ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ

From Ekatra Wiki
Revision as of 02:22, 15 January 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


કથાસરિત્સાગરની કથાઓ

(અનુવાદ: ઇચ્છારામ દેસાઈ)


ઉંદર વડે ધનવાન બનેલાની કથા

જે સંયમ રાખે છે તે જ ધન કમાય છે એ કેટલા આશ્ચર્યની વાત છે. હું જ્યારે જન્મ્યો પણ ન હતો ત્યારે મારા પિતાનું મૃત્યુ થયું. મારી મા પાસે જે કંઈ ધન હતું તે બધું દુષ્ટ સગાંઓએ પટાવીફોસલાવીને લઈ લીધું. ત્યારે મારી માતા ભય પામીને ગર્ભની રક્ષા કરતી તેના પિતાના મિત્ર કુમારદત્તને ત્યાં જઈને રહેવા લાગી. તે કુમારદત્તના ઘરમાં પતિવ્રતાના આધાર જેવા મારો જન્મ થયો, મારી માતા કઠણ કાર્યો કરી કરીને મને મોટો કરવા લાગી. હું થોડો મોટો થયો એટલે તે અકિંચન અને લાચાર માતાએ ગુરુને પ્રાર્થના કરીને મને લખતાંવાંચતાં અને થોડું ગણિત શીખવાડ્યાં. હું થોડું ઘણું ભણ્યો એટલે એટલે એક દિવસે મારી માતાએ કહ્યું, ‘દીકરા, તું વાણિયાનો દીકરો છે, એટલે વેપાર કર. આ નગરમાં વિશાખિલ નામનો એક ધનવાન વેપારી છે. કુલીન ઘરના દરિદ્ર લોકોને તે વ્યાપારનો સામાન આપે છે. તું એની પાસે જા અને વેપાર કરવા કંઈક માંગ.’ માતાની વાત સાંભળી હું તે વેપારી પાસે ગયો. તે સમયે વિશાખિલ વાણિયો ક્રોધે ભરાઈને કોઈ વાણિયાના છોકરાને કહી રહ્યો હતો કે ‘અહીં નીચે એક મરેલો ઉંદર પડ્યો છે. ચતુર વાણિયો હોય તે તો આ વેચીને પણ ધન મેળવી શકે છે. અરે દુષ્ટ, મેં તને ઘણી સુવર્ણમુદ્રાઓ આપી હતી, એમાં ઉમેરો કરવાની વાત તો દૂર રહી, તું એ મૂળ મૂડી પણ ગુમાવી બેઠો.’ વાણિયાની વાત સાંભળીને મેં વિશાખિલને કહ્યું, ‘હું તમારી પાસેથી ભાડે આ ઉંદર લઉં છું.’ એમ કહીને મેં મરેલા ઉંદરને હાથ વડે ઊંચકીને એક દાબડામાં મૂક્યો અને એક ખત વાણિયાના ચોપડામાં લખી આપ્યું. મારા આ કાર્યથી વાણિયો હસવા લાગ્યો. મેં બે મૂઠી ચણાના બદલામાં એ ઉંદર કોઈ વાણિયાની બિલાડીને ખાવા આપ્યો. તે ચણા ભાંડભૂજા પાસે શેકાવીને તેના દાળિયા કરાવ્યા. એક ઘડો પાણી ભરી નગરની બહાર મેદાનમાં છાંયડે બેઠો. લાકડાની ભારી લઈને આવનારા થાક્યાપાક્યા કઠિયારાઓને હું નમ્રતાથી ચણા ખવડાવતો અને પાણી પીવડાવતો રહ્યો. દરેક કઠિયારાએ મને પોતપોતાના ભારામાંથી બબ્બે લાકડી પ્રેમથી આપી. બજારમાં કંદોઈને દુકાને એ લાકડાં વેચ્યાં. તે પછી વળી થોડા દાળિયા લઈ બીજે દિવસે પણ કઠિયારાઓને આપી લાકડાં લઈ આવ્યો. થોડા સમયમાં મારી પાસે લાકડીઓનો એક મોટો ભારો થઈ ગયો, અને મેં તે ભારો બજારમાં વેચી દીધો. લાકડીઓ વેચીને મળેલાં નાણાંમાંથી મેં ફ્રી ચણા ખરીદ્યા અને બીજે દિવસે ચૌટે જઈને પાણી પીવડાવવા માંડ્યું. આ પ્રકારે મારી પાસે પૂરતા જથામાં લાકડીઓ એકઠી થઈ ગઈ. આમ દરરોજ મેં ધન મેળવ્યું અને ત્રણ દિવસમાં કઠિયારાઓ પાસેથી બધી લાકડીઓ ખરીદી લીધી. એક વાર બહુ વરસાદ પડ્યો એટલે જંગલમાંથી લાકડીઓ આવતી બંધ થઈ. ત્યારે મેં મારી પાસેની લાકડીઓ મોંઘા ભાવે વેચીને પૂરતું ધન હું કમાયો. એ ધન વડે મેં બજાર ઊભું કર્યું અને વેપારની આવડતથી બહુ ધનવાન હું થઈ ગયો. મેં સોનાનો ઉંદર બનાવીને તે વિશાખિલ શ્રીમંતને ભેટ આપ્યો. તે મારી વેપાર કરવાની આવડત પર ખુશ થયો અને પોતાની દીકરી મારી સાથે પરણાવી. એક મરેલા ઉંદર વડે વેપાર કરવાથી તે નગરમાં હું મૂષક વેપારીના નામે જાણીતો થયો. આમ નિર્ધન હોવા છતાં મેં લક્ષ્મી પ્રાપ્ત કરી. આ સાંભળીને ત્યાં એકત્રિત થયેલા બધા વાણિયા આશ્ચર્ય પામ્યા.

શ્રીદત્ત અને મૃગાંકવતીની કથા

માલવ દેશમાં યજ્ઞસોમ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને બે જનપ્રિય પુત્રો હતા, એકનું નામ કાલનેમિ અને બીજાનું નામ વિગતભય. નાનપણમાં જ પિતાનું મૃત્યુ થયું એટલે વિદ્યાભ્યાસ થયો નહોતો. પછી બંને ભાઈ શૈશવકાળ વટાવીને વિદ્યાપ્રાપ્તિ માટે પાટલિપુત્ર આવ્યા. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી બંનેને તેમના ગુરુ દેવશર્માએ મૂતિર્માન વિદ્યા જેવી પોતાની બે કન્યાઓ આપી. લગ્ન પછી બીજા ગૃહસ્થોને વધુ ધનવાન જોઈ કાલનેમિએ ઈર્ષ્યાવશ થઈ હોમહવન દ્વારા વિધિ કર્યો અને પછી લક્ષ્મીએ પ્રગટ થઈને કહ્યું, ‘તું પૂરતું ધન’ પામીશ અને તારો પુત્ર પૃથ્વીપતિ થશે. પરંતુ આટલું થવા છતાં અંતે તારો વધ ચોરોની જેમ થશે. તેં અગ્નિમાં જે હવન કર્યો છે તે ઈર્ષાથી કલુષિત થયેલા મન વડે કર્યો છે.’ આમ કહીને લક્ષ્મી અંતર્ધાન થઈ ગયાં. કાલનેમિ સમય જતાં ખૂબ ધનવાન થઈ ગયો. થોડા સમયે તેને ત્યાં પુત્રજન્મ થયો. શ્રી એટલે કે લક્ષ્મીના વરદાનથી તે જન્મ્યો એટલે તેનું નામ શ્રીદત્ત પડ્યું, શુક્લપક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ શ્રીદત્ત મોટો થતો ગયો. શ્રીદત્ત બ્રાહ્મણ હોવા છતાં યુવાવસ્થામાં અસ્ત્રશસ્ત્ર વિદ્યાઓમાં તથા બાહુયુદ્ધમાં અપ્રતિમ શક્તિ ધરાવતો થયો. કાલનેમિના બીજા ભાઈની પત્ની સર્પદંશથી મૃત્યુ પામી એટલે તે ખિન્ન થઈ બીજે ચાલ્યો ગયો. શ્રીદત્તના ગુણ જોઈને વલ્લભશક્તિ રાજાએ તેને પોતાના પુત્ર વિક્રમશક્તિનો મિત્ર બનાવ્યો. અત્યંત અભિમાની રાજપુત્ર વિક્રમશક્તિ સાથે શ્રીદત્તની મૈત્રી દુર્યોધન અને ભીમના જેવી હતી. ત્યાર પછી અવંતી દેશના બાહુશાલી વજ્રમુષ્ટિ નામના બે ક્ષત્રિય શ્રીદત્તના મિત્ર બની ગયા. બાહુયુદ્ધમાં જીતાયેલા અન્ય ગુણગ્રાહી દક્ષિણદેશનાઓ તથા મંત્રીપુત્રો શ્રીદત્તનો આશ્રય લેવા લાગ્યા. મહાબળે, વ્યાઘ્રભટ્ટે, ઉપેન્દ્રબળે તથા નિષ્ઠુરકે પણ શ્રીદત્ત સાથે મૈત્રી કરી. એક વેળા વર્ષાઋતુમાં વિહાર કરવા માટે શ્રીદત્ત રાજપુત્ર તથા મિત્રોને ગંગાકિનારે લઈ ગયો. ત્યાં રમતગમતમાં રાજકુમાર વિક્રમશક્તિના સેવકોએ રાજકુમારને રાજા બનાવ્યો અને તે જ વેળા શ્રીદત્તના મિત્રોએ તેને પણ રાજા બનાવ્યો. મદોન્મત્ત રાજકુમારે રોષે ભરાઈને તે વિપ્રવીરને બાહુુયુદ્ધ માટે લલકાર્યો. શ્રીદત્તે એ યુદ્ધમાં રાજકુમારને પરાજિત કર્યો. એટલે ક્રોધે ભરાયેલા રાજકુમારે લડાઈ કરવા શ્રીદત્તને બોલાવ્યો. પરસ્પર મલ્લયુદ્ધ થયું, તેમાં રાજપુત્ર હાર્યો. એથી તેને બહુ માઠું લાગ્યું. તેણે વિચાર્યું, ‘આ બ્રાહ્મણપુત્ર રજપૂતને જીતી જાય એ તો મારે માટે મોટું કલંક કહેવાય. હવે તેનો વધ કરવો ન જોઈએ. ગમે તેવાં કાવતરાં કરીને પણ તેનો ઘડોલાડવો કરી નાખવો જોઈએ.’ રાજકુમારના મનની વાત જાણીને શ્રીદત્ત પોતાના મિત્રો સાથે તેનો સાથ છોડીને દૂર જતો રહ્યો. જતાં જતાં શ્રીદત્તે ગંગાના પ્રવાહમાં સાગર જેવી રીતે લક્ષ્મીને લઈ જાય તેવી રીતે કોઈ સ્ત્રીને તણાતી જોઈ. તે જોઈને બાહુશાલી તથા અન્ય મિત્રોને કિનારે ઊભા રાખીને તે સ્ત્રીને પાણીમાંથી કાઢવા ગંગામાં કૂદી પડ્યો. ડૂબતી સ્ત્રીના કેશ પકડીને શ્રીદત્ત વધુ પાણીમાં ડૂબતી જોઈને તેની પાછળ પાછળ ગયો. ડૂબ્યા પછી ક્ષણવારમાં શ્રીદત્તે ત્યાં એક દિવ્ય શિવમંદિર જોયું, ત્યાં નહોતું પાણી કે ન હતી પેલી સ્ત્રી. આ મહા આશ્ચર્ય જોઈને શ્રીદત્તે શિવને નમસ્કાર કરી થાકેલો હોવાથી તે સુંદર ઉદ્યાનમાં રાત્રિ વીતાવી. સવારે ઊઠીને શ્રીદત્તે જોયું તો સ્ત્રીગુણવાળી સાક્ષાત્ લક્ષ્મી સમાન તે સુંદરી શંકર ભગવાનની પ્રાત:પૂજા માટે આવી હતી. તે ઇન્દુમુખી સ્ત્રી શિવપૂજા કરીને પોતાને ઘેર ગઈ અને શ્રીદત્ત પણ તેની પાછળ પાછળ ગયો. દેવતાઓના નિવાસ જેવું તેનું ભવન જોયું. તેમાં પરપુરુષને જોઈને વ્યગ્ર બનેલી સુંદરી પ્રવેશી. તે સ્ત્રી શ્રીદત્તને કશું કહ્યા વિના એ ભવનના અંદરના ઓરડામાં હજારો સ્ત્રીઓથી ઘેરાઈને પલંગ પર બેસી ગઈ. સાથે આવેલો શ્રીદત્ત પણ એ જ પલંગ ઉપર એની પાસે બેઠો કે તરત તે સ્ત્રીએ એકાએક રડવા માંડ્યું. તેનાં ઉષ્ણ અશ્રુબિન્દુ સ્તનતટ પર પડવાં લાગ્યાં, આમ તેને રડતી જોઈને શ્રીદત્તને દયા આવી. તેણે તેને પૂછ્યું, ‘તું કોણ છે? શું દુઃખ છે? હે સુંદરી, કહે જોઈએ. હું તારું દુઃખ દૂર કરવા સમર્થ છું.’ ત્યારે તેણે શોકગ્રસ્ત થઈને કહ્યું, ‘અમે દૈત્યરાજ બલિની એક હજાર પૌત્રીઓ છે, એમાં સૌથી મોટી વિદ્યુત્પ્રભા હું છું. વિષ્ણુએ મારા પિતામહ બલિને લાંબા સમયથી કેદ કર્યા છે અને મારા પિતાને બાહુયુદ્ધમાં મારી નાખ્યા છે. મારા પિતાને મારીને તે વિષ્ણુએ અમને નગરમાંથી કાઢી મૂક્યાં, એ નગરમાં ન જઈએ એટલા માટે માર્ગમાં એક સિંહ મૂક્યો છે. એ સિંહે આ સ્થળ અને અમારાં હૃદય — બંનેને ભયભીત કરી મૂક્યાં છે. કુબેરના શાપથી યક્ષ મટી આ સિંહ રૂપે અહીં છે. જ્યારે નગરપ્રવેશ માટે અમે વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે તેમણે કહ્યું કે ‘આ સંહિનો મનુષ્યને હાથે પરાભવ થશે ત્યારે આ યક્ષનો શાપ સમાપ્ત થશે.’ એટલે તમે અમારા આ શત્રુ સિંહને પરાજિત કરો અથવા મારી નાખો. હે વીર, એટલે હું તમને અહીં લાવી છું. એ સિંહને તમે મારી નાખશો એટલે મૃગાંક નામની તલવાર તમને મળશે, એના વડે તમે પૃથ્વી પર વિજય મેળવીને રાજા બનશો.’ આ સાંભળીને શ્રીદત્તે ‘ભલે’ કહી તે દિવસ ત્યાં જ વીતાવ્યો અને બીજે દિવસે દૈત્ય કન્યાઓને આગળ કરીને તે નગર ભણી ચાલી નીકળ્યો. ત્યાં બાહુયુદ્ધ કરીને તે ઉદ્ધત સિંહને જીતી લીધો. તે સિંહ શાપમુક્ત થઈ પુુરુષ રૂપે ઊભો રહી ગયો. શાપમુક્ત કરનારા શ્રીદત્ત પર પ્રસન્ન થઈને તે પુરુષ શ્રીદત્તને એક તલવાર આપીને અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી શ્રીદત્ત તે દૈત્યકન્યા અને તેની નાની બહેનો સાથે તે નગરમાં ગયો. દૈત્યકન્યાએ શ્રીદત્તને વિષનિવારણ કરનારી એક વીંટી આપી. ત્યાં રહીને શ્રીદત્તનું હૃદય તે કન્યા તરફ ઢળ્યું. શ્રીદત્તનું હૃદય જાણીને દૈત્યકન્યાએ તેને કહ્યું, ‘તમે આ વાવમાં તલવાર લઈને સ્નાન કરો, જેથી ગ્રાહનો ભય ન રહે.’ દૈત્યક્ન્યાએ કહ્યું એટલે તેણે વાવમાં ડૂબકી મારી અને તે પાછો જ્યાંથી ડૂબકી મારીને ગંગામાં કૂદ્યો હતો ત્યાં જ આવી ચઢ્યો. પાતાળમાંથી ગંગાતટે નીકળેલો શ્રીદત્ત તલવાર અને વીંટી લઈને દુઃખી અને ચકિત થઈ ગયો. તે કન્યાએ તેને ફરી છેતર્યો હતો. ગંગા તટે જે મિત્રોને મૂકીને આવ્યો હતો એમને શોધવા ઘરની દિશામાં નીકળ્યો. રસ્તામાં તેણે નિષ્ઠુરકને જોયો. નિષ્ઠુરકે તેને જોઈને પ્રણામ કર્યા, અને મિત્રોના સમાચાર તેણે પૂછ્યા ત્યારે એકાંતમાં કહ્યું, ‘તમને ગંગામાં ડૂબેલા જોઈ અમે અમારાં ગળાં કાપવા તૈયાર થયા. ત્યારે ‘પુત્રો, આવું સાહસ ન કરો.’ એવી આકાશવાણી થઈ અને તેણે અમને આત્મહત્યા કરતા રોક્યા. અમે તમારા પિતાને આ સમાચાર આપવા જતા હતા ત્યારે રસ્તામાં એક પુરુષે અમને કહ્યું, તમે નગરપ્રવેશ ના કરતા. નગરનો રાજા વલ્લભશકિત અત્યારે મૃત્યુ પામ્યા છે, તેનો પુત્ર વિક્રમશક્તિ મંત્રીઓની શક્તિથી રાજગાદી પર બેઠો છે. રાજગાદીએ બેઠા પછી બીજે જ દિવસે વિક્રમશક્તિએ કાલનેમિ પાસે જઈને પૂછ્યું, ‘તારો પુત્ર શ્રીદત્ત ક્યાં છે?’ કાલનેમિએ ઉત્તર આપતા કહ્યું, ‘હું જાણતો નથી.’ ‘આણે પોતાના દીકરાને સંતાડી દીધો છે.’ એવો આરોપ મૂકીને રાજાએ ક્રોધે ભરાઈને કાલનેમિને શૂળીએ ચઢાવી દીધો છે. તેની પત્નીનું હૃદય આ જોઈને ફાટી પડ્યું. હવે વિક્રમશક્તિ શ્રીદત્ત અને તેનાં મિત્રોની હત્યા કરવા તેને શોધી રહ્યો છે. એટલે તમે લોકો નગરમાં જવાને બદલે બીજે જતા રહો. નહીં તો માર્યા જશો.’ આમ તે પુરુષના કહેવાથી શોકસંતપ્ત બાહુબલી સમેત અમે પાંચે મિત્રો અરસપરસ મંત્રણા કરીને માતૃભૂમિ ઉજ્જૈન તરફ ચાલી નીકળ્યા. તમારા માટે મને સંતાઈ રહેવાની સૂચના આપી. તો ચાલો મિત્રો પાસે ઉજ્જૈન જઈએ. નિષ્ઠુરકની વાત સાંભળીને શ્રીદત્તે માતાપિતાના મૃત્યુ નિમિત્તે દુઃખ વ્યક્ત કર્યું અને પ્રતિકાર કરવાની ભાવનાથી પોતાની દૃષ્ટિ તલવાર પર ફેંકી ત્યાર પછી બદલો લેવાનાં યોગ્ય અવસરની પ્રતીક્ષા કરતો શ્રીદત્ત નિષ્ઠુરકની સાથે પોતાના મિત્રોને મળવા ઉજ્જૈન જવા નીકળી પડ્યો. ગંગામાં ડૂબકી લગાવ્યા પછીની સમગ્ર ઘટના નિષ્ઠુરકને શ્રીદત્ત સંભળાવતો હતો ત્યારે રસ્તામાં એક રડતી સ્ત્રીને જોઈ.

‘હું અસહાય સ્ત્રી છું, માળવા જતાં રસ્તો ભૂલી ગઈ છું.’ તેણે આવું કહ્યું એટલે શ્રીદત્તે દયા કરીને તેને સાથે લઈ લીધી. દયા અને વિનંતીને કારણે શ્રીદત્તે તે સ્ત્રી અને નિષ્ઠુરકને સાથે લઈને શ્રીદત્ત કોઈ ઉજ્જડ નગરમાં રોકાઈ ગયો. આ યાત્રા દરમિયાન એક દિવસ અચાનક રાતે ઊઠીને શ્રીદત્તે જોયું તો તે સ્ત્રી નિષ્ઠુરકને મારી નાખી તેનું માંસ ખાઈ રહી હતી. તે જોઈને શ્રીદત્ત મૃગાંક નામની તલવારથી તેને મારવા ઊભો થયો. તે સ્ત્રીએ પોતાનું રૂપ બદલીને એક ભયાનક રાક્ષસીનું રૂપ ધારણ કર્યું. શ્રીદત્તે એ રાક્ષસીને મારવા તેના કેશ પકડ્યા, તેટલામાં તે સ્ત્રી રાક્ષસીનું રૂપ ત્યજીને એક દિવ્ય સ્ત્રી બની ગઈ, ‘હે મહાભાગ, મને ન મારો. હું રાક્ષસી નથી. મને કૌશિક મુનિનો શાપ હતો. એ 	ઋષિ જ્યારે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે કુબેરે તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે મને મોકલી હતી. તે ઋષિ કુબેરનું પદ મેળવવા તપ કરી રહ્યા હતા. આ સુંદર રૂપથી મુનિને લલચાવવામાં હું અસમર્થ રહી ત્યારે મેં તેમને બીવડાવવા આ ભીષણ રૂપ ધારણ કર્યું: મારું રાક્ષસી રૂપ જોઈને મુનિએ મને શાપ આપ્યો, ‘પાપિણી, તું મનુષ્યોને ખાતી રાક્ષસી બની જા.’ અને ઋષિએ કહ્યું કે ‘શ્રીદત્ત જ્યારે તારા કેશ પકડશે ત્યારે તારા શાપનો અંત આવશે. આ પ્રકારે હું દુઃખદ રાક્ષસીપણાને પામી. લાંબા સમયથી આ નગરને ઉજ્જડ કીધું છે. આજે તમે મારા શાપનો અંત આણ્યો. હવે તમે મારી પાસેથી વરદાન માગો.’

તેની આવી વાત સાંભળીને શ્રીદત્તે આદરપૂર્વક કહ્યું, ‘માતાજી, અત્યારે તો બીજું કયું વરદાન માગું? મારા આ મિત્રને જીવનદાન આપો.’ ‘તથાસ્તુ’ એમ કહી તે અપ્સરા અંતર્ધાન થઈ ગઈ અને નિષ્ઠુરક અક્ષત અંગોવાળો થઈને જીવતો થયો. તેની સાથે જ સવારે ચકિત અને પ્રસન્ન થઈને શ્રીદત્ત ઊઠ્યો અને નિષ્ઠુરકની સાથે ધીરે ધીમે ઉજ્જૈન જઈ પહોંચ્યો. જેવી રીતે મેઘ મયૂરોને આનંદ આપે તેવી રીતે શ્રીદત્તે રાહ જોતા મિત્રોને આનંંદિત કરી મૂક્યા. પોતાનો અદ્ભુત વૃત્તાંત કહ્યા પછી બાહુશાલી વિધિપૂર્વક આતિથ્યસત્કાર કરીને શ્રીદત્તને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં બાહુશાલીના માતાપિતા પોતાનો જ પુત્ર ગણીને તેની આગતાસ્વાગતા કરવા લાગ્યાં. અને શ્રીદત્ત પોતાનું જ ઘર હોય તેમ ત્યાં રહેવા લાગ્યો. એક વેળા ચૈત્ર માસના મહોત્સવના અવસરે શ્રીદત્ત પોતાના મિત્રોને લઈને કોઈ ઉદ્યાનમાં યાત્રા જોવા ગયો. ત્યાં રાજા શ્રીબિમ્બકિની કન્યાને મૂતિર્ લઈ આવતી જોઈ, તે સાક્ષાત્ વસંતલક્ષ્મી જેવી હતી. તેનું રૂપ જોઈ રાજાની આંખો પહોળી થઈ ગઈ. ત્યાર પછી હૃદયમાં પ્રવેશ કરવા માટે રસ્તો આપ્યો હોય તેમ રાજકુમારી મૃગાંકવતી વિકસિત નેત્રો દ્વારા શ્રીદત્તના હૃદયમાં પ્રવેશી. રાજકુમારીની પ્રેમસભર દૃષ્ટિ દૂતીની જેમ શ્રીદત્ત પાસે ખબરઅંતર માટે આવજા કરવા લાગી. હરતીફરતી રાજકુમારી વૃક્ષોની ઘટામાં છુપાઈ જવાને કારણે શ્રીદત્તને વિભ્રમ થયો, તેને કોઈ દિશા દેખાતી ન હતી. ‘મિત્ર, હું તમારું હૃદય પામી ગયો છું. છુપાવો નહીં: જ્યાં રાજકુમારી ગઈ છે ત્યાં જ જઈએ.’ એમ કહી શ્રીદત્તને તેનો મિત્ર બાહુશાલી પાસે લઈ ગયો. એટલામાં જ ‘અરે! રાજકુમારીને સાપે ડંખ માર્યો છે.’ એવો કોલાહલ થવા માંડ્યો. એ સાંભળીને શ્રીદત્તના હૃદયને સંતાપ થયો. બાહુશાલીએ રાજકુમારીના કંચુકીને કહ્યું, ‘મારા આ મિત્ર પાસે ઝેર ઉતારે એવી વીંટી છે અને તે ઝેર ઉતારવાની વિદ્યા પણ જાણે છે.’ એટલે તે કંચુકી શ્રીદત્તના પગે પડીને તેને રાજકુમારી પાસે લઈ ગયો. શ્રીદત્તે જઈને રાજકુમારીની આંગળીમાં વીંટી પહેરાવી દીધી અને મંત્રપાઠ કર્યો. એટલે તે પુનર્જીવન પામી. રાજકુમારી સાજી થઈ ગઈ એટલે ત્યાં એકઠા થયેલા સૌ લોકો આનંદ પામી શ્રીદત્તની પ્રશંસા કરવા લાગ્યા. આ સમાચાર સાંભળી રાજા બિંબકી પણ ત્યાં આવી પહોંચ્યા. તેઓ આવ્યા એટલે શ્રીદત્ત વીંટી લીધા વિના જ મિત્ર બાહુબાલીની સાથે તેને ઘેર આવી પહોંચ્યો. રાજાએ પ્રસન્ન થઈને શ્રીદત્ત માટે જે સુવર્ણાલંકારો મોકલ્યા હતા તે બધા શ્રીદત્તે બાહુશાલીના પિતાને આપી દીધા. ત્યાર પછી શ્રીદત્ત રાજકુમારીના વિરહમાં એટલો બધો વ્યાકુળ રહેવા લાગ્યો કે તેના મિત્રો કિંકર્તવ્યમૂઢ થઈ ગયા. થોડા સમય પછી રાજકુમારીની પ્રિય સખી ભાવનિકા વીંટી પાછી આપવાના બહાને શ્રીદત્તને મળી અને તે બોલી, ‘હે સૌભાગ્યશાળી, મારી સખીને જીવતદાન આપનારા તમે તેના સ્વામી થાઓ, નહીંતર તેનું મૃત્યુ થશે એમાં કોઈ શંકા નથી.’ ભાવનિકાની વાત સાંભળીને શ્રીદત્ત, બાહુશાલી, ભાવનિકા અને બીજા મિત્રો મંત્રણા કરવા લાગ્યા. ‘આપણે કોઈ રીતે, રાજકુમારીનું હરણ કરીએ અને પછી છાનામાના મથુરા જઈએ.’ કાર્યસિદ્ધિ માટે આવી સર્વસંમતિ મેળવીને ભાવનિકા ઘેર પાછી ગઈ. બીજે દિવસે બાહુશાલી પોતાના ત્રણ મિત્રો સાથે વેપારના નિમિત્તે મથુરા જતો રહ્યો. મથુરા જવાના માર્ગે સ્થળે સ્થળે વાહનોની વ્યવસ્થા કરી રાજપુત્રીના લાવવા માટે વ્યવસ્થા કરી. રાજકુમારીના આવાસમાં શ્રીદત્તે એક છોકરીવાળી સ્ત્રીને સુરાપાન કરાવી મોકલી. રાજકુમારીને ગુપ્ત રીતે બહાર લઈ ગઈ. બહાર પ્રતીક્ષા કરી રહેલા શ્રીદત્તે તે જ વેળા બે મિત્રો સાથે આપી. તેની સાથે ભાવનિકાને પહેલેથી રવાના થયેલા બાહુશાળી પાસે મોકલી. ઘેર વેપારના નિમિત્તે મથુરા જતો રહ્યો. મથુરા જવાના માર્ગે સ્થળે વ્યવસ્થા કરી. શ્રીદત્તે કન્યા સાથે કોઈ ગાંડી સ્ત્રીને મૂકી અને આગ લગાડી. રાજકુમારીના આવાસમાં મોકલી. ભાવનિકાએ દીવો સળગાવીને આગ લગાડી, રાજકુમારીને આગળ જઈ પહોંચેલા બાહુશાળી પાસે મોકલી આપી. તેની સાથે ભાવનિકા પણ ગઈ. ત્યાં લોકોએ ભાવનિકાની સાથે રાજકુમારી સળગી ગઈ એમ માની લીધું અને સવારે ત્યાં શ્રીદત્તને પણ જોયો. બીજી રાત્રે શ્રીદત્ત મૃગાંક નામની તલવાર લઈને પહેલેથી ભાગી નીકળેલી પ્રિયાને મળવા ચાલી નીકળ્યો. ઉત્સુક શ્રીદત્ત એક જ રાતમાં લાંબો રસ્તો વટાવીને સવારે એક પ્રહર વીત્યે વિંધ્યાચલના વનમાં પ્રવેશ્યો. નીકળતી વખતે શ્રીદત્તને અપશુકન થયા હતા અને પછી ભાવનિકાની સાથે આક્રમણથી ઘવાયેલા મિત્રોને જોયા. તેમણે ગભરાઈને કહ્યું, ‘અમને બહુ મોટા અશ્વદળે લૂંટી લીધા છે. અમે ઘવાયા એટલે એક અશ્વારોહી સૈનિક રાજકુમારીને અશ્વ પર બેસાડીને જતો રહ્યો. એટલે તે લોકો બહુ દૂર જતા રહે તે પહેલાં તું આ માર્ગે નીકળી પડ. અમારી પાસે ન રોકાતો. તેની રક્ષાનો વિચાર પહેલાં કરવાનો.’ આમ મિત્રોએ શ્રીદત્તને મોકલ્યો. થોડે આગળ તે અશ્વદળને જોયું અને તે ઝડપથી રાજકન્યાને હરનારની પાછળ પડ્યો. તેની વચ્ચે એક ક્ષત્રિય યુવાનને જોયો. તેણે પકડેલી રાજકુમારીને પણ શ્રીદત્તે જોઈ અને ધીરે ધીરે તે બંનેની પાસે આવી પહોંચ્યો. શાંતિપૂર્વક તેણે કહ્યું કે તું આ રાજકુમારીને મૂકી દે. પણ તેણે ન માન્યું. તે યુવકને પગ વડે ખેંચી પથ્થર પર પછાડ્યો અને ઘોડા પરથી નીચે ફંગોળી તેને મારી નાખ્યો. તેને મારીને તેના જ ઘોડા પર સવાર થઈને બીજા ઘોડેસ્વારોને પણ માર્યા. બચી ગયેલા સૈનિક શ્રીદત્તનાં અમાનવીય પરાક્રમ જોઈને ભય પામીને આમ તેમ ભાગી ગયા. અશ્વારુઢ શ્રીદત્ત રાજકુમારીને લઈને મિત્રો પાસે પાછો ફર્યો. થોડે દૂર ગયા પછી યુદ્ધમાં ઘાયલ ઘોડો મરણ પામ્યો. ત્યાં ઊતર્યા પછી તેની પ્રિયા મૃગાંકવતીને ભય અને ધાકને કારણે તરસ લાગી. શ્રીદત્ત મૃગાંકવતીને ત્યાં બેસાડીને આમતેમ પાણી શોધવા દૂર ગયો. પાણી શોધતાં શોધતાં સાંજ પડી, સૂર્ય આથમી ગયો. પાણી મળ્યા પછી તે રસ્તો ભૂલી ગયો, અને શ્રીદત્તે ચક્રવાકની જેમ તરફડતાં અને પ્રિયા પ્રિયા બોલતાં રાત વીતાવી. સવારે મરી ગયેલો ઘોડો તેણે જોયો પણ ત્યાં પોતાની કાંતા ક્યાંય ન હતી. ત્યારે શ્રીદત્ત મૃગાંક તલવાર ઝાડના થડ આગળ મૂકી ઝાડ પર ચઢ્યો. તે વખતે તે રસ્તે થઈને કોઈ પારધિનો સેનાધિપતિ આવ્યો અને તેણે ઝાડના થડ આગળ મૂકેલી તલવાર લઈ લીધી. તેને જોઈને શ્રીદત્તે ઝાડ પરથી ઊતરીને ભીલને મૃગાંકવતીના સમાચાર પૂછ્યા. ‘અહીંથી તમે મારે ગામ આવો. મોટે ભાગે તે ત્યાં ગઈ હશે. હું ત્યાં જ જઉં છું અને તમારી તલવાર પણ પછી આપું છું.’ આમ કહી તેણે શ્રીદત્તને પોતાને ગામ મોકલ્યો, તેના માણસો સાથે તે ગામમાં જઈ પહોંચ્યો. તેના માણસોએ ‘ચાલો, આરામ કરો.’ એટલે શ્રીદત્ત સૂઈ ગયો. જાગીને જોયું તો તેના પગ સાંકળ વડે બાંધેલા હતા. જાણે મૃગાંકવતીનો પત્તો ન મેળવી શક્યો એટલે તેના પગને શિક્ષા કરી. ઘડીકમાં સુખ આપનારી અને ઘડીકમાં દુઃખ આપનારી મૃગાંકવતી દૈવગતિ સમાન છે એમ વિચારતો શ્રીદત્ત બંધાયેલા પગ સાથે પડી રહ્યો. આમ વિચારી રહેલા શ્રીદત્ત પાસે મોચનિકા નામની દાસીએ આવીને કહ્યું, ‘હે મહાભાગ, તમે અહીં મરવા માટે કેમ આવ્યા છો? તે ભીલરાજ કોઈ કાર્ય માટે ક્યાંક ગયો છે અને આવીને ચંડિકા દેવીને તમારો બલિ ચઢાવશે. એટલે તમને વિંધ્યના વનમાંથી અહીં ચતુરાઈથી મોકલ્યા અને કેદ કર્યા છે. દેવીને તમારું બલિદાન આપવાનું છે એટલે ઉત્તમ ભોજન અને વસ્ત્રોની વ્યવસ્થા કરી છે. જો તમે માનો તો એક રીતે બચી શકો. એ ભીલરાજની સુંદરી નામે એક કન્યા છે. તે તમને જોઈને કામવિહ્વળ થઈ ઊઠી છે. મારી એ સખી સાથે તમે લગ્ન કરી લો તો તમારું કલ્યાણ થશે.’ શ્રીદત્તે આ વાત માની લીધી અને ગાંધર્વવિવાહ કરી લીધો. તે સુંદરી દરરોજ રાતે શ્રીદત્તની સાંકળો ખોલી નાખતી હતી, થોડા દિવસોમાં તે સગર્ભા થઈ. કેટલાક દિવસો પછી સુંદરીની માતાએ મોચનિકા દ્વારા બધી વાત જાણી અને જમાઈને સ્નેહપૂર્વક કહ્યું, ‘પુત્ર, સુંદરીનો પિતા શ્રીચંડ બહુ ક્રોધી છે. તે તને છોડશે નહીં, એટલે તું જા પણ સુંદરીને ભૂલીશ નહીં.’ એમ કહી સાસુએ શ્રીદત્તને છોડાવ્યો, ભીલરાજા પાસે પોતાની તલવાર છે એ માટે સુંદરીને સમજાવી, ચિંતાતુર હૈયે મૃગાવતીનો પત્તો મેળવવા વિંધ્યવનમાં ગયો. જતી વેળાએ તેને શુકન થયા, તે મરેલા ઘોડા આગળ અને જ્યાં મૃગાંકવતીને ઊભી રાખી હતી તે જગાએ જઈ પહોંચ્યો, ત્યાં એક વ્યાધ સામેથી આવી રહ્યો હતો એટલે તેણે તેને મૃગાંકવતીના સમાચાર પૂછ્યા. ‘શું તમે જ શ્રીદત્ત છો?’ તેણે આમ પૂછ્યું એટલે શ્રીદત્તે લાંબો નિઃશ્વાસ નાખીને કહ્યું, ‘હા, હું એ જ મંદભાગી શ્રીદત્ત છું.’ તે વ્યાધે કહ્યું, ‘મિત્ર, કહું છું, સાંભળો. તમારું નામ લઈને રડતી તમારી પત્નીને આમતેમ ભટકતી મેં જોઈ. તેની પાસેથી બધી વાત સાંભળીને, તેને સમજાવીને હું મારે ગામ લઈ ગયો. ત્યાં યુવાન ભીલોને જોઈ મને બીક લાગી એટલે હું તેને વિશ્વદત્ત પાસેના નાગસ્થળ નામની જગ્યાએ લઈ ગયો. ત્યાં વિશ્વદત્ત નામના વૃદ્ધ બ્રાહ્મણને ત્યાં ગૌરવપૂર્વક અમાનત તરીકે મૂકીને તેની પાસેથી જ તમારું નામ સાંભળીને હું તમને શોધવા અહીં આવ્યો છું. હવે તમે નાગસ્થળ જાઓ.’ તેની વાત સાંભળીને શ્રીદત્ત તરત જ ત્યાંથી નીકળી પડ્યો અને બીજે દિવસે સાંજે નાગસ્થળ પહોંચી ગયો. ત્યાં વિશ્વદત્તને ઘેર જઈ કહ્યું, ‘વ્યાધે તમને સોંપેલી મારી પત્ની આપો.’ તે સાંભળીને વિશ્વદત્તે કહ્યું, ‘મથુરામાં મારો એક મિત્ર છે. તે ઉપાધ્યાય છે અને રાજા શૂરસેનનો મંત્રી પણ છે. તેને ત્યાં તારી પત્નીને હું મૂકી આવ્યો છું. આ ગામ નિર્જન છે, અહીં તેની રક્ષા ન થાત, તું સવારે ત્યાં જજે, રાત અહીં જ ગાળ.’ વિશ્વદત્તે આમ કહ્યું એટલે શ્રીદત્તે રાત ત્યાં જ ગાળી અને બીજે દિવસે સવારે તે મથુરા જઈ પહોંચ્યો. રસ્તો લાંબો હતો એટલે મેલોઘેલો — થાકેલો શ્રીદત્ત નગરની બહાર જ રોકાઈ ગયો અને સ્વચ્છ વાવમાં નહાવા પડ્યો. સ્નાન કરતી વખતે ચોરોએ સંતાડેલાં કેટલાંક વસ્ત્ર તેને મળ્યાં, એમાં એક છેડે બાંધેલો કિંમતી હાર હતો. શ્રીદત્તની નજરે તે ન પડ્યો. એ વસ્ત્રો લઈને મૃગાંકવતીને મળવાની ઇચ્છાથી તે મથુરામાં પ્રવેશ્યો. તે વસ્ત્રો અને ચોરોએ છુપાવેલા હારને કારણે નગરરક્ષકોએ તેને પકડ્યો, અને એ બધા સાથે નગરાધિપતિ આગળ તેને લઈ ગયા. તેણે રાજાને સમાચાર જણાવ્યા અને રાજાએ તેને વધસ્તંભે લઈ જવાની આજ્ઞા આપી. નગારાના અવાજ સાથે શ્રીદત્તને ફાંસીના માંચડે લઈ જતા હતા ત્યારે મૃગાંકવતીએ તેને જોયો, રાજ્યના બીજા જે મંત્રીને ત્યાં રહેતી હતી તેની પાસે જઈને તે કહેવા લાગી, ‘મારા પતિને ફાંસીના માંચડે લઈ જાય છે.’ તે મંત્રીએ પોતાની આજ્ઞા વડે મારાઓને રોક્યા અને રાજાને જણાવી શ્રીદત્તને દંડયુક્ત કરી પોતાને ઘેર બોલાવ્યો. ‘અરે, આ તો પૂર્વે બીજા દેશમાં જઈને વસેલા મારા કાકા વિગતભય અહીં કારભારીની પદવી પામ્યા છે.’ શ્રીદત્તે પૂછપરછ કરીને મંત્રીને ઓળખી કાઢ્યા. અને તેમને પગે પડ્યો. તે મંત્રી પોતાના ભત્રીજાને જોઈને આશ્ચર્ય પામ્યો, તેને ભેટી પડ્યો. પછી બધા સમાચાર પૂછ્યા. એટલે શ્રીદત્તે પિતાની હત્યા સુધીના સમાચાર જાણીને તેમણે આંસુ સાર્યાં અને એકાંતમાં કહ્યું, ‘હે પુત્ર, તું કોઈ વાતે મુંઝાઈશ નહીં. મને યક્ષિણી પ્રસન્ન થયેલી છે અને તેણે મને પાંચ હજાર ઘોડા અને સાત કરોડ સુવર્ણમુદ્રાઓ આપી છે. મારે કોઈ પુત્ર નથી. એટલે આ બધું ધન તારું.’ એમ કહી કાકાએ ભત્રીજાને બધું ધન આપી દીધું. શ્રીદત્તે પણ ધન મેળવીને મૃગાંકવતી સાથે લગ્ન કર્યું. તે પત્ની સાથે ત્યાં જ રોકાઈ ગયો અને રાત્રે ચંદ્રના પ્રભાવે ખીલતા કુમુદની જેમ આનંદિત અને પ્રફુલ્લિત રહેવા લાગ્યો. પુષ્કળ ધન મેળવેલા શ્રીદત્તના હૃદયમાં બાહુશાલી અને બીજા મિત્રોની ચિંતા ચંદ્રકલંકની જેમ ખૂંચતી હતી. એક વેળા કાકાએ એકાંતમાં શ્રીદત્તને કહ્યું, ‘દીકરા, રાજા સૂરસેનની એક જ કન્યા છે. રાજાની આજ્ઞાથી હું તેને અવન્તી દેશમાં લઈ જવાનો છું. આ બહાને તેનું હરણ કરીને હું તને આપીશ. પછી તેનું સૈન્ય આવશે તો આપણે તેમને જીતી લઈશું. એટલે લક્ષ્મીજીએ તને રાજ્ય મળવાની જે વાત કરી તે સફળ થશે.’ આવું નક્કી કરીને કાકા વિગતભય અને ભત્રીજો શ્રીદત્ત સૈન્ય અને લગ્નસામગ્રી સાથે ઉજ્જયિની જવા નીકળ્યા. કાકાએ કહ્યું, ‘આ પ્રકારે તે રાજાની સેના અને મારી સેના મેળવીને તું રાજ્ય મેળવીશ, જાણે લક્ષ્મીએ તારા માટે આદેશ આપ્યો છે.’ આ બંને જ્યારે વિંધ્ય પર્વતના અરણ્યમાં પહોંચ્યા ત્યારે ચોરડાકુઓની એક મોટી સેનાએ બાણવર્ષા કરીને તેમને અટકાવ્યા. સૈનિકો ભાગી ગયા, આઘાતથી મૂચ્છિર્ત શ્રીદત્તને ચોરો હાથપગ બાંધીને પોતાને ગામ લઈ ગયા. ત્યાં લઈ જઈને ચંડિકાના એક ભયાનક મંદિરમાં તેનો બલિ ચઢાવવા લઈ ગયા. ત્યાં જાણે તેના મૃત્યુનું આહ્વાન કરતો ઘંટનાદ થઈ રહ્યો હતો. ત્યાં ભીલરાજની પુત્રી સુંદરી બાળકને લઈને બલિદાનનું દૃશ્ય જોવા આવી. પિતાના મૃત્યુ પછી તે રાજ કરતી હતી. આનંદિત થયેલી સુંદરીએ તે લૂંટારાઓને વધ કરતા અટકાવ્યા. શ્રીદત્ત હર્ષ અનુભવતો સુંદરીને ત્યાં ગયો. ચોરોથી ત્રસ્ત કાકા તથા સેનાસામગ્રી સાથે શ્રીદત્તે મૃગાંક તલવાર પણ મેળવી. શ્રીદત્ત શૂરસેનની કન્યા સાથે વિવાહ કરીને તે નગરનો મોટો રાજા બન્યો. પછી સાસરિયાના દૂતોને મારી નાખ્યા. શ્રીદત્તે રાજા બિંબકિ અને શૂરસેનને ત્યાં પોતાના દૂત મોકલ્યા. પોતાની કન્યાઓ માટેના સ્નેહને કારણે બંને રાજા પોતાની સેના-સામગ્રી સાથે વિવાહ માટે ત્યાં આવ્યા. વિખૂટા પડેલા બાહુશાલી અને બીજા મિત્રો પણ ઘા રુઝાયા પછી સ્વસ્થ થઈ શ્રીદત્ત પાસે આવી પહોંચ્યા. ત્યાર પછી સસરાઓ અને તેમની સાથે શ્રીદત્તે પોતાના પિતાના હત્યારા અને દુશ્મન પાટલીપુત્ર નરેશ વિક્રમશકિતને પોતાના ક્રોધાગ્નિમાં હોમી દીધો. ત્યાર પછી સમુદ્ર સુધીની પૃથ્વીનું રાજ્ય મેળવીને શ્રીદત્ત સમ્રાટ બની ગયો અને આનંદ કરવા લાગ્યો.

લોહજંઘની કથા

આ દેશમાં કંસના શત્રુ શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા નામની નગરીમાં રૂપણિકા નામની વારવનિતા (વારાંગના) રહેતી હતી. તેની માતા મકરદંષ્ટ્રા નામે વૃદ્ધા કુટ્ટની હતી. તે રૂપણિકાના રૂપ અને ગુણો પર આકર્ષાયેલા કામુકોની આંખો માટે વિષ સમાન હતી. એક વેળા મંદિરમાં કોઈ દેવની પૂજા માટે રૂપણિકા ગઈ અને ત્યાં દૂરથી એક યુવાનને જોયો. જોતાવેંત તેના હૃદયમાં તે વસી ગયો. તેની માતાએ આપેલા ઉપદેશો અદૃશ્ય થઈ ગયા. મોહવશ થયેલી રૂપણિકાએ પોતાની દાસીને કહ્યું, ‘તું પેલા પુરુષને કહી આવ કે આજે તમે ઘેર આવો.‘ દાસીએ તેનો આ સંદેશ પેલા યુવાનને કહ્યો. તે સાંભળીને તેણે થોડો વિચાર કરીને કહ્યું, ‘હું લોહજંઘ નામનો બ્રાહ્મણ છું. મારી પાસે ધન નથી. એટલે ધનવાનોને જવા યોગ્ય રૂપણિકાને ઘેર મારી પાત્રતા શી?’ દાસીએ કહ્યું, ‘મારી સ્વામિનીને ધન જોઈતું નથી.’ દાસીની આવી વાત સાંભળીને લોહજંઘે તેને ઘેર જવાની હા પાડી. દાસીએ આ સમાચાર સંભળાવ્યા એટલે ઉત્સુકતાથી ઘેર આવીને તેની રાહ જોતી બેઠી. થોડા સમય પછી લોહજંઘ તેને ઘેર ગયો અને કુટ્ટની મકરદ્રટાને આશ્ચર્ય થયું કે આ દરિદ્ર ક્યાંથી આવી ચઢ્યો, કુટ્ટનીની એ વાત કોઈએ ગણકારી નહીં. રૂપણિકા તેને આવેલો જોઈ આનંદ પામી અને ઊભી થઈ, તેનું સ્વાગત કરી પોતાના વિલાસગૃહમાં લઈ ગઈ. લોહજંઘના સહવાસમાં તેને પોતાનો જન્મ સાર્થક થયો હોય તેટલો આનંદ થયો. ત્યાર પછી બીજા પુરુષોનો સહવાસ ત્યજી દઈને તે માત્ર લોહજંઘ સાથે જ પ્રેમમાં ડૂબી ગઈ, તે બ્રાહ્મણ પણ તેના ઘરમાં આનંદપૂર્વક રહેવા લાગ્યો. કન્યાના આવા રંગ જોઈ આખા નગરની બધી જ વારાંગનાઓની શિક્ષિકા મકરદંષ્ટ્રાએ અત્યંત દુઃખી થઈને એક વાર એકાંતમાં રૂપણિકાને કહ્યું, ‘પુત્રી, તું આ નિર્ધનને કેમ ચાહે છે? સારા માણસો શબને અડકે પણ વેશ્યા નિર્ધનને ન સ્પર્શે. ક્યાં સાચો પ્રેમ અને ક્યાં વેશ્યાવૃત્તિ? શું તું વારાંગનાઓનો સિદ્ધાંત પણ ભૂલી ગઈ? પુત્રી, પ્રેમ કરનારી વેશ્યા સંધ્યાની જેમ બહુ વાર સુધી ચમકી નથી શકતી. ઘણો રાગ રાખે તે શોભે નહીં. વારાંગનાએ તો માત્ર ધન માટે જ અભિનેત્રીની જેમ કૃત્રિમ પ્રેમ પ્રદશિર્ત કરવો જોઈએ. એટલે તું આ દરિદ્ર બ્રાહ્મણને જવા દે, તારો વિનાશ ન કર.’ માતાનો ઉપદેશ સાંભળીને રુપણિકા ક્રોધે ભરાઈને બોલી, ‘હે માતા, તું એવું ન બોલ. એ મને જીવ કરતાંય વહાલો છે. મારી પાસે ધન તો પુષ્કળ છે, હજુ વધારે ધન મેળવીને શું કરીશ? એટલે હવે પછી આમ કહીશ નહીં.’ આ સાંભળીને મકરદંષ્ટ્રા મનોમન સળગી ઊઠી, લોહજંઘને ઘરમાંથી કાઢી મૂકવાનું કાવતરું વિચારવા લાગી. થોડા સમય પછી કુટ્ટનીએ રસ્તે જતા કોઈ ધનહીન રાજપુત્રને શસ્ત્રધારીઓથી ઘેરાયેલો જોયો. તેને જોઈ કુટ્ટની તેની પાસે ગઈ અને તેને એકાંતમાં લઈ જઈને કહેવા લાગી, ‘મારે ઘેર એક દરિદ્ર કામીજને અધિકાર જમાવી રાખ્યો છે. તમે મારે ઘેર આવીને એવો કોઈ ઉપાય કરો કે તે ઘરમાંથી જતો રહે, આના બદલામાં તમે મારી દીકરીને સુખ આપજો.’ રાજપુત્રે કુટ્ટનીની વાત સ્વીકારી લીધી અને રૂપણિકાના ઘરમાં પ્રવેશ કર્યો. તે સમયે રૂપણિકા મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. લોહજંંઘ પણ જોગાનુજોગ તે વેળા બહાર ગયો હતો. થોડી વારે તે બેધડક થઈને રૂપણિકાના ઘરમાં પ્રવેશ્યો. ઘરમાં દાખલ થતાંવેંત તેને રાજપુત્રના માણસોએ લાતો મારી અધમૂઓ કરી નાખ્યો. પછી લોહજંઘને પકડીને તેમણે કોઈ ઉકરડામાં ફેંકી દીધો. લોહજંઘ કોઈક રીતે ત્યાંથી ભાગી નીકળ્યો. આ દરમિયાન દેવદર્શનેથી પાછી ફરેલી રૂપણિકા આખી વાત જાણીને બહુ દુઃખી થઈ, પેલો રાજપુત્ર પણ તેને આ દશામાં જોઈ જેમ આવ્યો હતો તેમ ચાલતો થયો. કુટ્ટની પર ખૂબ જ ક્રોધે ભરાયેલો લોહજંઘ કોઈ તીર્થસ્થાને જઈને આત્મહત્યા કરવા ક્યાંક નીકળ્યો. કુટ્ટનીના અપકૃત્યથી લોહજંઘનું હૃદય સળગતું હતું, અને આકાશમાંથી વરસતી ગરમીથી શરીર તપતું હતું. તે ક્યાંક શીતળ છાયાની શોધમાં હતો. તે નિર્જન ધરતી પર ક્યાંય વૃક્ષ દેખાતું ન હતું, ત્યાં કોઈ હાથીની ખાલ નજરે પડી, શિયાળવાંએ હાથીના શબને કોરી નાખ્યું હતું. બંને બાજુએ ખાલ ખુલ્લી હોવાને કારણે હવાની અવરજવરને કારણે ત્યાં ઠંડક હતી. લોહજંઘ પગ આગળ કરીને અંદર પેઠો અને શીતળ લહેરોને કારણે તેને ઊંઘ આવી ગઈ. તે દરમિયાન એકાએક આકાશમાં વાદળ ઊમટી આવ્યાં અને ચારે દિશાઓમાં મુશળધાર વરસાદ પડવા માંડ્યો. હાથીની ખાલ ત્યાંથી આગળ વહીને સમુદ્રમાં જઈ પહોંચી. સમુદ્રમાં તરતી-ડૂબતી તે ખાલને જોઈને ગરુડ જેવા પંખીને તે માંસવાળી લાગી અને અને સમુદ્રની પારના કોઈ ટાપુ પર ચાંચમાં પકડીને લઈ ગયું. ટાપુના કિનારે તે પક્ષીએ ચાંચ વડે તે ખાલને ચીરી તો એ હાથીનું ખાલી ખોખું હતું અને તેની અંદર જીવતો માનવી હતો. તે જોઈને તે પક્ષી તેને ત્યાં જ મૂકીને ઊડી ગયું. પક્ષીએ ચાંચ વડે જે છિદ્ર ર્ક્યું હતું તેમાંથી લોહજંઘ બહાર નીકળ્યો અને આ ઘટનાને નિદ્રા વગરના સપના જેવી માની. એટલામાં તેણે સમુદ્રકિનારે ભમતા અને અચરજથી લીધેલા એ ભયંકર રાક્ષસ જોયા. તેઓ પણ તેને જોઈ ચકિત થયા. રામચંદ્રથી પોતાના કુળનો પરાભવ થયો હતો તે વાત રાક્ષસોને તરત યાદ આવી. આ માણસ પણ સમુદ્ર ઉલ્લંઘી અહીં આવ્યો છે એ વિચારી તેઓ ડરી ગયા. વિચાર કરીને બેમાંથી એક વિભીષણ રાજા પાસે ગયો અને જેવું જોયું હતું તે બધું કહી સંભળાવ્યું. વિભીષણે રામનો પ્રતાપ જોયો હતો ગુપ્તચર રાક્ષસને કહેવા લાગ્યા, ‘તું સમુદ્રતટે જઈને તે મનુષ્યને કહે. આવો, અમારે ત્યાં પધારવાની કૃપા કરો.’ લોહજંઘે શાંત ચિત્તે વિભીષણનો સંદેશ સાંભળ્યો અને તે રાક્ષસની સાથે તે લંકા ચાલી નીક્ળ્યો. લંકામાં જઈને નગરના અનેક સુવર્ણપ્રાસાદો જોઈને તે ચકિત થઈ ગયો. પછી રાજમહેલમાં જઈને રાજા વિભીષણને જોયા. લંકાના રાજા વિભીષણે તેનો આદરસત્કાર કર્યો. આશીર્વાદ પ્રાપ્ત કરીને તેણે પૂછ્યું, ‘હે બ્રાહ્મણ દેવતા! તમે અહીં કેવી રીતે આવી પહોંચ્યા!’ તે સાંભળીને વિદગ્ધ લોહજંઘે કહ્યું, ‘હે રાજન્, હું મથુરાનો બ્રાહ્મણ છું. દરિદ્રતાથી દુઃખી થઈ ભગવાન નારાયણના મંદિરમાં નિરાહાર રહી તપ કર્યું. ભગવાન નારાયણ મને સ્વપ્નમાં આજ્ઞા આપી કહ્યું તું લંકાધિપતિ વિભીષણ પાસે જા, તે મારો ભક્ત છે, તે તને પુષ્કળ ધન આપશે.’ ત્યારે મેં કહ્યું, ‘ક્યાં રાજા વિભીષણ અને ક્યાં હું? હું એમની પાસે જઈશ કેવી રીતે!’ એટલે ભગવાન નારાયણે કહ્યું, ‘તું અત્યારે જા. વિભીષણને તું જોઈ શકીશ.’ આમ સ્વપ્નમાં ભગવાન નારાયણની આજ્ઞા મેળવીને હું જાગ્યો ત્યારે સમુદ્ર પારના સ્થળે હું આવી પહોંચ્યો હતો. આથી વધારે કશું જાણતો નથી.’ આ સાંભળીને તથા સામાન્ય માનવી આમ લંકા આવી ન શકે એમ માનીને વિભીષણે તેને ખરેખર દિવ્ય પ્રભાવવાળો માની લીધો. ‘ઊભા રહો, હું તમને ધન આપીશ.’ એમ કહી વિભીષણે તેને મનુષ્યોનો નાશ કરવાવાળા રાક્ષસો એનું ભક્ષણ કરી ન જાય એટલે ત્યાં રાખ્યો. વિભીષણે રાક્ષસોને સુમેરુ પર્વત પર મોકલ્યા અને ગરુડજાતિના પક્ષીને વાહન તરીકે મંગાવ્યું. તે વાહન લોહજંઘને આપ્યું. લોહજંઘ થોડા દિવસ લંકામાં જ આ પક્ષી પર બેસીને ઊડવાની તાલીમ લેતો રહ્યો, અને સાથે વિભીષણનો સ્વાગત-સત્કાર પણ માણતો રહ્યો. એક વાર તેણે વિભીષણને જિજ્ઞાસાવશ પૂછ્યું, ‘મહારાજ, લંકામાં આખી ધરતી કાષ્ઠમયી કેમ છે?’ તેનો પ્રશ્ન સાંભળીને વિભીષણે કહ્યું, ‘જો તમારે આ જાણવાની જિજ્ઞાસા છે તો સાંભળો. એનું રહસ્ય હું તમને જણાવું. પ્રાચીન કાળમાં કશ્યપપુત્ર ગરુડની માતા વિનતા પ્રતિજ્ઞાને કારણે દાસી બની હતી, તેને દાસીપણામાંથી મુક્ત કરવા ગરુડ અમૃતકળશ મેળવવાની ઇચ્છાથી પિતા પાસે ગયો. તેમને ભોજન માટે પ્રાર્થના કરી એટલે કશ્યપ ઋષિએ કહ્યું, સમુદ્રમાં વિરાટ હાથી અને કાચબા છે, તે તું ખા.’ એટલે ગરુડ સમુદ્રમાં જઈ એ બંનેને લઈ આવ્યો અને કલ્પવૃક્ષની ડાળી પર બેઠો. તેના ભારથી ડાળી તૂટી ગઈ પરંતુ એની નીચે વાલખિલ્ય મુનિ તપ કરી રહ્યા હતા. તેમની રક્ષા કરવા માટે ગરુડે એ ડાળી પોતાની ચાંચમાં પકડી રાખી. તેના પિતાએ કહ્યું, ‘આ ડાળ જ્યાં ત્યાં નાખવાની નથી કારણ કે તેના ભારથી દબાઈને લોકો મરી જશે, એટલે આને માટે તું જળમય જગ્યા જોઈને મૂકજે.’ એટલા માટે એ ડાળી અહીં સમુદ્રકિનારે મૂકી દીધી. તે શાખા ઉપર આ લંકાનગરીનું નિર્માણ થયું. આ કારણે અહીંની ધરતી કાષ્ઠમયી છે.’ વિભીષણ પાસેથી આ કથા સાંભળીને લોહજંઘને સંતોષ થયો. મથુરા જવાની ઇચ્છા ધરાવતા લોહજંઘને વિભીષણે ખૂબ કિંમતી રત્નો આપ્યાં અને મથુરાપતિ ભગવાનને આપવા માટે સોનાનાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ભક્તિપૂર્વક તેને આપ્યાં. વિભીષણ પાસેથી મળેલું આ સઘળું ધન લઈને લોહજંઘ એકી સાથે લાખ યોજન ઊડી શકે એવા ગરુડવંશી પક્ષી પર બેસી ગયો અને આકાશગામી બની સમુદ્ર ઓળંગી સુખપૂર્વક મથુરા પહોંચી ગયો. મથુરા પહોંચીને તે નગરની બહાર ઉજ્જડ વાડીમાં આકાશેથી ઊતર્યો. મેળવેલું બધું ધન ધરતીમાં દાટી દીધું અને ત્યાં જ એ પક્ષીને બાંધી પણ દીધું. વિભીષણ પાસેથી મળેલા રત્નમાંથી એક બજારમાં જઈને ઝવેરીની દુકાને જઈને વેચ્યું અને એમાંથી ભોજન, વસ્ત્ર, અંગરાગની સામગ્રી વગેરે ખરીદ્યાં. વાડીમાં જઈને તેણે ભોજન કર્યું. અને પક્ષીને ખવડાવ્યું. નવાં વસ્ત્ર પહેરીને અંગરાગ, પુષ્પાદિથી સુંદર સજાવટ કરી. સાંજ પડી એટલે હાથમાં શંખચક્રગદાપદ્મ ધારણ કરી એ જ ગરુડ પક્ષી પર બેસી રૂપણિકાના ઘરની છત પર ઊતર્યો. તેણે ઉપર રહીને જ કોઈ ન સાંભળે એવી રીતે કશું કહ્યું. તેનો અવાજ સાંભળીને બહાર આવેલી રૂપણિકાએ રત્નોથી અલંકૃત અને ભગવાનના રૂપે લોહજંઘને તે રાતે જોયો. ‘હું ભગવાન વિષ્ણુ સ્વયં તારા કલ્યાણ માટે આવ્યો છું.’ લોહજંઘે આવું કહ્યું એટલે રૂપણિકાએ તેને પ્રણામ કરીને કહ્યું, ‘મહારાજ, તમારી કૃપા છે. તમે દયા કરીને અહીં પધારો.’ લોહજંઘે ઊતરીને પક્ષીને બાંધી દીધું અને વારાંગનાની સાથે શયનગૃહમાં પ્રવેશ્યો. મોજમજા કરીને થોડા સમય પછી વેશ્યાઆવાસમાંથી નીકળીને લોહજંઘ ફરી પોતાના નિવાસે જઈ પહોંચ્યો. સવાર પડી એટલે રૂપણિકા વેશ્યાએ માન્યું. ‘હું ભગવાન વિષ્ણુની ભાર્યા થઈ હોવાથી દેવી બની ગઈ. હવે મનુષ્યો સાથે વાત પણ ન થાય.’ આમ વિચારી તેને મૌનવ્રત લીધું. તેની માતા મકરદંષ્ટ્રાએ તેની આ હાલત જોઈને પૂછયું, ‘આજે તું મૌનવ્રત લઈને કેમ બેઠી છે? કહે જોઈએ.’ તેણે આગ્રહ કરીને વારંવાર પૂછયું ત્યારે રૂપણિકાએ પટ પાછળથી મૌનનું સઘળું રહસ્ય જણાવી દીધું. કુટ્ટનીને દીકરીની વાત પર વિશ્વાસ ન આવ્યો. પરંતુ તે જ રાતે તેણે પોતાની આંખે ગરુડ પર બેઠેલા વિષ્ણુરૂપી લોહજંઘને જોયો. સવારે પણ પાછળ બેઠેલી રૂપણિકાને બહુ નમ્રતાથી તેણે કહ્યું, ‘દીકરી, ભગવાનની કૃપાથી તું દેવી બની ગઈ. હું તારી મા છું. મને પણ તું મા હોવાનો લાભ આપ. હું વૃદ્ધા છું. આ જ શરીરે સ્વર્ગે જતી રહું એવી વિનંતી ભગવાનને કર.’ રાતે તેણે છદ્મવેશે આવેલા લોહજંઘને રૂપણિકાએ પોતાની માની વિનંતી કહી. એટલે આ બનાવટી દેવ લોહજંઘે પોતાની પ્રિયાને કહ્યું, ‘તારી મા પાપિણી છે, તે સ્પષ્ટ રૂપે સ્વર્ગમાં જઈ નહીં શકે. હા, અગિયારસના દિવસે સ્વર્ગનું દ્વાર ખૂલે છે. તેમાંથી સૌથી પહેલાં શિવભક્તો પ્રવેશી શકે. જો તે શિવગણોના જેવો વેષ ધારણ કરે તો તારી માને તેમની સાથે મોકલી શકાય. એટલે તેનું મસ્તક મુંડાવીને પાંચ ચોટલીઓ રખાવ. ગળામાં હાડકાંનો હાર તથા શરીરનો એક ભાગ મેશથી કાળો કરવાનો અને બીજો ભાગ સિંદુરથી લાલ કરવાનો, તેને નિર્વસ્ત્ર થઈને શિવગણોમાં ભરતી કરાવવાની. જો તે આવી રીતે શિવગણના વેશે મારી સાથે આવે તો હું તેને સ્વર્ગે લઈ જઉં.’ આમ કહી, થોડી વાર રોકાઈ લોહજંઘ જતો રહ્યો. પહેલેથી નક્કી કર્યા પ્રમાણે અગિયારસે સવારે રૂપણિકાએ સ્વર્ગ જવા ઉત્સુક માતાને ગણોનો વેશ ધારણ કરાવી તૈયાર કરી. સાંજે લોહજંઘ એ જ રીતે ક્ષપણિકાને ત્યાં આવ્યો અને રૂપણિકાએ તેને માની સોંપણી કરી. લોહજંઘ તે વિકૃત વેશવાળી કુટ્ટનીને પોતાની સાથે ગરુડ પર બેસાડી આકાશમાં ઊડી ગયો. આકાશમાં ઊડતાં ઊડતાં તેણે એક મંદિર સાથે રોપાયેલા ચક્રચિહ્નવાળા પથ્થરનો થાંભલો જોયો. તે સ્તંભમાં લગાડેલા ચક્રની સહાયથી ધ્વજા જેવી તે કુટ્ટનીને ત્યાં ઊભી રાખી, અને લોહજંઘે તેને કહ્યું, ‘તમે અહીં થોડો સમય ઊભા રહો, હું તમને ગણોના સમૂહમાં દાખલ કરવાની વ્યવસ્થા કરું છું.’ એમ કહી તે ત્યાંથી જતો રહ્યો. આગળ જઈને તેણે એક મંદિર પાસે જોયું. તે જોઈને તે આકાશમાંથી જ બોલ્યો, ‘અરે લોકો, આજે તમારા ઉપર સર્વસંહારિણી મહામારી પડશે. એટલે ભગવાનને શરણે જાઓ.’ આમ આકાશવાણી સાંભળીને બી ગયેલા મથુરાવાસી લોકો સ્વસ્તિ પાઠ કરતા કરતા ભગવાન પાસે બેઠા. તે લોહજંઘ વિહારમાં ઊતરીને પક્ષીને બાંધીને, દેવતાનો નકલી વેશ ઉતારીને સમૂહમાં જઈને ઊભો. ત્યાં ચક્રના સહારે થાંભલા પર ઊભી રહેલી કુટ્ટની વિચારવા લાગી, ‘ન ભગવાન આવ્યા, ન હું સ્વર્ગે ગઈ.’ એમ વિચાર કરીને તે ચીસો પાડવા લાગી અને બી જઈને કહેવા લાગી, ‘હું પડું છું.’ એનો કકળાટ સાંભળીને દેવમંદિરમાં એકઠા થયેલા મથુરાવાસીઓ તેને જ મહામારી માની લઈને વ્યાકુળ થઈને કહેવા લાગ્યા, ‘ના પડીશ, ના પડીશ.’ આમ મહામારી પડશે તો — એનાથી ગભરાયેલા મથુરાવાસીઓએ બાળકો સાથે જેમ તેમ કરીને રાત વીતાવી. સવારે બધા મથુરાવાસીઓએ અને રાજાએ એવા વેશે થાંભલા પર ઊભેલી કુટ્ટનીને જોઈ અને ઓળખી. મહામારીનો ભય દૂર થયો એટલે બધા હસવા લાગ્યા, રૂપણિકા પણ માના સમાચાર સાંભળીને ત્યાં આવી. માને આ પ્રકારે થાંભલા પર ઊભેલી જોઈ તેને અચરજ થયું અને કોઈક રીતે તેને નીચે ઉતારી. ત્યાં એકઠા થયેલા લોકોએ પૂછ્યું એટલે તેણે પોતાની દુર્દશાની વાત કરી. આ અદ્ભુત ઘટનાને કોઈ સિદ્ધ જેવાનો વિનોદ સમજીને બ્રાહ્મણો, વૈશ્યો અને રાજા — બધાએ કહ્યું, ‘અનેક કામીજનોને છેતરનારી આ કુટ્ટનીને પણ જે ઠગી ગયું તે ધન્ય છે. જો તે અત્યારે અહીં હોય તો જાહેરમાં આવે. એને શિરપાવ આપવામાં આવશે.’ આ સાંભળીને જનસમાજમાં ઊભેલો લોહજંઘ આગળ આવ્યો અને લોકોના પૂછવાથી આખી ઘટના કહી સંભળાવી. સાથે મથુરાના રાજાને વિભીષણે આપેલાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ વગેરે ભેટ આપ્યાં. ત્યાર પછી મથુરાના લોકોએ લોહજંઘના આ સાહસ બદલ સંતોષ વ્યક્ત કરી તેને શિરપાવ આપ્યો, રાજાની આજ્ઞાથી રૂપણિકાની સોંપણી કરી. આ પ્રકારે લંકાથી મળેલા રત્નભંડાર વડે અત્યંંત સમૃદ્ધ થઈ, કુટ્ટની મકરદંષ્ટ્રા પર વેર વાળીને પ્રિયાની સાથે મથુરામાં સુખે રહેવા લાગ્યો. (કથાસરિત્સાગર: લંબક-૨)

હંસાવલીની કથા

પૂર્વે કોશલા નામની નગરીમાં વિમલાકર નામનો રાજા હતો, તેના પુત્રનું નામ હતું, કમલાકર. બ્રહ્માએ જાણે તેને કાતિર્કેય, કામદેવ અને કલ્પવૃક્ષને જીતવાની ઇચ્છાથી તેજ, રૂપ, દાનશીલતા વગેરે ગુણો દ્વારા પ્રશંસનીય બનાવ્યો હતો. એક દિવસ બંદીજનો દ્વારા ચારે દિશાઓમાં સ્તુત્ય તે રાજકુમાર સમક્ષ એક ઓળખીતા બંદીજને એક ગાથા આમ સંભળાવી: ‘કમળોને પ્રાપ્ત કરીને જેનો ઉત્સવ થાય છે અને જેની આસપાસ ગુંજતાં પક્ષીઓનું સમૂહગાન થયા કરે છે તે કમલાકરને મેળવ્યા વિના હંસાવલી કેવી રીતે સુખી થઈ શકે?’ આ ગાથાને જ્યારે મનોરથસિદ્ધિ નામનો બંદીજન વારંવાર ગાવા લાગ્યો ત્યારે રાજકુમારે પૂછ્યું, ‘તું આ શું ગાય છે?’ એટલે મનોરથસિદ્ધિ નામના તે બંદીએ રાજકુમારને કહ્યું, ‘દેવ, રખડતો રખડતો એક વાર હું વિદિશા નગરીમાં મેઘમાલી નામના રાજાની ત્યાં જઈ પહોંચ્યો હતો. તે નગરી જાણે લક્ષ્મીની ક્રીડાવાટિકા હતી. ત્યાં હું દર્દુર નામના સંગીતાચાર્યને ત્યાં ઊતર્યો હતો. એક દિવસ વાતચીત કરતાં કરતાં તેમણે કહ્યું, ‘રાજકન્યા હંસાવલીએ મારી પાસેથી એક નવું નૃત્ય શીખ્યું છે. આવતી કાલે સવારે તે તેના પિતા સમક્ષ પ્રદશિર્ત કરશે.’ આ સાંભળીને મને ખૂબ જ જિજ્ઞાસા થઈ, બીજે દિવસે યુક્તિપ્રયુકિતથી તેમની સાથેના રાજપરિવારમાં ભળી જઈ નૃત્યશાળામાં પ્રવેશ્યો. ત્યારે ઉમદાં વાજંત્રોિ વગાડનારા પોતાનાં વાજંત્રોિ વગાડવા લાગ્યા. તબલા પર પડતી થાપની સાથે પિતા સમક્ષ નૃત્ય કરતી, કેસરી કટિવાળી હંસાવલી નામની રાજકુમારી મેં જોઈ. નૃત્ય કરતી રાજકુંવરીના પુષ્પાલંકાર ડોલતા હતા, પાણિપલ્લવ ઉપર નીચે થતા હતા, તે જાણે કામદેવના વૃક્ષની લતા હતી અને યૌવનરૂપી વાયુ વડે ઝોલાં ખાતી હતી. ત્યારે મેં વિચાર્યુ કે, હરણી જેવી આંખોવાળી આ કન્યાને માટે યોગ્ય કુમાર કમલાકર સિવાય બીજો કોઈ પતિ હોઈ જ ન શકે. જો આવી કન્યા અનુપમ રાજકુમારને ન મળે તો પછી કામદેવે પુષ્પધનુષ્ય ધારણ શા માટે કરવું જોઈએ! ‘હું આ વિશે કોઈ ઉપાય કરીશ.’ એમ વિચારતો નૃત્ય પૂરું થયું એટલે હું રાજભવનના આંગણે આવ્યો. ત્યાં એક પડદો ટીંગાડ્યો અને બધાંને જણાવ્યું, ‘આ નગરમાં જો કોઈ પણ મારી સાથે ચિત્ર દોરવામાં સ્પર્ધા કરવા માગતો હોય તેણે આ પટ ચીરી કોઈ ચિત્ર ચિતરવું.’ આ વાત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ. પણ કોઈએ મારા પડદાને ચીરી કાઢ્યો નહીં, પોતાનું પરાક્રમ બતાવ્યું નહીં. પછી રાજાએ મને બોલાવ્યો અને પોતાની કુંવરીના મહેલમાં ચિત્ર બનાવવા માટે મને અધિકારી નીમ્યો. હે રાજા કમલાકર, પછી મેં હંસાવલીના મહેલની ભીંતે તમારું અને તમારા સેવકનું ચિત્ર દોર્યુ. મેં વિચાર્યું કે જો સ્પષ્ટ રીતે બધી વાત હું કરું તો બધા મને ધૂર્ત સમજશે. તે રાજકન્યાને યુક્તિપૂર્વક વાત કરીશ. આમ વિચારી મેં ત્યાં એકને જણને મિત્ર બનાવ્યો, તે ભરોસાપાત્ર, સુંદર અને પાગલ જેવો હતો. મેં તેને શીખવ્યું કે તું રાજમહેલમાં જા પાગલપણાનો ઢોંગ કર અને પછી કમલાકરના ગુણ રાજકન્યા અને તેના ભાઈઓ આગળ ગા. તે ઉન્મત્ત ઘૂમતો, ગાતો, નાચતો ચોમેર ફરવા લાગ્યો. રાજાના કુમારોએ તેની પાસેથી ગમ્મત મેળવવા પોતાની પાસે બોલાવ્યો અને તેની પાસે બહુ ગમ્મત કરાવી. પછી તેને હંસાવલીના મહેલમાં મોકલ્યો. દૂરથી જ આ જોઈ રાજકુમારીએ મનોરંજન માટે તેને પાસે બોલાવ્યો, ત્યાં જઈને અને તમારું ચિત્ર જોઈ તે ગાંડોઘેલો અને કાંગલોકુંગલો થતો તમારી પ્રશંસા કરવા લાગ્યો. તે બોલ્યો, ‘ઓય ઓય બાપલિયા, ધન્ય ઘડી ધન્ય દહાડો. અહા! આજે તો જેના હાથમાં શંખ અને કમળનાં ચિહ્ન છે અને લક્ષ્મીના વિલાસસ્થાન રૂપ કૃષ્ણની પેઠે શંખ ચક્રનાં ચિહ્ન છે અને જે અત્યંત લક્ષ્મીવંત તથા અનન્ત ગુણવંત છે એવા કમલાકરનાં દર્શન થયાં.’ નૃત્ય કરતા એ પાગલના મોઢે આવી વાત સાંભળીને રાજકુમારીએ મને પૂછ્યું, ‘આ ગાંડો કોના ગુણ ગાય છે અને તમે આ ચિત્ર કોનું બનાવ્યું છે?’ જ્યારે તેણે બહુ વિનંતી કરી ત્યારે મેં કહ્યું, ‘જે રાજકુમારના રૂપગૌરવથી આકર્ષાઈને મેં આ ચિત્ર દોર્યું છે, તેમને આ પાગલે ચોક્કસ પહેલાં ક્યાંક જોયા છે.’ આટલું કહીને મેં તેને તમારું નામ જણાવ્યું અને તમારા ગુણોની પ્રશંસા કરી. ત્યાર પછી હંસાવલીના હૃદયમાં કામનાનો નવો અંકુર ફૂટી નીકળ્યો. તે અંકુરને તમારા છલકાતા પ્રેમરસે સારી રીતે સિંચ્યો હતો. તે જ વેળા તેના પિતા ત્યાં આવી ગયા. તે પાગલને આવી રીતે નાચતો-ગાતો જોઈ તે ક્રોધે ભરાયા અને તેની સાથે સાથે મને પણ તેમણે કાઢી મૂક્યો. ત્યાર પછી તો તમારા માટે અતિ ઉત્કંઠિત રહેતી દિવસે દિવસે ગળવા લાગી અને કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ ક્ષીણ થતી ગઈ. હવે તો તેનું લાવણ્ય શેષભર રહી ગયું છે. તેણે યુક્તિપૂર્વક અસ્વસ્થતાનું બહાનું કાઢી પિતાની આજ્ઞા લઈ પાપનાશક ભગવાન વિષ્ણુના મંદિરમાં આશ્રય લઈ એકાંતવાસ સેવવા લાગી. તમારું ધ્યાન નિરંતર ધરવાને કારણે તેની ઊંઘ ઊડી ગઈ, ચંદ્ર અને ચાંદની તેના માટે અસહ્ય થઈ પડ્યાં, દિવસરાતનો ભેદ જાણ્યા વિના તે ત્યાં રહેતી થઈ. એક દિવસ તે મંદિરમાં હું પ્રવેશ્યો એટલે તેણે મને પાસે બોલાવ્યો, વસ્ત્રાભૂષણ આપીને મારો આદરસત્કર કર્યો. તેનો સત્કાર પામીને હું મંદિરની બહાર ચાલ્યો આવ્યો, તેણે મને આપેલાં વસ્ત્રોના છેડે એક ગાથા લખી હતી, તે તમે ફરી સાંભળો. ‘કમળોને પ્રાપ્ત કરીને જેનો ઉત્સવ થાય છે અને જેની આસપાસ ગુંજતાં પક્ષીઓનું સમૂહગાન થયા કરે છે, તે કમલાકરને મેળવ્યા વિના હંસાવલી કેવી રીતે સુખી થઈ શકે?’ આ ગાથા વાંચીને મને તેના ચિત્તનો ખ્યાલ આવી ગયો, તે તમને જણાવવા માટે જ મેં તમને આ ગાથા સંભળાવી છે. આ એ જ વસ્ત્ર છે જેના પર તેણે આ ગાથા લખી છે.’ તે બંદીજને આમ કહ્યું એટલે રાજકુમારે એ ગાથા જોઈ અને જોતાંવેંત હંસાવલી કાન એને નેત્ર દ્વારા તેના હૃદયમાં પ્રવેશી ગઈ. પછી તેનું ધ્યાન ધરીને તે પ્રસન્ન થયો. ઉત્સુક થઈને તેને મેળવવાનો ઉપાય વિચારવા લાગ્યો ત્યાં જ તેના પિતાએ તેને બોલાવી કહ્યું, ‘હે પુત્ર, આળસુ રાજા મંત્રથી અભિભૂત થયેલા જેમ નાશ પામે છે અને નાશ પામ્યા પછી તેનો અભ્યુદય કેવી રીતે થાય? સુખ ભોગવતાં અત્યાર સુધી તેં વિજયની ઇચ્છા કરી નથી. એટલે હું છું ત્યાં સુધી આળસ મૂકી દે અને પુરુષાર્થ કર. તું આગળ જઈ આપણા શત્રુ અંગરાજા પર વિજય મેળવ, તે આપણા પર આક્રમણ કરવા પોતાના રાજ્યની બહાર નીકળી ચૂક્યો છે.’ દેશમાં ગોંધાઈ રહેલો રાજકુમાર પિતાની આ વાત સાંભળીને મનમાં ઘણો પ્રસન્ન થયો. તે શૂરવીર તો હતો જ અને પ્રિયાની દિશામાં જવાની ઇચ્છા ધરાવતા કમલાકરે ‘ભલે’ કહી પિતાની વાતને ટેકો આપ્યો. ત્યાર પછી પિતાની આજ્ઞા લઈને સેના સાથે ધરતીને તથા શત્રુઓના હૃદયને કંપાવતો રાજકુમાર નીકળી પડ્યો. કેટલાય મુકામો પછી તે અંગરાજ સેના પાસે પહોંચ્યો ત્યારે કમલાકરે તેની સાથે યુદ્ધ કર્યું. જેવી રીતે અગસ્ત્ય ઋષિએ સમુદ્રપાન કર્યુ હતું તેવી રીતે રાજકુમારે શત્રુઓના બળને પી લીધું અને આમ શત્રુ પર વિજય મેળવીને અંગરાજને બંદી બનાવ્યો. બંદી અંગરાજને બાંધીને અને તેની સેનાને પોતાના મુખ્ય પ્રતિહારને સોંપી રાજકુમાર કમળાકરે પોતાના પિતાની પાસે બંદી રાજાને મોકલી દીધો, તે પ્રતિહાર દ્વારા જ હવે હું બીજા રાજાઓને જીતવા જઉં છું એવો સંદેશ પિતાને મોકલી દીધો. અને આમ એક પછી એક રાજાઓને જીતીને, તેમની સેના વડે પોતાનું બળ વધારીને કમલાકર વિદિશા નગરી પાસે પહોંચ્યો. ત્યાં રોકાઈને તેણે હંસાવલીના પિતા રાજા મેઘમાલી પાસે તેમની કન્યાનું માગું કરવા દૂત મોકલ્યો. દૂતના મોઢે જાણ્યું કે કમલાકર સજ્જન છે અને મારી કન્યાનું માગું કરવા આવ્યા છે એટલે રાજા પ્રસન્ન થયા અને તેની પાસે ગયા. રાજાએ કમલાકરનો આદરસત્કાર કર્યો અને રાજકુમારે વળતો સત્કાર કર્યો, રાજાએ કહ્યું, ‘જે કાર્ય કોઈ દૂત દ્વારા થઈ શકતું હતું તેને માટે તમે આટલું બધું કષ્ટ કેમ ઉપાડ્યું? હું જાતે પણ આપણા બેના મિલનને ઇચ્છતો હતો. આનું કારણ પણ સાંભળી લો. નાનપણથી જ હંસાવલી ભગવાનની પૂજાઅર્ચનામાં લીન રહેતી હતી. શિરીષપુષ્પોના જેવી કોમલાંગી કન્યાને જોઈ મને ચિંતા થવા લાગી કે આવા ગુણવાળી આ કન્યાને લાયક કોણ યુવાન મળશે? જ્યારે મને યોગ્ય યુવાન દેખાયો નહીં ત્યારે ચિંતાથી મારી ઊંઘ ઊડી જતી હતી અને મને મહાજ્વર લાગુ પડ્યો. એના નિવારણ માટે મેં ભગવાનની પૂજા આદરી, આર્ત બનીને આ દુઃખ દૂર કરવા જણાવ્યું. એક રાત્રે મને આછી ઊંઘ આવી ત્યારે ભગવાને સ્વપ્નમાં મને કહ્યું, ‘હે પુત્ર, જેને માટે તને તાવ આવ્યો છે તે હંસાવલી જ્યારે પોતાના હાથ વડે તને સ્પર્શશે ત્યારે અસાધ્ય તાવ દૂર થઈ જશે. મારી પૂજા કરવાથી તેનો હાથ એવો પવિત્ર થયો છે કે તે કન્યા જેના અંગ પર હાથ ફેરવશે તેનો તાવ અસાધ્ય હશે તો પણ અવશ્ય નાશ પામશે. તું તેના વિવાહની ચિંતા ન કરતો. તેનો પતિ રાજકુમાર કમલાકર થશે, પરંતુ થોડો સમય તેણે કષ્ટ ઉઠાવવું પડશે.’ ભગવાન વિષ્ણુ આમ બોલ્યા એટલે મારી ઊંઘ ઊડી ગઈ. ત્યાર પછી હંસાવલીના હાથનો સ્પર્શ થવાથી મારો તાવ ઊતરી ગયો. આમ તમારા બેનો સમાગમ તો વિધાતાનું જ વિધાન છે. એટલે હું હંસાવલીનું લગ્ન તમારી સાથે ઘણા પ્રેમથી કરીશ.’ એમ કહી અને વિવાહ નક્કી કરીને રાજા મેઘમાલી પોતાના નગરમાં પાછો આવ્યો. અને ઘરના સર્વેને બધી વાત તેણે કહી. હંસાવલીએ પણ તેની વાત છાનામાના સાંભળી. પછી તેણે પોતાની વિશ્વસનીય સખી કનકમંજરીને કહ્યું, ‘તું જઈને જોઈ આવ કે જેનું ચિત્ર આપણે ત્યાં ચિતરાયું છે તે આ જ છે કે કોઈ બીજો છે; સંભવ છે કે એ જ નામનો કોઈ બીજો માણસ સેના લઈને આવ્યો હોય અને પિતાજી ભયને કારણે અર્પણ કરી તો દેતા નથી ને!’ આમ કહી પોતાની સખી કનકમંજરીને કમલાકરને જોવા મોકલી આપી. કનકમંજરીએ માથે જટા બાંધી મૃગચર્મ ઓઢ્યું, જનોઈ પહેરી, હાથમાં રુદ્રાક્ષની માળા લીધી અને એક તાપસીનો વેશ લીધો. અને પછી તે તે રાજકુમારની છાવણીમાં ગઈ. ત્યાં કમલાકરના માણસોએ અંદર ખબર આપી, એટલે જોગણના વેશમાં રહેલી તે સખીએ અંદર જઈને જોયું તો સંસારને જીતનારા મોહનમંત્રાયુધનો અધિષ્ઠાતા દેવ હોય તેવો રાજકુમાર શોભતો હતો. ત્યારે તેની સુંદરતાએ કનકમંજરીનું મન મોહી લીધું. જોતાંવેંત તે સમાધિસ્થ થઈ ગઈ. થોડી વાર જડભરત પેઠે તેની સામે ટગરટગર જોઈ રહી. તે વિચારના વમળમાં પડી ગઈ અને મનમાં જ બોલી, ‘જો આવા પુરુષ સાથે મારું મિલન ન થાય તો ધિક્કાર છે મારા જન્મને. એટલે આ માટે હું યોગ્ય ઉપાય કરું, હવે ગમે તે થાઓ.’ આગળ જઈને કનકમંજરીએ રાજકુમારને આશીર્વાદ આપ્યા અને એક મણિ ભેટ આપ્યો. રાજકુમારે મણિ લઈને તાપસીનો આદરસત્કાર કર્યો. પછી બેસીને તાપસી બોલી, ‘આ ઉત્તમ મણિના ચમત્કાર મેં અનેક વેળા જોયા છે. જેની પાસે આ મણિ હોય છે તેના પર શત્રુના સમર્થ શસ્ત્ર નિષ્ફળ થઈ જાય છે. આવો ઉત્તમ મણિ મેં તમારા ગુણ ઉપર વારી જઈને જ તમને અર્પણ કર્યો છે. તમારા ગુણોને હું ચાહું છું એટલે હું આ તમને સોંપું છું. તે મારા કરતાં વધારે તમને ઉપયોગી છે. માટે લો.’ તાપસી આમ બોલી એટલે રાજકુમારે તેને ભિક્ષાન્ન લેવા કહ્યું પરંતુ મારે એક ઘરની જ ભિક્ષા લેવી એવું મારું વ્રત છે એમ કહી ના લીધી અને તે ત્યાંથી ચાલી નીકળી. પછી તાપસીનો વેશ ઉતારી દીધો અને ગભરાયેલી મુદ્રામાં હંસાવલી પાસે પહોંચી. હંસાવલીએ પૂછ્યું એટલે તે જૂઠું બોલી, ‘બહેન, મારે તો રાજાનું રહસ્ય કહેવા યોગ્ય નથી છતાં તારા પ્રત્યે પ્રેમ હોવાને કારણે કહું છું. તાપસીના વેશે હું રાજકુમારની પાસે ગઈ. ત્યાં પહોંચતાં વેંત એક માણસે સામે ચાલીને મને પૂછ્યું, ‘શું તમે ભૂતવિદ્યા અને તંત્રવિદ્યા જાણો છો?’ તેની વાત સાંભળીને અને બોલનાર પ્રતિહાર જેવો લાગ્યો એટલે મેં કહ્યું, ‘હા, હું સારી રીતે જાણું છું. આવી વાતોની મારી આગળ શી વિસાત?’ પછી હું તે જ વેળા તેની સાથે કમલાકર પાસે ગઈ. જોયું તો તેને ભૂત વળગેલું હતું અને આસપાસના લોકો તેની સેવામાં હતા. તેના માથા પર શંગિડાં હતાં. અને તેની પાસેના માણસો તે છુપાવવાનો પ્રયત્ન કરતા હતા. આ ઉપરાંત તેની પાસે કંઈ મંત્રતંત્રના દોરા અને એક જાદુઈ મણિ બાંધી રાખ્યો હતો. તે જોઈને હું તો ઉદાસ થઈ ગઈ. મેં ધંતરમંતર કરી ખોટી રીતે ભૂતના મારણનો વિધિ કર્યો અને પછી કહ્યું, ‘આવતી કાલે સવારે આવીને એના રોગની શાંતિ કરીશ.’ એમ કહી ત્યાંથી આવતી રહી. તને બધી વાત કરવા આવી છું. હવે તને જે યોગ્ય લાગે તે કર.’ જરાય શંકા વગર હંસાવલીએ આ પ્રમાણેની કૃત્રિમ વાર્તા પોતાની સખીના મોઢે સાંભળી ત્યારે તેને વજ્રાઘાત લાગ્યો. નિરાશ થઈને તે બોલી, ‘હાય રે, મત્સર ભરેલા દૈવ, તું જ્યારે પૂર્ણ સુખના સાગરમાં લહરીઓ ખાતા હોઈએ ત્યારે ઝટપટ તું ડૂબાડી દે છે. ચંદ્રમાનું કલંક પણ તેના સર્જકનો જ દોષ છે. આ રાજકુમારને તો મેં કદી જોયો પણ ન હતો, મેં તેમની પસંદગી પતિરૂપે કરી પણ હવે તેની સામે જોવાનુંય સંભવિત નથી. હવે કાં તો હું મૃત્યુ પામું કે કોઈ વનમાં જતી રહું. હવે તું જ કહે હું શું કરું?’ ધૂ્રજતાં ધૂ્રજતાં હંસાવલીએ આમ કહ્યું ત્યારે માયાવિની કનકમંજરીએ ફરી કહ્યું, ‘તારાં વસ્ત્ર પહેરાવીને તું કોઈ દાસી સાથે એનો વિવાહ કરાવી દે. લોકો જ્યારે લગ્નની ધમાલમાં હશે ત્યારે આપણે બે ક્યાંક ભાગી જઈશું. કોઈને ખબર પણ નહીં પડે.’ આ સાંભળી રાજકુમારી પોતાની દુષ્ટ સખીને કહ્યું, ‘તો પછી તું મારા વેશે રાજકુમાર સાથે વિવાહ કરી લે. તારા સિવાય બીજી ભરોસાપાત્ર કોણ છે?’ આ સાંભળી પાપિણી કનકમંજરીએ કહ્યું, ‘તું ચિંતા ન કર. તમે ખુશ થાઓ તો હું યુક્તિપૂર્વક એમ જ કરીશ. પછી મારું જે થવાનું હશે તે થશે. પરંતુ સમય આવે ત્યારે હું જેમ કહું તેમ જ તું કરજે.’ આમ તેને ધીરજ બંધાવીને અશોકકરી નામની પોતાની વિશ્વાસુ દાસી પાસે ગઈ અને તેને પોતાનું રહસ્ય તેણે જણાવ્યું. કનકમંજરી જેમ કહે તેમ કરવા તે રાજી થઈ ગઈ. તે બંને સખી એ દિવસોમાં ઉદાસ હંસાવલી પાસે રહી. જ્યારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે સાંજે કમલાકર હાથીઘોડા, પદાતિ સૈનિકોને લઈને ભારે દબદબા સાથે પરણવા આવ્યો. બધા વિવાહની ધમાલમાં હતા, શૃંગારસજ્જા કરવાને બહાને કનકમંજરીએ બધી દાસીઓને દૂર કરી અને હંસાવલીને એક ગુપ્ત ખંડમાં લઈ ગઈ અને અશોકકરીનાં કપડાં તેને પહેરાવી દીધાં. પોતાની સખી અશોકકરીને પોતાનો વેશ ધારણ કરાવ્યો. રાત પડી એટલે તેણે હંસાવલીને કહ્યું, ‘આ નગરના પશ્ચિમી દ્વારમાંથી બહાર એક કોશ દૂર જઈશ એટલે શીમળાનું બહુ જૂનું અને પોલું ઝાડ મળશે. ત્યાં જઈને અંદર સંતાઈ જજે, મારા આવવાની રાહ જોજે, કાર્ય પૂરું થઈ જશે એટલે હું તને ચોક્કસ મળીશ.’ હંસાવલીએ આમ કપટી સખીની બધી વાતો માની લીધી, રાત પડી એટલે કનકમંજરીનો વેશ પહેરીને નીકળી પડી. ભરચક વસ્તીથી ભરેલી નગરીના દ્વારમાંથી કોઈ ઓળખે નહીં એમ તે શીમળાના ઝાડ પાસે જઈ પહોંચી. ગાઢ અંધકાર હતો એટલે વૃક્ષના પોલાણમાં ન પ્રવેશી. બીકની મારી તે પાસેના વડના ઝાડ પર ચઢી ગઈ. પાંદડાંની આડ લઈને તે પોતાની કપટી સખીની વાટ જોવા લાગી. તે ભોળી હોવાને કારણે તેનો દુષ્ટ અભિપ્રાય સમજી ન શકી. આ બાજુ જ્યારે લગ્નની ઘડી આવી ત્યારે હંસાવલીનો વેશ ધારણ કરનારી કનકમંજરીને લગ્નમંડપમાં લઈ આવ્યા અને રાજાએ કમલાકર સાથે એનું લગ્ન કરી દીધું. તેણે મોં પર ઘૂમટો તાણી રાખેલો એટલે તેને કોઈ ઓળખી ન શક્યું. વિવાહ પછી શુભ નક્ષત્ર હોવાથી તરત જ રાજકુમાર બનાવટી હંસાવલી અને કનકમંજરીના વેશમાં અશોકમંજરીને લઈને નગરના પશ્ચિમી દ્વારના રસ્તે પોતાના પડાવની જગ્યાએ ચાલી નીકળ્યો. શીમળાના વૃક્ષ પાસે તે આવી પહોંચ્યો, પાસેના વડના ઝાડ પર દગાફટકાનો ભોગ બનેલી હંસાવલી બેઠી હતી. કમલાકરની સાથે એક જ હાથી પર બેઠેલી બનાવટી હંસાવલી જ્યારે શીમળા પાસે પહોંચી ત્યારે ગભરાઈને કમલાકરને કંઠે વળગી પડી. કમલાકરે ગભરામણનું કારણ પૂછ્યું ત્યારે ખોટાં ખોટાં આંસુ સારવા બેઠી. ‘આર્યપુત્ર, મેં સપનામાં જોયું કે શીમળાના ઝાડમાંથી એક બ્રાહ્મણ સ્ત્રી મને ખાઈ જવા માટે મને પકડી રાખે છે. પછી એક બ્રાહ્મણે દોડીને મને બચાવી લીધી. તેણે મને ધીરજ બંધાવતાં કહ્યું, ‘પુત્રી, આ વૃક્ષને સળગાવી દે. જો એમાંથી કોઈ સ્ત્રી નીકળે તો એને પણ એ જ આગમાં હોમી દેજે. આમ કરવાથી તારું સારું થશે.’ ત્યાર પછી તે બ્રાહ્મણ અદૃશ્ય થઈ ગયો અને હું જાગી ગઈ. આ વૃક્ષને જોઈને મને એ સ્વપ્નની યાદ આવી ગઈ. એટલે હું ડરી ગઈ છું.’ તેણે આમ કહ્યું એટલે કમલાકરે પોતાના નોકરોને આજ્ઞા આપી કે આ શીમળાના વૃક્ષની સાથે એ સ્ત્રીને પણ બાળી દેજો.’ સેવકોએ એ વૃક્ષ સળગાવી દીધું, એમાંથી હંસાવલી ન નીકળી એટલે બનાવટી હંસાવલીએ માની લીધું કે હંસાવલી સળગી ગઈ. તે સળગી ગઈ એટલે તેને સંતોષ થયો. કમલાકર તેને સાચી હંસાવલી માનીને પોતાની છાવણીમાં જતો રહ્યો. બીજે દિવસે ત્યાંથી પણ નીકળીને પોતાની નગરી કોશલપુરીમાં જઈ પહોંચ્યો. તેની સફળતાથી સંતોષ પામીને તેના પિતાએ રાજ્ય સોંપી દીધંુ, પિતા ઈશ્વરસ્મરણ કરવા વનમાં ચાલ્યો ગયો. રાજકુમાર બનાવટી હંસાવલીના વેશે કનકમંજરીને પટરાણી બનાવી સમગ્ર પૃથ્વીનું રાજ કરવા લાગ્યો. પણ અહીં કનકમંજરીને મનોરથસિદ્ધિ બંદી ઓળખતો હોવાને કારણે તેને બીક લાગતી હતી. તેણે વિચાર્યું કે જો આ મનોરથસિદ્ધિ મને ઓળખી કાઢશે તો મારો પૂરેપૂરો ભવાડો થશે. એટલે તેને પણ ખોટો ઉપાય કરી રાજમહેલથી દૂરનો દૂર જ રાખ્યો. આ બાજુ હંસાવલીની સ્થિતિ જોઈએ. વડના ઝાડ પર બેસીને તેણે બધી વાતો સાંભળી અને જોઈ, તેને ખ્યાલ આવી ગયો કે મારી સાથે દગો કરવામાં આવ્યો છે, આથી તે બહુ દુઃખી થઈ. જ્યારે ત્યાંથી કમલાકર ચાલ્યો ગયો એટલે હંસાવલીએ વિચાર્યું, મારી આ લુચ્ચી સખીએ દગો કરીને મારા પ્રિયતમને છિનવી લીધો છે. એટલું જ નહીં, તે મને સળગાવીને નિશ્ચંતિ થવા માગતી હતી. સાચું છે: દુર્જન મનુષ્યો પર વિશ્વાસ કરવો કોના માટે હાનિકારક નથી? મારા માટે જ શીમળાનું વૃક્ષ સળગાવી દીધું, તો હવે આ અંગારાઓમાં જ હું અભાગણી આ વૃક્ષના ઋણમાંથી મુક્ત થઈ જઉં. એમ વિચારી તે વડના ઝાડ પરથી ઊતરી આવી. અને શરીરત્યાગ માટે તત્પર થઈ ગઈ. વિધિના વિધાન વડે તેનું મન શાંત પડ્યું. તેણે વિચાર્યું કે હંુ વ્યર્થ શા માટે પ્રાણત્યાગ કરું? જો જીવતી રહીશ તો સખીનો દ્રોહ કરનારી કનકમંજરી સામે વેર લઈ શકીશ. જ્યારે પિતાને તાવ આવ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું હતું, મારા હાથના સ્પર્શે તેમનો તાવ ઊતરી જશે અને તે વેળા એમ કહેલું કે હંસાવલી માટે યોગ્ય વર કમલાકર છે, અને તે એને પ્રાપ્ત કરશે. પણ થોડો સમય કષ્ટ વેઠવું પડશે. એટલે જોઉં કે હવે શું થાય છે? એવો નિશ્ચય કરી હંસાવલી નિર્જન વનની દિશામાં ચાલી નીકળી. બહુ દૂર ચાલવાથી તે થાકી ગઈ અને તેના પગ લડખડવા લાગ્યા. ત્યારે જાણે તેના પર દયા કરવા માટે તેને માર્ગ દેખાડવા સવાર પડી. ગુણવાનોના બાંધવ સૂર્યે — તેમનાં આંસુ લૂંછવા માટે પોતાનાં કિરણો ફેલાવ્યાં અને ઊંચે આવી તેને આશ્વાસન આપવા માટે બધી દિશાઓ ખુલ્લી કરી. હંસાવલીને થોડું આશ્વાસન મળ્યું, અને કોઈ મનુષ્યની અવરજવર નહીં એવા રસ્તે ચાલવા લાગી. કુશ-કંટકોથી ઘવાયેલી રાજકુમારી વગર પગદંડીઓ પર ચાલતી ચાલતી એક વનમાં પહોંચી, તે વન ‘અહીં આવો, અહીં આવો’ એમ કહેતાં પક્ષીઓથી શોભતું હતું. થાકેલી હંસાવલીએ ત્યાં પ્રવેશ કર્યો, ત્યારે જાણે વાયુથી હાલતાં વૃક્ષ પોતાની ડાળીઓ અને લતાઓ વડે તેને વીંઝણો નાખતાં હતાં, પછી પવન ખાતી અને થાક ઉતારતી રાજકુમારી શાંત થઈને તે વનમાં પ્રવેશી. પોતાના પ્રિયતમ માટે ઉત્સુક હંસાવલીએ મધુમાસના દિવસોમાં મ્હોરેલા આંબા પર કોયલ કલકૂંજન કરતું વન જોયું. ઉદાસ થઈને તે વિચારવા લાગી: ‘અહીં પુષ્પપરાગથી પીળી પડેલી મલયાનિલની આગ મને બાળશે અને ભમરાઓના ગુંજન વચ્ચે વૃક્ષ પરથી ખરતાં ફૂલના ગુચ્છા કામદેવના બાણની જેમ મને ઘાયલ કરશે તેમ છતાં આ ફૂલો વડે ભગવાન વિષ્ણુની પૂજા કરતાં કરતાં અને પાપોનો નાશ કરતી અહીં જ રહીશ.’ આમ વિચારીને કમલાકરને પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતી હંસાવલી વાવમાં સ્નાન કરતી, ફળાહાર કરતી અને ભગવાન વિષ્ણુનું પૂજન કરતી ત્યાં જ રહેવા લાગી. આ દરમિયાન કમલાકરને ચોથીઆ જીર્ણ જ્વરે ગ્રહી લીધો. આ જોઈ હંસાવલીના વેશે રહેતી કનકમંજરી બહુ ગભરાઈ ગઈ. તે વિચારવા લાગી, ‘આ અશોકકરીને હું સાથે લઈ આવી છું, તે ભય તો છે જ. એ જો મારો ભેદ ખોલી દેશે તો મારે ઝેર પીવાનો વારો આવશે. હંસાવલીના પિતાએ ઘણા બધા લોકોની સમક્ષ મારા પતિને કહ્યું હતું કે હંસાવલીના હાથમાં તાવ ઉતારવાની શક્તિ છે. તાવગ્રસ્ત કમલાકરને જો એ વાત યાદ આવશે તો? મારા હાથમાં એવો પ્રભાવ ન હોવાને કારણે મારો બધો ભેદ ખૂલી જશે અને હું ક્યાંયની નહિ રહું. એટલે હવે હું વિધિપૂર્વક જ્વરચેટકની સાધના કરીશ, તેનાથી જ્વર દૂર થશે, આ સાધનાની રીત મને બહુ પહેલાં કોઈ યોગિનીએ બતાવી હતી. પછી હું યુક્તિપૂર્વક અશોકમંજરીને મારી નાખીશ, કારણ કે મનુષ્યશરીરનો અર્ઘ્ય થઈને એ સિદ્ધ કરવાથી મારી ઇચ્છાનુસાર આચરણ કરશે, આ ઉપાય કરવાથી રાજાનો તાવ ઊતરી જશે, અને અશોકકરીને મારી નાખવાથી મારા બંને ભય દૂર થઈ જશે. આમ કર્યા સિવાય મારું કલ્યાણ થાય એમ હું જોતી નથી.’ આમ વિચારી તેણે અશોકકરીને જેટલી વાતો જણાવવા જેવી હતી તે બધી કહી, પણ તે મંત્રસાધનામાં મનુષ્યનો વધ કરવો પડે છે તે વાત છુપાવી રાખી. અશોકકરીએ એની હામાં હા મેળવી અને બધી ચીજવસ્તુઓ સ્વયં ભેગી કરી. નકલી હંસાવલીએ તેના સિવાય બધી દાસીઓને યુક્તિપૂર્વક હટાવી દીધી. જ્યારે રાત પડી ત્યારે તે છાનીમાની બીજા દરવાજામાંથી બહાર નીકળી ગઈ અને હાથમાં તલવાર લઈ એક સૂના શિવાલયમાં ગઈ, ત્યાં ફક્ત એક શિવલિંગ જ હતું. ત્યાં તલવાર વડે એક બકરાને મારી નાખ્યો, તેના લોહી વડે શિવલિંગને સ્નાન કરાવ્યું, રક્તનો અર્ઘ્ય આપ્યો, આંતરડાંની માળા ચઢાવી, તેના હૃદયકમળને શિવલિંગ પર ચઢાવ્યું, તેની આંખોનો ધૂપ કર્યો, તેના મસ્તકનો બલિ આપી શિવલિંગની પૂજા કરી, ત્યાર પછી રક્તચંદનથી આઠ પાંદડાંવાળું કમળ બનાવ્યું. તેની કળીમાં કેરીના રસમાં બાંધેલા લોટનો જ્વરદેહ આલેખ્યો, તેના હાથમાં ભસ્મમુષ્ઠિ નામનું શસ્ત્ર આપ્યું ને ત્રણ પગ અને ત્રણ મોઢા બનાવ્યાં. તેના પર મંત્ર દ્વારા તે જ્વરનું આહ્વાન કર્યુ, ત્યાર પછી પહેલાં કહ્યું તે પ્રમાણે મનુષ્યના રકત વડે સ્નાનાર્ઘ્ય આપવાની ઇચ્છા રાખવાવાળી કનકમંજરીએ અશોકકરીને કહ્યું, ‘સખી, તું દેવતા આગળ જમીન પર સૂઈને પ્રણામ કર, તેનાથી તારું કલ્યાણ થશે.’ ‘જેવી આજ્ઞા’ કહીને અશોકમંજરી જમીન પર આડી પડી, તે જેવી જ્વરદેવને પ્રણામ કરવા જાય છે તેવી દુષ્ટ ચાંડાળણી જેવી કનકમંજરીએ તેના પર તલવારના ઘા કર્યો. સંયોગવશ તલવારના એ ઘાથી અશોકકરીના ખભે નાનકડો કાચો ઘા થયો, એટલે અશોકકરી ગભરાઈ ગઈ અને ઊઠીને દોડવા લાગી. જ્યારે તેણે જોયું કે કનકમંજરી પીછો કરી રહી છે ત્યારે તેણે ‘બચાવો, બચાવો’ની બૂમો પાડવા માંડી. તે સાંભળીને પાસે ઊભેલા નગરરક્ષકો દોડી આવ્યા. જ્યારે તેમણે ઉગામેલી તલવાર લઈને આવતી ભયાનક કનકમંજરીને જોઈ, તેણે આ કોઈ રાક્ષસી છે એમ માની તલવારના ઘા વડે મરણતોલ બનાવી દીધી. અશોકકરીના મોઢે બધી વાત જાણીને તેઓ બંનેને લઈને રાજમહેલ જવા નીકળ્યા, તેમની આગળ આગળ નગરરક્ષક કોટવાળ ચાલતો હતો. તેણે જ્યારે રાજાને બધી ઘટના સંભળાવી ત્યારે તેને બહુ નવાઈ લાગી. રાજાએ પોતાની દુષ્ટ પત્નીને અને તેની સખીને બોલાવી. તેઓ બંને જ્યારે રાજા સમક્ષ આવી ત્યારે ઘાની કઠોર પીડાને કારણે તથા ભયને કારણે તરત જ કનકમંજરીનો જીવ જતો રહ્યો. તેના મૃત્યુથી દુઃખી થઈને રાજાએ તેની ઘવાયેલી સખી અશોકકરીને પૂછ્યું, ‘આ શું છે? જરાય ડર્યા વિના મને બધી વાત કર.’ ત્યારે આરંભથી માંડીને એટલે કે કનકમંજરીએ કેવી રીતે હંસાવલી બનવાનું સાહસ કર્યું હતું — એ બધી વાત કરી. આમ સાચી વાત જાણીને રાજા કમલાકર બહુ દુઃખી થયો. તે મનોમન વિચારવા લાગ્યો, ‘અરે બનાવટી હંસાવલીએ મને મૂરખને છેતરી લીધો, મેં મારા હાથે જ હંસાવલીને સળગાવી દીધી. કનકમંજરીએ તો રાજાની પટરાણી બનીને આવી રીતે મૃત્યુ પામી અને પોતાનાં પાપનું ફળ મેળવી લીધું. દુષ્ટ વિધાતાએ બાળકની જેમ રૂપથી મોહ પમાડીને મારું રત્ન છિનવી લીધું અને મને કાચ આપીને છેતરી લીધો. ભગવાન વિષ્ણુએ મારા પિતાને કહ્યું હતું કે હંસાવલીના હાથના સ્પર્શથી તાવ ઊતરી જાય છે, આ વાત જાણવા છતાં મને તેનું ધ્યાન ન રહ્યું.’ આ પ્રકારે વિલાપ વ્યક્ત કરી રહેલા કમલાકરે વિચાર્યું કે હંસાવલીના પિતાને ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે હંસાવલી કમલાકરને પતિ રૂપે પામશે પણ થોડા દિવસ કષ્ટ ઉઠાવવું પડશે. તેમની આ વાત મિથ્યા ન થઈ શકે. બને કે તે ક્યાંક જતી રહી હોય, અત્યારે જીવિત હોય — સ્ત્રીના હૃદય અને દૈવની ગહન ગતિ કોણ જાણી શકે છે? આ બાબતમાં તો મનોરથસિદ્ધિ નામનો બંદીજન જ મદદ કરી શકે એમ છે. એમ વિચારી રાજાએ તે શ્રેષ્ઠ બંદીને બોલાવ્યો. રાજાએ પૂછયું, ‘તમે આજકાલ દેખાતા કેમ નથી? ધૂર્ત લોકોએ મને છેતરી પાડ્યો છે. મારી મનોરથસિદ્ધિ કેવી રીતે થશે?’ આ સાંભળી બંદીએ કહ્યું, ‘મહારાજ, પોતાનો ભેદ ખૂલી જશે એવા ભયને કારણે જેના પર કનકમંજરીએ ઘા કર્યો તે અશોકમંજરી જ મારો ઉત્તર છે. હંસાવલી માટે દુઃખી થવાને કોઈ કારણ નથી. ભગવાન વિષ્ણુએ કહ્યું જ હતું કે થોડા સમય માટે દુઃખ વેઠવું પડશે. હંસાવલી નિત્ય નિયમાનુસાર તેમની આરાધના કરે છે, એટલે તેઓ તેની રક્ષા કરશે એમાં કોઈ શંકા નથી. ધર્મનો જ વિજય થાય છે, શું તમે આના સંદર્ભે વાત સાચી પડતાં ન જોઈ? એટલે હું હંસાવલીને શોધવા નીકળું છું.’ બંદીનું આવું સાંભળીને રાજાએ કહ્યું, ‘હું પોતે પણ તેને શોધવા તમારી સાથે આવું છું, આવું ન કરું તો મારા મનને જરાય શાંતિ નહીં વળે.’ એમ કહી, હંસાવલીને શોધવા જવાનો નિશ્ચય કરીને બીજે દિવસે પ્રજ્ઞાઢ્ય નામના મંત્રીને કમલાકરે રાજ્ય સોંપી દીધું. મંત્રીએ રાજાને બહુ રોક્યા છતાં રાજા છાનામાના નગર છોડીને મનોરથસિદ્ધિની સાથે નીકળી પડ્યા. શરીરને થતી પીડાની પરવા કર્યા વિના હંસાવલીની શોધમાં, ખેતર, આશ્રમ અને વનમાં ઘૂમવા લાગ્યા. કામદેવની આજ્ઞા સૌથી બળવાન આજ્ઞા છે એ વાત સાચી છે. આમ રખડતાં રખડતાં એ વનમાં હંસાવલી તપ કરતી હતી તે વનમાં જ જઈ પહોંચ્યા. ત્યાં તેમણે એક રાતા અશોકવૃક્ષ નીચે ચંદ્રની અંતિમ કળા જેવી ક્ષીણ, ફ્ક્કીિ અને સુંદર હંસાવલીને જોઈ. કમલાકરે બંદીને પૂછયું, ‘મૌનવ્રત ધરીને નિશ્ચલ થઈ, ધ્યાનમગ્ન આ કોણ છે? શું એ કોઈ વનદેવી છે? આનું રૂપ મનુષ્ય કરતાં વિશેષ જણાય છે.’ આ સાંભળી બંદીએ તેની સામે જોયું અને રાજાને વધામણી આપતાં કહ્યું, ‘દેવ, તમારા ભાગ્યનો પાર નથી. જે હંસાવલીને મેળવવા તમે આવ્યા છો તે જ આ સાક્ષાત્ હંસાવલી છે.’ આસોપાલવના ઝાડ નીચે બેઠેલી હંસાવલીએ રાજા અને બંદીની વાત સાંભળીને તે બન્નેની સામે જોયું. એટલે તેણે તેમને ઓળખી કાઢ્યા. તે જ વખતે તેને પાછલું દુઃખ સાંભરી આવ્યું, એટલે તે શોકાર્ત હૃદયે બોલી, ‘અરે પિતાજી, હું બહુ દુઃખી થઈ છું. હાય, મનોરથસિદ્ધિ, હાય, નસીબ, તું અવળું થઈ ગયું કેમ?’ આમ વિલાપ કરતી અને કરુણાર્દ્ર સ્વરે તે પૃથ્વી પર મૂચ્છિર્ત થઈને ધરતી પર પડી ગઈ. કમલાકર પણ તેની વાત સાંભળીને અને તેને જોઈને મૂચ્છિર્ત થઈ પૃથ્વી પર ઢળી પડ્યો. ત્યાર પછી મનોરથસિદ્ધિએ તે બંનેનો મનોરથ સિદ્ધ કરવા આશ્વાસન આપી શાંત કર્યા. બંનેએ પણ એકબીજાના મનની વાત જાણી આનંદ અનુભવ્યો. વિરહસાગર પાર કર્યા એટલે અનુપમ આનંદ પામ્યાં. ધીમે ધીમે બંનેએ બનેલી ઘટનાઓ એકબીજાને કહી. ત્યાર પછી રાજા કમલાકર હંસાવલીને લઈને મનોરથસિદ્વિની સાથે કોશલપુરી પાછા ફર્યા. ત્યાં જઈ હંસાવલીના વિખ્યાત પિતા મેઘમાલીને બોલાવી કમલાકરે વિધિપૂર્વક હંસાવલીના રોગનાશક હાથને સ્વીકાર્યો. આ વખતે ઉભય પક્ષથી શુદ્ધ, હંસાવલી સાથે ઊભેલા રાજા કમલાકરની શોભામાં અત્યંત વધારો થયો અને તે પોતાનું જીવિત કાર્ય પાર પાડી, ધૈર્ય રાખી હંસાવલી સાથે વિહાર કરવા લાગ્યો અને મનોરથસિદ્ધિને પોતાની પાસે રાખી એકચક્રે રાજ ચલાવવા લાગ્યો. (કથાસરિત્સાગર, ૩, બારમો લંબક)

