ય ક્ષણે
વિદાયનું વચન તું રખે પ્રિય, જાય કહી!
નહીં, પ્રિય! નહીં, નહીં!

૧૯૪૮
 

રૂપ

હે રમ્ય રૂપ,
રહસ્યથી પૂર્ણ અગમ્ય છાયા
સમી તને ચંચલ કામ્ય કાયા,
અસ્પર્શ્ય ને તોય તું દૃશ્ય ધૂપ!

હે રમ્ય રૂપ,
તારી સમીપે મુખ મેં ધર્યું’તું,
તારું ચહી ચુંબન જે સર્યું’તું
સકંપ ને તો પણ ચૂપ ચૂપ!

‘સુશોભિની હે,
હઠાવ આ અંચલ, ગુંઠિતા, જો!
આ કામ્ય કાયા નવ કુંઠિતા હો!
ક્ષણેક હો ચંચલ, લોભિની હે!’

એવું કહીને મુજ બેય બાહુ
જ્યાં મેં પ્રસાર્યા, ક્ષણ હું હસી રહ્યો;
કિન્તુ તને ચંદ્રમુખી, ગ્રસી રહ્યો
શું એ ક્ષણે કોઈ અજાણ રાહુ!

અલોપ તું, ને તવ અંગઅંચલ
એ બાહુમાં જાય રહી; હસી રહી
જાણે મને એમ હવા ધસી રહી
એ શૂન્યમાં, હે ચિરકાલ ચંચલ!

૧૯૪૮
 

પથ વંકાય

પથ વંકાય,
દૂર ક્ષિતિજની પાર ઢળી
મુજ નયન થકી ઢંકાય!
વંકી વળી વળી

મુજ ચાલ
ચૂકે નિજ તાલ,
ચરણને તોય ચલનની પ્યાસ,
ક્યીહીં સૃષ્ટિમાં
નહીં શું એનો વાસ?
મુજ દૃષ્ટિમાં
અગમ્ય શો અંકાય!
પથ વંકાય!

૧૯૪૮
 

કંટકોના પ્યારમાં

રે આ ચીલા!
શી સ્નિગ્ધ સુન્દરની લીલા!
જે દૂર ને બસ દૂર
અહીંની કંટકે ભરપૂર
એવી ભૂખરી પૃથ્વી પરે થૈને જતા,
શું રુક્ષ કોઈ વૃક્ષ પર જાણે લતા!
શું એહનું દર્શન
અહો, જાણે નયનને સુરમો આંજી જતું!
શું એહનું સ્પર્શન
અહો, જાણે ચરણ તો ચૂમતાં લાજી જતું!
રે આજ આ વૈશાખના બપ્પોરમાં
બળતા પ્રજળતા પ્હોરમાં
જ્યારે સળગતું આભ માથે ને નીચે સૂકી ધરા,
ત્યારે ચીલા લાગે શીતલ જલના ઝરા!
શું એહનાં આકર્ષણો!
આમંત્રણોનાં સ્નેહભીનાં વર્ષણો!
ને તે છતાં છ વિરક્ત મારા ચિત્તને વિરતિ,
અરે કે ત્યાં નહીં મારી ગતિ!
રે ના મને એ સ્નિગ્ધ સુંદરની સ્પૃહા,
હું કંટકોના પ્યારમાં લલકારતો દિલના દુહા!
હું એ ચીલાને છાંડતો,
ને કંટકોને પંથ ચરણો માંડતો,
ત્યાં એહનોયે પ્યાર શો જાગી ગયો,
તે માહરાં બન્ને ચરણને ચૂમવા લાગી ગયો!
ઉપહાસમાં ત્યારે ઊંચેથી છાંય ઢાળી
અભ્ર આવી આભમાં આઘાં ખસ્યાં;
ત્યારે ચરણનું રક્ત ન્યાળી
શું અહો, જાણે ચીલા મુજને હસ્યા!
પણ હુંય તે સામો હસ્યો
કે આ ચીલા જ્યારે ન’તા
ત્યારેય મુજ શા કોઈ પંથીનાં ચરણ પણ રક્તરંગેલાં હતાં,
ને હતો એનેય અંતર મુજ સમો આનંદ પણ ત્યારે વસ્યો!
હું એહનાં એ ધન્ય ચરણોને સ્મરું,
ને કંટકોના પંથ પર હું પ્યારથી ચરણો ધરું!

૧૯૪૮
 

ગ્રીષ્મમધ્યાહ્નમાં

તપ્ત ધરણી હતી,
ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી
સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી;
અગ્નિની આંખ અંગાર ઝરતી હતી
રુદ્ર અંબરતલે,
પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;
દૂર ને દૂર જૈ ઓટ સરતી હતી
શાંત સાગરજલે,
ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી,
દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી,
તપ્ત, બસ તપ્ત ધરણી હતી.

