હરીશ મીનાશ્રુની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
11-Harish-Minashru-Kavya-Title-600.jpg


હરીશ મીનાશ્રુની કવિતા

સંપાદક: અજયસિંહ ચૌહાણતિર્યગ્ગીતિ

(એક અષ્ટમપષ્ટક

(Teenager કવિ, એક લૅન્ડસ્કેપ)


         ચંબેલીને પાંદે
ઝાકળનાં વલ્કલ પ્હેરીને બેઠી ગઝલ રૂપાંદે

કમલપત્રમાં વલય, કીડીને ચરણે નેપુર બાજે
ઝૂલે મુદામય મલય, કવિવર સરવે કાન વિરાજે

         કલરવ કોમળ ટીપે ટીપે
         મોતી છણકો કરતાં છીપે
         પાંદડીઓમાં ગંધ પ્રવર્તી
         સંવેદનની સાવ સમીપે

સિંજારવની વ્યથા સમેટી છંદ વડે શું છાંદે
         ચંબેલીને પાંદે

ખરતું પીછું સહે, સ્વજન! વિશ્રંભકથા વ્યાકુળ
લીલો વાયુ વહે, વીંટાળી પોપટનાં પટકૂળ

         વાચા રમ્ય વિલસતી નભની
         ચુંબનમાં છાયા સૌરભની
         ધ્રિબાંગસુંદર ભરી સભામાં
         લાજ લૂંટે કોમલ રિષભની

કાગળ મધ્યે કુમુદિનીનો સ્પર્શ સજાવ્યો ચાંદે
         ચંબેલીને પાંદે

વિદગ્ધ કવિ, એક વેસ્ટલૅન્ડસ્કેપ

અમીં રે ગનપાઉડરનાં માણસો...
થોડાં સુંદર છૈંયે ઝાંઝાં છૈંયે ધિરબંગ
જેને તોપચી વ્હાલો ને વ્હાલો સાણસો

મારે તે આંગણ હિરોશીમળાનું ઝાડ
ઝૂલે મડદાંનાં પાંદ ઝૂલે દધિચીનાં હાડ
મોગરાયે ભડથું થૈ ગિયા
કાળો કારતૂસ બન્યો કૂણો દેશ
ભૂરા ભડવાને માથે રાતું ફૂમતું
લીલાં ચેલકાં બાળીને પાડી મેંશ
નકશા રાંડ્યા તે બોડી બામણી
મારા ગામમાં બચી ના ગોકળગાય
અરેરે મારા ગામમાં બચી ના ગોકળગાય
એકલો ભાયાત ફૂંકે ફાચરો –
એને તેડવાને આયાં છે મસાણ સો
અમીં રે ગનપાઉડરનાં માણસો...

તરણાં ઘોંટીને મૂશળ ઊગતાં
ભોમકાની ખસી ગઈ ઠેઠ આંબોઈ
બળતણ ખૂટ્યાં તો મનખા મોકલ્યા
રાતું ઘાશલેટ બની ગિયાં લોઈ
શેપટાં ઉખાડી દીધાં આભનાં
જેણે ચેહમાં નીચોવ્યાં પૂમડાં ગાભનાં
નિત પાંચ ઝૂડી બંધૂકોને ફૂંકતી
મારી શિકોતેર પેઢીઓને જોઈ
ખાખી ધુમાડામાં ધરુજતી જોઈ
પેણનો યે ટોટો પીસી આટલું
અમીં લખ્યું તેને ઝાઝું કરી જાણસો
અમીં રે ગનપાવડરના માણસો....

પર્જન્યસૂક્ત : ૨

અહીં તો
પ્રિય અને પર્જન્ય,
નથી કો અન્ય–
કેવળ
હું
તે
ઝળહળ જળમાં અંતર્ધાન :
(રખે ને આજ કવિતા લખે)
મૌનમાં
શબ્દ સકળ તે મ્યાન!

પર્જન્યસૂક્ત : ૧૦

નયન થકી રે નેહ
નીતરે નેવાં પરથી નીર
ઘરમાં પલળ્યાં પ્રિયજન
કુંજે ભીંજ્યાં કોયલકીર

જરકશી મેઘબિજુલી ઊડે
આજ પધારે ચડી ગરુડે

બંશીવટને પુંજ પાંદડે
ઝગમગતો આહીર

સ્તનમંડળ પર મેહુલમોતી
ત્રફડે તગતગ જળની જ્યોતિ

ગોપવનિતાનાં લયવ્યાકુળ
ચળકે ચરણાં ચીર

જળઝૂલણા વન વૃંદાવનનું
બુંદ બિલોર ઝરે કંચનનું

સ્યાહી ઝબોળી જીર્ણ દ્વારિકા
ઝૂરે, નરી કથીર

પર્જન્યસૂક્ત : ૧૧

મોરનું મ્હેણું અષાઢે સાંખવું સારું નહીં
આ રીતે ભડલીવચન કૈં ભાખવું સારું નહીં

એકલાં જાણી રખે આવી ચડે એનાં સ્મરણ
આંખમાં પાણીનું જોખમ રાખવું સારું નહીં

પર્જન્યસૂક્ત : ૧૪

આ વરસ એવું જલદ વરસાદનું ટીપું ખરે
કે તને અંગતપણું તારું પલળતું સાંભરે

શ્રાવણે પોપટ અને પરદેશ બહુ લીલા બને
એટલે કાયમ તું લીલાં પાંદડાં ચૂંટ્યાં કરે

પર્જન્યસૂક્ત : ૧૯

જળથી ઢાંકી
અતિશય વાંકી
ખીલી અષાઢી બીજ
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્બીજ!

પ્રેમસૂક્ત : ૨

તમે પુષ્પ ચૂંટ્યું
તો મેં ગંધ
તમે પાદુકા ઉતારી
તો મેં પંથ
તમે ત્યજ્યાં પટકૂળ
અને મેં ત્વચા
હવે ઝળહળે તે કેવળ પ્રેમ

પ્રેમસૂક્ત : ૧૪

સ્તનથી
વધુ ઉત્તુંગ
નાભિથી વધુ ગહન
જંઘાથી
વધુ ગુહ્ય
નિતમ્બથી વધુ ભીષણ
આ વિશ્વમાં
અન્ય શું છે?
તેં ઉત્તર ન વાળ્યો
માત્ર ઝગમગી જળની પ્રહેલિકા
નેત્રને ખૂણે

પ્રેમસૂક્ત : ૧૫


નિબિડ સ્પર્શ શું છે? –
કદાચ અપભ્રંશ દૂરતાનો

આલિંગન માટે ફેલાવેલા બાહુઓ
આકાશમાં ઉમેરી દે છે
થોડુંક વધુ આકાશ

આ ચુંબન
રમ્ય આકૃતિ રચે છે
આપણાં જ હોઠનાં શૂન્યની

નીરવ મધ્યરાત્રિને
ચંદ્ર કે ચાંદની જેવી ચેષ્ટાથી પણ
ખલેલ જ પહોંચે છે
ત્યારે
હું કંપિત સ્વરે
પ્રેમનો એકરાર કરવા મથે છે
જ્યારે હું કરતો રહું છું પ્રેમ
અવાક્

આ ચક્રવાક
અને ચક્રવાકી
મિલનની પળ એ બન્નેવને
ઠેરવે છે એકાકી

પ્રેમસૂક્ત : ૧૭

યુદ્ધ આદરવાની તારી એ ખૂબી
અન્યને લાગે કે જાણે તહકૂબી

પ્રેમસૂક્ત : ૨૦

ત્વચા ઉપર તો નિરંતર તમારો સ્પર્શ મળે
ને દૂરતામાં કેટલાં પ્રકાશવર્ષ મળે
ઘડે છે વ્યૂહ પ્રેમનો આ સુખડની કાયા
તમારી સાથે હવે નિત્યનો સંઘર્ષ મળે

જન્મારો

ઘરમાં હુવાવડીનો ખાટલો ને
જીવ મારો ચીઠાં લખે છ ચબૂતરે

ફળિયે શરાધિયાના દા’ડા ફરે ક
મારી ઢોચકીમાં તૈડ પડી તૈડ
પોદળો યે છૉણું થૈ ભડભડ ચેત્યો ક
મનખાની મેલ બધી પૈડ

ભૂખે મરે છ ભાંજઘડિયાનાં છોકરાં
ને ગડભાંજે ગોદડીમાં મૂતરે

લેમડાની હળી જેવી ઘૈડિયાંની જાત
એની ચેટલીક કરવાની ઠાઠો
હાહ જરી અધરાતે હેઠો બેઠો ક
તૈં ઠૂંઠવો મેલીને ચિયો નાઠો

કોણ મારાં ખાહડાં પે’રીને ટૈણપો
પાદરની પેલી પા ઊતરે?

ત્રિપદી

થરથર કેસરકિરણ પરોઢે
પ્રિયજન અરસપરસને ઓઢે
તેજકટારી તૃણની પત્તી
માંહ્ય લીલોકચ સૂરજ સોઢે

સરગમમાં તેતર ને સૂડા
વાજીંતર : રાતાં કેસૂડાં
પલાશમાં ને ભીમપલાશમાં
ભેદ કરે તું? ફટ્ રે ભૂંડા

ગુંજાફળના દીપ પ્રજાળી
જળઝીંગોર ઝરે દ્રુમડાળી
મેઘફૂલથી તોળ્યા મઘમઘ
સવા વાલ કેવળ વનમાળી

વહાલેશરીનાં પદો : ૧

આજની ઘડી તે રળિયામણી હોજી
માઘ મહીં માંગી વ્હાલેશરીએ પડવાથી
પૂનમ લગીની પ્હેરામણી હોજી

પાંદડાં ખરે છે એ તો ઝાડની કટેવ, પાંચ
પોપટા ઊડે તો કહું પાનખર
હરિરસઘેલી વસંત વંન મેલીને
બેઠી જીભલડીના પાન પર

ચુંબનવિભોર હોઠ વંઠેલા દીસે છે
કેમ કરી ગાશું વધામણી હોજી

ઝાંઝર માગું તો લાવે તુલસીની માંજર શું
મઘમઘતું હેમનું ઘરેણું
અણવટ માગું તો ધરે બંશીવટ, લોળિયાની
લ્હાયમાં વજાડી રહે વેણુ

લટકાવી રાતી ચણોઠડીની લૂમ, હરિ
લટકે ફંજેટી દિયે દામણી હોજી

વહાલેશરીનાં પદો : ૧૦

કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે

દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિર પર ધાર્યાં રે
મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
કંચવાની કસ કસી, તસોતસ મદનમનોરથ ભીડી રે
મહિયારણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે

સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
ભરવાડાના ભાણેજડાને ગોરસગ્રાસ ન લાધે રે

મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
રઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
વેણુસોતાં અધર વળી પદરેણુસોતાં તળિયાં રે
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે

પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે

શબદ

સંતને સર્વનાં નિત્યનાં નોતરાં
પૂરવના પવન પ્રગટ્યા પરોણા બની
ગંધનાં પંથ ને ફૂલનાં ચોતરા

જેણે ઝાકળ વીંટેલી અગનપામરી
ઉર ધરી, પ્રિયને ઢોળી હો ચામરી

નયનનાં ભવન ત્યાં ઝળહળે સોંસરાં
એહને ઉંબરે સંતની ચાખડી
તાપ જેણે તપ્યા ચીતરા ઓતરા

સ્નેહ-સાકર ભળે જેમ કંસારમાં
સત્તસંગત : રૂડો સ્વાદ સંસારમાં

કોણ ફાકે કઠણ કાળના કોદરા
જે અમીકોળિયે નંદ પામે અતિ
પલકમાં પરહરિ ફંદ ને ફોતરાં

નવલખાં આંસુનાં બુંદ લોહ્યાં, અરે
ઓઘરાળા થકી મુખ સોહ્યા કરે

નામ પૂછી, પૂછી ગામ ને ગોંદરા
શેઠનો શેઠ તે ઠેઠ આવ્યો પછી
વેઠ શાને કરે વ્રેહવાણોતરા?

પદપ્રાંજલિ : ૧

સાધો, આ તે સત કે ભ્રમણા
એક હરિ આલો તો તરત જ કરી બતલાવે બમણા

પ્રેમગલીની વચ્ચે બોલાવે
કીમિયાગર કપટી
હરિમાં હું ને હુંમાં હરિ
ત્યાં ઊભા ચપટી ચપટી

સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા

હું જ મને ઢાંકીને
બેઠો રહું મારી પછવાડે
ઢાંકપિછોડા છોડ, હરિ
થઈ જાશે ખડાં રૂંવાડે

હું ને ઊહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં

પદપ્રાંજલિ : ૧૪

સાધો, મુરશિદ નર્યો નઠારો
એક કીડીને માથે મૂક્યો કમળતંતુનો ભારો

મહિયારણની માફક એ તો
હરિ વેચવા હાલી
વણકર મોહી પડ્યો તો રણઝણતી
ઝાંઝરીઓ આલી

ચૌદ ભુવનને ચકિત કરે એવો એનો ચટકારો
બધું ભણેલું ભૂલવાડી દે
એવો એક જ મહેતો
ત્રિલોકની સાંકડ ભાળી
કીડીના દરમાં રહેતો
નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો

પદપ્રાંજલિ : ૩૪

સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જોઈ રુદરાખે

નભ આલિંગન લિયે નિરંતર
તો ય વિહગ બૈરાગી
ભગવામાં યે ભરત ભરીને
સોહે તે અનુરાગી

એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે
તુલાવિધિ મુરશિદની કરવા
મળે જો એક તરાજુ
સવા વાલ થઈ પડખેના
પલ્લામાં હું જ બિરાજુ
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે


દામ્પત્ય

(a song of solitude)

સૂર્યનું પૂમડું મારા રુધિરથી રાતું અસ્તાચળે
આ પળે.
વ્રણ અને ચુંબન મારી ત્વચાનાં મર્મસ્થળો છે :
આ કોની તર્જનીનું રહસ્ય
ઔષધિના રસની જેમ રેલાઈ રહ્યું છે?
આ કઈ ભાષાની અનુકંપા કંપી રહી છે મારા હોઠમાં?
Your name is the capital of my language
My Master!
હું
– જરકશી ત્વચાનો સમુદ્ર છેદીને કાંઠે આવી રહેલો મરજીવો–
દુઃખના પ્રકાશમાં નિતાંત ધવલને શરણે જઈ રહ્યો છું.


