મનીષા જોષીની કવિતા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
|editor = પન્ના ત્રિવેદી<br> | |editor = પન્ના ત્રિવેદી<br> | ||
}} | }} | ||
{{Box | |||
|title = પ્રારંભિક | |||
|content = | |||
* [[મનીષા જોષીની કવિતા/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] | |||
* [[મનીષા જોષીની કવિતા/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] | |||
* [[મનીષા જોષીની કવિતા/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] | |||
}} | |||
<br> | |||
{{Box | |||
|title = અનુક્રમ | |||
|content = | |||
* [[મનીષા જોષીની કવિતા/સામ્રાજ્ય|સામ્રાજ્ય]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ગોઝારી વાવ|ગોઝારી વાવ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/હિજરત|હિજરત]] | |||
* [[મનીષા જોષીની કવિતા/જેલ|જેલ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/કંસારા બજાર|કંસારા બજાર]] | |||
* [[મનીષા જોષીની કવિતા/લૂણ|લૂણ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/મેખલા|મેખલા]] | |||
* [[મનીષા જોષીની કવિતા/હાથ|હાથ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/અશ્વપુરુષ|અશ્વપુરુષ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/તાપ વિનાનો ઉજાસ|તાપ વિનાનો ઉજાસ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/વાળની ગૂંચ|વાળની ગૂંચ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/નરપિશાચ|નરપિશાચ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/પ્રદક્ષિણા|પ્રદક્ષિણા]] | |||
* [[મનીષા જોષીની કવિતા/સ્ત્રી|સ્ત્રી]] | |||
* [[મનીષા જોષીની કવિતા/તડકાના દાણા|તડકાના દાણા]] | |||
* [[મનીષા જોષીની કવિતા/બહારવટી|બહારવટી]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ડોશીના વાળ|ડોશીના વાળ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/માછીમારોને|માછીમારોને]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ખારવાની વહુ|ખારવાની વહુ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/વ્હેલનું શરીર|વ્હેલનું શરીર]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ત્રિતાલ|ત્રિતાલ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/શીતળા સાતમ|શીતળા સાતમ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/પ્રથમ રુદન|પ્રથમ રુદન]] | |||
* [[મનીષા જોષીની કવિતા/દેવદૂત|દેવદૂત]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ઓસીકાની ખોળ|ઓસીકાની ખોળ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/આવરણ|આવરણ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ખૂંધવાળી છોકરી|ખૂંધવાળી છોકરી]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ઉદાસી|ઉદાસી]] | |||
* [[મનીષા જોષીની કવિતા/દાણા|દાણા]] | |||
* [[મનીષા જોષીની કવિતા/સંધ્યાટાણે|સંધ્યાટાણે]] | |||
* [[મનીષા જોષીની કવિતા/અથાણું અને અંધકાર|અથાણું અને અંધકાર]] | |||
* [[મનીષા જોષીની કવિતા/પ્રવેશદ્વાર|પ્રવેશદ્વાર]] | |||
* [[મનીષા જોષીની કવિતા/તરસ|તરસ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/રજોસ્રાવ|રજોસ્રાવ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/રોગિષ્ઠ કૂતરી|રોગિષ્ઠ કૂતરી]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ગાંધીધામની ટ્રેન|ગાંધીધામની ટ્રેન]] | |||
* [[મનીષા જોષીની કવિતા/વૃક્ષ, અવાસ્તવિક|વૃક્ષ, અવાસ્તવિક]] | |||
* [[મનીષા જોષીની કવિતા/મેરુ|મેરુ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/બરફની દીકરી|બરફની દીકરી]] | |||
* [[મનીષા જોષીની કવિતા/શૂન્યાવકાશ|શૂન્યાવકાશ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ધ્યાનખંડ|ધ્યાનખંડ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/કાગ|કાગ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/નર્મદા|નર્મદા]] | |||
* [[મનીષા જોષીની કવિતા/પૂર્વજ|પૂર્વજ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/‘નોબલ મીટ હોમ’|‘નોબલ મીટ હોમ’]] | |||
* [[મનીષા જોષીની કવિતા/શિયાળો|શિયાળો]] | |||
* [[મનીષા જોષીની કવિતા/મીઠાના અગર|મીઠાના અગર]] | |||
* [[મનીષા જોષીની કવિતા/દરવાજો|દરવાજો]] | |||
* [[મનીષા જોષીની કવિતા/અતિપ્રિય અતિથિ|અતિપ્રિય અતિથિ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/સાર્વજનિક બાગ|સાર્વજનિક બાગ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ભુજ|ભુજ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/લીલો દુકાળ|લીલો દુકાળ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ઠાકોરજીના વાઘા|ઠાકોરજીના વાઘા]] | |||
* [[મનીષા જોષીની કવિતા/મૃત્યુ, તું દુષ્ટ નથી|મૃત્યુ, તું દુષ્ટ નથી]] | |||
* [[મનીષા જોષીની કવિતા/કવિની સંપત્તિ|કવિની સંપત્તિ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ઑકલૅન્ડ|ઑકલૅન્ડ]] | |||
* [[મનીષા જોષીની કવિતા/ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી|ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી]] | |||
* [[મનીષા જોષીની કવિતા/સાધના ટોકીઝના ખાંચામાં|સાધના ટોકીઝના ખાંચામાં]] | |||
* [[મનીષા જોષીની કવિતા/પાલર પાણી|પાલર પાણી]] | |||
* [[મનીષા જોષીની કવિતા/માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ|માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ]] | |||
}} | |||
Revision as of 00:00, 3 March 2024
પ્રારંભિક
અનુક્રમ
- સામ્રાજ્ય
- ગોઝારી વાવ
- હિજરત
- જેલ
- કંસારા બજાર
- લૂણ
- મેખલા
- હાથ
- અશ્વપુરુષ
- તાપ વિનાનો ઉજાસ
- વાળની ગૂંચ
- નરપિશાચ
- પ્રદક્ષિણા
- સ્ત્રી
- તડકાના દાણા
- બહારવટી
- ડોશીના વાળ
- માછીમારોને
- ખારવાની વહુ
- વ્હેલનું શરીર
- ત્રિતાલ
- શીતળા સાતમ
- પ્રથમ રુદન
- દેવદૂત
- ઓસીકાની ખોળ
- આવરણ
- ખૂંધવાળી છોકરી
- ઉદાસી
- દાણા
- સંધ્યાટાણે
- અથાણું અને અંધકાર
- પ્રવેશદ્વાર
- તરસ
- રજોસ્રાવ
- રોગિષ્ઠ કૂતરી
- ગાંધીધામની ટ્રેન
- વૃક્ષ, અવાસ્તવિક
- મેરુ
- બરફની દીકરી
- શૂન્યાવકાશ
- ધ્યાનખંડ
- કાગ
- નર્મદા
- પૂર્વજ
- ‘નોબલ મીટ હોમ’
- શિયાળો
- મીઠાના અગર
- દરવાજો
- અતિપ્રિય અતિથિ
- સાર્વજનિક બાગ
- ભુજ
- લીલો દુકાળ
- ઠાકોરજીના વાઘા
- મૃત્યુ, તું દુષ્ટ નથી
- કવિની સંપત્તિ
- ઑકલૅન્ડ
- ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી
- સાધના ટોકીઝના ખાંચામાં
- પાલર પાણી
- માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ
૧. સામ્રાજ્ય
મને ઝરુખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.
૨. ગોઝારી વાવ
હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.
૩. હિજરત
માલધારીઓ હિજરત કરી ગયા છે.
પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો.
ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે?
ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો
અગ્નિ નારાજ થઈ જાય.
ચૂલાના અડધા ઝરી ગયેલા કોલસાની સામે
દયામણી નજરે જોઈ રહ્યા છે
પાછળ એકલાં રહી ગયેલાં સીમનાં ઝાડ
આવશે કોઈ ભૂખ્યું જણ?
વૃક્ષો વચ્ચેથી સરસરાતી
હવાની એક લહેરખી આવી ચડી.
ઠરી જવા આવેલી ચૂલાની આગ
ફરી પ્રજ્વલિત થઈ.
સીમનાં ઝાડ, અગ્નિને આહુતિ આપવા
તૈયાર થઈ ગયાં.
માલધારીઓ નજર પહોંચે ત્યાં સુધી
વળી વળીને જોઈ રહ્યા છે,
તેમના નેસડાનાં ઝાડને સળગતાં.
માલધારીઓ હવે બેઠા છે,
ત્રણ ઈંટ ચૂલાના આકારે ગોઠવી રાખી છે.
અગ્નિને પેટાવવા કાઠીઓ છે.
અગ્નિને હવા આપવા પૂઠું છે.
એમ તો મુઠ્ઠી ધાન પણ ક્યાં નથી,
પણ ભૂખ,
ભૂખ ક્યાં છે?
૪. જેલ
જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું!
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
મારા પર સુવડાવવામાં આવે છે.
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
થોડીવારમાં મરી જાય છે.
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
મારામાંથી પણ એક ટીપું યે બરફ
પાણી બનીને વહેતો નથી.
જેલના લોખંડી સળિયાઓ પાછળ
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે....
૫. કંસારા બજાર
માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
મને ગમે છે.
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’
આ શબ્દો મમ્મીએ
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા,
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
વપરાઈને, ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં.
એ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂટાં છવાયાં વર્ષો પણ.
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ
કાંઈ ખબર નથી, છતાં
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે
સતત એમ લાગ્યા કરે છે કે
હું અને આ અવાજ ક્યારેય મરતા નથી.
નવાં નવાં દંપતી અહીં આવે છે.
મારા માટે નવું નામ પસંદ કરીને
વાસણો પર કોતરાવીને
મને તેમના ઘરે લઈ જાય છે.
હું જીવું છું વાસણોનું આયુષ્ય
અથવા તો, બેસી રહું છું.
માંડવીની કંસારા બજારમાં
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર
ધરાઈ જઉં છું.
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જઉં છું
એક ખાલી વાટકીથી.
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
તાકે છે મારી સામે
તત્ત્વવિદ્રી જેમ ત્યાં જ, અચાનક,
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
હું એવી અસ્વસ્થ થઈ જઉં છું
જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય.
વાસણો અને જીવન વચ્ચે
હાથવ્હેંત જેટલું છેટું,
ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં
વ્હેંતના વેઢા
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાય,
કંસારા બજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
બજાર બંધ હોય ત્યારે
તાળા મારેલી દુકાનોની અંદર
નવાંનકોર વાસણો ચળકતાં હોય છે.
ને એ ચળકાટમાં બોલતા હોય છે
નવાં સવાં જીવન
થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં
ને એઠાં રહેતાં જીવન
હું જીવ્યા કરું છું
ગઈ કાલથી
પરમ દિવસથી
તે ’દિ થી.
૬. લૂણ
આમ તો મળી છું હું ગાંધીને
અમદાવાદના આશ્રમમાં
લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં
અને સાન ફ્રાન્સિસ્કોની ફેરી બિલ્ડિંગમાં
પણ હજી મારે કરવાનો બાકી છે
સત્યનો એક પ્રયોગ.
કેટલીક રેલગાડીઓના ગંતવ્ય સ્થાન
અલગ હોય છે, જે લખેલું હોય તેનાથી.
તેમાં બેઠેલા નવયુવકો ઊતરી પડે છે
અધવચ્ચે જ ક્યાંક, ટ્રેનનો આભાર માનીને.
ઊતરી જાવ જ્યાં, અધવચ્ચે
એ જ હોય છે, સૌથી પૂર્ણ મુસાફરી.
કોઈ ક્રાંતિકારીને સાચા સ્ટેશન પર ઉતારીને
આગળ ધપી ગયેલી ટ્રેનો હોય છે
યુગપુરુષોની પત્નીઓ જેવી
સંતોષસભર ને એકાકી.
મા બની ગયેલી પત્ની
સાફ કરી આપે ચશ્માં પર જામેલી ધૂળ
પોતાની જીર્ણ સાડીના છેડાથી
અને પિતા બનેલો પતિ
ભરી લે એની મુઠ્ઠીમાં
થોડુંક કાચું મીઠું.
ગાંધીની હથેળીમાંથી ત્યારે
ખર્યું હશે થોડું લવણ જમીન પર
મારે હજી લૂવાનું બાકી છે
મારી પરસાળમાંથી
એ ચપટીક લૂણ.
૭. મેખલા
મારી પાસે પણ એક કોડિયું છે.
જેની રોશનીમાં મને દેખાય છે, આખું યે બગદાદ.
ચારે તરફ બ્લેક-આઉટ અને
અને ઉપર ફરતાં અમેરિકી વિમાનો.
જાદુઈ સાદડીના ચીરા, સંતાઈ ગયેલો જીન,
અલીબાબાનાં ગધેડાં,
ગુફાઓ આડેથી હટતા મોટા મોટા પથ્થરો,
ખણખણતી અશરફીઓ, મરજીનાની આંખોની ચમક
અને પેલા તણખા ઝરતા બૉમ્બ.
અખાતમાં તેલના કૂવાઓ હજી સળગ્યા કરે છે.
અને જીવતી રહે છે પંચતંત્રની વાર્તાઓ.