શાંતિ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી?
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી?
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિ:શ્વાસતી,
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છ્વાસતી;
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી;
ઝાંઝવાંનીરની પ્યાસમાં બાવરી કોક હરણી હતી!
ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી;
અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી!
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડ્યો!

આજ વૈશાખના ધોમ બપ્પોરમાં,
આછી આછીય તે પવનની લ્હેર આ લૂઝર્યા પ્હોરમાં
માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાંગીતને વેરતું,
શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો,
ક્યાંય માથે ન’તો મેઘનો માંડવો, છાંય ન્હોતી છતાં
શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો.
ગીતને વેરતું,
ત્યાં અચાનક કશી ભીંસતી ભીંત શી
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી,
છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી;
એક સેલારથી
નયનને દાખવી નાવ કો સઢફૂલી,
ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝૂલી;
એક હેલારથી
દૂર જૈ ઓટમાં ઓસર્યાં પાણીને
ઘડીક તો કાંઠડે લાવતી તાણીને;
ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ?!
ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ!
એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી
કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી
સ્વપ્નમાં જેમ કો કલ્પના હોય ના બોલતી
એમ એ આભમાં આવી ઊડ્યું, અને ડોલતી
ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું,
પાંખથી પિચ્છ એકાદને ખેરતું,
આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું;
આભ જેવું હતું તેવું ખાલી થયું!
પલકભર એય તે મુખર નિજ ગાનમાં
કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં!
એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી,
ગગનની ગહન કો ગેબના સાર શી,
રુદ્રને લોચને કો જટાજૂટથી વીખરી લટ સમી,
ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી;
કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી,
જીવને આમથી તેમ ઝુલાવતી કોઈ માયા સમી,
પલકભર મુજ ઉરે ગૈ ઢળી,
ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ;
લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી,
ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ!
શી અહો આ લીલા!
નીરની ધારથી શું તૂટી ર્હૈ શિલા?
આ બધું છળ અરે છાનુંછપનું હતું?
પલકભર શૂન્યનું ભ્રાંત સપનું હતું?
અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્યની રંગસરણી હતી?

જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી!

૧૯૪૭
 

વેળા–૧

વેળા વહી જાય!
હાય રે, મારા મનની ‘આજ’ તો મનમાં રહી જાય!
પાછલી રાતનું સોણલું સ્મરી
આજ કશું ના ન્યાળું,
ન્યાળતી નેણેય નીંદમાં સરી
લાખ ભૂતાવળ ભાળું;
સ્મરણની ગતકાલની ગાથા કંઈ ના કહી જાય!
જાણું નહીં રે કેવુંક વાશે
આવતી કાલનું વ્હાણું?
આજ નથી જે એની જ આશે
ગાઉં ના આજનું ગાણું!
આજની આવી અવહેલા તે શીદને સહી જાય?
વેળા વહી જાય!

૧૯૪૭
 

વેળા – ૨

જાય રે વેળા જાય!
કોઈ હલેતી હરણી જાણે તૃષ્ણાને તીર ધાય!
ચંચલ એનાં ચરણ ચાંપે
મનની મરુભોમ,
એના રે આઘાતમાં કાંપે
અંગનું રોમેરોમ;
પડછાયો જ્યાં પાથરતી ત્યાં પ્રગટે લૂ ને લાય!
એકનું આંક્યું ચિહ્ન એને
ચરણ બીજું લ્હોય;
શીય હલેતી હરણી જેને
અડતા નથી ભોંય
પડતાં પહેલાં પલકમાં તો ઊપડે એવા પાય!
જાય રે વેળા જાય!

૧૯૪૭
 

નયનઅંધ

હાય રે, નયન અંધ!
પાંપણની પેલી પારથી કોણે દ્વાર કીધાં છે બંધ?
અંતરના અંકાશને જોવી
બ્હારની રંગીન કાય,
નેનતારાના તેજથી લ્હોવી
તિમિરની ઘન છાંય;
ત્યારે કાજળઘેરાં વાદળ પૂંઠે મૂગો તારકછંદ!
કોણે રે મારે પોપચે બાંધ્યો
રંગ-પ્રકાશનો પ્રાણ?
નિજથી નિજનો સંગ લાધ્યો
તે રહી ન બ્હારની જાણ;
જાણે શતદલોની પાંખડીઓના બંધમાં ઝૂરે ગંધ!
હાય રે, નયન અંધ!

૧૯૪૮
 

મન

ક્યાંય આછોય તે એક તારો નથી
એટલો ગગનમાં ગાઢ અંધાર છે,
છેક છાયા સમો; તે છતાં કેટલો ભાર છે!
આભના ગૂઢ અંધત્વને ક્યાંય આરો નથી.