અગ્નિનું કમળ ખૂલ્યું
અને તેં મારું તવાયેલું શરીર આ વિશ્વને પાઠવ્યું
તે દિવસની વાત છે :
         હીરાકણી સદૃશ્ય શૂન્યથી મઢેલાં તારાં પયોધર–
         કૃપાથી પુષ્ટ અને અતિથ્યથી ઉન્નત.
         એમાં દાટી દીધા તેં મારા કુમળાભીરુ હોઠ–
         અવ્યક્ત અને અધૂરા!
નિરાલમ્બ
ભાષાથી.

આનંદ અને પીડાથી અધિક લલિત બનેલી, હે ભાવલલિતા!
આજે મને કબૂલ ક૨વા દે :
તેં દૂધે ધોઈ છે મારી ક્ષુધાને, તૃષાને
ધાત્રી! તારા અનુગ્રહે મારાં આંતરડાં આકાશગંગાથી પલાળ્યાં છે.
તૃણની નીલમપાંદડી જેવી તૃષ્ણા
પુરુષની રુવાંટી બનીને ખીલી રહી હતી
તે દિવસની વાત છે :
         તારી કંબુગ્રીવામાં દાડિમની નક્ષત્રકળીઓનો આરોપ
         કોમળ અનુરાગથી ભરેલો દોષ તારા સ્પર્શમાં
         હે માનસગૌરી!
         મારા હોઠ હરીફ બની ચૂક્યા હતા ચંદ્રોદયના
         અને ચિત્ત ઉત્કંઠ હતું તારા ચૈત્રી સિંજારવ પ્રતિ.
પરંતુ શરીરે સંતાડી ષોડશ સૂર્યમુખનું વૃંદ
સમયે દૂષિત કર્યાં મન, મજ્જા અને મૈત્રી
ને વિભૂષિત કર્યાં તારાં ખંજન,
ઘાટી વેદનાથી.
વ્રત અને વિશ્વાસથી કૃશ બનેલી, હે વૈદૂર્યકિશોરી!
આજે મને કબૂલ કરવા દે :
         મધરાતનો પવન જેમ રજકણમાં છુપાવી રાખે છે ઝાકળનો શૃંગાર
         ઝાંખા પ્રકાશમાં તરતું પરોઢપંખી
         જેમ છુપાવી રાખે છે નિશિવાસરની વ્યંજના
         એમ
         સ્રગ્ધરા છંદની મંજૂષામાં
         વ્યાકુળ બનીને મેં મારી વાસનાઓ છુપાવી રાખેલી.


તારા દેહમાંથી પસાર થઈ ચૂકેલો સમય
ષડ્ઋતુ બની વ્યક્ત થતો હતો મારો ઉદ્યાનમાં
દિવસની વાત છે :
         મણિધર વૃત્તિના અંધકારમાં મેં તને નિહાળી.
         આંસુમાં જેમ પ્રતિબિંબ પડે છે પ્રીતિ અને પ્રારબ્ધનું
         એમ તારા દબાયેલા નીચલા હોઠમાં
         પ્રતિબિંબ મારી રતાશભરી અભિધા અને અધૂરપનું.
         હડપચી પર સ્ફટિકના લંપટ પ્રહરો,
         તક્ષકની સર્ગશક્તિનો આવિર્ભાવ તારી અનામિકામાં,
         તારાં સદ્ય રજસ્વલા ગાત્રોઃ
         જાણે વિષ અને અમૃતનો સંધિકાલ.
         કપૂરના પવનમાં ચાંદનીનું વાસ્તુશિલ્પ તારું યૌવન બનીને રઝળતું હતું,
અનુપમ અને ઉચ્છૃંખલ.

મારા દૃષ્ટિક્ષેપથી અધિક સ્પષ્ટ અને સંદિગ્ધ બનેલી, હે પ્રિયદર્શિની!
આજે મને કબૂલ કરવા દે :
         મારા વિરહી સ્નાયુઓએ આશકા લીધી
         તારા દર્પણની
         તે ક્ષણે જ
         તારા શરીરની કિરણથી ગૂંથેલી કિનારી પર
         સુકુમાર મૃત્યુની મિતિનો આરંભ થઈ ચૂક્યો હતો.


વ્રણ અને ચુંબનથી
રળિયાત હતું મારું રુધિર
તે દિવસની વાત છે :
         કસ્તુરીવધૂ! તારી અપેક્ષાનું આધિપત્ય–
         એક પ્રબળ ઘ્રાણસત્ય
         ઝરી ચૂક્યું હતું મારાં અસ્થિની શિલાઓ પર.
         વીતી ચૂકેલી વસંતે
         તરછોડાયેલાં તારાં દીર્ઘ ચુંબનો
         ફળોની વાટિકામાં
         જાંબલી દ્રાક્ષની લૂમ બનીને ઝૂલતાં હતાં –
         પ્રિયતમના હોઠના પ્રલોભનથી.
         નિત્યના રંભોરુવિલાસે વધુ મુલાયમ અને આર્દ્ર બનેલો
         કદળિવનનો વલ્લભ વાયુ
         તારા અંતઃપુરમાં તેજોવધથી પરકીયાનો પ્રસ્વેદ લૂછતો હતો.
         તારું ઉત્તરીય પણ જેનો તાગ લઈ શક્યું નહીં.
         તે શંખપુષ્પી સ્તનો અને વિજયેતા નાભિથી
         તેં પડકારી હતી. મારી સત્તાને.
શીતળ ચંદ્રની ફોતરી જેવા વધેલા નખથી
તેં મારા વ્રણ અને વડવાનલને ખોતર્યા હતા,
ખંત અને ખાતરીપૂર્વક.

ભોગથી અધિક ભંગૂર અને ગુહ્ય બનેલી, હે વિકટનિતમ્બા!
આજે મને કબૂલ કરવા દે :
         તારી રુવાંટી પરથી ઊઠેલા ઝીણાકુમળારતુંબડા અસૂરો
         મારી ત્વચાના છિદ્રછિદ્રમાં ઘર કરીને
         કુસુમના આયુધથી હણી રહ્યાં છે મારી ભાષાને.


મનુષ્યજાતિની ત્વચામાં સમાવી શકાય એટલાં દુઃખોનું ઐશ્વર્ય
મારા એકલાની ત્વચામાં સચવાતું હતું
તે દિવસની વાત છે :
         મારાં આંસુ અને આલિંગનથી જ બળતો હતો તારો દીપક
         મારા નિઃશ્વાસના ચક્રવાતમાં
         વધુ દીપ્તિમંત ફરફરતી હતી શગની સૂકી પાંદડી
         તારા શુક્રોદરમાં ઊછરતો હતો મારો ભવ :
સાચું કહું તો પરાભવ.
         અનુભૂતિ અને આસ્થાથી અત્યંત એકાકી બની ચૂકેલો ભરથાર
         મનુષ્યકુળની વ્યથાને ઘૂંટીને પૂછતો હતો :
         શી રીતે હોલવી નાખું ક્ષુધાને, તૃષ્ણાને, તપને, તંદ્રાને
         લયને, લાંછનને, તૃષ્ણાને, તને-છદ્મભાર્યાને?

સમય અને સુખથી અધિક શ્લથ બનેલી, હે વૃદ્ધ તમ્બોલિની!
આજે મને કબૂલ કરવા દે :
         તારા તામ્બુલરસ ભલે ઘવાયેલા હતા. મારા હોઠ,–
         હું પાનખરની પ્રતીક્ષામાં ઊભો હતો
         તારી વાસનાની કરમાયેલી છાલ ઓઢીને
         નિયતિના જરામય વૃક્ષમાં.


જેમ અંજલિમાંથી જળ
          પવનમાંથી સળ
એમ સરી રહ્યું છે દામ્પત્ય, શૈયામાંથી.
નારીની તન્માત્રાનો યાત્રિક
અનંતના પાત્રમાં ચરણ બોળીને થાક ઉતારે છે.
કૃપાનું નિરામય કવચ ઢાંકે છે રૂપેરી રચનાને
ત્યારે શબ્દ પ્રકટે છે.
જરકશી ત્વચાનો સમુદ્ર છેદીને કાંઠે આવી રહેલો મરજીવો
I, the initial of infinity
દુઃખના પ્રકાશમાં નિતાંત ધવલને શરણે જઈ રહ્યો છું :
         I have lost my lips in the language
         હે આદિત્ય!
         હું તારી તર્જની સાહીને તરી રહ્યો છું.

આનંત્યસંહિતા : ૭

યુયુત્સુ
હે રમ્ય કથાના નાયક
જેમ શાસ્ત્ર
તેમ શસ્ત્ર પણ મિથ્યા છે

હંતા અને હંતવ્યનો ભેદ જ
યુદ્ધનું મૂલ કારણ છે
હે મુકુરવિલાસી

જે ક્ષણે આ ભેદ મટશે
શસ્ત્રમાં સંજીવની પ્રકટશે

પ્રહર પ્રહારનો છે
પરાજયના ગહન સ્વીકારનો છે

છિન્ન હો રથનું ચક્ર
સરી જવા દો ગાંડિવ
ગળી જવા દો ગાત્ર
ધારણ કરો મૃત્યુનું અસિધારાવ્રત
આઠમા કોઠે
અભયનો નિવાસ છે

કૃપા કરી મારો પ્રસ્તાવ સ્વીકારી લો :
હું
અસ્તિ અને આસ્થાનો
વિષ્ટિકાર છું

આનંત્યસંહિતા : ૧૦

પરિઘનો પ્રવાસી
ક્યાંય ન પહોંચવા માટે
આરંભે છે યાત્રા
ને
શિથિલવિથિલ ને શ્લથ
વંચનાથી લથપથ
ઢળી પડે છે
દિનાંતે

ત્રિજ્યાની વીથિકાઓ વિતથ છે :
એ સ્થાપે છે
ભ્રમણ ઉપર ભ્રમણાનું આધિપત્ય
ને ઉથાપે છે નાભિનું સત્ય

હું
શૂન્યનો અધિષ્ઠાતા
વર્તુળનો અધિપતિ
સ્થિર ઊભો છું
કેન્દ્રમાં
– જ્યાં
નિરવધિ અવકાશ અને અગતિ
ઘનીભૂત થયાં છે

હું જન્માંતરોથી
તારી રાહ જોઈ રહ્યો છું
નિષ્પલક નેત્રે

સ્થળસંહિતા

(ચિરંતન વટેમારગુએ ચીંધ્યું ને વીંધ્યું તે આગ્રા, અંતર્મુખ નકશાઓમાં)

પીપલમંડીથી ૫ન્નીગલી : ૪

આગ્રામાં
સવાલ હોય તો એક જ છે :
શી રીતે પહોંચવું પીપલમંડીથી પન્નીગલી

એક તો પીપલમંડી ક્યાં છે તે કોઈ ખાતરીપૂર્વક કહેતું નથી
આ રહી પીપલમંડી – એવું કહેનારા
હોય છે માથાના ફરેલ અથવા મશ્કરા -
એમની વાત પર ભરોસો પડતો નથી
ક્યારેક વળી કોઈ પરગજુ આંગળી ચીંધી બતાડે છે
તે પીપલમંડી
આપણે જેની ધારણા કરી છે તે પીપલમંડીથી
એટલી અલગ હોય છે કે આપણે આભારવશ થઈને પણ
વિચારમાં તો પડી જ જઈએ છીએ
કોઈક વળી આપણને રાવતપાડાના રસ્તે ચડાવી દે છે
પેઢીઓથી પીપલમંડીમાં વસેલાંને પણ
હજુ પીપલમંડી જડી નથી
ને કેટલાક પ્રકૃતિવશ
પીપલમંડીમાં પીપલમંડીથી અતડા રહે છે

જો કે
બધ્ધાંયને એક વાતની પાકી ખબર છે
કે પીપલમંડી છે ખરી
ને તે પણ આટલામાં જ

જિજ્ઞાસુઓ વિતંડા કરે છે
પીપલમંડીથી પન્નીગલી સુધીના અંતર વિષે
કોઈ કહે છે
ફાસલો કેવળ અઢાર ડગલાંનો છે
કોઈ કહે છે, ના, અઢાર ગજનો
અઢાર જોજનનો
અઢાર વર્ષનો અથવા અઢાર પ્રકાશવર્ષનો

આ બધી ધમાલમાં
પીપલમંડીના સંશોધકો વિસરી ગયા તે
સત્ય એ છે કે
જો પીપલમંડી
સ્થળ હોય તો
એ છે અત્ર ને અનવદ્ય
પળ હોય તો
એ છે સહજ ને સદ્ય

જેમ બે સત્ય વચ્ચે દ્વિધાનો અવકાશ બચતો નથી
એમ કશું જ અંતર નથી રહેતું
અસ્થિ અને આસ્થા વચ્ચે
સ્થાન અને પ્રસ્થાન વચ્ચે
પીપલમંડી અને પન્નીગલી વચ્ચે

જે કોઈને જ્યારે જડી જશે પીપલમંડીનું આ સત્ય
પન્નીગલીની દિશામાં
એ સહજપણે એક ડગ માંડશે
કારણ સાવ સરળ છે :
અંતર અઢાર ગજનું હોય
અઢાર વર્ષનું હોય કે અઢાર પ્રકાશવર્ષનું
એને કાપવા
અગતિનું એક ડગલું તો ભરવું જ પડે છે

પીપલમંડી : રાધાસ્વામી સતસંગ સાથે જોડાયેલું આગ્રાનું સ્થળવિશેષ.

