zoom in zoom out toggle zoom 

< ભારતીયકથાવિશ્વ-૨

ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(Replaced content with "{{SetTitle}} {{Heading| મહાભારતની કથાઓ-૨ | }} * ઇન્દ્ર-દેવસેના અગ્નિસ્કન્દ — કાર્તિકકથા/દેવસેનાકથા * ભાર...")
Tag: Replaced
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
* Bulleted list item


{{Heading| મહાભારતની કથાઓ-૨ |  }}
{{Heading| મહાભારતની કથાઓ-૨ |  }}


{{Poem2Open}}
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઇન્દ્ર-દેવસેના અગ્નિસ્કન્દ — કાર્તિકકથા/દેવસેનાકથા|ઇન્દ્ર-દેવસેના અગ્નિસ્કન્દ — કાર્તિકકથા/દેવસેનાકથા]]
=== ઇન્દ્ર-દેવસેના અગ્નિસ્કન્દ — કાર્તિકકથા/દેવસેનાકથા ===
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મુદ્ગલની કથા|મુદ્ગલની કથા]]
પ્રાચીન કાળમાં દેવતાઓ અને દાનવોનું જે યુદ્ધ થયું તેમાં દાનવો વિજયી થયા. ઇન્દ્ર પોતાની સેનાનો આવો પરાજય જોઈને બહુ દુઃખી થયા, વળી તેમની પાસે સેનાપતિ પણ ન હતા. ઇન્દ્ર વિચારવા લાગ્યા, મહાપરાક્રમી એવો મને સેનાપતિ મળવો જોઈએ, એવો સેનાપતિ પોતાની સેનાની પીછેહઠ જોઈને તેની રક્ષા કરી શકે. આમ વિચાર કરતાં કરતાં તેઓ માનસ નામના પર્વત પર ગયા. ત્યાં તેમના કાને કોઈ રડતી સ્ત્રીનો અવાજ સંભળાયો, તે રડતાં રડતાં કહેતી હતી, ‘કોઈ આવો, મારી રક્ષા કરો, મને બચાવો. મને કોઈ યોગ્ય પતિ બતાવો, અથવા પતિ બનો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/સત્યવાન અને સાવિત્રીની કથા|સત્યવાન અને સાવિત્રીની કથા]]
ઇન્દ્રે તેની પાસે જઈને કહ્યું, ‘તું ગભરાઈશ નહીં. ડરવાની કોઈ જરૂર નથી.’ આમ બોલતા હતા અને ત્યાં સામે કેશીને ઊભેલો જોયો.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/પરપુરંજયની કથા|પરપુરંજયની કથા]]
ઇન્દ્રના હાથમાં ગદા, માથે મુગટ હતા; ધાતુવાળા પર્વત જેવા તે દેખાતા હતા, એ કન્યાનો હાથ પકડીને ઊભેલા કેશીને ઇન્દ્રે કહ્યું, ‘અરે નીચ, તું આ કન્યાનું અપહરણ કેમ કરવા માગે છે? હું વજ્રધારી ઇન્દ્ર છું, આને હેરાન કરવાનું બંધ કર.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/હવે બ્રાહ્મણોની મહાનતાની બીજી કથા|હવે બ્રાહ્મણોની મહાનતાની બીજી કથા]]
કેશીએ ઉત્તર આપ્યો, ‘હે પાકશાસન ઇન્દ્ર, તું આ કન્યાનો હાથ મૂકી દે. હું તેની સાથે લગ્ન કરવા માગું છું. તને જો જીવ વહાલો હોય તો આને છોડીને તારે ઘેર જતો રહે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દીર્ઘાયુષ્ય કોનું?|દીર્ઘાયુષ્ય કોનું?]]
આમ કહીને ઇન્દ્રને મારવા કેશીએ ગદા ઉગામી, સામેથી આવતી ગદાને ઇન્દ્રે વજ્ર વડે અધવચ્ચેથી જ કાપી નાખી. હવે કેશીએ ગુસ્સે થઈને ઇન્દ્રને મારવા પર્વતનું એક શિખર ફેંક્યું. એ શિખરને પણ ઇન્દ્રે વજ્રથી કાપી નાખ્યું. શિખર ધરતી પર પડતાં પડતાં કેશીના માથા પર વાગ્યું. એટલે કેશી ભારે વેદના અનુભવતો તે ભાગ્યવતી કન્યાને ત્યાં જ મૂકીને ભાગી ગયો. તે ભાગી ગયો એટલે ઇન્દ્રે કહ્યું, ‘હે સુંદરી, તું કોણ છે? કોની પુત્રી છે? અહીં શું કરતી હતી?’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/જનક અને સુલભાની કથા|જનક અને સુલભાની કથા]]
‘હું પ્રજાપતિની પુત્રી દેવસેના, મારી એક બહેન દૈત્યસેના, એનું અપહરણ પહેલેથી જ કેશી કરી ગયો હતો, અમે પ્રજાપતિની આજ્ઞા લઈને આ માનસ પર્વત પર હમેશા રમવા આવતી હતી. આ મહાબળવાન કેશી અમારા બંનેનું અપહરણ કરવા માગતો હતો. મારી બહેન દૈત્યસેના કેશી સાથે રહેવા માગતી હતી, પણ હું નહીં. એ દૈત્યસેનાને તો ઉપાડી ગયો, તમે મને એના પંજામાંથી છોડાવી લીધી. હવે તમારી આજ્ઞાથી કોઈ બળવાન મારો પતિ થાય એવું ઇચ્છું છું. હું તો અબળા છું, મારા પિતાએ મને વરદાન આપ્યું હતું. તારો પતિ મહાબળવાન હશે. તેને બધા દેવ-રાક્ષસો નમશે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઇન્દ્ર, ત્રિશિરા, વૃત્રાસુર કથા, નહુષ (ઇન્દ્રવિજય ઉપાખ્યાન)|ઇન્દ્ર, ત્રિશિરા, વૃત્રાસુર કથા, નહુષ (ઇન્દ્રવિજય ઉપાખ્યાન)]]
ઇન્દ્રે પૂછ્યું, ‘તારો પતિ કેવો બળવાન હશે તે તું મને કહે જોઈએ.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કેશિની અને સુધન્વાની કથા|કેશિની અને સુધન્વાની કથા]]
‘દેવતા, દાનવ, યક્ષ, કિન્નર, સાપ, રાક્ષસ, દુષ્ટ, દૈત્યને જીતી શકે એવો બળવાન. તમારા સહિત બધાં પ્રાણીઓ પર વિજય મેળવે, બ્રાહ્મણોનો ભક્ત અને કીતિર્વાન હોય.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દમ્ભોદ્ભવની કથા|દમ્ભોદ્ભવની કથા]]
દેવસેનાની આવી ઇચ્છા જાણીને ઇન્દ્ર તો મુંઝાઈ ગયા. ‘આ કન્યાને જેવો પતિ જોઈએ છે તેવો તો કોઈ છે જ નહીં. તે જ વેળાએ સૂર્ય જેવા તેજસ્વી ઇન્દ્રે સૂર્યોદય જોયો અને સૂર્યમાં પ્રવેશતા ચંદ્રને જોયો. તે દિવસે અમાસ હતી, રૌદ્ર મુહૂર્ત હતું. ઉદયાચલ પર દેવ-દાનવોને લડતા જોયા. રાતાં વાદળોથી ભરચક સવારની સંધ્યા જોઈ, તેમણે સમુદ્રને પણ રાતા પાણીથી ભરેલો જોયો. ભૃગુ અને અંગિરાએ આપેલી અનેક મંત્રયુક્ત આહુતિઓ સ્વીકારીને અગ્નિને સૂર્યમાં પ્રવેશતો ઇન્દ્રે જોયો. તે વેળા ચોવીસ પર્વ પણ સૂર્ય સામે આવી ગયા, તે વેળા રૌદ્ર, ધર્મ, સૂર્ય, ઇન્દ્ર એકાકાર થઈ ગયા. સૂર્ય-ચંદ્રને એકબીજામાં ભળેલા જોઈ ઇન્દ્ર બહુ વિચાર કરવા લાગ્યા. આ સૂર્ય, ચંદ્ર, અગ્નિનું મિલન બહુ અદ્ભુત અને ભયાનક છે. આ ચંદ્રનો પુત્ર દેવસેનાનો પતિ બની શકે. અગ્નિ સર્વગુણસંપન્ન છે, અગ્નિ પણ દેવતા છે. જો અગ્નિ કોઈ રીતે ગર્ભ ધારણ કરે તો તે આ કન્યાનો પતિ બની શકે. આમ વિચારીને ઇન્દ્ર બ્રહ્મલોક ગયા, દેવસેનાને આગળ કરીને બ્રહ્માને બધી વાત કરી. આ કન્યાનો પતિ થઈ શકે એવી કોઈ શૂરવીર વ્યક્તિ બતાવવા પણ કહ્યું.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/માતલિ જમાઈની શોધમાં|માતલિ જમાઈની શોધમાં]]