અનંગરતિની કથા

આ પૃથ્વી ઉપર શૂરપુર નામનું નગર નામ પ્રમાણે ગુણ ધરાવનારું હતું. અહીં મહાવરાહ નામનો અત્યંત બલશાલી રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ગૌરીની આરાધનાથી પોતાની રાણી પદ્મરતિની કૂખે જન્મેલી અનંગરતિ નામની એક કન્યા હતી. તે સિવાય તેને બીજું કોઈ સંતાન ન હતું. કાળે કરીને યુવાનીમાં આવેલી રૂપગર્વિતા અનંગરતિએ ઘણા બધા રાજાઓનાં માગાં નકાર્યાં અને દૃઢતાથી કહ્યું, ‘જે શૂરવીર હોય, રૂપવાન હોય અને કોઈ વિશેષ વિજ્ઞાન જાણતો હશે તેની જ સાથે હું લગ્ન કરીશ.’ થોડા સમય પછી રાજકુમારીની વાત જાણીને તેની સાથે વિવાહ કરવા ચાર વીર યુવાનો દક્ષિણ દેશમાંથી ત્યાં આવ્યા. તેઓ રાજાના મહેલના દ્વારે જઈને ઊભા રહ્યા. પ્રતિહારે રાજાને તેમના આવવાની ખબર આપી. તેમને અંદર લાવવાની આજ્ઞા મહાવરાહે આપી. તે ચારેયને રાજા મહાવરાહે અનંગરતિની સમક્ષ પૂછ્યું, ‘તમારું નામ શું છે? જાતિ શું છે અને તમે કયું વિશેષ જ્ઞાન ધરાવો છો?’ રાજાનું વચન સાંભળી એકે કહ્યું, ‘હું પરમટ્ટિક્ નામે શૂદ્ર છું. વણાટકામનું ઉત્તમ જ્ઞાન ધરાવું છું અને દરરોજ પાંચ જોડી કપડાં સીવું છું. એમાંથી એક જોડી કપડાં કોઈ બ્રાહ્મણને આપું છું, બીજી જોડી પરમેશ્વરને આપું છું, ત્રીજી જોડી હું પહેરું છું, ચોથી જોડી જો પત્ની હોય તો તેને અને પાંચમી જોડી વેચીને તેમાંથી મારી આજીવિકા ચલાવું છું.’ પછી બીજાએ કહ્યું, ‘હું ભાષાવિશારદ છું અને જાતે વૈશ્ય છું. બધાં પશુ અને પક્ષીઓની બોલીઓ જાણું છું.’ ત્રીજાએ કહ્યું, ‘હું ખડ્ગધર નામે ક્ષત્રિય છું, ખડ્ગવિદ્યામાં એવો તો કુશળ છું કે મારી સ્પર્ધા કરી શકે એવો કોઈ આ પૃથ્વી પર નથી.’ ચોથાએ કહ્યું, ‘હું જીવદત્ત નામે બ્રાહ્મણ છું. પાર્વતીની કૃપા અને વિદ્યાના પ્રભાવથી મૃત્યુ પામેલી સ્ત્રીને જીવતદાન આપી શકું છું.’ આવી રીતે શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિયે — આ ત્રણેએ પોતાનાં રૂપ, શૌર્યનાં બહુ બહુ રીતે વખાણ કરવા લાગ્યા. પણ બ્રાહ્મણે રૂપ સિવાય બળ અને વિદ્યાની આત્મપ્રશંસા કરી. આ સાંભળી રાજા મહાવરાહે પોતાના સેવકને કહ્યું, ‘તું આ બધાને તારે ઘેર લઈ જઈને ઉતારો આપ.’ આ સાંભળી ‘જેવી આજ્ઞા’ કહી સેવક તેમને પોતાને ત્યાં લઈ ગયો. તેમના ગયા પછી રાજાએ પોતાની કન્યા અનંગરતિને કહ્યું, ‘પુત્રી, આ ચારમાંથી તને કોણ પસંદ છે?’ આ સાંભળી અનંગરતિએ કહ્યું, ‘પિતાજી, આ ચારમાંથી મને એકે પસંદ નથી. આમાં એક શૂદ્ર છે તે વણકર છે. આ ગુણથી ક્યો લાભ? બીજો વૈશ્ય પ્રાણીઓની બોલી જાણે છે, એના જ્ઞાનથી શો લાભ? હું ક્ષત્રિય થઈને મારી જાતને વૈશ્ય અને શૂદ્રને કેવી રીતે ધરી દઉં? ત્રીજો મારી જેમ ક્ષત્રિય તો છે પણ તે દરિદ્ર છે, ચાકરી કરી પોતાની જાતને વેચે છે. હું રાજકુમારી થઈને તે સેવકની પત્ની કેવી રીતે બનું? ચોથો બ્રાહ્મણ જીવદત્ત પણ મને પસંદ નથી. તે કુરૂપ છે, કર્મહીન, વેદજ્ઞાન વિનાનો અને પતિત છે. પિતાજી, તમે તો વર્ણો અને આશ્રમોના રક્ષક અને ધર્મના પ્રતિપાલક છો. માટે તે તો તમારે માટે દંડયોગ્ય છે. હે રાજન્, ખડ્ગશૂરથી ધર્મશૂર વધુ પ્રશંસનીય છે. હજારો ખડ્ગશૂરોનો સ્વામી ધર્મશૂર થઈ શકે.’ આમ બોલતી કન્યાના અંત:પુરમાંથી નીકળીને રાજા સ્નાનાદિ માટે ચાલ્યો ગયો. બીજા દિવસે ચારે વીર પેલા સેવકના ઘરમાંથી નીકળ્યા અને નગર જોવાની ઇચ્છાથી વિહરવા લાગ્યા. એવામાં પદ્મકવલ નામનો મદોન્મત્ત હાથી સાંકળ તોડીને પ્રજાને કચડતો ગજશાળામાંથી બહાર આવી ગયો. તે હાથીએ ચારે વીરને જનસમૂહમાં જોઈને દોડીને તેમના પર હુમલો કર્યો. તેઓ પણ પોતપોતાનાં શસ્ત્રો લઈને હાથીની સામે ધસી ગયા. ખડ્ગધર નામના વીરે એ ત્રણેને હટાવી એકલે હાથે હાથી પર હમલો કર્યો. તેણે ચીસો પાડતા હાથીની સૂંઢ એક જ વાર તલવાર ઉગામીને કમળનાળની જેમ કાપી નાખી. અને લાગ જોઈને તેના પગ નીચેથી નીકળીને તેની પીઠે બીજો ઘા કર્યો. તેણે ત્રીજો ઘા કરીને હાથીના પગ કાપી નાખ્યા, ચીસ પાડતો હાથી જમીન પર પછડાઈને મૃત્યુ પામ્યો. તેનું આવું પરાક્રમ જોઈને બધા અચરજ પામ્યા અને રાજા મહાવરાહ પણ આ સાંભળીને નવાઈ પામ્યા. બીજે દિવસે તે રાજા હાથી પર બેસીને શિકાર કરવા વનમાં ગયા અને પેલા ચારે વીર પણ તેમની પાછળ ગયા. શિકાર દરમિયાન સેનાની સાથે રાજાએ અનેક વાઘ, મૃગ માર્યા, એટલે હાથીઓએ ચીસો પાડી, એ સાંભળી ક્રોધે ભરાઈને ચારે બાજુથી સિંહ રાજાની સામે ધસી ગયા. હુમલો કરતા એક સિંહને વીર ખડ્ગધરે તલવારના એક જ ઝાટકે બે ટુકડા કરીને મારી નાખ્યો. બીજા સિંહના પગ પકડીને ઘુમાવીને તેને પૃથ્વી પર પટક્યો અને મારી નાખ્યો. આમ ભાષાવિશારદ વૈશ્ય, બ્રાહ્મણ અને પંચપટ્ટિક શૂદ્રે ત્રણે વીરે પગપાળા જ રાજાના દેખતાં કેટલાય સિંહ, વાઘ વગેરેને મારી નાખ્યા. આશ્ચર્ય પામતો સંતુષ્ટ રાજા મૃગયા રમીને નગરમાં પાછો ફર્યો અને પેલા ચારે વીર રાજસેવકને ત્યાં પોતાના નિવાસે જતા રહ્યા. રાજા મૃગયા રમવાથી ઘણો થાકી ગયો હતો. પછી તે સમયે અંત:પુરમાં જઈ ત્યાં અનંગરતિને બોલાવી અને શિકાર દરમિયાન પોતે જોયેલાં પરાક્રમ અને અચરજ કહી સંભળાવ્યાં. આ બધું સાંભળીને — જાણીને તે પણ નવાઈ પામી. રાજાએ કહ્યું, ‘પુત્રી, પંચપટ્ટિક અને ભાષાવિજ્ઞાની આ બંને આપણી જાતના નથી, બ્રાહ્મણ જીવદત્ત કુરૂપ છે, વિરુદ્ધ કર્મ કરનાર છે તો પછી ક્ષત્રિય ખડ્ગધર રૂપે સુંદર છે; બળવાન, પરાક્રમી છે. મદોન્મત્ત અને ગાંડા હાથીનો વધ તેણે કર્યો, સિંહને પકડીને જમીન પર પછાડી, તેને મારી નાખ્યો. બીજા સંહોિને તલવાર વડે બે ટુકડા કરી નાખે છે. તેનો દોષ શું છે? જો તું એમ કહે છે કે તે દરિદ્ર છે, સેવક છે તો હું હમણાં જ એને રાજા બનાવી દઈશ. એટલે જો તને યોગ્ય લાગે તો તેની સાથે લગ્ન કર.’ રાજાએ કહ્યું એટલે અનંગરતિએ કહ્યું, ‘જો આપની ઇચ્છા હોય તો ચારેને બોલાવો, જ્યોતિષીને બોલાવો, આપણે જાણીએ તો ખરા કે તેઓ શું કહે છે?’ આ સાંભળી રાજાએ તે વીર પુરુષોને બોલાવ્યા, રાણીઓને બોલાવી. તેમની સામે જ જ્યોતિષીઓને વિનંતી કરી પૂછ્યું, ‘જુઓ, આ ચારમાંથી કોની કુંડળી અનંગરતિને મળે છે અને તેના વિવાહનો મુહૂર્ત ક્યારે છે?’ આ સાંભળી ચતુર જ્યોતિષીએ તેમનાં જન્મનક્ષત્રો પૂછ્યા, ઘણો સમય ગણત્રી કરીને રાજાને કહ્યું, ‘મહારાજ, ક્રોધ ન કરતા. સ્પષ્ટ કહું છું કે આ ચારમાંથી એકેની કુંડળી તમારી પુત્રી સાથે મળતી નથી. આ કન્યાનો વિવાહ આ લોકમનુષ્ય સાથે નહિ થાય. શાપને કારણે મનુષ્યલોકમાં જન્મેલી વિદ્યાધરી છે. આવતા ત્રણ મહિનામાં તેનો શાપ દૂર થશે. એટલે આ પુરુષો ત્રણ મહિના અહીં રહીને પ્રતીક્ષા કરે, ત્યાર પછી આ કન્યા જો વિદ્યાધરલોકમાં નહિ જાય તો આ લોકમાં તેનું લગ્ન કરી શકાશે.’ જોશીનું આવું વચન સાંભળી બધાએ તે વચન માન્ય રાખ્યું. અને તે વીર ત્રણ માસ સુધી તે નગરમાં રહ્યા. ત્રણ મહિના વીત્યા એટલે રાજાએ ચારે વીરને, જ્યોતિષીને અને પોતાની પુત્રી અનંગરતિને બોલાવ્યા. રાજાએ પોતાની પુત્રી સામે જોયું તો તેના લાવણ્યમાં અને સુંદરતામાં વધારો થતો જોયો. તે આ જોઈ બહુ રાજી થયો. પણ જ્યોતિષીએ તે કન્યાને વધુ સુંદર જોઈ તેનો અંતકાળ જાણી લીધો. ‘હવે કહો, ત્રણ માસ વીતી ગયા. હવે ગ્રહો કોની સાથે મળતા આવે છે તે કહો.’ રાજાએ જ્યાં જ્યોતિષીને પૂછયું, ત્યાં અનંગરતિને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું અને સાડીના પાલવથી મોં ઢાંકી દીધું અને માનવદેહ ત્યજી દીધો. ‘આ આવી રીતે મોં ઢાંકીને કેમ બેઠી છે?’ એમ વિચારી રાજાએ જ્યારે તેના મોં પરનું આવરણ દૂર કર્યું તો તેને મૃત જોઈ. હિમથી દાઝેલી કમલિની જેવી તે થઈ ગઈ, નેત્રભ્રમર ઊંધા થઈ ગયા હતા, મુખકમલ તેજ વગરનું હતું, અને તેના મોંમાંથી હંસ જેવી મધુરવાણી આવતી ન હતી. તેને મૃત જોઈને શોક રૂપી વજ્ર રાજા પર તૂટી પડ્યું, પાંખો જ કપાઈ ગઈ અને રાજા જમીન પર ગબડી પડ્યો. તેની માતા પદ્મરતિ પણ આ સમાચાર સાંભળી દોડતી આવી અને આવો દુઃખકર દેખાવ જોઈ બેભાન થઈ જમીન પર ઢળી પડી. તેનાં આભૂષણપુષ્પો ચોળાઈ ગયાં. આ વખતે તોડી નાખેલી મંજરીથી જેમ હાથણી શોભે તેમ તે શોભવા લાગી. આ જોઈ બધાં સ્વજનો રુદન કરવા લાગ્યાં, તે ચારે વીર પણ દુઃખી થયા. રાજાએ ભાનમાં આવીને જીવદત્તને કહ્યું, ‘આ બાબતે તારા સાથીઓમાં શક્તિ નથી. આ તારું કામ છે. તેં પહેલાં પ્રતિજ્ઞા કરી હતી કે હું મરેલી સ્ત્રીને જીવતી કરી શકું છું. જો તારામાં વિદ્યાબળ હોય તો મારી કન્યાને જીવાડ, જો જીવશે તો તું બ્રાહ્મણ છે તો પણ હું તને આપીશ.’ રાજાની વાત સાંભળીને જીવદત્તે રાજકન્યાના મોં પર પાણી છાંટ્યા અને મંત્ર ભણ્યો. અટ્ટાટ્ટહાસહસિતે કરકંકમાલાકુલે દુરાલોકે | ચામુંડે વિકરાલે સાહાય્ય મે કુરુ ત્વરિતમ્ || અટ્ટહાસ્ય કરનારી, ખોપરીની માળા ધારણ કરનારી, ભયંકર દૃષ્ટિવાળી, ભયંકર ચામુંડા મને આ કામમાં સત્વર સહાય કર.’ આ પ્રમાણેની આર્યા બોલી જીવદત્તે અનંગરતિને સજીવન કરવાનો પ્રયત્ન કર્યો છતાં તે કન્યા સજીવન ન થઈ ત્યારે જીવદત્તે દુઃખી થઈને કહ્યું, ‘વિંધ્યવાસિની દેવીએ આપેલી મારી વિદ્યા નિષ્ફળ ગઈ. હાંસીપાત્ર બનવાથી હવે મારા જીવનનું શું પ્રયોજન?’ એમ કહીને જ્યાં જીવદત્ત તલવાર વડે શિરચ્છેદ કરવા ગયો ત્યાં આકાશવાણી સંભળાઈ: ‘હે જીવદત્ત, સાહસ ન કર. આ અનંગપ્રભા નામની એક વિદ્યાધરની પુત્રી હતી. માતાપિતાના શાપથી તે આટલો સમય મૃત્યુલોકમાં રહી. હવે તે માનવદેહ ત્યજીને પોતાના વિદ્યાધર દેહમાં જતી રહી. એટલે તું હવે વિંધ્યવાસિની દેવીની આરાધના કર. તેની કૃપાથી તું આ વિદ્યાધરીને પામીશ. વળી અત્યારે તે દિવ્ય ભોગ ભોગવી રહી છે. રાજારાણીએ પણ તેના માટે શોક નહીં કરવો જોઈએ.’ આમ કહી આકાશવાણી વિરમી. ત્યાર પછી રાજારાણીએ અફસોસ કરવાનો છોડી દીધો અને કન્યાનો અંતિમ સંસ્કાર કર્યો. તે ત્રણે વીર પોતપોતાના સ્થાને ગયા. જીવદત્ત વિદ્યાધરીને પ્રાપ્ત કરીશ એવી શ્રદ્ધા સાથે વિંધ્યવાસિની દેવીના શરણે જઈ તપ કરવા લાગ્યો. સ્વપ્નમાં વિંધ્યવાસિનીએ તેને આજ્ઞા કરી. ‘અરે બ્રાહ્મણ ઊભો થા. તને જે કહું છું તે સાંભળ:

અનંગપ્રભાની કથા

હિમાલયમાં વીરપુર નગર છે. ત્યાં સમર નામે વિદ્યાધરરાજા છે. તેની રાણી અનંગવતીએ અનંગપ્રભા નામની કન્યાને જન્મ આપ્યો હતો. પોતાના રૂપ અને યૌવનના ઘમંડને કારણે તેણે પતિ તરીકે કોઈને પસંદ ન કર્યો, એના દુરાગ્રહથી ક્રોધે ભરાઈને તેના માતાપિતાએ શાપ આપ્યો, ‘તું સ્ત્રીધર્મ ચૂકી છે, માટે જા મનુષ્યલોકમાં જન્મીશ અને ત્યાં પણ તને ભરતારસુખ નહીં મળે. તને સોળ વર્ષ થશે ત્યારે મનુષ્યદેહ ત્યજીને તું અહીં આવીશ. મુનિકન્યાની અભિલાષાથી શાપને કારણે મનુષ્ય વેશે કુરૂપ ખડ્ગધર તારો પતિ બનશે. તું એને નથી ચાહતી તો પણ તે તને મૃત્યુલોકમાં લઈ જશે. ત્યાં જતાં રસ્તામાં તું બીજા પર આસક્ત થઈશ. અને તેથી તને તારા પતિનો વિયોગ થશે. કારણ કે તેણે પૂર્વજન્મમાં બીજાની આઠ સ્ત્રીઓનું અપહરણ કર્યું હતું. (આઠ પરસ્ત્રીઓનાં હરણ કર્યાં હતાં, ત્યારે બીજા દ્વારા લઈ જવાયેલી એવી તારો એનાથી વિયોગ થશે. એ ખડ્ગધરે પૂર્વજન્મમાં બીજાઓની આઠ સ્ત્રીઓના અપહરણની વિશે કવિ સોમદેવ જે લખે છે તે આઠ પરસ્ત્રી સંબંધી કોઈ કથા મૂળમાં નથી) એટલે તે એક જ જન્મમાં આઠ જન્મમાં ભોગવવા યોગ્ય વિયોગનું દુઃખ ભોગવશે. તું પણ માનવ થવાને કારણે વિદ્યાઓ ગુમાવી બેઠી છે, એક જ જન્મમાં આઠ જન્મોનું દુઃખ ભોગવીશ. પાપી વ્યક્તિના સંપર્ક જેમને થાય તે બધા એના પાપના ભાગીદાર બને. યોગ્ય પતિ મળવા છતાં તેં એનો તિરસ્કાર કર્યો છે. એટલે તું પૂર્વજન્મને વિસ્મૃત કરીને અનેક પતિ મૃત્યુલોકમાં પામીશ. આકાશગામી અને સમાન કુળના મદનપ્રભે તારું માગું કર્યું હતું, તે માનવદેહે રાજા બનશે અને તારો પતિ બનશે. ત્યાર પછી શાપમુક્ત થઈને ફરી મૂળ લોકમાં આવીશ અને વિદ્યાધર બનેલા મદનપ્રભને પતિ રૂપે પામીશ.’ આમ માતાપિતાનો શાપ ભોગવતી અનંગપ્રભા અનંગરતિ રૂપે પૃથ્વીલોકમાં જન્મીને હવે પાછી માતાપિતા પાસે પહોંચી છે અને તે અનંગપ્રભા છે. એટલે તું વીરપુર જા અને યુદ્ધમાં કુળવાન પુરુષો જેની રક્ષા કરે છે એવા તેના પિતાને જીતીને તેને મેળવ. આ તલવાર સાથે રાખ, હાથમાં રાખીશ એટલે તું આકાશમાં ઊડી શકીશ, તારો પરાભવ કોઈ કરી નહીં શકે.’ આટલું કહીને દેવી તલવાર આપી અંતર્ધાન થઈ ગઈ. ત્યાર પછી જીવદત્ત જાગી ગયો અને પોતાના હાથમાં તલવાર જોઈ. એટલે આનંદિત થયેલા જીવદત્તે ઊઠીને અંબિકાને વંદન કર્યાં, અને દેવીની કૃપાથી બધા સંતાપ શમી ગયા. તે હાથમાં ખડ્ગ લઈને આકાશમાં વિહાર કરવા લાગ્યો. હિમાલયની પ્રદક્ષિણા કરી વીરપુર ખાતે વસતા વિદ્યાધરોના રાજા સમરને મળ્યો. યુદ્ધમાં સમર ઉપર વિજય મેળવ્યો, અનંગપ્રભાને પ્રાપ્ત કરી અને જીવદત્ત દિવ્ય ઐશ્વર્ય ભોગવવા લાગ્યો. થોડો સમય ત્યાં ગાળીને તેણે સમર રાજાને અને પત્ની અનંગપ્રભાને કહ્યું, ‘આપણે પૃથ્વી પર જઈએ, ત્યાં જવા હું આતુર છું. પ્રાણીઓને પણ પોતાની જન્મભૂમિ નિકૃષ્ટ હોવા છતાં બહુ વહાલી લાગે છે.’ તેની આ વાત સસરાએ તો માની લીધી પરંતુ ભવિષ્ય જાણતી અનંગપ્રભાને સમજાવતાં બહુ મહેનત પડી. પછી અનંગપ્રભાને ખોળામાં બેસાડી જીવદત્ત પૃથ્વી પર ઊતર્યો. રસ્તામાં એક સુંદર પર્વત જોઈને અનંગપ્રભાએ તેને કહ્યું, ‘હું થાકી ગઈ છું, એટલે આ પર્વત પર આરામ કરીએ.’ ‘ભલે,’ એમ કહી જીવદત્ત તેની સાથે તે પર્વત પર ઊતર્યો અને અનંગપ્રભાની વિદ્યાઓના પ્રભાવથી ભોજન કર્યું. પછી વિધિપ્રેરિત જીવદત્તે અનંગપ્રભાને કહ્યુ, ‘પ્રિય, કશુંક મધુર સંગીત સંભળાવ.’ આ સાંભળી અનંગપ્રભા ભક્તિપૂર્વક શિવસ્તુતિ ગાવા બેઠી. તેના સંગીતના મધુર શબ્દોથી તે જીવદત્ત નિદ્રાધીન થઈ ગયો. એટલામાં હરિવર નામનો રાજા મૃગયા રમતો અને પાણી શોધતો ત્યાંથી નીકળ્યો. હરણ જેમ ગાયનથી આકર્ષાય તેમ રાજા અનંગપ્રભાના ગાયનથી આકર્ષાઈને રથમાંથી ઊતરીને ત્યાં આવ્યો. સારા શુકનોથી પહેલેથી જ શુભ લક્ષણોવાળા રાજાએ કામદેવ સદૃશ પ્રભા ધરાવતી અનંગપ્રભાને જોઈ. તેને જોતાંવેંત તેના ગાયન અને રૂપથી લુબ્ધ રાજાના હૃદયને કામદેવે પોતાના શરથી ઘાયલ કર્યો. તે અનંગપ્રભા પણ સુંદર રાજાને જોઈ કામદેવના શરનું લક્ષ્ય બનીને મનમાં, વિચારવા લાગી. ‘આ કોણ છે? ધનુષ વગરનો કામદેવ છે કે મારા ગીત અને સ્તુતિથી પ્રસન્ન શંકર ભગવાનની મૂર્તિમંત કૃપા છે?’ આમ વિચારી કામાતુર અનંગપ્રભાએ પૂછ્યું, ‘તમે કોણ છો? આ વનમાં આવવાનું પ્રયોજન શું છે તે કહો.’ ત્યારે રાજાએ પોતે ક્યાંથી કેવી રીતે આવ્યો તેની વાત કહી, રાજાએ પણ પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે કહે જોઈએ. હે કમલાનના, આ સૂઈ ગયો છે તે કોણ છે?’ એટલે અનંગપ્રભાએ ટૂંકમાં બધી વાત કરી. ‘હું વિદ્યાધરી છું અને આ ખડ્ગસિદ્ધ જીવદત્ત મારો પતિ છે. પણ હું તમને જોતાંવેંત તમારા પ્રત્યે આકર્ષાઈ છું. તો ચાલો, તમારા નગર તરફ જઈએ, આ નિદ્રાધીન રહે ત્યાં સુધી તમને વિસ્તારથી બધી વાત કહું.’ રાજાએ તેનું સૂચન સાંભળી સ્વીકારી લીધું અને જાણે ત્રિલોકનું રાજ્ય મેળવી લીધું. રાજાને ખોળામાં લઈને કેવા વેગે આકાશમાં ઊડી જઉં એવો વિચાર તરત જ તે કરવા લાગી. એટલામાં તે પતિવિદ્રોહને કારણે ભ્રષ્ટ વિદ્યાવાળી થયેલી તે પિતાના શાપને યાદ કરતી તે દુઃખી થઈ ગઈ. તેને એવી જોઈને રાજાએ તેનું કારણ પૂછ્યું અને કહ્યું, ‘અત્યારે શોક કરવાનો સમય નથી. તારો પતિ જાગી જશે. આવી વાત દૈવાધીન છે. તું દુઃખી ન થા. પોતાના મસ્તકની છાયા અને દૈવગતિનું ઉલ્લંઘન કોણ કરી શકે? તો હવે આપણે જઈએ.’ અનંગપ્રભાએ રાજાની વાત પર શ્રદ્ધા રાખી અને તેને રાજાએ પોતાના ખોળામાં લઈ લીધી. જાણે દાટેલો ખજાનો મળી ગયો હોય તેમ રાજા તરત જ રથમાં બેઠો અને સેવકોએ તેનું અભિવાદન કર્યું. મનોવેગી રથ દ્વારા તે સુંદરીની સાથે પ્રજાને આશ્ચર્યચકિત કરતો રાજા રાજધાની પહોંચી ગયો. રાજા પોતાના નામ જેવા જ હરિવર નગરમાં તે પરમ સુંદરી અનંગપ્રભા સાથે દિવ્ય સુખ અનુભવતો રહેવા લાગ્યો. રાજા પ્રત્યે અનુરાગિણી બનીને અનંગપ્રભા ત્યાં રહેવા લાગી, તે પોતાનો પ્રભાવ ભૂલીને શાપથી મોહિત થઈ ગઈ. આ દરમિયાન જાગીને ઊઠેલા જીવદત્તે ન અનંગપ્રભાને જોઈ, ન પોતાની તલવાર જોઈ. અનંગપ્રભા ક્યાં? તલવાર ક્યાં? શું અનંગપ્રભા તલવાર લઈને જતી રહી? કે તે બંનેને કોઈ બીજું લઈ ગયું?’ આમ ભ્રાંત ચિત્તે તે વિવિધ પ્રકારની શંકા કરતો જીવદત્ત કામાગ્નિથી પ્રજ્વળતો ત્રણ દિવસ તેને શોધતો રહ્યો. પછી આહારનો ત્યાગ કરી તેણે ત્રણ દિવસ પર્વત પર શોધ ચલાવી. ચોથે દિવસે પર્વત પરથી ઊતરીને વનમાં દસ દિવસ અનંગપ્રભાને શોધી પણ તેના પગનાં ક્યાં ચિહ્ન પણ ન દેખાયાં. ‘અરે દુષ્ટ વિધાતા, અત્યંત મુશ્કેલીથી મેળવેલી ખડ્ગસિદ્ધિ મળી, એ ગઈ તેની સાથે મારી પ્રિયા અનંગપ્રભા પણ ગઈ.’ આમ રડતોકકળતો રહ્યો, ખાધાપીધા વિના તે બ્રાહ્મણ ભટકતો રહ્યો. ફરતાં ફરતાં એક ગામમાં સંપન્ન બ્રાહ્મણને ઘેર ગયો. ત્યાં કોઈ સુંદર વસ્ત્ર પહેલી રૂપવાન ગૃહિણી પ્રિયદત્તાએ આસન આપી તેને બેસાડ્યો. પોતાની દાસીઓને આજ્ઞા આપી. ‘આ જીવદત્તના પગ ત્વરાથી ધુઓ. સ્ત્રીના વિરહમાં તે તેર દિવસથી ભૂખ્યો છે.’ પોતાનું વૃત્તાંત પ્રિયદત્તાના મોઢે સાંભળી જીવદત્ત વિચારમાં પડી ગયો, ‘શું અનંગપ્રભા અહીં આવી હશે કે આ સ્ત્રી કોઈ યોગિની છે?’ એમ વિચાર કરતાં કરતાં તેણે પગ ધોયા, તે સ્ત્રીએ આપેલા ભોજનથી તૃપ્ત થયો, પછી ખૂબ જ વિનયથી પ્રિયદત્તાને પૂછયું, ‘હે અનિંદિતા, તમે મારી ગુપ્ત કથા કેવી રીતે જાણો છો? પછી કહો કે મારી પ્રિયતમા અને મારી તલવાર ક્યાં ગયાં?’ આ સાંભળી તે પતિવ્રતા પ્રિયદત્તાએ કહ્યું, ‘પતિ સિવાય બીજો કોઈ પુરુષ સ્વપ્નમાંય મારા મનમાં આવતો નથી. બીજા પુરુુષોને હું ભાઈ અને પુત્ર જેવા ગણું છું. મારા ઘેરથી કોઈ પણ અતિથિ આદર સત્કાર વિના જતો નથી. આના પ્રભાવે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળ જાણું છું. તું પર્વત પર શયન કરી રહ્યો હતો ઊંઘતો હતો એ વેળા રાજા હરિવર તેના ગાયનથી આકર્ષાઈને ત્યાં આવી ચઢ્યો, પરંતુ લાવણ્યવતી મધુર કંઠવાળી અનંગપ્રભાને જોઈ તેના પર મોહિત થયો, અને તે પણ તેના પર મોહ પામી. તે રાજા તેને હરી ગયો છે, ને તે બંને હરિવરપુરીમાં રહે છે. હવે તે સ્ત્રી તને મળી શકશે નહીં. કારણ કે રાજા મહા બળવાન છે. તેમ તે વેશ્યા વળી તે રાજાને ત્યજીને કોઈ બીજા પુરુષ પાસે જતી રહેશે. દેવીએ તે તલવાર તને અનંગપ્રભાને પ્રાપ્ત કરવા જ આપી હતી. તે તલવાર પોતાનું કામ કરી પોતે દેવતાઈ હોવાથી દેવી પાસે જતી રહી. દેવીએ જ અનંગપ્રભાના શાપનું વર્ણન કરતી વખતે તેનું ભવિષ્ય તમને કહ્યું જ હતું. આ અફર ભાવી હતું, તમે મિથ્યા મોહ શા માટે કરો છો? વારેવારે અતિ દુઃખદાયી પાપનું બંધન તોડી નાખો. ભાઈ, તે બીજા પુરુષને ચાહે છે, વિદ્યાધરીમાંથી મનુષ્ય બની છે, તમારો દ્રોહ કર્યો છે, તેની વિદ્યા ભ્રષ્ટ થઈ ગઈ છે, એવી પાપિણી મેળવીનેય તમે શું કરશો?’ તે પતિવ્રતાએ આમ સમજાવ્યો એટલે જીવદત્તે અનંગપ્રભાની આશા મૂકી દીધી. ચંચળતા ત્યજીને તેણે પ્રિયદત્તાને કહ્યું, ‘હે અંબા, તમારા આ સત્ય વચનથી મારો મોહ જતો રહ્યો. પુણ્યાત્માઓનો સંપર્ક દરેક માટે કલ્યાણકારી નીવડે છે. મારા પૂર્વજન્મનાં પાપને કારણે આવું દુઃખ ભોગવું છું. હવે એ પાપ ધોવા રાગદ્વેષ વગરનો થઈ હું તીર્થયાત્રા કરીશ. અનંગપ્રભાને કારણે બીજાઓ સાથે ઝઘડીને મને શંુ મળશે? જેણે ક્રોધ જીત્યો તેણે આખું જગત જીતી લીધું.’ જીવદત્ત આમ બોલતો હતો એટલમાં પ્રિયદત્તાનો પતિ ત્યાં આવી ચઢ્યો. તે પરમ ધાર્મિક હતો અને અતિથિપ્રિય હતો. તેણે પણ જીવદત્તનું આતિથ્ય કરીને તેનું દુઃખ દૂર કર્યુ. પછી જીવદત્ત તેમના ઘરમાં આરામ કરી, તેમની સંમતિ લઈ તીર્થાટન કરવા નીકળી પડ્યો. નિર્જન વનમાં અનેક આપત્તિઓ વેઠતો, કંદમૂળ ખાતો પૃથ્વી પર તીર્થયાત્રા કરવા નીકળ્યો. બધા તીર્થની યાત્રા કરવા ઉપરાંત તે વિંધ્યવાસિની દેવી પાસે ગયો, નિરાહાર રહી, કુશની શય્યાપર કઠોર તપ તેણે આદર્યું. તેના તપથી પ્રસન્ન થઈ અંબિકાએ કહ્યું, ‘ઊભો થા. તમે ચાર મારા ગણ છો. એકનું નામ પંચમૂલ, બીજાનું નામ ચતુર્વક્ત્ર, ત્રીજાનું નામ મહોદરમુખ છે, તું ચોથો વિકટાનન. એ ચારે ગણમાં તું સર્વથી ઉત્તમ છે. એક વેળા તમે ચારે વિહાર માટે ગંગાકાંઠે ગયા હતા. ત્યાં કપિલજટ નામના ઋષિની કન્યા ચાપલેખા સ્નાન કરતી હતી, તે તમે જોઈ, તેને જોઈને તમે કામવિવશ થઈ તેની ઇચ્છા કરવા લાગ્યા. ‘હું હજુ કન્યા છું, તમે અહીંથી જાઓ.’ એમ તેણે કહ્યું એટલે ત્રણ ગણ ચૂપ રહ્યા પણ તેં બળજબરીથી તેના હાથ પકડી રાખ્યા. ત્યારે ‘હે પિતા, હે પિતા, મને બચાવો.’ એમ કહી ચીસો પાડવા લાગી. તેની ચીસો સાંભળી પાસે જ ઊભેલા તેના પિતા આવી ચઢ્યો. તેમને જોઈને તેં એનો હાથ મૂકી દીધો. ત્યારે તે ઋષિએ ચારેયને શાપ આપ્યો, ‘હે પાપીઓ, તમે મૃત્યુલોકમાં જાઓ.’ તમે પ્રાર્થના કરી એટલે ઋષિએ કહ્યું, ‘જ્યારે રાજકુમારી અનંગપ્રભાની યાચના કરશો ત્યારે તે મનુષ્યલોકમાંથી વિદ્યાધરલોકમાં પાછી જતી રહેશે ત્યારે અનંગપ્રભાનો પણ શાપમાંથી છુટકારો થશે. પણ હે વિકટાનન, તું વિદ્યાધરી બનેલી તેને મેળવીને પણ ખોઈ નાખીશ. હવે તું મહા દુઃખ પામીશ અને લાંબા સમય સુધી દેવીની આરાધના કર્યા પછી શાપમુક્ત થઈશ. તેં આ ચાપલેખા કન્યાના હાથનો સ્પર્શ કર્યો છે, એટલે તને પરસ્ત્રીના સ્પર્શ કરવા સંબંધી પાપ લાગ્યું છે.’ આ પ્રકારે તે મહર્ષિએ તમને શાપ આપ્યો, એટલે તમે ચારે દક્ષિણ પ્રદેશમાં વીર પુરુષો રૂપે અવતર્યા પંચવટ્ટિક, ભાષાવિજ્ઞાની અને ખડ્ગધર — આ ત્રણ અને ચોથો તું જીવદત્ત આ પ્રમાણે તમારા ચારેનાં નામ હતાં. પેલા ત્રણ અનંગરતિ વિદ્યાધરી થઈ ગઈ એટલે અહીં આવીને મારી કૃપાથી શાપમુક્ત થયા. હવે અગ્નિમંત્ર લઈ તું શરીરત્યાગ કર. આઠ જન્મ ભોગવવાનાં પાપ એક જ વારમાં ભસ્મ કરી દે.’ આમ કહી અગ્નિમંત્ર આપીને દેવી અંતર્ધાન થઈ ગયાં. જીવદત્તે અગ્નિમંત્ર ભણીને પોતાનાં પાપ અને માનવશરીરને બાળી નાખ્યાં, શાપમુક્ત થઈને તે પાછો ગણશ્રેષ્ઠ થઈ ગયો. પરસ્ત્રી સહવાસથી થતાં પાપ જો દેવતાઓ પણ કરતાં હોય તો બીજાઓને તો શું કહેવું?

અનંગપ્રભાએ નવા નવા પ્રિયતમો કેમ કર્યાં તેની કથા

એ અરસામાં અનંગપ્રભા રાજા હરિવરના અંત:પુરમાં પટરાણી બનીને રહી. તે રાજા રાતદિવસ તેના પ્રેમમાં ગળાડૂબ રહેતો હતો, તેણે રાજ્યવહીવટ સુમંત્ર નામના મંત્રીને સોંપ્યો હતો. એક વેળા રાજા પાસે મધ્યપ્રદેશથી(મધ્યદેશ તે સાંપ્રત કાળનાં અલ્હાબાદ, આગ્રા, દિલ્લી અને અયોધ્યા) લબ્ધવર નામનો નાટ્યાચાર્ય આવ્યો. રાજાએ ગાનમાં અને નૃત્યમાં તેની નિપુણતા જોઈ તેનું સમ્માન કર્યું અને અંત:પુરનો નાટ્યાચાર્ય બનાવી દીધો. તેણે અનંગપ્રભાને નાટ્યવિદ્યામાં નિપુણ બનાવી. તે નૃત્ય કરતી ત્યારે સપત્નીઓ તેના પર અત્યંત મોહિત થઈ જતી હતી અર્થાત્ ઈર્ષા કરતી ન હતી. નાટ્યાચાર્યના સંપર્કથી અને નૃત્યશિક્ષાના રસને કારણે અનંગપ્રભા નાટ્યાચાર્યના પ્રેમમાં ડૂબી. નાટ્યાચાર્ય પણ તેના સૌંદર્ય અને નૃત્યથી આકર્ષાઈને કામદેવ દ્વારા કોઈ નવા પ્રકારનું નૃત્ય કરતો થયો, એક વેળા એકાંતમાં અનંગપ્રભા રતિલાલસાથી નાટ્યશાળામાં જ નાટ્યાચાર્ય પાસે ગઈ, તે અત્યંત અનુરાગ દાખવતી બોલી, ‘હું તમારા વિના ઘડીએ રહી નહીં શકું. રાજા હરિવરને જાણ થશે તો આપણને ક્યારેય ક્ષમા નહીં આપે. તો ચાલો, રાજા આપણને શોધી જ ન શકે ત્યાં ક્યાંક જતા રહીએ. તમારી પાસે રાજાએ આપેલ સુવર્ણ, અશ્વ, ઊંટ છે. મારા નાટ્ય પર પ્રસન્ન થઈને રાજાએ આપેલા અલંકારો મારી પાસે છે. જ્યાં નિર્ભય થઈને રહી શકાય ત્યાં જઈએ.’ તેની આ વાતો સાંભળીને આનંદિત થયેલા નાટ્યાચાર્યે એ વાતો માની લીધી. પછી અનંગપ્રભા પુરુષવેશે અંત:પુરની એક દાસીને લઈને નાટ્યાચાર્યને ઘેર ગઈ. તે જ વેળા નાટ્યાચાર્યે બધી સંપત્તિ ઊંટ પર પહેલેથી ખડકી દીધી હતી અને અનંગપ્રભા પુરુષવેશે ઘોડા પર સવાર થઈને નાટ્યશિક્ષકની સાથે નીકળી ગઈ. તેણે પહેલાં વિદ્યાધરની લક્ષ્મીનો ત્યાગ કર્યો, પછી રાજલક્ષ્મીનો ત્યાગ કર્યો , ત્યાર પછી નટનો આશ્રય સ્વીકાર્યો, જગતમાં સ્ત્રીઓનો ચમત્કાર, તેમનાં ચંચલ મનને ધિક્કાર છે! પછી અનંગપ્રભા નાટ્યાચાર્યની સાથે વિયોગપુર નગરમાં જઈને તેની સાથે સુખે, સ્વતંત્રપણે રહેવા લાગી. નાટ્યાચાર્યે તે સુંદરીને પામીને પોતાનું લબ્ધવર નામ સાર્થક ગણ્યું. આ તરફ રાજા હરિવર અનંગપ્રભા ક્યાંક નાસી ગઈ, એ જાણીને દુઃખી થયો અને આત્મહત્યા કરવા તૈયાર થયો. સુમંત્ર મંત્રીએ રાજાને સાંત્વન આપતાં કહ્યું, ‘મહારાજ, તમે શું નથી જાણતા? તમે જ વિચારો ખડ્ગધર વિદ્યાધરને મૂકીને તમારી સાથે તે ભાગી આવી. તે વળી તમારી સાથે સ્થિર બનીને રહે કેવી રીતે? જેવી રીતે ઘાસની સળી ઘાસની દિશામાં જ જાય છે તેવી રીતે સારી અને ઉત્તમ વસ્તુ જેને ન ગમે તે કોઈ ક્ષુદ્ર પુરુષ પાસે જતી રહી. તેને ચોક્કસ નાટ્યાચાર્ય ભગાડી ગયો છે કારણ કે તે પણ કોઈ સ્થળે તપાસ કરતાં દેખાતો નથી. તે બંને સવારે તો નાટ્યશાળામાં હતા એવું સંભળાય છે. એટલે તેની ચંચળ પ્રકૃતિ જાણવા છતાં તમે એના પ્રત્યે આટલો ભાવ કેમ રાખો છો? વિલાસી સ્ત્રીઓ સંધ્યાની જેમ થોડા સમય માટે જ અનુરાગ રાખે છે.’ મંત્રીએ આવું કહ્યું એટલે રાજા હરિવર વિચારમાં પડી ગયો અને તેને લાગ્યું, ‘બુદ્ધિશાળી મંત્રી સાચું કહે છે. આ સંસારમાં માયા કરવી તે પરિણામે નીરસ છે. દરેક ક્ષણે તે બદલાય એવી છે. અને તેની સાથે કાયમ સંબંધ રહેતો નથી. ડાહ્યા પુરુષો નારી કે નદીની માયામાં પડતા નથી. બંને તેમાં પડનારાઓને ડૂબાડી દે છે. જો કે તે બંને ઉત્કંઠિત અને રસમય છે. જે દુઃખમાં દિલગીરી વગરના, વૈભવમાં અભિમાન વગરના, કામને વખતે કાયર ન થતાં શૂરવીર હોય તે માણસોને ધીર જાણવા અને તેઓ જ જગતને જીતે છે.’ આ પ્રમાણે હરિવર રાજા મંત્રીના વચનથી સંતાપ મૂકી પોતાની જૂની રાણી ઉપર જ સંતોષ રાખી રહ્યો. અહીં અનંગપ્રભા વિયોગપુર નગરમાં નાટ્યાચાર્ય સાથે થોડો સમય રહી. તે નગરમાં દૈવયોગે તે નાટ્યાચાર્ય સાથે એક યુવાન જુગારી સુદર્શનને મૈત્રી થઈ. તે જુગારી સુદર્શને નાટ્યાચાર્યની બધી સંપત્તિ લઈ લીધી. અનંગપ્રભાના દેખતાં જ તેને દરિદ્ર બનાવી દીધો. એટલે ક્રોધે ભરાઈને અનંગપ્રભાએ તે ગરીબ નાટ્યાચાર્યને પડતો મૂકીને સુદર્શનને જ પતિ બનાવી દીધો. સ્ત્રીથી અને સંપત્તિનાશથી નિરાશ થઈને નાટ્યાચાર્ય વૈરાગ્યને લીધે તપસ્યા કરવા જટા બાંધીને ગંગાકિનારે જઈને બેઠો. નવા નવા પુરુષોને પ્રેમ કરનારી તે અનંગપ્રભા હવે જુગારી સુદર્શન સાથે રહેવા લાગી. એક વેળા રાતે ચોરોએ એના ઘરમાં પ્રવેશી અનંગપ્રભાના પતિ સુદર્શનનું સર્વસ્વ હરી લઈ તેને દરિદ્ર બનાવી દીધો. ધનના અપહરણને કારણે દુઃખી થયેલી, પશ્ચાત્તાપ કરતી અનંગપ્રભાને જોઈ સુદર્શને કહ્યું, ‘હિરણ્યગુપ્ત નામનો એક ધનવાન મારો મિત્ર છે. ચાલો, તેની પાસેથી ઉધાર પૈસા લઈએ.’ ભાગ્યને કારણે નષ્ટ બુદ્ધિ ધરાવતા સુદર્શન તેને હિરણ્યગુપ્ત પાસે લઈ ગયો અને ઉધાર પૈસા માગ્યા. તે વણિક અને અનંગપ્રભા બંને એકબીજાને જોતાંવેંત પરસ્પર મોહમાં પડ્યા. તે વણિકે સુદર્શનને માન આપીને કહ્યું, ‘સવારે તમને બંનેને પૈસા આપીશ. આજે અહીં જ રહો, અહીં જ ભોજન કરો,’ આ સાંભળીને તથા પેલા બેનો બીજો જ ભાવ જાણીને સુદર્શને કહ્યું, ‘આજે હું ભોજન કરવા નથી આવ્યો.’ આ સાંભળી વણિકે કહ્યું, ‘મિત્ર, એમ છે, તો તમે નહીં, તમારી પત્ની મારે ત્યાં ભોજન કરે. તે તો ઘેર પહેલ વાર કી આવી છે.’ વણિકે આવું કહ્યું એટલે સુદર્શન ધૂર્ત હોવા છતાં ચૂપ રહ્યો અને વણિક તેની પત્નીને વિલાસગૃહમાં લઈ ગયો. ઘરમાં જઈને એકાએક મળેલી યૌવનમદથી ઉન્મત્ત અનંગપ્રભા સાથે તે વણિકે ભોજન, મદ્યપાન માણ્યાં. સુદર્શન બહાર પ્રતીક્ષા કરતો હતો. વણિકના નોકરોએ તેને કહ્યું, ‘તમારી પત્ની ભોજન કરીને ઘેર જતી રહી, તમે એને જતી ના જોઈ? અહીં બેસીને તમે શું કરશો, તમારે ઘેર જાઓ,’ સુદર્શને કહ્યું, ‘તે અંદર જ છે. ગઈ નથી એટલે હું નથી જવાનો, તેને મોકલો પછી હું જઈશ.’ વણિકના નોકરોએ લાતાલાત કરીને તેને બહાર કાઢી મૂક્યો. માર ખાઈને સુદર્શન ઘેર જતો રહ્યો, તે વિચારવા લાગ્યો. ‘આ વણિકે મિત્ર થઈને મારી પત્નીનું હરણ કર્યું છે. મને આ જ લોકમાં મારા કરેલા કર્મનો બદલો મળી ગયો. જે દુષ્કર્મ મેં બીજા સાથે કર્યું તે બીજાએ મારી સાથે કર્યું. હું બીજા પર તો શું ક્રોધ કરું? મારું કર્મ જ ક્રોધ કરવાપાત્ર છે. એટલે હું કર્મછેદન કરું છું, મારો પુનર્જન્મ સુધરે અને ફરી હું અપમાનિત ન થઉં.’ એમ વિચારી ક્રોધ ત્યજીને તે જુગારી બદરિકાશ્રમ ગયો અને ત્યાં સંસારબંધનમાંથી મુક્ત થવા તેણે તપ કરવા માંડ્યું. આ બાજુ અતિ રૂપાળા અને પ્રિય વણિકને પતિ રૂપે પામીને અનંગપ્રભા એક ફૂલથી બીજા ફૂલ પર ભટકતી ભમરીની જેમ આનંદ, માણવા લાગી. ધીમે ધીમે અનંગપ્રભાએ અઢળક સંપત્તિવાળા તે પ્રણયી વણિકના પ્રાણ પર અને તેની બધી સંપત્તિ પર અધિકાર જમાવી દીધો. તે પ્રદેશના રાજા વીરબાહુએ અનંગપ્રભા ત્યાં રહેતી હતી તે જાણવા છતાં ધર્મમર્યાદા જાળવીને તેનું હરણ ન કર્યું. થોડા દિવસોમાં અનંગપ્રભા ધન વાપરતી હતી એટલે તે વણિકનું ધન ઘટવા લાગ્યું, દુરાચારિણી સ્ત્રી ઘરમાં રહે એટલે લક્ષ્મી કુલસ્ત્રીની જેમ કરમાવા લાગે છે. ધન ઓછું થયું તે જોઈને તે વણિક સામાન એકઠો કરી વેપાર કરવા સુવર્ણદ્વીપ જવા તૈયાર થયો. વિરહની ચિંતાથી અનંગપ્રભાને સાથે લીધી અને એમ કરતાં સાગરપુર નામના નગરમાં જઈ પહોંચ્યો. સમુદ્રકાંઠે વસેલા તે નગરમાં માછીમારોનો મુખી સાગરવીર તે વણિકને મળ્યો. તે સમુદ્રજીવી સાગરવીરની સાથે તે વણિક સમુદ્રકાંઠે ગયો અને તેના વહાણમાં પત્ની અનંગપ્રભાની સાથે બેઠો. સાગરવીરની સાથે તે વણિક વહાણમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે એક દિવસ વીજળીની આંખોવાળો, પુષ્કળ ત્રાસ આપનારો, ભયદાતા કાળો મેઘ આકાશમાં ઊમટી આવ્યો. પ્રચંડ પવનને કારણે ઘોર વરસાદ પડવા લાગ્યો. સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું અને વહાણ સમુદ્રમોજાંમાં ડૂબવા લાગ્યું. ત્યારે વણિક હિરણ્યગુપ્તના સેવકો ‘ઓ ડૂબ્યા, ઓ ડૂબ્યા’ એમ ચીસરાણ કરવા લાગ્યા, જાણે વહાણની સાથે તેમના મનોરથ ડૂબવા માંડ્યા. સ્વાર્થી હિરણ્યગુપ્ત પોતાના ખેસને કમરે બાંધી અનંગપ્રભાની સામે જોઈ ‘અરે પ્રિયા, તું ક્યાં આ દુઃખમાં આવી પડી?’ એમ કહી ડૂબતા વહાણમાંથી સમુદ્રમાં કૂદી પડ્યો. દૈવયોગે તેના હાથ લાકડાનું પાટિયું આવી ચઢ્યું, તેને પકડીને તે ઉપર ચઢી ગયો. આ બાજુ સાગરવીરે અનંગપ્રભાને તરાપો તૈયાર કરીને તેના પર બેસાડી દીધી. તે પોતે પણ અનંગપ્રભાને ધીરજ આપતો તેના પર ચડી ગયો અને હલેસાંનું કામ હાથ વડે કરતો સમુદ્રમાં તરવા લાગ્યો. વહાણ ભાંગી ગયું, ડૂબી ગયું અને થોડી જ વારમાં આકાશ ચોખ્ખું થઈ ગયું. ક્રોધમુક્ત થયેલા સાધુની જેમ સમુદ્ર સ્થિર થઈ ગયો. પાટિયા પર ચઢેલો હિરણ્યગુપ્ત અનુકૂળ વાયુને કારણે પાંચેક દિવસમાં દૈવયોગે સમુદ્રકાંઠે પહોંચ્યો, ત્યાં પહોંચીને હિરણ્યગુપ્ત પોતાની પ્રિયાના વિરહે દુઃખી થયો અને આ ઘટનાને વિધાતાનું નિર્માણ સમજવા લાગ્યેા. આમ ધીરે ધીરે ચાલીને ધીરજવાન વણિક પોતાના નગરમાં જઈ પહોંચ્યો અને ધીરજપૂર્વક નિશ્ચિત બની વેપાર દ્વારા ધન કમાવા લાગ્યો. તરાપા પર બેઠેલી અનંગપ્રભાને સાગરવીરે એક જ દિવસમાં સમુદ્રતટે પહોંચાડી દીધી. સાગરવીરે ધીરજ બંધાવીને અનંગપ્રભાને તેના સાગરપુર નગરમાં પોતાને ઘેર મોકલી દીધી. રાજા સમાન લક્ષ્મી ધરાવતા, વીર, પ્રાણ બચાવનાર યુવાન સુંદર સાગરવીરને પોતાનો આજ્ઞાકારી સમજીને ટંડેલોના સરદાર સાગરવીરને જ અનંગપ્રભાએ પતિ બનાવી દીધો. સત્ય છે: ચરિત્રહીન સ્ત્રી ઊંચનીચનો વિચાર કરતી નથી. અનંગપ્રભા તે સરદારની સાથે તેના જ ઘરમાં તેની ધનસંપત્તિનો ઉપયોગ કરતી રહેવા લાગી. એક વેળા અનંગપ્રભાએ પોતાના ઊંચા મહેલની છત પરથી કોઈ શેરીમાં જતા વિજયવર્મા નામના રાજપૂતને જોયો. તેના સૌંદર્યના લોભે અનંગપ્રભા છત પરથી ઊતરીને તેની પાસે ગઈ અને કહેવા લાગી, ‘તમારું રૂપ જોતાંવેંત મારું મન તમારા પ્રત્યે આકર્ષાયું છે, તો તમે મારો સત્કાર કરો. ’ તેણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને આકાશમાંથી જાણે ઊતરેલી તે ત્રિલોકસુંદરીને પોતાને ઘેર લઈ ગયો. તે ભાગી ગઈ એટલે સાગરવીરે બધાનો ત્યાગ કરીને શરીરત્યાગ કરવા ગંગા કાંઠે ગયો. તેને બહુ દુઃખ થયું. ક્યાં તે નાવિક અને ક્યાં દિવ્ય રૂપાંગના વિદ્યાધરી? પણ સુખને શોધનારી અનંગપ્રભાને કશું દુઃખ થયું નહીં. વિજયવર્માની સાથે સ્વચ્છંદતાથી તે નગરમાં રહેવા લાગી. એક વાર હાથણી પર સવાર થઈને તે નગરનો રાજા સાગરવર્મા નગરમાં ભ્રમણ કરવા નીકળ્યો. પોતાના નામથી પ્રસિદ્ધ અને પોતે જ વસાવેલા નગરને જોતો તે રાજા વિજયવર્માનું ઘર જે રસ્તા પર હતું ત્યાંથી જ નીકળ્યો. રાજા એ માર્ગ નીકળવાનો છે તે જાણીને અનંગપ્રભા પોતાના ભવનની અગાસી પર ચઢી. રાજાને જોઈને તે તેના પર મોહી પડી. રાજાની હાથણીના મહાવતને તે નિર્લજ્જતાથી કહેવા લાગી, ‘અરે મહાવત, હું ક્યારેય હાથી પર બેઠી નથી. તું મને બેસાડ, જેથી મને હાથીની સવારીમાં કેવો આનંદ મળે છે તેની મને જાણ થાય.’ આ સાંભળી મહાવતે રાજા સામે જોયું, રાજાએ સ્વર્ગમાંથી પૃથ્વી પર ઊતરેલી ચંદ્રસમાન પ્રભાવાળી અનંગપ્રભાને જોઈ. ચકોરની જેમ તે પોતાની અતૃપ્ત આંખોથી સૌંદર્ય પીતા રાજાએ તેને મેળવવાની ઇચ્છાથી મહાવતને કહ્યું, ‘હાથણીને નજીક લઈ જઈ તેની ઇચ્છા પૂરી કરો. આ ઇન્દુવદનાને તરત જ હાથણી પર બેસાડ.’ રાજાએ આમ કહ્યું એટલે મહાવત હાથણી તેના ઘરની નીચે લઈ ગયો. હાથણી પાસે આવી એટલે અનંગપ્રભાએ રાજાના ખોળામાં પડતું નાખ્યું. પહેલો પતિ પસંદ કરવામાં દ્વેષ હતો અને હવે નવા નવા પતિઓથી તે તૃપ્ત થતી ન હતી. દુઃખ એ વાતનું કે માતાપિતાના શાપથી કેટલું બધું ઊલટસુલટ થઈ ગયું? પડી જવાનો ભય દાખવી અનંગપ્રભા રાજાને કંઠે વળગી પડી. રાજાએ પણ તેના શરીરસ્પર્શ રૂપી અમૃતથી ભીંજાઈને પરમ આનંદનો અનુભવ કર્યો. યુક્તિપૂર્વક પોતાને રાજાને સમર્પિત થતી, કંઠે વળગીને, ચુંબનની ઇચ્છા ધરાવતી અનંગપ્રભાને લઈને રાજા પોતાના મહેલમાં જઈ પહોંચ્યો. મહેલમાં આવીને તે વિદ્યાધરીએ પોતાની કથા કહી સંભળાવી, રાજાએ પોતાના અંત:પુરમાં તેને મહારાણી બનાવી દીધી. વિજયવર્મા ઘેર આવી પહોંચ્યો ત્યારે તેને રાજાએ અનંગપ્રભાનું અપહરણ કર્યાના સમાચાર જાણ્યા. ક્ષાત્ર ધર્મની તેને યાદ આવી એટલે રાજાના રક્ષકો સાથે મહેલની બહાર યુદ્ધ કરવા માંડ્યું અને યુદ્ધમાં પીઠ ન દેખાડી ત્યાં જ તે માર્યો ગયો. શૂરવીર પુરુષો સ્ત્રીને કારણે થતાં અપમાન વેઠી શકતા નથી. ‘તે દુરાચારિણી સ્ત્રી સાથે સંબંધ રાખીને શું કરશો? હવે નંદનવનમાં અમારો ઉપભોગ કરો.’ એમ જાણે કહેતી દેવાંગનાઓ તેને સ્વર્ગમાં લઈ ગઈ. તે અનંગપ્રભા જેમ નદી સાગરમાં સ્થિર થઈ જાય તેમ રાજા સાગરવર્માના જીવનમાં સ્થિર થઈ ગઈ. અનંગપ્રભાના ભવિતવ્યને કારણે તેણે પોતાને આ પતિથી કૃતાર્થ માની અને રાજાએ પણ આવી ભાર્યા પામીને પોતાનો જન્મ સફળ માન્યો. થોડા સમય પછી સાગરવર્માની એ રાણી સગર્ભા થઈ અને યોગ્ય સમયે તેણે પુત્રને જન્મ આપ્યો. રાજાએ તેનું નામ પાડ્યું સમુદ્રવર્મા અને ઉદારતાથી જન્મમહોત્સવ ઊજવ્યો. ક્રમશ: મોટા થયેલા ગુણવાન, યુવાન અને બળવાન સમુદ્રવર્માને રાજાએ યુવરાજપદે બેસાડ્યો. ત્યાર પછી સમુદ્રવર્માના વિવાહ માટે રાજાએ સમરવર્મા રાજાની કુંવરી કમળાવતીનું હરણ કર્યું. વિવાહ કર્યા પછી યુવરાજના ગુણોથી આકર્ષાઈને સમુદ્રવર્માએ પોતાનું આખું રાજ્ય તેને સોંપી દીધું. તેજસ્વી અને ક્ષાત્રધર્મને જાણનાર સમુદ્રવર્માએ પણ પિતા પાસેથી રાજ્ય મેળવીને તેમને પ્રણામ કરીને કહ્યું, ‘પિતાશ્રી, મને આજ્ઞા આપો. હું દિગ્વિજય કરવા નીકળું છું, પૃથ્વી જીતવાની જે રાજા ઇચ્છા ન કરે તે જેવી રીતે સ્ત્રીને નપુંસક પતિ ન ગમે તેવી રીતે પૃથ્વીને એવો રાજા પણ નથી ગમતો. બીજા રાષ્ટ્રોને પોતાના બાહુબળે જીતે છે તે રાજાની રાજલક્ષ્મી ધર્મશીલ અને કીર્તિદાયિની નીવડે છે. જે લોભી બિલાડાની જેમ પોતાની ઉન્નતિ માટે પોતાની પ્રજાને જ ખાઈ જાય તે ક્ષુદ્ રાજાઓનું રાજ્ય શું કહેવાય?’ આમ સાંભળીને સાગરવર્માએ કહ્યું, ‘પુત્ર, હજુ તું હમણાં જ ગાદી પર બેઠો છે. એને સ્થિર કર. ધર્માનુસાર પ્રજાપાલન કરનાર રાજા પાપી કે નિંદનીય નથી કહેવાતો. પોતાનાં શક્તિ સામર્થ્યને સમજ્યા વિચાર્યા વિના બધા રાજાઓ સાથે વિગ્રહ કરવો યોગ્ય નથી. તું શૂરવીર છે, તારી પાસે ઘણું સૈન્ય છે તો પણ વિજય પર વિશ્વાસ ન મુકાય, યુદ્ધમાં વિજયલક્ષ્મી અસ્થિર જ હોય છે.’ પિતાએ આવું કહ્યું તો પણ તેજસ્વી સમુદ્રવર્મા પિતાની આજ્ઞા લઈને દિગ્વિજય કરવા નીકળી પડ્યો. પછી બધી દિશાઓ જીતીને, રાજાઓને નમાવીને ઘણા હાથી, ઘોડા, સૈન્ય, રત્નો લઈને પોતાના નગરમાં પાછો આવ્યો. વિવિધ દેશોમાં ઉત્પન્ન થતા જુદા જુદા પ્રકારનાં રત્નોથી પ્રસન્ન થયેલા માતાપિતાના ચરણોમાં વંદન કરી તેમની તેણે પૂજા કરી. માતાપિતાની આજ્ઞાથી મહાયશસ્વી સમુદ્રવર્માએ બ્રાહ્મણોને હાથીઘોડા, સુવર્ણ, રત્ન વગેરેનું દાન કર્યું. તેણે પોતાના સેવકોને એટલો બધો અર્થલાભ કરાવી આપ્યો કે દરિદ્ર શબ્દ જ અર્થહીન બની ગયો. આમ પુત્રનો મહિમા જોઈને અનંગપ્રભા સાથે રાજા સાગરવર્માએ પોતાને કૃતકૃત્ય માન્યા. સાગરવર્માએ એ દિવસો ઉત્સવમાં વીતાવ્યા. અને પછી મંત્રીઓના દેખતાં સમુદ્રવર્માને કહ્યું, ‘પુત્ર, આ જન્મમાં મારે જે મેળવવાનું હતું તે બધું મેળવી લીધું. રાજ્યસુખ જોયું પણ શત્રુઓ દ્વારા ક્યારેય પરાજિત થયો નથી. સામ્રાજ્યપ્રાપ્તિ પણ તેં જોઈ. હવે મારે શું જોઈએ, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કોઈ તીર્થમાં જતો રહું. આ શરીર તો નાશવંત છે. ઘરમાં રહીને શું કરીશ? વૃદ્ધાવસ્થા મારા કાનમાં આ જ કહી રહી છે.’ એમ કહી પુત્રની ઇચ્છાવિરુદ્ધ તે પત્ની અનંગપ્રભાને લઈને પ્રયાગ જતો રહ્યો. સમુદ્રવર્મા થોડે સુધી પિતાને મૂકવા ગયો. રાજધાની પાછા ફરીને ન્યાયપૂર્વક તે રાજ્યનું પાલન કરવા લાગ્યો. અનંગપ્રભા સાથે પ્રયાગ જઈને રાજાએ તપસ્યા કરીને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. તપથી પ્રસન્ન થયેલા ભગવાને રાત્રિના છેલ્લા પ્રહરે સ્વપ્નમાં કહ્યું, ‘હું અને મારી પત્ની — બંને તારા તપથી પ્રસન્ન છીએ. હવે સાંભળ, આ અનંગપ્રભા અને તું — બંને વિદ્યાધર છો. તમારો શાપ પૂરો થયો એટલે સવારે બંને વિદ્યાધર લોકમાં જશો.’ આ સાંભળીને રાજાની ઊંઘ ઊડી ગઈ, સ્વપ્ન જોતી રાણી પણ જાગી ગઈ. બંને એકબીજાને પોતાના સ્વપ્નની વાર્તા કહેવા લાગ્યાં. ત્યારે આનંદ પામેલી અનંગપ્રભા રાજાને કહેવા લાગી, ‘મહારાજ, મને અત્યારે મારો પૂર્વજન્મ યાદ આવી ગયો. હું વિદ્યાધર રાજા સમરની પુત્રી છું. વીરપુર નગરમાં અનંગપ્રભા નામે જન્મી. પિતાના શાપથી મૃત્યુલોકમાં આવી અને મનુષ્યદેહે હું વિદ્યાધરી છું એ વાત ભૂલી ગઈ. હવે મને ભાન થયું.’ તે આમ કહી રહી હતી તેટલામાં તેના પિતા સમર વિદ્યાધર આકાશમાંથી ઊતર્યા. રાજા સાગરવર્માએ તેને વંદન કર્યા, પગે પડેલી પુત્રી અનંગપ્રભાને વિદ્યાધર કહેવા લાગ્યો. ‘ચાલ દીકરી, તું આ વિદ્યાઓ લઈ લે. તારો શાપ પૂરો થયો. એક જ જન્મમાં તેં આઠ જન્મનાં દુઃખ ભોગવ્યાં.’ આમ કહી સમર વિદ્યાધરે તેને ઊંચકી લીધી અને ખોળામાં બેસાડી બધી વિદ્યાઓ આપી. પછી રાજા સાગરવર્માને કહ્યું, ‘તમે મદનપ્રભ નામના વિદ્યાધર રાજા છો. હું સમર નામે વિદ્યાધર રાજા છું, આ અનંગપ્રભા મારી પુત્રી છે. પહેલાં કેટલાક યુવાનોએ આની સાથે વિવાહ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પણ આ રૂપગર્વિતાએ કોઈનો પણ સ્વીકાર કર્યો ન હતો, તે જ વેળા સરખા ગુણવાળા તેં આનું માગું કર્યુ હતું, દૈવયોગે તે વેળા આણે તારો પણ સ્વીકાર કર્યો ન હતો. એટલે મેં તેને શાપ આપીને મૃત્યુલોકમાં મોકલી. ત્યાર પછી ‘આ મારી પત્ની થાય.’ એવો સંકલ્પ કરીને તેં શિવનું તપ કર્યું અને યોગ વડે વિદ્યાધર શરીરનો ત્યાગ કર્યો. તું મનુષ્ય થયો અને આ તારી માનુષીભાર્યા બની. સમરે આમ કહ્યું એટલે સાગરવર્માએ પૂર્વજન્મનું સ્મરણ કરી પ્રયાગસંગમમાં માનવશરીરનો ત્યાગ કર્યો અને તરત જ મદનપ્રભ બની ગયો. આ પ્રમાણે સમરે કહ્યું એટલે સાગરવર્માને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. એટલે તેણે તરત પોતાનું શરીર પ્રયાગના જળમાં ત્યજી દીધું અને મદનપ્રભ થઈ રહ્યો. અતિશય તેજસ્વી અનંગપ્રભા પણ પિતાની પાસેથી વિદ્યા શીખીને એકદમ વિદ્યાધરી થઈ ગઈ. તેનું શરીર તેજસ્વી હતું તો પણ તે જાણે બીજી જ હોય તેમ શોભતી હતી. ત્યાર પછી દિવ્યરૂપધારી મદનપ્રભ અને અનંગપ્રભા પરસ્પર એકબીજાનું અનુપમ શરીર જોઈ અતિશય પ્રેમમાં મગ્ન થયાં અને આનંદમાં આવી ગયાં. પછી તે બંને અને શ્રીમાન વિદ્યાધર રાજા સમર તે સર્વે સાથે આકાશમાં ઊડી વિદ્યાધરના પાટનગર વીરપુરમાં ગયાં. ત્યાં સમર રાજાએ પોતાની પુત્રી અનંગપ્રભા મદનપ્રભને પરણાવી. અને મદનપ્રભ શાપમુક્ત થયેલી પોતાની સ્ત્રીને લઈ પોતાના નગરમાં ગયો. અને સુખે દિવસો વીતાવવા લાગ્યો. (કથા સરિત્સાગર, ૯ મો લંબક, બીજો તરંગ)

તરુણચંદ્ર વૈદ્ય અને રાજા અજરની કથા

ભૂતકાળમાં શ્રીકંઠનિલય(હિમાલય)માં વિલાસપુર નામના નગરમાં પોતાના નામને સાર્થક કરતો એક રાજા વિનયશીલ થઈ ગયો. તેની રાણી કમલપ્રભા રાજાને પોતાના પ્રાણસમી વહાલી હતી. રાજાએ તેની સાથે ભોગવિલાસમાં અનેક વર્ષો વીતાવ્યાં. થોડા સમય પછી સૌંદર્યહારિણી વૃદ્ધાવસ્થા આવી ચઢી. તેને જોઈને રાજા ખૂબ જ દુઃખી થયો. હિમથી બળી ગયેલા કમલની જેમ પોતાનું ફિક્કું મોં જોઈ, ‘હા ધિક્ છે! આ મારું મલિન મુખ કેવી રીતે દેવીને દેખાડીશ? આનાથી તો મૃત્યુ સારું.’ એવું વિચારીને રાજાએ તરુણચંદ્ર નામના વૈદ્યને સભામાં બોલાવ્યો અને આદરથી કહ્યું, ‘હે કલ્યાણકારી, તું અમારો ભક્ત છે અને કુશળ વૈદ્ય છે એટલે તને પૂછું છું કે કોઈ એવી યુક્તિ છે જેથી ઘરડાપાને રોકી શકાય?’ આ સાંભળીને કેવળ કળામાત્રના સારને જાણનાર તથા યથાર્થનામા એવો તે કુટિલ તરુણચંદ્ર વિચારવા લાગ્યો, ‘આ નૃપતિ મૂર્ખ છે. ધીરે ધીરે સમજ પડશે.’ એમ વિચારીને તે વૈદ્ય રાજાને કહેવા લાગ્યો, ‘આઠ મહિના સુધી ભોંયરામાં રહીને જો મારી ઔષધિ ખાઓ તો તમારી વૃદ્ધાવસ્થા દૂર થાય.’ આ સાંભળીને રાજાએ તાબડતોબ એક ભોંયરું બનાવ્યું. વિષયલોલુપ માણસોમાં વિચાર કરવાની શક્તિ નથી હોતી. મંત્રીઓએ રાજાને સમજાવ્યો, ‘પૂર્વજોના તપ, સંયમ અને યુગના પ્રભાવથી અદ્ભુત રસાયનો સિદ્ધ થઈ ચૂક્યાં છે પણ આજે તો એમનાં નામ જ રહી ગયાં છે. તે વિપરીત પરિણામ આણે છે. એટલે આ ઉચિત નથી. ધૂર્ત લોકો બાલિશ રમતો રમતા હોય છે. મહારાજ, શું વૃદ્ધાવસ્થાને બદલે યુવાવસ્થા પાછી આવે ખરી?’ રાજાના ગળે મંત્રીઓની વાત ઊતરી ન શકી. રાજાનું હૃદય ભોગતૃષ્ણાથી ભરેલું હતું. એટલે બધો જ રાજવૈભવ ત્યજીને તે રાજા એકલો ભોંયરામાં પેઠો. તે વૈદ્ય પોતાના એક નોકરને લઈને રાજાની ઔષધિ કરવા લાગ્યો. રાજા અંધકારથી ભરેલા એ ભોંયરામાં એવી રીતે રહેવા લાગ્યો કે જાણે તેનું અજ્ઞાન હૃદયમાંથી બહાર નીકળી ગયું. આમ કરતાં કરતાં છ મહિના વીતી ગયા અને રાજાની વૃદ્ધાવસ્થા હજુ વધારે વરતાવા માંડી એટલે તે દુષ્ટ વૈદ્યે રાજાને મળતો આવે એવો યુવાન શોધી કાઢ્યો અને તેને કહ્યું, ‘હું તમને રાજા બનાવું છું.’ તેની સાથે સમજાવટ કરીને તે વૈદ્યે દૂરથી જ ભોંયરા સાથે જોડાયેલી એક સુરંગ બનાવડાવી અને તેમાં જઈને સૂતેલા રાજાને મારી નાખ્યો અને અંધારા કૂવામાં એનું શબ ફેંકી દીધું. અને એ જ સુરંગના રસ્તે તે તરુણને ભોંયરામાં મોકલીને સુરંગ બંધ કરી દીધી. દુષ્ટાત્માઓ અવસર જોઈને મૂર્ખ વ્યક્તિઓ સાથે કેવું કેવું સાહસ કરતા હોય છે! આવી વ્યવસ્થા કરીને વૈદ્યે બધા જ લોકોને ભેગા કરીને કહ્યું, ‘મેં રાજાનો ઘરડાપો છ જ મહિનામાં દૂર કરી દીધો. બીજા બે મહિનામાં એનું બીજું જ રૂપ જોવા મળશે. એટલે તમે દૂરથી જ એમને તમારું દર્શન કરાવો.’ એમ કરીને તે ભોંયરાના દ્વારે બધાને લઈ ગયો અને બધાનાં નામ અને પદ જણાવવા લાગ્યો. આમ કરીને અંત:પુરની સ્ત્રીઓને પણ લઈ જઈને તે યુવાન પુરુષ દેખાડ્યો. સમયાવધિ પૂરો થયો એટલે ખવડાવીપીવડાવી તાજામાજા કરેલા યુવાનને ભોંયરામાંથી બહાર કાઢ્યો અને જણાવ્યું કે આ રાજા યુવાન અને અજર થયો છે. બધાએ માની પણ લીધું. ત્યાર પછી તેને નવડાવીધોવડાવી મહા અમાત્યોની સમક્ષ તેનો રાજ્યાભિષેક કરાવ્યો. ત્યાર પછી તે યુવાન રાજા અજર તરીકે વિખ્યાત થયો અને અંત:પુરના ભોગવિલાસ પણ ભોગવવા લાગ્યો. રાજ્યના બધા જ લોકો આ અસંભવિત કાર્ય કરનારા વૈદ્યની વિદ્યાના ચમત્કાર પર વિશ્વાસ કરીને તેને જ જૂનો રાજા માનીને તેની સેવા કરવા લાગ્યા. તે યુવક પણ પ્રજાને, રાજસેવકોને અને દેવી કમલપ્રભાને પ્રસન્ન કરીને રાજાને છાજે તેવો વ્યવહાર કરવા લાગ્યો. અને વૈદ્યના મિત્ર ભેષજચંદ્રને અને પદ્મદર્શનને હાથીઘોડા વગેરે આપીને તેમને પ્રસન્ન રાખવા લાગ્યો. પરંતુ તે તરુણચંદ્ર વૈદ્યને ઔપચારિક રીતે જ માનતો હતો. સત્યધર્મથી ભ્રષ્ટ થયેલા પર તે વિશ્વાસ મૂકતો ન હતો. એક વાર તે વૈદ્યે રાજાને કહ્યું, ‘તું મને અવગણીને સ્વતંત્ર રીતે જ કાર્ય કરે છે. શું તું ભૂલી ગયો કે મેં જ તને રાજા બનાવ્યો છે?’ આ સાંભળીને તે રાજાએ વૈદ્યને કહ્યું, ‘અરે તું મૂર્ખ છે. કોણ કોને બનાવે છે, કોણ આપે છે? પૂર્વજન્મનાં કર્મ જ બનાવે છે અને આપે છે. એટલે તું અભિમાન ન કર. આ રાજ્ય મને મારા તપથી પ્રાપ્ત થયું છે. હું તને થોડા જ સમયમાં આ વાત પ્રત્યક્ષ કરી બતાવીશ.’ આમ રાજાએ કહ્યું એટલે ત્રસ્ત થયેલો વૈદ્ય વિચારવા લાગ્યો કે આ મારી સાથે ધૃષ્ટતાથી વર્તી નથી રહ્યો અને ધીર થઈને જ્ઞાનીની જેમ બોલી રહ્યો છે. રહસ્યની બાબતોમાં અંતરંગ બનવું શક્ય નથી તો પણ મારે એનું અનુસરણ કરવું જોઈએ. જોઉં છું કે તે મને પ્રત્યક્ષ શું દેખાડે છે? એમ વિચારીને તે વૈદ્ય ચૂપ રહ્યો. કોઈ એક દિવસે રાજા અજર ફરવા માટે નીકળ્યો, સાથે તરુણચંદ્ર અને અન્ય મિત્રો હતા. ફરતાં ફરતાં તે નદીકિનારે આવ્યો અને નદીની વચ્ચે પ્રવાહમાં તરતાં પાંચ સુવર્ણકમળ જોયાં. રાજાએ સેવકો પાસે તે કમળ મંગાવ્યાં, હાથમાં રાખી જોયાં અને પાસે ઊભેલા તરુણચંદ્રને કહ્યું, ‘તમે નદીકિનારે ઉપરવાસમાં જાઓ અને આ પંકજોનું ઉત્પત્તિસ્થાન શોધી કાઢો. તે જોઈને તમે મારી પાસે આવો. આ પંકજ જોઈને મને ભારે કુતૂહલ થાય છે, અને તમે તો મારા ચતુર મિત્ર છો.’ આમ સાંભળીને તે વિવશ વૈદ્ય બતાવેલા માર્ગે ચાલી નીકળ્યો અને રાજા પોતાના ભવનમાં પાછો આવ્યો. ધીમે ધીમે ચાલીને તે વૈદ્ય નદીકિનારે આવેલા એક શિવમંદિરમાં જઈ પહોંચ્યો. ત્યાં નદીના મૂળ ભાગમાં કિનારે વડનું એક મોટું ઝાડ જોયું, તેમાં લટકતો એક નરકંકાલ જોયો. વૈદ્ય તે સરોવરમાં સ્નાન કરીને દેવપૂજામાં જેવો બેઠો કે એક વાદળ ત્યાં વરસી ગયું. વાદળ વરસવાને કારણે તે વટવૃક્ષ પર લટકતા નરકંકાલ પર જે બંદુિઓ ટપક્યાં તે નદીના પાણીમાં જઈને સુવર્ણકમળમાં ફેરવાઈ જતાં હતાં. વૈદ્ય વિચારવા લાગ્યો, અહો, કેવું આશ્ચર્ય. આ નિર્જન વનમાં કોને પૂછું? વિધાતાનું આશ્ચર્ય કોણ પામી શકે? મેં સુવર્ણકમળનું ઉત્પત્તિસ્થાન તો જોઈ લીધું, હવે આ નરકંકાલને તીર્થમાં ફેંકી દઈશ, મને ધર્મલાભ થશે એમ વિચારીને તેણે નરકંકાલને તે વટવૃક્ષ પરથી ફેંકી દીધું. આમ તે દિવસ ત્યાં જ વીતાવ્યો, કાર્ય સિદ્ધ કરીને તે બીજા દિવસે ઘેર પાછો આવ્યો. થોડા દિવસે તે વિલાસપુર જઈ અજર રાજા પાસે ગયો. તે સમયે માર્ગ ધૂળથી ભરેલો હતો. દ્વારપાળે તેના આગમનના સમાચાર આપ્યા એટલે તે રાજાને ચરણે પડ્યો અને રાજાએ તેના કુશળ સમાચાર પૂછ્યા, તે વૈદ્યે બધી વાત કરી. ત્યાર પછી રાજાએ બધા લોકોને વિદાય કરી એકાંતમાં પૂછ્યું, ‘હે સખા, તેં સુવર્ણકમળનું ઉદ્ભવસ્થાન જોયું? તે ક્ષેત્ર ઉત્તમ છે, ત્યાં તેં વટવૃક્ષ પર લટકતો નરકંકાલ જોયો તે મારા પૂર્વજન્મનું શરીર હતો. ત્યાં પગ આકાશ સામે કરીને મેં મારું શરીર તપસ્યા કરીને સૂકવી નાખ્યું હતું અને પછી પ્રાણત્યાગ કર્યો હતો. તે તપને કારણે મારા મૃત કંકાલમાંથી ટપકતાં મેઘબંદુિઓ સુવર્ણકમળ બની જતાં હતાં. તે નરકંકાલને તેં તીર્થમાં ફેંકીને ઉચિત કાર્ય કર્યું. તું મારો પૂર્વજન્મનો મિત્ર છે. આ ભેષજચંદ્ર અને પદ્મદર્શન પણ મારા પૂર્વજન્મના મિત્ર છે. એટલે હે મિત્ર, તે પૂર્વજન્મના તપના પ્રભાવે કરીને હું જાતિસ્મર જ્ઞાની થયો અને મેં રાજ્ય પ્રાપ્ત કર્યું. આ બધું મેં તને યુક્તિપૂર્વક પ્રત્યક્ષ કરી દેખાડ્યું. તેં જે કંકાલને ફેંકી દીધું તે પણ અભિજ્ઞાનપૂર્વક વર્ણવી બતાવ્યું. એટલે આ રાજ્ય મેં તને આપ્યું હતું તે તેં મને આપ્યું. એટલે તું અહંકાર કરીશ નહીં. મનમાં દુઃખી પણ ન થતો. પૂર્વજન્મનાં કર્મ સિવાય કોઈ કોઈને કશું આપતું નથી. પ્રત્યેક જીવ ગર્ભાવસ્થાથી જ પૂર્વજન્મનાં ફળ પામે છે.’ આમ સાંભળીને તે વૈદ્ય અસંતોષનો ત્યાગ કરીને આનંદપૂર્વક રાજાની સેવા કરવા લાગ્યો. તે જાતિસ્મર અજર રાજાએ પણ તે વૈદ્યને યોગ્ય સમ્માન, ધન આપીને ઉપકૃત કર્યો. પોતે પણ અંત:પુરની રાણીઓ અને મિત્રો સાથે નિષ્કંટક રાજ્ય કરવા લાગ્યો. (કથાસરિત્સાગર અંતર્ગત રત્નપ્રભાલંબકના સાતમા તરંગની કથા)

વીરવર બ્રાહ્મણની કથા

આ પૃથ્વી પર વિક્રમપુર નામની એક મોટી નગરી. ત્યાં એક સમયે વિક્રમતુંગ નામનો રાજા થઈ ગયો. તે રાજાની તલવારમાં તીક્ષ્ણતા હતી, દંડમાં ન હતી; ધર્મમાં સતત આસક્તિ હતી, સ્ત્રીમાં — મૃગયામાં ન હતી. ધૂળમાં જ કણની ભેળસેળ હતી, પરંતુ બીજા કોઈ કુત્સિત કામમાં કણ પણ નહોતા. અવિચાર (અહીં એક સારો શ્લેષ છે. કણ એટલે પરમાણુ આદિ રજકણ ને કણ એટલે જરાક. ગુણ એટલે સદ્ગુણ ને ગુણ એટલે ધનુષની પણછ. અવિચારી એટલે અન્યાયી ને અવિચારી એટલે બકરાં ચરાવનાર ભરવાડ) પશુપાલકોમાં જ જોવા મળતો હતો, પણ લોકોમાં અવિચાર ન હતા. તે રાજા પાસે એક સુંદર અને ભવ્ય સ્વરૂપવાળો માળવ બ્રાહ્મણ સેવક તરીકે આવ્યો. તેની પત્ની ધર્મવતી હતી, વીરવતી હતી અને સત્ત્વવર નામનો પુત્ર હતો. પરિવાર આટલો જ હતો. તેની પાસે સેવા કરવા માટે ત્રણ સાધન હતાં — કમર પર કૃપાણ, એક હાથમાં ખડ્ગ અને બીજા હાથમાં દર્પણ જેવી ચકચકિત ઢાલ. તેણે રાજા પાસે દરરોજના પાંચસો દીનાર પોતાના કુટુંબના નિર્વાહ માટે માગ્યા. રાજાએ તેના તેજસ્વી વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને ‘ચાલો તેની વિશેષતા જોઈએ.’ એમ વિચારી એટલો પગાર આપવાનું સ્વીકાર્યું. ત્યાર પછી રાજાએ તેની પાછળ ગુપ્તચરો મૂક્યા, ‘જુઓ આ બે હાથવાળો આ પૈસા કેવી રીતે વાપરે છે?’ આ વીરવર પાંચસો સોનામહોરોમાંથી એક સો મહોર ભોજન વગેરે માટે પત્નીને આપતો હતો. એક સો મહોરો કપડાં, માળા પાછળ ખર્ચતો હતો, એક સો મહોર સ્નાન કરીને વિષ્ણુ — શિવ પૂજન પાછળ ખર્ચતો હતો. બાકીની બસો મહોર બ્રાહ્મણ અને દીન ભિક્ષુકોને દાનમાં આપતો હતો. તે પોતાનું નિત્યકર્મ પતાવીને સવારથી બપોર સુધી દરરોજ રાજભવનમાં દ્વાર પર ઊભો રહેતો હતો અને પછી સ્નાનભોજન કરીને પાછો આવતો અને રાતે ફરી દ્વાર પર ઊભો રહી ચોકી કરતો હતો. રાજાના ગુપ્તચર તે બ્રાહ્મણની દિનચર્યાના સમાચાર આપતા હતા. થોડા દિવસો પછી સંતોષ પામેલા રાજાએ ગુપ્તચરો ખસેડી લીધા; તે વીરવર સ્નાન, ભોજન પાછળ ખર્ચાતા સમયને બાદ કરીને રાતદિવસ તલવાર લઈને રાજાની સેવામાં હાજર થઈ જતો હતો, થોડા દિવસ પછી જાણે વીરવરને જીતવાની ઇચ્છાથી ધીર પુરુષોનો પ્રતાપ ન સહી શકનારો વર્ષાકાળ ગરજતો ગરજતો આવી પહોંચ્યો. જ્યારે મેઘ ભીષણ વર્ષાધારા રૂપે બાણ છોડી રહ્યો હતો ત્યારે વીરવર રાજાના સિંહદ્વારે થાંભલાની જેમ સ્થિર ઊભો રહેતો હતો. રાજા પોતાના મહેલની બારીમાંથી નિત્ય ચોકી કરતા વીરવરને જોતો અને પછી શયનાગારમાં જતો હતો. એક વેળા ભારે વરસાદ પડતો હતો ત્યારે રાજાએ ઉપરથી કહ્યું, ‘અહીં કોણ છે? આ સાંભળીને વીરવરે ઉત્તર આપ્યો, ‘હું આપનો સેવક વીરવર અહીં છું.’ આવા ભયંકર વરસાદમાં પણ સિંહદ્વાર જે ત્યજતો નથી એ વીરવર મહાન બળવાન છે. તે કોઈ મોટી પદવીને લાયક છે. તેનો ઉત્તર સાંભળીને રાજા આમ વિચારતો જ હતો ત્યાં તેણે દૂરથી કોઈ સ્ત્રીનો કરુણ રુદનસ્વર સાંભળ્યો. ‘મારા રાજ્યમાં કોઈ દુઃખી નથી તો પછી આ કોણ રડી રહ્યું છે?’ એમ વિચારી રાજાએ વીરવરને કહ્યું, ‘વીરવર, ક્યાંક કોઈ સ્ત્રી રડી રહી છે. ત્યાં જઈને જો કે કોણ રડે છે, અને એને શું દુઃખ છે?’ આ સાંભળી વીરવર ‘જેવી આજ્ઞા’ કહીને ત્યાં જવા તત્પર થયો, તેની કમરે કૃપાણ હતું અને હાથમાં તલવાર હતી. ચમકચમક થતી વીજળી સાથે મુશળધાર વરસાદ આકાશ-પૃથ્વીને એક કરતો હતો, છતાં વીરવર નીકળી પડ્યો તે જોઈને રાજા તેની પાછળ પાછળ હાથમાં તલવાર લઈને કોઈને ખ્યાલ ન આવે એ રીતે નીકળી પડ્યો.

