ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ

Revision as of 06:22, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)



બખશાજી [જ. ઈ.૧૪૮૪ આસપાસ] : ઇસરદાસના શિષ્ય. પત્ની ગેંદાબાઈ, પુત્ર દેવનાથ, જે પછીથી તેમના શિષ્ય બને છે. બખશાજીની રચેલી આરતી, ભજન (૫ મુ.) વગેરે કૃતિઓ મળે છે. કવિની કેટલીક રચનાઓ સંપૂર્ણ હિંદીમાં છે તો કેટલીકમાં હિંદીની છાંટ વર્તાય છે. કૃતિ : ભજનચિંતામણી; ભગતશ્રી કાળુજીકૃત, ઈ.૧૯૩૬ (+સં.).[કી.જો.]

બચિયો [                ] : પદના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

બજીયો પવઈ [                ] : આ નામે ૧૦ કડીની અને ૫ કડીની માતાજીની ૨ ગરબી(મુ.) મળે છે. કૃતિ : ૧. અંબિકકાવ્ય, પ્ર. બાલાજી ભગવાનજી, ઈ.૧૮૮૩; ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [કી.જો.]

બડા (સાહેબ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. ચીસ્તીયા સંપ્રદાયના હજરત નિજામુદ્દીન ઔરંગાબાદના પુત્ર અને હજરત ફખરુદ્દીનના શિષ્ય. દિલ્હીથી દેશાટને નીકળી વડોદરા આવી વસેલા આ કવિનાં પદો તથા ભજનોમાં પ્રેમલક્ષણા ભક્તિ તથા ગુરુભક્તિનો મહિમા થયેલો છે. પ્રેમલક્ષણા ભક્તિનાં કવિઓની કવિતાનો પ્રભાવ પણ એમનાં કોઈક પદો પર જોઈ શકાય છે. કવિની કૃતિઓમાં ખ્વાજા ચીસ્તી સાહેબની ૧ આરાધ(મુ.), ગુજરાતીમાં ૩ ભજન(મુ.) તથા હિંદીમાં ૧૧ ભજન(મુ.) મળે છે. કૃતિ : ભક્તિસાગર, હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). સંદર્ભ : ઊર્મિનવરચના, મે ૧૯૭૫ - ‘ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કવિઓ; ભૂલિકા જી. ત્રિવેદી.[ર.ર.દ.]

બદમાલ/બદો(ગેડિયો) [                ] : રાણપુરન હરિજન ગોર. કવિના નામ સાથે આવતો ‘ગેડિયો’ શબ્દ કવિની કઈ ઓળખનો સૂચક છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કવિએ રાજસ્થાનીવ્રજની છાંટવાળાં ગુજરાતી અને હિંદી પદો (ર. મુ.)ની રચના કરી છે. પદોની શૈલી છટાદાર અને મોહક છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.).[કી.જો.]

બદરી/બદરીબાઈ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયનાં સ્ત્રીકવિ. તેમણે પદોની રચના કરી છે. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગૂહાયાદી. [કી.જો.]

બદ્રીનાથ [                ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. દુહામાં રચાયેલી ૫૯ કડીની, ઈ.૧૮૧૩માં મૂળી આવેલા સહજાનંદ સ્વામીએ મૂળીના મંદિરની જે યોજના કરી તેની વિગતો આપતી ‘મૂળીમહાત્મ્ય’(મુ.), ૬ કડીનું ‘અયોધ્યાલીલાનું પદ’(મુ.) તથા સુખાનંદ વગેરે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનો નિર્દેશ કરતાં હિંદી પદો (ર.મુ.)ની તેમણે રચના કરી છે. કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદ કૃત, ઈ.૧૯૪૨; ૨. હરિચરિત્રચિંતામણી, દયાનંદ સ્વામીકૃત, સં. ૨૦૨૦. [કી.જો.]

બરજોર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : પરસી કવિ. જન્મ નવસારીમાં. પિતાનામ ફરેદુન. કવિની ‘વંદીદાદ’ જેવા જરથોસ્તી ધર્મગ્રંથોને આધારે ધર્મ સંબંધી ક્રિયાકાંડોનું આલેખન કરતી ૨૭૨ કડીની ‘ભલી દીનની શફીઅત’ (ર.ઈ.૧૬૮૦થી ૧૭૦૦) એ દુહામાં રચાયેલી વર્ણનાત્મક કૃતિ મળે છે. કવિએ કૃતિમાં ધર્મના ઘણાખરા અગત્યના ક્રિયાકાંડોનું જે રીતે વર્ગીકરણ કર્યું છે અને લાઘવથી તેનો મહિમા વર્ણવ્યો છે તે આ કૃતિની ખાસ ખૂબી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા : ૧, ૨, પ્ર. પેરીન દારા ડ્રાઇવર ઈ.૧૯૭૪, ઈ.૧૯૭૯. [ર.ર.દ.]

‘બરાસ-કસ્તૂરી’ : કેટલીક હસ્તપ્રતોમાં મળતી પણ ઈ.સ. ૧૮૭૪માં એક જ વાર શિલાછાપમાં છપાયેલી દુહા, ચોપાઈ ને છપ્પાના બંધમાં રચાયેલી ૨૭૪૨ કડીની શામળની આ વાર્તા(મુ.) પૂર્વદેશની કોશંબા નગરીના રાજકુંવર બરાસનાં દરિયાપારની એક નગરીના કપૂરસેન રાજાની રૂપવતી કુંવરી કસ્તૂરાવતી સાથે સાહસિક પ્રવાસ અને સુથાર દેવધરના વિમાન તથા માલણની મદદથી થતાં મિલન અને લગ્નની તથા ત્યારબાદ તેમને નડતાં સંકટ અને નર-નારીમાં કોણ ચઢિયતું એ વાદને પરિણામે બેવાર થતા તેમના વિજોગ અને રખડપટ્ટીને અંતે થતા સુખદ સંયોગની વધુ પડતી લંબાવાઈ ગયેલી કથા કહે છે. ‘સૂડા બહોતેરી’ના પ્રકારની કનિષ્ઠ કામકથાવાળી સ્ત્રીચરિત્રની આડકથા પણ અંદર આવે છે તે અને અહલ્યા, મંદોદરી, કુન્તી આદિ પુરાણખ્યાત સ્ત્રી વિશેના વાર્તાત્મક ઉલ્લેખો વાર્તાને ઔચિત્ય અને પ્રમાણના ભોગે લંબાવી નાખે છે. વાર્તામાં અપ્સરાનો શાપ, પૂર્વજન્મસ્મરણ, નાગે આપેલા મંત્રેલા દોરાથી પુરુષનું પોપટ બની જવું, સેંકડો યોજનો ઊડતાં કાષ્ટવિમાનો વગેરે જેવી યુક્તિઓનો આશ્રય લેવાયો છે. નાયિકાના પતિની શોધમાં પુરુષવેશે થતાં અટન અને આખરે તો પતિને જ ધરવાની થતી અન્ય યુવતીની પ્રાપ્તિના કથાઘટકોનો પણ ઉપયોગ વાર્તામાં થયો છે. બરાસકુમારના જન્મ પહેલાં તેની માતાના લોહી ભરેલી વાવમાં નગ્ન બની સ્નાન કરવાના દોહદ અને ગરુડે તેને ઉપાડી જવાનું વૃત્તાંત, નાયકનાયિકના લગ્નની વાત, નાયિકાનું તેને ગળી જતા મચ્છના પેટમાંથી જીવતાં નીકળવું વગેરે બાબતો ‘કથાસરિતસાગર’ની કેટલીક વાર્તાઓ શામળ સુધી પહોંચી હોવાનું અને તેણે તેનો પોતાની વાર્તા બનાવવામાં સૂઝતો ઉપયોગ કરી લીધાનું બતાવે છે. વાર્તામાં નાયકને ૨ સ્ત્રીઓ મળે છે, તો કસ્તૂરાવતીની પ્રાપ્તિ માટેના સાહસ-પ્રવાસમાં તેના સાથીદાર અને મિત્ર વજીરપુત્રને પણ ૧ સ્ત્રી પત્ની તરીકે સંપડાવાઈ છે.[અ.રા.]

