ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્
- ગોકર્ણ કથા
- ધ્રુવકથા
- કૃષ્ણજન્મકથા
- યમલ-અર્જુનના શાપની કથા
- કાલીયદમન
- પ્રલમ્બાસુરનો વધ
- ગોપીવસ્ત્રહરણ
- બ્રાહ્મણપત્નીઓ અને શ્રીકૃષ્ણ
- ગોવર્ધનધારણ
- રુક્મિણીઅપહરણ
- પ્રદ્યુમ્નકથા
- સ્યમન્તક મણિની કથા
- શ્રીકૃષ્ણની અન્ય પત્નીઓ
- ભૌમાસુરનો વધ
- ઉષા અને અનિરુદ્ધની કથા
- પૌણ્ડ્રકની કથા
- દ્વિવિદ વાનરની કથા
- બલરામ કૌરવો સામે
- કૃષ્ણ-સુદામાકથા
- લક્ષ્મણાસ્વયંવર
- દેવકીના મૃત પુત્રોનું પુનરાગમન
ગોકર્ણ કથા
તુંગભદ્રા નદીને કાંઠે એક સુંદર નગર. બધી જાતિના લોકો પોતપોતાના ધર્મોનું આચરણ કરીને સત્કર્મો કરતા રહેતા હતા. ત્યાં બધા વેદોનો જાણકાર અને વિધિવિધાનમાં નિપુણ એવો આત્મદેવ નામનો બ્રાહ્મણ. સૂર્ય જેવો તેજસ્વી હતો. ધનવાન હોવા છતાં ભિક્ષાર્થી હતો. તેની પત્ની ધુંધુલી કુલીન, સ્વરૂપવાન હોવા છતાં બહુ જિદ્દી હતી. તે નિંદારસમાં રચીપચી રહેતી હતી. ક્રૂર સ્વભાવવાળી આ સ્ત્રી અવારનવાર બકવાસ કરતી હતી. ગૃહકાર્યમાં નિપુણ હોવા છતાં કર્કશા હતી. આ દંપતી પાસે વૈભવવિલાસ બહુ હોવા છતાં તેનાથી તેમને આનંદ થતો ન હતો. ખાસ્સી વય વધી છતાં તેમને સંતાનસુખ ન હતું. દાનધર્મ કરીને અડધી સંપત્તિ તો ખર્ચી નાખી અને તો પણ ન પુત્ર, ન પુત્રી, એને કારણે બ્રાહ્મણ હમેશાં ચંતાિતુર રહેતો હતો.
એક વેળા તે બ્રાહ્મણ ઘેરથી નીકળી વન તરફ ચાલી નીકળ્યો. બપોરે તરસ લાગી એટલે તે એક તળાવ પર આવ્યો. સંતાનના અભાવે તેનું શરીર પણ કંતાઈ ગયું હતું. પાણી પીને બેઠો હતો એટલામાં એક સંન્યાસી ત્યાં આવ્યા. તેમણે જલપાન કર્યા પછી આત્મદેવ તેમની પાસે ગયો અને દંડવત્ પ્રણામ કરીને નિસાસા નાખવા લાગ્યો.
સંન્યાસીએ પૂછ્યું, ‘અરે બ્રાહ્મણ, રડો છો શા માટે? એવી તે કઈ મોટી ચિંતા માથા પર છે? મને એનું કારણ કહો ત્યારે.’
બ્રાહ્મણે કહ્યું, ‘મારા પૂર્વજન્મનાં પાપોને કારણે જે દુઃખ ભોગવું છું તેનું તે શું વર્ણન કરું? મારા પિતૃઓ હું જે જળની અંજલિ આપું છું તે પોતાના નિ:શ્વાસથી ઉષ્ણ થયા પછી પીએ છે. દેવો અને બ્રાહ્મણો હું જે આપું છું તે પ્રસન્ન ચિત્તે ગ્રહણ કરતા નથી. સંતાન નથી એટલે દુઃખી દુઃખી થઈ ગયો છું. હું અહીં આત્મહત્યા કરવા આવ્યો છું. સંતાન વગર જીવન, ગૃહ, ધન-કુળ-કશાનો અર્થ નથી. હું જે ગાયને ઉછેરું છું તે પણ વાંઝણી થઈ જાય છે. જે વૃક્ષ વાવું છું તેના પર ફળફૂલ બેસતાં નથી. ઘરમાં જે ફળ લાવું છું તે બહુ જલદી સડી જાય છે. હું દુર્ભાગી અને પુત્રહીન છું તો પછી આવા જીવનનો અર્થ કયો?’
આમ કહીને તે બ્રાહ્મણ ધ્રૂસકે ધૂ્રસકે રડવા લાગ્યો. તે સંન્યાસીને તેના પ્રત્યે બહુ દયા આવી. તેઓ યોગનિષ્ઠ હતા એટલે બ્રાહ્મણના કપાળની રેખાઓ વાંચી લીધી અને કહેવા લાગ્યા,
‘બ્રાહ્મણદેવ, પુત્રપ્રાપ્તિનો મોહ છોડી દો. કર્મની ગતિ ગહન છે, વિવેકનો આશ્રય લઈને સંસારનો મોહ ત્યજી દો. સાંભળો, તમારું કપાળ જોઈને મને લાગે છે કે તમને સાત જનમ સુધી પુત્રપ્રાપ્તિનો યોગ નથી. ભૂતકાળમાં સગર રાજાને તથા અંગ રાજાને સંતાનને કારણે બહુ દુઃખ ભોગવવા પડ્યાં હતાં. એટલે તમે પરિવારની આશા મૂકી દો. સંન્યાસી જીવનમાં જ બધા પ્રકારનું સુખ છે.’
બ્રાહ્મણે કહ્યું, ‘વિવેકને હું શું કરીશ? મને કોઈ પણ રીતે પુત્ર આપો નહીંતર તમારા દેખતાં જ હું શોકવિહ્વળ થઈ આત્મહત્યા કરીશ. જે સંન્યાસમાં સ્ત્રી અને પુત્રનું સુખ નથી એને હું શું કરીશ? પુત્ર-પૌત્રોથી ભરેલો ગૃહસ્થાશ્રમ જ ઉત્તમ છે.’
બ્રાહ્મણનો એવો આગ્રહ જોઈ તે સંન્યાસીએ કહ્યું, ‘વિધાતાના લેખ મિથ્યા કરવા જતાં ચિત્રકેતુ રાજાને ભારે મુસીબત વેઠવી પડી હતી. એટલે દૈવ જેના પુરુષાર્થને કચડી નાખે છે એવી વ્યક્તિને પુત્રથી પણ સુખ ન મળે. તમે તો હઠ લઈને બેઠા છો, અત્યારે હું તમને શું કહું?’
જ્યારે સંન્યાસીએ જોયું કે બ્રાહ્મણ પોતાની હઠ છોડતો જ નથી ત્યારે તેમણે એક ફળ તેને આપ્યું. ‘આ ફળ તમારી પત્નીને આપજો. એક પુત્ર એનાથી જન્મશે. તમારી પત્નીએ એક વરસ સુધી સત્ય, દયા, દાનના નિયમ પાળવા પડશે, એકટાણું કરવું પડશે. જો આમ કરશે તો એ બાળક પવિત્ર સ્વભાવનો થશે.’
આમ કહીને સંન્યાસી તો ચાલ્યા ગયા અને બ્રાહ્મણ ઘેર આવ્યો, પેલું ફળ પત્નીને આપી પોતે ક્યાંક ગયો. તેની પત્ની તો ખરાબ સ્વભાવની હતી, તે રડતાં રડતાં એક સખીને કહેવા લાગી, ‘મને તો બહુ ચિંતા થાય છે. હું આ ફળ નહીં ખાઉં. ફળ ખાવાથી હું સગર્ભા થઈશ, પેટ મોટું થઈ જશે. પછી ખવાશે નહીં, પીવાશે નહીં. મારી શક્તિ ઓછી થઈ જશે. ઘર કેવી રીતે ચાલશે, અને જો શુકદેવની જેમ ગર્ભ પેટમાં ને પેટમાં રહ્યો તો બહાર કેવી રીતે આવશે? અને જો પ્રસૂતિ વખતે ગર્ભ આડો થઈ ગયો તો તો મારું મૃત્યુ થશે. અને આમેય પ્રસૂતિની પીડા તો બહુ ભારે હોય છે, હું નાજુક નમણી, એ વેઠીશ કેવી રીતે? જો અશક્ત થઈ જઈશ તો નણંદ આવીને ઘરનું બધું લઈ જશે. અને મને આ સત્ય, શૌચના નિયમો તો ફાવવાના નહીં. જે સ્ત્રી બાળકને જન્મ આપે છે તેમને બાળકને ઉછેરવામાં કેટલી બધી આપત્તિઓ આવે છે! મને તો લાગે છે કે વાંઝણી કે વિધવા સ્ત્રીઓ જ સુખી હોય છે.’
મનમાં આવો વિચાર કરીને તેણે ફળ ન ખાધું, પતિએ પૂછ્યું ત્યારે કહ્યું, ‘હા, ખાઈ લીધું.’ એક દિવસ તેની બહેન તેને ત્યાં આવી. બધી વાત જણાવીને તે બોલી, ‘મારા મનમાં આ જ ચિંતા છે. એને કારણે હું દૂબળી પડી છું, હું શું કરું?’ બહેને કહ્યું, ‘જો મારા પેટમાં બાળક છે, પ્રસૂતિ થશે તો તને આપી દઈશ. ત્યાં સુધી તું ગર્ભવતીનો ઢોંગ કરતી ઘરમાં તું મારા પતિને થોડા પૈસા આપજે એટલે તે તને બાળક આપી દેશે. હું કહીશ કે બાળક છ મહિને મૃત્યુ પામ્યું. હું તારે ત્યાં આવીને બાળકને ઉછેરીશ. તું આ ફળની ખાત્રી કરવા આ ફળ ગાયને ખવડાવી દે.’ બ્રાહ્મણીએ પોતાની બહેને જે કહ્યું તે પ્રમાણે બધું કર્યું.
પછી જ્યારે તેની બહેનને પુત્ર જન્મ્યો ત્યારે ચુપચાપ તે ધુન્ધુલીને આપી દીધો. પછી તેણે પતિને કહ્યું કે સુખેથી મેં બાળકને જન્મ આપ્યો છે. તેમને ત્યાં પુત્રજન્મ થયો એ જાણીને બધા લોકોને આનંદ થયો. બ્રાહ્મણે બાળકના સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું, ત્યાં ગાયનવાદન, મંગળપ્રસંગો ઉજવાયા. ધુન્ધુલીએ પતિને કહ્યું, ‘મારી છાતીમાં દૂધ નથી તો પછી હું એને ઉછેરીશ કેવી રીતે? મારી બહેનને પણ પુત્રજન્મ થયો છે. તો હું તેને અહીં બોલાવી લાવું, એ મારા બાળકને ઉછેરશે.’ પુત્રના કલ્યાણ માટે આત્મદેવે તેની વાત માની લીધી અને માતાએ તેનું નામ ધુન્ધુકારી પાડ્યું.
હવે ત્રણ મહિને પેલી ગાયે પણ માનવબાળને જન્મ આપ્યો. તે સર્વાંગસુંદર, દિવ્ય, નિર્મલ અને કાંચનવર્ણો હતો. તેને જોઈને બ્રાહ્મણને આનંદ થયો, તેણે જાતે તે બાળકના જાતસંસ્કાર કર્યા. આ સમાચાર જાણીને બધા લોકોને પણ ખૂબ નવાઈ લાગી. બધા એ બાળકને જોવા આવ્યા. અંદર અંદર કહેવા લાગ્યા, જુઓ-જુઓ. આત્મદેવનો ભાગ્યોદય કેવો થયો છે. ગાયે પણ એક દિવ્ય બાળકને જન્મ આપ્યો છે. દૈવયોગે આ રહસ્યની વાત કોઈએ જાણી નહીં, આત્મદેવે ગાયના કાન જેવા તે બાળકના કાન જોઈ તેનું નામ ગોકર્ણ પાડ્યું.
પછી તો કાળક્રમે બંને યુવાન થઈ ગયા. ગોકર્ણ તો પંડિત અને જ્ઞાની થયો, પણ ધુન્ધુકારી તો દુષ્ટ નીકળ્યો. તેને બ્રાહ્મણોના કોઈ સંસ્કાર સ્પર્શ્યા નહીં, ખાણીપીણીનો કશો વિવેક ન રહ્યો. વારે વારે ક્રોધી થઈ જતો હતો. ખરાબ વસ્તુઓ સંઘરતો. મડદાને સ્પર્શેલું ભોજન પણ તે કરતો. બીજાઓને ત્યાં ચોરી કરતો, બધાનો દ્વેષ કરતો. છાનોમાનો લોકોનાં ઘરમાં આગ લગાડતો. બીજાં બાળકોને રમાડવાને બહાને લઈ જઈ પીટતો અને કૂવામાં નાખી દેતો હતો. તેને હિંસાનું વ્યસન થઈ ગયું હતું. ચોવીસે કલાક તેની પાસે અસ્ત્ર-શસ્ત્ર રહેતાં. અંધજનોને, દીનદુખિયાને નાહક હેરાન કર્યા કરતો. ચાંડાલોને તે ચાહતો હતો. હાથમાં ફંદા સાથે કૂતરા લઈને શિકારે જતો. વેશ્યાઓની માયામાં ફસાઈને પિતાની બધી સંપત્તિ ઉડાડી મારી. એક દિવસ માતાપિતાને મારીને ઘરનાં બધાં વાસણ લઈ ગયો. જ્યારે બધું ધન નાશ પામ્યું ત્યારે તેનો પિતા ખૂબ રડવા લાગ્યો. ‘આના કરતાં તો પત્ની વાંઝણી રહી હોત તો સારું. હવે હું ક્યાં જઉ? ક્યાં રહું? મારા આ દુઃખમાંથી મને કોણ છોડાવશે? મારા માથે તો દુઃખના પહાડ તૂટી પડ્યા છે. એક ને એક દિવસે મારે મરી જવું પડશે.’ તે જ વખતે ગોકર્ણ આવ્યા અને પિતાને વૈરાગ્યનો બોધ આપી બહુ સમજાવ્યા, ‘પિતાજી, આ સંસાર અસાર છે. તે દુઃખદાયક છે અને મોહમાં નાખે. પુત્ર કોનો? ધન કોનું? સ્નેહી પુરુષ રાતદિવસ દીવાની જેમ સળગે છે. ઇન્દ્રને પણ સુખ નથી અને ચક્રવર્તી રાજાને પણ સુખ નથી. સુખ માત્ર સંન્યાસીને છે. આ મારો પુત્ર છે એવું અજ્ઞાન દૂર કરો. મોહથી નરક સાંપડે છે. અને આ શરીર તો નાશવંત જ છે. એટલે બધું ત્યજીને તમે વનમાં જતા રહો.’
ગોકર્ણની વાત સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થઈ ગયો અને પુત્રને પૂછ્યું — વનમાં જઈને શું કરવું તે કહે. એટલે ગોકર્ણે તેમને ત્યાગ-વૈરાગ્યના બધા પાઠ ભણાવ્યા. પુત્રની વાણીથી પ્રભાવિત થઈ ઘરબાર ત્યજીને તે વનમાં ચાલ્યો ગયો. તે વેળા તેની ઉપર સાત વર્ષની થઈ હતી પણ બુદ્ધિમાં ભારે દૃઢતા હતી. રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરતો, ભાગવતના દશમસ્કંધનો પાઠ કરી તેણે શ્રીકૃષ્ણને પામી લીધા.
પિતા વનમાં ગયા એટલે એક દિવસ ધુન્ધુકારીએ માતાને ખૂબ મારી અને ‘ધન ક્યાં છે બતાવ’ કહ્યું. તેની ધમકીથી ડરી જઈને તથા પુત્રના ક્લેશોથી કંટાળી જઈને તે રાતે કૂવામાં પડી અને મૃત્યુ પામી. યોગનિષ્ઠ ગોકર્ણ તો તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. તેમને આ ઘટનાઓથી કોઈ સુખ દુઃખ ન થયું. તેમને ન કોઈ મિત્ર, ન કોઈ શત્રુ.
ધુન્ધુકારી પાંચ વેશ્યાઓને લઈને ઘરમાં રહેવા લાગ્યો. તેમને માટે ભોગસામગ્રી મેળવવામાં તેણે બુદ્ધિ ગુમાવી દીધી. અનેક ક્રૂરતા આચરવી પડી. એક દિવસે તે વેશ્યાઓએ તેની પાસે બહુ ઘરેણાં માગ્યાં. તે કામાંધ બની ગયો હતો. મૃત્યુનો કશો ભય ન હતો. એટલે ઘરેણાં લેવા નીકળી પડ્યો. આમથી તેમથી ઘણું ધન ચોરીને આવ્યો, તે સ્ત્રીઓને સુંદર વસ્ત્ર અને ઘરેણાં આપ્યાં. ચોરીની આવી ઘણી માલમત્તા જોઈને તે સ્ત્રીઓએ વિચાર્યું, ‘આ દરરોજ ચોરી કરે છે એટલે એક દિવસ તો રાજા તેને પકડી પાડશે. બધું ધન છિનવીને તેને મૃત્યુદંડ આપશે. હવે જો એક દિવસ તે મરવાનો જ છે તો આપણે જ આ ધનરક્ષા કરવા ગુપ્ત રીતે તેને મારી કાઢીએ તો- એને મારી નાખીને આ બધી માલમત્તા લઈને જતા રહીશું.’ પછી સૂતેલા ધુન્ધુકારીને દોરડે બાંધી, તેના ગળે દોરડાનો ફંદો નાખ્યો. પણ તે જલદી મૃત્યુ ન પામ્યો એટલે તેના મોઢા પર સળગતા અંગારા નાખ્યા, તે અગ્નિજ્વાળાઓને કારણે મૃત્યુ પામ્યો. તેના શરીરને તે સ્ત્રીઓએ એક ખાડામાં દાટી દીધું. સાચું કહ્યું છે સ્ત્રીઓ મોટે ભાગે સાહસિક હોય છે, તેમણે કરેલા આ સાહસની જાણ કોઈને ન થઈ. લોકો પૂછે ત્યારે કહેતી, ‘અમારો પ્રિયતમ ધન કમાવા ક્યાંક દૂર દૂર ગયો છે, આ વર્ષે જ પાછો આવશે.’ બુુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો ભરોસો નહીં કરવો, તેમની વાણી કામી પુરુષોના હૃદયમાં તો અમૃત સીંચે પણ તેમનું હૃદય છરાની ધાર જેવું. આ સ્ત્રીઓને તો વળી પ્રિય કોણ હોય?
એ વેશ્યાઓ ધુન્ધુકારીની બધી માલમિલકત લઈને જતી રહી, આવું તો ન જાણે કેટલાય સાથે થયું હશે. ધુન્ધુકારી પોતાનાં કુકર્મોને કારણે પ્રેત થયો. દસે દિશાઓમાં ભટકતો રહેતો, ઠંડી ગરમીથી, ભૂખ તરસથી ત્રસ્ત રહેતો. થોડા સમયે ગોકર્ણને ધુન્ધુકારીના મૃત્યુના સમાચાર મળ્યા. તેને અનાથ માનીને ગયામાં શ્રાદ્ધ કર્યું અને પછી તો જ્યાં જાય ત્યાં તેનું શ્રાદ્ધ કરતા.
આમ ફરતાં ફરતાં ગોકર્ણ વતનમાં આવ્યા અને રાતે બધાની નજરોથી બચીને ઘરનાં આંગણે સૂવા ગયા. પછી ભાઈને સૂતેલો જોઈ ધુન્ધુકારીએ પોતાનું ભયંકર રૂપ બતાવ્યું. ક્યારેક વરુ, ક્યારેક હાથી, ક્યારેક પાડો, ક્યારેક ઇન્દ્ર તો ક્યારેક અગ્નિ. છેલ્લે તે માનવરૂપે દેખાયો. તેની આવી અવસ્થાઓ જોઈ ગોકર્ણે માની લીધું કે અહીં કોઈ અવગતિયો જીવ છે.
ગોકર્ણે પૂછ્યું, ‘કોણ છે તું? રાતે આવાં ભયંકર રૂપ શા માટે દેખાડે છે? તારી આવી દશા કેમ કરીને થઈ? તું સાચું બોલ- તું પ્રેત છે, પિશાચ છે કે રાક્ષસ છે?’
ગોકર્ણે વારે વારે પૂછ્યું એટલે તે રડવા લાગ્યો, તેનામાં બોલવાની શક્તિ ન હતી, એટલે સંકેત કર્યો. પછી ગોકર્ણે જળની અંજલિ આપી એટલે તેનાં થોડાં પાપ શમ્યાં અને તે બોલ્યો,
‘હું તારો ભાઈ-ધુન્ધુકારી. મારા પોતાનાં કર્મે જ બ્રાહ્મણત્વ ગુમાવ્યું. મારાં કુકર્મ પાર વિનાનાં છે. મેં અજ્ઞાનવશ લોકોની હિંસા કરી, છેલ્લે કુલટાઓએ મને તડપાવી મારી નાખ્યો. હવે પ્રેત બનીને દુર્દશા ભોગવી રહ્યો છું. હું અત્યારે માત્ર વાયુભક્ષણ કરું છું. તું તો દયાનિધિ છે, મને આ પ્રેતયોનિમાંથી મુક્ત કર.’
ગોકર્ણે કહ્યું, ‘મને બહુ આશ્ચર્ય થાય છે. મેં વિધિપૂર્વક ગયામાં તારું પિંડદાન કર્યું. અને તો પણ તું પ્રેતદશામાંથી મુક્ત ન થયો. જો ગયાશ્રાદ્ધમાં તારી મુક્તિ ન થઈ તો હવે બીજો કયો ઉપાય, તું મને નિખાલસ બનીને કહે, હવે મારે શું કરવું જોઈએ?’
ધુન્ધુકારીએ કહ્યું, ‘મારી મુક્તિ ગયાશ્રાદ્ધથી નહીં થાય. બીજો કોઈ ઉપાય વિચાર.’
તેની આ વાત સાંભળીને ગોકર્ણને બહુ નવાઈ લાગી. ‘જો સેંકડો ગયાશ્રાદ્ધથી તારી મુક્તિ ન થાય તો તારી મુક્તિ નરી અસંભવ છે. તું હમણાં તો તારા સ્થાને રહે. પછી તારી મુક્તિ માટે કોઈ ઉપાય વિચારીશ.’
ગોકર્ણના કહેવાથી ધુન્ધુકારી પોતાના થાનકે જતો રહ્યો. ગોકર્ણે આખી રાત વિચાર્યું તો પણ કોઈ ઉપાય ન મળ્યો. સવારે તેને આવેલો જાણી બધા લોકો તેને મળવા આવ્યા. રાતે બનેલી ઘટના ગોકર્ણે બધાને કહી દીધી. જેઓ શાસ્ત્રોના જાણકાર હતા તેમને પણ કોઈ ઉપાય મળ્યો નહીં. બધાએ સૂર્ય નારાયણના માર્ગદર્શનનો વિચાર કર્યો. ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિ રોકી તેમની સ્તુતિ કરી. છેવટે સૂર્યદેવે તેમને શ્રીમદ્ભાગવતનું પારાયણ કરવા કહ્યું. એટલે ગોકર્ણે ભાગવતકથા કહેવાની તૈયારી કરી. દૂર દૂરથી લંગડાંલૂલાં, આંધળાં-બહેરાં, મૂરખ — બધાં કથા સાંભળવા આવ્યાં. ત્યાં એકત્ર થયેલી મેદનીથી દેવતાઓને પણ આશ્ચર્ય થયું. વ્યાસપીઠ પર બેસીને ગોકર્ણ જ્યારે કથા કરતા હતા ત્યારે પેલો પ્રેત પણ આવ્યો, તે પોતાને બેસવા માટેની જગા શોધવા લાગ્યો. પછી તેની નજર એક સીધા મૂકેલા સાત ગાંઠવાળા વાંસ પર પડી. તે વાંસના નીચલા ભાગના છિદ્રમાંથી પ્રવેશ્યો, વાયુરૂપ હોવાને કારણે તે બહાર બેસી શકતો ન હતો.
ગોકર્ણે એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવી કથા સંભળાવા માંડી. સાંજે જ્યારે કથા અટકાવી ત્યારે બધા શ્રોતાના દેખતાં જ વાંસની એક ગાંઠ ફાટી અને એમ કરતાં કરતાં બીજે દિવસે, ત્રીજે દિવસે, સાતમે દિવસે બધી ગાંઠ ફાટી ગઈ અને સાત દિવસમાં સાત ગાંઠ ફાડીને ધુન્ધુકારી પ્રેતદશામાંથી મુક્ત થયો અને દિવ્ય રૂપે બધા સમક્ષ પ્રગટ થયો. ઘનશ્યામ શરીર, પીતાંબર, તુલસીમાલા, માથે મુકુટ, કાને કુંડળ-પછી ગોકર્ણને પ્રણામ કરી બોલ્યો, ‘ભાઈ, તેં મને છોડાવ્યો, ભાગવતકથા કહી, અને સાથે બધાની આગળ ભાગવત મહિમા સંભળાવ્યો.’
આ બધી વાતો ચાલતી હતી ત્યારે વૈકુંઠવાસી પાર્ષદોને લઈને એક વિમાન આવ્યું અને ધુન્ધુકારી એમાં બેસી ગયો. ત્યારે ગોકર્ણે પૂછ્યું, ‘આ એક જ વિમાન કેમ? આ બધા શ્રોતાઓ માટે કેમ નહીં?’
એટલે પાર્ષદોએ કહ્યું, ‘કથા એ બધાએ સાંભળી પણ ધુન્ધુકારીએ તો ખાધાપીધા વિના કથા સાંભળી, અને એકાગ્રચિત્તે સાંભળી. મન આમતેમ ભટકતું હોય તો કથાશ્રવણ અર્થહીન બની રહે. તમને તો ભગવાન જાતે આવીને ગોલોકમાં લઈ જશે.’
પછી તો ફરી ગોકર્ણે કથા કહી અને કથા પૂરી થઈ એટલે ભગવાન વિમાન લઈને આવ્યા, ગોકર્ણને પોતાના જેવો બનાવી દીધો, ત્યાં જેટલા જીવ હતા બધાને વિમાનો પર ચઢાવ્યા. ભગવાન ગોકર્ણને લઈને ગોલોકમાં ગયા.
(શ્રીમદ્ભાગવત્ અધ્યાય ૪થી૬)
ધ્રુવકથા
મહારાણી શતરૂપા અને તેના પતિ મનુના બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ભગવાન વાસુદેવની કલામાંથી ઉત્પન્ન થયેલા હોવાથી આ બંને સંસારની રક્ષા કરતા હતા. ઉત્તાનપાદને બે રાણીઓ સુનીતિ અને સુરુચિ. સુરુચિ રાજાને વિશેષ પ્રિય હતી, ધ્રુવની માતા સુનીતિ રાજાને અળખામણી હતી.
એક દિવસ ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડી વહાલ કરતા હતા, ત્યારે ધ્રુવને પણ ખોળામાં બેસવાનું મન થયું. રાજાએ તેને બોલાવ્યો નહીં; અભિમાની સુરુચિએ મહારાજના ખોળામાં બેસવા માગતા પોતાની શોક્યના પુત્ર ધ્રુવને રાજાના દેખતાં કહ્યું, ‘બાળક, તું રાજસિંહાસન પર બેસવાનો અધિકારી નથી. તું રાજાનો પુત્ર છે તેથી શું? તું મારા પેટે તો જન્મ્યો નથી. તું નાદાન છે. તને ખબર નથી — તેં બીજી સ્ત્રીના પેટે જનમ લીધો છે. અને તું આ દુર્લભ વસ્તુની ઇચ્છા કરે છે. જો તારે રાજસિંહાસન જોઈતું હોય તો તપ કરી પરમ પુરુષ વિષ્ણુની આરાધના કર, તેમની કૃપાથી મારા પેટે જનમ લે.’
જેવી રીતે લાકડીના પ્રહારથી સાપ ફૂંફાડા મારે તેવી રીતે સાવકી માનાં કઠોર વાક્યોથી ઘવાઈને ધુ્રવ ક્રોધે ભરાયો ને દીર્ઘ શ્વાસ લેવા લાગ્યો. તેના પિતા મૂગા રહીને આ બધું જોતા રહ્યા અને એકે શબ્દ બોલ્યા નહીં; ત્યારે પિતા પાસેથી ધ્રુવ મા પાસે આવ્યો. તેના હોઠ ફફડી રહ્યા હતા અને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો હતો. સુનીતિએ પુત્રને ખોળામાં લીધો. જ્યારે મહેલના બીજા લોકો પાસેથી પોતાની શોક્ય સુરુચિએ કહેલી વાતો સાંભળી ત્યારે તેને બહુ દુઃખ થયું. તેની ધીરજ ખૂટી ગઈ. દાવાનળથી સળગેલી વેલની જેમ શોકસંતપ્ત થઈને તે કરમાઈ ગઈ અને રડવા લાગી. શોક્યની વાતો યાદ આવવાથી તેનાં કમળ જેવાં નેત્રોમાં આંસુ આવ્યાં. તે બિચારીને પોતાના દુઃખનો છેડો ક્યાંય દેખાયો નહીં; તેણે ઊંડો શ્વાસ લઈને ધ્રુવને કહ્યું, ‘દીકરા, તું બીજાને માટે કોઈ પ્રકારના અમંગલની ઇચ્છા ન કર. જે બીજાને દુઃખી કરે છે તેણે તેનું ફળ ભોગવવું જ પડે છે. સુરુચિએ જે કહ્યું તે યોગ્ય જ છે. મહારાજને તો મારો સ્વીકાર પત્ની તો શું દાસી તરીકે કરવામાં શરમ આવે છે. તેં મારા જેવી અભાગિનીના પેટે જનમ લીધો છે, મારા જ દૂધે તું ઊછર્યો છે. સુરુચિએ સાવકી મા હોવા છતાં વાત સાચી કરી છે, જો રાજકુમાર ઉત્તમની જેમ રાજસિંહાસન પર તું બેસવા માગતો હોય તો દ્વેષભાવ ત્યજીને તેનું પાલન કર. તું ભગવાનના ચરણકમળનું સેવન કર. સંસારનું પાલન કરવા સત્ત્વગુણનો સ્વીકાર કરનારા હરિના ચરણોનુંસેવન કરવાથી જ તારા પરદાદા બ્રહ્માને આ સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત થયું હતું. એ જ રીતે તારા દાદા મનુએ પણ વિપુલ દક્ષિણાઓવાળા યજ્ઞ કરીને અનન્ય ભાવે તે ભગવાનની સ્તુતિ કરી હતી, ત્યારે તેમને બીજાઓ માટે અતિ દુર્લભ, લૌકિક, અલૌકિક મોક્ષ પ્રાપ્ત થયો. દીકરા, તું પણ એ ભક્તવત્સલ ભગવાનનો આશ્રય લે. જન્મમૃત્યુના ફેરામાંથી છૂટવા માગતા મુમુક્ષુઓ હમેશા તેમના ચરણકમળનો માર્ગ શોધે છે. તું સ્વધર્મપાલનથી પવિત્ર થયેલા તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનને સ્થાન આપ, બીજી બધી ચિંતાઓ મૂકીને તું માત્ર ભગવાનનું ભજન કર. તે કમળલોચન ભગવાન સિવાય તારાં દુઃખ દૂર કરનાર મને તો કોઈ દેખાતો નથી. જો, જેમને પ્રસન્ન કરવા બ્રહ્મા વગેરે દેવતાઓ મથ્યા કરે છે, લક્ષ્મીજી પણ દીપકની જેમ હાથમાં કમળ લઈને નિરંતર તે જ શ્રીહરિની શોધ કરે છે.’
સુનીતિએ કહેલી વાત ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવનારી હતી, તે સાંભળીને ધ્રુવે બુદ્ધિ વડે પોતાના ચિત્તનું સમાધાન કર્યું. પછીથી તે નગર બહાર નીકળી પડ્યો. આ બધી વાર્તા જાણીને અને હવે ધ્રુવ શું કરવા માગે છે તે જાણવા નારદજી ત્યાં આવ્યા. ધ્રુવના મસ્તક પર પોતાનો પાપનાશક હાથ ફેરવીને મનોમન વિસ્મિત થઈને કહ્યું, ‘ક્ષત્રિયોનું તેજ કેવું તો અદ્ભુત છે. જરાય માનભંગ તેઓ વેઠી શકતા નથી. આ ધ્રુવ તો બાળક છે તો પણ સાવકી માની કડવી વાતો હૃદયમાં ઊંડે પેસી ગઈ છે.
નારદે ધ્રુવને કહ્યું, ‘દીકરા, હજુ તો તું બાળક છે, રમતગમતમાં મસ્ત રહેવાનું હોય, આ વયે કોઈ વાતે તારું સમ્માન કે અપમાન થાય તે હું સમજી નથી શક્તો. જો તારા મનમાં માન-અપમાનનો વિચાર જ હોય તો પુત્ર, મૂળમાં મનુષ્યના અસંતોષનું કારણ મોહ સિવાય કશું જ નથી. સંસારમાં મનુષ્ય પોતાના કર્માનુસાર જ માનઅપમાન, સુખદુઃખ પામે છે. ભગવાનની ગતિ બહુ વિચિત્ર છે. એના પર વિચાર કરીને બુદ્ધિશાળી વ્યક્તિએ માનવું જોઈએ કે દૈવવશાત્ જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. હવે માતાની વાત માનીને તું યોગસાધના દ્વારા ભગવાનની જે કૃપા પામવા તું તૈયાર થયો છે તે મારા માનવા પ્રમાણે સામાન્ય માનવીઓ માટે બહુ કઠિન છે. યોગીજનો અનેક જન્મો સુધી અનાસક્ત રહીને સમાધિયોગ દ્વારા મોટી મોટી કઠોર સાધનાઓ કર્યા કરે છે, અને છતાં તેમને ભગવાન મળતા નથી. એટલે તું આ બાળહઠ છોડી દે અને ઘેર પાછો જતો રહે. મોટા થયા પછી જ્યારે પરમાર્થ સાધનાનો સમય આવે ત્યારે એને માટે પ્રયત્ન કરજે. વિધાતાના લેખ પ્રમાણે જે કંઈ સુખદુઃખ પ્રાપ્ત થાય તેનાથી સંતોષ માની લેવો. આમ કરનાર માનવી મોહમય સંસારને તરી જાય છે. પોતાનાથી વધારે ગુણવાનને જોઈ પ્રસન્ન થવું જોઈએ, જે ઓછો ગુણવાન હોય તેના પર દયા કરવી જોઈએ, જે પોતાના જેવા જ ગુણવાળો હોય તેની સાથે મૈત્રીભાવ રાખવો જોઈએ. આમ કરવાથી ક્યારેય દુઃખી નહીં થાય.’
ધ્રુવે કહ્યું, ‘ભગવાન્, જેમનાં મન સુખદુઃખે ચંચળ થઈ જાય છે, તેમને માટે તમે બતાવેલો શાંતિનો માર્ગ બહુ યોગ્ય છે. પરંતુ મારા જેવા અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. વળી ક્ષત્રિય સ્વભાવનો હું છું. એટલે મારામાં વિનયનો અભાવ છે. સુરુચિએ કડવાં વાક્યોથી મારા હૃદયને વીંધી નાખ્યું છે. એટલે તમારા ઉપદેશની કશી અસર મારા પર નથી થતી. તેમાં તમારો ઉપદેશ બંધ બેસતો નથી. ત્રણે લોકમાં જે સ્થાન સર્વશ્રેષ્ઠ છે તે હું માગું છું, જે સ્થાન મારા બાપદાદા — બીજા કોઈ પામી શક્યા નથી. તેની પ્રાપ્તિનો મને કોઈ બીજો સારો માર્ગ બતાવો. તમે બ્રહ્માના પુત્ર છો, સંસારના ભલા માટે વીણા વગાડતાં વગાડતાં સૂર્યની જેમ ત્રણે લોકમાં સંચરો છો.’
ધ્રુવની વાત સાંભળીને ભગવાન નારદ પ્રસન્ન થયા અને તેના પર કૃપા કરીને તેમણે ઉપદેશ આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રજાપ શીખવ્યો.
નારદ પાસેથી આવો ઉપદેશ પામીને રાજકુમાર ધ્રુવે તેમની પ્રદક્ષિણા કરી તેમને પ્રણામ કર્યાં. ધ્રુવ તપોવનની દિશામાં ચાલી નીકળ્યો. એટલે નારદ ઉત્તાનપાદના મહેલમાં જઈ પહોંચ્યા. રાજાએ વિધિવત્ તેમની પૂજા કરી, પછી આરામથી આસન પર વિરાજીને રાજાને કહ્યું,‘ રાજન્, તમારું મોં ઉદાસ છે. તમે ક્યા વિચારોમાં ખોવાઈ ગયા છો? તમારા ધર્મ, અર્થ, કામમાંથી કોઈમાં ઊણપ તો નથી આવી ને?’
રાજાએ કહ્યું, ‘બ્રહ્મન્, હું ખૂબ જ સ્ત્રૈણ અને નિર્દય છું. મેં પાંચ વર્ષના બાળકને અને તેની માતાને ઘરની બહાર કાઢી મૂક્યા. તે બાળક બહુ બુદ્ધિશાળી હતો. તે બાળકનું કમળ સરખું મોં કરમાઈ ગયું હશે, થાકીને રસ્તામાં ક્યાંક પડી ગયો હશે. અસહાય બાળકને વનમાં ક્યાંક વાઘવરુ ખાઈ ન ગયા હોય. અરે, હું સ્ત્રીનો કેવો દાસ છું, તે બાળક પ્રેમપૂર્વક મારા ખોળામાં બેસવા માગતો હતો, પરંતુ મારા જેવા દુષ્ટે તેને જરાય આવકાર્યો નહીં.’
નારદે કહ્યું, ‘રાજન્, તમે એ બાળકની ચિંતા ન કરો, તેનું રક્ષણ ભગવાન કરે છે તમને તેમના પ્રભાવનો અંદાજ નથી, તેનો યશ જગતમાં ચારે કોર ફેલાઈ રહ્યો છે. તે બાળક બહુ સમર્થ છે. જે કાર્ય મોટા મોટા લોકપાલો કરી નથી શક્યા તે પૂરાં કરીને બહુ જલદી તમારી પાસે આવી જશે, તેને કારણે તમારી કીર્તિ પણ ફેલાશે.’
દેવર્ષિ નારદજીની વાત સાંભળીને મહારાજ ઉત્તાનપાદ રાજપાટ પ્રત્યે બેધ્યાન રહી નિરંતર પુત્રની ચિંતા કરવા લાગ્યા. આ બાજુ ધ્રુવે મધુવન પહોંચીને યમુનાજીમાં સ્નાન કર્યું અને તે રાતે પવિત્રતાપૂર્વક ઉપવાસ કરી નારદજીના ઉપદેશ પ્રમાણે શરીર ટકાવવા માત્ર કોઠા અને બોર ખાઈને ભગવાનનું ધ્યાન ધરી એક મહિનો વીતાવ્યો. બીજા મહિને છ છ દિવસે સૂકું ઘાસ અને પાંદડાં ખાઈને ભગવાનનું ભજન કર્યું. ત્રીજો મહિનો નવ નવ દિવસે માત્ર પાણી પીને સમાધિયોગ દ્વારા શ્રી હરિની આરાધના કરીને વીતાવ્યો. ચોથા મહિને શ્વાસ પર વિજય મેળવીને બાર બાર દિવસે માત્ર વાયુ પીને ધ્યાનયોગ દ્વારા ભગવાનનું તપ કર્યું. પાંચમા મહિને ધ્રુવ શ્વાસ પર વિજય મેળવીને પરબ્રહ્મનું ધ્યાન ધરીને એક પગ ઉપર થાંભલાની જેમ નિશ્ચલ રહી ઊભા રહી ગયા. એ સમયે તેમણે શબ્દાદિ વિષય અને ઇન્દ્રિયના નિયામક મનને બધી બાજુથી ખેંચી લીધું અને હૃદયમાં બિરાજેલા ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરીને ચિત્તને બીજે ક્યાંય ભટકવા ન દીધું. જે સમયે તેમણે સંપૂર્ણ તત્ત્વોના આધાર તથા પ્રકૃતિ પુરુષના અધીશ્વર, પરબ્રહ્મની આરાધના કરી ત્યારે ત્રણે લોક કાંપી ઊઠ્યા. જ્યારે રાજકુમાર ધ્રુવ એક પગ પર ઊભા રહ્યા ત્યારે તે પોતાની ઇન્દ્રિયોને તથા પ્રાણોને અટકાવીને અનન્યભાવે શ્રીહરિનું ધ્યાન ધરતા બેઠા. તેમના અંગૂઠાના ભારથી અર્ધી પૃથ્વી દબાઈ ગઈ. જેવી રીતે ગજરાજ નાવ પર ચઢે ત્યારે નાવ ડાબેજમણે ડોલવા લાગે છે તેવી રીતે તેમની પ્રાણથી અભિન્ન કાયાને કારણે બધા જ જીવોનો શ્વાસ રોકાઈ ગયો. આને કારણે સમસ્ત લોક તથા લોકપાલોને બહુ પીડા થઈ, તેઓ ભય પામીને ભગવાન પાસે ગયા.
દેવતાઓએ કહ્યું, ‘ભગવન્, સમસ્ત વ્યવહાર, જંગલ જીવોના પ્રાણ એક સાથે રોકાઈ ગયા છે. આવું તો પહેલાં કદી અનુભવ્યું ન હતું. તમે શરણાગતોનું રક્ષણ કરનારા છો. તમારી શરણે આવેલાઓને આ દુઃખમાંથી છોડાવો.’
ભગવાને કહ્યું, ‘દેવતાઓ, ગભરાશો નહીં; ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે પોતાના ચિત્તને મારામાં લીન કરી દીધું છે. અત્યારે મારી સાથે તેનો અભેદ સિદ્ધ થયો છે એટલે તેના પ્રાણનિરોધથી તમારા બધાના પ્રાણ પણ રોકાઈ ગયા છે. હવે તમે પોતપોતાના લોકમાં જાઓ. હું આ બાળકને આ દુષ્કર તપમાંથી મુક્ત કરાવું છું.’
ભગવાને આવું આશ્વાસન આપ્યું એટલે દેવતાઓ નિર્ભય થઈ ગયા. તે ભગવાનને પ્રણામ કરીને સ્વર્ગલોકમાં જતા રહ્યા. પછી વિરાટસ્વરૂપ ભગવાન ગરુડ પર ચઢીને પોતાના ભક્તને જોવા મધુવન આવ્યા. તે સમયે ધ્રુવ તીવ્ર યોગાભ્યાસથી એકાગ્ર થયેલી બુદ્ધિ વડે ભગવાનની વિદ્યુત સમાન દેદીપ્યમાન જે મૂર્તિનું ધ્યાન ધરી રહ્યા હતા તે મૂર્તિ એકાએક અદૃશ્ય થઈ ગઈ. આનાથી ભય પામીને ધ્રુવે આંખો ઉઘાડી તો ભગવાનનું એ જ રૂપ સામે દેખાયું. ભગવાનનાં દર્શનથી બાળક ધ્રુવને ખૂબ નવાઈ લાગી. તે પ્રેમમાં અધીરા થઈ ગયા. તેમણે પૃથ્વી પર આડા પડીને દંડવત્ પ્રણામ કર્યા. તે પ્રેમપૂર્વક જાણે તેમને પી જવા માગતા હોય મોં વડે ચૂમવા અને બાહુમાં સમાવી દેવા તેમ જોવા લાગ્યા. તે હાથ જોડીને ભગવાન સામે ઊભા હતા, તેમની સ્તુતિ કરવા માગતા હતા પણ કેવી રીતે કરવી તે જાણતા ન હતા. અન્તર્યામી ભગવાન આ વાત જાણી ગયા. તેમણે કૃપા કરીને વેદમય શંખનો બાળકના ગાલને સ્પર્શ કર્યો. ધ્રુવજી ભવિષ્યમાં અવિચલ પદ પામવાના હતા. આ સમયે શંખનો સ્પર્શ થવાથી તેમને વેદમય દિવ્યવાણી પ્રાપ્ત થઈ ગઈ અને જીવ તથા બ્રહ્મનું સ્વરૂપ પણ સમજાઈ ગયું. તે ખૂબ જ ભક્તિભાવથી ધૈર્યપૂર્વક વિશ્વવિખ્યાત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા…
ભગવાને કહ્યું, ‘ઉત્તમ વ્રતધારી રાજકુમાર, હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું. જે તેજોમય અવિનાશી લોકને આજ સુધી કોઈએ પ્રાપ્ત નથી કર્યો, જેની ચારે બાજુ ગ્રહ, નક્ષત્ર તારાગણો ઘૂમે છે, અવાન્તર કલ્પપર્યંત રહેનારા બીજા લોકનો નાશ થાય તો પણ જે સ્થિર રહે છે અને તારાગણ સમેત ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર વગેરે નક્ષત્ર, સપ્તર્ષિઓ જેની પ્રદક્ષિણા કરે છે તે ધ્રુવ લોક તને અર્પંુ છું. જ્યારે તારા પિતા રાજ્યસિંહાસન તને આપીને વનમાં જશે ત્યારે તું છત્રીસ હજાર વર્ષ સુધી ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરીશ. તારી ઇન્દ્રિયોની શક્તિ એવી જ રહેશે, ક્યારેક તારો ભાઈ ઉત્તમ મૃગયા રમતો માર્યો જશે, તેની મા સુરુચિ પુત્રપ્રેમમાં પાગલ થઈ દાવાનલમાં પ્રવેશશે. યજ્ઞ મારી પ્રિય મૂર્તિ છે. તું મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા મારી પૂજા કરીશ અને અહીં ઉત્તમ ભોગ ભોગવીને અંતે મારું સ્મરણ કરીશ. પછી તું છેવટે સપ્તર્ષિઓથી પણ ઉપર મારા ધામમાં જઈશ, ત્યાંથી પછી આ સંસારમાં પાછા ફરવાનું હોતું નથી.’
બાળક ધ્રુવની આવી પૂજા પામીને તથા તેને પોતાનું પદ અર્પીને ભગવાન ગરુડધ્વજ તેના દેખતાં પોતાના લોકમાં જતા રહ્યા. ભગવાનની ચરણસેવાથી લક્ષ્ય પામવા જતાં તેમનું ચિત્ત ઝાઝું પ્રસન્ન ન થયું અને તે પોતાના નગરમાં પાછા ફર્યા.
ધ્રુવનું હૃદય પોતાની સાવકી માનાં વચનોથી ઘવાયું હતું. વરદાન માગતી વખતે પણ તે વાતનું સ્મરણ તેમને હતું. એટલે ભગવાન પાસે મુક્તિ ન માગી. ભગવાનના દર્શનથી એ મલિનતા દૂર થઈ ગઈ. અને હવે પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો.
ધ્રુવ મનોમન બોલવા લાગ્યા, ‘અરે, સનક જેવા ઊર્ધ્વરેતા સિદ્ધ જેને સમાધિ દ્વારા અનેક જન્મોને અંતે પામે છે તે ભગવાનની છાયાને મેં છ જ મહિનામાં પામી લીધી. પણ ચિત્તમાં બીજી વાસના હોવાથી હું ફરી દૂર જતો રહ્યો. મારા જેવા મંદભાગીની મૂર્ખતાએ કદી સંસારનાં બંધનોને કાપનારા ભગવાનના ચરણકમળમાં પહોંચ્યા પછી પણ નાશવંત વસ્તુની જ યાચના કરી. સ્વર્ગભોગ પછી દેવતાઓ પણ નીચે પડવાના. તેઓ મારી ભગવત્ પ્રાપ્તિની સ્થિતિ સહી ન શક્યા. તેમણે મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી. એટલે તે મેં દુષ્ટ નારદજીની વાત ન સ્વીકારી. સંસારમાં આત્મા સિવાય કશું નથી — જેવી રીતે ઊંઘતો માનવી સ્વપ્નમાં પોતાના જ કલ્પેલા વાઘથી ડરે છે, તેવી રીતે મેં ભગવાનની માયાથી મોહિત થઈને ભાઈને શત્રુ માની લીધો, દ્વેષથી બળવા લાગ્યો. જેમને પ્રસન્ન કરવા ખૂબ મુશ્કેલ છે તે વિશ્વાત્મા ભગવાનને તપથી પ્રસન્ન કરીને મેં જે માગ્યું તે બધું વ્યર્થ. હું દુર્ભાગી છું, સંસારબંધનનો નાશ કરનાર ભગવાન પાસે સંસાર જ માગ્યો. જેવી રીતે કોઈ કંગાળ ચક્રવર્તી સમ્રાટને પ્રસન્ન કરીને તેની પાસે ચોખાના કણ માગે એવી જ રીતે આત્માનંદ પ્રદાન કરનારા શ્રીહરિ પાસે મૂર્ખની જેમ વ્યર્થનું અભિમાન વધારનારાં ઉચ્ચ પદ માગ્યાં.’
આ તરફ રાજા ઉત્તાનપાદને સમાચાર મળ્યા કે મારો પુત્ર ધ્રુવ ઘેર પાછો આવી રહ્યો છે. જેવી રીતે મૃત્યુ પામીને ધરતી પર પાછો આવ્યો એવા સમાચાર કોઈ સાચા ન માને તેમ આ વાત સાચી ન માની. તેમને થયું — મારા જેવા દુર્ભાગીનું આવું ભાગ્ય ક્યાંથી? તેમને નારદની વાત યાદ આવી. એટલે તેમને એ સમાચાર સાચા લાગ્યા અને આનંદમાં અધીરા થઈ ઊઠ્યા. પ્રસન્ન થઈને સમાચાર લાવનારને હાર ભેટ આપ્યો. રાજા ઉત્તાનપાદે પુત્રનું મોં જોવા ઉત્સુક થઈને ઘણા બ્રાહ્મણો, કુટુંબના વડીલો, મંત્રીઓ, બંધુજનોને સાથે લીધા અને ઉત્તમ ઘોડા જોડેલા એક સુવર્ણજડિત રથ પર સવાર થઈને નગરબહાર નીકળ્યા. તેમની આગળ આગળ વેદસ્તુતિ થતી હતી. અને શંખ-દુંદુભિ વાગતા હતા. સુનીતિ અને સુરુચિ પણ સુવર્ણાલંકારોથી શોભતી રાજકુમાર ઉત્તમની સાથે પાલખીઓમાં પસાર થઈ રહી હતી. ધ્રુવ ઉપવન પાસે આવી પહોંચ્યા, તેમને જોતાંવેંત રાજા રથમાંથી ઊતરી પડ્યા. પુત્રનું મોં જોવા ઘણા દિવસોથી આતુર હતા. તરત જ આગળ આવીને પ્રેમાતુર થઈ, દીર્ઘ શ્વાસ લઈને ધ્રુવને ભેટી પડ્યા. હવે તે પહેલાંના ધ્રુવ ન હતા. ભગવાનના પવિત્ર ચરણકમળનો સ્પર્શ થવાથી તેમનાં સઘળાં પાપબંધન કપાઈ ગયાં હતાં. તેમણે વારેવારે પુત્રનું મસ્તક સૂંઘ્યું અને આનંદાશ્રુ્રથી તેને નવડાવી દીધો.
પછી સજ્જનોમાં અગ્રણી ધુ્રવે પિતાના ચરણોમાં પ્રણામ કર્યા, તેમના આશીર્વાદ પામીને, ખબરઅંતર જાણીને બંને માતાઓને પ્રણામ કર્યાં. નાની માતા સુરુચિએ પગે પડેલા ધ્રુવને ઊભો કરી હૃદયસરસો ચાંપ્યો. અશ્રુભીની વાણીથી ‘ચિરંજીવી રહે’ એવો આશીર્વાદ આપ્યો. જેવી રીતે પાણી નીચે તરરૂ વહે છે તેવી રીતે મૈત્રી વગેરે ગુણોથી ભગવાન જેના પર પ્રસન્ન થાય છે તેની આગળ બધા જીવ ઝૂકી પડે છે. ઉત્તમ અને ધ્રુવ પ્રેમથી વિહ્વળ બનીને ભેટ્યા. ધ્રુવની માતા સુનીતિ પ્રાણથીય વહાલા પુત્રને ગળે લગાડીને બધાં દુઃખ ભૂલી ગઈ. ધ્રુવના કોમળ અંગનો સ્પર્શ કરીને તેને ખૂબ આનંદ થયો. તેનાં સ્તન આનંદાશ્રુથી ભીંજાઈ ગયાં અને તેમાંથી વારેવારે દૂધ ઝરવા લાગ્યું. તે સમયે નગરજનો તેમની પ્રશંસા કરીને કહેવા લાગ્યા, ‘મહારાણી, તમારો પુત્ર બહુ દિવસથી ખોવાયેલો હતો, સૌભાગ્યથી તે પાછો આવ્યો છે, તે અમારા બધાનાં દુઃખ દૂર કરશે. તમે ભગવાનની પ્રાર્થના કરી છે. તેમનું નિરંતર ધ્યાન ધરનાર પુરુષ દુર્જય મૃત્યુ પર પણ વિજય મેળવે છે.’
આમ જ્યારે બધા લોકો ધ્રુવ પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કરી રહ્યા હતા ત્યારે ઉત્તમ સહિત હાથી પર બેસીને ઉત્તાનપાદે નગરમાં પ્રવેશ કર્યો. બધા લોકો તેમના ભાગ્યની પ્રશંસા કરી રહ્યા હતા. નગરમાં ઠેર ઠેર મગર આકારનાં દ્વાર બનાવ્યાં હતાં, ફળફૂલના ગુચ્છા સમેત કદલીથંભો અને સોપારીના છોડ સજાવ્યા હતા. બારણે બારણે દીવા સાથે જળભરેલા કળશ મૂક્યા હતા, અને તે આમ્રપર્ણ, વસ્ત્ર, પુષ્પમાલા, મોતીઓની સેરોથી સુસજ્જ હતા. અનેક પ્રાકાર, ગોપુર, મહેલોથી નગરી સુશોભિત હતી, તે બધાંને સુવર્ણમંડિત કર્યા હતાં. તેઓની ટોચ વિમાનોના શિખરની જેમ ચમકતી હતી. નગરના ચોક, શેરીઓ, અટારીઓ અને માર્ગોને વાળીઝૂડીને સાફ કરી તેના પર ચંદનનો છંટકાવ કર્યો હતો. ઠેર ઠેર લાજાહોમ, અક્ષત, પુષ્પ, ફળ તથા બીજી માંગલિક સામગ્રી મૂકી હતી. તે સમયે ધ્રુવ રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા, નગરની સ્ત્રીઓ તેમને જોવા માટે એકઠી થઈ હતી. તેમણે વાત્સલ્યપૂર્વક ઘણા આશીર્વાદ આપીને તેમના પર સરસવ, અક્ષત, દહીં, જલ, દુર્વા, પુષ્પ અને ફળની વર્ષા કરી. તેમનાં મનોહર ગીત સાંભળતાં સાંભળતાં ધ્રુવે પિતાના ભવનમાં પ્રવેશ કર્યો. તે ઉત્તમ ભવન મહામૂલ્ય મણિની સેરોથી સજ્જ હતું. જેમ સ્વર્ગમાં દેવતાઓ રહે છે તેમ તેમાં પિતાના લાડને ભોગવતા રહેવા લાગ્યા. ત્યાં દૂધના ફીણના જેવી સફેદ, સુંવાળી પથારીઓ, હાથીદાંતના પલંગ, સોનેરી પડદા, કિમતી આસન તથા બીજી સુવર્ણમય સામગ્રી હતી. તેની સ્ફટિક અને મહામરકતમણિની દીવાલોનાં રત્નોની સ્ત્રીમૂર્તિઓ પર મૂકેલા મણિમય દીપક ઝગમગતા હતા. તે મહેલની ચોતરફ અનેક પ્રકારનાં દિવ્ય વૃક્ષોવાળા ઉદ્યાન હતા. તેમાં નર-માદા પક્ષીઓનું કૂજન, ભ્રમરોનું ગુંજન થતું હતું. ત્યાં ઉદ્યાનોમાં વૈડૂર્યમણિનાં પગથિયાંવાળી વાવ હતી. તેમાં રાતાં, ભૂરાં, શ્વેત કમળ હતાં. હંસ, કારંડવ, ચક્રવાક, સારસ જેવાં પક્ષી ક્રીડા કરતાં હતાં.
રાજર્ષિ ઉત્તાનપાદે પોતાના પુત્રના પ્રભાવની વાત દેવર્ષિ નારદ પાસેથી પહેલેથી જ સાંભળેલી હતી, હવે તેને પ્રત્યક્ષ જોઈને તેમને ખૂબ અચરજ થયું. હવે ધ્રુવ તરુણ અવસ્થાને પામ્યો છે. મંત્રીઓ તેને આદરભાવથી જુએ છે, પ્રજા પણ તેનામાં અનુરક્ત છે તે જોઈને તેમણે ધ્રુવનો નિખિલ ભૂમંડલના રાજ્ય પર અભિષેક કરી દીધો અને વૃદ્ધાવસ્થા આવી એમ જાણીને સંસારથી વિરક્ત થઈને વનમાં જતા રહ્યા.
ધ્રુવે પ્રજાપતિ શિશુમાર પુત્રી ભ્રમિ સાથે લગ્ન કર્યું અને તેનાથી કલ્પ અને વત્સર નામના બે પુત્ર જન્મ્યા. મહાબલી ધ્રુવની બીજી પત્ની ઇલા હતી, તેનાથી ઉત્કલ પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો. ઉત્તમનો હજુ વિવાહ થયો ન હતો, એક દિવસ મૃગયા રમતી વખતે હિમાલય પર્વત પર એક બળવાન યક્ષે તેને મારી નાખ્યો. તેની સાથે તેની મા પણ મૃત્યુ પામી.
ધ્રુવે જ્યારે ભાઈના મૃત્યુના સમાચાર જાણ્યા ત્યારે ક્રોધ, ઉદ્વેગ અને શોકથી ઘેરાઈને તે એક વિજયપ્રદ રથ પર સવાર થઈ યક્ષોના પ્રદેશમાં જઈ પહોંચ્યા. તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીમાં યક્ષોથી ઘેરાયેલી અલકાનગરી જોઈ. ત્યાં અનેક ભૂતપ્રેત પિશાચ વગેરે રુદ્રના અનુચરો રહેતા હતા. ત્યાં પહોંચીને ધ્રુવે પોતાનો શંખ વગાડ્યો અને આકાશ અને દિશાઓને ધ્રૂજાવી દીધાં. એ શંખધ્વનિથી યક્ષપત્નીઓ બી મરી, તેમની આંખો ભયથી કંપી ઊઠી.
મહા પરાક્રમી યક્ષો આ શંખનાદ સહી ન શક્યા, તેઓએ અનેક પ્રકારનાં આયુધ લઈને ધુ્રવ પર હુમલો કર્યો. મહારથી ધ્રુવ ઉગ્ર ધનુર્ધારી હતા. તેમણે એકસાથે તે યક્ષોમાંથી પ્રત્યેકને ત્રણ ત્રણ બાણ માર્યા. તેમણે સૌએ પોતાના મસ્તકોમાં ત્રણ ત્રણ બાણ વાગેલાં જોયાં ત્યારે તેમને ખાત્રી થઈ કે આપણો પરાજય થશે. તેઓ ધ્રુવના પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. જેવી રીતે સાપ કોઈના પગનો માર સહન નથી કરતા તેવી રીતે ધ્રુવના આ પરાક્રમને સહન ન કરીને તેમણે પણ ધ્રુવનાં બાણોનો ઉત્તર આપ્યો અને એક સાથે તેનાથી બમણાં — છ છ બાણ ચલાવ્યાં. યક્ષોથી સંખ્યા ૧૩૦૦૦૦ હતી. તેમણે ધુવનો પ્રતિકાર કરવા ખૂબ જ ક્રોધે ભરાઈને તેમના પર પરિઘ, ખડ્ગ, પ્રાસ, ત્રિશૂળ, ફરસી, શક્તિ, ઋષ્ટિ, ભુશુંડી તથા ચિત્રવિચિત્ર પાંખાળાં બાણોની વર્ષા કરી. આ ભીષણ બાણવર્ષાથી ધ્રુવ પૂરેપૂરા ઢંકાઈ ગયા. જેવી રીતે ભારે વરસાદથી પર્વત ન દેખાય તેવી રીતે લોકો તેમને જોઈ ન શક્યા. આકાશમાં ઊભા રહેલા સિદ્ધો નિ:શ્વાસ નાખવા લાગ્યા. ‘આજે યક્ષસેના રૂપી સમુદ્રમાં ડૂબીને માનવસૂર્ય આથમી ગયો.’ યક્ષગણ પોતાના વિજયની ઘોષણા કરતા યુદ્ધભૂમિ પર સિંહની જેમ ગર્જવા લાગ્યા. જેવી રીતે ધુમ્મસમાંથી ભાસ્કર પ્રગટે તેવી રીતે ધ્રુવનો રથ એકાએક પ્રગટ્યો.
ધ્રુવે પોતાના દિવ્ય ધનુષનો ટંકાર કરીને શત્રુઓનાં હૃદય કંપાવી દીધાં, પ્રચંડ બાણવર્ષા કરીને જેમ ઝંઝાવાત વાદળોને વિખેરી નાખે તેમ યક્ષોનાં અસ્ત્રશસ્ત્ર વિખેરી નાખ્યાં. જેવી રીતે ઇન્દ્રનું વજ્ર પર્વતોમાં પ્રવેશ્યું હતું તેવી રીતે ધ્રુવના ધનુષ્યમાંથી છૂટેલાં તીર યક્ષોનાં શરીરમાં પેસી ગયાં. ધ્રુવના બાણોથી યક્ષોના સુંદર કુંડળવાળાં મસ્તકોથી, સોનેરી તાલવૃક્ષ જેવી સાથળોથી, વલયમંડિત બાહુઓથી, હાર, બાજુબંધ, મુકુટ, કિંમતી પાઘડીઓથી વીરોના મનને લોભાવનારી યુદ્ધભૂમિ મનોહર લાગતી હતી.
જે યક્ષો કોઈ રીતે જીવતા બચી ગયા તેઓનાં અંગ ક્ષત્રિયવીર ધ્રુવનાં બાણોથી છેદાઈ ગયાંને કારણે યુદ્ધમાં સિંહથી પરાજિત થનાર હાથીની જેમ મેદાન છોડીને જતા રહ્યા. નરોત્તમ ધ્રુવે જ્યારે જોયું કે આ વિશાળ યુદ્ધભૂમિ પર હવે એકે શત્રુ દેખાતો નથી ત્યારે તેમને અલકાનગરી જોવાનું મન થયું. પણ તેઓ નગરીમાં પ્રવેશ્યા નહીં, ‘આ માયાવીઓ શું કરવા માગે છે તેની મનુષ્યોને ખબર ન પડે.’ એમ સારથિને કહીને તેઓ વિચિત્ર રથમાં બેસી રહ્યા અને શત્રુના નવા આક્રમણની શંકાથી સભાન થઈ ગયા. એટલામાં જ તેમણે સમુદ્રની ગર્જના જેવો ઝંઝાવાત શબ્દ સાંભળ્યો, દિશાઓના છેડે ઊડતી ધૂળ પણ દેખાઈ.
ક્ષણવારમાં તો આખું આકાશ વાદળોથી છવાઈ ગયું. ચારે બાજુ ભયાનક ગર્જનાઓ સાથે વીજળીઓ ચમકવા લાગી. વાદળોમાંથી લોહી, કફ, પરુ, વિષ્ટા, મૂત્ર, મેદની વર્ષા થવા લાગી. ધ્રુવ સમક્ષ આકાશમાંથી અનેક ધડ પડવાં લાગ્યાં. પછી આકાશમાં એક પર્વત દેખાયો, બધી દિશાઓમાં પથ્થરોની વર્ષાની સાથે ગદા, પરિઘ, તલવાર, મુસળ પડવાં લાગ્યાં. તેમણે જોયું કે ઘણા બધા સાપ વજ્રની જેમ ફુંફાડા મારીને પોતાનાં રોષપૂર્ણ નેત્રોમાંથી અગ્નિજ્વાળાઓ ફેંકી રહ્યા છે. ઉન્મત્ત હાથી, સિંહ, વાઘ દોડતા દોડતા આવી રહ્યા છે. પ્રલયકાળ જેવો સમુદ્ર પોતાનાં ઊંચાં ઊંચાં મોજાંથી પૃથ્વીને ચારે બાજુથી ડુબાડતો, ભીષણ ગર્જના કરતો તેમની સામે ધસી રહ્યો છે. ક્રૂર સ્વભાવવાળા અસુરોએ પોતાની આસુરી માયા વડે કાયરોનાં મન કાંપી ઊઠે એવાં ઘણાં કૌતુક દેખાડ્યાં. ધ્રુવ ઉપર અસુરોએ પોતાની દુસ્તર માયા પાથરી છે એ જાણીને કેટલાક ઋષિમુનિઓએ ત્યાં આવીને ધ્રુવ માટે મંગલ કામના પ્રગટ કરી. મુનિઓ બોલ્યા, ‘ઉત્તાનપાદ પુત્ર, શાર્ઙ્ગપાણિ ભગવાન તમારા શત્રુઓનો સંહાર કરે. ભગવાનનું તો નામ જ એવું છે જે સાંભળવાથી, જેનું કીર્તન કરવા માત્રથી મનુષ્ય દુસ્તર મૃત્યુના મોંમાંથી અનાયાસ બચી જાય છે.’
ઋષિઓની આ વાત સાંભળીને મહારાજ ધ્રુવે નારાયણ સર્જિત નારાયણાસ્ત્ર પોતાના ધનુષ્ય પર ચડાવ્યું. ધનુષ પર બાણ ચઢાવતાં વેંત યક્ષોએ ઊભી કરેલી વિવિધ માયા જેવી રીતે જ્ઞાનના પ્રાકટ્ય સાથે અવિદ્યા નાશ પામે તેવી રીતે અદૃશ્ય થઈ ગઈ. નારાયણ સર્જિત બાણ ધનુષ પર ચઢાવ્યું તેની સાથે રાજહંસની પાંખ અને સુવર્ણફળવાળાં તીક્ષ્ણ બાણ નીકળ્યાં અને જેવી રીતે મોર કેકા કરતો વનમાં પ્રવેશી જાય છે તેવી રીતે ભયાનક અવાજ કરતાં શત્રુસેનામાં પ્રવેશ્યાં. એ તીક્ષ્ણ ધારવાળાં બાણોએ શત્રુઓને અસ્વસ્થ કરી મૂક્યા. રણભૂમિ પર અનેક યક્ષોએ ખૂબ જ ક્રોધે ભરાઈને પોતાનાં અસ્ત્રશસ્ત્ર સંભાળ્યાં અને જેવી રીતે ગરુડના છંછેડવાથી મોટા મોટા સાપ ફેણ માંડીને હુમલો કરવા દોડે છે તેવી રીતે યક્ષો આમતેમથી ધ્રુવ પર ટૂટી પડ્યા. તેમને સામે આવતા જોઈ ધ્રુવે પોતાનાં બાણ વડે તેમના હાથ પગ, સાથળ, પેટ — વગેરે અંગોને છિન્નભિન્ન કરી નાખ્યાં અને જેમાં ઊર્ધ્વરેતા મુનિગણ સૂર્યમંડળ ભેદીને જાય છે તે સત્યલોકમાં તેમને મોકલી દીધા. જ્યારે ધ્રુવના પિતામહ મનુએ જાયું કે વિચિત્ર રથ પર ચઢેલો ધ્રુવ અનેક નિરપરાધી યક્ષોનો વધ કરી રહ્યા છે ત્યારે તેમને બહુ દયા આવી. ઘણા બધા ઋષિઓને લઈને ત્યાં આવ્યા અને પૌત્રને સમજાવવા લાગ્યા.