વીરવર રુદનના અવાજની દિશામાં જઈ રહ્યો હતો, પછી નગરની બહાર એક તળાવ જોયું. એ સરોવરમાં કોઈ સ્ત્રી રુદન કરી રહી હતી. ‘અરે નાથ, હે કૃપાળુ, હે વીર, તમારો વિરહ મારાથી શી રીતે વેઠી શકાશે? તમે મારો ત્યાગ કરશો પછી હું ક્યાં જઈને રહીશ?’

વીરવરે તે સ્ત્રીને પૂછ્યું, ‘તું કોણ છે? અને કોને માટે આ રુદન કરી રહી છે?’ એ સાંભળી તે સ્ત્રીએ કહ્યું, ‘પુત્ર, હું પૃથ્વી છું. મારો પતિ ધાર્મિક રાજા વિક્રમતુંગ છે. ત્રીજે દિવસે તેનું મૃત્યુ થવાનું છે. એટલે વિચારું છું કે આવા રાજા જેવો પતિ મને ક્યારે મળશે? હું અત્યંત દુઃખી થઈને મારા ભાગ્યનો જ વિચાર કરી રહી છું... હું રાજાના મૃત્યુનો વિચાર કરી રહી છું. સ્વર્ગમાં રહેતો દેવનો દીકરો સુપ્રભ જેમ શુભાશુભ ભાવી જાણતો હતો તેમ હું પણ દિવ્ય દૃષ્ટિથી શુભાશુભ ભાવિ જાણી શકું છું. તે સુપ્રભને દિવ્ય દૃષ્ટિ હતી. તેણે જોયું કે સાત દિવસ પછી મારાં પુણ્યનો ક્ષય થઈ જશે અને ત્યાર પછી હું સૂકરીના ઉદરમાં જન્મ પામીશ. એટલે સૂકરીના પેટમાં રહેવાનું દુઃખ અને પોતાના દેવતાઈ વૈભવો જશે એવો વિચાર કરીને તે અત્યંત દુઃખી થયો અને આક્રંદ કરવા લાગ્યો, ‘અહાહા સ્વર્ગ! અરે હા અપ્સરા! અરે આ નંદનવનનાં લતામંડપ! એ સર્વ હવે મને કંઈ કામના નથી. હાય હાય, હું ભૂંડણના પેટમાં કેમ રહી શકીશ? અને તે પછી ગારામાં કેમ રહી શકીશ?’ આ પ્રમાણે સુપ્રભનો વિલાપ સાંભળી ઇંદ્રે ત્યાં આવીને પૂછ્યું, ‘અરે તું શોક શા માટે કરે છે?’ એટલે સુપ્રભે પોતાના દુઃખનું કારણ તેને કહ્યું. તે સાંભળી ઇંદ્રે કહ્યું, ‘આ દુઃખમાંથી નીકળવાનો એક ઉપાય છે તે તંુ કર. તું ઓમ નમ: શિવાય એ મંત્રનો જાપ કરતો કરતો શંકરને શરણે જઈશ તો તારાં પાપ નાશ પામશે અને તું પુણ્યવંત થઈશ. તે પુણ્યના પ્રભાવે તું સ્વર્ગમાંથી મર્ત્યલોકમાં જઈશ નહીં અને તારે ભૂંડણના પેટે જન્મવું પડશે નહીં.’ એ પ્રમાણે ઇંદ્રે કહ્યું એટલે સુપ્રભ ‘ઠીક છે, તેમ કરીશ.’ એમ કહી ઓમ નમ: શિવાય જપતોજપતો ગાંડાની પેઠે શંકરને શરણે ગયો. છ દિવસ તેણે તન્મય થઈ શંકરની આરાધના કરી. એટલે તે શંકરની કૃપાથી ભૂંડણના ઉદરમાં જન્મ્યો નહીં. એટલું જ નહીં પણ તે સ્વર્ગથી પણ ઉપરના લોકમાં ગયો. સાતમા દિવસે ઇંદ્રે સ્વર્ગમાં આવીને જોયું તો તેણે સ્વર્ગથી પણ ઉપરના લોકમાં ગયેલો જોયો. આ પ્રમાણે સુપ્રભે જેમ ભાવી દુઃખ જાણી અફસોસ કર્યો હતો તેમ હું પણ રાજાનું મરણ પાસે આવતું જાણીને દુઃખ વ્યક્ત કરું છું.’ આ પ્રમાણે ભૂમિદેવીએ કહ્યું, પછી વીરવર તેને કહેવા લાગ્યો, ‘માતાજી, જેમ સુપ્રભે ઇંદ્રના કહેવાથી ઉપાય કર્યો, તેમ આ રાજાની રક્ષા કરવાનો જો કંઈ ઉપાય હોય તો તે મને કહો.’ વીરવરની આ વાત સાંભળી પૃથ્વીદેવી બોલ્યાં, ‘આ બાબતમાં એક જ ઉપાય છે અને તે તારા હાથમાં છે.’ આ સાંભળી પ્રસન્ન થયેલા બ્રાહ્મણ વીરવરે કહ્યું, ‘મારા સ્વામીના કલ્યાણનો જો ઉપાય હોય તો તરત કહો, મારા, મારી પત્નીના, પુત્રના પ્રાણથીય પ્રિય કોઈ ઉપાય હોય તો કહો, જેથી મારો જન્મ સફળ થાય.’ આમ કહેતા વીરવરને પૃથ્વીએ કહ્યું, ‘રાજમહેલની પાસે ચંડિકા દેવીનું મંદિર છે, ત્યાં જઈને તું તારા પુત્રનો બલિ ચઢાવે તો રાજા જીવી શકે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.’ પૃથ્વીની વાત સાંભળી વીરવરે કહ્યું, ‘દેવી, હું જઉં છું, હમણાં જ એ ઉપાય કરું છું.’ ‘તારા સિવાય સ્વામીનું હિત કોણ કરી શકે? જા, તારું કલ્યાણ થાવ.’ એમ કહી પૃથ્વી અંતર્ધાન થઈ ગઈ ને છાનામાના પાછળ પાછળ આવી રહેલા રાજાએ એ સાંભળ્યું. પછી રાજા તેનો પીછો કરતો રહ્યો અને વીરવર તે રાતે ઘેર ગયો. પત્નીને ઉઠાડીને વીરવરે રાજાના જીવન માટે પુત્રના બલિદાનની પૃથ્વીએ કહેલી વાત કહી સંભળાવી, તે સાંભળી તેની પત્ની બોલી. ‘સ્વામીનું હિત અવશ્ય કરવું જોઈએ. એટલે પુત્રને જગાડીને તમે કહો.’ વીરવરે પુત્રને ઉઠાડીને પૃથ્વીએ રાજા માટે કહેલી વાત કહી, એ સાંભળી યથાર્થ નામ ધરાવતા પુત્ર સત્ત્વવરે કહ્યું, ‘પિતાજી, સ્વામીનું હિત સાચવવા પ્રાણનું બલિદાન આપનાર હું પુણ્યશાળી નથી? મેં તેમનું અન્ન ખાધું છે, મારે એ ઉપકારનો બદલો વાળવો જોઈએ. એટલે તમે દેવી પાસે જઈને મારું બલિદાન આપો.’ આવું સાંભળી વીરવરે ધીરજપૂર્વક કહ્યું, ‘તું ખરેખર મારો જ પુત્ર છે. આજે મારો જન્મ સફળ થયો છે.’ બહાર ઊભા રહેલા રાજા વિક્રમતુંગે આશ્ચર્ય પામીને વિચાર્યું, ‘આ બધા જ એકસરખા આત્મબળવાળા માનવીઓ છે.’ પછી વીરવર પુત્રને ખભે ઊંચકીને પત્ની ધર્મવતી, પુત્રી વીરવતીને લઈને તે રાતે ચંડિકાના મંદિરમાં ગયો અને છાનોમાનો પાછળ આવતો રાજા પણ ત્યાં ગયો. ત્યાં જઈ ધૈર્યવાન સત્ત્વવરે બાળક હતો છતાં દેવીને પ્રણામ કરીને કહ્યું, ‘હે દેવી, મારા મસ્તકના બલિથી અમારા સ્વામી વિક્રમતુંગ જીવે અને પૃથ્વીનું પાલન કરે.’ આમ સાંભળી વીરવરે સત્ત્વવરે કહ્યું, ‘સરસ પુત્ર, બરાબર’ અને તલવાર વડે તેનું મસ્તક કાપી નાખ્યું. અને ‘રાજાનું કલ્યાણ થાઓ’ એમ કહી તે મસ્તક દેવીને ચઢાવી દીધું, એ સાચું છે કે સાચા સ્વામીભક્ત સેવકો પુત્ર તો શું પોતાના પ્રાણોની પણ પરવા નથી કરતા. એટલામાં જ આકાશવાણી સંભળાઈ, ‘હે વીરવર, બહુ સુંદર, તેં તારા પુત્રના પ્રાણ આપીને સ્વામીને જીવતદાન આપ્યું.’ અત્યંત ચકિત થયેલા રાજાએ આ બધું જોયું, સાંભળ્યું, સત્ત્વવરની બહેન વીરવતી મરેલા ભાઈની પાસે ગઈ, તેનું માથું ખોળામાં લીધું, અને મસ્તક સૂંઘીને ‘અરે ભાઈ,’ એમ ચીસો પાડવા લાગી, તેનું હૃદય ફાટી ગયું અને તે મૃત્યુ પામી. કન્યાને પણ મરેલી જોઈ ધર્મપત્ની ધર્મવતી પતિને હાથ જોડીને અત્યંત દીન વદને કહેવા લાગી. ‘રાજાનું કલ્યાણ તો થયું. હવે મને આજ્ઞા આપો. આ બંને મરેલાં બાળકોની સાથે હું અગ્નિપ્રવેશ કરું. આ અજ્ઞાની દીકરી ભાઈના શોકમાં મૃત્યુ પામી તો બંનેનાં મૃત્યુ પછી મારા જીવનનો ક્યો અર્થ?’ આમ દૃઢતાથી તેણે કહ્યું એટલે વીરવર બોલ્યો, ‘હે અનિંદિતા, એમ જ કર. હું આ સમયે શું કહું. પુત્રોના શોકને કારણે તું દુઃખી છે. રાહ જો. હું તારા માટે ચિતા પ્રગટાવું છું.’ એમ કહી દેવીનું મંદિર બનાવતાં વધેલાં લાકડાંથી ચિતા ખડકી, તેનાં સંતાનોને ચિતા પર મૂકી આગ પ્રગટાવી. વીરવરની પત્ની પતિવ્રતા ધર્મવતી પતિને પગે લાગી. બોલી, ‘આર્યપુત્ર, આગલા જનમમાં પણ તમે જ મારા પતિ થાજો. આપણા રાજાનું કલ્યાણ થાઓ.’ આમ કહેતી ઊંચે ઊઠેલી જ્વાળાઓવાળી ચિતામાં તે શાંત ચિત્તે પ્રવેશી. રાજા વિક્રમતુંગે સંતાઈને આ બધું જોયું, ‘હું આમાંથી ઋણમુક્ત કેવી રીતે થઈશ.’ તેની ચિંતામાં તે મૂઢ બની ગયો અને હું ક્યાં ઊભો છું તે પણ તે વિસરી ગયો. ત્યારે ધૈર્યવાન વીરવરે વિચાર્યું , ‘મારા સ્વામીનું કાર્ય યથાર્થ રીતે પાર પડ્યું. દિવ્યવાણીએ પણ અનુમોદન આપ્યું. રાજાના અન્નનો બદલો કુટુંબીજનોનાં બલિદાનથી ચૂકવી દીધો. હવે માત્ર મારું પેટ ભરવા જીવવાનો કશો અર્થ નથી. તો હું પણ ભગવતી ચંડિકાને મારું બલિદાન આપી પૂજા કેમ ન કરું?’ સાત્ત્વિક વીરવરે આવો નિશ્ચય કરીને વરદાયિની દેવીની સ્તુતિ કરવા માંડી, ‘હે પ્રણત ભક્તોને આશ્રય આપનારી મહેશ્વરી, તને વંદન કરું છું. તારે કારણે જ આ જગત ટક્યું છે. સૃષ્ટિના આરંભે પહેલાં તું જ જન્મી હતી. તને શિવે સ્વંય જોયાં હતાં. તું વિશ્વનું સર્જન કરીને પોતાના પ્રચંડ તેજ વડે ઉગ્ર અને સર્જાયેલા નવા કરોડો સૂર્યની પંક્તિની જેમ પ્રગટી. તેં ખડ્ગ, ખટક, ધનુષ અને શૂલ વગેરે ધારણ કરેલા બાહુમંડળ વડે આકાશને છાઈ દીધું. આવી રીતે સ્વયં શિવે તારી સ્તુતિ કરી છે. હે ચંડી, હે ચામુંડા, હે મંગલા, હે ત્રિપુરા, હે જયા, તને પ્રણામ કરું છું. તું શિવા, દુર્ગા, નારાયણી, સરસ્વતી, ભદ્રકાળી, મહાલક્ષ્મી, સિદ્ધા અને રુરુ દાનવનો વધ કરનારી છે. તું જ ગાયત્રી, મહારાજ્ઞી, રેવતી, વિંધ્યવાસિની, ઉષા, કાત્યાયની, શર્વ — પર્વતની નિવાસિની છે. હે દેવી, આ નામો વડે તારી સ્તુતિ કરતા શિવને સાંભળીને સ્કન્દ, વસિષ્ઠ અને બ્રહ્માએ તારી સ્તુતિ કરી છે. તારી સ્તુતિ કરનારા દેવતા, ઋષિ અને મનુષ્યો ધાર્યા કરતાં વધુ વરદાન પ્રાપ્ત કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. એટલે હે વરદાયિની, મારા પર કૃપા કરો અને મારા શરીર વડે પૂજા સ્વીકારો. મારા સ્વામી વિક્રમતુંગનું કલ્યાણ થાઓ,’ આમ કહી જ્યાં તલવાર વડે પોતાનું મસ્તક છેદવા તૈયાર થયો ત્યાં જ આકાશવાણી થઈ. ‘પુત્ર, આવું સાહસ ન કર. હું તારી વીરતાથી પ્રસન્ન છું, તું જોઈએ તે વરદાન માગ.’ આ સાંભળી વીરવરે કહ્યું, ‘હે દેવી, તું સંતુષ્ટ થઈ હોય તો રાજા વિક્રમતુંગ સો વર્ષ જીવે અને મારી પત્ની — મારાં સંતાનો પુનર્જીવિત થાય.’ ‘ભલે, એમ જ થશે.’ એમ દિવ્યવાણી થઈ. તે જ સમયે ધર્મવતી, સત્ત્વવર અને વીરવતી — ત્રણેને જીવતદાન મળ્યું.

આ બધું જોઈને આનંદિત અને આશ્ચર્યચકિત થયેલો રાજા ફરી છાનોમાનો પોતાના મહેલમાં ગયો.

આનંદિત વીરવર બધાને ઘેર મૂકી આવ્યો અને પાછો રાજભવનમાં હાજર થઈ ગયો. આ બધાં દૃશ્ય જોઈને આનંદિત અને ચક્તિ થયેલ રાજા વિક્રમતુંગ ફરી પોતામાં મહેલમાં છાનોમાનો જઈ પહોંચ્યો અને ઉપરથી જ તેણે પૂછયું, ‘અરે કોઈ છે કે?’ તે સાંભળી વીરવરે કહ્યું, ‘હું છું. તે સ્ત્રીની તપાસ કરવા ગયો હતો, પણ તે તો જોતજોતાંમાં અંતર્ધાન થઈ ક્યાંક જતી રહી.’ આ સાંભળીને રાજા વિક્રમતુંગ એકાંત રાત્રિમાં વિચારવા લાગ્યો, ‘આ વીરવર કોઈ અસાધારણ — અપૂર્વ પુરુષ છે. આવું પ્રશંસનીય કાર્ય કર્યું છતાં તેની ચર્ચા નથી કરતો. ગંભીર, વિશાળ અને મહા સત્ત્વશાળી પુરુષ પણ તોફાન આવે તો ખળભળી ઊઠે છે, આની સ્પર્ધા તો સમુદ્ર પણ કરી ન શકે, આ તો તેનાથીય ગંભીર છે. મને જાણ થવા ન દીધી અને પુત્ર, પુત્રી, પત્ની અને પોતાની જાતને સમર્પી દીધાં, હું એનું ઋણ કેવી રીતે ચૂક્વી શકું?’ આ ઘણો બધો વિચાર કરીને રાજા ભવનમાંથી નીચે ઊતર્યો અને આશ્ચર્યમાં ને આશ્ચર્યમાં પોતાના શયનખંડમાં જઈને રાત્રિ વીતાવી. સવારે સાર્વજનિક સભા ભરી, વીરવર ત્યાં આવ્યો એટલે રાજાએ આગલી રાત્રિની આખી અદ્ભુત ઘટના કહી સંભળાવી. બધાએ વીરવરની પ્રશંસા કરી, રાજાએ ગામ, ગિરાસ, ઘોડા, રત્નો, હાથી આપ્યાં અને દસ કરોડ સુવર્ણમહોર આપી અને સાઠગણી આજીવિકા કરી આપી. વીરવરના નામનો અને તેના પુત્રના નામનો તામ્રપટ લખી આપ્યો. તેના ઉપર શ્વેત છત્ર મુકાયું અને આ વીરવર બ્રાહ્મણ તે સમયે રાજા સમાન થઈ ગયો. (કથા સરિત્સાગર અલંકારવતી લંબક — ત્રીજો તરંગ)

રાજી કનકવર્ષની કથા

પ્રાચીન કાળમાં ગંગા નદીના કિનારા ઉપર કનકપુર નામનું એક ભવ્ય નગર હતું. ગંગાના પવિત્ર જળના સ્પર્શ વડે આ નગર પવિત્ર થતું હતું. અને રૂડા રાજાને કારણે ઘણું રમણીય દેખાતું હતું. તે નગરમાં કવિઓની વાણીમાં બંધ હતો, જો પત્રોમાં છેદ દેખાતો હતો તો શણગાર માટેનાં પાંદડાંમાં હતો, ભંગ હતો તો નારીઓના કેશમાં, વચન કે પ્રતિજ્ઞામાં નહીં; ધાન્ય સંગ્રહમાં ખલ હતો, પ્રજામાં નહીં. આ નગરનો રાજા કનકવર્ષ મહાયશસ્વી હતો, તે નાગરાજ વાસુકિના પુત્ર પ્રિયદર્શનની રાજકુમારી યશોધરાનો પુત્ર હતો, તે સમસ્ત ધરતીનો ભાર સહન કરવા છતાં અશેષ હતો. રાજા કનકવર્ષ યશનો લોભી હતો, ધનનો નહીં; પાપથી ડરતો હતો, શત્રુઓથી નહીં; બીજાઓની નિંદા કરવામાં મૂર્ખ હતો, શાસ્ત્રોમાં નહીં; તે રાજાના ક્રોધમાં સંકોચ હતો, પણ કૃપા કરવામાં તો તે ઉદાર હતો. તેની મૂઠી ધનુષ્યમાં બાંધેલી રહેતી હતી, દાનમાં નહીં; આ આશ્ચર્યજનક સુંદર અને સંસારની રક્ષા કરનારા રાજાને જોતાંવેંત સુંદરીઓ કામવિહ્વળ થઈ જતી હતી. એક વખત શરદઋતુ બેઠી, તે સમયે સખત તાપ પડવા લાગ્યો. હાથીઓ અને ઉન્મત્ત રાજપુત્રો પોતાના કુટુંબ સહિત આનંદમાં આવી ગયા. તેમ જ પ્રજા માત્ર ઉત્સવ કરીને આનંદમાં આવી ગઈ. આ ઉપરથી રાજાના સઘળા ગુણ ધારણ કરનાર એવી શરદઋતુમાં રાજા કનકવર્ષ વિહાર કરવા માટે ચિત્રપ્રાસાદમાં ગયો, તે મહેલમાં કમલના પરાગવાળો મંદ મંદ શીતલ પવન વાતો હતો. એ ચિત્રપ્રાસાદમાં રાજા એક ચિત્રને સારી રીતે જોઈ રહ્યો હતો અને તેની પ્રશંસા કરી રહ્યો હતો ત્યારે પ્રતિહારે આવીને જણાવ્યું ‘મહારાજ, વિદર્ભ દેશથી એક અપૂર્વ ચિત્રકાર આવ્યો છે અને તે પોતાને ચિત્રકળામાં અનુપમ તરીકે ઓળખાવે છે. રોલદેવ નામના તે ચિત્રકારે, રાજભવનના દ્વાર પરના ચિત્રપટમાં એક ચિત્ર આલેખીને લટકાવ્યું છે ને આ બાબતની ખબર આપી છે.’ આ સાંભળીને રાજાએ આદરપૂર્વક તેને લઈ આવવાની આજ્ઞા કરી અને પ્રતિહાર ઘડીભરમાં તેને લઈ આવ્યો. તે ચિત્રકારે ચિત્રશાળામાં જઈને ચિત્રો જોવામાં તલ્લીન થયેલા રાજા કનકવર્ષને એકાંતમાં જોયો. ત્યાર પછી અતિ સુંદર સ્ત્રીનાં સ્તનોની વચ્ચે શરીરનો ભાર આપીને આસન પર બેઠેલા અને હાથમાં પાનનું બીડું રાખેલા રાજાને તે ચિત્રકાર રોલદેવે નમ્રતાથી પ્રણામ કરીને કહ્યું, ‘મહારાજ, મેં આપના ચરણકમળના દર્શન માટે રાજદ્વાર પર એક ચિત્ર લટકાવી રાખ્યું છે, મારી કળામાં નિપુણતાના મદથી આ વિજ્ઞપ્તિપટ લટકાવ્યો છે. માટે મારી તે ભૂલ ક્ષમા કરશો. હે પ્રભો, આવડતનું પ્રદર્શન કરવા માટે નહીં . આપ આજ્ઞા કરો કે ચિત્રમાં કોનું રૂપ કંડારું? જેનાથી ચિત્રકળાનો મેં જે અભ્યાસ કર્યો છે તેની મહેનત સફળ થઈ એમ સમજું.’ ચિત્રકારે આમ કહ્યું એટલે રાજા બોલ્યો, ‘હે ઉસ્તાદ, તમારી જેવી મરજી હોય તે આલેખો, જે ચિત્ર જોઈ નેત્રમાં હર્ષાશ્રુ આવે. તમારી કુશળતામાં શંકા જ ક્યાં છે?’ રાજાએ આવું કહ્યું એટલે તેની પાસે બેઠેલા રાજાના પરિજનોએ કહ્યું, ‘ઉસ્તાદ, તમે રાજાનું જ ચિત્ર દોરો. બીજા કોઈ વિરૂપનું ચિત્ર દોરવાનો અર્થ ક્યો?’ આ સાંભળી ચિત્રકાર પ્રસન્ન થયો અને તેણે પટ પર રાજાનું ચિત્ર આલેખવા માંડ્યું. તેણે રાજાની કાયાને અનુરૂપ આગળ નાકની દાંડી ઊંચી બનાવી, લાંબી અને લાલ આંખો, પહોળું લલાટ, તેના કેશ વાંકડિયા અને કાળા રંગના આલેખ્યા. છાતીનો ભાગ પહોળો કર્યો, દિશાના હસ્તીના દાંત જેવી બે મનોરમ ભુજાઓ આલેખી અને તેમાં તીર વગેરે શસ્ત્રોના ઘાનાં ચિહ્ન આલેખ્યાં. પરાક્રમથી પરાજય પામેલા કેસરી સંહિનાં બચ્ચાંઓએ જાણે પોતાની કેડ તેને અર્પંણ કરી હોય તેમ કટિનો ભાગ ઘણો જ પાતળો આલેખ્યો. પછી બે સાથળો આલેખી. આ બે સાથળો યૌવનરૂપા મદમત્ત હાથીને કેદ કરવાના બે સ્તંભ હોય તેવી દેખાતી હતી અને અશોકવૃક્ષના નવપલ્લવો જેવા લાલ બે સુંદર પગ આલેખ્યા. આ પ્રમાણે રાજાના શરીરની જેવી આકૃતિ હતી તે પ્રમાણે તાદૃશ રાજાને તત્કાળ આલેખ્યો જોઈ તે વખતે ત્યાં બેઠેલા સઘળા તે ચિત્રકારને ધન્યવાદ આપવા લાગ્યા, અને બોલ્યા, ‘અમે આ ચિત્રમાં એકલા રાજાને જોવા ઇચ્છતા નથી. માટે ઉસ્તાદ, આ ચિત્રેલી ભીંત ઉપર જે રાણીઓનાં ચિત્ર આલેખેલાં છે તેમાંથી આ રાજાના સ્વરૂપને મળતી આવે એવી કોઈ એક રાણી તરફ વિચાર કરી તેને પણ રાજાની પડખે આલેખો.’ આ સાંભળી દીવાલ પર ચિતરેલી રાણીઓનાં ચિત્ર જોઈને ચિત્રકારે કહ્યું, ‘રાજાના જેવી સુંદર રૂપ ધરાવતી એક પણ રાણી આ ચિત્રમાં નથી. પણ હું જાણું છું તે પ્રમાણે તો પૃથ્વી ઉપર રાજા જેવી ફૂટડી સોંદર્યમૂતિર્ એક જ રાજકન્યા છે. તેને માટે હું કહું છું તે સાંભળો. વિદર્ભ દેશમાં કુંડિનપુર નામનું નગર છે, ત્યાં દેવશક્તિ નામે વિખ્યાત રાજા રાજ્ય કરે છે. રાજાને અનંતવતી નામની એક રાણી છે. તે રાણીને મદનસુંદરી નામની એક કન્યા અવતરી હતી. તે કન્યાના રૂપનું વર્ણન મારા જેવો એક જ જિહ્વાથી કેમ કરી શકે? તે કુંવારી છે. પરંતુ હું માત્ર એટલું જ કહું છું કે બ્રહ્માએ તેનું સર્જન તો કર્યું, હવે ઇચ્છા થાય તો પણ બ્રહ્મા યુગો સુધી આવી સુંદરી આલેખી નહીં શકે. આખી પૃથ્વી પર આ રાજાને અનુરૂપ મદનસુંદરી છે. રૂપ, લાવણ્ય, વિનય, વય — બધી રીતે આ રાજાને તે યોગ્ય છે. હું એક વાર દાસીઓએ બોલાવ્યો એટલે તેમના અંત:પુરમાં ગયો હતો. ત્યાં મેં એને જોઈ હતી. શરીરે ચંદનની અર્ચા કરી હતી, ગળામાં કમળનો હાર પહેર્યો હતો, કમળપત્રની શય્યા પર પડખાં ફરી રહી હતી. સખીઓ કેળના પાન વડે વીંઝણો નાખતી હતી. તે ફિક્કી, દુર્બળ શરીરવાળી હતી, તેના શરીરે કામજ્વરનાં લક્ષણો જોયાં. તે સખીઓને કહેતી હતી, ‘સખીઓ, તમે મારા શરીરે કરેલી ચંદનની અર્ચા કાઢી નાખો. અને કેળના પાન વડે વીંઝણો ઢોળો; આ બધું શીતળ હોવા છતાં મને દઝાડે છે. બસ, બંધ કરો. આ નિષ્ફળ પ્રયત્નોથી શો લાભ?’ ધીરજ બંધાવતી સખીઓને તે આમ વારી રહી હતી. મેં દૂર ઊભા ઊભા આવી દુઃખી અવસ્થામાં આવી પડેલી રાજકન્યાને જોઈ, તેના વિશે જુદા જુદા વિચાર કરવા લાગ્યો.

તેને પ્રણામ કરીને સામે બેસી ગયો. ત્યારે રાજકન્યા મારી સામે જોઈને બોલી, ‘ઉસ્તાદજી, આ એક રૂપક મને આ કપડા પર ચિતરી આપો તો.’
એમ કહી તે રાજકુમારીએ હાથમાં કલમ લઈ થરથરતે હાથે, જમીન પર ધીમે ધીમે કોઈ એક તરુણ અને કામકુંવર જેવો પુરુષ આલેખ્યો અને મને બતાવ્યો. એટલે મેં પણ તેવો જ સુંદર અને કામકુંવર જેવો પુરુષ આલેખ્યો. પણ મહારાજ, પછી મને વિચાર આવ્યો, ‘આ કન્યાએ તો સાક્ષાત્ કામદેવનું ચિત્ર દોર્યું છે અને મેં પણ તેવી જ છબિ ચિતરી છે. પરંતુ રાજકન્યાએ તે પુરુષના હાથમાં પુષ્પનું બાણ આલેખ્યું નથી. એટલે તે સાચેસાચ કામદેવ નથી પણ તેમના જેવો દેખાતો કોઈ બીજો રૂપવાન યુવાન છે. તેણે એ યુવાનને ક્યાંક જોયો હશે, તેના વિશે સાંભળ્યું હશે, તેના જ લીધે આ રાજકન્યાને કામજ્વર આવ્યો લાગે છે. એટલે મારે અહીંથી જલદી જતા રહેવું જોઈએ, તેનો પિતા દેવશક્તિ ઉગ્ર દંડ આપનારો કહેવાય છે. જો તેના પિતા દેવશક્તિને ખબર પડશે તો તે ક્ષમા નહીં આપે અને મારા પ્રાણ લેશે.’ એમ વિચારીને તથા મદનસુંદરીને નમન કરીને તેના દ્વારા સમ્માનિત થયેલો હું ત્યાંથી નીકળી ગયો. 

અને મહારાજ, જ્યારે હું ત્યાં હતો ત્યારે તેનાં પરિજનો અંદરઅંદર વાતો કરતા હતા તેમની પાસેથી મેં સાંભળ્યું છે કે તમારા રૂપગુણ વિશે સાંભળીને તે આપને તમને ચાહે છે. એટલે ચિત્રપટ પર ગુપ્ત રૂપે આલેખીને તરત અહીં આપની આગળ આવ્યો છું. હવે આપનું સૌંદર્ય જોઈને મારી શંકા દૂર થઈ ગઈ છે. તે રાજકુમારીએ ચિત્રપટમાં તમારું ચિત્ર તેણે પોતાના હાથે આલેખ્યું હતું તે ઉપરથી મેં ચિતર્યું હતું. તે કન્યા તમારા જેવી સુંદર હોવા છતાં હું વારે વારે આલેખી શકતો નથી, એટલે સમોવડી હોવા છતાં ચિત્રપટમાં આપની સાથે તેને આલેખી શકતો નથી.’ તે સાંભળી રાજાએ રોલદેવને કહ્યું, ‘જો તમારાથી આલેખી શકાય એમ ન હોય તો તમારી પાસે ચિત્રપટમાં આલેખેલી છે તે બતાવો.’ ત્યારે ચિત્રકારે મંજુષામાંથી એક સુંદર ચિત્ર કાઢી મદનસુંદરીનું સૌંદર્ય રાજાને બતાવ્યું. ચિત્રમાં આલેખાયેલી હોવા છતાં વિલક્ષણ રૂપ ધરાવતી મદનસુંદરીને જોતાંવેંત રાજા કનકવર્ષ કામવિહ્વળ થઈ ગયો. રાજાએ તે ચિત્રકારને અઢળક સુવર્ણમુદ્રાઓ આપી, તેની પાસેથી પોતાની પ્રિયતમાનું ચિત્ર લઈને પોતાના આનંદભવનમાં જતો રહ્યો. રાજા રાજ્યના બધાં કામકાજ ત્યજીને તેનું જ ધ્યાન ધરવા લાગ્યો. જાણે એમ લાગતું હતું કે રૂપસ્પર્ધાથી ઈર્ષ્યા કરવાવાળા કામદેવે પણ બાણો ચલાવીને રાજાને અધીર બનાવી દીધો. તે રાજાએ પોતાના રૂપ પર મોહ પામેલી સ્ત્રીને જે વેદના પહોંચાડી હતી તેનાથી હજાર ગણી વેદના હવે રાજા વેઠી રહ્યો હતો. આમ થોડા જ દિવસોમાં રાજા વિરહથી વ્યથિત થઈને ફિક્કો પડી ગયો, દુર્બળ થઈ ગયો. તેના મનની વાત જાણવા માગતા મિત્રો અને વિશ્વાસુ મંત્રીઓને તેણે પોતાની હૈયાવરાળ જણાવી દીધી. તેમની સંમતિ લઈને મદનસુંદરીનું માગું કરવા રાજા દેવશક્તિની પાસે એક દૂત મોકલવાનો નિર્ણય તેણે કર્યો. એટલે કાર્યનું હાર્દ સમજનાર, પરમ વિશ્વાસુ, કુલીન, મધુર, ઉદાત્ત વાતચીત કરનાર સંગમસ્વામી નામના બ્રાહ્મણને દૂત બનાવ્યો. તે બ્રાહ્મણ કિંમતી ચીજવસ્તુઓ લઈને કુંડિનપુર ગયો. ત્યાં જઈને તે નિયમાનુસાર રાજા દેવશક્તિને મળ્યો અને પોતાના રાજા માટે તેણે મદનસંુદરીનું માગું કર્યું. ત્યારે દેવશક્તિ બોલ્યો, ‘આ કન્યા કોઈને તો આપવાની જ છે, રાજા કનકવર્ષ યોગ્ય પાત્ર છે. વળી અમારા જેવા પાસે તે કન્યાનું માગું કરી રહ્યો છે. તો તેને જ કન્યા આપું.’ એમ વિચારી રાજા દેવશક્તિએ સંગમસ્વામીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. રાજાએ કન્યાના રૂપના જેવું તેનું નૃત્ય પણ સંગમસ્વામીને બતાવ્યું. દર્શનથી પ્રસન્ન સંગમસ્વામીને રાજા માટે કન્યા આપવાની હા પાડી અને તેનો યથાયોગ્ય સત્કાર કરીને રાજાએ તેને વળાવ્યો. તથા સંગમ સ્વામીની સાથે જ પોતાનો સંદેશો લઈ જનારો દૂત મોકલ્યો; લગ્ન નિશ્ચિત કરીને વિવાહ માટે આવો, એમ કહેવડાવ્યું, તે રાજાના દૂત સાથે આવીને સંગમસ્વામીએ રાજા કનકવર્ષની કાર્યસિદ્ધિના સમાચાર આપ્યા. પછી લગ્નનો નિર્ણય કરીને રાજાના દૂતનો સત્કાર કરીને મદનસુંદરી મારા પ્રત્યે ભાવ ધરાવે છે એવું જાણી તે અત્યંત પરાક્રમી રાજા કનકવર્ષ વિવાહ માટે કુંડિનપુર ગયો. રાજા કનકવર્ષ રસ્તો બતાવનારા સીમાપ્રદેશમાં વસતા વાઘસિંહ જેવાં હિંસક પશુઓનો નાશ કરનારા ભીલોને સાથે લઈ વિદર્ભ દેશમાં પ્રવેશ્યો. વિદર્ભમાં દેવશક્તિએ સામે આવીને તેનું સ્વાગત કર્યું અને તેની સાથે નગરમાં કનકવર્ષ પ્રવેશ્યો. તે નગરની સ્ત્રીઓનો નયનોત્સવ કરતો વિવાહ સમારંભથી સજ્જ રાજભવનમાં ગયો. રાજા દેવશક્તિના ઉદાર આતિથ્ય સત્કારથી પ્રસન્ન રાજા કનકવર્ષ સ્વજનો સાથે તે દિવસે આનંદપૂર્વક ત્યાં રહ્યો. બીજે દિવસે દેવશક્તિએ પોતાના રાજ્ય સિવાય સર્વસ્વ આપીને કન્યાદાન કર્યું. વિવાહ ઉપરાંત રાજા કનકવર્ષ સાત દિવસ ત્યાં રોકાઈને આઠમે દિવસે નવવધૂને લઈને પોતાના નગરમાં પાછો આવ્યો. ચંદ્રિમ — ચંદ્રની જેમ મદનસુંદરી અને જગતને આનંદ આપનાર રાજા કનકવર્ષ પોતાના નગરમાં પહોંચ્યો ત્યારે આખું નગર ઉત્સવ મનાવવા લાગ્યું. જેવી રીતે કૃષ્ણની અનેક રાણીઓમાં રુક્મિણી પટરાણી હતી તેવી રીતે મદનસુંદરી પણ અનેક રાણીઓના અંત:પુરમાં પટરાણી બની. કામદેવનાં બાણોથી ઘાયલ થયા ન હોય એ રીતે તે દંપતી સુંદર મુખ પરની આંખો વડે એકબીજાને જોવામાં એવા તો આતુર બની ગયાં હતાં કે જાણે સુંદર પીંછાંવાળાં કામના બાણથી તેઓ વીંધાઈ ગયાં હોય તેમ એકબીજામાં લીન થઈ ગયાં હતાં. એક વખત પુષ્પનાં પંગિળા રંગના કેસરરૂપ કેશવાળીથી અલંકૃત આમ પરસ્પર આનંદ ભોગવતા તે દંપતીના જીવનમાં માનવંતી સ્ત્રીઓના માનરૂપી માતંગનું મર્દન કરતો અને કેસર પુષ્પોરૂપી કેશવાળો વસંતકેસરીમાસ આવ્યો. વસંત ઋતુએ કામદેવ માટે મંજરીઓવાળા આંબા રૂપ ધનુષ્ય તૈયાર કર્યાં. અને તેના ઉપર બેઠેલી શ્યામ રંગની ભ્રમર રૂપી દોરી તૈયાર કરી. મલયાનિલનો પવન પ્રોષિતભર્તૃકાના અંત:કરણમાં કામદેવને ઉદ્દીપન કરતો ઉપવનોને કંપાવતો મલયાનિલ વહેવા લાગ્યો. કામી જનોને કોકિલા મધુર આલાપ કરી કહેતી હતી, ‘નદીઓમાં ફરીથી પુર આવે છે, વૃક્ષો પર ફરી પુષ્પો આવે છે; ચંદ્રની કળા ફરી વૃદ્ધિ પામે છે. પણ મનુષ્યોનું યૌવન એક વાર જાય પછી ફરી પાછું નથી આવતંુ. એટલે હે સુંદરીઓ, માનકલહ ત્યજીને તમારા પ્રિયતમો સાથે રમણ કરો. આવા રમણીય કામોત્તેજક સમયે રાજા કનકવર્ષ પોતાની બધી રાણીઓ સાથે વિહાર કરવા વસંતઉદ્યાનમાં ગયો. રાજાની રાણીઓએ લાલ રંગનાં વસ્ત્રો પહેર્યાં હતાં. તેમની આગળ આસોપાલવ ઝાંખાં દેખાતાં હતાં. તેની સુંદરીઓનાં ગીતોથી કોયલોનો ધ્વનિ પણ લજ્જિત બની ગયો. રાજા બધી રાણીઓ સાથે આવ્યો હતો છતાં મદનસુંદરીની સાથે કુસુમાવયવ વગેરે વિધિથી ઉદ્યાનમાં વિહાર કરવા લાગ્યો. આમ ઉદ્યાનમાં બહુ વિહાર કર્યા પછી રાજા સ્નાન કરવા બધી રાણીઓની સાથે ગોદાવરી નદીમાં ઊતરીને જલક્રીડા કરવા લાગ્યો. રાજાની રાણીઓએ પોતાનાં મુખ વડે નદીનાં કમળને, નેત્રો વડે શ્યામ કુમુદોને, સ્તનો વડે ચક્રવાક યુગલોને અને પોતાના નિતંબોથી ગોદાવરીના કિનારાઓને જીતી લીધા હતા. પછી તે નદીના અંદરના ભાગને ડહોળવા લાગી ત્યારે ગોદાવરી નદી પણ ક્રોધ કરીને પોતાના તરંગ રૂપી ભવાં ચઢાવીને જાણે તેમને જોઈ રહી હતી. આ પ્રમાણે ગોદાવરીમાં જલક્રીડા ચાલી રહી હતી. જલવિહારને કારણે સ્ત્રીઓનાં વસ્ત્ર શરીર પરથી ખસી જતાં હતાં અને તેમના અવયવો ખુલ્લા દેખાતા હતા, એટલે રાજાનું મન વિહ્વળ થઈ જતું હતું. રાજાનું મન તેમના સુંદર અવયવો નિહાળવામાં આમતેમ આંદોલન કરતું હતું. વિહાર કરતાં રાજાએ એક રાણીનાં નવસ્ત્રા થયેલાં સુવર્ણકળશ જેવાં ઉન્નત સ્તનપટ ઉપર હાથ વડે ખૂબ પાણી છાંટ્યું. તે જોઈ મદનસુંદરીના મનમાં ઈર્ષ્યા જન્મી કે હું આ સુખમાં બાકી રહી ગઈ. તે ઉપરથી સામી રાણી પર ગુસ્સે થઈ અને ખેદ કરતી હોય તેમ બોલી, ‘તમે નદીને કેટલી હદે ડહોળ્યા કરશો?’ એમ કહીને પાણીમાંથી ઝટપટ બહાર નીકળી, બીજું વસ્ત્ર પહેરી પોતાના પતિનો અપરાધ સખીને કહેતી કહેતી, ક્રોધ કરી પોતાના શોકભવનમાં ચાલી ગઈ. ત્યારે તેના હૃદયની વાત જાણીને રાજા જળક્રીડા ત્યજીને નદીમાંથી બહાર નીકળી, બીજાં વસ્ત્ર પહેરી તે રાણીના રંગમહેલમાં ગયો. અને અંદરના ઓરડામાં જ્યાં રાણી હતી ત્યાં જવા લાગ્યો. પિંજરામાં પુરાયેલા પોપટોએ પણ ગુસ્સે થઈને અંદર જતાં રાજાને અટકાવ્યો છતાં તે અંદર ગયો. અંદર જઈને ક્રોધે ભરાયેલી રાણીને જોઈ. મદનસુંદરીએ ડાબી હથેળી પર ખિન્ન અને મ્લાન મુખાંબુજ (કમળરૂપી મુખ) ટેક્વ્યું હતું, મોટાં મોટાં સ્વચ્છ મોતીઓ જેવાં આંસુ તે સારતી હતી, રુંધાયેલા કંઠે અસ્પષ્ટ ઉચ્ચારણ કરતી હતી અને તેવી રીતે બોલતાં તેની સ્વચ્છ દંતપંક્તિ અત્યંત શોભતી હતી. આવી રીતે બેઠેલી તે શોક કરતી નીચેની પ્રાકૃત દ્વિપદી ફરી ફરી ગાઈ રહી હતી ‘હે હૃદય, તું જો વિરહ સહન કરી શકતું ન હોય તો સુખેથી માન જતું કરવું જોઈએ. હે હૃદય, જો વિરહ સહી શકાય તો તારે માનને વધારવું જ ઘટિત છે. આ પ્રમાણે ઉભય પક્ષ તને જણાવ્યા, તેમાં જે પક્ષ તને ગમતો હોય તે એક પક્ષનો આશ્રય કર. પરંતુ જો બંને પક્ષમાં લોભ રાખી, ઉભય પક્ષના કિનારા પર પગ દઈશ તો કદાચ તે બંનેમાંથી તું ગબડી પડીશ.’ આમ ક્રોધમાં પણ મનોરમા લાગતી મદનસુંદરીની પાસે રાજા કનકવર્ષ ભયભીત થઈને અને લજ્જા પામીને ડરતો ડરતો આવ્યો. મોં ફેરવીને બેઠેલી ને રાજા આલિંગન અને મધુર વાણી વડે નમ્રતાથી મનાવવા લાગ્યો. ત્યાં તો તેના પરિવારે વક્રોક્તિમાં રાજાને તેનો અપરાધ જણાવ્યો. એટલે રાજા પોતાનો અપરાધ થયો હતો તેને માટે શોક કરવા લાગ્યો. અને પોતાની સ્ત્રીનાં ચરણોમાં પડી ગયો. ત્યારે તે પ્રેમઘેલી રાણી રાજાના કંઠે વળગી પડી. રાજા પર કરેલો ગુસ્સો અશ્રુપાતની સાથે ગળી ગયો. રાજા તેના પર પ્રસન્ન થયો અને માન ત્યાગ કરી, પ્રસન્ન થયેલી રાણી સાથે આખો દિવસ આનંદમાં ગાળ્યો અને રાતે સુરતસમાગમ કરી બંને નિદ્રાવશ થયાં. એક દિવસ તે રાજાને અકસ્માત સ્વપ્ન આવ્યું, જોયું તો એક ભયંકર સ્ત્રી તેના ગળામાંથી એકાવલી હાર અને મુકુટનાં રત્નો કાઢી રહી છે. થોડી વાર અનેક પ્રકારનાં પ્રાણીના આકારનો એક વેતાલ જોયો. તેમની સાથે બાહુયુદ્ધ થવાથી રાજાએ તેને જમીન પર ફંગોળ્્યો અને તેમના પર તે ચઢી બેઠો. પછી તે વેતાલ ઊભો થઈ પીઠ પર બેઠેલા રાજાને પક્ષીસદૃશ ઊડીને આકાશમાં લઈ ગયો અને ત્યાંથી સમુદ્રમાં લઈ જઈ ફેંકી દીધો. એમ તેણે સ્વપ્નમાં જોયું. તે સમુદ્રમાંથી અતિશ્રમે બહાર આવેલા રાજાના ગળામાં પહેલાંની જેમ એકાવલી હાર અને મસ્તક પર મુકુટ જોયા. આ સ્વપ્ન જોઈને સવારે જાગેલા રાજાએ હંમેશના પરિચય પ્રમાણે મળવા માટે આવેલા બૌદ્ધ ભિક્ષુને જોઈ સ્વપ્નનું ફળ પૂછ્યું. બૌદ્ધ ભિક્ષુએ કહ્યું, ‘મહારાજ, તમારી સામે અપ્રિય વાત કહેવી ન જોઈએ, પરંતુ તમે પૂછ્યું તો ના કેમ પડાય? તમે સ્વપ્નમાં જે એકાવલીને હરણ કરતાં દીઠી અને મુકુટને પણ હરણ કરતાં જોયો તો તેનું ફળ એ જ કે તમને સ્ત્રીપુત્રનો વિયોગ થશે. અને પાછા તમે સમુદ્રમાં પડ્યા હતા તેમાંથી કિનારા પર આવ્યા તેથી જણાય છે કે તમારે દુઃખને અંતે સ્ત્રીપુત્રનો સમાગમ થશે.’ આ પ્રમાણે સ્વપ્નનું ફળ ક્ષપણકે કહી સંભળાવ્યા પછી રાજા વિચારમાં પડી ગયો. અને પછી બોલ્યો, ‘મારે હજુ સુધી પુત્ર નથી પછી વિયોગ કેવો?’ આમ ક્ષપણક સાથે વાતચીત થતી હતી એવામાં રામાયણની કથા કરનારા એક વ્યાસજી ત્યાં પધાર્યા અને રાજા તેની કથા સાંભળવા લાગ્યો. કથામાં દશરથે પુત્ર ન હોવાને કારણે જે પશ્ચાત્તાપ કર્યો હતો તે સર્વ કથા વ્યાસજીએ વર્ણવી બતાવી. તે ઉપરથી રાજાને પણ પુત્રપ્રાપ્તિ માટે ચંતાિ થવા માંડી. પછી બુદ્ધયતિ ચાલ્યો ગયો અને રાજા કનકવર્ષે તે દિવસ વાંઝિયાપણાની દિલગીરીમાં ઉદાસ થઈને વીતાવ્યો. રાતે જ્યારે તે શય્યામાં એકલો સૂતો ત્યારે તેને ચંતાિને કારણે નિદ્રા આવી નહીં. તેથી પોતે એકલો જાગતો પડી રહ્યો. તેવામાં મધરાત થઈ ત્યારે શયનગૃહનાં દ્વાર બંધ કર્યા હતાં તો પણ તેણે એક સ્ત્રીને અંદર આવતાં જોઈ. આ સ્ત્રી વિનયી અને શાંત સ્વભાવની જણાતી હતી. રાજા તે સ્ત્રીને જોઈ આશ્ચર્ય પામ્યો, તેથી શય્યામાંથી ઊઠી તેને પ્રણામ કર્યા. એટલે તે સ્ત્રીએ રાજાને આશીર્વાદ આપી કહ્યું, ‘પુત્ર, હું નાગરાજ વાસુકિની પુત્રી છું અને તારા પિતાની મોટી બહેન છું. મારું નામ રત્નપ્રભા. હું હંમેશાં તારું રક્ષણ કરવા તારી પાસે જ રહું છું. પરંતુ આજે તને ચંતાિતુર જોઈ તારી આગળ પ્રત્યક્ષ થઈ છું. માટે મને તારા દુઃખનું કારણ કહે.’ આ પ્રમાણે નાગકન્યા અને રાજાની ફોઈ રત્નપ્રભાએ કહ્યું, એટલે રાજાએ કહ્યું, ‘વહાલાં ફોઈ, તમે મારા ઉપર આમ અનુગ્રહ કરો છો ત્યારે બેશક મને લાગે છે કે હું ભાગ્યવાન છું. મને ઉદાસ થવાનું કારણ મારું વાંઝિયાપણું છે. મારા જેવા દુઃખીને સ્વર્ગની ઇચ્છા ધરાવતા પ્રાચીન કાળના દશરથ આદિ રાજાઓની ઇચ્છા જેમ પૂર્ણ થઈ હતી તેમ મારી ઇચ્છા પૂર્ણ થાય તેવી કંઈ યુક્તિ હોય તો બતાવો.’ નાગકન્યા રત્નપ્રભા ભત્રીજાનું એ પ્રમાણે વચન સાંભળીને બોલી, ‘ઓહો, એટલું જ ને! હું તને એક ઉપાય બતાવું છું. તે કર એટલે તારું કાર્ય સિદ્ધ થશે. તું કાતિર્કસ્વામી પાસે જઈ પુત્ર માટે તેમને પ્રસન્ન કર. તેમની પાસે જઈ આરાધના કરવા માંડીશ તે જ વખતે વિઘ્ન કરવા માટે તારા મસ્તક ઉપર અતિ દુ:સહ જળની ધાર પડશે, પરંતુ હું તારા શરીરમાં પ્રવેશ કરીશ એટલે મારા પ્રતાપથી તું જળધારાને પણ સહન કરી શકીશ અને બીજાં વિઘ્નોનો નાશ કરીને બીજું પણ મનોવાંછિત હું તને મેળવી આપીશ.’ આટલું કહી નાગકન્યા અંતર્ધાન થઈ ગઈ. બીજે દિવસે સવારે રાજાએ રાજ્યવહીવટ મંત્રીને સોંપી અને પોતે પુત્રપ્રાપ્તિ માટે સ્વામી કાર્તિકના ચરણકમળની પૂજા માટે નીકળી પડ્યો. ત્યાં જઈને તેણે કાર્તિકની આરાધના કરવા કઠોર તપ કરવા માંડ્યું, કારણ કે તેના શરીરમાં પ્રવેશેલી નાગકન્યાનું બળ હતું. ત્યારે રાજા પર વજ્ર જેવી જળધારા સતત પડવા લાગી. શરીરમાં પ્રવેશેલી નાગકન્યાના બળથી રાજા ધારાનો વેગ સહી શક્યો. તેની તપસ્યામાં વિઘ્ન ઊભું કરવા કાર્તિકેયે ગણેશને પ્રેરણા આપી. એટલે તેમણે જળધારામાં ભયંકર અજગરનું ઝેર વરસાવવા માંડ્યું. તેથી પણ રાજા ડગ્યો નહીં. ત્યારે દેવતાઓથી પણ ન જિતાય એવા ગણપતિ પોતે આવી તેની છાતીમાં પ્રહાર કરવા લાગ્યા. રાજા કનકવર્ષે આ જે દેવ પ્રહાર કરે છે તે દુર્જય છે એમ માની તેમની સ્તુતિ કરવા માંડી, ‘હે વિઘ્નનિવારણ પ્રભુ, તમને નમસ્કાર. તમે સર્વાર્થ સિદ્ધિના એક નિધાનકુંભ જેવા છો. લંબોદર છો અને તને સર્પનો અલંકાર છે. ગજાનન, તમારો વિજય થાઓ...’ આ સ્તુતિથી પ્રસન્ન થઈ ગણનાયક બોલ્યા. ‘પુત્ર, તારા પર હું પ્રસન્ન થયો છું. હું તને વિઘ્ન કરીશ નહીં. જા તને પુત્ર થશે.’

ત્યાર પછી કાતિર્કસ્વામીએ જળધારા ઝીલનારા કનકવર્ષને કહ્યું, ‘હે ધીરવીર, તારા તપથી હું પ્રસન્ન થયો છું. જે વર જોઈતો હોય તે માગ.’ એટલે તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ કાતિર્કસ્વામીને વિનંતી કરી, ‘હે મહારાજ, મને પુત્ર થાય એવું વરદાન આપો.’ કાતિર્કસ્વામી બોલ્યા, ‘તને પુત્ર અવતરશે અને તે મારા ગણનો અંશ થશે. તેનું નામ હિરણ્યવર્ષ પાડજે.’ આટલું કહી રાજાને વધારે વરદાન આપવાની ઇચ્છાથી મયૂર વાહનવાળા કાતિર્કસ્વામીએ તેને અંદરના મંદિરમાં બોલાવ્યો. રાજા કાતિર્કસ્વામીના મંદિરના અંદરના ભાગમાં જ્યાં જવા તૈયાર થયો કે તેના દેહમાંથી નાગકન્યા અદૃશ્યરૂપે બહાર નીકળી ગઈ. કારણ કે કાતિર્કસ્વામીના મંદિરમાં સ્ત્રીઓ શાપના ડરને કારણે અંદર પ્રવેશી શકતી નથી. પછી રાજા મંદિરના ગર્ભાગારમાં પોતાના મનુષ્યતેજ સાથે પ્રવેશ્યો. નાગકન્યા નીકળી જવાથી નિસ્તેજ થયેલા રાજાને જોઈને દેવ વિચારમાં પડી ગયા. ‘શું આ પહેલાંનો રાજા નથી?’ તરત તેમણે સમાધિથી જોયું તો જાણવા મળ્યું કે આ રાજાએ નાગકન્યાના બળ વડે આવું બળ મેળવ્યું હતું. બાકી રાજા પોતે તો નિર્બળ છે. એટલે તેમણે શાપ આપ્યો, ‘રાજા, તેં મારી સાથે કપટ કર્યું છે. એટલે તને પુત્ર તો થશે. પણ જન્મનાર બાળકથી અને મહારાણીથી ભયાનક વિયોગ થશે.’

આવો વજ્રપાત જેવો ભયાનક શાપ સાંભળીને રાજા સમજુ હતો તેથી તે મુંઝાયો નહીં. પણ સ્તવનો વડે તેની સ્તુતિ કરવા લાગ્યો. તેની સ્તુતિથી પ્રસન્ન થયેલા ષડાનને (કાર્તિકે) તેને કહ્યું, ‘રાજન, તારી સુક્તિથી હું પ્રસન્ન છું. હવે તારી શાપમુક્તિની વાત. રાણીનો અને પુત્રનો વિયોગ એક વર્ષ માટે રહેશે. તને ત્રણ વેળા ઘાત થશે અને પછી તમારા વિયોગનો અંત આવશે.’ કાર્તિક સ્વામી આટલું કહીને ચૂપ થઈ ગયા. રાજા તેમને પ્રણામ કરીને તેમની કૃપાથી સંતોષ પામી નગરમાં ગયો. નગરમાં પહોંચ્યા પછી ચંદ્રમાથી ચંદ્રિકામાં જેમ અમૃતવર્ષાનો જન્મ થાય છે તેમ રાજાથી મદનસુંદરીને પુત્ર જન્મ્યો. રાજા અને રાણી પુત્રનું મોં જોઈને આનંદથી ફૂલ્યા ન સમાયા. રાજાએ ધનવર્ષા કરતાં એક મોટો ઉત્સવ કર્યો અને સુવર્ણવર્ષા કરીને પોતાનું નામ કનકવર્ષ સાર્થક કર્યું; પાંચ રાત્રિ વીત્યા પછી છઠ્ઠી રાત્રિએ પ્રસૂતિભવનમાં પૂરતી રક્ષાનો પ્રબંધ કર્યો છતાં અકસ્માત જરાય અગમચેતી વિના વાદળો ઊમટી આવ્યાં. જેવી રીતે પ્રમાદી રાજાના રાજ્યને અપેક્ષિત શત્રુ ઘેરી લે તેવી રીતે ધીરે ધીરે વધુ ઉમટતાં વાદળોએ આકાશને ઘેરી લીધું. વાયુ રૂપી મદોન્મત્ત હાથી જાણે મદની ધારા સમાન મુશળધાર વૃષ્ટિ વડે વૃક્ષોને ઊખાડતો વહેવા લાગ્યો. આ વેળા સાંકળોથી વાસેલાં દ્વાર ખોલીને કોઈ સ્ત્રી હાથમાં કટાર લઈને પ્રસૂતિભવનમાં પ્રવેશી, અને સ્તનપાન કરાવી રહેલી મદનસુંદરી પાસેથી બાળકને ઝૂંટવીને તથા રાણીની દાસીઓને મૂચ્છિર્ત કરીને ભાગી ગઈ. ‘અરે અરે, રાક્ષસી મારા પુત્રને લઈને ભાગી ગઈ!’ એમ ચીસો પાડતી વ્યાકુળ સુવાવડી રાણી દીકરાને ખાતર અંધારામાંય તેની પાછળ દોડી, તે સ્ત્રી આગળ આગળ દોડતી અંધારામાં એક તળાવમાં પડી ગઈ. અને તેની પાછળ બાળક માટે પાગલ બનેલી દોડતી રાણી પણ તળાવમાં પડી. થોડા સમયમાં વાદળ વિખરાઈ ગયાં, રાત્રિ પણ પૂરી થઈ, પ્રસૂતિભવનમાં દાસીઓ અને દાયણોની ચીસરાણ મચી ગઈ. આ સાંભળીને રાજા કનકવર્ષ પ્રસૂતિભવનમાં આવ્યો. અને પત્ની-પુત્ર ન હતાં એટલે તે બેહોશ થઈ ગયો. ભાનમાં આવ્યા પછી ‘અરે પુત્ર, અરે રાણી’ — એમ બોલીને એક વરસની અવધિવાળો શાપ યાદ આવ્યો. તે બોલ્યો, ‘હે ભગવાન સ્કંદ, મારા જેવા અભાગીને તમે શાપયુક્ત વરદાન કેમ આપ્યું, આ તો વિષમય અમૃત જેવું છે. અરે પ્રાણથીય વહાલી મદનસુંદરી વિના એક વર્ષ તો હજાર યુગ જેવું લાગશે અને તે કેમ કરીને વીતાવીશ?’ આ પ્રમાણે બધી વાર્તા જાણ્યા પછી રડતા અને વિલાપ કરતા રાજાને મંત્રીઓએ ધીરજ બંધાવી પણ રાણીની સાથે જ જતી રહેલી ધીરજ પાછી આવી નહીં. ધીરે ધીરે કામાવેગથી ઉદાસ રાજા નગર ત્યજીને વિંધ્યાચલના વનમાં જતો રહ્યો. તે વનની નાની નાની હરણીઓનાં નેત્રોમાં તે રાણીના નેત્ર-સૌંદર્યને, ચમરી મૃગના વાળના જથામાં રાણીના કેશકલાપના સૌંદર્યને અને હાથણીઓની ચાલમાં રાણીની મંથર ગતિ જોઈને તેનો કામાગ્નિ વધુ પ્રજ્વળી ઊઠ્યો. ભૂખ્યો તરસ્યો આમ તેમ ભટકતો વ્યાકુળ રાજા વિંધ્ય પર્વતની તળેટીમાં ઝરણાનું પાણી પીને એક વૃક્ષ પાસે બેઠો. એટલામાં જ એક ગુફામાંથી વિંધ્ય પર્વતના અટ્ટહાસ્ય સમાન નીકળેલો વ્યાળવાળો સિંહ રાજાને મારવા માટે ધસ્યો. તે જ વેળા આકાશમાંથી ઊતરી આવેલા કોઈ વિદ્યાધરે નીચે ઊતરીને તલવાર વડે સિંહના બે ટુકડા કરી નાખ્યા, પાસે આવીને તે ખેચરે રાજાને પૂછ્યું, ‘હે રાજા કનકવર્ષ, તમે આ સ્થિતિએ કેવી રીતે પહોંચ્યા?’ આ સાંભળીને રાજાએ પોતાની અવસ્થા યાદ કરીને કહ્યું, ‘વિરહઅગ્નિમાં પાગલ બનેલા મને શું તમે નથી ઓળખતા?’ વિદ્યાધરે કહ્યું, ‘હું પહેલા બંધુમિત્ર નામે મનુષ્ય પરિવ્રાજક રૂપે તમારા નગરમાં રહેતો હતો. સેવા સાથે પ્રાર્થના કરી, તમારી સહાયથી વીર વેતાલ પાસે સિદ્ધિ મેળવીને વિદ્યાધર બન્યો છું. એટલે જ તમને ઓળખીને પ્રત્યુપકાર કરવા માટે તમને મારવા આવેલા સિંહને મેં મારી નાખ્યો. હવે હું બન્ધુપ્રભ નામે છું.’ આમ તે બોલ્યો અને એમ વ્યક્ત કર્યો, પછી રાજા કનકવર્ષે કહ્યું, ‘હા, હા, મને યાદ આવ્યું. તમે મૈત્રી નભાવી. હવે કહો હું પત્ની અને પુત્રને ક્યારે મળીશ?’ રાજાની આ વાત સાંભળીને બંધુપ્રભ વિદ્યાધરે પોતાની વિદ્યાથી બધું જાણીને રાજાને કહ્યું, ‘વિંધ્યવાસિનીનું દર્શન કર્યા પછી પત્ની અને પુત્ર સાથે તમારું મિલન થશે.’ આમ કહી વિદ્યાધર આકાશમાં જતો રહ્યો અને રાજા ધીમે ધીમે ધૈર્ય મેળવીને વિંધ્યવાસિનીના દર્શને નીકળ્યો, વનમાં થઈને જતા રાજા ઉપર મસ્તક અને સૂંઢ ડોલાવતા એક મોટા હાથીએ હુમલો કર્યો. તેને જોઈ રાજાએ જે રસ્તે ખાડા હતા તે રસ્તે દોડવા માંડ્યું. આમ રાજાની પાછળ દોડતો હાથી તે ખાડામાં પડીને મરી ગયો. રાજા ચાલી ચાલીને થાકી ગયો, તરસ્યા રાજાએ ઊંચા અને ખીલેલાં કમળવાળું તળાવ જોયું. તેમાં તેણે સ્નાન કર્યું, પાણી પીધું અને કમળનાળ ખાધાં, પછી તૃપ્ત થયેલો રાજા થાકી ગયો હતો એટલે એક ઝાડ નીચે બેઠો અને ઊંઘી ગયો. એટલામાં જ શિકાર કરીને પાછા ફરેલા ભીલ તે રસ્તેથી નીકળ્યા અને તેમણે શુભ લક્ષણોવાળા રાજાને સૂતેલો જોયો. તે બલિદાન યોગ્ય છે એમ માની દેવીને ઉપહાર ચઢાવવા તેને બાંધીને પોતાના રાજા મુક્તાફલ પાસે લઈ ગયા. તે ભીલ સરદાર પણ તેને સુલક્ષણો જાણી આપવા વિંધ્યવાસિની મંદિરમાં ગયો. પછી દેવીનું દર્શન કરી રાજાએ તેને પ્રણામ કર્યા, દેવીની કૃપા તથા સ્વામી કાર્તિકેયના વરદાનને કારણે તે જ સમયે રાજા બંધનમુક્ત થઈ ગયો. આ જોઈને તથા આ ઘટનાને દેવીની અદ્ભુત કૃપા માની ભીલ સરદારે રાજાનો વધ ન કરતાં તેને છોડી મૂક્યો. આમ રાજા ત્રણ વાર અપમૃત્યુમાંથી બચ્યો અને એમ શાપનું એક વર્ષ પૂરું થઈ ગયું. પછી પેલી નાગકન્યા પુત્ર સાથે મદનસુંદરીને લઈને રાજા પાસે આવી. તેણે કહ્યું, ‘હે રાજન્, કુમારના શાપની મને જાણ હતી એટલે મેં તારી પત્ની અને પુત્રને યુક્તિપૂર્વક મારા ઘરમાં સુરક્ષિત રાખ્યા હતા. હવે આ બંને તને સોંપ્યા અને શાપમુક્ત થઈને તારું રાજ્ય ભોગવ.’ આમ કહી, પ્રણામ કરતા રાજાને આશીર્વાદ આપીને તે નાગકન્યા અદૃશ્ય થઈ ગઈ. રાજાએ પણ પત્ની અને પુત્ર સાથેના એ મિલનને સ્વપ્નવત્ ગણ્યું. લાંબા સમયના વિરહને અંતે રાજાએ રાણીને આલિંગન આપ્યું, તેમની વિરહવેદના હર્ષાશ્રુ સાથે દૂર થઈ. ભીલોના સરદાર મુક્તાફલે હવે રાજા કનકવર્ષને ઓળખ્યો, તેને પગે પડી ક્ષમા માગી, પછી રાજાને, તેની પત્ની-પુત્રને પોતાને ત્યાં લઈ જઈને યોગ્ય ઉપચાર વડે તેની સેવા કરવા લાગ્યો. ત્યાં રહીને રાજાએ દૂત દ્વારા પોતાના સસરા દેવશક્તિને અને પોતાની સેનાને ત્યાં જ બોલાવી લીધા. તેઓ આવ્યા એટલે રાજા કાર્તિકેયે પાડેલા નામવાળા હિરણ્યવર્ષને લઈને પુત્રની સાથે રાણી મદનસુંદરીને હાથી પર બેસાડ્યા અને સાસરે જવા નીકળ્યા. થોડા સમયે રાજા દેશમાં આવેલા સમૃદ્ધ કુંડિનપુર નગરમાં પહોંચ્યો. ત્યાં સસરાએ તેનો આદરસત્કાર કર્યો, પુત્રની સાથે થોડા દિવસ તે ત્યાં જ રહી ગયો. ત્યાર પછી ધીમે ધીમે મદનસુંદરી અને પુત્ર હિરણ્યવર્ષની સાથે પ્રજાના મૂર્તિમંત ઉત્સવ સમાન, પ્રસન્ન રાજા રાજધાની કનકપુર પહોંચ્યો. ત્યાં જઈને પ્રસન્ન પ્રજાના અભિનંદન સ્વીકારી રાજાએ રાણી મદનસુંદરીનું પટ્ટબંધન કર્યું અને બધી રાણીઓમાં તેને પટરાણી બનાવી. રાજા મહારાણી અને પુત્ર સાથે નિત્ય ઓચ્છવ મનાવતો કાયમ માટે વિરહમુક્ત થઈ પોતાના નિષ્કંટક સાર્વભૌમ રાજ્યનું પાલન કરવા લાગ્યો. (કથાસરિત્સાગર અલંકારવતી લંબક, પાંચમો તરંગ)

જીમૂતવાહનની કથા

પાર્વતીનો પિતા હિમાલય છે, તે કેવળ પર્વતોનો ગુરુ નથી પણ ગૌરીપતિ શંકરનો પણ ગુરુ છે. વિદ્યાધરોના નિવાસરૂપ તે મોટા પર્વતમાં વિદ્યાધરોનો અધિપતિ જીમૂતકેતુ નામનો એક રાજા રહેતો હતો. તેને ઘેર પિતાના વખતથી ચાલ્યું આવતું નામ પ્રમાણે ગુણવાળું પ્રખ્યાત અને મનોરથને આપનાર કલ્પ એવા નામનું વૃક્ષ હતું. એક દિવસ ઉદ્યાનમાં દેવતા રૂપ તે કલ્પવૃક્ષ પાસે આવીને જિમૂતકેતુ રાજાએ માગણી કરી, ‘તમારી પાસેથી અમે સર્વદા વાંછિત મેળવીએ છીએ, તો હે દેવ, હું અપુત્ર છું, માટે મને એક ગુણવાન પુત્ર આપો.’ ત્યારે કલ્પવૃક્ષે કહ્યું, ‘હે રાજા, તને જાતિસ્મરણના જ્ઞાનવાળો, દાનવીર અને સર્વ પ્રાણીનું હિત કરનારો એક પુત્ર થશે.’ તે સાંભળી રાજી થયેલો રાજા રાણી પાસે ગયો અને વાત કરીને રાણીને પ્રસન્ન કરી. હવે તેની રાણીને થોડા દિવસે પુત્ર જન્મ્યો. પિતાએ તેનું નામ પાડ્યું જીમૂતવાહન. તે પછી સ્વાભાવિક ઉત્પન્ન થયેલી સર્વ પ્રાણી ઉપરની દયાની સાથે મહા ધૈર્યવાન જીમૂતવાહન વૃદ્ધિ પામ્યો. ક્રમે કરી તે યુવરાજપદ પામ્યો અને તેની સેવાથી પ્રસન્ન થયેલા પિતાને જીમૂતવાહને એકાંતમાં કહ્યું, ‘પિતાજી, હું જાણું છું કે આ ભવમાં બધા પદાર્થો ક્ષણભંગુર છે અને કલ્પ પર્યંત રહેનારા તો માત્ર મોટા પુરુષોનો એક યશ જ સ્થિર છે. પરોપકારથી તે યશ મળતો હોય તો ઉદાર પુરુષોને પ્રાણથી અધિક બીજું કયું ધન છે? સંપત્તિ તો વીજળીની પેઠે ચંચળ અને લોકનાં લોચનને દુઃખ પહોંચાડનારી છે તથા પરનો ઉપકાર નહીં કરવાવાળી ક્યાંય લય પામે છે. તો આ કલ્પવૃક્ષ જે આપણી કામનાને પૂૂરનાર છે તે બીજાના કામમાં આવે તો તેનું ફળ મળ્યું કહેવાય. માટે હું તેમ કરું કે અહીં આ વૃક્ષની સમૃદ્ધિથી સર્વ ગરીબ યાચકો શ્રીમંત થાય.’ આવી રીતે પિતા પાસે પ્રાર્થના કરી, તેમની સંમતિ મેળવી તે કલ્પવૃક્ષ પાસે જઈ જીમૂતવાહને કહ્યું, ‘હે દેવ, તમે હંમેશાં વાંછિત ફળ દેનાર છો. તો આજે એક મારી ઇચ્છા પૂરી કરો. હે મિત્ર, આ સર્વ પૃથ્વીને ધનાઢ્ય કરો. તમારું કલ્યાણ થાઓ. આજથી તમને ધન ઇચ્છનારા લોકોને સ્વાધીન કરી દઉં છું.’ આમ કહ્યું એટલે તે વૃક્ષે ધરતી પર ઘણું સોનું વરસાવ્યું. જેને કારણે સકળ પ્રજા સંતુષ્ટ થઈ. જીમૂતવાહન કરતાં બીજો કોઈ ઉત્તમ જીવ આવી રીતે કલ્પવૃક્ષ પણ યાચકોને સ્વાધીન કરી દે? આવી રીતે અનુરાગવાળી દિશાઓ અને ખૂણાઓમાં પણ જીમૂતવાહનનો નિર્મળ યશ ખૂબ જ પ્રસરી ગયો. તે પછી પુત્રની ખ્યાતિથી જિમૂતકેતુનું રાજ્ય કીર્તિવંત થયું. તેને જોઈ તેનાં સગાંસંબંધીઓના મનમાં દ્વેષ ભરાયો ને તેઓ તેના વિરોધી થયા. તેમણે વિચાર્યું કે જે કારણે તે આટલો બધો કીર્તિવંત થયો છે તે કલ્પવૃક્ષવાળી જગ્યા આપણે જીતી લઈએ પછી એનો પ્રભાવ જતો રહેશે, એટલે તે જીમૂતવાહનને સહેલાઈથી જીતી શકાશે. તેવો વિચાર કરી સર્વ ભાયાતોએ એકઠા થઈ યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે ધીર જીમૂતવાહને પિતાને કહ્યું, ‘જેમ આ શરીર જળના પરપોટા સમાન છે તેમ વાયુવાળી જગામાં રહેલા દીવાની પેઠે ચપળ લક્ષ્મી કોને માટે છે? બીજાનો નાશ કરી તેવી લક્ષ્મી રાખવાની ઇચ્છા કયો વિચારવંત કરશે? મારે સગાસંબંધીઓ સાથે સંગ્રામ કરવો નથી. રાજય છોડી દઈ અહીંથી મારે કોઈ વનમાં જતા રહેવું છે. પછી એ કૃપણો ભલે અહીં રહે ને રાજ્ય ભોગવે. પણ કુળનો ક્ષય નથી કરવો.’ જીમૂતવાહનનાં એવાં વચન સાંભળી તેના પિતા જીમૂતકેતુએ પણ નિશ્ચય કરી કહ્યું, ‘હે પુત્ર, મારે પણ જતા રહેવું છે. તેં જ્યારે તણખલાની જેમ રાજ્ય ત્યજી દીધું તો હું તો હવે વૃદ્ધ થયો છું, મને તો તેની ઇચ્છા કેવી? માયાળુ માતાને પૂછ્યું તો તેણે પણ તેવો જ ઉત્તર આપ્યો. તે સાંભળી જીમૂતવાહન તેમને લઈ મલય પર્વત પર ગયો. ત્યાં સિદ્ધોના રહેઠાણમાં ચંદનનાં વૃક્ષોથી છવાયેલા ઝરણાવાળા આશ્રમમાં પિતાની સેવા કરવા લાગ્યો. ત્યાં સિદ્ધોના રાજા વિશ્વાવસુનો મિત્રાવસુ નામનો પુત્ર તેનો મિત્ર થયો. એક દિવસ એકાંતમાં પૂર્વ જન્માંતરની સ્ત્રી અને મિત્રાવસુની બહેનને જ્ઞાની જીમૂતવાહને જોઈ. તે વખતે બંને યુવાનનું એકસરખું પરસ્પરનું જોવું, મન રૂપી મૃગની દૃઢ જાળના બંધન સરખું થઈ પડ્યું. તે પછી અકસ્માત્ ત્રણ જગતના પૂજ્ય જીમૂતવાહન પાસે આવી પ્રસન્ન થયેલા મિત્રાવસુએ કહ્યું, ‘મલયવતી નામની કન્યા મારી નાની બહેન છે, તે હું તમને આપું છું. તો મારી માગણી સ્વીકારજો.’ તે સાંભળી જીમૂતવાહને તેને કહ્યું, ‘યુવરાજ, પૂર્વજન્મમાં પણ તે મારી સ્ત્રી હતી. ને તું પણ ત્યાં જ બીજા હૃદય સરખો મારો મિત્ર હતો. હું જાતિસ્મરણના જ્ઞાનવાળો છું. એટલે સઘળી હકીકત મને યાદ છે.’ એ સાંભળી મિત્રાવસુએ તેને આશ્ચર્ય પામીને કહ્યું, ‘પ્રિય મિત્ર, મને બહુ આશ્ચર્ય થાય છે માટે પહેલાં તમારા એ પૂર્વજન્મનું વૃત્તાંત કહો.’ મિત્રાવસુનું આવું વચન સાંભળી જીમૂતવાહન પોતાના પૂર્વજન્મની વાત કહેવા લાગ્યો.

જીમૂતવાહનના પૂર્વજન્મની વાત

પૂર્વે હું આકાશમાં ફરનારો વિદ્યાધર હતો. એક દિવસ હું હિમાલયના શિખરના માર્ગે ગયો. તે શિખરની નીચે પાર્વતી સહિત શંકર ક્રીડા કરતા હતા. હું તેમને ઉપરથી ઓળંગી ચાલ્યો, ત્યારે ઉલ્લંઘન કરવાથી ક્રોધે ભરાયેલા દેવે મને કહ્યું, ‘તું મનુષ્યની યોનિમાં પડ. ત્યાં વિદ્યાધરી સ્ત્રી પામી પોતાના સ્થાન પર પુત્રની યોજના કરી પછી જાતિ સંભારીશ ત્યારે તું વિદ્યાધરની યોનિ પામીશ.’ એવી રીતે શાપનો અંત કહી શંકર અંતર્ધાન થયા. તે પછી તરત હું પૃથ્વી પર વણિકકુળમાં જન્મ્યો. મારું નામ વસુદત્ત. ત્યાં હું ધીરે ધીરે મોટો થયો અને યુવાન થયો. પિતાએ નોકરચાકરની સગવડ કરી આપી. ત્યારે તેમની આજ્ઞાથી બીજા દ્વીપમાં વેપાર અર્થે ગયો. ત્યાંથી પાછા આવતાં ઘોર જંગલમાં ચોરોએ હુમલો કર્યો, મને લૂંટી પોતાના ગામમાં લઈ ગયા. ત્યાં પશુના પ્રાણ લેવાને ઇચ્છતા યમરાજની જીભ સરખી ચપળ અને લાંબી, રાતા કપડાની પતાકાથી ભયંકર દેખાતી ચંડીના મંદિરમાં મને લઈ ગયા. ત્યાં દેવીની પૂજા કરવા પુલંદિક નામના ભીલરાજાને બલિદાન માટે સોંપ્યો. પણ તે રાજા મારી સામે જોઈ આર્દ્ર હૃદયવાળો થઈ ગયો. કારણ વિના સ્નેહ કરતું મન જન્માંતરની પ્રીતિ કહી આપે છે. પછી તે ભીલરાજાએ મને છોડી દીધો. અને સ્વાત્માર્પણથી પૂજા પૂરી કરવા ઇચ્છા કરી. ત્યારે આકાશવાણી થઈ, ‘હું તારા પર પ્રસન્ન થઈ છું, વરદાન માગ.’ આ સાંભળી તે બોલ્યો, ‘હે દેવી, તું જો પ્રસન્ન થઈ તો હવે બીજું વરદાન શું માગું? તો પણ એટલું માગું કે જન્માંતરમાં પણ આ વણિક સાથે મૈત્રી રહે.’ ત્યારે એવમસ્તુ ‘એમ થાઓ’ એમ કહી દેવવાણી શાંત થઈ. પછી ભીલે કેટલુંક વિશેષ ધન આપી મને મારે ઘેર મોકલ્યો. મૃત્યુના મોઢામાંથી અને પ્રવાસેથી પાછો આવું છું તે જાણી મારા પિતાએ મોટો મહોત્સવ કર્યો. તે પછી કેટલોક કાળ વીત્યા પછી સંઘ લૂંટવાના અપરાધ માટે અમારા રાજાએ પકડી મંગાવેલા તે ભીલરાજાને મેં જોયો. તે ક્ષણે મારા પિતાને એ વાત મેં કહી. પછી અમારા નગરના રાજાને વિનંતી કરી લાખ સોનામહોરનો દંડ આપી ફાંસીની સજામાંથી તેને છોડાવ્યો. મારી ઉપર તેણે પ્રાણદાનનો ઉપકાર કર્યો હતો તેથી મેં તેનો પ્રત્યુપકાર કરી પ્રીતિપૂર્વક તેને મારે ઘેર બોલાવ્યો અને તેનું ઘણું સન્માન કરી તેને વિદાય કર્યો. ત્યારે તે પુલંદિક પોતાનું પ્રેમાર્દ્ર હૃદય મારામાં રાખી પોતાને ગામ ગયો. ત્યાં મારા પ્રત્યુપકારને માટે નજરાણાનો વિચાર કરતાં પોતાની પાસેનાં મોતી અને કસ્તુરી વગેરેને પણ તેણે અલ્પ ગણ્યાં. પછી મારે માટે વધારે સરસ મોતી મેળવવા તે પોતાની સાથે ધનુષ લઈ હાથીઓનો શિકાર કરવા હિમાલય પર ગયો. ત્યાં ફરતાં ફરતાં એકસરખાં મિત્રરાગી તે તળાવનાં કમળ સાથે પ્રીતિ કરનારો તે પુલંદિક, જેના કિનારા ઉપર દેવમંદિર છે એવા તળાવ પાસે જઈ પહોંચ્યો. ત્યાં વનના હાથી પાણી પીવા આવશે, એવું ધારી એકાંતમાં હાથીને મારવા ઊભો રહ્યો. તેટલામાં તે તળાવને કાંઠે રહેલા શિવજીની પૂજા કરવા એક અદ્ભુત રૂપવતી ને સંહિ પર બેઠેલી કુમારિકા ત્યાં આવી. કન્યાના ભાવમાં વર્તનારી, શંભુની સેવામાં તત્પર, બીજી હિમાલયની પુત્રી હોય તેવી તેને દીઠી. તેને જોઈ પુલંદિક વિસ્મય પામ્યો અને વિચારવા લાગ્યો કે ‘એ કોણ હશે? જો માનવસ્ત્રી હોય તો તેને સંહિનું વાહન કેમ હોય? અને જો દિવ્ય સ્ત્રી હોય તો મારા જેવાની નજરે કેમ પડે? જરૂર એ નેત્રના પૂર્વપુણ્યનો દેહધારી પરિપાક છે. આની સાથે જો તે મિત્રને પરણાવું તો તેનો કોઈ બીજી રીતનો જ પ્રત્યુપકાર કર્યો કહેવાય. હવે હું પ્રશ્ન પૂછવા પ્રથમ તેની પાસે જઉં.’ એવું ધારી તે મારો મિત્ર ભીલ તેની પાસે ગયો. તેટલામાં તે કન્યા સંહિ પરથી ઊતરી પડી. એટલે તરત તે સંહિ ઝાડની છાયામાં જઈ બેઠો. તે કન્યા તળાવનાં કમળ વીણવા લાગી. પછી ભીલરાજે પાસે જઈ નમસ્કાર કર્યા. તે જોઈ અપૂર્વ અતિથિની પ્રીતિથી તેનો સત્કાર કરી તેને રાજી કર્યો. અને ‘તું કોણ છે? અને આ અતિ દુર્ગમ ભૂમિમાં કેમ આવ્યો છે?’ એવું પૂછ્યું. ત્યારે પુલંદિકે ઉત્તર આપ્યો કે ‘હું પાર્વતીના ચરણને શરણે રહેનારો ભીલરાજ છું. અને ગજમુક્તા લેવા આ વનમાં આવી ચડ્યો છું. હે દેવી, હમણાં તમને જોઈ મને જીવનદાન આપનારો લક્ષ્મીવાન શેઠનો પુત્ર વસુદત્ત નામનો મારો મિત્ર યાદ આવ્યો. હે સુંદરી, તે રૂપ અને યૌવનમાં તમારા જેવો છે. તે આ જગતને અદ્વિતીય નેત્રામૃતના ઝરણ સરખો છે. મૈત્રી, દાન, દયા અને ધૈર્યના ખજાના જેવો તે વસુદત્ત છે. તેનો કંકણવાળો હાથ જે કન્યા ગ્રહણ કરશે તે કન્યા આ લોકમાં ધન્ય બનશે. જો આ તમારી આકૃતિ તેવાની સાથે ન જોડાય તો કામદેવ પોતાનું ધનુષ વ્યર્થ ધારણ કરે છે એમ હું માનીશ.’ કામદેવના મોહમંત્રના અક્ષર સરખાં તેનાં વચન સાંભળી તત્કાળ તે કુમારિકાનું મન મોહ પામ્યું. પછી કામદેવે પ્રેરણા કરેલી તે કુમારિકાએ પુલંદિકને કહ્યું, ‘તે તારો મિત્ર ક્યાં છે? તેને બોલાવી મને દેખાડ તો ખરો.’ તે સાંભળી ‘બહુ સારું.’ કહી તે જ વખતે તેની પાસેથી રજા લઈ પોતાને કૃતાર્થ માનનારો તે ભીલરાજ ખુશ થઈ ત્યાંથી તરત જ ચાલી નીકળ્યો. તે લાગલો પોતાને ગામ આવી, ત્યાંથી મોતી અને કસ્તુરી વગેરે લઈ મારે ઘેર આવ્યો. ત્યાં આવી પોતાની સાથે લાવેલો લાખો સોનામહોરની કંમિતવાળો નજરાણો મારા પિતાને અર્પણ કર્યો. તે આખો દિવસ અમે આનંદ, ઉત્સવથી કાઢ્યો. પછી રાતે એકાંતમાં મારી પાસે તે દિવ્ય કન્યા જોયાની હકીકત પૂરેપૂરી કહી સંભળાવી. મને કહ્યું, ‘ચાલ આપણે જઈએ.’ હું પણ જવા ઉત્સુક થયો. પછી મને સાથે લઈ રાતે અમે પ્રયાણ કર્યું. સવારે તે ભીલરાજની સાથે હું ક્યાંક ગયો એમ જાણી મારા પિતા ભીલરાજના ભરોસે ધીરજ રાખી રહ્યા. રસ્તાનો પૂરો ભોમિયો ભીલરાજ બહુ ઝડપથી મને તે સ્થળે લઈ ગયો. અમે સાંજે તે તળાવે પહોંચ્યા. મીઠાં ફળ ખાઈ હું અને તે ભીલ એક રાત તે વનમાં રહ્યા. લતાઓથી ફેલાઈ ગયેલાં પુષ્પવાળું, ભમરાના ગુંજારવથી મધુર લાગતું, સુવાસિત, મનોહર, બળતી ઔષધિઓના પ્રકાશવાળું તે પહાડી વન વિશ્રાંતિ માટે રાતે તે તળાવનું જળ પીનારા અમને બંનેને રતિના નિવાસગૃહ જેવું થઈ પડ્યું. તે પછી બીજે દિવસે દર ક્ષણે મને તો તાલાવેલી લાગી હતી અને તે કન્યાના આવવાના માર્ગ તરફ જ મારી નજર ચોંટી રહી. મારું અંત:કરણ જાણે તેને આવકારવા સામું ધસતું હોય તેમ આતુર થઈ રહ્યું હતું. મારી જમણી આંખ વારંવાર ફરકીને તે કન્યાના આવવાની સૂચના કરતી હતી. એટલામાં તે મોહિની ત્યાં આવી પહોંચી. કેશવાળીવાળા સંહિની ઉપર બેઠેલી, શરદ્ ઋતુના મેઘના ઉત્સંગના સંગવાળી ને ચંદ્રકળા સરખી તે સુંદર ભ્રૂકુટિવાળી કન્યા મેં જોઈ. તેથી વિસ્મય, ઉત્સુકતા અને ભય અનુભવતો હું ચોંક્યો. તે વખતે હું જાણતો નહોતો કે મારું હૃદય કેમ પાછું વળે? તરત તે કન્યા સંહિ પરથી ઊતરી, પુષ્પો વીણી તળાવમાં સ્નાન કરી તેના કિનારા પરના મંદિરે શંકરની પૂજા કરવા ગઈ. પૂજા પૂરી થઈ એટલે મારા સખા ભીલે તેની પાસે જઈ પ્રણામ કરી પોતાનું નામ કહી આદર કરવાવાળી તે કન્યાને કહ્યું, ‘હે દેવી, તમારે યોગ્ય પતિ મારો મિત્ર છે અને હું તેને તેડી લાવ્યો છું. જો તમે કહો તો હમણાં જ હાજર કરું.’ તે સાંભળી તેણે કહ્યું, ‘બતાવ.’ ત્યારે તે ભીલ મારી પાસે આવ્યો અને મને તેની પાસે લઈ જઈ ઊભો કરી દીધો. તેણે સ્નેહવાળી ત્રાંસી આંખે મને નિહાળ્યો. અને કામદેવનો આવેશ આવવાથી તે વિહ્વળ થઈ ગઈ અને તેણે મારા મિત્રને કહ્યું, ‘તારો આ મિત્ર મનુષ્ય નથી, પણ કોઈ દેવ આજે મને ઠગવા આવ્યો છે. મનુષ્યની આકૃતિ આવી ક્યાંથી હોય?’ તે સાંભળી તેને વિશ્વાસ થાય એટલે મેં કહ્યું, ‘હે લલિત લલના, ખરેખર હું મનુષ્ય છું. સરલ મનુષ્ય પાસે કપટ કરી શું કરવું છે? હું વલભીપુરમાં રહેતા મહાધન નામના વણિકનો પુત્ર છું. મારા પિતાએ પુત્રપ્રાપ્તિ માટે મહાદેવનું તપ કર્યું હતું. તેની ઉપર પ્રસન્ન થઈ શંકર ભગવાને કહ્યું હતું, ‘ઊઠ, તને એક મહાન પુત્ર થશે.’ પણ મારી એ વાત અંગત છે તેનો વિસ્તાર કરવાની જરૂર નથી. આ સાંભળી મારા પિતા જાગી ગયા અને તેમને થોડા સમયે હું વસુદત્ત જન્મ્યો. આ ભીલરાજ પુલંદિક મારો મિત્ર છે. હું બીજા દેશ ગયો હતો, ત્યાં મને તેનો ભેટો થયો છે. તે કષ્ટમાં મને ઘણો સહાયરૂપ થયો છે. આ મારી હકીકત ટૂંકમાં કહી.’ આટલું કહી હું મૂંગો થયો. પછી લાજવશ તે કન્યા બોલી, ‘આ વાત સાચી છે. આજે હું સ્વપ્નમાં શંકર ભગવાનની પૂજા કરતી હતી, તે વખતે પ્રસન્ન થયેલા ભગવાને મને કહ્યું કે પ્રાત:કાળમાં તું પતિ પામીશ. એટલે તું જ મારો ભરતાર અને આ તારો મિત્ર મારો ભાઈ.’ એમ મધુર વાણીથી તેણે મને પ્રસન્ન કર્યો. હવે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરવાનો વિચાર કરી મિત્ર સાથે મેં મારે ઘેર જવાનો વિચાર કર્યો. તે પછી સંકેત કરીને તેણે પોતાના વાહન સંહિને બોલાવ્યો, અને મને સંહિ પર સવાર થવા કહ્યું. મારા મિત્રની સંમતિ લઈ પ્રિયાને ખોળામાં બેસાડી હું સંહિ પર બેઠો. પછી હું કૃતાર્થ થઈ મિત્રની સાથે મારા ઘર ભણી ચાલતો થયો. ભીલરાજથી ઘવાયેલા હરણોનું માંસ આરોગીને અમે ધીમે ધીમે વલભીપુર આવ્યા. ત્યાં સ્ત્રી સાથે સંહિ પર બેસી હું આવ્યો તે જોઈ ગામનાં માણસો નવાઈ પામ્યા અને તરત તેમણે મારા પિતાને વધામણી કરી. તે સાંભળી મારા પિતા ઘણા આનંદથી સામે આવ્યા. હું સંહિ પરથી ઊતરીને તેમને પગે પડ્યો. તેમણે મને ધન્યવાદ આપ્યા. તેમના પગે પડેલી તે પુત્રવધૂ મારે લાયક છે એમ જાણી મારા પિતાના આનંદનો પાર ન રહ્યો. અમને ઘરમાં તેડી જઈ અમારી કથા સાંભળી ભીલરાજની મૈત્રીની પ્રશંસા કરી. પછી જ્યોતિષીઓએ બતાવેલા શુભ મુહૂર્ત પ્રમાણે બધા સ્વજનોનો મેળાવડો કરી મારું લગ્ન કર્યું. તે જોઈ અકસ્માત્ મારી પત્નીના વાહન સંહિ બધાંના દેખતાં પુરુષ બનીને ઊભો રહ્યો. ‘આ વળી શું?’ એમ વિભ્રાંત થઈ બધાં ઊભાં હતાં ત્યાં દિવ્ય વસ્ત્ર અને આભરણવાળા પુરુષે આમ કહ્યું, ‘હું ચિત્રાંગદ નામનો વિદ્યાધર છું. અને મનોવતી નામની આ મારી પુત્રી છે. હંમેશાં આને ખોળામાં બેસાડી જેના કિનારે ઘણાં તપોવન છે એવી ગંગાજી પાસે આવ્યો. ત્યાં તપસ્વીઓને ઓળંગીને જવું ન પાડે એટલે હું નદીની વચ્ચે થઈને ચાલવા લાગ્યો. અચાનક ગંગાજળમાં મારી પુષ્પમાળા પડી ગઈ. તેવામાં અકસ્માત્ જળની અંદર રહેલા નારદે બહાર આવીને મને શાપ આપ્યો, ‘આ ઉદ્ધતપણાને કારણે તું સંહિ થા અને હિમાલયમાં જઈ આ તારી પુત્રીને પીઠ પર બેસાડી વનવન ફર્યા કર. પણ જ્યારે તારી આ પુત્રી કોઈ મનુષ્યને પરણશે ત્યારે તેને જોવાથી તું આ શાપમાંથી મુક્ત થઈશ.’ એ મુનિના શાપને કારણે હું હિમાલયમાં સંહિ થઈ શંકર ભગવાનની પૂજા કરતી આ પુત્રીને લઈને ફરતો રહ્યો છું. પછી ભીલરાજના પ્રયત્નથી આ બધું થયું તે તમે જાણો છો. હવે તમારું કલ્યાણ થાઓ, હું શાપમુક્ત થયો છું.’ આટલું કહી તે વિદ્યાધર તરત આકાશમાં ઊડી ગયો. આ આશ્ચર્યકારક અને ઉત્તમ સંબંધ જોઈ મારા પિતા સમેત બધાં સ્વજનો આનંદ પામ્યા. આવા નિષ્કપટ મિત્રો મૈત્રી ખાતર પોતાના પ્રાણને ભોગે પણ ઉપકાર કરતા જ હોય છે. તે ભીલરાજનું આવું અલૌકિક ચરિત્ર સાંભળી બધા પ્રશંસા જ કરતા હોય છે. પછી આ વાત રાજાએ પણ જાણી ત્યારે તે અમારો સંબંધ જોઈ ઘણો રાજી થયો. મારા પિતાએ પણ રાજાને ઘણાં રત્નો ભેટ આપ્યાં. સઘળું વનનું રાજ્ય અપાવ્યું. તે પછી દેવકન્યા મનોવતી અને મિત્ર ભીલરાજ સાથે હું સુખેથી રહ્યો. તે મિત્ર પણ પોતાના દેશ ન જતાં ઘણો વખત અમારી સાથે જ રહ્યો. અમારા બંને મિત્રનો સમય સારી રીતે વીતતો હતો. પછી પતિવ્રતા મનોવતીને પેટે હિરણ્યદત્ત નામનો પુત્ર જન્મ્યો. તે ધીમે ધીમે મોટો થયો અને પછી મેં તેને પરણાવ્યો. તે જોઈ જીવતરનું ફળ મળી ગયું એમ માની મારા માતાપિતા વૃદ્ધ થવાથી દેહત્યાગ કરવા ગંગાકિનારે ગયાં. તેમને કારણે મને શોક થયો ત્યારે બધાંએ મને ધીરજ આપી. એક બાજુ મનોવતી અને બીજી બાજુ ભીલરાજ, સત્પુત્રનો આનંદ એટલે મારા દિવસો નિરાંતે પસાર થવા લાગ્યા. સમય વીતતાં હું વૃદ્ધ થયો, ‘હે પુત્ર, હજી સુધી તું ઘરમાં કેમ પડી રહ્યો છે?’ એમ કહેતી વૃદ્ધાવસ્થાએ મારી હડપચી પકડી. મને વૈરાગ્ય ભાવ આવ્યો અને મેં વનમાં જવાનો નિર્ધાર કર્યો, કુટુંબની જવાબદારી પુત્રને સોંપી. પછી મારી પત્ની અને ભીલરાજને લઈ કાલંજર પર્વત પાસે ગયો. ત્યાં મને મારી વિદ્યાધરની જાત યાદ આવી. અને શંકરના શાપનો પણ અંત આવ્યો. તેનું સ્મરણ થવાથી મેં એ વાત મનોવતીને તથા ભીલરાજને કરી. પછી મેં માનવદેહ ત્યાગવાની ઇચ્છા કરી અને બીજા જન્મમાં પણ આ જ મારી પત્ની રહે અને આ જ મારો મિત્ર રહે એવું કહી ચિત્તમાં શંકર ભગવાનનું ધ્યાન ધરી મેં તે પર્વતના શિખર પરથી ભૂસકો માર્યો, મારી પત્નીએ અને મિત્રે પણ મારી સાથે દેહત્યાગ કર્યો. પછી હું આ વિદ્યાધરના કુળમાં પૂર્વજન્મના સ્મરણવાળો અને જ્ઞાનવાળો જીમૂતવાહન તરીકે અવતર્યો છું. તે ભીલ જ શંકર ભગવાનની કૃપાથી સિદ્ધના રાજા વિશ્વાવસુનો પુત્ર મિત્રાવસુ થયો છે. તે વિદ્યાધરી મારી પત્ની મનોવતી તે તારી બહેન. આમ તારી બહેન મારા પૂર્વજન્મની પત્ની અને તું મારો પૂર્વજન્મનો મિત્ર. એટલે તે મારે પરણવા યોગ્ય છે પરંતુ મારાં માતાપિતા પાસે જઈ તેમને કહેવું પડશે અને તેઓ સંમત થાય ત્યારે તારી આ ઇચ્છા પાર પડશે. જીમૂતવાહનની વાત સાંભળી પ્રસન્ન મનવાળો મિત્રાવસુ તેના માતાપિતા પાસે ગયો અને સઘળી કથા કહી સંભળાવી. તેમણે એ વાત માની લીધી. પછી તેણે પોતાની બહેનના વિવાહની સામગ્રી તૈયાર કરી, જીમૂતવાહને વિધિપૂર્વક મલયવતીનો હાથ ઝાલ્યો. જીમૂતવાહનના સ્વાર્પણની કથા તે જીમૂતવાહન એક દિવસ પોતાના મિત્ર સાથે સમુદ્રકિનારાનાં વન જોવા ગયો હતો. ત્યાં ભયભીત થયેલી એક સ્ત્રી ‘હે પુત્ર, હે પુત્ર’ બોલતી દેખાઈ. તેને પાછી વાળતો એક યુવાન નાગ પણ દેખાયો. અનુયાયી લડવૈયા સરખા એક બીજા પુરુષે પહોળા અને ઊંચા શિલાપટ પર તે નાગને મૂકી દીધો. તેને જોઈ ‘તું કોણ છે? શું કરવા માગે છે? અને તારી મા કેમ રડે છે?’ જીમૂતવાહને આમ પૂછ્યું એટલે તે નાગે કહ્યું,

પૂર્વે કદ્રૂ અને વિનતા નામની કશ્યપની બે સ્ત્રીઓ હતી. તેમણે પરસ્પર સંવાદ કરતાં વિવાદ કર્યો. કદ્રૂએ કહ્યું કે સૂર્યના ઘોડા કાળા છે અને વિનતાએ કહ્યું કે ધોળા છે. આ તકરારમાં તેમણે જે ખોટી પડે તે બીજીની દાસી થાય એવી શરત કરી. તે પછી જય મેળવવાની ઇચ્છાથી કદ્રૂએ પોતાના પુત્ર નાગોને કહી સૂર્યના ઘોડાઓને ઝેરના ફૂંફાડાથી કાળા કરાવ્યા અને વિનતાને દેખાડી કપટ કરી જય મેળવી તેને દાસી કરી. સ્ત્રીઓને ઘણું કરી સપત્નીની અદેખાઈ બહુ હોય છે. આ ઘટના જાણીને વિનતાનો પુત્ર ગરુડ ત્યાં આવ્યો અને નમ્રતાથી કદ્રૂ પાસે માગણી કરી કે મારી માતાને દાસભાવમાંથી મુક્ત કરો.’ આ કાર્યના બદલામાં કદ્રૂના પુત્રોએ વિચાર કરી ગરુડને કહ્યું, ‘હે ગરુડ, દેવતાઓએ ક્ષીરસાગર મથવાનો આરંભ કર્યો છે. જો તું અમને ત્યાંથી અમૃત લાવી આપે તો અમે તારી માને મુક્ત કરીશું. તું મહાબળવાન છે.’ 