બલદાસ [ઈ.૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના કવિ. ગુંસાઇજીના સેવક. તેમણે પદ્યમાં ૩૭૨ કડીની ‘બ્રહ્મશિખરની વાર્તા’ અને ‘વનજાત્રા’ એ કૃતિઓ રચી છે. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-‘મહદમતિ શ્રી મોહનભાઈ’-;  ૪. ફૉહનાામાવલિ. [કી.જો.]

બલભદ્ર [                ] : ‘માલાપ્રસંગ’ના કર્તા. સંદર્ભ : અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭-‘માલાઉદ્ધાર કાવ્ય’, ચિમનલલ મ. વૈદ્ય.[કી.જો.]

બળદેવ : જુઓ બ્રેહેદેવ.

બાજાંદ [ઈ.૧૮૨૦ સુધીમાં] : જૈન સાધુ. હિંદીમિશ્ર ગુજરતીમાં તેમણે ૩૬ ‘ચંદ્રાઅણાં દુહા’ (લે.ઈ.૧૮૨૦)ની રચના કરી છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

બાધારસંગ [                ] : જ્ઞાતિએ ક્ષત્રિય. તેમનું વતન આંતરસા. બહેચરરામ મહારાજના શિષ્ય. તેમણે પદો (૩ મુ.)ની રચના કરી છે. કૃતિ : ગુમુવાણી (+સં.).[દે.દ.]

બાપુ (સાહેબ) [જ. ઈ.૧૭૭૭/૧૭૭૯-અવ. ઈ.૧૮૪૩/સં. ૧૮૯૯, આસો સુદ ૧૧, બુધવાર] : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ મરાઠા રજપૂત. પિતાનું નામ જીવનરાવ/યશવંતરાવ ગાયકવાડ. પિતાની બે પત્નીમાંથી એક રજપુતાણી તેમનાં તેઓ પુત્ર. બાળપણમાં ગુજરાતી-મરાઠી લખવા વાંચવાનું તથા ઘોડેસવારી-તલવારબાજી કરવાનું શીખ્યા. ગરાસની જમીન માટે ગોઠડા જવાનું થયું ત્યારે ત્યાં ધીરા ભગત સાથે અને પછી વડોદરા પાગાના જમાદારની નોકરી દરમ્યાન નિરાંત ભગત સાથે સંપર્ક. એ બંનેના સંસર્ગને લીધે મનમાં પડેલી વૈરાગ્યવૃત્તિ વધારે ખીલી ને દૃઢ બની. બંનેનું શિષ્યપદ એમણે સ્વીકાર્યું, અને કેટલાક સમય પછી રાજ્યની નોકરીની જંજાળમાંથી મુક્ત થઈ ભજનકીર્તન તરફ વળ્યા. હિન્દુ-મુસલમાન કે ઊંચનીચના ભેદભાવમાં તેઓ માનતા ન હતા તે કારણે સ્વજનવિરોધ સહેવાનો વખત આવ્યો તે તેમણે મક્કમપણે સહ્યો. તેમના શિષ્યવર્ગમાં તેઓ ‘બાપુમહારાજ’ નામથી જાણીતા હતા. પદ, ગરબી, રાજિયા, મહિના, કાફી સ્વરૂપે મળતી પદ પ્રકારની કાવ્યરચના કરનાર બાપુસાહેબ ધીરા-અખાની પરંપરાના જ્ઞાની કવિ છે. એમની રચનાઓમાં જ્ઞાની સંતના સરલતા, સહજતા, ઉદારતા, અનાસકિત, વૈરાગ્યભાવ વગેરે ગુણોને વર્ણવતી કાફી પ્રકારનાં ૨૪ પદોની ‘જ્ઞાનીનાં લક્ષણ’(મુ.) ને અણિમા, ગરિમા, મહિમા, લધિમા વગેરે ૧૮ યોગસિદ્ધિઓની નિરર્થકતા બતાવતી ૨૦ કાફીઓની ‘સિદ્ધિખંડન’(મુ.) વિશેષ ધ્યાનપાત્ર રચનાઓ છે. એ સિવાય એમની અન્ય પદ(મુ.) રચનાઓમાં ધર્મને નામે પાખંડ ચલાવતા પંડિત, બ્રાહ્મણ, મુલ્લા, ગુરુ વગેરે પર પ્રહારો કરતાં ને આત્મજ્ઞાન, સદ્ગુરુનો મહિમા કરતાં ૭૦ જેટલાં પદ; મનુષ્યને સ્ત્રી, ધન, પુત્ર ઇત્યાદિની આસકિતમાંથી મુક્ત રહેવાનો બોધ આપતી ૪૦ ગરબીઓ; માયાના બંધનમાં અટવાયેલા, મનના ૬ દુર્ગુણોથી યુક્ત ને સાચા જ્ઞાનને ભૂલી ગયેલા મનુષ્યની જીવનકથનીને વ્યક્ત કરતી ‘ષડ્રિપુના રાજિયા’; નિર્ગુણ ઈશ્વરનું વર્ણન કરતી ‘બ્રહ્મબોધ’ની ૨૪ અને ‘જ્ઞાનોપદેશ’ની ૬ કાફીઓ તથા બ્રહ્માનુભવના આનંદને વ્યક્ત કરતા ‘મહિના/જ્ઞાનના દ્વાદશ માસ’ (ર.ઈ.૧૮૩૪)નો સમાવેશ થાય છે. કવિના જ્ઞાનવૈરાગ્યના બોધમાં તત્ત્વચર્ચાનું ઊંડાણ ઓછું છે, પરંતુ આખાના છપ્પાની જેમ દૃષ્ટાંતો અને કટાક્ષનો આશ્રય લઈ પોતાની વાતને વેધક રીતે કહેવાની એમને વિશેષ ફાવટ છે. તળપદી ભાષાનું જોમ અને તત્કાલીન જીવનનું નિરીક્ષણ એમની શૈલીને આગવી લાક્ષણિકતા બક્ષે છે. ‘બૃહત્કાવ્યદોહન : ૩ અને ૫’માં મુદ્રિત મીયાંગામના વતની તરીકે ઓળખાવાયેલા બાપુની રચના આ કવિની જ છે. કૃતિ : ૧. ગુમુવાણી; ૨. પ્રાકામાળા : ૭ (+સં.); ૩. બૃકાદોહન : ૩, ૫. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો; ૩. કવિચરિત : ૩; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામાધ્ય; ૭. ગુસારસ્વતો; ૮. પ્રાકકૃતિઓ; ૯. સસામાળા;  ૧૦. ગૂહાયાદી.[દે.દ.]