રાજકુમારીના રૂપથી દિગ્મૂઢ થઈ ગયેલો
એક બરછટ, ગાંડો રાક્ષસ
માણસ ગંધાય - માણસ ખાઉં
માણસ ગંધાય - માણસ ખાઉં
પણ રાજકુમાર તો પહોંચી ગયો છે,
આકાશથીયે ઊંચા એ ઝાડ પર, રાક્ષસના જીવ સુધી.
નીચે એ ઝાડ કાપી નાખવા મથે છે રાક્ષસ.
કૂવામાં પડી જાય છે સિંહ.
ચંદ્ર પર ઉતરાણ કરે છે નચિકેતા.
લાકડાના ઘોડાથી રમે છે લવ-કુશ.
કામધેનુ બંધાયેલી છે ઋષિના આશ્રમમાં.
પાર્વતીને ડંખે છે એના શરીર પરની મેખલા.
ઝૂંપડામાં રહે છે રાજાની એક અણમાનીતી રાણી.
ભયભીત થઈ જાય છે યશોદા
કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ જોઈને.
મકાન બાંધતા જમીનમાંથી નીકળે છે ચરુ.
તલનો લાડુ ખાતાં જીભ કચરાઈ જાય છે
ગુપ્તદાનના એક પૈસાથી
બરાબર એમ જ, જેમ કોઈ સ્વયંવરમાં
કોઈ રાજાનું અપમાન થયું હોય!
ફરી મારે કોડિયામાં થોડુંક તેલ રેડવાનું છે...
૮. હાથ
દેવી લક્ષ્મી,
તારા હાથમાંથી વરસતી સોનામહોર ન જોઈએ મને.
ન જોઈએ તારું ત્રિશૂળ કે શંખ કે તારી માળા.
હે હજાર હાથવાળી!
મને તારો કમળવાળો હાથ જોઈએ.
એ સુકુમાર કમળ જોયું છે ત્યા૨થી
મને કોઈ રાજકુમાર પણ નથી ગમતો.
પુખ્ત સુંદર દેહયષ્ટિ, એનું લાલિત્ય,
એની છટા, સૌરભ,
ખીલેલું એ કમળ જોઈએ મને.
અને તારો હાથ!
જે સદા યુવાન રાખે છે એને.
પાણીથી અલગ એ કમળ
અને તારા અંગથી અલગ એ હાથ ને
રેશમી કપડામાં વીંટાળી
સાચવીને મૂકી દઈશ.
દેવી લક્ષ્મી,
તારા હજાર હાથમાંથી એક હાથ આપ મને!
૯. અશ્વપુરુષ
તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત[1]?
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
ઘોડાઓ દોડ્યે જાય છે. પવન સાથે વાતો કરતા,
અને તું, બસ જીત્યા કરે છે,
નવા નવા પ્રદેશોને,
પણ હું હજી હારી નથી તારી સામે.
તારા ઘોડારમાં પાગલ અશ્વો સૂઈ જાય ત્યારે,
ક્યારેક નજર પરોવજે મારી આંખોમાં.
સાંકળોમાં જકડાયેલા કેદીથી વિશેષ તું કંઈ જ નથી.
તારા અશ્વો કરતાં પણ
પાણીદાર છે મારી પીઠ,
શક્તિથી તરબતર, હણહણતા અશ્વોના પગ તળે
કચડાઈને મરી જવું,
એ તારી અંતિમ ઇચ્છા છે તે હું જાણું છું.
પણ, તું એક વાર
મારા પગ તરફ તો જો.
જો, મારા પગમાં ખરીઓ ફૂટી છે.
મારી પાસેથી જ મળશે તને
એક જીગિતનું મોત.
૧૦. તાપ વિનાનો ઉજાસ
ઓરડા બધા અગાશી
અને રાત બધી બપોર.
ઓરડામાં ખરતા તારાઓ
અને અગાશીમાં છે પડદા.
રાત્રે દેખતાં ચામાચીડિયાં
ને બપોરે બોલતાં તમરાં.
નથી બદલાઈ મારી
સવાર અને સાંજ.
સવાર એવી જ –
‘પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન’
સાંજ પણ એવી જ –
કુદરતી દૃશ્ય જેવી.
બે પર્વત, વચ્ચે આથમતો સૂરજ,
એક મંદિર, એક નદી, એક હોડી.
તો પછી શું થયું રાતને?
કેમ ઓસરી ગયાં અંધારાં?
શું થયું બપો૨ને?
કેમ કરમાઈ ગયાં સૂરજમુખી?
તાપ વિનાના ઉજાસમાં મને સપનાં આવે છે.
રાતનાં સપનાં બપોરે
અને બપો૨નાં સપનાં રાત્રે.
૧૧. વાળની ગૂંચ
સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
ચંદનના લાકડા પર સૂવડાવીને
શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
તારા માટે વિલાપ કરીશ.
શ્વેત વસ્ત્રો પહેરીશ.
જમીન પર સૂઈશ.
પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
કોઈ પુત્રને જન્મ નથી આપવો.
કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
મારે મરી જવું છે.
ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.
૧૨. નરપિશાચ
કોઈ માણસખાઉ નરપિશાચ જેવી ભૂખ લાગી છે.
ઝાડ પર બેઠેલા આ એકલવાયા ગીધની
પ્રેયસી બની જવાનું મન થાય છે હવે તો.
મોટી, જાજરમાન પાંખો ફેલાવીને
એની સાથે અગોચર પ્રદેશોમાં ઊડતી રહું!
જ્યાં પણ મૃત્યુ દેખાય ત્યાં રોકાઈ જવાનું!
કેટલા બધાં, જાત જાતનાં શબનાં ભોજન.
આ એક શબ મારા એ પ્રેમીનું પણ છે,
જેને લાખ ચાહવા છતાં હું મેળવી નહોતી શકી.
જીવનમાં ક્યારેય નહોતો ચાખ્યો એવો
તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને
આ ગીધની પ્રેયસી બનીને!
૧૩. પ્રદક્ષિણા
જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું.....
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હું મૂંગી, અવાક્ થઈ જઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણેકે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા લાગે છે.
હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છૂંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી
૧૪. સ્ત્રી
મારી અંદર એક વૃક્ષ
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી,
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાંના
તીણા અવાજથી ચહેકતી.
તસુએ તસુ તરબતર, હું એક સ્ત્રી.
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર,
અજગર વીંટળાય છે.
અંધારું આલિંગે છે
અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે મધ.
મોડી સાંજે,
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી
સરકતી આવતી ઉદાસીને
પાંદડાંની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે.
મને આવડી ગયું છે
પાનખરમાં પાંદડાંઓને ખંખેરી નાખતાં.
સૂકાં, પીળાં પાન
તાણી જાય છે ઉદાસીને
નદીના વહેણમાં.
હું અહીંથી પડખુંયે ફરતી નથી,
પણ મને ખબર છે.
નદીપારના કોઈક સ્મશાનમાં
સૂકાં, પીળાં પાંદડાંઓ ભેગી
ભડકે બળતી હશે મારી ઉદાસી.
પાંદડાં બળવાની સુગંધ
ઓળખી લે છે,
દરેક લીલુંછમ વૃક્ષ.
૧૫. તડકાના દાણા
સૂરજનો હૂંફાળો તડકો
આસપાસ એમ વેરાયેલો છે,
જાણે ચોખાના દાણા.
નાનકડી ચકલીઓ જમીન પર કૂદાકૂદ કરી રહી છે.
ચોખાના દાણા કેટલાક ચાંચમાં આવે, કેટલાક સરી જાય.
તડકો હવે આકરો બની રહ્યો છે.
અને ચકલીઓ
ચાંચમાંથી સરી જતા
આ ચોખાના દાણાને
સાચા માનીને પકડવા
મથામણ કરી રહી છે
એટલી ઉગ્ર
કે બાઝી પડે છે
બીજી ચકલીઓ સાથે.
એકબીજાના નાનકડા શરીરમાં
ચાંચ ખૂંપાવીને લડી રહેલી
આક્રમક ચકલીઓને
પાગલ કરી દેશે આ તડકો.
હું મુઠ્ઠી ભરીને ફેંકું છું
થોડા સાચા ચોખાના દાણા.
અને ચોંકી જઈને ઊડી જાય છે,
સૌ ચકલીઓ.
૧૬. બહારવટી
કેટલીક ટેકરીઓ ચડીને, પછી ઊતરો
ત્યાં એક ગામ આવે.
અને એક વખત ત્યાં પહોંચ્યા પછી તો
એવું પાધરું કે ક્યારેય ભૂલા જ ન પડો.
કામશક્તિથી ભરપૂર જુવાનોને કારણે
લચી પડી છે ફળોની વાડીઓ.
ગામની તેર-ચૌદ વર્ષની કુંવારીઓનાં
સ્તનો પણ એવાં સુંદર, જાણે દૂધ ઊભરાતું હોય.
મેનોપોઝના આરે આવેલી સ્ત્રીઓ પણ
આનંદથી કાલાં ફોલતી હોય.
બજા૨માં જાવ તો ખાસ ધીરગંભીર, ઘરડી સ્ત્રીઓના
હાથે બનેલી મીઠાઈ મળે, જેમને બરાબર ખબર પડે
એકતારી, બેતારી ચાસણીની.
ફેરિયો નીકળે બૂમો પાડતો,
ડોશીના વાળ જેવી સફેદ-ગુલાબી સૂતરફેણી લઈને.
ડોસાઓ એ મોંમાં મૂકે ને
ગળ્યા, ગળ્યા ખુશ થઈ જાય.
રાતના બીજા ત્રીજા પ્રહરમાં બહારવટીઆઓ આવે
તો ગામની પ્રહરીએ નદીનું પાણી પીને સૂઈ જાય.
સવારે ચાલ્યા જાય, કશુંયે લૂંટ્યા વિના.
આ નદીના પાણીની મીઠાશ તો આ પટને કારણે છે.
આ પટની રેતી, જેના પર ઊગે છે.
પાકાં પાકાં ટમેટાં.
સૂપ કે સોસ કશું જ બનાવવાની જરૂર નહીં.
બસ, બાળકો એ તોડી લે અને નદીમાં ધોઈને ખાઈ લે.
લાલ ગેરુઆ માટીનો સેંથો પૂરતી પરિણીત સ્ત્રીઓ,
સાંજે મંદિરથી વળતાં,
ઘઉંના મીઠા મીઠા ઘૂઘરાની પ્રસાદી વહેંચે.
પીળાં રાઈનાં ફૂલોથી શોભતું આ ગામ
જાણીતું છે દૂર દૂરના પંથકોમાં સુખ માટે
પણ ત્યાં રહી તો એ જ શકે
જેના પૂર્વજો એ ગામના હોય.
બીજા લોકો તો આવીને ચાલ્યા જાય
પેલા બહારવટીયાઓની જેમ જ.
રહે તો માત્ર કણબીઓ જ.
ઉપજાઉ એ જમીનમાં ઊંડે સુધી ખૂંપી ગયેલા
કણબીઓ.
ખભે હળ અને મોઢામાં અંગૂઠો ચૂસતા
કણબીઓ.
૧૭. ડોશીના વાળ
ડોશીના વાળ.
આમળાં-અરીઠાંથી અસંખ્યવાર ધોવાઈ ગયેલા,
સૂકા વાળ. માથાની જીર્ણ ચામડીમાં બચેલા
થોડા જર્જરિત વાળ.
લીખીયાના દાંતામાં ભરાઈને તૂટી જાય છે.
એ વાળનું ગૂંચળું બનાવીને પગના અંગૂઠામાં બાંધી દે છે.
અને અંગૂઠા આગળ લોહીનું ભ્રમણ થતું અટકી જાય છે.
એને યાદ આવે છે,
પોતે નાની હતી ત્યારે હવામાં ઊડતા ડોશીના વાળને
ફૂંકો મારી ઊંચે ને ઊંચે ઉડાવતી હતી તે.
પછી એના પોતાના વાળ ઉતારવાની વિધિ થઈ હતી તે.
અને એનો જન્મસમયનો એક પ્રિય ફોટો,
તેલ માલિશથી ચમકતા વાળ અને શરીરનો.
અચાનક રસોડામાંથી વહુનો કર્કશ અવાજ સંભળાય છે,
એનો સફેદ વાળ કદાચ ઊડીને
રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો!
૧૮. માછીમારોને
હું જાણું છું, મિત્રો,
કે સૂરજ ઊગે અને આથમે છે ત્યારે
દરિયો માત્ર એક પશ્ચાદભૂ હોય છે.
દરિયાદેવ પાસે તમે વધેરેલા નારિયેળના પાણીની
આ ધસમસતા મોજાં સામે શી વિસાત?
સુસવાટા મારતા દરિયાઈ પવનને
પાણી પર દોરેલી સરહદની લીટી ન દેખાય
એ તમારો ગુનો નથી.
પણ તમારી વાર્તાઓમાં
દરિયાને ખલનાયક કહેવાનો નિષેધ છે.
દરિયાપારની જેલના અધિકારીઓ
તમને કોઈક સજા સંભળાવે છે.
એમની ધર્માંધ બોલીમાં,
દરિયો તો વર્ષોથી એ સજા કાપી રહ્યો છે.
પાણી અને પવન વહેંચાઈ ગયા પછી
દરિયા પાસે
હવે રઘવાટ સિવાય રહ્યું છે શું?
ચારે તરફ પાણી અને આસપાસ
માણસનો એક દીકરો નહીં.