નાગોની એ વાત સાંભળી ક્ષીરસાગર પાસે જઈ ગરુડે ઘણું પરાક્રમ દેખાડ્યું ત્યારે તેના પરાક્રમથી પ્રસન્ન થયેલા હરિએ કહ્યું, ‘હું તારા ઉપર પ્રસન્ન થયો છું. કોઈ વરદાન માગી લે.’ માતાના દાસપણાથી ગુસ્સે થયેલા ગરુડે માગ્યું, ‘નાગ મારા ભક્ષ્ય થાય.’ એ સાંભળી સ્વપરાક્રમે અમૃત મેળવનારા ગરુડને ભગવાને ‘તથાસ્તુ’ કહ્યું અને ગરુડે અમૃત મેળવ્યું. આ વાત ઇન્દ્રે જાણી એટલે તેણે ગરુડને કહ્યું, ‘તમારે અમૃત કોઈને આપવું નહીં. પણ આ અમૃત તે મૂઢ નાગોના ઉપયોગમાં ન આવવું જોઈએ. એટલે તેમની પાસેથી હું અમૃત હરી શકું તેમ કરવું.’ આ સાંભળી ઉત્તમ વૈષ્ણવોના અગ્રણી ગરુડે તે વાત માન્ય રાખી અને અમૃતકળશ લઈને તે નાગોની પાસે ગયો. વરદાનના પ્રભાવથી મૂઢ થયેલા તે નાગોને ગરુડે કહ્યું, ‘આ અમૃત છે. તમે મારી માને છોડી દો. અને પછી આ અમૃત લો. જો તમને મારી બીક લાગતી હોય તો આ અમૃત તમારા માટે દર્ભના આસન ઉપર મૂકી રાખું છું. હું શરત પ્રમાણે મારી માને છોડાવી જઉં છું. જોઈએ ત્યારે ત્યાંથી અમૃત લઈ લેજો.’ નાગલોકોએ તે વાત માન્ય રાખી, ગરુડે જ્યારે દર્ભના આસન પર કળશ મૂક્યો ત્યારે તેમણે તેની માતાને દાસપણામાંથી મુક્ત કરી. એમ માને દાસપણામાંથી છોડાવી ગરુડ ગયો એટલે નિ:શંક થઈ નાગલોકો જેવા અમૃત લેવા જાય છે તેવામાં ઇંદ્ર ઝડપથી આવીને સર્પોને પોતાની શક્તિથી મોહિત કરીને દર્ભના આસન પરથી અમૃતકળશ ઉઠાવી ગયો. ત્યારે ખેદ પામેલા નાગ કદાચ અહીં અમૃત ઢળ્યું હશે એમ માની દર્ભના આસનને ચાટવા લાગ્યા. તેથી તેમની જીભો ચીરાઈ ગઈ. એવી રીતે તેમની જીભ બે થઈ. હવે અમૃતનો રસ ન મળવાથી નિરાશ થયેલા નાગલોકોને તેમનો દુશ્મન ગરુડ હરિનું વરદાન મળવાથી વારંવાર ખાવા લાગ્યો. ગરુડના આવવાથી ત્રાસે કરીને નિર્જીવ નાગવાળું, ગભિર્ણીના ગર્ભ પડી જાય એવું અને નાશ પામેલા નાગવાળું પાતાળ થઈ ગયું. ગરુડને પાતાળમાં હંમેશ આવતો જોઈ નાગલોકોના અધિપતિ વાસુકિએ નાગલોક એમ જ નાશ પામશે એમ માની, વિચાર કરી અનિવાર્ય તેજસ્વી વૈનતેય સાથે વિનંતિપૂર્વક સંધિ કરી કહ્યું, ‘હે પક્ષીરાજ, દરરોજ એકેક નાગ સમુદ્રકાંઠાના પર્વત પર તારા આહાર માટે મોકલતો જઈશ. પણ તેમનો નાશ કરવા પાતાળમાં તારે પેસવું નહીં, નાગલોકોનો ક્ષય થવાથી તારો જ સ્વાર્થ નાશ પામશે.’

આ પ્રમાણે વાસુકિએ કહ્યું એટલે ગરુડે તેમની વાત માની લીધી. આ સ્થળે દરરોજ વાસુકિએ મોકલેલો નાગ ખાવાનો તેણે આરંભ કર્યો. આ રીતે ઘણા નાગ નાશ પામ્યા છે. હું શંખચૂડ નામનો નાગ છું. આજે મારો વારો આવ્યો છે. માટે ગરુડના આહાર માટે નાગરાજની આજ્ઞાથી આ વધ્યશિલા પર આવ્યો છું. એટલે મારી મા કલ્પાંત કરે છે.’

શંખચૂડની એ વાત સાંભળી જીમૂતવાહન બહુ દુઃખી થયો. તેના અંત:કરણમાં બહુ ખેદ થયો. પછી તેણે નાગને કહ્યું, ‘બહુ દુઃખની વાત છે કે વાસુકિનું રાજાપણું નિ:સત્ત્વ થયું છે. તે પોતાના હાથે શત્રુને લાંચ રૂપે પોતાની પ્રજા જ ધરે છે. તેણે પ્રથમ પોતાનો દેહ જ ગરુડને કેમ અર્પણ ન કર્યો? અરે એ નપુંસક વાસુકિએ પોતાના કુળના ક્ષયનું સાક્ષીપણું કેમ માગી લીધું? અરે કશ્યપથી ઉત્પન્ન થઈ ગરુડ પણ કેટલું પાપ કરે છે. અરે માત્ર દેહને માટે મોટાઓને પણ કેવો મોહ હોય છે! પણ ફિકર ન કર. શંખચૂડ, તું ડરીશ નહીં, આજે હું મારા પોતાના શરીરને અર્પી ગરુડથી તારા દેહની રક્ષા કરીશ. માટે હે મિત્ર, તું દુઃખી ના થઈશ.’ આ સાંભળી શખચૂડ પણ ધૈર્ય ધરી બોલ્યો, ‘હે મહાત્મા, એ વાત જવા દો. કાચને વાસ્તે કોઈ સરસ મુક્તામણિનો નાશ કરવો એ યોગ્ય નથી. અને હું પણ આ રીતની કુળને કલંક આપનારી વાતમાં નહીં પડું.’ એમ કહી સાધુ શંખચૂડ જીમૂતવાહનને ના પાડી અને હવે ગરુડનો આવવાનો સમય થયો છે એમ જાણી સમુદ્રકિનારે ગોકણેશ્વર નામના શંકરને નમન કરવા ગયો.

તેના ગયા પછી દયાનિધિ જીમૂતવાહને તેના રક્ષણને માટે પોતાનો દેહ અર્પણ કરવાનો સમય નજીક આવ્યો છે એમ જાણ્યું. તે પછી આ થયેલી બધી વાત જાણે પોતે ભૂલી ગયો છે એમ જાણી યુક્તિથી કોઈ બહાનું કાઢી તેણે મિત્રાવસુને પોતાને ઘેર મોકલ્યો. તે વખતે નજીક આવેલા ગરુડની પાંખોના પવનથી કંપતી પૃથ્વી તે જીમૂતવાહનનું ધૈર્ય જોવાના આશ્ચર્યથી જાણે ગાજતી હોય તેવી જણાઈ. આથી સર્પનો શત્રુ ગરુડ આવે છે એમ માની, પરોપકારી જીમૂતવાહન વધ્યશિલા પર જઈ બેઠો. ક્ષણમાત્રમાં ત્યાં આવી ગરુડે ચાંચથી હુમલો કરી મહા ધૈર્યવાન જીમૂતવાહનને ઉપાડ્યો. તેના શરીરમાંથી લોહી વહેવા માંડ્યું અને તેનો શિખામણિ ઊખડી ગયો. ગરુડે જીમૂતવાહનને પર્વતના શિખર પર લઈ જઈ ખાવાનો આરંભ કર્યો. તે વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. તે જોઈ ગરુડને બહુ નવાઈ લાગી. એટલામાં તે શંખચૂડ નાગ ગોકર્ણને નમસ્કાર કરી પોતે પ્રથમ જ્યાં બેઠો હતો ત્યાં લોહીની ધારાથી ભીંજાયેલી શિલા દીઠી. ‘હાય, હાય, મને ધિક્કાર છે, ધિક્કાર છે. મારે માટે તે મહાન માણસે નક્કી પોતાનો દેહ અર્પી દીધો છે. અત્યારે ગરુડ તેને ક્યાં લઈ ગયો હશે? લાવ હું જલદીથી શોધી કાઢું. કદાચ તે મળી પણ આવે.’ એવું ધારી શંખચૂડ લોહીની ધારાને અનુસરતો ચાલ્યો.

હવે અહીં પ્રસન્ન થયેલા જીમૂતવાહનને જોઈ, ભક્ષણ કરવું છોડી દઈ ગરુડ વિસ્મયપૂર્વક વિચારવા લાગ્યો, ‘આ કોઈ બીજો જ છે. હું એને ખાઉં છું છતાં તે દુઃખી થતો નથી. અને ધીર થઈ ઊલટો પ્રસન્ન થાય છે.’ આમ ગરુડને વિચારતો જોઈ ધૈર્ય ધરી જીમૂતવાહન બોલ્યો, ‘હે પક્ષીરાજ, મારા શરીરમાં હજી માંસ અને લોહી છે, છતાં તૃપ્ત થયા વિના ખાતાં ખાતાં અટકી કેમ ગયા?’ તે સાંભળી આશ્ચર્ય પામેલા ગરુડે પૂછ્યું, ‘હે સાધુપુરુષ, મને લાગે છે કે તું નાગ નથી. માટે સાચું કહે, તું કોણ છે?’ જીમૂતવાહને કહ્યું, ‘હું નાગ જ છું. મને ખાવા માંડ. જે આરંભ્યું છે તે પૂરું કર. આરંભ કરેલું કામ પૂરું ન થાય ત્યાં સુધી ધીર પુરુષો તેને છોડતા નથી.’ આમ જીમૂતવાહન બોલતો હતો ત્યાં શંખચૂડ આવી પહોંચ્યો ને દૂરથી બૂમ મારીને કહ્યું, ‘હે ગરુડરાજ, રહેવા દે, રહેવા દે. એ નાગ નથી, હું તારો ભક્ષ્ય નાગ છું. એને છોડી દે. તું ભાન કેમ ભૂલી ગયો છે?’ તે સાંભળી ગરુડ વિભ્રાંત થઈ ગયો. તેમ વાંછિતની અસિદ્ધિથી જીમૂતવાહનને પણ દુઃખ થયું. આ વિદ્યાધરોના અધિપતિને અફસોસ કરતો જોઈ ગરુડને પસ્તાવો થયો. તેણે વિચાર્યું, ‘અરે, ત્યારે મેં મોહ પામીને આ શું કર્યું? આવું ક્રૂર કર્મ કરવાથી મને પાપ લાગ્યું. એ સાચું છે કે ઉન્માર્ગે ચાલનારાઓ સહજ રીતેપાપી થઈ જાય છે. બીજાને માટે પ્રાણ આપી દેનારા આ મહાન પુરુષ પ્રશંસનીય છે.’ આવો વિચાર કરી પાપથી શુદ્ધ થવા અગ્નિમાં ઝંપલાવવાનો વિચાર કર્યો. આવી ઇચ્છા ધરાવતા ગરુડને જીમૂતવાહને કહ્યું, ‘હે પક્ષીરાજ, શા માટે દિલગીર થાઓ છો? જો તમે ખરેખર પાપથી ડરતા હો તો હવે ફરીથી સર્પોનું ભક્ષણ કરવાનું છોડી દો. પહેલાં ખાધેલા સર્પોનો જ તમારે પસ્તાવો કરવો, એ જ આનો ઉપાય છે. બીજા વિચાર અર્થહીન છે.‘ પ્રાણીઓ પર દયાભાવ રાખનારા જીમૂતવાહનનાં એવાં વચન સાંભળી ઉપદેશક ગુરુની વાણી પેઠે તે ગરુડે સ્વીકારી લીધું અને ખંડિત અંગવાળા જીમૂતવાહનને તથા બીજા સર્પોને પણ જીવાડવા માટે સ્વર્ગમાંથી અમૃત લાવવા ગરુડ વેગેથી નીકળ્યો. તે પછી જીમૂતવાહનની સ્ત્રીની ભક્તિથી પ્રસન્ન થયેલાં પાર્વતીએ અમૃત સીંચી જીમૂતવાહનને જીવાડ્યો. દેવવાણીની સાથે વધારે કાંતિવાળાં તેનાં અંગો થયાં તે સ્વસ્થ થઈ ઊઠ્યો. તેટલામાં ગરુડ પણ પાછો આવ્યો. તેણે સઘળા કિનારાના વનમાં અમૃત વરસાવ્યું. તેથી બધા સાપ જીવતા થયા અને તે સ્થળ ઘણા સર્પોના વસવાથી નાનું પડવા લાગ્યું. જીમૂતવાહનને જોવા પાતાળ આવ્યું હોય તેમ જણાયું. પછી અક્ષય દેહ અને યશથી શોભતા જીમૂતવાહનને જાણી તેનાં સ્વજનોએ તેનું અભિવાદન કર્યું. તેના માતાપિતા અને પત્ની ખૂબ રાજી થયાં.

કીર્તિસેનાની કથા

પૂર્વે પટણામાં ધનપાલિત એવા નામનો એક મોટો ધનાઢ્ય વણિક રહેતો હતો. તેનામાં નામ પ્રમાણે જ ગુણ હતા. એટલે તે ધનનું રક્ષણ કર્યા કરતો હતો. તેને ત્યાં કીર્તિસેના પુત્રીનો જન્મ થયો. આનું રૂપ અનુપમ હતું. અને તે વણિકને પ્રાણ કરતાંય અધિક પ્રિય હતી. મગધ દેશમાં દેવસેન નામનો મોટો શ્રીમંત વણિક રહેતો હતો, તે પોતાનો બરોબરિયો હતો, ધનપાલિત શેઠે તે કન્યાને તેની સાથે પરણાવી હતી. દેવસેન પોતે સદાચરણી હતો. તેનો પિતા ગુજરી જવાથી ઘરમાં તેની માતા ધણીરણી હતી. આ સ્ત્રી સ્વભાવે બહુ ખરાબ હતી. દેવસેન પોતાની સ્ત્રીને માન આપતો જોઈ તે ક્રોધથી બળી જતી હતી. અને પુત્ર ન હોય ત્યારે પછવાડે કીર્તિસેનાને દુઃખ આપતી હતી. પણ તે પતિ પાસે પોતાનું દુઃખ કહી શકતી ન હતી. કારણ કે કુટિલ સાસુઓને આધીન કુલીન કામિનીઓ ઘણી દુઃખદાયક સ્થિતિ ભોગવે છે. પછી એક વખત કીર્તિસેનાનો પતિ દેવસેન બંધુજનના કહેવાથી વેપાર કરવા વલભીપુર જવા તૈયાર થયો. એટલે કીર્તિસેના પતિને કહેવા લાગી, ‘આર્યપુત્ર, મેં આટલા વખત તમને જણાવ્યું ન હતું પણ હવે કહ્યા વિના છૂટકો નથી. એટલે કહું છું. તમે અહીં હો તો પણ તમારી માતા મને બહુ દુઃખ આપે છે, જ્યારે તમે પરદેશ જશો પછી કોણ જાણે મારું શું થશે તેની મને ખબર પડતી નથી.’ આ સાંભળી દેવસેન પોતાની સ્ત્રી ઉપરના પ્રેમને કારણે ગભરાઈ ગયો, ભયભીત બની ગયો. તે હળવે હળવે માની પાસે જઈ પ્રણામ કરી બોલ્યો, ‘માતા, હું પરદેશ જઉં છું. હમણાં કીર્તિસેનાને તમારા હાથમાં સોંપું છું. તે કુલીન ઘરની કન્યા છે તો તેના પર સ્નેહ રાખજો.’ તેની માએ પુત્રનું આવું બોલવું સાંભળી તે જ વખતે કીર્તિસેનાને બોલાવી અને ધમકાવી નાખી, પછી દીકરાને કહેવા લાગી, ‘દીકરા, તારી વહુને પૂછી જો કે મેં શું કર્યું? તે ઘરમાં કજિયો કરાવવા એવી એવી રીતે તને ઉશ્કેર્યા કરે છે, પરંતુ મારે તો તમે બંને સમાન છો.’ માતાનાં આવાં વચન સાંભળી દેવસેનનું મન શાંત પડી ગયું. કારણ કે માતાનાં પ્રેમાળ દેખાતાં વાક્યોથી કોણ ઠગાતું નથી? પછી કીર્તિસેના ઉદ્વેગને લીધે મંદ હાસ્ય કરી છાનીમાની બેસી રહી. બીજે દિવસે દેવસેન વલભીપુર ગયો. એટલે કીર્તિસેના પતિના વિરહક્લેશનો અનુભવ કરવા લાગી. અને તેની સાસુએ પણ ધીમે ધીમે તેની પાસેથી દાસદાસીઓને દૂર કરી દીધાં. પછી ઘરમાં કામ કરનારી દાસી સાથે એક સંપ કરી કોઈ જાણે નહીં એમ કીર્તિસેનાને ઘરની અંદર બોલાવી તેનાં બધાં કપડાં ઉતારી કહ્યું, ‘પાપિણી, તેં મારા પુત્રને મારી પાસેથી છિનવી લીધો છે.’ એમ કહી તેનો ચોટલો પકડી દાસી અને તે પોતે ધક્કામુક્કી પાટુના માર મારવા લાગ્યાં. અને દાંત અને નખથી તેને વીંખી નાખી. પછી ઘરમાં એક ભોંયરું હતું તેમાં પહેલેથી મેળવેલું ધન ભર્યું હતું, તેને બહાર કાઢી તેમાં કીર્તિસેનાને ઉતારી ઢાંકણું દઈ મજબૂત ભોંગળ ભીડી દીધી. પાપિણી સાસુ આવી દુઃખી કીર્તિસેનાને સાયંકાળે ખાવા વાસ્તે ચોખાનું એક કોડિયું ભોંયરામાં આપવા લાગી. તે કુટિલ સાસુ વિચાર કરવા લાગી કે આનો પતિ પરદેશમાં છે ત્યાં સુધીમાં તો આ સ્ત્રી પોતાની મેળે જ ભોંયરામાં મરણ પામશે તો તેને બહાર નાખી દઈશું અને જ્યારે તે આવશે ત્યારે એમ કહીશું કે ‘તે તો ઘણા દિવસથી નાસી ગઈ છે.’ કપટી સાસુએ ભોંયરામાં કેદ કરેલી કીર્તિસેના તો સુખ ભોગવવા યોગ્ય સુકુમાર કુલીન હતી, તે રુદન કરવા લાગી અને અફસોસ કરવા લાગી, ‘પતિ ધનાઢ્ય છે, મારો જન્મ ઉત્તમ કુળમાં થયો છે, હું સૌભાગ્યવતી અને સદાચરણી છું, છતાં મારી સાસુને કારણે આટલી વિપત્તિ પડે છે. આટલા માટે જ કન્યાનાં સગાંસંબંધીઓ કન્યાના જન્મને ધિક્કારે છે, કારણ કે કન્યા સાસુના અને નણંદના દુઃખથી અને વૈધવ્યાદિ દુઃખોથી દુઃખી થાય છે.’ આમ કીર્તિસેના દુઃખી થઈ રહી હતી ત્યાં અકસ્માત્ ત્યાંથી એક કોદાળી મળી. દૈવે જાણે તેના મનમાંથી સાલ કાઢી નાખ્યું હોય તેમ તે કોદાળી લાગી. કીર્તિસેના તે કોદાળી વડે સુરંગ ખોદવા લાગી. ખોદતાં ખોદતાં સુરંગનું મોઢું પોતાના ઘરમાં નીકળ્યું. આમાં પહેલેથી સળગાવેલો અક્ષય દીવો બળતો હતો. તેથી પૂર્વજન્મમાં કરેલા નાશરહિત પોતાના ધર્મને લીધે જેમ જ્ઞાન થાય તેમ પ્રકાશ પડવા લાગ્યો. એટલે તે ઘરને તપાસી વળી. પછી તે ઘરમાંથી પોતા માટે વસ્ત્રો અને પોતાનું જરઝવેરાત લઈ સવારે તેમાંથી ગુપ્ત રીતે બહાર નીકળી ગઈ. તે નગર બહાર નીકળી વિચાર કરવા લાગી કે આ અવસ્થામાં પિતાને ઘેર જવું એ ઘટિત નથી. કારણ કે ત્યાંના લોકોને મારે શું કહેવું? અને મારો વિશ્વાસ તેઓ કરશે? માટે હવે મારી યુક્તિથી પતિની પાસે જવું કારણ કે ‘આ લોકમાં અને પરલોકમાં કુલીન કામિનીને એક પતિ એ જ ગતિ છે.’ આમ વિચારી કીર્તિસેના ત્યાં એક તળાવ હતું તેમાં સ્નાન કરી રાજપુત્રનો ઉમદા પોશાક પહેરી બજારમાં ગઈ અને થોડી કંમિતમાં સોનું વેચી તે દિવસે એક વણિકને ઘેર ઉતારો કર્યો. એ વણિકને ઘેર સમુદ્રસેન નામનો એક વણિક આવ્યો હતો, તે દિવસે વલભીપુર જવાનો હતો. તેની સાથે કીર્તિસેના પણ પ્રથમ ગયેલા પોતાના પતિને મળવા માટે જવાનું નક્કી કરી અને ઉત્તમ રાજપુત્રનો પોશાક પહેરી ચાકર સહિત સમુદ્રસેન નામના વણિકની સાથે વલભીપુર જવા નીકળી અને તે વણિકને કહ્યું, ‘મારા ગોત્રજોએ મને દુઃખ આપ્યું છે માટે મારા માણસ પાસે જવા તમારી સાથે વલભીપુર આવું છું.’ તે સાંભળી પેલો સમુદ્રસેન આ પણ કોઈ રાજપુત્ર અવશ્ય હશે એમ ધારી ગૌરવને લીધે રસ્તામાં તેની સેવાચાકરી કરવા લાગ્યો. પછી તે વણિકનો સંઘ ઘણું દાણ આપવાના ભયથી મનુષ્યોને આવવાજવાનો માર્ગ જતો કરી જંગલના માર્ગે ચાલવા માંડ્યો. એક દિવસે જંગલનો છેડો આવ્યો અને સાંજ પડી એટલે સંઘે ઉતારો કર્યો. એવામાં શિયાળે યમદૂતની માફક ભયંકર શબ્દ કર્યો. તેના તે શબ્દથી શકુનશાસ્ત્ર જાણનારા વણિકો શંકા કરવા લાગ્યા કે આજ રાત્રે નિ:શંક ચોરો આવશે. ત્યાર પછી શત્રુથી રક્ષા કરનારા સિપાઇઓ હાથમાં હથિયાર લઈ ચોતરફ ચોકી કરવા લાગ્યા. ત્યારે શત્રુઓની આગળ ચાલતી સેના સમાન જણાતું અંધારું ચોમેર દોડવા લાગ્યું. એ જોઈ પુરુષના વેશમાં રહેલી કીર્તિસેના વિચારવા લાગી, ‘દુષ્ટકર્મ કરનારા પાપીઓનાં કર્મ સારી રીતે વિસ્તાર પામી આગળ વધે છે; કારણ કે સાસુએ આપેલું દુઃખ મને અહીં પણ નડ્યું. પ્રથમ તો મારી સાસુના કાળ જેવા કોપે મારું ભક્ષણ કર્યું હતું; ત્યાર પછી બીજા ગર્ભવાસ જેવા ભયંકર દુઃખ આપનારા ભોંયરામાં વસવું પડ્યું. નસીબયોગે ફરી જમની પેઠે તે ભોંયરામાંથી બચીને બહાર નીકળી અને અહીં આવી. તો ફરી મરણના સંકટમાં આવી ફસાઈ ગઈ. જો ચોર મને આ અરણ્યમાં મારી નાખશે તો મારી વેરણ સાસુ મારા વરને એમ કહેશે કે તે તો બીજા પુરુષ પર આશક હતી તેથી ક્યાંક નાસી ગઈ છે. ભોગ ચોઘડીએ કોઈ મારાં અંદરનાં કપડાં ઉતારશે અને મને સ્ત્રી જાણશે તો તે મારા શિયળનો ભંગ કરશે. તો તે કરતાં મારું મૃત્યુ શ્રેયસ્કર છે. પણ શિયળભંગ શ્રેયસ્કર નથી. માટે આ વણિકની દરકાર ન કરતાં મારે મારો પોતાનો બચાવ કરવાની જરૂર છે. કેમ કે ઉત્તમ સ્ત્રીએ પ્રથમ સતીધર્મની સંભાળ લેવી અને પછી સગાસંબંધીની સંભાળ લેવી.’ આમ નિશ્ચય કરી તે સંતાવાની જગ્યા શોધવા લાગી. એવામાં પૃથ્વી માતાએ જાણે કરુણા કરી તેને માર્ગ આપ્યો હોય તેવો ઘરના આકારનો એક ખાડો તેણે જોયો. આ ખાડો ઝાડના મધ્ય ભાગમાં આવેલો હતો. કીર્તિસેના તે ખાડામાં ઊતરી શરીરને ઢાંકી પતિને મળવાની આશાથી વિચાર કરતી બેઠી. જ્યાં અર્ધ રાત્રિ વીતી એટલે ઘણી મોટી ચોરસેના આયુધો ઉગામતી એકદમ તૂટી પડી ને સંઘને ઘેરી લીધો. ચોર રૂપી શ્યામ મેઘ શબ્દ કરવા લાગ્યા ને હથિયારની ચકચકાટ કાંતિરૂપ વીજળીઓ પ્રકાશવા લાગી અને લોહીનો વરસાદ વરસ્યો. આવી રીતે રાત્રિમાં યુદ્ધ રૂપ દુદિર્ન મચ્યો; તેમાં બળવાન ચોરલોકો સમુદ્રસેન શેઠનો અને તેના માણસોનો નાશ કરી તેમનું ધન લૂંટી ચાલતા થયા. આ વખતે કીર્તિસેનાએ પરસ્પર યુદ્ધ કરનારા લોકોનો શોરબકોર સાંભળ્યો છતાં તેના પર બળાત્કાર ન થયો ને તે જીવતી રહી તેમાં નસીબને કારણ માનવું જોઈએ. પછી રાત્રિ વીતી ગઈ અને સૂર્યનો સારી પેઠે ઉદય થયો એટલે તે કીર્તિસેના ખાડામાંથી બહાર નીકળી અને ઝાડની ડાળીઓની અંદરથી બહાર આવી. કારણ કે જે સ્ત્રીઓ પોતાના પતિની જ ભક્ત હોય છે તેમનું તેજ ક્યાંય પણ ઝાંખું પડતું નથી. અને તેવી સદ્ગુણી સ્ત્રીઓની રક્ષા દેવતાઓ આપત્તિમાંથી કરે છે. કેમ કે નિર્જન વનમાં એક સંહેિ તેને જોઈ છતાં તેનો ઘાત કર્યો નહીં, એટલું જ નહીં તેણે તેનો ત્યાગ કર્યો. એવામાં કોઈ એક તપસ્વી ક્યાંકથી આવી ચઢ્યો અને તેણે તે સ્ત્રીને સર્વ વૃત્તાંત પૂછી શાંત પાડી, તેને માર્ગ બતાવી ક્યાંક અલોપ થઈ ગયો. પછી તે પતિવ્રતા સ્ત્રી જળપાન કરી અમૃતથી જેમ તૃપ્ત થાય તેમ તૃપ્ત થઈ ને ક્ષુધા ને તૃષારહિત બની ગઈ. પછી તે મુનિએ બતાવેલા માર્ગ તરફ ચાલવા લાગી. એવામાં સૂર્યનારાયણ જાણે એક રાત્રિ અહીં જ રહી જા એવો ઉપદેશ આપતા હોય તેમ પોતાનાં કિરણો ફેલાવી અસ્તાચળ પર વિરાજમાન થયો. સાંજ પડી. તે જોઈ મોટા ઝાડના મૂળમાં એક ઘર જેવું કોટર હતું તેમાં તે પેસી ગઈ અને તેનું દ્વાર બીજા લાકડા વડે ઢાંકી દીધું. પ્રદોષ વખત થયો એટલે પેલી સ્ત્રીએ દ્વારના કાણામાંથી જોયું તો એક રાક્ષસી અને તેનાં છોકરાં ત્યાં આવેલાં હતાં. તેમને જોતાં તે ઘણી ડરવા લાગી કે હું બીજી આપત્તિમાંથી છૂટી છું તો આ જ મને ખાઈ જશે. એવામાં તે રાક્ષસી ઝાડ પર ચઢી અને તેની પાછળ તેનાં છોકરાં પણ ચઢ્યાં અને તત્ક્ષણ બોલ્યાં, ‘મા, અમને કંઈ ખાવાનું આપ.’ એટલે પેલી રાક્ષસી કહેવા લાગી, ‘બેટા, આજે હું મહાસ્મશાનમાં ગઈ હતી તો પણ મને કંઈ ખોરાક મળ્યો નહીં. મેં અહીં યુદ્ધની જગા પર ડાકણોના ટોળા પાસે માગણી કરી તો તેમણે પણ મને ખોરાકમાંથી ભાગ આપ્યો નહીં. એટલે મેં ભૈરવદેવને વિનતિ કરી અને તેમની પાસે ખોરાક માગ્યો. ભૈરવદેવે મારું નામ અને કુળ પૂછી મને એમ કહ્યું કે અયિ ભયંકરી, તું કુલીન છે, ખરદૂષણના વંશમાં જન્મી છે. માટે અહીંથી થોડે દૂર વસુદત્ત નામનું નગર છે ત્યાં જા. ત્યાં વસુદત્ત નામનો એક રાજા છે. તે મોટો ધર્માભિમાની છે. તે આ સઘળા જંગલના સીમાડા ઉપર રહી તેનું રક્ષણ કરે છે અને લોકો પાસેથી કર લઈ ચોરોને શિક્ષા કરે છે. તે રાજા મૃગયા રમવા માટે એક સમે અરણ્યમાં ગયો હતો, ત્યાં મૃગયા કર્યા પછી શ્રમિત થવાથી તે સૂઈ ગયો, એવામાં તેના કાનમાં અજાણતાં જ નાનો કાનખજૂરો પેસી ગયો. ને કેટલાક દિવસ પછી માથામાં ઘણો ફેલાયો. આ ભયંકર રોગને લીધે હમણાં તે રાજા આંતરડાં માત્રથી બાકી રહેલો છે. વૈદ્યો પણ તેના રોગની પરીક્ષા કરી શકતા નથી. અને બીજો કોઈ જો તેના રોગને ઓળખી શકશે નહીં તો એ રાજા થોડા દિવસમાં મરણ પામશે. માટે તે રાજા મરણ પામે તો તું તારી માયાથી તેના માંસનું ભક્ષણ કરજે. કારણ કે તેનું માંસ ખાવાથી તને છ માસ સુધી તૃપ્તિ રહેશે.’ આવી રીતે ભૈરવનાથે પણ મને નિ:સંદેહ સમયનો વિભાગ પાડી આપ્યો છે, તો બેટા, હવે શું કરું?’ તેની વાત સાંભળી તેનાં છોકરાં રાક્ષસીને કહેવા લાગ્યાં, ‘મા, તેના રોગની પરીક્ષા કરનારો મનુષ્ય તેના રોગને દૂર કરે તો તે રાજા શું જીવતો રહે? તે રાજાનો રોગ દૂર કેમ કરી શકાય તે અમને કહે.’ એટલે આમ પૂછતાં બાળકોને તેમની માતા કહેવા લાગી, ‘આ રોગની પરીક્ષા કર્યા પછી જો અંદરથી કાનખજૂરાઓને કાઢી નખાય તો રાજા જીવતો રહે. મરે નહીં. તેનો મહારોગ કેવી રીતે દૂર થાય તે સાંભળો. પ્રથમ ઊનું ઘી તેના મસ્તક પર લગાડવું. પછી મધ્યાહ્નના ગરમ તડકામાં તેને બેસાડવો. પછી વાંસની નળીનો એક છેડો તેના કાનના છિદ્રમાં ખોસી તે નળી શીતળ જળના ઘડાની પીઠ ઉપર રહેલા કોડિયાના કાણામાં લગાડવી. એટલે પેલા કાનખજૂરા પરસેવાથી અને તડકાની ગરમીથી ગભરાઈ ઠંડકની ઇચ્છાથી તેના મસ્તકની બહાર નીકળી તે જ કાનના છિદ્ર વાટે પેલી વાંસની નળીમાં ઊતરીને ઘડામાં પડશે. આમ ઘડામાં પડ્યા પછી તે રાજા મહારોગમાંથી મુક્ત થશે.’ ઝાડ પર ચઢેલાં બાળકોને આટલું કહી તે રાક્ષસી ચૂપ થઈ. આ સર્વ વાત કોટરમાં રહેલી કીર્તિસેનાએ સાંભળી. ત્યાર પછી તે વિચાર કરવા લાગી, ‘જો હું આ દુઃખમાંથી છૂટીશ તો ત્યાં જઈ આ યુક્તિથી રાજાને જીવતો રાખીશ. તે રાજા આ જંગલના સીમાડા ઉપર અને બહારના ભાગમાં રહી સાધારણ કર લે છે અને આ જંગલનું પાલન કરે છે, તેના પ્રતાપથી સઘળા વણિકો આ માર્ગેથી સુખરૂપ જાય છે. સ્વર્ગવાસી સમુદ્રસેન વણિક પણ એમ જ કહેતો હતો. ધારું છું કે મારો વર પણ આ જ માર્ગેથી આવશે, માટે અરણ્યના સીમાડા પર આવેલા વસુદત્ત નામના નગરમાં જઈ ત્યાંના રાજાને રોગમાંથી મુક્ત કરી તે જ નગરમાં રહી મારા વરના આવવાની રાહ જોઉં.’ આવા વિચાર કરતી કીર્તિસેનાએ મહા કષ્ટમાં તે રાત ગાળી. સવાર થઈ અને રાક્ષસી તથા તેનાં છોકરાં નાસી ગયાં. એટલે તે કોટરમાંથી બહાર નીકળી, પુરુષનો વેશ ધારણ કરી વગડામાં ચાલવા લાગી. જ્યાં અપરાહ્નનો સમય થયો એટલે એક ભલો ગોવાળ તેની નજરે પડ્યો. તે ગોવાળનું મન તથા તે સ્ત્રીનું લાવણ્ય જોઈ તેને દૂરના જંગલમાં એકલી આવેલી જોઈ પીગળી ગયું. પછી તે કીર્તિસેના ગોવાળ પાસે જઈ પૂછવા લાગી, ‘આ પ્રદેશનું નામ શું છે તે મને કહો.’ પેલો ગોવાળ બોલ્યો, ‘આ આગળ આવેલું નગર વસુદત્ત. તેનો રાજા વ્યાધિને લીધે મરવા પડ્યો છે.’ આ સાંભળી, કીર્તિસેના તે ગોવાળને કહેવા લાગી, ‘જો મને કોઈ તે રાજા પાસે લઈ જાય તો હું તેના તે રોગનું નિવારણ જાણું છું.’ તે સાંભળી પેલો ગોવાળ બોલ્યો, ‘આજે જ હું તે ગામ જાઉં છું, માટે તું મારી સાથે ચાલ. હું તારા માટે પ્રયત્ન કરીશ.’ એટલે કીર્તિસેના બોલી, ‘ભલે.’ પછી તે ગોવાળ પુરુષ વેશમાં રહેલી કીર્તિસેનાને વસુદત્તપુરમાં લઈ ગયો અને તે જ વખતે ઉદાસ પ્રતિહારીને તેની હકીકત જણાવી. તે પ્રતિહારીએ તે સ્ત્રીની આજ્ઞાથી રાજાને વિનંતી કરી. એટલે રાજાના હુકમથી તરત જ પવિત્ર પ્રમદાને તેની પાસે લઈ જવામાં આવી. રાજા વસુદત્તને પણ અદ્ભુત રૂપવાન પુરુષના વેશમાં રહેલી કીર્તિસેનાને જોઈ મનમાં વિશ્વાસ આવ્યો કે તે મારો રોગ નાબૂદ કરશે જ. પછી પુરુષના વેશમાં રહેલી કીર્તિસેનાને તે રાજાએ કહ્યું, ‘અરે સુલક્ષણ, જો તું આ રોગનું નિવારણ કરીશ તો હું તને મારું અર્ધું રાજ્ય આપીશ. મને યાદ છે કે સ્વપ્નમાં કોઈ સ્ત્રીએ મારી પીઠ ઉપરથી કાળો ધાબળો ખેંચી લીધો હતો તે ઉપરથી હું જાણું છું કે તું મારા રોગને અવશ્ય દૂર કરીશ.’ તે સાંભળી કીર્તિસેનાએ રાજાને કહ્યું, ‘રાજાજી, આજનો દિવસ તો ગયો, પણ કાલે હું તમારો રોગ દૂર કરીશ. ઉતાવળ કરો મા. ધીરજ રાખો.’ આમ કહી તે દિવસે તો રાજાના મસ્તક ઉપર ગાયનું ઘી ચોપડાવ્યું, તેનાથી રાજાને નિદ્રા આવી ગઈ. અને પ્રથમની કારી વેદના દૂર થઈ ગઈ, રાજાની વેદના દૂર થયા પછી ત્યાં સઘળાં મનુષ્યો કીર્તિસેનાનાં એવી રીતે વખાણ કરવા લાગ્યાં કે આપણા પુણ્ય વડે આ કોઈ પણ દેવ વૈદ્યના રૂપે આવી ચઢ્યા છે. પટરાણી પણ જુદા જુદા પદાર્થો વડે તેની બરદાસ્ત કરવા લાગી અને રાતે શયન માટે જુદું ઘર આપ્યું, સેવા માટે દાસદાસીઓ આપ્યાં. પછી બીજે દિવસે બપોરનો સમય થયો એટલે તે કીર્તિસેનાએ સર્વ મંત્રીઓ અને અંત:પુરવાસના દેખતાં પૂર્વે રાક્ષસીએ કહેલી અદ્ભુત યુક્તિ વડે રાજાના કાનમાંથી દોઢસો કાનખજૂરા કાઢ્યા અને તે સઘળાને ઘડામાં ભરી દીધા. પછી તે રાજા ઉપર ઘી અને દૂધની ધારા કરી સારી રીતે તેને શાંત કર્યો. પછી ધીમે ધીમે રાજા શુદ્ધિમાં આવ્યો અને રોગમુક્ત થયો. ઘડામાં રહેલા કાનખજૂરાને જોઈ બધા વિસ્મય પામ્યા. કારણ કે આ બાબતે કોણ આશ્ચર્ય ન પામે? તે રાજા પણ બહાર નીકળેલા કાનખજૂરાને જોઈ ત્રાસ પામ્યો અને મહા વિચારમાં પડી ગયો. તે અત્યંત હર્ષ પામ્યો અને પોતાનો પુનર્જન્મ થયો એમ માનવા લાગ્યો. પછી સ્નાન કરી મહોત્સવ કર્યો અને કીર્તિસેનાને અર્ધું રાજ્ય આપવા માંડ્યું પણ તેણે તે લેવાની ઇચ્છા જણાવી નહીં. ત્યારે તેને ગાય, હાથી, ઘોડા અને સુવર્ણ વગેરે આપી તેનો સત્કાર કર્યો. આ વૈદ્યે અમારા રાજાને જીવતદાન આપ્યું છે માટે અમારે સત્કાર કરવા લાયક છે એમ માની રાણી અને મંત્રીઓએ પણ સુવર્ણ અને વસ્ત્રોથી વૈદ્યને ઢાંકી દીધા. પછી પતિને મળવાની ઇચ્છાવાળી કીર્તિસેનાએ રાજાને કહ્યું, ‘હું હમણાં આ નગરમાં થોડો વખત રહેવાનો છું. માટે આ દ્રવ્ય તમે રાખો.’ આમ કહી તે સર્વ રાજાના હાથમાં સોંપી અને સઘળાના માનપાત્ર બની કેટલાક દિવસ પુરુષના વેશમાં રહી. એવામાં તેણે લોકો પાસેથી સાંભળ્યું કે વલભીપુરથી આ માર્ગે દેવસેન પુષ્કળ દ્રવ્ય કમાઈને આવ્યો છે. જાણતાંવેંત તે તેની પાસે જઈ મયૂરી જેમ નવા મેઘને જુએ તેમ તેણે પ્રાણપતિના દર્શન કર્યાં અને ઘણા ઘણા દિવસની ઉત્કંઠા તથા સંતાપથી પીગળેલા હૃદય વડે જેમ આનંદનાં અશ્રુના અર્ઘ્ય આપતી હોય તેમ તેના ચરણમાં પડી. તેના પતિએ પણ પુરુષના પોશાકમાં રહેલી પોતાની પ્રિયાને ઓળખી નહીં, કેમ કે સૂર્યનાં કિરણોથી નિસ્તેજ થયેલી ચાંદની મૂતિર્માન હોય છતાં દિવસે માંડ માંડ દેખાય છે તેમ આ પણ માંડ માંડ ઓળખાઈ. પણ પ્રિયાના મુખચંદ્રને નિહાળી ચંદ્રકાંત રૂપ દેવસેનનું હૃદય પીગળ્યું નહીં એ આશ્ચર્ય! એવી રીતે પ્રણામ કર્યા પછી કીર્તિસેનાએ પોતાનું રૂપ પ્રગટ કર્યું. એટલે તેનો પતિ ‘આ શું?’ એમ વિચાર કરતો ઊભો રહી ગયો. અને બીજા વણિકો પણ વિસ્મય પામ્યા. આ વૃત્તાંત જાણતાંવેંત વસુદત્ત રાજા આશ્ચર્ય પામ્યો અને પોતે જ ત્યાં આવી તેણે કીર્તિસેનાને સર્વ વૃત્તાંત પૂછ્યું. એટલે કીર્તિસેનાએ પોતાના પતિની આગળ સાસુના નઠારા આચરણથી ઉત્પન્ન થયેલું પોતાનું સર્વ વૃત્તાંત વર્ણવી બતાવ્યું. તેનો પતિ દેવસેન તે સઘળું વૃત્તાંત સાંભળી મા ઉપર ઘણો ગુસ્સે થયો અને પોતાની માતાનો ત્યાગ કર્યો અને તે જ ક્ષણે ક્રોધ, આશ્ચર્ય, ક્ષમા ને હર્ષની વચ્ચે ડોલવા લાગ્યો. પતિભક્તિના રથમાં બેઠેલી, શીલનું બખ્તર પહેરી, ધર્મને સારથિ કરી, પોતાની મતિનું શસ્ત્ર બનાવી આ જગતને સતી પતિવ્રતા સહજમાં જીતે છે. પછી કીર્તિસેનાનું આવું અદ્ભુત ચરિત્ર સાંભળી ત્યાં ઊભેલાં સઘળાં મનુષ્યો અને રાજા આનંદપૂર્વક કહેવા લાગ્યાં કે ‘આ સ્ત્રીએ, પતિ માટે ક્લેશ સહન કરીને, રામચંદ્ર માટે સખત ક્લેશ સહન કરનારાં સીતાદેવીનો પણ પરાજય કર્યો છે.’ તે પછી રાજા બોલ્યો, ‘મારા પ્રાણ ઉગારનારી આ સ્ત્રી મારી ધર્મની બહેન છે!’ રાજાએ આમ કહ્યા પછી કીર્તિસેના બોલી, ‘રાજાજી, તમે મને પ્રસન્ન થઈને હાથી, ઘોડા, રત્ન અને ગામ વગેરે રાજ્યનો ભાગ આપ્યો હતો તે તમારા કબજામાં છે, તે સર્વ મારા પતિને સ્વાધીન કરો.’ એટલે રાજાએ તેના પતિ દેવસેનને ગામ વગેરે આપી પ્રસન્ન થઈને તેનો પટો કરી આપ્યો. પછી દેવસેન પોતાની માતાનો ત્યાગ કરી કીર્તિસેનાનાં વખાણ કરવા લાગ્યો અને રાજાએ આપેલા અને વેપારમાંથી મેળવેલા ધનના ઢગલા વડે ભંડારો ભરી દઈ તે જ નગરમાં નિવાસ કરીને રહેવા લાગ્યો. અનુપમ ચરિત્રવાળી પ્રખ્યાત થયેલી કીર્તિસેના પણ સાસુના દુઃખમાંથી છૂટી, સુખ પામીને પતિના દેહ સાથે બંધાયેલી, પુણ્યના ફળની સમૃદ્ધિ જેવી તે સમગ્ર ભોગ અને ઐશ્વર્યની બાબતમાં પતિની સમીપમાં રહેવા લાગી.

હરિશર્મા બ્રાહ્મણની કથા

કોઈ એક ગામમાં એક હરિશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે દરિદ્રી અને મૂર્ખ હતો ને આજીવિકા ન હોવાથી ઘણી માઠી હાલતમાં રહેતો હતો. પૂર્વે કરેલાં પાપ ભોગવવા માટે તેને ઘણાં છોકરાં થયાં હતાં. તે કુટુંબ સહિત ભિક્ષા માગતો માગતો ક્રમે કરીને એક નગરમાં ગયો. ત્યાં તે કોઈ મહાધનાઢ્ય સ્થૂલદત્ત નામના ગૃહસ્થની ચાકરીમાં રહ્યો. તેણે પોતાના પુત્રોને ગાય ચરાવવા ઉપર રાખ્યા; પોતાની સ્ત્રીને ઘરમાં કામ કરનારી દાસી બનાવી અને પોતે તેના ઘરની સિપાઇગીરી કરીને રહેવા લાગ્યો. એક વખતે સ્થૂલદત્તની દીકરીનો વિવાહ હતો તે નિમિત્તે ઉત્સવમાં ઘણાં માણસો આવ્યાં હતાં. આ વિવાહના સમયમાં કુટુંબીજન સાથે હરિશર્માએ ઘી, માંસ વગેરે પેટ ભરીને ખાવાની આશા બાંધી હતી, અને તેની વાટ જોતો બેઠો હતો. પણ તે ઉત્સવમાં કોઈએ તેને સંભાર્યો સરખો પણ નહીં. તે ભૂખથી પીડાયલો અને કંટાળી ગયેલો, રાત્રિમાં પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો, ‘હું દરિદ્ર છું અને મૂર્ખ છું, તેને લીધે મારું આવું અપમાન થયું, માટે આ વખતે હું યુક્તિથી મારા કૃત્રિમ જ્ઞાનની અજમાયશ કરું છું; જેથી સ્થૂલદત્ત તરફથી મારો સારો સત્કાર થશે; અને જ્યારે તને તક મળે ત્યારે તું જણાવજે કે ‘મારો પતિ ભવિષ્યવિદ્યા જાણે છે.’ આમ કહીને એ જ વિષયમાં વિચાર કરવા લાગ્યો. જ્યારે સર્વ માણસો નિદ્રાવશ થઈ ગયાં ત્યારે તે બ્રાહ્મણે સ્થૂલદત્તના ઘરમાંથી જમાઈને ચઢવાનો ઘોડો ચોર્યો અને તેને કોઈ જાણે નહીં તેમ છેટે છુપાવી રાખ્યો. સવાર થઈ એટલે રખેવાળો ઘોડાને આમતેમ ખોળવા લાગ્યા તો પણ ઘોડો જડ્યો નહીં. આ અરસામાં અપશુકનથી સ્થૂલદત્ત બીવા લાગ્યો અને ઘોડાના ચોરને શોધવા લાગ્યો. એ અરસામાં હરિશર્માની સ્ત્રીએ આવીને કહ્યું, ‘મારો વર જ્ઞાની અને જ્યોતિષની વિદ્યામાં કુશળ છે, તે તમને ઘોડો મેળવી આપશે, તેને શા માટે પૂછતા નથી?’ તે સાંભળી સ્થૂલદત્તે હરિશર્માને બોલાવ્યો, એટલે તેણે આવીને કહ્યું, ‘કાલે તો મને વિસરી ગયા હતા અને આજે ઘોડો ચોરાયા પછી મને સંભાર્યો છે!’ તુરત સ્થૂલદત્તે તે બ્રાહ્મણને વિનંતી કરી, ‘મારી ભૂલ થઈ ગઈ ને મને માફ કરો.’ અને પછી પૂછ્યું, ‘મારો ઘોડો કોણ ચોરી ગયું તે અમને કહો.’ એટલે હરિશર્મા ખોટી ખોટી લીટીઓ કાઢીને બોલ્યો, ‘અહીંથી દક્ષિણ દિશાના સીમાડાના ચોરોએ તેને સંતાડેલો છે. માટે તે ઘોડો જ્યાં સુધી છેટે જાય નહીં તેટલામાં ઝટ જઈને તે ઘોડાને લઈ આવો.’ તે સાંભળી હરિશર્માના જ્ઞાનનાં વખાણ કરતાં ઘણા માણસો દોડ્યા અને ક્ષણવારમાં ત્યાં ઘોડો લાવ્યા. પછી તે દિવસથી સઘળાં મનુષ્યો હરિશર્મા જ્ઞાની છે એમ કહી માન આપવા લાગ્યાં. અને સ્થૂલદત્તે પણ હરિશર્માને માન આપ્યું. પછી તે બ્રાહ્મણ આનંદપૂર્વક તે ગામમાં રહેવા લાગ્યો. પછી કેટલાક દિવસો વીત્યા બાદ તે ગામમાં રાજભુવનમાંથી કોઈ એક ચોર ઘણાં સુવર્ણ, રત્ન વગેરે ચોરી ગયો. ચોરની શોધ કરવા છતાં ચોર મળ્યો નહીં ત્યારે રાજાએ ભવિષ્યજ્ઞાન કહેવાની પ્રખ્યાતિને લીધે હરિશર્માને તેડાવી મંગાવ્યો. તે બ્રાહ્મણ ત્યાં આવ્યો પણ વખત કાઢવા માટે બોલ્યો, ‘આ પ્રશ્નનો ઉત્તર હું તમને સવારે કહીશ.’ એટલે રાજાએ તેને રાજમહેલની અંદર સારી રીતના ચોકીપહેરા વચ્ચે રાખ્યો. ત્યાં રહી તે પોતાના કૃત્રિમ જ્ઞાનમાંથી છૂટવાનો વિચાર કરવા લાગ્યો. તે રાજમહેલમાં એક જિહ્વા નામની દાસી રહેતી હતી; તેણે અને તેના ભાઈએ રાજભુવનની અંદરથી તે ધન ચોર્યું હતું. તે દાસી હરિશર્માના જ્ઞાનથી ડરીને તે રાતે હરિશર્માના ઓરડા આગળ ગઈ અને તે શું કરે છે તે જાણવા માટે બારણામાં કાન દઈને ઊભી રહી. આ વખતે હરિશર્મા ઓરડામાં એકલો બેઠો હતો. તે વૃથા વિદ્વત્તા બતાવનારી પોતાની જિહ્વાને આ પ્રમાણે નંદિવા લાગ્યો, ‘અરે જિહ્વા, તેં ભોગમાં લંપટ બની આ શું કર્યું? અરે દુરાચારિણી, હવે તું અહીં દંડ સહન કર.’ જ્યારે જિહ્વાએ એ રીતે તેને બોલતાં સાંભળ્યો, ત્યારે તે ભયથી ધ્રૂજીને વિચારવા લાગી કે આ જ્ઞાની મહારાજે મને ઓળખી છે. પછી દાસી ડરને લીધે યુક્તિ કરીને જ્ઞાનીના ઓરડામાં પેઠી અને તે ધૂર્ત જ્ઞાનીનાં ચરણમાં પડીને બોલી, ‘મહારાજ, તમે જે ધન ચોરનારી જિહ્વાને ઓળખી છે તે હું જિહ્વા નામની દાસી છું. મેં તે ધન ચોરીને આ જ રાજભુવનની પછવાડેના બાગમાં દાડમના ઝાડની નીચે પૃથ્વીમાં દાટેલું છે. મહારાજ, હવે મને બચાવો. હું મરી જઈશ. મારું રક્ષણ કરો ને મારા હાથમાં જે થોડું સોનું છે તે ગ્રહણ કરો.’ તે સાંભળી હરિશર્મા ગર્વ કરીને તેને કહેવા લાગ્યો, ‘મને ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વનું મને જ્ઞાન છે. તું દુર્બળ છે અને શરણે આવી છે માટે તને જાહેર કરીશ નહીં. તારા હાથમાં જે છે તે તું મને પછી આપજે. હમણાં ચાલી જા.’ પછી તે હરિશર્મા આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યો કે ‘અનુકૂળ થયેલું નસીબ, અસાધ્ય વિષયને પણ રમતમાત્રમાં સાંધી આપે છે. કારણ અહીં મારું ભૂંડું થવાની વાર હતી નહીં, છતાં મારું કાર્ય ફતેહ થયું. હું મારી પોતાની જિહ્વાની નંદાિ કરતો હતો એવામાં ચોર દાસી જિહ્વા મારી આગળ આવી પડી. અફસોસ છે કે ગુપ્ત પાપીઓ ભયથી જ ઉઘાડા પડે છે.’ આવો વિચાર કરતાં જ તેણે રાત્રિ ગાળી કાઢી. સવાર થઈ એટલે હરિશર્મા રાજાને બાગમાં લઈ ગયો અને મિથ્યા જ્ઞાનની યુક્તિથી દાવપેચ રમીને રાજાને દાટેલું ધન બતાવ્યું અને કહ્યું કે ‘ચોર ધનનો થોડો ભાગ લઈને નાસી ગયો છે.’ રાજા ગયેલું ધન મેળવ્યા પછી પ્રસન્ન થયો અને તે બ્રાહ્મણને ગામ આપવા લાગ્યો. તે જોઈ કારભારીએ રાજાને કહ્યું, ‘મહારાજ, શાસ્ત્ર ભણ્યા વિના મનુષ્યથી જાણી ન શકાય એવું જ્ઞાન આ બ્રાહ્મણમાં કેમ આવ્યું હશે? ખરેખર ચોર લોકો સાથે સંકેત કરનારા ધૂર્ત લોકોની આ યુક્તિ વડે પ્રાપ્ય આજીવિકા છે; માટે એક વાર બીજી યુક્તિથી તેની પરીક્ષા કરો.’ પછી રાજા પોતે એક નવા ઘડામાં મંડૂક પૂરી તેને ઢાંકીને આવ્યો અને હરિશર્માને કહ્યું, ‘મહારાજ, આ ઘડાની અંદર જે વસ્તુ છે તે વસ્તુને જો તમે જાણશો તો આજ હું તમારો મોટો સત્કાર કરીશ.’ તે સાંભળી હરિશર્મા તે મૃત્યુનો વખત જાણી બાલ્યાવસ્થામાં પિતાએ રમત માટે પોતાનું મંડૂક એવું નામ પાડ્યું હતું તે નામનું સ્મરણ કરતો ને ખેદ ધરતો વિધાતાની પ્રેરણાથી બોલ્યો, ‘હે મંડૂક, આ ઘટ, એકદમ બલાત્કારથી જ તારા નાશનો હેતુ થયો છે.’ આ બોલવું, ચાલતી બાબતમાં અનુસરતું હતું તેથી આ વાક્ય સાંભળતાં જ ત્યાં મળેલા લોકો બોલ્યા, ‘આણે મંડૂકને-દેડકાને ઓળખ્યો છે માટે તે મહાજ્ઞાની છે.’ અને બધા હર્ષ પામ્યા. પછી પ્રસન્ન થયેલા રાજાએ હરિશર્મા પ્રતિભાશક્તિ ધરાવતો પુરુષ છે એમ કબૂલ કરી સુવર્ણના દંડવાળું છત્ર, સુવર્ણના સામાનવાળાં વાહન અને ગામ બક્ષિસ આપ્યાં. હરિશર્મા ક્ષણ એકમાં સામંત જેવો બની ગયો.

દેવસ્મિતાની વાર્તા

તામ્રલિપ્તિ નામે એક નગરી હતી, તેમાં ધનદત્ત નામનો મોટો પૈસાદાર શેઠ રહેતો હતો. તેને ઘેર પુત્રની ખોટ હતી. એક દિવસ ગામના બધા બ્રાહ્મણોને એકઠા કર્યા, અને સર્વને શેઠે નમસ્કાર કરી કહ્યું કે, ‘હે બ્રહ્મદેવો! મને થોડી મુદતમાં પુત્ર પ્રાપ્ત થાય તેવો કંઈ ઉપાય કરો. ત્યારે તે બ્રાહ્મણોએ તે વાણીઆને કહ્યું, ‘આ વાત કાંઈ મુશ્કેલ નથી. બ્રાહ્મણો વેદમંત્રોથી સર્વ વાત સિદ્ધ કરી શકે છે. પૂર્વ કાળમાં એક રાજા હતો, તેને એકસો ને પાંચ રાણીઓ હતી. પણ એકેને પુત્ર નહોતો ત્યારે પુત્રયેષ્ટિ કરાવી, જેના યોગથી જંતુ નામનો એક પુત્ર અવતર્યો. તે તેની રાણીઓની દૃષ્ટિએ નવીન ચંદ્રની પેઠે આનંદ આપનાર થઈ પડ્યો હતો. તે ગુંઠણમંડીથી ચાલતો હતો. તેવામાં તેના સાથળમાં એક કીડી કરડી, જેથી તેણે ચીસ નાંખી રડવા માંડ્યું. તેટલામાં તો અંત:પુરમાં મોટો કોલાહલ થઈ રહ્યો. રાજા પણ ‘હે પુત્ર, હે પુત્ર!’ એવી રીતે સાધારણ માણસની પેઠે શોકના શબ્દો ઉચ્ચારવા લાગ્યો. થોડી વારમાં ચટકો લેનારી કીડીને સાથળમાંથી કહાડી નાંખી એટલે બાળક શાંત થયો. એકનો એક જ પુત્ર છે એ મહાદુઃખનું કારણ છે, એમ જાણી રાજા પોતાની અવજ્ઞા કરવા લાગ્યો, અને તે પરિતાપથી બ્રાહ્મણોને બોલાવી પૂછવા લાગ્યો કે, એવો કોઈ ઉપાય છે કે, જેથી મને ઘણા પુત્રો થાય? ત્યારે બ્રાહ્મણોએ ઉત્તર આપ્યો કે, હા, એક ઉપાય છે ને તે એ કે તમારા આ પુત્રને મારી તેનું માંસ અગ્નિમાં હોમવું. તે માંસની ગંધથી તમારી સર્વ રાણીઓને પુત્રોની પ્રાપ્તિ થશે. આ વાત સાંભળી રાજાએ યથાવિધિ તે પ્રમાણે કરાવ્યું, ત્યારે જેટલી પોતાની રાણી હતી, તેટલા જ પુત્રો જન્મ્યા. માટે હે શેઠજી! તમને પણ હોમ કરાવી પુત્રની પ્રાપ્તિ થાય તેમ કરીશું.’ આવું કહી ધનદત્ત પાસેથી દક્ષિણા લઈ તે બ્રાહ્મણોએ હોમ કર્યો, તેથી તે વાણિયાને ઘેર પુત્ર અવતર્યો. તેનું ગૃહસેન એવું નામ પાડ્યું. પુત્રની ઉમર મોટી થતાં તેનો પિતા ધનદત્ત સ્ત્રી શોધવા લાગ્યો. એક દિવસ વ્યાપાર કરવાના ઉદ્દેશથી ધનદત્ત તેને માટે પુત્રને સાથે લઈ દ્વીપાંતરે ગયો. ત્યાં ધર્મગુપ્ત નામે એક વાણીઆની દેવસ્મિતા નામની એક કન્યાનું પોતાના પુત્ર ગુહસેન વેરે માગું કર્યું. ધર્મગુપ્તને તે કન્યા ઘણી પ્રિય હતી, તેથી વિચાર્યું કે તામ્રલિપ્તિ નગરી ઘણી દૂર છે, એટલે જો કન્યા આપું તો પાછું દીકરીનું મોઢું જોવા વારો આવે નહિ, એમ ધારી તેનું માગું પાછું વાળ્યું. પણ ગુહસેનને જોઈ દેવસ્મિતા આશક થઈ; તેના ગુણો જોઈ પોતાના બંધુઓને છોડી ભાગી જવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાની સખી મારફત તેની સાથે સંકેત કર્યો અને સ્વનગરથી સસરા અને પતિની સાથે રાત્રે નીકળી ગઈ. પછી તામ્રલિપ્તિ નગરીમાં આવ્યા અને ત્યાં વિધિપૂર્વક લગ્ન કર્યા; ત્યારે સ્ત્રીપુરુષનાં મનમાં પ્રેમની સુદૃઢ ગાંઠ બંધાઈ. આવી રીતે કેટલાક દિવસો વીતી ગયા. થોડે કાળે તેનો પિતા ગુજરી ગયો ત્યારે ગુહસેનને તેના બંધુઓ કહેવા લાગ્યા કે; તું કટાહ દ્વીપમાં વ્યાપાર અર્થે જા.’ પણ આ વાત તેની સ્ત્રીને રુચી નહીં. કારણ દેવસ્મિતાના મનમાં એવી શંકા જન્મી કે પતિ પરદેશ જાય અને કદાચિત્ પરસ્ત્રીના છંદમાં પડે તો! આમ સ્ત્રીને પરદેશ જવાની વાત ગમતી નથી, અને બંધુઓ વારંવાર પ્રેરણા કર્યા કરે છે, ત્યારે ગુહસેન, શું કરવું અને શું ન કરવું, એવા વિચારમાં પડી ગયો. કાંઈ ન સૂઝયું ત્યારે દેવમંદિરમાં જઈ નિરાહાર રહી વ્રત કરવા લાગ્યો. અને દેવને પ્રશ્ન કીધો કે હવે મારે શું કરવું, ‘પરદેશ જવું કે અહીં રહેવું? આ બાબતમાં યોગ્ય હોય તે આપ કહો.’ પતિને આવી રીતે વ્રત કરતો જોઈ, તેની સ્ત્રી દેવસ્મિતા પણ વ્રત કરવા લાગી. ત્યારે તે સ્ત્રીપુરુષને સ્વપ્નમાં શંકરે દર્શન દીધું; અને બે રાતાં કમળ તેમને આપી શંકર બોલ્યા, ‘તમે બંને જણ આ અકેક કમળ હાથમાં રાખો, પછી પરદેશ જવામાં કશી હરકત નથી. દૂર દેશાવરમાં કોઈ પણ શિયળ તોડે તો બીજાના હાથનું કમળ કરમાઈ જવાથી, તેની ખબર તેને પડશે; અને જો બેમાંથી કોઈ શિયળનું ખંડન ન કરે તો બન્નેની પાસે રહેલાં કમળ જેમના તેમ ખીલેલાં જ રહેશે.’ આ વાત બેઉના ધ્યાનમાં ઊતરી અને એક બીજાના હૃદયની માફક તે રક્ત કમળને જોવા લાગ્યાં. ત્યાર પછી હાથમાં કમળ રાખી, ગુહસેન મુસાફરીએ નીકળ્યો અને દેવસ્મિતા કમળ સામી દૃષ્ટિ રાખી પતિના જ નગરમાં રહી. ગુહસેન તરત કટાહ દ્વીપમાં આવ્યો; અને ત્યાં રત્નોની લેવડદેવડ કરવા માંડી. તેના હાથમાં હમેશાં પ્રફુલ્લ કમળ જોઈ, કટાહ દ્વીપના કોઈ ચાર વાણીઆના છોકરા વિસ્મય પામી ગયા. તેઓ યુક્તિથી તેને ઘેર તેડી જઈ ખૂબ મદિરાપાન કરાવી, કમળની હકીકત પૂછવા લાગ્યા. મદિરાના ઘેનમાં ગુહસેન ઉન્મત્ત દશામાં આવી ગયો હતો, તેથી તેણે જેવું હતું તેવી વાત કહી દીધી. પછી તે વાણીઆના ચારે છોકરાઓએ વિચાર કર્યો કે આ ગુહસેન ઝવેરાતના વેચાણ સાટાણમાંથી તરત પરવારી ઘેર જાય તેમ નથી. તેથી તે સર્વેએ પાપબુદ્ધિથી સંકેત કર્યો કે એની સ્ત્રીને શિયળભંગ કરવી. આમ નક્કી કરી ખબર ન પડે એવી રીતે તે પાપાત્મા એકદમ તામ્રલિપ્તિ નગરી ભણી ચાલ્યા. કેટલેએક દહાડે ત્યાં આવી, ગુહસેનની સ્ત્રીને મેળવવાનો વિચાર કરતા કરતા બૌદ્ધના મંદિરમાં રહેલી યોગકરંડિકા નામની એક તાપસી પાસે ગયા અને સ્નેહપૂર્વક કહેવા લાગ્યા કે, ‘હે ભગવતિ! જો તું અમારી ઇચ્છા પૂરી પાડે તો તને ઘણું દ્રવ્ય આપીએ.’ ત્યારે તે તપસ્વી બાઈ બોલી, ‘તરુણ પુરુષોને તો ઘણું કરી કોઈ સ્ત્રીની ઇચ્છા હોય છે, માટે જેવું હોય તેવું ખરું કહો, હું તમારો અર્થ સાધી આપીશ; મને કાંઈ દ્રવ્યની લાલસા નથી. મારી સિદ્ધિકરી નામે બુદ્ધિમતિ શિષ્યા છે, તેની યુક્તિથી મને અપાર દ્રવ્ય મળ્યું છે.’ ત્યારે તે પાપાત્મા વાણીઆના છોકરાઓએ પૂછ્યું, ‘તમને શિષ્યાની કૃપાથી ધન કેમ મળ્યું?’ આવો પ્રશ્ન કરવાથી તે તપસ્વિની કહેવા લાગી કે, ‘હે પુત્રો! જો તમને આ વાત સાંભળવાનું કૌતુક હોય તો સાંભળો, કહું છું:

સિદ્ધિકરીની વાર્તા

ઘણા વખત પર ઉત્તર દિશામાંથી અહીં કોઈ વાણીઆનો છોકરો આવ્યો હતો. મારી શિષ્યા પોતાનું રૂપ ફેરવી યુક્તિએ કરી તેને ઘેર કામકાજ કરવા સારુ રહી. કેટલાક એક દિવસ રહી, તે વણિક્ પુત્રનો તેણે પૂર્ણ વિશ્વાસ મેળવ્યો, અને પછી ગુપ્ત રીતે તેનું સર્વ ધન ચોરી લઈ પરોઢિયામાં ઘર બહાર નીકળી ગઈ. તે ઉતાવળી ઉતાવળી નગરથી બહાર જતી હતી, તેને જોઈ મૃદંગને બજાવનારા કોઈ ડોંબને શંકા આવી, તેથી તે પણ તરત તેની પછવાડે તેને લૂંટવા ચાલ્યો. તે સિદ્ધિકરી વગડામાં એક વડનું ઝાડ હતું તેની તળે જઈ બેઠી, અને જુવે છે તો પોતાની પાછળ જ ડોંબ આવી પહોંચ્યો છે, ત્યારે ગરીબ બનીને સિદ્ધિકરી તેને કહેવા લાગી, ‘આજે હું મારા ધણીની સાથે કજિયો કરીને નીકળી છું. હવે મારે ધણીને મોઢું બતાવવું નથી. તેથી મારે માટે એક ફાંસીનો ગાળિયો તૈયાર કરી આપ, તેમાં હું ટૂંપો ખાઈને મરી જઈશ.’ આ સાંભળી ડોંબના મનમાં થયું, આ સ્ત્રીને મારે શા માટે મારવી જોઈએ? એ પોતાની મેળે જ ફાંસો ખાઈ મરતી હોય તો ભલે મરે. આવું વિચારી તે જ વૃક્ષમાં ડોંબે પાશ બાંધી ફાંસી તૈયાર કરી. ત્યારે સિદ્ધિકરી અજાણ થઈ તેને પૂછવા લાગી, ‘આમાં શી રીતે લટકી મરવું એ જરા કૃપા કરી દેખાડો તો ઠીક રહેશે.’ ત્યારે તે મૂર્ખાએ મૃદંગ પગ નીચે મૂકી એ યમપાશ પોતાના ગળામાં નાખ્યો કે તરત સમયસૂચકતા વાપરી તે સિદ્ધિકરીએ એક પગની લાત મારી, તેની નીચેના મૃદંગ દૂર ફેંકી દીધું. તેથી તે ડોંબ ફાંસીએ લટકી મરણ પામ્યો. એ અરસામાં પેલો વાણીઓ શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો, અને ત્યાં છેટેથી ખજાનો લૂંટનારી સિદ્ધિકરીને જોઈ. તેમ જ સિદ્ધિકરીએ પણ તેને આવતો જોયો એટલે તરત ન દેખાય તેવી રીતે તે ઝાડની ડાળીઓની ઘટ્ટ ઘટામાં ચડી ગઈ ત્યાં પાંદડાંઓથી તેનું શરીર ઢંકાઈ ગયું. તે વાણીઓ પોતાના ચાકરની સાથે જ્યાં વડ પાસે આવ્યો ત્યાં તો પાશમાં લટકતા ડોંબને જોયો. પણ સિદ્ધિકરી જોવામાં ન આવી. તે વખતે તેના એક નોકરને વિચાર આવ્યો કે કદાચ તે સિદ્ધિકરી આ ઝાડ ઉપર ચડી ગઈ હોય તો ત્યાં પણ શોધવી જોઈએ. એવું વિચારી તે ઝાડ ઉપર ચડ્યો ત્યારે તેને જોઈ સિદ્ધિકરીએ એક યુક્તિ વિચારી તરત તેને કહ્યું કે, ‘હે તરુણ! હંમેશાં તારા ઉપર જ મારું મન આશક રહે છે; અને આ ઝાડ ઉપર પણ તું જ ચડ્યો, આ યોગ બહુ સારો આવ્યો છે. માટે હવે આ ધન તારું છે અને હું પણ તારી જ છું, સુખેથી મોજ કર, ‘એમ કહી આલિંગન કરી તેના મુખનું ચુંબન કરતાં કરતાં દાંતથી તેની જીભ કરડી ખાધી, ત્યારે પીડાથી અકળાયેલો મોઢામાંથી, લોહી ઓકતો લલલલ લલ અલલલ એેવો અસ્ફુટ શબ્દ કરતો, તે નોકર ઝાડ પરથી નીચે પડ્યો. એ જોઈ તે વાણીઓ અત્યંત ભય પામ્યો અને આ વડમાં કોઈ ભૂત રહે છે એવું ધારી, બીજા પોતાના નોકરો સાથે ત્યાંથી નાસી તુરત ઘેર આવ્યો. પછી વડની ડાળ ઉપરથી તે શિષ્યા નીચે ઊતરી, અને સઘળું ધન લઈ ઘેર આવી હતી. એવી મારી શિષ્યા બહાદુર છે, તથા તેના પ્રતાપથી મને આ ધન પ્રાપ્ત થયું છે. એમ કહી તે વખતે બહાર આંટો લઈ આવેલી શિષ્યા તે વાણીઆના છોકરાઓને બતાવી કહેવા લાગી કે, ‘હે પુત્રો! જેવું હોય તેવું ખરું કહો, કે તમે સ્ત્રીની ઇચ્છા કરો છો? જલદીથી એ તમારુંં કામ હું પાર પાડું,’ આવું સાંભળી, તે વાણીઆના છોકરાઓએ કહ્યું, ‘અહીં ગુહસેન વાણીઆની સ્ત્રી દેવસ્મિતા છે. તેની સાથે અમારો મેળાપ કરાવી દે.’ એ સાંભળી તે વૃદ્ધાએ પ્રતિજ્ઞા કરી, ‘અવશ્ય એ કાર્ય હું સિદ્ધ કરી આપીશ.’ આવું કહી તેઓને પોતાના ઘરમાં ઉતારો આપ્યો. પછી યુક્તિપ્રયુક્તિથી ગુહસેનના ઘરનાં માણસોને ખાવાપીવાનું આપી તેના ઘરમાં શિષ્યાની સાથે તે પેઠી. દેવસ્મિતાને ઘેર આંગણામાં એક કૂતરી બાંધી હતી, તે અજાણ્યું માણસ આવતું દેખી ભસી તેને રોકતી હતી. તેણે નિયમ પ્રમાણે આ તાપસીને પણ રોકી. તરત દેવસ્મિતાએ તેણીને દીઠી, ત્યારે ‘આ કેમ આવી હશે,’ એવું ધારી દાસી મોકલી તેને ઘરમાં બોલાવી, ત્યાં સાધ્વી દેવસ્મિતાએ કેટલોએક ઉપર ઉપરથી આદર દેખાડી બેસાડી. પછી આશીર્વાદ દઈને તે પાપાત્મા તાપસી બોલી, ‘હે સાધ્વી બાઈ! હંમેશાં તને જોવાને મારી ઉત્કંઠા રહે છે. આજે મેં તને સ્વપ્નામાં જોઈ હતી, તેથી હું ઉત્કંઠિત હૃદયે આવી છું. તારો પતિ પરદેશમાં હોવાથી તને વિયોગિની જોઈ મારુંં દિલ દિલગીર થાય છે. કારણ કે, દોહરો પ્રમદા કેરાં રૂપ રંગ, જોબન ને શૃંગાર; પ્રિય મિલન વિના બધું, ફોકટ છે નિરધાર. ઇત્યાદિ વચનોથી દેવસ્મિતાનું ઘણું આશ્વાસન કરી, તેનો વિશ્વાસ સંપાદન કરી, તેની રજા લઈ, તે દુષ્ટ તાપસી પોતાને ઘેર આવી. બીજે દિવસે મરચાનો ભૂકો ખાંડી માંસના ટુકડામાં ભરી, તે લઈ તે તાપસી દેવસ્મિતાને ઘેર આવી. ત્યાં તે માંસનો કટકો આંગણામાં બાંધેલી કૂતરીને આપ્યો, તે તરત ખાઈ ગઈ. તે પછી મરચાંના પ્રતાપે કરી, તે કૂતરીની આંખોમાંથી ઘણું પાણી ઝરવા લાગ્યું અને નાક પણ ગળવા માંડ્યું. અને તેટલામાં તે પાપાત્મા તાપસી દેવસ્મિતાની પાસે ગઈ, ત્યાં આદરસત્કાર મળ્યો કે તરત તે રોવા લાગી. ત્યારે દેવસ્મિતાએ પૂછ્યું કે શું છે? ત્યારે તેણે કષ્ટથી ઉત્તર આપ્યો કે, ‘હે પુત્રિ! હમણાં તું જો, બહાર કૂતરી કેવી રડે છે, હું પુનર્જન્મમાં તેને મળી હતી. તેથી તેણે આજ મને ઓળખી કાઢી અને તે કલ્પાંત કરે છે, તેથી મને પણ આંસુ આવ્યાં છે.’ આ સાંભળી તે બહાર જઈને જુએ છે તો કૂતરીને રોતી જોઈ. આ તે શું આશ્ચર્ય છે? એવી રીતે દેવસ્મિતા ક્ષણ ભર તો વિચારમાં પડી ગઈ. પછી તે તાપસી બોલી, ‘હે પુત્રી, પૂર્વજન્મમાં હું અને આ કૂતરી એક બ્રાહ્મણની સ્ત્રી હતાં. અમે બેઉ શોક્યોનો પતિ દૂર દેશાંતરમાં ગયો; અને હંમેશા એવી રીતે રાજાની આજ્ઞાથી તે પરગામ જતો હતો. જ્યારે જ્યારે તે પ્રવાસે જાય, ત્યારે ત્યારે ઇચ્છા પ્રમાણે હું પરપુરુષનો સંગ કરતી. મેં મારી ઇન્દ્રિયોને કોઈ દિવસ ભૂખી રાખી નથી. ઇન્દ્રિયોને તૃપ્ત રાખવી એ પરમ ધર્મ છે. આ ધર્મના પ્રતાપથી જ મને જાતિસ્મરણ જ્ઞાન રહ્યું છે; અને આ કૂતરીએ અજ્ઞાનથી શીલની રક્ષા કરી, તેથી આ ભવે તેને કૂતરીનો અવતાર આવ્યો છે; પણ તેને પૂર્વજન્મ સાંભરે છે તેથી રડે છે.’ અરે આ તે કેવો ધર્મ? જરૂર આ દુષ્ટાએ ધૂર્ત રચના કરી છે, ઠીક ઠીક તેનું ફળ એને આપીશ. એવું ડહાપણથી વિચારી દેવસ્મિતાએ કહ્યું કે, ‘હે ભગવતિ! આટલા બધા દિવસ મેં આ ધર્મ જાણ્યો નહોતો; આજે જાણવામાં આવ્યો. તો હવે એ પ્રમાણે ચાલીશ. તું કોઈ છેલ પુરુષ સાથે મારું ચોકઠું બેસાડી આપ.’ ત્યારે તે તાપસી બોલી, ‘કોઈ દ્વીપાંતરથી આવેલા વાણીઆના છોકરા મારે ઊતર્યા છે, તેને અહીં બોલાવી લાવું છું.’ એવું કહી હરખાતી હરખાતી તે તાપસી ઘેર ગઈ. પાછળથી દેવસ્મિતાએ પોતાની દાસીઓને કહ્યું, ‘જરૂર મારા પતિના હાથમાં હંમેશાં ખીલેલું કમળ જોઈ, તેણે દારૂનો નશો કર્યો હશે, તે વખતે કૌતુકથી બધી હકીકત પૂછી લઈ, કોઈ મારી ખરાબી કરવા તે દ્વીપથી અહીં આવેલો હશે. તે લુચ્ચા વાણીઆના છોકરાએ આ તાપસીને અહીં મોકલી છે એમાં સંશય નથી. તો હવે ધંતુરાના ઝેરવાળી મદિરા તમે અહીં લાવો, અને લવારની કોઢે જઈ, લોઢાનો કૂતરાનો એક પગ કરાવી લાવો.’ આવાં દેવસ્મિતાનાં વચનો સાંભળી તેની દાસીઓએ તત્કાળ એમ જ કર્યું, અને તેના કહેવાથી એક દાસીએ દેવસ્મિતાના સરખો વેષ ધારણ કર્યો. તે વાણીઆના છોકરાઓએ તે તાપસીને ત્યાં જ ‘હું પહેલો જાઉં’, ‘હું પહેલો જાઉં,’ એમ પરસ્પર તકરાર કરવા લાગ્યા. પછી તે ચારમાંથી એકને લઈ, તે તાપસી ત્યાં આવી. પોતાની શિષ્યા સિદ્ધિકરીનો વેષ પહેરાવી એક વણિક પુત્રને દેવસ્મિતાના ઘરમાં સાંજ વખતે ઘાલ્યો, અને પોતે ગુપચુપ ત્યાંથી ચાલી ગઈ. પછી દેવસ્મિતાનો વેષ પહેરનારી દાસીએ તે વાણીઆના પુત્રને પેલું તૈયાર કરાવી રાખેલું ધંતુરાવાળું મદ્ય ઘણા આદરમાનથી પાયું. અવિનયથી જેમ ચેતના જાય તેમ તે મદ્યથી ચેતનારહિત થઈ ગયો. ત્યારે તેનાં વસ્ત્રો ઉતારી લઈ, નગ્ન કરી મૂક્યો અને કૂતરાનો જે પગ તૈયાર કરાવી રાખ્યો હતો તે ધગધગાવી તે દાસીઓએ તેના કપાળમાં ચાંપી દીધો અને પછી તેને ઊંચકી, રાત્રે જ ઉકરડાના ખાડામાં ફેંકી દીધો. છેલ્લે પહોરે જ્યારે તેની સુધબુધ ઠેકાણે આવી, ત્યારે તે જુવે છે તો ત્યાં પોતાના પાપે પ્રાપ્ત કરેલા નરક સમાન ખાડામાં તે પડ્યો જણાયો. ત્યાંથી ઝટપટ ઊઠી તે બહાર આવી ત્યાં સ્નાન કરી કપાળ ઉપર હાથ ફેરવતો, નાગો ને નાગો, તે તાપસીને ઘેર આવ્યો. ત્યાં તેણે વિચાર્યું, કે આવી રીતે બેહાલ થઈ ગયો તેની ખરી હકીકત જો કહીશ, તો મારી એકની જ હાંસી થશે. એવું વિચારી બીજા મિત્રોને કહ્યું કે, ‘હું ત્યાંથી આવતો હતો, ત્યાં માર્ગમાં ચોર મળ્યા, તેમણે મને લૂંટી લીધો છે.’ પછી પ્રભાતમાં કહ્યું, ‘રાત્રે મેં બહુ મદ્યપાન કરેલું છે, અને આખી રાતનો ઉજાગરો થયો છે, તેથી આ વખતે માથું દુઃખી આવ્યું છે,’ એમ કહી પેલો કૂતરાના પગનો ડામ ઢાંકવા માથા ઉપર લૂગડાનો પાટો બાંધ્યો. પૂર્વર્પેરે જ બીજે દિવસે સાંજે વાણીઆના બીજા છોકરાનો વારો આવ્યો. તે પણ તેવી રીતે ત્યાં ગયો, અને તેના પણ તેના જેવા જ બુરા હાલ થયા. તેણે પણ આવી એમ જ કહ્યું, ‘હું ચોરની બીકથી દાગીના ત્યાં જ રાખી આવ્યો છું; તો પણ મને રસ્તામાં ચોરોએ લૂંટી લીધો છે.’ પ્રભાતમાં તેણે પણ પેલાની પેઠે માથા પર પટકો બાંધી માથું દુઃખવાનો ઢોંગ કરી કપાળની નિશાની લૂગડાથી ઢાંકી દીધી. આ પ્રમાણે તે ચારે વાણીઆના છોકરાઓને થયું, પણ તેમાંથી કોઈએ એ વાત પ્રકાશ કરી નહીં. ક્રમેથી બધાને ડામ દેવાયા, ધનનો નાશ થયો અને હેરાન થયા, તેથી સર્વ લજવાઈ ગયા, અને વિચાર્યું કે, આ તાપસી પણ ભલે આવો લહાવો લે, એવું ધારી તેની પાસે તેમાંના કોઈએ કાંઈ પણ વાત કરી નહીં; અને ગુપચુપ રવાના થયા. પછી બીજે દિવસે તે તાપસી હરખભેર પોતાની શિષ્યાને સાથે લઈ દેવસ્મિતાને ઘેર ગઈ. ત્યાં દેવસ્મિતાએ ઘણા આદરમાનથી ધંતુરાવાળું મદ્ય શિષ્યા સહિત તાપસીને પાયું, તેથી તે તાપસી ને ચેલી બન્ને તેથી મત્ત થઈ ગયાં, ત્યારે તેઓનાં નાક કાન કાપી, તેઓને પેલા જ અપવિત્ર ખાડામાં ફેંકી દીધા. આ પ્રમાણે વૃત્તાંત બન્યા પછી દેવસ્મિતાના મનમાં વિચાર આવ્યો કે એ વાણીઆના છોકરાઓ રીસના બળ્યા મારા પતિને કાંઈ વિઘ્ન કરે તો મહા કૂડું થાય. તેથી આકુળવ્યાકુળ થવાથી પોતાની સાસુ પાસે ગઈ અને આ બધી વાર્તા કહી. એ વાત સાંભળી સાસુએ કહ્યું, ‘વહુજી, તમે એ કામ બહુ રૂડું કર્યું, પરંતુ એમાંથી મારા પુત્રનું કદાચિત્ અણહિત થાય તો મોટો અનર્થ થશે.’ ત્યારે દેવસ્મિતાએ કહ્યું કે, ‘શક્તિમતિએ જેમ પતિની રક્ષા કરી હતી તેમ બુદ્ધિના યોગથી હું પણ તેઓની રક્ષા કરીશ.’ ત્યારે સાસુએ પૂછ્યંુ, ‘શક્તિમતીએ પતિની રક્ષા કેમ કરી હતી?’ આમ પૂછવા ઉપરથી દેવસ્મિતાએ કહ્યું:

શક્તિમતીની કથા

સાસુજી, અમારા દેશમાં ગામની અંદર મણિભદ્ર નામના એક પ્રતાપી યક્ષનું પૂર્વજોએ સ્થાપેલું મંદિર છે. તે યક્ષની માનતા ઘણી ચાલતી હતી. ત્યાંનાં માણસો મનવાંછિત સિદ્ધિ થવા સારુ તેને બલિદાન દેતાં હતાં. જે નર ત્યાં પરસ્ત્રી સાથે જાય તેને તે યક્ષના મંદિરના અંદરના ઓરડામાં રાખવામાં આવતો હતો. સવારમાં તે જ સ્ત્રીની સાથે રાજાની કચેરીએ લઈ જઈ, તેની વર્તણૂક પ્રગટ કરી દંડ દેવામાં આવતો હતો. એક દિવસ રાત્રે સમુદ્રદત્ત નામનો વાણીઓ પરસ્ત્રી સાથે ત્યાં આવ્યો, અને તે વાતની કોટવાળને ખબર પડી; એટલે તેને પકડી પરસ્ત્રી સાથે મણિભદ્રના મંદિરમાં પૂરી દીધો અને ભોગળ દઈ બારણાનો બંદોબસ્ત કર્યો. તે વખતે તે વાણીઆની સ્ત્રી મહા બુદ્ધિશાળી અને પવિત્ર શક્તિમતી નામની હતી. તેના જાણવામાં તે હકીકત આવી. ત્યારે ધીરજ રાખી બીજું રૂપ લઈ તે મણિભદ્રના મંદિરમાં રાત્રિ વખતે પૂજા લઈ સખીની સાથે તે સ્થાનમાં ગઈ. દક્ષિણાને લોભે તેનો પૂજારી આવ્યો, અને તેણે કોટવાળની રજા લઈને તે બાઈને અંદર દાખલ થવા દીધી. તે પેસીને જુવે છે, તો પરસ્ત્રીની સાથે પોતાનો પતિ ઉદાસ થએલો બેઠો છે, તેને જોઈ તેણીએ પેલી સ્ત્રીને પોતાનો વેષ પહેરાવીને કહ્યું; ‘તું અહીંથી ચાલી જા.’ ત્યારે તે સ્ત્રી પણ શક્તિમતીના વેષમાં જ દાસી સાથે ચાલી ગઈ. તેથી કોઈએ તેનું નામ પણ ન લીધું. શક્તિમતી પોતાના ભરથાર સાથે આખી રાત્રિ ત્યાં રહી, પ્રભાત થતાં રાજાના અધિકારી જ્યાં આવી જુવે છે તો પોતાની સ્ત્રીની સાથે વાણીઓ ત્યાં બેઠો છે. આ વાત જાણી મૃત્યુના મુખ સરખા યક્ષના ઘરમાંથી તે વાણીઆને છોડાવ્યો અને કોટવાળને દંડ કર્યો. આ પ્રમાણે શક્તિમતીએ પોતાના પતિની રક્ષા કરી હતી. હું પણ તેવી જ યુક્તિપ્રયુક્તિ કરી, પતિની રક્ષા કરીશ.’ એવી રીતે એકાંતમાં તપસ્વિની દેવસ્મિતાએ સાસુને કહ્યું. સાસુએ જ્યારે તે વાત માન્ય રાખી ત્યારે પોતાની દાસીઓની સાથે વાણીઆનો વેષ ધારણ કર્યો અને વેપારનું મિષ કરી તે વહાણમાં બેસી, જ્યાં પોતાનો પતિ છે, તે કટાહ દ્વીપમાં જઈ પહોંચી. ત્યાં જઈ જુવે છે તો મૂતિર્ ધારણ કરનાર સમાશ્વાસ સરખા પતિ ગુહસેનને વાણીઆઓની વચમાં જોયો. તેણે પણ પોતાની જાતનો પોતાની સ્ત્રી સરખો આ વાણીઓ કોણ છે, તેમ છેટેથી જ જોઈ; જાણે પાન કરતો તેમ એકી નજરે જોવા માંડ્યું. પછી દેવસ્મિતાએ ત્યાં રાજા પાસે જઈ ફરિયાદ કરી, અને કહ્યું કે, હું અરજ ગુજારું છું કે, ‘સર્વ પ્રજાને એકઠી કરો.’ આ વાત સાંભળી રાજાને કૌતુક થયું અને સર્વ પ્રજા એકઠી કરી. પછી રાજાએ પૂછ્યું કે ‘શંુ તારી અરજ છે? જે હોય તે કહે.’ ત્યારે દેવસ્મિતા બોલી, ‘આ પ્રજાની વચમાં મારા ચાર ગુલામ નાસી આવ્યા છે તેઓને આપ મારે સ્વાધીન કરો.’ ત્યારે રાજાએ તેને કહ્યું કે, ‘આ સર્વે ગામની વસ્તી તારી સમક્ષ ઊભી છે, તે સર્વમાંથી તારા ગુલામને તું ઓળખી કાઢ, અને લઈ જા.’ આવો રાજાનો હુકમ થતાં જ શક્તિમતીએ પેલા ચાર વાણીઆના છોકરા કે જેને પોતાને ઘેરથી બેહાલ કરી કાઢ્યા હતા, અને જેના માથા ઉપરનો પાટો હજુ ખસ્યો નહોતો, તેમને પકડી લીધા. ત્યારે ત્યાં ઊભેલા મહાજને કહ્યું, ‘આ તો શેઠીઆના છોકરા છે, આ તે તારા ગુલામ ક્યાંથી થયા?’ એવી રીતે ક્રોધે ભરાઈને કહ્યું. ત્યારે તેણીએ જવાબ આપ્યો કે ‘જે વાત હું કહું છું તે પર તમને ભરોસો ન હોય તો એઓનાં કપાળ જુઓ, તેની ઉપર મેં કૂતરાના પગની નિશાની પાડેલી છે.’ આ કહેવું સર્વેએ કબૂલ રાખ્યંુ અને એ ચારેના માથા ઉપરના પાટા છોડ્યા, ત્યારે તેઓના કપાળમાં કૂતરાના પગનો ડામ સર્વ મનુષ્યોના જોવામાં આવ્યો. આ જોઈ આખું વાણીઆનું મહાજન લજ્જા પામ્યું, અને તે જોઈ રાજાના મનમાં કૌતુક થયું અને તે દેવસ્મિતાને પોતે પૂછવા લાગ્યો કે ‘આ તે શું થયું છે તે કહે.’ ત્યારે તેણે જેવી હતી તેવી સઘળી વાત કહી. તે સાંભળી સઘળા લોકો હસવા લાગ્યા. રાજાએ કહ્યું, ‘ખરેખર એ તારા ગુલામ છે, જા લઈ જા.’ આ હુકમ ઉપરથી તે શહેરનું મહાજન ભેગું થયું, અને તેમને છોડાવવાનો વિચાર કરી, તે સતી સ્ત્રીને ઘણું ધન આપ્યું અને રાજાને દંડ આપી ગુલામગીરીમાંથી તેઓને મુક્ત કીધા. સર્વજનોનો સત્કાર કરેલી દેવસ્મિતા તે ધન લઈ, પોતાના પતિને પામી, પોતાની ફ્રી તામ્રલિપ્તિમાં પાછી આવી અને ત્યાર પછી તેને પતિની સાથે વિયોગ ન થયો.