‘બારમાસ’ [લે. ઈ.૧૬૭૩ લગભગ] : ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કૃતિને અનંતસુતને નામે નોંધે છે અને જયદેવસુત નામ પણ મળે છે તેમ કહે છે. કર્તા પાલણપુર પાસે વાવગામના વતની હતા. સંદર્ભ : ગૂહાયાદી.[પા.માં.]

બાલ(મુનિ)-૧ : જુઓ માલદેવ.

બાલ-૨ [ઈ.૧૬૨૮માં હયાત]: જૈન સાધુ. ગંગજી મુનિના શિષ્ય. ૪૬ કડીની ‘શાંતિકુંથુઅરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૮/૧૬૮૪, શ્રાવણ સુદ ૨)ના કર્તા. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧[શ્ર.ત્રિ.]

બાલ-૩/બાલચંદ્ર [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન સાધુ. ૧૫૪ કડીની, હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘પંચેન્દ્રિયસંવાદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૫/સં.૧૭૫૧, ભાદરવા સુદ ૨) તથા ‘સીતા-રાસ’ (લે.ઈ.૧૭૩૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; દેસુરાસમાળા; ૩. પ્રાકરૂપરંપરા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈન સત્યપ્રકાશ, ઑક્ટોબર ૧૯૪૬-‘જૈન કવિયોંકી સંવાદસંજ્ઞક રચનાયેં’, અગરચંદજી નાહટા;  ૬. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]

બાલ-૪ [                ] : અવટંકે ભટ્ટ. પદ અને ‘સૂરજનો છંદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]

બલચંદ-૧ [ઈ.૧૬૮૯માં હયાત] : જૈન સાધુ. ‘સંગ્રહવેલિ’ (ર.ઈ.૧૬૮૯)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]

બાલચંદ-૨ : જુઓ વિનયપ્રમોદશિષ્ય વિનયલાભ.

બાલચંદ્ર-૧ : જુઓ બાલ-૩.

બાલચંદ્ર-૨ [                ] : જૈન સાધુ. ગુણહર્ષ પંડિતના શિષ્ય. ‘ચૌદશ તિથિની સ્તુતિઓ’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

બાળક(સાહેબ) [જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬/સં.૧૯૬૨, પોષ વદ ૧૧, શનિવાર] : રવિભાણ સંપ્રદયના કવિ. નથુરામના શિષ્ય. જ્ઞાતિએ મેઘવાળ. પિતાનું નામ મૂળદાસ. વતન મારવાડ. પછી બોટાદ નજીક અડાઉ ગામે વસવાટ. પહેલાં નાથસંપ્રદાયના એક સાધુનો ભેટો થતાં જૂનાગઢ-ગિરનારમાં યોગ સધના માટે આવી વસેલા. પાછળથી નથુરામનો ભેટો થયા બાદ રવિભાણ સંપ્રદાયના અનુયાયી બન્યા. ધોરાળામાં જીવતા સમાધિ લીધેલી. હાલમાં તેમનાં ૭ સ્થાનો છે. નિર્ગુણ ઉપાસનાનાં ચારથી ૫ કડીનાં ભજનો (૪ મુ.) તેમની પાસેથી મળ્યાં છે. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૭૮(+સં.). [શ્ર.ત્રિ.]

બાળકદાસ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામમહારાજના શિષ્ય. વતન વડોદરા. સંતરામ મહારાજ માટેની ભક્તિ વ્યક્ત કરતાં, કવચિત હિન્દીની છાંટવાળાં પદો (કેટલાંક મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]

બાળકદાસ-૨ [                ] ત્રિકમદાસના શિષ્ય. કબીર પરંપરાના કવિ. તેમનું ૪ કડીનું ૧ ભજન(મુ.) મળે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ.[કી.જો.]

બિલ્હ/વિલ્હણ : બિલ્હને નામે ‘જિનચંદ્રસૂરિસ્તુતિ (લે.સં.૧૭મી સદી), વિલ્હણને નામે ‘હીરકલશમુનિ-સ્તુતિ’ (લે.સં.૧૭મી સદી) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [કી.જો.]

