ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1,093: Line 1,093:
ત્યાર પછી મહાત્મા કશ્યપને બધી ભૂમિ દાનમાં આપીને અમિત પરાક્રમી પરશુરામ મહેન્દ્ર પર્વત ઉપર રહેવા લાગ્યા. આ રીતે પરશુરામ અને ક્ષત્રિયો વચ્ચે વેર બંધાયું હતું. અને આમ મહાતેજસ્વી પરશુરામે પૃથ્વી પર વિજય મેળવ્યો હતો.
ત્યાર પછી મહાત્મા કશ્યપને બધી ભૂમિ દાનમાં આપીને અમિત પરાક્રમી પરશુરામ મહેન્દ્ર પર્વત ઉપર રહેવા લાગ્યા. આ રીતે પરશુરામ અને ક્ષત્રિયો વચ્ચે વેર બંધાયું હતું. અને આમ મહાતેજસ્વી પરશુરામે પૃથ્વી પર વિજય મેળવ્યો હતો.
{{Right | (આરણ્યક પર્વ, ૧૧૫થી ૧૧૭)}} <br>  
{{Right | (આરણ્યક પર્વ, ૧૧૫થી ૧૧૭)}} <br>  
સુકન્યા અને ચ્યવન ઋષિની કથા
===સુકન્યા અને ચ્યવન ઋષિની કથા===
મહર્ષિ ભૃગુના પુત્ર ચ્યવન હતા, તેમણે સરોવર કાંઠે મહાતપ કર્યું હતું. મહાતેજસ્વી ચ્યવન એક જ સ્થલે તપ કરતા કરતા ઘણા સમય સુધી વીર સ્થાન પર બેઠા રહ્યા, તેને લીધે તે થાંભલા જેવા થઈ ગયા. લતાઓથી તેમનું શરીર ઢંકાઈ ગયું અને લાંબા સમયે પિપીલિકા (કીડી — ઊધઈ)એ તેમના શરીર પર રાફડો બનાવ્યો. રાફડાથી ઢંકાયેલા તે મહાત્મા માટીના પિંડ જેવા દેખાતા હતા, રાફડાથી વીંટળાયેલા હોવા છતાં તેમણે તપ ચાલુ રાખ્યું હતું. ઘણા સમયે શર્યાતિ નામના રાજા તે રમ્ય અને ઉત્તમ સરોવર આગળ વિહાર કરવા આવ્યા. રાજા શર્યાતિની સાથે ચાર હજાર સ્ત્રીઓ હતી અને તેમને શુભ્ર સુકન્યા નામની એકની એક પુત્રી હતી. ઉત્તમ આભૂષણો પહેરેલી અને સખીઓથી વીંટળાયેલી સુકન્યા ફરતાં ફરતાં ભાર્ગવના રાફડા પાસે આવી. ત્યાં મનોરમ ભૂમિને જોઈને વનસ્પતિને ચૂંટતી સખીઓ સાથે તે વિહાર કરવા લાગી. રૂપ, અવસ્થા, મદ અને મદન (કામદેવ)થી છલકાતી તે કન્યાએ પુષ્પોવાળાં વનવૃક્ષોની અનેક શાખાઓ તોડી, સખીઓ વિનાની, એકાંતમાં ભમનારી, એકવસ્ત્રા તે સુકન્યાને બુદ્ધિમાન ભાર્ગવે (ચ્યવને) વીજળીના જેવી ઘૂમતી જોઈ. મહા તેજસ્વી, તપોબળવાળા, સુકાઈ ગયેલા કંઠવાળા તે બ્રહ્મર્ષિ નિર્જન વનમાં તેને જોઈને આનંદિત થયા, તેમણે તે કલ્યાણીને કશુંક કહ્યું પણ સુકન્યાએ તે સાંભળ્યું નહીં. ત્યાર પછી રાફડામાં ભાર્ગવની આંખો જોઈ, બુદ્ધિમોહથી સુકન્યાએ કુતૂહલવશ ચ્યવન ઋષિની આંખોમાં ‘આ શું છે?’ એમ કહી કાંટો ભોંકી દીધો, એને કારણે તેમની આંખો ફૂટી ગઈ, એને કારણે ઋષિ પુષ્કળ ક્રોધે ભરાયા, રાજી શર્યાતિની સેનાના ઝાડોપેશાબ બંધ કરી દીધા. સેનાના ઝાડોપેશાબ બંધ થઈ ગયા એટલે સૈનિકો ગભરાયા, રાજાએ સેનાની આ સ્થિતિ જોઈને પૂછ્યું, ‘તપસ્વી વૃદ્ધ અને વિશેષ કરીને ક્રોધી મહાત્મા ભાર્ગવનો અપરાધ કોણે કર્યો છે? એ અપરાધ જાણી જોઈને કર્યો હોય કે અજાણતાં તે તરત જ કહે.’  
મહર્ષિ ભૃગુના પુત્ર ચ્યવન હતા, તેમણે સરોવર કાંઠે મહાતપ કર્યું હતું. મહાતેજસ્વી ચ્યવન એક જ સ્થલે તપ કરતા કરતા ઘણા સમય સુધી વીર સ્થાન પર બેઠા રહ્યા, તેને લીધે તે થાંભલા જેવા થઈ ગયા. લતાઓથી તેમનું શરીર ઢંકાઈ ગયું અને લાંબા સમયે પિપીલિકા (કીડી — ઊધઈ)એ તેમના શરીર પર રાફડો બનાવ્યો. રાફડાથી ઢંકાયેલા તે મહાત્મા માટીના પિંડ જેવા દેખાતા હતા, રાફડાથી વીંટળાયેલા હોવા છતાં તેમણે તપ ચાલુ રાખ્યું હતું. ઘણા સમયે શર્યાતિ નામના રાજા તે રમ્ય અને ઉત્તમ સરોવર આગળ વિહાર કરવા આવ્યા. રાજા શર્યાતિની સાથે ચાર હજાર સ્ત્રીઓ હતી અને તેમને શુભ્ર સુકન્યા નામની એકની એક પુત્રી હતી. ઉત્તમ આભૂષણો પહેરેલી અને સખીઓથી વીંટળાયેલી સુકન્યા ફરતાં ફરતાં ભાર્ગવના રાફડા પાસે આવી. ત્યાં મનોરમ ભૂમિને જોઈને વનસ્પતિને ચૂંટતી સખીઓ સાથે તે વિહાર કરવા લાગી. રૂપ, અવસ્થા, મદ અને મદન (કામદેવ)થી છલકાતી તે કન્યાએ પુષ્પોવાળાં વનવૃક્ષોની અનેક શાખાઓ તોડી, સખીઓ વિનાની, એકાંતમાં ભમનારી, એકવસ્ત્રા તે સુકન્યાને બુદ્ધિમાન ભાર્ગવે (ચ્યવને) વીજળીના જેવી ઘૂમતી જોઈ. મહા તેજસ્વી, તપોબળવાળા, સુકાઈ ગયેલા કંઠવાળા તે બ્રહ્મર્ષિ નિર્જન વનમાં તેને જોઈને આનંદિત થયા, તેમણે તે કલ્યાણીને કશુંક કહ્યું પણ સુકન્યાએ તે સાંભળ્યું નહીં. ત્યાર પછી રાફડામાં ભાર્ગવની આંખો જોઈ, બુદ્ધિમોહથી સુકન્યાએ કુતૂહલવશ ચ્યવન ઋષિની આંખોમાં ‘આ શું છે?’ એમ કહી કાંટો ભોંકી દીધો, એને કારણે તેમની આંખો ફૂટી ગઈ, એને કારણે ઋષિ પુષ્કળ ક્રોધે ભરાયા, રાજી શર્યાતિની સેનાના ઝાડોપેશાબ બંધ કરી દીધા. સેનાના ઝાડોપેશાબ બંધ થઈ ગયા એટલે સૈનિકો ગભરાયા, રાજાએ સેનાની આ સ્થિતિ જોઈને પૂછ્યું, ‘તપસ્વી વૃદ્ધ અને વિશેષ કરીને ક્રોધી મહાત્મા ભાર્ગવનો અપરાધ કોણે કર્યો છે? એ અપરાધ જાણી જોઈને કર્યો હોય કે અજાણતાં તે તરત જ કહે.’  
સૈનિકોએ કહ્યું, ‘કોણે અપરાધ કર્યો છે તે અમે જાણતા નથી.’
સૈનિકોએ કહ્યું, ‘કોણે અપરાધ કર્યો છે તે અમે જાણતા નથી.’

Revision as of 17:02, 24 January 2024


મહાભારતની કથાઓ


ધૌમ્ય ઋષિ અને તેમના ત્રણ શિષ્યોની કથા

એક સમયે ધૌમ્ય નામના ઋષિ થઈ ગયા. તેમના ત્રણ શિષ્યો: ઉપમન્યુ, આરુણિ અને વેદ. તેમણે પાંચાલ દેશના શિષ્ય આરુણિને આજ્ઞા કરી, ખેતરમાં જઈ ક્યારીઓના પાળા બાંધી દે. ઉપાધ્યાયની આજ્ઞા થઈ એટલે પાંચાલ દેશનો આરુણિ ત્યાં ગયો પરંતુ ક્યારીઓના બંધ બાંધી શક્યો નહીં; અતિ પરિક્ષમ કર્યા પછી તેને એક ઉપાય સૂઝ્યો, અને તે ક્યારીમાં આડો સૂઈ ગયો. સૂઈ જવાને કારણે તે પાણી પણ રોકાઈ ગયું, ત્યાર પછી ધૌમ્ય ઋષિએ શિષ્યોને પૂછ્યું, ‘પાંચાલ દેશનો આરુણિ ક્યાં જતો રહ્યો છે?’ તેમણે કહ્યું, ‘ભગવન્, આપે તો ક્યારી બાંધવા મોકલ્યો હતો.’ આમ કહ્યું એટલે ધૌમ્ય ઋષિએ શિષ્યોને કહ્યું, ‘ચાલો તે જ્યાં ગયો છે ત્યાં બધા જઈએ.’ ત્યાં જઈને તેઓ તેને મોટેથી સાદ પાડવા લાગ્યા, ‘હે આરુણિ, તું ક્યાં છે? વત્સ, ચાલ્યો આવ.’ ઉપાધ્યાયનું બોલવું સાંભળીને આરુણિ ક્યારી પરથી ઊભો થઈને ગુરુ પાસે આવ્યો. તેમને કહ્યું, ‘હું આ રહ્યો. ક્યારીમાંથી નીકળતા અને ન રોકાતા પાણીને અટકાવવા માટે હું સૂતો હતો અને ત્યાં મેં તમારો બોલ સાંભળ્યો, તરત જ ક્યારી તોડ્યા વિના જ અહીં આવી પહોંચ્યો છું. હું આપનું અભિવાદન કરું છું. મને આજ્ઞા આપો. હું શું કરું?’ ઉપાધ્યાયે તેને કહ્યું, ‘તું ક્યારીને ભાંગ્યા વિના જ બહાર આવ્યો છું એટલે તું ઉદ્દાલક નામથી પ્રસિદ્ધ થઈશ.’ ઉપાધ્યાયે તેના પર કૃપા કરી. ‘તેં મારી આજ્ઞા પાળી છે એટલે તારું શ્રેય થશે અને સંપૂર્ણ વેદ, ધર્મશાસ્ત્રોમાં તું નિપુણ થઈશ.’ આમ ગુરુની આજ્ઞાથી તે પોતાના મનગમતા પ્રદેશમાં ગયો. ધૌમ્ય ઋષિના બીજા શિષ્યનું નામ ઉપમન્યુ હતું. ઉપાધ્યાયે તેને આશ્રમ બહાર મોકલ્યો, ‘વત્સ, તું ગાયોની રક્ષા કર.’ ઉપમન્યુ ગુરુની આજ્ઞા પ્રમાણે ગાયોનું રક્ષણ કરવા લાગ્યો. આખો દિવસ ગાયોની રક્ષા કરીને દિવસના અંતે ઉપાધ્યાય પાસે આવીને નમન કરતો. ગુરુએ તેને પુષ્ટ જોઈને પૂછ્યું, ‘વત્સ ઉપમન્યુ, તું કેવી રીતે ગુજરાન ચલાવે છે? હું તને ખૂબ જ પુષ્ટ જોઉં છું.’ તેણે ઉપાધ્યાયને કહ્યું, ‘હું ભિક્ષા માગીને નિર્વાહ કરું છું.’ ઉપાધ્યાયે કહ્યું, ‘મારી આજ્ઞા સિવાય ભિક્ષાન્ન ખાવું ન જોઈએ.’ ‘ભલે, એમ કરીશ.’ કહીને તે ફરી ગાયોની રક્ષા કરવા લાગ્યો. ગાયોની રક્ષા કરીને તે ઉપાધ્યાય પાસે જઈને નમન કરતો હતો. ત્યારે પણ ઉપાધ્યાયે તેને પુષ્ટ જોઈને કહ્યું, ‘વત્સ, ઉપમન્યુ, તું બધી જ ભિક્ષા મને આપી દે છે. હવે તું કેવી રીતે નિર્વાહ ચલાવે છે?’ આ સાંભળીને ઉપાધ્યાયને તેણે કહ્યું, ‘પહેલી ભિક્ષા આપને આપી દઈ બીજી વાર ભિક્ષા લાવું છું, એ રીતે મારો નિર્વાહ ચાલે છે.’ ઉપાધ્યાયે તેને કહ્યું, ‘ગુરુકૂલમાં આ ન્યાયપૂર્ણ ન કહેવાય. આમ કરીને બીજા ભિક્ષાર્થીઓની વૃત્તિનો અંત લાવે છે. તું લોભી બન્યો છે.’ ‘ભલે.’ એમ કહીને ગાયોની રક્ષા કરવા લાગ્યો, ગોરક્ષા કરીને ફરી તે ઉપાધ્યાય પાસે આવીને નમન કરતો, ત્યારે પણ ઉપાધ્યાયે તેને પુષ્ટ જોઈને પૂછ્યું, ‘હું તારી બધી ભિક્ષા લઈ લઉં છું. તું બીજી વાર ભિક્ષા માગતો નથી અને છતાં તું પુષ્ટ છે. તું તારો નિર્વાહ કેવી રીતે કરે છે?’ ઉપમન્યુએ ગુરુને કહ્યું, ‘આ ગાયોનું દૂધ પીને હું નિર્વાહ કરું છું.’ ત્યારે ઉપાધ્યાયે તેને કહ્યું, ‘મારી આજ્ઞા વિના તારે દૂધ પીવું ન જોઈએ.’ તે ‘ભલે’ કહીને ગાયોની રક્ષા કરવા લાગ્યો અને ફરી ઉપાધ્યાયના ઘરે જઈને નમન કરતો રહ્યો. ત્યારે ઉપાધ્યાયે તેને પુષ્ટ જોયો. તેમણે કહ્યું, ‘તું ભિક્ષા નથી લેતો, બીજી વાર ભિક્ષા માગતો નથી, દૂધ નથી પીતો, અને પુષ્ટ છે. તું નિર્વાહ કેવી રીતે ચલાવે છે?’ આ સાંભળીને તેણે ઉપાધ્યાયને કહ્યું, ‘વાછરડાં જ્યારે ગાયોને ધાવે છે ત્યારે જે ફીણ કાઢે છે તે પીને જીવું છું.’ એટલે ઉપાધ્યાયે તેને કહ્યું, ‘આ બધા ગુણવાન વાછરડા અનુકંપાથી વધારે ફીણ પાડે, એમ કરીને તું વાછરડાનો ભાગ છિનવે છે. ફીણ પીવું પણ તારે માટે યોગ્ય નથી.’ ‘ભલે’ એમ કહીને તે ભૂખ્યા પેટે ગાયોની રક્ષા કરતો રહ્યો. આમ તે ભિક્ષા માગતો ન હતો, બીજી વાર ભિક્ષા માગતો ન હતો, દૂધ પીતો ન હતો, દૂધનું ફીણ પીતો ન હતો. એક સમયે અરણ્યમાં ખૂબ જ ભૂખ્યો હતો એટલે તેણે આકડાનાં પાન ખાધાં. ખારાં, કડવાં અને ગરમ એવાં એ પાંદડાં ખાઈને તે આંખો ગુમાવી બેઠો. અંધ હોવા છતાં ફર્યા કરતો હતો, અને કૂવામાં પડી ગયો. ઉપમન્યુ પાછો ન ફર્યો એટલે ઉપાધ્યાયે શિષ્યોને કહ્યું, ‘મેં ઉપમન્યુને બધા જ પ્રકારના ભોજનની ના કહી હતી. નિશ્ચિત તે ક્રોધે ભરાયો હશે. એટલે જ ઘણા સમયથી ગયો હોવા છતાં તે હજુ પાછો ફર્યો નથી.’ આમ બોલીને વનમાં જઈને ઉપમન્યુને સાદ દેવા લાગ્યા, ‘અરે ઉપમન્યુ, તું ક્યાં છે? વત્સ, તું ચાલ્યો આવ.’ ત્યારે ઉપમન્યુ ગુરુનો પોકાર સાંભળીને મોટેથી કહેવા લાગ્યો, હે ઉપાધ્યાય, હું કૂવામાં પડ્યો છું.’ ઉપાધ્યાયે પૂછ્યું, ‘તું કૂવામાં કેવી રીતે પડ્યો?’ તેણે તેમને કહ્યું, ‘આકડાનાં પાંદડાં ખાવાથી હું અંધ થઈ ગયો છું. એટલે કૂવામાં પડી ગયો છું.’ એટલે ઉપાધ્યાયે તેને કહ્યું, ‘તું અશ્વિનીકુમારોની સ્તુતિ કર. દેવતાઓના વૈદ તને આંખો આપશે.’ ઉપાધ્યાયની વાત સાંભળીને ઉપમન્યુ ઋગ્વેદની ઋચાઓ વડે અશ્વિનીકુમારોની સ્તુતિ કરવા લાગ્યો. (ઉપમન્યુ ઋગ્વેદ અંતર્ગત અશ્વિનીકુમાર દેવોની સ્તુતિ કરે છે.) આ સ્તુતિથી અશ્વિનીકુમાર ત્યાં આવ્યા અને ઉપમન્યુને કહ્યું, ‘અમે તારી સ્તુતિથી પ્રસન્ન થયા છીએ, આ પૂડો લે અને ખા!’ આ સાંભળીને ઉપમન્યુએ કહ્યું, ‘તમે કદી અસત્ય બોલતા નથી પરંતુ હું ગુરુને અર્પ્યા વિના આ પૂડો નહીં ખાઈ શકું.’ ત્યારે અશ્વિનીકુમારોએ તેને કહ્યું, ‘આ પહેલાં તારા ગુરુએ પણ સ્તવન કર્યું હતું અને પોતાના ગુરુને આપ્યા વિના પૂડો ખાધો હતો. એટલે તારા ગુરુએ જેમ કર્યું હતું તેમ તું પણ કર.’ એ સાંભળીને ઉપમન્યુ ફરી બોલ્યો, ‘હે અશ્વિનીકુમારો, હું અનુનય કરીને કહું છું: ઉપાધ્યાયને ધરાવ્યા વિના હું આ પૂડો નહીં ખાઉં.’ અશ્વિનીકુમારોએ તેને કહ્યું, ‘આવી ગુરુભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ, તારા ગુરુના દાંત લોખંડના હતા. તારા દાંત સોનાના થશે. તું નેત્રવાળો થઈશ અને તારું કલ્યાણ થશે.’ અશ્વિનીકુમારોએ આમ કહ્યું, એટલે નેત્રો પ્રાપ્ત કરીને ઉપમન્યુ ગુરુ પાસે આવીને પ્રણામ કરવા લાગ્યો. બધી વાત કરી. ઉપાધ્યાય પ્રસન્ન થયા. અશ્વિનીકુમારોએ જેવું કહ્યું છે તેવું જ થશે, બધા વેદોનું જ્ઞાન તને પ્રાપ્ત થશે.’ આ પ્રમાણે ઉપમન્યુની પરીક્ષા થઈ. (આદિ પર્વ, ૩)

ભૃગુ-પુલોમાકથા

મહર્ષિ ભૃગુની પત્ની અતિ પ્રિય દયિતા અને વિખ્યાત પુલોમા હતી, ભૃગુ ઋષિના વીર્યથી પુલોમાના ઉદરમાં ગર્ભ સ્થિર થયો. તે યશસ્વી ભૃગુથી સમાન શીલવાળી ધર્મપત્ની પુલોમામાં યથા સમયે ગર્ભ સ્થિર થયો, પરમ ધાર્મિક ભૃગુ એક દિવસ સ્નાન માટે ગયા, ત્યારે પુલોમા નામનો એક રાક્ષસ તેમના આશ્રમમાં આવ્યો. અંદર પ્રવેશીને તેણે અનિન્દિતા (અતિ સુંદર) ભૃગુપત્નીને જોઈને તેના હૃદયમાં કામ વ્યાપ્યો અને અચેતન બની ગયો. ચારુદર્શના પુલોમાએ અતિથિ તરીકે આવેલા એ રાક્ષસને વનના ફળમૂળનો સ્વીકાર કરવા આમંત્રણ આપ્યું. હૃદયમાં પ્રગટેલા કામથી પીડિત થઈને તે રાક્ષસ અનિન્દિતા સ્ત્રીને નિહાળીને પ્રસન્ન થયો. તેની ઇચ્છા તે સ્ત્રીનું હરણ કરવાની હતી. પછી તે રાક્ષસે અગ્નિગૃહમાં જાતવેદા અગ્નિને જોયો અને તે પ્રજ્વલિત અગ્નિને તેણે પૂછ્યું, ‘હે અગ્નિ, તમે સત્યવક્તા છે, હું તમને સત્ય પૂછું છું, આ સ્ત્રી કોની છે? મને સાચું કહો, મેં અગાઉ આ સુંદર સ્ત્રીને પત્ની રૂપે પસંદ કરી હતી, પછી તેના પિતાએ આ સ્ત્રીને અસત્યવાદી ભૃગુને સોંપી દીધી, આ સુંદર સ્ત્રી ભૃગુની ભાર્યા છે કે નહીં તે વાત સાચેસાચ કહો, હું આશ્રમમાંથી તેનું હરણ કરી જવા માગંુ છું, આ સુમધ્યમા કાયાવાળી સુંદરી મારી પત્ની હતી. તે ભૃગુની થઈ ગઈ. આજ સુધી મારો ક્રોધ મારા હૃદયમાં ને હૃદયમાં જ જીવંત રહ્યો છે.’ આ ભૃગુની પત્ની છે એવી શંકા કરીને તે રાક્ષસ પ્રજ્વલિત જાતવેદાને વારંવાર પૂછવા લાગ્યો. ‘હે અગ્નિ, તમે તો નિત્ય બધાં પ્રાણીઓનાં અંતરમાં વિચરો છો, પાપપુણ્યના સાક્ષી બનો છો, હે કવિ, તમે સત્ય બોલો. મેં એક સમયે વરેલી ભાર્યા અસત્યવાદી ભૃગુએ છિનવી લીધી છે, આ એ જ સ્ત્રી છે કે નહીં, હે અગ્નિ, તમે સાચી વાત મને કહો, તમારા મોંએ સાચી વાત સાંભળીને તમારા દેખતાં જ આ આશ્રમમાંથી હું એનું હરણ કરી જઈશ. એટલે સાચું બોલો.’ તે રાક્ષસની આવી વાત સાંભળીને અગ્નિ એક બાજુ અસત્ય ભાષણથી ભય પામ્યો અને બીજી બાજુ ભૃગુના શાપની પણ ભીતિ થઈ. ધીમેથી તે બોલ્યો, ‘હા, આ પુલોમા ભૃગુની પત્ની છે.’ અગ્નિનું એ વચન સાંભળીને વરાહનું રૂપ લઈને મન અને પવનના વેગે તે રાક્ષસ તેને (પુલોમાને) હરી ગયો. તે સમયે પુલોમાના ઉદરમાં રહેલો ગર્ભ ક્રોધને કારણે માતાના શરીરમાંથી સરી પડ્યો. નીચે પડી ગયો, એટલે તેનું નામ ચ્યવન પડ્યું. માતાના ઉદરમાંથી ચ્યુત થનારા એ આદિત્ય (સૂર્ય) સમાન તેજસ્વી બાળકને જોતાંવેંત તે રાક્ષસ ભસ્મ થઈને નીચે પડી ગયો. દુઃખથી મૂચ્છિર્ત થયેલી, સુંદર સાથળોવાળી પુલોમા ભૃગુનંદન ચ્યવનને લઈને ભાર્ગવ પાસે જઈ પહોંચી. સર્વ લોકના પિતામહ બ્રહ્માએ રડતીકકળતી, અનંિદિતા અને આંસુ સારતી ભૃગુભાર્યાને જોઈ, પિતામહ બ્રહ્માએ પોતાની પુત્રવધૂને સાંત્વન આપ્યું. પુલોમાનાં આંસુમાંથી ત્યાં મહા નદી વહેવા લાગી, અને તે યશસ્વિની ભૃગુપત્નીની પાછળ પાછળ વહેવા લાગી. આંસુમાંથી પ્રગટેલી એ નદીને પુલોમાની પાછળ પાછળ ભગવાન ચ્યવનના આશ્રમ તરફ વહેતી જોઈને સર્વલોકના પિતામહ બ્રહ્માએ તેનું નામ ‘વધૂસરા’ પાડ્યું. તો આમ ભૃગુના પ્રતાપી પુત્ર ચ્યવન પ્રગટ્યા હતા. તે સમયે ભૃગુએ પોતાના પુત્ર ચ્યવનને અને ભામિની (પત્ની)ને જોઈ. ક્રોધે ભરાયેલા ભૃગુએ પોતાની પત્ની પુલોમાને પૂછ્યું, ‘તારું હરણ કરવાની ઇચ્છા ધરાવતા એ રાક્ષસને કોણે તારો પરિચય આપ્યો, કારણ તે મારી ચારુહાસિની (સુંદર હાસ્યવાળા) ભાર્યાને તે રાક્ષસ ઓળખતો ન હતો. તું સાચું કહે, હું ક્રોધે ભરાયો છું, તેને શાપ આપવા માગું છું. કોણે આ વ્યતિક્રમ (અવળું કાર્ય) કર્યો, મારા શાપથી કોણ ભય પામતું નથી?’ એટલે પુલોમાએ કહ્યું, ‘હે ભગવન્, અગ્નિએ તે રાક્ષસને મારો પરિચય આપ્યો, એટલે તે રાક્ષસ કુરરી(ટિટોડી?)ની જેમ રોતીકકળતી મને લઈ ગયો. તમારા આ પુત્રના તેજના પ્રભાવે હું મુક્ત થઈ અને તે રાક્ષસ મને મુક્ત કરીને ભસ્મ થઈને ભૂમિ પર પડી ગયો.’ પુલોમાની આ વાત સાંભળીને ભૃગુ બહુ ક્રોધે ભરાયા અને તેમણે અગ્નિને શાપ આપ્યો કે તું હવેથી સર્વભક્ષી બની જઈશ. ભૃગુએ શાપ આપ્યો એટલે અગ્નિએ ક્રોધે ભરાઈને કહ્યું, ‘હે બ્રહ્મન્, અત્યારે આ કેવું સાહસ આદર્યું? હું ધર્મનું આચરણ કરું છું, સત્ય બોલું છું, પક્ષપાત કરતો નથી, પૂછ્યું એટલે સત્ય કહ્યું, આમાં મારો વાંક ક્યો? જે સાક્ષી કોઈ પૂછે અને જાણતો હોવા છતાં જૂઠું બોલે તે પોતાની આગલી અને ભવિષ્યની સાત પેઢીઓનો નાશ કરે છે. જે વ્યક્તિ સત્ય જાણવા છતાં પણ બોલતા નથી તે પણ આ પાપથી ખરડાય છે એેમાં કશો સંશય નથી. હું પણ તમને શાપ આપી શકું છું પરંતુ તમે બ્રાહ્મણ છો એટલે માનને પાત્ર છો. તમે બધું જાણો છો છતાં બધું વ્યક્ત કરવા કહું છું. હું યોગપ્રભાવે મારી જાતને બહુમાં વહેંચું છું, મૂર્તિઓમાં, અગ્નિહોત્રોમાં, સત્રોમાં, બધી ક્રિયાઓમાં ઉપસ્થિત રહું છું. વેદોક્ત વિધિઓથી જેઓ મને હવિ ચઢાવે છે, તેનાથી દેવતાઓ અને પિતૃઓ તૃપ્ત થાય છે. જળ જ દેવતા છે, સર્વ જળ પણ પિતૃઓ છે. દેવતાઓ અને પિતૃઓના નિમિત્તે દર્શ અને પૌર્ણમાસ યજ્ઞ હોય છે. એટલે દેવતાઓ પિતૃ છે અને પિતૃઓ દેવતા છે. પર્વોમાં ક્યારેક એક રૂપે ક્યારેક પૃથક્રૂપે તેઓ પૂજાય છે. દેવતાઓ અને પિતૃઓ મારામાં હવિ નિત્ય નાખે છે, એટલે જ મને દેવતાઓનું તથા પિતૃઓનું મુખ માનવામાં આવે છે. અમાવાસ્યાએ પિતૃઓ તથા પૂણિર્માએ દેવતાઓ હવિ મેળવે છે. મારા મુખમાં જ હોમાયેલાં હવિ આરોગે છે, તેમનું મુખ હોવાથી હું સર્વભક્ષી કેવી રીતે થઈશ?’ આમ વિચારીને અગ્નિએ બ્રાહ્મણોના અગ્નિહોત્ર, યજ્ઞ-સત્રની ક્રિયાઓમાંથી પોતાને અલગ કરી લીધા. એટલે બધી પ્રજાઓ ઓંકાર, વષટ્કાર, સ્વાધા, સ્વાહા વગેરેથી વર્જિત થઈ ગઈ અને અતિ દુઃખી થઈ. એટલે ઋષિઓ ઉદ્વિગ્ન થઈને દેવતાઓ પાસે જઈને બોલ્યા, ‘અગ્નિનાશ થવાને કારણે ત્રણે લોક ક્રિયાઓ (વિધિઓ) વિના ભ્રાન્ત થઈ ગયા છે. કાળ વ્યતીત ન થાય એટલે યોગ્ય લાગે તે કરો.’ દેવતાઓ અને ઋષિઓ બ્રહ્મા પાસે ગયા અને અગ્નિને અપાયેલા શાપની તથા યજ્ઞક્રિયાઓ બંધ થઈ ગઈ તેની વાત કરી. ‘હે મહાભાગ, કોઈક કારણે ભૃગુએ અગ્નિને શાપ આપ્યો છે. અગ્નિ તો યજ્ઞમાં અપાતા હવિનું સૌ પ્રથમ ભોજન કરે છે, ત્રણે લોકમાં અપાયેલી આહુતિનું ભક્ષણ કરનાર સર્વભક્ષી કેવી રીતે હોઈ શકે?’ તેમની વાત સાંભળીને ત્રણે લોકના કર્તા બ્રહ્માએ અવિનાશી અને ભૂતભાવન(બધાં પ્રાણીઓને સર્જનાર) અગ્નિને બોલાવીને કહ્યું, ‘તું બધા લોકનો કર્તા છે, હર્તા પણ છે, તું ત્રણે લોકને ધારણ કરે છે, બધા ક્રિયાકાંડ તું કરાવે છે, એટલે તું લોકેશ છે, એવું કર જેથી બધા ક્રિયાકાંડ બંધ ન થઈ જાય. તું બધી આહુતિઓનું ભક્ષણ કરનાર, તું લોકપાલ અને છતાં શા માટે વિમૂઢ બની ગયો છે? આ લોકમાં તું પવિત્ર છે, બધા લોકોની ગતિ છે. તું બધાના શરીરનો ભક્ષક નહીં થાય. તારી શિખાઓ — જ્વાળાઓ સર્વભક્ષી બનશે. જેવી રીતે સૂર્યના સ્પર્શથી બધું જ પવિત્ર થાય છે તેમ તારી જ્વાળાથી દગ્ધ થઈને બધું પવિત્ર થશે. હે અગ્નિ, તું તેજસ્વી છે, એટલે ઋષિના શાપને તું તારા તેજ વડે સત્ય કરી બતાવ. તારા મુખમાં અપાયેલા દેવો માટેના અને તારા માટેના હવિનો તું સ્વીકાર કર.’ અગ્નિએ પિતા બ્રહ્માને કહ્યું, ‘ભલે, એમ થશે.’ અને પરમશ્રેષ્ઠી દેવની આજ્ઞાનું પાલન કરવા ગયા. દેવતાઓ અને! ઋષિઓ જેવી રીતે આવ્યા હતા તેવી રીતે ગયા અને પહેલાંની જેમ બધા ક્રિયાકાંડ કરવા લાગ્યા. દેવલોકમાં દેવતાઓ અને પૃથ્વી પરનાં પ્રાણીઓ આનંદિત થયાં. અગ્નિ પણ શાપથી મુક્ત થઈને અતિ પ્રસન્ન થયા. અને આમ અગ્નિના શાપનો, પુલોમા રાક્ષસના નાશની તથા ચ્યવનના જન્મની કથા અહીં કહી. (આદિ પર્વ, પ-૬-૭)

રુરુ અને પ્રમદ્વરાની કથા

એક જમાનામાં તપસ્વી અને વિદ્યાવાન તથા બધાં પ્રાણીઓના હિતચિંતક એવા સ્થૂલકેશ નામે વિખ્યાત ઋષિ થઈ ગયા. તે જ અરસામાં વિશ્વાવસુ નામના ગંધર્વે મેનકા સાથે સંબંધ બાંધીને એક કન્યાને જન્મ આપ્યો. યથાસમયે મેનકાએ તે કન્યાને સ્થૂળકેશ ઋષિના આશ્રમ પાસે ત્યજી દીધી અને નદીકિનારે તેને મૂકીને તે ચાલી ગઈ. ત્યાર પછી અમર દેવકન્યા જેવી તેજસ્વી અને તેજથી પ્રજ્વલિત, નિર્જન નદીકિનારે ત્યજાયેલી તથા બાંધવજનો વિનાની તે કન્યાને તેજસ્વી મહાન ઋષિ સ્થૂળકેશે જોઈ. બ્રાહ્મણશ્રેષ્ઠ અને મુનિશ્રેષ્ઠ એવા સ્થૂળકેશને તે કન્યા જોઈને દયા આવી અને તેઓ તેને લઈ આવ્યા, તેનું પાલન કરવા લાગ્યા. ઋષિના આશ્રમમાં તે કમળ સમાન સુંદર અને શુભા કન્યા મોટી થવા લાગી. રૂપ, ગુણ અને સત્ત્વમાં તે કન્યા બધી પ્રમદાઓમાં ઉત્તમ હતી એટલે મહર્ષિએ તેનું નામ પ્રમદ્વરા રાખ્યું. ધર્માત્મા, આત્મશક્તિવાળા રુરુ તે આશ્રમમાં પ્રમદ્વરાને જોઈને કામવશ થયા. ભૃગુવંશી રુરુએ પોતાના મિત્રો દ્વારા પિતા પાસે પોતાની ઇચ્છા જણાવી રુરુના પિતા પ્રમતિ (ચ્યવન અને સુકન્યાપુત્ર) યશસ્વી સ્થૂળકેશ પાસે ગયા. પ્રમદ્વરાના પિતા સ્થૂળકેશે તે કન્યા રુરુને આપી દીધી. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં તેમની વિવાહતિથિ પણ નક્કી કરી દીધી. વિવાહના થોડા દિવસ અગાઉ અલૌકિક રૂપવતી એવી તે કન્યા સખીઓ સાથે રમતી હતી ત્યારે ત્રાંસા સૂતેલા લાંબા સાપને ન જોયો અને મૃત્યુની ઇચ્છાવાળી પ્રમદ્વરાએ કાળ પ્રેરિત થઈને તે સાપ પર પગ મૂકી દીધો. સર્પદંશથી પ્રમદ્વરા નિષ્પ્રાણ થઈને જમીન પર પડી ગઈ અને જે દર્શનીય (જોવાલાયક) હતી તે અદર્શનીય બની ગઈ. સર્પવિષથી પ્રજ્વલિત ધરતી પર સૂઈ રહી ન હોય એવું લાગ્યું, તેના શરીરનો રંગ ઊડી ગયો હતો. અને છતાં મૃત્યુ પામેલી, પાતળી કમરવાળી પ્રમદ્વરા વધુ સુંદર દેખાવા લાગી. તેના પિતા સ્થૂળકેશે અને બીજા તપસ્વીઓએ પદ્મ જેવી અને ભૂમિ પર પડેલી નિર્જીવ કન્યાને જોઈ. બધા જ દ્વિજશ્રેષ્ઠ ત્યાં દયા આણીને ભેગા થયા, સ્વસ્ત્યાત્રેય, મહાજાનુ, કુશિક, શંખમેખલ ભરદ્વાજ, કૌણકુત્સ, આર્ષ્ટિણકોણ, ગૌતમ, પ્રમતિ, તેમના પુત્ર રુરુ અને બીજા વનવાસીઓ સર્પવિષથી બળેલી અને પ્રાણહીન જોઈને રડવા લાગ્યા. રુરુ તો શોકાકુળ થઈને કરુણાસભર થઈ બહાર જતો રહ્યો. બ્રાહ્મણો ચારે બાજુ ત્યાં બેઠેલા હતા એટલે રુરુ દુઃખી થઈને ગાઢ વનમાં જઈ રડવા લાગ્યો. અતિ શોકથી વિહ્વળ થયેલો રુરુ કરુણ વિલાપ કરતો પોતાની પ્રિયા પ્રમદ્વરાની ચિંતા કરતો શોકાતુર થઈને બોલ્યો, ‘મારો શોક વધારનારી તે તન્વાંગી પ્રમદ્વરા ધરતી પર સૂતી છે, મારા માટે અને મારા બાંધવો માટે આથી વધારે શોકની ઘટના કઈ? જો મેં દાન આપ્યું હોય, તપ કર્યું હોય, ગુરુજનોની સારી સેવા કરી હોય તો મારી પ્રિયા સજીવન થઈ ઊઠે. જો હું જન્મથી વ્રતશીલ રહ્યો હોઉં, જિતેન્દ્રિય રહ્યો હોઉં તો આજે જ ભામિની પ્રમદ્વરા જીવતી થઈ ઊઠે.’ દેવદૂતે કહ્યું, ‘હે રુરુ , તું દુઃખી થઈને જે કંઈ કહી રહ્યો છે તે બધું અર્થહીન છે. હે ધર્માત્મન, જેનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય તેને પુનર્જીવન નથી મળી શકતું. આ દીન, અપ્સરા અને ગંધર્વની કન્યાની આયુમર્યાદા પૂરી થઈ ગઈ છે. એટલે હે તાત, તું શોકવિહ્વળ થઈને ચિત્તને વ્યાકુળ ન કર. પરંતુ મહાત્મા દેવતાઓએ આ માટે ભૂતકાળમાં એક ઉપાય બતાવ્યો છે, જો તું એ કરવા ઇચ્છે તો પ્રમદ્વરાને પામી શકીશ.’ રુરુએ કહ્યું, ‘હે આકાશગામી દેવદૂત, દેવતાઓએ શો ઉપાય બતાવ્યો છે તે મને સારી રીતે બતાવો, એ સાંભળીને હું એ પ્રમાણે કરીશ. મને તમે ઉગારો.’ દેવદૂતે કહ્યું, ‘હે ભૃગુનંદન, રુરુ, જો તું આ કન્યાને તારા આયુષ્યનો અડધો ભાગ આપી દે તો આમ કરવાથી તારી ભાર્યા પ્રમદ્વરા જીવતી થાય.’ રુરુએ આ સાંભળી કહ્યું, ‘આકાશગામી ઉત્તમ દેવદૂત, હું આ કન્યાને મારા આયુષ્યનો અડધો ભાગ આપું છું. શૃંગાર, રૂપ અને આભરણોવાળી મારી પ્રિયા ફરી જીવતી થાય.’ ત્યાર પછી ઉત્તમ દેવદૂત અને ગંધર્વરાજ બંને ધર્મરાજ પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે ધર્મરાજ, જો તમે સંમત થાઓ તો રુરુની મૃત પત્ની પ્રમદ્વરા રુરુના અડધા આયુષ્ય વડે જીવતી થાય.’ ધર્મરાજે કહ્યું, ‘હે દેવદૂત, તમે જો એવું ઇચ્છતા હો તો ભલે રુરુની પત્ની પ્રમદ્વરા રુરુના અડધા આયુષ્ય વડે ફરી જીવતી થાય.’ ધર્મરાજે એવું કહ્યું, એટલે વરર્વિણની (સુંદરી) પ્રમદ્વરા તે રુરુનું અડધું આયુષ્ય મેળવીને જાણે ઊંઘમાંથી ઊઠી હોય તેમ બેઠી થઈ. ભવિષ્યમાં લોકો જોઈ શકશે કે ઉત્તમ તેજસ્વી રુરુના દીર્ઘ આયુષ્યનો અડધો હિસ્સો ભાર્યાના નિમિત્તે ખરચાઈ ગયો હતો. ત્યાર પછી રુરુ અને પ્રમદ્વરાના પિતાઓએ ખૂબ જ આનંદિત થઈને શુભ દિવસે તેમનો વિવાહ કરી દીધો. તે બંને પરસ્પરના હિતની ઇચ્છા કરતા ક્રીડા કરવા લાગ્યા. કમળતંતુ જેવી રૂપવતી દુર્લભા ભાર્યા પામીને તે વ્રતધારી રુરુએ તે સર્પજાતિના વિનાશની પ્રતિજ્ઞા લીધી. સાપને જોતાં વેંત તે ક્રોધે ભરાતો હતો અને લાકડી વડે, પોતાની શક્તિ વડે તેને મારી નાખતો હતો. એક દિવસ તે વિદ્વાન રુરુ ગાઢ વનમાં ગયો અને ત્યાં તેણે એક ઘરડા ડુંડુભને જોયો. ક્રોધે ભરાયેલો રુરુ કાલદંડ જેવી લાકડી ઉગામીને એને મારી નાખવા ગયો ત્યાં ડુડુએ કહ્યું, ‘હે તપોધન, મેં તારો કોઈ અપરાધ આજે કર્યો નથી, તો તું ક્રોધે ભરાઈને મને શા માટે મારે છે?’ રુરુએ કહ્યું, ‘એક સાપે મારી પ્રાણસમાન ભાર્યાને ડસી હતી, એટલે મેં આવો ભયાનક નિર્ણય કર્યો છે કે હું જ્યારે જ્યારે કોઈ સાપને જોઈશ ત્યારે ત્યારે તેને મારી નાખીશ. એટલે જ તમને મારી નાખવા માગું છું. આજે તમે જીવનથી મુક્ત થઈ જશો.’ તે સાપ બોલ્યો, ‘હે વિપ્ર, જે સાપ માનવીઓને ડસે છે તે બીજા પ્રકારના હોય છે, એટલે સાપની ગંધ આવતા વેંત ડુંડુભની હિંસા કરવી યોગ્ય નથી. ડુંડુભ જાતિના સાપ અનર્થ ભોગવવામાં તો બીજા સાપ જેવા જ છે. પણ બંનેના સ્વભાવ જુદા છે. અમંગલ અને દુઃખ ભોગવવામાં બંને સરખા છે, પણ બંનેનાં સુખ જુદાં જુદાં છે. તું ધર્મવિદ છે તો પછી તારે ડુંડુભ જાતિના સાપની હિંસા કરવી ન જોઈએ.’ ત્યારે ભયથી વ્યાપ્ત રુરુએ તે સાપની એવી વાત સાંભળીને તે ડુંડુભને ઋષિ માનીને તેની હત્યા ન કરી. રુરુએ તેને ધીરજ બંધાવીને કહ્યું, ‘હે ભગવન્ તમે કહો જોઈએ, આવી દશા કેવી રીતે તમને પ્રાપ્ત થઈ?’ ડુંડુભે કહ્યું, ‘હે રુરુ, હું ભૂતકાળમાં સહપાત નામનો ઋષિ હતો, પછી એક બ્રાહ્મણના શાપથી હું સાપ થયો. ખગમ નામનો એક સત્યવાદી, તપોબળયુક્ત બ્રાહ્મણ મારો મિત્ર હતો. એક દિવસ શિશુચેષ્ટા કરીને મેં અગ્નિહોત્ર કરી રહેલા મેં મિત્રને ઘાસનો સાપ બનાવીને તેને બીવડાવ્યો, એટલે તે મૂચ્છિર્ત થઈ ગયો. પછી જ્યારે તે વ્રતધારી, સત્યવાદી તપોધન ભાનમાં આવ્યો ત્યારે જાણે મને કોપાગ્નિથી દઝાડતો હોય તેમ બોલ્યો, ‘તેં જેવી રીતે મને ભયભીત કરવા માટે આ નિર્જીવ ઘાસનો આ સાપ બનાવ્યો છે એ જ રીતે મારા કોપથી તું પણ નિ:સત્ત્વ સાપ થઈશ.’ હું તેની તપસ્યાના સામર્થ્યથી પરિચિત હતો એટલે અતિ ચિંતાતુર થઈને તે વનવાસી ઋષિને કહેવા લાગ્યો. ત્વરાથી સંભ્રમપૂર્વક તેના ચરણોમાં મેં પ્રણામ કર્યા અને હાથ જોડીને તેની સામે ઊભો અને હું બોલ્યો, ‘મેં તો હસતાં હસતાં મિત્ર માનીને આવું કર્યું છે. હે બ્રહ્મન્, આ શાપ પાછો ખેંચી લે.’ પછી મને અતિ ઉદાસ ચિત્તવાળો જોઈને તે તપોધને વ્યથિત થઈને વારે વારે ઉષ્ણ નિ:શ્વાસ નાખીને તે કહ્યું, ‘મેં જે કહ્યું છે તે મિથ્યા તો નહીં થાય. હે વ્રતધારી, હું જે કહું છું તે સાંભળ. મારી આ વાત નિત્ય હૃદયમાં રાખજે. પ્રમતિને રુરુ નામનો પુત્ર થશે અને તેને જોઈને તારો આ શાપ નિર્મૂળ થશે. તું જ પ્રમતિનો પુત્ર પવિત્ર, પ્રસિદ્ધ રુરુ છે. એટલે અત્યારે મારું સ્વરૂપ પામીને તને હિતકારક કહીશ. અહિંસા પરમ ધર્મ છે, બધા જ જીવોનો એ ધર્મ છે, એટલે બ્રાહ્મણે બધાં પ્રાણીઓમાં કોઈની હિંસા ન કરવી. હે તાત્, એવું પહેલેથી મનાય છે કે બ્રાહ્મણો શાંત ચિત્તવાળા, વેદ-વેદાંગના જાણકાર અને બધાં પ્રાણીઓના અભયદાતા બનીને જ જન્મે છે. અહિંસા, સત્ય વચન અને ક્ષમા વેદાભ્યાસ કરતાં પણ વધુ પરમ ધર્મ બ્રાહ્મણો માટે મનાયા છે. દંડધારણ, ઉગ્રતા, પ્રજાપાલન ક્ષત્રિયોનો ધર્મ છે, તે તમારા માટે મંગલદાયક નથી. આ ક્ષત્રિયનાં જ કર્મ છે. હે ધર્માત્મા, ભૂતકાળમાં રાજા જનમેજયના સર્પયજ્ઞમાં સાપની હિંસા થઈ હતી, પણ તપોબળવાળા, બળવાન, વેદવેદાંગના જાણકાર આસ્તિક મુનિએ એ સર્પયજ્ઞમાં ભયભીત સર્પોની રક્ષા કરી હતી તે કથા સાંભળ.’ રુરુએ પૂછ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ તાત, રાજા જનમેજયે કેવી રીતે સાપોનો વિનાશ કર્યો, તેનું શું કારણ હતું? આસ્તિક મુનિએ શા માટે તેમને હિંસામાંથી વાર્યા? હું આ બધું સાંભળવા માગું છું.’ ઋષિએ કહ્યું, ‘હે રુરુ, તું બ્રાહ્મણોના મોઢે એ આસ્તિકની દીર્ઘ કથા સાંભળીશ.’ એમ કહી તે ઋષિ અદૃશ્ય થઈ ગયા. રુરુ એ ઋષિને જોવાની ઇચ્છાથી વનમાં ચારે બાજુ દોડ્યો, છેવટે થાકીને તે ભૂમિ પર પડી ગયો. પછી ભાનમાં આવીને પિતા પાસે જઈને તેણે બધી વાત કરી અને તેણે પૂછ્યું એટલે તેના પિતાએ એ આખી કથા પહેલેથી છેલ્લે સુધી કહી સંભળાવી. (આદિ પર્વ, ૮થી ૧૨)

સમુદ્રમંથન

મેરુ નામનો એક પર્વત, પોતાના તેજથી ઝળહળ ઝળહળ થયા કરે છે. તેજનો અંબાર, એનાં શિખરો તો સુવર્ણમય લાગે અને સૂર્યની શોભા તો કોઈ વિસાતમાં નહીં. દેવો અને ગંધર્વો ત્યાં નિવાસ કરતા, એને માપી ન શકાય. અને અધર્મીઓ તો ત્યાં જરાય ટકી જ ન શકે. વિકરાળ સાપ ત્યાં ફરતા દેખાય, પવિત્રમાં પવિત્ર ઔષધિઓથી વળી આ પર્વત ઝગારા મારે. અને પાછો ઊંચો — ઊંચો તે કેટલો ઊંચો- સ્વર્ગની લગોલગ પહોંચેલો. સામાન્ય માનવી તો મનથી પણ ત્યાં પહોંચી ન શકે. કેટલી બધી નદીઓ અને કેટલાં બધાં વૃક્ષો. વળી જાતભાતનાં પક્ષીઓનાં કૂજનથી પર્વત વધુ સમૃદ્ધ રહેતો. તેનાં ઊંચાં ઊંચાં શિખર ચમક ચમક થતાં રત્નોથી શોભતાં. આવા શિખર પર બધા દેવતાઓ એક વેળા એકઠા થયા. અમૃતપ્રાપ્તિ કેવી રીતે કરી શકાય તેનો વિચાર તેઓ કરવા લાગ્યા. તે બધા દેવ તપસ્વી હતા, નિયમોનું પાલન કરનારા હતા. તે વેળા ભગવાન નારાયણે બ્રહ્માને કહ્યું, ‘દેવો અને દાનવો ભેગા મળીને સમુદ્રમંથન કરે તો તેમાંથી અમૃત પ્રાપ્ત થશે. શરૂઆતમાં ઔષધિઓ નીકળશે, પછી રત્નો મળશે અને છેવટે અમૃત મળશે.’ પછી દેવતાઓ ભેગા મળીને પર્વતોમાં શ્રેષ્ઠ મેરુને ઉખાડવા માટે ત્યાં ગયા. ઊજળાં ઊજળાં વાદળ જેવાં શિખરોવાળો તે પર્વત હતો. ચારે બાજુ વનરાજિ જ વનરાજિ; ઉપરાંત મધુર કૂજન કરતાં પંખી, વાઘ-સંહિ જેવાં હંસિક પ્રાણી, હતાં; દેવતાઓ, ગંધર્વો, અપ્સરાઓની તે નિવાસભૂમિ હતી. તેની ઊંચાઈ અગિયાર હજાર યોજન, ધરતીની નીચે પણ એટલી જ ઊંડાઈ. દેવતાઓ તેને ઉખાડી ન શક્યા. એટલે બ્રહ્માને અને વિષ્ણુને કહેવા લાગ્યા, ‘હવે તો તમે જ અમને રસ્તો સૂઝાડો. અમારા કલ્યાણ માટે આ પર્વતને ઉખેડો.’ બ્રહ્માએ અને વિષ્ણુએ ‘તથાસ્તુ’ કહ્યું. પછી આ બંને દેવોના કહેવાથી નાગરાજ અનન્ત તૈયાર થયા અને એ કાર્યમાં જોડાઈ ગયા. વન-ઉપવન અને વનવાસીઓ સમેત આખો પર્વત ઉખાડી નાખ્યો. પછી દેવતાઓ એ પર્વતની સાથે જ સમુદ્રકિનારે જઈ પહોંચ્યા અને સમુદ્રને તેમણે કહ્યું, ‘અમે અમૃત માટે તારું મંથન કરીશું.’ સમુદ્રને પણ અમૃત જોઈતું તો હતું એટલે તેણે કહ્યું, ‘જો અમૃતમાં મને પણ ભાગ આપશો તો મંદરાચલ ફેરવવાથી જે પીડા થશે તે હું વેઠી લઈશ.’ સમુદ્રની વાત દેવતાઓએ સ્વીકારી લીધી. અને ત્યાં રહેતા કચ્છપને કહ્યું, ‘આ મન્દર પર્વત ઊંડે ઊતરી ન જાય એટલા માટે તમે એનો આધાર બનો.’ કચ્છપે હા પાડીને મંદરાચલને પોતાની પીઠ પર મૂકી દીધો. અને આમ દેવોએ-દાનવોએ વાસુકિ નાગનું નેતરું બનાવીને સમુદ્રમંથન શરૂ કર્યું. નાગરાજના મોઢા આગળ દાનવો અને પૂંછડા આગળ દેવતાઓ હતા. નારાયણ ભગવાનની પાસે જ અનન્ત નાગ ઊભા હતા. દેવતાઓ વાસુકિને વારે વારે ખેંચતા હતા એટલે નાગના મોંમાંથી સતત ધુમાડા અને અગ્નિજ્વાળાની સાથે ગરમ ગરમ શ્વાસ નીકળતા હતા. તે ધુમાડા વીજળીઓ સમેત વાદળ બનીને થાકેલા અને દુઃખી દેવતાઓ પર વરસતા હતા. પર્વતશિખર પરથી દેવો અને દાનવો પર પુષ્પવર્ષા થતી હતી. દેવો અને દાનવો સમુદ્રમંથન કરતા હતા ત્યારે વાદળોની ગર્જનાઓ થતી હતી. પર્વતની નીચે કચડાઈને કેટલાય જીવ મરી ગયા અને ખારા પાણીના સમુદ્રમાં ભળી ગયા. આમ મંદરાચલે સમુદ્રમાં અને પાતાળમાં જીવતા અસંખ્ય જીવોનો સંહાર કર્યો. પર્વત જ્યારે ઘૂમી રહ્યો હતો ત્યારે તેના શિખર પરનાં વૃક્ષો એકબીજા સાથે અથડાતાં હતાં અને પક્ષીઓ સાથે તે વૃક્ષો પણ નીચે ટૂટી પડતાં હતાં. વારંવાર મંથન થવાને કારણે અગ્નિજ્વાળાઓ પ્રગટતી હતી અને જેવી રીતે વીજળીથી વાદળો ઘેરાઈ જાય છે તેવી રીતે તે જ્વાળાઓથી પર્વત છવાઈ ગયો. તે અગ્નિજ્વાળાઓએ પર્વતમાં વસતા હાથી, ગુફાવાસી સંહિ તથા ત્યાં વસતા અનેક જીવોનો સંહાર કર્યો. પછી દેવરાજ ઇન્દ્રે વર્ષાની ઝડીઓ વડે અગ્નિજ્વાળાઓ ઓલવી નાખી. વૃક્ષોના અને ઔષધિઓના અમૃતતુલ્ય પ્રભાવક રસોને કારણે તથા સુવર્ણમય મંદરાચલના અનેક દિવ્ય પ્રભાવશાળી રસને કારણે તથા સુવર્ણમય મંદરાચલના અનેક દિવ્ય પ્રભાવશાળી મણિઓના રસને કારણે જ દેવતાઓને જાણે અમૃત મળી ગયું. એ બધા રસ ભેગા થવાથી સમુદ્રનું બધું પાણી દૂધ થઈ ગયું અને પછી દૂધમાંથી ઘી બનવા લાગ્યું. દેવતાઓએ ત્યાં બેઠેલા બ્રહ્માને કહ્યું, ‘ભગવાન નારાયણ સિવાય અમે દેવો અને દાનવો બહુ થાકી ગયા છીએ પણ હજુ સુધી અમૃત તો ન નીકળ્યું. સમુદ્રમંથન ક્યારનું શરૂ કર્યું છે.’ આ સાંભળીને બ્રહ્માએ વિષ્ણુ ભગવાનને કહ્યું, ‘હે પરમાત્મા, તમે આ લોકોને બળવાન બનાવો.. આ બધા તમારા આશરે છે.’ વિષ્ણુ ભગવાને કહ્યું, ‘જેઓ સમુદ્રમંથન કરી રહ્યા છે તે બધામાં હું બળ સીંચું છું. બધા દેવદાનવ પૂરેપૂરી શક્તિ કામે લગાડીને મંદરાચલને ઘુમાવે અને આ સાગરને બરાબર વલોવી નાખે.’ ભગવાનની વાત સાંભળીને દેવો અને દાનવોનું બળ વધી ગયું. ફરી તેમણે જોરશોરથી સમુદ્રમંથન કરવા માંડ્યું. સમુદ્રનું બધું પાણી વલોવાવા માંડ્યું. પછી તો સમુદ્રમાંથી સૂર્ય જેવો તેજસ્વી, ઊજળો, પ્રસન્ન ચન્દ્ર પ્રગટ્યો. પછી શ્વેત વસ્ત્રધારિણી લક્ષ્મી, વારુણી અને અશ્વ પ્રગટ્યા. અનન્ત કિરણોવાળો કૌસ્તુભ મણિ નીકળ્યો. ભગવાન નારાયણના વક્ષસ્થળે તે શોભે છે. પારિજાત અને સુરભિ પ્રગટ્યા. લક્ષ્મી, વારુણી, ચન્દ્ર, ઉચ્ચૈ:શ્રવા અશ્વ: આ બધા દેવલોકમાં જતા રહ્યા. પછી હાથમાં અમૃત ભરેલો કળશ લઈને ધન્વંતરી પ્રગટ્યા. આ જોઈને દાનવોમાં શોરબકોર થવા માંડ્યો. બધા બોલવા લાગ્યા, ‘આ અમૃત મારું, આ અમૃત મારું.’ પછી શ્વેત રંગના ચાર દાંતવાળો ઐરાવત નીકળ્યો. તે ઇન્દ્રે લઈ લીધો. હવે એમાંથી કાલકૂટ વિષ નીકળ્યું. તે સમગ્ર જગત માટે દાહક બની ગયું. તેને સૂંઘતાવેંત ત્રિલોકનાં પ્રાણીઓ મૂચ્છિર્ત થયાં. બ્રહ્માએ પ્રાર્થના કરી એટલે ત્રિલોકના કલ્યાણ માટે ભગવાન શંકરે એ ઝેર પી લીધું, ત્યારથી ભગવાન શંકરનું નામ પડ્યું નીલકંઠ. આ બધી અદ્ભુત ઘટનાઓ જોઈ દાનવો નિરાશ થઈ ગયા. અમૃત અને લક્ષ્મી માટે દેવતાઓ સાથે તેમને વેર બંધાયું. હવે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. દાનવો તેનાથી ભારે મોહ પામ્યા. તેમણે તો અમૃતનો કળશ મોહિનીને આપી દીધો. ભગવાન પોતે હવે મોહિની રૂપે બધાને અમૃત પીવડાવવા લાગ્યા. દાનવો પણ પંગત કરીને બેઠા હતા. પણ મોહિનીએ તો દેવતાઓને જ અમૃત પીવડાવવા માંડ્યું. એટલે ભારે ક્લેશ થયો. બધા દાનવો એક થઈને દેવો પર ટૂટી પડ્યા. આ બાજુ મોહિની દાનવોને બાજુ પર રાખીને દેવોને જ અમૃત આપવા માંડી. યુદ્ધ થવાની બધી જ સંભાવનાઓ હતી. તે જ વખતે રાહુ દેવનું રૂપ લઈને અમૃત પીવા માંડ્યો. હજુ તો અમૃત તેના ગળા સુધી જ પહોંચ્યું હતું ત્યાં ચન્દ્રે અને સૂર્યે રાહુનું રહસ્ય કહી દીધું. એટલે ચક્રધારી વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે રાહુનું મસ્તક કાપી નાખ્યું. તેનું મસ્તક પર્વતશિખર જેવું દેખાતું હતું. આકાશમાં ઊછળી ઊછળીને તે ગરજવા લાગ્યું. જ્યારે તેનું ધડ ધરતી પર પડ્યું ત્યારે તે પર્વત, વન અને દ્વીપ સમેત પૃથ્વીને કંપાવવા લાગ્યું. ત્યારથી રાહુને ચન્દ્ર અને સૂર્ય સાથે કાયમી વેર બંધાયું. આજે પણ રાહુ સૂર્ય-ચન્દ્રને ગ્રસી જવા તૈયાર છે. પછી વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ત્યજી દીધું અને વિવિધ અસ્ત્ર-શસ્ત્ર વડે દાનવોને ધ્રુજાવવા માંડ્યા. સમુદ્ર પાસે જ દેવ-દાનવ વચ્ચે ભયાનક સંહાર શરૂ થયો. બંને પક્ષના દેવદાનવો વચ્ચે શસ્ત્રવર્ષા શરૂ થઈ. વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્ર વડે અને દેવતાઓનાં આયુધોથી ઘવાઈને દાનવો મોંમાંથી લોહી ઓકતા જમીન પર પડવા લાગ્યા. સુવર્ણમાળાઓથી શોભતાં તેમનાં મસ્તક યુદ્ધભૂમિ પર પડવા લાગ્યાં. તે બધા દાનવ ગેરુરંગી પર્વતશિખરો જેવા દેખાતા હતા. સંધ્યાટાણે સૂર્ય રાતો થઈ રહ્યો હતો ત્યારે એકમેકનાં શસ્ત્રોથી કપાયેલા સેંકડો યોદ્ધાઓનો હાહાકાર ગાજવા લાગ્યો. દેવો અને દાનવો શસ્ત્રો વડે એકબીજા પર પ્રહાર કરતા હતા, અને એનો અવાજ આકાશભરમાં ફેલાઈ ગયો. ચારે બાજુ ભયાનક શબ્દો સંભળાતા હતા: ‘ટુકડેટુકડા કરી નાખો, ચીરી નાખો, પીછો કરો.’ આવું ભયાનક યુદ્ધ ચાલતું હતું ત્યારે નરનારાયણ યુદ્ધભૂમિ પર આવી ચઢ્યા. નરના હાથમાં ધનુષ જોઈને નારાયણે ચક્રનું સ્મરણ કર્યું. એટલે તેમના હાથમાં ચક્ર આવી ગયું. તે સૂર્ય અને અગ્નિ જેવું તેજસ્વી હતું. તેની ગતિ ક્યાંય અટકતી ન હતી. તેનું નામ જ સુદર્શન હતું પણ વાસ્તવમાં હતું તે ભયાનક. પ્રજ્વલિત અગ્નિ જેવું તેજસ્વી. શત્રુઓનાં વિશાળ નગરોનો વિનાશ કરવાની તેનામાં શક્તિ હતી. હાથીની સૂંઢ જેવા દીર્ઘ હાથ ધરાવતા ભગવાને તે ચક્ર દાનવો પર ફેંક્યું. અને તે હજારો દાનવોનો વિનાશ કરતું વારેવારે દાનવોની સેના પર ટૂટી પડ્યું. તે સમયે ઉત્સાહી દાનવો પાણી વગરનાં વાદળ જેવા દેખાતા હતા અને તે હજારો શિલાખંડ દેવો પર ફેંકવા લાગ્યા. પછી આકાશમાંથી રંગબેરંગી વાદળ જેવા પર્વત વૃક્ષો સમેત ધરતી પર પડવા લાગ્યા. એકબીજા સાથે અથડાઈ તે મોટા અવાજ કરતા હતા. એકબીજા પર પ્રહાર કરતા દેવદાનવ વચ્ચે ભારે યુદ્ધ થયું. અને મોટા મોટા પર્વત ધરતી પર પડવાને કારણે ધરતી ધ્રૂજવા લાગી. આ દેવાસુર સંગ્રામમાં નર ભગવાને મોટાં મોટાં બાણ વડે પર્વતશિખરોને તોડી પાડ્યાં. પછી દેવો દ્વારા ઘવાયેલા દાનવો આગ જેવા સુદર્શનને પોતાના ઉપર ઝઝૂમતું જોઈ પાતાળમાં અને સમુદ્રમાં પેસી ગયા. આ યુદ્ધમાં વિજય મળ્યો એટલે દેવોએ મંદરાચલ પર્વતને તેની મૂળ જગાએ ગોઠવી દીધો. અમૃતપાન કરી ચૂકેલા દેવો ચારે બાજુ વિજયઘોષ કરતા પોતાના નિવાસે જતા રહ્યા. દેવતાઓને આ વિજયથી બહુ આનન્દ થયો. અમૃતને સુરક્ષિત સ્થાને મૂક્યું અને આ અમૃતની રક્ષાની જવાબદારી ઇન્દ્રે ભગવાન નરને સોંપી દીધી. (આદિ પર્વ, ૧૬-૧૭)

કથા વિનતાપુત્ર ગરુડના પરાક્રમની

હજારો વર્ષો પૂર્વે દેવયુગમાં એટલે કે સતયુગમાં બ્રહ્માને બે પુત્રીઓ હતી. બંને બહેનો અદ્ભુત સૌંદર્યવાળી, શુભ લક્ષણોવાળી અને કોઈ પણ દોષ વિનાની હતી. એકનું નામ કદ્રૂ અને બીજીનું નામ વિનતા. બંને કશ્યપ ઋષિને પરણી હતી. પ્રસન્ન ચિત્તવાળા અને પ્રજાપતિ જેવા જ કશ્યપે બંને ધર્મપત્નીઓને આનંદિત થઈને વરદાન આપ્યું. રૂપેગુણે ઉત્તમ એવી કદ્રૂ અને વિનતા પણ પોતાને મનગમતા વરદાનથી પ્રસન્ન થઈ ઊઠી. કદ્રૂએ એક સરખા તેજવાળા હજાર નાગપુત્રો વરદાનમાં માગ્યા. વિનતાએ બળવાન, ઓજસ્વી, તેજસ્વી, પરાક્રમી અને કદ્રૂના પુત્રોથીય ચઢિયાતા એવા બે જ પુત્ર માગ્યા. કશ્યપે વિનતાને ઇચ્છા પ્રમાણે બે પુત્રો જન્મશે કહ્યું અને વિનતાએ કશ્યપનો આભાર માન્યો. પછી અતિપરાક્રમી બે પુત્રોનું આવું વરદાન મેળવીને વિનતા આનંદિત થઈ ઊઠી અને કદ્રૂ પણ એકસરખા તેજસ્વી હજાર પુત્રોનું વરદાન પ્રાપ્ત કરીને પ્રસન્ન થઈ ઊઠી. થોડા સમય પછી મહાતપસ્વી એવા કશ્યપ ઋષિ તો ‘તમે ખૂબ જ સંભાળપૂર્વક થનારાં સંતાનોની રક્ષા કરજો’ એમ કહીને વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ઘણા લાંબા સમયે કદ્રૂએ એક હજાર ઈંડાં મૂક્યાં અને વિનતાએ બે ઈંડાં. સેવિકાઓએ હર્ષ પામતાં એ બંનેનાં ઈંડાંને હૂંફાળાં પાત્રોમાં પાંચસો વરસ સુધી સાચવ્યાં. પાંચસો વરસ પછી કદ્રૂનાં ઈંડાંમાંથી હજાર પુત્ર જન્મ્યા પરંતુ વિનતાનાં ઈંડાંમાંથી બે પુત્ર જન્મ્યા નહીં. એટલે પુત્ર માટે અત્યંત આતુર બની ઊઠેલી વિનતાએ લજ્જા પામીને એક ઈંડું ભાંગ્યું તો એમાં પુત્ર જોયો. અધૂરા દિવસે ઈંડું ફોડવાથી એ પુત્રનો આગલો ભાગ જ વિકસ્યો હતો અને બાકીનો હજુ અવિકસિત હતો. એટલે પુત્રે ક્રોધે ભરાઈને વિનતાને શાપ આપ્યો: ‘હે માતા, પુત્ર જોવાના તારા લોભને કારણે મારું શરીર અધૂરું જ રહી ગયું છે તો જા, તું દાસી બનજે. તું જેની સાથે સ્પર્ધા કરે છે તેની દાસીરૂપે તારે પાંચસો વર્ષ રહેવું પડશે અને આ તારો બીજો પુત્ર તને છોડાવશે; પણ મા, આ ઈંડું ફોડી નાખીને તું એ તારા મહાન પુત્રને મારી જેમ જો વિકલાંગ નહીં કરે તો જ એ પુત્ર તને છોડાવશે. તારે જો વિશિષ્ટ બળવાળો પુત્ર જોઈતો હોય તો પાંચસો વર્ષ સુધી એના જન્મ માટે રાહ જોવી પડશે.’ આમ વિનતાને શાપ આપીને એ પુત્ર તો અંતરીક્ષમાં જતો રહ્યો, એ પ્રાત:કાલે સૂર્ય ઊગતાં પહેલાં અરુણરૂપે દેખાય છે. પછી તો યોગ્ય સમયે જ નાગોનો વિનાશ કરનારા છે એવા ગરુડનો જન્મ થયો. અને એણે તો જન્મતાવેંત જ વિનતાને ત્યજી દીધી અને વિધાતાએ જે ભોજન એને માટે નિર્મ્યું હતું તે ખાઈને ઊડી ગયો. એ સમયે કદ્રૂ અને વિનતાએ પોતાની નજીક આવેલા ઉચ્ચૈ:શ્રવા નામના ઘોડાને જોયો. અમૃતપ્રાપ્તિ માટે જ્યારે સમુદ્રમંથન કર્યું હતું ત્યારે સમુદ્રમાંથી પ્રગટેલા મહાબલિ, ખૂબ જ વેગવાળા, બધી રીતે જાતવાન, દિવ્ય, નિત્ય યુવાન અને બધા જ અશ્વોમાં શ્રેષ્ઠ એવા ઉચ્ચૈ:શ્રવાની પૂજા સુંદર રૂપ ધરાવતા દેવલોકોએ કરી હતી. આવા ઉચ્ચૈ:શ્રવાને જોઈને કદ્રૂએ વિનતાને કહ્યું: ‘હે ભદ્રે, તું મને હમણાં જ કહે કે આ ઉચ્ચૈ:શ્રવાનો રંગ કયો છે?’ વિનતા બોલી ઊઠી: ‘આ અશ્વરાજનો રંગ તો શ્વેત છે. નહીંતર તને શંુ લાગે છે? તું પણ કહે જોઈએ — આપણે શરત મારીએ.’ કદ્રૂએ કહ્યું: ‘હે સુંદર હાસ્ય કરતી વિનતા, આ ઘોડાનું પૂંછડું મને તો કાળું લાગે છે. હે ભામિની, ચાલ શરત મારીએ, જે હારે તે બીજાની દાસી બને.’ ‘આવતી કાલે ફરી આ ઘોડાને જોઈશું.’ એમ કહીને દાસીપણાની શરત લગાવીને બેઠેલી એ બંને બહેનો પોતપોતાના નિવાસે ગઈ અને છળકપટની ઇચ્છાથી પ્રેરાઈને કદ્રૂએ પોતાના હજાર પુત્રોને આજ્ઞા આપીને કહ્યું: ‘હે પુત્રો, તમે કાજળ જેવી કાંતિવાળા કાળાકેશ બનીને ઉચ્ચૈ:શ્રવાને ઢાંકી દો, નહીંતર મારે વિનતાની દાસી બનવું પડશે.’ જે નાગ લોકોએ તેની વાત ન માની તેમને કદ્રૂએ શાપ આપ્યો: ‘પાંડવોના વંશના રાજા જનમેજયના સર્પયજ્ઞ વખતે અગ્નિ તમને ભસ્મ કરી નાખશે.’ કદ્રૂએ ક્રોધે ભરાઈને સર્પલોકોને જે નિષ્ઠુર શાપ આપ્યો તે સ્વંય બ્રહ્માએ પણ સાંભળ્્યો. બીજા દેવતાઓની સાથે સાથે બ્રહ્માએ પણ જોયું હતું કે સાપોની વસતી ખૂબ જ વધી ગઈ છે એટલે કદ્રૂએ આપેલા શાપને પ્રજાનું હિત કરવાની ઇચ્છાથી બ્રહ્માએ સ્વીકારી લીધો. આ સાપ ભયંકર ઝેર ધરાવતા હતા; તેમની દાઢો તીક્ષ્ણ હતી, તેમનું ઝેર કાતિલ હતું, એટલે પ્રજાહિતાર્થે બ્રહ્માએ કદ્રૂની વાત સ્વીકારી લીધી અને મહાઋષિ કશ્યપને ઝેર ઉતારવાની વિદ્યા શીખવાડી. બીજે દિવસે સવારે સૂર્યોદય થયો એટલે દાસીપણાની શરત લગાવીને બેઠેલી, હિંસા અને ક્રોધવાળી કદ્રૂ અને વિનતા બંને બહેનો ઉચ્ચૈ:શ્રવાને જોવા તેની પાસે ગઈ. થોડે દૂર ચાલીને જળના ભંડાર સમા સમુદ્રને જોયો, તિમિંગલ, મગર અને બીજી માછલીઓ ત્યાં હતાં. અનેક પ્રકારનાં રૂપ ધરાવતા, ભયંકર પ્રાણીઓ ધરાવતા, કાચબા અને મગરોથી ભરેલા એ સમુદ્રને પાર કરવો ખૂબ અઘરું હતું. નદીઓનો પતિ સમુદ્ર બધાં રત્નોનો ભંડાર, વરુણનું અને સાપોનંુ સુંદર અને ઉત્તમ નિવાસસ્થાન હતો. એ સમુદ્ર પાતાળના અગ્નિનો આધાર હતો, અસુરો માટે બંધન હતો, ભયંકર હતો, જળનો ભંડાર હતો. એ સમુદ્રમાં શુભ, દેવલોકો જેનો ભોગ લઈ શકે એવું અમૃત હતું. એ નિ:સીમ હતો, એના વિશે ઝાઝો વિચાર ન કરી શકાય, ઉત્તમ જળ ધરાવતો સમુદ્ર અદ્ભુત છે. તેમાંં વસતા જલચરોના ઘોર શબ્દથી ભયંકર અને ભયાનક શબ્દોવાળો, ભારે લહેરોવાળો અને બધાં પ્રાણીઓ માટે ભયંકર છે. કિનારા ઉપર ભારે વેગથી વહેતી લહેરોવાળો એ સમુદ્ર લહરરૂપી હાથ ઊંચા કરીને જાણે નાચી રહ્યો છે. આ સુંદર સમુદ્રમાં ચંદ્રના વધવાઘટવાને કારણે જે મોટી ભરતી આવ્યા કરે છે તેને કારણે ખૂબ ભયંકર લાગે છે, આ સમુદ્રમાંથી પાંચજન્ય શંખ ઉત્પન્ન થયો છે. ડૂબી ગયેલી પૃથ્વીને શોધવાની ઇચ્છાથી વરાહનું રૂપ લઈને અમિત તેજસ્વી વિષ્ણુએ તેનું જળ ખળભળાવી નાખ્યું હતું. સેંકડો વર્ષો સુધી તપ કર્યું હોવા છતાં બ્રહ્મર્ષિ અત્રિ જેના પાતાળના તળિયે પહોંચી નથી શક્યા એવો અગાધ આ સમુદ્ર છે, અત્યંત તેજવાળા વિષ્ણુ અધ્યાત્મયોગ નિદ્રા વેળાએ એમાં સૂઈ જાય છે. વડવા મુખથી પ્રજ્વલિત અગ્નિમાં જળરૂપી હવ્યની આહુતિ આપનાર આ સમુદ્ર શુભ છે, એ અગાધ છે, નિ:સીમ છે અને બધી નદીઓનો પતિ છે. હજારો મહાનદીઓ આ સમુદ્રની પાસે નાયિકાઓની જેમ સ્પર્ધા કરતી દોડતી જોવા મળે છે. તે ખૂબ ઊંડો છે, તિમિંગલ — મગરોથી ભરેલો છે, જલચરોના ઘોર શબ્દોથી ગૂંજતો, આકાશની જેમ પથરાયેલો છે, એ અપાર જલનિધિને કદ્રૂ અને વિનતાએ જોયો. અને માછલીઓ — મગરોથી ભરેલો, અગાધ, આકાશના પ્રકાશ જેવો વિકસિત, પાતાળની અગ્નિજ્વાળાથી પ્રકાશિત સમુદ્રને જોતી એ બંને બહેનો તરત જ ત્યાં પહોંચી ગઈ. એ ઘોડાના પૂંછડામાં કાળા વાળ જોઈને વિનતાનું મોં પડી ગયું અને કદ્રૂએ તેની પાસે દાસીપણું કરાવવા માંડ્યું. આમ શરત હારી જઈને દાસી બનવાનું આવ્યું એટલે વિનતા દુઃખી દુઃખી થઈ ગઈ. એ દરમિયાન અત્યંત પ્રભાવશાળી ગરુડ માતાની સહાય વિના જ પોતાની જાતે ઈંડું ફોડીને બહાર આવ્યો. પ્રગટેલા અગ્નિ જેવો દેખાતો એ તેજસ્વી ગરુડ તો અતિશય વિકાસ પામ્યો અને વિશાળ કાયા ધરાવતો થયો. તરત જ તે આકાશમાં ઊડી ગયો. એ ગરુડને જોઈને બધી પ્રજા નિરાંતે બેઠેલા વિશ્વરૂપી અગ્નિ પાસે જઈ પહોંચી, પ્રણામ કરીને બોલી: ‘હે અગ્નિ, હવે તમે વધારે વૃદ્ધિ ન પામો, તમે અમને સળગાવી દેવા તો નથી માગતા ને? જુઓ તો તમારો તેજપુંજ વૃદ્ધિ પામતો આવી રહ્યો છે.’ એ સાંભળીને અગ્નિએ કહ્યું: ‘હે અસુરવિનાશક દેવતાઓ, તમે જે માની બેઠા છો એ સાચું નથી. પોતાના તેજથી બળવાન ગરુડ મારા જેવો જ છે.’ આમ સાંભળીને બધા દેવ ઋષિઓને લઈને ગરુડ પાસે ગયા અને તેની સ્તુતિ કરવા લાગ્યા. ‘હે પક્ષીરાજ, તમે ઋષિ છો, તમે ભાગ્યશાળી છો, તમે દેવતા છો, તમે પક્ષીઓના સ્વામી છો, તમે જ તેજ છો, તમે અમારા ઉત્તમ રક્ષક છો. તમે બલસાગર છો, તમે સાધુ છો, તમારું બળ અખૂટ છે, તમે સમૃદ્ધિમાન છો, તમે અજેય છો, તમે તપ છો, શ્રુત છો, તમારાથી જ આગતની અને અનાગતની ઉત્પત્તિ છે. તમે ઉત્તમ છો, જેવી રીતે સૂર્ય પોતાનાં કિરણોથી બધું જ પ્રકાશિત કરે છે એવી જ રીતે તમે સ્થાવરજંગમ એેવા સમગ્ર જગતને પ્રકાશિત કરો છો, તમે સૂર્યનો પ્રકાશ હરીને આ ચરાચર જગતનો ક્ષણે ક્ષણે લય કરી રહ્યા છો, હે અગ્નિ જેવા તેજસ્વી ગરુડ, જેવી રીતે પ્રલય કાળ વેળાએ સૂર્ય ક્રોધે ભરાઈને પ્રજાઓને સળગાવે છે એવી જ રીતે તમે પણ એ પ્રજાઓને બાળી રહ્યા છો, યુગપરિવર્તનના સમયે સૃષ્ટિનો પ્રલયાગ્નિ જેવી રીતે ભયાનક રૂપે પ્રગટીને વિનાશ કરે છે એવી રીતે તમે પણ સૃષ્ટિનો વિનાશ કરી રહ્યા છો. હે ગરુડ, તમે મહા પરાક્રમી છો, અંધકારનો નાશ કરનારા છો, આકાશગામી છો, અત્યન્ત બળવાન, સ્થૂળમાં સ્થૂળ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ છો, ઇચ્છા પૂરી કરનારા છો, અજેય પરાક્રમી પક્ષીરાજ છો, અમે તમારા શરણે છીએ.’ ઋષિઓ અને દેવતાઓની આવી સ્તતિ, સાંભળીને ગરુડે પોતાનો પ્રકાશપુંજ સમેટી લીધો. ગરુડે કહ્યું, ‘હે દેવતાઓ, મારા આ ભયાનક રૂપવાળા શરીરને જોઈને સંસારનાં બધાં પ્રાણીઓ ડરી ન જાય એટલા માટે હું મારા તેજને સમેટી લઉં છું.’ ત્યાર પછી પક્ષીરાજ ગરુડ પોતાની ઇચ્છા જાણવાવાળા સમુદ્રના બીજે કિનારે પોતાની માતા પાસે પોતાના ભાઈ અરુણને પીઠ પર બેસાડીને જઈ પહોંચ્યા. ત્યાં વિનતા શરત હારીને, દુઃખી થઈ ગયેલી હતી અને દાસી બનીને બેઠી હતી. જ્યારે સૂર્ય પોતાના તેજ વડે બધા લોકને બાળી મૂકવાનો વિચાર કરતા હતા ત્યારે ગરુડ મહા તેજસ્વી અરુણને પૂર્વ દિશામાં સૂર્યની પાસે મૂકીને આવ્યા, પણ સૂર્યે તે વખતે બધાં પ્રાણીઓને બાળી મૂકવાનો વિચાર શા માટે કર્યો હતો? દેવતાઓએ એની પાસેથી શું લઈ લીધું હતું જેને કારણે તે આટલા બધા ક્રોધી થઈ ગયા? જ્યારે રાહુ અમૃત પી રહ્યો હતો ત્યારે ચંદ્રે અને સૂર્યે એનું રહસ્ય કહી દીધું હતું. ત્યાર પછી ચંદ્ર અને સૂર્ય સાથે રાહુએ વેર બાંધ્યું અને સૂર્યને હેરાન કરવા લાગ્યો. રાહુથી હેરાન થતા સૂર્યના મનમાં ક્રોધ જન્મ્યો. સૂર્યે મનમાં વિચાર કર્યો, ‘દેવતાઓના લાભાર્થે મેં રાહુનું રહસ્ય કહી દીધું, હવે એનું અત્યંત અનર્થકારી પરિણામ હું એકલો જ ભોગવી રહ્યો છું. સંકટ સમયે મને કોઈ સહાય કરતું નથી. રાહુ જ્યારે મારો કોળિયો કરે છે ત્યારે દેવતાઓ ચુપચાપ જોયા કરે છે. એટલે સંપૂર્ણ લોકનો વિનાશ કરવા હું અસ્તાચલ પર જઈને સ્થિર થઈ જઈશ.’ અને સૂર્ય અસ્તાચલે જઈ પહોંચ્યા. અને ત્યાંથી સૂર્ય સંપૂર્ણ જગતનો વિનાશ કરવા માટે બધાને સંતાપવાની શરૂઆત કરી. એટલે મહર્ષિઓ દેવતાઓ પાસે જઈને બોલ્યા: ‘હે દેવગણ, આજે મધરાતે બધા લોકોને ભયભીત કરી નાખનારો દાહ પ્રકટશે, એ ત્રણે લોકોનો નાશ કરી શકે.’ પછી દેવતાઓ ઋષિઓને લઈને બ્રહ્માજી પાસે જઈને બોલ્યા, ‘આજે આ કેવો ભયાનક દાહ પ્રગટીને ભય આપશે? અત્યારે સૂર્ય નથી દેખાતો તે છતાં જગતનો વિનાશ થઈ જશે એટલી બધી ગરમી છે તો પછી સૂર્ય જ્યારે ઊગશે ત્યારે શું થશે?’ એ સાંભળીને બ્રહ્માએ કહ્યું, ‘આ સૂર્ય આજે બધા લોકનો વિનાશ કરવા તત્પર થયો છે. એ જેવો નજરે પડશે કે તરત બધા લોકને ભસ્મ કરી નાખશે. પરંતુ આ ભયાનક આપત્તિમાંથી ઊગરવાનો ઉપાય મેં કરી રાખ્યો છે, મહર્ષિ કશ્યપનો એક પુત્ર અરુણ વિખ્યાત થયો છે. એનું શરીર વિશાળ છે, તે મહા તેજસ્વી છે, તે સૂર્યની આગળ રથ પર બેસશે, તે સારથિનું કાર્ય કરશે અને સૂર્યનું તેજ હરી લેશે. એને કારણે બધા લોક, ઋષિઓ અને દેવતાઓનું પણ કલ્યાણ થશે.’ ત્યાર પછી બ્રહ્માની આજ્ઞા અનુસાર અરુણે બધાં કાર્ય કર્યાં, સૂર્ય અરુણથી ઢંકાઈને ઊગ્યો. તો સૂર્યના મનમાં પ્રગટેલા ક્રોધનું રહસ્ય આ હતું. આ બાજુ જ્યારે ગરુડ માતા પાસે પહોંચ્યા ત્યારે વિનતા શરત હારીને, દુઃખી થઈ ગઈ હતી, તે દાસી બનીને કદ્રૂની સેવા કરતી હતી. એક દિવસ વિનતા પોતાના પુત્રની પાસે બેઠી હતી ત્યારે કદ્રૂએ વિનતાને બોલાવીને કહ્યું: ‘હે વિનતા, સમુદ્રની અંદર નિર્જન પ્રદેશમાં એક સુંદર અને રૂપાળું નાગલોકોનું નિવાસસ્થાન છે, તું મને ત્યાં લઈ જા.’ એ સાંભળીને ગરુડની માતા વિનતા સર્પોની માતા કદ્રૂને લઈને નીકળી. માતાની આજ્ઞાથી ગરુડ પણ સર્પોને પોતાની પીઠ પર બેસાડીને નીકળ્યા. પક્ષીરાજ ગરુડ આકાશમાં સૂર્યની નિકટ રહીને ઊડતા હતા, એટલે સાપ સૂર્યકિરણોથી ત્રાસીને મૂર્છિત થઈ ગયા. પોતાના પુત્રોને આવી દશામાં જોઈને કદ્રૂ ઇન્દ્રની સ્તુતિ કરવા લાગી, ‘બધા દેવતાઓના સ્વામી, તમને નમસ્કાર, તમને નમસ્કાર! હજાર આંખવાળા અને નમુચિનો નાશ કરનારા ઇન્દ્ર, તમને મારા પ્રણામ. તમે સૂર્યકિરણોથી દાઝેલા સાપને પાણીથી સ્નાન કરાવો, નૌકા જેમ રક્ષે તેમ તમે એમની રક્ષા કરો. ‘હે અમરશ્રેષ્ઠ, તમે જ અમારા રક્ષક છો, તમે સૌથી વધારે જળ વરસાવવાની શક્તિ ધરાવો છો, તમે જ મેઘ છો અને વાયુ છો, તમે જ આકાશમાં વીજળી બનીને પ્રગટો છો, તમે વાદળોને વીંધી શકો છો, પંડિતો તમને મહામેઘ કહે છે. સંસારમાં અનુપમ એવું વજ્ર તમે જ છો, તમે જ મહાગર્જના કરવાવાળા મેઘ છો, તમે સંપૂર્ણ લોકનું સર્જન અને વિસર્જન કરી શકો છો, તમે અપરાજિત જ છો, બધાં પ્રાણીઓની જ્યોતિ તમે છો, સૂર્ય અને અગ્નિ પણ તમે છો, તમે આશ્ચર્યમય મહાન ભૂત છો. તમે રાજા છો, દેવતાઓમાં શ્રેષ્ઠ છો. તમે વિષ્ણુ છો, સહ આંખોવાળા ઇન્દ્ર છો. તેજસ્વી દેવ છો, બધાંનો આશ્રય છો, તમે જ અમૃત છો, તમે જ પરમપૂજિત સોમ છો, તમે જ મુહૂર્ત છો, તિથિ છો, લવ તમે છો, તમે શુક્લપક્ષ છો, કૃષ્ણપક્ષ છો, કળા, કાષ્ઠા, ત્રુટિ પણ તમે જ છો, સંવત્સર, માસ, રાતદિવસ પણ તમે જ છો, તે મહાન યશસ્વી છો એમ માનીને બધા તમારી પૂજા કરે છે. ઋષિઓ તમારું સ્તવન કરે છે, તમે યજમાનનું હિત કરવાની ઇચ્છાથી યજ્ઞપ્રસંગે આનંદિત થઈને સોમરસ પીઓ છો, ત્યાં ધરેલું નૈવેદ્ય પણ આરોગો છો, આ સંસારમાં મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા બ્રાહ્મણો તમારી પૂજા કરે છે. અતુલિત બળના ભંડાર ઇન્દ્ર, વેદમાં પણ તમારો મહિમાગાન થયો છે. યજ્ઞપરાયણ દ્વિજતમને પ્રાપ્ત કરવા સર્વથા પ્રયત્ન કરીને વેદનું જ્ઞાન મેળવે છે.’ નાગમાતા કદ્રૂની આવી સ્તુતિને કારણે ઇન્દ્રે સમગ્ર આકાશને મેઘઘટાઓથી ભરી દીધું અને મેઘને આજ્ઞા કરી, ‘તમે શીતળ જળ વરસાવો.’ એટલે મેઘોએ વીજળીઓના ચમકારા કરતાં કરતાં પુષ્કળ વરસાદ વરસાવ્યો. વાદળ પરસ્પર ગરજતા રહ્યાં અને આકાશમાંથી સતત વરસાદ કરતાં રહ્યાં. જોરશોરથી ગર્જના કરતાં અને અનરાધાર જળવર્ષા કરતાં એ અત્યન્ત અદ્ભુત જલધરોએ સમગ્ર આકાશને ઘેરી લીધંુ હતું. અસંખ્ય ધારા રૂપી લહેરોવાળું એ આકાશ જાણે કે નૃત્ય કરી રહ્યંુ હતું. ભયંકર ગરજતાં એ વાદળોએ વીજળી અને પવનથી કંપીને સતત જળવર્ષા કરે રાખી. એમના દ્વારા આકાશ ઘેરાઈ ગયેલું હતું એટલે ચન્દ્ર અને સૂર્યનાં કિરણો અદૃશ્ય થઈ ગયાં હતાં. ઇન્દ્રે આવી વર્ષા કરી એટલે નાગલોકોને આનંદ થયો. આખી પૃથ્વી ઉપર પાણી પાણી થઈ ગયું. આવી રીતે સમગ્ર ભૂલોક જળના અસંખ્ય તરંગોથી છવાયેલો હતો. વર્ષાથી તૃપ્ત થયેલા સર્પ માતાની સાથે રામણીયક દ્વીપમાં આવી પહોંચ્યા. વિશ્વકર્માએ સર્જેલા એ ટાપુમાં અત્યારે તો મગરોનો નિવાસ હતો. જ્યારે પહેલી વાર નાગલોકો એ ટાપુ પર આવ્યા હતા ત્યારે તેમણે ત્યાં ભયાનક લવણાસુરને જોયો હતો. નાગ ગરુડની સાથે એ ટાપુના સુંદર વનમાં આવ્યા. ચારે બાજુએ સમુદ્ર ઘેરી વળેલો હતો, અને એના જળથી છંટકાવ થયા કરતો હતો. અનેક પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. ચિત્રવિચિત્ર ફળફૂલથી ભરેલા ઉપવનથી એ દિવ્ય વન છવાયેલું હતું. સાથે સાથે ત્યાં રમણીય ભવન હતાં અને કમળવાળાં સરોવર હતાં. સ્વચ્છ જળવાળાં અનેક દિવ્ય સરોવર એ વનની શોભામાં વૃદ્ધિ કરતાં હતાં. દિવ્ય સુગંધને લઈને પવિત્ર પવન વહેતો હતો. ત્યાં ચંદનનાં વૃક્ષ એટલાં ઊંચાં હતાં કે જાણે આકાશને આંબતાં ન હોય, ઉન્મત્ત પવનને કારણે ફૂલોની વર્ષાથી પ્રદેશ શોભી ઊઠ્યો હતો. પવનની લહેરોને કારણે બીજાં અનેક વૃક્ષ પુષ્પવર્ષા કરતાં હતાં, જાણે ત્યાં આવી ચઢેલા નાગલોકો ઉપર જ પુષ્પવર્ષા કરતાં ન હોય! મનને આનંદ પમાડતા, ગંધર્વ અને અપ્સરાઓના પ્રિય એવા એ દિવ્ય વનમાં પ્રમત્ત ભમરાઓ ગુંજી રહ્યા હતા. પોતાની મનભર છટાને કારણે તે વન ખૂબ જ સુંદર દેખાતું હતું. આ વન રમણીય મંગલકારી અને પવિત્ર હોવાને કારણે તે બધા લોકોના ચિત્તને આકર્ષતું હતું. વિવિધ પક્ષીઓના કૂજનથી શોભતું એ વન કદ્રૂના પુત્રોને અત્યંત આનંદ આપતું હતું. આ વનમાં પહોંચીને એ બધા સાપ આનંદથી વિહાર કરવા લાગ્યા અને મહાપરાક્રમી પક્ષીરાજ ગરુડને કહેવા લાગ્યા: ‘હે આકાશગામી, નભમાં ઊડતાં ઉડતાં તેં ઘણા રમ્ય પ્રદેશ જોયા છે, તો અમને હવે નિર્મળ અને વિપુલ જળવાળા બીજા કોઈ રમણીય દ્વીપમાં લઈ જા.’ ગરુડે થોડો વિચાર કરીને પોતાની માતા વિનતાને પૂછ્યું: ‘‘મા, મારે આ સાપોની આજ્ઞાનું પાલન શા માટે કરવું જોઈએ?’ વિનતાએ કહ્યું, ‘હે પક્ષીરાજ, દુર્ભાગ્યવશ હું અનાર્યા બહેનની દાસી છું. મેં એક વાર હોડ બકી હતી અને આ સાપોએ લુચ્ચાઈ કરીને મારી જીતને હારમાં ફેરવી કાઢી હતી.’ માતાએ આ કારણ બતાવ્યું એટલે ગગનવિહારી ગરુડે એના દુઃખે દુઃખી થઈને સાપોને પૂછ્યું: ‘જીભથી ચાટચાટ કરનારા હે સાપલોકો, તમે સાચું કહેજો. હું તમને શું લાવી આપું કે ક્યું જ્ઞાન સંપડાવી આપું કે ક્યું પરાક્રમ કરું જેથી અમે તમારા દાસત્વમાંથી છૂટીએ?’ ગરુડની વાત સાંભળીને સાપોએ ઉત્તર આપ્યો: ‘તું પરાક્રમ કરીને અમૃત લઈ આવ. પછી તું દાસત્વમાંથી મુક્ત થઈ શકીશ.’ સાપોની વાત સાંભળીને ગરુડે પોતાની માતાને પૂછ્યું: ‘મા, હું અમૃત લાવવા જઉં છું, પણ મારે ભોજન માટે શું કરવું તે કહે.’ વિનતાએ કહ્યું: ‘સમુદ્રની વચ્ચે નિષાદોને રહેવા માટે એક નિવાસસ્થાન છે. ત્યાં રહેતા સેંકડો નિષાદોને મારીને તું ખાઈ જજે અને અમૃત લાવજે, પરંતુ તું કદી બ્રાહ્મણોને મારવાનો વિચાર કરતો નહીં, બ્રાહ્મણો બધાં જ પ્રાણીઓ માટે અવધ્ય છે, તેઓ અગ્નિ જેવા દાહક છે. ક્રોધે ભરાયેલો બ્રાહ્મણ અગ્નિ, સૂર્ય, વિષ અને શસ્ત્ર જેવો ભયાનક હોય છે. બ્રાહ્મણને સમસ્ત પ્રાણીઓના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે.’ એ સાંભળીને ગરુડે પૂછ્યું: ‘મા, બ્રાહ્મણોનાં લક્ષણ કેવાં હોય છે જેનાથી તે ઓળખાઈ જાય, તે બધાં તું મને કહે.’ વિનતાએ કહ્યું, ‘જો તારા ગળામાં પડતાંવેંત અંગારાની જેમ દઝાડે, જાણે તું માછલીનો કાંટો ગળી ગયો હોય એવું લાગે ત્યારે એને બ્રાહ્મણ માનવો.’ પુત્ર પ્રત્યે અતિ સ્નેહ હોવાને કારણે વિનતાએ કહ્યું: ‘જે તારા પેટમાં પચે નહીં તેને બ્રાહ્મણ સમજવો.’ તે પુત્રના અનુપમ બળને ઓળખતી હતી, તેમ છતાં નાગલોકોએ તેને છેતરી હતી એટલે દુઃખી થઈ ગઈ હતી, પછી તેને પુત્રને આશીર્વાદ આપ્યા: ‘હે પુત્ર, વાયુ તારી બંને પાંખોનું રક્ષણ કરે, ચંદ્ર અને સૂર્ય પાછલા ભાગનું રક્ષણ કરે, અગ્નિ તારા મસ્તકનું રક્ષણ કરે, વસુઓ તારી સમગ્ર કાયાનું રક્ષણ કરે. હું પણ અહીં રહીને તારા કલ્યાણ અને શાંતિ માટે પ્રાર્થના કરતી રહીશ. તું કાર્ય સિદ્ધ કરવા વિઘ્નરહિત માર્ગ ઉપરથી જજે.’ ત્યાર પછી મહા બળવાન ગરુડ માતાની વાત સાંભળીને બંને પાંખો ફેલાવીને આકાશમાં ઊડી ગયા. અને ભૂખથી વ્યાકુળ થઈને સર્વવિનાશક યમરાજની જેમ નિષાદોની પાસે જઈ પહોંચ્યા. એ નિષાદોનો સંહાર કરવા માટે પૃથ્વીથી આકાશ સુધી ધૂળ ઉડાડી, સમુદ્રના જલને સૂકવી દીધું. પાસેના પર્વતોને પણ ધૂ્રજાવી મૂક્યા. પછી પક્ષીરાજે પોતાનું મોં પહોળું કર્યું અને નિષાદોનો માર્ગ રોકી ઊભા રહી ગયા. પેલા નિષાદો પણ ઉતાવળમાં જે બાજુ ગરુડનું મોં હતું એ દિશામાં જ ભાગ્યા. જેવી રીતે ઝંઝાવાતથી કાંપતાં વૃક્ષોવાળા વનમાં પવન તથા ધૂળથી વિમોહિત બનેલાં પંખીઓ આકાશમાં આમતેમ ઊડવા માંડે, એવી જ રીતે પવન તથા ધૂળથી છવાયેલા હજારો નિષાદો ગરુડના ખૂલેલા મુખમાં સમાઈ ગયા. એટલે શત્રુને પીડનારા, અત્યંત ચપલ, મહાબળવાન, ભૂખ્યા ગરુડે માછલી મારીને પેટ ભરનારા અનેક નિષાદોનો વિનાશ કરવા પોતાનું મોં બંધ કરી દીધું. એ નિષાદોની સાથે એક બ્રાહ્મણ પણ પોતાની પત્ની સાથે ગરુડના ગળામાં પેસી ગયો હતો. તે સળગતા અંગારાની જેમ એના ગળામાં દાહ જન્માવવા લાગ્યો. એટલે ગરુડે કહ્યું: ‘હે બ્રાહ્મણ, મારા ખૂલેલા મોંમાંથી જલદી બહાર નીકળી જાઓ. બ્રાહ્મણ ગમે તેવો પાપી હોય તો પણ મારે માટે અવધ્ય છે.’ એવું કહેતા ગરુડને એ બ્રાહ્મણે કહ્યું: ‘આ નિષાદ જાતિની કન્યા મારી પત્ની એટલે તે પણ મારી સાથે બહાર આવશે.’ ગરુડે કહ્યું: ‘બ્રાહ્મણ, તું આ નિષાદ સ્ત્રીને લઈને જલદી બહાર નીકળ. તું મારા જઠરાગ્નિના તેજથી હજુ પચ્યો નથી, એટલે જલદીથી તારું જીવન ઉગારી લે.’ એટલે એ બ્રાહ્મણ નિષાદ સ્ત્રીની સાથે બહાર નીકળી આવ્યો અને આશીર્વાદ આપીને મનગમતા પ્રદેશમાં જતો રહ્યો. પોતાની સ્ત્રીની સાથે ગયેલા એ બ્રાહ્મણને જોઈને ગરુડે પાંખો ફેલાવી અને મનોવેગથી આકાશમાં ઊડવા લાગ્યા. એ પછી તેમણે પોતાના પિતાને જોયા. એમણે પૂછ્યું એટલે ગરુડે બધા સમાચાર કહ્યા. મહર્ષિ કશ્યપે ગરુડને કહ્યું: ‘બેટા, તમે બધા કુશળ તો છો ને! દરરોજ તને ભોજન તો મળતું રહે છે ને? શું મનુષ્યલોકમાં તારે માટે પૂરતું અન્ન તો મળી રહે છે ને?’ ગરુડે ઉત્તર આપ્યો: ‘મારી મા સદા કુશળ છે, મારો ભાઈ અને હું કુશળ છીએ. પરંતુ પિતાજી, મને પેટ પૂરતા ભોજનની ચંતાિ હમેશાં રહે છે. સાપોએ મને અમૃત લેવા મોકલ્યો છે. મારી માને દાસત્વમાંથી છોડાવવા આજે હું નિશ્ચિત અમૃત લાવીશ જ. માતાએ મને નિષાદોનું ભોજન કરવાની આજ્ઞા આપી હતી, પણ હજારો નિષાદોનું ભક્ષણ કરવા છતાં મને તૃપ્તિ થઈ નથી. એટલે હે ભગવન્, મારે માટે બીજું કોઈ ભોજન બતાવો, એને ખાઈને હું અમૃત લાવવામાં શક્તિશાળી બનું.’ કશ્યપ એ સાંભળીને કહેવા લાગ્યા: ‘વિભાવસુ નામના એક બહુ ક્રોધી મહર્ષિ હતા. એમના નાના ભાઈ સુપ્રતીક પણ બહુ મોટા તપસ્વી હતા. સુપ્રતીક પોતાની સંપત્તિ મોટા ભાઈની પાસે રાખવા માગતા ન હતા. તે દરરોજ સંપત્તિનો ભાગ પાડવા માટે ઝઘડતા રહેતા હતા. એક સમયે વિભાવસુએ કહ્યું: ‘ભાઈ, ઘણા બધા લોકો મોહ પામીને બાપદાદાની સંપત્તિ વહેંચી લેવા માગતા હોય છે. પણ એ વહેંચી લીધા પછી ધનના લોભે એકબીજાને આદર આપતા નથી. એ સ્વાર્થી મનુષ્યો જ્યારે પોતપોતાની સંપત્તિ લઈને અલગ થઈ જાય છે ત્યારે તેમની એ સ્થિતિ જાણીને શત્રુઓ મિત્ર બનીને આપસઆપસમાં કલહ કરાવે છે. એમનામાં કુસંપ પેદા થયો છે એ જાણીને બીજા કેટલાક લોકો તેમનાં છિદ્રો જોતા રહે છે અને એવું છિદ્ર મળતાંવેંત એમનામાં વેરભાવ વધારવા વચ્ચે પડે છે. આવી રીતે અલગ થયેલા લોકોનો બહુ જલદી વિનાશ થાય છે. એટલે સજ્જનો ભાઈઓના છૂટા પડવાની વાત કે સંપત્તિનાભાગ પાડવાની વાતને આવકારતા નથી. હે સુપ્રતીક, તું ભેદભાવને લઈને જ સંપત્તિનો ભાગ પાડવા ઇચ્છે છે. અને તું રોક્યો રોકાય એમ લાગતું નથી. એટલે તું આવતા જન્મે હાથી થઈશ.’ આવો શાપ મળ્યો એટલે સુપ્રતીકે વિભાવસુને કહ્યું; ‘તું પણ પાણીમાં વિહરનારો કાચબો થઈશ.’ આવી રીતે વિભાવસુ અને સુપ્રતીક ધનને નિમિત્તે બુદ્ધિ ગુમાવીને, એકબીજાને શાપ આપીને હાથી અને કાચબા તરીકે જીવે છે. ક્રોધને કારણે આ બંનેને પશુઓનો અવતાર મળ્યો છે. આ બંને વિશાળકાય પ્રાણીઓ પૂર્વજન્મના વેરને અનુસરીને પોતાની વિશાળતા અને ઘમંડમાં ચૂર થઈને એકબીજાની અદેખાઈ કરે છે. આ સરોવરમાં રહે છે. આ બંનેમાં જે સુંદર અને મોટો હાથી છે તે દરરોજ સરોવરના કિનારે આવે છે અને એના ચિત્કાર સાંભળીને પાણીમાં રહેતો વિશાળ કાચબો પણ બહાર આવે છે અને એ વખતે આખા સરોવરના પાણીને ડહોળી નાખે છે. એને જોતાંવેંત આ મહાબળવાન હાથી પોતાની સૂંઢ લપેટીને પાણીમાં કૂદી પડે છે અને દાંત, સૂંઢ, પૂછડું અને પગના વેગથી અસંખ્ય માછલીઓથી ભરેલા આ આખા સરોવરમાં ખળભળાટ મચાવી દે છે. એ જ સમયે કાચબો પણ યુદ્ધ કરવા પાસે આવે છે. આ હાથી છ યોજન ઊંચો અને બાર યોજન લાંબો છે; કાચબો ત્રણ યોજન ઊંચો છે અને તેની ગોળાઈ દસ યોજન છે. આ બંને એકબીજાને પરાજિત કરવાની ઇચ્છાથી ઘોર યુદ્વમાં ફસાયેલા છે, એટલે તું જલદીથી બંનેને ખાઈને તારું કાર્ય સિદ્ધ કર.’ પોતાના પિતાની આવી વાત સાંભળીને એ વેગીલા અને મહાન ગરુડે પોતાના એક પંજામાં હાથીને અને બીજા પંજામાં કાચબાને પકડી લીધા. તે ઊંચે આકાશમાં ઊડી ગયા અને અલમ્બતીર્થમાં દેવવૃક્ષોની પાસે પહોંચી ગયા. જ્યારે ગરુડ ત્યાં પહોંચ્યા ત્યારે એમની પાંખોના ફફડાટથી એ દેવવૃક્ષોને ‘આ આપણને જડમૂળથી ઉખાડી તો નહીં નાખે ને’ એવો ભય લાગ્યો. ગરુડ મનવાંછિત ફળ આપનારાં એ વૃક્ષોને કાંપતાં જોઈ બીજાં અનુપમ વૃક્ષો પાસે ગયા. એ વૃક્ષોની શાખાઓ વૈદુર્ય મણિની હતી અને સોનાચાંદીનાં ફળોથી તે સુંદર લાગતાં હતાં. એ બધાં મહા વૃક્ષો સમુદ્રનાં પાણીની છોળોથી ભીંજાતાં રહેતાં હતાં. ત્યાં એક વિશાળ વડનું ઝાડ હતું. મનોવેગી પક્ષીરાજ ગરુડને આવતા જોઈ તે બોલ્યું: ‘હે પક્ષીરાજ, આ મારી સો યોજન સુધી વિસ્તરેલી ડાળી છે. એના પર બેસીને તમે આ હાથી અને કાચબાને ખાઓ.’ ત્યારે પર્વત જેવા વિશાળ શરીરવાળા, વેગીલા, પક્ષીરાજ તરત જ એ વૃક્ષ પાસે ગયા, તેના પર બેઠા, તેના ઉપર સેંકડો પક્ષી હતાં. બેસતાંવેંત તેમના પ્રચંડ વેગથી અઢળક પાંદડાંવાળી તે વિશાળ ડાળી તૂટી ગઈ. એ મહા બળવાન ગરુડના પગનો સ્પર્શ થયો કે તરત જ એ વૃક્ષની ડાળી તૂટી તો ગઈ પણ તરત જ ગરુડે એ તૂટેલી ડાળને પકડી લીધી. એ મોટી ડાળીને તોડીને ગરુડે એની સામે જોઈને સ્મિત કર્યું એટલામાં જ તેમની દૃષ્ટિ વાલખિલ્ય નામના ઋષિઓ પર પડી. તેઓ ઊંધા મસ્તકે એ ડાળને પકડીને લટકી રહ્યા હતા. તપસ્યામાં ડૂબેલા એ બ્રહ્મર્ષિઓને વડની શાખાઓ લટકતા જીેઈને ગરુડે વિચાર્યું: અહીં તો ઋષિઓ લટકી રહ્યા છે. મારાથી એમની હત્યા ન થઈ થાય. આ તૂટેલી ડાળ ઋષિઓને મારી જ નાખશે. એમ વિચારીને વીર ગરુડે હાથી અને કાચબાને તો પોતાના પંજામાં સખતાઈથી પકડી લીધા અને ઋષિઓ નાશ ન પામે એ બીકે ડાળીને ચાંચમાં ઝાલી રાખી અને પર્વતોને કંપાવતા એ ગરુડ ધીરેથી ઊડી ગયા અને એ રીતે હાથી અને કાચબાને લઈને અનેક પ્રદેશોમાં તે ઊડતા રહ્યા. વાલખિલ્ય ઋષિઓ ઉપર દયાભાવ આણીને તે ક્યાંય બેસી ન શક્યા અને ઊડતા ઊડતા સહજ તે પર્વતોમાં શ્રેષ્ઠ એવા ગંધમાદન પર્વત પર જઈ ચઢ્યા. ત્યાં પોતાના પિતા કશ્યપને તપ કરતા જોયા. તેમણે પણ દિવ્ય રૂપધારી ગરુડને જોયા. અત્યંત તેજસ્વી મન તથા પવનના જેવા વેગવાળા ગરુડ હતા. તેઓ પર્વતશિખર જેવા ઉન્નત ઊંચકાયેલા બ્રહ્મદંડ સમા હતા. તેમનું આ સ્વરૂપ અકલ્પ્ય હતું. બધાં પ્રાણીઓમાં તે ભયંકર હતા, જાણે સાક્ષાત્ અગ્નિનું જ બીજું સ્વરૂપ ન હોય; દેવ, દાનવ કે રાક્ષસ — કોઈનાથીય જિતાય નહીં તેવા હતા. પર્વતનાં શિખરોને તોડનારા તથા સમુદ્રજળને શોષી લેનારા હતા; સમગ્ર વિશ્વને તે ભયથી કંપાવનારા હતા. યમરાજ જેવા દેખાતા હતા. એમને આવેલા જોઈને તથા એમનો આશય જાણીને કશ્યપ ઋષિએ આમ કહ્યું: ‘પુત્ર, જોજે દુ:સાહસ કરી ન બેસતો. નહીંતર આપત્તિમાં મુકાઈ જઈશ. સૂર્યકિરણોનું પાન કરનાર આ વાલખિલ્ય ઋષિ ક્રોધે ભરાઈને તને ભસ્મ કરી ન નાખે!’ પછી પુત્રને માટે મહર્ષિ કશ્યપે તપસ્યાથી પવિત્ર બનેલા વાલખિલ્ય મુનિઓને પ્રસન્ન કર્યા અને બોલ્યા: હે તપોધનો, બ્રાહ્મણો, આ ગરુડ પ્રજાહિત માટે જે મહાન કાર્ય કરવા તત્પર થયો છે તેને તમે આજ્ઞા આપો.’ કશ્યપ ઋષિએ આમ કહ્યું એટલે વાલખિલ્ય મુનિઓ એ ડાળી છોડીને તપ કરવા અત્યંત પુણ્યમય પર્વત ઉપર નીકળી પડ્યા. એ ચાલી નીકળ્યા એટલે વિનતાપુત્ર ગરુડે મોંમાં ડાળી પકડી રાખેલી એટલે મુશ્કેલીથી પિતા કશ્યપને પૂછ્યું, ‘ભગવન્ આ વૃક્ષની ડાળીને ક્યાં નાખું? જ્યાં દૂર દૂર સુધી મનુષ્યો ન રહેતા હોય એવું કોઈ સ્થળ મને બતાવો.’ એટલે કશ્યપે નિર્જન એવો પર્વત બતાવ્યો, એની કંદરાઓ હિમાચ્છાદિત હતી અને જ્યાં બીજી કોઈ વ્યક્તિ મનથીય પહોંચી શકે એમ ન હતી. પક્ષીરાજ ગરુડ મહાપર્વતની ગુફામાં મનોમન પ્રવેશીને હાથી, કાચબા અને પેલી ડાળી લઈને ખૂબ વેગથી ઊડ્યા. ગરુડ જે ડાળીને લઈને ઊડ્યા તે એટલી બધી મોટી હતી કે સો પશુઓનાં ચામડાંમાંથી બનાવેલું દોરડું પણ વીંટાળવા માટે નાનું પડે. પક્ષીરાજ ગરુડે એ ડાળી લઈને થોડા સમયમાં જ ત્યાંથી એક લાખ જોજન દૂર જઈ ચઢયા. પિતાની આજ્ઞાથી ક્ષણવારમાં એ પર્વત આગળ પહોંચીને પેલી વિશાળ ડાળી ત્યાં ફંગોળી દીધી. તે વખતે ત્યાં બહુ મોટો અવાજ થયો, એ પર્વતરાજ ગરુડની પાંખોના ફફડાટથી ઘવાઈને કંપી ઊઠ્યા, ત્યાં ઊગેલાં ઘણાં વૃક્ષો ઊખડી પડ્યાં અને એ ફૂલોની વર્ષા કરવા લાગ્યાં. એ મહાન પર્વતને શોભાવતાં મણિકાંચનમય શિખરો બધી બાજુએથી ચૂર ચૂર થઈને પડી ગયાં. એ વિશાળ ડાળી સાથે અથડાઈને ઘણાં બધાં વૃક્ષો ધરાશાયી થઈ ગયાં અને પોતાનાં સુવર્ણમય પુષ્પોને કારણે વીજળીથી ચમકતાં વાદળ જેવાં દેખાવા લાગ્યાં. સુવર્ણમય પુષ્પોવાળાં આ વૃક્ષો ધરતી પર પડીને પર્વતની બીજી ધાતુઓના રગે રંગાયાં અને એમના પર સૂર્યકિરણોનાં રંગ ચઢ્યા એટલે વધારે સુશોભિત થઈ ઊઠ્યાં. ત્યાર પછી પક્ષીરાજ ગરુડે તે પર્વતના એક શિખર પર બેસીને તે બંને હાથી અને કાચબાનું ભોજન કર્યું. આમ એ બંનેને આરોગીને મહાન વેગવાળા ગરુડ પર્વતના એ શિખર પરથી ઊંચે ઊડ્યા. એ સમયે દેવતાઓને ત્યાં ઘણા બધા ભયસૂચક ઉત્પાત થવા લાગ્યા. દેવરાજ ઇન્દ્રનું વજ્ર ભયથી પ્રજ્વલિત થઈ ઊઠ્યું. દિવસે જ આકાશમાંથી ધુમાડા અને જ્વાળાઓ સમેત ઉલ્કા ખરવા લાગી. વસુ, રુદ્ર, આદિત્ય, સાધ્ય, મરુત્ગણ અને બીજા દેવતાઓનાં શસ્ત્રો એવી રીતે ઉત્પાત કરવાં લાગ્યાં કે પહેલાં જાણે આવું કશું બન્યું જ નહોતું. એ સમયે વજ્રના ગડગડાટની સાથે જોરશોરથી ઝંઝાવાત ફુંકાયો, હજારો ઉલ્કા ખરવા લાગી. વાદળાં વિનાના આકાશમાંય મોટી મોટી ગર્જના થવા લાગી. દેવતાઓના જે દેવતા હતા તેઓ પણ રક્તવર્ષા કરવા લાગ્યા. દેવતાઓની દિવ્ય પુષ્પમાળાઓ કરમાઈ ગઈ. ઘોર ઉપદ્રવ કરનારાં વાદળોએ રક્તધારાઓ વરસાવી. ચોતરફ ઊડેલી ધૂળને કારણે દેવતાઓના મુગટ મેલા થઈ ગયા. આવો ભયાનક ઉત્પાત જોઈને દેવતાઓ સમેત ઇન્દ્ર ભયથી વ્યાકુળ થઈ ઊઠ્યા અને તેમણે બૃહસ્પતિને કહ્યું: ‘હે ભગવન્, એકાએક આ ભયાનક ઉત્પાત ક્યાંથી થઈ રહ્યો છે? એવો તો કોઈ શત્રુ નથી જે અમને પરાજિત કરી શકે.’ એ સાંભળીને બૃહસ્પતિએ કહ્યું, ‘હે દેવરાજ ઇન્દ્ર, તમારા જ અપરાધ અને પ્રમાદથી તથા મહાત્મા વાલખિલ્ય ઋષિઓના તપના પ્રભાવથી કશ્યપ મુનિ અને વિનતાના પુત્ર પક્ષીરાજ ગરુડ અમૃતનું અપહરણ કરવા આવી રહ્યા છે. તે અત્યંત બળવાન છે અને ઇચ્છાનુસારી રૂપ ધારણ કરવા શક્તિમાન છે. એ બળવાનોમાં પણ અત્યંત બળવાન છે, તે અમૃત હરી જવામાં સમર્થ છે. હું એમનામાં બધા પ્રકારની શક્તિઓ હોવાની સંભાવના કરું છું. તેઓ અસાધ્ય કાર્ય પણ સિદ્ધ કરી શકે છે.’ બૃહસ્પતિની આ વાત સાંભળીને દેવરાજ ઇન્દ્રે અમૃતનું રક્ષણ કરનારા દેવતાઓને કહ્યું, ‘એક મહાબલી પક્ષી અમૃતનું હરણ કરવા માટે અહીં આવી રહ્યું છે. એટલે હું તમને સાવધાન કરી દઉં છું કે તે બળજબરી કરીને અમૃત લઈ ન જાય, બૃહસ્પતિએ મને કહ્યું છે કે એનું બળ અમાપ છે.’ ઇન્દ્રની એ વાત સાંભળીને દેવતાઓ આશ્ચર્યમાં ડૂબી ગયા અને પ્રયત્નપૂર્વક ચારે બાજુએથી અમૃતને ઘેરીને ઊભા રહી ગયા. પ્રતાપી ઇન્દ્ર પણ વજ્ર લઈને ત્યાં ઊભા રહી ગયા. મનસ્વી દેવતાઓ વિલક્ષણ સુવર્ણમય અને વૈદુર્યમણિથી શોભતા કવચ ધારણ કરીને, અનેક પ્રકારનાં ભયાનક, તીક્ષ્ણ ધારવાળાં અને અણિયાળાં શસ્ત્ર ધારણ કરીને, જેમાંથી ધુમાડા અને અગ્નિની જ્વાળાઓ પ્રગટે એવાં ચક્ર, પરિધ, ત્રિશુલ, પરશુ, વિવિધ પ્રકારની શક્તિઓ, તેજસ્વી તલવારો અને પોતપોતાનાં શરીરને અનુરૂપ ગદાઓ લઈને ત્યાં ઊભા રહી ગયા. પરાક્રમ, બળ, અને તેજથી અનુપમ, અસુરોનાં નગરોને તોડનારાં, પ્રજ્વલિત અગ્નિ સમાન તેજથી શોભતા એ બધા દેવ મન મૂકીને અમૃતની રક્ષા કરવા તૈયાર થયા. આમ એ તેજસ્વી દેવતા શ્રેષ્ઠ યુદ્ધ માટે સજ્જ થયા. એ યુદ્ધભૂમિ લાખો પરિધ વગેરે આયુધોથી વ્યાપ્ત થઈને સૂર્યકિરણોથી તૂટી પડેલા આકાશના જેવી સુશોભિત બની ગઈ હતી. આ સાંભળીને શૌનક ઋષિએ સૂતને પૂછ્યું: ‘હે સૂતનંદન, ઇન્દ્રનો ક્યો અપરાધ હતો? એણે ક્યો પ્રમાદ સેવ્યો હતો? અને ગરુડ વાલખિલ્ય મુનિઓના પ્રભાવથી કેવી રીતે ઉત્પન્ન થયા? કશ્યપ તો બ્રાહ્મણ છે, તો પછી પક્ષીરાજ તેમનો પુત્ર કેવી રીતે? વળી એ પુત્ર બધાં પ્રાણીઓમાં બળવાન અને તેનો કોઈ વધ ન કરી શકે એવું કેવી રીતે બન્યું? આકાશમાં ઊડનાર એ પક્ષી સ્વેચ્છાચારી થયા કેવી રીતે અને રુચિ પ્રમાણે પરાક્રમ કરવાની શક્તિ કેવી રીતે આવી? આ બધું હું સાંભળવા માગું છું. જો પુરાણમાં આની કોઈ કથા હોય તો તે સંભળાવો.’ એ સાંભળીને સૌતિએ કહ્યું, ‘હે બ્રાહ્મણ, તમે મને જે પૂછો છો તે પુરાણના જ વિષય છે. હું સંક્ષેપમાં કહી સંભળાવું છું તે સાંભળો. પ્રજાપતિ કશ્યપ પુત્રની ઇચ્છાથી યજ્ઞ કરી રહ્યા હતા; એમાં ગંધર્વોએ, ઋષિઓએ, દેવતાઓએ સહાય કરી હતી. કશ્યપે ઇન્દ્રને સમિધ લાવવા રોક્યા હતા. વાલખિલ્ય મુનિ અને બીજા દેવતાઓને પણ એ કામ સોંપ્યું હતું. દેવરાજ ઇન્દ્રે પોતાની શક્તિ પ્રમાણે લાકડાના એક મોટા પર્વત જેવો સમૂહ ઉપાડ્યો અને વગર થાકે તે લઈ આવ્યા. તેમણે રસ્તામાં ખૂબ જ નાના એવા ઋષિઓને જોયા, તેમનું આખું શરીર અંગૂઠાના વચલા ભાગ જેવું હતું; એ બધા મળીને કેસુડાની એક નાની ડાળી લઈને આવી રહ્યા હતા. તેમણે આહાર છોડી દીધો હતો. તપસ્યાથી તેઓ એટલા બધા દૂબળા થઈ ગયા હતા કે તેઓ ગાયની ખરી જેટલા પાણીમાં પણ ડૂબી જઈને હેરાન થઈ જાય. પોતાના બળથી ઘમંડી બનેલા ઇન્દ્રે આશ્ચર્યથી એ બધા ઋષિઓને જોયા અને એમની મજાક ઉડાવતા ઉડાવતા અપમાનપૂર્વક એમને ઓળંગીને જલદી આગળ નીકળી ગયા. એટલે વાલખિલ્ય ઋષિઓ ખૂબ જ દુઃખી થયા અને ક્રોધે ભરાયા. તેમણે ઇન્દ્રને માટે ભયંકર નીવડે એવા એક મહાન કાર્યનો આરંભ કર્યો. મનમાં જે ઇચ્છા હતી તે પાર પાડવા નાનામોટા મંત્રો વડે વિધિવત્ અગ્નિમાં જે આહુતિ આપતા હતા તે હવે કહું છું, સાંભળો. આ ઉત્તમ વ્રતધારી ઋષિઓએ સંકલ્પ કર્યો કે બધા દેવતાઓ માટે એક બીજો ઇન્દ્ર ઉત્પન્ન થાય, તે અત્યારના ઇન્દ્ર માટે ભયજનક પુરવાર થાય, તે ઇચ્છાનુસાર પરાક્રમ કરી શકે, પોતાની રુચિ પ્રમાણે હરીફરી શકે; જે શૌર્યમાં અને વીર્યમાં ઇન્દ્ર કરતાં સોગણો ચઢિયાતો હોય, એની ગતિ મન જેટલી હોય, અમારી તપસ્યાના પ્રભાવે ઇન્દ્રને માટે ભયંકર નીવડે એવો વીર જન્મે.’ એમનો આવો સંકલ્પ સાંભળીને દેવરાજ ઇન્દ્રને ખૂબ જ સંતાપ થયો અને તે કઠોર વ્રતધારી કશ્યપના શરણે ગયા. દેવરાજ ઇન્દ્રના મોઢે ઋષિઓનો એવો સંકલ્પ સાંભળીને કશ્યપ વાલખિલ્યો પાસે જઈ ચઢ્યા અને એમની કર્મસિદ્ધિ વિશે પ્રશ્ન કર્યો. સત્યવાદી વાલખિલ્યોએ ‘હા, વાત સાચી છે.’ કહીને પોતાની કાર્યસિદ્ધિનું પ્રતિપાદન કર્યું. ત્યારે પ્રજાપતિ કશ્યપે એમને સાંત્વન આપી સમજાવતાં કહ્યું: ‘હે બ્રાહ્મણો, બ્રહ્માની આજ્ઞાથી તેણે ત્રણે ભુવનોના ઇન્દ્રનું પદ પ્રાપ્ત કર્યું છે. તમે પણ બીજા ઇન્દ્રને માટે મથી રહ્યા છો. હે સંતપુરુષો, તમે બ્રહ્માનું વચન મિથ્યા ન કરો. સાથે સાથે હું એવું પણ ઇચ્છું કે તમે જે સંકલ્પ કર્યો છે તે પણ મિથ્યા ન થાય. એટલે અત્યન્ત બળ અને સત્ત્વગુણથી સંપન્ન જે આ ભાવિ પુત્ર છે તે પક્ષીઓનો ઇન્દ્ર થાય. યાચક બનીને આવેલા દેવરાજ ઇન્દ્ર પર કૃપા કરો.’ મહર્ષિ કશ્યપની વાત સાંભળીને તપસ્વી વાલખિલ્ય મુનિ કશ્યપ પ્રજાપતિનો સત્કાર કરીને બોલ્યા, ‘હે પ્રજાપતિ, અમારો આ વિધિ ઇન્દ્ર માટે હતો, તમારો આ યજ્ઞ સંતાન માટે છે. એટલે આ ફળ સહિતના કર્મનો તમે સ્વીકાર કરો અને જેમાં બધાનું કલ્યાણ હોય એ કરો.’ એ સમયે શુભલક્ષણા, કલ્યાણી, પુત્રની ઇચ્છાવાળી દક્ષપુત્રી વિનતા તપ અને વ્રત કરીને ઋતુકાળના સ્નાન પછી પોતાના પતિ પાસે ગઈ ત્યારે કશ્યપે એને કહ્યું: ‘દેવી, તારો આ સમારંભ અવશ્ય સફળ થશે. તું બે પુત્રોને જન્મ આપીશ અને એ બંને વીર નીવડશે. ત્રણે લોક ઉપર શાસન કરવાની શક્તિ ધરાવશે. મારા સંકલ્પ અને વાલખિલ્યોની તપસ્યાથી તને બે પરમ સૌભાગ્યશાળી પુત્રો થશે, એમની ત્રણે લોકમાં પૂજા થશે.’ એમ કહીને ફરી વિનતાને કહ્યું: ‘દેવી, આ ગર્ભ મહાન અભ્યુદય કરનારો નીવડશે એટલે પ્રમાદ કર્યા વિના એને ધારણ કરજે. તારા બંને પુત્ર બધાં પક્ષીઓમાં ઇન્દ્રપદને પામશે. સ્વરૂપે પક્ષી હોવા છતાં ઇચ્છાનુસાર રૂપ ધારણ કરી શકશે અને લોકોનો આદર મેળવશે.’ વિનતાને એમ કહીને પ્રસન્ન થયેલા પ્રજાપતિએ ઇન્દ્રને કહ્યું: ‘હે પુરન્દર, આ બંને મહાપરાક્રમી ભાઈઓ તારા સહાયક થશે. તમને એમનાથી કોઈ નુકસાન નહીં થાય. તમારા સંતાપ હવે દૂર થવા જોઈએ. તે દેવતાઓના ઇન્દ્ર રહેશે જ. એક વાત ધ્યાનમાં રાખશો. હવે પછી ઘમંડમાં આવી જઈને બ્રહ્મર્ષિ મહાત્માઓનાં અપમાનમજાક ન કરતા. તેમની વાણી અમોઘ વજ્ર જેવી છે અને તે ભયંકર ક્રોધી હોય છે.’ કશ્યપની વાત સંાભળીને ઇન્દ્ર નિશ્ચિત થઈને સ્વર્ગમાં ચાલ્યા ગયા. વિનતા પણ પોતાની ઇચ્છા પૂરી થવાથી આનન્દિત થઈ. તેને બે પુત્ર જન્મ્યા: અરુણ અને ગરુડ. જેનાં અંગ થોડાં અધૂરા રહી ગયાં તે અરુણ. સૂર્યદેવનો સારથિ બનીને તેમની આગળ આગળ ચાલે છે. હે ભૃગુપુત્ર, બીજા પુત્ર ગરુડને પક્ષીઓનું ઇન્દ્રપદ સોંપ્યું. હવે ગરુડના મહાન પરાક્રમની વાત સાંભળો. ‘દેવતાઓનો સમુદાય વિવિધ પ્રકારનાં આયુધ લઈને યુદ્ધ માટે તૈયાર થયો તે જ વખતે ગરુડ દેવતાઓ પાસે પહોંચી ગયા. અત્યંત બળવાન ગરુડને જોઈને દેવતાઓ કંપી ઊઠ્યા, તેમનાં બધાં શસ્ત્ર અંદરઅંદર જ ટકરાવા લાગ્યાં. ત્યાં વિદ્યુત્ અને અગ્નિ સમાન તેજસ્વી અને મહાપરાક્રમી અમેયાત્મા વિશ્વકર્મા અમૃતની રક્ષા કરતા હતા. પક્ષીરાજની સાથે તેમણે બે ઘડી યુદ્ધ કર્યું અને ગરુડના નખ, ચાંચ અને પાંખોના પ્રહારથી ઘાયલ થઈને યુદ્ધભૂમિ પર મરણતુલ્ય થઈ પડ્યા. ત્યાર પછી ગરુડે પોતાની પાંખોના ફફડાટથી ખૂબ ધૂળ ઉડાડીને સમસ્ત લોકમાં અન્ધકાર ફેલાવી દીધો. અને એ જ ધૂળથી છવાઈને દેવતાઓ મોહિત થઈ ગયા. અમૃતની રક્ષા કરતા દેવતાઓ પણ એવી જ રીતે ધૂળથી ઢંકાઈને કશું જોઈ શકતા નહોતા. આમ ગરુડે સ્વર્ગલોકને આકુળવ્યાકુળ કરી નાખ્યો અને પાંખ તથા ચાંચના પ્રહારથી દેવતાનાં અંગેઅંગ ઘાયલ કરી નાખ્યાં. ત્યારે સહ નેત્રવાળા ઇન્દ્રદેવે તરત જ વરુણને આજ્ઞા કરી, ‘હે મરુત્, તું આ ધૂળની વૃષ્ટિ દૂર કર; આ કાર્ય તું જ કરી શકે એમ છે.’ ત્યારે મહાબલી વાયુદેવે ખૂબ વેગથી ધૂળને દૂર કરી. એટલે ત્યાં ફેલાયેલો અંધકાર દૂર થઈ ગયો. હવે દેવતાઓ પોતાનાં આયુધોથી ગરુડને પીડવા લાગ્યા. દેવતાઓના પ્રહાર ઝીલીને બળવાન ગરુડ આકાશમાં છવાયેલા મહામેઘની જેમ બધાં પ્રાણીઓને ડરાવતા જોરશોરથી ગરજવા લાગ્યા. શત્રુઓનો સંહાર કરવાવાળા પક્ષીરાજ ખૂબ જ પરાક્રમી હતા. તે આકાશમાં ખૂબ ઊંચે ઊડી ગયા. અંતરીક્ષમાં દેવતાઓની બરાબર ઉપર જ ઊભા રહી ગયા. તે વખતે ઇન્દ્ર વગેરે દેવતા ગરુડ પર પટ્ટિશ, પરિધ, શૂલ તથા ગદા જેવાં વિવિધ આયુધ દ્વારા પ્રહાર કરવા લાગ્યા. અગ્નિ જેવાં પ્રજ્વલિત ક્ષુરપ્ર, સૂર્ય જેવાં તેજસ્વી ચક્ર, વિવિધ પ્રકારનાં અન્ય શસ્ત્ર વડે તેમના ઉપર ચારે બાજુએથી પ્રહારો થઈ રહ્યા હતા. તો પણ પક્ષીરાજ દેવતાઓ સાથે ઘોર યુદ્ધ કરતા જ રહ્યા, જરાય વિચલિત ન થયા. પરમ પ્રતાપી વિનતાનંદન ગરુડ જાણે દેવતાઓને દઝાડી મૂકશે, એવા રોષથી આકાશમાં રહીને જ પાંખો અને છાતીના ધક્કાથી એ બધાને દૂર ફંગોળ્યા. ગરુડથી પીડા પામેલા અને દૂર ફેંકાયેલા દેવતાઓ આમતેમ ભાગવા લાગ્યા. એમના નખ અને ચાંચથી ઘવાયા અને શરીરમાંથી પુષ્કળ લોહી રેલાવા લાગ્યું. પક્ષીરાજથી પીડાતા સાધ્ય અને ગંધર્વો પૂર્વ દિશામાં ભાગી નીકળ્યા, વસુઓ અને રુદ્રો દક્ષિણ દિશામાં ભાગ્યા, આદિત્યો પશ્ચિમમાં ગયા અને અશ્વિનીકુમારો ઉત્તરમાં ગયા. એ પરાક્રમી યોદ્ધાઓ વારંવાર પાછું વળીને જોતાં જોતાં ભાગી રહ્યા હતા. ત્યાર પછી આકાશગામી પક્ષીરાજે વીર અશ્વકંદ, રેણુક, શૂરવીર કથન, તપન, ઉલૂક, શ્વસન, નિમેષ, પ્રરુજ અને પુલિન — એમ નવ યજ્ઞ સાથે યુદ્ધ કર્યું. શત્રુઓનું દમન કરતા વિનતાપુત્રે પ્રલયકાળમાં ક્રોધિત પિનાકધારી રુદ્રની જેમ ક્રોધે ભરાઈને એ બધાને પાંખ, નખ, અને ચાંચ વડે ઘાયલ કરી નાખ્યા. આ બધા યક્ષ અત્યંત બળવાન અને ઉત્સાહી હતા. યુદ્ધમાં ગરુડ દ્વારા ઘવાયા ને રક્તધારા વહેવડાવતાં વાદળ જેવા તે શોભવા માંડ્યા હતા. પક્ષીરાજ એ બધાના પ્રાણ હરીને જ્યારે અમૃત લેવા આગળ વધ્યા ત્યારે તેની ચારે બાજુ આગ જોઈ. એ આગે પોતાની જ્વાળાઓમાં સમગ્ર આકાશને આવરી લીધું હતું. તે સૂર્યમંડળની જેમ દાહ પમાડતી હતી અને પ્રચંડ વાયુ વડે વધારે ને વધારે પ્રજ્વલિત રહેતી હતી. એટલે મહાન ગરુડે પોતાના શરીરમાં ૮૧૦૦ મુખ પ્રગટાવ્યાં અને એ દ્વારા નદીઓનાં પાણી પી લીધાં. ફરી ખૂબ જ વેગથી અને ઝડપથી ત્યાં સળગતી આગ પર એ બધું જળ છાંટી દીધું. આમ શત્રુઓને સંતાપનારા ગરુડે નદીઓના જલથી એ આગને ઓલવી અને અમૃતની પાસે જવા એકદમ નાનકડું રૂપ લીધું. જેવી રીતે જળપ્રવાહ સમુદ્રમાં પ્રવેશે છે તેવી રીતે પક્ષીરાજ ગરુડ સૂર્યકિરણ જેવા પ્રકાશિત સુવર્ણમય સ્વરૂપ ધારણ કરીને બળપૂર્વક જ્યાં અમૃત હતું ત્યાં પ્રવેશી ગયા. તેમણે જોયું તો અમૃતની પાસે એક લોખંડી ચક્ર ઘૂમ્યા કરતું હતું. એની ચારે બાજુ છરા હતા. એ નિરંતર ઘૂમ્યા કરતું હતું, તેની ધાર ખૂબ તીણી હતી. એ ઘોર ચક્ર અગ્નિ અને સૂર્યની જેમ જાજવલ્યમાન હતું. દેવતાઓએ એ અત્યન્ત ભયંકર ચક્ર એટલા માટે બનાવ્યું હતું કે જે અમૃત ચોરવા આવે તેના ટુકડેટુકડા થઈ જાય. ગરુડ એનામાં કોઈ છિદ્ર જોતા ઊભા રહ્યા, જેથી એમાં પ્રવેશી શકાય. પછી એક જ ક્ષણમાં શરીરને સંકોચી એ ચક્રના આરાની વચ્ચે થઈને અંદર પ્રવેશી ગયા. એ ચક્રની નીચે અમૃતની રક્ષા માટે બે શ્રેષ્ઠ સાપ હતા. એમનું તેજ પ્રજ્વલિત અગ્નિના જેવું હતું. તેમની લપલપાતી આંખો વીજળી જેવી હતી, મોં તેજસ્વી હતાં. આંખો ચમકતી હતી. એ સાપ મહા પરાક્રમી હતા, તેમની આંખોમાં ઝેર હતું. એ નિત્ય ક્રોધી અને વેગવાન હતા. ગરુડે તેમને જોયા. તેમનાં નેત્રોમાં નિત્ય ક્રોધ ભરાયેલો રહેતો હતો. તેઓ એકીટશે જોયા કરતા હતા. બેમાંથી એક પણ જેને જોઈ લે તે તત્કાળ ભસ્મ થઈ જાય. સુંદર પાંખોવાળા ગરુડે એકાએક ધૂળ નાખીને તેમની આંખો બંધ કરી દીધી અને એમની નજરે પડ્યા વિના જ ચારે બાજુથી એમના ઉપર પ્રહાર કરવા માંડ્યા. આકાશમાં ઊડનારા બળવાન વિનતાપુત્રે વેગપૂર્વક આક્રમણ કરીને એ બંને સાપોને શરીરને વચ્ચેથી કાપી નાખ્યા અને અમૃત તરફ ત્રાટક્યા, ચક્રને તોડીફોડી નાખ્યું અને અમૃતકુંભ ઊઠાવીને ખૂબ વેગથી ઊડવા માંડ્યું. તેમણે પોતે અમૃત પીધું નહીં, માત્ર એ લઈને શીઘ્રતાથી નીકળી પડ્યા અને સૂર્યપ્રભાની અવહેલના કરીને થાક્યા વિના નીકળ્યા. એ સમયે આકાશમાં વિનતાપુત્ર ગરુડને ભગવાન વિષ્ણુ મળી ગયા. ભગવાન નારાયણ ગરુડના નિર્લોભી પરાક્રમથી પ્રસન્ન થયા. એટલે તે અવિનાશી ભગવાન વિષ્ણુએ આકાશગામી ગરુડને કહ્યું, ‘હું તને વરદાન આપવા માગું છું.’ નભોવિહારી ગરુડે કહ્યું: ‘પ્રભુ, હું તમારી ધજામાં નિત્ય રહું.’ પછી ફરી ભગવાન નારાયણને કહ્યું: ‘ભગવાન, હું અમૃત પીધા વિના જ અજર — અમર થઈ જઉં.’ ત્યારે ભગવાને ગરુડને કહ્યું, ‘તથાસ્તુ.’ એ બંને વરદાન પામીને ગરુડે ભગવાનને કહ્યું: ‘દેવ, હું પણ તમને વરદાન આપવા માગું છું. તમે પણ કોઈ વરદાન માગો.’ ત્યારે શ્રીહરિએ મહાબલિ ગરુડ પાસે ‘તું મારું વાહન થા’ એવું વરદાન માગ્યું. ભગવાન વિષ્ણુએ ગરુડને પોતાના ધ્વજમાં સ્થાન આપ્યું અને ગરુડ ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પક્ષીરાજ ગરુડને અમૃતનું અપહરણ કરતા જોઈ ક્રોધે ભરાઈને ઇન્દ્રે વજ્રનો પ્રહાર કર્યો. વિહંગોમાં શ્રેષ્ઠ ગરુડે વજ્રથી ઘવાયા છતાં હસતાં હસતાં મધુર વાણીમાં કહ્યું: ‘દેવરાજ, જેમનાં હાડકાંમાંથી આ વજ્ર બન્યું છે તે મહર્ષિનું માન રાખીશ. તેમની સાથે સાથે તમારું અને વજ્રનુંય માન રાખીશ. એટલે જેનો છેડો તમે ક્યાંય જોઈ ન શકો એવી મારી પાંખ જતી કરું છું.’ એમ કહીને પક્ષીરાજે પોતાની એક પાંખ ખેરવી નાખી. એ ખરેલી ઉત્તમ પાંખને જોઈને બધાં પ્રાણીઓને હર્ષ થયો, એના આધારે તેમણે ગરુડનું નામ પાડ્યું. એ સુંદર પાંખ જોઈ બધાંએ કહ્યું, ‘જેની આ સુંદર પાંખ છે તે પક્ષી સુપર્ણ નામે વિખ્યાત થાય.’ આ મહાન અચરજ જોઈને સહ નેત્રવાળા પુરંદરે મનોમન વિચાર કર્યો, આ પક્ષીના રૂપમાં કોઈ મહાન પ્રાણી છે. એમ વિચારી કહ્યું, ‘હે વિહંગશ્રેષ્ઠ, હું તમારું સર્વોત્તમ બળ જાણવા માગું છું અને તમારી સાથે અનન્ત મૈત્રી બાંધવા માગું છું.’ ગરુડે કહ્યું, ‘હે પુરન્દર દેવ, તમારી ઇચ્છા પ્રમાણે હવે આપણી વચ્ચે મૈત્રી. મારું મહાન અને અસહ્ય બળ જાણી લો. સજ્જનો પોતાને મોઢે પ્રશંસા નથી કરતા. પણ તમે મિત્ર માનીને પૂછ્યું છે એટલે કહું છું. કારણ વિના જ પોતાની પ્રશંસા કરવી ન જોઈએ. હે ઇન્દ્ર, પર્વત, વન અને સમુદ્રનાં પાણી સમેત આ આખી પૃથ્વીને, તમને પણ એક પાંખ પર ઊંચકીને વિના પરિશ્રમે ઊડી શકું છું. અથવા બધા જ ચરાચર લોકોને એકત્રિત કરીને જો મારા પર મૂકી દેવામાં આવે તો બધાનો ભાર વગર થાકે ઉપાડી શકું છું. તમે એનાથી મારું બળ સમજી શકશો.’ વીર ગરુડની વાત સાંભળીને શ્રીમાનોમાં શ્રેષ્ઠ એવા કિરીટધારી સર્વલોકહિતકારી દેવેન્દ્રે કહ્યું, ‘મિત્ર, તું જે કહે છે એ સાચું છે. તું બધું જ કરી શકે એમ છે. અત્યારે મારી ઉત્તમ મૈત્રી સ્વીકાર. જો તારે પોતાને અમૃત નથી જોઈતું તો મને પાછું આપી દે. તું જેમને અમૃત આપવા માગે છે તેઓ એ પીને અમને દુઃખી કરશે.’ ગરુડે કહ્યું: ‘સ્વર્ગાધિપતિ, કોઈક કારણસર હું આ અમૃત લઈ જઉં છું. હું કોઈને પીવા નહીં દઉં. હું જ્યાં એને મૂકી દઉં ત્યાંથી તમે ઊઠાવી જજો.’ ઇન્દ્રે કહ્યું, ‘પક્ષીરાજ, તમે જે વાત કરી તેનાથી હું સંતુષ્ટ છું. હે પક્ષીશ્રેષ્ઠ, તમારે જે વરદાન જોઈએ તે માગી લો.’ ઇન્દ્રની આવી વાત સાંભળીને ગરુડને કદ્રૂના પુત્રોની દુષ્ટતા યાદ આવી. તેમનો કપટી વ્યવહાર પણ યાદ આવ્યો, એટલે તો એમની મા દાસી બની હતી. તેમણે ઇન્દ્રને કહ્યું, ‘હે ઇન્દ્ર, હું બધું કરવાને સમર્થ છું છતાં અમૃત બીજાઓના હાથમાં ન જાય એવી તમારી માગણી સ્વીકારું છું. વળી તમારા કહેવા પ્રમાણે વરદાન માગું છું કે મહાબલી સાપ મારો આહાર બને.’ એટલે દાનવશત્રુ ઇન્દ્ર ‘તથાસ્તુ’ કહીને યોગીશ્વર દેવાધિદેવ શ્રીહરિ પાસે જતા રહ્યા. શ્રીહરિએ ગરુડે કહેલી વાતને અનુમોદન આપ્યું; ત્યારે સ્વર્ગના સ્વામી ઇન્દ્રે ફરીથી ગરુડને કહ્યું, ‘તમે જે સમયે આ અમૃતને નીચે મૂકશો તે સમયે ત્યાં આવીને એ અમૃત હું લઈ જઈશ.’ પછી સુંદર પાંખવાળા ગરુડ તરત જ પોતાની માતા પાસે પાછા આવી ગયા. અત્યન્ત પ્રસન્ન થઈને તેમણે બધા સાપને કહ્યું: ‘હે સાપલોકો, હું તમારે માટે આ અમૃત લઈને આવ્યો છું. એને આ કુશ ઘાસ પર મૂકી દઉં છું. તમે સ્નાન, મંગલ કાર્ય કરીને આ અમૃતનું પાન કરો. અમૃત મોકલતી વખતે જે વાત કરી હતી એ પ્રમાણે આજથી મારી માતા દાસપણામાંથી મુક્ત થઈ જાય. કારણ કે તમે મને આ કામ સોંપેલું અને મેં તે પૂરું કર્યું છે.’ એટલે બધા સાપ ‘તથાસ્તુ’ કહીને સ્નાન કરવા ગયા. એ દરમિયાન ઇન્દ્ર આવીને અમૃત લઈને સ્વર્ગમાં ચાલ્યા ગયા. પછી અમૃતપાનની ઇચ્છા ધરાવતા સાપ સ્નાન, જપ અને મંગલકાર્ય કરીને પ્રસન્ન મને જ્યાં કુશના આસન પર અમૃત મૂક્યું હતું ત્યાં આવ્યા. ત્યારે જાણ થઈ કે અમૃત કોઈ ચોરી ગયું છે. એટલે સાપોએ એમ વિચારી સંતોષ લીધો કે આપણા કપટી વ્યવહારનો જ આ બદલો છે. જ્યાં અમૃત મૂક્યું હતું ત્યાં કદાચ એનો થોડો અંશ રહી ગયો હોય એમ માનીને સાપોએ કુશ ચાટવા માંડ્યું. એમ કરવાથી એમની જીભના બે ટુકડા થઈ ગયા. ત્યારથી પવિત્ર અમૃતનો સ્પર્શ થવાથી કુશ ‘પવિત્ર’ તરીકે જાણીતા થયા. આ પ્રકારે મહાન ગરુડે દેવલોકમાંથી અમૃતનું હરણ કર્યું, સાપો સુધી પહોંચાડ્યું, સાથે સાથે સાપોને બે જીભાળા બનાવ્યા. ત્યાર પછી સુંદર પાંખવાળા ગરુડ અત્યન્ત પ્રસન્ન થઈને માતાની સાથે રહેવા લાગ્યા. અને એ વનમાં ઇચ્છાનુસાર ઘૂમવા લાગ્યા. સાપોનું ભોજન કરનારા, પક્ષીઓ દ્વારા સન્માનિત થયેલા પોતાની ઉજ્જ્વળ કીર્તિ પ્રસારતા ગરુડ મા વિનતાને આનંદ આપવા લાગ્યા. જે મનુષ્ય આ કથાને શ્રેષ્ઠ બ્રાહ્મણોની ગોષ્ઠીમાં સદા વાંચશે, સાંભળશે તે પક્ષીરાજ ગરુડના ગુણગાન કરવાથી પુણ્યનો ભાગીદાર થઈ નિશ્ચિતપણે સ્વર્ગ જશે. (આદિ પર્વ, ૧૮થી ૩૨)