નિશ્ચયદત્ત અને અનુરાગપરાની કથા

પૃથ્વી ઉપર પ્રખ્યાત ઉજ્જયિની નામની એક નગરી છે. તેમાં પૂર્વે નિશ્ચયદત્ત નામનો એક વાણીઓ રહેતો હતો. તે જુગારનો રોજગાર કરનાર છતાં પણ ઉદાર હતો. તે દરરોજ જુગારથી ધન જીતી જીતીને, ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી, મહાકાલેશ્વર શંકરનું પૂજન કરી, સૂતેલું ધન ગરીબ અને અનાથ બ્રાહ્મણોને દાનમાં આપી દેતો, અને ત્યાર પછી સામાન્ય રીતે અંગમાં ચંદન અર્ચતો, ભોજન કરતો અને પાન વગેરે ખાતો હતો. આ વાણીઓ સ્નાન અને પૂજા કર્યા પછી હંમેશાં મહાકાલેશ્વરના મંદિરની પાસે સ્મશાન હતું, ત્યાં જઈ પોતાના શરીરને ચંદન લગાડતો. તેને ચંદન લગાડવાની રીતિ એવી હતી કે તે એકલો સ્મશાનમાં જતો ને ત્યાં એક ઊભો પત્થરનો સ્તંભ હતો, તેને ચંદન લગાડી તે સાથે પોતાનો વાંસો ઘસતો, એટલે વાંસા ઉપર ચંદન લાગી જતું હતું. આમ કરતાં કેટલોક કાળ વીત્યા બાદ તેની પીઠના ઘસારા વડે પેલો પત્થરનો સ્તંભ લીસો થઈ ગયો. એવામાં તે માર્ગે એક ચિતારો અને તેની સાથે બીજો ચિત્રને કોરનારો બન્ને જણા આવ્યા. ચિતારાએ તે પત્થરને ઘણો લીસો જોઈ તે ઉપર પાર્વતીની મૂતિર્ આલેખી. ચિત્રને કોરનારાએ પણ ટાંકણાં વગેરે હથીઆરવતી તે મૂતિર્ને રમત માત્રમાં કોરી કાઢી. પછી ચિતારો અને કોતરકામ કરનાર બન્ને જણા ત્યાંથી ચાલ્યા ગયા. એટલામાં ત્યાં એક વિદ્યાધરની કન્યા, મહાકાલેશ્વરનું પૂજન કરવા માટે આવી. તેણે સ્તંભમાં પાર્વતીની મૂતિર્ને આલેખેલી દીઠી. આ મૂતિર્ની ઉત્તમ પ્રકારની કારીગરી જોઈ, શંકરનું પૂજન કર્યા પછી તે મૂતિર્માં પાર્વતીનો આવિર્ભાવ માની, તેનું પણ પૂજન કર્યું અને વિશ્રામ માટે તે સ્તંભ ઉપર અદૃશ્યરૂપે — મનુષ્યો દેખે નહીં તેમ બેઠી. એવામાં ત્યાં પેલો વાણીઆનો છોકરો નિશ્ચયદત્ત આવ્યો. તે પણ પત્થરના સ્તંભમાં આલેખેલું, પાર્વતીનું ચિત્ર જોઈ આશ્ચર્ય પામ્યો. પછી તેણે પોતાના અંગમાં ચંદન લગાડ્યું અને તે સ્તંભમાં જ્યાં ચિત્ર હતું તે સ્થાન છોડી બીજી તરફ ચંદન લગાડી, તેને પીઠ લગાડીને જ્યાં ઘસવાનો આરંભ કરે છે, ત્યાં તે તરુણને નીરખી, તે સ્તંભની અંદર રહેલી ચંચળનેત્રા વિદ્યાધરની કન્યાનું મન તેના ઉપર મોહિત થઈ ગયું. તે વિચાર કરવા લાગી કે ‘અરે આ આવો રૂપાળો છે, છતાં પણ કોઈ તેની પીઠ ઉપર ચંદન લગાડનાર નથી. વાહ! વાહ! લાવ, આજ હું પોતે તેની પીઠને ચંદન લગાડું.’ આવો વિચાર કરી તે વિદ્યાધરી તે વખતે પેલા સ્તંભમાંથી હાથને લાંબો કરી, તે તરુણ વાણીઆની પીઠ ઉપર ચંદન અર્ચવા લાગી. તે કન્યાના હાથનો સ્પર્શ થવાથી અને તેણે હાથમાં પહેરેલાં કંકણનો ખણખણાટ સાંભળી વાણીઆના છોકરાએ પોતાના હાથવતી તેના હાથને પકડી લીધો; ત્યારે તે વિદ્યાધરી સ્તંભમાં અદૃશ્ય રહીને બોલી: ‘અહો મહાભાગ! મારો હાથ શા માટે પકડે છે? છોડી દે. મેં તારો શો અપરાધ કર્યો છે?’ નિશ્ચયદત્તે તેને પ્રત્યુત્તરમાં કહ્યું, ‘તું કોણ છે તે પ્રસિદ્ધ થઈને મને જણાવ. ત્યાર પછી હું તારા હાથને છોડીશ.’ તે વિદ્યાધરીએ પ્રતિજ્ઞા લઈ કહ્યું, ‘હું પ્રત્યક્ષ થઈને તને સર્વ બાબત જણાવું છું. મારો હાથ મૂકી દે.’ પછી પેલા વાણીઆના છોકરાએ તેનો હાથ મૂકી દીધો. ત્યાર બાદ તે સ્ત્રી અનુપમ સ્વરૂપ સૌંદર્ય ધારણ કરી, પત્થરના સ્તંભમાંથી બહાર નીકળી તેની પાસે બેઠી અને તે વાણીઆના છોકરાના મુખ તરફ નજર કરીને બોલી: ‘હિમાચલ પર્વત ઉપર પુષ્કરાવતી નામની એક નગરી છે. તેના ઉપર વિન્ધ્યધર નામનો એક વિદ્યાધરનો રાજા રહે છે. તેની હું પુત્રી છું. મારું નામ અનુરાગપરા છે. મારાં લગ્ન હજુ થયાં નથી. અહીં મહાકાલેશ્વરનું પૂજન કરવા માટે આવી હતી અને હમણાં આ પત્થર ઉપર વિશ્રામ લેતી હતી એવામાં તું અહીં આવી આ સ્તંભ ઉપર ચંદન લગાવીને વાંસો ઘસવા લાગ્યો. અને કામના વશીકરણ મોહનાસ્ત્ર જેવો તું મારી દૃષ્ટિએ પડ્યો. પ્રથમ તો તારાં દર્શનથી મારું અંત:કરણ પ્રેમ વડે રંગાયું અને પછી તારી પીઠ ઉપર ચંદન લગાડવાથી મારો હસ્ત રંગાયો છે. એ પછી જે કંઈ બન્યું તે તો તારા જાણવામાં છે. હવે હું મારા પિતાને ઘેર જઈશ.’ જ્યારે તે વિદ્યાધરી એ પ્રમાણે બોલી રહી, ત્યારે પેલો વાણીઆનો છોકરો બોલ્યો: ‘અરે નિર્દય સ્ત્રી! મેં તેં કહ્યું તે સર્વ સ્વીકાર્યું, પણ જેણે તારા અંત:કરણને વશ કરેલું છે — મોહિત કર્યું છે અને જે મારા કબજામાં નથી, તે મને આપ્યા વગર હવે તું આવી રીતે મારા મનને મોહ ઉપજાવી વશ કરી કેમ જઈ શકીશ? અર્થાત્ મારા મનને તારા મોહપાશમાંથી મુક્ત કર્યા વગર ચાલ્યા જવાશે નહીં.’ તે વાણીઆના છોકરાનું આવું બોલવું સાંભળી, અનુરાગપરા, મોહથી પરાધીન બની ગઈ. તે બોલી: ‘પ્રાણનાથ! જો તમે અમારી નગરીમાં આવશો તો હું તમારી મરજી પ્રમાણે તમારી સાથે વર્તીશ. તમારાથી ત્યાં આવી શકાય તેમ છે. વળી તમારા મનની ઇચ્છા પણ પાર પડશે, કારણ કે નિશ્ચય મનવાળા જનો, દુષ્કર કર્મ અનેક, વેઠી દુઃખ નિજ કામને, પૂર્ણ કરે છે છેક. આટલું કહી અનુરાગપરા આકાશમાં ઊડીને ચાલી ગઈ અને નિશ્ચયદત્ત પણ મનમાં તેનું સ્મરણ કરતો કરતો પોતાને ઘેર ગયો. ઘરમાં બેસીને તે સ્ત્રીને સંભારતો આમ વિચાર કરવા લાગ્યો: ‘હાય હાય! મને ધિક્કાર છે કે મેં ઝાડમાંથી જેમ નવાં પલ્લવ ફૂટે છે તેમ સ્તંભમાંથી નવો કરપલ્લવ નીકળ્યો તેને પકડ્યા છતાં તેની સાથે પાણિગ્રહણ-વિવાહ કર્યો નહીં. હવે પુષ્કરાવતી નગરીમાં, જ્યાં તે કન્યા રહે છે ત્યાં તેની પાસે જાઉં. પછી કાં તો પ્રાણનો નાશ કરું છું કે કાં તો મને નસીબ સહાય કરે છે, તે જોઉં છું.’ આવા વિચારમાં તલ્લીન તે કામપીડિત તે વાણીઆએ તે દિવસ તો ગાળી કાઢ્યો. બીજે દિવસે પ્રભાતમાં ઉત્તર દિશા તરફ મુખ કરી તેણે ચાલવા માંડ્યું. રસ્તામાં ચાલતાં ચાલતાં તેને બીજા ત્રણ જણાનો સથવારો મળ્યો. તેઓ પણ ઉત્તર દિશાના દેશમાં જનારા હતા. પેલો વાણીઆનો છોકરો તેઓની સાથે નગર, ગ્રામ, જંગલ અને નદીઓ ઓળંગતો ઓળંગતો, ક્રમે ક્રમે જ્યાં ઘણા મ્લેચ્છ લોકો વસતા હતા એવી ઉત્તર-દિશાની જમીનમાં જઈ પહોંચ્યો. એ દેશમાં માર્ગ ઉપર ચાલ્યા જતા હતા, એવામાં તાજક નામના મ્લેચ્છ લોકો તેમને મળ્યા. તેણે તેમને કેદ કરીને બીજા તાજકને ત્યાં અમુક કિંમતમાં વેચ્યા. જેણે તે વાણીઆને વેચાતો લીધો હતો, તેણે મુરવાર નામના તુરુષ્ક જાતિના માણસને ભેટ આપવા માટે ચાકરના હાથમાં સોંપી દીધો. બીજા ત્રણ સાથી સાથે તે વાણીઆના છોકરાને, તેના નોકરો લઈ ત્યાં ગયા, તો ત્યાંથી ખબર મળી કે મુરવાર તો મરી ગયો! પછી તેના છોકરાને તે ગુલામો ભેટ કર્યા. મુરવારના છોકરાએ મનમાં વિચાર કર્યો કે, મારા પિતાના મિત્રે આ ભેટ મારા પિતાને મોકલી છે, માટે તેને પિતાની પાસે મોકલાવા માટે મારે એ સર્વેને કાલે સવારે પિતાની ઘોરની અંદર નાંખી દેવા એ ઠીક છે. આવો વિચાર કરી તે તુરુષ્કે, સાથે આવેલા ચારે જણાને બેડીથી મજબૂત બાંધી તે રાત્રે કેદમાં રાખ્યા. રાત્રે કેદમાં પડેલા ત્રણ વાણીઆના છોકરા, મરણના ભયથી ડરીને ખેદ કરવા લાગ્યા. તેને નિશ્ચયદત્ત કહેવા લાગ્યો; ‘તમે ખેદ કરશો તેનાથી તમને કંઈ સિદ્ધિ થવાની નથી. ધીરજ ધરીને રહો; કારણ કે ધીર વીર પુરુષથી દુઃખ પણ ડરી દૂર રહેલું હોય તેમ જાણવામાં આવે છે. હાલ તો આપત્તિમાંથી બચાવનારી એક ભગવતી દુર્ગાનું સ્મરણ કરો.’ આમ તેઓને ધીરજ આપી પોતે દેવીની સ્તુતિ કરવા લાગ્યો: ‘હે દેવિ! તમને નમસ્કાર હો! તમારા અળતાથી રંગેલા ચરણમાં પ્રણામ કરું છું કે જે ચરણ કચરી નાખેલા અસુરના લોહીનો ગારો લાગેલો હોય એવા જણાય છે. તમે શિવની પણ શક્તિરૂપ છો. જગતમાં ઐશ્વર્ય આપનારાં તમે સર્વનો વિજય કર્યો છે. તમારી શક્તિથી સંયુક્ત થયેલું ત્રિભુવન ક્રીડા કરે છે. હે મહિષાસુરમદિર્ની! તમે મનુષ્યોનું રક્ષણ કર્યું છે, તો હે ભક્તવત્સલે! મારી શરણાગતની રક્ષા કરો.’ આવી રીતે પોતાના સહચરોની સાથે મહિષાસુરમદિર્નીની સ્તુતિ કર્યા પછી, થાકી ગયેલો નિશ્ચયદત્ત ઝટ નિદ્રાવશ થઈ ગયો. સ્વપ્નમાં તેને અને બીજા તેની સાથે હતા તે સર્વેને દેવીએ આજ્ઞા કરી કે: ‘પુત્રો, ઊઠો અને ચાલ્યા જાઓ, કારણ કે તમારું બંધન તૂટી ગયું છે.’ આ રીતે દેવીની આજ્ઞા થતાં જ, રાત્રિમાં તે સર્વ ઊઠ્યા અને જુવે છે તો ત્રણેનાં બંધન કપાઈ ગયાં હતાં. પછી પરસ્પર સ્વપ્નની કથા જણાવી ખુશ થતા થતા તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ઘણા દૂર માર્ગ ઉપર ગયા પછી રાત્રિ વીતી ગઈ, સવાર પડ્યું; એટલે બીજા વાણીઆના છોકરાઓ, જેણે દુઃખ વેઠ્યું હતું તે નિશ્ચયદત્તને કહેવા લાગ્યા: ‘ હે મિત્ર! આ દિશામાં ઘણા મલેચ્છો રહે છે; તેને લીધે આ દિશામાં અમે નહીં આવીએ, અમે દક્ષિણ દિશા તરફ જઈએ છીએ, તું તારી ઇચ્છા પ્રમાણે કર.’ આમ તે વાણીઆઓએ કહ્યું, એટલે પોતાની ઇચ્છેલી દિશામાં જવા માટે તેઓની રજા માગી નિશ્ચયદત્ત એકલો ઉત્તર દિશાનો આશ્રય કરીને ઉતાવળો, ઉતાવળો તે તરફ ચાલવા લાગ્યો; કારણ કે અનુરાગપરાના પ્રેમપાશમાં બંધાવાથી તેની બુદ્ધિ નાશ પામી હતી. માર્ગમાં ક્રમે ક્રમે ચાલતાં તેને ચાર મોટા વ્રતધારી મળ્યા. તે ચાર જણાની સાથે તેઓ વિતસ્તા નામની નદી ઊતરી ગયા. ઊતર્યા પછી ભોજન કરી, સૂર્ય અસ્ત થવાનો સમય થયો એટલે તેઓની જ સાથે તે માર્ગમાં ચાલવા લાગ્યો; એવામાં તે માર્ગેર્ એક વન આવ્યું, તેમાં તે પેઠી. વન આગળ ગયા ત્યાં કેટલાએક લાકડાના ભારા ઉપાડનારા કઠિયારા તેઓને મળ્યા; તે બોલ્યા, અરે વટેમાર્ગુઓ! ‘દિવસ અસ્ત થયા પછી ક્યાં જાઓ છો? આગળ કોઈ પણ ગામ નથી, આ વનમાં એક ઉજ્જડ શિવ મંદિર છે. જે મનુષ્ય તે મંદિરની અંદર કે બહાર ઉતારો કરીને રહે છે, તેને શૃંગોત્પાદિની નામની યક્ષિણી પ્રથમ શંગિડાં ઉપજાવી, પશુ બનાવી, મોહ પમાડીને ખાઈ જાય છે.’ આટલું સાંભળ્યા છતાં પણ તે ચારે મહાવ્રતધારીઓ, તેની દરકાર કર્યા વગર નિશ્ચયદત્તને કહેવા લાગ્યા; ‘ચાલ, ચાલ તે રાંડ યક્ષિણી આપણને શું કરશે? કારણ કે અમે જુદા જુદા સ્મશાનમાં રાત્રિઓ રહ્યા છીએ.’ એવાં વચન સાંભળી નિશ્ચયદત્ત તેઓની સાથે ચાલવા માંડ્યો. આગળ ચાલતાં ગાઢ વનમાં એક શિવાલય આવ્યું એટલે રાત્રિ ગાળવા માટે તે ચારે દેવમંદિરની અંદર ગયા. તે દેવમંદિરના આંગણામાં તેઓએ રાખનું એક મોટું મંડળ કરી, ‘તે અમને શું કરનારી છે’ એમ કહી લાકડાનો અગ્નિ સળગાવ્યો અને ધીર નિશ્ચયદત્ત તથા બીજા સર્વે વ્રતધારીઓ, તે મંડળમાં બેસી પોતાની રક્ષા માટે મંત્ર જપવા લાગ્યા. જ્યારે અર્ધરાત્રિ થઈ ત્યારે પેલી શૃંગોત્પાદિની યક્ષિણી, નૃત્ય કરતી અને હાડકાની કિન્નરી વગાડતી ત્યાં આવી; અને મંડળની બહાર ઊભી રહી, પછી તે ચાર વ્રતધારીમાંથી એક વ્રતધારી તરફ નજર કરી નૃત્ય કરવા લાગી અને મંત્ર ભણવા લાગી. તેના મંત્રથી તે મહાવ્રતધારીને શંગિડાં ઉત્પન્ન થયાં અને તે મોહ પામીને ઊભો થઈ નાચ કરવા લાગ્યો, જોતજોતાંમાં બળતા અગ્નિમાં જઈ પડ્યો. પછી શૃંગોત્પાદિની નામની યક્ષિણી, અગ્નિમાં પડેલા અને અર્ધ બળેલા તે પુરુષને અગ્નિમાંથી બહાર ખેંચીને બીજા વ્રતધારીના દેખતાં ખાઈ ગઈ. આવી રીતે યક્ષિણી મહાવ્રતધારીઓને એક પછી એક મોહિત કરી શંગિડાંવાળા કરીને ખાઈ ગઈ. ચોથા વ્રતધારીએ દૈવયોગમાં તે કિન્નરી વાદિત્રને ઉપાડી વગાડવા લાગ્યો, નાચવા લાગ્યો, હસવા લાગ્યો અને ભમવા લાગ્યો; અને તે યક્ષિણીના મુખ સામી નજર કરી, સાંભળવાથી આવડી ગયલા શૃંગોત્પાદન નામના મંત્રને વારંવાર ભણવા લાગ્યો. તે યક્ષિણી તે પ્રયોગના પ્રતાપથી પરાધીન બની ગઈ અને પોતાનું મૃત્યુ થશે એમ શંકા કરવા લાગી. તેને શંગિડાં ઊગવાને તૈયાર થયાં એટલે તે ગદ્ગદિત થઈને બોલી: ‘હે મહાપરાક્રમી! તું આ નિરાધાર સ્ત્રીનું રક્ષણ કર. આ વખતે મારું શરણ તું છે. રે રે! ઓ ઓ! મંત્રનો પાઠ કરવા વગેરે કર્મ બંધ કર. હું તારા મનની ઇચ્છા સર્વ જાણું છું; અને તે પૂરી કરીશ. જ્યાં અનુરાગપરા છે, ત્યાં તને લઈ જાઉં છું. ચાલ.’ આવી રીતે તે સ્ત્રીએ પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું એટલે ધીર નિશ્ચયદત્તે ‘ઠીક છે’ એમ કહી મંત્રપાઠ વગેરે ભણવું બંધ કરી તે યક્ષિણીના કહેવાથી તેની કાંધ ઉપર બેઠો. તે યક્ષિણી આકાશ માર્ગે ઊડી અને તેને અનુરાગપરા નામની તેની પ્રિયા પાસે લઈ ગઈ. રાત્રિ પૂર્ણ થઈ ને પ્રભાત થયું. એવામાં એક પર્વતનું વન આવ્યું એટલે યક્ષિણી નમ્રતાથી નિશ્ચયદત્તને વિનંતિ કરવા લાગી: ‘મહારાજ! સૂર્યોદય થયા પછી હવે મારામાં ઉપર જવાની શક્તિ રહેતી નથી. માટે આ રમણીય વનમાં સ્વાદિષ્ટ ફળો ખાઓ, શીતળ ઝરણાનું જળ પીઓ અને આજનો દિવસ અહીં ગાળી કહાડો. હું મારા રહેઠાણ ઉપર જઈશ અને જ્યારે રાત્રિ પડશે ત્યારે પાછી આવીશ. તે જ વખતે તમને હિમાચળના મસ્તકના મુકુટ રૂપ પુષ્કરાવતી નગરીમાં અનુરાગપરાની પાસે લઈ જઈશ.’ આટલું કહી કાંધ ઉપરથી તેને ઉતારી ફરી આવવાની સત્ય પ્રતિજ્ઞા કરી તેની રજા માગીને તે ચાલી ગઈ.

વાનર થયેલા સોમસ્વામીની કથા

તે યક્ષિણીના ગયા પછી નિશ્ચયદત્તે તે વનમાં અગાધ તળાવ દીઠું, તે તળાવનું જળ બહારથી સ્વચ્છ ને શીતળ દેખાતું હતું પણ અંદર ઝેરવાળું હતું. સૂર્યનારાયણ કિરણો ફેલાવીને જાણે પ્રસિદ્ધ કરીને દાખલો બતાવતા હોય કે, અરે મૂર્ખ, પ્રેમી સ્ત્રીનું હૃદય પણ એવું જ હોય છે. ઉપરથી સ્વચ્છ અને શીતળ તથા અંદરથી ઝેરવાળું માટે આ તળાવથી સાવધ રહેજો. નિશ્ચયદત્તે મનુષ્યના કર્તવ્ય પ્રમાણે ગંધથી તે તળાવના જળને ઝેરી જાણી, છોડી દીધું. તેણે પૃથ્વીના ટીંબા ઉપર બે પદ્મરાગ મણિ ચળકતા હોય તેમ ચળકતા બે પદાર્થો દીઠા. પછી તે જમીન ઉપર રહેલા ઊચા ભાગને ખોદીને તેમાંથી માટી કાઢી તો એક જીવતા વાંદરાનું માથું દેખાયું; પદ્મરાગની માફક ચળકતી હતી તે તેની આંખો હતી, નિશ્ચયદત્ત આ જોઈને ‘આ શું?’ આમ વિચાર કરે છે; એવામાં તે વાંદરો મનુષ્યવાણીથી બોલવા લાગ્યો: ‘હું મનુષ્ય છું. હું તને મારું પોતાનું સર્વ વૃત્તાંત કહી બતાવીશ.’ નિશ્ચયદત્ત તે વાનરનું મનુષ્ય જેવું બોલવું સાંભળતાં જ આશ્ચર્ય પામ્યો. પછી પેલા ખાડામાંથી મટોડીને દૂર કરી, તે વાંદરાને પૃથ્વીમાંથી બહાર કાઢ્યો. વાનર બહાર નીકળી ફરી તેના ચરણમાં પ્રણામ કરીને બોલ્યો: ‘તેં ઘણી મહેનતે મને ખાડામાંથી બહાર કાઢી મારા પ્રાણ બચાવ્યા છે. હવે ચાલ, હમણાં તું થાકી ગયો હોઈશ, માટે ફળ ખાઈને જળપાન કર; અને હું પણ તારી મહેરબાનીથી ઘણે દિવસે આજ પારણું કરીશ.’ આમ કહી તે વાંદરો નિશ્ચયદત્તને દૂર આવેલી એક નદીના કિનારા ઉપર લઈ ગયો. ત્યાં સ્વાધીન અને સ્વાદિષ્ટ ફળવાળાં તથા શીતળ છાયાવાળાં ઝાડ હતાં; નદીમાં નિશ્ચયદત્તે સ્નાન કીધું અને ફળ તથા જળનો ઉપભોગ કરીને, વાંદરા પાસે આવ્યો. વાંદરાએ પણ ઘણા દિવસનો ઉપવાસ હોવાથી પારણું કર્યું હતું, પછી નિશ્ચયદત્તે તેને પૂછ્યું, ‘તું નરમાંથી વાનર કેમ થયો તે કહી બતાવ.’ એટલે તે વાંદરે ઉત્તર આપ્યો, મારું વૃત્તાંત હું હમણાં તને કહું છું, હે મિત્ર! તું તે સાંભળ: કાશી નામના નગરમાં એક ચંદ્રસ્વામી નામનો ઉત્તમ બ્રાહ્મણ રહેતો હતો. તેની સુવૃત્તા નામની સ્ત્રીને પેટે હું જન્મ્યો અને પિતાએ મારું નામ સોમસ્વામી પાડ્યું હતું. હું ક્રમે ક્રમે મદમત્ત હોવાથી નિરંકુશ બની દુષ્ટ કામને આધીન થઈ ગયો. તે નગરમાં એક શ્રીગર્ભ નામનો વાણીઓ રહેતો હતો. તેની પુત્રીનું નામ બંધુદત્તા હતું. એ કન્યા તરુણ અવસ્થામાં હતી અને તે કન્યા મથુરામાં રહેનારા વારાહદત્ત નામના નગરશેઠની સ્ત્રી થતી હતી, પણ તે પોતાના પિતાને ત્યાં આવીને રહી હતી. એક દિવસે તેણે બારીમાં બેઠાં બેઠાં મને દીઠો, મને જોતાં વેંત જ તે કામાતુર થઈ ગઈ. પછી મારું નામ ખોળી કાઢી, મારી સાથે સંગમ કરવાની ઇચ્છાથી, તે સ્ત્રીએ યથાર્થવાદિની નામની તેની એક સખીને મારી પાસે મોકલી. તેની સખી, પોતાની સખીને કામાંધ બનેલી જાણી એકાંતમાં મારી પાસે આવી અને પોતાની તે સખીનો અભિપ્રાય કહી બતાવી, મને પોતાને ઘેર લઈ ગઈ. પોતાના ઘરમાં બેસારી, કોઈ જાણે નહીં તેમ, તે જ વખતે જઈને તે બંધુદત્તાને તેડી લાવી. બંધુદત્તા પણ ઉત્કંઠાથી શરમનો ત્યાગ કરી ત્યાં આવી અને તરત મને આલિંગન આપ્યું. સ્ત્રીઓનો પરાજય કરનાર છેવટનો એક વીર કામદેવ છે. બંધુદત્તા આવી રીતે દરરોજ પોતાની સખીને ઘેર આવતી અને મારી સાથે રમતગમત કરતી હતી. એક વખતે તે સ્ત્રીનો ધણી, જે મહાજનનો વડો હતો તે વારાહદત્ત, ઘણા દિવસથી બાપને ઘેર રહેતી પોતાની સ્ત્રીને તેડવા, મથુરા નગરથી કાશી નગરમાં આવ્યો. કન્યાના પિતાએ પુત્રીને સાસરે જવા માટે રજા આપી અને તેના ધણીએ પણ તેડી જવાની ઇચ્છા બતાવી: એટલે બંધુદત્તાએ પોતાની ગુપ્ત બાબત, જે બીજી સખી જાણતી હતી તેને કહ્યું: ‘અલિ સખિરી! મારો પતિ મને અવશ્ય મથુરા નગરી લઈ જશે; પણ હું સોમસ્વામી વગર ત્યાં જીવી શકીશ નહીં. માન ન માન તેના વિના હું મરી જઈશ માટે આ બાબતમાં કોઈ ઉપાય હોય તો મને બતાવ.’ તે સાંભળીને તેની સખી સુખશયા, જે યોગવિદ્યા જાણતી હતી તે બોલી: ‘મારી પાસે બે મંત્રના પ્રયોગ છે. તે બે મંત્રમાં એક મંત્ર ભણી કંઠમાં દોરો બાંધો કે તરત જ મનુષ્ય વાંદરો બની જાય; અને બીજો મંત્ર ભણી દોરો છોડે કે તે પાછો મનુષ્ય થઈ જાય છે. જ્યારે માણસ વાંદરો થાય ત્યારે તેની બુદ્ધિ નાશ પામતી નથી પણ તેની તે જ રહે છે. હે સુશ્રોણિ! માટે જો તારી ઇચ્છા હોય અને સોમસ્વામી તને વહાલો લાગતો હોય તો તેને હમણાં વાંદરાનું બચ્ચું બનાવી મૂકું. તું મારા મંત્ર વડે તેને વાંદરાના આકારમાં તારી પાસે રાખજે અને એકાંતમાં તારા પ્રિયતમને પુરુષ બનાવજે. તે સખીએ આમ કહ્યા પછી બંધુદત્તાએ એકાંતમાં મને બોલાવી પ્રેમસહિત, જેમ સખીએ કહ્યું હતું તેમ યથાર્થ વાત મને જણાવી. મેં તેની આજ્ઞા કબૂલ રાખી. પછી તેની સખી સુખશયાએ મારા ગળામાં મંત્રનો દોરો બાંધી મને એક ક્ષણમાં વાંદરાનું બચ્ચું બનાવી મૂક્યો. બંધુદત્તા વાંદરાના આકારમાં રહેલા મને પોતાના પતિ પાસે લઈ જઈ બોલી: ‘મને મારી સખીએ આ રમતગમત કરવા માટે આપ્યો છે,’ એમ કહીને વાંદરા બનેલા મને બતાવ્યો. વારાહદત્ત મને પોતાની સ્ત્રીના ખોળામાં બેઠેલો જોઈ, આ રમાડવા લાયક છે, એમ સમજી રાજી થયો. હું બુદ્ધિશાળી અને મનુષ્યની માફક સ્પષ્ટ બોલતો હતો. તો પણ વાંદરો જ હતો! મને આ દેખાવ જોઈ; ‘અરે સ્ત્રીનું ચરિત્ર વિચિત્ર છે’, આમ થવાથી મનમાં હસવું આવતું હતું; તથાપિ હું તે અવસ્થામાં બેસી રહ્યો કારણ કે આ સંસારમાં કામદેવ કોને દુઃખ આપતો નથી? સર્વને દુઃખી કરે છે. પછી બંધુદત્તા સખીની પાસેથી બન્ને મંત્રો શિખી, પિતાને ઘેરથી પતિની સાથે મથુરા જવા માટે નીકળી. તે વખતે માર્ગમાં બંધુદત્તાને સારું લગાડવા માટે તેના પતિએ એક ચાકરના મસ્તક ઉપર મને બેસાર્યો. અમે સઘળા ચાલવા લાગ્યાં. રસ્તામાં ચાલતાં ચાલતાં બે ત્રણ દિવસ થયા પછી એક વનમાં આવી ચઢ્યાં.વનમાં ગયા પછી વાંદરાઓ અમને કિવી કિવી શબ્દો કરી પરસ્પર બોલાવવા લાગ્યા અને ભેળા થઈ ટોળેટોળાં ચોતરફથી અમારી ઉપર તૂટી પડ્યાં. બંધુદત્તાના પતિના પંડના માણસોએ તે વાંદરાઓને બહુ વાર્યા તો પણ તે અટક્યા નહીં અને પાસે આવી જે વાણીઆના ચાકરની કાંધ ઉપર હું બેઠો હતો તેને ખાઈ જવા માટે તૈયાર થયા! આથી તે ચાકર વિહ્વળ બની ગયો અને ભયથી મને જમીન ઉપર પટકી તરત જ પલાયન કરી ગયો. પછી તે વાંદરાઓ મને ઉપાડી ગયાં. વાંદરાઓ મને લઈ ગયા જોઈ, મારા ઉપરના સ્નેહને લીધે, બંધુદત્તા, તેનો વર અને તેનાં માણસો પથરા વતી અને લાકડી વતી વાંદરાઓને મારવા લાગ્યા, પણ તે વાંદરાઓને હરાવી શક્યા નહીં. મારા મૂઢનાં કુકર્મથી કોપ્યા હોય તેમ વાનરોએ નખ વતી અને દાંત વતી મારા દરેક અંગમાંથી રૂવાંડેરૂવાડાં ઉખેડી કાઢ્યાં. કંઠમાં બાંધેલા દોરાના પ્રતાપથી અને શંકરનું ધ્યાન ધરવાથી મારામાં બળ આવ્યું, એટલે હું તેના બંધને તોડી નાખી, ત્યાંથી ભાગી એક ગાઢ વનમાં જઈ તેની નજરથી દૂર થઈ ગયો; અને ધીમે ધીમે એક વનમાંથી બીજા વનમાં ને બીજાથી ત્રીજામાં જતાં જતાં આ વનમાં આવી પહોંચ્યો છું. શોકમાં અંધ થઈ ગયેલો હું, આવી રીતે વર્ષાઋતુમાં અહીંથી ત્યાં એમ ભટકતો હતો ને મારા મનને કહેતો હતો કે ‘અહો! તું બંધુદત્તાથી વિખૂટો પડ્યો અને આ જ જન્મમાં પરસ્ત્રી સમાગમ કરવાથી વાનર થયો! આ તેનું ફળ તને મળ્યું કેમ?’ મારા આવા દુઃખથી પણ બ્રહ્માને સંતોષ વળ્યો નહીં, માટે તેણે વળી બીજું દુઃખ પણ આપ્યું. એક હાથિણી અકસ્માત્ ત્યાં આવી પહોંચી અને મને શુંડની અંદર વીંટાળી વરસાદના પાણીથી ભીંજવેલો એક રાફડો હતો તેના ગારાની અંદર મને ખોસી દીધો. અહાભાગ્ય! આ ગારામાંથી નીકળવા માટે મેં બહુ બહુ પ્રયત્ન કર્યો પણ હું નીકળવા શક્તિમાન થયો નહીં, તે ઉપરથી હું માનું છું કે તે હાથિણી કોઈ પણ નસીબદેવે મોકલેલી દેવી હશે. હે મિત્ર! હું આ રાફડામાં શ્વાસ લઈને કેવળ જીવતો હતો એમ ન હતું; પણ પ્રતિદિવસ શંકરનું ધ્યાન ધરતો હતો એથી મારા મનમાં જ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયથી મારી ક્ષુધા, તૃષા મરી ગઈ, તેં આજે મને આ શુષ્ક થયેલા રાફડામાંથી બહાર કાઢ્યો છે, મને જ્ઞાન થયું છે, પણ તે જ્ઞાનના પ્રમાણમાં જોઈએ તેટલી શક્તિ છે નહીં કે જે શક્તિને આધારે આ વાનરપણામાંથી મારા આત્માને મુક્ત કરું, જ્યારે કોઈ પણ યોગિની તે જ મંત્ર ભણીને મારા ગળાનો આ દોરો છોડશે, ત્યારે હું ફરી મનુષ્ય શઈશ. આ રીતનું મારું વૃત્તાંત છે. હે મિત્ર! તું આ અગમ્ય વનમાં શા માટે આવ્યો છે, તે હવે મને કહી બતાવ.’ આવી રીતે વાનર બનેલા સોમસ્વામીએ પોતાની કથા કહ્યા પછી નિશ્ચયદત્ત પોતાનું વૃત્તાંત તેને કહેવા લાગ્યો, ‘હું ઉજ્જયિનીથી અનુરાગપરા નામની વિદ્યાધરીને મળવાને ચાલ્યો આવું છું, અને રસ્તામાં એક યક્ષિણીને ધૈર્યથી હરાવી તેના ઉપર બેસીને અત્ર રાત્રે આવ્યો છું.’ તે વૃત્તાંત સાંભળી બુદ્ધિશાળી અને વાનરનું રૂપ ધારણ કરનાર સોમસ્વામી આશ્ચર્ય પામ્યો અને નિશ્ચદત્તને કહેવા લાગ્યો: ‘તેં મારી માફક સ્ત્રી માટે મોટા દુઃખનો અનુભવ કર્યો છે. કોણ જાણે લક્ષ્મીનો અને સ્ત્રીનો કોઈ સ્થળે સ્થિર વાસ હોતો નથી. સ્ત્રીઓ સંધ્યાની માફક ક્ષણવાર રક્ત દેખાય છે અને નદીની માફક કુટિલાશયા હોય છે, તે સપિર્ણીની માફક અવિશ્વાસ કરવા જોગ છે. વધારે શું? વીજળીની માફક ચંચલ સ્વભાવની હોય છે માટે તે વિદ્યાધરી અનુરાગપરા તારા ઉપર આશક છે, છતાં પણ કોઈ સ્વજાતિનો પુરુષ મળશે ત્યારે એક ક્ષણમાં તું મનુષ્યની ઉપર ઉદાસ થઈ જશે. માટે સ્ત્રી માટેનો તારો આ પ્રયાસ નિષ્ફળ છે. પાક્યા પછી માઠાં પરિણામ લાવનારું ફળ જેમ નીરસ થઈ પડે છે, તેમ આ પ્રયાસ પણ નીરસ છે. હે મિત્ર! માટે તું વિદ્યાધરની પુષ્કરાવતી નગરીમાં જવું બંધ રાખ, અને યક્ષિણીની ખાંધ ઉપર ચઢી, ઉજ્જયિની નગરીમાં જ પાછો જા. મિત્ર! મારું કહ્યું માન! મેં પ્રેમને લીધે મિત્રનું કહ્યું કર્યું નહીં. તેને લીધે હમણાં પણ પસ્તાઉં છું. જ્યારે હું બંધુદત્તા ઉપર આશક થયો, ત્યારે ઘણા જ કોમળ મનવાળા અને બ્રાહ્મણ જાતિમાં જન્મેલા ભવશર્મા નામના મારા મિત્રે મને એ કામ કરતાં અટકાવ્યો અને આ પ્રમાણે કહ્યું હતું: ‘અરે મિત્ર! તું સ્ત્રી ઉપર આશક બની તેને વશ થા મા; કારણ કે સ્ત્રીનું મન ન જણાય તેવું હોય છે. વળી તેણે મને એક કથા કહી હતી તે કથા પણ હું તને કહું છું તે સાંભળ-

ભવશર્માએ કહેલી કથા

‘કાશી નગરીમાં એક તરુણ અને સ્વરૂપવાન સોમદા નામની બ્રાહ્મણી રહે છે. તે છાની રીતે યોગવિદ્યા જાણે છે. તે સ્ત્રી સાથે મારે દૈવવશથી એકાંતમાં સમાગમ થયો. તે સમાગમથી ધીરે ધીરે તે સ્ત્રી ઉપર મારી પ્રીતિ વધતી ગઈ. એક દિવસે તે સ્ત્રીએ અન્ય તરફ જોયું, તેથી મને ઈર્ષ્યા આવી. પછી મેં તેને ઇચ્છા પ્રમાણે સજ્જડ ઠપકો દીધો. આ વખતે તે ક્રૂર સ્ત્રીએ પોતાનો ગુસ્સો ગુપ્ત રાખી મારા મારને સહન કર્યો. બીજે દિવસે તે સ્ત્રીએ પ્રેમક્રીડાનું બહાનું કાઢી મારા ગળામાં દોરો બાંધી દીધો એટલે હું એક ગરીબ બળદ બની ગયો. હું બળદ બની ગયો પછી, તે સ્ત્રીએ ઊંટ ઉપર આજીવિકા ચલાવનારા ગરીબ ઊંટવાળાને ત્યાં મને મનમાની કિંમત લઈને વેચ્યો. એ ઊંટવાળો મારા ઉપર ભાર ભરતો. તેનાથી હું અત્યંત કષ્ટ પામતો હતો. નસીબ સંજોગે એક વખત આ નગરીમાં રહેનારી બંધમોચનિકા નામની યોગિનીએ મને દુઃખી થતો જોયો, અને જોતાં વાર જ તે સમજી ગઈ કે આને સોમદાએ પશુ બનાવ્યો છે! પછી મારો ધણી દેખે નહીં તેમ, તે સ્ત્રીએ મારા કંઠમાંથી દોરો છોડી નાખ્યો; એટલે હું મનુષ્ય થઈ ગયો. મારો ઉપરી ઊંટવાળો મને નાસી ગયેલો જાણી, ઝટ જોવા લાગ્યો અને ચારે તરફ દોડવા લાગ્યો. હું બંધમોચિનિકા સાથે જતો હતો, એવામાં દૈવયોગે તે દુષ્ટ સોમદાએ મને છેટેથી દીઠો, ત્યારે તે ક્રોધથી બળવા લાગી અને તે જ્ઞાનવાળી બંધમોચનિકાએ કહ્યું: ‘આ પાપીને તેં પશુપણામાંથી શા માટે છૂટો કર્યો? માણસ શું કામ બનાવ્યો? હે દુરાચારિણી! તને ધિક્કાર છે. આ કુકર્મનું ફળ તને મળશે. કાલે સવારે આ પાપી સહિત હું તારો નાશ કરી નાખીશ.’ આટલું કહી તે સ્ત્રી-મારી એક વારની પ્રિયા ચાલી ગઈ. પછી સિદ્ધ યોગિની, બંધમોચનિકા સોમદાનો નાશ કરવા માટે મને કહેવા લાગી: ‘અલ્યા ભવશર્મન્! આવતી કાલે, તે કાળી ઘોડીનું સ્વરૂપ લઈ મને મારવા આવશે, તે વખતે હું રાતી ઘોડીનું રૂપ ધારણ કરીશ. પછી જ્યારે અમારા બન્નેનું યુદ્ધ ચાલવા માંડે ત્યારે તારે સાવધાન થઈ હાથમાં રાખેલી તરવાર પાછળથી તે સોમદાને મારજે, તરવાર મારવાથી આપણે બે તે સોમદાને ઠાર કરી નાખશું. જા ને તું કાલે સવારે મારે ઘેર આવજે.’ આટલું કહી તે સ્ત્રી મને પોતાનું ઘર બતાવી, તે ઘરની અંદર પેઠી અને જેણે એક જ જન્મનાં અદ્ભુત અનેક જન્મોનો અનુભવ કર્યો હતો તે હું મારે પોતાને ઘેર ગયો. બીજે દિવસે સવારમાં હાથમાં તરવાર લઈ હું બંધમોચનિકાને ઘેર ગયો. તુરત જ સોમદા કાળી ઘોડીનું રૂપ ધારણ કરી ત્યાં આવી. બંધમોચનિકાએ રાતી ઘોડીનું રૂપ ધારણ કર્યું. તે બન્ને જણી પરસ્પર ખરી અને દાંતનો પ્રહાર કરીને યુદ્ધ કરવા લાગી. પેલી ક્ષુદ્ર ડાકણને પાછળથી તરવાર મારી અને બંધમોચનિકાએ લાત મારી તેથી સોમદા મરી ગઈ. આવી રીતે હું પશુપણાથી મુક્ત થઈને નિર્ભય થયો છું અને હવે નઠારી સ્ત્રી સાથે સંબંધ કરવાનું મનમાં પણ વિચારતો નથી. ચપળતા, સાહસિકતા અને મંત્ર-તંત્ર-યંત્રની નીચ ક્રિયા- આ ત્રણ સ્ત્રીઓના દોષ છે, તે ઘણું કરીને ત્રણ જગતને ત્રાસ આપે છે માટે તું બંધુદત્તા ડાકણ પાછળ શા માટે દોડે છે? જેને પોતાના પતિ ઉપર પ્રેમ નથી, તે સ્ત્રીને તારા ઉપર પ્રેમ ક્યાંથી હશે?’ આવી રીતે મારા મિત્ર ભાવશર્માએ મને ઉપદેશ આપીને સમજાવ્યો, તો પણ મેં તેનું કહેવું કર્યું નહીં. તેથી આ દશાને પામ્યો છું. તને પણ મારું કહેવું એ છે કે તુંં અનુરાગપરા માટે ક્લેશ કર મા. જ્યારે તે સ્ત્રીને પોતાની જાતિનો પતિ મળશે, ત્યારે તે અવશ્ય તને છોડી દેશે, મિત્ર! જ્યારે તારો ત્યાગ કરશે ત્યારે તને મારી પેઠે ભારે પશ્ચાત્તાપ થશે. ભમરી જેમ નવાં નવાં પુષ્પની વાંછના રાખે છે, તેમ સ્ત્રી પણ નવા નવા પુરુષ સાથે સમાગમની વાંછના રાખે છે. વાનર થયેલા સોમસ્વામીએ ઘણાં વચન કહ્યાં, પણ નિશ્ચયદત્તનું હૃદય પ્રેમથી પૂર્ણ ભરાયેલું હતું તેથી ત્યાં તેના વચનનો પ્રવેશ થયો નહીં. પછી નિશ્ચયદત્ત બોલ્યો, ‘સોમસ્વામિ! તે કન્યા વિદ્યાધરના રાજાના શુદ્ધ કુળમાં જન્મી છે, માટે તે મારા ઉપર પ્રેમ કરીને અન્ય સંગે વ્યભિચાર કરશે નહીં.’ આમ વાત કરતા હતા એવામાં જાણે પ્રથમ દૂતી આવી હોય તેમ રાત્રિ દેવી પધાર્યાં, રાત્રિ પડી. પછી શૃંગોત્પાદિની યક્ષિણી નિશ્ચયદત્તની નિકટમાં આવી ઊભી રહી. નિશ્ચયદત્તે પ્રિયા પાસે જવા માટે સોમસ્વામી વાનરની રજા માંગી; ત્યારે સોમસ્વામી બોલ્યો: ‘ભાઈ! તું ભલે જા પણ ત્યાં મને સંભારજે.’ મનુષ્ય મટી વાનર બનેલા સોમસ્વામીની રજા લીધા પછી નિશ્ચયદત્ત તે યક્ષિણીની કાંધ ઉપર ચઢી વિદાય થયો. અર્ધ રાત્રિનો સમય થયો એટલે હિમાચળ ઉપર અનુરાગપરાના પિતા વિદ્યાધરના રાજાની, પુષ્કરાવતી નામની નગરીમાં તે આવી પહોંચ્યો. અનુરાગપરાએ પોતાના જ્ઞાનપ્રભાવથી જાણ્યું કે મારો પતિ આવે છે, તેને આવકાર આપવા માટે પોતે નગરીની બહાર આવી પેલી યક્ષિણી અનુરાગપરાને જોઈને મને બતાવવા લાગી અને બોલી: ‘બીજી ચંદ્રમાની મૂતિર્ માફક નેત્રને ઠંડક આપનારી તારી સ્ત્રી આવે છે, માટે હવે હું જાઉં છું.’ આટલું કહી નિશ્ચયદત્તને કાંધ ઉપરથી નીચે ઉતારી, તેને પ્રણામ કરી, ચાલતી થઈ. પછી અનુરાગપરાએ પ્રીતમની પાસે આવી, ઘણા દિવસની ઉત્કંઠાથી ઉતાવળે આલિંગન ચુંબન વગેરે આપી તેને રાજી કર્યો. નિશ્ચયદત્ત પણ ઘણા કલેશ સહન કર્યા પછી તે સ્ત્રીનો સમાગમ થવાથી ઘણો રાજી થયો અને તે વખતે તેને આલિંગન કરી પોતાના શરીરનું પણ ભાન ભૂલી ગયો, તે કેવળ તન્મય થઈ ગયો. અનુરાગપરાએ ગાંધર્વ વિધિથી તેની સાથે વિવાહ કરી પોતાની વિદ્યા વડે નગર બહાર એક નવું નગર બનાવ્યું. આ નગરમાં નિશ્ચયદત્ત તે સ્ત્રીની સાથે રહેવા લાગ્યો. અનુરાગપરાએ પોતાની વિદ્યાથી માતાપિતાની નજર બાંધી લીધી હતી, તેથી તે નિશ્ચયદત્તને દેખતાં હતાં નહીં. પછી અનુરાગપરાએ પૂછયું, ‘પ્રાણવલ્લભ! તમે અહીં કેવી રીતે આવી શક્યા?’ ત્યારે નિશ્ચયદત્તે તે વિદ્યાધરી આગળ માર્ગમાં જે જે દુઃખો પડ્યાં હતાં તે સઘળાં કહી બતાવ્યાં. તેનાં દુઃખ સાંભળીને તે સ્ત્રી, તેને ઘણો મોટો માનવા લાગી અને ઉત્તમ પ્રકારના વૈભવથી તેની ચાકરી કરવા લાગી. પછી નિશ્ચયદત્તે વિદ્યાધરીની આગળ વાનર થયેલા સોમસ્વામીની અદ્ભુત વાર્તા કહી સંભળાવી, અને પછી બોલ્યો, ‘વ્હાલી! તે મારો મિત્ર છે. તારા કોઈ ઉપાયથી જો તે વાનરના શરીરમાંથી છૂટે તો મેં ને તેં તેનું ભલું કર્યું કહેવાશે.’ નિશ્ચયદત્તે કહ્યું એટલે અનુરાગપરા પણ બોલી,‘આ મંત્રનો વિષય છે ને તે યોગિનીઓનો છે, અમારો એ વિષય નથી. તથાપિ તે વાત તમને ગમતી છે તો હું મારી બહેનપણી ભદ્રરૂપા નામની એક સિદ્ધ યક્ષિણી છે, તેની પ્રાર્થના કરીને આ કામ કરીશ.’ તે સાંભળી તે વાણીઆનો દીકરો પ્રસન્ન થયો અને બોલ્યો, ‘પ્રિયા! ત્યારે તો તું મારા મિત્રનાં દર્શન કરવા માટે ચાલ. આપણે બન્ને તેની પાસે જઈએ.’ પેલી સ્ત્રી બોલી, ‘બહુ સારું.’ બીજે દિવસે નિશ્ચયદત્ત વિદ્યાધરીના ખોળામાં બેસી આકાશમાર્ગે વાનર મિત્રના રહેઠાણવાળા વનમાં ગયો ને વાનરના રૂપમાં રહેલા મિત્રની પાસે જઈ, નિશ્ચયદત્ત અને તેની સ્ત્રીએ પ્રણામ કર્યા: અને તે જ વખતે બન્ને જણાએ કુશળ સમાચાર પૂછ્યા. સોમસ્વામી બોલ્યો: ‘આજ મેં તને અનુરાગપરાની સાથે દીઠો, એ જ તારે મારું કુશળ જાણવું.’ આટલું બોલી નિશ્ચયદત્તને ઘણું માન આપ્યું. અને તેની સ્ત્રીને અખંડ સૌભાગ્યવતી થા એવો આશીર્વાદ દીધો. આકાશગામિની વિદ્યા પછી તે ત્રણે જણાં એક મનોરંજન શિલાતલ ઉપર બેસી વાનરને તે શરીરમાંથી મુકત કરવા માટે અનેક કથા કરવા લાગ્યાં. કથા થઈ રહ્યાં પછી નિશ્ચયદત્તે જવા માટે સ્ત્રી સાથે પ્રથમ વિચાર કર્યો અને ત્યાર પછી વાનરની આજ્ઞા માગી તે વિદ્યાધરીના ખોળામાં બેસી આકાશ માર્ગે પોતાની પ્રિયાને મંદિરે ગયો. બીજો દિવસ થયો એટલે નિશ્ચયદત્ત બોલ્યો: ‘મનમોહના ચાલ, ક્ષણવાર તે વાનર મિત્રની પાસે જઈ આવીએ.’ અનુરાગપરા બોલી: ‘આજ તો મારી પાસેથી ઊંચે ઉડવાની અને નીચે ઊતરવાની વિદ્યા જાણી લઈને તમે પોતે જ તેની પાસે જાઓ.’ નિશ્ચયદત્ત સ્ત્રીનું એ પ્રમાણે કહેવું સાંભળી, તેની પાસેથી બન્ને વિદ્યા ભણી, આકાશમાર્ગે વાનર મિત્ર પાસે ગયો; અને ત્યાં તેની સાથે ઘણી વાર સુધી વાર્તા કરવા લાગ્યો. આપણી તરફ તેની સ્ત્રી અનુરાગપરા પોતાના મંદિરમાંથી બહાર નીકળી ઉપવનમાં જઈને બેઠી છે. એવામાં દૈવેચ્છાથી એક વિદ્યાધરનો કુમાર, ફરતો ફરતો આકાશમાર્ગે તે ઉપવનમાં આવી ચઢ્યો. તે કુમાર, આ વિદ્યાધરીનાં દર્શન કરતાં વેંત જ કામદેવને અધીન થવાથી પરાધીન બની ગયો. પછી તે વિદ્યાધર સ્ત્રીની નજીક ગયો; અને વિદ્યાથી તપાસ કરતાં જાણ્યું કે, આ વિદ્યાધરીનો પતિ મનુષ્ય જાતિનો છે, દેવજાતિનો નથી. અનુરાગપરા પણ તે નવયુવાન પુરુષને નજીક આવ્યો જોઈ આશ્ચર્ય પામી. પછી પ્રણામ કરી ધીરે ધીરે પ્રશ્ન કરવા લાગી,‘તમે કોણ છો? ને શા માટે અહીં પધારવું થયું છે?’ તે સાંભળીને વિદ્યાધર બોલ્યો: ‘અલિ મુગ્ધે! હું રાજભંજન નામનો વિદ્યાધર છું; અને હું મારી પોતાની વિદ્યા જાણવામાં કુશળ છું. હે હરિણાક્ષિ! તારાં દર્શન કરતી વખતે જ મને કામદેવે સ્વાધીન કરી તને અર્પણ કર્યો છે; અર્થાત્ હું કામ ભોગવવાને કામાતુર તારી પાસે આવ્યો છું તો હે દેવિ! હવે પૃથ્વી ઉપર વસનારા મનુષ્યની સેવા કરવી છોડી દે; અને જ્યાં સુધી આ વાર્તા તારા પિતાના જાણવામાં આવે નહીં ત્યાં સુધી તું મારી સેવા કરી, મોજમઝા ઉઠાવ!’ આવી રીતે તે કુમાર બોલ્યો એટલે ચપળ અંત:રણવાળી તે સ્ત્રી, અર્ધા કટાક્ષવડે પ્રેમ ભરી આંખે તે પુરુષ તરફ જોવા લાગી અને નિશ્ચય કર્યો કે, આ પુરુષ મારા લાયક છે. પછી અનુરાગપરાએ પોતાના અંત:કરણની વાર્તા તે કુમારને જણાવી દીધી અને પરસ્પર પ્રિયા પ્રિતમ બની રહ્યા. જ્યારે એકાંતમાં બે જણાનો મેળાપ થાય છે, ત્યારે કામદેવ બીજું શું ઇચ્છે છે? તે વિદ્યાધર તો રંગ રમી રમાડી ત્યાંથી ચાલ્યો ગયો અને તે જ વખતે સોમસ્વામી પાસેથી નિશ્ચયદત્ત પાછો આવ્યો. અનુરાગપરા પાસે જ્યારે તે આવ્યો ત્યારે તે ઉદાસ બની બેસી રહી માથું દુઃખવાનું બહાનું કાઢી નિશ્ચયદત્તને આલિંગન વગેરે પણ આપ્યું નહીં. નિશ્ચયદત્ત સ્વભાવે સરલ હતો અને તેના પ્રેમમાં ગાંડો બની ગયો હતો. તેને લીધે તેના ઢોંગને જાણી શક્યો નહીં, પણ તેને બિમાર જાણી, પોતે પણ તે દિવસ દિલગીરીમાં કાઢ્યો. રાત્રિ વીતી ગઈ વહાણું વાયું. પ્રિયાના દુઃખથી દિલગીર થયેલો નિશ્ચયદત્ત, ઊતરવા ને ઊડવાની વિદ્યાના બળથી આકાશમાર્ગે સોમસ્વામી પાસે ગયો. નિશ્ચયદત્ત મિત્ર પાસે ગયો એટલે વળી પેલો વિદ્યાધરનો કામીકુમાર અનુરાગપરાની પાસે આવ્યો, અને તેણે આખી રાત્રિનો વિરહ થવાથી, અતિ ઉત્કંઠિત બનેલી પ્રિયાને કંઠે વળગીને આલિંગન આપી, કામકેલી કરી, પરિશ્રાંત થઈ તે સ્ત્રીના ખોળામાં માથું મૂકી નિદ્રાવશ થઈ ગયો. અનુરાગપરા પણ વિદ્યાના પ્રભાવથી ખોળામાં સૂતેલા પ્રિતમને ગુપ્ત રાખી, રાત્રિનો ઉજાગરો થવાથી પોતે પણ નિદ્રાવશ થઈ ગઈ. આ વખતે નિશ્ચયદત્ત પણ સોમસ્વામી વાનરની પાસે જઈ પહોંચ્યો, તે વાનરમિત્રે તેની આગતાસ્વાગતા કરીને પૂછ્યું, ‘ભાઈ! આજે હું તને ઉદાસીમાં કેમ જોઉં છું, તે કહે.’ નિશ્ચયદત્ત વાનરને કહેવા લાગ્યો, ‘પ્રિય મિત્ર! અનુરાગપરા અત્યંત બિમાર છે, તેને લીધે હું ઉદાસ છું, કારણ કે તે સ્ત્રી મને પ્રાણ કરતાં પણ અધિક વહાલી છે.’ આવાં વચન સાંભળી જ્ઞાની વાનર બોલ્યો, ‘હમણાં તે સ્ત્રી પલાંઠી વાળીને સૂતી છે; માટે તેની આપેલી વિદ્યા વડે તે સૂતેલી સ્ત્રીને આકાશમાર્ગે મારી પાસે લઈ આવ. એટલે હમણાં હું તને એક મોટું આશ્ચર્ય અહીં જ બતાવું!’ તે સાંભળી નિશ્ચયદત્ત આકાશમાર્ગે ગયો અને જોયું તો પોતાની સ્ત્રીને સૂતેલી દીઠી, એટલે તેણે ધીમેથી તે સૂતેલી સ્ત્રીને પોતાના ખોળામાં લઈ લીધી. તે પોતે દિવ્ય દૃષ્ટિ ન હતો, માટે આ વખતે તે સ્ત્રીના અંગમાં લપટાઈ રહેલો વિદ્યાધર તેના જોવામાં આવ્યો નહીં; કારણ કે અનુરાગપરાએ પ્રથમથી નિદ્રાવશ થયેલા વિદ્યાધરને વિદ્યાના બળથી અદૃશ્ય કરી દીધો હતો. પછી નિશ્ચયદત્ત અનુરાગપરાને લઈ આકાશમાર્ગે ઊડી એક ક્ષણમાં સોમસ્વામી વાનરની સમીપમાં તે પ્રિય અંગનાને લઈ આવ્યો. તે વાનરને દિવ્યદૃષ્ટિ હતી કારણ કે તેને યોગનંુ જ્ઞાન હતું, તેથી તેણે વિદ્યાધરીની સર્વે ચેષ્ટા જોઈ. તેણે તે જ વખતે વિદ્યાધરને દીઠો. દેખતાવેંત જ તે બોલી ઊઠ્યો; ‘અરે રે ધિક્કાર છે! આ તે શું?’ આમ તે બોલવા લાગ્યો એટલે તત્ત્વવત્તા તે વાનરે તેને બનેલી સર્વે વાર્તા જણાવી એથી નિશ્ચયદત્તને બહુ ગુસ્સો ચઢ્યો ને ક્રોધનું ફળ મિત્રને બતાવવા ઇચ્છ્યું એવામાં તે વિદ્યાધરીનો-પ્રીતમ પેલો વિદ્યાધર જાગ્યો, અને આકાશમાં ઊડી અંતર્ધાન થઈ ગયો. અનુરાગપરા પણ તે વખતે જાગૃત થઈ ગઈ; અને પોતાની ગુપ્ત વાત ખુલ્લી પડી જાણી, લજ્જાથી નીચું મુખ કરીને બેઠી થઈ ગઈ. આ જોઈ નિશ્ચયદત્તના નેત્રમાંથી ચોધાર અશ્રુઓ પડવાં લાગ્યાં અને તે બોલ્યો; ‘અફસોસ અફસોસ! અરે પાપિણી! હું તારા ઉપર વિશ્વાસ રાખતો હતો; છતાં તેં આવી રીતે મને છેતર્યો! ધિક્કાર! અતિ ચંચળ પારાને બાંધવાની યુક્તિઓ શાસ્ત્રમાં છે, પરંતુ નવીન ચંચળ મનની સ્ત્રીને તાબે કરવાને વાસ્તે કોઈ યુક્તિ નથી.’ આવી રીતે તેણે તેને ઠપકો આપ્યો, એટલે અનુરાગપરા કંઈ ઉત્તર આપ્યા વગર રુદન કરતી આકાશમાં ઊડીને હળવે હળવે પોતાને ઘેર ચાલી ગઈ. પછી વાનર મિત્રે નિશ્ચયદત્તને કહ્યું, ‘મેં તને વાર્યો હતો, છતાં પણ તું જે સ્ત્રીની પાછળ દોડ્યો તે સખ્ત પ્રેમાગ્નિનું ફળ એ જ કે હમણાં તું હાય હાય કરે છે. સંપત્તિનો અને સ્ત્રીઓનો સ્વભાવ ચંચળ છે, માટે તેનો વિશ્વાસ શો? તેને જતાં વાર લાગતી નથી. માટે તું પશ્ચાત્તાપ દૂર કર, શાંતિ પકડ. નસીબમાં જે થવાનું હોય તે બ્રહ્માથી પણ ફેરવી શકાતું નથી.’ તે વાનર પાસેથી આ પ્રમાણેના જ્ઞાનવચન સાંભળી, નિશ્ચયદત્ત શોક અને મોહનો ત્યાગ કરી, સંસાર ઉપર વિરાગ બુદ્ધિ લાવી, તે વનમાં રહી શંકરને શરણે થયો અને તે વણિકપુત્ર વનમાં વાનર મિત્રની સાથે રહેવા લાગ્યો હતો એવામાં દૈવેચ્છાથી તેની પાસે મોક્ષદા નામની એક તાપસી આવી. પ્રણામ કરનાર નિશ્ચયદત્તને જોઈ ક્રમવાર પૂછવા લાગી, ‘તારો આ મિત્ર મનુષ્ય હોવા છતાં, વાનર કેમ બની ગયો તે મને આશ્ચર્ય લાગે છે.’ નિશ્ચયદત્તે તે તાપસીને પ્રથમ પોતાનું ચરિત્ર કહી બતાવ્યું; અને ત્યાર પછી પોતાના મિત્રનું ચરિત્ર કહી બતાવ્યું; અને પછી તેની પાસે દીનતાથી પ્રાર્થના કરવા લાગ્યો કે: ‘હે માતાજી! જો તમે પ્રયોગ અથવા તો મંત્ર જાણતાં હો, તો હમણાં આ મારા ભલું ઇચ્છનારા સન્મિત્રને વાનરપણામાંથી મુક્ત કરો.’ તે સાંભળી તે તાપસી બોલી, ‘બહુ સારું; અને તેણે તુરત વાનરના કંઠમાંથી મંત્રની યુક્તિ વડે દોરાને છોડી નાખ્યો, એટલે સોમસ્વામી, વાનરની આકૃતિનો ત્યાગ કરી પ્રથમની માફક મનુષ્ય બની ગયો. તુરત જ તે દિવ્ય પ્રતાપવાળી સ્ત્રી વીજળીની પેઠે એકદમ અદૃશ્ય થઈ ગઈ. પછી સોમસ્વામી તથા નિશ્ચયદત્ત બન્ને જણા તે વનમાં ઘણું તપ કરી, કાળે કરી ઈશ્વરના લોકમાં ગયા, આવી રીતે સ્ત્રીઓ સ્વભાવથી ચપળ છે અને ઘણાં દુરાચરણ કરી વિવેકનો નાશ કરે છે. એ સ્ત્રીઓમાં કેટલીક સ્ત્રીઓ સદાચરણી પણ હોય છે. નવી ચંદ્રની લેખા વિશાળ આકાશને જેમ શોભા આપે છે, તેમ એ સદાચરણી નારીઓ વિશાળ કુળને શોભા આપે છે.

વિક્રમાદિત્યની અને મદનમાલા નામની વેશ્યાની કથા

પાટલીપુત્ર નામના નગરમાં વિક્રમાદિત્ય નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના હયપતિ અને ગજપતિ નામના બે મિત્ર હતા. આ બન્નેમાં પહેલા પાસે ઘણા મોટા ઘોડા હતા અને બીજા પાસે ઘણા હાથીઓ હતા. મિત્રની સહાયથી અભિમાની રાજા વિક્રમાદિત્યને પ્રતિષ્ઠાનપુરના રાજા નૃસિંહ સાથે શત્રુવટ હતી. રાજા નૃસિંહ ઘણો બળવાન અને ઘણા પાયદળવાળો હતો. એક વખતે રાજા વિક્રમાદિત્યે મિત્રના બળથી ગવિર્ષ્ટ બની શત્રુ નૃસિંહ ઉપર ક્રોધ કરી, એકદમ પ્રતિજ્ઞા કરી; ‘મારે રાજા નૃસિંહનો એવી રીતે પરાજય કરવો કે ભાટ અને ચારણો તેને મારી દેવડીના એક નોકર તરીકે ગણે.’ આવી પ્રતિજ્ઞા કરી, હયપતિ અને ગજપતિ બન્ને મિત્રોને તેડાવી તે બન્નેને સાથે લઈ બલાત્કારથી નૃસિંહ રાજા સામે લડાઈ કરવા માટે ચઢ્યો. સાથે સમગ્ર સેના હતી. સેનાના હાથી અને ઘોડાના ભારથી પૃથ્વી હાલકડોલક થવા લાગી. જ્યારે પાથિર્વ પ્રતિષ્ઠાનપુર પાસે પહોંચ્યો. ત્યારે ચઢાઈની વાર્તા જાણવાથી રાજા નૃસિંહ પણ તૈયાર થઈ તેના આવવાની આગમચ નગરની બહાર નીકળ્યો. બન્ને રાજાનું દારુણ યુદ્ધ ચાલવા માંડ્યું. એ યુદ્ધમાં હાથી ઉપર બેસનારા સાથે અને ઘોડેસ્વાર સાથે પાળાઓ યુદ્ધ કરતા હતા, તેથી આશ્ચર્ય લાગતું હતું. હળવે હળવે નૃસિંહ રાજાની સેનાનાં એક કરોડ માણસોએ રાજા વિક્રમાદિત્યની સેનાને પાયમાલ કરી નાખી. છેવટે રાજા વિક્રમ રણમાં હાર્યો અને નાસીને પાટલીપુત્રમાં પેસી ગયો તથા તેના બે મિત્રો ભાગીને પોતપોતાના પુર તરફ પલાયન કરી ગયા. રાજા નૃસિંહ, વિક્રમાદિત્ય રાજાને હરાવી પ્રતિષ્ઠાન નગરમાં આવ્યો; અને ભાટચારણો તેનાં પરાક્રમનાં વખાણ કરવા લાગ્યા. પછી વિક્રમાદિત્ય પોતાની પ્રતિજ્ઞા ખોટી પડી જોઈ વિચાર કરવા લાગ્યો, ‘કેટલાએક મારી અવગણના કરે તો ભલે કરે, પરંતુ મારી પ્રતિજ્ઞા ખોટી પડવી જોઈએ નહીં. આ મોટો શત્રુ હથીઆરથી જીતી શકાય તેવો નથી તો તેને મારે બુદ્ધિથી હરાવવો.’ આમ વિચાર કરી, યોગ્ય કાર્યભારીઓને રાજ્ય સોંપી, બુદ્ધિવર નામના મુખ્ય મંત્રીને, સો રાજકુમારને અને પાંચ કુલવાન શૂરાને સાથે લઈ, કોઈ જાણે નહીં તેમ તે છાનોમાનો નગરની બહાર નીકળ્યો. અને કાપડીનો વેશ ધારણ કરી નૃસિંહ રાજાના પ્રતિષ્ઠાન નગરમાં ગયો.

એ પુરમાં એક મદનમાલા નામની પ્રસિદ્ધ વેશ્યા રહેતી હતી તેને ઘેર તે ગયો. તેનું ઘર ઇંદ્રના મંદિર જેવું ઉત્તમ શોભતું હતું. મંદિરને ફરતા આવેલા કિલ્લાના શિખર ઉપર ઊંચી ચઢાવેલી ધ્વજાનાં વસ્ત્રો, મંદ મંદ પવન વડે ઊંચાંનીચાં ઊડવાથી જાણે આવકાર આપતાં હોય તેવું તે જણાતું હતું. આ ઘરને ચાર દિશામાં ચાર દરવાજા હતા, તેમાં મુખ્ય દરવાજો પૂર્વ દિશાનો હતો. તે ઉપર વીસ હજાર રક્ષકો જુદી જદી જાતનાં આયુધો ધારણ કરી રાત્રિ દિવસ ચોકી કરતા હતા. બાકીના ત્રણ દરવાજા ઉપર દશ હજાર ઉદ્ધત શૂરાઓ હંમેશાં ચોકી કરતા હતા. વિક્રમાદિત્ય રાજા કાપડીના વેશમાં તે દરવાજા આગળ જઈ ઊભો રહ્યો, એટલે પ્રતિહારે અંદર ખબર કરી ત્યારે વેશ્યાએ કહ્યું, ‘અંદર આવવા દ્યો.’ એટલે તે રાજા દરવાજાની અંદર ગયો. આ ઘરની અંદર સાત દોઢી હતી. તેમાં કોઈ દોઢીમાં કદાવર શરીરના ઘણા ઉમદા અસંખ્ય ઘોડા દીપી રહ્યા હતા; કોઈ દોઢીમાં ઘણા હાથીઓનાં ટોળાં બાંધવામાં આવ્યાં હતાં તેને લીધે સંકડાઈને ચાલવું પડતું હતું; કોઈ દોઢીમાં આયુધોની બનાવટથી ઘણો જ ગંભીર દેખાવ હતો; કોઈ દોઢીમાં તેજસ્વી રત્નના ભંડારો હોવાથી ઝળઝળાં થઈ રહ્યું હતું; કોઈ દોઢીમાં ચાકરવર્ગ ટોળું વળી બેઠા હતા; કોઈ દોઢીમાં ઊંચે સ્વરે યશોગાન કરતા ભાટચારણોનો હોકારો મચી રહ્યો હતો ને કોઈ દોઢીમાં આરંભેલા સંગીતનો અને મૃદંગનો ધ્વનિ ગાજી રહ્યો હતો. આવી રીતે સાત દોઢીઓ જોતો જોતો રાજા અંદરના ભાગમાં આવ્યો. ત્યાં મદનમાલાનો રહેવાનો ખાસ એક બંગલો નિહાળ્યો. રાજા વિક્રમાદિત્ય પોતાના મનુષ્યો સહિત દરેક દોઢીમાં, લક્ષપૂર્વક ઘોડા વગેરે જોતો આવ્યો છે, એ મદનમાલાએ પોતાના પાસવાનો પાસેથી જાણ્યું હતું; તેથી આ કોઈ પણ મોટો પુરુષ, પોતાની મોટાઈ ગુપ્ત રાખી મારે ત્યાં આવ્યો છે, આમ ધારી તે વેશ્યા ઘણો આનંદ પામી ને આશ્ચર્ય સહિત તેની સામે જઈ પ્રણામ કર્યાં; અને તેને તેડી લાવી, રાજાને બેસવા લાયક ઉત્તમ આસન ઉપર બેસાર્યો. આ વેશ્યાનું લાવણ્ય અને વિનય જોઈ રાજા વિક્રમાદિત્યનું પણ મન મોહિત બની ગયું અને તેણે પોતાને ખુલ્લો ન જ પાડતાં તે સ્ત્રીને ઘણું માન આપ્યું. આદરાતિથ્ય કરવા માટે મદનમાલાએ તે વખતે ઊનું પાણી મૂકાવ્યું; પછી રાજાને નવરાવ્યો, પુષ્પના હારો પહેરાવ્યા, શરીરે ચંદન અગરના લેપ કર્યા અને ઘણાં ઉમદાં વસ્ત્ર અને આભૂષણો અર્પણ કરી તેને ઘણું માન આપ્યું. ત્યાર પછી રાજાને તેના કાર્યભારીને અને તેના માણસોને જુદી જુદી જાતનાં ભોજન જમાડી પરોણાચાકરી કરી. રાજાની ખૂબસુરતી ઉપર આશક બનેલી મદનમાલાએ તે દિવસ રાજા સાથે મદિરાપાન વગેરે કરી આનંદમાં કાઢી નાખ્યો. રાત્રિ પડી એટલે પોતાનું શરીર રાજાને અર્પણ કર્યું. આવી રીતે વેશ્યા, રાજા વિક્રમાદિત્યને હંમેશાં એકાંતમાં રતિસમાગમ વગેરેથી સુખ આપવા લાગી. રાજા પોતે પણ ચક્રવર્તીને યોગ્ય રીતિએ જેટલું ધન હંમેશાં આપવું જોઈએ તેટલું ધન માંગણોને આપતો હતો. આ સર્વ ધન મદનમાલા પોતે પ્રસન્ન થઈને વિક્રમાદિત્યને આપતી હતી અને પોતે બીજા પુરુષના ધનની દરકાર મૂકી વિક્રમાદિત્યના ઉપભોગમાં આવવાથી પોતાનું ધન અને પોતાની કાયાને સફળ માનવા લાગી. આટલાથી તે વેશ્યા અટકી નહીં, પણ તે રાજા સાથેના પ્રેમને લીધે, તે ગામનો રાજા નૃસિંહ, વેશ્યા ઉપર આશક બની આવતો હતો, તેને પણ યુક્તિથી આવતો બંધ કર્યો. આવી રીતે એકાગ્ર મનથી તે વેશ્યા રાજાની સેવા કરવા લાગી. 

એક વખતે રાજાએ પોતાની સાથે આવેલા બુદ્ધિવર નામના કાર્યભારીને એકાંતમાં બોલાવીને કહ્યું, ‘મંત્રી! વેશ્યાઓ હંમેશ પૈસાની લાલચુ હોય છે; તે કામાતુર છતાં પણ કેવળ પૈસાથી જ તૃપ્ત થાય છે: વિલાસથી તૃપ્ત થતી નથી. બ્રહ્માએ યાચકોને ઉત્પન્ન કીધા પછી તેની પાસેથી લોભ લઈ વેશ્યાઓને ઉત્પન્ન કીધી છે. હું આ મદનમાલાનું ધન વાપરુંં છું; તો પણ તે મારા ઉપર અતિશય પ્રેમને લીધે ઉદાસ થતી નથી, ઊલટી પ્રસન્ન થાય છે, માટે આ વેશ્યા સ્ત્રીનો કેવી રીતે બદલો વાળવો કે જે કરવાથી મારી પ્રતિજ્ઞા પણ ક્રમવાર સિદ્ધ થાય?’ તે સાંભળી બુદ્ધિવર મંત્રી રાજાને કહેવા લાગ્યો: ‘મહારાજ! જો આપનો વિચાર આ વેશ્યાને બદલો આપવાનો હોય તો, પ્રપંચબુદ્ધિ નામના ગોરજીએ આપને જે અમૂલ્ય રત્નો આપ્યાં છે, તેમાંથી થોડાં રત્નો આ વેશ્યાને અર્પણ કરો.’ કાર્યભારીનું આવું બોલવું સાંભળી, રાજાએ પ્રત્યુત્તર આપ્યો: ‘આ વેશ્યાને તે ભિક્ષુકે આપેલાં સઘળાં રત્નો આપી દઉં, તો પણ મેં તેનો કંઈ પણ ઉપકાર કર્યો કહેવાય નહીં; પરંતુ મારી પ્રતિજ્ઞા સિદ્ધ થાય એવી કોઈ બીજી રીતે આનો બદલો વાળવો જોઈએ. તે સાંભળીને મંત્રી બોલ્યો: ‘મહારાજ! તે ભિક્ષુક આપની સેવા શા માટે કરતો હતો તે વૃત્તાંત મને કહી સંભળાવો.’ આ રીતે કાર્યભારી બુદ્ધિવરે પૂછ્યું એટલે રાજા બોલ્યો: ‘સાંભળ તેની કથા તને સંભળાવું છું.

પ્રપંચબુદ્ધિ નામના ગોરજીની કથા

ઘણા દિવસ પૂર્વે, પ્રપંચબુદ્ધિ નામનો એક ગોરજી પાટલીપુત્ર નગરમાં આવેલા મારા સભામંડપમાં દરરોજ આવી, મને એક દાબડો અર્પણ કરી જતો હતો, ને એક વર્ષ પર્યંત જેવો તે દાબડો આપતો તેવો ને તેવો, ઉઘાડ્યા વગર જ ભંડારીના હાથમાં સોંપી દેતો હતો. એક દિવસે તે ગોરજીએ જેવો મારા હાથમાં આ દાબડો આપ્યો કે નસીબયોગે તે મારા હાથમાંથી છટકી, જમીન પર પડ્યો અને તૂટીને તેના બે કટકા થઈ ગયા; તેમાંથી અગ્નિ જેવું ઝળઝળાટ તેજસ્વી એક રત્ન નીકળ્યું, તે રત્ને પ્રથમ મારા જાણવામાં ન આવ્યું હોય તેવું પોતાનું હૃદય ખુલ્લું કરી આપ્યું. તે રત્નને જોઈ મેં સઘળા દાબડા મંગાવ્યા. તેને ભાંગ્યા તો તે સઘળામાંથી મને રત્નો મળ્યાં. મને આશ્ચર્ય લાગ્યું, પછી મેં તે ગોરજીને પૂછ્યું, ‘અરે! તું આવા ઉમદાં રત્નો હંમેશાં દાબડામાં ગુપ્ત મૂકીને શા માટે અર્પણ કરે છે?’ તે ગોરજીએ સઘળા માણસોને દૂર કરી, એકાંતમાં મને કહ્યું, ‘અરે વીર! હવે જે કાળી ચૌદશની રાત્રિ આવે છે, તે દિવસે રાત્રિએ હું નગર બહાર સ્મશાનમાં જઈ એક વિદ્યાની સાધના કરવાનો છું; ત્યાં સહાય કરવા માટે તમે આવો એમ મારી માંગણી છે. શૂરવીરની સહાયતાથી સર્વ સિદ્ધિઓ વિઘ્ન વગર સહેજમાં મળી શકે છે.’ પછી તે ગોરજીનું કહેવું મેં સ્વીકાર્યું, એટલે તે ગોરજી ખુશ થતો પોતાને ઘેર ગયો. કેટલાએક દિવસો ગયા કેડે કાળીચૌદશ આવી. મને તે ગોરજીનું વચન યાદ આવ્યું. મેં તે દિવસે કરવાનું કામ ઝટપટ આટોપી દીધું, હું સંધ્યાકાળની વાટ જોતો બેઠો. સાયંકાળ થઈ ત્યારે મેં સંધ્યા વગેરે કર્મ કર્યા. કર્મધર્મયોગે મને ઝટ નિદ્રા આવી ગઈ. તેમાં એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન્ ભક્તવત્સલ હરિનાં દર્શન થયાં. તે ગરુડ ઉપર બેઠા હતા, તેના ખોળામાં લક્ષ્મી દેવી બીરાજ્યાં હતાં. આ હરિએ મને એમ કહ્યું, ‘હે પુત્ર! પ્રપંચબુદ્ધિ પોતાના નામ પ્રમાણે ઘણો પ્રપંચી છે. તે મંડળનું પૂજન કરાવવા માટે તને સ્મશાનમાં લઈ જઈ મારી નાખશે માટે, તે હિંસક જે કામ કરવાનું તને કહે તે કામ તારે કરવું નહીં, પણ તેને તારે કહેવું કે, ‘પ્રથમ તું એ કર, હું તે કામ શીખ્યા પછી કરી બતાવીશ.’ એટલે તે ગોરજી પ્રથમ કરી બતાવશે. પછી તારે તેની રહસ્ય બાબત જાણી, તે દ્વારા જ તેને ઠાર કરવો. એથી તને સિદ્ધિ પ્રાપ્ત થશે.’ આટલું બોલી વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા. હું નિદ્રામાંથી જાગી ઊઠ્યો અને વિચાર કરવા લાગ્યો કે ‘તે ગોરજી કપટી અને વધ કરવા લાયક છે. આવી રીતે પરમેશ્વર પાસેથી જ આજે મારા જાણવામાં આવ્યું.’ એમ વિચાર કરતાં રાત્રિનો પ્રથમ પહોર વટી ગયો. હું હાથમાં ઉઘાડી તરવાર લઈ એકલો સ્મશાનમાં ગયો. પેલે ગોરજીએ મંડળની પૂજા કરી લીધી હતી. હું તેની પાસે ગયો. ગોરજી મને આવેલો જોઈ ઊભો થયો અને માન આપીને બોલ્યો: ‘રાજન્! તમે બન્ને આંખો મીંચી, મુખ નીચું કરી, જમીન ઉપર અંગને ફેલાવી પગે લાગો. જમીન ઉપર સૂઈ, પગે લાગવાથી મને અને તમને બન્નેને સિદ્ધિ પ્રાપ્ત થશે.‘ તે સાંભળીને હું બોલ્યો: ‘પ્રથમ તું મને એ સર્વે કરી બતાવ એટલે તેના ઉપરથી શીખીને હું તેમ કરીશ.’ તે સાંભળી મૂર્ખ ગોરજી જમીન ઉપર અંગ ફેલાવીને પડ્યો અને કેમ કરવું તે બતાવવા લાગ્યો ત્યાં મેં તરવાર મારીને તેનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. તે જ વખતે આકાશવાણી થઈ, ‘રાજા! તેં આ ગોરજીને મારી તેનું બલિદાન આપ્યું તે ઘણું સારું કર્યું. કારણ કે તે ઘણો જ પાપી હતો. હું કુબેર તારી ધીરજ જોઈ, ઘણો પ્રસન્ન થયો છું. આ ગોરજી આકાશમાં ફરવાની જે સિદ્ધિ સાધતો હતો તે આજથી તને સિદ્ધ થઈ છે, આ વર તો તને તારી ધીરજના પ્રતાપમાં મળ્યો છે. હવે બીજી જે ઇચ્છા હોય તે ઇચ્છાનુસાર વરદાન મારી પાસેથી માંગી લે.’ આકાશવાણી એ પ્રમાણે કહી, પછી કુબેર પ્રત્યક્ષ થયા. હું તેમને પ્રણામ કરીને બોલ્યો, ‘મહારાજ! જ્યારે હું આપની પ્રાર્થના કરું ત્યારે મારા સ્મરણ વખતે આપ મારી પાસે પધારી મને ઉપયોગી વર આપજો.’ તે સાંભળી કુબેરે કહ્યું, ‘ઠીક, એમ કરીશ.’ અને પછી તે અંતર્ધાન થઈ ગયા, ને હું સિદ્ધિ મેળવી ઘેર આવ્યો.’ આવી રીતનું મારું વૃત્તાંત છે તે તને કહી બતાવ્યું. એ પ્રમાણે હું કુબેરના વરદાનથી મદનમાલાનો બદલો વાળીશ, અને હવે તમે વેશમાં ઢંકાએલાં રાજપુત્ર આદિ માણસોને લઈને પાટલીપુત્ર નગરમાં જાઓ; અને હું પુન: તેની પાસે આવવા માટે, મારી પ્રિયા મદનમાલાની સેવાનો બદલો વાળી, હમણાં ઘેર આવું છું.’ આ રીતે કાર્યભારીને કહી વિક્રમાદિત્ય રાજાએ સંધ્યા વગેરે દિવસનાં કાર્ય કરી, કાર્યભારી સાથે આવેલાં માણસોને ઘેર મોકલ્યાં, માણસો ગયા પછી રાજા, ભવિષ્યમાં વિરહ થવાનો હતો તેથી ઘણો ઉત્કંઠિત બની ગયો ને તે આખી રાત્રિ મદનમાલા સાથે ગાળી. તેમ જ વેશ્યા મદનમાલાએ પણ હવે રાજાનો વિરહ થશે એમ સૂચવતા અંત:કરણપૂર્વક, વારંવાર રાજાનું આલિંગન કરી, તે આખી રાત્રિ ઉજાગરામાં ગાળી કાઢી. રાત્રિ વહી ગઈ ને પ્રભાત થયું. રાજા સ્નાન કરી પ્રભાતમાં અવશ્ય કરવાનાં સંધ્યા વગેરે કર્મ કરી, જપ કરવાનું બહાનું કાઢી, હંમેશાનાં દેવપૂજન કરવાનાં મંદિરમાં એકલો પ્રવેશ્યો. મંદિરની અંદર જઈ કુબેરનું સ્મરણ કર્યું. પ્રથમ વર આપવાનું કબૂલ કરનાર કુબેર પ્રગટ થયા. કુબેરને પ્રણામ કરી રાજા નીચે પ્રમાણે વર માંગવા લાગ્યો: ‘મહારાજ! આપે પ્રથમ મને વર આપવા માટે કબૂલ કર્યું છે માટે આજે અહીં જ મને સોનાના પાંચ એવા અક્ષય પુરુષો આપો કે કોઈ મનુષ્ય પોતાના મનગમતા વૈભવ માણવા માટે તે પુરુષોના અવયવો હંમેશાં કાપી વાપરે તો પણ અવયવ જેવા હોય તેવા ને તેવા જ સદાકાળ રહે.’ કુબેર બોલ્યા: ‘તું જેવા પુરુષ માટે ઇચ્છા રાખે છે તેવા પુરુષો તને મળશે.’ આટલું કહી એક ક્ષણમાં અંતર્ધાન થઈ ગયા અને તે રાજાએ પણ તે જ વખતે દેવમંદિરમાં સોનાના પાંચ મોટા પુરુષોને ઊભેલા જોયા. પછી પોતે હર્ષભેર દેવમંદિરની બહાર નીકળી, તે જ વખતે આકાશમાં ઊડી, પાટલીપુત્ર નગરમાં ગયો — જો કે પોતે લીધેલી પ્રતિજ્ઞા વિસરી ગયો ન હતો. રાજાને નગરમાં આવ્યો જોઈ અંત:પુુરના મનુષ્યોએ, કાર્યભારીઓએ અને શહેરના માણસોએ તેને ઘણું માન આપ્યું. રાજા રાજ્યનાં કાર્ય કરવા લાગ્યો, પરંતુ તેનું મન પ્રતિષ્ઠાનપુરમાં હતું, કારણ કે હજી સુધી તેની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ન હતી. હવે પ્રતિષ્ઠાનપુરમાં એવું બન્યું કે જ્યારે રાજાને દેવમંદિરમાં પેઠાને ઘણી વાર થઈ ત્યારે, મદનમાલાએ પોતાના પ્રિયતમ રાજાને જોવા માટે દેવમંદિરમાં પ્રવેશ કીધો પણ અંદર જઈ જુવે છે તો ક્યાંય પ્રિયવર રાજાને દીઠો નહીં, પણ તેને બદલે સોનાના પાંચ ભવ્યાકૃતિના પુરુષો તેના જોવામાં આવ્યા. આવા મોટા સોનાના પાંચ પુરુષોને દીઠા, પણ પ્રિયતમનાં દર્શન થયાં નહીં એટલે અફસોસમાં પડી તે વિચાર કરવા લાગી: ‘ખરેખર, મારો તે પ્રિયતમ કોઈ વિદ્યાધર અથવા તો કોઈ ગંધર્વ હશે! જે આ પાંચ ભવ્યાકૃતિના પુરુષો મને અર્પણ કરીને આકાશમાર્ગે ચાલ્યો ગયો છે. હવે હું તે પતિ વગરની એકલી રહીને, ભારરૂપ થયેલા તે સુવર્ણના પુરુષોને શું કરું? પ્રિયતમ વગર સર્વ વ્યર્થ છે.’ આમ વિચાર કરી, પોતાની આસપાસનાં માણસોને તે રાજાના સમાચાર, વારંવાર પૂછવા લાગી, અને પછી ઘરની બહાર નીકળી ચારે તરફ ભટકી, ધરતી પાસેના ઉપવનમાં બેઠી, તો પણ તેને ક્યાંય સુખ મળ્યું નહીં. તે પ્રિયતમ વિરહની વારંવાર વિલાપ કરવા માંડી અને મરવા માટે તૈયાર થઈ. તે જોઈ ઘરમાં રહેનારાં મનુષ્યોએ મદનમાલાને કહ્યું: ‘દેવિ! તમે અફસોસ કરો મા. તે કોઈ પોતાની ઇચ્છા પ્રમાણે કરનારો વિદ્યાધર કે ગંધર્વ હશે. તે જ્યારે પોતાની ઇચ્છામાં આવશે ત્યારે તમારી પાસે આવશે; કારણ કે તમારું રૂપ કંઈ સાધારણ નથી; તમે ઘણાં જ અનુપમ સુંદરી છો.’ આવાં વાક્યો કહી મદનમાલાને આશા આપી, જેમ તેમ કરીને ઠેકાણે પાડી. પછી મદનમાલાએ પ્રતિજ્ઞા કરી કે, જો તે દેવતા મને છ માસની અંદર દર્શન આપશે નહીં, તો હું મારું સર્વસ્વ લુંટાવી અગ્નિમાં બળી મરીશ. આવી પ્રતિજ્ઞાથી પોતાના દેહને ટકાવી રાખી, દરરોજ તે દાન પુણ્ય કરવા લાગી અને પોતાના પ્રિયતમનું વારંવાર ચિંતન કરવા લાગી. એક દિવસ દાનતત્પર વેશ્યાએ, પેલા સોનાના પાંચ પુરુષોમાંના એક પુરુષના બે હાથ કાપી બ્રાહ્મણોને દાનમાં આપ્યા. રાત્રે પાછા જેવા હતા તેવા થઈ રહ્યા. બીજે દિવસે મદનમાલા જ્યાં કાપેલા હાથવાળા પુરુષને જુવે છે તો તેના હાથ જેવા હતા તેવા પૂર્વવત્ થઈ ગયેલા તેના જોવામાં આવ્યા. તે વેશ્યા તેથી બહુ આશ્ચર્ય પામી ગઈ. પછી તે દિવસે વળી બીજા પુરુષના હાથ પણ તેમ જ નવા ઉત્પન્ન થયા. આવી રીતે દાન આપવા માટે એક પછી એક પાંચે પુરુષોના હાથ કાપી નાંખ્યા તો તે સઘળાના હાથ પાછા તેમના તેમ જ નવા ઉત્પન્ન થયા. આ જોઈ કલ્યાણી મદનમાલા, તે પુરુષોને અક્ષય-નાશરહિત જાણી, તે પુરુષોના હાથ કાપીને તેમાંથી દરેક વિદ્યાઅભ્યાસ કરનારા બ્રાહ્મણને દરરોજ ચાર ચાર હાથ દાનમાં આપવા લાગી. થોડા દિવસમાં તે વેશ્યાના દાનની કીર્તિ બધી દિશાઓમાં પ્રસરી રહી અને તે વૃત્તાંત પાટલીપુત્રમાં વસનારા સંગ્રામદત્તના જાણવામાં આવ્યું. તે વેદ ભણ્યો હતો. તે બ્રાહ્મણ ગુણવાન્ હતો, છતાં દરિદ્રી હતો. તે દાન લેવા માટે પાટલીપુત્ર નગરથી પ્રતિષ્ઠાનપુર ગયો અને વેશ્યાના ઘર આગળ જઈ પ્રતિહારને તે વાર્તા જણાવી, તુરત દ્વારપાળે ખબર આપીેને વેશ્યાની આજ્ઞા થવાથી તે બ્રાહ્મણને અંદર લેઈ ગયો. ત્યાં મદનમાલા વેશ્યાએ તે બ્રાહ્મણનું પૂજન કરી સોનાના પુરુષના ચાર હાથ તેને દાનમાં આપ્યા. બ્રાહ્મણ વેશ્યાને જુવે છે તો તેના અવયવો, વ્રત કરવાથી દૂબળાં અને પ્રિયતમના વિરહથી ફિકા પડી ગયેલા જણાયા. તે જોઈ બ્રાહ્મણે તેના પરિજનોને પૂછ્યું, ‘આવી દિલગીરીનું કારણ શું છે?’ તે વેશ્યાના દુઃખથી અત્યંત આર્ત બનેલાં તેનાં પરિજનોએ ઇત્થંભૂત વૃત્તાંત — ભયંકર પ્રતિજ્ઞા લીધા પર્યંતનું, તેને કહી સંભળાવ્યું. પેલો બ્રાહ્મણ તેનું વૃત્તાંત સાંભળી ખેદ પામ્યો; પણ સુવર્ણ મળવાથી પ્રસન્ન થયેલો, તે બે ઊંટ ઉપર સોનાના હાથને મૂકી, પોતાના નિવાસસ્થાન પાટલીપુત્ર નગરમાં ગયો. શહેરમાં પેઠા પછી તે બ્રાહ્મણને વિચાર થયો કે મારા આ સુવર્ણની રક્ષા જો રાજા કરશે નહીં તો તે મારી પાસે રહેવું મુશ્કેલ છે; કેમ કે તેને કોઈ ચોરી ગયા વગર રહેશે નહિ. આમ વિચાર કરી જ્યાં સભામંડપમાં રાજા વિક્રમ બિરાજ્યા હતા ત્યાં જઈ તેની પ્રાર્થના કરવા લાગ્યો: ‘મહારાજ! હું આ નગરમાં વસું છું. જાતે બ્રાહ્મણ છું. હું દરિદ્રી હતો માટે ધન મેળવવા સારુ દક્ષિણ દેશમાં આવેલા નૃસિંહ રાજાના પ્રતિષ્ઠાનપુરમાં ગયો. તે શહેરમાં એક મદનમાલા નામની વિખ્યાત કીર્તિવાળી ગણિકા રહે છે. તેને ઘેર દાન લેવા માટે હું ગયો હતો. આ વેશ્યાની પાસે કોઈ એક દિવ્ય પુરુષ ઘણા દિવસ રહી, સોનાના પાંચ અક્ષય પુરુષો આપી ક્યાંક અલોપ થઈ ગયો છે. તે દિવ્ય પુરુષની વિરહવેદનાથી અત્યંત આતુર બનેલી તે વેશ્યા, જીવતરને ઝેરની વેદના જેવું ગણવા લાગી; દેહને નિષ્ફળ ગણવા લાગી અને ભોજન કરવાને મહેનતરૂપ ગણવા લાગી અને ચોરી જેવું દુઃખ ગણવા લાગી. તે ધીરજ વગરની થઈ રહી હતી. પછી તેના નોકરો ચાકરોએ તેને મહામુસીબતે સમજાવી, ત્યારે તે સ્વતંત્ર સ્ત્રીએ પ્રતિજ્ઞા કરી: ‘જો તે દેવ છ માસમાં મારી સંભાળ લેશે નહીં, તો હું મારા દેહને અભાગી માની અગ્નિમાં બળી મરીશ.’ આવી રીતે પ્રતિજ્ઞા કરી, નિશ્ચય કરી, તે વેશ્યા દરરોજ ઘણું મોટું પુણ્ય મેળવવાની ઇચ્છાથી દાન આપે છે. મહારાજ! મેં તે સ્ત્રીને દીઠી છે. તેનું શરીર ઉપવાસ કરવાથી ઘણું દુર્બળ થઈ ગયું છે; અને ચાલતી વખતે તેના પગ લંગડાય છે. આવી સ્થિતિમાં આવ્યા છતાં પણ તે ઘણી મનોહર દેખાય છે. તે સુંદરી મદજલ વડે ભીંજાયેલી શૂંડ ઉપર ભેળા થયેલા ભ્રમરગણથી વિંટાયેલી એમ અર્થ સંભવે છે. વંટાિયેલી અને માઠી અવસ્થામાં આવેલી કામદેવરૂપ હાથીની મૂતિર્માન મદોન્મત અવસ્થા હોય તેવી જણાય છે. હું કબૂલ કરું છું કે, જે પ્રિયતમે તેવી સુંદરીનો ત્યાગ કર્યો છે, તે એક વાતે નિંદાપાત્ર છે અને એક વાતે પ્રશંસાપાત્ર પણ છે; કારણ કે તે પતિના વિરહથી તે સુંદરી પોતાનો દેહ ત્યાગ કરે છે. તે સ્ત્રીએ ચાર વેદ જાણનાર મને, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચાર વેદ ભણ્યો છું, તેથી, ચાર સોનાના હાથ આપ્યા છે. હું તે ધનમાંથી એક ઉત્તમ યજ્ઞશાળાવાળું ઘર બનાવી, તેમાં સ્વધર્મનું આચરણ કરી રહેવા ઇચ્છું છું; માટે ધન સાચવવામાં આપ મારા ઉપરી તરીકે મદદ કરો.’ રાજા વિક્રમાદિત્ય, બ્રાહ્મણ પાસેથી પોતાની પ્રિયાની વાર્તા સાંભળી તરત તેના ઉપર મોહિત થઈ ગયો. અને પ્રતિહારને, આ બ્રાહ્મણની મરજી પ્રમાણે કરવાની આજ્ઞા આપી, વિચાર કરવા લાગ્યો કે જે સ્ત્રીએ મારા ઉપર ગાઢો પ્રેમ કરી, પોતાના જીવનને પણ તૃણ માફક તુચ્છ ગણી કાઢ્યું છે, અને જેના દેહને નાશ થવામાં પણ હવે થોડો વખત બાકી છે, તે સ્ત્રીને હવે મારે સત્વર મળવું જોઈએ. આમ વિચાર કરતાં મદનમાલાની અને પોતાની પ્રતિજ્ઞા સિદ્ધ કરવા માટે, રાજાને એકદમ ઉત્કંઠા થઈ ગઈ. પછી પોતાનું રાજ્ય મંત્રીને સોંપ્યું અને પોતે આકાશમાર્ગે પ્રતિષ્ઠાનપુરમાં વેશ્યાને ઘેર ગયો. ત્યાં પોતાની પ્રિયાને નવા રૂપમાં જોઈ. તેનાં વસ્ત્ર ચાંદની જેવાં સ્વચ્છ હતાં, ઘરનો વૈભવ માત્ર પંડિત બ્રાહ્મણોને સોંપી દીધો હતો; તે શરીરે દુર્બળ બની ગઈ હતી, સફેદ ચાંદનીરૂપ વસ્ત્રથી ઢંકાયેલી, દેવતાઓને પોતાનું તેજ માત્ર અર્પણ કરવાથી દુર્બળ જણાતી અમાવાસ્યાની ચંદ્રકલા જેવી દિસતી મદનમાલા રાજાની નજરે પડી. મદનમાલા પણ નેત્રને અત્યંત ઠંડક આપનારા રાજાને અકસ્માત ્આવ્યા જોઈ, ક્ષણવાર ગાંડા જેવી બની ગઈ. થોડી વાર પછી તે ઊભી થઈ. રખેને એ નાસી જાય એવા ભયથી જાણે આલિંગન કરતી હોય તેમ તે રાજા વિક્રમાદિત્યના કંઠનું બે બાહુરૂપી પાશથી આલિંગન કરવા લાગી; અને ઘર્ઘરા સ્વરે બોલી: ‘ઓ નિર્દય પ્રિયે! આ નિરપરાધી સ્ત્રીનો ત્યાગ કરી, તમે ક્યાં નાસી ગયા હતા? મારો અપરાધ શું છે?’ આમ બોલી તે રડવા લાગી, રાજા બોલ્યો; ‘અરે! ડર મા. અંદર ચાલ, તને એકાંતમાં સઘળું કહું છું.’ આમ કહી પોતે તે સ્ત્રી સાથે એકાંતમાં ગયો. તે વેળા મદનમાલાનાં પરિજનોએ પણ તેને માન આપ્યું. રાજાએ અંદર જઈ પોતાનું નામઠામ વગેરે પ્રગટ કરી નૃસિંહ રાજાને જીતવા માટે તેને ત્યાં પોતાનું જેવી રીતે આવવું થયું હતું તે, પ્રપંચબુદ્ધિને મારી જેવી રીતે આકાશમાં ફરવાની ગતિ મેળવી હતી તે, જેવી રીતે કુબેર પાસેથી વરદાન મેળવી તે વેશ્યાને પાંચ પુરુષો આપ્યા હતા તે છેવટ સુધીનું સર્વ વર્ણવી બતાવ્યું; પછી મદનમાલાને કહ્યું, ‘પ્રિયે! આ નૃસિંહ રાજા મોટી સેનાવાળો છે. માટે સેનાથી તો તેનો પરાજય થઈ શકે તેમ નથી. તે રાજા મારી સાથે દ્વંદ્વયુદ્ધ કરે, પરંતુ તે પૃથ્વી ઉપર ચાલનારો છે અને હું આકાશમાં ફરનારો છું, માટે મારે તેને મારવો તે યોગ્ય ગણાય નહીં. કયો ક્ષત્રિય અધર્મ યુદ્ધ કરી પોતાના વિજયની ઇચ્છા કરશે? પ્રિયે! જ્યારે નૃસિંહ રાજા તારા ઘરના બારણામાં આવે, ત્યારે તારે ભાટચારણો મારફતે રાજાને મારો નોકર કહેરાવવો, આટલી મારી પ્રતિજ્ઞા સિદ્ધ કરવામાં તું સહાય થા.’ જ્યારે તે વેશ્યાએ આ પ્રમાણે રાજાનું કહેવું સાંભળ્યું ત્યારે તે બોલી: ‘હું ભાગ્યશાળી છું કે તમે મને આવી આજ્ઞા ફરમાવો છો.’ પછી તેણે રાજા સાથે એકાંતમાં વિચાર કરી, પોતાના ભાટચારણોને બોલાવ્યા અને કહ્યું, ‘તમારે સઘળાએ બારણામાં નજર રાખી ઊભા રહેવું. જ્યારે રાજા નૃસિંહ આપણા ઘરમાં પ્રવેશ કરવા માંડે, ત્યારે તમારે સઘળાએ વારંવાર કહેવું કે: ‘મહારાજ! તમારો ભક્ત અને તમારા ઉપર પ્રેમ રાખનારો રાજા નૃસિંહ આવે છે.’ તે સાંભળીને કહી તે પૂછે છે, ‘અંદર કોણ બેઠો છે?’ તો તે વખતે તમારે તેને કહેવું કે; ‘રાજા વિક્રમાદિત્ય અંદર બીરાજે છે.’ આવી રીતે ભાટચારણોને સમજાવી તેઓને વિદાય કર્યા અને પ્રતિહારીને કહ્યું કે, ‘રાજા નૃસિહ અંદર આવે તેને તારે આવતાં અટકાવવો નહીં.’ આ રીતનો બંદોબસ્ત કરી, ફરીથી પોતાના પ્રાણપ્યારાનો મેળાપ થવાથી આનંદમાં આવી જઈ, અસંખ્ય ધનનું દાન આપવા અને સુખ ભોગવવા લાગી. રાજા નૃસિંહે જ્યારે સાંભળ્યું કે મદનમાલા સોનાના પુરુષોનું દાન આપે છે, ત્યારે તે તે પુરુષો જોવા માટે પોતાનું ઘર છોડી વેશ્યાને ઘેર ગયો. જ્યારે તેણે ઘરમાં પ્રવેશ કીધો, ત્યારે તેને કોઈએ રોક્યો નહીં, પણ બારણા બહારથી સઘળા ભાટચારણો ઘાંટો કાઢીને લલકારવા લાગ્યા: ‘મહારાજ! નૃસિંહ રાજા આપને નમી પધારે છે, અને આપ ઉપર ભક્તિભાવ રાખે છે.’ તે સાંંભળતાં જ તે રાજાને ગુસ્સો ચઢ્યો અને શંકિત બની પૂછવા લાગ્યો: ‘અંદર કોણ બેઠો છે?’ એવામાં તો ત્યાં વિક્રમાદિત્ય રાજાને અંદર ઊભેલો દીઠો, એટલે તે ક્ષણભર વિચારમાં પડી ગયો. તે મનમાં બોલ્યો, ‘શું આ પ્રમાણે પણ એ રાજાએ મારા રાજ્યમાં રસ્તો કીધો છે ને હું એનો નોકર છું એવી જે ઘણા વખત પર પ્રતિજ્ઞા લીધી હતી તે આ રીતે તેણે પાર પાડી છે? ને ભાટચારણથી મને નોકર કહેવરાવ્યો! ઓહોહો! સત્ય કહું તો આ રાજા ઘણો જ બળવાન છે, તેણે પ્રતિજ્ઞા પ્રમાણે મને હરાવ્યો. હવે મારે બળના પ્રતાપથી તેને મારવો એ ઘટિત નથી; કારણ કે તે એકલો છે, વળી મારા નગરમાં આવ્યો તે મારે ઘેર આવ્યો ગણાય. હવે તો મારે અંદર જવું એ જ ઠીક છે.’ પછી ભાટ અને ચારણોએ જેના અંદર આવવાની ખબર કરી હતી તે રાજા નૃસિંહ, મંદ હાસ્ય કરતો કરતો અંદર ગયો. રાજા નૃસિંહને મંદ મંદ હાસ્ય કરતાં આવતો જોઈ વિક્રમાદિત્ય પણ મંદ મંદ હસવા લાગ્યો અને ઊભો થઈ રાજા નૃસિંહને ગળે બાઝી પડ્યો. પછી તે બન્ને રાજા, પાસે બેઠેલી મદનમાલાના દેખતાં પરસ્પર એક બીજાના કુશળ સમાચાર પૂછવા લાગ્યા. વાર્તા કરતાં કરતાં રાજા નૃસિંહે, વિક્રમાદિત્યને પૂછ્યું કે આ સોનાના પુરુષો ક્યાંથી આવ્યા? વિક્રમાદિત્યે નીચ ગોરજીનો નાશ, આકાશમાં અદ્ધર ઊડવાની સિદ્ધિ અને કુબેર પાસેથી સોનાના પાંચ પુરુષની પ્રાપ્તિ વગેરે પોતાનું આશ્ચર્યજનક સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. રાજા નૃસિંહે વિક્રમાદિત્યનું ચરિત્ર સાંભળી તેને મહા શક્તિવાળો, આકાશમાં ગમન કરનારો અને પાપરહિત શુદ્ધ અંત:કરણવાળો જાણી પોતે તેની સાથે મિત્રતા કરવાની માંગણી કરી, રાજા વિક્રમાદિત્યે પણ તેની સાથે મિત્રતા કબૂલ કરી. કુલાચાર પ્રમાણે તેણે પ્રેમાલિંગન કર્યું પછી રાજા નૃસિંહ, વિક્રમાદિત્ય જ્યારે પોતાના નવનવા વૈભવોથી સેવાચાકરી કરી તેને ઘણું માન આપ્યું તેને રજા આપી, ત્યારે તે પાછો મદનમાલાને ઘેર આવ્યો. આવી રીતે વિક્રમાદિત્યે પોતાના પ્રતાપબળથી ગંભીર પ્રતિજ્ઞા સિદ્ધ કરી અને જ્યારે તે પોતાના પાટલીપુત્ર શહેર તરફ જવાની ઇચ્છા કરવા લાગ્યો; ત્યારે મદનમાલાએ પણ રાજાનો વિરહ સહન ન કરી શકવાને લીધે રાજાની સાથે જવાની ઇચ્છા કરી. દેશત્યાગ કરવાની ઇચ્છા માટે તેણે પોતાનું ઘરબાર બ્રાહ્મણને અર્પણ કરી દીધું. પછી રાજામાં ચંદ્રસમાન રાજા વિક્રમાદિત્ય, મદનમાલાને અને તેના હાથી, ઘોડા અને પાળાને સાથે લઈ પોતાની રાજધાની પાટલીપુત્રમાં ગયો. રાજધાનીમાં ગયા પછી, રાજા નૃસિંહ સાથેની મિત્રતા અચળ કરીને પોતાના દેશ ઉપરથી પ્રેમ ઉતારી સાથે આવેલી મદનમાલા સાથે આનંદ ભોગ ભોગવવા લાગ્યો.