‘દીકરા ધ્રુવ, બસ કર, વધુ ક્રોધ કરવો યોગ્ય નથી, તે પાપી નરકનું દ્વાર છે. એને વશ થઈ જઈને તેં આ નિરપરાધી યક્ષોનો વધ કર્યો. તું જે રીતે આ નિર્દોષ યક્ષોનો સંહાર કરી રહ્યો છે તે આપણા કુળની પરંપરા નથી. સંતો આ કાર્યની નિંદા કરે છે. તને તારો ભાઈ ખૂબ વહાલો હતો એ તો બરાબર, પણ એના મૃત્યુથી દુઃખી થઈને એક યક્ષના અપરાધને કારણે કેટલા બધા યક્ષોની હત્યા કરી નાખી. આ જડ શરીરને આત્મા માનીને પશુઓની જેમ તેમની હત્યા કરવી તે ભગવત્પ્રેમી સંતોનો માર્ગ નથી. ઈશ્વરની આરાધના કરવી બહુ કઠિન છે પણ તેં તો નાનપણમાં જ બધાં પ્રાણીઓના આશ્રયદાતા ભગવાનની સર્વભૂતાત્મભાવથી પૂજા કરી તેમનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું છે. ભગવાન તને પોતાનો પ્રિય ભક્ત માને છે, ભક્તો તારો આદર કરે છે, સાધુજનોનો તું માર્ગદર્શક છે, અને તો પણ આવું નિંદનીય કર્મ કેવી રીતે કર્યું? પોતાનાથી મોટી વ્યક્તિઓ પ્રત્યે સહનશીલતા, નાની વ્યક્તિઓ પ્રત્યે દયા અને સરખેસરખી પ્રત્યે મિત્રતા, પ્રાણી માત્ર સાથે સમતાપૂર્ણ વ્યવહાર કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન પ્રસન્ન થાય એટલે માનવી પ્રાકૃત ગુણ તથા તેના કાર્યરૂપ લિંગ શરીરથી મુક્ત થઈને પરમ નંદસ્વરૂપ પૂર્ણપદ પ્રાપ્ત કરી લે છે.
દેહાદિ રૂપમાં પરિણમેલા પંચમહાભૂત વડે જ સ્ત્રીપુરુષ જન્મે છે. પછી તેમના પરસ્પરના સમાગમથી બીજા સ્ત્રીપુરુષો જન્મે છે. આમ ભગવાનની માયાથી સત્ત્વાદિ ગુણોમાં ઓછાવત્તા ભાવ હોવાને કારણે જેવી ભૂતો દ્વારા શરીરની રચના થાય છે તેમ તેમની સ્થિતિ અને તેમનો પ્રલય પણ થાય છે.’
ધ્રુવને ઉપદેશ આપીને મહર્ષિઓની સાથે મનુ પોતાના લોકમાં ચાલ્યા ગયા. ધ્રુવનો ક્રોધ શાંત થઈ ગયો છે અને યક્ષોના વધમાંથી તે નિવૃત થઈ ગયા છે તે જાણીને ભગવાન કુબેર આવ્યા, ‘વાસ્તવમાં તેં યક્ષોને માર્યા નથી, ન યક્ષોએ તારા ભાઈને…સઘળાં જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારણ એક માત્ર કાલ છે…’
યક્ષરાજ કુબેરે ધ્રુવને વરદાન માગવાનું કહ્યું ત્યારે ધ્રુવે વરદાન માગ્યું, ‘હું શ્રીહરિની અખંડ સ્મૃતિ ધરાવું એવો વર આપો…’
પુરંજનકથા
પ્રાચીન કાળમાં પુરંજન નામનો એક મહાન યશસ્વી રાજા થઈ ગયો. તેનો એક મિત્ર અવિજ્ઞાત કરીને હતો. તેની ચેષ્ટાઓને કોઈ સમજી શકતું ન હતું. રાજા પુરંજન પોતાને રહેવા લાયક સ્થળની શોધમાં આખી પૃથ્વી ભમી વળ્યો પરંતુ તેને જ્યારે કોઈ યોગ્ય સ્થળ ન મળ્યંંુ ત્યારે તે ઉદાસ થઈ ગયો. તેને જાતજાતના ભોગની ઇચ્છા હતી. તે ભોગવવા જગતમાં જેટલાં નગર જોયાં તેમાં કોઈ તેને યોગ્ય ન લાગ્યું.
એક દિવસ તેણે હિમાલયના દક્ષિણ ભાગમાં નવ દ્વારોનું એક નગર જોકહ્યું. તેમાં બધા જ પ્રકારનાં સુંદર લક્ષણો હતાં. ચારે બાજુ પ્રાકાર, બગીચા, અટારી, ખાઈઓ, ઝરૂખા, રાજદ્વારોથી તે નગર સુશોભિત હતું. સોના — ચાંદી — લોખંડનાં શિખરોવાળાં મોટાં ભવનોથી ભરચક હતું. તેના મહેલની ફરસ નીલમ, સ્ફટિક, વૈડૂર્ય, મોતી, પન્ના, અરુણથી મઢેલી હતી. પોતાની કાન્તિને કારણે તે નાગલોકની રાજધાની ભોગવતી પુરી જેવું હતું. ત્યાં અનેક સ્થળે સભાભવન, ચૌટા, માર્ગો, ક્રીડાભવન, બજાર, વિશ્રામસ્થળો, ધ્વજા — પતાકા અને વિદ્રુમના ચબૂતરા હતા.
તે નગરની બહાર દિવ્ય વૃક્ષો અને લતાઓથી ભરચક સુંદર ઉદ્યાન હતો, તેની વચ્ચે એક જળાશય હતું. તેની આસપાસ અનેક પક્ષી જાતજાતનાં કૂજન કરતાં હતાં, ભમરા ગુંજારવ કરતા હતા. જળાશયના કાંઠા પરનાં વૃક્ષોની શાખાઓ અને પાંદડાં શીતળ ઝરણાનાં જળબિંદુ મિશ્રિત વાસંતી વાયુની લહેરોથી ડોલી રહ્યાં હતાં અને કાંઠા પરની જમીનની શોભા વધારી રહ્યાં હતાં. ત્યાંનાં અન્ય પ્રાણીઓ પણ મુનિજન યોગ્ય અહિંસાદિ વ્રતોનું પાલન કરનારાં હતાં. એટલે તેમને કારણે કોઈને દુઃખ પહોંચતાં ન હતાં. ત્યાંના માર્ગ પરથી પસાર થતા પથિકોને એવું લાગતું હતું કે તે ઉદ્યાન તેમને આરામ કરવા આમંત્રી રહ્યો છે.
રાજા પુરંજને તે સુંદર વનમાં ભમતા ભમતા એક સુંદરી જોઈ, તે અકસ્માત ત્યાં આવી ચઢી હતી. તેની સાથે દસ સેવકો હતા. આ દરેક સેવક સો સો નાયિકાઓનો પતિ હતો. પાંચ ફેણવાળો એક સાપ દ્વારપાળ હતો. તે બધી બાજુથી તેનું રક્ષણ કરતો હતો. તે સુંદરી કિશોરી હતી અને વિવાહ માટે શ્રેષ્ઠ પુરુષની શોધમાં હતી. તેના નાક, દાંત, ગાલ, મોં સુંદર હતાં. તેના એક-સરખા કાનમાં કુંડળ ચમકતાં હતા. તેનો વર્ણ શ્યામ હતો. તેની કેડ સુંદર હતી. પીળા રંગની સાડી અને સુવર્ણમેખલા ધારણ કર્યાં હતાં. ચાલતી વેળા પગમાંથી ઝાંઝરનો ધ્વનિ આવતો હતો. તે સાક્ષાત્ દેવી જેવી લાગતી હતી. તે ગજગામિની કિશોરાવસ્થા સૂચવતાં ગોળ, એક સરખાં અને પરસ્પર સ્પર્શતાં સ્તનોને લજ્જાવશ વારેવારે વસ્ત્રથી ઢાંકતી હતી. તેની પ્રેમથી ભરચક મુદ્રાથી કટાક્ષમય નેત્રથી ઘાયલ થઈને લજ્જાળુ હાસ્યથી વધુ સુંદર લાગતી તે દેવીને પુરંજને પૂછ્યું,
‘કમલદલ લોચના, કહે તો તું કોણ છે, કોની પુત્રી છે? અત્યારે તું ક્યાંથી આવે છે? આ નગરી આગળ તું શું કરવા માગે છે. તારા સિવાયના આ દસ શૂરવીર સેવકો કોણ છે, આ સખીઓ તથા તારી આગળ આગળ ચાલનારો આ સાપ કોણ છે? તું સાક્ષાત્ લજ્જા દેવી છે? ઉમા, રમા, બ્રહ્માણી છે? આ વનમાં ઋષિમુનિઓની જેમ તું એકાન્તવાસ કરીને પતિ શોધી રહી છે? તારા પ્રાણનાથ તો ‘તું એના ચરણોની કામના કરે છે’ એટલાથી જ પ્રસન્ન થઈ જશે. જો તું સાક્ષાત્ કમલા છે તો તારા હાથનું કમળ ક્યાં ગયું? તું આમાંની કોઈ નથી કારણ કે તારા પગ ધરતીને સ્પર્શી રહ્યા છે. જો તું મનુષ્ય હોય તો જેવી રીતે લક્ષ્મી વિષ્ણુની સાથે વૈકુંઠની શોભામાં વૃદ્ધિ કરે છે તેવી રીતે તું મારી સાથે આ ઉત્તમ નગરીને શોભાવ. હું વીર છું, પરાક્રમી છું. આજે તારા કટાક્ષોએ મારા ચિત્તને અસ્વસ્થ કરી મૂક્યું છે. તારા લજ્જાસ્પદ, રતિભાવથી પૂર્ણ સ્મિતની સાથે ભવાંનો સંકેત પામીને આ બળવાન કામદેવ મને પીડી રહ્યો છે. એટલે હે સુંદરી, તારે હવે મારા પર કૃપા કરવી જોઈએ. હે શુચિસ્મિતા, સુંદર ભ્રમર અને સ્વચ્છ નેત્રોથી શોભતું તારું મુખ આ લાંબી, કાળી અલક લટોથી ઢંકાયેલું છે. તારા મોંમાંથી પ્રગટતાં વચન મધુર અને મનોહર છે. પરંતુ આ મુખ લજ્જાને કારણે મારી તરફ તો વળતું જ નથી. જરા ઊંચું કરીને આ સુંદર મુખ તો દેખાડ.’
રાજા પુરંજને અધીરા બનીને જ્યારે આવી યાચના કરી ત્યારે તે કન્યાએ પણ હસીને એનું અભિવાદન કર્યું; તે રાજાને જોઈને મોહી પડી હતી. તેણે કહ્યું, ‘હે નરશાર્દૂલ, મને જન્મ આપનારાઓની ખાસ કશી જાણ નથી. હું મારું, બીજાનું નામ કે ગોત્ર જાણતી નથી, અત્યારે અમે બધા આ નગરીમાં છીએ એ સિવાય હું કશું જાણતી નથી. મને એ પણ જાણ નથી કે અમારા રહેવા માટે આ નગરી કોણે બનાવી છે. આ પુરુષો મારા મિત્રો છે, આ સ્ત્રીઓ મારી સખીઓ છે, જ્યારે હું સૂઈ જઉં છું ત્યારે આ સાપ જાગીને નગરીની રક્ષા કરે છે. હે શત્રુદમન, તમે અહીં આવ્યા તે મારા માટે સૌભાગ્યની વાત છે. તમારું મંગલ થાઓ. તમને કામભોગોની ઇચ્છા છે તો તેની પૂર્તિ માટે હું મારા સાથીઓ સમેત બધા પ્રકારના ભોગ પ્રસ્તુત કરતી રહીશ. આ નવ દ્વારવાળી નગરીમાં મારા દ્વારા અપાતા ઇચ્છિત ભોગ ભોગવતાં સેંકડો વર્ષ અહીં ગાળો. તમને મૂકીને હું બીજા કોની સાથે હું રમણ કરીશ? બીજાઓ તો રતિસુખ જાણતા નથી, ભોગ ભોગવતા નથી, પરલોકનો વિચાર કરતા નથી, કાલે શું થશે એનું ધ્યાન રાખતા નથી, તેઓ પશુતુલ્ય છે. આ લોકમાં ગૃહસ્થાશ્રમમાં જ ધર્મ, અર્થ, કામ, સંતતિ, મોક્ષ, સુકીર્તિ, સ્વર્ગ વગેરે દિવ્ય લોકની પ્રાપ્તિ થઈ શકે છે. સંસારથી વિરક્ત સાધુઓ તો આ બધાની કલ્પના પણ કરી શકતા નથી. મહાપુરુષો કહે છે કે આ લોકમાં પિતૃ, દેવ, ઋષિઓ, મનુષ્યો તથા બધાં પ્રાણીઓ તથા પોતાનાય કલ્યાણનો એક માત્ર આશ્રય ગૃહસ્થાશ્રમ જ છે. હે વીરશ્રેષ્ઠ, જે આપમેળે આવી ચઢેલા તમારા જેવા સુપ્રસિદ્ધ, ઉદાર, સુંદર પતિને પસંદ ન કરે એવી કોઈ સ્ત્રી હશે? હે મહાબાહુ, આ પૃથ્વી પર સાપ જેવી તમારી ગોળાકાર, કોમળ ભુજાઓમાં સ્થાન પામવા કઈ કામિનીનું ચિત્ત નહીં લલચાય? તમે તો મધુર સ્મિતભરી કરુણાપૂર્ણ દૃષ્ટિ વડે અમારા જેવી અનાથના માનસિક સંતાપને શાંત કરવા જ પૃથ્વી પર ફરી રહ્યા છો.’
આમ તે દંપતીએ એકબીજાની વાતને સ્વીકારી સો વર્ષ સુધી એ પુરીમાં રહીને આનંદ મનાવ્યો. ગાયકો સુમધુર સ્વરમાં બધે પુરંજનની કીર્તિ ગાયા કરતા હતા. ગ્રીષ્મ ઋતુમાં તે અનેક સ્ત્રીઓ સાથે સરોવરમાં જલક્રીડા કરતો. તે નગરીના નવ દ્વારમાંથી સાત દ્વાર ઉપર અને બે નીચે હતાં. એ નગરનો જે કોઈ રાજા હતો, તેણે જુદા જુદા દેશમાં જવા માટે આ દ્વાર બનાવ્યાં હતાં. આમાંથી પાંચ પૂર્વમાં, એક દક્ષિણમાં, એક ઉત્તરમાં, બે પશ્ચિમ તરફ હતાં. પૂર્વ બાજુએ ખદ્યોતા અને આવિર્મુખી નામનાં બે દ્વાર એક જ જગ્યાએ બનાવ્યાં હતાં. એમાં થઈને રાજા પુરંજન મિત્ર દ્યુમાનની સાથે વિભ્રાજિત દેશમાં જતો રહેતો હતો. એ જ રીતે તે તરફ નલિની અને નાલિની નામનાં બે દ્વાર પણ એક જ જગાએ બનાવ્યાં હતાં. તેમાં થઈને તે અવધૂતની સાથે સૌરભ નામના દેશમાં જતો હતો. પૂર્વ દિશામાં મુખ્યા નામના પાંચમા દ્વારમાં થઈને તે રસજ્ઞ અને વિપણની સાથે બહૂદન અને આપણ નામના દેશોમાં જતો હતો. નગરીની દક્ષિણે પિતૃહૂ નામના દ્વારમાં થઈને રાજા શ્ર્રુતધરની સાથે દક્ષિણપાંચાલ દેશમાં જતો હતો. પશ્ચિમ દિશામાં આસુરી નામના દરવાજામાં થઈને તે દુર્મદની સાથે ગ્રામક નામના દેશમાં જતો હતો. નિર્ઋતિ નામના બીજા દ્વારમાં થઈને લુબ્ધકની સાથે વૈશસ નામના દેશમાં જતો હતો. આ નગરવાસીઓમાં નિર્વાક અને પેશસ્કૃત — બે નગરજનો અંધ હતા. રાજા પુરંજન આંખોવાળા નાગરિકોનો અધિપતિ હોવા છતાં તેમની સહાયથી બધે જતો અને બધા પ્રકારનાં કાર્ય કરતો હતો.
જ્યારે તે પોતાના મુખ્ય સેવક વિષૂચીનની સાથે અંત:પુરમાં જતો ત્યારે તેને સ્ત્રી અને પુત્રોને કારણે મોહ, પ્રસન્નતા, હર્ષ જેવા વિકારોનો અનુભવ થતો. તેનું ચિત્ત જાતજાતનાં કર્મોમાં ફસાયેલું હતું, અને કામવશ હોવાને કારણે અબુધ રમણી વડે ઠગાયો હતો. તેની રાણી જે જે કામ કરતી તે બધાં તે કરવા લાગતો. તે જ્યારે મદ્યપાન કરતી તો તે પણ મદ્યપાન કરતો અને મદથી પ્રમત્ત બની જતો. તે જ્યારે ભોજન કરતી ત્યારે તે ભોજન કરવા બેસતો, તે જ્યારે કશું ચાવતી ત્યારે તે પણ એ જ વસ્તુ ચાવવા બેસી જતો. આમ તે ગીત ગાય ત્યારે તે ગાતો, રડતી ત્યારે રડતો, હસતી ત્યારે હસતો, બોલતી ત્યારે બોલતો. તે દોડતી ત્યારે દોડતો, ઊભી રહેતી ત્યારે ઊભો રહેતો, સૂતી ત્યારે તેની સાથે સૂઈ જતો, બેસતી ત્યારે બેસી જતો, તે સાંભળતી ત્યારે તે પણ સાંભળવા લાગતો, જોતી ત્યારે જોવા લાગતો, સંૂઘતી ત્યારે સંૂઘવા લાગતો, કોઈ વસ્તુને અડકતી ત્યારે તે પણ અડકતો. ક્યારેક તેની પ્રિયા શોકગ્રસ્ત થતી તો પોતે પણ દીન બનીને વ્યાકુળ થઈ જતો, તે પ્રસન્ન થતી તો પોતે પ્રસન્ન થઈ જતો, તે આનંદ મનાવતી તો પોતે પણ આનંદિત થઈ જતો. આમ રાજા પુરંજન પોતાની સુંદરી રાણી વડે ઠગાયો. સમગ્ર પ્રકૃતિવર્ગ તેને દગો કરતો થયો. તે મૂર્ખ વિવશ થઈને ઇચ્છા ન હોય તો પણ રમવા માટે ઘરમાં પાળેલા વાંદરાની જેમ અનુકરણ કરતો રહ્યો.
એક દિવસ રાજા પુરંજન પોતાનું મોટું ધનુષ, સુવર્ણકવચ અને અક્ષય તીરભાથું લઈને પોતાના અગિયારમા સેનાપતિની સાથે પાંચ ઘોડા જોડેલા ઝડપી ગતિવાળા રથમાં બેસીને પંચપ્રસ્થ નામના વનમાં ગયો. તે રથમાં બે ઈષાદંડ, બે પૈંડાં, એક ધુરા, ત્રણ ધ્વજદંડ, પાંચ દોરી, એક લગામ, એક સારથિ, બેસવા ગાદી, પાંચ શસ્ત્ર અને સાત આવરણ હતાં. તે પાંચ પ્રકારે ચાલતો હતો, તેનો સાજ સરંજામ સોનેરી હતો. રાજા માટે પોતાની પ્રિયતમાને છોડીને જવું બહુ મુશ્કેલ હતું છતાં તે દિવસે શિકારની લગની એવી લાગી કે એ કશાની પરવા કર્યા વિના બહુ ગર્વપૂર્વક ધનુષબાણ લઈને મૃગયા કરવા લાગ્યો. તે સમયે તેનામાં આસુરીવૃત્તિ ખૂબ વધી ગઈ એટલે તેનું ચિત્ત ખૂબ જ કઠોર અને નિર્દય થઈ ગયું હતું. એટલે પોતાનાં તીક્ષ્ણ બાણોથી ઘણાં બધાં નિર્દોષ પ્રાણીઓને મારી નાખ્યાં. જે રાજાની માંસમાં આસક્તિ હોય તે રાજા માત્ર શાસ્ત્રપ્રદર્શિત કર્મો માટે વનમાં જઈ જરૂરિયાત જોઈને અનિષિદ્ધ પ્રાણીઓનો જ વધ કરે, નિરર્થક પ્રાણીવધ ન કરે. શાસ્ત્ર આમ ઉચ્છ્રંખલ પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે…
પુરંજનનાં જાતજાતનાં પાંખાળાં બાણ વડે વીંધાઈને ઘણા જીવે કષ્ટપૂર્વક પ્રાણ ત્યજ્યા. આ નિર્દય હિંસા જોઈને બધા દયાવાન લોકો દુઃખી થયા. તેમનાથી આ સહન ન થયું. આમ સસલું, સૂવર, ભેંસો, નીલગાય, કૃષ્ણમૃગ વગેરે પ્રાણીઓની હિંસા કરીને રાજા ખૂબ થાકી ગયો. ભૂખતરસથી ખૂબ વ્યાકુળ થઈને તે વનમાંથી રાજમહેલમાં આવ્યો. ત્યાં યથાયોગ્ય રીતે સ્નાન, ભોજનમાંથી પરવારીને થોડો આરામ કર્યો, પછી ગંધ, સુખડ અને ફૂલમાળાથી સુસજ્જિત થઈને શરીરે આભૂષણો પહેર્યાં. ત્યારે તેને પ્રિયતમા યાદ આવી. ભોજનથી તૃપ્ત, હૃદયથી આનંદિત, મદથી પ્રમત્ત અને કામથી વ્યથિત થઈને પોતાની સુંદરીને શોધવા લાગ્યો, પણ ક્યાંય દેખાઈ નહીં.
ત્યારે ઉદાસ થઈને તેણે અંત:પુરની સ્ત્રીઓને પૂછ્યું, ‘તમારી સ્વામિની સહિત તમે બધા મજામાં છો ને? આ ઘરની સંપત્તિ પહેલાંની જેમ સુંદર કેમ નથી લાગતી? જો ઘરમાં માતા કે પતિપરાયણા સ્ત્રી ન હોય તો તે ઘર પૈંડાં વિનાના રથ જેવું બની જાય. પછી એમાં ક્યો બુદ્ધિશાળી જીવ ગરીબની જેમ રહેવાનું પસંદ કરે? તો કહો, જે સુંદરી દુઃખસમુદ્રમાં ડૂબું ત્યારે મારી વિવેકબુદ્ધિને ડગલેપગલે જાગૃત કરનારી, મને સંકટમાંથી બહાર કાઢનારી હતી તે સુંદરી ક્યાં છે? એ સ્ત્રીઓએ ઉત્તર આપ્યો, ‘ખબર નથી, આજે તમારી પ્રિયતમાના મનમાં શું છે તે કોણ જાણે. જુઓ — કશું પાથર્યા કર્યા વિના જમીન પર જ આડી પડી છે.’
એ સ્ત્રીના સહવાસમાં રાજા વિવેકશૂન્ય થઈ ગયો હતો. એટલે પોતાની રાણીને પૃથ્વી પર અસ્તવ્યસ્ત અવસ્થામાં પડેલી જોઈને તે ખૂબ જ વ્યાકુળ થઈ ગયો. તેણે દુઃખી હૈયે તેને મધુર વચનોથી બહુ સમજાવી પણ પોતાની પ્રિયતમામાં એવું કોઈ પ્રણયકોપનું ચિહ્ન જોવા ન મળ્યું. તે મનામણાં કરવામાં નિપુણ હતો. એટલે રાજાએ ધીરે ધીરે તેને મનાવવા માંડી. પહેલાં તેના પગનો સ્પર્શ કર્યો પછી ખોળામાં બેસાડી પ્રેમપૂર્વક સમજાવવા લાગ્યો,
‘હે સુંદરી, જે સેવકો અપરાધ કરે અને પછી તેમને સ્વામી પોતાના સમજીને યોગ્ય દંડ ન કરે તે સેવકો ખરેખર દુર્ભાગી છે. સેવકને કરેલો દંડ તો તેના પર મોટી કૃપા ગણાય. જે મૂર્ખ હોય તેમને જ ક્રોધને કારણે પોતાના હિતકારી સ્વામીને માટે કરેલા ઉપકારનો ખ્યાલ નથી આવતો. સુંદર દંતપંક્તિ અને મનોહર ભ્રમરવાળી મનસ્વિની, હવે આ ક્રોધ દૂર કર અને એક વાર મને પોતાનો સમજી પ્રણયથી અને લજ્જાથી નમેલું આ મધુર સ્મિતવાળું મુખ દેખાડ. ભ્રમરપંક્તિના જેવી નીલી અલકાવલિ, ઊંચું નાક અને મીઠી વાણીને કારણે તારું મુખ કેવું મનોહર દેખાય છે. કોઈ બીજાએ તારો કશો અપરાધ કર્યો હોય તો જણાવ. જો તે બ્રાહ્મણવંશનો નહીં હોય તો હમણાં જ તેને દંડીશ. ભગવાનના ભક્તો સિવાય ત્રિલોકમાં અને એની બહાર એવો કોઈ દેખાતો નથી જે તારો અપરાધ કરીને નિર્ભય અને આનંદી રહી શકે. પ્રિયે, ક્યારેય મેં તારું મોં તિલક વગરનું ઉદાસ, મૂરઝાયેલું, ક્રોધને કારણે ભયપ્રદ, કાન્તિહીન, સ્નેહશૂન્ય જોયું નથી. ક્યારેય તારાં સ્તનોને શોકાશ્રુથી ભીંજાયેલાં, પક્વબિંબાધરને સ્નિગ્ધ કેસરની લાલિમા વગરનાં જોયાં નથી. વ્યસનવશ થઈને હું મૃગયા રમવા જતો રહ્યો એટલો મારો અપરાધ ખરો તો પણ તારો સમજીને તું મારા પર પ્રસન્ન થા. કામદેવનાં વિષમ બાણોથી અધીર બનીને હું સર્વદા તને અધીન રહ્યો છું. એવા પ્રિય પતિનો સ્વીકાર ઉચિત કાર્ય માટે કઈ કામિની ન કરે?’
આમ તે સુંદરી અનેક નખરાં કરીને પુરંજનને પૂરેપૂરો વશ કરીને તેને આનંદિત કરતી વિહાર કરવા લાગી. તેણે સારી રીતે સ્નાન કરીને અનેક પ્રકારના મંગલ શૃંગાર કરીને, ભોજન વગેરેથી તૃપ્ત થઈને તે રાજા પાસે આવી. રાજાએ તે મનોહર મુખવાળી રાજરાણીને સાદર અભિનંદી. રાજાને તેણે આલિંગન આપ્યું, રાજાએ તેને ગળે લગાવી. પછી એકાંતમાં મનને અનુકૂળ વિશ્રંભકથાઓ કરીને એવો મોહવશ કર્યો કે તેનું ચિત્ત કામિનીમાં જ રહ્યું, દિવસ-રાતના ભેદ ભૂલી ગયો, કાળની દુસ્તર ગતિનો ખ્યાલ ન રહ્યો. મદથી છકેલો મનસ્વી પુરંજન પોતાની પ્રિયતમાના હાથ પર માથું રાખીને મહાકિમતી શય્યા પર પડી રહેતો. તેને તો તે સ્ત્રી જ જીવનનું પરમ લક્ષ્ય લાગતી હતી. અજ્ઞાનથી ઢંકાઈ જવાને કારણે તેને આત્મા-પરમાત્માનું કશું જ્ઞાન ન રહ્યું.
આમ કામાતુર ચિત્ત વડે તેની સાથે વિહાર કરતા કરતા રાજા પુરંજનની યુવાની અર્ધી ક્ષણની જેમ વીતી ગઈ. તે પુરંજનથી રાણીને અગિયાર સો પુત્ર અને એકસો દસ કન્યાઓ જન્મ્યાં. તે બધાં માતાપિતાની કીર્તિ વધારનારાં, સુશીલતા — ઉદારતાથી સંપન્ન હતાં. આમ રાજાના દીર્ઘ જીવનનો અડધો ભાગ વીતી ગયો. પછી પિતૃવંશની વૃદ્ધિ કરનારા પુત્રોનાં અને કન્યાઓનાં લગ્ન યોગ્ય પાત્રો સાથે કર્યાં. દરેક પુત્રને સો સો પુત્ર થયા. તેમની વૃદ્ધિને કારણે પુરંજનનો વંશ સમગ્ર પાંચાલ દેશમાં પ્રસરી ગયો. આ પુત્ર, પૌત્ર, ગૃહ, કોશ, સેવક, મંત્રી વગેરેમાં દૃઢ મમતા જાગવાને કારણે આમાં જ તે ખોવાઈ ગયો. પછી તેણે અનેક પ્રકારના ભોગની કામના કરીને જાતજાતના હિંસક યજ્ઞો કરીને દેવતા, પિતૃઓ અને ભૂતપતિઓની આરાધના કરી. આમ જીવનભર આત્માનું કલ્યાણ કરનારાં કર્મો પ્રત્યે ઉદાસીન રહ્યો, કુટુંબપાલનમાં ખોવાઈ ગયો. છેવટે સ્ત્રીલંપટ પુરુષોની અપ્રિય એવી વૃદ્ધાવસ્થા આવી પહોંચી.
ચંડવેગ નામનો એક ગંધર્વરાજ, તેમના તાબામાં ત્રણસો સાઠ મહાબલવાન ગંધર્વ રહે છે. તેમની સાથે શુક્લ અને કૃષ્ણવર્ણની એટલી જ ગંધર્વસ્ત્રીઓ છે. તે વારાફરતી આંટા મારીને ભોગવિલાસની સામગ્રીઓથી ભરપૂર નગરીઓને લૂંટ્યા કરે. ગંધર્વરાજ ચંડવેગના સેવકોએ રાજા પુરંજનનું નગર લૂંટવા માંડ્યું. ત્યારે પાંચ ફેણાળા સાપે તેમને અટકાવ્યા. પુરંજન નગરીની રક્ષા કરનારા આ સાપે સો વર્ષ સુધી એકલે હાથે સાતસોવીસ ગંધર્વપુરુષો અને સ્ત્રીઓ સાથે લડાઈ કરી. ઘણા વીર સાથે એકલે હાથે લડતા લડતા પ્રજાગર સાપ બળહીન થયો, એ જોઈને રાજાને અને તેની સાથે નગરમાં રહેનારા બીજા બાંધવોને ચિંતા થઈ. તે આટલા દિવસો સુધી પાંચાલ દેશના તે નગરમાં પોતાના દૂતો દ્વારા લવાતા કર વડે વિષયભોગોમાં વ્યસ્ત રહ્યો હતો. સ્ત્રીના વશમાં રહેવાને કારણે આ ભયની તેને જાણ થઈ જ નહીં.
તે દિવસોમાં કાલની એક કન્યા પતિની શોધમાં ત્રિલોકમાં ભટકતી હતી, કોઈએ તેને સ્વીકારી નહીં; તે કાલકન્યા અત્યંત દુર્ભાગી હતી. એટલે લોકો તેને ‘દુર્ભાગા’ કહેતા હતા. એક વાર રાજર્ષિ પુરુષે પોતાના પિતાને પોતાનું યૌવન આપીને પોતાની ઇચ્છાથી જ તેને વરી હતી. આનાથી પ્રસન્ન થઈને તેણે રાજ્યપ્રાપ્તિનું વરદાન આપ્યું હતું.
એક દિવસ નારદ બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવ્યા ત્યારે ભમતાં ભમતાં તે કન્યા નારદને પણ મળી. તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા તો પણ કામાતુરા હોવાને કારણે નારદને પરણવા તત્પર થઈ. તેણે તેની પ્રાર્થના ન સ્વીકારી. એટલે ક્રોધે ભરાઈને તેણે નારદને શાપ આપ્યો, ‘તમે મારી વિનંતી નથી સ્વીકારી, એટલે તમે એક સ્થાને ઝાઝો સમય રહી નહીં શકો.’ નારદથી હતાશ થયેલી એ કન્યા ઋષિની સંમતિથી યવનરાજ ભય પાસે આવીને પતિ તરીકે તેમને પસંદ કર્યા, તે બોલી, ‘હે વીર, તમે યવનશ્રેષ્ઠ છો, હું તમને ચાહું છું, તમને પતિ બનાવવા માગું છું, તમને જીવો જે સંકલ્પ કરે તે કદી નિષ્ફળ જતો નથી. જે માનવી લોક અથવા શાસ્ત્રની દૃષ્ટિએ આપવા યોગ્ય વસ્તુનું દાન કરતો નથી અને જે શાસ્ત્રદષ્ટિએ યોગ્ય હોવા છતાં દાન સ્વીકારતો નથી, તે બંને દુરાગ્રહી, મૂઢ છે, શોચનીય છે. અત્યારે હું તમારી સેવામાં ઉપસ્થિત છું, તમે મારો સ્વીકાર કરીને મારા પર ઉપકાર કરો. પુરુષનો સૌથી મોટો ધર્મ દીન પર અનુકંપા કરવાનો છે.’
કાલકન્યાની વાત સાંભળીને વિધાતાનું એક ગુપ્ત કાર્ય કરવાની ઇચ્છાથી યવનરાજે હસતાં હસતાં તેને કહ્યું, ‘મેં યોગદૃષ્ટિથી તારા માટે એક પતિ પસંદ કર્યો છે. તું બધાનું અનિષ્ટ કરે છે એટલે કોઈને ગમતી નથી, એટલે જ લોકો તારો સ્વીકાર કરતા નથી. એટલે આ કર્મજનિત લોકને અલક્ષિત થઈને બળાત્કારથી ભોગવ. તું મારી સેના લઈને જા, એની સહાયથી તું બધી પ્રજાનો નાશ કરી શકીશ. તારો મુકાબલો કોઈ કરી નહીં શકે. આ પ્રજ્વાર મારો ભાઈ છે, તું મારી બહેન બની જા. તમે બંનેની સાથે હું અવ્યક્ત ગતિથી ભયંકર સેના લઈને બધા લોકમાં ફરીશ.’
પછી ભય નામના યવનરાજના આજ્ઞાકારી સૈનિકો પ્રજ્વાર અને કાલકન્યાની સાથે આ પૃથ્વીપટે સર્વત્ર ભમવા લાગ્યા. એક વેળા તેમણે ખૂબ જ ઝડપથી વૃદ્ધ સાપથી સુરક્ષિત અને સંસારની બધી સુખસામગ્રીથી ભરપુર પુરંજન નગરીને ઘેરી લીધી. પછી જેની જાળમાં ફસાઈને પુરુષ બહુ જલદી નિ:સાર થઈ જાય છે તે કાલકન્યા બળાત્કારે એ નગરીની પ્રજાને ભોગવવા લાગી. તે સમયે યવનો પણ કાલકન્યા દ્વારા ભોગવાતી એ નગરીમાં ચારે બાજુનાં દ્વારોમાં પ્રવેશીને તેનો વિધ્વંસ કરવા લાગ્યા. નગરીને આમ દુઃખી કરી એટલે સ્વામીત્વનું અભિમાન રાખનારા, મમતાગ્રસ્ત, બહુ કુટુંબીજનોવાળા પુરંજનને પણ જાતજાતના ક્લેશ સતાવવા લાગ્યા.
કાલકન્યાના આલિંગનથી તેની સઘળી શ્રી નષ્ટ થઈ ગઈ, અત્યન્ત વિષયાસક્ત હોવાથી તે બહુ દીન બની ગયો, તેની વિવેકશક્તિ નાશ પામી. ગંધર્વોએ અને યવનોએ જોરજુલમથી તેની સઘળી સમૃદ્ધિ છિનવી લીધી. રાજાએ જોયું કે આખું નગર નષ્ટભ્રષ્ટ થઈ ગયું છે. પુત્ર, પૌત્ર, નોકર, અમાત્યો પ્રતિકૂળ થઈને હવે અનાદર કરવા લાગ્યા છે. પત્ની સ્નેહશૂન્ય થઈ ગઈ છે. મારા શરીરને કાલકન્યાએ વશ કરી લીધું છે. પાંચાલદેશ શત્રુઓના હાથમાં પડીને ભ્રષ્ટ થઈ ગયો છે. આ સર્વ જોઈને રાજા પુરંજન ખૂબ ચિંતામાં ડૂબી ગયો. આ સંકટોમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ તેને ન દેખાયો. કાલકન્યાએ જેમને નિ:સાર કરી મૂક્યા હતા તે ભોગોની લાલસાથી તે દીન હતો. પોતાની પારલૌકિકી ગતિ અને બંધુજનોના સ્નેહથી વંચિત થઈને તેનું ચિત્ત કેવળ સ્ત્રી અને પુત્રોના લાલનપાલનમાં વ્યસ્ત હતું. આવી અવસ્થામાં તેમનાથી છૂટા પડવાની ઇચ્છા ન હોવા છતાં આ નગરીને છોડવાની ફરજ પડી. કારણ કે એ નગરીને ગંધર્વો અને યવનોએ ઘેરી રાખી હતી, કાલકન્યાએ તેને કચડી નાખી હતી. તેવામાં યવનરાજ ભયના મોટા ભાઈ પ્રજ્વારે પોતાના ભાઈનું હિત કરવા માટે આખી નગરીમાં આગ લગાડી દીધી.
આ નગરી સળગવા લાગી ત્યારે નગરજનો, સેવકો, સંતાનો, કુટુંબની સ્વામિની માટે કુટુંબવત્સલ પુરંજનને ભારે દુઃખ થયું. નગર કાલકન્યાના હાથમાં જઈ ચઢ્યું એ જોઈને તેની રક્ષા કરનારા સાપને ભારે દુઃખ થયું. તેના નિવાસસ્થળ પર પણ યવનોએ અંકુશ જમાવી દીધો હતો, પ્રજ્વાર ત્યાં પણ આક્રમણ કરી રહ્યો હતો. જ્યારે તે નગરની રક્ષા કરવામાં સાવ અશક્ત થઈ ગયો ત્યારે સળગતા વૃક્ષની બખોલમાંથી જેવી રીતે સાપ નીકળી જાય તેવી રીતે તેણે પણ મહાન પીડાથી કંપી જઈને ત્યાંથી ભાગી જવાની ઇચ્છા કરી. તેનાં બધાં અંગ સાવ નબળાં પડી ગયાં હતાં, ગંધર્વોએ તેની બધી શક્તિ નષ્ટ કરી દીધી હતી, જ્યારે યવન શત્રુઓ એને જતો જોઈને રોકવા બેઠા ત્યારે દુઃખી થઈને તે રડવા લાગ્યો.
ગૃહાસક્ત પુરંજન શરીર-ગૃહમાં મમત્વ રાખવાથી સાવ બુદ્ધિહીન થઈ ગયો હતો. સ્ત્રીના પ્રેમબંધનમાં પડીને તે ખૂબ દીન બની ગયો હતો. જ્યારે આ બધાથી છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે તે પુત્રી, પુત્ર, પૌત્ર, પુત્રવધૂ, જમાઈ, નોકરચાકર, ઘર, કોશ — તથા જેમાં જેમાં તેની મમતા રહી હતી તે બધા માટે ચિંતા કરવા લાગ્યો.
‘અરે મારી પત્ની બહુ ઘરગૃહસ્થીવાળી છે, હું જ્યારે પરલોક જઈશ ત્યારે તે અસહાય થઈને કેવી રીતે નિર્વાહ કરશે? તેને તો બાળકોની કેટલી બધી ચિંતા થશે? હું જ્યાં સુધી ભોજન ન કરું ત્યાં સુધી તે ભોજન કરતી ન હતી, સ્નાન ન કરું તો સ્નાન કરતી ન હતી, ને નિત્ય મારી સેવામાં જ રહેતી હતી, હું ક્યારેક રિસાઈ જઉં તો તે ડરી જતી હતી, અને ગુસ્સે થઉં તો ગભરાઈ જઈને ચૂપ રહેતી હતી. મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મને સાવધાન કરી દેતી. તે મને એટલો બધો પ્રેમ કરતી હતી કે હું જો ક્યારેક નગર બહાર જઉં તો વિરહવેદનાથી સુકાઈને કંતાઈ જતી હતી. આમ તો તે વીર માતા છે પણ મારી પાછળ તે ગૃહસ્થાશ્રમ ચલાવી શકશે? હું નહીં હોઉં તો મારા આધારે રહેનારા આ પુત્ર-પુત્રી કેવી રીતે જીવશે? આ તો મધદરિયા નૌકા ભાંગી જાય ત્યારે બાવરા થઈ જનારા યાત્રીઓની જેમ રોક્કળ કરશે.’
જ્ઞાનદૃષ્ટિથી જોઈએ તો આવો શોક કરવો અયોગ્ય હતો તો ખરો. અજ્ઞાનને કારણે પુરંજન આમ મંદબુદ્ધિથી સ્ત્રીબાળકો માટે આવો શોક કરી રહ્યો હતો. તે જ વેળા તેને પકડવા ભય નામનો યવન આવી ચડ્યો. જ્યારે યવનોને તેને પશુની જેમ બાંધીને પોતાના સ્થાનકે લઈ ગયા ત્યારે તેના સેવકો આતુર અને શોકવિહ્વળ થઈને તેની સાથે ચાલી નીકળ્યા. યવનોએ અટકાવેલો સાપ પણ નગરી છોડીને આ લોકોની સાથે ચાલી નીકળ્યો. તેના જતાંની સાથે આખું નગર છિન્નભિન્ન થઈ ગયું. આમ મહારાજ યમનરાજે બળજબરીથી તેને આંચક્યો તો પણ રાજા પુરંજને અજ્ઞાનને કારણે પોતાના હિતચિંતક અને જૂના મિત્ર અવિજ્ઞાતને યાદ ન કર્યો. એ નિર્દય રાજાએ જે યજ્ઞપશુઓનો બલિ ચઢાવ્યો હતો તે બધાં પોતાની વેદનાને યાદ કરીને ક્રોધવશ તેને ઈજા પહોંચાડવા લાગ્યા. વર્ષો સુધી તે વિવેકહીન અવસ્થામાં અપાર અંધકારમાં પડ્યો રહી નિરંતર કષ્ટ ભોગવતો રહ્યો. સ્ત્રીની આસક્તિને કારણે તેની આવી માઠી દશા થઈ. મૃત્યુ વેળાએ પણ પુરંજને સ્ત્રીનો જ વિચાર કર્યો હતો એટલે બીજા જનમમાં તે વિદર્ભ દેશના રાજાને ત્યાં કન્યા રૂપે જન્મ્યો. તે કન્યા જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે રાજાએ જાહેર કર્યું કે મારી કન્યાને કોઈ સર્વશ્રેષ્ઠ પરાક્રમી જ પરણી શકશે. ત્યારે શત્રુવિજેતા પાંડ્યરાજા મલયધ્વજે યુદ્ધમાં બધા રાજાઓને હરાવીને તેની સાથે લગ્ન કર્યુ અને પછી શ્યામલોચના કન્યા અને તેનાથી નાના સાત પુત્રોને તે યુવતીએ જન્મ આપ્યો. આ પુત્રો દ્રવિડદેશના સાત રાજા થયા. દરેક પુત્રને ઘણા પુત્રો થયા, તેના વંશજો આ પૃથ્વીને મન્વંતર સુધી અને ત્યાર પછી પણ ભોગવશે. રાજાની પહેલી પુત્રી ખૂબ જ વ્રતધારિણી હતી. તેની સાથે અગસ્ત્ય ઋષિનું લગ્ન થયું. તેમને દૃઢચ્યુત નામનો પુત્ર અને દૃઢચ્યુતનો પુત્ર ઇદ્મવાહ થયો.
અંતે રાજા મલયધ્વજ પૃથ્વીને પુત્રોમાં વહેંચી અને શ્રીકૃષ્ણની ભક્તિ કરવા મલયપર્વત પર ગયા. તે સમયે જેમ ચંદ્રિકા ચંદ્રને અનુસરે તેમ મત્તલોચના વૈદર્ભી પણ ઘર, પુત્ર, સઘળા ભોગ ત્યજીને પાંડ્યનરેશની પાછળ પાછળ ચાલી નીકળી. ત્યાં ચન્દ્રવસા, તામ્રપર્ણી અને વટોદકા નામની ત્રણ નદીઓ હતી. રાજા તેમના પવિત્ર જળમાં સ્નાન કરીને નિત્ય શરીર અને અંત:કરણને નિર્મલ કરતા હતા. ત્યાં રહીને તેમણે કંદ, બીજ, મૂલ, ફળ, પુષ્પ, પાંદડાં, તૃણ, જળથી જ નિર્વાહ ચલાવી કઠોર તપ આદર્યું. આને કારણે તેઓ સુકાઈ ગયા. રાજાએ સર્વત્ર સમદૃષ્ટિ રાખીને ઠંડી-ગરમી, વરસાદ-પવન, ભૂખ-તરસ, પ્રિય-અપ્રિય, સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વ જીતી લીધાં. તપ અને ઉપાસનાથી વાસના નિર્મૂલ કરી યમનિયમ દ્વારા ઇન્દ્રિય, પ્રાણ અને મનને વશ કરીને આત્મામાં જ રમમાણ રહ્યા. આમ સો વર્ષો સુધી થાંભલાની જેમ નિશ્ચલ ભાવથી એક જ સ્થાને બેસી રહ્યા. ભગવાન વાસુદેવમાં ઉત્કટ પ્રેમ હોવાને કારણે કેટલાય સમય સુધી તેમને શરીરનું પણ ભાન ન રહ્યું. શ્રીહરિના ઉપદેશથી તથા પોતાના અંત:કરણમાં બધી બાજુથી સ્ફુરિત થનારા શુદ્ધ જ્ઞાનદીપથી તેમણે જોયું કે અંત:કરણવૃત્તિનો પ્રકાશક આત્મા સ્વપ્નની જેમ દેહાદિ સમસ્ત ઉપાધિઓમાં વ્યાપ્ત છે અને તેનાથી ભિન્નપણે આવો અનુભવ કરી તેઓ બધી રીતે ઉદાસીન થઈ ગયા. પછી પોતાના આત્માને પરબ્રહ્મમાં અને પરબ્રહ્મને આત્મામાં એકરૂપ થયેલા જોયા. છેલ્લે આ અભેદ ચિંતનને ત્યજીને સર્વથા શાંત થઈ ગયા.
આ વેળા પતિપરાયણ વૈદર્ભી બધા ભોગ ત્યજીને પરમધર્મજ્ઞ પતિની સેવા પ્રેમપૂર્વક કરતી હતી. તેનું શરીર પણ વ્રત-ઉપવાસથી કંતાઈ ગયું હતુું. માથાના વાળ પણ ગૂંચવાઈ ગયા હતા. પોતાના પતિની પાસે ધુમાડા વિનાની અગ્નિની શાંત શિખાની જેમ શોભતી હતી. તેના પતિ તો પરલોકવાસી થઈ ચૂક્યા હતા, અને છતાં સ્થિર આસન પર બેઠા હતા. આનો ખ્યાલ ન આવવાથી તે તેમની પાસે જઈને પહેલાંની જેમ સેવા કરવા લાગી. ચરણસેવા કરતી વેળા તેને પતિના ચરણોમાં જરાય ઉષ્મા ન વરતાઈ એટલે જૂથથી વિખૂટી પડેલી હરણીની જેમ તે વ્યાકુળ થઈ ઊઠી. તે ભયાનક વનમાં પોતાને એકલી તથા લાચાર જોઈને ખૂબ જ વિહ્વળ બની ગઈ. અશ્રુધારાથી સ્તનમંડળને પલાળતી મોટે મોટેથી તે રડવા લાગી. તે બોલી, ‘રાજર્ષિ, ઊઠો — ઊઠો. સમુદ્રથી ઘેરાયેલી આ પૃથ્વી લૂંટારા અને અધાર્મિક લોકોથી ભયભીત થઈ ગઈ છે, તમે એની રક્ષા કરો.’ પતિની સાથે વનમાં ગયેલી રાણી આમ રડતીકકળતી પતિની ચરણોમાં પડી ગઈ અને રડી રડીને અશ્રુપાત કરવા લાગી. લાકડીઓની ચિતા રચી પતિનું શબ ગોઠવ્યું અને અગ્નિ ચાંપી વિલાપ કરતી પોતે પણ સતી થવાનો નિશ્ચય તેણે કર્યો. તે જ વેળાએ તેનો કોઈ જૂનો મિત્ર આત્મજ્ઞાની બ્રાહ્મણ તેની પાસે આવ્યો. રડતી સ્ત્રીને મધુર વચનોથી સમજાવવા લાગ્યો.
‘તું કોણ છે? કોની પુત્રી છે, અને જેને માટે તું શોક કરી રહી છે તે કોણ છે? શું તું મને નથી ઓળખતી? હું તારો મિત્ર, મારી સાથે તું ફર્યા કરતી હતી? હું એક સમયે તારો મિત્ર અવિજ્ઞાત હતો. તું પૃથ્વીના ભોગ ભોગવવા યોગ્ય નિવાસસ્થાનની શોધમાં મને મૂકીને જતો રહ્યો હતો. આપણે બંને હજારો વર્ષ સુધી નિવાસસ્થાન વિના જ રહ્યા હતા. પણ મિત્ર, તું વિષયભોગની ઇચ્છાથી મને છોડીને આ પૃથ્વી પર આવી ગયો. અહીં ભમતા ભમતા એક સ્ત્રીએ ઊભું કરેલું સ્થાન જોયું. તેમાં પાંચ ઉદ્યાન, નવ દ્વાર, એક દ્વારપાલ, ત્રણ પ્રાકાર, છ વૈશ્યકુલ, પાંચ બજાર હતા. રાજન્, ઇન્દ્રિયોના પાંચ વિષય એટલે પાંચ ઉદ્યાન, નવ ઇન્દ્રિય દ્વાર, તેજ, જળ, અને અન્ન એટલે ત્રણ પ્રાકાર મન અને પાંચ જ્ઞાનેન્દ્રિય એટલે છ વૈશ્યકુલ, ક્રિયાશક્તિ રૂપ કર્મેન્દ્રિયો એટલે બજાર, પાંચ ભૂત એટલે ક્યારેય ક્ષીણ ન થનારા ઉપાદાન કારણ, બુદ્ધિશક્તિ તેની સ્વામિની. આ એવું નગર જેમાં પ્રવેશ કરીને પુરુષ જ્ઞાનહીન થઈ જાય. આ નગરમાં તેની સ્વામિનીની જાળમાં ફસાઈને તું વિહાર કરતો રહ્યો, પોતાના સ્વરૂપને ભૂલી ગયો, અને એના સંગથી તારી આ દુર્દશા થઈ.
તું નથી વિદર્ભ રાજાની પુત્રી, નથી આ તારો પતિ, જેણે તને નવ દ્વારોના નગરમાં બંધ કર્યો તે પુરંજનીનો પતિ પણ તું નથી. તું આગલા જન્મમાં પોતાને પુરુષ માનતો હતો, આ જન્મમાં સ્ત્રી માને છે. આ બધી મારી માયા છે. વાસ્તવમાં તું નથી પુરુષ, નથી સ્ત્રી. આપણે બંને હંસ છે. આપણું જે વાસ્તવિક શરીર છે તેનો અનુભવ કર. ંમિત્ર હું ઈશ્વર, તું જીવ. જે તું છે તે જ હું છું. આપણા બેમાં જરાય અંતર નથી. જેવી રીતે એક પુરુષ પોતાના શરીરના પ્રતિબિંબને દર્પણમાં અને કોઈ વ્યક્તિના નેત્રમાં જુએ છે તેમ એક જ આત્મા વિદ્યા અને અવિદ્યાના ભેદથી પોતાને ઈશ્વર તથા જીવના રૂપમાં જુએ છે.’