આસ્તિકકથા

(સૂતના પિતા લોમહર્ષણે બ્રાહ્મણોના કહેવાથી આ કથા સંભળાવી હતી.) આસ્તિકના પિતા બ્રહ્મચારી, પ્રજાપતિ સમાન, યુક્તાહારી, તપસ્વી અને ઉગ્ર તપમાં તલ્લીન રહેતા હતા. તે ઊર્ધ્વરેતા, યાયાવરોમાં ઉત્તમ, વ્રતધારી, ધર્મજ્ઞ ઋષિ જરત્કારુ નામથી પ્રસિદ્ધ થયા. એક દિવસ ભ્રમણ કરતાં કરતાં ઊંડી ગર્તામાં માથાં નીચે અને પગ ઉપર એવી અવસ્થામાં પોતાના પિતૃઓને જોયા. પિતામહોને આવી રીતે જોઈને તેણે તેમને પૂછ્યું, ‘કોણ છો તમે? આ ગર્તામાં ઊંધે માથે કેમ લટકી રહ્યા છો?’ આ ગર્તામાં છુપાઈને રહેનારા ઉંદરો ચારે બાજુથી જેને કાપી રહ્યા છે તે ખસખસ જેવા કોઈ છોડમાં લટકેલા કેમ છો?’ ત્યારે પિતૃઓએ કહ્યું, ‘અમે યાયાવર નામના વ્રતધારી ઋષિઓ છીએ. હે બ્રહ્મન્, સંતાનોના લોપ થવાથી અમે અધોભૂમિમાં જઈ રહ્યા છીએ. અમે મંદભાગ્યોનો એક પુત્ર જરત્કારુ છે, તે માત્ર તપ જ કર્યા કરે છે. તે પુત્રજન્મ નિમિત્તે વિવાહ કરવા માગતો નથી. વંશલોપના ભયથી અમે આ ગર્તામાં લટકીએ છીએ. આમ અમે સનાથ હોવા છતાં દુષ્કૃત્યો કરનારા સમાન અનાથ થઈ ગયા છીએ. હે સાધુ, તું કોણ છે? બંધુની જેમ અમારી ચિંતા કેમ કરી રહ્યો છે? હે બ્રહ્મન, તું કોણ છે તે અમે જાણવા માગીએ છીએ. તું કયા હેતુથી અમારી શોચનીય દશા જોઈને શોક કરી રહ્યો છે?’ એ વનસ્પતિના એક માત્ર બચેલા મૂળિયાને ઉંદર પોતાના તીક્ષ્ણ દાંત વડે કાપી રહ્યો હતો. એટલે જરત્કારુએ પોતાના તપનો ચોથો, ત્રીજો કે અડધો ભાગ આપીને તેમના મોક્ષ માટે કહ્યું, પણ તે પિતૃઓ બોલ્યા, ‘તમે પણ અમારી રક્ષા કરવા માગો છો પણ એ શક્ય નથી. અમારી તપસ્યા પણ ખાસ્સી છે, પણ અમે તો વંશ નિર્મૂળ જવાને કારણે જ અહીં લટકીએ છીએ. અમારો એક અનુજ જરત્કારુ છે, તે મોટો તપસ્વી છે, એને તપનો લોભ છે એટલે અમારી આવી સ્થિતિ થઈ છે. અમે જે મૂળિયાંને વળગી રહ્યા છીએ તે અમારી વૃદ્ધિ માટેનો સ્તંભ છે. જેને પકડીને અમે વળગી રહ્યા છીએ તે જરત્કારુ છે. આ જે ઉંદર તમે જુઓ છો તે કાળ છે. અમારી સાથે જરત્કારુ પણ કાળનો કોળિયો થઈ જશે અને તે નરકમાં જશે. જો તમને એ ઋષિ મળે તો અમારી આ કથા તેને કહેજો.’ જરત્કારુએ કહ્યું, ‘તમે જ મારા પિતૃઓ, પિતામહો છો, હું જ સ્વયં જરત્કારુ છું, હું શું કરું તે કહો.’ પિતૃઓ બોલ્યા, ‘હે તાત, તું અમને તારી જાતને અને ધર્મ બચાવવા માટે કુળનો વંશવેલો વધે એ માટે પ્રયત્ન કર. પુત્રવાન જેવી સદ્ગતિ પામે છે તેવી સદ્ગતિ સુસંચિત કરેલા તપથી કે ધર્મફલથી પણ પ્રાપ્ત થતી નથી. એટલે અમારા કહેવાથી પત્ની મેળવ અને સંતતિને જન્મ આપ. એથી અમારું પરમ હિત થશે.’ જરત્કારુએ કહ્યું, ‘મેં મનમાં નિશ્ચય કર્યો હતો કે હંુ દારાગ્રહણ (લગ્ન) નહીં કરું. પરંતુ તમારા કલ્યાણ માટે હું વિવાહ કરીશ. પણ તેને માટે એક શરત છે, એ પ્રમાણે જો મને કન્યા મળશે તો હું લગ્ન કરીશ, નહીંતર નહીં કરું. એ કન્યા મારા નામની હોવી જોઈએ, અને તેના બાંધવોએ તેનું દાન સ્વેચ્છાથી કરેલું હોવું જોઈએ. તો એ કન્યાને ભિક્ષા રૂપે સ્વીકારીને એની સાથે વિવાહ કરીશ. તમને તારવા માટે પુત્ર જન્મશે. તેનાથી મારા પિતૃઓ એવા તમે શાશ્વત સ્થાન પ્રાપ્ત કરી આનંદ કરી શકશો.’ ત્યાર પછી તે વ્રતધારી વિપ્ર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવા માટે, સ્ત્રીનો અભિલાષી થઈને આખી ભૂમિ ઘૂમી વળ્યો, પરંતુ તેને સ્ત્રી ન મળી. તે એક વાર વનમાં ગયો ત્યારે પિતૃવાક્યનું સ્મરણ કરીને ધીમેથી ત્રણ વાર બોલ્યો, ત્યારે એ સાંભળીને વાસુકિ પોતાની બહેનનું દાન કરવા તૈયાર થયા. પણ તે કન્યા પોતાના જેવું નામ નથી ધરાવતી એમ માનીને તેનો સ્વીકાર ન કર્યો. મહાત્મા જરત્કારુએ મનમાં નિશ્ચય કરી લીધો હતો કે હું મારા જ નામની અને સામેથી મળે એવી કન્યા સાથે જ લગ્ન કરીશ. મહાપ્રાજ્ઞ(મહા જ્ઞાની), મહાતપસ્વી જરત્કારુએ પૂછ્યું, ‘હે ભુજંગ, સાચું કહો, તમારી ભગિનીનું નામ શું છે?’ વાસુકિએ કહ્યું, ‘હે જરત્કારુ, મારી અનુજા બહેનનું નામ જરત્કારુ છે. હે દ્વિજોત્તમ, મેં તેને તમારા માટે આરક્ષિત રાખી છે. પહેલાં સર્પમાતાએ ભુજંગોને શાપ આપ્યો હતો કે જનમેજયના યજ્ઞમાં અનિલ(પવન)ની સહાયથી અગ્નિ તમને બાળી નાખશે.’ તે શાપની શાન્તિ માટે નાગશ્રેષ્ઠ વાસુકિએ વ્રતશીલ અને તપસ્વી ઋષિને પોતાની સ્વસા (બહેન) આપી. વિધિ દ્વારા નિશ્ચિત કર્મ પ્રમાણે વયોવૃદ્ધ, વ્રતધારી ધર્માત્મા જરત્કારુએ મન્ત્રોચ્ચાર કરીને પાણિગ્રહણ કર્યું. મહર્ષિઓ દ્વારા પ્રશંસિત જરત્કારુ પન્નગશ્રેષ્ઠે (સર્પશ્રેષ્ઠ) નિર્દેશેલા શુભ વાસગૃહમાં ગયા. ત્યાં સુંદર શયન તૈયાર કરેલું હતું. જરત્કારુ ભાર્યા સાથે ત્યાં રહેવા લાગ્યા. સાધુશ્રેષ્ઠ ઋષિએ ભાર્યા સાથે શરત કરી કે ‘તું ક્યારેય મને અપ્રિય કાર્ય કરવા નહીં કહે, એવી વાત પણ નહીં કરે, જો તું અપ્રિય કાર્ય કરીશ, અપ્રિય વચન બોલીશ તો તારા ઘરમાં નહીં રહું, તને ત્યજી દઈશ, મેં જે કહ્યું તેને ધ્યાનમાં રાખજે.’ ત્યારે નાગરાજની બહેને અત્યંત દુઃખી થઈને ‘ભલે’ કહીને એ વાત સ્વીકારી લીધી. પતિનું હિત ચાહવાવાળી યશસ્વિનીએ કાગડા, કૂતરાની જેમ પતિની સેવા કરવા લાગી. થોડા સમય પછી ઋતુકાળ વીત્યો એટલે સ્નાન કરીને મહામુનિ પાસે યથાન્યાય (વિધિપૂર્વક) જઈને વાસુકિની બહેને સમાગમ કર્યો, ત્યારે તે જરત્કારુએ અગ્નિસમાન, તપોયુક્ત, વૈશ્વાનર (અગ્નિ) સમાન તેજસ્વી ગર્ભ ધારણ કર્યો અને જેવી રીતે શુક્લ પક્ષમાં સોમ (ચંદ્ર) વૃદ્ધિ પામે તેમ વૃદ્ધિ પામવા લાગ્યો. થોડા સમય પછી મહા તપસ્વી જરત્કારુ પત્નીના ઉછંગમાં માથું મૂકીને થાકેલામાંદલા જેવા સૂઈ ગયા હતા. એ વિપ્રવર સૂતા હતા ત્યારે સવિતાનારાયણ અસ્તાચળે પહોંચ્યા, દિવસ પૂરો થવા આવ્યો એટલે વાસુકિની મનસ્વિની બહેન ધર્મલોપની ચિંતાથી વિચારવા લાગી. જો હું તેમને નિદ્રામાંથી નહીં ઉઠાડું તો ધાર્મિક પતિના ધર્મલોપની સંભાવના છે અને જગાડીશ તો તેમના ક્રોધની સંભાવના છે, છેવટે તેણે ધર્મલોપથી થનારું પાપ વધુ ગંભીર છે એમ માન્યું. હં નિદ્રામાંથી જગાડીશ તો ક્રોધે ભરાશે જ, પણ જો સંધ્યાકાળ વીતી જશે તો ધર્મલોપ થશે. પછી તે મધુરભાષિણી નાગભગિનીએ મનમાં નિશ્ચય કરીને અગ્નિ સમાન તેજસ્વી, તપથી દીપ્ત થયેલા પતિને મીઠા શબ્દે કહ્યું, ‘હે મહાભાગ, વ્રતશીલ ભગવાન્, સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, એટલે તમે ઊઠો. જળ સ્પર્શ કરીને સન્ધ્યા-ઉપાસના કરો. અગ્નિહોત્રનો સમય થયો છે, આ મુહૂર્ત દારુણ અને રમણીય છે. પશ્ચિમ દિશામાં સંધ્યા આવી પહોંચી છે.’ આ સાંભળીને મહા તપસ્વી બ્રાહ્મણ જરત્કારુ ક્રોધે હોઠ ફફડાવતા પત્નીને કહેવા લાગ્યા, ‘અરે ભુજંગા, તેં મારું અપમાન કર્યું છે, હવે હું તારી સાથે નહીં રહું, જ્યાં મન થશે ત્યાં જઈશ. હે સુંદર સાથળોવાળી, હંુ નિશ્ચિત જાણું છું કે હું સૂતો હોઉં તો સૂર્ય કદી પણ અસ્ત થઈ જ ન શકે. અપમાન વેઠીને કોઈ પુરુષ અહીં રહે નહીં, તો મારા જેવા ધર્મશીલ પુરુષની તો વાત જ શી?’ હૃદયને કંપાવતી પતિની વાણી સાંભળીને વાસુકિના ઘેર રહેનારી તેની બહેને કહ્યું, ‘હે વિપ્ર, અપમાન કરવા મેં તમને જગાડ્યા નથી, ધર્મલોપ ન થાય એટલે મેં તમને જગાડ્યા.’ આ સાંભળીને ભુજંગિનીનો ત્યાગ કરવા તત્પર મહાતપસ્વી ઋષિએ પત્નીને કહ્યું, ‘હે ભુજંગિની, મારી વાણી અસત્ય નથી હોતી. હું જઈશ, મેં પહેલેથી તને કહી રાખ્યું હતું. હે ભદ્રે, મારા ગયા પછી તારા ભાઈને કહેજે કે ઋષિ ચાલ્યા ગયા છે. આ દિવસો હું સુખેથી રહ્યો છું. હે ભીરુ, તું પણ મારા જવાથી શોક ન કરીશ.’ આમ સાંભળીને અનવદ્ય (અતિ સુંદર) અંગોવાળી જરત્કારુ ચિન્તાતુર, શોકપરાયણા થઈ, ગદ્ગદ્ થઈ ગઈ, તેનું મોં સુકાઈ ગયું, કોઈક રીતે ધૈર્ય ધારણ કરી આંસુઓને કારણે રૂંધાયેલા કંઠે પતિ જરત્કારુને કહેવા લાગી, ‘હું તો સદા પતિના હિતમાં તલ્લીન, ધર્મના માર્ગે ચાલનારી છું. નિરપરાધીનો ત્યાગ કરવો અયોગ્ય છે. જે કારણે મારા ભાઈએ આ વિવાહ કરાવ્યો હતો તેને નિષ્ફળ થયેલો જોઈ તે મને શું કહેશે? મારા સ્વજનોએ મારી પાસે એક સંતાનની ઇચ્છા રાખી હતી. એ સંતાન મારા સ્વજનોનું કલ્યાણ કરત. તો આપણું આ મિલન વ્યર્થ જવું ન જોઈએ. તમે શા માટે મારો ત્યાગ કરવા માગો છો?’ આ સાંભળીને તપસ્વી જરત્કારુએ પત્નીને કહ્યું, ‘તારા ઉદરમાં અગ્નિ જેવો તેજસ્વી, પરમ ધામિર્ક, વેદવેદાંગમાંકુશળ એવો એક ઋષિ આકાર લઈ રહ્યો છે.’ આમ કહી જરત્કારુ ચાલ્યા ગયા. એટલે તરત જ જરત્કારુએ પોતાના ભાઈ પાસે જઈને બધી વાત કરી. આ દુઃખદ વાત સાંભળીને વાસુકિએ ગરીબ થઈ ગયેલી બહેનને કહ્યું, ‘અમે જે કારણે તારો વિવાહ કરાવ્યો હતો તે તું જાણે છે. એ ઋષિ દ્વારા તને એક પુત્ર જન્મે તો તે સાપલોકોને સર્પયજ્ઞમાંથી બચાવી શકે. આ વાત પિતામહ બ્રહ્માએ દેવોની હાજરીમાં મને કહી હતી. એ મુનિથી તને પુત્ર જન્મશે કે નહીં? આ વિવાહ નિષ્ફળ ન જવો જોઈએ. તને આમ પૂછવું અયોગ્ય છે તે છતાં હું પૂછું છું. તારા પતિના ક્રોધી સ્વભાવને જાણું છું, એટલે તેમની પાછળ હું જતો નથી. કદાચ તે મને પણ શાપ આપી બેસે. તું મને બધી વાત માંડીને કહે. મારા હૃદયમાં કેટલાય દિવસોથી ઘુમરાઈ રહેલી વેદનાને દૂર કર.’ આ વાત સાંભળીને જરત્કારુએ પોતાના ભાઈને ધીરજ બંધાવી. ‘મેં તેમને સંતાન વિશે પૂછ્યું હતું. ‘તારા ઉદરમાં સંતાન છે.’ એમ કહીને તે જતા રહ્યા, તેઓ કદી હસીમજાકમાં પણ અસત્ય બોલતા ન હતા, તો આવા કઠોર સમયે શા માટે અસત્ય બોલે? તેમણે મને કહ્યું હતું, ‘તું વિવાહના હેતુ વિશે વિચારીને દુઃખી ન થતી. તારા ઉદરમાં અગ્નિ અને સૂર્ય જેવો તેજસ્વી પુત્ર જન્મશે.’ એટલે હવે તમે દુઃખી ન થતા.’ વાસુકિએ શાંત થયેલી પોતાની બહેનનો આદરસત્કાર કર્યો. પછી આકાશમાં શુક્લ પક્ષના ચન્દ્રની જેમ, સૂર્યસમાન તેજસ્વી ગર્ભ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યો. સમય જતાં માતૃકુલના ભયનો વિનાશ કરનારા અને દેવ સમાન પુત્રને જન્મ આપ્યો. તે બાળક નાગરાજના ઘરમાં જ મોટો થવા લાગ્યો અને વેદવેદાંગનો અભ્યાસ કરતો રહ્યો. જ્યારે તે ઉદરમાં હતો ત્યારે તેના પિતા ‘અસ્તિ’ કહીને વનમાં જતા રહ્યા હતા એટલે તેનું નામ આસ્તિક પડ્યું. સર્પરાજ વાસુકિના ઘરમાં રહીને આસ્તિક સારી રીતે સુરક્ષિત રહ્યા અને બધા સાપોેને આનંદ આપવા લાગ્યા. ઋત્વિજો આ મોટા સર્પયજ્ઞમાં આહુતિ આપતા હતા એટલે ભયંકર સર્પો, બીજાં પ્રાણીઓ માટે ભયજનક સર્પો તે યજ્ઞમાં પડવા લાગ્યા. એ સર્પોનાં ચરબી અને મેદ વહેવા લાગ્યાં. રાતદિવસ સળગતા સાપોની તુમુલ (ભયાનક) ગંધ ચારે બાજુ ફેલાવા લાગી. આકાશમાંથી પડી રહેલા અને અગ્નિએ ખૂબ જ બાળી દીધેલા સાપલોકની ચીસો રાતદિવસ સંભળાતી હતી. જનમેજય રાજાના સર્પયજ્ઞમાં હોમાવાની વાત સાંભળીને નાગેન્દ્ર તક્ષક પુરન્દર(ઇન્દ્ર)ના નિવાસે જતો રહ્યો. તે ભુજંગશ્રેષ્ઠ તક્ષકે ભયભીત થઈને બધો વૃત્તાંત કહ્યો અને પુરુન્દરની શરણાગતિ લીધી. ઇન્દ્રે પ્રેમપૂર્વક તે તક્ષકને કહ્યું, ‘હે નાગેન્દ્ર, આ સર્પયજ્ઞમાં તને કોઈ ભય નથી. તારા માટે મેં અગાઉથી પિતામહ (બ્રહ્મા)ને પ્રસન્ન કર્યા છે.’ આ પ્રમાણે ભુજંગશ્રેષ્ઠ ઇન્દ્રથી આશ્વાસન પામીને શક્ર(ઇન્દ્ર)ના ભવનમાં સુખેથી રહેવા લાગ્યો. નાગલોકો સતત અગ્નિમાં હોમાતા હતા એટલે પોતાનો પરિવાર ઓછો થઈ રહ્યો હતો, એ જોઈને પન્નગેશ્વર વાસુકિ અત્યંત દુઃખી થયા, સંતપ્ત થયા. વાસુકિને ઘોર દુઃખ થયું, તેમનું હૃદય ડોલવા લાગ્યું, તેમણે પોતાની બહેનને કહ્યું, ‘ભદ્રે, મારાં અંગ દાઝી રહ્યાં છે, દિશાઓ સૂઝતી નથી, મોહથી વિવશ થયો છું, મારું મન ઘૂર્ણાયમાન થયું છે. મારી દૃષ્ટિ ભ્રમિત થાય છે, હૃદય ફાટી રહ્યું છે, આજે વિવશ થઈને મારે પણ એ અગ્નિજ્વાળાઓમાં હોમાવું પડશે. સર્પલોકોનો નાશ કરવાની ઇચ્છાથી પરીક્ષિતના પુત્રનો આ યજ્ઞ થઈ રહ્યો છે, આજે મારે પણ પિતૃલોકમાં જવું પડશે. હે બહેન, જે પ્રયોજનથી જરત્કારુ ઋષિ સાથે તારો વિવાહ કર્યો હતો તે કાળ આવી પહોંચ્યો છે, એટલે અમને બધા જ ભાઈઓને તું બચાવ. હે નાગશ્રેષ્ઠા, પહેલાં પિતામહે સ્વયં મને કહ્યું હતું કે આ યજ્ઞને આસ્તિક અટકાવશે. એટલે મારી અને મારા સ્વજનોની રક્ષા માટે વૃદ્ધોના પ્રિય અને વેદજ્ઞાતા કુમારને તું આજે કહે.’ એટલે ભુજંગા જરત્કારુએ નાગરાજ વાસુકિએ કહ્યું હતું તેમ પોતાના પુત્રને બોલાવીને કહ્યું, ‘પુત્ર, મારા ભાઈએ જે કારણે મને તારા પિતાને આપી હતી તેનો સમય આવી પહોંચ્યો છે, એટલે જે યથાયોગ્ય હોય તે કરો.’ આસ્તિકે પૂછ્યું, ‘કયા કારણે મામાએ તને મારા પિતાને આપી હતી, તે તું મને કહે, એટલે તે પ્રમાણે હું કરું.’ પછી બાંધવોનું હિત ઇચ્છનારી નાગરાજની બહેન જરત્કારુ ધીરજવાન થઈને બોલી, ‘એવી શ્રુતિ છે (એમ કહેવાય છે ) કે કદ્રૂમાતાએ ક્રોધે ભરાઈને પુત્રોને શાપ આપ્યો હતો તે તને કહું છું, સાંભળ. વિનતા મારી દાસી થાય એવી શરત લગાવી ત્યારે અશ્વરાજ ઉચ્ચૈ:શ્રવાનો રંગ બદલવાની ના પાડનારા, કદ્રૂનું કહ્યું ન કરનારા નાગપુત્રોને જનમેજયના યજ્ઞમાં ‘અનિલ સારથિ (એટલે કે અગ્નિ) તમને સળગાવી મૂકશે અને તમે પંચત્વ (મૃત્યુ) પામીને પ્રેતલોક(પરલોક)જશો.’ કદ્રૂએ આવો શાપ આપ્યો એટલે લોકોના પિતામહે એટલે કે બ્રહ્માએ ‘તથાસ્તુ’કહીને એ શાપવાણીને અનુમોદન આપ્યું. પિતામહનું વચન સાંભળીને અમૃતમંથન પછી વાસુકિ દેવોની શરણમાં ગયા. ઉત્તમ અમૃતને પ્રાપ્ત કરીને દેવતાઓનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું હતું એટલે તેઓ મારા ભાઈને આગળ રાખીને પ્રજાપતિ પાસે લઈ ગયા. તે બધાએ નાગરાજ વાસુકિની સાથે પિતામહને પ્રસન્ન કર્યા કે સાપોને અપાયેલો એ શાપ ફળે નહીં; આ નાગરાજ વાસુકિ સ્વજનોને કારણે દુઃખી છે તો માતાનો શાપ ન લાગે એવો ઉપાય કરવા કહ્યું, ત્યારે બ્રહ્માએ કહ્યું: જરત્કારુ ઋષિ જરત્કારુ નામની સ્ત્રીને પરણશે, એના ગર્ભથી જન્મેલો બ્રાહ્મણ શાપમાંથી ભુજંગોને બચાવશે. નાગરાજ વાસુકિએ એ સાંભળીને તારા મહાત્મા પિતા સાથે મારું લગ્ન કર્યું, સર્પયજ્ઞનો સમય આવે તે પહેલાં જ તેં મારા પેટે જન્મ લીધો. હવે એ સમય આવી પહોંચ્યો છે, તું આ ભયમાંથી અમને બચાવ, આ અગ્નિમાંથી મારા ભાઈની રક્ષા કરવા તું શક્તિમાન છે. હે પુત્ર, જે કારણે તારા બુદ્ધિમાન પિતા સાથે મારું લગ્ન થયું હતું તે નિષ્ફળ ન થાય એવું કર, તું શું માને છે તે કહે.’ આ સાંભળીને આસ્તિકે માતાને તથાસ્તુ કહ્યું, અને દુઃખથી સંતપ્ત વાસુકિને પુનર્જીવિત કરતા હોય તેમ કહ્યું, ‘હે પન્નગશ્રેષ્ઠ વાસુકિ, હું તમને બચાવીશ, આ શાપમાંથી મુક્ત કરાવીશ, હું સત્ય કહું છું. તમને કોઈ ભય નથી, તમે સ્વસ્થ મનવાળા થઈ જજો. હું એવો યત્ન કરીશ કે તમારું મંગલ થાય. અમસ્તા પણ હું અસત્ય બોલતો નથી, તો પછી અન્યથા તો કહેવાનું શું? હે મામા, તે દીક્ષિત નૃપશ્રેષ્ઠ જનમેજય પાસે જઈને મંગલ વાણી વડે તેમને પ્રસન્ન કરીશ અને રાજાનો યજ્ઞ અટકી જાય તેવું કરીશ. હે મહા બુદ્ધિમાન નાગેન્દ્ર, મારાથી સર્વ સંભવિત છે, તમારું મન મને મિથ્યા ન માને.’ વાસુકિએ કહ્યું, ‘હે આસ્તિક, હું ઘૂર્ણાયમાન (મન ઘૂમ્યા કરે છે) થયો છું, હૃદય ફાટી રહ્યું છે, બ્રહ્મદંડથી પીડાઈને દિશાઓ દેખાતી નથી.’ આસ્તિકે કહ્યંુ, ‘હે પન્નગશ્રેષ્ઠ, તમે કોઈ પણ પ્રકારે સંતાપ ન કરો. હું દીપ્ત અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા તમારા ભયને દૂર કરીશ. કાલાગ્નિ સમાન મહા ઘોર બ્રહ્મદંડનો વિનાશ કરીશ, તમે કોઈ પણ રીતનો ભય ન પામતા.’ વાસુકિની ઘોર માનસિક પીડાને દૂર કરી પોતે બધો ભાર લઈને ભુજંગશ્રેષ્ઠોને છોડાવવા માટે જનમેજયના તે ગુણવાન યજ્ઞસ્થાને બહુ ઉતાવળે દ્વિજશ્રેષ્ઠ આસ્તિક પહોંચી ગયા. ત્યાં જઈને આસ્તિકે સૂર્ય અને વહ્નિ (અગ્નિ) સમાન પ્રભાવાળું, અનેક સદસ્યોથી ભરાયેલું સુંદર યજ્ઞસ્થાન જોયું. ત્યાં દ્વારપાળોએ તે દ્વિજશ્રેષ્ઠને યજ્ઞગૃહમાં જવા ન દીધા. ત્યારે યજ્ઞમાં પ્રવેશવા ઉત્સુક આસ્તિકે યજ્ઞની સ્તુતિ કરવા માંડી. ‘હે ભારતશ્રેષ્ઠ પરીક્ષિતના પુત્ર, પ્રયાગમાં જેવી રીતે સોમનો યજ્ઞ, વરુણનો યજ્ઞ અને પ્રજાપતિનો યજ્ઞ થયો હતો તેવી જ રીતે તમારો યજ્ઞ જ છે, પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય. શક્ર(ઇન્દ્ર)ના જે સો યજ્ઞ કહેવાય છે, તથા તેમના બીજા સો યજ્ઞ કહેવાય છે તે બધાની બરાબરીનો તમારો આ એક યજ્ઞ છે, પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય. હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત (પરીક્ષિત પુત્ર), યમના યજ્ઞ, હરિમેધના યજ્ઞ, રાજા રન્તિદેવના યજ્ઞ જેવો જ આ તમારો યજ્ઞ છે. પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય. હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત, ગયના યજ્ઞ, રાજા શશબિન્દુના યજ્ઞ, વૈશ્રવણના યજ્ઞ જેવો જ આ તમારો યજ્ઞ છે. પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય. હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત, નૃગના યજ્ઞ, અજમીઢના યજ્ઞ, દાશરથિ (રામ)ના યજ્ઞ જેવો જ તમારો આ યજ્ઞ છે. પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય. હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત, અજમીઢ કુલમાં જન્મેલા દેવપુત્ર યુધિષ્ઠિરનો યજ્ઞ દેવલોકમાં અમે જેવો સાંભળ્યો હતો તેવો તમારો આ યજ્ઞ છે. પ્રાર્થના કરુ છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય. હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત, સત્યવતીના પુત્ર એટલે કે વ્યાસ — કૃષ્ણદ્વૈપાયને સંપૂર્ણ વિધિવિધાન સાથે જ યજ્ઞ કર્યો હતો તેના જેવો જ આ તમારો યજ્ઞ છે. પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય. વૃત્રહર્તા (ઇન્દ્ર)ના યજ્ઞમાં જેવા સદસ્યો હતા તેવા જ તમારા આ યજ્ઞના સદસ્યો સૂર્ય અને હુતાશન(અગ્નિ) જેવા છે, એવું કશું નથી જે આ ન જાણતા હોય, તેમને દાન આપવાથી કશાનો નાશ થતો નથી. મને પ્રતીતિ છે કે દ્વૈપાયન સમાન ઋત્વિજ ત્રિલોકમાં નથી, તેમના શિષ્યો પોતાનાં કાર્યોમાં નિષ્ણાત આ પૃથ્વી પર ફરતા રહે છે. પ્રકાશધનવાળા, રંગીન કિરણોવાળા, સુવર્ણ સમાન વીર્યવાળા, બધાને ખાનારા, પોતાના પ્રદક્ષિણાપથને કાળા કરનાર આ પ્રદીપ્ત અગ્નિની જ્વાળાઓ પ્રગટી છે એટલે આ દેવ તમારા હવ્યની ઇચ્છા કરવાવાળા છે. આ જીવલોક(પૃથ્વી)માં પ્રજાપાલન કરનાર તમારા જેવો બીજો કોઈ નૃપ નથી, તમારી ધીરજથી હું સદા પ્રસન્ન છું, તમે ધર્મરાજ છો અથવા યમ છો. હાથમાં વજ્ર લઈને સાક્ષાત્ શક્ર (ઇન્દ્ર) જેવી રીતે દેવતાઓનું પાલન કરે છે તેવી રીતે હે પુરુષેન્દ્ર, (પુરુષશ્રેષ્ઠ) તમે આ લોકમાં પ્રજાના ત્રાતા છો, તમારા જેવો યજમાન આ લોકમાં કોઈ અન્ય નથી. તમે ખટવાંગ, નાભાગ, દિલીપ રાજાઓ જેવા છો, યયાતિ અને માંધાતા જેવા પ્રભાવશાળી છો, આદિત્ય સમાન તેજસ્વી, ભીષ્મ જેવા વ્રતધારી છો. તમારું ધૈર્ય વાલ્મીકિ જેવું નિગૂઢ છે, તમારો કોપ વસિષ્ઠ જેવો નિયત (વશમાં રહેનારો) છે. પ્રભુત્વ ઇન્દ્ર જેવું છે, તમારું તેજ નારાયણ જેવું છે. તમે યમની જેમ ધર્મનો નિશ્ચય કરો છો, કૃષ્ણ જેવા સર્વગુણસંપન્ન છો, વસુઓની જેમ લક્ષ્મીનો નિવાસ છો, યજ્ઞોના આશ્રયસ્થાન છો, ત્રિત અને ઔર્વના જેવા તેજસ્વી, ભગીરથ જેવા મુશ્કેલીથી દેખાઓ તેવા છો.’ આ પ્રકારે સ્તુતિ કરવાથી રાજા, સદસ્યો, ઋત્વિજો, અગ્નિ પ્રસન્ન થયા. ત્યારે રાજા જનમેજય તેમના ભાવ અને ઇંગિતોને જોઈને બોલ્યા, ‘આ બાળક સ્થવિર(વૃદ્ધ)ની જેમ બોલે છે, એટલે મારા મતે તે બાળક નથી પણ સ્થવિર છે. હું એને વરદાન આપવા માગું છું. હે વિપ્રો, તમે મળીને વિચારો.’ સદસ્યોએ કહ્યું, ‘વિપ્ર બાળક હોય તો પણ રાજા માટે માનનીય છે, એ વિદ્વાન હોય કે અવિદ્વાન. તેને તમે ઇચ્છિત વરદાન આપી શકો છો, પણ એવું કરો જેથી તક્ષક શીઘ્ર આવે.’ વરદાન આપવાની ઇચ્છાથી તેઓ બ્રાહ્મણને ‘વર માગ’ કહેવા જતા હતા ત્યાં હોતા અસંતુષ્ટ બનીને બોલ્યા, ‘જ્યાં સુધી તક્ષક ન આવે ત્યાં સુધી રોકાઈ જાઓ.’ જનમેજયે કહ્યું, ‘તમે પૂરી શક્તિથી એવું કરો કે મારું કાર્ય પૂરું થાય અને તક્ષક જલદી આવે, એ જ મારો શત્રુ છે.’ ઋત્વિજે કહ્યું, ‘અમારાં શાસ્ત્ર કહી રહ્યા છે, પાવક (અગ્નિ) પણ કહે છે કે તક્ષક ભયપીડિત થઈને ઇન્દ્રભવનમાં સંતાઈ રહ્યો છે. જેવી રીતે મહાત્મા પૌરાણિક લોહિતાક્ષે રાજાને પૂછ્યું હતું તેવી રીતે પુરાણને જોઈને હું તમને કહી રહ્યો છું — હે રાજન, ઇન્દ્રે આ તક્ષકને કહ્યું છે કે તું મારી પાસે અહીં સંતાઈને રહે, પાવક તને દઝાડી નહિ શકે.’ એવું સાંભળીને દીક્ષિત થયેલા રાજા ક્રોધે ભરાઈને હોતાને પ્રેરવા લાગ્યા, હોતા પણ પ્રયત્નપૂર્વક મંત્રો વડે અગ્નિમાં આહુતિઓ આપવા લાગ્યા, ત્યારે સર્વ દેવો દ્વારા જેની સ્તુતિ થતી હતી તે ઇન્દ્ર સ્વયં મેઘ, વિદ્યાધરો, અપ્સરાઓના ગણની આગળ આગળ વિમાન પર ચઢીને ઉપસ્થિત થયા. તે નાગ ભયથી ઉદ્વિગ્ન થઈને ઇન્દ્રના ઉત્તરીયમાં છુપાયેલો ક્યાંય શરણ લઈ ન શક્યો, ત્યારે તક્ષકના વિનાશને ઇચ્છતા ક્રુદ્ધ રાજાએ મન્ત્રજ્ઞ ઋષિઓને પુન: કહ્યું, ‘જો ઇન્દ્રભવનમાં નાગ હોય તો ઇન્દ્ર સાથે તેને અગ્નિમાં હોમો.’ ઋત્વિજોએ ક્હ્યું, ‘હે રાજા, વશીભૂત થયેલો તક્ષક આવી રહ્યો છે, ભયથી વ્યાકુળ થઈને ચીસો પાડે છે તે ભયાનક અવાજ સંભળાય છે. એવું જણાય છે કે વજ્રધારી ઇન્દ્રે તે નાગને ત્યજી દીધો છે, મન્ત્રોથી ખેંચાઈને અસ્તવ્યસ્ત શરીરવાળો આ નાગ તીવ્ર નિશ્વાસ નાખતો, ચેતના ગુમાવીને, આકાશમાં ઘુમરી ખાતો આવી રહ્યો છે. હે રાજેન્દ્ર — પ્રભુ, તમારું કાર્ય વિધિપૂર્વક સંપન્ન થયું છે, આ દ્વિજશિરોમણિને તમે વરદાન આપી શકો છો.’ ‘હે અપ્રમેય બાળક, તમારા જેવા યોગ્ય પાત્રને એવું જ વરદાન આપીશ. તમારા હૃદયમાં જે અભિલાષા હોય તે માગો. એ વરદાન મારે અયોગ્ય હશે તો પણ આપીશ.’ નાગેન્દ્ર તક્ષક અગ્નિમાં હોમાવાના હતા તે સમયે આસ્તિકે વર માગવાનો આ સમય છે એમ માનીને કહ્યું, ‘હે જનમેજય, જો વરદાન આપતા હો તો હું કહું છું કે આ સર્પસત્ર બંધ કરો અને હવે એમાં સાપ ન હોમાય.’ આવું કહ્યું એટલે પારિક્ષિતે (પરીક્ષિતપુત્ર જનમેજય) દુઃખી થઈને ક્હ્યું, ‘હે વિભુ, સુવર્ણ માગો, ચાંદી માગો, ગાય માગો — જે માગો તે બધું આપીશ. પણ આ યજ્ઞ બંધ નહીં થઈ શકે.’ આસ્તિકે કહ્યું, ‘રાજન, હું સુવર્ણ-રજત-ગાય; કશું જ નથી માગતો, તમારો આ યજ્ઞ બંધ થાય તો મારા માતૃકુળનું મંગલ થશે.’ આસ્તિકે આવો ઉત્તર આપ્યો એટલે રાજા જનમેજય વારંવાર ઉત્તમ બોલનારા આસ્તિકને કહેવા લાગ્યા, ‘હે દ્વિજશ્રેષ્ઠ, તમારા માટે જે મંગલ હોય તે બીજો વર માગો.’ પણ તેણે બીજો કોઈ વર ન માગ્યો. ત્યાં ઉપસ્થિત બધા વેદપારંગત સદસ્યોએ રાજાને કહ્યું, ‘આ બ્રાહ્મણને વર આપો.’ (હવે સર્પસત્રમાં અગ્નિમાં હોમાયેલા સર્પોનાં નામોની લાંબી યાદી આવે છે) પરીક્ષતપુત્ર આસ્તિકને વર આપવા તત્પર થયા ત્યારે એક અદ્ભુત ઘટના બની. ઇન્દ્રના હાથમાંથી તક્ષક પડીને આકાશમાં જ લટકી રહ્યો, ત્યારે જનમેજય ચિંતાતુર થઈ ગયા. વિધિવત્ આહુતિ અપાયેલા પ્રજ્વલિત અગ્નિમાં ભયપીડિત હોવાં છતાં તક્ષક ન હોમાયા. (અહીં કથાકારને વચ્ચે અટકાવીને શૌનક પ્રશ્ન પૂછે છે ) ‘શું મનીષિ બ્રાહ્મણોના મન્ત્ર પ્રતિભાવંત ન હતા? તક્ષક અગ્નિમાં હોમાયા કેમ નહીં?’ ચેતના ગુમાવેલા અને ઇન્દ્રના હાથમાંથી છૂટેલા નાગરાજને આસ્તિકે ‘ઊભો રહે’, ‘ઊભો રહે’ એમ ત્રણ વાર કહ્યું હતું. જેવી રીતે કોઈ પુરુષ બે પૈંડાંની વચ્ચે લટકી જાય તેવી રીતે દુઃખી તક્ષક આકાશમાં જ લટકી રહ્યો. ઘણા સદસ્યોએ બહુ વિનંતી કરી એટલે રાજાએ કહ્યું, ‘ભલે, આસ્તિકે જે કહ્યું તે પ્રમાણે થાય. સર્પયજ્ઞનું આ કાર્ય સમાપ્ત થાય, સાપ દુઃખમાંથી મુક્ત થાય અને આ બ્રાહ્મણની વાણી સાચી થાય.’ ત્યાર પછી ચારે દિશાઓમાં આનંદોદ્ગાર થવા લાગ્યા, આસ્તિકને વરદાન આપવાથી રાજા જનમેજયનો આ યજ્ઞ સમાપ્ત થયો અને ભરતવંશી રાજા જનમેજય પણ પ્રસન્ન થયા. રાજાએ ઋત્વિજોને, સદસ્યોને તથા યજ્ઞમાં આવેલા અન્ય લોકોને સેંકડો મુદ્રાઓનું દાન કર્યું. એક બ્રાહ્મણને કારણે આ યજ્ઞ સમાપ્ત થશે એવું કહેનાર સ્થપતિસૂત લોહિતાક્ષને પણ પુષ્કળ ધન આપ્યું. રાજાએ પ્રીતિપૂર્વક કૃતકૃત્ય થયેલા મનીષિ આસ્તિકને સત્કાર કરીને વિદાય આપી. અને કહ્યું કે ફરી પધારજો, મારા અશ્વમેધ યજ્ઞમાં સદસ્ય થજો. આસ્તિક આ અતુલ કાર્ય પાર પાડીને આનંદપૂર્વક રાજાને સંતુષ્ટ કરીને ‘તથાસ્તુ’ કહી ચાલ્યા ગયા. માતા અને મામા પાસે જઈને પ્રેમપૂર્વક બધો વૃત્તાંત કહ્યો, આ સાંભળીને ત્યાં જે નાગ હતા તે પ્રસન્ન થયા, આસ્તિકને વિશેષ પ્રેમ કરવા લાગ્યા અને ઇચ્છામાં આવે તે વર માગવા કહ્યું. અમે ઊગર્યા એટલે બધા પ્રસન્ન થયા છીએ. તેઓ વારેવારે આસ્તિકને કહેવા લાગ્યા, ‘હે વિદ્વદ્વર્ય, આજે તારું શું પ્રિય કરીએ? અમને બધાને તેં છોડાવ્યા છે. હે વત્સ, કહે તારી શી ઇચ્છા પૂરી કરીએ?’ આસ્તિકે કહ્યું, ‘આ પૃથ્વી પર બ્રાહ્મણો તથા અન્ય માનવીઓ સવારે કે સાંજે પ્રસન્ન ચિત્તે મારું આ ધર્માખ્યાન સાંભળે તેને તમારાથી કોઈ ભય ન થાય.’ પ્રસન્ન થયેલા સાપોએ પોતાના ભાણેજને કહ્યું, ‘જે લોકો આવું આચરણ કરશે તેમને માટે તમારી ઇચ્છા પાર પડશે. પ્રીતિપૂર્વક તમારા માગેલા વરદાનને અમે આનંદથી પૂરું કરીશું. જરત્કારુના ગર્ભમાંથી જન્મેલા સત્યવાદી, મહા યશસ્વી આસ્તિક સાપોથી અમને બચાવે, જે રાતે કે દિવસે અસિત, આ*િ&@rn_ત્તમાન, સુનીથનું સ્મરણ કરશે તેમને સાપોથી ભય નડશે નહીં.’ આમ ધર્માત્મા, બ્રાહ્મણશ્રેષ્ઠ આસ્તિક સર્પસત્રમાં નાગલોકોની રક્ષા કરીને પુત્ર-પૌત્રોથી સમૃદ્ધ થઈને યોગ્ય સમયે પરલોક ગયા. (આદિ પર્વ, ૪૧થી ૪૪, ૪૯થી ૫૩)

ઉપરિચર

પ્રાચીન કાળમાં ઉપરિચર નામનો ધર્મભીરુ રાજા થઈ ગયો, તેણે મૃગયાનું જાણે વ્રત લીધું હતું. પૌરવનંદન રાજા વસુએ (ઉપરિચરનું મૂળ નામ) ચેદિ નામના સુંદર પ્રદેશ પર રાજ કરવા માંડ્યું હતું. એક સમયે અસ્ત્ર — શસ્ત્રનો ત્યાગ કરીને આશ્રમમાં કઠોર તપ કરવા માંડ્યું, એ રાજા પાસે સ્વયં વજ્રધારી ઇન્દ્ર જઈ પહોંચ્યા, આ રાજા તપ કરીને ઇન્દ્રનું પદ લઈ શકે એમ વિચારી ઇન્દ્રે રાજાને તપસ્યાથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો. ઇન્દ્રે કહ્યું, ‘પૃથ્વી પર ધર્મનો નાશ ન થાય એવો પ્રયત્ન કરો, તમે ધર્મરક્ષા કરો, એટલે પછી ધર્મ જગતને ધારણ કરી શકશે. તમે નિત્ય ઉત્સાહી અને સમાહિત બનીને લોકરક્ષા કરનારા ધર્મનું પાલન કરો, આ રીતે ધર્મયુક્ત થઈને શાશ્વત અને પવિત્ર લોકને પ્રાપ્ત કરી શકશો. મર્ત્યલોકમાં રહેનારા તમે મારા પ્રિય સખા બનીને આ ધરતીનો અતિ ઉત્તમ પ્રદેશ જે સુંદર છે, પશુઓ માટે મંગલકારી છે, પવિત્ર છે, સુસ્થિર છે, ધનધાન્યથી સમૃદ્ધ છે, સ્વર્ગ સમાન છે, સૌમ્ય અને ધરતી પર પ્રાપ્ત થનારાં બધાં ઐશ્વર્ય જ્યાં છે, સુંદર ભૂમિના ગુણો છે તે દેશમાં જઈને તમે વસો. હે રાજા, આ દેશ ઐશ્વર્યયુક્ત છે, અસંખ્ય ધનરત્નોથી સમૃદ્ધ છે, એટલે તમે અહીં નિવાસ કરો. આ દેશના લોકો ધાર્મિક છે, સદા સંતુષ્ટ છે, સાધુ છે. અહીં કોઈ મજાકમાંંય અસત્ય બોલતું નથી તો સાચેસાચ અસત્ય બોલવાનો પ્રશ્ન જ નથી. અહીંના મનુષ્યો પોતાના પિતાથી જુદા નથી થતા, સદા ગુરુસેવા કરે છે, અહીં કોઈ દૂબળા પશુ પર ભાર લાદતું નથી, તેને હળ સાથે જોતરતા નથી, અહીં લોકો નબળા બળદોને પુષ્ટ કરે છે. આ ચેદિ દેશમાં બધા વર્ણના લોકો પોતાના ધર્મમાં લીન રહે છે, ત્રણે લોકમાં જે કંઈ બને છે તે સઘળું તમે જાણો છો. દેવોના ભોગ માટે વપરાતું આ દિવ્ય આકાશગામી, સ્ફટિકનું બનેલું મોટું વિમાન સદા તમારી સેવામાં રહેશે. આ પૃથ્વી પર તમે આ વિમાનમાં બેસીને શરીરધારી દેવતાઓની જેમ વિહરી શકશો. હું તમને કદી મ્લાન ન થનારી, કમળવાળી વૈજયંતી માલા આપું છું, તે માલા યુદ્ધભુમિ પર શસ્ત્રોથી તમારું રક્ષણ કરશે. હે રાજન્, આ માલા તમારું અનિત્ય, ધન્ય ઓળખચિહ્ન બની રહેશે, તે ઇન્દ્રમાલા નામે વિખ્યાત થશે.’ આમ કહીને પ્રિય વસ્તુ આપવાની ઇચ્છાથી વૃત્રહર્તા ઇન્દ્રે ઉપરિચર રાજાને સજ્જનોની રક્ષા કરવાવાળી એક લાકડી આપી. એક વર્ષ વીત્યા પછી રાજાએ ઇન્દ્રપૂજાના નિમિત્તે એ વાંસની લાકડીને ધરતીમાં દાટી દીધી. ઉપરિચર રાજાએ જેવી રીતે લાકડી દાટી હતી તેવી રીતે આજે પણ રાજાઓ લાકડી દાટે છે, અને બીજે દિવસે સુગંધી માળા, વસ્ત્ર, આભૂષણથી લાકડી સુશોભિત કરીને એને માળા પહેરાવે છે. મહાત્મા વસુની પ્રીતિ માટે સ્વયં હંસના રૂપને ધારણ કરી પૂજા સ્વીકારી. દેવરાજ મહેન્દ્રે વસુ દ્વારા થતી આ પૂજા જોઈને અને પ્રસન્ન થઈ કહ્યું, ‘જે લોકો, જે રાજાઓ ચેદિરાજની જેમ પ્રેમથી અને ઉત્સવથી મારી પૂજા કરાવશે તેમની સમૃદ્ધિ વધશે, તેમને વિજય પ્રાપ્ત થશે. તેમનું રાજ્ય વિસ્તરતું રહેશે. મહાત્મા અને ઐશ્વર્યશાળી મહેન્દ્રે આ પ્રકારે પ્રેમપૂર્વક મહારાજ વસુનો સત્કાર કર્યો, જે માનવી ભૂમિદાન, વરદાન વગેરે દાનોથી મહાયજ્ઞ તથા ઇન્દ્રના ઉત્સવથી સદા મહેન્દ્રનો ઉત્સવ કરશે તે રાજા વસુની જેમ પવિત્ર થઈ જશે.’ ચેદિરાજ વસુ ઐશ્વર્યશાળી ઇન્દ્રથી સત્કૃત કરીને ચેદિ દેશમાં નિવાસ કરતા ધર્માનુસાર આ ધરતીને પાળવા લાગ્યા, ઇન્દ્ર ઉપર સ્નેહ વ્યક્ત કરીને ભૂમિપતિ વસુ ઇન્દ્રનો મહોત્સવ કરવા લાગ્યા. અત્યંત તેજસ્વી વસુના મહા પરાક્રમી પાંચ પુત્રો હતા. તે સમ્રાટે પોતાના પુત્રોનો વિવિધ રાજ્યોમાં રાજ્યાભિષેક કર્યો. તેમાં મુખ્ય રથી બૃહદ્રથ પુત્ર મગધ દેશનો રાજા થયો. તેના બીજા પુત્રોનાં નામ પ્રત્યગ્રહ, કુશામ્બ (મણિવાહન), મચ્છિલ અને યદુ હતાં, યદુ રાજા શત્રુઓથી પરાજિત થતો ન હતો. આ રાજર્ષિના પાંચ તેજસ્વી પુત્રોએ પોતાના નામથી રાજ્ય અને રાજધાનીઓ વસાવ્યા હતાં. વસુના આ પાંચ પુત્રોથી અતિ વિસ્તૃત ભિન્ન ભિન્ન પાંચ વંશોની ઉત્પત્તિ થઈ અને તે વંશ ઘણો સમય ટકી રહ્યા. ઇન્દ્રે આપેલા અને આકાશમાં ઊડતા સ્ફટિકમહેલ સમા વિમાનમાં બેસતા ઉદાર ચિત્તવાળા વસુરાજાની સેવા ગંધર્વો અને અપ્સરાઓ કરતા હતા. એટલે તે સંસારમાં ‘ઉપરિચર’ નામે પ્રસિદ્ધ થયો. તેમની રાજધાની પાસેથી વહેતી શુક્તિમતી નામની નદીને કોલાહલ નામના એક ચેતનયુક્ત પર્વતે કામવશ રોકી, ત્યારે વસુ રાજાએ તે કોલાહલ પર્વતને પાદપ્રહાર કર્યો, તેના પ્રહારથી પર્વતમાં જ્યાં કાણું પડ્યું તેમાંથી શુક્તિમતી વહેવા લાગી. કોલાહલ પર્વતે આ નદી સાથેના મિલનથી એક પુત્રી અને પુત્રને જન્મ આવ્યો. નદીએ મુક્તિ મળી તેના આનંદમાં પુત્રપુત્રી રાજાને આપી દીધા. એ નદીમાંથી ઉત્પન્ન થયેલા શત્રુનાશક પુત્રને રાજર્ષિશ્રેષ્ઠ વસુએ પોતાનો સેનાપતિ બનાવ્યો અને ગિરિકા નામની તે કન્યાને પોતાની પ્રિય પત્ની બનાવી. એક વેળા વસુની રાણી ગિરિકા ઋતુકાળમાં આવી અને ઋતુસ્નાન કરીને શુદ્ધ થઈને પતિ પાસે પોતાની અભિલાષા પ્રગટ કરી. તે દિવસે પિતૃઓએ પ્રસન્ન થઈને બુદ્ધિમાન અને રાજવીશ્રેષ્ઠ વસુને મૃગોને મારવાની આજ્ઞા આપી. તે રાજાએ પિતૃઓની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરતાં, જાણે લક્ષ્મી જ બીજી કાયા ધારણ કરીને આવી છે એમ અતીવ રૂપસંપન્ન ગિરિકાનું સ્મરણ કરતાં કરતાં કામી રાજાએ શિકાર કર્યો. તે સુંદર વનમાં વિહાર કરતાં કરતાં તેનું વીર્ય સ્ખલિત થયું અને રાજાએ વૃક્ષપત્રમાં એ ઝીલી લીધું, રાજાએ વિચાર્યું — આ મારું વીર્ય નિષ્ફળ ન થાય અને મારી પત્નીનો ઋતુકાળ પણ મિથ્યા ન થાય. રાજાએ વારંવાર વિચાર કર્યો — આ મારું વીર્ય નિષ્ફળ ન થાય, મારી રાણીનો આ ગર્ભાધાન સમય છે, એ રાજાએ એ વીર્યને મંત્રોથી અભિસિક્ત કર્યું, સૂક્ષ્મ ધર્માર્થને જાણનારા રાજાએ પાસેના શ્યેન (બાજ)ને કહ્યું, ‘હે સૌમ્ય, મારું હિત કરવા માટે તું મારું આ વીર્ય લઈને મારે ઘેર જા અને મારી પત્ની ગિરિકાને આપ, અત્યારે તેનો ઋતુકાળ છે.’ તે વેગવાન બાજ એ વીર્ય લઈને શીઘ્ર આકાશ માર્ગે નીકળ્યો અને ઝડપથી ઊડવા લાગ્યો. આ પ્રકારે તેને ઊડતો બીજા એક બાજે જોયો અને ચાંચમાં માંસ છે એમ માનીને તેની પાછળ ઊડવા લાગ્યો. ત્યારે આકાશમાં જ બંને વચ્ચે ભયંકર લડાઈ થઈ, આ લડાઈને કારણે પેલું વીર્ય યમુના નદીમાં પડી ગયું. ત્યાં બ્રહ્મશાપને કારણે અદ્રિકા નામથી પ્રસિદ્ધ અપ્સરા માછલી રૂપે વિહાર કરતી હતી. બાજના પંજામાંથી પડી ગયેલું તે વીર્ય મત્સ્યરૂપિણી અદ્રિકાએ ઝડપી લીધું અને આરોગી ગઈ. તે પછી દશ મહિને એક દિવસ માછીમારોએ તે માછલીને જાળમાં ફસાવી અને તેનું પેટ ચીરતાં તેમાંથી એક કન્યા અને એક કુમાર નીકળ્યા. એ માછીમારોએ આશ્ચર્ય પામીને રાજાને કહ્યું, ‘મહારાજ, માછલીના શરીરમાંથી બે મનુષ્યો પ્રગટ્યા છે.’ રાજા ઉપરિચરે એ બાળકોમાંથી પુત્રને લઈ લીધો, તે પાછળથી મત્સ્ય નામે સત્યવાન ધાર્મિક રાજા બન્યો. તે અપ્સરા તે જ વખતે શાપમુક્ત થઈ ગઈ, જ્યારે અદ્રિકા શાપથી ભ્રષ્ટ થઈને મત્સ્યરૂપે અવતરી હતી, ત્યારે ભગવાને તેને કહ્યું હતું, ‘હે કલ્યાણી, તું બે મનુષ્યોને જન્મ આપીને શાપમુક્ત થઈશ.’ તે પછી આ સુંદર અપ્સરા બે મનુષ્યને જન્મ આપીને માછીમારોએ મારી નાખેલી તે મત્સ્ય સ્વરૂપ ત્યજીને દિવ્યરૂપ ધારણ કરી સિદ્ધ અને ચારણોના પથે આકાશમાં ઊડી ગઈ. રાજાએ મત્સ્યગંધવાળી તે કન્યા માછીમારને આપી દીધી અને કહ્યું, ‘રૂપયૌવનસંપન્ન આ કન્યા તારી પુત્રી રહેશે. સુંદર સ્મિતવાળી સત્યવતી નામની કન્યા માછીમારને ત્યાં ઉછરવાને કારણે તેનું નામ મત્સ્યગંધા પડ્યું. એક વાર પિતાની સેવામાં નૌકા ચલાવતી મત્સ્યગંધાને તીર્થયાત્રાએ નીકળેલા પરાશર ઋષિએ જોઈ. અત્યંત સુંદર, સિદ્ધોને પણ મોહિત કરનારી વસુપુત્રીને જોતાંવેંત પરાશર મુનિ કામવશ થઈ ગયા. કન્યાએ કહ્યું, ‘નદીને બંને કાંઠે ઋષિઓ છે, એમના દેખતાં આપણું મિલન કેવી રીતે થાય?’ મત્સ્યગંધાએ આમ કહ્યું એટલે પરાશરે ધુમ્મસ સર્જ્યું અને એેને કારણે આખો વિસ્તાર અંધકારમય થઈ ગયો. આ જોઈને આશ્ચર્ય પામેલી તે કન્યા બોલી, ‘હું હંમેશાં પિતાને આશ્રયે રહું છું. મારો વિવાહ નથી થયો. તમારી સાથેના સહવાસથી મારું કૌમાર્ય નષ્ટ થઈ જશે. અને જો એવું થાય તો હું મારે ઘેર કેવી રીતે જઈ શકું? આ વિચારીને જે યોગ્ય લાગે તે કરો.’ આ સાંભળીને પરાશર બોલ્યા, ‘મારું પ્રિય કરવા છતાં તું કુંવારી જ રહીશ. જે ઇચ્છા થાય તે વર માગ. મારી પ્રસન્નતા પહેલાં ક્યારેય નિષ્ફળ નથી ગઈ.’ એટલે તે કન્યાએ પોતાના શરીરમાંથી સુગંધ પ્રસરતી રહે એવી ઇચ્છા વ્યક્ત કરી. મુનિએ તથાસ્તુ કહી એ વરદાન આપ્યું. અને એ ઋતુમતિ બનેલી તથા વરદાનથી પ્રસન્ન થયેલી સત્યવતીએ મુનિ સાથે સમાગમ કર્યો. ત્યારથી મત્સ્યગંધાનું નામ જગતમાં ‘ગંધવતી’ પડ્યું. નવ નવ યોજન દૂરથી પણ તેની સુવાસ આવવા માંડી એટલે તેનું નામ યોજનગંધા પડ્યું. પછી ભગવાન પરાશર ઋષિ પોતાના સ્થાને ચાલ્યા ગયા. ઉત્તમ વરદાન પામેલી સત્યવતી બહુ જલદી સગર્ભા થઈ અને યમુના નદીમાં પુત્ર કૃષ્ણ દ્વૈપાયનને જન્મ આપ્યો. જન્મતાવેંત તપસ્યા કરવામાં તે લીન થયા અને માતાને કહ્યું, ‘જ્યારે કામ પડે ત્યારે મને યાદ કરજે. હું આવી પહોંચીશ.’ આમ પરાશર અને સત્યવતીના પુત્રે દ્વીપમાં જન્મ લીધો એટલે તેમનું નામ દ્વૈપાયન પડ્યું. તેમણે વેદના વ્યાસ (વિભાગ) પાડ્યા એટલે તેમનું નામ વેદવ્યાસ પડ્યું. (આદિ પર્વ, ૫૭)

શકુન્તલા-દુષ્યન્તકથા

વૈશંપાયન બોલ્યા, ‘હે ભરતવંશશિરોમણિ, પુરુવંશનો વિસ્તાર કરવાવાળા દુષ્યન્ત નામના એક રાજા થઈ ગયા. તે અતિપરાક્રમી હતા અને ચાર ચાર સમુદ્રોથી ઘેરાયેલી સમગ્ર પૃથ્વીના સ્વામી હતા. રાજા દુષ્યન્ત પૃથ્વીના ચારે ભાગ અને સમુદ્રથી ઘેરાયેલા સમ્પૂૂર્ણ દેશોનું પાલન પણ કરતા હતા. તેમણે કેટલાંય યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. રત્નાકર સમુદ્ર સુધી ફેલાયેલા, ચારે વર્ણના લોકોથી ભરેલા તથા મલેચ્છ દેશોની સીમાઓ સુધીની સમ્પૂૂર્ણ ધરતીનાં શાસન અને સંરક્ષણ શત્રુદમન રાજા દુષ્યન્ત એકલા કરતા હતા. એ રાજાના શાસનમાં કોઈ મનુષ્ય વર્ણસંકર સન્તાનને જન્મ આપતો નહોતો. ધરતી ખેડ્યા વિના, તેમાં વાવ્યા વિના જ અન્ન પેદા કરતી હતી, અને સમગ્ર પૃથ્વી રત્નોની ખાણ હતી. એટલે કોઈ પણ ખેતી કરતું ન હતું અને રત્નોની ખાણો ક્યાં છે તે શોધવાનો કોઈ પ્રયત્ન કરતું ન હતું. તે રાજ્યમાં કોઈ પાપી હતો જ નહીં. હે નરશ્રેષ્ઠ, બધા લોકો ધર્મમાં શ્રદ્ધા રાખતા હતા અને એનું પાલન કરતા હતા. એટલે ધર્મ અને અર્થ આપોઆપ જ તેમને પ્રાપ્ત થઈ જતા હતા. દુષ્યન્તના રાજ્યમાં ચોરોનો ભય નહતો. ભૂખની તો કોઈ કરતાં કોઈને ચિન્તા હતી જ નહીં. રોગવ્યાધિ પણ ન હતાં. બધા વર્ણનાં લોકો પોતપોતાના ધર્મોનું પાલન કરતાં હતાં. દેવોની પૂજા નિષ્કામભાવે બધાં કરતાં હતાં. રાજા દુષ્યન્તના આશ્રયે સમસ્ત પ્રજા નિર્ભય થઈ ગઈ હતી. અનાજ કસવાળું હતું. પૃથ્વી ઉપર સર્વ પ્રકારનાં રત્નો હતાં અને પશુધન પણ હતું. બ્રાહ્મણો પોતાના વર્ણાશ્રમ પ્રમાણે ધર્મનું પાલન કરતા હતા. તેઓ અસત્ય બોલતા ન હતા, છળકપટ કરતા ન હતા. દુષ્યન્ત પણ નવયુવાન હતા, એમની કાયા વજ્ર સમાન કઠોર હતી અને તેઓ અદ્ભુત પરાક્રમી હતા. તેઓ પોતાના બંને હાથ વડે ઉપવન અને ઉદ્યાનો સમેત મંદરાચલ પર્વતને ઉપાડીને લઈ જવાને સમર્થ હતા. ચારે ચાર પ્રકારના ગદાયુદ્ધમાં તેઓ નિપુણ હતા. સમ્પૂર્ણ અસ્ત્રશસ્ત્રની વિદ્યાઓમાં પારંગત હતા. અશ્વ અને હાથી ઉપર સવારી કરવામાં કુશળ હતા. બળમાં તેઓ ભગવાન વિષ્ણુ સમાન અને તેજમાં ભગવાન સૂર્ય સમાન હતા. તેઓ સમુદ્ર સમાન અક્ષુબ્ધ અને ધરિત્રી સમાન સહિષ્ણુ હતા. રાજ્યમાં સૌ તેમને માન આપતા, તેમના નગરના લોકો અને રાષ્ટ્રના લોકો નિત્ય પ્રસન્ન રહેતા હતા. ધર્મયુક્ત ભાવનાથી સદા પ્રસન્ન રહેવાવાળી પ્રજાનું શાસન કરતા હતા. જનમેજયે પૂછ્યું, ‘હું પરમ ભરતની ઉત્પત્તિ અને તેના ચરિત્ર વિશે તેમ જ શકુન્તલાની ઉત્પત્તિ પણ યથાર્થ રૂપે સાંભળવા માગું છું. પરાક્રમી દુષ્યન્તે શકુન્તલાની પ્રાપ્તિ કેવી રીતે કરી, હું એ નરવ્યાઘ્ર દુષ્યન્તનું ચરિત્ર સમ્પૂર્ણ રીતે સાંભળવા માગું છું. હે તત્ત્વજ્ઞ અને બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ મુનિ, આ બધું મને કહો.’ વૈશમ્પાયન બોલ્યા, ‘એક કાળે મહાબાહુ રાજા દુષ્યન્ત ઘણા સૈનિકો અને વાહનો લઈને હાથીઘોડાથી ઘેરાઈને એક ગાઢ અરણ્યમાં જવા નીકળ્યા. રાજાની સાથે આ યાત્રામાં ખડ્ગ, શક્તિ, ગદા, મુસળ, પ્રાસ, તોમર હાથમાં લઈને સેંકડો યોદ્ધાઓ જોડાયા હતા. મહારાજા દુષ્યન્તની આ યાત્રા સમયે સૈનિકોના સિંહનાદ, શંખનગારાના અવાજો, રથનાં પૈડાંના ધ્વનિઓ, મોટા મોટા હાથીઓની ચિંઘાડ, ઘોડાઓની હણહણાટી, વિવિધ આયુધ અને જુદા જુદા વેશધારી સૈનિકોના હોંકારા, તાલના અવાજોને કારણે ચારેકોર કોલાહલ મચી ગયો હતો. મહેલનાં સુન્દર શિખરો પર બેઠેલી સ્ત્રીઓ રાજવીને શોભે એવી સમૃદ્ધિ ધરાવતા રાજાને નિહાળી રહી હતી. રાજા યશવર્ધક, ઇન્દ્રસમાન પરાક્રમી અને શત્રુઓનો નાશ કરવાવાળા હતા. શત્રુ રૂપી મત્ત હાથીને રોકનારા સિંહ જેવી શક્તિ તેમનામાં હતી. એ સ્ત્રીઓને તો દુષ્યન્ત વજ્રપાણિ ઇન્દ્ર સમાન લાગ્યા અને અંદરઅંદર તે કહેવા લાગી, ‘જુઓ જુઓ’ આ પુુરુષવ્યાઘ્ર મહારાજ દુષ્યન્ત છે, તેઓ યુદ્ધભૂમિમાં વસુઓ જેવાં પરાક્રમ કરે છે, તેમના હાથે શત્રુઓ નષ્ટ થઈ જાય છે.’ આ પ્રમાણે વાતો કરતી સ્ત્રીઓ પ્રેમપૂર્વક રાજા દુષ્યન્તની સ્તુતિ કરવા લાગી અને તેમના મસ્તક ઉપર પુષ્પવર્ષા કરવા લાગી. ત્યાં ઊભેલા શ્રેષ્ઠ બ્રાહ્મણો તેમની પ્રશંસા કરવા લાગ્યા. આમ વનમાં મૃગયા માટે નગરની બહાર આનન્દપૂર્વક તેઓ નીકળ્યા, તેઓ દેવરાજ ઇન્દ્ર સમાન પરાક્રમી હતા. મદોન્મત્ત હાથી ઉપર બેસીને યાત્રા કરી રહેલા દુષ્યન્તની પાછળ પાછળ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો ગયા અને તેમણે આશીર્વાદ આપ્યા, વિજયી થવાની શુભેચ્છા આપી, તેઓ તેમના અભ્યુદયની ઇચ્છા કરતા રાજાની સામે જોતા રહ્યા. નગર અને જનપદના લોકો બહુ દૂર સુધી તેમની પાછળ પાછળ ગયા અને મહારાજની આજ્ઞાથી પાછા ફર્યા. તેમનો રથ ગરુડ સમાન વેગવાળો હતો... રાજા એક હિંસક પશુનો પીછો કરતા બીજા વનમાં પ્રવેશ્યા. તે વેળા બળવાન રાજા ભૂખ, તરસ અને થાકથી નંખાઈ ગયા હતા. તે વનના બીજે છેડે એક ખારોપાટ હતો. તે વૃક્ષશૂન્ય ખારોપાટ વટાવીને નૃપતિ બીજા વનમાં પ્રવેશ્યા. તેમાં ઉત્તમ આશ્રમો હતા. અતિ દર્શનીય અને મનને પ્રસન્ન કરનાર એ વન હતું. ત્યાં શીતળ પવન વાતો હતો. વૃક્ષો ફૂલોથી ભરચક હતાં અને વનની સુન્દરતામાં વધારો કરતાં હતાં. ત્યાં સુન્દર ઘાસ ઊગેલું હતું. વન બહુ મોટું હતું અને પક્ષીઓનાં મધુર કૂજન સંભળાતાં હતાં, ક્યાંક કોયલો ટહુકતી હતી તો ક્યાંક ઝિલ્લીરવ સંભળાતો હતો. ચારે બાજુ મોટી મોટી શાખાઓવાળાં વૃક્ષો હતાં અને તેમની નીચે ભમરા ગુંજારવ કરતા હતા. આ રીતે બધે શોભા પ્રસરેલી હતી. ફૂલ, ફળ અને ભમરા વિનાનું એકે વૃક્ષ ન હતું. શોધી શોધીને થાકી જાઓ તોય કાંટાવાળું એકે વૃક્ષ ન હતું. પક્ષીઓનાં કૂજન હતાં, વિવિધ ફૂલો વનની શોભા વધારતાં હતાં. બધી ઋતુઓમાં ફૂલ આપનારાં વૃક્ષ ત્યાં ચારે બાજુ હતાં. મહા ધનુર્ધારી દુષ્યન્તે તે મનોરમ વનમાં પ્રવેશ કર્યો. તે સમયે ફૂલોથી ભરપૂર ડાળીઓ ધરાવતાં અને પવનને કારણે હાલતાં વૃક્ષો તેમના પર અદ્ભુત પુષ્પવર્ષા કરવા લાગ્યાં. આકાશને આંબતાં વૃક્ષો બહુ મોટાં હતાં. તેમના પર બેઠેલાં પંખીઓનાં મીઠાં કૂજન સંભળાતાં હતાં. ફૂલોથી સમૃદ્ધ અને લતામંડપોથી સુશોભિત હતાં. મનની પ્રસન્નતામાં વૃદ્ધિ કરતા એ સુન્દર સ્થળને જોઈને મહાતેજસ્વી રાજાને ખૂબ જ આનન્દ થયો. ફૂલોથી ભરચક એ વૃક્ષો એકબીજા સાથે પોતાની ડાળીઓ લંબાવીને જાણે પરસ્પરને આલિંગતાં હતાં. એ ઊચાં વૃક્ષો ઇન્દ્રની ધ્વજા જેવાં જણાતાં હતાં. અને તેમને કારણે વનની શોભા વધુ હતી. સિદ્ધ, ચારણ, ગન્ધર્વ, અપ્સરાઓ પણ એ વનમાં વિહાર કરતાં હતાં. ઉન્મત્ત વાનર અને કિન્નર ત્યાં નિવાસ કરતા હતા. એ વનમાં શીતળ, સુગન્ધી સુખદ મન્દ વાયુ ફૂલોનો પરાગ લઈને જાણે રમણ કરવા વારે વારે વૃક્ષોની નિકટ આવતો હતો. આ વન નદીના પરિસરમાં ફેલાયેલું હતું અને ઊંચી ધજા જેવાં વૃક્ષોથી છવાયેલું હોવાને કારણે અત્યન્ત મનોહર દેખાતું હતું. રાજાએ આમ ઉત્તમ ગુણોવાળા વનને નિરાંતે જોયું. આમ રાજા એ વનને નિહાળી રહ્યા હતા અને ત્યાં એમની દૃષ્ટિ એક સુન્દર આશ્રમ પર પડી. તે અત્યન્ત રમણીય અને મનોરમ હતો. ત્યાં પંખીઓ હર્ષથી કૂજન કરતાં હતાં. વિધવિધ વૃક્ષોથી સભર વનમાં અનેક સ્થળે અગ્નિહોત્ર થતો હતો. રાજાએ મનોમન એ આશ્રમને વન્દન કર્યાં. ત્યાં બહુ ત્યાગી, વાલખિલ્ય અને બીજા મુનિઓ નિવાસ કરતા હતા. અનેક અગ્નિકુંડો એ આશ્રમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. ત્યાં ખરેલાં ફૂલોથી શય્યા બની ગઈ હતી. બહુ ઊંચાં વૃક્ષોને કારણે આશ્રમ સુન્દર લાગતો હતો અને પુણ્યસલિલા માલિની નદી વહેતી હતી. તેનું જળ સુખદ અને મધુર હતું. તેના બંને કિનારા પર આ આશ્રમ પ્રસર્યો હતો. માલિની નદીમાં અનેક જળચર પક્ષી હતાં, ત્યાં વ્યાળ, મૃગ પણ સૌમ્ય ભાવથી રહેતાં હતાં, તે જોઈને રાજાને આનન્દ થયો. દુષ્યન્ત અપ્રતીમ હતા, તે દેવલોક જેવા દેખાતા સુન્દર આશ્રમમાં જઈ પહોંચ્યા. આશ્રમની પાસેથી વહેતી નદી માલિની પર દૃષ્ટિપાત કર્યો. તે સર્વ પ્રાણીઓની જનની જેવી હતી. તેના કિનારા પર ચક્રવાક કિલ્લોલ કરતાં હતાં, નદીના જળમાં જાણે ફીણ હોય તેમ ઘણાંબધાં ફૂલ વહી રહ્યાં હતાં. તેના કિનારે કિન્નરોનો વાસ હતો, વાનર અને રીંછ પણ ત્યાં હતાં. અનેક સુન્દર પુલિન નદીની શોભામાં વૃદ્ધિ કરતાં હતાં. વેદની ઋચાઓના ગાનથી એ પ્રદેશ છવાઈ ગયો હતો. ઉન્મત્ત હાથી, સિંહ અને સાપ કાંઠે વસતાં હતાં. એના જ કિનારા પર કશ્યપ ગોત્રના મહાત્મા કણ્વ ઋષિનો આશ્રમ હતો. ત્યાં મહર્ષિઓના સમુદાયો પણ વસતા હતા. ટાપુઓથી શોભતી અને રમ્ય કિનારાવાળી માલિનીનો આ આશ્રમ ગંગાકાંઠે ભગવાન નરનારાયણના આશ્રમ જેવો લાગતો હતો. મહર્ષિ કણ્વના તેજનું વર્ણન કરી ન શકાય એવું હતું. નરશ્રેષ્ઠ એવા દુષ્યન્તે એ ઉત્તમ ગુણસંપન્ન આશ્રમમાં જઈને કાશ્યપગોત્રી કણ્વ ઋષિના દર્શન કરવાની ઇચ્છાથી ચૈત્રરથવન જેવા એ મહાન વનમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને રથ, ઘોડા અને હાથી તથા પદાચારી સૈનિકોવાળી ચતુરંગિણી સેનાને રાજાએ તે તપોવનની સીમા આગળ જ અટકાવી દીધી અને કહ્યું, ‘રજોગુણી નહીં એવા કાશ્યપનું દર્શન કરવા આશ્રમમાં જઉં છું, પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં જ રોકાજો.’ આવી આજ્ઞા આપીને મનુજેશ્વર દુષ્યન્ત ભૂખતરસ ભુલાવીને નન્દનવન જેવા આશ્રમમાં પ્રવેશ્યા અને ત્યાં અત્યન્ત આનન્દ પામ્યા. બધાં રાજચિહ્નો દૂર કરીને પુરોહિતની સાથે આશ્રમમાં ગયા. ત્યાં તપોરાશિ ઋષિ કણ્વનાં દર્શન કરવા માગતા હતા. બીજા બ્રહ્મલોક જેવા એ આશ્રમને તેમણે જોયો. ભમરાઓના ગુંજનથી અને પંખીઓના ગાનથી એ આશ્રમ શોભતો હતો. શ્રેષ્ઠ ઋગ્વેદી બ્રાહ્મણો ક્રમાનુસાર ઋચાગાન કરી રહ્યા હતા. મનુજવ્યાઘ્ર એવા દુષ્યન્તે યજ્ઞગાનની અનેક ઋચાઓનો પાઠ સાંભળ્યો. યજ્ઞવિદ્યા અને એનાં અંગોનું ગાન કરનારા યજુર્વેદી વિદ્વાનો આશ્રમની શોભા વધારતા હતા. વ્રતપાલન કરનારા સામવેદી ઋષિઓ પણ મધુર સ્વરે સામવેદનું ગાન કરી રહ્યા હતા. નિયમપૂર્વક ઉત્તમ વ્રતોનું પાલન કરનારા સામવેદી અને અથર્વવેદી બ્રાહ્મણો સામમન્ત્રોનું ગીત ગાતા અને અથર્વવેદના મન્ત્રોનું ઉચ્ચારણ કરતા હતા. તેનાથી આશ્રમની શોભા વધતી હતી. શ્રેષ્ઠ અથર્વવેદીઓ તથા સામવેદીઓ પદ અને ક્રમ પ્રમાણે પોતપોતાની સંહિતાઓનો પાઠ કરતા હતા... રાજા પોતાના મન્ત્રીઓને પણ આશ્રમની બહાર મૂકીને અંદર ગયા પણ કઠોર વ્રતનું પાલન કરનારા મહર્ષિને ન જોયા. મહર્ષિ કણ્વને ન જોયા અને આશ્રમને સૂનો નિહાળીને રાજાએ પોકાર કર્યો કે ‘અહીં કોઈ છે કે?’ દુષ્યન્તનો એ પોકાર સાંભળીને લક્ષ્મીના જેવી તાપસવેશધારિણી કન્યા આશ્રમની બહાર નીકળી. એ સુન્દરી રૂપ, યૌવન, શીલ, સદાચારથી સંપન્ન હતી. રાજાનાં નેત્ર પણ પ્રફુલ્લિત હતાં. વિશાળ છાતી, દીર્ઘબાહુ, સિંહ જેવા ખભા તેમના હતા. તે સર્વ લક્ષણોથી ભૂષિત હતા, તે કન્યા રાજાને જોઈને મધુર વાણીમાં તરત જ બોલી, ‘આપનું સ્વાગત છે.’ પછી આસન, પાદ્ય, અને અર્ઘ્ય દ્વારા આદર આપીને તેણે રાજાને પૂછ્યું, ‘રાજન્, કુશળ તો છો ને?’ વિધિપૂર્વક સ્વાગત કરીને સ્મિતવચની તે કન્યા બોલી, ‘કહો, તમારી શી સેવા કરીએ? આશ્રમમાં આવવાનું શું પ્રયોજન? અહીં કઈ કાર્યસિદ્ધિ કરશો? તમે કોણ છો? મહર્ષિના આશ્રમમાં શા કામે આવ્યા છો?’ તેના વિધિવત્ સત્કારને ગ્રહીને રાજાએ અનવદ્ય અંગોવાળી અને મધુરભાષિણી કન્યાને કહ્યું, ‘હે પુષ્કરલોચના, હું રાજા ઇલિલનો પુત્ર દુષ્યન્ત છું. હું સાચું કહું છું. ભદ્રે, હું મહાભાગ મહર્ષિ કણ્વની ઉપાસના માટે આવ્યો છું. ભગવાન ક્યાં ગયા છે?’ શકુન્તલા બોલી, ‘અતિથિ, મારા પિતા ફળ લાવવા બહાર ગયા છે, મુહૂર્ત પ્રતીક્ષા કરો, આવે એટલે એમને મળો.’ રાજાએ જોયું કે મહર્ષિ કણ્વ તો આશ્રમમાં નથી અને આ મને આશ્રમમાં રોકાવા કહે છે. વળી તેમણે જોયું તો એ કન્યા સર્વાંગસુન્દરી, ચારુહાસિની હતી, તેના શરીરના સૌન્દર્યમાં તપ અને સંયમ વડે વિશેષ તેજ પ્રગટ્યું હતું. એ અનુપમ રૂપ અને યુવાનીથી સમ્પન્ન હતી. રાજાએ પૂછ્યું, ‘સુન્દર કટિપ્રદેશવાળી સુન્દરી, તું કોણ છે? તું કોની પુત્રી છે, તું વનમાં કેવી રીતે? આ રૂપ અને ગુણ તારામાં કેવી રીતે પ્રગટ્યા છે? તેં તો દર્શન માત્રથી મારું મન હરી લીધું છે, હું તારો પરિચય જાણવા માગું છું તો તું મને કહે.’ રાજાએ આમ પૂછ્યું એટલે તે કન્યા હસતાં હસતાં મધુર વાણીમાં બોલી, ‘હે દુષ્યન્ત રાજા, હું તપસ્વી, દ્યુતિમાન, ધર્મજ્ઞ મહાત્મા કણ્વની પુત્રી છું.’ દુષ્યન્ત બોલ્યા, ‘લોકપૂજ્ય એવા કણ્વ તો બ્રહ્મચારી છે, વ્રતધારી છે, સાક્ષાત ધર્મરાજ વિચલિત થાય પણ કણ્વ ઋષિ વિચલિત ન થાય. આવી સ્થિતિમાં તારા જેવી સુન્દર કન્યા તેમની પુત્રી કેવી રીતે? મારા મનમાં સંશય છે તો તું એ દૂર કર.’ શકુન્તલા બોલી, ‘મને જે રીતે આ બધાની જાણ છે, મારો જન્મ કેવી રીતે થયો.’ હું ઋષિ કણ્વની પુત્રી કેવી રીતે છું તે સાંભળો. એક દિવસ કોઈ ઋષિએ મારા જન્મ વિશે મહર્ષિ કણ્વને પૂછ્યું હતું. તે વખતે મુનિએ જે વાત કહી તે તમે સાંભળો. કણ્વ બોલ્યા, ‘પહેલાંની આ વાત છે. મહર્ષિ વિશ્વામિત્ર મોટું તપ કરી રહ્યા હતા, ને એનાથી દેવરાજ ઇન્દ્રને સંતાપ થયો. ઇન્દ્રને ભય લાગ્યો કે તપ વડે વધારે શક્તિશાળી થઈને વિશ્વાંમિત્ર મને સ્થાનભ્રષ્ટ કરી દેશે. એટલે તેમણે મેનકાને કહ્યું, ‘હે મેનકા, અપ્સરાઓમાં જે દિવ્ય ગુણો છે તે તારામાં સૌથી વિશેષ છે, તું મારું કલ્યાણ કર, હું કહું છું તે સાંભળ. આદિત્ય જેવા તેજસ્વી વિશ્વામિત્ર ઋષિ ઘોર તપ કરી રહ્યા છે અને એનાથી મારું મન કાંપી રહ્યું છે. વિશ્વામિત્રનો તપોભંગ કરવાનો ભાર તારે શિર. તે ઉગ્ર તપ કરી રહ્યા છે એટલે તું એવું કર જેથી તારું સ્થાન ભ્રષ્ટ ન થાય. તેમના તપમાં વિઘ્ન નાખ. એ રીતે મારું વિઘ્ન દૂર થાય. રૂપ, યૌવન, માધુર્ય, હાવભાવ, સ્મિતયુક્ત વાણી આ બધાં વડે મુનિનો તપોભંગ કર.’ મેનકા એ સાંભળી બોલી, ‘ભગવાન વિશ્વાંમિત્ર તો મહાન તપસ્વી, તેજસ્વી ઋષિ છે, તમે એમને જાણો છો. જેના તેજ, તપ અને ક્રોધથી તમે પણ જો ઉદ્વિગ્ન થતા હો તો હું કેવી રીતે ભીતિ ન પામું? આ એ જ ઋષિ છે જેમણે વસિષ્ઠ ઋષિને એમના પુત્રોથી સદાને માટે વિખૂટા પાડી દીધા હતા, આ એ જ છે જે ક્ષત્રિય હતા અને બળપૂર્વક બ્રાહ્મણ બની ગયા, પોતાના શૌચસ્નાન માટે પુષ્કળ જળવાળી નદી જેમણે સર્જી હતી. એ નદીને બધા કૌશિકી તરીકે ઓળખે છે. આ એ જ વિશ્વામિત્ર છે જેમની પત્નીના સંકટ સમયે શાપિત મતંગે વ્યાધ રૂપે ભરણપોષણ કર્યું હતું. દુકાળ પૂરો થયા પછી તેમણે આ નદીનું નામ પારા રાખ્યું હતું. હે દેવરાજ, મતંગે કરેલા ઉપકારથી પ્રસન્ન થયેલા વિશ્વામિત્રે પોતે પુરોહિત બનીને યજ્ઞ કર્યો હતો અને તમે પણ એમના ભયથી સોમપાન કરવા ગયા હતા. તેમણે જ કોપ પામીને બીજા લોકનું સર્જન કર્યું. નવાં નક્ષત્રો સર્જ્યાં. આ વિશ્વામિત્રે ગુરુના શાપથી હીન બનેલા ત્રિશંકુને પણ શરણાગતિ આપી હતી. જેમનાં આવાં અદ્ભુત પરાક્રમ હોય તેમનાથી હું ભય પામું છું. ક્રોધ કરીને તેઓ મને ભસ્મ કરી નાખે તો... તેઓ તો પદાઘાતથી ધરણીને ધુ્રજાવી શકે છે, પોતાના તેજથી બધા લોકને ભસ્મ કરી શકે છે, મેરુ પર્વતને નાનો બનાવી શકે છે, બધી દિશાઓને ઊંધીછત્તી કરી શકે છે. આવા પ્રજ્વલિત અગ્નિ જેવા જિતેન્દ્રિયને મારા જેવી નારી કેવી રીતે સ્પર્શી શકે? અગ્નિ જેવું મુખ છે, સૂર્યચન્દ્ર જેમનાં નેત્ર છે, કાળ જેમની જિહ્વા છે તેવાને હું કેવી રીતે સ્પર્શ કરી શકીશ? યમ, સોમ, મહર્ષિઓ, વિશ્વદેવ, વાલખિલ્ય જેવા પણ જેમના પ્રભાવથી ડરે છે તે ઋષિથી મારા જેવી સ્ત્રી કેમ ભય ન પામે? ‘હે સુરેન્દ્ર, તમારી આજ્ઞાથી મારે જવું તો પડશે પણ મારી રક્ષાનો ઉપાય વિચારો, જેથી સુરક્ષિત રહીને હું તમારું કાર્ય સિદ્ધ કરી આપું. હું જ્યારે ત્યાં ક્રીડામગ્ન થાઉં ત્યારે વાયુદેવ ત્યાં ઉપસ્થિત રહીને મારું વસ્ત્ર ઉડાડે અને તમારી કૃપાથી ત્યાં કામદેવ પણ ઉપસ્થિત રહે. હું જ્યારે ઋષિને લોભાવું ત્યારે ત્યાં સુગંધિત વાયુ વાવો જોઈએ.’ ઇન્દ્રે એને ‘તથાસ્તુ’ કહ્યું અને મેનકા કૌશિક(વિશ્વામિત્ર)ના આશ્રમે ગઈ. ઇન્દ્રે મેનકાના કહેવાથી વાયુદેવને તેની સાથે જવાની આજ્ઞા આપી. તે સમયાનુસાર ત્યાં ગઈ, અને પહોંચીને ભીરુ મેનકાએ તપથી બધાં પાપ બાળી ચૂકેલા વિશ્વામિત્રને તપ કરતા જોયા અને ઋષિનું અભિવાદન કરીને મેનકા પાસે જ ક્રીડા કરવા લાગી, તે જ વેળાએ વાયુએ ચન્દ્ર સમું ઉજ્જ્વળ વસ્ત્ર ઊડાડી મૂક્યું. તે વેળા વાયુને ઠપકો આપતી લજ્જા પામીને વસ્ત્ર માટે દોડી ગઈ. અગ્નિ સમાન તેજસ્વી મહર્ષિ વિશ્વામિત્રની આંખો સામે જ આ અનિન્દિતા સંકોચ પામી અને ભયભીત થઈને વસ્ત્ર લેવા માટે દોડી ગઈ. તેનું રૂપ અવર્ણનીય હતું. વય પણ અદ્ભુત હતી. એ સુંદરીને ઋષિએ વિવૃત્ત અવસ્થામાં નિહાળી. તેના રૂપ અને ગુણ નિહાળીને ઋષિ કામવશ થઈ ગયા, સંસર્ગને કારણે મેનકામાં અનુરાગ પ્રગટ્યો. તેમણે મેનકાને નિકટ આવવા આમન્ત્રણ આપ્યું. અનિંદ્ય મેનકાને તો એ જોઈતું હતું. તે તરત પ્રસન્ન થઈ ગઈ. ત્યાં બંનેએ દીર્ઘ કાળ વિહાર કર્યો, એ દીર્ઘ કાળ એક દિવસ જેવો લાગ્યો. ત્યાં મેનકાએ માલિની નદીને કાંઠે શકુન્તલાને જન્મ આપ્યો. પોતાનું કામ પૂરું થયું એટલે નવજાત શિશુને માલિનીના કિનારે ત્યજીને તે જતી રહી. સિંહ, વાઘથી ભરેલા એ વનમાં આ શિશુને જોઈને શકુન્તોએ તેને પાંખોથી ઢાંકી દીધી, જેથી ગીધ જેવાં પંખી તેને ખાઈ ન જાય. આવી રીતે શકુન્ત તેની રક્ષા કરતાં હતાં એ વખતે હું નદીકાંઠે ગયો. જોયું તો નિર્જન વનમાં શકુન્તોથી ઘેરાયેલી એક કન્યા હતી. પંખીઓ બોલ્યાં, આ વિશ્વામિત્રની કન્યા તમારે ત્યાં આવી છે. કૌશિકીના કિનારે કામક્રોધને તમારા સખા જીતી ન શક્યા, તમે તો દયાવાન છો, એટલે આનું પાલનપોષણ કરો.’ નિર્જન વનમાં શકુન્તોએ એને ઘેરી હતી એટલે મેં એનું નામ શકુન્તલા પાડ્યું. આમ શકુન્તલા મારી પુત્રી થઈ અને તે પણ મને તેનો પિતા માને છે.’ દુષ્યન્તે આ સાંભળીને કહ્યું, ‘હે કલ્યાણી, તારી વાતથી સ્પષ્ટ થયું કે તું રાજપુત્રી છે, તું મારી ભાર્યા બન. બોલ, તારા માટે શું કરું? સુવર્ણમાળા, સુન્દર વસ્ત્ર, વિવિધ નગરોમાં બનેલા શુભ્ર, સુન્દર, મણિરત્ન, મૃગચર્મ... હમણાં જ તને લાવી આપું. તું મારી ભાર્યા બને તો આખું રાજ તારું. હે ભીરુ સુન્દરી, ગાન્ધર્વવિવાહ દ્વારા મારો સ્વીકાર કર. વિવાહોમાં ગાંધર્વવિવાહ શ્રેષ્ઠ ગણાય છે.’ શકુન્તલાએ કહ્યું, ‘મારા પિતા ફળ લેવા આશ્રમની બહાર ગયા છે. મુહૂર્તભર પ્રતીક્ષા કરો. તેઓ જ મારી સોંપણી તમને કરશે.’ દુષ્યન્તે કહ્યું, ‘તારું શીલ પ્રશંસનીય છે. હું તારા માટે જ રોકાયો છું. મારું મન તારામાં પરોવાયેલું છે. આત્મા જ પોતાનો બન્ધુ છે, આત્મા જ આશ્રય છે, આત્મા ંમિત્ર અને પિતા છે. તું ધર્મપૂર્વક આત્મસર્મપણ કરવા યોગ્ય છે. (અહીં પછી આઠ પ્રકારના વિવાહની સમજૂતી આપી છે.) શકુન્તલા બોલી, ‘હે પૌરવશ્રેષ્ઠ, જો આ ધર્મપથ હોય, જો આત્મા પોતે દાન કરવામાં સમર્થ હોય તો મારી એક વાત સાંભળો. હું જે કહું તેનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરો. મહારાજા દુષ્યન્ત, મારા પુત્રને યુવરાજપદ મળવું જોઈએ. હું આ સત્ય કહું છું. જો આ વાત સ્વીકારો તો જ હું લગ્ન કરું.’ આ વાત સાંભળીને દુષ્યન્તે વગર વિચાર્યે હા પાડી દીધી. ‘હે શુચિસ્મિતા, હું તને મારા નગરમાં લઈ જઈશ. તને સાચું કહું છું, તું રાજભવનમાં રહેવા યોગ્ય છે.’ આમ કહીને દુષ્યન્તે અનિન્દિતાગામિની શકુન્તલા સાથે વિધિવત્ વિવાહ કર્યો અને એની સાથે એકાન્તવાસ ગાળ્યો. ફરી એને વિશ્વાસ અપાવતાં કહ્યું, ‘હે શુચિસ્મિતા, હું તારે માટે ચતુરંગિણી સેના મોકલીશ અને રાજભવનમાં બોલાવીશ.’ ... આમ શકુન્તલાને વચન આપીને નગર તરફ જવા રાજા નીકળ્યા. મનમાં તપસ્વી કણ્વની ચિન્તા થતી હતી. આ સાંભળીને કણ્વ શું કહેશે? આમ ચિન્તાતુર રાજાએ નગરપ્રવેશ કર્યો. દુષ્યન્તે આશ્રમમાંથી વિદાય લીધાને મુહૂર્ત પછી કણ્વ ઋષિ આશ્રમમાં આવ્યા, પણ શકુન્તલા તેમની પાસે ન ગઈ. દિવ્ય જ્ઞાનથી મહાતપસ્વી કણ્વ ઋષિએ એ ઘટના જાણી લીધી અને તે પ્રસન્ન થઈને બોલ્યા, ‘મારી સમ્મતિ વિના તું જેને મળી તેનાથી ધર્મનો કશો ભંગ થયો નથી. કહેવાયું છે કે ક્ષત્રિય માટે ગાન્ધર્વવિવાહ શ્રેષ્ઠ છે, મન્ત્રવિધિ વિના કામયુક્ત પુરુષ જ્યારે નારીને મળે છે ત્યારે તે ગાન્ધર્વ વિવાહ કહેવાય છે. જેને તે પતિ માન્યો છે તે દુષ્યન્ત ધર્માત્મા, મહાત્મા અને પુરુષોત્તમ છે. તારો પુત્ર મહાબળવાન હશે. સાગરકિનારા સુધીની ભૂમિ તે ભોગવશે. એ મહાત્મા ચક્રવર્તીનો રથ શત્રુઓની સામે કદી રોકાશે નહીં.’ પછી કણ્વે આણેલાં ફળ અને બીજો ભાર બાજુ પર મૂકીને શકુન્તલાએ મુનિના પગ ધોયા, અને તે બોલી, ‘મેં પતિરૂપે જે દુષ્યન્તની વરણી કરી છે તેના પર, તેના મન્ત્રીઓ ઉપર કૃપા કરજો.’ કણ્વે કહ્યું, ‘પુત્રી, તારા કારણે હું એના પર પ્રસન્ન છું, જે મનમાં હોય તે વરદાન માગ.’ ત્યારે શકુન્તલાએ દુષ્યન્તને માટે પુરુષોની ધર્મનિષ્ઠા સચવાય ને તેનું રાજ્ય ટકી રહે એવું વરદાન માગ્યું. પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગયેલા દુષ્યન્તની વિદાયના ત્રણ વર્ષે પ્રદીપ્ત અગ્નિ સમા તેજસ્વી, રૂપવાન, ઉદાર અને ગુણવાન પુત્રને જન્મ આપ્યો. સદાય વૃદ્ધિ પામતા એ બુદ્ધિમાન પુત્રના જાતકર્મના સંસ્કારો એ પુણ્યવંતા ઋષિએ કર્યા. શુક્લ અને તેજસ્વી દાંતવાળો, સિંહ જેવો બલવાન, હાથે ચક્રનાં ચિહ્નો ધરાવતો, મેધાવી, મહાબલી, દેવકુમારસદૃશ એ પુત્ર આશ્રમમાં મોટો થવા લાગ્યો. એ બળવાન બાળક છ વર્ષની વયે તો આશ્રમમાં વાઘ, સિંહ, મહિષ, હાથીને પકડીને આશ્રમનાં વૃક્ષો સાથે બાંધીને તેમના પર આરૂઢ થતો હતો. ત્યારે કણ્વના આશ્રમવાસીઓએ એનું નામ સર્વદમન પાડ્યું. એ બધાનું દમન કરતો હતો. પોતાના પરાક્રમથી એ તેજસ્વી બળવાન બાળક ત્યારથી સર્વદમનના નામે પ્રસિદ્ધ થયો. ત્યારે એ કુમારનું અસાધારણ બળ અને કર્મ જોઈને મુનિએ શકુન્તલાને કહ્યું, ‘હવે આને યુવરાજપદે સ્થાપવાનો સમય આવી ગયો છે.’ કણ્વ ઋષિએ તેનું બળ જોઈને શિષ્યોને બોલાવી કહ્યું, ‘તમે આજે જ શકુન્તલાને તેના પુત્ર સાથે બધાં લક્ષણોથી યુક્ત એવા એના પતિને ત્યાં મૂકી આવો. સ્ત્રીઓએ હંમેશાં પિતા અને ભાઈઓને ત્યાં રહેવું ન જોઈએ. એનાથી કીતિર્, ચરિત્ર, ધર્મને હાનિ પહોંચે છે. એટલે પતિગૃહે લઈ જવામાં જરાય વિલમ્બ ન કરો.’ આ સાંભળીને મહાતેજસ્વી શિષ્યો પુત્ર સાથે શકુન્તલાને આગળ કરીને ચાલ્યા. તેજસ્વી શકુન્તલા પણ અમર દેવ જેવા કમલલોચન પુત્રને લઈને રાજસભામાં કહેવડાવીને પ્રવેશી. રાજાનો યોગ્ય સત્કાર કરીને તેણે કહ્યું, ‘હે રાજન્, આ પુત્રનો યુવરાજ તરીકે અભિષેક કરો. દેવ સમાન આ પુત્રે મારા ઉદરમાંથી જન્મ લીધો છે, તો હે પુરુષોત્તમ, પ્રતિજ્ઞાને અનુસરો, હે મહાભાગ, કણ્વ ઋષિના આશ્રમમાં મારી સાથે સમાગમ કરતી વેળાની પ્રતિજ્ઞા યાદ કરો.’ શકુન્તલાની આ વાત સાંભળીને પોતાના ભૂતકાળનું સ્મરણ છતાં તે બોલ્યો, ‘મને કશું સ્મરણ નથી. હે દુષ્ટ તાપસી, તું કોની સ્ત્રી છે? તારી સાથે ધર્મ, અર્થ, કામ, સમ્બન્ધી કશાની મને સ્મૃતિ નથી. તારે જે કરવું હોય તે કર. જતી રહે, ઊભી રહે...’ આ સાંભળીને મનસ્વિની, સુન્દર શકુન્તલા મલિન થઈ ગઈ અને અચેતન થાંભલાની જેમ જડાઈ ગઈ. અભિમાન અને દુઃખથી તેની આંખો લાલ થઈ ગઈ, હોઠ કાંપવા લાગ્યા. કટાક્ષ અને તિર્યક્ આંખો વડે તે જાણે તેને ભસ્મ કરવા લાગી. ક્રોધે ભરાઈ હોવા છતાં બધો ક્રોધ હૃદયમાં જ ભંડારી દીધો. તપથી ધારણ કરેલા તેજને પણ અંદર સમાવી દીધું. થોડી વાર વિચારીને દુઃખ અને ક્રોધથી બોલી, ‘મહારાજ, બધું જાણવા છતાં કેમ ‘કશું નથી જાણતો’ એવી પ્રાકૃત વાણી ઉચ્ચારો છો? આ વાતનું સાચજૂઠ તમારું હૃદય જાણે છે. એટલે પોતાનાં કર્મોની સાક્ષી આપતા કલ્યાણકારક આત્માની અવગણના ન કરો. જે માનવી હૃદયમાં કંઈક અને બહાર કંઈક બોલે છે તે માનવી પોતાના આત્માની હત્યા કરે છે અને પછી તો તે બધાં પાપ કરે છે. શું તમે એમ માનો છો કે ત્યારે હું એકલી જ હતી? શું તમને જાણ નથી કે આ હૃદયમાં નિત્યપુરાણ મુનિનો વાસ હોય છે. તે બધાં પાપને જાણે છે. એની સામે તમે પાપ કરો છો, લોકો પાપ કરીને એમ માને છે કે કોઈને એની જાણ નથી પણ દેવ અને હૃદયમાં વસતો તે પુરુષ બધું જ જાણે છે, આદિત્ય, ચન્દ્રમા, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, હૃદય, યમ, દિવસ, રાત્રિ, બંને સન્ધ્યા મનુષ્યનાં બધાં કર્મ જાણે છે. સર્વ કર્મોના સાક્ષી એવા ક્ષેત્રજ્ઞ પુરુષ જેના પર પ્રસન્ન હોય છે તેનાં બધાં દુષ્કૃત્યો નષ્ટ કરી દે છે અને જે મનુષ્ય પોતાના આત્માનું અપમાન કરે છે, જે પોતાના આત્માની સાક્ષી નથી માનતો તેનું હિત દેવ લોકો પણ સાધી શકતા નથી. હું જાતે આવી પહોંચી છું એમ માનીને આ પતિવ્રતાનું અપમાન ન કરો. આદરપાત્ર તથા સામેથી આવી પહોંચેલી પોતાની સ્ત્રીનું તમે સમ્માન કરતા નથી. તમે પ્રાકૃતની જેમ આ સભામાં મને તુચ્છ માનો છો. હું નિર્જન સ્થળે બોલતી નથી કે તમે મને ન સાંભળો. હે દુષ્યન્ત, મારી પ્રાર્થના નહીં સાંભળો તો આજે તમારું મસ્તક સો ટુકડામાં ફાટી પડશે. પ્રાચીન વિદ્વાન કવિઓ તો કહે છે કે પતિ સ્વયં ગર્ભ રૂપે પત્નીમાં પ્રવેશીને પુત્ર રૂપે જન્મ લે છે એટલે તો પત્નીને જાયા કહી છે. (અહીં સ્ત્રીની અને જાયાની પ્રશંસા વિગતે કરી છે) રતિ, પ્રીતિ અને ધર્મ બધું ભાર્યાના હાથમાં હોય છે એટલે જ્ઞાનીજને ક્રોધમાં પણ પત્નીને અપ્રિય નહીં કહેવું. સ્ત્રીઓ જ આત્માનું સનાતન, પવિત્ર જન્મક્ષેત્ર છે. ઋષિઓમાં વળી શક્તિ જ ક્યાં છે કે સ્ત્રીઓ વિના પ્રજા સર્જી શકે! (અહીં પુત્રમાત્રની પ્રશંસા કરી છે) હે રાજન્, ત્રણ વર્ષે મેં તમારા શોકનાશી પુત્રને જન્મ આપ્યો છે ને તે વેળા આકાશવાણી દ્વારા કહેવાયેલું કે આ પુત્ર સો અશ્વમેધ યજ્ઞ કરશે. મહારાજ, હું જ્યારે પિતાના આશ્રમમાં કુમારી હતી ત્યારે મૃગયા રમતાં રમતાં મૃગનો પીછો કરતા તમે આવ્યા હતા ને મારી સાથે સમ્બન્ધ બાંધ્યો હતો. અપ્સરાઓમાં શ્રેષ્ઠ ઉવર્શી, પૂર્વચિત્તિ, સહજન્યા, મેનકા, વિશ્વાચી, ઘૃતાચી મનાય છે. બ્રહ્મામાંથી પ્રગટેલી મેનકાએ વિશ્વામિત્ર દ્વારા મને જન્મ આપ્યો. હિમાલયની શિલા પર મને જન્મ આપીને પારકા સન્તાનની જેમ મને ત્યજી દીધી, અને હવે તમે પણ મને ત્યજી દેશો તો હું આશ્રમમાં પાછી જઈશ. પણ તમારા પોતાના આ પુત્રનો ત્યાગ કરવો અયોગ્ય છે.’ દુષ્યન્તે કહ્યું, ‘શકુન્તલા, તેં જન્મ આપેલ આ બાળક મારો પુત્ર છે કે નહીં તેની મને જાણ નથી. તારી વાત પર વિશ્વાસ કોણ કરશે? મોટે ભાગે સ્ત્રીઓ જૂઠું બોલે છે. તારી માતા મેનકા વ્યભિચારિણી, નિર્દય... જેમ કોઈ માળા ત્યજે તેમ તને હિમાલયની કોઈ શિલા પર મૂકી દીધી. ક્ષત્રિય વંશમાં જન્મ્યા હોવા છતાં બ્રાહ્મણત્વ પામવાના લોભી વિશ્વામિત્ર પણ કામપરાયણ હતા. હવે જો અપ્સરાઓમાં શ્રેષ્ઠ મેનકા અને ઋષિશ્રેષ્ઠ વિશ્વાંમિત્ર તારા માતાપિતા હોય તો તેમની સંતાન તું એક પુંશ્ચલી(વેશ્યા)ની જેમ કેમ બોલે છે? શ્રદ્ધા જ ન બેસે એવી વાત કહેતાં તું લજ્જા નથી પામતી? પાછી તું મારી સામે કહે છે? દુષ્ટ તાપસી, તું અહીંથી જતી રહે. દેવોમાં શ્રેષ્ઠ મહર્ષિ ક્યાં, અપ્સરાશ્રેષ્ઠ મેનકા ક્યાં અને તાપસવેશધારિણી કૃપણ એવી તું ક્યાં? તારો આ પુત્ર બાળક હોવા છતાં અતિકાય છે, અને બળવાન છે, થોડા જ સમયમાં એ શાલવૃક્ષ જેવો થઈ ગયો! તું નિકૃષ્ટ છે, મને તો તું પુંશ્ચલી જેવી લાગે છે, મેનકાએ કામવશ થઈને તને જન્મ આપ્યો છે, તું જે કહે છે તે બધું પરોક્ષ છે, હું તને ઓળખતો નથી, તારે જ્યાં જવું હોય ત્યાં જા.’ શકુન્તલાએ કહ્યું, ‘રાજન્, સરસવ જેવા બીજાઓના દોષ તો જુઓ છો પણ પોતાના બીલા જેવા દોષ જોતા નથી. મેનકા દેવોની પ્રિય છે, દેવગણ મેનકાનો પ્રેમી છે. એટલે તમારા જનમ કરતાં મારો જનમ ચઢિયાતો છે, મેરુ અને સરસવના જેવો મારો અને તમારો ભેદ છે, તમે ધરતી પર ચાલો છો અને હું આકાશમાં ઊડું છું. હે રાજા, તમે મારો પ્રભાવ જુઓ. હું મહેન્દ્ર, કુબેર, યમ અને વરુણનાં ભવનમાં જઈ શકું છું. એક કહેવત તમને દૃષ્ટાન્ત તરીકે કહું છું, દ્વેષથી કહેતી નથી. ક્ષમા કરજો. કુરૂપ માનવી જ્યાં સુધી દર્પણમાં મોં નથી જોતો ત્યાં સુધી પોતાને બીજાઓ કરતાં સુન્દર માને છે. જ્યારે તે દર્પણમાં પોતાનું વિકૃત મોં જુએ છે ત્યારે તેને કોઈ બીજો જ માનવી દેખાય છે. અતિરૂપસમ્પન્ન કોઈનો અનાદર કરતો નથી, બહુ કડવી વાત કહેનારા નિન્દક અને પરપીડક કહેવાય છે. જેવી રીતે સૂવર બધામાં માત્ર વિષ્ટા જ પસંદ કરે છે તેમ મૂર્ખ જ કોઈના હિતઅહિતવાળાં વાક્યોમાંથી અહિત જ સાંભળે છે. હંસ જેવી રીતે દૂધ ગ્રહણ કરે છે અને પાણી ત્યજી દે છે એવી રીતે જ્ઞાનીજનો હિતઅહિતવાળાંમાંથી માત્ર હિત જ સાંભળે છે. જેવી રીતે બીજાની નિન્દા કરીને સાધુઓ દુઃખી થાય છે અને એવી જ રીતે બીજાની નિન્દા કરીને દુર્જનો સન્તુષ્ટ થાય છે. (સાધુજનોના વ્યવહારની ચર્ચા અને પાંચ પ્રકારના પુત્રોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે.) સેંકડો કૂવા બંધાવવા કરતાં એક વાવ બાંધવી શ્રેષ્ઠ છે, સેંકડો વાવ કરતાં એક યજ્ઞ કરવો શ્રેષ્ઠ, સેંકડો યજ્ઞ કરતાં એક પુત્ર શ્રેષ્ઠ અને સેંકડો પુત્ર કરતાં સત્ય શ્રેષ્ઠ છે. ત્રાજવાના એક પલ્લે એક હજાર અશ્વમેધ અને બીજા પલ્લે સત્ય હોય તો પણ અશ્વમેધ યજ્ઞો કરતાં સત્ય વધારે ચઢિયાતું. બધા વેદોનું પઠન, બધાં તીર્થોમાં સ્નાન કરતાંય સત્ય ચઢિયાતું છે. સત્યથી ચઢિયાતો અન્ય ધર્મ નથી, સત્યથી ચઢિયાતું કશું નથી, અસત્યથી મોટું કોઈ પાપ નથી. જો તમને અસત્ય પર પ્રેમ હોય, મારી વાત પર વિશ્વાસ ન હોય તો હું ચાલી જઉં છું, તમને મળવાનું કોઈ પ્રયોજન નથી, તમે સ્વીકાર નહીં કરો તો પણ મારો પુત્ર શૈલરાજથી અલંકૃત થઈને ચાર સમુદ્ર સુધીની આ પૃથ્વીનું પાલન કરશે.’ આમ કહીને શકુન્તલા જવા લાગી ત્યારે ઋત્વિજો, પુરોહિતો, આચાર્ય, મન્ત્રીઓથી ઘેરાયેલા રાજાને આકાશવાણી સંભળાઈ: ‘હે દુષ્યન્ત, માતા ચર્મકોષ જેવી છે. એમાં પિતા પોતે જ પુત્ર સ્વરૂપે જન્મ લે છે. આ પુત્રને પાળોપોષો... શકુન્તલાનો અનાદર ન કરો. હે નરદેવ, પોતાના જ વીર્યથી જન્મેલ પુત્ર યમગૃહમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે. તમે જ ગર્ભાધાન કર્યું છે, શકુન્તલાએ જે કહ્યું તે સત્ય છે. જાયા પોતાના અંગને બે ભાગમાં વહેંચીને પુત્ર સ્વરૂપે જન્મ આપે છે, એટલે શકુન્તલાના આ પુત્રનું પાલન કરો. અમારું વચન માનીને આનું પાલન કરો, આ પુત્ર ભરતના નામથી પ્રખ્યાત થશે.’ પૌરવ વંશના રાજાએ આ દિવ્યવાણી સાંભળીને હર્ષ પામીને પુરોહિત, અમાત્યને કહ્યું, ‘આ દેવવાણી સાંભળો. હું પણ જાણું છું કે આ મારો પુત્ર છે. જો આના વચનથી જ મેં આ પુત્રને સ્વીકારી લીધો હોત તો લોકોના મનમાં આ પુત્ર વિશે શંકા જન્મત.’ ત્યારે રાજાએ દેવદૂત વડે પુત્રને વિશુદ્ધ કરાવીને પ્રસન્ન અને હર્ષયુકત ચિત્તથી તે પુત્રને સ્વીકાર્યો. (મહાભારત, આદિપર્વ, ૬૬થી ૬૯)

કચ-દેવયાનીકથા

ચર-અચર સમેત ત્રિલોકનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા સુર અને અસુર વચ્ચે સંઘર્ષ થયો. વિજય પામવા દેવોએ યજ્ઞવિધિ માટે અંગિરાપુત્ર બૃહસ્પતિને પુરોહિત તરીકે પસંદ કર્યા અને અસુરોએ કવિપુત્ર શુક્રાચાર્યને પુરોહિત તરીકે પસંદ કર્યા. બંને બ્રાહ્મણ નિત્ય અન્યોન્યની સ્પર્ધા કરતા હતા. યુદ્ધમાં દેવો જે દાનવોને મારી નાખતા હતા તેમને શુક્રાચાર્ય વિદ્યાબળથી ફરી સજીવન કરતા હતા. એ રીતે બેઠા થઈને તેઓ દેવો સાથે યુદ્ધ કરવા લાગતા હતા. અસુરો જે દેવોને યુદ્ધમાં મારી નાખતા હતા તેમને ઉદાર બુદ્ધિવાળા બૃહસ્પતિ સજીવન કરી શકતા ન હતા. કવિપુત્ર વીર્યવાન શુક્રાચાર્ય જે સંજીવની વિદ્યા જાણતા હતા તે બૃહસ્પતિ જાણતા ન હતા. એટલે દેવતાઓ વિષાદ પામ્યા. દેવો કવિપુત્ર શુક્રાચાર્યથી ભયભીત થયા અને બૃહસ્પતિના જ્યેષ્ઠ પુત્ર કચ પાસે જઈને બોલ્યા, ‘અમે તારા શરણે છીએ, તું અમને બચાવ; અમારી સહાય કર, અતિ તેજસ્વી બ્રાહ્મણ શુક્રાચાર્ય પાસે જે વિદ્યા છે તે તું હરી લાવ, તું અમારા યજ્ઞાંશનો ભાગીદાર બનીશ. તું વૃષપર્વાને ત્યાં બ્રાહ્મણ શુક્રાચાર્ય જોઈ શકીશ, તેઓ ત્યાં દાનવોની રક્ષા કરે છે, તેઓ દેવોની રક્ષા નથી કરતા. તું નાની વયનો છે, જ્ઞાની ઋષિની આરાધના તું કરી શકીશ. તે મહાત્માની પ્રિય કન્યા દેવયાનીની આરાધના પણ કરી શકીશ, આ વિશે તારા સિવાય કોઈ શક્તિમાન નથી. તારા શીલ, દાક્ષિણ્ય, માધુર્ય, આચાર અને દમથી દેવયાની સંતુષ્ટ થશે એટલે તે સંજીવની વિદ્યા તું અવશ્ય પ્રાપ્ત કરીશ.’ ‘એમ જ થશે’ કહીને બૃહસ્પતિપુત્ર કચ દેવોના પૂજન પછી વૃષપર્વા પાસે ગયા. દેવોએ મોકલેલા કચ ત્વરિત અસુરેન્દ્ર વૃષપર્વા પાસે ગયો અને શુક્રાચાર્યને જોઈને બોલ્યો, ‘હું ઋષિ અંગિરાનો પૌત્ર, બૃહસ્પતિનો પુત્ર છું, હું કચ તરીકે ખ્યાત છું, મને શિષ્ય રૂપે સ્વીકારો. તમને ગુરુ માનીને હું સહ વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળીશ, મને આજ્ઞા આપો.’ શુક્રાચાર્યે કહ્યું, ‘ક્ચ, તારું સ્વાગત છે. તારી વાત સ્વીકારું છું. તું મારો આદરપાત્ર છે, હું તારું અર્ચન (પૂજા) કરીશ, અને એ રીતે બૃહસ્પતિ પણ અર્ચાશે.’ ‘તેમ જ થશે’ એમ કહીને કવિપુત્ર શુક્રાચાર્યે નિર્દેશેલા બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કચે કર્યો. દેવયાની અને શુક્રાચાર્યની આરાધના કરતા કરતા વ્રતકાળમાં ગુરુ જે કહેતા તે કરતો હતો. યુવાન કચ યૌવનમાં પ્રવેશેલી દેવયાનીને ગાયન, નૃત્ય, વાદન વગેરેથી સંતુષ્ટ કરતો હતો. યૌવન પ્રાપ્ત કરેલી દેવયાનીને પુષ્પ, ફળ આપીને પ્રસન્ન કરતો હતો. દેવયાની પણ ગીત ગાઈને નિયમિત વ્રતપાલન કરનાર તે બ્રાહ્મણની સેવા કરતી હતી. કચના વ્રતને પાંચસો વર્ષ વીતી ગયાં. એક દિવસ દાનવો કચને ઓળખીને તેની પાછળ પાછળ ગયા. ગાયોની રક્ષા કરતા કચને જોઈને, વિદ્યાની રક્ષા કરવા અને બૃહસ્પતિ પ્રત્યેના તેમના દ્વેષના કારણે ક્રોધે ભરાયેલા દાનવોએ તેને મારી નાખ્યો, અને એના ટુકડેટુકડા કરી વરુઓને ખવડાવી દીધા. પછી ગાયો ગોપ (ગોરક્ષક) વિના પોતાની મેળે પાછી આવી, કચને પાછો ન આવેલો જોઈ દેવયાની યોગ્ય સમયે બોલી, ‘હે પ્રભુ, સૂર્ય આથમી ગયો છે, અગ્નિહોત્ર હોમાયો છે, ગાયો રક્ષક વિના આવી ગઈ છે, પણ કચ દેખાતો નથી. હે પિતા, મને લાગે છે કે કચને મારી નાખ્યો છે અથવા તે મૃત્યુ પામ્યો છે. હું કચ વિના જીવી શકીશ નહીં તે સત્ય કહું છું.’ શુક્રચાર્યે કહ્યું, ‘હે કચ, તું ચાલ્યો આવ. તું મૃત્યુ પામ્યો છે, હું તને સજીવન કરું છું.’ એમ કહીને ગુરુએ સંજીવની વિદ્યા વડે કચને બોલાવ્યો, બોલાવ્યો એટલે વિદ્યા વડે તે પ્રગટ થયો અને બ્રાહ્મણ કન્યાએ પૂછ્યું એટલે તેણે કહ્યું કે મને મારી નાખ્યો હતો. કચ ફરી દેવયાનીની આજ્ઞાથી ફૂલો ચૂંટવા સ્વેચ્છાએ વનમાં ગયો. બીજી વાર કચને મારી નાખીને અને ચૂર્ણચૂર્ણ કરી નાખીને સુરામાં મેળવીને શુક્રાચાર્યને જ એ બધું પીવડાવી દીધું. ત્યારે દેવયાનીએ પિતાને કહ્યું, ‘મેં કચને ફૂલ ચૂંટવા મોકલ્યો હતો, અત્યારે તે દેખાતો નથી.’ શુક્રાચાર્યે કહ્યું, ‘પુત્રી, બૃહસ્પતિપુત્ર કચ મરી ગયો છે. સંજીવની વિદ્યાથી જીવતો કરવા છતાં તેને દાનવો મારી નાખે છે. દેવયાની, તું શોક ન કર, રડ નહીં, તારા જેવીએ મર્ત્ય માટે શોક ન કરવો જોઈએ, કારણ કે બધા દેવો અને આખું જગત ઉપસ્થિત વિકૃતિને પામતા હોય છે.’ દેવયાની બોલી, ‘અત્યંત વૃદ્ધ અંગિરા જેના પિતામહ છે, તપોધન બૃહસ્પતિ જેના પિતા છે એવા ઋષિના પૌત્ર અને પુત્ર કચને માટે શા માટે શોક ન કરું, શા માટે ન રડું? તે બ્રહ્મચારી તપોધન હતો, કામકાજ કરવામાં તે નિત્ય ઉત્સાહી હતો અને હોશિયાર હતો. હું ભોજન ન કરીને કચના માર્ગે જઈશ, હે તાત, કચનું સ્વરૂપ મને અતિ પ્રિય છે.’ શુક્રાચાર્યે કહ્યું, ‘અસુરો મારો દ્વેષ કરે છે એ નિશ્ચિત છે. મારા નિર્દોષ શિષ્યને મારી નાખે છે. અસુરો મને બ્રહ્મહત્યાના પાપથી પાપી બનાવે છે, બ્રહ્મહત્યા કોને બાળતી નથી. એ તો ઇન્દ્રને પણ ભસ્મ કરે, આ પાપ કદી નાશ પામે છે?’ દેવયાનીના કહેવાથી કવિપુત્ર મહર્ષિ શુક્રાચાર્યે બૃહસ્પતિપુત્ર કચને બોલાવ્યો. વિદ્યા વડે કચને બોલાવ્યો એટલે તે ગુરુના પેટમાં રહીને ગુરુહત્યાના ભયથી ધીમે રહીને બોલ્યો. ગુરુએ કહ્યું, ‘હે વિપ્ર, તું કેવી રીતે મારા ઉદરમાં પ્રવેશ્યો છે?’ કચે ઉત્તર આપ્યો, ‘તમારી કૃપાથી મારી સ્મૃતિ યથાવત્ છે. જે કંઈ બન્યું તે બધું મને યાદ છે. ગુરુના ઉદરને ફાડવાથી તપ ઘટી ન જાય એટલે અસહ્ય વેદના સહી રહ્યો છું. અસુરોએ મને મારીને, સળગાવીને, ચૂર્ણ ચૂર્ણ કરીને સુરામાં મેળવી તમને પીવડાવી. પરંતુ હે વિપ્ર, તમારા હોવા છતાં અસુરોની માયા બ્રાહ્મણોની માયાથી કેવી રીતે વૃદ્ધિ પામી શકે?’ ત્યારે શુક્રાચાર્યે દેવયાનીને કહ્યું, ‘વત્સ દેવયાની, હવે તારું પ્રિય શું કરું? મારા મૃત્યુથી કચ જીવશે, તે મારા ઉદરમાં છે, ઉદર ફાડ્યા સિવાય બીજી કોઈ રીતે ક્ચ બહાર આવી નહીં શકે.’ દેવયાની બોલી, ‘કચનો નાશ અને તમારું મૃત્યુ બંને શોક-અગ્નિની જેમ મને દઝાડશે, કચના નાશમાં મને સુખ નથી, તમારા મૃત્યુ પછી હું જીવી નહી શકું.’ શુક્રે કહ્યું, ‘હે બૃહસ્પતિપુત્ર, તું બૃહસ્પતિપુત્ર તરીકે વિખ્યાત છે, દેવયાની તને ચાહે છે, જો કચના રૂપમાં તું ઇન્દ્ર ન હોય તો મારી વિદ્યા તું મેળવ. બ્રાહ્મણ સિવાય બીજો કોઈ પણ મારા ઉદરમાંથી જીવતો બહાર આવી નહીં શકે. એટલે તું આ વિદ્યા લે. હે તાત, તું જીવતો થઈને મારા દેહમાંથી નીકળીને, પુત્ર બનીને મને સજીવન કરજે. ગુરુ પાસેથી વિદ્યા મેળવીને ધર્મ પાળતો રહેજે.’ બ્રાહ્મણ કચે ગુરુ પાસેથી વિદ્યા મેળવી, જેવી રીતે શુક્લપક્ષના અંતિમ દિવસે, પૌર્ણ માસમાં, પૂર્ણ ચંદ્ર પ્રગટે તેવી રીતે શુક્રાચાર્યના જમણા ઉદરને ફાડીને તે બહાર આવ્યો. બ્રહ્મરાશિ શુક્રાચાર્યને મૃત્યુ પામેલા જોઈને સંજીવની વિદ્યાથી કચે જીવિત કર્યા અને વિદ્યા પ્રાપ્ત કરેલા કચે ગુરુનું અભિવાદન કરીને કહ્યું, ‘જેઓ વિદ્યાવાન થઈને શ્રેષ્ઠ ઋતનો ઉપદેશ આપે છે અને જે નિધિના નિધિ છે, ચારે વેદોનું જ્ઞાન આપે છે તે ગુરુને જે આદર આપતો નથી, તે આ લોકમાં પ્રતિષ્ઠા પામતો નથી અને પાપલોકને પામે છે.’ સુરાપાનથી શુક્રાચાર્ય છેતરાયા, તેમની બુદ્ધિનો નાશ થયો, સુરાથી મોહ પામીને સુંદર કચને પી ગયા એ જોઈને મહાપ્રભાવી શુક્રાચાર્ય ક્રોધે ભરાયા અને વિપ્રોનું હિત કરવા માટે સુરાપાન પ્રત્યે શંકિત થઈને તેઓ બોલ્યા, ‘હવે પછી જે બ્રાહ્મણ મોહવશ થઈને સુરાપાન કરશે તે મંદબુદ્ધિ બ્રાહ્મણ ધર્મભ્રષ્ટ થશે અને બ્રહ્મહત્યાના પાપથી લેપાઈને આ લોકમાં અને પરલોકમાં નિંદાપાત્ર થશે. મેં બ્રાહ્મણોના ધર્મની આ સીમા અને મર્યાદા બાંધી દીધી છે, તે સર્વ સંતો, વિપ્રો, ગુરુસેવા કરનારા, દેવો — બધા સાંભળો.’ આમ કહીને અપ્રમેય તપોનિધિઓના નિધિ, મહાનુભાવ શુક્રાચાર્યે દૈવથી વિમૂઢબુદ્ધિ થયેલા તે દાનવોને બોલાવીને કહ્યું, ‘હે દાનવો, સાંભળો, તમે સાવ બાલિશ કાર્ય કર્યું છે, આ કચ મહાન અર્થવાળી સંજીવની વિદ્યા પામીને, સિદ્ધ થઈને મારી પાસે રહેશે અને બ્રહ્મને કારણે જ્ઞાની થયેલો કચ મારા જેવો પ્રભાવી બનશે.’ કચે ગુરુ પાસે સહ વર્ષ રહીને આજ્ઞા લઈને સ્વર્ગમાં જવાની ઇચ્છા પ્રગટ કરી. ગુરુને ત્યાં રહેવાનું વ્રત પૂરું થયું એટલે દેવયાનીએ કચને કહ્યું, ‘હે અંગિરાના પૌત્ર, ચરિત્ર — કુલ — દમ અને તપથી તેજસ્વી થઈ રહ્યો છે, મહા યશસ્વી ઋષિ અંગિરા જેવી રીતે મારા પિતાને માટે સમ્માનનીય છે એવી જ રીતે બૃહસ્પતિ પણ મારા માટે સમ્માનનીય અને પૂજનીય છે. હે તપોધન, આ સમજીને હું જે કહું છું તે સાંભળ. તું જ્યારે વ્રતધારી અને નિયમવાળો હતો ત્યારથી મેં તારી સાથે પ્રેમથી વર્તન કર્યું છે. અત્યારે તું વ્રતમુક્ત થયો છે, અત્યારે તું તારી સેવા કરવાવાળી આ દેવયાનીનો સ્વીકાર કર. વિધિપૂર્વક મંત્રોચ્ચાર કરીને તું મારો હાથ સ્વીકાર.’ કચે કહ્યું, ‘અનવદ્ય અંગોવાળી, જેવી રીતે તારા પિતા મારે માટે પૂજનીય છે, એવી રીતે તું પણ મારે માટે વધારે પૂજનીય છે. હે ભદ્રે, મહાત્મા ભાર્ગવ કરતાંય મારા માટે વિશેષ પૂજનીય છે, તું મારી ગુરુપુત્રી હોવાને કારણે સદા પૂજ્યતમ જ છે. તારા પિતા શુક્રાચાર્ય જેવા માનનીય છે તેવી રીતે તું પણ મારે માટે માનનીય છે. તારે મને આવું ન કહેવું જોઈએ.’ દેવયાનીએ કહ્યું, ‘તું મારા પિતાનો પુત્ર નથી. તું મારે માટે પૂજનીય છે, માનનીય છે. હે કચ, અસુરો તને વારે વારે મારી નાખતા હતા ત્યારથી તારા પર મારી જે પ્રીતિ હતી તેને તું યાદ કર. સૌહાર્દ અને અનુરાગથી તારી જે ભક્તિ કરું છું તેને જાણ, હે ધર્મજ્ઞ, મારો ત્યાગ કરવો ઉચિત નથી.’ કચે કહ્યું, ‘હે શુભ્રવ્રતે, અયોગ્ય કાર્ય કરવા તું મને પ્રેરી રહી છે. હે સુંદર ભ્રમરવાળી શુભે, મારા પર પ્રસન્ન રહે, તું ગુરુથી પણ ચઢિયાતી છે. હે ભદ્રે, હે વિશાલાક્ષી, ચંદ્રાનના, ભામિની, તેં કવિપુત્ર શુક્રાચાર્યની જે કૂખમાં વાસ કર્યો હતો તે જ કૂખમાં હું રહ્યો હતો. એટલે ધર્માનુસાર તું મારી બહેન ગણાય, હે શુભાનના (સુંદર મુખવાળી) તું આમ ન બોલ. હે ભદ્રે, તારે ત્યાં હું સુખપૂર્વક રહ્યો, મારા પર ક્રોધ ન કરીશ. હું જઉં છું, તું મારા માટે પ્રાર્થના કર કે મારો માર્ગ મંગળ રહે, ધર્મવિરુદ્ધ ન હોય એવી કથાપ્રસંગે મારું સ્મરણ કરજે. અપ્રમત્ત અને ઉત્સાહી બનીને તું મારા ગુરુની પૂજા કરજે.’ દેવયાનીએ કહ્યું, ‘ધર્મ અને કામ માટે માગણી કરવા છતાં તું મારો અસ્વીકાર કરે છે, એટલે હે કચ, આ વિદ્યા તારે માટે સિદ્ધ નહીં થાય.’ કચે કહ્યું, ‘તું ગુરુપુત્રી છે એટલે જ તારો અસ્વીકાર કરું છું. કોઈ અન્ય દોષને કારણે નહીં; ગુરુએ કશી આજ્ઞા નથી કરી, તું ઇચ્છે તો શાપ આપ. હે દેવયાની; ઋષિઓના ધર્મ પ્રમાણે મારો ધર્મ છે, તું કામવિવશ થઈને શાપ આપી રહી છે, ધર્મપૂર્વક નહીં, પણ તે કામવશ થઈને શાપ આપ્યો છે એટલે તારી ઇચ્છા પૂરી નહીં થાય. કોઈ ઋષિપુત્ર તારી સાથે વિવાહ નહીં કરે. તારી વિદ્યા સફળ નહીં કરે. તેવો તારો શાપ સત્ય થશે પણ હું જેને આ વિદ્યા ભણાવીશ તેને આ વિદ્યા ફળશે.’ આમ દેવયાનીને કહીને તે દ્વિજોત્તમ કચ સ્વર્ગમાં ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્રને આગળ કરનારા દેવતાઓ બૃહસ્પતિ સામે જોઈને કચ પર પ્રસન્ન થઈને બોલ્યા, ‘તેં અદ્ભુત અને અમારું હિતકારક કાર્ય કર્યું છે એટલે તારો યશ ચિરંજીવ થશે અને તું અમારા યજ્ઞમાં સહભાગી થઈશ.’ (આદિ પર્વ, ૭૧-૭૨)