શૃંગભુજ અને રૂપશિખાની કથા

પૃથ્વી ઉપર વર્ધમાન નામનું એક નગર છે. તેમાં ઘણો ધર્માત્મા વીરભુજ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને સો રાણીઓ હતી. તથાપિ ગુણવરા નામની એક રાણી ઉપર તે રાજાને અધિક પ્રેમ હતો. નસીબના યોગથી સો રાણીમાંથી એકે રાણીને પેટે કંઈ સંતાન હતું નહીં. તે વાંઝિયા મહેણાથી કંટાળી રાજાએ શ્રુતવર્ધન નામના વૈદ્યને બોલાવ્યો અને પૂછયું, ‘જે ઔષધિ ખાધાથી પુત્ર અવતરે તેવી કોઈ ઔષધિ છે?’ તે સાંભળી વૈદ્ય બોલ્યો; ‘મહારાજ, હું તેવું ઔષધ બનાવી આપું, પરંતુ આપ વનમાંથી એક બકરુંં મંગાવી આપો, તો મારાથી તે ઔષધ બનાવી શકાય.’ વૈદ્યનું વચન સાંભળી, રાજાએ પ્રતિહારને આજ્ઞા કરીને વનમાંથી એક બકરાને મંગાવી વૈદ્યને સોંપ્યું, વૈદ્ય તે બકરુંં રાજાના રસોઈઆઓને આપી, તેનું માંસ કઢાવી, રાણીઓ માટે માંસનો ઉત્તમ રસ કરાવ્યો. પછી રાજાએ સઘળી રાણીઓને એક સ્થાનમાં ભેગી થવાની આજ્ઞા કરી, અને પોતે દેવતાનું પૂજન કરવા ગયો. રાજાની આજ્ઞા પ્રમાણે તે ૯૯ રાણીઓ એકઠી મળી પરંતુ તેમાં રાજાની પ્રિયતમા ગુણવરા રાણી આવી નહતી, રાજા દેવપૂજનમાં હતો માટે તે રાણી રાજાની પાસે ઊભી હતી. પછી વૈદ્યે તે રથમાં ચૂર્ણ ભેળી, સઘળો રસ ભેગી થયેલી રાણીઓને પાઈ દીધો; તેમાંથી જરા પણ બાકી રાખ્યો નહીં. થોડી વાર પછી રાજા, દેવપૂજન કરી ગુણવરા રાણી સહિત ત્યાં આવ્યો અને જુવે છે તો સઘળો રસ વપરાઈ ગયો છે. તે જોઈ તે બોલી ઊઠ્યો: ‘વૈદ્યરાજ! શું તમે ગુણવરા માટે જરા પણ રસ રાખ્યો નથી? જે રાણીને માટે આ સર્વ બનાવવામાં આવ્યું હતું, તેને જ તમે વિસરી ગયા?’ તે સાંભળી વૈદ્યરાજ ગભરાઈ ગયા. પછી રાજાએ રસોઈઆને પૂછ્યું, ‘અરે તે બકરાનું જરાતરા પણ માંસ વધ્યું છે કેમ?’ રસોઈઆએ ઉત્તર આપ્યો, ‘બે શિંગડાં બાકી રહ્યાં છે.’ વૈદ્ય બોલ્યો, ‘ ઠીક ઠીક! જો શિંગડાં હશે તો તેની અંદરથી ઘણો સારો રસ નીકળશે.’ આમ કહી શિંગડાંનાં માંસમાંથી ઉત્તમ રસ કઢાવી, તેમાં ચૂર્ણ નાખી, વૈદ્યે ગુણવરાને તે રસ પાયો. થોડા વખતમાં રાજાની નવાણુ રાણી ગર્ભવતી થઈ અને દશમે મહિને સઘળી રાણીએ પુત્રને જન્મ આપ્યો. ગુણવરાને પાછળથી ગર્ભ રહ્યો એટલે તે મહારાણીએ સર્વથી છેલ્લે, સર્વ ઉત્તમ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. રાજા વીરભુજે એ પુત્રને શિંગડાની અંદર રહેલા માંસના રસમાંથી જન્મ્યો છે એમ માની, તેનું શૃંગભુજ નામ પાડ્યું. તેના જન્મ સમયે ઘણો મોટો ઉત્સવ કર્યો. આ શૃંગભુજ બીજા ભાઈઓ સાથે મોટો થવા લાગ્યો. તે અવસ્થામાં નાનો હતો, તો પણ ગુણમાં બીજા ભાઈઓ કરતાં ઘણો જ મોટો હતો. હળવે હળવે તે પુત્ર, રૂપમાં કામદેવ જેવો, ધનુર્વેદ જાણવામાં અર્જુન જેવો અને બળમાં ભીમસેન જેવો થયો. નિયમ પ્રમાણે, રાજા વીરભુજની બીજી રાણીઓ, રાજાની માનીતી રાણી ગુણવરાને અને તેના પુત્રને જોઈ, અત્યંત ઈર્ષ્યા કરવા લાગી! આ બધી રાણીઓમાં એક અયશોલેખા નામની રાણી હતી. તે ઘણી જ કુટિલ-દુર્જન હતી. તેણે બીજી રાણીઓ સાથે એકાંતમાં વિચાર કરી એવો ઠરાવ કર્યો કે, જ્યારે રાજા તમારે માહોલે પધારે ત્યારે આપણે સઘળી રાણીઓએ મુખ ઉપર ખોટી ઉદાસી આણી અફસોસ બતાવવો. રાજા સૌની મુખમુદ્રાને કરમાયેલી જોઈ ત્યારે પૂછે છે કે શું છે?’ ત્યારે તમારે ઉદાસીનતા બતાવી કહેવું કે ‘પ્રાણપતિ! તમે બીજાના દોષને ટાળનારા છો, છતાં ઘરમાં જે દૂષણ છે તે કેમ સહન કરી રહો છો? તે દૂષણથી તમે પોતે કેમ બચતા નથી? મહારાજ! આપની રાણી ગુણવરા અંત:પુરના સુરક્ષિત નામના તરુણ સેવક સાથે પ્રેમમાં પડેલી છે, અંત:પુરના પહેરેગીરો અંત:પુરની ચોકી કરે છે, તેઓએ અંગનાં ચિહ્ન પરથી કે રાણીમાં કંઈ નવા જૂનું છે. પછી તેઓએ વિચાર્યું કે સુરક્ષિત સિવાય બીજો પુરુષ અંદર આવી શકે તેમ નથી, માટે તેની સાથે તેને પ્રેમ હોવો જોઈએ. આ વાર્તા આખા અંત:પુરની અંદર ચર્ચાઈ રહી છે.’ આ પ્રમાણે, સર્વ રાણીઓ કહીશું એટલે રાજાના મનમાં તે રાણી માટે ખરાબ વિચાર આવશે.’ અયશોલેખાના આવી રીતના સંકેત પ્રમાણે સર્વ રાણીએ વર્તવા કબૂલ કર્યું. જ્યારે રાજા એક રાણીના મહેલમાં ગયો ત્યારે તેણે અયશોલેખા સાથે કરેલા કરાર પ્રમાણે સઘળી તાલમેલ કીધી. એ વાત સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો અને ખરું ખોટું તપાસવા માટે એક પછી એક સઘળી રાણીઓની પાસે જઈ સર્વને પૂછી વળ્યો. સઘળી કપટી રાણીઓએ એક જ ઉત્તર આપ્યો, ‘રાજા પોતે બુદ્ધિશાળી હતો માટે તે વખતે તો શાંત રહી જુસ્સો દબાવી વિચાર કરવા લાગ્યો કે, આવો હલકો અપવાદ સુરક્ષિત અને ગુણવરા ઉપર સંભવતો નથી; પણ મારે નિશ્ચય કર્યા વગર કોઈનું પણ અપમાન કરવું નહીં. એ બાબતનું પરિણામ જોવા માટે, યુક્તિથી બન્ને જણાંને દૂર કરવાં એ જ ઘટિત છે.’ આમ નિશ્ચય કરી, બીજે દિવસે રાજાએ અંત:પુરના અધિકારી સુરક્ષિતને તેડાવી મંગાવ્યો અને કૃત્રિમ ક્રોધ કરી કહ્યું, ‘અલ્યા દુષ્ટ! તેં બ્રહ્મહત્યા કરી છે એમ મારા જાણવામાં આવ્યું છે; માટે તું જ્યાં સુધી ઉત્તરતીર્થની યાત્રા કરીશ નહીં, ત્યાં સુધી હું તારી મુખમુદ્રા જોવાની ઇચ્છા ધરાવતો નથી.’ તે વચન સાંભળી અંત:પુરનો અધિકારી સુરક્ષિત ગાભરો બની ગયો અને બોલ્યો, ‘મહારાજ, મેં બ્રહ્મહત્યા ક્યારે અને કેવી રીતે કરી?’ રાજા પુન: બોલ્યો, ‘ચાલ વૃથા દોષ છુપાવ નહીં. તારાં પાપ ધોવાને માટે તું કાશ્મીર જા. ત્યાં પવિત્ર વિજયક્ષેત્ર, નંદીક્ષેત્ર, વારાહક્ષેત્ર છે અને ત્યાં ચક્રપાણિ ભગવાને એ જ મનુષ્યોને પવિત્ર કર્યા હતા એવું ચક્રપાણિનું ઉત્તમ ક્ષેત્ર છે. ત્યાં વિતસ્તા નામની ગંગાનદી વહે છે, વળી ત્યાં માંડવ્ય મુનિનું ક્ષેત્ર છે, અને ઉત્તર માનસરોવર છે. ત્યાં જઈ, તે તે તીર્થમાં યાત્રા કરી પવિત્ર થયા પછી મને તારું મોં બતાવજે; ત્યાં ગયા વગર મુખ બતાવીશ નહીં.’ આવી રીતે કહી, પરવશ પડેલા સુરક્ષિતને, રાજા વીરભુજે યુક્તિથી તીર્થયાત્રા કરવા માટે દૂર કીધો. પછી રાજા સ્નેહ, કોપ અને વિચાર સહિત પ્રથમ ગુણવરા રાણી પાસે ગયો. રાણી ગુણવરા રાજાનું દિલ ઉદાસ જોઈ બેબાકળી બની ગઈ. તેણે પૂછ્યું, ‘આર્યપુત્ર! આજ અકસ્માત્ આપ આમ ઉદાસ કેમ દેખાવો છો?’ તે સાંભળી રાજાએ રાણીને આ પ્રમાણે કૃત્રિમ વચનો કહ્યાં: ‘પ્રિયે! આજ કોઈ એક મોટો જ્ઞાની પુરુષ મારી પાસે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, ‘રાજા, તારે કેટલાક દિવસ પર્યંત રાણી ગુણવરાને ભોંયરામાં રાખવી અને તારે પોતે બ્રહ્મચર્યવ્રત પાળવું. જો તું તેમ કરીશ નહીં, તો તારું રાજ્ય નાશ પામશે અને તે રાણી પણ મરણ પામશે; એમાં જરા પણ સંદેહ કરવો નહીં.’ આટલું કહી જ્ઞાની મહારાજ ચાલ્યા ગયા. એ વિષે મને ખેદ થાય છે.’ પતિવ્રતા રાણી ગુણવરા, રાજાનું આ પ્રમાણેનું કહેવું સાંભળી, ભય અને રાજા ઉપરના પ્રેમને લીધે બેબાકળી બની ગઈ. તે બોલી: ‘મહારાજ! આર્યપુત્ર! જો મારા ભોંયરામાં રહેવાથી આપનું શુભ થતું હોય તો આજે જ મને ભોંયરામાં શા માટે પૂરતા નથી? હમણાં જ પૂરો. જો મારા પ્રાણ આપતાં પણ આપનું હિત થતું હોય, તો હું પ્રારબ્ધવાળી ગણાઉં. મારું મોત ભલે થાય, પણ તમારું અકલ્યાણ થવું જોઈએ નહીં. આ લોકમાં અને પરલોકમાં સ્ત્રીનું ભલું કરનારો એક તેનો પતિ જ છે.’ ગુણવરાનાં આવાં વચન સાંભળી, રાજાની આંખમાં ઝળઝળીઆં ભરાઈ આવ્યાં. તેણે મનમાં વિચાર કર્યો કે, ‘આ રાણી અને સુરક્ષિત ઉપર મને દોષની શંકા આવતી નથી. જ્યારે મેં સુરક્ષિતને તેડાવ્યો, ત્યારે તેના મુખની છાયા ઝાંખી જોવામાં આવતી નહોતી પણ તે નિર્દોષ જોવામાં આવતો હતો. આ વાત ઘણી ખેદકારક થઈ છે, પણ ફિકર નહીં; એ બે ઉપર જે અપવાદ છે, તેનું શું પરિણામ આવે છે તે જાણવાની હું ઇચ્છા રાખું છું.’ આમ વિચાર કરી તે રાજાએ દિલગીરીથી રાણીને કહ્યું, ‘પ્રિયે! જો તારી મરજી હોય તો અહીંયાં જ ભોંયરું ખોદવાનું મને વચન આપ.’ રાણીએ તે જ વખતે, ‘બહુ સારું, ભોયરું કરાવો.’ આમ કહી વચન આપ્યું. રાજાએ સારી રીતે ઊતરી શકાય એવું એક ભોયરું અંત:પુરમાં કરાવ્યું. તેમાં રાણીને ઉતારી, માતાને ભોંયરામાં ઊતરતી જોઈ તેનો પુત્ર શૃંગભુજ ખેદ કરવા લાગ્યો અને પિતાને પૂછવા લાગ્યો, ત્યારે રાજાએ જે વાર્તા રાણીને સમજાવી હતી, તે જ કારણ કહી પુત્રને શાંત કર્યો. ભોંયરામાં વસવું તેમાં રાજાનું હિત છે એમ માની રાણી ભોંયરાને સ્વર્ગ સમાન માનવા લાગી. સદાચરણી નારીઓ પોતાના પતિના સુખે સુખ માને છે, પણ પોતાના સુખે સુખ ગણતી નથી. ગુણવરા ભોંયરામાં વસવા લાગી, ત્યાર પછી રાજાની બીજી રાણી અયશોલેખાએ પોતાના પુત્ર નિર્વાસભુજને કહ્યું, ‘અમારી સાથે કલહ કરનારી ગુણવરાને રાજાએ ભોંયરામાં પૂરી દીધી છે. હવે તેનો પુત્ર એકલો અહીં છે. તે જો આ દેશમાંથી દેશાંતરમાં જાય તો મને નિરાંત થાય માટે દીકરા! રાજા જેમ શૃંગભુજને થોડા દિવસમાં દેશમાંથી કાઢી મૂકે, એવી રીતની યુક્તિ તારા બીજા ભાઈઓ સાથે મળી તું શોધી કાઢ.’ આ રીતે માતાએ કહ્યું એેટલે નિર્વાસભુજ મત્સરમાં આવી ગયો અને બીજા ભાઈઓ, આગળ આ વાર્તા કરી પોતે તેનો ઉપાય શોધવા લાગ્યો. એક વખતે રાજાના સઘળા કુમારો મોટાં મોટાં શસ્ત્રોના પ્રયોગો (અજમાયશ) કરતા હતા એવામાં, રાજમહેલ ઉપર બેઠેલો એક મોટી કાયાવાળો બગલો સઘળાના જોવામાં આવ્યો. સઘળા રાજકુમાર તે પક્ષીની આકૃતિ વિકૃત જોઈ વિસ્મય પામી ગયા. એવામાં તે માર્ગે કોઈ એક બુદ્ધધર્મનો જ્ઞાની દિગંબર સાધુ જતો હતો, તેણે કહ્યું, ‘રાજકુમારો! શું જોઈ રહ્યા છો. તે બગલો નથી, પણ બગલાના રૂપમાં રહેલો અગ્નિશિખ નામનો રાક્ષસ છે. એ નગરનો નાશ કરવા ફરે છે, માટે તેને હમણાં જ બાણ મારીને વીંધી નાખો, તે માર ખાઈને ઊડી જશે.’ ક્ષપણકનું આ પ્રમાણેનું કહેવું સાંભળી, નવાણું રાજકુમારોએ ધનુષના પ્રહાર કર્યા, પણ નાના કુમાર શૃંગભુજે બાણ માર્યું નહીં. પછી તે બુદ્ધ દિગંબર સાધુ તેઓને કહેવા લાગ્યો: ‘તમારો આ નાનો ભાઈ શૃંગભુજ તે બગલાને મારવા સમર્થ છે. તે જો મજબૂત ધનુષ લઈ તે બગને મારશે તો તે ઊડી જશે.’ ક્ષપણકનું વચન સાંભળતાં વેંત જ, લુચ્ચા નિર્વાસભુજને તરત માતાએ કહેલું વચન યાદ આવ્યું. તેણે વિચાર કર્યો કે, ‘શૃંગભુજને પરદેશમાં કાઢવાને આ સારી તક છે. ચાલ પિતાનું ધનુષ અને તેમાં ચઢાવવાનું સોનાનું શર તેને આપીએ. તે, એ બગલાના શરીરમાં સોનાનું તીર મારશે. તે બાણ બકાસુરના શરીરને વીંધી અંદર ચોંટી જશે, તે બગલો તીર લઈ ઊડી જશે. પછી અમે સઘળા તેની પાસે તીર માંગીશું. એટલે તે પોતે તીર લેવા માટે બગલાની પાછળ દોડી જશે. જ્યાં સુધી તેને સોનાનું તીર મળશે નહીં, ત્યાં સુધી તે આમ તેમ ભટકી, બગાસુરને ખોળ્યા જ કરશે, પણ તીર લીધા વગર પાછો ફરશે નહીં.’ આવો વિચાર કરી, પાપી નિર્વાસભુજે તે બગાસુરને મારવા માટે, શૃંગભુજને પિતાનું ધનુષ અને તીર આપ્યાં. મહાપરાક્રમી શૃંગભુજે પિતાનું ધનુષ હાથમાં લઈ જોરથી ખેંચ્યું, પછી રત્નના પુચ્છવાળું-સોનાનું તીર ચઢાવી બગલાને માર્યું, તે તીર બગલાના શરીરને વિંધી અંદર પેસી ગયું. તુરત તેના શરીરમાંથી લોહીની ધારા પડવા લાગી; પણ બાણથી વિંધાયેલો તે બગલો બાણ સહિત ત્યાંથી ઊડી ગયા પછી કપટી નિર્વાસભુજ અને તેની સલાહથી ઉશ્કેરાયેલા બીજા ભાઈઓ, શૂરવીર શૃંગભુજને કહેવા લાગ્યા; ‘ભાઈ! તું પિતાનું સોનાનું તીર અમને પાછું આપ. તે ધનુષ પિતા અમારી પાસે માંગશે ત્યારે અમે તેને આપીશું નહીં, તો તે અમને આ રાજ્યમાંથી બહાર કાઢી મૂકશે. કદી નવું બનાવીને આપીએ અથવા ક્યાંયથી લઈને આપીએ, પરંતુ એના જેવું મળવું અથવા બનવું મુશ્કેલ છે. માટે તું જો આજ અમને તીર આપીશ નહીં, તો અમે તારી આગળ અમારા પ્રાણત્યાગ કરીશું.’ ભાઈઓનાં વચન સાંભળી તરત મહાવીર શૃંગભુજ બોલ્યો; ‘ભાઈઓ! તમે ધીરજ રાખો, ડરો મા, ગભરાટ છોડી દ્યો. હમણાં હું જાઉં છું અને તે અધમ રાક્ષસને મારી સોનાનું તીર લઈ પાછો આવું છું. આટલું કહી શૃંગભુજ પોતાનું ધનુષ અને બાણ લઈ, જે દિશા તરફ બગલો ઊડ્યો હતો તે દિશામાં, જમીન ઉપર લોહીની ધારા પડતી જતી હતી તે ધારાની પાછળ પાછળ ઉતાવળો ઉતાવળો ચાલવા માંડ્યો. આ રીતે શૃંગભુજને રાજ્યમાંથી કાઢી, તેના ભાઈઓ રાજી થતા થતા, માતાની પાસે ગયા અને પોતાની વાર્તા માના આગળ જણાવી, તેમની માતાઓને પણ તેથી તેની આનંદ થયો. શૃંગભુજ લોહીની ધારા પાછળ ક્રમે ક્રમે ચાલતો ઘણે દૂર એક ભયંકર જંગલમાં જઈ પહોંચ્યો. તે જંગલની અંદર બગલાની તપાસ કરવા લાગ્યો, પણ કંઈ પત્તો મળ્યો નહીં. એવામાં સમય ઉપર ઉપયોગ માટે પુણ્યવૃક્ષનું ફળ મળી આવ્યું હોય તેની પેઠે, એક ઉત્તમ નગર તેની નજરે પડ્યું. આ નગરની પાસે એક બગીચો હતો. તેના ઝાડની છાયા તળે શૃંગભુજ વિશ્રામ કરવા માટે ક્ષણવાર બેઠો. એવામાં તેણે અત્યંત સ્વરૂપવતી, સૌંદર્યવાન એક કન્યાને બગીચામાં આવતી દીઠી. આ કન્યા વિરહમાં પ્રાણનાશ કરનારી હતી અને સંગમમાં જીવન આપનારી હતી, તેથી જાણે બ્રહ્માએ વિષમય અને અમૃતમય મૂતિર્ સાથે સાથે ઘડી હોય તેમ તે દર્શન દેતી હતી. તે કન્યા હળવે હળવે રાજકુમાર પાસે આવીને પ્રેમ દૃષ્ટિથી રાજકુમારને જોવા લાગી. રાજકુમાર પણ તેના ઉપર આશક થઈ ગયો. તેને પૂછ્યું ‘અયિ! મૃગલોચના પ્યારી! આ નગરનું નામ શું છે? તેના રાજાનું નામ શું છે? તમે કોણ છો? અહીં શા માટે આવ્યાં છો? તે મને કહો.’ તે સાંભળી, દાડિમની કળી જેવા દાંતવાળી તે કન્યા, પૃથ્વી તરફ નજર કરી, સ્નેહ અને મીઠાશવાળી વાણીથી કહેવા લાગી: ‘સર્વ સંપત્તિથી આબાદ થયેલું આ નગરનું નામ ધૂમપુર છે. આમાં અગ્નિશિખ નામનો મોટો રાક્ષસ રાજ્ય કરે છે. હું તેની પુત્રી છું. અને મારું નામ રૂપશિખા છે. હું તમારી અનુપમ સુંદરતા જોઈ તમારા ઉપર મોહ પામીને અહીં આવી છું. હવે હું તમને પૂછું છું કે, તમો કોણ છો, અને અહીં શા માટે આવ્યા છો તે મને કહો.’ તે કન્યાનું આવું મધુરું બોલવું સાંભળી, શૃંગભુજે પોતાનું નામ, પોતાના પિતાનું નામ અને તીર માટે ધૂમપુરમાં આવવું વગેરે સર્વે વૃત્તાંત તે કન્યાને કહી સંભળાવ્યો. રૂપશિખા રાજકુમાર પાસેથી સર્વ વૃત્તાંત જાણ્યા પછી બોલી: ‘તમારા સમાન ધનુષધારી પુરુષ ત્રણે લોકમાં બીજો કોઈ પણ નથી; કારણ કે તમે બકરૂપધારી મારા પિતાને પણ મોટું બાણ મારી જખમી કરી દીધા છે, આ કામ સાધારણ પરાક્રમનું નથી, તમે જે સોનાનું તીર માર્યું હતું અને મારા પિતાના શરીરમાં ખૂંપી ગયું હતું તે તીર, મહાદંષ્ટ્ર નામના અહિયાં એક મંત્રી છે, તે શરીરની અંદર ખૂંપેલા શર વગેરે કાઢી ઔષધિ વડે ઘાને રૂઝવવાનું જાણે છે તેણે, મારા પિતાના શરીરમાંથી બહાર કાઢ્યું છે અને તે ઘાને રૂઝાવ્યો છે. મેં તમારા તે તીરને રમવા માટે મારા હસ્તક લીધું છે. આર્યપુત્ર! હું હમણાં પિતા પાસે જઈ તેને સર્વ વાર્તા સમજાવી, હમણાં તમને નગરમાં લઈ જાઉં છું. ‘મારા પ્રાણ’ એમ જ હવે તમને કહીશ, કેમકે મારા હૃદયમાં હવે તમે જ રમણ કરો છો.’ આટલું કહી શૃંગભુજને બહાર બેસાડી એક ક્ષણમાં રૂપશિખા પોતાના પિતા અગ્નિશિખની પાસે ગઈ. તેણે પિતાને કહ્યું કે ‘હે પિતાજી! શૃંગભુજ નામનો કોઈ એક બળવાન રાજકુમાર આ ગામમાં આવ્યો છે. તે રૂપમાં, કુળમાં, સ્વભાવમાં, અવસ્થામાં અને ગુણમાં તેના જેવો બીજો કોઈ નથી, તે એક જ છે. આ ઉપરથી હું સમજું છું કે તે મનુષ્ય નથી, પરંતુ આ દુનિયામાં કોઈ એક દેવાંશી અવતર્યો છે. જો તેની સાથે મારાં લગ્ન કરશો નહીં, તો હું અવશ્ય મારા પ્રાણત્યાગ કરીશ.’ કન્યાનું આવું વચન સાંભળી તેનો પિતા રાક્ષસ બોલ્યો: ‘પ્રિય પુત્રી! મનુષ્ય એ તો આપણો ખોરાક છે. તથાપિ જો તારે તેની સાથે પરણવાનો આગ્રહ હોય, તો ભલે તેમ કર. તું તે રાજપુત્રને અહીં તેડી લાવ મને બતાવ.’ પછી રૂપશિખા શૃંગભુજ કુમાર પાસે ગઈ અને પોતે શું કર્યું હતું તે કહી બતાવ્યું પછી પોતાના પિતા નજીક તેને તેડી ગઈ. કુમારે રાક્ષસ પાસે જઈ પ્રણામ કર્યા. કન્યાનો પિતા અગ્નિશિખ તેને આદરસત્કાર આપી બોલ્યો: ‘રાજકુમાર! તું જો કોઈ પણ દિવસ મારાં વચનનું ઉલ્લંઘન કરીશ નહીં, તો હું તારી સાથે આ રૂપશિખાને પરણાવીશ.’ આ રીતે રાક્ષસે કહ્યા પછી, રાજકુમાર શંૃગભુજ પણ વિનીત બનીને બોલ્યો: ‘બહુ સારું, હું આપની આજ્ઞા પ્રમાણે બરાબર વર્તીશ; કદી પણ આપના વચનનું ઉલ્લંઘન કરીશ નહીં.’ શૃંગભુજનું બોલવું સાંભળી અગ્નિશિખ ખુશ થતો બોલ્યો, ‘તું જઈ સ્નાનમંદિરમાં સ્નાન કરી આવ.’ આમ તે કુમારને કહી, પુત્રી રૂપશિખાને કહ્યું, ‘વત્સે! તું પણ જા અને તારી સઘળી બહેનોને સત્વર બોલાવી લાવ.’ અગ્નિશિખે આજ્ઞા કરી એટલે બન્ને જણાં ‘બહુ સારું’ એમ કહી ત્યાંથી સાથે સાથે બહાર નીકળ્યાં. બહાર આવ્યા પછી બુદ્ધિશાળી રૂપશિખાએ રાજકુમારને કહ્યું; ‘આર્યપુત્ર! મારી નાની સો બહેનો છે. અમે સઘળી રૂપે ને રંગે સરખી છીએ. અમારાં ઘરેણાં અને વસ્ત્ર પણ સરખાં છે. અમારા સઘળાના કંઠમાં માળાઓ પણ સરખી જ છે, માટે પ્રાણનાથ! મારા પિતા અમને સઘળીને એકઠી કરી, તમને મૂઝવવા માટે કહેશે કે આ કન્યામાં જે કન્યા તને અભિષ્ટ હોય તે કન્યાની તું માંગણી કર. આવો તેનો અંદરનો કપટ ભરેલો અભિપ્રાય મારા જાણવામાં છે, જો તેનો એવો અભિપ્રાય ન હોય તો, શા માટે અમને સઘળીઓને એકઠી કરે? માટે, જ્યારે મારા પિતા તમને કહે કે આ કન્યામાં જે કન્યા ઉપર તારું મન હોય તેની માગણી કર. ત્યારે તમારે કેમ વર્તવું તે જણાવું છું તે પ્રમાણે તમે વર્તજો. હું મારા કંઠની માળા, અમે ભેગાં થઈશું તે જ વખતે મસ્તક પર મૂકીશ. એ એંધાણથી તમારે મને ઓળખી, મારા ઉપર પુષ્પનો હાર ફેંકવો. મારો પિતા તો ઘણું કરી, તે જોતાં ભૂત જેવો થઈ જશે. એની બુદ્ધિ વિવેકવાળી નથી. તે રાક્ષસ છે તેથી બીજી પછી માયા કરશે. પણ શું થયું? જેમ એ માયા કરી જાણે છે, એમ હું પણ માયા જાણું છું. એ માયાસિદ્ધ છે, તેમ હું પણ માયાસિદ્ધ છું. તમને છેતરવા માટે એ જે જે કંઈ પણ કહે તે તે સર્વ તમારે કબૂલ કરવું અને કહેવું. તેની સર્વ માયાનો ઉતાર હું બરાબર જાણું છું.’ પછી રાજકુમાર ‘ઠીક છે’ એમ કહી સ્નાન માટે સ્નાનમંદિરમાં ગયો અને રૂપશિખા બહેનોની પાસે ગઈ. થોડી વારમાં તે સઘળી બહેનો સહિત પિતાની પાસે આવી. શૃંગભુજ પણ દાસી દ્વારા સ્નાન કરી પુન: ત્યાં આવ્યો. સર્વ ભેગાં થયાં. પછી અગ્નિશિખ રાક્ષસે એક ફૂલનો હાર શૃંગભુજને આપી કહ્યું, ‘રાજકુમાર! આ કન્યામાં તને જે કન્યા વહાલી હોય તે કન્યાને આ વનમાળા પહેરાવ.’ રૂપશિખાએ સંકેત પ્રમાણે મસ્તક ઉપર માળા ચઢાવી તે ઉપરથી તે જ રૂપશિખા છે એમ માની, રાજકુમારે તે વનમાળા હાથમાં લઈ તરત રૂપશિખાના ગળામાં પહેરાવી દીધી. એ જોઈ અગ્નિશિખે, રૂપશિખાને અને રાજકુમારને કહ્યું, ‘હું કાલે પ્રભાતમાં તમારા બન્નેના માંગલિક વિવાહ કરીશ.’ પછી તે બન્ને પ્રિયા પ્રિતમને અને બીજી દીકરીઓને રજા આપી ઘેર મોકલ્યા. થોડી વાર પછી શૃંગભુજને બોલાવી તે રાક્ષસે કહ્યું; ‘આજે તું આ બળદનું હળ લઈ નગર બહાર જા, અને ત્યાં પડેલા તલના ઢગલામાંથી ૧૦૦ કારી તલ વાવી આવ.’ શૃંગભુજ તેનું કહેવું સાંભળી ‘ઠીક છે’ એમ કહી રૂપશિખા પાસે આવ્યો અને ઉદાસીન થઈ તે વાત તેને જણાવી, રૂપશિખાએ સર્વ વૃત્તાંત જાણી, આ પ્રમાણે રાજકુમારને કહ્યું: ‘આર્યપુત્ર! તમારે એમાં જરા પણ ખેદ કરવો નહીં. તમે નગર બહાર ક્ષેત્રમાં જાઓ: હું મારી માયાના પ્રતાપથી તે સર્વ તલ હમણાં વાવી નાખું છું. પછી રાજકુમાર નગર બહાર ગયો, અને પ્રિયાનો પ્રેમ જુએ છે તો ત્યાં મોટા તલના ઢગલાઓ તેના જોવામાં આવ્યા, તેના પ્રમાણથી ગભરાટમાં પડ્યો. પણ સમગ્ર ભૂમિ ખેડેલી જોવામાં આવી અને સઘળા તલના ઢગલાઓ ક્રમવાર વાવેલા જોવામાં આવ્યા. તે જોઈ કુમાર બહુ આશ્ચર્ય પામ્યો. રાજકુમાર તલ વાવી અગ્નિશિખ પાસે આવ્યો ને જણાવ્યું કે, મેં ક્ષેત્ર ખેડીને તલ વાવ્યા છે. ત્યારે તે ઠગ રાક્ષસે રાજકુમારને કહ્યું, ‘મારે કંઈ તલ વવરાવવાનું કામ ન હતું, પણ જે તલ વાવેલાં છે, તે સઘળા એકઠા કરી આપવાનું કામ છે!’ તે સાંભળી રાજપુત્ર રૂપશિખા પાસે આવ્યો અને વિતક વાર્તા કહી, રૂપશિખાએ તે કુમારને ક્ષેત્રમાં જવા માટે કહ્યું. પછી પોતે માયાથી અસંખ્ય કીડીઓ ઉત્પન્ન કીધી, તે કીડીઓએ ક્ષેત્રમાંના સઘળા તલને એકઠા કરી તેના મોટા ઢગલા બનાવી દીધા. શૃંગભુજે તે તલના ઢગલા જોયા ને પ્રસન્ન થયો, વળી અગ્નિશિખ પાસે તે આવ્યો અને તેને જણાવ્યું કે, ‘મેં સઘળા તલને એકઠા કરી, તેના ઢગલા કરી મૂક્યા છે.’ તે સાંભળી અગ્નિશિખ, જે ઠગ કરતાં વધુ મૂર્ખ હતો તે પુન: બોલ્યો; ‘અરે ભાઈ! તમારા સરખું એક કામ છે તે બજાવો તો ઘણું સારું. અહીંથી દક્ષિણ દિશામાં ચાર ગાઉ પર જંગલમાં શંકરનું એક ખાલી મંદિર છે. તે મંદિરમાં ધૂમશિખ નામનો મારો પ્યારો ભાઈ રહે છે. ત્યાં હમણાં ને હમણાં જાઓ, અને દેવ મંદિરની આગળ જઈ કહો કે, ‘ધૂમશિખ! કાલે પ્રભાતમાં રૂપશિખાનાં લગ્ન થવાનાં છે. માટે તમને સહકુટુંબ નિમંત્રણ કરવા માટે તમારા ભાઈ અગ્નિશિખે મને મોકલ્યો છે, માટે તમારે સત્વર લગ્નમાં પધારવું.’ આટલું કહી તારે આજે જ પાછું અહીં આવતા રહેવું. હું કાલે સવારે તારી સાથે રૂપશિખાને પરણાવવાનો છું.’ આવી રીતે ઠગ અને દુષ્ટ અગ્નિશિખે કહ્યું; ત્યારે શંૃગભુજ, ‘ઠીક છે’ એમ કહી રૂપશિખા પાસે ગયો ને રાક્ષસના કહેવા પ્રમાણે સર્વ કથા રૂપશિખાને કહી. આ વાત સાંભળતાં જ, સદ્ગુણી રૂપશિખાએ રાજકુમારને માટી, પાણી, કાંટા અને અગ્નિ એમ ચાર વસ્તુઓ આપી, પોતાનો ઉત્તમ ઘોડો ચઢવા માટે આપ્યો અને કહ્યું કે; તમે આ ઘોડા ઉપર ચઢી, દેવના મંદિર પાસે જલદી જજો, અને પિતાએ કહેલું નિમંત્રણ, ધૂમશિખ કાકાને કહેતાંની સાથે જ, ઘોડો ઝડપથી દોડાવી પાછા વળજો. પાછા વળતી વખતે વારંવાર પાછળ નજર કરજો. જો પાછળ ધૂમશિખ આવતો જોવામાં આવે તો, તમે તેના આવવાના માર્ગ ઉપર પ્રથમ માટી નાખજો. તો પણ જો ધૂમશિખ આવતો જોવામાં આવે તો, તમે તેના આવવાના માર્ગ પર આ જળ છાંટજો, તો પણ તે પાછળ આવતો જણાય તો પાછળના માર્ગ પર પ્રથમની પેઠે આ કાંટા વેરજો; અને તો પણ તે આવે તો તમે માર્ગની અંદર આ અગ્નિને નાખજો. આમ કરવાથી જરા પણ દુઃખ વગર તમે અહીં પાછા આવી શકશો. મનમાં કંઈ શંકા કરતા ના, પણ આજે મારી વિદ્યાનું પરાક્રમ તમારા જોવામાં આવશે.’ આવી રીતે સર્વ સામગ્રી આપી, તેની સમજણ પાડી રાજકુમાર શ્રુંગભુજ માટી વગેરે સર્વ વસ્તુ લઈ, તેના પાણીદાર ઘોડા ઉપર ચઢી, ‘તારા કહેવા પ્રમાણે સર્વ કરીશ’ એમ કહી, જે જંગલમાં દેવમંદિર હતું તે તરફ ચાલવા માંડ્યો. તે શિવમંદિરમાં આવ્યો તેના મધ્યભાગમાં શંકર બીરાજેલા હતા. તે ત્રણે દેવનાં દર્શન કરી તેમને પ્રણામ કર્યા. પછી અગ્નિશિખે વિવાહ સંબંધી જે નિમંત્રણ ધૂમશિખને કહાવ્યું હતું તે નિમંત્રણ, ધૂમશિખને ઝટપટ કહી, યુક્તિપૂર્વક ઘોડાને દોડાવી નાસવા માંડ્યું. એક ક્ષણ પછી નજર કરીને પાછળ જુવે છે, તો ધૂમશિખ પાછળ આવતો હતો. તુરત જ રાજકુમારે પોતાની પાછળના માર્ગમાં, પ્રિયાએ આપેલી માટી નાખી. તરત માર્ગની વચમાં માટીમાંથી એક મોટો પહાડ બની ગયો. ધૂમશિખે મહામહેનતે તે પહાડને ઉલ્લંઘ્યો ને તેની પાછળ પડ્યો. પુન: ધૂમશિખને પાછળ પડેલો જોઈ, રાજકુમારે પ્રથમ માફક પાછળના રસ્તા ઉપર જળની ધારા કરી. તે પાણીમાંથી મોટા મોજાવાળી મહા નદી બની ગઈ. ધૂમશિખ રાક્ષસ તે મહાનદીને પણ મહામુસીબતથી તરી પાછળ પડ્યો. આ વખતે શૃંગભુજે વળી પાછળના રસ્તા ઉપર કાંટાઓની વેરણી કીધી. તે કાંટમાંથી કાંટાવાળું ભયંકર જંગલ બની ગયું. રાક્ષસ ધૂમશિખ તે વન ઓળંગીને પણ પાછળ આવ્યો ત્યારે રાજકુમાર શૃંગભુજે, પાછળના માર્ગ ઉપર અગ્નિ નાખ્યો. તે અગ્નિથી માર્ગમાં આવેલું આખું જંગલ સળગવા લાગ્યું. રાક્ષસ ધૂમશિખે તે વનને ખાંડવવનની માફક બળતું જોયું એટલે તેનાથી આગળ જઈ શકાય એવું નથી એમ ધારી, ઉદાસ થઈ, ડર ખાઈ પાછો વળ્યો. રૂપશિખાની આ માયાથી મૂઢ બની તે રાક્ષસ આકાશમાં ઊડવાની વિદ્યા વિસરી જઈ, જેમ પગે ચાલી આવ્યો હતો, તેમ જ પગે ચાલી પાછો પોતાને ઘેર ગયો. શૃંગભુજ અંત:કરણમાં પોતાની સ્ત્રીની માયાનું પરાક્રમ વખાણવા લાગ્યો અને નિર્ભય બની, ધૂમપુરમાં સ્ત્રીની પાસે આવ્યો. રૂપશિખાને તેનો ઘોડો પાછો સોંપી, ત્યાં જે બનાવ બન્યો હતો તે કહ્યો. તે સાંભળીને રૂપશિખા ઘણો હર્ષ પામી. પછી રાજપુત્રે અગ્નિશિખની પાસે જઈ કહ્યું; ‘હું તમારા ભાઈ ધૂમશિખને નિમંત્રણ આપી આવ્યો છું. તે સાંભળી અગ્નિશિખ તો આશ્ચર્યમાં ગરકાવ જ થઈ ગયો અને પૂછવા લાગ્યો: ‘જો તું ત્યાં ગયો હતો, તો મને તે દેવમંદિરની કોઈ નિશાની બતાવ.’ તે કપટી રાક્ષસે પૂછ્યું એટલે રાજકુમાર બોલ્યો, ‘જ્યારે તમારી ઇચ્છા ત્યાંની નિશાની જાણવાની જ તે છે, તો સાંભળો: આપને દેવમંદિરની નિશાની આપું છું. તે મંદિરના મધ્યભાગમાં શંકર બિરાજે છે, તેના ડાબા ભાગ ઉપર પાર્વતીજી છે ને જમણા ભાગમાં ગણપતિ છે.’ અગ્નિશિખે પ્રમાણ સાંભળ્યું. ત્યારે તે આશ્ચર્ય પામ્યો અને ક્ષણવાર વિચારમાં પડ્યો કે ‘આ કુમાર મારા ભાઈ પાસે ગયો છતાં પણ મારા ભાઈએ આને કેમ ખાધો નહીં હોય. મને જણાય છે કે આ મનુષ્ય નથી, પણ અવશ્ય કોઈ મોટો દેવ છે. મારી કન્યા આ વર સાથે ભલે પરણે, કારણ કે વર તેના લાયકનો છે.’ આમ વિચાર કરી શૃંગભુજને રૂપશિખા પાસે જવા માટે તેને રજા આપી; પરંતુ પોતાની પુત્રી ફૂટેલી છે માટે આ કુમાર બચી ગયો છે એ વાત તે જાણી શક્યો નહીં. કુમાર, રાક્ષસ પાસેથી રજા લઈ રૂપશિખા પાસે ગયો અને ત્યાં ખાનપાનમાં ગુલતાન બની, કાલે વિવાહ થશે તેની ઉત્કંઠાથી આખી રાત્રિ જેમ તેમ ગુજારી, પ્રભાત થયું એટલે અગ્નિશિખે પોતાની સિદ્ધિને છાજતી સમૃદ્ધિ વડે, રાજકુમારનો સત્કાર કરી, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અગ્નિની સાક્ષીએ, પોતાની કન્યા, રાજકુમારને પરણાવી. એ વેળા તેણે ઘણી ધામધૂમ કરી હતી. ઈશ્વરની ગતિ કોણ કળી શકે છે. રાક્ષસની પુત્રી ક્યાં અને રાજકુમાર ક્યાં! અને વળી તે બન્નેનો વિવાહ ક્યાં! એ કંઈ સાધારણ બનાવ નથી. આશ્ચર્ય છે કે પૂર્વ જન્મમાં કરેલાં કર્મની જગતમાં વિચિત્ર જ ગતિ છે. પછી તે રાજકુમાર, રાક્ષસ પુત્રી સાથે લગ્ન કરી, હંસ જેમ કાદવમાંથી પેદા થયેલી કમલિની સાથે પરણીને શોભવા લાગ્યો અને તે કન્યા સાથે તન્મય થઈ, રાક્ષસની સિદ્ધિથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના વૈભવો ભોગવતાં તે સ્ત્રી સાથે રહેવા લાગ્યો. કેટલાક દિવસો વીત્યા પછી, શૃંગભુજે એકાંતમાં રૂપશિખાને આ પ્રમાણે કહ્યું: ‘પ્રિયે! ચાલ હવે આપણે વર્ધમાનપુરમાં જઈએ. તે મારી પોતાની રાજધાની છે અને હું ત્યાંથી મારા શત્રુઓના પ્રપંચથી દેશવટો લઈ આવ્યો છું. મારા જેવા પુરુષો પ્રતિષ્ઠાને પ્રાણસમ સમજે છે. પણ પ્રાણને પ્રાણ સમજતા નથી. જન્મભૂમિ ત્યાગ કરવા લાયક નથી, તો પણ તું મારે માટે જન્મભૂમિનો ત્યાગ કરવા માટે પિતાની રજા લઈ, હાથમાં સુવર્ણનું તીર લઈ, તૈયાર થા; અને મારી સાથે રાજધાનીમાં ચાલ.’ શૃંગભુજનું આ પ્રમાણેનું કહેવું સાંભળી; રૂપશિખા બોલી; ‘આર્યપુત્ર! પ્રાણનાથ! હવે તમે જે આજ્ઞા ફરમાવશો તે મુજબ વર્તવાને માટે હું તૈયાર છું. જન્મભૂમિ કોણ અને બંધુ કોણ? મારે તો તે સર્વ તમે જ છો. પતિવ્રતા સ્ત્રીઓને પતિ સિવાય બીજો કોઈ પણ સુખ આપનાર નથી; અર્થાત્ તેને પતિ તરફથી સર્વ સુખ મળે છે. તમારે જવાની ઇચ્છા હોય તો અગ્નિશિખને તે સંબંધે કંઈ જણાવવું નહીં. તે જો જવાનું જાણશે તો મને રજા આપશે નહીં. માટે તે ક્રોધી જાણે નહીં તેમ, તેનાથી છૂપી રીતે આપણે ચાલ્યા જવું જોઈએ. આપણા ગયા પછી, પરિજનથી તે કદી આપણા જવાનું જાણશે અને પાછળ આવશે તો, હું મારી વિદ્યાના બળથી ભૂત જેવા તે મૂર્ખને મોહિત કરી દઈશ.’ આવાં ઉત્સાહવાળાં વચન સાંભળી, શૃંગભુજ ઘણો ખુશ થયો. તેને ઘણો આનંદ થયો; બીજો દિવસ થયો એટલે તે રાક્ષસની કન્યા, અર્ધરાજ્ય હોય એવો, અણમોલ કિમતનાં રત્નનો એક દાબડો અને પેલું સુવર્ણનું મનોહર તીર લઈ તૈયાર થઈ. પછી રાજકુમાર અને તે કન્યા બન્ને જણ, રાક્ષસના શરવેગ નામના ઘોડા ઉપર સર્વ સામાન ભરી, તે ઉપર સ્વારી કરી, ‘અમે ફરવા માટે ઉપવનમાં જઈએ છીએ.’ આમ કહી પરિજનને છેતરી, વર્ધમાનપુર તરફ ચાલતાં થયાં. ચાલતાં ચાલતાં ઘણા ગાઉ પહોંચી ગયા પછી તે વાર્તા અગ્નિશિખના જાણવામાં આવી. તે કોપ કરી તેની પાછળ આકાશમાર્ગે સુસવાટાભેર દોડ્યો. માર્ગમાં જતી રૂપશિખાએ પિતાના જોશભેર દોડવાનો શબ્દ સાંભળી, શૃંગભુજને કહ્યું, ‘પ્રાણપતિ! મારા પિતા મને પાછી તેડવા માટે, પાછળ આવે છે. તમે આ ઘોડા ઉપર બેઠા રહેજો, બીશો મા. હું મારી વિદ્યાથી તમને અને તમારા ઘોડાને અદૃશ્ય બનાવી દઈશ, એટલે તે તમને અને ઘોડાને દેખશે નહીં, તમે જુઓ કે હું તેને કેવી રીતે છેતરુંં છું.’ આમ કહી તે સ્ત્રી ઘોડા ઉપરથી નીચે ઊતરી પડી અને માયા વડે પુરુષ બની ગઈ. તે વનમાં લાકડાં લેવા માટે એક કઠીઆરો આવ્યો હતો તેની પાસે ગઈ અને કહ્યું કે, ‘અહીં એક મોટો રાક્ષસ આવે છે, માટે તું ક્ષણવાર સંતાઈ જા.’ તેને સંતાડી, તેની પાસેથી કુહાડો લઈ, તેના વતી રૂપશિખા લાકડાં કાપવા લાગી. એ જોઈ શૃંગભુજ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યો. એવામાં મૂઢ અગ્નિશિખ રાક્ષસ આકાશમાર્ગે દોડતો દોડતો ત્યાં આવ્યો, અને કઠીઆરાના આકારમાં રહેલી પોતાની પુત્રીને જોઈ, આકાશમાંથી નીચે ઊતરી તેની પાસે જઈ પૂછ્યું; ‘અરે ભાઈ! તેં આ માર્ગે જતાં કોઈ સ્ત્રીપુરુષને દીઠાં છે?’ ત્યારે પુરુષના વેશમાં રહેલી રૂપશિખા, જાણે લાકડાં કાપવાથી ઘણી જ થાકી ગઈ હોય, તેમ ઢોંગ કરી બોલી; ‘આજે અગ્નિશિખ નામનો એક મોટો રાક્ષસ ગૂજરી ગયો છે. તેને બાળવા માટે અમે તો અહીં લાકડાં કાપીએ છીએ, તેના પરિશ્રમથી અમારી આંખમાંથી જળ ઝરે છે, માટે અમે તો કોઈ સ્ત્રી, પુરુષને અહીંથી જતાં જોયાં નથી.’ તે સાંભળી પેલો મૂર્ખ રાક્ષસ મનમાં વિચારવા લાગ્યો; ‘શું હું મરી ગયો છું? તેમ હોય તો હવે મારે પુત્રીને શું કરવી છે? ચાલ, પાછો ઘેર જઈ મારા પરિજનને તે વિષે પૂછી આવું.’ આમ વિચારી અવિચારી અગ્નિશિખ તરત ઘેર ગયો; અને તેની કન્યા રૂપશિખા હાસ્ય કરતી કરતી, પ્રથમની માફક પ્રાણપ્રિય સાથે માર્ગ કાપવા લાગી. તે રાક્ષસે ઘેર જઈ પરિજનને પૂછ્યું; ‘બોલો, હું મરી ગયો છું કે જીવું છું?’ તે સાંભળી તેનાં પરિજનો હાસ્ય કરીને બોલ્યાં; ‘મહારાજ! તમે જીવો છો, મરી ગયા નથી.’ રાક્ષસ પરિજન પાસેથી પોતાને જીવતો જાણી પાછો પુત્રીની પાછળ દોડ્યો. પુન: રૂપશિખાએ દૂરથી પિતાની દોડનો સુુસવાટો કે પિતા પુન: મારી પાછળ આવ્યા છે. પુન: તે પોતે ઘોડા ઉપરથી ઊતરી પડી ને પ્રથમની માફક માયા વડે પતિને અદૃશ્ય બનાવી, પોતે પુન: પુરુષનું રૂપ ધારણ કર્યું; અને તે રસ્તામાંથી એક કાસદ જતો હતો તેના હાથમાંથી કાગળ લઈ ઊભી રહી. એવામાં તે રાક્ષસ કાસદના આકારમાં ઊભેલી પુત્રીને જોઈ આકાશમાંથી નીચે ઊતર્યો અને પૂછ્યું, ‘અરે ભાઈ! તેં આ રસ્તા ઉપરથી કોઈ સ્ત્રીપુરુષને જતાં દીઠાં છે?’ કાસદના આકારમાં ઊભી રહેલી રૂપશિખા હાંફતી હાંફતી બોલી; ‘આજ રણસંગ્રામમાંં શત્રુએ અગ્નિશિખને પાયમાલ કરી નાંખ્યો છે; છતાં પણ તેનામાં જરા જીવ રહી ગયો છે. તેણે પોતે જીવતાં જ પોતાનું રાજ્ય પોતાના ભાઈ ઉછરંખલ મનના ધૂમશિખને આપવા માટે મને સંદેશો લઈ મોકલ્યો છે; માટે મારું મન જવાની ઉતાવળમાં વ્યાકુળ હોવાથી, મેં કોઈ સ્ત્રીપુરુષને દીઠાં નથી.’ અગ્નિશિખ પોતાને બીજાએ મારી નાંખ્યો, એમ જાણી ગાભરો બની પુન: તે બાબતનો નિશ્ચય કરવા માટે, પોતાને ઘેર ગયો, પરંતુ તે મૂર્ખે મનમાં એમ વિચાર કર્યો નહીં કે ‘કોણ મરી ગયો છે અને કોણ જીવે છે! હું તો હમણાં સહીસલામત છું તો મરે કોણ? અદ્ભુત આશ્ચર્ય છે કે બ્રહ્માની આશ્ચર્યકારક તમોગણી ઉત્પત્તિ રાત્રિ કે દિવસ કંઈ જાણતી નથી.’ પછી તે રાક્ષસ ઘેર ગયો અને પરિજનને પૂછ્યું, ‘બોલો, બોલો,‘હું મરી ગયો છું કે જીવું છું?’ તેઓએ ઉત્તર આપ્યો ‘તમે જીવો છો. જે તમને મરી ગયા કહે છે તે જૂઠું છે.’ ત્યારે તે મનમાં સમજ્યો કે મને કહેનારે જૂઠું કહ્યું છે અને મારી મશ્કરી કરી છે. પણ તે પછી, પુત્રીની માયા આગળ થાકી મોહિત બની પુન: તેની પૂઠે ગયો નહીં. અને આ સર્વ લીલા પુત્રીની કરેલી છે એમ સમજી તે પોતાને ઘેર બેસી રહ્યો. આ પ્રમાણે પિતાને મોહિત કરી રૂપશિખા પતિની સાથે ચાલી ગઈ; ઉત્તમ પતિવ્રતાએ પતિનું ભલું કરવું તે જ કર્તવ્ય સમજે છે, બીજું કંઈ પણ કર્તવ્ય સમજતી નથી. શૃંગભુજ શરવેગ નામના અશ્વ પર આરૂઢ થયો અને તેની સ્ત્રી પણ આરૂઢ થઈ, બન્ને જણાં ઉતાવળાં ઉતાવળાં વર્ધમાન નગર તરફ જવા માંડ્યાં. થોડી વારમાં તે નગર દેખાવા લાગ્યું; જ્યારે શહેરનું પાદર આવ્યું ત્યારે શૃંગભુજે તરત નગરમાં વરધી પહોંચાડી. રાજા વીરભુજ ઘણે દિવસે પુત્રને આવતો જાણી, ઘણો રાજી થયો! અને સર્વની પહેલાં નગરની બહાર નીકળ્યો; સત્યભામા સહિત જેમ કૃષ્ણ શોભે તેમ રૂપશિખા સંગે શોભતા પુત્રને, જાણે નવી રાજ્યસંપત્તિ મળી હોય તેમ માનવા લાગ્યો. કુમાર પિતાને સામા આવતા જોઈ, સ્ત્રી સહિત ઘોડા ઉપરથી નીચે ઊતરી પડ્યો. પિતાને દંડવત્ પ્રણામ કર્યાં, પિતાએ પુત્રને ઉઠાડી છાતી સરસો ચાંપી, આનંદનાં અશ્રુ પાડ્યાં અને તે હર્ષાશ્રુવાળાં નેત્રથી જ જાણે શોકમાત્રનો નાશ કરતો હોય તેમ, ઉત્તમ મંગળ વિધિ કરી, પુત્રને રાજધાનીમાં દાખલ કર્યો, આખા નગરમાં તે દિવસે ઉત્સવ થઈ ગયો. જ્યારે રાજા અને શૃંગભુજ બન્ને જણા સાથે બેઠા, ત્યારે પિતાએ પૂછ્યું, ‘તું ક્યાં ગયો હતો?’ શૃંગભુજે આદિથી અંતપર્યત પોતાનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. નિર્વાસભુજ વિગેરે સઘળા ભાઈઓને તેડાવી, તેમને સોનાનું તીર ઇચ્છા હોય તો આપવાની ઇચ્છા બતાવી. વીરભુજ સર્વ વાર્તાથી વાકેફ થઈ, તે સોનાના તીરને જોઈ, બીજા સઘળા પુત્ર ઉપર ક્રોધે ભરાયો; અને એક શૃંગભુજને જ પુત્ર તરીકે ગણવા લાગ્યો, તે બુદ્ધિશાળી કહેવા લાગ્યો કે; ‘જેમ દુષ્ટ ભાઈઓએ શત્રુતાને લીધે આ નિરપરાધી રાજકુમારને બહાર કાઢી મૂક્યો હતો, તેમ જ આ કુમારોની પાપિણી માતાઓએ આ કુમારની માતા, જેને હું પ્રાણથી વધુ પ્રિય ગણું છું, જે દોષરહિત છે એમ મારું મન કહે છે, તેના પર આળ કેમ ચઢાવ્યું નહીં હોય? ઘણા દિવસ પછી તે બાબતની શી તપાસ કરવી! આજ જ તપાસ કરું તો ખરું ખોટું તુરત પકડાઈ આવશે.’ આમ વિચાર કરી, તે દિવસ તે ગયો. પણ રાત્રિ પડી એટલે રાણીનું કપટ જાણવાની ખાતર, અયશોલેખા રાણીના રંગમહેલમાં ગયો. રાણી રાજાની પધરામણીથી ઘણી ખુશ થઈ. રાજાએ તેને ખૂબ મદિરા પાઈ, તેની સાથે રંગભોગ રમ્યો. રંગભોગ રમ્યા પછી તે રાણી શ્રમિત થઈને નિદ્રાવશ થઈ ગઈ. નિદ્રાવશ થયા પછી તે બકવા લાગી; ‘જો હું ગુણવરા ઉપર ખોટું આળ ચઢાવત નહીં, તો શું આવી રીતે મારે રંગમહોલે પધારત કે?’આ લવારા વખતે રાજા જાગતો હતો, એ કપટકુશળ નિદ્રાવશ રાણીના મનના દુષ્ટ વિચાર, તેના વચન દ્વારા જાણી ગયો, તેથી તે ગુસ્સે થયો અને તેના રંગમહેલથી બહાર નીકળી, પોતાના રંગમહેલમાં આવ્યો; અને તરત સેવકોને તેડાવી હુકમ કર્યો કે, ‘જે જ્ઞાની મહાત્માએ અનિષ્ટ શાંતિ માટે ગુણવરાને ભોંયરામાં રાખી, તેની આજ્ઞા મુજબ બહાર કાઢવાનો દિવસ આજનો છે. આજ તેની અવધ પૂરી થઈ છે માટે જાઓ, સત્વર ગુણવરા રાણીને ભોંયરામાંથી બહાર કાઢી સ્નાન કરાવીને મારી પાસે લાવો.’ રાજાની આજ્ઞા સાંભળી, કાર્યભારીઓ ‘જેવી આજ્ઞા’ એમ કહી, રાણીના મહેલમાં ગયા. પછી રાણીને ભોંયરામાંથી બહાર કઢાવી, સ્નાન કરાવી, ઘરેણાં વિગેરે શણગાર સજાવી, રાજાની પાસે લઈ આવ્યો અને રાણી પરસ્પર વિરહરુપ સાગરને તરી પાર ઉતર્યા હોય તેમ અન્યોન્ય આલિંગન કરવાથી તે સંતોષ પામ્યાં. તે રાત્રિ બંનેએ આનંદમાં ગાળી. રાજાએ રાણી ગુણવરાને તે રાત્રિમાં પોતાના શૃંગભુજનું વૃત્તાંત કહી સંભળાવ્યું. અને પુત્રને, તેની માતાના કેદ થવાની ને છૂટકો મેળવવાની વિતક વાર્તા કહી. અયશોલેખા રાણી, જે ગાઢ નિદ્રામાં સૂતી હતી તે થોડી વાર પછી જાગી આસપાસ જુએ છે તો રાજાને દીઠા નહિ. તે છળપ્રપંચ જાણી ચાલ્યા ગયા હશે એમ ધારી, બહુ અફસોસમાં પડી ગઈ. થોડી વારમાં પ્રભાત થયું. રાજાએ શૃંગભુજ અને રૂપશિખા બન્નેને બોલાવ્યાં. તે બન્ને આવ્યાં. શૃંગભુજ માતાને ભોંયરામાંથી બહાર નીકળેલી જોઈ, ઘણો રાજી થયો. સ્ત્રી સહિત માતાપિતાના ચરણમાં પ્રણામ કર્યાં. રાણી ગુણવરા પણ મુસાફરી કરીને આવેલા પુત્રને અને તેની પત્નીને, છાતી સાથે દાબી અત્યંત આનંદ પામી. પછી વીરભુજ રાજાએ શૃંગભુજને આજ્ઞા કરી, ‘પુત્ર, તેં રાક્ષસના પ્રદેશમાં જઈને શું કર્યું તે કહે.’ રાજકુમારે પિતાની આજ્ઞા માથે ચઢાવી, રૂપશિખાએ પોતાને માટે જે જે કર્યું હતું તે વૃત્તાંત આદિથી અથ પર્યંત કહી સંભળાવી. ગુણવરા રાણી ઘણી પ્રસન્ન થઈ; ને પુત્રને કહ્યું; ‘પુત્ર! આ જો, તેણે પોતાના પ્રાણ, પોતાનું કુટુંબ અને પોતાની જન્મભૂમિના ત્યાગ કર્યા છે; તારા કુટુંબી સાથે તને મેળવ્યો અને તારી જન્મભૂમિમાં તને લાવી મૂક્યો છે. વહુએ ત્રણ વસ્તુ તજીને તને ત્રણ વસ્તુ અર્પણ કરી છે. તેનું ચરિત્ર કંઈ સાધારણ નથી, પણ આશ્ચર્ય કરનારું છે. પ્રારબ્ધને લીધે આ કોઈ દેવી તારે માટે ભૂતળપર અવતરેલી જણાય છે. ખરેખર આ સ્ત્રીએ સઘળી પતિવ્રતાઓના શિર ઉપર પગ દીધો છે.’ રાણી ગુણવરાએ આથી જે જે કહ્યું, તે સર્વને રાજા વીરભુજે વિનયમાં મસ્તક નમાવી સંમતિ આપી. એટલામાં અયશોલેખાએ જેના ઉપર ખોટો અપવાદ મૂક્યો હતો તે અંત:પુરનો અધ્યક્ષ સુરક્ષિત તીર્થમાં જાત્રા કરી ત્યાં આવ્યો. તેણે રાજાના રાજભવન પાસે આવી જણાવ્યું કે: ‘હે મહારાજ! હું આવ્યો છું.’ રાજાએ તેને અંદર બોલાવ્યો, તે રાજાની પાસે ગયો. પ્રેમથી તેના ચરણમાં પડ્યો. રાજાએ પછી સુરક્ષિતને આજ્ઞા કરી: ‘જા,જે ભોંયરામાં ગુણવરાને પુરી હતી તે ભોંયરામાં આ બધી રાણીઓને પૂરી દે.’ તે સાંભળતાં જ સઘળી નિર્દય રાણી ભયભીત થઈ ગઈ. એટલે ગુણવરા બોલી ઊઠી, ‘આ રાણીઓને ગુફામાં પૂરી મૂકો. પણ આ રાણીઓને ક્ષમા કરો. આ ગાભરી બનેલી રાણીઓને હું જોઈ શકતી નથી. મુજ પર કૃપા કરો!’ આમ ઘણી વાર રાજાને વિનંતી કરી ગુણવરાએ સઘળી રાણીઓને બંધનમાંથી મુક્ત કરી. મોટા પુરુષો શત્રુ ઉપર કરુણા કરી તેનો બદલો વાળે છે. ત્યાંથી નિંદિત થવાને લીધે અપમાનની ઇચ્છા રાખનારી રાણીઓને વિદાય દીધી. લજ્જાવશ થઈ પોતપોતાના ભવનમાં ચાલી ગઈ. તે દિવસથી રાજા મહાશય, ગુણવરાને ઘણું મીઠું બોલવા લાગ્યો; અને તે સ્ત્રીથી પોતાને કૃતાર્થ સમજવા લાગ્યો. પછી રાજાએ નિર્વાસભુજ વિગેરે રાજાઓને, યુક્તિથી દેશવટો દેવા માટે સઘળા કુમારોને તેડાવ્યા અને કૃત્રિમ વચનથી બોલ્યો: સાંભળ્યું છે કે તમે પાપીઓને એક વટેમાર્ગુ વાણિયાને મારી નાંખ્યો છે; માટે તમે આ શહેરમાં ક્ષણવાર રહેશો નહીં. જાઓ સઘળી તીર્થયાત્રા કરી આવો.’ રાજાને પણ કુમારો સત્ય વાત સમજાવી શક્યા નહીં. જ્યારે રાજા હઠમાં ભરાય છે ત્યારે વિનંતિ પણ કોણ કરી શકે છે? પિતાની આજ્ઞાથી રાજકુમારો તીર્થયાત્રા કરવા તૈયાર થયા; ત્યારે શૃંગભુજની આંખો આંસુથી પૂર્ણ ભરાઈ ગઈ. તેણે પિતાને વિનંતિ કરી; ‘પિતાજી! આ કુમારોનો એક અપરાધ ક્ષમા કરી તેમના પર કૃપા કરો.’ પછી તે પિતાના ચરણમાં પડ્યો. રાજા વીરભુજ, બાલ્યાવસ્થામાં યશસ્વી, દયાવાન, રાજાના કારભારને ઉપાડનાર પુત્રને, બાલ્યાવસ્થામાં ગોવર્ધનગિરિને ઉપાડનાર અને યશોદાના મનને મોહ ઉપજાવનારા વિષ્ણુના પૂર્ણ અવતાર રૂપ શ્રીકૃષ્ણ જેવો ગણવા લાગ્યો. તે બુદ્ધિમાન રાજાએ મનમાં વેર રાખી પુત્રનું વચન માન્ય કરી સર્વે પુત્રોને શહેરમાં રહેવાની આજ્ઞા કરી. તે કુમારો ભાઈને પોતાના પ્રાણ બચાવનાર સમજવા લાગ્યા. બીજે દિવસે રાજાએ, શૃંગભુજ કરતાં બીજા મોટા કુમારો હતા છતાં, ગુણમાં મોટા એવા શૃંગભુજને તીર્થજળથી સ્નાન કરાવી યુવરાજ પદ પર અભિષેક કીધો. શૃંગભુજ યુવરાજ પદ મેળવી પિતાની આજ્ઞા લઈ સર્વ સેના સાથે દિગ્વિજય કરવા માટે નીકળ્યો. પોતાના બાહુના પ્રતાપથી, અખિલ ભૂમંડળના રાજાઓને તાબે કરી, દિશાઓમાં યશશ્રીને વિસ્તારી, કૃતાર્થ થઈ તે પાછો પોતાની રાજધાનીમાં આવ્યો અને પોતાને અધીન રહેલા ભાઈઓને સાથે રાખી પોતે રાજ્ય ચલાવી પિતાને પ્રસન્ન કરવા લાગ્યો; બ્રાહ્મણોને દાન આપવા લાગ્યો અને મૂતિર્મતી સિદ્ધિ જેવી જણાતી રૂપશિખાને સાથે સાંસારિક વિલાસવૈભવનું સુખ ભોગવવા લાગ્યો.

આલજાલની કથા

ચિત્રકૂટ નામના મોટા નગરમાં રત્નવર્મા નામનો એક મોટો ધનાઢ્ય વેપારી રહેતો હતો. તેણે ઈશ્વરની આરાધના કરી એટલે તેને ત્યાં એક પુત્ર જન્મ્યો. ઈશ્વરના પ્રસાદથી તે જન્મ્યો એટલે પિતાએ તેનું નામ ઈશ્વરવર્મા પાડ્યું. તે પુત્ર ભણીગણીને તરુણ થયો એટલે તેના પિતાએ વિચાર કર્યો, ‘બ્રહ્માએ તરુણાવસ્થામાં અંધ બનેલા ધનાઢ્ય પુરુષોના ધન અને પ્રાણ હરનારી વેશ્યા સર્જી છે. એ એક મૂતિર્માન દુરાચરણનો નઠારો માર્ગ બનાવ્યો છે. તેમાં મોહ પામી તરુણો પોતાના ધનનો અને પ્રાણનો નાશ કરે છે. માટે વેશ્યાની કપટકળાનો અભ્યાસ કરવા માટે, આ પુત્રને કોઈ કુટ્ટણીને સોંપું તે ઠીક, જેથી વેશ્યાઓ કે કોઈ દુષ્ટ આ બાળકને છેતરી ન શકે.’ આમ વિચારી એક દિવસ પોતાના પુત્ર ઈશ્વરવર્માને સાથે લઈ તે શાહુકાર યમજિહ્વા નામની કુટ્ટણીને ત્યાં ગયો. ત્યાં તેને તે કુટ્ટણી મળી. તેના હોઠ ઘણા જાડા હતા, દાંત લાંબા હતા, નાક વાંકું હતું ને તે પોતાની પુત્રીને આ રીતે શિક્ષણ આપતી હતી, ‘દીકરી, આખી દુનિયા ધનને લીધે પ્રતિષ્ઠા પામે છે. ખાસ કરીને વેશ્યાને તો ધનનો વધારે ખપ છે. પરંતુ જે વેશ્યા અનુરાગવતી હોય છે તે પ્રેમમાં ફસાય છે. તેની પાસે પૈસાનું નામ રહેતું નથી. માટે વેશ્યાઓએ પ્રેમવિકાર રાખવો નહીં. રાગ એ એક વેશ્યા અને પશ્ચિમ દિશામાં આવેલી સંધ્યાનો દોષાગ્ર દૂત છે; પરંતુ કામશાસ્ત્ર શીખેલી વેશ્યા નટીની માફક સામા મનુષ્યને મિથ્યા રાગ-પ્રેમ બતાવે છે, પણ અંત:કરણથી બતાવતી નથી. વેશ્યા કૃત્રિમ રાગ વડે પ્રથમ કામીજનનું રંજન કરે છે અને અનુરક્ત બનેલા કામી પાસેથી ધન લૂંટે છે. અને જ્યારે તે ખાખાવિહી થઈ જાય છે ત્યારે તે તેનો એકદમ ત્યાગ કરે છે. પણ તે પાછો દ્રવ્યવાન થાય તો તેના પર પોતાની પ્રીતિ પાછી બતાવે એમાં તેની ચતુરાઈ છે; અને વેશ્યા તેને તનમન ગણી પુન: પુન: લૂંટે છે. વેશ્યા સંતપુરુષ જેવી છે. જેમ સંતપુરુષ તરુણ, બાળક કે વૃદ્ધ, સૌંદર્યવાન કે કુરૂપ સાથે સમાન ભાવે વર્તે છે, તેમ વેશ્યાએ પોતાને ત્યાં આવનાર સર્વ પર સમાન ભાવ રાખવો ને તેવી જ વેશ્યા અખૂટ દોલત મેળવે છે.’ આ પ્રમાણે યમજિહ્વા પોતાની પુત્રીને શિક્ષા આપતી હતી ત્યાં રત્નવર્મા જઈ ઊભો. તે વૃદ્ધ કુટ્ટણીએ શેઠને જોઈ તેનો અતિથિસત્કાર કરી આસન પર બેસાડ્યો, પછી તે વણિક બોલ્યો, ‘ભગવતી, મારા દીકરાને વેશ્યાની એવી કળા શીખવો કે જેથી તે કળામાં ચતુરાઈ મેળવે. તેને શીખવવાના બદલામાં હું તમને એક હજાર સોનામહોર આપીશ.’ તે સાંભળી પેલી કુટ્ટણીએ તરત જ શીખવવાનું કબૂલ કર્યું. રત્નવર્માએ એક હજાર સોનામહોર પ્રથમથી જ તે વેશ્યાને આપી. પોતાના પુત્ર ઈશ્વરશર્માને તેને સોંપી પોતે ઘેર ગયો. ઈશ્વરવર્મા યમજિહ્વાને ઘેર એક વર્ષ રહ્યો અને સર્વ કળા શીખી પોતાના પિતાને ઘેર આવ્યો. જ્યારે તે બરાબર સોળ વર્ષનો થયો ત્યારે તેણે પોતાના પિતાને કહ્યું, ‘પિતાજી, ધર્મ અને કામ અર્થથી પૂર્ણ રીતે સાધી શકાય છે; અર્થથી વિચારશક્તિ-પરીક્ષાશક્તિ ને કીર્તિ પણ મળે છે.’ આ પ્રમાણે પુત્રે કહ્યું એટલે તેના પિતાએ ‘ઠીક છે’ એમ કહી તેની વાત સ્વીકારી અને ખુશ થઈને પાંચ કરોડ રૂપિયાની સંપત્તિ તેને સોંપી. ઈશ્વરવર્માએ તે થાપણ લઈ શુભ દિવસે સંઘની સાથે સ્વર્ણદ્વીપ તરફ મન હોવાથી તે તરફ પ્રયાણ કર્યું. જતાં જતાં માર્ગમાં કાંચનપુર નામનું એક નગર આવ્યું. આ નગરની બહાર એક ઉદ્યાન હતો, તેમાં તે ઊતર્યો. ત્યાં સ્નાનસંધ્યા કરી, અંગે કેસરઅર્ચા કરી ભોજન કરી તરુણ ઈશ્વરવર્મા નગર જોવા નીકળ્યો. જતાં જતાં માર્ગમાં એક મંદિરમાં તમાશો થતો હતો તે જોવા માટે તે અંદર પેઠો. ત્યાં તેણે જોયું તો તરુણાવસ્થાનો વાયુ સૌંદર્યસાગરનાં મોજાં ઉછાળે તેવી અનુપમ સૌંદર્યવાન સુંદરી નામની એક નાયિકા નૃત્ય કરતી હતી. તેને જોઈને જ ઈશ્વરવર્મા તે વખતે તદાકાર થઈ ગયો. કુટ્ટણીની શિક્ષા જાણે ગુસ્સો કરી નાસી ગઈ હોય તેને ચિત્તભ્રમ થઈ ગયો. કામના વિકારમાં પોતાની આચાર્યા કુટ્ટણીએ જે સદ્બોધ આપ્યો હતો તે સર્વ વિસરી ગયો. તે વણિકપુત્રે નૃત્ય થઈ રહ્યા પછી પોતાના એક મિત્રને મોકલી તે પાતરના પ્રેમની માગણી કરી. તે ગણિકાએ સરળતાથી કબૂલ કરી તેના તરફ દૃષ્ટિપાત કરી જણાવ્યું, ‘હું તો આપની દાસી છું.’ અને વધુ બોલી, ‘હું નસીબદાર છું કે તમારા જેવા મારી ઇચ્છા કરે છે!’ ઈશ્વરવર્મા પોતાના ઉતારા ઉપર આવી દ્રવ્ય સાચવવા ઉપર ડાહ્યા માણસોને મૂકી પોતે તે રામજણી સુંદરીને ઘેર ગયો. મકરકટી નામની સુંદરીની માતા ઘરમાં હતી. તેણે ઈશ્વરવર્માનો સમય પ્રમાણે જુદી જુદી વસ્તુઓથી સારી રીતે સત્કાર કરી એક સુંદર મંચ ઉપર બેસાડ્યો. રાત પડી એટલે મકરકટી કુટ્ટણીએ તે વણિકને સુંદર રતિમંદિરમાં મોકલ્યો. આ ભવ્ય ભવનમાં રત્નદીપ વડે ઝળહળાટ દેખાતો ચંદરવો બાંધ્યો હતો. એક તરફ સૂવાને માટે સુવર્ણનો પલંગ ઢાળ્યો હતો, એક તરફ દાસદાસી વાયુ ઢોળતાં હતાં; ચોમેર અરીસા ઝગારા કરી રહ્યા હતા. મંદ મંદ સુવાસિત પવન વાતો હતો. એવા નૌતમ ભવનમાં તે વણિકભાઈ કામકળામાં ચતુર સુંદરી સાથે જુદી જુદી જાતનાં નૃત્ય તથા સુરતખેલ ખેલવા લાગ્યો. તે ગણિકાએ સુરત સમયે એવો ગાઢ પ્રેમ બતાવ્યો કે તે વણિક તો તેને જ અષ્ટમા સિદ્ધિ અને નવનિધિ જોયા કરવા લાગ્યો. જેમ ચંદ્રને જોતાં ચકોર તૃપ્ત ન થાય તેમ તે પ્રેમઘેલો વણિક ગાંડો બની ગયો. સુંદરીએ તેને એવો તો નેત્રના કટાક્ષમાં, હલનચલનમાં, પગના ઠમકામાં, અંગના લહેકામાં કદબદ કર્યો કે ન પૂછો વાત! પ્રેમ દાખવતી તે તેની પાસે જ બેસી રહી. તેને રાત્રિએ કે દિવસે જરાય વીલો મૂક્યો નહીં. ઈશ્વરવર્મા બીજા દિવસે પણ ત્યાં જ રહ્યો. તે સુંદરીને છોડીને ત્યાંથી બહાર જઈ શક્યો નહીં. તે તરુણ વણિકપુત્રે બીજે દિવસે સોનું રત્ન વગેરે મળી પચીસ લાખ સોનામહોર સુંદરીને ભેટ આપવા માંડી. પણ સુંદરીએ કૃત્રિમ પ્રેમ-નિસ્વાર્થ પ્રીતિ દર્શાવી તે લેવાની ના પાડી. તે બોલી, ‘પ્યારા, નેત્રમણિ, છેલછબીલા નાગર! હું શું પૈસાને મારો પ્રેમ વેચું છું? મને નાણાં તો ઘણાં મળ્યાં છે પણ તમારા જેવો છોગાળો પુરુષ મળ્યો નથી. આજે તમે પોતે એવા મળ્યા. ત્યાં હવે હું ધનને શું કરું?’ પણ તેની માતા મકરકટીને તો સુંદરી જ એકની એક પુત્રી હતી. તે કહેવા લાગી, ‘બેટા, દીકરી, હવે આપણી પાસે જે ધન છે તે સર્વ એમનું જ છે ને તો તેને મધ્યસ્થ કરી તેઓ આપે છે તે લે. લેવામાં શી હાનિ છે?’ જ્યારે તે વૃદ્ધ કુટ્ટણીએ એમ કહ્યું ત્યારે સુંદરીએ દિલગીરી બતાવી, ચાળાચસકા કરી તે નાણું લીધું અને મૂર્ખ ઈશ્વરવર્મા તે વેશ્યાનો પ્રેમ ખરો છે એમ માનવા લાગ્યો. આ પ્રમાણે તેનાં નૃત્ય, તેનાં ગીત અને તેના રૂપમાં લંપટ બનીને વણિકપુત્ર તેને ત્યાં બે માસ પર્યંત રહ્યો. એટલા વખતમાં તેણે ક્રમે ક્રમે સુંદરીને બે કરોડ સોનામહોર આપી દીધી. આ જોઈ તેનો પ્રિય મિત્ર અર્થદત્ત રોષે ભરાયો. તેણે સ્વેચ્છાથી વેશ્યાને ઘેર આવી, ઈશ્વરવર્માને કહ્યું, ‘હે મિત્ર, યમજિહ્વા કુટ્ટણી પાસેથી તું મહામહેનતે જે વિદ્યા ભણ્યો તે જેમ કાયર પુરુષને સમય પર અસ્ત્રવિદ્યા નિરુપયોગી થઈ પડે છે તેમ, હમણાંના તારા વર્તન પરથી જણાય છે કે વ્યર્થ ગઈ છે. આ વેશ્યાની પ્રીતિ સત્ય માનીને શું તારું ભણતર વ્યર્થ નથી કીધું? શું કોઈ દિવસ મારવાડનાં અને ઝાંઝવાનાં જળ ખરાં હોય છે? માટે, જ્યાં સુધી આપણું સર્વ દ્રવ્ય ખૂટી જાય નહીં ત્યાં સુધીમાં અહીંયાથી નાસ. તારા પિતા જો આ વાત જાણશે તો તે મહા ક્રોધે ભરાશે.’ આ પ્રમાણે અર્થદત્તે કહ્યું ત્યારે ઈશ્વરશર્મા બોલ્યો, ‘તારું કહેવું સત્ય છે. એક નિયમ પ્રમાણે વેશ્યાનો વિશ્વાસ કરવો નહીં, પરંતુ મિત્ર, આ સુંદરી તેવી નથી. મિત્ર, હું તને શું કહું? મને તે આંખની કીકી ગણે છે. એક ક્ષણ મને જો તે જોશે નહીં તો ખચિત મરી જશે માટે તારે જો જવું જ હોય તો તું જઈને સમજાવ.’ આ પ્રમાણે ઈશ્વરશર્માએ અર્થદત્તને જવાબ આપ્યો એટલે તેણે મકરકટી માતાની સમક્ષ સુંદરીને કહ્યું, ‘હે સખી, હે સલુણી, હે મોહિની, ઈશ્વરશર્મા પર તારી અસામાન્ય પ્રીતિ છે તેમાં યત્કીન્ચિત પણ શંકા જેવું નથી. પણ હવે એને વેપાર માટે સ્વર્ણદ્વીપ અવશ્ય જવું જોઈએ. તે વેપારમાં ત્યાં એટલી બધી લક્ષ્મી મેળવશે કે અહીં પાછો આવી લક્ષ્મી સહિત તારી સાથે જીવનપર્યંત સુખમાં રહેશે. માટે મારું કહ્યું માની તું હવે તેને રજા આપ.’ તે સાંભળી સુંદરી ઈશ્વરશર્માના મુખ સામે જોઈ અફસોસ કરતી અને અશ્રુ ઢાળતી બોલી, ‘હું શું કહું? તમો મહાત્મા, એ પ્રેમની પીડા સારી રીતે જાણો છો. એમના ગયા પછી તમે ધારો છો કે મારા પ્રાણ સાથે આ શરીર ટકી રહેશે? કયો માણસ પરિણામ જાણ્યા વગર ખાતરી કરી શકે છે કે આમ જ થશે? પણ કંઈ નહીં; મારા નસીબમાં જે લખ્યું હશે તે પ્રમાણે થવા દ્યો. ભલે એ જાય.’ તે સાંભળી તેની મા મકરકટી બોલી, ‘બેટા, દિલગીર મા થા, તારો પ્રિયતમ ધન કમાશે કે તુરત જ પાછો આવશે; અને એ તારો ત્યાગ કદી પણ કરશે નહીં.’ આ પ્રમાણે તે વેશ્યાને તેની માતાએ દિલાસો આપીને સમજાવી. પછી પુત્રી સાથે સંકેત કરીને, તે વણિકપુત્રને જે માર્ગે જવાનું હતું તે માર્ગના એક ભાગમાં કૂવો હતો, તેની અંદર ગુપ્ત રીતે એક જાળ બંધાવી પોતાની સર્વ કપટરચના કરાવી દીધી! આ વખતે ઈશ્વરશર્માનું મન હીંચોળા ઉપર ચઢ્યું. તે વિરહવેદનાથી આંદોલન કરવા લાગ્યું. શું કરવું તે તેને સૂઝ્યું નહીં. બીજી બાજુએ સુંદરી દિલગીરીમાં હોય તેમ થોડો થોડો આહાર લેવા લાગી; તેણે ગીત, વાદ્ય અને નૃત્યમાં કંઈ ઇચ્છા કરી નહીં. જ્યારે ઈશ્વરશર્માએ નૂતન પ્રણયપ્રેમ વચનોથી સમજાવી ત્યારે તેણે કંઈક ધૈર્ય ધર્યાનું ડોળ ઘાલ્યું. મિત્રે જણાવેલો પ્રયાણસમય આવ્યો, એટલે પેલી કુટ્ટણીએ મંગળાચાર કર્યું. ઈશ્વરવર્મા સુંદરીના ઘરમાંથી બહાર નીકલ્યો. તેને વળાવવા માટે રુદન કરતી સુંદરી, તેની મા, નગરની બહાર ઉપર જણાવેલા જાળવાળા કૂવા લગણ તેની સાથે ગયા. ત્યાં સર્વ ઊભા રહ્યા. તે વણિકપુત્ર સુંદરીને ધીરજ આપવા માટે તેની પાસે ગયો. તેને ધૈર્ય આપી વણિકપુત્રે અને તેના મિત્રે ચાલવા માંડ્યું. ચાર ડગલાં આવ્યાં કે જાણે વિરહવેદના નહીં ખમી શકાત, તેથી મરવું ભલું, એમ બતાવવા સુંદરી પેલા કૂવામાં જાળની ઉપર પડી. તેની મા, તેની દાસીઓ, અને બીજા નોકરો ‘હાય હાય! રે બાપલીઆ! હાય બાઈસાહેબ, અરેરે પુત્રી!’ આમ મોટો કોલાહલ કરવા લાગ્યાં. તે સાંભળી તે વણિકપુત્ર પોતાના મિત્ર સહિત પાછો ફરીને ત્યાં આવ્યો, અને વહાલીના કૂવામાં પડ્યાના સમાચાર સાંભળી, તે એક ક્ષણ મૂછિર્ત થઈ ગયો. મકરકટી મોટેથી આક્રંદ કરીને અફસોસ કરવા લાગી. અને આમતેમ દોડતાં તેણે પોતાના સાંકેતિક અને અંતરંગ કૂવામાં ઉતાર્યા. તેઓ દોરડાં વતી કૂવામાં ઊતરીને બોલ્યા, ‘પ્રભુનો પાડ માનો, હજી બાઈ જીવે છે, જીવે છે!’ આમ જણાવી તેઓએ સુંદરીને કૂવાની બહાર કાઢી. જ્યારે તેને બહાર કાઢી ત્યારે તે પોતાનું શરીર મુડદાની માફક કરી પડી જ રહી. જ્યારે તેને જણાવવામાં આવ્યું કે વણિકપુત્ર પાછો આવ્યો છે ત્યારે જ તે ધીરે ધીરે જવાબ દેવા લાગી. તે જોઈ ઈશ્વરવર્મા ખુશ થયો અને શુદ્ધિમાં આવેલી પોતાની પ્રાણપ્રિયાને લઈ નોકર સહિત પાછો ફર્યો: અને સુંદરી વેશ્યાને ઘેર જઈ રહ્યો. આમ સુંદરીના પ્રેમની ખાતરી થવાથી આવી અલભ્ય સુંદરી મને મળી એ પૂર્વજન્મનું જ ફળ છે એમ માની, તેણે પુન: વેપાર માટે જવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાં જ રહેવાનો વિચાર કર્યો. પુન: તેના મિત્ર અર્થદત્તે તેને કહ્યું, ‘અરે તું મૂર્ખાઈથી તારું ભૂંડું કાં કરે છે? સુંદરી કૂવામાં પડી તેથી તેના પ્રેમની ખાતરી તારે માનવી નહીં. વેશ્યાના કપટની રચનાને સાક્ષાત્ બ્રહ્મા પણ જાણી શકતા નથી, તો તું કોણ માત્ર? નાણું ગુમાવ્યા પછી તું તારા પિતાને શો જવાબ આપીશ? ક્યાં જઈશ? તારે તારું ભલું કરવાની ઇચ્છા હોય તો હમણાં ને હમણાં અહીંથી ચાલ.’ આ પ્રમાણે મિત્રે ઘણો ઘણો સમજાવ્યો, છતાં તેના વચનનો અનાદર કરીને તે તરુણ વણિકપુત્રે એક માસ રહી બીજા ત્રણ કરોડ ખર્ચી નાખ્યા. જ્યારે સર્વ ધન હરી તેને બાવો કરી મૂક્યો ત્યારે મકરકટી કુટ્ટણીએ, ઈશ્વરવર્માને ગર્દન પકડી ધક્કો મારી સુંદરીના ઘરમાંથી હડસેલી મૂક્યો. અર્થદત્ત વગેરે તેના મિત્રો જ્યારે ઈશ્વરવર્મા સમજ્યો નહીં ત્યારે સત્વર પોતાના નગરમાં ગયા અને બન્યા પ્રમાણે સર્વ વૃત્તાંત તેના પિતા રત્નવર્માને કહ્યું. તેના પિતા શાહુકાર રત્નવર્મા તે સાંભળી ઘણો ખેદ પામ્યા. અને યમજિહ્વા કુટ્ટણી પાસે જઈ કહ્યું, ‘તેં મારી પાસેથી મોટી રકમ લઈ મારા દીકરાને એવી કામકળા ભણાવી કે મકરકટી કુટ્ટણીએ રમતમાત્રમાં તેનું સર્વ ધન હરી લીધું!’ આ પ્રમાણે કહી પુત્રનું સર્વવૃત્તાંત તેની આગળ વર્ણવી બતાવ્યું. તે વૃદ્ધ કુટ્ટણી યમજિહ્વાએ તે શાહુકારને કહ્યું, ‘મારા શેઠ, જરાએ ફિકર કરો નહીં. તમારા પુત્રને અહીં બોલાવો. હું તેને એવો તો નિપુણ બનાવીશ કે જેથી તે મકરકટીનું સર્વ ધન ફરી હરણ કરી લાવશે.’ આ પ્રમાણે યમજિહ્વા કુટ્ટણીએ પ્રતિજ્ઞા કરી, એટલે રત્નવર્માએ તે જ વખતે પુત્રને તેડી લાવવા માટે તેના મિત્ર અર્થદત્તને કહ્યું, ‘તું જા અને તારા મિત્રને સમજાવ કે તારા પિતા તારી આજીવિકા માટે પૈસા આપશે, આમ સમજાવી તેડી લાવ.’ આ પ્રમાણે સંદેશો આપીને તેનું હિત ઇચ્છનારા તેના મિત્ર અર્થદત્તને રત્નવર્માએ વિદાય કર્યો. અર્થદત્તે કાંચનપુરમાં જઈ ઈશ્વરવર્માને સર્વ સંદેશો કહ્યો અને પછી કહ્યું, ‘હે મિત્ર, તેં મારું કહ્યું માન્યું નહીં, તો આજ તે વેશ્યાના પ્રેમની સત્યતા તેં પ્રત્યક્ષ દીઠી. પાંચ કરોડ સોનામહોર આપીને કમજાત વેશ્યાનો ધક્કો ખાધો. કિયો ડાહ્યો મનુષ્ય વેશ્યાના પ્રેમની અને રેતીમાંથી તેલની વાંછના કરે છે? પણ ના, ના, એ વસ્તુનો જ એવો ધર્મ છે તો હવે હું તને શું ઠપકો આપું. જ્યાં સુધી પુરુષ, સ્ત્રીના નેત્રકટાક્ષમાં ફસાયો નથી ત્યાં સુધી જ તે ડહાપણવાળો, શૂરવીર અને શુભ ભોક્તા રહે છે. પણ જે થયું તે થયું. હવે તું તારા પિતાની પાસે ચાલ ને તેમના ગુસ્સાને શાંત કર.’ આ પ્રમાણે કહી અર્થદત્ત ઈશ્વરવર્માને સમજાવી, ઝટપટ તેને તેના પિતા પાસે લઈ આવ્યો. તેના પિતાને તે એક જ પુત્ર હતો, માટે તેણે પણ તેને ધીરજ આપી અને યમજિહ્વા કુટ્ટણી પાસે લઈ ગયો. ત્યાં યમજિહ્વાએ તે વણિકને બધી વાત પૂછી. તેણે પોતાના મિત્ર અર્થદત્તને મુખે સુંદરીના કૂવામાં પડવાની તથા પોતાના ધનના નાશનું સર્વ વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી યમજિહ્વા બોલી, ‘બેશક, આમાં મારો પોતાનો જ વાંક છે. કારણ કે મેં પોતે તને કામશાસ્ત્રના અધ્યયન વેળાએ તે કપટકળા ભણાવી નહીં. મકરકટીએ કૂવામાં જાળ બંધાવી રાખી હતી, તેથી સુંદરી કૂવામાં પડ્યા છતાં મરણ પામી નહીં. પણ ફિકર નહીં, આ બાબતમાં હજી એક ઉપાય છે, તે તું કરશે એટલે તું નિત્ય જય મેળવશે.’ આટલું કહી કુટ્ટણીએ પોતાની દાસી દ્વારા આલ નામના એક વાંદરાને ઘરમાંથી બોલાવી મંગાવ્યો. અને પોતાની હજાર સોનામહોર તે વાંદરાની આગળ મૂકીને બોલી, ‘બચ્ચા, આ ગળી જા તો!’ તે વાંદરો પોતાના અભ્યાસ પ્રમાણે માલિકનો હુકમ સાંભળી, તે સઘળી સોનામહોર ગળી ગયો. પછી યમજિહ્વાએ વાંદરાને કહ્યું, ‘બેટા આલ, આને વીસ સોનામહોર આપ, આને પચીસ આપ, આને સાઠ આપ, આને સો આપ!’ આ પ્રમાણે જેમ જેમ જુદી જુદી રીતે આલ પાસે જુદા જુદા લોકોને સોનામહોરો આપવાનું કહ્યું, તેમ જ આલે સોનામહોરો બહાર કાઢી કાઢીને તે તે લોકોને આપી. આવી રીતે આલ વાંદરાની યુક્તિ બતાવી, ફરીથી કુટ્ટણીએ ઈશ્વરવર્માને કહ્યું, ‘આ વાનરનું બચ્ચું તું લઈ જા અને પ્રથમની માફક તે સુંદરીને ઘેર જઈને રહે. આગમચથી છાની રીતે આ વાનરને મહોરો ગળાવી રાખજે. જ્યારે ખર્ચ કરવો હોય ત્યારે જોઈતી સોનામહોરો વાનરની પાસે માગી લેજે. સુંદરી આ પ્રમાણેના વાનરને જોઈ તેને ચંતાિમણિ જેવો માનશે; અને તને સમજાવી પોતાનું સર્વસ્વ આપીને, આ એક વાનરને લેશે. જ્યારે એ વાંદરાને તું આપે ત્યારે તારે અગાઉથી બે દિવસના ખર્ચ જેટલી સોનામહોરો ગળાવી રાખવી. આ વાનર તેને આપી, તેની પાસેથી તેનું સઘળું ધન લઈ એકદમ ત્યાંથી દૂર નીકળી જજે.’ આ પ્રમાણે કહી યમજિહ્વાએ તે વાનર તેને સ્વાધીન કર્યો અને તેના પિતાએ બે કરોડ સોનામહોરથી ભરેલો એક ચરુ પાછો તેને આપ્યો. તે વાનર અને દ્રવ્ય લઈને ઈશ્વરવર્મા પુન: કાંચનપુર ગયો અને આગળથી સુંદરી પાસે એક દૂત મોકલી તેને જાણ કરી કે ‘હું પુષ્કળ ધન કમાઈને આવ્યો છું.’ લુચ્ચી સુંદરી ને તેની મા બંનેએ તે સાંભળી પુન: પૂર્ણ પ્રેમભાવથી તેને પોતાના ઘરમાં ઉતાર્યો. સુંદરી સાક્ષાત આગ્રહરૂપ ને કાર્યના રહસ્ય જાણનાર ઈશ્વરવર્માને અને તેના મિત્રને કોટે વળગી પડી. જુદા જુદા અભિનય બતાવીને ઘણો પ્રસન્ન કર્યો. ઈશ્વરવર્માએ પણ તે વેશ્યાને પ્રેમ બતાવીને પોતાના પ્રેમની ખાતરી આપી. ક્ષણેક ગયા કેડે સુંદરીની સમક્ષ અર્થદત્તને વણિકે કહ્યું, ‘જાને ભાઈ, જરા પેલા આલ વાંદરાને લઈ આવ તો.’ અર્થદત્તે કહ્યું, ‘જેવી મરજી.’ એમ કહી તે ગયો અને પેલા વાંદરાને લઈ આવ્યો. આ વાંદરો અગાડીથી એક હજાર સોનામહોરો ગળી ગયો હતો. એટલે ઈશ્વરવર્માએ તેને કહ્યું, ‘બેટા આલ, આજ ભોજનપાણીનો ખર્ચ કરવા ત્રણસો સોનામહોર આપો તો; અને પાનસોપારી વગેરેના ખર્ચ માટે સો સોનામહોર આપો; અને સો સોનામહોર માજી મકરકટીને આપો, અને બ્રાહ્મણોને સો સોનામહોરોનું દાન કરો. અને ચારસો સોનામહોર મારી આ પ્યારી સુંદરીને આપો.’ આ પ્રમાણે ઈશ્વરવર્માએ કહ્યું એટલે તે વાનરે કહેવા મુજબ ઝટઝટ સોનામહોરો બહાર કાઢી કાઢીને ખરચ માટે આપી, તે અગાઉથી હજાર સોનામહોર ગળી ગયો હતો. આ પ્રમાણે યુક્તિથી ઈશ્વરવર્મા ખરચ પેટે હંમેશાં સોનામહોરો વાંદરા મારફતે અપાવતો હતો. આમ એક પખવાડિયા પર્યંત થતું જોઈ મકરકટી અને સુંદરી વિચારવા લાગ્યાં; ‘અરે, આ તો વાનરનું રૂપ ધારણ કરનાર સાક્ષાત્ કોઈ સિદ્ધ છે કે સાક્ષાત્ ચંતાિમણિ છે! એ હંમેશાં હજાર સોનામહોર આપે છે. જો આ વાનર એ આપણને આપે તો આપણા સર્વ મનોરથ સિદ્ધ થાય.’ આમ વિચારી ઈશ્વરવર્મા ભોજન કર્યા બાદ જ્યારે મોજમઝામાં બેઠો હતો ત્યારે એકાંતમાં સુંદરીએ પોતાની માતા મકરકટી સમક્ષ ઈશ્વરવર્મા આગળ માગણી કરી, ‘દિલોજાન, હૃદયરંજક, જો તમે મારા પ્રસન્ન થયા હો તો આ આલ મને આપો.’ તે સાંભળી ઈશ્વરવર્મા હસતે મુખે બોલ્યો, ‘હેં હેં હેં, એ શું બોલી પ્યારી, આ વાનર તો મારા પિતાનું જીવન છે, માટે તે મારાથી આપી શકાય નહીં.’ આવો જવાબ મળ્યાથી સુંદરી પુન: બોલી, ‘પ્રિયતમ, પ્રાણેશ, ફાંકડા! એમ શું કરો છો? લ્યો, હું તમને પાંચ કરોડ સોનામહોર આપું છું ને તમે મને આ વાનર આપો.’ પછી ઈશ્વરવર્માએ નિશ્ચય કરીને કહ્યું, ‘પ્રિયે, વલ્લભે, હૃદયરમણી, તું કહે તે તારા પર વારી જઉં, પણ એ વાત તો તું જવા જ દે. મારાથી એ વાનર અપાય તેમ છે જ નહીં. પાંચ કરોડ તો શું, પણ પચીસ કરોડ આપતાં પણ એનું નામ નહીં લેવાય! જોઈએ તો તું મને તારું સર્વસ્વ આપે અથવા તો આ નગર પણ આપે, તો પણ મારાથી એ આપી શકાય એમ નથી. ત્યારે કરોડની તો વાર્તા જ શી કરે છે?’ તે સાંભળી સુંદરી વિનવતી બોલી, ‘હું તમને મારું સર્વસ્વ આપી દઉં તો પણ તમે મને આ વાનર નહીં આપો? જુઓ પ્યારા, વ્હાલા! મારું આટલું નહીં માનો? મારી મા તેમ કરવાથી ગુસ્સે થશે તો છો થતી. પણ મ્હને એ ઘણો ગમે છે માટે એ આપો.’ આટલું કહી સુંદરીએ ઈશ્વરવર્માને પગે પડીને તેના બે પગ પકડ્યા, ત્યારે અર્થદત્ત વગેરે બોલ્યા, ‘ભાઈ, જ્યારે તમારી પ્યારીનો બહુ આગ્રહ છે ત્યારે ભલે આપો. જે થવાનું હશે તે થશે.’ પછી ઈશ્વરવર્માએ તે વાનર આપવાનું કબૂલ કર્યું અને તે સમય સુંદરી સંગાથે આનંદવિનોદમાં ગુજાર્યો. બીજે દિવસે પ્રભાતમાં જેણે અગાડીથી બે હજાર સોનામહોર ગળી હતી તે વાનર સુંદરીને અર્પણ કર્યો અને તે જ વખતે તેની કંમિતમાં તેની સર્વ સંપત્તિ લઈ તે વણિકભાઈ ત્યાંથી નીકળી પડ્યા ને વેપાર કરવા સ્વર્ણદ્વીપ ચાલ્યા ગયા. પેલી સુંદરી અને તેની મા ચંતાિમણિ વાનર લઈ ઘણી જ પ્રસન્ન થઈ. વાનરે પણ માગવા પ્રમાણે બે દિવસ સુધી બરાબર હજાર હજાર સોનામહોર કાઢી આપી. ત્રીજે દિવસે સુંદરીએ વાનર પાસે સોનામહોર માગી. ઘણા પ્રકારે વહાલ બતાવ્યુ તો પણ વાનરે તેને કંઈ આપ્યું નહીં. એ જોઈ સુંદરી તેને મુક્કીથી મારવા લાગી. વાનર તેના મારથી ઘણો ગુસ્સે થયો અને કૂદકો મારી મા અને દીકરી બંનેના મુખને દાંત તથા નખથી વઝોરી નાખ્યું. કુટ્ટણીના મુખમાંથી લોહીની ધારાઓ પડવા લાગી. પછી તેણે ક્રોધ કરી વાનરને લાકડીથી એવો માર્યો કે તે તરત મરી ગયો. વાનરને મરી ગયેલો જોઈ મા અને દીકરી બંને જણીએ જાણ્યું કે હવે આપણું સર્વસ્વ નાશ પામ્યું. તે બંને જણી આપઘાત કરવા તૈયાર થઈ. નગરનાં સર્વે મનુષ્યે આ વાર્તા જાણી, ત્યારે તે સઘળાં હસીને કહેવા લાગ્યાં, ‘ઠીક થયું, ઠીક થયું! એ તો કરણી તેવી પાર ઉતરણી! જે ખાડો ખોદે તે પડે! જ્યારે મકરકટીએ જાળનું કપટ કરીને તેનું બધું ધન હરણ કર્યું હતું ત્યારે તે ફાંકડેલાલે આલની સહાયતાથી અને બુદ્ધિથી તેનું સર્વ ધન હરી લીધું. તે વેશ્યાએ પોતાની જાળ જાણી, પણ બીજાના આલ(વાનર)ને ઓળખ્યો નહીં. એને કરણી પ્રમાણે ફળ મળ્યું છે. ધન નાશ થયું. બંને જણીનાં મુખ વાનરે વિરૂપ કીધાં.’ તે મરવા માટે તૈયાર થઈ, પણ પરિવારજને ઘણા કાલાવાલા કરીને તેમને અટકાવ્યાં. આ બાજુ ઈશ્વરવર્મા સ્વર્ણદ્વીપમાં જઈ ત્યાંથી અખૂટ દ્રવ્ય સંપાદન કરી થોડા વખતમાં ચિત્રકૂટમાં પોતાના પિતાને ઘેર આવ્યો. તેના પિતા રત્નવર્મા પુત્ર ઘણું ધન કમાઈને આવ્યો જોઈ યમજિહ્વા કુટ્ટણીને બીજું ધન આપી તેનો બહુ આદર અને મહોત્સવ કર્યો. ઈશ્વરવર્મા પણ તે દિવસથી સર્વ કપટકળામાં પ્રવીણ બન્યો અને વેશ્યાની સંગતમાં ઉદાસ બન્યો, પોતાનાં લગ્ન કરી સ્વભૂમિમાં રહી સ્વપત્ની સંગે રમણ કરવા લાગ્યો.