બ્રહ્માએ કહ્યું, ‘તમે જે વિચારો છો એ પ્રમાણે જ થશે, એક બળવાન બાળકનો જન્મ થવાનો છે. તે તમારો સેનાપતિ થશે. એ જ આ કન્યાનો પતિ થશે. આ સાંભળી ઇન્દ્રે અને દેવસેનાએ બ્રહ્માને પ્રણામ કર્યા. પછી ઇન્દ્ર વસિષ્ઠ અને બીજા બ્રાહ્મણો હતા ત્યાં ગયા. તે યજ્ઞમાં મળનારા સોમભાગને લેવા ઇન્દ્ર અને બીજા દેવતાઓ ગયા. વિધિ વિધાન પ્રમાણે યજ્ઞમાં જ્યાં અગ્નિ પ્રગટ્યો ત્યાં બધા ઋષિઓ દેવતાઓ માટે આહુતિ આપવા લાગ્યા. પછી સૂર્યમંડલમાંથી અદ્ભુત અગ્નિને આમંત્રણ આપ્યું. તેનો સ્વીકાર કરીને અગ્નિ ત્યાં આવ્યા. બધા બ્રાહ્મણોએ મંત્રો ભણીને આહુતિ આપી. અગ્નિએ એનો સ્વીકાર કરીને બધા ઋષિઓને અને દેવતાઓને ભાગ આપ્યો. યજ્ઞ સમાપ્ત થયા પછી અગ્નિએ વિદાય લેતાં લેતાં ઋષિપત્નીઓને પોતાના આશ્રમમાં સૂતેલી જોઈ, કાંચનવર્ણી, ચંદ્રકળા જેવી, અગ્નિજ્વાળા જેવી તેજસ્વી એ સુંદર સ્ત્રીઓને જોઈને અગ્નિ કામાતુર બની ગયા, ઋષિપત્નીઓમાં આસક્ત થઈ ગયા, તેમના મન પરનો કાબૂ જતો રહ્યો. પછી અગ્નિએ વિચાર્યું, હું જે રીતે કામવશ થયો તે બહુ ખોટું કહેવાય; આ બ્રાહ્મણસ્ત્રીઓ પતિવ્રતા છે, કામરહિત છે. તેમની કામના કરવી ન જોઈએ અને છતાં હું તેમની કામના કરી રહ્યો છું. કોઈ કારણ વિના તેમને જોઈ ન શકું, તેમને સ્પર્શી ન શકું. એટલે ગૃહસ્થઅગ્નિમાં પ્રવેશીને તેમને વારંવાર જોઈ શકીશ. આમ વિચારી અગ્નિ તેમાં પ્રવેશ્યા અને પોતાની જ્વાળાઓથી તે કાંચનવર્ણી સ્ત્રીઓને સ્પર્શવા લાગ્યા, તેમનું રૂપ જોઈને પ્રસન્ન થઈ ગયા. આમ ઘણા દિવસો ત્યાં રહેવાથી તે સ્ત્રીઓમાં તેમનું મન પરોવાઈ ગયું, એ સ્ત્રીઓના વશમાં આવી ગયા. જ્યારે તેઓનું હૃદય કામથી પ્રજ્વળવા લાગ્યું ત્યારે તેમણે શરીરત્યાગ કરવાનો નિર્ધાર કર્યો, પણ જ્યારે બ્રાહ્મણોની સ્ત્રીઓ તેમને પ્રાપ્ત ન થઈ ત્યારે તેઓ વનમાં જતા રહ્યા. સ્વાહા નામની દક્ષપુત્રી આરંભે અગ્નિ સાથે લગ્ન કરવા માગતી હતી. તે ઘણા વખતથી અગ્નિની નબળાઈ શોધી રહી હતી. પણ અગ્નિ હમેશાં સાવધાન રહેતા હતા. સ્વાહા તેમનામાં કોઈ નબળાઈ શોધી ન શકી. જ્યારે તેને જાણ થઈ કે અગ્નિ કામવશ થઈને વનમાં જતા રહ્યા છે ત્યારે તેને થયું કે હવે અગ્નિ કામાંધ થયા છે. હું સાતેય ઋષિઓની પત્નીનું રૂપ લઈને તેમની સામે જઉં, તેઓ એ અવસ્થામાં મને જોેશે ત્યારે રૂપ અને કામથી મોહવશ થઈ જશે. એટલે મને અગ્નિનો પ્રેમ મળશે અને મારું કાર્ય પણ થશે.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિશ્વામિત્ર-ગાલવ-માધવીની કથા|વિશ્વામિત્ર-ગાલવ-માધવીની કથા]]
અંગિરા ઋષિની સ્ત્રીનું નામ શિવા હતું. રૂપે-ગુણે-શીલે તે સંપૂર્ણ હતી. સ્વાહાએ સૌથી પહેલાં એનું જ રૂપ લીધું અને વનમાં અગ્નિ પાસે ગઈ. ‘હે અગ્નિ, હું કામવિહ્વળ છું, મારી ઇચ્છા પાર પાડો. જો આવું નહીં થાય તો હું મૃત્યુ પામીશ. હું અંગિરા ઋષિની પત્ની શિવા છું, ઋષિઓની પત્નીઓએ સંમત થઈને મને તમારી પાસે મોકલી છે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિદુરોપાખ્યાન|વિદુરોપાખ્યાન]]
અગ્નિએ કહ્યું, ‘તેં જે ઋષિપત્નીઓની વાત કરી તેમણે તથા તેં કેવી રીતે જાણ્યું કે હું કામવશ થયો છું.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/અંબોપાખ્યાન|અંબોપાખ્યાન]]
શિવાએ કહ્યું, ‘તમે અમને પહેલેથી બહુ ગમો છો પણ અમને તમારી બીક બહુ લાગે છે. તમારા સંકેતો વડે અમો પામી ગયા. એટલે બધી ઋષિપત્નીઓએ મને તમારી પાસે મોકલી છે, અત્યારે હું કામતપ્ત છું. મારી સાથે સમાગમ કરો, મારી સાથે વિહાર કરી લો, મારી માતાઓ મારી રાહ જોઈ રહી છે, મારે જલદી પાછા જવું છે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મૃત્યુ|મૃત્યુ]]
એટલે રાજી થઈને અગ્નિએ સ્વાહા સાથે સમાગમ કર્યો, સ્વાહાએ પણ એ સુખ માણ્યું. અગ્નિનું સ્ખલિત થયેલું વીર્ય સ્વાહાએ હાથમાં ઝીલી લીધું. પછી તે વિચારવા લાગી, વનમાં મને આવા વેશે કોઈ જોઈ લેશે તો ઋષિપત્નીને વ્યભિચારિણી સમજશે, અને અગ્નિને અપરાધી ગણશે. એટલે હવે હું ગરુડીનું રૂપ ધરીને આ વનમાંથી નીકળી પડીશ.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/સૃંજય-પર્વત-નારદની કથા|સૃંજય-પર્વત-નારદની કથા]]
આમ વિચાર કરીને સ્વાહા ગરુડીનું રૂપ લઈને વનમાંથી નીકળી પડી. રસ્તામાં તેણે એક શ્વેત પર્વત જોયો. ત્યાં ઝેરીલા સાત ફણાળા સાપ હતા. રાક્ષસ, પિશાચ, ભૂત, રાક્ષસીઓ, વનજંતુઓ અને અનેક પ્રકારના પક્ષીઓ હતાં.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ત્રિપુરાસુરની કથા|ત્રિપુરાસુરની કથા]]
તે પર્વત ઉપર માંડમાંડ જઈ શકાય, છતાં સ્વાહા ત્યાં ગઈ અને તેણે એક સુવર્ણકુંડમાં વીર્ય ઠાલવી દીધું. આ પ્રકારે સ્વાહાએ બધી ઋષિપત્નીઓનું રૂપ લઈને તેણે અગ્નિ સાથે વિહાર કર્યો, પરંતુ તે વસિષ્ઠની પત્ની અરુન્ધતીનું રૂપ લઈ ન શકી. અરુન્ધતી ખૂબ જ તપસ્વી હતી, અને પતિવ્રતા પણ હતી. આમ અગ્નિની કામના કરનારી સ્વાહાએ છ વખત પડવાના દિવસે અગ્નિનું વીર્ય એક સુવર્ણકુંડમાં ઠાલવી દીધું. તે વેળા અગ્નિના સ્ખલિત વીર્યમાંથી એક પુત્ર પ્રગટ્યો, બધા ઋષિઓએ તેની પૂજા કરી. સ્ખલિત વીર્યથી તે પ્રકટ્યો એટલે તેનું નામ સ્કન્દ પડ્યું.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/હંસ અને કાગડાની કથા|હંસ અને કાગડાની કથા]]
એ બાળકને છ મોં, બાર હાથ, બાર આંખો હતાં, ત્રણ ગળાં અને બાકીનું શરીર એક જ હતું. દ્વિતીયાના દિવસે તે પિંડ રૂપે રહ્યો, તૃતીયાએ બાળક થઈ ગયો, ચોથને દિવસે બધા અંગ અલગ અલગ થઈ ગયાં. તે સમયે વીજળીઓ સમેત લાલ લાલ મેઘ આકાશમાં દેખાવા લાગ્યા; સવારે સૂર્યોદય વખતે તે જેવી રીતે લાલ દેખાય તેવી રીતે બાળક લાલ લાલ દેખાવા લાગ્યો. જન્મતાંવેંત તેણે ધનુષ ધારણ કરી લીધું, એ ધનુષ જોઈને જ લોકો તો થથરી ઊઠતા હતા. ત્રિપુરાસુરનો વધ કરતી વખતે આ ધનુષ શિવે સજ્જ કર્યું હતું. આ ધનુષની પણછ ખેંચીને કાર્તિકેય મોટેથી ગરજતા હોય એવો અવાજ સાંભળીને ચિત્ર અને ઐરાવત નામના હાથી દોડ્યા. સૂર્ય સમાન તેજસ્વી બાળકે તેમને આવતા જોઈને એક હાથે તેમને પકડી લીધા. એક હાથ વડે શક્તિ અને બીજા હાથ વડે પ્રાણીઓ ઝાલી લીધા અને તેમની સાથે રમત માંડી. ચીસો પાડી. પછી પરાક્રમી સ્કંદે બંને હાથ વડે શંખ પકડીને ફૂંક્યો એટલે બધાં બળવાન પ્રાણીઓ ડરી ગયાં, બંને હાથ વડે આકાશને મારતા હતા. જાણે ત્રણે લોકને ગ્રસી જશે એવું લાગવા માંડ્યું, ઉદયાચલ પર્વત પર સૂર્ય શોભે તેમ કાર્તિકેય શોભી ઊઠ્યા. તે પર્વત પર બેસીને બધી દિશાઓને જોવા લાગ્યાં અને ઘણું બધું જોઈને ફરી ગરજવા લાગ્યા. એ સાંભળીને બધાં પ્રાણીઓ ડરી ગયાં અને તેમને શરણે ગયાં. જે જુદા જુદા વર્ણવાળા સ્કન્દના શરણે ગયા અને બ્રાહ્મણોએ પાર્ષદ કહ્યા. કાર્તિકેય બધાંને ધીરજ આપીને ઊભા થયા અને ધનુષ સજ્જ કરીને શ્વેત પર્વતની દિશામાં ઘણા બાણ છોડ્યા. પોતાના બાણો વડે હિમાલયના પુત્ર કૌંચ પર્વતને વીંધી નાખ્યો. એટલે ત્યાં રહેતા હંસ અને ગીધ મેરુ પર્વત પર જતા રહ્યા. તેમનાં બાણોથી કૌંચ પર્વત ધડાકા સાથે ધરતી પર પડી ગયો, એમના અવાજથી બીજા પર્વતો પર પણ ભયાનક અવાજ થવા લાગ્યા.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/બલાક વ્યાધની કથા|બલાક વ્યાધની કથા]]