મેઘ પર મેઘના ડોલતા ડુંગરા
તે છતાં શાંત છે કેટલાં સ્પન્દનો!
અંતરે આંસુનાં નીરના કૈં ઝરા
તે છતાં મૌન છે કેટલાં ક્રન્દનો!

જોયું મેં આજ આષાઢના ગગનને?
કે પછી માહરા ગહન શા મંનને?

૧૯૪૮
 

મનમાં મન

મનમાં મન ખોવાઈ ગયું!
અંધારથી મેં આંખ આંજી તે અંતરમાં જોવાઈ ગયું!
રાત ને દ્હાડો જલતી ભાળી
ભીતરમાં એક જ્યોત,
બ્હારની દુનિયા કાજળકાળી
ને પ્રાણ પ્રકાશે પોત;
એ જ રે અંતરતેજથી આંખનું કાજળ આજ લ્હોવાઈ ગયું!
મનમાં મન ખોવાઈ ગયું!
અંધ આંખે મેં બંધ દીધો તે અંતરમાં રોવાઈ ગયું!
બંનેય નેણથી પાછી વળી
રે ગંગાયમુના સંગ,
એ રે વ્હેણની સાથ ભળી
જ્યાં પ્રાણની પાતાળગંગ,
આભશું છલક્યો તટ; તે બંધનું પટ રે આજ ધોવાઈ ગયું!
મનમાં મન ખોવાઈ ગયું!

૧૯૪૬
 

છાયા

આ શી તારી માયા?
રે ઓ છલનામયી છાયા!

તું ઘડી આથમણે છાઈ,
તો ઘડી ઉગમણે ધાઈ;
રમણાને રંગ ન્હાઈ
તારી ચંચલ કોમલ કાયા!

તું જીવને શીદ ઝુલાવે?
ને ભુલામણીમાં ભુલાવે?
શું હેતમાં આમ હુલાવે?
તું તો પ્રકાશની છો જાયા!

૧૯૪૬
 

એકલો

હું એકલો છું મુજ ગેહમાંહી,
આ દેહમાંહી!
મુજ બંધ દ્વાર,
ને બ્હાર
ઊભો ઘન અંધકાર,
કહે, ‘મને તું હૃદયે જ ધાર!’
ઊભો વળી ચંચલ ત્યાં પ્રકાશ,
કહે, ‘મને લે નિજ બાહુપાશ!’
હલંત ના હાથ,
ન દ્વાર ખોલ્યું;
ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું  :
‘ના, સ્નેહસંધિ
આવો રચીને ઉભયે જ, સાથ!
ને ત્યાં લગી હ્યાં છ પ્રવેશબંધી
મુજ ગેહમાંહી!’
હું એકલો છું મુજ દેહમાંહી!

૧૯૪૮
 


ઉદાસ

નહીં અશ્રુ, નહીં હાસ;
મુજ ઉર એવું ઉદાસ!
નહીં વૈશાખી તપ્ત ગગનની
વ્યાકુલ વિહ્વલ લાય,
નહીં આષાઢી શ્યામલ ઘનની
જલશીતલ કો છાંય;
નહીં તૃપ્તિ, નહીં પ્યાસ;
મુજ ઉર એવું ઉદાસ!
અરધ પોપચે પણ નહીં ખૂલ્યાં
હજુય તિમિરનાં નેણ,
અધર મૌનમાં હજુ નહીં ડૂલ્યાં
મધુર તેજનાં વેણ;
એ સાંધ્યભૂમિમાં વાસ,
મુજ ઉર એવું ઉદાસ!

૧૯૪૮
 

તારલી

શાંત સાગરતટ હતો,
મૂગો પવન,
જલધિજલની લહરીઓનું લ્હેરતું ન્હોતું ગવન;
વિજનતાના વાસ જેવો પૃથ્વીનો એ પટ હતો!
અવકાશથી અંધારની લખધાર ત્યાં ચૂતી હતી,
સ્તબ્ધ સાયંકાલને પડખે પડીને
કંપહીણું ક્લાંત નિજ હૈયું જડીને
સારી સૃષ્ટિ નીંદમાં સૂતી હતી!
એકાંતમાં અપવાદ જેવો એ વિજનમાં એક હું વસતો હતો,
એવો પરંતુ મૂઢ જેવો
કે સ્વયં મુજને જ ના સુણાય એવું શાંત હું શ્વસતો હતો;
એવી ગહનતામાં ક્ષણેક્ષણ હું ધીરે લસતો હતો
કે હું જ મુજને લાગતો’તો ગૂઢ જેવો;
મન હિ મનમાં હું ઘડી રડતો, ઘડી હસતો હતો!
ત્યાં અચાનક એ અરવ એકાંતમાં,
એ રહસ્યોથી ગહન ગંભીર એવા પ્રાંતમાં,
અવકાશના અંધારની ઘેરી ઘટામાં,
શી છટામાં
તારલી ટમકી ગઈ!
ને સુપ્ત સારી સૃષ્ટિ જાણે સ્વપ્નથી ચમકી ગઈ!
ત્યારે વિજનતાના હૃદયનું મૌન ત્યાં ભાંગી ગયું!
ત્યારે પવનની આછી આછી મર્મરોનું ગાન ત્યાં જાગી ગયું!
સાગર જરી કંપી ગયો,
ત્યારે પલકભરમાં જ તે મારો મૂંઝાતો જીવ પણ જંપી ગયો!