‘બિલ્હણ-પંચાશિકા’ : દુહા-ચોપાઈની ૧૫૨ કડીની જ્ઞાનાચાર્યની આ કૃતિ (મુ.) સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’ને આધારે રચાયેલી હોવાથી આ નામ પામી છે ને હસ્તપ્રતમાં મૂળ સંસ્કૃત કૃતિની સાથે ૨૦૫ જેટલી કડીઓ રૂપે મળે છે. ‘ચૌર-પંચાશિકા’ને નામે પણ ઓળખાતી, વસંતતિલકા છંદમાં રચાયેલી મૂળ સંસ્કૃત કૃતિ બિલ્હણના આત્મકથન રૂપે છે ને એ કાશ્મીરી કવિની રચના હોય એમ મનાયું છે. આ ઉપરાંત, આ પ્રસંગને લગતી પૂર્વકથાની પણ સંસ્કૃતમાં ‘બિલ્હણ-કાવ્ય’ નાની એક પરંપરા છે (જેનો લાભ જ્ઞાનાચાર્યે લીધો હોવાનો સંભવ છે). એ પરંપરાની સૌથી વધુ પ્રચલિત વાચનામાં અણહિલપુર પાટણના રાજા વૈરસિંહ સાથેનો બિલ્હણનો પ્રસંગ આલેખાયો છે, ત્યારે જ્ઞાનાચાર્યની ગુજરાતી કૃતિમાં પાટણના રાજા પૃથ્વીચંદ્રનો પ્રસંગ છે. એ પોતાની પુત્રી શશિકલાને પંડિત બિલ્હણ પાસે ભણવા મૂકે છે ત્યારે શશિકલા આંધળી છે ને પંડિત કોઢિયો છે એમ કહી બંને વચ્ચે પડદો રખાવે છે. પરંતુ એક વખત આ ભંડો ફૂટી જતાં આ ગુરશિષ્યા પડદો હટાવી એકબીજાને જુએ છે અને પ્રેમમાં પડે છે. બિલ્હણ સાથેની કંદર્પક્રીડાથી શશિકલાના રૂપમાં પરિવર્તન થતાં રાજાને બનેલી હકીકતની જાણ થાય છે ને એ બિલ્હણને શૂળીએ ચડાવવાનો હુકમ કરે છે. પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવાનું કહેતાં બિલ્હણ શશિકલાને જ પોતાની ઇષ્ટદેવતા ગણાવે છે અને એની સાથેની રતિક્રીડાનું સ્મરણ કરે છે. વધસ્થાને લઈ જવાતો બિલ્હણ શશિકલાની નજરે પડતાં, બિલ્હણ મરતાં પોતે મરી જશે એમ કહે છે તેથી અંતે રાજા શશિકલાને બિલ્હણની સાથે પરણાવે છે. ગણેશ-સરસ્વતીની નહીં પણ મકરધ્વજ મહીપતિની વંદનાથી આરંભાતા આ કાવ્યમાં કવિની નેમ પ્રેમનો-કામનો મહિમા સ્થાપિત કરવાનો હોય એમ લાગે છે. કાવ્યનો સૌથી આકર્ષક ભાગ બિલ્હણ પોતાની ઇષ્ટદેવતા શશિકલાનું પચાસેક કડીમાં સ્મરણ કરે છે-જે એના ‘પંચાશિકા’ એ નામને સાર્થક કરે છે - તે છે. તેમાં શશિકલાના સૌંદર્યનું, એના અનેક શૃંગારવિભ્રમોનું ને એની સાથેની રતિક્રીડાનું જે વીગતભર્યુ ઉન્મત્ત પ્રગલ્ભ ચિત્રણ કરે છે તે ગુજરાતી સાહિત્યમાં વિરલ છે. રાવણે સીતાને માટે ૧૦ માથાં આપ્યાં તો હું ૧ માથું આપું એમાં શું ? એમ કહેતા બિલ્હણની ખુમારી પણ સ્પર્શી જાય એવી છે. [ભો.સાં.]

બિહારીદાસ(સંત) [જ.ઈ.૧૭૪૮] : કચ્છના વાંઢાય ગામના વતની. જ્ઞાતિએ કચ્છ ભડિયાની ધલજાતિના રજપૂત. મૂળ નામ વેરોજી. પિતાનું નામ મેઘરાજ. દેવાસાહેબના શિષ્ય. દીક્ષા પછી ‘બિહારીદાસ’ નામ ધારણ કર્યું હતું. તેમણે હિંદી, ગુજરાતી તથા કચ્છીમાં પદ અને ભજન (કેટલાંક મુ.)ની રચના કરી છે. આ ઉપરાંત ‘કૃષ્ણબાલવિનોદ’, ‘ગુરુસ્તુતિ’ તથા ‘પ્રાસ્તાવિક કુંડળિયા’ કૃતિઓ પણ તેમણે રચી હોવાનું મનાય છે. કૃતિ : કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬ (+સં.). સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૨, દુલેરાય કારાણી, સં. ૨૦૨૦; ૨. ગુસારસ્વતો.[કી.જો.]

બુધરાજ/કચરાય [ઈ.૧૫૩૩માં હયાત] : જૈન સાધુ. અવહઠ્ઠાના સંસ્કારવાળી અપભ્રંશસાધન ગુજરાતીમાં ‘મદન-રાસ/મદનયુદ્ધ’ (ર.ઈ.૧૫૩૩/સં. ૧૫૮૯, આસુ સુદ ૧, શનિવાર)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ ભૂલથી આ કૃતિને હિન્દી ગણે છે. આ કૃતિની ૨ હસ્તપ્રતમાં કર્તાનું નામ ‘કચરાય’ હોવાનો નિર્દેશ મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

બુધવિજ્ય [ઈ.૧૭૪૪ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ‘યોગશાસ્ત્ર’ પરના ગદ્ય બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪ પહેલાં)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

બુદ્ધિલાવણ્ય-૧ : જુઓ લાવણ્યસૌભાગ્ય.

બુદ્ધિવર્ધન [                ] : જૈન સાધુ. ૩૪ કડીના ‘ચતુર્વિંશતિજિન પંચકલ્યાણક-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

બુદ્ધિવિજ્ય : આ નામે ‘ઢુંઢકચર્ચા-વિવરણ’ તથા ૨ ‘આત્મ-સઝાય’ મળે છે. તેમના કર્તા કયા બુદ્ધિવિજય છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

બુદ્ધિવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જીવવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬/સં.૧૭૧૨, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

બુદ્ધિવિજ્ય-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૪-૪ કડીની ‘કલ્પસૂત્ર (પર્યુષણ)ની સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

બુદ્ધિસાગર [                ] : જૈન સાધુ. ૬ કડીની ‘પન્નાવણાસૂત્ર-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

બુદ્ધિસાગરશિષ્ય [                ] : જૈન સાધુ. ૧૮ કડીની ‘મનુષ્યભવદૃષ્ટાંત-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

બુદ્ધિસાર [ઈ.૧૪૬૬માં હયાત]: જૈનસાધુ. ૨૮૮ કડીના ‘જંબુસ્વામીભવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૪૬૬)ના કર્તા. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧. [શ્ર.ત્રિ.]

બુલાખીરામ [                ] : બ્રાહ્મણ કવિ. ૪૯ કડીની ‘સાવિત્રીયમ-સંવાદ’(મુ.) કૃતિમાં કવિએ સત્યવાન તથા સાવિત્રીની કથાને સાવિત્રી અને યમના સંવાદ દ્વારા સરળ પણ પ્રાસાદિક રીતે આલેખી છે. કૃતિ : ભજનસાગર : ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ૨૦૦૯ (+સં.).[કી.જો.]