આમ જ્યારે ઈશ્વરે તેને સચેત કર્યો ત્યારે તે માનસસરોવરનો હંસ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો અને પોતે વિસ્મૃત કરેલા આત્મજ્ઞાનને પામી બેઠો…
(અધ્યાય ૨૮)
કૃષ્ણજન્મકથા
ભૂતકાળમાં લાખો દૈત્યોએ અભિમાની રાજાઓનું રૂપ લઈને પોતાના ભારથી પૃથ્વીને કચડી નાખી હતી. તેમાંથી બચવા માટે પૃથ્વી બ્રહ્મા પાસે ગાયનું રૂપ લઈને ગઈ. તેની આંખોમાંથી આંસુ વહીને મોં પર આવતાં હતાં. તેનાં તનમન સાવ કંતાઈ ગયાં હતાં. તેણે પોતાની આખી કથા કહી. પછી બ્રહ્મા શંકર ભગવાનને, પૃથ્વીને તથા મુખ્ય દેવતાઓને લઈને ક્ષીરસાગરને કાંઠે ગયા. ત્યાં જગતના એક માત્ર સ્વામી ભક્તોની ભીડ ભાંગવા બેઠા હતા. બધાએ પુરુષસૂક્ત વડે ભગવાનની સ્તુતિ કરી. એટલે આકાશવાણી થઈ અને તે સાંભળીને બ્રહ્માએ કહ્યું, ‘મેં ભગવાનની વાણી સાંભળી છે અને હવે તમે મારી પાસેથી સાંભળો, તેનું પાલન કરો. પૃથ્વીની દારુણ કથા તે જાણે છે. તેઓ પૃથ્વી પર અવતરી લીલા કરશે અને તમારે યદુકુલમાં જન્મીને તેમની લીલામાં સાથ આપવાનો. વસુદેવને ત્યાં ભગવાન જન્મ લેશે, તેમની અને તેમની પ્રિયાની સેવા માટે દેવાંગનાઓ જન્મ લે. ભગવાન શેષ પણ તેમના મોટા ભાઈના રૂપે જન્મ લેશે. જગતભરને મોહ પમાડનારી ભગવાનની ઐશ્વર્યશાલિની યોગમાયા પણ તેમની લીલાનું કાર્ય પૂરું કરવા અવતાર લેશે.’ આમ પ્રજાપતિ બ્રહ્મા દેવતાઓને આજ્ઞા આપી અને પૃથ્વીને ધીરજ બંધાવી પોતાના લોકમાં ચાલ્યા ગયા. ભૂતકાળમાં યદુવંશી રાજા હતા શૂરસેન. તેઓ મથુરામાં રહી માથુરમંડલ અને શૂરસેનમંડલ પર શાસન કરતા હતા ત્યારથી મથુરા સમગ્ર યદુવંશી રાજાઓની રાજધાની થઈ હતી. એક વાર શૂરના પુત્ર વસુદેવ વિવાહ કરીને નવવિવાહિતા દેવકીને લઈને ઘેર જઈ રહ્યા હતા. તેમની સાથે બેઠેલા ઉગ્રસેનના પુત્ર કંસે પોતાની પિત્રાઈ બહેનને પ્રસન્ન કરવા રથ પોતે હાંકવા માંડ્યો. તે રથની સાથે સેંકડો સુવર્ણરથ હતા. દેવકીના પિતા દેવકને પુત્રી બહુ વહાલી હતી. કન્યાને વળાવતી વખતે સુવર્ણહારથી અલંકૃત કરેલા ચારસો હાથી, પંદર હજાર અશ્વ, અઢારસો બીજા રથ, સુંદર રીતે સજાવેલી બસો દાસીઓ પહેરામણીમાં આપ્યાં હતાં. કન્યાવિદાય વેળાએ વરવધૂના મંગલ માટે એક સાથે શંખ, તૂર, મૃદંગ અને દુંદુભિઓના ધ્વનિ થયા. કંસ જે વેળા અશ્વોની લગામ પકડીને રથ ચલાવી રહ્યો હતો તે વેળા આકાશવાણીએ કંસને કહ્યું, ‘અરે મૂર્ખ, તું જેને રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે તે દેવકીનો આઠમો પુત્ર તને મારી નાખશે.’ કંસ હતો તો પાપી. તેની દુષ્ટતાની કોઈ સીમા ન હતી. તે ભોજવંશનું કલંક હતો. આકાશવાણી સાંભળીને તેણે દેવકીનો ચોટલો પકડીને તેને મારી નાખવા તલવાર ઉગામી. આ જોઈ વસુદેવે તેને શાંત કરતાં કહ્યું, ‘તમે ભોજવંશના ઉત્તમ રાજવી, કુળની કીર્તિ વધારનાર, તમારા ગુણોની પ્રશંસા તો ભલભલા શૂરવીરો કરે છે. એક તો આ સ્ત્રી, વળી તમારી બહેન, અને વિવાહનો પ્રસંગ. આવી સ્થિતિમાં તમે તેને મારો કેવી રીતે? જે જન્મે છે તે આજે નહીં તો સો વરસે પણ મૃત્યુ તો પામે જ છે. શરીર જ્યારે નાશ પામે છે ત્યારે જીવ પોતાના કર્મ પ્રમાણે બીજા શરીરમાં પ્રવેશે છે. જેવી રીતે માનવી ચાલતી વખતે એક પગ ઉપાડીને બીજો પગ મૂકે છે તેવી રીતે જીવ પણ એકમાંથી બીજામાં પ્રવેશે છે. … આ તમારી બહેને હજુ તો લગ્નનો શણગાર પણ ઉતાર્યો નથી તો તમારે એનો વધ કરવો ન જોઈએ.’ આમ ઘણી બધી રીતે વસુદેવે કંસને સમજાવ્યો પણ તે તો રાક્ષસી સ્વભાવવાળો થઈ રહ્યો હતો. તે તો દેવકીને મારી જ નાખવા માગતો હતો. વસુદેવે કંસની આ સ્થિતિ જોઈ વિચાર કર્યો કે હમણાં તો આ વાત ટાળવી જોઈએ. હું કંસને મારા પુત્ર આપવાની વાત કરું. અત્યારે તો દેવકીને બચાવી લઉં. મારા પુત્ર જન્મે ત્યાં સુધીમાં કંસ પોતે મૃત્યુ પામે અથવા મારો પુત્ર જ તેને મારી નાખે. વિધાતાની ગતિ તો કોણ પામી શકે? પછી વસુદેવે પાપી કંસની પ્રશંસા દુઃખી થઈને કરી, પોતાના મોંને હસતું રાખીને કહ્યું, ‘તમને દેવકીનો તો કોઈ ભય નથી. ભય છે તો પુત્રોથી, તો હું તમને એના પુત્રો આપી દઈશ.’ કંસ એટલું તો જાણતો હતો કે વસુદેવ સત્યવાદી છે અને તેમની વાત તેને સાચી પણ લાગી. એટલે બહેન દેવકીને મારી નાખવાનો વિચાર માંડી વાળ્યો. વસુદેવ પ્રસન્ન થઈ પોતાને ઘેર ગયા. દેવકી સતીસાધ્વી હતી, તેના શરીરમાં બધા દેવતા રહેતા હતા. સમયાનુસાર દેવકીએ આઠ પુત્ર અને એક કન્યાને જન્મ આપ્યો. પહેલા પુત્રનું નામ કીર્તિમાન, તેને લઈને કંસ આગળ ધરી દીધો. આમ કરતાં દુઃખ તો થયું પણ જિતેન્દ્રિય તો ત્યાગ કરી શકે. કંસે જોયું કે વસુદેવ તો પુત્રના જન્મ અને મૃત્યુને સમાન ભાવે જુએ છે ત્યારે તેણે પ્રસન્ન થઈને કહ્યું, ‘તમે આ નાના સુકુમાર પુત્રને લઈ જાઓ. મને તેનાથી કોઈ ભય નથી. આકાશવાણીએ તો આઠમા પુત્રની વાત કરી હતી.’ વસુદેવ ‘ભલે’ કહીને પુત્રને લઈને ઘેર આવ્યા. પણ તે જાણતા હતા કે કંસ બહુ દુષ્ટ છે અને તે ગમે ત્યારે ફરી જાય એવો છે. આ સમયે નારદ મુનિ કંસ પાસે આવ્યા, તેમણે કંસને કહ્યું, ‘ વ્રજવાસી બધા ગોપ, તેમની પત્નીઓ, વસુદેવ અને બીજા યાદવો, તેમનાં સ્વજનો બધા દેવતા છે. જે અત્યારે તારી સેવા કરે છે તે પણ દેવતા છે. દાનવોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે એટલે તેમના વધની તૈયારીઓ ચાલી રહી છે.’ આમ કહી નારદમુનિ તો જતા રહ્યા, કંસને પ્રતીતિ થઈ ગઈ કે યાદવો દેવતા છે અને દેવકીના પેટે ભગવાન વિષ્ણુ મને મારવા જન્મશે. એટલે તેણે વસુદેવ અને દેવકીને બેડીઓ પહેરાવી કારાવાસમાં નાખી દીધા. તેમના બધા પુત્રોનો વધ કરતો ગયો. તે વખતે તેને શંકા રહેતી કે રખે ને વિષ્ણુ બાળક રૂપે આવી તો નથી ગયા ને? કંસને એ તો જાણ હતી કે હું પૂર્વભવમાં કાલનેમિ નામનો અસુર હતો અને મને વિષ્ણુ ભગવાને મારી નાખ્યો હતો. એટલે તેણે યાદવો સાથે વેર બાંધ્યું. તેણે યદુ, ભોજ અને અંધક વંશના અધિનાયક પિતા ઉગ્રસેનને કારાવાસમાં નાખી પોતે શૂરસેનદેશ પર રાજ કરવા લાગ્યો. કંસ પોતે તો બળવાન હતો જ. વળી મગધરાજ જરાસંધ સાથે તેને સારું બનતું હતું. તે ઉપરાંત પ્રલંબાસુર, બકાસુર, ચાણૂર, તૃણાવર્ત, અઘાસુર, મુષ્ટિક, અરિષ્ટાસુર, પૂતના, કેશી, ધેનુક, બાણાસુર, ભૌમાસુર જેવાઓની સહાયથી યાદવોનો નાશ કરવા લાગ્યો. તેઓ ગભરાઈને કુરુ, પંચાલ, કેકય, શાલ્વ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કોસલ જેવાં રાજ્યોમાં જતા રહ્યા. કેટલાક ઉપર ઉપરથી તેની સેવા કરતા રહ્યા. આમ કરતાં કરતાં દેવકીનાં છ બાળક મારી નાખ્યાં. હવે દેવકીના પેટે શેષ નારાયણ પ્રવેશ્યા. તેને કારણે દેવકીને બહુ આનંદ થયો. કદાચ આને પણ કંસ મારી નાખે એ વિચારથી તે દુઃખી પણ થયાં. ભગવાને જોયું કે મને સર્વસ્વ માનવાવાળા યાદવોને કંસ ત્રાસ આપી રહ્યો છે ત્યારે તેમણે યોગમાયાને કહ્યું, ‘તું ગોપલોકો, નંદબાવા અને ગાયોથી શોભતા વ્રજમાં જા. ત્યાં નંદના ગોકુળમાં વસુદેવની પત્ની રોહિણી રહે છે. તેમની બીજી પત્નીઓ કંસથી ડરીને બીજે જતી રહી છે. અત્યારે મારો અંશ શેષ દેવકીના ગર્ભમાં છે. તું તેને ત્યાંથી હટાવી રોહિણીના ઉદરમાં નાખી આવ. હું મારા સમસ્ત જ્ઞાન, બળ સાથે દેવકીનો પુત્ર બનીશ. તારે નંદની પત્ની યશોદાના પેટે જન્મ લેવાનો છે. તું લોકોને મનપસંદ વરદાન આપી શકીશ. બધા માનવીઓ તેમની અભિલાષા પૂર્ણ કરવાવાળી તને માની તારી પૂજા કરશે. તારાં ઘણાં થાનક ઊભાં કરશે. તને દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા, અંબિકા જેવાં નામે ઓળખશે. દેવકીના ગર્ભમાંથી ખેંચી કાઢવાને લીધે શેષને બધા સંકર્ષણ કહેશે, લોકરંજન કરવાને કારણે રામ કહેશે અને બળવાનોમાં શ્રેષ્ઠ હોવાને કારણે બલભદ્ર પણ કહેશે.’ ભગવાનની આજ્ઞા માથે ચઢાવી તેમની પ્રદક્ષિણા કરી તે પૃથ્વીલોકમાં આવી ચઢી અને તેણે ભગવાને જેમ કહ્યું હતું તેમ કર્યું. દેવકીનો ગર્ભ રોહિણીના ઉદરમાં મૂકી દીધો ત્યારે દેવકીનો ગર્ભ નાશ પામ્યો તે જોઈને નગરજનો દુઃખી થયા. ભગવાન તો સર્વવ્યાપી છે. તેઓ વસુદેવના મનમાં પોતાની બધી કળાઓ સમેત પ્રગટ થયા. ભગવાનની જ્યોતિ ધારણ કરવાને કારણે તે સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા. તેમને જોઈને લોકોની આંખો અંજાઈ જતી. કોઈ પણ વ્યક્તિ પોતાનાં બળ, વાણી કે પ્રભાવથી તેમને ઢાંકી શકતી નહીં. ભગવાનના એ જ્યોતિર્મય અંશને વસુદેવે ગ્રહણ કર્યો અને પછી દેવકીએ ગ્રહણ કર્યો. જેવી રીતે પૂર્વ દિશા ચંદ્રને ધારણ કરે છે તેવી રીતે શુદ્ધ સત્ત્વસંપન્ન દેવકીએ વિશુદ્ધ મનથી ભગવાનને ધારણ કર્યા. દેવકી ભગવાનનું નિવાસસ્થાન બની ગઈ. તેમની કાંતિથી કારાગૃહ ઝગમગવા લાગ્યું. કંસે જ્યારે દેવકીને જોયાં ત્યારે મનોમન તે બોલ્યો, ‘હવે મારા પ્રાણઘાતક વિષ્ણુએ તેના ઉદરમાં પ્રવેશ કર્યો છે. પહેલાં તે આવી દેખાતી ન હતી. હવે મારે આમાં તરત ને તરત તો શું કરવું જોઈએ? દેવકીનો વધ તો ન થાય. વીર પુરુષ સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. એક તો તે સ્ત્રી છે, બીજું તે સગર્ભા છે, અને પાછી મારી બહેન છે. તેને મારવાથી તો મારાં કીર્તિ, લક્ષ્મી અને જીવાદોરી નાશ પામવાનાં. જે ક્રૂરતા આચરે છે તે જીવતો હોવા છતાં મરેલો છે. તેના મૃત્યુ પછી લોકો તેને ગાળો આપે છે. તે ઘોર નરકમાં પણ જાય છે.’ જો કે કંસ દેવકીનો વધ કરી શકતો હતો પરંતુ તે પોતાના ક્રૂર વિચારથી દૂર જતો રહ્યો. હવે ભગવાન પ્રત્યેના વેરને યાદ રાખીને તે તેમના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યો. તે ઊઠતાંબેસતાં, ઊંઘતાં કે જાગતાં, હાલતાંચાલતાં શ્રીકૃષ્ણનું જ ધ્યાન ધરતો રહ્યો. જ્યાં તેની આંખ પડતી ત્યાં તેને શ્રીકૃષ્ણ દેખાતા હતા. ભગવાન શંકર, બ્રહ્મા, દેવતાઓ અને નારદ વગેરે ઋષિઓ કારાગૃહમાં આવ્યા. તેઓ ભગવાનની સ્તુતિ કરીને જતા રહ્યા. હવે શુભ ગુણવાળો સમય આવી પહોંચ્યો. રોહિણી નક્ષત્ર હતું. આકાશી ગ્રહનક્ષત્રો સૌમ્ય થયાં. દિશાઓ સ્વચ્છ હતી. ધરતી પરનાં મોટાં મોટાં નગર, આહીરોની વસતી, અને હીરામોતીની ખાણો મંગલમય બની રહી. નદીઓનું પાણી નિર્મળ થયું. રાતે પણ સરોવરોમાં કમળ ખીલ્યાં. વૃક્ષો રંગબેરંગી પુષ્પોથી ભરચક થયાં. પક્ષીઓનું કૂજન અને ભમરાઓનો ગુંજારવ થવા માંડ્યાં. શીતળ, મધુર, સુવાસિત પવન વાતો હતો. કંસને કારણે બ્રાહ્મણોના અગ્નિહોત્રો બંધ હતા તે આપોઆપ ચાલુ થયા. સાધુલોકો પહેલેથી ઇચ્છતા હતા કે અસુરોની સંખ્યા ન વધે. હવે તે બધા રાજી રાજી થઈ ગયા. ભગવાનના જન્મનો અવસર આવ્યો કે સ્વર્ગમાં દેવતાઓનાં દુંદુભિ આપોઆપ વાગવા માંડ્યાં, કિન્નર અને ગંધર્વ મધુર સ્વરે ગાવા લાગ્યા. સિદ્ધ અને ચારણ ભગવાનના મંગલ ગુણોની સ્તુતિ કરવા લાગ્યા. અપ્સરાઓની સાથે વિદ્યાધરીઓ નૃત્ય કરવા લાગી. મોટા મોટા દેવતા અને ઋષિમુનિઓ પુષ્પવર્ષા કરવા લાગ્યા. જલભરેલાં વાદળ સાગર પાસે જઈને ધીરે ધીરે ગરજવા લાગ્યાં. જન્મમૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા ભગવાનનો જન્મસમય હતો મધરાત. ચારે બાજુએ અંધકારનું સામ્રાજ્ય હતુું. તે જ વેળા દેવકીના ઉદરમાંથી ભગવાને જન્મ લીધો, જાણે પૂર્વ દિશામાં બધી જ કળાઓથી પૂર્ણ ચંદ્રનો ઉદય થયો! વસુદેવે જોયું, તેમની સામે એક અદ્ભુત બાળક છે. તેનાં નેત્ર કમળ જેવાં કોમળ અને વિશાળ છે. ચાર સુંદર હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ છે. વક્ષ:સ્થળે શ્રીવત્સ ચિહ્ન છે, ગળામાં કૌસ્તુભમણિ છે. ઘનશ્યામ કાયા પર સુંદર પીતાંબર છે. વાંકડિયા વાળ, કમરે લટકતા કંદોરા, હાથે બાજુબંધ, કંકણ: આ આભૂષણોને કારણે બાળકની કાંતિ અદ્ભુત લાગતી હતી. વસુદેવે જોયું કે મારા પુત્ર તરીકે ભગવાન જ આવ્યા છે ત્યારે આનંદિત થઈને તેમણે ભગવાનની સ્તુતિ કરવા માંડી. પછી માતા દેવકીએ પણ સ્તુતિ કરી. ભગવાને પણ તેમને બંનેને તેમના પાછલા જન્મોની વાત કરી. પછી પોતાની યોગમાયા વડે સામાન્ય બાળક બની ગયા. વસુદેવે પુત્રને લઈને સૂતિકાગૃહમાંથી બહાર જવાની ઇચ્છા કરી. તે જ વખતે નંદપત્ની યશોદાએ યોગમાયાને જન્મ આપ્યો. તે યોગમાયાએ દ્વારપાળ, નગરજનોની ચેતના હરી લીધી. બધા બેસુધ થઈને ઢળી પડ્યા. કારાગૃહનાં બારણાં બંધ હતાં. તેમાં લોખંડી સાંકળો અને તાળાં હતાં. વસુદેવ ભગવાનને હાથમાં લઈને જ્યાં આગળ ચાલ્યા કે તરત બધાં બારણાં આપોઆપ ખૂલી ગયાં. વાદળ ધીરે ધીરે ગરજીને વરસવા લાગ્યાં. શેષ ભગવાને પોતાની ફેણ વડે પાણીને બાળક પર પડતું અટકાવ્યું, તે દિવસોમાં અવારનવાર વરસાદ પડતો હતો એટલે યમુનામાં પૂર આવ્યું હતું. તરલ તરંગોના કારણે ફીણ ફીણ થયાં હતાં. જેવી રીતે સીતાપતિ રામને સમુદ્રે માર્ગ આપ્યો હતો તેવી રીતે યમુનાએ માર્ગ આપ્યો. વસુદેવે ગોકુળમાં જઈને જોયું તો બધા ગોપ બેસુધ હતા. તેમણે પોતાના પુત્રને યશોદાની સોડમાં સૂવડાવી દીધો અને તેમની નવજાત કન્યાને લઈને કારાગૃહમાં આવી ગયા. દેવકીની પાસે પેલી કન્યાને સૂવડાવી દીધી. પોતાના પગે સાંકળો બાંધી દીધી. નંદપત્નીને એટલી તો જાણ થઈ કે પ્રસવ થયો છે પણ તેમને એ જાણ ન થઈ કે પુત્ર છે કે પુત્રી. પ્રસૂતિનો ભાર પણ હતો અને યોગમાયાએ તેમને અચેત કરી દીધાં હતાં. વસુદેવ પાછા ફર્યા એટલે કારાગૃહનાં દ્વાર પહેલાંની જેમ જ બંધ થઈ ગયાં. પછી નવજાત બાળકનું રુદન સાંભળીને દ્વારપાળોએ દેવકીને બાળક જન્મ્યું છે તેવા સમાચાર કંસને આપ્યા. કંસ તો આ સમાચારની પ્રતીક્ષા આકુળવ્યાકુળ થઈને કરી રહ્યો હતો. તે સમાચાર સાંભળતાં વેંત પલંગમાંથી ઊભો થયો અને સૂતિકાગૃહે જવા ધસ્યો. અત્યારે તો મારા કાળનો જન્મ થયો છે એમ માનીને તે વિહ્વળ થયો અને પોતાના વિખરાયેલા કેશનો પણ તેને ખ્યાલ ન રહ્યો. રસ્તે કેટલીય વાર પડતાં પડતાં રહી ગયો. કારાગૃહમાં દેવકીએ કંસને કહ્યું, ‘ભાઈ, આ કન્યા તો તારી પુત્રવધૂ જેવી છે. સ્ત્રી છે, તારે સ્ત્રીની હત્યા નહીં કરવી જોઈએ. તેં અત્યાર સુધી મારાં બધાં બાળકનો વધ કર્યો છે, હવે આ એક કન્યા જ બચી છે, મને તે આપ. હું તારી નાની બહેન છું. મને, મંદભાગિનીને આ એક સંતાન આપ.’ પોતાની સોડમાં કન્યા રાખીને દેવકીએ દુઃખી થઈને યાચના કરી પણ કંસે તે કન્યા આંચકી લીધી. નવજાત બાળકીના પગ પકડીને એક શિલા પર પછાડી. તે કન્યા સાધારણ તો હતી નહીં, તે તો તેના હાથમાંથી છટકી ગઈ અને આઠ હાથમાં શસ્ત્ર લઈને આકાશમાં દેખાઈ. તેના શરીરે દિવ્ય માળા, વસ્ત્ર, ચંદન અને મણિમય આભૂષણો હતાં. તેના હાથમાં ધનુષ, ત્રિશૂળ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર, ગદા હતાં. સિદ્ધ, ચારણ, ગંધર્વ, અપ્સરા, કિન્નર, નાગ તેની સ્તુતિ કરતા હતા. તે વેળા દેવીએ કંસને કહ્યું, ‘અરે મૂર્ખ, મને મારીને તને શું મળશે? તારા પૂર્વજન્મનો શત્રુ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. હવે તું નિર્દોષ બાળકોની હત્યા ના કરીશ.’ આમ કહીને તે યોગમાયા જતી રહી અને પૃથ્વીનાં અનેક સ્થળે તે ભિન્ન ભિન્ન નામે પ્રસિદ્ધ થઈ. દેવીની વાત સાંભળીને કંસને બહુ નવાઈ લાગી. તે જ વેળા વસુદેવ અને દેવકીને કારાગૃહમાંથી છોડી દીધાં અને નમ્રતાથી તે બોલ્યો, ‘મારા બહેન, બનેવી, હું ખરેખર પાપી છું. રાક્ષસ જેવી રીતે પોતાનાં જ બાળકોને મારી નાખે તેવી રીતે મેં તમારાં બાળકો મારી નાખ્યાં. મને બહુ દુઃખ થાય છે. મારામાં દયાભાવ જ ન હોય એવો દુષ્ટ હું થઈ ગયો છું. મેં મારા ભાઈ, બાંધવોને દૂર કર્યા, ન જાણે હું કયા નરકમાં જઈશ. હું બ્રહ્મઘાતીની જેમ જીવતો હોવા છતાં મરેલો છું. માત્ર મનુષ્યો જ અસત્ય નથી બોલતા, વિધાતા પણ અસત્ય બોલે છે. તેની વાત માનીને મેં બહેનના પુત્ર મારી નાખ્યા. હું કેવો પાપી! તમે બંને મહાન છો. પુત્રોનો શોક ન કરતા. તેમને તેમના કર્મનું ફળ મળ્યું. … મને ક્ષમા કરો.’ એમ કહીને તેણે વસુદેવ અને દેવકીના પગ પકડી લીધા. તેની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. દેવકીએ જોયું કે કંસ પસ્તાઈ રહ્યો છે એટલે તેમણે ક્ષમા આપી. વસુદેવે કંસને કહ્યું, ‘તમારી વાત સાચી.’ અને પછી નિષ્કપટ ભાવથી થોડી વાતો કરી. પછી કંસ તેમની રજા લઈ પોતાના મહેલમાં જતો રહ્યો. બીજે દિવસે સવારે કંસે પોતાના મંત્રીઓને બોલાવી યોગમાયાએ કહેલી બધી વાત કરી. કંસના મંત્રી નીતિજ્ઞ ન હતા. દૈત્ય હોવાને કારણે તેઓ દેવોના દુશ્મન હતા. રાજા કંસની વાત સાંભળીને તેઓ દેવતાઓ પર વધુ ચિડાઈ ગયા અને કંસને કહેવા લાગ્યા, ‘ભોજરાજ, જો વાત આમ હોય તો મોટાં મોટાં નગરોમાં, નાનાં નાનાં ગામોમાં, આહીરોની વસતીમાં અને બીજે જ્યાં પણ બાળકો જન્મ્યાં હોય, તે દસ દિવસનાં હોય કે એથી નાનાં હોય અમે એમને મારી નાખીશું. યુદ્ધથી ડરી જનારા દેવલોકો શું કરી લેવાના છે? તમારા ધનુષનો ટંકાર સાંભળીને તો ગભરાઈ જાય છે. તમે જ્યાં તેમના પર આક્રમણ કરવા માંડો છો ત્યાં તે ઘવાઈને ભાગી જાય છે. કેટલાક પોતાનાં અસ્ત્રશસ્ત્ર નીચે નાખી દે છે અને બે હાથ જોડીને તમારી દયા માગે છે. કેટલાક તો તમારી પાસે આવીને કરગરે છે, ‘અમારી રક્ષા કરો, અમે શરણમાં આવ્યા છીએ.’ જે અસ્ત્રશસ્ત્ર ભૂલી ગયા હોય, જેમના રથ ભાંગી ગયા હોય, યુદ્ધ છોડીને અન્યમનસ્ક થઈ ગયા હોય, જેમનું ધનુષ તૂટી ગયું હોય, યુદ્ધથી પીછેહઠ કરી હોય તેમના પર તમે પ્રહાર કરતા નથી. જ્યાં કોઈ લડાઈ ન હોય ત્યાં દેવલોકો વીર બને છે. રણભૂમિની બહાર શેખી મારે છે. તેમનાથી કે એકાંતવાસી વિષ્ણુ, વનવાસી શંકર, અલ્પશક્તિશાળી ઇન્દ્ર, તપસ્વી બ્રહ્મા: આ બધાથી આપણને કયો ભય છે? છતાં દેવતાઓની ઉપેક્ષા કરવી નહીં. કારણ કે તેઓ છે તો શત્રુ. તેમને જડમૂળથી ઉખાડી નાખવા હોય તો અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોને કામ સોંપી દો. રોગ શરીરમાં દાખલ થાય અને જો તેનો ઉપાય કરવામાં ન આવે તો રોગ અસાધ્ય બની જશે. એવી જ રીતે જો શત્રુની ઉપેક્ષા કરી તો તેમને જીતવા અઘરા થાય. દેવતાઓને મૂળ આધાર છે વિષ્ણુ. સનાતન ધર્મના મૂળમાં છે વેદ, ગાય, બ્રાહ્મણ, તપ, યજ્ઞ. એટલે હે મહારાજા, અમે વેદવાદી બ્રાહ્મણો, તપસ્વી, યાજ્ઞિક અને યજ્ઞમાં વપરાતા પદાર્થો, ગાયો આ બધાંનો નાશ કરીએ. બ્રાહ્મણ, ગાય, વેદ, તપ, સત્ય, ઇન્દ્રિયદમન, મનોનિગ્રહ, શ્રદ્ધા, દયા, તિતિક્ષા અને યજ્ઞ વિષ્ણુનું શરીર છે. આ વિષ્ણુ બધા દેવોનો સ્વામી છે અને અસુરોનો શત્રુ છે. તે કોઈ ગુફામાં ભરાઈ બેઠો છે. મહાદેવ, બ્રહ્મા અને બધા દેવતાઓના મૂળમાં તે છે. ઋષિઓને મારી નાખવાથી તેનું મરણ થશે.’ કંસ તો આમેય ભ્રષ્ટ બુદ્ધિનો હતો, તેમાં વળી તેનાથી પણ વધારે દુષ્ટ મંત્રીઓ હતા. મંત્રીઓની વાત માની લીધી અને નિર્ધાર કર્યો કે બ્રાહ્મણોનો વધ કરીએ. તે હંસિક કંસે ઋષિમુનિઓને મારી નાખવાનો આદેશ રાક્ષસોને આપ્યો. તેઓ ઇચ્છાનુસાર રૂપ બદલી શકતા હતા. તેઓ આમતેમ ગયા એટલે કંસે મહેલમાં પ્રવેશ કર્યો. અસુરોની પ્રકૃતિ રજોગુણી, તમોગુણને કારણે કંસનું ચિત્ત યોગ્યઅયોગ્યનો વિવેક કરી શકતું ન હતું. તેમના માથે મોત હતું. એટલે જ તેમણે સાધુઓનો વિરોધ કર્યો. નંદબાવા બહુ મનસ્વી અને ઉદાર હતા. પુત્રજન્મથી તેમનું હૃદય અપૂર્વ આનંદથી છલકાઈ ઊઠ્યું. સ્નાન કરીને સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યાં. વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિવાચન અને પુત્રના જાતકર્મસંસ્કાર કરાવ્યા. દેવતાઓ અને પિતૃઓની વિધિવત્ પૂજા કરી. બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણ આપ્યાં અને બે લાખ ગાય આપી. રત્ન અને સુંદર વસ્ત્રોથી ઢાંકેલા તલના સાત પહાડ દાનમાં આપ્યા… બ્રાહ્મણો, સૂત, માગધ અને બંદીજનો વગેરેએ આશીર્વાદ આપ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. ગાયક ગાવા લાગ્યા, ભેરી અને દુંદુભિ વાગવાં લાગ્યાં. વ્રજમંડલનાં બધાં ઘરોનાં આંગણામાં અને અંદર સુવાસિત જળનો છંટકાવ થયો. ચિત્રવિચિત્ર ધ્વજાપતાકા, પુષ્પમાળા, વંદનવારથી બધું સુશોભિત થયું. ગાય, બળદ અને વાછરડાના શરીરે હળદર, તેલ લગાવવામાં આવ્યાં. તેમને ગેરુ, મોરપંખ, પુષ્પહાર, ભાતભાતનાં વસ્ત્રો અને સોનાની સાંકળોથી સુશોભિત કર્યાં. બધા ગોપ કિમતી વસ્ત્ર, ઘરેણાં, અંગરખા અને પાઘડીઓ પહેરી હાથમાં ભેટસોગાદ લઈને નંદબાવાના ઘરે આવ્યા. યશોદાને પુત્ર જન્મ્યો એટલે નિતંબિની ગોપીઓને બહુ આનંદ થયો. તેમનાં મુખકમલ શોભી ઊઠ્યાં. કમલના પરાગની જેમ તેમનું કુંકુમ દેખાતું હતું. તે ભેટસામગ્રી લઈને યશોદા પાસે ઉતાવળે આવી. તેમનાં સ્તન ઝૂલી રહ્યાં હતાં. તેમના કાનમાં મણિમય કુંડળ હતાં. સુંદર રંગબેરંગી વસ્ત્ર પહેરેલી ગોપીઓના કેશમાં ગૂંથેલાં ફૂલ ઝરતાં હતાં. હાથે પહેરેલાં કંકણ ચમકતાં હતા. નંદબાવાને ઘેર જતી વખતે તેમની શોભા બહુ સુંદર લાગતી હતી. તેમને ઘરે જઈ નવજાત બાળકને ચિરંજીવ રહેવાનો આશીર્વાદ આપ્યો. લોકો ઉપર તેલમિશ્રિત હળદરના પાણીનો છંટકાવ તે કરતી હતી. ભગવાનનાં ઐશ્વર્ય, માધુર્ય, વાત્સલ્ય અનંત, તેમના જન્મનો મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો. વાજિંત્રોવાગ્યાં, આનંદમાં આવીને ગોપલોકો એકબીજા ઉપર દહીં, દૂધ, ઘી અને પાણી છાંટવા લાગ્યા. એકબીજાનાં મોં પર માખણ ચોપડીને આનંદ કરવા લાગ્યા. નંદબાવાએ ગોપલોકોને બહુ વસ્ત્રાભૂષણ અને ગાયો આપ્યાં. સૂત, માગધ, બંદીજનો, નૃત્ય-સંગીત વડે જીવનનિર્વાહ કરનારાઓને મોંમાગી વસ્તુઓ આપી. પછી પરમ સૌભાગ્યવતી રોહિણીએ દિવ્ય વસ્ત્ર, માળા અને અલંકારોથી વિભૂષિત થઈ ગૃહસ્વામિનીની જેમ સ્ત્રીઓને આવકારી. તે દિવસથી નંદબાવાના વ્રજમાં બધા જ પ્રકારની સમૃદ્ધિ જોવા મળી. તેમનું ઘર લક્ષ્મીનું ક્રીડાસ્થળ બની ગયું. થોડા દિવસ પછી નંદબાવા ગોકુલની રક્ષાનો ભાર બીજા ગોપલોકોને સોંપી કંસને વાષિર્ક કર ચૂકવવા મથુરા ગયા. વસુદેવને તેની જાણ થતાં તેઓ જ્યાં નંદબાવા ઊતર્યા હતા ત્યાં જઈ ચઢ્યા. વસુદેવને જોઈ નંદબાવા ઊભા થઈ ગયા, જાણે મરેલામાં જીવ આવ્યો ન હોય! બંને ઉમળકાથી ભેટ્યા. નંદબાવાએ વસુદેવનો આદરસત્કાર કર્યો. તે વેળા તેમનું મન પુત્રોમાં રોકાયેલું હતું. પછી વસુદેવ બોલ્યા, ‘ભાઈ, તમારી ઉમર વધી ગઈ હતી અને અત્યાર સુધી કોઈ સંતાન ન હતું. સંતાનની આશા પણ ન હતી. હવે તમને પુત્ર થયો એ ઘણા આનંદની વાત. આજે આપણે મળ્યા તે પણ આનંદની વાત… અત્યારે તમે જ્યાં રહો છો ત્યાં પાણી, ઘાસ, વનસ્પતિ તો છે ને? એ જગ્યા પશુઓને અનુકૂળ છે અને રોગચાળાનો ભય તો નથી ને? મારો પુત્ર રોહિણીની સાથે તમારા વ્રજમાં રહે છે. તેને તમે ઉછેરો છો એટલે તે તો તમને જ માતાપિતા માનતો હશે ને? તે કુશળ છે ને?’ નંદબાવાએ કહ્યું, ‘ભાઈ, કંસે દેવકીના પેટે જન્મેલા કેટલા બધા પુત્ર મારી નાખ્યા. છેલ્લે એક નાની કન્યા બચી હતી તે પણ સ્વર્ગે જતી રહી. બધાનાં સુખદુઃખનો આધાર ભાગ્ય પર છે.’ વસુદેવ બોલ્યા, ‘તમે કંસનો કર તો ચૂકવી દીધો ને? આપણે પણ મળી લીધું. હવે તમારે અહીં બહુ રહેવું ન જોઈએ. આજકાલ ગોકુળમાં બહુ ઉત્પાત થઈ રહ્યા છે.’ આ સાંભળીને નંદ અને બીજા ગોપ વસુદેવની સંમતિ લઈ બળદગાડામાં બેસી ગોકુળ જવા નીકળી પડ્યા.
નંદબાવા જ્યારે મથુરાથી ચાલી નીકળ્યા ત્યારે રસ્તામાં વિચારે ચઢ્યા- વસુદેવની વાત ખોટી તો ન હોય. એટલે મનમાં અનિષ્ટ થવાની શંકાઓ થવા લાગી. પછી મનોમન કહ્યું- ‘ભગવાનનું જ શરણ છે, તે જ રક્ષા કરશે.’ પૂતના નામની એક ખૂબ જ ક્રૂર રાક્ષસી હતી. તેનું એક જ કાર્ય — બાળકોને મારી નાખવાનું. કંસની આજ્ઞાથી તે નગર, ગામડાં અને આહીરોની વસતીમાં બાળકોને મારી નાખવા ભમ્યા કરતી હતી. જ્યાં લોકો પોતાનાં નિત્યકર્મો કરતી વખતે રાક્ષસોના ભયને દૂર કરનારા ભગવાનનું નામસ્મરણ- કીર્તન નથી કરતા ત્યાં આવી રાક્ષસીઓનું જોર ચાલે છે. આ પૂતનાએ નંદબાવાના ગોકુળમાં જઈને પોતાની માયા વડે એક સુંદરીનું રૂપ ધારણ કર્યું. તેનું રૂપ અસાધારણ હતું. માથામાં સુવાસિત ફૂલ ગૂંથ્યાં હતાં, વસ્ત્રો સરસ હતાં. જ્યારે તેનાં કર્ણફૂલ ડોલતાં ત્યારે તેની ચમકથી મોઢા પર આવેલી અલકલટો વધુ સોહામણી લાગતી હતી. તેના નિતંબ અને સ્તન ઉન્નત હતાં, કમર પાતળી હતી. તે પોતાના મધુર સુંદર હાથમાં કમળ લઈને આવતી હતી તે જોઈને ગોપીઓએ કલ્પના કરી કે આ તો સાક્ષાત્ લક્ષ્મી પતિદર્શને આવી રહ્યાં છે. પૂતના બાળકો માટેનો કાળ હતી. આમતેમ બાળકોને શોધતી તે નંદબાવાના ઘરમાં પેઠી. ત્યાં જોયું તો બાળક શ્રીકૃષ્ણ પથારીમાં સૂતા હતા. ભગવાન તો દુષ્ટોના કાળ છે, જેવી રીતે રાખના ઢગલામાં અગ્નિ હોય છે એવી રીતે ભગવાને પોતાના તેજને છુપાવી રાખ્યું હતું. ભગવાન તો ચર-અચર બધાં પ્રાણીઓનો આત્મા છે. તેમને તે જ વખતે ખ્યાલ આવી ગયો કે બાળકોનો વધ કરનાર આ પૂતના-ગ્રહ છે, તેમણે પોતાની આંખો મીંચી દીધી. જેવી રીતે કોઈ દૃષ્ટિભ્રમથી સાપને દોરડું માનીને ઉઠાવે એવી રીતે પૂતનાએ કાલસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ખોળામાં લઈ લીધા. મખમલી મ્યાનની અંદર છુપાયેલી તીક્ષ્ણ ધારવાળી તલવારની જેમ પૂતનાનું હૃદય કુટિલ હતું. પણ બહારથી તો તે બહુ મીઠો અને સુંદર વ્યવહાર કરતી હતી. તે દેખાવે તો ઉચ્ચ ખાનદાન ધરાવતી સ્ત્રી લાગતી હતી. એટલે જ રોહિણીએ અને યશોદાએ પોતાના ઘરમાં પ્રવેશેલી પૂતનાની સુંદરતાથી અંજાઈ જઈને એને રોકી નહીં, ચુપચાપ ઊભી રહીને તેઓ જોતી રહી. આ તરફ ભયંકર રાક્ષસી પૂતનાએ શ્રીકૃષ્ણને ખોળામાં લઈને પોતાનું સ્તન કૃષ્ણના મેંમાં મૂકી દીધું. તેણે તો પોતાના સ્તન પર ખૂબ ભયાનક અને પચી ન શકે એવા ઝેરનો લેપ કર્યો હતો. ભગવાને ક્રોધને પોતાનો સાથી બનાવ્યો અને બંને હાથે તેનાં સ્તનને દબાવી દૂધ અને તેના પ્રાણ પીવા લાગ્યા. હવે તો પૂતનાનાં મર્મસ્થાન ફાટવાં લાગ્યાં. તે ચીસ પાડી ઊઠી, ‘અરે છોડ, છોડ, બસ કર.’ તે વારે વારે હાથપગ પછાડવા લાગી. તેની આંખો ફાટી ગઈ, આખા શરીરે પરસેવો વળી ગયો. તેની બૂમો જોરશોરથી સંભળાતી હતી. તેના પ્રભાવથી પૃથ્વી, અંતરીક્ષ ધૂ્રજી ઊઠ્યાં. સાતે પાતાળ અને દિશાઓ કાંપી ઊઠ્યાં. ઘણા લોકો વજ્ર પડ્યું હોય તેમ ભૂમિ પર પડી ગયા. અને આમ નિશાચરી પૂતનાનાં સ્તન એટલાં બધાં દુખ્યાં કે તેનું પોતાનું મૂળ રૂપ પ્રગટ થઈ ગયું, વાળ વિખરાઈ ગયા. જેવી રીતે ઇન્દ્રના વજ્રથી ઘાયલ થઈને વૃત્રાસુર ધરતી પર ફંગોળાઈ ગયો હતો તેવી રીતે પૂતના ચોકમાં પડી ગઈ. પૂતનાના શરીરે નીચે પડતાં પડતાં છ કોશ સુધીનાં વૃક્ષો કચડી નાખ્યાં. આ તો એક મોટું આશ્ચર્ય, તેની દાઢો ભયાનક હતી, નસકોરાં આંધળા કૂવા જેવાં, નિતંબ નદીની કરાડ જેવા ભયંકર, પેટ સુકાઈ ગયેલા સરોવર જેવું, તેનું આવું શરીર જોઈને બધા ગોપબાલ બી મર્યા. તેની મોટી ચીસ સાંભળીને તેમનાં હૃદય, કાન, મસ્તક પહેલાં જ ફાટી ગયાં હતાં. ગોપીઓએ જોયું કે શ્રીકૃષ્ણ તેની છાતી પર નિર્ભય બનીને રમી રહ્યા હતા, ત્યારે ખૂબ જ ગભરાઈ જઈને ઉતાવળે પહોેંચી ગઈ અને તેમણે કૃષ્ણને ઊંચકી લીધા. પછી યશોદાએ અને રોહિણીએ ગોપીઓ સાથે મળીને ગાયનું પૂછડું હલાવી શ્રીકૃષ્ણના શરીરની બધી રીતે રક્ષા કરી. સૌથી પહેલાં તો કૃષ્ણને ગોમૂત્રથી નવડાવ્યા, આખા શરીરે ગોરજ લગાવી અને બાર અંગો પર છાણ ચોપડીને ભગવાનનાં કેશવ વગેરે નામ બોલીને રક્ષા કરી. અને પછી સ્તુતિ કરવા માંડી…
આમ ગોપીઓએ પ્રેમવશ થઈને ભગવાન શ્રીકૃષ્ણની રક્ષા કરી. માતા યશોદાએ તેમને સ્તનપાન કરાવી પારણામાં સૂવડાવી દીધા. તે જ વેળા નંદબાવા અને તેમના સાથીઓ મથુરાથી ગોકુળમાં આવી પહોેંચ્યા. તેમણે જ્યારે પૂતનાનું વિરાટ શરીર જોયું ત્યારે અચરજ પામ્યા. તેઓ બોલ્યા, ‘આ તો આશ્ચર્યની વાત છે. વસુદેવના રૂપમાં કોઈ ઋષિએ જન્મ લીધો છે. કદાચ પૂર્વજન્મમાં વસુદેવ યોગેશ્વર પણ હોય; તેમણે જે ઉત્પાતની વાત કરી હતી તે અહીં જોવા મળે છે. ત્યાં સુધીમાં વ્રજવાસીઓએ પૂતનાના શરીરના ટુકડેટુકડા કુહાડી વડે કરી નાખ્યા, અને ગોકુળથી દૂર જઈને તેને લાકડા પર મૂકી અગ્નિદાહ આપ્યો. તેનું શરીર બળી રહ્યું હતું ત્યારે તેમાંથી અગરની સુવાસવાળો ધુમાડો નીકળ્યો. ભગવાને તેનું દૂધ પીધું હતું, તેનાં બધાં પાપ ભસ્મ થઈ ગયાં હતાં. પૂતના એક રાક્ષસી હતી. બાળકોને મારી નાખવાં, તેમનું લોહી પીવું એ જ તેનું કામ હતું. ભગવાનને પણ મારી નાખવા માટે સ્તનપાન કરાવ્યું હતું. અને છતાં સત્પુરુષોને મળનારી ગતિ તેને પ્રાપ્ત થઈ. જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણને શ્રદ્ધા અને ભક્તિથી માતા જેવા પ્રેમ વડે પોતાની પ્રિયમાં પ્રિય અથવા તેમને પ્રિય લાગનારી વસ્તુ સમર્પે તો તો પૂછવું જ શું? તે બધાના વંદનીય છે. આ જ પગ વડે ભગવાને પૂતનાનું શરીર દબાવીને સ્તનપાન કર્યું હતું. તે ભલે રાક્ષસી હોય પરંતુ તેને માતાને મળવાપાત્ર ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થઈ. તો પછી જેમનું દૂધ ભગવાને પ્રેમથી પીધું તે ગાયો અને માતાઓની તો વાત જ શી? દેવકીનન્દન ભગવાન કૈવલ્ય વગેરે બધા જ પ્રકારની મુક્તિ તથા અન્ય બધું આપનાર છે. વ્રજની ગોપીઓ અને ગાયોનું દૂધ ભગવાન પ્રત્યેના પુત્રસ્નેહને કારણે આપોઆપ વહેતું જ રહ્યું, તેનું પાન પેટ ભરીને કર્યું. આ ગાયો અને ગોપીઓ ભગવાનને પુત્રરૂપે જોતી હતી એટલે જન્મમરણના વારાફેરામાં તે કદી પડી જ શકતી ન હતી, કારણ કે આ સંસાર તો અજ્ઞાનને કારણે છે. નંદબાવાની સાથે આવનારા વ્રજવાસીઓને ચિતાના ધુમાડાની સુવાસ આવી તો ‘આ શાની સુવાસ છે, ક્યાંથી આવે છે?’ એમ કહેતા તેઓ વ્રજમાં આવી પહોેંચ્યા. ત્યાં ગોપબાલોએ તેમને પૂતનાના આગમનથી માંડીને તેના મૃત્યુ સુધીની કથા કહી સંભળાવી, તેઓ પૂતનાના મરણની તથા અને શ્રીકૃષ્ણ બચી ગયા તેની વાત સાંભળીને ખૂબ જ અચરજ પામ્યા. ઉદાર શિરોમણિ નંદબાવાએ મૃત્યુના મોઢામાંથી બચેલા પોતાના પુત્રને ઊંચકી લીધો અને વારંવાર તેનું મસ્તક સૂંઘીને તેઓ આનંદ પામ્યા. આ ‘પૂતના મોક્ષ’ ભગવાનની અદ્ભુત બાળલીલા છે. જે શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે છે તેને ભગવાન માટે પ્રેમ જન્મે છે.
એક વેળા ભગવાન શ્રીકૃષ્ણે પડખું બદલ્યાનો ઉત્સવ ઊજવાઈ રહ્યો હતો. તે દિવસે તેમનું જન્મનક્ષત્ર પણ હતું. ઘરમાં બહુ બધી સ્ત્રીઓ ભેગી થઈ હતી, ગાયનવાદન થઈ રહ્યું હતું. તે સ્ત્રીઓની વચ્ચે ઊભેલાં સતી યશોદાએ પુત્રનો અભિષેક કર્યો. તે સમયે બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી આશીર્વાદ આપી રહ્યા હતા. નંદપત્ની યશોદાએ બ્રાહ્મણોનો ખૂબ જ સત્કાર કર્યો. તેમણે બધાને અન્ન, વસ્ત્ર, માલા, ગાય વગેરે મેંમાંગી વસ્તુઓ આપી. બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવીને તેમણે પોતે બાળકને સ્નાન કરાવ્યું. પછી મારા લાલને હવે ઊંઘ આવે છે એ જોઈને તેને પથારીમાં સૂવડાવી દીધો. થોડી વારે ભગવાનની આંખ ખૂલી, તેઓ દૂધ પીવાની ઇચ્છાથી રડવા લાગ્યા. તે સમયે મનસ્વિની યશોદાજી ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓના આદરસત્કારમાં પરોવાયેલાં હતાં. એટલે તેમને શ્રીકૃષ્ણના રુદનનો અવાજ સંભળાયો નહીં. ત્યારે શ્રીકૃષ્ણ રડતાં રડતાં પગ ઊછાળવા લાગ્યા. તેઓ એક ગાડાની નીચે સૂતા હતા. તેમના પગ હજુ રાતીરાતી કૂંપળો જેવા કોમળ અને નાના હતા. પણ એ નાનકડા પગના સ્પર્શથી ગાડું ઊથલી પડ્યું. તે ગાડા પર દૂધદહીંથી ભરેલાં વાસણ હતાં, બીજાં વાસણ પણ હતાં. તે બધાં ફૂટી ગયાં અને ગાડાનાં પૈંડાં અને ધૂંસરી અસ્તવ્યસ્ત થઈ ગયાં. પડખું બદલવાના ઉત્સવમાં આવેલી સ્ત્રીઓ ઉપરાંત યશોદા, રોહિણી, નંદબાવા અને ગોપલોકો આ વિચિત્ર ઘટના જોઈને અસ્વસ્થ થઈ ગયાં. તેઓ કહેવાં લાગ્યાં, ‘આ શું થઈ ગયું? ગાડું પોતાની મેળે કેવી રીતે ઊંધું થઈ ગયું?’ આનું કોઈ કારણ તેમને મળ્યું નહીં. ત્યાં રમતાં બાળકોએ ગોપ અને ગોપીઓને કહ્યું- કૃષ્ણે રડતાં રડતાં જ પગની ઠોકર વડે ગાડું ઊથલાવી પાડ્યું.’ પણ બાળકોની વાત પર તેમને વિશ્વાસ ન આવ્યો. વાત તો સાચી, તે ગોપલોકોને બાળકના અતુલ બળની જાણકારી ન હતી. યશોદાએ આ ઘટનાને કોઈ ગ્રહના ઉત્પાત તરીકે માની લીધી. રડતાં રડતાં શ્રીકૃષ્ણને ઊંચકી લીધા અને બ્રાહ્મણો પાસે શાંતિપાઠ કરાવ્યો. પછી સ્તનપાન કરાવ્યું. બળવાન ગોપલોકોએ ગાડાને સરખું કરી દીધું. તેના પર બધી ચીજવસ્તુઓ ગોઠવી દીધી. બ્રાહ્મણોએ હવન કર્યો. દહીં, ચોખા, કુશ અને જળ વડે ભગવાનની અને ગાડાની પૂજા કરી…
એક દિવસ યશોદા કૃષ્ણને ખોળામાં લઈને બેઠાં હતાં. એકાએક શ્રીકૃષ્ણ મોટી શિલા જેટલા ભારે થઈ ગયા. યશોદા તેમનો ભાર જિરવી ન શકી, એટલે શ્રીકૃષ્ણને જમીન પર મૂકી દીધા. આ નવી ઘટનાથી તે બહુ ચકિત થઈ ગયાં. પછી ભગવાન પુરુષોત્તમના નામનું સ્મરણ કરીને ઘરકામમાં પરોવાઈ ગયાં. તૃણાવર્ત નામનો દૈત્ય કંસનો સેવક હતો. કંસના કહેવાથી તે ચક્રવાત બનીને ગોકુલમાં આવ્યો અને કૃષ્ણને ઊંચકીને આકાશમાં લઈ ગયો. ધૂળ વડે ગોકુળને ઢાંકી દીધું, લોકો જોવાને અશક્ત બની ગયાં. તેના ભયાનક અવાજથી દસે દિશા કાંપી ઊઠી. આખું વ્રજ બે ઘડી સુધી ધૂળ અને અંધકારથી છવાયેલું રહ્યું. યશોદાએ કૃષ્ણને જ્યાં બેસાડ્યા હતા ત્યાં જઈને જોયું તો કૃષ્ણ ત્યાં ન હતા. તૃણાવર્તે તે સમયે ચક્રવાત દ્વારા એટલી બધી ધૂળ ઉડાડી હતી કે લોકો બહુ જ અસ્વસ્થ થઈ ગયા અને બેસુધ થઈ ગયા. તેમને પોતાનું — પારકું કશું સમજાયું નહીં. ભયાનક વાવાઝોડા અને ધૂળમાં જશોદા પોતાના પુત્રને ન જોઈ બહુ દુઃખી થયાં. પુત્રને યાદ કરીને તે ખૂબ અસ્વસ્થ થયાં, વાછરડાના મૃત્યુને કારણે ગાયની જેવી દશા થાય તેવી તેમની દશા થઈ. તેઓ જમીન પર પડી ગયાં. વાવાઝોડું શમ્યું, ધૂળની આંધી ઓછી થઈ ત્યારે જશોદાના રુદનનો અવાજ સાંભળી બીજી ગોપીઓ ત્યાં દોડી આવી. નંદકુંવર શ્રીકૃષ્ણને ન જોઈ તેમને પણ ભારે સંતાપ થયો. આંખોમાંથી આંસુ વહેવાંં લાગ્યાં. તેઓ ધૂ્રસકે ધૂ્રસકે રડવા માંડી. આ બાજુ તૃણાવર્ત ઝંઝાવાત રૂપે ભગવાન શ્રીકૃષ્ણને આકાશમાં લઈ તો ગયો, પણ તેમના ભારે વજનને સંભાળી ન શક્યો, તેની ઝડપ ઘટી ગઈ. તૃણાવર્ત પોતાનાથી પણ વધુ ભારે બનેલા શ્રીકૃષ્ણને નીલગિરિની શિલા માનવા લાગ્યો. તેમણે તેનું ગળું એવી રીતે પકડ્યું કે તે આ અદ્ભુત બાળકથી છૂટો પડી જ ન શક્યો. ભગવાને તેનું ગળું એટલા જોરથી પકડ્યું હતું કે તે રાક્ષસ ચૈતન્યહીન થઈ ગયો. તે નિષ્પ્રાણ થઈ ગયો અને બાળક શ્રીકૃષ્ણની સાથે તે વ્રજમાં પડી ગયો. ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈને રડી રહી હતી, તેમણે જોયું કે તે વિકરાળ રાક્ષસ આકાશમાંથી નીચે એક શિલા પર પડ્યો હતો, તેનાં બધાં જ અંગ કચડાઈ ગયાં હતાં, જેવી રીતે ભગવાન શંકરનાં બાણોથી વીંધાઈને ત્રિપુરાસુર જમીનદોસ્ત થઈ ગયો હતો તેવી રીતે. ભગવાન શ્રીકૃષ્ણ તેની છાતીએ લટકતા હતા. આ જોઈ ગોપીઓને ખૂબ જ આશ્ચર્ય થયું, તેમણે ઝટ ઝટ ત્યાં જઈને શ્રીકૃષ્ણને ઊંચકી લીધા, અને જશોદાને સોેંપી દીધા. બાળક મૃત્યુના મોઢામાંથી હેમખેમ પાછો આવ્યો. રાક્ષસ તેને ઉઠાવી ગયો હતો છતાં તે બચી ગયો. આમ બાળક શ્રીકૃષ્ણને મેળવીને યશોદા, ગોપીઓ, નન્દબાવા અને બીજા ગોપલોકોને બહુ આનન્દ થયો… નંદબાવાએ જોયું કે વ્રજમાં બહુ અદ્ભુત ઘટનાઓ થઈ રહી છે ત્યારે તેમણે વસુદેવની વાતને વારે વારે અનુમોદન આપ્યું. એક દિવસ યશોદા શ્રીકૃષ્ણને ખોળામાં લઈ પ્રેમપૂર્વક તેને સ્તનપાન કરાવી રહ્યાં હતાં, વાત્સલ્યભાવ એટલો બધો ઉમટ્યો હતો કે તેમનાં સ્તનમાંથી આપમેળે દૂધ ઝમી રહ્યું હતું. સ્તનપાન પૂરું થયું, યશોદા કૃષ્ણના સુંદર સ્મિતવાળા મુખને ચુમ્બન કરતાં હતાં, ત્યારે ભગવાનને બગાસું આવ્યું અને માતાએ તેમના મેંમાં જોયું. તેમાં આકાશ, અન્તરીક્ષ, જ્યોતિર્મંડલ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, પર્વત, નદીઓ, વન અને સઘળાં ચરાચર પ્રાણીઓ જોયાં. પુત્રના મેંમાં આમ સમગ્ર જગત જોઈ મૃગનયની યશોદાનું શરીર કંપવા લાગ્યું, તેમણે પોતાની મોટી આંખો બંધ કરી દીધી, તે ખૂબ અચરજ પામ્યાં.
યદુવંશીઓના કુલપુરોહિત હતા મહાન તપસ્વી ગર્ગાચાર્ય. વસુદેવની પ્રેરણાથી એક દિવસ તેઓ નંદબાવાના ગોકુળમાં આવ્યા. તેમને જોઈને પ્રસન્ન થયેલા નંદબાવાએ હાથ જોડી ઊભા થઈને પ્રણામ કર્યાં. ‘આ સાક્ષાત્, ભગવાન છે’ એમ માનીને તેમની પૂજા કરી. આતિથ્યસત્કાર પછી નંદબાવાએ કહ્યું, ‘ભગવન્, તમે તો સ્વયં પૂર્ણકામ છો, પછી હું તમારી કઈ સેવા કરું?… તમે મારાં બંને બાળકોના નામસંસ્કાર કરો.’ ગર્ગાચાર્યે કહ્યું, ‘હું બધે યદુવંશીઓના આચાર્ય તરીકે જાણીતો છું. જો તમારા પુત્રના સંસ્કાર કરીશ તો લોકો માનશે કે આ તો દેવકીનો પુત્ર છે. કંસ તો પાપી છે, તે પાપ જ વિચારે છે. વસુદેવ સાથે તમારી ગાઢ મૈત્રી છે. દેવકીની કન્યાના મોઢે તેણે સાંભળ્યું છે કે મને મારનારો ક્યાંક બીજે જન્મ્યો છે. ત્યારથી તે એમ જ વિચાર્યા કરે છે કે દેવકીના પેટે આઠમો જન્મ કન્યાનો ન હોઈ શકે. જો તમારા પુત્રના સંસ્કાર કરીશ અને આ બાળકને વસુદેવના પુત્ર માનીને તેને મારી નાખશે તો મારાથી બહુ મોટો અન્યાય થશે.’ નંદબાવાએ કહ્યું, ‘આચાર્ય, તમે નામકરણ સંસ્કરણ ચુપચાપ કરી દો. બીજાઓની વાત જવા દો, મારાં સગાંઓને પણ આ વાતની જાણ નહીં થાય.’ ગર્ગાચાર્ય તો સંસ્કાર કરવા માગતા જ હતા. નંદબાવાએ જ્યારે આવી પ્રાર્થના કરી ત્યારે તેમણે એકાંતમાં ગુપ્ત રીતે બંને બાળકોના નામસંસ્કાર કર્યા. તેમણે કહ્યું, ‘આ રોહિણીનો પુત્ર છે એટલે તેનું બીજું નામ રામ. તેના બળની કોઈ સીમા નથી એટલે તેનું નામ બલ. તે યાદવોમાં અને તમારામાં કોઈ ભેદભાવ નહીં જુએ, લોકોમાં કુસંપ થશે તો તે સંધિ કરાવશે એટલે તેનું એક નામ સંકર્ષણ પણ. અને આ જે શ્યામ વર્ણનો છે તે દરેક યુગમાં અવતાર લે છે. આગલા યુગોમાં તેનો શ્વેત, રાતો, પીળો રંગ હતો. આ વેળા તે કૃષ્ણ વર્ણનો છે એટલે તેનું નામ કૃષ્ણ. નંદજી, આ તમારો પુત્ર પહેલાં વસુદેવને ઘેર પણ જન્મ્યો હતો એટલે આ રહસ્ય જાણનારા તેને વાસુદેવ કહેશે. તમારા પુત્રના બીજાં પણ ઘણાં નામ છે, રૂપ છે…ગુણ, સંપત્તિ, સૌંદર્ય, કીર્તિ, પ્રભાવ જે દૃષ્ટિથી જોવું હોય તે…આ બાળક નારાયણ સમાન છે. તમે સાવધાનીથી, તત્પરતાથી તેની રક્ષા કરજો.’ થોડા જ દિવસોમાં યશોદા અને રોહિણીના પુત્રો ઊભા થઈને ગોકુલમાં હરતાફરતા થયા. … એક દિવસ કૃષ્ણ અને બલરામ ગોપબાલો સાથે રમતા હતા. તે ગોપોએ યશોદા પાસે આવીને ફરિયાદ કરી, ‘મા, કનૈયાએ માટી ખાધી છે.’ યશોદાએ કૃષ્ણનો હાથ પકડી લીધો. તે વેળા તેમની આંખો બીકને કારણે ધૂ્રજવા લાગી. યશોદાએ ઠપકારીને કહ્યું, ‘કેમ, તું બહુ છકી જાય છે. તેં છાનામાના માટી કેમ ખાધી? આ બધા ગોઠિયાઓ શું કહે છે. તારા મોટાભાઈ બલ પણ એમાં સૂર પુરાવે છે.’ કૃષ્ણે કહ્યું, ‘મા, મેં માટી નથી ખાધી. આ બધા જૂઠું બોલે છે. જો તું એમની વાત સાચી માને છે તો તે આ રહ્યું મારું મેં તારી આંખે જ જોઈ લે.’ યશોદાએ કહ્યું,‘ભલે તો તું તારું મેં ઉઘાડ.’ માના કહેવાથી ભગવાને પોતાનું મેં ખોલ્યું. યશોદાએ જોયું તો તેના મેંમાં ચર-અચર જગત આખું હતું. આકાશ, દિશાઓ, પર્વત, દ્વીપ, સમુદ્ર સમેત આખી પૃથ્વી, વાયુ, વિદ્યુત, અગ્નિ, ચંદ્ર, તારા સમેત સમગ્ર જ્યોતિમંડળ, જલ, તેજ, પવન, આકાશ, દેવતા, મન-ઇન્દ્રિય, પંચ તન્માત્રા, ત્રણે ગુણ…જીવ, કાળ, સ્વભાવ, કર્મ, વાસના, શરીર, વિભિન્ન રૂપે દેખાતો સમગ્ર સંસાર, વ્રજ, પોતાને પણ યશોદાએ નાનકડા મેંમાં જોયાં. તે તો દ્વિધામાં પડી ગયાં. ‘આ સ્વપ્ન છે કે ભગવાનની માયા? — જશોદા શ્રીકૃષ્ણનું તત્ત્વ સમજી ગયાં… અને થોડી વારમાં તેઓ એ ભૂલી પણ ગયાં. પોતાના પુત્રને ઊંચકી લીધો.
નંદબાવા પૂર્વજન્મમાં એક દ્રોણ નામના ઉત્તમ વસુ હતા, તેમની પત્ની હતી ધરા. તેમણે બ્રહ્માને કહ્યું, ‘ભગવન્, જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે કૃષ્ણમાં અમારી અનન્ય ભક્તિ રહે.’ બ્રહ્માએ તથાસ્તુ કહ્યું. એ જ દ્રોણ પછી નંદ થયા અને ધરા યશોદા થઈ.
એક વેળા યશોદાએ ઘરની દાસીઓને બીજાં કામમાં પરોવી દીધી અને પોતે દહીં વલોવવા બેઠાં. તેમણે રેશમી ઘાઘરો પહેર્યો હતો. પુત્રસ્નેહને કારણે તેમનાં સ્તન દૂધથી ઊભરાતાં હતાં. દહીં વલોવવાને કારણે તેમના હાથ થાક્યા હતા. હાથના કંગન અને કાનનાં કુંડળ ઝૂલતાં હતાં. મેં પર પરસેવાનાં ટીપાં હતાં. માથામાં ગૂંથેલાં માલતી ફૂલ ઝરી રહ્યાં હતાં. સુંદર ભ્રમરવાળાં યશોદા દહીં વલોવતાં હતાં. એવામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્તનપાન માટે જશોદા પાસે આવ્યા. માતૃહૃદયમાં પ્રેમ અને આનંદની વૃદ્ધિ કરતાં કરતાં રવૈયો પકડી લીધો અને વલોણું અટકાવ્યું. શ્રીકૃષ્ણ માતાના ખોળામાં બેસી ગયા. પુત્રસ્નેહને કારણે દૂધ તો ઝરી જ રહ્યું હતું, તે કૃષ્ણને સ્તનપાન કરાવતાં કરાવતાં તેનું મેં જોવા લાગ્યાં. એટલામાં જ સગડી પર મૂકેલા દૂધમાં ઊભરો આવ્યો. એ જોઈ કૃષ્ણનું સ્તનપાન અટકાવી જલદી દૂધ ઉતારવા દોડી ગયાં. એટલે કૃષ્ણ રિસાયા. તેમના રાતા હોઠ ફફડ્યા. દાંત વડે હોઠ દબાવી પાસે પડેલા કશાકથી દહીંનું માટલું ફોડી નાખ્યું. ખોટાં ખોટાં આંસુ આવ્યાં. બીજાનાં ઘરમાં જઈને માખણ ખાવા લાગ્યા. યશોદા દૂધ ઉતારીને જુએ છે તો દહીંની ગોળી તો ભાંગી ગઈ હતી. તેમણે માની લીધું કે આ બધું કૃષ્ણનું પરાક્રમ છે. તે તો ત્યાં હતો નહીં; પછી આમ તેમ શોધવા લાગ્યાં. પછી ખબર પડી કે કૃષ્ણ ઊંધા ખાંડણિયા પર બેઠા છે અને શીકા પરથી માખણ ઉતારી વાંદરાઓને ખવડાવી રહ્યા છે. પોતાની ચોરી પકડાઈ ન જાય એટલે આમતેમ નજર કરી રહ્યા છે. આ જોઈ યશોદા પાછળથી તેમની પાસે ગયાં. મા હાથમાં લાકડી લઈને મારી પાસે આવી રહી છે એ જોયું એટલે ગભરાઈને ભાગ્યા. તેમની પાછળ પાછળ યશોદા દોડ્યાં. થોડી જ વારમાં વિશાળ નિતંબોને કારણે તેમની ચાલ ધીમી પડી ગઈ. ઝડપથી દોડવા જતાં અંબોડો છૂટી ગયો. જેમ જેમ તે આગળ જતાં તેમ તેમ માથામાંથી ફૂલ ઝરતાં ગયાં. છેવટે જશોદાએ કૃષ્ણને પકડી લીધા. કૃષ્ણનો હાથ પકડીને ધમકાવવા લાગ્યાં. શ્રીકૃષ્ણની હાલત વિચિત્ર થઈ. વાંક તો હતો, આંસુ રોકાતાં ન હતાં. હાથ વડે આંખો ચોળવા લાગ્યા, એટલે મેં પર કાજળ છવાઈ ગયું. મારશે એવું ધારીને આંખો તંગ થઈ. યશોદાએ જોકહ્યું તો દીકરો ડરી ગયો છે ત્યારે તેમના હૃદયમાં વાત્સલ્ય પ્રગટ્યું. તેમણે લાકડી ફેેંકી દીધી. પછી વિચાર્યું, આને દોરડે બાંધવો જોઈએ. યશોદાને આ બાળકના મહિમાની જાણ ન હતી. જ્યારે જશોદા કૃષ્ણને દોરડે બાંધવા લાગ્યાં ત્યારે દોરડું ટૂંકું પડ્યું- બીજું દોરડું લાવ્યાં તો તે પણ ટૂંકું પડ્યું. આમ જેમ જેમ દોરડા જોડતાં ગયાં તેમ તેમ તે બધાં ટૂંકાં પડવા લાગ્યાં. યશોદાએ ઘરમાં હતાં તે બધાં દોરડાં જોડ્યાં તો પણ કૃષ્ણને તેઓ બાંધી ન શક્યાં. તેમની નિષ્ફળતા જોઈ ગોપીઓ હસવા લાગી, તેમને પણ આશ્ચર્ય તો થયું. ભગવાન કૃષ્ણે જોયું કે માનું શરીર પરસેવે રેબઝેબ છે, માથામાં ગૂંથેલી પુષ્પમાળાઓ પડી ગઈ છે, થાકી ગયાં છે ત્યારે તે દયા આણીને જાતે જ બંધાઈ ગયા… પછી તો યશોદા ઘરના કામકાજમાં ખોવાઈ ગયાં. ખાંડણિયા સાથે બંધાયેલા કૃષ્ણે અર્જુન વૃક્ષોને મુક્તિ અપાવવાની ઇચ્છા કરી. તેઓ કુબેરના પુત્ર હતા. તેમની પાસે ધન, સૌંદર્ય, ઐશ્વર્યની કશી ખોટ ન હતી. તેમનો ઘમંડ જોઈ દેવષિર્ નારદે તેમને શાપ્યા અને તેઓ વૃક્ષ બની ગયા.
યમલ-અર્જુનના શાપની કથા
કુબેરના લાડકા પુત્રો નલકુબેર અને મણિગ્રીવ હતા. એક બાજુ કુબેરના પુત્રો અને બીજી બાજુ રુદ્ર ભગવાનના અનુચરો હતા. એને કારણે તેઓ અભિમાની થઈ ગયા. એક દિવસ કૈલાસના રમણીય ઉપવનમાં મંદાકિનીના કાંઠે તેઓ મદિરા પીને ઉન્મત્ત થયા હતા. તેમની આંખો ચકળવકળ થતી હતી. ઘણી સ્ત્રી તેમની સાથે ગાયનવાદન કરી રહી હતી, પુષ્પાચ્છાદિત વનમાં તેઓ વિહાર કરી રહી હતી. ગંગામાં અનેક પ્રકારનાં કમળ હતાં. તેઓ સ્ત્રીઓની સાથે પાણીમાં પ્રવેશ્યા અને હાથીઓ જેવી રીતે હાથણીઓ સાથે મસ્તીએ ચઢે તેવી રીતે તેઓ યુવતીઓ સાથે ક્રીડા કરવા લાગ્યા. સંયોગવશાત્, ત્યાંથી નારદ નીકળ્યા. આ યક્ષકુમારોને જોઈ નારદને સમજાઈ ગયું કે અત્યારે તેઓ છકી ગયા છે. દેવષિર્ નારદને જોઈને વસ્ત્રહીન અપ્સરાઓ શરમાઈ ગઈ, શાપની બીકે ઉતાવળે વસ્ત્ર ધારણ કર્યાં પણ યક્ષોએ વસ્ત્ર ન પહેર્યાં; દેવષિર્ નારદે જોયું કે દેવતાઓના પુત્ર થઈને મદિરાપાનથી ઉન્મત્ત થયા છે ત્યારે તેમણે શાપ આપ્યો. ‘જાઓ તમે વૃક્ષ થવાને લાયક છો. મારી કૃપાથી તમને ભગવાનની સ્મૃતિ રહેશે, સો વર્ષે ભગવાન કૃષ્ણ મળશે અને પછી તમે તમારા લોકમાં પાછા આવશો.’ દેવષિર્ નારદ આમ કહી ભગવાન નર-નારાયણના આશ્રમે જતા રહ્યા. નલકુબેર અને મણિગ્રીવ- આ બંને એક સાથે અર્જુન વૃક્ષ થઈને યમલાર્જુનના નામે જાણીતા થયા. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્ત દેવષિર્ નારદની વાત સાચી કરવા માટે જ્યાં યમલઅર્જુન વૃક્ષ હતાં ત્યાં ધીરે ધીરે ખાંડણિયો ઘસેડતાં ગયા. ભગવાને વિચાર્યું, દેવષિર્ નારદ મારા પ્રિય છે, આ બંને ધનદ(કુબેર)ના પુત્રો છે. એટલે નારદની વાત સાચી કરવા માટે હું આમ કરીશ. આમ વિચારી તેઓ બંને વૃક્ષોની વચ્ચે પ્રવેશ્યા. તેઓ તો એમાંથી બહાર નીકળી ગયા પણ ખાંડણિયો વાંકો થઈને અટકી ગયો. દામોદર કૃષ્ણની કમરે દોરડું બાંધ્યું હતું. તેમણે પોતાની પાછળ રહેલા ખાંડણિયાને જરા જોર વાપરીને ખેંચ્યો એટલે વૃક્ષોનાં બધાં મૂળિયાં ઊખડી ગયાં. ભગવાને જરા જોર વાપર્યું એટલે તરત જ વૃક્ષોનાં થડ, શાખાઓ, નાનાં ડાળીડાંખરાં અને બધાં પાંદડાં ધૂ્રજી ઊઠ્યાં અને તે બંને વૃક્ષ જોરથી હચમચીને ભૂમિ પર પડી ગયાં. તે બંને વૃક્ષોમાંથી અગ્નિ સમાન બે સિદ્ધ પુરુષો નીકળ્યા. તેમના ઝળહળતા સૌેંદર્યથી દિશાઓ ચમકી ઊઠી. તેમણે સંપૂર્ણ લોકોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને તેમની ચરણવંદના કરી, હાથ જોડી શુદ્ધ હૃદયથી સ્તુતિ કરી. … ખાંડણિયા સાથે બંધાયેલા ગોકુલેશ્વર શ્રીકૃષ્ણે આ પ્રકારની સ્તુતિ સાંભળીને હસતાં હસતાં કહ્યું, ‘તમે લોકો શ્રીમદથી આંધળા થઈ ગયા હતા. હું પહેલેથી જાણતો હતો કે કરુણાનિધાન ઋષિએ શાપ આપીને તમારું ઐશ્વર્ય ખલાસ કરી નાખ્યું અને આમ તમારા પર અનુગ્રહ(કૃપા) કર્યો. જેવી રીતે સૂર્યોદય થતાં મનુષ્યનાં નેત્રો સામે અંધકાર રહી શકતો નથી તેવી રીતે જેમનું ચિત્ત સમદશિર્ની છે, તે સાધુ પુરુષોના દર્શનથી તેમનું બંધન શક્ય નથી. એટલે નલ કુબેર અને મણિગ્રીવ મારામાં પરાયણ થઈને તમારે ઘેર જાઓ. તમે ઇચ્છ્યો હતો તેવા સંસારચક્રમાંથી છોડાવનાર ભક્તિભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે.’ ભગવાને આમ કહ્યું એટલે બંનેએ તેમની પરિક્રમા કરી અને વારેવારે પ્રણામ કર્યાં. પછી ખાંડણિયા સાથે બંધાયેલા ભગવાનની આજ્ઞા મેળવીને તેઓ ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા. વૃક્ષોના પડવાથી થયેલો મોટો અવાજ નંદબાવા અને બીજા ગોપોએ પણ સાંભળ્યો. વીજળી ત્રાટકવાની શંકા થઈ અને તેઓ ભય પામીને વૃક્ષો પાસે આવી પહોંચ્યા. ત્યાં પહોેંચીને જોયું તો બંને અર્જુન વૃક્ષો પડી ગયાં હતાં. તેમના પડવાનું કારણ અસ્પષ્ટ હતું. ત્યાં તેમના દેખતાં જ દોરડે બંધાયેલો બાળક ખાંડણિયો ખેંચી રહ્યો હતો પણ વાત સમજાઈ નહીં: ‘આ કોનું કામ, આવી આશ્ચર્યજનક ઘટના કેવી રીતે થઈ એમ વિચારી તેઓ બી ગયા. ત્યાં કેટલાંક બાળકો રમતાં હતાં, તેમણે કહ્યું, ‘આ એનું જ કામ છે. તે બંને વૃક્ષોની વચ્ચેથી નીકળી રહ્યો હતો. ખાંડણિયો વાંકો થઈ ગયો એટલે તેણે જોરથી ખેંચ્યો એટલે વૃક્ષો પડી ગયાં. અમે તો તેમાંથી નીકળેલા બે પુરુષો પણ જોયા.’ ગોપલોકોએ તેમની વાત ન માની. તેઓ બોલ્યા, ‘એક નાનું છોકરું આટલા મોટાં મોટાં વૃક્ષોને ઉખેડી નાખે એ શક્ય નથી.’ શ્રીકૃષ્ણની પહેલી લીલાઓને યાદ કરીને કેટલાકના ચિત્તમાં શંકા પણ થઈ. નંદબાવાએ જોયું કે તેમનો પ્રિય કૃષ્ણ દોરડે બંધાઈને ખાંડણિયો ખેંચી રહ્યો છે. આ જોઈ તેઓ હસવા લાગ્યા અને જલદીથી દોરડાની ગાંઠ તેમણે છોડી નાખી. ભગવાન ક્યારેક ગોપીઓના ફોસલાવાથી સામાન્ય બાળકોની જેમ નાચવા લાગતા. ક્યારેક ભલાભોળા બાળકની જેમ ગાવા બેસતા. ક્યારેક કૃષ્ણની આજ્ઞાથી ગોપીઓ પીઠિયું લઈ આવતી, તો ક્યારેક કશું તોલવા માટેનાં સાધન લઈ આવતી. કદીક પાદુકા લઈ આવતી, ક્યારેક પ્રેમી ભક્તોને આનંદિત કરવા પહેલવાનોની જેમ સાથળ પછાડતા, આનંદ પમાડતા. સંસારમાં જેઓ તેમના રહસ્યને જાણે છે તેમને તેઓ બતાવતા કે ‘હું મારા સેવકોના કહેવામાં છું.’
