સંવાદસંપદા

Revision as of 13:59, 14 October 2023 by Atulraval (talk | contribs)


Samvaad Sampadaa Title1.jpg


સંવાદસંપદા

નામાંકિત વ્યક્તિઓ સાથેના શ્રાવ્ય અને મુદ્રિત સંવાદો
આરાધના ભટ્ટ


મારા અપ્રકાશિત સંવાદોનો સંચય અહીં પ્રસ્તુત કરતાં આનંદ અને કૃતજ્ઞતા અનુભવું છું. આ સંવાદો અપ્રકાશિત એ અર્થમાં છે કે એ પુસ્તકાકારે પ્રગટ નથી થયા. અહીં સમાવાયેલા ઘણાખરા સંવાદો મુદ્રિત સ્વરૂપે ‘નવનીત સમર્પણ’માં પ્રગટ થતા આવ્યા છે. ૨૦૦૭માં સિડની ખાતે મેં ‘સૂર સંવાદ ગુજરાતી રેડિયો’ની શરૂઆત કરી અને એ યાત્રા સતત પંદર વર્ષ ચાલી. રેડિયો પ્રસારણના પોડકાસ્ટ દ્વારા એક વિશ્વવ્યાપી શ્રોતાસમૂહ ઊભો થયો. એ સમયમાં થયેલા સંવાદોનાં ચાર પુસ્તકો જે પૈકી ત્રણ પુસ્તકો નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા અને એક પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રગટ થઇ ચૂકયાં છે. રેડિયોને વિરામ આપી ઓગસ્ટ ૨૦૨૩થી ‘અક્ષર આરાધના’ યુટ્યુબ ચેનલના માધ્યમથી શ્રોતાઓ સાથે જોડાવાનું શરુ કર્યું, એ જ અરસામાં મારા સંવાદો ડિજીટલ સ્વરૂપે વાંચી અને સાંભળી શકાય એ પ્રકારનું આયોજન કરવાનો પ્રસ્તાવ અતુલભાઈએ મૂક્યો ત્યારે લાગ્યું કે સંવાદોને આ રીતે સંગ્રહિત કરવા એ સમયસરનું પગલું છે. ત્રણ દાયકાથી પણ વધુ સમયથી ઓસ્ટ્રેલિયામાં વસીને એન.આર.આઈ બનેલ વ્યક્તિ આમ ભારતના અને અન્ય દેશોમાં વસતા ભારતીય કે ગુજરાતી મૂળના વ્યક્તિઓ સાથે સંવાદ શું કામ કરે? ‘બહુરત્ના વસુંધરા’- આપણી ધરતી અનેક માનવરત્નોથી પુલકિત છે. આપણા સંસ્કૃતિક ધનને પોંખવાનો આ ઉપક્રમ તો છે જ, એ ઉપરાંત મનમાં એવું પણ છે કે સ્થળ-કાળને અતિક્રમે એવા વિચારો-મૂલ્યો સાથે જીવતા અને સમાજને સમૃદ્ધ કરતા વ્યક્તિઓ સાથેના વાર્તાલાપો દ્વારા ગુજરાતીતા અને માનવીયતાનો એક આલેખ ઉભો થાય. વાર્તાલાપો વિજ્ઞાનલક્ષી, કલાલક્ષી, સર્જનલક્ષી અથવા સામાજિક કાર્યોને લગતા ભલે હોય, પણ એ આખરે જીવનલક્ષી બને એવો પણ પ્રયત્ન છે. આ સંવાદયાત્રા અંગતપણે મારે માટે એક વિશ્વવિદ્યાલય બની છે, એ યાત્રા દરમ્યાન સંવાદ કરવાની કળાની સાથે મનુષ્યત્વની મારી સમજણ વિકસી રહી છે, એ મારે માટે આ પ્રવૃત્તિની ઉપલબ્ધિ છે. આવી રહેલા સમયમાં અહીં નવા સંવાદો ઉમેરાશે, એ અર્થમાં આ સરનામું એક જીવંત- લાઈવ સ્થળ છે અને જેટલી વખત આપ એની મુલાકાત લેશો એ દરેક વખતે એમાં કંઇક નવું સાંપડશે એવી શ્રધ્ધા છે. આશા રાખું છું કે આપ સૌ ભાવકો આ પ્રયત્નને આવકાર આપી અમને પ્રોત્સાહિત કરશો.

-આરાધના ભટ્ટ, સિડની , ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