જેલમાં રહીને તમે
ઊલેચો દરિયાને
એને નથી દિવસ કે રાતનું ભાન.
બહાર સૂરજ ઊગે કે આથમે
દરિયો માત્ર એક પશ્ચાદભૂ છે.
એની પૃષ્ઠભૂમિમાં ડૂબી ગયેલી જેલ,
સ્થળ-સમયથી પર છે.
આ કારાવાસ અનાયાસ છે.
તમે તો દરિયાના દેશના.
જેલને હલેસું બનાવીને નીકળી પડો.
ખૂંદી વળો રઘવાટને.
દરિયો આપમેળે શાંત થઈ જશે.
૧૯. ખારવાની વહુ
એ ખારવાના ગયા પછી
શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ.
એક વાર મેં એને જોઈ,
દરિયાની સાવ નજીક ઊભેલી.
ધારીને જોયું તોે
એના મોંમાંથી કરચલા ખરી રહ્યા હતા.
એ કરચલા જમીન પર પડતાંવેંત
દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ.
એ ખારવાની વહુ પણ
ધીમેથી આગળ વધી રહી હતી
દરિયા ભણી.
પણ એ પેલા કરચલા જેમ
દરિયામાં ભળી ન શકી.
પાછી વળી ગઈ એ પોતાની વસાહત તરફ.
હવે હું ક્યારેક જોઉં છું એને.
એ પોતાના ઘર આગળ
સતત પથ્થરોની પાળ બાંધવામાં વ્યસ્ત હોય છે.
એને ભય છે કે દરિયો
ભાળી ગયો છે એનું ઘર
અને આગળ વધી રહ્યો છે એના તરફ.
એને ભય છે કે એની કૂખમાં છે હવે
નર્યું ખારું પાણી.
એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ
ફેલાઈ ગઈ છે આસપાસની વસાહતોમાં.
દરિયાના નામનો
વાસો લઈને ધૂણતી એ સ્ત્રી
જ્યારે દરિયો એના ઘટમાં આવે ત્યારે
કોઈ જબરી તાકાતથી ધૂણવા માંડે છે.
નવી ખેપ પર જઈ રહેલા ખારવાઓ
આવી રહ્યા છે એના દર્શને.
એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ
૨૦. વ્હેલનું શરીર
સિનેમાના પડદા પર
સમુદ્રમાં આવેલા તોફાનનું દૃશ્ય હતું.
હું એકીશ્વાસે જોઈ રહી હતી,
ત્યાં અચાનક, મોટી વ્હેલ માછલીએ
મોઢું ખોલ્યું અને મને ખેંચી લીધી.
હું મારા રૂમમાં હોત તેના કરતાં
વધુ સુરક્ષિત છું, એના શરીરમાં.
એના શરીરમાં મારા શરીરની કોઈ વૃદ્ધિ નથી,
એ મને સૌથી વિશેષ ગમે છે.
જોકે, આ વ્હેલ હવે વૃદ્ધ થવા આવી છે.
સમુદ્ર તટે આવતાં સહેલાણીઓને રીઝવવા
અગાઉની જેમ એ પાણીમાંથી બહાર આવી
ઊંચે ઊંચે ઉછાળા નથી મારતી.
વ્હેલ મરી જશે ત્યારે મારે
ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે.
મને ખરેખર ડર લાગે છે,
હવા-ઉજાસનો.
મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ.
જીવનથી ભાગીને
હું ક્યાં જઈને રહું?
૨૧. ત્રિતાલ
ટ્રેન આગળ વધતી રહી,
હું બારી બહાર જોતી વિચારતી રહી.
ઠંડીમાં સૂસવાતા પાટાઓ પડ્યા રહેશે પાછળ.
ડાયનોસોરની આખીયે જાતિ હવે લુપ્ત થઈ ગઈ છે.
મેં આંખો બંધ કરી અને અંધારામાં
ઉત્ક્રાંતિની જ એક કડીરૂપ, મને સૂઝે તેવા
આકારના પ્રાણીની કલ્પના કરી.
એને માથું ન હોય? ના, તો તો ખવીસ કહેવાય.
પગ ઊંધા હોય? ના, તો તો ડાકણ કહેવાય.
તો પછી પેલી ડોશી જેવું કંઈક,
જે પોતાનું જ માથું ખોળામાં લઈને જૂ શોધતી હોય?
એ પ્રાણી નર હોવું જોઈએ કે માદા?
માત્ર માદા.
એની ચામડી જ એવી જાડી હોય
કે કોઈ નર એની નજીક જ ન આવી શકે.
એ સ્વયં પ્રજનનશીલ હોય.
મને બકરી ગમે છે એટલે એનું કદ એટલું હોય.
પગ ત્રણ અને એક ટૂંકો હાથ આગળ લટકતો હોય.
જેથી એ જરા જુદી દેખાય.
પગના તળિયે ગાદી હોય.
એ ગમે તેટલે ઊંચેથી પડે, મરે નહીં.
એની ડોક જિરાફ જેમ લાંબી હોય એવું કંઈ નહીં.
ભલે એ નાનાં પ્રાણીઓનો શિકાર કરી લે.
એને સ્તનો તો હશે જ.
બચ્ચીઓ જંગલ જેવા રંગની જન્મશે.
એની આંખો તો આગળ જ હશે.
માથા પાછળ આંખ તો બહુ એકલી અટૂલી લાગે.
એક શીંગડું પાછળ હોવું જોઈએ, પ્રતિકાર માટે.
અને આયુષ્ય?
એ પોતે જ એને સંતોષ થાય એટલી પ્રસૂતિઓ
પછી મરી જશે.
એની જણેલી દીકરીઓ એના વતી જીવતી રહેશે.
મનુષ્ય એમને મારવા ઇચ્છશે.
પણ અંતિમ મનુષ્યનાં હાડકાં તો એ જ ચાવશે.
આ માદાને નામ શું આપવું?
ટ્રેનની ગતિમાં મને એક
લાંબા આવર્તનનો તાલ સંભળાય છે.
જાણે એના ત્રણ પગોની જ એ ગતિ!
૨૨. શીતળા સાતમ
આખું વરસ, આખો દિવસ ધમધમતા રહેતા
અમારા સામૂહિક પરિવારના આ રસોડામાં
આજે સવારથી
સાવ શાંતિ છવાયેલી છે.
શીતળા સાતમ છે ને એટલે.
આજે સૌ ઠંડું ખાશે તેથી ગઈ કાલે બનાવી રાખેલું ખાવાનું
મલમલના સફેદ કપડા નીચે ઢાંકેલું પડ્યું છે.
રસોડું એવું તો શાંત છે કે જાણે
એ સફેદ કપડા નીચે
ખાવાનું નહીં
પણ ખુદ શીતળા માતા સૂતેલાં હોય.
ઘરના સૌ લોકો સાતમના મેળામાં ગયા છે
અને હું, નથી જીરવી શકતી અહીં આ સ્મશાનવત શાંતિ.
બાકસના ખોખા પર દોરેલા એક શાંત કમળનો ફોટો તો જાણે
મને વધુ અશાંત કરી નાખે છે,
આખરે રસોડામાં જઈને
મેં સળગાવી એક દીવાસળી
ને પછી બીજી
ને એમ કરી નાખ્યું બાકસ આખું ખાલી.
શીતળા માતા સફાળાં જાગી ગયાં અને ગુસ્સામાં બૂમાબૂમ શરૂ કરી
પણ હું તો મગ્ન રહી આ સળગતા ચૂલાને જોવામાં.
લાલ, પીળી, કેસરી ઝાંયવાળી આ અગ્નિની શિખાઓ
કેવી સુંદર, કેવી તો ભવ્ય છે.
ઘરના લોકો સાંજે મેળામાંથી પાછા આવે છે
અને કંઈક બળવાની વાસ આવે છે એવું ગણગણે છે
ને પછી ગોઠવાય છે સૌ જમવા માટે.
સફેદ કપડા નીચે ઢાંકેલું
ઠંડુંગાર ખાવાનું ખાતા ખાતા સૌ હસે છે –
‘આ ટાઢશીરાથી તો કંટાળ્યા.
હવે કાલે તો કંઈક ગરમ ખાવાનું મળે તો મજા આવે.
હા, મોં દઝાડી જાય એવું.
હા, કાલે તો ચૂલા પરથી સીધી જ મોંમાં નાખવો છે
ગરમ ગરમ ઊકળતી દાળ.’
મને હસવું આવી જાય છે
મેં તાજા જ આચરેલા એક પાપ પર.
૨૩. પ્રથમ રુદન
કોઈ એક દેશના, કોઈ એક ગામના,
કોઈ એક ઘરમાં, કોઈ એક મધરાતે,
મેં કર્યું હશે,
એક હળવું,
પ્રથમ રુદન.
એ વખતે આંગણામાં ઊભેલું એક વૃક્ષ
સહેજ સળવળ્યું હશે, કદાચ.
આજે હવે,
હું એ વૃક્ષ પાસે જઈને
આક્રંદ પણ કરું
તો એ ઓળખશે મને?
એક નાનકડા સ્કાર્ફમાં સમાઈ જતું હતું એ મારું શરીર
હવે તો જાણે
કેટલાયે ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.
મમ્મી-પપ્પાએ તેમની સગાઈ વખતે પડાવેલો
એક સુંદર ફોટો દીવાલ પર ગોઠવાયેલો છે.
હું તાકી રહું છું એ ફોટા સામે.
ધારી ધારીને જોઈ રહી છું,
એ એક અજાણ્યા દંપતીને.
તેઓ મને ઓળખતાં થયાં
અને હું તેમને ઓળખતી થઈ
એ પહેલાંની
કોઈ એક ક્ષણ
હાથમાં આવે તે પહેલાં જ સરકી જાય છે.
ઘણી વખત મન થાય છે કે
મારા જન્મના સાક્ષી
એ ઘરની દીવાલોના નવા રંગ ઉખેડી નાખું,
એ વૃક્ષની છાલ ઉતરડી નાખું.
જુઓ, મને ઓળખો.
એ હું જ છું.
મારું રુદન ધ્યાનથી સાંભળો.
શોધી આપો મને
એ એક ક્ષણ.
વિલાપની ભાષા જાણનાર
તમારા સિવાય
બીજું કોઈ નથી મારું.
૨૪. દેવદૂત
તમે જ્યારે અંતિમ શ્વાસ લીધા
ત્યારે હું હાજર નહોતી.
તમારા ચહેરા પર
એ વખતે ભય હતો કે આનંદ કે રાહત
એ હું નથી જાણતી.
પણ ધીરેથી બંધ થઈ રહેલી તમારી આંખોમાં
કેટલાક ચહેરા બિડાઈ ગયા હશે.
તેમાં એક ચહેરો મારો પણ હશે.
મારા જન્મ પહેલાં,
મારાથી અજાણ,
એક જીવન તમે જીવ્યા.
અને હવે,
એક જીવન હું જીવીશ,
તમારા ગયા પછી તમારાથી અજાણ.
જ્ઞાત-અજ્ઞાતના ઉંબરે ઊભેલા
આપણે પિતા-પુત્રી
કોને કહીએ પરિચિત?
ને કોને માનીએ અપરિચિત?
હું તમારી યાદમાં કાગવાશ નહીં આપું.
પણ તમે આવજો.
પાંખો ફફડાવતા,
જ્યારે દેવદૂતો રસ્તો પૂછે તમને,
મારા ઘરનો.
૨૫. ઓસીકાની ખોળ
ઓસીકાની ખોળ પર ચીતરેલી
રંગબેરંગી ભાતમાં છપાયેલાં
હાથી, ઘોડા, ઊંટ અને જાસુદ પર
માથું ટેકવીને સૂઈ જઉં છું,
ને અડધી રાત્રે
હણહણતા અશ્વો
ખરીઓ પછાડતા દોડે છે, મારી છાતી પર.
ક્યાં જઈ રહ્યું છે આ અશ્વસૈન્ય?
કોને જીતવા?
કહે છે કે, હાથીઓને
જીવવા માટે આખું જંગલ હોય છે,
પણ મરવાનાં સ્થળ નિશ્ચિત હોય છે,
ક્યાં જઈ રહ્યા છે આ હાથીઓનાં ઝૂંડ,
મરવા માટે?
બળબળતા રણમાં ડગલાં ભરતાં આ ઊંટ
કઈ હિજરત માટે નીકળ્યાં છે?
ઊગ, જાસુદ,
હાથી, ઘોડા ને ઊંટના રસ્તામાં ઊગ.
વાળ, એમને પાછાં વાળ.
સવાર થવામાં જ છે.
૨૬. આવરણ
આ અરીસો હવે કાબૂ બહાર થઈ ગયો છે.
હું એની સામે ઊભી રહું છતાં,
મારું કોઈ પ્રતિબિંબ જ નહીં!
અને એમાં દેખાયા કરે, બાકીનું બીજું બધું જ!
મારી પાછળની એ દીવાલ, અલમારી, પુસ્તકો વગેરે.
અરે, ક્યારેક તો ઘર પાછળના નાનકડા બાગમાં ખીલેલાં
ફૂલો સુધ્ધાં એમાં દેખાય છે
પણ મારા અસ્તિત્વને એ નકારે છે, ધરાર.
મારા અને અરીસા વચ્ચેનું
કાચનું એક આવરણ
કદાચ દૂર થઈ ગયું છે.