૧૯૪૮
 

અનિદ્ર નયને

અનિદ્ર નયને
હું એકલો રે મુજ શૂન્ય શયને,
જોઈ રહું છું નભની દિશામાં,
જે મેઘભારે નમતી, નિશામાં
મુજ બારી બ્હાર!
ઝરી રહી ઝર્ઝર નીરધાર,
મલ્હારગીતે
એની સુણી ઝંખનઝંકૃતિ રે
મુજ વ્યગ્ર ચિત્તે
સરી રહી કૈં ગતની સ્મૃતિ રે!

૧૯૪૮
 

પારેવાં

ઝૂકી ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા,
ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!
જ્યારે ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા.
જલભીંજેલી શિથિલ પાંખો
શીત સમીરે કેટલું ધ્રૂજે,
જાણે કોઈ દીપક બૂઝે
એમ એ રાતા રંગની આંખો
પરે વળી વળી પોપચાં ઢળે,
ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!
ક્યારેય એમની કશીય ના હલચલ,
એવું શું સાંકડું લાગે સ્થલ?
નાનેરું તોય સમાવે એવડું તો છે નીડ,
ભીંસે છે તોય શી એવી ભીડ?
પાંખ પસારી સ્હેલનારાંનું
આકાશે ટ્હેલનારાંનું
મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી!
આખાયે આભને લાવી મેલવું શેમાં?
નાનેરું નીડ છે એમાં?
એની આ વેદના શું એ જાણતું નથી?
એથી એના દુ:ખને નથી ક્યાંય રે આરા!
ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા
ઝૂકી ઝૂકી આભથી સારા!

૧૯૪૮
 

ઝરઝર

ઝરઝર
શ્રાવણની જલધાર
ધરણીને દ્વાર
ઝરી જાય
ઝરઝર...
નયનેથી મુજ નીંદ હરી જાય,
સુખનું રે મુજ સ્વપ્ન સરી જાય;
વારંવાર
ક્ષિતિજની પેલી પાર
મારું મન મને મેલી ભાગી જાય,
પર્ણ સમા મુજ પ્રાણે જાગી જાય
મરમર...
ક્ષણ પણ જરીય ના જંપી જાય,
મેઘલી આ મધરાતે
સુગંધિત મંદ શીત સમીરને ઘાતે
અંગેઅંગ અવિરત કંપી જાય
થરથર...
શ્રાવણની જલધાર
ધરણીને દ્વાર
ઝરી જાય
ઝરઝર... ઝરઝર...

૧૯૪૮
 

શુષ્ક પર્ણ

નહીં રૂપ, નહીં રંગ,
નહીં વસંતનો સંગ;
શીત અંગેઅંગ
રે હું પીત વર્ણ!
જાવું અહીં, જાવું ત્યહીં;
કોણ જાણે ક્યહીં ક્યહીં,
વાયુ સંગ વહી?
રે હું શુષ્ક પર્ણ!

૧૯૪૮
 

સ્પંદવું

હાસ્ય હિલ્લોળમાં
એક પળ નંદવું,
અશ્રુની છોળમાં
અન્ય પળ ક્રંદવું;
ને છતાં દૈવને વંદવું!
ઉરમહીં જે વ્યથા
સ્હેવી, સ્હેવાય ના;
સૂરમહીં જે કથા
ક્હેવી, ક્હેવાય ના;
ને છતાં હૃદયને સ્પંદવું!

૧૯૪૮
 

ગર્વ

તારે હતો એ પરિહાસ માત્ર?
કહે, વિધાતા, છલના હતી વા?
મને મળ્યું જે રસપાન પીવા
એ માહરું આ છલકંત પાત્ર
તેં છીનવીને કીધ ચૂર્ણ ચૂર્ણ!
તને હશે કે  : ‘ક્ષણમાં જ સિક્ત ને
અખંડ એ પાત્ર કરીશ, રિક્તને
ભરીશ રે હું જ પુન: પ્રપૂર્ણ!’
જાણું ભલા, અકળ એ તવ શક્તિ સર્વ;
એ કિન્તુ છે તવ દયામય ભિક્ષુદાન!
ને હું ન દીન, નહિ હીન, મને સ્વમાન;
હું માનવી! બસ હવે મુજ એ જ ગર્વ!
ને આ કટાક્ષ સમ ખંડિત શુષ્ક પાત્ર,
જાણીશ એય મુજ ગૌરવનું જ ગાત્ર!