જ્યારે નંદબાવા તથા વૃદ્ધ ગોપલોકોએ જોયું કે મહાવનમાં તો મોટા મોટા ઉત્પાત થઈ રહ્યા છે ત્યારે હવે શું કરવું જોઈએ તેનો વિચાર કરવા બધા ભેગા થયા. તેમાં એક ગોપ હતા ઉપનન્દ. તેઓ ઉમ્મરમાં મોટા હતા અને જ્ઞાનમાં પણ મોટા હતા. કયા સમયે ક્યાં શું કરવું તેની તેમને જાણ હતી. બલરામ અને કૃષ્ણ સુખે રહે અને તેમના પર કોઈ આફત ન આવે એવું પણ તે ઇચ્છતા હતા. તેમણે કહ્યું, ‘ભાઈઓ, અહીં બાળકો માટે અનિષ્ટકારી હોય એવા ઘણા ઘણા ઉત્પાતો થઈ રહ્યા છે. ગોકુળ અને ગોકુળવાસીઓનું હિત ઇચ્છતા હોય તો અહીંથી આપણે જતા રહેવું જોઈએ. બાળકો માટે કાલઘાતક રાક્ષસીના પંજામાંથી તો આ બાળક છૂટ્યો પછી ઈશ્વરકૃપાએ એના પર મોટું ગાડું પડતાં પડતાં રહી ગયું. ચક્રવાત રૂપી દૈત્યે તેને આકાશમાં લઈ જઈ મોટી આફતમાં નાખી દીધો. ત્યાંથી તે જ્યારે શિલા પર પડ્યો ત્યારેય કુળના દેવતાઓએ એની રક્ષા કરી. વૃક્ષો ઊખડી ગયાં ત્યારે તેમની વચ્ચે હોવા છતાં આ કે બીજું કોઈ બાળક ન મર્યું. ભગવાને આપણી રક્ષા કરી. કોઈ વધુ ભયાનક અનિષ્ટ આપણને કે વ્રજને ખતમ ન કરે ત્યાં સુધી આપણે બાળકોને, અનુચરોને લઈને અન્યત્ર જતા રહીએ. અહીં વૃંદાવન છે, એમાં નાનાં મોટાં નવાં નવાં વન છે. પશુઓ માટે ઉત્તમ છે. ગોપગોપીઓ, ગાયો માટે સેવન કરવા યોગ્ય છે. જો તમને આ વાત સ્વીકાર્ય હોય તો આપણે આજે જ નીકળી પડીએ. ગાડાં તૈયાર કરીએ, પહેલાં આપણી સૌથી મોટી સંપત્તિ એવી ગાયોને રવાના કરીએ.’ તેમની વાત સાંભળીને બધા ગોપોએ એકી અવાજે ‘બહુ સારું, બહુ સારું’ કહ્યું. બધાએ પોતપોતાની ગાયો ભેગી કરી, ગાડાં ઉપર ઘરવખરી લાદી. બાળકો, સ્ત્રીઓ તથા ઘરવખરીને ગાડામાં ચઢાવી દીધાં અને પોતે હાથમાં ધનુષબાણ લઈ ચાલી નીકળ્યા. તેમણે ગાયો, વાછરડાને બધાની આગળ કર્યા અને તેમની પાછળ પાછળ તૂર્ય, શૃંગ વગાડતા ચાલ્યા. તેમની સાથે પુરોહિતો પણ ચાલતા હતા. ગોપીઓ વક્ષ:સ્થળે કુંકુમની અર્ચા કરીને, ગળામાં સુવર્ણહાર પહેરીને, કૃષ્ણલીલાનાં ગીત ગાતી એક ગાડામાં બેઠી હતી. બંને બાળકોની કાલીઘેલી વાતો સાંભળીને ધરાતી ન હતી, વધુ ને વધુ સાંભળવા ઇચ્છતી હતી. કોઈ પણ ઋતુમાં વૃંદાવન સુંદર જ છે. તેમાં પ્રવેશીને ગોપાલકોએ અર્ધચંદ્રાકારમાં ગાડાં ઊભાં રાખ્યાં અને પોતાના ગોધન માટે સ્થાન નિયત કર્યાં. વૃંદાવનનું લીલુંછમ વન, ગોવર્ધન પર્વત તથા યમુનાના કિનારા જોઈ કૃષ્ણ-બલરામના હૃદયમાં ઉત્તમ પ્રીતિ પ્રગટી. બલરામ અને કૃષ્ણ બાલોચિત લીલાઓ તથા કાલીઘેલી વાણી વડે ગોકુળની જેમ વૃંદાવનમાં પણ વ્રજવાસીઓને આનંદ પમાડતા હતા… એક દિવસ શ્યામ અને બલરામ ગોપબાલોની સાથે યમુનાતીરે વાછરડા ચરાવતા હતા. તે સમયે તેમને મારવા માટે એક દૈત્ય આવ્યો. ભગવાને જોકહ્યું કે તે વાછરડાનું રૂપ લઈને જૂથમાં ભળી ગયો છે. બલરામને આંખો વડે સંકેત કરીને ધીમે ધીમે તેની પાસે પહોેંચી ગયા. તેમણે દેખાડ્યું કે તે સુંદર વાછરડા પર મુગ્ધ થઈ ગયા છે. ભગવાને તેના પૂંછડા સાથે પાછલા બંને પગ પકડ્યા અને આકાશમાં ઘુમાવ્યો, મરી ગયો એટલે કોઠાના ઝાડ પર ફેંકી દીધો. તે મહાકાય દૈત્ય કોઠાનાં ઘણાં ઝાડ પાડીને પોતે પણ પડી ગયો. આ જોઈને ગોપબાલોને બહુ અચરજ થયું, ‘વાહ વાહ’ કરીને કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા. દેવતાઓએ પણ આનંદમાં આવીને પુષ્પવર્ષા કરી. સમગ્ર લોકોના એક માત્ર રક્ષક કૃષ્ણ અને બલરામ હવે વત્સપાલક બન્યા. તેઓ સૂરજ ઊગતાં જ વાછરડા ચરાવવા નીકળી પડતા અને એમ કરતાં એક વનમાંથી બીજા વનમાં જઈ ચઢતા. એક દિવસ બધા ગોપબાલ પોતપોતાનાં જૂથના વાછરડાને પાણી પીવડાવવા જળાશયે લઈ ગયા. પહેલાં વાછરડાને પાણી પીવડાવ્યું, પછી જોયું તો એક મસમોટો જીવ ત્યાં બેઠો હતો. પર્વતશિખર પડ્યું હોય એવું લાગ્યું. તે બક નામનો મહાઅસુર બગલાનું રૂપ લઈને આવ્યો હતો. તરાપ મારીને કૃષ્ણને તે ગળી ગયો. બલરામ અને બીજા ગોપબાલોએ જોયું કે તે ભયાનક બગલો કૃષ્ણને ગળી ગયો છે, પ્રાણ જતા રહે ત્યારે ઇન્દ્રિયોની જે હાલત થાય તે તેમની થઈ. તેઓ બેસુધ થઈ ગયા. જગદ્ગુરુ એવા કૃષ્ણ ગોપાલબાળક બન્યા છે. જ્યારે તેઓ બગલાના તાળવે પહોેંચ્યા ત્યારે તેઓ આગની જેમ તેના તાળવાને બાળવા લાગ્યા. એટલે તે દૈત્યે શ્રીકૃષ્ણને ઇજા પહોેંચાડ્યા વિના તરત જ મોઢામાંથી બહાર કાઢ્યા. પછી ક્રોધે ભરાઈ પોતાની ચાંચ વડે કૃષ્ણ પર ઘા કરવા તે ટૂટી પડ્યો. તે હજુ તો કશું કરે તે પહેલાં ભગવાને બંને હાથે તેની ચાંચ પકડીને ગોપબાલોના દેખતાં જ કોઈ વીરણ ચીરે તેમ તેને ચીરી નાખ્યો. દેવતાઓને આનંદ થયો. તેમણે મલ્લિકા વગેરે પુષ્પો વરસાવ્યાં, નગારાં-શંખ વગાડી સ્તવનો ગાયાં. નંદનવનનાં અનેક પુષ્પો વરસાવી તેમને પ્રસન્ન કર્યા. આ જોઈને ગોપબાલો નવાઈ પામ્યા. બલરામે તથા બીજા ગોપબાલોએ જોયું કે કૃષ્ણ બગલાના મોંમાંથી નીકળીને આપણી પાસે આવી ગયા છે ત્યારે જાણે પ્રાણના સ્પર્શે ઇન્દ્રિયો સચેત થઈ ગઈ ન હોય એવો આનંદ થયો. બધા કૃષ્ણને ભેટ્યા, પછી પોતપોતાના વાછરડા હાંકીને બધા આવ્યા અને ત્યાં સ્વજનોને આખી વાત તેમણે કરી. એ વાત સાંભળીને ગોપ-ગોપી અચરજ પામ્યા અને જાણે કૃષ્ણ મૃત્યુના મેંમાંથી બહાર આવ્યા છે એવું તેમને લાગ્યું… એક દિવસ વનમાં જ ખાઈશું પીશું એવો વિચાર કરીને કૃષ્ણ તડકો થતાં ઊઠી ગયા અને શૃંગરવ વડે પોતાના મનની વાત ગોપબાલોને કરી તેમને જગાડ્યા, વાછરડાને આગળ કરીને તેઓ નીકળી પડ્યા. શ્રીકૃષ્ણની સાથે જ તેમના વહાલા ગોપબાલો શૃંગ, વાંસળી વગેરે લઈને અને હજારો વાછરડાને આગળ કરીને આનંદ પામતાં ઘરમાંથી નીકળી પડ્યા. કૃષ્ણના અસંખ્ય સાથીઓએ કાચ, પ્રવાલ, મણિ, સુવર્ણનાં આભૂષણો પહેર્યાં હતાં તો પણ વૃંદાવનમાં રંગબેરંગી ફૂલોથી, કૂંપળોથી, મોરનાં પીંછાંથી, રૂપોથી, પોતાને સજાવ્યા. એકબીજાની વસ્તુઓ ચોરી લેતા હતા, કોઈ વાંસળી તો કોઈ શીકું. જ્યારે એ વસ્તુઓના મૂળ માલિકને ખબર પડતી ત્યારે એને લઈ જનારો બીજાની પાસે ફેંકતો, બીજો ત્રીજા પાસે અને ત્રીજો દૂરના કોઈ ચોથાને. પછી હસતાં હસતાં ચીજવસ્તુઓ પાછી અપાતી. જો શ્રીકૃષ્ણ વનની શોભા જોવા માટે થોડા આગળ નીકળી પડતા તો ‘પહેલાં હું અડકીશ, પહેલાં હું’ એવી હોડ બકીને બધા તેમની નજીક જવા દોટ મૂકતા અને તેમને સ્પર્શીને આનંદ પામતા… તે સમયે અઘાસુર નામનો મહાન દૈત્ય આવી ચડ્યો. તેનાથી શ્રીકૃષ્ણ અને ગોપબાલોની આનંદક્રીડા વેઠી ન શકાઈ. તેને ઈર્ષ્યા થઈ. તે એટલો ભયાનક હતો કે અમૃતપાન કરી અમર થયેલા દેવતાઓ પણ તેનાથી પોતાના જીવનની રક્ષા કરવા સદાચિંતાતુર રહેતા અને તેના મૃત્યુના અવસરની રાહ જોઈને બેઠા હતા. અઘાસુર પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો, કંસે તેને મોકલ્યો હતો. શ્રીકૃષ્ણ, ગોપબાલોને જોઈ મનમાં વિચારવા લાગ્યો, ‘આ મારા સગાભાઈ અને બહેનના હત્યારા છે. આજે હું ગોપબાલોની સાથે એને પણ મારી નાખીશ. એમનું મૃત્યુ એટલે મારાં ભાઈબહેનનું તર્પણ. પછી બધા વ્રજવાસીઓ જીવતાં છતાં મરેલાં. સંતાનો જ મૃત્યુ પામે તો પછી માતાપિતા ક્યાંથી જીવશે?’ એમ વિચારી તેણે અજગરનું રૂપ લીધું અને રસ્તામાં આડો પડ્યો. એક યોજન જેટલા મોટા પર્વત જેવી તેની કાયા. તેની ઇચ્છા બધાં બાળકોને ગળી જવાની હતી એટલે પોતાનું મોં ગુફા જેવું પહોળું કરીને તે પડ્યો હતો. તેનો નીચલો હોઠ ધરતીને અને ઉપલો હોઠ વાદળોને અડકતો હતો. તેનાં જડબાં કંદરા જેવાં અને દાઢ પર્વતશિખર જેવી, મોંની અંદર ઘોર અંધારું, જીભ એક પહોળી રાતી સડક જેવી, શ્વાસ આંધી જેવા અને દાવાનળ પ્રગટાવતા હતા. અઘાસુરનું આવું રૂપ જોઈ બાળકોએ એમ માન્યું કે આ પણ વૃંદાવનની જ એક શોભા છે. તેઓ રમતાં રમતાં બોલ્યા, જાણે આ અજગરનું પહોળું મોં છે. એકે કહ્યું, આપણી સામે કોઈ પ્રાણી છે અને આપણને ગળી જવા માગતા અજગરના ખુલ્લા મોં જેવું છે. બીજાએ કહ્યું, સૂર્યકિરણોને કારણે રાતા થઈ ગયેલાં વાદળ જેવો તેનો ઉપલો હોઠ છે. વાદળોના પડછાયાને કારણે નીચેની રાતી દેખાતી ધરતી જાણે તેનો નીચલો હોઠ છે. ત્રીજાએ કહ્યું, આ જમણે અને ડાબે દેખાતી ગિરિકંદરા અજગરના જડબાં જેવી નથી લાગતી? આ ઊંચી ઊંચી શિખરપંક્તિઓ તો તેની દાઢ છે. ચોથાએ કહ્યું, અરે આ લાંબી પહોળી સડક અજગરની જીભ જેવી દેખાય છે. ગિરિશિખરોની વચ્ચેનો અંધકાર તેના મોંના અંદરના ભાગ જેવો છે. કોઈએ કહ્યું, જાણે ક્યાંક જંગલમાં આગ લાગી છે એટલે જ આ ગરમ આકરો પવન વાય છે. એ આગમાં બળી મરેલાં પ્રાણીઓનાં શરીરની દુર્ગંધ અજગરના પેટમાં જ મરેલાં પ્રાણીઓની દુર્ગંધ છે. કોઈએ કહ્યું, ‘જો આપણે આના મેંમાં જઈએ તો શું એ આપણને ગળી જશે? અરે ના-એવું કરશે તો એક જ ક્ષણમાં બકાસુરની જેમ નાશ પામશે.’ આમ કહેતા ગોપબાલ બકાસુરને મારનાર કૃષ્ણનું મેં જોતાં અને તાલી વગાડતાં તેના મેંમાં પેસી ગયા. ‘આ અજાણ્યાં બાળકોને તો સાચો સાપ જૂઠો લાગ્યો.’ ભગવાન તો બધાં પ્રાણીઓનાં હૃદયમાં વસે છે. તેમણે નિર્ધાર કર્યો કે આ બાળમિત્રોને તેનાં મેંમાં જતાં અટકાવું. તેઓ આમ વિચારતા જ હતા ત્યાં બધા ગોપબાળ વાછરડા સહિત અસુરના પેટમાં જતા રહ્યા. પરંતુ અઘાસુર પોતાના ભાઈ અને બહેનના વધની યાદ કરતો શ્રીકૃષ્ણ તેના મોઢામાં આવી જાય તેની રાહ જોતો હતો. બધાને અભય આપનારા શ્રીકૃષ્ણે જોયું કે આ બધાનો એક માત્ર રક્ષક હું છું- મારા હાથમાંથી તેઓ નીકળી ગયા, અઘાસુરના જઠરાગ્નિનો કોળિયો થઈ ગયા, ત્યારે દૈવની આ લીલા પર વિસ્મય થયું. તેઓ વિચારવા લાગ્યા, હવે શું કરવું — એવો કયો ઉપાય કરવો — આ દુષ્ટનું મૃત્યુ થાય અને આ નિષ્પાપ બાળકોની હત્યા ન થાય. તેઓ પોતાનું કર્તવ્ય નિશ્ચિત કરી તેના મેંમાં પ્રવેશ્યા. તે વેળા વાદળોમાં સંતાયેલા દેવો ભયવશ પોકારો કરવા લાગ્યા અને અઘાસુરના કંસ વગેરે બાંધવો હર્ષ પ્રગટ કરવા લાગ્યા. અઘાસુર વાછરડા ને ગોપબાલો સમેત શ્રીકૃષ્ણને પોતાના દાંત તળે ચાવીને કૂચો કરવા માગતો હતો. પરંતુ તે વેળા કૃષ્ણે તેના ગળામાં પોતાના શરીરને વધાર્યું. પછી તો ભગવાને પોતાના શરીરને એટલું વધાર્યું કે રાક્ષસનું ગળું જ રૂંધાઈ ગયું. આંખો ફાટી ગઈ. તે આકળવિકળ થઈને હેરાનપરેશાન થઈ ગયો. મૂર્ધાને ફાડીને વાછરડા બહાર નીકળી ગયા. તેની સાથે બીજું બધું પણ શરીરની બહાર નીકળી ગયું. તે જ વેળા ભગવાને પોતાની દૃષ્ટિ વડે મરેલા વાછરડા અને ગોપબાલોને જીવતા કરી દીધા અને એ બધાને લઈને તે અઘાસુરના મેંમાંથી બહાર નીકળ્યા. અજગરના સ્થૂળ શરીરમાંથી એક અદ્ભુત — મહાન જ્યોતિ — પ્રગટ્યો અને તેના પ્રકાશથી દસે દિશાઓ પ્રજ્વલિત થઈ ઊઠી. તે જ્યોતિ થોડી વાર તો આકાશમાં સ્થિર થઈ અને ભગવાન બહાર આવે તેની રાહ જોવા લાગી. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે બધા દેવતાઓના દેખતાં તેમનામાં જ સમાઈ ગઈ. ત્યારે દેવતાઓએ પુષ્પવર્ષા કરી, અપ્સરાઓએ નૃત્ય કર્યાં, ગંધર્વોએ ગીત ગાયાં, વિદ્યાધરોએ વાજિંત્રો વગાડ્યાં, બ્રાહ્મણોએ સ્તવનો ગાયાં, પાર્ષદોએ જયજયકાર કર્યો. આ અદ્ભુત સ્તુતિઓ, સુંદર વાદ્યો, મંગળ ગીતો, જયજયકાર અને ઉત્સવનો ધ્વનિ બ્રહ્માજી સુધી પહોેંચ્યો અને તે તરત જ પોતાના વાહન પર ચઢીને આવ્યા અને આ જોઈને તેમને વિસ્મય થયું. વૃંદાવનમાં અજગરનું ચામડું સુકાઈ ગયું એટલે વ્રજવાસીઓ માટે ઘણા દિવસો માટે રમવા માટેની એક અદ્ભુત ગુફા બની રહી. ભગવાને ગોપાલકોને જીવનદાન આપ્યું હતું અને અઘાસુરને મોક્ષ અપાવ્યો હતો તે લીલા ભગવાને કૌમાર્યાવસ્થામાં કરી હતી, ગોપબાલોએ પણ એ જોઈ હતી, પરંતુ છઠ્ઠા વર્ષે આશ્ચર્ય પામીને વ્રજમાં તેનું વર્ણન કર્યું. અઘાસુર મૂતિર્માન પાપ જ હતો પણ ભગવાનના સ્પર્શથી તેનાં પાપ ધોવાઈ ગયાં… … ગોપબાલોને અઘાસુરના મેંમાંથી બચાવ્યા પછી કૃષ્ણ તેમને યમુનાતટે લઈ આવ્યા અને બોલ્યા, ‘મિત્રો, યમુનાનો આ કિનારો ખૂબ જ રમણીય છે, જુઓ જુઓ — અહીંની રેતી કેટલી કોમળ અને સ્વચ્છ છે. એક બાજુ રંગબેરંગી કમળ ખીલ્યાં છે, તેની ગંધથી આકર્ષાઈને ભમરા ગુંજારવ કરે છે, સુંદર પક્ષીઓનાં કૂજન થાય છે. એના પ્રતિધ્વનિથી સુશોભિત વૃક્ષ એ સ્થાનની શોભા વધારે છે. હવે દિવસ પણ ખાસ્સો થયો છે, આપણે ભોજન કરી લેવું જોઈએ. આપણે ભૂખ્યા થયા છીએ, વાછરડા પાણી પીને અહીં પાસે જ ઘાસ ચરતા રહે. ગોપબાલોએ એકી અવાજે હા પાડી. તેમણે વાછરડાને પાણી પીવડાવી લીલા ઘાસમાં છોડી દીધા, પોતપોતાનાં ભોજનપાત્રો લઈને ભગવાન સાથે આનંદપૂર્વક ભોજન કરવા બેઠા. બધાની વચ્ચે શ્રીકૃષ્ણ બેઠા, તેમની ચારે બાજુ નાનીમોટી પાંખડીઓ શોભે તેમ કૃષ્ણની સાથે બેઠેલા ગોપબાલો શોભતા હતા. કેટલાક ફૂલ, કેટલાક પાંદડાં, અંકુર, ફળ, ભોજનપાત્ર, પથ્થરના પાત્ર બનાવીને ભોજન કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને ગોપબાલો પોતપોતાની રુુચિનું પ્રદર્શન કરતા હતા. એકબીજાને હસાવતા, પોતે પણ હસી હસીને બેવડ વળી જતા. આમ બધા ભોજન કરતા હતા. શ્રીકૃષ્ણે વાંસળી કમરબંધમાં ખોસી હતી. શૃંગ અને નેતર બગલમાં દબાવ્યા હતા. ડાબા હાથમાં મધુર ઘીવાળા દહીંભાતનો કોળિયો હતો અને આંગળીઓમાં ફળ હતાં. ગોપબાલ તેમને ચારે બાજુએ ઘેરીને બેઠા હતા અને પોતે નર્મમર્મભરી વાર્તા કરીને બધાને હસાવતા હતા. બધા યજ્ઞોના ભોક્તા એવા ભગવાન બાલકેલિ કરતા હતા અને સ્વર્ગના દેવો આશ્ચર્યથી જોતા હતા. ભોજન કરતા કરતા ગોપબાલ ભગવાનની લીલામાં તન્મય થઈ ગયા અને તે વેળા વાછરડા લીલા ઘાસની લાલચે જંગલમાં દૂર નીકળી ગયા. ગોપબાલોનું ધ્યાન એ તરફ ગયું તો તેઓ ગભરાઈ ગયા. ભક્તોના ભયને દૂર કરનાર કૃષ્ણે કહ્યું, ‘મિત્રો, તમે ભોજન કરતા રહો, હું હમણાં વાછરડાને લઈને આવું છું.’ આવું કહી કૃષ્ણ હાથમાં દહીંભાત લઈને જ પહાડો, ગુફાઓ, કુંજો વગેરે ભયંકર સ્થાનોમાં પોતાના અને સાથીઓના વાછરડા શોધવા નીકળ્યા. બ્રહ્મા આકાશમાં હતા જ, અઘાસુરનો મોક્ષ જોઈને તેમને અચરજ થયું. તેમણે વિચાર્યું- લીલા માટે બાળક બનેલા ભગવાનની બીજી કોઈ લીલા જોવી જોઈએ. એમ વિચારી પહેલાં તો વાછરડાને, કૃષ્ણના ગયા પછી ગોપબાલોને ક્યાંક મૂકી દીધા અને પોતે અંતર્ધાન થઈ ગયા. વાછરડા ન મળ્યા એટલે કૃષ્ણ યમુનાકાંઠે પાછા આવ્યા, પણ ત્યાં ગોપબાલ ન હતા. વનમાં તેમને શોધવા ફરી વળ્યા. જ્યારે વાછરડા અને ગોપબાલ ન મળ્યા એટલે તરત ખ્યાલ આવી ગયો કે આ બ્રહ્માનું કાર્ય છે. વાછરડા અને ગોપબાલોની માતાઓને તથા બ્રહ્માને આનંદિત કરવા પોતાને જ વાછરડા અને ગોપબાલોના રૂપમાં વહેંચી કાઢ્યા. તેઓ તો સંપૂર્ણ વિશ્વના સર્વશક્તિમાન ઈશ્વર છે. ભગવાન પ્રગટ થયા. આ સંપૂર્ણ જગત વિષ્ણુરૂપ છે એવી વેદવાણી જાણે મૂતિર્મંત થઈ. સર્વાત્મા ભગવાન પોતે વાછરડા બની ગયા અને ગોપબાલ પણ. અને આમ વાછરડા અને ગોપબાલોને લઈ અનેક રમતો રમતાં તેઓ વ્રજમાં પ્રવેશ્યા. જેના જેના વાછરડા હતા તે બધાને પોતપોતાની કોઢમાં પેસાડ્યા, બાળકો પણ પોતપોતાનાં ઘરમાં ગયાં. ગોપબાલોની માતાઓ વાંસળીવાદન સાંભળીને દોડી આવી. ગોપબાલ બનેલા ભગવાનને પોતાનાં જ સંતાન માનીને ગળે લગાડ્યા. તેમને સ્તનપાન કરાવવા લાગી. આમ દરરોજ સાંજે શ્રીકૃષ્ણ ગોપબાલોની સાથે વ્રજમાં આવતા અને માતાઓને આનંદિત કરતા. માતાઓ બાળકોને શણગારતી, ગાલે કાજળ લગાવતી, ભોજન આપતી. તેમની જેમ ગાયો પણ જંગલમાંથી ચરીને હંભારવ કરતી પ્રવેશતી ત્યારે તેમના વાછરડા દોડી આવતા, વાછરડાને ધવડાવતી. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા. એ બાળકો અને વાછરડા જેટલાં હતાં, તેમનાં નાનાં નાનાં શરીર જેવાં હતાં, તેમના હાથપગ જેવા હતા, તેમની પાસે જેટલી લાકડીઓ, સીંગ, વાંસળી, પર્ણો, છીંકા, વસ્ત્રાભૂષણ, શીલ-સ્વભાવ-ગુણ-નામ, રૂપ અવસ્થાઓ જેવી હતી, જેવી રીતે ખાતાપીતા હતા, તે જ રીતે એટલાં રૂપોમાં ભગવાન પ્રગટ થયા. એક વર્ષ પૂરું થવામાં પાંચેક રાત બાકી હતી ત્યારે એક દિવસ કૃષ્ણ બલરામ સાથે વાછરડા ચરાવવા વનમાં ગયા. તે સમયે ગોવર્ધન પર ગાયો ઘાસ ચરી રહી હતી ત્યાંથી વ્રજની પાસે જ ગાયોનો વાત્સલ્યભાવ ઊમટી આવ્યો. તેઓ સુધબુધ ખોઈ બેઠી અને ગોપબાલોના રોકવાના પ્રયત્નોની પરવા ન કરતી જે રસ્તે તેઓ જઈ શકતી ન હતી ત્યાંથી હંભારવ કરતાં ઝડપથી દોડી. તે વેળા તેમના આંચળમાંથી દૂધ વહ્યે જતું હતું. તેમની ગરદન સંકોચાઈને શરીર સાથે ભળી ગઈ હતી. પૂંછડું તથા માથું ઊંચું કરીને એવી ઝડપથી દોડી કે જાણે તેમને બે જ પગ છે. જે ગાયોને બીજા પણ વાછરડા હતા તે પણ ગોવર્ધન પર્વતની નીચે પહેલા વાછરડા પાસે દોડી આવી અને તેમને પોતાની મેળે ઝરતું દૂધ પીવડાવવા લાગી. એવું લાગતું હતું કે તે વાછરડાને પોતાના પેટમાં સમાવી લેશે. ગોપબાલોએ તેમને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્ન નિષ્ફ્ળ નીવડ્યો. તેમને પોતાની નિષ્ફળતા બદલ ભોેંઠપ લાગી અને ગાયો પર ખૂબ ગુસ્સો આવ્યો. તેઓ બહુ કષ્ટપૂર્વક તે દુર્ગમ રસ્તેથી તે સ્થાને પહોેંચ્યા ત્યારે તેમણે વાછરડાની સાથે પોતાનાં બાળકો પણ જોયાં. તેમને જોતાંવેંત તેમનું હૃદય પ્રેમથી તરબતર થઈ ગયું. બાળકો પ્રત્યે પ્રેમનાં પૂર ઉમટ્યાં અને તેમનો ક્રોધ ઊડી ગયો. બાળકોને ઊંચકીને ગળે લગાડ્યાં, તેમનાં મસ્તક સૂંઘીને આનંદ પામ્યા. વૃદ્ધ ગોપબાલોને પોતાનાં બાળકોને ભેટીને ખૂબ આનંદ થયો. તેઓ ન્યાલ થઈ ગયા. પછી મહામહેનતે તેઓ મન મૂકીને ધીમે ધીમે ચાલતા થયા. પછી પણ બાળકોના તથા તેમના આલિંગનના સ્મરણથી પ્રેમાશ્રુ વહેતાં રહ્યાં. બલરામે જોયું કે વ્રજવાસી ગોપ, ગાયો, ગોવાલણોએ જેમણે દૂધ પીવાનું છોડી દીધું છે તે સંતાનો માટે ક્ષણેક્ષણે પ્રેમ અને ઉત્કંઠા વધતાં જ ગયાં છે. ત્યારે તેઓ વિચારમાં પડી ગયા. પ્રેમ અને ઉત્કંઠા વધતાં જ ગયા તેના કારણની તેમને જાણ ન હતી. .. આ કેવી માયા છે? કોઈ દેવતાની છે, માનવીની છે કે અસુરોની છે? તેમનું સ્મિત, ચંદ્રિકા જેવું ઉજ્જ્વળ હતું. તેઓનો કટાક્ષ મધુર હતો. એવું લાગતું હતું કે આ બંને દ્વારા સત્ત્વ-રજસ્ ગુણનો સ્વીકાર કરી ભક્તજનોના હૃદયમાં શુદ્ધ લાલસા જગવી તેને પૂર્ણ કરી રહ્યા હતા. બ્રહ્મા જ ચરાચરજીવ મૂર્ત થઈ નાચતા-ગાતા અનેક પ્રકારની પૂજાસામગ્રીથી અલગ અલગ ભગવાનનાં બધાં રૂપોની ઉપાસના કરી રહ્યા છે. તેમની ભિન્નભિન્ન અણિમા-મહિમા વગેરે સિદ્ધિઓ, માયા વિદ્યા વગેરે વિભૂતિઓ, મહત્ત તત્ત્વ તથા ચોવીસ તત્ત્વો ચોતરફ છે. પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરનાર કાલ, તેના પરિણામના કારણ રૂપ સ્વભાવ, વાસનાઓને પ્રદીપ્ત કરનારા સંસ્કાર, કામનાઓ, કર્મ, વિષય, ફળ-બધાં જ મૂતિર્માન થઈને ભગવાનના પ્રત્યેક રૂપની પૂજા કરી રહ્યાં છે. ભગવાનનાં સત્તા અને મહત્તા સાથે તે બધાનાં સત્તા, મહત્તા પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠાં હતાં. બ્રહ્માએ એ પણ જોયું કે બધા ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળ દ્વારા સીમિત નથી, ત્રિકાલાબાધિત સત્ય છે. તે બધા જ સ્વયંપ્રકાશ, અનન્ત આનંદસ્વરૂપ છે. તેમનામાં જડતા અને ચૈતન્યનો કશો ભેદ નથી. બધા એકરસ છે. એટલે સુધી કે ઉપનિષદના ઋષિઓની દૃષ્ટિ પણ તેમના અનન્ત મહિમાનો સ્પર્શ કરી શકતી નથી. આમ બ્રહ્માએ એક સાથે જોયું કે તે બધા શ્રીકૃષ્ણનાં જ સ્વરૂપ છે, તેમના પ્રકાશથી જ આ સમગ્ર ચરાચર કે વિશ્વ પ્રકાશિત થઈ રહ્યું છે. આ જોઈ બ્રહ્મા ચકિત થઈ ગયા. તેમની બધી ઇન્દ્રિયો ક્ષુબ્ધ થઈ ગઈ. ભગવાનના તેજથી નિસ્તેજ થઈ મૌન થઈ ગયા. વ્રજના અધિષ્ઠાતા દેવની સામે કોઈ પૂતળી ઊભી ન હોય એવા તે સ્તબ્ધ થઈ ગયા. ભગવાનનું સ્વરૂપ તર્કાતીત છે. તેમનો મહિમા અસાધારણ છે, બ્રહ્માએ મીંચી દીધેલી આંખો ફરી ઉઘાડી. તેમને પોતાનું શરીર અને જગત દેખાયાં. બ્રહ્મા ચારે બાજુ જોવા લાગ્યા ત્યારે તેમને તરત જ પોતાની સામે દિશાઓ દેખાઈ, વૃંદાવન દેખાયું. વૃંદાવન બધાને માટે એક સરખું પ્રિય, જ્યાં જુઓ ત્યાં જીવોને જીવન આપનાર ફળફૂલ, લીલાંછમ પાંદડાંથી લહેરાતાં વૃક્ષો દેખાયાં…બ્રહ્માએ કૃષ્ણની ચરણવંદના કરી, લાંબો સમય ને ચરણોમાં પડી રહ્યા. પછી ધીમેથી ઊભા થઈને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
બલરામ અને શ્રીકૃષ્ણના સખાઓમાં એક શ્રીદામા નામનો ગોપબાલ હતો. એક દિવસ તેણે તથા સુબલ અને સ્તોકકૃષ્ણ વગેરે ગોપબાલોએ બંને ભાઈઓને કહ્યું, ‘બલરામ, તમારા બાહુબળની તો સીમા નથી. હે કૃષ્ણ, દુષ્ટોનો નાશ કરવો એ તમારો સ્વભાવ છે. અહીંથી થોડે દૂર એક મોટું વન છે. ત્યાં જાતજાતનાં તાડવૃક્ષો છે. ત્યાં પાકેલાં ફળ પડ્યાં કરે છે, પરંતુ ત્યાં ધેનુક નામનો એક દુષ્ટ રાક્ષસ રહે છે. તેણે બધાં ફળ પોતાના માટે રાખ્યાં છે. તે દૈત્ય ગધેડાના રૂપે રહે છે. તેની સાથે એના જ જેવા બળવાન દૈત્ય ગધેડાના રૂપે જ રહે છે. અત્યાર સુધી તે ન જાણે કેટલા બધા માણસોને ખાઈ ગયો છે. એના ડરને લીધે જ માણસો ફળ ખાઈ શકતાં નથી, પશુપક્ષી પણ ત્યાં જતાં નથી. એ ફળ તો છે સુવાસિત, ચારે બાજુથી તેમની આછીપાતળી સુગંધ આવે છે. જરા ધ્યાન આપીએ તો તેમનો રસ મળી શકે. તેમની સુગંધે અમારું મન લલચાઈ ગયું છે. ક્યારે એ ફળ ખાવા મળશે…તમે અમને એ ફળ ખવડાવો. એ ફળ ખાવાની બહુ ઇચ્છા છે. તમને જો ગમે તો ત્યાં જઈએ.’ પોતાના સુહૃદોની વાત સાંભળીને બંને હસ્યા અને તેમને રાજી રાખવા તેમની સાથે તાલવન જવા નીકળી પડ્યા. તે વનમાં જઈને બલરામે પોતાના હાથ વડે તાલવૃક્ષોને પકડીને મદનિયાની જેમ તેમને હલાવી ઘણાં ફળ નીચે પાડ્યાં. ફળના પડવાનો અવાજ સાંભળીને ગધેડાના રૂપે રહેતો રાક્ષસ પર્વતની સાથે, આખી પૃથ્વી કંપાવતો દોડ્યો. તે બહુ બળવાન હતો. તે બહુ જોરથી હોંચી કરતો બલરામ પાસે પહોેંચ્યો અને તેમની બાજુ પીઠ કરીને ફરી પાછલા પગ ઉગામ્યા. બલરામે એક જ હાથ વડે તેના બંને પગ પકડી લીધા અને આકાશમાં ઘુમાવીને એક તાડ વૃક્ષ પર ફંગોળ્યો. ઘુમાવતી વેળા જ તેના પ્રાણ જતા રહ્યા હતા. તેના પડવાને કારણે ઉપર વિશાળ તાડ વૃક્ષ તૂટી પડ્યું. તે વૃક્ષ તો પડી ગયું પણ પાસેના વૃક્ષનેય પાડી નાખ્યું, પછી તેણે ત્રીજાને, ત્રીજાએ ચોથાને -આમ એક બીજાને પાડી નાખતાં ઘણાં વૃક્ષો પડી ગયાં. બલરામ માટે તો આ રમત હતી. પણ તેણે ફંગોળેલા ગર્દભના શરીરના ઘાથી બધાં તાડવૃક્ષો હાલી ઊઠ્યાં, જાણે ઝંઝાવાતે બધાને પાડી નમાવ્યાં. બલરામ પોતે જગદીશ્વર છે. તેમનામાં આખો સંસાર સમાયેલો છે. જેવી રીતે સૂતરમાં વસ્ત્ર. તે વેળા ધેનુકાસુરના બાંધવો પોતાના ભાઈના વધથી ક્રોધે રાતાપીળા થઈ ગયા. બધા જ ગર્દભો બલરામ-કૃષ્ણ પર ટૂટી પડ્યા. જે જે પાસે આવ્યા તે બધાંનો પગ પકડીને રમતાં રમતાં તાડ વૃક્ષો પર ફંગોળ્યા. તે વેળા બધી જમીન તાડનાં ફળોથી છવાઈ ગઈ. જેવી રીતે વાદળોથી આકાશ છવાઈ જાય તેવી રીતે તે ધરતી દેખાવા લાગી. બલરામ અને કૃષ્ણની લીલા જોઈને દેવતાઓએ વાજિંત્રો વગાડીને પુષ્પવૃષ્ટિ કરી. જે દિવસે ધેનુકાસુર મરી ગયો તે દિવસથી લોકો નિર્ભય થઈને તે વનનાં તાડ ફળ ખાવા લાગ્યા અને પશુઓ પણ નિરાંતે ઘાસ ચરતા થયાં.
કાલીયદમન
એક દિવસ ગોપબાલોની સાથે શ્રીકૃષ્ણ યમુનાતટ પર ગયા. તે દિવસે બલરામ તેમની સાથે ન હતા. જેઠઅષાઢના ઉકળાટથી બધા ત્રાસ્યા હતા. તરસે ગળાં સુકાઈ ગયાં હતાં. તેમણે યમુનાનું ઝેરી પાણી પી લીધું. તેમને એ વાતનો ખ્યાલ ન જ રહ્યો. તે ઝેરી પાણી પીવાથી બધી ગાયો, ગોપબાલો નિષ્પ્રાણ થઈને યમુનાના તટ પર પડી ગયા. તેમને એવી હાલતમાં જોઈને યોગેશ્વરોના ઈશ્વર કૃષ્ણે પોતાની અમૃતમય દૃષ્ટિથી તેમને જીવિત કર્યા. જીવ આવવાથી તેઓ યમુનાના કાંઠે ઊભા થઈ ગયા અને વિસ્મય પામીને એકબીજા સામે જોવા લાગ્યા. તેમણે માની લીધું કે આપણે ઝેરી પાણી પીવાને કારણે મરી ગયા હતા પણ કૃષ્ણની કૃપાથી ફરી જીવતા થયા. શ્રીકૃષ્ણે જોયું કે ઝેરી કાલિય નાગે યમુનાનું જળ ઝેરી કરી મૂક્યું છે, એટલે યમુનાને શુદ્ધ કરવા તે સાપને ત્યાંથી કાઢી મૂકવો જોઈએ, પણ કેવી રીતે કાઢવો? યમુનામાં કાલિય નાગનો એક કુંડ હતો. ઝેરની ગરમીથી તેનું પાણી ઊકળતું રહેતું હતું. તેના ઉપરથી ઊડતાં પક્ષીઓ પણ તરફડીને તેમાં પડી જતાં હતાં. તેનાં ઝેરી પાણીના તરંગોનો સ્પર્શ કરીને તથા તેનાં નાનાં નાનાં બિંદુઓ લઈને જ્યારે પવન કાંઠાનાં ઘાસ, વૃક્ષ, પશુપક્ષી વગેરેનો સ્પર્શ કરતો ત્યારે તે જ વેળા તે મરી જતાં. દુષ્ટોનું દમન કરવા જ ભગવાન અવતરતા હોય છે. જ્યારે કૃષ્ણે જોયું કે તે સર્પવિષનો વેગ ભારે છે, તેને કારણે મારી વિહારભૂમિ યમુના દૂષિત થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણ કમરે ખેસ બાંધીને એક બહુ ઊંચા કદંબવૃક્ષ પર ચઢી ગયા અને ત્યાંથી તે ઝેરી ધરામાં કૂદી પડ્યા. સર્પવિષને કારણે યમુનાનું પાણી પહેલેથી ઊકળી રહ્યું હતું. તેના લાલપીળા તરંગો ઊછળતા હતા. કૃષ્ણના કૂદી પડવાથી તેનું પાણી આમતેમ ઊછળીને ચારસો હાથ સુધી ફેલાઈ ગયું. અનન્ત બળવાન કૃષ્ણ માટે એમાં કશા આશ્ચર્યની વાત ન હતી. કૃષ્ણ ધરામાં કૂદીને પુષ્કળ બળવાન હાથીની જેમ પાણી ઉછાળવા લાગ્યા. આમ કરવાથી તેમના હાથના પછડાવાથી પાણીમાં બહુ મોટો અવાજ થયો. આંખોથી સાંભળતા કાલિયનાગે આ અવાજ સાંભળ્યો, જોયું કે કોઈ મારા આવાસને પડકારી રહ્યું છે, આ તેનાથી સહન ન થયું. જોયું તો સામે શ્યામ વર્ણનો એક બાળક હતો. વર્ષા ઋતુના વાદળ જેવો કોમળ દેહ, બસ જોયા જ કરો. તેના વક્ષ:સ્થળ પર શ્રીવત્સ ચિહ્ન છે. પીળું વસ્ત્ર પહેર્યું છે. મધુર-મનોહર મોઢા પર આછું આછું સ્મિત ફરકે છે. કમળશય્યા ન હોય તેમ તેમના પગ કોમળ અને સુન્દર હતા. આટલું મનમોહક રૂપ હોવા છતાં બાળક જરાય ગભરાયા વિના આ ઝેરી પાણીમાં નિરાંતે રમી રહ્યો છે તે જોઈને તેનો ક્રોધ ખૂબ વધ્યો. કૃષ્ણને મર્મસ્થાનોમાં ડસીને તેણે ભીંસમાં લીધા. કૃષ્ણ નાગપાશમાં બંધાઈ નિશ્ચેષ્ટ થઈ ગયા. આ જોઈ ગોપબાલ બહુ દુઃખી થયા, દુઃખ-પશ્ચાત્તાપ અને ભયથી મૂચ્છિર્ત થઈને જમીન પર પડી ગયા. તેમણે પોતાના શરીર, સુહૃદ, ધનસંપત્તિ, સ્ત્રી, પુત્ર, ભોગ- કામના — બધું કૃષ્ણને સમપિર્ત કર્યું હતું. ગાયો, વૃષભ, વાછરડા-વાછરડી પણ દુઃખે ક્રન્દન કરવાં લાગ્યાં. રડી રહ્યાં હોય એમ તેઓ ભયભીત થઈ ઊભા રહી ગયાં. તેમનાં શરીર એકદમ સ્થિર થઈ ગયાં. વ્રજમાં ત્રણ પ્રકારના ઉત્પાત થવા માંડ્યા, તેનાથી સૂચવાતું હતું કે બહુ જલદી કોઈ અશુભ ઘટના બનવાની છે. નંદબાવા વગેરે ગોપોએ પહેલાં તો આ અપશુકન જોયા, પાછળથી જાણ થઈ કે આજે બલરામ વિના કૃષ્ણ ગાયો ચરાવવા ગયા છે. તેઓ ભયથી વ્યાકુળ થઈ ગયા. તેઓ ભગવાનનો પ્રભાવ જાણતા ન હતા. એટલે અપશુકનોને આધારે માની લીધું કે આજે કૃષ્ણનું મૃત્યુ થયું છે. બધા તે જ વેળા દુઃખ, શોક, ભયથી વ્યાકુળ થયા. કૃષ્ણ તેમના પ્રાણ, મન — બધું હતા. વ્રજવાસી બાળક, વૃદ્ધો અને સ્ત્રીઓની પ્રકૃતિ ગાયો જેવી વાત્સલ્યમય હતી. મનમાં આવો વિચાર આવતાંવેંત તેઓ કનૈયાને જોવા ઘરમાંથી બહાર નીકળી પડ્યા. બલરામ તો સ્વયં ભગવાનના સ્વરૂપ અને સર્વશક્તિમાન. વ્રજવાસીઓને દુઃખી જોઈને તેમને હસવું આવ્યું. પણ તે ચૂપ રહ્યા. તેઓ પોતાના નાના ભાઈનો પ્રભાવ સારી રીતે જાણતા હતા. વ્રજવાસીઓ પોતાના વહાલા કૃષ્ણને શોધવા લાગ્યા. તેમને વધુ મુશ્કેલી ના પડી. કારણ કે રસ્તામાં કૃષ્ણનાં પદચિહ્ન મળ્યાં. તેઓ યમુનાકિનારે ગયા. રસ્તામાં ગાયો અને બીજાઓનાં પદચિહ્નોની વચ્ચે ભગવાનનાં પદચિહ્ન પણ દેખાતાં હતાં. જ્યારે તેમણે જોયું કે કૃષ્ણને કાળા સાપે ભીંસી રાખ્યા છે ત્યારે તેમના હૃદયમાં બહુ દુઃખ થયું, ખૂબ બળતરા થઈ. પ્રિય વિના તેમને ત્રણે લોક સૂના લાગવા માંડ્યા. માતા યશોદા તો પોતાના પુત્રની પાછળ ધરામાં કૂદવા જતાં હતાં પણ ગોપીઓએ એમને ઝાલી રાખ્યાં. તેમના હૃદયમાં એવી જ વેદના હતી. આંખોમાંથી આંસુ વહ્યે જતાં હતાં. બધાંની આંખો કૃષ્ણના મુખકમળ પર ઠરી હતી. જેમના શરીરમાં હોશકોશ હતા તેઓ કૃષ્ણની પૂતનાવધ જેવી કથાઓ કહી કહીને યશોદાને ધીરજ બંધાવતી હતી. આ જોઈને કૃષ્ણનો પ્રભાવ જાણનાર બલરામે કેટલાકને સમજાવીને, કેટલાકને બળજબરીથી, કેટલાકને તેમના હૃદયમાં પ્રેરણા કરીને અટકાવી દીધા. સાપના શરીરથી વીંટળાઈ જવું એ તો શ્રીકૃષ્ણની મનુષ્યસહજ એક લીલા હતી. જ્યારે તેમણે જોયું કે વ્રજના બધાં લોક, સ્ત્રી બાળકો સમેત આમ ખૂબ જ દુઃખી થઈ રહ્યાં છે અને મારા સિવાય બીજો કોઈ આધાર નથી ત્યારે એક મુહૂર્ત સાપથી જકડાઈ રહ્યા પછી મુક્ત થઈ ગયા. કાલિય નાગપાશ ત્યજીને ઊભો થઈ ગયો અને ક્રોધે ભરાઈને ફેણ ઊંચી કરીને ફૂંફાડા મારવા લાગ્યો. અવકાશ મળતાં જ કૃષ્ણને ડસવા તેમની સામે એકીટશે જોતો રહ્યો. તેનાં નસકોરાંમાંથી ઝેર નીકળતું હતું. તેની આંખો સ્થિર હતી અને જાણે ભઠ્ઠીમાં તપાવી ન હોય એવી લાલચોળ થઈ ગઈ હતી. તેના મોઢામાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી. તે વેળા કાલી નાગ પોતાની બેવડી જીભ લપલપાવીને પોતાના હોઠની ધાર ચાટી રહ્યો હતો અને પોતાની કરાલ આંખો વડે વિષ ફેંકતો રહ્યો. પોતાના વાહન ગરુડની જેમ ભગવાન એની સાથે રમત રમતાં રમતાં પેંતરા બદલતા રહ્યા, તે સાપ પણ ભગવાનને ડસવા પેંતરા બદલતો રહ્યો. તેનું બળ ઓછું થવા માંડ્યું. ત્યારે કૃષ્ણે તેનાં મોટાં માથાંને જરાક દબાવ્યાં અને કૂદકો મારીને તેમના પર સવાર થઈ ગયા. ભગવાનના કોમળ તળિયાની લાલિમા ઘણી વધી ગઈ, નૃત્ય-ગીત સમસ્ત કળાઓના આદિ પ્રવર્તક કૃષ્ણ તેનાં મસ્તકો પર કળાત્મક નૃત્ય કરવા લાગ્યા. ભગવાનના પ્રિય ગંધર્વ, સિદ્ધ, ચારણ, દેવાંગનાઓએ જ્યારે જોયું કે કૃષ્ણ નૃત્ય કરવા માગે છે ત્યારે બહુ પ્રેમપૂર્વક મૃદંગ, ઢોલ, નગારાં વગેરે વગાડી, સુંદર ગીત ગાતા, પુષ્પવર્ષા કરતા, પોતાને ન્યોછાવર કરતા અને ભેટ લઈને ત્યાં જઈ પહોેંચ્યા. કાલી નાગનાં એક સો મસ્તક હતાં. તે જે મસ્તકને નમાવતો નહીં તેને ભગવાન કચડતા હતા. તેનાથી કાલીનાગનું જીવનબળ ઓછું થવા લાગ્યું, તેનાં મેં અને નસકોરાંમાંથી લોહી વહેવા લાગ્યું. છેવટે તે બેસુધ થઈ ગયો. નાગ જરા પણ ભાનમાં આવતો ત્યારે આંખોમાં ઝેર ઠાલવતો, ક્રોધના માર્યા તે જોરજોરથી ફૂંફાડા મારતો, આમ પોતાનાં મસ્તકોમાંથી જે મસ્તકને તે ઊંચું કરતો તેને નૃત્ય કરતા કૃષ્ણ પગ વડે કચડી નાખતા, કૃષ્ણના પગ ઉપર પડતાં લોહીનાં ટીપાંથી એવું લાગતું હતું જાણે રક્તપુષ્પોથી તેમની પૂજા થઈ રહી છે. કૃષ્ણના આ અદ્ભુત તાંડવનૃત્યથી કાલીનાગની ફેણો છિન્નભિન્ન થઈ ગઈ. તેનાં બધાં અંગના ચૂરેચૂરા થઈ ગયા, મેંમાંથી લોહી નીકળ્યું. હવે તેને સમસ્ત જગતના ગુરુ પુરાણપુરુષ ભગવાન નારાયણની સ્મૃતિ થઈ. મનોમન તે ભગવાનના શરણે ગયો. કૃષ્ણના ઉદરમાં સમગ્ર વિશ્વ. એટલે તેમના ભારે બોજને કારણે કાલીનાગના બધા સાંધા ઢીલા થઈ ગયા. તેમના પગના આઘાતને કારણે નાગના શરીરના છત્ર જેવી ફેણો કચડાઈ ગઈ. પોતાના પતિની આવી દશા જોઈને તેમની પત્નીઓ ભગવાનના શરણે ગઈ. તેઓ ચંતાિતુર બની ગઈ હતી, ભયને કારણે તેમના વાળ વિખરાઈ ગયા હતા. તેમના મનમાં ભારે ગડભાંજ હતી. પોતાનાં બાળકોને આગળ કરીને તે ધરતી પર આડી પડી ગઈ, હાથ જોડીને બધાં જ પ્રાણીઓના એક માત્ર સ્વામી કૃષ્ણને પ્રણામ કર્યાં. ભગવાન કૃષ્ણને શરણદાતા માની પોતાના અપરાધી પતિને મુક્ત કરવા કૃષ્ણને શરણે ગઈ, અને સ્તુતિ કરવા લાગી… નાગપત્નીઓની પ્રાર્થના સાંભળીને કૃષ્ણે નાગને છોડી મૂક્યો. ધીમે ધીમે નાગની ઇન્દ્રિયોમાં અને શરીરમાં પ્રાણનો સંચાર થવા લાગ્યો. મુશ્કેલીથી તે શ્વાસ લેતો હતો, થોડી વારે દીનતાપૂર્વક હાથ જોડી કૃષ્ણને પ્રાર્થના કરી… કાલીનાગની પ્રાર્થના સાંભળી કૃષ્ણે કહ્યું, ‘હવે તારે અહીં રહેવું ન જોઈએ. તું તારા બાંધવ, પુત્રો, સ્ત્રીઓ સાથે જલદી સમુદ્રમાં જતો રહે, જેથી ગાયો અને મનુષ્યો યમુનાજળને ઉપયોગ કરી શકે. જે માનવી બંને વખત તને આપેલી આજ્ઞાનું સ્મરણ કરે, કીર્તન કરે તેને કદી સાપનો ભય ન રહે મેં આ કાલીના ધરામાં ક્રીડા કરી છે. એટલે જે પુરુષ અહીં સ્નાન કરી, પિતૃતર્પણ કરશે, ઉપવાસ કરી મારું સ્મરણ કરશે તે પાપમુક્ત થઈ જશે. મને જાણ છે કે તું ગરુડના ભયથી રમણીક દ્વીપ છોડીને આ ધરામાં આવ્યો છે. હવે તારા શરીર પર મારાં ચરણચિહ્ન અંકિત થયાં છે એટલે ગરુડ તારો શિકાર નહીં કરે. કૃષ્ણની આવી આજ્ઞા સાંભળી કાલીનાગે તથા તેની પત્નીઓએ આનંદિત થઈ આદરપૂર્વક પૂજા કરી. દિવ્ય વસ્ત્ર, પુષ્પમાલા, મણિ, કિમતી આભૂષણ, દિવ્ય ગંધ, ચંદન, ઉત્તમ કમળની માલાથી ગરુડધ્વજ કૃષ્ણની પૂજા કરી તેમને પ્રસન્ન કર્યા. પ્રેમ અને આનંદથી તેમની પરિક્રમા કરી અને અનુમતિ લીધી. પછી કાલીનાગ સમુદ્રમાં સાપના રહેવાના સ્થળે — રમણીક દ્વીપ આગળ પત્નીઓ, પુત્રો તથા બંધુજનો સાથે જવા નીકળી પડ્યો. કૃષ્ણની કૃપાથી યમુનાનું જળ માત્ર વિષમુક્ત ન થયું પણ અમૃત જેવું મધુર થઈ ગયું.
હવે સાંભળીએ નાગને ગરુડનો ભય કેમ હતો? બહુ પહેલાં ગરુડને અપાતા ભોગના સંદર્ભે એક નિયમ કર્યો હતો. પ્રત્યેક મહિને ઠરાવેલા વૃક્ષ નીચે ગરુડને એક સાપનો બલિ અપાશે. આમ દર અમાસે ગરુડને બધા સાપ પોતપોતાનો ભાગ આપતા હતા. એ સાપોમાં કદ્રૂના પુત્ર કાલિય નાગને પોતાના ઝેર અને બળનું ભારે અભિમાન હતું. ગરુડને બલિ આપવાની વાત તો દૂર રહી, તે ગરુડને બલિ તરીકે અપાતા સાપ પણ ખાઈ જતો હતો. આ જાણીને વિષ્ણુના પાર્ષદ ગરુડને બહુ ક્રોધ આવ્યો. તેને મારી નાખવાના આશયથી તેના પર ભારે હુમલો કર્યો. કાલિય નાગે જોયું કે ગરુડ તેના પર હુમલો કરવા આવી રહ્યો છે ત્યારે તેણે એક ફેણ વડે ગરુડને ડંશ ભરી લીધો. તે વેળા તેની જીભ લપલપ થતી હતી. લાંબા શ્વાસ ભરી રહ્યો હતો, આંખો બિહામણી કરી, કાલિય નાગની આ ઉદ્દંડતા જોઈને ગરુડ બહુ ક્રોધે ભરાયા. આ ધરામાં ગરુડ જઈ શકે એમ ન હતું, એ એટલો બધો ઊંડો હતો કે બીજાઓ તેમાં જઈ પણ શકતા ન હતા. એક દિવસ ગરુડ ભૂખ્યો થયો હતો ત્યારે તપસ્વી સૌમરિએ ના કહ્યા છતાં તેણે બળજબરીથી માછલી ખાઈ લીધી. પોતાના નેતાના મરણથી બધી માછલીઓને બહુ દુઃખ થયું. તેઓ ખૂબ જ વ્યાકુળ બની ગઈ. તેમની આ સ્થિતિ જોઈને ઋષિને બહુ દયા આવી. તે ધરામાં રહેતા બધા જીવોના ભલા માટે ગરુડને શાપ આપ્યો, ‘જો તું હવેથી આ ધરામાં માછલી ખાવા આવ્યો તો તારા પ્રાણ જતા રહેશે.’ સૌમરિ ઋષિના આ શાપની વાત કાલિય નાગ સિવાય બીજો કોઈ નાગ જાણતો ન હતો. એેટલે ગરુડના ભયને કારણે કાલિય નાગ આ ધરામાં રહેતો થયો અને હવે શ્રીકૃષ્ણે તેને નિર્ભય કરીને રમણીક દ્વીપમાં મોકલી દીધો.
પ્રલમ્બાસુરનો વધ
એક દિવસ બલરામ અને શ્રીકૃષ્ણ ગોપબાલોની સાથે વનમાં ગાયો ચરાવતા હતા. ત્યારે ગોપનો વેશ લઈને પ્રલમ્બ નામનો એક અસુર ત્યાં આવ્યો. તેનો આશય શ્રીકૃષ્ણ તથા બલરામનું અપહરણ કરવાનો હતો. ભગવાન તો સર્વજ્ઞ હતા. તેઓ જોતાં વેંત જાણી ગયા. આમ છતાં મૈત્રીનો પ્રસ્તાવ સ્વીકારીને મનમાં તેનો વધ કેવી રીતે કરવો તેનો વિચાર તે કરવા લાગ્યા. ગોપબાલોમાં સૌથી મોટા રમતવીર, રમતોના ગુરુ તો શ્રીકૃષ્ણ હતા. તેમણે બધાને બોલાવીને કહ્યું, ‘મિત્રો, આજે આપણે બે ટુકડીઓમાં વહેંચાઈ જઈએ અને પછી રમીએ.’ ત્યારે ગોપબાલોએ બલરામ અને શ્રીકૃષ્ણને નેતા બનાવ્યા. કેટલાક કૃષ્ણની ટુકડીમાં, તો કેટલાક બલરામની ટુકડીમાં રમ્યા. એક ટુકડીના ગોપ બીજી ટુકડીના ગોપને પોતાની પીઠે બેસાડી એક ચોક્કસ જગ્યાએ લઈ જતા હતા. જે જીતે તે હારનારાની પીઠ પર ચઢી જાય. આમ એકબીજાની પીઠ પર ચઢીને-બીજાને ચઢાવીને શ્રીકૃષ્ણ અને ગોપબાલો ભાંડીર નામના વડ પાસે પહોેંચ્યા. બલરામની ટુકડીના શ્રીદામા, વૃષભ તથા બીજા ગોપ જીતી ગયા અને શ્રીકૃષ્ણ તેમને પીઠ પર બેસાડીને જવા લાગ્યા. હારેલા શ્રીકૃષ્ણે શ્રીદામાને, ભદ્રસેને વૃષભને તથા પ્રલમ્બે બલરામને પીઠ પર બેસાડ્યા. દાનવ પ્રલંબાસુરે જોયું કે શ્રીકૃષ્ણ તો બળવાન છે, તેમને હું હરાવી નહીં શકું. એટલે તે શ્રીકૃષ્ણની ટોળીમાં પેસી ગયો. અને બલરામને લઈને ઝડપથી નાઠો; અને જ્યાં ઊતરવાની જગ્યા હતી ત્યાંથી તે બહુ આગળ નીકળી ગયો. બલરામ મોટા પર્વતના જેવા ભારેખમ હતા. તેમને લઈને પ્રલમ્બાસુર બહુ દૂર જઈ ન શક્યો, તે અટકી ગયો અને તેણે પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું. તેના કાળા શરીરે સોનાનાં ઘરેણાં ચમકતાં હતાં; અને ઊજળા બલરામને કારણે જાણે વીજળીના ચમકારવાળા કાળા વાદળે ચન્દ્ર દેખાતો ન હોય! રાક્ષસની આંખો અગ્નિની જેમ ભભૂકતી હતી. દાઢો ભવાં સુધી લંબાયેલી હતી. તેના લાલ લાલ કેશ અગ્નિજ્વાળાઓ જેવા હતા, હાથેપગે કડાં હતાં, માથે મુગટ હતો અને કાનમાં કુંડળ હતાં. આ મસમોટો દૈત્ય આકાશમાં બહુ ઝડપથી જઈ રહ્યો હતો તે જોઈને બલરામ પહેલાં તો ગભરાયા. પણ પછી તરત જ પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો એટલે એમની બીક જતી રહી. જેવી રીતે કોઈ ચોર બીજાનું ધન ચોરીને જાય તેવી રીતે આ શત્રુ મને ચોરીને આકાશમાર્ગે જઈ રહ્યો છે. જેવી રીતે ઇન્દ્રે પર્વત પર વજ્ર ફંગોળ્યું હતું તેવી રીતે બલરામે તેના માથામાં મુક્કો માર્યો, તેનું માથું ફાટી ગયું, મોંમાંથી લોહી નીકળવા લાગ્યું અને મોટેથી બૂમ મારતો તે બેસુધ થઈ ગયો, ઇન્દ્રના વજ્રપાતથી પર્વત ગબડી પડે તેમ તેના પ્રાણ જતા રહ્યા અને ધરતી પર પટકાયો. બલરામ તો ખૂબ જ બળિયા હતા. જ્યારે ગોપબાલોએ જોયું કે તેમણે પ્રલંબાસુરને મારી નાખ્યો છે ત્યારે તેમને બહુ નવાઈ લાગી. તેઓ વારેવારે તેમની પ્રશંસા કરવા લાગ્યા. ગોપબાલોના હૈયામાં ભારે પ્રેમ ઊભરાઈ આવ્યો. તેમના માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવા લાગ્યા, તેમને લાગ્યું કે બલરામ મૃત્યુલોકમાં પાછા આવ્યા છે. પ્રલંબાસુર નર્યો પાપમૂતિર્ હતા. તેના મૃત્યુથી દેવતાઓ રાજી થયા, અને તેમણે બલરામ પર પુષ્પવર્ષા કરી, અને તેમની વાહવાહ કરી. એક વેળા ગોપબાલો રમતગમતમાં પરોવાયેલા હતા, તેમની ગાયો આગળ ને આગળ ચરવા નીકળી ગઈ, લીલાછમ્મ ઘાસના લોભે એક ગાઢ જંગલમાં પ્રવેશી. તેમનાં બકરાં, ગાયભેંસ એક વનમાંથી બીજા વનમાં પ્રવેશ્યાં જ્યારે શ્રીકૃષ્ણ, બલરામ અને બીજા ગોપબાલોએ જોયું કે આપણા પશુઓનો તો ક્યાંય પત્તો નથી ત્યારે તેમને પોતાની રમતગમત પર પસ્તાવો થયો, બહુ શોધ ચલાવી તો પણ ક્યાંય પત્તો ન પડ્યો. ગાયો તો તેમની આજીવિકા હતી. તે ન મળી એટલે તેઓ બેબાકળા થઈ ગયા. ગાયોની ખરીઓ, દાંત વડે ચવાયેલા ઘાસ અને ધરતી પરનાં એમનાં પગલાંને આધારે તેઓ આગળ વધ્યા. પછી જોયું તો ગાયો ભૂલી પડીને હંભારવ કરી રહી છે. પછી તેમને પાછી વાળવા મથ્યા. તે બધા ખૂબ જ થાકી ગયા હતા. તરસ પણ બહુ લાગી હતી. તેમની આ દશા જોઈને ભગવાન મેઘ જેવા અવાજે ગાયોને બોલાવવા લાગ્યા, ગાયો પોતાના નામનો અવાજ સાંભળી આનંદમાં આવી ગઈ, તેમણે પણ સામેથી હંભારવ કર્યો. ભગવાન ગાયોને બોલાવી રહ્યા હતા ત્યારે જ વનમાં વનવાસી જીવોના કાળ જેવી આગ લાગી ગઈ. વળી જોરથી આંધી ચઢી અને અગ્નિને ફેલાવવામાં મદદ કરવા લાગી, ચારે બાજુ ફેલાતી અગ્નિજ્વાળાઓ બધું ભસ્મ કરવા લાગી. ગોપબાલોએ અને ગાયોએ જોયું કે દાવાનળ તો આપણી બાજુ આવી રહ્યો છે ત્યારે તેઓ બહુ ભય પામ્યાં. જેવી રીતે મૃત્યુના ભયમાંથી બચવા બધા ભગવાનને યાદ કરે એવી રીતે શ્રીકૃષ્ણ અને બલરામને પોકારવા લાગ્યા. ‘હે કૃષ્ણ, હે બલરામ, અમે તમારા શરણે છીએ. અત્યારે આ દાવાનળ અમને દઝાડી રહ્યો છે, તમે બંને અમને બચાવો, તમે તો અમારા બાંધવો છો, તો અમને કેવી રીતે દુઃખ પડે? તમે અમારા એક માત્ર રક્ષક છો, સ્વામી છો, હવે તમારો જ આધાર અમને છે.’ ગોપબાલોનાં આવાં કરુણ વચન સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘બીતા નહીં. તમારી આંખો મીંચી દો.’ ભગવાનની આજ્ઞા સાંભળીને બધા ગોપબાલોએ ‘ભલે’ કહીને પોતાની આંખો મીંચી દીધી. ત્યારે ભગવાન કૃષ્ણ તે ભયાનક આગ પી ગયા અને એ રીતે બધાને મોટા સંકટમાંથી ઉગારી લીધા. પછી જ્યારે ગોપબાલોએ આંખો ખોલી ત્યારે પોતાને વડ પાસે જોયા. આમ પોતાને તથા ગાયોને દાવાનળમાંથી બચી ગયેલ જોઈ તેમને ભારે નવાઈ લાગી. શ્રીકૃષ્ણના યોગસિદ્ધિ, યોગમાયાનો પ્રભાવ તથા દાવાનળમાંથી થયેલી રક્ષા જોઈને તેમને લાગ્યું કે શ્રીકૃષ્ણ કોઈ દેવ છે. સાંજે બલરામ સાથે શ્રીકૃષ્ણે ગાયોને પાછી વાળી અને વાંસળી વગાડતાં વગાડતાં તેમની પાછળ વ્રજની યાત્રા કરી. ગોપબાલો ભગવાનની સ્તુતિ કરતા આવતા ગયા, અહીં વ્રજમાં ગોપીઓને તો કૃષ્ણ વિના એક એક ક્ષણ યુગ જેવડી લાગતી હતી, જ્યારે શ્રીકૃષ્ણ પાછા આવ્યા ત્યારે તેમનાં દર્શન કરીને તેઓ પરમ આનંદ અનુભવવા લાગી.
ગોપીવસ્ત્રહરણ
હેમન્ત ઋતુમાં માગશર મહિને નંદબાવાના વ્રજની કુમારિકાઓ કાત્યાયની દેવીની પૂજા કરવા લાગી. તેઓ માત્ર નૈવેદ્ય જ લેતી હતી, પૂર્વ દિશા રાતી થવા માંડે એટલે આ કુમારિકાઓ યમુનામાં સ્નાન કરી લેતી અને કિનારા પર જ દેવીની મૂતિર્ બનાવી સુવાસિત ચંદન, પુષ્પો, અનેક પ્રકારનાં નૈવેદ્ય, ધૂપદીપથી પૂજા કરતી. શ્રીકૃષ્ણ અમારા પતિ થાય એવી માગણી કરતી. એક દિવસ બધી કુમારિકાઓએ દરરોજની જેમ યમુનાકાંઠે જઈને પોતપોતાનાં વસ્ત્ર ઉતાર્યાં અને ભગવાનના ગુણ ગાતી દરરોજની જેમ યમુનાકાંઠે જઈને જલક્રીડા કરવા લાગી. ભગવાન શ્રીકૃષ્ણથી ગોપીઓની ઇચ્છા અજાણી ન રહી. તેઓ કુમારિકાઓની સાધના સફળ કરવા યમુનાતટે ગયા. તેમણે એકલે હાથે ગોપીઓનાં વસ્ત્ર ઉઠાવી લીધાં અને કૂદકો મારતાંક કદંબવૃક્ષ પર ચઢી ગયા. બીજા ગોપબાલો હસવા લાગ્યા, શ્રીકૃષ્ણ પણ હસતાં હસતાં ગોપીઓને કહેવા લાગ્યા, ‘અરે કન્યાઓ, તમને મન થાય તો પોતપોતાનાં વસ્ત્ર લઈ જાઓ. હું સાચું કહું છું. મજાક નથી કરતો. તમે વ્રત કરી કરીને કંતાઈ ગઈ છો. આ મારા સખા ગોપબાલો જાણે છે કે હું કદી જૂઠું બોલ્યો નથી, તમારી ઇચ્છા થાય તો વસ્ત્ર લઈ જાઓ, કાં તો એકેક કરીને આવો- કાં તો બધી સામટે આવો. મારે કોઈ મુશ્કેલી નથી.’ ભગવાનની આ હસીમજાક જોઈ ગોપીઓના હૃદયમાં પ્રેમ ઉભરાઈ આવ્યો. જરા સંકોચ પામીને તેઓ એકબીજાની સામે જોવા લાગી, હસતી રહી. પાણીમાંથી બહાર ન નીકળી. ત્યારે ભગવાને હસતાં હસતાં વાત કરી ત્યારે કુમારિકાઓનું ચિત્ત તેમના પ્રત્યે ખેંચાયું. ઠંડા પાણીમાં તે ગળા સુધી ઊભી હતી. એટલે થર થર કાંપતી હતી, તેમણે કહ્યું, ‘શ્રીકૃષ્ણ, જોર જુલમ ન કરો. તમે નંદબાવાના લાડકા પુત્ર છો. અમે તમારી દાસી છીએ. તમે તો ધર્મનો અર્થ સારી રીતે જાણો છો. તમે જે કહેશો તે અમે કરીશું. અમને હેરાન ન કરો. અમારાં વસ્ત્ર આપી દો, નહીંતર અમે નંદબાવાને ફરિયાદ કરીશું.’ શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે કન્યાઓ, તમારું સ્મિત પવિત્ર અને પ્રેમપૂર્ણ છે. જો તમે તમારી જાતને દાસી માનો છો અને મારું કહ્યું કરવા તૈયાર છો તો અહીં આવીને વસ્ત્ર લઈ લો.’ આ કન્યાઓ ઠંડીને કારણ ધૂ્રજી રહી હતી. શ્રીકૃષ્ણની વાત સાંભળીને તેઓ બંને હાથે પોતાનાં ગુપ્તાંગ ઢાંકીને યમુનાની બહાર નીકળી. તેમના શુદ્ધ ભાવથી કૃષ્ણ પ્રસન્ન થયા, તેમને નજીક આવેલી જોઈ તેમણે ગોપીઓનાં વસ્ત્ર પોતાના ખભા પર મૂક્યાં અને હસતાં હસતાં બોલ્યા, ‘તમે જે વ્રત લીધું હતું તેને સારી રીતે નિભાવ્યું છે એમાં શંકા નથી. પણ તમે નિર્વસ્ત્ર થઈને પાણીમાં સ્નાન કર્યું છે એટલે વરુણનો તથા યમુનાનો અપરાધ કર્યો છે. આ દોષ નિવારવા તમે બંને હાથ માથા પર મૂકી પ્રણામ કરો અને પછી વસ્ત્ર લઈ લો.’ શ્રીકૃષ્ણની વાત સાંભળીને કન્યાઓ એવું સમજી કે નિર્વસ્ત્ર બનીને સ્નાન કરવાથી વ્રતમાં ઊણપ આવી છે. શ્રીકૃષ્ણની વાત માનીને બધી કુમારિકાઓએ નમસ્કાર કર્યા અને પછી વસ્ત્ર પહેરી ચાલવા લાગી. શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમે હવે પોતપોતાને ઘેર જાઓ. આવતી શરદ ઋતુની રાતોમાં તમે મારી સાથે વિહાર કરશો.’
બ્રાહ્મણપત્નીઓ અને શ્રીકૃષ્ણ
એક વેળા વનમાં ગયેલા ગોપબાલોને શ્રીકૃષ્ણને કહ્યું, ‘અમે ભૂખ્યા થયા છીએ.’ ત્યારે તેમણે કહ્યું, ‘અહીંથી થોડે દૂર વેદપાઠી બ્રાહ્મણો આંગિરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે. ત્યાં જઈને મારું અને બલરામનું નામ દઈને તેમની પાસેથી થોડી ભોજનસામગ્રી લઈ આવો.’ ગોપબાલો ત્યાં ગયા પણ કશું મળ્યું નહીં એટલે પાછા આવીને ભગવાનને વાત કરી. એટલે ભગવાને ફરી તેમને મોકલ્યા પણ આ વખતે બ્રાહ્મણપત્નીઓ પાસે. ગોપબાલો ફરી યજ્ઞશાળામાં ગયા ત્યાં જઈને જોકહ્યું તો બ્રાહ્મણસ્ત્રીઓ સજીધજીને બેઠી હતી. તે બધીને પ્રણામ કરીને ગોપબાલોએ કહ્યું, ‘અમારા તમને નમસ્કાર, ભગવાન શ્રીકૃષ્ણ થોડે જ દૂર છે, તેમણે અમને તમારી પાસે મોકલ્યા છે. ગાયો ચરાવતાં ચરાવતાં અમે બહુ દૂર આવી ચઢ્યા છીએ-તેમને અને અમને ભૂખ લાગી છે. તમે થોડું ભોજન આપો.’ તે બ્રાહ્મણસ્ત્રીઓ ઘણા સમયથી ભગવાનની સુંદર લીલાઓની વાતો સાંભળતી હતી. તેમનાં મન શ્રીકૃષ્ણમાં પરોવાયેલાં હતાં. કોઈક રીતે તેઓ શ્રીકૃષ્ણનાં દર્શન માટે આતુર હતી. શ્રીકૃષ્ણના આગમનના સમાચાર સાંભળીને તે ઉતાવળી થઈ, વાસણોમાં ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય — એમ ચારે પ્રકારની ભોજનસામગ્રી લીધી. પતિ-પુત્રોની મના છતાં શ્રીકૃષ્ણ પાસે જવા નીકળી પડી. દિવસોના દિવસો સુધી શ્રીકૃષ્ણનું ગુણકીર્તન સાંભળી સાંભળીને ભગવાનના ચરણમાં પોતાનું હૃદય ધરી દીધું હતું. બ્રાહ્મણપત્નીઓએ જોયું તો યમુના તીરે અશોકવનમાં ગોપબાલોથી વીંટળાયેલા બલરામ-શ્રીકૃષ્ણ આમ તેમ ફરતા હતા. તેમના શ્યામ શરીર પર સોનેરી પીતાંબર હતું, ગળામાં વનમાળા હતી. માથે મોરમુકુટ. અંગેઅંગમાં ચિતરામણ કર્યું હતું. નવી નવી કૂંપળોના ગુચ્છા શરીરમાં લટકાવી નટ જેવો વેશ બનાવ્યો હતો. એક હાથ ગોપબાલના ખભે અને બીજા હાથે કમળ નૃત્ય કરાવતા હતા. કાનોમાં કમળકુંડળ હતાં, ગાલ પર વાંકડિયા વાળની લટો હતી. મેં પર મંદમંદ સ્મિત વહેરાતું હતું. અત્યાર સુધી શ્રીકૃષ્ણની લીલા સાંભળી હતી અને હવે આંખો સામે જ શ્રીકૃષ્ણ હતા, એટલે જોતી રહી, હૃદયની આગ શાંત કરી. ભગવાન તો અંતર્યામી છે, તેમણે જોયું કે સ્વજનોની પરવા કર્યા વિના માત્ર મારા દર્શન માટે તે અહીં આવી છે, તે બોલ્યા, ‘દેવીઓ, તમારું સ્વાગત. તમારા માટે શું કરીએ? તમે અમારા દર્શનની ઇચ્છાથી આવી છો…પણ હવે તમે મારું દર્શન કરી લીધું એટલે યજ્ઞશાળામાં પહોેંચી જાઓ. તમારા પતિ બ્રાહ્મણ ગૃહસ્થ છે. તે તમારી સાથે મળીને જ યજ્ઞ પૂરો કરી શકશે.’ બ્રાહ્મણપત્નીઓ બોલી, ‘તમારી વાત નિર્દય છે. શ્રુતિ કહે છે કે જે એક વાર ભગવાનને મળે છે તેને સંસારમાં પાછા આવવું પડતું નથી. તમે આ વાત સાચી પાડો. અમે સ્વજનોની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં આવી છીએ, અમારી ઇચ્છા છે કે તમારા શરીર પરથી ખરી પડેલી તુલસીમાળા અમારી વેણીમાં ગૂૂંથીએ. હવે અમારા સ્વજનો અમારો સ્વીકાર નહીં કરે, બીજાઓની તો વાત છોડો. અમારો બીજો કોઈ આધાર નથી, એેટલે અમે બીજાના શરણે નહીં જઈએ.’ ભગવાને કહ્યું, ‘દેવીઓ, તમારાં સ્વજનોમાંથી કોઈ પણ તમારો તિરસ્કાર નહીં કરે. એમની વાત બાજુ પર, આખું જગત તમારું સમ્માન કરશે. હવે તમે મારી થઈ ગઈ છો… એટલે હવે તમે ઘેર જાઓ.’ આ સાંભળી બ્રાહ્મણપત્નીઓ યજ્ઞશાળામાં ગઈ.