પંખીપદારથ : ૪

હજાર પાન
હજાર ફૂલ હજાર ફળ
હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે
ને એની એકાદ હથેળીમાં હાજર છે
એક પંખી

એટલું બધું જીવંત
કે મૃતક જેટલું સ્થિર
પંખીને મિષે પૂછી શકાત વાજબી પ્રશ્નો
યાયાવરીના અથવા યુયુત્સાના
પરંતુ ગુરુ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન
ધનુર્ધરને : તને શું દેખાય છે, વત્સ?
વૃક્ષ ? ડાળ ? પાંદ ? ફૂલ ? ફળ ? પંખી ? ...

તંગ બનશે પ્રત્યંચા
એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક

સૌને ખબર છે :
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી
જેન દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી
જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી
જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી

પરંતુ
કેવળ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે
જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ
એ જ બનશે બાણાવળી
જે સ્વયં હશે વિદ્વ
તે જ કરશે સિદ્ધ
શરસંધાન

હજાર હજાર હાથવાળા વૃક્ષની
હજાર હજાર હથેળી પર
હજાર હજાર અભયમુદ્રા ધરીને
પંખી તો બસ હાજર છે
અણીની પળે

શબરી ચીતરવા વિશે

વન ચીતરવું હોય તો પરથમ પ્હેલાં ઊભી લીટીઓ દોરવી પડશે.
કોઠાંની ને બીલાંની, ખેર, ખાખર ને કાંચકીની,
ફણસ, ફોફળ ને શ્રીફળીની લીટીઓ, સાગ, સાદડ, સીસમની સીસાપેણથી દોરવી પડશે અડોઅડ અને ખીચોખીચ. ઊર્ધ્વમુખી.
લીટીઓ, સાવ સીધી તો નહીં જ, – ગાંઠાળી, વાંકીચૂકી, ભમરાળી ને
કોઈ વનવાસીની કેડીની જેમ વાતવાતમાં ફંટાતી અસમંજસમાં
ને પક્ષીઓના અવાજને કારણે ક્ષણે ક્ષણે રંગ બદલતી.
પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનતવાળી. ટટ્ટાર ઊભી લીટીઓ.
(એ દાનતને લીધે તો ડાળીઓને માપવાના બધા ગજ ટૂંકા પડે છે ને
માપણી કરનારને મૂંઝવતી, આ ડાળીઓ તો અકળ રીતે વધતી જ રહે છે. ક્ષણે ક્ષણે.)

કોઈ ચિત્રકારને ફળફૂલપાંદડા ચીતરવાની ફિકર હોતી નથી.
એ બધું તો આપોઆપ થઈ ૨હે : કોઈને અણસારે ન આવે એમ
તાંબેરી, પોપટી ને પીળચટા રંગના ડબકાને ઝીણી ઝીણી નસો ફૂટી નીકળે ને
એનાં ચાંચ જેવાં દીંટાં ચપ્પ દઈ ઝાલી લે ઊભી લીટીઓને
ને બીજે દહાડે મળસ્કે જુએ તો ઝાકળેય બાઝ્યું હોય.

પ્હો ફાટે ને
ફાટમાંથી ઢોળાતી સવાર ચીતરવાની થાય ત્યારે ચિત્રકારની ખરી કસોટી થાય.
ખાસ્સે ઊંચેથી પાક્કુંગલ સીતાફળ નીચે પડે ને ફસડાઈ જાય તો
એની પેશીઓમાંથી પણ અંધારાના ગોટેગોટ વછૂટે એટલું ગાઢું અંધારું
આ વનમાં ખરે બપોરે રહે છે.

ધોળે દહાડે ઊડતા આગિયાના અક્ષર ચોખ્ખા વાંચી શકાય છે.
પાંદડે પાંદડે કાજળિયા રંગની પોશ ભરીને
હજાર હાથે આ વન હરઘડી અવનવી રાતો પાડ્યા કરે છે.
આકાશમાં કશેક ચન્દ્ર હશે તો ખરો,
અજાણતાં જ કપાઈ ગયેલા અમાસચૌદશના કાચા નખની કતરણ જેવડો;
પણ એના અજવાળામાં
આકાર માત્ર બની જાય છે ઓળો અને ઓળખ માત્ર બની જાય છે અંધારું :
આવી વખતે, ચિત્ર ઇચ્છે તેમ, ઊજળા રંગોને છોભીલા પાડવાનું સહેલું નથી.

એરુઝાંઝર તે ભેરુ ભેંકારના, સૂકાં પાંદડાંમાં ભરાયેલો પવન
રહીરહીને જીવતો થઈ જાય ને બેસાડી દે છાતીનાં પાટિયાં
બીજાં અઘરાં જરજનાવરાં ય હશે, ઝેરીલાં, દંશીલાં,
અડકે ત્યાં ઢીમણાં ને ચકામા કરી મૂકે એવાં હળાહળ
પણ આગંતુકને દીઠે કે પીઠે ઓળખનારાઓમાં તો
એકલી ખિસકોલીનો જ અછડતો ઉલ્લેખ મળે છે
એટલે એને ચીતર્યાં વિના છૂટકો નથી.
ખિસકોલી ને થડ બન્નેવનો રંગ છે ના સમજાય એવો ભૂખરો
ખિસકોલી થડથી સ્હેજ આછી છે પણ થડ ખિસકોલીથી ગાઢું નથી.
એ બન્ને વિખૂટાં પડી ન જાય એમ અલગ પાડવાનાં છે ચિત્રમાં.
વળી સ્થિર હોય એને તો ભૂલથીયે કોણ ખિસકોલી કહેશે?
ને ખિસકોલી તો એની ચટાપટાળી ચંચળતાને લીધે
એકી વખતે બધી જગ્યાએ હોય છે એ ભૂલવાનું નથી ને ચંચળતાને લીધે જ તો
એકી વખતે બધી જગ્યાએ હોવાનો અર્થ થાય છે બધી જગ્યાએ ન હોવું.
આમ છેવટે બચે છે તો કેવળ ચટાપટાળું હોવાન-ન હોવાપણું.

પેલી બાઈના સ્થિર શરીર પર
જ્યાં જ્યાં એ ખિસકોલી ચડી ગઈ હશે ત્યાં ત્યાં એ રંગના લસરકા મારવા પડશે.
એને મન તો, ખિસકોલી ચડી જાય કે ખાલી ચડી જાય – બધું સરખું છે.

એ સૂનમૂન બેઠી હોય છે ત્યારે
અદ્દલ બોરડીના ઝૈડા જેવી દેખાય છે, અંદરથી ઉઝૈડાતી.
ચણીબોર પડ્યાં પડ્યાં સુકાઈ જાય પછી બચે છે તે કરચલિયાળાં છોતરાંથી
અલગ નથી એની જીર્ણ ચામડીની ધૂંધળાશ. પેટ ખાખરાનું ચપટું પાન
ને ધૂળિયાં પાંસળાં પર લબડે સ્તનોના ઓઘરાળા.
એની દીંટડીઓે અને બોરના ઠળિયા વચ્ચે ભેદ પાડી શકાતો નથી.
ચૂંટતી વેળાએ કાંટો વાગતાં જે રાતો ટશિયો ફૂટેલો એનાથી જ
ચણીબોર દેખ્યાનો ને ચાખ્યાનો ભરમ થયો હોય તો ય કહેવાય નહીં.
એટલે રાતો ભરમ ઊભો કરવાનો છે ભરમ, રંગ વડે.
એક ઊભી લીટીએ બાઝેલું જીવતું બોર ચીતરી શકાય તો
સંભવ છે કે એ બાઈનું ગુજરાન ચાલી જાય
ને એ એકીટશે રાહ જોયા કરે ચિત્રમાં, આ કાગળ ફાટી જાય ત્યાં લગી.

એક રંગમાં બીજો ભેળવીએ તો નીપજે નવતર ત્રીજો,
એમ એ રજોનિવૃત્ત બાઈમાં રજોટાયેલી ખિસકોલી ભળી જાય તો
આપણને જોઈતો રાખોડી રંગ મળી જાય
ને આપણે ઉદાસ હોઈએ તો
આવા રાખોડી રંગના લીટાડા અને એ બાઈમાં ખાસ ફરક જ ના વરતાય.
એ બાઈ જે કોઈની રાહ જુએ છે
એના આવવાના ભણકારા સતત વાગ્યા કરે છે,
એ રાહ ચીતરવાની છે, એ ભણકારા ચીતરવાના છે,
એક ખૂણે, અહીંથી પસાર થઈ ગયેલા સૌનાં પડછાયાઓની થપ્પીઓ ચીતરવાની છે,
જેની રાહ જોવાય છે એ કદાચ આવી ગયું હોય તો
એનાં ચિહ્ન વગરનાં પગલાં ચીતરવાનાં છે,
એના પગે બાઝેલા ગોટલા, ઊપસેલી ભૂરી નસો સમેત, ચીતરવાના છે,
એની હથેળીમાંય, ઝાંખુંપાંખું તો ઝાંખુંપાખું, ખિસકોલીની પીઠનું ઓળખચિહ્ન હશે :
એને ય ચીતરવાના બહાને ચકાસી લેવાનું છે,
એ કદાચ ન આવી શકે તો એનું ન આવી શકવું ચીતરવાનું છે ને
એ બાઈની પલકારા વગરની, રાની પશુ જેવી નજર ચીતરવાની છે,
એની કદાપિ વૃદ્ધ ન થતી આંખોના ડોળા ચીતરવાના છે,
એમાંથી કાયમ ગળ્યા કરતું કોરું પાણી ચીતરવાનું છે,
એમાં કાયમી બળતરાની પિંગળરેખાઓ ચીતરવાની છે,
એવા સંજોગોમાં આ અંધારું ને આ ઘડપણ
આ ઓરમાન સરીખું સગપણ
તો વધતું જ જવાનું
ને વનની બધી ડાળીઓ ય વધતી જ જવાની, વધતી જ જવાની, –
આ વધને માપવાના બધા ગજ ટૂંકા પડશે તો ચિત્ર કયા માપે ચીતરવાનું?

પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનત તો
હજી એવી ને એવી જ અકબંધ છે એટલે
અમે ચીતરવા બેઠા ઊભી લીટીઓ
ને ચીતરી બેઠા આડી લીટીઓ કવિતાની.

(આ કવિતા અતુલ ડોડિયા માટે)

ગૃહસ્થસંહિતા

ગૃહિણી : ૪

કોકવાર
બારી કને બેસી
ભીના પવનની લહર પર
એ ભરે છે રબારી ભરત.
હું પાક્કા રંગીન દોરાની દડી હોઉં
એમ મારા મર્મસ્થળમાંથી ઉખેળતી જાય છે
મનગમતા રંગનો તાંતણો
છેક અંદરથી તાણીને.

અહીં હું ઊકલતો જાઉં છું
ને પણે ભરાતો જાય છે
કળાયલ મોર.

ચોરપગલે
અષાઢ મારી પીઠ પાછળથી સરકી જાય છે
પરપુરુષની જેમ.

ગૃહિણી : ૫

આસ્તે આસ્તે
અસ્તાચળે જઈ રહ્યો છે સંસાર.
નથી કોઈ ભાષા, નથી કોઈ ભંગિ :
અમે બેઠાં છીએ સામસામે.
વચ્ચે ડાઇનિંગ ટેબલ પર તાસકમાં
તાજા કાપેલા પપૈયાની ચીર,
વિખરાયેલી કીડિયાસેર કાળાં મોતીની.

કેસરમાં ઝબોળેલા દ્વિજચન્દ્રમાંથી
દદડે છે રસ.

ગૃહિણીને એ જ વાતની તો ચિંતા છે :
આ પાક્કા પીળા રંગના ડાઘા
હવે કેમ કરીને જશે ?