પુષ્કળ શક્તિ ધરાવતા કાર્તિકેય એ ભયાનક અવાજ સાંભળીને જરાય ડર્યા નહીં. અને ફરી ગરજવા લાગ્યા. પોતાની વિપુલ શક્તિ શ્વેત પર્વત પર ફેંકી, એટલે પર્વતનું શિખર તૂટી ગયું. બાણ અને શક્તિ લાગવાથી તે પર્વત ગભરાઈને ધરતી ત્યજીને આકાશમાં ઊડી ગયો. પૃથ્વી પણ ઘવાઈ ઘવાઈને ચારે બાજુ પડવા લાગી. તે પણ બહુ દુઃખી થઈ ગઈ. લાચાર થઈને કાર્તિકેયની શરણે ગઈ, ફરી પાછી તે બળવાન થઈ ગઈ. પછી બધા પર્વતોએ તેમને પ્રણામ કર્યા અને ધરતી પર બેસી ગયા. પછી શુક્લપક્ષની પાંચમે બધાએ કાર્તિકેય સ્વામીને જોયા. લોકહિત કરનારા મહા ઋષિઓએ આ ભયાનક ઉત્પાતો જોયા ત્યારે બધા ઋષિ ગભરાઈને શાન્તિ શાન્તિ બોલવા લાગ્યા. જે ઋષિઓ તે ચૈત્રરથ વનમાં રહેતા હતા તે બધા કહેવા લાગ્યા, આ અગ્નિએ આપણા માટે ભયાનક અનર્થ કર્યો છે. અગ્નિએ છ ઋષિઓની પત્નીઓ વડે આ બાળકને જન્મ આપ્યો છે. જેમણે સ્વાહા દેવીને ગરુડી રૂપે જતી જોઈ હતી તેઓ કહેવા લાગ્યા કે તેં જ આ અનર્થ કર્યો છે. પણ કોઈને ખબર ન હતી કે આ બધી લીલા સ્વાહાની જ હતી. જ્યારે તે ગરુડીએ આ બધું સાંભળ્યું, આ તો મારો જ પુત્ર છે, ત્યારે કાર્તિક સ્વામી પાસે જઈને કહેવા લાગી, હું જ તારી મા છું. મારો જ પુત્ર છે, ત્યારે છયે ઋષિઓએ પોતાની પત્નીઓને ત્યજી દીધી, પણ વસિષ્ઠ ઋષિએ પોતાની પત્ની અરુન્ધતીનો ત્યાગ ન કર્યો. જ્યારે બધા વનવાસીઓ કહેવા લાગ્યા કે છ ઋષિપત્નીઓએ એક પુત્રને જન્મ આપ્યો છે ત્યારે સ્વાહાએ સાત ઋષિઓ પાસે જઈને કહ્યું કે આ પુત્ર તો મારો છે. પણ તેની વાત કોઈ ઋષિએ માની નહીં. દરેક જણ એમ જ કહેવા લાગ્યું કે અમે આ વાત નથી જાણતા.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કૌશિક બ્રાહ્મણની કથા|કૌશિક બ્રાહ્મણની કથા]]
આ બધી ઘટના વિશ્વામિત્ર ઋષિ સારી રીતે જાણતા હતા, તેમણે સપ્તષિર્ઓના યજ્ઞમાં અગ્નિને કામવશ થયેલો જોયો હતો. અગ્નિની પાછળ પાછળ તેઓ છાનામાના ગયા પણ હતા. ત્યાં સ્વાહાનું પરાક્રમ પણ જોયું હતું. આ બધી વાત તેમણે સપ્તષિર્ઓને કરી. પછી વિશ્વામિત્ર કાર્તિકેય પાસે ગયા, અને તેમના માટે એક સ્તોત્ર પણ બનાવ્યું. તેમણે સ્વામી કાર્તિકેયના જાતકર્મ, સંસ્કાર, મંગલ કર્મ પણ કર્યાં.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કર્ણને બ્રાહ્મણનો શાપ|કર્ણને બ્રાહ્મણનો શાપ]]
વિશ્વામિત્ર મુનિએ આ સઘળું લોકહિત માટે કર્યું એટલે વિશ્વામિત્ર મુનિ સ્વામી કાર્તિકેયના ખૂબ જ માનીતા બની ગયા. આ ઋષિએ સપ્તષિર્ઓને તેમની પત્નીઓની નિર્દોષતાની વાત કરી. ઋષિઓએ વિશ્વામિત્ર ઋષિની વાત સાંભળ્યા પછી, તેમની સ્ત્રીઓ નિર્દોષ હતી તો પણ લોકાપવાદના ભયથી પાછી ન જ સ્વીકારી.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/અધમ પ્રદેશોની ગતિવિધિ|અધમ પ્રદેશોની ગતિવિધિ]]
દેવતાઓને જ્યારે જાણ થઈ કે કાર્તિક સ્વામી જન્મ્યા છે ત્યારે તેમણે ઇન્દ્ર પાસે જઈને કહ્યું, ‘કાર્તિકેય તો બહુ બળવાન છે. તેને જીતી લો, વિલંબ ન કરતા, જો તેને નહીં જીતો તો તે ઇન્દ્ર બની જશે. આપણા સમેત ત્રણે લોક જીતી લેશે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ત્રિત અને તેના ભાઈઓની કથા|ત્રિત અને તેના ભાઈઓની કથા]]
એટલે ઇન્દ્ર વ્યથિત થઈને બોલ્યા, ‘આ બાળક બહુ બળવાન છે. યુદ્ધમાં તો તે પ્રજાપતિ બ્રહ્માને પણ હરાવશે. એટલે બધી લોકમાતાઓ તેમની પાસે જઈને તેના બળનો નાશ કરે.’ બધી લોકમાતા તેમની વાત માનીને કાર્તિક પાસે ગઈ પણ તેનું અનંત બળ જોઈને હતાશ થઈ ગઈ, એને જીતી નહીં શકાય એમ માનીને તેની શરણાગતિ સ્વીકારી લીધી. પછી બોલી, ‘હે બળવાન કાર્તિક, તું અમારો પુત્ર થા. અમે જગતને ધારણ કરીએ છીએ, અમે તારા પ્રેમમાં ડૂબેલી છીએ. તું અમારો સત્કાર કર.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મંકણક ઋષિની કથા|મંકણક ઋષિની કથા]]
સ્કંદે બધી માતાઓની પૂજા કરી. તે જ વખતે મહાબળવાન સ્કંદે પોતાના પિતા અગ્નિને આવતા જોયા. તેમણે પણ કાર્તિકની બહુ પ્રશંસા કરી, લોકમાતાઓની સાથે તે ત્યાં બેસીને બધી બાજુએથી કાર્તિકની રક્ષા કરવા બેઠા. લોકમાતાઓના ક્રોધમાંથી પ્રગટેલી સ્ત્રી હાથમાં ત્રિશૂલ લઈને પોતાના પુત્રને રક્ષે તેમ કાર્તિકને રક્ષવા લાગી. લાલ સમુદ્રની કન્યા પણ કાર્તિકની પુત્રવત્ રક્ષા કરવા લાગી. તે બહુ ક્રૂર હતી અને લોહી પીનારી હતી. નૈગમેય નામનો અગ્નિ બકરાનું રૂપ લઈને તે બાળકને રમાડવા લાગ્યો.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મહોદર મુનિની કથા|મહોદર મુનિની કથા]]
ગ્રહ, ઉપગ્રહ, ઋષિઓ, લોકમાતાઓ, અગ્નિ વગેરે દેવતા, પાર્ષદો આનંદ પામ્યા. આ અને બીજા બધા દેવતા, લોકમાતાઓ કાર્તિકની આજુબાજુ બેસી ગઈ. હવે દેવરાજ ઇન્દ્રને પોતાના વિજય વિશે શંકા થવા માંડી, ઐરાવત પર ચઢીને, બધા દેવતાઓને સાથે રાખીને કાર્તિકેયને મારવાની ઇચ્છાથી તેની સામે આવ્યા. કાર્તિકેયે મહાઉગ્ર, તેજસ્વી, મનોવેગી, ચિત્રવિચિત્ર ધ્વજાવાળી, ધનુર્ધારીઓવાળી સેના જોઈ. એ સેનાને હરાવવા માટે તેઓ ઇન્દ્રની સામે ગયા. મહાબળવાન ઇન્દ્રે કાર્તિકને આવતા જોઈ તેમને પરાજિત કરવાની ઇચ્છાથી, દેવતાઓને આનંદિત કરવા માટે જોરજોરથી ગરજવા લાગ્યા. ઇન્દ્રની ગર્જના સાંભળીને બધા ઋષિઓ અને દેવતા તેમની પૂજા કરવા લાગ્યા. ઇન્દ્ર કાર્તિક સામે જઈ પહોંચ્યા, ત્યાં જઈને ઇન્દ્રે દેવતાઓની સાથે સિંહગર્જના કરી. એ સાંભળીને કાર્તિક પણ સમુદ્રની જેમ ગરજ્યા. એ સાંભળીને દેવોની સેના ગભરાઈ ગઈ અને સુધબુધ ગુમાવીને આમતેમ ભટકવા લાગી. અગ્નિપુત્ર કાર્તિકેયે જોયું કે દેવતાઓ મારવા આવ્યા છે ત્યારે તેમણે મોંમાંથી ભયાનક અગ્નિજ્વાળા તેમની સામે ફેંકી.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વસિષ્ઠ-વિશ્વામિત્ર-સરસ્વતીકથા|વસિષ્ઠ-વિશ્વામિત્ર-સરસ્વતીકથા]]