ગોવર્ધનધારણ
શ્રીકૃષ્ણે એક દિવસ જોયું કે બધા લોકો ઇન્દ્રયજ્ઞની તૈયારીઓ કરી રહ્યા છે. અંતર્યામી હોવા છતાં તેમણે વિનમ્ર ભાવે નંદબાવા અને બીજા વૃદ્ધ યાદવોને પૂછ્યું, ‘પિતાજી, અત્યારે આપણે કયા ઉત્સવની તૈયારીઓ કરી રહ્યા છીએ? એથી શો લાભ થશે? કયા કયા લોકો કયા ઉદ્દેશથી, કયાં સાધન વડે આ યજ્ઞ કરવાના? મને જરા સમજાવો. તમે મારા પિતા છો અને હું તમારો પુત્ર છું. આ બધી વાતો સાંભળવાની ઉત્કંઠા છે. જેઓ બધાને પોતાનો આત્મા માને છે, જેને પોતાના અને પારકા જેવું કશું નથી, જેને કોઈ મિત્ર નથી કે નથી શત્રુ, તેની પાસે કશી ગુપ્ત વાત તો હોઈ જ ન શકે. … એટલે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તે શાસ્ત્રસંમત છે કે લૌકિક છે તે બધું હું જાણવા માગું છું.’ નંદબાવાએ કહ્યું, ‘ભગવાન ઇન્દ્ર વર્ષા આપનારા મેઘોના સ્વામી છે. આ મેઘ તેમનાં જ રૂપ છે. બધાં પ્રાણીઓને તૃપ્ત કરનાર અને જીવનદાન આપનાર જળ તે વરસાવે છે. અમે અને બીજાઓ પણ એ મેઘસ્વામી ઇન્દ્રની યજ્ઞ દ્વારા પૂજા કરીએ છીએ. જે સામગ્રીથી આ યજ્ઞ થાય છે તે પણ તેમણે વરસાવેલ જળ વડે જ ઉત્પન્ન થાય છે. આ યજ્ઞ કર્યા પછી જે કંઈ બચે છે તે અન્ન વડે આપણે બધા અર્થ, ધર્મ અને કામ એમ ત્રિવર્ગની સિદ્ધિ માટે આપણો જીવનનિર્વાહ કરીએ છીએ. મનુષ્યો જે ખેતી કરે છે તેનાં ફળ પણ ઇન્દ્ર આપે છે. આ ધર્મ આપણી કુળપરંપરાથી ચાલી આવ્યો છે. જે માનવી કામ, ભય, લોભ કે દ્વેષને વશ થઈ આ પરંપરાગત ધર્મ ત્યજી દે છે તેનું કદી કલ્યાણ થતું નથી.’ બ્રહ્મા, શંકર ઉપર પણ શાસન કરનારા ભગવાન કેશવે નંદબાવા અને બીજા યાદવોની વાત સાંભળીને ઇન્દ્રને ક્રોધ થાય એ માટે પિતાને કહ્યું, ‘પિતાજી, પ્રાણી પોતાના કર્મ પ્રમાણે જન્મે છે અને કર્મ પ્રમાણે મૃત્યુ પામે છે. એનાં કર્મ પ્રમાણે એને સુખદુઃખ, ભય કે મંગલ સાંપડે છે. કર્મફળ આપનાર ઈશ્વર છે એમ માની લઈએ તો પણ તે કર્મ પ્રમાણે જ ફળ આપશે. કર્મ ન કરનાર પર એમની સત્તા ચાલતી નથી. જો બધાંને તેમનાં કર્મ પ્રમાણે જ મળતું હોય તો એમાં આપણને ઇન્દ્રની કઈ આવશ્યકતા? જે પૂર્વસંસ્કાર અનુસાર પ્રાપ્ત થનારાં મનુષ્યોનાં કર્મફળ બદલી નથી શકતા તેમનું પ્રયોજન કયું? એટલે કર્મ જ ગુરુ અને કર્મ જ ઈશ્વર. જેવી રીતે પોતાના વિવાહિત પતિને ત્યજીને બીજા પુરુષને ચાહનારી સ્ત્રીને કદી શાંતિ મળતી નથી તેવી રીતે કોઈ એક દેવને મૂકીને બીજા દેવને સેવે છે તેને કદી સુખ મળતું નથી. બ્રાહ્મણ વેદાધ્યયન વડે, ક્ષત્રિય પૃથ્વીપાલન વડે, વૈશ્ય વેપાર વડે, અને શૂદ્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવા વડે પોતાની આજીવિકા મેળવે છે. વૈશ્ય ચાર રીતે કમાય છે. કૃષિ, વાણિજ્ય. ગોપાલન અને વ્યાજવટું: આપણે તો પહેલેથી માત્ર ગોપાલન જ કરતા આવ્યા છીએ. આ સંસારનાં સ્થિતિ, ઉત્પત્તિ અને અંતનાં કારણ સત્ત્વ, રજસ અને તમસ છે. આ વિવિધ પ્રકારનું જગત સ્ત્રીપુરુષના સંયોગથી રજોગુણ દ્વારા જન્મે છે. એ જ રજોગુણની પ્રેરણાથી મેઘ બધે વરસાદ આપે છે. એનાથી જ અન્ન પાકે છે અને એ અન્ન વડે જ બધાની જીવિકા ચાલે છે. આમાં ઇન્દ્ર વચ્ચે ક્યાં આવ્યા? પિતાજી, આપણી પાસે નથી કોઈ રાજ્ય કે નથી મોટાં મોટાં નગર આપણને આધીન. આપણે તો પહેલેથી વનવાસી. વન અને પહાડ જ આપણાં ઘર. એટલે આપણે ગાય, બ્રાહ્મણો, અને ગિરિરાજના યજ્ઞની તૈયારી કરીએ. ઇન્દ્રયજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરી છે તે વડે આ યજ્ઞ કરીએ. અનેક પ્રકારનાં પકવાન બનાવીએ. વ્રજનું બધું દૂધ એકઠું કરીએ. વેદપાઠી બ્રાહ્મણો પાસે સારી રીતે હોમહવન કરાવીએ અને તેમને અનેક પ્રકારની દક્ષિણા આપીએ. ચાંડાળ, પતિત અને કૂતરાં સુધ્ધાંને આપીએ. ગાયોને ખવડાવીએ પછી ગિરિરાજને નૈવેદ્ય ધરીએ. પછી ખાઈપીને, સારાં સારાં વસ્ત્ર પહેરીને, ચંદનઅર્ચા કરીને ગાય, બ્રાહ્મણ, અગ્નિ અને ગિરિરાજ ગોવર્ધનની પ્રદક્ષિણા કરીએ. હું તો આવું માનું છું. જો તમને ગમે તો આમ જ કરો. આવો યજ્ઞ ગાય, બ્રાહ્મણ અને ગિરિરાજને તો ગમે જ, મને પણ બહુ ગમે.’ ભગવાનની ઇચ્છા તો ઇન્દ્રનું અભિમાન દૂર કરવાની હતી. નંદબાવા અને બીજા ગોપલોકોએ તેમની વાત સાંભળીને આનંદપૂર્વક સ્વીકારી લીધી. શ્રીકૃષ્ણે જેવા યજ્ઞની વાત કરી હતી તેવા યજ્ઞની તૈયારી તેમણે કરવા માંડી. પહેલાં બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવ્યું, બ્રાહ્મણોને દક્ષિણા આપી. ગાયોને લીલુંછમ ઘાસ ખવડાવ્યું. પછી નંદબાવા અને બીજાઓએ ગાયોને આગળ કરીને ગિરિરાજની પ્રદક્ષિણા કરી. બ્રાહ્મણોના આશીર્વાદ મેળવીને ગોપલોકો અને ગોપાંગનાઓ સારાં વસ્ત્રાભૂષણ પહેરીને બળદગાડાંમાં બેસીને શ્રીકૃષ્ણની લીલાઓનું ગાન કરતી ગિરિરાજની પ્રદક્ષિણા કરવાં લાગ્યાં. ભગવાન શ્રીકૃષ્ણ ગોપલોકોને પ્રતીતિ કરાવવા ગિરિરાજ ઉપર એક વિશાળ શરીર ધારણ કરીને પ્રગટ થયા અને ‘હું ગિરિરાજ છું’ એમ બોલી બધી સામગ્રી આરોગવા માંડ્યા. ભગવાને બીજા વ્રજવાસીઓની સાથે પોતાના તે સ્વરૂપને પણ વંદન કર્યાં. પછી કહ્યું, ‘જુઓ, કેવું અચરજ, ગિરિરાજે સાક્ષાત પ્રગટ થઈને આપણા ઉપર કૃપા કરી. આ ઇચ્છે તેવું રૂપ ધારણ કરી શકે છે. જે વનવાસી એમનો અનાદર કરે છે તેનો તે નાશ કરે છે. એટલે આવો, આપણું અને ગાયોનું કલ્યાણ કરવા આ ગિરિરાજને આપણે પ્રણામ કરીએ.’ આમ શ્રીકૃષ્ણની પ્રેરણાથી નંદબાવા અને બીજા નાનામોટા ગોપલોકો વિધિપૂર્વક ગિરિરાજ, ગાયો અને બ્રાહ્મણોનું પૂજન કરી શ્રીકૃષ્ણની સાથે વ્રજમાં પાછા ફર્યા. જ્યારે ઇન્દ્રને જાણ થઈ કે મારી પૂજા બંધ કરી દીધી છે ત્યારે તે નંદબાવા અને બીજા ગોપલોકો પર ક્રોધે ભરાયા. પણ જ્યારે તેમના રક્ષક ભગવાન જાતે હોય ત્યારે ઇન્દ્ર શું કરી શકે? ઇન્દ્રને પોતાના પદનું બહુ અભિમાન હતું. તે એમ જ માનતા હતા કે ત્રિભુવનનો સ્વામી હું જ છું. એટલે તેમણે ક્રોધે ભરાઈ પ્રલય કરનારા મેઘોના સાંવર્તક નામના ગણને વ્રજ પર આક્રમણ કરવા કહ્યું, ‘અરે, આ જંગલી ગોવાળિયાઓનું આવું અભિમાન! એક સામાન્ય માનવી એવા કૃષ્ણના જોરે તેમણે મારું દેવરાજનું અપમાન કર્યું. આ પૃથ્વી ઉપર બહુ મંદબુદ્ધિના લોકો ભવસાગર પાર કરવા બ્રહ્મવિદ્યાનો ત્યાગ કરી ભાંગલી નૌકા વડે આ સંસારસાગર પાર કરવા માગે છે. આ કૃષ્ણ બકવાદી, નાદાન, અભિમાની, મૂરખ છે અને પાછો પોતાને બહુ વિદ્વાન માને છે. એ પોતે મૃત્યુનો ગ્રાસ છે અને એની સહાય લઈને આહીરોએ મારું અપમાન કર્યું છે. એક બાજુ તેઓ ધનના ગર્વમાં છે અને બીજી બાજુ કૃષ્ણે તેમને ચઢાવી માર્યા છે. હવે તમે જઈને તેમના ધનનો ગર્વ હરી લો. હું પણ તમારી પાછળપાછળ ઐરાવત પર બેસીને નંદના વ્રજનો નાશ કરવા મહાપરાક્રમી મરુત્ગણો સાથે આવું છું.’ આમ ઇન્દ્રે પ્રલયકારી મેઘને આજ્ઞા આપી અને તેમનાં બંધન કાપી નાખ્યાં. જોરશોરથી નંદબાવાના વ્રજ પર તે મેઘ ટૂટી પડ્યા. મુસળધાર વરસાદ પડવા માંડ્યો. ચારે બાજુ વીજળીઓ ચમકવા લાગી, વાદળો ગરજવાં લાગ્યાં, કડાકાભડાકા થવા લાગ્યા, પ્રચંડ આંધી આવી. થાંભલા જેવી ધારાઓ વરસવા લાગી. વ્રજભૂમિનો એકેએક ખૂણો પાણીથી ભરાઈ ગયો. ક્યાં જમીન ઊંચી છે, ક્યાં ખાડો છે તે જ સમજાતું ન હતું. ભયાનક વરસાદમાં એકેએક પશુ થથરવા લાગ્યું. ગોપ, ગોપાંગના ઠંડીથી કાંપવાં લાગ્યાં. તેઓ શ્રીકૃષ્ણ પાસે આવ્યાં. વરસાદને કારણે હેરાન થયેલા ગોપ પોતાનાં બાળકોને જેમતેમ સાચવીને લાવ્યાં હતાં. તેમણે કહ્યું, ‘ભગવાન, તમે તો બહુ ભાગ્યશાળી છો. હવે તો તમારા સિવાય કોઈ આરો નથી. આ ગોકુળના એક માત્ર સ્વામી તમે, ઇન્દ્રના કોપમાંથી તમે જ અમને બચાવી શકશો.’ ભગવાને જોયું કે ભારે વરસાદને કારણે બધા હેરાનપરેશાન થઈ ગયા છે. તેમને સમજાઈ ગયું કે આ કારસો ઇન્દ્રનો જ છે. તેણે જ ક્રોધે ભરાઈને આ કર્યું છે. તે મનોમન બોલ્યા, ‘આપણે ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો એટલે વ્રજનો નાશ કરવા વગર ચોમાસે તે વાયુ અને વરસાદ વડે વ્રજનો નાશ કરવા તૈયાર થયો છે. હવે હું મારી યોગમાયા વડે તેને બતાવીશ. આ ઇન્દ્ર મૂર્ખાઈને કારણે પોતાને લોકપાલ માને છે. તેનાં ઐશ્વર્ય અને ધનનો ઘમંડ તથા અજ્ઞાન હું દૂર કરીશ. દેવતાઓ તો સત્ત્વપ્રધાન હોય. તેમને કશાનું અભિમાન ન હોવું જોઈએ. એટલે આ સત્ત્વગુણ વિનાના દેવોનો માનભંગ હું કરીશ. તો જ છેવટે તેમને શાંતિ મળશે. આ આખું વ્રજ મારું આશ્રિત છે. હું જ તેમનો એકમાત્ર રક્ષક છું. એટલે મારી યોગમાયા વડે તેમનું રક્ષણ કરીશ. સાધુજનોની રક્ષા કરવાનું તો મેં વ્રત લીધું જ છે. હવે એ વ્રતનું પાલન કરવાનો અવસર આવ્યો છે.’ આમ કહી ભગવાને પોતાના એક જ હાથ વડે ગિરિરાજ ગોવર્ધનને રમતાં રમતાં ઊંચકી લીધો. પછી તેમણે કહ્યું, ‘વ્રજવાસીઓ, હવે તમે તમારી ગાયો અને સામગ્રીઓ સાથે આ પર્વતના ખાડામાં બેસી જાઓ. મારા હાથમાંથી આ પર્વત નીચે પડી જશે એવી શંકા ન કરતા. તમે જરાય ગભરાતા નહીં. તમને બચાવવા જ આવું મેં કર્યું છે.’ જ્યારે ભગવાને આવી ધીરજ બંધાવી ત્યારે બધા ગોપ પોતપોતાનાં ગોધન, ગાડાં, આશ્રિતો, પુરોહિતો, નોકરચાકર લઈને તેમાં બેસી ગયા. સાત દિવસ સુધી ભગવાને આ પર્વત ઊંચકી રાખ્યો. તેઓ જરા પણ હાલ્યા નહીં. શ્રીકૃષ્ણની આ લીલા જોઈને ઇન્દ્રના અચરજનો પાર ન રહ્યો. તેઓ પોતાની ઇચ્છા પૂરી કરી ન શક્યા. પછી તેમણે મેઘોને અટકાવી દીધા. જ્યારે વરસાદ બંધ થયો, આંધી દૂર થઈ ગઈ અને સૂરજ નીકળી આવ્યો ત્યારે ભગવાને કહ્યું,‘ હવે તમે નિર્ભય થઈ જાઓ. બધાંને લઈને બહાર નીકળી જાઓ. વરસાદ નથી, પવન નથી.’ ભગવાનની આવી આજ્ઞા સાંભળી બધા પોતપોતાનો સંસાર લઈને બહાર નીકળ્યા. ભગવાને બધાના દેખતાં ગોવર્ધનને જ્યાં હતો ત્યાં પાછો મૂકી દીધો. વ્રજવાસીઓ ઝૂમી ઊઠ્યાં. તેઓ તરત ભગવાન પાસે દોડી આવ્યાં. મોટી વયની ગોપાંગનાઓએ તેમને મંગળ તિલક કર્યાં. યશોદા, રોહિણી, નંદબાવા અને બલરામ તેમને ભેટી પડ્યાં. આકાશી સત્ત્વોએ સ્તુતિ કરી અને પુષ્પવર્ષા કરી. દેવતાઓ વાજિંત્રોવગાડવા લાગ્યા. ગંધર્વોએ ગીત ગાયાં. પછી ભગવાને વ્રજયાત્રા કરી, તેમની સાથે બલરામ ચાલતા હતા. પ્રેમઘેલી ગોપીઓ પોતાને આકર્ષતા, પ્રેમ જગાડતા શ્રીકૃષ્ણની લીલાઓનાં ગીત ગાતી વ્રજમાં આવી. ભગવાનનો મથુરાપ્રવેશ ભગવાને મથુરામાં પ્રવેશ કર્યો ત્યારે જોયું તો કપડાં રંગનાર એક ધોબી સામેથી આવી રહ્યો હતો. ભગવાને તેની પાસે ધોયેલાં કપડાં માગ્યાં. ‘ભાઈ, અમને બરાબર આવી જાય તેવાં કપડાં આપ. અમે એ કપડાંના અધિકારી છીએ. જો તું અમને એવાં કપડાં આપીશ તો તારું કલ્યાણ થશે.’ પણ તે ધોબી કંસનો સેવક હતો એટલે તે તો ગુસ્સે થઈને બોલ્યો, ‘તમે લોકો રહો છો તો જંગલમાં, પહાડોમાં — શું ત્યાં આવાં વસ્ત્ર પહેરો છો? તમે બહુ નફ્ફ્ટ થઈ ગયા છો એટલે જ આવી વાતો કરો છો. હવે તમને રાજાઓનું ધન લૂંટવાની ઇચ્છા થઈ છે. અરે મૂરખ લોકો, ભાગો અહીંથી. જો જીવવું હોય તો આવી રીતે માગતા નહીં. તમારા જેવાને રાજસેવકો કેદ કરીને મારી નાખશે, તમારી પાસે જે હશે તે છિનવી લેશે.’ જ્યારે ધોબી આવો બકવાસ કરવા લાગ્યો ત્યારે શ્રીકૃષ્ણે ક્રોધે ભરાઈને એક તમાચો માર્યો, તેનું માથું ધડથી અલગ થઈ ગયું. આ જોઈ ધોબીના હાથ નીચે કામ કરનારાઓ કપડાંના બધા ઢગલા ત્યાં ને ત્યાં મૂકીને નાસી ગયા. શ્રીકૃષ્ણે અને બલરામે પોતાને ગમતાં વસ્ત્ર પહેરી લીધાં, બાકીનાં ગોપબાલોને વહેંચી આપ્યાં, ઘણાં બધાં કપડાં ત્યાં ને ત્યાં રહેવા દઈને ચાલી નીકળ્યા. થોડે આગળ ગયા એટલે બંને ભાઈઓને એક દરજી મળ્યો. ભગવાનનું અનુપમ સૌંદર્ય જોઈ તેને પ્રસન્નતા થઈ. રંગબેરંગી, સુંદર વસ્ત્ર એમનાં શરીર પર ખૂબ જ શોભી ઊઠ્યાં. અનેક પ્રકારનાં વસ્ત્રોથી વિભૂષિત થઈ બંને ભાઈ વધુ શોભી ઊઠ્યા. એવું લાગ્યું કે ઉત્સવના પ્રસંગે શ્વેત અને શ્યામ મદનિયાં સારી રીતે શણગારી દીધાં છે. ભગવાન તે દરજી પર પ્રસન્ન થયા. કુબ્જા ભગવાન શ્રીકૃષ્ણ પોતાની મંડળી સાથે મથુરાના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક યુવતીને જોઈ, તેનું મોં તો બહુ સુંદર હતું પણ શરીરે તે કૂબડી હતી. એટલે તેનું નામ પડ્કહ્યું હતું કુબ્જા. તેના હાથમાં ચંદન ભરેલું પાત્ર હતું. શ્રીકૃષ્ણ તો પે્રમરસનું દાન કરનારા હતા, એટલે તેમણે કુબ્જા પર કૃપા કરવા પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે? આ ચંદન કોને માટે લઈ જાય છે? સાચે સાચું કહેજે. આ ઉત્તમ ચંદન, આ અંગરાગ, તું અમને આપ, એના દાનથી તારું પરમ કલ્યાણ થશે.’ ત્યારે કુબ્જાએ કહ્યું, ‘હું કંસની પ્રિય દાસી છું. મારું નામ છે ત્રિવક્રા. મેં તૈયાર કરેલાં ચંદન અને અંગરાગ કંસને બહુ ગમે છે. પરંતુ તમારા બેથી ચઢિયાતું વળી કોણ?’ ભગવાનનાં સૌંદર્ય, સુકુમારતા, રસિકતા, મંદસ્મિત, પ્રેમાલાપથી કુબ્જાનું મન ડગી ગયું. તેણે ભગવાનને પોતાનું હૃદય અર્પી દીધું. બંને ભાઈઓને એ સુંદર અંગરાગ આપી દીધો. શ્રીકૃષ્ણે પોતાના શ્યામ શરીરે પીળા રંગનો અને બલરામે રાતો અંગરાગ લગાવ્યો અને તેનાથી બંને ભાઈ સુશોભિત થઈ ઊઠ્યા. શ્રીકૃષ્ણ કુબ્જા પર બહુ પ્રસન્ન થયા અને પોતાના દર્શનનું ફળ આપવાની ઇચ્છાથી ત્રણ જગાએથી વાંકી અને સુંદર મોંવાળી કુબ્જાને સીધી કરવાનો વિચાર આવ્યો. શ્રીકૃષ્ણે પોતાના પગ વડે કુબ્જાના બંને પગના પંજા દબાવ્યા, હાથ ઊંચો કરીને તેની હડપચી પર ફેરવ્યો અને તેના શરીરને જરા ઊંચું કર્યું, તરત જ તેનાં બધાં અંગ સીધાં થઈ ગયાં. પ્રેમ અને મુક્તિના દાતા શ્રીકૃષ્ણના સ્પર્શથી તે તરત જ વિશાળ નિતંબ અને ઉન્નત સ્તનમંડળવાળી ઉત્તમ યુવતી બની ગઈ. તેનું મન શ્રીકૃષ્ણમાં પરોવાઈ ગયું અને તે બોલી, ‘હે વીર, આવો-મારે ઘેર ચાલો. હવે હું તમને જવા નહીં દઉં. મારા પર પ્રસન્ન થાઓ.’ બલરામના દેખતાં કુબ્જાએ આવી પ્રાર્થના કરી, શ્રીકૃષ્ણે પોતાના સાથીઓને જોઈને હસતાં હસતાં કહ્યું, ‘સુંદરી, તારું ઘર તો સંસારી લોકોની માનસિક વ્યાધિ દૂર કરનારું છે. હું મારું કાર્ય પૂરું કરીને તારે ત્યાં આવીશ. અમારા જેવા બેઘરનું તો તારું ઘર આશ્રયસ્થાન છે.’ એમ કહીને શ્રીકૃષ્ણે કુબ્જાને વિદાય કરી અને મથુરાના બજારમાં તે પહોંચ્યા. વેપારીઓએ તેમને અને બલરામને પાન, ફૂલ, હાર, ચંદન વગેરે ભેટો આપીને તેમનું પૂજન કર્યું. તેમના દર્શનમાત્રથી સ્ત્રીઓના મનમાં પ્રેમાવેગ વધી જતો હતો. તેમને પોતાના શરીરની પણ સુધ રહેતી ન હતી. તે ચિત્રોમાં આલેખાતી મૂતિર્ઓની જેમ જડ બનીને ઊભી રહી જતી હતી. પછી ધનુષયજ્ઞના સ્થળ વિશે પૂછતાં પૂછતાં રંગશાળામાં જઈ પહોંચ્યા અને ત્યાં ઇન્દ્રધનુષ જેવું અદ્ભુત ધનુષ જોયું. તે અનેક અલંકારોથી છવાયેલું હતું. એની પૂજા થઈ ગઈ હતી, ઘણા બધા સૈનિકો તેની રક્ષા કરતા હતા. રક્ષકોએ રોકવા છતાં શ્રીકૃષ્ણે બળજબરી કરીને ધનુષ ઊંચકી લીધું, પ્રત્યંચા ચઢાવી અને એક જ ક્ષણમાં દોરી ખેંચીને વચ્ચેથી તેના બે કકડા કરી નાખ્યા, જેવી રીતે બળવાન હાથી શેરડીને રમતાંરમતાં ભાંગી નાખે છે તેવી રીતે. ધનુષના ટુકડા થયા એટલે એનો અવાજ ચારે બાજુ છવાઈ ગયો. એ અવાજ સાંભળીને કંસ પણ ડરી ગયો. હવે ધનુષના રક્ષક અસુરો પોતાના સહાયકો ઉપર બહુ નારાજ થયા, અને શ્રીકૃષ્ણને ઘેરીને ઊભા રહી ગયા. ‘પકડો-પકડો; બાંધી લો-જવા ન દેતા.’ તેમના મનની વાત જાણીને શ્રીકૃષ્ણ અને બલરામ ક્રોધે ભરાયા, ધનુષના ટુકડા ઉપાડીને તે વડે જ તેમને પૂરા કરી નાખ્યા. અસુરોની મદદ માટે કંસે મોકલેલી સેનાનો નાશ કર્યો; પછી બંને ભાઈ યજ્ઞશાળાના મુખ્ય દ્વારેથી બહાર નીકળ્યા અને મથુરાની શોભા જોઈને વિચરવા લાગ્યા. જ્યારે નગરજનોએ બંને ભાઈઓના આ અદ્ભુત પરાક્રમની વાત સાંભળી ત્યારે તેમણે માની લીધું કે આ બંને ઉત્તમ દેવ હોવા જોઈએ. આમ મથુરામાં ફરતાં ફરતાં સાંજ પડી ગઈ. પછી પોતાનાં ગાડાં જ્યાં હતાં ત્યાં તેઓ આવી ચઢ્યા. વિરહાતુર બનીને વ્રજની ગોપીઓએ મથુરાના લોકો વિશે જે કહ્યું હતું તે બધું સાચું પડ્યું. તેઓ પરમાનંદમાં તલ્લીન થઈ ગયા. પછી હાથપગ ધોઈને શ્રીકૃષ્ણે-બલરામે દૂધની વાનગીઓ આરોગી, હવે કંસ શું કરશે તેનો વિચાર કરતાં કરતાં રાતે નિરાંતે સૂઈ ગયા. જ્યારે કંસને જાણ થઈ કે કૃષ્ણ અને બલરામે ધનુષભંગ કરી દીધો છે, રક્ષકોનો અને તેમની સહાય માટે મોકલેલી સેનાનો પણ ખાતમો બોલાવી દીધો છે, ત્યારે તેને ઊંઘ પણ ન આવી. જાગ્રત અવસ્થામાં બહુ અપશુકન થયા. ત્યારે તેણે જોયું કે પાણીમાં અને આયનામાં શરીર તો દેખાય છે પણ મસ્તક દેખાતું નથી. કશાની આડશ ન હોવા છતાં ચંદ્ર, તારા, દીપક — બબ્બે દેખાવા લાગ્યા. છાયામાં છેદ દેખાય છે, કાનમાં આંગળી નાખવા છતાં તેને કશો અવાજ સંભળાતો ન હતો. રેતીમાં કે કીચડમાં પગની છાપ દેખાતી ન હતી. સ્વપ્નમાં જોયું તો તે પ્રેતોને વળગી બેઠો છે, ગધેડા પર ચઢીને ચાલે છે અને ઝેર ખાઈ રહ્યો છે. તેનું આખું શરીર તેલથી તરબતર છે, ગળામાં જબાકુસુમની માળા છે અને નગ્ન થઈને તે ક્યાંક જઈ રહ્યો છે. આ સિવાય પણ ઘણાં અપશુકન તેણે જોયાં. એટલે તે વધુ ચિંતા કરવા લાગ્યો. તેને મરણની બીક લાગી અને રાતે જરાય ઊંઘ ન આવી. રાત વીતી, સવાર પડી એટલે સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઊગ્યા, કંસ રાજાએ મલ્લભવનમાં કુસ્તીની તૈયારી કરાવી. સેવકોએ તે ભવન સારી રીતે શણગાર્યું. વાજિંત્રો વાગવાં લાગ્યાં. લોકોને બેસવાના મંચ ફૂલહાર, પતાકા, વંદનવારોથી શણગાર્યા અને તેના પર બ્રાહ્મણ, ક્ષત્રિય તથા ગ્રામજનો યથાસ્થાને બેઠા. રાજા કંસ મંત્રીઓની સાથે ઉત્તમ રાજસિંહાસન પર બેઠો. તે વખતે પણ અપશુકનોથી ગભરાયેલો તો હતો જ. ત્યારે પહેલવાનોએ આવીને તાલ ઠોક્યા, વાજિંત્રો વાગવાં લાગ્યાં, અભિમાની મલ્લ સજીધજીને પોતાના ગુરુઓની સાથે અખાડામાં આવી પહોંચ્યા. ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ ભેરાલ જેવા મુખ્ય મુખ્ય મલ્લ વાજિંત્રોના ધ્વનિથી ઉત્સાહિત થઈને અખાડામાં બેસી ગયા. તે જ વખતે કંસે નંદ વગેરે ગોપબાલોને બોલાવ્યા, તેમણે ભગવાનની ભેટસોગાદો કંસને ધરી અને પછી એક મંચ પર જઈને બેઠા. શ્રીકૃષ્ણ અને બલરામ પણ સ્નાનાદિ વિધિથી પરવારીને દંગલને અનુરૂપ વાજિંત્રોના અવાજ સાંભળી રંગભૂમિ જોવા ચઢ્યા. રંગભૂમિના દ્વાર આગળ ઊભેલો કુવલયાપીડ હાથી શ્રીકૃષ્ણે જોયો. તેમણે કમર કસી અને વાંકડિયા વાળ સરખા કરી દીધા. અને ગંભીર અવાજે મહાવતને કહ્યું, ‘અરે મહાવત, અમને બંનેને રસ્તો આપ. સંભળાય છે કે નહીં? મોડું ન કર. નહીંતર તને હાથીની સાથે યમલોક પહોંચાડી દઈશ.’ શ્રીકૃષ્ણે આવી રીતે મહાવતને ધમકાવ્યો એટલે તે ક્રોધે ભરાયો અને અંકુશ મારીને હાથીને શ્રીકૃષ્ણ સામે ધક્કેલ્યો. હાથીએ શ્રીકૃષ્ણ પાસે પહોંચીને ખૂબ જ ઝડપથી તેમને સૂંઢમાં લપેટી લીધા. પણ શ્રીકૃષ્ણ તરત જ બહાર નીકળી ગયા અને એક મુક્કો મારીને તેના પગની વચ્ચે સંતાઈ ગયા. પોતાની સામે શ્રીકૃષ્ણને ન જોયા એટલે હાથી ચિડાયો. તેણે સૂંઘીને શ્રીકૃષ્ણને શોધી કાઢ્યા અને પકડી લીધા, પણ શ્રીકૃષ્ણ તરત જ છૂટી ગયા. પછી તેમણે હાથીનું પૂંછડું પકડી લીધું અને રમતાં રમતાં તેને સો હાથ ઘસડ્યો. જેવી રીતે બાળક વાછરડા સાથે ગોળ ગોળ ઘૂમે અથવા શ્રીકૃષ્ણ વાછરડાઓ સાથે રમે તેવી રીતે હાથી સાથે રમત રમવા લાગ્યા. જ્યારે હાથી તેમને જમણી બાજુથી પકડવા આવતો ત્યારે તેઓ ડાબી બાજુ જતા રહેતા અને જ્યારે હાથી ડાબી બાજુથી પકડવા આવતો ત્યારે જમણી બાજુ જતા રહેતા. પછી હાથીની સામે જઈને એક મુક્કો માર્યો. તેને પાડી નાખવા તેની સામેથી દોડ્યા. પછી દોડતાં દોડતાં એક વાર પોતે પડી ગયાનો દેખાવ કર્યો. હાથીએ જોયું કે શ્રીકૃષ્ણ નીચે પડી ગયા છે ત્યારે દંતશૂળ જમીન પર ફંગોળ્યા. જ્યારે પોતાનું આક્રમણ નિષ્ફ્ળ ગયું છે તે જોઈને તે વધુ ચિઢાયો. મહાવતોની દોરવણીથી તે શ્રીકૃષ્ણ પર ટૂટી પડ્યો, એ જોઈને શ્રીકૃષ્ણે તેની પાસે જઈને એક હાથે સૂંઢ પકડી લીધી અને તેને ધરતી પર પાડી નાખ્યો. એ નીચે પડ્યો એટલે તેના દંતશૂળ ઉખાડી લીધા અને તેના વડે હાથી અને મહાવતોને પૂરા કર્યા. મરેલા હાથીને ત્યાં જ મૂકીને તેના દંતશૂળ સાથે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. તેમની શોભા અદ્ભુત હતી, ખભા પર હાથીદાંત હતા, શરીર પર લોહી અને મદનાં ટીપાં હતાં, મોઢે પરસેવો હતો. બંને ભાઈઓના હાથમાં હાથીદાંત હતા, ગોપબાલોની સાથે તે ચાલી રહ્યા હતા. આમ તેમણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો, ત્યારે પહેલવાનોને ભાઈઓના વજ્ર જેવા કઠોર શરીર દેખાયા, સામાન્ય માનવીઓને નરરત્ન, સ્ત્રીઓને સાક્ષાત્ કામદેવ, ગોપબાલોને સ્વજન, દુષ્ટ રાજાઓને દંડનારા શાસક, માતાપિતા જેવા વૃદ્ધ જનોને બાળક, કંસને મૃત્યુદેવ, અજ્ઞાનીઓને વિરાટ, યોગીઓને પરમ તત્ત્વ, ભકતશિરોમણિઓને પોતાના ઇષ્ટ દેવ જેવા લાગ્યા. આમ તો કંસ વીર હતો પણ જ્યારે તેણે જોયું કે બંને ભાઈઓએ હાથીને મારી નાખ્યો છે ત્યારે તેને સમજાકહ્યું કે આમના પર વિજય મેળવવો બહુ અઘરો છે. તે ગભરાઈ ગયો. બંને ભાઈઓના હાથ લાંબા હતા. પુષ્પહાર, વસ્ત્ર, અલંકારોથી એવું લાગતું હતું કે ઉત્તમ વેશભૂષા પહેરેલા બંને નટ બનીને આવ્યા છે. જેમની આંખો એક વાર તેમના પર પડતી કે તેઓ જોયા જ કરતા. પોતાની કાન્તિથી સામાનાં મનને લોભાવતા હતા. મંચ પર બેઠેલા સૌ કોઈની આંખો કૃષ્ણ અને બલરામને જોઈને ખીલી ઊઠી, ઉત્કંઠિત થઈ ગયા. જોઈ જોઈને તેઓ ધરાતા ન હતા. જાણે આંખોથી તેમને પીતા હતા, નાક વડે સૂંઘતા હતા, હાથ ફેલાવીને તેમને આલિંગતા હતા. તેમનાં સૌંદર્ય, ગુણ, માધુર્ય અને નિર્ભયતા વડે દર્શકોને તેમની લીલાઓનું સ્મરણ કરાવ્યું. તેઓ અંદરઅંદર બોલવા લાગ્યા, ‘આ બંને નારાયણના અંશ છે. વસુદેવને ઘેર તે જન્મ્યા હતા. આ શ્યામ રંગવાળા દેવકીના પેટે જન્મ્યા હતા, જન્મની સાથે જ વસુદેવે તેમને ગોકુળ પહોંચાડી દીધા હતા. ત્યાં તેઓ છુપાઈને રહ્યા, નંદજીને ઘેર મોટા થયા. તેમણે પૂતના, તૃણાવર્ત, શંખચૂડ, કેશી, ધેનુક વગેરે અસુરોનો વધ કર્યો, યમલ-અર્જુનનો ઉદ્ધાર કર્યો. ગાયો અને ગોપબાલોને દાવાનળમાંથી બચાવ્યા. કાલિય નાગનું દમન કર્યું, ઇન્દ્રનું અભિમાન ઓગાળી દીધું. સાત દિવસ સુધી એક જ હાથ પર ગોવર્ધન ઊંચકી રાખ્યો હતો, અને ગોકુળને ઝંઝાવાત-વરસાદમાંથી ઉગારી લીધું. ગોપીઓ શ્રીકૃષ્ણના આછા સ્મિત, મુખારવિંદના દર્શનથી આનંદ પામતી હતી. એવું બધા કહે છે કે તેઓ યદુવંશનું રક્ષણ કરશે, આ વંશ તેમની સહાયથી મહાન સમૃદ્ધિ, યશ અને ગૌરવ પામશે. આ બીજા કૃષ્ણના મોટા ભાઈ બલરામ છે. બધાના મોઢે સાંભળ્યું છે કે તેમણે પ્રલંબાસુર, વત્સાસુર અને બકાસુરને માર્યા હતા.’ દર્શકો જ્યારે આમ વાતો કરી રહ્યા હતા ત્યારે ચાણૂરે શ્રીકૃષ્ણને અને બળરામને કહ્યું, ‘શ્રીકૃષ્ણ અને બલરામ, તમે બંને વીરોના આદરપાત્ર છો. અમને મહારાજ પાસેથી જાણવા મળ્યું છે કે તમે કુસ્તી લડવામાં નિપુણ છો, તમારી આવડત જોવા અહીં બોલાવ્યા છે. જુઓ જે પ્રજા મન-વચન-કર્મથી રાજાનું પ્રિય કાર્ય કરે છે તેમનું કલ્યાણ થાય છે અને રાજાની ઇચ્છાવિરુદ્ધ કરનારનું અહિત થાય છે. બધા એક વાત તો જાણે છે કે ગાય-વાછરડા ચરાવતા ગોપબાલો દરરોજ નિરાંતે જંગલમાં કુસ્તી લડતા રહે છે, ગાયો ચરાવે છે. તો ચાલો, તમે અને અમે મળીને મહારાજને પ્રસન્ન કરવા કુસ્તી લડીએ. આમ કરવાથી બધા આપણા પર પ્રસન્ન થશે, રાજા સમસ્ત પ્રજાના પ્રતિનિધિ છે.’ શ્રીકૃષ્ણ તો ઇચ્છતા જ હતા કે કુસ્તી લડીએ. એટલે ચાણૂરની વાતને ટેકો આપ્યો અને દેશકાળને ધ્યાનમાં રાખીને તે બોલ્યા, ‘ચાણૂર, અમે પણ ભોજરાજ કંસની વનવાસી પ્રજા છીએ. એટલે અમારે પણ તેમને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરવા જોઈએ. પણ ચાણૂર, અમે તો બાળક છીએ. એટલે અમે અમારા જેવા બળવાન સાથે કુસ્તી લડીશું. કુસ્તી સમાન બળવાળા વચ્ચે જ લડાય, એટલે જોનારા સભાસદોના મનમાં અન્યાયનું સમર્થન કરવાનું પાપ ન લાગે.’ ચાણૂરે કહ્યું, ‘તમે અને બલરામ નથી તો બાળક, નથી તો કિશોર. તમે તો બલવાનોમાં શ્રેષ્ઠ છો, હમણાં જ તમે હજાર હાથીઓ જેટલું બળ ધરાવતા કુવલયાપીડને મારી નાખ્યો, એટલે તમારે અમારા જેવા બળવાનો સાથે લડવું જ જોઈએ. આમાં ક્યાંય અન્યાય નથી. તમે મારી સાથે લડજો અને બલરામ મુુષ્ટિક સાથે લડશે.’ શ્રીકૃષ્ણે ચાણૂર વગેરેના વધનો સંકલ્પ કરી લીધો. અને શ્રીકૃષ્ણ ચાણૂર સાથે અને બલરામ મુષ્ટિક સાથે કુસ્તી કરવા તૈયાર થયા. એકબીજાને જીતી લેવાની ઇચ્છાથી હાથ વડે હાથ અને પગ વડે પગ, પંજા વડે પંજાને, ઘુંટણ સાથે ઘુંટણને, માથા સાથે માથાને અને છાતી સાથે છાતી ભીડીને એકબીજાને ઘાયલ કરવા લાગ્યા. આમ દાવપેચ રમતા, પોતાના પ્રતિદ્વન્દ્વીને પકડીને આમતેમ ઘુમાવતા, ઉઠાવીને ફેંકતા, જોરથી બાઝી પડતા, છૂટીને ભાગી જતા, ક્યારેક પીછેહઠ કરતા. આમ એકબીજાને રોકતા, સામા પર પ્રહાર કરતા અને પ્રતિદ્વન્દ્વીને પછાડતા, હાથ પકડીને ઉપર લઈ આવતા. ગળામાં લપેટાઈને બીજાને હડસેલી દેતા અને હાથપગ એકઠા કરીને ગાંઠ વાળી દેતા. આ યુદ્ધ જોવા નગરની ઘણી સ્ત્રીઓ પણ આવી હતી. મોટા મોટા પહેલવાનો સાથે નાનાં બાળકોને લડતાં જોઈ તેઓ દયાભાવથી એકબીજીને કહેવા લાગી. ‘આ કંસ રાજાના સભાસદો અન્યાય અને અધર્મ આચરી રહ્યા છે. કેટલા દુઃખની વાત છે કે રાજાની સામે જ બળવાન પહેલવાનો અને નિર્બળ બાળકોના યુદ્ધનું અનુમોદન થઈ રહ્યું છે. આ પહેલવાનોના શરીરનું એકેએક અંગ વજ્ર સમાન છે. દેખાવેય મોટા પર્વત જેવા છે. શ્રીકૃષ્ણ, બલરામ તો હજુ જવાન પણ નથી. તેમની કિશોરાવસ્થા છે. તેમનું એકએક અંગ કોમળ છે. ક્યાં એ અને ક્યાં આ! જેટલા લોકો અહીં જોઈ રહ્યા છે તેમને ચોક્કસ ધર્મોલ્લંઘનનું પાપ લાગશે. ચાલો, આપણે અહીંથી જતા રહીએ. જ્યાં અધર્મ હોય ત્યાં રહેવું ન જોઈએ- આ શાસ્ત્રનો નિયમ છે. શાસ્ત્ર તો એમ કહે છે કે સભાષદોના દોષ જાણ્યા પછી બુદ્ધિમાનોએ સભામાં જવું ન જોઈએ. ત્યાં જઈને તેમના અવગુણો કહેવા, ચૂપ રહેવું અથવા મને ખબર નથી એ ત્રણે વાત મનુષ્યને દોષભાગી બનાવે છે. જુઓ…જુઓ… શ્રીકૃષ્ણ શત્રુની ચારે બાજુ પેંતરો બદલી રહ્યા છે. કમળપત્ર પર જળબિંદુ શોભે એવી રીતે શ્રીકૃષ્ણના મોં પર પ્રસ્વેદબિંદુઓ છે. અરે સખીઓ, તમે જુઓ તો છો ને કે મુષ્ટિક પ્રત્યેના રોષને કારણે તેમનુંમોં લાલ લાલ થઈ ગયું છે. અને છતાં હાસ્યનો આવેગ કેટલો સુંદર છે. આ પુરુષોત્તમ અહીં મનુષ્યરૂપે વસે છે. સ્વયં ભગવાન શંકર અને લક્ષ્મી કૃષ્ણની ચરણવંદના કરે છે, એ જ ભગવાન ત્યાં રંગબેરંગી વનપુષ્પોની માળા પહેરીને, બલરામની સાથે વાંસળી વગાડે છે, ગાયો ચરાવે છે, જાત જાતના ખેલ કરે છે અને આનંદ મનાવે છે. સખી, ખબર નથી, ગોપીઓએ કેવું તપ કર્યું હશે કે તેઓ શ્રીકૃષ્ણના રૂપની માધુરીનું પાન કરે છે. સંસારમાં એમનું રૂપ અનુપમ છે, કોઈનું રૂપ ચઢિયાતું તો હોય જ કેવી રીતે? એ પણ રૂપસજ્જાથી નહીં, વસ્ત્રાભૂષણથી નહીં- સ્વયંસિદ્ધ છે. એ જોઈને જરાય તૃપ્તિ નથી થતી. એ કેમ પ્રત્યેક ક્ષણે નવું થઈ જાય છે, નિત્યનૂતન છે. એમનું દર્શન બીજાઓ માટે તો દુર્લભ છે પણ ગોપીઓના ભાગ્યમાં તો લખાયેલું જ છે. વ્રજગોપીઓ ધન્ય છે, શ્રીકૃષ્ણમાં જ મન પરોવેલું રાખવાને કારણે તેમની લીલાઓનું ગાન ગાયા કરે છે. ઘરનું કામકાજ કરતી વખતે, બાળકોની આસનાવાસના કરતી વખતે શ્રીકૃષ્ણના ગુણોમાં જ મસ્ત રહે છે. શ્રીકૃષ્ણ સવારે ગાયો ચરાવવા વ્રજથી વનમાં જાય છે અને સાંજે વ્રજમાં પાછા ફરે છે, ત્યારે વાંસળી વગાડે છે. એ સાંભળીને ગોપીઓ ઘરનું બધું કામકાજ પડતું મૂકીને ઝટઝટ રસ્તે દોડી આવે છે. અને ભગવાનનું મોં જોઈને પ્રસન્ન થાય છે, ખરેખર ગોપીઓ પુણ્યશાળી છે.’ જે વેળા નગરની સ્ત્રીઓ આમ વાતો કરતી હતી ત્યારે શ્રીકૃષ્ણે મનોમન શત્રુને મારી નાખવાનો નિર્ધાર કર્યો. સ્ત્રીઓની આ બધી વાતો દેવકી અને વસુદેવ સાંભળી રહ્યાં હતાં. તેઓ પુત્રસ્નેહથી વિવશ થઈ ગયાં. તેઓ પોતાના પુત્રોના બળને જાણતાં ન હતાં. જેવી રીતે શ્રીકૃષ્ણ અને ચાણૂર જુદા જુદા દાવપેચ રમતા હતા તેવી રીતે બલરામ અને મુષ્ટિક પણ. શ્રીકૃષ્ણની પકડથી ચાણૂરની રગેરગ ઢીલી પડી ગઈ, તેને લાગ્યું કે મારા બધા સાંધા તૂટી રહ્યા છે. તેને ખૂબ જ વ્યથા થઈ. હવે તે ક્રોધે ભરાઈને બાજની જેમ ટૂટી પડ્યો. બંને હાથ વડે શ્રીકૃષ્ણની છાતીમાં મુક્કો માર્યો. પણ એનાથી શ્રીકૃષ્ણ જરાય હઠ્યા નહીં. તેમણે ચાણૂરના બંને હાથ પકડી લીધા, અને હવામાં વીંઝીને જમીન પર પટક્યો. વીંઝાતાં વેંત ચાણૂરનો જીવ તો જતો રહ્યો. તેની વેશભૂષા વિખરાઈ ગઈ, કેશ અને માલા વિખરાઈ ગયાં, તે ઇન્દ્રધ્વજની જેમ પડી ગયો. એ જ રીતે મુષ્ટિકે બલરામને એક મુક્કો માર્યો. બલરામે તેને જોરથી તમાચો માર્યો. તરત જ તે ધૂ્રજી ગયો અને ઝંઝાવાતમાં ઊખડી પડેલા વૃક્ષની જેમ પ્રાણહીન થઈને ધરતી પર લોહી ઓકતો નીચે પડી ગયો. પછી યોદ્ધામાં શ્રેષ્ઠ બલરામે પોતાની સામે આવેલા કૂટ પહેલવાનને રમતાં રમતાં મારી નાખ્યો. તે જ વેળા શ્રીકૃષ્ણે પગની કાંકર વડે શલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યુંં, અને તોશલને તો તણખલાની જેમ ઊભો ને ઊભો ચીરી નાખ્યો. હવે ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ અને તોશલ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે બચી ગયેલા પહેલવાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા. પછી શ્રીકૃષ્ણ અને બલરામ પોતાની ઉંમરના ગોપબાલો સાથે નાચીને કુસ્તીના ખેલ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને બલરામની આ અદ્ભુત લીલા જોઈને બધા દર્શકોને ખૂબ જ આનંદ થયો. બ્રાહ્મણો અને સાધુઓ ‘ધન્ય ધન્ય’ કહીને પ્રશંસા કરવા લાગ્યા. પણ કંસ દુઃખી થઈ ગયો. તે વધુ ચિઢાઈ ગયો. જ્યારે તેના મુખ્ય પહેલવાનો મૃત્યુ પામ્યા અને બીજા બધા ભાગી ગયા ત્યારે તેણે વાજિંત્રો બંધ કરાવી દીધાં અને સેવકોને આજ્ઞા આપી, ‘વસુદેવના આ દુષ્ટ છોકરાઓને નગરબહાર મોકલી દો અને ગોપબાલોની માલમિલકત ઝૂંટવી લો, નંદને કારાવાસમાં નાખો, વસુદેવ દુર્બુદ્ધિ છે અને દુષ્ટ છે. તેને તરત મારી નાખો. ઉગ્રસેન મારા પિતા છે છતાં તે પોતાના અનુયાયીઓ સમેત દુશ્મનો સાથે ભળી ગયા છે. એટલે તેમને પણ મારી નાખો.’ કંસ આમ બકવાસ કરી રહ્યો હતો ત્યારે ક્રોધે ભરાઈને શ્રીકૃષ્ણ કૂદકો મારતાંકને કંસની પાસે જઈ પહોંચ્યા. જ્યારે કંસે જોયું કે મારા મૃત્યુ રૂપે કૃષ્ણ આવી ગયા છે ત્યારે તે સિંહાસન પરથી ઊભો થઈ ગયો, હાથમાં ઢાલ-તલવાર લીધાં. હાથમાં તલવાર લઈને હુમલો કરવાના પેંતરા કરવા લાગ્યો. આકાશમાં ઊડતા બાજની જેમ ક્યારેક જમણી કે ડાબી બાજુ જતો તો ક્યારેક ડાબી બાજુએ જતો. જેવી રીતે ગરુડ સાપ પર તૂટી પડે તેવી રીતે કૃષ્ણ કંસ પર ટૂટી પડ્યા. તે વેળા કંસનો મુુકુટ પડી ગયો, ભગવાને તેના વાળ ઝાલીને નીચે પટક્યો. પછી તો શ્રીકૃષ્ણ તેના પર કૂદી પડ્યા અને તરત જ કંસનું મૃત્યુ થઈ ગયું. બધાનાં દેખતાં શ્રીકૃષ્ણ કંસના શબને ઘસડવા લાગ્યા, બધાનાં મોંમાંથી ચિત્કારો નીકળ્યા. કંસ નિરંતર ભયજનક સ્થિતિમાં પણ શ્રીકૃષ્ણનું જ ચિંતન કર્યા કરતો હતો; ખાતાપીતાં, સૂતાં-બેસતાં, બોલતાં શ્વાસ લેતી વેળાએ પોતાની સામે ચક્રધારીને જ જોયા કરતો હતો. આ ચિંતનને કારણે તેનો મોક્ષ થયો, ભગવાનના રૂપની પ્રાપ્તિ થઈ. કંસના કંક અને ન્યગ્રોધ વગેરે આઠ નાના ભાઈ હતા. તેઓ પોતાના મોટાભાઈની હત્યાનો બદલો લેવા શ્રીકૃષ્ણ અને બલરામ તરફ ધસી ગયા, બલરામે જોયું કે તેઓ બહુ ઝડપે યુદ્ધ કરવા આવી રહ્યા છે ત્યારે તેમણે સિંહ જેવી રીતે પશુઓને મારી નાખે તેવી રીતે તે બધાને મારી નાખ્યા, આકાશમાં દુંદુભિ વાગ્યાં, અપ્સરાઓનાં નૃત્ય થયાં. કંસ અને તેના ભાઈઓની સ્ત્રીઓ સ્વજનોના મૃત્યુથી બહુ દુઃખી થઈ, રડતી કકળતી, માથું કૂટતી તે મોટેથી રડવા લાગી. શ્રીકૃષ્ણે તેમને ધીરજ બંધાવી, લોકરીતિ પ્રમાણે બધાના મરણોત્તર સંસ્કાર કરાવ્યા. શ્રીકૃષ્ણે અને બલરામે કારાવાસમાં જઈને માતાપિતાને છોડાવ્યાં, ચરણવંદના કરી. પુત્રોએ પ્રણામ કર્યાં તો પણ દેવકીએ અને વસુદેવે તેમને ગળે ન લગાવ્યા. જગદીશ્વર પુત્ર કેવી રીતે? શ્રીકૃષ્ણે ઉગ્રસેનને યદુવંશીઓના રાજા બનાવ્યા. શ્રીકૃષ્ણે કહ્યું, ‘મહારાજ, અમે તો તમારી પ્રજા છીએ. તમે શાસન કરો. યયાતિનો શાપ છે એટલે યદુવંશી સિંહાસન પર બેસી નથી શકતા, પણ હું સેવક બનીને તમારી સેવા કરીશ. મોટા મોટા દેવતા પણ માથું નમાવીને તમને ભેટ આપશે’… કંસના ભયથી જે બધા ભાગી ગયા હતા તે બધાને શોધી શોધીને બોલાવ્યા. ઘરની બહાર રહેવાની તેમને બહુ મુશ્કેલી પડી હતી. શ્રીકૃષ્ણે તેમનો સત્કાર કર્યો, પુષ્કળ ધનસંપત્તિ આપી…
શ્રીકૃષ્ણે અને બલરામે સાંદીપનિ ઋષિના આશ્રમમાં જઈને અનેક વિદ્યાઓ મેળવી. પછી ગુુરુદક્ષિણામાં ઋષિએ માગણી કરી, ‘પ્રભાસક્ષેત્રમાં અમારો દીકરો સમુદ્રમાં ડૂબી ગયો હતો, તે અમને લાવી આપો.’ બલરામ અને શ્રીકૃષ્ણનું પરાક્રમ તો અદ્ભુત હતું, બંને મહારથીઓ હતા. તેઓ બંને નીકળી પડ્યા અને પ્રભાસ ક્ષેત્રમાં જઈ પહોંચ્યા. ત્યાં જઈને થોડી વાર સમુદ્રતીરે બેઠા, પછી તે બંને ઈશ્વરના અવતાર છે એમ માનીને સમુદ્ર પૂજાસામગ્રી લઈને ત્યાં આવ્યા… યમપુરીમાં જઈને શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો. એ અવાજ સાંભળીને યમરાજે તેમનો સત્કાર કર્યો, વિધિવત્ પૂજા કરી. પછી નમ્ર બનીને શ્રીકૃષ્ણને કહ્યું, ‘લીલા કરવા મનુષ્ય બનેલા હે પરમેશ્વર, તમારા બંનેની હું શી સેવા કરું?’ શ્રીકૃષ્ણે કહ્યું, ‘યમરાજ, અહીં અમારો ગુરુપુત્ર છે, તમે મારી વાત માનો, એના કર્મ પર ધ્યાન આપ્યા વિના તેને મારી પાસે લઈ આવો.’ યમરાજે એમની વાત માનીને ગુરુપુત્ર લાવી આપ્યો. પછી શ્રીકૃષ્ણ અને બલરામ બાળકને લઈને ઉજ્જૈન આવ્યા, ગુુરુને તેમનો પુત્ર આપીને કહ્યું, ‘બોલો, બીજું પણ જે કંઈ જોઈતું હોય તે કહો.’ ગુુરુએ કહ્યું, ‘તમે બંનેએ સારી રીતે ગુરુદક્ષિણા આપી. હવે બીજું શું જોઈએ? તમે કીર્તિમાન થાઓ. તમે જે વિદ્યા ભણ્યા તે આ લોકમાં-પરલોકમાં સદા નવી બની રહે.’ ત્યાંથી બંને ભાઈ મથુરા આવી ચઢ્યા, ઘણા દિવસથી બધાંએ શ્રીકૃષ્ણને જોયા ન હતા એટલે તેઓ આનંદ પામ્યાં. જરાસંધ અને શ્રીકૃષ્ણ કંસની બે પત્નીઓ — અસ્તિ અને પ્રાપ્તિ. વિધવા થઈ એટલે બંને પોતાના પિતાની રાજધાનીમાં જઈ પહોંચી. તેમનો પિતા જરાસંધ. બંનેએ પોતાના વૈધવ્યની વાત કરી. આ ખરાબ સમાચાર સાંભળીને પહેલાં તો જરાસંધને દુઃખ થયું પણ પછી ભારે ક્રોધ થયો. તેણે નિશ્ચય કર્યો કે એક પણ યદુવંશીને રહેવા નહીં દઉં. તેણે યુદ્ધની તૈયારી કરી અને તેવીસ અક્ષૌહિણી સેના લઈને મથુરાને ઘેરો ઘાલ્યો. શ્રીકૃષ્ણે જોયું કે જરાસંધની સેના તો ઊછળતો સમુદ્ર છે. ચારે બાજુથી રાજધાનીને ઘેરો તેણે ઘાલ્યો છે. ‘આપણા સ્વજનો અને પુરવાસી ભયભીત થઈ રહ્યા છે. હું તો પૃથ્વીનો ભાર ઉતારવા જ મનુષ્ય રૂપે જન્મ્યો છું. હવે મારા અવતારનું પ્રયોજન કયું અને અત્યારે મારે શું કરવું જોઈએ? જરાસંધે એકઠી કરેલી સેના તો પૃથ્વી પરનો ભાર છે. અસુરોની સેના એકઠી કરશે. પૃથ્વી પરથી આવા લોકોનો ભાર ઓછો કરું, સાધુસજ્જનોની રક્ષા કરું અને દુર્જનોનો સંહાર કરું. અવારનવાર ધર્મરક્ષા માટે, વૃદ્ધિ પામતા અધર્મને અટકાવવા માટે હું અનેક અવતાર લઈશ.’ શ્રીકૃષ્ણ આમ વિચારતા હતા ત્યાં જ આકાશમાંથી સૂર્ય જેવા તેજસ્વી બે રથ આવ્યા. તેમાં યુદ્ધની બધી સામગ્રી હતા, સારથિ પણ હતા. ભગવાનનાં દિવ્ય અને સનાતન આયુધ પણ ત્યાં આવ્યાં. તે જોઈને શ્રીકૃષ્ણે બલરામને કહ્યું, ‘ભાઈ, તમે બહુ શક્તિશાળી છો. અત્યારે યદુવંશીઓ તમને જ સ્વામી અને રક્ષક માને છે. તેમના પર ભારે આપત્તિ આવી પડી છે. આ તમારો રથ, તમારાં પ્રિય આયુધ — હળ અને મુસળ પણ છે. હવે તમે આ રથ પર સવાર થઈને શત્રુસેનાનો વિનાશ કરો. સાધુઓનું કલ્યાણ કરવા જ આપણે બંનેએ અવતાર લીધો છે. જરાસંધની સેનાનો તમે વિનાશ કરો.’ પછી બંને રથ પર સવાર થઈને મથુરાથી નીકળી પડ્યા. તેમની સાથે નાનકડી સેના પણ હતી. શ્રીકૃષ્ણનો સારથિ હતો દારુક. નગરની બહાર નીકળીને તેમણે પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. એ ભયંકર ધ્વનિ સાંભળીને શત્રુસેનાના વીર પુરુષોનાં હૃદય થથરી ઊઠ્યાં. જરાસંધ તેમને જોઈને બોલ્યો, ‘પુરુષાધમ કૃષ્ણ, તું તો બાળક છે. તારી સાથે લડવામાં મને શરમ આવે છે. આટલા દિવસ ન જાણે તું ક્યાં સંતાઈ ગયો હતો. તું તો તારા મામાનો ઘાતક છે. હું તારી સાથે નહીં લડું. ભાગી જા. બલરામ, તને જો લાગે કે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગ મળે છે તો તું હિંમતભેર મારી સાથે લડ. મારાં બાણોથી ઘવાયેલું શરીર અહીં છોડીને સ્વર્ગમાં જા અથવા તારામાં બહુ જોર હોય તો મને મારી નાખ.’ આ સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું, ‘જે વીર છે તે બડાઈ નથી મારતો, તે તો પોતાનું બળ દેખાડે છે, અત્યારે તારા માથા પર મૃત્યુ છે. સનેપાતનો દરદી જેમ બોલે તેમ તું બોલી રહ્યો છે. બક, હું તારી વાત પર ધ્યાન નથી આપતો.’ વાયુ વાદળ વડે સૂર્યને અને ધુમાડો આગને ઢાંકી દે છે, પણ ખરેખર એવું થતું નથી, તેમનો પ્રકાશ ફરી ફેલાય છે. મગધરાજ જરાસન્ધે શ્રીકૃષ્ણ અને બલરામની સાથે પોતાની વિરાટ સેના આણીને બંનેને ઘેરી લીધા. તેમની સેના, રથ, ધ્વજા, અશ્વ, સારથિઓ પણ દેખાતા બંધ થયા. મથુરાની સ્ત્રીઓ પોતાના મહેલોની અટારીઓ પર ચઢીને યુદ્ધ જોઈ રહી હતી. જ્યારે તેમણે બલરામ અને શ્રીકૃષ્ણના રથ ન જોયા ત્યારે તેઓ શોકાર્ત થઈને મૂર્ચ્છા પામી. શ્રીકૃષ્ણે જોયું કે શત્રુઓ આપણી સેના પર બાણવર્ષા કરી રહ્યા છે અને એને કારણે આપણા સૈનિકો હેરાન થઈ રહ્યા છે ત્યારે તેમણે પોતાના શાર્ઙ્ગ ધનુષનો ટંકાર કર્યો. પછી તેમણે ધનુષની પણછ તાણીને બાણવર્ષા આરંભી. અને એ રીતે શ્રીકૃષ્ણે હાથી, ઘોડા, રથ અને પદાતિઓ — એમ જરાસંધની ચતુરંગિણી સેના પર આક્રમણ કર્યું. ઘણા બધા હાથીઓનાં મસ્તક વીંધાઈ ગયાં, અનેક ઘોડાઓનાં મસ્તક કપાઈ ગયાં. ઘોડા, ધ્વજા, સારથિ હણાવાને કારણે રથ નકામા થઈ ગયા. પદાતિઓનાં શરીર કપાવા માંડ્યાં. ભગવાન બલરામે પોતાના મુસળ વડે ઘણા શત્રુઓને મારીને લોહીની નદીઓ વહેવડાવી. ક્યાંક માણસો, ક્યાંક હાથી-ઘોડા તરફડતા હતા. શત્રુઓના હાથ સાપ જેવા અને તેમનાં મસ્તક કાચબા જેવાં દેખાતાં હતાં. શત્રુઓના કેશ શેવાળ જેવા, હાથ-સાથળ માછલીઓ જેવા, ધનુષ તરંગો જેવા અને અસ્ત્રશસ્ત્ર તૃણવત્ દેખાવાં લાગ્યાં. કિમતી મણિ, આભૂષણ પથ્થરોના ટુકડા જેમ વહી રહ્યાં હતાં. એ નદીઓ જોઈને કાયરો ડરી રહ્યા હતા અને વીર ઉત્સાહી થઈ રહ્યા હતા. જરાસન્ધની સેના સમુદ્ર જેવી દુર્ગમ, ભયજનક અને મહામુશ્કેલીએ જીતી શકાય એવી હતી. પણ શ્રીકૃષ્ણે અને બલરામે થોડા જ સમયમાં એ સેનાનો ખાત્મો બોલાવી દીધો. તેઓ તો જગતના સ્વામી છે એટલે તેમને મન તો આ સેનાનો નાશ કરવો એ રમતવાત હતી. ભગવાનના ગુણ અનંત છે. તેઓ રમતવાતમાં ત્રણે લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. શત્રુસેનાનો આવો સંહાર કરવો એ એમને મન બહુ મોટી વાત ન હતી. જરાસન્ધની સેનાનો નાશ થયો, તેનો રથ ભાંગી ગયો, શરીરમાં માત્ર પ્રાણ જ બચ્યા. ત્યારે એક સિંહ બીજા સિંહને પકડી લે તેવી રીતે બલરામે જરાસંધને પકડી લીધો. જરાસન્ધે ભૂતકાળમાં ઘણા શત્રુરાજાઓને મારી નાખ્યા હતા, આજે એને બલરામ તેને બાંધી રહ્યા હતા. શ્રીકૃષ્ણે વિચાર્યું, એને જીવતો રાખીશું તો હજુ વધારે સેના ભેગી કરશે અને આપણે પૃથ્વી પરનો ભાર ઊતારીશું, એટલે બલરામને રોકી પાડ્યા. મોટા મોટા મહારથીઓ જરાસન્ધનું સન્માન કરતા હતા એટલે આજે શ્રીકૃષ્ણે અને બલરામે દયા કરીને છોડી મૂક્યો એ વાતે તેને લજ્જા આવતી હતી. તેને તપ કરવાનો વિચાર આવ્યો. પછી તેના સાથીઓએ સમજાવ્યો, ‘રાજન, યાદવોમાં છે શું? તેઓ તમને હરાવી ન શકે. પ્રારબ્ધને કારણે નીચાજોણું થયું છે. તમારે તપ કરવાની જરૂર નથી.’ તે વેળા જરાસન્ધની બધી સેના ખતમ થઈ ગઈ હતી. બલરામે તેની ઉપેક્ષા કરીને છોડી દીધો, તે બહુ ઉદાસ થઈને મગધ જતો રહ્યો. શ્રીકૃષ્ણની સેનામાં કોઈને જરાય આંચ ન આવી. આવડી મોટી સેના પર તેમણે વિજય મેળવી લીધો. દેવતાઓને તેમના પર પુષ્પવર્ષા કરી. જરાસન્ધના પરાજયથી મથુરાવાસી નિર્ભય થઈ ગયા, શ્રીકૃષ્ણના વિજયથી તેમને ભારે હર્ષ થયો. સૂત, માગધ, બન્દીજનો ગીતો ગાવા લાગ્યા. શ્રીકૃષ્ણે નગરપ્રવેશ કર્યો ત્યારે શંખ, નગારાં, ભેરી, વીણા, વાંસળી જેવાં વાદ્ય સંભળાવાં લાગ્યાં. મથુરાની સડકો પર પાણીનો છંટકાવ થયો હતો. ચારે બાજુ લોકો આનંદથી હરતાફરતા હતા. ધ્વજપતાકા, લહેરાઈ રહ્યાં હતાં, નગરની સ્ત્રીઓ શ્રીકૃષ્ણને પ્રેમપૂર્વક જોઈ રહી હતી. ફૂલ, હાર, અક્ષત, દહીંની વર્ષા કરી રહી હતી. શ્રીકૃષ્ણ રણભૂમિ પરથી અઢળક ધન — આભૂષણો લાવ્યાં હતાં. તે બધું યાદવોના રાજા ઉગ્રસેનને આપી દીધું. આમ જરાસંધે સત્તર વખત મથુરા પર આક્રમણ કર્યું, પણ દર વખતે તેની સેનાનો નાશ જ થતો હતો. સેના નાશ પામે એટલે યાદવો એને છોડી મૂકતા અને જરાસન્ધ પોતાની રાજધાનીમાં પાછો જતો રહેતો હતો, અઢારમી વખતે આક્રમણ થવાનું હતું ત્યારે નારદે મોકલેલ કાળયવન દેખાયો. યુદ્ધમાં કાળયવનનો મુકાબલો કરી શકે એવું કોઈ ન હતું. જ્યારે તેણે જાણ્યું કે યાદવો પણ અમારા જ જેવા બળવાન છે અને મુકાબલો કરી શકે એવા છે, ત્યારે ત્રણ કરોડ મલેચ્છોની સેના વડે મથુરાને ઘેરો ઘાલ્યો. કાળયવનની આ અણધારી ચઢાઈ જોઈને શ્રીકૃષ્ણે બલરામને કહ્યું, ‘અત્યારે જરાસન્ધ અને કાળયવન — એમ બંને આપત્તિઓ એક સાથે આવી ચઢી છે, અત્યારે કાળયવને ઘેરો ઘાલ્યો છે અને બેત્રણ દિવસમાં જરાસન્ધ આવી ચઢશે, જો આપણે બંને આની સાથે લડવા જઈશું અને જો જરાસંધ આવી ચઢશે તો તે આપણા બંધુઓને મારી નાખશે અથવા તેમને બંદી બનાવી પોતાના નગરમાં લઈ જશે. એટલે આપણે કોઈ કરતાં કોઈનો પ્રવેશ ન થઈ શકે એવો દુર્ગ બનાવીએ, સ્વજનો — સબંધીઓને ત્યાં મોકલી દઈએ અને પછી કાળયવનનો વધ કરીએ.’ બલરામની સાથે સંતલસ કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની વચ્ચે એક દુર્ગમ નગર બનાવ્યું, અદ્ભુત વસ્તુઓથી ભરચક હતું, તેની લંબાઈ — પહોળાઈ અડતાલીસ કોશ હતી. એ નગરની એકએક વસ્તુમાં વિશ્વકર્માનાં વિજ્ઞાન અને શિલ્પકળાની નિપુણતા પ્રગટ થતી હતી, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મોટા રાજમાર્ગ, ચોક, શેરીઓનું આયોજન કર્યું હતું. સરસ મજાના ઉદ્યાનો, વિચિત્ર ઉપવનોમાં દેવવૃક્ષો હતાં. ઊંચાં સુવર્ણશિખરો આકાશ સાથે વાતો કરતાં હતાં, સ્ફટિક મણિની અટારીઓ અને ઊંચા દરવાજા સુંદર દેખાતાં હતાં. અનાજ સંઘરવા ચાંદી, પિત્તળની કોઠીઓ હતી. મહેલ સોનાના હતા અને સુવર્ણકળશોથી સુશોભિત હતા. વાસ્તુદેવતાનું મંદિર અને ધજા પણ અદ્ભુત હતાં, ચારે વર્ણના લોકો ત્યાં હતા. ઉગ્રસેન, વસુદેવ, બલરામ અને શ્રીકૃષ્ણના મહેલ ઝગમગતા હતા. ઇન્દ્રે શ્રીકૃષ્ણ માટે પારિજાત અને સુધર્મા સભા મોકલી આપ્યા. એ સભા એવી દિવ્ય હતી કે તેમાં બેઠેલાઓને ભૂખતરસ લાગતાં ન હતાં. વરુણદેવે શ્વેત અશ્વો મોકલ્યા, તેમનો એકેક કાન શ્યામ હતો, તે મનોવેગી હતા. ધનપતિ કુબેરે પોતાની આઠે સિદ્ધિઓ મોકલી, બીજા લોકપાલોએ પણ પોતાની વિભૂતિઓ મોકલી. બધા લોકપાલોને શ્રીકૃષ્ણે તેમના અધિકારના ભોગવટા માટે શક્તિઓ અને સિદ્ધિઓ આપ્યાં હતાં. જ્યારે શ્રીકૃષ્ણ મનુષ્ય રૂપે અવતર્યા ત્યારે તેમણે બધી સિદ્ધિઓ ભગવાનના ચરણે નિવેદિત કરી. શ્રીકૃષ્ણે પોતાના બધા જ સ્વજનોને અચંત્યિ મહાશક્તિ યોગમાયા વડે દ્વારકા મોકલી દીધા. બાકીની પ્રજાની રક્ષા માટે બલરામને મથુરા રાખ્યા અને પોતે ગળામાં કમળમાળા પહેરી, કોઈ અસ્ત્રશસ્ત્ર વિના નગરના મોટા દ્વારેથી બહાર નીકળી આવ્યા. જ્યારે શ્રીકૃષ્ણ મથુરાના મુખ્ય દ્વારેથી નીકળ્યા ત્યારે એવું લાગ્યું કે જાણે પૂર્વ દિશાએથી ચંદ્રોદય થઈ રહ્યો છે. તેમની શ્યામ કાયા ખૂબ જ સુંદર હતી, તેના પર રેશમી પીતાંબર સોહતું હતું. છાતી પર શ્રીવત્સ ચિહ્ન હતું, ગળામાં કૌસ્તુભ મણિ ચમકતો હતો. ચાર ભુજાઓ લાંબી અને પુષ્ટ હતી. હમણાં જ ખીલેલાં કમળ સમાન કોમળ નેત્ર હતાં. મોઢા પર નર્યો આનંદ હતો, આછું સ્મિત જોનારાઓનાં મનને લોભાવતું હતું. કાનમાં મકરાકૃતિવાળાં કુંડળ હતાં. આ જોઈને કાળયવને માની લીધું કે આ જ શ્રીકૃષ્ણ છે. નારદે જે જે ચિહ્નો બતાવ્યાં હતાં તે બધાં જ ત્યાં હતાં. અત્યારે તેઓ કોઈ અસ્ત્રશસ્ત્ર વિના આ બાજુ આવે છે તો હું પણ વગર અસ્ત્રશસ્ત્રે લડીશ. આવો નિર્ધાર કરીને કાળયવન શ્રીકૃષ્ણ પાછળ દોડ્યો, શ્રીકૃષ્ણ બીજી દિશામાં મોં કરીને રણભૂમિથી નાઠા અને ભગવાનને પકડવા માટે કાળયવન તેમની પાછળ પાછળ દોડ્યો. શ્રીકૃષ્ણ તો લીલા કરતા ભાગી રહ્યા હતા, કાળયવન ડગલે ને પગલે એમ માનતો કે આ પકડ્યા, આ પકડ્યા. શ્રીકૃષ્ણ આમ તેને બહુ દૂર આવેલી એક પર્વતગુફામાં લઈ ગયા, કાળયવન બોલ્યા કરતો હતો, ‘અરે, તું તો પ્રખ્યાત યદુવંશમાં જન્મ્યો છે, આમ યુદ્ધભૂમિ ત્યજીને જતા રહેવું તને શોભતું નથી.’ પરંતુ તે ભગવાનને પામી ન શક્યો, તે બોલતો રહ્યો અને શ્રીકૃષ્ણ ગુફામાં પેસી ગયા. તેમની પાછળ કાળયવન પણ પ્રવેશ્યો. ત્યાં તેણે બીજા કોઈને સૂતેલ જોયો. એ જોઈને કાળયવન બબડ્યો, ‘જુઓ તો ખરા — મને આટલે દૂર લઈ આવ્યો અને હવે જાણે કશી ખબર જ ન હોય તેમ સાધુ બનીને સૂઈ રહ્યો છે.’ અને તેણે સૂતેલાને લાત મારી. તે પુરુષ ઘણા દિવસથી સૂઈ રહ્યો હતો, લાત વાગી એટલે તે જાગી ગયો, આંખો ખોલીને જોયું તો કાળયવન સામે ઊભો હતો. આવી રીતે જાગી જઈને તે પુરુષ ક્રોધે ભરાયો અને તેના દૃષ્ટિપાતથી જ કાળયવન સળગીને ભસ્મ થઈ ગયો. તે ઇક્ષ્વાકુવંશી મહારાજ માંધાતાના પુત્ર મુચકુન્દ હતા. તે બ્રાહ્મણોના પરમભક્ત, સત્યવચની, યુદ્ધવિજયી, મહાપુરુષ હતા. એક વેળા ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી ડરી ગયા હતા. એટલે તેમણે પોતાની રક્ષા માટે મુચકુન્દને પ્રાર્થના કરી. ઘણા દિવસો સુધી તેમણે દેવોની રક્ષા કરી. પછી ઘણા દિવસે દેવતાઓને સેનાપતિ રૂપે કાર્તિકેય મળી ગયા ત્યારે દેવતાઓએ કહ્યું, ‘રાજન્, તમે અમારી રક્ષા માટે બહુ શ્રમ ઉઠાવ્યો છે. હવે તમે આરામ કરો. તમે અમારી રક્ષા માટે મનુષ્યલોકનું રાજ્ય જતું કર્યું, જીવન જતું કર્યું. હવે તમારા પરિવારમાં કોઈ કરતાં કોઈ રહ્યું નથી. બધા કાળની ગર્તામાં ખોવાઈ ગયા છે. કાળ બધા બળવાનોમાંય બળવાન છે. તે સ્વયં પરમ સમર્થ અવિનાશી, ભગવત્ સ્વરૂપ છે. રાજન્, તમારી જે ઇચ્છા હોય તે કહો. અમે તમને મોક્ષ સિવાય બધું જ આપી શકીશું. મોક્ષ આપવાની શક્તિ તો માત્ર વિષ્ણુ ભગવાનમાં જ છે.’ દેવતાઓએ આમ કહ્યું એટલે તેમણે દેવોને વંદન કર્યાં અને બહુ થાકેલા હોવાને કારણે નિદ્રાનું વરદાન માગ્યું. એટલે પર્વતની ગુફામાં જઈને સૂઈ ગયા. તે વખતે દેવતાઓએ કહ્યું, ‘કોઈ મૂર્ખ જો તમને ઊંઘમાંથી ઉઠાડશે તો તમારી દૃષ્ટિ એના પર પડતાં વેંત તે ભસ્મ થઈ જશે.’ જ્યારે કાળયવન ભસ્મ થઈ ગયો ત્યારે શ્રીકૃષ્ણે રાજા મુચકુન્દને દર્શન આપ્યાં. શ્રીકૃષ્ણનો વર્ણ વર્ષાઋતુના મેઘની જેમ શ્યામ હતો, વક્ષ:સ્થળ પર શ્રીવત્સ ચિહ્ન હતું. ગળામાં કૌસ્તુભ મણિ હતો. વૈજયન્તીમાળા ઘુંટણ સુધી લટકતી હતી. મુખકમળ અત્યંત સુંદર અને પ્રસન્ન હતું…મુચકુન્દ આ દિવ્ય જ્યોતિર્મયી મૂર્તિ જોઈને ચકિત થઈ ગયા. મુચકુન્દે પૂછ્યું, ‘તમે કોણ છો? આ કાંટાથી છવાયેલા ભયાનક જંગલમાં કમળ જેવા કોમળ પગ વડે કેમ ફરો છો? આ પર્વતની ગુફામાં શા માટે આવી ચઢ્યા? તમે ભગવાન અગ્નિદેવ તો નથી? શું તમે સૂર્ય, ચન્દ્ર, ઇન્દ્ર કે બીજા લોકપાલ છો? મને તો લાગે છે કે દેવતાઓના આરાધ્ય દેવ બ્રહ્મા, વિષ્ણુ, શંકર — આ ત્રણમાંથી ભગવાન નારાયણ જ છો. જેવી રીતે દીપક અંધકારને દૂર કરે છે તેવી રીતે તમારી જ્યોતિથી આ ગુફામાં અંધકાર દૂર થઈ ગયો. તમને જો યોગ્ય લાગે તો તમારા જન્મ, કર્મ, ગોત્ર બતાવો, હું એ બધું જાણવા આતુર છું. તમે જો મારા વિશે પૂછતા હો તો મારું નામ મુચકુન્દ છે, મહારાજ માંધાતાનો પુત્ર છું. ઘણા દિવસ જાગતો રહ્યો એટલે હું થાકી ગયો હતો. નિદ્રાને કારણે મારી બધી ચેતના લુપ્ત થઈ ગઈ હતી. એટલે આ નિર્જન સ્થાને સૂઈ રહ્યો હતો. ત્યારે જ મને કોઈએ જગાડ્યો. તેનાં પાપોને કારણે જ તે ભસ્મ થઈ ગયો. પછી તમે મને દર્શન આપ્યું. હું તમને લાંબો વખત જોઈ પણ શકતો નથી.’ આ સાંભળી શ્રીકૃષ્ણે હસીને કહ્યું, ‘મારાં તો હજારો નામ છે, હું ગણત્રી કરીને બતાવી નહીં શકું. બધા ઋષિઓ મારાં કર્મોનું વર્ણન કરે છે. બ્રહ્માએ ધર્મરક્ષા માટે અને પૃથ્વીનો ભાર બનેલા અસુરોનો સંહાર કરવા પ્રાર્થના કરી હતી એટલે મેં યદુવંશી વસુદેવને ત્યાં જન્મ લીધો; બધા મને વાસુદેવ કહે છે. અત્યાર સુધી હું ઘણા અસુરોનો સંહાર કરી શક્યો છું. આ કાળયવન મારી પ્રેરણાથી જ અહીં આવ્યો અને તમારી દૃષ્ટિ પડતાં તે ભસ્મ થઈ ગયો. હવે તમારા પર કૃપા કરવા હું અહીં આવ્યો છું. પહેલાં પણ તમે મારી બહુ આરાધના કરી હતી. હું છું ભક્તવત્સલ. એટલે તમારી જે ઇચ્છા હોય તે માગો. હું બધું આપીશ. જે વ્યક્તિ મારા શરણે આવે છે તેને માટે શોક કરવો પડે એવું કશું નથી.’ જ્યારે શ્રીકૃષ્ણે આમ કહ્યું ત્યારે મુચકુન્દને ગર્ગ ઋષિની વાત યાદ આવી ગઈ કે યદુવંશમાં ભગવાન અવતાર લેવાના છે. આ ભગવાન નારાયણ જ છે. એટલે રાજાએ ભગવાનની સ્તુતિ કરી… શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમે ક્ષત્રિય ધર્મનું પાલન કરીને ઘણાં બધાં પશુઓનો વધ કર્યો છે. હવે એકાગ્ર ચિત્તે મારી ઉપાસના કરીને એ પાપ ધોઈ નાખો. હવે પછીના જન્મમાં તમે બ્રાહ્મણ થશો અને બધાં પ્રાણીઓના હિતચિંતક બનશો અને મારી પ્રાપ્તિ કરશો.’ ફરી મુચકુન્દે ભગવાનની સ્તુતિ કરી.