છાપાવાળો છોકરો

એ કોઈને મળતો નથી ને એને કોઈ મળતું નથી.
ન મળવાના ઇરાદાથી મળવા આવતો હોય તે રીતે એ દરરોજ આવે છે
ઉતાવળે ઉતાવળે. સાઇકલ પર. એટલી ઉતાવળમાં કે
આપણે ખબરઅંતર પૂછીએ ને એય સામે નવાજૂની પૂછે
એ રીતે એને ક્યારેય મળી શકાતું નથી.

કૉલેજના છેલ્લા વરસમાં હશે આ છાપાવાળો છોકરો? કે ઊઠી ગયો હશે?
દારૂડિયો હશે એનો બાપ? કે કોકે પતાવી દીધો હશે? બને કે વિધવા ફોઈ ભેગો
રહેતો હોય, વખાનો માર્યો. ઉસકે ચચાજાનકી ફેમ્લી, હો સકતા હૈ,
કરાંચીમેં સેટિલ હુઈ હો, – આમ તો સારા ઘરનો દેખાય છે, વલહાડના દેહઈ?
મોટી હત્યાવી? શિયા કે સુન્ની?–
આ બધા ગ્રે એરિયા છે છાપાળવી ઉદાસીના
ને માણસાઈના એવા ઇલાકાઓમાં કોઈ કોઈને મળી શકતું નથી.
ઘણી વાર એ સાઇકલ પરથી પડી જાય છે.
કેમ આજે છાપું આટલું બધું ગંદું થયું છે? બધા પૂછે છે.
એની કોણી છોલાયલી છે પેડલ પર જમણા પગનું જૂતિયું દબાવતાં
એ ચીલાચાલુ જવાબ આપે છે : આખી થપ્પી પડી ગઈ’તી કાદવમાં.
પણ માટીને બદલે છાપાનાં પાનિયાં પર લાલ ડાઘા શાનાં છે?
ને પાને પાને આરડીએક્સના ઉલ્લેખો કેમ કરેલા છે?
એ ગલ્લાંતલ્લાં કરે છે : આવા લોકોનો તો કેમનો ભરોસો કરી શકાય?
જિંદગીમાં કેવા કેવા દહેશતનાક લોકો મળી જાય છે?

ઘણી વાર લાગલાગટ એકબે મહિના સુધી એના કોઈ સમાચાર નથી હોતા
જાણે ક્યાંક આડે હાથે મુકાઈ ગયો ન હોય, આપણા જ ઘરના માળિયે –
કબાડીની રાહ જોતો. પછી અચાનક દેખા દે છે ત્યારે એ હોય છે ચોળાઈ ગયેલો,
ધૂળિયો ને સાવ પીળો પડી ગયેલો, – પૂછીએ કે કેમ ‘લ્યા?
તો કહેશે, કમળો થયો’તો, સાહેબ.
એનો શેઠ પાછો પૂરો શઠ છે. ચેપી રોગવાળાને તો કોણ નોકરીએ રાખે?
છેલ્લે એના જેવું કોક પસ્તીવાળાને ત્યાં જોવા મળેલું...
પણ આવું જોવા મળવું એને મળવું તો કેમ કહી શકાય?

આજે પણ
એ હમણાં જ છાપું નાખીને ગયો છે.
નવોનક્કોર અથવા રદ્દી. સર્વનામ જેટલો સંદિગ્ધ. એના ચહેરાને મ્હોંકળા નથી.
હું પહેલા પાના પર નજર ફેરવું છું : હેડલાઈન આજે પણ એની એ જ?
હવે તો એના શેઠને ફરિયાદ કરવી જ પડશે :
આમ દરરોજ વાસી છાપું નાખી જાય
ચાલતી સાઇકલે, તે તો કેમ ચાલે?
ને બૂમ પાડીએ તો પાછો ઊભોય નથી રહેતો, મળવા...

હું એના ચાલ્યા જવાની દિશામાં જોઉં છું
નોર્થ અથવા ઈસ્ટ અથવા વેસ્ટ અથવા સાઉથ
એક ધડાકો થાય છે : નક્કી બિચારાની સાઇકલનું ટાયર ફાટ્યું લાગે છે
અથવા...
એ જે હોય તે, એને મળી શકાતું નથી.

બનારસ ડાયરી-૧૩

ઘાટ
ધીરે ધીરે પગથિયાં ઊતરી રહ્યા છે જાહ્નવીની જળરાશિમાં
પટ પર ઠેરઠેર ફૂટી નીકળ્યા છે બિલાડીના ટોપ
તળે ઇન્દ્રાસન પાથરીને બિરાજમાન જીવજંતુડાં
પોતાને સમજે છે ઇન્દ્રગોપ.

અચાનક તૂટે છે એક તંતુ કબીરનો

એને કોઈ ભાગીરથી કહે તે પસંદ નથી
કાશીવિશ્વનાથની જટા પર નાછૂટકે પડતું મૂકેલું એની
હજુ સુધી વળી ન હોય કળ
એમ એનાં જળ શોધ્યા કરે છે ખોવાઈ ગયેલું નિજનામ

કબીર વીજળીનો તાંતણો મ્હોંમાં મમળાવે છે
ને પરોવે છે પળના છિદ્રમાં

શ્રાદ્ધાન્નની ઢગલીઓને લીધે
ભરામણની તોંદ છે ઉત્તુંગ અને અશ્લીલ,
અન્નનળીને બાઝી છે લીલ, પિત્તની,
એને ચંડાલ બનાવી મૂકે છે બપોરની ઊંઘ. એના ખુલ્લા રહી ગયેલા
મ્હોંમાં ગંગામૈના હગાર કરી જાય છે. ગંગાનું વહેણ
બનારસથી લગાર આઘું હટી જાય છે એના પાદવાથી

તુલસીનું પત્ર, બાજરાનો દાણો ને ગોળની કાંકરી
પેટપૂજા કરીને પીરના તકિયા જેવા એક પથરાને કબીર અઢેલે છે
ને એ પોચું ગાભલું જાય છે

કાશીની કરવતથી કશુંય કપાતું નથી : પંડાની ગરદન સુધ્ધાં
એની રૂદરાખની માળા નરકે સિધાવે છે
જોકે, જજમાનને
બચાડાને એની કશી ખબર નથી.

કબીર મહેનતુ માણસની જેમ એક બાગસું ખાય છે
જોકે કોઈ શાગિર્દને એમાં વિશ્વરૂપનું દર્શન થતું નથી

એક તરફ સત્યજિત ‘અપરાજિત’નું એક દૃશ્ય
કબૂતરોનાં ઊડતા ઝુંડની ભાષામાં ટપકાવી લે છે નોટબુકમાં
ત્યારે બીજી તરફ તંબોળી
લવિંગની કટારીથી છેદે છે નિજનો હૃદયાકાર :
ભારે હૈયે ચાંદીની તાસકમાં મૂકે છે
બનારસી પાનનું બીડું

કબીરે ગલોફામાં ઘાલી રાખ્યા છે શબદ :
મઘઈ કલકત્તી બનારસી
ને એનું અમરત દદડે છે રાતા હોઠને ખૂણેથી
ને પૃથ્વી ત્રમત્રમતું ઇજમેટનું ફૂલ બની જાય છે.

બનારસી સાડીની દુકાનનો વાંઢો ગુમાસ્તો, દુકાન વધાવતાં પહેલાં
પાલવના વણાટના જરિયાન વેલબુટ્ટા સિફતથી તફડાવી લે છે :
આખી રાત એને ચોંટાડ્યા કરશે
હુસ્નાબાઈ કે બડી મૈના બાઈના સૂરીલા બદન પર

એક ચાદર હવે વણાઈ રહેવા આવી છે. સાવ સાદી, સુતરાઉ, સફેદ
ભાત ભરત વિનાની. ઘરાક આવે છે, મન કરીને મોઘાં મૂલે વ્હોરે છે ને
મરજી મુજબની ભાત ને મરજી મુજબના ડાઘા પાડ્યા કરે છે :
શું થાય? બિચારાને મન છે ને...?

પ્રાતઃ સંધ્યાનું પેલું પારિજાતક ને સાયંસંધ્યાનો આ દશાશ્વમેધ,
અજવાળાંની અસંખ્ય કેસરકળીઓ ખેરવે છે, -
એની સુગંધની ઓકળીઓને સૌ ગંગાઆરતી કહે છે
સ્તનોમાં માંસલ મરસિયાં છે અને સાથળમાં સૂનકાર :
અસંખ્ય વિજોગણી ધોળી ધજાઓ ફડફડે છે, મરણ સાથે સુલેહ કરવા.
ટચૂકડી ચિતાઓ નૌકાવિહાર કરે છે લીલાં પાંદડાંની હોડકીઓમાં

હવે સ્હેજ નવરા પડેલા કબીર ગાલિબને વ્યથાપૂર્વક પૂછે છે : અરે મિર્ઝા,
કા હુઆ આપકે પિન્સનકા? પરિસાની કમ હુઈ કે નહિં?

કોતવાલીમાં સન્નાટો પથરાય છે : કંપની બહાદુર જેવાં
અંધારાં ફેલાય છે.
બનારસની રાત ગહેરાઈને જરા ધૃષ્ટ જરા પુષ્ટ બને છે :
ઠુમરી ચૈતી ઝૂલા હોલી
   વરણા અસી સે કરત ઠિઠોલી :
ગિરિજાબાઈ છેડે છે કજરી
હિલિમિલિ કે ઝૂલા સંગ ઝુલૈં સબ સખિ પ્રેમભરી
રસૂલનબાઈના અંગેઅંગથી ટપકે છે ઠુમરીનું પૂરબ અંગ
ત્યારે નજીક ને નજીક આવી રહેલા પરોઢિયાના રંગ પર
પાક્કો ભરોસો બેસી જાય છે. કોઈ અર્જ કરે છે....ને
ઈશ્વર અને અલ્લા એક જ તકિયે અઢેલીને
ઝૂમી ઊઠે છે : ઇર્શાદ

અચાનક કોઈ મુશાયરાની શમાદાન અમારી નજીક લાવીને મૂકે છે
મણિકર્ણિકાની જેમ એને પણ ત્રણ જ ક્રિયાપદોની ખબર છે :
બળવું, ઓગળવું અને રઝળવું ધૂમ્ર થઈને.
હું અને ગાલિબ ખાનાબદોશ છીએ
કબીર ખામોશ.

મુલાહિજા ફરમાઈયે : કહીને અમે સંભળાવીએ છીએ
એક સહિયારી નઝમ :

તઆલિલ્લા બનારસ ચશ્મે બદ્દૂર૧
બહિશ્તે ખુર્રમો ફિરદૌસ મામૂર

યહી તો હૈ તોરી ગંગાકા હુનર
તવાયફ કે ગલેમેં ભી બસા નૂર

મુરીદોં કી ગલી બદનામ સી હૈ
શરીફોં કા મોહલ્લા તો બહોત દૂર

શહર ખુદ હિ હૈ રિન્દાના ઘરાના
યહાઁ હર ઝિન્દા હર મુર્દા હૈ મખ્મૂર

(૧. આ પ્રથમ શેર ગાલિબનો છે. ઓ બનારસ, હું દુઆ કરું છું કે તને કોઈની બૂરી નજર ન લાગે, ઓ પ્રસન્નતાના ઇન્દ્રલોક, ઈશ્વરના આદેશથી તું નિયુક્ત થઈ છે સ્વર્ગપુરી.)

ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૬

એ રઝળુ છે
દેશદેશાવર ખેડતો રહે છે
વણજવિહારી

ઉંબર કને ઉતારે છે પ્રવાસ-મલિન પગરખાં
જાણે પહાડો, નદીઓ, અરણ્યો, મરુથળો
ને જનપદોના જિપ્સી અભરખા
વર્ષો બાદ પાછો ફર્યો છે એ
વિરહી, -
હાશ ! હવે ગિરહી
હળવે રહીને એ કાઢે છે
એના મેલાદાટ થેલામાંથી
એક ઉપહાર, પરણેતર માટે : મોંઘા મૂલનો પરદેશી ચન્દ્ર

ગૃહિણી પણ ખોલે છે એના સ્ત્રીધનનો દાબડો :
હળદરના ડાઘવાળો, હિંગના વઘારની ગંધવાળો
આટલા દહાડા જતનથી સાચવી રાખેલો
સ્હેજ ચોળાયેલો
દેશી ચન્દ્ર

અભિસારિકાની જેમ એ
ઘરના હિસાબની ડાયરીમાં
અડોઅડ દાબી દે છે બન્ને ચન્દ્ર
સકળ સૃષ્ટિ શમી ગઈ છે અંધકારના સમ પર
ચમકે છે કપૂરના ટુકડા : તિલક કામોદના સ્વરો જેટલા શુદ્ધ
આ દ્વિતીય પ્રહરના તારકો
ઘરમાં
બેઠું છે આશ્લેષા નક્ષત્ર
ને બહાર નિશાટને નીકળ્યો છે એક સર્વદેશી ચન્દ્ર

આજે એનું ખાસ કશું કામ નથી
પૂનમ હોવા છતાં
એનું રોજિંદું મ્હોં પડવા જેટલું પડી ગયું છે

ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૯

અમારે વૃદ્ધિ
અમારે ક્ષય : અમે સદાયે સૂતકી
અમારા અંગરાગ રાખોડી
રંગવિહોણી કાયા ને પરછાંઈ નરી ભભૂતકી