વાનર અને શિશુમારની કથા

ઉદમ્બરાના મહાઅરણ્યમાં સમુદ્ર તીરે બલીમુખ નામનો એક મોટો વાનર તે પોતાના ટોળાથી વિખૂટો પડીને એકલો રહેતો હતો. એક દિવસ તે વાનર હાથમાં ઉંબરાનું ફળ લઈને ખાતો હતો. તે એકાએક તેના હાથમાંથી સમુદ્રમાં પડી ગયું. તે ફળ સમુદ્રવાસી એક શિશુમાર ઝીલી લઈ આનંદથી ખાવા લાગ્યો. તે ફળનો સ્વાદ ચાખ્યાથી શિશુમાર ઘણો ખુશ થયો અને હર્ષના અવાજ કરવા લાગ્યો. પેલો વાનર તે સાંભળીને ઘણો પ્રસન્ન થયો ને બીજાં ઘણાં સુફળ તેની તરફ ફેંક્યાં. એ રીતે તે વાનર હંમેશાં તેના તરફ ફળ ફેંકતો હતો અને શિશુમાર મધુર ધ્વનિ કરી તે ખાતો હતો. જ્યાં સુધી તે બંને જણનાને પૂર્ણ મિત્રતા થઈ નહીં ત્યાં સુધી એ રીતે નિત્ય ખેલ કર્યા કરતા હતા. જળવાસી શિશુમાર નિત્ય કિનારા પર રહેનારા વાનર પાસે બેસતો અને છેક સાયંકાળે પોતાને ઘેર જતો હતો. શિશુમારની સ્ત્રીને આ મિત્રતા વિશે ખબર પડી, એટલે હંમેશાં દિવસે પતિનો વિરહ કરાવનારા વાનરની મિત્રતા પર ઉદાસ થઈ ગઈ. તેણે એક દિવસ માંદા પડવાનો ઢોંગ કર્યો. લપુડો શિશુમાર સ્ત્રીને બિમાર જોઈ ગભરાઈને વારંવાર પૂછવા લાગ્યો, ‘હે પ્રાણપ્યારી! બોલ, બોલ, તને શું કરું કે જેથી તું સાજી થાય?’ શિશુમારે ઘણા કાલાવાલા કરી પૂછ્યું તો પણ તેણે પ્રત્યુત્તર આપ્યો નહીં, પણ તેનું રહસ્ય જાણનારી એક સખીએ અંતે તેને પ્રત્યુત્તર આપ્યો કે ‘આ તમારી સ્ત્રી જાણે છે કે એનો ઉપાય કહીશ તો પણ મારો પતિ કરશે નહીં. માટે તે કહેવાને ઇચ્છતી નથી, તો પણ હું કહું છું તે સાંભળો! ડાહ્યો મનુષ્ય પોતાના સંતાપનું કારણ મિત્રથી કેમ છુપાવી શકે? તમારી ભાર્યાને મહા મોટો રોગ થયો છે, જે રોગ વાનરના કલેજાના કમળના આસવના પાન વગર કદાપિ મટે તેમ નથી.’ આ પ્રમાણે લટપટ શિશુમારની સ્ત્રીની પ્રિય સખીએ ઉત્તર આપ્યો, એટલે શિશુમાર વિચારવા લાગ્યો કે ‘હાય રે! હું વાનરનું હૃદયકમળ કેમ મેળવી શકીશ? એ વાર્તા હજારો ઉપાયે પણ બની શકે તેવી નથી. ખરેખર! આકાશપુષ્પને લઈ આવવા જેવી આ વાત છે. શું હું વાનર સાથે છળપ્રપંચ કરું તે યોગ્ય છે કે? પણ આમ વિચાર કરવા રહીશ તો મારી પ્રાણ સમાન વહાલી પત્નીને શી રીતે સાજી કરી શકીશ?’ આમ તેના મનમાં નવનવા તર્કવિતર્ક ઊઠવા લાગ્યા, અને જ્યાં વિનયવાસ હતો તેની જગ્યાએ અવિનય આવી બેઠો. આ સર્વનું કારણ સ્ત્રીના ચહેરાની એક મોહિની જ હતું. તે મન સાથે વિચારવા લાગ્યો, ‘હા, તે મિત્ર છે ખરો; પરંતુ તે મિત્ર શું કામ આવવાનો છે! આ મારી સ્ત્રી મને પ્રાણ કરતાં વધારે પ્યારી છે, તેના ઉપર મારું જીવન ટકેલું છે. તેની સાથે હું મારા દિવસો આનંદમાં ગુજારું છું. તે નહીં હોય તો પછી મારે બીજા શા ખપના?’ આવો મન સાથે વિચાર કરી શિશુમારે પોતાની સ્ત્રીને કહ્યું, ‘પ્રિયે, જો તારી મરજી હોય તો હું તે વાનરને આખો ને આખો અહીં લાવીશ, પછી ભલે તું તેનું હૃદયકમળ ખાજે. પણ પ્રાણવલ્લભા! તું શા માટે દિલગીર થાય છે?’ આમ કહી શિશુમાર વાનરમિત્ર પાસે ગયો, એક વાતનો પ્રસંગ કાઢી બોલ્યો, ‘મિત્ર, આજ પર્યંત તેં મારું ઘર અને મારી સ્ત્રી જોયાં નથી. માટે એક દિવસ મારે ઘેર આવીને રહે તો ઠીક. મિત્રતા થયા પછી પરસ્પર એકબીજાને ત્યાં જે જતાઆવતા નથી ને અન્યોન્ય એક બીજાને ઘેર જઈ જમીજમાડતા નથી તેમ એકબીજાની સ્ત્રીઓને મળેહળે નહીં તેમની મિત્રતા નહીં પણ કૈતવ જ માનવું!’ આ પ્રમાણે કહી તે વાનરને છેતરી શિશુમારે તેને સમુદ્રમાં ઉતાર્યો. પણ તે શિશુમાર જ્યાં તેને પોતાના હાથ ઉપર ઉપાડી જળમાં ચાલવા માંડે છે ત્યાં તે ભયભીત અને આકુળવ્યાકુળ બનીને ચાલતો જણાયો. ત્યારે વાનરે પૂછ્યું, ‘ભાઈ, આજે તો તું મને કંઈ જુદા પ્રકારનો જોવામાં આવે છે તેનું કારણ શું?’ તે સાંભળ્યા છતાં શિશુમારે ઉત્તર આપ્યો નહીં પણ જ્યારે વાનરે આગ્રહથી પૂછ્યું ત્યારે પોતાના હાથ પર બેઠેલા વાનરને મૂર્ખ શિશુમાર કહેવા લાગ્યો, ‘વાત તો એમ છે કે આજ મારી ભાર્યા માંદી પડી છે. અને તેણે મને કહ્યું કે વાનરના હૃદયકમળના આસવપાન વગર તેનો રોગ મટવાનો નથી. તેથી હું ઉદાસ છું.’ જ્યારે તે શાણા વાનરે આ પ્રમાણે તેનું ભાષણ સાંભળ્યું ત્યારે તે મનમાં બોલ્યો, ‘સત્યાનાશ! આજે તો મૂવા જ છૂટ્યા! આ પાપી શિશુમાર મને એ કામ માટે જ લઈ જાય છે! અરેરે! આ મૂર્ખો સ્ત્રીની મોહજાળમાં ફસાઈ મિત્રનો દ્રોહ કરવા તૈયાર થયો છે, હટ્! પણ એમાં આશ્ચર્ય શું છે? જે માણસને ભૂત વળગે છે તે દાંત વડે પોતાના શરીરે બચકાં ભરતો નથી?’ આવો વિચાર કરી તે વાનર શિશુમાર પ્રત્યે બોલ્યો, ‘અરે વાહ! એમાં તું ઉદાસ શું કામ થાય છે? જો એમ હતું તો તેં મને આગળથી કેમ કહ્યું નહીં? હું તારી સ્ત્રી માટે કલેજું લઈને આવત. હમણાં તો મેં મારું કલેજું મારા રહેવાના ઉંબરાના વૃક્ષ પર મૂક્યું છે!’ તે સાંભળી પેલો મૂર્ખ શિશુમાર ગભરાટમાં પડ્યો અને બોલ્યો, ‘ત્યારે તો ભાઈ, કૃપા કરીને પાછો જા અને ઉંબરાના ઝાડ પરથી તે લઈ આવ!’ આમ કહી તે શિશુમાર તે વાનરને ફરીથી સમુદ્રના કિનારા ઉપર લઈ આવ્યો. પણ જ્યાં વાનરને જમીન પર ઉતાર્યો કે કાળના હાથમાંથી છૂટ્યો હોય તેમ તે શિશુમારના હાથમાંથી છૂટી ઠેકડો મારી ઉંબરાના ઝાડ ઉપર ચઢી ગયો અને બોલ્યો, ‘અલ્યા મૂર્ખા, ચાલ, હવે રસ્તો માપ. શરીરથી હૃદય ક્યાંય જુદું હોય છે ખરું કે? પણ આ તો મેં આ રીતે તને છેતરી, તારી ફાંસીમાંથી મારા શરીરને મુક્ત કર્યું છે! હવે હું ફરીથી ત્યાં આવીશ નહીં.’

વેતાલપચીસી

ત્રિવિક્રમસેન રાજાની કથા

પૂર્વે ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાન નામનો એક દેશ. ત્યાં વિક્રમસેન રાજાનો પુત્ર ત્રિવિક્રમસેન નામનો એક રાજા થઈ ગયો. આ રાજા ઇંદ્ર જેવો પરાક્રમી અને કીર્તિવાન હતો. તે રાજા જ્યારે સભામાં બિરાજતો હતો ત્યારે તેની પાસે ક્ષાંતિશીલ નામનો એક સાધુ હંમેશાં આવતો હતો અને રાજાને ભેટ તરીકે નિત્ય એક ફળ અર્પણ કરતો હતો. રાજા તત્ક્ષણ તે ફળ ઉપાડી પોતાની પાસે બેઠેલા કોશાધ્યક્ષના હાથમાં આપતો. પણ તેમાં શું છે, મને તે શા માટે આપે છે તે વિશે કંઈ પણ પૂછતાછ કરતો નહીં. આ પ્રમાણે દસ વર્ષ સુધી તે જતિએ રાજાને નિત્ય એક ફળની ભેટ આપ્યા જ કરી. એક દિવસ તે જતિ ત્રિવિક્રમસેન રાજાના સભામંડપમાં ગયો અને રાજા આગળ ફળ મૂકીને વિદાય થયો. દૈવયોગે એક પાળેલું વાનરું પોતાના રખેવાળોથી છૂટીને આ સભામાં દોડી આવ્યું. રાજાએ તેને તે ફળ ખાવા આપ્યું. જ્યારે તે વાનરે ફળ લઈને ખાવા માટે તેના બે કટકા કર્યા ત્યારે તેમાંથી એક રત્ન નીકળ્યું. આ રત્ન ઊંચી જાતનું અને અણમોલ હતું. રાજાએ રત્ન જોઈ તે ઉપાડી લીધું અને કોશાધ્યક્ષને પૂછ્યું, ‘મને તે સાધુ જે જે ફળ ભેટ તરીકે આપતો હતો તે સઘળાં ફળ મેં તારા હાથમાં આપ્યાં છે, તે ફળ તેં ક્યાં મૂક્યાં છે તે કહે.’ જ્યારે રાજાએ કોશાધ્યક્ષને આ પ્રમાણે પૂછ્યું ત્યારે તે ગભરાયો અને વિનંતી કરવા લાગ્યો, ‘મહારાજ, મેં પણ તે ફળોને ભાંગ્યા વગર જ, બારીમાંથી ખજાનામાં નાખી દીધાં છે. જો આપની આજ્ઞા હોય તો હું ખજાનો ઉઘાડીને તેની તપાસ કરું.’ રાજાએ તેને એમ કરવાની આજ્ઞા આપી. કોશાધ્યક્ષ તરત ઊભો થયો અને તરત જ તેણે ભંડારમાં જઈને જોયું તો ફળ ફાટી ગયાં હતાં અને ચારે કોર વેરાઈને પડ્યાં હતાં. તેમાંથી બહાર પડેલાં રત્નો ઝળહળાટ કરતાં હતાં. તે જોઈ તરત રાજા પાસે આવીને તે બોલ્યો, ‘મહારાજ, ફળ તો ભાંગીને સુકાઈ ગયાં છે પણ રત્નો ઝગારા મારતાં ત્યાં પડ્યાં છે.’ રાજા તેની પ્રામાણિકતા પર પ્રસન્ન થયો અને બધાં રત્ન તેને ભેટ આપી દીધાં, તરત જ તેણે સભા વિસજિર્ત કરી. બીજે દિવસે વળી સભા ભરાઈ. મોટા મોટા સામંતો, સુભટ્ટો અને મંત્રીઓ આવ્યા. નિયમ પ્રમાણે જતિ પણ આવ્યો. તેણે આવી રાજાને ફળ ભેટમાં આપ્યું. પછી પોતાની જગ્યા પર જઈને બેઠો. રાજાએ તેને પૂછ્યું, ‘ જતિ મહારાજ, તમે દરરોજ મને અણમોલ ભેટ શા માટે આપો છો તેનો ખુલાસો જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી હવે હું તમારી ભેટ સ્વીકારીશ નહીં.’ આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે તે જતિએ રાજાને એકાંતમાં તેડી જઈ તેનું કારણ આ પ્રમાણે કહ્યું, ‘મહારાજ, મારી પાસે વીર વેતાલને સાધવાનો મંત્ર છે, પરંતુ તેમાં સહાય કરવા એક શૂરવીર પુરુષની જરૂર પડે છે. હે વીરેંદ્ર, હું આ કાર્યમાં તમારી સહાય માગું છું.’ રાજાએ તેનું કહેવું સાંભળી તરત જ તે કાર્યમાં સહાય કરવાનું વચન આપ્યું. તે સાંભળી જતિ ઘણો પ્રસન્ન થયો અને ફરી તેણે રાજાને કહ્યું, ‘જો તમે મને સહાય કરવાની પૂરેપૂરી ઇચ્છા ધરાવો છો તો હું કહું તેમ કરજો. આવતી કાળી ચૌદશની રાતે આપણા નગરના મહાસ્મશાનમાં એક વડ છે તેની નીચે હું તમારી વાટ જોઈને બેસીશ, તમે ત્યાં આવજો.’ ત્રિવિક્રમે કહ્યું, ‘બહુ સારું, હું ચોક્કસ ત્યાં આવીશ.’ તે સાંભળી ક્ષાંતિશીલ ગોરજી ખુશ થતો થતો પોતાને અપાસરે આવ્યો. મહાપરાક્રમી ત્રિવિક્રમ રાજાને કાળી ચૌદશને દિવસે તે જતિને આપેલું વચન યાદ આવ્યું.રાત પડી. રાજાએ કાળાં વસ્ત્ર પહેર્યાં, માથે તમામ પુષ્પનો મુગટ ધારણ કર્યો અને હાથમાં તરવાર લીધી અને કોઈ જાણે નહીં તેમ મહેલમાંથી ગૂપચૂપ બહાર નીકળીને સ્મશાન તરફ ચાલ્યો. થોડી વારમાં તે સ્મશાનભૂમિમાં આવી પહોંચ્યો. આ વખતે ભયંકર તથા ઘોર અંધારી રાત ઝમઝમ કરી રહી હતી. આખું સ્મશાન શ્યામ રંગનુું દેખાતું હતું. કોઈ કોઈ ઠેકાણે ચિતાઓ બળતી હતી. તેની અગ્નિજ્વાળાઓ ભયંકર નેત્ર જેવી દારુણ દેખાતી હતી. ચારે તરફ માણસોનાં હાડકાં ને ખોપરીઓ ઠેર ઠેર પડ્યાં હતાં. તેથી ભય લાગતો હતો. વેતાલ અને ભૂત માંસનું ભોજન મળવાથી રાજી રાજી થઈ તાળીઓ પાડી નાચીકૂદી રહ્યા હતા. કોઈ કોઈ સ્થળે હવામાં ભૂતના ભડકા થઈ રહ્યા હતા. ને આ રીતે સ્મશાન કાળભૈરવના બીજ જેવું ગંભીર અને ભયંકર દેખાતું હતું. શિયાળવાના અવાજો ચોમેર ગાજી રહ્યા હતા. આ બધું જોવા છતાં રાજા ત્રિવિક્રમ જરા પણ ગભરાયો નહીં, પણ તેને વધારે હંમિત આવી. આગળ જઈને સિદ્ધવડને શોધી કાઢ્યો. પેલો ગોરજી વડ નીચે એક મંડળના ન્યાસ ધ્યાનમાં રોકાયો હતો, તેની પાસે જઈને રાજા બોલ્યો, ‘ગોરજી, હું તમારી પાસે આવી ગયો છું. બોલો, હવે મારે શું કરવાનું છે તે કહો.’ ગોરજીએ આ સાંભળીને ઘણો આનંદ થયો. તેણે રાજાને કહ્યું, ‘હે રાજન્, તમે જો મારા ઉપર કૃપા કરવા માગતા હો અને મારું કાર્ય પાર પાડવાની ઇચ્છા રાખતા હો તો અહીંથી થોડે દૂર એક અશોક વૃક્ષ છે ત્યાં જાઓ. તે વૃક્ષ પર એક મડદું ઊંધે મસ્તકે લટકે છે તે તમે જોજો. તે મડદાને તમે અહીં લઈ આવો અને મારા કામમાં મદદ કરો.’ રાજા ત્રિવિક્રમ પોતે શૂરવીર હતો, સત્ય પ્રતિજ્ઞાવાળો હતો. ગોરજીની વાત સાંભળીને તરત તેણે કહ્યું, ‘હું તે કરીશ.’ અને તે ચાલી નીકળ્યો. માર્ગમાં એક ચિતા બળતી હતી તેમાંથી તેણે સળગતું ઉંબાડિયું ઉપાડી લીધું અને તેના અજવાળેઅજવાળે રસ્તો કાપતો કાપતો તે મહા કષ્ટે અશોક વૃક્ષ પાસે જઈ પહોંચ્યો. તે વૃક્ષ ચિતાના ધુમાડાથી કાળું પડી ગયું હતું, તેમાંથી બળતા માંસની ગંધ આવતી હતી. અને તે વૃક્ષ જાણે સાક્ષાત્ ભૂતાવળનું ઘર હોય તેવું જણાતું હતું. તે શબ જાણે કોઈ રાક્ષસના ખભા પર બેઠું હોય તેમ લાગતું હતું. ત્રિવિક્રમસેન ઝડપથી તે વૃક્ષ પર ચઢી ગયો અને જે દોરીથી મડદાંને લટકાવવામાં આવ્યું હતું તે દોરી કાપી નાખી. તે શબને જમીન પર પાડ્યું. પડતાંની સાથે તે શબ જાણે તેને મહા પીડા થઈ હોય તેમ મોટી ચીસ પાડી ઊઠ્યું. ભયંકર બરાડા પાડવાથી રાજાના મનમાં શંકા જાગી કે આ સાવ મરી ગયું નથી, હજુ તેનામાં જીવ છે. તેથી પોતે વૃક્ષ ઉપરથી નીચે ઊતરી તેના શરીરને પંપાળવા લાગ્યો કે જેથી તેને શાંતિ વળે! પરંતુ તે જોઈને તો ઊલટું તે મડદું ખડખડાટ હસવા લાગ્યું. ત્યારે રાજાએ જાણ્યું કે આ મડદામાં વેતાલે વાસ કર્યો છે! માટે તેણે જરા પણ ભય વગર દૃઢતાથી તે મડદાને પૂછ્યું, ‘તું કેમ હસ્યું? ચાલ આપણે બંને અહીંથી બીજે ઠેકાણે જઈએ.’ પણ આમ જ્યાં ત્રિવિક્રમસેન કહે છે એવામાં તો તે વેતાલવાળું મડદું એકદમ જમીન પરથી ઊડીને તે ઝાડની શાખામાં લટકી ગયું. પુન: તે રાજા વૃક્ષ પર ચઢ્યો અને તે મડદાને પુન: જમીન પર ફેંક્યું. વીર પુરુષોનું હૃદયરત્ન વજ્રથી પણ ભેદાતું નથી. ત્યારે આવી સાધારણ બાબતમાં તે શા માટે ડરે? પછી રાજા નીચે ઊતર્યો અને તે મડદાને પોતાના ખભા પર લઈ મૂંગો મૂંગો ચાલવા લાગ્યો. આમ રાજા ચાલતો હતો ત્યારે તેના ખભા પરના શબમાં ભરાયેલા વેતાલે તેને કહ્યું, ‘હું તને રસ્તામાં આનંદ થાય તે માટે એક વાર્તા કહું છું તે તું સાંભળ.’

પદ્માવતીની કથા

વારાણસી નગરીમાં શંકર નિવાસ કરીને રહ્યા છે. જેમ કૈલાસભૂમિમાં પુણ્યશાળી લોકો વસે છે તેમ આ નગરીમાં પણ પુણ્યશાળી જીવો વસે છે. અગાધ જળવાળી ગંગા નદી હંમેશાં આ નગરીની પાસેથી જ વહે છે અને કાશીનગરીની કંઠમાળા હોય તેવી શોભે છે. પૂર્વે એ નગરીમાં પ્રતાપમુકુટ નામનો એક રાજા રાજ કરતો હતો. તેણે પોતાના પ્રતાપ રૂપી અગ્નિથી શત્રુપક્ષના વનને બાળીને ભસ્મ કરી મૂક્યું હતું. તે રાજાને વજ્રમુકુટ નામનો એક કુમાર હતો. તેણે રૂપમાં કંદર્પના દર્પનો પણ ભંગ કર્યો હતો. અને પરાક્રમમાં શત્રુજનની પ્રતિષ્ઠાનું નાક કાપી નાખ્યું હતું. આ રાજકુમારનો એક મિત્ર પ્રધાનપુત્ર નામે બુદ્ધિશિરા હતું. તે મહા બુદ્ધિશાળી અને રાજપુત્રને પ્રાણ કરતાં પણ ખૂબ વહાલો હતો. એક દિવસ રાજકુમાર પોતાના મિત્રની સાથે મૃગયા માટે વનમાં ગયો. રાજકુમાર માર્ગમાં ચાલતાં ચાલતાં શૌર્યલક્ષ્મીની ચામર જેવી કેશવાળીવાળાં સંહોિનાં મસ્તકોને છેદતો તથા બીજાં પ્રાણીઓનાં પ્રાણ હરણ કરતો હતો. મૃગયામાં તલ્લીન થઈને તે ઘણે દૂર એક વનમાં આવી ચઢ્યો. તે વનમાં બંદીજન પેઠે કોયલો ટહુકા કરી રહી હતી. વૃક્ષોની ટોચ પરનાં કુસુમગુચ્છ ડોલી રહ્યાં હતાં અને જાણે અતિથિ પર ચમ્મર ઢોળતા હોય તેવું તે વન શોભતું હતું. ત્યાં તેણે અને મંત્રીપુત્રે સ્વચ્છ અને શીતળ જળથી ભરપૂર એક સરોવર જોયું. તે સરોવર ભાતભાતનાં કમળનું જન્મસ્થાન હોય તેવું સાગરસમું દીપતું હતું. બંને આ સરોવરની શોભા નિહાળતાં બેઠા હતા તેવામાં એક દિવ્ય કન્યા પોતાની સખીઓ સાથે તે સરોવરમાં સ્નાન કરવા આવી. તે કન્યા પોતાના લાવણ્ય વડે જાણે તે સરોવરને પૂરી દેતી હોય, નેત્રપાતથી જાણે નવા શ્યામકમળના વનને જતી હોય, ચંદ્રમા કરતાં અધિક શોભાયમાન મુખ વડે જાણે બધાં કમળનો તિરસ્કાર કરતી હોય તેવી તે રાજકન્યાએ વળી શ્વેત કમળને ઝાંખા કર્યાં છે. તે જ વખતે રાજકુમારને પોતાના સૌંદર્યનાં દર્શન કરાવી તેના મનને હરી લીધું. અને તે જ પ્રમાણે તરુણ રાજકુમારે પણ તે કન્યાના મનને એક તીક્ષ્ણ બાણ મારીને એવું મોહિત કરી મૂક્યું કે તેણે પોતાને શોભા આપનારી લજ્જા અને પોતાના અલંકાર તરફ જરાય જોયું નહીં. તે વિકળ, વિહ્વળ બની ગઈ. રાજકુમાર વજ્રમુકુટ તે કન્યા તરફ જોઈ, મંત્રીપુત્રની સાથે આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યો, ‘આ કોની કન્યા હશે?’ તે કન્યાએ શણગારના સંકેતો વડે પોતાનું વતન અને પોતાનું નામ આમ સમજાવ્યાં. તેણે પુષ્પના મુકુટમાંથી એક કમળ કાઢી પોતાના કાનમાં પહેર્યું; પોતાના અલંકારમાંથી દંતપત્ર લઈને ઘણી વાર સુધી દાંતને સાફ કર્યા. પછી એક બીજા કમળને લઈ તે મસ્તક ઉપર મૂક્યું અને સાભિપ્રાય પોતાનો હાથ હૃદય ઉપર ઘસ્યો. રાજકુમાર તેની સંજ્ઞામાં જરાય સમજ્યો નહીં. પણ તેનો ચતુર મંત્રીમિત્ર તે સંજ્ઞાથી સઘળું સમજી ગયો. થોડી વારમાં તે કન્યા પોતાના પરિજનો સાથે ત્યાંથી ચાલી ગઈ અને તેનું મન રાજકુમારને જે સંકેત કર્યા હતા તે વિશે વિચાર કરતી રહી. હવે પેલો રાજકુમાર વિદ્યા વિસરી ગયેલા વિદ્યાધરની જેમ પોતાની નગરીમાં જઈ વિરહાવસ્થામાં આવી જઈ દુર્દશા પામ્યો. એક દિવસ તેના મિત્ર મંત્રીપુત્રે તેની પાસે આવી એકાંતમાં પૂછ્યું, ‘ભાઈ, તમે આમ ઉદાસ કેમ થઈ ગયા છો? ભલા મને તો કારણ જણાવો કે તમારા મુખ પર આટલો બધો ખેદ શાને છે? મને કશો ખ્યાલ આવતો નથી.’ એટલે રાજપુત્રે પોતાના દુઃખનું કારણ અને પોતાની વિરહાવસ્થા કહી. મંત્રીપુત્રે તેને ધીરજ બંધાવી અને કહ્યું, ‘હવે એ ચંતાિ છોડો. તમને એ સુંદરી મેળવી આપીશ.’ રાજકુમાર અધીરાઈથી બોલ્યો, ‘મને વાત કરતાં પણ ઠીક નથી લાગતું. ગઈ કાલે સરોવર ઉપર જે કન્યા જોઈ હતી તેનો વિરહ મારાથી સહન થતો નથી. તેને મળવાની ઉત્કંઠા થાય છે પણ તેનાં નામઠામ અને વંશની તો જરાય ખબર નથી. તે આપણને મળે કેવી રીતે?’ આમ જ્યારે રાજકુમારે કહ્યું ત્યારે મંત્રીપુત્ર બોલ્યો, ‘શું? તે કન્યાએ તમને સંકેતો વડે પોતાનાં નામઠામ અને કુળ જણાવ્યા હતાં તે તમે સમજ્યા નથી? તે કન્યાએ શણગાર સજવાનું બહાનું કાઢી બધું જ જણાવ્યું હતું તે તમે કેમ ભૂલી ગયા? તેણે કાન ઉપર ઉત્પલ ધારણ કરીને જણાવ્યું કે હું કર્ણોત્પલ રાજાના દેશમાં રહું છું. તે કન્યાએ દંતરચના કરીને જણાવ્યું કે તે નગરમાં હું દંતઘાતકની કન્યા છું. તે કન્યાએ કાનમાં પદ્માભૂષણ ધારણ કરી તમને જણાવ્યું, મારું નામ પદ્માવતી છે અને છેવટે તેણે છાતી ઉપર હાથ મૂકી જણાવ્યું કે તમે મારા પ્રાણ છો. હું તમારા પર જીવન ગાળું છું. કલંગિ દેશમાં કર્ણોત્પલ નામનો એક વિખ્યાત રાજા છે અને તેનો એક કૃપાપાત્ર દંતવૈદ્ય છે, તેનું નામ સંગ્રામવર્ધન છે, તેને ત્રણે લોકમાં રત્ન સમાન પદ્માવતી નામે પુત્રી છે. એ કન્યા પિતાને પ્રાણથી પણ અધિક વહાલી છે. આ પ્રમાણે મેં લોકો પાસેથી સાંભળ્યું છે. તે ઉપરથી તે કન્યાએ જે સંકેતો કર્યા તે મારી સમજમાં આવ્યા છે.’ આ પ્રમાણે તે મંત્રીકુમારે રાજકુમારને કન્યાનાં નામઠામ જણાવ્યાં એટલે રાજકુમાર તેના પર વારી ગયો. પછી તે મંત્રીકુમારની સાથે એકાંતમાં વિચારવા લાગ્યો કે હવે શું કરવું. એક વેળા બંને મૃગયાનું બહાનું કાઢીને તે કન્યાને શોધવા નીકળી પડ્યા. પહેલાંની દિશામાં જ ચાલવા માંડ્યા. અર્ધે ગયા પછી બંનેએ પવન જેવા જાતવાન ઘોડાઓને ઉતાવળે દોડાવી પાછળ આવતા રક્ષકોને થાપ આપી ઘણે દૂર નીકળી પડ્યા. થોડે દિવસે તેઓ કલંગિ દેશમાં આવી પહોંચ્યા. બંનેએ કર્ણોત્પલ રાજાના નગરમાં આવીને દંતઘાતકના ઘર વિશે પૂછ્યું. લોકોએ તેમને ઘર બતાવ્યું. તે બરાબર ધ્યાનમાં રાખી ત્યાંથી થોડે દૂર કોઈ ડોસીનું ઘર હતું તેમાં ઉતારો કર્યો. બંનેએ પોતાના ઘોડા શેરીમાંથી લાવીને ડેલીમાં બાંધ્યા. તેમને પાણી પાયું, તેમને ખડ આપ્યું.

પછી બંને ડોસીના ઘરમાં જઈને બેઠા. ડોસી પણ તેમની પાસે બેઠી. થોડી વારે મંત્રીકુમારે ડોસીને કહ્યું, ‘માજી, અહીં કોઈ દંતવૈદ્ય સંગ્રામવર્ધન રહે છે તેને તમે ઓળખો છો?’ આ સાંભળી તે બોલી, ‘હા, હું તેમને સારી રીતે ઓળખું છું. તેમણે હમણાં જ મને પરિચારિકા તરીકે પોતાને ઘેર રાખી છે. હું તેમની પુત્રી પદ્માવતીની મુખ્ય ધાત્રી છું. મારો દુષ્ટ છોકરો જુગારી છે અને તે મારાં સારાં કપડાં જુએ એટલે ચોરી જાય છે. હમણાં મારાં વસ્ત્ર સારાં નથી એટલે હું ત્યાં જતી નથી બાકી તો તે કન્યા પાસે નિત્ય જતી હતી.’

જ્યારે મંત્રીપુત્રે આ સાંભળ્યું એટલે તે ઘણો રાજી થયો અને ડોસીને પહેરવા સારાં વસ્ત્ર લઈ આપ્યાં. પછી તે બોલ્યો, ‘તમે તો અમારાં મા જેવાં છો. અમે તમને એક ગુપ્ત વાર્તા કહીએ છીએ, તે તમારે પાર પાડવાની. તમારે તે દંતઘાતકની પુત્રી પદ્માવતીને કહેવાનું કે સરોવર પર જે રાજકુમાર જોયો હતો તે આ નગરમાં આવ્યો છે. તેણે તારા પ્રત્યેના પ્રેમને લીધે તને જાણ કરવા મને મોકલી છે.’ તે ડોસીએ તેમનું દાન લઈ તેમ કરવાની હા પાડી. ‘બહુ સારું, આ ચાલી.’ આમ કહી તે પદ્માવતીની પાસે ગઈ અને કહાવ્યા પ્રમાણે સમાચાર કહ્યા અને તરત જ પાછી આવી. મંત્રીકુમારે પૂછ્યું, ‘માજી, શા સમાચાર લઈને આવ્યાં?’ ત્યારે ડોસીએ બંનેને કહ્યું, ‘એકાંતમાં મેં તમારા આવવાની વાત જણાવી. તે સાંભળીને તે તો રાતીપીળી થઈ ગઈ. મને પુષ્કળ ગાળો ભાંડી અને પછી કપૂરથી ભરેલા બે હાથ વડે મારા બંને ગાલે તમાચા માર્યા. તેની વેદનાથી હું રડતી રડતી તમારી પાસે આવી છું, જુઓ, તેણે મને કેવા તમાચા માર્યા છે તે? તેના હાથની વીંટીની છાપ મારા ગાલ પર પડી ગઈ છે તે જણાશે.’ તે સાંભળી રાજકુમાર તો પોતાનો હેતુ પાર પડ્યો નહીં એમ જાણી ઉદાસ થઈ ગયો, પણ બુદ્ધિશાળી મંત્રીકુમારે તેને એકાંતમાં જઈને કહ્યું, ‘તમે ઉદાસ ન થતા. તેની વાર્તા છાની રાખવા આ ડોસીને ગાળો ભાંડી છે અને તેના ગાલ ઉપર સફેદ કપૂરવાળી પોતાની દસ આંગળીઓ ઉઠાડી છે તે ઉપરથી તેણે એમ કહાવ્યું છે કે આ શુક્લ પક્ષ છે, તેમાં અજવાળિયાની દસ રાત્રિ સમાગમ કરવામાં અનુચિત છે માટે દસ દિવસ ધીરજ રાખો, પછીની વાત પછી.’ આ પ્રમાણે રાજકુમારને સમજાવી મંત્રીકુમારે પોતાની પાસે થોડુંક સોનું હતું તે ગુપ્ત રીતે બજારમાં વેચ્યું અને તેમાંથી સર્વ સામગ્રી ખરીદી તે ડોસીને સોંપી. પછી તેની પાસે ઉત્તમ ભોજન તૈયાર કરાવી તે બંને ડોસીની સાથે બેસીને જમ્યા. આમ દસ દિવસ કાઢી નાખ્યા. અગિયારમા દિવસે ફરી મંત્રીકુમારે સમાચાર મેળવવા ડોસીને પદ્માવતી પાસે મોકલી. ડોસી પણ દરરોજ મિષ્ટાન્ન ખાઈ ખાઈને રાજી રાજી થઈ ગઈ હતી. એટલે અતિથિના મનોરંજનાર્થે પદ્માવતીને ત્યાં ગઈ અને પછી ફરી બંનેને પાસે આવીને બોલી, ‘આજે હું અહીંથી પદ્માવતી પાસે ગઈ અને બોલ્યા વગર મૂંગી મૂંગી ઊભી રહી. હું તમારો તે દિવસનો સંદેશો લઈને ગઈ તે અપરાધ બદલ મને પોતાના હાથ અળતાવાળા કરી ત્રણ આંગળીઓ મારી છાતી ઉપર મારી. હું તેવી ને તેવી સીધી અહીં તમારી પાસે ચાલી આવી છું.’ તે સાંભળી મંત્રીપુત્રે રાજકુમારને કહ્યું, ‘તમારે મનમાં બીજી કોઈ શંકા કરવાની નહીં. પદ્માવતીએ પોતાની ત્રણ અળતાવાળી આંગળી આ ડોસીની છાતીમાં લગાવીને યુક્તિથી જણાવ્યું કે હું ત્રણ રાત્રિ સુધી રજસ્વલા છું માટે મળી શકતી નથી.’ આ પ્રમાણે મંત્રીપુત્રે રાજકુમારને કહ્યું એટલે તે ત્રણ દિવસ વાટ જોઈને બેસી રહ્યો. ત્રણ દિવસ વીતી ગયા એટલે મંત્રીપુત્રે ફરી ડોસીને પદ્માવતી પાસે મોકલી. આ વખતે પદ્માવતીએ તે ડોસીનું સારી રીતે સ્વાગત કર્યું. ઘણા પ્રેમથી ભોજન કરાવ્યું અને શરબત વગેરે પાઈને આખો દિવસ મોજ કરાવી. સાંજ પડી એટલે ડોસી પોતાને ઘેર જવા તૈયાર થઈ. એવામાં બહાર રસ્તા ઉપર બહુ મોટો કોલાહલ થવા લાગ્યો. લોકો મોટે મોટેથી બોલતા હતા, ‘હાય, હાય, રાજાનો હાથી ગાંડો થઈ ગયો છે. બંદીખાનું તોડીફોડી બહાર નીકળી લોકોને મારી નાખે છે.’ તે સાંભળી પદ્માવતીએ પેલી ડોસીને કહ્યું, ‘ડોસીમા, તમે હમણાં મોટા રસ્તે થઈને ન જતા. કારણ કે ત્યાં હાથીનો ભય છે. એક દોરીમાં બાજઠ બાંધી તેમાં તમને બેસાડી આ મોટી બારીમાંથી તમને અમે અમારા ઘરના બાગમાં ઉતારીએ છીએ. તમે તે બાગમાં ઊતરી પછી આ ઝાડ પર ચઢી સામા કિલ્લાને ઓળંગી ચાલ્યા જજો. અને પછી કિલ્લા પાછળ એક ઝાડ છે તે ઉપર ચઢી ત્યાંથી ઊતરીને ઘેર જજો.’ આમ કહી પદ્માવતીએ તે ડોસીને બાજઠ ઉપર બેસાડી દાસીઓ મારફતે બારીમાંથી પાછળના બગીચામાં ઉતારી મૂકી. પછી ડોસી એ પ્રમાણે ચઢઊતર કરી પોતાને ઘેર ચાલી આવી. ત્યાં આવીને સઘળી વાર્તા કહી સંભળાવી. એટલે મંત્રીપુત્રે રાજકુમારને કહ્યું, ‘હવે તમારું કાર્ય સિદ્ધ થયું છે. તેણે યુક્તિપૂર્વક તમને માર્ગ પણ બતાવી દીધો. માટે આજે સાંજે જે માર્ગે થઈ ડોસી આવ્યાં તે જ માર્ગે થઈ તમારે પદ્માવતી પાસે જવું.’ પછી થોડી વારે સૂર્ય આથમી ગયો. એટલે રાજકુમાર પ્રસન્ન થઈ ડોસીએ બતાવેલા માર્ગે મંત્રીપુત્રને સાથે લઈ ઝાડ પર ચઢ્યો, ત્યાંથી કિલ્લા પર ઊતરી પડ્યો, પછી ત્યાંથી બાગમાં ઊતર્યો. બાગમાં જ્યાં મહેલનો પાછલો ભાગ પડતો હતો તેની નજીક તે ગયો. ત્યાં એક બારીમાંથી દોરીએ બાંધેલી માંચી લટકતી હતી. અને દાસીઓ પણ બારીઓમાંથી મોઢાં કાઢી તેના આવવાની વાટ જોતી ઊભી હતી. તેમણે ઇશારો કર્યો કે ‘જુઓ છો શું? આ માંચી ઉપર બેસી જાઓ. એટલે તમને ઉપર ખેંચી લઈએ.’ રાજકુમાર તરત તે માંચી ઉપર બેઠો કે ઉપરથી દાસીઓએ દોરી વતી તેને ખેંચી લીધો. તે બારીમાંથી ઊતરી પોતાની મનમોહના પાસે ગયો અને મંત્રીપુત્ર રાજકુમારને અંદર દાખલ થતો જોઈ પોતાના ઉતારા પર પાછો ફર્યો. રાજકુમાર પદ્માવતીના રંગભવનમાં દાખલ થઈને જુએ છે તો પૂણિર્માના ચંદ્ર જેવી કાંતિ ચારે તરફ પ્રસરી રહી છે એવી પૂણિર્માની રાત્રિ અમાવાસ્યાના ભયથી જાણે એકાંતભવનમાં આવીને સંતાઈ ગઈ હોય તેવી રીતે બેઠેલી પદ્માવતીને જોઈ. તે રાજકુમારને જોઈ હંમિતથી ઊભી થઈ અને ઘણા દિવસથી મળવાની ઉત્કંઠાને લીધે એકદમ ગળે વળગી પડી. તેને ખૂબ જોરથી આલંગિન આપ્યું, ચુંબન વગેરેથી તેનું ઘણું સન્માન કર્યું. રાજકુમારે તે મુગ્ધ નવવધૂ સાથે પ્રેમાગ્નિની સાક્ષીએ ગંધર્વવિધિથી લગ્ન કર્યાં અને પોતાના મનની ઇચ્છા પૂર્ણ કરી ગુપ્ત રીતે તે ત્યાં જ રહ્યો. કેટલાક દિવસ તો બંને જણે વિહારવિલાસના આનંદમાં ગાળી વીતાવ્યા, પણ એક રાતે રાજકુમારને પોતાનો મિત્ર યાદ આવ્યો. ત્યારે તેણે પોતાની પ્રિયાને કહ્યું, ‘પ્રિયે, મારો એક ખાસ મિત્ર મારી સાથે આવ્યો છે. તે આ નગરમાં તારી ધાત્રીના ઘરમાં એકલો રહે છે, મને જવાની આજ્ઞા આપ.’ ત્યારે પદ્માવતીએ તે સાંભળીને કહ્યું, ‘પ્રિય આર્યપુત્ર, મારે તમને કંઈ પૂછવું છે તે જરા કહો. મેં તમને જે જે સંકેતો કર્યા હતા તે તમે પોતે જ સમજ્યા હતા કે તમારો મિત્ર મંત્રીપુત્ર સમજ્યો હતો?’ પદ્માવતીએ પૂછ્યું એટલે ભોળા રાજપુત્રે કહ્યું, ‘હું તારા એ સંકેતોમાં કશું સમજ્યો ન હતો. પણ મારા મંત્રીપુત્રે તેનું રહસ્ય સમજાવ્યું હતું. તેનું જ્ઞાન અદ્ભુત છે અને તેણે જ મને બધી વિગતો કહી હતી.’ પદ્માવતી તે સાંભળી વિચારમાં પડી ગઈ. પછી તેણે રાજકુમારને કહ્યું, ‘પ્રાણેશ, તમે બહુ ખોટું કર્યું. તમે આવા ખાસ મિત્રના સમાચાર મને બહુ મોડા કહ્યા. તમારો મિત્ર પણ હવે તે મારો ભાઈ પણ. મારે તેની આગતાસ્વાગતા કરવી જોઈએ ને તેના ભોજનાદિની સંભાળ પણ લેવી જોઈતી હતી. પણ તે ન થયું તેનું મને બહુ દુઃખ છે.’ આમ કહી પદ્માવતીએ તેને જવા દીધો. રાજપુત્ર જે માર્ગેથી આવ્યો હતો તે જ માર્ગે થઈને તે રાતે પોતાના મિત્ર પાસે આવ્યો. બધી વાત વિગતવાર જણાવી. પોતે પદ્માવતીએ કરેલા સંકેતોવાળી વાત પણ જણાવી. મંત્રીપુત્રે બીજી બધી વાતો માટે સારો અભિપ્રાય આપ્યો. પરંતુ સંકેતોવાળી વાત ડહાપણ વિનાની લાગી. બંનેને વાતો કરતાં કરતાં સવાર પડી ગઈ. બીજે દિવસે બંને સ્નાનસંધ્યા કરીને પરવાર્યા અને વાતો કરતા હતા ત્યારે પદ્માવતીની એક સખી ભાતભાતનાં પકવાન્ન, એક થાળીમાં ભરી પાન, સોપારી, એલચી તથા લવંગાદિ પદાર્થ લઈને આવી. તેણે મંત્રીપુત્રના કુશળ સમાચાર પૂછ્યા. પછી તેને માટે જે જે વસ્તુઓ આણી હતી તે સર્વ મિષ્ટ પદાર્થ તેની આગળ મૂક્યા અને ભોજન કરવા વિનંતી કરી. પણ રાજકુમારને તેમાંથી ભોજન ન કરવા માટે વિનંતી કરી અને યુક્તિપૂર્વક કહ્યું, ‘મારાં સ્વામિની ભોજન કરવા માટે રાજકુમારની રાહ જોઈ રહ્યાં છે, તે વેળાસર પધારે તો સારું.’ આમ જણાવી કોઈ જાણે નહીં તેવી રીતે તરત તે ત્યાંથી નીકળીને ઘેર ચાલી ગઈ. તેના ગયા પછી મંત્રીકુમારે રાજકમારને કહ્યું, ‘મિત્ર, હું તમને એક આશ્ચર્ય બતાવું છું તે તમે જુઓ.’ આમ કહી પદ્માવતીએ જે ભોજન મોકલાવ્યું હતું તેમાંથી એક ચીજ ઉપાડીને કૂતરાને નાખી. કૂતરું તે ખાતાંની સાથે જ મરણ પામ્યું. તે જોઈ રાજકુમાર પૂછવા લાગ્યો, ‘અરે આ શું કૌતુક?’ મંત્રીકુમાર બોલ્યો, ‘એમાં વળી કૌતુક શું? પદ્માવતીની આગળ તમે કહ્યું કે મારા મિત્રે બધા સંકેતોની સમજ પાડી છે. તેણે ખ્યાલ આવી ગયો કે હું નિપુણ છું. તે કોઈ દિવસ તેનાથી તમને અલગ કરીશ એવો વહેમ તેને આવ્યો. તમને સાદા પોતાને વશ રાખવા તેણે મારો કાંટો કાઢવા આ ઝેરી પકવાન્ન મોકલ્યું. કદાચ મને છોડીને તે પોતાની નગરીમાં પણ ચાલ્યો જાય એવો અંદેશો પણ તેને હશે. હમણાં તમે એના પર ગુસ્સે ન થતા. હોય, સંસાર છે, સર્વના સ્વભાવ સરખા નથી હોતા. આજથી તમે તેની સાથે પ્રેમમાં એવા તલ્લીન થાઓ કે તે પોતાનાં સ્વજનને મૂકીને તે તમારી સાથે આવે. તે માટે હું તમને જે ઉપાય બતાવું છું તે વડે તમારે તેનું હરણ કરવું.’ આ પ્રમાણે મંત્રીકુમારે કહ્યું, એટલે રાજકુમાર તેનાં વખાણ કરીને બોલ્યો, ‘બેશક, તારું નામ બુદ્ધિશિરા છે તે યથાર્થ છે, તું બુદ્ધિની સાક્ષાત્ મૂતિર્ છે!’ તે જ્યાં આ પ્રકારે તેનાં વખાણ કરતો હતો ત્યાં બહાર રસ્તા પર અચાનક માણસોનો કોલાહલ સંભળાયો. ‘અરેરે, હાય, હાય, ધિક્કાર છે કાળને કે રાજાનો એકનો એક બાળકુમાર મરણ પામ્યો!’ તે સાંભળી મંત્રીપુત્ર ઘણો જ પ્રસન્ન થયો. તે રાજકુમારને કહેવા લાગ્યો, ‘તું આજે રાતે પદ્માવતીને મહેલે જા, ત્યાં જઈને એવી રીતે મદિરા પાજે કે તે નશામાં ચકચૂર થઈને મડદાની માફક હાલ્યાચાલ્યા વગર પડી રહે. જ્યારે તે પૂરેપૂરા નશામાં હોય ત્યારે તારે તેની સાથળ પર અગ્નિથી તપેલા ત્રિશૂળનો ચાંદલો કરવો. પછી તેનાં સર્વ ઘરેણાં લઈ પાછળની બારીએથી દોરીએથી લટકીને બાગમાં ઊતરીને ઘેર આવતો રહેજે. તે પછી જેમ આપણું સારું થાય તેમ હું વિચારીને કરીશ.’ આમ મંત્રીપુત્રે રાજપુત્રને કહી ડુક્કરના વાળ જેવી ઝીણી ધારવાળું એક ત્રિશૂળ કરાવી રાજપુત્રને આપ્યું. રાજકુમાર પણ પત્ની અને મિત્રના અંત:કરણ જેવું અતિવક્ર ને કઠિન ગજવેલનું ત્રિશૂળ હાથમાં લઈ ‘તારા કહેવા પ્રમાણે કરીશ.’ આમ મંત્રીપુત્રને કહી હંમેશની માફક રાતે પદ્માવતીને ત્યાં ગયો. શુદ્ધ અંત:કરણવાળા મિત્રની શિખામણમાં રાજાઓ સાચજૂઠની કદી તપાસ કરતા નથી, પણ તેના વચનને હંમેશાં માન આપે છે. રાજકુમારે પ્રિયતમા પાસે જઈને સારું એવું મદ્યપાન કરાવ્યું. જ્યારે પદ્માવતી મદિરાપાન કરીને બેસુધ થઈ શય્યા પર ઢળી પડી ત્યારે રાજકુમારે તેની સાથળ પર ત્રિશૂળ તપાવીને તેનો ચાંદલો કર્યો. પછી તેના શરીર ઉપરથી સઘળાં ઘરેણાં ઉતારી લીધાં અને મિત્ર પાસે આવ્યો. તે ઘરેણાં મંત્રીપુત્રને બતાવી પોતે પ્રિયા સાથે કેવી રીતે વર્ત્યો હતો એ બધું વિગતે કહ્યું. પોતાની ઇચ્છા પ્રમાણે બધું થયું છે તેની મંત્રીપુત્રને ખાત્રી થઈ. બીજે દિવસે સવારે મંત્રીપુત્રે સ્મશાનમાં જઈ એક તપસ્વીનો વેશ ધારણ કર્યો, પોતાની સાથે રહેલા રાજકુમારને પોતાનો શિષ્ય બનાવ્યો. આ પ્રમાણે ઠાઠમાઠ કર્યા પછી મંત્રીપુત્રે રાજપુત્રને કહ્યું, ‘તમે આ ઘરેણાંમાંથી એક માળા લઈને બજારમાં વેચવા માટે જાઓ તે વેચવાનો ડોળ કરજો. અને કઈ પૂછે તો ત્રણ ગણી ચાર ગણી કંમિત બતાવજો. એટલે તે કોઈ લેશે નહીં, પણ એ રીતે આખા ગામમાં તે હાર સર્વ કોઈની નજરે પાડજો. નગરમાં જો રાજાના સૈનિકો તમને પકડીને પૂછે કે આ હાર તને ક્યાંથી મળ્યો? તો તમારે જરાય ગભરાયા વિના કહેવું કે આ અમારા ગુરુજીએ વેચવા આપ્યો છે.’ આમ સમજાવી રાજપુત્રને માળા આપી વિદાય કર્યો. રાજકુમાર માળા લઈ તે જ વખતે નગરમાં આમતેમ ફરવા લાગ્યો અને બધા વેપારીઓને માળા બતાવવા માંડી. નગરમાં દંતઘાતક — પદ્માવતીના પિતાને ઘેર ખાતર પડ્યું હતું તેની તપાસમાં નગરરક્ષકો ફરતા હતા, તેમણે રાજકુમારના હાથમાં મોતીની માળા જોઈ શક આણી તેને પકડ્યો. અને તેને તે જ વખતે ઉપરી પાસે લઈ ગયા. રાજકુમારને જોઈને તે અધિકારીને થયું કે આ સાધુ કંઈ માળાની ચોરી કરે એમ ન હોય. તેણે શાંતિથી પાસે બેસાડી ધીમે ધીમે પૂછવા માંડ્યું, ‘મહારાજ, અમારા નગરમાં દંતઘાતક નામના એક શેઠ છે. તેમની કન્યાનાં ઘરેણાં ચોરાયાં છે. તમને આ મોતીની માળા ક્યાંથી મળી?’ તે સાંભળી વેશધારી રાજકુમારે કહ્યું, ‘અમને અમારા ગુરુજીએ માળા આપી છે. તમે એમને જઈને પૂછો. અમારા ગુરુ સ્મશાનમાં બેઠા છે.’ તરત જ તે અધિકારી જ્યાં મંત્રીપુત્ર ઢોંગ કરતો બેઠો હતો તે સ્મશાનમાં જઈને પ્રણામ કરીને પૂછવા લાગ્યો, ‘મહારાજ, આ મોતીની માળા તમારા શિષ્યના હાથમાં કેવી રીતે આવી?’ તે સાંભળી ધૂર્ત મંત્રીપુત્રે ત્યાંથી બધા માણસોને દૂર કર્યા અને તે અધિકારીને પાસે બેસાડી કહ્યું, ‘હું જોગી છું અને હંમેશાં જંગલોમાં આમતેમ ભટક્યા કરું છું. ભટકતો ભટકતો દૈવયોગે એક રાતે આ સ્મશાનમાં આવી ચઢ્યો અને અહીં જ મુકામ કર્યો. તે વેળા ચારે બાજુ જોગણીઓનું ટોળું એકઠું થઈને બેઠેલું અહીં મારા જોવામાં આવ્યું. એમાં એક જોગણી રાજાના છોકરાને લઈને આવી. તેણે તેના કાળજાને ચીરી તેમાંથી હૃદયકમળ કાઢી ભૈરવને અર્પણ કર્યું. આ વખતે હું દૂર બેસી હાથમાં માળા લઈ જપ કરતો હતો. ત્યાં એક જોગણી મદિરા પી ગાંડી થઈ મારી પાસે આવી, પોતાનું મોઢું વાંકુંચૂંકું કરવા લાગી. પછી તે મારા હાથમાંથી માળા ઝૂંટવવા લાગી. મેં તેનો તિરસ્કાર કરી તરછોડી દીધી. તો પણ તેણે ગણકાર્યું નહીં, એટલે મને ક્રોધ ચઢ્યો; મેં મંત્ર ભણી અગ્નિ પ્રગટાવ્યો અને તેમાં ત્રિશૂળ તપાવી તેની સાથળે અને કેડ પર ડામ દીધા. અને તે જ વખતે તેના ગળામાંથી આ મોતીની માળા ખેંચી લીધી. એ અમને જોગીઓને શા કામની એટલે આ શિષ્યને વેચવા આપી.’ આ વાત સાંભળી તે અધિકારીએ રાજા પાસે જઈને જોગીએ કહેલી બધી વાર્તા રાજાને જણાવી. તે સાંભળી રાજાએ માન્યું કે જો દંતઘાતકની કન્યાની જ આ માળા છે તો તેણે જ મારા પુત્રને ખાધો હશે. તે ઉપરથી પોતાની એક સંબંધી વૃદ્ધાને મોકલી કહ્યું, તપાસ કર કે કન્યાની સાથળ પર ત્રિશૂળનો ડાઘ છે કે નહીં. તેણે તપાસ કરીને રાજાને કહ્યું, ‘હા, તેની સાથળ પર ડાઘ છે.’ તે સાંભળી રાજાને ખાત્રી થઈ ગઈ કે તે ડાકણે જ મારા કુંવરને ખાધો છે. આમ ખાત્રી થતાં રાજા પોતે ધૂર્ત જોગીની પાસે સ્મશાનમાં જઈ જોગીને પ્રણામ કરી પૂછવા લાગ્યો, ‘મહારાજ, એ ડાકણ પદ્માવતીએ જ મારા કુંવરને મારી નાખ્યો. તો હવે તેને શી શિક્ષા કરવી?’ તે સાંભળી યોગીવેશી મંત્રીપુત્ર બોલ્યો, ‘રાજન્, તેને નગરની બહાર કાઢી મૂક, એ જ શિક્ષા બસ છે.‘ એટલે રાજાએ પદ્માવતીને નગર બહાર કાઢી મૂકી. તે વખતે તેના માતાપિતા બહુ સંતાપ કરવા લાગ્યાં. પછી તે કન્યાને નગર બહાર કાઢી મૂકી અને જંગલમાં તેને નગ્નાવસ્થામાં અત્યંત દુઃખ પામતી છોડી દીધી. પ્રેમમાં મત્ત બનેલી પદ્માવતીએ પોતાના પ્રાણ ત્યજ્યા નહીં. તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે આ બધું મંત્રીપુત્રનું જ કારસ્તાન છે. આમ વિચારતી તે એકલી વનમાં જ બેસી રહી. એવામાં રાજકુમાર અને મંત્રીપુત્ર જોગીનો વેશ ઉતારીને ઘોડેસ્વાર થઈ ત્યાં આવી પહોંચ્યા. તેને તેમણે આશ્વાસન આપ્યું. રાજકુમારે તેને પોતાના ઘોડા પર બેસાડી લીધી અને પોતાની રાજધાનીમાં લઈ ગયો, ત્યાં આનંદમાં રંગરાગ મનાવવા લાગ્યો. અહીં પદ્માવતીના પિતાની શી અવસ્થા થઈ તે સાંભળ. પેલા દંતઘાતકે એમ જ ધારી લીધું કે મારી પુત્રીને વનમાં હંસિક પ્રાણીઓ ખાઈ ગયા હશે તેથી તેના શોકમાં જ તે મરણ પામ્યો અને તેની પાછળ તેની સ્ત્રી પણ સતી થઈ. આ પ્રમાણે ત્રિવિક્રમના ખભા ઉપર બેઠેલા વેતાલે રાજાને વાર્તા કહ્યા પછી પૂછ્યું, ‘હે રાજા ત્રિવિક્રમ, મને આ કથામાં મોટી શંકા થઈ છે. તેનું તમે નિરાકરણ કરો. તમે બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ ગણાઓ છો. મને કહો કે આમાં જે સ્ત્રીપુરુષ મરણ પામ્યાં તેનું પાપ કોને શિર? મંત્રીપુત્રને શિરે, રાજકુમારના શિરે, પદ્માવતીને શિરે? આ પાપનો ભાગીદાર કોણ? જો તમે જાણતા હોવા છતાં મને સત્ય નહીં કહો તો તમારા મસ્તકના હજારો કટકા થઈ જશે, તેમાં જરાય શંકા નથી.’ વેતાલે જ્યારે આ પ્રકારે પૂછ્યું ત્યારે સત્યવક્તા ત્રિવિક્રમ સેને શાપના ભયથી કહ્યું, ‘તેં જે ત્રણ નામ કહ્યાં તેમને શિરે આ પાપ ન લાગે. રાજા કર્ણોત્પલને શિરે આ પાપ.’ આ સાંભળી વેતાળે કહ્યું, ‘અરે વિક્રમ, રાજાને શાનું પાપ લાગે? પાપ તો તે કામ કરનારાં ત્રણ જણને લાગે જેને લીધે તે સ્ત્રીપુરુષ ઝૂરીઝૂરીને મરી ગયાં. હંસ જ્યારે ડાંગર ખાઈ જાય ત્યારે કાગડા અપરાધી કેવી રીતે?’ એટલે રાજાએ કહ્યું, ‘એ કામમાં તો ત્રણે જણ નિર્દોષ છે. મંત્રીપુત્રે જે જે કામ કર્યું તે પોતાના રાજાના કલ્યાણ માટે કર્યું. રાજાનું કલ્યાણ કરવું તેનો ધર્મ છે. માટે તે નિર્દોષ છે. પદ્માવતી અને રાજકુમાર કામાગ્નિમાં બળી રહ્યાં હતાં માટે તેમને પાપપુણ્ય સમજવાની કશી ગતિ જ ન હતી. તેઓ તો પોતાનો સ્વાર્થ સાધવા જ તત્પર હતાં. માટે તેઓ પણ પાપી ન ગણાય. પણ રાજા કર્ણોત્પલ પોતે નીતિશાસ્ત્ર જાણતો ન હતો ત્યારે તેણે દૂતો મારફતે પોતાની પ્રજામાં જે જે કાળાં કર્મો થતાં હતાં તે શોધવાની જરૂર હતી. તે ધર્મ રાજા ચૂક્યો. તેથી જ તે ધૂર્ત લોકોનાં ચરિત્ર તથા ગુપ્તાભિપ્રાય જાણવામાં કુશળ ન રહ્યો. તેને લીધે તે પાપનો ભાગીદાર થયો.’ આમ જ્યારે રાજાએ ભય પામીને પોતાનું મૌનવ્રત ત્યજી વેતાલને સારી રીતે ઉત્તર આપ્યો ત્યારે તે શબમાં રહેલો વેતાલ માયાથી તે રાજાની દૃઢતાની કસોટી કરવા અચાનક તેના ખભા ઉપરથી જણાય નહીં તેમ અદૃશ્ય થઈ ગયો. તે જોઈ નિર્ભય રાજા જરાય ડગ્યા વિના ફરી વેતાલને પકડવા ચાલ્યો.

વેતાલ ચોવીસમો — એક વિલક્ષણ કથા

પછી વીર રાજા ત્રિવિક્રમસેન, કાળા અંધારાથી છેક નિશામય થઈ ગયેલી અને ચિંતાના અગ્નિરૂપી જેની ઝગઝગતી દૃષ્ટિ છે એવી રાત્રિરૂપ રાક્ષસીને ન ગણકારતાં, પુન: તે ભયંકર સ્મશાનમાં ગયો અને અશોક વૃક્ષ ઉપર ચઢીને પુન: તે વેતાલને પકડી પોતાના ખભા ઉપર ચઢાવીને પહેલાંની માફક ચાલવા માંડ્યો. પુન: તે વેતાલે રાજાને કહ્યું: ‘રાજાજી! હવે તો હું આવજા કરવાથી થાકી ગયો છું. પણ તું આવજા કરતાં થાક્યો નથી; માટે હું તને એક અઘરો પ્રશ્ન પૂછું છું, તેના પર લક્ષ દે.’ દક્ષિણ દિશાના એક ભાગના એક નાના ગામમાં ધર્મ નામનો એક માંડલિક રાજા રહેતો હતો. તે અતિઘણો સદ્ગુણી હતો,પણ તેના ભાયાતો દુર્જન હોવાથી તેને સ્થાનભ્રષ્ટ કરવા ઇચ્છતા હતા. તેને એક સ્ત્રી હતી. જેનું નામ ચંદ્રવતી હતું. તે માળવા દેશમાં કોઈક મોટા કુલવાનને ત્યાં જન્મી હતી. તે પ્રમદા, ઉત્તમ પ્રમદાઓની મુકુટમાળા જેવી હતી. આ રાણીએ લાવણ્યવતી નામની એક કન્યાને જન્મ આપ્યો હતો. તે કન્યા પોતાના નામ પ્રમાણે જ ગુણ ધરાવતી હતી. જ્યારે તે કન્યા વિવાહ કરવાને યોગ્ય થઈ, ત્યારે ધર્મરાજા, લાવણ્યવતીનો સંબંધ કરવા તૈયાર થયો. તે વખતે તેના ભાયાતોએ એકઠા મળી ધર્મરાજાના દેશને પાયમાલ કરી નાંખ્યો અને તેને રાજ્યગાદી ઉપરથી, પદભ્રષ્ટ કર્યો. જ્યારે નગરમાં રહેવાને તે લાચાર થઈ પડ્યો ત્યારે તે, અમૂલ્ય, હીરા, માણેક, રત્નો વગેરે લઈ, પોતાની સ્ત્રી તથા કન્યા સહિત તે જ રાત્રે નગરમાંથી નાસી ગયો અને પોતાના સસરાને ઘેર જવા માટે માળવા તરફ ચાલ્યો, ચાલતાં ચાલતાં પોતાની સ્ત્રી તથા પુત્રી સહિત તે વિંધ્યાચળના ભયંકર જંગલમાં આવ્યો. તેટલામાં રાત પડી અને રાજાને આટલે સુધી ઘસડી લાવનાર દિવસ પણ અસ્ત પામ્યો. રાજા ત્યાં જ રાતવાસો રહ્યો, ઝાકળનો વર્ષાદ વધતો હતો, તેથી જાણે રાત્રિ રડતી હોય તેવી જણાતી હતી. પ્રભાત થયું કે, સૂર્યનારાયણનાં કિરણો, જાણે તું આગળ જા મા, કારણ કે આ જંગલમાં ઘણા લૂંટારાઓ રહે છે તેમ તે રાજાને ના કહેતાં હોય તેમ ઉદયાચળ ઉપર ડોકિયું કરવા લાગ્યાં. માર્ગમાં પગે ચાલવાથી, દર્ભના કાંટા વડે રાજાની રાણીના ને લાવણ્યવતીના પગમાં ઘા પડી ગયા હતા. તો પણ શું કરે? ચાલ્યા વગર છૂટકો નહીં, તેથી તે બાપડાં ચાલતાં ચાલતાં ભીલોના એક ગામમાં જઈ ચઢ્યાં. તે ગામમાં બીજાના ધનમાલ તથા પ્રાણનો નાશ કરનારા પાપી ભીલો રહેતા હતા અને ત્યાં કોઈ ધર્માત્મા રહેતો ન હતો, તેથી જાણે પાપીઓથી ભરેલી ભયંકર યમરાજની નગરી હોય, તેવું તે ગામ જણાતું હતું. આ ભીલોના ગામમાં જેવો રાજા દાખલ થયો કે ભીલ લોકોએ વસ્ત્ર તથા ઘરેણાંથી શણગારેલા રાજાને અને તેની સાથે તેની સ્ત્રી તથા કન્યાને પણ દીઠી, તરત જ તે લોકો જુદાં જુદાં હથીઆરો હાથમાં લઈને લૂંટવા માટે આવ્યા. જ્યારે રાજા ધર્મે ભીલોને પોતાના તરફ આવતા જોયા, ત્યારે તેણે પોતાની સ્ત્રીને અને પુત્રીને કહ્યું; ‘આ ભીલ લોકો શરૂઆતમાં તમારી લાજ લૂંટશે, માટે તમે તો હમણાં જ અહીંથી પાસેના વનમાં ચાલ્યાં જાઓ.’ રાણી પોતાની પુત્રી લાવણ્યવતીને સાથે લઈ, ભયની મારી પાસેના વનમાં પેસી ગઈ. પછી વીર રાજા એકલો ઊભો રહ્યો: તેની પાસે ઢાલ અને તરવાર જ તેનાં સાથી હતાં. પેલા ભીલ લોકો સામા આવી રાજા ઉપર કામઠાવતી બાણ ફેંકવા લાગ્યા, પણ રાજાએ તે સઘળાને ઢાલ પર ઝીલી લઈ, તરવારથી ઘણા ભીલને ધૂળ ચાટતા કરી દીધા, જ્યારે કેટલાએક ભીલો મરણ પામ્યા, ત્યારે તે ગામનો નાયક ક્રોધે ભરાયો ને તેણે સઘળા ભીલોને તેના પર એક સામટા તૂટી પડવાનો હુકમ કર્યો, એટલે બધા હથિયાર લઈ તેની ઉપર તૂટી પડ્યા; અને તીર મારીને તેના શરીરના બખ્તરને ચીરી નાંખી, એકલા ઊભેલા રાજાને મરણશરણ કરી દીધો. પછી તેની પાસે જે કંઈ માલમત્તા હતી તે લૂંટી લઈને ભીલોની સેના જયવાદ્ય વગાડતી પાછી પોતાના ગામ ભણી ગઈ. હવે રાણી ચંદ્રવતી, પુત્રી સહિત વનમાં ભરાઈ જઈ એક ઝાડની કુંજલતાના ઓઠામાં સંતાઈને આ સર્વ યુદ્ધ જોતી હતી તેણે જ્યાં પોતાના પ્રાણજીવનને મરણ પામતો જોયો ત્યારે તેના કલેજામાં વજ્રબાણ વાગ્યાં જેવું દુઃખ થઈ આવ્યું. તે બેબાકળી બનીને પુત્રી સહિત તે વનમાંથી ઘણે દૂર બીજા ગીચ જંગલમાં નાસી ગઈ. તે વખતે બરાબર મધ્યાહ્નનો સમય થઈ રહ્યો હતો અને સૂર્યનો તાપ પડતો હતો. ચાલતાં ચાલતાં એક વૃક્ષ તેના જોવામાં આવ્યું, તેની છાયા વિશ્રામ કરવા માટે વટેમાર્ગુને નિમંત્રણ કરતી હોય તેવી જણાતી હતી. થાકેલાં પાકેલાં ચંદ્રવતી અને લાવણ્યવતી બન્ને જણાં, આસોપાલવના ઝાડની નીચેના કમળવાળા સરોવર પર જઈને બેઠાં, ત્યાં બેઠા પછી રાણી શોકની મારી અત્યંત રુદન કરવા લાગી. હવે એવું બન્યું કે કોઈ એક રાજા, પોતાના દીકરા સહિત તે જંગલમાં મૃગયા કરવા માટે આવ્યો. બાપનું નામ ચંડસિંહ હતું અને પુત્રનું નામ સિંહપરાક્રમ હતું. બાપ દીકરો બન્ને જણા ઘોડા ખેલવતા ખેલવતા જતા હતા, એવામાં ચંડસિંહે ધૂળમાં સ્ત્રીનાં પગલાં પડેલાં દીઠાં. ત્યારે તેણે પુત્રને કહ્યું: ‘બેટા! આ જમીન ઉપર ધૂળમાં જે પગલાં પડેલાં છે, તે કોઈ પદ્મિનીનાં પગલાં હોય એમ લાગે છે; કારણ કે આ પગલામાં ઉત્તમ રેખાઓ આબાદ પડેલી છે. તે સુંદર પ્રમદાનાં સુરેખ પગલાંને આધારે ચાલો આપણે જઈએ ને શોધીએ કે તે કોણ છે. જો તે મળશે તો તેમાંથી તને જે પસંદ પડે તેની સાથે તું પરણજે.’ આ પ્રમાણેનું પિતાનું બોલવું સાંભળી, સિંહપરાક્રમ બોલ્યો: ‘આ પગલાંમાં જેનાં નાનાં પગલાં જણાય છે, તે ખરેખર દીકરી હશે અને તેની અવસ્થા પણ નાની હશે માટે, તે મારે લાયક છે; અને જેનાં પગલાં મોટાં છે તે અવસ્થામાં મોટી હશે, માટે તે તમારે લાયક છે.’ આ પ્રમાણે પુત્રનું વચન સાંભળી ચંડસિંહ બોલ્યો: ‘બેટા! એ તું શું બોલે છે? તારી મા હજુ તો હમણાં જ સ્વર્ગવાસી થઈ છે, તેવી ગુણવાન સ્ત્રીના મરણ પછી પરણવાનું મન કેમ થાય? માટે મારે બીજી સાથે પરણવાની ઇચ્છા નથી.’ તે સાંભળીને પુત્રે પિતાને કહ્યું: ‘પિતાજી! જે ગૃહસ્થનાં ઘરમાં સ્ત્રી ન હોય તે ગૃહસ્થનું ઘર અરણ્યતુલ્ય જાણવું. આ વિષયમાં મૂળદેવે ગાયેલી ગાથા શું તમે સાંભળી નથી? યત્ર ઘનસ્તનજઘના નાસ્તે માર્ગાવલોકિની કાંતા | અજડ: કસ્તદનિગડં પ્રવિશતિ ગૃહસંજ્ઞકં દુર્ગં || ‘જે ગૃહસ્થના ઘરમાં પીન પયોધરવાળી અને ભરાઉ જાંઘવાળી કાંતા દરરોજ માર્ગ ઉપર નજર કરીને પોતાના પતિની વાટ જોેતી ઊભી ન હોય, તેને ઘર નહિ પણ બેડી વગરનું એક કેદખાનું જાણવું અને તે કેદખાનામાં મૂર્ખ સિવાય બીજો કયો મનુષ્ય પ્રવેશ કરે છે?’ માટે પિતાજી! મેં જે સ્ત્રીને પસંદ કરેલી છે તે સિવાયની બીજી સ્ત્રી સાથે તમારે પરણવું પડશે. જો તેમ ન કરો તો તમને મારા સોગન!’ પિતાએ, પુત્રનો આવો આગ્રહ જોઈ, તેનું વચન સ્વીકાર્યું, પછી ચંડસિંહ પોતાના પુત્રની સાથે તે પગલાંને આધારે ધીમે ધીમે આગળ ગયો. જતાં જતાં સરોવરના કિનારા ઉપર તેઓ આવી પહોંચ્યા. આ વખતે મધ્યાહ્ન કાળ થયો હતો, તો પણ આસોપાલવનાં વૃક્ષ નીચે, અંધારાની રાણી ચંદ્રવતીને, મોતીરૂપ પ્રકાશતી મધ્યરાત્રિ જેવી દીસતી હતી. તેની પાસે તેની પુત્રી લાવણ્યવતી, ચોમેર પ્રકાશ કરતી શુદ્ધ સ્વચ્છ ચાંદની જેવી દીપતી હતી. રાજા ચંડસિંહ અને તેનો પુત્ર, તે બન્ને સ્ત્રીઓને જોઈ, ઉત્કંઠિત હૃદયે તેમની પાસે ગયા, એટલે રાણી ચોરની શંકા થવાથી ધૂ્રજતી ધૂ્રજતી ઊભી થઈ. પણ તેની પુત્રી લાવણ્યવતી બોલી: ‘જીજી! તું ડર નહીં, આ કંઈ ચોર નથી, પણ કોઈ સુંદર વેશધારી ઉત્તમ સજ્જનો છે, જે મૃગયા કરવા માટે આવ્યા જણાય છે.’ આ પ્રમાણે પુત્રીએ માતાને કહ્યું, તો પણ રાણીના મનનો ભય ઓછો થયો નહીં. એટલામાં તો રાજા ચંડસિંહ અને સિંહપરાક્રમ, બન્ને જણા ઘોડા ઉપરથી નીચે ઊતર્યા અને ચંડસિંહ બન્નેને કહેવા લાગ્યો, ‘તમે શા માટે ગભરાવ છો? તમારી તરફ અમારો ઘણો પ્રેમ છે, તેને લીધે તમને જોવા આવ્યા છીએ. તમે ધીરજ ધરો, અને કહો કે તમે બે કોણ છો? તમને અમારી તરફથી જરા પણ દુઃખ થશે નહીં. તમે બન્ને જાણે શંકરના નેત્રાજળની જ્વાળાથી બળી ગયેલા કામદેવના દુઃખથી દુઃખી થયેલી રતિ અને પ્રીતિ આ વનમાં આવીને વસી હોય એવી જણાઓ છો. કહો, તમે આ નિર્જન વનમાં કેવી રીતે આવીને વસ્યાં છો? કેમ કે તમારા બન્નેનું સુકુમાર અંગ તો ફક્ત રાજમહેલમાં રહેવાને યોગ્ય છે અને તમારા બન્નેના ચરણ સારી દાસીઓના ખોળામાં રહેવા ઉચિત છે. તે ચરણ આ કાંટા અને કાંકરાવાળી જમીન ઉપર રખડે છે તે જોઈ અમારા મનમાં બહુ ખેદ થાય છે. તમારાં કોમળ અને ગોરાં તથા તડકામાં લાલચોળ થઈ ગયેલાં મુખ ઉપર, પવનથી ઊડીને અતિશય ગરમ સૂર્યનાં કિરણો, તમારા પુષ્પ જેવા કોમળ અંગ ઉપર પડીને તમને બાળે છે, તેથી તમારા અંત:કરણમાં ઘણો જ અફસોસ થાય છે! માટે તમારું વૃત્તાંત સત્વર કહો. આ વનમાં ઘણાં માંસાહારી પશુઓ રહે છે, માટે અમે તમને અહીં એકલાં રહેલાં જોઈ શકતા નથી, પણ અમે તમોને અમારે ઘેર લઈ જવા ઇચ્છીએ છીએ.’ જ્યારે ચંડસિંહે આ પ્રમાણે વિનયવચન કહ્યાં, ત્યારે રાણી, લજ્જા તથા શોકથી આકુળવ્યાકુળ થઈ ગઈ. તે ઊંડો નિઃશ્વાસ મૂકી ધીમે ધીમે તેની આગળ પોતાનું સર્વ વૃત્તાંત કહેવા લાગી. ચંડસિંહે તેના ચરિત્ર ઉપરથી જાણ્યું કે, એનો પતિ મરણ પામ્યો છે; એટલે તેને મધુર મધુર વાણીથી સમજાવી, મા અને દીકરીને રાજી કરી, પોતાને આધીન કરી લીધાં અને બંનેને પોતાના કુટુંબમાં સામેલ થવાને જણાવ્યું. પછી ચંડસિંહ બન્ને ઘોડાની પીઠ ઉપર મા અને દીકરીને બેસાડી, ઘોડેસવાર થઈ, કુબેરની રાજધાની જેવી પોતાની નગરીમાં લઈ ગયો. ચન્દ્રવતી રાણીએ પણ પોતાનો નવો અવતાર થયો એમ માન્યું. કારણ કે તેને જીવવાની જરા પણ આશા નહોતી. વળી તે અનાથ હતી, એટલે તેનું કંઈ પણ ચાલી શકે તેમ નહતું. વળી તે અબળા, વળી નિરાધાર, વળી પરદેશમાં પડેલી, વળી શોકમાં ડૂબેલી, તે શું કરી શકે? રાણી ચન્દ્રવતીએ પરણવા કબૂલ કર્યું. સિંહપરાક્રમ સૂરત પ્રમાણે જેના ટૂંકા પગ હતા તે ચન્દ્રવતી રાણીની સાથે પરણ્યો. ચંડસિંહ મોટા પગવાળી તેની દીકરી સાથે પરણ્યો. કારણ કે બાપદીકરાએ પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી કે મોટા પગવાળી પિતાએ પરણવી અને નાના પગવાળી દીકરાએ પરણવી. સત્યનો અનાદર કોણ કરે છે? આ પ્રમાણે ભુલભુલામણીથી નાના મોટા પગની સરત ઉપરથી-દીકરી હતી તે પિતા સાથે પરણી અને માતા તે પોતાની દીકરીની વહુ થઈ. કેટલોએક વખત ગયા પછી બન્ને જણીઓને દીકરા અને દીકરીઓ થયાં અને તે છોકરાંઓને ઘેર પણ છોકરાઓ, વખત વીતતાં થયાં. આ પ્રમાણે ચંડસિંહ અને સિંહપરાક્રમ બન્ને જણા લાવણ્યવતી અને ચન્દ્રવતીને પરણીને તે જ નગરમાં આનંદમાં દિવસ ગુજારતા હતા. એ પ્રમાણે માર્ગમાં ચાલતાં ત્રિવિક્રમસેન રાજાએ વેતાલે કથા, કહી, રાજાને પૂછ્યું; ‘હવે રાજન્! દીકરી અને માતાને વખત જતાં સારી સંતતિ થઈ તે બાપ દીકરાની સંતતિ હતી. તો તેઓનાં છોકરાંનું સગપણ શું? તે તમે મને કહો. જો જાણવા છતાં પણ તમે નહીં કહો તો તમારા મસ્તકના હજારો કટકેકટકા થઈ જશે.’ વેતાલનો તે પ્રશ્ન સાંભળીને રાજાએ મનમાં તેનો ઘણો વિચાર કીધો, પણ તેને કંઈ પણ જવાબ સૂઝ્યો નહીં, એટલે તે ગૂપચૂપ ચાલ્યો જ ગયો. ત્યારે મડદાના શરીરમાં રહેલો ને ખભા પર પડેલો વેતાલ, હસીને સ્વગત જ બોલવા લાગ્યો, ‘આ પ્રશ્ન ઘણો અટપટો છે. એટલે રાજા સમજી શકતો નથી કે એનો ઉત્તર કેમ આપવો. એ તો તેથી મનમાં ઘણા જ રાજી થઈ મૂગા મૂગા, ઝડપથી પગલાં ભરતા ભરતા ચાલતા જાય છે, પણ એને ખબર નથી કે તેના માથા પર ભયનું વાદળ કેવું છે. આ રાજા મોટો પરાક્રમી છે અને પેલા ભિક્ષુકે આટલા દિવસ સુધી રખડાવ્યો તો પણ તે હાર્યો નથી તો એને હવે હું ઠગી શકીશ નહીં; પણ હવે હું પેલા દુષ્ટાત્મા જતિને છેતરી, તેની સિદ્ધિ આ કલ્યાણકર્તા રાજાને અપાવું તો ઠીક થાય.’ આવો વિચાર કરી, વેતાલે તત્ક્ષણ રાજાને કહ્યું; ‘રાજાજી! તમે રાત્રિમાં અત્યંત ભયંકર સ્મશાનમાં આ પ્રમાણે આવજાવ કરવાથી બહુ બહુ દુઃખ સહન કર્યાં છે. હવે તમે સુખને લાયક થયા છો, એમાં જરા પણ સંદેહ નથી. હું તમારા ધૈર્યથી ઘણો જ પ્રસન્ન થયો છું અને તમારા સંબંધથી હું આશ્ચર્ય ને અદ્ભુતતામાં ગરકાવ થઈ જાઉં છું. તમે આ શબને હવે લઈ જાવ. હું હવે આમાંથી બહાર નીકળી જાઉં છું, પણ તમારા હિતનું એક વચન કહું છું તે તમે સાંભળો અને તેનો અમલ કરજો. તમે જે દુષ્ટ જતિને માટે આ શબ લઈ જાઓ છો, તે આજે આ શરીરમાં મારું આવાહન કરી મને તેડાવીને મારું પૂજન કરશે. પછી તે લુચ્ચો અને મેલા મનનો જતિ તમને કહેશે. હે રાજા! તું બત્રીસ લક્ષણો છે, માટે તારું બલિદાન આપવા તને કહેશે કે,‘મહારાજ! એને તમે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરો.’ ત્યારે ઓ મહાપુરુષ! તમારે જમીન ઉપર સૂઈને પ્રણામ કરવા નહીં, પણ તે જતિને કહેવું કે, ‘તમે મને પ્રથમ કરી બતાવો, પછી હું તે પ્રમાણે કરીશ.’ એટલે તે જતિ જમીન ઉપર પડીને પ્રણામ કરી બતાવશે. પણ જેવો તમને પ્રણામ કરવા તે બતાવવા જાય તેવું જ તમારે તરવારથી તેનું મસ્તક કાપી નાખવું; એટલે પછી તે વિદ્યાધરની ઐશ્વર્યસિદ્ધિ તેણે મેળવવા માટે ઇચ્છી છે, તે સિદ્ધિ તમને પ્રાપ્ત થશે. પછી તે જતિના દેહનું બલિદાન કરી, તમે આ પૃથ્વી ઉપર રાજ્ય કરજો અને પછી વિદ્યાધરની લક્ષ્મી મેળવજો. પરંતુ તમે જો જતિના કહેવા પ્રમાણે કરશો તો તે તમારું બલિદાન આપશે. મેં આટલા દિવસ આ કામમાં વિઘ્ન નાંખ્યું હતું, તેનું કારણ આ જ છે. હવે જાઓ, તે જતિની સિદ્ધિ તમને પ્રાપ્ત થાઓ! જય જય!’ આટલું કહી વેતાલ, વીર ત્રિવિક્રમસેનના ખભા ઉપર રહેલા મડદામાંથી બહાર નીકળીને ચાલ્યો ગયો. ત્યાર પછી રાજા ત્રિવિક્રમસેન, પ્રસન્ન થયેલા વેતાલ પાસેથી, શાંતિશીલ ગોરજીને પોતાનો શત્રુ સમજી, વડવૃક્ષ નીચે જ્યાં ગોરજી મહારાજ બિરાજ્યા હતા ત્યાં મડદું લઈને ખુશી થતો થતો ગયો.

વેતાલ પચ્ચીસમો — શાંતિશીલ ગોરજીની કથા

તે પછી રાજા ત્રિવિક્રમસેન, પોતાના ખભા ઉપર શબને ઉપાડી, શાંતિશીલ ગોરજી જ્યાં સ્મશાનમાં વડવૃક્ષની નીચે અંધારામાં એકલો બેઠો હતો ત્યાં ગયો. કાળીચૌદશનો દિવસ હતો, ચારે તરફ અંધારું હતું. ગોરજી એક ઝાડના મૂળ પાસે બેસી રાજા મડદું લઈ આવે તેની રાહ જોતો હતો. તેણે ધોળા હાડકાંના લોટનું મંડળ પૂર્યું હતું અને ભૂમિને લોહીથી લીંપી હતી તથા તેની ચાર દિશામાં લોહીથી છલેાછલ ભરેલા કળશોની સ્થાપના કરી હતી. તેની વચ્ચોવચ તે બેઠો હતો. એક તરફ મનુષ્ય ચરબીનો દીવો ઝળઝળાટ બળતો હતો, પડખે અગ્નિની સ્થાપના કરી હતી, તેમાં હોમ પણ આપ્યો હતો અને પોતાના ઇષ્ટદેવને જેટલો સામાન જોઈતો હતો, તેટલો સામાન તેણે અહીં એકઠો કરી મૂક્યો હતો. આ પ્રમાણે ગોરજી મહારાજ તૈયારી કરીને બેઠો હતો, એવામાં રાજા શબ લઈને આવ્યો. ગોરજી મહારાજ શબસહિત રાજાને આવતો જોઈ, હર્ષથી ઊભો થયો ને તે રાજાનાં વખાણ કરવા લાગ્યો, ‘મહારાજ! તમે મારા ઉપર એવો ઉપકાર કર્યો છે કે, એવો બીજા કોઈથી થઈ શકે તેમ નથી. તમે જે મોટું સમર્થ કામ, આવી નઠારી જગ્યાએ જઈને, અને આવે કવખતે ઉઠાવી લીધું, તેનો વિચાર જ થાય તેમ નથી. તમે આ પ્રમાણે પોતાના દેહની જરા પણ દરકાર કર્યા વગર નિ:શંકપણે પરોપકાર કરો છો, તેથી જ તમે કુળવંત રાજાઓમાં મુખ્ય ગણાઓ છો તે યોગ્ય જ છે, તેમાં જરા પણ શંકા જેવું છે જ નહીં. જે કાર્ય કરવા માટે વચન આપ્યું તે પ્રાણ જતાં સુધી પણ કરવું જ, એ મોટા લોકોની મહત્તા છે, આમ વિદ્વાનો કહે છે.’ આ પ્રમાણે કહી તે મુંડીઆએ પોતાનો મનોરથ સિદ્ધ થયો માન્યો; અને તે જ વખતે રાજાના ખભા ઉપરથી શબને નીચે ઉતારી લીધું. પછી તેને જળથી સ્નાન કરાવ્યું, તેની ડોકમાં પુષ્પની માળા પહેરાવી, તેના લલાટમાં તિલક કર્યું, અને છેલ્લે જે મંડળ પૂરી રાખ્યું હતું તેમાં તે શબને પધરાવ્યું. પછી ગોરજીએ આખા શરીર પર ભસ્મ ચોળી, નિમાળાનું પવિત્ર જનોઈ કંઠમાં નાંખ્યું, અને મુડદાને ઓઢાડવાનું કપડું અંગ ઉપર ઓઢ્યું; અને એ રીતે કેટલોક સમય સુધી તે ધ્યાન ધરી રહ્યો. પછી તે ગોરજીએ સમાધિનાં મંત્રનો જપ કરીને, મંત્રના બળથી શબમાં વેતાલને તેડ્યો; અને તે પછી પોતે ધ્યાનપુર:સર તે શબની પૂજા કરવા લાગ્યો. તેણે મનુષ્યના માથાની ખોપરીમાં માણસના સફેદ મોતી જેવા દાંતમાંનું લોહી ભરી રાખ્યું હતું. તે નિર્મળ લોહીનું, ચાટવામાં હોમ કરવાનું એક પાત્ર લઈને અર્ઘ્ય આપ્યું; પછી સુગંધી પુષ્પ ચઢાવ્યાં, ચંદન અર્ચ્યું અને મનુષ્યની આંખો બાળીને તેનો ધૂપ કીધો અને છેલ્લે મનુષ્યમાંસનું બલિદાન આપ્યું. આ પ્રમાણે શબની પૂજા થઈ રહ્યા પછી, તેણે પાસે બેઠેલા રાજાને કહ્યું; ‘રાજાજી! અત્ર મંત્રના અધિષ્ઠાતા દેવ પધાર્યા છે, માટે તમે તેને જમીન ઉપર નીચા પડી સાષ્ટાંગ દંડવત્ કરો. એ દેવ વરદાન આપનારા છે, તે તમારી ઇચ્છા પ્રમાણે તમને વરદાન આપશે.’ તે સાંભળતાં જ રાજાને વેતાલનું વચન યાદ આવ્યું. તેણે તે ગોરજીને કહ્યું: ‘મહારાજ! હું પ્રણામ કરવાની રીત જાણતો નથી, માટે પ્રથમ તમે પ્રણામ કરી બતાવો; ત્યાર પછી હું તમારા કહેવા પ્રમાણે જ કરીશ!’ તરત જ તે લોભી ભિક્ષુક જમીન ઉપર લાંબો થઈને રાજાને દંડવત્ પ્રણામ બતાવવાને પડ્યો. તુરત જ રાજાએ તરવાર કાઢી, એક જ ઝટકો મારી તેનું માથું કાપી નાંખ્યું અને તેના પેટને ચીરી તેમાંથી કમળને પણ કાઢી લીધું અને તે મસ્તક અને કમળ બન્નેનું વેતાલને બલિદાન દીધું. તે જોઈ ભૂત પિશાચ વગેરે સર્વે પ્રસન્ન થઈને જય જયના શબ્દો પોકારી નાચવા કૂદવા મંડી પડ્યાં; અને મનુષ્ય શબમાં રહેલો વેતાલ તે રાજા ઉપર પ્રસન્ન થઈને બોલ્યો: ‘રાજા! જે વિદ્યાધરનું પદ આ મુંડીઆને જોઈતું હતું તે પદ, હવે જ્યારે તમે આ પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય ભોગવી રહેશો, ત્યારે તમને પ્રાપ્ત થશે, મેં તમને માર્ગમાં બહુ બહુ દુઃખ આપ્યું છે, તો હવે તમે મારી પાસેથી કંઈ ઇચ્છિત વરદાન માંગી લો.’ વેતાલનું આવું વચન સાંભળી રાજા બોલ્યો: ‘તમે મારા પર પ્રસન્ન થયા, એટલે જ હવે મને સર્વ વરદાન પ્રાપ્ત થઈ ચૂક્યાં છે અને મારા સર્વ મનોરથો પૂર્ણતાને પામ્યા છે. તો પણ તમારું વચન ફોકટ ન જવા દેવું જોઈએ એમ ધારી હું તમારી પાસેથી આટલું વરદાન માગું છું કે તમારા પૂછેલા ચોવીસ પ્રશ્નોત્તર અને તેમાંની અતિ મનહર આખ્યાનવાળી ચોવીસ કથાઓ, અને છેવટની પચ્ચીસમી આ કથા, આ જગતમાં પ્રખ્યાતિ અને માનને પામો!’ જ્યારે રાજાએ આ પ્રમાણે વેતાલ પાસેથી વરદાન માગ્યું ત્યારે તે બોલ્યો: ‘જાઓ, એમ જ થશે! હું કહું છું તે સાંભળો રાજા. આ ચોવીસ કથાઓ જે આરંભમાં છે તે અને છેવટની આ પચીસમી કથા એ વેતાલ પંચવિશીના નામથી જગતમાં પ્રખ્યાત થઈ બહુ માન પામશે. જે કોઈ એ કથા સાંભળશે તેનું કલ્યાણ થશે. જે કોઈ મનુષ્ય આદરથી આ ‘વેતાલ પંચવિશી’નું, એક પણ વાક્ય કોઈ બીજાને સંભળાવશે ત્યાં યક્ષો, વેતાલ, કુષ્માંડ, ડાકિની અને રાક્ષસો વગેરે પોતાનું પરાક્રમ બતાવી શકશે નહીં, પણ ત્યાંથી નાસી જશે.’ આ પ્રમાણે કહી વેતાલ તે મનુષ્યના શબમાંથી બહાર નીકળી ગયો ને પોતાની ઇચ્છાનુસાર યોગમાયાના પ્રભાવથી પોતાના સ્થાનક તરફ ચાલતો થયો. પછી મહાદેવજી ત્રિવિક્રમસેન ઉપર પ્રસન્ન થયા અને દેવગણોને સાથે લઈ રાજાની સમીપમાં આવી ઊભા રહ્યા. રાજાએ મહાદેવને પ્રણામ કર્યાં. પછી મહાદેવે તે રાજાને કહ્યું: ‘બેટા! તેં તે દુષ્ટને મારી નાંખ્યો, તે બહુ જ સારું કર્યું છે, કારણ કે તેને ચક્રવર્તીપદ મેળવવાની ઘણી અભિલાષા હતી અને તે પદ પ્રાપ્ત કરવા માટે તે ઘણો જ દુરાચારી હતો. કામણટુમણથી લોકોને દુઃખ આપનારા દુષ્ટોને શિક્ષા કરવા માટે તું નવો વીર ત્રિવિક્રમસેન ઉત્પન્ન થયો છે. તારી આગળ સર્વ કોઈ વિનીત થઈને વર્તશે. હવે તું દીપ તથા પાતાળ સહિત આખી પૃથ્વીને તારે તાબે કરી, થોડા સમયમાં વિદ્યાધરનો રાજા થઈશ. ત્યાં બહુ કાળપર્યંત દેવતાઈ ભોગો ભોગવ્યા પછી તને વૈરાગ્ય આપશે, એટલે તું તે સઘળા વૈભવોનો અનાદર કરી, છેવટે મારી સમીપમાં આવીને રહીશ. હું તને ‘અપરાજિત’ નામની એક તરવાર આપું છું તે તું લે. આ તરવારના પ્રતાપથી મેં જે કહ્યું છે તે પ્રમાણે, મારી કૃપાથી તું સર્વ મેળવી શકીશ. આ પ્રમાણે કહી તે રાજાને તે અનુપમ તરવાર મહાદેવે આપી અને ત્રિવિક્રમસેને વાણીરૂપ પુષ્પોથી મહાદેવજીને વધાવી લીધા, એટલે તે તત્ક્ષણે અંતર્ધાન થઈ ગયા. એ સઘળું કામ સમાપ્ત થયું ત્યાં તો રાત્રિ પણ વીતી ગઈ ને પ્રભાત થયું, પછી રાજા ત્રિવિક્રમસેન પ્રતિષ્ઠાનપુરમાં આવ્યો અને પોતાના મંત્રીઓને ભેળા કરી, આદિથી અંતપર્યત, રાત્રિમાં જે જે ચરિત્રો થયાં હતાં, તે સર્વ કહી સંભળાવ્યાં. તે સાંભળી કાર્યભારીમંડળ મનમાં બહુ આશ્ચર્ય પામ્યું અને તેઓએ સ્નાનદાન કરવામાં ને શંકરનું પૂજન કરવામાં મોટો ઉત્સવ કર્યો. તેમ જ નૃત્ય ગીત વાદિત્ર-ઢોલ નગારાં વગેરે વગડાવ્યાં, આખી પ્રજામાં હર્ષાનંદ ફેલાવી દીધો. પછી તે રાજાએ થોડા દિવસમાં શંકરની તરવારના પ્રતાપથી દ્વીપ ને પાતાળ સહિત આખી પૃથ્વી ઉપર, શત્રુરહિત ચક્રવર્તી રાજ્ય કરવા માંડ્યું. છેલ્લે શંકરની આજ્ઞાથી વિદ્યાધરની મોટી રાજ્યલક્ષ્મી મેળવી, બહુ કાળપર્યર્ંત તેનો ઉપભોગ કરી, છેવટે કૃતકૃત્ય થઈ-સર્વ મનોરથો પૂર્ણ કરી કૈલાસભવનમાં શંકર સમીપ જઈને રહ્યો.