દેવતાઓની સેના સળગી સળગીને, પૃથ્વી પર પડવા લાગી. કોઈનું મસ્તક, કોઈનું શરીર, કોઈનું વાહન, કોઈનું શસ્ત્ર — આ બધું સળગવા લાગ્યું. ખરતા તારાઓની જેમ દેવતાઓ ધરાશાયી થવા માંડ્યા. સળગતા દેવતાઓ કાર્તિકેયને શરણે ગયા. જ્યારે દેવતાઓએ ઇન્દ્રને ત્યજી દીધા તો યુદ્ધવિરામ થઈ ગયો. પછી ઇન્દ્રે કાર્તિકેય પર વજ્ર ઉગામ્યું. તે વજ્ર કાર્તિકેયના જમણા ખભે વાગ્યું. સ્કંધનો બાહુ કપાઈ ગયો. ત્યારે તેમના ખભામાંથી એક પુરુષ જન્મ્યો. તેણે સોનાનું કવચ અને દિવ્ય કુંડળ પહેર્યા હતા. વજ્ર લાગવાથી તે પુરુષ જન્મ્યો તેનું નામ વિશાખ પડ્યું. ઇન્દ્રે કાલાગ્નિ જેવા બીજા પુરુષને જોયો. એટલે પછી હાથ જોડીને ઇન્દ્ર કાર્તિકની શરણે ગયા. કાર્તિકે તેમને અને તેમની સેનાને અભયદાન આપ્યું. દેવતાઓએ રાજી થઈને વાજિંત્રો વગાડ્યાં.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઉચાવતીની અને અરુન્ધતીની કથા|ઉચાવતીની અને અરુન્ધતીની કથા]]
કાર્તિકના પાર્ષદો વિચિત્ર રૂપવાળા હતા. તેમનો જન્મ કાર્તિકને વજ્ર લાગવાથી થયો હતો. આ કઠોર પાર્ષદો, બાળકોનો તથા ગર્ભોનો નાશ કરે છે. વજ્ર લાગવાથી કાર્તિકેયના શરીરમાંથી કન્યાઓ પણ પ્રગટી હતી. આ કુમારોએ વિશાખને પોતાના પિતા માન્યા. પછી વિશાખ બકરાનું મોં ધરાવીને કન્યાઓ તથા કુમારોથી વીંટળાઈને કાર્તિકેયની રક્ષા કરવા લાગ્યા. વિશાખને જોવા આવેલા માતૃગણ ભદ્રશાખ અને કૌસલ નામથી પ્રસિદ્ધ થયા. ત્યારથી બધા લોકોએ કાર્તિકને બધાં બાળકોના પિતા માની લીધા. અગ્નિ અને રુદ્રને સ્કંદના પિતા માને છે, સ્વાહા તથા ઉમાને તેમની માતા માને છે. પુત્ર કે પુત્રીની ઇચ્છા-કરનારા કાર્તિકેય પાસે જઈને તપો નામના અગ્નિથી ઉત્પન્ન થયેલી કન્યાઓ કાર્તિકેય પાસે જઈને કહેવા લાગી, ‘હે કાર્તિકેય, તમારી કૃપાથી અમે બધા લોકોની ઉત્તમ માતાઓ બનીએ, અમે પૂજનીય બનવા માગીએ છીએ. અમારી આ ઇચ્છા પાર પાડો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ચન્દ્ર અને રોહિણીની કથા|ચન્દ્ર અને રોહિણીની કથા]]
કાર્તિકેયે કહ્યું, ‘સરસ. તમે વહેંચાઈ જાઓ, તમે અડધી શિવા બનો, અડધી અશિવા બનો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દેવલ મુનિની કથા|દેવલ મુનિની કથા]]
આ લોકમાતાઓ કાર્તિકેયને પોતાનો પુત્ર માનીને જતી રહી. એમાં કાકી, હલિમા, રુદ્રા, બૃહલી, આર્યા, પલાલા અને મિત્રા બધા શિશુઓની માતા ગણાય છે. સ્કંદની કૃપાથી શિશુ નામનો પુત્ર થયો, તે બહુ ભયંકર લાલ નેત્રવાળો અને દારુણ હતો. આમ આઠ થયા, છાગમુખ અગ્નિ સાથે નવ.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દધીચ અને સરસ્વતી|દધીચ અને સરસ્વતી]]
કાર્તિકેયના છ મોઢામાં વચ્ચે બકરાનું મુખ છે, લોકમાતાઓ સદા તેની પૂજા કરે છે. છ મુખોમાં તે જ ઉત્તમ છે. ભદ્રશાખે એના જ વડે દિવ્ય શક્તિનું સર્જન કર્યું હતું. આ બધી ઘટના શુક્લ પક્ષની પાંચમે થઈ અને છઠને દિવસે મહાભયાનક યુદ્ધ થયું.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વૃદ્ધ કન્યાની કથા|વૃદ્ધ કન્યાની કથા]]
મહાતેજસ્વી કાર્તિકેય સુવર્ણમાળા, કવચ, મુકુટ પહેરીને બેઠા હતા. તેમની આંખો લાલચોળ હતી. લાલ વસ્ત્રધારી, તીક્ષ્ણ દાંત, લક્ષણવંતા, ત્રણે લોકોમાં પ્રિય, વરદાન આપનારા, ધનુર્ધારી કાર્તિકેયની સેવા કરવા માટે સાક્ષાત લક્ષ્મી પધાર્યાં. લક્ષ્મી સાથે તે બહુ શોભી ઊઠ્યા. ઋષિઓએ કાર્તિકેયની પૂજા કરી અને સ્કંદને કહેવા લાગ્યા, ‘તમારું કલ્યાણ થાય, તમે પ્રજાનું કલ્યાણ કરો, હજુ તો તમારા જન્મને છ જ દિવસ થયા છે અને બધા લોકને વશ કરી લીધા છે. તમે દેવતાઓને અભયદાન આપ્યું છે. તમે જ ઇન્દ્ર બની જાઓ, પછી અમે બધા નિર્ભય થઈ જઈશું.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/આસક્તિની કથા|આસક્તિની કથા]]
કાર્તિકેય બોલ્યા, ‘ઇન્દ્ર ત્રણે લોકનું કયું હિત કરે છે? દેવતાઓની રક્ષા કેવી રીતે કરે છે!’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/જનક અને જનકપત્નીની કથા|જનક અને જનકપત્નીની કથા]]
ઋષિઓએ ઉત્તર આપ્યો, ‘ઇન્દ્ર પ્રજામાં સુખ, તેજ, બળની સ્થાપના કરે છે. જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે બધાં કામ સિદ્ધ થાય છે. દુષ્ટોનો નાશ કરે છે, સાધુઓનું પાલન કરે છે. બધી પ્રજા પર શાસન કરે છે. સૂર્ય ન હોય ત્યારે સૂર્ય, ચન્દ્રમા ન હોય ત્યારે ચન્દ્ર, અગ્નિ ન હોય ત્યારે અગ્નિ, વાયુ-પૃથ્વી, જળ ન હોય ત્યારે આ સર્વનાં રૂપ ઇન્દ્ર લે છે. ઇન્દ્ર સૌથી વધુ બળવાન છે. તમે બધા બળવાનોમાં શ્રેષ્ઠ છો, એટલે તમે જ ઇન્દ્ર થઈ જાઓ.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શંખ લિખિત|શંખ લિખિત]]
ઇન્દ્રે કહ્યું, ‘હે મહાબાહુ, તમે અમારા માટે સુખની ખાણ છો એટલે તમે ઇન્દ્રાસન પર બેસી જાઓ.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મુચકુન્દ અને કુબેર|મુચકુન્દ અને કુબેર]]
કાર્તિકેયે કહ્યું, ‘ હે શક્ર, મારે ઇન્દ્ર બનવું નથી. તમે જ ત્રણે લોક પર રાજ કરો. હું તમારો સેવક, તમે જ વિજયની ઇચ્છા રાખો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કાલક મુનિની કથા|કાલક મુનિની કથા]]
ઇન્દ્રે કહ્યું, ‘તમારું બળ તો અદ્ભુત છે, તમે દેવતાઓના શત્રુ જીતો. તમને વધુ બળવાન જોઈ લોક મારો આદર નહીં કરે. હું નિર્બળ થઈને જો ઇન્દ્રાસન પર બેઠો રહીશ તો લોકો આપણી વચ્ચે કુસંપ કરાવશે. એવું થશે ત્યારે આપણે બે જૂથમાં વહેંચાઈ જઈશું અને પછી તો આપણા બે વચ્ચે યુદ્ધ થશે. એ યુદ્ધમાં તમે મને ચોક્કસ હરાવશો, એટલે તમે અત્યારથી ઇન્દ્ર થઈ જાઓ. આ વિશે બહુ વિચાર ન કરો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વાઘ અને શિયાળની કથા|વાઘ અને શિયાળની કથા]]
કાર્તિકેયે કહ્યું, ‘ઇન્દ્ર તમે જ અમારા પર અને ત્રણે લોક પર રાજ કરો. હું તમારો સેવક. બોલો, મારે માટે શી આજ્ઞા છે?