૧૯૪૮
 

જલધિને આરે

જા, જનહીન તહીં જલધિને આરે,
એ ના કેવળ સુણશે,
કિન્તુ આ તવ અધીર વ્યથાને વારેવારે
ગભીર ઘેરી નિજ વાણીમાં સહસ્રશતવિધ ગુણશે!

૧૯૪૮
 

સ્વયં તું

જાણું ન જાવું અવ કઈ દિશામાં,
આષાઢની ગાઢ થતી નિશામાં?
કેડી મને તું પ્રતિ જેહ લાધી
હતી, હવે લુપ્ત કરાલ આંધી
મહીં, રહી ના દૃગની ય દીવી!
ક્યાંથી હવે તેજલધાર પીવી?
હાવાં અહીં આ અધવાટ, સીંચી
અશ્રુભરી અંજલિ, નેત્ર મીંચી
હું પ્રેમનું પુષ્પ રહ્યો છું મોરી;
કે એહની ફોરમ મત્ત ફોરી
આ આંધીનો વાયુ જ વ્હૈ જશે રે,
તને કથા સર્વ કહી જશે રે!
ત્યારે સ્વયં તું નિજને જ હાથે
મેલીશ એ પુષ્પ સગર્વ માથે!

૧૯૪૮
 

નયન હે

નહીં, નહીં, નયન હે! નીર વ્હેશો નહીં, વારજો!
અશ્રુની અંજલિ પક્ષ્મના પુટ મહીં ધારજો!
આજ લગ જે જતું રે દ્રવી
મૃદુલ મુજ હૃદય, આદિ કવિ!
પ્રગટ કીધો તમે એહનો શોક,
હે નયન, છો તમે સૃષ્ટિનો કરુણતમ શ્લોક!
રે આજ તો કિન્તુ આ પ્રાણને પ્રાંગણે,
નવ્ય આનંદનું આગમન;
એહને નમ્ર નત નયન રે હો તમારું નમન!
આ ક્ષણે
ધૂમ્ર શું ધૂસર નિજ અશ્રુનું અંચલ
આડું વચમાં જ ધરશો નહીં!
દૃશ્યને ધૂંધળું જરીય કરશો નહીં!
ના થશો ચંચલ!
આજ આનંદને આરતી
સ્મિત તણાં કોટિ કિરણો થકી છો થતી!
ને તમે એહના ચરણમાં
અશ્રુની અંજલિને અભિષેકમાં ધારજો!
મૌનના શરણમાં
કરુણ નિજ કાવ્યના સ્રોતને સારજો!
નહીં, નહીં, નયન હે! નીર વ્હેશો નહીં, વારજો!

૧૯૪૮
 

ઘડીક સંગ

કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,
વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!

૧૯૪૬
 

ધરતીની પ્રીત

મને તો ધરતીની પ્રીત રે!
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે!
ક્યારેક કોમલ ફૂલશયને
નીંદરની સોડ તાણું,
ક્યારેક પાંપણભીનાં નયને
કંટકનું શૂળ માણું;
મનખાની માયા મને, આવો આંસુ ને આવો સ્મિત રે!
ન્હાવું નથી સુરગંગાને નીરે,
નથી રે સુધા પીવી;
ઝૂરી ઝૂરી જગજમુના તીરે
મૃત્યુમાં જાવું છે જીવી,
વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે નથી ભૂલ્યો હું ભીંત રે!
મને તો ધરતીની પ્રીત રે!

૧૯૪૭
 

ત્રેવીસમા વૈશાખમાં

શુક્લ વૈશાખની સપ્તમી,
પ્રખર મધ્યાહ્ન જ્યારે હતો પાસમાં,
ત્યાહરે મેં લીધી સૃષ્ટિને શ્વાસમાં!
ત્યારથી જીવનનો ખેલ હું અહીં રહ્યો છું રમી!

જન્મ શું, એ નથી જાણતો,
ને છતાં વર્ષવર્ષે રહ્યો જન્મદિન માણતો!
જન્મ શું, એની અનુભૂતિની ના સ્મૃતિ;
મૃત્યુમાં જન્મ, નવજન્મની છે કૃતિ;
તો પછી એક દિન એહને ત્યાં પુન: લહી શકું!

– કિન્તુ ત્યારેય નહીં કહી શકું!

૧૯૪૮
 

પિતા–

પિતા, મરણનેય તેં પરમ મિત્ર માન્યો હતો!
તને જીવન જ્યાહરે પુનિત પૂર્ણ લાગ્યું ન’તું,
તદા સતત મૃત્યુનું શરણ તેં ન માગ્યું હતું?
પિતા, મરણનેય તેં જીવનમંત્ર જાણ્યો હતો!