કાં તો અમે એક થઈ ગયાં છીએ
અથવા તો અદૃશ્ય.
આ અરીસો
તસુભાર ખસ્યા વિના
બતાવે છે મને
આ ઘરની નીચે છુપાવેલી પૂર્વજોની સંપત્તિ
અને ક્યારેક તો
ભવિષ્યની કોઈ એકાદ ક્ષણ પણ.
હું ઝંખી રહી છું, મને જોવા
પણ મારા પોતાના સિવાય
એ બતાવે છે, બીજું બધું જ, માંગું તે.
કદાચ મારું રક્ષણ કરી રહ્યો છે આ અરીસો
અથવા તો પછી
એણે મારી નાંખી છે મને
અને મને એનો ખ્યાલ સુધ્ધાં આવવા નથી દીધો.
૨૭. ખૂંધવાળી છોકરી
આમ તો રૂપાળી છે, પણ ખૂંધવાળી છે એ છોકરી.
એનાં મા-બાપ લાખ વાનાં કરીને ઘરે બોલાવે છે મુરતિયાઓને
પણ જેવી એ છોકરી આવે છે, મહેમાનો સામે
કમરેથી સાવ ઝૂકેલી, હાથમાં ચાની ટ્રે લઈને
કે મુરતિયાઓ જતા રહે છે ઊભા પગે.
મા-બાપ પણ હવે તો ટેવાઈ ગયાં છે
તે રાત્રે સૂઈ જાય છે ઘસઘસાટ, ઝાઝી ચિંતા વગર.
જોકે કોઈને ક્યાં ખબર છે કે એ છોકરી, રોજ મધરાતે
જઈને ઊભી રહે છે, ઘરની અગાશીએ
સીધી, ટટ્ટાર, સુરેખ.
એને જોવા આવે છે કંઈ કેટલાયે રાજાઓ
રાજકુમારો ને કુશળ ઘોડેસવારો.
સ્વયંવર રચાય છે એના, આ અગાશીએ રોજ રાત્રે
અને પછી હારેલા રાજકુમારો યુદ્ધે ચડે છે એના માટે.
ક્યારેક તો અપહરણ પણ થઈ જાય છે એનું આ અગાશીએથી
સવારે એ જાગે ત્યારે, ફરી ઊગી આવી હોય છે એની ખૂંધ
પણ મને લાગે છે કે, એને હવે ગમી ગઈ છે એની આ ખૂંધ
આ ખૂંધ જ છે, જે બચાવી લે છે એને, આ દિવસથી
અને જિવાડે છે એને, રોજ રાત્રે ઊગતી એ ભવ્ય રાત માટે
ફૂલોની વેલીઓથી સુગંધિત, શીતલ
તારાઓ મઢી અગાશીએ ઊતરી આવતી રાતે
ચાંદનીથી સુશોભિત, એ સ્વરૂપવાન, સુરેખા
ખડખડાટ હસી પડીને મશ્કરી કરે છે
વયસ્ક રાજાઓની, નિશાન ચૂકી જતા રાજકુમારોની
ને ઘોડા પરથી નીચે ઊથલી પડતા ઘોડેસવારોની.
અપમાનિત મુરતિયાઓને એ પાછા વાળી દે છે, અગાશીએથી
અને એ પોતે, અભિમાની, અભિયુક્ત, સારિકા
ફૂલોની વેલીઓને લપેટાઈને આનંદ કરતી રહે છે રાતભર.
૨૮. ઉદાસી
ઉદાસીનું જન્મસ્થાન
પેલું દૂર દેખાઈ રહ્યું છે,
એ મંદિર જ છે.
ભાવિકોની બંધ આંખો તળેથી
અંધારું પેદા થાય છે, અંધારું વકરે છે.
ભક્તજનો ઝનૂનથી થાળી-મંજીરાં વગાડે છે.
આરતીનો એકધારો અવાજ
મંદિરમાં પ્રસાદ માટે આમતેમ રઝળી રહેલા
ઉંદરને બેબાકળો બનાવી દે છે.
રાત્રે પૂજારી મંદિરને તાળું મારી સૂઈ જાય
એટલે વ્યગ્ર ઉંદર દેવીનાં વસ્ત્રો કાતરી ખાય છે.
લજ્જાની મારી દેવીએ
આત્મહત્યા કરી લીધી છે.
ઉંદર પણ પાંજરામાં મૃત પડ્યો છે,
પૂજારીએ મૂકેલો ઝેર ભેળવેલો પ્રસાદ ખાઈને.
સવારે મંદિર, મૂર્તિ વિનાનું, સાવ ખાલી ખાલી
ભક્તો નિરાશ વદન, ઉદાસ ઉદાસ
શોધી રહ્યા છે,
કોઈ નવી દેવીને.
૨૯. દાણા
સિબિલી[2]ઓ ટોળે વળી બેઠી છે.
થોડુંક ધીમેથી, થોડુંક ઊંચા અવાજે
કંઈક બોલી રહી છે.
એમની મુઠ્ઠીમાં દાણા છે.
ખૂબ ઊંચે ઉછાળી પંખીઓ પાસે ફેંકે છે.
પંખીઓ દૂર દૂર વેરાયેલા દાણાઓ
ચાંચમાં ભરી લેવા દોડે છે
સિબિલીઓ હવે આંધળોપાટો રમી રહી છે.
અને પંખીઓ જઈ પહોંચ્યાં છે, એમનાં ઘરોમાં,
ઢાંકેલી રસોઈ ખાવા.
થાકેલી સિબિલીઓ ઘેર પાછી ફરે છે.
અધખુલ્લાં વાસણો જોઈ બોલી ઊઠે છે,
નક્કી આ પક્ષીઓ!
બધું જ જાણી લેતી આ સિબિલીઓને
શાપ આપતાં નથી આવડતું.
ધાન ભરેલી કોઠીઓ પાસે બેસી એ ડૂસકાં ભરે છે.
ગ્રીસના રસ્તાઓ પર નીકળે છે તો એમની આગળ
પક્ષીઓનો કલબલાટ હોય છે.
લોકોને એમના શબ્દો કંઈ જ સંભળાતા નથી.
આ સિબિલીઓ આમ ને આમ મરી જશે.
પક્ષીઓનું પણ પેટ ફાટશે.
બચ્ચાંઓ ઊડ્યા વગરનાં રોશે
લોકો તો ખૂબ પસ્તાશે.
સિબિલીઓનાં ઘરમાં રોજ નવા નવા હાથ ઊગશે.
દરેકને પોતાના શરીર પરના નવા તલની જેમ
એની ચિંતા થશે.
અને આમ, સિબિલીઓ વેર વાળશે.
૩૦. સંધ્યાટાણે
મારી આંખો પાછળ મેં કંઈક છુપાવી લીધું છે.
ડૉક્ટર બિચારો ઓપરેશન પર ઓપરેશન કર્યે જાય છે.
આંખો પરથી સફેદ પટ્ટી હળવેકથી ઉતારીને
સામે ઊભો રહે છે.
આશાસ્પદ ચહેરે પૂછે છે,
હવે દેખાય છે? હવે દેખાય છે?
હું કહું છું, ના.
એને ક્યાં ખબર છે, કે સંધ્યાટાણે
સાવરણીથી ઘરમાં ઝાડુ વાળવાનો
અપરાધ કરતી વખતે, મને સ્પષ્ટ દેખાય છે,
કોપાયમાન થયેલા ત્રિદેવ સુધ્ધાં.
અરે, અંધ નાગણો આવે છે મારી પાસે
અને માથું નમાવીને પૂછે છે,
એમના નાગના હત્યારાઓ વિષે.
જન્મજન્માંતરોની આરપાર જુએ છે મારી દૃષ્ટિ,
પણ નથી ઓળખી શકતી
એક ધૂંધળા ચહેરાને.
બકરીના તાજા, હૂંફાળા દૂધની સેડ
કોઈ મારી આંખોમાં નાંખે છે.
આંખોમાં એવી ગલીપચી થાય છે કે ન પૂછો વાત.
નહીં, આનાથી વધુ
હવે કંઈ જ નથી યાદ.
૩૧. અથાણું અને અંધકાર
મારા રસોડામાં ગોઠવાયેલી
જાતજાતનાં અથાણાંની બરણીઓ જોતાં
હું કંઈક વિચારે ચડી જઉં છું,
કાચી કેરીની ખટાશ, મુરબ્બાની મીઠાશ
ગુંદાના ચીકણા ઠળિયા, કેરાની કડવાશ
ચણા-મેથી-લસણની તીવ્ર ગંધ
ખાંડેલું લાલ મરચું ને દળેલી પીળી રાઈ
તમાલપત્ર ને ગોળ ને ઉપર સરસવનું તેલ.
અથાણું બરાબર મચ્યું છે
અત્યારે, અડધી રાત્રે
આ ઘરમાં ફેલાયેલા અંધકારની જેમ જ.
મને ઊંઘ નથી આવતી
અને હું એક પછી એક, જુદાં જુદાં અથાણાં
ચમચીમાં લઈને ચાખી રહી છું.
અગાશીએ કેરી સૂકવવા મૂકતી વેળા
પગની પાનીએ લાગેલો તડકો
દઝાડી જાય છે મને, હજી અત્યારે, મોડી રાતે.
અને પછી સાંજ પડ્યે
બહાર સૂકવેલી કેરી ઘરમાં લેતી વખતે
આકાશમાં ફેલાયેલી ઢળતા સૂરજની લાલાશ પણ
હું જોઈ શકું છું અત્યારે, આ મધરાતે
મારી નિદ્રાહીન, ચોળાયેલી આંખોમાં.
આ અથાણાને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ
જાળવે છે મને પણ.
તેલમાં ગળાડૂબ અથાણામાં
અકબંધ સચવાઈ રહે છે અંધારું
અને આ તેલ-મસાલાથી ભરપૂર
ખાટો, મીઠો, તૂરો સ્વાદ
સાચવી લે છે મને પણ,
આવી અનેક અડધી રાતોએ.
૩૨. પ્રવેશદ્વાર
કોઈ બારસાખ પર સૂઈ ગયેલા
કબૂતરના શરીરમાંથી
અનાયાસ ખરી પડેલાં
સાદાં પીંછાં જેવા દિવસો પસાર થઈ રહ્યા છે.
બહાર ભવ્ય તડકો પથરાયેલો રહે છે.
છતાં આ નિસ્તેજતા?
મન થાય છે કે
કોઈ આદિવાસીની નજરે ન ચડી હોય
એવી ગુફામાં ચાલી જઉં
અને પ્રવેશદ્વાર પર
પહાડ જેવો મોટો પથરો મૂકી દઉં.
ગુફાની ઉપર વરસાદનાં ફોરાં ટપકે તે અવાજને
ગુફાના હવડ અંધકારમાં હું સાંભળું.
વરસાદના મારાથી પોચી થઈ ગયેલી
ગુફાની દીવાલોને
હું મારી રિક્તતાથી ફરી મજબૂત બનાવું.
એ ગુફાની અંદર
કલાત્મક પ્રવેશદ્વારો બનાવું
અને પછી
કોઈના જ આવવાની
રાહ ન જોઉં.
૩૩. તરસ
ઉનાળાની બપોરની તરસ
ચબૂતરા પર મૂકેલી
માટીની ઠીબમાંથી પાણી પીતા
નાનકડા પંખીના શરીરમાં સમાઈ શકે
તેનાથી ઘણી વધારે હોય છે.
‘ઠંડી, ચાંદની રાતોમાં
ટાઢી થયેલી માટીમાંથી
બનાવેલું માટલું છે આ.’
કુંભાર કહી રહ્યો છે.
‘કોઠે ટાઢક ન વળે તો કહેજો.’
હું વિચારું છું,
ઠંડી, લાંબી રાતોમાં બહાર પડી રહેલી
એ એકલવાયી ઉદાસ માટીનું પાણી
મને શું શાતા આપી શકશે?
આ બપોર આવી તે કેવી
કે હું આમ બેસી રહું છું
પવનની એક લહેરખી માટે?
થાય છે કે ઊતરી જઉં જમીનમાં ઊંડેઊંડે
અળશિયાની માફક,
ને શોષી લઉં માટીની બધી જ ભીનાશ.
આ તરસ કંઈ નવી નથી.
આખરે તો શરીરને જરૂર પડે છે પાણીની
અને માટીને પણ જરૂર હોય છે, શરીરની.
દર ઉનાળે,
હું આમ જ દેહત્યાગ કરું છું અળશિયા રૂપે
અને ઊગી નીકળું છું ફરી,
તરસ્યા છોડવા રૂપે.
૩૪. રજોસ્રાવ
હું રજસ્વલા બની એ દિવસથી
વર્ષોનાં વર્ષો
મારી પાછળ ટપકતાં રહ્યાં છે
લોહીનાં ટીપાં
ને હું સતત લૂછતી રહી છું એ ટીપાં
મારી પીઠ પાછળ બાંધેલી સાવરણીથી
પછી તો ધીમે ધીમે લાલ રંગ મને પ્રિય બનતો ગયો.
ઠંડીમાં લાલ રંગનું સ્વેટર પહેર્યું હોય ત્યારે
મારા શરીરમાંથી ટપકતા
લાલ, ગરમ લોહીની ઉષ્મા મને ગમવા માંડી હતી.