યયાતિ-દેવયાની-શમિર્ષ્ઠાની કથા

વિદ્યા પ્રાપ્ત કરીને આવેલા કચને જોઈને આનંદિત થયેલા દેવતાઓ પ્રસન્ન ચિત્તે કચ પાસેથી વિદ્યા ભણીને કૃતાર્થ થયા. પછી બધા દેવ શતક્રતુ (ઇન્દ્ર) પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે પુરન્દર, તમારું પરાક્રમ દાખવવાનો સમય આવ્યો છે, તમે શત્રુઓનો નાશ કરો.’ બધા દેવોએ આમ કહ્યું એટલે ઇન્દ્ર ‘તથાસ્તુ’ કહીને નીકળ્યા અને વનમાં સ્ત્રીઓને જોઈ. ચૈત્રરથ સમાન સુંદર વનમાં ક્રીડા કરતી કન્યાઓનાં બધાં વસ્ત્ર વાયુને કારણે એકબીજામાં ભળી ગયાં. ત્યાર પછી તે કન્યાઓ એકસાથે જળમાંથી નીકળીને જેના હાથમાં જે વસ્ત્ર આવ્યું તે પહેરી લીધું. વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને વસ્ત્રોની આ સેળભેળનો ખ્યાલ ન આવ્યો અને તેણે દેવયાનીનું વસ્ત્ર પહેરી લીધું. આને કારણે દેવયાની અને શર્મિષ્ઠા વચ્ચે બોલાચાલી થઈ. દેવયાનીએ કહ્યું, ‘અસુરપુત્રી, તું શિષ્યા થઈને મારું વસ્ત્ર શા માટે લે છે? આચાર વિનાની એવી તારું મંગલ નહીં થાય.’ શર્મિષ્ઠાએ કહ્યું, ‘મારા પિતા બેઠેલા કે સૂતેલા હોય ત્યારે તારા પિતા નીચે ઊભા રહીને વિનીત બનીને નિત્ય સ્તુતિ કરતા હોય છે. હે ભિક્ષુકા, તું આયુધ વિનાની છે અને હું આયુધવાળી છે. નિરર્થક ક્રોધ કરે છે. હું તને કોઈ રીતે ગણતી જ નથી.’ વસ્ત્ર માટેની દેવયાનીની આટલી બધી આસક્તિ જોઈને શર્મિષ્ઠાએ તેને કૂવામાં ધકેલી પોતાના નગરમાં ચાલી ગઈ. પાપવૃત્તિવાળી શર્મિષ્ઠાએ માની લીધું કે તે મૃત્યુ પામી છે, તેને ન જોઈને તે જતી રહી. ત્યાર પછી નહુષપુત્ર યયાતિ થાકેલા વાહન અને અશ્વને લઈને તથા મૃગયા રમવા માટે તે વનમાં આવ્યો. પાણીની શોધમાં તેણે એક સૂકો કૂવો જોયો અને ત્યાં અગ્નિશિખા જેવી કન્યાને જોઈ. નૃપશ્રેષ્ઠ યયાતિએ દિવ્ય દેહવાળી કન્યાને જોઈને મનોહર મીઠી વાણીમાં તેને પૂછ્યું, ‘તામ્રરંગી નખવાળી, મણિકુણ્ડળવાળી શ્યામા, તું ચિંતા કરે છે, તું શોકમગ્ન છે? આ તૃણવાળા કૂવામાં કેવી રીતે પડી? તું કોની પુત્રી છે? હે સુમધ્યમા (સુંદર કાયાવાળી) સાચું કહેજે.’ દેવયાનીએ કહ્યું, ‘દેવો યુદ્ધમાં દૈત્યોને મારી નાખતા હતા અને એ મૃત દૈત્યોને વિદ્યા વડે સજીવન કરનારા શુક્રાચાર્યની હું પુત્રી છું, તેમને મારી આ હાલતનો ખ્યાલ નથી. તામ્રનખી આંગળીઓવાળો મારો જમણો હાથ પકડીને મને બહાર કાઢો, તમે કુલીન છો એમ હું માનું છું. વળી તમે ધીર, વીર્યવાન, યશસ્વી છો, એટલે કૂવામાં પડેલી મને આ કૂવામાંથી બહાર કાઢો.’ નહુષપુત્ર યયાતિએ તેને બ્રાહ્મણ સ્ત્રી માનીને તેનો જમણો હાથ પકડીને બહાર કાઢી, અને તરત જ તે પોતાના નગરમાં જતા રહ્યા. દેવયાનીએ કહ્યું, ‘હે ઘૂર્ણિકા, તું ત્વરાથી મારા પિતા પાસે જઈને કહે કે હવે હું વૃષપર્વાના નગરમાં પ્રવેશીશ નહીં.’ તે ઘૂર્ણિકા ત્વરિત વેગથી અસુર મંદિરમાં ગઈ અને શુક્રાચાર્યને કહેવા સંભ્રમમાં પડીને બોલવા લાગી. ‘હે મહાપ્રાજ્ઞ, વૃષપર્વાની દુહિતા (પુત્રી) શર્મિષ્ઠાએ વનમાં દેવયાનીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો એવું દેવયાનીએ કહ્યું છે. શર્મિષ્ઠાએ પોતાની પુત્રીને ઇજા પહોંચાડી એટલે શુક્રાચાર્ય વનમાં દેવયાનીને શોધવા દુઃખી ચિત્તે નીકળી પડ્યા. તે વનમાં શુક્રાચાર્ય પુત્રી દેવયાનીને જોઈ સ્નેહવશ દુઃખી હૈયે તેને હૈયાસરસી ચાંપીને બોલ્યા, ‘બધા લોકો પોતાના ગુણદોષથી સુખદુઃખ ભોગવે છે. માનું છું કે તેં કોઈ ખરાબ કાર્ય કર્યું હશે, એટલે જ તને આવું ફળ મળ્યંુ છે.’ દેવયાનીએ કહ્યું, ‘આ મારું કર્મફળ હોય કે ના હોય, વૃષપર્વાની પુત્રીએ શર્મિષ્ઠાએ જે કહ્યું છે તે સાંભળો, તેણે એવું કહ્યું કે તમે દૈત્યોના ગીતકાર છો, શું એ સત્ય છે? વૃષપર્વાની દીકરીએ તીક્ષ્ણ વચનો અને ક્રોધયુક્ત રાતી આંખોથી મને એમ પણ કહ્યું; તમે સ્તુતિપાદ કરનારા છો, માગણ છો, તું દાન લેનારાની પુત્રી છે અને હું સ્તુત્ય, દાની અને અયાચકની પુત્રી છું. આ રીતે વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ ક્રોધથી રાતી થયેલી આંખો વડે અને અભિમાનથી અવારનવાર મને આવું કહ્યું, હે પિતા, મેં સખીને એમ કહ્યું કે જો હું સ્તુતિપાઠ કરનારા અને દાન લેનારાની દીકરી હોઈશ તો શર્મિષ્ઠાને પ્રસન્ન કરીશ.’ શુક્રાચાર્યે કહ્યું, ‘હે ભદ્રે દેવયાની, તું સ્તુતિપાઠ કરનારા કે દાન લેનારાની દુહિતા (દીકરી) નથી, તું સ્તુતિપાઠ ન કરનારા અને બીજાઓ જેની સ્તુતિ કરે છે એવાની તું પુત્રી છે. વૃષપર્વા જેવા શક્ર (ઇન્દ્ર) અને નહુષપુત્ર યયાતિ — આ બધામાં મારું બળ નિર્દ્વન્દ્વ છે, અચિંત્ય છે અને ઐશ્વર્યપૂર્ણ છે, હે દેવયાની, જેઓ બીજાઓથી નિંદિત થઈને નિંદાને સહી લે છે તેમણે આ સર્વ જગત પર વિજય મેળવી લીધો છે. જેવી રીતે અશ્વ કાબૂમાં લેવાય છે તેવી રીતે જે ઊકળતા ક્રોધને કાબૂમાં લે છે તે સારથિ, જે માત્ર રાશ પકડીને બેસી રહે તે સારથિ ન કહેવાય. દેવયાની, જે અક્રોધથી ક્રોધને દૂર કરે છે. તે જ સર્વ જગતને જીતે છે. જેવી રીતે સાપ કાંચળી ઉતારે છે તેવી રીતે જે ક્રોધને ક્ષમાથી રોકે છે તેમને જ પુરુષ કહે છે. જે ક્રોધને અટકાવે છે અને નિંદાને સહી લે છે, જે તપ્ત હોવા છતાં બીજાને સંતપ્ત કરતો નથી તે પુરુષાર્થનો ભાગીદાર છે. જે થાક્યા વિના દર મહિને યજ્ઞયાગ કરે છે અને જે અક્રોધી રહે છે — આ બંનેમાં અક્રોધી અધિક ચડિયાતો છે. કુમાર-કુમારીઓ અંદર અંદર વેર કરે છે પણ શાણા લોકો તેમનું અનુકરણ કરતા નથી, કુમાર-કુમારીઓ બળ એટલે શું, અબળ એટલે શું તે જાણતા નથી.’ દેવયાનીએ કહ્યું, ‘હે તાત, હું બાળક છું તો પણ ધર્મનો માર્ગ જાણું છું અને અક્રોધ, નિંદા વગેરેના બલાબલ પણ જાણું છું. પણ જે શિષ્ય હોવા છતાં, શિષ્યની જેમ વ્યવહાર કરતો નથી, જે મંગલ કામના કરનારાને ક્ષમા કરતો નથી, એવા સંકુચિત પ્રદેશમાં રહેવાનું મને ગમે નહીં; જેઓ કુળની અને ચરિત્રની નિંદા કરે છે તે પાપબુદ્ધિવાળા લોકોની સાથે શાણા લોકો રહી ન શકે. જે સાધુ કુલ, શીલ જાણે છે તેમની સાથે રહેવું ઉચિત છે, એને જ શ્રેષ્ઠ વાસ કહે છે. વૃષપર્વાની દુહિતાએ કહેલી વાત મહા ભયંકર છે, જેઓ શ્રીહીન (નિર્ધન) શત્રુઓની દીપ્તશ્રી જોઈને તેમની ઉપાસના કરે છે તેવું અસાધ્ય કાર્ય આ ત્રણે લોકમાં અન્ય નથી.’ ત્યાર પછી ભૃગુશ્રેષ્ઠ શુક્રાચાર્ય ક્રોધે ભરાઈને વૃષપર્વા પાસે જઈને વિચાર કર્યા વિના જ બોલ્યા, ‘રાજન, અધર્મનું આચરણ કરવાથી તરત તો તેનું ફળ જોવા મળતું નથી એવી જ રીતે અધર્મ ધીમે ધીમે ફળે છે, જેવી રીતે વધુ ભોજન કરવાથી ધીમે ધીમે નુકસાન થાય છે, તેવી જ રીતે પાપ પણ પોતાનામાં નહીં તો પુત્રમાં, પૌત્રમાં અવશ્ય દેખાય છે. મારે ત્યાં રહેલા ધર્મજ્ઞ, સેવક, નિષ્પાપ, બૃહસ્પતિપુત્ર કચનો તેં વધ કરાવ્યો હતો, વધને અયોગ્ય એવા કચનો વધ અને મારી પુત્રીનો પણ વધ — આને કારણે હે વૃષપર્વા, હું તને અને તારા સ્વજનોને ત્યજી દઉં છું, તારા રાજ્યમાં હું રહી નહીં શકું, હે દૈત્ય, તું મને મિથ્યા પ્રલાપ કરનાર સમજતો હોય તો તે તારો વાંક છે, અને એની તું ઉપેક્ષા કરે છે.’ વૃષપર્વાએ કહ્યું, ‘હે ભાર્ગવ, હું તમને અધર્મી કે અસત્યવાદી માનતો નથી. સત્ય અને ધર્મ તમારામાં જ ટક્યા છે, મારા પર પ્રસન્ન થાઓ, હે ભાર્ગવ, જો તમે અમને ત્યજી દેશો તો અમે સમુદ્રમાં ડૂબી જઈશું કારણ કે અન્યથા અમારી કોઈ ગતિ નથી.’ શુક્રચાર્યે કહ્યું, ‘તમે સમુદ્રપ્રવેશ કરો કે બીજી કોઈ દિશામાં જાઓ, હું મારી પુત્રીનું અપ્રિય સાંખી નહીં શકું. આ મારી પુત્રી મને ખૂબ વહાલી છે. જેવી રીતે બૃહસ્પતિ ઇન્દ્રનું યોગક્ષેમ કરે છે એવી રીતે હું તારું કરું છું. દેવયાની મારું જીવન છે. એટલે તેને પ્રસન્ન કર.’ વૃષપર્વા બોલ્યો, ‘હે ભાર્ગવ, આ ભૂમંડલમાં હાથી, ગાયો, અશ્વો, ધન સંપત્તિના અને મારા પણ ઈશ્વર છો.’ શુક્રાચાર્ય બોલ્યા, ‘હે મહાઅસુર, જો દૈત્યોનું જે કંઈ ઐશ્વર્ય છે તે સર્વનો હું સ્વામી હોઉં તો તું દેવયાનીને પ્રસન્ન કર.’ દેવયાનીએ કહ્યું, ‘હે તાત, રાજાની સંપત્તિના તમે સ્વામી છો તે હું જાણતી ન હતી. તો રાજા પોતે મને આ કહે.’ વૃષપર્વાએ કહ્યું, ‘હે શુચિસ્મિતા, તારી જે કામના હોય તે કહે, તે દુર્લભ હશે તો પણ હું પાર પાડીશ.’ દેવયાની બોલી, ‘મારી ઇચ્છા એવી છે કે સહ કન્યાઓ સાથે શર્મિષ્ઠા મારી દાસી બને. મારા પિતા મને જ્યાં વળાવે ત્યાં શર્મિષ્ઠા પણ આવે.’ વૃષપર્વાએ પાસે હતી તે દાસીને કહ્યું, ‘ઊભી થા અને શર્મિષ્ઠાને હમણાં જ બોલાવી લાવ. દેવયાનીની ઇચ્છા શર્મિષ્ઠા પૂરી કરે.’ એટલે ધામી(દાસી)એ શર્મિષ્ઠા પાસે જઈને કહ્યું, ‘દેવયાનીના કહેવાથી બ્રાહ્મણ શુક્રાચાર્ય પોતાના દૈત્ય શિષ્યોને ત્યજીને જવા માગે છે, હે અનઘા (નિષ્પાપ), અત્યારે શુક્રાચાર્યની કન્યા જે ઇચ્છે તે તમારે કરવું પડશે.’ શર્મિષ્ઠા બોલી, ‘આજે દેવયાની જે કહેશે તે કરવા હું તૈયાર છું. મારા દોષને કારણે શુક્રાચાર્ય અને દેવયાની જતા રહેવા ન જોઈએ.’ પછી પિતાની આજ્ઞા પામીને શિવિકા (પાલખી)માં બેસીને સહ કન્યાઓની સાથે શર્મિષ્ઠા પોતાના ઉત્તમ નગરમાંથી નીકળી. શર્મિષ્ઠા બોલી, ‘સહ કન્યાઓની સાથે હું તમારી પરિચારિકા છું. તમારા પિતા જ્યાં તમને આપશે ત્યાં હું તમારી સાથે આવીશ.’ દેવયાનીએ કહ્યું, ‘હું તો સ્તુતિ કરનારા અને દાન લેનારાની કન્યા છું; તંુ તો જેમની સ્તુતિ કરવામાં આવે છે તેમની પુત્રી છે, તો તું કેમ દાસી બનીશ?’ શર્મિષ્ઠા બોલી, ‘જેનાથી સ્વજનો સુખ પામે તે મારે કરવાનું, એટલે તમારા પિતા જ્યાં તમને વળાવશે ત્યાં હું તમારી પાછળ આવીશ.’ વૃષપર્વાની દુહિતા(પુત્રી)એ દાસીપણું સ્વીકાર્યું એટલે દેવયાની પિતા પાસે જઈને બોલી, ‘હે બ્રાહ્મણશ્રેષ્ઠ, હવે હું તુષ્ટ છું. હું નગરમાં પ્રવેશીશ. તમારાં વિજ્ઞાન અને વિદ્યાબળ અમોઘ છે.’ પુત્રીની આ વાત સાંભળીને મહાયશસ્વી અને દ્વિજશ્રેષ્ઠ શુક્રાચાર્ય દાનવોએ પૂજન કર્યા પછી આનંદિત થઈને નગરમાં પ્રવેશ્યા. ત્યાર પછી ઘણા લાંબા સમયે ઉત્તમ વાનવાળી દેવયાની ક્રીડા કરવા એ જ વનમાં ગઈ. ત્યાં સહ દાસીઓ અને શર્મિષ્ઠાની સાથે ઇચ્છા થાય ત્યાં ઘૂમવા લાગી. ત્યાં બધી સખીઓ સાથે પુષ્કળ આનંદ મનાવવા લાગી. મધુુ વૃક્ષનું મધુ પીને, અંદર અંદર રમવા લાગી, વિવિધ ફળો અને વિવિધ વાનગીઓ ખાવા લાગી. એ સમયે મૃગયા રમવા માટે નહુષપુત્ર યયાતિ રાજા શ્રમ થવાથી અને પાણી પીવા ત્યાં આવી પહોંચ્યા. તેમણે ત્યાં દેવયાની, શર્મિષ્ઠા અને દિવ્ય આભરણોથી શોભતી કન્યાઓને જોઈ. ત્યાં શુચિસ્મિતા, અનુપમ સૌંદર્યવતી અને સ્ત્રીઓની વચ્ચે શર્મિષ્ઠા જેની સેવા કરતી હતી તે દેવયાનીને જોઈ. યયાતિ બોલ્યા, ‘તમે બે કન્યાઓ છો અને સહ કન્યાઓથી વીંટળાયેલી છો. હું તમારા બંનેના નામ અને ગોત્ર જાણવા માગું છું.’ દેવયાનીએ કહ્યું, ‘હે નરાધિપ (રાજા), મારી વાત ધ્યાનથી સાંભળો, શુક્રાચાર્ય નામના અસુરોના ગુરુ છે, હું તેમની પુત્રી છું. આ વૃષપર્વા નામના દાનવરાજની દીકરી શર્મિષ્ઠા છે, તે મારી સખી અને દાસી છે, હું જ્યાં જઉં છું ત્યાં તે આવે છે.’ યયાતિ બોલ્યા, ‘હે સુંદર ભ્રમરવાળી, મને જિજ્ઞાસા છે કે આ અસુરરાજની સુંદર કન્યા તમારી દાસી અને સખી કેવી રીતે થઈ?’ દેવયાનીએ કહ્યુ, ‘હે નરશાર્દૂલ, આ બધું દૈવાધીન છે. એટલે બધું જ દૈવાધીન છે માનીને આશ્ચર્ય ન પામો, તમારા રૂપ, વેશભૂષા રાજા જેવા છે, તમે વેદવાક્ય કહો છો, કહો ત્યારે તમે કોણ છો, કોના પુત્ર છો, ક્યાંથી આવો છો?’ યયાતિએ કહ્યું, ‘બ્રહ્મચર્યવ્રત લઈને મેં વેદનો અભ્યાસ કર્યો છે, હું રાજા છું, રાજપુત્ર છું, મારું નામ યયાતિ.’ દેવયાની બોલી, ‘જળની માછલી મારવા કે મૃગયા રમવા તમે આ વિસ્તારમાં આવ્યા છો.’ યયાતિએ કહ્યું, ‘હે ભદ્રે, મૃગયા માટે હું નીકળ્યો છું, અહીં પાણી પીવા આવ્યો છું, ઘણો બધો થાક લાગ્યો છે. કહેતા હો તો જતો રહું.’ દેવયાનીએ કહ્યું, ‘આ કન્યાઓ અને દાસી શર્મિષ્ઠા સહિત હું તમને અધીન છું, તમે મારા સખા અને ભર્તા થાઓ.’ યયાતિ એ સાંભળી બોલ્યા, ‘હે શુક્રાચાર્યપુત્રી, ભામિની, દેવયાની, હું તમારા માટે યોગ્ય પાત્ર નથી. તમારા પિતા અમારા રાજાઓ સાથે વિવાહસંબંધ ન બાંધે.’ દેવયાનીએ કહ્યું, ‘બ્રાહ્મણોની સાથે ક્ષત્રિયો અને ક્ષત્રિયોની સાથે બ્રાહ્મણો મળેલા છે. હે નહુષપુત્ર, તમે પણ એ રીતે ઋષિ છો, ઋષિપુત્ર છો, માટે મારી સાથે વિવાહ કરો.’ યયાતિ બોલ્યા, ‘હે વરાંગના, ચારે વર્ણ એક જ દેહમાંથી ઉત્પન્ન થયા છે, છતાં દરેકના ધર્મ, શૌચાદિ જુદા છે, આ ચારે વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.’ દેવયાનીએ કહ્યું, ‘હે નહુષપુત્ર, પહેલાં કોઈ પુરુષે મારું પાણિગ્રહણ કર્યું નથી, સૌથી પહેલાં તમે જ મારો હાથ પકડ્યો હતો, એટલે હું તમને વરું છું. તમે ઋષિ અને ઋષિપુત્ર થઈને મારો હાથ પકડ્યો હતો, મારા જેવી મનસ્વિનીના હાથને બીજો કોઈ પુરુષ સ્પર્શે કેવી રીતે?’ યયાતિએ કહ્યું, ‘જ્ઞાની પુરુષો જાણે છે કે ચારે બાજુુ વિષ અને મોમાંથી અગ્નિ કાઢતા સર્પ કરતાં બ્રાહ્મણો દુરાઘર્ષ (ભયંકર) હોય છે.’ દેવયાનીએ કહ્યું, ‘હે પુરુષશ્રેષ્ઠ, બ્રાહ્મણો વિષયુક્ત અને મોંમાંથી અગ્નિ ફેંકનારા સાપ કરતાંય ભયાનક હોય છે એવું તમને કહ્યું કોણે?’ યયાતિએ ઉત્તર આપ્યો, ‘સાપ ડસે તો એક જ માનવીનું મૃત્યુ થાય, શસ્ત્રથી પણ એક જ માનવી મરી જાય, પણ બ્રાહ્મણ કોપે તો રાજ્યને અને નગરને એક સાથે નષ્ટ કરી નાખે છે. એટલે હે ભદ્રે, હું બ્રાહ્મણોને બહુ ભયંકર માનું છું. તમારા પિતા તમારું દાન કરે તો જ હું તમારી સાથે વિવાહ કરું.’ દેવયાનીએ કહ્યું, ‘રાજન્, મેં તમારી વરણી કરી છે, એટલે મને અપનાવો.’ દેવયાનીએ ત્વરિત પિતાને બધો વૃત્તાંત કહ્યો. એ સાંભળીને ભાર્ગવ શુક્રાચાર્યે રાજાને દર્શન આપ્યાં. પૃથ્વીપતિ યયાતિ બ્રાહ્મણ શુક્રાચાર્યને જોઈને હાથ જોડીને ઊભા રહ્યા. દેવયાની બોલી, ‘હે તાત, આ નહુષપુત્ર રાજાએ આપત્તિમાં મારું પાણિગ્રહણ કર્યું હતું, હું નમન કરીને કહું છું, મારું દાન તેમને કરો. હું બીજા કોઈને હું વરીશ નહીં.’ શુક્રાચાર્ય બોલ્યા, ‘હે નહુષપુત્ર, મારી પ્રિય પુત્રીએ તમને પતિ તરીકે પસંદ કર્યા છે. મેં આપેલી દેવયાનીને તમે રાણી બનાવો.’ યયાતિએ કહ્યું, ‘હે ભાર્ગવ, આ બાબતે વર્ણસંકરતાનો મહાન અધર્મ મને ન સ્પર્શે એવો વર મને આપો.’ શુક્રચાર્યે કહ્યું, ‘હું તમને અધર્મથી બચાવું છું. ઇચ્છા પ્રમાણે વર માગો. આ વિવાહથી તમે દુઃખી ન થતા, તમારા બધાં પાપ હું દૂર કરી દઉં છું. તમે આ સુમધ્યમા દેવયાની સાથે ધર્માનુસાર વિવાહ કરો, એની સાથે રહીને તમે અનહદ પ્રીતિ પામશો. આ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા પણ તમારી પૂજ્ય બની રહેશે. એને શયનગૃહમાં બોલાવશો નહીં.’ શુક્રાચાર્યની આવી વાત સાંભળીને યયાતિએ એમની પ્રદક્ષિણા કરી અને મહાત્માની આજ્ઞા લઈને તે પ્રસન્નચિત્તે પોતાના નગરમાં આવ્યા. મહેન્દ્ર (ઇન્દ્ર)ની નગરીના જેવી પોતાની નગરીમાં પ્રવેશી દેવયાનીને નિવાસ આપ્યો. દેવયાનીની અનુમતિથી અશોક વન પાસે ઘર બનાવીને વૃષપર્વાની પુત્રીને માટે નિવાસસ્થાન બનાવી આપ્યું. સહ દાસીઓ સાથે અસુરપુત્રી શર્મિષ્ઠા માટે વસ્ત્ર, અલંકાર, અન્યપાન વગેરેના યોગ્ય વિભાગ પાડીને તેનો આદરસત્કાર કર્યો. નહુષપુત્રે દેવયાની સાથે વિહાર કરીને દેવોની જેમ પ્રસન્ન થઈ ઘણાં વર્ષો વીતાવ્યાં. દેવયાનીએ ઋતુકાળ આવતાં ગર્ભ ધારણ કર્યો અને તેણે એક સુકુમાર પુત્રને જન્મ આપ્યો. સહ વર્ષ વીત્યાં, શર્મિષ્ઠાનો ઋતુકાળ પણ આવ્યો. તે વિચારવા લાગી, મારો ઋતુકાળ છે, પરંતુ મારે પતિ નથી, શું થશે? શું કરું? કાર્ય કેવી રીતે થશે? દેવયાનીને પુત્ર થયો છે, મારું યૌવન વ્યર્થ જઈ રહ્યું છે. એટલે જેવી રીતે દેવયાનીએ રાજા સાથે લગ્ન કર્યું છે તેવી રીતે હું પણ તેને વરીશ. મને ચોક્કસ લાગે છે કે રાજાથી મને પુત્રપ્રાપ્તિ થશે, એ ધર્માત્માનું હું દર્શન કરું. તે સમયે રાજા ઇચ્છાનુસાર બહાર નીકળીને અશોકવનમાં શર્મિષ્ઠાને જોઈને ત્યાં બેઠા. ત્યારે ચારુહાસિની શર્મિષ્ઠાએ તેમને એકાંતમાં જોયા અને બંને હાથ જોડીને બોલી, ‘હે નહુષપુત્ર, ચંદ્ર, ઇન્દ્ર, વિષ્ણુ, યમ, વરુણના અંત:પુરમાં રહેલી સ્ત્રીને કોણ જોઈ શકે છે? હે રાજન, તમે મારા રૂપ, કુલ, શીલની વાત જાણો છો, એટલે હે નરાધિપ, હું તમને પ્રસન્ન કરી પ્રાર્થના કરું છું તો તમે મારા ઋતુકાળની રક્ષા કરો.’ યયાતિએ કહ્યું, ‘શીલસંપન્ના, અનિન્દિતા, દૈત્યકન્યા હું તને જાણું છું. તારું રૂપ સોયની અણી જેટલું પણ નિન્દનીય નથી. મેં જ્યારે દેવયાની સાથે વિવાહ કર્યો હતો ત્યારે કવિ શુક્રાચાર્યે કહ્યું હતું કે તું વૃષપર્વાની પુત્રીને શયનગૃહમાં લઈ આવતો નહીં.’ શર્મિષ્ઠાએ ઉત્તર આપ્યો. ‘હે રાજન, હસવામાં, સ્ત્રીને મળવામાં, વિવાહસમયે, પ્રાણ જવાના સમયે, ધનનું અપહરણ થતું હોય ત્યારે અસત્ય બોલવાથી પાતક લાગતું નથી. હે નરેન્દ્ર, લોકો કહે છે કે કોઈ પૂછે ત્યારે જૂઠું બોલવાથી પાપ લાગે છે એ વાત ખોટી છે. જ્યાં બંનેનો એકાર્થ સમાધાન કરવાનો હોય ત્યાં અસત્ય દોષ છે.’ યયાતિ બોલ્યા, ‘રાજા પ્રજા માટે આદર્શ રૂપ હોય છે. તે અસત્ય બોલવાથી નાશ પામે છે, એટલે ધનની આપત્તિમાં પણ મિથ્યા બોલવાનો મારો ઉત્સાહ નથી હોતો.’ શર્મિષ્ઠાએ પ્રત્યુત્તર આપ્યો, ‘સખીનો પતિ અને પોતાનો પતિ એક સરખા, એકનો વિવાહ થવાથી બંનેના વિવાહ ગણાય. મારી સખીએ પહેલાં તમને પસંદ કર્યા. એેટલે હવે તમે મારા પણ પતિ.’ યયાતિએ કહ્યું, ‘મારું એક વ્રત છે, કોઈ જે માગે તે આપવું, તું મારી પાસે યાચના કરે છે એટલે કહે, તારે માટે શું કરું?’ શર્મિષ્ઠા બોલી, ‘મને અધર્મમાંથી બચાવો અને ધર્મની રક્ષા કરો, તમારાથી પુત્રવતી થઈને આ લોકમાં ધર્માચરણ કરું. રાજન, ભાર્યા, દાસ અને પુત્ર આ ત્રણ ધનવાન નથી હોતા, તેમના સ્વામીનું ધન તેમનું હોય છે. હે રાજન, હું દેવયાનીની દાસી છું, ભાર્ગવી દેવયાની તમારી છે, એટલે અમે બંને તમારા ઉપભોગ માટે છે, એટલે તમે મારો ઉપભોગ કરો.’ રાજાએ શર્મિષ્ઠાની વાત સાંભળીને તેને સ્વીકારી, શર્મિષ્ઠાની પૂજા કરી અને તેનો મનોરથ પૂર્ણ કર્યો, ધર્મની રક્ષા કરી. ઇચ્છાનુરૂપ કામતૃપ્તિથી શર્મિષ્ઠાનો મનોરથ પૂર્ણ થયો અને તે બંને ઉચિત સમ્માન પામીને પોતપોતાના સ્થાને ગયા. ચારુહાસિની, સુંદર ભ્રમરવાળી શર્મિષ્ઠાએ પહેલા જ મિલનને પરિણામે એ રાજાથી ગર્ભ ધારણ કર્યો. રાજીવલોચના (કમળ સમાન આંખોવાળી)એ યોગ્ય સમયે દેવગર્ભ જેવો અને કમળ જેવા નેત્રવાળા પુત્રને તેણે જન્મ આપ્યો. શર્મિષ્ઠાને પુત્ર જન્મ્યો છે એ સાંભળીને શુચિસ્મિતા દેવયાની દુઃખી થઈ. શર્મિષ્ઠા પાસે જઈને દેવયાનીએ કહ્યું, ‘હે સુંદર ભ્રમરવાળી, કામલુબ્ધ થઈને આ કેવું પાપ કર્યું છે?’ શર્મિષ્ઠાએ ઉત્તર આપ્યો, ‘મારી પાસે કોઈ વેદ પારંગત ધર્માત્મા ઋષિ આવ્યા હતા, તેઓ મને વરદાન આપવા માગતા હતા, મેં ધર્માનુસાર કામયાચના કરી. હે શુચિસ્મિતા, હું અન્યાયથી કામચારિણી થઈ નથી. હું સત્ય કહું છું, મારો આ પુત્ર એ ઋષિનો છે.’ દેવયાનીએ કહ્યું, ‘હે ભીરુ, આ સત્ય હોય તો સારી વાત છે. તું એ બ્રાહ્મણને જાણે છે? હું એ બ્રાહ્મણનાં નામ, ગોત્ર, કુળ જાણવા માગું છું.’ શર્મિષ્ઠાએ ઉત્તર આપ્યો, ‘હે શુચિસ્મિતા, તે બ્રાહ્મણ ઓજ અને તેજમાં સૂર્ય જેવો તેજસ્વી હતો, તેમને જોઈને કશું પૂછવાની મારામાં શક્તિ ન હતી.’ દેવયાની બોલી, ‘હે શર્મિષ્ઠા, જો આમ હોય અને તેં શ્રેષ્ઠ દ્વિજ દ્વારા પુત્ર પ્રાપ્ત કર્યો હોય તો મારે ક્રોધ કરવાનું કશું કારણ નથી.’ એકબીજાને આમ કહીને હસીને આ વાત બરાબર જાણીને પોતાના નિવાસે ચાલી ગઈ. ત્યાર પછી યયાતિએ દેવયાની દ્વારા ઇન્દ્ર અને વિષ્ણુ જેવા યદુ, તુર્વસુ — બે પુત્રોને જન્મ આપ્યો. વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ તે રાજાથી દ્રુહ્યુ, અનુ ને પૂરુને જન્મ આપ્યો. કેટલાક સમય પછી શુચિસ્મિતા દેવયાની યયાતિની સાથે એ મહાવનમાં ગઈ. નિરાંતે રમતા દેવ જેવા કુમારોને જોઈને દેવયાનીએ પૂછ્યું, ‘રાજન, આ દેવપુત્ર જેવા કુમારો કોના છે? મને લાગે છે કે રૂપ અને તેજમાં તમારા જેવા છે.’ રાજાને આમ કહીને દેવયાનીએ કુમારોને પૂછ્યું, ‘તમારાં નામ? તમારું ગોત્ર કયું? કયો બ્રાહ્મણ તમારા પિતા છે? સાચેસાચું કહેજો. હું એ સાંભળવા માગુ છું.’ કુમારોએ રાજા તરફ આંગળી ચીંધી, અને ‘શર્મિષ્ઠા અમારી માતા છે’ એમ કહ્યું. તેઓ એમ કહીને એક સાથે રાજા પાસે ગયા પણ દેવયાની સામે રાજાએ તેમનો સત્કાર ન કર્યો એટલે રડતાં રડતાં તેઓ શર્મિષ્ઠા પાસે ગયા. રાજા પ્રત્યે બાળકોનો પ્રેમ જોઈને દેવયાનીને સાચી વાત સમજાઈ, અને તેણે શર્મિષ્ઠાને કહ્યું, ‘તું મને અધીન હોવા છતાં મારું અપ્રિય કાર્ય કર્યું. તેં અસુર ધર્મનો આશ્રય લીધો, તને મારો ભય નથી લાગતો?’ શર્મિષ્ઠાએ ઉત્તર આપ્યો, ‘હે ચારુહાસિની, મેં તને જે ઋષિની વાત કરી હતી તે સત્ય છે, મેં ન્યાય અને ધર્મ પ્રમાણે આચરણ કર્યુ છે, એટલે હું તારાથી ડરતી નથી. હે શોભને, તેં જ્યારે રાજાની પસંદગી કરી હતી ત્યારે મેં પણ તેમની પસંદગી કરી હતી. સખીનો ભર્તા ધર્મથી તે સ્ત્રીનો પણ ભર્તા. તું બ્રાહ્મણ છે, મારાથી મોટી છે, શું તું નથી જાણતી કે આ રાજર્ષિ તારા કરતાંય વધારે મારા પૂજનીય છે.’ આ સાંભળીને દેવયાનીએ કહ્યું, ‘રાજન, હવે હું અહીં નહીં રહું. તમે મારું અપ્રિય કર્યું છે.’ તે શ્યામાને અશ્રુભીની થયેલી જોઈને અને તરત જ શુક્રાચાર્ય પાસે જતી જોઈને રાજા વ્યથિત થયા. સંભ્રાંત થઈને તેની સાંત્વના કરતા દેવયાની પાછળ પાછળ જવા લાગ્યા, પણ ક્રોધથી રાતા લોચનવાળી દેવયાની કોઈ રીતે પાછી ન ફરી. રાજાને કશું કહ્યા વિના તે ચારુલોચના તરત જ શુક્રાચાર્ય પાસે જઈ પહોંચી પિતાને જોઈને પ્રણામ કરી ઊભી રહી, ત્યાર પછી યયાતિએ પણ ભાર્ગવની પૂજા કરી. દેવયાનીએ કહ્યું, ‘અધર્મે ધર્મને જીતી લીધો છે, નીચની વૃદ્ધિ થઈ છે. વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ મારું ઉલ્લંઘન કર્યું છે. આ શર્મિષ્ઠાએ યયાતિથી ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે. હું દુર્ભાગી છું, મને બે જ પુત્રો છે આ હું તમને કહું છું. હે ભાર્ગવ, આ રાજા ધર્મજ્ઞ તરીકે વિખ્યાત છે, પણ હું તમને કહું છું કે રાજાએ મર્યાદા ઓળંગી છે.’ શુક્રાચાર્યે કહ્યું, ‘મહારાજ, ધર્મજ્ઞ હોવા છતાં તમે અધર્મ આચર્યો, એટલે હમણાં જ તમને દુર્જય વિજય ન મેળવી શકાય એવી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે.’ યયાતિએ ઉત્તર આપ્યો, ‘ભગવન, દાનવેન્દ્રની પુત્રીએ પોતાના ઋતુકાળની રક્ષા માટે મને યાચના કરી, એ ધર્મ છે એમ માનીને મેં એ કાર્ય કર્યું, બીજા કોઈ કારણથી નહીં. કોઈ સ્ત્રી ઋતુરક્ષાની પ્રાર્થના કરે અને જે પુરુષ તે રક્ષા ન કરે તો બ્રહ્મવાદીઓ તેને ભૂ્રણહત્યાનો પાપી ગણાવે છે. જે સ્ત્રી ગમનયોગ્ય હોય અને જે કામેચ્છા ધરાવતી હોય અને પુરુષને યાચના કરવા છતાં પુરુષ જો ના પાડે તે પુરુષને જ્ઞાનીઓ, ધર્મશાસ્ત્રો ભૂ્રણહત્યાના પાપી કહે છે. હે ભાર્ગવ, અધર્મના ભયથી જ મેં આ બધાં કારણોની સમીક્ષા કરીને શર્મિષ્ઠાને હું મળ્યો છું.’ શુક્રાચાર્યે કહ્યું, ‘હું પૃથ્વીપતિ, નહુષપુત્ર, તમે મને અધીન છો. તમારે મારી આજ્ઞા લેવી જોઈતી હતી. તમે એ ન કર્યું. ધર્મ વિષયમાં આવો મિથ્યાચાર કરવો તે ચોરી કરવા બરાબર.’ શુક્રાચાર્યે ક્રોધે ભરાઈને શાપ આપ્યો એટલે નહુષપુત્ર યયાતિ પહેલાંની યુવાવસ્થા ત્યજીને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરી બેઠા. યયાતિએ કહ્યું, ‘હે ભાર્ગવ, યૌવનકાળે હું દેવયાનીથી તૃપ્ત થયો નથી, તમે પ્રસન્ન થાઓ, મારામાં આ વૃદ્ધાવસ્થા ન પ્રવેશે.’ શુક્રાચાર્ય બોલ્યા, ‘હે ભૂમિપતિ, મારું વચન અસત્ય ન થાય. તમે વૃદ્ધ છો, પણ તમે ઇચ્છો તો બીજા કોઈને આ વૃદ્ધત્વ આપી શકશો.’ યયાતિએ કહ્યું, ‘હે બ્રહ્મન્, મારો જે પુત્ર મને યૌવન આપશે તે રાજ્યભાગી, પુણ્યભાગી અને કીર્તિભાગી થાય તેની અનુમતિ આપો.’ શુક્રાચાર્ય બોલ્યા, ‘હે નહુષપુત્ર, તમે એક ચિત્તે મારું ધ્યાન કરીને બીજામાં વૃદ્ધત્વ સંક્રાતિ કરી શકશો, તમને પાપ નહીં લાગે. જે પુત્ર તમને યૌવન આપશે તે આયુષ્માન, કીર્તિમાન, રાજા અને અનેક સંતાનોવાળો થશે.’ આ રીતે જરાવસ્થા પ્રાપ્ત કરેલા યયાતિ પોતાના નગરમાં આવ્યા અને જ્યેષ્ઠ, વરિષ્ઠ પુત્ર યદુને તેમણે કહ્યું, ‘હે તાત, શુક્રાચાર્યના શાપથી મને પળિયાં આવ્યાં છે, શરીરે કરચલી પડી ગઈ છે, પણ યૌવનથી અતૃપ્ત છું. એટલે હે યદુ, તું મારા આ વૃદ્ધત્વને અને એના પાપને લઈ લે તો તારા યૌવનથી વિષયસુખ ભોગવું; સહ વર્ષ પૂરાં થશે એટલે હું તને તારું યૌવન પાછું આપીશ, મારાં વૃદ્ધત્વ અને પાપ પાછાં લઈશ.’ યદુએ ઉત્તર આપ્યો, ‘જે વૃદ્ધત્વને કારણે દાઢી સફેદ થાય, લોકો દીન થાય, શિથિલ કાયાવાળા થાય, કરચલીઓવાળા થાય, દુર્દશાયુક્ત થાય, કૃશ થાય, કોઈ કાર્ય કરવા અશક્ત થાય, યુવાનો અને સાથીઓથી તિરસ્કૃત થાય તે અવસ્થાની મને કામના નથી.’ યયાતિ બોલ્યા, ‘મારા હૃદયમાંથી જન્મ્યો હોવા છતાં તું મને તારી વય આપતો નથી એટલે તારી પ્રજામાં કોઈ રાજ્યાધિકારી નહીં થાય.’ પછી તેમણે તુર્વસુને પૂછ્યું, ‘તું પાપ સાથેનું વૃદ્ધત્વ લઈ લે, હું તારા યૌવનથી વિષયો ભોગવું, સહ વર્ષ પૂરાં થશે એટલે તારું યૌવન પાછું આપી પાપયુક્ત વૃદ્ધાવસ્થા પાછી લઈશ.’ તુર્વસુએ કહ્યું, ‘હે પિતા, જે વૃદ્ધત્વથી કામભોગનો નાશ થાય છે, બળ અને રૂપ વિકૃત થાય છે, બુદ્ધિ અને પ્રાણનો નાશ થાય છે તે વૃદ્ધત્વની મને ઇચ્છા નથી.’ યયાતિએ ઉત્તર આપ્યો, ‘હે તુર્વસુ, મારા હૃદયમાંથી જન્મ્યો હોવા છતાં તારી વય મને આપતો નથી એટલે તારી પ્રજા સંપૂર્ણ નાશ પામશે જેના આચાર, ધર્મ અત્યંત સંકીર્ણ છે, જેઓ હલકા કુળમાં જન્મ્યા છે, જેઓ લોભી છે અને માંસાહારી છે તેમનો રાજા તું થઈશ. જેઓ ગુરુપત્ની પર આસક્તિ રાખે છે, જેમના આચાર પક્ષીઓ જેવા છે, જેઓ પશુધર્મી છે, મલેચ્છ છે તેમનો તું રાજા થઈશ.’ આમ તુર્વસુને શાપ આપીને શર્મિષ્ઠાના પુત્ર દ્રુહ્યુને તેમણે કહ્યું, ‘હે દ્રુહ્યુ, સહ વર્ષ માટે મારા રંગ અને રૂપનો વિનાશ કરનારી આ વૃદ્ધાવસ્થા લઈને તારું યૌવન મને આપ. સહ વર્ષ પૂરાં થશે એટલે તારું યૌવન પાછું આપીને પાપયુક્ત વૃદ્ધત્વ પાછું લઈશ.’ દ્રુહ્યુએ ઉત્તર આપ્યો, ‘જરાગ્રસ્ત પુરુષ હાથી, રથ, અશ્વ, સ્ત્રી વગેરેને ભોગવી શકતો નથી, તેની વાણી વિકૃત થાય છે, એટલે હું વૃદ્ધત્વ ઇચ્છતો નથી.’ યયાતિએ કહ્યું, ‘દ્રુહ્યુ, તેં મારા હૃદયમાંથી જન્મ લીધો હોવા છતાં તારી વય મને આપતો નથી, એટલે તારી પ્રિય ઇચ્છા ક્યારેય પૂરી નહીં થાય. તું તારા વંશ સાથે જે પ્રદેશમાં રહીશ ત્યાં લોકો તને રાજા નહીં કહે પણ ભોજ કહેશે.’ ત્યાર પછી પુત્ર અનુને કહ્યું, ‘તું પાપ સહિતની મારી વૃદ્ધાવસ્થા લઈ લે, તારા યૌવન વડે હજાર વર્ષ ભોગ ભોગવીશ.’ અનુ બોલ્યો, ‘વૃદ્ધ જન અકાળે બાળકની જેમ અશુચિ શરીર વડે અન્ન ખાય છે, યોગ્ય સમયે અગ્નિમાં આહુતિ આપી શકતા નથી, એટલે હું વૃદ્ધ થવા નથી ઇચ્છતો.’ યયાતિએ કહ્યું, ‘તું મારા હૃદયમાંથી જન્મ્યો હોવા છતાં તારું યૌવન નથી આપતો. એટલે તેં વૃદ્ધત્વના જે દોષ વર્ણવ્યા તે તને પ્રાપ્ત થશે. તારી પ્રજા યુવાનવયે જ મૃત્યુ પામશે, અગ્નિકાર્યથી તું વંચિત થઈશ.’ પછી છેલ્લે તેમણે પૂરુને કહ્યું, ‘હે પૂરુ, તું મારો પ્રિય પુત્ર છે, તું શ્રેષ્ઠ થઈશ. હું કરચલીવાળો, પળિયાંવાળો થઈ ગયો છું. શુક્રાચાર્યના શાપથી વૃદ્ધ થયો છું પણ યૌવનથી તૃપ્ત થયો નથી. તું પાપયુક્ત આ વૃદ્ધત્વ લઈ લે, થોડો સમય તારા યૌવનથી વિષયો ભોગવીશ. હજાર વર્ષ થશે એટલે પાપત્વવાળું વૃદ્ધત્વ હું પાછું લઈશ.’ આ વાત સાંભળીને પૂરુએ પિતાને ઉત્તર આપ્યો, ‘હે મહારાજ, તમારી આજ્ઞા પ્રમાણે કરીશ. હે રાજન, પાપયુક્ત વૃદ્ધત્વ હું લઈશ. તમે મારું યૌવન લઈને ઇચ્છો તે ભોગ ભોગવો. તમારી વય, રૂપ લઈને, વૃદ્ધ બનીને હું યૌવન આપીશ તથા તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ.’ યયાતિએ ઉત્તર આપ્યો, ‘હે પૂરુ, હું તારા પર પ્રસન્ન છું, પ્રીતિયુક્ત તને વરદાન આપું છું કે તારા રાજ્યમાં પ્રજા સર્વ કામનાઓ પ્રાપ્ત કરી સમૃદ્ધ થશે.’ તેમના ઉત્સાહ અને કામના પ્રમાણે યથાકાળ ધર્મથી અવિરુદ્ધ રહીને તે સુખ ભોગવવા લાગ્યા. યજ્ઞ વડે દેવોને, શ્રાદ્ધથી પિતૃઓને, ગરીબોને અનુગ્રહથી, બ્રાહ્મણોને તેમની ઇચ્છાઓ સંતોષીને, અતિથિઓને અન્નપાનથી, પ્રજાને સારી રીતે પાલન કરીને, શૂદ્રોને દયાથી, દસ્યૂઓને નિગ્રહથી, ધર્મથી બધી પ્રજાનું અનુરંજન કરીને બીજા ઇન્દ્રની જેમ પ્રજાપાલન કરવા લાગ્યા. સિંહ જેવા પરાક્રમી તે રાજા વિષયમાં આસક્ત રહીને ઉત્તમ સુખ ધર્મ અનુસાર ભોગવવા લાગ્યા. શુભ કામનાઓની તૃપ્તિથી તેઓ સંતુષ્ટ થયા, સાથે જ સહ વર્ષનો સમય પૂરો થઈ જશે એ વિચારે તેઓ ખિન્ન થયા. વીર્યવાન અને કાળને જાણનારા કલા કાષ્ઠા વગેરે કાળને ગણીને સહ વર્ષ પૂરાં થયાં એટલે પુત્ર પૂરુને કહેવા લાગ્યા. ‘હે અરિંદમ પુત્ર, તારા યૌવન વડે આકાંક્ષા અને ઉત્સાહથી યોગ્ય સમયમાં વિષયભોગ કરી ચૂક્યો છું. તું મારું પ્રિય કરનાર છે, તારા પર પ્રસન્ન થયો છું. તારું કલ્યાણ થશે, તારું યૌવન સ્વીકારી આ રાજ્ય પણ લે.’ ત્યાર પછી નહુષપુત્ર યયાતિએ વૃદ્ધાવસ્થા લઈ લીધી, પૂરુએ ફરી પોતાની યુવાવસ્થા સ્વીકારી. રાજાએ કનિષ્ઠ પુત્રને રાજગાદી આપવાની ઇચ્છા પ્રગટ કરી એટલે બ્રાહ્મણ સમેત ચારે વર્ણે રાજાને કહ્યું, ‘હે પ્રભુ, શુક્રપુત્રી દેવયાનીના જ્યેષ્ઠ પુત્ર યદુને બદલે પૂરુને શા માટે રાજ્ય આપવા માગો છો? યદુ તમારો સૌથી મોટો પુત્ર છે, ત્યાર પછી તુર્વસુ; શર્મિષ્ઠાથી જન્મે દ્રુહ્યુ ત્રીજો, અનુ ચોથો અને પૂરુ સૌથી નાનો છે. મોટા પુત્રોને બદલે નાનો પુત્ર રાજ્ય કેવી રીતે મેળવી શકે? અમે તમને નિવેદન કરીએ છીએ કે તમે ધર્મનું પાલન કરો.’ યયાતિએ ઉત્તર આપ્યો, ‘બ્રાહ્મણ સહિત બધા વર્ણના લોકો મારી વાત સાંભળો, હું કોઈ રીતે મોટા પુત્રને રાજ્ય નહીં આપું. મોટા પુત્ર યદુએ મારી આજ્ઞા માની ન હતી, જે પુત્ર પિતાને પ્રતિકૂળ આચરણ કરે છે તેને પુત્ર ન કહેવાય એવો મત સાધુઓનો છે. જે પુત્ર માતાપિતાની આજ્ઞા માને છે, જે હિતકારી છે, પિતા-માતાને પુત્રવત્ સ્નેહ કરે છે તે પુત્ર કહેવાય. યદુએ મારી અવજ્ઞા કરી છે, એ જ રીતે તુર્વસુ, દ્રુહ્યુ, અને અનુએ પણ મારી અવજ્ઞા કરી છે. પૂરુએ મારી વાતને વિશેષ રૂપે માનીને મારી વૃદ્ધાવસ્થા લઈ લીધી એટલે નાનો હોવા છતાં મારો ઉત્તરાધિકારી થશે. પુત્ર તરીકે તેણે મારી ઇચ્છા પૂરી કરી છે. અને કવિપુત્ર ઉશનાએ પોતે મને વર આપ્યો છે કે જે પુત્ર તારો આજ્ઞાંકિત હોય તે રાજા થશે, એટલે તમને હું અનુનય કરું છું કે તમે પૂરુને સિંહાસન પર બેસાડો.’ ત્યારે લોકોએ કહ્યું, ‘હે પ્રભુ, જે પુત્ર ગુણસંપન્ન, માતાપિતાને હિતકારી હોય, તે કનિષ્ઠ હોવા છતાં સર્વ કલ્યાણને પ્રાપ્ત કરી શકે. એટલે તમારો પુત્ર પૂરુ આ રાજ્ય પામવા યોગ્ય છે, આ વિશે શુક્રાચાર્યે પણ વરદાન આપ્યું છે, એટલે પછી કશો વિરોધ ન કરાય.’ નગરવાસીઓ અને જનપદવાસીઓએ સંતુષ્ટ થઈને આમ કહ્યું એટલે નહુષપુત્રે પોતાના પુત્ર પૂરુનો રાજ્યાભિષેક કર્યો, રાજા યયાતિના પુત્રોમાં યદુને યાદવવંશ પ્રાપ્ત થયો, તુર્વશુમાંથી યવનો, દ્રુહ્યુમાંથી ભોજ અને અનુમાંથી મલેચ્છોએ જન્મ લીધો. (આદિ પર્વ, ૭૩થી ૮૦)

વસુ-ગંગા આપવ અને વસુઓની કથા

પ્રાચીન સમયમાં વરુણ દેવે જેને પોતાના પુત્ર તરીકે સ્થાપ્યા હતા તે વસિષ્ઠ મુનિ આપવના નામે વિખ્યાત થયા હતા. નગેન્દ્ર મેરુ પર્વતની પાસે તેમનો પુણ્ય આશ્રમ હતો. તે આશ્રમ મૃગ, પક્ષીઓથી ભરચક હતા, બધી ઋતુઓનાં પુષ્પો થતાં હતાં. પુણ્યશાળીઓમાં શ્રેષ્ઠ એવા વરુણપુત્ર સ્વાદિષ્ટ ફળ, મૂળ, જળવાળા આશ્રમમાં તપ કરતા હતા. દક્ષ રાજાને સુરભિ નામની એક અતિ ગર્વિતા પુત્રી હતી, તેણે કશ્યપ ઋષિ દ્વારા એક ગાયને જન્મ આપ્યો. જગત ઉપર અનુગ્રહ કરવા માટે બધી કામધેનુઓમાં શ્રેષ્ઠ ગાયને હોમધેનુ બનાવી. તે ગાયની મુનિઓ સેવા કરતા હતા, ધર્મયુક્ત અને રમ્ય અરણ્યમાં ગાય અભય બનીને ચરતી હતી. કોઈ એક કાળે પૃથુ આદિ વસુઓ દેવર્ષિઓ જ્યાં તપ કરતા હતા તે વનમાં આવ્યા, તેઓ પોતપોતાની પત્નીઓ સાથે વનમાં વિહરવા લાગ્યા અને રમણીય પર્વત, વનમાં આનંદપ્રમોદ કરવા લાગ્યા. એમાંથી એક સુંદરીએ વસિષ્ઠ મુનિની બધી જ કામધેનુઓમાં જે શ્રેષ્ઠ હતી તેને જોઈ. શીલ, ગુણથી સમૃદ્ધ એવી વસુપત્ની તેને જોઈને વિસ્મય પામી. તેણે પોતાના પતિને દેખાડી. તે ગાય શુભ હતી, શીલવતી હતી અને સર્વગુણવતી હતી. વસુનન્દિનીએ આવી ગુણવાળી ગાય પોતાના વસુને દેખાડી. દ્યુ નામના વસુએ તે ગાયને જોઈને પોતાની દેવીને તેના રૂપગુણ કહ્યા. ‘હે કાળી આંખોવાળી સુંદરી, જે ઋષિનો આ આશ્રમ છે તે વરુણપુત્રની ઉત્તમ ગાય છે. હે સુમધ્યમા (સુંદર કાયાવાળી) જે આનું સ્વાદિષ્ટ દૂધ પીએ તે ચિરંજીવ યૌવનવાળો થઈ દસ હજાર વર્ષ જીવે.’ તે સુંદર વસુપત્નીએ આ સાંભળીને અત્યંત દીપ્તિવાળા પોતાના ભર્તાને કહ્યું, ‘મનુષ્યલોકમાં જિનવતી નામની રૂપ યૌવનવાળી રાજકન્યા મારી સખી છે, તે બુદ્ધિમાન, સત્યવાન ઉશીનર રાજાની પુત્રી છે, પોતાની રૂપસંપદાથી મનુષ્યલોકમાં વિખ્યાત છે, હે મહાભાગ, વાછરડા સાથેની આ ગાય મારે તેને માટે જોઈએ છે. હે પુણ્યશાળી અમરશ્રેષ્ઠ તમે ત્વરાથી આ ગાય લઈ આવો. હે માનવંતા, મારી એ સખી આનું દૂધ પીને આ મનુષ્યલોકમાં વૃદ્ધાવસ્થા અને રોગથી મુક્ત થઈ જશે. હે અનિન્દિત મહાભાગ, આટલું મારું કામ કરી આપો. આ કામ મારું અત્યંત પ્રિય છે, આનાથી વધારે પ્રિય કશું નથી.’

પોતાની પ્રિય દેવીની આ વાત સાંભળીને તેની ઇચ્છા પૂરી કરવા પૃથુ વગેરે ભાઈઓએ એ ગાયનું હરણ કર્યું. તે સમયે કમલનયના પત્નીની વાતોમાં આવી જવાથી તે ઋષિના તીવ્ર તપને સમજી શક્યો નહીં. આ ગાયને હરી જવાથી આપણું પતન થશે એવો વિચાર ન આવ્યો.

ત્યાર પછી વરુણપુત્રો ફળફળાદિ વીણીને આશ્રમમાં આવ્યા પણ પોતાના ઉત્તમ કાનન(ઉદ્યાન)માં વાછરડા સાથેની ગાય જોઈ નહીં. તે ઉદાર, બુદ્ધિશાળી તપોધન મુનિ વનમાં આમતેમ શોધવા લાગ્યા. પણ ઘણો સમય વીત્યા છતાં ગાય મળી નહીં. દિવ્ય દૃષ્ટિથી જોયું તો જાણવા મળ્યું કે વસુઓએ ગાયનું હરણ કર્યું છે, તેને તે જ સમયે તેમણે વસુઓને શાપ આપ્યો. ‘વસુઓએ મારી સુલક્ષણા, સુંદર પુચ્છવાળી, દૂધાળુ ગાયનું હરણ કર્યું છે એટલે તે બધા માનવી તરીકે જન્મશે.’ તે મુનિશ્રેષ્ઠે વસુઓને આવો શાપ આપ્યો. મહાપ્રભાવી બ્રહ્મર્ષિ તપોધને ક્રોધે ભરાઈને તે આઠ વસુઓને શાપ આપ્યો અને આવો શાપ આપીને તેઓએ તપસ્યામાં મન પરોવ્યું. શાપની ઘટના સાંભળીને તે વસુઓ મહાત્મા ઋષિના આશ્રમે જઈ પહોંચ્યા, વસુઓએ ઋષિને મનાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તે સર્વધર્મના જાણકાર ઋષિ પ્રસન્ન ન થયા. ત્યાર પછી તે ધર્માત્મા ઋષિએ કહ્યું, ‘મેં દ્યુર સમેત સાત વસ્તુઓને જે શાપ આપ્યો છે તે શાપથી તમે એક વર્ષમાં મુક્ત થશો પણ જેને કારણે તમે શાપ પામ્યા છો તે દ્યુ નામના વસુએ પોતાના કર્મફળથી મનુષ્યલોકમાં દીર્ઘકાળ રહેવું પડશે. ક્રોધે ભરાઈને જે શાપવાણી ઉચ્ચારી છે તેને હું મિથ્યા કરી શકતો નથી, આ મહામના દ્યુ મનુષ્યલોકમાં સંતાનોને જન્મ આપી નહીં શકે. તે સ્ત્રીસંગ ત્યજી દેશે, આ ધર્માત્મા સર્વશાસ્ત્ર વિશારદ થઈને પિતાનાં પ્રિય કાર્ય કરતો રહેશે.’ િ બધા વસુઓને આમ કહીને ભગવાન ઋષિ ચાલ્યા ગયા. (આદિ પર્વ, ૯૧થી ૯૩)

માંડવ્ય ઋષિની કથા

માંડવ્ય નામથી વિખ્યાત થયેલા ઋષિ ધૃતિમાન, સર્વધર્મજ્ઞ, સત્યવાદી અને તપોરત બ્રાહ્મણ હતા. મહાતપસ્વી અને મહાયોગી એવા આ ઋષિ આશ્રમના આંગણામાંના વૃક્ષના મૂળ પાસે હાથ ઊંચા કરીને તથા મૌનવ્રત લઈને તપ કરતા હતા. આ રીતે તપ કરતાં ખાસ્સો સમય વીતી ગયો, એક સમયે દસ્યૂઓ લૂંટેલી વસ્તુઓ લઈને તેમના આશ્રમમાં આવ્યા, ઘણા રક્ષકો તેમનો પીછો કરતા હતા. તે લૂંટારા રક્ષકો આવી પહોંચે એટલામાં આશ્રમમાં લૂંટેલી વસ્તુઓ સંતાડી અને તેઓ પણ સંતાઈ ગયા. ચોર છુપાઈ ગયા એટલે રક્ષકો તે જ સમયે પીછો કરતાં કરતાં ત્યાં જઈ પહોંચ્યા અને ત્યાં તે ઋષિને જોયા. તેમણે તે તપોધનને પૂછ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, ચોરો ક્યા રસ્તે ગયા, હે બ્રાહ્મણ, અમને જલદી બતાવો.’ રક્ષકોની વાત સાંભળીને તપોધને સારું — ખોટું કશું ન કહ્યું. તે રાજસેવકોએ આશ્રમમાં શોધખોળ કરીને બધું દ્રવ્ય મેળવ્યું અને ચોરોને પણ સંતાયેલા જોયા. ત્યારે તે મુનિ પર રક્ષકોને શંકા આવી, ચોરોને અને મુનિને દોરડે બાંધીને રાજા આગળ તેઓ લઈ ગયા. રાજાએ ચોરોને અને મુનિને મૃત્યુદંડ દીધો. મારાઓએ મહા તપસ્વી માંડવ્યને ઓળખ્યા નહીં અને શૂળી પર ચઢાવી દીધા. તે મુનિને શૂળી પર ચઢાવીને ચોરેલું ધન લઈને મહીપાલ (રાજા) પાસે ગયા. ધર્માત્મા ઋષિ ખાસ્સો સમય શૂળી પર રહ્યા અને નિરાહાર રહીને પણ મૃત્યુ પામ્યા નહીં; ત્યાં કેટલાક ઋષિઓ આવી ચઢ્યા. તે મહાત્માને શૂળી પર ચઢેલા જોઈ મુનિઓ ભારે સંતાપ પામ્યા. રાત્રે તેઓ પક્ષીઓનું રૂપ લઈને બધી દિશાએથી આવ્યા અને પોતાનું મૂળ રૂપ ધારણ કરીને તેમણે પૂછ્યું, ‘હે બ્રહ્મન્, અમારે જાણવું છે કે તમે કયું પાપ કર્યું હતું?’ ત્યારે મુનિઓમાં શ્રેષ્ઠ તે ઋષિએ તેમને કહ્યું, ‘કોનો દોષ કાઢું, આમાં કોઈનો વાંક નથી.’ એ વાત સાંભળીને રાજા મંત્રીઓની સાથે ત્યાં આવ્યા અને ઋષિને પ્રસન્ન કરવા લાગ્યા. ‘મેં મોહ પામીને પાપ કર્યું છે, તમે મારા પર કૃપા કરો, ક્રોધ ન કરો.’ રાજાની વાત સાંભળીને મુનિ પ્રસન્ન થયા, તેમને પ્રસન્ન જોઈને મુનિને શૂળી પરથી ઉતાર્યા, શૂળીના આગલા ભાગથી ઉતારી, શૂળી ખેંચી પણ શરીરમાંથી શૂળ નીકળ્યું નહીં, એટલે શરીરમાં પેઠેલી એ શૂળનું મૂળ કાપી નાખ્યું, શરીરમાં પ્રવેશેલી શૂળી લઈને જ મુનિ બધે વિહરવા લાગ્યા, કઠોર તપ કરતા રહ્યા, શૂળની અણી શરીરમાં રહી ગઈ એટલે તેઓ લોકોમાં અણીમાંડવ્ય કહેવાવા લાગ્યા. એક સમયે આ જ્ઞાની ઋષિ ધર્મરાજ પાસે ગયા, આસન પર બેઠેલા ધર્મને જોઈને કહેવા લાગ્યા, ‘અજાણતાં મેં કયું દુષ્કૃત્ય કર્યું જેનું ફળ આવું મળ્યું? મને તમે જણાવો, અને પછી મારા તપનું ફળ જુઓ.’ ધર્મે કહ્યું, ‘તમે એક દિવસ પતંગિયાના શરીરમાં તણખલું ઘોંચી દીધું હતું, એ કર્મનું ફળ તમને મળ્યું!’ ‘હે ધર્મ, મારા આવા તુચ્છ અપરાધની આટલી મોટી શિક્ષા? તમે મનુષ્ય થઈને શૂદ્ર જાતિમાં જન્મ લેશો. આજથી હું કર્મફળના સંદર્ભે એક મર્યાદા લાદું છું કે ચૌદ વર્ષની વય સુધીનાને પાપકર્મનો દોષ નહીં લાગે. ચૌદ વરસ પછીના પાપનું જ ફળ ભોગવવું પડશે.’ ધર્મરાજે આ શાપને કારણે વિદુર તરીકે જન્મ લીધો. (આદિ પર્વ, ૧૦૧)

દુ:શલાના જન્મની કથા

ગાંધારીએ પોતાના ગર્ભને પાડી નાખ્યા પછી ભગવાન વ્યાસે પોતે જ એ ગર્ભને ઠંડા પાણીથી નવડાવ્યો અને તેના સો ભાગ કર્યા. તે વેળા દરેક ભાગને ઘીથી ભરેલા કૂંડામાં નંખાવ્યો. તે વેળા સતીસાધ્વી ગાંધારીને વિચાર આવ્યો, મારા ગર્ભમાંથી સો પુત્ર તો જન્મશે, વ્યાસ ભગવાનનું વચન છે પણ મને જો એક પુત્રી હોય તો વધુ આનંદ થાય. આ પુત્રો ઉપરાંત એક કન્યા જન્મે તો દૌહિત્રના પુણ્યનો લાભ મારા પતિને મળે. કહ્યું છે કે સ્ત્રીઓને પોતાના પુત્ર કરતાં જમાઈ વધુ વહાલો હોય છે. એટલે સો પુત્રો ઉપરાંત એક પુત્રી જન્મે તો પૌત્રો અને દૌહિત્રોથી વીંટળાઈને ધન્ય થઈ જઉં. જો મેં ખરેખર તપ કર્યું હોય, દાન કર્યું હોય, હોમહવન કર્યા હોય અને વડીલોની સેવા કરીને તેમને પ્રસન્ન કર્યા હોય તો મને પુત્રી થાય. એ દરમિયાન વેદવ્યાસે પેલા ગર્ભના સો અંશ કરીને ગાંધારીને કહ્યું, ‘હું અસત્ય બોલ્યો ન હતો. સો અંશ ઉપરાંત એક ભાગ બચ્યો છે. તેનાથી તને તારી ઇચ્છા પ્રમાણે એક ભાગ્યવાન કન્યા જન્મશે.’ આમ કહીને વ્યાસ ભગવાને ઘીથી ભરેલું એક કૂંડું મંગાવ્યું અને તેમણે તે કન્યાઅંશ નાખી દીધો. આમ દુ:શલા જન્મી. (ગીતાપ્રેસ, આદિ પર્વ, ૧૧૫)

વ્યુષિતાશ્વ રાજાની કથા

એક સમયે પૂરુવંશની વૃદ્ધિ કરનારા ધર્મનિષ્ઠ રાજા વ્યુષિતાશ્વ થઈ ગયા. તે ધર્માત્માએ યજ્ઞયાગ કર્યો હતો, અને તે સમયે ઇન્દ્ર સહિત દેવો અને મહર્ષિઓ આવ્યા હતા. તે પ્રસંગે ઇન્દ્ર સોમ વડે અને બ્રાહ્મણો દક્ષિણા વડે પ્રસન્ન થયા. જેવી રીતે શિશિરના અન્તે સૂર્ય બધાને પાછળ પાડીને પ્રકાશે છે તેવી રીતે વ્યુષિતાષ્વ રાજા બધા મર્ત્ય લોકોને પાછળ પાડીને આગળ પ્રકાશવા લાગ્યા. પૂર્વ, મધ્ય ઉત્તર અને દક્ષિણના બધા નૃપતિઓને હરાવી, બંદી બનાવીને દસ હાથીઓ જેટલા બળવાળા તે રાજા અશ્વમેધ મહાયજ્ઞ કરીને પ્રતાપી થયા. પુરાણીઓ આ રાજાની કથા કહ્યા કરે છે કે તેમણે સમુદ્ર સુધીની વસુંધરા જીતીને જેવી રીતે પિતા ઔરસ (લગ્નવિધિથી થયેલા પુત્રો) પુત્રોનું પાલન કરે છે તેવી રીતે આ રાજાએ બધા વર્ણોનું પાલન કર્યું, તેમણે અનેક યજ્ઞો કરીને અગણિત સોમલતાઓ નીચોવી, બ્રાહ્મણોને ખૂબ ધન આપ્યું. રાજા કાક્ષીવાનની કન્યા ભદ્રા તેમની અતિ પ્રિય પત્ની હતી. આ પૃથ્વી પર તેના જેવી સ્વરૂપવાન સ્ત્રી બીજી ન હતી. આ બંને પતિપત્ની પરસ્પર કામના કરતા હતા. નિરંતર કામરત રહેતા હોવાને કારણે વ્યુષિતાશ્વને ક્ષય રોગ થયો. તે અંશુમાન (સૂર્ય)ની જેમ થોડા સમયમાં જ અસ્ત થઈ ગયા. રાજા પરલોક સિધાવ્યા એટલે તેમની ભાર્યા અતિ દુઃખી થઈ ગઈ. તે પુત્રહીન ભદ્રાએ બહુ કલ્પાંત કર્યું. ‘હે પરમ ધર્મજ્ઞ, પુત્ર વિનાની નારી અકૃતા (નિષ્ફળ) હોય છે, પતિ વિના જીવતી સ્ત્રી દુઃખી થઈને મૃત જેવી બને છે. હે ક્ષત્રિયશ્રેષ્ઠ, પતિ વિનાનીને તો મૃત્યુ જ મંગલદાયી નીવડે છે, એટલે હું તમારી સાથે આવવા માગું છું, પ્રસન્ન ચિત્તે મને લઈ જાવ. તમારા વિના ક્ષણ પણ હું જીવવા માગતી નથી, એટલે પ્રસન્ન થાઓ, અને મને સાથે લઈ જાઓ. હે નરશાર્દૂલ, સુખ હોય કે દુઃખ, હું તમારી પાછળ પાછળ આવીશ, હું પાછી નહીં ફરંુ. હે રાજા, હું તમારી છાયાની જેમ પાછળ આવીશ, હું તમારું પ્રિય અને હિત કરનારી છું, તમારી આજ્ઞા માનતી રહીશ, આજથી તમારા વિના કષ્ટદાયી હૃદયહારી માનસિક પીડા મને જકડી કેશે. હું ભાગ્યહીના છું, મેં ગયા જન્મમાં એક સાથે રહેતા દંપતીને છૂટા પાડ્યા હતા. પૂર્વજન્મના એ પાપને કારણે આ જન્મમાં મને તમારો વિપ્રયોગ (વિરહ) પ્રાપ્ત થયો છે. આજથી હું કુશની સાદડી પર સૂઈશ. કોઈ સુખ મને સુખ નહીં આપે. હે નરવ્યાઘ્ર, મને દર્શન આપો, દુઃખી, અનાથ અને દીનને, આ વિલાપ કરનારીને સુખ આપો.’ આ પ્રકારે તે શબને આલિંગીને વારંવાર બહુવિધ વિલાપ કરવા લાગી. ત્યારે આકાશવાણી થઈ, ‘હે ભદ્રે, ઊભી થા, જા, હે ચારુહાસિની, હું તને વરદાન આપું છું. હું તને સંતાન આપીશ. હે સુંદર નેત્રોવાળી, ઋતુસ્નાતા થઈને આઠમ કે ચૌદશે મારી સાથે શયન કરજે.’ આમ સાંભળીને પુત્ર ઇચ્છતી તે દેવી પતિવ્રતાએ એમ જ કર્યું. તે દેવીને તે શબ દ્વારા ત્રણ શાલ્વ અને ચાર મદ્ર એમ સાત સંતાનો પ્રાપ્ત થયાં. (આદિ પર્વ, ૧૧૨)

ભીમ નાગલોકમાં

ધૃતરાષ્ટ્રના પુત્રોની સાથે પાંડુપુત્રો રમતો રમીને નિત્ય પ્રસન્ન રહેતા હતા. બધા જ પ્રકારની રમતોમાં પાંડુપુત્રો કૌરવોને ઝાંખા પાડી દેતા હતા. અને તેમાંય પાછો ભીમસેન! દોડવામાં, દૂર મૂકેલી વસ્તુ સૌથી પહેલાં જઈને લઈ આવવામાં, ખાણીપીણીમાં, ધૂળ ઉછાળવામાં ભીમસેન ધૃતરાષ્ટ્રના બધા પુત્રોને હંફાવી દેતો હતો. રમત રમતી વખતે ભીમસેન કૌરવોને પકડી પકડીને પોતે સંતાઈ જતો હતો. ક્યારેક તેમનાં માથાં પકડીને પાંડવો સાથે લડાવી મારતો. કૌરવો કંઈ નબળા ન હતા. પણ ભીમસેન ખૂબ જ સહેલાઈથી બધાને હરાવી દેતો હતો. ક્યારેક તેમના વાળ ઝાલીને એકબીજા સાથે તેમનાં માથાં અફાળી દેતો હતો, કૌરવો ગમે તેટલા બૂમબરાડા પાડે તો પણ તેમને જમીન પર ઘસડતો રહેતો તે વખતે કૌરવોના ખભા, ઘૂંટણ, માથાં છોલાઈ જતા હતા. પાણીમાં રમતી વખતે ભીમસેન પોતાના બંને હાથ વડે દસેક બાળકોને પકડીને પાણીમાં ડૂબકીઓ ખવડાવતો હતો, એ બાળકો જ્યારે અધમૂવા થઈ જાય ત્યારે તે તેમને છોડતો હતો. કૌરવો જ્યારે વૃક્ષો પર ચઢીને ફળ તોડવા બેસતા ત્યારે ભીમસેન લાતો મારીને એ વૃક્ષોને હચમચાવતા; બહુ જોરથી વૃક્ષોને લાતો મારતા હોવાને કારણે વૃક્ષો ડોલવા લાગતાં અને તેના ઉપર ચઢેલા કૌરવો તોડેલાં ફળ સાથે જમીન પર પડી જતા. કુસ્તી હોય કે દોડવાની રમત હોય, વિદ્યા પ્રાપ્ત કરવાની હોય તો પણ તેઓ ભીમસેન સાથેની સ્પર્ધામાં પાછળ જ પડતા હતા. આમ ભીમસેન કૌરવો સાથે સ્પર્ધામાં ઊતરતા ખરા પણ તેમના મનમાં કૌરવો માટે કશો ખાર ન હતો, ભીમસેન જે કંઈ કરે તે બધું બાળબુદ્ધિથી. હવે ધૃતરાષ્ટ્રના સૌથી મોટા પુત્ર દુર્યોધનને જાણ થઈ કે ભીમસેન ભારે બળિયો છે ત્યારથી તે ભીમસેન માટે ખાર રાખતો થયો. તે તો ક્યારેય ધર્મનું પાલન કરતો નહીં અને પાપીષ્ટ વિચારો જ તેને આવ્યા કરતા હતા. મોહ અને ઐશ્વર્યના લોભે તેના મનને કાળુંમેશ બનાવી દીધું હતું. તેણે મનમાં વિચાર કર્યો, ‘આ મધ્યમ પાંડુપુત્ર ભીમ સૌથી વધુ બળવાન છે, એને કપટ કરીને મારી નાખવો જોઈએ. તે બળવાન છે, પરાક્રમી છે, શૌર્યવાળો છે. તે એકલો જ આપણને પહોંચી વળે એવો છે. એટલે જ્યારે તે નગરના ઉદ્યાનમાં સૂૂઈ ગયો હોય ત્યારે તેને ઉઠાવી ગંગામાં ફેંકી દઈશું. પછી તેના નાના ભાઈ અર્જુનને અને મોટા ભાઈ યુધિષ્ઠિરને બળજબરીથી કેદ કરી લેવાના અને પછી તો હું એકલો જ આખી પૃથ્વી પર રાજ કરી શકીશ.’ આમ દુર્યોધને ગંગાકિનારે જળવિહાર માટે ગરમ અને સુતરાઉ કાપડનો એક મોટો મંડપ તૈયાર કરાવ્યો. એ મંડપમાં બધા જ પ્રકારની સામગ્રીઓ હતી, ત્યાં ઊંચી ઊંચી ધજાપતાકા લહેરાતી હતી, જુદા જુદા ઓરડાઓ હતા. ત્યાં કિનારા પર પ્રમાણકોટિ નામના સ્થળે આ મોટો મંડપ તૈયાર કર્યો હતો. તે સ્થળનું નામ રાખ્યું ઉદ્કક્રીડન. રસોઈકળામાં નિપુણ એવા માણસોને રોકીને જાતજાતની ખાણીપીણી તૈયાર કરાવી. જ્યારે બધી તૈયારી થઈ ગઈ છે એવા સમાચાર દુર્યોધનને મળ્યા ત્યારે દુર્બુુદ્ધિ દુર્યોધને પાંડવોને કહ્યું, ‘આજે આપણે જાતજાતના ઉદ્યાનવાળા અને વનવાળા ગંગાકિનારે જઈએ, બધા ભાઈઓ જળવિહાર કરીશું.’ યુધિષ્ઠિર તો સીધાસાદા એટલે દુર્યોધનની વાત માની લીધી. પછી કૌરવો અને પાંડવો રથમાં બેસીને, ઉત્તમ હાથીઓ પર સવાર થઈને નગરમાંથી નીકળી ઉદ્યાનવન પાસે જઈ પહોંચ્યા. તે ઉદ્યાનમાં રાજાઓને મંત્રણા કરવા, બેસવા માટે સગવડો હતી. શ્વેત રંગના છજા હતાં, જાળીઓ હતી, જલવર્ષક યંત્રો હતાં. કારીગરોએ ઉદ્યાન અને ક્રીડાભવન સ્વચ્છ કરી નાખ્યું હતું. ભીંતે ચિત્રો હતાં. પાણીથી ભરેલાં વાવતળાવ હતાં. ખીલેલાં કમળ વડે ત્યાંનાં પાણી ખૂબ જ સુંદર શોભતાં હતાં. ઋતુ પ્રમાણેનાં ફૂલ ખીલ્યાં હતાં. ત્યાં પહોંચીને કૌરવપાંડવ પોતપોતાની જગ્યાએ બેઠા અને જાતભાતની ચીજવસ્તુઓ માણવા લાગ્યા, એકબીજાને ખવડાવવા લાગ્યા. તે વેળા દુષ્ટ દુર્યોધને ભીમસેનને મારી નાખવાની ઇચ્છાથી તેના ભોજનમાં કાલકૂટ ઝેર મેળવ્યું. તે પાપીનું હૃદય તો છરાની ધાર જેવું હતું પણ વાતો એવી કરે જાણે મોંમાંથી અમૃત ઝરતું ન હોય! સગાભાઈ કે મિત્રની જેમ ભીમસેનને જાતજાતની ખાણીપીણી ખવડાવતો હતો. ભીમસેનને તો કશી ખબર જ નહી. જેટલું ખવડાવ્યું તેટલું બધું ખાઈ ગયો. આ જોઈને દુષ્ટ દુર્યોધન તો જે હરખાયો, જે હરખાયો... ભોજન પૂરું થયા પછી પાંડવો અને કૌરવો આનંદમાં આવીને જળક્રીડા કરવા લાગ્યા. જળક્રીડા પૂરી થઈ એટલે સાંજે થાકી ગયેલા બધા કુમારોએ શુદ્ધ વસ્ત્ર અને અલંકારો પહેરીને ત્યાં જ રાત વીતાવવી એવું નક્કી કર્યું. બળવાન ભીમસેન પણ બહુ શ્રમને કારણે થાકી ગયા હતા. બીજા કુમારોની સાથે એક જગ્યા શોધીને સૂૂઈ ગયા. તે થાકેલા તો હતા જ અને આખા શરીરે ઝેર ફેલાઈ ગયું હતું. ત્યાં વાતા ઠંડા પવનને કારણે જાણે લાકડાની જેમ તેઓ સૂઈ ગયા. પછી દુર્યોધને તેમને વેલા વડે બાંધ્યા અને ગંગાના ઊંચા કિનારેથી નદીમાં ફંગોળી દીધા. તેઓ બેહોશીમાં જ નાગલોકમાં જઈ પહોંચ્યા. તે વખતે ભીમસેનના શરીર નીચે કેટલા બધા નાગકુમારો કચડાઈ ગયા, ઘણા ઝેરીલા નાગોએ મોટી મોટી દાઢો વડે ભીમસેનને ડંખ માર્યા. આને કારણે દુર્યોધને પીવડાવેલા ઝેરનો પ્રભાવ દૂર થઈ ગયો. વિશાળ છાતી ધરાવતા ભીમસેનની ચામડી લોખંડ જેવી સખત હતી, તેમાં નાગલોકોએ દાંત બેસાડ્યા હોવા છતાં ભીમસેનને તો કશી અસર ન થઈ. હવે ભીમ જાગી ગયા. પોતાનાં બધાં બંધનો તોડી નાખ્યાં અને બધા નાગને પકડી પકડીને ધરતી પર ફંગોળ્યા. કેટલાય નાગ ગભરાઈ જઈને ભાગી ગયા. એ બધાએ નાગરાજ વાસુકિ પાસે જઈને કહ્યું, ‘એક માણસને બાંધીને પાણીમાં ફંગોળી દીધો છે. અમને લાગે છે કે તેણે ઝેર પીધું હશે. તે આવ્યો ત્યારે બેહોશ હતો, પણ અમે દંશ દીધા એટલે હોશમાં આવી ગયો. પછી તો તેણે પોતાનાં બધાં બંધનો તોડી નાંખ્યાં. અને અમને પછાડવા લાગ્યો. તમે આવીને તે કોણ છે તે જુઓ.’ એટલે વાસુકિ તે નાગલોકો સાથે ગયા અને ભીમસેનને જોયા. તે જ વેળા નાગરાજ આર્યકે પણ ભીમસેનને જોયા. તેઓ પૃથાના પિતા શૂરસેનના દાદા થતા હતા. તેમણે પોતાના દૌહિત્રને ગળે લગાવ્યો. યશસ્વી વાસુકિ પણ ભીમસેનને જોઈને આનંદ પામ્યા. ‘બોલો, તેમને માટે શું કરીએ? એમને ધન, સુવર્ણ, રત્નો આપીએ.’ આ સાંભળી આર્યકે કહ્યું, ‘જો તમે પ્રસન્ન થયા હો તો પછી સોનાચાંદીને શું કરવાનાં? આ મહાબલીને તો તમારા કુંડનો રસ પીવડાવો, એનાથી તેને હજાર હાથીઓનું બળ પ્રાપ્ત થશે.’ ‘આ બાળકને જેટલો રસ પીવો હોય તેટલો પીવા દો.’ પછી નાગલોકોએ ભીમસેનને શુભેચ્છાઓ આપી, ભીમ એ રસ પીવા લાગ્યા, તેમણે તો આઠેઆઠ કુંડોનો રસ પી લીધો અને દિવ્ય પથારી પર સૂઈ ગયા. હવે ગંગાકિનારે શું થયું? કૌરવપાંડવ મોજમજા કરીને ભીમસેન વિના જ હસ્તિનાપુર જવા નીકળ્યા. અનેક પ્રકારનાં વાહનોમાં બેસીને તેઓ કહેવા લાગ્યા, ‘ભીમ તો આપણા કરતાં વહેલા જ પહોંચી ગયા લાગે છે.’ દુર્યોધન તો ભીમસેનને ન જોયા એટલે આનંદિત થઈને નગરમાં પેઠો. યુધિષ્ઠિર તો સાધુપુુરુષ. તેમના પવિત્ર હૃદયમાં દુર્યોધનના પાપી વિચારનો ખ્યાલ આવે જ શાનો? તેઓ તો બીજા બધાને સજ્જન માનતા હતા. પછી તેઓ કુંતી પાસે જઈને તેમણે પૂછ્યું, ‘મા, ભીમસેન આવી ગયો? એ ગયો ક્યાં? અહીં પણ એ દેખાતો નથી. ત્યાં તો અમે એકેએક ખૂણો જોઈ વળ્યા. તો પણ ભીમસેનનો પત્તો ન પડ્યો. અમે માની લીધું કે તે અહીં આવી ગયો હશે. એના માટે અમે બહાવરા બની ગયા છીએ. એ ગયો ક્યાં? તેં ક્યાંક મોકલ્યો છે? મારા મનમાં જાતજાતની શંકાઓ થાય છે. જ્યાં એ સૂઈ ગયો ત્યાં તો કોઈએ એને મારી નાખ્યો તો નથી ને?’ આ સાંભળીને કુંતી તો એકદમ ગભરાઈ ગઈ, ‘મેં એને જોયો જ નથી. અહીં તો એ આવ્યો જ નથી! તું નાના ભાઈઓની મદદથી શોધ ચલાવ.’ કુન્તાનું હૈયું તો ભારે બની ગયું, પછી તેણે વિદુરને બોલાવ્યા અને પૂછયંુ, ‘મારો ભીમસેન દેખાતો નથી, ક્યાં ચાલ્યો ગયો હશે? ઉદ્યાનમાંથી તો બધા ભાઈઓ પાછા આવી ગયા પણ એકલો ભીમ જ હજુ નથી આવ્યો. દુર્યોધનની આંખમાં તો તે કણાની જેમ ખૂંચે છે. તે નિર્દય, દુર્બુદ્ધિ, લોભિયો અને બેશરમ છે. એટલે તે દગાફટકાથી ભીમને મારી પણ નાખે. આ ચિંતા મને ખાઈ રહી છે, મારું હૃદય અશાંત થઈ ગયું છે.’ આ સાંભળી વિદુરે કહ્યું, ‘આવું ન બોલો. બીજા પુત્રોની કાળજી કરો. જો દુર્યોધનને ઠપકો આપીને વધુ પૂછપરછ કરીશું તો તે બીજા પુત્રોને હેરાન કરશે. વ્યાસ ભગવાને તો કહ્યું જ છે ને કે તમારા પુત્રો ચિરંજીવી છે. એ ગમે ત્યાં ગયો હશે, પાછો આવશે જ.’ આમ કહી વિદુર પોતાને ઘેર ગયા, કુન્તા ચિંતાતુર થઈને બાકીના ચાર પુત્રો સાથે ઘરમાં બેસી રહી. આ બાજુ નાગલોકમાં ભીમસેન આઠમા દિવસે બધો રસ પચાવીને બેઠા થયા. તેમના બળને કોઈ સીમા ન રહી. બધા નાગ લોકોએ તેમને શાંતિથી ધીરજ બંધાવી, ‘તમે જે રસ પીધો છે એટલે તમારું બળ હજાર હાથી જેટલું થઈ ગયું છે. યુદ્ધમાં તમને કોઈ હરાવી નહીં શકે. હવે તમે દિવ્ય જળથી સ્નાન કરો અને ઘેર જાઓ. તમારા વિના ભાઈઓ દુઃખી દુઃખી થતા હશે.’ એટલે નાહી ધોઈને ભીમસેન પવિત્ર થઈ ગયા. શ્વેત વસ્ત્ર પહેર્યાં, શ્વેત પુષ્પોની માળા પહેરી. પછી નાગભવનમાં તેમના શુભ સમાચાર પહોંચી ગયા. ભીમસેને વિષનાશક સુગંધિત ખીર ખાધી. બધાએ તેમનો આદરસત્કાર કર્યો. પછી એક નાગે ભીમસેનને પાણીંમાંથી બહાર કાઢી ગંગાકિનારે મૂકી દીધા, અને નાગ લોકો ભીમસેનનાં દેખતાં જ અદૃશ્ય થઈ ગયા. એટલે ભીમ ત્યાંથી માતા પાસે જઈ પહોંચ્યા. કુંતીને અને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા, નાના ભાઈઓને વહાલ કર્યું, બધા ભીમના આગમનથી રાજી રાજી થઈ ગયા. પછી બળવાન ભીમે દુર્યોધનના કપટની બધી વાત કરી, નાગલોકમાં ગયા પછી જે કંઈ બન્યું તે પણ કહી સંભળાવ્યું. યુધિષ્ઠિરે ભીમને કહ્યું, ‘હવે તું બિલકુલ બોલીશ નહીં. તારી સાથે જે વર્તાવ કર્યો તેની વાત કોઈને કહીશ નહીં.’ દુર્યોધને ભીમસેનના ભોજનમાં ભયાનક ઝેર ભેળવ્યું હતું. ધૃતરાષ્ટ્રના એક પુત્ર યુુયુત્સુએ આ વાત તેમને જણાવી, પણ ભીમસેન એ ઝેર પણ પચાવી ગયા. એ ઝેર ભયાનક હતું તો પણ ભીમસેનને કશું નુકસાન ન થયું. ભીમસેનના પેટમાં વૃક નામનો જે અગ્નિ હતો તેનાથી તે ઝેર પણ પચી ગયું. (આદિ પર્વ, ૧૧૯)

કૃપાચાર્યના જન્મની કથા

મહર્ષિ ગૌતમને શરદ્વાન નામનો પુત્ર હતો. તેમનો જન્મ શરૈ (બાણ)માંથી થયો હતો. વેદાધ્યયનમાં તેમની બુદ્ધિ ચાલતી ન હતી. પણ ધનુર્વેદમાં તેમની બુદ્ધિ બહુ ચાલતી હતી. બ્રહ્મવાદીઓ જેવી રીતે તપ વડે વેદનું જ્ઞાન મેળવે તેવી રીતે તેમણે તપ વડે જ બધાં અસ્ત્રો મેળવ્યાં હતાં. ગૌતમે ધનુર્વેદમાં વિપુલ જ્ઞાન અને તપથી દેવરાજને પણ સંતપ્ત કર્યા હતા. સુરેશ્વરે (ઇન્દ્રે) જાલપદી નામની દેવકન્યાને ‘તેમની તપસ્યામાં વિઘ્ન ઊભું કર’ કહીને ઋષિ પાસે મોકલી. બાલા શરદ્વાનના રમણીય આશ્રમમાં જઈને ધનુષ્યબાણ ધારી તે ગૌતમને લોભાવવા લાગી. વનમાં તે લોકમાં અનુપમ, એકવસ્ત્રા અપ્સરાને જોઈને ગૌતમનાં નેત્ર પ્રફુલ્લ થયાં. તેને જોઈને ઋષિના હાથમાંથી ધનુષબાણ ધરતી પર પડી ગયાં. અને શરીરમાં રોમાંચ થયા. છતાં તે મહાપ્રાજ્ઞ ઉત્તમ તપ અને જ્ઞાનમાં દૃઢ રહેવાને કારણે પરમ ધૈર્ય ધારણ કરી રહ્યા. પરંતુ સહસા જે વિકાર થયો તેનાથી તેમનું વીર્ય સ્ખલન પામ્યું. તેનો તેમને ખ્યાલ ન રહ્યો. તે મુનિ આશ્રમ અને અપ્સરાને ત્યજીને બીજે જતા રહ્યા. તેમનું વીર્ય ભાથા પર પડ્યું. અને એ રીતે પડવાથી તેના બે ભાગ પડી ગયા. આમ ગૌતમના શરદ્વાનથી એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા. ત્યારે મૃગયા રમવા નીકળેલા રાજા શન્તનુના એક સૈનિકે વનમાં એ બાળકો જોયાં. ત્યાં ધનુષ્યબાણ અને કૃષ્ણાજિન (મૃગચર્મ) જોઈને તેણે અનુમાન કર્યું કે આ કોઈ બ્રાહ્મણનાં સંતાન હશે. ત્યારે તેણે ધનુષ્યબાણ અને બંને બાળકોને લઈને રાજાને દેખાડ્યાં. રાજાએ કૃપા કરીને બંનેને લીધા, ‘આ મારાં જ સંતાન છે.’ એમ કહીને ઘેર લાવ્યા. ગૌતમના પુત્રપુત્રીને સંસ્કારો આપી મોટા કર્યા, ગૌતમ પણ તે આશ્રમમાંથી આવીને ધનુર્વેદમાં રમમાણ રહ્યા. ‘મેં કૃપા કરીને આ બાળકોને બચાવ્યાં છે’ એટલે તેમનાં નામ, કૃપ અને કૃપી રાખ્યાં. ગૌતમે તપ દ્વારા જાણ્યું કે ત્યાં બે સંતાનો થયાં છે, એટલે આવીને પોતાનું ગોત્ર બતાવ્યું. તેમણે કૃપને ચાર પ્રકારના ધનુર્વેદ, વિવિધ અસ્ત્રો અને અન્ય ગુપ્ત વિદ્યાઓ આપી. થોડા જ સમયમાં તેઓ પરમ આચાર્ય બની ગયા. (આદિ પર્વ, ૧૨૦)

દ્રોણાચાર્યના જન્મની કથા

એક કાળે અગ્નિહોત્ર કરવાની ઇચ્છાથી ભરદ્વાજ મુનિને સ્નાન કરતી ઘૃતાચી નામની અપ્સરાને જોઈ, વાયુને કારણે તેનું વસ્ત્ર સરી ગયું. તેનાથી ઋષિનું વીર્યસ્ખલન થયું. તેમણે તે વીર્ય દ્રોણ — યજ્ઞપાત્રમાં રાખ્યું. તે કળશમાં રહેલા વીર્યથી દ્રોણનો જન્મ થયો. તેમણે વેદ-વેદાંગનું અધ્યયન કર્યું. ધર્મધારી પ્રતાપી ભરદ્વાજે અગ્નિવેશ્ય નામના મહાભાગ ઋષિને અગ્ન્યસ્ત્ર આપ્યાં હતાં. અગ્નિમાંથી જન્મેલા તે ઋષિ અગ્નિવેશ્યે ભારદ્વાજ(દ્રોણ)ને અગ્ન્યસ્ત્ર આપ્યાં. પુષત્ નામના રાજા ભરદ્વાજના મિત્ર હતા, તેમને દ્રુપદ નામનો પુત્ર હતો. ક્ષત્રિયશ્રેષ્ઠ તે દ્રુપદ નિત્ય આશ્રમમાં આવીને દ્રોણની સાથે રમતા હતા અને સાથે સાથે ભણતા પણ હતા. પુષત્ રાજાના અવસાન પછી મહાભુજ દ્રુપદ પાંચાલ દેશના રાજા બન્યા. તે સમયે ઋષિ ભરદ્વાજ પણ સ્વર્ગવાસી થયા, તે મહાયશસ્વી દ્રોણે પુત્રકામનાથી પિતાએ કહી રાખ્યું હતું એટલે શારદ્વાતની કન્યા કૃપી સાથે લગ્ન કર્યુ. અગ્નિહોમ કરતી, ઇન્દ્રિયોનું દમન કરતી અને ધર્મમાં રત રહેતી તે ગૌતમપુત્રીએ અશ્વત્થામા નામના પુત્રને જન્મ આપ્યો. જન્મતાવેંત તે પુત્રે ઉચ્ચૈ:શ્રવા અશ્વની જેમ અવાજ કર્યો ત્યારે આકાશમાં રહેલા કોઈ અદૃશ્ય પ્રાણીએ કહ્યું, અશ્વની જેમ અવાજ કરનાર આ બાળકનો શબ્દ (સ્થામ) વિવિધ દિશાઓમાં પહોંચ્યો છે એટલે આ બાળક અશ્વત્થામા નામથી પ્રસિદ્ધ થશે. ભરદ્વાજપુત્ર (દ્રોણ) તે પુત્રથી પ્રસન્ન થયા અને ત્યાં જ રહીને ધનુર્વેદમાં લીન રહ્યા. તેમણે પરંતપ (શત્રુઓને પીડનાર) મહાન જમદગ્નિના પુત્ર પરશુરામ વિશે સાંભળ્યું. તેઓ બ્રાહ્મણોને પુષ્કળ ધન આપતા હતા. વનમાં જવા તત્પર પરશુરામને દ્રોણે કહ્યું, ‘હું ધનની ઇચ્છાથી આવેલો દ્વિજશ્રેષ્ઠ દ્રોણ છું.’ પરશુરામે કહ્યું, ‘મારી પાસે જે ધન, સુવર્ણ હતાં તે બધું જ બ્રાહ્મણોને આપી દીધું છે. હવે મારી પાસે કશું નથી. તેવી જ રીતે ગ્રામ અને નગરોથી શોભતી, સાગર સુધીની આ ધરા પણ કશ્યપને આપી દીધી. હવે મારી પાસે માત્ર શરીર જ છે, અને મોેટાં મોટાં અસ્ત્રશસ્ત્ર છે, હે દ્રોણ, બોલ આ બેમાંથી શું જોઈએ છે? તે તને આપું.’ દ્રોણે કહ્યું, ‘હે ભાર્ગવ, પ્રયોગ, સંહાર અને રહસ્યોની સાથે આ સમગ્ર શસ્ત્રો મને આપો.’ ‘તથાસ્તુ’ કહીને તેમને સંપૂર્ણ અસ્ત્ર, રહસ્યો અને ધનુર્વેદ આપ્યાં. દ્વિજશ્રેષ્ઠ દ્રોણ આ બધાં જ અસ્ત્રો લઈને પ્રસન્ન ચિત્તે પ્રિય સખા દ્રુપદ પાસે ગયા, અને તે પ્રતાપી ભારદ્વાજે (ભરદ્વાજપુત્ર દ્રોણ) પૃષત્પુત્ર દ્રુપદને કહ્યું, ‘હે રાજન્, મને તમારો મિત્ર માનો.’ દ્રુપદે ઉત્તર આપ્યો, ‘હે દ્વિજ, તારી બુદ્ધિ પક્વ નથી થઈ, કારણ કે તેં એકાએક કહી દીધું, ‘હું તારો મિત્ર છું.’ હે મંદબુદ્ધિ, શ્રીમંત રાજાઓ લક્ષ્મીહીન નિર્ધનો સાથે મૈત્રી કરતા નથી. કાળ બધું જ નષ્ટ કરી દે છે, સૌહાર્દ (મૈત્રી) પણ નાશ પામે છે; અગાઉ સમાન સામર્થ્યને કારણે મૈત્રી થઈ હતી. આ લોકમાં મૈત્રી કદી, ક્યાંય ચિરંજીવ નથી થતી, કામથી તે દૂર થાય છે અથવા ક્રોધ તેને નાશ કરે છે. એટલે તું જીર્ણ મૈત્રીની ઉપાસના ના કર, નવી મૈત્રી કર. તારી — મારી મૈત્રી અર્થને કારણે હતી, દરિદ્ર ધનવાનનો મિત્ર ન થાય, અવિદ્વાન વિદ્વાનનો મિત્ર ન થાય, નપુસંક કદી શૂરવીરનો મિત્ર ન થાય, તો પછી તું પૂર્વકાળની મૈત્રી શા માટે ઇચ્છે છે? જેઓ ધનમાં, કુળમાં સમાન છે તેઓ જ મિત્ર બની શકે, તેમની વચ્ચે જ લગ્નસંબંધ થાય, પુષ્ટ અને અપુષ્ટમાં મૈત્રી ન થાય. જે શ્રોત્રિય નથી તે શ્રોત્રિયનો મિત્ર ન થાય, રથવાળો રથરહિતનો મિત્ર ન થાય, રાજા ન હોય તે રાજાનો મિત્ર ન થઈ શકે, તો તું પહેલાની મૈત્રી શા માટે ઇચ્છે છે?’ દ્રુપદે આમ કહ્યું એટલે પ્રતાપી ભારદ્વાજે ક્રોધે ભરાઈને થોડી વાર વિચાર કર્યો. તે બુદ્ધિમાન મનમાં ને મનમાં પાંચાલ રાજાને કેવી રીતે હરાવવો તેનો વિચાર કરી કુરુઓના નગરમાં ગયા. (આદિ પર્વ, ૧૨૧-૧૨૨)

દ્રૌપદીના જન્મની કથા

(દ્રોણાચાર્યે દ્રુપદ સામે વેર લેવા પાંડવોને કહ્યું, અને પાંડવો દ્રુપદને હરાવીને લઈ આવ્યા, રાજ્યનો અડધો ભાગ દ્રોણાચાર્યને આપવો પડ્યો. હવે દ્રુપદ આ અપમાનનો બદલો લેવા માટે રાતદિવસ ચિંતા કરે છે.) દ્રુપદ પુત્રપ્રાપ્તિ માટે બહુ પ્રયત્નો કરે છે, દ્રોણાચાર્યનો પ્રભાવ ક્ષત્રિયો કરતાં કેવી રીતે ચડિયાતો હોઈ શકે એ વાત દ્રુપદ સમજી શકતા નથી. એક વાર તે ફરતા ફરતા કલ્માષપાદ રાજાના નગર પાસે બ્રાહ્મણોના નિવાસસ્થાને જઈ પહોંચ્યા. ત્યાં બધા બ્રાહ્મણો સ્નાતક હતા, વ્રતનિષ્ઠ હતા, ભાગ્યશાળી હતા. ત્યાં આજ ઉપયાજ નામના બે બ્રાહ્મણોને બધાથી ચઢિયાતા જોયા અને તેમને આમંત્રણ આપ્યું, બંનેની પરીક્ષા કરીને નાના ઉપયાજને બોલાવ્યા. તેમની પૂજા કરી ને બધી ઇચ્છાઓ પૂરી કર્યા પછી કહ્યું, ‘હે બ્રાહ્મણ, મારે દ્રોણનો વધ કરે એવો એક પુત્ર જોઈએ છે. હું તમને દસ કરોડ ગામ આપીશ. અથવા તમારી જે કોઈ ઇચ્છા હોય તે મને કહેજો, હું આપીશ.’ પણ એ ઋષિએ એવો યજ્ઞ કરાવવાની ના પાડી. છતાં રાજા ઋષિને પ્રસન્ન કરતો રહ્યો. એક વર્ષ પછી ઉપયાજે રાજાને કહ્યું, ‘એક વાર મારા મોટાભાઈ વનમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં પડેલું એક ફળ ઊંચકી લીધું. એ સ્થળ પવિત્ર છે કે નહીં તેની કશી ચિંતા તેમણે કરી નહીં. હું તેમની પાછળ પાછળ ચાલતો હતો, એટલે તેમની આ ઘટના જોઈ લીધી. એ દોષવાળા ફળને ઊંચકવામાં તેમને કશું ખરાબ ન લાગ્યું. એ ફળ વિશે કશો વિચાર તેમને ન આવ્યો. ગુરુકુલમાં રહીને અધ્યયન કરતા હતા ત્યારે કોઈએ ખાધેલી વસ્તુઓ પણ ખાઈ લેતા હતા. તેઓ હમેશા અન્નનો મહિમા કરતા હતા. એટલે મને લાગે છે કે તેમને ગમે તેવા ફળ સામે વાંધો નથી. તમે તેમની પાસે જાઓ, તેઓ તમારો યજ્ઞ ચોક્કસ કરાવશે.’ હવે દ્રુપદને તો યાજ બ્રાહ્મણની નિંદા કરવાનું મન થયું પણ પોતાનું કાર્ય સિદ્ધ થાય એ વધારે મહત્ત્વનું હતું એટલે રાજા યાજ પાસે ગયા અને તેમને રિઝવીને બોલ્યા, ‘હે બ્રાહ્મણ, તમે મારો યજ્ઞ કરાવી આપો. હું તમને એંસી હજાર ગાયો આપીશ. હું દ્રોણનો દુશ્મન છું, વેરની આગ મને જંપવા દેતી નથી, કૃપા કરીને મને શાંતિ સંપડાવી આપો. બ્રહ્મવિદ્યા જેઓ જાણે છે તે બધામાં દ્રોણને કોઈ હંફાવી ન શકે. તેમણે મને હરાવ્યો છે. તેઓ કૌરવોના ગુરુ છે, તેમને હરાવે એવો કોઈ ક્ષત્રિય રાજા આ સંસારમાં નથી. તેમનું ધનુષ છ હાથ લાંબું છે. તેમનાં બાણો વડે બધા જીવોનું મૃત્યુ થઈ જશે. ભારદ્વાજ દ્રોણ ક્ષત્રિય તેજને સાવ ઝાંખું કરી રહ્યા છે. તેઓ તો જાણે બીજા પરશુરામ છે. તેમનાં બાણોની વર્ષાથી સામે કોણ ઊભું રહી શકે? અગ્નિની જેમ તેઓ બ્રાહ્મતેજ અને ક્ષત્રિયતેજને ભેગું કરીને શત્રુઓનો નાશ કરે છે. તેમના આ બંને તેજ કરતાં તમારું બ્રાહ્મતેજ ચઢિયાતું છે. વેદોના જાણકાર છો, એટલે હું તમારા બ્રાહ્મતેજની શરણાગતિ સ્વીકારું છું. તમે મારું કામ કરી આપો. દ્રોણનો નાશ કરનાર પુત્ર અપાવો. હું તમને દસ કરોડ ગાય આપીશ.’ યાજે એ રાજાની માગણીનો સ્વીકાર કર્યો, પછી તેઓ યજ્ઞકાર્યનો ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા. ઉપયાજને મદદ કરવા વિનંતી કરી. અને યાજે તો દ્રોણનાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી રાજા દ્રુપદને કહ્યું, ‘તમે જેવો પુત્ર માગશો તેવો તમને મળશે. તે પુત્ર બળવાન, તેજસ્વી, પરાક્રમી હશે.’ પછી તો રાજાએ દ્રોણનો વિનાશ કરે એવા પુત્રને મેળવવાનો બધો ઉપાય જાણીને યજ્ઞ માટેની બધી સાધનસામગ્રી મંગાવી અને યજ્ઞકાર્યનો આરંભ કર્યો. હવન પૂરો થયો એટલે યાજે રાણીને બોલાવી, ‘તમે હવિ લેવા મારી પાસે આવો. તમને પુત્ર અને પુત્રી થશે.’ રાણીએ કહ્યું, ‘મારું મોં કંકુવાળું છે, બીજા સુગંધિત પદાર્થો લગાવ્યા છે એટલે થોડો વિલંબ કરો, હું સ્વચ્છ થઈને આવું છું.’ યાજે કહ્યું, ‘હવનના બધા પદાર્થો ઉપયાજે મંત્રેલા છે, મેં પણ તે સિદ્ધ કર્યા છે. એટલે હવે તમે આવો-ન આવો, ફળ તો મળશે જ.’ એમ કહી યાજે અગ્નિમાં સંસ્કારેલા હાથને હોમી દીધો એટલે એમાંથી એક કુમાર પ્રગટ્યો. અગ્નિની જ્વાળા જેવો તેનો વર્ણ હતો. માથે મુગટ હતો, કવચવાળો હતો, તલવાર અને ધનુષબાણ તેના હાથમાં હતા. વારે વારે સિંહગર્જના કરતો રથ પર ચઢી ગયો અને રથ દોડાવવા લાગ્યો. પાંચાલ લોકોએ ભારે હર્ષનાદ કર્યો. ત્યાં આકાશવાણી થઈ. ‘આ રાજકુમારે દ્રોણવધ કરવા માટે જન્મ લીધો છે. પાંચાલોની કીતિર્ વધશે, રાજાનું દુઃખ દૂર કરશે.’ પછી યજ્ઞવેદીમાંથી સુંદર કાયાવાળી એક કુમારિકા પ્રગટી. પદ્મપલાશ જેવી આંખો, કાળા અને વાંકડિયા વાળ, જોતાં એમ જ લાગે કે દેવકન્યા માનવરૂપે આવી છે. તેના કમળ જેવા શરીરની સુવાસ એક યોજન સુધી પ્રસરી. સંસારભરમાં તેની બરાબરી કરી શકે એવી હતી. તેના જન્મ વખતે પણ આકાશવાણી થઈ, ‘આ કૃષ્ણા બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ અને ક્ષત્રિયોનો નાશ કરનારી થશે. દેવતાઓનું કાર્ય આ સુંદરી દ્વારા પાર પડશે. તેને કારણે ક્ષત્રિયોમાં ભય જન્મશે.’ આ સાંભળી પાંચાલ નગરના લોકો હર્ષનાદ કરવા લાગ્યા. પછી દ્રુપદરાજાની રાણી આ બંને સંતાનોને જોઈને યાજ પાસે ગઈ. ‘તમે એવું કરો કે આ પુત્ર-પુત્રી બીજી કોઈ સ્ત્રીને મા માને નહીં.’ યાજે તેની માગણી સ્વીકારી. પછી રાજાનો આ કુમાર ભારે ધૃષ્ટ હોઈ, કવચકુંડળ સાથે જન્મ્યો છે એટલે એનું નામ ધૃષ્ટદ્યુમ્ન. આ કન્યાનો રંગ કાળો છે એટલે તેનું નામ કૃષ્ણા. પછી દ્રોણ ગુરુએ પાંચાલ રાજાના પુત્રને પોતાને ત્યાં બોલાવીને અસ્ત્રવિદ્યા શીખવી. એ રીતે પોતાને મળેલા અડધા રાજ્યનો બદલો વાળી આપ્યો. (આદિ પર્વ, ૧૫૫)

પાંડવો અને દ્રૌપદીના પૂર્વજન્મની કથા

નૈમિષારણ્યમાં દેવોએ એક મહાયજ્ઞ આરંભ્યો, તે યજ્ઞમાં યમ પશુમેધ કરતા હતા એટલે નરસંહાર થતો ન હતો. આને કારણે માનવીઓની સંખ્યા દિવસે દિવસે વધવા લાગી. હવે બધા ગભરાયા. ઇન્દ્ર, વરુણ, કુબેર, અશ્વિનીકુમારો, રુદ્રગણો અને બીજા દેવતાઓ દર વખતની જેમ જઈ પહોંચ્યા બ્રહ્મા પાસે. ‘ભગવાન, માનવીઓની સંખ્યા આટલી બધી વધી ગઈ છે. એટલે અમારી ચિંતાનો તો પાર નથી. તમારી પાસે આ મુશ્કેલીમાંથી રસ્તો કાઢવા આવ્યા છીએ.’ આ સાંભળી બ્રહ્મા બોલ્યા, ‘અરે, તમે બધા તો અમર છો, પછી માનવીઓથી ડરો છો શા માટે? તમારે બીવાનું નહીં.’ ‘અરે, પિતામહ, આ માનવીઓ મૃત્યુ પામતા નથી. અમારામાં અને તેમનામાં કયો ભેદ? અમારે એમનાથી જુદા પડવું જ છે, એટલે તમારી પાસે આવ્યા છીએ. બ્રહ્માએ કહ્યું, ‘સૂર્યપુત્ર યમ અત્યારે યજ્ઞ કરી રહ્યા છે, એટલે માનવીઓનું મૃત્યુ થતું નથી. યજ્ઞ પૂરો થાય એટલે માનવીઓનો અંત આવી જશે. તમારા પ્રભાવને કારણે જ યમરાજનું શરીર પણ જીવનાશી બની જશે. મનુષ્યો નિર્બળ થઈ જશે એટલે તેમનો અંત આવશે.’ બ્રહ્માની વાત સાંભળીને દેવતાઓ નૈમિષારણ્યમાં જઈ પહોંચ્યા. એક દિવસ કિનારા પર બેઠેલા દેવતાઓએ ભાગીરથીના પ્રવાહમાં વહેતું કમળ જોયું. તેમને આ જોઈને નવાઈ લાગી. આ કમળ આવ્યું ક્યાંથી? એટલે તેની તપાસ કરવા ગંગા જ્યાંથી નીકળતી હતી ત્યાં ઇન્દ્ર જઈ પહોંચ્યા અને તેમણે જોયું તો અગ્નિ જેવી એક કન્યા ત્યાં હતી. પાણીની ઇચ્છાથી તે ગંગામાં ડૂબકાં ખાતી હતી અને તેની આંખોમાંથી ટપકતાં આંસુ કમળ બની જતાં હતાં. આ અદ્ભુત ઘટના જોઈ એટલે ઇન્દ્રે તેની પાસે જઈને પૂછ્યું, ‘તું કોણ છે? રડે છે કેમ?’ કન્યાએ કહ્યું, ‘હું દુર્ભાગી છું. મારી સાથે આવો તો તમને હું કોણ છું અને શા માટે રડી રહી છું, એનો પરિચય થશે. તમે મારી પાછળ પાછળ આવો.’ એની વાત સાંભળીને ઇન્દ્ર પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડે દૂર જઈને જોયું તો હિમાલયના એક શિખર પર પરમ સુંદર પુરુષ કોઈ સ્ત્રીની સાથે ચોપાટ રમી રહ્યો હતો. પેલા બંને તો રમવામાં મશગૂલ હતા એટલે ઇન્દ્રે કહ્યું, ‘આ ત્રણે લોક પર મારું રાજ ચાલે છે.’ તો પણ કશો ઉત્તર ન મળ્યો એટલે ઇન્દ્રે ક્રોધે ભરાઈને ફરી કહ્યું, ‘આ આખા ભૂમંડળનો સ્વામી હું છું.’ પેલા ચોપાટ રમતો પુરુષ ક્રોધે ભરાયેલા ઇન્દ્રને જોઈને હસ્યો, એક વાર ઇન્દ્ર પર નજર કરી. ઇન્દ્ર જેવા ઇન્દ્રનું શરીર તો પેલાની દૃષ્ટિ પડતાંવેંત જડ થઈ ગયું. હવે ચોપાટની રમત પૂરી થઈ એટલે તે પુરુષે રડતી કન્યાને કહ્યું, ‘તું આ ઇન્દ્રને મારી પાસે લઈ આવ. મારે તેને શિક્ષા કરવી પડશે. ભવિષ્યમાં મારી આગળ અભિમાન ન કરે.’ તે કન્યાનો સ્પર્શ થતાં વેંત ઇન્દ્રનું શરીર ઢીલું થઈ ગયું, અને ધરતી પર તે પડી ગયા, મહાદેવે કહ્યું, ‘ઇન્દ્ર, હવે પછી આમ ન કરીશ. તારામાં જોર બહુ છે ને, આ મોટા પર્વતનું દ્વાર ઉઘાડ અને અંદર જા. અંદર તારા જેવા ઘણા તેજસ્વી ઇન્દ્ર છે.’ પછી દેવરાજે પોતાના જેવા જ ચાર ઇન્દ્ર જોયા. તેમને જોઈને વિચારમાં પડ્યા, ‘અરે ભગવાન, મારી આવી હાલત ન થાય.’ પછી શંકર ભગવાને ક્રોધે ભરાઈને વજ્રપાણિ ઇન્દ્રને કહ્યું, ‘ઇન્દ્ર, તું આ ગુફામાં પેસી જા. અજ્ઞાનને કારણે તેં મારો અનાદર કર્યો છે.’ આ સાંભળીને ઇન્દ્ર તો પીપળાના પાનની જેમ ધૂ્રજવા લાગ્યા. પછી બે હાથ જોડીને માથું ઝુકાવ્યું, અને કહેવા લાગ્યા, ‘અરે ભગવાન, તમે તો ચરાચર જગતનો પાર પામી ગયા છો, આખું જગત તમારી આંખો આગળ છે.’ મહાદેવ આ સાંભળીને હસી પડ્યા અને બોલ્યા, ‘અભિમાની લોકો ક્યારેય ભગવાનને પામી શકતા નથી. તમારી જેમ જ અભિમાન કરનારા ચાર ઇન્દ્ર અંદર છે, હવે તમે પણ જતા રહો અંદર, હવે તમારે પાંચેય ઇન્દ્રે પૃથ્વી પર માનવી તરીકે જનમવું પડશે. કઠોર કાર્યો કરવાં પડશે. કેટલાય જીવોનો વધ કરવો પડશે, પછી જ તમે ઇન્દ્રલોકમાં આવી શકશો. તમારા માટે મેં આ બધું નક્કી કર્યું છે.’ આ સાંભળી ત્યાં જઈ પહોંચેલા પહેલા ઇન્દ્રે કહ્યું, ‘અમે પાંચેય સ્વર્ગમાંથી પૃથ્વી પર તો જઈશું. ત્યાં મોક્ષ મેળવવો અઘરો તો છે. અમારી એક પ્રાર્થના છે. જે સ્ત્રી અમારી માતા બને, ધર્મ-વાયુ-ઇન્દ્ર, અને બંને અશ્વિનીકુમારો અમારા માટે તે સ્ત્રીમાં ગર્ભાધાન કરે.’ આ સાંભળી વજ્રધારી ઇન્દ્રે કહ્યું, ‘હું જાતે નહીં જઉં, પણ આ કાર્ય પૂરું કરવા મારા સત્ત્વમાંથી એક પુરુષ પેદા કરીશ.’ ભોળાનાથ તો ભારે દયાળુ, તેમણે પાંચેય ઇન્દ્રની વાત માની લીધી. લોકોના મનને લોભાવનારી તે કન્યા પૃથ્વી પર આ પાંચેની પત્ની બનશે એવું પણ કહ્યું. પછી ભગવાન બધાને લઈને નારાયણ પાસે ગયા, નારાયણે પણ એ વાત સ્વીકારી. આમ બધા પૃથ્વી પર પહોંચ્યા. ભગવાન હરિએ પોતાની શક્તિ રૂપી કૃષ્ણ-શુકલ-બે રંગના વાળ તોડ્યા અને તે રોહિણી તથા દેવકીના ગર્ભમાં પ્રવેશ્યા. એક બળદેવ અને બીજા કૃષ્ણ. ઇન્દ્રની પહેલાં ગુફામાં બંધ થયેલા ઇન્દ્ર પાંડવો તરીકે જન્મ્યા. અર્જુન એટલે ઇન્દ્રપુત્ર. પેલી દિવ્ય સુંદરી તે દ્રૌપદી. આમ તે પાંચેની પત્ની થશે એ વાત તો પહેલેથી નક્કી જ હતી. જેનું રૂપ સૂર્ય અને ચન્દ્ર જેવું હોય, જેના શરીરની સુગંધ એક યોજન સુધી પહોંચે તે દેવતાઓની સહાય વિના યજ્ઞની વેદીમાંથી પ્રગટે કેવી રીતે? આમ વ્યાસ ભગવાને દ્રુપદ રાજાને દિવ્ય દૃષ્ટિ આપી એટલે કુન્તીપુત્રોને દેવરૂપે જોયા. દ્રુપદ આ જોઈ ભગવાન વ્યાસને પગે લાગ્યા. ફરી વ્યાસ ભગવાન બોલ્યા, ‘કોઈ તપોવનમાં એક મહાત્મા ઋષિ હતા, તેમની કન્યા રૂપવાન અને પવિત્ર, તો પણ તેનું લગ્ન થતું ન હતું. પછી તે કન્યાએ ભારે તપ કરીને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા, તે કન્યા વારંવાર બોલી, ‘સર્વગુણવાન પતિ મારે જોઈએ છે.’ શંકર ભગવાને કહ્યું, ‘તું પાંચ પતિવાળી થઈશ. તેં પાંચ વખત પતિ માગ્યા એટલે હવે તને પાંચ પતિ મળશે.’ (ગીતાપ્રેસ, આદિ પર્વ, ૧૯૫-૧૯૬)

જંગલી શિયાળની કથા

(કણિક ધૃતરાષ્ટ્રને રાજનીતિ શીખવાડતા આ દૃષ્ટાંતકથા કહે છે.) કોઈ એક વનમાં બુદ્ધિશાળી અને સ્વાર્થી શિયાળ રહેતો હતો. તેને ચાર મિત્રો: વાઘ, ઉંદર, વરુ અને નોળિયો. એક દિવસ તેણે હરણોના મુખીને જોયો, ભારે બળવાન. આ મિત્રો તેને પકડી ન શક્યા. પછી અંદરઅંદર ચર્ચા કરવા બેઠા. શિયાળે કહ્યું, ‘વાઘ ભાઈ, તેં આ હરણને મારવા બહુ પ્રયાસ કર્યા. પણ આ હરણ બહુ ઝડપથી દોડી શકે છે, યુવાન છે અને ચતુર છે. એટલે જ તે પકડાતો નથી. હવે મારી વાત સાંભળો, આ હરણ સૂઈ જાય ત્યારે ઉંદરે તેના પગ કાપી નાખવાના. એટલે વાઘ તેને પકડી શકશે. પછી આપણે બધા તેને ખાઈ જઈશું.’ શિયાળની વાત સાંભળીને બધાએ એવું જ કર્યું. ઉંદરે બચકાં ભર્યાં હતાં એટલે હરણના પગ લડખડવા લાગ્યા. વાઘે તેને તરત જ મારી નાખ્યું. હરણનો નિર્જીવ દેહ, ધરતી પર પડેલો હતો એટલે લુચ્ચા શિયાળે બધાને કહ્યું, ‘સરસ-સરસ. હવે તમે નાહીધોઈને આવો. હું અહીં ચોકીપહેરો ભરીશ.’ શિયાળના કહેવાથી બધા નદીએ નહાવા ગયા. શિયાળ ભારે ચિંતામાં હોય તેમ ત્યાં ઊભું રહ્યું. એટલામાં નાહીધોઈને સૌથી પહેલાં તો વાઘ આવી ગયો. તેણે ચિંતાતુર શિયાળને જોઈને પૂછ્યું, ‘શા વિચારમાં પડી ગયું છે? તું તો અમારા બધામાં સૌથી વધુ હોશિયાર છે. આજે આપણે હરણનું માંસ ખાઈને નિરાંતે હરીશું ફરીશું.’ એટલે શિયાળ બોલ્યું, ‘અરે ઉંદરે મને જે કહ્યું તે સાંભળો. તે કહે — વનરાજ વાઘનું બળ ક્યાં ગયું? આજે તો આ હરણને મેં માર્યું છે. મારા બળબુદ્ધિનો ઉપયોગ કરીને તે પેટ ભરશે. બહુ અભિમાનભરી વાતો તેણે કરી. એની મદદ વડે મેળવેલા આ માંસને ખાવાનું મને નહીં ગમે.’ વાઘે કહ્યું, ‘એમ? તેણે તો મારી આંખો ઉઘાડી દીધી. હવે હું મારા પરાક્રમથી જ શિકાર કરીશ, પછી જ પેટ ભરીશ.’ એમ કહી વાઘ જતો રહ્યો. એટલામાં ઉંદર નાહીધોઈને આવ્યો. તેને જોઈને શિયાળ બોલ્યું, ‘અરે ભાઈ, નોળિયાએ જે કહ્યું, તે સાંભળ. વાઘે આના શરીરમાં દાંત બેસાડ્યા એટલે તેનું માંસ ઝેરી થઈ ગયું. હું તો નહીં ખાઉં. મને ન ગમે. જો તું કહે તો હોય તો હું ઉંદરને જ ખાઈ જઉં.’ આ સાંભળી ઉંદર તો ગભરાઈને પોતાના દરમાં ભરાઈ ગયો. પછી વરુ પણ નાહીને આવી ચઢ્યું. શિયાળે તેને કહ્યું, ‘આજે તો વાઘ તારા પર બહુ ગુસ્સે થયો છે. તારું આવી જ બન્યું. તે વાઘણને થઈને આવી રહ્યો છે. હવે તને જે ઠીક લાગે તે કર.’ આ સાંભળી વરુ ભાગી ગયું. એટલામાં નોળિયો આવી ગયો. શિયાળે તેને કહ્યું, ‘મેં મારા બાહુબળ વડે બધાને હરાવ્યા. તેઓ બધા હાર કબૂલીને જતા રહ્યા છે. હવે તારામાં હિંમત હોય તો મારી સાથે લડી લે. પછી માંસ ખાજે.’ નોળિયાએ આ સાંભળી કહ્યું, ‘જ્યારે વાઘ, વરુ, ઉંદર, આ બધા જો હારી ગયા તો મારી કઈ વિસાત? હું તારી સાથે યુદ્ધ ન કરી શકું.’ એક કહી નોળિયો પણ ત્યાંથી જતો રહ્યો. આમ બધા જતા રહ્યા એટલે નિરાંતે શિયાળે હરણનું માંસ ખાધું. (ગીતાપ્રેસ, આદિ પર્વ, ૧૭૦-૧૭૨)