તમારા રવિભાણ સંપ્રદાયને તો
સાત રંગનો પિટારો ને કિરણકુમળી કૂંચી
નિત ઉદયઅસ્તના રંગહુલાસ
ને અરુણવર્ણ વર્ણાનુપ્રાસ
દ્વીજચન્દ્રને ઓછું આવે એ તો જાણે સમજી શકાય
પૂર્ણિમાના ચન્દ્રને ય રંગરાગની વાતે તો લાગી આવે છે

કોઈકે કહ્યું :
જા, મિલ ઉસ નુક્તા-નવાઝસે
હાસિલ કર ઉસકી રઝા-મંદી
વો ગજબનો તાંત્રિક હૈ : મુરાદ તેરી પૂરી કર દેગો
વો ગજબનો રંગરેઝ હે : ચૂનર તેરી રંગ દેગો

ભૂમિતિ બની જાય છે ભૂમા
ને ચન્દ્ર, એક વર્તુળ, ગઝલનુમા
રાતું
નારંગી
કેસરી
પીત

આકુળવ્યાકુળ દિગંત શોધ્યા કરે છે
પ્રતિપદાથી પૂર્ણિમા પર્યંત
પણ
હવે ક્યાંથી જડે એ, –
ઇહલોકનો ઇન્દુ
રઝાના રહસ્યલોકમાં જે કેવળ બિન્દુ

કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧

કરુણાભર્યા
હાડકાંના દાગતરની જેમ
કવિતા સર્જરી કરે છે
ને કાળજીપૂર્વક
બદલે છે દુખિયારી કીડીના ઘૂંટણના સાંધા

કવિતા વિષે ચાટૂક્તિઓ : ૭

કવિતા
પાણીનું એક ટીપું લે છે
એમાં કરે છે ઝીણો છેદ
સાચવીને કાઢી લે છે બધો ય મીઠો ગરભ
પછી એ પોલાણમાં ઠાંસી ઠાંસીને ભરે છે પવન
ફુલાવે છે
ને આમ તૈયાર થયેલા કિફાયતી પરપોટા
વેચે છે
તરસ્યા લોકોને
પાણીને ભાવે

કવિતા વિષે ચાટૂક્તિઓ : ૮

કવિતા
રહેમદિલીથી ભોંકી દે છે
જમૈયો
તમારા જિગરમાં

કતલના હેતુ વિશે હોતી નથી કોઈને ખબર
મરનાર ઇસમ પણ નિશ્ચિતપણે બતાડી શકતો નથી કતલનું સ્થળ
જ્યારે ઊલટતપાસ થાય છે
ત્યારે ખબર પડે છે કે બધા જ ચશ્મદીદ ગવાહો
ખરે વખત મશગુલ હતા આંખો મીંચીને સ્વપ્ન જોવામાં
ને સ્વપ્નના વર્ણનમાં વ્યક્તિએ વ્યક્તિએ હોય છે પાઠફેર

છેવટે જ્યારે જપ્ત કરવામાં આવે છે
કતલનું હથિયાર
ત્યારે એ હોય છે
એકાદ પલાશનું ફૂલ, લોહીના લયથી ખરડાયેલું

પુત્રવધૂને

(ગૃહસ્થસંહિતા શેષ-૨)


ભરતમુનિ
નોંધવાની વીસરી ગયા છે
તે સર્વ મુદ્રાઓ તારે હસ્તક :
જરા જેટલી નમેલી ગરદને ફુદીનાની ડૂંખ ચૂંટતી આંગળીઓ
રત્નાકરની સ્મૃતિને સૂકવીને
લવણની અમસ્થી ચપટીમાં રૂપાંતર કરી મૂકતી
તર્જની અને અંગૂઠાની અટપટી જુગલબંદી

ખેલંદાની જેમ
રસોઈઘરમાં ઘૂમતા તારા રસિક હાથ
રાસનો ચોક અને રસોઈઘરનો ચોકો
હવે ઉભય તદાકાર

અઢી વાગ્યાની પેલી રસોઈ શૉની ઍન્કર
ક્યારની બબડ્યા કરે છે તારા કાનમાં
એક ચમચી અજમો
આધા ચમ્મચ ધનિયા ને નમક સ્વાદ અનુસાર
(અક્ષર માત્રા ગણ યતિ ને યમક નાદ અનુસાર
મારા કાનમાં)

મયૂર પર સવાર થઈને આવેલી
રસોઈ શૉની એન્કર
નવી વાનગી ચાખે છે ને મારા અવાજમાં
ડિલિસિયસ ડિલિસિયસ એવું
સાચ્ચા દિલથી બોલે છે

હું રસિકજન છું : આ ભૂખ મારું ભૂખણ છે
(વાંકદેખા નવરસિયા કવિઓ મને ખટસવાદિયો કહે છે)

મને કહેવા દે : તારા થકી
નવી જ વ્યંજના પ્રાપ્ત થઈ છે
મારા કુળની ક્ષુધાને


પૂર્વજોની નવી ભાષામાં
તારી નાભિની ફરતે
લખાઈ રહી છે એક કવિતા :
તેં ઝબ્બે કર્યું છે અંતરીક્ષને
સૃષ્ટિના સકળ આકારો
લયાન્વિત સુખની સાક્ષી પૂરે છે
તારી કૂખમાં
મારી ઇકોતેર પેઢીઓએ ગોખેલાં રંગસૂત્રોથી
તું સિદ્ધ કરવા મથે છે સ્વયંને, નવેસરથી

આરંભે જે અલ્પવિરામ
તારી આનંદગર્ભિત લિપિમાં
તે જ આખરે તાજી કૂંપળ જેવડું આશ્ચર્યવિરામ

છેવટે કનકની ભીંતની તરડમાં કલ્પવલ્લી ઊગી નીકળી છે
ઘરની દીવાલને અબરખની પોપડીઓ બાઝી છે
વળગણીએ મેઘધનુષ સુકાય છે
પરોઢનાં બધાં પંખીઓએ
ગિરવે મૂક્યો છે કેદારો અમારા ઘરમાં, રાજીખુશીથી
પ્રત્યેક સ્વર હવે શ્રુતિરમ્ય
પ્રત્યેક રેખા હવે નયનાભિરામ
વ્યાકરણમાં બેસી ગઈ છે અગાધ ગંધ વિસ્મયની

જો કે કવિઓમાં હું નથી કોઈ ઉશના કવિ
હું તો કેવળ ગૃહસ્થ છું
જેને માથે રાતાં નળિયા ને ઊજળાં પળિયાં
જેને જડી આવ્યો છે એક સુખદ અંત્યાનુપ્રાસ :
ધન્ય ગ્રહસ્થી
ધન્ય નિવાસ

મને કહેવા દે : તારા થકી
નવી જ વ્યંજના પ્રાપ્ત થઈ છે
મારા કુળની તૃપ્તિને

દીર્ઘકાવ્ય ‘નાચિકેતસૂત્ર’નો એક અંશ

(હિમની અવળવાણીમાં અગ્નિ)

ઘૈડિયાં વાતો કરે છે,
આવો શિયાળો તો બાપ, નથી દીઠો બાપજન્મારામાં
કે વાંઝણીને કસુવાવડ થઈ જાય
ને દાયણ ઉકરડે ફજેટી આવે
બરફગરભનાં લોચા.
સૂનકારમાં
સિસોટીભેર સુસવાટા મારતો આ પવન
અણિયાળા સોયાથી
જાણે ખચ્ ખચ્ સાંધ્યા કરે છે
માણસનાં ચામડાને
હિમજુગ સાથે.
સહુની માંસમજ્જામાંથી કેમ ઊઠે છે
કહોવાયેલા બરફની ગંધ?
ને કહોવાયેલા હરફની ગંધ હોઠમાંથી?
મનમાં ઊંડે ઊંડે ઠૂંઠવાયા કરે છે
તે કિયા ઝાડનું અવળમૂળિયું ઠૂંઠું?
આ ઠંડીગાર દેગડીમાં શું ભર્યું છે?
ક્ષુધા કે સુધા?
શાનાં આંધણ મૂક્યા છે અન્નપૂર્ણાએ?
આંધીનાં, આધિના કે વ્યાધિનાં?

આ ટાઢીબોળ રાતે
ઊંધી વાળી દીધેલી તાવડી કને
ઠારના લોંદામાંથી
કોણ રોટલાની જેમ ટીપવા મથે છે શિયાળુ ચન્દ્ર?
ઇંધણાં વીણવા ગૈ’તી મોરી જગદંબા –
તે મધરાત લગણ કેમ પાછી વળી નથી?
અમાસની સૂકી રાતનાં
કાળાભમ્મર છોતરાં એકઠાં કરી
હજી ચકમકની માફક કોણ ઘસે છે ક્ષણથી ક્ષણને?
આ ગળી રહ્યાં છે કોનાં સઘળાં અંગ હિમાળે?
પક્ષપાતથી પ્રેમ કર્યાના પાપે પડતું કોણ હિમમાં પરથમપ્હેલું?
અસૂયાના હિમસ્પર્શે કોની ગળી આંગળી?

તને મારી શીતાગાર જઠરના સોગંદ
હે શીતકાળના સાચા સગલા
હે વણસગપણના મરણમરગલા
પરગટ કરી બતાડ તારા ગૂઢારથને ને બોલ
બોલ કે ઠીંગરાયેલું લોક
કેમ રઘવાયું થઈને દોટ મૂકે છે વડવાએ સંતાડેલી આગ શોધતું બધ્ધે
દશે દિશામાં, અહીં તહીં, અડખે પડખે, નીચે ઉપર ને મધ્યે? -
સહુની ભીતર આગ હતી તે ક્યાં ખોવાઈ?
મૂળિયાં લગ અગનિને લાગી આજ ઊધાઈ?
કે લાગ જોઈને આગ જ ટાઢ બની પથરાઈ?

વિષાદયોગ ધ્રિબાંગસુંદરનો

ભાષા, તને ભોગવીને ભવૈયા
જણે ગાભણા થૈ સવાસો સવૈયા

ખડકાળ ખડિયામાં ખૈયામ માણસ
અલમ્ હું કલમ ખોતરું છું. ખમૈયા

ગિરવે મૂકી જીભને શબ્દવંશી
ખરીદે નગર ચક્રવર્તી ગવૈયા

તરસ લાગતાં તીર પણ કોણ તાકે
બધા ઊંઘતા બૂઝવી બાણશૈયા

ખૈયામ, ભાષા, તરસ, તીર, તુક્કો
ખડિયે ફૂટ્યા પુખ્તવયના પવૈયા

તાળી પડે, ઊંઘતી આંખ ઊડે
અને સ્થળસમય કેવળ ભૂલભૂલૈયાં

વલોવ્યા કરે શાહીને નિત્ય ખંતે
નગરવૈશ્ય તું ફેરવ્યા કર રવૈયા

કલમ ખોતરું, ફાંસ વાગે તરસની
તરત ડોક મરડી ટહુકે બપૈયા

બધા ગાભણા, ક્યાં અખોવન પરંતુ
હશે ક્યાં કહો ભીડભંજન કવૈયા

સુંદરધ્રિબાંગોની અક્ષૌહિણીમાં
હણે તો હણે કોણ કોને ગુંસૈયાં

કવિતા વિષે જુબાની ધ્રિબાંગસુંદરની

પર્વતો છૂંદીને છંદે વ્યક્ત પરમાણુ કરું
શુભ્રમાં સ્યાહીની રજ મૂકીને નજરાણું ધરું

તત્પુરુષો દૂંટીએ ઢનું કમલ ધારણ કરે
પાંખડી આરૂઢ હું રઢિયાળ ધિંગાણું કરું

બુંદ ઝાકળનું જરી ફોલું તો પર્જન્યો જડે
રજકણે પિંગળ પૂરી વ્યાકુળ વીજાણુ કરું

લે કનકની ભોમ ને વિદ્રમના ખંભો તજી
આ ચણોઠીના કી૨મજી ઘરમાં ઠેકાણું કરું

કે વધેલા નખથી ખોતરતો નભસ્માં દિગ્ગઝલ
ઝૂમખું નક્ષત્રથી કાગળનું તરભાણું ભરું

સ્પર્શથી સુંદરધ્રિબાંગે શેર મક્તાનો કથ્યો
ફૂંક મારીને પ્રજળતું ચંદ્રનું છાણું કરું

તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને

તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને
એ ગયાં આઘે અને વરસાદ થૈ આવ્યાં કને

ગંધમાદન ટેકરી પર વાદળાં ઘેરાય છે
એકબે ફોરાં ખરીને મઘમઘે તારાં સ્તને

લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ ભૂલી પડી
તે ચણોઠીલૂમખાં થૈ ઝૂલતી ગાઢાં વને

સીમની કોરી હવામાં મોરના ડાઘા હતા
ભેજથી એ ઓગળીને શ્રાવણે શાહી બને

એમના વાવડ લઈને દૂ...રથી આવ્યો હતો
પાંપણે આજે અમે રોકી લીધો વરસાદને

કથા પ્રેમની કહું તને અથથી ઇતિ

કથા પ્રેમની કહું તને અથથી ઇતિ
वृथा कि करोषि झटिति झटिति

સ્વયં સૂર્ય રૂપે હવે ઝળહળે છે
હતી જળ ને શેવાળની રમ્ય પ્રીતિ

સ્મૃતિની ઘડી છે, સ્વયંવર રચી દો
નથી આજ જોવાં મુહૂર્તો કે મિતિ

હવે અન્ય ગ્રંથો હું શું કામ વાંચું
નયનથી ઝરે ગૂઢ વૈદૂર્યનીતિ

વિકટ શબ્દ વિલસે નરી વ્યંજનામાં
નથી જ્યાં જરી વ્યાકરણ જેવી ભીતિ

હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે

હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે
આ વ્યથા એવી સરળ છે કે જવલ્લે સહી શકે