હું ઊભી રહેતી બજારમાં, દાડમના ઢગલા સામે
અને મને લાગતું કે, આ દાડમની અંદરની સમૃદ્ધિ
અને મારા શરીરની અંદરની શક્યતાઓ
એકબીજાની સાથે કોઈક ભેદી રીતે સંકળાયેલી છે.
એ રજસ્રાવ વિના હવે
રજત ચાંદનીમાં, સફેદ સૂનકાર વચ્ચે
પગમાં ચાંદીના ઝાંઝર પહેરીને
નીકળી પડી છું હું અગોચર ભણી.
ઝાંઝરનો છમ છમ અવાજ, બોલકો નથી
શરીરની અંદર ટપકતા રહેતા લોહી જેવો
પણ લઈ જઈ રહ્યો છે મને
ગળામાં ચાંદીની હાંસડીઓ પહેરીને ફરતી
વૃદ્ધ રબારણોના દેશમાં.
રૂપેરી કેશ અને કાળાં વસ્ત્રો પહેરેલી એ રબારણો ભેગી
ચીતરી રહી છું હું હવે ઘરની દીવાલો પર
મોરનાં પીંછાં ને ચકલીનાં પગલાં
ને સંભારી રહી છું હજી
મારા પોતાનાં રક્તનાં પગલાં.
૩૫. રોગિષ્ઠ કૂતરી
આ હડકાયો કૂતરો,
શેરીમાં ચાલતાં લોકોને ચોર સમજે છે.
અને પછી બિચારા લોકો પણ મનમાં ઊંડે ઊંડે ગભરાય છે.
કૂતરાની પીઠ પર એવી લાઠીઓ મારે છે
કે ચામડી પર સોળ ઊઠી આવે છે.
અને એ કૂતરાને મનોમન ચાહતી
પેલી રોગિષ્ઠ કૂતરીયે દુઃખી થઈ જાય છે.
ચંદ્ર એની સોળ કળાએ ખીલી ઊઠે છે
અને કૂતરો વધારે ને વધારે જોરથી ભસતો રહે છે.
મને થાય છે,
રોટલાના વાસી ટુકડા જેવો આ ચંદ્ર,
ઉપર લટકી રહ્યો છે તે કેમ પડી નથી જતો
આ નીચે ભસતા કૂતરાના મોઢામાં.
એના શિકારી દાંત વડે કૂતરો ચંદ્રને ચાવી જાય.
અને એનું ગાંડપણ દૂર થઈ જાય.
થોડા વધેલા ચંદ્રમાંથી એક બટકું
પેલી કૂતરીને પણ આપી દઉં,
અને એ સુંદર થઈ જાય.
૩૬. ગાંધીધામની ટ્રેન
તમારી આંગળી પકડીને જોઈ હતી ટ્રેન પહેલી વાર,
કચ્છમાં ગાંધીધામના સ્ટેશન પર.
મેં પૂછ્યું હતું, આ ટ્રેન આટલી લાંબી?
અને તમે કહ્યું હતું, તું નાની છે.
આજે હવે દેશ-વિદેશની યાત્રા વેળા
હું ઘણી વાર મુઠ્ઠી પછાડીને
તોડી નાખું છું પ્લેનની બારી
અને કૂદી પડું છું બહાર
ખુલ્લા, અજાણ્યા આકાશમાં.
નીચે જોઉં છું તો
પસાર થઈ રહી હોય છે એક ટ્રેન.
પૂરપાટ દોડ્યે જતી એ ટ્રેન
હજી પણ, આખી પૃથ્વી ફરી વળે તેટલી લાંબી લાગે છે.
કચ્છથી કૅલિફૉર્નિયા જઈ રહેલી
એ ટ્રેનની બારીમાંથી બહાર જોઈ રહેલા
અજાણ્યા લોકોના ચહેરા
હજી આજે પણ એટલા જ અજાણ્યા લાગે છે.
ગાંઘીધામના સ્ટેશન પર
ટ્રેનને લીલી ઝંડી બતાડનાર એ ગાર્ડ
મૃત્યુ પામ્યો હશે હવે
પણ એ એક માત્ર ચહેરો
મને યાદ છે હજી પણ.
એ એ જ ચહેરો છે, જે ચેક કરે છે મારો પાસપોર્ટ
જ્યારે હું પ્રવેશું છું, કૅલિફૉર્નિયામાં.
અને એ જાણે છે.
હું ક્યારેય ગઈ જ નથી, કચ્છથી બહાર.
૩૭. વૃક્ષ, અવાસ્તવિક
હું કહું છું. આ વૃક્ષ તે જ બોધિવૃક્ષ,
તે જ કદંબ, ને તે જ અશોક.
આ જો તમે ન માનો તો પછી
બુદ્ધ, કૃષ્ણ અને સીતાને શોધશો ક્યાં?
વાસ્તવિકતા વિનાના એક વૃક્ષની
આપણને સહુને જરૂર છે.
મૂળિયાં વિનાના વૃક્ષના અર્કથી
જીવતા રહેવાય તેટલું જ જીવન.
એ વૃક્ષનું વર્ણન લખવાની હું શરૂઆત કરું છું
ત્યાં જ,
તેની શાખા-પ્રશાખા વીંટળાઈ વળે છે મારા હાથે.
શબ્દ અને શબ્દ, અને શબ્દ વચ્ચે રહેલું અંતર
હું પૂરી નથી શકતી
હું હવે રઘવાઈ થઈ છું.
આંખોની સામે જે કંઈ દેખાય
એ બધું જ લખવા માટે.
એક પુરાકલ્પિત વૃક્ષ વિસ્તરી રહ્યું છે.
મારી બારીમાંથી ઘરની અંદર આવી રહ્યું છે.
એ વૃક્ષમાં મારો નિવાસ છે
અને એ વૃક્ષ જીવે છે
શબ્દો વચ્ચેના અવકાશમાં.
એ વૃક્ષનાં મૂળ શોધવા,
એક રાજકુમાર વૃક્ષ પર ચડતો રહે છે,
ચડતો રહે છે,
નીચે એક રાક્ષસ
કુહાડીનો ઘા કરે છે, એ વૃક્ષ પર.
મૃત રાજકુમારોના દેહ, હું ગણું છું.
આકાશને આંબતા એ વૃક્ષ પર હું વસું છું
ને એ વૃક્ષ જીવે છે,
મારી જિજીવિષામાં.
એ વૃક્ષનાં લાકડાં ક્યારેય સળગતાં નથી
ને તેના પર કાંઈ ફળ-ફૂલ ઊગતાં નથી,
છતાં મને પોષે છે એ વૃક્ષ.
કલ્પનોની છાંયમાં એ મને સૂવડાવે છે
ને શાખા-પ્રશાખાની સીમામાં
એ મને જીવાડે છે.
હું હવે મુક્ત છું
કંઈ જ ન લખવા માટે.
૩૮. મેરુ
આંધળા પાણીમાં, નાગની છાંયમાં.
પગચંપી કરાવતા વિષ્ણુ
અને આસપાસ પાણીમાં તરતી
હીરાજડિત કલાત્મક પેટીઓમાં
નવજાત શિશુઓ.
હું જઈને બેસી રહીશ નદીના કોઈ શાંત કિનારે.
રાહ જોઈશ, મારા શિશુના આવવાની,
માછલીનાં ઈંડાંઓ તો જન્મતાંની સાથે જ
વિખેરાઈ જાય, અગાધ સ્નિગ્ધ પાણીમાં.
પ્રસરી જાય એમના શ્વાસ પરપોટા બનીને.
પણ હું કેવી રીતે ઓળખીશ મારા શિશુને?
આ બધાં વર્ષો,
મેં કેટલીયે મીટ માંડી આકાશે,
સમુદ્રોમાં ડોકિયાં કર્યાં,
ક્ષીર નીકળતાં ફળ-ફૂલો વચ્ચે હું ફરતી રહી.
ધમણની જેમ ચાલતો રહ્યો મારો શ્વાસ.
અને હવે આ બાળક આવીને મને
વાત કહેશે પાતાળની.
પાણીમાં ધીમે ધીમે ઓગળી રહેલા
અડગ મેરુની
લાલ ફેણવાળા, ઝેર ઓકતા,
જાતજાતના સર્પોનાં હાડપિંજરોની.
અને હું ઓળખી લઈશ
મારા ગર્ભને.
એના જન્મની વેદનાને.
૩૯. બરફની દીકરી
સૂરજના સોનેરી પ્રકાશમાં
ઝળાંહળાં થતા એ દિવસને પકડીને
ઘરના ભંડકિયામાં પૂરી દીધો છે મેં,
ક્યારેક
શિયાળાની સમી સાંજે
કે ભીની વરસાદી રાતે
એ દિવસનો એક ટુકડો હું બહાર કાઢું છું
અને ઓજસ્વી તડકામાં
મારી સુંવાળી ત્વચાને જોતી બેસી રહું છું.
એ તડકાને સાચો માનીને ખીલી ઊઠેલાં
સૂરજમુખીનાં ફૂલો ચૂંટતી રહું છું.
પછી ધોળા દિવસે
એ તડકાની ઓથે લપાઈને સરી ગયેલા
પ્રિયજનની પીઠને યાદ કરું છું.
મારી દીકરીના જન્મ વખતે
નહોતો ઊગ્યો આ સૂરજ.
બરફમાંથી બનેલી દીકરી, ઓગળી જવાના ડરે
ઘરના ઝાંપા સુધી પણ બહાર નથી જઈ શકતી.
સૂરજની રોશનીથી ઝળહળતો
ઘરના ભંડકિયાનો એક ગુપ્ત ભાગ
સાવ અજાણ્યો છે
ઘરમાં હસતી-૨મતી મારી દીકરીથી.
મેં વશમાં કરી લીધો છે, સૂરજને
અને એમ જિવાડી છે
અમારી આ બરફની દીકરીને.
૪૦. શૂન્યાવકાશ
એક ચુડેલ અને એક ખવીસ પ્રેમમાં હતાં.
ચુડેલ રોજ રાત્રે માથા પર સગડી લઈને આવી જતી.
બંને ખુશ હતાં.
શરીરની પોતાની એક ભાષા છે.
બંને સંતુષ્ટ હતાં.
પણ એક દિવસ, ચુડેલને મન થયું કે એનો પ્રેમી
એને એક દીર્ઘ ચુંબન આપે.
એણે ખવીસને ખૂબ આજીજી કરી.
પણ ખવીસને માથું જ ક્યાં હતું?
હોઠ, દાંત, જીભ, આંખ, કાન —
કંઈ જ નહીં!
એ રડવા લાગ્યો.
ચુડેલ એના ધડની ઉપરના શૂન્યાવકાશને તાકી રહી.
અને પછી ગુસ્સે થઈને ચાલી ગઈ.
ખવીસ એની પાછળ એને મનાવવા દોડ્યો.
પણ એ ક્યારેય એને શોધી ન શક્યો.
ચુડેલનાં પગલાં હંમેશા ઊંધાં પડે છે.
૪૧. ધ્યાનખંડ
આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી ઝૂકી જતાં
વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે
અને બંધ આંખો પાછળ દેખાય છે,
વિશાળ ધ્યાનખંડો.
ધ્યાનખંડની જાજમની નીચે
પગની ધૂળની સાથે દબાઈ ગયેલો કોલાહલ
હું જોઈ શકું છું.
ધ્યાનખંડની દીવાલ પરના પોપડા સહેજ ખરે છે
અને હું ધ્યાનમાંથી ઝબકી જઉં છું.
મારાં ચિત્તની અશાંતિ
અહીંની દીવાલોને ખેરવી નાખશે તો?
આશ્રમની બહાર આવી ગયા પછી
હવે હું જાતજાતના અવાજ, ઘોંઘાટને
પ્રેમ કરતાં શીખી રહી છું.
અસંખ્ય અવાજો મારા કર્ણપટલ પર અથડાય છે
અને હું દરેક અવાજને ધ્યાનથી સાંભળું છું.
કોઈ અવાજને કોઈ અર્થ નથી
છતાં હું દરેક અવાજના આરોહ-અવરોહ
ખૂબ શાંતિથી સાંભળું છું.
મારા ધ્યાનખંડમાં જબરો કોલાહલ છે.
૪૨. કાગ
કા-કા કૌઆ, ઠા-ગા ઠૈયા
કાગશ્રી નાચે
ને મંદિરમાં મંજીરાં વાગે.
દાળ-શીરાનો એઠવાડ ને ભેગી
અલક-મલકની વાતો.
શનો ભગત કરી રહ્યો છે :
ઓલા પ્રીતમ શેઠની વધુ પંદર દહાડાથી
રોજ આવે છે, એક ખોળાનો ખૂંદનાર માંગવા.
મહંતજી, હવે તો દયા કરો,
મહંતજી!
કા... કા... કૌ... આ....
ઠા... ગા... ઠૈ... યા...
કાગશ્રી નાચે ને મંદિરમાં મંજીરાં વાગે.
હે દેવોના દેવ!
આ પ્રસવપીડાનો અંત ક્યારે?
આ કષ્ટથી તણાયેલું મુખ
ને ખાટલા નીચે દેવતાનો શેક,
હે મહારાજ!
મુજ સુવાવડી પર કૃપા કરો.
મારા લાલનું નામ ‘ભીખો’
ને દીકરીય ‘દેવદાસી’, પ્રભુ!
કાકાકૌઆ ઠાગાઠૈયા
કાગશ્રી નાચે ને મંદિરમાં મંજીરાં વાગે.