તપતી-સંવરણની કથા

જે દેવતાએ પોતાના તેજથી આકાશને છાઈ દીધું છે તે દેવતાને તપતી નામની એક અનુપમ કન્યા જન્મી. આ વિવસ્વાન (સૂર્ય)ની પુત્રી તપવાળી હતી અને ત્રણે લોકમાં તપતી તરીકે પ્રસિદ્ધ થઈ, તે સાવિત્રીની નાની બહેન હતી. તેના જેવી રૂપવાન કોઈ દેવી ન હતી, કોઈ અસુરી ન હતી, કોઈ યક્ષી ન હતી, ન કોઈ રાક્ષસી હતી, ન કોઈ અપ્સરા કે ગંધર્વી ન હતી. તેની આંખો કાળી અને વિશાળ હતી, તેનાં અંગો સપ્રમાણ હતાં, તે અનિંદિતા હતી, શુદ્ધ આચારવાળી, સાધ્વી અને સુવેશા ભામિની હતી, તેના પિતા સવિતા (સૂર્ય)એ માની લીધું કે તેના જેવો રૂપવાન, કુળવાન, વિદ્યાયુક્ત ભર્તાર ત્રણે લોકમાં કોઈ નથી. થોડા સમયમાં તે યુવાવસ્થામાં પ્રવેશી, તેને જોઈને તેનું લગ્ન કોની સાથે કરવું તેની ચિંતા તેના પિતા કરવા લાગ્યા અને એને કારણે તેમને શાંતિ ન મળી. એ દિવસોમાં ઋક્ષપુત્ર કુરુશ્રેષ્ઠ બળવાન રાજા સંવરણ સૂર્યની આરાધના કરતા હતા. નિયમબદ્ધ અને શુદ્ધ મનથી વિવિધ પ્રકારની તપસ્યા, ઉપવાસ, અર્ઘ્ય, માલા અને બીજા ઉપહારો વડે સૂર્યની પૂજા કરતા હતા. તે સેવાભાવી, નિરભિમાની, પવિત્ર ભક્તિમાન રાજા સૂરજ ઊગે એટલે નિત્ય પૂજા કરતા હતા. સૂર્યે પ્રખ્યાત વંશમાં જન્મેલા નૃપોત્તમ સંવરણને પોતાની કન્યા આપવાની ઇચ્છા થઈ. જેવી રીતે દીપ્ત અંશુ (કિરણ) વડે સૂર્ય આકાશને અજવાળે છે તેવી રીતે મહીપાલ સંવરણે પોતાના તેજથી પૃથ્વીને તેજસ્વી કરી હતી. જેવી રીતે સૂર્ય ઊગે ત્યારે બ્રાહ્મણો તેની પૂજા કરે છે તેવી રીતે બ્રાહ્મણો અને બીજા લોકો સંવરણની પૂજા કરતા હતા. તે રાજા મિત્રો પર કૃપા કરી સોમ(ચંદ્ર)થી અને શત્રુઓ પર વિજયી થઈને સૂર્યથી ચઢિયાતા થયા. આવા ગુણવાન, શીલવાન, નૃપતિને સૂર્યદેવે તપતી આપવાનો મનોમન નિર્ણય કર્યો. એક સમયે આ યશસ્વી રાજા મૃગયા માટે પર્વતની આસપાસના ઉપવનમાં ફરી રહ્યા હતા. મૃગયા માટે ભટકતા રાજાનો અશ્વ ભૂખતરસથી પર્વત પર મૃત્યુ પામ્યો. એટલે પગે ચાલીને તેઓ પર્વતની આસપાસ ઘૂમતા હતા ત્યારે દીર્ઘ નેત્રોવાળી અનુપમ કન્યા જોઈ. શત્રુઓને હરાવનારા તે નૃપતિશાર્દૂલ એકાંતમાં તે કન્યાને જોઈ જ રહ્યા. તેની સુંદરતા જોઈને રાજાએ માન્યું કે આ લક્ષ્મી હશે, ફરી વિચાર્યું કે રવિની પ્રભા ભ્રષ્ટ થઈને પૃથ્વી પર અવતરી હશે. આ કાળી આંખોવાળી કન્યા જે પર્વત પર ઊભી છે તે વૃક્ષ, લતા વગેરેવાળો પર્વત હિરણ્મય (સુવર્ણમય) દેખાવા લાગ્યો. તેને જોઈને રાજાએ મનોમન બધાં પ્રાણીઓના શરીરને તુચ્છ માન્યા, પોતાને આંખો છે તેનું આ ફળ મળ્યું એમ માન્યું. તેમણે વિચાર્યું કે જન્મ પછી જે કંઈ જોયું હતું તેમાંથી એક પણ તે કન્યા જેવું રૂપવાન ન હતું. તેની ગુણજાળમાં રાજાનાં મન અને ચક્ષુ ફસાઈ ગયાં અને ત્યાંથી બીજે જઈ ન શક્યા, કશું સમજી ન શક્યા. વિધાત્રીએ ખરેખર સુર, અસુર, મનુષ્ય વગેરેનું મંથન કરીને આ વિશાલાક્ષીના રૂપનું નિર્માણ કર્યું હશે. રાજા સંવરણે આ કન્યા રૂપ, દ્રવ્યની સંપદામાં સંસારમાં અનુપમ છે એમ માન્યંુ, તે કલ્યાણીને જોઈને કલ્યાણકારી રાજાને કામદેવનું બાણ વાગ્યું અને મનમાં ચિંતા કરવા લાગ્યા. તે રાજા તીવ્ર મન્મથાગ્નિ (કામાગ્નિ)થી પીડાઈને તે અત્યંત સુંદર અને યશસ્વિની કન્યાને કહેવા લાગ્યા, ‘હે કેળ જેવી સાથળોવાળી, તું કોણ છે? કોની પુત્રી છે? અહીં શા માટે ઊભી છે? હે શુચિસ્મિતા, આ નિર્જન અરણ્યમાં એકલી શા માટે વિહરે છે? તું સર્વાંગસુંદર છે, સર્વ અલંકારોથી આભૂષિત છે, આ બધાં અલંકારોને યોગ્ય રીતે સુશોભિત કરનારી તું પોતે અલંકારો જેવી છે. તું દેવકન્યા નથી. તું અસુરકન્યા નથી, યક્ષકન્યા નથી, રાક્ષસકન્યા નથી, ગંધર્વકન્યા નથી, મનુષ્ય નથી, નાગકન્યા નથી. હે માનિની, મેં જેટલી વરાંગનાઓ (સુંદરીઓ) જોઈ છે, જેમના વિશે સાંભળ્યું છે તેમાંથી કોઈ પણ તારા જેવી નથી.’ આ પ્રમાણે મહીપાલે નિર્જન અરણ્યમાં તેને કહ્યું પણ તે કામાતુર રાજાને તેણે કશો ઉત્તર આપ્યો નહીં. રાજાએ પૂછ્યા કર્યું છતાં તે દીર્ઘ નેત્રવાળી કન્યાએ કશો ઉત્તર આપ્યો નહીં અને જેવી રીતે વાદળોમાં વીજળી સંતાઈ જાય તેમ ત્યાં સંતાઈ ગઈ. નૃપતિ કમળપત્ર જેવી આંખોવાળી તે કન્યાને શોધવા ઉન્મત્તની જેમ તે વનમાં ચારે બાજુ ભમવા લાગ્યા. તે દેખાઈ નહીં એટલે વિવિધ વિલાપ કરતા તે કૌરવશ્રેષ્ઠ થોડા સમય માટે નિશ્ચેષ્ટ થઈ ગયા. તે કન્યા અદૃશ્ય થઈ ગઈ એટલે કામમોહિત થયેલા અને શત્રુઓને હરાવનારા રાજા ધરણી પર ઢળી પડ્યા. રાજા ભૂમિ પર પડ્યા એટલે ચારુહાસિની અને પુષ્ટ નિતંબોવાળી તે કન્યા રાજાને ફરી દેખાઈ. કામમોહિત અને કુરુકુળને સમૃદ્ધ કરનારા રાજાને તે કલ્યાણી મધુર વાણીથી કહેવા લાગી. ‘હે શત્રુજિત, નૃપતિ શાર્દૂલ, ઊઠો ઊઠો, તમારું કલ્યાણ થાય, તમારે મોહ પામવો ન જોઈએ.’ આવી મધુર વાણી સાંભળીને રાજાએ તે પુષ્ટ નિતંબોવાળી કન્યાને પોતાની સામે જ જોઈ. મન્મથના અગ્નિથી દાઝેલા તે રાજા કાળી આંખોવાળીને તૂટક તૂટક વાણીમાં કહેવા લાગ્યા, ‘હે કાળી આંખોવાળી માનિની, હું કામાતુર બનીને તારું ધ્યાન ધરી રહ્યો છું, તું સાધુભાવે મારું સેવન કર, મારા પ્રાણ જઈ રહ્યા છે. હે કમલગર્ભવાળી કાંતિવાળી, વિશાલાક્ષી, કામદેવ તારા માટે જ મને બાણ મારી રહ્યો છે, અને તે શાંત થતો નથી. હે ભદ્રે, કામ રૂપી મોટો સર્પ મને ડસી રહ્યો છે, હે શુભાનના (સુંદર મુખવાળી), પુષ્ટ નિતંબોવાળી, તેનાથી મારું રક્ષણ કર. કિન્નરોના ગીત જેવું બોલનારી, સુંદર અનિન્દિતા, પદ્મ અને ઇન્દુ (ચંદ્ર) જેવા મુખવાળી મારા પ્રાણ હવે તને અધીન છે. હે ભીરુ, હું તારા વિના જીવી નહીં શકું. હે વિશાલાક્ષી અંગના, મારા પર કૃપા કર. હે કાળી આંખોવાળી, હું તારો ભક્ત છું, મારો ત્યાગ કરવો યોગ્ય નથી. હે ભામિની, પ્રીતિયોગથી તું મારું રક્ષણ કરી શકે છે. હે ભીરુ સુંદરી, ગાંધર્વ વિવાહ વડે તું મારી સાથે જોડાઈ જા. હે કેળ જેવી સાથળોવાળી, કહેવાય છે કે બધા વિવાહોમાં ગાંધર્વવિવાહ ચડિયાતો છે.’ તપતીએ ઉત્તર આપ્યો, ‘હે રાજન્, હું મારી સ્વામિની નથી, મારા પિતા છે. મારા પર પ્રીતિ હોય તો મારા પિતાને યાચો. હે નરેશ્વર, જેવી રીતે મેં તમારું હૃદય જીતી લીધું છે તેવી રીતે દર્શનમાત્રથી તમે મારા પ્રાણ પણ હરી લીધા છે. સ્ત્રીઓ સ્વતન્ત્ર નથી એટલે મારા દેહ પર મારો અધિકાર નથી. હું તમારી સમીપ આવી શકતી નથી. જેમની કુલીનતા બધા લોકમાં પ્રસિદ્ધ છે, તે ભક્તવત્સલ રાજાને કઈ કન્યા ભર્તા તરીકે ન ઇચ્છે? એટલે તમે યોગ્ય કાળે મારા પિતા આદિત્ય(સૂર્ય)ને પ્રણામ કરીને, તેમની નિયમપૂર્વકની આરાધના કરીને મારું માગું કરજો. હે અરિનાશી (શત્રુનાશી) રાજન્, જો મારા પિતા સંમતિ આપશે તો હું સતત તમારી વશવર્તિની બની રહીશ. હે ક્ષત્રિયવર, મારું નામ તપતી છે, આ લોકના પ્રદીપક સૂર્યની પુત્રી છું, સાવિત્રીની નાની બહેન છું.’ આ પ્રકારે બોલીને તે અનિન્દિતા કન્યા તરત જ ઉપર જતી રહી. તે રાજા ફરી ભૂમિ પર ઢળી પડ્યા. રાજાના અમાત્યે અને તેમના અનુયાયીઓએ તૂટેલા શક્રધ્વજ (ઇન્દ્રધ્વજ)ની જેમ તે મહાવનમાં ધરતી પર પડેલા રાજાને જોયા. તે મહા ધનુર્ધારી ભૂપાલને અશ્વ વિના ભૂમિ પર પડેલા જોઈને તેમના અમાત્ય અગ્નિની આંચ લાગી હોય તેમ પ્રદીપ્ત થઈ ગયા. મૂઢ થઈ ગયેલા તે અમાત્યે ઉતાવળે કામમોહિત થયેલા રાજાને પ્રેમથી પાસે જઈને ઉઠાવ્યા. જેવી રીતે પિતા પોતાના પુત્રને ઉઠાવે છે તેવી રીતે પ્રજ્ઞા, વય, કીર્તિ, દમમાં વૃદ્ધ એવા અમાત્યે ભૂમિ પરથી રાજાને ઊંચકી લીધા. અમાત્ય તેમને ઊંચકીને ચિંતામુક્ત બન્યા. તેમને કલ્યાણકારી, મધુર વાણીમાં કહેવા લાગ્યા, ‘હે અનઘ, મનુજશાર્દૂલ, તમારું કલ્યાણ થાય, ભયભીત ન થશો.’ જે શત્રુઓને રણમેદાનમાં પરાજિત કરે છે, તે રાજા ભૂખતરસ, થાકથી ભૂમિ પર પડ્યા છે એમ માન્યું. પુંડરીક (કમળ)ની સુવાસવાળા શીતળ જળથી રાજાના મસ્તકે અભિષેક કર્યો, મુકુટ પણ ધોયો. ભાનમાં આવ્યા પછી બળવાન રાજાએ અમાત્ય સિવાયના બધાને દૂર કર્યા. રાજાની આજ્ઞાથી સેના વિદાય થઈ એટલે તે રાજા ફરી તે પર્વત પર બેઠા. તે રાજા પવિત્ર થઈને સૂર્યની આરાધના કરવા બે હાથ જોડીને ઊંચા કરીને ઊભા રહ્યા. તે શત્રુનાશક રાજા મનમાં ઋષિશ્રેષ્ઠ પુરોહિત વસિષ્ઠનું સ્મરણ કરવા લાગ્યા. આમ જનાધિપ રાજા એકાગ્ર ચિત્તે રાતદિવસ ઊભા રહ્યા, બારમા દિવસે વસિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા. દિવ્ય વિધિ દ્વારા નૃપતિનું મન તપતીએ હરી લીધું છે એવું મહાન ઋષિએ જાણ્યું. આત્માને જીતનારા અને શ્રેષ્ઠ રાજવીને તેનું કાર્ય પૂરું કરવાની ઇચ્છાથી ધીરજ બંધાવી. ત્યાર પછી ભાસ્કર (સૂર્ય) જેવા તેજસ્વી વસિષ્ઠ ઋષિ સૂર્યને મળવા રાજાના દેખતાં જ ઊંચે ચઢી ગયા. તે બ્રાહ્મણ બે હાથ જોડીને સહાંશ (સૂર્ય) પાસે ગયા, પે્રમથી પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘હું વસિષ્ઠ.’ મહા તેજસ્વી વિવસ્વાને મુનિને કહ્યું. ‘હે મહર્ષિ, તમારું સ્વાગત. તમારી શી ઇચ્છા પૂરી કરું?’ વસિષ્ઠે જણાવ્યું, ‘હે વિભાવસુ (સૂર્ય), સાવિત્રીની નાની બહેન તપતીનું માગું રાજા સંવરણ માટે લઈને આવ્યો છું. હે આકાશગામી, તે રાજા કીર્તિવાન ધર્મતત્ત્વના જાણકાર છે, ઉદાર બુદ્ધિવાળા છે, તમારી પુત્રીને વરવા યોગ્ય છે. ઋષિની એવી વાત સાંભળીને રાજાને પોતાની કન્યા આપવાનો નિર્ણય કરીને આદરપૂર્વક દિવાકરે (સૂર્ય) તે વિપ્રને કહ્યું, ‘હે મુનિ, રાજાઓમાં સંવરણ શ્રેષ્ઠ છે, તપતી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છે, તો એમને કન્યા આપવા સિવાય બીજો સારો વિચાર કયો?’ એટલે સૂર્યે પોતે જ મહાત્મા વસિષ્ઠને પોતાની અનવદ્ય સુંદર કન્યા તપતી સંવરણ માટે આપી અને મહર્ષિએ તે કન્યાનો સ્વીકાર કર્યો, ત્યાર પછી વસિષ્ઠ સૂર્યની વિદાય લઈને જ્યાં વિખ્યાત કીર્તિમાન રાજા સંવરણ હતા ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં કામાતુર રાજા તપતીમાં જ મન પરોવીને બેઠા હતા. ચારુહાસિની તપતીને વસિષ્ઠની સાથે આવતી જોઈ અતિ પ્રસન્ન થયા. રાજાએ બાર રાત્રિઓ વીતાવ્યા પછી વિશુદ્ધાત્મા ભગવાન ઋષિ વસિષ્ઠ ત્યાં આવ્યા હતા. આમ સંવરણ રાજાએ તપ વડે કિરણોના સ્વામીની ઉપાસના કરી વસિષ્ઠ ઋષિના તેજથી તપતીને ભાર્યા રૂપે પ્રાપ્ત કરી. ત્યાર પછી ગંધર્વો અને દેવતાઓને પ્રિય એવા તે ગિરિશ્રેષ્ઠ પર જ તપતી સાથે વિધિપૂર્વક લગ્ન કર્યું. વસિષ્ઠની આજ્ઞાથી તે પર્વત પર રાજર્ષિએ પત્ની સાથે વિહરવાની ઇચ્છા કરી. અમાત્યને નગર, દેશ, વાહન, સૈન્યની રક્ષા કરવાની આજ્ઞા આપી. રાજાની સંમતિ લઈ વસિષ્ઠ પોતાના નિવાસે ગયા. રાજા તે પર્વત પર દેવોની જેમ વિહરવા લાગ્યા. બાર વરસ સુધી કાનનમાં અને જળાશયોમાં ભાર્યા સાથે રાજા ફર્યા. સહાક્ષે (ઇન્દ્રે) તે નગરમાં અને દેશમાં બાર વર્ષ સુધી વર્ષા ન કરી. તે પ્રદેશ ભૂખ્યા અને આનંદરહિત લોકોથી ઊભરાવાને કારણે જાણે પ્રેતોથી ભરેલું યમનંુ નગર ન હોય તેવો લાગ્યો. એવી સ્થિતિ જોઈને ધર્માત્મા વસિષ્ઠ ઋષિ રાજા પાસે ગયા. બાર વર્ષ તપતી સાથે રહેતા રાજાને નગરમાં લઈ આવ્યા. તે નૃપતિશાર્દૂલે નગરમાં પગ મૂક્યો એટલે શત્રુનાશી ઇન્દ્રે પહેલાંની જેમ તે પ્રદેશમાં પાણી વરસાવ્યું, રાજ્યની ચિંતા રાજા કરતા થયા. એટલે આખું રાષ્ટ્ર પ્રસન્ન થયું, નગર પણ આનંદિત થયું. જેવો યજ્ઞ મરુત્પતિ શક્રે (ઇન્દ્રે) કર્યો હતો તેવો યજ્ઞ પત્ની તપતી સાથે બાર વર્ષ સુધી કર્યો,... રાજા સંવરણે તપતી દ્વારા કુરુ નામના પુત્રને જન્મ આપ્યો. (આદિ પર્વ, ૧૭૦થી ૧૭૨)

વસિષ્ઠ-વિશ્વામિત્રકથા

કાન્યકુબ્જ પ્રદેશમાં સત્ય ધર્મપરાયણ ગાધિ નામે એક પ્રખ્યાત રાજા થઈ ગયા, તે ધર્માત્માને ત્યાં વિશ્વામિત્ર નામે એક પ્રસિદ્ધ પુત્રનો જન્મ થયો. આ પુત્ર સેના, વાહનોથી સમૃદ્ધ અને શત્રુનાશક હતા. તેઓ એક સમયે ગાઢ વનમાં અને સુંદર રણપ્રદેશમાં મૃગ અને વરાહના શિકાર માટે ભ્રમણ કરી રહ્યા હતા. મૃગ માટેની ઇચ્છા ધરાવતા તે વિશ્વામિત્ર રખડપટ્ટીથી થાકીને અને તરસ્યા થઈને વસિષ્ઠના આશ્રમમાં જઈ પહોંચ્યા. ઋષિશ્રેષ્ઠ વસિષ્ઠે નરશ્રેષ્ઠ વિશ્વામિત્રને આવતા જોઈ પૂજા કરી સ્વાગત કર્યું, તે ઋષિએ પાદ્ય, અર્ઘ્ય, આચમન, સ્વાગત, વન્ય, હવિષ વગેરેથી સ્વાગત કર્યું તથા વનના ફળફૂલ વગેરેથી વિશ્વામિત્રનો સત્કાર કર્યો. મહાત્મા વસિષ્ઠની પાસે એક કામધેનુ હતી, ‘અમુક ઇચ્છા પૂરી કરો.’ એમ કહેવાથી તે નિત્ય એમની એ બધી ઇચ્છાઓ પૂરી કરતી હતી. વસિષ્ઠની ઇચ્છા પ્રમાણે કામધેનુને દોહવાથી ગ્રામ્યપ્રદેશની તથા વનની ઔષધિઓ, દૂધ, અમૃતસમાન ખટરસ, ઉત્તમ રસાયન, અમૃત સમાન બહુવિધ ભોજનની, પેય, ભક્ષ્ય, લેહ્ય, ચોષ્ય સામગ્રીઓ પ્રાપ્ત થઈ. મંત્રી તથા સેનાની સાથે મહીપતિએ (વિશ્વામિત્રે) આ સર્વ સંપૂર્ણ કામ્ય વસ્તુઓથી સત્કાર પામીને ખૂબ જ સંતોષ અનુભવ્યો. ત્યાં પુષ્ટ મસ્તક, ગરદન, જઘન, પિંડીઓ, પુચ્છ અને આંચળવાળી, ત્રણ વિશાળ અવયવો, તથા પાંચ પુષ્ટ અવયવો. દેડકાના જેવી આંખોવાળી, ઉત્તમ આકાર ધરાવતી પુષ્ટ આંચળવાળી, અનંદિત અંગોવાળી, સુંદર શિંગડાંવાળી, મનને આનંદ આપવાવાળી, પુષ્ટ — વિશાળ મસ્તક અને ગરદનવાળી ગાયને જોઈને વિશ્વામિત્ર આશ્ચર્યચક્તિ થઈ ગયા. વસિષ્ઠ ઋષિની પયસ્વિની નંદિની નામક એ કામધેનુને જોઈને વિશ્વામિત્રે તેની પ્રશંસા કરી અને અતિ સંતુષ્ટ ચિત્તે વસિષ્ઠને કહ્યું, ‘હે બ્રહ્મન્, તમે દસ કરોડ ગાય લઈને મને આ નંદિની આપી દો. હે મહામુનિ, તમે મને નંદિની આપીને મારા રાજ્યનો ઉપભોગ કરો.’ વસિષ્ઠે ઉત્તર આપ્યો, ‘આ પયસ્વિની નંદિની દેવતા, અતિથિ, પિતૃઓ અને યજ્ઞ માટે રાખી છે, તમારા રાજ્યના બદલામાં પણ હું તેને આપી ન શકું.’ વિશ્વામિત્રે કહ્યું, ‘હું ક્ષત્રિય છું અને તમે તપ કરનારા, સ્વાધ્યાયરત બ્રાહ્મણ છો. પ્રશાંત ચિત્ત તથા સંયમી આત્મા ધરાવતા બ્રાહ્મણમાં શક્તિ કયાંથી? જો તમે દસ કરોડ ગાયના બદલામાં મારે જોઈતી ગાય નહીં આપો તો હું મારો ધર્મ નહીં ત્યાગું. હું બળજબરીથી ગાય લઈ જઈશ.’ વસિષ્ઠે ઉત્તર આપ્યો, ‘તમે બલિષ્ઠ ક્ષત્રિય રાજા છો, પરાક્રમી છો, એટલે તમારી ઇચ્છામાં આવે તે કરો, વિશેષ વિચાર કરવાની જરૂર નથી.’ વસિષ્ઠ ઋષિએ આમ કહ્યું એટલે હંસ અને ચંદ્રના પ્રતીક જેવી નંદિનીનું વિશ્વામિત્રે બળપૂર્વક હરણ કર્યું. દંડના મારથી ત્રસ્ત, આમ તેમ બાંધેલી બળપૂર્વક લઈ જવાતી વસિષ્ઠની તે કલ્યાણી નંદિની હંભારવ કરતી ભગવાન વસિષ્ઠની આગળ આવીને ઊંચું મોં કરીને ઊભી રહી, બહુ માર ખાધા પછી પણ તે આશ્રમમાંથી ન ગઈ. નંદિની વિશ્વામિત્ર અને તેમની સેનાના જોરજુલમથી ભયત્રસ્ત બનીને વસિષ્ઠ પાસે જઈ પહોંચી. તે ગાય બોલી, ‘હે ભગવન્, વિશ્વામિત્રની ભયાનક સેના મને પથ્થર અને દંડ વડે મારી રહી છે, હું અનાથની જેમ ચીસો પાડું છું, તમે મારી ઉપેક્ષા કેમ કરો છો?’ નંદિની ત્રસ્ત થઈને બહુ પીડા પામી રહી હતી, પણ વ્રતધારી વસિષ્ઠ ક્ષુબ્ધ ન થયા, અધીર ન થયા, તેમણે કહ્યું, ‘ક્ષત્રિયનું બળ તેજ છે, બ્રાહ્મણનું બળ ક્ષમા છે, જો તું ઇચ્છતી હોય તો જા.’ નંદિનીએ કહ્યું, ‘હે ભગવન્, શું તમે મારો ત્યાગ કર્યો છે? આવું કેમ બોલો છો? તમે મારો ત્યાગ કર્યો ન હોય તો કોઈ મને બળજબરીથી લઈ જઈ નહીં શકે.’ વસિષ્ઠ બોલ્યા, ‘હે કલ્યાણી, હું તારો ત્યાગ નથી કરતો. જો તારે ન જવું હોય તો રહી જા. આ તારા વાછરડાને કઠણ દોરડા વડે બળજબરીથી લઈ જઈ રહ્યા છે.’ પયસ્વિની નંદિની વસિષ્ઠે ‘રહી જા’ કહ્યું તે સાંભળીને મસ્તક અને ગરદન ઊંચી કરીને ભયાનક મૂર્તિ જેવી બની ગઈ, ક્રોધને કારણે લાલ નેત્રો કરીને વારેવારે હંભારવ કરતી તે વિશ્વામિત્રની સેનાને ચારે બાજુ ભગાડવા લાગી. સેનાઓના કોરડાના મારથી ઘાયલ થયેલી, ચારે બાજુથી બાંધેલી અતિ ક્રોધે ભરાઈને પ્રજ્વળતી આંખોવાળી તે વધુ ક્રોધે ભરાઈ. ક્રોધને કારણે તેની કાયા મધ્યાહ્નના સૂર્યના જેવી તેજસ્વી બની ગઈ અને પૂંછડા વડે વારે વારે મોટા મોટા અંગારા વરસાવવા લાગી. ત્યાર પછી ક્રોધાવેશમાં આવેલી તે ગાયે પૂંછડામાંથી પહ્લવોને, છાણમાંથી શબર અને શકોને, મૂત્રમાંથી યવનોને પેદા કર્યા, ફીણમાંથી પૌણ્ડ્ર, કિરાત, દ્રવિડ, સિંહલ, બર્બર, દરદ અને મલેચ્છોને જન્માવ્યા. વિવિધ વેશધારી તથા વિવિધ અસ્ત્રો ધારણ કરેલી મલેચ્છ સેનાએ તે જ ક્ષણે ઉત્સાહિત થઈને વિશ્વામિત્રના દેખતાં તેમના વિશાળ સૈન્યને આમતેમ ભગાડી દીધું. એમાંથી પાંચ પાંચ, સાત સાત યોદ્ધાઓ વિશ્વામિત્રના એક એક સૈનિકને ઘેરી વળ્યા. વિશ્વામિત્રના દેખતાં દેખતાં જ તેમની સેના ભયાનક અસ્ત્રવૃષ્ટિથી ઘાયલ થઈને, ભયભીત થઈને આમતેમ ભાગવા લાગી. વસિષ્ઠની સેનાએ યુદ્ધમાં પૂરેપૂરી ક્રોધે ભરાયેલી હોવા છતાં કોઈના પ્રાણ ન લીધા. તે સેનાને ત્રણ યોજન દૂર ભગાડી મૂકી, તે ભયભીત થઈને ચીસો પાડવા લાગી, તેમની રક્ષા કરે એવું કોઈ નજરે પડતું ન હતું. વિશ્વામિત્ર બ્રહ્મતેજથી સર્જાયેલી તે આશ્ચર્યલીલા જોઈને ક્ષત્રિયધર્મથી વિરક્ત થઈ ગયા અને બોલ્યા, ‘ક્ષત્રિય બલને ધિક્કાર છે, બ્રહ્મતેજનું બળ જ સાચું બળ છે. બલાબલનો નિર્ણય કરવો હોય તો જ ઉત્કૃષ્ટ ગણાશે.’ ત્યાર પછી તેમણે વિશાળ રાજ્ય અને પ્રજ્વલિત રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને, ભોગથી વિરક્ત થઈને તપ કરવા લાગ્યા. તપમાં સિદ્ધ અને પ્રદીપ્ત તેજસ્વી બનીને પોતાના તેજથી ત્રણે લોકને પ્રભાવિત કર્યા, બધા લોકને સંતાપ પમાડીને તેમણે બ્રાહ્મણત્વ મેળવ્યું. તે કૌશિકે (વિશ્વામિત્રે) ઇન્દ્રની સાથે સોમરસનું પાન પણ કર્યું. (આદિ પર્વ, ૧૬૫)

કલ્માષપાદની કથા

આ લોકમાં કલ્માષપાદ નામના અનુપમ તેજસ્વી રાજા ઇક્ષ્વાકુવંશમાં થઈ ગયા. એક વેળા તે મૃગયા નિમિત્તે નગરમાંથી વનમાં ગયા. શત્રુઓને પીડનારા તે રાજા હરણ અને વરાહનો શિકાર કરતા કરતા વનમાં ભમવા લાગ્યા. સંગ્રામોમાં અજેય, ભૂખતરસથી કુલની વૃદ્ધિ કરનારા, ઋષિશ્રેષ્ઠ, મહાત્મા વસિષ્ઠના પુત્રોને જોયા. તેમના સૌથી મોટા પુત્રનું નામ શક્તિ હતું. રાજાએ તેને કહ્યું, ‘તું મારા રસ્તા પરથી હટી જા.’ ઋષિએ શાંતિથી રાજાને સમજાવ્યા. ઋષિ ધર્મમાર્ગમાં સ્થિર હોવાને કારણે ન હટ્યા. રાજાએ પણ માન અને ક્રોધને કારણે ઋષિને રસ્તો ન આપ્યો. ઋષિએ રસ્તો ન આપ્યો એટલે તે નૃપશ્રેષ્ઠ રાજાએ મોહવશ થઈને રાક્ષસની જેમ મુનિને કોરડા માર્યા. ત્યારે મુનિશ્રેષ્ઠ વસિષ્ઠ પુત્રે કોરડાના મારથી ઘાયલ થઈને અને ક્રોધથી મૂર્ચ્છાવશ થઈને તે રાજાને શાપ આપ્યો, ‘રાજાઓમાં અધમ, મારા જેવા તપસ્વીને તેં રાક્ષસની જેમ માર્યો એટલે તું આજથી મનુષ્યોનો ભક્ષ કરનાર રાક્ષસ થજે. તું નરમાંસમાં આસક્ત થઈને આ પૃથ્વી પર રખડજે. હે રાજાઓમાં અધમ, હવે જા.’ તપોબલવાળા શક્તિએ આમ કહીને રસ્તો ત્યજી દીધો. આ પૂર્વે કલ્માષપાદ રાજાના યજ્ઞયાગ વિશે વિશ્વામિત્ર અને વસિષ્ઠની વચ્ચે અંદર અંદર વેર બંધાયું હતું. પછી વિશ્વામિત્ર રાજા પાસે ગયા. રાજા અને શક્તિ આમ ઝઘડી રહ્યા હતા ત્યારે ઉગ્ર તપસ્વી, પ્રતાપશાળી વિશ્વામિત્ર ત્યાં જઈ ચઢ્યા. પછી નૃપશ્રેષ્ઠ કલ્માષપાદે વસિષ્ઠ જેવા તેજસ્વી ઋષિ શક્તિને વસિષ્ઠપુત્ર તરીકે ઓળખ્્યા. ત્યારે વિશ્વામિત્ર પોતાની ઇચ્છા પાર પાડવા માટે પોતાનો વેશ બદલીને બંને પાસે ગયા. નૃપોત્તમ કલ્માષપાદે શક્તિના શાપથી ગ્રસિત થઈને શક્તિને પ્રસન્ન કરવા વિશ્વામિત્રનો આશ્રય લીધો. વિશ્વામિત્રે રાજાનો વિચાર સમજીને તે રાજાના શરીરમાં રાક્ષસને પ્રવેશવાની આજ્ઞા આપી. કિંકર નામનો રાક્ષસ વિપ્રર્ષિના શાપથી અને વિશ્વામિત્રની આજ્ઞાથી રાજાના શરીરમાં પ્રવેશ્યો. ત્યારે મુનિ વિશ્વામિત્ર રાજાને રાક્ષસથી પ્રભાવિત થયેલો જાણી ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે તે રાજા શરીરમાં રહેલા તે રાક્ષસથી પોતાની રક્ષા કરતા હોવા છતાં તેનાથી અત્યંત પીડિત થઈને કશું સમજી ન શક્યા. તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે એક ભૂખ્યા બ્રાહ્મણે તેમને જોઈને માંસયુક્ત ભોજનની માગણી કરી. યાચકનું પાલન કરવાવાળા તે રાજર્ષિએ બ્રાહ્મણને સમજાવી કહ્યું, ‘હે બ્રહ્મન્, થોડી વાર અહીં ઊભા રહી મારી પ્રતીક્ષા કર. હું પાછા આવીને તારી ઇચ્છા પ્રમાણેનું ભોજન આપીશ.’ રાજા આવું કહીને ચાલ્યા ગયા. અને બ્રાહ્મણ રાજાની રાહ જોતો ત્યાં જ ઊભો રહ્યો. મહાનુભાવ રાજા બ્રાહ્મણને આપેલું વચન ભૂલી ગયા અને અંત:પુરમાં જઈને સૂઈ ગયા. ત્યાર પછી અડધી રાતે ઊઠીને બ્રાહ્મણને આપેલું વચન યાદ આવ્યું, તે જ ક્ષણે રસૌયાને બોલાવ્યો. ‘તું અમુક જગ્યાએ જા, એક બ્રાહ્મણ ભોજનની ઇચ્છાથી મારી પ્રતીક્ષા કરી રહ્યો હશે, તું ત્યાં જઈને તેને માંસ ઉપરાંત અન્ન આપી આવ.’ રસૌયાએ, રાજાની આજ્ઞા સાંભળી, ક્યાંય માંસ ન મળ્યું એટલે વ્યથિત થઈને રાજાને જણાવ્યું. રાક્ષસભાવથી પ્રભાવિત થયેલા રાજાએ સમજ્યા કર્યા વિના વારંવાર કહ્યું કે તું નરમાંસ લાવીને તે બ્રાહ્મણને ખવડાવ. રસૌયો ‘ભલે’ કહીને ઉતાવળે વધ્યઘાતીઓના ઘરમાંથી નરમાંસ લઈ આવ્યો, અન્નની સાથે નરમાંસ વિધિવત્ રાંધ્યું અને વિનાવિલંબે તે ભૂખ્યા બ્રાહ્મણને આપ્યું. તે બ્રાહ્મણ શ્રેષ્ઠે દિવ્ય દૃષ્ટિથી એ અન્ન જોયું અને ક્રોધયુક્ત નેત્રે કહ્યું. ‘આ અન્ન ખાવા યોગ્ય નથી. જે કારણે રાજાએ મને ભોજન માટે અયોગ્ય અન્ન આપ્યું છે તે રાજામાં પણ નરમાંસ ખાવાની લાલસા જાગશે, પહેલાં શક્તિ ઋષિએ જે કહ્યું છે એમ જ થશે. આ રાજા નરમાંસ પર આસક્ત થઈને પ્રાણીઓમાં આતંક મચાવતો આ પૃથ્વી પર ભમતો રહેશે.’ આ પ્રકારે તે રાજા પર બીજી વાર શાપ લાગ્યો એટલે તે વધુ બળવત્તર થયો, રાજાના શરીરમાં પ્રવેશેલા રાક્ષસના બળથી પ્રભાવિત થઈને રાજાએ પોતાની ચેતના ગુમાવી દીધી. રાક્ષસે રાજાની ઇન્દ્રિયો હરી લીધી એટલે તે નૃપતિશ્રેષ્ઠ થોડા સમય પછી શક્તિને જોઈને કહેવા લાગ્યા, ‘તેં મને અનુચિત શાપ આપ્યો છે તો એટલે હવે હું તારાથી જ શરૂઆત કરીને મનુષ્યભક્ષી બનવાની શરૂઆત કરીશ.’ રાજાએ આમ કહીને તેના પ્રાણ હરી લીધા. જેવી રીતે વાઘ પોતાનું ઇચ્છેલું પશુ ઓહિયાં કરી જાય તેવી રીતે રાજા શક્તિને ખાઈ ગયા. વિશ્વામિત્ર વસિષ્ઠપુત્ર શક્તિને મરેલો જોઈ વારંવાર રાક્ષસને વસિષ્ઠના પુત્રોનું ભક્ષણ કરવા કહેવા લાગ્યા. જેવી રીતે સિંહ નાનાં હરણાંને ખાઈ જાય તેવી રીતે મહાત્મા વસિષ્ઠના સો પુત્રોને રાજા વારાફરતી ખાઈ ગયા. વિશ્વામિત્રે એ પુત્રોને મારી નંખાવ્યા એ જાણીને પણ પુત્રવિયોગના એ કઠોર શોકને જેવી રીતે મહાન પર્વતનો ભાર ધરતી વેઠી લે છે એવી રીતે વસિષ્ઠે વેઠી લીધો. તે મહામતિ મુનિશ્રેષ્ઠને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો તો પણ કુશિક વંશનું નિકંદન કાઢવાનો વિચાર ન આવ્યો. તે ભગવાન ઋષિએ સુમેરુના શિખર પરથી પડતું મૂક્યું પણ પર્વતના પથ્થર પર એમનું મસ્તક રૂના ઢગલાની જેમ પડ્યું. જ્યારે તે મહર્ષિ પર્વતના શિખર પરથી પડવા છતાં મૃત્યુ ન પામ્યા ત્યારે મહાવનમાં આગ પ્રગટાવીને એમાં પ્રવેશ્યા. પરંતુ અત્યંત તેજે પ્રજળતી આગમાં પણ તેમને કશું ન થયું, તેમને માટે તે આગ પણ શીતળ થઈ ગઈ. પુત્રશોકથી વિહ્વળ બનેલા મહામુનિ સમુદ્રની પાસે ગયા, પોતાના ગળામાં વજનદાર પથ્થર બાંધીને પાણીમાં પડતું નાખ્યું. એ રીતે તે ડૂબ્યા નહીં અને સમુદ્રનાં મોજાંએ તેમને કિનારા પર લાવીને મૂકી દીધા. એ આશ્રમને પુત્રવિહોણો જોઈ દુઃખથી વ્યાકુળ થઈને ફરી આશ્રમમાંથી નીકળી ગયા. વર્ષાકાળે નવા જળથી ભરેલી એક નદીના તટ પર જુદા જુદા પ્રકારનાં વૃક્ષોને વહેતાં જોયાં, એ જોઈને તે ફરી દુઃખી અને ચિંતિત થઈ ગયા. તેમણે એ પાણીમાં પડતું નાખીને મરી જવાનો વિચાર કર્યો, દુઃખી થઈને એ મહાન મુનિએ પોતાને દોરડાથી બાંધી દીધા અને એ મોટી નદીમાં પડતું નાખ્યું. તે નદીએ એ બંધનોને કાપી નાખ્યાં અને ઋષિને બંધનમુક્ત અવસ્થામાં જમીન પર મૂકી દીધા. આમ બંધનમુક્ત થઈને તે મહાન ઋષિ એ નદીને ઓળંગી ગયા અને એ નદીનું નામ પાડયું વિપાશા. શોકવિહ્વળ થવાને કારણે તેઓ એક સ્થાને રહી ન શક્યા, તેઓ પર્વત, નદીઓની આસપાસ ભમતા રહ્યા. એક વખત તે ઋષિ હૈમવતી નદીને હિંસક જીવજંતુઓથી ભરેલી અને ભયંકર દેખાવવાળી જોઈ, તેઓ એમાં કૂદી પડ્યા. પણ એ શ્રેષ્ઠ નદી ઋષિ અગ્નિ સમાન તેજસ્વી છે એમ જાણીને સેંકડો ભાગોમાં વહેંચાઈ અને દ્રુત વેગથી વહેવા લાગી, ત્યારથી એ નદીનું નામ શતદ્રૂ પડ્યું. એવી ભયાનક નદીમાં પડ્યા પછી પણ પોતાને જમીન પર જ પડેલા જોઈ તેઓ સમજી ગયા કે ઇચ્છાનુસાર પ્રાણત્યાગ કરવો સંભવ નથી, અને આશ્રમની દિશામાં ચાલતા થયા. તેમની પાછળ ‘અદૃશ્યન્તી’ નામની પુત્રવધૂ પણ આશ્રમની દિશામાં આવતી હતી. પાસે હોવાને કારણે ષડંગોથી અલંકૃત, પૂર્ણાયુક્ત વેદપાઠનો ધ્વનિ સાંભળ્યો. તેમણે પૂછ્યું, ‘મારી પાછળ કોણ આવી રહ્યું છે?’ ત્યારે તેમની પુત્રવધૂએ ઉત્તર આપ્યો, ‘હે મહાભાગ, હું શક્તિની તપોયુક્ત તપસ્વિની પત્ની અને તમારી પુત્રવધૂ છું.’ વસિષ્ઠે કહ્યું, ‘પુત્રી, મેં અગાઉ શક્તિના મોઢે જે પ્રકારે સામવેદનો ધ્વનિ સાંભળ્યો હતો તેવો જ ધ્વનિ હું સાંભળી રહ્યો છું.’ અદૃશ્યંતી બોલી, ‘હે મુનિ, તમારા પુત્ર શક્તિનો ગર્ભ મારા ઉદરમાં છે, આ પ્રકારે વેદોનું અધ્યયન કરતાં તેને બાર વરસ વીતી ગયાં છે.’ ઋષિશ્રેષ્ઠ વસિષ્ઠ અદૃશ્યંતીની આ વાત સાંભળીને પ્રસન્ન થયા, ‘હાશ મારો વંશ ચાલુ છે.’ અને મનમાંથી તેમણે આત્મહત્યાનો વિચાર કાઢી નાખ્યો. તે ભયંકર રાક્ષસ શરીરમાં ધરાવતા કલ્માષપાદે મુનિને જોઈને તે જ ક્ષણે ક્રોધે ભરાઈ તેમને ખાઈ જવાની ઇચ્છા કરી. અદૃશ્યંતી પોતાની આંખો સામે આ કુટિલ કર્મ કરનારને જોઈ ભયથી વ્યાકુળ વાણીમાં વસિષ્ઠને કહેવા લાગી, ‘હે ભગવન્, ભયંકર દંડ ધારણ કરી યમરાજની જેમ આ ભીષણ રાક્ષસ દંડ ઉઠાવીને આ બાજુ આવી રહ્યો છે. બધા જ વેદપારંગતોમાં શ્રેષ્ઠ હે મુનિ, પૃથ્વી પર તમારા સિવાય કોઈ પણ વ્યક્તિ આને રોકવા સમર્થ નથી. હે ભગવન્, આ દારુણ દેખાવના પાપાત્માથી મારી રક્ષા કરો. મને લાગે છે કે આ રાક્ષસ આપણને બંનેને ખાઈ જવા માગે છે.’ વસિષ્ઠે કહ્યું, ‘પુત્રી, ભય પામીશ નહીં; રાક્ષસથી તને કશું થવાનું નથી. તું જે ભય જોઈ રહી છે તે રાક્ષસ નથી. આ પૃથ્વી પર પરાક્રમી કલ્માષપાદ નામનો રાજા છે, તે જ આ વનમાં અતિ ભીષણ રૂપ ધારણ કરીને રાક્ષસના સ્વરૂપમાં વસી રહ્યો છે.’ તેજસ્વી ભગવાન ઋષિએ એને આવતો જોઈને હુંકાર માત્રથી તેને અટકાવી દીધો. મંત્રથી પવિત્ર થયેલા જળ વડે તેને શુદ્ધ કર્યો અને તે ઘોર રાક્ષસ રૂપથી તે શ્રેષ્ઠ રાજાને મુક્ત કર્યો, જેવી રીતે પર્વના દિવસોમાં સૂર્ય રાહુથી ગ્રસિત થાય છે તેવી રીતે વસિષ્ઠપુત્ર શક્તિના તેજથી તે રાજા બાર વર્ષ સુધી પ્રભાવિત રહ્યા હતા. જેવી રીતે ભાસ્કર (સૂર્ય) સંધ્યાકાળે આકાશને રંગી દે છે તેવી રીતે રાક્ષસથી મુક્ત થઈને તે રાજાએ પોતાના તેજથી તે વિશાળ વનને છાઈ દીધું. ત્યારે યોગ્ય સમયે રાજા જ્ઞાન પામીને બંને હાથ જોડીને ઋષિશ્રેષ્ઠ વસિષ્ઠને કહેવા લાગ્યા, ‘હે મહાભાગ, હું સુદાસનો પુત્ર તમારો યજમાન છું. હે દ્વિજશ્રેષ્ઠ, તમારી શી ઇચ્છા છે, હું તમારા માટે શું કરું?’ વસિષ્ઠે કહ્યું, ‘હે માનવેન્દ્ર, મારી જે ઇચ્છા હતી તે યથાકાળે પૂરી થઈ, હવે તમે રાજધાનીમાં જઈ શાસન કરો. હવે પછી ક્યારેય બ્રાહ્મણનો અનાદર ન કરતા.’ રાજાએ ઉત્તર આપ્યો, ‘હે બ્રહ્મન્, હું હવે ક્યારેય શ્રેષ્ઠ બ્રાહ્મણોનો અનાદર નહીં કરું. તમારી આજ્ઞા પ્રમાણે હું નિત્ય બ્રાહ્મણોની પૂજા કરીશ. હે વેદપારંગતોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ, હું ઇક્ષ્વાકુ કુળના ઋણમાંથી મુક્ત થઉં એટલા માટે તમે મારી એક ઇચ્છા પૂર્ણ કરો, ઇક્ષ્વાકુ કુળની વંશવૃદ્ધિ માટે મારી ઇચ્છા શીલ, રૂપ, ગુણથી યુક્ત એક પુત્રની ઇચ્છા મને છે. આ માટે તમે મારી રાણી સાથે સમાગમ કરો,’ સત્યવાદી દ્વિજોત્તમ વસિષ્ઠે કહ્યું, ‘પુત્ર આપીશ.’ આમ તે રાજાને વચન આપ્યું. ત્યાર પછી વસિષ્ઠ યથાકાળે તે રાજાની સાથે પ્રખ્યાત અયોધ્યા નગરીમાં ગયા. જેવી રીતે ઇન્દ્રને આવતા જોઈને દેવગણ સ્વાગત કરે તેવી રીતે પ્રસન્ન થયેલા સર્વ પ્રજાજનોએ પાપમુક્ત મહાત્માનું સ્વાગત કર્યું. રાજાએ તરત જ મહાત્મા વસિષ્ઠની સાથે પુણ્યશાળીઓથી ભરેલી નગરીમાં પ્રવેશ કર્યો. ત્યારે અયોધ્યાવાસી પ્રજાજનોએ પુષ્યની સાથે ઉદય પામતા સૂર્યની જેમ વસિષ્ઠની સાથે રાજાને જોયા. જેવી રીતે શરદ્ ઋતુમાં ચંદ્ર પોતાના પ્રકાશથી આકાશને આવરી લે છે તેવી રીતે લક્ષ્મીવંતોમાં શ્રેષ્ઠ રાજાએ પોતાની શોભાથી અયોધ્યાને છલકાવી દીધી. તે સમયે રાજમાર્ગ ઉપર પાણીનો છંટકાવ કર્યો હતો, તેને સારી રીતે સ્વચ્છ કર્યો હતો, નગરમાં સ્થળે સ્થળે ધ્વજાપતાકા શોભી રહ્યા હતા, આવા સુશોભિત નગરે રાજાને પ્રસન્ન કરી મૂક્યા. રાજાઓમાં શ્રેષ્ઠ કલ્માષપાદ તે અપૂર્વ નગરીમાં પ્રવેશ્યા પછી રાજાની આજ્ઞાથી દેવી રાજ્યની વસિષ્ઠ પાસે ગઈ. મહર્ષિશ્રેષ્ઠ મહાભાગ વસિષ્ઠે દિવ્ય વિધિ પ્રમાણે રાણીના ઋતુકાળમાં તેની સાથે સમાગમ કર્યો. રાજરાણી ગર્ભવતી થઈ એટલે મુનિશ્રેષ્ઠની પૂજા રાજાએ કરી અને ઋષિ આશ્રમમાં પાછા આવ્યા. બહુ દિવસો સુધી ગર્ભ ધારણ કર્યો હોવા છતાં રાણીએ સંતાનને જન્મ ન આપ્યો ત્યારે તે રાજરાણીએ પથ્થર વડે પોતાની કૂખ ફાડી નાખી. આમ બાર વરસ સુધી ગર્ભવાસ વેઠેલા તે પુરુષશ્રેષ્ઠ અશ્મક નામે જાણીતા થયા, તે રાજર્ષિએ પોતન નામનું નગર વસાવ્યું. આ બાજુ આશ્રમમાં રહેતી અદૃશ્યંતીએ બીજા શક્તિ જેવો જ શક્તિના કુળને વધાવનારા પુત્રને જન્મ આપ્યો. મુનિશ્રેષ્ઠ ભગવાન વસિષ્ઠે જાતે જ પોતાના પૌત્રના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. આ પુત્ર જ્યારે માતાના ઉદરમાં હતો ત્યારે જીવન સમાપ્ત કરવાનો (પરાસુ બનવાનો) નિશ્ચય કર્યો હતો. તેટલે તે લોકોમાં પરાશર નામે વિખ્યાત થયા. ધર્માત્મા પરાશર જન્મથી જ મુનિ વસિષ્ઠને પિતા માનીને તેમની સાથે પિતા જેવો જ વ્યવહાર કર્યા કરતા હતા. એક દિવસ માતા અદૃશ્યંતીના દેખતાં વિપ્રર્ષિ વસિષ્ઠને પિતા કહીને બોલાવ્યા. ત્યારે તેને મધુર વાણીમાં ‘પિતા’ કહેતાં સાંભળી અદૃશ્યંતી આંખોમાં આંસુ આણીને કહેવા લાગી. ‘હે તાત, તું આમને પિતા કહીને બોલાવીશ નહીં. આ મહામુનિ તારા પિતા નથી, વનમાં તારા પિતાનું ભક્ષણ એક રાક્ષસે કર્યું હતું, તું જેને પિતા માને છે તે તારા પિતા નથી, તેઓ તો તારા પિતાના પિતા છે.’ સત્યવાદી, મનસ્વી ઋષિશ્રેષ્ઠ પરાશરે આ વાત સાંભળીને દુઃખી થઈને સર્વ લોકનો વિનાશ કરવાનો નિર્ણય કર્યો. મહાતપસ્વી વસિષ્ઠે મહાત્મા પરાશરનો બધા લોકનો વિનાશ કરવાનો વિચાર જાણીને તેને અટકાવ્યો, અને તે કહેવા લાગ્યા, ‘ભૂતકાળમાં કૃતવીર્ય નામના ભૂપાલશ્રેષ્ઠ રાજા વેદજ્ઞ ભૃગુ ઋષિઓના યજમાન હતા. તે રાજાએ સોમયજ્ઞ પૂરો થયો એટલે પૂજાના સર્વ પ્રથમ અધિકારી ભૃગુઓને પુષ્કળ ધનધાન્ય આપીને સંતુષ્ટ કર્યા. ત્યાર પછી એ રાજાનું મૃત્યુ થયું. તેમના વંશના રાજાઓને ધનની જરૂર પડી. ભૃગુવંશીઓ પાસે અપાર ધન છે એટલે યાચકોની જેમ તેમની પાસે રાજાઓ જઈ ચઢ્યા. ભાર્ગવોમાંથી કેટલાકે આપણું ધન નાશ ન પામે એમ વિચારી બધું ધન ધરતીમાં દાટી દીધું. કેટલાકે ક્ષત્રિયોથી બી જઈને પોતાનું ધન બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. કેટલાકે બીજું જ કોઈ કારણ વિચારીને તે ક્ષત્રિયોને યથેચ્છ ધન આપ્યું. ત્યાર પછી કોઈ ક્ષત્રિયે પોતાની ઇચ્છાથી ભાર્ગવોના ઘરમાં ધરતીમાં દાટેલું ઘણું બધું ધન જોયું. તે ધનને બધા ક્ષત્રિયશ્રેષ્ઠોએ મળીને જોયું. ત્યારે ક્રોધે ભરાયેલા તે ધનુર્ધારી ક્ષત્રિયોએ શરણે આવેલા ભાર્ગવોને તીક્ષ્ણ બાણોથી વીંધી નાખ્યા, ભાર્ગવ સ્ત્રીઓના ઉદરમાં રહેલાં બાળકોને પણ મારી નાખી પૃથ્વી પર ઘૂમવા લાગ્યા, આમ ભૃગુવંશનો ઉચ્છેદ થવાથી ભાર્ગવસ્ત્રીઓ ભયભીત થઈને હિમાલય તરફ ભાગી ગઈ. એમાંથી કોઈ એક નારીએ પતિકુળની રક્ષા માટે ક્ષત્રિયોથી બી જઈને એક સાથળમાં ગર્ભને સ્થાપ્યો. બધા ક્ષત્રિયોએ તે ગર્ભવતી બ્રાહ્મણીને પોતાના તેજથી દીપ્તિમય જોઈ. તે સમયે ગર્ભમાં સ્થિત તે બાળક બ્રાહ્મણીની સાથળ ચીરીને મધ્યાહ્નના ભાસ્કરની જેમ ક્ષત્રિયોની આંખોની શક્તિને નષ્ટ કરતાં બહાર નીકળ્યા. રાજાઓ દૃષ્ટિહીન થઈને પર્વતની ગુફાઓમાં ઘૂમવા લાગ્યા. પછી વ્યર્થ સંકલ્પવાળા, ભયભીત ક્ષત્રિયશ્રેષ્ઠો દૃષ્ટિ પ્રાપ્ત કરવાની આશાથી તે અનિંદિતા બ્રાહ્મણીના શરણે ગયા. ઓલવાઈ ગયેલી શિખાની જેમ જ્યોતિહીન અને અચેત બનેલા દુઃખી ક્ષત્રિયોએ મહા ભાગ્યશાળી બ્રાહ્મણીને કહ્યું, ‘તમારી કૃપાથી ક્ષત્રિય જાતિ જો દૃષ્ટિ પ્રાપ્ત કરી લે તો પાપકર્મથી નિવૃત્ત થઈને બધા ઘેર જઈ શકે. તમે અને તમારો પુત્ર અમારા ઉપર પ્રસન્ન થાઓ. તમે ફરી દૃષ્ટિદાન કરીને રાજાઓની રક્ષા કરી શકો છો.’ બ્રાહ્મણીએ કહ્યું, ‘હું ક્રોધે ભરાઈ નથી, મેં તમારી દૃષ્ટિ હરી લીધી નથી. હા, મારી સાથળમાંથી જન્મેલા આ ભૃગુવંશી તમારા ઉપર ક્રોધે ભરાયો છે એમાં તો શંકા નથી. આ મહાત્મા બાળકે પોતાના ભાઈઓના વિનાશનું સ્મરણ કરીને ક્રોધથી તમારાં નેત્ર છિનવી લીધાં છે, એમાં કોઈ સંશય નથી. જ્યારે તમે લોકો ભાર્ગવોનાં ગર્ભસ્થ બાળકોનો પણ વિનાશ કરવા લાગ્યા ત્યારે મેં સો વર્ષ સુધી આ ગર્ભને સાથળમાં ધારણ કરી રાખ્યો હતો. ભૃગુવંશના હિતાર્થે છ અંગો સમેત સંપૂર્ણ વેદ આ ગર્ભસ્થ શિશુમાં પ્રવેશ્યા છે. આ બાળક પિતૃઓના વધને કારણે તમારો નાશ કરવા માગે છે, તેના દિવ્ય તેજબળથી તમારી આંખો જતી રહી છે. તમે મારી સાથળમાંથી જન્મેલા આ બાળકની પ્રાર્થના કરો. તમારા પ્રણામથી પ્રસન્ન થઈને તમને દૃષ્ટિ આપી શકશે.’ બધા રાજાઓ આ સાંભળીને સાથળમાંથી જન્મેલા બાળકને કહેવા લાગ્યા. ‘પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.’ ત્યારે તેણે પ્રસન્ન થઈને તેમને દૃષ્ટિ આપી. તે સાધુશ્રેષ્ઠ વિપ્રે ઉરુ ભેદીને જન્મ લીધો એટલે તે ઔર્વ નામથી લોકમાં પ્રસિદ્ધ થયા. જ્યારે રાજાઓ દૃષ્ટિ મેળવીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે ભાર્ગવે બધા લોકોને પરાજિત કરવાનું નક્કી કર્યું. ભૃગુ વંશના શત્રુઓનો વિનાશ કરવાની ઇચ્છા ધરાવતા મહામના ઔર્વે સર્વ લોકોનો નાશ કરવા માટે કઠોર તપસ્યા કરવા માંડી, તપમાં જ પોતાનું મન પૂરેપૂરું પરોવી દીધું. ભૃગુઓને તૃપ્ત કરવાની ઇચ્છા ધરાવતા તથા સર્વ લોકના વિનાશ માટે તપથી વૃદ્ધિ પામેલા ભૃગુશ્રેષ્ઠ ઔર્વ પોતાના કઠોર તપથી પોતાના પિતામહોને આનંદિત કરતાં કરતાં સુર, અસુર અને મનુષ્ય — બધાને સંતાપ પમાડવા લાગ્યા. ત્યાર પછી બધી વાત જાણીને પિતૃઓ પિતૃલોકમાંથી આવીને ભૃગુશ્રેષ્ઠ ઔર્વને કહેવા લાગ્યા, ‘હે ઔર્વ, તારી કઠોર તપસ્યાનો પ્રભાવ અમે પ્રત્યક્ષ જોઈ લીધો છે. હવે તું બધા લોકો ઉપર પ્રસન્ન થા. ક્રોધ દૂર કર. બધા જિતેન્દ્રિય ભૃગુઓ વેર વાળવામાં સમર્થ હોવા છતાં વધ કરનારા ક્ષત્રિયો દ્વારા થનારા આ વધની ઉપેક્ષા કરી હતી. એનું કારણ એ હતું કે આયુષ્ય બહુ વધી ગયું એટલે અમને ક્લેશ થવા લાગ્યો, ત્યારે અમે જાતે જ ક્ષત્રિયો અમને મારી નાખે તો સારું એવી અભિલાષા વ્યક્ત કરી હતી. ક્ષત્રિયોને ક્રોધિત કરવાની ઇચ્છા ધરાવતા અમે શત્રુતા માટે જ કોઈ એક ભૃગુના ઘરમાં ધરતી ખોદીને ધન દાટી દીધું હતું. હે દ્વિજોત્તમ, નહિતર સ્વર્ગની ઇચ્છાવાળા અમને ધનનું શું પ્રયોજન હોય? જ્યારે મૃત્યુ કોઈ રીતે પાસે આવતું ન હતું ત્યારે અમે આ ઉપાયને યોગ્ય માન્યો. આત્મહત્યા કરનાર શુભ લોકને પામી શકતો નથી, આમ વિચારીને જ અમે આત્મહત્યા કરી ન હતી. હે તાત, તું જે કર્મ કરવા માગે છે તે કર્મ અમને ગમતું નથી. એટલે બધા લોકનો પરાભવ કરવાની ઇચ્છા જેવા પાપકર્મને મનમાંથી ભૂંસી નાખ. આપણને ક્ષત્રિયો મારી શકવાના નથી અને સાતેય લોક ભેગા થઈને મારી શકવાના નથી. એટલે તું તપ અને તેજને અપવિત્ર કરનારા આ ક્રોધને ત્યજી દે.’ ઔર્વે કહ્યું, ‘હે પિતૃઓ, મેં ક્રોધે ભરાઈને બધા લોકનો વિનાશ કરવા માટે જે પ્રતિજ્ઞા લીધી છે તે વ્યર્થ નહીં જાય. હું વ્યર્થ ક્રોધ અને વ્યર્થ પ્રતિજ્ઞા કરવા માગતો નથી. જો હું આ પ્રતિજ્ઞા કે ક્રોધ પૂર્ણ ન કરું તો મારે જીવવું નથી. જેવી રીતે અગ્નિ વનને પ્રજાળી મૂકે છે તેવી રીતે પ્રતિજ્ઞા પૂરી ન કરું તો મને ક્રોધના અગ્નિ બાળી મૂકશે. કોઈ કારણે ક્રોધને રોકવામાં આવે તો તે મનુષ્ય પૂરેપૂરી રીતે ધર્મ, અર્થ, કામનું પાલન નહીં કરી શકે, સર્વત્ર વિજય મેળવવા માગતા રાજા યોગ્ય સ્થાને ક્રોધ, દુષ્ટોનું દમન અને સજ્જનોનું પાલન કરે છે. જ્યારે ક્ષત્રિયોએ ભાર્ગવોનો વિનાશ કર્યો હતો ત્યારે મેં સાથળની ગર્ભશય્યા પર સૂતાં સૂતાં ભાર્ગવોની અને માતાઓની કરુણ ચીસો સાંભળી હતી. જ્યારે ક્ષત્રિયો ગર્ભાવસ્થાનાં બાળકોનો પણ વિનાશ કરવા લાગ્યા ત્યારે હું ક્રોધે ભરાયો હતો. મારા પિતૃઓ અને પૂરા દિવસોવાળી માતાઓ જ્યારે શોકથી આકળવિકળ થઈ ગઈ અને ભયત્રસ્ત થઈ ત્યારે ત્રણે લોકમાં કોઈએ તેમની રક્ષા કરી ન હતી. જ્યારે કોઈએ ભૃગુપત્નીઓની રક્ષા ન કરી ત્યારે મારી શુભલક્ષણા માતાએ એક સાથળમાં મને ધારણ કરી રાખ્યો હતો. જ્યારે આ ભૂમંડલમાં એક પણ મનુષ્ય પાપકર્મને નષ્ટ કરી શકે ત્યારે કોઈ લોકમાં એક પણ પાપી પેદા ન થઈ શકે. જ્યારે પાપકર્મને દંડનારો કોઈ નથી રહેતો ત્યારે ઘણાબધા લોકો પાપકર્મમાં જોડાઈ જાય છે. જેઓ શક્તિમાન અને પાપકર્મ અટકાવવામાં સમર્થ હોય અને છતાં જાણીજોઈને પાપકર્મ ન રોકે તો તે પણ પાપી બની જાય છે. રાજાઓ તથા સમર્થ પુરુષો તે પાપકર્મ રોકવા શક્તિમાન હોવા છતાં આ લોકમાં પોતાના જીવનને વધારે મહત્ત્વપૂર્ણ માનીને મારા પિતૃઓની રક્ષા કરી ના શક્યા. એટલે આજે આ લોકનો સ્વામી થઈને આ બધા જ લોકને પાપકર્મની શિક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. એટલે તમારી આજ્ઞાનું પાલન કરી શકતો નથી. હું વેર વાળવામાં સમર્થ હોઉં અને જો બદલો ન લઉં તો મેં પાપકર્મની ઉપેક્ષા કરી ગણાય તથા લોકોના સંતાપને કારણે મારે માટે બહુ મોટો ભય જન્મે. મારા ક્રોધથી ઉત્પન્ન થયેલો અગ્નિ લોકોને પ્રજાળી મૂકવાની ઇચ્છા કરે છે, હવે જો તેને હું મારા તેજથી રોકીશ તો તે અગ્નિ મને બાળી નાખશે. હું માનું છું કે તમે બધા લોકનું હિત ઇચ્છો છો, એટલે મારું અને બધાનું મંગલ થાય એવું કંઈક કરો.’ પિતૃઓએ ઉત્તર આપ્યો, ‘તારા ક્રોધથી ઉત્પન્ન થયેલો જે અગ્નિ બધા લોકોનો ભક્ષ કરવા માગે છે તેને તું જળમાં નાખી દે. કારણ કે બધા લોક જળમાં પ્રતિષ્ઠિત છે. એટલે તારું મંગલ થશે. હે દ્વિજશ્રેષ્ઠ, બધા રસ જળથી પૂર્ણ છે. સંપૂર્ણ જગત જળથી પૂર્ણ છે. એટલે તું આ ક્રોધાગ્નિને જળમાં વહેવડાવ. હે વિપ્ર, તું જો ઇચ્છીશ તો તારા ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ જળને પ્રજાળતો સમુદ્રમાં જ રહેશે. બધા લોકને જળમય કહ્યા છે. આમ થવાથી તારી પ્રતિજ્ઞા પણ સાચી પડશે અને દેવોથી યુક્ત લોક પણ નષ્ટ નહીં થાય.’ વસિષ્ઠે કહ્યું, ‘હે તાત, તે અગ્નિ સમુદ્રમાં રહીને જળપાન કર્યા કરે છે. વેદપારંગત બ્રાહ્મણો જે મહાન વડવામુખને જાણે છે તે વડવા પોતાના મોંમાંથી એ જ આગને બહાર કાઢતા મહાસાગરનું પાણી પીતાં ડરે છે. એટલે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, તારું કલ્યાણ થાય, તું પરલોકને સારી રીતે જાણે છે એટલે તારે પણ બધા લોકનો વિનાશ ન કરવો જોઈએ.’ મહાત્મા વસિષ્ઠના કહેવાથી બ્રહ્મર્ષિ પરાશરે સમસ્ત લોકનો પરાભવ કરનારા ક્રોધને અટકાવી દીધો. સર્વ વેદોના જાણકાર અત્યંત તેજસ્વી શક્તિપુત્ર ઋષિ પરાશરે રાક્ષસોનો વધ કરવા માટે રાક્ષસસત્રનું આયોજન કર્યું, એ વ્યાપક યજ્ઞમાં પોતાના પિતા શક્તિનું સ્મરણ કરીને મહામુનિ પરાશરે રાક્ષસ જાતિના વૃદ્ધો અને બાળકોને પણ પ્રજાળવાનો આરંભ કર્યો. પરાશરની બીજી પ્રતિજ્ઞાનો ભંગ કરવો અયોગ્ય છે એમ માનીને વસિષ્ઠે તેને રાક્ષસવધ કરતાં અટકાવ્યો નહી. તે રાક્ષસયજ્ઞમાં પ્રદીપ્ત ત્રણ અગ્નિની સમક્ષ ચોથા અગ્નિની જેમ મહામુનિ પરાશર શોભવા લાગ્યા. જેવી રીતે વાદળો દૂર થવાથી સૂર્ય આકાશને પ્રકાશિત કરે છે તેવી રીતે પરાશર મુનિએ યુક્તિપૂર્વક કરેલા હવનવાળા શુભ યજ્ઞથી આકાશ પ્રદીપ્ત થયું. ત્યારે વસિષ્ઠ ઉપરાંત બધા મહર્ષિઓ પોતાના તેજથી દ્યુલોકમાં પ્રજળતા પરાશરને બીજો સૂર્ય સમજવા લાગ્યા. ત્યાર પછી ઉદાર, બુદ્ધિમાન અત્રિ ઔર્વ દ્વારા સમાપ્ત ન થનારા યજ્ઞને પૂરો કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યા. ત્યાર પછી પુલસ્ત્ય, પુલહ, ક્રતુ પણ રાક્ષસોના પ્રાણ બચાવવાની ઇચ્છાથી તે મહાયજ્ઞ પાસે આવ્યા. ઘણા બધા રાક્ષસોના મૃત્યુ પછી શત્રુનાશક પરાશરને પુલસ્ત્ય કહેવા લાગ્યા, ‘હે તાત, તારા અગ્નિહોત્રના કાર્યમાં વિઘ્ન તો નથી નડતું ને? જે રાક્ષસો તારા પિતાની હત્યા વિશે કશું જ જાણતા નથી તે રાક્ષસોને મારીને આનંદિત તો થાય છે ને? હે સોમપાન કરનારાઓમાં શ્રેષ્ઠ, જેને કારણે તું પ્રજાઓનો આ રીતે નાશ કરી રહ્યો છે, આ અધર્મને શ્રેષ્ઠ હોવા છતાં તું આચરી રહ્યો છે તે રાજા કલ્માષપાદ તો સ્વર્ગમાં આનંદ મનાવી રહ્યા છે. શક્તિ કરતાં નાના બધા જ વસિષ્ઠપુત્રો સ્વર્ગમાં દેવોની સાથે પરમ આનંદ ભોગવી રહ્યા છે, હે મહામુનિ, વસિષ્ઠ આ બધું જાણે છે. હે શક્તિપુત્ર, આ યજ્ઞમાં નિર્દોષ રાક્ષસોનો જે નાશ થઈ રહ્યો છે તું તો એમાં નિમિત્ત બન્યો છે. એટલે આ યજ્ઞ માંડી વાળ, તારું મંગલ થાય, હવે આ યજ્ઞ પૂરો કર.’ બુદ્ધિમાન પુલસ્ત્યે પરાશરને આમ કહ્યું એટલે તેમણે આ યજ્ઞ પૂરો કર્યો. બધા જ રાક્ષસોની હત્યા કરવા યજ્ઞમાં જે અગ્નિ પ્રજ્વ્લિત કર્યો હતો તેને મુનિએ હિમાલયની દિશામાં એક મોટા વનમાં ત્યજી દીધો. ત્યાં આજે પણ એ અગ્નિ તહેવારના દિવસે રાક્ષસ, વૃક્ષ અને પથ્થરોને ખાઈ જતો જોવા મળે છે. શાપગ્રસ્ત થયેલા ક્રોધપૂર્ણ નેત્રવાળા શત્રુસંતાપી રાજા કલ્માષપાદ પોતાની પત્નીને લઈને નગરની બહાર નીકળ્યા. કોઇ નિર્જન વનમાં જઈને પત્નીની સાથે ઘૂમવા લાગ્યા. અનેક પ્રકારનાં પ્રાણીઓથી ભરચક અનેક પ્રકારની લતાઓ, વિવિધ વૃક્ષોવાળા અને ભારે ધ્વનિ કરતા તે વિશાળ વનમાં ફરતા હતા. તે શાપગ્રસ્ત રાજા એક વખત બહુ જ ભૂખ્યા થઈને ભોજન સામગ્રી શોધતાં શોધતાં થાકી ગયા હતા, ત્યારે તે વનમાં નિર્ઝર પાસે એક બ્રાહ્મણ-બ્રાહ્મણીને મૈથુન કરતાં જોયા. રાજાને જોતાં વેંત પોતાનો મનોરથ પૂરો ન થયો એટલે અત્યંત ભયભીત થઈને ભાગ્યા. રાજાએ એ દંપતીમાંથી બ્રાહ્મણને પકડી પાડ્યો, પતિને પકડાયેલો જોઈ બ્રાહ્મણીએ કહ્યું, ‘હે સુવ્રત મહારાજ, હું જે કહું છું તે સાંભળો. બધા જ જાણે છે કે તમે સૂર્યવંશમાં જન્મ લીધો છે અને પ્રમત્ત બન્યા વગર ગુરુસેવા કરતા રહ્યા છો. અત્યારે તમે શાપગ્રસ્ત છો, તમારે આવું પાપ ન કરવું જોઈએ. મારો ઋતુકાળ આવ્યો એટલે હું પતિમિલન કરી રહી છું. આ પતિથી પુત્રપ્રાપ્તિ રૂપી મારો મનોરથ પાર પડ્યો નથી. એટલે હે ભૂપશ્રેષ્ઠ, પ્રસન્ન થાઓ, મારા પતિને છોડી દો.’ તે બ્રાહ્મણી આ પ્રકારે રડતી રહી તો પણ જેવી રીતે વાઘ હરણનું ભક્ષણ કરે તેવી રીતે રાજા નિર્દયતાથી તેના પતિને ખાઈ ગયો. ત્યારે ક્રોધથી સંતપ્ત થયેલી તે બ્રાહ્મણીની આંખોમાંથી જે આંસુ ભૂમિ પર પડ્યાં તેમાંથી અગ્નિજ્વાળાઓ પ્રગટી, ત્યાં અજવાળુ થઈ ગયું. પતિવિરહથી ત્રસ્ત, શોકવિહ્વળ તે બ્રાહ્મણીએ રાજા કલ્માષપાદને શાપ આપ્યો, ‘હે નીચ! મિલનના સુખથી મારો મનોરથ સફળ ન થયો તો પણ નિષ્ઠુર બનીને મારા દેખતાં જ મારા પ્રિય, યશસ્વી પતિને તું ખાઈ ગયો. હે દુર્બુદ્ધિ, મારા શાપથી ગ્રસ્ત થઈને તું પણ ઋતુકાળે સ્ત્રીમિલન કરવા જઈશ તો તે જ ક્ષણે તું પ્રાણ ગુમાવીશ. તેં જે વસિષ્ઠના પુત્રોનો નાશ કર્યો છે તે વસિષ્ઠ સાથે તારી પત્ની મિલન કરીને પુત્રને જન્મ આપશે. હે નરાધમ, તે પુત્ર તારા વંશનો રક્ષક થશે. અંગિરા કુળમાં જન્મેલી તે શુભ લક્ષણવાળી તે બ્રાહ્મણી રાજાને શાપ આપીને પોતાની સામે પ્રગટતી આગમાં પ્રવેશી. મહાભાગ વસિષ્ઠ પોતાના તપોબળથી આ બધું જાણી ગયા હતા. બહુ સમય પછી શાપમુક્ત થઈને રાજા કલ્માષપાદ પોતાની રાણીના ઋતુકાળની રક્ષા કરવા તૈયાર થયા પણ મદયંતીએ તેમને રોકયા. રાજા કામમોહિત હોવાને કારણે શાપની વાત ભૂલી ગયા હતા. પણ રાણીની વાત સાંભળીને અને શાપનું સ્મરણ કરીને તે બહુ દુઃખી થયા. શાપગ્રસ્ત રાજાએ આ જ કારણે પોતાની રાણીની ઋતુરક્ષા માટે વસિષ્ઠનો વિચાર કર્યો હતો. (આદિ પર્વ, ૧૬૬થી ૧૭૩)

સુંદ-ઉપસુંદકથા

પૂર્વ કાળમાં હિરણ્યકશિપુના વંશમાં નિકુંભ નામના બળવાન, તેજસ્વી દૈત્યનો જન્મ થયો. તેના બે પુત્રો પરાક્રમી, વીર્યવાન હતા. તે બંને વચ્ચે એવો પ્રેમ હતો કે તેઓ સાથે બેસીને જ ભોજન કરતા, એક બીજા વિના ક્યાંય બહાર જતા ન હતા. બંને એકબીજા સાથે મીઠી વાણી બોલતા, એકબીજાનું પ્રિય કાર્ય કરતા, તે બંને ભાઈઓના સ્વભાવમાં અને વ્યવહારમાં ભેદ જ ન હતો. એટલે જાણે એક જ માનવી બે ભાગમાં વહેંચાઈ ગયો ન હોય એમ લાગતું હતું. પ્રત્યેક કાર્યમાં એક સરખી બુદ્ધિ રાખનારા તે બે પરાક્રમી ભાઈઓ મોટા થયા અને ત્રણે લોક જીતવાનો નિશ્ચય કરીને વંધ્યિ પર્વત પર જઈને દીક્ષિત તથા સમાહિત થઈને કઠોર તપ કરવા લાગ્યા અને દીર્ઘ કાળ પછી તપોયુક્ત થયા. તેમણે જટા વલ્કલ ધારણ કર્યા, ભૂખતરસથી થાકી જઈને, આખા શરીરે ભસ્મ લગાડી તેઓ માત્ર વાયુભક્ષી બનીને રહેવા લાગ્યા, તે બંને અંગૂઠા પર ઊભા રહ્યા, હાથ ઊંચા કરી, અપલક નેત્રે, વ્રત ધારણ કરી ઘણા સમય સુધી પોતાના માંસની આહુતિ આપતા રહ્યા. ત્યારે એક અદ્રભુત ઘટના બની. વિંધ્ય પર્વતે તેમની દીર્ઘકાલીન તપસ્યાના પ્રભાવથી તપી જઈને ધુમાડા કાઢવા માંડ્યા. દેવગણ તેમની કઠોર તપસ્યા જોઈને ભયભીત થઈ ગયા, તેઓ તેની તપસ્યા નષ્ટ કરવા વિઘ્નો નાખવા માંડ્યા. તેમણે લોભામણાં રત્નો અને નારીઓથી બંનેને કેટલીય વાર લોભાવ્યા પરંતુ વ્રતધારી તેં બંને ભાઈઓએ કોઈ રીતે વ્રત પડતું ન મૂકયું. દેવતાઓએ એ બંને ભાઈઓ સમક્ષ ભારે માયા ફેલાવી. તે બંને અસુરોની માતા, બહેન, સ્ત્રી તથા તેમની અન્ય સ્વજન ઢીલા ઢીલા અલંકાર અને કેશવાળી તથા વસ્ત્ર વિનાની ત્યાં હતી, શૂલવાળા એક રાક્ષસે તેમને પાડી નાખી હતી અને તે સ્ત્રીઓ બંને ભાઈઓ આગળ ‘બચાઓ બચાઓ’ કરતી ચીસો પાડતી હતી. આ જોઈને પણ મહાવ્રતધારી સુંદે અને ઉપસુંદે વ્રત છોડ્યું નહી; જ્યારે બંનેમાંથી કોઈ પણ ક્ષુબ્ધ ન થયું ત્યારે તે સ્ત્રીઓ અને રાક્ષસ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી પિતામહે તે બંને મહાઅસુરો સમક્ષ આવીને તેમને વરદાન માગવા કહ્યું. દૃઢ પરાક્રમી સુંદે અને ઉપસુંદે પિતામહને જોઈને બંને હાથ જોડી પ્રણામ કર્યા. બંને એક સાથે ભગવાનને કહેવા લાગ્યા, ‘પિતામહ, અમારી તપસ્યાથી જો તમે પ્રસન્ન થયા હો અને આનંદ પામ્યા હો તો અમે બંને માયાના જાણકાર થઈએ, બળવાન થઈએ, ઇચ્છાનુસાર રૂપ બદલી શકીએ અને અમર થઈએ એવું વરદાન આપો.’ પિતામહે કહ્યું, ‘અમરત્વ સિવાયની તમારી બધી ઇચ્છાઓ પૂરી થશે. અમરતા સિવાયની કોઈ એવી પ્રાર્થના કરો જે અમરતા બરાબર હોય. ત્રણે લોકના સ્વામી બનવા તમે આવું તપ કયું છે એટલે અમરતા તો પ્રાપ્ત નહીં થાય. હે દૈત્યવરો, ત્રણે લોક પર વિજય મેળવવા તમે તપ કર્યું છે એટલે તમારી અમર બનવાની ઇચ્છા હું પૂરી કરી નહી શકું.’ સુંદે અને ઉપસુંદે કહ્યું, ‘હે પિતામહ, અમને બંનેને એકબીજા સિવાય આ ત્રિલોકમાં ઉત્પન્ન થયેલા કશા સ્થાવર જંગમનો ભય ન હો.’ પિતામહે ઉત્તર આપ્યો, ‘તમે જે પ્રાર્થના કરી, જે કહ્યું તે પ્રમાણે હું વરદાન આપું છું. તમારા કહેવા પ્રમાણે મૃત્યુનો નિયમ નિશ્ચિત થશે.’ ત્યાર પછી પિતામહે સુંદ અને ઉપસુંદને આ વરદાન આપ્યું. બંનેને તપમાંથી મુક્ત કર્યા અને તે પોતે બ્રહ્મલોકમાં ગયા. તે બંને દૈત્યરાજ બધાં વરદાન મેળવીને, બીજાઓ દ્વારા વધ નહીં થાય એવું વરદાન મેળવી પોતાને ઘેર ગયા. આ બંને મહા અસુરોએ વરદાન મેળવ્યાં એટલે તેમના સ્વજન આનંદ પામ્યા અને તેમનો મનોરથ પાર પડ્યો એટલે ખૂબ જ પ્રસન્ન થયા. તે બે ભાઈઓએ જટા વિખેરી નાખી, મુગટ વગેરે અતિ મૂલ્યવાન આભૂષણો પહેર્યાં અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યાં. ત્યાર પછી એ બંને અત્યંત પ્રસન્ન થયેલા દૈત્યોએ અને તેમના સ્વજનોએ બધી કામનાઓને પૂર્ણ કરનારો કૌમુદી મહોત્સવ અકાળે જ ઉજવવા માંડ્યો. ઘર ઘરમાં ખાઓ, ભોજન કરો, રમો, ગાઓ, આપો, પીઓ એવા અવાજો થવા લાગ્યા. સ્થળે સ્થળે જોર જોરથી તાળીઓ પડવાના ઊંચા અવાજો આવવા લાગ્યા, દૈત્યોનું આખું નગર હર્ષ અને આનંદથી ઊછળી રહ્યું હતું. ઇચ્છાનુસાર રૂપ બદલી શકનારા દૈત્યો ખૂબ આનંદથી અનેક પ્રકારે વિહાર કરતા હતા, તેને કારણે એક વર્ષ એક દિવસ જેવું લાગવા માંડ્યું. અકાળે ઉજવાયેલા મહોત્સવને અંતે ત્રણે લોક ઉપર આધિપત્ય પ્રાપ્ત કરવાની અભિલાષા ધરાવતા બંને ભાઈઓેએ મંત્રણા કરીને સેનાઓને તૈયાર થવાની આજ્ઞા આપી. તેમણે સ્વજન અને વૃદ્ધ દૈત્યોની આજ્ઞાથી યાત્રા કરવાની તૈયારી પૂરી કરીને રાત્રે મઘા નક્ષત્રમાં યાત્રા આરંભી. ભારે ગદા, પટ્ટિશ, શૂલ, મુદ્રગર વગેરે શસ્ત્રો લઈને ચાલતી વિશાળ દૈત્ય સેનાની સાથે બંને ચાલી નીકળ્યા. બંને દૈત્યો ચારણોના વિજયસૂચક માંગલિક સ્તુતિપાઠથી પ્રશંસિત થતા થતા પરમ હર્ષપૂર્વક જવા લાગ્યા. યુદ્ધમાં કઠોર, પોતાની ઇચ્છાનુસાર ચાલનારા બંને દૈત્યો આકાશ માર્ગે દેવલોક ગયા. દેવગણે તેમના આગમનના સમાચાર સાંભળ્યા, પિતામહે આપેલા વરદાનનું સ્મરણ કરીને દેવો સ્વર્ગ ત્યજીને બ્રહ્મલોકમાં જતા રહ્યા. બંને પરાક્રમી દૈત્યોએ ઇન્દ્રલોક જીતીને યક્ષ, રાક્ષસ તથા બીજા ખેચરી પ્રાણીઓને જીતી લીધા. બંને મહા અસુરોએ પાતાળમાં રહેતા સાપોને પરાજિત કરી સમુદ્રદ્વીપમાં રહેનારી બધી મલેચ્છ જાતિઓને હરાવી. ત્યાર પછી કઠોર શાસન કરવાવાળા બંને મહાબલી ભાઈઓએ સમગ્ર ભૂમંડળને પરાજિત કરવા તત્પર થઈને સૈનિકોને મોટેથી મોટેથી સુતીક્ષ્ણ વચન કહ્યાં, ‘રાજર્ષિઓ મહાયજ્ઞો વડે અને બ્રાહ્મણો હવ્યકવ્યથી દેવોના તેજ, બળ અને શ્રીને સમૃદ્ધ કરે છે. આ પ્રકારનાં કાર્યોમાં પરોવાયેલા તે સર્વ અસુરદ્વેષી જનોનો આપણે ભેગા મળીને વધ કરવો જોઈએ.’ આ પ્રકારે બધાને આજ્ઞા આપીને તેઓ મહાસમુદ્રના પૂર્વ કિનારે આવો નિષ્ઠુર વિચાર કરીને ચારે દિશામાં દોડ્યા. તે બંને બળવાન ભાઈઓ યજ્ઞ કરાવી રહેલા બ્રાહ્મણોને જોતાંવેંત બળજબરીથી મારી નાખતા હતા. તેમની સેના નિ:શંક ચિત્તે આત્મશક્તિવાળા ઋષિઓના આશ્રમમાં જઈને તેમના અગ્નિહોત્ર પાણીમાં વહેવડાવી દેતી હતી. મહાત્મા તપોધનો ક્રોધે ભરાઈને શાપ દેવા માંડ્યા પણ બ્રહ્માના વરદાનને કારણે ઉપદ્રવ મચાવતા દૈત્યો પર તેની કશી અસર ન પડી. શિલા પર છોડેલા બાણની જેમ તે દ્વિજોનો શાપ વ્યર્થ પુરવાર થયો એટલે તે બ્રાહ્મણો પોતાના વ્રત, નિયમો ત્યજીને ભાગી ગયા. જેવી રીતે ગરુડની બીકે સાપ ભાગી જાય તેવી રીતે પૃથ્વી પર જેટલા શમશીલ, તપસિદ્ધ હતા તે બધા ભાગી ગયા. આ પ્રકારે છિન્નભિન્ન થયેલા આશ્રમોથી તથા તૂટેલાફૂટેલા, વેરવિખેર કળશ અને સરવાથી આ સંસાર જાણે પ્રલય વેળા કાળ દ્વારા બધું નષ્ટ થઈ ગયું હોય તેમ, શૂન્ય થઈ ગયો. ત્યાર પછી મુનિઓ તથા રાજર્ષિઓ આમતેમ સંતાઈને આંખો આગળથી દૂર થયા એટલે બંને મહા અસુરો તેમનો વધ કરવા વિધવિધ રૂપ ધારણ કરવા લાગ્યા. ક્યારેક તેઓ મત્ત હાથીનું રૂપ લઈને દુર્ગમાં જઈ પહોંચેલા તપસ્વીઓના હત્યા કરવા લાગ્યા. ક્યારેક તે બંને ક્રૂર અસુર સિંહનું, ક્યારેક વાઘનું રૂપ ધારણ કરતા હતા, ક્યારેક અદૃશ્ય થઈ જતા હતા. આમ તેમણે વિવિધ ઉપાયો કરીને ઋષિઓને જોતાંવેંત તેમને મારતા હતા. ત્યારે પૃથ્વી યજ્ઞ અને સ્વાધ્યાયરહિત થઈ ગઈ, બ્રાહ્મણો-રાજાઓ વિનાની થઈ ગઈ, યજ્ઞોત્સવો બંધ થઈ ગયા. બધા લોકો ભયભીત થઈને હાહાકાર મચાવવા લાગ્યા. ક્રયવિક્રય જેવા બજારના કામકાજ, દૈવી કાર્યો, પુણ્યકાર્યો, વિવાહકર્મ પણ બંધ થઈ ગયાં. ખેતી, ગોપાલન જેવાં કામકાજ અટકી ગયાં. નગર અને આશ્રમો ધ્વસ્ત થઈ ગયા, પૃથ્વી હાડપિંજરો અને કંકાલોથી ભરેલી ખૂબ ભયાનક દેખાવા લાગી. દેશોમાં પિતૃતર્પણ, વષટકાર જેવી માંગલિક ક્રિયાઓનો નાશ થયો, એને કારણે જગત ભયાનક બની ગયું અને જોવાલાયક ન રહ્યું. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા અને આકાશસ્થિત અશ્વિની વગેરે નક્ષત્ર સુંદ-ઉપસુંદનું આ કર્મ જોઈને દુઃખી થઈ ગયા. દૈત્યો આવા કુટિલ કર્મથી બધી દિશાઓ જીતીને છેવટે શત્રુરહિત થઈને કુરુક્ષેત્રમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે બધા દેવર્ષિ, પરમ ઋષિ, સિદ્ધગણ ભયાનક હત્યાકાંડ જોઈને બહુ દુઃખી થયા. ક્રોધ જીતનારા, આત્માવાન, ઇન્દ્રિયો જીતનારા જગત ઉપર કૃપા કરવાની ઇચ્છાથી પિતામહના ભવનમાં જઈ પહોંચ્યા. ત્યાં સિદ્ધ અને બ્રહ્મર્ષિઓથી વીંટળાઈને બેઠેલા પિતામહને જોયા. મહાદેવ, અગ્નિ, વાયુ, ચંદ્ર, આદિત્ય, ધર્મ, પરમેષ્ઠી, બુધ, વૈખાનસ, વાલખિલ્ય, વાનપ્રસ્થ, મરીચિ, અજ, અવિમુગ્ધ, તેજોગર્ભ જેવા વિવિધ તપસ્વીઓ, ઋષિઓ પિતામહ પાસે હતા. તે સમગ્ર મહર્ષિગણે પિતામહને સુંદ-ઉપસુંદનાં કાર્યોનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે દેવગણે તથા પરમ ઋષિઓએ એ વિશે પિતામહને પ્રેરિત કર્યા. તેમની વાત સાંભળીને ઘડી વાર પિતામહે વિચાર કર્યો, આ દુરાચારી દૈત્યોના વધ માટે વિશ્વકર્માને બોલાવ્યા. તે આવ્યા એટલે મહાનુભાવ પિતામહે આદેશ આપ્યો, ‘બધાનાં મન હરી લે એવી સ્ત્રીનું સર્જન કરો.’ વિશ્વકર્માએ તેમને પ્રણામ કરી આદરપૂર્વક તેમની આજ્ઞા માનીને વિચારવિમર્શ કર્યો અને એક દિવ્ય સુંદરીનું નિમાર્ણ કર્યું. ત્રણે લોકમાં જે જે દર્શનીય સ્થાવર જંગમ પદાર્થ હતા તે બધા વિશ્વકર્મા લઈ આવ્યા, તેના શરીરમાં કરોડો રત્ન જડી દીધાં અને તે સ્ત્રીને રત્નસમૂહો વડે દેવરૂપિણી બનાવી. વિશ્વકર્માએ ભારે પુરુષાર્થથી નિર્મેલી તે રૂપવતી કન્યા જેવી ત્રણે ભુવનમાં કોઈ સ્ત્રી ન હતી. તેના શરીરના એક એક સૂક્ષ્મ સ્થાને જોનારની દૃષ્ટિ અપૂર્વ રૂપની શોભાથી લુબ્ધ થઈ જતી હતી. સાક્ષાત્ લક્ષ્મી જેવી તે સુંદર રૂપ અને શરીરવાળી સ્ત્રી દરેક પ્રાણીનાં મન અને નેત્ર લોભાવવા લાગી. વિશ્વકર્માએ તલ તલની જેમ રત્નો પસંદ કરીને તે કન્યાનું નિર્માણ કર્યું હતું. એટલે પિતામહે તેનું નામ તિલોત્તમા રાખ્યું. તેમણે કહ્યું, ‘હે ભદ્રા, સુંદ અને ઉપસુંદ અસુરો પાસે તું જા અને તારા સુંદર રૂપ વડે તું તેમને મોહિત કર. તારી રૂપસંપદા જોઈને તને પ્રાપ્ત કરવા તે બંનેમાં સંઘર્ષ ઊભો થાય તેવો પ્રયત્ન કર.’ ત્યાર પછી તિલોત્તમાએ તેમને પ્રણામ કર્યા અને તેમની વાત સ્વીકારી, પછી જ્ઞાનીઓના મંડળની પ્રદક્ષિણા કરી તે સમયે ભગવાન પિતામહ પૂર્વ દિશામાં, મહેશ્વર (શંકર) દક્ષિણ દિશામાં, બીજા દેવગણો ઉત્તર દિશામાં અને ચારે બાજુ ઋષિવૃંદ હતું. તિલોત્તમા જ્યારે મંડળની પ્રદક્ષિણા કરી રહી હતી ત્યારે ઇન્દ્ર અને મહેશ્વર પુષ્કળ ધીરજ રાખીને પોતપોતાના સ્થાને બેસી રહ્યા. તેને જોવાની ઉત્કટ ઇચ્છા શંકરને થઈ આવી. એટલે જ્યારે તિલોત્તમા તેમની દક્ષિણે ગઈ ત્યારે કટાક્ષયુક્ત નેત્રોથી સુશોભિત એક દક્ષિણ મુખ પ્રગટ્યું. તિલોત્તમા જ્યારે તેમની પાછળ ગઈ ત્યારે એક પશ્ચિમ મુખ પ્રગટ્યું અને જ્યારે તે ઉત્તરમાં ગઈ ત્યારે તેમની ડાબી બાજુએ એક મુખ પ્રગટ્યું. તિલોત્તમા ઇન્દ્રને પણ જોવા માગતી હતી, એટલે તે ઇન્દ્રની પ્રદક્ષિણા કરવા લાગી ત્યારે ઇન્દ્રને આગળ પાછળ પીઠ પર મોટી મોટી હજાર લાલ આંખો પ્રગટી. આમ મહાદેવ ચતુર્મુખ થયા અને વલાસુરનો નાશ કરનારા ઇન્દ્ર સહાક્ષ બન્યા. પરિક્રમા કરતી વેળા તિલોત્તમા જ્યાં ગઈ ત્યાં દેવ અને મહર્ષિઓનાં મુખ એ જ દિશામાં ઘૂમી ગયાં. તે સમયે બ્રહ્મસભામાં જેટલા લોકો ઉપસ્થિત હતા તેમાં પિતામહ સિવાય બધા સભાસદોની દૃષ્ટિ તે નારીદેહ પર પડી. જ્યારે તિલોત્તમા જઈ રહી હતી ત્યારે બધા જ દેવ અને પરમ ઋષિઓએ તેની રૂપસંપદા જોઈને પોતાને અભીષ્ટ કામના સંતોષાશે એમ માન્યું. તિલોત્તમા દેવકાર્ય સિદ્ધ કરવા ચાલી ગઈ તે પછી લોકભાવન બ્રહ્માએ તે સંપૂર્ણ વેદ જાણનારને અને ઋષિઓને વિદાય આપી. સુંદ અને ઉપસુંદ પૃથ્વીને પરાજિત કરી, ત્રણે ભુવનોને પોતાના હાથ નીચે આણીને દુઃખરહિત થયા અને હવે શત્રુ ન રહ્યા એટલે પોતાને સફળ માનવા લાગ્યા. દેવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, સર્પ, ભૂપાલ વગેરેનાં સર્વ રત્નો લઈને પરમ સંતોષી થયા. જ્યારે જોયું કે આ ત્રિલોકમાં તેમને કોઈ રોકનાર નથી ત્યારે કામકાજ ત્યજી દઈને દેવોની જેમ સુખે વિહાર કરવા લાગ્યા. માલા, ચંદન, સ્ત્રી, સુંદર ખાદ્ય, ભક્ષ્ય, પાન — એમ અનેક પ્રકારની વસ્તુઓથી આનંદ પામવા લાગ્યા. દેવોની જેમ ક્યારેક અંત:પુરમાં, ક્યારેક વનમાં, ક્યારેક ઉદ્યાનમાં, ક્યારેક પર્વતો પર — એમ યથેચ્છ સ્થાનો પર વિહાર કરવા લાગ્યા. એક દિવસ પુષ્પાચ્છાદિત વૃક્ષોથી સુશોભિત વિન્ધ્યાચલના એક સપાટ શિલાતલ પર વિહાર કરવા ગયા. ત્યાં મનગમતી સંપૂર્ણ દિવ્ય કામ્ય વસ્તુઓ લઈને સ્ત્રીઓની સાથે આનંદિત થઈને સુંદર આસનો પર બેઠા. તેમના સંતોષ માટે સ્ત્રીઓ સુંદર નૃત્ય, ગીત અને સ્તુતિભરેલ સંગીતથી તેમને પ્રસન્ન કરવા લાગી. તે સમયે તિલોત્તમા એક જ લાલ વસ્ત્ર પહેરીને સજીધજીને વનમાં આવી ફૂલ વીણવા લાગી. નદી કિનારે ઊગેલા કર્ણિકારનાં ફૂલો ચૂંટતી જ્યાં બને દૈત્ય બેઠા હતા ત્યાં ગઈ. બંને પુષ્કળ મદ્ય પીને લાલચોળ આંખોવાળા તે બંને નશામાં ચકચૂર હતા, તે સુંદરીને જોતાં વેંત તેઓ કામવશ બની ગયા. તિલોત્તમા જ્યાં ઊભી હતી ત્યાં તેઓ બંને આસન પરથી ઊભા થઈને ગયા, બંનેનાં મન તેના પર આસક્ત થઈ ગયાં અને બંને તેને પ્રાર્થવા લાગ્યા. તે સુંદર ભ્રમરવાળી તિલોત્તમાનો જમણો હાથ સુંદે ઝાલ્યો અને ઉપસુંદે ડાબો હાથ ઝાલ્યો. તેઓ બંને વરદાન પામીને અહંકારી થયા હતા, ઉપરાંત પોતાના બાહુબળનો અહંકાર, ધનરત્નોનો અહંકાર હતો. વળી સુરાપાનથી અત્યારે ઉન્મત્ત હતા. બંને મદ્યના અને કામના નશામાં ઉન્મત્ત હતા, એટલે એક બીજા સામે ભંવાં ચઢાવીને કહેવા લાગ્યા. સુંદે કહ્યું, ‘આ મારી ભાર્યા છે, તે તારાથી મોટી છે એટલે તું છોડી દે.’ ઉપસુંદે કહ્યું, ‘આ સ્ત્રી મારી છે, તારી પુત્રવધૂ છે, તું એને છોડી દે.’ ‘આ મારી છે, તારી નથી ’ એમ અંદરોઅંદર કહેતાં કહેતાં બંનેનો ક્રોધ વકર્યો અને બંનેએ તેના માટે ભયંકર ગદા ઉઠાવી. તે નારીને માટે કામમોહિત થયેલા બંને ભાઈઓએ મોટી મોટી ગદા ઉઠાવીને ‘હું પહેલો, હું વહેલો’ કરી એકબીજાને મારવા લાગ્યા. તે ગદાના મારથી બંને ભયાનક દૈત્ય મૃત્યુ પામ્યા, રક્તથી નાહેલા આકાશમાંથી બંને સૂર્યની જેમ ધરતી પર પડી ગયા. ત્યારે વિષાદ અને ભયથી કાંપતા તેમના મિત્રો, દૈત્ય, દૈત્યસ્ત્રીઓ ભાગીને પાતાલમાં પ્રવેશી ગયાં. ત્યાર પછી વિશુદ્ધાત્મા ભગવાન પિતામહ તિલોત્તમાના સત્કાર માટે દેવો અને મહર્ષિઓની સાથે ત્યાં આવી પહોંચ્યા. ભગવાન પિતામહે ત્યાં આવીને તિલોત્તમાને વરદાન આપવા આતુર થયા. વરદાન આપવાની હા પાડીને તેઓ પ્રસન્ન થઈને બોલ્યા, ‘હે ભામિની, તું સૂર્યલોકમાં વિહાર કરી શકીશ. કોઈ પુરુષ તને જોઈ નહીં શકે એટલું બધું તારું તેજ હશે.’ બધા લોકના પિતામહ આવું વરદાન આપીને, ઇન્દ્રને ત્રણે લોક સોંપીને બ્રહ્મલોક ગયા. (આદિ પર્વ, ૨૦૧થી ૨૦૪)

વર્ગા અપ્સરાની કથા

વર્ગા અપ્સરાએ અર્જુનને કહ્યું, ‘હું દેવવનમાં વિહાર કરનારી અપ્સરા છું, મારું નામ વર્ગા છે. હું કુબેરની પ્રિય પહેલેથી છું. ઇચ્છાનુસાર વિહાર કરનારી મારી ચાર સખીઓ છે, એક વખત હું ચારે સખીઓની સાથે લોકપાલને ત્યાં જઈ રહી હતી. ત્યારે અમે બધાએ વ્રતધારી, એકાંતવાસી, પરમ રૂપવાન બ્રાહ્મણને જોયા. તેમના તપના તેજથી વન ઢંકાઈ ગયું હતું, તેમણે સૂર્યની જેમ સર્વત્ર અજવાળું કરી મૂક્યું હતું. તેમની આવી તપસ્યા અને આશ્ચર્યકારક રૂપ જોઈને તેમના તપમાં વિઘ્ન નાખવાની ઇચ્છાથી અમે તેમની પાસે જઈ પહોંચી. સૌરમેયી, સમીયિ, બુદ્બુદા, લતા અને હું — આ પાંચ એકત્ર થઈને તે બ્રાહ્મણ પાસે એક સાથે ગઈ. તેમનો લોભાવવા અમે હસવા લાગી. ગીત ગાવા લાગી, પરંતુ તે વિપ્રે કોઈ રીતે અમારી સામે જોયું નહીં. નિર્મલ તપસ્યામાં તલ્લીન તે મહા તેજસ્વી બ્રાહ્મણ જરા પણ વિચલિત થયા નહીં; પછી તે બ્રાહ્મણે ક્રોધે ભરાઈને અમને શાપ આપ્યો, ‘તમે ગ્રાહ બનીને પાણીમાં શત વર્ષ ભમતી રહેશો.’ અમે બહુ દુઃખી થઈ ગઈ, તે તપોધન બ્રાહ્મણની શરણ લઈને કહ્યું, ‘હે બ્રાહ્મણ, અમે રૂપ, યૌવન અને કંદર્પ(કામ)ના અહંકારથી આ અયોગ્ય કાર્ય કર્યું છે. તમે અમને ક્ષમા કરી દો. તમારા જેવા જિતેન્દ્રિય મુનિને લોભાવવા અમે અહીં આવ્યાં એ જ અમારે માટે તો વધ જેવું કહેવાય. ધર્મચિંતકો કહે છે કે નારી વધને યોગ્ય નથી. હે ધર્મજ્ઞ, ધર્માનુસાર તમે અમારી હિંસા ન કરી શકો. હે ધર્મજ્ઞ, કહેવાય છે કે બ્રાહ્મણ બધા પ્રાણીઓનો મિત્ર છે, હે કલ્યાણકારી, પંડિતોનું આ વચન સાચું પાડો. સજ્જનો શરણે આવેલાની રક્ષા કરે છે. અમે તમારે શરણે છીએ, અમને ક્ષમા કરો.’ ત્યારે સૂર્યચંદ્ર જેવા તેજસ્વી, શુભ કર્મો કરનારા ધર્માત્મા બ્રાહ્મણ આ સાંભળીને બોલ્યા, ‘શત, સહ અને વિશ્વનો અર્થ અનંત કાળ થાય છે, પણ હું જે ‘શત’ બોલ્યો તેનો અર્થ અનંત કાળ નહીં પણ સો થાય છે. તમે જળચર ગ્રાહ બનીને પુરુષોને પકડતી રહેશો. સો વર્ષ પછી એક પુરુષશ્રેષ્ઠ તમને પકડીને જમીન પર લઈ આવશે. ત્યારે તમે તમારું રૂપ પાછું મેળવશો. હું મજાકમાં પણ અસત્ય બોલ્યો નથી. તમારી મુક્તિ પછી બધાં તીર્થ નારીતીર્થ નામે સંસારમાં વિખ્યાત થશે અને સાધુઓને માટે પવિત્ર અને પુણ્યકારક બનશે.’ પછી અમે તે બ્રાહ્મણને પ્રણામ કરીને, તેમની પરિક્રમા કરીને દુઃખી ચિત્તે ત્યાંથી દૂર જઈને વિચારવા લાગી. જે અમને અમારું મૂળ રૂપ સંપડાવી આપે એવા પુરુષનો ભેટો બહુ જલદી ક્યારે થશે. અમે આવી ચિંતાઓ કરતી હતી ત્યાં દેવર્ષિ નારદને અમે જોયા, તે અમિત તેજસ્વી નારદને જોઈને અમે ખૂબ પ્રસન્ન થઈ અને તેમનું અભિવાદન કરી, દુઃખી થઈને ત્યાં ઊભી રહી. તેમણે અમારા દુઃખનું કારણ પૂછ્યું એટલે આખી વાત તેમને કરી. તે સાંભળીને નારદ બોલ્યા, ‘દક્ષિણ સમુદ્રમાં પાણી ભરેલા પાંચ તીર્થ છે, તે ખૂબ જ રમણીય, પુણ્યદાયક છે, તમે વેળાસર ત્યાં જાઓ. તે સ્થળે શુદ્ધાત્મા, પાંડુપુત્ર ધનંજય (અર્જુન) તમને નિ:સંદેહ આ દુઃખમાંથી બચાવશે. અમે એ મહર્ષિનું વચન સાંભળીને અહીં આવી. હવે અમે સાચેસાચ તમારા દ્વારા મુક્તિ પામી.’ (આદિ પર્વ ૨૦૮-૨૦૯)

રાજા શ્વેતકિની કથા

પ્રાચીન કાળમાં ઇન્દ્ર જેવા બળસંપન્ન અને પરાક્રમી શ્વેતકિ નામના એક રાજા હતા. તે સમયે તેમના જેટલા યજ્ઞ કરનાર, દાતા, બુદ્ધિમાન કોઈ ન હતા. તેમણે પૂરતી દક્ષિણાવાળા અનેક મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું. પ્રત્યેક દિવસે તેમના મનમાં યજ્ઞ અને દાન સિવાય કોઈ બીજો વિચાર આવતો ન હતો. તેઓ યજ્ઞકર્મના આરંભમાં અને વિવિધ દાનોમાં રચ્યાપચ્યા રહેતા હતા. આ પ્રકારે તે બુદ્ધિમાન રાજા ઋત્વિજો સાથે યજ્ઞ કર્યા કરતા હતા. યજ્ઞ કરતાં કરતાં તેમના ઋત્વિજોની આંખો ધુમાડાથી વ્યાકુળ થઈ ઊઠી. લાંબા સમય સુધી આહુતિ આપી આપીને બધા ખિન્ન થઈ ગયા. એટલે રાજાને છોડીને જતા રહ્યા. ત્યારે રાજાએ યજ્ઞ માટે ફરી ઋત્વિજોને બોલાવ્યા, પરંતુ જેમની આંખો દુઃખવા આવી હતી તેઓ તેમના યજ્ઞમાં ન આવ્યા. ત્યારે રાજાએ તેમની અનુમતિ લઈને બીજા બ્રાહ્મણોને ઋત્વિજ બનાવ્યા અને તેમની સાથે ચાલુ કરેલા યજ્ઞો પૂરા કર્યા. આમ યજ્ઞપરાયણ રાજાના મનમાં એક વખત એવો વિચાર આવ્યો કે હું સો વરસ ચાલે એવો એક યજ્ઞ કરું. પરંતુ એ મહામનાને યજ્ઞ કરાવનાર કોઈ ઋત્વિજ ન મળ્યા. તે મહાયશસ્વી રાજાએ મિત્રોને લઈને યજ્ઞકાર્ય માટે બહુ પ્રયત્ન કર્યો. ઋત્વિજોના પગે પડ્યા, સાંત્વનાપૂર્ણ વચન કહી, ઇચ્છાનુસાર દાન આપી વારંવાર તેમને મનાવ્યા, યજ્ઞ માટે વિનંતીઓ કરી પણ તેમણે અમિત તેજસ્વી રાજાના મનોરથને સફળ ન કર્યો. ત્યારે રાજર્ષિએ ક્રોધે ભરાઈને આશ્રમવાસી મહર્ષિઓને કહ્યું, ‘બ્રાહ્મણો, જો હું પતિત હોઉં, તમારી સેવાચાકરી કરવામાં આળસ કરતો હોઉં તો તમે મારો શીઘ્ર ત્યાગ કરો તે બરાબર, તે સિવાય નહીં; એટલે યજ્ઞકાર્ય માટે વધતી જતી શ્રદ્ધામાં તમારે અંતરાયો ઊભા ન કરવા જોઈએ. આમ કોઈ અપરાધ વિના મારો ત્યાગ કરવો તમારા માટે યોગ્ય નથી. હું તમારી શરણે આવ્યો છું. તમે કૃપા કરીને મારા પર પ્રસન્ન થાઓ. હે બ્રાહ્મણશ્રેષ્ઠો, હું કાર્યાર્થી છું, સાંત્વન આપીને દાન આપવાની વાત કરીને યોગ્ય વચન દ્વારા તમને પ્રસન્ન કરી તમારી સેવામાં મારા કાર્યનું નિવેદન કરું છું. હે દ્વિજોત્તમો, જો તમે દ્વેષપૂર્વક મારો ત્યાગ કરશો તો આ યજ્ઞ ક્રાવવા બીજા ઋત્વિજોને આમંત્રું.’ આમ કરીને રાજા ચૂપ થઈ ગયા જ્યારે તે ઋત્વિજો રાજાનો યજ્ઞ કરાવવા માટે તત્પર ન થયા ત્યારે તેઓ ક્રોધે ભરાઈને બોલ્યા, ‘હે ભૂપાલ, તમારા યજ્ઞકર્મ તો નિરંતર ચાલ્યા કરે છે. સદા કાર્યરત રહેવાને કારણે અમે થાકી ગયા છીએ. પહેલાંના પરિશ્રમથી અમારું કષ્ટ વધી ગયું છે. આવી સ્થિતિમાં બુદ્ધિ મોહિત થવાને કારણે તમે ઇચ્છો તો અમને પડતા મૂકી શકો. હે નિષ્પાપ રાજા, તો પછી તમે ભગવાન રુદ્ર પાસે જાઓ. હવે તેઓ જ તમારો યજ્ઞ કરાવશે.’ બ્રાહ્મણોનાં આવાં આક્ષેપવાળાં વચન સાંભળીને રાજા શ્વેતકિને બહુ ગુસ્સો આવ્યો. તેઓ કૈલાસ પર્વત પર જઈને તપ કરવા મંડી પડ્યા. તીવ્ર વ્રતનું પાલન કરવાવાળા રાજા શ્વેતકિ મન — ઇન્દ્રિયો પર સંયમ રાખીને ઊભા ઊભા મહાદેવની આરાધના કરતાં કરતાં બહુ દિવસો સુધી નિરાહાર રહ્યા. તેઓ ક્યારેક બારમા દિવસે તો ક્યારેક સોળમા દિવસે ફળ-મૂળનો આહાર લેતા હતા. બંને હાથ ઊંચા કરીને એકીટશે જોતાં શ્વેતકિ રાજા એકાગ્ર ચિત્તે છ મહિના ઠૂંઠાની જેમ ઊભા રહ્યા. તે નૃપશ્રેષ્ઠને આમ ભારે તપસ્યા કરતા જોઈને ભગવાન શંકરે અત્યંત પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યાં. સ્નિગ્ધ અને ગંભીર વાણીમાં ભગવાને કહ્યું, ‘હે નરશાર્દૂલ, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. તારું કલ્યાણ થાઓ. તારે જે જોઈએ તે વરદાન માગી લે.’ અમિત તેજસ્વી રુદ્રનું આ વચન સાંભળીને રાજા શ્વેતકિએ શંકરને પ્રણામ કર્યા અને કહ્યું, ‘હે દેવદેવેશ, સુરેશ્વર, જો સર્વલોક દ્વારા પુજાતા ભગવાન પ્રસન્ન થયા હો તો મારો યજ્ઞ તમે જાતે કરાવો.’ રાજાની વાત સાંભળીને ભગવાન શિવ પ્રસન્ન થઈ સ્મિતપૂર્વક બોલ્યા, ‘રાજન, યજ્ઞ કરાવવો એ મારું કામ નથી. પરંતુ તેં આ વરદાન માટે જ ભારે તપ કર્યું છે, એટલે હે પરંતપ, હું એક શરતે તારો આ યજ્ઞ કરાવીશ. હે રાજેન્દ્ર, તું એકાગ્ર ચિત્તે બાર વરસ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને ઘીની અવિરત ધારા વડે અગ્નિદેવને તૃપ્ત કરીશ તો જે ઇચ્છાથી તું પ્રાર્થના કરે છે તે પ્રાપ્ત કરી શકીશ.’ ભગવાન રુદ્રે આવું કહ્યું એટલે રાજા શ્વેતકિએ શૂલપાણિ શિવની આજ્ઞાથી સમગ્ર કાર્ય સંપન્ન કર્યું. બાર વરસ પૂરાં થયાં એટલે શિવ પાછા ત્યાં આવ્યા. લોકભાવન શંકર નૃપશ્રેષ્ઠ શ્વેતકિને જોઈને અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા, ‘નૃપશ્રેષ્ઠ, તેં આ વિધિવત્ કર્મ દ્વારા મને પૂરેપૂરો સંતોષ આપ્યો છે. પરંતુ શાસ્ત્રીય વિધિ પ્રમાણે યજ્ઞ કરાવવાનો અધિકાર બ્રાહ્મણોને જ છે. એટલે હે પરંતપ, હું સ્વયં તારો યજ્ઞ નહીં કરાવું, પૃથ્વી પર મારા જ અંશ ભૂત એક દ્વિજશ્રેષ્ઠ છે. તેઓ દુર્વાસા નામે વિખ્યાત છે. મહાતેજસ્વી દુર્વાસા મારી આજ્ઞાથી તારો યજ્ઞ કરાવશે. તું સામગ્રી તૈયાર કર.’ ભગવાન રુદ્રની વાત સાંભળીને રાજા પાછા નગરમાં આવ્યા અને યજ્ઞસામગ્રી તૈયાર કરાવવા લાગ્યા. આ બધી વ્યવસ્થા કરીને તેઓ ફરી રુદ્ર પાસે ગયા અને બોલ્યા, ‘મહાદેવ, તમારી કૃપાથી યજ્ઞસામગ્રી અને અન્ય ઉપકરણોની વ્યવસ્થા થઈ ગઈ છે. હવે આવતી કાલે મને યજ્ઞદીક્ષા મળવી જોઈએ. મહામના રાજાનું આ વચન સાંભળીને રુદ્રે દુર્વાસાને બોલાવ્યા અને કહ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, આ મહારાજ શ્વેતકિ છે. મારી આજ્ઞાથી તમે આ રાજાનો યજ્ઞ કરાવો.’ આ સાંભળી મહર્ષિએ રુદ્રની વાત સ્વીકારી લીધી. ત્યાર પછી યથાકાળે વિધિપૂર્વક તે મહાત્મા નરેશનો યજ્ઞ આરંભાયો. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બધું કાર્ય થયું. એ યજ્ઞમાં મોટા પાયે દક્ષિણા આપવામાં આવી. તે મહામના રાજાનો યજ્ઞ પૂરો થયો એટલે જે તેજસ્વી સદસ્યો તથા ઋત્વિજો દીક્ષિત થયા હતા તે સૌ દુર્વાસાની આજ્ઞા લઈને પોતપોતાને ઘેર ગયા. તે ભાગ્યશાળી રાજા પણ વેદપારંગત બ્રાહ્મણો દ્વારા સમ્માનિત થઈને પોતાની રાજધાનીમાં ગયા. તે સમયે બંદીજનોએ તેમની યશગાથા ગાઈ અને નગરજનોએ તેમને અભિનંદન આપ્યા. નૃપશ્રેષ્ઠ રાજર્ષિ શ્વેતકિનો આચાર આવો જ હતો. દીર્ઘ કાળ પછી તેઓ પોતાના યજ્ઞના સર્વ સદસ્યો તથા ઋત્વિજો સહિત સ્વર્ગે ગયા. તે યજ્ઞમાં અગ્નિએ બાર વર્ષ સુધી અવિરતપણે ઘીનું પાન કર્યું. તે અદ્વિતીય યજ્ઞમાં નિરંતર ઘીની સતત ધારાને કારણે અગ્નિ પરમ તૃપ્તિ પામ્યા, હવે તેમને બીજા કોઈ હવિષ્ય અન્નની ઇચ્છા ન રહી. તેમનો વર્ણ ફિક્કો પડી ગયો, કાન્તિ ઝાંખી થઈ, પહેલાંની જેમ તેઓ હવે પ્રકાશતા ન હતા. હવે અગ્નિદેવના ઉદરમાં વિકાર જન્મ્યો, તેજહીન થઈને ગ્લાનિ પામ્યા. પોતાને તેજહીન જોઈને હુતાશન (અગ્નિદેવ) બ્રહ્માજીના લોકપૂજિત સદનમાં ગયા. ત્યાં બેઠેલા બ્રહ્માને કહ્યું, ‘ભગવન શ્વેતકિએ યજ્ઞમાં મને ખૂબ સંતુષ્ટ કરી દીધો. પરંતુ હવે મને અરુચિ થઈ છે. તે હું દૂર કરી શકતો નથી. અરુચિને કારણે હું તેજહીન, બળહીન થઈ રહ્યો છું. હું તમારી કૃપાથી સ્વસ્થ થવા માગું છું, મારી સ્વાભાવિક પ્રકૃતિ યથાવત્ રહે.’ અગ્નિદેવની વાત સાંભળીને સર્વ લોકના ષ્ટા ભગવાન હવ્યવાહન અગ્નિને હસતાં હસતાં કહેવા લાગ્યા, ‘હે મહાભાગ, તેં બાર વરસ સુધી વસુધારાની આહુતિ રૂપે ઘીની ધારાનું પાન કર્યું છે. એટલે તને આ ગ્લાનિ થઈ છે. હે હવ્યવાહન, તેજહીન થવાને કારણે મનમાં ગ્લાનિ ન થવી જોઈએ. હે વહ્નિ (અગ્નિ), તું ફરી સ્વસ્થ થઈશ. સમય આવે ત્યારે તારી અરુચિ દૂર કરીશ. ભૂતકાળમાં દેવતાઓના આદેશથી તેં દૈત્યોના ઘોર નિવાસસ્થાન ગણાતા ખાંડવવનનું દહન કર્યુ હતું. ત્યાં અત્યારે બધા જ પ્રકારનાં જીવજન્તુ છે. હે વિભાવસુ, તેમના મેદથી તૃપ્ત થઈને તું સ્વસ્થ થઈ શકીશ. તે વનને પ્રજાળવા તું સવેળા જા. તો જ આ ગ્લાનિમાંથી મુક્ત થઈશ.’ પરમેષ્ઠી બ્રહ્માનું આ વચન સાંભળીને અગ્નિદેવ ત્વરાથી ત્યાં ગયા. ખાંડવ વનમાં પહોંચીને ઉત્તમ બળ વડે અને વાયુની સહાય વડે કુપિત અગ્નિદેવ સહસા પ્રજ્વલિત થઈ ઊઠ્યા. ખાંડવવન પ્રજળતું જોઈ ત્યાં રહેનારાં પ્રાણીઓએ તે આગ ઓલવવા માટે બહુ પ્રયત્ન કર્યો. સેંકડો અને હજારોની સંખ્યામાં હાથી સૂંઢમાં પાણી ભરીને વેગે દોડતા અને ક્રોધે ભરાઈને ત્યાં પ્રગટેલી આગ પર છાંટતા. અનેક મસ્તકવાળા નાગ ક્રોધથી મૂર્છિત થઈને પોતાનાં મસ્તક દ્વારા અગ્નિની પાસે સત્વરે જલધારા કરતા. આમ બીજા અનેક જીવોએ અનેક પ્રકાર અને ઉદ્યમ વડે એ આગને જલદી ઓલવી નાખી. આમ ખાંડવવનમાં અગ્નિએ વારંવાર પ્રજ્વલિત થઈને સાત વખત તેને પ્રજાળવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રત્યેક વેળાએ ત્યાંના નિવાસીઓએ તે આગ ઓલવી નાખી.’ (ગીતાપ્રેસ, આદિ પર્વ, ૨૨૨)

ખાંડવવનકથા

અગ્નિદેવે બ્રહ્મા પાસે જઈને કહ્યું, ‘શ્વેતકિના યજ્ઞમાં હું બહુ તૃપ્ત થઈ ગયો છું, પણ મને અરુચિ થઈ છે. એને કારણે હું તેજહીન અને નિર્બળ થઈ ગયો છું. તમારી કૃપાથી હું સ્વસ્થ થઈ જવા માગું છું.’ અગ્નિની વાત સાંભળીને બ્રહ્માએ હસતાં હસતાં કહ્યું, ‘તેં બાર વર્ષ સુધી ઘી પીધું છે. એટલે તને અજીર્ણ થયું છે. તેજહીન થવાને કારણે તને એવું લાગે છે. તું પાછો સ્વસ્થ થઈ જઈશ. સમય આવે તારી અરુચિ દૂર કરીશ. ભૂતકાળમાં તેં દેવતાઓના કહેવાથી દૈત્યોના નિવાસસ્થાન ખાંડવવનનું દહન કર્યું હતું. અત્યારે ત્યાં બધા પ્રકારનાં પ્રાણીઓ રહે છે. તું એમના મેદથી સ્વસ્થ થઈ શકીશ. એ વનને તું પ્રજ્વલિત કર, તો જ તું સ્વસ્થ થઈ શકીશ.’ બ્રહ્માના કહેવાથી અગ્નિ ખાંડવવનને બાળવા માટે ગયા. વાયુદેવતાની સહાયથી ક્રોધે ભરાયેલા અગ્નિદેવ ખાંડવવનમાં પ્રજ્વલિત થઈ ઊઠ્યા. એ વનને સળગતું જોઈ ત્યાં રહેતાં પ્રાણીઓએ આગ હોલવવાનો બહુ પ્રયત્ન કર્યો, સેંકડો અને હજારોની સંખ્યામાં હાથીઓએ દોડી આવીને પોતાની સૂંઢમાં પાણી ભરી ભરીને ઉતાવળે છાંટવા માંડ્યું, અનેક ફેણવાળા નાગ પણ ક્રોધે ભરાયા અને પોતાના મસ્તક વડે અગ્નિજ્વાળાઓ પાસે જઈને પાણી વરસાવવા લાગ્યા. અને આમ જ બીજાં પ્રાણીઓએ પણ પોતપોતાની રીતે પાણી વરસાવીને આગ ઓલવી નાખી. આમ અગ્નિદેવે સાત વખત ખાંડવવનને પ્રજ્વલિત કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં રહેતા જીવોએ આગ ઓલવી જ નાખી. પોતાના પ્રયત્નો નિષ્ફ્ળ જવાથી અગ્નિદેવને ભારે નિરાશા થઈ, તેઓ શોકમગ્ન થઈ ગયા અને ક્રોધે ભરાઈને પિતામહ પાસે ગયા. ત્યાં બધી વાત માંડીને કહી, બ્રહ્માએ થોડો સમય વિચાર કરીને કહ્યું, ‘તારે ખાંડવવનને કેવી રીતે સળગાવવું જોઈએ એનો ઉપાય મને મળી ગયો છે પણ એ માટે તારે ધીરજ રાખવી પડશે. પછી જ તું ખાંડવવન સળગાવી શકીશ. તે વેળા તારી મદદે નરનારાયણ આવશે. તે બંનેની સાથે રહીને તું ખાંડવવન સળગાવી શકીશ.’ અગ્નિએ બ્રહ્માની વાત માની. ઘણા સમય પછી નરનારાયણના અવતારના સમાચાર અગ્નિદેવને મળ્યા. ત્યારે બ્રહ્માએ કહેલી વાત અગ્નિને યાદ આવી. ફરી અગ્નિ બ્રહ્મા પાસે ગયા. તે વખતે બ્રહ્માએ કહ્યું, ‘હવે ઇન્દ્રના દેખતાં જ તું ખાંડવવન સળગાવી શકીશ. સાંભળ, નરનારાયણ અત્યારે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ધરતી પર અવતર્યા છે. લોકો તેમને અર્જુન અને વાસુદેવના નામે ઓળખે છે. તેઓ અત્યારે ખાંડવવનની પાસે જ બેઠા છે. ખાંડવવન સળગાવવા માટે તેમની મદદ માગ. ઇન્દ્ર વગેરે દેવતાઓ રક્ષવા મથશે પણ નરનારાયણ આ વનનાં બધાં પ્રાણીઓને અટકાવશે અને દેવરાજ ઇન્દ્રનો સામનો પણ કરશે. મને એમાં કશી શંકા નથી.’ શ્રીકૃૃષ્ણ અને અર્જુન ખાંડવવન પાસે બેસીને ભૂતકાળની અનેક કથાઓ કહીને આનંદપ્રમોદ કરતા હતા. તે વખતે તેમની પાસે એક બ્રાહ્મણ આવ્યો. તે બ્રાહ્મણ સાલ વૃક્ષ જેટલો ઊંચો, તપેલા સોના જેવા તેજવાળો, લીલીપીળી દાઢીવાળો, પ્રમાણસર બાંધાનો હતો. એ જટાધારી બ્રાહ્મણે કાળું વસ્ત્ર પહેર્યું હતું. કમળપત્ર જેવું તેનું મોં હતું, તેની સમગ્ર કાયા તેજસ્વી હતી. આવા બ્રાહ્મણને પાસે આવતો જોઈ શ્રીકૃષ્ણ અને અર્જુન ઊભા થઈ ગયા. ખાંડવવન પાસે ઊભેલા જગતના શ્રેષ્ઠ વીરપુરુષોને જોઈને અગ્નિએ કહ્યું, ‘હું બહુ ખાઉધરો છું, અમર્યાદ ભોજન નિત્ય જમું છું. હું તમારા બંનેની પાસે ભોજન માગું છું, મને તૃપ્ત કરો.’ આ સાંભળી શ્રીકૃષ્ણે અને અર્જુને પૂછ્યું, ‘બોલો, કેવા પ્રકારનું અન્ન ખાવાથી તમને તૃપ્તિ થશે? તો અમે એની વ્યવસ્થા કરીએ.’ બંને જણ કેવા પ્રકારનું ભોજન તૈયાર કરીએ તેની વાતો અંદરઅંદર કરતા હતા ત્યારે બ્રાહ્મણવેશી અગ્નિદેવે કહ્યું, ‘મારે અન્ન ખાવું નથી. તમે મને અગ્નિ જ સમજો. જે અન્ન મારા માટે યોગ્ય હોય તે ખાવા આપો. દેવરાજ ઇન્દ્ર ચોવીસે કલાક આ વનની રક્ષા કરે છે, એટલે હું આ વનને પ્રજ્વલિત કરી શકતો નથી. ઇન્દ્રનો મિત્ર તક્ષક નાગ પોતાના સાથીઓ સમેત આ વનમાં રહે છે, આ નાગલોકોને કારણે વજ્રધારી ઇન્દ્ર આ વનની રક્ષા કરે છે. ઉપરાંત આ વનમાં બીજાં અનેક પ્રાણીઓ વસે છે, એમને મારે ભસ્મ કરવા છે પણ દેવરાજ ઇન્દ્રના તેજને કારણે હું તેમને આંચ પહોંચાડી શકતો નથી. અને હું વન પ્રજ્વલિત કરું ત્યારે આકાશમાંથી જળ વરસાવીને તે મારી જ્વાળાઓ ઓલવી નાખે છે. એટલે ખાંડવવન પ્રજ્વલિત કરવાની ઘણી ઇચ્છા હોવા છતાં હું એમ કરી શકતો નથી. તમે બંને અસ્ત્રવિદ્યામાં નિપુણ છો, તમારી સહાય વડે હું ખાંડવવનને સળગાવી શકીશ. મારું ભોજન એટલે આ. ખાંડવવન જ્યારે સળગવા લાગે અને બધાં પ્રાણીઓ આમતેમ ભાગવા માંડે ત્યારે તમે તેમને રોકજો. આકાશમાંથી મેઘ વરસે ત્યારે તેમની ધારાને પણ તમે અટકાવજો. ઇન્દ્રની ઇચ્છા વિરુદ્ધ ખાંડવવનને સળગાવવા માગતા અગ્નિને અર્જુને કહ્યું, ‘મારી પાસે ઘણાં દિવ્ય, ઉત્તમ અસ્ત્ર છે, તે વડે હું અનેક ઇન્દ્રો સાથે યુદ્ધ કરી શકું. પરંતુ મારી પાસે યુદ્ધ દરમિયાન મારો વેગ સહી શકે એવું — મારા બાહુબળને અનુરૂપ ધનુષ નથી. વળી, મારે ઉપરાછાપરી તીર ચલાવવાં પડશે, એટલે મારે અક્ષય ભાથાની જરૂર પડશે. બાણના વેગને વેઠી શકે એવો રથ પણ મારી પાસે નથી. એટલે શ્વેત રંગના, વાયુ જેવા વેગવાન, અશ્વ મારે જોઈએ, વાદળની જેમ ગરજવાવાળો સૂર્ય જેવો તેજસ્વી રથ પણ જોઈએ. ઉપરાંત આ શ્રીકૃષ્ણના બાહુબળને અનુરૂપ કોઈ અસ્ત્ર નથી, અસ્ત્ર હોય તો જ નાગ, પિશાચ વગેરેને પરાજિત કરી શકાય એટલે આ કાર્ય સિદ્ધ કરવા માટે એવો કોઈ ઉપાય બતાવો જેથી આ વિશાળ વનમાં વર્ષાધારા વરસાવતા ઇન્દ્રનો અમે સામનો કરી શકીએ. પુરુષાર્થથી જે કંઈ કરી શકાય તે બધું કરીશું પણ યુદ્ધ માટે જરૂરી સાધનસંરજામ તમારે અમને આપવો પડે.’ ભગવાન હુતાશને અર્જુનની આ વાત સાંભળીને વરુણદેવનું સ્મરણ કર્યું, અગ્નિ મને યાદ કરે છે એવું જાણી વરુણ અગ્નિ પાસે જઈ પહોંચ્યા. અગ્નિએ રક્ષક, મહેશ્વર, જળના સ્વામી વરુણનું સ્વાગત કરીને કહ્યું, ‘રાજા સોમે તમને જે ધનુષબાણ તથા કપિધ્વજ રથ આપ્યા હતા તે બધા શીઘ્ર આપો. અર્જુન ગાંડીવ ધનુષ વડે અને વાસુદેવ સુદર્શન ચક્ર વડે આ મોટું કાર્ય પાર પાડશે. એટલે મને આપો.’ વરુણે આ બધું આપવાની હા પાડી. પછી વરુણે ધનુષ અને બાણના ભાથાં આપ્યાં. તે ધનુષ બધાં શસ્ત્રોનો ધ્વંસ કરનારું, ‘યશ-કીતિર્માં વૃદ્ધિ કરનારું — શસ્ત્રો વડે તેનો નાશ ન કરી શકાય એવું, બધાં અસ્ત્રોથી મોટું, શત્રુઓનો સામનો કરનારું, રાજ્યની સીમાઓ વિસ્તારનાર, સેંકડો — હજારો ધનુષનો સામનો કરવાનો આવે છતાં ભાંગી નહીં જનારું, અનેકરંગી, ધનુષ હતું. તેની પૂજા દેવદાનવગંધર્વો નિત્ય કરે છે. ઉપરાંત બે અક્ષય ભાથા પણ આપ્યા. વળી મનોવેગી, પવનવેગી, ચાંદી જેમ ચમકતો, ઉત્તમ વર્ણવાળો, ગંધર્વ દેશના અશ્વોવાળા, સુવર્ણમાળા ધરાવતો, હનુમાનની ધ્વજા ધરાવતો એક રથ પણ આપ્યો. તે રથ બધાં જ સાધનોથી સજ્જ હતો, દેવદાનવો સામે ટક્કર લઈ શકે એવો હતો. તેનો અવાજ બહુ દૂરથી સાંભળી શકાતો હતો. રત્નજડિત હોવાને કારણે તે સુંદર અને તેજસ્વી હતો. તેનું સર્જન ખૂબ કાળજી લઈને વિશ્વકર્માએ કર્યું હતું. સૂર્યની સામે ન જોઈ શકાય તેમ તેની સામે જોવાથી પણ આંખો અંજાઈ જતી હતી. તેના પર ચઢીને ભગવાન સોમે દાનવોને હરાવ્યા હતા, પર્વત અને વાદળ જેવો તે ઊંચો હતો. તેના ઉપર ઇન્દ્રધનુષ જેવી સુંદર ધજા હતી, વાઘ-સિંહ જેવા જ પરાક્રમી દિવ્ય વાનર ગર્જનાની ઇચ્છાથી રથની ઉપર હતો. ધજાપતાકામાં જાતજાતનાં પ્રાણીઓ હતાં, તેમનો અવાજ સાંભળીને જ શત્રુઓનાં ગાત્ર શિથિલ થઈ જતાં હતાં, આવો રથ વરુુણદેવે આપ્યો. અનેક ધજાપતાકાથી શોભતા તે સુંદર રથની પ્રદક્ષિણા કરીને, દેવતાઓને વંદન કરીને, અર્જુને કવચ પહેર્યું, તલવાર લીધી, હાથમોજાં પહેર્યાં, આંગળીને ઇજા ન થાય એવાં મોજાં પહેર્યાં. પુણ્યાત્માઓ માટેના વિમાન પર ચઢતા ન હોય એવી રીતે અર્જુન રથ પર પડ્યા. બ્રહ્માએ નિર્મેલા દિવ્ય, શ્રેષ્ઠ ગાંડીવ ધનુષને જોઈને અર્જુન રાજી રાજી થઈ ગયા. પછી અગ્નિને પ્રણામ કરીને ગાંડીવ ધનુષની પ્રત્યંચા ચઢાવી. પ્રત્યચાનો ટંકાર સાંભળીને બધાનાં હૃદય ધૂ્રજી ઊઠ્યાં. આ રીતે રથ, ધનુષ તથા બે ભાથાં મેળવીને અર્જુન પ્રસન્ન ચિત્તે અગ્નિને સહાય કરવા તત્પર થયા. પછી અગ્નિએ કૃષ્ણને વજ્રની નાભિવાળું ચક્ર અને અગ્ન્યસ્ત્ર આપ્યાં, એટલે તે પણ અગ્નિની મદદ કરવા તૈયાર થઈ ગયા. અગ્નિએ શ્રીકૃષ્ણને કહ્યું, ‘હે મધુસૂદન, હવે તમે આ અસ્ત્ર વડે માનવ સિવાયનાં બીજાં પ્રાણીઓને પરાજિત કરી શકશો. પણ ભૂમિમાં આ અસ્ત્ર વડે દેવ, દાનવ, રાક્ષસ, પિશાચ, નાગ વગેરે અધિક શક્તિશાળી શત્રુઓનો નાશ કરી શકશો. આ અસ્ત્ર શત્રુસેના પર વારંવાર ફંગોળો તો પણ જરાય રોકાયા વિના શત્રુુઓનો નાશ કરીને તમારા હાથમાં પાછું આવી જશે.’ વરુણે દૈત્યોનો નાશ કરનારી, વજ્ર જેવી ભયંકર કૌમોદકી નામની ગદા આપી. પછી અસ્ત્રનિપુણ, શસ્ત્રસંપન્ન, રથના સ્વામી અર્જુન અને શ્રીકૃષ્ણ આનંદ પામીને અગ્નિને કહેવા લાગ્યા, ‘હવે અમે બધા દેવદાનવો સામે યુદ્ધ કરવા અને સમર્થ છીએ, પછી સર્પરક્ષા માટે યુદ્ધ કરવાની ઇચ્છા ધરાવતા ઇન્દ્ર સામે લડવાની તો વાત જ શી.’ અર્જુને કહ્યું, ‘હે અગ્નિ, આ પરાક્રમી જનાર્દને યુદ્ધભૂમિ ઉપર છોડેલાં ચક્ર અને બાણથી નાશ ન પામે એવી કોઈ શક્તિ ત્રણે લોકમાં કોઈ નથી. હું પણ આ અક્ષય ભાથા અને ગાંડીવ ધનુષ વડે યુદ્ધમાં બધાને પરાજિત કરવાનો ઉત્સાહ ધરાવું છું.’ અર્જુન અને કૃષ્ણની આ વાત સાંભળીને અગ્નિ તેજસ્વી રૂપ ધારણ કરીને એ વનને પ્રજ્વલિત કરવા લાગ્યા. સાત સાત જ્વાળાવાળા અગ્નિદેવ ચારે તરફ ફેલાઈને ખાંડવવનને સળગાવવા લાગ્યા, ત્યારે એવું લાગતું હતું કે યુગના અંતે આવનારો કાળ સામે આવી પહોંચ્યો છે. મેઘગર્જના જેવા અવાજ કરીને અગ્નિએ વનને ચારે બાજુથી ઘેરીને બધાં પ્રાણીઓને બાળવા લાગ્યા. પ્રજ્વળતું એ વન સોને મઢેલા તેજસ્વી મેરુ પર્વત જેવું દેખાવા લાગ્યું. નરવ્યાઘ્ર એવા કૃષ્ણ અને અર્જુન રથ પર ચઢીને વનની બંને બાજુએ રહીને ચારે દિશાઓમાં પ્રાણીઓનો મહાસંહાર કરવા લાગ્યા. ખાંડવવનનાં પ્રાણીઓ જ્યાં જ્યાં નાસતાં ત્યાં આ બંને વીર દોડી જતા હતા. તે બંને રથ પર વનની ચારે બાજુ એવી શીઘ્ર ગતિથી ફરતા હતા કે બંને રથ જોડાયેલા લાગતા હતા, આમ ખાંડવવન સળગવાથી હજારો પ્રાણીઓ ભયંકર કોલાહલ કરીને દસે દિશામાં નાસવાં લાગ્યાં. કોઈનું એક અંગ સળગી ગયું, કોઈ પુષ્કળ તાપથી શેકાઈ ગયું, કોઈની આંખો જતી રહી, કેટલાંક બેસુધ થઈ ગયાં, કેટલાંક ગભરાઈ જઈને દોડવા લાગ્યાં. કોઈ પ્રાણી બચ્ચા સાથે કોઈ સ્વજનને ત્યજી ન શક્યું. કેટલાંક તો સળગી મરવાથી કુરૂપ થઈને કેટલીય વાર પડ્યાં, કેટલાંક ચકરાઈ ચકરાઈને આગમાં પડવા લાગ્યાં. બધાં જળાશયોનાં પાણી આગથી ઊકળવા લાગ્યાં અને એને કારણે હજારો કાચબા, માછલાં આમ તેમ મરી ગયાં, જે બધાં પ્રાણીઓનાં શરીર સળગી ગયાં, તેમનાં શરીર જાતજાતના અગ્નિદેહ જેવાં દેખાતાં હતાં. તે વનમાં ઊડતાં પક્ષીઓ બાણ વડે ટુકડા કરીને અર્જુન હસતાં હસતાં અગ્નિમાં ફંગોળવા લાગ્યા. તે બધાં પક્ષી શરીરમાં બાણ પેસી જતાં એટલે ચીસરાણ કરતા થોડા ઉપર ઊડીને પાછા તે અગ્નિમાં પડી જતાં હતાં. સમુદ્રમંથન વખતે જે ઘોર અવાજ થયો હતો તેવો જ અવાજ બાણોથી ઘવાયેલા, અગ્નિમાં સળગતાં વનવાસી પ્રાણીઓનો અવાજ સંભળાવા લાગ્યો. પ્રજ્વલિત અગ્નિજ્વાળાઓ, આકાશમાં પહોંચી અને તેને કારણે દેવતાઓ ભયભીત થઈ ગયા. બધા જ દેવ સહાક્ષ ઇન્દ્ર પાસે ગયા. તેમણે કહ્યું, ‘હે ઇન્દ્ર, આ માનવીઓ અગ્નિ વડે આ બધું શા માટે બાળી રહ્યા છે? શું આ લોકનો પ્રલય આવી પહોંચ્યો છે?’ આ સાંભળીને વૃત્રનાશી ઇન્દ્ર ખાંડવવનની રક્ષા કરવા નીકળી પડ્યા. વજ્રધારી ઇન્દ્રે આકાશમાં ઘનઘોર વાદળ સર્જી વરસાદ વરસાવવાનો શરૂ કર્યો. ખાંડવવનમાં પ્રજ્વળતા અગ્નિ પર રથનાં પૈડાં જેવી મોટી મોટી ધારાએ વરસાદ વરસાવ્યો, પણ આ બધી ધારા અગ્નિના તેજથી આકાશમાં જ સુકાઈ ગઈ, એક પણ ધારા અગ્નિ સુધી પહોંચી ન શકી. એટલે નમુચિ રાક્ષસનો વધ કરનારા ઇન્દ્રે પુષ્કળ ક્રોધે ભરાઈને ફરી વરસાદ વરસાવ્યો. અગ્નિ અને પાણીના મિશ્રણને કારણે થયેલો ધુમાડો, વીજળી અને મેઘગર્જના — આ બધાંને કારણે વન બહુ ભયાનક લાગવા માંડ્યું. પાંડુનંદન અર્જુને ઇન્દ્રને મેઘ વરસાવતો જોઈ પોતાનાં અસ્ત્ર વડે વર્ષાધારાને અટકાવી દીધી. તે વનમાંથી વરસાદને દૂર કરી આખા વનને ચારે બાજુથી બાણોથી ઢાંકી દીધું. સવ્યસાચી અર્જુને આ રીતે વનને બાણોથી ઢાંકી દીધું એટલે એક પણ પ્રાણી વનની બહાર જઈ ન શક્યું. મહા બળવાન તક્ષક તે સમયે ત્યાં ન હતો. ખાંડવવન દહનની શરૂઆત થઈ ત્યારે તે કુરુક્ષેત્ર ગયો હતો. તક્ષકનો પુત્ર અશ્વસેન ત્યાં હતો. તેણે અગ્નિમાંથી બહાર નીકળવાનો બહુ પ્રયત્ન કર્યો પણ અર્જુનનાં બાણોથી વીંધાઈને તે નીકળી ન શક્યો. ત્યારે તેની માતા તેને ગળી ગઈ અને એ રીતે પુત્રને બચાવ્યો. પુત્રને બચાવવા માગતી નાગકન્યા પુત્રનું માથું ગળી ગયા પછી પૂછડી ગળી રહી હતી અને તે જ અવસ્થામાં આકાશમાર્ગે બહાર જઈ રહી હતી. તે વેળા અર્જુને તેને જોઈને એક પહોળી અણીવાળા બાણથી તે નાગકન્યાનું મસ્તક ભેદી નાખ્યું. દેવરાજ ઇન્દ્રે આ જોયું. અશ્વસેનને બચાવવા માટે વજ્રધારી ઇન્દ્રે તે જ વેળા પવન સર્જીને અર્જુનને મોહિત કરી નાખ્યો અને અશ્વસેન ત્યાંથી ભાગી નીકળ્યા. અર્જુને આ સાપ દ્વારા પોતે છેતરાઈ ગયો તે જોયું. અને ભયાનક માયા જોઈ એેટલે આકાશ સુધી પહોંચેલા ભયાનક પ્રાણીઓના બે ત્રણ ટુકડા કરી નાખ્યા. અર્જુને, શ્રીકૃષ્ણે અને અગ્નિએ ક્રોધે ભરાઈને તે સાપને શાપ આપ્યો, ‘તારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે.’ પછી પાંડુપુત્રે એ છેતરપિંડી યાદ રાખીને તરત જ વેગીલાં બાણો વડે આકાશને આવરી લીધું અને ઇન્દ્ર સાથે યુદ્ધ આરંભ્યું. દેવરાજે પણ અર્જુનને યુદ્ધ કરતો જોઈ પોતાનું તીક્ષ્ણ અસ્ત્ર ફંગોળ્યું. અને એનાથી આકાશ છવાઈ ગયું. આકાશી પવને ગર્જના કરી સમુદ્રમાં તોફાન સર્જ્યું અને ખૂબ જ ઘોર વાદળ સર્જ્યાં અને એ વાદળોએ જલધારા આરંભી. પ્રતિકાર કરવાની આવડતવાળા અર્જુને એ બધું દૂર કરવા માટે વાયવાસ્ત્ર ફેંક્યું. એનાથી ઇન્દ્રના વજ્રનું, વાદળોનું તેજ નાશ પામ્યું. જળધારા સુકાઈ ગઈ અને વીજળીઓ ચમકતી બંધ થઈ ગઈ, ઘડીવારમાં આકાશ સ્વચ્છ થઈ ગયું. સુખદાયક ઠંડો પવન વાવા માંડ્યો અને સૂર્યમંડળ પહેલાંની જેમ તેજસ્વી થઈ ગયું. હવે અગ્નિએ કોઈ પણ રોકટોક વિના જુદા જુદા આકાર ધારણ કરીને, મોટી મોટી ગર્જનાઓ કરી ચારે બાજુ જ્વાળાઓ ફેલાવી. સુપર્ણ વગેરે પક્ષીઓએ જોયું કે ખાંડવવનના દાવાનળની રક્ષા અર્જુન અને કૃષ્ણ કરી રહ્યા છે ત્યારે વજ્ર સમાન પાંખ, ચાંચ, નખવાળા ગરુડ વાસુદેવ અને અર્જુનને મારવા આકાશમાંથી નીચે ઊતરી આવ્યાં. સળગતાં મોઢાંવાળા ઝેરી સાપ ભયંકર ઝેર ઓકતા પાંડવની આગળ ભમવા લાગ્યા. પાર્થે ક્રોધે ભરાઈને આકાશગામીઓને બાણ વડે વીંધી નાખ્યા, પછી લાચારી અનુભવતા તે બધા પોતાના શરીરને આગમાં હોમવા લાગ્યાં. પછી યુદ્ધ કરવાની ઇચ્છાથી દેવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, પન્નગો મોટે મોટેથી બૂમો મારતા દોડ્યા. ક્રોધે ભરાયેલા તે બધા જાતજાતનાં યંત્રો વડે હુમલા કરી કૃષ્ણ અને અર્જુનનો વધ કરવા તૈયાર થયા. અર્જુન તેમને ગમે તેમ સંભળાવતાં તીક્ષ્ણ બાણો તેમના પર ફંગોળવા લાગ્યા. તેજસ્વી શ્રીકૃષ્ણ ચક્ર વડે બધા દૈત્ય-દાનવોનો સંહાર કરવા લાગ્યા. કેટલાક અતિ બળવાન દૈત્યો બાણોથી અને ચક્રથી વીંધાઈને નિરુત્સાહી થઈ ગયા. જેવી રીતે પાણીનાં મોજાનાં હડસેલાથી તણખલા કિનારે સ્થિર થઈ જાય તેમ તેઓ શાંત થઈ ગયા. પછી ક્રોધે ભરાયેલા દેવરાજ ઇન્દ્રે તેમના પર અમોઘ વજ્ર ફેંક્યું અને તેમણે દેવોને કહ્યું, ‘આ વખતે તો આ બંને મૃત્યુ પામશે.’ દેવરાજ ઇન્દ્રને મહાવજ્ર ઉઠાવતાં જોઈને બધા દેવોએ પણ પોતપોતાનાં અસ્ત્ર સજ્જ કર્યાં. યમરાજ કાલદંડ લઈને, ધનપતિ કુબેર ગદા લઈને, વરુણ પાશ અને શિવ ચક્ર લઈને ઊભા. બંને અશ્વિનીકુમારોએ હાથમાં દેદીપ્યમાન ઔષધિ લીધી, ધાતાએ ધનુષ સજ્જ કર્યું, જયે મૂસલ લીધું: મહા બળવાન ત્વષ્ટાએ ક્રોધે ભરાઈને પર્વત ઊંચક્યો, સૂર્ય હાથમાં દેવશક્તિ લઈને સજ્જ થયા, મૃત્યુદેવ પરશ્વધ લઈને ઊભા. અર્યમા ઘોર પરિઘ લઈને ઘૂમવા લાગ્યા, ંમિત્ર અત્યન્ત ધારદાર ચક્ર લઈને તૈયાર થયા. ભગ, ભૂષા અને સવિતા ભયાનક ધનુષ, તલવાર લઈને અર્જુન અને શ્રીકૃષ્ણ સામે ધસ્યા. પોતાના તેજથી દેદીપ્યમાન રુદ્રગણ, મરુત્ગણ, વિશ્વદેવગણ, સાધ્યગણ — તથા બીજા ઘણા દેવતા જાતભાતનાં અસ્ત્ર લઈને પુરુષોત્તમ અને અર્જુનનો વધ કરવા દોડ્યા. યુગાન્ત થવાનો હોય તેમ પ્રાણીઓના વિનાશ માટેના આ યુદ્ધમાં અચરજભર્યાં અને મીઠાં ચિહ્નો પ્રગટવા લાગ્યાં. યુદ્ધવીર અર્જુન અને શ્રીકૃષ્ણ દેવતાઓને અને દેવરાજને યુદ્ધ માટે સજ્જ જોઈને ધનુષ લઈને નિર્ભયતાથી અને અડગતાથી ઊભા રહી ગયા. યુદ્ધ માટે સામે આવી ચઢેલા દેવોને વજ્ર જેવા અણિયાળાં બાણોથી પાછળ ધકેલવા લાગ્યા. કૃષ્ણ અને અર્જુનને કારણે વારેવારે સંકલ્પભંગ થવાથી દેવતાઓ ભયભીત થઈને યુદ્ધભૂમિ ત્યજીને દેવરાજ ઇન્દ્રના શરણે ગયા. આકાશમાં ઊભા રહેલા ઋષિમુુનિઓ અર્જુને અને કૃષ્ણે ભગાડેલા દેવોને જોઈને આશ્ચર્ય પામ્યા. અર્જુન અને શ્રીકૃષ્ણને રણભૂમિમાં વારંવાર પરાક્રમ કરતાં જોઈ દેવરાજ બહુ પ્રસન્ન થયા અને ફરી બંને સાથે લડવા લાગ્યા. ઇન્દ્ર અર્જુનની શક્તિ કેટલી છે તે જાણવા માગતા હતા એટલે એમણે ઘણા પથ્થરો વરસાવ્યા. અર્જુને બાણ વડે એ પથ્થરોને અટકાવ્યા, એ જોઈને ઇન્દ્રે વધુ પથ્થર વરસાવ્યા. પોતાના પિતાનો આનંદ વધારતાં તીક્ષ્ણ બાણો વડે એ ભયાનક પથ્થરવર્ષા અર્જુને અટકાવી દીધી. પછી ઇન્દ્રે પાંડુપુત્રને મારવાની ઇચ્છાથી મન્દાર પર્વતના વૃક્ષાચ્છાદિત એક શિખરને ફંગોળ્યું. અર્જુને વેગીલાં બાણો વડે એ શિખરને સેંકડો ટુકડાઓમાં ભાંગી નાખ્યું. જેવી રીતે આકાશમાંથી ગ્રહોના ટુકડા પડતા દેખાય તેવી રીતે પર્વતશિખરના ટુકડા દેખાવા લાગ્યા. એ બધા ખાંડવવન પર પડવાને કારણે વનનાં ઘણાં પ્રાણીઓ મૃત્યુ પામ્યાં. એ શિખર પડવાથી બી ગયેલા ખાંડવવનવાસી દાનવ, રાક્ષસ, સાપ, રીંછ, વરુ, ઘવાયેલા હાથી, યાળ વગરના સિંહ, વાઘ, હરણ, પાડા, જંગલી પ્રાણીઓ, પક્ષીઓ પણ બીજાઓની જેમ બી બીને ભાગવા લાગ્યાં. પ્રાણીઓએ શ્રીકૃષ્ણે અને અર્જુને અસ્ત્ર ઉઠાવેલા જોયા અને વનને મોટા મોટા અવાજે સળગતું જોઈને તે ભય પામ્યાં. પછી શ્રીકૃષ્ણે ચક્ર ઉગામ્યું, અને એ ચક્ર વડે દાનવો, નિશાચરો બધાં અનેક ટુકડાઓમાં વીંધાયાં અને આગમાં હોમાઈ ગયાં. શ્રીકૃષ્ણના ચક્ર વડે ટુકડેટુકડા થયેલા દૈત્યો ચરબી અને લોહીથી લથપથ થઈને સાંજના ઘેરાં વાદળ જેવાં દેખાવા લાગ્યાં. શ્રીકૃષ્ણ યમરાજની જેમ પિશાચ, પક્ષી, નાગ, પશુઓને મારી ચારે બાજુ ઘૂમવા લાગ્યા. શત્રુનાશક કૃષ્ણનું ચક્ર વારંવાર બધાં પર ફેંકાઈને ફરી તેમના હાથમાં આવી જતું હતું. બધાં પ્રાણીઓનો વધ કરીને શ્રીકૃષ્ણનો દેખાવ ભયંકર લાગ્યો. લડવા આવેલા દેવોમાંથી એક પણ કૃષ્ણ-અર્જુન સામે વિજેતા થઈ ન શક્યા. તે વનનું રક્ષણ કરવાનું તથા દાવાનળ ઓલવવાનું દેવતાઓ કરી ન શક્યા એટલે પીઠ બતાવીને ભાગી ગયા. આમ દેવોને આમ નાસી જતા જોઈ ઇન્દ્ર કૃષ્ણ અને અર્જુનની પ્રશંસા કરવા લાગ્યા. બધા સ્વર્ગવાસી દેવતાઓ જતા રહ્યા એટલે કોઈ અશરીરી વાણીએ ઇન્દ્રને કહ્યું, ‘તમારો મિત્ર તક્ષક મૃત્યુ પામ્યો નથી. ખાંડવવન દહન વખતે તે કુરુક્ષેત્ર ગયો હતો. મારી વાત સાંભળો. યુદ્ધમાં ઊભા રહેલા કૃષ્ણ અને અર્જુનને તમે હરાવી નહીં શકો. આ બંને દેવલોકમાં વિખ્યાત નર-નારાયણ છે, તેમનાં શક્તિ-સામર્થ્ય તો તમને પરિચિત છે. યુદ્ધમાં બંને અજેય છે, શ્રેષ્ઠ છે, ત્રણે લોકમાં કોઈ તેમને હરાવી નહીં શકે. દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, નર, કિન્નર, પન્નગ — આ બધા તેમની પૂજા કરે છે. એટલે હે ઇન્દ્ર, તમે દેવોની સાથે અહીંથી જતા રહો, આ ખાંડવવનનો નાશ વિધાતાએ જ યોજ્યો છે એમ માની લો.’ દેવરાજ ઇન્દ્ર આ વાત સાંભળીને ક્રોધ અને ઈર્ષ્યા ત્યજીને દેવલોક જતા રહ્યા. ઇન્દ્રને પાછા આવતા જોઈ બધા દેવતા પણ તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા. દેવોની સાથે ઇન્દ્રને પાછા જતા જોઈ અર્જુને અને કૃષ્ણે સિંહનાદ કર્યો. પછી નિર્ભય થઈને બંને ખાંડવવન ફરી સળગાવવા લાગ્યા. પવન જેવી રીતે વાદળોને વિખેરે છે તેવી રીતે અર્જુન દેવોને પરાજિત કરીને ખાંડવવનનાં પ્રાણીઓને બાણો વડે વીંધીને સળગાવવા લાગ્યા. અર્જુને ફેંકેલાં બાણો વડે વીંધાયેલું કોઈ પ્રાણી ત્યાંથી બહાર જઈ ન શક્યું. ખૂબ જ શક્તિશાળી પ્રાણીઓ યુદ્ધમાં અર્જુન સામે જોઈ પણ શકતા ન હતા, પછી લડવાની તો વાત જ ક્યાંથી? અર્જુન ક્યારેક તો સો બાણ વડે એકને મારતા હતા તો ક્યારેક એક બાણ વડે સોને મારતા હતા. તે બધાં પ્રાણીઓ જાણે સાક્ષાત કાળ દ્વારા મૃત્યુ પામીને, પ્રાણત્યાગ કરીને અગ્નિજ્વાળાઓમાં હોમાઈ જતાં હતાં. તે પ્રાણીઓ ક્યાંય નહીં, કાંઠા-સ્મશાન-ક્યાંય પણ આશરો લઈ ન શક્યાં. બધી જગ્યાઓ તપી ગઈ હતી. હજારો પ્રાણી લાચારીથી કણસવા લાગ્યાં; હાથી, હરણ, પક્ષી રુદન કરવાં લાગ્યાં, તે અવાજથી નદી અને સમુદ્રમાં રહેનારી માછલીઓ ખૂબ જ ભયભીત થઈ ગઈ. તે સમયે કોઈ મહાબાહુ અર્જુન સામે કે કૃષ્ણ સામે જોઈ પણ શકતું ન હતું. પછી યુદ્ધની તો વાત જ ક્યાં આવે? જે રાક્ષસો, દાનવો અને નાગો ભાગવા ગયા તેમને કૃષ્ણે ચક્ર વડે મારી નાખ્યા. તે વિશાળ શરીર ધરાવતાં પ્રાણીઓના ધડ અને માંસ, રક્ત, ચરબીથી અગ્નિ અતિ તૃપ્ત થયા અને ધુમાડા વગરના થઈ ઊંચા કેશને પ્રજ્વલિત કરીને, રાતાં નેત્રે પ્રાણીઓની ચરબી પીવા લાગ્યા. કૃષ્ણ અને અર્જુનની મદદ વડે અગ્નિએ અમૃત પીધું, તૃપ્ત થઈને પરમ સંતોષ મેળવ્યો. પવનના સારથિ આક્રમણ કરવા તૈયાર થયા ત્યારે વાસુદેવ તેને મારવા ચક્ર લઈને ઊભા રહી ગયા. મય દાનવે તેમને ચક્ર ઉગામતા જોયા, અને તેમણે બૂમ પાડી, ‘અર્જુન, બચાવો- બચાવો.’ અર્જુને તેમની કરુણ ચીસ સાંભળીને મયને ધીરજ બંધાવી. ‘ભય ન પામો.’ પછી અર્જુને નમુચિના ભાઈ મહાદાનવને ધીરજ આપી એટલે શ્રીકૃષ્ણે એનો વધ ન કર્યો, અગ્નિએ પણ તેને સળગાવવાની ઇચ્છા ન કરી. અગ્નિએ વનને સળગાવી મૂક્યું પણ અશ્વસેન, મય અને શાંગકિ નામનાં ચાર પક્ષી — આમ આ છ જણ બચી ગયાં. (આદિ પર્વ, ૨૧૪થી ૨૧૯)

મંદપાલની કથા

ભૂતકાળમાં મંદપાલ નામના પ્રખ્યાત તપસ્વી વ્રતધારી ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ એવા ઋષિ થઈ ગયા. તેઓ સ્વાધ્યાયમાં નિયુક્ત રહેતા હતા, જિતેન્દ્રિય બનીને સદા તપસ્યા કરતા રહેતા, ધર્માનુસારી આચરણ કરતા હતા. તેઓ ઊર્ધ્વરેતા ઋષિઓના માર્ગે ચાલતા હતા. જ્યારે તેઓ શરીર ત્યજીને તપસ્યાથી પર એવા પિતૃલોકમાં ગયા ત્યારે તે તપસ્યાનો કોઈ લાભ તેમને પ્રાપ્ત ન થયો. તે મહર્ષિએ પોતાની કઠોર તપસ્યાથી મેળવેલા લોકને ન જોઈ ધર્મરાજની નિકટના દેવોને પૂછ્યું, ‘મેં તપસ્યા દ્વારા મેળવેલો આ પુણ્યલોક કેમ બંધ છે? જે કર્મો કરવાથી આ પુણ્યલોકમાં જવાય છે તે કર્મો શું મેં નથી કર્યાં? જે કારણે મારી તપસ્યાનું ફળ મને મળ્યું નથી તે કારણ મને જણાવો.’ દેવોએ કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે માનવીઓ ક્રિયા, બ્રહ્મચર્ય અને સંતાનોત્પત્તિ માટેના ઋણ લઈને જન્મે છે. યજ્ઞ, તપસ્યા, અને પુત્રજન્મ — આ ત્રણ વડે આ ઋણ ચૂકવાય છે. તેં બહુ તપસ્યા કરી છે પણ તને કોઈ સંતાન નથી. એટલે પુત્રોત્પત્તિ ન હોવાથી આ બધા પુણ્યલોક તમારા માટે બંધ છે. તું પુત્રને જન્મ આપીશ તો આ શ્રેષ્ઠ લોકનું સુખ ભોગવી શકીશ. હે દ્વિજશ્રેષ્ઠ, પુન્ નામના નરકમાંથી પુત્ર પિતાને ઉગારે છે, એટલે તું પુત્રપ્રાપ્તિ માટે પ્રયત્ન કર.’ દેવતાઓનું આવું વચન સાંભળીને મંદપાલ વિચારવા લાગ્યા, ‘ક્યાં જન્મ લઉં તો ત્વરાથી અને વધુ સંતાન ઉત્પન્ન થઈ શકે.’ પછી તેમણે વિચાર્યું, પક્ષીની જાતિમાં થોડા સમયમાં બહુ સંતાનો જન્મી શકે છે, તેઓ ર્શાંગક પક્ષી બનીને જરિતા નામની શાર્ગિંકાને મળ્યા. તેના ગર્ભ વડે ચાર બ્રહ્મવાદી પુત્રોને જન્મ આપ્યો. ઈંડાંમાંથી જન્મેલા બચ્ચાંને તેમની માતા પાસે એ જ વનમાં મૂકીને લપિતા પાસે ગયા. તે મહાભાગ લપિતા પાસે ગયા એટલે જરિતા પુત્રસ્નેહથી વિહ્વળ થઈને ખૂબ જ ચિંતા કરવા લાગી. ઋષિએ ખાંડવ વનમાં ઈંડાંમાં રહેલાં બચ્ચાંને ત્યજી દીધાં, તેમનો ત્યાગ જરિતા કરી ન શકી અને ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવ્યાં એટલે સ્નેહવશ પોતાના ભોજનમાંથી પણ એમને આપીને ઉછેરવા લાગી. થોડા સમય પછી લપિતા સાથે વનમાં વિહાર કરતા ખાંડવ વનને બાળી નાખવા આવતા અગ્નિને જોયો. બ્રહ્મજ્ઞાની વિપ્ર મંદપાલ જાતવેદા(અગ્નિ)નો હેતુ જાણી લઈને પોતાનાં સંતાનોને બાળક માની તેમના માટે ભયભીત થઈને તે તેજસ્વી લોકપાલ અગ્નિની સ્તુતિ કરવા લાગ્યા. મંદપાલે કહ્યું, ‘હે અગ્નિ, તમે બધા દેવોના મુખ સ્વરૂપ છો. તમે હવનની સામગ્રી ગ્રહણ કરો છો. હે પાવક, તમે બધાં જ પ્રાણીઓમાં ગૂઢ રહીને સંચાર કરો છો. કવિગણ તમને અદ્વિતીય કહે છે, તમને ત્રણ પ્રકારના ઓળખાવે છે, તમને અષ્ટધા માન આપીને યજ્ઞવાહક બનાવ્યા છે. હે હુતાશન, પરમ ઋષિઓ કહે છે કે તમે આ સૃષ્ટિ રચી છે, તમે નહીં હો તો તત્ક્ષણ આ જગત નાશ પામશે. બ્રાહ્મણગણ તમને પ્રણામ કરીને સ્ત્રીપુરુષોની સાથે પોતાના કર્મથી જીતેલી શાશ્વત ગતિને પ્રાપ્ત કરે છે. હે અગ્નિ, તમને વિદ્યુતની સાથે આકાશમાં સ્થિર મેઘ કહેવામાં આવે છે. તમારામાંથી નીકળતી જ્વાળાઓ બધાં પ્રાણીઓને બાળી નાખે છે. હે મહાદ્યુતિવાળા અગ્નિ, આ બધા સ્થાવર જંગમ જીવ તમારા જ કર્મનું પરિણામ છે, આ સમગ્ર સૃષ્ટિ તમારી જ છે. હે અગ્નિ, પહેલાં તમે જળનું સર્જન કર્યું, આ સંપૂર્ણ જગત તમારામાં સ્થિર છે, સમગ્ર હવ્યકાય તમારા જ આશ્રયે અસ્તિત્વ ધરાવે છે. હે દેવ, તમે જ્વલન, તમે વિધાતા, તમે બૃહસ્પતિ, તમે બંને અશ્વિનીકુમાર, તમે જ સોમ, તમે જ અનિલ છો.’