તને પ્રબલ એક આશ હતી એ જ કે  : ‘છો મરું,
પરંતુ નિજ દેહનાં જ બસ પંચ તે ભૂતનેમિટાવશું રે કથા?
કરું નહિ સુધન્ય, કિન્તુ મુજ આત્મના ઋતને
કરું પ્રગટ, વિશ્વના સકલ રોમરોમે ધરું!’

અને કરુણ અંતના જીવનની બની એ વ્યથા!
પરંતુ પ્રિય મૃત્યુએ સદય થૈ મિટાવી, પિતા,
જલાવી તવ દેહનાં સકલ બંધનોની ચિતા!
– અમે નિજ કલંકની શીદ મિટાવશું રે કથા?

નહીં, ઘટમહીં તને કદીય તે ન ઝાલ્યો જતો,
વિરાટમય તું ભલે અભયમુક્ત ચાલ્યો જતો!

૧૨–૨–૧૯૪૮

સંસ્મૃતિ

આવ હે મુક્તિદિન!
આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન!
આવ હે મુક્તિદિન!
જોઈ લે બીનના તાર સૌ છિન્ન છે,
સપ્ત સ્વરનો ધ્વનિ આજ તો સુપ્ત છે,
જીવનસંગીતની કલ્પના એય તે લુપ્ત છે;
જોઈ લે મૌનનો ભાર પણ કેટલો ભિન્ન છે!
આવ હે મુક્તિદિન!
આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન!

આવ હે મુક્તિદિન!
આજ આક્રંદમાંયે અરે, ‘આવ!’ કહીએ તને,
‘લાવ હે લાવ આનંદની આછીયે ઝંકૃતિ,
ક્ષણિક તો ક્ષણિક પણ લાવ!’ કહીએ તને!
એ જ ક્ષણ કૈંક કોલાહલોને જગાવી જતી
નયનની સન્મુખે મૂર્ત થૈ જાગતી સંસ્મૃતિ;
હૃદયના વ્રણ મહીં લવણ કેવું લગાવી જતી,
ને દૃગોના દીવાને બુઝાવી જતી,
જોઈ લે તારું હૈયુંય તે કેટલું એ ધ્રુજાવી જતી!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

રાષ્ટ્રની સૌ સીમા છો રહી સરકતી,
હૃદયમાં તો અચલ એ જ નકશો રહ્યો,
એમ વિચ્છેદના ક્રૂર વિદ્રોહને એહથી જાય શેણે સહ્યો?
શક્ય ના છૂરીથી જલ કદી છેદવું,
ને છતાં જલ થકીયે વધુ સ્નિગ્ધ
જે સ્હેજમાં દ્રવી દ્રવી જાય એ હૃદયને
એવી તે કઈ છૂરીથી હશે શક્ય આ ભેદવું?
અલગ બે રંગની ભિન્નતા દાખવી
નજરમાં તોય જુદાઈનું ઘર બનાવી લીધું,
સરકતી સીમની છિન્નતા દાખવી
હૃદયનો એથી પલટાઈ નકશો ગયો
એમ વિદ્રોહમાંયે અહો, મુગ્ધ મન શું મનાવી લીધું!
શી અહો, કેવી આહ્લાદિની ભ્રાંતિ છે!
શી અહો, રાજ્યની ઉદય-ઉત્ક્રાંતિ છે!
છો ભલે હૃદય જલતું રહો,
કિન્તુ આ મન હવે છેક છલતું રહો!
કેવી રે આત્મની વંચના,
ને લલાટેય અપમાનની અર્ચના!

આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?
એમ જ્યાં રાષ્ટ્રના ઐક્યનો અગ્નિસંસ્કાર પૂરો થતો
ત્યાં જ એની ચિતામાંથી
હે મુક્તિદિન, તુજને જન્મતો જોઈને,
આંસુ ન્હોતું છતાં નયનને લ્હોઈને,
મત્ત ઉન્માદમાં કોટિ કંઠે કશું ગાન ગાઈ લીધું!
સૂર એનો અહો! શો મધુરો હતો!
પવનની લહર લહરે વહી એનું સંગીત
સૌ ખંડખંડે અહો, એક ક્ષણમાં જ છાઈ દીધું!
ને અરે, એ જ ક્ષણ કો અજાણે ખૂણેથી
વિષાદે ભર્યો જાગતો તીવ્ર જે સ્વરધ્વનિ:
‘નજીક નોઆખલી, તીર સાબર તણાં તો ઘણાં દૂર છે!’
વિજયના ગાનમાં એ ગયો રે ડૂબી,
ક્યાંય સુણાય ના એટલો મંદ કેવો ગયો એ બની!
શૂન્ય થૈને શમી વાણી રે,
મૌનના ગર્ભમાં કેવું શરમાઈને પાછી ચાલી ગઈ
જન્મી ના જન્મી ત્યાં!
એની એ વેદના કોઈએ ક્યાંય ના જાણી રે,
શલ્ય શી નીરવતા એ હૃદયને હશે શીય સાલી ગઈ!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