મને ભલે શરીરે ચાંદી થાય,
ને મહંત જીવતે સમાધિ લે,
પણ, મારાં શ્રાદ્ધ ને આમ પાછાં ન ઠેલો, કાગ!
નહીં કરું આખાના દેખતાં મને આમ
વડવાઓ પાસે લજ્જિત ન કરો.
કાગ!
મને શરણે લો.
દીનાનાથ!
કાકા
કૌઆ
ઠાગા
ઠૈયા
કાગશ્રી નાચે ને મંદિરમાં
વાગે મંજીરાંઆ
૪૩. નર્મદા
જોઈ હતી મેં એને
વહેલી સવા૨ના અજવાળામાં
એક નાનકડી નાવમાં બેસીને
પધરાવ્યાં હતાં એમાં
પિતાના અસ્થિ જ્યારે.
પછી રાખ અને ફૂલોને લઈને
દૂર ચાલી ગઈ હતી એ નદી
નર્મદા,
મને પણ સાથે લઈને.
એના નીરમાં અટવાતાં
ઝાડીઝાંખરાં વચ્ચેથી માર્ગ કરતાં
વહી રહેલાં એ ફૂલો
કોહવાઈ ગયાં છે હવે
અને શરીરની રાખ પણ બેસી ગઈ છે
એના તળિયે કશેક
પણ હું હજીયે જીવી રહી છું
એના કિનારે ઊછરતી જળસૃષ્ટિ ભેગી.
હવે તો એનો માર્ગ એ જ મારો માર્ગ.
એના વહેણમાં વહેતી
ગર્ભવતી માછલીઓ ભેગી
હું જીવ્યે જઉં છું
આગળ ને આગળ.
૪૪. પૂર્વજ
થોડા દિવસ પહેલાં એક મિત્રને ત્યાં
એના કોઈ પૂર્વજનો ફોટો જોયો.
અને ત્યારથી મને એવું જ લાગ્યા કરે છે કે એ
મારા પણ પૂર્વજ હોઈ શકે.
પૂર્વજો તો બધા સરખા.
પૂર્વ દિશામાં મોં ફેરવીને ઊભેલા લોકો.
આમ તો ક્યારેય પાછું વળીને જુએ નહીં,
પણ છતાં જોવું હોય તો જોઈ પણ શકે.
મેં મારા ઘરનું વાસ્તુ નથી કરાવ્યું,
એટલે ઘણી વખત ઘરની દીવાલોમાંથી
રુદન સંભળાય છે.
એ ઘરમાં કે એ જમીન પર મારા અગાઉ રહી ચૂકેલા
બીજા કોઈકના પૂર્વજોનું
ક્યારેક છાનું છપનું હાસ્ય પણ.
અને મને એ બધું જ મારી આવનારી પેઢીના
પૂર્વજો જેવું લાગે છે.
એટલે કે હું જ,
આ મારા ઘરની હમણાં જ ધોળાયેલી દીવાલોમાં
ચણાયેલી, કેદ,
પૂર્વ દિશામાં જોઉં છું તો પીઠ ફેરવીને ઊભેલા
અસંખ્ય પૂર્વજો દેખાય છે.
બધા જ મારા ઘર તરફ આવવા માગતા.
બધા જ પરિચિત ચહેરાઓમાં, મારા પૂર્વજ.
આવનારા જન્મનાં રંગીન સપનાં દેખાડતા.
મારા ઘરની ભીંતોમાં રહેતી હું
રાહ જોઈ રહી છું,
ધરતીકંપના એક હળવા આંચકાની.
૪૫. ‘નોબલ મીટ હોમ’
મને કોઈ જ રસ નથી, વી.ટી.થી થાણા
અને થાણાથી વી.ટી. આવ-જા કરતી
આ ટ્રેનમાં કે કરડા ચહેરા અને કર્કશ અવાજવાળી
ફૂલ-ગજરા વેચતી આ મરાઠી બાઈમાં.
કુર્લા સ્ટેશને ગાડી ઊભે છે.
મુસ્લિમ સ્ત્રીઓ લેડીઝ કંપાર્ટમેન્ટમાં આવીને
બુરખો કાઢી નાખે છે અને હું એમને
સજાતીય નજરે તાકી રહું છું.
આખુંયે કુર્લા દેખાય છે મને એ ચહેરામાં.
ત્યાંનું, ‘નોબલ મીટ હોમ’,
ઑફ-વ્હાઈટ કલરની મરઘીઓ,
હાફ-ફ્રાઈડ ઑમલેટ,
લીલા રંગના ડીસ્ટેમ્પરવાળી મસ્જિદ,
ચાદર ચડાવવા આવેલી
મહેંદી કરેલા કેસરી વાળવાળી એક પ્રૌઢ સ્ત્રી,
નિકાહ કુબૂલ કરાવતા હાજીઓ,
સૂફી ઑલિયાઓ,
ધગધગતા દેવતા પર દોડી જતાં બાળકો,
પોતાના શરીર પર કોરડા ઝીલતો
એક વ્યભિચારી, તથા
ઈમામ-હુસેનની તરસ છીપાવતાં
શરબતનાં છલકતાં પીપ.
૪૬. શિયાળો
મારે મન શિયાળો એટલે
કચ્છના અમારા ગામનું એ ખેતર.
ખેડૂત ખેતરમાં ચાસ પાડીને જતો રહે એ પછી
આખી રાત એ ચાસમાં પ્રસરતી ઠંડી
જાણે આજીવન ઘર કરી ગઈ છે
મારા શરીરમાં.
શિયાળામાં તદ્દન ઉપેક્ષિત રહેતું એ ખેતર
ક્યારેય મારા મનથી દૂર નથી થયું.
વૃક્ષોનાં પાંદડાં પર જમા થતી ધૂળ,
ફળોની તરડાઈ રહેલી ત્વચા,
ખેતરના વહેળામાંથી વહેતા
ઠંડા પાણીનો ત્રુટક-ત્રુટક અવાજ,
હાથ ન અડી શકાય તેવા ઠંડાગાર
લોખંડનાં ખેતીનાં ઓજાર
અને મજૂરણ બાઈના કાન સોંસરવો નીકળી જતો
સીમનો સુસવાટા મારતો પવન.
ઠંડીનું એક લખલખું ફરી વળે
બળદના શરીરમાં પણ
અને હું જોઈ રહેતી એ કંપારી.
મને સૌથી પરિચિત અને સૌથી આત્મીય
કોઈ સ્થળ હોય તો એ તે ખેતર.
એ ખેતરની જગ્યાએ હવે કદાચ
બંધાઈ ગયાં હશે અનેક હૂંફાળાં ઘર
પણ મારા મનના એક ખૂણે,
હજી આજે પણ હું ધ્રૂજી રહી છું ટાઢથી.
એ ખેતરમાં હું રોજ સળગાવું છું એક તાપણું.
તાપણું ઠરી જાય છે, મોડી રાત્રે
અને રોજ સવારે ઊઠીને
હું ભેગી કરતી હોઉં છું તેની રાખ.
૪૭. મીઠાના અગર
હું હવે રહું છું, ટુંડ્ર પ્રદેશે,
ઈગ્લુમાં.
મીઠાના અગરો તો મેં
ત્યજી દીધા ક્યારના
પણ ત્યાં રહી ગયેલો
મારા ડાબા પગનો અંગૂઠો,
જેની ગેરહાજરીને કારણે જ તો
મારા પગલાંની છાપ પડે છે
જરા જુદી.... ત્યાં બરફમાં.
જેને ઓળખીને દોડતાં આવે છે
મારી પાસે કંઈ કેટલાંયે યાક.
રુંવાટિયાં યાક.
મારાં બર્ફીલાં પણ ખારાં ખારાં નસકોરાં
બરફમાં પાડે છિદ્રો!
ને યાકને મન એ દૂરબીન.
જ્યાં બરફમાંથી દેખાય બરફ.
૪૮. દરવાજો
આ દરવાજાને નથી કશું અંગત કે બિનંગત
છતાં એના હોવા માત્રથી
બે વિશ્વ વહેંચાઈ જાય છે, સાવ નોખાં નોખાં.
જાહેર અને ખાનગી
એ બે વિશ્વ વચ્ચે છે આ દરવાજો.
ક્યારેક અતિ સભ્ય અને શાલીન, બંધ,
તો ક્યારેક સાવ ખુલ્લો ફફાસ.
દરવાજાની પાછળ નથી કોઈ સાત ઓરડા
છતાં કાન દઈને સાંભળો તો...
નહીં, નહીં, રહેવા દો, કંઈક તો રહેવા દો
ગોપિત.
અહીં નથી કોઈ સાંકળ ખખડાવનાર કે નથી કોઈ ખોલનાર,
છતાં છે, આ દરવાજો
એની આ પાર કે પેલે પાર, જવું છે ઘણાને,
પણ આમથી ઉંબરો ઓળંગીને
અંદર પ્રવેશ કરવો કે પછી
તેમથી ઉંબરો ઓળંગીને
બહાર નીકળી જવું,
તેનો નિર્ણય કોઈ નથી લઈ શકતું.
આગળ પાછળ કશું જ ન હોવા છતાં
આ દરવાજો
અકળાવી નાખે છે લોકોને.
તેમ છતાં કોઈ તોડી નથી નાખતું આ દરવાજાને.
ક્યારેક બંધ, ક્યારેક ખુલ્લો, ક્યારેક અધખુલ્લો,
આ દરવાજો છે હજી.
૪૯. અતિપ્રિય અતિથિ
સાઈબીરીયાથી દ૨ વર્ષે અહીં આવતાં
આ ફ્લેમિંગો હજી આવ્યાં કેમ નહીં?
ત્યાં જ ઠંડીથી ઠૂંઠવાતાં મરી તો નહીં ગયાં હોય?
કે પછી રસ્તામાં એમની કાંપતી પાંખો
એવાં જ સફેદ વાદળો સાથે ભૂલથી અથડાઈને
ચિરાઈ ગઈ હોય?
નળ-દમયંતીની વાર્તા કહેતો પેલો નાવિક
રાજા નળની જળસમાધિ બતાવી રહ્યો હતો.
હું જોઈ રહી, એની નાવ પર દોરેલાં લાકડાનાં ફ્લેમિંગો.
ને પછી એ નાવિકની વહુએ ઘરમાં લીંપેલાં
માટીનાં ફ્લેમિંગો.
સરોવરમાં ઊગેલાં કુમળાં ઘાસનાં બીજ ફ્લેમિંગો.
વાંસનાં હલેસાં ફ્લેમિંગો.
કેટલાં બધાં! પણ બધાં જ સ્વર્ગસ્થ.
મારે તો જોવા હતાં હુંફાળા તડકામાં પાંખો શેકતાં,
સુંવાળાં સંવનન કરતાં,
માટીમાં ખાડા કરી ઈંડાંઓ સેવતાં ફ્લેમિંગો.
જોકે, સરોવ૨નાં છીછરાં પાણીમાં રમતી
જળકૂકડી જોવાની મજા આવે છે,
પણ ફ્લેમિંગો કેમ ભૂલાય?
શાંત સ્વરૂપ અતિથિ.
જોજનો દૂરથી, ઠંડીથી બચવા, અહીં આવીને રહેતાં
અતિપ્રિય અતિથિ.
જોઈએ તો મારા શરીરની ઉષ્મા પણ હું તમને આપું.
૫૦. સાર્વજનિક બાગ
આ એક સાર્વજનિક બાગ છે.
અહીં તમે ખાસ રંગીન ફુવારાની રોશનીમાં,
ઠંડકમાં બેસવાનો મૂડ લઈને આવ્યા હો
અને ફુવારા બંધ હોય એવું બની શકે.
અહીં લોન પર પાણી છાંટેલું ન હોય
કે મેંદીની વાડ બરાબર કાપેલી ન હોય
તો ફરિયાદ ન કરવી.
આસપાસ વેરવિખેર સૂકાં પાંદડાં પડ્યાં હોય
તો પાંદડાંનો ઢગલો કરી,
જાતે જ એક દીવાસળી ચાંપી દેવી
પણ એ માટે આભારની ઝાઝી અપેક્ષા ન રાખવી;
કારણ કે અહીં તો
રોજ અસંખ્ય પાંદડાં ખરતાં હોય છે.
અને જો તમારે, એ સૂકાં પાંદડાંને
પગ તળે ચચરતાં ચાલવું હોય તો તેમ કરો.
બાગમાં ગોઠવેલી સંગેમરમરની મૂર્તિને જોઈને
ઉદાસ થવું હોય તો પણ બાગ એ સારી જગ્યા છે.
અહીં તમારી તરસને સંતોષવી
પણ પાણીના નળ સાથે સાંકળથી બાંધેલા
ગ્લાસને છોડવાની કોશિશ ન કરવી હિતાવહ છે.
આ એક સાર્વજનિક બાગ છે.
૫૧. ભુજ
ભુજની શેરીઓમાં ઢોળાયેલા એંઠવાડની
આસપાસ નિરાંતે ફરતી રહેતી એ ગાયો
ઘરની બહાર ઓટલા પર મુકાતી રોટલીઓની
રાહ જોતાં બેસી રહેલાં કૂતરાં
ખત્રી ચકલાની ગલીના નાકે આવેલી એ પાનવાળાની દુકાન
જેમાં ઠેરઠેર ગોઠવેલા હતા.