તેમણે ગુફામાંથી બહાર નીકળીને જોયું તો બધાં મનુષ્ય, પશુ, વૃક્ષ, સાવ નાનાં બની ગયાં છે, કળિયુગનું આગમન થઈ ગયું છે એ જાણીને તેઓ ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા, ભગવાન શ્રીકૃષ્ણમાં મન પરોવી ગંધમાદન પર્વત પર પહોંચ્યા. બધી જ મુશ્કેલીઓ વેઠતાં વેઠતાં શ્રીકૃષ્ણની આરાધના કરવા લાગ્યા.
હવે શ્રીકૃષ્ણ મથુરા આવી પહોંચ્યા. કાળયવનની સેનાએ નગરીને ઘેરો ઘાલ્યો હતો. શ્રીકૃષ્ણે મલેચ્છોની સેનાનો સંહાર કર્યો, તેમનું બધું ધન લઈને દ્વારકા જવા નીકળ્યા. જે વેળા ભગવાનની આજ્ઞાથી લોકો ધન લઈ જઈ રહ્યા હતા ત્યારે જરાસન્ધે ફરી હુમલો કર્યો. શત્રુ સેનાનો પ્રબળ વેગ જોઈને તેની સામેથી જ ભાગી નીકળ્યા. તેમને જરાય ભય ન લાગ્યો. અને છતાં જાણે બહુ ડરી ગયા હોય તેમ બધું ધન ત્યાં પડતું મૂકીને કેટલાય યોજન સુધી દોડતા રહ્યા. જરાસન્ધે જોયું કે શ્રીકૃષ્ણ અને બલરામ તો ભાગી ગયા છે, ત્યારે તે હસવા લાગ્યો, અને સેના લઈને તેમનો પીછો કરવા લાગ્યો, તેને શ્રીકૃષ્ણ અને બલરામના પ્રભાવની કશી ખબર જ ન હતી. બહુ લાંબે સુધી દોડવાને કારણે બંને ભાઈ થાકી ગયા, તેઓ ઊંચા પ્રકર્ષણ પર્વત પર ચડ્યા. એ પર્વત પર નિત્ય વર્ષા થતી હતી એટલે તેનું નામ એવું પડ્યું હતું. જરાસન્ધે જોયું કે બંને ભાઈ પર્વત પર સંતાઈ ગયા છે, તેમની શોધ કરી છતાં મળ્યા નહીં, ત્યારે તેણે પર્વતની ચારે બાજુ ઇંધણ મૂકીને આગ લગાડી. શ્રીકૃષ્ણે જોયું કે પર્વતની સીમાઓ સળગવા માંડી છે ત્યારે બંને ભાઈ જરાસન્ધની સેનાને ઓળંગીને ખૂબ ઝડપથી અગિયાર યોજન નીચે કૂદીને આવ્યા. જરાસન્ધે કે એની સેનાએ તેમને જોયા જ નહીં, ત્યાંથી ચાલીને બંને સમુદ્રથી ઘેરાયેલી દ્વારકામાં આવી પહોંચ્યા. જરાસન્ધે માની લીધું કે બંને ભાઈ બળી મર્યા છે. એટલે પોતાની સેના લઈને તે મગધ પહોંચી ગયો.
રુક્મિણીઅપહરણ
મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના રાજા હતા. તેમને પાંચ પુત્ર અને એક સુંદર કન્યા હતી. સૌથી મોટા પુત્રનું નામ હતું રુક્મી, નાના ભાઈઓનાં નામ હતાં રુક્મરથ, રુક્મબાહુ, રુક્મકેશ અને રુક્મમાલી, તેમની બહેન રુક્મિણીએ જ્યારે શ્રીકૃષ્ણનાં સૌંદર્ય, પરાક્રમ, ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી ત્યારે તેણે નિર્ધાર કર્યો કે હું પરણીશ તો શ્રીકૃષ્ણને. શ્રીકૃષ્ણ પણ જાણતા હતા કે રુક્મિણી પરમ લક્ષણ ધરાવે છે, બુદ્ધિમાન, ઉદાર, સુંદર, શીલવાન છે. એટલે આ જ મારી પત્ની થવાને પાત્ર છે. આમ શ્રીકૃષ્ણે રુક્મિણી સાથે વિવાહ કરવાનો સંકલ્પ કર્યો. રુક્મિણીના ભાઈઓ પણ આ લગ્ન ઇચ્છતા હતા પણ રુક્મીને શ્રીકૃષ્ણ પર ભારે દ્વેષ હતો. તેણે વિવાહ અટકાવ્યો અને પોતાની બહેનને યોગ્ય પતિ શિશુપાલ છે એમ માન્યું. જ્યારે સુંદરી રુક્મિણીને લાગ્યું કે મારો ભાઈ મને શિશુપાલ સાથે પરણાવવા માગે છે ત્યારે તે બહુ ઉદાસ થઈ ગઈ. પછી ઘણો બધો વિચાર કરીને એક વિશ્વાસુ બ્રાહ્મણને શ્રીકૃષ્ણ પાસે મોકલી આપ્યો. જ્યારે તે બ્રાહ્મણ દ્વારકા પહોંચ્યો ત્યારે દ્વારપાલ રાજમહેલની અંદર તેને લઈ ગયો. બ્રાહ્મણે જોયું તો શ્રીકૃષ્ણ સુવર્ણના સિંહાસન પર બેઠા છે. બ્રાહ્મણને જોઈને તેઓ નીચે ઊતર્યા અને બ્રાહ્મણને સંહાિસન પર બેસાડી તેની પૂજા કરી. આદરસત્કાર, ભોજન પછી શ્રીકૃષ્ણે બ્રાહ્મણના પગ દબાવવા માંડ્યા અને પછી આવવાનું પ્રયોજન પૂછ્યું. ‘કશું ખાનગી ન હોય તો મને કહો.’ પછી બ્રાહ્મણે રુક્મિણીનો સંદેશો કહ્યો, તે શ્રીકૃષ્ણ સાથે જ પરણવા માગતી હતી. શિશુપાલનો સ્પર્શ પણ તે સાંખી શકતી ન હતી. મેં જન્મોજન્મ ભગવાનની આરાધના કરી છે તો શ્રીકૃષ્ણ આવીને મારું પાણિગ્રહણ કરે… જે દિવસે મારો વિવાહ થવાનો હોય તેના એક દિવસ પહેલાં અમારી રાજધાનીમાં ગુપ્ત રીતે આવો. શિશુપાલ — જરાસન્ધની સેનાને નષ્ટ કરી નાખો, બળ પ્રયોજી રાક્ષસવિધિ વડે મારું પાણિગ્રહણ કરો. તમને શંકા હોય કે હું તારા ભાઈઓને માર્યા વિના અંત:પુરમાં પ્રવેશું કેવી રીતે? તો એનો ઉપાય છે. અમારી કુળપરંપરા છે કે વિવાહના આગલા દિવસે કુળદેવીના દર્શન કરવા એક મોટી યાત્રા નીકળે છે. એમાં વિવાહ જેનો કરવાનો છે તેને ગિરિજાદેવીના મંદિરે જવું પડે છે. ઉમાપતિ શંકર જેવા મહાપુરુષ પણ આત્મશુદ્ધિ માટે તમારી ચરણરજથી સ્નાન કરવા માગે છે. જો તમારી ચરણરજ મેળવી નહીં શકું તો મારું શરીર સૂકવી નાખી પ્રાણત્યાગ કરીશ. એ માટે મારે સેકંડો જનમ ભલે લેવા પડે, ક્યારેક તો તમારી કૃપા થશે ને! બ્રાહ્મણે પછી કહ્યું, ‘આ રુક્મિણીનો ખૂબ જ ખાનગી સંદેશો છે, હવે આ વિશે તમારે જે કરવું હોય તે વિચારીને એ પ્રમાણે કરો.’ શ્રીકૃષ્ણે વિદર્ભરાજકુમારી રુક્મિણીનો આ સંદેશ સાંભળીને બ્રાહ્મણદેવનો હાથ પકડી લીધો અને તે સ્મિતપૂર્વક બોલ્યા, ‘જેવી રીતે વિદર્ભરાજકુમારી મારી ઇચ્છા કરે છે એવી રીતે હું પણ તેમની ઇચ્છા કરું છું. મારું મન તેમનામાં જ પરોવાયેલું રહે છે. એટલે સુધી કે રાતે મને ઊંઘ પણ આવતી નથી. રુક્મીએ દ્વેષથી પ્રેરાઈને આ વિવાહ અટકાવી દીધો છે એ હું જાણું છું. પણ માણસો લાકડીઓ એકબીજા સાથે ઘસીને આગ પેદા કરે છે, એવી જ રીતે યુદ્ધમાં બધાને હરાવીને હું મને ચાહનારી રુક્મિણીને લઈ આવીશ.’ શ્રીકૃષ્ણે જાણી લીધું કે રુક્મિણીના વિવાહ ત્રીજે દિવસે છે એટલે દારુકને કહ્યું, ‘જરાય વિલંબ કર્યા વિના રથ તૈયાર કર.’ દારુકે શ્રીકૃષ્ણના રથમાં શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ચાર અશ્વ જોડ્યા અને શ્રીકૃષ્ણ સામે હાથ જોડીને તે ઊભો રહી ગયો. શ્રીકૃષ્ણ બ્રાહ્મણ દેવતાને રથમાં બેસાડી પછી પોતે બેઠા અને મનોવેગી એ અશ્વો દ્વારા એક જ રાતમાં વિદર્ભ દેશમાં પહોંચી ગયા.
કુંડિનનરેશ ભીષ્મક પોતાના મોટા પુત્ર રુક્મીના સ્નેહમાં તણાઈને પોતાની કન્યા શિશુપાલને વરાવવા માટે વિવાહની તૈયારીઓ કરાવી રહ્યા હતા. નગરના માર્ગો, ચોક, શેરીઓ સાફસુથરા કરાવી દીધા હતા. રંગબેરંગી ધ્વજપતાકા, તોરણોથી શણગાર કર્યો હતો. ત્યાંનાં સ્ત્રીપુરુષો પુષ્પમાળ, હાર, અત્તર, ચંદન, આભૂષણ, સ્વચ્છ વસ્ત્રોથી સજ્જ થયાં હતાં. સુંદર ઘરોમાંથી અગર ધૂપની સુવાસ આવતી હતી. રાજાએ વિધિપૂર્વક પિતૃઓ તથા દેવતાઓનું પૂજન કરીને બ્રાહ્મણોને જમાડ્યા. સુંદર દંતપંક્તિવાળી રુક્મિણીને સ્નાન કરાવ્યું, તેના હાથમાં મંગલ કંકણ પહેરાવ્યાં, ઉત્તમ આભૂષણોથી તેને શણગારી. શ્રેષ્ઠ બ્રાહ્મણોએ સામ, ઋક્, યજુર્વેદના મંત્રોથી તેમની રક્ષા કરી, અથર્વવેદના વિદ્વાન પુરોહિતે ગ્રહશાન્તિ માટે હવન કર્યો. રાજા ભીષ્મક કુળપરંપરા અને શાસ્ત્રીય વિધિઓના ખાસ્સા જાણકાર હતા. તેમણે બ્રાહ્મણોને સોનું, ચાંદી, વસ્ત્ર, ગોળવાળા તલ અને ગાયો આપ્યાં.
એવી જ રીતે ચેદિનરેશ રાજા દમઘોષે પણ પોતાના પુત્ર શિશુપાલ માટે મંત્રવિદ બ્રાહ્મણો પાસે વિવાહ સંબંધી મંગલ કૃત્યો કરાવ્યાં. પછી તેઓ હાથી, રથ, પદાતિઓ, ઘોડેસ્વારોની સેનાને લઈને કુંડિનપુર આવી પહોંચ્યા. વિદર્ભરાજ ભીષ્મકે તેમનો આદરસત્કાર કર્યો, રિવાજ પ્રમાણે પૂજન કર્યું, પછી તેમને માટે ઠરાવેલા જાનીવાસાઓમાં બધાને પહોંચાડ્યા, તે જાનમાં શાલ્વ, જરાસન્ધ, દન્તવક્ત્ર, વિદૂરથ અને પૌણ્ડ્રક જેવા શિશુપાલના સેંકડો મિત્રો આવ્યા હતા. તે બધા શ્રીકૃષ્ણ અને બલરામના વિરોધી હતા, રુકિમણીનો વિવાહ શિશુપાલ સાથે જ કરાવવા તેઓ ત્યાં આવ્યા હતા. તેમણે મનોમન ઠરાવ્યું હતું કે જો શ્રીકૃષ્ણ, બલરામ યાદવોને લઈને કન્યાના અપહરણની કોશિશ કરશે તો આપણે તેમની સાથે લડીશું. એ જ કારણે એ રાજાઓ પોતાની પૂરી સેના, રથ, ઘોડા, હાથી પણ પોતાની સાથે લાવ્યા હતા. વિપક્ષી રાજાઓની આ તૈયારીઓનો ખ્યાલ બલરામને આવી ગયો, જ્યારે તેમને જાણ થઈ કે શ્રીકૃષ્ણ એકલા જ રાજકુમારીનું અપહરણ કરવા નીકળી પડ્યા છે ત્યારે તેમને લડાઈ થવાની શંકા થઈ. શ્રીકૃષ્ણના બળનો તેમને પરિચય હતો છતાં ભાઈ માટેનો સ્નેહ ઊમટી આવ્યો. તરત જ હાથી, ઘોડા, રથ, પદાતિઓની બહુ મોટી ચતુરંગિણી સેના લઈને કુંડિનપુર જવા નીકળી પડ્યા. આ બાજુ પરમ સુંદરી રુક્મિણી શ્રીકૃષ્ણના આગમનની રાહ જોઈ રહી હતી. શ્રીકૃષ્ણની વાત બાજુએ રાખો, હજુ બ્રાહ્મણદેવતા પણ પાછા આવ્યા નથી. તે ચિંતાતુર થઈને વિચારવા લાગી. ‘હવે મારા જેવી દુર્ભાગીના વિવાહમાં એક જ રાત બાકી છે. હજુ મારા જીવનસર્વસ્વ શ્રીકૃષ્ણ આવ્યા નથી. આવું કેમ બને એ ખબર નથી પડતી. મારો સંદેશ લઈ જનાર બ્રાહ્મણદેવતા પણ હજુ પાછા ફર્યા નથી. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ અતિ પવિત્ર છે, તેમણે મારામાં કોઈ દુર્ગુણ જોયો હશે — એટલે જ મારો હાથ ઝાલવા તે હજુ સુધી આવ્યા નથી. ભલે, મારું દુર્ભાગ્ય છે, વિધાતા અને ભગવાન શંકર પણ મારે માટે પ્રતિકૂળ છે. રુદ્રપત્ની સતી પાર્વતી પણ મારાથી નારાજ હશે.’ આમ રુક્મિણી આવી અવઢવમાં રોકાઈ હતી, તેનું મન ભગવાને હરી લીધું હતું. એમનો જ વિચાર કરીને ‘હજુ સમય છે!’ એમ માનીને પોતાનાં અશ્રુભરેલાં નેત્ર મીંચી દીધાં. આમ તે કૃષ્ણના આગમનની રાહ જોઈ રહી હતી તે જ વખતે તેનાં ડાબી સાથળ, હાથ, નેત્ર ફરકવાં લાગ્યાં. આ બધું પ્રિયતમના આગમનની એંધાણીરૂપ હતું. એટલામાં જ પેલા બ્રાહ્મણદેવતા આવી ચઢ્યા, અંત:પુરમાં રાજકુમારીને કોઈ ધ્યાનમગ્ન દેવી રૂપે જોઈ. રાજકુમારીએ બ્રાહ્મણદેવતાનું આનંદિત મોં જોયું, એમને જોઈને જ તે સમજી ગઈ કે શ્રીકૃષ્ણ આવી ગયા છે. પછી પ્રસન્ન વદને પૂછ્યું, એટલે તેમણે કહ્યું, ‘શ્રીકૃષ્ણ આવી ગયા છે.’ અને તેમની બહુ પ્રશંસા કરી, ‘રાજકુમારી, તમને લઈ જવાની તેમણે પ્રતિજ્ઞા કરી છે.’ રુક્મિણીએ બ્રાહ્મણદેવતાને વંદન કર્યાં. રાજા ભીષ્મકે સાંભળ્યું કે શ્રીકૃષ્ણ અને બલરામ મારી કન્યાનો વિવાહ જોવા આવ્યા છે ત્યારે પૂજાની સામગ્રી લઈને તેઓ તેમની પાસે ગયા. તેમનો આદરસત્કાર કર્યો. ત્યાં આવેલા બધા રાજાઓનો પણ સત્કાર કર્યો. વિદર્ભના પ્રજાજનોએ સાંભળ્યું કે શ્રીકૃષ્ણ આવ્યા છે ત્યારે તેઓ ભગવાનને મળવા આવ્યા અને તેમના મુખારવિંદને જોવા લાગ્યા. અંદર અંદર બોલવા લાગ્યા, ‘રુક્મિણી તો આમની પત્ની થવી જોઈએ, આ શ્યામસુંદર જ રાજકુમારીના પતિ થવાને પાત્ર છે. જો અમે પૂર્વજન્મમાં કે આ જન્મમાં કશું સત્કર્મ કર્યું હોય તો ભગવાન અમારા પર પ્રસન્ન થાય, અને રુક્મિણીનું પાણિગ્રહણ તેઓ જ કરે.’ લોકો આવી વાતો કરી રહ્યા હતા ત્યારે રુક્મિણી અંત:પુરમાંથી નીકળીને દેવીમંદિરે જવા માંડી. તેની સુરક્ષા માટે ઘણા સૈનિકો હતા. શ્રીકૃષ્ણના ચરણકમળના વિચાર કરતી તે ભવાની ભગવતીનાં દર્શન કરવા પગે ચાલીને નીકળી. તે મૂગી મૂગી ચાલતી હતી. માતાઓ અને સખીઓ એને વીંટળાયેલી હતી. કવચ પહેરેલા શૂરવીર રાજસૈનિકો અસ્ત્રશસ્ત્ર લઈને તેમની રક્ષા કરી રહ્યા હતા. તે સમયે ઘણાં વાજિંત્રો વાગી રહ્યાં હતાં. ઘણી બ્રાહ્મણપત્નીઓ પુષ્પમાળા, ચંદન સાથે, સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને સાથે ચાલી રહી હતી, તથા ઘણા ઉપહાર, પૂજનની સામગ્રી લઈને શ્રેષ્ઠ વારાંગનાઓ પણ સાથે હતી. ગવૈયાઓ ગીતો ગાતા હતા, વાજાંવાળા વાજંત્રિ વગાડતા હતા અને સૂત, માગધ, બંદીજનો રાજકુમારીની ચારે બાજુ જયજયકાર કરી રહ્યા હતા. મંદિરે પહોંચીને રાજકુમારીએ કમળ જેવા હાથપગ ધોયા, આચમન લીધું, પછી બધી રીતે પવિત્ર અને શાંત ભાવે અંબિકાદેવીના મંદિરમાં પ્રવેશ કર્યો. ઘણા બધા વિધિવિધાનની જાણકાર વૃદ્ધ બ્રાહ્મણીઓ પણ તેમની સાથે હતી. તેમના કહેવાથી રુક્મિણીએ ભગવાન શંકરની પત્ની ભવાનીને અને શંકરને પ્રણામ કર્યાં, રુક્મિણીએ ભગવતીને પ્રાર્થના કરી, ‘હે અંબિકા માતા, તમારા ખોળામાં બેઠેલા ગણેશ અને તમને મારાં અઢળક પ્રણામ. મારી અભિલાષા પૂર્ણ થાય એવો આશીર્વાદ આપો. શ્રીકૃષ્ણ જ મારા પતિ થાય.’ પછી રુક્મિણીએ જળ, અક્ષત, ધૂપ, વસ્ત્ર, પુષ્પમાળા, આભૂષણ, અનેક નૈવેદ્ય, ભેટ વગેરેથી અંબિકાદેવીની પૂજા કરી, પછી બીજા સાધનસામગ્રી વડે બ્રાહ્મણપત્નીઓની પણ પૂજા કરી. બ્રાહ્મણીઓએ તેને આશીર્વાદ આપ્યા. પૂજાવિધિ પૂરી થઈ એટલે મૌનવ્રત મૂકી દીધું અને રત્નજડિત વીંટીવાળા હાથે એક સાહેલીનો હાથ પકડ્યો અને તે ગિરિજામંદિરની બહાર નીકળી. રુક્મિણી ભગવાનની માયા જેવી, મોટા મોટા ધીર — વીરને મોહ પમાડે એવી હતી. તેનો કટિપ્રદેશ પાતળો હતો. કુંડળોની શોભા મોં પર હતી. કિશોરાવસ્થા અને તરુણાવસ્થાના સંધિકાળે તે હતી. નિતંબ પર સુંદર કંદોરો હતો. વક્ષ:સ્થળ ઉન્નત હતું, તેની આંખો લટકાળી અલક લટોને કારણે ચંચલ હતી. હોઠ પર સ્મિત હતું, દાંત કુન્દકળી જેવા હતા. પગનાં ઝાંઝર ચમકતાં હતાં અને મંજુલ ધ્વનિ કરતાં હતાં. સુકુમાર ચરણકમળથી રાજહંસની જેમ ચાલી રહી હતી. તેની આ અપૂર્વ સુંદરતા જોઈ ભલભલા વીર મોહ પામી ગયા. કામદેવે જ ભગવાનનું કાર્ય સિદ્ધ કરવા પોતાના બાણ વડે તેમનાં હૃદય વીંધી નાખ્યાં, ઉત્સવયાત્રાના નિમિત્તે રુક્મિણી મંદમંદ ગતિથી આગળ વધી રહી હતી, શ્રીકૃષ્ણ પર પોતાનું સઘળું સૌંદર્ય ન્યોછાવર કરી રહી હતી. રુક્મિણીની અદ્ભુત સુંદરતા, તેનું સ્મિત જોઈને મોટા મોટા રાજાઓ મોહ પામી બેસુધ થઈ ગયા, તેમના હાથમાંથી અસ્ત્રશસ્ત્ર નીચે પડી ગયાં. તેઓ પોતે પણ રથ, હાથી, ઘોડા પરથી પડીને નીચે આવી ગયા. રુક્મિણી શ્રીકૃષ્ણના આગમનની પ્રતીક્ષા કરતી પોતાના કમળ સમા પગ ધીરે ધીરે આગળ મૂકતી હતી. તેણે પોતાના ડાબા હાથની આંગળીઓથી મોઢા પર આવી ગયેલી કેશલટોને હટાવી અને ત્યાં આવેલા રાજાઓને લજ્જા પામીને જોયા. તે જ વેળા રાજકુમારીએ શ્રીકૃષ્ણને જોયા. તે રથ પર બેસવા જતી જ હતી ત્યાં શ્રીકૃષ્ણે બધા શત્રુઓના દેખતાં રુક્મિણીને ઊંચકી લીધી અને બધા રાજાઓના માથા પર પગ મૂકીને રાજકુમારીને ગરુડના ચિહ્નવાળા પોતાના રથ પર બેસાડી દીધી, જેવી રીતે સિંહ શિયાળવાંની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય એવી રીતે રુક્મિણીને લઈને શ્રીકૃષ્ણ બલરામ સાથે નીકળી પડ્યા. જરાસન્ધના આશ્રિત અભિમાની રાજાઓ પોતાના તિરસ્કાર અને કીર્તિનાશ સહી ન શક્યા. તેઓ બોલવા લાગ્યા, ‘અરે, આપણને ધિક્કાર છે, અત્યારે ધનુષ ઝાલીને આપણે ઊભા રહી ગયા અને જેવી રીતે સિંહના ભાગને હરણ લઈ જાય એવી રીતે આપણો યશ આ ગોવાળિયા ધૂળમાં મેળવતા ગયા.’ આમ બધા રાજા ક્રોધે ભરાયા, કવચ પહેરીને પોતપોતાનાં વાહન પર, સેના લઈને શ્રીકૃષ્ણની પાછળ દોડ્યા. જ્યારે યાદવોએ જોયું કે શત્રુદળ આપણા પર હુમલો કરવા આવે છે ત્યારે તેમણે પણ ધનુષટંકાર કર્યો અને તેમની સામે ઊભા રહી ગયા. જરાસન્ધના સૈનિકો ઘોડા પર, હાથી પર, રથ પર આરૂઢ હતા, તે બધા ધનુર્વિદ્યા સારી રીતે જાણતા હતા. જેવી રીતે વાદળ પહાડો પર મુસળધાર વરસાદ ઝીંકે તેવી રીતે તેઓ યાદવો પર બાણવર્ષા કરતા હતા. રુક્મિણીએ જોયું કે શ્રીકૃષ્ણની સેના બાણવર્ષા નીચે ઢંકાઈ ગઈ છે ત્યારે ભયભીત થઈને તેણે શ્રીકૃષ્ણ સામે જોયું. શ્રીકૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘સુન્દરી, ગભરાઈશ નહીં. હમણાં જ મારી સેના દુશ્મનોની સેનાનો નાશ કરી નાખશે.’ ગદ, સંકર્ષણ વગેરે યાદવો શત્રુઓનાં પરાક્રમને વેઠી ન શક્યા. તેઓ બાણવર્ષા કરીને રથ, ઘોડા, હાથી પર બેઠેલા શત્રુઓ મારી નાખવા લાગ્યા. શત્રુઓનાં અંગ પૃથ્વી પર પડવાં લાગ્યાં. આમ તેમના હાથી, ઘોડા, ખચ્ચર, મનુષ્યોનાં મસ્તક પર કપાઈ કપાઈને જમીન પર પડવાં લાગ્યાં. આમ વિજયની સાચી આકાંક્ષાવાળા યાદવોએ શત્રુઓને છિન્નભિન્ન કરી નાખ્યા, જરાસન્ધ અને બીજા રાજાઓ પીઠ બતાવીને ભાગી ગયા. શિશુપાલ તો પોતાની ભાવિ પત્ની છિનવાઈ ગઈ એટલે સાવ ભાંગી પડ્યો. ન તો મોં પર કશો ઉત્સાહ રહ્યો, ન શરીર પર કાન્તિ. તેની પાસે જઈને જરાસન્ધે કહ્યું, ‘શિશુપાલ, તમે તો મહાપુરુષ છો, આ ઉદાસીનતા દૂર કરો. કોઈ ઘટના સર્વદા મનને અનુકૂળ હોય — પ્રતિકૂળ હોય — તો કોઈ પણ પ્રાણીના જીવનમાં સ્થિરતા નથી જોવા મળતી. જેવી રીતે કઠપૂતળી તેના કસબીની ઇચ્છા પ્રમાણે નાચે છે એવી રીતે બધાં પ્રાણીઓ પણ ભગવદ્ ઇચ્છાને વશ થઈને જીવે છે. જુઓ, શ્રીકૃષ્ણે મને સત્તર વાર હરાવ્યો, મેં માત્ર એક જ વાર તેમને હરાવેલ, પણ એ વાતે હું જરાય શોક નથી કરતો, નથી આનંદ પામતો. હું જાણું છું કે પ્રારબ્ધ પ્રમાણે કાળભગવાન આ ચરાચર જગતને ચલાવે છે. આપણે બહુ મોટા સેનાપતિઓના નાયક છીએ વાત સાચી, અત્યારે યાદવોની નાની સેનાએ આપણને હરાવી દીધા છે. શત્રુઓનો વિજય થયો છે. કાળ એમને અનુકૂળ છે. જ્યારે કાળ આપણને અનુકૂળ થશે ત્યારે આપણે પણ એમને જીતી લઈશું.’ મિત્રોએ આવી રીતે શિશુપાલને સમજાવ્યો ત્યારે તે પોતાની રાજધાનીમાં ચાલ્યો ગયો અને બીજા રાજાઓ પણ પોતપોતાનાં નગરોમાં ગયા. રુક્મિણીનો મોટો ભાઈ રુક્મી ભગવાન શ્રીકૃષ્ણનો મોટો દ્વેષી હતો. મારી બહેનનું અપહરણ શ્રીકૃષ્ણ કરી જાય એ વાત તે સહી શક્યો ન હતો. તે બળવાન તો હતો જ. એક અક્ષૌહિણી સેના લઈને તેણે શ્રીકૃષ્ણનો પીછો કર્યો. તે ક્રોધે રાતોપીળો થઈ ગયો હતો. કવચ પહેરીને, ધનુષ લઈને તેણે બધા રાજાઓ આગળ પ્રતિજ્ઞા કરી કે ‘હું તમારા બધાના દેખતાં પ્રતિજ્ઞા કરું છું કે હું જો યુદ્ધમાં શ્રીકૃષ્ણનો વધ ન કરી શકું અને મારી બહેનને પાછી ન આણી શકું તો મારા નગર કુંડિનપુરમાં પગ નહીં મૂકું.’ એમ કહી રથમાં બેઠો અને તેણે સારથિને કહ્યું, ‘જ્યાં કૃષ્ણ હોય ત્યાં તું મારો રથ લઈ જા. હવે આજે હું એની સાથે યુદ્ધ કરીશ. આજે મારાં તમતમતાં બાણોથી એ મૂરખ ગોવાળિયાનું અભિમાન ઉતારી દઈશ. એની હિંમત તો જુઓ, મારી બહેનને જોરજુલમથી લઈ ગયો છે.’ રુક્મીની બુદ્ધિ બહેર મારી ગઈ હતી, તે શ્રીકૃષ્ણના પ્રભાવને જરાય જાણતો ન હતો. એટલે જ આવો બકવાસ કરી રહ્યો હતો. પછી તે શ્રીકૃષ્ણની પાસે પહોંચીને બોલ્યો, ‘ઊભો રહે — ઊભો રહે.’ તેણે ત્રણ બાણ મારીને કહ્યું, ‘એક ક્ષણ મારી સાથે ઊભો તો રહે. યદુવંશીઓના કુલાંગાર, જેવી રીતે કાગડો હોમની સામગ્રી ચોરી જાય એવી રીતે તું મારી બહેનને ચોરીને લઈ જાય છે. તું માયાવી છે, કપટયુદ્ધમાં કુશળ છે. આજે હું તારું અભિમાન ઓગાળી નાખીશ. તને મારાં બાણ ધરતી પર સૂવડાવી ન દે ત્યાં સુધી આ કન્યાને મૂકીને ભાગી જા.’ રુક્મીની વાત સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા. તેમણે તેનું ધનુષ ભાંગી નાખ્યું અને છ બાણ માર્યાં. આઠ બાણ ચાર ઘોડા પર, બે બાણ સારથિ પર માર્યાં. ત્રણ બાણ વડે તેના રથની ધજા કાપી નાખી. રુક્મીએ બીજું ધનુષ લઈને શ્રીકૃષ્ણને પાંચ બાણ માર્યાં. શ્રીકૃષ્ણે તેનું બીજું ધનુષ પણ ભાંગી નાખ્યું. રુક્મીએ ત્રીજું ધનુષ લીધું, તે પણ શ્રીકૃષ્ણે ભાંગી નાખ્યું. આમ રુક્મીએ જેટલાં જેટલાં શસ્ત્ર લીધાં તે બધાં ભગવાને તોડી જ નાખ્યાં. હવે ક્રોધે ભરાઈને રુક્મી હાથમાં તલવાર લઈને શ્રીકૃષ્ણને મારી નાખવાની ઇચ્છાથી રથમાંથી કૂદી પડ્યો, જેવી રીતે પતંગિયું આગમાં ઝંપલાવે તેમ તે તૂટી પડ્યો. જ્યારે શ્રીકૃષ્ણે જોયું કે રુક્મી મારા પર હુમલો કરવા આવી રહ્યો છે ત્યારે બાણ મારીને તેનાં ઢાલ-તલવાર ભાંગી નાખ્યાં અને તેને મારી નાખવા હાથમાં તીક્ષ્ણ તલવાર લીધી. રુક્મિણીએ જોયું કે હવે તો શ્રીકૃષ્ણ મારા ભાઈને મારી જ નાખશે. ત્યારે તે ભયવિહ્વળ થઈને તેમને પગે પડીને બોલી, ‘દેવતાઓના આરાધ્ય દેવ, તમે તો યોગેશ્વર છો. તમારા સ્વરૂપનો તાગ તો કોણ પામી શકે? તમે મહાવીર છો, પણ સાથે સાથે કલ્યાણકારી છો. મારા ભાઈનો વધ કરવો તમને શોભશે નહીં.’ રુક્મિણીનું આખું શરીર ભયને કારણે ધૂ્રજી રહ્યું હતું. શોકને કારણે તેનું મોં સુકાઈ ગયું હતું, ગળું રુંધાઈ ગયું હતું. તેનો સુવર્ણહાર ગળામાંથી પડી ગયો, અને આમ જ ભગવાનના પગે પડી હતી. શ્રીકૃષ્ણ તેને ભયભીત જોઈને દયાળુ બની ગયા. તેમણે રુક્મીનો વધ કરવાનો વિચાર જતો કર્યો, છતાં રુક્મી અનિષ્ટ કરવામાંથી ઊંચો આવ્યો જ નહીં. શ્રીકૃષ્ણે રુક્મીને તેના ખેસ વડે જ બાંધી દીધો. તેનાં દાઢીમૂછ મૂંડીને તેને વિકૃત બનાવી દીધો. ત્યાં સુધીમાં તો યાદવોએ રુક્મીની સેનાનો સર્વનાશ કરી દીધો. પછી તેઓ શ્રીકૃષ્ણ પાસે આવ્યા, તેમણે જોયું તો રુક્મી ખેસ વડે બંધાયેલો છે. તેને જોઈને બલરામને બહુ દયા આવી, તેનાં બંધન કાપી નાખ્યાંં. શ્રીકૃષ્ણને તેમણે કહ્યું, ‘આવું નિંદાજનક કાર્ય તારે કરવાનું ન હતું. આવી રીતે આપણા સંબંધીનાં દાઢીમૂછ મૂંડી કાઢવાં એ પણ એક પ્રકારની હત્યા છે.’ પછી બલરામે રુક્મિણીને કહ્યું, ‘તારા ભાઈને વિરૂપ કર્યો છે એ જોઈને અમારા પર ગુસ્સે ન થઈશ. જીવને સુખદુઃખ આપનાર બીજું કોઈ જ નથી.’ પછી શ્રીકૃષ્ણ અને રુક્મિણી સાથે પેટછૂટી વાતો કરી. છેવટે રુક્મિણીના મનનું સમાધાન થયું. રુક્મીની સેનાનો નાશ થયો, તેનો ભંગ થયો. માત્ર તેનો જીવ જ બચ્યો હતો. તેની બધી અભિલાષાઓ ખતમ થઈ ગઈ હતી, તેમ છતાં તે પોતાની વિકૃત અવસ્થા ભૂલી શકતો ન હતો. તેણે પોતાના માટે ભોજકટ નામની એક નગરી વસાવી. તેણે પહેલાં પ્રતિજ્ઞા કરી જ હતી કે હું શ્રીકૃષ્ણને મારીશ નહીં અને બહેનને છોડાવીશ નહીં ત્યાં સુધી કુંડિનપુરમાં પગ નહીં મૂકું.’ એટલે નવી નગરીમાં ક્રોધે ભરાઈને રહેવા લાગ્યો. ભગવાન શ્રીકૃષ્ણે આમ બધા રાજાઓને જીતી લીધા અને વિદર્ભ રાજકુમારી રુક્મિણીને દ્વારકા આણીને વિધિપૂર્વક તેની સાથે લગ્ન કર્યું. તે વખતે દ્વારકામાં મોટો ઉત્સવ થયો, બધાને શ્રીકૃષ્ણ માટે કેટલો બધો પ્રેમ હતો… બધાં સ્ત્રીપુરુષોએ કાને મણિનાં કુંડળ પહેર્યાં હતાં. બધાંએ પતિપત્નીને ઘણી બધી ભેટસોગાદ આપી. દ્વારકાની શોભા અદ્ભુત હતી, મોટી મોટી ધજાપતાકા લહેરાતી હતી. સુંદર માળા, વસ્ત્રો અને રત્નોનાં તોરણ બાંધ્યાં હતાં. ઘેર ઘેર દૂધ દહીં વગેરે શુભ પદાર્થો હતાં. પાણી ભરેલા કળશ, અગર, ધૂપની સુંગધ હતી. અનેક મિત્રરાજાઓને આમંત્રિત કર્યા હતા. દરેક ઘરના દરવાજે કેળના થાંભલા, સોપારીનાં ઝાડ હતાં. બધા વેશના લોકો આનંદોત્સવ મનાવી રહ્યા હતા. જ્યાં ને ત્યાં રુક્મિણીહરણની કથા ગવાઈ રહી હતી. એ સાંભળીને બધાને ખૂબ અચરજ થયું. ભગવતી લક્ષ્મી રુક્મિણીના રૂપે આવેલાં જોઈ, લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણની સાથે જોઈને દ્વારકાનાં સ્ત્રીપુરુષોને ખૂબ જ આનંદ થયો.
પ્રદ્યુમ્નકથા
કામદેવ વાસુદેવના જ અંશ હતા. તેઓ શંકર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા. હવે ફરી શરીર મેળવવા વાસુદેવ ભગવાનનો આધાર લીધો, તેઓ રુક્મિણીના ગર્ભમાંથી પ્રગટ્યા, અને પ્રદ્યુમ્ન નામે ઓળખાયા. સૌંદર્ય, પરાક્રમ, સુશીલતા — વગેરેમાં શ્રીકૃષ્ણ જેવો જ હતો. હજુ તો પ્રદ્યુમ્ન દસ દિવસનો જ થયો હતો ત્યાં, શંબરાસુર સૂતિકાગૃહમાં પ્રવેશી પ્રદ્યુમ્નને ઉપાડી ગયો, તેને સમુદ્રમાં ફંગોળી પોતાને ઘેર જતો રહ્યો, સમુદ્રમાં એક મોટી માછલી પ્રદ્યુમ્નને ગળી ગઈ. કેટલાક માછીમારોએ પોતાની જાળમાં બીજી માછલીઓની સાથે તે માછલીને પણ પકડી લીધી. પછી તે માછલી શંબરાસુરને ભેટ રૂપે આપી દીધી. શંબરાસુરના રસૌયા એ માછલીને રસોડામાં લઈ આવ્યા અને કુહાડી વડે કાપવા બેઠા. માછલીના પેટમાં બાળક જોઈ શંબરાસુરની દાસી માયાવતીને તે સોંપી દીધો. તેના મનમાં શંકા જાગી, પછી નારદે આવીને એ બાળક કામદેવનો અવતાર છે, રુક્મિણીના પેટે જન્મ્યો છે, પછી માછલીના પેટમાં પ્રવેશ્યો — વગેરે કથા કહી. આ માયાવતી કામદેવની પત્ની રતિ જ હતી. જે દિવસે શંકર ભગવાનના ક્રોધથી કામદેવ ભસ્મ થઈ ગયો તે દિવસથી તે તેના નવા અવતારની રાહ જોઈ રહી હતી. એ રતિને શંબરાસુરે પોતાને ત્યાં રસોઈ બનાવવા રાખી હતી. જ્યારે તેને જાણ થઈ કે આ તો કામદેવ જ છે, ત્યારથી તે બાળકને બહુ પ્રેમ કરવા લાગી. શ્રીકૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન થોડા જ દિવસોમાં યુવાન થઈ ગયો, તેમનાં રૂપ લાવણ્ય જોઈને બધી સ્ત્રીઓ તેમના તરફ જોતાંવેંત મોહી પડતી હતી. કમળપત્ર જેવાં નેત્ર, આજાનબાહુ, મનુષ્યલોકમાં સુંદર શરીર. રતિ લજ્જા અને હાસ્ય આણીને તેની સામે જોતી અને સ્ત્રીપુરુષ સંબધી ભાવ વ્યક્ત કરતી. પ્રદ્યુમ્ને તેના ભાવોમાં ફેરફાર જોઈને કહ્યું, ‘દેવી, તું તો મારી મા જેવી છે, તારી બુદ્ધિ આવી કેમ થઈ ગઈ. હું જોઉં છું કે તું માતાની લાગણીને બદલે કામિનીના ભાવ દાખવી રહી છે.’ રતિએ કહ્યું, ‘તમે નારાયણના પુત્ર છો. શંબરાસુર તમને સૂતિકાગૃહમાંથી ઉપાડી લાવ્યો હશે. તમે મારા પતિ કામદેવ છો. અને હું તમારી ધર્મપત્ની રતિ છું. તમે દસ દિવસનાય ન હતા અને તે અસુરે તમને સમુદ્રમાં ફેંકી દીધા હતા. ત્યાં એક માછલી તમને ગળી ગઈ. ત્યાંથી તમે અહીં આવ્યા છો. શંબરાસુર સેંકડો માયા જાણે છે. તમે આ રાક્ષસની માયા દૂર કરી દો. તમારી માતા પુત્ર ખોવાઈ ગયો એટલે બહુ વ્યાકુળ થઈ છે.’ આમ કહીને રતિએ મહામાયા નામની માયા શીખવાડી, તેના વડે બધી માયાઓનો નાશ થાય. હવે પ્રદ્યુમ્ને શંબરાસુર પાસે જઈને તેના પર ઘણા આરોપ મૂક્યા, ઝઘડો થાય એવું તે ઇચ્છતા હતા. અને યુદ્ધ માટે તેને લલકાર્યો. શંબરાસુર આ સાંભળી ક્રોધે ભરાયો, તેની આંખો રાતીચોળ થઈ ગઈ, હાથમાં ગદા લઈને બહાર આવ્યો અને આકાશમાં ઘુમાવી પ્રદ્યુમ્ન પર ફેંકી. વીજળી ફેંકાઈ હોય એવી રીતે ગદા ફેંકાવાનો અવાજ આવ્યો. પ્રદ્યુમ્ને જોયું કે ગદા બહુ ઝડપે આવી રહી છે. ત્યારે પોતાની ગદા વડે એ ગદાને ભાંગી નાખી. અને પોતાની ગદા અસુર પર ફેંકી. પછી તે મયાસુરે શીખવાડેલી માયા વડે તે આકાશમાં જતો રહ્યો અને ત્યાંથી પ્રદ્યુમ્ન પર અસ્ત્રવર્ષા કરવા લાગ્યો, એટલે પ્રદ્યુમ્ને બધી માયાઓને શાંત કરનારી મહામાયાનો વિનિયોગ કર્યો, પછી શંબરાસુરે યક્ષ, ગંધર્વ, પિશાચ, નાગ, રાક્ષસોની સેંકડો માયાઓ પ્રયોજી પણ પ્રદ્યુમ્ને પોતાની મહામાયા વડે એ બધાનો ખાત્મો બોલાવ્યો. પછી એક તીક્ષ્ણ તલવાર વડે શંબરાસુરનું મસ્તક છેદી નાખ્યું. દેવતાઓએ પુષ્પવર્ષા કરી, રતિ પ્રદ્યુમ્નને આકાશમાર્ગે દ્વારકા લઈ ગઈ. આકાશમાં ગોરી રતિ અને શ્યામ પ્રદ્યુમ્ન મેઘ અને વીજળી જેવા દેખાતા હતા. પછી શ્રીકૃષ્ણના અંત:પુરમાં પ્રવેશી. ત્યાંની સ્ત્રીઓએ જોયું કે પ્રદ્યુમ્ન વર્ષાકાળના મેઘ જેવા શ્યામ છે, આજાનબાહુ છે, રેશમી પીતાંબર તેમણે પહેર્યું છે. સુંદર મોં પર સ્મિત ઝળકે છે. મોં પર વાંકડિયા કેશની લટો લહેરાય છે. તે બધી તેમને શ્રીકૃષ્ણ માનીને છેતરાઈ ગઈ અને સંતાઈ ગઈ. પછી તેમને ખ્યાલ આવ્યો કે શ્રીકૃષ્ણ નથી. એટલે આનંદ અને વિસ્મયથી તેમની પાસે આવી, તે જ વખતે રુક્મિણી ત્યાં આવી પહોંચ્યાં, આ નવદંપતીને જોઈને પોતાના ખોવાયેલા પુત્રની સ્મૃતિ થઈ આવી, તે વિચારે ચઢ્યાં, ‘આ કોનો પુત્ર છે? કઈ સ્ત્રીએ એને પેટમાં ઉછેર્યો હશે? આ કઈ સૌભાગ્યશાળીની પત્ની છે? મારો પણ દીકરો ખોવાઈ ગયો હતો, કોણ જાણે કોણ એને ઉપાડી ગયું? જો અત્યારે હોત તો આના જેવો જ દેખાતો હોત. મને નવાઈ લાગે છે કે આનાં બધાં જ લક્ષણો, એનું સ્મિત ચાલવું — ઊઠવું બધું જ શ્રીકૃષ્ણ જેવું છે. આને તો મેં પેટમાં નહીં ઉછેર્યો હોય! તેના પ્રત્યે આટલો બધો સ્નેહ કેમ ઊભરાય છે? મારી ડાબી બાજુ પણ કેમ ફરકે છે?’ જે વખતે રુકિમણી આ બધા વિચાર કરી રહ્યાં હતાં ત્યારે શ્રીકૃષ્ણ પોતાનાં માતાપિતા દેવકી-વસુદેવ સાથે ત્યાં આવ્યા. શ્રીકૃષ્ણ તો બધું જાણતા હતા. એવામાં જ નારદ આવી પહોંચ્યા, તેમણે પ્રદ્યુમ્નના સંદર્ભે બધી ઘટનાઓ કહી સંભળાવી.
સ્યમન્તક મણિની કથા
સત્રાજિત સૂર્યભગવાનનો બહુ મોટો ભક્ત હતો. બંને ગાઢ મિત્રો બની ગયા હતા. સૂર્યે પ્રસન્ન થઈને પ્રેમથી તેને સ્યમન્તક મણિ ભેટ આપ્યો હતો. એ મણિ ધારણ કરે એટલે પોતે સૂર્ય જ લાગવા માંડે. જ્યારે સત્રાજિત દ્વારકામાં આવ્યો ત્યારે લોકો તેના તેજને કારણે ઓળખી ન શક્યા. દૂરથી જ લોકોની આંખો તેજથી વીંધાઈ ગઈ. તેમણે એમ જ માની લીધું કે સૂર્યભગવાન જ આવી રહ્યા છે. તેમણે શ્રીકૃષ્ણને આ વાત કરી. તે વખતે શ્રીકૃષ્ણ ચોપાટ રમી રહ્યા હતા, ‘ભગવાન, પ્રચંડ તેજવાળા સૂર્ય તમારું દર્શન કરવા આવી રહ્યા છે. બધા જ શ્રેષ્ઠ દેવતા તમને મેળવવા માગે છે, પણ તમને પ્રાપ્ત કરી શકતા નથી. આજે તમને યાદવોમાં સંતાયેલા જોઈ તમારું દર્શન કરવા માગે છે.’ અજ્ઞાની લોકોની વાત સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા, બોલ્યા, ‘અરે એ સૂર્ય નહીં, આ તો સત્રાજિત છે, તે મણિને કારણે તેજસ્વી દેખાય છે.’ પછી સત્રાજિત પોતાને ઘેર આવી ચઢ્યો. તેના આગમન નિમિત્તે ઘરના ઉત્સવ મનાવતા હતા. તેણે બ્રાહ્મણો પાસે સ્યમન્તક મણિ એક દેવમંદિરમાં સ્થપાવી દીધો. તે મણિ દરરોજ આઠ ભાર સોનું આપતો હતો. જ્યાં તેની પૂજા થાય ત્યાં દુકાળ, મહામારી, ગ્રહપીડા, સર્પભય,માનસિક — શારીરિક વ્યથાઓ નડતાં નહીં, એક વેળા શ્રીકૃષ્ણે કહ્યું, ‘સત્રાજિત, તું તારો મણિ ઉગ્રસેન રાજાને આપી દે.’ પરંતુ સત્રાજિત એટલો બધો લોભી હતો કે શ્રીકૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તેણે એ વાત માની નહીં. એક દિવસ સત્રાજિતનો ભાઈ પ્રસેન એ મણિ ગળે લટકાવીને શિકાર કરવા નીકળી પડ્યો. ત્યાં એક સિંહે પ્રસેનને તથા તેના ઘોડાને મારી નાખ્યા અને મણિ છિનવી લીધો. તે એક ગુફામાં પેસી જ રહ્યો હતો ત્યાં મણિ માટે ઋક્ષરાજ જાંબવાને તેને મારી નાખ્યો. તેણે એ મણિ બાળકોને રમવા આપી દીધો. પોતાનો ભાઈ પ્રસેન પાછો ન આવ્યો એટલે સત્રાજિતને દુઃખ થયું. તેણે કહ્યું, ‘કૃષ્ણે મારા ભાઈને મારી નાખ્યો હશે. તે તો મણિ પહેરીને વનમાં ગયો હતો.’ સત્રાજિતની વાત સાંભળીને લોકો આમતેમ બબડવા લાગ્યા. શ્રીકૃષ્ણે પોતાના માથે આવેલું આ કલંક જાણ્યું, એટલે તે કલંકને દૂર કરવા કેટલાક લોકોને લઈને તેઓ વનમાં ગયા. ત્યાં શોધતાં શોધતાં ખબર પડી કે પ્રસેનને અને તેના ઘોડાને સિંહે મારી નાખ્યા છે. પછી સિંહનાં પગલાંને આધારે આગળ વધી જોયું તો કોઈ રીંછે સિંહને પણ મારી નાખ્યો છે. શ્રીકૃષ્ણે બધાને બહાર બેસાડ્યા અને પોતે રીંછની ઘોર અંધારી ગુફામાં પેઠા. ત્યાં જઈને જોયું કે સ્યમન્તક મણિથી તો બાળકો રમી રહ્યા છે. તે ગુફામાં કોઈ અજાણ્યાને જોઈને બાળકોની ધાવ ચીસ પાડી ઊઠી. તે સાંભળીને જાંબવાન દોડી આવ્યો. ત્યારે તે ક્રોધે ભરાયો હતો. તેને શ્રીકૃષ્ણનાં શક્તિ- પ્રભાવની કશી ખબર નહીં, એટલે તે તો શ્રીકૃષ્ણની સાથે લડવા લાગ્યો. તેને મન તો શ્રીકૃષ્ણ એક સામાન્ય મનુષ્ય હતા. જેવી રીતે માંસને માટે બે બાજ લડે તેવી રીતે બંને ભયાનક યુદ્ધ કરવા લાગ્યા. પહેલાં તો અસ્ત્રશસ્ત્ર વાપર્યાં. પછી શિલાઓ ફેંકવા માંડી, ત્યાર પછી વૃક્ષો ઉખાડીને ફેંકવા લાગ્યા. પછી બાહુયુદ્ધ શરૂ થયું, વજ્રપ્રહાર જેવી મુક્કાબાજીથી અઠ્ઠાવીસ દિવસ આ યુદ્ધ ચાલ્યું. છેવટે શ્રીકૃષ્ણના મારને કારણે જાંબવાન ઢીલો થઈ ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો, ત્યારે તે બોલ્યો, ‘ભગવાન, હું જાણી ગયો. તમે તો બધાં પ્રાણીઓના રક્ષક વિષ્ણુ છો. મને યાદ છે. જ્યારે તમે તિરછી નજરે સમુદ્ર સામે જોયું હતું ત્યારે બધાં જળચરો ક્ષુબ્ધ થઈ ગયાં હતાં, અને સમુદ્રે તમને માર્ગ આપ્યો હતો. પછી તમે સેતુ બાંધીને લંકા ગયા અને લંકાનો વિનાશ કર્યો હતો.’ જ્યારે જાંબવાને ભગવાનને ઓળખી લીધા ત્યારે ભગવાને તેના શરીરે પોતાનો શીતળ હાથ ફેરવ્યો. પછી બોલ્યા, ‘ઋક્ષરાજ, હું મણિ લેવા આ ગુફામાં આવ્યો છું. આ મણિને કારણે મારા પર કલંક લાગ્યું છે.’ ભગવાને આમ કહ્યું એટલે તેમણે પોતાની કન્યા જાંબવતી અને મણિ બંને આપી દીધાં. શ્રીકૃષ્ણે જે લોકોને ગુફાની બહાર બેસાડ્યા હતા તેમણે બાર દિવસ તો રાહ જોઈ પછી તેઓ દુઃખી થઈને દ્વારકા જતા રહ્યા. શ્રીકૃષ્ણ ગુફામાંથી બહાર નીકળ્યા જ નથી એ જાણીને વસુદેવ, દેવકી, રુક્મિણીને દુઃખ થયું અને બધા સત્રાજિતની નિંદા કરવા લાગ્યા. શ્રીકૃષ્ણને પાછા આણવા માટે તેઓ દુર્ગામાતા પાસે ગયા અને તેમની પૂજા કરી. દુર્ગાએ પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા. તે જ વખતે શ્રીકૃષ્ણ મણિ અને નવોઢા જાંબવતીને લઈને આવી ચઢ્યા. બધાએ શ્રીકૃષ્ણને પત્ની સાથે જોયા, તેમના ગળામાં મણિ લટકતો હતો. જાણે મૃત્યુલોકમાંથી તેઓ પાછા આવ્યા એવું બધાને લાગ્યું. પછી શ્રીકૃષ્ણે સત્રાજિતને ઉગ્રસેન રાજા પાસે બેસાડ્યો અને મણિ કેવી રીતે મળ્યો તે બધી વાત કરી, પછી મણિ સત્રાજિતને આપી દીધો. સત્રાજિત શરમાઈ ગયો, મણિ તો લીધો પણ તેનું માથું શરમથી ઝૂકી ગયું. પોતાના અપરાધ બદલ પસ્તાવો કરતો તે ઘેર ગયો. સતત તેની આંખો આગળ પોતાનો અપરાધ સાલવા લાગ્યો, બળવાનની સાથે આવો વિરોધ કરવાથી તે ડરી ગયો. ‘હવે હું શું કરું? શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય તે માટે શું કરવું? મારું કલ્યાણ કેવી રીતે થાય? ધનના લોભે મેં બહુ ખોટું કામ કર્યું, હવે હું સ્ત્રીરત્ન સત્યભામા અને મણિ બંને શ્રીકૃષ્ણને આપી દઉં. આ ઉપાય બહુ સારો છે. એનાથી મારો અપરાધ શમી જશે. બીજો કોઈ ઉપાય નથી.’ સત્રાજિતે આવે નિર્ધાર કરીને મણિ અને સત્યભામા— બંને શ્રીકૃષ્ણને આપી દીધાં. સત્યભામા તો રૂપે,ગુણે, ઉદારતાએ સમૃદ્ધ હતી, ઘણાની ઇચ્છા સત્યભામા મેળવવાની હતી, એટલે તેનું માગું પણ કર્યું હતું. શ્રીકૃષ્ણે વિધિપૂર્વક લગ્ન કર્યું પણ પછી સત્રાજિતને કહ્યું, ‘હું મણિ નહીં લઉં. તમે સૂર્યભક્ત છો, તો મણિ તમારી પાસે જ રાખો. તમે માત્ર એમાંથી જે સુવર્ણ મળે તે જ અમને આપતા રહેજો.’