આ સ્તુતિથી અગ્નિ તે તેજસ્વી મુનિ પર પ્રસન્ન થયા અને પ્રીતિથી પૂછ્યું, ‘બોલો, તમને ગમતું કર્યું કાર્ય કરું? તે હું પૂર્ણ કરીશ.’

મંદપાલે બે હાથ જોડીને હવ્યવાહન (અગ્નિ)ને કહ્યું, ‘જ્યારે તમે ખાંડવવનને પ્રજાળો ત્યારે મારાં બચ્ચાંને ન અડકતાં, તેમને જીવતા રહેવા દેજો.’ ભગવાન અગ્નિએ ‘તથાસ્તુ’ કહી વચન આપ્યું અને તે જ ક્ષણે ખાંડવવન પ્રજાળવાની ઇચ્છાથી સળગી ઊઠ્યા. ત્યાર પછી અગ્નિ પ્રગટ્યો એટલે શાર્ઙ્ગક પક્ષીનાં બચ્ચાં બહુ ભયભીત થઈ ઊઠ્યાં, એમને બચવાનો કોઈ માર્ગ ન મળ્યો. તેમની માતા તપસ્વિની બચ્ચાં બહુ નાનાં હતાં એટલે દુઃખથી સંતપ્ત થઈને વિલાપ કરવા લાગી. ‘મારું દુઃખ વધારનારો આ ભયાનક અગ્નિ વનને સળગાવતો બધે પ્રકાશ ફેલાવતો ભીષણ રૂપે આવી રહ્યો છે. એક બાજુ પૂર્વજોના રક્ષક તથા પગ અને પાંખ વિનાનાં અજ્ઞાની બચ્ચાં મને તેમની તરફ ખેંચે છે અને બીજી બાજુ આ અગ્નિ પ્રત્યેક ઘડીએ વૃક્ષોને ચાટતો અને ભયભીત કરતો આગળ વધી રહ્યો છે. મારાં બચ્ચાં અશક્તિને કારણે ભાગી શકવાનાં નથી અને મારામાં એવી શક્તિ નથી કે આ બધાંને લઈને અન્યત્ર જઈ શકું. એમનો ત્યાગ પણ કરી શકતી નથી. મારું હૃદય દુઃખી થઈ રહ્યું છે. હું ક્યા બચ્ચાને લઈને જઉં, કોને છોડી દઉં? શું કરું તો મનોરથ સિદ્ધ થાય? હે પુત્રો, તમે શું વિચારો છો? બહુ વિચાર કર્યા પછી પણ તમારા બચવાનો કોઈ માર્ગ મળતો નથી. હું મારા શરીરમાં તમને છુપાવીને તમારી સાથે બળી મરીશ. મારા ચાર પુત્રોમાં સૌથી મોટો જરિતારીથી વંશ પ્રતિષ્ઠિત થશે; સારિસૃક્વ પુત્ર સંતાનોત્પત્તિ કરી કુળવૃદ્ધિ કરશે. સ્તંબમિત્ર તપ કરશે અને દ્રોણ નામનો પ્રશંજ્ઞિત પુત્ર વેદપંડિત થશે. આવું કહીને તમારા નિર્દય પિતા અહીંથી ચાલ્યા ગયા હતા. અત્યારે આ આપત્તિ આવી પડી છે, હું કોને લઈ જઈ શકીશ? શું કરવાથી કાર્ય પૂર્ણ થશે?’ જરિતા આમ વિચારતી ગભરાઈ ગઈ, તેને પોતાની બુદ્ધિથી પુત્રોને બચાવવાનો કોઈ ઉપાય સૂઝ્યો નહીં; શાર્ઙ્ગકોએ માતાનો વિલાપ સાંભળી કહ્યું, ‘માતા, તું સ્નેહ ત્યજીને જ્યાં આગ ન હોય ત્યાં ઊડી જા. અમે મરી જઈશું તો તારાં બીજાં સંતાનો જન્મ લેશે, પણ તું મૃત્યુ પામીશ તો વંશ રહેશે કેવી રીતે? હે માતા, તારા માટે કાળ આવી પહોંચ્યો છે. અમારી સાથે મૃત્યુ પામવું છે કે અમને ત્યજીને તારી જાતને બચાવ. આ બંને પર ખાસ્સો વિચાર કરીને જેનાથી આપણા કુળનું હિત થાય એવું કરવું જોઈએ. તું અમારા પર એવો સ્નેહ ન કર જેથી કુળનો નાશ થાય. એમ કરવાથી સ્વર્ગલોક આપનારા પુત્રની ઇચ્છા ધરાવતા અમારા પિતાનું કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે.’ જરિતાએ કહ્યું, ‘હે પુત્રો, આ વૃક્ષની પાસે જ ધરતીની અંદર ઉંદરોનું દર જણાય છે. તમે બધાં એમાં પેસી જાઓ, ત્યાં તમને અગ્નિનો ભય નહીં નડે. હું ધૂળથી આ દરનું મોં ઢાંકી દઉં છું. આ પ્રજ્વલિત અગ્નિથી બચવાનો આ એક માર્ગ મને દેખાય છે. આગ ઓલવાઈ જશે ત્યારે દરના મોં આગળ જામેલી રાખ દૂર કરવા આવીશ. તમે અગ્નિથી બચવા મારું આ વચન માનો.’ શાર્ઙ્ગકોએ કહ્યું, ‘અમને હજુ પાંખો ફૂટી નથી. અમે માત્ર માંસપિંડ છીએ. એટલે માંસ ખાનારા ઉંદર અમને નિશ્ચિત મારી નાખશે. આવો ભય જોયા પછી અમે આની અંદર રહી નહીં શકીએ. હવે જો કોઈ રીતે અગ્નિ અમને બાળી ન શકે, કોઈક કારણે ઉંદર અમને ખાઈ ન જાય, કોઈક રીતે પિતાને થયેલા પુત્રની ઉત્પત્તિ વ્યર્થ ન જાય, કોઈ રીતે અમારી માતા અમને ધારણ કરી રાખે — દરમાં પેસીશું તો ઉંદર ખાઈ જશે, બહાર રહીશું તો અગ્નિથી મૃત્યુ પામીશું, બે મૃત્યુ વિશે વિચાર કરીએ તો અગ્નિથી બળી મરવું વધુ સારું છે, ઉંદરો ખાઈ લે એ સારું નથી. દરમાં ઉંદર મારી નાખે તો અમારું મૃત્યુ નિંદાપાત્ર ગણાશે, પણ અગ્નિ વડે શરીરનો ત્યાગ કરવાનું સજ્જનો પણ કહેશે.’ જરિતાએ કહ્યું, ‘આ ખાડામાંથી એક નાનો ઉંદર નીકળ્યો હતો, એક બાજ તેને પંજામાં પકડીને લઈ ગયો, એટલે હવે આ દરમાં તમને કોઈ ભય નથી.’ ર્શાંઙ્ગકોએ કહ્યું, ‘બાજ ઉંદરને લઈ ગયો તેની અમને જાણ નથી. અને લઈ પણ ગયો હોય તો આ દરમાં બીજા ઉંદર તો હશે, અમને એમની બીક છે. આ અગ્નિ અહીં આવશે કે નહીં તે નક્કી નથી. વાયુ અગ્નિને ઓલવી નાખે છે તે જોયું છે. માતા, દરમાં રહેવાથી તો ચોક્કસ અમારું મૃત્યુ જ થશે. જે સ્થળે મૃત્યુ નિશ્ચિત છે તેના કરતાં જે સ્થળે મૃત્યુ થાય અને ન પણ થાય તે સ્થળ વધુ સારું એટલે ન્યાય પ્રમાણે તું આકાશમાં ઊડી જા, તારો જીવ બચશે તો તું બીજા પુત્રો પામી શકીશ.’ જરિતાએ કહ્યું, ‘મેં દરની પાસે ઉંદર લઈ જતા બળવાન બાજને જોયો છે. જ્યારે બાજ દરમાંથી ઉંદર લઈને ઉતાવળે ભાગ્યો હતો ત્યારે મેં તેનો પીછો પકડીને તેને આશિષ આપી હતી, ‘હે શ્યેનરાજ (બાજ), તું અમારા શત્રુને લઈને જઈ રહ્યો છે, તું શત્રુ વગરનો થઈ દેવલોકમાં સુવર્ણમય દેહ પામજે.’ ત્યાર પછી તે ભૂખ્યો બાજ ઉંદરને ખાઈ ગયો એટલે તેને આજ્ઞા આપી ઘેર પાછી આવી. હે પુત્રો, હવે તમે મનમાં કશી શંકા ન લાવો, દરમાં નિર્ભય થઈને પ્રવેશો. નિ:શંક બાજ મારા દેખતાં જ ઉંદર ખાઈ ગયો છે.’ ર્શાંઙ્ગકોએ કહ્યું, ‘હે માતા, બાજ ઉંદરને લઈ ગયો છે તે અમે નથી જોયું, એટલે અમે બીજું કશું જાણ્યા વિના દરમાં નહીં પ્રવેશીએ.’ જરિતા બોલી, ‘પુત્રો, મારી વાત માનો. હવે તમને કોઈ ભય નથી, કારણ કે બાજ ઉંદર લઈ ગયો છે તે હું જાણું છું.’ ર્શાંઙ્ગકોએ કહ્યું, ‘તું મિથ્યા ઉપચાર વડે અમને નિર્ભય ન કર. સંદેહયુક્ત કાર્યમાં હાથ નાખવો બુદ્ધિશાળીનું લક્ષણ નથી. અમે ક્યારેય તારા પર કોઈ ઉપકાર કર્યો નથી. તને એ પણ ખબર નથી કે અમે કોણ છીએ? તો પછી કષ્ટ ઉઠાવીને અમને બચાવવાનો પ્રયત્ન શા માટે કરે છે? તું અમારી કોણ છે? અમે તારા કોણ છીએ? હે મા, તું તરુણી છે, રૂપવાન છે. પતિ શોધવાનું સામર્થ્ય ધરાવે છે. એટલે તું તારા પતિની પાછળ જા, તેમની સહાયથી તું સારા પુત્રો મેળવી શકીશ. અમે પણ અગ્નિમાં પ્રવેશીને શુભ લોકને પામીશું, જો અગ્નિ અમને બાળી ન નાખે તો પછી તું અમારી પાસે આવજે.’ પુત્રોની આવી વાત સાંભળીને શાર્ઙ્ગી ખાંડવવન ત્યજીને જ્યાં અગ્નિ ન હતો ત્યાં જતી રહી. ત્યાર પછી મંદપાલના પુત્રો જ્યાં હતા ત્યાં અગ્નિ પુષ્કળ વેગે અને તેજ જ્વાળાઓ લઈને આવ્યા. ત્યારે તે પક્ષીઓએ પોતાના તેજથી પ્રજ્વલિત અગ્નિને જોયો અને જ્યેષ્ઠ જરિતારિ તે અગ્નિને કહેવા લાગ્યો, ‘જ્ઞાની આપત્તિ આવતાં પહેલાં જ જાગેલો હોય છે, તે કદી આપત્તિ પામીને વ્યથા પામતો નથી. જે અજ્ઞાની આપત્તિ કાળ આવે છતાં સૂતેલો રહે છે તે આપત્તિ કાળમાં દુઃખી થઈને કશું પણ જાણી શકતો નથી.’ સારિસુક્વે કહ્યું, ‘અમારા પ્રાણો પર સંકટ આવી પડ્યું છે, તમે ધીર અને બુદ્ધિમાન છો, તમે અમારી રક્ષા કરો. ઘણા બધામાં એક જ બુદ્ધિમાન અને શૂર હોય છે તેમાં કોઈ શંકા નથી.’ સ્તંબમિત્રે કહ્યું, ‘જ્યેષ્ઠ ભાઈ નાના ભાઈઓનો ત્રાતા હોય છે, એટલે જ્યેષ્ઠ ભાઈ જ વિપત્તિમાંથી બચાવે છે. જો મોટો ભાઈ જ બચાવી ન શકે તો નાનો ભાઈ શું કરી શકે?’ દ્રોણે કહ્યું, ‘આ સુવર્ણરેતા (અગ્નિ) સાત જીભ અને સાત મોં લઈને વેગથી પ્રજ્વલિત પદાર્થોને ચાટતો અમારી તરફ આવી રહ્યો છે.’ આ પ્રકારે ભાઈઓએ કહ્યા પછી જરિતારિએ હાથ જોડીને અગ્નિની સ્તુતિ કરી, ‘હે અગ્નિ, તમે પવિત્ર કરવાવાળા વાયુનો આત્મા છો, તમે વનસ્પતિઓનું શરીર છો, તમારા ઉત્પન્ન થવાનું સ્થાન જળ છે, તમે જળનું ઉત્પત્તિસ્થાન છો, હે મહાવીર્ય, તમારી જ્વાળાઓ સૂર્યકિરણોની જેમ ઊંચે, નીચે, પાછળ, બાજુમાં અને સર્વત્ર ફેલાય છે.’ સારિસૂક્વે કહ્યું, ‘હે ધૂમકેતુ, હે વીર, અમારી માતા દૃષ્ટિમર્યાદાની બહાર ઊડી ગઈ છે, પિતાને અમે ઓળખતા નથી, હજુ અમને પાંખો નથી ફૂટી, અમે સાવ નાના છીએ, હવે તમારા સિવાય અમને બચાવનાર કોઈ નથી. એટલે તમે અમને ઉગારો, હે અગ્નિ, તમારું જે શિવ રૂપ છે, તમારી જે સાત જ્વાળાઓ છે તે વડે તમારી શરણમાં આવ્યા છીએ, તમારી સ્તુતિ કરનારાઓનું આજે રક્ષણ કરો. હે જાતવેદા (અગ્નિ) તમે એકલા જ તાપ ફેલાવો છો, હે દેવ, તપાવનારાં સૂર્યકિરણોમાં તપ્ત થનારા તમારા સિવાય કોઈ અન્ય નથી. હે હવ્યવાહન, અમે ઋષિપુત્રો છીએ, બાળક છીએ, અમારી રક્ષા કરો, તમે અમારા આ સ્થાનથી દૂર જાઓ.’ સ્તંબમિત્રે કહ્યું, ‘હે અગ્નિ, તમે એકલા જ સર્વરૂપ છો, આ સંપૂર્ણ જગત તમારામાં જ વિરાજમાન છે, તમે જીવોને ધારણ કરો છો, તમે ભુવનોનું પાલનપોષણ કરો છો. તમે તેજ પદાર્થ છો, હવ્યનું વહન કરો છો, તમે ઉત્તમ હવિ છો, પંડિતો તમને એકરૂપ અને બહુરૂપ કહે છે. હે હવ્યવાહન અગ્નિ, તમે પહેલાં ત્રણ સૃષ્ટિઓ રચો છો, ત્યાર પછી સમય આવે ત્યારે તમે પ્રદીપ્ત થઈને ફરી તેમનો નાશ કરો છો, તમે સંપૂર્ણ ભુવનના ઉત્પત્તિસ્થાન છો અને પ્રલયસ્થાન પણ છો. હે જગત્પતિ, તમે જીવોની અંદર રહીને તેમનું ખાધેલું અન્ન નિત્ય પચાવો છો, એટલે બધાં પ્રાણીઓ તમારામાં પ્રતિષ્ઠિત છે.’ દ્રોણે કહ્યું, ‘હે શુક્ર, હે જાતવેદ, તમે સૂર્ય બનીને કિરણો દ્વારા ભૂમિમાં ઉત્પન્ન થયેલા બધા રસ અને ધરતીમાં રહેલા જળને લઈને સમયે સમયે તેને વૃષ્ટિ રૂપે વરસાવીને બધું અનાજ ઉપજાવો છો. હે શુક્ર, તમારા વડે જ આ પર્ણોવાળી લતા, સરોવર, સમુદ્ર પાછા ઉત્પન્ન થાય છે. હે તીવ્ર કિરણોવાળા અગ્નિ, અમારી આ કાયા રસનેન્દ્રિયના સ્વામી જળપતિ વરુણ પર નિર્ભર છે, તમે એ જળના વિધાતા છો, અમારા કલ્યાણકારી છો, તમે અમારો વિનાશ ન કરો. હે પિંગલનેત્ર, હે લોહિતગ્રીવ, હે કૃષ્ણવર્ત્મન, હે હુતાશન, તમે અમારાથી દૂર જતા રહો, સાગર પાસે બનેલા ઘરની જેમ અમને ત્યજી દો.’ ત્યારે પ્રતીતાત્મા જાતવેદા અગ્નિ સરળ કર્મ કરનારા દ્રોણની વાત સાંભળીને પ્રસન્ન થયા અને મંદપાલની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને દ્રોણને કહેવા લાગ્યા, ‘હે દ્રોણ, તમે ઋષિ છો, તમારું બોલવું વેદસ્વરૂપ છે. તમારી અભિલાષા પૂરી કરીશ, તમે ભય ન પામતા. પહેલાં મંદપાલે મને કહ્યું હતું કે જ્યારે હું ખાંડવવનને બાળું ત્યારે આ પુત્રોને બચાવી લેજો. હે દ્રોણ, મંદપાલની વાત અને તમારી વાત મારે માટે બહુ બધી છે એટલે કહો, તમારા માટે હું શું કરું? હે બ્રહ્મશ્રેષ્ઠ, તમારી આ સ્તુતિ પર હું ખૂબ પ્રસન્ન છું, તમારું મંગલ થાઓ.’ દ્રોણે કહ્યું, ‘હે હવ્યવાહ અગ્નિ, આ બધી બિલાડીઓ અમને નિત્ય સતાવે છે, એટલે તમે તેમના સ્વજનોને તમારી દાઢો વચ્ચે દબાવી દો.’ ત્યાર પછી અગ્નિએ શાર્ઙ્ગકોએ કહ્યા પ્રમાણે તેમની પ્રાર્થના પૂરી કરી અને સમિદ્ધ બનીને તેઓ ખાંડવવનને પ્રજાળવા લાગ્યા. મન્દપાલ તેજ કિરણોવાળા અગ્નિને પોતાની વાત કરીને પણ પુત્રો માટે વિચારતા સંતુષ્ટ ન થયા. તેઓ પુત્રો માટે સંતપ્ત થઈને લપિતાને કહેવા લાગ્યા. ‘લપિતા, મારા પુત્ર ઊડવા માટે શકિતશાળી નથી, તેઓ કેવા હશે? વાયુ શીઘ્ર વાતો હશે એટલે અગ્નિ વધારે પ્રજ્વલિત થશે, મારા પુત્રો અગ્નિથી બચવાને શક્તિશાળી નથી. તેમની તપસ્વિની માતા એ બચ્ચાંને બચાવવા અસમર્થ હશે, તે શું કરતી હશે? પુત્રોને બચાવવાનો કોઈ ઉપાય ન જોઈને શોકવિહ્વળ થતી હશે. ચાલવામાં અને ઊડવામાં અસમર્થ મારાં બચ્ચાંને કારણે દુઃખી હૈયે બહુ જ રડતી હશે, દોડ્યા કરતી હશે, અરે જરિતારિ કેવો હશે? સારિસૃક્વ કેવી રીતે પ્રાણ બચાવશે? સ્તંબમિત્ર કેમ કરીને બચશે? દ્રોણનું શું થશે? મારી તે તપસ્વિની સ્ત્રી કેવી રીતે જીવશે?’ તે વનમાં આ પ્રકારે વિલાપ કરતા મંદપાલને લપિતા ઈર્ષ્યાવશ કહેવા લાગી, ‘તમારે પુત્રો વિશે બહુ વિચારવાની જરૂર નથી, તમે જે ઋષિઓની વાત કરી છે તે તેજસ્વી અને પરાક્રમી છે, અગ્નિથી તેમનો ભય નથી. તમે મારા દેખતાં જ પુત્રોની રક્ષા માટે અગ્નિને તમે કહ્યંુ હતું, ભગવાન હુતાશને પણ એ વાત સ્વીકારી લીધી હતી. તે લોકપાલ અગ્નિ અસત્ય નહીં કહે. તેઓ સમર્થ વક્તા છે એટલે તેમના વિશે ચિંતા કરવાની તમારે જરૂર નથી. તમે મારી શત્રુ જરિતાનું સ્મરણ કરીને ચિંતાતુર થયા છો. જરિતા પર પહેલાં જેટલો સ્નેહભાવ હતો તેવો મારા પર નથી. પાંખોથી યુક્ત અને અત્યંત પ્રેમ કરનારે જોવું જોઈએ કે શક્તિમાન થઈને આપત્તિગ્રસ્ત સ્ત્રી-પુત્રોની ઉપેક્ષા ન કરે. એટલે તમે જેને માટે શોક કરો છો તે જરિતા પાસે જતા રહો, હું પણ કોઈ કાપુરુષનો આશ્રય લીધેલી સ્ત્રીની જેમ એકલી જ ભટકીશ.’ મંદપાલે કહ્યું, ‘તું મને જેવો સમજે છે તેવી રીતે હું વ્યવહાર કરતો નથી. હું માત્ર સંતાનહેતુ માટે જ આમ ફરી રહ્યો છું. અત્યારે મારાં સંતાનો આપત્તિમાં છે. જે ભૂતકાળને ભૂલીને ભવિષ્યની આશા કરે છે તે મૂઢ લોકોની અવમાનના પામે છે, તું તારી ઇચ્છા પ્રમાણે કર. આ પ્રજ્વલિત અગ્નિ વૃક્ષોને ચાટતો મારા વિકલ હૃદયમાં અમંગલ અને દુઃખ જન્માવે છે.’ ત્યાર પછી અગ્નિ તે સ્થળ છોડીને આગળ જતો રહ્યો એટલે પુત્રોની કામના કરતી જરિતા ત્વરાથી પુત્રો પાસે પહોંચી ગઈ. વનમાં અગ્નિથી બચી ગયેલા અને કુશળ પુત્રો જોયા, તેમને કશું કષ્ટ પડ્યું ન હતું, વનમાં તે મોજ કરતા હતા. તેમને વારંવાર જોઈને તે નેત્રોમાંથી આંસુ વહેવડાવવા લાગી. અને વારંવાર તેમને બોલાવીને બધાંને મળી. એ જ સમયે મંદપાલ ત્યાં જઈ પહોંચ્યા, પણ તેમના પુત્રોએ તેમનું અભિવાદન ન કર્યું. બધા પુત્રોને અને જરિતાને વારંવાર પ્રેમ કરનારા તે ઋષિને તેમણે કશું ખરું ખોટું સંભળાવ્યું નહીં. મંદપાલે કહ્યું, ‘આમાં કોણ મોટો, કોણ વચલો, કોણ ત્રીજો અને કોણ બધાથી નાનો? હું દુઃખી થઈને આમ બોલું છું પણ તું મારી સાથે બોલતી કેમ નથી? હું તને મૂકીને અહીંથી જતો તો રહ્યો પણ મને શાંંતિ મળી નહીં.’ જરિતાએ કહ્યું, ‘તમારે મોટાનું શું કામ? તમારે વચલાનું શું કામ? ત્રીજા પુત્રનું શું કરવું છે? અને તપસ્વી એવા દીકરાનું શું પ્રયોજન? પહેલાં તમે એકેએક બાબતમાં હીન માનીને મને ત્યજી ગયા, તો હવે તે ચારુહાસિની તરુણી લપિતા પાસે જ જાઓ.’ મંદપાલે કહ્યું, ‘સ્ત્રીઓ માટે શોક્ય અને પરપુરુષ સિવાય વધુ મોટો શત્રુ દેખાતો જ નથી. હે કલ્યાણી, ઋષિશ્રેષ્ઠ મહાનુભાવ વસિષ્ઠ અતિ પવિત્ર, નિત્ય પત્નીના ચાહક હતા, હિતકારક કાર્યોમાં મગ્ન રહેતા હતા. છતાં બધા લોકમાં પ્રશંસિતા સુવ્રતા અરુંધતીએ પણ તે વસિષ્ઠ પર શંકા આણી હતી અને સપ્તર્ષિઓમાં એક એવા ઋષિનો અનાદર કર્યો હતો. તે કલ્યાણી અરંુધતીએ આવી શંકા કરી એટલે અરુંધતી ધૂમ્ર અને અરુણના જેવા રંગવાળી થઈ ગઈ, ક્યારેક દેખાય, કયારેક ન દેખાય, અને એમ સૌંદર્યહીન બની ગઈ. હું માત્ર સંતાન માટે આવ્યો હતો અને તેં પણ સંતાન માટે જ સમાગમ કર્યો હતો. તું તારી ઇચ્છા પૂરી થઈ એટલે હવે અરુંધતીના જેવો વ્યવહાર કરે છે. પુરુષોએ સ્ત્રીઓને ભાર્યા કહીને તેમનો ક્યારેય વિશ્વાસ કરવો ન જોઈએ, કારણ કે પુત્રવતી થયા પછી તે પતિની સેવા પર ધ્યાન આપતી નથી.’ ત્યાર પછી તેના બધા પુત્રો તેમની ઉપાસના કરવા લાગ્યા, તેમણે પણ પુત્રોને ધીરજ બંધાવી. મંદપાલે કહ્યું, ‘તમારી રક્ષા માટે અગ્નિને પ્રાર્થના કરી હતી, અગ્નિએ તથાસ્તુ કહીને મારી વાત માની હતી. હું અગ્નિનું વચન, તમારી માતાની ધર્મનિષ્ઠા અને તમારા સત્ત્વનું સ્મરણ કરીને પહેલાં અહીં આવ્યો ન હતો. હે પુત્રો, તમે વેદપારંગત છો, અગ્નિ તમને ઓળખે છે. એટલે તમારે મરણ વિશે સંતાપ કરવો નહીં.’ ત્યાર પછી મંદપાલ પુત્રોને સમજાવીને, પત્નીને સાથે લઈને તે સ્થળેથી બીજે સ્થળે ચાલ્યા ગયા. (આદિ પર્વ, ૨૨૦થી ૨૨૫)

જરાસંધની કથા

મગધ દેશમાં બૃહદ્રથ નામનો રાજા. ત્રણ અક્ષૌહિણી સેનાનો રાજા ભારે વ્રત કરનારો એટલે દુર્બળ શરીરવાળો હતો, પણ તેજમાં ઇન્દ્ર જેવો. જેવી રીતે સૂર્યકિરણો બધી ધરતી પર છવાઈ જાય તેવી રીતે તેના ગુણોથી ધરતી ઢંકાઈ ગઈ હતી. તે રાજાએ કાશીરાજની કન્યાઓ સાથે લગ્ન કર્યું હતું. તે રાજાએ પોતાની બે રાણીઓને કહ્યું હતું, ‘તમને બંનેને હું સરખો અધિકાર આપીશ.’ જેવી રીતે ગજરાજ બે હાથણીઓ સાથે સુખેથી રહે તેવી રીતે આ રાજા પણ પોતાની પત્નીઓ સાથે સમય પસાર કરતો હતો. એક રાણી જાણે ગંગા અને બીજી રાણી યમુના. પણ યુવાની વીતી ગઈ તોય રાજાને પુત્ર નહીં. બહુ યજ્ઞ કર્યા, બહુ વ્રત કર્યાં પણ પુત્ર ન જન્મ્યો તે ન જ જન્મ્યો. પછી તપસ્વી ગૌતમના કુળમાં જન્મેલા કક્ષીવાનપુત્ર ઉદાર ચંડકૌશિકની વાત રાજાના કાને પડી. વૃક્ષના થડને ટેકે બેઠેલા ચંડકૌશિક પાસે રાજા તેમની રાણીઓને લઈને ગયા અને અઢળક રત્નોની ભેટ ધરીને ઋષિને પ્રસન્ન કર્યા. સત્યવ્રતી ઋષિએ કહ્યું, ‘હે રાજા, તમારા પર પ્રસન્ન. બોલો, શી ઇચ્છા છે?’ બંને પત્નીઓએ અને રાજાએ તેમને પ્રણામ કર્યા. પુત્ર ન હોવાની નિરાશાથી તેમની આંખોમાં આંસુ આવ્યાં અને ગદ્ગદ થઈને બોલ્યા, ‘હવે તો રાજગાદી ત્યજીને વનમાં જવા માગું છું, પુત્ર વિનાના રાજ્યને શું કરું?’ રાજાની વાત સાંભળીને ઋષિ પણ ક્ષુબ્ધ થઈ ધ્યાનમગ્ન થયા અને આંબા નીચે બેઠા. તે જ વખતે પોપટે ન ખાધેલી એક કેરી આમ જ તેમના ખોળામાં પડી. ઋષિએ તે અદ્ભુત ફળ પર મંત્રસંસ્કાર કર્યા અને તે રાજાને આપ્યું, ‘રાજા, તમારી ઇચ્છા ફળી. હવે ઘેર જાઓ.’ તે રાજાએ બંને પત્નીઓને ફળ આપ્યું. બંને રાણીઓએ અંદરઅંદર વહેંચીને એ ફળ અડધુંઅડધું ખાધું. ઋષિના આશીર્વાદથી બંને રાણીઓને ફળ ખાઈને દિવસો રહ્યા. દસ મહિના પૂરા થયા એટલે અડધા શરીરવાળાં બાળકોને જન્મ આપ્યો. દરેક બાળકને એક આંખ, એક હાથ, એક પગ, અડધું મોં, અડધું પેટ, આ જોઈને રાણીઓએ ખૂબ જ દુઃખી થઈને એકબીજાને પૂછીને અધૂરાં શરીરોને ફેંકી દીધાં. તેમની ધાત્રીઓએ બે સુંદર ગર્ભ છુપાવીેને કોઈ ચોકમાં ફેંકી દીધા. તે વેળા માંસ ખાનારી, લોહી પીનારી જરા નામની રાક્ષસીએ ચોકમાં ફેંકેલાં આ શરીરોને ઊંચકી લીધાં. પછી તો એ રાક્ષસીએ ભાગ્યબળથી પ્રેરાઈને બંને અધૂરા દેહને જોડી દીધા. એટલે બંને ખંડ જોડાઈને સુંદર કુમાર બની ગયો. રાક્ષસીની આંખો તો આ જોઈને ચાર થઈ ગઈ, બાળકને તે ઉઠાવવા ગઈ પણ ઉઠાવી ન શકી. પછી તે મોટે મોટેથી રડવા લાગ્યો, તેનો અવાજ સાંભળીને બધા ગભરાઈ ગયા, રાજા સાથે રાણીઓ પણ બહાર નીકળી ત્યાં દોડી ગઈ. રાક્ષસીએ જોયું — તો રાજા સંતાન માટે પ્રયત્નશીલ હતા, રાણીઓની એવી હાલત જોઈ. પછી વિચારવા લાગી — હું આ રાજાના રાજ્યમાં રહું છું. પુત્રની ઇચ્છા આ રાજાની છે, તો પછી સૂર્ય જેવા તેજસ્વી અને મેઘની જેમ અવાજ કરનારા આ બાળકને મારે લઈ જવો ન જોઈએ એટલે તે રાક્ષસીએ માનવરૂપ ધારણ કર્યું, ‘હે રાજા, આ પુત્ર તમારો છે. હું તમારા હાથમાં મૂકું છું. એક ઋષિના વરદાનથી તમારી પત્નીઓએ એને જન્મ આપ્યો હતો, ધાત્રીઓ તેને મૂકીને જતી રહી, મેં તેને સાચવી લીધો છે.’ પછી રાણીઓએ બાળકને લીધો, સ્તનમાંથી નીકળેલા દૂધ વડે તેને ત્યાં ને ત્યાં નવડાવ્યો. પછી રાજાએ માનવરૂપે આવેલી તે રાક્ષસીને પૂછ્યું, ‘મને આ પુત્ર તમે આપ્યો, કોણ છો તમે? મન ફાવે ત્યાં વિહાર કરનારી કોઈ દેવી લાગો છો.’ રાક્ષસીએ કહ્યું, ‘મારું નામ જરા. ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારી એક રાક્ષસી છું. તમારે ત્યાં હું આનંદથી રહી છું. તમારા ઉપકારનું ઋણ ચૂકવવા માગતી હતી. આજે બે ભાગમાં વહેંચાયેલા તમારા પુત્રના શરીરને જોયું. દૈવયોગે બંને ભાગ જોડી દીધા. તમારા ભાગ્યથી જ આ બન્યું. હું તો નિમિત્ત.’ આમ કહી રાક્ષસી અંતર્ધાન થઈ ગઈ. રાજા બાળકને લઈ મહેલમાં ગયા. બાળકને યોગ્ય સંસ્કાર કર્યા. રાજ્યમાં રાક્ષસીના નામે મહોત્સવ કરાવ્યો. જરા રાક્ષસીએ શરીરના બે ખંડ જોડ્યા એટલે બાળકનું નામ પાડ્યું જરાસંધ. ધીમે ધીમે આ કુમાર મોટો થવા લાગ્યો. થોડા સમયે ચંડકૌશિક ઋષિ ત્યાં આવ્યા. રાજા પ્રસન્ન થઈને મંત્રી, પુરોહિત, રાણીઓ, પુત્રને લઈને ઋષિ પાસે ગયા અને તેમની પૂજા વિધિપૂર્વક કરી. રાજાએ પુત્રની સાથે આખું રાજ્ય ઋષિને સોંપી દીધું. રાજાની પૂજા સ્વીકારીને ઋષિએ આનંદિત થઈને કહ્યું, ‘હું દિવ્ય દૃષ્ટિથી બધું જોઈ શકું છું. તમારા પુત્રનું ભવિષ્ય સાંભળો ત્યારે. કોઈ રાજા તેના જેવો બળવાન નહીં થાય. દેવતાઓનાં શસ્ત્ર પણ તેને કશી આંચ પહોંચાડી નહીં શકે. બધા રાજાઓને તે વશ કરશે. સૂર્ય જેવી રીતે બધા ચળકતા પદાર્થોની ચમક દૂર કરે છે તેવી રીતે તે પણ બધા રાજાઓના સૌભાગ્યને ઝાંખું કરશે. બધા રાજાઓ જો લડવા આવશે તો તેમનો નાશ થશે. જેવી રીતે આ વિશાળ પૃથ્વી શુભ-અશુભ બધાને ધારણ કરે છે તેવી રીતે આ જરાસંધ, ચારે વર્ણોને ધારણ કરશે. જેવી રીતે બધા શરીરધારીઓ વાયુના વશમાં હોય છે તેવી રીતે બધા રાજા પણ આની આજ્ઞામાં રહેશે. આ રાજા મહાદેવનાં દર્શન કરશે.’ પછી ઋષિને કશું યાદ આવ્યું એટલે રાજાને વિદાય કર્યો. જરાસંધને રાજગાદી સોંપી રાજા રાણીઓને લઈને વનમાં ગયા અને બહુ તપ કરીને સ્વર્ગે સિધાવ્યા. (સભાપર્વ, ૧૮થી ૨૨)

અગ્નિ અને સહદેવ

(રાજસૂય યજ્ઞ કરતાં પૂર્વે પાંડવો દિગ્વિજય કરવા નીકળી પડે છે, સહદેવ નીલ રાજા સાથે યુદ્ધ કરે છે ત્યારે સહદેવની સેના ભડકે બળવા માંડે છે ત્યારે તેનું રહસ્ય એક કથા દ્વારા પ્રગટ થાય છે.) માહિષ્મતી નગરીમાં રહેતા અગ્નિદેવ નીલ રાજાની પુત્રી સુદર્શના પ્રત્યે મોહ પામ્યા. રાજા નીલની આ કન્યા અતિ સુંદર હતી, તે હંમેશાં પિતાના અગ્નિહોત્રગૃહમાં અગ્નિ પ્રગટાવવા માટે ઉપસ્થિત રહેતી હતી. હવા નાખવા છતાં અગ્નિ પ્રગટતો ન હતો, તે કન્યા જ્યારે પોતાના હોઠ વડે હવા ફૂંકે તો જ અગ્નિ પ્રગટતો હતો. ત્યાર પછી અગ્નિદેવ સુદર્શના પ્રત્યે આકર્ષણ અનુભવતા થયા. આ વાતની જાણ રાજાને તથા પ્રજાને થઈ. એક દિવસ અગ્નિદેવે બ્રાહ્મણનું રૂપ લઈને સ્વચ્છંદે ઘૂમતાં ઘૂમતાં તે કન્યા પાસે આવીને પોતાની કામેચ્છા પ્રગટ કરી. ધર્માત્મા નીલે શાસ્ત્ર પ્રમાણે તે બ્રાહ્મણ પર અંકુશ જમાવી દીધો. એટલે અગ્નિ પોતાના મૂળ રૂપમાં આવીને છંછેડાઈ ઊઠ્યા. રાજા એ જોઈને અચરજ પામ્યા અને પૃથ્વી પર મસ્તક ટેકવી પ્રણામ કર્યા. પછી વિવાહકાળ આવ્યો ત્યારે પોતાની કન્યા અગ્નિને આપી, અને આને કારણે અગ્નિ રાજા પર પ્રસન્ન થયા. રાજાને અગ્નિદેવે વરદાન માગવા કહ્યું. રાજાએ પોતાની સેના માટે અભયદાન માગ્યું, ત્યાર પછી જે કોઈ રાજા નીલ રાજાની નગરી પર આક્રમણ કરે તો અગ્નિદેવ તે રાજાની સેનાને સળગાવી દેતા હતા. તે સમયે માહિષ્મતી નગરીમાં પુરુષો સ્ત્રીની પસંદગી કરી શકતા ન હતા, સ્ત્રીઓ જાતે જ પોતાનો સાથી પસંદ કરી લેતી હતી. અગ્નિદેવે પણ ત્યાંની સ્ત્રીઓને વરદાન આપીને તેમને પસંદગી કરી લેવાની સ્વતંત્રતા બક્ષી. ત્યાર પછી કોઈ રાજા માહિષ્મતી નગરી પર અગ્નિના ભયને કારણે આક્રમણ કરતા ન હતા. (સભાપર્વ, ૨૮)

શિશુપાલકથા

(રાજસૂય યજ્ઞમાં કોની પૂજા પહેલાં થવી જોઈએ એ પ્રશ્ન જ્યારે ઊભો થાય છે ત્યારે ભીષ્મ શ્રીકૃષ્ણની પૂજાનો પ્રસ્તાવ મૂકે છે. આ વાતનો વિરોધ જોરશોરથી શિશુપાલ કરે છે, એટલું જ નહીં તે શ્રીકૃષ્ણને અને ભીષ્મને ગાળો આપે છે. ભીમ ક્રોધે ભરાઈને શિશુપાલને મારવા જાય છે ત્યારે ભીષ્મ એને રોકે છે અને શિશુપાલના જન્મની કથા કહી સંભળાવે છે.) શિશુપાલ જન્મ્યો ત્યારે તેને ત્રણ આંખ હતી અને ચાર હાથ હતા. વળી જન્મતાંવેંત તેણે ગધેડાના સ્વરમાં ચીસ પાડી હતી. આથી તેના માતાપિતા અને સ્વજનો બી ગયા, તેનું આવું વિકૃત શરીર જોઈને તેનો ત્યાગ કરવાનો વિચાર કરતા હતા. ચેદિરાજ અને રાણી, મંત્રી, પુરોહિત ચિંતાતુર થઈ ગયા. તેમની બુદ્ધિ બહેર મારી ગઈ. ત્યારે આકાશવાણી થઈ, ‘તમારો આ પુત્ર બળવાન અને શ્રીમાન થશે, તમને એનાથી કશો ભય નડશે નહીં, એટલે ગભરાયા વિના તેને ઉછેરો. તમારા કોઈ પ્રયત્નથી તેનું મૃત્યુ નહીં થાય. હજુ તેનો કાળ આવ્યો નથી. તેનું મૃત્યુ કોઈ શસ્ત્રથી થશે અને તેની હત્યા કરનારાનો જન્મ થઈ ચૂક્યો છે.’ આ સાંભળીને પુત્રપ્રેમથી આકુળવ્યાકુળ થઈ ગયેલી તેની મા બોલી, ‘મારા પુત્ર માટે જે કોઈએ આ વાણી સંભળાવી છે, તેને મારાં વંદન. એક વાત મારે હજુ જાણવી છે. મારા પુત્રનો વધ કોણ કરશે?’ ફરી આકાશવાણી સંભળાઈ, ‘જે વ્યક્તિ આ બાળકને લે અને તેના બે હાથ અને ત્રીજી આંખ ખરી પડે તે વ્યક્તિ આને મારશે.’ ત્રણ આંખો અને ચાર હાથવાળા તે બાળકની વાત તથા આકાશવાણીની વાત સાંભળીને ચારે દિશાઓમાંથી રાજાઓ બાળકને જોવા આવ્યા. ચેદિરાજ આવનારાઓની પૂજા કરીને પોતાના બાળકને પ્રત્યેક રાજાના ખોળામાં મૂકતા હતા. સેંકડો રાજાઓના ખોળામાં બાળકને મૂકવા છતાં તેના વધારાનાં અંગ એવાં ને એવાં જ રહ્યાં. ત્યાર પછી બલરામ અને કૃષ્ણ પોતાની ફોઈને મળવા ચેદિનગર આવ્યા. બધાનાં ખબરઅંતર પૂછીને બંને આસન પર બેઠા. રાણીએ પુત્રને કૃષ્ણના ખોળામાં મૂક્યો. જેવો શિશુપાલ ખોળામાં મુકાયો તેવા જ તેના બે હાથ અને ત્રીજી આંખ ખરી ગયા. આ જોઈ માતા બહુ ડરી ગઈ અને કૃષ્ણ પાસે વરદાન માગ્યું. ‘કૃષ્ણ, હું ભયભીત થઈ ગઈ છું. મને એક વરદાન આપો. તમે તો દુઃખીઓનાં દુઃખદર્દ દૂર કરો છો, ભયભીતોને અભય બનાવો છો.’ આ સાંભળી કૃષ્ણે કહ્યું, ‘તમે બીશો નહીં. બોલો, શું વરદાન આપું? શક્ય હશે કે અશક્ય હશે, હું તમારી વાત માનીશ.’ શ્રીકૃષ્ણની વાત સાંભળીને માતાએ કહ્યું, ‘તમે શિશુપાલના અપરાધ માફ કરતા રહેજો.’ ‘તમારો પુત્ર વધયોગ્ય હોવા છતાં હું તેના સો અપરાધ માફ કરીશ. એટલે હવે દુઃખી ન થતાં.’ (સભાપર્વ, ૪૦)

ઇન્દ્ર અને સુરભિ

(આ કથા વ્યાસ ભગવાન ધૃતરાષ્ટ્રને કહીને કૌરવ-પાંડવો વચ્ચે સરખો પ્રેમ રાખવાની વાત કરે છે.) હજારો વર્ષ પહેલાં ગાયોની માતા સુરભિ સ્વર્ગમાં જઈ ચઢી અને ચોધાર આંસુ પાડવા લાગી. ઇન્દ્રે તેને રડતી જોઈને પૂછ્યું, ‘અરે, અરે, તું કેમ રડે છે? બોલ, દેવતાઓ, માનવીઓ અને ગાયો મજામાં તો છે ને? તું રડે છે એટલે કશુંક વધારે ખરાબ થયું લાગે છે?’ સુરભિએ કહ્યું, ‘ઇન્દ્રદેવ, તમારો તો કશો વાંક નથી. હું મારા પુત્રને જોઈને રડી રહી છું. આ ખેડૂત તો જુઓ — કેવો ખૂંખાર છે! મારા નબળા પુત્રને કોરડા ફટકારી રહ્યો છે. હળમાં જોતરીને એને કેટલો બધો રિબાવે છે! આવા થાકી ગયેલા અને માર ખાઈ રહેલા પુત્રને જોઈને મને દયા આવે છે, હું દુઃખી દુઃખી થઈ જઉં છું. હળમાં બે બળદ જોડ્યા છે, એક બળવાન છે, જોરાવર છે, તેને બહુ ભાર ખેંચવામાં વાંધો ન આવે, પણ બીજો બળદ બહુ નબળો છે, હાડકાંપાંસળાં દેખાય છે, તેનાથી તો બોજ ખેંચાતો જ નથી. હું એના માટે આંસુ સારી રહી છું. જુઓ તો ખરા. કોરડા ખાયા જ કરે છે, વારે વારે એના પર જુલમ થાય છે, પણ એનાથી ભાર ખેંચાતો જ નથી. એના દુઃખે હું દુઃખી થઈ છું, આંખોમાંથી આંસુ વહ્યે જાય છે.’ ઇન્દ્રે આ સાંભળી કહ્યું, ‘સુરભિ, તારા તો સેંકડો પુત્ર દુઃખી છે, તું આના જ માટે કેમ આંસુ સારે છે?’ સુરભિએ કહ્યું, ‘ભગવાન, મારા માટે બધા પુત્રો સરખા છે પણ જે વધારે દુઃખી હોય, જે દીન હોય તેના પર મને વધુ દયા આવે છે.’ સુરભિની વાત સાંભળીને ઇન્દ્રને બહુ આશ્ચર્ય થયું. તે જ વખતે ઇન્દ્રે પૃથ્વી પર બહુ વરસાદ પાડ્યો, બારે મેઘ ખાંગા થયા. ખેતી કરી રહેલા ખેડૂતના કામમાં વિઘ્ન ઊભું થયું. (આરણ્યક પર્વ, ૧૦)
(આરણ્યક પર્વ, ૧૦)

શાલ્વકથા

(પાંડવો જ્યારે દ્યૂત રમવા જતા ત્યારે કૃષ્ણ કેમ મદદે ન આવ્યા એવો પ્રશ્ન યુધિષ્ઠિર પૂછે છે ત્યારે કૃષ્ણ આ વાર્તા કરે છે.) રાજસૂય યજ્ઞ વખતે કૃષ્ણ ભગવાને શિશુપાલનો વધ કર્યો હતો. એટલે શાલ્વ નામનો રાજા બહુ ગુસ્સે થયો. તેણે શિશુપાલના મૃત્યુના સમાચાર સાંભળીને સૂની પડેલી દ્વારકા ઉપર હુમલો કર્યો. તેની સાથે લડ્યા, પણ એ દુષ્ટે તો ઘણાં બધાં બાળકો મારી નાંખ્યાં.યાદવોને મારી નાખ્યા, અને નગરનાં ઉપવનોને ખતમ કર્યા. પછી તે બોલ્યો, ‘પેલો નાલાયક, દુષ્ટ કૃષ્ણ ક્યાં સંતાઈ ગયો છે? યાદવોમાં તેના જેવો અધમ કોઈ છે? તેને યુદ્ધ બહુ પ્રિય છે. આજે હું તેનું અભિમાન ઓગાળી નાખીશ. તે જ્યાં હશે ત્યાં હું ગયા વગર રહેવાનો નથી. કંસ અને કેશીની હત્યા તેણે કરી. હવે તો હું તેને મારી નાખીને જ પાછો ફરીશ.’ ‘ક્યાં ગયો?’ એમ કહી તે કૃષ્ણ સાથે લડવાની ઇચ્છાથી આમતેમ દોડવા લાગ્યો. પાછો બોલતો રહ્યો, ‘શિશુપાલની હત્યાથી મને બહુ ગુસ્સો આવ્યો છે. આજે તો હું પાપી, વિશ્વાસઘાતી, હલકટ કૃષ્ણને યમરાજને ઘેર મોકલી દઈશ. એ નાલાયકે મારા ભાઈ શિશુપાલને માર્યો એટલે આજે હું કૃષ્ણને અહીં ને અહીં મારીશ. શિશુપાલને યુદ્ધમાં નથી માર્યો, એટલે હું પણ તે જનાર્દનને મારીશ.’ આમ તે કૃષ્ણ વિશે જેમતેમ બોલતો રહ્યો. શ્રીકૃષ્ણ જ્યારે પાંડવો પાસેથી પાછા દ્વારકા ગયા ત્યારે દુષ્ટ શાલ્વે તેમના વિશે જે બધો બકવાસ કર્યો હતો તે બધો કોઈએ શ્રીકૃષ્ણને કહ્યો, એટલે પછી શ્રીકૃષ્ણ તેને મારવા માટે નીકળી પડ્યા. બહુ શોધ ચલાવી ત્યારે તે સમુદ્ર પરના એક ટાપુ પર હતો. શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ વગાડી તેને લલકાર્યો. બેચાર ઘડી દાનવો સાથે તે લડ્યા, બધાને હરાવ્યા. જો કે દ્વારકામાં આવીને તેણે બહુ ઉત્પાત મચાવ્યો હતો. યુદ્ધનો સામનો કરવા માટે દ્વારકાનગરીમાં ઘણી તૈયારીઓ થઈ હતી, ચારે તરફ કિલ્લો અને કિલ્લા ઉપર બુરજ, અને તેના પર યુદ્ધનો સામાન, સુરંગો પણ ખોદીને તૈયાર કરી હતી. રસ્તા પર ઠેરઠેર કાંટા હતા, અટ્ટાલિકા અને ગોપુરોમાં ખાસ્સી માત્રામાં અનાજની ગુણો ખડકી હતી. બધા પ્રકારનાં શસ્ત્રો તૈયાર રાખ્યાં હતાં. ચારે બાજુ ઢોલનગારાં સંભળાતાં હતાં. ઘાસચારો, ઈંધણ પણ સંઘર્યાં હતાં. અનેક પ્રકારનાં આયુધો તૈયાર રાખ્યાં હતાં. આમ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણેનાં શસ્ત્રો દ્વારકામાં ખડકાયાં હતાં. વળી ગદ, સાંબ, ઉદ્ધવ જેવા યોદ્ધાઓ પણ સજ્જ હતા. નગરનાં બધા મહત્ત્વનાં સ્થળે ઘોડા હતા, પદાતિઓ હતા. ઉગ્રસેન અને ઉદ્ધવે નગરમાં ઢંઢેરો પીટાવ્યો હતો કે કોઈ પુરુષે મદ્યપાન નહીં કરવું. શાલ્વ મદ્ય પીને બેઠેલાઓને સારી રીતે મારી નાખે. બધા વીર પુરુષો યુદ્ધની તૈયારી કરીને ઊભા હતા. પછી ધનસંગ્રહ કરનારાઓએ નટ, નર્તકો, ગાયકોને નગર બહાર જતા રહેવાનો હુકમ કર્યો. બધા પુલ તોડી નાખ્યા, નૌકાઓને રોકી રાખી, ખાઈઓમાં અણિયાળા કાંટા બિછાવી દીધા. એક યોજન સુધી પર્વતો, કૂવા, વાવપાણી વિનાનાં કરી દીધાં. જમીન ઊંચીનીચી કરી નાખી. દ્વારકા આમેય પહેલેથી દુર્ગોવાળી, પ્રાકૃતિક સુરક્ષાવાળી હતી. એટલે આ સમયે તો વધુ સુરક્ષાવાળી, શસ્ત્રોવાળી બની ગઈ, ઇન્દ્રભવન જેવી શોભવા લાગી. શાલ્વના આક્રમણ વખતે એટલી બધી સુરક્ષા વધારી દીધી કે કોઈ મુદ્રા વિના નગરમાં પ્રવેશી ન શકે, નગરની બહાર જઈ ન શકે. નાનીમોટી શેરીઓમાં, ચૌટાઓમાં હાથીઘોડાવાળા સૈનિકો ખડકાયેલા હતા. બધા સૈનિકોને પૂરતાં વેતન, ભોજન, શસ્ત્ર, વસ્ત્ર પૂરા પાડવામાં આવ્યાં હતાં. કોઈ સૈનિક અપૂરતા વેતનવાળો ન હતો કે વધારે પડતા વેતનવાળો ન હતો. કોઈના ઉપર દયા દાખવીને તેની ભરતી સેનામાં કરવામાં આવી ન હતી. આમ પૂરતા વેતનથી સંતુષ્ટ થયેલા લોકોની ભરતી સેનામાં કરવામાં આવી હતી. દરેકનાં બળ, પરાક્રમ જોયા પછી જ તેની ભરતી સેનામાં થઈ હતી. આમ પૂરતા વેતનથી સંતુષ્ટ થયેલા લોકોથી એ નગરી ઊભરાતી હતી. ઉગ્રસેન રાજાને કારણે પણ તે નગરી ઘણી સુરક્ષિત હતી. શાલ્વ રાજાની સેનામાં ઘણા હાથી ઘોડા હતા, નગરીની પાસે જ રાજાએ સેનાનો પડાવ નખાવ્યો. પૂરતા પાણીવાળી અને સમથળ જમીન પર શાલ્વ રાજાની સેનાએ હાથી, ઘોડા, રથ, પદાતિસહિત પડાવ નાખ્યો. સ્મશાન, મંદિરો, સૈન્યો સિવાયની બધી જમીન સેનાથી ભરાઈ ગઈ. વળી તે સેના છ ભાગમાં વહેંચાઈ ગઈ. તે સેનામાં બધા પ્રકારનાં શસ્ત્ર હતા, હાથી, ઘોડા હતા, રથ હતા, સૈનિકો સંતોષી, વીર હતા, કવચધારી હતા. ધ્વજપતાકા લહેરાતા હતા. દ્વારકામાં આવી સેનાનો પ્રવેશ કરાવ્યો. શત્રુસેનાને નગરમાં આવતી જોઈને દ્વારકાના કુમારો બહાર આવીને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. શાલ્વ રાજાનું એ આક્રમણ ન વેઠી શકનારા, સામ્બ, પ્રદ્યુમ્ન તૈયાર થયા અને રથ પર સવાર થઈને શાલ્વ રાજાના અનેક યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. સામ્બ સાલ્વના સેનાપતિ ક્ષેમવૃદ્ધિ સાથે લડવા લાગ્યા. ઇન્દ્ર જેવી રીતે વરસાદ વરસાવે તેવી રીતે સાંબે બાણવર્ષા કરી. તે સેનાપતિએ પણ જેવી રીતે હિમાલય વર્ષાની ઝંડીઓ વેઠી લે તેવી રીતે સાંબનાં બાણ ઝીલી લીધાં. અને પછી તેણે માયાવી બાણ સાંબ ઉપર છોડ્યાં. સાંબે માયા વડે જ માયાને દૂર કરી અને તેના રથ ઉપર સેંકડો બાણ છોડ્યાં. જ્યારે સેનાપતિ સાંબનાં બાણોથી ઘવાયો ત્યારે તે યુદ્ધભૂમિ પરથી ભાગી ગયો. આ જોઈને વેગવાન દૈત્ય સાંબ સામે ધસી ગયો. પણ સાંબ સ્થિર ઊભો રહ્યો અને પછી પોતાની વેગીલી ગદા વેગવાન પર ફંગોળી. જૂનું પુરાણું ઝાડ પવનના ધક્કાથી જમીનદોસ્ત થઈ જાય એવી રીતે વેગવાન ગદાના મારથી પૃથ્વી પર પડી ગયો, અને મૃત્યુ પામ્યો. પછી સાંબ દુશ્મનની સેનામાં પ્રવેશ્યો અને યુદ્ધ કરવા લાગ્યો. શાલ્વે મહાધનુર્ધારી વિવિધ્ય નામના રાક્ષસને ચારુદેષ્ણ સાથે યુદ્ધ કરવા મોકલ્યો. જૂના જમાનામાં જેવી રીતે ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે યુદ્ધ થયું હતું તેવી રીતે આ બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. બંને ખૂંખાર સિંહોની જેમ ગરજવા લાગ્યા. રુક્મિણીના પુત્ર ચારુદેષ્ણે અગ્નિ અને સૂર્ય જેવું તેજસ્વી બાણ મંત્રીને ધનુષ પર ચઢાવ્યું, અને પછી ક્રોધે ભરાઈને બાણ છોડ્યું. વિવિધ્યને તે વાગ્યું અને તેનું મૃત્યુ થયું. સેના ગભરાઈ ગઈ એટલે શાલ્વ પોતે ચઢી આવ્યો. દ્વારકાની સેના એ જોઈને ગભરાઈ ગઈ. પ્રદ્યુમ્ને આ જોઈને સૈનિકોને હિંમત આપી. ‘તમે બધા યુદ્ધમાં જોડાઓ અને હવે મારું પરાક્રમ જુઓ. લોખંડના સાપ જેવા મારાં તીખાં બાણોથી આ સેનાનો વિનાશ કરું છું. તમે બધા હિંમત રાખજો, બીતા નહીં, શાલ્વ હવે મરી જ ગયો સમજી લો.’ પ્રદ્યુમ્નની આવી વાત સાંભળીને સૈનિકો સ્વસ્થ થઈને યુદ્ધ કરવા લાગ્યા. પછી પ્રદ્યુમ્ન સુવર્ણમય રથમાં બેઠા. જાણે આકાશમાં ઊડી જવું હોય તેમ વેગીલા ઘોડાઓવાળા રથ પર ચઢીને દુશ્મનની સેના પર ધસી ગયા. ધનુષની પણછ તાણીને આગળ વધ્યા અને દૈત્યોને મોહિત કરવા લાગ્યા. યુદ્ધ વખતે શત્રુઓ પર બાણ ક્યારે ચઢાવે છે, ક્યારે પણછ ખેંચે છે, ક્યારે બાણ છોડે છે તેની કશી જાણ કોઈને થતી જ ન હતી. તેમના મોઢાના હાવભાવ ન બદલાયા, ન શરીર કાંપ્યું, માત્ર સિંહના જેવો તેમનો અદ્ભુત દેખાવ અને તેમની સિંહગર્જના જ બધા અનુભવતા હતા. સોનાના દંડમાં બધા જ જળચરોને ભયભીત કરનાર મગરનું ચિહ્ન શાલ્વની સેનાને બીવડાવતું હતું. શત્રુનાશક પ્રદ્યુમ્ન શાલ્વ સાથે યુદ્ધ કરવા આગળ ધસ્યા. શાલ્વ આ હુમલાને જિરવી ન શક્યા. તે રથમાંથી ઊતરી પડ્યા. બંને શ્રેષ્ઠ યોદ્ધાઓ હતા. તે યુદ્ધ ઇન્દ્ર અને બલિ વચ્ચે થયેલા યુદ્ધ જેવું હતું. બધા જોવા જ લાગ્યા. શાલ્વનો રથ માયાવી હતો, સુવર્ણથી મઢેલો, ધ્વજપતાકાવાળો, બાણો માટેનાં ભાથાં ત્યાં હતાં. હવે શાલ્વ પ્રદ્યુમ્ન પર બાણ વરસાવવા લાગ્યા. શાલ્વ ઉપર પ્રદ્યુમ્ન પણ બાણવર્ષા કરવા લાગ્યા. તેનાં બાણોથી શાલ્વ ઘવાયો, અને છતાં સળગતા અગ્નિ જેવાં બાણ પ્રદ્યુમ્ન પર છોડવા લાગ્યો. તેના બાણોથી ઘવાયેલા પ્રદ્યુમ્ને મર્મઘાતક બાણ છોડ્યું. અને તે શાલ્વના કવચને વીંધીને તેના હૃદયને વીંધી બેઠું. શાલ્વ મૂર્ચ્છા ખાઈને પડી ગયો. એ જોઈને રાક્ષસો ભાગવા લાગ્યા. થોડી વારે શાલ્વને ભાન આવ્યું. એટલે પાછો પ્રદ્યુમ્ન પર બાણવર્ષા કરવા લાગ્યો. શાલ્વ મોટેમોટેથી બરાડવા લાગ્યો. પ્રદ્યુમ્ન મૂર્છા પામ્યો હતો તો પણ શાલ્વે બાણ વરસાવવાનું બંધ ન કર્યું અને એને કારણે તે ગાઢ મૂર્ચ્છામાં સરી ગયા. આ જોઈ યાદવસેના ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગઈ. બધે હાહાકાર મચી ગયો. પણ શત્રુઓ તો રાજી રાજી થઈ ગયા. આવી રીતે મૂર્ચ્છા પામેલા પ્રદ્યુમ્નને લઈને દારુકનો પુત્ર ઘોડાઓ સમેત રથને યુદ્ધભૂમિથી દૂર લઈ ગયો. હજુ એ રથ બહુ દૂર ગયો ન હતો અને ત્યાં પ્રદ્યુમ્ન ભાનમાં આવી ગયા. હાથમાં ધનુષ ઉપાડીને સારથિને તે કહેવા લાગ્યા, ‘તેં શું કરવા ધાર્યું છે! યુદ્ધમાંથી ભાગી કેમ જાય છે? યાદવોનો આ ધર્મ નથી. શાલ્વને જોઈને તારું માથું તો ચકરાઈ ગયું નથી ને? યુદ્ધ જોઈને દુઃખી તો થયો નથી ને! સાચું બોલ.’ એટલે સારથિએ કહ્યું, ‘મને કશો મોહ નથી થયો. બીક પણ નથી લાગી. મને એવું લાગ્યું કે શાલ્વ વધુ બળવાન છે. યુદ્ધમાં સારથિએ લડનારની રક્ષા કરવી જોઈએ, આ પાપી બહુ બળવાન છે. તમારી રક્ષા કરવી એ મારો ધર્મ, મારી રક્ષા કરવી તે તમારો ધર્મ. સારથિ હમેશાં યુદ્ધ કરનારની રક્ષા કરે એમ વિચારીને હું દૂર જતો હતો. તમે એકલા છો અને દાનવો અનેક હતા. આ યુદ્ધ બે સરખા શત્રુઓ વચ્ચે ન હતું.’ સારથિની આવી વાત સાંભળીને પ્રદ્યુમ્ને કહ્યું, ‘ભાઈ, તું રથ પાછો ફેરવ. ભવિષ્યમાં આમ કદી કરીશ નહીં. મને કદી દૂર લઈ જઈશ નહીં. યુદ્ધભૂમિ ત્યજીને ભાગી જાય એ યાદવ ન કહેવાય. પડી ગયેલાને મારે તે યાદવ નહીં, શરણાગતને મારે તે યાદવ નહીં, યાદવ કદી સ્ત્રીને, બાળકને, વૃદ્ધને, ગભરાઈ ગયેલાને, શસ્ત્ર વગરનાને મારે નહીં. હે દારુકપુત્ર, તું તો સૂતવંશમાં જન્મ્યો છે, સારથિનું કાર્ય જાણે છે, યાદવોનો ધર્મ જાણે છે. એટલે આવા, ધર્મના જાણકારે યુદ્ધભૂમિ છોડીને જતા નહીં રહેવાનું. યુદ્ધમાંથી હું ભાગી ગયો છું, હું બી ગયો છું, એ સાંભળીને કૃષ્ણ શું કહેશે? મહાપરાક્રમી બળદેવ શું કહે છે? સાત્યવિક, આંકિબ, ચારુદેષ્ણ, સારણ, અક્રૂર શું કહેશે? યાદવ સ્ત્રીઓ મારા જેવા શૂરવીરને, અભિમાનીને શું કહે? ‘આ પ્રદ્યુમ્ન તો યુદ્ધમોરચેથી ભાગી આવ્યો છે. ધિક્કાર છે તેને.’ આવું નહીં બોલે? હસીમજાકમાં પણ મને સોંપીને યુુધિષ્ઠિરના યજ્ઞમાં ગયા છે. કૃતવર્મા યુદ્ધમાં ભાગ લેવા આવતા હતા પણ મેં તેમને રોકી રાખ્યા. હું પહોંચી વળીશ એમ માનીને તેઓ પાછા જતા રહ્યા. હવે હું તેમને શું કહીશ? શ્રીકૃષ્ણ આવશે તો તેમને શું કહીશ? સ્પર્ધા કરવા માગતા બીજા બધા યાદવોને હું શું કહીશ? આમ યુદ્ધમાંથી ભાગી ગયેલા અને પીઠ પર બાણના ઘા ઝીલનારાની જિંદગી મારાથી તો ન જીવાય. હું પીઠે બાણના ઘા ઝીલવા માગતો નથી. તેં ક્યારેય મને કાયરની જેમ યુદ્ધમાંથી ભાગી આવેલો જોયો છે ખરો? યુદ્ધની ઇચ્છા હજુ બાકી છે, એટલે ચાલ, યુદ્ધભૂમિ પર પાછા જઈએ.’ સૂત પ્રદ્યુમ્નની આ બધી વાતો સાંભળીને મીઠાશથી બોલવા લાગ્યો, ‘યુદ્ધભૂમિમાં ઘોડા હાંકવાની મને જરાય બીક નથી. હું યાદવોની યુદ્ધનીતિ પણ સારી રીતે જાણું છું. સારથિઓનો એક જ ધર્મ, રથીની રક્ષા કરવી. તમે ખૂબ જ વ્યથિત થઇ ગયા છો. શાલ્વનાં બાણોથી તમે બહુ ઘવાયા હતા, મૂર્ચ્છા પામ્યા હતા. એટલે હું ત્યાંથી દૂર નીકળ્યો. હવે તમે ભાનમાં આવ્યા જ છો તો મારી અશ્વવિદ્યા જુઓ. હું દારુકનો પુત્ર છું. તેમની પાસેથી જ બધું શીખ્યો છું. હવે હું નિર્ભય થઈને શાલ્વની આ વિશાળ સેનામાં જઈશ.’ આમ કહી સારથિએ ઘોડાઓની લગામ ખેંચીને યુદ્ધભૂમિ પર દોડાવ્યા. જાતજાતની ગતિ વડે ઘોડાઓને દોડાવ્યા. આકાશમાં ઊડી જવાના હોય તેમ તે ઘોડા ચાબૂક ખાઈને દોડ્યા. એમની એ દોડ પાછળ સારથિની આવડત હતી. પૃથ્વી પર તો તેમના પગ ટકતા જ ન હતા — જાણે તેઓ આગથી દાઝતા ન હોય. સારથિએ જરાક જ મહેનતથી શાલ્વની સેનાને વટાવી દીધી, આ જોઈને બધાને નવાઈ લાગી. જ્યારે પ્રદ્યુમ્નનો રથ જમણી બાજુ આવ્યો તે શાલ્વથી વેઠાયું નહીં, અને રથ ચલાવનાર સારથિને ત્રણ બાણ માર્યા. બાણની પરવા કર્યા વિના ઘોડાઓને કેળવીને ફરી આગળ ધાયો. શાલ્વે પ્રદ્યુમ્ન ઉપર પણ અનેક બાણ ચલાવ્યાં. પોતાના પર આવતાં બાણોને બહુ કુશળતાથી પ્રદ્યુમ્ને કાપી નાખ્યાં. હવે આ જોઈને શાલ્વ ભયંકર રાક્ષસી માયા વડે બાણ ફેંક્યાં. પ્રદ્યુમ્ને બ્રહ્માસ્ત્ર વડે એ માયાને છેદી નાખી. શાલ્વનાં અસ્ત્રોને વીંધીને પ્રદ્યુમ્નનાં બાણ શાલ્વના માથા પર, મોં પર, હૃદય પર વાગ્યાં અને તે મૂચ્છિર્ત થઈ ગયો. શાલ્વ પડી ગયો એટલે પ્રદ્યુમ્ને બીજું શત્રુનાશી બાણ ધનુષ પર ચઢાવ્યું. સાપના ઝેર જેવાં તીખાં, પ્રજ્વલિત અગ્નિ જેવાં તેજસ્વી બાણને જોઈને આકાશમાં હાહાકાર મચી ગયો. ઇન્દ્ર, કુબેર અને બીજા દેવતાઓએ વાયુદેવને તથા નારદને પ્રદ્યુમ્ન પાસે મોકલ્યા. બંનેએ આવીને કહ્યું, ‘અરે વીર પ્રદ્યુમ્ન, આ શાલ્વનો વધ કોઈ પણ રીતે તારે નથી કરવાનો. આ બાણ સામે કોઈ પણ પુરુષ ટકી ન શકે, તું આ બાણ પાછું ખેંચી લે. પ્રજાપતિ બ્રહ્માના લેખ પ્રમાણે આ શાલ્વનું મૃત્યુ કૃષ્ણના હાથે જ નિર્માયું છે. બ્રહ્માના લેખને મિથ્યા ન કર.’ આ સાંભળી પ્રદ્યુમ્ન રાજી થઈ ગયો. પોતાના ઉત્તમ બાણને ભાથામાં પાછું મૂક્યું. આ દરમિયાન શાલ્વ પણ ભાનમાં આવ્્યો, પ્રદ્યુમ્નના બાણથી બહુ ઘવાયો હતો એટલે સેના સમેત તે ભાગી ગયો. ક્યાં? દ્વારકા જ છોડી દીધી અને તે આકાશમાં જતો રહ્યો. હવે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરના યજ્ઞમાંથી પરવારીને દ્વારકા જઈ પહોંચ્યા. ત્યાં જઈને શું જોયું? દ્વારકા ઝાંખી થઈ ગઈ હતી. ક્યાંય યજ્ઞ થતા ન હતા. તે નગરની બધી સ્ત્રીઓ આભૂષણો વિનાની હતી. નગરની ચારે બાજુના બાગ ઉજ્જડ થઈ ગયા હતા. એટલે તેમણે કૃતવર્માને પૂછ્યું, ‘યાદવોની આ નગરી ભયભીત સ્ત્રીપુરુષોથી કેમ ઉભરાય છે? મને તેનું કારણ કહો.’ એટલે કૃતવર્માએ પહેલેથી છેલ્લે સુધી શાલ્વના આક્રમણની વાત કહી. આ સાંભળીને હવે શાલ્વનો વધ કરવો જોઈએ એ વિચારની ગાંઠ વાળી બધા લોકોને, ઉગ્રસેનને, વસુદેવને ધીરજ બંધાવી કૃષ્ણે કહ્યું, ‘આ નગરમાં બધા સાવચેત રહો. શાલ્વને મારવા જનારા મારી વાત સાંભળો. તેની હત્યા કર્યા વિના હું દ્વારકામાં પગ નહીં મૂકું. એને મારીને જ હું તમારું મોં જોઈશ.’ તેમને ધીરજ બંધાવી એટલે તેમણે કૃષ્ણને શાલ્વને મારવાની સંંમતિ આપી. તેમના આશીર્વાદ, બ્રાહ્મણોનાં સ્વસ્તિવચન ઝીલીને શ્રીકૃષ્ણે ઉગ્રસેનને પ્રણામ કર્યાં. સૈન્ય સજાવ્યું, સુંદર અશ્વવાળા રથમાં બેસીને પાંચજન્ય શંખ ફૂંક્યો. પછી ચતુરંગિણી સેના લઈને કૃષ્ણ અનેક દેશ, પર્વત, વન, સરોવર, નદીઓ વટાવી માત્તિર્કાવત દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં સાંભળ્યું કે શાલ્વ પાસે જ છે. એટલે તેમની પાછળ પાછળ શ્રીકૃષ્ણ ગયા. ઊછળતાં મોજાંવાળા સમુદ્રના કાંઠે જઈને જોયું તો શાલ્વ સમુદ્રની વચ્ચે છે. તે દુષ્ટાત્માએ શ્રીકૃષ્ણને જોંતાવેંત યુદ્ધ માટે પડકાર ફેંક્યો. શ્રીકૃષ્ણે અનેક બાણ વરસાવ્યાં પણ તેના નગર સુધી તે બાણ પહોંચતાં ન હતાં. તે પાપી, નીચ દૈત્ય સેંકડો બાણોની વર્ષા શ્રીકૃષ્ણ પર કરવા લાગ્યો. સૈનિકો, સારથિ, ઘોડા, રથ બાણ વડે છવાઈ ગયા. પણ એનો કશો વિચાર કર્યા વિના યુદ્ધ કરતા જ રહ્યા. શાલ્વના વીર યોદ્ધાઓએ શ્રીકૃષ્ણની સેના પર સેંકડો, હજારો બાણ વરસાવ્યા. ઘોડા, રથ, સારથિ બધા એ બાણો નીચે ઢંકાઈ ગયા. ન ઘોડા દેખાય, ન રથ, ન સારથિ, શ્રીકૃષ્ણ પણ દેખાતા ન હતા, તેમના સૈનિકો પણ દેખાતા ન હતા. શ્રીકૃષ્ણે પણ હજારો મંત્રેલા બાણ ચલાવ્યા. શાલ્વ આકાશમાં હતો. એટલે શ્રીકૃષ્ણ કે તેમના સૈનિકો તેને જોઈ શકતા ન હતા. પછી તે સૈનિકોએ તાળીઓ પાડી, મોટે મોટેથી બૂમ પાડી. હવે શ્રીકૃષ્ણનાં બાણ આગમાં પતંગિયાં પ્રવેશે તેમ દાનવોનાં શરીરમાં પેસવા લાગ્યાં. શ્રીકૃષ્ણનાં તીખાં બાણોથી ઘવાઈને રાક્ષસો સમુદ્રમાં પડવા લાગ્યા. કપાઈ ગયેલા હાથપગવાળા, કપાયેલા ખભાવાળા કુરૂપ રાક્ષસો સમુદ્રમાં પડવા લાગ્યા. પછી શ્રીકૃષ્ણે ગાયના દૂધ જેવો, મોગરાના ફૂલ જેવો, ચંદ્ર જેવો, ચાંદી જેવો પાંચજન્ય શંખ ફૂંક્યો. સમુદ્રમાં પડી જતા રાક્ષસોને જોઈને માયાવી શાલ્વ શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા આવી ગયો. પછી શ્રીકૃષ્ણ ઉપર જાતજાતનાં શસ્ત્રો વરસવા લાગ્યાં. શ્રીકૃષ્ણે માયાવી શાલ્વ સામે માયાનો જ પ્રયોગ કર્યો. અને જ્યારે બધું પારદર્શી થઈ ગયું ત્યારે શાલ્વ પર્વતનાં શિખરો ફેંકવા લાગ્યો. હવે ઘડીમાં અંધારું, ઘડીમાં અજવાળું થવા લાગ્યું. ક્યારેક આકાશ સ્વચ્છ લાગે, ક્યારેક વાદળોવાળું લાગે; ઘડીમાં ઠંડી તો ઘડીમાં ગરમી. આમ માયા પ્રયોજીને શાલ્વે યુદ્ધ કરવા માંડ્યું, આ બધાનો તાગ પામીને શ્રીકૃષ્ણે પણ માયાનો નાશ કર્યો અને તક મેળવીને બધી બાજુએથી બાણ ચલાવીને તેને વીંધ્યો. એટલામાં કૃષ્ણે જોયું તો આકાશમાં સો સૂર્ય જેવો પ્રકાશ જોયો. અચાનક સો ચન્દ્ર અને લાખો તારા જોયા. દિવસ છે કે રાત, આ પૂર્વ છે કે પશ્ચિમ એ પણ સમજાતું ન હતું. શ્રીકૃષ્ણને પણ ભ્રમ થયો. શ્રીકૃષ્ણે પ્રજ્ઞાઅસ્ત્ર ધનુષ પર ચઢાવ્યું અને ફંગોળ્યું. પછી ભયાનક યુદ્ધ થયું, શ્રીકૃષ્ણને બધે અજવાળું દેખાયું, એટલે ફરી શાલ્વ સાથે લડવા લાગ્યા. તેમને આમ લડતા જોઈ ફરી શાલ્વ આકાશમાં જતો રહ્યો. અને ત્યાંથી એ દુર્બુદ્ધિ શાલ્વ કૃષ્ણ ઉપર ગદા, શતદની, ત્રિશૂલ, ભૂસલ, તલવાર વગેરે વરસાવવા લાગ્યો. કૃષ્ણે પણ આવી રહેલાં જાતજાતનાં શસ્ત્રોને અધવચ્ચે જ અટકાવી દીધાં અને તેમના બબ્બે-ત્રણ ત્રણ ટુકડા કરી નાખ્યાં. આકાશ ગાજી ઊઠ્યું. ફરી શાલ્વે સેંકડો, હજારો બાણોથી શ્રીકૃષ્ણને અને તેમની સેનાને ઢાંકી દીધી. દારુકે દુઃખી થઈને શ્રીકૃષ્ણને કહ્યું, ‘હું શાલ્વનાં બાણોથી ઘવાયો છું. યુદ્ધમાં સ્થિર રહેવું એ મારો ધર્મ છે એમ સમજી સ્થિર રહ્યો છું.’ સારથિની આવી વાત સાંભળીને શ્રીકૃષ્ણે તેની સામે જોયું તો આખી વાત સમજાઈ. તેમનું આખું શરીર બાણોથી વીંધાઈ ગયું હતું. વરસાદ પડવાથી પર્વત પરથી ગેરુના ઝરા વહે તેમ તેમના શરીરમાંથી લોહી વહેતું હતું. સારથિના હાથમાં લગામ હતી, તેમને દુઃખી જોઈને કૃષ્ણે ધીરજ બંધાવી. તે જ વખતે દ્વારિકાથી કોઈએ ઉતાવળે આવીને કૃષ્ણને સંદેશો આપ્યો. ઉગ્રસેનનો સેવક બોલ્યો, ‘હે કૃષ્ણ, ઉગ્રસેને કહેવડાવ્યું છે તે સાંભળો. દ્વારકા ચાલ્યો આવ. તું ત્યાં યુદ્ધ કરી રહ્યો છે. એટલે યુદ્ધ બંધ કર, દ્વારકાની રક્ષા કર, એ જ તારી ફરજ છે.’ કૃષ્ણ તેની વાત સાંભળીને નક્કી ન કરી શક્યા કે હવે શું કરવું? શું ન કરવું? આ અપ્રિય સંદેશો સાંભળીને કૃષ્ણ મનમાં ને મનમાં સાત્યકિ, બળરામ, પ્રદ્યુમ્નની ટીકા કરવા લાગ્યા, એ ત્રણે પર દ્વારકાના રક્ષણની જવાબદારી સોંપ્યા પછી કૃષ્ણ ત્યાં ગયા હતા. તેમને થયું, બળરામ, સાત્યકિ, પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ, સાંબ અને બીજા બધા જીવે તો છે ને! આ બધા જીવતા હોય તો ઇન્દ્ર જેવા ઈન્દ્ર પણ વસુદેવને મારી ન શકે. એટલે નક્કી કે બળરામ અને બીજા વીર પણ વસુદેવની જેમ મૃત્યુ પામ્યા છે. અને છતાં શાલ્વ સાથે યુદ્ધ કરવા લાગ્યા. કૃષ્ણે આકાશમાંથી વસુદેવને પડતા જોયા. પુણ્ય ખતમ થયાં પછી જેવી રીતે યયાતિ સ્વર્ગમાંથી પતન પામ્યા હતા તેવી રીતે વસુદેવ દેખાતા હતા. મેલી, ઉકલી ગયેલી પાઘડી, વિખરાયેલાં વસ્ત્ર-કેશવાળા વસુદેવ જાણે પુણ્ય ખતમ થઈ જવાથી તારો ખરતો ન હોય એવા લાગ્યા. કૃષ્ણના હાથમાંથી ર્શાંઙ્ગ ધનુષ્ય નીચે પડી ગયું. મોહ પામીને તે રથમાં બેસી ગયા. બંને હાથ અને પગ ફેલાવીને પડી રહેલા વસુદેવ જાણે કોઈ પંખીની જેમ પડી રહ્યા હતા. અનેક યોદ્ધાઓ નીચે પડી રહેલા વસુદેવને મારતા હતા. પછી ભાનમાં આવીને કૃષ્ણે જોયંુ તો કોઈ ન હતું — શાલ્વ નહીં, વસુદેવ નહીં. એટલે તેમને લાગ્યું કે એ બધી માયા હતી. પછી ફરી બાણવર્ષા કરવા લાગ્યા. એ બાણોથી ઋષિઓના દ્વેષી રાક્ષસોનાં મસ્તક કપાઈ કપાઈને નીચે પડવા લાગ્યાં. પછી સાપ જેવા ઝેરીલાં, તેજસ્વી બાણ શાલ્વ ઉપર શ્રીકૃષ્ણ છોડવા લાગ્યા. ફરી બધું અદૃશ્ય થઈ ગયું, શ્રીકૃષ્ણ કશું જોઈ ન શક્યા. શ્રીકૃષ્ણ જ્યારે સ્વસ્થ થયા ત્યારે વિકૃત મોં અને કેશવાળા રાક્ષસો બરાડવા લાગ્યા. તેમને મારવા શ્રીકૃષ્ણે શબ્દવેધી બાણ તૈયાર કર્યું એટલામાં તેમના અવાજ બંધ થઈ ગયા. પણ જે રાક્ષસો મોટે મોટેથી બરાડા પાડતા હતા તે બધાને શ્રીકૃષ્ણે શબ્દવેધી બાણ વડે મારી નાખ્યા. એ અવાજો બંધ થયા એટલે ફરી બીજી બાજુથી અવાજ સંભળાયા. એ બાજુ શ્રીકૃષ્ણે બાણ ચલાવી રાક્ષસોને મારી નાખ્યા. પછી તો દસે દિશાએથી, ઉપરથી-નીચેથી તે અસુરો બરાડા પાડવા લાગ્યા અને શ્રીકૃષ્ણે એ બધાને મારવા માંડ્યા. પછી શ્રીકૃષ્ણ પ્રાગ્જ્યોતિષપુરમાં જઈને મોહ પમાડી રહેલા સૌભને જોયો. બધા લોકોનો વધ કરવા માગતા, વાનર જેવા શરીરવાળા દાનવોએ પથ્થરો ફેંકવા માંડ્યા. અને શ્રીકૃષ્ણને ઢાંકી દીધા. પર્વતોના ફેંકાવાને કારણે શ્રીકૃષ્ણ તેમના ઘોડા સારથિ સમેત ઢંકાઈ ગયા. સૈનિકો ગભરાઈને ભાગી ગયા. શ્રીકૃષ્ણ દેખાતા બંધ થયા એટલે ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. શ્રીકૃષ્ણના મિત્રો-સ્વજનો આક્રંદ કરવા લાગ્યા. શત્રુઓ રાજી થયા, મિત્રો દુઃખી થયા. તે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમના કાને વાત આવી, શાલ્વે શ્રીકૃષ્ણને જીતી લીધા છે. પછી શ્રીકૃષ્ણે વજ્ર વડે પર્વતોનો નાશ કર્યો. પર્વતોની નીચે દબાયેલા તેમના ઘોડા ધૂ્રજવા લાગ્યા. વાદળોમાંથી જેમ સૂરજ નીકળે તેમ શ્રીકૃષ્ણને પર્વતોમાંથી બહાર નીકળેલા જોઈ સ્વજનો આનંદ પામ્યા. પછી હાથ જોડીને સારથિએ શ્રીકૃષ્ણને કહ્યું, ‘જુઓ, ત્યાં શાલ્વરાજા ઊભો છે. તેની ઉપેક્ષા ન કરો. હવે શાલ્વ સાથે મિત્રતાનો કે કોમળતાનો વ્યવહાર જવા દો. શાલ્વને જીવતો જવા ન દેતા. બધાં જ પરાક્રમ કરીને શત્રુનો વધ કરવો જોઈએ. બળવાને પણ દુર્બળ શત્રુની ઉપેક્ષા ન કરવી જોઈએ. જો શત્રુ ઘરમાં હોય તો તેને પણ મારી નાખવો જોઈએ, પછી યુદ્ધમાં ઊભેલા શત્રુની તો વાત જ શી? હવે સમય વેડફ્યા વિના તેને મારી નાખો. તે સમજાવટથી વશ નહીં થાય, તે કંઈ તમારો મિત્ર નથી, તમારી સાથે તેણે યુદ્ધ કર્યું હતું, દ્વારિકામાં તોફાન મચાવ્યું હતું.’ સારથિની વાતો શ્રીકૃષ્ણને સાચી લાગી, તેમણે સારથિને કહ્યું, ‘તું થોડી વાર સ્થિર રહે.’ પછી શ્રીકૃષ્ણે દિવ્ય, અભેદ્ય, મહાશક્તિવાળું, પ્રકાશિત આગ્નેય અસ્ત્ર આકાશમાં ફંગોળ્યું. આ અસ્ત્ર યક્ષ, રાક્ષસ, દાનવો, દુષ્કર્મીઓને ભસ્મ કરી નાખે તેવું હતું. યમ જેવું ભયાનક અસ્ત્ર શત્રુનાશી હતું. તે સુદર્શન ચક્ર જ હતું. યમ જેવું ભયાનક અસ્ત્ર શત્રુનાશી હતું. તે સારથિનું ચક્ર જ હતું. તેના પર મંત્ર ભણ્યા અને કહ્યું.‘અહીં મારા જે શત્રુઓ છે, તેમનો આ સૌભનો નાશ કર.’ આકાશમાં જઈ રહેવું એ ચક્ર પ્રલયકાળમાં દેવતાના બીજા સૂર્ય જેવું હતું. એ ચક્રના સ્પર્શથી જ સૌભ તેજહીન થઈ ગયું, ઊંચે આકાશમાં રહેલા સૌભને કરવત વૃક્ષને વહેરે તેમ વહેરી નાખ્યું. જેવી રીતે શિવનાં બાણોથી ત્રિપુરાસુરનું નગર પૃથ્વી પર પડ્યું હતું તેવી રીતે સુદર્શન ચક્રે એ નગરને બે ભાગમાં વહેરી નાખ્યું અને પછી એ ચક્ર શ્રીકૃષ્ણના હાથમાં આવી ગયું. ફરી શ્રીકૃષ્ણે ‘શાલ્વને મારી નાખ’ કહી ચક્ર ફંગોળ્યું. શાલ્વે એક મોટી ગદા ચક્ર સામે ફેંકી, પણ એ ગદા અને શાલ્વ — બંનેના ટુકડા ચક્રે કરી નાખ્યા. શાલ્વનું મૃત્યુ થયું એટલે હાહાકાર કરતા દાનવો ચારે દિશાઓમાં ભાગી ગયા. શ્રીકૃષ્ણે પોતાના રથને સૌભ પાસે ઊભો રાખી આનંદથી શંખ વગાડ્યો. સૌભનગર મેરુ શિખરની જેમ સળગવા લાગ્યું. ત્યારે તેના ગોપુર — અટ્ટાલિકાને સળગતા જોઈ ત્યાંની સ્ત્રીઓ પણ ભાગી ગઈ. એ રીતે શ્રીકૃષ્ણે યુદ્ધમાં શાલ્વનો વધ કરીને દ્વારિકામાં પ્રવેશ કર્યો અને સ્વજનોને પ્રસન્ન કર્યા. (આરણ્યક પર્વ, ૧૫થી ૨૩)