મધુબાલાની મારકણી અદાઓના ફોટા
દરબારગઢના એક ખૂણામાં ઊભી રહેતી
ફરાળી કચોરીની એક લારી
દાબેલી પર શણગારાતા દાડમના દાણા
અન્નકૂટ અને હિંડોળાના દર્શને જતા ધન્ય ધન્ય લોકો
નાગપંચમીના ભુજીયા ડુંગર પર દૂધ પીતા સાપ
રાજેન્દ્રબાગમાં લીલાછમ ઘાસ પર ફરતી બકરાગાડીમાં
પોતાનાં નાનકડાં બાળકોને બેસાડીને ખુશ થતાં નવાંસવાં મા-બાપ
આયના મહેલમાં પોતાના રજવાડી પ્રતિબિંબના
પ્રેમમાં પડી જતા વિદેશી સહેલાણીઓ
નજરબાગની ઊંચી દીવાલો પર
પ્રોજેક્ટર વડે દર્શાવાતી શ્વેત-અશ્વેત દસ્તાવેજી ફિલ્મો...
ભુજ –
સુંદર છે, સ્થગિત છે, મારી અંદર.
મારી અંદર
માછલીઓનું એક ટોળું
હજી પણ આવે છે
હમીરસરના કિનારે
રોજ, સવાર-સાંજ
અને લોકો એ માછલીઓને ફેંકે છે
લોટના ટુકડા.
ધરતીકંપે તોડી નાંખી છે
હમીરસર તળાવની પાળ
પણ મારી અંદર
હજી પણ ઓગને છે, હમીરસર
અને એક રાજા
અંબાડી પર બેસીને આવે છે
મારી અંદર છલકેલા તળાવને વધાવવા.
૫૨. લીલો દુકાળ
ખેતરોમાં પગ સમાણાં પાણી છે.
ખેડૂતોએ ખેતરોમાં વેરેલાં બીજ
જાણે આંખોમાંથી ઊગી નીકળ્યાં હોય તેમ
જ્યાં જુઓ ત્યાં લીલા છોડ છે.
પાણીને પચાવી ન શકવા છતાં,
બેબાકળા, ઊભા છે હજી છોડ.
ખેતરમાં તરી રહ્યાં છે, સાપ ને ઇયળ
જીવતાં કે મૂઆં, શું ખબર.
ખેડૂતોની ઓસરીમાં ખડકાયેલા ધાનના ઢગ
વહી નીકળ્યા છે ઘર બહાર
ખેતરોમાં પાક નષ્ટ કરવા આવ્યા હતા
એ ઝેરી કીટક, હવે સાંભળી રહ્યા છે
ત્રાજવામાં તોલાઈ રહેલા
ડૂસકા ભરતા લણણીના ગીતને.
વજનદાર, ખાલી મણની ચુપકીદી
સર્વત્ર છવાયેલી છે,
કહે છે કે લીલોદુકાળ છે આ.
૫૩. ઠાકોરજીના વાઘા
કોઈ યુવાન પરિણીતા આવે છે એની પાસે
કટોરીવાળું બ્લાઉઝ સીવડાવવા
તો કોઈ સગર્ભા સ્ત્રી આવે છે
ખોળો ભરવાના પ્રસંગે મળેલી
તેની નવી સાડીમાં ફોલ નખાવવા.
કોઈ ડિપ્રેશનથી પિડાતી, જાડી થઈ રહેલી ગૃહિણી પણ આવે છે
તેના તંગ થઈ રહેલા કુરતાની સિલાઈ ખોલાવવા.
હાઈસ્કૂલમાં ભણતો કોઈ છોકરો આવે છે
યુનિફૉર્મ સીવડાવવા માટે
તો કોઈ મધ્યમવર્ગીય પુરુષ આવે છે
તેના ઑફિસમાં પહેરવાના શર્ટને રફુ કરાવવા.
એ દરજી સીવે છે કપડાં તમામ પ્રકારનાં
અસ્તરવાળાં ને અસ્તર વગરનાં,
ગોઠવાતી રહે છે કપડાંની થપ્પીઓ એની દુકાનમાં
સિલ્કની અલગ અને સૂતરાઉની અલગ
ને રંગબેરંગી દોરા તો આવે તેવા વપરાઈ જાય.
પુરાતું રહે છે તેલ એના સંચામાં સવાર-સાંજ
અને સંચા કરતાયે ઝડપથી, ફરતી રહે છે એની આંગળીઓ.
એક નજરે માપી લે છે એ સૌને
છતાંયે ડોળ કરે છે માપ લેવાનો.
ઘણીવા૨ માપનું જૂનું બ્લાઉઝ હોય છતાંયે
ગ્રાહક મહિલા જ આગ્રહ કરે, ‘માપ લઈ જ લોને.’
અને એમ વધતી રહે એની શાખ.
કમી નથી કામની એ દરજી પાસે.
દુકાનોના ગાદી-તકિયા તો બારેમાસ અને
નવરાત્રિ ને લગનગાળામાં તો વેઇટિંંગ ટાઇમ.
સીવાતા રહે છે વસ્ત્રો રાતભર, નિર્વસ્ત્ર શરીરો માટે.
સવાર પડ્યે, એ દુકાનમાં કચરો વાળે ત્યારે
જાતજાતનાં વધેલાં કપડાંના
નાના નાના, રંગબેરંગી ટૂકડા આવે એના હાથમાં
અને કોઈ ભિખારણ બાઈ લઈ જાય
એ વધેલા કપડાંના ટુકડા, હોંશે હોંશે
એના નાનકડા દીકરા માટે ગોદડી બનાવવા.
આ દરજીની દુકાનમાં ઠલવાતું રહે છે કપડું દિવસરાત.
કોઈ આવે છે દીકરીની ઢીંગલી માટે ફ્રૉક સીવડાવવા
તો કોઈ આવે છે ઠાકોરજીના વાઘા સીવડાવવા.
ને એણે સીવેલાં કપડાં
જીવતાં રહે છે, અવનવા જીવન
નવાં હોય ત્યારે અને જૂનાં થાય ત્યારે પણ.
વાઘા બદલતા રહે છે ઠાકોરજી
નિતનવાં દર્શન માટે.
૫૪. મૃત્યુ, તું દુષ્ટ નથી
મૃત્યુ,
તું દુષ્ટ નથી.
રાત્રે ઊંઘમાં મૃત્યુ પામેલી
કોઈ વ્યક્તિના ચહેરા પર
મેં જોયું છે તને
કોઈ એક સ્વચ્છ સવારે.
તું નહીં ડંખે મને, ફણીધર સાપની જેમ
કે સહસ્ર પગાળા વીંછીની જેમ.
તું આવશે મારી પાસે એક ભોળા મંકોડાની જેમ.
હાલ તો હું વાળું છું તને મારી ત૨ફ
ને વળી જાય છે તું ઊંધી દિશામાં
મૂંઝાયેલા મંકોડાઓની હારમાં
પણ હું જાણું છું કે એક દિવસ
હું તને ખસેડીશ અવળી દિશામાં
અને તું વળશે મારી તરફ, સ્પષ્ટ
ધીમી પણ મક્કમ ચાલે.
મૃત્યુ,
તું આવજે મારી પાસે
મોંમાં ગૉળનો કણ લઈને.
લઈ જજે મને આખા ગૉળની ભીલી પાસે.
ફાટેલા કંતાનમાંથી ઝરતા ગૉળના રસને
ચાખી લઈશ હું વધુ એક વાર.
પછી ચાલી નીકળીશ હું તારી સાથે
કોઈના ઘરમાં પ્રવેશી રહેલી
કોઈ એક સ્વચ્છ સવાર બનવા.
૫૫. કવિની સંપત્તિ
મારી પાછળ મૂકી જવા માટે
નથી મારી પાસે
કોઈ પુત્રના ચહેરાની રેખાઓ
કે નથી કોઈ પ્રેમીએ લખેલું અમ૨કાવ્ય.
આ દેશ પણ ક્યાં હતો મારો?
હું બોલતી રહી એક દેશની ભાષા
કોઈ એક બીજા દેશમાં
ને પ્રવાસ કરતી રહી
કોઈ એક ત્રીજા દેશમાં.
મારા ઘરની બહાર ઊગેલા
ઘાસની નીચે વસતાં જીવડાં
ચૂસતાં રહ્યાં મારી સ્મૃતિની ભાષાને
જાણે આરોગી રહ્યા હોય
આ લીલા ઘાસની નીચે સૂતેલા
મારા જન્મના દેશના મૃતદેહને
અને હું લખતી રહી કવિતાઓ
સ્મૃતિ વિનાના, સફેદ થઈ ગયેલા શરીરની.
આ હરિત ઘાસ જેવું
જો કોઈ સ્વપ્ન હોત મારી પાસે
તો મેં જગાડ્યો હોત
આ સૂતેલા દેશને
ઘરનાં તમામ બારી-બારણાં ખોલી નાખીને
મેં પ્રવેશવા દીધો હોત એ દેશને, ઘરની ભીતર
પણ મારી પાસે નથી હવે કોઈ સ્વપ્ન પણ
પાછળ મૂકી જવા માટે.
મારી સંપત્તિમાં હું મૂકી જઈશ
માત્ર મારું ન હોવું
જે જીવ્યું સતત મારી સાથે
પ્રેમીઓના ચુંબન વખતે
કવિતાઓના પ્રકાશન વખતે
પ્રિયજનોના અવસાન વખતે.
જ્યાં જન્મ થયો એ કચ્છના
એક નાનકડા ગામની નદીના કિનારે
શિયાળાની ટૂંકી સાંજે
ભડકે બળતી કોઈ ચિતાના પ્રકાશમાં
આંસુ સારી રહેલાં તીડ
અને ત્યાં રમી રહેલાં દેડકાંનાં બચ્ચાં જેવું
મારું ન હોવું
એ જ મારી સંપત્તિ
જે સોંપી જઈશ તને હું.
૫૬. ઑકલૅન્ડ
પાછળ છૂટી ગયેલું એ શહેર
હજી પણ જીવી રહ્યું છે.
મારી સાથે,
એક નવા દેશમાં, આ નવા શહેરમાં.
મને યાદ આવે છે.
ત્યાં મેં ઓળંગ્યા હતા એ ચાર રસ્તા.
એ ચાર રસ્તા પર સિગ્નલ પાસે એક ટાવર હતું.
એ ઘડિયાળના મોટા કાંટા
અહીં હું મારી કાંડાઘડિયાળમાં
આ દેશનો સમય સેટ કરતી હોઉં છું ત્યારે
નજર સામે એવા તરવરે છે જાણે
એકએક ક્ષણનો હિસાબ માંગતા હોય.
અહીંની બજારમાંથી ફળો ખરીદતી વખતે
મારા મોંમાં હોય છે.
ત્યાં ઘરની પાછળ ઊગતાં હતાં તે
બહારથી સોનેરી અને અંદરથી લીલાં,
ખરબચડાં, ખાટાં ફળોનો સ્વાદ
અહીંની સવાર પર
ઝળૂંબતી રહે છે ત્યાંની બપોર.
અહીંની ઇમારતોમાં જીવતા રહે છે ત્યાંના લોકો.
અને પછી તો.
ત્યાંના પાર્કમાં અહીંનો તડકો..
અહીંના પાસપોર્ટમાં ત્યાંનું એડ્રેસ...
ત્યાંના બત્તીના બિલમાં અહીંનો ચેક...
અહીંના સિનેમાહોલમાં ત્યાંની ટિકિટ
બે શહેર
સેળભેળ થતાં, છૂટાં પડતાં, ફરી એક થતાં,
અંતે સાવ ખોવાઈ જતાં.
ટકી રહે છે મારી ભીતર.
આ શહેરના રરતાઓ પર
પેલા શહેરની નંબરપ્લેટવાળાં વાહનો દોડતાં રહે છે.
સ્પીડ કૅમેરામાં પકડાઈ જઉં ત્યારે
દંડ ભરતી વખતે
મનમાં સવાલ ઊઠે,
આ પૈસા કયા દેશના?
ક્યાં જઈ રહી હતી હું આટલી ઝડપે?
આ ઘડીએ.
કયા સમયને સાચો માની રહી હતી હું?
એ ટાવર ક્લોકના કે આ કાંડાઘડિયાળના?
........................
(ઑકલૅન્ડ એ ન્યૂઝીલૅન્ડનું એક મહાનગર.)
૫૭. ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી
નજર પડે ત્યાં સુધી પથરાયેલાં
લીલાં ઘાસનાં મેદાનમાં
ચરી રહ્યું છે એક ઘેટું
અસહ્ય શાંતિથી
અને મારા પગ પાસે
આમતેમ ફરી રહ્યાં છે.
પાંખ વગરનાં કીવી.
અહીં કોઈને મારો જરાયે ડર નથી.
હું ઊંચે નજર કરું છું આકાશમાં
અને આ ઘેટાએ કે આ કીવીએ
ક્યારેય નથી જાણી
એવી એક ઉડાન,
ધબાક કરતી પછડાય છે જમીન પર.
અહીં કોઈને સંભળાતો નથી એ અવાજ
અને હું પણ કંઈ બોલવા નથી ઇચ્છતી.
એક નવા દેશમાં,
અજાણી ભાષાઓ વચ્ચે.