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઊંટની દૃષ્ટાંતકથા|ઊંટની દૃષ્ટાંતકથા]]
ઇન્દ્રે આ સાંભળીને કહ્યું, ‘તમે ખરેખર આ વાત કરતા હો, અને મારી આજ્ઞાનું પાલન કરવા માગતા હો તો મારી વાત સાંભળો, તમે દેવોના સેનાપતિ થઈ જાઓ. હું તમારા કહેવાથી ઇન્દ્રપદ પર બેસીશ.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કૂતરામાંથી પાછો કૂતરો|કૂતરામાંથી પાછો કૂતરો]]
કાર્તિકેયે કહ્યું, ‘હે ઇન્દ્ર, દાનવોનો વિનાશ કરવા, દેવતાઓની કાર્યસિદ્ધિ કરવા, ગૌબ્રાહ્મણોનું હિત કરવા અને દેવતાઓનું હિત કરવા મને સેનાપતિ તરીકે સ્થાપો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/પ્રહ્લાદ અને શીલ|પ્રહ્લાદ અને શીલ]]
તે જ વખતે ઇન્દ્રે અને દેવતાઓએ કાર્તિકેયને સેનાપતિ બનાવ્યા. ઋષિઓ દ્વારા પૂજાયેલા કાર્તિકેય સેનાપતિપદે બહુ શોભી ઊઠ્યા. પ્રજ્વલિત અગ્નિમંડળની જેમ તેમના મસ્તક પર સુવર્ણછત્ર શોભ્યું, વિશ્વકર્માએ બનાવેલી સુવર્ણમાલા શંકર ભગવાને પોતાના હાથે પહેરાવી. તે વખતે શંકર ભગવાન પાર્વતી સાથે આવ્યા હતા, તેમણે પણ કાર્તિકેયની પૂજા કરી. બ્રાહ્મણો શંકરને અગ્નિ કહે છે એટલે કાર્તિકેય શંકરના પુત્ર કહેવાયા. શંકરે જે વીર્યત્યાગ કર્યો હતો તે શ્વેત પર્વત બની ગયો. તે પર્વત પર કૃતિકા એટલે અગ્નિની ઇન્દ્રિય સર્જી હતી. બધા દેવ શંકરે કાર્તિકેયની પૂજા કરી એટલે તેમને રુદ્રના પુત્ર કહેવા લાગ્યા. અગ્નિમાં પ્રવેશી શિવે આ પુત્ર સર્જ્યો છે એટલે તે દિવસથી કાર્તિકેયને શંકરના પુત્ર કહેવા લાગ્યા. શંકર, અગ્નિ, સ્વાહા અને દેવતાઓમાં શ્રેષ્ઠ અને શિવપુત્ર બન્યા. લાલ વસ્ત્ર પહેરેલા અગ્નિપુત્ર કાર્તિકેય લાલ વાદળમાં સૂર્યની જેમ શોભી ઊઠયા. તે વખતે અગ્નિએ એક કૂકડો અને લાલ ધ્વજા આપી. રથ પર એ બંને પ્રલયકાળના અગ્નિની જેમ શોભી ઊઠ્યા. શક્તિ તેમની સાથે જ ઉત્પન્ન થયેલા કવચમાં પ્રવેશી ગઈ, એ જ શક્તિ દેવોના યુદ્ધ વખતે પ્રગટ થાય છે. શક્તિ, કવચ, બળ, તેજ, કાંતિ, સત્ય, બ્રાહ્મણત્વ, ચૈતન્ય, ભક્તરક્ષા, દુષ્ટોનો નાશ, પ્રજાપાલન — આ બધા ગુણ કાર્તિકેયના જન્મ સાથે જ પ્રગટ્યા હતા. આભૂષણ ધરાવતા કાર્તિકેય ચંદ્રમંડળની જેમ શોભી ઊઠ્યા. દેવતાઓ વાજિંત્રો વગાડવા લાગ્યા, દેવતા-ગંધર્વ ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ સિવાય પણ ઘણા બધા લોકોએ તેમનું અભિવાદન કર્યું. દેવોએ પોતાના સેનાપતિને જોયા. પ્રાત:કાળે રાત્રિના અંધકારને દૂર કરતા સૂર્યની જેમ દેવ-સેનાપતિ શોભવા લાગ્યા. પછી હજારો દેવતાઓની સેના આવી પહોંચી, બધા ચારે બાજુથી કહેવા લાગ્યા, તેમને ઘેરી લીધાં, પછી કાર્તિકેય ભૂતગુણોથી ઘેરાયેલા હતા, સેનાએ તેમને ઘેરી લીધા, પછી કાર્તિકેયે બધાને શાન્ત કર્યા. કાર્તિકેયનો અભિષેક થઈ ગયો એટલે કેશી રાક્ષસના પંજામાંથી છોડાવેલી દેવસેના ઇન્દ્રને યાદ આવી, બ્રહ્માએ કાર્તિકેયને જ આના પતિ તરીકે પસંદ કર્યા હતા. દેવસેનાને અલંકારો પહેરાવી કાર્તિકેય પાસે ઇન્દ્ર લઈ ગયા. ‘દેવશ્રેષ્ઠ, આ કન્યા. તમારો જન્મ પણ થયો ન હતો ત્યારે બ્રહ્માએ એનું સર્જન કર્યું હતું. હવે તમે આ કન્યાના કમળ જેવા જમણા હાથને સ્વીકારો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વીરદ્યુમ્ન અને તનુ ઋષિની કથા|વીરદ્યુમ્ન અને તનુ ઋષિની કથા]]
ઇન્દ્રની વાત સાંભળી કાર્તિકેયે દેવસેના સાથે વિધિપૂર્વક વિવાહ કર્યો. બૃહસ્પતિએ મંત્રોચ્ચાર કરી હોમ કર્યો. આ વિવાહ છઠને દિવસે થયો. આ તિથિએ બ્રાહ્મણો સુખદ અને ધનદા કહે છે. એને જ બધા સિનીવાલી, કુહૂ, સદ્વૃત્તિ અને અપરાજિતા કહે છે. દેવસેના અને કાર્તિકેયનું લગ્ન થયું ત્યારે લક્ષ્મી પણ ત્યાં આવ્યાં. પાંચમે કાર્તિકેય લક્ષ્મીવાન થયા એટલે એ તિથિનું નામ શ્રીપંચમી, છઠને દિવસે લગ્ન થયું એટલે તેને મહાતિથિ કહે છે.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દૂરદર્શી|દૂરદર્શી]]
કાર્તિકેય દેવતાઓના સેનાપતિ થયા, તેમની શોભા વધી ત્યારે સપ્તઋષિઓમાંથી છ ઋષિઓની પત્ની તેમની પાસે આવી. તે બધી ધામિર્ક હતી, વ્રતધારિણી હતી તો પણ ઋષિઓએ તેમને ત્યજી દીધી હતી. તેમણે કહ્યું, ‘પુત્ર, અમને અમારા દેવસમાન પતિઓએ ક્રોધે ભરાઈને અમને કાઢી મૂકી. એટલે અમે તો ધર્મભ્રષ્ટ થઈ ગઈ. કોઈએ અમારા પતિઓને એવું કહ્યું કે કાર્તિકેય તમારી સ્ત્રીઓના પેટે જન્મ્યા છે. આ જૂઠી વાત સાંભળીને તેમણે અમને કાઢી મૂકી. તમે અમારી રક્ષા કરો. તમારી કૃપાથી અમને અક્ષય સ્વર્ગ મળશે. અમે તમને પુત્ર બનાવવા ઇચ્છીએ છીએ. આ કાર્ય કરીને તમે ઋણમુક્ત થાઓ.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/લોમશ બિલાડા અને પલિત ઉંદરની કથા|લોમશ બિલાડા અને પલિત ઉંદરની કથા]]
કાર્તિકેયે કહ્યું, ‘તમે બધી મારી માતાઓ, હું તમારો પુત્ર. તમારી જે ઇચ્છા હશે તે બધી ફળશે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/પૂજની ચકલીની કથા|પૂજની ચકલીની કથા]]
બ્રાહ્મણીઓને આમ કહીને કાર્તિકેયે ઇન્દ્રને કહ્યું, ‘હવે તમારું કાર્ય કરું’ એટલે ઇન્દ્રે કહ્યું, ‘અભિજિત રોહિણી કરતાં નાની છે અને છતાં તે મોટી બહેન રોહિણી સાથે સ્પર્ધા કરીને મોટી બનવા માગે છે, એટલે તે તપ કરવા વનમાં ગઈ છે. હું ગભરાઈ ગયો છું. અભિજિત નક્ષત્ર આકાશમાંથી જતું રહ્યું છે. તમે બ્રહ્મા પાસે જઈને સમયનો વિચાર કરો. બ્રહ્માએ પહેલાં ઘનિષ્ઠાને આદિકાળ બનાવ્યો છે, સૌથી પહેલાં રોહિણી હતી.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિશ્વામિત્ર, દુકાળ અને ચાંડાળ|વિશ્વામિત્ર, દુકાળ અને ચાંડાળ]]
ઇન્દ્રની આ વાત સાંભળીને કૃત્તિકા આકાશમાં જતી રહી, આ કૃત્તિકા ગાડાના આકારે દેખાય છે, તેનો દેવતા અગ્નિ છે. વિનતાએ કાર્તિકેયને કહ્યું, ‘તું મારા પિંડદાતા પુત્ર થા. એટલે હું હમેશા તારી સાથે રહેવા માગું છું.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કબૂતર અને કબૂતરીની કથા|કબૂતર અને કબૂતરીની કથા]]
કાર્તિકેય કહ્યું, ‘તમે જે બોલ્યા છો એ જ પ્રમાણે થશે. હું તમને વંદન કરું છું. તમે મને પ્રેમથી ઉછેરો અમે પુત્રવધૂ તમને માનપાન આપશે, તમે અહીં જ રહો.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ગીધ અને શિયાળની કથા|ગીધ અને શિયાળની કથા]]
પછી લોકમાતાઓ કાર્તિકેયને કહેવા લાગી, ‘અમે લોકમાતાઓ છીએ, બધા પંડિતો અમારી સ્તુતિ કરે છે. અને તમારી માતા બનવા માગીએ છીએ, તમે અમારી પૂજા કરો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/નારદ અને શીમળાની કથા|નારદ અને શીમળાની કથા]]
કાર્તિકેયે ઉત્તર આપ્યો, ‘તમે સૌ અમારી માતા, હું તમારો પુત્ર, તમારી જે ઇચ્છા હોય તે કહો. હું પૂરી કરીશ.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કૃતઘ્ન ગૌતમની કથા|કૃતઘ્ન ગૌતમની કથા]]
‘પહેલાં જે લોકમાતાઓ હતી તેમનું સ્થાન અમને મળે, અને તેમને એ સ્થાન ન મળે. અમે જ પૂજ્ય બનીએ અને તે ન બને. તેમણે તમારા કારણે અમારા સંતાન છિનવી લીધાં છે. તમે એ સંતાનો અમને આપો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વરાહકથા|વરાહકથા]]