તું મૂકી તો જો સકળ આકાશમાં શ્રદ્ધા પ્રથમ
તે પછીની ક્ષણને તું ઇચ્છે તો સૂરજ કહી શકે

મેં રહસ્યો મારાં વડવાનલનાં સોંપ્યાં છે તને
તું હવે તારા કોઈ પર્વત ભણી પણ વહી શકે

સંગ રહેવું કે વિખૂટા પડવું : તારી મુનસફી
અહીં મને તરછોડી આગળના મુકામે ચહી શકે

છેવટે તો એ રીતે પણ સિદ્ધ એકલતા થશે
મારાં અશ્રુ તુંય લોચનનાં ખૂણે જો લહી શકે

સ્થળ સમયમાં તેં ઉમેરી દૂરતા ને જે રહ્યું
તે સ્મરણ છે, પણ જવા દે, તું એ સમજી નહીં શકે

ઘા ઉપર ચપટી લવણ આપું તને

ઘા ઉપર ચપટી લવણ આપું તને
પ્રેમની અકસીર ક્ષણ આપું તને

નિષ્પલક આંખોને શું આપી શકું
જળનાં ટીપે જાગરણ આપું તને

મધ્યબિંદુમાં ગહન પથ ઊઘડે
ચાખડી આપું, ચરણ આપું તને

શલ્ય ખૂંપ્યું હોય તારા મર્મમાં
એમ મારું સાંભરણ આપું તને

કે સ્વયં નર્તન છે એનું નામ તો
રણઝણણ નૂપુરશ્ચરણ આપું તને

વિશ્વ છો વિખરાય રઝળુ ગંધમાં
હું કમળ મધ્યે શરણ આપું તને

મુક્તાવલી

મુઠ્ઠીક રોશની ને મુઠ્ઠીક રાત આપે
ખૈરાત જેમ તમને મુઠ્ઠી પ્રભાત આપે
આ તો સમય છે : એની સાથે ટણી ન કરીએ
ખુલ્લી હથેળીઓમાં મુઠ્ઠી હયાત આપે

ભૂલેચૂકેય દૃષ્ટિ દર્પણ ભણી ન કરીએ
આંસુની અદબ જાળવીએ, મોજણી ન કરીએ
બત્રીસલક્ષણો તું : માની લીધું, – છતાં પણ
આ તો સમય છે : એની સાથે ટણી ન કરીએ

બત્રીસ લક્ષણો તું માની લીધું, – છતાં પણ
અથથી ઇતિ તરફ આ રસ્તા બધા જતા પણ
બીજમાં છે વૃક્ષ અઢળક, અઢળક છે પર્ણ વૃક્ષે
ને પર્ણમાં છે અઢળક ખરવાના ઓરતા પણ

રીઝે તો પાનખરની ખાખી જમાત આપે
ખુલ્લી હથેળીઓમાં મુઠ્ઠી હયાત આપે
અથથી ઇતિ તરફ આ રસ્તા બધા જતા પણ
રેખા જે સમય આપે તે વાહિયાત આપે

ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા

ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા
એક ત્રાજવું ને બે પલ્લાં

તંગ બસૂરો
માણસ તૂરો
થાપ એક આ, ભિન્ન તબલ્લાં

તરલ બગાસું
જીવતર ત્રાંસું
પરમ જીભ પર ગલ્લાંતલ્લાં

દેખ ધુરંધર
દર્પણ સત્વર
બત્રીસે લક્ષણ બૃહનલ્લા

તુ જ વિરંચિ
શબ્દ પ્રપંચી
ખડિયો ખાલી/છલ્લંછલ્લા

એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ

(સ્થિર. મનોમન. સહસા)

પવન ચૂપ. નભ નિર્મલ. ઝૂકે ચિત્ત સરોવર જેવું
પર્ણ ખર્યું કે પંખી? – ના સમજાય; બરોબર એવું

રંક હથેલી. તર્ક ધૂમ્રવત્ તરે. નિરુત્તર મનમાં
શિથિલ બંધનો સર્વ. કંપતું મૌન અગોચર કેવું

જ્યોત વિષે કર્પૂર ઓગળે. સાંજ અતિશય સૂની
ચતુર્ભુજ, ઓગળતું અંતે વિશ્વ સહોદર જેવું

મૂક અવસ્થા. સપનું પરવશ. પ્રહર ગતિ સંકોચે
પર્વતનું વર્તન આજે અસ્વસ્થ પયોધર જેવું

તેજ હાંફતું. વિરક્ત ભાવે શબ્દ, તને સંભોગું
સભર નિસાસે હજુ ઊપસે ચિત્ર મનોહર એવું

કાવ્યમધ્ય : ૨

(આકૃતિ * છાંદસી * વ્યંજના * અભિધા)
આકૃતિ

દૂર દેશેથી મનોગતના પ્રસરતી જે શ્રુતિ
પત્ર પર મૂકું અને પામું તને, હે આકૃતિ

કે ત્વચા પર ચિત્ર તૃષ્ણાનું મૂકી ઊડી ગઈ
સ્પર્શમાં સંચિત તારાં સર્વ જન્મોની સ્મૃતિ

શબ્દમાંથી શિલ્પ કંડારી લઈ વૃત્તિ તણું
રૂપનું બંધન ધરી ઊભી અનર્ગલ પ્રકૃતિ

મૂર્ત હે! તારા મહીં ઊમટો અગોચરની રતિ
સર્ગના આવાહને અર્પું ધ્વનિની આહુતિ

સ્વપ્નનું પુદ્ગલ રચાયું છે મૃદુ અક્ષર વડે
લોચને નિદ્રા ઝરે ને પક્ષ્મધારે જાગૃતિ

વ્યંજના

સેરવી કટિવસ્ત્રને પ્રકટી ક્ષણો શૃંગારની
વ્યંજના! કેવળ હવે તું સૂચના અભિસારની

મત્ત પુંકેસરની ટોચેથી ઝરે તે અક્ષરો
ને હવામાં ગંધ છે તે અર્થ કે આકારની?

નિસ્સમય વચ્ચે સહજ જ્યાં સંચરે વાગીશ્વરી
શબ્દમાં સંમોહિની પમરે ષડ્જ ગાંધારની

પુષ્પવત્ પૃષ્ઠો ઊકલતાં જાય છે માનસ વિષે
ઊઘડે ઇન્દ્રિયવત્ ઉચ્છલ કથા અંધારની

અન્વયો પ્રાદુર્ભવે, દ્વન્દ્વો શમે છંદોલયે
પ્રાણમાં પ્રસરી ગઈ ભાષા સકલ સ્વીકારની

અભિધા

રે અભિધા! તું અને આ શુભ્ર કાગળની ધરા
લક્ષણા-ભારે લચી, પગલું ભરે તું મંથરા

વ્યક્ત કરવાને મથે છે તું સ્વયંને, રમ્યને
લયલિપિમાં બદ્ધ જાણે કોઈ શાપિત અપ્સરા

કલ્પદ્રુમે પર્ણકલ્પનનાં નિમંત્રણ ફરફરે
તું પ્રવેશી ગઈ સકલ વિષે ઋતુ ઋતંભરા

શાહીમાં વ્યાપી વળી સત્તા હવે સુંદર તણી
શબ્દમાં તું : પેયના માધુર્યમાં જ્યમ શર્કરા

અર્થનાં પુષ્પો, વ્યથા ને અક્ષરો ઉત્સવ બને
આ મુહૂર્તે હોઠ પર ચુંબન મૂકી દે સ્રગ્ધરા

કાવ્યઉત્તર

(શિથિલ, પૂર્વવત્, રિક્ત)

પવનમાં ઓગળ્યાં પંખી મૂકી નભને મનોહરમાં
હવે વ્યત્યય મુખરતો ફૂલનો મસૃણ પથ્થરમાં

હથેલીમાં પુનઃ વ્યાપી વળી છે રિક્તની રમણા
સ્વયંને સંગ્રહે કોઈ હજુયે શૂન્યના સ્વરમાં

શમ્યા તે સંશયો આ ભુર્જપત્રોની ત્વચા વિષે
હવે સરહદ ઊલંઘીને ઢળે શાહી નિરક્ષરમાં

અમલ ત્યાંથી જ આરંભાય છે અનહદની ભાષાનો
સમાપન પામતા બે હોઠ જ્યાં નીરવ નિરંતરમાં

ખરેલું ક્રૌંચનું પીછું સભરના દ્વાર પર ભૂલી
પ્રવેશ્યા પૂર્વવત્ મનમાં શિથિલ, – અર્થાત્ નશ્વરમાં

છટ્

ટ્રાંકિવલાઇઝરની ટીકડી જેવા ગીતગઝલના
એકધારા લય-આવર્તનોની થેરપીની જરૂર નથી, છટ્
* લાભશંકર ઠાકર *

બકદ્રે – શૌક નહીં જર્ફે – તંગના – એ – ગઝલ
કુછ ઔર ચાહિયે વુસ્અત મેરે બયાં કે લિયે
* મિર્ઝા ગાલિબ *

ગુજરાતી ભાષાની કાંસાની ટબૂડીમાં ગાલિબનાં
આ શેરને રૂપાંતરે કંઈક આમ ખખડાવી શકાય :

તંગ આઠે પ્રહર અઢારે અંગ રાખે છે
ગઝલની તંગ ગલી અમને તંગ રાખે છે
વિશાળ રંગભૂમિ આપો તો બતાવી દઉં
અમારા શબ્દ પછી કેવો રંગ રાખે છે

અમે આ બન્ને ઉક્તિઓની સહોપસ્થિતિ અત્યંત
સાભિપ્રાય રચી છે : ગઝલ અહીં ‘માંહ્ય પડ્યા તે
મહાસુખ માણે, દખણહારા દાઝે જોને’ એ
પંક્તિઓને ભરપૂર ભોંઠી પાડે છે! અહીં તો ‘માંહ્ય
પડેલો’ ને ‘દેખણહારો’ બન્નેવ સરખાં દાઝેલાં છે.
વિધિની વક્રવ્યંજના તો જુઓ કે ભિન્નભિન્ન
દેશકાળમાં ભિન્ન ભિન્ન ભાષાઓમાં મર્યાદા
સ્વરૂપોત્તમ ગઝલ, કવિતાનાં રુદ્રોને મહાસુખ
આપીને, છેવટે, અનહદ દૂભવી શકે છે.
આ નિમિત્તે, આ રચનાઓમાં ગઝલનાં અઢારે
વક્રલલિત અંગોને અમથું અમથું અઢાર વખત
‘છટ્’ કહેવાનો ઉપક્રમ છે, તો બોલો, ઇર્શાદ.
|| ૧ ||
ગઝલ ગુર્જરી છે, હરિ ૐ તત્ છૂટ્
વિકટ વૈખરી છે, હરિ ૐ તત્ છટ્

એ મૃગનયની છે, હો ભલે સ્હેજ ફાંગી
જરા માંજરી છે, હરિ ૐ તત્ છટ્

ફળી છે મને શબ્દની સાત મુદ્રા
ગઝલ ખેચરી છે, હરિ ૐ તત્ છટ્

ઘડી અંગનો મેલ લઈ ફુરસદે પણ
એ અણઘડ ઠરી છે, હરિ ૐ તત્ છટ્

અમે જે થકી આ હૃદયફળને કાપ્યું
કનકની છરી છે, હરિ ૐ તત્ છટ્

કોઈ તાગી શકતું નથી એનું તળિયું
છતાં છીછરી છે, હરિ ૐ તત્ છટ્

સકળ શૂન્ય જેમાં કર્યું છે મેં સંચિત
તરલ તશ્તરી છે, હરિ ૐ તત્ છટ્
 
ભૂવા, તું ભણ્યા કર આ ભાષાનો મંતર
ગઝલ વૈંતરી છે, હરિ ૐ તત્ છટ્

મને માફ કરજો, ફરિશ્તાની પ્યાલી
મેં એંઠી કરી છે, હરિ ૐ તત્ છટ્

કીડીના પગે જેને મેં બાંધી દીધી
ઝણક ઝાંઝરી છે, હરિ ૐ તત્ છટ્

છે બંદાને ગાલે હજી સૉળ એના
ચપટપંજરી છે, હરિ ૐ તત્ છટ્

સુનો ભાઈ સાધો

ફરી અગ્નિનાં વસ્ત્ર વણવાને સ્વાહા
કમળફૂલ મધ્યેથી પ્રકટ્યા જુલાહા

ફરી જીવને આજ શાતા વળે છે
ફરી એ રીતે દેહ ઝંખે છે દાહા

ફરી પ્રાર્થનાઓ તને કરશે વિચલિત
ફરી એક ગજને મકરના છે ગ્રાહા

ફરી થઈ ગઈ જો ને હતપ્રભ હયાતી
ફરી એક ક્ષણની થશે વાહવાહા

ફરી એમનું લક્ષ્ય ખેંચી શક્યો છું
ફરી શબ્દનું તીર સનન્સન્ન આહા

ફરી આચમન મેં કર્યું જાહ્નવીનું
ફરી ગુમ કાંઠા ને ગાયબ પ્રવાહા

ફરી એ જ રોનક અને રોશની છે
ફરી એ જ શૂળી ઉપર ઈદગાહા

ફરી રમ્ય અપરાધ એનાં સ્મરણનો
ફરી એ જ સાખી ફરી એ ગવાહા

ફરી સ્વપ્નમાં જેને મોહી પડ્યાં’તાં
ફરી એની પરછાંઈ સંગે વિવાહા

ફરી મનમાં કોણે કબર ખોદી લીધી
ફરી આ ગઝલ જાણે આરામગાહા

કહતા કબીરા, સુનો ભાઈ સાધો
ફરી શિર ઉપ૨ કલ્પવૃક્ષોની છાંહા

એક મુફલિસની રેવડી જાણે

એક મુફલિસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે

તરસને ઘૂંટણે પડી જાણે
એ જ પી જાણે લડખડી જાણે

રિન્દની આ રસમ ઇબાદતની
તેજ સાથે તડાફડી જાણે

મૂક પરથમ પહેલાં મસ્તક તું
એ રીતે કે ન પાઘડી જાણે

આભ ફાડે છે ખુદ રફૂગર થૈ
ચાલ ચાલે છે બેવડી જાણે

કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
આમ કરતી પડાપડી જાણે

તોછડી છે એની રહેમતની અદા
આપણી કૈં નથી પડી જાણે

એને મઝધાર શું કિનારો શું
પાણી વચ્ચે જે તરફડી જાણે

એના આવ્યાના સહેજ ભણકારે
આ ગલી પડશે સાંકડી જાણે

આ ગઝલ એમની ઇશારત પર
વાત પરખાવે રોકડી જાણે

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
કબરની સાદગીથી ઘર હવે શણગારવું, સાધો