બૂટાજી/બૂટિયો/બૂટો/બૂઢિયો (ભગત) [ઈ.૧૭મી સદી] : જ્ઞાનમાર્ગી વેદાંતી કવિ. કવિ બ્રહ્માનંદના શિષ્ય અને અખાજી (ઈ.૧૭મી સદી)ના ગુરુભાઈ હોવાની માન્યતા પણ પ્રચલિત છે. જાતે સાધુ. બૂટાજીનાં ૧૨ પદ(મુ.) મળે છે. આ પદોમાં કવિની અદ્વૈતવેદાંતનિષ્ઠા તથા આધ્યાત્મિક અનુભવે રણકતી, અત્રતત્ર હિંદીની છાંટવાળી, સુબોધક સંસ્કારપૂત વાણી જોવા મળે છે. કવિની શૈલીમાં સ્વાભાવિકતાની સાથે વેગનો પણ અનુભવ થાય છે. કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. બૃકાદોહન : ૫; ૪. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. પ્રાચીન કાવ્યમંજરી, સં. જેઠાલલ ત્રિવેદી, ઈ.૧૯૬૫;  ૬. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧-‘બૂટિયાના એક પદની વાચના’, સુરેશ હ. જોશી;  ૭. ફૉહનામાવલિ.[ચ.શે.]

બેચર/બેચરદાસ/બહેચર : ‘બેચરના નામે ‘દાણલીલાના સવૈયા’ તથા ‘કક્કો’, ‘બહેચર’ના નામે પદ તથા બહેચરદાસને નામે આઠથી ૧૫ કડીના ૪ ગરબા(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત થતું નથી. કૃતિ : શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રકાકૃતિઓ;  ૩. ગૂહાયાદી.[કી.જો.]

બેહદીન [ઈ.૧૮૨૦માં હયાત] : પ્રકીર્ણ વાર્તાઓ (ર.ઈ.૧૮૨૦)ના કર્તા. સંદર્ભ : ફૉહનામાવલિ. [કી.જો.]

‘બોડાણાનું આખ્યાન’ : ‘રણછોડજીનો સલોકો’ એ અપરનામથી પણ ઓળખાતી કાલિકાના ગરબા જેવી શામળની ‘બોડાણાનું આખ્યાન’(મુ.) કથનાત્મક રચના છે. હાથમાં તુલસી ઉગાડી વરસમાં બેત્રણ વાર દ્વારિકા જઈ તે વડે ભગવાનની સિત્તેર વરસ સુધી પૂજા કરનાર રજપૂત બોડાણાની ઉપર પ્રસન્ન થઈ દ્વારિકાધીશ પોતે તેની પાસે વાહન મંગાવી પોતે તેના સારથિ બની ડાકોર આવ્યા એ ‘સંવત વિક્રમ બરોતર બાર’માં બનેલો કહેવાતો લોકખ્યાત ભક્તિવર્ધક પ્રસંગ સાદી ચોપાઈઓમાં તેમાં વર્ણવાયો છે. ભગવાનની ભક્તવત્સલતાનું તથા બોડાણાદંપતીનું ચિત્રણ એમાં સારું થયું છે. ગંગાબાઈની વાળીથી તોળાતા ભગવાનના કપટીપણાની, તેમને પાછા લેવા આવેલા ગુગળીઓએ કરેલી બીજી રીતે ભગવાનની લીલાની સ્તુતિ બનતી, નિંદા લોકરંજક છે. [અ.રા.]

બ્રહદેવ : જુઓ બ્રેહેદેવ.

બ્રહ્મ : આ નામે ૧૦ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ અને ‘ઉપદેશ-કુશલ-કુલક’ તથા બ્રહ્મભગતને નામે ૧૭ કડીની ‘સાધુગુણ-કુલક’ (લે.સં. ૧૭મી સદી અનુ.) અને ‘કૃષ્ણરાધિકા-બારમાસ’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ છે કે જુદા જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ (અં.), સં. ઉમાકાન્ત પી. શાહ, ઈ.૧૯૭૮;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

બ્રહ્મગિરિ [                ] : જાતે વૈરાગી. ‘બ્રહ્મની આરતી’ઓના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[કી.જો.]

બ્રહ્મજિનદાસ : જુઓ જિનદાસ-૧.

બ્રહ્મદેવ : જુઓ બ્રેહેદેવ.

બ્રહ્મરૂપચંદ : જુઓ (બ્રહ્મ) રૂપચંદ.