‘એ બધાં સંતાનો તો નાશ પામી ગયાં, હવે એ તો પાછા તમને ના મળી શકે. તમારા બીજાં કોઈ સંતાનો જોઈતાં હોય તો કહો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/જાજલિ મુનિની કથા|જાજલિ મુનિની કથા]]
‘અમે એ લોકમાતાનાં સંતાનો ખાવા માગીએ છીએ, તમારા સિવાય તેમનું જે કંઈ હોય તે અમને આપો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ગૌતમ અને ચિરકારીની કથા|ગૌતમ અને ચિરકારીની કથા]]
‘તમે તો બહુ દુઃખદ માગણી કરી છે. તો પણ તમને તે માતૃકાનાં સંતાનો આપું છું. તમે તેમની રક્ષા કરજો. તમને તો બધા સજ્જનો વંદન કરે છે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઇન્દ્ર-વૃત્રાસુરના યુદ્ધની કથા|ઇન્દ્ર-વૃત્રાસુરના યુદ્ધની કથા]]
એટલે લોકમાતાઓએ કહ્યું, ‘ભલે તમારી ઇચ્છા પ્રમાણે અમે એ સંતાનોની રક્ષા કરીશું. તમારી સાથે ઘણો સમય રહેવાની ઇચ્છા છે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દક્ષયજ્ઞ|દક્ષયજ્ઞ]]
કાર્તિકેયે કહ્યું, ‘જ્યાં સુધી બાળકો સોળ વર્ષનાં ન થાય ત્યાં સુધી અલગ અલગ રૂપે તે બાળકોને પીડો. હું તમને મારો ભયંકર અંશ આપીશ. એ સાથે સુખે પૂજાઈને અહીં રહો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દક્ષયજ્ઞની કથા|દક્ષયજ્ઞની કથા]]
ત્યારે કાર્તિકેયના શરીરમાંથી મનુષ્યનાં બાળકોનું ભક્ષણ કરવા એક મહાબળવાન પુરુષ પ્રગટ્યો, તેનો રંગ સુવર્ણ જેવો હતો. તે પ્રગટતાંની સાથે ભૂખે જમીન પર પડી ગયો. કાર્તિકેયની આજ્ઞાથી તે રુદ્ર ગ્રહ બની ગયો, બ્રાહ્મણોએ તેને સ્કન્દાસ્પમાર તરીકે ઓળખાવ્યો છે. જે ખૂબ ભયંકર વિનતા છે. તે શકુનિગ્રહ કહેવાય છે. પૂતના નામની રાક્ષસીને પૂતનાગ્રહ પણ કહે છે. બહુ દુઃખદાયક, ઘોરરૂપા છે, તેને શીતપૂતના કહે છે. આ ભયંકર પૂતના સ્ત્રીઓના ગર્ભનો નાશ કરી નાખે છે. અદિતિનું નામ રેવતી છે, તેનો ગ્રહ રૈવત છે, તે પણ ઘોર છે અને બાળકોને રંજાડે છે. દિતિ દૈત્યોની માતા છે, તેનું નામ મુખકંડિકા, તે બાળકોનું માંસ ખાયા કરે છે, કાર્તિકેયના આ બધાં સંતાનો બાળકોને પીડનારાં છે, મહાગ્રહ છે. આ સ્ત્રીઓનાં પતિ બહુ દુષ્ટ કાર્યો કરે છે, તે પણ બાળકોનો નાશ કરે છે. સુરભિ નામની ગૌમાતા પર શકુનિ આરૂઢ થઈને પૃથ્વીનાં બાળકોને આરોગી જાય છે.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઉશનાની કથા|ઉશનાની કથા]]
સરમા કૂતરાની મા છે, તે પણ સ્ત્રીઓના ગર્ભનો નાશ કરે છે. કરંજ નિલયા નામે વૃક્ષોની માતા છે. પુત્રની ઇચ્છા રાખનારા લોકો કરંજના વૃક્ષમાં તેને પ્રણામ કરે છે, આ અને બીજા અઢાર ગ્રહો છે, તેઓ માંસ-મદ્યના ચાહનારા છે, સાત દિવસ સુધી તેઓ સૂતિકાગૃહમાં રહે છે. કદ્રૂ સૂક્ષ્મરૂપે ગર્ભમાં પ્રવેશી જાય છે, અને તે ગર્ભને ખાઈ જાય છે, ત્યારે તેના ગર્ભમાંથી નાગ જન્મે છે. જે ગંધર્વોની માતા છે, તે ગર્ભને લઈને ચાલી જાય છે. એટલે તે સ્ત્રી ગર્ભવિનાની થઈને ધરતી પર ફરે છે. જે અપ્સરાની માતા છે તે પણ ગર્ભ ઝીલે છે, એટલે પંડિતો કહે છે કે ગર્ભનો નાશ થયો. કાર્તિકેયને દૂધ પીવડાવનારી લાલ સમુદ્રકન્યાનું નામ લોહિતાયની છે, તેની પૂજા કદંબ વૃક્ષમાં થાય છે. જેમ પુરુષોમાં શિવ તેમ સ્ત્રીઓમાં આર્યા, એ આર્યા કાર્તિકેયની માતા. તેની પૂજા જાતજાતની ઇચ્છાઓ ફળે એ માટે થાય છે. બાળક જ્યાં સુધી સોળ વર્ષનો થાય ત્યાં સુધી આ બધા ગ્રહ અકલ્યાણ કરનારા હોય છે, તે પછી તે ગ્રહ કલ્યાણકારી થઈ જાય છે. સ્ત્રીપુરુષોના આ બધા ગ્રહ સ્કન્દ ગ્રહ જાણવા. આ બધાની પૂજા ધૂપ, દીપ, સ્નાનથી કરવાની. તેમની શાંતિ માટે કાર્તિકેયનું નામ દઈને બલિ ચઢાવવાનો. આમ પૂજા કરવાથી સારું ફળ મળે છે, તેઓ પુરુષોનું તેજ અને આયુષ્ય વધારે છે.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઉપરિચરની કથા|ઉપરિચરની કથા]]
હવે સોળ વર્ષ પછી પીડનારા ગ્રહોની વાત કરીએ.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મહાપદ્મ નગરવાસી બ્રાહ્મણની કથા|મહાપદ્મ નગરવાસી બ્રાહ્મણની કથા]]
જે લોકો સૂતા-જાગતા દેવતાઓ જોયા કરે છે, અને પછી ઉન્માદને વશ થાય છે તે ગ્રહનું નામ દેવગ્રહ. જે સૂતાંબેસતાં પિતૃઓ જોયા કરે છે અને પછી ઉન્મત્ત થાય છે તે પિતૃગ્રહનો દોષ ગણાય. જે સિદ્ધોનું અપમાન કરે છે અને જેને સિદ્ધો ક્રોધે ભરાઈને શાપે છે, પછી જે ઉન્મત્ત થઈ જાય છે તે સિદ્ધગ્રહનો દોષને કારણે. જે માનવી અનેક સુવાસ લે, અનેક રસનું પાન કરે અને પછી ઉન્માદી થાય તે રાક્ષસગ્રહને કારણે. પૃથ્વી પર જેના શરીરમાં ગંધર્વ પ્રવેશે છે તે તરત જ ઉન્મત્ત થઈ જાય છે, એ ગંધર્વગ્રહને કારણે, સમય પ્રતિકૂળ હોય ત્યારે તે પુુરુષ પર યક્ષ કબજો જમાવે છે અને જે પાગલ થઈ જાય છે તે યક્ષગ્રહના દોષને કારણે, જેના પર પિશાચ ચડી બેસે છે અને તેને લીધે જે ગાંડો થઈ જાય છે તે પૈશાચગ્રહને કારણે, જે વ્યક્તિ વાત, પિત્ત અને કફની વિસંવાદિતાને કારણે ઉન્મત્ત થઈ જાય છે તેનો ઇલાજ શાસ્ત્ર પ્રમાણે કરવો. જે વ્યક્તિ વિકલતાથી, ભયથી અને કઠોર વસ્તુ જોવાથી ઉન્મત્ત બને છે તેના ચિત્તને શાંત કરવું જોઈએ. કોઈ ગ્રહ રમવાની ઇચ્છા કરે, કોઈ ખાવાની અને કોઈ સાવ સામાન્ય ઇચ્છા કરે — આમ ગ્રહોની ત્રણ ઇચ્છા હોય છે. સત્તર વર્ષની ઉમર સુધી આ બધા ગ્રહ દુઃખ આપે છે. પછી તાવ જેવા રોગ જ ગ્રહ જેવા બની જાય છે. જે વ્યક્તિ ઇન્દ્રિયજિત હોય, આળસુ ન હોય, શ્રદ્ધાવાન અને આસ્તિક હોય તેને આ ગ્રહો નડતા નથી. જેઓ શિવભક્ત છે તેની પાસે આ ગ્રહ ફરકતા પણ નથી.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શ્વેતકેતુ અને સુવર્ચલાની કથા|શ્વેતકેતુ અને સુવર્ચલાની કથા]]
એક બાજુ કાર્તિકેયે લોકમાતાઓનું પ્રિય કાર્ય કર્યું તો બીજી બાજુ સ્વાહાએ કુમારને કહ્યું, ‘તું મારા ગર્ભમાંથી જન્મ્યો છે એટલે હું તારી પાસેથી દુર્લભ પ્રેમ ઝંખું છું.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/પ્રલય અને સર્જનની કથાઓ|પ્રલય અને સર્જનની કથાઓ]]
‘તમે મારી પાસે કેવા પ્રકારનો પ્રેમ ઝંખો છો?’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/હયગ્રીવ|હયગ્રીવ]]
‘હું દક્ષની પ્રિય કન્યા, મારું નામ સ્વાહા, નાનપણથી જ અગ્નિએ પસંદ કરી બેઠી હતી. મારી આ ઇચ્છા તેઓ જાણતા ન હતા. હું તો સદા અગ્નિ સાથે જ રહેવા માગું છું.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ગૌતમી, સર્પ, વ્યાધની કથા|ગૌતમી, સર્પ, વ્યાધની કથા]]
‘આજ પછી ઉત્તમ ચરિત્રવાળા, ઉત્તમ માર્ગને વરેલા બ્રાહ્મણો મંત્રોની સાથે યજ્ઞમાં જે આહુતિ અગ્નિમાં આપશે તે સ્વાહા બોલશે એ રીતે તમે આજથી અગ્નિ સાથે જ રહેશો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/સુદર્શન અને ઓઘવતીની કથા|સુદર્શન અને ઓઘવતીની કથા]]