સમજ પડતી ન’તી તેથી બીડ્યા’તા હોઠ સમજીને
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું સાધો

તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એકેક આંસુ સારવું, સાધો

અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને
અમસ્થી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો

સિતમનો હક બને છે એમનો, શું થાય? સ્નેહી છે
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો

સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો

ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી

ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી
તેજથી જે હોય તાલેવંત એ રાત જ જુદી

આભને ખરતા સિતારા : પાંદડાને પાનખર
એ સખીદાતાર, એની ખાસ ખૈરાત જ જુદી

જખ્મને જાસૂદની માફક જે હળવે ખીલવે
લોહીમાં લબક્યા કરે સાદ્યંત એ રાત જ જુદી

દર્દ ને રાહત પરસ્પરમાં પરોવે રાતભર
એમની હિકમત જુદી ને એમની વાત જ જુદી

સૂર્યનું બીડું ઝડપવા જાતને ભૂસ્યા કરે
પણ ન છોડે જે લીધેલો તંત એ રાત જ જુદી

રાત રહેશે જ્યાહરે આ પાછલી બસ ખટઘડી
શબ્દના બંદાથી પડશે નાગરી નાત જ જુદી

જેવી જેની હેસિયત હો : રાતને જાણે છે સૌ
ચાંદની જાણે ને જાણે સંત એ રાત જ જુદી

છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો

છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો
કે દુશ્મનીનો અજાયબ પ્રકાર છે, સાધો

ગજબનો આયના પાછળ ખુવાર છે, સાધો
કોણ આવી રીતે અંદર-બહાર છે, સાધો

તું તકેદાર રહેજે ખુશ્બૂના ખુલાસાથી
પીઠ પર ગુલછડીનો ગૂઢ માર છે, સાધો

તકાજો દર્દનો હકીમ બુલંદીથી કરે
રુઝાતા ઘાવ પર પાછો પ્રહાર છે, સાધો

બધી જ ક્ષણ ઉપર તહોમત મૂક્યું છે તેં ઘરનું
અસલમાં એ તો અધૂરી મઝાર છે, સાધો

રોજ કાસિદ બને છે પાણીનાં ઘાયલ ટીપાં
વાત ઝીણી છતાં કેવો તુમાર છે, સાધો

ખરીદી કરવા નીકળે તો એ ખુદા શાનો
આમ ખોટી ન થા, આ તો બજાર છે, સાધો

મરણ મળે નહીં તો લે સ્મરણ અવેજીમાં
જીવવા માટે તો રસ્તા હજાર છે, સાધો

અમસ્થી રેવડીથી ભૂખપ્યાસ તોળે છે
ફકીર કેટલો માલેતુજાર છે, સાધો

જિગર કે તીરની ક્યાં વાત છે? હકીકતમાં
એક અહેસાન એનું આરપાર છે, સાધો

કહેજો એમને, મુશ્કિલ છે હુજૂર બચવાનું
અમારી બંદગી આજે ખૂંખાર છે, સાધો

કઈ સાલોં કે બાદ હમ ગઝલસરા જો હુએ
હવે તારી ઉપર દારોમદાર છે, સાધો

મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની

મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની
મારી નમાઝ નભથી આગળ ધપી જવાની

મરૂથળની મધ્ય મોતી, સમજી લે, એ જ મન છે
ચળકે છે તોય કેવળ એ ચીજ ઝાંઝવાની

બત્રીસ કોઠે દીવા પેટાવી દઉં, શરત છે
અગનિની અંજલિને આકંઠ પી જવાની

શું થાય? તરસ અમને એના દીદારની છે
આદત પડી ગઈ છે દેખીને દાઝવાની

નિઃશ્વાસની હવામાં ઘેરી અસર ઘટાની
ઉનચાસ મરુતોને આજે ટપી જવાની

દુનિયાનાં તખ્ત તારાં, અમને તો ઝીણી ઝંખા
એકાદ ફૂલપત્તી ઉપર બિરાજવાની

ઝાકળ યદિ તું રંચક તારું રહસ્ય ખોલે
અમનેય અધીરાઈ ક્ષણમાં ખપી જવાની

સોદો કરો છો હકનો તો એમાં શાની રકઝક
તમને ન શોભે, સાધો, તજવીજ ત્રાજવાની

મુરશિદની વાટ જોતાં ઊભાં ઉઘાડે ડિલે
ઓગળતી ચાંદનીમાં કાયા તપી જવાની

એને તરસવું અથવા અનહદ વરસવું ફાવે
આ તો ગઝલ છે : એને ક્યાં ટેવ ગાજવાની

તેજ તાવે છે સત સતાવે છે

તેજ તાવે છે સત સતાવે છે
એ હિસાબો જૂના પતાવે છે
ઓસથી અગ્નિ અલગ કરવાને
રક્તનાં બુંદ કાં તપાવે છે

કરે છે હદ હવે કાસદનો જુલમ
દૂરથી હાથ બે હલાવે છે
સાવ કોરી ચબરખી આપીને
એમના દસ્તખત બતાવે છે

કફનને પાઘડી કહી દો તો
દબદબાથી એ શિર ઝુકાવે છે
એ જ કાશી ને એ જ કરવત છે
એ જ જૂની રસમ નભાવે છે

આજ તાંબુલની કૈં વિસાત નથી
એ સ્વયં પાનખરને ચાવે છે
ખરાખરીનો ખેલ : ખેલંદો
શબ્દનું બીડું જ્યાં ઉઠાવે છે

ઠેઠ પહોંચે છે ઠોઠ રહીને જે
છેવટે એક ફકીર ફાવે છે
એનું ભણતર છે અજાયબ, સાધો
સમર્થ શૂન્યને ઘૂંટાવે છે

કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર

કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર
શક્ય છે, આવી ચડ્યા હો આપણા ધામે કબીર

એ જ માણસ ભીડમાં એકાંત સાચવતો હશે
સત્ત્વથી સાહેબ જે ને હાડ ને ચામે કબીર

ગંધનો તાણો ને વાણો ગૂઢ મલયાનિલનો
જો, કમલપાંદડીઓ ગૂંથે એક જણ, નામે કબીર

નાવમાં ડૂબેલી નદીઓમાંથી એકાદી જડી
જેના આ બાજુના કાંઠે હું અને સામે કબીર

બીજની માયા વિદારી વૃક્ષમાં વિકસી ગયા
ને પછી હળવે બિરાજ્યા વડના વિસામે કબીર

મર્મસ્થળનાં સૌ રહસ્ય એમને અર્પણ હવે
તીર તાકીને ઊભાં છે આપણી સામે કબીર

તારા અપરંપાર ચ્હેરા તું ઘડી ભૂંસી શકે
તો પછી તારાં પ્રતિબિંબોમાં તું પામે કબીર

આજ દેખી મીન પિયાસી ફિરસે ગહરે પાની મેં
ઢાઈ અચ્છરકા વો યાદ આયા હૈ પૈગામે કબીર

શબ્દસ્નેહી જ્યાં સુધી વસતા હશે તારે નગર
આ ગઝલને ઘૂંટતા રહેશે નવા નામે કબીર

ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો

ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો
ન’તા પંડિત ન’તા પંડા અહાહાહા અહોહોહો

તમસપુંજો ઘુમરતાં ગર્ભનાં નભમાં નિરાલંબે
ન’તા આશય ન’તા અંડા અહાહાહા અહોહોહો

હતો એક જ પુરુષ કે જેનો પડછાયો ન’તો પડતો
રચ્યાં તેથી સૂરજ-ચંદા અહાહાહા અહોહોહો

મરુથળ બીજ રોપ્યાં તે ઘડીભરમાં તો ઘનઘોરા
ઊગ્યાં મેરુ તણા દંડા અહાહાહા અહોહોહો

વળી, મનના ફૂંક્યા મંતર, લઈ પાણીના પરપોટા
ભભૂક્યાં કૈંક બ્રહ્મંડા અહાહાહા અહોહોહો

અલલપંખીનાં પીંછાંથી ફરિશ્તા ચીતરી બેઠા
અહો બારીક એ બંદા અહાહાહા અહોહોહો

અવળવાણીય સમજત પણ ઇશારતમાં તે શું સમજું
હતા મુરશિદ અવળચંડા અહાહાહા અહોહોહો

અહીં ઘર માંડતાં પ્હેલાં જડે ખંડેરના નકશા
ઘડી રમણી ઘડી રંડા અહાહાહા અહોહોહો

જડે જંઘા, પલંગામાં જડે સ્તન ને પુરુષાતન
પડે પેટાળે પડછંદા અહાહાહા અહોહોહો

તું ભડ છે તો કમળતંતુથી પ્હેલો ઘા કરી લેજે
ને ફોડી નાખજે ભંડા અહાહાહા અહોહોહો

પ્રજળતા સૂર્ય ઠારી બુંદ ઝાકળ તુર્યને બાઝ્યાં
પડ્યા શાગિર્દ પણ ઠંડા અહાહાહા અહોહોહો

શ્વસે તે નિજવ્યથા વચ્ચે વસે – એ સત્ય પર વસવા
વસાવી નગરી આણંદા અહાહાહા અહોહોહો

ઇબાદતપૂર્વક આ ગઝલ અર્પણ સંતકવિ હુજૂર મહારાજને – જેમના અંતર્ધાન થયાની શતાબ્દી ઊજવાઈ ૧૯૯૮માં, જેમના સાહિત્યમાં મેં આ રદીફ જોઈ : અહાહાહા અહોહોહો
અલલપંખી : કવિકલ્પનાનું એક પંખી જે આકાશમાં એવી ઊંચાઈએ ઈંડું મૂકે છે કે ધરતીનો ઈંડાંનો સ્પર્શ થતાં પહેલાં જ બચ્ચું ઈંડુ ફોડીને પાછું આકાશમાં ઊડી જાય છે. સંતસાહિત્યમાં આ પ્રતીક જોવા મળે છે.

જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને

જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને
નિષ્પલક આંખો તકાઈ તીર શી તાતી બને

દડદડે આ રાત ને દાડમકળી રાતી બને
ફૂલ બદબોઈ કરે, વાયુ જ વિખ્યાતિ બને

લડખડે પ્યાલી અમારા હોઠને સ્પર્શ્યા પછી
ને સ્વયં એંઠી મદિરા કેવી મદમાતી બને

શાહીમાં આંસુનાં સત સ્હેજે ભળ્યાં ના હોય તો
શી રીતે સ્વચ્છંદી શબ્દો આમ ઉપજાતિ બને

પાનખરનો આજ તેજોવધ થશે કે પાંદડાં
સ્હેજ ફફડી સાવ સુક્કાં પંખીની જાતિ બને

એમણે જ્યાં શબ્દથી આડશ કરી અજવાશને
શુદ્ધ ઝંઝાવાત મધ્યે પણ અચલ બાતી બને

હંસની ક્ષુધા જ મુક્તાફળ બનીને તગતગે
સંતના લોચનમાં જોઈને ક્ષણો સ્વાતિ બને

નામ નરસિંહનું પડે કે ઓ મુલકની પારના
સૌ ફરિશ્તા વેશ બદલી સદ્ય ગુજરાતી બને

એટલું સત તો ક્યાંથી લાવું હું

એટલું સત તો ક્યાંથી લાવું હું
જુદી જન્નત તો ક્યાંથી લાવું હું

ચબરખી અર્શની તું વાંચી લે
ખુદાનો ખત તો ક્યાંથી લાવું હું

તું ચલાવી લે કોરી વસિયતથી
માલમિલકત તો ક્યાંથી લાવું હું

એમણે અંગૂઠો બતાવ્યો’તો
તો દસ્તખત તો ક્યાંથી લાવું હું

શબ્દ ઝૂકી સ્વયં સલામ કરે
એવી ઇજ્જત તો ક્યાંથી લાવું હું

એમના ઉંબરે સિજદો કરવા
સર સલામત તો ક્યાંથી લાવું હું

મઝહબી છું તો શેરિયત લાવું
કહે, શરિયત તો ક્યાંથી લાવું હું

સાવ ચીમળાયેલું સફરજન છે
પે...લી લિજ્જત તો ક્યાંથી લાવું હું

મળે જ્યાં ગેરહાજરી ખુદને
એવી સોહબત તો ક્યાંથી લાવું હું

યે હૈં મશહૂર લામકાઁ ઉનકા
ફર્શ ને છત તો ક્યાંથી લાવું હું

એના ખડિયામાં માત્ર ખુશ્બૂ છે
એ હસ્તપ્રત તો ક્યાંથી લાવું હું

અરે શેખ, તારી આ...