બ્રહ્મર્ષિ/વિનયદેવ [જ. ઈ.૧૫૧૧/સં.૧૫૬૮, માગશર સુદ ૧૫, ગુરુવાર-અવ. ઈ.૧૫૯૦] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સુધર્મગચ્છના સ્થાપક. ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ’ પરની વૃત્તિમાં તે પોતાને ચાલુક્યવંશના રાજપૂત અને સાધુરત્ન પંડિતના શિષ્ય પાર્શ્વચંદ્ર-સૂરિના શિષ્ય તરીકે જણાવે છે. ઈ.સ. ૧૫૯૦માં મનજી ઋષિએ રચેલા ‘વિનયદેવસૂરિ-રાસ’ અનુસાર માલવાના આજણોઠ ગામે જન્મ. પિતા સોલંકી રાજા પદ્મરાય. માતા સીતાદે. મૂળનામ બ્રહ્મકુંવર. આંચલિક રંગમંડણઋષિના હસ્તે દીક્ષા. વિજ્યદેવ (બદરરાજ) દ્વારા સૂરિપદ સાથે ‘વિનયદેવ’ નામ મળ્યું. ઈ.૧૫૪૬/સં.૧૬૦૨, વૈશાખ સુદ ૩ ને સોમવારને દિવસે સુધર્મગચ્છ એ નામથી બુરહાનપુરમાં જુદી સમાચારી આદરી. અવસાન બુરહાનપુરમાં. ‘બ્રહ્મ’ કે ‘બ્રહ્મમુનિ’ના નામથી તેમની કૃતિઓ મળે છે. ૧૨૭ કડીની ‘નવતત્ત્વવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૩), ‘મહાનિશીથસૂત્ર’માં આવતા સુસઢના કથાનક પર આધારિત ૨૪૩ કડીની ‘સુસઢ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૭), ૩૦૯ કડીની ‘ચારપ્રત્યેકબુદ્ધ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૪૧; મુ.), દુહા-ચોપાઈબદ્ધ, જેમાં સૂત્રોમાંથી પ્રાકૃત કડીઓ અને કાવ્યસાહિત્યમાંથી સંસ્કૃત શ્લોકો ઉદ્ધૃત કરેલા છે તે સુમતિ અને નાગિલની આછી કથાને નિમિત્તે અનેક વિષયો પરત્વે વિસ્તાર બોધ આપતી, અનેક દૃષ્ટાંતોથી સભર ‘સુમતિ-નાગિલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, આસો સુદ ૭, ગુરુવાર; મુ.); ૪૪ ઢાલ ‘જિનનેમિનાથ-વિવાહલુ/નેમિનાથ-ધવલ’ (ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦, ચૈત્ર સુદ ૧૦), ૪૪ ઢાળની ‘સુપાર્શ્વજિન-વિવાહલો’ (ર.ઈ.૧૫૭૬), ૩૨૫ કડીની ‘ભરતબાહુબલી-રાસ’ (ર.ઈ.૧૫૭૮), ‘અજાપુત્ર-રાસ’, ૩૫૦ કડીની ‘અઢાર પાપસ્થાનક-સઝાય/અઢાર પાપસ્થાન પરિહાર ભાષા/રાસ’(મુ.), ૩૦ કડીની ‘અવંતિ સુકુમાલના ચોઢાલિયાં(મુ.)’, ‘અષ્ટકર્મવિચાર’, ૧૨૪ કડીની ‘અંતકાલઆરધાનાફલ’ ‘આગમસદ્હણા-છત્રીસી’ (મુ.), ‘ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયન-ગીત/ભાસ/સઝાય’ (મુ.), ૬ કડીની ‘કર્મપ્રકૃતિઅધ્યયન-સઝાય’, ‘૨૪ જિન-સ્તવન’, ‘જિનપ્રતિમાસ્થાપના-પ્રબંધ’, ૩૧ કડીનું ‘જિનરાજનામ-સ્તવન’, ‘દશદૃષ્ટાંત-કુલક’, ૮ કડીનું ‘પંચમહાવ્રત પરનું કાવ્ય’, ૧૦૬ કડીની ‘પંચમી પર્યુષણા સ્થાપના-ચોપાઈ’, ૯૨ કડીનો ‘પ્રથમાસ્ત્રવદ્વાર-કુલક’, ‘મિથ્યાત્વ-શલ્ય-પરિહાસ’(મુ.), ‘મૃગાપુત્રચરિત્ર-પ્રબંધ’, ૧૩ કડીની ‘રાજર્ષિ સુકોસલજીની સઝાય’ (મુ.), ૧૯ કડીની ‘રિષભદત્તને દેવાનંદજીની સઝાય’(મુ.), ગદ્યમાં ‘લોકનાલિકા-બાલાવબોધ’ (જેની ૧ પ્રત કવિલિખિત હસ્તપ્રત પરથી ઉતારેલી છે), ૨૯ કડીની ‘વાસુપૂજ્યસ્વામિધવલ’, ‘વૈરાગ્ય-સઝાય’, ૨૮ કડીની ‘શ્રોતા પરીક્ષાની સઝાય’(મુ.), ૨૧૬ કડીનો ‘શાંતિનાથ-વિવાહલો’, ૭ કડીની ‘સમુદ્રપાલ-સઝાય’, ૧૪ ઢાલ અને ૧૩૮ કડીની ‘સાધુવંદના’, ૧૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’, અનેક યાતનાઓ અને કસોટીઓમાંથી શુદ્ધ સ્વરૂપે પસાર થનાર સુદર્શનમુનિનું કથાનક નિરૂપતી ૮૩૯ કડીની ‘સુદર્શન શેઠ-ચરિત્ર/ચોપાઈ’, જૈન આચાર્યોના ટૂંકા ઉલ્લેખ રૂપે પરંપરાગત વૃત્તાંત આપતી ‘સુધર્મગચ્છ પરીક્ષા’(મુ.) અને ‘સૈદ્ધાન્તિકવિચાર’. આટલી રચનાઓ ઉપરાંત તેમનાં કેટલાંક સ્તવનો, સઝાયો, કુલકો અને પ્રાસંગિક કાવ્યો પણ મળે છે. તેમણે ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ’ પર ટીકા, ‘દશાશ્રુત-સ્કંધ’ પર ‘જિનહિતા’ નામની ટીકા અને ‘પખ્ખીસૂત્ર’ પર ટીકા રચી છે. કૃતિ : * સુધર્મગચ્છપરીક્ષા, પ્ર. શ્રાવક રવજી દેસર,-;  ૨. જૈન રાસસંગ્રહ : ૧, સં. મુનિશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦; ૩. દેવચંદ્રજીકૃત આઠ પ્રવચન માતાની સઝાય વગેરે અનેક પદ્યોનો સંગ્રહ, પ્ર. શા. ચતુર્ભુજ તેજપાળ, ઈ.૧૯૨૮; ૪. ષટદ્રવ્ય નયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩; પ. સઝાયસંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ. ૧૯૨૨; ૬. સ્તવનસઝાય સંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૭. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. મરાસસાહિત્ય;  ૭. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ-મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય જ્ઞાનભંડારમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ધવલ સંજ્ઞક સાહિત્ય’, વિજયયતીન્દ્રસૂરિ; ૮. એજન, ફેબ્રુ. ૧૯૪૯-‘કતિપય ધવલ ઔર વિવાહલોકી નઈ ઉપલબ્ધિ’, અગરચંદ નાહટા; ૯. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ-સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૧૦ આલિસ્ટઑઇ : ૨; ૧૧. કૅટલૉગગુરા; ૧૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૩. જૈહાપ્રોસ્ટા; ૧૪. ડિકૅટલૉગભાવિ; ૧૫ મુપુગૂહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

બ્રહ્માનંદ-૧ [ઈ.૧૬૭૫માં હયાત] : ‘નાગસંવાદ’ (ર.ઈ.૧૬૭૫)ના કર્તા. કૃતિ પોરબંદરમાં રચી હોવાનો ઉલ્લેખ મળે છે. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

બ્રહ્માનંદ-૨ [ઈ.૧૭૨૭ સુધીમાં] : ૮૭/૯૪ કડીના ‘કૃષ્ણ-બારમાસા’ (લે.ઈ.૧૭૨૭)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