હું મૂંગીમંતર વિસ્તરી જઉં છું
ઘાસનું મેદાન બનીને.
ખાઉધરું ઘેટું ખાધા કરે છે ઘાસ.
પાંખ વગરનાં કીવી
રમતાં રહે છે
બરફના ઢગ પર.
અને હું મારો સમય પસાર કરવા
પથ્થર પર ચીતરી રહી છું,
માઓરી ભાષાના કેટલાક સ્થાનિક શબ્દો.
.................
(કીવી પક્ષી ન્યૂઝીલૅન્ડનું રાષ્ટ્રીય પ્રતીક છે, જે ઊડી નથી શકતું. માઓરી, ત્યાંની સ્થાનિક ભાષા છે.)
૫૮. સાધના ટોકીઝના ખાંચામાં
અમેરિકા પાછા ફરીને બૅગ ખાલી કરતાં
વડોદરામાં કંઈક ખરીદી કરી હશે તેની એક થેલી હાથમાં આવી
એ થેલી પર દુકાનનું સ૨નામું લખેલું હતું –
‘સાધના ટોકીઝના ખાંચામાં.’
બસ આ એક વાક્ય, અને મને ગમી ગઈ, નવેસરથી
ગુજરાતમાં બોલાતી
ગુજરાતી ભાષા
પછી તો આખો દિવસ હું વિચારતી રહી
બીજું શું, શું થતું હશે સાધના ટોકીઝના ખાંચામાં?
જરૂર કોઈ તરુણી
પોળના ઓળખીતા-પાળખીતાઓની નજર બચાવતી
ઊભી હશે ત્યાં, ફિલ્મ જોવા, એના પ્રેમીની રાહ જોતી.
તેનાથી થોડેક દૂર, કોઈ બીજો છોકરો
ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચી રહ્યો હશે
હિન્દીની છાંટવાળી ગુજરાતીમાં બોલતો.
તેની નજીકમાં, કોઈ રિક્ષાવાળો, બેઠો હશે
પોતાની રિક્ષામાં, મીટર ડાઉન કરીને.
પછી કોઈ મધ્યમવર્ગીય સદ્ગૃહસ્થ આવશે
હાથમાં શ્રીખંડની થેલી લઈને
‘ચાલ, રાવપુરા આગળ લઈ લે. કેટલા થશે?’
પછી તેમની વચ્ચે થોડી રકઝક થશે
ડભોઈ અને અમદાવાદની ગુજરાતીમાં
અને એમ શરૂ થઈ જશે એક સવારી.
એ રિક્ષાના ગયા પછી, તેની પાછળની કોઈ બીજી રિક્ષા
આગળ આવીને ગોઠવાઈ જશે ત્યાં.
એ રિક્ષાવાળો, રાહ જોતાં જોતાં વાંચી રહ્યો હશે
કોઈ ગુજરાતી છાપું –
‘અકોટામાં પકડાયું કોલગર્લ રેકેટ,
એનઆરઆઈ ગ્રાહકો માટે સાડીઓની સ્પેશ્યલ ઑફર,
કડક બજારમાં લાગેલી આગમાં પાંચ દુકાનો ભસ્મીભૂત,
ફતેહગંજમાં ધોળા દિવસે લાખોની લૂંટ, વડોદરામાં લટટરી ફૅસ્ટિવલ,
અલકાપુરીમાં વિદેશી દારૂ જપ્ત, પાયલ ફરસાણની દુકાનનું નવું સરનામું, ઉત્તરાયણના ચાઈનીઝ દોરાથી ઘવાયેલાં પક્ષીઓ, સીંગતેલના ભાવમાં તેજી,
માંજલપુર સ્થિત યુવાન માટે જોઈએ છે નોકરી કરતી કન્યા,
ડૉક્ટર વિદેશ પ્રવાસે ગયા છે, કમાટીબાગની ટોય ટ્રેન ફરી ચાલુ થઈ.’
રિક્ષાવાળો થોડી વારે છાપું ગડી કરીને, સીટ નીચે દબાવીને મૂકશે
જોઈ રહેશે, તેની બાજુમાં હાટડી માંડીને બેઠેલા એક વૃદ્ધ મોચીને.
એ વયસ્ક મોચી, વર્ષો પહેલા આવેલા હશે વડોદરા, કપડવંજથી
અને પછી રહી ગયા હશે, ખંડેરાવ માર્કેટની કોઈ ગલીમાં.
એ કાકાથી થોડે દૂર, કોઈ બાઈ
બિહારના કોઈ ગરીબ ગામમાંથી આવેલી
અને હવે ભાંગી-તૂટી ગુજરાતી બોલતી
શેરીનો કચરો વાળી રહી હશે.
ખૂણે-ખૂણે કચરાની ઢગલીઓ ભેગી કરીને
તે જરા વા૨ પોરો ખાવા બેઠી હશે
સાધના ટોકીઝના ખાંચામાં
અંદર, થિયેટરમાં ફિલ્મ શરૂ થાય ને અંધારું થશે એટલે
પેલો છોકરો, પેલી તરુણીને કીસ કરશે
અને બોલશે, મુસલમાન ગુજરાતીમાં –
‘મેં તને બહુ પ્રેમ કરું છું.’
બહાર ટોકીઝની ગલીમાં
ફરી એક વાર શરૂ થઈ હશે ચહલપહલ
કોઈ દીક્ષામહોત્સવના વરઘોડાની.
આવતીકાલથી બધું જ ત્યજી દેનારી
કોઈ જૈન કિશોરી, આજે સોળ-શણગાર સજીને
તૈયાર થઈ હશે અને જોઈ રહી હશે
લોકોએ ઊંચકેલી તેની ગાદીમાં બેઠા બેઠા
અહીંથી પસાર થતાં
સિનેમાઘરની બહાર લટકતા પોસ્ટરને.
૫૯. પાલર પાણી
હું કહેતી, ચા પીધી.
તમે કહેતા, ચા પીધો.
અને એમ, આપણે પ્રેમ કર્યો
આપણી પોતાની માલિકીની
આ ગુજરાતી ભાષાને
ને એમ, આપણે લખી થોડીક કવિતાઓ, ગુજરાતીમાં
ક્યારેક કોઈ જાહેર રસ્તા પર
હારબંધ ગોઠવાયેલી સ્ટ્રીટલાઇટોની રોશનીમાં
તો ક્યારેક કોઈ ઘરની પછીતે રેલાતા
દીવાના ઝાંખા ઝાંખા પ્રકાશમાં.
ક્યારેક હાઇવે પર, સામેથી પૂરપાટ દોડી આવતી
અને આપણને અથડાઈને નાસી જતી
લખપતથી કોલસા ભરીને આવતી
ટ્રકની હેડલાઇટના પચરંગી અજવાળામાં
તો ક્યારેક વળી
કાગળ પર દોરેલા સૂરજના
આંધળા કરી દેતા ઉજાસમાં.
ક્યારેક ગુજરાતી ભાષા ધસી આવી આપણી કવિતામાં
ભુજના હમીરસર તળાવની પાળી તોડીને
ગઢની રાંગ સુધી ઊછળતા પાણીની જેમ
તો ક્યારેક, આપણે વાગોળતાં રહ્યાં શબ્દો
મનમાં ને મનમાં
કચ્છના વગડામાં
ગાંડા બાવળની ફળીઓ ચાવ્યા કરતી
કોઈ એકલદોકલ બકરીની જેમ.
અને ક્યારેક વળી, કેલિફોર્નિયા જતા-આવતા
વિમાનની અંદર
અંગ્રેજીમાં સંભળાયા કરતી જીવન-મરણની સૂચનાઓનો
રીડિંગ લૅમ્પની, માંદી, ડીમ લાઇટમાં
આપણે કરતા રહ્યા તરજુમો
ગુજરાતી કવિતામાં,
એક સમય હતો, જ્યારે
ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષા સાંભળવા માટે
આમ વાદળોને ચીરી નાંખતો પ્રવાસ નહોતો કરવો પડતો
પણ મૃત્યુ, હંમેશ આપણી નજીક રહ્યું
વડોદરાનાં વૃક્ષોની જેમ.
‘મૃત્યુ દુષ્ટ હોવું જોઈએ, નહીં તો દેવો શા માટે અમરત્વને પસંદ કરે?’
પ્રાચીન ગ્રીક કવયિત્રી સાફોએ કરેલો આવો એક સવાલ
મેં ફરી પૂછ્યો હતો તમને, વર્ષો પહેલાં
વડોદરાની કોઈ વૈશાખી બપોરે
પણ તમે કોઈ જવાબ નહોતા આપી શક્યા
અને એમ, મેં મેળવી લીધો હતો એક જવાબ.
પછી તો આપણી કવિતાઓમાં જીવતાં થયાં
કંઈ કેટલાંય જનાવરો
પાલતું પ્રાણીઓ અને રાની પશુઓ.
ઈજા પામ્યાં તેઓ ક્યારેક
પણ જીવતાં રહ્યાં
આપણે પણ
એ જનાવરો ભેગાં
મૃત્યુ પામ્યા વિના
હાથીઓ માટે બનાવાયેલા ખાડામાં.
હાથીઓની લંબાતી સૂંઢો, લાંબા દાંત, પાગલ ચિત્કાર
અને આપણને કચડી નાખવા ઉગામેલા વજનદાર પગ તળે
જમીન સરસાં પડેલાં આપણે
જીવતાં રહ્યાં, મૃત્યુની સાવ લગોલગ જઈને.
હવે ન કોઈ સવાલ જીવન વિશે
ન મૃત્યુ વિશે
કે ન તો અમરત્વ વિશે.
હવે તો બસ, વિમાનના સ્થગિત વાતાવરણમાં
અડધી-પડધી ઊંઘમાં, અધખુલ્લી આંખોએ
વિચારે ચડી જઈએ
શુદ્ધ ગુજરાતીમાં.
ત્યારે વિમાનમાં બાજુની સીટ ૫૨ બેઠેલી
કોઈ અમેરિકન વ્યક્તિ પૂછે, અંગ્રેજીમાં
‘તમે કંઈ કહ્યું?’
અને આપણે જવાબ આપીએ, ધરા૨, ગુજરાતીમાં જ,
‘ના, કંઈ નહીં.’
હાથી હવે પગ ઉગામશે
સિંહ હવે મોઢું ખોલશે
મૃત્યુ આવી રહ્યું છે
નજીક, વધુ નજીક
ને હું,
દિલ્હીના લોધી ગાર્ડનમાં ચાલતાં ચાલતાં
એક વૃક્ષ પર લાગેલી તકતીમાં, ‘પ્રોઝોપીસ જૂલીફલોરા’ નામ વાંચીને
તમને કહી રહી છું, ‘આ એ જ છે, કચ્છનો ગાંડો બાવળ, આ તેનું વૈજ્ઞાનિક નામ.’
પછી જરા ત્યાં અટકીને, આપણે આગળ વધી જઈએ છીએ.
કચ્છના કોઈ ગામમાં, આંગણામાં મૂકેલા પ્યાલામાં
નળિયા પરથી નીતરતું, વરસાદનું ચોખ્ખું, પાલર પાણી ભેગું થતું રહેશે.
મને બહુ ગમતો, આ ગુજરાતી શબ્દ
આજે, કેટલાયે વખત પછી, અચાનક યાદ આવ્યો
અમરત્વની આ ઘડીએ.
મૃત્યુ, તું દુષ્ટ નથી.
(આ કવિતા – મૃત્યુ માટે, ગુજરાતી ભાષા માટે, સિતાંશુ માટે)
૬૦. માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ
પામ્યાનો આનંદ
શું ખોવાયું હતું તેના પર આધાર રાખે છે.
જો કે કંઈક ખોવાઈ જાય ત્યારે
શું ખોવાયું તેનો ખ્યાલ નથી હોતો
અને કેટલીક વાર જે મળે તેના મૂલ્યની જાણ નથી થતી
ત્યાં સુધી
જ્યાં સુધી એ ખોવાય નહીં.
આ એક એવી રમત છે, જેમાં
વાસ્તવમાં નથી કંઈ ખોવાતું
કે નથી કંઈ મળતું
પણ મને હવે અમરતા જ આદત થઈ ગઈ છે
કંઈક ખોઈ નાખવાની
કંઈક શોધવાની
કે કશુંક છુપાવી દેવાની
મેં સંતાડી દીધેલી વસ્તુઓ
આમ તો ઘરના ખૂણે ખૂણે દેખાતી હોય છે
છતાં હું જાણે અજાણ હોવાનો ઢોંગ કરતી હોઉં છું.
એ છુપાવેલી વસ્તુઓ શોધવા
ક્યારેક તો આખું ઘર માથે લઉં છું.
મને જોઈએ છે
કંઈક મળી આવ્યાનો આનંદ.
આજે સવારથી હું શોધી રહી છું
કાગળની એ ચબરખી
જેના પર પપ્પાએ લખી આપ્યું હતું -
માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ.
નાનપણમાં ગલીના નાકે આવેલી દુકાને
પપ્પા માટે પાન લેવા જતી વખતે
હું આખા રસ્તે આ શબ્દો ગોખતી જતી હતી.
આજકાલ દિવસ ઊગે ને હું શોધવા માંડું છું એ ચબરખી.
ભીનાં નાગરવેલનાં પાન જેવી મારી આંખો બિડાય છે
રખે ને ક્યાંક મળી આવે
એ હસ્તાક્ષર.