અરે શેખ, તારી આ મસ્જિદમાં પેસીને મયખાનું એનું બનાવી દઉં તો?
લીલી દ્રાક્ષની આ દીવાલોમાં તારા ખુદાને હું જીવતો ચણાવી દઉં તો?

થશે કૌતુકે મગ્ન પરભાતિયું પણ, પરોઢે આ કલબલતા કલમા સુણીને
પયગંબરોનાં પરિંદાને અમથી ફરિશ્તાની પાંખો હું પહેરાવી દઉં તો?

હતું મ્હોં પડેલું ને રૂંધાયલો કંઠ : કાસિદ, કશું સાંભળી નહિ શકેલો
હવે કાન સરવા કરીને એ ક્ષણને કટોકટ કલેજે હુલાવી દઉં તો?

અજબ બેખુદીમાં હું ખોવાઈ જઉં ત્યાં જ ખુદમાં અચાનક ખુદાઈ જડે છે
હવે નિજમાં ખોવાયલા ખિજ્રને પણ સહજ સીધે મારગ ચઢાવી દઉં તો?

પલકવારમાં તુંય પામી જવાનો બુલંદીના બારીકમાં બારીક અર્થો
તને તારી ભીતર સદા સિજ્દો કરતું કોઈ શાંત બુલબુલ બતાવી દઉં તો?

હું કાફિર ખરો પણ નમાજીથી નમણો : ભરું જામ પર જામ ઝમઝમને કાંઠે
થશે શું તમારી કયામતની ક્ષણનું, કબરમાં હું મહેફિલ જમાવી દઉં તો?

તમારો ચહેરો નીરખતાં જ હું તો, જુઓ, બુતપરસ્તોમાં વટલાઈ ચાલ્યો
હવે કોહેતૂરની એ ટૂંકે ચઢીને ધજા ધોળી ગિરનારી ફરકાવી દઉં તો?

કદી મુરશિદે ફૂંગરાવીને મુખને, નવો અર્થ આપ્યો’તો રહેમોકરમનો
ઇબાદતની એ પણ નવી રીત સમજો, હું મોઢું જરાક જ ફુલાવી દઉં તો?

પુણ્ય સ્મરણ : નર્મદ

નવ કરશો કોઈ શોક, રસિકડાં,
નવ કરશો કોઈ શોક

ક્ષણને આયુષ્યમાન કરું છું, જુગ ચારે કરી ફોક, રસિકડાં
લય મધ્યે લોબાન ભરું છું, મઘમઘ મૃત્યુલોક, રસિકડાં

કાયાને ફરમાન કરું છું, કબર ભણી હો ઝોક, રસિકડાં
શ્વાસોને તોફાન તરું છું, નહીં રોક નહીં ટોક, રસિકડાં

દર્પણને જો સાન કરું છું, સન્મુખ પ્રકટે કોક, રસિકડાં
મચકોડી મુખ માન હરું છું, – સરસ નોંક ને ઝોક, રસિકડાં

નિજનું શરસંધાન કરું છું અહીં ઉઘાડેછોક, રસિકડાં
હું જ વિહગનો વાન ધરું છું, તમે રચી લ્યો શ્લોક, રસિકડાં

ગઢથી ઘેર્યું જીર્ણ નગર શું છદ્મવેશમાં કાશી છે કે?
હાર સમેનાં ગાન કરું છું લંબાવીને ડોક, રસિકડાં

તને સાંભરે, તાંદુલગઠરી? –ક્યમ વીસરે? રહી રહી મનમાં એ
પ્રસંગનાં પકવાન ધરું છુંઃ જમો, ધરો સંતોક, રસિકડાં

ગોરજ ટાણે ભીતરનું ઘર સાદ કરે છે, ચલો ગુસાંઈ
હું કેવળ આહ્વાન કરું છું ગઝલ મધ્ય ગોલોક, રસિકડાં

રચું ઝૂલણા, પઢું કસીદા, કહું તો કેવલ આંખન દેખી
આજ સ્વયંનું ધ્યાન ધરું છું : નિંદા કરતું લોક, રસિકડાં

યથાશક્તિ રસપાન કરું છું, અલકમલક આલોક, રસિકડાં
મક્તામાં મન મ્યાન કરું છું, નવ કરશો કોઈ શોક, રસિકડાં

પુણ્ય સ્મરણઃ મનહર મોદી

એથી વિશેષ ખોટ કશી હોય તો કહો
ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?

ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?
અંદર જઈ શકાય એવાં ઘર હતાં જ ક્યાં?

તહેવાર સમો ગોખ ન’તો એકે ભીંત પર
એકેય ખુલ્લી બારીના અવસર હતા જ ક્યાં?

એવું તે શું બન્યું કે ઉલંઘી જ ના શક્યા
પળના પહાડ એવા કદાવર હતા જ ક્યાં?

ઘડિયાળ ગોળ ગોળ જવાબો દીધા કરે
મોડા ન’તા પડ્યા તો સમયસર હતા જ ક્યાં?

કરતી ભલે સુગંધ નિરંતર મુસાફરી
પુષ્પો તો આ સફરમાં ખરેખર હતાં જ ક્યાં?

સ્પર્ધા અમારી મુફલિસી સાથે કરી શકે
ઈશ્વર તમારા એટલા સધ્ધર હતા જ ક્યાં?

જન્નતની યાદીમાંથી કમી નામ અમારું
ઓ શેખ, અમે એટલા કાફર હતા જ ક્યાં?

નાહક અખાની વાદે ચઢીને લખ્યા કર્યું
સાચું કહું? શબ્દો અખેપાતર હતા જ ક્યાં?

અમને દીઠા કે આ તો જરા સત ચઢી ગયું
મુરશિદ અમારા બાકી સિતમગર હતા જ ક્યાં?

પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી

         વેઈટ્ -એ-બિટ્!.....
         છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.

જો ન’તો પુષ્પોની સાથે વાત કરવાનો સમય
તો મહાશય, ક્યાં ઘૂંટ્યો પંખી-પુલકનો છંદ લય

ગામથી જે શબ્દ લૈને નીકળ્યો ’તો, એ તને
લૈ ગયો ક્યાં ક્યાં : હે યાયાવર સદા આશ્ચર્યમય

તેંય અંગૂઠા વડે જ્યાં સ્પર્શ શિલાને કર્યો
આ ઈડરિયા પથ્થરે પ્રગટે છે મઘમઘતો મલય

કાવ્ય અદકું કાવ્ય તારું અશ્રુજલ ખારું અધિક
વેદનાથી આ હૃદય પણ આજ અદકેરું હૃદય


ભોમિયા વિના ભમ્યો થૈ થૈ ઝરણ કે ઝાંઝરી
પ્હાડથી નીસરીને પ્હોંચ્યો જે મુકામે તે પ્રણય

માઈલોના માઈલો તારી જ અંદરથી પસાર
સંગતિની એક ક્ષણનો આ ગતિ મધ્યે ઉદય

નામ તારું આપણી ભાષામાં ઓગળતું રહ્યું
એ પ્રવાહી આજ સો વરસે જલદ ને જીર્ણ મય

વેઈટ્ એ બિટ્! આ શબ્દ છેલ્લો મૌન કહેશે તો ભલે
તું તો ગણગણતો જ રહે, હું રોકી રાખું છું પ્રલય

પુણ્ય સ્મરણ : હરિવલ્લભ ભાયાણી, મકરંદ દવે

મારા અક્ષરો બગડતા હોય છે.
મોતીના દાણા, હવે મોર પગલાં થવા લાગ્યાં, યું બી સહી.
પણ વાંચનારને તકલીફ પડે એ વિચારે
સહી કરવાનું મન થતું નથી
હરિવલ્લભ ભાયાણી પરના પત્રમાં મકરંદ દવે –

         ક ખ ગ ઘ સ્હેજ કણસીને કણસલાં થૈ ગયાં
         મોતીના દાણા હવે તો મોર પગલાં થૈ ગયાં

         મેં અછોવાનાં કર્યાં તોયે અછકલા થૈ ગયા
         શબ્દ તો અળવીતરા અર્થે અડપલા થૈ ગયા

         વાંકાચૂકા સત્યનું કાઢે પગેરું આ કલમ
         અક્ષરોયે મા’તમા ગાંધીનાં સગલાં થૈ ગયાં

         જ્ઞ-નાં મીઠાં બોર સારુ બોરડી ઝંઝેડતા
         પંડિતોની પાઘડી પર ઢ-ના પગલા થૈ ગયા

         એમની ટ્રમ્પેટના છે એ જ ગજવૈયા ગજબ
         નિજની સંગતમાં એ તાબડતોબ તબલાં થૈ ગયાં

         એ અછાંદસ થૈને આભડછેટથી છેટા સર્યા
         છંદથી છમછમ કર્યું કોકે, છમકલાં થૈ ગયાં

         તેં દીધેલાં રણ હજી આ ચોપડીમાં સાચવું
         શાહીનાં મૃગજળની પાછળ મન મરગલાં થૈ ગયાં

         આ ગઝલના તાજિયા ટાઢા પડ્યા મક્તા વિષે
         કાળજાં છેદીને આ કાગળ કરબલા થૈ ગયા

         ઓ સુખનવર, ખુશનવીસી આપની સુખ્યાત છે
         કખગના તોય શાથી કાથાકબલા થૈ ગયા

પુણ્ય સ્મરણ : રાવજી પટેલ

ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી
કાચીંડો ક્યારનો વિમાસે છે : આમ કોની ઢોચકી પડી છે બિનવારસી

ચોથું ચોમાસું સળિંગ સાવ કોરું ને
ઉપરથી ભેંસ બેય બાખડી
છોડી ને ભાણેજાં થાળે પડે જો કાંક
ગલકું ખાધાની લીધી આખડી

સગપણમાં મીઠાની ગાંગડી પડી તે આમ પડી રહી પીરસેલી લાપસી
બેઠો જૈ છેલ્લે તે પાટલે જમાઈ અને ચૌદશિયા સાવ ગયા આળસી

આખા જન્મારાની ભૂખ જેમાં સાચવી
તે રેશનનું કાડ ગયું ફાટી
ચોપડામાં બુધિયાનું કમી કરી નામ
બીડી ચેતાવે ખૂંધિયો તલાટી

ઠેઠ ઠાસરામાં ઠોકાયું ફટફટિયુંઃ ફૂટી અહીં ઓરડે જુવાનજોધ આરસી
ખૂણો પાળે છે ઘેર મર્સિયાના બોલ, એની વગડે પૂરે છે મોર ટાપસી

પતંગિયું ને પાન
એકબીજામાં અંતર્ધાન

સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર

પતંગિયું ને પાન
એકબીજામાં અંતર્ધાન

પ્રભાતિયું ઝાકળમાં ઘોળી તિલક કર્યાં એકેક કુસુમને, ઓહો
વસંતવરણી ઈર્ષા આવે વૃંદાની ઓ કલ્પદ્રૂમને, ઓહો
હવે?
હવે શું? -
ઉદય અને ઉદ્યાન
એકબીજામાં અંતર્ધાન

ખર્યા ચન્દ્રનું પીતપર્ણ તે થંભ્યું ઘડીભર હરિત મિનારે, ઓહો
સૂર્યમુખીને દરસ મંગળા કેસર ભીના પૂર્વ ગભારે, ઓહો
હવે?
હવે શુ?
આરત અને અજાન
એકબીજામાં અંતર્ધાન

પારિજાતની પ્રીતબ્હાવરી ગંધ પવનમાં માંડ સમાતી, ઓહો
ધૂપસળી પ્રાતઃસંધ્યારત પ્રજળી ખુદ ન્યોછાવર થાતી, ઓહો
હવે?
હવે શું?
પ્રણય અને પ્રણિધાન
એકબીજામાં અંતર્ધાન

પરોઢના ગુચ્છામાંથી એક વિહંગ ખેંચે તંત કિરણનો, ઓહો
ચૂપ જ રહેજે કવિ, અહીં અવકાશ નથી લેશે વિવરણનો, ઓહો
હવે?
હવે શું? -
કલમ અને કલગાન
એકબીજામાં અંતર્ધાન