બ્રહ્માનંદ(સ્વામી)-૩ [જ. ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, મહા સુદ ૫ અવ. ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, જેઠ સુદ ૧૦] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જન્મ આબુ પર્વતની તળેટીમાં આવેલા રાજસ્થાનના શિરોહી રાજ્યના ખાંણ ગામમાં. પૂર્વાશ્રમનું નામ લાડુદાનજી. પિતાનું નામ શંભુદાન ગઢવી. માતાનું નામ લાલુબા. જ્ઞાતિએ ચારણ. નાની ઉંમરે તેમની શીઘ્ર કવિતા કરવાની શક્તિથી પ્રસન્ન થયેલા શિરોહી રાજ્યના રાજવીએ રાજ્યને ખર્ચે ભૂજની કાવ્યશાળામાં મોકલ્યા. ત્યાં શ્રી અભયદાનજી પાસેથી પિંગળ અને અલંકારશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. પછી વિવિધ રાજ્યોના રાજવીઓને પોતાની કાવ્યશક્તિથી મુગ્ધ કર્યા. ઈ.૧૮૦૪માં ભૂજમાં સહજાનંદ સ્વામી સાથે મેળાપ અને તેમનાથી પ્રભાવિત. ઈ.૧૮૦૫માં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સાધુ બન્યા પછીનું નામ શ્રી રંગદાસજી અને પાછળથી બ્રહ્માનંદ. સાધુ બન્યા ત્યારે કુટુંબમાં ઊહાપોહ અને સ્વજનો તરફથી લગ્ન માટે દબાણ. વડોદરાના ગાયકવાડ નરેશ તરફથી રાજકવિ બનવા માટેનું નિમંત્રણ. બંને પ્રલોભનોને વશ ન થયા. ઈ.૧૮૨૩માં સહજાનંદ સ્વામીના આદેશથી વડતાલમાં સ્વામિનારાયણનું મંદિર બંધાવવાની શરૂઆત કરી અને ત્રણેક વર્ષમાં એ કામ પૂરું કર્યું ત્યારપછી જૂનાગઢ અને મૂળીના મંદિર પણ તેમની દેખરેખ નીચે બંધાયાં. મૂળી મંદિરના મહંત બન્યા અને ત્યાં જ એમનું અવસાન થયું. સહજાનંદ સ્વામીના સખા અને શીઘ્રકવિ તરીકે પંકાએલા કવિએ લાડુદાન, શ્રી રંગદાસ અને બ્રહ્માનંદને નામે હિંદી, ચારણી અને ગુજરાતીમાં વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું છે. કવિની લાંબી રચનાઓ મુખ્યત્વે હિંદીમાં છે. ગુજરાતીમાં રચાયેલી કૃતિઓ લગભગ પદો રૂપ છે અને કવિની કવિત્વશક્તિ ગુજરાતીમાં આ પદો(મુ.) પર જ નિર્ભર છે. કવિએ ૮૦૦૦ જેટલાં પદ રચ્યાં હોવાનું મનાય છે, પરંતુ અત્યારે ૨૬૦૦ જેટલાં પદ મુદ્રિત રૂપે મળે છે, જેમાં ગુજરાતી, હિન્દી, ચારણી અને કચ્છી ભાષામાં રચાયેલાં પદોનો સમાવેશ થાય છે. ગરબી, આરતી, થાળ, ભજન વગેરે પ્રકારોમાં મળતાં; ઝૂલણા, ચોપાઈ, હરિગીત, કુંડળિયા, રેણકી જેવા છંદોની દેશીઓમાં રચાયેલાં ને વિવિધ રાગનિર્દેશવાળાં આ પદો પર સાંપ્રદાયિક અસર વિશેષ પ્રમાણમાં દેખાય છે. મંગળા, શણગાર, રાજભોગ, શયન વગેરેનાં જુદે જુદે સમયે મંદિરોમાં થતાં દર્શન કે શરદપૂર્ણિમા, દિવાળી, અન્નકૂટ, એકાદશી વગેરે અનેક સાંપ્રદાયિક ઉત્સવોને વિષય બનાવી મોટી સંખ્યામાં ચૉસરપદો કવિએ રચ્યાં છે. સહજાનંદ સ્વામી સાથે રહી વિવિધ પ્રસંગોએ થયેલા અનુભવો પર આધારિત ઘણી પ્રાસંગિક પદરચનાઓ પણ કવિએ કરી છે, જેમાં સહજાનંદસ્તુતિ મુખ્ય લક્ષ્ય છે. એ સિવાય નરસિંહથી જોવા મળતી પ્રેમલક્ષણાભક્તિનાં પદોની સમૃદ્ધ પરંપરાને અનુસરી કૃષ્ણભક્તિનાં પદ અનેક પદ કવિએ રચ્યાં છે. એમાં ભાગવતનિરૂપિત કૃષ્ણજીવન સાથે સંકળાયેલી વિવિધ સ્થિતિઓ-કૃષ્ણજન્મઉત્સવ, બાળલીલા, દાણલીલા, રાસ, ગોપીનું, ઇજન, ગોપીવિરહ, ઉદ્ધવસંદેશ વગેરે-કાવ્યવિષય બને છે. સાંપ્રદાયિક પ્રભાવને લીધે શૃંગારપ્રીતિનાં પદોમાં નરસિંહ-દયારામ જેવી શૃંગારની પ્રગલ્ભતા નથી, પરંતુ દાણલીલા અને ગોપીઉપાલંભનાં પદોમાં કવિની વિનોદશક્તિ સારી ખીલી ઊઠી છે. કવિએ રચેલાં ભક્તિ ને વૈરાગ્યબોધનાં પદોમાં ભક્તિ પરની અડગ નિષ્ઠા વ્યક્ત કરતાં પદો શૌર્યસભર શૈલીથી વિશિષ્ટ ખુમારીનો અનુભવ કરાવે છે સૌરાષ્ટ્રની બોલીનો રણકો, પ્રાસ-અનુપ્રાસ મેળવવાની સહજશક્તિ, પદરચનાનાં સફાઈ ને માધુર્ય કે ધ્રુવપંક્તિઓનું લયવૈવિધ્ય એમ અભિવ્યક્તિની દૃષ્ટિએ કે વિષયવૈવિધ્યની બ્રહ્માનંદનાં પદો સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતામાં તો મોખરાનું સ્થાન ભોગવે છે. પરંતુ ગુજરાતી પદસાહિત્યમાં પણ વિશિષ્ટ બની રહે છે. ‘શિક્ષાપત્રી’નો ગુજરાતી પદ્યાનુવાદ કે ૭ અધ્યાયમાં સતી સ્ત્રીના ધર્મ વર્ણવતી ‘શ્રી સતીગીતા’ (ર.ઈ.૧૮૨૭) એમની અન્ય ગુજરાતી કૃતિઓ છે. ‘સુમતિપ્રકાશ’, ‘વર્તમાનવિવેક’, ‘ઉપદેશચિંતામણિ’, ‘નીતિપ્રકાશ’, ‘ધર્મસિદ્ધાંત’, ‘બ્રહ્મવિલાસ’, ‘રાસાષ્ટક’ વગેરે એમની હિન્દી ને ચારણીમાં રચાયેલી કૃતિઓ છે. કૃતિ : ૧. બ્રહ્માનંદપદાવલિ, સં. ઈશ્વરલાલ ર. દવે, ઈ.૧૯૭૯ (+સં.); ૨. શ્રી બ્રહ્માનંદકાવ્ય : ૧, સં. રાજકવિ માવદાનજી ભીમજીભાઈ, ઈ.૧૯૬૭ (ત્રીજી આ.) (+સં.); ૩. એજન, સં. કરમશી દામજી અને મોતીલાલ ત્રિ. ફોજદાર, ઈ.૧૯૦૨ (+સં.)  ૪. અભમાલા; ૫. કીર્તન મુક્તાવલિ, સં. બોચાસણવાસી શ્રી અક્ષરપુરષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮ (બીજી આ.); ૬. છંદરત્નાવલિ, સં. વિહારીલાલ મહારાજ અને ભગવતપ્રસાદજી મહારાજ, ઈ.૧૮૮૫; ૭. બૃકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬; ૮. ભસાસિંધુ; ૯. શિવપદસંગ્રહ : ૧, સં. અંબાલાલ શં. પાઠક અને લલ્લુભાઈ કા. પંડ્યા, ઈ.૧૯૨૦; ૧૦. સહજાનંદવિલાસ, સં. ગિરધરલાલ પ્ર. માસ્તર અને હિંમતલાલ બ. સ્વામિનારાયણ, ઈ.૧૯૧૩; ૧૧. હરિચરિત્ર ચિંતામણિ, પ્ર. રાધામનોહરદાસજી, સં. ૨૦૨૦. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩; ૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક. ઈ.૧૯૬૧; ૭. પ્રાકકૃતિઓ; ૮. મસાપ્રવાહ; ૯. સંતસાહિત્યનો સ્વાધ્યાય, હરિપ્રસાદ ત્રિ. ઠક્કર, ઈ.૧૯૭૭; ૧૦. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.);  ૧૧. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૬૨-‘બ્રહ્માનંદનાં કાવ્યો’, રામપ્રસાદ બક્ષી;  ૧૨. ગૂહાયાદી; ૧૩. ડિકૅટલૉગભાવિ. [ચ.મ.]