નલોપાખ્યાન

વીરસેન નામના રાજાને નલ નામના પુત્ર હતા, તે બળવાન, રૂપવાન, અશ્વવિદ્યામાં નિપુણ, અનેક ગુણ સંપન્ન હતા. જેવી રીતે ઇન્દ્ર બધા દેવોમાં શ્રેષ્ઠ છે તેવી રીતે રાજા નલ પણ બધા રાજાઓમાં શ્રેષ્ઠ હતા. જેવી રીતે સૂર્ય પોતાના તેજથી બધાની ઉપર રહે છે તેવી રીતે રાજા નલ બધા રાજાની ઉપર હતા. તે બ્રાહ્મણોના પૂજક, વેદજ્ઞ, નિષધ દેશના રાજા, જુગારપ્રિય, સત્યવાદી અને અનેક અક્ષૌહિણી સેનાના સ્વામી હતા; શ્રેષ્ઠ સ્ત્રીઓના પ્રિય હતા, ઉદાર હતા, ઇન્દ્રિયજિત હતા, ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતા, તેઓ સાક્ષાત્ મનુ જેવા હતા. એવી જ રીતે વિદર્ભ દેશમાં રાજા ભીમ મહાપરાક્રમી શૂરવીર સર્વગુણ સંપન્ન હતા. તેઓ સંતાનપ્રાપ્તિ માટે ઇચ્છા કર્યા કરતા હતા. સંતાન માટે એકાગ્રચિત્તે અનેક યત્ન કર્યા, એક દિવસ તેમને ત્યાં દમક નામના મહર્ષિ આવ્યા. સંતાનની ઇચ્છાવાળા અને ધર્મજ્ઞ રાજા ભીમે અને તેની રાણીએ તે તેજસ્વી ઋષિનો સત્કાર કર્યો, ત્યારે પ્રસન્ન થયેલા દમન ઋષિએ રાજાને અને રાણીને વરદાન આપ્યું, તમને એક કન્યારત્ન અને ત્રણ ઉદાર, યશસ્વી પુત્રો થશે. રાજાએ કન્યાનું નામ રાખ્યું દમયંતી, અને પુત્રોનાં નામ રાખ્યાં દમ, દાન્ત અને દમન. તે સૌ તેજસ્વી, સર્વગુણસંપન્ન અને મહાપરાક્રમી થયા. સુમધ્યમા દમયંતી રૂપ, તેજ, યશ, લક્ષ્મી અને સૌભાગ્યથી લોકોમાં વિખ્યાત થઈ. તે યુવાવસ્થામાં આવી ત્યારે સુશોભિત સેંકડો દાસીઓ-સખીઓ ઇન્દ્રાણીની સખીઓની જેમ તેની આસપાસ રહેતી હતી. તે ભીમકપુત્રી અનવદ્ય અંગોવાળી, સર્વ આભરણો પહેરીને સખીઓની વચ્ચે વાદળોમાં વીજળીની જેમ શોભતી હતી, વિશાલ નેત્રવાળી તે રાજપુત્રી અતિ રૂપસંપન્ન હોવાથી લક્ષ્મીની જેમ શોભતી હતી. તેના જેવી સુંદરી ન દેવોમાં, ન યક્ષોમાં, ન મનુષ્યોમાં કોઈએ જોઈ હતી કે ન કોઈએ સાંભળી હતી. દેવોના ચિત્તને પણ તે વિહ્વળ કરી મૂકતી હતી. નરશાર્દૂલ નલરાજા પણ પોતાના રૂપ વડે પૃથ્વી પર અપ્રતિમ હતા, જાણે તેઓ સાક્ષાત્ કામદેવનો મૂર્તિમંત અવતાર હતા, દમયંતીની સખીઓ તેની આગળ આશ્ચર્યકારક નલની પ્રશંસા કરતી હતી અને નૈષધની આગળ પુરુષો દમયંતીની પ્રશંસા કરતા હતા. આ પ્રકારે એકબીજાને જોયા વિના જ કેવળ ગુણો સાંભળીને અન્યોન્યને માટે તેમનો પ્રેમ વધી ગયો અને સાથે કામદેવ પણ વૃદ્ધિ પામ્યો, નલ પોતાના હૃદયમાં કામદેવને ન સહી શક્યા એટલે અંત:પુર પાસે ઉદ્યાનમાં એકાંતવાસ સેવવા લાગ્યા. ત્યારે એક દિવસ એ ઉદ્યાનમાં સુવર્ણની પાંખોવાળા હંસો જોયા અને એમાંથી એક હંસને પકડી લીધો. આકાશમાં ઊડનારા હંસે નલને કહ્યું, ‘હે રાજન, મને મારતા નહીં, હું તમારું પ્રિય કાર્ય કરીશ. હું દમયંતીની પાસે જઈને તમારી પ્રશંસા એવી રીતે કરીશ કે પછી તમને મૂકીને કોઈ અન્ય પુરુષનો વિચાર નહીં કરે.’ આ સાંભળીને નલ રાજાએ હંસને છોડી મૂક્યો, એટલે બધા હંસ ઊડીને વિદર્ભ દેશમાં ગયા. તે હંસ વિદર્ભનગરીમાં જઈને દમયંતીની પાસે ઊતર્યા, ત્યારે તે પક્ષીઓને દમયંતીએ જોયાં. સખીઓથી ઘેરાયલી દમયંતી અદ્ભુત રૂપવાળાં એ પંખીઓને જોઈને તેમને પકડવા ગઈ. ત્યારે પ્રમદાવનમાં બધા હંસ આમતેમ દોડવા લાગ્યા. એકેક હંસ પાછળ એકેક કન્યા દોડતી હતી. જે હંસ પાછળ દમયંતી દોડતી હતી તે હંસ પાસે આવીને મનુષ્યની બોલીમાં બોલ્યો, ‘હે દમયંતી, નિષધના રાજા નલ અશ્વિનીકુમાર જેવા રૂપવાન છે, તેમના જેવો સુંદર પુરુષ બીજો કોઈ નથી, હે ઉત્તમ વર્ણવાળી, હે સુમધ્યમા, જો તું તેની પત્ની બને તો તારો જન્મ અને તારું રૂપ સફળ થશે. અમે બધા દેવ, ગંધર્વો, મનુષ્યો, સાપ, રાક્ષસોને જોયા છે પણ નલ જેટલો સુંદર પુરુષ જોયો નથી. તું નારીઓનું રત્ન છે, પુરુષોમાં નલ શ્રેષ્ઠ છે, વિશિષ્ટનો વિશિષ્ટ સાથેનો સંયોગ વિશેષ ગુણકારી થાય છે.’ હંસની આ વાત સાંભળીને દમયંતીએ હંસને કહ્યું, ‘તું નલ પાસે જઈને આમ જ કહેજે.’ વિદર્ભકન્યાની વાત માનીને અંડજ હંસ ત્યાંથી નીકળ્યો અને નિષધમાં આવીને તેણે આખી વાત જણાવી. હંસના મોઢે વાત સાંભળીને દમયંતી તે જ દિવસથી નલ માટે વિહ્વળ રહેવા લાગી, ત્યારથી દમયંતી ચિંતાતુર, દીન, વિવર્ણ વદનવાળી, દુર્બળ બની ગઈ અને વારે વારે નિ:શ્વાસ નાખવા લાગી. તેની દૃષ્ટિ સદા ઊંચે રહેતી ઉન્મત્ત બની ગઈ હતી, નલનું ધ્યાન કર્યા કરતી હતી. શય્યા અને એવા ભોગમાં તેને આનંદ મળતો ન હતો, તે ન રાતે સૂતી, ન દિવસે. વારેવારે હા હા કરતી હતી. દમયંતીની આ અસ્વસ્થતા તથા આવી આકૃતિ જોઈને તેની સખીઓએ ચિહ્નો દ્વારા વાત જાણી લીધી. તે સખીઓએ દમયંતીની આ અસ્વસ્થતાની જાણ વિદર્ભરાજને કરી. રાજા ભીમે સખીઓના મોંએ પોતાની પુત્રીની આવી દશા સાંભળીને પુત્રી માટે કશુંક કરવાનું વિચાર્યું; પોતાની પુત્રીની યુવાવસ્થા જોઈને દમયંતીના સ્વયંવરનો વિચાર કરવા લાગ્યો. ત્યારે બધા રાજાઓને આમંત્રણ આપ્યું અને કહેવડાવ્યું, સ્વયંવરમાં આવીને આનંદનો અનુભવ કરો. બધા રાજા દમયંતીના સ્વયંવરની વાત જાણીને ભીમ રાજાની આજ્ઞા પ્રમાણે હાથી, ઘોડા, રથના ધ્વનિથી પૃથ્વીને ધ્રુજાવતા, વિચિત્ર માળાઓ ધારણ કરીને, ઉત્તમ રીતે ભૂષિત થવાને કારણે સુંદર દેખાતા સૈનિકોથી ઘેરાઈને ભીમ પાસે આવ્યા. આ સમયે નારદ અને પર્વત ઘૂમતા ઘૂમતા ઇન્દ્રલોકમાં જઈ પહોંચ્યા. મહા વ્રતધારી અને મહાત્મા નારદ અને પર્વત પૂજાવિધિ પછી ઇન્દ્રભવનમાં ગયા. ત્યારે સહાક્ષે બંનેની પૂજા કરી કુશળતાના સમાચાર પૂછ્યા, આખા જગત વિશે પૂછ્યું. નારદે કહ્યું, ‘હે દેવ, હે ઈશ્વર, હે મઘવન (ઇન્દ્ર) અમે તો સદા કુશળ છીએ, બીજા રાજાઓ પણ કુશળ છે.’ નારદની વાત સાંભળીને વલાસુર અને વૃત્રનો વધ કરનારા ઇન્દ્રે પૂછ્યું, ‘જે ક્ષત્રિયો ધર્મજ્ઞ, પૃથ્વીપતિ છે, પ્રાણ ન્યોછાવર કરીને પણ યુદ્ધ કરે છે, જે સમય આવે સામી છાતીએ શસ્ત્રોનો સામનો કરીને મૃત્યુને ભેટે છે, તેમને માટે અમારું આ સ્વર્ગ અક્ષય બની જાય છે, અને મારી જેમ તેમને પણ મનોવાંછિત ભોગ આપે છે. જે શૂરવીર ક્ષત્રિયો અતિથિ રૂપે મારે ત્યાં આવતા હતા તેમને આજકાલ હું જોતો નથી, તે ક્ષત્રિયો છે ક્યાં?’ ઇન્દ્રે આમ કહ્યું એટલે નારદે ઉત્તર આપ્યો, ‘અત્યારે ક્ષત્રિયો નથી દેખાતા તેનું કારણ સાંભળો. વિદર્ભરાજાની પુત્રી દમયંતી નામે વિખ્યાત છે, તેણે પોતાના રૂપથી પૃથ્વી પરની બધી સ્ત્રીઓને પરાજિત કરી મૂકી છે, હે ઇન્દ્ર, તેનો સ્વયંવર સત્વરે થવાનો છે, ત્યાં બધા રાજા અને રાજપુત્રો જઈ રહ્યા છે. હે વલ અને વૃત્રના હર્તા, પૃથ્વી પરના રત્ન જેવી એ દમયંતીને પામવાની ઇચ્છા બધા રાજા કરે છે.’ આ પ્રમાણે વાત થતી હતી તેવામાં ઇન્દ્ર પાસે અગ્નિની સાથે બધા લોકપાલો આવ્યા. તેમણે નારદનું આ મહાન વચન સાંભળ્યું અને આનંદિત થઈને કહ્યું, ‘આપણે પણ ત્યાં જઈશું.’ ત્યારે એ બધા દેવ પોતાના સાથીઓને લઈને વાહનો સમેત વિદર્ભ નગરમાં આવ્યા, ત્યાં બધા રાજા એકઠા થયા હતા. બધા રાજાઓ સ્વયંવર નિમિત્તે એકઠા થયા છે એ જાણીને નલ રાજા દમયંતીમાં અનુરક્ત થઈને પ્રસન્ન ચિત્તે સ્વયંવરમાં આવ્યા. રસ્તામાં દેવતાઓએ નલને જોયા, સાક્ષાત્ કામદેવ સંપદાઓને લઈને આવ્યા ન હોય! લોકપાલક નલ રાજાને સૂર્ય સમાન તેજસ્વી જોઈને, તેમની રૂપસંપદાથી વિસ્મિત થઈને દમયંતીને પામવાનો સંકલ્પ છોડી દીધો. ત્યારે બધા દેવતાઓએ પોતાના વિમાનોને અંતરીક્ષમાં અટકાવીને આકાશ પરથી પૃથ્વી પર આવીને નલ રાજાને કહ્યું, ‘હે નૈષધ, હે રાજેન્દ્ર, તમે સત્યવ્રત છો, અમારી સહાય કરો, હે નરોત્તમ, તમે અમારા દૂત બનો.’ દેવતાઓનું આવું વચન સાંભળીને નલે દેવો આગળ પ્રતિજ્ઞા કરી કે તમારું કાર્ય કરીશ. બે હાથ જોડીને તેઓ ઊભા રહી ગયા, પછી નલ રાજાએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો? જેની પાસે મને મોકલવા માગો છો તે કોણ છે? મારે તમારું ક્યું કાર્ય કરવાનું છે તે યથાતથ કહો.’ નૈષધની આ વાત સાંભળીને ઇન્દ્રે કહ્યું, ‘અમે દમયંતી માટે આવેલા દેવતાઓ છીએ. હું ઇન્દ્ર છું, આ અગ્નિ છે અને આ જળના સ્વામી વરુણ છે. હે રાજા, આ બધા મનુષ્યોના કાળ એવા યમરાજ છે. તમે દમયંતી પાસે જઈને અમારા આગમનના સમાચાર આપજો. કહેજો કે ઇન્દ્ર સમેત બધા જ લોકપાલ તને જોવા આવી રહ્યા છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ તને પામવા ઇચ્છે છે. એટલે એ બધામાંથી તું કોઈ એક દેવને પતિરૂપે સ્વીકારી લે.’ ઇન્દ્રનું આ વચન સાંભળીને નલ રાજાએ હાથ જોડીને કહ્યું, ‘દેવતાઓ, તમારી જેમ મારું પણ એ જ પ્રયોજન છે. એટલે આ જ પ્રયોજનથી આવેલા એવા મને તમે દૂત બનાવીને ન મોકલો.’ દેવતાઓએ કહ્યું, ‘હે નૈષધ, તમે અગાઉ અમારી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે હું તમારું કાર્ય કરીશ. તો હવે કેમ ના પાડો છો? હવે જાઓ, વિલંબ ન કરો.’ નૈષધરાજે ફરી કહ્યું, ‘દમયંતીનું નિવાસસ્થાન અતિ સુરક્ષિત છે, ત્યાં હું કેવી રીતે પ્રવેશ કરી શકીશ?’ ઇન્દ્રે ફરીથી કહ્યું, ‘તમે ત્યાં પ્રવેશ કરી શક્શો.’ ત્યારે નલ રાજા ‘ભલે’ કહીને તેમની વાત સ્વીકારીને દમયંતીના આવાસે પહોંચ્યા. ત્યાં સખીઓથી ઘેરાયેલી, પોતાના શરીરના શોભા અને તેજથી પ્રકાશિત વિદર્ભરાજપુત્રી સુંદરી દમયંતીને જોઈ. અતીવ સુકુમારી, પાતળી કમર ને સુંદર નેત્રવાળી તે દમયંતી પોતાના તેજથી શશિની કાંતિને ઝાંખી કરતી, સુશોભિત જણાતી હતી, તે ચારુહાસિનીને જોઈને નલના શરીરમાં કામ વૃદ્ધિ પામવા લાગ્યો, પરંતુ સત્યપાલન કરવાની ઇચ્છાવાળા નલ રાજાએ હૃદયને શાંત કર્યું. દમયંતીની સુંદર સખીઓ નલ રાજાને જોઈને ચકિત થઈ ગઈ, તેમના તેજથી ગભરાઈને પોત પોતાના આસનેથી ઊભી થઈ ગઈ. આશ્ચર્યચક્તિ થયેલી તે સ્ત્રીઓ પ્રસન્ન થઈને નલ રાજાની પ્રશંસા કરવા લાગી, કોઈએ તેમની સાથે વાત ન કરી, મનોમન વિચારતી રહી; અહો તેમનું રૂપ કેવું? કાન્તિ કેવી છે? આ મહાત્માનું ધૈર્ય કેવું છે? આ કોણ છે? નિશ્ચિત કોઈ દેવ, યક્ષ કે ગંધર્વ હશે, તે બધી સ્ત્રીઓ તેમના તેજથી ગભરાઈને અને લજ્જાવશ બની ને નલને કશું કહી ન શકી, ત્યારે વિસ્મિત થયેલી દમયંતી સ્મિતપૂર્વક નલને કહેવા લાગી, ‘હે પાપરહિત, ઉત્તમ કાયાવાળા, મારા કામદેવને વધારનારા, તમે કોણ છો તે હું જાણવા માગું છું. તમે અહીં કેવી રીતે આવ્યા? તમને કોઈએ જોયા નહીં, મારો આવાસ બહુ સુરક્ષિત છે, રાજાનું શાસન ઉગ્ર છે.’ વિદર્ભરાજની પુત્રીની વાત સાંભળીને નલ રાજાએ તેને કહ્યું, ‘હે કલ્યાણી, હું નલ છું, દેવતાઓનો દૂત બનીને આવ્યો છું, ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ તને પામવા માગે છે, એટલે હે સુંદરી, તું એકને પતિ તરીકે પસંદ કર. તેમના જ પ્રભાવે કરીને હું અહીં આવી શક્યો છું, કોઈએ મને જોયો નથી, કોઈએ મને અટકાવ્યો નથી. હે ભદ્રા, મને દેવતાઓએ મોકલ્યો છે, હવે આ સાંભળી તારે જે કરવું હોય તે કર.’ નલ રાજાનું વચન સાંભળીને દેવતાઓને નમસ્કાર કરીને હસતાં હસતાં નલને કહેવા લાગી, ‘હે રાજન, તમે જ મારી સાથે વિવાહ કરો, બોલો, હું તમારું શું કાર્ય કરું? હું અને મારું જે કાંઈ ધન છે તે સઘળું તમારું જ છે, તમે વિશ્વાસપૂર્વક મારી સાથે વિવાહ કરો. હંસોએ તમારા વિશે વાતો કરી હતી તે મારા હૈયાને પ્રજાળે છે, મેં માત્ર તમને બોલાવવા માટે જ આ બધા રાજાઓને બોલાવ્યા છે, તમને આરાધનારી મને જો તમે નહીં સ્વીકારો તો હું તમારા કારણે વિષપાન કરીશ, અગ્નિ કે રસ્સીથી મૃત્યુ પામીશ.’ દમયંતીની વાત સાંભળીને નલ રાજાએ કહ્યું, ‘લોકપાલોના હોવા છતાં તું એક માનવીની ઇચ્છા કેમ કરે છે? હું આ મહાત્મા ઈશ્વર લોકપાલોની ચરણરજ સમાન પણ નથી. આ લોકપાલોમાં તારું ચિત્ત પરોવ, દેવતાઓનું અપ્રિય કરનાર પુરુષ નષ્ટ થાય છે, એટલે હે સુંદરી, મારી રક્ષા કર, તું કોઈ ઉત્તમ દેવતાને પતિ તરીકે સ્વીકાર.’ ત્યારે શુચિસ્મિતા દમયંતી આંસુઓથી ગદ્ગદ્ વાણી વડે રાજા નલને ધીરેથી કહેવા લાગી, ‘હે નરેશ્વર, મેં એક આપત્તિરહિત એક ઉપાય વિચાર્યો છે, એનાથી તમને કોઈ દોષ નહીં લાગે. હે નરશ્રેષ્ઠ, જ્યાં મારો સ્વયંવર થવાનો છે ત્યાં અગ્નિ વગેરે દેવતાઓ આવે અને તમે પણ આવો. હે નરવ્યાઘ્ર, નરશ્રેષ્ઠ, એ બધા લોકપાલોની સમક્ષ હું તમને જ વરીશ, એમ કરવાથી તમારો કોઈ દોષ નહીં ગણાય.’ વૈદર્ભીએ આ પ્રકારે નલ રાજાને કહ્યું એટલે રાજા દેવતાઓ જ્યાં હતા ત્યાં ગયા. ઈશ્વર સમેત લોકપાલોએ નલ રાજાને આવતો જોયા અને તેમને બધો વૃત્તાંત પૂછવા લાગ્યા, ‘હે રાજન, તમે શુચિસ્મિતા દમયંતીને જોઈ છે? તેણે અમારા વિશે શું કહ્યું?’ નલ રાજાએ કહ્યું, ‘તમારી આજ્ઞા પ્રમાણે હું દમયંતીના નિવાસે પહોંચ્યો, તે સ્થાન ચારે બાજુ દંડધારી વૃદ્ધોથી ઘેરાયેલું હતું. તમારા પ્રતાપે એ મહેલમાં પ્રવેશ કરતી વખતે વિદર્ભરાજની કન્યા સિવાય કોઈએ મને જોયો નહીં. પછી મેં તેની સખીઓને જોઈ, તેમણે મને ઓળખ્યો. હે દેવગણો, તે બધી મને જોઈને અચરજ પામી, મેં સુંદર મુખવાળી દમયંતી આગળ તમારી વાત કરી, તો પણ તે મને જ વરવા માગે છે. તેણે મને કહ્યું, બધા દેવ તમારી સાથે મારા સ્વયંવર સ્થળે આવે, હું તેમની સામે તમને જ વરીશ. એમ કરવાથી તમને કોઈ દોષ નહીં લાગે. હે લોકપાલો, જે વાત થઈ તે મેં પૂરેપરી તમને કહી સંભળાવી, હવે જેવી તમારી ઇચ્છા.’ ત્યાર પછી રાજા ભીમે શુભ મુહૂર્ત, શુભ કાળ અને તિથિ જોઈને બધા રાજાઓને સ્વયંવરની સભામાં બોલાવ્યા. એટલે બધા રાજા કામપીડિત બનીને દમયંતીને પામવાની ઇચ્છાથી સત્વરે સ્વયંવર સભામાં આવ્યા. જેવી રીતે સિંહોનું ટોળું પર્વતમાં જાય છે તેવી રીતે રાજાઓ સુવર્ણસ્તંભ અને તોરણોવાળા રંગમંડપમાં પ્રવેશ્યા. ઉત્તમ મણિજડિત કંુડળો ધારણ કરી, સુગંધિત માળાઓ પહેરીને અનેક પ્રકારનાં આસનો પર રાજાઓ બેઠા. નાગોથી ભરેલી ભોગવતી પુરીની જેમ અથવા સિંહોથી છવાયેલી પહાડની ગુફા સમાન એ પુરુષોમાં સિંહ રૂપ રાજાઓથી ભરેલી સભા શોભવા લાગી. ત્યાં ભૂમિપાલોના પરિઘ જેવી મોટી મોટી ભુજાઓ આકાર પ્રકારમાં અને રંગમાં અત્યંત સુંદર તથા પાંચ ફણાળા સાપ જેવી દેખાતી હતી. જેવી રીતે આકાશમાં તારા પ્રકાશિત થાય છે તેવી રીતે સુકેશથી વિભૂતિ સુંદર નાક, નેત્ર, ભ્રમરવાળા, રાજાઓનાં મોં શોભતાં હતાં. ત્યાર પછી સુંદર મુખ ધરાવતી દમયંતી પોતાના રૂપ અને લાવણ્યથી રાજાઓનાં નેત્ર અને મનને લોભાવતી રાજસભામાં પ્રવેશી, તે વેળા તે મહાત્મા રાજાઓની દૃષ્ટિ દમયંતીના જે જે અંગ પર પડી ત્યાં ત્યાં તે આસક્ત થઈ ગઈ, ત્યાંથી વિચલિત થઈ ન શકી. ત્યાર પછી સભામાં બેઠેલા રાજાઓના નામ અને કુલોનાં વર્ણન જાહેર થયાં, દમયંતીએ ત્યાં એક જ આકૃતિવાળા પાંચ પુરુષોને જોયા. ત્યારે વૈદર્ભી તે સર્વને એક જ દેહાકૃતિવાળા જોઈને સંદેહમાં પડી ગઈ, નલ રાજાને તે ઓળખી ન શકી, તે જેની જેની સામે જોતી હતી તેમને નલ જ માનતી હતી. તે ભામિની બુદ્ધિપૂર્વક વિચારવા લાગી. હું કેવી રીતે દેવતાઓને ઓળખું અને કેવી રીતે નલ રાજાને પારખું. વૈદર્ભી આવો વિચાર કરતાં ખૂબ જ દુઃખી થઈ, તેણે અગાઉ દેવતાઓનાં લક્ષણો સાંભળ્યાં હતાં, તેને યાદ કરીને મનોમન કહેવા લાગી, વૃદ્ધો પાસેથી દેવતાઓની જે નિશાનીઓ મેં સાંભળી છે તેમાંની એક પણ ભૂમિ પર બેઠેલા આ દેવોમાં નથી દેખાતી. આમ વારંવાર વિચારીને તેણે મનોમન નિશ્ચય કરી લીધો કે અત્યારે દેવતાઓની શરણાગતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તે હાથ જોડીને વાણી અને મનથી દેવતાઓને નમસ્કાર કરીને કાંપતાં કાંપતાં કહેવા લાગી, ‘મેં જે દિવસથી હંસોની વાત સાંભળી હતી તે દિવસથી નિષધરાજાને પતિ તરીકે સ્વીકારી લીધા હતા. મારા આ સત્યના પ્રભાવથી સાચા નલરાજા દેખાડો, મેં જો મન અને વાણીથી ક્યારેય વ્યભિચારની ઇચ્છા કરી ન હોય તો મારા સત્યના પ્રભાવથી સાચા નલરાજા દેખાડો. જે દેવતાઓએ નૈષધ રાજા નલને મારા પતિ બનાવ્યા છે તે દેવતાઓ સત્યની રક્ષા કરવા સાચા નલરાજા દેખાડો. દેવરાજ ઇન્દ્રની સાથે લોકપાલ પોત પોતાના રૂપને ધારણ કરે. જેથી હું પુણ્યશ્લોક નલરાજાને ઓળખી શકું.’ વિદર્ભકન્યાના શોક અને વિલાપથી ભરેલાં વાક્યો સાંભળીને તથા નલ રાજામાં તેની પ્રીતિ, શુદ્ધ પ્રેમ, મનશુદ્ધિ, બુદ્ધિ, ભક્તિ અને અનુરાગ જોઈને તે દેવતાઓએ દમયંતીને દેવતાઓની ઓળખ થઈ શકે એવી શક્તિ દમયંતીને આપી. દમયંતીએ દેવતાઓની છાયારહિત, પ્રસ્વેદરહિત આકૃતિ જોઈ, તેમનાં નેત્ર પલકારા મારતાં ન હતાં, તેમની માળા ન કરમાય એવી હતી. અને તેઓને ભૂમિનો સ્પર્શ થતો ન હતો. રાજા નલની છાયા પડતી હતી, તેમની માળા કરમાય એવી હતી, તેમને પ્રસ્વેદ થતો હતો, અને તેમની આંખો પલકારા મારતી હતી, તેમનો સ્પર્શ ભૂમિને થતો હતો. ત્યારે દેવતાઓને અને પુણ્યશ્લોક નલરાજાને પારખીને દમયંતીએ ધર્મપૂર્વક નલ રાજાને પતિ તરીકે પસંદ કર્યા, લજ્જિત થતી થતી દીર્ઘ લોચનવાળી દમયંતીએ વસ્ત્રમાં સાચવેલી માળા કાઢી અને એ અતિ સુંદર માળા નલના ગળામાં આરોપી, આ રીતે તે સુંદર વર્ણવાળી દમયંતીએ નલ રાજાને પતિ તરીકે સ્વીકાર્યા. અન્ય રાજાઓ અચાનક હા હા કરીને કોલાહલ કરવા લાગ્યા. મહર્ષિઓ અને દેવો ‘બહુ સરસ, બહુ સરસ’ કહેતા કહેતા નલની પ્રશંસા કરતી વાણી ઉચ્ચારવા લાગ્યા. ભીમ પુત્રીએ નલની વરણી કર્યા પછી પ્રતાપી લોકપાલોએ રાજા નલને આઠ વર આપ્યા. શચીપતિ(ઇન્દ્ર)એ પ્રસન્ન થઈને યજ્ઞમાં પ્રત્યક્ષ દર્શન આપવાનું અને શુભ ગતિ પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું. હવિષ્ય ખાનારા અગ્નિદેવે વરદાન આપ્યું કે જ્યાં ઇચ્છા કરશો ત્યાં અગ્નિ પ્રગટશે અને પોતાના જેવો તેજસ્વી લોક આપ્યો. યમે વરદાન આપ્યું કે અન્નના ઉત્તમ રસને પારખી શકશો અને ધર્મમાં મતિ રહેશે. વરુણે કહ્યું કે જ્યાં ઇચ્છા થશે ત્યાં જળ પ્રાપ્ત થશે, સુગંધિત માળા આપી. આ પ્રકારે લોકપાલોએ બબ્બે વરદાન આપ્યા. આમ વર આપીને દેવતાઓ સ્વર્ગમાં જતા રહ્યા, બીજા રાજાઓ પણ નલ દમયંતીના વિવાહનો આનંદાનુભવ લઈને વિસ્મય અને પ્રસન્નતાપૂર્વક પોતપોતાના સ્થાને જતા રહ્યા. જેવી રીતે વલાસુર અને વૃત્રાસુરના નાશ કરનારા ઇન્દ્ર શચી સાથે રમણ કરે છે તેવી રીતે પુણ્યશ્લોક મહારાજ નલે પણ આવા નારીરત્ન સાથે વિહાર કર્યો. સૂર્ય સમાન તેજસ્વી નલ રાજા અત્યંત પ્રસન્ન થઈને પ્રજાનું પાલન ધર્મપૂર્વક કરતા રહ્યા. આ ધીમાન્ રાજાએ નહુષપુત્ર યયાતિની જેમ અશ્વમેધ યજ્ઞ અને બીજા દક્ષિણાવાળા યજ્ઞ કરાવ્યા. ત્યાર પછી નલ રાજાએ રમણીય વન તથા ઉપવનોમાં દમયંતી સાથે વિહાર કર્યો. મનુષ્યો તથા વસુધાના સ્વામી નલ રાજા અવારનવાર યજ્ઞ અને વિહાર કરતા વસુથી ભરેલી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. ભીમપુત્રીનું લગ્ન નલ રાજા સાથે થયા પછી મહાતેજસ્વી લોકપાલ જ્યારે સ્વર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં તેમણે દ્વાપરની સાથે કલિને આવતો જોયો. વલ અને વૃત્રાસુરનો વધ કરનારા ઇન્દ્રે તેને જોઈને કહ્યું, ‘હે કલિયુગ, તું દ્વાપરની સાથે ક્યાં જાય છે?’ ત્યારે કલિયુગે કહ્યું, ‘મારું મન દમયંતીમાં આસક્ત થયું છે એટલે હું સ્વયંવરમાં જઈને તેને વરીશ.’ એટલે ઇન્દ્રે હસીને કહ્યું, ‘એ સ્વયંવર તો પૂરો થઈ ગયો. અમારા દેખતાં તેણે નલ રાજાને પોતાનો પતિ બનાવ્યો છે.’ ઇન્દ્રનું આવું વચન સાંભળીને ક્રોધે ભરાયેલા કલિએ દેવતાઓને કહ્યું, ‘દેવતાઓની વચ્ચે આ દમયંતીએ એક મનુષ્યને પતિ બનાવ્યો છે, એટલે તેને કઠોર દંડ આપવો રહ્યો.’ કલિયુગની આ વાત સાંભળીને તે દેવોએ ઉત્તર આપ્યો, ‘દમયંતીએ અમારી આજ્ઞાથી નલ સાથે લગ્ન કર્યું છે. સર્વગુણસંપન્ન નલનો આશ્રય લેવાનું પસંદ ન કરે તેવું કોણ? જેણે બધાં વ્રત લીધા છે, જે બધા ધર્મને જાણે છે, જે લોકપાલ સરખા છે, જે નરવ્યાઘ્ર રાજામાં સત્ય, ધૃતિ, જ્ઞાન, તપસ્યા, શુભ વગેરેમાં સ્થિર રહે છે એવા રાજાને હે મૂઢ કલિ, જે શાપ આપવા માગે છે, તે અગાધ નરકમાં ડૂબવાના.’ દેવતાઓ કલિયુગને અને દ્વાપરને આમ કહી સ્વર્ગમાં ચાલ્યા ગયા, દેવતાઓના ગયા પછી કલિયુગે દ્વાપરને કહ્યું, ‘નલ ઉપર મને જે ક્રોધ વ્યાપો છે તેને હું શમાવી શકતો નથી. હું નલમાં રહીશ. હું તેનું રાજ્ય છિનવી લઈશ, દમયંતીની સાથે તે વિહાર કરી નહીં શકે, તું પાસામાં પ્રવેશીને મને સહાય કર.’ પછીથી કલિયુગ દ્વાપરને આમ કહીને નૈષધરાજા હતા ત્યાં આવ્યો. નલ રાજાનું છિદ્ર જોવાની ઈચ્છાથી તે કલિ બહુ દિવસો સુધી ત્યાં રહ્યો, છેવટે બાર વર્ષ પછી કલિયુગે નલ રાજાનું એક છિદ્ર જોયું. એક વેળા નલ રાજાએ મૂત્રત્યાગ કર્યા પછી પગ ધોયા વિના સંધ્યા ઉપાસના કરી; કલિ આ જોઈને તેના શરીરમાં પ્રવેશ્યો. નલમાં પ્રવેશેલો કલિ બીજું રૂપ લઈને રાજાના ભાઈ પુષ્કર પાસે ગયો અને બોલ્યો, ‘હે પુષ્કર, તું નલની સાથે દ્યૂત રમ, મારી સહાયથી તું પાસાના જુગારમાં નલને જીતી શકીશ. તેને જીતીને નિષધ દેશનું રાજ્ય ભોગવજે.’ કલિયુગે આમ કહ્યું એટલે પુષ્કર નલ પાસે ગયો અને કલિયુગ ગાયોમાં વૃષભ થઈને પુષ્કર સાથે ગયો. શત્રુઓનો સંહાર કરનાર પુષ્કર નલ રાજાની પાસે જઈને વારંવાર કહેવા લાગ્યો, ‘ચાલો ભાઈ, આપણે બંને આ પાસા વડે જુગાર રમીએ.’ મહામના નલ રાજા વૈદર્ભીની આગળ પુષ્કરના આમંત્રણને ખાળી ન શક્યા, તે સમયને જુગાર રમવાનો યોગ્ય અવસર માન્યો. કલિયુગના પ્રતાપે નલ રાજા જુગારમાં સોનું, ચાંદી, વાહનો, વસ્ત્રો દાવ પર લગાવતા રહ્યા. નલ રાજા જુગારમાં એવા ખોવાઈ ગયા કે કોઈ પણ મિત્ર તેમને જુગાર રમતાં અટકાવી ન શક્યા. ત્યારે બધા મંત્રીઓની સાથે નગરજનો રાજાને જોવા અને તેને જુગાર રમતો અટકાવવા આવ્યા. સારથિએ દમયંતીની પાસે જઈને વિનંતી કરી, ‘કોઈ કારણથી બધા નગરવાસીઓ દ્વાર પર ઊભા છે. તમે જઈને મહારાજને કહો, ધર્મ અને અર્થને જાણનારા મહારાજના આ વ્યસનને પ્રજા સાંખી શકતી નથી, એટલે તે દ્વાર આગળ ઊભી છે.’ ત્યારે તે ભીમપુત્રી શોકગ્રસ્ત થઈને આંખોમાં આંસુ આણી ચેતનારહિત થઈને બોલી. ‘હે મહારાજ, મંત્રીઓની સાથે નગરજનો રાજભક્તિથી પ્રેરાઈને તમારું દર્શન કરવા રાજભવનના દ્વારે ઊભા છે, તમે એમને દર્શન આપો.’ આમ તે વાંરવાર બોલી. સુંદર અંગવાળી, આવો વિલાપ કરનારી દમયંતીને નલ રાજાએ કલિયુગના પ્રભાવે કશો ઉત્તર આપ્યો નહીં, ‘આ રાજા નલ નથી રહ્યા’ એમ કહેતા મંત્રી અને નગરજનો દુઃખી અને લજ્જિત થઈને પોતપોતાને સ્થાને જતા રહ્યા. નલ અને પુષ્કરનો આ જુગાર કેટલાય મહિનાઓ ચાલ્યો, પુણ્યશ્લોક નલ રાજા એમાં સતત હારતા રહ્યા. ત્યારે દમયંતીએ પુણ્યશ્લોક નલ રાજાને ઉન્મત્તની જેમ જુગારમાં અત્યંત આસક્ત જોયા. ભીમપુત્રી ભય અને શોકથી સંતપ્ત થઈને રાજાના કલ્યાણની ચિંતા કરવા લાગી. દમયંતીને શંકા થવા લાગી કે રાજા ઉપર ઘોર આપત્તિ આવવાની છે, તેમનું પ્રિય કરવાની ઇચ્છાથી સર્વસ્વ હારી રહેલા નલ પાસે જઈને તેણે પોતાની ધાવને કહ્યું, ‘હે બૃહત્સેના, તું જા અને નલ રાજાની આજ્ઞાથી બધા અમાત્યોને બોલાવ અને પૂછ કે જુગારમાં કેટલું દ્રવ્ય ગયું અને કેટલું બાકી રહ્યું છે.’ ત્યાર પછી નલની આજ્ઞા સાંભળીને ‘અમારું અહોભાગ્ય છે’ એમ કહેતાં મંત્રીઓ પાછા આવ્યા. ત્યારે ભીમસૂતાએ નલને કહ્યું, ‘તમારી બધી પ્રજા બીજી વાર આવી છે.’ પરંતુ નલ રાજાએ તેની વાત સાંભળી નહીં. તે પોતાના વચનની, ઉપેક્ષા કરનારા પતિની એ અવસ્થા જોઈને લજ્જિત થઈને પોતાના આવાસમાં ચાલી ગઈ. ત્યાં જઈને સાંભળ્યું કે પાસાં પુણ્યશ્લોક નલ રાજાથી વિમુખ થઈ ગયા છે અને રાજા સર્વસ્વ હારી ગયા છે, ત્યારે તેણે ધાત્રીને ફરી કહ્યું, ‘હે બૃહત્સેના, તું જા અને નલની આજ્ઞાથી સારથિ વાર્ષ્ણેયને બોલાવી લાવ. હે કલ્યાણી, બહુ વિનાશક સમય આવી પહોંચ્યો છે.’ બૃહત્સેના દમયંતીની વાત સાંભળીને બીજા પુરુષોની સાથે વાર્ષ્ણેયને બોલાવી લાવી. વાર્ષ્ણેયને આવેલો જોઈ દેશકાળને જાણનારી અનિંદિતા દમયંતી મીઠાં વચને સમયોચિત બોલી, ‘તું તો જાણે છે કે રાજા તારી સાથે નિત્ય યોગ્ય વર્તાવ કરતા હતા, અત્યારે વિષમ સ્થિતિમાં આવી પડેલા રાજાને સહાય કરો. પુષ્કરની સાથે જુગાર રમતા રાજા જેમ જેમ હારતા જાય છે તેમ તેમ તેમનો દ્યૂતરાગ વધુ ને વધુ ગાઢ થાય છે, જેમ જેમ પુષ્કરનાં પાસાં તેને વશ વર્તે છે તેમ તેમ નલનાં પાસાં અવળાં પડે છે. રાજા મોહવશ થઈને પોતાના સુહૃદ્ જનોની વાત પણ કાને ધરતા નથી. મને લાગે છે કે મહાત્મા નૈષધનું કશું જ બચશે નહીં. મોહવશ થયેલા રાજા મારી વાત સાંભળતા નથી. હે સારથિ, હું તારા શરણે છું. સાંભળ, મને જાણ નથી કે ક્યારે અમારો વિનાશ થશે, તું નલના પ્રિય મહા વેગવાળા અશ્વોને જોડીને આ દીકરા દીકરીને કંુડિનનગર લઈ જા. આ બાળકો, રથ અને અશ્વોને મારા પિતાને ત્યાં મૂકીને તું ત્યાં જ રહેજે, અથવા જ્યાં જવું હોય ત્યાં જજે.’ નલના સારથિ વાર્ષ્ણેયે દમયંતીનું એ વચન સાંભળીને નલ રાજાના અમાત્યોને એ વાતો કહી. તેમણે એકી અવાજે તેને એવી જ આજ્ઞા આપી. એટલે સારથિ પુત્રપુત્રીને રથમાં બેસાડી વિદર્ભનગર જતો રહ્યો. ઇન્દ્રસેના, ઇન્દ્રસેન, ઘોડા તથા ઉત્તમ રથને ત્યાં જ મૂકીને સારથિ રાજા ભીમની આજ્ઞા લઈને રાજાના શોકે દુઃખી થઈને અયોધ્યા નગરીમાં આવ્યો. તે સારથિ દુઃખી થઈને ઋતુપર્ણ રાજા પાસે ગયો અને ત્યાં સારથિ તરીકે કામ કરવા લાગ્યો. વાર્ષ્ણેય સારથિના ગયા પછી પુષ્કરે આખું રાજ્ય, બચેલું ધન લઈ લીધું. રાજ્ય હારી બેઠેલા નલને પુષ્કરે હસતાં હસતાં કહ્યું, ‘ફરી જુગાર રમો, હવે તમે દાવમાં શું મૂકશો? તમારું બધું ધન મેં લઈ લીધું છે, એક દમયંતી બચી ગઈ છે, જો યોગ્ય લાગતું હોય તો દમયંતીને બાજી પર મૂકી જુઓ.’ પુષ્કરનું વચન સાંભળીને પુણ્યશ્લોક નલનું હૃદય ક્રોધથી ફાટવા લાગ્યું, પણ તેઓ કશું કહી ન શક્યા. મહાક્રોધી, મહાયશસ્વી નલ રાજાએ પોતાના શરીર પરથી બધાં આભૂષણો ઉતારી મૂક્યાં. માત્ર એક વસ્ત્ર પહેરીને, મિત્રોનો શોક વધારીને રાજા વિપુલ લક્ષ્મી ત્યજીને વનમાં ચાલી નીકળ્યા. દમયંતી પણ એકવસ્ત્રા બનીને તેમની પાછળ પાછળ ચાલી નીકળી. નલ દમયંતીને લઈને ત્રણ રાત્રિદિવસ નગર બહાર રહ્યા. ત્યારે પુષ્કરે નગરમાં ઘોષણા કરી કે જે નલની સાથે સારો વર્તાવ કરશે તેનો હું વધ કરીશ. પુષ્કરનું એવું વચન સાંંભળીને તથા નલ પરનો દ્વેષભાવ જોઈને કોઈ નગરજને નલરાજાનો સત્કાર ન કર્યો. સત્કારપાત્ર હોવા છતાં સત્કાર ન મેળવીને નલ રાજા ત્રણ દિવસ માત્ર પાણી પીને નગરની પાસે રહ્યા. બહુ દિવસો વીત્યા પછી એક દિવસ નલ રાજા ભૂખે વ્યાકુળ થઈ ગયા, ત્યારે તેમણે સુવર્ણ જેવી પાંખવાળા પક્ષીઓને જોયાં. ત્યારે નિષધપતિએ વિચાર્યું, આજે આ પક્ષી મારું ભક્ષ્ય બનશે અને ધન આપનાર પણ થશે. ત્યારે નલે પહેરેલું વસ્ત્ર ઉતારીને પક્ષીઓ પર નાખી દીધું. પણ એ પક્ષીઓ નલનું વસ્ત્ર લઈને આકાશમાં ઊડી ગયાં. આકાશમાં ઊડી ગયેલાં એ પક્ષીઓ નગ્ન, દીન, નીચું મોં કરીને બેઠેલા નલ રાજાને કહેવા લાગ્યા, ‘હે દુર્બુદ્ધિ, તારું વસ્ત્ર હરી જનારાં અમે પાસાં છીએ, તું વસ્ત્ર પહેરીને ગયો તે અમને ગમ્યું ન હતું.’ તે પાસાંને અદૃશ્ય થતાં જોઈને અને પોતાને વસ્ત્રહીન જોઈને પુણ્યશ્લોક નલ રાજા દમયંતીને કહેવા લાગ્યા, ‘હે અનિંદિતા, જે પાસાંના પ્રકોપથી હું ઐશ્વર્યથી ભ્રષ્ટ થયો, હું અત્યારે ભૂખે વ્યાકુળ છું, પ્રાણ બચાવવા માટે મને કશું જ પ્રાપ્ત થતું નથી. જેને કારણે કોઈ નૈષધવાસીએ મારો સત્કાર નથી કર્યો તે જ પાસાં આજે પક્ષીઓ બનીને મારું વસ્ત્ર પણ છિનવી ગયાં. અત્યંત કઠોર આપત્તિમાં મુકાયો છું. અને મૂચ્છિર્ત થઇ રહ્યો છું, હું તારો પતિ છું, તો મારાં હિતકારી વચન સાંભળ, અહીંથી અનેક માર્ગ ઋક્ષવાન પર્વત અને અવન્તીને વટાવીને દક્ષિણાપથ તરફ જાય છે. અહીં જ સમુદ્રને મળનારી પયોષ્ણી નદી છે અને મહા પર્વત વિન્ધ્ય છે. ફૂળફૂલથી સમૃદ્ધ ઋષિઓના આશ્રમો છે. આ માર્ગ વિદર્ભ તરફ જાય છે અને આ માર્ગ કોસલ તરફ જાય છે. એની આગળ દક્ષિણ દેશ છે, આ દક્ષિણનો માર્ગ છે.’ ત્યારે દમયંતી અશ્રુ સારતી દુઃખે વ્યાકુળ બનીને નિષધનરેશને કરુણ વચન કહેવા લાગી, ‘હે મહારાજ, તમારા સંકલ્પનો વારે વારે વિચાર કરીને મારું હૃદય છળી મરે છે, બધાં અંગ શિથિલ થઈ જાય છે, રાજ્યહીન, વસ્ત્રહીન, ધનહીન, ક્ષુધાપીડિત એવા તમને આ વિજન વનમાં એકલા મૂકીને હું કેવી રીતે જઉં? આ ઘોર વનમાં ચાલતાં ચાલતાં જ્યારે થાકી જશો, ભૂખતરસ અને ચિંતાથી વ્યાકુળ થશો ત્યારે તમારા સુખ નિમિત્તે હું તમારો થાક દૂર કરીશ, હું તમને સત્ય કહું છું કે વૈદ્યોના અભિપ્રાય પ્રમાણે બધાં જ દુઃખોમાં સ્ત્રી સમાન કોઈ ઔષધ નથી.’ નલ રાજાએ કહ્યું, ‘હે સુમધ્યમા દમયંતી, તું જે કહે છે તે સત્ય છે, દુઃખી પુરુષ માટે સ્ત્રીના જેવી કોઈ ઔષધિ નથી. હે અનિંદિતા, હું તારો ત્યાગ કરવા માગતો નથી, પ્રાણત્યાગ કરી શકું છું પરંતુ તારો ત્યાગ નહીં, હે ભીરુ, શંકા ન કર.’ દમયંતીએ કહ્યું, ‘હે મહારાજ, જો તમે મારો ત્યાગ કરવા માગતા નથી તો વિદર્ભ દેશનો માર્ગ કેમ બતાવી રહ્યા છો? હે ભૂપતિ, હું જાણું છું કે તમે મારો ત્યાગ કરવાના નથી પરંતુ તમારું ચિત્ત આ ઘોર આપત્તિએ અસ્વસ્થ કરી મૂક્યું છે, એટલે તમે મારો ત્યાગ કરો પણ ખરા. હે નરોત્તમ, તમે મને વારે વારે વિદર્ભ દેશનો માર્ગ બતાવી રહ્યા છો, એટલે મારો શોક તમે વધારી રહ્યા છો. હે રાજન, જો તમારી એવી ઇચ્છા હોય કે હું મારા પિતાને ત્યાં જતી રહું તો આપણે બંને સાથે વિદર્ભ દેશ જઈએ. હે માનવંતા, વિદર્ભરાજ ત્યાં તમારો ખૂબ જ સત્કાર કરશે અને તમારું સમ્માન કરશે, તમે અમારા ઘરમાં સુખેથી રહી શકશો.’ આ સાંભળી નલે કહ્યું, ‘વિદર્ભનું રાજ્ય જેવી રીતે તારા પિતાનું છે તેવી રીતે તે મારું પણ છે, પણ વિષમ પરિસ્થિતિમાં હું ત્યાં ન જઉં. હું અત્યંત સમૃદ્ધ અવસ્થામાં ત્યાં જઈને તારા આનંદની વૃદ્ધિ કરતો હતો, હવે રાજ્ય જતું રહેવાથી દુઃખી થઈને તારો શોક કેવી રીતે વધારું?’ નલ રાજા એમ કહીને અડધા વસ્ત્રથી પોતાના શરીરને ઢાંકીને કલ્યાણી દમયંતીને વારે વારે શાંત કરવા લાગ્યા. તે બંને ભૂખતરસ થાકથી વ્યાકુળ થઈને એક જ વસ્ત્ર ઓઢીને આમતેમ રખડતા કો એક સ્થળે આવ્યા અને ત્યાં જ થાકીને રોકાઈ ગયા. નિષધરાજ એ સ્થળે પહોંચીને વૈદર્ભી સાથે જમીન પર બેસી ગયા. વસ્ત્ર વગરના, ધૂળથી ખરડાયેલા, છૂટા કેશવાળા મહારાજ નલ દમયંતીની સાથે જ ધરણી પર સૂઈ ગયા. ત્યાર પછી કલ્યાણી, તપસ્વિની, સુકુમારી દમયંતી દુઃખથી વ્યાકુળ બનીને ગાઢ નિદ્રામાં સરી પડી. દમયંતી સૂઈ ગઈ પરંતુ શોકસંતપ્ત આત્માવાળા નલ રાજાને પહેલાંની જેમ નિદ્રા ન આવી, રાજ્યનું અપહરણ, સુહૃદ મિત્રોનો ત્યાગ અને વનમાં નિવાસ જેવી આપત્તિઓથી ચિંતાતુર થઈ ગયા. તે વિચારે ચઢ્યા, ‘હું આમ કરીશ તો શું થશે? ન કરું તો શું થશે? હું મૃત્યુ પામું તે ઉત્તમ કે સ્વજનનો ત્યાગ કરવો ઉત્તમ? આ ઉત્તમ પત્ની મારા કારણે દુઃખી થઈ રહી છે એમાં તો સંશય નથી. આ મારામાં અનુરક્ત બનીને મારા માટે જ દુઃખ ઉઠાવી રહી છે, જો એ મારીથી વિખૂટી પડે તો કદાચ સ્વજનોને ત્યાં જઈ શકે. મારી સાથે રહીને તો આ દુઃખી જ થવાની. એને ત્યાગવાથી એ દુઃખી તો થશે, કદાચ તે સુખી પણ થાય.’ નલ રાજાએ વારંવાર વિચાર કરી નિશ્ચય કર્યો, દમયંતીનો ત્યાગ કરવામાં તેમણે કલ્યાણ જોયું. રાજાએ પોતાને વસ્ત્રહીન જોયો અને તેને વસ્ત્ર ઓઢેલી જોઈ, તેનું અડધું વસ્ત્ર ફાડવાનો વિચાર કર્યો. વસ્ત્ર ફાડતી વેળાએ રાજાએ વિચાર કર્યો કે હું મારી પ્રિયાનું અડધું વસ્ત્ર ફાડું કેવી રીતે? તે જાગી જવી ન જોઈએ, એમ વિચારીને તે ત્યાં આમતેમ ફરવા લાગ્યા. વનમાં આમતેમ ઘૂમતાં ઘૂમતાં નલ રાજાએ એક ઉત્તમ ઉઘાડી તલવાર જોઈ, તે પરંતપ (શત્રુનાશક) રાજાએ તલવાર વડે વૈદર્ભીનું અડધું વસ્ત્ર ફાડી કાઢ્યું અને તેને સૂતેલી જ મૂકીને તેઓ ચાલી નીકળ્યા. થોડે દૂર જઈને પત્નીમાં નિબદ્ધ હૃદયવાળા રાજા ફરી ત્યાં પાછા આવ્યા અને દમયંતીને જોઈને ખૂબ જ રડ્યા. તેઓ વિચારવા લાગ્યા, મારી આ પ્રિયાને સૂર્ય અને વાયુ પણ જોઈ શકતા ન હતા તે આજે અનાથ બનીને ભૂમિ પર સૂઈ ગઈ છે. આ ચારુહાસિની, સુંદર મુખવાળી પોતાનું અડધું વસ્ત્ર પહેરીને સૂઈ રહી છે. તે જ્યારે જાગશે ત્યારે કેવી ઉન્મત્ત બની જશે? આ સતી ભીમસૂતા મારો વિરહ વેઠતા આ હિંસક પશુઓ અને સાપોથી ભરેલા ઘોર વનમાં કેવી રીતે ઘૂમશે? નલ રાજા પહેલાં કલિથી ખેંચાઈને દૂર દૂર જતા રહેતા હતા અને પછી પ્રેમથી ખેંચાઈને વારે વારે ત્યાં પાછા આવતા હતા. તે વેળા નલ રાજાનું હૃદય ફાટીને બે ટુકડાઓમાં વહેંચાઈ જતું હતું, જેવી રીતે કોઈ ઝૂલો આમ જાય, તેમ જાય, તેવી જ રીતે રાજા ક્યારેક દૂર જતા રહેતા હતા, ક્યારેક નજીક આવી જતા હતા. છેવટે કલિથી મોહ પામીને, ખેંચાઈને પોતાની પ્રિય ભાર્યાને વનમાં સૂતેલી મૂકીને કરુણાપૂર્વક વિલાપ કરતાં કરતાં ચાલ્યા ગયા. નષ્ટ આભાવાળા, કલિ દ્વારા વશીભૂત નલ રાજા મનમાં ઊઠતા વિચારોને ગણકાર્યા વિના નિર્જન વનમાં ભાર્યાને ત્યજીને જતા રહ્યા. નલ રાજાના ગયા પછી થાક ઊતર્યો એટલે ઉત્તમ મુખવાળી દમયંતી જાગી અને નિર્જન વનમાં પોતાને એકલી જોઈને તે છળી મરી. વનમાં પોતાના ભર્તાને ન જોયા એટલે શોક અને દુઃખથી વ્યાકુળ બનીને ‘હે મહારાજ, હે નૈષધરાજ’ કહેતી આક્રોશપૂર્વક ચીસો પાડવા લાગી. ‘હા નાથ, હા મહારાજ, હા સ્વામી, શું તમે મને ત્યજી દીધી? અરે હું મરી ગઈ, નષ્ટ થઈ ગઈ, આ નિર્જન વનમાં મને બહુ બીક લાગે છે, હે મહારાજ, તમે ધર્મજ્ઞ છો, સત્યવાદી છો, તો પછી અસત્ય વચન બોલીને મને સૂતેલી મૂકી ક્યાં જતા રહ્યા? આ શૂન્ય વનમાં તમારા વશમાં રહેનારી, પતિવ્રતા ભાર્યાને ત્યજીને કેવી રીતે જતા રહ્યા? હે મહારાજ, મેં તમારા પર કોઈ અપકાર કર્યો ન હતો, બીજાઓએ જ તમારા પર અપકાર કર્યો છે. હે નરેશ્વર, પૂર્વે તમે લોકપાલો સમક્ષ મારા વિશે જે કહ્યું હતું તે વચનોને સત્ય કરો. હે પુરુષસિંહ, હે દુર્ઘષ આ પરિહાસ બસ થયો. હું આ વનમાં ખૂબ જ ભયભીત છું, તમે શીઘ્ર દર્શન આપો. હે નૈષધરાજ, આ તમે રહ્યા, આ તમે રહ્યા, ક્યાંક સંતાઈને બેઠા છો, લતાઓથી જાતને સંતાડીને મારી સાથે વાતો કેમ કરતા નથી? હે રાજેન્દ્ર, તમે નિર્દય છો, અહીં આ પ્રકારે આવેલીને, વિલાપ કરતીને આલિંગન આપીને ધૈર્ય કેમ નથી બંધાવતા? હે રાજા, મને મારી કશી ચિંતા નથી, બીજા કશાનો શોક નથી, તમે આ એકાંત દશામાં શું કરતા હશો તેની ચિંતા છે. ભૂખતરસ ને થાકથી વ્યાકુળ થઈને સાંજે વૃક્ષના મૂળિયા આગળ બેઠા હશો ત્યારે મને ન જોઈને તમારી કેવી દશા થતી હશે?’ ત્યાર પછી દમયંતી તીવ્ર શોકથી વ્યાકુળ થઈને ક્રોધથી પ્રદીપ્ત થઈ ઊઠી, દુઃખી થઈને આમતેમ દોડવા લાગી. તે ક્યારેક ઊભી થતી તો ક્યારેક પડી જતી, ક્યારેક ભયથી છુપાઈ જતી, ક્યારેક રડતી તો ક્યારેક આક્રોશ વ્યક્ત કરતી હતી. આ પ્રકારે તીવ્ર શોકથી ત્રસ્ત થઈને પતિવ્રતા ભીમસૂતા વારેવારે વિહ્વળ થઈને નિ:શ્વાસ નાખતી વનમાંથી નીકળીને કહેવા લાગી, ‘જેના અભિશાપથી નૈષધ રાજાને આટલું બધું દુઃખ ભોગવવું પડે છે તેને નલ રાજાથી પણ વધારે દુઃખ પડશે. જે પાપીએ નિષ્પાપ નલને આટલું બધું દુઃખ આપ્યું છે તે મારા શાપથી આનાથી પણ વધારે દુઃખી થઈને જીવન વીતાવે.’ આ પ્રકારે મહાત્મા નલની ભાર્યા વિલાપ કરતી સિંહ જેવાં પ્રાણીઓથી ભરેલા વનમાં પોતાના પતિને શોધવા લાગી. તે વેળા ભીમસૂતા ઉન્મત્ત બનીને હા રાજન, હા રાજન, એમ કહેતી તે વનમાં આમતેમ ભમવા લાગી. ટિટોડીની જેમ રડતી, અતિ અધિક શોક કરતી, ઘૂમતી અને વારંવાર કરુણાથી વિલાપ કરતી, જંગલમાં જઈ ચઢી અને તે ભીમસૂતાને ભૂખે વ્યાકુળ એક મોટા અજગરે પકડી લીધી. અજગર તેનો ગ્રાસ કરવા જતો હતો ત્યાં શોકથી વ્યાકુળ થયેલી તે પોતાના માટે જેટલો શોક કરતી હતી તેનાથી વધુ નૈષધ માટે કરતી હતી, ‘હે નાથ, આ વનમાં અજગર મને અનાથને ગ્રસી રહયો છે ત્યારે મારી રક્ષા માટે તે કેમ આવતા નથી? હે રાજન, જ્યારે તમે આ પાપમાંથી મુક્ત થશો ત્યારે ધન, રાજ્ય અને બુદ્ધિને પ્રાપ્ત કરશો ત્યારે તમે જીવિત કેવી રીતે રહેશો? હે સમ્માનનીય રાજશાદૂર્લ, તમે થાકેલા હશો, ભૂખે પીડાતા હશો અને ગ્લાનિમય હશો ત્યારે તમારો શ્રમ કોણ દૂર કરશે?’ આ પ્રકારે રડતીકકળતી દમયંતીના વચન સાંભળીને તે ગહન વનમાં ઘૂમતો કોઈ વ્યાધ તેની તરફ દોડ્યો. તે વિશાળ નેત્રોવાળીને અજગર પોતાનો ગ્રાસ બનાવી રહ્યો છે તે જોઈને પેલો વ્યાધ વધુ ત્વરાથી દોડ્યો, તેણે પોતાના તીક્ષ્ણ શસ્ત્રથી અજગરનું માથું વાઢી નાખ્યું. ત્યાર પછી મૃગોને મારીને જીવન ગુજારનાર તે શિકારીએ નિર્જીવ અજગરને કાપી નાખ્યો. દમયંતીને અજગરના મોઢામાંથી છોડાવીને સ્નાન કરાવ્યું. થોડું ખવડાવ્યું અને આશ્વસ્ત કરીને પૂછ્યું, ‘મૃગશાવકના જેવી આંખોવાળી, તું કોણ છે? આ ઘોર વનમાં તું કેવી રીતે આવી પહોંચી છે? હે ભામિની, તું આ મહા આપત્તિમાં કેવી રીતે મુકાઈ?’ તેણે આમ પૂછ્યું એટલે દમયંતીએ તેને પોતાની આખી કથા કહી સંભળાવી. ત્યાર પછી તે અર્ધવસ્ત્રા, ઉન્નત સ્તનવાળી, સુંદર નિતંબોવાળી, કોમલાગી, અનિંદિત અંગોવાળી, પૂર્ણચંદ્ર જેવા મુખવાળી, બંકિમ ભ્રમરવાળી, તથા મધુર ભાષિણીને જોઈને વ્યાધ કામવશ બની ગયો. ત્યાર પછી કામાંધ વ્યાધ ભામિનીને મૃદુ અને લુબ્ધ વાણી વડે સાંત્વન આપવા લાગ્યો. દમયંતી તે વ્યાધની ઇચ્છા પામી ગઈ. દુષ્ટને કામાંધ બનેલો જોઈ પતિવ્રતા દમયંતીમાં તીવ્ર ક્રોધ વ્યાપ્યો અને ક્રોધથી જાણે સળગી ગઈ. તે પાપિષ્ઠ, ક્ષુદ્ર શિકારી તેના પર બળાત્કાર કરવા વ્યાકુળ બન્યો, પણ તેને દમયંતી પ્રદીપ્ત અગ્નિશિખા જેવી દુર્ઘષ લાગવા માંડી. દુઃખી, પતિ, રાજ્ય વિનાની દમયંતીએ તે દુષ્ટને વાણી દ્વારા રોકી નહીં શકાય એમ માનીને ક્રોધે ભરાઈને શાપ આપ્યો, ‘જો મેં નિષધરાજ સિવાય મનથી પણ કોઈનો વિચાર ન કર્યો હોય તો આ ક્ષુદ્ર શિકારી અત્યારે જ પ્રાણ ગુમાવીને પૃથ્વી પર પડી જાય.’ દમયંતી આટલું બોલી ત્યાં તો પશુઓ પર જીવન ટકાવતો તે વ્યાધ અગ્નિથી સળગી ઊઠેલા વૃક્ષની જેમ નીચે પડી ગયો. કમલ જેવી આંખોવાળી ભામિની વ્યાધને માર્યા પછી ભયથી વ્યાકુળ બનીને નિર્જન અને ઝિલ્લીધ્વનિથી ભરચક વનમાં ઘૂમવા લાગી. તે વન સિંહ, વાઘ, વરાહ, રીંછ જેવાં પ્રાણીઓથી ભરચક તથા અનેક પ્રકારનાં પક્ષીઓવાળું, મલેચ્છ તથા ચોરોથી ભરેલું હતું. સાલ, વાંસ, ધવ, પીપળો, તિન્દુુક, ઈંગુદી, કેસૂડો, અર્જુન, અરિષ્ટ, ચંદન, શીમળો, જાંબુ, આંબા, લોધ્ર, ખેર, નેતર, કાશ્મીરી આંબળા, બીલી, વડ, પ્રિયાલ, તાડ, ખજૂરી, હરડે, બહેડા જેવાં વૃક્ષોવાળું; અનેક પ્રકારની ધાતુઓથી ચિતરેલા વિવિધ પર્વત, પક્ષીઓનાં કૂજનવાળા ગાઢ કુંજ, તથા અદ્ભુત કંદરાઓ, નદીઓ, સરોવરો, વાવ, વિવિધ પ્રાણીઓ પક્ષીઓથી તે વન ભરચક હતું. આવાં વન તથા ઘોર, પિશાચ, સાપ, રાક્ષસો, થોડા જળવાળા તથા ભરચક જળવાંળા સરોવરો, પર્વતસમૂહો તથા નદીઓ, ઝરણાં તેણે જોયાં. વિદર્ભરાજની પુત્રીએ અહીં પાડા, વરાહ, રીંછ, વાનર અને સાપનાં ઝુંડ જોયાં, તેજ, યશ, સૌંદર્ય અને પરમ ધૈર્યવાળી વૈદર્ભી નલ રાજાને શોધતી વનમાં એકલી ભમવા લાગી. તે ભીમસૂતા આ પ્રકારે ઘોર વનમાં ઘૂમતી હોવા છતાં કોઈનાથી ભય ન પામી. એક દિવસ શોકથી અત્યંત વ્યાકુળ શરીરવાળી પતિના વિરહમાં શિલા પર બેસીને વિલાપ કરવા લાગી. ‘હે નિષધરાજ, સિંહ જેવા ઊંચા ખભાવાળા મહાબાહુ, મને આ નિર્જન વનમાં એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? હે નરવ્યાઘ્ર, પુષ્કળ દાનદક્ષિણાવાળા અશ્વમેધ જેવા યજ્ઞ કરીને મારી સાથે મિથ્યા વ્યવહાર કેમ કરો છો? હે નરવ્યાઘ્ર, બધાનું કલ્યાણ કરવાવાળા રાજાઓમાં અને મનુષ્યોમાં શ્રેષ્ઠ, તેજસ્વી નલ, મારી સામે જે બોલ્યા હતા તે પાળી બતાવો. જે કંઈ હંસોએ કહ્યું હતું અને તેમણે મારી આગળ જે કહ્યું હતું તે યાદ કરો, હે માનવશ્રેષ્ઠ, એ તો નિશ્ચિત છે કે અંગ, ઉપાંગ અને વિસ્તારપૂર્વક ચાર વેદોનું અધ્યયન એક બાજુ, અને બીજી બાજુ સત્યવચન — તો સત્ય જ ચઢી જાય. એટલે હે નરેશ્વર, તમે મારી સામે જે વચન કહ્યાં હતાં તે સાચાં પાડી બતાવો. હા વીર નલ રાજા, હું તમારી અત્યંત પ્રિય હતી. આ ઘોર અટવીમાં, તમે મારી સાથે બોલતા કેમ નથી? ભયાનક આકૃતિવાળો આ સિંહ ભૂખે વ્યાકુળ થઈને મને બીવડાવી રહ્યો છે, તમે મારી રક્ષા કેમ કરતા નથી? હે કલ્યાણકારી, તમે મને કહ્યા કરતા હતા કે સુભગા, તારા સિવાય મને કોઈ બીજું પ્રિય નથી. હવે એ પેલાં વચનોને સાચાં પાડો. હે નરાધિપ, હું તમારી પ્રિય ભાર્યા ઉન્મત્ત બનીને વિલાપ કરી રહી છું, તમે તો સદા મને ચાહતા હતા તો હવે મારી સાથે કેમ બોલતા નથી? હે પૃથ્વીપતિ, આજે અડધું વસ્ત્ર પહેરેલી, કૃશ, દીન, ફિક્કી, મલિન અનાથ એવી હું વિલાપ કરી રહી છું, હે મોટી આંખોવાળા રાજન, ઝુંડથી છૂટી પડેલી હરિણીની જેમ રડી રહી છું. મારી સહાય કેમ નથી કરતા? મહારાજ, આ મહા અરણ્યમાં હું એકલી, તમારી પતિવ્રતા પત્નીને તમે ઉત્તર કેમ આપતા નથી? હે નરોત્તમ, ઉત્તમ કુળમાં જન્મેલા, શીલયુક્ત, ઉત્તમ અંગોવાળા તમને આજે હું આ પર્વતમાં, સિંહ-વાઘથી ભરેલા ઘોર વનમાં જોતી નથી. મારા શોકમાં વૃદ્ધિ કરનારા નરશ્રેષ્ઠ, તમે ક્યાં સૂતા છો? ક્યાં બેઠા છો? ક્યાં ઊભા છો? ક્યાં ચાલ્યા ગયા છો? આ વાત દુઃખથી વ્યાકુળ, તમારા શોકમાં કંતાઈ ગયેલી હું કોને પૂછું કે તમે નલ રાજાને ક્યાંક જોયા છે ખરા? ‘કોણ મને કહેશે કે હા, મેં આ વનમાં ક્યાંક સુંદર, મહાત્મા, શત્રુઓના વ્યૂહનો નાશ કરનારા રાજા નલને જોયા છે. કમલ સમાન નેત્રવાળા જે નલરાજાને તું શોધે છે તે નલ તો આ રહ્યા, આવી મધુર વાણી કોની પાસેથી સાંભળીશ? આ ચાર દાઢવાળો અને મોટી હડપચીવાળો વનરાજ મારી સામે જ આવી રહ્યો છે, હું શંકા વિનાની થઈને તેને પૂછીશ, ‘હે મૃગરાજ, તમે વનના સ્વામી છો, હું વિદર્ભરાજની કન્યા દમયંતી છું, હું શત્રુનાશક, નિષધરાજ નલની સ્ત્રી છું, પતિને શોધવા નીકળેલી, શોકથી પિડાતી એવીને આગળ આવીને સાંત્વન આપો કે મેં નલને જોયા છે. હે વનરાજ, જો તમે નલ રાજાના સમાચાર આપી ન શકો તો મને જ ખાઈ જાઓ, મારા જેવી દુઃખીને શોકમુક્ત કરો. આ વનમાં મને રડતીકકળતી સાંભળીને આ મૃગરાજ સાગરની દિશામાં જનારી, મીઠા જળથી ભરેલી નદી બાજુ જઈ રહ્યો છે. બહુ ઊંચા હોવાને કારણે આકાશને અડકનારા, અનેક વર્ણોથી યુક્ત એવા મનોરમ પર્વતને પૂછું છું. અનેક ધાતુઓથી ભરેલા, અનેક પથ્થરોથી સુશોભિત આ પર્વત આ મહાન વનની ઊડતી ધ્વજા જેવો લાગે છે. આ વન સિંહ, શાર્દૂલ, માતંગ (હાથી), વરાહ, રીંછ, હરણોથી ભરચક તથા અનેક પ્રકારનાં પંખીઓનાં કૂજનવાળું છે. કેસૂડો, અશોક, બકુલ, પુન્નાગ વગેરે વૃક્ષોથી શોભતું, પક્ષીઓ સાથે નદીઓ અને પર્વતશિખરોથી શોભતા આ ગિરિરાજને જ રાજાના સમાચાર પૂછું. હે ભગવન્, દિવ્ય દર્શનવાળા, શરણદાતા કલ્યાણ રૂપ પર્વતરાજ, તમને મારા નમસ્કાર, હું રાજપુત્રી, રાજવધૂ, નલરાજાની પત્ની દમયંતી છું, તમને મારા પ્રણામ, ચારે વર્ણને રક્ષનારા વિદર્ભનરેશ, ભીમ રાજા મારા પિતા છે. દક્ષિણાવાળા અશ્વમેધ, રાજસૂય યજ્ઞ કરનારા, રાજાઓમાં શ્રેષ્ઠ, વિશાળ શરીર અને સુંદર નેત્રવાળા, બ્રાહ્મણભક્ત, ઉત્તમ ચરિત્ર, સત્યવાદી, બધાનું કલ્યાણ ઇચ્છનાર, શીલવાન, લક્ષ્મીવાન, ધર્મજ્ઞ, પવિત્ર, વિદર્ભ દેશના રક્ષક તથા બધા શત્રુઓને જીતનારા સામર્થ્યવાન રાજા ભીમ, હું તમારી પાસે ઊભી છું, હું તેમની પુત્રી છું. હે મહાશૈલ, નિષધ દેશના રાજા પોતાના નામ જેવા ગુણ ધરાવતા વીરસેન મારા સસરા છે. એ રાજાના પુત્ર, વીર, શ્રીમાન, સત્ય પરાક્રમી, પિતાનું રાજ્ય પાળે છે; જે શત્રુનાશક છે, પુણ્યશ્લોક છે, બ્રાહ્મણભક્ત છે, વેદપારંગત છે, પંડિત છે, ધર્મકર્તા છે, સોમપાન કરનારા છે, અગ્નિહોત્રી છે, તે નલ નામથી જાણીતા છે. તેઓ યજ્ઞકર્તા, દાતા, યોદ્ધા, પૃથ્વીપાલક છે, હે પર્વતરાજ, હું તેમની પત્ની તમારે ત્યાં આવી છું. લક્ષ્મીથી ભ્રષ્ટ પતિથી ત્યજાયેલી, અનાથ, દુઃખે વ્યાકુળ, હું મનુષ્યશ્રેષ્ઠ પતિને શોધતી અહીં આવી છું. હે પર્વતશ્રેષ્ઠ, આ આકાશને સ્પર્શનારાં ઊંચાં ઊંચાં શિખરોથી ઘેરાયેલા આ ઘોર વનમાં તમે નલરાજાને જોયા છે? મારા પતિ ગજેન્દ્ર સરખા પરાક્રમી, બુદ્ધિમાન, દીર્ઘબાહુ, ક્ષમાવાન, સત્યપાલક, ધૈર્યવાન, યશસ્વી નિષધરાજ મહાત્મા નલને તમે જોયા છે? હે પર્વતશ્રેષ્ઠ, તમારી પુત્રી જેવી દુઃખી અને એકલી વિલાપ કરતી મને તમે વાણી વડે ધીરજ કેમ નથી આપતા? હે વીર, હે તેજસ્વી, હે ધર્મજ્ઞ, આ વનમાં જો તમે સંતાયા હો તો મને દર્શન આપો. હું નલ રાજાની સ્નિગ્ધ, ગંભીર, અમૃત સમાન વાણી ક્યારે સાંભળીશ? હું નલ રાજાની શુભ, વેદમય, સત્યયુક્ત, મારા શોકનો નાશ કરનારી ‘વૈદર્ભી’ કહીને બોલાવતી વાણી ક્યારે સાંભળીશ?’ દમયંતી તે પર્વતરાજને આવાં વચન કહીને ઉત્તર દિશામાં ચાલી નીકળી. તે પરમ અંગના ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ ચાલતી જ રહી ત્યારે તેણે સુંદર ઉપવનોથી શોભતા અનેક ઋષિઓના આશ્રમો જોયા. તે ઉપવન વસિષ્ઠ , ભૃગુ, અત્રિ જેવા પવિત્ર, સંયતાહારી, ઇન્દ્રિયજિત એવા ઋષિઓથી સુશોભિત હતું. એ આશ્રમ જલભક્ષી, વાયુભક્ષી, પત્રભક્ષી, જિતેન્દ્રિય, મહાભાગ, સ્વર્ગમાર્ગ જોવાની ઇચ્છાવાળા, વલ્કલ-મૃગચર્મધારી મુનિઓથી સુશોભિત હતો. તપસ્વીઓના નિવાસને કારણે તે આશ્રમ મનોહર હતો. અનેક હરણો, વાનર અને તપસ્વીઓથી ભરેલા આશ્રમને જોઈને સુંદર ભ્રૂકુટિવાળી, સુકેશિની, સુંદર નિતંબો, પુષ્ટ સ્તનવાળી, સુંદર દાંત અને મોંવાળી, તેજસ્વિની, ઉત્તમ ચરણોવાળી, વીરસેનના પુત્રની પ્રિયા, સ્ત્રીઓમાં રત્ન જેવી મનસ્વિની, ભાગ્યશાળી દમયંતી તે આશ્રમમાં પ્રવેશી. તપસ્વીઓને પ્રણામ કરીને વિનય વડે નીચું મોં કરીને તે ઊભી રહી ગઈ. બધા તાપસોએ ‘તારું સ્વાગત છે’ એમ કહ્યું, તેનો યથાયોગ્ય આદર-સત્કાર કરીને તેને બેસવા કહ્યું અને પછી પૂછ્યું, ‘અમે તારા માટે શું કરીએ? એ સાંભળીને ઉત્તમ મુખવાળી તે બોલી, ‘હે તપસ્વીઓ, પાપરહિતો, કહો તમારાં મૃગ અને પક્ષીઓ કુશળ છે ને? તમારા અગ્નિહોમ, કર્મ અને તમારાં ધર્મકાર્યો તો કુશળતાથી થાય છે ને?’ તેમણે કહ્યું, ‘યશસ્વિની, અમે બધી રીતે કુશળ છીએ, અનવદ્ય અંગોવાળી કહે, તું કોણ છે અને શું ક્રવા ધારે છે? અમે બધા તારાં રૂપ અને દ્યુતિથી પરમ આશ્ચર્ય અનુભવીએ છીએ, ધીરજ રાખ, બીશ નહીં; તું આ વનની, પર્વતની કે આ નદીની દેવી છે? કોણ છે તું? સત્ય કહે જોઈએ.’ તે ઋષિઓને કહેવા લાગી, ‘હે બ્રાહ્મણો, હું આ વનની દેવતા નથી, ન પર્વતની, નદીની પણ દેવી નથી. હે તપોધનો, હું મનુષ્ય જ છું, હું મારી વાત વિસ્તારથી કહું છું તે સાંભળો. વિદર્ભ દેશમાં ભીમ નામે તેજસ્વી રાજા છે. હું તેમની પુત્રી છું. નિષધ દેશના રાજા નલ અત્યંત યશસ્વી છે, પ્રજાઓના સ્વામી છે, વીર છે, સંગ્રામોમાં વિજયી થાય છે, તે રાજા નલ મારા પતિ છે. દેવતાઓની પૂજામાં રત, બ્રાહ્મણવત્સલ, નિષધવંશના રક્ષક, મહાતેજસ્વી, મહાદ્યુતિ, સત્યવાદી, ધર્મજ્ઞ, પંડિત, સત્યપ્રતિજ્ઞ, શત્રુનાશક, બ્રાહ્મણભક્ત, દેવભક્ત, લક્ષ્મીવાન, શત્રુઓનાં નગરોને જીતનાર, રાજાઓમાં શ્રેષ્ઠ, દેવરાજ સમાન દીપ્તિમય, વિશાલ નેત્રવાળા, પૂર્ણચંદ્ર જેવા શત્રુનાશક નલ રાજા મારા પતિ છે. તેઓ મોટા મોટા યજ્ઞો કરનાર, વેદવેદાંગના અભ્યાસી, યુદ્ધમાં શત્રુઓને હરાવનાર, સૂર્ય અને ચંદ્ર જેવા તેજસ્વી છે. આવા સત્યવાદી, ધર્મપરાયણ મહારાજને કોઈ ધુતારા, અકલ્યાણકારી, નરાધમો તથા જુગારમાં નિપુણ લોકોએ તેમનું રાજ્ય તથા સઘળું ધન જુગારમાં જીતી લીધું. પતિનું દર્શન કરવા ઉત્સુક, દમયંતી નામે વિખ્યાત હું નલની પત્ની છું. હું પર્વત, સરોવર, નદી, ખાડા, વગેરેમાં યુદ્ધવિદ્યામાં નિપુણ, શસ્ત્રના જાણકાર મારા પતિને શોધવા વ્યાકુળ થઈને આ વનમાં ભટકું છું, કહો, તમારા આ તપોવનમાં નલ નામના નિષધ દેશની પ્રજાના રાજા આવ્યા તો નથી ને? હે બ્રાહ્મણો, હું તેમના કારણે ઘોર આપત્તિમાં મુકાઈને શાર્દૂલો, પ્રાણીઓથી ભરેલા આ ભયંકર, ભય પમાડતા, ખૂબ જ ગાઢ વનમાં ઘૂમી રહી છું. જો હું થોડા દિવસોમાં નલ રાજાને નહીં જોઉં તો શરીર ત્યજીને હું પરમ કલ્યાણ સાથે મારા આત્માને જોડીશ. એ પુરુષશ્રેષ્ઠ ન હોય તો મારા જીવનનો અર્થ કયો? ભર્તાના શોકથી પીડાતી હું કેવી રીતે જીવતી રહીશ?’ ત્યારે ભીમપુત્રીને વનમાં આમ એકલી વિલાપ કરતી જોઈને તે સત્યવાદી બ્રાહ્મણો બોલ્યા, ‘હે કલ્યાણી, હવે તારો સૂર્ય ઉદય પામશે, તારું કલ્યાણ થશે. અમે તપના પ્રભાવે જોઈ રહ્યા છીએ કે તું નૈષધરાયને વિના વિલંબે જોઈશ. હે ભીમપુત્રી, નિષધ દેશના રાજા, શત્રુનાશી, ધર્મપાલક, નલ રાજાને શીઘ્ર જોઈ શકીશ. બધાં પાપમાંથી મુક્ત થયેલા, બધાં રત્નોથી યુક્ત, નિષધ નગરના શાસક, શત્રુનાશક નલને હવે તું જોઈશ. શત્રુઓને ભય આપનારા, મિત્રોના શોકનાશક, કલ્યાણકારી, નલ રાજાને હે કલ્યાણી, તું જોઈશ.’ નલની પ્રિય રાણી રાજપુત્રીને આવું કહીને તે તપસ્વીઓ આશ્રમ અને અગ્નિહોત્ર આશ્રમ સમેત અદૃશ્ય થઈ ગયા. ત્યારે વીરસેન રાજાની પુત્રવધૂ, અનિંદિતા દમયંતી મહા અચરજ પામી, ‘શું મેં આ સ્વપ્ન જોયું હતું? કેવું આશ્ચર્ય! તે તાપસો ક્યાં ગયા? તેમનો આશ્રમ ક્યાં ગયો? વિવિધ પક્ષીઓથી શોભિત પુણ્યજલા નદી ક્યાં ગઈ? ઉત્તમ ફૂલોવાળા, હૃદયને આનંદ આપનારા પર્વત ક્યાં જતા રહ્યા?’ શુચિસ્મિતા, ભીમપુત્રી, દમયંતીએ થોડો સમય વિચાર કર્યો, પતિના શોકથી વ્યાકુળ દમયંતી દીન અને ફિક્કી થઈ ગઈ. અશ્રુપૂર્ણ નેત્રવાળી તેણે બીજા સ્થળે જઈને અશોક વૃક્ષ જોયું અને ગદ્ર ગદ્ર કંઠે તે વિલાપ કરવા લાગી; પુષ્પિત, પલ્લવઘન, પક્ષીઓનાં કૂજનથી યુક્ત, આહ્લાદકારક અશોક વૃક્ષની પાસે જઈને વિલાપ કરવા લાગી. ‘અરે, આ વનમાં આ વૃક્ષ શોભાયુક્ત, ફૂલફૂલથી ભરચક અને પર્વત જેવું દેખાય છે. હે અશોક, હે પ્રિયદર્શન, મને તું શીઘ્ર શોકરહિત કર. તેં શોક અને ભય વિનાના નલ રાજાને જોયા છે? નલ રાજા શત્રુનાશક્ છે, મારા પ્રિય નિષધરાજાને તેં જોયા છે? અડધા વસ્ત્રથી ઢંકાયેલા, કોમલ ત્વચાવાળા, દુઃખે રીબાતા વીર નલ રાજા આ વનમાં આવ્યા હતા. હે અશોક, હું શોકરહિત થઈ જઉં એવો પ્રયત્ન તું કર. તારું નામ અશોક છે. મારા શોકને દૂર કરીને તું તારું નામ સાર્થક કર.’ તે વરાંગના ભીમસૂતાએ આર્ત બનીને અશોક વૃક્ષની ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને તેનાથી પણ ભયાનક સ્થળે તે જઈ પહોંચી. તેણે એ વનમાં જઈને અનેક સુંદર પર્વત, અનેક વૃક્ષ, નદી, મૃગ, પક્ષીઓ જોયાં. નલ રાજાને શોધતી ભીમસૂતાએ કંદરાઓ, અદ્ભુત નદીઓ, પર્વતોના મધ્ય ભાગ જોયા. શુચિસ્મિતા દમયંતીએ આગળ ચાલીને હાથી, ઘોડા અને રથવાળો એક મોટો સાર્થવાહ જોયો. તે શીતલ જળવાળી, સુંદર, બંને બાજુ નેતરવાળી, ઉત્તમ જળથી વિસ્તીર્ણ નદી ઓળંગી રહ્યો હતો. તે નદી સારસ, ટિટોડી, ચક્રવાકના શબ્દોથી શોભતી હતી, કાચબા, મગર અને માછલીઓથી ભરેલી હતી, અને દ્વીપોથી શોભતી હતી. નલરાજાની યશસ્વિતી પત્ની તે મહા સાર્થવાહને જોઈને એની વચ્ચે પ્રવેશી. ઉન્મત્ત, શોકવિહ્વળ, અર્ધા વસ્ત્રવાળી, કૃશ, ફિક્કી, મલિન, ધૂળે ભરેલી કેશવાળી તે જનસમુદાયની વચ્ચે તે જઈ પહોંચી. તેને જોઈને કેટલાક પુરુષ ભયભીત થઈને ભાગવા લાગ્યા, કેટલાક ચિંતાતુર થયા, કેટલાક ચીસો પાડવા લાગ્યા. કોઈ હસવા લાગ્યા, કેટલાક નિંદા કરવા લાગ્યા, કેટલાકે દયા દાખવી, કોઈએ તેના સમાચાર પૂછ્યા. ‘હે કલ્યાણી, તું કોણ છે? કોની છે? આ વનમાં શું શોધે છે? તને જોઈને અમે ભયવિહ્વળ થયા છીએ? શું તું માનુષી છે? હે કલ્યાણી, અમે તારી શરણે છીએ, તું સાચું કહે, શું તું આ વન, પર્વત કે દિશાઓની દેવી છે? હે વરાંગના, તું પક્ષી છે? રાક્ષસી છે? તું અમારું કલ્યાણ કર, અમારી રક્ષા કર. હે કલ્યાણી, તું એવું કર જેથી આ પોઠ બધી રીતે કુશળ રહીને અહીંથી શીઘ્ર જાય. અમે તારા શરણે છીએ.’ આવાં વચન સાંભળીને પતિશોકથી દુઃખી સાધ્વી દમયંતી તે સાર્થ પાસે અને બીજા લોકો પાસે જઈને કહેવા લાગી, ‘હે યુવાનો, વૃદ્ધો, બાળકો અને સાર્થના નેતાગણો, હું મનુષ્ય છું, એક રાજાની પત્ની છું, હું મારા પતિને જોવા માગું છું, વિદર્ભ દેશના રાજા ભીમ મારા પિતા થાય છે, પ્રસિદ્ધ નિષધ દેશના મહાભાગ્યશાળી નલ રાજા મારા પતિ છે, હું તે અપરાજિત રાજાને શોધી રહી છું. જો તમે નરશાર્દૂલ, શત્રુનાશી મારા પ્રિય નલ રાજાને જોયા હોય તો સત્વરે મને કહો.’ તે સુંદર અંગોવાળીનું આવું વચન સાંભળીને મહાન સાર્થનો શુચિ નામનો સમૂહપતિ બોલ્યો, ‘હે કલ્યાણી, મારી વાત સાંભળ. હે શુચિસ્મિતા, હું સાર્થનો નેતા છું, હે યશસ્વિની, મેં નલ નામના કોઈ પુરુષને જોયો નથી. આ નિર્જન વનમાં હાથી, પાડા, શાર્દૂલ, રીંછ, હરણોને તો જોયા છે, આજે યજ્ઞોના રાજા મણિભદ્ર અમારા પર પ્રસન્ન થાઓ.’ ત્યારે તે વણિકો અને સાર્થવાહોને દમયંતીએ કહ્યું, ‘આ પુરુષોનો સમૂહ ક્યાં જાય છે તે મને કહો.’ સાર્થવાહે કહ્યું, ‘હે રાજપુત્રી, આ સાર્થસમૂહ લાભ માટે સત્યવાદી ચેદી દેશના રાજા સુબાહુના રાજ્યમાં જઈ રહ્યો છે.’ અનવદ્ય અંગોવાળી વૈદર્ભી સાર્થવાહનું વચન સાંભળીને પતિના દર્શનની લાલસાથી તેમની સાથે ચાલી નીકળી. ત્યાર પછી ખાસ્સા એવા સમય પછી તે દારુણ વનમાં તે વણિકોએ સુંદર, પુષ્કળ જળવાળું, ઇંધણથી ભરચક, કંદમૂલ, ફળ, વિવિધ પક્ષીઓથી ઘેરાયેલું, બધી રીતે કલ્યાણકારી ‘પદ્મસૌગન્ધિક’ નામનું એક મોટું તળાવ જોયું. આવા મીઠા, મનોહર, સુખદ જળથી ભરેલું તળાવ જોઈને વાહનોનો થાક દૂર કરવા બધાએ ત્યાં રોકાવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યાર પછી તેઓ સાર્થવાહની સંમતિ લઈને તે ઉત્તમ વનમાં પ્રવેશ્યા અને તળાવના કિનારે પશ્ચિમ બાજુએ પડાવ નાખ્યો. ત્યાર પછી મધરાતે જ્યારે બધું નિ:શબ્દ થઈ ગયું, થાકેલા લોકો સૂઈ ગયા ત્યારે મદ રૂપી ઝરણાંથી વ્યાકુળ ગિરિનદીમાં જળ પીવા માટે એક હાથીઓનું ઝુંડ ત્યાં આવ્યું, ત્યારે તળાવની દિશામાં જનારા રસ્તા પર સૂઈ ગયેલા અને સહસા હાલી ઊઠેલા માણસોને હાથી કચડવા લાગ્યા. શરણાર્થી લોકો હાહાકાર કરવા લાગ્યા, નિદ્રાને કારણે આંધળાભીંત બની ગયેલા લોકો ભયથી પીડાઈને વનકુંજોમાં આમતેમ દોડવા લાગ્યા, કેટલાક હાથીદાંતથી, કેટલાક સૂંઢથી, કેટલાક પગ નીચે કચડાઈને મરવા લાગ્યા. અનેક ઊંટ, અશ્વ અને જનસંકુલવાળા એ ઝુંડના પુરુષ રાત્રે આમતેમ દોડવાને કારણે એકબીજાને મારવા લાગ્યા. તેઓ ચીસરાણ કરતા ધરણી પર પડવા લાગ્યા. કેટલાક વૃક્ષો સાથે અથડાઈને મરી ગયા. કેટલાક ખાડામાં પડીને મરી ગયા. આમ તે સમૃદ્ધ પોઠ આખી નાશ પામી. ત્યાર પછી બીજા દિવસે બચી ગયેલા લોકો આ ઘોર કાંડ વિશે વિચારતા, પોતાના ભાઈ, પિતા, પુત્ર તથા મિત્રો માટે શોક કરવા લાગ્યા. વૈદર્ભી ત્યાં શોક કરવા લાગી કે ‘મેં એવું તે શું દુષ્કૃત્ય કર્યું છે? આ નિર્જન અરણ્યમાં આ માનવીઓનો સમૂહ મને મળ્યો પણ મારા મંદ ભાગ્યે તેને પણ હાથીઓના જૂથે મારી નાખ્યા. નિશ્ચિત મારે હજુ દુઃખ ભોગવવાનું બાકી છે. મેં વૃદ્ધોના મોઢે સાંભળ્યું છે કે જ્યાં સુધી કાળ ખૂટે નહીં ત્યાં સુધી મૃત્યુ આવતું નથી. આ હાથીઓએ મારા જેવી દુઃખીને કચડી ન નાખી, કારણ કે મનુષ્યોનું પ્રત્યેક કાર્ય ભાગ્ય દ્વારા નિર્માણ પામે છે. મને લાગે છે કે સ્વયંવરમાં જે લોકપાલ આવ્યા હતા, તેમનો મેં નલને કારણે અસ્વીકાર કર્યો હતો. તેમના જ પ્રભાવથી મને આ વિયોગ પ્રાપ્ત થયો છે.’ આમ દુઃખ વિશે વિલાપ કરતી, દુઃખ-શોકથી ઘેરાયેલી તે વરાંગના મૃત્યુમાંથી બચી ગયેલા વેદપારંગત બ્રાહ્મણોની સાથે આગળ જવા માંડી, ત્યાર પછી તે બહુ સમય સુધી ચાલીને એક દિવસે સાયંકાળે ચેદી દેશના રાજા સત્યવાદી સુબાહુના મહાન નગર પાસે પહોંચી અને અર્ધવસ્ત્ર પહેરેલી અવસ્થામાં જ તે નગરમાં પ્રવેશી. તે વિવર્ણ, દુર્બલ, દીન, છુટ્ટા કેશવાળી, મલિન, ઉન્મત અવસ્થામાં આવેલી વૈદર્ભીને નગરવાસીઓએ જોઈ. ચેદી રાજની નગરીમાં પ્રવેશ કરતી દમયંતીને જોઈને રમતા છોકરાઓ કુતૂહલથી તેની પાછળ પડ્યા. તેમનાથી ઘેરાયેલી તે રાજમહેલ પાસે પહોંચી. ત્યારે રાજમાતાએ તેને લોકોથી ઘેરાયેલી જોઈ. તે છોકરાઓને હાંકી કાઢીને વૈદર્ભીને ઉત્તમ મહેલમાં લઈ ગઈ અને વિસ્મિત થઈને તેણે દમયંતીને પૂછ્યું, ‘તું આવી આપત્તિમાં ઘેરાયેલી છે અને છતાં વાદળોમાં વીજળી ચમકે તેમ તું ચમકી રહી છે. કહે તું કોણ છે અને કોની છે. અલંકારો ન હોવા છતાં તારો દેખાવ કોઈ મનુષ્યનો નથી લાગતો. દેવી સરખી કાંતિ ધરાવતી, તું અસહાય છે તો પણ પુરુષોથી ગભરાતી નથી.’ રાજમાતાની વાત સાંભળી ભીમસૂતાએ કહ્યું, ‘પતિની પાછળ પાછળ ચાલનારી માનુષી જ મને માની લો ને! હું અંત:પુરમાં રહેનારી છું, મારી ઇચ્છા પ્રમાણે નિવાસ કરનારી છું, ઉત્તમ કુળમાં જન્મેલી સૈરંધ્રી(દાસી) છું, ફળમૂલ ખાઈને જ્યારે સંધ્યા થાય ત્યાં રોકાઈ જઉં છું. મારા પતિ અસંખ્ય ગુણોવાળા અને મને અનુકૂળ વ્યવહાર કરનારા છે, હું પણ એ વીરની પાછળ છાયાની જેમ રહું છું. પ્રારબ્ધથી તેઓ જુગારમાં આસક્ત થઈ ગયા અને તેમાં સઘળું ગુમાવી બેઠા, વનમાં ચાલ્યા ગયા. હું પણ એકવસ્ત્રા બનીને વિહ્વળ, ઉન્મત્ત બનેલા વીર પતિને આશ્વાસન આપતી એમની પાછળ ચાલી નીકળી. એક દિવસ તે વીર ભૂખ કે બીજા કોઈ કારણે ખૂબ જ વ્યાકુળ થયા અને તે એક માત્ર વસ્ત્રને પણ ખોઈ બેઠા. ત્યાર પછી હું ઉન્મત્ત, નગ્ન અને ચેતનાહીન પતિની સાથે એક વસ્ત્ર પહેરેલી વનમાં ઘૂમવા લાગી, કેટલીય રાતો ઊંઘી ન શકી. ઘણા દિવસો પછી એક વેળા મારું અર્ધુંં વસ્ત્ર ફાડીને તેઓ ક્યાંક ચાલ્યા ગયા અને તેમણે મને ત્યજી દીધી. હવે હું વિરહાગ્નિમાં દાઝતી, રાતદિવસ પતિને શોધ્યા કરું છું, તે દેવસમાન પતિ ક્યાંય જડતા નથી.’ આ પ્રમાણે અશ્રુપૂર્ણ આંખોવાળી, બહુ વિલાપ કરતી, અત્યંત દુઃખી ભીમસૂતાને રાજમાતા પોતે દુઃખી થઈને કહેવા લાગી, ‘હે કલ્યાણી, હે ભદ્રા, તું અહીં મારી પાસે જ રહે, તારા પર મારી પ્રીતિ જન્મી છે, તારા પતિને મારા માણસો શોધશે. આમ તેમ રખડતા રખડતા તે જાતે જ અહીં આવી જશે. તું અહીં રહીને તારા પતિને મેળવી શકીશ.’ રાજમાતાનું વચન સાંભળીને દમયંતીએ કહ્યું, ‘હે વીરજનની, જો તમે મને અમુક વચન આપો તો હું અહીં રહું. હું કોઈનંુ એંઠું નહીં ખાઉં, કોઈના પગ નહીં ધોઉં, કોઈ બીજા પુરુષ સાથે બોલીશ નહીં, કોઈ મારી ઇચ્છા કરે તો તમારે તેને પ્રાણદંડ આપવો. મારા પતિને શોધવા હું માત્ર બ્રાહ્મણોને જ મળીશ, તેમની સાથે જ વાત કરીશ. આ બધું જો તમે સ્વીકારો તો હું નિ:સંશય અહીં રહીશ. અન્યથા અહીં રહેવાની મારી ઇચ્છા નથી.’ આ વાત સાંભળીને રાજમાતા પ્રસન્ન ચિત્તે બોલી, ‘તારું આ ઉત્તમ વ્રત છે, અને એ બધું હું પાર પાડીશ.’ રાજમાતાએ ભીમસૂતાને આમ કહી પોતાની પુત્રી સુનંદાને કહ્યું, ‘સુનંદા, આ સૈરન્ધ્રીને દેવરૂપિણી જ જાણજે, તું પ્રસન્ન ચિત્તે તેની સાથે આનંદ મનાવ.’ આ બાજુ નલ રાજા દમયંતીને ત્યજીને ગાઢ વનમાં ઘૂમવા લાગ્યા. ત્યાં તેમણે એક સ્થળે પ્રચંડ દાવાનળ જોયો. તે અગ્નિની વચ્ચે કોઈ પ્રાણીનો ધ્વનિ વારે વારે સાંભળ્્યો. ‘હે પુણ્યશ્લોક નલ, જલદી આવો. દોડો.’ એ સાંભળીને ‘બીશ નહીં’ એમ કહીને નલ રાજા એ આગમાં પ્રવેશ્યા, જોયું તો એક નાગરાજ કૂંડાળું કરીને બેઠો હતો. નલ રાજાને જોઈને તે નાગ હાથ જોડીને કાંપતા કાંપતા કહેવા લાગ્યો, ‘હે રાજન, હું કર્કોટક છું. મેં એક નિરપરાધ મહાતપસ્વી બ્રહ્મર્ષિને છેતર્યા હતા, હે મનુષ્યોના રાજા, તેણે ક્રોધે ભરાઈને મને શાપ આપ્યો. તેમના શાપને કારણે હું એક ડગ પણ માંડી શકતો નથી. મારી રક્ષા કરો. હું તમને કલ્યાણકારી ઉપદેશ આપીશ. મારા જેવો બીજો કોઈ નાગ નથી, હું તમારો સખા થઈશ, હું તમારા માટે હળવો થઈ જઉં છું. તમે મને ઉઠાવીને લઈ જાઓ.’ એમ કહીને તે નાગરાજ અંગૂઠા જેવા શરીરવાળા થઈ ગયા. નલ રાજા તેને ઊંચકીને આગ વગરની જગ્યાએ લઈ ગયા. જ્યારે આગમાંથી સાપ મુક્ત થઈ ગયો ત્યારે નલ રાજાને તેને છોડી મૂકવાનો વિચાર આવ્યો. ત્યારે આકાશમાં જઈને કર્કોટકે ફરી રાજાને કહ્યું, ‘હે નલ રાજા, તમે તમારાં પગલાં ગણી ગણીને ચાલો, ત્યારે હું તમારું કલ્યાણ થાય એવું કરીશ.’ જ્યારે નલ રાજા પગલાં ગણવા લાગ્યા ત્યારે તે નાગે દસમા પગલે રાજાને દંશ દીધો. તેની સાથે જ નલરાજાનું રૂપ અદૃશ્ય થઈ ગયું. નલ રાજાએ પોતાના શરીરને વિકૃત જોઈને અચરજ અનુભવ્યું. અને ત્યાર પછી પોતાનું રૂપ ધરી બેઠેલા નાગને જોયો. ત્યારે કર્કોટક નાગે રાજાને ધીરજ બંધાવતાં કહ્યું, ‘આને કારણે લોકો તમને ઓળખી નહીં શકે, એટલે જ મેં તમારું રૂપ નષ્ટ કરી દીધું છે. જેના કારણે તમે છેતરાઈને બહુ દુઃખ ભોગવી રહ્યા છો, તે કલિ મારા વિષને કારણે તમારી અંદર બહુ દુઃખ ભોગવશે. હે મહારાજ, મારા વિષવાળા તમારા શરીરને જ્યાં સુધી કલિ છોડશે નહીં ત્યાં સુધી તે મહાદુઃખ ભોગવતો તમારા શરીરમાં રહેશે. તમે દુઃખને પાત્ર ન હતા, હવે તે પોતે દુઃખ પામશે, તમે મારું રક્ષણ કર્યું છે, તમે ક્રોધથી તેનું કશું અહિત કર્યુ નથી. હે નરવ્યાઘ્ર નલ, હવે તમને તીક્ષ્ણ દાઢવાળાં પ્રાણીઓ તથા અન્ય શત્રુઓથી ડરવાનું નહીં રહે. મારી કૃપાથી વેદ જાણનારાઓથી પણ ભય પામવાનો નહીં રહે. હે રાજન્, વિષને કારણે થતી પીડા તમને નહીં થાય. હે રાજન્, તમે યુદ્ધમાં સદા વિજયી નીવડશો. હે રાજા નલ, ‘હું બાહુક નામનો સૂત છું’ એમ કહેતાં કહેતાં આજે જ રમ્ય અયોધ્યા નગરીમાં ઋતુપર્ણ રાજા પાસે જાઓ, ત્યાં તે જુગારમાં નિપુણ છે. તે રાજા તમારી પાસેથી અશ્વવિદ્યા શીખીને તમને જુગાર શીખવશે. ઈક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા રાજા ઋતુપર્ણ તમારા મિત્ર થઈ જશે. જ્યારે તમે પાસાંની વિદ્યા જાણી જશો ત્યારે તમારું પરમ કલ્યાણ થશે. ત્યારે તમને પુત્ર, પત્ની અને રાજ્યની પ્રાપ્તિ થશે. હું તમને સત્ય કહું છું, મનમાં શોક ન કરતા. હે રાજન્, જ્યારે તમે તમારા મૂળ સ્વરૂપને પામવા માગો ત્યારે મારું સ્મરણ કરજો અને આ વસ્ત્રને ઓઢજો. આ વસ્ત્ર ઓઢતાંવેંત તમે તમારું રૂપ પાછું મેળવશો.’ એવું કહીને તેણે નલ રાજાને બે દિવ્ય વસ્ત્ર આપ્યાં. આમ કહીને અને વસ્ત્ર આપીને નાગરાજ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. નાગના અંતર્ધાન થયા પછી નલ રાજા ત્યાંથી ચાલી નીકળ્યા અને દસમા દિવસે તેઓ ઋતુપર્ણ રાજાના નગરમાં પહોંચ્યા. રાજા પાસે જઈને બોલ્યા, ‘મારું નામ બાહુક છે, અશ્વવિદ્યામાં મારા જેવો નિપુણ સંસારભરમાં કોઈ નથી. બહુ મોટા ધનક્ષયના સમયે ઉપદેશ આપી શકું છું અને બીજાઓ કરતાં વધુ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકું છું. આ જગતમાં જેટલી શિલ્પવિદ્યા છે તે સર્વ સારી રીતે જાણું છું અને દુષ્કર કર્મો કરવાનો પ્રયત્ન કરીશ. હે ઋતુપર્ણ, તમે મને નોકરીમાં રાખો.’ ઋતુપર્ણે કહ્યું, ‘હે બાહુક, તારું કલ્યાણ થાઓ, તું અહીં રહે અને બધું કામ કર. મને એ વિચાર આવ્યા કરે કે હું સર્વત્ર શીઘ્ર પહોંચી જઉં. તું એવો ઉપાય કર કે મારા રથના અશ્વ જલદી દોડતા થાય, તું આજથી મારી અશ્વશાળાનો ઉપરી, આજથી તને દસ હજાર સુવર્ણમુદ્રા મળશે. આ વાર્ષ્ણેય અને જીવલ બંને તારી હાથ નીચે રહેશે. આ બંનેની સાથે રહીને આનંદ મનાવતો તું અહીં રહે.’ રાજાના આવાં વચન સાંભળીને સત્કાર પામેલા રાજા નલ વાર્ષ્ણેય અને જીવલની સાથે ઋતુપર્ણના નગરમાં નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહેતા હતા તે સમયે સદા વૈદર્ભીની ચિંતા કર્યા કરતા હતા, રોજ સંધ્યા સમયે તેઓ આ શ્લોક બોલતા, ‘તે તપસ્વિની, ભૂખતરસ અને થાકની મારી ક્યાં સૂતી હશે? પોતાના મંદ ભાગ્યને સ્મરતી તે ક્યાં રહેતી હશે?’ નલ આ પ્રમાણે દરરોજ બોલતા હતા ત્યારે એક દિવસ જીવલે તેમને પૂછ્યું, ‘હે બાહુક, તું દરરોજ રાતે કોને યાદ કરે છે? મારે એ સાંભળવું છે.’ એ સાંભળીને નલ રાજાએ કહ્યું, ‘કોઈ મંદ બુદ્ધિવાળા પુરુષની એક વહાલી સ્ત્રી હતી, તે પણ એ સ્ત્રીનો પ્રિય હતો. એ મૂર્ખ પુરુષ કોઈ કારણથી તે સ્ત્રીથી વિખૂટો પડી ગયો, અને પછી તે મંદાત્મા દુઃખે રીબાતો બધે ભમવા લાગ્યો. શોકથી પ્રજળતો તે રાતદિવસ અનિદ્રિત અવસ્થામાં ઘૂમ્યા કરતો હતો અને રાતે તેનું સ્મરણ કરીને એક શ્લોક ગાયા કરતો હતો. તે આખી પૃથ્વી ઘૂમતાં ઘૂમતાં થોડી આજીવિકા મેળવીને તેનું સ્મરણ કર્યા કરતો હતો, દુઃખી ન થવો જોઈએ એવો તે એને યાદ કરી કરીને દુઃખી થયા કરતો હતો. તે સ્ત્રી પણ દુઃખના દિવસોમાં પતિની સાથે વનમાં ગઈ, તે પાપીએ તેને વનમાં ત્યજી દીધી. જો પ્રારબ્ધવશ તે જીવતી હશે તો એ દુષ્કર ઘટના હશે. તે એકલી, રસ્તાઓથી અજાણી, ભૂખતરસે વ્યાકુળ બનેલી જીવતી હશે તો તે દુષ્કર જ જીવન હશે. કારણ કે તે થોડા પુણ્યવાળા, મંદબુદ્ધિના પુરુષે હિંસક પશુઓવાળા ભયાનક વનમાં ત્યજી દીધી હતી.’ આ પ્રકારે નિષધ દેશના રાજા નલ દમયંતીનું સ્મરણ કરી કરીને તે રાજાને ત્યાં અજ્ઞાતવાસમાં રહેવા લાગ્યા.

રાજ્ય ગુમાવી ચૂકેલા નલ રાજા જ્યારે પત્ની સાથે વનમાં જતા રહ્યા ત્યારે રાજા ભીમે નલના દર્શનની ઇચ્છાથી બ્રાહ્મણોને મોકલ્યા. પુષ્કળ ધન આપીને રાજા ભીમે તેમને કહ્યું, ‘તમે નલ તથા મારી પુત્રીને શોધી લાવો. આ કાર્ય પાર પડે અને નલ રાજાનો પત્તો પડે અને તમારામાં જે એ બંનેને અહીં લઈ આવશે તેને હજાર ગાય આપીશ અને અગ્રહાર(કરમુક્ત જમીન) તથા નગર જેવાં ગામ આપીશ. જો કોઈ નલ કે દમયંતીને અહીં લાવી ન શકે અને માત્ર એમનું ઠેકાણું બતાવશે તો પણ તેને એક હજાર ગાય આપીશ.’ આવાં વચન સાંભળીને પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણો બધી દિશાઓમાં જઈ નગરે નગરે, રાજ્યે રાજ્યે ઘૂમવા લાગ્યા. તેમાં સુદેવ નામનો એક બ્રાહ્મણ શોધતાં શોધતાં રમ્ય ચેદી નગરીમાં આવી ચઢ્યો. ત્યાં તેણે રાજમહેલમાં વૈદર્ભીને જોઈ, તે રાજાના પુણ્યાહવાચન (દાનકર્મ પ્રસંગે) સમયે સુનંદા સાથે બેઠી હતી. પરંતુ તેનું અસાધારણ રૂપ ઝાંખું થઈ ગયું હોવાને કારણે દમયંતી એવી દેખાતી હતી જાણે ધુમ્મસમાંથી પ્રગટતાં સૂર્યકિરણ. તે વિશાળ નેત્રોવાળીને અધિક મલિન અને કૃશ જોઈને સુદેવ બરહ્મણે અનેક કારણો પર વિચાર કરીને નિશ્ચય કર્યો કે આ દમયંતી જ છે. સુદેવે વિચાર્યું, ‘આ સુંદર સ્ત્રીનું રૂપ પહેલાં મેં જોયું હતું તેવું આજે પણ છે. લોકસુંદરી લક્ષ્મી જેવીને જોઈને હું કૃતાર્થ થઈ ગયો છું. તે પૂર્ણચંદ્ર સમાન મુખવાળી, સુંદર, ઉન્નત પયોધરવાળી, બધી દિશાઓને પોતાના તેજથી અંધકારમુક્ત કરવાવાળી, કમળ જેવા સુંદર નેત્રવાળી સાક્ષાત્ મન્મથની રતિ જેવી છે. પૂર્ણચંદ્રની પ્રભા જેવી આખા જગતને પ્રિય છે. તે વિદર્ભ રૂપી તળાવમાંથી દૈવયોગે ઊખડી ગયેલી કાદવથી ખરડાયેલી મૃણાલિની જેવી છે. પતિવિરહથી વ્યાકુળ અને દીન હોવાને કારણે રાહુએ ગ્રસેલી પૂર્ણિમાની રાત જેવી કે સુકાઈ ગયેલી નદી જેવી લાગે છે. આનું રૂપ ખરી ગયેલા કમલપત્રોથી ભરેલું, ત્રસ્ત પંખીઓથી ઊભરાતું, હાથીની સૂંઢથી મથેલા તળાવ જેવું લાગે છે. રત્નજડિત આવાસોમાં રહેવાને પાત્ર આ સુકુમારી, કોમલાંગી આ સમયે સૂર્યકિરણોથી દાઝતી મૃણાલિની જેવી લાગે છે. રૂપ અને ઉદારતા જેવા ગુણોવાળી; ભૂષણયોગ્ય અત્યારે વગર આભૂષણે આકાશમાં ભૂરાં વાદળોથી છવાયેલી ચંદ્રમાનાં કિરણો જેવી શોભે છે. આ વૈદર્ભી પ્રિયંકર સર્વ કાર્ય અને ભોગથી વંચિત બાંધવહીન બનીને માત્ર પતિદર્શનની ઇચ્છાથી દેહ ધારણ કરી રહી છે. ભૂષણ વિનાની સ્ત્રી માટે પતિ આભૂષણ છે, પતિવિરહે સુંદરી હોવા છતાં તે શોભતી નથી. જો આનાથી વિખૂટા પડીને પણ નલ રાજા શરીર ધારણ કરી રહ્યા હોય અને આના શોકમાં વ્યાકુળ ન હોય તો જાણવાનું કે તેઓ કોઈ દુષ્કર કર્મ કરી રહ્યા હશે. આ કાળા કેશવાળી, સો પાંખડીવાળા કમળ જેવા વિશાલ નેત્રોવાળી, સુખયોગ્ય દમયંતીને દુઃખી જોઈને મારું મન પણ વ્યથિત થયું છે. આ શુભરૂપા પોતાના પતિને મળીને ક્યારે દુઃખમાંથી મુક્ત થશે? જેવી રીતે રોહિણી શશિને મળીને સુખી થાય છે તેવી રીતે આ સુખી ક્યારે થશે? જેવી રીતે કોઈ રાજા રાજ્યભ્રષ્ટ થઈને પૃથ્વીનું રાજ્ય ફરી મેળવીને પ્રસન્ન થાય તેવી રીતે નિષધરાજા પણ દમયંતીને મળીને પ્રસન્ન થશે. નલ રાજા પોતા સરખા શીલ, વયવાળી, પોતાના જેવા જ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી વૈદર્ભીને યોગ્ય છે અને કાળી આંખોવાળી દમયંતી પણ નળને યોગ્ય છે. અપ્રમેય બળવાન રાજા નલની પત્નીને ધીરજ બંધાવું, કારણ કે તે પતિદર્શનની ઇચ્છા ધરાવે છે. આ પૂર્ણચંદ્ર જેવા મુખવાળી, કદી દુઃખનો અનુભવ પૂર્વે ન કર્યો હોય તેવી, દુઃખવિહ્વળ તથા નલનું ધ્યાન ધરનારી આ દમયંતીને આશ્વાસન આપીશ.’ સુદેવ બ્રાહ્મણ અનેક કારણો તથા લક્ષણો વડે પોતાના મનમાં આ દમયંતી જ છે એવો નિશ્ચય કરીને તેની પાસે જઈને કહેવા લાગ્યો, ‘હે વૈદર્ભી, હું તારા ભાઈનો પ્રિય સખા સુદેવ છું, રાજા ભીમની આજ્ઞાથી હું તને શોધવા માટે આવ્યો છું. હે રાણી, તારા માતાપિતા, ભાઈ બધા જ કુશળ છે. તારા બંને સંતાનો કુશળ છે, માત્ર તારા કારણે જ તારો બાંધવવર્ગ નિર્બલ જેવો થઈ ગયો છે.’ દમયંતીએ સુદેવને ઓળખીને વારાફરતી બાંધવોના સમાચાર પૂછ્યા, ત્યાર પછી પોતાના ભાઈના મિત્ર, બ્રાહ્મણશ્રેષ્ઠ સુદેવને અચાનક જોઈને શોકગ્રસ્ત વૈદર્ભી બહુ રડી પડી. શોકથી વ્યાકુળ બનીને રડતી અને સુદેવ સાથે એકાંતમાં વાતો કરતી સૈરન્ધ્રીને જોઈને સુનંદાએ પોતાની માતાને કહેવડાવ્યું કે આજે એક બ્રાહ્મણની સાથે વાતો કરતાં કરતાં સૈરન્ધ્રી બહુ રડી રહી છે. જો એના વિશે કશું જાણવું હોય તો પ્રયત્ન કરવો પડે. આ સાંભળીને ચેદિરાજની માતા અંત:પુરમાંથી નીકળીને જ્યાં દમયંતી બ્રાહ્મણ સાથે વાત કરતી હતી ત્યાં જઈ પહોંચી, રાજમાતાએ સુદેવને બોલાવીને પૂછ્યું, ‘આ ભામિની કોની પુત્રી છે? કોની પત્ની છે? આ સુંદર લોચનોવાળી સ્ત્રી ભાઈઓથી અને પતિથી વિખૂટી કેવી રીતે પડી ગઈ? હે બ્રાહ્મણ, આ સતી સ્ત્રી આ અવસ્થાએ કેવી રીતે પહોંચી? તું જો જાણતો હોય તો મને કહે, આ બધી વાત હું પૂરેપૂરી તારી પાસેથી સાંભળવા માગું છું. આ દેવરૂપિણીની બધી વાત મને કહે.’ રાજમાતાનું આ વચન સાંભળીને સુદેવ નિરાંતે દમયંતીનો સમગ્ર વૃત્તાંત કહેવા માંડ્યો. ‘અત્યંત પરાક્રમી ભીમ વિદર્ભનરેશ છે, તેમની આ કલ્યાણી પુત્રી દમયંતી છે. વીરસેનના પુત્ર અને નિષધ દેશના રાજા નલ, આ કલ્યાણી એ પુણ્યશ્લોક રાજાની પત્ની છે. એ રાજાને તેમના ભાઈએ જુગારમાં હરાવ્યા, રાજ્યભ્રષ્ટ થઈને દમયંતીની સાથે ક્યાંક જતા રહ્યા, અત્યારે ક્યાં છે તેની કશી જાણ નથી. અમે બધા આ દમયંતીને કારણે પૃથ્વી પર ભમી રહ્યા છીએ. આજે મેં તેને તમારા પુત્રના નિવાસે જોઈ. મનુષ્યલોકમાં આના જેવી રૂપવતી બીજી કોઈ નથી. તેની ભ્રમરોની વચ્ચે ઉત્તમ તલ છે, તે જન્મથી છે, મેં આ સુંદરીના પદ્મ જેવા મુખ પર આ છુપાયેલો તલ જોઈ લીધો. જેવી રીતે વાદળોથી ચંદ્ર ઢંકાય તેમ આનું ચિહ્ન મલિનતાથી ઢંકાયેલું છે. પ્રતિપદાની ઝાંખી કાંતિવાળી ચંદ્રની કળા એટલી બધી શોભિત થતી નથી. શરીરના મેલને કારણે તેનું રૂપ નષ્ટ થયું નથી, સુશોભિત ન હોવા છતાં સુવર્ણ સરખું તેનું રૂપ પ્રકાશે છે. આ શરીરથી અને આ તલ વડે મેં આ દેવીને ઓળખી કાઢી છે, જેવી રીતે કોઈ વસ્તુથી ઢંકાયેલી આગ ઉષ્ણતાથી ઓળખી શકાય છે.’ સુદેવનું આવું વચન સાંભળીને સુનંદાએ દમયંતીના મુખ પરનો મેલ હટાવી તે તલને જોયો. મેલ દૂર થવાથી દમયંતીનો તલ મેઘ વિનાના આકાશમાં ચંદ્ર શોભે તેમ શોભાયમાન લાગ્યો. રાજમાતા અને સુનંદા આ તલ જોઈને દમયંતીને વળગીને રડતી રડતી થોડી વાર ઊભી રહી. પછી આંસુ લૂછીને રાજમાતા ધીરેથી બોલી, ‘આ તલથી મેં તને ઓળખી કાઢી, તું મારી બહેનની દીકરી છે, હું અને તારી મા દશાર્ણ દેશના રાજા સુદામાની પુત્રી છીએ. તેમણે મારું લગ્ન વીર સુબાહુ સાથે અને તારી માતાનું લગ્ન રાજા ભીમ સાથે કર્યું હતું. તું જ્યારે દશાર્ણ રાજ્યમાં મારા પિતાને ઘેર જન્મી ત્યારે મેં તને જોઈ હતી. હે ભામિની, જેવી રીતે તારા પિતાનું ઘર એવી જ રીતે આ મારું ઘર, તારું જ માનજે. જેવું ઐશ્વર્ય મારું છે તે પણ તારું જ સમજજે.’ આ સાંભળીને પ્રસન્ન ચિત્તે દમયંતી માસીને પ્રણામ કરીને બોલી, ‘હે અજ્ઞાત અવસ્થામાં પણ તમારે ત્યાં સુખે રહી; તમે મારી બધી ઇચ્છાઓ પૂરી કરી, મારી સદા રક્ષા કરી, માતા, મને આનાથી વધારે સુખનું સ્થાન બીજું નહીં મળે એમાં શંકા નથી, હું ઘણા સમયથી બહાર રહી છું, હવે માતા, મને આજ્ઞા આપો. મારાં બંને બાળકો ત્યાં છે, માતાપિતા વિના, શોકગ્રસ્ત બનીને તે શું કરતાં હશે? જો તમે મારું કશું પ્રિય કરવા માગતી હો તો મને વિદર્ભ જવાની ઇચ્છા છે, મારે માટે વાહનની શીઘ્ર વ્યવસ્થા કરી આપો.’ માસીને પ્રસન્ન થઈને ‘ભલે’ કહી પુત્રને સૂચના આપી. ભારે સેના સાથે, મનુષ્યો દ્વારા ઊંચકાતી પાલખીમાં દમયંતીને બેસાડી વિદર્ભ રાજ્યમાં મોકલી. તેની સાથે ખાવાપીવાની, પહેરવા ઓઢવાની વસ્તુઓ પણ મોકલી. ત્યાર પછી દમયંતી ત્યાંથી નીકળીને થોડા દિવસમાં વિદર્ભ પહોંચી ગઈ. બધા બાંધવો તેને જોઈને ખૂબ પ્રસન્ન થયા અને તેનું સમ્માન કરવા લાગ્યા. બંધુજનો, બંને બાળકો, માતાપિતા અને સખીઓને સુખી જોઈને કલ્યાણી, યશસ્વિની દમયંતીએ ઉત્તમ વિધિ વડે દેવતાઓ અને બ્રાહ્મણોની પૂજા કરી. પોતાની પુત્રીને જોતાંવેંત પ્રસન્ન થઈને રાજા ભીમે સુદેવ બ્રાહ્મણને હજાર ગાય, ગામ અને પુષ્કળ દ્રવ્ય આપ્યાં. થાકેલી વૈદર્ભીએ રાત્રિ પિતાને ઘેર જ વીતાવી. પછી તેણે માને આમ કહ્યું, ‘હે માતા, તને હું સત્ય કહું છું. જો તું મને જીવતી જોવા માગતી હોય તો પુરુષોમાં વીર એવા નલ રાજાને અહીં બોલાવવાનો પ્રયત્ન કર.’ દમયંતીની આવી વાત સાંભળીને તેની માતા ખૂબ દુઃખી થઈ, આંસુઓથી ગળું રૂંધાઈ ગયું એટલે કશું બોલી ન શકી. તેની આવી અવસ્થા જોઈને અંત:પુરમાં હાહાકાર મચી ઊઠ્યો. બધા રુદન કરવા લાગ્યા, રાણીએ ભીમને કહ્યું, ‘તમારી પુત્રી દમયંતી પોતાના પતિ માટે શોક કરે છે, લજ્જા ત્યજીને તેણે મને આ વાત કરી છે, તમારા દૂત પુણ્યશ્લોક રાજા નલને શોધવાનો પ્રયત્ન કરે.’ આમ રાણીના કહેવાથી ભીમ રાજાએ પોતાના આજ્ઞાકારી બ્રાહ્મણોને બધી દિશામાં મોકલ્યા અને કહ્યું, ‘તમે રાજા નલને શોધવાનો પ્રયત્ન કરો.’ વિદર્ભ રાજાની આજ્ઞાથી શ્રેષ્ઠ બ્રાહ્મણો દમયંતીને જોઈને કહેવા લાગ્યા, ‘અમે નલ રાજાને શોધવા જઈ રહ્યા છીએ.’ ત્યારે દમયંતીએ એમને કહ્યું, ‘તમે બધાં રાજ્યોમાં જઈને મનુષ્યોની વચ્ચે આવું બોલજો. હે પ્રિય, તમે મારું અડધું વસ્ત્ર ફાડીને, તમારામાં રાગ ધરાવતીને, વનમાં સૂતેલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? તમે તેને જેવી આજ્ઞા આપી હતી તે પ્રમાણે અર્ધું વસ્ત્ર પહેરીને અત્યંત દુઃખે બળતીકકળતી અત્યારે પણ તમારી પ્રતીક્ષા કરી રહી છે. આ શોકને કારણે હંમેશા રુદન કરતી આ સ્ત્રી પર કૃપા કરો અને એની વાતનો ઉત્તર આપો. આવાં બીજાં વચન પણ કહેજો, જેથી તે મારા ઉપર કૃપા કરે. જેવી રીતે વાયુથી પ્રેરાઈને અગ્નિ વનને સળગાવી મૂકે છે તેવી રીતે મારું શરીર પણ વિરહથી પ્રજળી રહ્યું છે. એમ પણ કહેજો કે પોતાની પત્નીની રક્ષા કરવી અને તેનું પાલનપોષણ કરવું એ તો પતિનું કર્તવ્ય છે. હે ધર્મજ્ઞ નલ, આ બંને વાતો કેમ તે વિસારે પાડો છો? તમે તો પંડિત, કુલીન અને દયાવાનના રૂપમાં સદા પ્રસિદ્ધ છો, મને એવું લાગે છે કે મારા જ દુર્ભાગ્યને કારણે તમે નિર્દય થઈ ગયા છો. હે પુરુષશ્રેષ્ઠ, મારા પર કૃપા કરો, મેં તમારા જ મોઢે સાંભળ્યું છે કે દયા કરવી એ પરમ ધર્મ છે. તમે આવું કહો અને ત્યારે જો કોઈ ઉત્તર આપે તો તે પુરુષનો પૂરેપૂરો પત્તો મેળવજો — તે કોણ છે, ક્યાં રહે છે? હે બ્રાહ્મણશ્રેષ્ઠો, જો તમારી વાત સાંભળીને કોઈ કશો ઉત્તર આપે તો એની વાત બરાબર યાદ રાખીને મને તરત જ જણાવજો. તમે આળસ ત્યજીને એવો ઉપાય કરજો કે જેથી તે પુરુષને રાજા ભીમની આજ્ઞાથી તમે બોલો છો, એવો વહેમ ન આવે, આવો પત્તો મેળવીને તરત જ પાછા આવજો. તે ધનવાન હોય કે નિર્ધન, ધન પામવાની ઇચ્છાવાળો કેમ ન હોય, તે શું કરવા માગે છે તેની જાણકારી મેળવીને તમે આવજો.’ ત્યારે તે બ્રાહ્મણો આવાં વચન સાંભળીને દુઃખમાં આવી પડેલા નલ રાજાને શોધવા બધી દિશાઓમાં નીકળી પડ્યા. તે બ્રાહ્મણો નગર, રાજ્ય, ગામડાં, ઝૂંપડીઓમાં, આશ્રમોમાં નલ રાજાને શોધવા લાગ્યા પણ નલનો પત્તો ન પડ્યો. દમયંતીએ જે વાક્યો કહ્યાં હતાં તેને બ્રાહ્મણો જ્યાં ત્યાં સંભળાવતા હતા, ખાસ્સા એવા સમય પછી પર્ણાદ નામનો બ્રાહ્મણ વિદર્ભ નગરમાં આવીને દમયંતીને મળ્યો. ‘હે દમયંતી, દિવસરાત નલની શોધમાં હું અયોધ્યા નગરીમાં બાંગસ્વના પુત્ર ઋતુપર્ણને ત્યાં ગયો. હે મહાભાગ સુંદરી, મહાજનોની વચ્ચે મેં તમે કહેલાં વચન ઋતુપર્ણને સંભળાવ્યા. તે સાંભળીને ઋતુપર્ણ કશું ન બોલ્યા, હું વારંવાર બોલતો રહ્યો પણ કોઈ સભાસદે કશું કહ્યું નહી. રાજાની આજ્ઞા લઈને હું ત્યાંથી નીકળી પડ્યો એટલે બાહુક નામનો ઋતુપર્ણ રાજાનો નોકર એકાંતમાં મને કહેવા લાગ્યો. તે રાજાનો સારથિ છે, તેના હાથ ટૂંકા છે, તે વિરૂપ છે પરંતુ ભોજન બનાવતાં બહુ સારું આવડે છે, રથ હાંકવામાં નિપુણ છે. તે બહુ રડતાં રડતાં અને લાંબા નિ:શ્વાસ નાખતાં તેણે મારા કુશલ સમાચાર પૂછ્યા અને કહ્યું, ‘ઉત્તમ કુલમાં ઉત્ત્પન્ન થયેલી સ્ત્રીઓ વિષમ દુઃખમાં પણ પોતાની રક્ષા જાતે કરે છે. પતિથી વિખૂટી પડીને પણ ક્રોધે ભરાતી નથી, તેઓ જ સ્વર્ગને પામે છે એમાં શંકા નથી. તે મૂર્ખ પતિએ સુખથી ભ્રષ્ટ થઈને અને સંકટમાં પડવાને કારણે તેને ત્યજી દીધી, આ કારણે ક્રોધ કરવો અયોગ્ય છે. ભોજનની ઇચ્છાથી તેણે પક્ષીઓ ઉપર વસ્ત્ર નાખ્યું અને તે વસ્ત્ર લઈને પક્ષી ઊડી ગયાં. તે માનસિક ચિંતાઓથી બળતો રહ્યો, એટલે તે નિર્દોષ પર ક્રોધ કરવો ઉચિત નથી. તે સત્કાર પ્રાપ્ત કરે છે કે નથી કરતી, તો પણ રાજ્યભ્રષ્ટ, લક્ષ્મીહીન પોતાના પતિને આવતો જોઈને તેના પર ક્રોધ કરવો અનુચિત છે.’ તેનાં આવાં વચન સાંભળીને હું તરત જ અહીં આવ્યો. આ સાંભળીને હવે તમારી જે ઇચ્છા હોય તે કરો અને રાજાને પણ નિવેદન કરો.’ પર્ણાદની વાત સાંભળીને આંખોમાં આંસુ લાવીને દમયંતી માતાની પાસે એકાંતમાં કહેવા લાગી, ‘હે માતા, આ વાત તું રાજા ભીમને ના ક્હીશ. હું તારા દેખતાં બ્રાહ્મણશ્રેષ્ઠ સુદેવને આજ્ઞા આપીશ. જો તું મારું પ્રિય કરવા માગે છે તો આ વાત રાજા સુધી ન પહોંચે એ તો પ્રયત્ન કરજે. જેવી રીતે સુદેવે મારો ભેટો બાંધવજનો સાથે કરાવ્યો, એવી જ રીતે સુદેવ નલ રાજાને લાવવા માટે અહીંથી અયોધ્યા જાય, વિલંબ ન કરે.’ ત્યાર પછી આરામ કરીને બ્રાહ્મણ પર્ણાદને વૈદર્ભીએ પુષ્કળ ધન આપી પ્રસન્ન કર્યો, પછી તે બોલી, ‘હે બ્રાહ્મણ, નલ રાજા અહીં આવશે ત્યારે બીજું ધન પણ આપીશ. તેં મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, કોઈ બીજું એમ કરી ન શકત. હે બ્રાહ્મણશ્રેષ્ઠ, તારા આ કાર્યથી હું બહુ જલદી મારા પતિને મળીશ.’ તે બ્રાહ્મણે તેની વાત સાંભળીને દમયંતીને આશીર્વાદ આપ્યા, મંગલ શબ્દો કહ્યા, અને તે મહાત્મના બ્રાહ્મણ ધનથી કૃતાર્થ થઈને ઘેર ગયો. ત્યાર પછી દુઃખ અને શોકથી ઘેરાયેલી દમયંતીએ પોતાની માતા પાસે તે બ્રાહ્મણને બોલાવ્યો અને કહ્યું, ‘હે સુદેવ, તું અયોધ્યા જઈને રાજા ઋતુપર્ણને એમ કહેજે કે ભીમસૂતા દમયંતી પોતાના માટે બીજો પતિ શોધવા માગે છે એટલે તે ફરી સ્વયંવર રચાવશે. ત્યાં બધા રાજા તથા રાજપુત્રો આવશે, મેં દિવસો ગણ્યા છે, આ સ્વયંવર કાલે જ થશે. હે શત્રુનાશક, જો તમારા માટે સંભવ હોય તો શીઘ્ર પથપ્રયાણ કરો, કારણ કે બીજા દિવસનો સૂર્ય ઊગે એટલે તે પતિ પસંદ કરશે. વીર નલ રાજા અત્યારે જીવે છે કે મરી ગયા તેના કોઈ સમાચાર નથી.’ દમયંતીએ આમ કહ્યું એટલે બ્રાહ્મણ સુદેવ અયોધ્યા પહોંચ્યો અને ઋતુપર્ણ રાજાને બધી વાત કરી, સુદેવની વાત સાંભળીને રાજા ઋતુપર્ણ બાહુકને મીઠી વાણીંમાં શાંતિથી કહેવા લાગ્યા, ‘હે અશ્વવિદ્યા જાણનારા બાહુક, દમયંતીનો સ્વયંવર છે, હું એક જ દિવસમાં વિદર્ભ પહોંચવા માગું છું, શું આ બની શકશે?’ રાજાનાં આ વચન સાંભળીને નલનું હૃદય ફાટવા લાગ્યું, પરંતુ મહામના નલ ધીરજ રાખીને સ્વસ્થ રહ્યા. અને વિચારવા લાગ્યા. ‘શું દમયંતી આવું કરી શકે? અથવા દુઃખે પીડાઈને તે આવું કરી રહી છે? કે પછી મને શોધી કાઢવા આ ઉપાય અજમાવ્યો છે? અરે બહુ દુઃખની વાત છે કે આ તપસ્વિની વૈદર્ભી મારા જેવા ક્ષુદ્ર પાપી અને દુષ્ટ બુદ્ધિએ તેને ત્યજી દીધી એટલે બીજો પતિ કરવા માગે છે? સ્ત્રીઓનો સ્વભાવ ચંચલ હોય છે અને મારા દોષ પણ બહુ દારુણ છે. અથવા આટલો સમય જુદા રહ્યા એટલે દમયંતીનો મારા પર પ્રેમ ન રહ્યો હોય, અને વિવશ બનીને તે આમ કરી રહી છે. તે તનુમધ્યમા (પાતળી કમરવાળી) મારા શોકથી ઉદ્વિગ્ન થઈ, નિરાશાને કારણે ગભરાઈ ગઈ છે. પરંતુ તે આવું કરી ન શકે, તેને સંતાનો પણ છે. જે સત્ય અને હિતકારક છે તે ત્યાં જઈને નિશ્ચય જાણી લઈશ, મારા કાર્યની સિદ્ધિ માટે ઋતુપર્ણની ઇચ્છા પૂરી કરીશ. મનમાં એમ વિચારીને દીન મનવાળા રાજાએ ઋતુપર્ણને કહ્યું, ’હે મહારાજ, તમારી વાત મને મંજુૂર છે. હું પ્રતિજ્ઞા કરું છું કે તમે એક જ દિવસમાં વિદર્ભ પહોંચી જશો.’ ત્યાર પછી ભંગસ્વરના પુત્ર ઋતુપર્ણની આજ્ઞાથી બાહુકે અશ્વશાળામાં જઈ ઘોડાઓની પરીક્ષા કરી. રાજી ઋતુપર્ણે ઉતાવળ કરવા કહ્યું, તેમની આજ્ઞા સાંભળીને નલ રાજાએ દૂબળા પણ સમર્થ ચાલવાળા ઘોડા બહાર કાઢ્યા. તે ઘોડા તેજ, બલ અને શીલયુક્ત હતા, ઉત્તમ ઓલાદના હતા, ખરાબ લક્ષણો વગરના, મોટાં નસકોરાં, ભરાવદાર હોઠ, સિંધુ દેશમાં ઉત્પન્ન થયેલા, દસ આવર્તોવાળા, વાયુવેગી હતા. એમને જોઈને રાજાએ ક્રોધે ભરાઈને કહ્યું, ‘તું શું કરવા માગે છે? શું મારી સાથે દગો રમવો છે? આ દુર્બળ ઘોડા મને કેવી રીતે લઈ જશે? અને આવા ઘોડાથી આપણે આટલે દૂર પહોંચીશું કેવી રીતે?’ બાહુકે કહ્યું, ‘આ ઘોડા એક જ દિવસમાં વિદર્ભ પહોંચાડશે, એમાં જરાય શંકા નથી, અથવા બીજા ઘોડાઓ જોડવાની આજ્ઞા આપો, હું ક્યા ઘોડા જોડું?’ ઋતુપર્ણે કહ્યું, ‘હે બાહુક, તું અશ્વવિદ્યામાં, નિપુણ છે, કુશળ છે, જેને તું ઉત્તમ ઘોડા માને છે તેને જલદી જોડ.’ ત્યાર પછી રથવિદ્યામાં નિપુણ નલે કુલ અને શીલવાળા તથા વેગવાન ચાર ઘોડા રથમાં જોડ્યા. રાજી ઋતુપર્ણ શીઘ્રતાથી એ અશ્વોવાળા રથ પર આરૂઢ થયા. તે ઉપર ચઢ્યા અને તરત ચારે ઉત્તમ ઘોડા ઘૂંટણ પર જમીન પર બેસી ગયા. ત્યારે શ્રીમાન પુરુષોમાં શ્રેષ્ઠ નલ રાજાએ તે તેજસ્વી અને બલશાળી અશ્વોને સાંત્વન આપ્યું. તેમની લગામો ઝાલીને નલ રાજાએ સારથિ વાર્ષ્ણેયને રથ પર બેસાડ્યો અને અતિભારી વેગનો આશ્રય લઈને ચાલવા તૈયાર થયા. વિધિપૂર્વક બાહુકથી પ્રેરાઈને તે ઉત્તમ અશ્વો ઋતુપર્ણને આશ્ચર્યચકિત કરતા જાણે આકાશમાં ઊડવા લાગ્યા. વાયુવેગી એ અશ્વ રથને લઈ જતા જોઈને બુદ્ધિમાન અયોધ્યારાજવી ઋતુપર્ણ આશ્ચર્ય પામ્યા. બાહુક દ્વારા ચલાવાતા રથનો અવાજ સાંભળીને, લગામ પકડવાની ગતિ જોઈને અને બાહુકની અશ્વવિદ્યા જોઈને વાર્ષ્ણેય વિચારમાં પડ્યો. શું આ દેવરાજ ઇન્દ્રનો સારથિ માતલિ તો નથી ને? કારણ કે વીર બાહુકમાં પણ મહાન લક્ષણ દેખાય છે. કે પછી અશ્વોના કુળતત્ત્વને જાણનારા શાલિહોત્ર તો નથી ને? તેમણે તો આ ઉત્તમ પુરુષનું શરીર ધારણ નથી કર્યું ને? કે પછી શત્રુઓના નગરને જીતનારા આ નલ રાજા તો નથી ને? તે જ આવી ગયા હોય એમ લાગે છે કે મહારાજે જ આ રૂપ ધારણ કર્યું છે? એવો વિચાર તે કરવા લાગ્યો, અથવા સંભવ છે કે જે વિદ્યા નલ રાજા જાણતા હતા તે આ બાહુક પણ જાણે છે. કારણ કે નલ રાજા અને બાહુકનું જ્ઞાન સરખું જણાય છે, રાજા અને આ બાહુકની ઉંમર પણ સરખી લાગે છે, જો આ મહાપરાક્રમી નલ નથી તો તેમની જ વિદ્યાને જાણનારી કોઈ બીજી વ્યક્તિ હશે. અનેક મહાત્મા આ પૃથ્વી પર પોતાનું રૂપ છુપાવીને દેવવિધાન ગ્રહણ કરીને શાસ્ત્રવિધિ પ્રમાણે ફરતા હોય છે. આમના કુરૂપ શરીરને જોઈને મારો મતિભેદ થાય તે શક્ય છે, વળી નલ રાજા કરતાં આ શરીરે ઠીંગણા છે એટલે પણ મારી મતિ મુંઝાય છે. પરંતુ આની વય નલ રાજા જેવી જ છે, પણ રૂપ જુદું છે, હું ખાત્રીપૂર્વક કહું છું કે સર્વગુણસંપન્ન નલ રાજાએ જ પોતાનું નામ બાહુક રાખ્યું છે. પુણ્યશ્લોક રાજા નલના સારથિ વાર્ષ્ણેયે આમ વિચારીને પોતાના મનમાં નિશ્ચય કરી લીધો કે આ નલ રાજા જ છે. ઋતુપર્ણ પણ બાહુકની અશ્વવિદ્યાની કુશળતા વિશે વિચાર કરીને વાર્ષ્ણેય સારથિની સાથે પ્રસન્ન થયા. બાહુકના બલ, પરાક્રમ, ઉત્સાહ તથા ઘોડા પકડી રાખવાની રીત તથા પરમ યત્ન જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયા. ત્યાર પછી તે રથ પક્ષીની જેમ આકાશમાં ઊડતો નદી, પર્વત, વન અને સરોવરોને વટાવી ગયો. આમ ચાલતા રથ પર બેઠેલા રાજા ઋતુપર્ણે પોતાના ઉત્તરીયને ભૂમિ પર પડી જતું જોયું. એ ઉત્તરીય પડી ગયું એટલે તરત જ મહામના રાજાએ નલને કહ્યું, ‘મારું ઉત્તરીય લેવા લાગું છું, તું આ ખૂબ જ ઉતાવળે ચાલતા અશ્વોને એટલો સમય રોકી રાખ, એ દરમિયાન વાર્ષ્ણેય મારું ઉત્તરીય લઈ આવે.’ નલ રાજાએ ઋતુપર્ણને કહ્યું, ‘તમારું ઉત્તરીય બહુ દૂર પડેલું છે, તમને એ મળી નહીં શકે,. એ ચાર યોજન પાછળ રહી ગયું છે.’ નલ રાજાએ એવું કહ્યું એટલે રાજા ઋતુપર્ણે તે વનમાં ફળથી લચી પડેલા બહેડાના વૃક્ષને જોયું. તેને જોઈને તરત જ બાહુકને કહ્યું, ‘હે સૂત, તું પણ મારી સંખ્યાકુશળતા જો. બધા બધી વિદ્યાઓને જાણતા નથી હોતા. કોઈ એક જ સર્વજ્ઞ ન હોઈ શકે. એક જ પુરુષમાં બધાં જ્ઞાન નથી હોતાં. હે બાહુક, આ વૃક્ષમાં જેટલાં ફળ અને પાંદડાં નીચે ખરી ગયાં છે, તે વૃક્ષ પરનાં ફળ અને ફૂલ કરતાં એક સો વધારે છે. આ પાંદડાંમાં એક અને ફળમાં પણ એક વધુ મૂળ છે, એટલે કે નીચે ખરેલાં ફળ ને પાંદડાં વૃક્ષનાં ફળ અને પાંદડાં કરતાં એકસો બે વધારે છે. હે બાહુક, આ વૃક્ષની બંને શાખા પર પાંચ કરોડ પાંદડાં છે, આ બંને શાખાઓમાંથી જે નાની નાની ડાળીઓ નીકળી છે એને કાપીને ગણવી હોય તો ગણી લો. આ બંને ડાળીઓમાં બે હજાર એક સો ઓગણપચાસ ફળ છે.’ ત્યારે બાહુકે રથમાંથી ઊતરીને રાજાને કહ્યું, ‘હે શત્રુનાશક રાજા, તમે પરોક્ષ વાત કરો છો, તમારી આ ગણિતવિદ્યામાં પરોક્ષવાદ નથી, હે મહારાજ, હું તમારી સામે જ બહેડાં ગણીશ. કારણ કે મને ખબર નથી કે તમારી વાત સાચી છે કે નહીં; હું તમારા દેખતાં આનાં ફળ ગણીશ, થોડો સમય વાર્ષ્ણેય ઘોડાની લગામ પકડી રાખે.’ રાજાએ સારથિને કહ્યું, ‘હે સૂત! અત્યારે વિલંભ થઈ રહ્યો છે.’ પરંતુ પરમ યત્ન કરવાવાળા બાહુકે કહ્યું, ‘તમે થોડી વાર રાહ જુઓ, અથવા તમને ઉતાવળ હોય તો આ જ તમારો શુભ માર્ગ છે. વાર્ષ્ણેયને સારથિ બનાવીને ઊપડો.’ બાહુકની વાત સાંભળીને રાજાએ તેને સાંત્વનાપૂર્વક કહ્યું, ‘હે બાહુક, પૃથ્વી પર તું જ એક સારથિ છે, બીજો છે જ નહીં; હે અશ્વજ્ઞ, તારા પ્રયાસથી જ હું વિદર્ભ જવા માગું છું. હું તારા શરણે છું, તું વિઘ્ન ઊભું નહીં કર. હે બાહુક, તું મને લઈ જા અને વિદર્ભ જઇને જો તું મને સૂર્યદર્શન કરાવીશ તો તું જે ઇચ્છીશ તે હું આપીશ.’ ત્યારે બાહુકે કહ્યું, ‘હું આ વૃક્ષનાં બહેડાં ગણીને જ વિદર્ભ જઈશ. તમે મારી આ વાત સ્વીકારો.’ રાજાએ અનિચ્છાએ કહ્યુ, ‘સારું ગણ.’ ત્યારે નલ રાજાએ રથમાંથી ઊતરીને તરત જ એ વૃક્ષને કાપી નાખ્યું. તેનાં ફળ ગણ્યાં, રાજાએ જેટલાં કહ્યાં હતાં તેટલાં જ નીકળ્યાં, ત્યારે આશ્ચર્યચક્તિ થઈને રાજાને તેમણે કહ્યું, ‘હે રાજન્, મેં તમારી આ અદ્ભુતવિદ્યા જોઈ. આ વિદ્યા હું યથાવત્ ગ્રહણ કરવા માગું છું.’ ઉતાવળે જવાની ઇચ્છાવાળા રાજાએ નલને કહ્યું, ‘તું મને પાસાંના હૃદયને જાણનારો માન, અંકવિદ્યામાં નિપુણ જાણ.’ ત્યારે બાહુકે કહ્યું, ‘હે નરશ્રેષ્ઠ, તમે મને આ વિદ્યા શીખવાડો અને મારી પાસેથી અશ્વવિદ્યા શીખી લો.’ ત્યારે રાજાએ કાર્યની ગુરુતા અને અશ્વવિદ્યાના લોભથી બાહુકની વાત સ્વીકારી લીધી. ત્યારે રાજાએ કહ્યું, ‘હે બાહુક, આ પાસાંની વિદ્યા યથાવત્ ગ્રહણ કર લે. અને અશ્વવિદ્યા મારા માટે તું જ હમણાં રાખી મૂક.’ એમ કહીને ઋતુપર્ણે પોતાની વિદ્યા આપી. દ્યૂતવિદ્યા જાણી લીધા પછી નલના શરીરમાંથી કલિયુગ નીકળ્યો. તે કર્કોટક નાગના દાહક વિષને મોંમાંથી વારેવારે બહાર કાઢી રહ્યો હતો. તે સમયે નલ રાજાના શરીરમાં રહેલા કલિયુગનો શાપાગ્નિ પણ દૂર થયો. તેણે નલ રાજાને ઘણા સમય સુધી દુઃખ આપ્યું હતું અને એને જ કારણે તેઓ કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા. ત્યાર પછી વિષના પ્રભાવમાંથી મુક્ત થઈને કલિયુગે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, તે સમય નિષધનરેશ નલરાજાએ ક્રોધે ભરાઈને કલિયુગને શાપ આપવાનું મન થયું. ત્યારે ભયભીત થઈને કાંપતા કલિયુગે હાથ જોડીને કહ્યું, ‘હે મહારાજ, તમે તમારો ક્રોધ શમાવો, હું તમને બહુ યશ અપાવીશ. તમે જ્યારે દમયંતીનો ત્યાગ કર્યો હતો ત્યારે ઇન્દ્રસેનની માતા દમયંતીએ મને શાપ આપ્યો હતો, તેનાથી હું બહુ પીડાઉં છું. કોઈનાથી પરાજિત ન થનારા રાજેન્દ્ર, મેં તમારા શરીરમાં નાગરાજ કર્કોટકના વિષથી રાતદિવસ દાહ ભોગવતો મહા દુઃખે નિવાસ કર્યો હતો. જગતમાં જે માનવી આળસ મૂકીને તમારા ચરિત્રનું વર્ણન કરશે તે મારાથી જન્મેલું દુઃખ કદી નહીં અનુભવે.’ કલિએ આમ કહ્યું એટલે રાજાએ પોતાના ક્રોધ શમાવ્યો. ત્યારે કલિયુગ ભયભીત થઈને તે બહેડાના વૃક્ષમાં પેસી ગયો. કલિયુગ નલ રાજાની આ વાતો કોઈએ સાંભળી નહીં, કલિયુગને કોઈએ જોયો નહીં. ત્યાર પછી શત્રુનાશક તેજસ્વી નલ રાજા કલિ નાશ પામ્યો. એટલે બધાં દુઃખોથી મુક્ત થઈ ગયા, ફળ ગણીને પરમ તેજ અને આનંદયુક્ત બનીને રથ પર ચઢ્યા અને તરત જ વેગવાન ઘોડાને લઈને નીકળી પડ્યા. કલિયુગ બહેડાના વૃક્ષમાં પ્રવેશ્યો તે દિવસથી તે વૃક્ષ અપ્રશંસનીય બની ગયું. ત્યાર પછી પક્ષીઓની જેમ ઊડનારા શ્રેષ્ઠ ઘોડાને નલરાજાએ પ્રસન્ન હૃદયે ચલાવ્યા. તે મહામના રાજા ઋતુપર્ણ વિદર્ભ દેશની દિશામાં ગયા અને નલ રાજાના ગયા પછી કલિયુગ તે વૃક્ષમાંથી નીકળીને પોતાના સ્થાને જતો રહ્યો, કલિયુગ નીકળી ગયો એટલે નલ રાજા પણ સુખી થઈ ગયા, પરંતુ માત્ર પોતાનું સુંદર રૂપ જ પ્રાપ્ત ન થયું. ત્યાર પછી સત્યપરાક્રમી રાજા ઋતુપર્ણ સંધ્યાકાળે વિદર્ભનગર પહોંચ્યા, દ્વારપાલોએ ભીમ રાજાને સમાચાર આપ્યા. રાજા ઋતુપર્ણ રાજા ભીમના કહેવાથી પોતાના રથના ધ્વનિથી દસે દિશાઓ અને ઉપદિશાઓને ગજાવતા કુંડિનપુરમાં પ્રવેશ્યા. એ ધ્વનિ ત્યાં ઊભેલા નલ રાજાના અશ્વોએ સાંભળ્યો અને નલ રાજાને પહેલાં જોતા હતા તેમ પ્રસન્ન થયા. વર્ષાકાળે મેઘગર્જના જેવા રથના એ ધ્વનિને દમયંતીએ પણ સાંભળ્યો. ભૂતકાળમાં નલ રાજા જ્યારે પોતાના અશ્વોને દોડાવતા હતા ત્યારે જેવો ધ્વનિ થતો હતો તેવો જ ધ્વનિ અત્યારે રથ અને અશ્વોમાંથી નીકળતો ભીમસૂતાએ સાંભળ્યો. મહારાજના રથના ધ્વનિને મહેલો પર બેઠેલા મોર, પોતાના સ્થાને બાંધેલા હાથી અને અશ્વો — આ બધાએ સાંભળ્યો, તે રથના ધ્વનિને સાંભળીને મોર, હાથી, અશ્વ તેને મેઘગર્જના માનીને એ દિશામાં મોં ફેરવીને ધ્વનિ કરવા લાગ્યા. દમયંતીએ કહ્યું, આ રથનો ધ્વનિ પૃથ્વીને પૂર્ણ કરતો મારા હૃદયને પ્રસન્ન કરી રહ્યો છે, ચોક્કસ આ રાજા નલ જ છે. હવે જો નલ રાજાના ચંદ્ર સમા મોંને નહીં જોઉં તો નિ:સંદેહ હું મૃત્યુ પામીશ. જો આજે એ વીરના કોમળ તથા સુખસ્પર્શ આપનારા બાહુઓને નહીં આલિંગું તો નિશ્ચિત હું મૃત્યુ પામીશ. જો આજે તેમને નહીં મળું તો મેઘ સમાન ગંભીર વાણીવાળા તથા સુવર્ણ જેવી કાંતિવાળી આગમાં પ્રવેશીને મૃત્યુ પામીશ. જો આજે સિંહ જેવા તેજસ્વી, મત્ત હાથી જેવા કાળવાન રાજા નલ મને નહીં મળે તો હું મૃત્યુ પામીશ. એ મહાત્મા અમસ્તા અમસ્તા પણ અસત્ય આચરણ કરતા ન હતા, તેમણે કદી કોઈના પર અપકાર કર્યો ન હતો — તેઓ કદી અસત્ય બોલ્યા ન હતા. નિષધરાજ નલ સમર્થ, ક્ષમાવાન, વીર, મૃદુ, ચતુર, જિતેન્દ્રિય છે, એકાંતમાં પણ નીચ આચરણ નથી કરતા, બીજી સ્ત્રીઓ માટે નપુંસક છે. હું રાતદિવસ તેમના ગુણોનું સ્મરણ કરતી, તેમનું જ ધ્યાન ધરું છું. મારા તે પ્રિયતમ વિના મારું હૃદય શોકથી ફાટી જાય છે.’ દમયંતી આ પ્રકારે રડતાં રડતાં બેસુધ થઈ ગઈ. થોડા સમય પછી તે પુણ્યશ્લોક નલને જોવા માટે ઊંચી અટારી પર ચઢી ગઈ. નગરની વચ્ચેના માર્ગ પર વાર્ષ્ણેય અને બાહુકની સાથે રથમાં બેઠેલા રાજા ઋતુપર્ણને જોયા. ત્યાર પછી બાહુક અને વાર્ષ્ણેય ઉત્તમ રથમાંથી નીચે ઊતર્યા અને અશ્વોને રથથી અલગ કર્યા અને રથને એક જગાએ ઊભો કરી દીધો. મહારાજ ઋતુપર્ણ રથના મધ્ય ભાગમાંથી ઊતરીને મહા પરાક્રમી ભીમને મળવા ગયા. રાજા ભીમે તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો, પરંતુ ઋતુપર્ણ રાજા અચાનક કેમ આવી ચઢ્યા તેનું કારણ તેઓ કળી ન શક્યા, કારણ કે દમયંતી અને તેની માતાની ગુપ્ત યોજનાથી તેઓ અજાણ હતા. રાજા ભીમે ઋતુપર્ણને કહ્યું, ‘તમારું સ્વાગત છે મહારાજ, બોલો શા નિમિત્તે આવવાનું થયું?’ તેઓ પોતાની પુત્રીના નિમિત્તે આવ્યા છે તેની જાણ ભીમ રાજાને ન હતી. બુદ્ધિમાન, સત્યપરાક્રમી ઋતુપર્ણે પણ ત્યાં કોઈ રાજા કે રાજપુત્રને ન જોયા, સ્વયંવરની તૈયારી ન જોઈ, બ્રાહ્મણોની મંડળી ન જોઈ. ત્યારે કોશલ દેશના રાજા ઋતુપર્ણે મનમાં મનમાં કંઈક વિચારીને રાજાને કહ્યું, ‘હું માત્ર તમને પ્રણામ કરવા આવ્યો છું.’ રાજા ભીમ પણ હસતાં હસતાં વિચારવા લાગ્યા, ‘આ ઋતુપર્ણ રાજા સો યોજનથી પણ દૂર અનેક ગામ ઓળંગીને આવ્યા છે, પણ આવવાનું કારણ તો સાવ નાનકડું બતાવે છે. તેમના આવવાનું આ કારણ તો આવું ન હોઈ શકે.’ એમ વિચારીને ઋતુપર્ણને કહ્યું, ‘તમે બહુ થાકી ગયા છો તો હવે આરામ કરો.’ આમ વારેવારે કહીને તેમનો સત્કાર કરી વિદાય કર્યા. પ્રસન્ન ચિત્તવાળા રાજા ઋતુપર્ણ રાજા ભીમના આદરસત્કારથી હર્ષ પામ્યા અને વિશ્રામસ્થાન પર રાજસેવકોની સાથે ચાલી નીકળ્યા. રાજા ઋતુપર્ણે અને વાર્ષ્ણેયે વિદાય લીધી પછી બાહુક પણ રથમાં બેસીને રથશાલામાં આવ્યા. ત્યાં જઈને રથથી ઘોડાને છૂટા કર્યા અને શાસ્ત્ર પ્રમાણે અશ્વોની સેવા કરી અને તેમને પ્રસન્ન કરીને પોતે રથ પાસે બેઠા. દમયંતી રથમાં રાજા ઋતુપર્ણ અને સૂતપુત્ર વાર્ષ્ણેયને તથા વિકૃત રૂપવાળા બાહુકને જોઈને શોકવિહ્વળ થઈ ગઈ. વૈદર્ભી વિચારવા લાગી, આ ક્યા સારથિના રથનો અવાજ હતો. એ અવાજ તો નલ રાજાના રથનો જ હતો પણ હું નિષધરાજને તો જોતી નથી. લાગે છે કે વાર્ષ્ણેયે પણ એ વિદ્યા શીખી લીધી છે, એટલે જ તેના રથનો ધ્વનિ નલ રાજાના રથના જેવો જ હતો. અથવા જેવા નલ રાજા હતા તેવા જ ઋતુપર્ણ પણ હતા. એટલે કદાચ આ રથનો ધ્વનિ નલ રાજાના રથ જેવો હતો. સુંદરી દમયંતીએ આમ અનેક તર્ક કરીને રાજા નલને શોધવા એક દૂતીને મોકલી. ‘કેશિની, તું જઈને તપાસ કર કે આ વિરૂપ અને ટૂંકા હાથવાળો સૂત કોણ છે? તે રથની પાસે બેઠો છે. હે ભદ્રે, હે અનિંદિતે, તું તે પુરુષની પાસે બેસીને સાવધાનીથી મીઠી વાણી વડે તેના કુશળ સમાચાર પૂછજે. મને ખૂબ જ શંકા છે કે આ જ મહારાજ નલ છે, તું એવી રીતે વાત કરજે જેથી મારું મન, મારું હૃદય સંતુષ્ટ થાય. છેલ્લે પર્ણાદવાળી વાત કરજે. હે સુશ્રોણી, હે અનિન્દિતે, તે જે ઉત્તર આપે તેનું પ્રત્યેક વાક્ય ધ્યાનપૂર્વક સાંભળજે.’ આ પ્રકારે સમજાવીને ગયેલી દૂતી બાહુક પાસે જઈને બોલી અને કલ્યાણી દમયંતી પણ અટારી પર ચઢીને જોવા લાગી. કેશિનીએ કહ્યું, ‘હે મનુષ્યેન્દ્ર, તમારું સ્વાગત. હું તમારા કુશળ સમાચાર પૂછવા આવી છું, હે પુરુષશ્રેષ્ઠ, દમયંતીએ જે કહેવડાવ્યું છે તે ધ્યાનપૂર્વક સાંભળો, તમે તમારે ઘેરથી ક્યારે નીકળ્યા હતા? અહીં શા માટે આવ્યા છો? આ બધું સાચેસાચું કહો, વૈદર્ભી આ બધું સાંભળવા માગે છે.’ બાહુકે કહ્યું, ‘હે ભામિની, યશસ્વી કોશલરાજે સાંભળ્યું કે આવતી કાલે જ દમયંતીનો બીજો સ્વયંવર થશે, આ નિમિત્તે સો યોજન ચાલનારા વાયુ સમાન શીઘ્રગામી ઘોડાને રથમાં જોડીને મહારાજ અહીં આવ્યા છે અને હું તેમનો સારથિ છું.’ કેશિનીએ પૂછ્યું, ‘આ તમારી સાથે જે ત્રીજો પુરુષ છે તે કોણ છે, કોનો સારથિ છે? તમે કોણ છો? તમે કોના સારથિ છો? આ વિદ્યા તમે ક્યાંથી શીખ્યા હતા?’ બાહુકે કહ્યું, ‘તે પુણ્યશ્લોક નલ રાજાનો સારથિ છે, હે ભદ્રે, તેનું નામ વાર્ષ્ણેય છે. રાજા નલ જતા રહ્યા પછી તે ઋતુપર્ણને ત્યાં સેવક છે. હું પણ અશ્વવિદ્યામાં નિપુણ છું અને પાકશાસ્ત્રમાં પણ નિપુણ છું. ઋતુપર્ણ રાજાએ મને સારથિ તરીકે અને રસૌયા તરીકે કામ આપ્યું છે.’ કેશિનીએ પૂછ્યું, ‘હે બાહુક, નલ રાજા ક્યાં ચાલ્યા ગયા છે, તે વાર્ષ્ણેય જાણે છે? તેણે તમારી સાથે આવી વાતો કરી છે?’ બાહુકે ઉત્તર આપ્યો, ‘અશુભ કર્મ કરનારા નલ રાજાના સંતાનોને અહીં મૂકીને વાર્ષ્ણેય ઇચ્છાનુસાર જતો રહ્યો હતો, તેને નિષધરાજની કશી જાણ નથી. હે યશસ્વિની, તે રાજા પોતાના રૂપનો નાશ કરીને ગુપ્ત રૂપે વિચરે છે એટલે કોઈ બીજી વ્યક્તિ નલને ઓળખી શકતી નથી. નલ પોતાનાં ચિહ્નો પ્રગટ કરતા નથી, એ ચિહ્નો નલ જાણે છે અને તેમના સિવાય તેમની પત્ની જાણે છે.’ કેશિનીએ કહ્યું, ‘જે બ્રાહ્મણ પહેલાં અયોધ્યા ગયો હતો તેણે વૈદર્ભીનાં વચન વારંવાર સંભળાવ્યાં હતાં, ‘હે પ્રિય, હે ઠગ, તમે મને છેતરીને મારા અડધા વસ્ત્રને ફાડીને મને વનમાં સૂતેલી મૂકીને ક્યાં જતા રહ્યા? તમે તેને જેવી આજ્ઞા આપી હતી એ જ રીતે તે તમારી વાટ જોઈ રહી છે, તે વિરહથી દિવસરાત પ્રજળતી અડધું વસ્ત્ર પહેરીને ફરે છે, રાજન્, આ દુઃખે સતત રડતી તમારી પ્રિયતમા પર કૃપા કરો, હે વીર, તેની વાતનો ઉત્તર આપો. હે મહામતિશાળી, તેની પ્રિય વાર્તા તમારા મોઢે કહો. અનિન્દિતા વૈદર્ભી એ જ વાત સાંભળવા માગે છે. આ સાંભળીને પહેલાં તમે જે ઉત્તર આપ્યો હતો તેને રાજપુત્રી ફરી સાંભળવા માગે છે.’ કેશિનીનાં આ વચન સાંભળીને નલ રાજાનું હૃદય ખૂબ વ્યથિત થયું, આંખો આંસુથી ભરાઈ આવી. નલ રાજા પોતાના દુઃખનો નિગ્રહ કરીને, એ દુઃખે પ્રજ્વળવાથી આંસુથી ભીની ભીની વાણીથી બોલ્યા, ‘જે કુલીન સ્ત્રી દુઃખમાં પડીને પણ પોતાની રક્ષા જાતે કરે છે તે નિ:સંદેહ સ્વર્ગને જીતી લે છે. કુળવાન સ્ત્રીઓે પતિથી દૂર રહીને પણ ક્રોધ નથી કરતી. એવી શ્રેષ્ઠ સ્ત્રીઓ પોતાના ઉત્તમ ચરિત્ર રૂપી કવચ પહેરીને પ્રાણ ધારણ કરી રાખે છે. પ્રાણયાત્રા ચલાવવા માટે પક્ષીઓ તેનું વસ્ત્ર લઈ ગયા અને તે દુઃખે રિબાય છે, તેના પર તે શ્યામાએ ક્રોધે ન કરવો જોઈએ. રાજ્ય અને લક્ષ્મીથી જ નહીં પણ સુખથી ભ્રષ્ટ, ભૂખતરસથી વ્યાકુળ થઈને આવેલા પતિ ઉપર કોઈ સ્ત્રી ક્રોધ ન કરે, પછી ભલે તે પતિનો સત્કાર પામે કે ન પામે.’ આ પ્રકારે કેશિનીને કહીને અત્યંત દુઃખી નલ રાજા પોતાનાં આંસુ રોકી ન શક્યા અને મોટે મોટેથી રડવા લાગ્યા. કેશિનીએ દમયંતી પાસે જઈને આ બધી વાત કહી સંભળાવી, તેના વિકારની વાત પણ કરી. નલ રાજાનાં એ વચન સાંભળીને દમયંતી ભારે શોકમાં ડૂબી ગઈ, તેના હૃદયમાં બાહુકના વેશે નલ જ છે, એવી ખાત્રી થઈ. ફરી તેણે કેશિનીને કહ્યું, ‘હે કેશિની, તું ફરી જા. બાહુકની પરીક્ષા કર. તેની સાથે કશી વાત ન કરતી, તેની પાસે બેસીને એનું ચરિત જોયા કર. હે ભામિની, તે જે કામ કરે તેના કારણનો ખૂબ વિચાર કરજે, તે જ્યારે કામ કરતા હોય ત્યારે તેના પ્રત્યેક કાર્યને સારી રીતે જોતી રહેજે. હે ભામિની, તે જો તારી પાસે જિદ કરીને પાણી અને દેવતા માગે તો પણ ન આપતી. તેની બધી કામગીરી જોયા કરજે. અને મને કહેજે. તેનામાં બીજા કોઈ ગુણ નજરે પડે તો તે પણ અહીં આવીને કહેજે.’ દમયંતીએ આમ કહ્યું એટલે કેશિની પાછી બાહુક પાસે ગઈ અને અશ્વવિદ્યામાં નિપુણ બાહુકનાં લક્ષણ જોઈ — સાંભળીને દમયંતી પાસે પાછી આવી. બાહુકનાં દૈવી અને માનવીય લક્ષણો જોયાં તે બધાં દમયંતીને નિરાંતે કહી સંભળાવ્યાં. ‘હે દમયંતી, મેં આવો પુરુષ જોયો ન હતો, એના વિશે સાંભળ્યું ન હતું. તે જળમાં અને સ્થળમાં અત્યંત પવિત્રતા જાળવીને રહે છે. નીચા બારણામાંથી પસાર થતી વખતે તે માથું નમાવતા નથી, પરંતુ એ જોઈને આખું શરીર નિરાંતે એમાં નાખે છે. બારણું બહુ નાનું હોય તો પણ તેમના માટે મોટું થઈ જાય છે. ભીમ રાજાએ ઋતુપર્ણને નિમિત્તે અનેક પ્રકારની ભોજનની સામગ્રી તથા અનેક પશુઓના માંસ મોકલ્યા હતા. તે ભોજન સામગ્રી ધોવા માટે ઘડો પણ મોકલ્યો હતો, બાહુકે દૃષ્ટિ વડે જ એ ઘડો પાણીથી ભરી લીધો. બાહુકે એ જળ વડે બધી વસ્તુઓને ધોઈને ચૂલા પર ચઢાવી. પછી થોડાં તણખલાં ભેગાં કર્યાં, એમાં અચાનક આગ પ્રજ્વળી ઊઠી, તેમનાં આવા અચરજભર્યાં કામ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને અહીં આવી પહોંચી. મેં આ ઉપરાંત એક મહાન આશ્ચર્ય જાયું. અગ્નિનો તે સ્પર્શ કરે તો પણ તેનાથી તે દાઝતા નથી, અને પાણી તેમની ઇચ્છાથી જ વહેવા માંડે છે, આનાથી પણ એક વધારે આશ્ચર્ય જોયું. તેમણે હાથમાં ફૂલ લઈને મસળ્યાં તો પણ તે ફૂલ એવાં ને એવાં જ રહ્યાં. ઊલટ જેમ જેમ તે મસળતા ગયા તેમ તેમ તેમની સુગંધ વધતી જ ચાલી, આ બધાં અદ્ભુત કર્મ જોઈને હું અહી તમારી પાસે દોડી આવી.’ દમયંતી પુણ્યશ્લોકનાં કર્મોને જાણીને, તેમની ચેષ્ટાઓને પામીને જાણી ગઈ કે નલ રાજા આવી પહોંચ્યા છે. બાહુકના વેશે નલ રાજાનો સંદેહ કરતી કરતી, રડતાં રડતાં તે મીઠી વાણીથી કેશિનીને ફરી કહ્યું, ‘હે ભામિની, તું ફરી જા અને પ્રમત્ત બાહુકે જે માંસ રાંધ્યું છે એમાંથી જે કંઈ બહાર પડ્યું હોય તે અહીં લઈ આવ.’ દમયંતીનું પ્રિય કરવાવાળી કેશિની ત્યાં ગઈ અને બાહુક કોઈ કામમાં વ્યસ્ત હતા ત્યારે ગરમ ગરમ માંસ તરત જ લઈ આવી. કેશિનીએ તે માંસ દમયંતીને આપ્યું, દમયંતીએ પહેલાં અનેક વાર નલ રાજાએ રાંધેલું માંસ ખાધું હતું, તેના સ્વાદને ઓળખતી હતી, એટલે તેને જાણ થઈ ગઈ કે આ સારથિ નથી પણ નલ રાજા પોતે જ છે. તે બહુ દુઃખી થઈને રડવા લાગી. બહુ રડી લીધા પછી પાણીથી મોં ધોઈને પોતાના પુત્ર તથા પુત્રીને કેશિનીની સાથે નલરાજા પાસે મોકલ્યા. બાહુકે ઇન્દ્રસેનાને પોતાના ભાઈની સાથે આવેલી જોઈ બંનેને ગળે વળગાડ્યા, રાજાએ બંનેને પોતાના ખોળામાં બેસાડ્યા. દેવપુત્રોના જેવા બંને બાળકોને પોતાના ખોળામાં બેસાડીને અત્યંત દુઃખી ચિત્તવાળા બાહુક મોટા સ્વરે રડવા લાગ્યા. આમ પોતાના વિકારને વારે વારે પ્રગટ કરીને નલ રાજાએ બાળકોને હેઠે ઉતાર્યાં અને કેશિનીને કહ્યું, ‘હે ભદ્રે, આ બંને બાળકો મારાં બાળકો જેવાં છે, એટલે જ એમને જોઈને હું સહસા રડવા લાગ્યો. હે ભદ્રે, તને અહીં વારે વારે આવતી જોઈને લોકો આપણા વિશે શંકા કરશે, કારણ કે હું તો પરદેશી અતિથિ છું. એટલે તું અહીથી જતી રહે, તને નમસ્કાર.’ કેશિનીએ બુદ્ધિમાન પુણ્યશ્લોક નલ રાજાની બધી ચેષ્ટાઓ જોઈને બધી વાતો દમયંતીને કરી. અત્યંત દુઃખી દમયંતીએ આ બધા સમાચાર સાંભળીને બાહુક નલ રાજા જ છે એમ માનીને કેશિનીને પોતાની પોતાની મા પાસે મોકલી, અને કહેવડાવ્યું, ‘મેં આ નલ રાજા છે એવી શંકા કરીને બાહુકની ઘણી પરીક્ષા કરી છે, હવે માત્ર રૂપની જ શંકા રહી ગઈ છે, તેની પરીક્ષા હું જાતે જઈને કરવા માગું છું, હે માતા, કાં તો તેમને અહીં બોલાવ કાં તો મને ત્યાં જવાની આજ્ઞા આપ. મારી આ વાત પિતા જાણે કે ન જાણે, મારું આટલું કામ કરી આપ,’ પુત્રીની આ વાત સાંભળીને રાણીએ ભીમ રાજાને કહ્યું, ત્યારે રાજાએ પુત્રીનો અભિપ્રાય જાણી લીધો. માતાપિતાની આજ્ઞા મેળવીને દમયંતી જ્યાં રહેતી હતી ત્યાં નલ રાજાને બોલાવ્યા. પછી કાષાય વસ્ત્ર પહેરેલી, જટાધારિણી, મલિન દમયંતી બાહુકને કહેવા લાગી, ‘હે બાહુક, જંગલમાં સૂતેલી કોઈ સ્ત્રીને ત્યજીને ચાલ્યો ગયો હોય એવો કોઈ ધર્મજ્ઞ પુરુષ જોયો છે ખરો? મેં એ રાજાનો એવો કેવો અપરાધ કર્યો હતો, જેને કારણે તેઓ વનમાં મને એકલીને મૂકીને જતા રહ્યા? સાક્ષાત્ દેવોને બાજુ પર મૂકીને મેં તેમની વરણી કરી હતી. મને એની જાણ ન હતી કે સંતાનોવાળી, પતિપરાયણ, ભક્તિમતીનો તેમણે કેવી રીતે ત્યાગ કર્યો, હંસોની વાત સાંભળીને અગ્નિની સાક્ષીએ તેમણે મારો હાથ પકડ્યો હતો અને કહ્યું હતું કે ‘હું તારો જ રહીશ’ પરંતુ એ પ્રતિજ્ઞાનું ન જાણે શું થયું?’ દમયંતીનાં આ વચન સંાભળીને બાહુકની આંખોમાંથી શોકને કારણે આંસુ વહેવા લાગ્યાં. અત્યંત કાળી પણ લાલ થઈ ગયેલી આંખોમાંથી આંસુ વહેવડાવતી દમયંતીને જોઈને શોકવિહ્વળ નલ રાજાએ કહ્યું, ‘હે ભીરુ, જેને કારણ મારું રાજ્ય ઝૂંટવાઈ ગયું તે કાર્ય મેં કર્યું ન હતું, જેને કારણે મેં તારો ત્યાગ કર્યો હતો તે પણ કલિયુગને કારણે જ. હે ધર્મ ધારણ કરનારી દમયંતી, તું પહેલાં વનવાસ દરમિયાન બહુ દુઃખી થઈ હતી અને ત્યારે તેં કલિને શાપ આપીને પીડ્યો હતો. તે કલિ શાપથી પ્રજળતો મારા શરીરમાં રહેતો હતો, તે તારા શાપના અગ્નિથી પ્રજ્વળવાને કારણે અગ્નિની અંદર રહેનારાની જેમ મારા શરીરમાં વાસ કરતો હતો. મારા પુરુષાર્થ અને તપથી તેનો પરાજય થયો, આપણા દુઃખના દિવસો પૂરા થયા. હે વિપુલશ્રોણી, તે પાપી મારા શરીરને ત્યજીને જતો રહ્યો એટલે તારે કારણે અહીં આવ્યો છું, અહીં આવવાનું બીજું કોઈ પ્રયોજન ન હતું. કોઈ સ્ત્રી અનુરક્ત અને વ્રતધારી પતિને મૂકીને બીજો પતિ કરી શકે કેવી રીતે? જેમ તું કરવા જઈ રહી છે? રાજાની આજ્ઞાથી પૃથ્વી પર દૂતો કહી રહ્યા છે કે ભીમસૂતા સ્વેચ્છાએ પોતાના માટે બીજો પતિ કરી રહી છે. આ વાત જાણીને રાજા ઋતુપર્ણ શીઘ્રતાથી અહીં આવી પહોંચ્યા.’ નલ રાજાની આ વાત સાંભળીને દમયંતી હાથ જોડીને ભયથી કાંપતી બોલવા લાગી, ‘હે નિષધરાજ, તમે આવી રીતે પાપની શંકા મારા પર ન કરો. મેં દેવોને ત્યજીને તમને પતિ તરીકે પસંદ કર્યા હતા. તમને મેળવવા માટે જ બ્રાહ્મણો બધી દિશામાં ગયા હતા. તેમણે મારા વચનની ગાથા બનાવીને બધે સંભળાવી હતી. એમાંથી એક વિદ્વાન પર્ણાદ બ્રાહ્મણે કોશલ દેશમાં ઋતુપર્ણ રાજાને ત્યાં તમને જોયા. તેણે તમને જે કહ્યું, તમે એને જે કહ્યું તેમાંથી તમને બોલાવવાનો મને આ ઉપાય મળ્યો. તમારા સિવાય આ પૃથ્વી પર કોણ છે જે એક દિવસમાં સો યોજન ઘોડા ચલાવીને આવી શકે? હે મહીપાલ, તમારા ચરણ સ્પર્શીને કહું છું કે મારા મનમાં કોઈ પાપ ન હતું. આ લોકમાં હમેશાં વહેનાર વાયુ પ્રાણીઓની સાક્ષી બનીને વહી રહ્યો છે, જો મેં ક્યારેય કોઈ પાપ કર્યું હોય તો આ વાયુ મારા પ્રાણ હરી લે. જો મેં પાપ કર્યું હોય તો જગતમાં ભ્રમણ કરતો આ સૂર્ય મારા પ્રાણ હરી લે. જો મેં કોઈ પાપ કર્યું હોય તો બધાના મનમાં સાક્ષીરૂપે વિચરનાર આ ચંદ્ર મારા પ્રાણ હરી લે. આ ત્રણે દેવતા ત્રિલોકને ધારણ કરે છે, તેઓ સત્ય કહે, અથવા જો મેં અસત્ય કહ્યું હોય તો આજે જ મારો ત્યાગ કરી દે.’ જ્યારે દમયંતીએ આવું કહ્યું ત્યારે અન્તરીક્ષના વાયુએ કહ્યું, ‘હે નલ, હું તને સત્ય કહું છું, આણે કોઈ પાપ કર્યું નથી. હે રાજન, દમયંતીનો સુંદર શીલસમુદ્ર રક્ષિત જ છે. હે નલ, તેણે કોઈ પાપ કર્યું નથી. આ ત્રણ વર્ષના અમે રક્ષક અને સાક્ષી છીએ. હે રાજન, તેણે આવો ઉપાય તમારે નિમિત્તે જ વિચાર્યો હતો, કારણ કે તમારા સિવાય કોઈ પણ એક દિવસમાં સો યોજન ચાલી ન શકે. હે પૃથ્વીનાથ, તમે દમયંતીને મળ્યા અને દમયંતી તમને મળી ગઈ. હવે તમારે કોઈ શંકા કરવી ન જોઈએ. હવે તમારી સ્ત્રી સાથે જાઓ.’ વાયુએ આવું કહ્યું એટલે આકાશમાંથી પુષ્પવર્ષા થઈ, દેવોએ દુંદુભિ વગાડ્યાં અને ઉત્તમ પવન વાવા લાગ્યો. શત્રુનાશક નલ રાજાએ આ અદ્ભુત ઘટના નિહાળીને દમયંતીના વિશે શંકાઓ કરવાનું છોડી દીધું, ત્યાર પછી નાગરાજનું સ્મરણ કરીને નલ રાજાએ વસ્ત્ર શરીરે ઓઢ્યું, એટલે તરત જ નલરાજાએ પોતાનું અગાઉનું રૂપ મેળવી લીધું, ત્યારે દમયંતી નલ રાજાને તેમના મૂળ સ્વરૂપમાં જોઈને રાજાને વળગીને મોટે અવાજે રડવા લાગી. નલ રાજાએ પણ ભીમસૂતાને આલિંગી, પોતાના જૂના રૂપથી શોભાયમાન થઈને પોતાનાં સંતાનોને ગળે વળગાડ્યાં. ત્યાર પછી સુંદર રૂપવાળી દમયંતી નલ રાજાના મસ્તકને પોતાના ઉર સાથે ચાંપીને દુઃખે વ્યાકુળ બનીને દીર્ધ નિ:શ્વાસ નાખવા લાગી. તે શુચિસ્મિતા, મલિન, અશ્રુપૂર્ણ દમયંતી પુરુષવ્યાઘ્ર નલ રાજાને ભેટીને બહુ સમય સુધી ઊભી રહી. ત્યારે દમયંતીની માતાએ પ્રસન્ન થઈને નલ દમયંતીનો આ વૃત્તાંત રાજા ભીમને સંભળાવ્યો. રાજા ભીમે કહ્યું કે હું કાલે સવારે શૌચકર્મથી પવિત્ર થઈને દમયંતીની સાથે સુખે બેઠેલા નલને જોઈશ. ત્યાર પછી નલ અને દમયંતીએ આનંદપૂર્વક વનની જૂની કથાઓ કહેતાં કહેતાં રાત વીતાવી દીધી. નલ રાજા ચોથા વર્ષે પોતાની ભાર્યાને પ્રાપ્ત કરી અને બધાં કામોને સિદ્ધ કરી પરમ આનંદ પામ્યા.