શ્રીકૃષ્ણ જાણતા હતા કે લાક્ષાગૃહમાં લાગેલી આગમાંથી પાંડવો હેમખેમ બચી ગયા છે, તો પણ જ્યારે પાંડવો-કુંતી બળી મર્યાની વાત આવી ત્યારે વ્યવહાર કરવા તેઓ બલરામ સાથે હસ્તિનાપુર ગયા. ત્યાં જઈને ભીષ્મ, ગાંધારી, કૃપાચાર્ય, વિદુર, દ્રોણાચાર્યને મળીને ખરખરો કર્યો — ‘બહુ ખોટું થયું.’ હવે શ્રીકૃષ્ણ હસ્તિનાપુર જઈ ચઢ્યા ત્યારે દ્વારકામાં કૃતવર્મા અને અક્રૂૂરને મોકો મળ્યો. તેમણે શતધન્વાને કહ્યું, ‘તમે સત્રાજિત પાસેથી મણિ છિનવી કેમ લેતા નથી! સત્રાજિતે પોતાની કન્યાનું લગ્ન તમારી સાથે કરવાનું વચન આપ્યું હતું પણ પાછળથી તેણે પોતાની કન્યા શ્રીકૃષ્ણને આપી દીધી. હવે સત્રાજિત પણ પોતાના ભાઈ પ્રસેનની પાછળ મૃત્યુ કેમ ન પામે?’ શતધત્વા તો પાપી હતો, હવે તેના માથા પર મૃત્યુ સવાર થયું હતું, અક્રૂર અને કૃતવર્માની વાતોમાં તે આવી ગયો અને સૂઈ રહેલા સત્રાજિતને લોભી બનીને મારી નાખ્યો. સ્ત્રીઓ ભારે રુદન કરવા લાગી, પણ શતધન્વાએ તે તરફ જરાય ધ્યાન ન આપ્યું. જેવી રીતે કસાઈ પશુઓની હત્યા કરે તેમ સત્રાજિતને મારી નાખીને મણિ લઈને ત્યાંથી ભાગી ગયો. સત્યભામાને આની જાણ થઈ, ત્યારે તે પિતાને યાદ કરીને ભારે કલ્પાંત કરવા લાગી. વચ્ચે વચ્ચે તે બેહોશ થઈ જતી, અને પછી રડવા લાગતી. પછી તેણે પોતાના પિતાના શબને તેલની કઢાઈમાં મૂકાવી દીધું, અને તે પોતે હસ્તિનાપુર જઈ પહોંચી. બહુ દુઃખી થઈને શ્રીકૃષ્ણને પોતાના પિતાની હત્યાવાળી વાત કહી. શ્રીકૃષ્ણ તો આ જાણતા જ હતા. તેમણે અને બલરામે આ બધી વાત સાંભળીને સામાન્ય માનવીઓની જેમ આંસુ સાર્યાં અને તેઓ આકંદ કરવા લાગ્યા, ‘આપણા પર કેવાં દુઃખ આવી પડ્યાં.’ પછી શ્રીકૃષ્ણ બલરામ અને સત્યભામા સાથે દ્વારકા આવી ગયા, શતધન્વાને મારીને મણિ છિનવી લેવાના પ્રયત્ન કરવા લાગ્યા. જ્યારે શતધન્વાને શ્રીકૃષ્ણની આ યોજનાની જાણ થઈ ત્યારે તે ગભરાઈ ગયો અને જીવ બચાવવા કૃતવર્મા પાસે તેણે મદદ માગી. કૃતવર્માએ કહ્યું, ‘શ્રીકૃષ્ણ અને બલરામ તો સર્વશક્તિશાળી પરમાત્મા છે. હું તેમનો મુકાબલો કરી નહીં શકું. એમની સાથે વેર બાંધીને આ લોકમાં અને પરલોકમાં કોણ સુખી થઈ શકે? તું તો જાણે છે કે કંસ તેમની સાથે વેર બાંધીને બધું ખોઈ બેઠો હતો. જરાસન્ધ પણ યુદ્ધમાં હારી જઈને પોતાની રાજધાનીમાં જતો રહ્યો હતો.’ એટલે પછી શતધન્વાએ અક્રૂર પાસે મદદ માગી, તેમણે કહ્યું, ‘શ્રીકૃષ્ણની શક્તિ પારખીને તેમની સાથે વેર બાંધનાર કોણ છે? સાત વર્ષની ઉમરે તો તેમણે ગિરિરાજ ગોવર્ધનને ઊંચકી લીધો હતો. હું તો એમને વંદન કરું છું, તેમનાં કર્મ અદ્ભુત છે.’ જ્યારે અક્રૂરે પણ આવું કહ્યું ત્યારે શતધન્વા સ્યમન્તક મણિ તેમને સોંપીને પોતે ઘોડા પર સવાર થઈને ભાગ્યો. શ્રીકૃષ્ણે અને બલરામે રથમાં બેસીને શતધન્વાનો પીછો કર્યો, મિથિલા નગરી પાસે શતધન્વાનો ઘોડો પડી ગયો એટલે તે પગે ચાલીને નીકળ્યો. શ્રીકૃષ્ણે પણ પગે ચાલીને પોતાના ચક્રથી તેનું મસ્તક્ કાપી નાખ્યું, તેનાં વસ્ત્રો તપાસી જોયાં, મણિ ત્યાં ન હતો. એટલે શ્રીકૃષ્ણે બલરામને કહ્યું, ‘આપણે તેને ખોટો માર્યો. મણિ તો તેની પાસે નથી.’ બલરામે કહ્યું, ‘શતધન્વાએ મણિ કોઈને સોંપ્યો જ હશે. હવે તમે દ્વારકા જઈને તપાસ કરો. હું વિદેહરાજ મારા મિત્ર છે એટલે તેમને મળવા માગું છું.’ એટલે બલરામ મિથિલા નગરી જતા રહ્યા, મિથિલાનરેશ બલરામને આવેલા જોઈ આનંદિત થઈ ગયા અને ઘણી બધી રીતે તેમનું સ્વાગત કર્યું, પછી તો વર્ષો સુધી બલરામ મિથિલાનગરીમાં રહી પડ્યા. જનક રાજાએ તેમને ખૂબ જ સન્માનથી રાખ્યા. પછી ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને તેમની પાસેથી ગદાયુદ્ધની તાલીમ લીધી. શ્રીકૃષ્ણ સત્યભામાનું કાર્ય કરીને દ્વારકા આવ્યા, શતધન્વાને મારી નાખવા છતાં તેની પાસેથી મણિ ન મળ્યો, પછી શ્રીકૃષ્ણે સત્રાજિતની મરણોત્તર વિધિ કરાવી. અક્રૂરે અને કૃતવર્માએ શતધન્વાને સત્રાજિતની હત્યા કરવા સમજાવ્યો હતો, હવે જ્યારે તેમને જાણ થઈ કે શતધન્વાને શ્રીકૃષ્ણે મારી નાખ્યો છે ત્યારે તેઓ ગભરાઈને દ્વારકાથી ભાગ્યા, કેટલાક એવું માને છે કે અક્રૂરના ગયા પછી દ્વારકાવાસીઓને ઘણાં બધાં અનિષ્ટ ભોગવવા પડ્યાં. પરંતુ આ લોકો ભૂતકાળ ભૂલી જાય છે. શ્રીકૃષ્ણની હાજરીમાં કોઈ ઉપદ્રવ સંભવે ખરો? તે વેળા નગરના વૃદ્ધ લોકોએ કહ્યું,‘એક વખત કાશીનરેશના રાજ્યમાં વર્ષા ન થઈ, ત્યારે તેમણે પોતાના રાજ્યમાં આવેલા અક્રૂરના પિતા સાથે પોતાની દીકરી ગાન્દિનીનો વિવાહ કર્યો. પછી ત્યાં વરસાદ પડ્યો. અક્રૂરનો પ્રભાવ પણ એવો જ છે, જ્યાં અક્રૂર હોય ત્યાં વરસાદ પડે જ.’ તેમની વાત સાંભળીને શ્રીકૃષ્ણે વિચાર્યું, ‘ઉપદ્રવનું આ કારણ તો નથી.’ પછી તેમણે અક્રૂરની શોધ ચલાવી, અને તેમને બોલાવીને હસતાં હસતાં કહ્યું, ‘તમે તો દાનધર્મના પાલક છો. અમને જાણ છે કે શતધન્વા તમને મણિ આપીને ગયો હતો, એ પ્રકાશિત મણિ ધન આપે છે. તમે તો જાણો છો કે સત્રાજિતને કોઈ પુત્ર નથી. એટલે તેમની દીકરીનાં સંતાનો જ પિંડદાન કરશે, જે કંઈ બચશે તેના તેઓ ઉત્તરાધિકારી હશે. સ્યમન્તક મણિ અમારા પુત્રોને જ મળવો જોઈએ, છતાં મણિ ભલે તમારી પાસે રહે. તમે તો વ્રતનિષ્ઠ છો, બીજાઓને માટે એ મણિ રાખી મૂકવો એ તમને ન શોભે. મારી સામે એક મુશ્કેલી છે. બલરામ મણિના સંબંધે મારી વાત પર વિશ્વાસ નથી મૂકતા. એટલે બલરામ, સત્યભામા અને જાંબવતીની શંકા દૂર કરો. તમે એ મણિના પ્રતાપે યજ્ઞ કરો છો, સુવર્ણવેદી રચો છો.’ શ્રીકૃષ્ણે જ્યારે તેમને આવી રીતે સમજાવ્યા ત્યારે અક્રૂરે વસ્ત્રમાં વીંટાળેલ મણિ શ્રીકૃષ્ણને આપી દીધો. શ્રીકૃષ્ણે એ મણિ સ્વજનોને દેખાડી પોતાના માથા પરનું કલંક દૂર કર્યું અને અક્રૂરને મણિ સોંપી દીધો.
શ્રીકૃષ્ણની અન્ય પત્નીઓ
એક વાર શ્રીકૃષ્ણ પાંડવોને મળવા ગયા, ત્યાં અર્જુન સાથે ભમતાં ભમતાં એક તપસ્યારત કન્યા જોઈ. અર્જુને તેની પાસે જઈને પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે? કોની પુત્રી? ક્યાંથી આવી છે? શું કરવા ઇચ્છે છે? મને એવું લાગે છે કે તું યોગ્ય પતિની શોધમાં છે. તારી વાત કહે જોઈએ.’ ‘હું સૂર્યભગવાનની પુત્રી છું. હું વિષ્ણુને પતિ રૂપે ઇચ્છું છું અને એટલા માટે આ ઘોર તપ કરી રહી છું. હું લક્ષ્મીપતિ સિવાય કોઈને પરણવા માગતી નથી. મારું નામ કાલિન્દી છે. યમુનાજળમાં સૂર્યે મારા માટે બનાવેલા એક ભવનમાં હું રહું છું. જ્યાં સુધી ભગવાનનું દર્શન નહીં થાય ત્યાં સુધી હું અહીં જ રહીશ.’ અર્જુને શ્રીકૃષ્ણ પાસે જઈને બધી વાત જણાવી. તેઓ તો પહેલેથી બધું જાણતા જ હતા… કૃષ્ણ સાત્યકિ વગેરેની સાથે દ્વારકા પાછા ફર્યા, ત્યાં વિવાહયોગ્ય સમય જોઈને કાલિન્દી સાથે લગ્ન કર્યું.
અવન્તીના રાજા હતા વિન્દ અને અનુવિન્દ, તેઓ દુર્યોધનના આશ્રિત અને અનુયાયી હતા. તેમની બહેન મિત્રવિન્દાએ સ્વયંવરમાં શ્રીકૃષ્ણ સાથે પરણવાની ઇચ્છા કરી પણ આ બંનેએ પોતાની બહેનને રોકી રાખી. મિત્રવિન્દા શ્રીકૃષ્ણના ફુઆ રાજાધિદેવની કન્યા હતી. શ્રીકૃષ્ણ રાજાઓની ભરી સભામાં તેનું અપહરણ કરી ગયા અને બધા રાજાઓ જોતા જ રહી ગયા.
કોસલદેશના રાજા નગ્નજિત. તે ખૂબ જ ધાર્મિક હતા. તેમની કન્યા હતી સત્યા. તેનું બીજું નામ નગ્નજિતી પણ હતું. રાજાની પ્રતિજ્ઞા પ્રમાણે સાત દુર્દાન્ત વૃષભને જે નાથે તેને જ પોતાની કન્યા પરણે. કોઈ રાજા આ કરી ન શક્યા, વૃષભોનાં શિંગડાં બહુ અણિયાળાં હતાં, અને તે વૃષભ કોઈ વીર પુરુષની ગન્ધ વેઠી શકતા ન હતા. શ્રીકૃષ્ણે આ સમાચાર સાંભળ્યા કે જે વૃષભોને નાથી શકે તેને જ સત્યા વરી શકે. તેઓ બહુ મોટી સેના લઈને કોસલદેશ પહોંચ્યા. રાજાએ આનંદિત થઈને તેમનો સત્કાર કર્યો. શ્રીકૃષ્ણે પણ અભિવાદન સારી રીતે કર્યું. સત્યાએ જોયું કે મેં ઇચ્છેલા શ્રીકૃષ્ણ અહીં આવ્યા છે. ત્યારે તે મનોમન બોલી, ‘જો મેં વ્રતનિયમ પાળીને શ્રીકૃષ્ણનું જ ધ્યાન ધર્યું હોય તો તેઓ જ મારા પતિ બને.’ રાજાએ કહ્યું, ‘તમે તો જગતના સ્વામી છો, બોલો, તમારી શી સેવા કરું?’ શ્રીકૃષ્ણ રાજાના સત્કારથી સંતુષ્ટ થઈને હસતાં હસતાં બોલ્યા, ‘જે ક્ષત્રિય પોતાના ધર્મમાં સ્થિર હોય તેની પાસે કશું માગવું ન જોઈએ. છતાં તમારી સાથે પ્રેમપૂર્વક સંબંધ બાંધવા માટે હું તમારી કન્યા ઇચ્છું છું. અમારે ત્યાં આનું કોઈ શુલ્ક આપવાની રૂઢિ નથી.’ ત્યારે રાજાએ પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. ‘આ અમારા વૃષભને કોઈ નાથી શકતું નથી. તેમણે ઘણા રાજકુમારોને ઘાયલ કર્યા છે, જો તમે જ એમને નાથી લો તો મારી કન્યા તમને આપી શકું.’ શ્રીકૃષ્ણે રાજાની પ્રતિજ્ઞા સાંભળીને કમર કસી, પોતાનાં સાત રૂપ સર્જીને રમતાં રમતાં વૃષભોને નાથી લીધા. જેવી રીતે નાનું બાળક રમકડાને ખેંચે તેવી રીતે વૃષભોને દોરડે બાંધીને ખેંચ્યા. આ વૃષભોનો ઘમંડ ઓસરી ગયો.રાજાને બહુ અચરજ થયું, તેણે પ્રસન્ન થઈને પોતાની કન્યા સત્યા શ્રીકૃષ્ણને આપી. પછી રાણીઓએ જાણ્યું કે અમારી કન્યા શ્રીકૃષ્ણ સાથે પરણી છે ત્યારે તેમને બહુ આનંદ થયો અને ચારે બાજુ મોટો ઉત્સવ થયો. રાજાએ દસ હજાર ગાયો, સુંદર વસ્ત્રાભૂષણવાળી ત્રણ હજાર દાસીઓ પહેરામણીમાં આપી. તેની સાથે જ નવહજાર હાથી, નવ લાખ રથ, નવ કરોડ ઘોડા, અને લાખો સેવક પણ આપ્યા. રાજાએ વરકન્યાને એક રથમાં બેસાડી સેના સાથે વિદાય કર્યા. જે રાજાઓ આ વૃષભોને નાથી શક્યા ન હતા તેમણે આની જાણ થઈ ત્યારે તેઓ શ્રીકૃષ્ણનો વિજય સાંખી ન શક્યા. શ્રીકૃષ્ણ અને સત્યાને ઘેરીને તેઓ તેમના પર બાણવર્ષા કરવા લાગ્યા. ત્યારે અર્જુને શ્રીકૃષ્ણનું પ્રિય કાર્ય કરવા પોતાના ગાંડીવ ધનુષ વડે એ બધા રાજાઓને ભગાડી મૂક્યા. પછી શ્રીકૃષ્ણ અને સત્યા દ્વારકા આવ્યા. આ ઉપરાંત શ્રીકૃષ્ણનાં ફેઈ કેકય દેશમાં પરણ્યાં હતાં. તે રાજાની કન્યાનું નામ હતું ભદ્રા. તેના ભાઈએ ભદ્રાનો વિવાહ શ્રીકૃષ્ણ સાથે કર્યો. મદ્ર પ્રદેશની રાજકન્યા લક્ષ્મણા હતી. જેવી રીતે ગરુડ સ્વર્ગમાંથી અમૃત લઈ આવ્યા હતા તેવી રીતે શ્રીકૃષ્ણે સ્વયંવરમાં એકલે હાથે તેનું અપહરણ કર્યું.
ભૌમાસુરનો વધ
ભૌમાસુરે વરુણનું છત્ર, અદિતિનાં કુંડળ અને મેરુ પર્વત પર દેવતાઓનું નિવાસસ્થાન છિનવી લીધાં હતાં. એટલે ઇન્દ્રે દ્વારકા આવીને આ બધી વાત શ્રીકૃષ્ણને કરી એટલે શ્રીકૃષ્ણ ગરુડ પર સત્યભામાને લઈને બેઠા અને ભૌમાસુરની રાજધાની પ્રાગ્જ્યોતિષપુર ગયા. ચારે બાજુ પર્વતો હોવાને કારણે ત્યાં પ્રવેશ કરવો બહુ અઘરું હતું. ઉપરાંત શસ્ત્રાગાર, પાણી ભરેલી ખાઈ, આગની દીવાલો હતાં તે ઉપરાંત મુર દૈત્યે દશ હજાર જાળ બિછાવી હતી. શ્રીકૃષ્ણે ગદા વડે પર્વતોને ચૂર ચૂર કરી નાખ્યા, બાણ ચલાવીને શસ્ત્રાગાર તોડી નાખ્યો. ચક્ર દ્વારા અગ્નિ, જળના અંતરાયો ખતમ કર્યા. બધી જાળ ભેદી નાખી. બધા યંત્રોનો નાશ કર્યા, નગરના પ્રવેશદ્વારના ગદાધરનો શ્રીકૃષ્ણે ધ્વંસ કરી દીધો. શ્રીકૃષ્ણના પાંચજન્ય શંખનો ધ્વનિ પ્રલયકાલીન વીજળીના કડાકાભડાકા જેવો હતો. તે સાંભળીને મુર દૈત્ય સફાળો જાગી ગયો, તે બહાર આવ્યો. તેને પાંચ મસ્તક હતાં અને અત્યાર સુધી પાણીમાં સૂઈ રહ્યો હતો. તે પ્રલયકાળના સૂર્ય અને અગ્નિ જેવો તેજસ્વી હતો. તેની સામે આંખ માંડીને જોઈ પણ ન શકાય એવો ભયાનક તે હતો. જેવી રીતે સાપ ગરુડ પર આક્રમણ કરે તેવી રીતે ત્રિશૂળ ઉઠાવીને શ્રીકૃષ્ણ સામે ધસ્યો. એમ જ લાગતું હતું કે તે પોતાના પાંચેય મોં વડે ત્રણે લોકને ગળી જશે. તેણે પોતાનું ત્રિશૂળ ઘુમાવીને ગરુડ પર ફંગોળ્યું, અને પછી પાંચેય મોં વડે સિંહગર્જના કરવા લાગ્યો. તેનો અવાજ આકાશ, પૃથ્વી, પાતાળ સમેત સમસ્ત બ્રહ્માંડમાં ફેલાઈ ગયો. શ્રીકૃષ્ણે જોયું કે મુરનું ત્રિશૂળ બહુ વેગથી ગરુડ પર આવી રહ્યું છે ત્યારે પોતાની કુશળતા દેખાડી બે બાણ માર્યાં અને ત્રિશૂળના ત્રણ ટુકડા થઈ ગયા. મુરના મોઢામાં પણ શ્રીકૃષ્ણે બાણ માર્યાં, એટલે તે દૈત્ય ભારે ક્રોધે ભરાયો અને એક ગદા ફેંકી, પણ શ્રીકૃષ્ણે તે ગદા પોતાની પાસે આવે તે પહેલાં જ તેનો નાશ કર્યો. હવે મુર પાસે અસ્ત્રશસ્ત્ર ન રહ્યાં એટલે તે દોડ્યો અને શ્રીકૃષ્ણે ચક્ર વડે તેનાં પાંચેય મસ્તક કાપી નાખ્યાં. મસ્તક કપાતાં તેઓ જીવ જતો રહ્યો અને જેવી રીતે ઇન્દ્રના વજ્રપાતથી કોઈ શિખર કપાઈ જતાં પર્વત સમુદ્રમાં પડી જાય તે રીતે તેનું શરીર પાણીમાં પડી ગયું. મુરના સાત પુત્ર હતા. તામ્ર, અન્તરીક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નભસ્વાન અને અરુણ, તે બધા પિતાના મૃત્યુથી બહુ દુઃખી થયા. અને બદલો લેવા શસ્ત્રસજ્જ થયા, પીઠ નામના દૈત્યને સેનાપતિ બનાવીને ભૌમાસુરની આજ્ઞાથી શ્રીકૃષ્ણ પર ચડી આવ્યા, ત્યાં તેમણે શ્રીકૃષ્ણ પર, બાણ, તલવાર, ગદા, શક્તિ, ત્રિશૂળ વગેરે ફંગોળ્યાં. ભગવાનની શક્તિ તો અમોઘ અને અનંત છે, તેમણે બાણ મારીને એ બધાં શસ્ત્ર છિન્નભિન્ન કરી નાખ્યાં, તેમના શસ્ત્રપ્રહારથી સેનાપતિ તથા સાથી દૈત્યોનાં શરીર કપાઈ ગયાં અને બધા યમદ્વારે પહોંચી ગયા, હવે ભૌમાસુરે અર્થાત્ નરકાસુરે જોયું કે શ્રીકૃષ્ણના બાણ અને ચક્રથી સેનાનો સંહાર થઈ ગયો છે ત્યારે સમુદ્રકાંઠે જન્મેલા હાથીઓ લઈને નગર બહાર નીકળ્યો. તેણે જોયું કે શ્રીકૃષ્ણ પત્ની સાથે ગરુડ પર બેઠા છે. ત્યારે તેણે શતઘ્ની શક્તિનો પ્રહાર કર્યો અને તેના સૈનિકોએ અનેક શસ્ત્રો વરસાવ્યાં. હવે શ્રીકૃષ્ણ તીક્ષ્ણ બાણવર્ષા કરવા લાગ્યા. એને કારણે ભૌમાસુરના સૈનિકોનાં અંગ કપાયાં, હાથી ઘોડા પણ મૃત્યુ પામ્યા. ભૌમાસુરના સૈનિકોએ જેટજેટલાં અસ્ત્રશસ્ત્ર ચલાવ્યાં તે બધાં શ્રીકૃષ્ણે તોડી નાખ્યાં. શ્રીકૃષ્ણ ગરુડ પર સવાર હતા અને ગરુડ પોતાની પાંખો વડે હાથીઓને ઘા પહોંચાડી રહ્યા હતા. ગરુડના ચાંચ, પંજા અને પાંખો વડે હાથીઓને બહુ વેદના થઈ અને બધા ત્રસ્ત થઈને નગરમાં પ્રવેશી ગયા. હવે ભૌમાસુર એકલો જ લડતો રહ્યો, તેણે જોયું કે ગરુડના પ્રહારથી મારી સેના ભાગી રહી છે, પછી વજ્રને પણ નિષ્ફળ કરનારી શક્તિ ચલાવી. તેનાથી ગરુડ જરાય અસ્વસ્થ ન થયા, જાણે કોઈએ હાથી પર પુષ્પમાળા વડે પ્રહાર કર્યો, શ્રીકૃષ્ણનો વધ કરવા તેણે ત્રિશૂળ ફેંક્યું, પણ હજુ તો તે ફેંકે તે પહેલાં હાથી પર બેઠેલા ભૌમાસુરનું મસ્તક ભગવાને સુદર્શન ચક્ર વડે છેદી નાખ્યું, ભૌમાસુરના સ્વજનો આક્રન્દ કરવા લાગ્યા. ઋષિઓ પ્રશંસા કરવા લાગ્યા અને દેવતાઓએ પુષ્પવર્ષા કરી, ત્યાર પછી પૃથ્વીએ શ્રીકૃષ્ણ પાસે આવીને તેમના ગળામાં વૈજયન્તી માળા અને વનમાળા પહેરાવી. અદિતિએ માતાના તેજે ઝળહળતા રત્નજડિત કુંડળ આપ્યાં, વરુણનું છત્ર આપ્યું, અને એક મહામણિ પણ આપ્યો. પછી તેણે ભગવાનની સ્તુતિ કરી…… પૃથ્વીએ ભૌમાસુરના પુત્ર ભગદત્તને રક્ષણ આપવા શ્રીકૃષ્ણને વિનંતી કરી. શ્રીકૃષ્ણ તેને અભયદાન આપીને મહેલમાં પ્રવેશ્યા. ત્યાં જોયું તો ભૌમાસુરે જોરજુલમ કરીને રાજાઓ પાસેથી સોળ હજાર રાજકુમારીઓનું હરણ કર્યું હતું. ભગવાનને જોઈને તે કુમારિકાઓ મોહિત થઈ ગઈ અને તેમણે મનોમન શ્રીકૃષ્ણને પતિ તરીકે પસંદ કરી લીધા, તથા એવો નિર્ધાર પણ કર્યો. પછી શ્રીકૃષ્ણે એ રાજકુમારીઓને વસ્ત્રાભૂષણ આપીને દ્વારકા મોકલી અને તેમની સાથે ઘણા ખજાના, રથ, ઘોડા, સંપત્તિ મોકલી આપ્યાં. ઐરાવત વંશમાં ઉત્પન્ન થયેલા ચાર દાંતવાળા સફેદ રંગના ચોસઠ હાથી પણ દ્વારકા રવાના કર્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણ અમરાવતીમાં આવેલા ઇન્દ્રના મહેલમાં ગયા. ત્યાં ઇન્દ્રે અને ઇન્દ્રાણીએ શ્રીકૃષ્ણની તથા સત્યભામાની પૂજાવિધિ કરી. શ્રીકૃષ્ણે તેમને અદિતિનાં કુંડળ આપી દીધા. ત્યાંથી પાછા ફરતી વેળાએ સત્યભામાના કહેવાથી શ્રીકૃષ્ણે કલ્પવૃક્ષ ઉખાડીને ગરુડ પર મૂકી દીધું, પછી ઇન્દ્રને તથા બીજા દેવોને જીતીને કલ્પવૃક્ષ દ્વારકા લઈ આવ્યા. સત્યભામાના મહેલના ઉદ્યાનમાં એ કલ્પવૃક્ષ રોપાવી દીધું. તેનાથી ઉદ્યાનની શોભા બહુ વધી ગઈ. કલ્પવૃક્ષની સાથે તેના સુંગંધ અને પરાગના લોભી ભમરા પણ સ્વર્ગમાંથી દ્વારકા આવી ગયા. ઇન્દ્રને જ્યારે ગરજ હતી ત્યારે શ્રીકૃષ્ણને પગે પડીને મદદ મેળવી પણ સ્વાર્થ સધાઈ ગયો ત્યારે શ્રીકૃષ્ણ સાથે લડાઈ કરી. આ દેવતાઓ ખૂબ જ તમોગુણી છે. એનો સૌથી મોટો દોષ તો ધનાઢ્યતાનો છે. પછી શ્રીકૃષ્ણે જુદા જુદા ભવનમાં ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને એક સાથે બધી રાજકુમારીઓ સાથે લગ્ન કર્યું, શ્રીકૃષ્ણની પત્નીઓના મહેલમાં જે સમૃદ્ધિ હતી તેવી બીજે ક્યાંય ન હતી…
પ્રદ્યુમ્ન સાક્ષાત્ કામદેવના અવતાર હતા. તેમના રૂપગુણને કારણે રુક્મવતીએ સ્વયંવરમાં તેની સાથે લગ્ન કર્યું હતું. પ્રદ્યુમ્ને એકલે હાથે બધા રાજાઓને જીતી લઈ રુક્મવતીને લઈ આવ્યા હતા. શ્રીકૃષ્ણે કરેલા અપમાનથી રુક્મી દુઃખી તો હતો જ. છતાં પોતાની બહેન રુક્મિણીને ખુશ રાખવા પ્રદ્યુમ્ન સાથે પોતાની દીકરીનું લગ્ન કરાવ્યું. રુક્મિણીને દસ પુત્ર હતા, એ ઉપરાંત ચારુમતી નામની સુંદર કન્યા પણ હતી. કૃતવર્માના પુત્ર બલી સાથે તેનો વિવાહ થયો. રુક્મીને શ્રીકૃષ્ણ સાથે જૂનું વેર હતું. છતાં પોતાની પૌત્રી રોચનાનો વિવાહ રુકિમણીના પૌત્ર અનિરુદ્વ સાથે કર્યો. જો કે તેને જાણ હતી કે આવો વિવાહ ધર્માનુસાર નથી. અનિરુદ્ધના વિવાહોત્સવમાં શ્રીકૃષ્ણ, બલરામ, રુક્મિણી, પ્રદ્યુમ્ન, સાંબ વગેરે ભોજકર નગરમાં આવ્યા, લગ્ન પછી કલિંગનરેશ જેવા અભિમાની રાજાઓએ રુક્મીને કહ્યું, ‘તું બલરામને પાસાંની રમતમાં જીતી લે.’ બલરામને પાસાંની રમત આવડતી ન હતી. પણ એ રમતનું તેમને ભારે વ્યસન હતું. આમ બીજાઓના બહેકાવાથી રુક્મી ચોપાટ રમવા બેઠો. બલરામે સો, હજાર, દસ હજાર મહોર દાવમાં મૂકયા. રુક્મી જીતી ગયો. કલિંગનરેશ આ જોઈને બલરામની મજાક ઉડાવવા લાગ્યો. તે બલરામ સાંખી ન શક્યા, તે ચિઢાઈ ગયા. પછી રુક્મીએ એક લાખ મહોર દાવમાં મૂકી. બલરામે તે જીતી લીધી. પણ રુક્મી બોલ્યો, ‘હું જીત્યો છું.’ એટલે બલરામ બહુ ચિઢાઈ ગયા. તેમની આંખો તો પહેલેથી લાલ હતી જ. હવે ક્રોધે ભરાયા એટલે આંખો વધુ લાલ થઈ. તેમણે એક કરોડનો દાવ લગાવ્યો, દ્યૂતના નિયમ પ્રમાણે આ વખતે પણ બલરામ જીતી ગયા. પણ રુક્મીએ જૂઠું કહ્યું, ‘હું જીત્યો છું. આ વિષયના નિષ્ણાત કલિંગનરેશ જેવા સભાસદો આનો નિર્ણય કરે.’ ત્યારે આકાશવાણી થઈ, ‘ધર્મ પ્રમાણે બલરામ જીત્યા છે. રુક્મીનો દાવો સાવ ખોટો છે.’ રુક્મીના માથે મોત ભમતું હતું અને તેના સાથીઓએ ચઢાવ્યો હતો. એટલે આકાશવાણી પર જરાય ધ્યાન ન આપ્યું અને બલરામની મજાક ઉડાવી. ‘બલરામ, આખરે તો તમે વન વન ભટકનારા ગોપબાલ, તમને આ રમત ક્યાંથી આવડે? પાસાં અને બાણ તો રાજાઓની સંપત્તિ, તમારા જેવાની નહીં.’ આ સાંભળી બલરામ રાતાપીળા થઈ ગયા અને મુદ્ગર ઉઠાવીને તેના વડે રુક્મીને મારી નાખ્યો. પહેલાં તો કલિંગનરેશ મજાક ઉડાવતો હતો, હવે તે ત્યાંથી ભાગ્યો. પણ બલરામે ત્યાં જ તેને પકડી લીધો અને તેના દાંત પાડી નાખ્યા. શ્રીકૃષ્ણે રુક્મિણી નારાજ થશે એમ માનીને કશું બોલ્યા નહી. પણ અનિરુદ્ધનો વિવાહ અને શત્રુવધ થઈ ગયા પછી યાદવો અનિરુદ્ધ અને નવોઢા રોચનાને રથમાં બેસાડીને દ્વારકા લઈ આવ્યા.
ઉષા અને અનિરુદ્ધની કથા
બલિ રાજાના સો પુત્રોમાં સૌથી મોટો બાણાસુર હતો. તે શિવભક્ત હતો. સમાજમાં તેનું ઘણું માન હતું, ઉદારતા અને બુદ્ધિમાં તે અનુપમ હતો. તેની પ્રતિજ્ઞા અટલ રહેતી. તે શોણિતપુરમાં રાજ કરતો હતો. શંકર ભગવાનની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવ તેના સેવકોની જેમ કામ કરતા હતા. તેને હજાર હાથ હતા. શંકર ભગવાન એક વાર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના હજાર હાથ વડે અનેક વાજંત્રિ વગાડી ભગવાનને પ્રસન્ન કર્યા, એટલે પછી ભક્તવત્સલ, શરણાગત રક્ષક ભગવાને તેને કહ્યું, ‘તારી ઇચ્છામાં આવે તે વરદાન માગ.’ ‘ભગવાન, મારા નગરની રક્ષા કરતા તમે અહીં જ રહો.’ એક વાર પોતાના બળના અભિમાનથી ભગવાનને પ્રણામ કરી કહ્યું, ‘તમે તો ચરાચર જગતના ગુરુ છો, ઈશ્વર છો. હું તમને પ્રણામ કરું છું. જેમની ઇચ્છાઓ અપૂર્ણ છે તેમને માટે તમે કલ્પવૃક્ષ છો. તમે મને હજાર હાથ તો આપ્યા. પણ તે મારા માટે ભારરૂપ છે, તમારા સિવાય મારી સાથે લડનાર કોઈ યોદ્ધો નથી, એક વાર લડવાની મને ચળ ઊપડી એટલે દિગ્ગજો સાથે લડવા ગયો, પણ તે બધા ડરી જઈને ભાગી ગયા. રસ્તામાં મારા હાથ વડે ઘણા પર્વતોને ચૂર ચૂર કરી નાખ્યા.’ બાણાસુરની વાત સાંભળીને શંકર ભગવાને થોડા ક્રોધે ભરાઈને ક્હ્યું, ‘અરે મૂર્ખ, જે સમયે તારી ધજા ભાંગી પડે ત્યારે મારા જેવા બળિયા સાથે તારું યુદ્ધ થશે અને એનાથી તારું અભિમાન ઓગળી જશે.’ બાણાસુરની બુદ્ધિ બહેર મારી ગઈ હતી એટલે શંકર ભગવાનની વાત સાંભળીને તેને બહુ આનંદ થયો, અને મહેલમાં જતો રહ્યો. તે મૂરખ શંકર ભગવાનના કહ્યા પ્રમાણે પોતાના બળનો નાશ કરનાર યુદ્ધની રાહ જોવા લાગ્યો. બાણાસુરની ક્ન્યાનું નામ હતું ઉષા. તે કન્યા હતી તે દિવસોમાં એક વાર સ્વપ્નમાં જોયું કે મારું લગ્ન અનિરુદ્ધ સાથે થઈ રહ્યું છે. આશ્ચર્ય તો એ વાતનું કે તેણે કદી અનિરુદ્ધને જોયા ન હતા, તેના વિશે કશું સાંભળ્યું ન હતું. સ્વપ્નમાં જ તે બોલી ઊઠી, ‘તમે ક્યાં છો?’ અને તેની ઊંઘ ઊડી ગઈ. જાગીને જોયું તો આસપાસ સખીઓ હતી, તેને બહુ શરમ આવી. બાણાસુરનો મંત્રી હતો કુંભાંડ, તેની કન્યા ચિત્રલેખા. ઉષા અને ચિત્રલેખા સખીઓ હતી. ચિત્રલેખાએ એક દિવસ ઉષાને પૂછ્યું, ‘તારું લગ્ન અત્યાર સુધી કેમ નથી થયું? તું કોઈને શોધી રહી છે, તારા મનમાં શું છે?’ આ સાંભળી ઉષાએ કહ્યું, ‘મેં સ્વપ્નમાં એક અત્યંત સુંદર યુવાન જોયો. તેના શરીરનો વર્ણ શ્યામ હતો. નેત્ર કમળપત્ર જેવાં. શરીરે પીતાંબર પહેર્યું છે. હાથ લાંબા છે, સ્ત્રીઓના મનને લોભાવનારો છે. તેણે પહેલાં તો મને અધરપાન કરાવ્યું અને એમ જ તે અદૃશ્ય થઈ ગયો. હું તરસી જ રહી ગઈ. હું એને શોધું છું.’ ચિત્રલેખાએ કહ્યું, ‘જો તારો એ પ્રાણપ્રિય ત્રિલોકમાં ગમે ત્યાં હશે અને તું જો તેને ઓળખી શકીશ તો હું તારો વિરહ દૂર કરી આપીશ. હું ચિત્ર બનાવું છું, તું ઓળખી કાઢ, પછી હું તેને ક્યાંયથી લઈ આવીશ.’ આમ કહી ચિત્રલેખાએ ઘણા દેવતા, સિદ્ધ, ગંધર્વ, ચારણ, પન્નગ, દૈત્ય, વિદ્યાધર, યક્ષ, મનુષ્યોનાં ચિત્ર દોર્યાં. મનુષ્યોમાં તેણે વસુદેવના પિતા, શૂર, વાસુદેવ, બલરામ, શ્રીકૃષ્ણનાં ચિત્ર દોર્યાં. પછી પ્રદ્યુમ્નનું ચિત્ર જોઈને તે શરમાઈ ગઈ. જ્યારે તેણે અનિરુદ્ધનું ચિત્ર જોયું ત્યારે તે લજ્જા પામી. માથું ઝૂકી ગયું. પછી હસીને બોલી, ‘આ જ મારો પ્રિયતમ.’ ચિત્રલેખા તો યોગિની હતી. તેને જાણ થઈ ગઈ કે આ શ્રીકૃષ્ણના પૌત્ર છે. તે આકાશમાર્ગે જઈને રાતે જ દ્વારકા પહોંચી. ત્યાં અનિરુદ્ધ સુંદર પલંગ પર સૂઈ ગયો હતો. ચિત્રલેખા યોગ બળે તેને શોણિતપુર લઈ આવી અને સખી ઉષાને તેના પ્રિયતમ સાથે ભેટો કરાવી દીધો. પછી અનિરુદ્ધ સાથે તે વિહાર કરવા લાગી. તેનું અંત:પુર એટલું બધું સુરક્ષિત હતું કે કોઈ પુરુષ ત્યાં દૃષ્ટિ પણ નાખી શકતો નહીં. ઉષા-અનિરુદ્ધનો પ્રેમ રાતદિવસ વધવા લાગ્યો. તે અનેક રીતે અનિરુદ્ધનો સત્કાર કરતી હતી. ઉષાએ પોતાના પ્રેમ વડે તેને વશ કરી લીધો. અનિરુદ્ધ ત્યાં રહીને પોતાને ભૂલી ગયો, અહીં આવ્યે કેટલા દિવસ થયા તેનો પણ ખ્યાલ ન રહ્યો. અનિરુદ્ધના સહવાસને કારણે ઉષાનો કૌમાર્યભંગ થયો હતો. તેના શરીર પર જે ચિહ્ન દેખાવાં લાગ્યાં તેને કોઈ રીતે છુપાવી શકાતાં ન હતા. ઉષા આનંદમાં રહેવા લાગી. રક્ષકોને ખ્યાલ આવી ગયો કે આ રાજકુમારીનો સંબંધ કોઈ પુરુષ સાથે થઈ ગયો છે. તેમણે બાણાસુર પાસે જઈને કહ્યું, ‘અમે તમારી અવિવાહિત કન્યાના રંગઢંગ જોઈએ છીએ તે તમારા કુળને કલંકિત કરનારા છે. અમે રાતદિવસ ચોકી કરીએ જ છીએ, બહારનું કોઈ તેને જોઈ પણ ન શકે અને છતાં આ બન્યું. અમને સમજ નથી પડતી.’ રક્ષકો પાસેથી આ વાત જાણીને બાણાસુર દુઃખી થઈ ગયો. તે તરત જ ઉષાના મહેલમાં જઈ પહોંચ્યો, ત્યાં જોયું તો અનિરુદ્ધ હતો. કામદેવના અવતાર એવા પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ હતો, ત્રણે લોકમાં તેના જેવું કોઈ સુંદર ન હતું. શ્યામ શરીર અને તેના પર પીતાંબર, કમળપત્ર જેવી આંખો, લાંબા હાથ, ગાલ પર વાંકડિયાળી લટો, હોઠ પર મંદ સ્મિત. અનિરુદ્ધ તે વેળા શ્રુંગારસજ્જ ઉષા સાથે ચોપાટ રમી રહ્યો હતો. તેના ગળામાં વાસંતી ઋતુનાં પુષ્પોના હાર હતા. તે હારમાં ઉષાના શરીરનો સ્પર્શ થયો હતો. તેના પર ઉષાના વક્ષ:સ્થળનું કેસર હતું. ઉષાની સાથે જ તેને બેઠેલો જોઈ બાણાસુર અચરજ પામ્યો. અનિરુદ્ધે જોયું તો બાણાસુર ઘણા બધા અસ્ત્રશસ્ત્રધારી સૈનિકો સાથે આવી ગયો છે, ત્યારે તે બધાને ભોંયભેગા કરવા લોહદંડ લઈને નીકળ્યો. બાણાસુરના સૈનિકો તેને પકડવા માટે આમતેમ દોડતા હતા, જેવી રીતે સૂવર ટુકડીનો નાયક કૂતરાને મારી નાખે તેવી રીતે અનિરુદ્ધ સૈનિકોનો નાશ કરવા લાગ્યો, જ્યારે બાણાસુરે જોયું કે અનિરુદ્ધે મારા સૈન્યના ભુક્કા બોલાવી દીધા છે, ત્યારે નાગપાશ વડે તેને બાંધી દીધો. ઉષાએ અનિરુદ્ધના બંધનના સમાચાર જાણ્યા ત્યારે તે બહુ દુઃખી થઈ ગઈ અને તે અશ્રુપાત કરવા લાગી, વર્ષાઋતુના ચાર મહિના વીતી ગયા, પણ અનિરુદ્ધનો પત્તો પડતો ન હતો, ઘરના લોકો ભારે વ્યથિત થયા. એક દિવસ નારદે ત્યાં આવીને અનિરુદ્ધના સમાચાર આપ્યા, બાણાસુરના સૈનિકોને આપેલા પરાજયની વાત, નાગપાશની વાત જણાવી. પછી શ્રીકૃષ્ણને પોતાના આરાધ્યદેવ માનનારા યાદવોએ શોણિતપુર પર આક્રમણ કર્યું. શ્રીકૃષ્ણ, બલરામની સાથે બધા જ યાદવો, પ્રદ્યુમ્ન, સાત્યકિ, ગદ, સાંબ, નન્દ, ઉપનન્દ, ભદ્ર વગેરેએ બાર અક્ષૌહિણી સેના લઈને શોણિતપુરને ઘેરો ઘાલ્યો, યાદવસેના નગરના ઉદ્યાન, બુરજ, સિંહદ્વારોનો વિનાશ કરી રહી છે એ જાણીને બાણાસુર બહુ ક્રોધે ભરાયો અને બાર અક્ષૌહિણી સેના લઈને નીકળી પડ્યો. બાણાસુરનો પક્ષ લઈને ભગવાન શંકર નંદી પર બેસીને આવ્યા, સાથે કાર્તિકેય, ગણો હતા. તેમણે શ્રીકૃષ્ણ અને બલરામ સાથે યુદ્ધ માંડ્યું. આ યુદ્ધ એટલું ભયાનક હતું કે તેને જોઈને રૂવાં ઊભાં થઈ જતાં હતાં. શ્રીકૃષ્ણ સામે મહાદેવ અને પ્રદ્યુમ્ન સામે કાર્તિકેય સ્વામી, બલરામ સામે કુંભાંડ અને કૂપમર્ણનું યુદ્ધ, બાણાસુરના પુત્ર સામે સામ્બ, બાણાસુર સામે સાત્યકિ. બ્રહ્મા વગેરે દેવ, ઋષિમુનિઓ, સિદ્ધ-ચારણ, ગંધર્વ-અપ્સરાઓ, યક્ષ વિમાન પર બેસીને આ યુદ્ધ જોવા આવી ચઢ્યા. શ્રીકૃષ્ણે પોતાના શાર્ઙ્ગ ધનુષ વડે શંકરના સેવકો — ભૂતપ્રેત, પ્રમથ, ગુહ્યક, ડાકિની, યાતુધાન, વેતાલ, વિનાયક, પ્રેતગણ, માતૃગણ, પિશાચ, કૂષ્માંડ, બ્રહ્મરાક્ષસોને મારી મારીને ભગાડ્યા — પિનાકપાણિ શંકરે શ્રીકૃષ્ણ પર અનેક શસ્ત્રોનો પ્રહાર કર્યો પણ શ્રીકૃષ્ણે સ્વસ્થતાથી બધાં અસ્ત્રશસ્ત્ર શમાવી દીધાં. શ્રીકૃષ્ણે બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર, વાયવાસ્ત્ર સામે પાર્વતાસ્ત્ર, આગ્નેયાસ્ત્ર સામે પર્જન્યાસ્ત્ર, પાશુપતાસ્ત્ર સામે નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો. પછી શ્રીકૃષ્ણે જૃમ્ભણાસ્ત્ર વડે મહાદેવને મોહિત કરી લીધા. તેઓ યુદ્ધમાંથી નિવૃત્ત થઈને બગાસાં ખાવા લાગ્યા. એટલે શ્રીકૃષ્ણ શંકર ભગવાનથી મુક્તિ મેળવીને બાણાસુરની સેનાનો વિનાશ તલવાર, ગદા, બાણ વડે કરવા લાગ્યા. પ્રદ્યુમ્નનાં બાણોથી કાર્તિકેય ઘાયલ થયા. તેમનાં અંગેઅંગમાંથી લોહી વહેવા માંડ્યું. તે યુદ્ધમેદાન છોડીને મોર પર બેસીને ભાગી નીકળ્યા. બલરામે પોતાના મુસળ વડે કુંભાંડ અને કૂપકર્ણને ઘાયલ કર્યા. આમ સેનાપતિઓનો પરાજય જોઈને બાણાસુરની સેના વિખરાઈ ગઈ. પછી રથ પર બેઠેલા બાણાસુરે જોયું કે શ્રીકૃષ્ણ અને બીજાઓને કારણે અમારી સેના વેરવિખેર થઈ ગઈ છે ત્યારે તેને બહુ ક્રોધ આવ્યો અને સાત્યકિ સાથે યુદ્ધ કરવાનું પડતું મૂકીને શ્રીકૃષ્ણ પર આક્રમણ કરવા ધસી ગયો. પોતાના હજાર હાથ વડે એક સાથે પાંચસો ધનુષ તાણીને દરેક પર બબ્બે બાણ ચઢાવ્યાં. શ્રીકૃષ્ણે એક સાથે તેનાં બધાં ધનુષ તોડી નાખ્યાં. સારથિ — રથ — ઘોડાને ધરાશાયી કર્યા અને શંખ વગાડ્યો. કોટરા નામની દેવી બાણાસુરની ધર્મમાતા હતી, તે પોતાના પુત્રની પ્રાણરક્ષા કરવા વાળ છૂટા રાખીને નંગધડંગ શ્રીકૃષ્ણ સામે ઊભી રહી ગઈ. એના પર દૃષ્ટિ ન પડે એટલે શ્રીકૃષ્ણે મોં ફેરવી લીધું. બીજી દિશામાં તે જોવા લાગ્યા. ધનુષ ભાંગી ગયા અને રથ ન રહ્યો એટલે બાણાસુર નગરમાં જતો રહ્યો. આ બાજુ શંકર ભગવાનનાં ભૂતપ્રેત ભાગી ગયાં, ત્યારે તેમણે ત્રણ મસ્તક, ત્રણ પગવાળો જ્વર મોકલ્યો, તે દસે દિશાઓને પ્રજાળતો શ્રીકૃષ્ણ સામે ધસી ગયો. શ્રીકૃષ્ણે જોયું કે તે આક્રમણ કરવા સામે આવી રહ્યો છે ત્યારે તેમણે પોતાનો જ્વર ફંગોળ્યો. હવે વૈષ્ણવ અને માહેશ્વર જ્વર ઝઘડવા લાગ્યા. વૈષ્ણવ જ્વરથી ત્રાસીને માહેશ્વર જ્વર ચીસો પાડવા લાગ્યો, તે ડરી ગયો. પછી ક્યાંય રક્ષણ ન મળ્યું એટલે શ્રીકૃષ્ણની શરણે જઈને તેણે પ્રાર્થના કરી… પછી માહેશ્વર જ્વર શ્રીકૃષ્ણને પગે લાગીને જતો રહ્યો. બાણાસુર વળી પાછો શસ્ત્રસજ્જ થઈને ત્યાં યુદ્ધ કરવા આવી ચઢ્યો. તેણે પોતાના હજાર હાથમાં જાતજાતનાં શસ્ત્રો ધારણ કર્યાં હતાં. પછી તે અનેક શસ્ત્રો શ્રીકૃષ્ણ પર ફેંક્યાં. બાણાસુરે બાણવર્ષા શરૂ કરી છે એ શ્રીકૃષ્ણે જોયું એટલે સુદર્શન ચક્ર વડે તેના હાથ કાપવા માંડ્યા. શંકર ભગવાને બાણાસુરના કપાઈ રહેલા હાથ જોઈ શ્રીકૃષ્ણ પાસે આવીને સ્તુતિ કરવા માંડી… પછી ઉમેર્યું, ‘આ બાણાસુર મારો પ્રિય ભક્ત છે. મેં તેને અભયદાન આપ્યું છે. જેવી રીતે તમે પ્રહ્લાદ પર કૃપા કરી હતી તેવી રીતે આના પર પણ કૃપા કરો.’ શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમારી વાત માનીને તમે ઇચ્છો છો તેમ હું તેને અભયદાન આપું છું. તમે પહેલાં પણ જેવો નિર્ધાર કર્યો હતો તેવી રીતે મેં તેના હાથ કાપી નાખ્યા છે. બાણાસુર તો બલિરાજાનો પૌત્ર છે. મેં પ્રહ્લાદને વચન આપ્યું હતું કે તમારા વંશના કોઈ દૈત્યનો હું વધ નહીં કરું. તેનું અભિમાન ઓગાળવા માટે જ મેં તેના હાથ છેદી નાખ્યા છે. હવે તેના ચાર હાથ બચ્યા છે, તે અજર અને અમર બનશે. આ બાણાસુર તમારો મુખ્ય પાર્ષદ બનશે, હવે તેને કોઈનો ભય નથી.’ શ્રીકૃષ્ણ પાસેથી આમ અભયદાન મેળવીને બાણાસુર તેમને પગે લાગ્યો. અનિરુદ્ધ અને ઉષાને રથમાં બેસાડીને લઈ આવ્યો. પછી શ્રીકૃષ્ણે મહાદેવની સંમતિથી શૃંગારસજ્જ ઉષા અને અનિરુદ્ધને એક અક્ષૌહિણી સેના સાથે દ્વારકા મોક્લ્યાં. દ્વારકામાં શ્રીકૃષ્ણ તથા બીજાઓના આગમનના સમાચાર સાંભળીને લોકોએ આખું નગર શણગારી દીધું. મોટા મોટા રાજમાર્ગો અને ચોક પર ચંદનવાળા પાણીથી છંટકાવ કર્યો. પ્રજાએ, સ્વજનોએ, બ્રાહ્મણોએ ખૂબ જ ધામધૂમથી ભગવાનનું સ્વાગત કર્યું.
પૌણ્ડ્રકની કથા
કરુષ નામના દેશમાં એક રાજા પૌણ્ડ્રક થઈ ગયો. તેણે શ્રીકૃષ્ણ પાસે એક દૂત મોકલીને જણાવ્યું — ‘ભગવાન વાસુદેવ હું જ છું.’ મૂર્ખાઓ તેને બહેકાવ્યા કરતા હતા કે ભગવાન વાસુદેવ તો તમે જ છો અને જગતની રક્ષા કરવા પૃથ્વી પર અવતર્યા છો. આને કારણે તે મૂર્ખ રાજા પોતાને ભગવાન માની બેઠો. જેવી રીતે બાળકો રમતી વખતે કોઈ બાળકને રાજા માની લે છે તેવી રીતે પૌણ્ડ્રક પણ શ્રીકૃષ્ણના પ્રભાવ — રહસ્યને સમજી ન શક્યો અને દ્વારકામાં પોતાનો દૂત મોકલ્યો. ‘એક માત્ર વાસુદેવ હું છું, બીજું કોઈ નહીં. પ્રાણીઓ પર કૃપા કરવા માટે મેં અવતાર લીધો છે. તમે ખોટી રીતે પોતાની જાતને વાસુદેવ કહો છો, હવે એ નામ પડતું મૂકો, તમે મૂરખ બનીને મારો ચિહ્નો ધારણ કર્યાં છે. એ બધું ત્યજીને મારા શરણે આવી જાઓ, જો મારી વાત સ્વીકારવી ન હોય તો મારી સાથે યુદ્ધ કરો.’ આ મંદ બુદ્ધિના રાજાની વાત સાંભળીને ઉગ્રસેન અને બીજાઓ હસવા લાગ્યા. એ પછી શ્રીકૃષ્ણે દૂતને કહ્યું, ‘તું તારા રાજા પાસે જઈને કહે, હું ચક્ર વગેરે ત્યજવાનો નથી. હું તારા ઉપર જ નહીં પણ તારા બધા સાથીઓ પર ચક્ર ફેંકીશ, તેમની ચઢવણીથી તું અભિમાન કરી રહ્યો છે. તું અવળા મોંએ પડીને સમડી, ગીધ વગેરે માંસાહારી પક્ષીઓથી ઘેરાઈને મૃત્યુ પામીશ. તું મારો શરણાર્થી નહીં પણ તારું માંસ ચૂંથી ચૂંથીને ખાનારા કૂતરાઓનો શરણાર્થી બનીશ.’ શ્રીકૃષ્ણનો સંદેશો એ દૂત પૌણ્ડ્રક રાજાને સંભળાવ્યો. શ્રીકૃષ્ણે રથ પર સવાર થઈને કાશી પર આક્રમણ કર્યું. તે રાજા પોતાના મિત્ર કાશીરાજને ત્યાં રહેતો હતો. શ્રીકૃષ્ણના આક્રમણના સમાચાર સાંભળીને પૌણ્ડ્રક બે અક્ષૌહિણી સેના લઈને નીકળ્યો. કાશીરાજ પૌણ્ડ્રકનો મિત્ર હતો, તે પણ મિત્રને મદદ કરવા ત્રણ અક્ષૌહિણી સેના લઈને તેની પાછળ પાછળ પહોંચ્યો. શ્રીકૃષ્ણની નજરે પૌણ્ડ્રક પડ્યો. પૌણ્ડ્રકે પણ શંખ, ચક્ર, ગદા, તલવાર, શાર્ઙ્ગ ધનુષ, શ્રીવત્સ ધારણ કર્યાં હતાં. વક્ષ:સ્થળ પર બનાવટી કૌસ્તુભ મણિ અને વનમાલા પણ હતાં. તેણે રેશમી પીળાં વસ્ત્ર પહેર્યાં હતાં. રથની ધ્વજા પર ગરુડની નિશાની પણ હતી. માથા પર કિમતી મુગટ હતો, કાને મકરાકૃતિ કુંડળ હતાં. આ બધો શણગાર બનાવટી હતો. જાણે કોઈ અભિનેતા રંગમંચ પર અભિનય કરવા આવી ચઢ્યો ન હોય! તેને જોઈને શ્રીકૃષ્ણે અટ્ટહાસ્ય કર્યું. શત્રુઓએ શ્રીકૃષ્ણ પર ત્રિશૂળ, મુદ્ગર, ગદા, શક્તિ, તોમર, તલવાર, પટ્ટિશ, બાણ વગેરે શસ્ત્રો ચલાવ્યાં. જેવી રીતે પ્રલયકાળે આગ બધાં પ્રાણીઓને સળગાવી દે છે તેવી રીતે શ્રીકૃષ્ણે એ બધાં શસ્ત્રો નકામાં કરી દીધાં, પોતે શસ્ત્રો ચલાવી પૌણ્ડ્રક્ અને કાશીરાજની સેનાને છિન્નભિન્ન કરી નાખી. તે યુદ્ધમેદાન ચક્રે ખંડિત કરેલા, રથ, ઘોડા, હાથી, મનુષ્યો, ગધેડા અને ઊંટો વડે છવાઈ ગયું, એવું લાગતું હતું જાણે તે ભૂતનાથ શંકરનું ભયંકર ક્રીડાંગણ ન હોય! શ્રીકૃષ્ણે પૌણ્ડ્રકને કહ્યું, ‘તેં દૂત દ્વારા કહેવડાવ્યું હતું કે મારાં ચિહ્નો- અસ્ત્રશસ્ત્ર ત્યજી દો, હવે એ શસ્ત્રો તારા પર ફંગોળું છું. તેં ખોટેખોટું મારું નામ ધારણ કર્યું છે. હવે હું તને એ નામોમાંથી પણ મુક્તિ અપાવીશ. હવે શરણની વાત, જો તારી સાથે યુદ્ધ ન કરી શકું તો તારા શરણે આવીશ.’ આમ શ્રીકૃષ્ણે તે રાજાનો તિરસ્કાર કરીને તેનો રથ ભાંગી નાખ્યો, જેવી રીતે ઇન્દ્રે વજ્ર વડે પર્વતશિખરોને ઉખેડી નાખ્યાં હતાં, તેવી રીતે શ્રીકૃષ્ણે ચક્ર વડે તેનું અને કાશીરાજનું મસ્તક કાપી નાખ્યું. પછી બંનેનો વધ કરીને શ્રીકૃષ્ણ દ્વારકા આવી ગયા. પૌણ્ડ્રક સદા ભગવાન શ્રીકૃષ્ણના રૂપનો જ વિચાર કર્યા કરતો હતો એટલે બધાં બંધનથી મુક્ત થઈ ગયો.
કાશીના રાજમહેલના દરવાજે એક કુંડલધારી મસ્તક જોઈને લોકો વિચારમાં પડ્યા કે આ મસ્તક કોનું છે? જ્યારે તેમને જાણ થઈ કે આ મસ્તક કાશીરાજનું છે ત્યારે રાણીઓ, રાજકુમાર, રાજપરિવારના લોકો કલ્પાન્ત કરવા લાગ્યા, ‘અરે ભગવાન, અમારો તો સર્વનાશ થઈ ગયો.’ કાશીરાજનો પુત્ર સુદક્ષિણ હતો. પિતાનો મરણોત્તર વિધિ કરતાં કરતાં તેણે મનોમન નિર્ધાર કર્યો, ‘હું મારા પિતૃઘાતીનો વધ કરીને જ ઋણમુક્ત થઈશ.’ કુલપુરોહિત અને આચાર્યો સાથે શંકર ભગવાનની આરાધના તે એકનિષ્ઠ બનીને કરવા લાગ્યો. તેની આરાધનાથી પ્રસન્ન થઈને શંકર ભગવાને તેને વરદાન માગવા કહ્યું, સુદક્ષિણે કહ્યું, ‘મારા પિતૃઘાતીના વધનો ઉપાય બતાવો.’ શંકર ભગવાને કહ્યું, ‘તું બ્રાહ્મણદેવતાને મળીને યજ્ઞદેવતા દક્ષિણાગ્નિની વિધિપૂર્વક આરાધના કર. તે અગ્નિ પ્રમથગણો સાથે પ્રગટ થશે અને તારી ઇચ્છા પાર પડશે.’ શંકર ભગવાનની આવી આજ્ઞા સાંભળીને સુદક્ષિણે અનુષ્ઠાનના નિયમો સ્વીકારી શ્રીકૃષ્ણના વધનો સંકલ્પ કરવા લાગ્યો. વિધિ પૂરો થયો એટલે યજ્ઞકુંડમાંથી ભીષણ અગ્નિ પ્રગટ્યો. તેના કેશ, દાઢી મૂછ તપાવેલા તાંબા જેવાં હતાં, આંખોમાંથી અંગારા નીકળતા હતા. તેની ઉગ્ર દાઢો અને વાંકી ભ્રૂકુટિઓને લીધે તેના મોં પર ક્રૂરતા હતી. તે પોતાની જીભ વડે મોંના ખૂણા ચાટી રહ્યો હતો. શરીરે નગ્ન હતો, હાથમાં ત્રિશૂળ હતું અને તે વારેવારે ઘુમાવતો હતો, તાડના વૃક્ષની જેમ તેના પગ લાંબા હતા. તે પોતાના વેગથી ધરતીને ધ્રુજાવતો અને દશે દિશાઓને બાળતો દ્વારકાની દિશામાં દોડ્યો અને જોતજોતાંમાં તે દ્વારકા આવી પહોંચ્યો. તેની સાથે ઘણા ભૂતપ્રેત પણ હતા. તે આગને પાસે આવેલી જોઈ દ્વારકાવાસીઓ ડરી ગયા અને ચોપાટ રમતા શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયા. ‘દ્વારકા નગરી આ આગથી ભસ્મ થઈ જશે. તમે અમારું રક્ષણ કરો.’ સ્વજનોને બી ગયેલા જોઈને શ્રીકૃષ્ણે તેમને આશ્વાસન આપી કહ્યું, ‘ગભરાતા નહીં, હું તમારું રક્ષણ કરીશ.’ શ્રીકૃષ્ણને જાણ થઈ ગઈ કે આ કાશીથી આવેલી માહેશ્વરી કૃત્યા છે. તેના પ્રતિકાર માટે સુદર્શન ચક્રને આજ્ઞા આપી. તેમનું સુદર્શન તો કરોડો સૂર્ય જેવું તેજસ્વી અને પ્રલયકાળના અગ્નિ જેવું. સુદર્શન ચક્રની શક્તિ વડે કૃત્યાનું મોં ભાંગી ગયું, તેજ નષ્ટ થઈ ગયું. શક્તિ કુંઠિત થઈ ગઈ, દ્વારકાથી કાશી આવી પહોંચી અને તેણે ઋત્વિજ આચાર્યો તથા સુદક્ષિણને બાળી મૂક્યા. કૃત્યાની પાછળ પાછળ સુદર્શન ચક્ર પણ આવી પહોંચ્યું. કાશીનગરી તો બહુ વિશાળ હતી, મોટી મોટી અટારીઓ, સભાભવન, બજાર, નગરદ્વાર, દ્વારોનાં શિખર, ખજાના, હાથી, ઘોડા, રથ, અન્નના ભંડારો ત્યાં હતાં. સુદર્શન ચક્રે આખી કાશીનગરીને ભસ્મ કરી દીધી અને પછી તે ચક્ર શ્રીકૃષ્ણ પાસે પાછું જતું રહ્યું.
દ્વિવિદ વાનરની કથા
દ્વિવિદ નામનો એક વાનર હતો. તે ભૌમાસુરનો મિત્ર, સુગ્રીવનો મંત્રી હતો. તેણે જ્યારે જાણ્યું કે શ્રીકૃષ્ણે ભૌમાસુરનો વધ કર્યો છે ત્યારે તે મિત્ર પ્રત્યેનું કર્તવ્ય બજાવવા તત્પર થયો. તે વાનરે મોટાં મોટાં નગર, ગામડાં, ખાણો, આહીરોની વસતીમાં આગ લગાડી. મોટા મોટા પહાડ ઉખાડીને ફેંકીને પ્રાન્તોના પ્રાન્તોનો વિનાશ કરવા માંડ્યો, ખાસ કરીને તેણે આનર્તમાં આ વિનાશ વેર્યો, ત્યાં જ શ્રીકૃષ્ણ હતા. તે વાનરમાં દસ હજાર હાથીનું બળ હતું. ક્યારેક તે સમુદ્રમાં ઊભો રહીને હાથ વડે એટલું બધું પાણી ઉડાડતો કે સમુદ્રકાંઠાના પ્રદેશો ડૂબી જતા. તે દુષ્ટ મોટા મોટા ઋષિમુનિઓના આશ્રમોની સુંદર વનસ્પતિ તોડીફોડીને તેમનો નાશ કરી દેતો. યજ્ઞના અગ્નિકુંડોમાં મળમૂત્ર નાખી અગ્નિને અપવિત્ર કરી મૂકતો. જેવી રીતે ભૃંગી નામનો કીડો બીજા કીડાઓને લઈને પોતાના દરમાં બંધ કરી દે. એવી જ રીતે તે મદોન્મત્ત વાનર સ્ત્રીપુરુષોને ઉપાડી જઈને પહાડોની ઘાટીઓ અને ગુફામાં નાખી દેતો હતો, અને પછી બહારથી મોટી મોટી શિલાઓ વડે ગુફાનાં દ્વાર બંધ કરી દેતો હતો. દેશવાસીઓનો તિરસ્કાર તો કરતો જ હતો. સાથે સાથે કુળવાન સ્ત્રીઓને પણ દૂષિત કરી મૂકતો હતો. એક દિવસ તે સુંદર સંગીત સાંભળીને રૈવતક પર્વત પર ગયો. ત્યાં જઈને જોયું તો યદુપતિ બલરામ સુંદર યુવતીઓની મંડળીમાં બેઠા હતા. બલરામના શરીરનું એકેએક અંગ સુંદર અને દર્શનીય હતું. તેમના વક્ષ:સ્થળે કમળમાળા હતી. તેઓ વારુણી પીને મધુર ગીત ગાઈ રહ્યા હતા, તેમની આંખોમાં આનંદનો ઉન્માદ હતો. મદોત્મત્ત હાથીના જેવું તેમનું શરીર દેખાતું હતું. તે દુષ્ટ વાનર વૃક્ષની ડાળીઓ પર ચઢીને એમને ધ્રુજાવતો, સ્ત્રીઓની સામે આવીને કિકિયારી કરતો. યુવાન સ્ત્રીઓ સ્વભાવથી જ ચંચળ અને હસવા બોલવામાં રસ લેતી હોય છે. તેઓ આ વાનરના ચેનચાળા જોઈ હસવા લાગી. હવે તે વાનર બલરામના દેખતાં જ તે સ્ત્રીઓનો તિરસ્કાર કરવા લાગ્યો, ક્યારેક તે પોતાની ગુદા દેખાડતો, ક્યારેક ભંવાંં ચઢાવતો, ક્યારેક ગરજી ગરજીને મોં વિકૃત કરતો. બલરામ તેની આ ચેષ્ટા જોઈને ક્રોધે ભરાયા અને તેમણે તેના પર પથરો ફેંક્યો. પણ દ્વિવિદે એ ઘા ચુકાવી દીધો અને મધુકલશ ઉઠાવીને તે બલરામની મજાક કરવા લાગ્યો. હવે તેણે મધુકલશ ફોડી નાખ્યો. સ્ત્રીઓનાં વસ્ત્ર ફાડવા લાગ્યો અને હસી હસીને બલરામને ક્રોધી બનાવવા લાગ્યો, આ બળવાન અને મદોન્મત્ત દ્વિવિદ બલરામને અપમાનિત કરવા તેમનો તિરસ્કાર કરવા લાગ્યો. પછી તેમણે આ મશ્કરી જોઈ, તેના દ્વારા હેરાન થયેલા પ્રદેશોનો વિચાર કરીને તેને મારી નાખવા હળ મુસળ ઉઠાવ્યા. દ્વિવિદ બળવાન તો હતો, તેણે એક હાથે શાલવૃક્ષ ઉખાડીને બહુ ઝડપે દોડીને બલરામના માથા પર ફંગોળ્યું. બલરામ પર્વતની જેમ સ્થિર રહ્યા. માથા પર પડતા વૃક્ષને હાથ વડે પકડી લીધું અને સુનન્દ નામનું મુસળ તેના પર ફંગોળ્યું. એનો ઘા થવાથી દ્વિવિદનું માથું ફાટી ગયું અને લોહી નીકળવા લાગ્યું. કોઈ પર્વત પરથી ગેરુની ધાર વહી રહી ન હોય એવું લાગ્યું. દ્વિવિદે માથા પરના પ્રવાહની ચિંતા કર્યા વગર ક્રોધે ભરાઈ એક બીજું વૃક્ષ ઉખાડી, તેને પાંદડાં વિહોણું કરીને બલરામના માથા પર ફેંક્યું. બલરામે તે વૃક્ષના સેંકડો ટુકડા કરી દીધા. એવી રીતે ત્રીજા વૃક્ષને પણ તોડીફોડી નાખ્યું. આમ તે વાનર યુદ્ધ કરતો રહ્યો. એક વૃક્ષ નાશ પામે એટલે બીજું વૃક્ષ ઉખાડતો. આમ તેણે આખા વનને વૃક્ષહીન કરી દીધું. જ્યારે વૃક્ષો જ ન રહ્યાં ત્યારે દ્વિવિદ બહુ ક્રોધે ભરાયો અને બલરામ પર મોટી મોટી પર્વતશિલાઓ ફેંકવા લાગ્યો. તેમણે પોતાના મુસળ વડે તે શિલાઓને પણ તોડી નાખી. પછી દ્વિવિદે બાંયો ચઢાવીને બલરામની છાતી પર મુક્કો માર્યો. હવે બલરામે હળ-મુસળ બાજુ પર મૂકી દીધાં અને બંને હાથ વડે તેની હડપચી પર મુક્કો માર્યો. તે વાનર લોહી ઓકતો જમીન પર પડી ગયો. જેવી રીતે ઝંઝાવાત ફુંકાય ત્યારે બધું ધ્રૂજવા લાગે એવી રીતે તેના પડવાથી આખો પર્વત શિખરો સમેત ધ્રૂજી ઊઠ્યો. બધા દેવતાઓ આકાશમાં ઊભા રહીને જયજયકાર કરવા લાગ્યા, બલરામ પર તેમણે પુષ્પવર્ષા કરી. તેઓ જગતભરમાં ઉત્પાત મચાવનારા દ્વિવિદને મારીને દ્વારકા આવ્યા. ત્યારે નગરજનોએ બલરામની ભારે પ્રશંસા કરી.