‘બ્રાહ્મણભક્તવિવાદ’ : દુવૈયા છંદની ૭૦ કડીની દયારામની આ કૃતિ(મુ.)ને કવિએ પોતે ‘નાટક’ તરીકે પણ ઓળખાવી છે એ મધ્યકાળમાં ‘નાટક’ શબ્દના સંકેતની દૃષ્ટિએ નોંધપાત્ર છે. સ્માર્તધર્મનું ખંડન અને વૈષ્ણવધર્મનું મંડન કરવાના ઉદ્દેશથી રચાયેલી આ કૃતિમાં વેદવિહિત કર્મમાર્ગ કરતાં શ્રીકૃષ્ણસેવાભક્તિમાર્ગ ચડિયાતો છે એવું પ્રતિપાદન થયું છે. વૈચારિક ચર્ચાને આહ્લાદક બનાવવા માટે કવિએ વૈષ્ણવાચાર્યને મળવા જતા વિષ્ણુદત્ત અને સ્માર્તધર્મી શિવશંકર એ ૨ બ્રાહ્મણબંધુઓની કલ્પના કરી છે અને એમની વચ્ચેના સરળ રોચક સંવાદ રૂપે કૃતિની રચના કરી છે.[સુ.દ.]

બ્રેહેદેવ/બહદેવ/બ્રહ્મદેવ/વ્રહદેવ [ઈ.૧૫૫૩માં હયાત] : પિતાનામ મહીદાસ. જ્ઞાતિએ વણિક હોવાનો નિર્દેશ મળે છે. સંભવત: વૈષ્ણવ અને સંસ્કૃતજ્ઞ એવા આ કવિએ ૪૦ કડવાં અને ૧૧ પદની ‘ભ્રમર-ગીતા’(ર.ઈ.૧૫૫૩/સં.૧૬૦૯, વૈશાખ સુદ ૧૧, સોમવાર; મુ.) તથા કૃષ્ણકીર્તનનાં પદો (કેટલાંક મુ.)ની રચના કરી છે. નરસિંહ મહેતાની ચાતુરીઓના બંધની અસરને ઝીલતી, ભાગવતના દશમસ્કંધના પ્રસંગને અનુસરતી ‘ભ્રમરગીતા’માં ગોપીઉદ્ધવ વચ્ચેના ભક્તિ-જ્ઞાન પ્રેરિત મર્માળા સંવાદ દ્વારા, રસાર્દ્ર અને વર્ણપ્રાસમાધુર્યવાળી વાણીમાં ગોપીઓના કૃષ્ણવિરહને કવિએ આલેખ્યો છે. રસ, ભાષા અને પદબંધની દૃષ્ટિએ ‘રઢિઆલુ રાસ સોહામણું’ એવી આ ‘ભ્રમર-ગીતા’ મધ્યકાલીન ગુજરાતી ભ્રમરગીતા સાહિત્યમાં કવિનું ગણનાપાત્ર પ્રદાન છે. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ એ બ્રહ્મદેવને નામે મળતી ‘પાંડવી-ગીતા’ (લે.ઈ.૧૮૪૯)ને બ્રેહેદેવની હોવાની સ્વીકાર્યું છે. કૃતિ : ૧. અગુપુસ્તક; ૨. નકાદોહન; ૩. નરસિંહ મહેતાના હારસમાનાં પદ તથા ભ્રમરગીતા, પ્ર. હારી લક્ષુમણ શેટે, ઈ.૧૮૬૬; ૪. પ્રાકામંજરી; ૫. બૃકાદોહન : ૧ (સાતમી આ.); ૬. ભ્રમર ગીતા (કવિ બ્રેહેદેવકૃત) : અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૪. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગ્રંથ, જુલાઈ ૧૯૬૫-ગ્રંથાવલોકન, રમણલાલ ચી. શાહ; ૫. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૫-ગ્રંથાવલોકન, યો. જ. ત્રિપાઠી;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ફૉહનામાવલિ; ૧૦. મુપુગૂહસૂચી.[ચ.શે.]