જેવી રીતે અર્ધો અંકુર ફૂટે ત્યારે પાણી મેળવીને પૃથ્વી આનંદિત થાય તેવી રીતે દમયંતી પણ પતિને પ્રાપ્ત કરીને આનંદમગ્ન બની. જેવી રીતે ચંદ્રના ઉદયથી રાત્રિ શોભે તેવી રીતે ભીમસૂતા પતિને મેળવીને બધા દુઃખ શમાવી, નિદ્રા ત્યજીને આનંદિત થઈને શોભવા લાગી. રાત્રિ વીતાવીને પ્રાત:કાળ થયો એટલે નલ રાજાએ ઉત્તમ વસ્ત્ર, અને આભૂષણ પહેરીને રાજા ભીમનાં દર્શન કર્યાં. નલ રાજાએ શ્વસુરને પ્રણામ કર્યા, ત્યારે શુભા દમયંતીએ પણ પિતાને પ્રણામ કર્યાં. ભીમ રાજા અત્યંત પ્રસન્ન થઈને નલને પુત્રવત્ ગણીને રાજાને ભેટ્યા અને નલ રાજાની સાથે દમયંતીનું યથાવિધિ પૂજન કર્યું અને તેમને ધીરજ બંધાવી. નલ રાજાએ તે પૂજનને વિધિપૂર્વક ગ્રહણ કર્યું અને રાજાની યોગ્ય પરિચર્યા કરી. તે દિવસે નગરમાં ચોતરફ મહા આનંદના ધ્વનિ થવા લાગ્યા. નલ રાજાને જોઈને બધા લોકોએ આનંદોત્સવ ઉજવ્યો. આખું નગર ધ્વજપતાકાઓથી શણગારાયું, રાજમાર્ગ પર અને બીજા માર્ગો પર પાણીની છંટકાવ થયો, બંને બાજુઓ ફૂલોથી શણગારાઈ. નગરવાસીઓએ પોતપોતાના દ્વારે પુષ્પમાળાઓ અને તોરણ લગાવ્યાં. દેવમંદિરોમાં બધે પૂજાપાઠ થવા લાગ્યા. રાજા ઋતુપર્ણે પણ જાણ્યું કે બાહુકના વેશે નલ રાજા હતા, દમયંતી સાથેનું તેમનું મિલન જોઈને ઋતુપર્ણને બહુ આનંદ થયો. ત્યાર પછી ઋતુપર્ણ રાજા નલને મળ્યા અને પોતાના અપરાધની ક્ષમા માગી, નલ રાજાએ કેટલાંય કારણો ધરીને રાજાનો અપરાધ ક્ષમા કર્યો, રાજા ઋતુપર્ણ નલ રાજાનો આદર પામીને આશ્ચર્ય પામીને એવું કહેવા લાગ્યા. ‘હે નિષધરાજ, પ્રારબ્ધથી કુટુંબ સાથે તમારો મેળાપ થયો છે. હે નિષધરાજ, તમે ગુપ્તવેશે મારે ત્યાં રહેતા હતા ત્યારે મેં તમારો કોઈ અપરાધ તો નથી કર્યો ને? અથવા જાણેઅજાણે પણ મારાથી અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો.’

નલ રાજાએ કહ્યું, ‘હે રાજન્, તમે મારો જરાય અપરાધ નથી કર્યો અને જો કર્યો હોય તો પણ હું ક્રોધે ભરાયો નથી. હું તમને ક્ષમા કરું છું. હે રાજન, તમે પહેલેથી મારા સંબંધી છો, મિત્ર છો, હવે તમે અમારા પર વધુ પ્રીતિ વરસાવો એ ઉચિત ગણાશે. બધી જ કામનાઓ પૂરી કરીને તમારે ત્યાં હું સુખે રહ્યો. તમારે ત્યાં જેવી રીતે રહ્યો તેવી રીતે હું મારા ઘરમાં પણ રહ્યો ન હતો. જે અશ્વવિદ્યા મારી પાસે છે તે તમારી જ છે, જો તમે ઇચ્છો તો હું તમને શીખવાડું.’ આમ કહીને નલ રાજાએ ઋતુપર્ણને અશ્વવિદ્યા શીખવાડી. ઋતુપર્ણે વિધિપૂર્વક તે વિદ્યા ગ્રહણ કરી. ભંગસ્વરના પુત્ર ઋતુપર્ણ અશ્વવિદ્યા પ્રાપ્ત કરીને બીજો સારથિ લઈને પોતાના નગરમાં ગયા. ઋતુપર્ણની વિદાય પછી નલ રાજા કુંડિનપુરમાં લાંબો સમય ન રહ્યા. નિષધ રાજ એક મહિનો ત્યાં રહ્યા પછી રાજા ભીમની અનુમતિ લઈને થોડા માણસો લઈને નિષધ દેશ જવા નીકળ્યા. તેમની સાથે એક સુંદર શ્વેત રથ, સોળ હાથી, પચાસ ઘોડા અને છસો પદાતિઓ હતા. મહામના નલ રાજા ખૂબ જ ઉતાવળે પોતાના વેગથી પૃથ્વીને કંપાવતા તરત જ સ્વદેશ પહોંચ્યા. વીરસેનના પુત્ર નલ રાજા પુષ્કર પાસે જઈને કહેવા લાગ્યા, ‘હું બહુ ધન કમાયો છું, ચાલ ફરી જુગાર રમીએ. દમયંતી સમેત જે બધું ધન કમાયો છું તે સર્વ એક જ દાવમાં લગાવું છું, હે પુષ્કર, તું પણ એક જ દાવમાં બધું ધન લગાવ. હવે મારો વિચાર છે કે ફરી જુગાર શરૂ થાય, તારું કલ્યાણ થાય, ચાલ એક જ દાવ પ્રાણોની બાજી લગાવીને રમીશ. આ પરમ ધન છે. જુગારમાં બીજાનું ધન કે રાજ્ય જીત્યા પછી બીજા દાવમાં એને ફરી લગાવવું જોઈએ. જો તારી જુગાર રમવાની ઇચ્છા ન હોય તો યુદ્ધ કર. એક રથ પર તું ચઢ અને બીજા પર હું ચઢું કાં તો તું મને મારી નાખ કાં તો હું તને મારી નાખું. વૃદ્ધોની આજ્ઞા છે કે વંશપરંપરાગત રાજ્ય કોઈ પણ રીતે મેળવવું જોઈએ અથવા જે ઉપાયે પ્રાપ્ત થાય તે ઉપાયે મેળવવું જોઈએ. હું પુષ્કર, આ બેમાંથી એકનો નિર્ણય કરી લે, કાં પાસાં વડે જુગાર રમ કાં તો યુદ્ધમાં ધનુષ ખેંચ.’ નલ રાજાનું આવું વચન સાંભળીને પુષ્કર હસવા લાગ્યો, પોતાનો વિજય નિશ્ચિત છે એમ માનીને તેણે નલરાજાને કહ્યું, ‘હે નિષધરાજ, તમે ભાગ્યયશ જુગાર રમવા માટે ધન પ્રાપ્ત કર્યું છે, ભાગ્યવશ જ દમયંતીનું પૂર્વસંચિત દુષ્કર્મ સમાપ્ત થયું છે. હે શત્રુનાશક રાજન્, ભાગ્યવશ જ તમે ભાર્યા સાથે જીવતા આવ્યા છો. જેવી રીતે સ્વર્ગમાં ઇન્દ્રને અપ્સરા મળી હતી તેવી રીતે ધનની સાથે સાથે અલંકારમંડિત દમયંતી મને મળશે. હે રાજન, હું નિત્ય તમારું સ્મરણ કરતો હતો, તમારી પ્રતીક્ષા પણ કરતો હતો કારણ કે મને શત્રુઓની સાથે જુગાર રમવામાં મજા પડતી ન હતી. હવે હું સુંદર, અનિંદિતા દમયંતીને જુગારમાં જીતીને કૃતકૃત્ય થઈશ. કારણ કે તે સદા મારા હૈયે વસે છે.’ પુષ્કરનાં આવાં અસંબદ્ધ અને નિરર્થક વચન સાંભળીને ક્રોધે ભરાયેલા નલ રાજાને તલવાર કાઢીને તેનું મસ્તક કાપી નાખવાની ઇચ્છા થઈ, પણ બહારથી હસતું મોં રાખીને ક્રોધથી રાતીચોળ આંખે નલ રાજાએ કહ્યું, ‘જુગાર રમ્યા વગર આવો બકવાસ કેમ કરે છે? જુગાર રમ અને જીત્યા પછી બોલજે.’ ત્યારે નલ રાજા અને પુષ્કરનો જુગાર આરંભાયો. નલ રાજાએ એક જ દાવમાં પુષ્કરના રાજ્ય, ધન, પ્રાણ, રત્ન — બધું જ જીતી લીધું. પુષ્કરને જુગારમાં જીતીને નલ રાજા હસીને પુષ્કરને કહેવા લાગ્યા. ‘હવે આ બધું મારું રાજ્ય નિષ્કંટક અને શાંત થઈ ગયું છે. હવે તારી એ શક્તિ નથી કે તું દમયંતીને જોઈ શકે. હે મૂઢ, તું તારા કુટુંબસમેત એ જ દમયંતીનો દાસ બની ગયો છે. તેં પહેલાં મને જીત્યો હતો તેમાં તારું પરાક્રમ ન હતું, એ તો કલિયુગનો પ્રતાપ હતો. હે મૂર્ખ, તું એને ઓળખતો નથી. પણ હું બીજાનો દોષ તારા પર ઓઢાડવા માગતો નથી. હું તને જીવતો જવા દઉં છું, તું સુખે જીવ, હે વીર, હું પહેલાંની જેમ જ તારા પર પ્રીતિ રાખીશ, એમાં કોઈ સંશય નથી. તારા માટેનો બંધુભાવ મારા પક્ષે ઓછો નહીં થાય. હે પુષ્કર, તું મારો ભાઈ છે, સો વરસનો થજે.’ સત્ય પરાક્રમી નલ રાજાએ પોતાના ભાઈને ધીરજ બંધાવી અને વારે વારે ગળે લગાવ્યો. તેને પોતાના નગરમાં જવાની અનુમતિ આપી. નલ રાજાએ આવું સાંત્વન આપ્યું એટલે પુષ્કરે પુણ્યશ્લોક નલ રાજાને હાથ જોડીને કહ્યું, ‘હે રાજન્, તમે મને જીવિત રાખ્યો અને મારું રાજ્ય પાછું આપ્યું, તમારી કીર્તિ અખંડ રહેશે, હજાર વર્ષ સુખેથી જીવશો.’ એમ કહીને રાજાનો સત્કાર પામેલો પુષ્કર, ત્યાં એક મહિનો રહીને પ્રસન્ન થઈ સ્વજનોને લઈને પોતાને નગર ચાલ્યો ગયો. નલ રાજાએ વિપુલ સેના અને ઉત્તમ સેવકો સાથે તેજસ્વી સૂર્યના જેવા પુષ્કરને વિદાય કર્યા પછી લક્ષ્મીપૂર્ણ અને શોભાપૂર્ણ પોતાના નગરમાં પ્રવેશ કર્યો, નિષધરાજે પોતાના નગરવાસીઓને પ્રસન્ન કર્યા. જ્યારે આખું નગર શાંત થઈ ગયું અને ઉત્સવ સમાપ્ત થયો ત્યારે રાજાએ મોટી સેના મોકલીને દમયંતીને બોલાવી લીધી. મહામના, મહામરાક્રમી ભીમ રાજાએ દમયંતીને ભારે સત્કારપૂર્વક વિદાય કરી. જેવી રીતે નંદનવનમાં ઇન્દ્ર વિહાર કરે તેમ સંતાનો સાથે આવેલી દમયંતી સાથે નલ રાજા આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યા. મહા યશસ્વી રાજા જંબુદ્વીપના રાજાઓમાં પ્રસિદ્ધિ પામ્યા અને પહેલાંની જેમ પોતાના રાજ્યનું શાસન કરવા લાગ્યા. તેમણે દક્ષિણાઓવાળા અનેક યજ્ઞ વિધિવત્ કર્યા. (આરણ્યક પર્વ, ૪૯થી ૭૮)

વાતાપિ અને ઇલ્વલની કથા

ઘણાં ઘણાં વરસો પહેલાંની વાત. મણિમતિ પુરીમાં ઇલ્વલ નામનો એક રાક્ષસ. તેનો નાનો ભાઈ વાતાપિ. એક દિવસ તે રાક્ષસ કોઈ તપસ્વી ઋષિ પાસે જઈ ચડ્યો. તે બોલ્યો, ‘તમે મને ઇન્દ્ર જેવા એક પુત્રનું વરદાન આપો.’ ઋષિએ તેને એવું કોઈ વરદાન આપ્યું નહીં, એટલે રાક્ષસ તો રાતોપીળો થઈ ગયો. પણ તે ઋષિએ બીજો આશીર્વાદ આપ્યો, ‘તું જે મરેલા પુરુષનું નામ દઈને બોલાવીશ તે જીવતો થઈને તારી પાસે આવશે.’ હવે રાક્ષસ તો એ વાત સાચી પડે છે કે નહીં તે જોવા બેઠો. તેણે પોતાના ભાઈ વાતાપિને બકરો બનાવ્યો, મંત્રીને તે રાંધ્યો, પછી એ જ બ્રાહ્મણને ખવડાવી દીધો. ભોજન પછી ઇલ્વલે પોતાના ભાઈને બૂમ પાડી, ‘વાતાપિ.’ આ બૂમ સાંભળીને વાતાપિ તો પેલા બ્રાહ્મણનું પેટ ફાડીને હસતો હસતો બહાર આવી ગયો. આમ તે પાપી રાક્ષસ દરરોજ બ્રાહ્મણને ભોજન આપીને તેમને મારી નાખવા લાગ્યો. એક વખત અગસ્ત્ય ઋષિએ જોયું તો તેમના બધા પિતૃઓ અવળા માથે કોઈ ખાડામાં લટકતા હતા. (સરખાવો, આસ્તિક પર્વમાં જરત્કારુ પણ પોતાના પિતૃઓને અવળા માથે લટકતા જુએ છે.) એ જોઈને તેમણે પૂછ્યું, ‘તમારી આવી દશા કેવી રીતે થઈ?’ આ સાંભળી પિતૃઓએ કહ્યું, ‘અમારા સંતાનો નાશ પામ્યા છે, આ કારણે આવી દશા થઈ છે. અગત્સ્ય, અમે તારા પિતૃઓ છીએ, તારે કોઈ પુત્ર નથી એટલે સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી આ ખાડામાં લટકીએ છીએ. જો તને પુત્ર નહીં થાય તો આ નરકમાંથી અમારી મુક્તિ નહીં થાય. એટલે તું પુત્રને જન્મ આપ.’ અગત્સ્ય ઋષિ તો હતા સત્યવાદી અને ધર્મનિષ્ઠ. તેમણે પિતૃઓને કહ્યું, ‘હે પિતૃઓ, હું તમારી ઇચ્છા પાર પાડીશ. તમે હવે દુઃખી ન થતા.’ હવે પુત્રને જન્મ કેવી રીતે આપવો? કેવી સ્ત્રી સાથે લગ્ન કરવું? મારા જેવી, મને લાયક કોઈ સ્ત્રી તો મને દેખાતી નથી. એટલે જે જે પ્રાણીના જે જે અંગ ઉત્તમ હતાં તેમાંથી એક ઉત્તમ સ્ત્રી સર્જી. હવે વિદર્ભરાજ પણ સંતાનપ્રાપ્તિ માટે તપ કરતા હતા. એટલે અગસ્ત્ય ઋષિએ એ સ્ત્રી વિદર્ભરાજને આપી દીધી. વીજળી જેવી ચપળ, તેજસ્વી સુંદર મુખ ધરાવતી તે કન્યા રાજાને ઘેર જન્મી અને ધીમે ધીમે મોટી થવા લાગી. પોતાને ત્યાં પુત્રી જન્મી એટલે વિદર્ભરાજે બધા બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોએ તે કન્યાને આશીર્વાદ આપી તેનું નામ લોપામુદ્રા રાખ્યું. જેવી રીતે પાણીમાં કમલિની મોટી થાય, અગ્નિમાં જ્વાળા મોટી થાય તેમ તે કન્યા પિતાને ત્યાં મોટી થવા લાગી. એમ કરતાં કરતાં તે યુવાવસ્થા પામી, અલંકાર ધારણ કરેલી સો કન્યાઓ અને સો દાસીઓ તેને વીંટળાઈને રહેતી હતી, આકાશમાં જેવી રીતે રોહિણી શોભી ઊઠે તેવી રીતે તે તેજસ્વિની કન્યા દાસીઓ અને કન્યાઓ સાથે શોભવા લાગી. લોપામુદ્રાનું શીલ ઉત્તમ. તે યુવતી બની તોય મહાન ઋષિ અગસ્ત્યના ભયથી કોઈએ તેનું માગું ન કર્યું. એ સત્યવતી કન્યાએ પોતાના રૂપથી અપ્સરાઓને ઝાંખી કરી દીધી; એટલું જ નહીં, પોતાના ચારિત્ર્ય વડે પિતાને તથા બીજા સ્વજનોને ઝાંખા પાડી દીધા. વિદર્ભરાજને હવે ચિંતા થવા માંડી, આ પુત્રીનું લગ્ન કોની સાથે કરું? હવે અગસ્ત્ય ઋષિએ લોપામુદ્રાને યુવાન થયેલી જાણ્યું, તેઓ વિદર્ભરાજ પાસે જઈને બોલ્યા, ‘પુત્રજન્મની ઇચ્છાથી હું લગ્ન કરવા માગું છું, એટલે તમારી પાસે આવ્યો છું. તમારી પુત્રી લોપામુદ્રા મને આપો.’ મુનિની વાત સાંભળીને રાજા તો મુંઝાઈ ગયા. અગસ્ત્ય ઋષિને ના કેમ પાડવી? અને અગસ્ત્યને પુત્રી આપવી પણ નથી. રાજાએ રાણીને બધી વાત કરી, ‘આ ઋષિ તો ભારે શક્તિવાળા, ક્રોધે ભરાય તો બધાને રાખ કરી દે.’ રાજારાણી આવી રીતે દુઃખી દુઃખી થયા હતા તે જોઈને પુત્રીએ કહ્યું, ‘તમે મારા માટે દુઃખી ન થતા. તમે અગસ્ત્ય ઋષિને હા પાડી દો. એટલે પછી તમને કશો વાંધો નહિ આવે.’ પુત્રીની વાત સાંભળીને રાજાએ વિધિપૂર્વક અગસ્ત્ય ઋષિ સાથે લગ્ન કરી દીધું. અગસ્ત્ય ઋષિએ પછી લોપામુદ્રાને કહ્યું, ‘તું આ કિંમતી વસ્ત્રો અને અલંકાર ઉતારી નાખ.’ આ સાંભળીને દીર્ઘનેત્રવાળી તથા સુંદર સાથળ ધરાવતી લોપામુદ્રાએ બધાં કિંમતી વસ્ત્રાભૂષણ શરીર પરથી ઉતારી દીધાં. વલ્કલમાંથી બનેલાં વસ્ત્રો લોપામુદ્રાએ પહેર્યાં, હરણનું ચર્મવસ્ત્ર ઓઢ્યું, અને તે કન્યા પતિના જેવી જ બની ગઈ. પછી ઋષિ પત્ની સાથે ગંગાકિનારે જઈ તપ કરવા લાગ્યા. પત્નીને માન આપ્યું, લોપા પ્રસન્ન ચિત્તે તેમની સેવા કરવા લાગી, એવી જ રીતે અગસ્ત્ય પણ તેને ખૂબ પ્રેમ કરતા થયા. આમ જ સમય પસાર થવા માંડ્યો. એક વાર લોપામુદ્રાને ઋતુકાળ પછી સ્નાન કરેલી જોઈ. પત્નીની સેવા, પવિત્રતા, સંયમ, શોભા, રૂપથી પ્રસન્ન થઈને અગસ્ત્ય ઋષિએ સહવાસની ઇચ્છાથી તેને બોલાવી. લોપામુદ્રા હાથ જોડીને લજ્જાભાવ સાથે અગસ્ત્ય ઋષિને કહેવા લાગી, ‘પુરુષ સંતાન માટે જ સ્ત્રી સાથે લગ્ન કરે છે, પણ મારા હૃદયમાં તમારા માટે જે પ્રેમ છે તેને પણ તમે સફળ કરી શકો છો. હું મારા પિયરમાં બહુ સુંદર સ્થાને સૂતી હતી. તમે એવા જ સ્થાન અને પથારી પર મારી સાથે સુખ ભોગવો. મારી ઇચ્છા છે, તમે સુંદર આભૂષણો પહેરો, માળા ગળામાં રાખો. હું પણ દિવ્ય આભૂષણો પહેરીને ઇચ્છા થાય તેવી રીતે હરુંફરું.’ અગસ્ત્યે કહ્યું, ‘અરે લોપામુદ્રા, તારા પિતાને ત્યાં જેટલી સંપત્તિ હતી તેટલી મારી પાસે નથી.’ ‘તમે તપસ્વી. આખા જગતમાં જેટલી લક્ષ્મી છે તે બધી એ તપના પ્રભાવથી અહીં લાવી શકો.’ ‘તારી વાત તો સાચી. પણ એમ કરવાથી મારું તપ ઝાંખું થાય. મારું તપ ઓછું ન થાય એવો કોઈ ઉપાય બતાવ.’ ‘હે ઋષિ, હવે મારા ઋતુકાળનો બહુ ઓછો સમય બચ્યો છે, અને બીજી કોઈ રીતે હું તમારી પાસે આવવા માગતી નથી. તમારા ધર્મને નષ્ટ પણ નથી કરવો. એટલે મેં જે કહ્યું છે તે કરો.’ આ સાંભળી અગસ્ત્યે કહ્યું, ‘હવે જો તેં આવો જ નિશ્ચય કરી રાખ્યો હોય તો ભલે. હું ધન લેવા જઉં છું.’ શ્રુતર્વા રાજા પાસે સૌથી વધુ ધન છે એમ માનીને ઋષિ તેમની પાસે ધન માગવા ગયા. રાજાએ જ્યારે જાણ્યું કે અગસ્ત્ય ઋષિ આવી રહ્યા છે ત્યારે મંત્રીઓને લઈને તેમને સત્કારવા ગયા. રાજાએ વિધિપૂર્વક તેમનો સત્કાર કરી આગમનનું કારણ પૂછ્યું. ‘રાજન્, હું તમારી પાસે ધનની ઇચ્છાથી આવ્યો છું. બીજાઓને નુકસાન ન થાય એવી રીતે મને તમારી શક્તિ પ્રમાણે ધન આપો.’ આ સાંભળી રાજાએ પોતાની આવકજાવકનો હિસાબ ધરી દીધો, ‘આમાંથી જે યોગ્ય લાગે તે લઈ જાઓ.’ અગસ્ત્ય ઋષિને રાજાની આવક-જાવક સરખી લાગી, આમાંથી કશું લઈએ તો બીજાઓ દુઃખી થશે. એટલે અગસ્ત્ય શ્રુતર્વા રાજાને લઈને વદય્ય રાજા પાસે ગયા. એ રાજાએ પણ સામે ચાલીને તેમનું સ્વાગત કર્યું. તેમની પૂજા વિધિવત્ કરીને પૂછ્યું, ‘બોલો, તમે મારા ઉપર કૃપા કરી છે, હવે આવવાનું કારણ કહો.’ અગસ્ત્યે કહ્યું, ‘અમે બંને તમારી પાસે ધનની ઇચ્છાથી આવ્યા છીએ. તમારી શક્તિ પ્રમાણે, બીજાને નુકસાન ન થાય એવી રીતે અમને ધન આપો.’ એ રાજાએ પણ આવકજાવકનો બધો હિસાબ બતાવીને કહ્યું, ‘તમારી ઇચ્છા હોય તે આમાંથી લઈ જાઓ.’ અગસ્ત્ય ઋષિ તો તટસ્થ હતા. આવકજાવકના આંકડા સરખા હતા, એમાંથી કશું ધન લેવાય તો બીજા જીવ દુઃખી થાય. એટલે બંને રાજાઓને લઈને અગસ્ત્ય ઋષિ પુરુકુત્સના પુત્ર ત્રસદત્યુ રાજા પાસે ગયા. એ રાજાએ પણ સામે ચાલીને જઈને બધાનો આદરસત્કાર કર્યો, પછી ત્રણેને સાંત્વન આપીને આવવાનું કારણ પૂછ્યું. અગત્સ્ય ઋષિએ કહ્યું, ‘હે રાજન્, અમે બધા તમારી સાથે ધનની ઇચ્છાથી આવ્યા છીએ. તમારી શક્તિ પ્રમાણે, બીજાઓને નુકસાન ન થાય એ રીતે તમે અમને ધન આપો.’ એ રાજાએ પણ પોતાની આવકજાવક બતાવીને કહ્યું, ‘ હવે તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે માગો.’ અગસ્ત્ય ઋષિએ પણ આવકજાવક સરખાં જોઈને વિચાર્યું, ‘આ ધનમાંથી કશું લઈશું તો બીજા જીવોને નુકસાન થશે.’ એ બધા રાજા એકબીજાની સામે જોવા લાગ્યા. પછી અગસ્ત્ય ઋષિને કહ્યું, ‘આ ધરતી પર ઇલ્વલ નામનો રાક્ષસ ધનવાન છે. ચાલો, તેની પાસે જઇને ધન માગીએ.’ આમ ઇલ્વલ પાસે ગયા વિના કોઈ રીતે ધન મળી શકતું ન હતું, એટલે પછી બધા ઇલ્વલ રાક્ષસ પાસે ગયા. ઇલ્વલે તેમના આગમનના સમાચાર સાંભળીને પોતાના મંત્રીઓને લઈને તે બધાનો આદરસત્કાર કરવા ગયો. પછી તે બધાને જમાડવા માટે પોતાના ભાઈ વાતાપિને રાંધ્યો. આ ત્રણે રાજાઓ બકરાના રૂપે વાતાપિને રાંધેલો જોઈ બેહોશ થઈ ગયા. પછી અગસ્ત્યે તે રાજાઓને કહ્યું, ‘તમે કશી ચિંતા ન કરતા. હું આ રાક્ષસને ખાઈ જઈશ.’ પછી અગસ્ત્ય પ્રધાન આસન પર બેઠા, ઇલ્વલ હસતાં હસતાં તેમને ભોજન પીરસવા લાગ્યો. અગસ્ત્ય એકલા જ વાતાપિના માંસને ખાઈ ગયા. પછી ઇલ્વલે વાતાપિના નામની બૂમ પાડી. મહાત્મા અગસ્ત્યને વાછૂટ થઈ. પોતાના ભાઈને પચી ગયેલો જોઈ ઇલ્વલ બહુ ગભરાઈ ગયો. ત્યારે હાથ જોડીને તે રાક્ષસ બોલ્યો, ‘બોલો, તમે શા માટે આવ્યા છો? હું તમારી શી સેવા કરું?’ એટલે અગસ્ત્ય ઋષિએ હસતાં હસતાં કહ્યું, ‘અમે તો તને ધનેશ્વર કુબેર માનીએ છીએ. આ ત્રણે રાજા એવા ધનવાન નથી. મારે ધનની બહુ જરૂર છે. તું તારી શક્તિ પ્રમાણે, બીજાઓને દુઃખ ન પહોંચે એ રીતે અમને ધન આપ.’ આ સાંભળી અગસ્ત્યને ઇલ્વલે કહ્યું, ‘તમારે કેટલું ધન જોઈએ છે એ મને કહો તો હું તમને આપું.’ અગસ્ત્ય ઋષિ બોલ્યા, ‘તારા મનમાં દરેક રાજાને દસ હજાર ગાય અને એટલું જ સોનું આપવાની ઇચ્છા છે. તેં મનમાં આ બધાથી બમણું ધન, એક સોનાનો રથ, મનોવેગી બે ઘોડા આપવાનો વિચાર કર્યો છે. એ તપાસ કર કે એ રથ સોનાનો છે કે નહીં.’ એ રથ સોનાનો હતો. પછી રાક્ષસ બહુ ગભરાયો અને તેણે માગ્યાથી પણ વધારે ધન અગસ્ત્યને આપ્યું. આ બધું ધન-ઘોડા લઈને બધા અગસ્ત્ય ઋષિના આશ્રમે ગયા. પછી રાજાઓ પોતપોતાના નગરમાં ગયા. ધન વડે ઋષિએ લોપામુદ્રાની બધી ઇચ્છા પૂરી કરી. ‘તમે મારી બધી ઇચ્છા પૂરી કરી છે. હવે તમે એક પરાક્રમી પુત્ર આપો.’ અગસ્ત્યે કહ્યું, ‘હું તારા ચારિત્ર્યથી બહુ ખુશ છું. પુત્રની બાબતમાં મારો વિચાર સાંભળ. બોલ, તારે કેટલા પુત્ર જોઈએ છે? હજાર? દસ જેવા સો? કે સો સમાન દસ કે હજાર જેવો એક?’ લોપાએ કહ્યું, ‘મારે એક જ પુત્ર જોઈએ છે. હજાર ખરાબ પુત્ર કરતાં એક પુત્ર સારો.’ અગસ્ત્ય ઋષિએ તેની વાત સ્વીકારીને તેની સાથે સહવાસ કર્યો. લોપા સગર્ભા થઈ. અગસ્ત્ય વનમાં જતા રહ્યા, પછી લોપાએ સાત વરસ ગર્ભ ટકાવ્યો. પછી અગ્નિ જેવો તેજસ્વી દૃઢસ્યુ નામનો પુત્ર જન્મ્યો. તે જન્મથી જ વેદ-વેદાંગ ભણવા લાગ્યો. બાળક હતો ત્યારથી તેણે પિતાને ત્યાં ઇંધણની જવાબદારી ઊપાડી હતી, એટલે તેનું નામ ઈધમ્વાહ પડ્યું. આવા ઉત્તમ પુત્રને જોઈને ઋષિ આનંદ પામ્યા, તેમના પિતૃઓનો પણ ઉદ્ધાર થયો.’ (આદિ પર્વ, ૯૪થી ૯૭)

અગસ્ત્ય અને વંધ્યાિચળની કથા

સૂર્યનો એક નિત્યક્રમ હતો. સવારે અને સાંજે પર્વતશ્રેષ્ઠ મેરુની પ્રદક્ષિણા કરવી. દરરોજ સૂર્યની આ પ્રદક્ષિણા જોઈને વિંધ્યાચળનું મન લલચાયું. સૂર્ય મારી પણ પ્રદક્ષિણા કરે તો? એટલે વિંધ્યાચળે સૂર્યને કહ્યું, ‘અરે સૂર્ય, જેવી રીતે તમે દરરોજ મેરુની પ્રદક્ષિણા કરો છો એવી રીતે મારી પણ પ્રદક્ષિણા કરો ને!’ આ સાંભળીને સૂર્યે કહ્યું, ‘હું કંઈ મારી પોતાની ઇચ્છાથી આ પ્રદક્ષિણા કરતો નથી. આ જગત કોણે સર્જ્યું? પરમાત્માએ! તો તેમણે જ મારો માર્ગ નિશ્ચિત કર્યો છે.’ સૂર્યની આ વાત સાંભળીને વિંધ્યાચળ શાંત રહે ખરો? તે તો ક્રોધે ભરાયો. સૂર્ય-ચંદ્રનો માર્ગ રોકી રાખવા તે ઊંચો ને ઊંચો થવા લાગ્યો. આ જોઈને ઇન્દ્ર અને બધા દેવો ચિંતામાં પડી ગયા. તે બધા વિંધ્યાચળ પાસે ગયા. કેટલી બધી રીતે તેને સમજાવ્યો પણ તેણે દેવતાઓની એકે વાત ન માની. હવે? બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં એટલે અગસ્ત્ય ઋષિ પાસે ગયા અને વાત કરી, ‘આ વિંધ્યાચળ તો ક્રોધે ભરાયા છે અને સૂર્ય-ચંદ્રનો માર્ગ રોકવા બેઠા છે. તે ઊંચા ને ઊંચા થઈ રહ્યા છે, હે ભગવન્, તમારા સિવાય વિંધ્યાચળને કોઈ રોકી નહીં શકે.’ એટલે ઋષિ પોતાની પત્નીને લઈને વિંધ્યાચળ પર્વત પાસે ગયા. તેને તેમણે કહ્યું, ‘મારે દક્ષિણ દિશામાં જવું પડે એમ છે. તું મને રસ્તો આપે તો હું જઉં. હું પાછો ન આવું ત્યાં સુધી તારે આમ જ રહેવાનું. પાછો આવું ત્યાર પછી તારે વધવું હોય એ રીતે વધજે.’ અગસ્ત્ય ઋષિ આ રીતે વિંધ્યાચળને બોલે બાંધી દક્ષિણમાં ગયા તે ગયા. (આરણ્યક પર્વ, ૧૦૨)

કુબેર અને અગસ્ત્ય

કુબેર એક કથા કહે છે, ‘એક વેળા કુશવતી નામના સ્થળે દેવસભા મળી હતી. આમંત્રણ મળવાને કારણે હું પણ ત્રણસો યક્ષોને લઈને ગયો હતો. મારી સાથે જે યક્ષો હતા તે શસ્ત્રધારી અને ભયાનક આકૃતિવાળા હતા. મેં માર્ગમાં પક્ષીઓ અને પુષ્પોવાળાં વૃક્ષો ધરાવતા યમુનાકિનારે આકરું તપ કરતા ઋષિ અગસ્ત્યને જોયા. તેઓ સૂર્ય સામે હાથ ઊંચા કરીને બેઠા હતા. તે તેજસ્વી ઋષિને જોઈને મારો એક મિત્ર મણિમાન મૂર્ખતા, અજ્ઞાન, ગર્વને કારણે થૂંક્યો, તે થૂંક આકાશમાંથી સરીને મહર્ષિ અગસ્ત્ય પર જઈ પડ્યું. અગસ્ત્યે આ જોઈને મને કહ્યું, ‘તમારા આ દુષ્ટ મિત્રે તમારી આંખો સામે મારું અપમાન કર્યું છે એટલે તે પોતાની બધી સેવાને લઈને એક મનુષ્યના હાથે મૃત્યુ પામશે. એ બધા મૃત્યુ પામશે એટલે તમને એનું ભારે દુઃખ થશે. આ સેનામાં જે તમારી આજ્ઞાનું પાલન કરશે તે પુત્ર-પૌત્રો સહિત બચી જશે. હવે તમે જાઓ.’ (આરણ્યક પર્વ, ૧૫૮)

વૃત્રાસુર-દધીચિ અને કાલકેય રાક્ષસોની કથા

સતયુગમાં ઘોર, વીર કાલેય નામના રાક્ષસ થઈ ગયા. તે બધાએ વૃત્રાસુરને રાજા બનાવ્યો, અને પછી અનેક અસ્ત્ર-શસ્ત્ર લઈને તેઓ દેવતાઓ ઉપર ટૂટી પડ્યા. શરૂઆતમાં તો વૃત્રને મારવા દેવતાઓ મથ્યા પણ જ્યારે તેમ કરી ન શક્યા ત્યારે તેઓ ઇન્દ્રની આગેવાની હેઠળ બ્રહ્મા પાસે ગયા. પ્રણામ કરી રહેલા દેવતાઓને જોઈને બ્રહ્માને કહ્યું, ‘હે દેવતાઓ, તમે શા માટે આવ્યા છો તે મને ખબર છે. વૃત્રાસુરને મારવાનો ઉપાય તમને કહું છું. એક ઉદાર ઋષિ છે.તેમનું નામ દધીચિ. તમે બધા તેમની પાસે જઈને વરદાન માગો. એ ઋષિ તો ધર્માત્મા છે. તમને રાજી થઈને વરદાન આપશે. તમારે ઋષિને કહેવાનું — ત્રણે લોકના હિત માટે અમને તમારાં અસ્થિ આપો. એટલે તેઓ પોતાનો દેહ ત્યજી દેશે અને અસ્થિ આપશે, એ હાડકાંમાંથી તમે વજ્ર બનાવો. આ શસ્ત્રની છ ધાર હશે, એનો અવાજ ભયાનક હશે, આ વજ્રથી તમે વૃત્રાસુરને મારી શકશો. મેં તમને રસ્તો બતાવ્યો, હવે જાઓ, જલદી કામ કરો.’ બ્રહ્માની વાત સાંભળીને તેમણે નારાયણ ભગવાનને આગળ કર્યા અને તેઓ દધીચિ ઋષિના આશ્રમે પહોંચ્યા. સરસ્વતીના સામે કિનારે આશ્રમ. અનેક વૃક્ષો, લતાઓથી ઘેરાયેલા, કોયલનું કુંજન સંભળાયા કરે. સામગીત ગાનારાઓની જેમ ત્યાં ભમરા ગુંજ્યા કરે. પાડા, સૂવર, હરણ, ચમરી ગાય, વાઘ — જરાય ભય વિના ત્યાં ફરતા હતા. મદોન્મત્ત હાથી-હાથણીઓ તળાવમાં જળક્રીડા કરતા હતા. મોટે મોટેથી ગર્જના કરતા વાઘ-સિંહ હતા. ગુફાઓમાં જાતજાતનાં જંતુઓનો ગુંજારવ સંભળાતો હતો. એ આશ્રમ સુંદર, સમૃદ્ધ સ્વર્ગ જેવો જ હતો, ત્યાં દેવતાઓએ આવીને બ્રહ્મા-સૂર્ય જેવા તેજસ્વી દધીચ ઋષિને જોયા. દેવતાઓએ તેમને નમન કરીને બ્રહ્માએ કહ્યું હતું તે પ્રમાણે વરદાન આપ્યું. દધીચ ઋષિએ રાજી થઈને દેવતાઓને કહ્યું, ‘તમારે માટે જે કંઈ હિતકારક હશે તે કરીશ. હું સ્વેચ્છાએ શરીરત્યાગ કરું છું.’ આમ કહીને દધીચ ઋષિએ પ્રાણત્યાગ કર્યો અને દેવતાઓએ તેમનાં અસ્થિ ભેગા કર્યાં. તેમણે તો હવે વિજય આપણો જ છે એમ માની લીધું. વિશ્વકર્માને અસ્થિ સોંપીને તેમાંથી વજ્ર બનાવવા કહ્યું. વિશ્વકર્માએ એમાંથી વજ્ર બનાવ્યું, અને ઇન્દ્રને કહ્યું, ‘આ શ્રેષ્ઠ વજ્ર વડે તમે આજે એ ભયાનક રાક્ષસનો વધ કરો. અને પછી સ્વજનો સાથે સ્વર્ગનું રાજ ભોગવો.’ વિશ્વકર્માની વાત સાંભળીને ઇન્દ્રે પ્રસન્ન થઈ વજ્ર હાથમાં લીધું. પછી બળવાન દેવતાઓને આગળપાછળ રાખીને ઇન્દ્ર મસમોટી કાયાવાળા કાલકેય રાક્ષસોથી સુરક્ષિત રહેતા વૃત્ર સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા. પછી થોડી વાર માટે તો લોકોને ભયભીત કરનારું યુદ્ધ દેવ-દાનવ વચ્ચે થયું. પછી તો શત્રુઓના શરીર પર વીંઝાતી તલવારોનો અવાજ સંભળાયો, તલવારો બીજી તલવારો સાથે અથડાઈને પણ ઘોર અવાજ કરતી હતી. તાડ વૃક્ષ પરથી ખરી જતાં ફળની જેમ શત્રુઓનાં મસ્તક કપાઈને નીચે પડતાં હતાં. કાલકેય રાક્ષસો સોનાનાં કવચ પહેરીને દેવતાઓ સામે દવ લાગેલ ડુંગરો દોડતા હોય એવી રીતે ધસી ગયા. એક સાથે મળીને દોડી આવેલા રાક્ષસોની સામે દેવતાઓ ટકી ન શક્યા એટલે આમતેમ વિખરાઈ ગયા. તેઓને ભાગતા જોઈને અને વૃત્રને આગળ વધતો જોઈને ઇન્દ્ર પણ ડરી ગયા. વિષ્ણુ ભગવાને ઇન્દ્રને ભયભીત થયેલા જોઈ તેમનામાં પોતાનું તેજ સિંચ્યું. અને એને કારણે ઇન્દ્રની શક્તિ વધી ગઈ. ઇન્દ્રમાં વિષ્ણુનું તેજ ઉમેરાયેલું જોઈને બધા દેવોએ અને ઋષિઓએ પણ પોતાનું તેજ ઇન્દ્રમાં ઉમેર્યું; હવે આ બધાના તેજ વડે ઇન્દ્ર બહુ બળવાન થઈ ગયા. વૃત્રાસુરે જોયું કે ઇન્દ્ર બળવાન થઈને યુદ્ધ કરવા આવ્યો છે એટલે તે મોટેમોટેથી ગર્જના કરવા લાગ્યો, તેની ગર્જનાથી પૃથ્વી, દસે દિશાઓ, આકાશ, દ્યુલોક અને પર્વતો પણ ધૂ્રજવા લાગ્યા. એ ભયાનક અવાજ સાંભળીને ઇન્દ્રે વજ્ર તેના પર ફેંક્યું. શરીરે સુવર્ણમાળા પહેરીને ઊભેલા વૃત્ર પર વજ્રનો પ્રહાર થયો એટલે વૃત્ર નીચે પડી ગયો — ભૂતકાળમાં વિષ્ણુ ભગવાનના હાથમાં છટકીને પર્વતશ્રેષ્ઠ મંદરાચલ પડી ગયો હતો તેમ વૃત્ર પણ પડ્યો. એ રાક્ષસનું મૃત્યુ થયું એટલે ઇન્દ્ર તો આકળવિકળ થઈને તળાવમાં પેસવા ગયા. ભયને કારણે ઇન્દ્રે પોતાના હાથમાંથી છૂટેલું વજ્ર ન જોયું, ન મરતા વૃત્રને જોયા. બધા દેવતાઓએ અને ઋષિઓએ આનંદમાં આવી જઈને ઇન્દ્રનો જયજયકાર કર્યો, બધા દેવતાઓએ ભેગા થઈને વૃત્રાસુરના મૃત્યુથી દુઃખી થયેલા બધા દાનવોનો વધ કર્યો. દેવતાઓ દાનવોનો સંહાર કરી રહ્યા હતા તે જોઈને બીજા દાનવો ડરી જઈને સમુદ્રમાં ભરાઈ ગયા. માછલીઓ અને રત્નોથી ભરેલા સમુદ્રમાં પ્રવેશીને ત્રણે લોકનો વિનાશ કેવી રીતે થાય તેની ચર્ચા દાનવો ભેગા મળીને કરવા લાગ્યા. તેમાં કેટલાક તો બુદ્ધિશાળી દાનવો પણ હતા, તેમણે જાતજાતના ઉપાયો કહ્યા. છેવટે પ્રારબ્ધે દોરવેલા દાનવોએ સર્વસંમતિથી નક્કી કર્યું કે જે ઋષિઓ વિદ્યાવાળા છે અને તપ કરે છે તેમની હત્યા સૌથી પહેલાં કરવી જોઈએ. બધા લોક તપ વડે જ ટકે છે, એટલે સૌથી પહેલાં તો આ તપનો નાશ કરીએ. આ પૃથ્વી પર જે તપસ્વી છે, ધર્મજ્ઞ છે એમનો જ નાશ સૌથી પહેલાં થવો જોઈએ, એ નહીં હોય તો જગતનો વિનાશ આપોઆપ થશે. આમ વરુણ દેવના નિવાસ એવા સમુદ્રમાં ભરાઈને દાનવો આખા જગતનો વિનાશ કરવાનો નિર્ધાર કરીને રાજી રાજી થઈ ગયા. સમુદ્રમાં ભરાઈ બેઠેલા આ રાક્ષસો રાતે બહાર નીકળતા અને ઋષિમુનિઓના આશ્રમમાં જઈ તે મુનિઓને ખાઈ જતા હતા. આમ કરતાં કરતાં વસિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈ એકસો અઠયાસી ઋષિઓને અને નવ તપસ્વીઓને મારીને ખાધા. ચ્યવન મુનિના આશ્રમમાં જઈને કંદમૂળ ખાનારા સો મુનિઓને ખાઈ ગયા. ભરદ્વાજ મુનિના આશ્રમમાં જઈને બ્રહ્મચારી, વાયુ-જળ પર જીવનારા વીસ ઋષિઓને ખાઈ ગયા. આમ આ રાક્ષસો રાતે મુનિઓની હત્યા કરીને દિવસે સમુદ્રમાં પેસી જતા હતા. રાક્ષસો પોતાના પરાક્રમથી છકી જઈને રાતે જુદા જુદા આશ્રમોમાં વિઘ્નો ઊભા કરવા લાગ્યા. કાળવશ થયેલા આ કાલેય રાક્ષસોએ અનેક ઋષિઓની હત્યા કરી. આ મુનિઓને મારનારા દૈત્યોને કોઈ ઓળખાતું ન હતું. ઓછા ભોજનને કારણે દૂબળા પડી ગયેલા મુનિઓ સવારે ઊઠીને જોતા હતા કે કેટલાય તપસ્વીઓ પૃથ્વી પર મરેલા પડ્યા છે. તેમના શરીરોમાં માંસ, લોહી, મજ્જા, આંતરડાં ન રહે, માત્ર હાડકાં જ રહે, શંખોના ઢગલા પડ્યા ન હોય તેમ એમનાં હાડકાં ઠેરઠેર દેખાતાં હતાં. ભાંગેલાં કળશ, ટૂટી ગયેલા સુરવા ત્યાં પડી રહ્યા હતા. કાલેય રાક્ષસોની બીકને કારણે આખું જગત વેદપાઠ વિનાનું થઈ ગયું, યજ્ઞયાગાદિ બંધ થઈ ગયા, જગતમાં ઉત્સાહનું નામોનિશાન ન રહ્યું. આવું થવાને કારણે પુરુષોની સંખ્યા ઘટવા લાગી, બધા બીકને કારણે દસે દિશાઓમાં ભાગવા લાગ્યા. કેટલાક ગુફાઓમાં પેસી ગયા, કેટલાક ઝરણાંમાં સંતાઈ ગયા, કેટલાકે તો આત્મહત્યા કરી લીધી. કેટલાકને પોતાની શક્તિનું અભિમાન હતું, તેઓ રાક્ષસોને શોધવા મથ્યા. પણ તેમને સમુદ્રવાસી રાક્ષસો ન મળ્યા, થાકીહારીને બેસી ગયા, ઘણા તો મૃત્યુ પામ્યા. આમ જગતમાં ભયભીત થયેલા એ દેવતાઓ નારાયણ પાસે ગયા. ‘હે ભગવાન, અમારું જગત તમે સર્જ્યું, બીજાં જગત પણ તમે સર્જ્યાં, તમે બધાનું પાલન કરો છો, બધાની રક્ષા કરો છો — જે ચર-અચર જગત છે તેનું સર્જન પણ તમે જ કર્યું છે. ભૂતકાળમાં જ્યારે પૃથ્વી ડૂબી ગઈ હતી ત્યારે તમે જ વરાહ રૂપ લઈને તેનો ઉદ્ધાર કર્યો હતો. નરસિંહનું રૂપ લઈને હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. બલી નામના અસુરને કોઈ કરતાં કોઈ મારી શકતું ન હતું ત્યારે તમે વામન અવતાર લઈ તેની પાસેથી ત્રણે લોક છિનવી લીધા હતા, યજ્ઞોનો નાશ કરનાર જંભ નામના રાક્ષસને પણ તમે જ માર્યો હતો. તમારાં પરાક્રમોની તો શી વાત કરીએ? ગણી ન શકાય એટલાં બધાં પરાક્રમો છે. અમારા દેવતાઓનો ઉદ્ધાર તો તમે જ કરી શકો. અમે પ્રજાના કલ્યાણ માટે તમારી પાસે આવ્યા છીએ, હે ભગવાન, તમે દેવતાઓ, ઇન્દ્ર અને પ્રજાને આ ભયાનક આપત્તિમાંથી ઉગારો. હે ભગવાન, દાન આપવાથી ચાર પ્રકારની પ્રજા વૃદ્ધિ પામે છે, તેઓ વૃદ્ધિ પામીને હવ્ય-કવ્યથી દેવતાઓની પૂજા કરે છે અને તેમની વૃદ્ધિ કરે છે. આ રીતે એકબીજાના આશ્રયે લોકો વૃદ્ધિ પામે છે, તમારી કૃપાથી અને તમે રક્ષા કરો છો એટલે બધા જીવ નિર્ભય થઈને સુખેથી જીવે છે. અત્યારે એક મોટો ભય ઊભો થયો છે, રાતે કોણ આવીને બ્રાહ્મણોની હત્યા કરે છે એની અમને જાણ નથી. બ્રાહ્મણોનો નાશ થવાથી પૃથ્વીનો નાશ થશે, પૃથ્વીનો નાશ થવાથી સ્વર્ગનો નાશ થશે, ભગવાન, તમારી દયા થાય તો જ બધા લોકો બચી શકશે. જો તમે હાથ ઝાલો તો કોઈનો નાશ ન થાય.’ વિષ્ણુ બોલ્યા, ‘દેવતાઓ, પ્રજાના નાશનું કારણ જાણું છું. તમને હું કહું છું, સાંભળો. કાલેય નામના રાક્ષસોની એક ટોળી છે, વૃત્રાસુરનો આશ્રય લઈને તેમણે આખા જગતને હેરાનપરેશાન કરી નાખ્યું છે. હજાર આંખોવાળા અને બુદ્ધિમાન ઇન્દ્રે વૃત્રાસુરને માર્યો એટલે પોતાનો જીવ બચાવવા સમુદ્રમાં પેસી ગયા છે. મગર અને બીજાં હિંસક પ્રાણીઓને કારણે ભયાનક એવા સમુદ્રમાંથી રાતે બહાર નીકળે છે અને ઋષિમુનિઓની હત્યા કરે છે. એમનો નાશ થઈ શકે એમ નથી કારણ કે તેઓ સમુદ્રમાં રહે છે, હવે તમે સમુદ્રને સૂકવી નાખવાનો ઉપાય વિચારો, અગસ્ત્ય તો કોણ સમુદ્રને સૂકવી શકે?’ વિષ્ણુએ આવી વાત કરી એટલે બ્રહ્માની આજ્ઞા લઈને બધા દેવ અગસ્ત્ય ઋષિના આશ્રમે આવ્યા. જેવી રીતે દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માને પૂજે તેવી રીતે ઋષિઓ અગસ્ત્યની પૂજા કરતા હતા. દેવતાઓ મિત્રાવરુણના પુત્ર અગસ્ત્યને જોઈને રાજી થયા, તેમની સ્તુુતિ કરીને કહેવા લાગ્યા, ‘નહુષને કારણે જગત દુઃખી દુઃખી થઈ ગયું હતું ત્યારે લોકહિત માટે તમે જ તેને સ્વર્ગમાંથી નીચે પાડ્યો હતો. વિંધ્યાચળ સૂર્ય ઉપર ક્રોધે ભરાઈને ઊંચો ને ઊંચો વધવા લાગ્યો હતો ત્યારે તમારી આજ્ઞાથી તે વધતો અટકી ગયો. બી ગયેલા દેવતાઓની તમે જ શરણાગતિ છો, અમે દુઃખી થઈને તમારી પાસે વરદાન માગવા આવ્યા છીએ.’ અગસ્ત્ય ઋષિએ દેવતાઓને પૂછ્યું, ‘તમે મારી પાસે શા માટે આવ્યા છો? મારી પાસેથી કયું વરદાન માગો છો?’ દેવતાઓએ પછી ઋષિને કહ્યું, ‘અમારી ઇચ્છા છે કે તમે સમુદ્રપાન કરો, તમે આટલું કરશો તો અમે કાલેય રાક્ષસોને તેમના પરિવાર સાથે મારી શકીશું.’ અગત્સ્ય ઋષિએ લોકહિત માટે આ કાર્ય કરવાની હા પાડી. આમ કહી અગસ્ત્ય ઋષિ દેવતાઓ તથા ઋષિઓને લઈને સરિતાપતિ સમુદ્ર પાસે ગયા. એમની પાછળ પાછળ આ અદ્ભુત દૃશ્ય જોવા માનવીઓ, નાગલોકો, ગંધર્વો, યક્ષ-કિન્નરો ત્યાં ગયા. બધા એકઠા થઈને ગાજી રહેલા સમુદ્રકાંઠે પહોંચ્યા. ત્યાં તરંગો હતા, પવન વાતો હતો. અગસ્ત્યની સાથે સાથે દેવતાઓ, ગંધર્વો, ઋષિઓ પણ કાંઠે પહોંચ્યા. અગસ્ત્ય ઋષિ ત્યાં આવેલા સૌ કોઈને કહેવા લાગ્યા, ‘હું બધા લોકોના હિત માટે આ સમુદ્ર પી જઈશ. પછી તમારે જે કરવું હોય તે કરજો.’ પછી બધાના દેખતાં સમુદ્રપાન કર્યું. આ જોઈને બધા નવાઈ પામીને અગસ્ત્યની પૂજા કરવા લાગ્યા. ‘તમે અમારા રક્ષક છો. તમે અમને ધારણ કરો છો, તમે બધાના પ્રભુ છો, તમારી કૃપાથી જ આ જગતનો નાશ નથી થતો.’ આમ દેવતાઓએ પૂજા કરી, ગાંધર્વોએ વાજંત્રિ વગાડ્યાં, દિવ્ય પુષ્પોની વર્ષા કરી, મુનિએ સમુદ્રને ખાલી કરી નાખ્યો. સમુદ્ર ખાલી થઈ ગયો એટલે દેવતાઓ પ્રસન્ન થઈને ઉત્તમ અસ્ત્રશસ્ત્ર લઈને ટૂટી પડ્યા, હવે રાક્ષસો તો મરવા લાગ્યા. સ્વર્ગના બળવાન દેવતાઓના હુમલા દાનવો ખાળી ન શક્યા. છતાં એક મુહૂર્ત સુધી ભયાનક યુદ્ધ દાનવોએ કર્યું. દાનવો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તે બધા પાતાળમાં પહોંચી ગયા. દાનવોને મૃત્યુ પામેલા જોઈ દેવતાઓએ કહ્યું, ‘તમારી કૃપાથી જ અમે સુખી થયા, તમારા તેજથી જ કાલેય રાક્ષસો નાશ પામ્યા. હવે તમે જે પાણી પી ગયા છો તે પાછું કાઢીને સમુદ્રને છલકાવી દો.’ ‘એ પાણી તો પચી ગયું. સમુદ્ર ભરવાનો બીજો કોઈ ઉપાય વિચારો.’ આ સાંભળીને દેવતાઓ દુઃખી થયા, નિરાશ થયા. પછી બધા લોકો પોતપોતાને સ્થાને ગયા. દેવતાઓ બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માએ તેમને કહ્યું, ‘તમે હવે વિખરાઈ જાઓ. પોતાના સ્વજનોના ઉદ્ધાર માટેના ભગીરથના પુરુષાર્થથી આ સમુદ્ર છલકાઈ જશે.’ (આરણ્યક પર્વ, ૯૮થી ૧૦૩)

વિભાંડક ઋષિ અને ઋષ્યશૃંગની કથા

(અહીં આગળ કશ્યપ ગોત્રના ઋષિ વિભાંડકનો ‘પુણ્યઆશ્રમ’ છે. તેમના પુત્રનું નામ ઋષ્યશૃંગ હતું. તેમણે પોતાના તપના પ્રભાવથી ઇન્દ્ર પાસે વર્ષા વરસાવી હતી. તે દિવસોમાં દેશમાં ભયંકર દુકાળ પડ્યો હતો. ઋષ્યશૃંગ મુનિથી ડરી જઈને ઇન્દ્રે પુષ્કળ વર્ષા કરી હતી. તે તેજસ્વી અને સમર્થ મુનિ હરણીના પેટે જન્મ્યા હતા, તેમણે રાજા લોમપાદના રાજ્યમાં એક અદ્ભુત કાર્ય કર્યું હતું. વર્ષાને કારણે ખેતરો લીલાંછમ બની ગયાં, જેવી રીતે સૂર્યદેવે પોતાની પુત્રી સાવિત્રીનું લગ્ન બ્રહ્મા સાથે કર્યું હતું તેવી રીતે રાજાએ પોતાની પુત્રી શાન્તાનું લગ્ન ઋષ્યશૃંગ સાથે કર્યું. હવે લોમશ મુનિ યુધિષ્ઠિરને ઋષ્યશૃંગની કથા કહી સંભળાવે છે. આ કથા રામાયણમાં પણ આવે છે.) વિભાંડક ઋષિ એક વિશાળ સરોવર કિનારે બેસીને તપ કરી રહ્યા હતા, લાંબા સમય સુધી તપ કરવાને કારણે તેઓ દેવતાઓના તથા ઋષિઓના પ્રિય બની ગયા હતા. એક દિવસ પાણીમાં સ્નાન કરતી ઉર્વશીને જોઈ, એને જોતાંવેંત તેમને વીર્યાવ થઈ ગયો. એક તરસી હરણી પાણી સાથે એ વીર્ય પી ગઈ, બ્રહ્માનું વચન અમોઘ હોવાને કારણે તે હરણી ગાભણી થઈ. અને તેના પેટે ઋષ્યશૃંગનો જન્મ થયો. નાનપણથી જ તેઓ તપ કરવાને નિમિત્તે વનમાં જ રહ્યા, આ બાળકના માથા પર એક શિંગડું હતું એટલે તેઓ ઋષ્યશૃંગના નામે જાણીતા થયા. તેમણે જન્મથી માંડીને ક્યારેય પોતાના પિતા સિવાય બીજી કોઈ પણ વ્યક્તિને જોઈ જ ન હતી. પરિણામે પહેલેથી તેમનું મન બ્રહ્મચર્યમાં પરોવાયેલું રહ્યું. એ સમયે દશરથ રાજાના એક મિત્ર લોમપાદ અંગરાજ્યમાં શાસન કરતા હતા. એવું સાંભળ્યું છે કે લોમપાદે બુદ્ધિ ભ્રમિત થવાને કારણે કોઈ બ્રાહ્મણને ધન આપવાનું વચન આપ્યા છતાં ધન આપ્યું નહીં એટલે બ્રાહ્મણોએ લોમપાદ રાજાનો બહિષ્કાર કર્યો. પુરોહિતને કારણે કે બીજા કોઈ કારણે તેમના રાજ્યમાં વરસાદ ન પડ્યો. એટલે લોમપાદે દુકાળ નિવારણમાં નિપુણ એવા તપસ્વી બ્રાહ્મણોને બોલાવી પૂછ્યું, રાજાને તેમણે કહ્યું, ‘તમારા પર કેટલાક બ્રાહ્મણો ક્રોધે ભરાયા છે. તેનું પ્રાયશ્ચિત્ત તમારે કરવું પડશે. તમે વિભાંડક મુનિના પુત્ર ઋષ્યશૃંગને બોલાવો. તે બ્રહ્મચારી છે, સ્ત્રીઓનો કશો અનુભવ નથી, તે વનવાસી જીવ છે. જો આ ઋષિકુમાર રાજ્યમાં પગ મૂકે તો વરસાદ પડે. એમાં કશી શંકા નથી.’ બ્રાહ્મણોની વાત સાંભળીને રાજાએ કોઈ પવિત્ર સ્થળે જઈ પ્રાયશ્ચિત્ત કર્યું અને બ્રાહ્મણોને રિઝવી પાછા આવ્યા. પ્રજાએ જ્યારે જાણ્યું કે મહારાજ પાછા આવી ગયા છે ત્યારે તેમણે ફરી રાજા તરીકે તેમનો સ્વીકાર કર્યો. પછી રાજાએ મંત્રના જાણકાર મંત્રીઓને બોલાવી તેમની સાથે ચર્ચા કરી અને ઋષ્યશૃંગને કેવી રીતે બોલાવવા તેની જાણકારી મેળવી. રાજાએ પાટનગરની મુખ્ય વારાંગનાઓને બોલાવી કહ્યું, ‘તમે કોઈ પણ રીતે ઋષ્યશ્રુંગને અહીં બોલાવી લાવો. તેના મનને મોહ પમાડો, વિશ્વાસ જન્માવીને અહીં લઈ આવો.’ રાજાની વાત સાંભળીને વારાંગનાઓને એક બાજુ રાજાનો અને બીજી બાજુ ઋષિના શાપનો ભય લાગ્યો. ત્યારે તેમણે રાજાને કહ્યું, ‘મહારાજ, આ કામ થઈ નહીં શકે.’ પછી એક વૃદ્ધાએ રાજાને કહ્યું, ‘મહારાજ, એ તપસ્વી ઋષિને અહીં લાવવાનો હું પ્રયત્ન કરીશ. પરંતુ મારી ઇચ્છામાં આવે તે પ્રમાણે કરવાની મને મંજૂરી આપો. તો જ હું ઋષ્યશંૃગને લોભાવી શકીશ.’ રાજાએ તેના મનની વાત જાણી લીધી, તેને ઘણું ધન અને વિવિધ રત્નો આપ્યાં. તે વૃદ્ધા નવયૌવનવાળી અને રૂપાળી અનેક સ્ત્રીઓને લઈને વનમાં ગઈ. તે વૃદ્ધાએ રાજાની આજ્ઞાનું પાલન કરીને એક નૌકા પર આશ્રમ ઊભો કર્યો, કૃત્રિમ રીતે ઊભા કરેલાં એ આશ્રમમાં અનેક ફૂલ, ફળાઉ વૃક્ષો હતાં. તે નૌકાને વિભાંડક ઋષિના આશ્રમ પાસે જ નાંગરી, મુનિના આશ્રમે પોતાની દૂતી મોકલી. એક દિવસ વિભાંડક ઋષિ આશ્રમની બહાર નીકળ્યા તે જોઈને તે વૃદ્ધાએ પોતાની પુત્રીને બધી સમજ પાડીને ઋષ્યશૃંગ પાસે મોકલી. તેણે આશ્રમમાં જઈને તપસ્વી મુનિના પુત્ર શૃંગી ઋષિને જોયા. તેણે પૂછ્યું, ‘તમારા આશ્રમમાં તપસ્વીઓ કુશળ તો છે ને! તમારે ત્યાં ફળ-મૂળ તો થાય છે ને? આશ્રમમાં આનંદપૂર્વક વિહાર તો કરી શકો છો ને? હું આજે તમને મળવા જ આવી છું. કહો, તમારા આશ્રમના તપસ્વીઓનું તપ તો વધે છે ને? તમારા પરમ તેજસ્વી પિતા તમારા પર વહાલ તો વરસાવે છે ને? તમારો વેદ પાઠ તો સારી રીતે થાય છે ને?’ ઋષ્યશ્રુંગે આ સાંભળી કહ્યું, ‘તમે બધી રીતે સમૃદ્ધ હોઈ પ્રકાશની જેમ ચમકો છો એટલે હું તમને પ્રણામ કરું છું. હું નિયમ પ્રમાણે તમને પાદ્ય, અર્ઘ્ય, ફલમૂળ આપીશ. અહીં કુશનું આસન પડ્યું છે, તેના પર કાળા હરણનું ચામડું છે. તમે એના પર નિરાંતે બેસો. તમારો આશ્રમ ક્યાં છે? તમારું નામ શું? દેવસમાન તમે કયું વ્રત પાળો છો?’ આ સાંભળી વારાંગનાએ ઉત્તર આપ્યો, ‘મારો સુંદર આશ્રમ આ પર્વત પાસે થોડે દૂર છે. તમારે મને પ્રણામ કરવાના ન હોય. તમે આપેલું પાણી પણ હું નહીં અડું.’ ઋષ્યશૃંગે તેને પાકાં ભિલામાં, આમળાં, ઇંગુદી વગેરે ફળ આપવા ઇચ્છ્યાં. પણ તે વારાંગનાએ એ બધાંનો અસ્વીકાર કર્યો અને ઋષ્યશંૃગને ઉત્તમ ભોજન આપ્યું. તે બધાનાં રંગરૂપ જોઈને અને તે ખાઈને ઋષિ પ્રસન્ન થઈ ગયા. પછી વારાંગનાએ સુગંધિત પુષ્પમાળા, રંગબેરંગી વસ્ત્ર, ઉત્તમ પેય પદાર્થો આપ્યાં, અને આનંદિત થઈને તેની સાથે હસીમજાક કરવા લાગી. પછી એક દડો લઈને વિવિધ હાવભાવ દેખાડવા લાગી, ક્યારેક મુનિના શરીરને વળગી પડતી, ક્યારેક તેમને ભેટી પડતી. લજ્જિત અને ઉન્મત્ત બનીને ક્યારેક તે રાળ, અશોકનાં ફૂલોવાળી ડાળીઓને ઝુકાવતી, ક્યારેક ફૂલો ચૂંટતી. આમ તેણે વિભાંડકપુત્રને લોભાવી દીધો. પછી ઋષ્યશૃંગના શરીરે વિકાર જોઈ તેની કાયાને વળગીને તેમની સામે જોતાં જોતાં અગ્નિહોત્રનું બહાનું કાઢીને તે ધીરે ધીરે ત્યાંથી ચાલી નીકળી. તેના ગયા પછી ઋષ્યશૃંગ કામપ્રદીપ્ત થયા અને બેસુધ જેવા બની ગયા. એકાંતમાં બેસીને તેનું જ ધ્યાન ધરવા લાગ્યા, વ્યાકુળ થઈને દીર્ઘ નિ:શ્વાસ લેવા લાગ્યા. ત્યાર પછી થોડા સમયે પિંગળ નેત્રવાળા, રોમપૂર્ણ વેદપાઠી કશ્યપમુનિના પુત્ર વિભાંડક ત્યાં આવ્યા. તેમણે પોતાના પુત્રને ઉદાસ, અન્યમનસ્ક, એકાંતમાં બેસીને ધ્યાન ધરતો, દીર્ઘ નિ:શ્વાસ નાખતો જોયો. પછી તેમણે પૂછ્યું, ‘અરે, તું આજે સમિધ લેવા કેમ ગયો નથી? અગ્નિહોત્ર તો કર્યું ને? સુક અને સુવાનો સ્પર્શ કેમ નથી કર્યો? ગાય પાસે વાછરડાને મૂક્યું નથી? અરે, આજે તું પહેલાંના જેવો નથી દેખાતો? તું ચિંતાતુર છે, આટલો ઉદાસ કેમ? મારા ગયા પછી અહીં કોણ આવ્યું હતું?’ ‘અહીં એક જટાધારી બ્રહ્મચારી આવ્યો હતો, તે બહુ લાંબો નહીં, બહુ ટૂંકો પણ ન હતો, તે કાંચનવર્ણો હતો; તેની આંખો કમળ જેવી હતી, ભૂષણો પહેરેલાં દેવ જેવો હતો. તે અત્યંત રૂપવાન, સૂર્ય જેવો તેજસ્વી હતો. તેની જટા સુગંધિત, લાંબી લાંબી, સુવર્ણાલંકારોવાળી. તેના ગળામાં એક હાર હતો. તેના ગળાની નીચે માંસનાં બે પિંડ હતા, તે સુંદર હતા. રોમહીન હતા. તેનો નાભિપ્રદેશ સુંદર હતો, તેની કમર બહુ પાતળી હતી — જાણે હતી જ નહીં, તેનાં વસ્ત્રો નીચે કટિમેખલા હતી. એક વિચિત્ર વસ્તુ તેના પગમાં હતી, તેમાંથી અવાજ આવતો હતો. તળાવમાં પ્રમત્ત હંસ બોલતા હોય એવો ધ્વનિ તે ચાલે ત્યારે આવતો હતો. મોં સુંદર હતું, અદ્ભુત હતું. તે જોઈને મને બહુ આનંદ થયો. તેનો અવાજ કોયલ જેવો હતો, તે સાંભળીને મારું હૃદય વ્યથિત થઈ ગયું. તેનો શ્વાસ વસંત ઋતુના વાયુ જેવો હતો. તે બ્રહ્મચારી ઉત્તમ સુવાસવાળો હતો. તેની જટા ઉત્તમ રીતે ગૂંથેલી હતી, માથાની વચ્ચેથી ભાગ પાડેલો હતો. તેના કાને સુંદર કુંડળ હતાં. તે બ્રહ્મચારી કોઈ ફળને જમણા હાથમાં લઈને ઉછાળ્યા કરતો હતો. જેવી રીતે પવનને કારણે વૃક્ષ ડોલે તેવી રીતે વારેવારે તે ફળ ફેંકીને કાંપતો હતો. તે દેવપુત્ર બ્રહ્મચારીને જોઈ મારા હૃદયમાં પ્રેમ અને આનંદ પ્રગટ્યા. મારા શરીરને વળગીને તેણે મારા મોંને પોતાની જટાઓમાં છુપાવી દીધું, પછી મારા મોં સાથે પોતાનું મોં જોડીને કશું કહ્યું, તેનાથી મને બહુ આનંદ થયો. મેં તેને ફળ આપ્યાં, પણ તેણે ન લીધાં- હું વ્રત કરું છું એમ કહી મને કશાક ખાદ્ય પદાર્થ આપ્યા. મારા કરતાં એનાં ફળ બહુ જુદાં હતાં. પછી અત્યંત સ્વાદિષ્ટ પાણી પીવા આપ્યું, મને એમ જ લાગ્યું કે પૃથ્વી ગતિમાં આવી ગઈ છે. પછી તેણે રેશમી દોરીમાં ગૂંથેલી સુગંધિત માળા આપી, પછી અહીં એ બધું મૂકીને તે બ્રહ્મચારી પોતાના આશ્રમમાં જતો રહ્યો. તેના જવાથી મારું મન બહેકી ગયું છે, મારું શરીર તપી ગયું છે. મને થાય છે કે હું તેના આશ્રમમાં જતો રહું, અથવા તે અહીં કાયમ રહે. હવે હું તેના આશ્રમે જવા માગું છું. જોઉં તો ખરો કે તે કયું વ્રત કરે છે? મારી ઇચ્છા છે કે તે ઉગ્ર કર્મવાળા બ્રહ્મચારીની સાથે રહીને તેના જેવું જ તપ હું કરું.’ આ સાંભળી વિભાંડકે કહ્યું, ‘અરે પુત્ર, અનેક રાક્ષસો આવું તપ અદ્ભુત રૂપ ધારણ કરીને વનમાં ઘૂમ્યા કરે છે, તે સુંદર રૂપ ધરાવતા રાક્ષસ તપસ્યામાં બાધા ઊભી કરે છે. અનેક ઉપાયો કરીને ઋષિઓને લોભાવે છે, મુનિઓને લલચાવે છે, અને તેમને ઉત્તમ લોકમાંથી નીચે પાડી નાખે છે. સ્થિર ચિત્તવાળા, કલ્યાણ ઇચ્છનારા, ઉત્તમ લોક મેળવવા માગતા મુનિઓએ એમનાથી દૂર રહેવું જોઈએ. પાપાચરણ કરનારા આ રાક્ષસો તપમાં વિઘ્ન ઊભાં કરે છે. તને પીવા માટે જે પેય આપ્યું તે પાણી નહીં, મદ્ય હતું. આ ઉત્તમ સુવાસવાળી માળા મુનિઓને ન છાજે.’ આમ એ તો રાક્ષસ હતા એમ કહી, પુત્રના મનને તે સ્ત્રીમાંથી હટાવી તેને શોધવા લાગ્યા. ત્રણ દિવસ સુધી શોધી ન શક્યા ત્યારે તે પોતાના આશ્રમે પાછા આવ્યા. ચોથા દિવસે વિભાંડક મુનિ ફરી ફળફૂલ લેવા જતા રહ્યા, ત્યારે ખૂબ સુંદર રીતે સજાવટ કરીને તે વારાંગના ત્યાં આવી ચઢી. તેને જોતાંવેંત ઋષ્યશૃંગ પ્રસન્ન થઈ ગયા અને બેસુધ થઈ ગયા. પછી બોલ્યા, ‘મારા પિતા અહીં આવી ચઢે તે પહેલાં આપણે બંને તમારા આશ્રમે જતા રહીએ.’ પછી તે વારાંગનાએ ઋષ્યશ્રુંગને પોતાની નૌકામાં બેસાડી દીધો અને તેને અનેક રીતે લોભાવતી લોમપાદના રાજ્યમાં જઈ ચઢી. પછી તે સુંદર, શ્વેત નૌકાને આશ્રમ દેખાય એવી રીતે ઊભી કરી દીધી. તે વિચિત્ર વનનું નામ રાજાશ્રમ રાખ્યું. રાજા લોમપાદ વિભાંડકના પુત્ર ઋષ્યશૃંગને પોતાના અંત:પુરમાં લઈ ગયા અને જેવા તે પ્રવેશ્યા કે રાજાએ આકાશને મેઘથી છવાયેલું જોયું, ચારે બાજુ પાણી પાણી જોયું. પછી રાજા લોમપાદે પોતાની પુત્રી શાંતા ઋષિપુત્ર સાથે પરણાવી, અનેક ગાયો, અનેક વાહનો આપ્યાં. રાજાએ અનેક પશુ આપી ગોવાળોને કહ્યું, ‘વિભાંડક મુનિ જ્યારે પોતાના આશ્રમમાંથી આવીને પુત્ર વિશે પૂછપરછ કરે ત્યારે હાથ જોડીને કહેજો: આ બધાં પશુ, બધાં વાહન તમારા પુત્રનાં જ છે — બોલો તમારું કયું કાર્ય કરીએ?’ પછી મહા ક્રોધી વિભાંડક ફળફૂલ લાવીને પોતાના આશ્રમમાં આવ્યા અને પુત્રને શોધવા લાગ્યા ત્યારે પુત્ર ન જોયો, તે બહુ ક્રોધે ભરાયા. તેમને શંકા ગઈ કે રાજાએ કશીક યોજના કરી લાગે છે. તેઓ ચંપાપુરી, અંગરાજ, અંગદેશ તથા રાજાનાં બીજાં નગરોને ભસ્મ કરવાની ઇચ્છાથી ચાલી નીકળ્યા. રસ્તામાં તે મુુનિ બહુ થાકી ગયા, ભૂખે આકળવિકળ થઈ ગયા, પછી તેમણે સમૃદ્ધ ગોવાળો જોયા. ગોવાળોએ તેમની પૂજા રાજાની જેમ કરી અને વિભાંડક મુનિ આખી રાત તેમની સાથે રહ્યા. પછી તેમણે પૂછ્યું, ‘ભાઈઓ, આ બધી ગાયો અને રખેવાળો કોનાં છે?’ ગોવાળોએ કહ્યું, ‘આ બધું તમારું છે. તમારા પુત્રે મેળવ્યું છે.’ આમ વિભાંડક મુનિ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમનો સત્કાર થયો, તેમની પૂજા થઈ, તેમનો ક્રોધ શાંત થઈ ગયો, પ્રસન્ન થઈ તેઓ રાજા પાસે ગયા. રાજાએ તેમની પૂજા કરી, વિભાંડકે પોતાના પુત્રને સ્વર્ગના ઇન્દ્રની જેમ રાજભવનમાં બેઠેલો જોયો, તેમના પુત્રની પત્ની શાંતાને પણ વાદળોથી ચમકતી વીજળીની જેમ જોઈ. વિભાંડક મુનિ પુત્રવધૂ શાન્તા, પુત્રનો ધનભંડાર, ગાયો જોઈ ખૂબ જ રાજી થયા, તેમનો ક્રોધ ઓસરી ગયો, રાજા પર કૃપા વરસાવી. પછી વિભાંડક મુનિએ સૂર્યસમાન રાજાનું બધું કાર્ય પૂરું થઈ જાય ત્યારે પુત્ર અને પુત્રવધૂને વનમાં આવજો એમ કહ્યું. ઋષ્યશ્રુંગે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને પછી પિતા પાસે જતા રહ્યા. જેવી રીતે રોહિણી ચંદ્રની સેવા કરતી તેમ શાંતા ઋષ્યશૃંગની સેવા કરતી હતી. અરુંધતી વસિષ્ઠની, લોપામુદ્રા અગત્સ્યની, દમયંતી નલની, શચી ઇન્દ્રની, ઇન્દ્રસેના અજમીઢ મુદ્ગલની સેવા કરતી તેમ શાંતા કરતી હતી. (આરણ્યક પર્વ, ૧૧૦થી ૧૧૩)

પરશુરામ-ઋચીકની કથા

એક સમયે મહાબલી રાજા કાન્યકુબ્જ રાજ્યમાં શાસન કરતા હતા. તેઓ ગાધિ નામે વિખ્યાત હતા. તે રાજા વનમાં રહેતા હતા ત્યારે અપ્સરા સમી સુંદર કન્યા જન્મી. ભૃગુવંશી ઋચિકે એ કન્યાનું માગું રાજાને કર્યું, ગાધિએ તે વ્રતશીલ બ્રાહ્મણને કહ્યું, ‘અમારા પૂર્વજોએ અમારા કુળ પ્રમાણે એક આચાર તૈયાર કર્યો છે. એક બાજુ કાળા કાનવાળા અને સફેદ વેગવાન હજાર અશ્વ આ કન્યાના શુલ્ક રૂપે છે. હું તમને આ શુલ્ક આપવા કહી નથી શકતો. વળી આ કન્યા તમારા જેવા મહાત્માને આપવી તો જોઈએ.’ ઋચીકે કહ્યું, ‘હું તમને એક બાજુ કાળા કાનવાળા, શ્વેતવર્ણી અને વેગવાન હજાર અશ્વ આપીશ, તમારી કન્યા મારી પત્ની થાય.’ આવી પ્રતિજ્ઞા કરીને ઋચીકે વરુણને કહ્યું, ‘મને એક હજાર પાંડુવર્ણા, એક બાજુએ કાળા કાનવાળા વેગવાન અશ્વ શુલ્ક માટે આપો,’ વરુણે ઋચીકને એક હજાર અશ્વ આપ્યા. કાન્યકુબ્જ દેશમાં ગંગા તટે જ્યાં તે અશ્વ ઊભા રહ્યા તે સ્થળનું નામ અશ્વતીર્થ પડ્યું. ઋચીકની જાનમાં દેવગણ પણ આવ્યા. દેવોને આવેલા જોઈ તથા એક હજાર અશ્વ મેળવીને ગાધિએ ગંગા કિનારે સત્યવતી નામની કન્યા ઋચીકને આપી. મુનિશ્રેષ્ઠ ઋચીક ધર્મપૂર્વક તે કન્યા સાથે વિવાહ કરીને તે સુંદરી સાથે યથેચ્છ વિહાર કરવા લાગ્યા. જ્યારે ભૃગુવંશશ્રેષ્ઠ ભૃગુ મુનિએ સાંભળ્યું કે ઋષીકનું લગ્ન થઈ ગયું છે ત્યારે તેઓ તેમને જોવાની ઇચ્છાથી ત્યાં આવ્યા અને પુત્રને તેની પત્ની સાથે જોઈને બહુ પ્રસન્ન થયા. જ્યારે ઋચીક મુનિને જોયું કે અમારા પિતા આવ્યા છે ત્યારે બંને પતિપત્ની ઊભા થઈ ગયા અને પ્રેમપૂર્વક દેવો દ્વારા પૂજિત એવા પોતાના પિતાની પૂજા કરી, તેમને બેસાડીને બંને હાથ જોડી ઊભા રહ્યા. ત્યારે ભૃગુ મુનિએ પ્રસન્ન થઈને પુત્રવધૂને કહ્યું, ‘હે સુભગા, તારી ઇચ્છામાં આવે તે વરદાન તું માગ, હું તારી અભિલાષા પાર પાડીશ.’ ત્યારે સત્યવતીએ પોતાને તથા પોતાની માતાને પુત્રપ્રાપ્તિ થાય એટલા માટે તેમને પ્રસન્ન કર્યા અને ભૃગુએ પણ તેમના પર કૃપાદૃષ્ટિ કરી. ભૃગુ ઋષિએ કહ્યું, ‘જે દિવસે તું અને તારી માતા ઋતુસ્નાન કરે, અને પુંસવન દિવસ આવે ત્યારે તે દિવસે તારી માએ પીપળાને અને તારે ઉદુંબરને આલિંગન આપવું.’ પરંતુ ઋતુકાળ પ્રસંગે બંને સ્ત્રીઓ ઊલટાં જ વૃક્ષોને ભેટી, ત્યાર પછી ભગવાન ભૃગુ એક દિવસ ત્યાં આવ્યા અને દિવ્ય દૃષ્ટિથી આ અવળી ઘટના જાણી લાધી. મહા તેજસ્વી ભૃગુએ પુત્રવધૂ સત્યવતીને કહ્યું, ‘તારો પુત્ર થશે તો બ્રાહ્મણ પણ તેની પ્રકૃતિ ક્ષત્રિયો જેવી હશે. તારી માતાનો પુત્ર ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણનો ધર્મ પાળશે. મહા બળવાન હોવા છતાં તે સાધુઓ જેવું કર્મ કરશે.’ ત્યારે સત્યવતીએ પોતાના સસરાને વારેવારે પ્રસન્ન કરી કહ્યું, ‘હે ભગવન્, મારો પૌત્ર ભલે એવો નીવડે પણ પુત્ર એવો ન થાય.’ ભૃગુએ કહ્યું, ‘ભલે એમ જ થશે,’ ત્યારે સત્યવતી બહુ પ્રસન્ન થઈ. સમય આવ્યો એટલે સત્યવતીએ પુત્રને જન્મ આપ્યો, તેનું નામ જમદગ્નિ, ભૃગુવંશના આનંદમાં વૃદ્ધિ કરનાર તે પુત્ર પરમ તેજસ્વી અને પરાક્રમી થયો. અત્યન્ત તેજસ્વી થઈને મોટા થઈ રહેલા જમદગ્નિ વેદોના અધ્યયનમાં ઘણા બધા ઋષિઓથી આગળ નીકળી ગયા. સૂર્ય જેવા તેજસ્વી જમદગ્નિને બધા જ ધનુર્વેદ પ્રાપ્ત થયા અને ચારે પ્રકારનાં અસ્ત્રોની વિદ્યા હસ્તગત થઈ ગઈ. વેદાધ્યયનમાં રત રહેનારા મહાતપસ્વી જમદગ્નિએ ભારે તપ કર્યું અને વ્રતના બળથી દેવોને વશ કરી લીધા. ત્યાર પછી તેઓ પ્રસેનજિત રાજાને ત્યાં ગયા, ત્યાં રાજાની પુત્રી રેણુકા સાથે લગ્ન કર્યું, રાજાએ પણ પોતાની પુત્રી જમદગ્નિને આપી. ભાર્ગવનંદન રેણુકાને ભાર્યા તરીકે મેળવીને પોતાના આશ્રમે આવ્યા અને આજ્ઞાકારિણી સ્ત્રી સાથે તપ કરવા લાગ્યા. રેણુકાને ચાર પુત્રો ઉપરાંત પાંચમા પુત્ર પરશુરામ થયા. પરશુરામ બધાથી નાના હોવા છતાં ગુણોમાં સૌથી મોટા હતા. એક સમયે જ્યારે બધા પુત્રો વનમાં ફળ લાવવા ગયા ત્યારે વ્રતધારિણી રેણુકા સ્નાન કરવા ગઈ. ત્યાં મૃતિકાવતના પુત્ર રાજા ચિત્રરથને પોતાની ઇચ્છાથી આવતી રેણુકાને જોયા. ચિત્રરથ પદ્મમાલા ધારણ કરીને ઇચ્છાનુસાર જળક્રીડા કરતો જોઈ તથા તેને અત્યંત ધનવાન જોઈ રેણુકાને તેની સ્પૃહા થઈ. તેને જોતાંવેંત વ્યભિચારની ઇચ્છાને કારણે જળમાં સ્ખલિત થઈ, ચેતનારહિત જેવી થઈ ગઈ, ત્યાર પછી ડરથી કાંપતી પોતાના આશ્રમમાં આવી, આ બધી ઘટના તેના પતિએ જાણી લીધી. મહાતેજસ્વી વીર્યવાન જમદગ્નિએ ધૈર્યચ્યુત થવાને કારણે, બ્રાહ્મતેજ રહિત થવાને કારણે ધિક્કારભર્યા શબ્દોમાં બહુ નિંદા કરી. તે વખતે રેણુકાના પુત્રો રુમણ્વાન, સુષેણ, વસુ અને વિશ્વાસુ આવી ચઢ્યા. ભગવાન જમદગ્નિએ તે બધાને રેણુકાનો વધ કરવાની આજ્ઞા આપી પણ તે બધા માતા પ્રત્યેના મોહને કારણે કશો ઉત્તર આપી ન શક્યા. ત્યારે જમદગ્નિએ તેમને શાપ આપ્યો. શાપ સાંભળતાંવેંત તેઓ મૂઢ થઈ ગયા અને મૃગ તથા પક્ષીઓની જેમ મૂર્ખ થઈ ગયા. તે જ સમયે શત્રુનાશી પરશુરામ આશ્રમમાં જઈ પહોંચ્યા, મહાતપસ્વી મહાક્રોધી જમદગ્નિએ તેમને ક્હ્યું, ’હે પુત્ર, આ પાપિષ્ઠ માતાને મારી નાખ, એનું કશું દુઃખ ન કરતો.’ પરશુરામે તે જ વખતે પરશુ વડે માતાનું મસ્તક કાપી નાખ્યું, આ જોઈને મહાત્મા જમદગ્નિનો ક્રોધ શાંત થઈ ગયો અને પ્રસન્ન થઈ બોલ્યા, ‘હે તાત, હે ધર્મરત, તેં મારું વચન પાળીને આ દુષ્કર કાર્ય કર્યું છે, એટલે તારા હૃદયમાં જે ઇચ્છા હોય તે વરદાન માગી લે.’ પરશુરામે વરદાન માગ્યા, ‘અમારી મા જીવતી થાય, મેં તેને મારી હતી તેની સ્મૃતિ ન રહે, તે પાપથી મુક્ત થાય અને ભાઈઓ પણ પૂર્વવત્ અવસ્થાને પામે, યુદ્ધમાં મારા જેવો કોઈ વીર ન થાય, મારું આયુષ્ય લાંબું થાય.’ મહાતપસ્વી જમદગ્નિએ પ્રસન્ન થઈને પરશુરામને એ બધાં વરદાન આપ્યાં. એક વેળા જમદગ્નિના પુત્રો વનમાં ગયા હતા અને ત્યાં અનૂપ દેશના રાજા કૃતવીર્યનો પુત્ર કાર્ત્તવીર્ય આવ્યો. તે આશ્રમમાં આવ્યો એટલે રેણુકાએ તેનો સત્કાર કર્યો, પણ તે યુદ્ધના મદથી ઉન્મત્ત હતો એટલે એ સત્કારની ઉપેક્ષા કરી. આશ્રમનાં મોટાં મોટાં વૃક્ષનો નાશ કર્યો, આશ્રમભૂમિને વેરવિખેર કરી, હોમધેનુએ આક્રોશ કર્યો તો પણ તેના વાછરડાને બળજબરીથી છિનવી લીધો. પરશુરામ જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે જમદગ્નિએ બધી વાત કરી, વારે વાર બરાડતી ગાયને જોઈને પરશુરામને ક્રોધ આવ્યો, ક્રોધવશ થઈને શત્રુનાશક ભાર્ગવે યુદ્ધમાં વિક્રમ કરીને કાર્ત્તવીર્ય પાછળ દોટ મૂકી. સુંદર ધનુ વડે પરશુરામે તીક્ષ્ણ બાણ મારી કાર્ત્તવીર્યના પરિઘ જેવા હજાર હાથ કાપી નાખ્યા. ત્યાર પછી અર્જુનવંશી (કાર્ત્તવીર્યના અનુજો) પરશુરામ પર વેર બાંધી બેઠા. એક દિવસ પરશુરામ ન હતા ત્યારે આશ્રમમાં આવીને પરશુરામના પિતા જમદગ્નિ પર હુમલો કર્યો, તપસ્વી વીર્યવાન, યુદ્ધ ન કરનારા, અનાથની જેમ વારે વારે પરશુરામનું નામ લઈને ચીસો પાડનારા જમદગ્નિને તેમણે મારી નાખ્યા. પોતાનાં બાણો વડે જમદગ્નિનો વધ કરીને શત્રુનાશી કાર્ત્તવીર્યના પુત્રો જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. તેઓ જતા રહ્યા અને જમદગ્નિ પણ ન રહ્યા ત્યારે ભૃગુનંદન (પરશુરામ) સમિધ લઈને આશ્રમમાં આવ્યા. મૃત્યુ પામેલા પોતાના પિતાને આમ જોઈને અત્યંત દુઃખી થઈને તે વિલાપ કરવા લાગ્યા. ‘હે પિતા, મારી જ ભૂલને કારણે તે ક્ષુદ્ર, મૂર્ખ કાર્ત્તવીયપુત્રોએ વનમાં હરણને બાણોથી જેમ વીંધી નાખે તેમ તમને વીંધી નાખ્યા. તમે તો ધર્મજ્ઞ હતા, ઉત્તમ માર્ગે ચાલનારા, બધાં પ્રાણીઓના હિતકારી, નિરપરાધી હતા તો તમારું મૃત્યુ આવી રીતે કેમ થયું? જેમણે તપ કરી રહેલા, યુદ્ધ ન કરનારા, વૃદ્ધને સેંકડો તીક્ષ્ણ બાણોથી મારી નાખ્યા. તેમણે આ હત્યા કરીને કયું પાપ નથી કર્યું? ધર્મજ્ઞ અને યુદ્ધ ન કરનારા એવા તમને મારી નાખીને એ નિર્લજ્જો પોતાના સચિવો (મંત્રીઓ)ને તથા બાંધવોને શું કહેશે?’ આમ અનેક પ્રકારે કરુણ વિલાપ કરી મહાતપસ્વી પરશુરામે પોતાના પિતાની ઉત્તરક્રિયા કરી. શત્રુઓના નગરને જીતનારા પરશુરામે પિતાને અગ્નિદાહ આપ્યો અને બધા ક્ષત્રિયોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાર પછી મહાબળવાન અને વીર્યવાન પરશુરામ ક્રોધે ભરાઈને અનેક શસ્ત્રો ધારણ કરીને એકલે હાથે કાર્ત્તવીર્યના પુત્રોને મારી નાખ્યા. એ પુત્રોનું અનુસરણ કરનારા બીજા જે ક્ષત્રિયો હતા તેમને પણ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામે મારી નાખ્યા. આમ તેમણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી મૂકી અને સમંતપંચક તીર્થમાં થઈને તે લોહીથી પાંચ સરોવરો ભરી દીધાં. ભૃગુવંશને કીર્તિમાન કરનારા પરશુરામે તે સરોવરોમાં પોતાના પિતૃઓનું તર્પણ કર્યું, ત્યાં તેમણે ઋચીકનું દર્શન કર્યું, એ ઋષિએ પરશુરામને રોક્યા. ત્યારે પ્રતાપી જમદગ્નિપુત્રે યજ્ઞ કરીને ઇન્દ્રને પ્રસન્ન કર્યા, અને યજ્ઞ કરાવનારાઓને આખી પૃથ્વી આપી દીધી. તે યજ્ઞમાં પરશુરામે મહાત્મા કશ્યપને એક સુવર્ણની વેદી આપી, તે દસ યામ પહોળી અને નવ યામ (એક યામ એટલે ચાર હાથ) ઊંચી હતી. ત્યાર પછી કશ્યપ મુનિની અનુમતિથી જે બ્રાહ્મણોએ એ વેદીના ટુકડા કરીને વહેંચી લીધી તે બ્રાહ્મણો ખાંડવાયન કહેવાયા. ત્યાર પછી મહાત્મા કશ્યપને બધી ભૂમિ દાનમાં આપીને અમિત પરાક્રમી પરશુરામ મહેન્દ્ર પર્વત ઉપર રહેવા લાગ્યા. આ રીતે પરશુરામ અને ક્ષત્રિયો વચ્ચે વેર બંધાયું હતું. અને આમ મહાતેજસ્વી પરશુરામે પૃથ્વી પર વિજય મેળવ્યો હતો. (આરણ્યક પર્વ, ૧૧૫થી ૧૧૭)

સુકન્યા અને ચ્યવન ઋષિની કથા

મહર્ષિ ભૃગુના પુત્ર ચ્યવન હતા, તેમણે સરોવર કાંઠે મહાતપ કર્યું હતું. મહાતેજસ્વી ચ્યવન એક જ સ્થલે તપ કરતા કરતા ઘણા સમય સુધી વીર સ્થાન પર બેઠા રહ્યા, તેને લીધે તે થાંભલા જેવા થઈ ગયા. લતાઓથી તેમનું શરીર ઢંકાઈ ગયું અને લાંબા સમયે પિપીલિકા (કીડી — ઊધઈ)એ તેમના શરીર પર રાફડો બનાવ્યો. રાફડાથી ઢંકાયેલા તે મહાત્મા માટીના પિંડ જેવા દેખાતા હતા, રાફડાથી વીંટળાયેલા હોવા છતાં તેમણે તપ ચાલુ રાખ્યું હતું. ઘણા સમયે શર્યાતિ નામના રાજા તે રમ્ય અને ઉત્તમ સરોવર આગળ વિહાર કરવા આવ્યા. રાજા શર્યાતિની સાથે ચાર હજાર સ્ત્રીઓ હતી અને તેમને શુભ્ર સુકન્યા નામની એકની એક પુત્રી હતી. ઉત્તમ આભૂષણો પહેરેલી અને સખીઓથી વીંટળાયેલી સુકન્યા ફરતાં ફરતાં ભાર્ગવના રાફડા પાસે આવી. ત્યાં મનોરમ ભૂમિને જોઈને વનસ્પતિને ચૂંટતી સખીઓ સાથે તે વિહાર કરવા લાગી. રૂપ, અવસ્થા, મદ અને મદન (કામદેવ)થી છલકાતી તે કન્યાએ પુષ્પોવાળાં વનવૃક્ષોની અનેક શાખાઓ તોડી, સખીઓ વિનાની, એકાંતમાં ભમનારી, એકવસ્ત્રા તે સુકન્યાને બુદ્ધિમાન ભાર્ગવે (ચ્યવને) વીજળીના જેવી ઘૂમતી જોઈ. મહા તેજસ્વી, તપોબળવાળા, સુકાઈ ગયેલા કંઠવાળા તે બ્રહ્મર્ષિ નિર્જન વનમાં તેને જોઈને આનંદિત થયા, તેમણે તે કલ્યાણીને કશુંક કહ્યું પણ સુકન્યાએ તે સાંભળ્યું નહીં. ત્યાર પછી રાફડામાં ભાર્ગવની આંખો જોઈ, બુદ્ધિમોહથી સુકન્યાએ કુતૂહલવશ ચ્યવન ઋષિની આંખોમાં ‘આ શું છે?’ એમ કહી કાંટો ભોંકી દીધો, એને કારણે તેમની આંખો ફૂટી ગઈ, એને કારણે ઋષિ પુષ્કળ ક્રોધે ભરાયા, રાજી શર્યાતિની સેનાના ઝાડોપેશાબ બંધ કરી દીધા. સેનાના ઝાડોપેશાબ બંધ થઈ ગયા એટલે સૈનિકો ગભરાયા, રાજાએ સેનાની આ સ્થિતિ જોઈને પૂછ્યું, ‘તપસ્વી વૃદ્ધ અને વિશેષ કરીને ક્રોધી મહાત્મા ભાર્ગવનો અપરાધ કોણે કર્યો છે? એ અપરાધ જાણી જોઈને કર્યો હોય કે અજાણતાં તે તરત જ કહે.’ સૈનિકોએ કહ્યું, ‘કોણે અપરાધ કર્યો છે તે અમે જાણતા નથી.’ ત્યારે સૈનિકો તથા પોતાના પિતાને રોગથી દુઃખી થયેલા જોઈને સુકન્યા બોલી, ‘વનમાં ઘૂમતાં ઘૂમતાં રાફડામાં ચમકતું કશુંક મેં જોયું હતું, મેં તેને ખદ્યોત (આગિયો) માનીને પાસે જઈ વીંધી દીધો.’ સુકન્યાની વાત સાંભળીને શર્યાતિ તરત જ રાફડા પાસે ગયા, ત્યાં તપોરત અને વયોવૃદ્ધ ભાર્ગવને જોયા. સેનાના દુઃખનિવારણ માટે હાથ જોડીને પ્રાર્થના કરી, ‘મારી કન્યાએ અજ્ઞાનવશ તમારો અપરાધ કર્યો છે, તેને ક્ષમા કરો.’ ભાર્ગવે રાજીને કહ્યું, ‘હે રાજન, રૂપ અને ઉદારતાથી સંપન્ન, લોભ અને મોહથી બળપૂર્વક આકર્ષાયેલી તમારી કન્યાને પામીને જ તેને ક્ષમા કરીશ, હે મહીપાલ (પૃથ્વીપતિ) હું તમને સત્ય કહું છું.’ ઋષિનાં વચન સાંભળી શર્યાતિએ બીજો કશો વિચાર કર્યા વિના મહાત્મા ચ્યવનને પોતાની દુહિતા (પુત્રી) આપી દીધી. તે કન્યાને સ્વીકારી ચ્યવને પોતાનો ક્રોધ સમાવ્યો અને એમની કૃપા પામીને રાજા પોતાની સેના સાથે નગરમાં ગયા. અનિંદિતા સુકન્યા તપસ્વી પતિને પામીને પ્રેમપૂર્વક અને તપ તથા નિયમમાં સ્થિર રહીને તેમની સેવા કરવા લાગી. ઈર્ષ્યા ન કરનારી, સુંદર મુખવાળી સુકન્યાએ અગ્નિ તથા અતિથિઓની સેવા કરતાં કરતાં ચ્યવન મુનિને બહુ જલદી પ્રસન્ન કરી દીધા. કોઈ એક સમયે અશ્વિનીકુમારોએ સ્નાન કરતી વસ્ત્રહીન સુકન્યાને જોઈ. દેવરાજની પુત્રી સમી દર્શનીય કાયાવાળી સુકન્યાને જોઈ, તેની પાસે જઈને અશ્વિનીકુમારોએ કહ્યું, ‘હે શોભના, સુંદર સાથળવાળી, તું કોની સ્ત્રી છે, આ વનમાં શું કરે છે તે અમારે જાણવું છે, તું અમને બધું કહે.’ સુકન્યાએ લજજા સાથે તે શ્રેષ્ઠ દેવોને કહ્યું, ‘હું રાજા શર્યાતિની પુત્રી છું, અને ચ્યવન ઋષિની પત્ની છું.’ અશ્વિનીકુમારોએ હસતાં હસતાં ફરી કહ્યું, ‘પિતાએ આ વૃદ્ધની સાથે તારું લગ્ન કેવી રીતે કર્યું? હે ભામિની, આ વનમાં તું વાદળોમાં વીજળીની જેમ શોભી રહી છે, તારા જેવી રૂપવાન સ્ત્રી દેવોમાં પણ અમે જોઈ નથી. હે અનવદ્ય અંગોવાળી, બધાં જ અલંકારો ધારણ કરેલી, ઉત્તમ વસ્ત્ર પહેરેલી એવી તું જે રીતે શોભે છે તેવી રીતે કમળ પણ શોભતું નથી, હે કલ્યાણી, આટલી સુંદર હોવા છતાં તું શા માટે આવા વૃદ્ધ પતિની સેવા કરે છે, તે તો તારી સાથે કામભોગ પણ કરી શકે એમ નથી. હે શુચિસ્મિતા, તે તારી રક્ષા કરવામાં, તારું પાલનપોષણ કરવાને પણ અસમર્થ છે. તું ચ્યવનને ત્યજીને અમારા બેમાંથી એકને પસંદ કર. દેવકન્યા સમાન તેજસ્વી સુકન્યા, પતિ માટે આ યૌવન ન વેડફી નાખ.’ આવું વચન સાંભળી સુકન્યાએ તેમને કહ્યું, ‘હું પતિ ચ્યવનને ચાહું છું, આવી શંકા ન કરો.’ ત્યારે અશ્વિનીકુમારોએ કહ્યું, ‘અમે દેવોના શ્રેષ્ઠ વૈદ્ય છીએ, તારા પતિને રૂપસંપન્ન અને યુવાન બનાવી દઈશું. ત્યાર પછી ચ્યવનને કે અમારા બેમાંથી એકને પતિ તરીકે પસંદ કરજે. હે સુંદર મુખવાળી, હવે તું તારા પતિને જલદી બોલાવ.’ તેમની વાત સાંભળીને સુકન્યા ભાર્ગવ પાસે ગઈ અને જે વાતો સાંભળી હતી તે ભૃગુપુત્રને કરી. ચ્યવને તે સાંભળીને પત્નીને ક્હ્યું, ‘તેઓ જેમ કહે છે તેમ કર.’ આમ પતિની આજ્ઞા મેળવીને તેણે અશ્વિનીકુમારોને તેમ કરવા કહ્યું, ‘એમ જ કરો’ એવું સુકન્યાનું વચન સાંભળીને અશ્વિનીકુમારો રાજપુત્રીને કહેવા લાગ્યા, ‘આ તળાવમાં સ્નાન કરવા ચ્યવન ઋષિને કહે, રૂપ પામવાની ઇચ્છાથી ચ્યવન ઋષિએ તળાવમાં ડૂબકી મારી, અને અશ્વિનીકુમારોએ પણ ડૂબકી મારી. એક મુહૂર્ત પછી ત્રણ દિવ્યરૂપધારી યુવાન ઉત્કૃષ્ટ કુંડળ પહેરીને એક સરખા રૂપવાળા, મનની પ્રસન્નતા વધારનારા તળાવમાંથી બહાર આવ્યા. તે ત્રણેએ ભેગા થઈને કહ્યું, ‘હે ઉત્તમ વર્ણવાળી, હે સુશોભના, હે ભદ્રા, અમારા ત્રણમાંથી એકને પતિ તરીકે સ્વીકાર. જેના ઉપર તારી પ્રીતિ હોય તે પસંદ કર.’ દેવી સુકન્યાએ બધાને એક સરખા રૂપ અને એક સરખી અવસ્થાવાળા જોઈને પણ મન તથા બુદ્ધિ વડે વિચારીને પોતાના પતિને જ પસંદ કર્યા. ચ્યવન ઋષિ મનોવાંછિત રૂપ, યૌવન અને સ્ત્રી પામીને બહુ પ્રસન્ન થયા અને મહાતેજસ્વી ઋષિએ અશ્વિનીકુમારોને કહ્યું, ‘હું વૃદ્ધ હોવા છતાં મને રૂપ આપ્યું, યૌવન આપ્યું અને આ ભાર્યાની પણ પ્રાપ્તિ થઈ. હું પણ પ્રસન્નતાપૂર્વક દેવરાજ ઇન્દ્ર સમક્ષ તમને સોમપાનના અધિકારી બનાવીશ. આ હું સત્ય કહું છું.’ ચ્યવન ઋષિનું વચન સાંભળીને બંને દેવ પ્રસન્ન ચિત્તે સ્વર્ગમાં ગયા અને ચ્યવન તથા સુકન્યા દેવોની જેમ આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યા. શર્યાતિએ સાંભળ્યું કે ચ્યવન ઋષિ રૂપ અને યૌવન પામ્યા છે ત્યારે તે પ્રસન્ન થઈ સેના લઈને ભાર્ગવના આશ્રમે આવ્યા. ચ્યવન અને સુકન્યાને દેવસંતાન જેવાં જોઈને જાણે સંપૂર્ણ ભૂમિ પ્રાપ્ત થઈ ગઈ ન હોય તેમ આનંદિત થઈને ત્યાં વિહરવા લાગ્યા. રાજા પત્નીની સાથે ઋષિનો આદર પામીને અનેક પ્રકારની કથાઓ સાંભળતાં સાંભળતાં થોડો સમય ત્યાં રહ્યા. એક દિવસ ભાર્ગવ રાજાને સાંત્વન આપતાં કહેવા લાગ્યા, ‘હે રાજન, તમે સામગ્રી તૈયાર કરાવો, હું તમને યજ્ઞ કરાવીશ.’ રાજા શર્યાતિએ પ્રસન્ન ચિત્તે ચ્યવનનું વાક્ય સ્વીકારી લીધું. શુભદિને યજ્ઞની સામગ્રી એકઠી કરીને રાજા શર્યાતિએ એક ઉત્તમ યજ્ઞ મંડપ બનાવડાવ્યો. ભૃગુપુત્ર ચ્યવને રાજા શર્યાતિ પાસે યજ્ઞનો આરંભ કરાવ્યો. તે યજ્ઞમાં એક અચરજભરી ઘટના જોવા મળી. ચ્યવન ઋષિએ અશ્વિનીકુમારોને સોમ આપ્યો, ત્યારે ઇન્દ્રે ચ્યવન ઋષિને સોમ આપતાં અટકાવ્યા. ઇન્દ્રે કહ્યું, ‘આ બંને સ્વર્ગમાં દેવતાઓની દવા કરે છે. તેઓ પોતાનાં કર્મ પ્રમાણે સોમપાન માટે સુપાત્ર નથી એમ હું માનું છું.’ ચ્યવન બોલ્યા, ‘હે ઇન્દ્ર, આ બંને મહાત્મા રૂપવાન છે, ગુણવાન, દ્રવ્યવાન છે. તેમણે મને દેવતાઓ જેવા યુવાન બનાવ્યો છે. એટલે ઇન્દ્ર, તેમનું અપમાન ન કરો. હે પુરંદર(ઇન્દ્ર) તમે અને બીજા દેવતાઓને જ કેમ યજ્ઞભાગ મળે? આ અશ્વિનીકુમારોને પણ તમે દેવ જ માનો.’ ઇન્દ્રે કહ્યું, ‘આ બંને ચિકિત્સકો છે, કર્મ કરનારા છે, ઇચ્છાનુસાર રૂપ બદલીને મૃત્યુલોકમાં ઘૂમનારા છે, તેઓ કઈ રીતે સોમના અધિકારી?’ ઇન્દ્ર આ વાત બીજી વાર કહેવા માગતા હતા, ત્યારે ભાર્ગવે ઇન્દ્રનો અનાદર કરીને અશ્વિનીકુમારોને સોમરસ આપ્યો. અશ્વિનીકુમારોને સોમરસ લેતા જોઈ વલનાશક ઇન્દ્રે કહ્યું, ‘જો તમે જાતે આ બંનેને સોમ આપશો તો તમારી ઉપર અત્યંત ઘોર વજ્ર ઉગામીશ.’ આવું સાંભળવા છતાં હસતાં હસતાં અને ઇન્દ્રની સામે જોઈને ભાર્ગવે અશ્વિનીકુમારોને વિધિવત્ ઉત્તમ સોમરસ આપ્યો. ત્યારે શચીપતિએ (ઇન્દ્રે) ઋષિ ઉપર ઘોર વજ્ર ઉગામ્યું, ઋષિએ પ્રહાર કરતા ઇન્દ્રના હાથને સ્તંભિત કરી દીધો. તેના હાથને સ્તંભિત કરીને મહા તેજસ્વી ચ્યવન મંત્રથી અગ્નિ પ્રજ્વલિત કરીને ઇન્દ્રને મારવા માટે કૃત્યા ઉત્પન્ન કરવા અગ્નિમાં હવન કરવા લાગ્યા. તે ઋષિના તપ અને બળને કારણે યજ્ઞકુંડમાંથી મહાકાય, મહાપરાક્રમી મદ નામનો મહાઅસુર કૃત્યા રૂપે પ્રગટ્યો. તેના શરીરનું વર્ણન કરવા સુર અને અસુર અશક્ત હતા. આગળ નીકળેલી તીક્ષ્ણ દાઢોને કારણે તેનું મોં મહા ભયંકર દેખાતું હતું. તેનો એક હોઠ પૃથ્વી પર અને બીજો હોઠ આકાશ સુધી ફેલાયેલો હતો. તેની ચાર દાઢ સો સો યોજન લાંબી હતી, બીજા દાંત દસ દસ યોજનના હતા. તેમનો આકાર પ્રાકાર જેવો અને શૂળના આગલા ભાગ જેવો હતો. તેની બંને ભુજા પર્વત જેવી વિશાળ અને મોટી હતી, તે દસ હજાર યોજન લાંબી હતી. નેત્ર સૂર્યચંદ્ર જેવાં હતાં અને મુખ યમ જેવું હતું. વીજળી જેવી ચંચલ જીભે પોતાનું મોં ચાટતો હતો. તેને જોઈને એમ જ લાગતું હતું કે તે જગતને ચાટી જશે. તેનું મોં ફાટેલંુ હતું અને દૃષ્ટિ ભયાનક હતી. તે રાક્ષસ અત્યંત ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો, લોકોને બીવડાવતો ઇન્દ્રને ખાવા તેની તરફ દોડ્યો. તે ભયાનક મોંવાળા મદ રાક્ષસને મોં પહોળું કરીને ખાઈ જવાની ઇચ્છાથી આવતો જોઈ ઇન્દ્ર ભયથી આકળવિકળ થઈ ગયા, ભયને કારણે તેમના હાથ જડ થઈ ગયા. તે પોતાના મોંને અંદરથી ચાટવા લાગ્યા. ત્યારે ભયભીત ઇન્દ્ર ચ્યવન ઋષિને કહેવા લાગ્યા. ‘હે ભાર્ગવ, આજથી આ બંને અશ્વિનીકુમારો સોમરસના અધિકારી બન્યા. આ મારું વચન સત્ય છે. હું તમને કહી રહ્યો છું. વિધિવત્ આરંભેલા યજ્ઞનો સમારંભ મિથ્યા નહીં નીવડે. હું જાણું છું કે તમારું વચન કદી મિથ્યા નહીં થાય. આજે તમે આ અશ્વિનીકુમારોને યજ્ઞભાગને પાત્ર બનાવ્યા, એટલે હે ભાર્ગવ, આ કાર્યથી તમારો પ્રતાપ હજુ વધારે પ્રકાશશે. આ સુકન્યાના પિતાની કીર્તિ જગતમાં ફેલાય, એટલે મેં તમારા પ્રતાપને પ્રગટાવવા આ કર્યું છે. હે ભૃગુનંદન, મારા પર કૃપા કરો. તમે જેવું ઇચ્છશો તેવું જ થશે.’ ઇન્દ્રની આવી વાત સાંભળીને મહાત્મા ચ્યવનનો ક્રોધ તરત જ શમી ગયો અને મદ રાક્ષસે ઇન્દ્રને છોડી દીધા. ત્યારે વીર્યવાન ચ્યવનને તે મદના ભાગ કર્યા. તે મદ્યપાનમાં, સ્ત્રીઓમાં, જુગારમાં અને શિકારમાં જઈ વસ્યો. આ પ્રકારે મદને વહેંચીને ચ્યવને સોમરસથી ઇન્દ્રને, અશ્વિનીકુમારોને તથા બીજા દેવતાઓને તૃપ્ત કરી રાજાનો યજ્ઞ સંપન્ન કર્યો. આ રીતે બોલનારાઓમાં શ્રેષ્ઠ ઋષિએ પોતાનો યશ જગતમાં ફેલાવ્યો અને પતિમાં અનુરાગ ધરાવતી સુકન્યા સાથે વનમાં તે વિહાર કરવા લાગ્યા. (આરણ્યક પર્વ, ૧૨૨થી ૧૨૫)

માંધાતાની કથા

ઇક્ષ્વાકુ વંશમાં યુવનાશ્વ નામના રાજા. અઢળક દક્ષિણાઓવાળા યજ્ઞ તેમણે કર્યા. ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ તે રાજાએ હજાર અશ્વમેધ યજ્ઞ કર્યા, બીજા પણ જાતજાતના યજ્ઞ કર્યા. આ રાજાને એકે પુત્ર નહીં; એટલે વ્રતશીલ એ રાજા મંત્રીઓને રાજ સોંપીને વનમાં ગયા. પોતાને પોતાના આત્મામાં લીન કરીને તેઓ તપ કરવા લાગ્યા. એક વાર રાજાને તરસ લાગી એટલે તે પાણી પીવા ભૃગુ ઋષિના આશ્રમમાં ગયા. તે રાતે ભૃગુ ઋષિએ સૌદ્યુમ્ન રાજા માટે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. મંત્રથી પવિત્ર કરેલો અને જે પીવાથી રાજરાણીને ઇન્દ્ર જેવો પુત્ર જન્મે એટલા માટે પાણીનો કળશ ત્યાં પહેલેથી મૂકી રાખ્યો હતો. યજ્ઞવેદી ઉપર તે કળશ મૂકીને ઋષિ રાતે જાગરણથી થાકીને સૂઈ ગયા હતા, સૌદ્યુમ્ન રાજા પણ થોડે દૂર સૂઈ ગયા હતા. યુવનાશ્વ રાજાનું ગળું સુકાતું હતું, પાણીની ખૂબ જ તરસ તેમને લાગી હતી એટલે થાક્યાપાક્યા રાજાએ આશ્રમમાં જઈને પાણી માગ્યું, રાજાનો અવાજ સાવ આછો હતો, થાકી ગયેલા લોકોએ તેમની વાત ન સાંભળી. ત્યાં અચાનક રાજાની નજર પાણીથી ભરેલા કળશ પર પડી અને પીવાય તેટલું પાણી પીધું, બાકીનું ઢોળી દીધું. તરસ્યા રાજાને તે ઠંડા પાણીથી રાહત થઈ અને તેને આનંદ થયો. પછી બધાએ સવારે ઊઠીને જોયું તો પાણી ભરેલો કળશ ખાલીખમ્મ હતો. બધાએ લોકોને પૂછ્યું, ‘આ પાણી કોણે ખાલી કર્યું?’ યુવનાશ્વ રાજાએ સાચી વાત કહી દીધી. ત્યારે ઋષિએ કહ્યું, ‘આ તમે ખોટું કર્યું. પુત્રપ્રાપ્તિ માટે આ પાણી અહીં મૂક્યું હતું અને તે મંત્રેલું હતું. મેં ઘોર તપ કરીને પુત્રપ્રાપ્તિ માટે આ પાણી મૂક્યું હતું. એટલે હે રાજા, તમને મહા બળવાન, પરાક્રમી પુત્ર થશે, તે એવો શક્તિશાળી હશે કે ઇન્દ્રને પણ યમલોક પહોંચાડી શકશે, મેં તો આ પાણી મંત્રીને રાખેલું, એ પાણી પીવાથી બહુ ખોટું થયું છે. હું મારું તપોબળ મિથ્યા તો નહીં કરી શકું, આજે તો ભાગ્યવશ આવું થઈ ગયું છે. મારા તપ અને શક્તિથી, તથા વિધિવિધાનવાળું અને મંત્રેલું પાણી તમે પી ગયા એટલે તમને ઇન્દ્ર જેવો પરાક્રમી પુત્ર જન્મશે.’ સો વર્ષ પૂરાં થયાં એટલે રાજા યુવનાશ્વની ડાબી કૂખ ફાડીને બીજા સૂર્ય જેવો પુત્ર પ્રગટ્યો. આમ છતાં રાજાનું મૃત્યુ થયું નહીં. દેવરાજ ઇન્દ્ર તે પુત્રને જોવા આવ્યા અને ઇન્દ્રે પોતાની તર્જની એ બાળકના મોંમાં નાખી, તે બાળકને ઇન્દ્રે કહ્યું, ‘માં અયં ધાતા’ એટલે આ મને ધાવશે. અને ઇન્દ્રે તથા દેવતાઓએ એ બાળકનું નામ માંધાતા પાડ્યું. ઇન્દ્રની તર્જની ચૂસી ચૂસીને એ બાળક મોટો થવા લાગ્યો. તે ધ્યાન ધરે અને તેની આગળ ધનુવિર્દ્યા, વેદવિદ્યા તથા બધાં દિવ્ય અસ્ત્ર આવી જતાં હતાં. ધનુષ-બાણ, કવચ, પણ વશ કર્યા હતા તેવી રીતે માંધાતા રાજાને પોતાના પરાક્રમથી ત્રણે લોક, અનેક પ્રકારનાં રત્ન સ્વયંભૂ પ્રાપ્ત થઈ જતાં હતાં. તેનું રાજ્ય ધનધાન્યથી ભરેલું હતું. પુષ્કળ દક્ષિણાઓવાળા યજ્ઞ તેમણે કર્યા. યજ્ઞ કરવાથી મળેલાં પુણ્ય વડે આ તેજસ્વી રાજાએ અડધું સિંહાસન મેળવ્યું હતું. નિત્ય ધર્મનું આચરણ કરનારા આ રાજાએ આજ્ઞા આપીને સમુદ્ર અને અનેક નગરો સાથે આખી પૃથ્વી એક જ દિવસમાં જીતી લીધી હતી. યજ્ઞના મંડપોથી આખી પૃથ્વી ભરચક થઈ ગઈ હતી, ક્યાંય ખાલી જગા દેખાતી ન હતી. એક વેળા તેમના રાજ્યમાં બાર વરસ સુધી વરસાદ ન પડ્યો ત્યારે તે મહાત્માએ ધાન્ય પાકે એટલા માટે ઇન્દ્રની સામે જ વરસાદ વરસાવ્યો હતો. આ માંધાતાએ ચંદ્રવંશી, ભારે પરાક્રમી ગાંધાર દેશના રાજાને તીણાં બાણોથી માર્યો હતો. ચારે પ્રકારની પ્રજાની રક્ષા તેમણે કરી હતી, પોતાના તપોબળથી ત્રણે લોકોને સ્થિર કરી ટકાવ્યા હતા. (આરણ્યક પર્વ, ૧૨૬)

સોમક રાજાની કથા

એક સોમક નામનો રાજા. ભારે ધામિર્ક. તેને એવી જ સો રાણીઓ, પણ એકે પુત્ર નહીં; મોટી ઉંમર થઈ છતાં પુત્રજન્મ ન થયો. છેવટે એક જન્તુ નામનો પુત્ર જન્મ્યો. બધી જ માતાઓ એ પુત્રની ચારે બાજુએ બેસી ગઈ. પછી સંસારી સુખ પર કોઈએ ધ્યાન ન આપ્યું. એક દિવસ એ પુત્રને કીડીએ ચટકો ભર્યો, એટલે બાળકે ચીસ પાડી. માતાઓ તો તેને વીંટળાઈ વળી અને રુદન કરવા લાગી, આને કારણે ત્યાં બહુ શોરબકોર થયો. રાજા તો મંત્રીઓ, ઋષિઓ અને બીજાઓની વચ્ચે બેઠો હતો, ત્યાં તેને કાને આ અવાજ પડ્યો. કોઈ સેવકને આ અવાજ શાનો છે તે જાણવા મોકલ્યો. સેવકે આવીને રાજાને બધી વાત કરી. આ વાત સાંભળતાવેંત રાજા મંત્રીઓ તથા ઋત્વિજોને લઈને તરત જ અંત:પુરમાં ગયા, અને પુત્રને શાંત કર્યો, અને તરત જ ઋત્વિજ તથા મંત્રીઓની સાથે રાજસભામાં બેસી ગયો. રાજાએ કહ્યું, ‘એક પુત્રવાળાની તે કઈ જિંદગી છે? એક પુત્ર હોય તેના કરતાં તો સંતાન ન હોય તો સારું. એક જ પુત્ર હોય તો તેની ચિંતા જ બધા કર્યા કરે. પુત્રને માટે હું પરીક્ષા કરીને સો સ્ત્રીઓ સાથે પરણ્યો. પણ એ સ્ત્રીઓએ પુત્રને જન્મ ન જ આપ્યો. હવે એક પુત્ર તો જન્મ્યો છે, પણ તે શા કામનો? આનાથી વધારે દુઃખ તો શું હોઈ શકે? મારી અને મારી પત્નીઓની તો ઉમર પણ થઈ ગઈ. એટલે અમારો જીવ આ એક જ પુત્રમાં પરોવાયેલો રહ્યો છે. એવો કોઈ ઉપાય ખરો કે મને સો પુત્ર થાય. એ માટે હું બધા જ પ્રયત્ન કરીશ. આ સાંભળી ઋષિઓએ કહ્યું, ‘એક ઉપાય છે, તમને સો પુત્ર થઈ શકે. તમે કહેતા હો તો કહીએ.’ રાજા બોલી ઊઠ્યા, ‘સો પુત્ર જન્મતા હોય તો એ કાર્ય કરવા યોગ્ય હોય કે ન હોય તેની ચિંતા ન કરતા.’ ઋષિઓએ કહ્યુું, ‘અમે યજ્ઞ કરાવીએ પણ તમે જન્તુ વડે યજ્ઞ કરાવો, તો તમને સો પુત્ર થશે. જ્યાં ઘી હોમાશે ત્યારે એના ધુમાડાની વાસ વડે તમારી સ્ત્રીઓ પરાક્રમી પુત્રોને જન્મ આપશે. જે જન્તુની માતા છે તેને ફરી પુત્ર જન્મશે અને એની બગલમાં એક સુવર્ણચિહ્ન હશે.’ સોમકે કહ્યું, ‘બ્રાહ્મણો, આ માટે જે જે કરવું પડે તે બધું કરવા માંડો, પુત્રની ઇચ્છાથી હું બધું કરીશ.’ રાજાનો યજ્ઞ શરૂ થયો એટલે ઋત્વિજે જન્તુનો વધ કરવાની તૈયારી કરી પરંતુ જન્તુની માતાઓને પુત્રની દયા આવી, રડતાં રડતાં ચીસો પાડવા લાગી. ‘અમારો તો સર્વનાશ થઈ ગયો.’ બાળકનો જમણો હાથ પકડીને માતાઓ ખેંચતી હતી, અને ડાબો હાથ ઋત્વિજ ખેંચતો હતો. જેવી રીતે હરણી રુદન કરે એવી રીતે માતાઓ રુદન કરતી હતી. પણ ઋત્વિજે બળપૂર્વક બાળકને ખેંચી લીધો અને એનો વધ કર્યો, તેની ચરબી વડે હવન કર્યો. એ આહુતિ અપાઈ એટલે તેની ગંધથી સ્ત્રીઓ મૂર્છા પામી અને યજ્ઞના પ્રતાપે બધી રાણીઓ ગર્ભવતી થઈ. દસ મહિને એ બધી રાણીઓએ સો પુત્રને જન્મ આપ્યો. જન્તુ સૌથી મોટો થયો, બીજા બધા પુત્રો કરતાં જન્તુ તેમને વધારે વહાલો હતો અને તેની બગલમાં સુવર્ણચિહ્ન હતું, બધા ભાઈઓમાં તે વધુ ગુણવાન અને મહાન હતો. થોડા સમયે રાજાના ઋત્વિજનું મૃત્યુ થયું અને પછી રાજાનું પણ મૃત્યુ થયું. રાજાએ નરકમાં જઈને જોયું તો ઋત્વિજ નરકમાં બહુ દુઃખી હતો. રાજાએ તેને પૂછ્યું, ‘તમે શા કારણે નરકમાં છો?’ નરકના અગ્નિમાં સળગતા પુરોહિતે કહ્યું, ‘મેં તમારી પાસે જે યજ્ઞ કરાવ્યો હતો તેનું આ ફળ.’ રાજાએ આ સાંભળીને ધર્મરાજને કહ્યું, ‘મારા બ્રાહ્મણને છોડી દો. હું આ નરકાગ્નિમાં પ્રવેશું છું.’ ધર્મરાજે કહ્યું, ‘હે રાજન્, દરેકે કર્મફળ તો પોતાનાં જ ભોગવવાં પડે. તમારાં કર્મફળ હવે તૈયાર છે.’ સોમકે કહ્યું, ‘આ બ્રાહ્મણને અહીં મૂકીને હું પુણ્યલોકમાં જવા માગતો નથી. દેવતાઓના નિવાસસ્થાનમાં આ બ્રાહ્મણની સાથે જ મારે રહેવું છે. નરકમાં કે સ્વર્ગમાં અમે બંને સાથે જ રહીશું. અમારાં બંનેનાં કર્મ સરખાં છે. પુણ્ય અને પાપનું ફળ અમને બંનેને સરખું જ મળશે.’ આ સાંભળી ધર્મરાજે કહ્યું, ‘તમારી આવી જ ઇચ્છા હોય તો તમે પણ આ બ્રાહ્મણની સાથે રહીને કર્મફળ ભોગવો. સમય આવે ત્યારે આની સાથે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરજો.’ આ રાજાએ એમ જ કર્યું. પોતાના કર્મથી તેઓ ઉત્તમ લોકમાં ગયા, ગુુરુની સાથે જ રહીને સ્વર્ગમાં સુખ પામ્યા. (આરણ્યક પર્વ, ૧૨૭-૧૨૮)

ઉશીનરની કથા

એક વખત ઉશીનર નામના રાજા યજ્ઞ કરી રહ્યા હતા. અગ્નિ અને ઇન્દ્રને તેમની પરીક્ષા લેવાનું મન થયું. ઇન્દ્ર બન્યા બાજ અને અગ્નિ બન્યા કબૂતર. બાજથી ગભરાઈ જઈને કબૂતરે રાજાની શરણાગતિ સ્વીકારી અને તેમના ખોળામાં તે લપાઈ ગયા. એટલે બાજે કહ્યું, ‘જગતના બધા રાજાઓ તમને ધર્માત્મા માને છે. તો પછી આ ધર્મવિરુદ્ધ કાર્ય કેમ કરો છો? હું ભૂખે વ્યાકુળ થઈ ગયો છું. આ કબૂતર મારું ભોજન છે. ધર્મના લોભે તમે ધર્મનું ઉલ્લંઘન ન કરો. તેને આશ્રય આપીને તમારો ધર્મ તો નષ્ટ થઈ ગયો છે.’ રાજાએ કહ્યું, ‘આ પક્ષી તમારાથી ડરી જઈને અને જીવ બચાવવા તે મારી પાસે આવ્યું છે. જીવ બચાવવા મારી પાસે આવેલા આ કબૂતર તમને ન આપું તો એમાં કયો અધર્મ થઈ ગયો? આ કબૂતર બીકનું માર્યું ફફડી રહ્યું છે, મારી પાસે જીવ બચાવવા આવ્યું છે. એનો ત્યાગ કરવો એ જ અધર્મ છે.’ બાજ બોલ્યું, ‘હે રાજા, આહાર વડે જ બધા જીવ જન્મે છે, મોટા થાય છે અને જીવતા રહે છે. કોઈ વસ્તુ વહાલી હોય તો તેનો ત્યાગ કરીને થોડા દિવસ જીવી શકાય પણ ખાધાપીધા વિના જીવવું અશક્ય છે. એટલે જો આજે મને ભોજન નહીં મળે તો મારો જીવ જતો રહેશે. હું મરી જઈશ તો મારી પત્ની, પુત્રો મૃત્યુ પામશે. તમે એકનો જીવ બચાવવા કેટલાનો ત્યાગ કરશો? જે ધર્મ પાળવાથી બીજા ધર્મનો નાશ થાય તે ધર્મ નહીં, અધર્મ કહેવાય. જેમાં કોઈનાય ધર્મનો વિરોધ ન હોય એ જ સાચો ધર્મ. જો ધર્મનાં બે સ્થળે વિરોધ થાય તો બંનેમાં લાઘવ અને ગૌરવનો વિચાર કરવો જોઈએ. જેમાં કશું નુકસાન ન હોય તે ધર્મ અપનાવવો જોઈએ. ધર્મ-અધર્મનો નિર્ણય કરવામાં પહેલાં લાઘવ અને ગૌરવનો વિચાર કરો, જેમાં કલ્યાણ હોય તે ધર્મ.’ રાજાએ આ સાંભળી કહ્યું, ‘તમે તો મોટી મોટી વાતો કરો છો, શું તમે ગરુડ તો નથી? કારણ કે ધર્મપૂર્ણ કેટલી બધી વાતો તમે કરી રહ્યા છો. તમારી વાતો સાંભળીને તો એવું લાગે છે કે તમારાથી કશું અજાણ્યું નથી. અને છતાં શરણાગતનો ત્યાગ કરવામાં ધર્મ જુઓ છો! તમે જો ભોજન માટે જ બધી વાત કરતા હો તો આ કબૂતરને બદલે બીજું ઘણું બધું ભોજન તમને આપું. ગાય, બળદ, સૂવર, હરણ, પાડો.’ બાજે કહ્યું, ‘હું નથી તો સૂવર ખાતો, નથી બળદ કે બીજાં હરણ ખાતો. મારે બીજા જીવો નથી જોઈતા. ઈશ્વરે મારા માટે આ કબૂતર સર્જ્યું છે. તે મને આપી દો. બાજનું ભોજન કબૂતર છે એ તો વાત જાણીતી છે. તમે તત્ત્વ જાણો છો તો પછી કેળાના સ્કંધની જેમ તત્ત્વરહિત ધર્મને ન અપનાવો.’ રાજાએ કહ્યું, ‘આ ધનથી મેળવેલું શિબિરાજ્ય તમે ભોગવો. શરણે આવેલા પક્ષી સિવાય જે જોઈએ તે માગો. તમે જે કહેશો તે કરીશ, જે માગશો તે આપીશ. પણ આ કબૂતર તો નહીં જ આપું.’ બાજે કહ્યું, ‘રાજા, જો આ કબૂતર પર તમને વધુ પ્રેમ હોય તો આ કબૂતરના જેટલું માંસ તમારા શરીરમાંથી કાપીને મને આપો. તમારા માંસનું વજન જ્યારે કબૂતરના વજન જેટલું થઈ જાય ત્યારે મને આપજો એટલે મને સંતોષ થશે.’ ધામિર્ક રાજા ઉશીનરે જાતે પોતાના શરીરમાંથી માંસ કાપ્યું, અને ત્રાજવાના એક પલ્લામાં કબૂતરને મૂક્યું અને બીજા પલ્લામાં પોતાનું માંસ. પણ કબૂતરનું પલ્લું નમતું ને નમતું જ રહ્યું એટલે રાજાએ ફરી માંસ કાપીને ત્રાજવામાં મૂક્યું. જેમ જેમ રાજા માંસ મૂકતા ગયા તેમ તેમ કબૂતરનું પલ્લું નમતું રહ્યું. છેવટે જ્યારે રાજાના શરીરમાં કબૂતરના વજન જેટલુંય માંસ ન રહ્યું ત્યારે પોતે જ ત્રાજવામાં જઈ બેઠા. બાજે કહ્યું, ‘હું ઇન્દ્ર છું અને આ કબૂતર અગ્નિ છે. તમારા ધર્મની પરીક્ષા કરવા જ અમે અહીં આવ્યા હતા. તમે તમારા શરીરનું જેટલું માંસ કાપ્યું છે એટલી તમારી કીતિર્ બધા લોકમાં ફેલાશે. માનવીઓ તમારા ગુણ ગાતા રહેશે, તમારો યશ સદા કાળ ટકશે.’ (આરણ્યક પર્વ, ૧૩૦-૧૩૧)

અષ્ટાવક્રની કથા

ઉદ્દાલક મુનિના એક શિષ્ય હતા, તેમનું નામ કહોડ. ગુુરુની ભારે સેવા કરે, તેમની આજ્ઞાનું પાલન કરે. દિવસોના દિવસો સુધી તે અધ્યયન કરતા રહ્યા. ગુરુ પાસે તો ઘણા શિષ્યો, એ બધામાં સૌથી વધારે બુદ્ધિશાળી આ કહોડ હતો, એટલે ઉદ્દાલકે તેને બધા વેદ શીખવાડી દીધા અને પોતાની પુત્રી સુજાતા પણ તેની સાથે પરણાવી. થોડા સમયે સુજાતા સગર્ભા થઈ. તેનો ગર્ભ અગ્નિ જેવો પ્રકાશિત. એક દિવસ તે બાળકે અધ્યયન કરી રહેલા પિતાને કહ્યું, ‘પિતાજી, તમે આખી રાત ભણ્યા જ કરો છો પણ સરખી રીતે તો ભણતા જ નથી.’ હવે બધા શિષ્યો ત્યાં બેઠા હતા. અને બધાની વચ્ચે પોતાની નિંદા થઈ એટલે કહોડ ગુસ્સે થયા અને ગર્ભને શાપ આપ્યો, ‘તું પેટમાંથી જ બોલે છે એટલે આઠ જગાએથી તું વાંકો થઈશ.’ પછી કહોડ ઋષિનો પુત્ર આઠ જગ્યાએથી વાંકો હતો એટલે તેનું નામ પડ્યું અષ્ટાવક્ર, ઉદ્દાલકને એક પુત્ર પણ હતો, તેનું નામ શ્વેતકેતુ. આ બંને મામાભાણેજ સરખી વયના. એક દિવસ અષ્ટાવક્રના જન્મ પહેલાં સુજાતા વિકસી રહેલા ગર્ભથી બહુ દુઃખી થઈ. તેને ધનની ઇચ્છા હતી, પતિને પ્રસન્ન કરીને તે એકાંતમાં બોલી, ‘મહર્ષિ, મને દસમો મહિનો જાય છે. ધન વગર હું શું કરીશ? તમારે ત્યાં તો ધન જ નથી. તો મારી પ્રસૂતિ થશે કેવી રીતે?’ કહોડ મુનિ પત્નીની વાત સાંભળીને ધન મેળવવા જનક રાજાને ત્યાં ગયા. બંદી સાથે વિવાહ કર્યો. કહોડ હારી ગયા એટલે તેમને પાણીમાં ડુબાડી દીધા. ઉદ્દાલક મુનિએ જ્યારે સમાચાર સાંભળ્યા કે જમાઈને બંદીએ શાસ્ત્રાર્થમાં હરાવીને પાણીમાં ડુબાડી દીધા છે, ત્યારે પુત્રી સુજાતાને કહ્યું, ‘તું આ વાત અષ્ટાવક્રથી છાની રાખજે.’ અષ્ટાવક્રનો જન્મ થયો ત્યારે પણ કોઈને ખબર ન પડી. અષ્ટાવક્રે ઉદ્દાલકને પિતા અને શ્વેતકેતુને ભાઈ માની લીધા. એમ કરતાં કરતાં અષ્ટાવક્ર બાર વરસના થયા. તે ઉદ્દાલક મુનિના ખોળામાં બેઠા હતા, તે જ વખતે ત્યાં શ્વેતકેતુ આવી ચઢ્યા અને અષ્ટાવક્રનો હાથ ખેંચીને કહ્યું, ‘આ તારા પિતાનો ખોળો નથી.’ શ્વેતકેતુની આ નિર્દય વાત અષ્ટાવક્રના હૈયાને વીંધી ગઈ, તેમને બહુ દુઃખ થયું. ઘરમાં જઈને માતાને કહ્યું, ‘મારા પિતા ક્યાં છે?’ સુજાતા તો આ સાંભળીને દુઃખી દુઃખી થઈ ગઈ, શાપની બીકે બધી વાત કરી દીધી. બધી વાત બરાબર સાંભળીને અષ્ટાવક્રે શ્વેતકેતુને કહ્યું, ‘રાજા જનકનો યજ્ઞ બહુ વખણાય છે. ચાલો, તે યજ્ઞમાં જઈએ અને સારું સારું ભોજન જમીએ. બ્રાહ્મણોના વિચાર સાંભળીશું, આપણી બુદ્ધિમાં વધારો થશે. બ્રહ્મઘોષ પુષ્કળ કલ્યાણકારી અને સૌમ્ય હોય છે.’