બલરામ કૌરવો સામે
જામ્બવતીનો પુત્ર સામ્બ એકલે હાથે ઘણા વિજય મેળવી શકે એવો હતો. તે સ્વયંવરમાં દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કરી લાવ્યો. આ જાણીને કૌરવો ક્રોધે ભરાયા. ‘આ બાળક બહુ જિદ્દી છે, આપણું અપમાન કરવા તે આપણી કન્યાનું અપહરણ કરી ગયો, લક્ષ્મણાને તો તે ગમતો જ ન હતો. આ જિદ્દીને પકડીને બાંધી લો. જો યાદવો ક્રોધે ભરાશે તો આપણું શું બગાડી લેશે? તેઓ આપણી કૃપાથી જ ધનધાન્યથી સમૃદ્ધ પૃથ્વી ભોગવી રહ્યા છે. જો સામ્બને આપણે લઈ આવ્યા છીએ તે સમાચાર જાણીને અહીં આવશે તો આપણે તેમને પાણીપાતળા કરી દઈશું. તેઓ સાવ હતાશ થઈ જશે.’ આમ વિચારીને કર્ણ, શલ, ભૂરિશ્રવા, યજ્ઞકેતુ, દુર્યોધન વગેરેએ કૌરવોના વૃદ્ધજનોની સંમતિ લઈને સામ્બને પકડવાની યોજના કરી, ધૃતરાષ્ટ્રના પુત્રો મારો પીછો કરી રહ્યા છે એ સામ્બે જોયું. એટલે એક સરસ ધનુષ ચઢાવીને સિંહની જેમ એકલો ઊભો રહી ગયો. આ બાજુ કર્ણને આગળ કરીને કૌરવો સામ્બ પાસે જઈ પહોંચ્યા. ‘ઊભો રહે, ઊભો રહે’ એમ કહી તેના પર બાણ છોડવા લાગ્યા. યાદવવંશી સામ્બ શ્રીકૃષ્ણના પુત્ર હતા. જેવી રીતે હરણોના હુમલાથી સિંહ ચિઢાઈ જાય તેવી રીતે કૌરવોની બાણવર્ષાથી તે ચિઢાયા. સામ્બે ધનુષટંકાર કરીને જુદા જુદા રથમાં બેઠેલા કર્ણ સહિતના વીરો પર બાણવર્ષા કરી. ચાર ચાર બાણ ચાર ઘોડા પર, એકએક બાણ તેમના સારથિ પર અને એક એક બાણ એ રથધારી વીર યોદ્ધાઓ પર માર્યાં. તેના આવા અદ્ભુત પરાક્રમની પ્રશંસા વિપક્ષીઓ પણ કરવા લાગ્યા. પછી એ છ વીર પુરુષોએ એક સાથે હુમલો કરીને સામ્બનો રથ તોડી નાખ્યો. તેના ચાર ઘોડાને બાણ માર્યાં, એકે સામ્બનું ધનુષ ભાંગી નાખ્યું. આમ કૌરવોએ માંડમાંડ સામ્બને રથ વગરનો કરીને તેને બાંધી લીધો. પછી તેઓ સામ્બને અને લક્ષ્મણાને લઈને વિજય મનાવતા હસ્તિનાપુર જતા રહ્યા. નારદ પાસેથી આ સમાચાર જાણીને યાદવો ક્રોધે ભરાયા. ઉગ્રસેનની આજ્ઞા લઈને હસ્તિનાપુર પર ચઢાઈ કરવાની તેમણે તૈયારી કરી. બલરામ કલહપ્રિય કળિયુગના બધા તાપ મટાડનારા. કૌરવો અને યાદવોની લડાઈ તેમને પસંદ ન પડી. યાદવો યુદ્ધની પૂરી તૈયારીને બેઠા હતા. છતાં તેમને શાંત કરીને એક તેજસ્વી રથમાં બેસીને હસ્તિનાપુર ગયા. તેમની સાથે થોડા બ્રાહ્મણો અને કેટલાક વૃદ્ધ યાદવો પણ ગયા. ગ્રહોથી ઘેરાયેલા ચંદ્રમા જેવી તેમની શોભા હતી, હસ્તિનાપુર પહોંચીને નગર બહાર એક ઉપવનમાં તેઓ ઊતર્યા અને કૌરવો શું કરવા માગે છે તેની તપાસ કરવા ઉદ્ધવને ધૃતરાષ્ટ્ર પાસે મોકલ્યા. કૌરવસભામાં જઈને ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ, બાહલિક, દુર્યોધનની ઔપચારિક વંદના કરીને બલરામના આગમનના સમાચાર ઉદ્ધવે આપ્યા. પોતાના પરમ હિતચિંતક અને પ્રિય બલરામના આગમનના સમાચાર સાંભળીને કૌરવો રાજી રાજી થઈ ગયા. ઉદ્ધવનો સત્કાર કરીને મંગલ સામગ્રી લઈને બલરામનું સ્વાગત કરવા નીકળ્યા. પછી અવસ્થા અને કક્ષા પ્રમાણે બધા તેમને મળ્યા. ગાયો અને અર્ઘ્ય આપ્યાં. જેઓ બલરામનો પ્રભાવ જાણતા હતા તેમણે મસ્તક નમાવી પ્રણામ કર્યાં. એકબીજાનાં ખબરઅંતર પૂછ્યાં. પછી બલરામે ધીરજપૂર્વક અને ગંભીરતાપૂર્વક કહ્યું, ‘સર્વશક્તિશાળી ઉગ્રસેન મહારાજે તમારા માટે એક આજ્ઞા કરી છે. તમે એકાગ્રતાથી, સાવધાનીથી તે સાંભળો અને તરત તેનું પાલન કરો. ઉગ્રસેને કહેડાવ્યું છે કે તમે બધા અધર્મ આચરીને એકલા પડી ગયેલા સામ્બને હરી ગયા છો અને એને બંદી બનાવ્યો છે. સંબંધીઓમાં ફાટફૂટ ન પડે, સંપ સચવાઈ રહે એટલા માટે અમે સહી લીધું. બીજા શબ્દોમાં સામ્બ અને તેની પત્નીને સોંપી દો!’ બલરામની વાણી વીરતા, શૌર્ય અને પૌરુષથી સભર હતી, તેમની શક્તિ અનુસાર હતી. આ સાંભળીને કૌરવો રાતાપીળા થઈ ગયા. તેઓ કહેવા લાગ્યા, ‘આ તો નવાઈ કહેવાય, કાળની ગતિનો કોઈ તાગ પામી ન શકે. એટલે તો આજે પગની જૂતી મુકુટવાળા મસ્તકે બેસવા માગે છે. આ યાદવો સાથે આપણે કોઈ રીતે વિવાહસંબંધ બાંધ્યો, તેઓ આપણી સાથે ખાતાપીતા થયા, આપણે જ એમને રાજસિંહાસન પર બેસાડી આપણા બરોબરિયા બનાવ્યા. આ યાદવો ચામર, વીંઝણા, શંખ, શ્વેત છત્ર, મુકુટ, રાજાને છાજે તેવી શય્યાનો ઉપભોગ કરી રહ્યા છે. કારણ કે આપણે જાણી કરીને તેમની ઉપેક્ષા કરી. બસ, હવે બહુ થયું. યાદવો પાસે રાજચિહ્ન રહેવાં ન જોઈએ, આપણે એ છિનવી લેવાં જોઈએ. સાપને દૂધ પીવડાવનારને છેવટે તો એ ઘાતક જ નીવડે છે. એટલે આપણા જ દીધેલાં રાજચિહ્ન મેળવ્યાં પછી હવે આપણો વિરોધ કરી રહ્યા છે. આપણી જ મહેરબાનીથી તેઓની ઉન્નતિ થઈ અને હવે નિર્લજ્જ થઈને આપણા ઉપર હુકમો બજાવી રહ્યા છે. સિંહનો કોળિયો કદી ઘેટું છિનવી ન શકે તો ભીષ્મ, દ્રોણ, અર્જુન વગેરે કુરુવંશીઓ જાણી જોઈને જતું ન કરે તો દેવરાજ ઇન્દ્ર પણ કોઈ વસ્તુ કેવી રીતે ભોગવી શકે?’ કુરુવંશીઓ પોતાની કુલીનતા, સ્વજનોનાં બળ, સંપત્તિને લીધે અભિમાની થઈ ગયા હતા, તેમણે સામાન્ય શિષ્ટાચારની પણ પરવા ન કરી. બલરામે કૌરવોની દુષ્ટતા, તેમનું અભિમાન, તેમણે કરેલાં અપમાન જોયાં. તેઓ ક્રોધે ભરાયા, તેમની સામે નજર પણ માંડી શકાતી ન હતી. તેઓ અટ્ટહાસ્ય કરીને કહેવા લાગ્યા, ‘સાચું છે — જે દુષ્ટો કુલીનતા, બળ, ધનને કારણે અભિમાની થઈ જાય છે તેમને શાંતિ નથી જોઈતી. તેમને ઠેકાણે લાવવાનો એક જ રસ્તો, તેમને શિક્ષા કરવાનો, તેમને સમજાવી ન શકાય, જેવી રીતે પશુઓને સરખા કરવા માટે ડંડો વાપરીએ છીએ, તેવી રીતે તેમનો પણ દંડ કરવો જોઈએ. જુઓ તો ખરા, બધા યાદવો, શ્રીકૃષ્ણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા, અને હું એમને સમજાવવા માટે અહીં આવ્યો. છતાં તેઓ દુષ્ટતા આચરી રહ્યા છે, તેમને શાંતિ નથી જોઈતી. ઝઘડા જ કરવા છે, આટલા બધા અભિમાની થઈને તેમણે મારો તિરસ્કાર કરી ગાળો પર ગાળો મને દીધી. ભલે, પૃથ્વી પરના રાજાઓની વાત બાજુ પર રાખો, ત્રિલોકના સ્વામી ઇન્દ્ર વગેરે લોકપાલો પણ જેમની આજ્ઞા પાળે છે તે ઉગ્રસેન, રાજાધિરાજ નથી, તેઓ માત્ર ભોજ, વૃષ્ણિ અને યાદવોના જ સ્વામી છે; જે સુધર્માસભાને વશ કરીને તેમાં બેસે છે, જે દેવતાઓનું વૃક્ષ પારિજાત — ઉખાડીને લઈ આવે છે તે શ્રીકૃષ્ણ પણ રાજસિંહાસનના અધિકારી નથી. ભલે આખા જગતની સ્વામિની લક્ષ્મી જેમના ચરણકમળને વંદે છે તે શ્રીકૃષ્ણ છત્ર, ચામર જેવી સામગ્રી રાખી ન શકે. ભલે, શ્રીકૃષ્ણના ચરણકમળની ધૂળ ગંગા જેવાં તીર્થોને પણ તીર્થ બનાવતી હોય, ભલે ને બધા લોકપાલો તેમની ચરણરજ લેતા હોય. બ્રહ્મા, શંકર, હું, લક્ષ્મી પણ જેની ચરણરજ લેતા હોઈએ તો પછી શ્રીકૃષ્ણ માટે સિંહાસન ક્યાં છે? બિચારા યાદવો તો કુરુવંશીઓએ આપેલો જમીનનો ટુકડો ભોગવે છે — અમે યાદવો તો પગની જૂતી અને યાદવો તો મુકુટ છે. આ કુરુવંશીઓ ઐશ્વર્યથી ઉન્મત્ત, ઘમંડી, અને છકી ગયા છે, એમની એકેએક વાત કટુતાથી ભરેલી છે, મોંમાથા વગરની છે, હું તો આ લોકોને દંડ આપી શકું છું, મારાથી તેમની વાતો સહી શકાતી નથી. આજે ધરતી પરથી કૌરવોનું નામનિશાન મટાડી દઈશ.’ આ કહેતી વખતે તો જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે એટલો બધો ક્રોધ તેમને આવ્યો. તે પોતાનું હળ લઈને ઊભા થઈ ગયા. તેમણે હળની ધાર વડે હસ્તિનાપુરને ઉખાડી કાઢ્યું અને ગંગા તરફ તે ખેંચવા લાગ્યા. હળથી ખેંચાવાને કારણે હસ્તિનાપુર પાણીમાં ડોલતી નૌકાની જેમ ધ્રૂજવા લાગ્યું. કૌરવોએ જોયું કે આપણું નગર ગંગામાં પડી રહ્યું છે ત્યારે તેઓ ગભરાઈ ગયા. પછી લક્ષ્મણા અને સામ્બને આગળ કરીને પોતાનો જીવ બચાવવા કુટુંબીજનો સાથે બલરામની શરણે ગયા, અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. પછી બલરામે પ્રસન્ન થઈ તેમને અભયદાન આપ્યું. દુર્યોધન પોતાની પુત્રી લક્ષ્મણાને ખૂબ ચાહતો હતો. તેણે પહેરામણીમાં સાઠ વર્ષની વયવાળા બારસો હાથી, દસ હજાર ઘોડા, સૂર્ય જેવા ચમકતા છ હજાર સુવર્ણરથ, સુવર્ણહાર ધરાવતી એક હજાર દાસીઓ આપી. બલરામે એ બધાનો સ્વીકાર કર્યો અને પછી દ્વારકાની દિશામાં પ્રયાણ કર્યું. દ્વારકામાં પહોંચીને બધા સ્વજનોને મળ્યા. હસ્તિનાપુરની બધી કથા કહી.
એક દિવસ દ્વારકાની રાજસભા આગળ એક અજાણ્યો માણસ આવ્યો. દ્વારપાલો દ્વારા કહેડાવીને સભામાં આવ્યો અને તેણે શ્રીકૃષ્ણને વંદન કર્યાં. પછી બધી વાત કરી. જરાસન્ધના દિગ્વિજય વખતે વીસેક હજાર રાજાઓએ જરાસન્ધની આણ સ્વીકારી ન હતી. તે બધાને તેણે કેદ કર્યા છે. તે માણસે ભગવાનની સ્તુતિ કરી, જરાસન્ધના ત્રાસમાંથી છોડાવવા પ્રાર્થના કરી. તે જ વખતે નારદ ત્યાં આવી પહોંચ્યા. શ્રીકૃષ્ણે તેમનો સત્કાર કર્યો, નારદે શ્રીકૃષ્ણની વંદના કરી. ત્યાર પછી શ્રીકૃષ્ણે ઉદ્ધવની સલાહ માગી. એટલે તે બોલ્યા, ‘પાંડવો રાજસૂય યજ્ઞ કરી રહ્યા છે, અને જેણે દસે દિશાઓમાં દિગ્વિજય કર્યો હોય તે જ આવો યજ્ઞ કરી શકે. એટલે આ યજ્ઞ કરવા જરાસન્ધને જીતવો અનિવાર્ય છે. એને જીતી લેવાથી આપણું લક્ષ્ય સિદ્ધ થશે, કેદ થયેલા રાજાઓની મુક્તિ થશે, તેને કારણે તમને કીર્તિ મળશે. જરાસન્ધમાં દસ હજાર હાથીનું બળ છે એટલે તે બળિયા રાજાઓને પરાજિત કરી શકે છે. એને હરાવી શકાય માત્ર ભીમસેન દ્વારા, તે પણ આવા જ બળિયા છે. તે બંને પરસ્પર યુદ્ધ કરીને જરાસન્ધને જીતી લે તે વધુ સારું. સો અક્ષૌહિણી સેના લઈને જાઓ તો પણ એને જીતી ન શકાય. એ રાજા બ્રાહ્મણભક્ત છે, જો કોઈ બ્રાહ્મણ તેની પાસે કશી યાચના કરે તો તે ના ન પાડે. ભીમસેન બ્રાહ્મણવેશે જઈ તેની પાસે યુદ્ધ માગી લે. તમારી હાજરીમાં જો ભીમસેન અને જરાસન્ધનું યુદ્ધ થાય તો ભીમસેન તેને મારી નાખશે. જો તેનો વધ થશે તો રાજાઓ મુક્ત થશે, તેમની રાણીઓ પોતાના મહેલમાં તમારી લીલાનાં ગીત ગાશે. એટલે આ માર્ગ અપનાવો. જરાસન્ધનો વધ થવાથી ઘણાં બધા લક્ષ્ય સિદ્ધ થશે.’ ઉદ્ધવની વાત નારદ, શ્રીકૃષ્ણ, વૃદ્ધ યાદવોને સાચી લાગી. એટલે કૃષ્ણે બધાની સંમતિ લઈને ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારીઓ કરી. દારુકને બોલાવીને ગરુડધ્વજ રથ તૈયાર કર્યો. પછી રુક્મિણીને લઈને, બધાં સંતાનોને લઈને સેના સાથે નીકળી પડ્યા. પગે ચાલનારા સૈનિકો રક્ષા કરતા હતા. સેવકોની પત્નીઓ, વારાંગનાઓ શણગાર કરીને તંબૂ, કનાત, કંબલ, ઓઢવા-બેસવાની સામગ્રી લઈને બળદ, પાડા, ગધેડા, ખચ્ચર પર લાદીને નીકળી પડી…વિદાય લેતા પહેલાં શ્રીકૃષ્ણે નારદની પૂજા કરી અને પછી જરાસંધે કેદ કરેલા રાજાઓના પ્રતિનિધિને કહ્યું, ‘તું રાજાઓને મળીને કહેજે —ગભરાતા નહીં, તમારું કલ્યાણ થશે. હું જરાસન્ધનો વધ કરાવીશ.’ એ સાંભળીને તે દૂત જતો રહ્યો અને રાજાઓને શ્રીકૃષ્ણનો સંદેશો કહ્યો એટલે બધા રાજાઓ કારાગારમાંથી છૂટવા માટે વહેલામાં વહેલી તકે શ્રીકૃષ્ણના દર્શનની રાહ જોવા લાગ્યા. શ્રીકૃષ્ણ આનર્ત, સૌવીર, મરુ, કુરુક્ષેત્ર, અને વચ્ચે આવતા પર્વત, નગર, નદી, ગામડાં વટાવીને આગળ વધ્યા. દૃષદ્વતી, સરસ્વતી નદી પાર કરીને પાંચાલ-મત્સ્ય દેશોમાં થઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા, યુધિષ્ઠિરને જ્યારે શ્રીકૃષ્ણના આગમનની જાણ થઈ ત્યારે તેઓને બહુ આનંદ થયો, આચાર્યો, સ્વજનોને લઈને શ્રીકૃષ્ણનું સ્વાગત કરવા માટે નગર બહાર આવ્યા. મંગલ ગીતો ગવાયાં, વાજાં વાગ્યાં, બધા બ્રાહ્મણોએ વેદમંત્રોનો પાઠ કર્યો, શ્રીકૃષ્ણને જોઈને યુધિષ્ઠિર ગદ્ગદ થઈ ગયા. ઘણા દિવસે તેમણે ભગવાનને જોયા. બધા જ પાંડવોએ શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, નૃત્ય — ગીત થયાં. ઇન્દ્રપ્રસ્થ નગરના રાજમાર્ગો પર સુગંધિત જળ છંટાયું હતું. ઠેકાણે ઠેકાણે ધજાપતાકા લહેરાતી હતી. તોરણો બંધાયાં હતાં. પાણી ભરેલાં સુવર્ણકળશ વચ્ચે વચ્ચે મૂક્યાં હતાં. નગરનાં સ્ત્રીપુરુષો સ્નાન કરીને, શણગાર સજીને આમ તેમ ફરી રહ્યાં હતાં. ઘેર ઘેર દીવા પ્રગટ્યા હતા, દરેકના ઘરમાં ધૂપ થયો હતો. શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ નગરને જોતાં જોતાં આગળ વધી રહ્યા હતા. જ્યારે સ્ત્રીઓને જાણ થઈ કે સુંદર શ્રીકૃષ્ણ આવ્યા છે ત્યારે તેઓ દર્શન માટે એટલી બધી ઉત્સુક હતી કે તેમની કેશલટો ઢીલી પડી ગઈ, સાડી પણ ઢીલી થઈ ગઈ, કામકાજ છોડ્યાં, પતિઓને છોડ્યા અને રાજમાર્ગ પર દોડી આવી. સ્ત્રીઓએ અટારીઓ પર ચઢીને શ્રીકૃષ્ણ અને રાણીઓનાં દર્શન કર્યાં, તેમના પર પુષ્પવર્ષા કરી, મનોમન આલિંગન આપ્યાં. તેઓ પરસ્પરને કહેવા લાગી, ‘આ ભાગ્યશાળી રાણીઓએ કેવાં પુણ્ય કર્યા હશે કે શ્રીકૃષ્ણ તેમની સામે હાસ્ય, કટાક્ષથી જોયા કરે છે.’ પછી શ્રીકૃષ્ણ રાજમહેલમાં પ્રવેશીને કુન્તીને મળ્યા. પુત્રવધૂ દ્રૌપદીની સાથે આગળ વધીને તેમનું સ્વાગત કર્યું. યુધિષ્ઠિર તો એટલા બધા હરખાઈ ગયા કે કેવી રીતે પૂજા કરવી તેની જ સમજ ન પડી. સુભદ્રા અને દ્રૌપદીએ શ્રીકૃષ્ણને વંદન કર્યાં. કુન્તીના કહેવાથી રુક્મિણી, સત્યભામા, ભદ્રા, જામ્બવતી, કાલિન્દી, મિત્રવિન્દા, લક્ષ્મણા, સત્યા — આ બધી કૃષ્ણપત્નીઓનું સ્વાગત કર્યું; યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણની સેના, સેવકો, મંત્રીઓને જ્યાં બધી સગવડો હતી ત્યાં ઉતારો આપ્યો. ખાંડવવનના દહન વખતે મયાસુરનો જીવ અર્જુને અને કૃષ્ણે બચાવ્યો હતો. એટલે તેણે યુધિષ્ઠિર માટે એક સુંદર સભાનું નિર્માણ કર્યું હતું.
યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ આગળ રાજસૂય યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો અને શ્રીકૃષ્ણે એને વધાવી લીધો. ‘રાજસૂય યજ્ઞ કરવાથી બધા લોકોમાં તમારી કીર્તિ ફેલાશે. પૃથ્વીના બધા રાજાઓને જીતીને, યજ્ઞસામગ્રી એકત્રિત કરીને તમે આ મહાયજ્ઞનું આયોજન કરો. તમારા બધા ભાઈઓ ઇન્દ્ર વગેરે લોકપાલોના અંશ છે. તમે તો પરમ સંયમી છો, તમારા સદ્ગુણોએ મને પણ વશ કરી દીધો છે. આ સંસારમાં કોઈ પણ દેવ તેજ, યશ, લક્ષ્મી, સૌન્દર્ય દ્વારા મારા ભક્તનો તિરસ્કાર કરી ન શકે.’ શ્રીકૃષ્ણની વાત સાંભળીને યુધિષ્ઠિર આનંદિત થયા અને પોતાના ભાઈઓને તેમણે દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો, ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોમાં પોતાની શક્તિનો સંચાર કરી તેમને ખૂબ જ પ્રભાવશાળી બનાવી દીધા. સૃંજયવશી વીરોની સાથે સહદેવને દક્ષિણમાં દિગ્વિજય કરવા મોકલ્યા, નકુલને પશ્ચિમમાં, અર્જુનને ઉત્તરમાં, ભીમસેનને પૂર્વ દિશામાં મોકલ્યા. આ બધાએ રાજાઓને જીતી લીધા અને બધું ધન લાવીને યુધિષ્ઠિરને સોંપ્યું, જ્યારે તેમને જાણ થઈ કે જરાસન્ધ પર વિજય મેળવી નથી શકાયો ત્યારે તેઓ ચિંતામાં પડી ગયા. ઉદ્ધવે બતાવેલો ઉપાય શ્રીકૃષ્ણે તેમને જણાવ્યો. પછી ભીમસેન, અર્જુન અને શ્રીકૃષ્ણ બ્રાહ્મણનો વેશ લઈને જરાસન્ધની રાજધાની ગિરિવ્રજ પહોંચ્યા. જરાસન્ધ બ્રાહ્મણભક્ત હતો, અને ધર્મપ્રિય હતો. ત્રણેએ અતિથિસત્કારના સમયે જરાસન્ધ પાસે જઈને યાચના કરી. ‘રાજન્, તમારું કલ્યાણ થાઓ, અમે બહુ દૂરથી આવેલા અતિથિઓ છીએ, અમે કોઈ ખાસ કામસર આવ્યા છીએ. તમે અમારી ઇચ્છા પાર પાડો.’ તે લોકોના અવાજ, દેખાવ, કાંડા પર ધનુષની પ્રત્યંચાનું નિશાન — આ બધું જોઈને તેને ખ્યાલ આવી ગયો કે આ ત્રણે બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છે. પછી મનોમન વિચાર કર્યો, ‘આ લોકો ક્ષત્રિય હોવા છતાં મારાથી ડરી જઈને બ્રાહ્મણના વેશે અહીં આવ્યા છે. હવે જો તેઓ માગણ બનીને આવ્યા હોય તો તેઓ જે માગશે તે હું તેમને આપીશ. કોઈ માગે તો મારું આ પ્રિય શરીર આપતાંય મને જરા પણ સંકોચ નહી થાય. વિષ્ણુએ બ્રાહ્મણનો વેશ લઈને બલિ પાસેથી બધું જ છિનવી લીધું અને તો પણ બલિની કીર્તિ દિગ્દિગન્ત સુધી વિસ્તરી. બલિને આનો ખ્યાલ આવી ગયો હતો, શુક્રાચાર્યે તેમને અટકાવ્યા પણ હતા, તોય આખી પૃથ્વીનું દાન કરી દીધું, આ શરીર તો નાશવંત છે, આ શરીર વડે જો યશ ન મળે, જે ક્ષત્રિય બ્રાહ્મણને માટે જીવે નહીં — તેનું જીવન નાશવંત છે.’ આમ વિચારી ઉદાર જરાસન્ધે શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમસેનને કહ્યું, ‘તમારી ઇચ્છા થાય તે માગી લો. તમે કહેશો તો મારું મસ્તક પણ આપી દઈશ.’ શ્રીકૃષ્ણે કહ્યું, ‘રાજન્, અમે અન્નના યાચક નથી, અમે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય છીએ. અમે યુદ્ધની ઇચ્છા કરીએ છીએ. તમારી ઇચ્છા હોય તો અમને દ્વન્દ્વ યુદ્ધની ભિક્ષા આપો. આ પાંડુપુત્ર ભીમસેન અને અર્જુન છે. હું તમારો ભાઈ અને જૂનો દુશ્મન શ્રીકૃષ્ણ છું.’ આ સાંભળી જરાસન્ધ હસી પડ્યો, ‘જો તમારે યુદ્ધ કરવું હોય તો તમારી માગણી સ્વીકારું છું. પણ કૃષ્ણ, તમે તો ભારે ડરપોક છો, યુદ્ધ વખતે તમે ગભરાઈ જાઓ છો. એટલે સુધી કે તમે મથુરા છોડીને દ્વારકા ભાગી ગયા, આ અર્જુન પણ યોદ્ધો નથી. મારાથી નાનો છે, મારો સમોવડિયો નથી. એટલે તેની સાથે પણ ન લડું. હવે રહ્યા ભીમસેન, એ મારા બરોબરિયા છે.’ આમ કહીને ભીમસેનને એક ગદા આપી, અને પોતે બીજી ગદા લઈને નગર બહાર નીકળ્યો. બંને અખાડામાં આવીને ગદાઓ વડે યુદ્ધ કરવા લાગ્યા. અવારનવાર પેંતરા બદલતા, જાણે હાથીઓના દંતશૂળ એકબીજાને અથડાતા હોય એમ બંનેની ગદા એકબીજા સાથે ટકરાવા લાગી, બે હાથી જ્યારે ક્રોધે ભરાઈને એકબીજા સાથે બાખડે ત્યારે આસપાસનાં વૃક્ષોની ડાળીઓ તોડી તોડીને એકબીજા પર પ્રહાર કરે, એવી જ રીતે ભીમસેને અને જરાસન્ધે એકબીજા પર ગદા વડે તેમનાં અંગેઅંગ પર આઘાત કર્યા, ગદાના ભુક્કા બોલ્યા ત્યારે બંને વીર ક્રોધે ભરાઈને એકબીજા સાથે મુક્કાબાજી કરવા લાગ્યા. એનો અવાજ વીજળીના કડાકાભડાકા જેવો સંભળાવા લાગ્યો. બંનેના ઉત્સાહમાં જરાય ઓટ આવી નહીં, તેમની શક્તિ જરાય ઓછી ન થઈ. બેમાંથી કોઈની હારજીત ન થઈ. દિવસે લડતા અને રાતે મિત્રોની જેમ રહેતા. આમ લડતાં લડતાં સત્તાવીસ દિવસ વીતી ગયા. અઠ્ઠાવીસમા દિવસે ભીમસેને શ્રીકૃષ્ણને ક્હ્યું, ‘હું યુદ્ધમાં જરાસન્ધને જીતી શકતો નથી.’ શ્રીકૃષ્ણ જરાસન્ધના જન્મ અને મૃત્યુનું રહસ્ય જાણતા હતા. તેમને એ પણ ખબર હતી કે જરા નામની રાક્ષસીએ એના શરીરના બે ટુકડાને જોડીને જીવતદાન આપ્યું હતું. તેમણે ભીમસેનમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસન્ધના વધનો ઉપાય વિચાર્યો. તેમણે એક વૃક્ષની ડાળને વચ્ચેથી ચીરીને ઇશારો કરી સમજાવ્યું, ભીમસેને શ્રીકૃષ્ણનો આશય સમજી લીધો અને જરાસન્ધના પગ પકડી જમીન પર પાડી દીધો. પછી એક પગને પોતાના પગ નીચે દબાવ્યો અને જેવી રીતે હાથી વૃક્ષની ડાળી ચીરી નાખે તેવી રીતે જરાસન્ધને ચીરી નાખ્યો. બધાએ જોયું કે જરાસન્ધના શરીરના બે ટુકડા થઈ ગયા છે, તેમના મૃત્યુના સમાચાર જાણીને પ્રજાજનો દુઃખી દુઃખી થઈ ગયા. શ્રીકૃષ્ણ અને અર્જુન ભીમને ભેટ્યા…શ્રીકૃષ્ણે જરાસન્ધના સિંહાસન પર તેના પુત્ર સહદેવનો અભિષેક કર્યો, જરાસન્ધે કેદ કરેલા બધા રાજાઓને છોડાવ્યા. તેમનાં શરીર-વસ્ત્ર મેલાદાટ હતાં. ભૂખે કંતાઈ ગયા હતા, મોં સુકાઈ ગયાં હતાં, પછી તેમણે સામે ઊભેલા શ્રીકૃષ્ણને, તેમના શરીરને, વસ્ત્રોને, ચાર હાથને જોયા. અને પછી તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી…પછી ભગવાને રાજાઓને ક્લેશમાંથી મુક્ત કર્યા… શ્રીકૃષ્ણ, ભીમસેન, અર્જુનને લઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા અને તેમણે શંખનાદ કર્યો, બધાએ જરાસન્ધના મૃત્યુની વાત જાણી, શ્રીકૃષ્ણે બધી વાત માંડીને કહી. યુધિષ્ઠિરની આંખોમાંથી આનંદાશ્રુ સરી પડ્યાં. રાજસૂય યજ્ઞની તૈયારીના દિવસોમાં યુધિષ્ઠિરના અંત:પુરની સુંદરતા અને રાજસૂય યજ્ઞને કારણે પાંડવોને મળેલી મહત્તાથી દુર્યોધનના મનમાં ભારે ઈર્ષ્યા જન્મી… એક દિવસ યુધિષ્ઠિર ભાઈઓ — સ્વજનો અને શ્રીકૃષ્ણ સાથે મયદાનવે નિર્મેલી સભામાં સુવર્ણસિંહાસન પર બેઠા હતા તે વેળા દુર્યોધન, દુ:શાસન અને બીજા ભાઈઓ સાથે ત્યાં આવ્યો. તેણે મુકુટ માથે મૂક્યો હતો, ગળામાં હાર હતો ને હાથમાં તલવાર હતી. ક્રોધે ભરાઈને તે દ્વારપાલો અને સેવકોને ગમેતેમ સંભળાવતો હતો. મયદાનવે રચેલી માયા તે સમજી ન શક્યો એટલે જ્યાં જમીન હતી ત્યાં પાણી માનીને તેણે વસ્ત્ર ઊંચાં લઈ લીધાં અને જ્યાં પાણી હતું ત્યાં જમીન માની લીધી, એટલે તે પાણીમાં પડી ગયો. તેને પડી ગયેલો જાણી ભીમસેન, રાણીઓ અને બીજા રાજાઓ હસવા લાગ્યા. યુધિષ્ઠિર તેમને અટકાવી રહ્યા હતા પણ શ્રીકૃષ્ણના ઇશારાથી તેમને ટેકો મળ્યો હતો. દુર્યોધન ભોંઠો પડી ગયો, તેના રોમેરોમમાં ક્રોધ વ્યાપ્યો. તે મોં બગાડીને હસ્તિનાપુર જતો રહ્યો. આ જોઈ બધા હાહાકાર કરવા લાગ્યા. યુધિષ્ઠિરનું મન પણ ખિન્ન થઈ ગયું. શ્રીકૃષ્ણ ચૂપ રહ્યા. તેમને મન તો પૃથ્વીનો ભાર ઊતરી ગયો. સાચું પુછાવો તો શ્રીકૃષ્ણની દૃષ્ટિને કારણે જ દુર્યોધનને આવો ભ્રમ થયો હતો.
શિશુપાલ, શાલ્વ અને પૌણ્ડ્રકના મૃત્યુ પછી મિત્રઋણ અદા કરવા મૂર્ખ દન્તવક્ત્ર એકલો જ યુદ્ધભૂમિ પર આવી ચઢ્યો. ક્રોધે રાતાપીળા થયેલા આ રાજાના હાથમાં માત્ર ગદા જ હતી. તેની મહાશક્તિને કારણે ધરણી ધમધમી રહી હતી. શ્રીકૃષ્ણ તેને આવતો જોઈને ગદા લઈ રથમાંથી કૂદી પડ્યા. જેવી રીતે સમુદ્રકાંઠો ભરતીઓટને અટકાવી દે છે તેવી રીતે શ્રીકૃષ્ણે તેને રોકી પાડ્યો. ઘમંડના તોરમાં તેણે કૃષ્ણને કહ્યું, ‘બહુ સૌભાગ્ય અને આનંદની વાત છે કે આજે તું મારી સામે આવ્યો છે. તું મારા મામાનો દીકરો છે એટલે તને મારી તો ન નખાય પણ તેં મારા મિત્રોની હત્યા કરી છે. બીજાઓ પણ તને મારી નાખવા માગે છે. એટલે આજે હું મારી વજ્ર જેવી નવી નક્કોર ગદા વડે તારો અન્ત આણીશ. તું મારો સંબંધી છે છતાં શત્રુ છે, શરીરમાં રહેતા રોગના જેવો. હું મારા મિત્રોને બહુ ચાહતો હતો. મારા પર તેમના ઘણા ઉપકાર છે. હવે તને મારી નાખીને જ હું ઋણમુક્ત થઈશ.’ જેવી રીતે મહાવત અંકુશ વડે હાથીને ઘાયલ કરે છે એવી રીતે તેણે પોતાની કડવી વાતોથી શ્રીકૃષ્ણને આઘાત આપવાનો પ્રયત્ન કર્યો અને શ્રીકૃષ્ણના માથા પર ગદા મારવા ગયો. ગદા વાગવા છતાં શ્રીકૃષ્ણે જરાય અસ્થિર ન થયા. પોતાની કૌમુદિકી ગદા વડે તેમણે શત્રુની છાતી પર પ્રહાર કર્યો, તેને કારણે દન્તવક્ત્રનું હૃદય ચીરાઈ ગયું. મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. વાળ વિખરાઈ ગયા. હાથપગ પહોળા થઈ ગયા. શિશુપાલના મૃત્યુ વખતે જેમ બન્યું હતું તેમ દન્તવક્ત્રના શરીરમાંથી એક નાનકડી જ્યોતિ નીકળી અને શ્રીકૃષ્ણમાં સમાઈ ગઈ. દન્તવક્ત્રનો ભાઈ વિદૂરથ ભાઈના મૃત્યુથી દુઃખી થઈ ગયો. ક્રોધે ભરાઈને તે ઊના નિ:શ્વાસ નાખતો હાથમાં ઢાલ તલવાર લઈને શ્રીકૃષ્ણને મારી નાખવા ધસ્યો. આ જોઈને શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર વડે તેનું મસ્તક વાઢી નાખ્યું. આમ જેમનો વધ કરવો અશક્ય હતું તે બધાનો નાશ કરીને દ્વારકામાં શ્રીકૃષ્ણ પ્રવેશ્યા. તેમનું સ્વાગત ભારે દબદબાથી કરવામાં આવ્યું.
કૃષ્ણ-સુદામાકથા
સુદામા નામના એક બ્રાહ્મણ શ્રીકૃષ્ણના પરમ મિત્ર હતા. અને તે બહુ મોટી બ્રહ્મજ્ઞાની, વિષયવિરક્ત, શાન્ત અને જિતેન્દ્રિય હતા. ગૃહસ્થ હોવા છતાં તે કોઈ પણ પ્રકારની પરિગ્રહવૃત્તિ કરતા નહીં, પ્રારબ્ધમાં જે હોય તે મેળવી સંતોષ અનુભવતા. તેમની પત્નીનાં અને તેમનાં પોતાનાં વસ્ત્ર ફાટેલાં હતા. પતિની જેમ સ્ત્રી પણ ભૂખે કંતાઈ ગયેલી હતી, એક દિવસ દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી સ્ત્રી ભૂખે થથરતી પતિ પાસે જઈને મૂરઝાયેલા સ્વરે બોલી, ‘સાક્ષાત્ લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ તમારા મિત્ર છે. તેઓ ભક્તો માટે કલ્પવૃક્ષ છે, શરણાગત વત્સલ છે, બ્રાહ્મણભક્ત છે. સાધુસંતો, સત્યપુરુષોના એકમાત્ર આશ્રય છે. તમે તેમની પાસે જાઓ. જ્યારે તેમને જાણ થશે કે તમે ગૃહસ્થ છો અને ભૂખે રિબાઓ છો ત્યારે તેઓ તમને બહુ ધન આપશે. અત્યારે તેઓ ભોજ, વૃષ્ણી અને યાદવોના સ્વામી તરીકે દ્વારકામાં છે, તે એટલા બધા ઉદાર છે કે પોતાના ચરણકમળોને યાદ કરનારા ભક્તોને પોતાનો જીવ પણ આપી દે. આવી સ્થિતિમાં શ્રીકૃષ્ણ પોતાના ભક્તોને ધન, બીજાં સુખ આપે તો તેમાં ખોટું શું છે?’ આમ સુદામાપત્નીએ કેટલી બધી વાર નમ્રતાથી પ્રાર્થના કરી ત્યારે સુદામાએ વિચાર્યું, ‘ધન તો ઠીક છે પણ એ બહાને શ્રીકૃષ્ણનું દર્શન થશે. એ બહુ મોટો લાભ.’ આમ વિચારી સુદામાએ ત્યાં જવાનું નક્કી કહ્યું, પછી પત્નીને કહ્યું, ‘કલ્યાણી, ઘરમાં કશું ભેટ આપવા જેવું છે કશું? જો હોય તો આપ.’ પછી બ્રાહ્મણીએ પડોશનાં બ્રાહ્મણઘરોમાંથી ચાર મૂઠી પૌંઆ લઈ આવી એક પોટલીમાં બાંધી આપ્યા. પછી સુદામા એ પૌંઆ લઈને દ્વારકા જવા નીકળી પડ્યા. રસ્તામાં વિચાર્યા કરતા હતા કે મને શ્રીકૃષ્ણનાં દર્શન કેવી રીતે થશે? દ્વારકા પહોંચીને બીજા બ્રાહ્મણો સાથે સૈનિકોની ત્રણ છાવણી અને ચોકીઓ વટાવી માંડ પહોંચી શકાય એવા યાદવોના મહેલમાં પહોંચ્યા. તે બધા મહેલોની વચ્ચે શ્રીકૃષ્ણનો મહેલ હતો. તેમાં પ્રવેશતી વખતે લાગ્યું કે બ્રહ્માનંદના સમુદ્રમાં પ્રવેશી રહ્યો છું — તે વેળા શ્રીકૃષ્ણ પોતાની પ્રિયા રુક્મિણીના પલંગ પર બેઠા હતા. બ્રાહ્મણદેવને દૂરથી જ આવતા જોઈ તરત ઊભા થયા અને તેઓ ભેટી પડ્યા. શ્રીકૃષ્ણ પોતાના પ્રિય મિત્રના સ્પર્શથી ખૂબ જ આનંદ પામ્યા. તેમનાં કમળનેત્રોમાંથી આનંદાશ્રુ વહેવાં લાગ્યાં. પછી શ્રીકૃષ્ણે તેમને પલંગ પર બેસાડી દીધા અને પોતે પૂજનસામગ્રી લાવીને તેમનો સત્કાર કર્યો. શ્રીકૃષ્ણ તો બધાને પવિત્ર કરનાર અને છતાં પોતાના હાથે મિત્ર સુદામાના પગ ધોયા, અને ચરણોદક માથે મૂક્યું, સુદામાના શરીરે ચંદન, અગરુ, કેસર વગેરેનો લેપ કર્યો. પછી આનંદપૂર્વક ધૂપ વગેરેથી આરતી ઉતારી. આમ પૂજા કરીને સુદામાનું સ્વાગત કર્યું. બ્રાહ્મણમિત્રનાં વસ્ત્ર જરી ગયેલાં હતાં. શરીરે મેલ હતો, બધી નસો દેખાતી હતી. રુક્મિણી તેમને ચામર ઢોળતી હતી. અંત:પુરની સ્ત્રીઓને નવાઈ લાગતી હતી કે શ્રીકૃષ્ણ કેટલા બધા પ્રેમથી આ મેલાઘેલા ભિખારી બ્રાહ્મણની પૂજા કરી રહ્યા છે.’ તેઓ એકબીજાને કહેવા લાગી. ‘આ નંગધડંગ, નિર્ધન, નિંદનીય, નિકૃષ્ટ ભિખારીએ એવું કયું પુણ્ય કર્યું હશે કે આ ત્રિલોકના સ્વામી પોતે એનો આદરસત્કાર કરી રહ્યા છે? જુઓ તો ખરા, રુક્મિણીને બાજુ પર મૂકીને આ બ્રાહ્મણને મોટા ભાઈ બલરામની જેમ ભેટી રહ્યા છે.’ શ્રીકૃષ્ણ અને સુદામા એકબીજાનો હાથ પકડીને ભૂતકાળની કથાનો આનંદ માણી રહ્યા છે. ‘હે બ્રાહ્મણ, તમે જ્યારે ગુરુદક્ષિણા આપીને ઘેર પાછા ગયા ત્યારે તમને અનુરૂપ સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું કે નહીં? હું જાણું છું કે ઘરગૃહસ્થ હોવા છતાં તમારું મન સુખભોગમાં પરોવાયેલું નથી. મને એ પણ જાણ છે કે તમને ધન વગેરેમાં કશો રસ નથી. ભગવાનની માયાથી સર્જાયેલા વિષયભોગનો ત્યાગ કરનારા અને મનમાં એવી કોઈ સાંસારિક વાસના ન રાખનારા માણસો બહુ વિરલ છે, તેઓ માત્ર લોકશિક્ષા માટે જ કર્મ કરતા રહે છે. તમને ગુરુકુળની વાત યાદ છે? ગુરુકુળમાં જ સાચું બ્રહ્મજ્ઞાન મળે છે અને એના વડે જ અજ્ઞાનઅંધકારને વટાવી શકાય છે. આ સંસારમાં જન્મ આપનાર પિતા પહેલા ગુરુ, પછી ઉપનયન સંસ્કાર કરાવનાર બીજા ગુરુ, પછી જ્ઞાનામૃત પાનાર, પરમાત્મા સુધી લઈ જનાર ગુરુ તો મારું જ સ્વરૂપ છે. આ સંસારમાં વર્ણાશ્રમના જે લોકો ગુરુ — ઉપદેશ ગ્રહીને અનાયાસ ભવસાગર પાર કરે છે તેઓ સ્વાર્થ — પરમાર્થના સાચા જાણકાર છે. મિત્ર, બધાનો આત્મા હું છું. બધાના હૃદયમાં અંતર્યામી બનીને વસું છું, ગુરુની સેવાચાકરીથી જેટલો આનંદ મને મળે છે તેટલો બીજા કશાથી — ગૃહસ્થના પંચમહાયજ્ઞથી, બ્રહ્મચારીના ઉપનયન — વેદાધ્યયન, વાનપ્રસ્થના ધર્મ તપસ્યાથી — મળતો નથી. આપણે જ્યારે ગુરુકુળમાં હતા ત્યારે યાદ છે? ગુરુપત્નીએ આપણને ઇંધણ લાવવા વનમાં મોકલ્યા હતા. ઘોર જંગલમાં પહોંચ્યા અને ભયાનક માવઠું થયું. આકાશમાં વીજળીઓના કડાકાભડાકા થવા લાગ્યા. સૂર્ય આથમી ગયો હતો. અને ચારે દિશામાં અંધારું થઈ ગયું. જમીન પર પાણી એટલું બધું હતું કે ક્યાં ખાડો છે એની જ જાણ થતી ન હતી. એ વર્ષા નહીં, પ્રલય હતો. આંધી અને વરસાદને કારણે આપણે હેરાન હેરાન થઈ ગયા, દિશાની કશી સૂઝબૂઝ ન રહી. આપણે ચિંતાતુર થઈને એકબીજાનો હાથ પકડીને ભટકતા રહ્યા. જ્યારે ગુરુ સાંદીપનિને જાણ થઈ ત્યારે સૂર્યોદયના સમયે તેઓ આપણને શોધવા વનમાં આવ્યા. ‘અરે આશ્ચર્ય, તમે અમારા માટે કેટલી બધી મુશ્કેલીઓ વેઠી. બધાં પ્રાણીઓને પોતાનું શરીર બહુ વહાલું હોય છે, પણ તમે બંને એની પરવા કર્યા વિના અમારી સેવામાં ખોવાઈ ગયા. ગુરુઋણમાંથી મુક્ત થવા માટે સારા શિષ્યોનું કર્તવ્ય એટલું જ કે તેઓ શુદ્ધ ભાવે શરીર સમેત પોતાનું સર્વસ્વ ગુરુને સમપિર્ત કરી દે. તમારા પર હું પ્રસન્ન છું. તમારા બધા મનોરથ, તમારી બધી ઇચ્છાઓ પૂરી થાય, જે વેદપાઠ ભણ્યા છો તે હમેશા મોઢે રહે, આ લોકમાં કે પરલોકમાં ક્યાંય નિષ્ફળ ન જાય. મિત્ર, ગુરુકુળમાં આપણે રહ્યા તે વેળા આવી ઘણી બધી ઘટનાઓ બની. ગુરુકૃપાથી જ મનુષ્યને જીવનમાં શાંતિ મળે છે, પૂર્ણતા મળે છે. સુદામાએ કહ્યું, ‘દેવતાઓના પૂજનીય દેવ શ્રીકૃષ્ણ, હવે શું કરવાનું બાકી રહ્યું છે? તમારી સાથે ગુરુકુળમાં રહેવાનું સૌભાગ્ય અમને મળ્યું.’ શ્રીકૃષ્ણ તો અન્તર્યામી, બ્રાહ્મણોના ભક્ત, તેમના ક્લેશ નિવારનાર, સંતોના એક માત્ર આશ્રય. તેઓ ઘણો સમય સુદામા સાથે વાતો કરતા રહ્યા. હવે જરા ટોળટિખળમાં બોલ્યા, ‘તમે મારા માટે ઘેરથી શી ભેટ લાવ્યા છો? ભક્તો પ્રેમપૂર્વક જે કંઈ આપે છે તે મારા માટે તો બહુ મોટી ઘટના છે.’ આ સાંભળીને સુદામાએ સંકોચ પામતાં પેલા પૌંઆ ન આપ્યા. શ્રીકૃષ્ણ તો બધાં પ્રાણીઓના મનની એકેએક વાત જાણે છે. તેમણે સુદામાના આગમનનું કારણ, જાણી લીધું. હવે તેઓ વિચારવા લાગ્યા કે આ મારા મિત્રે કદી ધનની ઇચ્છાથી મારી ભક્તિ કરી નથી. અત્યારે તે પોતાની પત્નીને રાજી કરવા અહીં આવ્યો છે. હવે હું દેવતાઓને દુર્લભ એવી સંપત્તિ તેને આપું.’ પછી શ્રીકૃષ્ણે સુદામાના વસ્ત્રમાં સંતાડેલી પોટલી જોઈ, આ શું છે? એમ કહી પોટલી છિનવી લીધી. ‘અરે મિત્ર, તમે તો મારા માટે બહુ મોટી ભેટ લાવ્યા છો ને કંઈ? આ પૌંઆ માત્ર મને જ નહીં, આખા જગતને તૃપ્ત કરવા પૂરતા છે.’ એમ કહી એક મૂઠી પૌંઆ ખાઈ ગયા. બીજી મૂઠી ભરી ત્યાં લક્ષ્મીસ્વરૂપા રુક્મિણીએ શ્રીકૃષ્ણનો હાથ પકડી લીધો. તેઓ તો શ્રીકૃષ્ણપરાયણ, તેમને મૂકીને તે ક્યાંય જાય નહીં, રુક્મિણી બોલ્યાં, ‘બસ બસ..માનવીને આ લોકમાં કે પરલોકમાં બધી સંપત્તિ મેળવવા માત્ર એક જ મૂઠી બસ છે.’ બ્રાહ્મણ સુદામા તે રાતે શ્રીકૃષ્ણના મહેલમાં જ રહ્યા. નિરાંતે ખાધુંપીધું, માની લીધું કે હું વૈકુંઠમાં જ પહોંચી ગયો છું. શ્રીકૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ રીતે તો કશું ન મળ્યું. સુદામાએ કશું માગ્યું પણ નહીં. તેઓ પોતાની મનની હાલત પર સંકોચ પામીને ઘેર જવા નીકળી પડ્યા. ‘અરે કેટલા આનંદની વાત છે? બ્રાહ્મણોને પોતાના ઇષ્ટ દેવ માનનારા શ્રીકૃષ્ણની બ્રાહ્મણભક્તિ આજે મેં નજરોનજર જોઈ. ધન્ય ધન્ય. જેમના વક્ષ:સ્થળે સદા લક્ષ્મી હોય છે, તેમણે મને ગળે લગાવી લીધો. ક્યાં હું અને ક્યાં તે? છતાં મને તેઓ ભેટી પડ્યા. વળી, તેમના પલંગ પર મને સૂવડાવ્યો. જાણે હું તેમનો સગો ભાઈ છું! હું થાક્યોપાક્યો હતો એટલે રુક્મિણી પાસે ચામર ઢોળાવ્યું. ભગવાને જાતે મારા પગ દાબ્યા. જાતે ખવડાવ્યું, પીવડાવ્યું, સેવાચાકરી કરી. મારી પૂજા કરી. આ દરિદ્ર બ્રાહ્મણ ધન પામીને અભિમાની ન થઈ જાય, મને ભૂલી ન જાય એમ માનીને શ્રીકૃષ્ણે મને થોડુંય ધન ન આપ્યું!’ આમ વિચાર કરતાં સુદામા પોતાને ઘેર પહોંચી ગયા. ત્યાં જઈને શું જોયું? બધાં જ સ્થળ સૂર્ય, અગ્નિ, ચંદ્ર સમાન તેજસ્વી મહેલોથી ભરેલાં હતાં. ઠેકાણે ઠેકાણે સુંદર ઉપવન, બાગબગીચા છે, અનેક રંગીન પક્ષીઓનાં ટોળાં કૂજન કરી રહ્યાં છે, સરોવરોમાં કુમુદ અને બીજાં રંગીન કમળ છે, સુંદર સ્ત્રીપુરુષો સજ્જ થઈને આમતેમ ફરી રહ્યાં છે, તે જોઈને સુદામા તો વિચારમાં પડી ગયા. ‘આ હું શું જોઈ રહ્યો છું? આ કોનું ઘર છે? જ્યાં હું રહેતો હતો એ જ આ જગ્યા હોય તો બધું બદલાઈ કેવી રીતે ગયું?’ તે આમ વિચારતા જ હતા તેવામાં દેવતાઓ જેવાં સુંદર સ્ત્રીપુરુષો ગાયનવાદન સાથે મંગળ ગીતો ગાતાં તેમનું સ્વાગત કરવા આવી ચઢ્યાં. પતિના આગમનના સમાચારે સુદામાપત્નીના આનંદનો પાર ન રહ્યો. તે દોડતી દોડતી ઘરમાંથી ઉતાવળે નીકળી, જાણે કમળવનમાંથી સાક્ષાત્ લક્ષ્મી પ્રગટ્યાં ન હોય! પતિને જોતાંવેંત પતિવ્રતાની આંખોમાંથી પ્રેમ અને ઉત્કંઠાના આવેગને કારણે આંસુ વહેવાં લાગ્યાં. બ્રાહ્મણીએ ભાવુક બનીને પતિને વંદન કર્યાં અને મનોમન આલિંગન પણ આપ્યું. સુદામાપત્ની સુવર્ણહાર પહેરેલી દાસીઓની વચ્ચે વિમાનસ્થિત દેવાંગના જેવી તેજસ્વી અને શોભાપૂર્ણ લાગતી હતી. સુદામા તેને જોઈને નવાઈ પામી ગયા. પત્નીની સાથે ખૂબ જ પ્રેમથી મહેલમાં પ્રવેશ કર્યો, આ તે તેમનો મહેલ કે ઇન્દ્રનો રંગમહેલ! મણિમઢેલા સેંકડો સ્થંભ હતા. હાથીદાંતના બનેલા અને સુવર્ણપત્રોથી મઢેલા પલંગો પર દૂધના ફીણ જેવી શ્વેત અને નરમ શય્યાઓ હતી. ત્યાં અનેક ચામર હતાં, તેમાં સુવર્ણની દાંડીઓ હતી. સુવર્ણસંહાિસનો પર નરમ નરમ ગાદીઓ હતી. ચંદરવા મોતીઓથી મઢેલા હતા. સ્ફટિક મણિની સ્વચ્છ ભીંતો પર પન્ના જડેલા હતા. રત્નજડિત સ્ત્રીપ્રતિમાઓના હાથમાં રત્નદીપકો ઝગમગતા હતા. આ પ્રકારની સમૃદ્ધ સંપત્તિ જોઈ અને કેવી રીતે આ બધું થયું તેનું કારણ ન હોવાથી સુદામા વિચારવા લાગ્યા. મારી પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી? તે મનોમન બોલ્યા, ‘હું તો જન્મથી જ ભાગ્યહીન અને ગરીબ. પછી આ સંપત્તિ આવી કયાંથી? પરમ ઐશ્વર્યવાન યદુવંશ શિરોમણિ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા સિવાય તો બીજું કયું કારણ? આ બધું તેમની કરુણાની દેન છે.’ ભગવાન પોતે તો પૂર્ણકામ છે. લક્ષ્મીપતિ છે એટલે અનન્ત ભોગસામગ્રી તેમની પાસે છે. એટલે યાચક ભક્તના મનનો ભાવ જાણીને ઘણું બધું આપે છે. પણ તેમને તો એ બહુ થોડું લાગે છે. એટલે તમારી આગળ તો કશું ન કહે. મેઘમાં સમુદ્રને છલકાવી દેવાની શક્તિ છે અને તો પણ ખેડૂતની સામે તે વરસતો નથી. તે સૂઈ જાય ત્યારે રાતે વરસે છે અને બહુ વરસે તો પણ એમ માને કે બહુ થોડો જ વરસ્યો છું, એવા મેઘ કરતાંય શ્રીકૃષ્ણ વધુ ઉદાર છે. મારા પ્રિય મિત્ર આપે છે તો ઘણું પણ પોતે એને બહુ થોડું માને છે. તેમનો પ્રિય ભક્ત તેમને માટે થોડુંક કરે તો તેને તે ઘણું બધું માને છે. જુઓ જુઓ — મેં આપ્યું શું? એક મૂઠી પૌંઆ, તેને કેટલા બધા પ્રેમથી તેમણે સ્વીકાર્યા. મને જન્મોજન્મ તેમનો પ્રેમ, તેમનું જ હેત, તેમની મૈત્રી, તેમની સેવા સાંપડે. મારે સંપત્તિ નથી જોઈતી, મારે તો શ્રીકૃષ્ણના ચરણો માટેનો પ્રેમ વધતો રહે એ જ જોઈએ છે. તેમના ભક્તોનો સત્સંગ જોઈએ, ભગવાન તો સંપત્તિના અવગુણ જાણે છે. તેમને જાણ છે કે ધન અને ઐશ્વર્યના અભિમાનથી ઘણા ધનવાનોનું પતન થાય છે. એટલે જ તે પોતાના અદૂરદર્શી ભક્ત ગમે તેટલું માગે તો પણ સંપત્તિ, રાજ્ય, ઐશ્વર્ય નથી આપતા. આ તો તેમની કૃપા કહેવાય.’ સુદામા એ આવો નિર્ધાર કરી અનાસક્ત ભાવે પત્ની સાથે ઉચ્ચ પ્રકારના વિષયોમાં ડૂબ્યા અને દિવસે દિવસે તેમની ભક્તિ વધુ ને વધુ ગાઢ થવા લાગી.
લક્ષ્મણાસ્વયંવર
(દ્રૌપદી શ્રીકૃષ્ણની પત્નીઓ રુકિમણી, ભદ્રા, જાંબવતી, સત્યા, સત્યભામા, કાલિન્દી, શૈવ્યા, લક્ષ્મણા, રોહિણી વગેરેને પૂછે છે કે શ્રીકૃષ્ણે તમારું પાણિગ્રહણ કેવી રીતે કર્યું હતું ત્યારે બધી સ્ત્રીઓ પોતપોતાની વિગતો આપે છે, લક્ષ્મણાની વિગતો વધુ રસપ્રદ છે.) દેવર્ષિ નારદ વારે વારે ભગવાનના અવતાર અને તેમની લીલાઓનું કર્યા કરતા હતા. એ મેં સાંભળ્યું, પછી એ વાત પણ જાણી કે લક્ષ્મીજીએ બધા લોકપાલોને બાજુ પર મૂકીને ભગવાનને જ પતિ રૂપે પસંદ કર્યા હતા. એટલે મારું મન ભગવાન પ્રત્યે આકર્ષાયું. મારા પિતા બૃહત્ સેન મારા પર બહુ પ્રેમ વરસાવતા હતા. જ્યારે તેમણે મારા મનની વાત જાણી ત્યારે એક ઉપાય કર્યો. જેવી રીતે પાંડવવીર અર્જુનને મેળવવા માટે દ્રૌપદીના પિતાએ મત્સ્યવેધ યોજીને સ્વયંવર રચ્યો હતો તેવી રીતે મારા પિતાએ પણ એવી જ યોજના કરી. દ્રૌપદીના સ્વયંવર કરતાં અહીં જરા જુદી યોજના હતી. અહીં મત્સ્ય બહારથી દેખાતો ન હતો, પાણીમાં તેનું પ્રતિબિંબ પડતું હતું. આ વાતની જાણ જ્યારે રાજાઓને થઈ ત્યારે ચારે દિશામાંથી હજારો રાજા અસ્ત્રશસ્ત્ર લઈને પોતપોતાના ગુરુઓની સાથે અમારી રાજધાનીમાં આવી ચઢ્યા. તેમની વીરતા અને અવસ્થાને ધ્યાનમાં રાખીને મારા પિતાએ બધાનું સ્વગત કર્યું. મને મેળવવા માટે બધા રાજાઓએ ધનુષબાણ હાથમાં લીધા. એમાંથી કેટલા બધા રાજાઓ તો પણછ પણ બાંધી ન શક્યા. કેટલાકે ધનુષના એક છેડે પણછ તો બાંધી પણ બીજો છેડો જોડી જ ન શક્યા, જરા ઝટકો લાગતાં જ તેઓ જમીન પર પડી ગયા. જરાસંધ, શિશુપાલ, ભીમસેન, દુર્યોધન, કર્ણ —- આ બધાએ પણછ તો ચડાવી પણ તેમને માછલી દેખાઈ નહીં. અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોયું, તે ક્યાં છે તેનો અંદાજ પણ આવ્યો, તેમણે સાવધ રહીને બાણ છોડ્કહ્યું પણ લક્ષ્યવેધ ન થયો, તેમના બાણથી માત્ર સ્પર્શ જ થયો. આમ ભલભલા અભિમાનીઓનો ગર્વ ઓગળી ગયો. મોટા ભાગના રાજાઓએ મને પામવાની ઇચ્છા જતી કરી. લક્ષ્યવેધ પણ માંડી વાળ્યો. ત્યારે શ્રીકૃષ્ણે ધનુષ ઊંચક્યું અને રમતાં રમતાં પણછ ચડાવી, બાણ સજ્જ કર્યું અને પાણીમાં માત્ર એક જ વાર પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું અને માછલી નીચે ફંગોળી. ત્યારે બપોરનો સમય હતો, અભિજિત મુહૂર્ત હતું, તે સમયે ચારે બાજુ જયજયકાર થયો, આકાશમાં દુંદુભિ વાગ્યાં. ઘણા દેવતાઓ આનંદથી છલકાઈ પુષ્પવર્ષા કરવા લાગ્યા. તે સમયે મેં રંગભવનમાં પ્રવેશ કર્યો, પગનાં ઝાંઝર રણઝણી રહ્યાં હતાં. સુંદર ઉત્તમ રેશમી વસ્ત્ર પહેર્યાં હતાં. કેશમાં પુષ્પમાળાઓ પરોવી હતી અને મોં પર લજ્જાપૂર્ણ સ્મિત હતું. મારા હાથમાં રત્નહાર હતો. તેમાં વચ્ચે વચ્ચે સુવર્ણ હતું એટલે તે વારેવારે તે વધુ તેજસ્વી લાગતું હતું. મારા મોં પર કાળા કેશની લટો ખૂબ જ સોહી ઊઠી હતી, મેં એક વાર મોં ઊંચું કરીને જરા સ્મિત સાથે બેઠેલા રાજાઓ પર નજર નાખી ન નાખી અને પછી ધીમેથી વરમાળા કૃષ્ણના ગળામાં પરોવી દીધી. હું તો પહેલેથી કૃષ્ણ પર જ મોહી પડી હતી. જેવી વરમાળા કૃષ્ણના ગળામાં પરોવી ત્યાં મૃદંગ,પખાવજ, શંખ, ઢોલ, નગારાં વાગવા માંડ્યાં, નૃત્યકારો — નૃત્યાંગનાઓએ નૃત્ય કરવા માંડ્યાં, ગાયકોએ ગીત રજૂ કર્યાં. પણ કૃષ્ણને મેં પસંદ કર્યા તે કેટલાક કામાતુર રાજાઓને ન ગમ્યું. તેઓ ક્રોધે ભરાયા. ભગવાને મને રથ પર ચઢાવી દીધી, અને શાર્ઙ્ગ ધનુષ્ય હાથમાં લઈને યુદ્ધ માટે સજ્જ થઈ ગયા, અને મને સીધી દ્વારકા લઈ જવા લાગ્યા. કેટલાક રાજાઓએ પીછો કર્યો પણ તેઓ સાવ નિષ્ફળ થયા. અને મને લઈને શ્રીકૃષ્ણ દ્વારકામાં પ્રવેશ્યા. આખી નગરી અદ્ભુત રીતે શણગારી હતી, એટલાં બધાં ધ્વજ, પતાકા, તોરણ, હતાં કે સૂર્યપ્રકાશ ધરતી સુધી પહોંચ્યો જ ન હતો. મારી ઇચ્છા પાર પડી એટલે મારા પિતાને બહુ આનંદ થયો. તેમણે મિત્રો — સ્વજનોનો ભેટસોગાદો વડે સત્કાર કર્યો. શ્રીકૃષ્ણ પાસે તો શું ન હતું. છતાં મારા પિતાએ બહુ પહેરામણી આપી. દાસદાસી, હાથીઘોડા આપ્યા. મને એમ લાગ્યું કે પૂર્વજન્મમાં મેં બહુ પુણ્ય કર્યાં હશે અને એટલે જ કૃષ્ણ પતિરૂપે મળ્યા.
દેવકીના મૃત પુત્રોનું પુનરાગમન
(શ્રીકૃષ્ણ બલરામની સાથે માતાપિતા — વસુદેવ અને દેવકી પાસે ગયા ત્યારે આ પ્રસંગ બન્યો હતો.) દેવકીએ સાંભળ્યું હતું કે શ્રીકૃષ્ણ મૃત ગુરુપુત્રને યમલોકમાંથી લઈ આવ્યા હતા. હવે દેવકીને કંસે મારી નાખેલા પોતાના પુત્રોની યાદ આવી. તે ભાવવિભોર બની ગઈ, આંખોમાંથી આંસુ ટપકવાં માંડ્યાં. તે બોલી, ‘આજે મારી એક ઇચ્છા પૂરી કરો. કંસે મારી નાખેલા પુત્રો તમે મને લાવી આપો. હું તેમને નિરાંતે જોઉં તો ખરી.’ દેવકીની વાત સાંભળીને શ્રીકૃષ્ણ અને બલરામ યોગમાયાનો આશ્રમ લઈ સુતલમાં પ્રવેશ્યા. દૈત્યરાજ બલિએ જોયું કે સમગ્ર જગતના આત્મારૂપ શ્રીકૃષ્ણ અને બલરામ સુતલમાં આવ્યા છે ત્યારે આનંદ પામીને તરત જ પરિવાર સમેત ભગવાનને પગે પડ્યા. તેમને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને ચરણોદક લીધું, તેમની પૂજા વિવિધ સામગ્રી વડે કરે. ભગવાનનાં ચરણકમળ પોતાના હૃદયે ચાંપ્યાં. તેમની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યાં અને ભગવાનની સ્તુતિ કરી… શ્રીકૃષ્ણે કહ્યું,‘પ્રજાપતિ મરીચિની પત્ની ઊર્ણાએ છ પુત્રને જન્મ આપ્યો હતો. તે બધા દેવતા હતા. આ જોઈ બ્રહ્મા પોતાની પુત્રી સાથે સમાગમ કરવા તત્પર થયા. આ અપરાધ માટે તેમણે બ્રહ્માને શાપ આપ્યો અને તે અસુર જાતિમાં હિરણ્યકશિપુના પુત્ર રૂપે જન્મ્યા. યોગમાયાએ તેમને ત્યાંથી લાવીને દેવકીના ગર્ભમાં મૂકી દીધા. તેઓ જન્મ્યા કે તરત કંસે તેમને મારી નાખ્યા. હવે માતા દેવકી એ પુત્રો માટે શોક કરી રહી છે, અમે તેનું દુઃખ દૂર કરવા તેમને અહીંથી લઈ જઈશું. પછી તેઓ જ્યારે શાપમુક્ત થશે ત્યારે પોતપોતાના લોકોમાં જતા રહેશે. તે છએનાં નામ છે — સ્મર, ઉદ્ગીથ, પરિષ્વગ, પતંગ, ક્ષુદ્ભુત અને ઘૃણિ. મારી કૃપા વડે તેમની સદ્ગતિ થશે. પછી દૈત્યરાજે બંનેની પૂજા કરી. કૃષ્ણ અને બલરામ બાળકોને લઈ દ્વારકા આવ્યા અને દેવકીને તે બાળકો આપી દીધાં.