પંચ એ સિંધુના પ્રાંતમાં
ભીષણ ને તોય ભીરુ કશો જંગ ખેલી લીધો!
ને ગુરુ વીર ગોવિંદનો
એક શેત્રંજની સોગઠીએ કહ્યો વીર મામુદને
કેમ વીરત્વ ને ત્યાગનો મંત્ર એ દૂર મેલી દીધો?
જો કદી ધર્મના યુદ્ધમાં ચડવું’તું,
તો પછી ત્યાગ ને વીરતાના શહૂરથી ભલા! લડવું’તું,
નેક ખુદાઈના નૂરથી તો ભલા! લડવું’તું!
જેહના નામના માત્ર ઉચ્ચારમાં
આવતી કાલ ઇતિહાસની જીભ પર શી ધ્રુજારી હશે!
એવી રે અંતહીન હારમાં
લાખ વણજાર આ માનવોની કહો, ક્યાં જશે?
જીવતા મૃત્યુને જે વર્યું એવું જીવન કહો, ક્યાં ગુજારી જશે?
આવી વણજાર તો એક બસ જોઈ છે
રે અમાસે નિબિડ રાતના તારલાઓ તણી,
કિન્તુ આ કારવાંને નથી એમનો તાલ કે એમનું તેજ,
આ પૃથ્વીના માનવે એમના મુખની ચમકને ખોઈ છે!
લાખ વણજાર આ તપ્ત રણરેત શી
ઘોર વંટોળમાં અહીંતહીં વહી જતી,
વાયુના વેગને મૌનથી સહી જતી!
પાંચ પાંડવ છતાંયે હતી જેની પાંચાલીને મન ભીતિ,
લાખ પાંચાલીની આજ તો એથીયે હીન છે
દેહની દીન રે નગ્નતાની સ્થિતિ;
જૌહરે પદ્મિની અગ્નિને અર્પતી પ્રાણની આહુતિ
ત્યાહરે માણતી વિક્રમી પુરુષના મધુર સંસ્મરણને,
આજ પુરુષાર્થનું તેજ જોયા વિના
લાખ પદ્મિનીઓ સોંપતી નિજ તણા પ્રાણ જૈ મરણને
કે પછી શોધતી દાનવોનાય તે શરણને!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

‘અગર આ પૃથ્વી પર ક્યાંય જો સ્વર્ગ છે,
તો અહીં...’
ના, નહીં!
રૂપના તીર્થ પર પૂજનના ગીતની અંજલિ
આજ તો દૂર રહી!
પૃથ્વી પર વિરલ આ સ્વર્ગના નંદને
કલિ કલિ
શી કથા કહી રહી ક્રન્દને ક્રન્દને!
આજ તો પાંદડે પાંદડે, પુષ્પઢગલે,
અરે અગ્નિપગલે
કશી વિષમયી વારુણી વર્ષતી!
જોઈને મૃત્યુના લોચને લાલિમા હર્ષતી!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

વૈરના અગ્નિએ માત્ર ત્રણ અક્ષરે
રક્તરંગીન એ પ્રેમના હૃદયપત્રે લખી,
સત્યના વક્ષસ્થલ પરે
ને અહિંસા તણા મર્મમાંયે લખી
જે કથા...
રે વૃથા!
વેદનાને નહીં આજ વાણી જડે,
શબ્દને શૂન્યતા શી નડે!
મૃત્યુ પણ મૌન ધારી ગયું જે ક્ષણે
એ ક્ષણોને વૃથા વાણી તે શું વણે?
મૃત્યુને, મૌનને મીંઢ આવું અરે,
માનવીએ કદી ના લહ્યું!
આજ પણ એનું એ મૌન રે આ રહ્યું  :
‘. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .’
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

રાષ્ટ્રની કાયના સકલ અંગાંગનું વિષ
જઈ જઠરમાં એકઠું થઈ રહ્યું,
આઘું અળગું બની બેઠું જે આળું હૈયું
હજુ એહની વેદનાને નથી ધ્યાનમાં લઈ રહ્યું!
આજ ધૂંધવાય પણ કાલ જ્વાલા રૂપે પ્રગટશે
એવી એની અગન છે તે છતાંયે હજુ કેમ બૂઝે નહીં?
વિષતણું વમન કીધા વિના
જઠરનું ચાંદું જો આપમેળે જ રૂઝે નહીં
તો પછી દર્દની કો દવા રે હજુ કેમ સૂઝે નહીં?
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