સરખાવો: ઉત્તાનપાદ અને ધ્રુવની કથા

એટલે મામાભાણેજ જનક રાજાની સમૃદ્ધ યજ્ઞશાળામાં ગયા, રસ્તામાં જનક અને અષ્ટાવક્ર ટકરાયા. રાજસેવકોએ અષ્ટાવક્રને રસ્તામાંથ હટાવ્યા એટલે અષ્ટાવક્રે કહ્યું, ‘જ્યાં સુધી બ્રાહ્મણ રસ્તામાં ન આવે ત્યાં સુધી અંધ, બધિર, સ્ત્રી, બોજવાહક, રાજાનો માર્ગ જેને તેને આપવો. જો સામે બ્રાહ્મણ આવે તો સૌથી પહેલાં બ્રાહ્મણને માર્ગ આપવો.’ રાજાએ કહ્યું, ‘મેં આજે તમારા માટે આ રસ્તો ખુલ્લો કરી દીધો છે. હવે જ્યાં ઇચ્છા હોય ત્યાં જજો. અગ્નિ ક્યારેય ક્ષુદ્ર ન હોય. બ્રાહ્મણ આગળ તો ઇન્દ્ર પણ માથું ઝુકાવે.’ અષ્ટાવક્રે કહ્યું, ‘અમે તો આ યજ્ઞ જોવા આવ્યા છીએ. તમારા આ યજ્ઞ માટેની જિજ્ઞાસા બહુ વધી રહી છે. અમે બંને અતિથિ બનીને આવ્યા છીએ. પછી જનકે કહ્યું, ‘ભલે’, અને તે બંને રાજસભામાં આવી દ્વારપાલને બોલ્યા, હે દ્વારપાલ, યજ્ઞમંડપમાં પ્રવેશવાની આજ્ઞા આપો. અહીં અમે યજ્ઞ જોવા આવ્યા છીએ, જનક રાજા સાથે વાતો કરવી છે હે દ્વારપાલ, તમે અમને બંનેને રોગી માનીને ક્રોધી ન બનાવો.’ દ્વારપાલે કહ્યું, ‘અમે તો બંદીની આજ્ઞાનું પાલન કરીએ છીએ. મારી વાત સાંભળો. અહીં કોઈ બાળકને યજ્ઞશાળામાં પ્રવેશ નથી. વેદ જાણનારા શ્રેષ્ઠ બ્રાહ્મણોને જ પ્રવેશ છે.’ આ સાંભળી અષ્ટાવક્રે કહ્યું, ‘જો યજ્ઞશાળામાં વૃદ્ધ બ્રાહ્મણો જ પ્રવેશી શકે તો અમે પણ વૃદ્ધ વ્રતધારી, વેદજ્ઞ છીએ. અમે જિતેન્દ્રિય છીએ, જ્ઞાની છીએ. તમે અમને બાળક ન સમજો. જરા જેટલો અગ્નિ પણ બધુ સળગાવી મૂકે છે.’ દ્વારપાલે કહ્યું, ‘તમે જો વેદ જાણો છો તો એક અક્ષરથી સંપન્ન અને વિશેષ રૂપે પ્રકાશિત અનેક રૂપવાળી વેદવાણી કરો. તમે બાળક જ છો. પોતાની નાહક પ્રશંસા શા માટે કરો છો? શાસ્ત્રાર્થમાં સિદ્ધિ મેળવવી બહુ અઘરું છે.’ અષ્ટાવક્રે કહ્યું, ‘માત્ર શરીર મોટું થાય એનાથી કશો લાભ થતો નથી. એ વાત તમે જાણતા હો એમ લાગતું નથી. શીમળો બહુ જલદી મોટો તો થઈ જાય છે પણ એનાં ફળ ખાઈ શકાતાં નથી. કેટલાંય નાનાં વૃક્ષોનાં ફળ કેવાં મીઠાં હોય છે. એટલાં દળવાળાં નાનાં વૃક્ષ નાનાં હોવા છતાં પણ મોટાં છે અને ફળ વિનાનાં વૃક્ષ મોટાં હોવા છતાં પણ નાનાં છે.’ દ્વારપાલે કહ્યું, ‘બાળકો વૃદ્ધો પાસેથી જ વિદ્યા મેળવીને જ્ઞાની થાય છે. સમય આવે તેઓ પણ મોટા થાય છે. નાની ઉંમરમાં કોઈ જ્ઞાન મેળવી શકતું નથી. તું બાળક થઈને વૃદ્ધોની જેમ કેમ બોલે છે?’ અષ્ટાવક્રે કહ્યું, ‘કોઈના વાળ ધોળા થઈ જાય એટલે તે વૃદ્ધ ન મનાય. બાળક હોવા છતાં જે જ્ઞાની છે તેને જ પંડિતો વૃદ્ધ કહે છે. કોઈ પણ માણસ સફેદ વાળને કારણે, ધનને કારણે, બંધુબાંધવોને કારણે શ્રેષ્ઠ નથી મનાતો. ઋષિઓએ તો કહી દીધું છે — જે વેદ જાણે છે તે જ મહાન છે. હું બંદીને જોવા આવ્યો છું. કમળમાળા પહેરેલા રાજાને મારા આવવાની જાણ કરો. દ્વારપાલ, તમે થોડી વારમાં જ જોશો કે અમે સભામાં જઈને પંડિતો સાથે વિવાદ કરીશું; આજે જ્યારે બધા પ્રતિપક્ષીઓ ચૂપ થઈ જશે ત્યારે બધાને ખબર પડશે કે અમે નાના છીએ કે મોટા?’ દ્વારપાલે કહ્યું, ‘અહીં તો વિદ્વાનો અને પંડિતોનો જ પ્રવેશ થાય, આ સભામાં તારા જેવો દસેક વરસનો બાળક કેવી રીતે પ્રવેશી શકે? છતાં કોઈક રીતે હું તને અંદર લઈ જવાની કોશિષ કરીશ. તું પણ ઉત્તમ જ્ઞાનનો પરચો બતાવજે.’ અષ્ટાવક્ર બોલ્યા, ‘હે જનકવંશીઓમાં ઉત્તમ રાજા, તમે પૂજાઓ અને બધી ઋદ્ધિઓ તમને વરે. ભૂતકાળમાં માત્ર યયાતિએ કરેલાં કાર્યો જેવાં જ યજ્ઞકાર્યો તમે કર્યાં છે. અમે સાંભળ્યું છે કે બંદી શાસ્ત્રાર્થમાં હારેલા વિદ્વાનોને, જરા પણ ડર્યા વિના, તમારા નીમેલા પુરુષોને પાણીમાં ડુબાડી દે છે. હું બ્રાહ્મણોની આ વાત સાંભળીને બ્રહ્મવર્ણન કરવા આવ્યો છું. એ બંદી ક્યાં છે? મારે તેમની સાથે શાસ્ત્રાર્થ કરવો છે. જેવી રીતે સૂરજ ઊગે ત્યારે તારાઓ અદૃશ્ય થાય છે તેવી રીતે આજે હું એને અદૃશ્ય કરી દઈશ.’ રાજાએ કહ્યું, ‘તમે બંદીની વિદ્વત્તાને જાણ્યા કર્યા વિના જ કહો છો કે હું એને જીતી લઈશ. પોતાના હરીફની વિદ્વત્તા જાણ્યા પછી જ આવું બોલાય. બંદીની વિદ્વત્તા તો વેદ જાણનારા પંડિતોને ખબર છે.’ અષ્ટાવક્ર બોલ્યા, ‘તેમણે મારા જેવા પંડિતો સાથે ક્યાં ચર્ચા કરી છે એટલે જ સિંહની જેમ ગરજે છે અને નિર્ભય બનીને બોલે છે. ધરી તૂટે અને રથ જમીન પર પડી જાય તેમ તે મારી સાથે ટકરાઈને સૂઈ જશે.’ રાજાએ કહ્યું, ‘છ નાભિ, બાર આરા, ચોવીસ પર્વ, ત્રણસો સાઠ તારવાળી જે વસ્તુ છે તેના મર્મને જે જાણે તે મોટો કવિ.’ અષ્ટાવક્રે કહ્યું, ‘ચોવીસ પર્વ, છ નાભિ, બાર પ્રધિ અને ત્રણસો આઠ તારવાળું જે ચક્ર નિત્ય ચાલે છે તે તમારી રક્ષા કરે.’ રાજાએ કહ્યું, ‘જે બે ઘોડીઓની જેમ સંયુક્ત છે, જે પડે બાજ પક્ષીની જેમ, દેવતાઓની વચ્ચે તે બંનેના ગર્ભને કોણ ધારણ કરે છે? તે કયા ગર્ભનું સર્જન કરે છે.’ અષ્ટાવક્રે કહ્યું, ‘ઓ રાજા, તે તમારા ઘર પર કદી ન પડે. શત્રુઓના ઘર પર પણ ન પડે. જેનો સારથિ વાયુ છે તે એ ગર્ભને ધારણ કરે છે, તે બંને એ ગર્ભને જન્મ આપે છે.’ રાજાએ કહ્યું, ‘જે સૂતી વખતે આંખો બંધ ન કરે તે કયો જીવ? જે ઉત્પન્ન થઈને પણ ચાલે નહીં તે કોણ? હૃદય ન હોય તે શું? જે ઝડપથી વૃદ્ધિ પામે છે તે શું છે?’ અષ્ટાવક્રે ઉત્તર આપ્યો, ‘સૂતી વખતે માછલી આંખ બંધ કરતી નથી. ઈંડું ઉત્પન્ન થવા છતાં ચાલતું નથી. પથ્થરને હૃદય નથી હોતું? વેગથી નદી વહે છે.’ રાજા બોલ્યા, ‘હું તમને મનુષ્ય નથી માનતો. તમે તો સાક્ષાત્ દેવ છો, મારી દૃષ્ટિએ તમે બાળક નથી, વૃદ્ધ છો. તમારી જેમ વાદ કરનાર કોઈ નથી. એટલે યજ્ઞમંડપમાં જવાનું બારણું તમને બતાવું છું. સામે જ બંદી છે.’ ‘શાસ્ત્રાર્થનું બહુ અભિમાન છે ને તમને? આજે મારી આગળ કશું બોલી નહીં શકે. પ્રલયકાળમાં જેવી રીતે અગ્નિ પ્રદીપ્ત થાય અને તેની નજીક રહેનારા જળનો પ્રવાહ સુકાઈ જાય તેમ તમે મારી આગળ સુકાઈ જશો. આજે તમે થંભી જશો.’ બન્દીએ કહ્યું, ‘સૂતેલા સિંહને નહીં જગાડો. ભયંકર ઝેરીલા અને પોતાની જીભ ચાટતા સાપના માથે લાત મારશો તો તમને દંશ દેશે જ. આ વાત સારી રીતે સમજી લે. નબળો પુરુષ બળના અભિમાનને કારણે પર્વતને લાત મારે તો તેના પગને જ ઇજા થાય, પર્વતને કશું ન થાય. મૈનાક પર્વત આગળ બીજા પર્વતો, આખલા આગળ વાછરડા- તેમ મિથિલાધિપતિ આગળ બધા રાજા નકામા.’ પછી બંદી બોલ્યા, ‘એક જ અગ્નિ ઘણા રૂપે પ્રજ્વળે છે, એક જ સૂર્ય આખા જગતને પ્રકાશે છે, એક જ ઇન્દ્ર શત્રુઓનો નાશ કરે છે. એક જ યમ પિતૃઓનો ઈશ્વર છે.’ અષ્ટાવક્ર બોલ્યા, ‘ઇન્દ્ર અને અગ્નિ મૈત્રી રાખીને બધે હરેફરે છે, નારદ અને પર્વત બે મહર્ષિ છે, અશ્વિનીકુમાર બે દેવતા છે, રથના બે ચક્ર છે, વિધાતાએ પતિપત્ની સર્જ્યાં છે.’ બંદીએ કહ્યું, ‘કર્મહેતુથી બધા લોકો દેવતા, માનવી અને તિર્યક્ — આ ત્રણ જાતિઓમાં જન્મે છે. ઋક્, યજુ, સામ — આ ત્રણ વેદ સંમિલિત થઈ બધાં કર્મનું પ્રતિપાદન કરે છે. અધ્વર્યુઓ પ્રાત:સંધ્યા, મધ્યસંધ્યા અને સાયંસંધ્યા કરે છે. સ્વર્ગ, મૃત્યુ અને નરક — આ ત્રણ લોક છે. સૂર્ય, વિદ્યુત અને અગ્નિ — આ ત્રણ જ્યોતિ છે.’ અષ્ટાવક્રે વળતાં કહ્યું, ‘બ્રાહ્મણોના ચાર આશ્રમ છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ; ચાર ઋત્વિજ મળીને કર્મકાંડ કરે છે; પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ-દિશાઓ ચાર છે. વર્ણ પણ ચાર છે — હ્રસ્વ, દીર્ઘ, પ્લુત, હલ્; ગાય(એટલે કે વાણીના)ના પગ ચાર છે: પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી. બંદીએ ઉત્તર આપ્યો: ‘પાંચ અગ્નિ છે. ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ, આહ્વનીષ, સથ્ય, અવસથ્ય; પંક્તિ છંદમાં પાંચ ચરણ છે; પાંચ યજ્ઞ છે: દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ઋષિયજ્ઞ, ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ. પાંચ ઇન્દ્રિયો છે. કાન, તત્વ, નેત્ર, જીભ અને નાક; વેદમાં પાંચ શિખાઓવાળી પાંચ અપ્સરાઓ છે; પાંચ નદીઓ પવિત્ર છે — વિપાશા, ઇરાવતી, વિતસ્તા, ચંદ્રભાગા અને શતદ્રૂ.’ અષ્ટાવક્રે કહ્યું, ‘કેટલાકના મતે અગ્ન્યાધાનની દક્ષિણા છ ગાય છે; કાલચક્રની ઋતુઓ છ છે, પાંચ ઇન્દ્રિયો અને મન મળીને છ ઇન્દ્રિયો છે, કૃત્તિકા છ છે, તથા વેદમાં સાદ્યસ્ક પણ છ છે.’ બંદીએ કહ્યું, ‘પાળેલાં પશુ સાત છે; જંગલી પ્રાણી સાત છે. એક યજ્ઞમાં સાત છંદ પ્રયોજાય છે; સાત ઋષિ છે, સમ્માન કરનારી રીતિઓ સાત છે; વીણાના તાર સાત છે.’ અષ્ટાવક્રે કહ્યું, ‘શણની બનેલી આઠ દોરીઓ વડે ત્રાજવાં સેંકડો મણ વસ્તુઓ તોળાય છે, સંહિ ઘાતક શસ્ત્રને આઠ પગ હોય છે, દેવતાઓના આઠ વસુ છે એવું તો સાંભળતા આવ્યા છીએ. બધા યજ્ઞોમાં આઠ હોય છે.’ બંદીએ કહ્યું, ‘પિતૃયજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા નવધા ઋક્ હોય છે. સૃષ્ટિસર્જનમાં પુરુષ, પ્રકૃતિ, મહત્, અહંકાર અને પાંચ તન્માત્ર, પ્રત્યેક ચરણમાં નવ અક્ષર- એવા ચાર ચરણથી બૃહતી છંદ બને છે, એકથી નવ સુધીના આંકડા વડે ગણત્રી પૂરી થાય છે.’ અષ્ટાવક્રે કહ્યું, ‘પુરુષ માટે દિશાઓ દશ છે, દસ વાર સો મળે એટલે એક હજાર થાય, સ્ત્રીઓની સગર્ભાવસ્થા દસ મહિનાની હોય છે; આ તત્ત્વજ્ઞાનના ઉપદેશક દસ, વિરોધી પણ દસ; અધિકારી પણ દસ છે.’ બંદીએ કહ્યું, ‘અગિયાર ઇન્દ્રિયો શબ્દાદિ વિષયોમાં, એટલે શબ્દાદિ વિષય પણ અગિયાર, જીવરૂપી પશુના બંધન માટે અગિયાર વિષય યૂપસ્વરૂપે છે; શબ્દાદિ, હર્ષ વિષાદ વગેરે અગિયાર પ્રકારના વિકાર સ્વર્ગમાં દેવતાઓને પણ રુદન કરાવે છે.’ અષ્ટાવક્રે કહ્યું, ‘બાર મહિનાનો સંવત્સર બને, પ્રત્યેક ચરણમાં બાર અક્ષર હોય એવા ચાર ચરણમાં જગતી છન્દ કહેવાય. પ્રાકૃત યજ્ઞ બાર દિવસે પૂરો થાય, અને આદિત્ય પણ બાર છે.’ અષ્ટાવક્ર બોલ્યા, ‘બાર પંડિતોએ તેરસને બહુ ઉગ્ર કહી છે. પૃથ્વીને તેર દ્વીપવાળી કહી છે.’ આ અડધો શ્લોક કહીને બંદી ચૂપ થઈ ગયા. અષ્ટાવક્રે એ શ્લોક પૂરો કર્યો, ‘કેશીએ તેર દિવસ યજ્ઞ કર્યા અને અતિચ્છંદમાં તેર અક્ષર હોય છે.’ હવે યજ્ઞદીક્ષા પામેલા વરુણના પુત્ર બંદીને ચૂપ જોયો, તેનું મોં પડી ગયું હતું- એટલે ભારે ઘોંઘાટ થયો. જનકની સભામાં યજ્ઞ પૂરો થયો. વેદ જાણનારા બધા બ્રાહ્મણોએ પે્રમપૂર્વક હાથ જોડીને અષ્ટાવક્રની પૂજા કરી. ‘આ બંદીએ પહેલાં અનેક વિદ્વાન બ્રાહ્મણોને જીતીને પાણીમાં ડુબાડ્યા છે. તે પણ એવી જ ગતિ પામે. એને પણ પકડીને પાણીમાં ડુબાડીશ.’ બંદીએ કહ્યું, ‘હું વરુણનો પુત્ર છું. મારા પિતાએ પણ બાર વર્ષનો યજ્ઞ કર્યો છે. રાજન્, તમારા યજ્ઞની સમાંતરે ત્યાં પણ યજ્ઞ થયો છે. એટલે મેં બ્રાહ્મણોને ત્યાં મોકલ્યા છે. તે બધા વરુણનો યજ્ઞ જોવા ગયા છે અને પાછા આવી રહ્યા છે. હું અષ્ટાવક્ર મુનિની પૂજા કરું છું. એમને કારણે હું ફરી પિતાને મળી શકીશ.’ અષ્ટાવક્રે કહ્યું, ‘આ બધા બ્રાહ્મણોને સમુદ્રજળમાં ડુબાડી દીધા હતા. પંડિત હોવા છતાં બંદીના વાક્યકૌશલ કે તર્કછળથી પરાજિત થાય. મેં મારી શબ્દશક્તિથી જે રીતે તેમનો ઉદ્ધાર કર્યો છે, એવી જ રીતે વિવેકી પંડિતો મારાં એ વચનોની પરીક્ષા કરે. જેમ જાતવેદ અગ્નિ સ્વભાવથી જ દાહક હોવા છતાં સત્યવાદી લોકોના શરીરને આંચ પહોંચાડતો નથી, તેવી રીતે વિવેકશીલ પંડિતો મંદવાદી બાળક કે પુત્રના વાક્યની પરીક્ષા કરીને જ એને સ્વીકારે કે ન સ્વીકારે. હે જનક, તમે કોઈ કારણ સર તેજહીન થઈ ગયા હતા એટલે મારી વાત સાંભળતા ન હતા. બંદીની સ્તુતિઓથી તમે છકી ગયા હતા. જેવી રીતે મદમસ્ત હાથી અંકુશોના ઘા ખાઈને પણ મહાવતની વાત નથી માનતો તેવી રીતે તમે મારી વાત સાંભળતા ન હતા.’ જનક રાજાએ એ સાંભળી કહ્યું, ‘હું તમારી દેવસદૃશ અમાનુષી વાણી સાંભળી રહ્યો છું. તમે સાક્ષાત્ દિવ્યરૂપ છો. તમે બંદીને જીતી લીધા છે, એટલે બંદી તમને સોંપ્યો. તમારી જે ઇચ્છા હોય તે પ્રમાણે વર્તો.’ અષ્ટાવક્રે કહ્યું, ‘આ બંદી જીવતા રહે તેનાથી મને કોઈ લાભ નથી. એના પિતા જો સાચેસાચ વરુણ હોય તો તેને પાણીમાં ડુબાડી દો.’ બંદીએ કહ્યું, ‘હું વરુણરાજાનો પુત્ર છું એટલે પાણીની મને કશી ચિંતા નથી. અષ્ટાવક્રના પિતા કહોડ ઘણા વખતથી અદૃશ્ય છે તે અત્યારે જ દેખાશે.’ એટલે મહાત્મા વરુણ વડે પુજાયેલા બધા બ્રાહ્મણો જનક રાજા આગળ ઊભા રહી ગયા. કહોડે કહ્યું, ‘પુરુષો આટલા જ માટે અનેક કર્મ કરી પુત્રની ઇચ્છા રાખે છે. જે કાર્ય હું કરી ન શક્યો તે કાર્ય મારા પુત્રે કરી બતાવ્યું. દુર્બળનો પુત્ર બળવાન, મૂર્ખનો પુત્ર પંડિત અને અજ્ઞાનીનો પુત્ર જ્ઞાની હોઈ શકે.’ બંદીએ કહ્યું, ‘હે રાજન્, ધારધાર શસ્ત્ર લઈને યમરાજ જાતે જ તમારા શત્રુઓનાં મસ્તક કાપે, તમારું કલ્યાણ થાય. તમારા યજ્ઞમાં ઉકથ્ય નામનું સામગાન સરસ રીતે ગવાય છે, સોમવાન સારી રીતે થાય છે. દેવગણ પ્રસન્ન થઈને પવિત્ર ભાગોને ગ્રહણ કરે છે.’ જ્યારે બધા બ્રાહ્મણો તેજસ્વી બનીને ત્યાં પ્રગટ્યા ત્યારે જનક રાજાની આજ્ઞાથી બંદી બધા જ પ્રતાપી બ્રાહ્મણોના દેખતાં સમુદ્રમાં પ્રવેશ્યા. બધા બ્રાહ્મણોએ અષ્ટાવક્રની પૂજા વિધિસર કરી, અષ્ટાવક્રે પોતાના પિતાની પૂજા કરી. શ્રેષ્ઠ બંદીને જીતીને મામા શ્વેતકેતુ સાથે ઘેર પાછા ફર્યા. (આરણ્યક પર્વ, ૧૩૨થી ૧૩૪)

યવક્રીતકથા

ભરદ્વાજ અને રૈભ્ય બંને મિત્રો. એકબીજા સાથે ખૂબ બને અને બંને વનમાં રહેતા હતા. રૈભ્યના બે પુત્ર અર્વાસુ અને પરાવસુ; ભરદ્વાજનો એક જ પુત્ર યુવક્રીત. રૈભ્ય ભારે વિદ્વાન અને ભરદ્વાજ મોટા તપસ્વી. નાનપણથી બંનેની કીતિર્ જગતમાં જાણીતી. યવક્રીતે જોયું કે મારા પિતા માત્ર તપસ્વી છે પણ તેમનો કોઈ સત્કાર કરતું નથી. અને રૈભ્યને બ્રાહ્મણો પૂજે છે. તે સંતાપ કરવા લાગ્યા અને ક્રોધી થઈને વેદ જાણવા ભારે તપ કર્યું. સારી રીતે સળગતી આગમાં શરીર તપાવ્યું, તેમના તપથી ઇન્દ્રને બીક લાગી. પછી તે યવક્રીત આગળ આવ્યા, ‘તમે શા માટે આટલું બધું ભારે તપ કરો છો?’ ‘બ્રાહ્મણોને ભણ્યા વિના જ વેદોનું જ્ઞાન થઈ જાય એટલા માટે હું આ તપ કરી રહ્યો છું. હું જ્ઞાન માટે જ તપ કરી રહ્યો છું. હું તપ વડે જ બધી વિદ્યાઓને પામવા માગું છું. ગુરુ પાસેથી વેદનું જ્ઞાન મેળવવા જઈએ તો બહુ સમય લાગે છે. એટલે આ જ્ઞાન માટે તપ કરું છું.’ ઇન્દ્રે કહ્યું, ‘જે માર્ગે તમે જવા માગો છો તે સાચો માર્ગ નથી. વેદ ભણવા જ પડે, એ ન ભણીને કયો લાભ. એટલે જાઓ અને ગુરુ પાસે વેદ ભણો.’ આમ કહીને ઇન્દ્ર તો જતા રહ્યા, યવક્રીત પાછા તપમાં જોડાઈ ગયા. બહુ ઘોર તપ કરીને આ મહાતપસ્વી યવક્રીતે દેવેન્દ્રને બહુ દુઃખી કર્યા. તેમનું આ તપ જોઈને ઇન્દ્રે ફરી તેમને અટકાવ્યા, ‘તમે બહુ અશક્ય કાર્ય કરી રહ્યા છે. આ બુદ્ધિપૂર્વકનું કામ નથી. છતાં આ તપસ્યાથી માત્ર તમારી અને તમારા પિતાની આગળ વેદ પ્રકાશિત થઈ જશે.’ આ સાંભળી યવક્રીતે કહ્યું, ‘દેવરાજ, તમે જો મારી ઇચ્છા પૂરી નહીં કરો તો આનાથી પણ વધારે ઘોર તપ કરીશ. મારી બધી ઇચ્છા પાર નહીં પાડો તો મારા શરીરના ટુકડેટુકડા કરી અગ્નિમાં હોમતો જઈશ.’ આને બીજી કોઈ રીતે હટાવવો પડશે એમ વિચારી બુદ્ધિમાન ઇન્દ્રે એક ક્ષયના રોગીનું રૂપ લીધું, તે સો વર્ષના વૃદ્ધ અને દુર્બલ બ્રાહ્મણ હતા. જે તીર્થમાં યવક્રીત સ્નાન કરતા હતા ત્યાં જઈ ગંગા નદી પર રેતીનો પુલ બનાવવા બેઠા. યવક્રીતે ઇન્દ્રની વાત ન માની એટલે ઇન્દ્ર ગંગાને રેતીથી ભરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ઇન્દ્ર યવક્રીતને દેખાડીને દરરોજ ગંગામાં એક મૂઠી રેતી નાખવા લાગ્યા, અને આમ પુલ બાંધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ જોઈને યવક્રીતને હસવું આવ્યું અને ઇન્દ્રને કહ્યું, ‘અરે બ્રાહ્મણ, આ શું કરો છો? તમારો આ પુુરુષાર્થ નકામો છે.’ ઇન્દ્રે કહ્યું, ‘આ નદી પાર કરવામાં લોકોને બહુ દુઃખ પડે છે. એટલે હું નદી પર પુલ બાંધીશ. સરસ રસ્તો થઈ જશે.’ યવક્રીતે કહ્યું, ‘તમે ગંગાનો આ પ્રચંડ વેગ રોકી નહીં શકો; આ કાર્ય થઈ જ ન શકે. જે કામ થઈ શકે તે જ કરો.’ ઇન્દ્રે કહ્યું, ‘જેવી રીતે તમે વેદ માટે તપ કરો છો એવી જ રીતે મેં પણ આ અશક્ય કાર્ય કરવાનો નિશ્ચય કર્યો છે.’ યવક્રીત બોલ્યા, ‘હે સ્વર્ગના સ્વામી, જેવી રીતે તમારું કાર્ય નિરર્થક છે એવી રીતે મારું કામ પણ નિરર્થક છે એવું જો તમે માનતા હો તો મારા વડે જે સંભવિત છે એ જ કરો, હું બીજાઓથી આગળ જઈ શકું એવું વરદાન આપો.’ તપસ્વી યવક્રીતે જેટલાં વરદાન માગ્યાં તે બધાં ઇન્દ્રે આપ્યાં, ઇન્દ્રે કહ્યું, ‘હે તપસ્વી, તમને અને તમારા પિતાને ઇચ્છાનુસાર બધા વેદોનું જ્ઞાન થઈ જશે. જે ઇચ્છશો તે મળશે.’ આમ ઇન્દ્ર પાસેથી વરદાન મેળવીને યવક્રીતે પિતાને કહ્યું, ‘મને અને તમને વેદોના મર્મ સમજાઈ જશે, આપણે બીજાઓને હરાવી દઈશું, એવું વરદાન મેં મેળવ્યું છે.’ ભરદ્વાજે કહ્યું, ‘ઇચ્છાનુસાર વરદાન મેળવીને તને અભિમાન થશે અને એ અભિમાનને કારણે તારો જલદી વિનાશ થશે. હું તને એક કથા કહું, ‘પ્રાચીન કાળમાં વાલધિ નામના ઋષિ થઈ ગયા. પુત્ર માટે તેમણે વ્યથિત થઈને ઘોર તપ કર્યું. દેવતાઓ પાસે વરદાન માગ્યું, ‘મારો પુત્ર અમર થાય.’ દેવતાઓએ એ વરદાન ન આપ્યું, ‘મનુષ્ય પોતાના ધર્મ ન પાળે એ અમર થઈ ન શકે. તમારો પુત્ર પણ મર્યાદિત આયુષ્યવાળો થશે.’ વાલધિએ કહ્યું, ‘જ્યાં સુધી આ પર્વત સદા સ્થિર, અક્ષય રહે ત્યાં સુધી મારા પુત્રનું આયુષ્ય રહે.’ થોડા સમય પછી વાલધિ મુનિને ત્યાં એક પુત્ર જન્મ્યો, તે બહુ બુદ્ધિશાળી અને ક્રોધી. તેના કાને આ કથા પડી એટલે એ વધુ અભિમાની બની ગયો અને મુનિઓનું અપમાન કરવા લાગ્યો. આમ બધાનું અપમાન કરતો રહ્યો, એક દિવસ તેનો ભેટો મહાતેજસ્વી ધનુષાક્ષી મુનિ સાથે થઈ ગયો. તે ઋષિનું પણ તેણે અપમાન કર્યું; એટલે ઋષિએ શાપ આપ્યો, ‘તું ભસ્મ થઈ જા.’ પણ તે ભસ્મ ન થયો. તેને જીવતો જોઈ ઋષિએ પાડાઓ વડે પર્વતનો નાશ કરાવ્યો અને આમ તેના આવરદા આવી રહ્યો, તેને મરેલો જોઈ ઋષિ રડવા લાગ્યા. બધાએ તેને મોટે મોટેથી રડતો જોઈને વેદવાક્યો સંભળાવ્યાં તે તું સાંભળ. કોઈ પણ વ્યક્તિ વિધિના લેખ મિથ્યા કરી નહીં શકે. આમ વરદાન મેળવીને તપસ્વીઓના પુત્રો અભિમાની થઈ જાય છે, તારી દશા પણ એવી ન થાય. આ રૈભ્ય અને તેના બંને પુત્રો વધુ પરાક્રમી છે, તું સાવધાનીથી તેમની સાથે વર્તજે. તેમનું અપમાન ન થાય તે જોજે. આ રૈભ્ય તપસ્વી તો છે અને ક્રોધી પણ છે. એ જો ક્રોધે ભરાશે તો તને દુઃખ પહોંચાડશે.’ યવક્રીતે કહ્યું, ‘તમે દુઃખી ન થતા, હું તમે કહેશો તેવું જ કરીશ. મારે માટે તો જેવા તમે તેવા જ રૈભ્ય પણ.’ પિતાને આમ સંતુષ્ટ કરી, બીજા ઋષિમુનિઓનો તિરસ્કાર કરતો યવક્રીત આનંદમાં રહેવા લાગ્યો. આમ નિર્ભય થઈને ફરતા ફરતા તે વસંત ઋતુમાં રૈભ્ય આશ્રમમાં ગયા. પુષ્પોથી ભરચક વૃક્ષોવાળો એ આશ્રમ સુંદર હતો, ત્યાં રૈભ્યની પુત્રવધૂ કિન્નરીની જેમ ઘૂમતી હતી. નિર્લજ્જ, યવક્રીતે કામાતુર થઈને તે લાજવંતી યુવતીને કહ્યું, ‘મારી પાસે આવતી રહે.’ તે યવક્રીતના ચરિત્રને જાણતી હતી. તેના શાપની બીક લાગી, રૈભ્યના તેજને યાદ કરી તે યવક્રીત પાસે જઈ પહોંચી. તેણે એકાંતમાં એ સ્ત્રીને ભોગવી અને તેને દુઃખી કરીને જતો રહ્યો. તે જ વેળા રૈભ્ય મુનિ આશ્રમમાં આવી પહોંચ્યા. તેમણે પુત્રવધૂને રડતી જોઈ, તેને શાંતિથી બધા સમાચાર પૂછ્યા. તે સુંદરીએ યવક્રીતનાં બધાં કાર્ય કહી દીધા. આ સાંભળીને રૈભ્ય ખૂબ જ ક્રોધે ભરાયા. તેમનું હૃદય સળગી ઊઠ્યું. તેમણે પોતાની જટાની એક લટ ઉખાડી અને મંત્રો વડે તેની આહુતિ અગ્નિમાં આપી. તરત જ એક કૃત્યા પ્રગટી. તે પોતાની પુત્રવધૂના જેવી દેખાતી હતી, પછી મુનિએ બીજી લટ ઉખાડીને આહુતિ આપી. હવે હવનકુંડમાંથી એક ભયંકર દેખાવનો અને વિકરાળ આંખોવાળો એક રાક્ષસ પ્રગટ્યો. તે બંનેએ મુનિને પૂછ્યું, ‘અમે તમારી શી સેવા કરીએ?’ રૈભ્ય મુનિએ ક્રોધે ભરાઈને કહ્યું, ‘તમે યવક્રીતને મારી નાખો.’ ‘ભલે’ કહીને તે બંને યવક્રીતને મારવા નીકળ્યા. તેઓ જ્યારે યવક્રીત પાસે પહોંચ્યા ત્યારે મહાત્મા રૈભ્યે સર્જેલી કૃત્યાએ યવક્રીતને મોહ પમાડીને તેના હાથમાંથી કમંડળ લઈ લીધું. પછી એંઠું મોં અને કમંડળ વિનાના યવક્રીતને જોઈને રાક્ષસ ત્રિશૂલ લઈને તેની તરફ દોડ્યો. યવક્રીતે જોયું કે રાક્ષસના હાથમાં ત્રિશૂલ છે અને તે મારવા આવે છે ત્યારે તે ત્યાંથી દોડીને તળાવ પર ગયો. તળાવમાં પાણી ન હતું તે જોઈને તે નદીઓ તરફ દોડ્યો, તો નદીઓ પણ સુકાયેલી હતી. ચારે બાજુ દોડીને તે થાક્યો, રાક્ષસની બીક લાગી એટલે પોતાના પિતાની યજ્ઞશાળામાં પહોંચ્યો ત્યાં આંગણે રક્ષા કરતો એક આંધળો શૂદ્ર બેઠો હતો. તેણે યજ્ઞશાળામાં પેસતા યવક્રીતને બળજબરી કરીને ઝાલી રાખ્યો. પેલા રાક્ષસે યવક્રીતને શૂદ્રે પકડી રાખ્યો છે તે જોયું, અને ત્રિશૂલ તેની છાતીમાં માર્યું અને તેં ભોંકાવાથી નીચે પડી ગયો. યવક્રીતને મારીને તે રાક્ષસ રૈભ્ય મુનિ પાસે આવ્યો અને તેમની આજ્ઞાથી તે સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો. ભરદ્વાજ મુનિ સ્વાધ્યાય વગેરેમાંથી પરવારીને સમિધો લઈને આશ્રમમાં પ્રવેશ્યા. પહેલાં જ્યારે મુનિ પોતાના આશ્રમમાં પ્રવેશતા હતા ત્યારે અગ્નિ તેમને જોઈને ઊભા થઈ જતા હતા. પણ તે દિવસે પુત્રના મરણને કારણે મુનિ આવ્યા તો પણ અગ્નિજ્વાળા ઊભી ન થઈ. ઋષિએ ઘરની રક્ષા કરતા શૂદ્રને પૂછ્યું, ‘આજે આ અગ્નિ મને જોઈને પ્રસન્ન કેમ નથી? તું પણ દરરોજની જેમ આનંદમાં લાગતો નથી. આશ્રમમાં બધા કુશળ તો છે ને? મારો મૂરખ પુત્ર રૈભ્યના આશ્રમમાં તો ગયો નહોતો ને! તું બધી વાત તરત કહે. મારું મન વિચલિત થયું છે.’ શૂદ્રે કહ્યું, ‘તમારો મૂરખ પુત્ર રૈભ્ય ઋષિના આશ્રમમાં ગયો હતો, બલવાન રાક્ષસે તેનો વધ કર્યો છે, તેનું શબ અહીં પણ છે. હાથમાં ત્રિશૂલ લઈને આવેલા રાક્ષસને જોઈને તે ડરી ગયો હતો, યજ્ઞશાળામાં તે આવતો હતો પણ મેં તેને રોકી રાખ્યો. અપવિત્ર થઈને પાણી પીવા અહીં આવ્યો હતો. પણ મેં પકડી રાખ્યો એટલે રાક્ષસે દોડીને તેને મારી નાખ્યો.’ શૂદ્રની આવી કડવી વાત સાંભળીને ભરદ્વાજ મુનિ પોતાના મરેલા પુત્રને ઊંચકીને બહુ વિલાપ કરવા લાગ્યા. ‘અરે દીકરા, તેં બ્રાહ્મણો માટે ભારે તપ કર્યું હતું, વગર અભ્યાસે જ બ્રાહ્મણોને બધા વેદ આવડી ગયા. તું અત્યંત શીલવાન, બધાં પ્રાણીઓ પ્રત્યે દયાળુ હોવા છતાં મહાત્મા બ્રાહ્મણો પ્રત્યે તું કઠોર થઈ ગયો. મેં તને કહેલું કે રૈભ્યના આશ્રમમાં ન જઈશ, પણ તું કાળ, યમરાજ જેવા આશ્રમમાં ગયો. તે દુષ્ટ, મહા તેજસ્વી રૈભ્યને ખબર હતી કે મારો તે એકનો એક પુત્ર છે. તો પણ તે ક્રોધને વશ થઈ ગયા. હવે આ સંસારમાં મારું બીજું કોણ છે? એટલે હું જીવ આપી દઈશ. જેવી રીતે હું પુત્રશોકમાં વ્યથિત થયો છું એવી જ રીતે રૈભ્યનો મોટો પુત્ર નિરપધરાધ રૈભ્યનો નાશ કરશે. જેમને ત્યાં પુત્ર ન હોય તેઓ બહુ સુખી છે, પુત્રશોકનો તેમને કશો અનુભવ જ ન થાય અને તે નિરાંતે હરેફરે. જેમનું હૃદય પુત્રશોકથી ભારે વ્યાકુળ છે, અને એવી અવસ્થામાં જ પોતાના પ્રિય મિત્રોને શાપે છે તેમના જેવો વધુ પાપી કોણ? મારા પુત્રને મરેલો જોઈ મેં પ્રિય મિત્રને શાપ આપ્યો, આવી આપત્તિ મારા સિવાય કોના પર આવી?’ ભરદ્વાજ મુનિએ બહુ વિલાપ કર્યો, પછી પુત્રને અગ્નિદાહ આપ્યો, અને એ જ સળગતી ચિતામાં પોતે ઝંપલાવી મૃત્યુ પામ્યા. એ સમયે રૈભ્ય ઋષિના યજમાન બૃહદ્દ્યુમ્ન રાજાએ યજ્ઞ આદર્યો. એ રાજાએ યજ્ઞ માટે રૈભ્યના બંને પુત્રો અર્વાવસુ અને પરાવસુને સહાયક તરીકે પસંદ કર્યા. તે બંને પુત્રો પિતાની આજ્ઞા લઈને યજ્ઞ કરાવવા ગયા. આશ્રમમાં રૈભ્ય અને પરાવસુની પત્ની બે જ રહી ગયા. એક દિવસ રાતે પરાવસુ આશ્રમમાં પોતાની સ્ત્રીને મળવા જઈ પહોંચ્યા. ત્યારે તેમણે કાળા હરણનું ચામડું ઓઢેલા પિતાને જોયા. ઘોર અંધારી રાતે, ઊંઘરેટી આંખોએ પિતાને ઓળખી ન શક્યો, તેણે પોતાના પિતાને કોઈ હિંસક પશુ છે એમ માની લીધું. તે પોતાનું રક્ષણ કરવા માગતો હતો, એટલે ઇચ્છા ન હોવા છતાં પિતાની હત્યા તેણે કરી. જ્યારે તેને જાણ થઈ કે આ તો અમારા પિતા હતા, ત્યારે બધા મરણોત્તર સંસ્કાર કરીને પાછા યજ્ઞમાં ગયો અને નાના ભાઈને આ વાત કરી. ‘ભાઈ, મેં હિંસક પશુ માનીને પિતાની હત્યા કરી છે. તું એકલો આ યજ્ઞનો બોજ ઉપાડી નહીં શકે. એટલે તું મારા માટે બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત્ત કર, અને હું એકલે હાથે આ યજ્ઞકાર્ય પૂરું કરી શકીશ.’ અર્વાવસુએ કહ્યું, ‘તું રાજાનું યજ્ઞકાર્ય કર અને હું જિતેન્દ્રિય બનીને તારા માટે બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત્ત કરીશ.’ એમ કહીને બ્રહ્મહત્યાના પાપને દૂર કરીને અર્વાવસુ તે યજ્ઞમાં આવ્યા. જ્યારે પરાવસુએ ભાઈને યજ્ઞમાં આવતો જોયો ત્યારે સભામાં બેઠેલા રાજાને કહ્યું, ‘હે રાજન્, આણે બ્રહ્મહત્યા કરી છે. યજ્ઞ જોવા માટે પણ તે અહીં ન આવે. કોઈ બ્રહ્મહત્યારો તમને જોઈ લેશે તો તમને ભારે દુઃખ થશે.’ લોકોએ અર્વાવસુને રોક્યો એટલે તેણે વારે વારે કહ્યું, ‘આ બ્રહ્મહત્યા મેં નથી કરી.’ બધા બોલ્યા, ‘તું હત્યારો છે.’ આમ છતાં તેણે પોતાની વાત કહ્યે રાખી. છેવટે તેણે કહ્યું, ‘આ બ્રહ્મહત્યા મારા ભાઈએ કરી હતી. મેં પ્રાયશ્ચિત્ત કરીને તેને પણ આ પાપમાંથી છોડાવ્યો છે.’ અર્વાવસુના કાર્યથી બધા દેવતાઓ પ્રસન્ન થયા, અર્વાવસુને યજ્ઞમાં પ્રવેશ અપાવ્યો અને પરાવસુને કાઢી મુકાવ્યો. અગ્નિ વગેરે દેવતાઓએ તેને વરદાન આપ્યાં, ત્યારે તેણે પોતાના પિતાનું જીવનદાન માગ્યું. મારો ભાઈ નિરપરાધી રહે. પિતાની હત્યાની સ્મૃતિ ન રહે. ભરદ્વાજ અને યવક્રીત પણ જીવતા થાય. આ બધા પાછા જીવતા થયા એટલે યવક્રીતે દેવતાઓને પૂછ્યું, ‘વિધિવત્ વેદ હું ભણ્યો, અનેક વ્રત મેં કર્યાં તો પણ વેદાધ્યયન તથા તપસ્યા કરનારા મને રૈભ્ય કેવી રીતે મારી શક્યા?’ દેવતાઓ બોલ્યા, ‘યવક્રીત, તમે આવી વાત ન કરો. ગુુરુ વિના જ વેદ ભણ્યા છો. રૈભ્યે ઘણાં દુઃખ વેઠીને પોતાના ગુરુને પ્રસન્ન કરી પરિશ્રમ કર્યો હતો.’ આમ બધાને જીવાડીને અને યવક્રીતને આમ કહીને અગ્નિ વગેરે દેવતાઓ સ્વર્ગે ગયા. (આરણ્યક પર્વ, ૧૩૫થી ૧૩૯)

મનુ અને મત્સ્યની કથા

(માર્કંડેય મુનિ હવે યુુધિષ્ઠિરને મનુની કથા કહી સંભળાવે છે.) સૂર્યપુત્ર મનુ પ્રજાપતિ સરખા તેજસ્વી હતા. તેજ, બળ, લક્ષ્મી અને તપથી સૂર્ય અને બ્રહ્માથી પણ ચડી ગયા. બદરિકાશ્રમમાં જઈને એક પગે ઊભા રહીને તેમણે ઘોર તપ કર્યું. દસ હજાર વર્ષ સુધી જીભ, મસ્તક, નેત્રોને સ્થિર કરીને આકરું તપ કર્યું. એક દિવસ વીરિણી નદીના તીરે ભીનાં વસ્ત્રવાળા અને જટાધારી મનુ પાસે એક માછલી આવી અને તે બોલી, ‘ભગવન્, હું બહુ નાની માછલી છું, મને મોટી માછલીઓની બહુ બીક લાગે છે. તમે મને એ બધી માછલીઓથી બચાવો. એમને કારણે જીવન જીવવું અઘરું થઈ ગયું છે, અને એક મોટી માછલી નાની, દુર્બળ માછલીને ગળી જતી હોય છે. એટલે મને આ ભયમાંથી ઉગારો. હું આ ઉપકારનો બદલો વાળીશ.’ આ વાત સાંભળીને મનુનું હૃદય અનુકંપાથી ઊભરાઈ આવ્યું, અને માછલીને પોતાના હાથમાં ઝાલી લીધી. પછી ચંદ્રકિરણ જેવી તે માછલીને પાણી ભરેલા એક વાસણમાં મૂકી દીધી. મનુ પ્રત્યેના પ્રેમને કારણે તે માછલી મોટી થવા લાગી, મનુ પણ પોતાના સંતાનની જેમ તેને ચાહતા હતા. પછી તે માછલી બહુ મોટી થઈ, તે વાસણ નાનું પડ્યું. તેણે કહ્યું, ‘ભગવન્, હવે મારે માટે એક મોટું વાસણ લાવો.’ એટલે મનુ તે માછલીને ત્યાંથી ઊઠાવીને એક મોટી વાવમાં લઈ ગયા અને તેમાં મૂકી, ઘણો સમય વીત્યો, એટલે તે માછલી ત્યાં પણ બહુ મોટી થઈ ગઈ. તે વાવ આઠ કોસ લાંબી અને ચાર કોસ પહોળી હતી, પણ માછલી એટલી મોટી થઇ ગઈ કે તે વાવમાં હરીફરી શકતી ન હતી. માછલીએ એક દિવસ મનુને કહ્યું, ‘હવે મને સમુદ્રની પ્રિય સ્ત્રી ગંગામાં નાખી દો, અથવા તમારી ઇચ્છામાં આવે તે કરો.’ પછી માછલીની વાત સાંભળીને મનુ માછલીને ગંગા કાઠે લઈ ગયા અને માછલીને ગંગામાં નાખી દીધી. પછી માછલી તો ગંગામાંય મોટી થવા લાગી, ફરી એક દિવસ તેણે મનુને કહ્યું, ‘હું ગંગામાં પણ હરીફરી શકતી નથી, એટલે હવે મને સમુદ્રમાં મૂકી આવો.’ એટલે મનુ તે માછલીને સમુદ્રમાં મૂકી આવ્યા. એ માછલીને લઈને જ્યારે મનુ સમુદ્ર તરફ નીકળ્યા ત્યારે તે માછલી બહુ મોટી હોવા છતાં ઊંચકવી સરળ હતી. તેના સુગંધિત વાયુથી મનુ પ્રસન્ન થયા. ત્યારે માછલીએ કહ્યું,‘ ભગવન્, તમે સમયાનુસાર મારી રક્ષા કરી છે, હવે તમારે જે કરવાનું છે તે ધ્યાનથી સાંભળો. થોડા જ દિવસમાં ચર અને અચર વિશ્વમાં ભારે પ્રલય આવશે. બધા લોકના વિનાશનો સમય આવી પહોંચ્યો છે, હું તમારા હિતની વાત કહું છું. ચર અને અચર એવાં બધાં જ સ્થાવર, જંગમ પ્રાણીઓ માટે મહાભયંકર સમય આવી પહોંચ્યો છે. તમે એક નૌકા તૈયાર કરો, એને મજબૂત દોરડું બાંધો. જ્યારે પ્રલયનો સમય આવે ત્યારે સપ્તષિર્ઓની સાથે એ નૌકામાં બેસી જજો. મેં પહેલાં કહ્યું છે તે પ્રમાણે તમે એ નૌકામાં સમસ્ત જગતનાં બીજ સાવધાનીપૂર્વક મૂકજો. નૌકામાં બેઠા પછી મારી રાહ જોજો. હું જ્યારે આવીશ ત્યારે મારા માથા પરના શિંગડાથી ઓળખી કાઢજો. હવે મેં તમને બધી વાત કરી દીધી. હું હવે જઉં છું. મારી વાતમાં સંદેહ ન કરતા.’ માછલીની વાત સાંભળીને મનુએ કહ્યું કે હું એમ જ કરીશ. પછી બંને એકબીજાની સંમતિથી છૂટા પડ્યા. એ માછલીના કહેવા પ્રમાણે મનુએ જગતભરનાં બીજ ભેગાં કર્યાં. એક સુંદર નૌકામાં બેસીને ભયાનક મોજાંવાળા સમુદ્રમાં તરવા લાગ્યા. પછી મનુએ એ માછલીનું સ્મરણ કર્યું. તરત જ તે માછલી મસ્તક પર શિંગડું ધારણ કરીને ત્યાં આવી પહોંચી. એ મહાસમુદ્રમાં શિંગડાવાળી માછલી પર્વત જેવા વિરાટ શરીરવાળી દેખાતી હતી. મનુએ નૌકાના દોરડાનો એક છેડો માછલીના શિંગડા સાથે બાંધી દીધો. દોરડું બંધાયું એટલે માછલી ઝડપથી નૌકાને સમુદ્રમાં ખેંચવા લાગી. ખેંચાવાને કારણે નૌકા સમુદ્રમાં તરવા લાગી. સમુદ્રનાં મોજાં પર તે ઊછળવા લાગી અને ઘોર અવાજ કરવા માંડી. વાયુને કારણે સમુદ્રમાં તે નૌકા ગોળ ગોળ ફરવા લાગી. જેમ કોઈ ચપલા સ્ત્રી નૃત્ય કરે તેમ તે નૌકા ઘૂમવા લાગી. તે સમયે ન ભૂમિ દેખાઈ, ન કોઈ દિશા દેખાઈ. આકાશ તથા બધી દિશાઓ જળપૂર્ણ જ દેખાતી હતી. આખું જગત પાણીમાં ડૂબી ગયેલું દેખાતું હતું, ત્યારે માત્ર સપ્તષિર્ઓ, મનુ અને માછલી જ નજરે પડતાં હતાં. આમ તેઓ ઘણાં વર્ષો સુધી સમુદ્રમાં તરતા રહ્યા અને તે માછલી પણ આળસ કર્યા વિના સમુદ્રમાં નૌકા ખેંચતી રહી. આમ ખેંચાતા ખેંચાતાં નૌકા હિમાલયના ઊંચામાં ઊંચા શિખરે જઈ પહોંચી. ત્યાં પહોંચ્યા પછી માછલીએ હસતાં હસતાં ઋષિઓને કહ્યું, ‘હવે બહુ જલદી આ નૌકાને હિમાલયના શિખર સાથે બાંધી દો, વિલંબ ન કરતા.’ આ સાંભળી તે ઋષિઓએ તરત જ તે નૌકાને હિમાલયના શિખર સાથે બાંધી દીધી. જે શિખર સાથે નૌકાને બાંધવામાં આવી હતી તેનું નામ નૌબંધન જ છે. પછી તે માછલીએ એકઠા થયેલા ઋષિઓને કહ્યું, ‘મુનિઓ મને જ પ્રજાપતિ કહે છે. મારું નામ બ્રહ્મા છે, મારો તાગ કોઈ પામી શકતું નથી. મેં માછલીનું રૂપ લઈને તમને બધાને ભય મુક્ત કર્યા છે. હવે મનુ જગતના દેવદાનવ, મનુષ્ય તથા બીજી ચરાચર સૃષ્ટિનું સર્જન કરશે. તપ કરવાથી તેમનામાં સૃષ્ટિસર્જનની વૃદ્ધિ પ્રગટશે, મારી કૃપાથી તેમાં કશી ભૂલ નહીં કરે.’ આમ કહીને માછલી અંતર્ધાન થઈ ગઈ. સૃષ્ટિસર્જનની ઇચ્છા મનુએ કરી પણ તે ભ્રાન્ત થઈ ગયા, ભારે તપ કર્યું. તપ પછી સૃષ્ટિસર્જન આરંભ્યું અને યોગ્ય સૃષ્ટિ બનાવી. (આરણ્યક પર્વ, ૧૮૫)

પરીક્ષિત

ઇક્ષ્વાકુ વંશના એક રાજા નામે પરીક્ષિત અયોધ્યામાં રહેતા હતા. આ રાજા એક દિવસ શિકાર કરવા નીકળી પડ્યા. તેમની પાસે એક જ અશ્વ હતો, તેના પર બેસીને એક હરણની પાછળ પાછળ અશ્વને તેમણે દોડાવ્યો. તે પશુ રાજાને દૂર લઈ ગયો. રસ્તામાં રાજાને ખૂબ તરસ લાગી, થાક પણ લાગ્યો. રાજાએ ત્યાં એક ગાઢ વન જોયું, તેઓ તેમાં પ્રવેશ્યા અને એક સુંદર તળાવ જોયું. ઘોડા સાથે જ તેમાં દાખલ થયા. થોડી સ્વસ્થતા મેળવીને ઘોડાને કમળની દાંડીઓ નિરી અને પોતે કિનારે બેસી ગયા. રાજાના કાને મીઠાં ગીત પડ્યાં. રાજા એ સાંભળીને વિચારમાં પડ્યા, અહીં તો કોઈ મનુષ્ય દેખાતો નથી તો પછી આ ગીત કોણ ગાય છે? એટલામાં તેમની આંખો એક કન્યા પર પડી, ભારે રૂપ, તે વનમાં ફૂળ ચૂંટતી ગીત ગાઈ રહી હતી. એમ કરતાં કરતાં તે રાજા પાસે આવી ગઈ, રાજાએ તેને કહ્યું, ‘કલ્યાણી, તું કોણ છે? કોની પુત્રી છે?’ તેણે ઉત્તર આપ્યો, ‘હું કન્યા છું. હજુ મારું લગ્ન નથી થયું.’ રાજાએ આ સાંભળી કહ્યું, ‘હું તને ચાહું છું.’ કન્યાએ કહ્યું, ‘એક જ શરતે હું હા પાડું. મને કદી પાણી દેખાડતા નહીં.’ પરીક્ષિત રાજા આનંદપૂર્વક તેની સાથે હરવાફરવા લાગ્યા, એકલા પડે ત્યારે તેની સાથે ચુપચાપ બેસી રહેતા. રાજા હજુ તો ત્યાં બેઠા હતા ત્યાં તેમની સેના આવી પહોંચી, રાજાની આસપાસ ઊભી રહી ગઈ. થોડો આરામ કરીને એક સ્વચ્છ પાલખીમાં પ્રિયતમા સાથે બેસીને નગર ભણી નીકળ્યા, આ નવવિવાહિતા સાથે એકાંતવાસમાં રહેવા લાગ્યા. ત્યાં પાસે જ હોવા છતાં કોઈ તેમનું દર્શન કરી શકતું ન હતું, એક દિવસ પ્રધાન અમાત્યે રાજા પાસે રહેનારી સ્ત્રીઓને પૂછ્યું, ‘અહીં શું કરવું જોઈએ?’ એટલે તે સ્ત્રીઓએ કહ્યું, ‘અમે એક અદ્ભુત ઘટના જોઈ છે. મહારાજના અંત:પુરમાં કોઈ પાણી લઈ જતું નથી.’ તેમની વાત સાંભળીને પ્રધાને એક બાગ ઊભો કર્યો. તેમાં આમ દેખીતું કોઈ જળાશય ન હતું. સુંદર, ઊંચાં ઊંચાં વૃક્ષો, ફળફૂલ-કંદમૂળ. ઉદ્યાનની વચ્ચે અમૃત જેવા પાણી ભરેલી એક વાવ પણ બંધાવી. વાવ ઉપર ઉપરથી વેલા વડે ઢાંકી દીધી. આમ બાગ તૈયાર થઈ ગયો એટલે મંત્રીએ રાજાને કહ્યું, ‘મહારાજ, આ વન સુંદર છે. અહીં તમે નિરાંતે હરીફરી શકો.’ મંત્રીએ કહ્યું એટલે રાજા નવોઢા સાથે વનમાં પ્રવેશ્યા. એક દિવસ રાજા પત્ની સાથે વિહાર કરતા હતા. આમ વિહાર કરી કરીને થાકી ગયા, ભૂખતરસ લાગ્યા. ત્યાં અતિમુક્તક લતાઓ વડે ઊભો કરેલો મંડપ જોયો. એ મંડપમાં રાજારાણી પ્રવેશ્યા. એક દિવસ રાજા પત્ની સાથે વિહાર કરતા હતા. રાજાએ અમૃત જેવા પાણીથી ભરેલી વાવ જોઈ. તે જોઈને વાવના કિનારે રાણી સાથે ઊભા રહ્યા. રાજાએ કહ્યું, ‘દેવી, સાવચેતી રાખીને આ વાવના પાણીમાં ઊતરો.’ રાજાની વાત સાંભળીને વાવમાં રાણીએ ડૂબકી મારી, પણ રાણી વાવમાંથી બહાર ન આવી. રાજાએ બહુ શોધ ચલાવી, પણ રાણી ન દેખાઈ. રાજાએ આખી વાવ ખાલી કરાવી. કોઈ એક દરમાં દેડકો જોયો. રાજાને બહુ ગુસ્સો આવ્યો. ‘જ્યાં દેડકા જુઓ ત્યાં આગળ તેમને મારી નાખો. મને મળવું હોય તો મરેલા દેડકાનો ઉપહાર લઈને આવો.’ પછી દેડકાઓનો મહાસંહાર શરૂ થઈ ગયો. બધી દિશાઓમાં વસતા દેડકાઓ ડરી ગયા. મંડૂકરાજ પાસે જઈને તેમણે બધી વાત કરી. મંડૂકરાજ તપસ્વીનો વેશ લઈને રાજા પાસે ગયા, અને બોલ્યા, ‘રાજા, ક્રોધ ન કરો. અમારા પર દયા કરો. નિરપરાધી દેડકાઓની હત્યા ન કરાવો. દેડકાઓને મારવાની ઇચ્છા મનમાંથી કાઢી નાખો. ક્રોધ પર કાબૂ રાખો. અવિવેકથી ધનની વૃદ્ધિ અટકી જાય છે. પ્રતિજ્ઞા કરો કે હવે દેડકાઓ પર ક્રોધ નહીં કરો. આવા અધર્મથી તમને શું મળશે? દેડકાઓની હત્યાથી તમને કયો લાભ થવાનો?’ રાજા તો પોતાની રાણીના ગુમ થવાથી શોકમગ્ન હતો જ. એટલે મંડૂકરાજને તેણે કહ્યું, ‘હું ક્ષમા નહીં કરું. આ દેડકાઓને તો મારીશ જ. આ હલકટોએ મારી પ્રિયતમાને મારી નાખી છે. એટલે દેડકાઓની હત્યા થશે જ. તમે મને રોકતા નહીં.’ રાજાની વાત સાંભળીને મંડૂકરાજ ધૂ્રજી ઊઠ્યા. તે બોલ્યા, ‘મહારાજ, પ્રસન્ન થાઓ. મારું નામ આપું. હું દેડકાઓનો રાજા છું. તમે જેને પ્રિયતમા માનો છો તે મારી પુત્રી છે, તેનું નામ સુશોભના. તે તમને મૂકીને જતી રહી એ તો તેની નાલાયકી ગણાય. તેણે પહેલાં પણ ઘણા રાજાઓને છેતર્યા છે.’ રાજાએ આ સાંભળી કહ્યું, ‘મારે તમારી એ પુત્રી જોઈએ, મને આપી દો.’ એટલે મંડૂકરાજે પોતાની પુત્રી સુશોભના પરીક્ષિત રાજાને સોંપી દીધી, અને પુત્રીને કહ્યું, ‘હમેશાં રાજાની સેવા કરતી રહેજે’. પછી પુત્રીનો અપરાધ યાદ આવ્યો એટલે પુત્રીને શાપ આપ્યો, ‘તેં ઘણા રાજાઓને છેતર્યા છે, તારાં સંતાનો બ્રાહ્મણવિરોધી થશે, તું બહુ જૂઠી છે.’ સુશોભનાના રતિકલા ગુણોએ રાજાને ખૂબ જ આકષિર્ત કર્યા હતા. ત્રણે લોકનું જાણે રાજ્ય મળી ગયું ન હોય એટલો બધો આનંદ તેમને થયો. આનંદાશ્રુ વહેવા લાગ્યાં અને રાજાએ મંડૂકરાજને પ્રણામ કર્યા. તેઓ સત્કાર કરીને હર્ષથી ગદ્ગદ્ થયેલી વાણીમાં કહ્યું, ‘મંડૂકરાજ, તમે મારા પર બહુ કૃપા કરી છે.’ પછી મંડૂકરાજ દીકરીની વિદાય લઈને જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા. થોડા સમયે સુશોભનાએ ત્રણ પુત્રોને જન્મ આપ્યો. શલદલ અને બલ. શલ સૌથી મોટો. પિતા શલનો રાજ્યાભિષેક કરીને તપ કરવા વનમાં જતા રહ્યા.’ એક દિવસ મહારાજ શલ શિકાર કરવા વનમાં ગયા. ત્યાં તેમણે હિંસક પશુ જોઈને તેનો પીછો કર્યો, અને સારથિએ કહ્યું, ‘મને તરત જ તેની પાસે લઈ જા.’ એટલે સારથિએ કહ્યું, ‘મહારાજ, આ પશુને પકડવાનો આગ્રહ ન રાખો, તે પકડાશે નહીં. તમારા રથમાં જો વામ્ય ઘોડા હોત તો પકડાત.’ આ સાંભળી રાજાએ કહ્યું, ‘સારથિ, વામ્ય ઘોડા એટલે શું? કહે નહીંતર હમણાં જ તને મારી નાખીશ.’ સારથિ તો આ સાંભળી થરથર ધૂ્રજવા લાગ્યો. વામદેવ ઋષિ મને શાપ આપશે એવી બીક પણ હતી. તે કશું બોલ્યો નહીં, એટલે રાજાએ તલવાર ઉગામી, ‘ઝટ બતાવ, નહીંતર તને મારી નાખીશ.’ રાજાથી ગભરાઈ જઈને તેણે કહ્યું, ‘મહારાજ, વામદેવ ઋષિ પાસે બે ઘોડા છે, તેમને વામ્ય કહે છે, મનોવેગી ઘોડા છે.’ સારથિની વાત સાંભળીને રાજાએ તેને એ ઋષિના આશ્રમે રથ લઈ જવા હુકમ કર્યો. આશ્રમે પહોંચીને રાજાએ ઋષિને કહ્યું, ‘ભગવન્, મારા બાણ વડે ઘવાયેલું હિંસક પશુ ભાગી રહ્યું છે. તમે મને તમારા વામ્ય ઘોડા આપવાની કૃપા કરો.’ ત્યારે મહર્ષિએ કહ્યું, ‘હું તમને ઘોડા તો આપું છું, પણ કામ પતી જાય એટલે એ ઘોડા તમારે પરત કરવા પડશે.’ રાજા બંને ઘોડા લઈને હિંસક પશુનો પીછો કરતા કરતા સારથિને કહેવા લાગ્યા, ‘આ બે અશ્વરત્ન બ્રાહ્મણોને ન શોભે. એટલે વામદેવને હવે પાછા આપવાના નથી.’ આમ કહી રાજા હિંસક પશુને સાથે રાખી પાટનગર ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને બંને ઘોડા અંત:પુરમાં બાંધી દીધા. આ બાજુ વામદેવ મનોમન ચિંતા કરવા લાગ્યા, ‘અરે એ યુવાન રાજકુમાર મારા સરસ ઘોડા લઈને મોજમજા કરે છે. પાછા આપવાનું નામ લેતો નથી. બહુ ખરાબ કહેવાય.’ મનોમન આમ વિચાર કરતા રહ્યા અને એક મહિનો થઈ ગયો. ઋષિની ધીરજ ખૂટી ગઈ એટલે પોતાના એક શિષ્યને કહ્યું, ‘આમેય, રાજા પાસે જઈને કહેવાનું કે જો કામ પૂરું થઈ ગયું હોય તો ગુરુના બંને અશ્વ પાછા આપો.’ શિષ્યે રાજા પાસે જઈને કહ્યું એટલે રાજાએ કહ્યું, ‘આ ઘોડા રાજાઓને ત્યાં શોભે. બ્રાહ્મણોને આવાં રત્ન રાખવાનો અધિકાર નથી. બ્રાહ્મણોને ઘોડાની શી જરૂર છે? તમે હવે સિધાવો.’ શિષ્યે આશ્રમમાં જઈને આ બધી વાત કરી. આવી કડવી વાત સાંભળીને ઋષિ તો ક્રોધે ભરાયા. તેઓ જાતે રાજા પાસે જઈ ચઢ્યા અને ઘોડા માગ્યા. પણ રાજાએ તો ના જ પાડી. વામદેવ બોલ્યા, ‘રાજા, મારા વામ્ય અશ્વો પાછા સોંપી દો. આ અશ્વો વડે તમારું કાર્ય પૂરું થઈ ગયું છે. તમે બ્રાહ્મણ અને ક્ષત્રિયની વચ્ચે છો. તમારા અસત્યને કારણે વરુણ તમને પાશબદ્ધ ન કરી લે તે જોજો.’ રાજાએ કહ્યું, ‘આ બે કેળવેલા હૃષ્ટપુષ્ટ બળદ છે, તે ગાડું ખેંચી શકશે. બ્રાહ્મણો માટે આ જ વાહન યોગ્ય છે. આને જોતરીને જ્યાં જવું હોય તો ત્યાં જાઓ. તમારા જેવા મહાત્માનો ભાર તો વેદમંત્રો જ ખેંચે છે ને!’ વામદેવે આ સાંભળી કહ્યું, ‘રાજા, એ વાત તો પૂરેપૂરી સાચી કે અમારા જેવાનું કામ તો વેદમંત્રો દ્વારા જ થતું હોય છે પણ એ તો પરલોકમાં, આ લોકમાં તો અમારા જેવા કે બીજાઓ માટે પણ આ અશ્વ જ વાહન થાય.’ રાજાએ કહ્યું, ‘ચાર ગધેડા, ઉત્તમ ઓલાદના ચાર ખચ્ચર, વાયુ જેવા બીજા ઘોડા તમારી સવારી માટે ચાલે. આ વાહનો વડે તમે યાત્રા કરો. તમે જે ઘોડા માગવા આવ્યા છો તે તો ક્ષત્રિયો માટે જ છે. એટલે હવે સમજી જાઓ કે ઘોડા મારા છે, તમારા નહીં.’ એટલે વામદેવે કહ્યું, ‘બ્રાહ્મણોની આવી સંપત્તિ તમે પચાવી પાડવા માગો છો તે તો ભયાનક કહેવાય. જો તમે મારા ઘોડા નહીં આપો તો મારી આજ્ઞા વડે વિકરાળ, લોખંડી શરીરવાળા ચાર ભયંકર રાક્ષસ હાથમાં ત્રિશૂલ લઈને તમારા પર હુમલો કરશે અને તમારા શરીરના ચાર ટુકડા કરીને લઈ જશે.’ રાજાએ કહ્યું, ‘વામદેવજી, તમે બ્રાહ્મણ છો તો પણ મન, વચન, કર્મથી તમે મને મારી નાખવા તત્પર છો. આની જાણ મારા સેવકોને થઈ ગઈ છે. તેઓ મારો ઇશારો થતાં જ હાથમાં ત્રિશૂલ, તલવાર લઈ તમને-તમારા શિષ્યોને પહેલાં જ મારી નાખશે.’ ‘રાજન્, જ્યારે તમે મારી પાસેથી ઘોડા લીધા હતા ત્યારે વચન આપ્યું હતું કે હું આ ઘોડા પરત કરીશ. જો જીવવાની ઇચ્છા હોય તો મારા વામ્ય ઘોડા મને આપી દો.’ રાજાએ કહ્યું, ‘બ્રાહ્મણો શિકાર કરતા નથી. જો તમે મિથ્યાવાદી હશો તો પણ તમને દંડ નહીં આપું. તમારા બધા આદેશ પાળીશ. જેથી મને પુણ્યલોકની પ્રાપ્તિ થાય.’ વામદેવ બોલ્યા, ‘મન, વચન અને કર્મ દ્વારા કોઈ પણ દંડ બ્રાહ્મણોને લાગુ પડતો નથી. જે આમ જાણીને બ્રાહ્મણની સેવા કરે છે તે બ્રાહ્મણસેવાના કર્મથી જ શ્રેષ્ઠ ગણાય, તે જ જીવિત રહે.’ વામદેવની આ વાત પૂરી થઈ કે તરત જ વિકરાળ દેખાતા ચાર રાક્ષસ હાથમાં ત્રિશૂલ લઈને પ્રગટ્યા. રાજા પર હુમલો કરવા જતા હતાં ત્યાં રાજાએ મોટેથી કહ્યું, ‘આ ઇક્ષ્વાકુ નામના લોકો અને મારી આજ્ઞાંકિત પ્રજા પણ મારો ત્યાગ કરી દેશે તો પણ આ વામ્ય ઘોડા હું નહીં આપું. આવા લોકો ધર્માત્મા નથી હોતા.’ આટલું કહેતાંમાં તો રાજા શલ પર રાક્ષસોએ આક્રમણ કરીને તેમને જમીનદોસ્ત કરી નાખ્યા. ક્ષત્રિયોએ આ વાત જાણીને તેમના નાના ભાઈ દલને રાજગાદીએ બેસાડ્યા. ત્યારે ફરી વામદેવે રાજાને કહ્યું, ‘મહારાજ, બ્રાહ્મણોની વસ્તુઓ તેમને આપી દેવાની વાત બધા ધર્મમાં કરી છે. રાજા, તમે એ અધર્મથી ડરતા હો તો તરત જ વામ્ય ઘોડા મને આપી દો.’ વામદેવની વાત સાંભળીને રાજાએ ગુસ્સે થઈને સારથિને કહ્યું, ‘ઝેર પાયેલું એક બાણ લઈ આવ. એનાથી ઘાયલ થઈને આ વામદેવ ધરતી પર પડી જાય. એને કૂતરા બચકાં ભરે અને પૃથ્વી પર પડ્યો પડ્યો તે તરફડતો રહે.’ વામદેવે કહ્યું, ‘હું જાણું છું. તમારી રાણીના પેટે શ્યેનજિત નામનો પુત્ર જન્મ્યો છે, તે તમને બહુ વહાલો છે. તેની ઉંમર દસ વર્ષની છે. મારી આજ્ઞાથી પ્રેરાઈને એ ભયંકર બાણો દ્વારા તું એ પુત્રની હત્યા કરીશ.’ વામદેવે આમ કહ્યું, ‘એટલે તરત જ તેજસ્વી બાણ ધનુષમાંથી છૂટીને અંત:પુરમાં ગયું અને રાજકુમારનો વધ તે બાણથી થયો. આ સમાચાર સાંભળીને દલે ફરી કહ્યું, ‘ક્ષત્રિયો, હમણાં જ તમારું પ્રિય કાર્ય કરું છું, આજે તો આ બ્રાહ્મણને મારી જ નાખીશ. બીજું તેજસ્વી બાણ લાવો અને મારું પરાક્રમ જુઓ.’ વામદેવ બોલ્યા, ‘રાજન્, તમે ઝેરીલું બાણ મને મારવા માટે છોડી રહ્યા છો, પણ મારી વાત સાંભળો. આ બાણ ન તો ધનુષ પર ચડાવી શકશો, ન એને છોડી શકશો.’ રાજાએ કહ્યું, ‘ક્ષત્રિયો, હું ફસાઈ ગયો. આ બાણ હવે છૂટશે નહીં. વામદેવને મારી નાખવાનો ઉત્સાહ હવે નથી રહ્યો. ભલે આ મહર્ષિ દીર્ઘાયુ થાય.’ વામદેવે કહ્યું, ‘રાજન્, આ બાણને રાણીનો સ્પર્શ કરાવશો તો બ્રહ્મહત્યાના પાપમાંથી છૂટી જશો.’ રાજાએ એમ કર્યું, રાજપુત્રીએ મુનિને કહ્યું, ‘વામદેવજી, હું આ કઠોર સ્વભાવના સ્વામીને દરરોજ મધુર વાણી બોલવાનો ઉપદેશ કરતી રહી છું. જાતે બ્રાહ્મણોની સેવા કરવાની તક શોધું છું. આ સત્કર્મોથી મને પુણ્યલોકની પ્રાપ્તિ થાય.’ વામદેવે કહ્યું, ‘શુભલક્ષણા, તેં આ રાજકુલને બ્રાહ્મણના કોપમાંથી બચાવી લીધું. વરદાન માગ. હું આપીશ. આ સ્વજનોના હૃદય પર અને વિશાળ રાજ્ય પર શાસન કરજે.’ રાજકુમારીએ કહ્યું, ‘ભગવન્, મારા પતિ આજે બધાં પાપમાંથી છૂટી જાય. આશીર્વાદ આપો કે રાજા પુત્રપરિવાર સાથે સુખેથી રહે.’ રાજપુત્રીની વાત સાંભળીને વામદેવે કહ્યું, ‘ભલે.’ પછી દલ રાજા પ્રસન્ન થયા. ઋષિને પ્રણામ કરીને બંને વામ્ય અશ્વ તેમને પરત કરી દીધા. (આરણ્યક પર્વ, ૧૯૦)

ઉત્તંક ઋષિની કથા

ઉત્તંક નામના ઋષિનો આશ્રમ રમ્ય મરુભૂમિમાં હતો. વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા તેમણે વર્ષો સુધી આકરું તપ કર્યું, પછી ભગવાને દર્શન દીધાં. ભગવાનને જોઈને ઋષિએ જાતજાતની સ્તુતિ કરી... જ્યારે ભગવાને વરદાન માગવા કહ્યું ત્યારે તે બોલ્યા, ‘તમારું દર્શન એ જ મારે માટે વરદાન.’ ફરી જ્યારે ભગવાને વરદાન માગવા કહ્યું ત્યારે નમ્રતાથી ઋષિ બોલ્યા, ‘મારી બુદ્ધિ, સદા ધર્મ-સત્યમાં રમતી રહે. તમારી ભક્તિ નિત્ય કરતો રહું.’ ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘મારી કૃપાથી એમ જ થશે. ધુન્ધુમાર નામનો અસુર જગતનો નાશ કરવા ઘોર તપ કરશે. એની હત્યા કોણ કરશે તે સાંભળો. બૃહદશ્વ નામનો પરાક્રમી રાજા થશે. તેનો પુત્ર દાનેશ્વરી કુવલાશ્વ. તે મારા યોગની આરાધના કરશે, તમારા આદેશથી તે ધુન્ધુનો વધ કરશે અને ધુન્ધુમાર રૂપે જાણીતા થશે.’ બૃહદશ્વ કરતાંય તેમનો પુત્ર કુવલાશ્વ વધુ ગુણવાન હતો. સમય આવ્યો એટલે બૃહદશ્વે પોતાના પુત્રને રાજગાદી સોેંપી દીધી, અને તે પોતે તપ કરવા વનમાં જતા રહ્યા. ઉત્તંકના કાને આ તપસ્વી રાજાની વાત આવી. ઉત્તંકે રાજાને અટકાવ્યા, ‘તમે પ્રજાની રક્ષા કરો. તમે રક્ષા કરો છો એટલે પ્રજા નિર્ભય રહે છે, એટલે તમારે વનમાં જવું ન જોઈએ. પ્રજાની રક્ષા કરવામાં જે ધર્મ છે તે વનવાસમાં નથી. તમે અવળી મતિથી નિર્ણય ન લો. પ્રજાપાલનના ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી, રાજાઓ પહેલેથી એવું જ કરતા આવ્યા છે. રાજાએ પ્રજાની રક્ષા જ કરવી જોઈએ. જો તમે રક્ષણ નહીં કરો તો અસ્વસ્થ ચિત્તે મારાથી તપ નહીં થાય. મારા આશ્રમ પાસે મારવાડમાં રેતી ભરેલો સમુદ્ર છે; તે બહુ લાંબો પહોળો છે. ત્યાં જ મધુ-કૈટભનો પુત્ર ધુન્ધ જમીનની નીચે રહે છે. તમે તેનો વધ કર્યા પછી વનમાં જજો. એ રાક્ષસ જગતનો નાશ કરવા અને દેવતાઓ પર વિજય મેળવવા ઘોર તપ કરી રહ્યો છે. એ રાક્ષસને દેવતા, દૈત્ય, રાક્ષસ, સર્પ, યક્ષ, ગંધર્વ, મારી નહીં શકે. બ્રહ્માએ તેને એવું વરદાન આપ્યું છે. તમે એનો વધ કરો. તમારી કીતિર્ અક્ષય થશે. એ દુષ્ટ રેતીથી નીચે સૂઈ જાય છે, એક વર્ષે જ્યારે શ્વાસ લે છે ત્યારે વન, પર્વતો સમેત પૃથ્વી ધૂ્રજી ઊઠે છે. તેના શ્વાસથી ધૂળ બહુ ઊડે છે. તેનો શ્વાસ સૂર્યમંડળને ધુ્રજાવી દે છે, સાત દિવસ સુધી તેના વાયુથી ધુમાડા, તણખા, જ્વાળાઓ સમેત અગ્નિ પ્રગટે છે અને પૃથ્વી હાલકડોલક થતી રહે છે. એટલે તો હું મારા આશ્રમે જઈ શકતો નથી, સંસારનું હિત સાચવવા તમે એનો વધ કરો, એ મૃત્યુ પામશે તો જગત સુખી થશે. મારી દૃષ્ટિએ તમે એનો વધ કરવા સમર્થ છો, પછી વિષ્ણુનો અંશ તમારામાં પ્રવેશશે. મને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું છે કે જે આ ભયંકર રાક્ષસને મારશે તેના શરીરમાં વિષ્ણુનો અંશ સહાયક થઈ પ્રવેશસે. તમે વિષ્ણુ ભગવાનનું તેજ ધારણ કરીને તે મહારાક્ષસનો વધ કરો. આ રાક્ષસ ઓછા બળવાનથી સો વર્ષમાં પણ મૃત્યુ પામ્યો નથી.’ રાજા બૃહદશ્વ આ સાંભળી બે હાથ જોડીને બોલ્યા, ‘ઋષિવર્ય, તમારું આગમન એળે નહીં જાય. મારો પુત્ર કુવલાશ્વ છે. તે બુદ્ધિમાન છે, લડવૈયો છે, તે તમારું કાર્ય કરશે તેમાં કશી શંકા નથી. એના બધા પુત્રો પરાક્રમી છે. મેં શસ્ત્રત્યાગ કર્યો છે, મને જવા દો.’ ઉત્તંક માની ગયા. રાજા પોતાના પુત્રને ઋષિનું કાર્ય કરવાની આજ્ઞા આપીને ઉત્તંકની વિદાય લઈને ચાલ્યા ગયા... જગતના કર્તા અવિનાશી વિષ્ણુ ભગવાન પોતાના યોગબળથી શેષનાગ પર સૂઈ રહ્યા હતા. વિષ્ણુની નાભિમાંથી સૂર્ય સમાન તેજસ્વી એક કમળ પ્રગટ્યું અને એમાંથી બ્રહ્માનો ઉદ્ભવ થયો. બ્રહ્મા ચતુર્મુખ હતા, ચારેય વેદ લઈને તે પ્રગટ્યા હતા. કોઈનાથી હાર્યા જાય નહીં. થોડા સમયે બે મહાપરાક્રમી દૈત્ય ત્યાં આવ્યા. તેમનાં નામ મધુ અને કૈટભ. તેમણે વિષ્ણુ ભગવાનને શેષનાગ પર સૂતેલા જોયા. નાગની ફેણ ઘણા યોજનો જેટલી લાંબી હતી. બ્રહ્માને કમળ પર બેઠેલા દૈત્યોએ જોયા, બ્રહ્માને બીવડાવ્યા એટલે તેમણે કમળની દાંડી બહુ હલાવી, એટલે વિષ્ણુ જાગી ગયા. અને તેમણે આ બે દૈત્યોને જોયા અને તે બોલ્યા, ‘હે દૈત્યો, તમારું કલ્યાણ થાય, હું તમને વરદાન આપવા ઇચ્છું છું.’ મહાઅભિમાની રાક્ષસોએ હસતાં હસતાં વિષ્ણુને કહ્યું, ‘અમે દાતા છીએ, તમારી ઇચ્છામાં આવે તે વરદાન માગો, વિચાર કર્યા વિના આપીશું.’ ભગવાને કહ્યું, ‘હે વીર રાક્ષસો, હું તમારી પાસે વરદાન માગું છું. તમારા જેવા બળવાન કોઈ નથી, તમે સત્યપરાક્રમી છો તો તમે મને વરદાન આપો કે હું તમને મારી નાખું. સંસારના હિત માટે આ વરદાન માગું છું.’ આ સાંભળી મધુકૈટભે કહ્યું, ‘અમે બંને ધર્મજ્ઞ છીએ. હસીમજાકમાં પણ અમે જૂઠું બોલતા નથી. આ જગતમાં બળ, રૂપ, શૂરવીરતા, ધર્મ, તપસ્યા, દાન, શીલ, ઇન્દ્રિયનિગ્રહ — આ બધી બાબતોમાં અમારા જેવું કોઈ નથી. અમને બહુ દુઃખ થશે પણ કાળની ગતિને કોઈ રોકી નહીં શકે. હવે તમે બોલ્યા છો તે પ્રમાણે કરો. અમારી એક ઇચ્છા છે કે અમારે જળ વિનાના સ્થાને મૃત્યુ પામવું છે. મૃત્યુ પછી અમે બંને તમારા પુત્ર રૂપી જન્મીએ. હવે અમારી ઇચ્છા પાર પાડો.’ વિષ્ણુએ કહ્યું, ‘હું આ બધું કરીશ.’ વિષ્ણુએ બધાં સ્થળ જળપૂર્ણ જોયા. ક્યાં મારવા તેનો વિચાર કર્યો. પછી થયું, ‘મારી સાથળો જળમાં ડૂબી નથી.’ એટલે મધુ કૈટભનાં મસ્તક સાથળ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યાં. આ દૈત્યોનો પરાક્રમી પુત્ર ધુન્ધુ. તેણે તપ કરવા માંડ્યું. એક પગ પર ઊભા રહીને ભયાનક તપ કરવા માંડ્યું. તેના શરીરની નસો પણ દેખાવા માંડી. બ્રહ્મા પ્રસન્ન થયા. ધુન્ધુએ વરદાન માગ્યું, ‘હું દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, અને નાગથી ના મરું.’ બ્રહ્માએ ‘તથાસ્તુ’ કહી દીધું. રાક્ષસ બ્રહ્માને પગે લાગીને ત્યાંથી જતો રહ્યો. પોતાના પિતાનું વેર યાદ કરીને તે સૌથી પહેલાં વિષ્ણુને મારવા નીકળ્યો. ત્યાં જઈને અનેક દેવતાઓને, ગંધર્વોને માર્યા. પછી વિષ્ણુને ખૂબ જ પજવીને રેતીથી ભરેલા ઉજ્જાનક નામના સમુદ્રમાં જતો રહ્યો. આસપાસના પ્રદેશને બહુ રંજાડ્યો. ઉત્તંકના આશ્રમમાં આવીને ઘણો ઉપદ્રવ કરવા લાગ્યો. તે ધરતીની નીચે રેતીમાં સૂઈ જતો હતો. જગતનો વિનાશ કરવા જ તે સૂઈ જતો હતો. તપનું બળ તેનું ભારે હતું. ઉત્તંક ઋષિના આશ્રમમાં જ્યારે તે શ્વાસ લેતો હતો ત્યારે તેના શ્વાસમાંથી અગ્નિ નીકળતો હતો. આ દરમિયાન કુવલાશ્વ રાજા પોતાના બળવાન એકવીસ હજાર પુત્રો તથા સેના-વાહન સાથે ઉત્તંકની સાથે ધુન્ધુના નિવાસસ્થાને જવા નીકળ્યા. ઉત્તંકના તપના પ્રભાવથી જગતની રક્ષા કરવા માટે વિષ્ણુ ભગવાનનું તેજ રાજામાં સમાઈ ગયું. રાજા જ્યારે લડવા નીકળ્યા ત્યારે આકાશના દેવો બોલ્યા, ‘રાજાનો પુત્ર આ ધુંધુનો વધ કરશે.’ તેમણે દિવ્ય પુષ્પવૃષ્ટિ કરી, દુન્દુભિઓ સંભળાઈ. મહારાક્ષસ ધુંધુના નિવાસ પર દેવતાઓનાં વિમાન દેખાવા લાગ્યાં. કુવલાશ્વ અને ધુંધુનું ઘોર યુદ્ધ જોવા દેવતાઓ, ગંધર્વો, ઋષિઓ ત્યાં ભેગા થયા. વિષ્ણુ ભગવાનના તેજના પ્રભાવે રાજા પુત્રો સાથે ચારેબાજુ ધુંધુને શોધવા લાગ્યા. રાજાએ અને તેમના પુત્રોએ રેતી ખોદી ખોદીને સમુદ્ર બનાવી દીધો. સાત દિવસ ખોદ ખોદ કર્યું ત્યારે ધુંધુનું શરીર દેખાયું. તે સૂર્ય જેવું ચમકતું હતું. પ્રલયકાળના અગ્નિની જેમ તે સૂતો હતો. રાજાના પુત્રો ચારે બાજુએથી તેને ઘેરી વળ્યા અને તીક્ષ્ણ બાણ, ગદા, મૂસળ, પટ્ટિશ, તલવારના ઘા કરવા લાગ્યા. એટલે ક્રોધે ભરાઈને ધુંધુ ઊભો થઈ ગયો અને તેમનાં વિવિધ શસ્ત્ર ખાઈ ગયો. તેના મોઢામાંથી પ્રલયકાળના અગ્નિ જેવો અગ્નિ નીકળ્યો અને પોતાના તેજ વડે રાજાના પુત્રોને દઝાડવા લાગ્યો. જેવી રીતે કપિલ ઋષિના ક્રોધાગ્નિ વડે સગરરાજાના પુત્રો દાઝયા હતા તેવી રીતે ધુંધુના મોઢામાંથી નીકળેલા અગ્નિ વડે જગત સળગવા લાગ્યું. આ ઘટના બધાને અદ્ભુત વરતાઈ. જ્યારે રાજાના પુત્રો અગ્નિથી સળગી ગયા ત્યારે કુવલાશ્વ બીજા કુંભકર્ણ જેવા ધુંધુ સામે ધસી ગયા. રાજાના શરીરમાંથી બહુ જળ પ્રગટ્યું અને જળમય તેજ વડે દૈત્યના અગ્નિને ટાઢો પાડ્યો. કુવલાશ્વે પોતાના યોગબળથી દૈત્યના અગ્નિને શાંત કર્યો. એ દૈત્યને બ્રહ્માસ્ત્ર વડે ભસ્મ કરી દીધા. આમ તેનો વધ કરીને રાજા બીજા ઇન્દ્ર જેવા દેખાયા. ધુન્ધુનો વધ કર્યો એટલે રાજા ધુંધુમાર નામે જાણીતા થયા. દેવતાઓએ અને ઋષિઓએ પ્રસન્ન થઈને રાજાને વરદાન માગવા કહ્યું, ત્યારે હાથ જોડીને રાજા બોલ્યા, ‘હું શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન આપું, શત્રુઓથી પરાજિત ન થઉં, વિષ્ણુ સાથે મારી મૈત્રી રહે, પ્રાણીઓનો દ્વેષ ન કરું, ધર્મમાં મારી પ્રીતિ રહે, સ્વર્ગમાં મને અક્ષય વાસ મળે.’ બધા દેવતાઓએ, ઋષિઓએ, ગંધર્વોએ, મહાત્મા ઉત્તંકે આનંદપૂર્વક તેમની વાત સ્વીકારી. રાજાને અનેક આશીર્વાદ આપીને ઋષિ અને દેવતા પોતપોતાના નિવાસ સ્થાને જતા રહ્યા. આ યુદ્ધમાં રાજાના ત્રણ પુત્ર બચી ગયા: દૃઢાશ્વ, કપિલાશ્વ અને ચન્દ્રાશ્વ. એમના વડે ઇક્ષ્વાકુવંશની પરંપરા ચાલી આવી છે. ધુંધુને તો કુવલાશ્વે મારી નાખ્યો. (આરણ્યક પર્વ, ૧૯૨થી ૧૯૫)

કૌશિક અને ધર્મવ્યાધની કથા

કોઈ પ્રદેશમાં વેદપાઠી, તપસ્વી, ધર્માત્મા કૌશિક રહેતા હતા. વેદ સાથે ઉપનિષદો વાંચતા હતા, એક દિવસ કોઈ વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા. ત્યાં વૃક્ષ પર એક બગલી બેઠી હતી, તે ઋષિ પર ચરકી. બ્રાહ્મણ તો એને જોઈને જે ક્રોધે ભરાયો, જે ક્રોધે ભરાયો, એવી રીતે બગલી સામે લાલ આંખ કાઢી. બ્રાહ્મણના દૃષ્ટિપાતથી બગલી તો મૃત્યુ પામી અને ઝાડ પરથી નીચે પડી, પૃથ્વી પર આ રીતે નિર્જીવ થઈને પડેલી બગલી પર બ્રાહ્મણને બહુ દયા આવી, શોક કરવા લાગ્યા, અરેરે! મેં ક્રોધે ભરાઈને આ શું કરી નાખ્યું, પછી તે બ્રાહ્મણ ગામમાં ભિક્ષા માટે નીકળી પડ્યા. ગામના ઉત્તમ કુટુુંબોમાં જઈને ભિક્ષા માગવા લાગ્યા. એમ કરતાં કરતાં એક ઉત્તમ ઘેર ગયા અને ભિક્ષા માગી, ‘અરે મને ભિક્ષા આપો.’ ઘરની સ્ત્રી તે વખતે વાસણો માંજતી હતી. તે બોલી, ‘ઊભા રહેજો.’ તે જ વખતે તેનો પતિ ભૂખે આકળવિકળ થઈને આવ્યો. સ્ત્રી પતિને જોઈને ભિક્ષા આપવાનું ભૂલી ગઈ, પતિની સરભરા કરતી બેઠી. કાળી કાળી આંખોવાળી તે સ્ત્રીએ પતિને ખાવા માટે મધુર વાનગીઓ આદરપૂર્વક આપી અને મીઠી વાણીથી તેની સેવા કરતી બેઠી. તે સ્ત્રી હમેશા પતિનું એંઠું ખાતી હતી, પતિને દેવ માનતી હતી અને પતિના વિચારો પ્રમાણે ચાલતી હતી. તે વાણી, વર્તન અને મનથી કશું ખાતી નહીં, પીતી નહીં. બધી રીતે તે પતિની સેવા કરતી હતી. ઘરકામમાં તે ચતુર હતી. કુટુંબનું હિત વિચારનારી હતી અને સદા તેના મનમાં પતિનું હિત વસતું હતું. દેવતાઓની સેવા, સાસુસસરાનો આદર કરતી અને ઇન્દ્રિયજિત થઈને તે રહેતી હતી. જ્યારે તેના પતિનું ભોજન પૂરું થયું ત્યારે તેણે જોયું તો બ્રાહ્મણ બહાર ઊભો છે. પતિસેવા કરતાં કરતાં તેને બ્રાહ્મણ યાદ આવ્યો. તે પતિવ્રતા બહુ સંકોચ પામી અને ભિક્ષા લઈને તે બ્રાહ્મણ પાસે ગઈ. બ્રાહ્મણે કહ્યું, ‘અરે, મને ‘ઊભા રહેજો’ કહીને જતી રહી અને મને વિદાય પણ ન આપી.’ તે બ્રાહ્મણને તેજ અને ક્રોધથી પ્રજ્વલિત જોઈને તે પતિવ્રતાએ શાંતિથી કહ્યું, ‘ક્ષમા કરજો મહારાજ, હું પતિને દેવ માનું છું. તેઓ ભૂખ્યાતરસ્યા ઘેર આવ્યા હતા એટલે તેમની આસનાવાસના કરવા રહી.’ આ સાંભળી બ્રાહ્મણે કહ્યું, ‘તેં બ્રાહ્મણને નીચો અને પતિને ઊંચો માન્યો. ગૃહસ્થધર્મ પાળવા છતાં બ્રાહ્મણનો આદર કરે છે. ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ બ્રાહ્મણોને વંદન કરે છે પછી માનવીઓનું શું? અરે અભિમાની સ્ત્રી, તેં વૃદ્ધોની વાત નથી સાંભળી? બ્રાહ્મણો તો અગ્નિ જેવા હોય છે, તેઓ પૃથ્વીને પણ સળગાવી શકે.’ સ્ત્રીએ કહ્યું, ‘હું બ્રાહ્મણોનું અપમાન નથી કરતી, તેમને તો દેવ સમાન ગણું છું. મારા આ અપરાધને ક્ષમા કરો. બ્રાહ્મણોના તેજને જાણું છું. તેમના મહાભાગ્યને ઓળખું છું, તેમણે જ તો સમુદ્રને ખારો કરી નાખ્યો, તેનું પાણી પીવાલાયક ન રાખ્યું. હું આત્મજ્ઞાની, મહા તપસ્વી ઋષિમુનિઓને પણ જાણું છું, તેમનો ક્રોધાગ્નિ દંડકવનમાં હજુ ઓલવાયો નથી. બ્રાહ્મણોનો અનાદર કરતો મહાન રાક્ષસ વાતાપિ અગત્સ્યના ઉદરમાં પૂરેપૂરો પચી ગયો હતો. બ્રાહ્મણોના ઘણા પ્રભાવ સાંભળવામાં આવ્યા છે. તેમનો ક્રોધ પણ ભારે અને તેમની કૃપા પણ ભારે. મારી આ ભૂલને માફ કરી દો. પતિસેવાનો ધર્મ મને બહુ પ્રિય છે. દેવોમાં પતિ પરમ દેવ છે, એ જ અસામાન્ય ધર્મનું હું પાલન કરું છું. પતિસેવાનું ફળ જોવું છે? તમે બગલીને ક્રોધથી સળગાવી દીધી હતી તે હું જાણું છું. ક્રોધ આપણા શરીરમાં રહેતો ભયાનક શત્રુ છે. જે ક્રોધ અને મોહને ત્યજે છે તેને જ દેવતા બ્રાહ્મણ કહે છે. જેઓ આ જગતમાં સાચું બોલે છે, ગુરુને સંતોષ આપે છે, માર ખાઈને પણ જે સામો મારતો નથી તેને દેવતા બ્રાહ્મણ કહે છે. જે ઇન્દ્રિયજિત છે, વેદપાઠી છે, પવિત્ર છે, કામક્રોધને જેણે જીત્યા છે તેને દેવતા બ્રાહ્મણ કહે છે; જે વેદ ભણે છે-ભણાવે છે, યજ્ઞ કરે છે-કરાવે છે, યથાશક્તિ દાન આપે છે તેને દેવતા બ્રાહ્મણ કહે છે. જે વેદજ્ઞ છે, વેદપાઠી છે, ભણવામાં-ભણાવવામાં જે સાવધાન રહે છે તેને દેવતા બ્રાહ્મણ કહે છે; જે બ્રાહ્મણ માટે હિતકારી છે તે જ બ્રાહ્મણોને કહેવું જોઈએ; જે સત્ય બોલે છે, જેનું મન અસત્યમાં રાચતું નથી તે જ બ્રાહ્મણ છે. બ્રાહ્મણોનો ધર્મ વેદાભ્યાસ કરવાનો છે, મનને વિષયભોગથી દૂર રાખવું, ઇન્દ્રિયજિત થવું એ જ છે. ધર્મજ્ઞ મહાત્મા સત્ય અને પવિત્રતાને જ ધર્મ કહે છે. ધર્મને ઓળખવો બહુ અઘરું છે, તે ધર્મ સત્યમાં જ હોય છે, વૃદ્ધો કહે છે ધર્મમાં વેદ જ પ્રમાણ છે. ધર્મ ઘણા પ્રકારના દેખાય છે પણ તે છે બહુ સૂક્ષ્મ. તમે વેદપાઠી, ધર્મજ્ઞ દેખાઓ છો પણ મારી દૃષ્ટિએ ધર્મને યોગ્ય રીતે હજુ ઓળખતા નથી. જનકપુરીમાં માતાપિતાની સેવા કરનારો, સત્યવાદી, ઇન્દ્રિયજિત એક વ્યાધ રહે છે. તે તમને ધર્મ સમજાવશે. ત્યાં તમે જાઓ. તમારું કલ્યાણ થાઓ. મેં ઘણી બધી વાતો કરી, તમે એ ક્ષમા કરજો. જે ધર્મજ્ઞો છે તે બધા માટે સ્ત્રી અવધ્ય છે.’ આ સાંભળી તે બ્રાહ્મણે કહ્યું, ‘હે ભદ્રા, મારો ગુસ્સો હવે ઓગળી ગયો છે. તારા પર પ્રસન્ન છું. તેં મારું અભિમાન ઓગાળી નાખ્યું, મારું કલ્યાણ થયું, તારું કલ્યાણ થાય. હું જનકપુરી જઈશ.’ આમ બોલીને તે બ્રાહ્મણે પતિવ્રતા સ્ત્રીની વિદાય લીધી, પોતાની જાતને ફિટકારી. તે સ્ત્રીએ કહેલી બધી વાતો યાદ કરીને આત્મનિંદા કરતો તે પોતાની જાતને પાપી માનવા લાગ્યો. ધર્મની સૂક્ષ્મ ગતિવિધિ વિશે વિચારતો કૌશિક બ્રાહ્મણ મનોમન બોલ્યો, ‘તે સ્ત્રીએ કહેલી બધી વાતો પર વિશ્વાસ કરીને હું હવે જનકપુરી જઉં છું. ત્યાં આત્મજ્ઞાની અને ધર્મજ્ઞ વ્યાધ રહે છે. હું એની પાસે જઈને ધર્મ એટલે શું તે પૂછીશ.’ બગલીનું મૃત્યુ, ધર્મયુક્ત વચનોનો ઉપદેશ, તે સ્ત્રીની વાતો પર વિશ્વાસ — આ બધા વિશે વિચારતો વિચારતો આનંદપૂર્વક એ દિશામાં નીકળી પડ્યો. ઘણાં ગામ, વન, નગરો વટાવી તે મહારાજા જનકની નગરીમાં જઈ પહોંચ્યો. ધર્મ, યજ્ઞ અને ઉત્સવોથી એ નગરી ભરી ભરી હતી. અનેક મહેલો, અટારીઓવાળી સુંદર નગરીમાં કૌશિક બ્રાહ્મણે પગ મૂક્યો. ત્યાં અનેક વિમાનો હતાં, સુંદર બજાર હતા, રસ્તાઓ પણ અઢળક હતા. કેટલા બધા હાથી, ઘોડા, રથ, સૈનિકો આમતેમ ભમતા હતા. લોકો તંદુરસ્ત હતા, પ્રસન્ન હતા, ત્યાં નિત્ય ઉત્સવ થતા હતા. ઘર પૂછ્યું, તો બ્રાહ્મણોએ તેનું ઘર બતાવ્યું. મુનિએ કસાઈખાને બેઠેલા વ્યાધને જોયો. તે હરણોનું, પાડાઓનું માંસ વેચતો હતો. તે વખતે ગ્રાહકોની સંખ્યા પુષ્કળ હતી એટલે બ્રાહ્મણ જરા દૂર જઈને એકલો બેસી ગયો. વ્યાધને ખબર પડી કે અહીં કોઈ બ્રાહ્મણ આવ્યો છે, એટલે તે ગભરાઈને પાસે આવ્યો. ‘હે બ્રાહ્મણવર્ય, હું તમને પ્રણામ કરું છું. તમારું સ્વાગત છે. હું વ્યાધ છું. બોલો, તમારી શી સેવા કરું? તમને એક પતિવ્રતા સ્ત્રીએ મારું ઠેકાણું આપ્યું. તમે જે કામ માટે અહીં આવ્યા છો તે પણ મને ખબર છે.’ આ સાંભળીને બ્રાહ્મણને બહુ આનંદ થયો, મનમાં થયું, આજે આ બીજું અચરજ. વ્યાધે બ્રાહ્મણને કહ્યું, ‘તમે ખોટી જગ્યાએ બેઠા છો. તમારી ઇચ્છા હોય તો ઘેર જઈએ.’ બ્રાહ્મણે રાજી થઈને હા પાડી. એટલે વ્યાધ બ્રાહ્મણને લઈને આગળ ચાલ્યો. બ્રાહ્મણને ઘરમાં લઈ જઈને આસન આપ્યું, વિધિવત્ તેની પૂજા કરી. પછી નિરાંતે બેસીને તેણે વ્યાધને પૂછ્યું, ‘મારી દૃષ્ટિએ તમારો આ ધંધો યોગ્ય નથી. આ ઘોર કર્મ જોઈને મને બહુ દુઃખ થાય છે.’ વ્યાધે ઉત્તર આપ્યો, ‘આ મારા બાપદાદાનો વ્યવસાય છે. મારા કુળને છાજે એવો છે. હું મારું કર્મ કરું છું એટલે તમારે ગુસ્સો નહીં કરવાનો. બ્રહ્માએ પહેલેથી બધી જ જાતિઓનાં અલગ અલગ કર્મ નક્કી કર્યા હતાં. હું તેમનું પાલન કરું છું. મારા વૃદ્ધ માતાપિતાની સેવા કરું છું. હું હંમેશાં સાચું બોલું છું. કોઈની ઈર્ષ્યા કરતો નથી. શક્તિ પ્રમાણે દાન કરું છું. દેવતાઓ, અતિથિઓ, નોકરોને આપ્યા પછી જે અન્ન વધે છે તેનાથી ગુજરાન ચલાવું છું. જે ખરાબ છે તેની, જે બળવાન છે તેની નિંદા કરતો નથી. પૂર્વકર્મનું ફળ દરેકને મળે છે. ખેતી, ગાયની રક્ષા, વ્યાપાર — જગતનું જીવન છે, રાજનીતિ, દંડ, વેદવિદ્યાથી જગત ટક્યું છે. શૂદ્રનું કાર્ય સેવા, વૈશ્યનું કાર્ય ખેતી, ક્ષત્રિયનું કાર્ય યુદ્ધ અને બ્રાહ્મણનું કાર્ય બ્રહ્મચર્ય, તપસ્યા, વેદાભ્યાસ અને સત્યવચન. રાજા ધર્મ વડે પ્રજાની સેવા કરે છે એટલે પ્રજા પોતાનાં કાર્ય કરે છે. જે પોતાનાં કાર્ય નથી કરતા તેમને રાજા દંડે છે અને તેમની પાસે કાર્ય કરાવે છે. પ્રજાએ રાજાથી સદા ડરવું જોઈએ. કારણ કે તે પ્રજાનો પાલક છે. જેવી રીતે શિકારી મૃગને મારે છે તેવી રીતે રાજા કુકર્મી માનવીને મારે છે. જનકની આ નગરીમાં કોઈ કુકર્મી નથી, ચારે વર્ણ પોતપોતાનાં કાર્ય કરે છે. આ રાજા એટલા બધા ધર્માત્મા છે કે તેમનો પુત્ર જો અપરાધી હશે તો તેમને પણ દંડ કરતાં અચકાશે નહીં. કોઈ ધર્માત્માને તેઓ દુઃખ નહીં પહોંચાડે. બધાને ધર્મદૃષ્ટિથી તેઓ જુએ છે, એટલે ક્ષત્રિયો તો લક્ષ્મી, રાજ્ય અને દંડના સ્વામી છે. ધર્માનુસાર જ લક્ષ્મીની જે વૃદ્ધિ કરવા માગે. રાજા ચારે વર્ણનો રક્ષક. હું પોતે પશુઓને મારતો નથી, પણ બીજાઓએ મારેલા સૂવર, પાડા વગેરેનું માંસ વેચું છું. હું માંસ ખાતો નથી. હું ઋતુસ્નાતા સ્ત્રીનો સહવાસ કરું છું, વ્રત કરું છું. રાત્રે એક જ વખત ભોજન કરું છું. જે શીલહીન હોય છે તે પણ ક્યારેક શીલવાન બની જાય છે. પ્રાણીઓની હિંસા કરવાવાળો પણ ધર્માત્મા થઈ જાય છે. રાજા જો અધર્મ આચરે તો ધર્મમાં અનિષ્ટો પ્રવેશે, રાજાના અધર્મથી પ્રજામાં પણ સંકરતા પ્રવેશે. રાજાના અધર્મથી માનવીઓ કાણાકૂબડા, મોટા માથાવાળા, નપુંસક, બહેરા બની જાય છે. એટલે જ જનક રાજા પ્રજાને ધર્મથી પાળે છે, બધા લોકો પર કૃપાદૃષ્ટિ રાખે છે, એટલે જ બધી પ્રજા પોતપોતાના ધર્મને પાળે છે. જેઓ મારી નિંદા કરે છે કે પ્રશંસા કરે છે — આ બંનેને સારાં કર્મોથી પ્રસન્ન કરવાની હું કોશિષ કરું છું. પોતપોતાની શક્તિ પ્રમાણે જેઓ દાન કરે છે તે ધર્માત્મા છે. માનવંતા લોકોની પૂજા કરવી, બધાં પ્રાણીઓ પર દયા રાખવી, ત્યાગવૃત્તિ કેળવવી — આના જેવા ઉદાત્ત ગુણ બીજા કોઈ નથી. જે અસત્ય બોલતો નથી, કામક્રોધ કે દ્વેેષને વશ થઈને જે ધર્મનો ત્યાગ કરતો નથી; જે કાર્ય સફળ થવાથી પ્રસન્ન થાય, અપ્રિય કાર્યથી જે દુઃખી થાય, પૈસાની મુશ્કેલીઓથી જે ગભરાય નહીં,- આ સંજોગોમાં જે ધર્મનો ત્યાગ ન કરે, જે કર્મ કરવાથી અવળું ફળ પ્રાપ્ત થવાનું હોય તે કદી ન કરે; જેનાથી પોતાનું અને બીજાઓનું કલ્યાણ થવાનું હોય તેનું જ ચિંતન કર્યા કરે; જો સામાએ ખરાબ કર્યું હોય તેનું પણ જે સારું કરે; તે જ સાચો માનવી. ઉપકાર કરનારા પર જે અપકાર કરે છે તે જાતે જ નાશ પામે છે. હું મારા આગલા જન્મમાં વેદ-વેદાંગ જાણનારો બ્રાહ્મણ હતો. મારી જ ભૂલને કારણે મારી આવી અવસ્થા થઈ છે. ધનુર્વેદ જાણનારો એક રાજા મારો મિત્ર હતો. એની સાથે રહેવાથી મને પણ ધનુર્ધારી વિદ્યા આવડી ગઈ. એક દિવસ રાજા મુખ્ય મુખ્ય સૈનિકોને લઈને શિકાર કરવા નીકળી પડ્યો, એક આશ્રમ પાસે જઈને રાજાએ ઘણા શિકાર કર્યા. ત્યાં મેં પણ એક બાણ છોડ્યું, એ ધારદાર બાણ કોઈ મુનિને વાગ્યું. બાણ વાગતાં જ મુનિ ધરતી પર પડી ગયા અને ચીસ પાડતાં તે બોલ્યા, ‘મેં કોઈનો અપરાધ કર્યો નથી, આ કયા પાપીએ મને બાણ માર્યું?’ હું તો મૃગ સમજીને પાસે ગયો, જોયું તો મારા અણિયાળા બાણથી ઘવાઈને એ ઉગ્ર તપસ્વી વિદ્વાન ઋષિ તરફડી રહ્યા હતા. આવું અયોગ્ય કાર્ય મારા હાથે થયું એટલે હું તો દુઃખી દુઃખી થઈ ગયો. મેં ઋષિને કહ્યું, ‘મારાથી અજાણતાં આ અપરાધ થઈ ગયો છે. મને માફ કરી દો.’ તે તપસ્વી ક્રોધે ભરાઈને મૂર્ચ્છા પામ્યા અને મરતાં મરતાં બોલ્યા, ‘અરે ક્રૂર બ્રાહ્મણ, જા તું શૂદ્ર યોનિમાં જન્મીને વ્યાધ થઈશ.’ ઋષિએ મને શાપ તો આપ્યો પણ મેં તેમની વારંવાર ક્ષમા માગી, ‘મુનિ, મારાથી બાણ અજાણતાં વાગી ગયું છે, મને માફ કરી દો. તમે કૃપા કરો.’ ઋષિએ કહ્યું, ‘મારો શાપ મિથ્યા તો નહીં થાય. પણ તું આટલી બધી પ્રાર્થના કરે છે તો ચાલ એક કૃપા કરું. શૂદ્ર જન્મમાં પણ તને ધર્મનું જ્ઞાન રહેશે. તારા માતાપિતાની સેવા કરતો રહીશ. તેમની સેવા કરવાથી તને પરમ સિદ્ધિ મળશે. આગલા જન્મનું જ્ઞાન રહેશે અને તું સ્વર્ગે જઈશ. શાપ પૂરો થયે તું પાછો બ્રાહ્મણ જ થઈશ.’ આવી રીતે મને શાપ મળ્યો અને પાછળથી તેમની કૃપા પણ થઈ. પછી મેં તેમના શરીરમાંથી બાણ કાઢ્યું અને તેમને આશ્રમમાં પહોંચાડ્યા. તે જીવી ગયા. આમ મેં તમને આગલા જનમની વાત કરી. આ જન્મ પૂરો થશે એટલે સ્વર્ગે જઈશ.’ આ સાંભળીને કૌશિક બ્રાહ્મણે કહ્યું, ‘મનુષ્યોને આ જ રીતે સુખદુઃખ પ્રાપ્ત થાય છે. એટલે દુઃખી ન થતા. તમને તો પૂર્વજન્મ પણ યાદ છે. એટલે આ દુષ્કર કાર્ય તમે કર્યું છે. તમારા આ બધા કર્મદોષ દૂર થશે અને ફરી તમારો જન્મ બ્રાહ્મણ તરીકે થશે. મારી દૃષ્ટિએ તો તમે અત્યારે પણ બ્રાહ્મણ જ છો. જે શૂદ્ર જાતિમાં જન્મીને પણ ઇન્દ્રિયનિગ્રહ કરે, ધર્મ-સત્ય પ્રમાણે ચાલે તે બ્રાહ્મણ જ ગણાય, કારણ કે શીલ વડે જ બ્રાહ્મણ થવાય. મનુષ્ય કર્મના દોષને કારણે જ સારી-ખરાબ સ્થિતિને પામે છે, હું તો તમને સાવ નિર્દોષ માનું છું. તમે જરાય ગભરાતા નહીં. તમારા જેવા બુદ્ધિશાળીઓ સંસારની ગતિને પામીને ધર્મનું આચરણ કરે છે તે કદી શોક કરતા નથી.’ વ્યાધે કહ્યું, ‘હે બ્રાહ્મણ, બુદ્ધિ વડે મનનાં દુઃખ અને ઔષધો વડે તનનાં દુઃખ દૂર કરવાં જોઈએ, આ જે જ્ઞાનની શક્તિ છે તે મૂર્ખોના જેવી ન હોઈ શકે. અનિષ્ટની પ્રાપ્તિ થાય અને ઇષ્ટ જતું રહે તો એવી બુદ્ધિવાળા માણસોને માનસિક દુઃખ થાય છે... જે કર્મથી નુકસાન થાય તેનાથી તરત જ માનવી વેગળો સરી જાય છે. એનો કશો ઉપાય કરી શકાતો હોય તો તે કરે છે, શોક કર્યા કરવાથી શું થાય? શોક કરવાથી તો દુઃખ જ થાય. જે જ્ઞાન સુખદુઃખથી પર થઈ જાય છે તે જ જ્ઞાનથી સંતોષ માનીને સુખી થાય છે. અસંતોષી લોકો મૂરખ છે, સંતોષીઓ પંડિતો છે. અસંતોષનો તો કોઈ છેડો નથી, સંતોષ જ પરમ સુખ છે. જેઓ જ્ઞાનમાર્ગે ચાલે છે અને પોતાનું સ્થાન જુએ છે તેમને શોક નથી થતો. મનુષ્યે કદી વિષાદ નહીં અનુભવવો, વિષાદ ભયંકર ઝેર છે. જેવી રીતે છંછેડાયેલો સાપ બાળકને મારી નાખે છે તેવી રીતે વિષાદ મૂર્ખ લોકોને મારી નાખે છે. પરાક્રમ કરવાના સમયે જેને વિષાદ થાય છે તેનું તેજ અળપાઈ જાય છે, પછી તે પુરુષાર્થ કરી શકતો નથી. જો કર્મ કર્યું છે તો તેનું ફળ મળશે જ, શોક કરવાથી કશી પ્રાપ્તિ થતી નથી. દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય જડે તો વગર વિચાર્યે તે કરવો જોઈએ. આ જ રીતે દુઃખમાંથી છૂટી શકાશે. જે પંડિતો બુદ્ધિથી પણ પર થઈ ગયા છે તે સંસાર અનિત્ય છે એમ માનીને શોક કરતા નથી. કારણ કે તેઓ પરમ ગતિ જોઈ શકે છે. હું શોક કરતો નથી. સમયની રાહ જોતો ઊભો છું. એટલે જ શોક નથી કરતો.’ બ્રાહ્મણે કહ્યું, ‘હું પણ તમારા માટે શોક નથી કરતો કારણ કે તમે બુદ્ધિમાન છો, પંડિત છો. તમે જ્ઞાનથી ભરેલા છો અને ધર્મ જાણો છો. ધર્મધારીઓમાં શ્રેષ્ઠ છો, તમે સાવધાનીપૂર્વક ધર્મ આચરો, ધર્મ તમારી રક્ષા કરે. હવે મને જવાની આજ્ઞા આપો.’ વ્યાધે હાથ જોડીને બ્રાહ્મણને કહ્યું, ‘ભલે,’ પછી વ્યાધની પ્રદક્ષિણા કરીને બ્રાહ્મણ ચાલ્યો ગયો. ઘેર પહોંચીને બ્રાહ્મણે માતાપિતાની સેવા કરવા માંડી. માબાપે પણ તેની પ્રશંસા કરી. (આરણ્યક પર્વ, ૧૯૭થી ૨૦૫)

અંગિરાની કથા

એક વેળા મહાઋષિ અંગિરા પોતાના આશ્રમમાં બેસીને અગ્નિથી પણ વધુ તેજસ્વી બનવાનો પ્રયત્ન કરવા લાગ્યા. થોડા જ સમયમાં અંગિરા અગ્નિ જેવા થઈ ગયા. તેમના તેજથી આખા જગતમાં અજવાળું અજવાળું થઈ ગયું. અંગિરા ઋષિના તેજથી અગ્નિ ખૂબ જ કાળા પડી ગયા, પણ આનું કારણ તે જાણી ન શક્યા. અગ્નિએ માની લીધું કે બ્રહ્માએ બધા લોકોના લાભાર્થે નવા અગ્નિનું સર્જન કર્યું છે, અને તપ કરતાં કરતાં મારું તેજ ઝાંખું થઈ ગયું છે. હવે પહેલાંના જેવો હું કેવી રીતે થઈશ? આવો વિચાર કરતા હતા ત્યારે અગ્નિ જેવા થઈને જગત આખાને તપાવનારા મહામુનિ અંગિરાને જોયા. અગ્નિ બીતાં બીતાં, ધીરે ધીરે અંગિરા ઋષિ પાસે ગયા. અંગિરા ઋષિ બોલ્યા, ‘તમે ફરી અગ્નિ થઈ જાઓ, જગતને પ્રકાશિત કરનારા બનો. કારણ કે તમે ત્રણે લોકમાં ઘૂમનારાં પ્રાણીઓમાં બહુ જાણીતા છો. અંધકારનો નાશ કરનારા બ્રહ્માએ સૌથી પહેલાં તમારા વડે જ અંધકારનો નાશ કર્યો હતો, એટલે ફરી પાછા તેજસ્વી અગ્નિ બની જાઓ.’ આ સાંભળીને અગ્નિએ કહ્યું, ‘ઋષિવર્ય, જગતમાં મારી કીતિર્ તો ઝાંખી થઈ ગઈ છે. એટલે હવે જગતના બધા માનવીઓ મને નહીં પણ તમને જ અગ્નિ માનવાના. હું મારું અગ્નિપણું ત્યજી દઉં છું, તમે જ અગ્નિ બનો. હું બીજા ક્રમનો અગ્નિ બનીશ.’ અંગિરાએ કહ્યું, ‘અગ્નિદેવ, તમે પુણ્ય કરો. અંધકારનો નાશ કરનારા અગ્નિ બનીને પ્રજાને સ્વર્ગ સંપડાવો. તમે મને તમારો પહેલો પુત્ર બનાવો.’ અંગિરાની વાત સાંભળીને અગ્નિએ એમ કર્યું. પછી અંગિરાને પણ બૃહસ્પતિ નામે પુત્ર જન્મ્યો. અંગિરાને પહેલો પુત્ર જન્મ્યો એટલે બધા દેવતાઓએ ત્યાં જઈને તેનું કારણ પૂછ્યું. પછી તેમણે દેવતાઓને બધું કારણ કહ્યું. (હવે અગ્નિનું વર્ણન કરવામાં આવે છે.)

અંગિરા ઋષિની વંશાવળિ

બ્રહ્માના ત્રીજા પુત્ર અંગિરા. તેમની પત્ની અપવસુતા. તેમના પુત્રો બૃહજ્જ્યોતિ, બૃહત્કીતિર્, બૃહદ્(બ્રહ્મા), બૃહન્મના, બૃહત્મજા, બૃહત્ભાસ અને બૃહસ્પતિ. આ ઉપરાંત ભાનુમતિ નામની અંગિરાની પહેલી પુત્રી. અંગિરાની બીજી પુત્રીનું નામ રાગા, તે જગતના બધા જીવો પ્રત્યે પ્રેમ રાખતી હતી એટલે તેનું નામ રાગા. અંગિરાની ત્રીજી પુત્રી સિનીવાલી. તે બહુ સૂક્ષ્મ હતી. એટલે દેખાય પણ ખરી અને ન પણ દેખાય. પોતાનાં કિરણોથી બધાને જોનારી ચોથી કન્યાનું નામ અચિષ્મિતી. જેમાં યજ્ઞની આહુતિ મેળવીને દેવતાઓ પ્રસન્ન થઈ ઊઠે છે તે પાંચમી કન્યા હવિષ્મતી, દીપ્તિવાળા બધા યજ્ઞોમાં મહાબુિદ્ધશાળી આ છે, આઠમી પુત્રી કુહૂ; તેનામાં ચંદ્રમાનો સહેજેય અંશ નથી અને તેને જોઈને જગતના લોકો બહુ અચરજ પામે છે. બૃહસ્પતિની પત્ની ચાન્દ્રમસી, તેણે છ પવિત્ર અગ્નિને અને એક પુત્રીને જન્મ આપ્યો. યજ્ઞોની આહુતિમાં તે અગ્નિનું નામ પહેલું લેવાય છે તે છે શંયુ, તે બૃહસ્પતિનો પુત્ર, ચાતુર્માસ્યતા અને અશ્વમેધના અશ્વમાં જેને નિમિત્તે પશુનો બલિ ચઢાવાય છે, તે જે શંયુની પ્રજ્વલિત જ્વાળાઓવાળો છે તે મહા શક્તિશાળી છે, નામ સત્યા, દીપ્ત અગ્નિ તેનો પુત્ર. આ ઉપરાંત ત્રણ ઉત્તમ વ્રત કરનારી કન્યાઓ જન્મી. જે અગ્નિ યજ્ઞોમાં પહેલો પૂજાય છે તેના પહેલા પુત્રનું નામ ભરદ્વાજ. જે બધા પૂર્ણમાસના યજ્ઞોમાં સુવાથી આહુતિ મેળવે છે તે અગ્નિનું નામ ભરત; તે શંયુનો બીજો પુત્ર; તેની પણ ત્રણ કન્યા; ભરતને ભરત નામનો પુત્ર અને ભરતી નામની કન્યા છે. ભરત નામના અગ્નિનો પુત્ર પાવક, તે વધુ પૂજ્ય હોવાને કારણે મહાન છે; ભરદ્વાજની પત્ની વીરા, વીર નામના અગ્નિની માતા, બ્રાહ્મણ તેમની પૂજા કરે છે. બીજા ચંદ્રની સાથે જે પૂનમ છે તેનું નામ વીરસંજ્ઞક; તેના બીજાં નામ રથપ્રભુ, રથધ્વાન અને કુંભરેતા. ભરદ્વાજ પુત્રની પત્ની સરયુ, તેના પુત્રનું નામ સિદ્ધિ; તેણે પોતાના તેજ વડે સૂર્યને ઢાંકી દીધો હતો. નિશ્ચયવન નામનો અગ્નિ કદી તેજ, યશ, લક્ષ્મી ખોતો નથી. તે માત્ર પૃથ્વીની જ સ્તુતિ કર્યા કરે છે. વિમાપ નામનો અગ્નિ તેનો પુત્ર છે. તે બધાં પાપ વગરનો, દોષ વગરનો, પવિત્ર છે અને સમય પ્રમાણે ધર્મ આચરે છે. અગ્નિ રુદન કરતાં પ્રાણીઓને દુઃખમાંથી મુકત કરે છે. તે અગ્નિનું નામ નિષ્કૃતિ છે, તે સદા શોભા ધરાવે છે. જેની પીડાથી લોકો ઊંહકારા ભરે છે. તે અગ્નિનું નામ સ્વન છે, તેનાથી બધા રોગ ઉત્પન્ન થાય છે; વિશ્વજિત નામનો અગ્નિ જગતના બધા પુરુષોની બુદ્ધિને પોતાના શરીરમાં વસાવે છે, એનાથી ભોજન પચી જાય છે. આ અગ્નિથી બ્રહ્મચારી, વ્રતનિષ્ઠ બ્રાહ્મણો જેની પૂજા કરે છે, તેની પત્ની પવિત્ર ગોમતિ નદી છે, બધા લોકો કર્મ કરે છે. વડવાગ્નિ નામનો પરમ દારુણ અગ્નિ છે, તે સમુદ્રને પી જાય છે. જે પ્રાણ નામનો અગ્નિ ઉપર જાય છે, વિદ્વાનોએ તેનું નામ ઊર્ધ્વભાક્ રાખ્યું છે. સ્વિષ્ટકૃત નામનો અગ્નિ નિમિત્તે ક્રોધ રૂપે વસે છે, ક્રોધી પુરુષોનાં પ્રસ્વેદ રૂપે વહે છે; આ અગ્નિથી મન્યતી નામની દેવતાઓએ સ્વર્ગમાં જેના રૂપ જેવું બીજા કોઈનું રૂપ નથી, તે અનુપમ છે, દેવતાઓએ એનું નામ કામ રાખ્યું છે. અમોઘ નામનો અગ્નિ રથ પર ચઢીને, માલા ગળામાં પહેરીને, ધનુષ રાખીને તથા મનમાં ક્રોધ રાખીને યુદ્ધમાં બધા શત્રુઓનો વિનાશ કરે છે તેનું નામ અમોઘ છે. ઉકથ નામના અગ્નિની સ્તુતિ ત્રણ પદ વડે થાય છે, તેમાંથી મહાવાક્ ઉત્પન્ન થાય છે અને તેને કામાશ્વ પણ કહે છે. કશ્યપના પુત્ર કાશ્યપ, વસિષ્ઠના પુત્ર વાસિષ્ઠ, પ્રાણના પુત્ર પ્રાણ અંગિરાના પુત્ર ચ્યવન અને ત્રિવર્ચા — આ પાંચ અગ્નિ. આ પાંચેએ પુત્ર માટે કેટલાંય વર્ષો સુધી તપ કર્યું. તેમને પોતાના જેવો ધામિર્ક તથા બ્રહ્મા જેવો યશસ્વી પુત્ર જોઈતો હતો. તેમણે બ્રહ્માનું ધ્યાન ધર્યું. ત્યારે પાંચ વર્ણવાળું એક તેજ ઉત્પન્ન થયું. તેનું માથું પ્રજ્વલિત અગ્નિ જેવું, હાથ સૂર્ય જેવા, ત્વચા-નેત્ર સુવર્ણ જેવા અને તેની સાથળ કાળી. તે પાંચે અગ્નિએ આ બાળકને પાંચ રંગનો બનાવ્યો, એટલે તેનું નામ પાંચજન્ય, તેનાથી પાંચ વંશ ચાલ્યા. આ તપસ્વીએ દસ હજાર વર્ષ સુધી ઘોર તપ કર્યું, પોતાના પિતૃઓ માટે પ્રજા ઉત્પન્ન કરનારે પોતાના તપથી ઘોર અગ્નિ પ્રગટાવ્યો. તેણે પોતાના મસ્તકમાંથી બૃહત્ રથન્તરને, મોંમાંથી તરચા અને હરને, નાભિથી શિવને, બળથી ઇન્દ્ર, પ્રાણથી વાયુને અને અગ્નિને ઉત્પન્ન કર્યા, હાથમાંથી ઉદાત્ત અને અનુદાત્ત સ્વર, મન વગેરે ઇન્દ્રિયો, પાંચ મહાભૂતો ઉત્પન્ન કર્યા. આ બધા પછી પિતૃઓના પાંચ પુત્રો ઉત્પન્ન થયા. બૃહદૂર્જનો પુત્ર પ્રણિધી, કાશ્યપનો પુત્ર બૃહત્તર, અંગિચનો ભાનુ અને વર્ચનો પુત્ર સૌભર. પ્રાણના અનુદાત્ત પાંચ વંશજ પુત્ર તથા યજ્ઞોનો નાશ કરનારા પંદર ઉત્તર દેવ સર્જ્યા. પાંચજન્યના પાંચ પુત્ર અભીમ, અતિભીમ, ભીમ, ભીમબલ, અબલ. એવી જ રીતે સુમિત્ર, મિત્રજ્ઞક્ર મિત્રવર્ધન, મિત્રધર્મા - (આરણ્યક પર્વ, ૨૦૭થી ૨૧૦)