તારાવલોકની કથા

પૂર્વકાળમાં શિવી નામના દેશમાં ચંદ્રાવલોક નામનો એક મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું કુળ (એટલે વંશ અને કુળ એટલે કિનારો) તે ક્ષીરસાગર જેવું નિર્મળ હતું. તે સાધ્વી વર્તનમાં બીજી ગંગાજી જેવી શુદ્ધ હતી. ચંદ્રાવલોક રાજા પાસે શત્રુઓનો પરાજય કરવામાં મહાસમર્થ એવો કુવલયાપીડ નામનો એક હાથી હતો. આ હાથીના યોગે તે રાજાને કોઈ પણ શત્રુ તેને પરાભવ પમાડી શકતો નહીં. તેની પ્રજા સર્વ વાતે સુખી હતી. જ્યારે તે રાજાની વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહી, ત્યારે તેને ત્યાં, ચંદ્રલેખા રાણીની કૂખે, સર્વ લક્ષણોથી સંપૂર્ણ એવો એક પુત્ર અવતર્યો, રાજાએ તે પુત્રનું નામ તારાવલોક પાડ્યું. જેમ જેમ તે કુંવર ઉમરે વૃદ્ધિ પામતો ગયો, તેમ તેમ જન્મથી જ સાથે આવેલા એવા તેના ગુણો પરાર્થ-પરમાર્થ, આત્મસંયમન ને વિવેકવિચાર પણ વૃદ્ધિ પામતા ગયા. તે મહાત્મા, એક શબ્દ વગર સર્વ વિદ્યામાં પારંગત થયો અને તે એટલો બધો તો ઉદાર ચિત્તનો હતો કે, માત્ર ‘નકાર’ શબ્દ જ શિખ્યો નહોતો. વખત વીતતાં તે કર્મમાં વૃદ્ધ જેવો જણાયો, પણ વયમાં તરુણ જ રહ્યો! અગર જો તે પરાક્રમમાં સૂર્યસમાન તેજસ્વી હતો, પણ આકૃતિમાં સોમ, સોમ એટલે ચંદ્ર ને સોમ એટલે બીજાને આનંદ આપનાર સમાન શોભતો હતો. પૂૂણિર્માના ચંદ્રપેરે તે પૂર્ણ કળાથી પ્રકાશતો હતો; કામદેવની માફક સર્વ જગતને પોતાનાં દર્શનથી વિહ્વળ બનાવી મૂકતો હતો; પિતાની આજ્ઞા પાળવામાં તેણે જીમૂતવાહનો પરાજય કીધો હતો; અને તેના અંગમાં ચક્રવર્તીનાં સર્વે સંપૂર્ણ ચિહ્નો પ્રત્યક્ષ દર્શન દેતાં હતાં. તે કુંવર વયે આવ્યો ત્યારે તેના પિતા ચંદ્રાવલોક, મદ્રદેશના રાજાની કુંવરી માદ્રીને લઈ આવ્યા ને તેનાં તારાવલોક સાથે લગ્ન કીધાં. પરણ્યા પછી તુરત જ, ચંદ્રાવલોકે પોતાના પુત્રના ઉત્તમ ગુણો નિહાળીને તેનો યુવરાજ પદપર પટાભિષેક કીધો. જ્યારે તારાવલોકને યુવરાજ કીધો, ત્યારે તેણે પોતાના પિતાની આજ્ઞાથી, ગરીબગુરબાંઓને માટે અન્નક્ષેત્રો બાંધ્યાં. તે દરરોજ જેવો પ્રભાતમાં ઊઠતો તેવો જ કુવલયાપીડ હાથી પર બેસીને આ અન્નક્ષેત્રો જોવાને જતો હતો. તેની પાસે હરકોઈ મનુષ્ય જે કંઈ માંગવા આવતો, તે આપવાને તે તત્પર રહેતો હતો. કોઈ મસ્તક માગનાર આવે તો તે પણ આપવાની તે ના પાડતો નહીં. આ રીતે યુવરાજ તારાવલોકની કીર્તિ દશે દિશામાં ગાજી રહી. કેટલોક સમય જતાં તેની રાણી માદ્રીએ બે જોડ પુત્રોને જન્મ આપ્યો. આ બન્ને કુમારોનું નામ તેણે રામ અને લક્ષ્મણ પાડ્યું. આ બંને કુમારો માતાપિતાના પ્રેમ અને આનંદ માફક મોટા થયા. તે બંને કુમારો તેના દાદાદાદીને તો પ્રાણ કરતાં અધિક પ્રિય હતા અને તારાવલોક ને માદ્રી જેના ઉપર દોરી કસેલી છે એવા ધનુષ જેવા ગુણવંત ગુણવાળા, ધનુષની દોરીવાળા તે બંને કુમારોનું વદનકમળ નિહાળતાં તેઓ કદી પણ ધરાતાં નહોતાં. આવો તારાવલોકનો પ્રતાપ નિહાળી, તેના શત્રુઓનાં કાળજાં બળવા લાગ્યાં. તેનો કુવલયાપીડ હાથી, તેના બે પ્રતાપી પુત્રો ને તેનું દાનવીરપણું એ સર્વ જોઈને, તેઓએ છળપ્રપંચ કરવો ધાર્યો. તેઓએ પોતાના બ્રાહ્મણોને બોલાવીને કહ્યું; ‘તમો તારાવલોક પાસે જાઓ ને તેના કુવલયાપીડ હાથીની માંગણી કરો. જો તે તમોને આપશે તો પછી અમો તેને તેના રાજ્ય પરથી ઢોળી પાડીશું. કેમ કે તેના પરાક્રમનું મૂળ તે છે! તે બળી ગયા પછી તે અસમર્થ થઈ પડશે અને જો તે ના પાડશે તો તેના દાનવીરપણાને લાજ લાગશે!’ શત્રુઓએ, આ પ્રમાણે તે બ્રાહ્મણોને સમજાવ્યા, ત્યારે તેઓ તેમ કરવાને તત્પર થયા; અને તેઓએ તારાવલોક જે મહા દાનવીર હતો, તેની પાસે જઈને કુવલયાપીડની યાચના કીધી. તારાવલોક મનમાં બોલ્યો, ‘આ બ્રાહ્મણોને આ મદમત્ત હાથીની શી ગરજ છે? પણ હું ધારું છું કે, એ કોઈ બીજાના પ્રેરેલા પ્રણિધિઓના સેવક, પ્રણિધિ એટલે દૂત-જાસુસ છે. પણ ગમે તે થાઓ. હું એઓને મારો સર્વોત્તમ હાથી દાનમાં આપીશ! મારા જીવતાં આ યાચકોને તેઓની ઇચ્છા પૂર્ણ કર્યા વગર કેમ પાછા વાળું?’ આ પ્રમાણે વિચાર કરીને તારાવલોકે યાચકવૃત્તિ દર્શાવનારા તે બાહ્મણોને પોતાનો પૂર્ણ પ્રતાપી હાથી દાનમાં આપી દીધો! પણ જ્યારે ચંદ્રાવલોકની પ્રજાએ જાણ્યું કે અતિ પરાક્રમી હાથીનું દાન, યુવરાજે બ્રાહ્મણોને કરી દીધું છે, ત્યારે તેઓ ઘણા ગુસ્સે થઈ ગયા. તેઓ રાજા પાસે જઈને બોલ્યા, ‘મહારાજ! હવે આપણા કુમારે આ રાજ્યત્યાગ કરવો જોઈએ! તેઓએ પોતાના સર્વે હકો છોડી દઈ, જાણે સંન્યસ્ત લેવાના હોય એવું આચરણ કીધું છે, એ શું, જુઓ તો ખરા, તેઓએ કોઈ ભામટા જેવા યાચકોને આપણો અતિ ઉત્તમ કુવલયાપીડ હાથી, જે આપણી રાજ્યલક્ષ્મીનું મૂળ અને બીજા મદોન્મત્ત હાથીઓનો પરાજય કરવામાં બહુ પરાક્રમી હતો, તેનું દાન કરી દીધું! આપની ઇચ્છામાં આવે તો કુંવરજીને આપ તપોવનમાં તપ કરવા મોકલો; અથવા તો હાથીને પાછો લઈ લો. તેમ નહીં કરશો તો અમે આ આસન પર બીજો રાજા બેસાડીશું!’ પ્રાચીન કાળમાં રાજા પ્રજાને અધીન હતા, પણ સ્વતંત્ર ને મનસ્વી કાર્ય કરનારા ન હતા, એમ આ પરથી જણાય છે. નાગરિકોએ આ પ્રમાણે ચંદ્રાવલોકને વિનંતિ કીધી, ત્યારે તેણે પ્રતિહાર દ્વારા આ સંદેશો પોતાના કુંવરને જણાવ્યો. ત્યારે તારાવલોકે તે સંદેશો સાંભળ્યો. પછી તે બોલ્યો; ‘હાથી તો મેં યાચકોને દાનમાં આપી દીધો છે! તે પાછો ન જ લેવાય. મારો નિયમ છે, કે મારી આગળથી કોઈ પણ યાચક વિમુખ જાય નહીં, પણ પ્રજાની ઇચ્છા ઉપર જ આધાર રાખે એવા આ રાજઘાટની મને શી દરકાર છે? અને રાજલક્ષ્મી, જે બીજાના ઉપયોગમાં આવતી નથી, વળી જે વીજળી જેવી ચંચળ છે, તેની પણ મને શું દરકાર છે? આ પશુ સમાન સ્વાર્થી પ્રજામાં રહેવું તેના કરતાં વનમાં વૃક્ષો, જે પોતાનાં ફૂલ ને ફળો સર્વને પરાર્થે અર્પણ કરે છે તેવા વનમાં જઈ રહેવું એ વધારે સારું છે!’ આ પ્રમાણે ઉત્તર કહાવી તારાવલોકે વલ્કલ વસ્ત્ર ધારણ કીધાં. પછી પોતાના પિતાના ચરણમાં પ્રણામ કરી, પોતાની સર્વે સંપત્તિ યાચકોને દાનમાં આપી દીધી. તેની પોતાની સ્ત્રી, જે પણ તેની સાથે વનમાં જવાને તત્પર હતી તેને તથા બે કુમારોને સાથે લઈને, તે પછી નગર બહાર નીકળ્યો. પોતાના પુત્રોને તેણે ધીરજ આપી. તેને જતો જોઈ નગરના બ્રાહ્મણો રડવા લાગ્યા. તેઓને પણ તેણે શાંત કીધા. પશુપક્ષીઓ પણ તેના આ રાજ્યત્યાગથી રડવા લાગ્યાં. પૃથ્વી પણ એવા પ્રકારે જણાઈ કે, તે જાણે અશ્રુનો વરસાદ વરસાવતી હોય. તારાવલોક વન તરફ ચાલ્યો. તેની પાસે બીજું કંઈ નહોતું, માત્ર એક રથ ને બે ઘોડા જ! વનમાર્ગમાં થોડેક તે ગયો કે એક બ્રાહ્મણે આવીને તેની પાસેથી તે રથના ઘોડાની યાચના કીધી! તત્ક્ષણે તે અશ્વો તે વાચકોને તેણે દાનમાં આપી દીધા. પછી પોતાની સ્ત્રીની સહાયથી, બે બાળકોના સંરક્ષણ માટે, તપોવનમાં જતાં જતાં પોતે જાતે તે રથ ખેંચવા લાગ્યો. વનમાર્ગમાં થોડેક તે ગયો કે એક બ્રાહ્મણે આવીને તેની પાસેથી તે રથની યાચના કીધી! કંઈ પણ સંકોચ વગર તત્ક્ષણે તેણે તે રથ પણ દાનમાં આપી દીધો. તે એક નિશ્ચયવાન્ મહાત્મા, પોતાની સ્ત્રી તથા બાળક સાથે મહાકષ્ટે પગપાળો તપોવનમાં જઈ પહોંચ્યો. ત્યાં જઈને એક વિશાળ વૃક્ષ નીચે ચર્મ બીછાવીને તેણે વિશ્રામ કીધો. તે સમય ઉપર, તેની સ્ત્રી માદ્રી, તેની સેવામાં એકનિષ્ઠ થઈને ઊભી રહી. તે મહાશય કુંવર, તે વનમાં રાજ્ય કરવા લાગ્યો! અને તે જ તપોવનમાં એકનિષ્ઠાથી તપ કરવા માંડ્યું. પવનથી આમતેમ આન્દોલન કરી રહેલી પુષ્પમંજરી તેના સુંદર ચમ્મરોનું કામ કરતી હતી; ઘટ્ટ છાયાવાળા વૃક્ષનાં પત્રો, છત્રનું કામ સારતાં હતાં; પાંદડાં તે શય્યા હતી; શિલા તે તેનું સિંહાસન હતું; ભ્રમરીઓ તેની ગાનારી દાસીઓ હતી અને નાના પ્રકારનાં ફળો તે તેનું સુરસ સ્વાદિષ્ટ ભોજન હતું. એક દિવસે તેની સ્ત્રી માદ્રી તે આશ્રમ છોડીને વનમાં ફળફૂલ લેવાને ગઈ હતી. તેવામાં એક વૃદ્ધ બ્રાહ્મણ તારાવલોકની પાસે તેની પર્ણકુટીમાં આવ્યો અને કહ્યું કે મને તમારા પુત્રો રામ અને લક્ષ્મણ દાનમાં આપો! તારાવલોકે પોતાના મન સાથે વિચાર કર્યો કે, નિ:શંક, લુચ્ચું દૈવ મારા ધૈર્યની કસોટી કસે છે, એમાં કંઈ પણ સંદેહ નથી! હું મારા બે બાળકુંવરો, જે મને પ્રાણ સમાન વહાલા છે, તેને કેમ આપી શકીશ? ચિંતા નહીં, હું એને દાનમાં આપીશ ને એના વિરહનો શોક વેઠીશ, પણ મારી આગળથી યાચક વિમુખ જાય, તે મારાથી કદી પણ ખમાશે નહીં!’ આમ વિચાર કરી, બે પુત્રોનું દાન કરી દીધું. બ્રાહ્મણે તુરત જ તેણે જવાનો પ્રયત્ન કીધો, ત્યારે તે બંને બાળકો સામા થયાં. આથી કોપાયમાન થઈ તે બ્રાહ્મણે તે બંને કુંવરને હાથે પગે સજ્જડ બાંધ્યા. પછી સારી રીતે સોટીથી ઝાપટ્યા! તે બંને બાળકો પુષ્કળ અશ્રુ પાડતા પોતાના પિતાના મુખ તરફ જોતા હતા અને ‘ઓ મા! ઓ મા!’ એમ બૂમ પાડતા હતા, તેના તરફ કંઈ પણ દયા આણ્યા વગર, તે નિર્દય બ્રાહ્મણ તે બંનેને ઘસડી ગયો. આવી રીતની બાળકોની સ્થિતિ જોઈ, તો પણ તારાવલોક દૃઢ મનનો રહ્યો; તે જરા પણ ડગ્યો નહીં! સ્થાવર કે જંગમ સર્વ પ્રાણી તારાવલોકની દૃઢતા જોઈને ને તેના નસીબનો આવો વિલક્ષણ ચકરાવો જોઈને કેવળ ગદ્ગદિત થઈ ગયાં. પતિવ્રતા માદ્રી જ્યારે ફળફૂલ લઈને વનમાંથી પોતાના સ્વામીના આશ્રમમાં પાછી ફરી; અને જ્યારે તેણે પોતાના પતિને શોકભરિત વદને નીચી નજરે ભૂમિ તરફ નિહાળતા જોયા, અને પોતાના બાળકનાં રમકડાં, હાથી, ઘોડા, રથ અહિંયાં તહિંયાં પડેલાં જોયાં, પણ બાળકોને કેથે પણ જોયા નહિ, ત્યારે તે ઘણી ગભરાઈ ગઈ, તેનું હૃદય શોકથી છિન્નભિન્ન થઈ ગયું. તે એકદમ બૂમ પાડી ઊઠી કે, ‘અફસોસ! હું મરી ગઈ! મારા બંને બાળકો ક્યાં છે, હે નાથ!’ ત્યારે તેના પતિએ દૃઢ મને ને શાંતચિત્તે કહ્યું, ‘હે નિર્દોષી! હમણાં એક વૃદ્ધ રાંક બ્રાહ્મણ અહીંયા આવ્યો હતો, તેની યાચના પરથી આપણાં બંને બાળકો તેને મેં દાનમાં આપી દીધાં છે!’ જ્યારે તે સુશીલ સુંદરીએ પોતાના સ્વામીના મુખથી આવી વાણી સાંભળી, ત્યારે તો તે શોક અરિનો ત્યાગ કરી, હર્ષભરી, જરી ન ડરી, સાધ્વી નરી, સુંદરી બેઠી થઈ, અને પોતાના સ્વામી પ્રત્યે બોલી; ‘એ તો આપે બહુ યોગ્ય કીધું! આપ યાચકને વિમુખ શી રીતે કાઢી શકો?’ તેણીનું આ પ્રમાણે બોલવું સાંભળીને અને તે દંપતીનું સમાન પરાક્રમ નિહાળીને શેષનાગ સળક્યો, ઇંદ્રાસન ડોલ્યું! ઇંદ્રે પોતાની યોગવિદ્યાના પ્રભાવથી જોયું તો જણાયું કે, માદ્રી અને તારાવલોકની દાનવીરતાથી પૃથ્વી કંપે છે. એટલે તેણે પણ તેની પરીક્ષા લેવા માટે, એક બ્રાહ્મણનું રૂપ ધારણ કીધું અને તારાવલોકના મઠમાં જઈને તેની પાસે, તેની સ્ત્રી માદ્રીની યાચના કીધી! તારાવલોક, જરા પણ આનાકાની વગર જળ મૂકી સંકલ્પ કરીને પોતાની સ્ત્રીનું દાન કરવા તૈયાર થયો અને જે સુશીલ સુંદરી, આ વનમાં તેના સુખદુઃખની સાથી હતી તેને, જરા પણ સંકોચ વગર આપી દેવાને ઉત્કંઠિત થયો. બ્રાહ્મણના સ્વરૂપમાં ગુપ્ત રહેલા ઇંદ્રે કહ્યું, ‘રાજષિર્! આવી સદ્ગુણસંપન્ન સ્ત્રીનું દાન કરવામાં તારી શી ઇચ્છા છે વારુ?’ તારાવલોક બોલ્યો, ‘બ્રાહ્મણ! મારી કંઈ પણ ઇચ્છા નથી. હું એટલું જ ઇચ્છું છું કે, બ્રાહ્મણો આવીને મારી જિંદગી પણ માગે તો તે આપવા હું તૈયાર થાઉં!’ આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી, ઇંદ્ર જે બ્રાહ્મણના રૂપમાં ગુપ્ત રહ્યો હતો તેણે, પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યું અને કહ્યું, ‘મેં તારી કસોટી કસી છે ને તેમાં હું સંતોષ પામ્યો છું, માટે હવે તને કહું છું કે, તારે કદી પણ તારી આ સદ્ગુણી સ્ત્રીનું દાન કોઈને કરવું નહીં. આનંદ કર! હવે તું થોડા વરસમાં વિદ્યાધરોનો ચક્રવર્તી રાજા થશે.’ આ પ્રમાણે કહીને ઇંદ્ર અદૃશ્ય થઈ ગયો. આ અરસામાં જે વૃદ્ધ બ્રાહ્મણ તારાવલોકનાં બે બાળકોને દક્ષિણામાં લઈ ગયો હતો, તે માર્ગ ભૂલવાથી, નસીબના યોગે, ચંદ્રાવલોકની રાજધાનીમાં જઈ ચઢ્યો અને બજારમાં તે બે બાળકોને વેચવા મૂક્યાં. નગરજનોએ તુરત જ બંને બાળકોને ઓળખી કાઢ્યાં, એટલે તેઓએ ચંદ્રાવલોક મહારાજ પાસે જઈને તે વાત નિવેદન કીધી અને તે બ્રાહ્મણ તથા બંને કુમારોને રાજા પાસે લઈ ગયા. રાજાએ જેવા પૌત્રોને જોયા કે તેની આંખમાંથી દડદડ અશ્રુ વહી ચાલ્યાં; અને તે બ્રાહ્મણને સર્વ વાર્તા પૂછી અને જ્યારે તેણે સત્ય હકીકત જાણી, ત્યારે તે હર્ષ અને શોકની મધ્યે તરવા લાગ્યો! પોતાના પુત્રનો અલૌકિક સદ્ગુણ જાણી, તેનો પણ રાજ્યપથ પરથી મોહ ઊઠી ગયો. તેની પ્રજાએ તેને રાજ્ય છોડવાને ઘણીએ ના પાડી, પણ તે એકનો બે થયો નહીં. પેલા બ્રાહ્મણ પાસેથી તે બંને કુમારોને લઈને તેને પુષ્કળ ધન આપ્યું, અને તે બંને બાળક સાથે, તારાવલોકના વનાશ્રમ તરફ તે ચાલતો થયો! વનમાં તે જટાધારી, વલ્કલધારી ને આશાગત આશાવાળા અને ચારે દિશામાંથી આવેલા દ્વિજો એક પક્ષે બ્રાહ્મણ ને બીજે પક્ષે પક્ષી. જે વૃક્ષના ફળના પરોપકારથી પોતાનું જીવન ચલાવે છે તેના જેવા, જટાધારી, વલ્કલવાળા, આશાગત ને દ્વિજના કલ્યાણ માટે જ જેણે સર્વસ્વ અર્પણ કરેલું છે તેવા પોતાના પુત્ર તારાવલોકને દીઠો. તુરત જ તારાવલોક ઊઠ્યો ને દોડી જઈ પિતાના ચરણમાં પ્રણામ કીધા. જ્યારે તેના પિતાએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો, તે પછી ચંદ્રાવલોકના નેત્રમાંથી અશ્રુ વહી ચાલ્યાં, ત્યારે તે અશ્રુથી તારાવલોક નાહી વળ્યો; એ જાણે તેને વિદ્યાધરના ચક્રવર્તીનો પવિત્ર જળથી અભિષેક થયો હોય તેમ જણાતું હતું. પછી રાજા ચંદ્રાવલોકે, તારાવલોકને તેના બે પુત્ર-રામ અને લક્ષ્મણ — પાછા સોંપ્યા ને જણાવ્યું કે, એ બન્ને બાળકને માટે પુષ્કળ ધન આપ્યું છે. વનમાં બેઠેલો પિતા પુત્ર પોતપોતાના પરાક્રમની વાતો કરતા હતા, તેવામાં આકાશમાંથી ચાર દાંતવાળા એક હાથી પર બિરાજમાન થયેલી દેવી લક્ષ્મી ત્યાં પધારી, તેમ જ તેની સાથે બીજા વિદ્યાધરો પણ ગગનમાંથી ઊતરી આવ્યા. જેના હાથમાં કમળ છે એવાં લક્ષ્મીજીએ તારાવલોકને કહ્યું, ‘આ તારા હાથી પર તું સ્વાર થા અને વિદ્યાધરના લોકમાં ચાલ અને તે તારા દાન પ્રભાવથી જે દિવ્ય પદવી પ્રાપ્ત કીધી છે, તેના ભોગ ભોગવ!’ દેવી લક્ષ્મીજીએ આ પ્રમાણે કહ્યું કે તુરત તારાવલોક પોતાના પિતાના ચરણમાં પડ્યો, અને તેમના આશીર્વાદ લઈને, તે દેવાંશી હાથી પર સ્વાર થયો અને પોતાના પુત્ર તથા સ્ત્રી સહિત, આશ્રમવાસીઓની સમક્ષ, સર્વે વિદ્યાધરોની વચ્ચે, આકાશમાં ઊડી ગયો! ત્યાં જતાં જ તેને વિદ્યાધરોની સર્વ માયિકવિદ્યા પ્રાપ્ત થઈ ગઈ, તેણે ત્યાં રહી વિદ્યાધરોના અલૌકિક સુખો ભોગવ્યાં હતાં; પણ અંતે આ સંસારના સર્વે ઉપભોગપર તેને અરુચિ થઈ, એટલે પાછો તે વનમાં જઈને તપ કરવા લાગ્યો.

વિદૂષકની કથા

ભૂમંડળમાં વિખ્યાત જે આ ઉજ્જયિની પુરી છે, તેમાં આદિત્યસેન નામનો એક રાજા હતો. પોતે ચક્રવર્તી હોવાથી સૂર્યની પેઠે તે પ્રતાપી રાજાના રથની ગતિ ક્યાંય રોકાતી નહીં, જ્યારે બરફ સરખું શ્વેત તથા ઊંચું તેનું છત્ર પ્રકાશતું ત્યારે ઉષ્મારહિત રાજાઓનાં છત્રો નિવૃત્તિ પામતાં હતાં. જળનો ખજાનો જેમ સાગર છે, તેમ આખી પૃથ્વીની સપાટી ઉપર થયેલાં રત્નો એ રાજા પાસે હતાં. તે રાજા, એક દિવસ કોઈ એક કારણસર મુસાફરી કરવા ગયો. ત્યાં સૈન્ય સહિત ગંગાજીનાં કિનારા ઉપર ઉતારો કર્યો. તે દેશનો રહીશ કોઈ ગુણવર્મા નામનો ધનિક રાજા પાસે રત્ન સરખી કન્યાનું નજરાણું લઈ આવ્યો. તે બોલ્યો, ‘હે રાજન્! આ કન્યા ત્રિભુવનમાં રત્ન સરખી છે, તે મારે ઘેર જન્મી છે; તે બીજે ઠેકાણે દેવાય તેમ નથી. એને લાયક તો આપ જ છો.’ એવું પ્રતિહાર મારફતે કહેવરાવી પોતે રાજા પાસે આવી પોતાની કન્યા રાજાને દેખાડી. કાંતિથી દિશાઓને શોભાવનારી, કામદેવના મંગળ ઘરના રત્નદીપથી શિખા સરખી, તેજસ્વતી નામની તે કન્યાને જોઈ, તેની કાંતિ અને તેજે સ્પર્શ કરાયેલો રાજા સ્નેહમય દૃષ્ટિથી એકીટસે તેને જોવા લાગ્યો. કામાગ્નિથી તપેલો, પસીનો વળવાથી તે રાજા પિગળી ગયો. પટરાણીના પદને લાયક એ કન્યાનું માગું સ્વીકારી સંતોષ પામી, ગુણવર્માને પોતાના સમાન કર્યો. તે પછી તેજસ્વતી સાથે લગ્ન કરી કૃતાર્થ પામનારો રાજા, તેની સાથે ઉજ્જયિનીમાં ગયો. ત્યાં રાજા તેના મુખ સામી ચાતક પેરે દૃષ્ટિ રાખી એવો તો તેમાં તલ્લીન થઈ ગયો કે, મોટાં મોટાં રાજપ્રજાના પોકારો તેના કાનનું વલણ પોતા તરફ કરી જ શક્યા નહિ. તે રાજા ઘણી વાર લગી અંત:પુરમાંથી નીકળ્યો નહિ, પણ શત્રુ વર્ગના હૃદયથી તેની પીડાનો જ્વર નિકળી ગયો. કાળે કરી તે રાજાની તેજસ્વતી રાણીને પેટે એક ઉત્તમ કન્યા જન્મી, અને તેની બુદ્ધિમાં દેશ જિતવાની પણ ઇચ્છા પ્રગટ થઈ. હવે એક દિવસ એક સામંત ગવિર્ષ્ટ થઈ ગયો હતો, તેને જિતવા આદિત્યસેન રાજા ઉજ્જયિનીથી નીકળ્યો. સૈન્યની અધિદેવતા સરખી હાથણી ઉપર બેઠેલી તેજસ્વતી રાણીને તેણે સાથે લીધી અને રાજા ગર્વથી ઉત્પન્ન થયેલા સ્વેદનાં ઝરણાં જેને ઝરે છે એવો શ્રીવૃક્ષસહિત સારી મેખલાવાળા, જંગમ પર્વત સરખા ઊંચા ઘોડા પર સ્વાર થયો. ગલોફાં સુધી ઊંચા ઉપડેલાં પગથી પોતા સરખો વેગ ધારણ કરનાર ગરુડની ગતિનો અભ્યાસ કરતો હોય અને ધીર દૃષ્ટિથી ગરદન ઉંચી કરી મારા વેગ આગળ આ પૃથ્વી શું હિસાબમાં છે’એમ ધારતો હોય, એવા ઘોડા ઉપર સ્વાર થઈ તે થોડું આગળ ચાલ્યો કે સપાટ જમીન આવી. ત્યાં તેજસ્વતી રાણીને વેગ દેખાડવા ઘોડાને ચાંપ્યો. રાજાની પાનીના પ્રહારથી તે ઘોડો યંત્રમાંથી નીકળેલાં બાણની માફક મનુષ્યનાં નેત્રોથી ન જોઈ શકાય એટલા વેગથી અતિ દૂર ક્યાંય દોડ્યો ગયો. એ જોઈ સૈન્ય વિહ્વળ થઈ ગયું. તેની પૂંઠે હજારો ઘોડેસ્વારો દોડ્યા પણ રાજાનો ઘોડો ક્યાંય જોવામાં આવ્યો નહીં. તે પછી સૈન્ય સહિત કાર્યભારીઓ, અનિષ્ટની આશંકા કરતી રડતી રાણીને લઈ પાછા ઉજ્જયિનીમાં આવ્યા. ત્યાં દરવાજા બંધ કરી કિલ્લાનું રક્ષણ કરી, પ્રજાનું આશ્વાસન કરી, રાજાની ખબર અંતર ચોમેરથી મેળવવા લાગ્યાં. એટલા વખતમાં તે વેગવંત ઘોડો, તે રાજાને, ભયંકર સિંહોને ફરવાના વંધ્યિના જંગલમાં લઈ ગયો. ત્યાં દૈવયોગથી ઘોડો ઊભો રહ્યો. ત્યાં એક મોટું જંગલ જોઈ દિગ્મૂઢ થયેલો તે રાજા વિહ્વળ અને આકુળવ્યાકુળ થઈ ગયો. બીજી કોઈ હવે ગતિ નથી, એમ વિચારી તે ઘોડા ઉપરથી ઊતરી, ઘોડાની જાત પારખનારા રાજાએ તે ઉત્તમ ઘોડાને પ્રણામ કર્યા. અને કહ્યું કે, ‘હે અશ્વરાજ! તું દેવ છે. તારા જેવાને પોતાનાં ધણીનો દ્રોહ કરવો ઘટારત નથી, તો હવે તું જ મારું શરણ છે, હવે મને શુભ માર્ગે લઈ જા.’ તે સાંભળી જાતિસ્મરણ જ્ઞાનવાળા તે ઘોડાને પસ્તાવો થયો, અને સીધે રસ્તે લઈ જવાની કબૂલાત મનથી આપી; કારણ કે દૈવતં હિ હયોત્તમ: ઉત્તમ ઘોડો એ દેવ છે. તે પછી રાજા તે પર પાછો સ્વાર થયો, ત્યારે રસ્તાનો શ્રમ ઉતારનારા અને સ્વચ્છ, ઠંડા જળવાળા માર્ગે ઘોડો ચાલ્યો, અને સાંજે તો સો યોજનનો પંથ કાપી, તે રાજાને ઉજ્જયિનીની પાસે પુન: લાવી મૂક્યો. ત્યારે તેના ઘોડાના વેગથી, પોતાના જાણે સાતે ઘોડા જિતાઈ ગયા છે એમ જોઈ લજ્જા પામી, અસ્તાચળની ગુફામાં સૂર્ય છુપાઈ ગયો હોય તેમ અસ્ત થઈ ગયો. પછી અંધારુંં ફેલાયું. ઉજ્જયિનીના દરવાજા બંધ થયેલા જોઈ, તે વખતમાં ભયંકર દેખાતાં સ્મશાનમાં તે રાજાએ ઉતારો કરવાનો હેતુ ધર્યો, ત્યારે બુદ્ધિમાન ઘોડો, રાજાને ત્યાં લઈ ગયો. તે સ્મશાનમાં એકાંતમાં બ્રાહ્મણોને રહેવાનો એક મઠ હતો. તેમાં આજની રાત કાઢવી, એવું વિચારી આદિત્યસેન રાજા તેમાં પ્રવેશ કરવા લાગ્યો. તરત ત્યાં રહેનારા બ્રાહ્મણોએ તેને રોક્યો. ને આ સ્મશાનપાળ છે કે કોઈ ચોર છે, એવી આશંકાથી તેઓએ લડતાં લડતાં તેને બહાર કાઢ્યો. વેદીઆ બ્રાહ્મણો એ, ભય, કઠોરતા અને કોપનું સાક્ષાત્ ઘર હોય છે. તેથી તે બધાએ ગડબડ મચાવી મૂકી. તેવામાં તે મઠમાંથી ધીર અને ગુણવાન વિદૂષક નામનો એક બ્રાહ્મણ નીકળ્યો. તે યુવાન્ અને કસરતી હતો અને તેણે તપસ્યા કરી અગ્નિનું આરાધન કરી ધ્યાન ધરવાથી તરત હાજર થાય, એવું ખડ્ગ મેળવ્યું હતું, તે બ્રાહ્મણે સુંદર આકૃતિના રાજાને જોઈ આ કોઈ છૂપો દેવ છે, એવું મનમાં ધાર્યું. તે બીજા સર્વ બ્રાહ્મણોને દૂર કરી, નમ્રતાની સાથે રાજાને મઠમાં તેડી લાવ્યો. ત્યાં રાજાએ વિસામો લીધો અને વિદૂષકે દાસીઓને હુકમ કરી રસ્તાની ધૂળ રાજાના અંગ ઉપરથી સાફ કરાવી, રાજાને યોગ્ય હોય એવો આહાર કરાવ્યો, તથા રાજાને જમાડ્યો. ઘોડા ઉપરથી પણ પલાણ ઉતારી ઘાસચારો નાંખી તેનો શ્રમ ઓછો કર્યો. અને પછી થાકી ગયેલા રાજાને માટે શય્યા બીછાવી કહ્યું કે, ‘હે પ્રભુ! તમે સુખેથી પોઢો, અને હું ચોકી કરીશ.’ જ્યારે રાજાએ શયન કર્યું ત્યારે તે બ્રાહ્મણે અગ્નિદેવ આપેલું ખડગ ધારણ કરી, આખી રાત્રિ દ્વારપાળ તરીકે, તેના સંબંધી વિચાર કરતાં ગાળી. બીજે દિવસે પ્રભાતના જ રાજાના કંઈ પણ હુકમ વગર, સ્વેચ્છાથી જ વિદૂષકે ઘોડાને સજ્જ કર્યો. રાજા પણ તેની પાસેથી રજા લઈ ઘોડા ઉપર બેસી છેટેથી હર્ષ પામેલાં માણસોએ જોયેલો ઉજ્જયિનીમાં આવ્યો. રાજાના પધારવાના ઉમંગથી મંગળ ગીત ગાતી વસ્તી તેને ઓવારણે ગઈ. પછી કાર્યભારીઓની સાથે તે રાજા મહેલમાં આવ્યો અને તેજસ્વતી રાણીના હૃદયમાંથી સંતાપ જતો રહ્યો. જ્યાં સુધી સૂર્ય અને લોકો એક રંગનાં થયાં નહિ ત્યાં સુધી તેજસ્વતી રાણીએ આખો દહાડો મહોત્સવ કર્યો. અર્થાત્ સૂર્ય આથમ્યો ત્યાં સુધી ઉત્સવ કીધો. બીજે દિવસે રાજાએ એ સ્મશાનના મઠમાંથી બધા બ્રાહ્મણોની સાથે વિદૂષકને બોલાવ્યો અને રાત્રિની હકીકત જાહેર કરી. તેણે ઉપકારી વિદૂષક બ્રાહ્મણને હજાર ગામ પસાયતાં કરી આપ્યાં, વળી તેને છત્ર અને બેસવા સારું વાહન આપી ગોરપદવી આપી. કૃતજ્ઞ રાજાની કૃપાથી તે વિદૂષક સામંત રાજા સરખો થઈ રહ્યો. કેમ કે મોટાઓનો કરેલો ઉપકાર નિષ્ફળ કેમ થાય? તે મહાશય વિદૂષકને રાજા તરફથી જે જે ગામ મળ્યાં, તે એ મઠવાસી બ્રાહ્મણોમાં તેણે સરખે હિસ્સે રાખ્યાં; ને પોતે રાજાની ચાકરી કરતો તેને જ આશરે રહ્યો, ને બીજા બ્રાહ્મણોની સાથે તે ગામનો ગરાસ પણ ખાવા લાગ્યો. કેટલોએક વખત ગયા પછી ધનના મદથી ઉદ્ધત થયેલા અને મુખીપણાની ઇચ્છા રાખનારા તે બ્રાહ્મણોએ વિદૂષકને ગણકાર્યો પણ નહીં. એક સ્થાનના આશ્રયવાળા, માંહોમાંહે ફૂટેલા તે સાત બ્રાહ્મણોએ દુષ્ટ ગ્રહની માફક ગામોને હરકત કરવા માંડી. જ્યારે આ બ્રાહ્મણો ઉચ્છં્રખલ થઈ ગયા, ત્યારે વિદૂષક તેઓના ઉપર ઉદાસીન થયો; કારણ કે ધીર પુરુષોએ અલ્પ સત્તાવાળા મનુષ્યો ઉપર બેદરકારી રાખવી, એ જ શોભે છે. એક દિવસ માંહેમાંહી લડી મરતા તે બ્રાહ્મણોને જોઈ કોઈ કઠોર પ્રકૃતિનો ચક્રધર નામે બ્રાહ્મણ ત્યાં આવ્યો. પોતે કાણો છતાં બીજાના ન્યાયની છણાવટમાં તેની દૃષ્ટિ ઠીક પહોંચતી હતી. અંગમાં કૂબડો હતો, પણ વાણીમાં સ્પષ્ટ બોલનારો હતો. તે ચક્રધર તેઓને કહેવા લાગ્યો: ‘હે શેઠ! તમે ભિક્ષા માગનારા છો, અને આ તમને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. હવે એક બીજાની ઈર્ષ્યા રૂપ દોષથી કેમ ગામોને ખોઈ બેસવા ઇચ્છો છો! આ વિદૂષકનો દોષ છે કે જેણે તમારી ઉપેક્ષા કરી. હું માનું છું કે, તમે જરૂર પાછા ભીખ માગતા થઈ જશો.’ દૈવને આધીન જેની વૃદ્ધિ છે, એવું ધણી વિનાનું સ્થાન સારું, પણ જેમાં સર્વ ચીજ લૂંટાય છે, એવું ઘણા નાયકવાળું સ્થાન કક્ષાએ કામનું નથી! મારા વચનથી જો તમારે સ્થિર લક્ષ્મીની ઇચ્છા હોય તો એક ધીર નાયક કરો. આ વાત સાંભળી બધાના મનમાં ધણી થવાની ઇચ્છા થઈ, પછી તેઓ મૂઢ છે એવું વિચારી ચક્રધરે કહ્યું, ‘તમે વળી ટંટો વધારવાની વાત કરી. હું તમને એક ઠરાવ બાંધી આપું છું કે અહીં સ્મશાનમાં ત્રણ ચોર શૂળીએ ચડાવેલા છે. રાત્રિને વખતે તે ચોરોની નાસિકા જે ધીર પુરુષ કાપી લાવે, તે તમારામાં મોટો થાય, કારણ કે વીર માણસને જ ધણીપણું યોગ્ય છે.’ ચક્રધરના એ પ્રમાણે કહેવા ઉપરથી પાસે ઊભેલા વિદૂષકે કહ્યું કે, ‘ભલે આ વાત કબૂલ કરો, તેમાં શું હરકત છે?’ ત્યારે તે બ્રાહ્મણોએ વિદૂષકને કહ્યું કે, ‘અમારાથી તો એ કામ બને એમ નથી. જે સમર્થ હોય તે સુખે એ કામ કરે; ખુશીથી અમો તેના તાબેદાર થઈશું અને એ ઠરાવ અમારે સર્વ રીતે માન્ય છે.’ ત્યારે વિદૂષકે કહ્યું કે, ‘એમાં શું મુશ્કેલ છે, લો હું કરુંં છું.’ રાત્રિમાં તે ચોરોનાં નાક કાપી સ્મશાનમાંથી લાવવાં, એ કામ અશક્ય જાણી, મૂઢ બ્રાહ્મણોએ તેને કહ્યું કે, ‘જો એમ કરશો તો તમે જ અમારા સ્વામી થશો, એમાં સંશય નહીં.’ એવી રીતે ઠરાવ કરી, સંમતિ લઈ રાત્રિને સમયે તે બ્રાહ્મણો પાસેથી રજા લઈ વિદૂષક સ્મશાનમાં ગયો. તે પોતાના ભયંકર કર્મ સરખા બિહામણા સ્મશાનમાં ચિંતન કરતા પ્રાપ્ત થયેલા સાથી ખડ્ગને લઈને પેઠો. ડાકણોના નાદથી એકઠા થયેલા ગીધ અને કાગડાઓના શબ્દથી શબ્દાયમાન અને ફીઆવડી (અગ્નિ ઝરતા ડાકણાઓ)ના મુખમાંથી નીકળેલા અગ્નિથી જેમાં ચિતાનો અગ્નિ ઝલઝલ સળગી ઊઠેલો છે, એવા સ્મશાનના મધ્યમાં શૂળી ઉપર ચડાવેલા અને નાસિકા કપાવાના ભયથી ઊંચું મ્હોં કરી રહ્યા હોય, તેવા ત્રણ પુરુષો વિદૂષકે જોયા. જ્યાં તેઓની નજદીક વિદૂષક પહોંચ્યો, ત્યાં વૈતાલોના પ્રવેશ થવાથી તે શબવત્ પુરુષો, મુઠ્ઠીઓથી તે વિદૂષકને મારવા લાગ્યા, ત્યારે વિદૂષક પણ કંપ્યા સિવાય ખડ્ગથી લડત ચલાવવા લાગ્યો. ધીરના હૃદયમાં ભય પ્રયત્ન શિખવતો નથી. એ ખડ્ગના પ્રહારથી વૈતાલનો વિકાર ટળી ગયો ત્યારે ખડ્ગે કરી તેનાં નાક કાપીને વસ્ત્રમાં બાંધી લીધાં. વળતાં રસ્તામાં એ સ્મશાનમાં જ મુડદા ઉપર બેસી જપ કરતા એક અઘોરીને જોયો. તેની ચેષ્ટા જોવાના કૌતુકથી તેની પાસે ગયો અને તેની પાછળ છૂપાઈ ઊભો રહ્યો. ક્ષણવારમાં અઘોરીની નીચે રહેલા શબે ફું એવો શબ્દ કર્યો ત્યારે તે મુડદાના મુખની જ્વાળા નીકળી અને નાભિથી સરસવ નીકળ્યા. તે સરસવ લઈ તે અઘોરી ઊઠ્યો અને હથેળીથી શબ ઉપર પ્રહાર કર્યો. એટલે વૈતાળના સંગથી તે શબ ઊભું થયું. ત્યારે તેના ખભા ઉપર અઘોરી બેઠો અને ચાલવા માંડ્યું. વિદૂષક પણ છૂપો છૂપો તેની પાછળ ચાલ્યો. જ્યાં થોડે છેટે જાય છે ત્યાં એક શૂન્ય કાત્યાયની દેવીનું મંદિર દીઠું, ત્યાં તે વૈતાળના ખભા ઉપરથી ઊતરી, મંદિરના ઘુમટમાં તે અઘોરી પેઠો અને વેતાળ જમીન ઉપર પડી રહ્યો. વિદૂષક પણ તે સર્વ યુક્તિથી જોયા કરતો હતો. અઘોરીએ દેવીની પૂજા કરી પ્રાર્થના કરી, ‘હે દેવી! તમે જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મારું ઇચ્છેલું વરદાન આપો. નહીંતર મારા દેહનું બલિદાન દઈ તમને રાજી કરીશ.’ તીવ્ર મંત્રના સાધનથી ગર્વ પામેલા, તે અઘોરીનાં એવાં વચનો સાંભળી એ ઘુમટમાંથી વાણી થઈ કે ‘આદિત્યસેન રાજાની કુંવરીને અહીં લાવી જો તું બલિદાન આપીશ તો તારી કામના પૂરી પડશે.’ આ સાંભળી તે બહાર નીકળ્યો અને વેતાળને હથેળી મારી એટલે ફું એમ શબ્દ કરી તે બેઠો થયો. તેના ખભા ઉપર ચડી તે અઘોરી રાજપુત્રીને લાવવા સારું આકાશ માર્ગે ચાલ્યો. વિદૂષકે પણ આ બધું જોયું, અને વિચાર કરવા લાગ્યો કે, મારા જીવતાં છતાં એ રાજપુત્રીને કેમ મારે છે, તે હું જોઉં તો ખરો. એ શઠ જ્યાં સુધી અહીં આવે ત્યાં સુધી અહીં ઊભો છું, એવું વિચારી ત્યાં જ તે છૂપી રીતે રહ્યો. પછી તે અઘોરી મહેલની બારીના રસ્તાથી અંત:પુરમાં આવ્યો, અને રાત્રિની સૂતેલી રાજકન્યાને કાંતિથી દિશાઓને પ્રકાશ કરનારી ચંદ્રકળાને જેમ રાહુ પકડે તેમ પકડી આકાશ માર્ગે ઊડી આવ્યો. ‘ઓ પિતાજી! ઓ જીજી!’ એવી રીતે બૂમો પાડતી કન્યાએ ઉપાડી તે અંતરીક્ષમાંથી દેવીના મંદિરમાં આવ્યો. તે વખતે વેતાળને મૂકી દઈ તે કન્યારત્નને લઈ દેવીના ગર્ભગૃહમાં આવી, જ્યાં તે અઘોરી રાજપુત્રીને મારવાની ઇચ્છા કરે છે કે તે જ સમયે તલવાર ખેંચી વિદૂષક ત્યાં આવી ઊભો રહ્યો. ‘અરે પાપી ચંડાળ! તું શું માલતીનું ફૂલ પથરાથી કચરી નાખવા ઇચ્છે છે? રે આ નાજુક પુતળી ઉપર તું શું શસ્ત્ર વાપરવા ચાહે છે?’ એમ કરી તેના કેશ પકડી તલવારથી તેનું માથું કાપી નાખ્યુંં અને ભયથી બેબાકળી થયેલી એ રાજપુત્રીની આશ્વાસના કરી. તે ભયની મારી ધીમે ધીમે પાસે આવવા માંડી ત્યારે તેણે કાંઈક ઓળખીતો ચહેરો જોયો. વિદૂષકે વિચાર કર્યો કે આને તેના બાપના અંત:પુરમાં શી રીતે લઈ જાઉં! વિદૂષક આવો વિચાર કરે છે, તેવામાં આકાશવાણી થઈ કે, ‘હે વિદૂષક, સાંભળ. તેં જે આ અઘોરીને માર્યો, તેના કબજામાં વીર વેતાળ અને સરસવ હતા. તેને જોરે આ પૃથ્વીના રાજ્યની અને રાજપુત્રીઓની તૃષ્ણા હતી, તેથી એ મૂઢ આટલી ખરાબીમાં આવી પડ્યો છે. માટે હે વીર! એના સરસવ તું લઈ લે કે, જેથી આજની એક રાત સુધી તારાથી આકાશ માર્ગે ગતિ થઈ શકશે.’ બેશક દેવતાઓ પણ આવા ધીરવીરની ઉપર અનુગ્રહ કરે છે. તે પછી વસ્ત્રનો છેડો છોડી તેમાંથી અઘોરીએ રાખેલા સરસવ કાઢી લીધા અને રાજપુત્રીને ખોળામાં બેસાડી તરત દેવીના બહાર નીકળ્યો કે તરત બીજી આકાશવાણી થઈ કે, ‘હે મહાવીર! તારે એક માસ પછી આ જ દેવીના મંદિરમાં આવવું. આ વાત વિસરવી નહીં.’ તે સાંભળી તે વાત માન્ય કરી તરત દેવીની કૃપાથી રાજપુત્રીને ઉપાડી આકાશ માર્ગે ઉડ્યો. તેણે તરત અંત:પુરમાં જઈ રાજપુત્રીને મૂકી દીધી અને તે ધીમી પડી, ત્યારે વિદૂષકે કહ્યું, ‘સવારે મારી ગતિ આકાશને રસ્તે જવાની રહી શકશે નહીં, અને તેથી મને નીકળતાં સર્વે જોશે, માટે હમણાં જ હું જાઉં છું.’ એવું તેના કહેવા ઉપરથી ડરીને તે રાજપુત્રીએ કહ્યું, ‘તમારા જવાથી ત્રાસ પામેલા મારા પ્રાણ જતા રહેશે. માટે હે મોટા ભાગ્યવાળા તમે ન જાઓ. મને ફરી જીવન આપો. જે બાબત લીધી હોય તે પૂરી પાડવી એ સત્પુરુષોનું સ્વાભાવિક વ્રત હોય છે.’ એ સાંભળી તે વિદૂષકે વિચાર કર્યો જે બનવાનું હોય તે બનો, પણ હું અહીંથી નહીં જાઉં. નહીંતર આ રાજકન્યા ભયથી પ્રાણનો ત્યાગ કરશે. જો હું જતો રહું અને આ કન્યા મરી જાય તો મેં રાજાની ભક્તિ શું કરી કહેવાય? જેટલો શ્રમ કર્યો છે તે વ્યર્થ જશે. એવું વિચારી બે રાત્રિ તે ત્યાં અંત:પુરમાં જ રહ્યો. પરિશ્રમ અને ઉજાગરાથી થાકેલો હતો, તેથી ત્યાં તેને નિદ્રા આવી ગઈ. પણ રાજપુત્રીના મનમાં તો ભય પેસી ગયો હતો, તેથી તે રાત્રિ જાગતાં જ કહાડી. પ્રેમથી જેનું ચિત્ત કોમળ છે, એવી રાજપુત્રીએ વિચાર્યું કે, ભલે આ વિસામો લે, સવાર થયા છતાં પણ તેને જગાડ્યો નહીં. તે પછી અંત:પુરમાં ફરનારી દાસીઓએ આવી તેને જોયો. રાજાએ ખરી વાત જાણવા પ્રતિહારને મોકલ્યો. તેણે પણ અંદર જઈ જોયું તો વિદૂષક સૂતો પડ્યો હતો. રાજપુત્રીને પૂછવા ઉપરથી તેણે બધી વાત વર્ણવી કહી; અને તે જ પ્રમાણે પ્રતિહારે પણ રાજા પાસે જઈ કહી સંભળાવ્યું, ત્યારે વિદૂષકની ધીરતા જોઈ રાજાએ વિચાર્યું કે, આ વાત કેમ હશે? એવી રીતે આશ્ચર્ય પામ્યો. પછી પુત્રીના ઘરમાંથી વિદૂષકને બોલાવી મંગાવ્યો. કુંવરીના સ્નેહી અંત:કરણે વળાવેલો તે વિદૂષક જ્યારે રાજા સમીપ આવ્યો, ત્યારે રાજાએ સઘળું વૃત્તાંત પૂછ્યું, વિદૂષકે મૂલથી માંડી છેવટ લગી બધી વાત તેને કહી સંભળાવી; અને કપડાને છેડે બાંધેલાં ચોરોનાં નાક દેખાડ્યાં; અને પૃથ્વીને ભેદનારા અઘોરીના સરસવ પણ બતાવ્યા. ત્યારે આ વાત ખરી હશે એમ ધારી ચક્રધર સહિત બધા મઠના બ્રાહ્મણોને બોલાવી તેનું મૂળ કારણ પૂછી, રાજા સ્મશાનમાં ગયો, તો ત્રણ પુરુષોને નાકકટા જોયા, તેમ દેવીના મંદિરમાં અઘોરીનું કપાયેલું માથું પડેલું હતું, તે પણ જોયું. આ સર્વ જોતાં રાજાને પૂર્ણ વિશ્વાસ આવ્યો અને તે રાજી થયો. પછી પુત્રીના પ્રાણનું રક્ષણ કરનાર હુશિયાર વિદૂષકને તે જ પુત્રી આપી. ઉપકારીની ઉપર પ્રસન્ન થતા ઉદાર મનુષ્યોને ન દઈ શકાય એવી કઈ ચીજ છે? રાજપુત્રીના હાથમાં કમળની પ્રીતિથી જરૂર લક્ષ્મી રહેતી હતી. કારણ કે રાજપુત્રીનો હાથ ઝાલવાથી વિદૂષકને લક્ષ્મી પ્રાપ્ત થઈ. તે પછી રાજાના જેવું સુખ ભોગ ભોગવતો સ્ત્રી સાથે આદિત્યસેનના મહેલમાં તે વિદૂષક રહ્યો. કેટલાએક દિવસ ગયા પછી દૈવની પ્રેરણાથી રાત્રે તે રાજપુત્રીએ વિદૂષકને કહ્યું કે, ‘હે નાથ! આ વાત તમને યાદ છે કે રાત્રિમાં દેવીના મંદિરમાં દિવ્ય વાણીએ તમને કહ્યું હતું કે, એક માસ પછી તમારે અહીં આવવું, તો તેને આજે એક મહિનો પૂરો થાય છે, અને તે વાત આપ કેમ વિસરી ગયા?’ પ્રિયાનાં આવાં વચન સાંભળી તે વાત યાદ આવવાથી વિદૂષક રાજી થયો, તથા બોલ્યો, ‘ઓ પ્રિયે! તેં ઠીક સંભાર્યું, હું તો ભૂલી જ ગયો હતો,’ એમ કહી તેને ઇનામમાં આલિંગન આપ્યું, ત્યારબાદ રાજકન્યાના સૂઈ ગયા પછી રાત્રે અંત:પુરમાંથી ખડગ લઈ તે નીકળ્યો ને તરત દેવીના મંદિરમાં આવી પહોંચ્યો. ત્યાં બહાર રહી તે બોલ્યો, ‘હું વિદૂષક આવ્યો છું.’ તુરત અંદરથી અવાજ થયો કે ‘અંદર આવ.’ આ સાંભળી તે અંદર પેઠો. ત્યાં જઈ જુવે છે તો તેણે ત્યાં દેવતાઈ ઘર દીઠું. તેની અંદર દિવ્ય આભૂષણવાળી એક કોઈ દિવ્ય કન્યા જોઈ. પોતાની કાંતિથી અંધકાર દૂર કરનારી, રાત્રિમાં સળગી ઊઠેલી, મહાદેવના ક્રોધાગ્નિથી બળેલી કામદેવની સંજીવનની ઔષધિ સરખી તે કન્યાને જોઈ વિદૂષક આશ્ચર્ય પામી ગયો કે આ તે શું છે? ત્યારે રાજી થઈ તે કન્યાએ સ્નેહ અને બહુ માનથી આદર ભાવ દાખવ્યો. પ્રેમ જોવાથી વિશ્વાસુ વિદૂષક ત્યાં બેઠો; અને તે કોણ છે? એવી રીતે તેનું સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળા વિદૂષકને તે કન્યાએ કહ્યું, ‘હું વિદ્યાધરના કુળમાં ઉત્પન્ન થયેલી ભદ્રા નામની કન્યા છંુ ને યથેચ્છ ફરનારી છું; મહિના પર તે દિવસે હું અહીં આવી ચડી હતી, અને મેં તને તે વખતે દીઠો હતો. તારા ગુણથી મારું ચિત્ત તારામાં બહુ ખેંચાયું. તેથી તે જ વખતે તું ફરી અહીં આવે, તે સારુ અદૃશ્ય રહી હું જ બોલી હતી. આજે મેં વિદ્યાના પ્રયોગો જોડ્યા, તેથી તે રાજપુત્રીએ તને યાદ કરાવ્યું. તારે માટે હું અહીં રહી છું. હે સુંદર! હવે આ શરીર તારે સ્વાધીન કરી દઉં છું. મારી સાથે લગ્ન કર.’ એવી રીતે ભદ્રા વિદ્યાધરીએ કહ્યું તે ઉપરથી વિદૂષકે તે વાત કબૂલ રાખી અને ગાંધર્વ વિધિથી લગ્ન કર્યાં. પોતાના પુરુષાર્થથી દિવ્ય ભોગ ભોગવતો તે ત્યાં જ રહ્યો છે, એટલામાં રાત્રિ વીતી ગઈ ત્યારે આદિત્યસેન રાજાની પુત્રી જાગી ઊઠી અને પતિ પોતા પાસે જોયો નહીં, તેથી ખેદ કરવા લાગી. વિહ્વળ થઈ પડતાં આંસુઓથી આંખોનાં પોપચાં તરંગવાળાં થઈ ગયાં છે એવી તે રાજપુત્રી પડતે આખડતે પોતાની માની પાસે ગઈ અને કહ્યું કે, ‘માતા, મારો પતિ રાત્રિમાં ક્યાંક જતો રહ્યો છે, એવી રીતે પોતાના અપરાધથી ભય પામેલી અને પસ્તાએલી તે કન્યાએ કહ્યું, તે ઉપરથી તેની મા પણ ગભરાઈ ગઈ. આ વાત જાણી રાજા પણ ત્યાં આવ્યો અને ઘણો આકુળ થઈ ગયો, ત્યારે પુત્રી બોલી કે ‘હું એમ જાણું છું કે, સ્મશાનની બહાર તે દેવીના મંદિરમાં ગયા હશે.’ આવું પુત્રીનું વચન સાંભળી રાજા પોતે ત્યાં ગયો. ત્યાં વિદ્યાધરીની વિદ્યાના પ્રભાવથી અદૃશ્ય થઈ ગયેલો વિદૂષક શોધતાં છતાં પણ ન દેખાયો, ત્યારે રાજા પાછો વળ્યો. તેને જોઈ રાજપુત્રી નિરાશ થઈ ગઈ અને દેહત્યાગ કરવા તૈયાર થઈ, તેટલામાં ત્યાં એક જ્ઞાની આવ્યો. તેણે આ પ્રમાણે કહ્યું કે, ‘હે રાજપુત્રિ! તારે કાંઈ અનિષ્ટની શંકા કરવી નહિ. તારો પતિ દિવ્ય ભોગ ભોગવે છે અને થોડા વખતમાં તને આવી મળશે.’ આ વાત સાંભળી પતિ પાછો આવવાની ઇચ્છાથી દેહત્યાગનો વિચાર માંડી વાળ્યો. આણીમેર વિદૂષક ઘણા જ આનંદથી ભદ્રા સાથે રહે છે. તેટલામાં એક યોગેશ્વરી નામની ભદ્રાની સખી ત્યાં આવી પહોંચી, અને તેને એકાંતમાં તેડી જઈ કહ્યું, ‘હે સખિ! મનુષ્યના સંસર્ગથી આપણા વિદ્યાધરો તારી ઉપર ગુસ્સે થયા છે, અને તારુંં અનિષ્ટ કરવા તૈયાર થયા છે; માટે અહીંથી તારે જલદી ચાલ્યા જવું. પૂર્વસમુદ્રને પેલે પાર કાકોટક નામનું નગર છે, તે મૂક્યા પછી શીતોદા નામની એક નદી આવે છે, તેને પેલે કાંઠે ઉદય નામનો મોટો પહાડ છે; ત્યાં સિદ્ધક્ષેત્રમાં કોઈ વિદ્યાધર આવી શકતા નથી. માટે હાલ તું ત્યાં જા, અને આ મનુષ્યની તારે કશી ચિંતા કરવી નહીં. આ બધી હકીકત વિદૂષકને તારે કહેવી. તે ધીરજવાન્ છે તેથી તે ત્યાં આવી પહોંચશે.’ આવી રીતે તે સખીએ ભય ઉપજાવ્યો, તેથી જો કે પોતે વિદૂષક ઉપર બહુ આસક્ત છે, તે છતાં તેની વાત કબૂલ રાખી. વિદૂષકને આ વાત યુક્તિથી કહી પોતાની રત્નની વીંટી આપી, પ્રભાત થતાં પહેલાં ભદ્રા અદૃશ્ય થઈ ગઈ. ત્યારે વિદૂષક પાછો આગળની સ્થિતિમાં દેવીના ઉજ્જડ મંદિરમાં આવી પડ્યો. ત્યાં ભદ્રા ન દીઠી, ને પોતે એકલો જણાયો. તે વિદ્યાનો પ્રપંચ સંભારતો અને વીંટી જોતો વિદૂષક, ખેદ અને વિસ્મયથી તેનાં વચનને સ્વપ્ન સરખું સંભારતો વિચાર કરવા લાગ્યો કે, મને નિવેદન કરીને જ તે ઉદય પર્વત ઉપર ગઈ છે તો મારે પણ એ રીતની પ્રાપ્તિ સારું ત્યાં જ જવું પડશે. પણ આવી રીતે જતાં બધા લોકો મને જોશે. અને તે વાતની રાજાને ખબર પડશે, તો મારાથી નહીં છૂટાય. માટે જેમ મારુંં કાર્ય સિદ્ધ થાય તેમ યુક્તિ કરુંં.’ એવી રીતે વિચાર કરી તે નિપુણ પુરુષે બીજું રૂપ ધારણ કર્યું અને જીર્ણ વસ્ત્ર પહેરી, અંગ ઉપર ધૂળ નાંખી, હે ભદ્રે! હે ભદ્રે! એમ બોલતો દેવીના મંદિરમાંથી નીકળ્યો. તે ક્ષણે તે દેશના માણસોએ તેને જોઈ ઓળખી કાઢ્યો કે આ તો વિદૂષક છે. લોકોનો કોલાહલ સાંભળી રાજાને ખબર પડી. તેથી રાજા પણ ત્યાં આવ્યો. ત્યાં ગાંડા માણસ સરખી તેની ચેષ્ટા જોઈ, રાજાએ તેને પોતાના મહેલમાં પકડી મંગાવ્યો. ત્યાં સ્નેહને લીધે જે જે નોકર ચાકરે વાતો કહી, તે સઘળાના ઉત્તરમાં વિદૂષકે હે ભદ્રે, હે ભદ્રે, એટલું જ કહ્યું. વૈદ્યોએ બતાવેલા અભ્યંગથી તેને સ્નાન કરાવી સાફ કર્યો, પણ તરત જ તેણે ઘણી ધૂળ લઈ પોતાના શરીર ઉપર નાંખી. સ્નેહવશ થયેલી રાજપુત્રીએ પોતાને હાથે તેને આહાર લાવી આપ્યો. તે જોતાં જ તેણે લાત મારીને તે થાળી ફેંકી દીધી. એ પ્રમાણે તે નિ:સ્પૃહીની રીતે કેટલાએક દિવસ પોતાનાં વસ્ત્ર ફાડતો ને ગાંડા મનુષ્યપેરે ચેષ્ટા કરતો ત્યાં રહ્યો.‘આને સુધારવો અશક્ય છે, માટે આને આપણે હેરાન કરવો નહિ જોઈએ. જો એ કદાચિત્ પ્રાણત્યાગ કરશે તો આપણને બ્રહ્મહત્યા લાગશે. વળી આપણો જમાઈ પણ થાય છે; સ્વચ્છંદ ફરતાં ફરતાં કોઈ દિવસ આનું કુશળ કલ્યાણ થશે.’ એવું વિચારી આદિત્યસેને તેને જવા દીધો. તે પછી સ્વચ્છંદ ફરનારો વીર વિદૂષક બીજે દહાડે રત્નની વીંટી લઈ ભદ્રા મેળવવા સારુ તેને રસ્તે પડ્યો. રાત દહાડો ચાલતાં ચાલતાં તે પૂર્વ દિશાના રસ્તામાં પૌંડ્રવર્ધન નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં કોઈ વૃદ્ધ બ્રાહ્મણીને ઘેર જઈ કહ્યું, ‘હે માતાજી! એક રાત્રિ અહીં રહેવાની રજા લઉં છું.’ એવું કહેવાથી તે ડોસીએ હા પાડી અને આતિથ્યસત્કાર કરી, ખિન્ન થઈ તેની પાસે આવી કહ્યું કે, ‘હે પુત્ર! આ આખું ઘર હું તને જ આપું છું, માટે તે તું લે. કારણ કે હવે મારે જીવવાનું નથી.’ ત્યારે વિસ્મય પામી વિદૂષક બોલ્યો કે,‘તું આમ કેમ બોલે છે?’ ત્યારે ડોસીએ કહ્યું કે, સાંભળ, તને એક વાત કહું છું. તે પછી તે ડોસી બોલી: પુત્ર! આ નગરમાં દેવસેન નામનો રાજા રહે છે. તેને ત્યાં પૃથ્વીમાં રત્ન સરખી એક કન્યા અવતરેલી છે. ‘મને આ દુઃખથી લબ્ધ (પ્રાપ્ત) થઈ છે,’ એમ ધારી પ્રીતિમાન રાજાએ દુઃખલબ્ધિકા એવું તેનું નામ પાડ્યું છે. કેટલેક કાળે તે નવયૌવના થઈ, ત્યારે કચ્છપનાથ નામના રાજા સાથે તેનું લગ્ન કીધું, રાજાને પોતાને ઘેર બોલાવ્યો તથા રાજેન્દ્ર કચ્છનાથ પોતાની પત્નીના શયનગૃહમાં પેઠો કે તે મરણ પામ્યો. ત્યારે દિલગીર થઈ રાજાએ એ કન્યા બીજા રાજાને આપી. તે પણ એવી રીતે જ મરણ પામ્યો. આ જ ભયથી કોઈ રાજા તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા કરતો નથી. આ પ્રમાણે થવાથી રાજાએ પોતાના સેનાપતિને કહ્યું કે, ‘આજથી તારે ક્રમે કરી આ દેશનો એકેક પુરુષ બ્રાહ્મણ કે ક્ષત્રિય ગમે તે હોય તેને દરરોજ લાવવો અને મારી પુત્રીના ઘરમાં મૂકવો. આપણે જોવાનું છે કે કેટલા પુરુષો ક્યાં સુધી મરે છે! આ આપત્તિમાંથી જે ઊગરશે તે આનો પતિ થશે. ‘અદ્ભુત શક્તિ દૈવની, ગતિ નહિ કળી શકાય; સુખમાંથી દુઃખ ને પછી, દુઃખમાંથી સુખ થાય.’ એ પ્રમાણે રાજાના હુકમ ઉપરથી સેનાપતિ દરરોજ વારા પ્રમાણે નગરની વસ્તીમાંથી એકેક પુરુષને ખેંચી જાય છે. આવી રીતે સો પુરુષ મરણ પામ્યા છે. હવે હું અભાગણીનો એક પુત્ર છે. રાજકન્યા પાસે જવાનો તેનો આજ વારો આવ્યો છે. જ્યારે પુત્ર મરી જશે ત્યારે મારે જીવી શું કરવું છે? પ્રભાત થતાં જ મારે અગ્નિમાં પ્રવેશ કરવો છે.’ આ જીવતાં છતાં જ તું ગુણવાન્ પાત્ર મારે હાથ લાગ્યો છે, તો તને ઘર આપી દઉં છું, જેથી ફરી બીજા જન્મમાં આવી દુઃખણી ન થાઉં, એવી મારી ઇચ્છા છે.’ એવાં ડોસીના વૈરાગ્યનાં વચન સાંભળી વિદૂષક બોલ્યો કે, ‘જો એમ હોય તો, હે મા! તું દિલગીર ન થા. આજ તારા પુત્ર સાટે ત્યાં જાઉં છું. તારો એક છોકરો ભલે જીવે. હું આનો નાશ કેમ કરાવું એવી દયા મારી ઉપર તારે લાવવી નહીં; કારણ કે સિદ્ધિના પ્રતાપથી હું ત્યાં જઈશ, તો પણ મને ભય પ્રાપ્ત થશે નહીં.’ આવી રીતે વિદૂષકના કહેવાથી, ડોસી વિદૂષકને કહેવા લાગી, ‘ભાઈ, જો એમ છે તો કોઈ દેવ જ અમારા પુણ્ય પ્રતાપથી આવી મળ્યો છે, એમ હું માનું છું. હે પુત્ર! અમને પ્રાણદાન દે, અને અમારું કુશળ કર.’ એવી રીતે ડોસીની અનુમતિથી સાંજે સેનાપતિએ મોકલેલા સિપાઈ સાથે વિદૂષક રાજપુત્રીને ઘેર ગયો. ત્યાં ખીલેલાં પણ નહીં ચૂંટેલાં પુષ્પોના ભારથી નમેલી લતા સરખી, યૌવન મદથી ઉદ્ધત થયેલી રાજપુત્રીને તેણે નિહાળી. તે પછી રાત્રિએ રાજપુત્રીના શયનમાં સ્મરણ કરવાથી પ્રાપ્ત થયેલા ખડગને હાથમાં લઈ તે જાગતો જ બેઠો છે; અને વિચારે છે કે જોઉં તો ખરો, અહીં પુરુષોને કોણ મારે છે? જ્યારે આસપાસનાં બધાં મનુષ્યો સૂઈ ગયાં ત્યારે શયનગૃહનું એક દ્વાર ઉઘાડી બારણામાંથી આવતા ભયંકર રાક્ષસને તેણે જોયો. આવાસના બારણા આગળ તે રાક્ષસ ઊભો રહ્યો અને સૂનાર ઉપર અકસ્માત્ યમદંડ સરખો હાથ લાંબો કર્યો, ત્યારે વિદૂષકે ક્રોધ કરી દોડી એક ખડગના પ્રહારથી તે રાક્ષસનો હાથ તરત કાપી નાંખ્યો. હાથ કપાવાથી તેના બળના ઉત્કર્ષથી ડરી જઈ ફરી ન આવવાનો નિશ્ચય કરી તે રાક્ષસ ત્યાંથી તત્કાળ નાસી ગયો. જ્યારે રાજપુત્રી જાગી ત્યારે ત્યાં પડેલો રાક્ષસનો હાથ જોઈ તે ડરી ગઈ. અને તે સાથે ખુશ પણ થઈ, અને વિસ્મય પામી, સવારમાં પોતાની પુત્રીના ઘરના બારણામાં રાક્ષસનો કાપેલો હાથ દેવસેન રાજાએ જોયો. હવેથી અહીં કોઈ પુરુષે પેસવું નહીં, એવી રીતે વિદૂષકે લાંબી ભોગળ આડી આપી હોય એવો તે હાથ દેખાયો; ત્યારે દિવ્ય પ્રભાવના વિદૂષકને ઘણા વિનયની સાથે રાજાએ તે કન્યા પરણાવી. તે પછી વિદૂષક રૂપવાળી, સમૃદ્ધિ સરખી તે સ્ત્રી સાથે કેટલાએક દિવસ ત્યાં જ રહ્યો. પણ એક દિવસ તે રાજપુત્રીને સૂતી મૂકી ઉતાવળો ઉતાવળો ભદ્રાને ભેટવા ચાલ્યો. સવારે તેને ન જોવાથી રાજપુત્રી દુઃખી થઈ, ત્યારે એ પાછો વળશે એવી આશા આપી તેના પિતાએ તેણીને શાંત પાડી. હવે આણીપેર રાત દહાડો ચાલતાં તે વિદૂષક પૂર્વ મહાસાગર પાસે આવેલી તામ્રલિપ્તિકા નગરીમાં આવી પહોંચ્યો. ત્યાં એક સ્કંદદાસ નામના વ્યાપારીને પેલે પાર જવું હતું, તેનો સથવારો કરી ઘણા માલથી ભરેલાં તેના વહાણમાં બેસી વિદૂષક જળમાર્ગે ચાલ્યો. તે વહાણ ચાલતાં ચાલતાં સમુદ્રના મધ્યમાં જઈ અકસ્માત્ કોઈએ પકડી રાખ્યું હોય તેમ અટકી પડ્યું. આમ થવાને લીધે રત્નોથી સમુદ્રની પૂજા કરી, તો પણ તે ચાલ્યું નહીં. ત્યારે સ્કંદદાસ ખેદ પામી બોલ્યો કે, ‘જે માણસ આ અટકી ગયેલું મારું વહાણ ચલાવી આપે તેને મારી અરધી મિલકત અને કન્યા પણ આપું.’ તે સાંભળી દૃઢ ચિત્તવાળા વિદૂષકે કહ્યું કે ‘હું સમુદ્રમાં ઊતરી તપાસ કરી, લાધી ગયેલું તારું વહાણ એક ક્ષણમાં છૂટું કરી આપીશ. આ દોરડાં બાંધીને હું અંદર પડું છું. જ્યારે તમારું વહાણ ચાલતું થાય ત્યારે આ દોરડાં ખેંચી મને તરત બહાર કહાડજો.’ ત્યારે તે વાણીએ તેને શાબાશી આપી, તેનું વચન કબૂલ રાખ્યું અને ખલાસીઓએ તેની કાખમાં દોરડાં બાંધ્યાં, એટલે વિદૂષક પાણીમાં ડૂબકી મારી અંદર ઊતર્યો. ધીર વીરનું પારખું, અવસર આવે થાય. યાદ કરવાથી હાજર થયેલું ખડ્ગ હાથમાં લઈ વહાણની નીચે ધીરવીર વિદૂષક પેઠો. ત્યાં એક મોટી કાયાવાળા પુરુષને જોયો. તેની જાંઘમાં વહાણ ભરાઈ ગયું હતું. તે જોઈ તે જ ક્ષણે ખડ્ગથી તેની જાંઘ કાપી નાખી. તુરત છૂટું થયેલું વહાણ સડસડાટ ચાલ્યું. જ્યારે આ પ્રમાણે વહાણ છૂટું થયું ત્યારે પોતે કબૂલ કરેલા પૈસા આપવા પડે તેના ભયથી પાપી સ્કંદદાસે વિદૂષકને બાંધેલાં દોરડાં કંપાવી નંખાવ્યાં. જેમ વહાણ અડચણથી મુક્ત થયું અને આગળ ચાલવા લાગ્યું, તેમ જ વાણીઓ પણ પોતે આપેલી કબૂલાતથી મુક્ત થઈ છટકી જવા માંડ્યો; અને વિદૂષકને બાંધેલાં દોરડાં કપાવી નાંખી, વહાણને એકદમ સડસડાટ જોશથી ચલાવવા માંડ્યું. પોતાના લોભનો તો પાર આવવા વખત પાસે આવ્યો, પણ સમુદ્રનો પાર ન આવ્યો, વિદૂષક ડુબકીથી બહાર આવી નજર કરે છે તો દોરડાંને કાપેલાં જોયાં ત્યારે તેને અદ્ભુતાશ્ચર્ય પ્રાપ્ત થયું; ને શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યો કે, આ તે વાણીએ શું કર્યું? બેશક આ બાબતમાં આ કહેતી આબાદ લાગુ પડે છે. દ્રવ્યક્ષોભથી આંધળાં, કુટિલ કૃતઘ્ની હોય; કીધેલા ઉપકારને, તે તો ક્યાંથી જોય? ઠીક, ઠીક, હવે આ વખત ગભરાવાનો નથી. ધીરજ છોડવાથી થોડી આપત્તિનું પણ ઉલ્લંઘન થતું નથી. તે વખતે એવો વિચાર કરી તેણે તે રાક્ષસની કાપેલી જાંઘ ઉપર સ્વારી કીધી, અને તેની સહાયતાથી જેમ હોડીમાં બેસી હાથથી હલેસાં મારે તેમ ફરી સમુદ્ર તરી ગયો. કેમકે ધીર પુરુષની મદદ દૈવ જ કરે છે. તેટલામાં રામાર્થ સમુદ્રનો પાર પામેલા હનુમાન્ સરખા બળવાન્ તે વિદૂષકને કાને આકાશવાણી સંભળાઈ, ‘હે વિદૂષક, શાબાસ, શાબાસ, તારાથી બીજો વિશેષ કોણ ધૈર્યવાન છે? આ તારું ધૈર્ય જોઈ હું ખુશ થયો છું. આ નાગોના દેશમાં તું આવી ચડ્યો છે. હવે અહીંથી સાતમે દહાડે તું કાકોટક નગર જઈ શકશે. ત્યાંથી ધીરજ રાખી જઈશ તો તરત તારી ઇચ્છા સફળ થશે. હું હવ્ય અને કવ્ય ખાનારો અગ્નિ છું. તેની તેં પ્રથમ આરાધના કરેલી છે. મારા વરદાનથી તને ભૂખ અને તરસ લાગશે નહીં. માટે જા કાર્ય સિદ્ધ કર.’ એવું કહી તે દેવવાણી બંધ પડી. તે સાંભળી રાજી થઈ અગ્નિને પ્રણામ કરી વિદૂષક આગળ ચાલ્યો. તે સાતમે દહાડે કાકોટક નગરમાં આવી પહોંચ્યો. ત્યાં જુદા જુદા દેશોમાંથી આવેલા, અભ્યાસગતને ચાહનારા આર્યો જેમાં રહે છે એવા એક મઠમાં વિદૂષક આવ્યો. એ મઠ ત્યાંના આર્યવર્મ રાજાએ બાંધેલો હતો. તેમાં શુદ્ધ સોનાનાં પતરાંથી મઢેલ દેવમંદિરો બંધાવ્યાં હતાં. ત્યાં સર્વ બ્રાહ્મણોએ વિદૂષકની પરોણાચાકરી કરી. તેમાંનો એક બ્રાહ્મણ, એ પરોણાને પોતાને ઘેર લઈ ગયો અને પછી સ્નાન, ભોજન અને વસ્ત્રોની સરભરા કરી. સાંજે તે વિદૂષક પાછો મઠમાં આવ્યો. ત્યારે ત્યાં તેણે ઢંઢેરો સાંભળ્યો, ‘બ્રાહ્મણ કે ક્ષત્રિય જે કોઈ રાજપુત્રીને પરણવાને ચાહતો હોય તેણે આજ રાત્રે એ રાજકન્યાના ઘરમાં રહેવું.’ જ્યારે વિદૂષકે આ ઢંઢેરો સાંભળ્યો ત્યારે એમાં કાંઈ કારણ છે, એમ ધારી પોતાને સાહસ પ્રિય હોવાથી રાજપુત્રીના મહેલમાં જવાની ઇચ્છા કરી. ત્યારે મઠના બ્રાહ્મણોએ કહ્યું કે, ‘હે વિપ્ર! તું સાહસ ન કર. તે રાજપુત્રીનું ઘર નથી, તે તો મૃત્યુનું ખુલ્લું મ્હોં છે. જે તેમાં જાય છે, તે પાછો આવતો નથી. ઘણા સાહસિક પુરુષો તેમાં ક્ષય પામ્યા છે.’ આવું કહેવા છતાં વિદૂષકે તેઓનું વચન માન્યું નહીં અને રાજાના માણસો સાથે તેને ઘેર ગયો. ત્યાં આર્યવર્મ રાજાએ તેને જોઈ અભિનંદન આપ્યાં. પછી રાત્રે સૂર્ય જેમ અગ્નિમાં પ્રવેશ કરે છે તેમ રાજપુત્રીના ઘરમાં તે પેઠો. ત્યાં વિદૂષકે આકૃતિથી સ્નેહ ઉપજાવનારી અને આંસુ સહિત નિરાશાના દુઃખથી દયામણું મુખ કરી જોતી રાજકન્યાને જોઈ. પછી પોતે હાથમાં સ્મરણ માત્રથી હાજર થયેલું અગ્નિએ આપેલું ખડગ લઈ સારી રાત ત્યાં જાગતો જ રહ્યો. ત્યાં અકસ્માત્ મહાભયંકર રાક્ષસ દીઠો. તેનો જમણો હાથ તો કપાઈ ગયો હતો. તેથી તે રાક્ષસે પોતાનો ડાબો હાથ લાંબો કર્યો. તેને જોઈ વિદૂષકે વિચાર કર્યો કે જેનો હાથ પૌંડ્રવર્ધન નગરમાં મેં કાપી નાંખ્યો હતો તે જ આ રાક્ષસ છે. માટે હવે ફરીથી હાથ ઉપર ઘા નહીં કરું. જો એમ કરીશ તો આગળ પ્રમાણે જ એ નાસી જશે; માટે હવે તો એનો યોગ્ય ઘાટ ઘડવો. એવું વિચારી એકદમ ઊઠી દોડી આવી તે રાક્ષસનાં કેશ પકડી તેનું માથું કાપવાની વિદૂષકે તૈયારી કરી. ત્યારે બહુ ભય પામેલા રાક્ષસે કહ્યું, ‘તું મને માર નહીં, મારી ઉપર કૃપા કર.’ ત્યારે વિદૂષકે પૂછ્યું, ‘તારું નામ શું છે? અને આ તેં શો ધંધો આદર્યો છે?’ એવી રીતે તેના કેશ છોડીને પૂછ્યું ત્યારે રાક્ષસ કહે છે, ‘વીર પુરુષ,મારું નામ યમદંષ્ટ્ર છે, મારે બે પુત્રીઓ હતી. એક તો આ અને બીજી પૌંડ્રવર્ધન નગરમાં છે. તે બન્નેને શૌર્યરહિત પુરુષોનો સંગ થવા ન દેવો, એવી રીતે મને શંકરે આજ્ઞા કરી હતી. કર્મ સંજોગે એકે મારો હાથ પૌંડ્રવર્ધનમાં કાપી નાંખ્યો છે, અને આજે તમે મને હરાવ્યો છે તો મારું કામ સમાપ્ત થઈ રહ્યું છે.’ તે સાંભળી હસતાં હસતાં વિદૂષકે તેને કહ્યું કે ‘પૌંડ્રવર્ધનમાં તારો હાથ મેં જ કાપેલો છે.’ ત્યારે રાક્ષસ બોલ્યો કે, ‘તું દેવાંશી છે, મનુષ્ય નથી. હું એમ માનું છું કે, તારે માટે જ મને શંકરની આજ્ઞાનો અનુગ્રહ થયો હશે. હવે તું મારો મિત્ર થયો છે. જ્યારે મને યાદ કરીશ ત્યારે તારા કામને માટે મદદ કરવા હરેક સંકટમાં હાજર થઈ ઊભો રહીશ.’ એવી રીતે તે રાક્ષસે વિદૂષકને મૈત્રીનું વચન આપ્યું અને તે વિદૂષકે સ્વીકાર્યું. પછી તે રાક્ષસ અદૃશ્ય થઈ ગયો. વિદૂષકે પણ રાજીખુશીથી તે રાજપુત્રીની સાથે ત્યાં તે રાત કહાડી. સવારે સર્વ હકીકત જાણી પ્રસન્ન થઈ રાજાએ શૌર્યની એક પતાકા સરખી તે કન્યા વિનયસહિત વિદૂષકને કન્યાદાનમાં આપી. એક પગલું પણ નહીં છોડતી, ગુણથી બંધાયેલી લક્ષ્મી સરખી તે રાજપુત્રીની સાથે વિદૂષક કેટલીક રાત્રિ ત્યાં જ રહ્યો. પણ એક દિવસ રાત્રિને વિષે ભદ્રામાં જેનું ચિત્ત ચોંટેલું છે તેવો વીર પુરુષ ત્યાંથી ચાલી નીકળ્યો. દિવ્ય રસનો સ્વાદ જેણે ચાખ્યો હોય, એવો કયો પુરુષ બીજા રસમાં રાજી રહે વારુ? તેણે નગરની બહાર નીકળી રાક્ષસને યાદ કર્યો, ત્યારે તે તરત આવી નમસ્કાર કરી ઊભો રહ્યો. ત્યારે વિદૂષકે કહ્યું કે, ‘સિદ્ધક્ષેત્ર ઉદયાચળમાં ભદ્રા વિદ્યાધરી મેળવવા સારુ મારે જવું છે; માટે હે મિત્ર! મને ત્યાં તું લઈ જા.’ ત્યારે રાક્ષસ તેમ કરવા કબૂલ થયો. પછી તે રાક્ષસના ખભા ઉપર બેસી તે જ રાત્રે વિદૂષક સાઠ યોજન ચાલ્યો; અને સવારમાં મનુષ્યો જેનું ઉલ્લંઘન નથી કરી શકતા એવી શીતોદા નદી તરી જઈ સહેલથી ઉદયાચળની નજદીક જઈ પહોંચ્યો. ત્યાં રાક્ષસે કહ્યું કે, ‘આ તારી સામે ઉદય નામનો પર્વત છે. આની ઉપર સિદ્ધોના ધામમાં જવાની મારી ગતિ નથી.’ પછી તે રાક્ષસ તેની આજ્ઞા લઈ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો અને ત્યાં એક રમણીય વાવ વિદૂષકે દીઠી. ભ્રમરોના શબ્દોથી આવકાર દેતી હોય એવી તે વાવડીને કાંઠે બેઠો હતો, ત્યારે આ તારી પ્રિયાના આગમનનો માર્ગ છે એમ કહેતી હોય એવી સ્ત્રીઓના પગની વિસ્તારવાળી પંકિત જોઈ, આ પર્વત ઉપર કોઈ મનુષ્ય જઈ શકતું નથી માટે અહીં જ ઊભો રહું અને જોઉં કે આ કોના પગનો કેડો છે.’ એવો વિદૂષક વિચાર કરે છે તેટલામાં ત્યાં સોનાના ઘડા લઈ ઘણી સુંદર સ્ત્રીઓ પાણી ભરવા આવી. ઘડાઓમાં પાણી ભરી લીધું ત્યારે તે સ્ત્રીઓને વિદૂષકે પૂછ્યું કે, ‘આ કોનું પાણી ભરી જાઓ છો?’ એવી રીતે સ્નેહથી કોમળ શબ્દોથી પૂછ્યું ત્યારે તે રમણીઓએ જવાબ વાળ્યો કે, ‘હે ભદ્ર, આ પર્વતમાં ભદ્રા નામની વિદ્યાધરી છે, તેને નહાવા સારુ આ પાણી ભરી લઈ જઈએ છીએ.’ આશ્ચર્ય છે કે સાહસ કર્મનો આરંભ કરનારા ધીર પુરુષો ઉપર પ્રસન્ન થતો હોય એમ દૈવ જ ઉપયોગી સામગ્રી મેળવી આપે છે. કેમ કે તુરત જ તે સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ કહ્યું કે, ‘હે મહાભાગ! મારા ખભા ઉપર ઘડો ઊંચો ચડાવો તો, સારું.’ તેનું એ કહેવું માન્ય રાખી ઊભો થઈ ઘડો ઊંચે ચઢાવતી વખતે બુદ્ધિમાન વિદૂષકે, ભદ્રાએ પ્રથમ આપેલી રત્નની વીંટી જે પોતાની પાસે સાચવી રાખી હતી તે, ઘડામાં મૂકી દીધી. અને પછી તે વિદૂષક વાવડીને કિનારે બેઠો. તે સ્ત્રીઓ વાવડીનું પાણી ભરી ભદ્રાને ઘેર આવી. ત્યાં ભદ્રાને નહાવા સારું પાણી આપ્યું. તેટલામાં એ ઘડામાંથી રત્નની વીંટી ભદ્રાના ખોળામાં પડી. ભદ્રએ તરત એ વીંટી ઓળખી અને તે સખીઓને પૂછ્યું, ‘તમોએ આજ કોઈ અપૂર્વ પુરુષ દીઠો કે કેમ?’ ત્યારે તેઓ બોલી, ‘આજે અમે વાવડીને કિનારે એક યુવાન પુરુષ જોયો છે અને આ ઘડા અમને તેણે જ ઊંચકાવ્યા છે.’ આ સાંભળી ભદ્રા બોલી, ‘એ પુરુષને નવરાવી ધોવરાવી આભૂષણ પહેરાવી અહીં લાવો. તે મારો પ્રીતમ અહીં આવેલો છે.’ ભદ્રાના આ કહેવાથી તે સ્ત્રીઓ વાવડીને કિનારે ફરી ગઈ અને ભદ્રાના કહેલાં વચન કહી સ્નાનાદિક મંગળ કાર્ય કરાવીને ભદ્રા પાસે તેને લાવી. ભદ્રા તો રસ્તા સામું જોઈ રહી હતી. વિદૂષકે પોતાના ધૈર્યરૂપ વૃક્ષ પર પાકેલા ફળની શોભા હોય એવી ભદ્રાને જોઈ, તે ભદ્રાએ પણ વિદૂષકને જોઈ હર્ષાશ્રુના પાણીથી અર્ઘ્ય દેતી હોય તેમ તેના ગળામાં હસ્તલતાની માળા પહેરાવી, પરસ્પર આલિંગન, રંભન અને ચુંબન થવાથી પસીનાના કારણે અતિ દબાવાથી ઘણા કાળનો ભરેલો જાણે સ્નેહ નીકળ્યો હોય તેમ જણાયું. એક બીજાના જોવામાં અતૃપ્ત એવાં બેઉ સો ગણી ઉત્કંઠાને ધારણ કરવા લાગ્યાં. ‘હે નાથ! અહીં સુધી તમે કેવી રીતે આવ્યા?’ એવું ભદ્રાના પૂછવા ઉપરથી વિદૂષક બોલ્યો, ‘તમારા સ્નેહનું આલંબન કરી, ઘણા પ્રાણસંશય ઉપર બેસી અહીં આવેલો છું. હે સુંદરિ! બીજું શું કહું?’ એ સાંભળી વિદૂષકની જિંદગીની બેતમા જોઈ, ભદ્રાએ તેને કહ્યું, ‘હે આર્યપુત્ર! મને સખીઓનું કે સિદ્ધિઓનંુ પણ કામ નથી. ગુણથી ખરીદેલા તમે જ મારા પ્રાણપ્રિય છો. હે પ્રભુ! હું તમારી દાસી છું. ’ ત્યારે વિદૂષકે કહ્યું; ‘હે પ્રિયે! જો એમ હોય તો આ દિવ્ય ભોગ છોડી દઈ મારી સાથે ઉજ્જયિનીમાં રહેવા ચાલો.’ આ કહેવું સાંભળતાં જ ભદ્રાએ તરત તેનાં વચનને ઉપાડી લીધું! કેવળ આટલા સંકલ્પ ઉપરથી જ માયિક વિદ્યાઓ તણખલાની પેઠે તેણે તજી દીધી. તે પછી તે રાત્રિ તો તેની સાથે વિદૂષક ત્યાં જ થાક ઉતારવા રહ્યો. એ સમે તેની સખી યોગેશ્વરીએ ઘણી સરભરા કરી. બીજે દિવસે સવારે ભદ્રાને સાથે લઈ, તે ઉદયાચળથી ઊતરી યમદંષ્ટ્ર રાક્ષસને યાદ કર્યો. સ્મરણ માત્રમાં તે આવ્યો. તેને પોતાને જવાનો રસ્તો જણાવી ભદ્રાને પાસે બેસાડી તેની કાંધ ઉપર ચડ્યો અને ભદ્રાએ પણ અતિ ઉગ્ર રાક્ષસના ખભા ઉપર બેસવાનું સહન કર્યું. કેમકે સ્નેહથી પરવશ થયેલી સ્ત્રીઓ શું નથી કરતી? તે પછી રાક્ષસ ઉપર પ્રિયા સહિત બેસી વિદૂષકે ચાલવા માંડ્યું. ચાલતાં ચાલતાં તે ફરીથી કાર્કોટક નગરમાં આવ્યો. રાક્ષસનાં દર્શનથી બધાં મનુષ્યો ત્રાસથી થરથરી ગયાં. પછી આર્યવર્મા રાજાને ત્યાં જઈ વિદૂષકે પોતાની પ્રિયા માગી. રાક્ષસ ઉપર ચડી તે શહેરથી વિદૂષક ચાલ્યો. તે સમુદ્ર કિનારે આવ્યો, તો ત્યાં પેલા કૃતઘ્ન વાણીઆને જોયો, તેણે પ્રથમ સમુદ્રમાં ઊતરેલા વિદૂષકનાં દોરડાં કાપી નાંખ્યાં હતાં. તે સ્કંદદાસ વાણીઆની સઘળી દોલત અને પ્રથમ સમુદ્રમાં અટકેલા વહાણ છોડાવવાના પણથી મેળવેલી પુત્રીનું હરણ કરી, વિદૂષક ત્યાંથી આગળ ચાલ્યો. તે પાપીનું ધન લૂંટી લેવું, એ જ એનો વધ છે, એમ વિદૂષકે માન્યું; કારણ કે, ઘણું કરી ધનનો સંચય એ કદર્યના બીજા પ્રાણ છે. તે પછી વાણીઆની પુત્રી લઈ, ભદ્રા અને રાજપુત્રીઓની સાથે રાક્ષસરૂપ રથ ઉપર બેસી, પોતાની સ્ત્રીઓને પોતાના પુરુષાર્થ સરખો જેમાં સત્ત્વોનો ક્ષોભ શોભી રહેલો છે, એવા સમુદ્રને દેખાડતો વિદૂષક આકાશમાર્ગે સમુદ્રને તરી ગયો. તે પાછો પૌંડ્રવર્ધન નગરમાં આવ્યો. ત્યાં રાક્ષસનો પરાજય કરી મેળવેલી, ઘણા દિવસોથી ઉત્કંઠિત થયેલી દેવસેનની પુત્રીની સંભાવના કરી. તેના પિતા દેવસેને ત્યાં રહેવા ઘણું કહ્યું, પણ પોતાના દેશમાં રહેવા ઉત્સુક હોવાથી વિદૂષક તે સ્ત્રીને પણ લઈ ત્યાંથી ઉજ્જયિની ભણી ચાલ્યો. તે રાક્ષસના યોગથી ફરીથી પોતાનો દેશ જોવાનું સુખ તેને પ્રાપ્ત થયું. આ રીતે આનંદમાં તે ઉજ્જયિનીમાં આવી પહોંચ્યો. ખભા ઉપર બેઠેલી સ્ત્રીઓના મંડળની કાંતિથી જેનો દેહ પ્રકાશિત થયો છે, એવા મોટા શરીરવાળા રાક્ષસની ઉપર બેઠેલ વિદૂષકને, પ્રકાશમાન ઔષધિવાળા ઉદયાચળનાં શિખર ઉપર ઉદય થયેલા ચંદ્રની પેઠે મનુષ્યોએ જોયો, ત્યારે મનુષ્યો વિસ્મય અને ત્રાસ પામી ગયાં. વિદૂષકના આવવા વિષેની ખબર તેના સસરા આદિત્યસેનને થતાં તે પણ મહેલમાંથી બહાર નીકળી સામો આવ્યો. સસરાને આવેલો જોઈ વિદૂષક રાક્ષસ ઉપરથી નીચે ઊતર્યો અને પ્રણામ કરી પાસેગયો. ત્યારે રાજાએ તેને અભિનંદન આપ્યાં. પછી તે રાક્ષસના ખભા ઉપરથી પોતાની સઘળી સ્ત્રીઓને ઉતારી અને રાક્ષસને યથેચ્છ ફરવાની વિદૂષકે સંમતિ આપી. રાક્ષસના ગયા પછી સ્ત્રીઓ સહિત તે રાજા સાથે રાજમહેલમાં વિદૂષક આવ્યો. ત્યાં તે રાજાની પુત્રીને, પોતાની પ્રથમની ઘણા કાળની ઉત્કંઠાથી પરવશપણાને પામેલી પ્રિયાને આવી આલંગિન આપ્યું. પછી રાજાએ પૂછ્યું, ‘આ સ્ત્રીઓ તમને કેવી રીતે મળી અને એ રાક્ષસ કોણ હતો?’ ત્યારેતેણે સર્વ વૃત્તાંત અથથી ઇતિ સુધી કહી સંભળાવ્યો. તે પછી તેનો પ્રભાવ જોઈ રાજા પ્રસન્ન થયો અને જમાઈરાજને પોતાનું અર્ધરાજ્ય આપ્યું. તે ક્ષણે ઊંચું ધોળું છત્ર ધારણ કરનાર અને જેને બે ચામર ઢળે છે એવો બ્રાહ્મણ વિદૂષક જ્યારે રાજા થયો ત્યારે મંગળ આતોદ્ય વાજાંના શબ્દોથી ભરપૂર થયેલી ઉજ્જયિની પુરી હર્ષથી નાદ કરતી હોય તેવી જણાઈ. એવી રીતે રાજ્ય મળવાથી ક્રમે કરી તેણે આખી પૃથ્વી જીતી. સર્વ રાજા જેનાં ચરણ પૂજે છે તેવા વિદૂષકે મત્સર ન હોવાથી સુખમાં વૃદ્ધિ કરનારી પ્રિયાઓની સાથે ઘણો કાળ રમણ કર્યું. દૈવ અનુકૂળ હોય ત્યારે ધીર પુરુષોને પોતાનું ધૈર્ય જ લક્ષ્મીને બળાત્કારથી ખેંચવામાં સિદ્ધિ પામેલા મહામોહના મંત્ર સરખું થાય છે.