ભૂખના નિત્ય નિવાસ શાં
ભગ્નખંડેર શાં કેટલાં દેહમંદિર ઉદ્ધાર માંગી રહ્યાં,
ને છતાં એકલાં દેવનાં મંદિરો
શીદને આજ બસ જીર્ણ લાગી રહ્યાં?
કેટલાં અંગની આબરૂ વસ્ત્રની સંગ વીંટાઈને
ક્યાંય રે વહી ગઈ!
અંગ પર એકલી નગ્નતા રહી ગઈ!
ભિક્ષુના પાત્રમાં એકના એક એ વસ્ત્રનું દાન દેનાર
શ્રાવસ્તીની સીમની દીન એ નારીની
નગ્નતાની નથી એમને ધન્યતા;
એમની દીનતાની દશા એથી છે અન્યથા!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

ગ્રીષ્મના પ્રખર મધ્યાહ્નમાં
શુષ્ક સરવર મહીં
સકલ જલ આજ જલતું જતું;
કમલદલથી નહીં
કિન્તુ એ કર્દમે આજ ફલતું જતું,
સ્થલસ્થલે શી અહીં રિક્તતા!
મીનને મૃત્યુના મુખથી જે બચાવી શકે,
જીવનનું જરીય આશ્રય રચાવી શકે,
એટલીયે નથી જ્યાં રહી સિક્તતા;
ત્યાં અરે, શ્વેત બગની કશી શ્યામ છાયા ઢળી!
ને અરે, જેમ મધ્યાહ્ન ધપતો જતો
તેમ એ અલ્પ જલરાશિયે અધિક તપતો જતો,
ને અરે, જેમ મધ્યાહ્ન ધપતો જતો
તેમ એ શ્વેત બગ મૃત્યુનો મંત્ર પણ અધિક જપતો જતો;
શ્વેત એ દેહની શુભ્રતામાં વધુ શુભ્રતા ર્હૈ મળી
તેમ એ શ્યામ છાયામહીં
વધુ વધુ શ્યામ શોભાય તે ર્હૈ ભળી!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

આજ કો પાગલે શી સુરા પી લીધી!
મંદ ને મદિર કો વાયુએ એહના અંગને
આછું આછું અડી અસર ઉન્માદની શી કીધી!
હૃષ્ટ એ હાથમાં કેટલું જોર છે!
– કેમ કે હાથમાં રાજસત્તા તણા દોર છે.
ને છતાં કેટલાં શિથિલ છે એ ચરણ!
– કેમ કે મત્ત સુરા તણું એહને છે શરણ.
રક્તરંગી નયન જે નશામાં ડૂલી જાય છે,
વિશ્વ અજવાળતો વિપુલ આકાશનો તારલો
ને અતિ લઘુક ઘરનો દીવો બેયના ભેદને એ ભૂલી જાય છે!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

અગ્નિની રુદ્ર જ્વાલા મહીં
જીવનની શીતલતા હર ઘડી ખોઈને
જલ સમા આજ લગ તો અમે જલી રહ્યા,
ને હવે આજ અંધારની ચાર ભીંતો મહીં
ધૂમ્રલેખા સમાં
શાંતિનાં એકબે અલ્પ ગીતો મહીં
કોઈ રંગીન તે સ્વપ્નને જોઈને
શૂન્યમાં વિલીન રે થૈ જવા થોડુંયે હલી રહ્યા!
આજ આ રહીસહી આછી ભીનાશને
સ્પર્શીને સૌમ્ય કો તેજ ના ખેલતું,
ક્યાંયથી એક પણ કિરણ ના રેલતું!
જેથી રે કલ્પનાગગનમાં રંગનું કો ધનુ સોહી ર્હે!
આજ કો કંસના ઘોર કારાગૃહે
રાજલક્ષ્મી ભલે જન્મી તો, રૂંધતી છો શિલા;
હોય જો ભાવિના બોલ એ ભાખતી  :
‘કાલ એ કંસના મૃત્યુની પ્રગટશે કૃષ્ણ કેરી લીલા!’
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

મુક્તિના સ્વપ્નને જોઈને
રાષ્ટ્રના યજ્ઞમાં વિલીન રે થૈ ગયા જે બલિ,
આજ એ સ્વપ્નને આમ વિલીન તે થૈ જતું જોઈને
ખાંભી નીચે હશે જેમની મુઠ્ઠીભર માટીયે ગૈ હલી;
એમના રક્તની સાક્ષીએ શપથ લઈને અમે,
એમની એ શહાદતની દુહાઈ દઈને અમે
આજ હે મુક્તિદિન, તારી સન્મુખ આ વચન ઉચ્ચારશું  :
‘એક દિન સપ્ત સ્વરમાં અમે પ્રગટશું તાહરી ઝંકૃતિ,
વિશ્વમાંગલ્યની મોરશું નૂતન કો સંસ્કૃતિ!’
આજ તો જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન,
આવ હે મુક્તિદિન!

૧૫ ઑગસ્ટ ૧૯૪૮