કાર્તિકેયના આ શબ્દો સાંભળી, તથા સ્કંદે તેની પૂજા કરી એટલે સ્વાહા બહુ રાજી થઈ અને પતિ અગ્નિથી સંયુક્ત થઈને તેણે સ્કંદની પૂજા કરી.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિશ્વામિત્રના જન્મની કથા|વિશ્વામિત્રના જન્મની કથા]]
પછી બ્રહ્માએ કાર્તિકેયને ત્રિપુરાસુરનો નાશ કરનારા પિતા મહાદેવ પાસે મોકલ્યા, ‘મહાદેવે અગ્નિનું અને પાર્વતીએ સ્વાહાનું રૂપ ધરી પ્રજાના હિત માટે તમને જન્મ આપ્યો છે, યુદ્ધમાં તમને કોઈ હરાવી નહીં શકે. શિવે પોતાનું સત્ત્વ પાર્વતીમાં સિંચ્યું હતું તે આ પર્વતમાં ઢળ્યું હતું, એમાંથી મિંજિકામિંજિક સ્ત્રીપુરુષો જન્મ્યા. જે બાકી રહી ગયું તે લાલ સમુદ્રમાં, સૂર્યકિરણોમાં, થોડું ધરતી પર, થોડું વૃક્ષોમાં — આમ એ સત્ત્વ પાંચ ભાગમાં વહેંચાયું. એટલે જાતજાતના ગણ જન્મ્યા. માંસ ખાનારા એ બધા પાર્ષદો. તેમને બુદ્ધિમાનો જ જાણી શકે. કાર્તિકેયે તેમની વાત માનીને મહાદેવની પૂજા કરી.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઇન્દ્ર અને પોપટની કથા|ઇન્દ્ર અને પોપટની કથા]]
ધનની ઇચ્છાવાળાઓએ એ ગણોની પૂજા આકડાનાં ફૂલોથી કરવી જોઈએ. જેઓ કોઈ રોગનો ઇલાજ કરવા માગે છે તેમણે સામાન્ય પૂજા કરવી. મિંજિક અને અમિંજિક બંને શિવમાંથી પ્રગટ્યા છે એટલે બાળકોના હિતચિંતકોએ બંનેની વંદના કરવી જોઈએ. સંતાનપ્રાપ્તિ માટે પુરુષોએ માંસભક્ષિણી, વૃક્ષવાસિની, વૃદ્ધિકા નામની દેવીઓ જ્યાં છે તે વૃક્ષોને પ્રણામ કરવા જોઈએ.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શૂદ્ર અને તપસ્વી બ્રાહ્મણની કથા|શૂદ્ર અને તપસ્વી બ્રાહ્મણની કથા]]
ઐરાવતના બે ઘંટાનું નામ વૈજયન્તી છે, તે બંને બુદ્ધિમાન ઇન્દ્રે કાર્તિકેયને આપ્યા હતા. એમાં એક વિશાખનો અને બીજો પતાકા નામનો કાર્તિકેયનો છે. દેવતાઓએ આપેલાં રમકડાં વડે સ્કંદ રમતા થયા. દેવોથી અને પિશાચોથી ઘેરાયેલા તેજસ્વી કાર્તિક સુવર્ણપર્વત પર શોભાયમાન થયા. સૂર્યોદયથી ઉત્તમ ગુફાઓવાળા મન્દરાચલ શોભિત થાય છે તેવી રીતે તે પર્વત કાર્તિકને કારણે સુંદર દેખાવા લાગ્યો.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ભંગાશ્વન રાજાની કથા|ભંગાશ્વન રાજાની કથા]]
સંતાનક, કનેર, પારિજાત, જય, અશોક, કદંબ જેવાં વૃક્ષોથી, દિવ્ય પશુઓથી, પક્ષીઓથી આ શ્વેત પર્વત શોભી ઊઠ્યો. ત્યાં દેવતાઓ અને મહર્ષિઓ ભેગા થયા, ખળભળતા સમુદ્ર જેવા અવાજવાળા, મેઘ સમાન ગરજતા ઢોલ વગેરે વાજિંત્રો વાગ્યા. ગંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આનંદિત પ્રાણીઓના અવાજો સંભળાવા લાગ્યા. ઇન્દ્ર સમેત આખું જગત શ્વેત પર્વત પર પ્રસન્ન કાર્તિકેયને જોવા લાગ્યા. અગ્નિપુત્ર કાર્તિક સેનાપતિપદે બેઠા તે જ વેળા શિવ પાર્વતી સાથે સૂર્ય જેવા તેજસ્વી રથ પર પ્રસન્નતાપૂર્વક તે રથ સ્વચ્છ આકાશમાં ઊડવા લાગ્યો. ઇન્દ્રધનુ સાથે વાદળોમાં વીજળી સહિત સૂર્ય જેમ શોભે તેમ પાર્વતી સાથે શંકર ભગવાન શોભી ઊઠ્યા. તેમની આગળ ગુહ્યકો સાથે ભગવાન કુબેર પુષ્પક વિમાનમાં બેસી નીકળી પડ્યા. વરદાન આપનાર વૃષવાહન શંકર ભગવાન પાછળ ઐરાવત પર દેવતાઓ સાથે ઇન્દ્ર નીકળી પડ્યા. એમની જમણી બાજુએ બધા અલંકારો પહેરીને જંભક નામના યક્ષ અને રાક્ષસો સાથે અમોઘ નામના મહાયક્ષ નીકળ્યા. એમની જમણી બાજુ યુદ્ધ કરનારા અનેક મરુતગણો અને રુદ્ર, વસુ નીકળ્યા. મહા ઘોર રૂપ ધરાવતા યમરાજ સેંકડો ભયંકર રોગ લઈને શંકરને ચારે બાજુથી ઘેરીને નીકળ્યા. યમની પાછળ શિવનું ભયાનક, ત્રણ ધારવાળું તીક્ષ્ણ વિજય નામનું ત્રિશૂલ અલંકૃત થઈને નીકળ્યું. તેમની પાછળ ઉગ્ર પાશ લઈને વરુણ રાજા જલજન્તુઓથી ઘેરાઈને તથા શંકર ભગવાનને વીંટળાઈને નીકળ્યા. વિજય ત્રિશૂલની પાછળ ગદા, મૂસળ, પટ્ટિશ, શિવછત્ર, મહા ઋષિઓથી વીંટળાયેલું કમંડળ નીકળ્યું. તેમની ડાબી બાજુએ દેવો અને ભૃંગઅંગિરાઓથી પુજાતો દંડ ચાલ્યો. આ બધાની પાછળ રથમાં શંકર નીકળ્યા. એમના તેજથી બધા દેવતાઓ આનંદિત થયા. તેમની પાછળ પાછળ ઋષિ દેવતા, ગંધર્વ, નાગ, નદી, તળાવ, વૃક્ષ, અપ્સરાઓ, નક્ષત્ર, ગ્રહ, દેવશિશુઓ, સુંદર સ્ત્રીઓ ફૂલો ઊછાળતી ચાલી નીકળી. તેમની પાછળ રાજઋષિઓ સાથે શિવસ્તુતિ કરતા ઇન્દ્ર ચાલ્યા. પાર્વતીની પાછળ સાવિત્રી, ગૌરી, વિદ્યા, કેશિની, ગાંધારી, મિત્રસા નીકળ્યાં. તેમની પાછળ કવિઓની બધી વિદ્યાઓ નીકળી. ઇન્દ્ર અને બીજા દેવતાઓ શંકરના આજ્ઞાકારીઓ બન્યા. તેમની આગળ ગ્રહ નામનો રાક્ષસ ધજાપતાકા લઈને નીકળ્યો, પાછળ સ્મશાનવાસી રુદ્રના મિત્ર પિંગલ નામના યક્ષરાજ ચાલ્યા. આમ ભગવાન શિવ કૈલાસથી નીકળ્યા. તેમની આગળ કોઈની ગતિ ન થઈ શકે. સારાં કર્મો વડે જગતના લોકો શંકરને પ્રાપ્ત કરી શકે છે. તેમના જ નામ શિવ, રુદ્ર, ઈશ, પિતામહ છે, બધા એમને પિતામહ કહી પૂજે છે. દેવતાઓની સેના સાથે કૃતિકાપુત્ર કાર્તિકેય પણ નીકળ્યા. પછી ભગવાન શિવે કાર્તિકેયને કહ્યું, ‘તું આળસ કર્યા વિના સાતમા વ્યૂૂહ ‘મારુતસ્કન્ધ’ની રક્ષા કરજે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શ્રીકૃષ્ણ અને મહાદેવ|શ્રીકૃષ્ણ અને મહાદેવ]]
કાર્તિકેયે હા પાડીને કહ્યું, ‘એ સિવાય બીજું કોઈ કામ હોય તો પણ કહેજો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/અષ્ટાવક્રના પાણિગ્રહણની કથા|અષ્ટાવક્રના પાણિગ્રહણની કથા]]
‘તું હમેશાં મારું દર્શન કરતો રહેજે. એમ કરવાથી અને મારી ભક્તિ કરવાથી તારું કલ્યાણ થશે.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મતંગ અને ગર્દભીની કથા|મતંગ અને ગર્દભીની કથા]]
આમ કહીને શિવે કાર્તિકને છાતીસરસો ચાંપ્યો અને તેને વિદાય કર્યો. કાર્તિકેય ચાલ્યા ગયા એટલે ત્યાં અનેક ઉત્પાત થવા લાગ્યા. બધા દેવો મોહ પામ્યા. તારાઓ સાથે આકાશ સળગી ઊઠ્યું, ત્રણે લોક જડ થઈ ગયા. પૃથ્વી હાલકડોલક થવા લાગી, ઘોર અવાજો સંભળાયા. આખા જગતમાં અંધકાર છવાઈ ગયો. આ જોઈને શિવ, પાર્વતી, દેવતાઓ, મહર્ષિઓ ગભરાઈ ગયા. બધા જ્યારે આવા મોહ પામ્યા ત્યારે પર્વત અને મેઘ જેવા શરીર ધરાવતા, અસ્ત્રશસ્ત્ર ધરાવતા રાક્ષસોની સેના દેખાઈ. અગણિત અને ઘોર દેખાતા રાક્ષસોની સેનાએ શંકર અને દેવતાઓ પર હુમલો કર્યો. તેઓ દેવો ઉપર બાણોની વર્ષા કરવા લાગ્યા, બીજાં અનેક શસ્ત્રો વરસવાં લાગ્યાં. એ મહા ભયંકર શસ્ત્રો વાગવાથી દેવતાઓની સેના વિખરાઈ ગઈ. કોઈના અશ્વ, કોઈના હાથી, કોઈના રથ, કોઈના શસ્ત્ર નાશ પામ્યા. વનમાં આગ લાગી ન હોય એવી રીતે રાક્ષસોથી હારી રહેલી દેવોની સેના દેખાવા લાગી. દેવતાઓ પડતા આથડતા ભાગતા રહ્યા. તેઓ યુદ્ધને કારણે પીડા ભોગવતા હતા, તેમની નજરે કોઈ સ્વામી દેખાતો ન હતો. દેવતાઓની ભાગંભાગ જોઈને ઇન્દ્રે દેવતાઓને ધીરજ આપી. ‘શૂરવીરો, નિર્ભય બનો. શસ્ત્રો ધારણ કરો. યુદ્ધ માટે તૈયાર થાઓ, કોઈ વાતે દુઃખી ન થાઓ.આ દુષ્ટ વિકરાળ રાક્ષસોને જીતી લો. તમારી સાથે હું પણ લડીશ.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વીતહવ્યને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ|વીતહવ્યને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ]]
ઇન્દ્રની વાતોથી દેવોમાં હિંમત આવી, ઇન્દ્રને આગળ કરીને રાક્ષસો સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. બધા દેવતા મરુત, સાધ્ય અને વસુઓને લઈને દાનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્રોધે ભરાયેલા દેવોએ ઉગામેલાં શસ્ત્રોથી દાનવો લોહીલુહાણ થવા લાગ્યા. તેમના શરીરમાં ભોંકાયેલાં બાણ પછી પર્વતો પરથી પડી જતા સાપની જેમ પછી ધરતી પર પડવાં લાગ્યાં; આકાશમાંથી વાદળ પડે તેમ તે બાણ નીચે પડવાં લાગ્યાં. પછી હાથમાં શસ્ત્રો લઈને દેવતાઓ ગરજવા લાગ્યા, વાજિંત્રો વગાડવા લાગ્યા. આમ દેવતાઓ અને દાનવો વચ્ચે થયેલા આ ભયાનક યુદ્ધમાં ચારે બાજુ લોહી અને માંસ નજરે પડતા હતા. ત્યાં અચાનક બાજી પલટાઈ ગઈ. દેવતાઓ પીછેહઠ કરવા લાગ્યા. ભયંકર રાક્ષસોએ દેવતાઓ પર હુમલો કર્યો. ભેદી જેવા અનેક વાજિંત્રો વાગવા લાગ્યાં. રાક્ષસો સિંહગર્જના કરવા લાગ્યા. દાનવોની સેનામાંથી મહિષ નામનો એક દાનવ મોટો પર્વત લઈને દેવો સામે ધસ્યો. વાદળોની વચ્ચે દેખાતા સૂરજની જેમ દાનવને આવતો જોઈ કેટલાય દેવતાઓ તેની સામે ધસી ગયા. મહિષે પણ દેવતાઓ ઉપર પર્વત ફેંક્યો, એ પર્વત પડવાથી દસ હજાર દેવો મૃત્યુ પામ્યા. જેવી રીતે હરણાંની સામે સિંહ દોટ મૂકે તેવી રીતે દાનવોની સાથે મહિષ દેવતાઓને બીવડાવતો દોડ્યો. તેને આવતો જોઈ ઇન્દ્ર સહિત બધા દેવ શસ્ત્રો પડતાં મૂકીને ભાગી ગયા. પછી મહિષ ક્રોધે ભરાઈને શંકરના રથ સામે દોડ્યો અને રથને પકડી લીધો. જે વખતે મહિષ શંકરના રથ સામે ધસી ગયો હતો ત્યારે આકાશમાં અને પૃથ્વી પર ભયાનક કોલાહલ થયો, ઋષિઓ મૂર્ચ્છા પામ્યા. મેઘ જેવા દેખાતા રાક્ષસો ગર્જના કરવા લાગ્યા, હવે તેમને ખાત્રી થઈ ગઈ કે આપણે દેવો પર વિજય મેળવી લીધો છે. હવે શંકરે મહિષાસુર સામે મોરચો માંડ્યો, પણ તેનું મૃત્યુ કાર્તિકેયના હાથ લખાયું હતું એટલે શંકરે કાર્તિકેયનું સ્મરણ કર્યું. મહિષાસુરે પણ શંકરના રથને જોઈ ગર્જના કરી, એટલે દાનવો રાજી રાજી થઈ ગયા અને દેવો બી ગયા. દેવતાઓ સમક્ષ જ્યારે આવો દારુણ સમય આવ્યો ત્યારે સૂર્ય જેવા તેજસ્વી કાર્તિકેય આવ્યા. તેમણે ગળામાં લાલ માળા પહેરી હતી, તેમનાં વસ્ત્ર લાલ હતાં. ક્રોધને કારણે તેમનું મોં લાલચોળ થઈ ગયું હતું. તેમનું કવચ સોનાનું હતું. સુવર્ણરંગી રથ પર બેસીને તેઓ યુદ્ધ કરવા આવ્યા. તેમને જોતાંવેંત દૈત્યોની સેના ભાગવા લાગી. કાર્તિકેયે મહિષનો વધ કરવા ઝળહળતી શક્તિ તેમના પર છોડી. એટલે મહિષાસુર પૃથ્વી પર પટકી પડ્યો. મસ્તક કપાઈ ગયું અને રાક્ષસનું મૃત્યુ થયું. વારંવાર ફેંકાયેલી તે શક્તિ હજારો શત્રુઓને મારી નાખીને સ્કન્દના હાથમાં તે ફરી આવી ગઈ, એ દૃશ્ય દેવોએ-દાનવોએ જોયું. કાર્તિકેયે પોતાના બાણ વડે અનેક દાનવોનો વધ કર્યો, કાર્તિકેયના ઘોર પાર્ષદો બી ગયેલા હજારો રાક્ષસોને ખાઈ ગયા. દાનવોને ખાઈ જઈને તેમનું લોહી પીધું અને ખૂબ આનંદમાં આવી જઈને તેમણે જરા વારમાં બધા દાનવોનો નાશ કરી નાખ્યો. જેવી રીતે અંધકારને સૂર્ય, વૃક્ષોને અગ્નિ અને મેઘોને વાયુ નષ્ટ કરી દે છે તેવી રીતે કાર્તિકેયે પોતાના બળ વડે દાનવોનો નાશ કર્યો. કાર્તિકેયે આ બધાને મારીને શંકરને પ્રણામ કર્યા; દેવતાઓએ કાર્તિકની વંદના કરી, સૂર્ય જેવા તેજસ્વી તે દેખાવા લાગ્યા. શત્રુઓને મારીને કાર્તિક શંકર પાસે જઈ રહ્યા હતા ત્યારે અધવચ્ચે ઇન્દ્રે કાર્તિકને છાતીસરસા ચાંપ્યા. ઇન્દ્રે કહ્યું, ‘કાર્તિક, તમે મહિષાસુરનો વધ કર્યો. બ્રહ્માએ તેને વરદાન આપ્યું હતું એટલે તે દેવતાઓને સાવ તુચ્છ માનતો હતો. તમે દેવતાઓના માર્ગમાંથી એ કાંટો દૂર કર્યો. તેણે અમને બહુ દુઃખ આપ્યું હતું. પાડા જેવા બળવાન અને દેવશત્રુ દૈત્યોને તમે મારી નાખ્યા. તમારા ગણો સેંકડો દૈત્યોને ખાઈ ગયા. યુદ્ધમાં તમને કોઈ હરાવી ન શકે. તમે શંકર જેવા જ બળવાન છો. તમારું આ કાર્ય ચારે બાજુ પ્રસિદ્ધ થઈ જશે, તમારી કીતિર્ ત્રણે લોકમાં ફેલાશે. અમે બધા દેવો તમારા કહ્યામાં રહીશું.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિપુલે ગુરુપત્નીની કરેલી રક્ષા|વિપુલે ગુરુપત્નીની કરેલી રક્ષા]]
પછી ભગવાન શંકર ભદ્રવટ ગયા, દેવતાઓ પોતાના નિવાસસ્થાને ગયા. શંકરે જતાં જતાં દેવતાઓને કહ્યું, ‘તમે કાર્તિકને મારી જેમ જ ગણજો. અગ્નિપુત્ર કાર્તિકે એક જ દિવસમાં બધા દાનવોને મારીને ત્રણે લોક પર વિજય મેળવ્યો, ઋષિઓએ તેમની વંદના કરી.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ચ્યવન ઋષિ અને માછીમારો|ચ્યવન ઋષિ અને માછીમારો]]
{{Right | (આરણ્યક પર્વ, ૨૧૩-૨૨૧) }} <br>
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ચ્યવન ઋષિ અને કુશિકની કથા|ચ્યવન ઋષિ અને કુશિકની કથા]]
=== મુદ્ગલની કથા ===
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/નૃગ રાજાની કથા|નૃગ રાજાની કથા]]
કુરુક્ષેત્રમાં મુદ્ગલ નામનો બ્રાહ્મણ રહેતા હતા. તે જિતેન્દ્રિય, શીલવાન, સત્યવાદી, કલંકરહિત, અતિથિપૂજક હતા. તેઓ કશાનો સંગ્રહ કરતા ન હતા. તે સ્ત્રી અને પુત્રો સાથે એક પખવાડિયે ભોજન કરતા અને એક પખવાડિયે કબૂતરની જેમ દાણ સંઘરતા. પૂનમે અને અમાસે યજ્ઞ કરતા હતા, બાકી જે વધે તે અતિથિઓને અને દેવતાઓને આપતા હતા. પછી જે બચે તે ખાઈને શરીરને ટકાવતા હતા. મુદ્ગલ ઋષિના આશ્રમમાં બધા પર્વમાં ત્રણે લોકના સ્વામી ઇન્દ્ર ત્યાં આવીને ઋષિનો યજ્ઞભાગ લેતા હતા. યજ્ઞ પૂરો થાય એટલે આનંદપૂર્વક અતિથિઓને અન્ન આપતા હતા, અને અન્નદાન કરનારા મુદ્ગલનું ધાન્ય અતિથિઓને જોઈને વૃદ્ધિ પામતું હતું. એ અન્ન વડે સો પંડિત બ્રાહ્મણો ભોજન કરતા હતા. ઋષિના ત્યાગબલ વડે અન્ન વધતું જતું હતું.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/નચિકેત અને યમ|નચિકેત અને યમ]]
આવા દાનેશ્વરી મુદ્ગલની કીતિર્ સાંભળીને દુર્વાસા ઋષિ ત્યાં આવી ચઢ્યા. તેમણે પાગલનો વેશ ધર્યો અને જાતજાતની કઠોર વાણી બોલતા બોલતા મુદ્ગલને કહેવા લાગ્યા, ‘હું અન્નની ઇચ્છાથી અહીં આવ્યો છું.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કપિલા ગાયોની કથા|કપિલા ગાયોની કથા]]
મુદ્ગલે તેમને આવકારી તેમનો સત્કાર કર્યો. પછી ભૂખ્યા દુર્વાસાને પોતાના તપ વડે મેળવેલું અન્ન આપ્યું, દુર્વાસાએ એ બધું સ્વાદિષ્ટ અન્ન ખાઈ લીધું, મુદ્ગલે બીજું અન્ન આપ્યું, ભોજન કરતાં વધેલું અન્ન શરીરે ચોપડીને જ્યાંથી આવ્યા હતા ત્યાં દુર્વાસા જતા રહ્યા. મુદ્ગલે બીજા પખવાડિયે યજ્ઞ કર્યો, એ જ રીતે દુર્વાસા ત્યાં ફરી આવીને બધું અન્ન ખાઈ ગયા. મહાત્મા મુદ્ગલ તો ભૂખ્યા જ રહ્યા. અને પોતાનું કામકાજ કરતા રહ્યા. તેમની પત્ની અને તેમનાં સંતાનો પણ ભૂખ્યાં રહ્યાં તો પણ મુદ્ગલના મનમાં ક્રોધ ન જાગ્યો, ઈર્ષ્યા ન થઈ, દુર્વાસા પ્રત્યે કોઈ દુર્ભાવ ન પ્રગટ્યો, એમની બુદ્ધિ કોઈ વિભ્રમને વશ થઈ.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કાર્તિકેય અને તારકાસુરની કથા|કાર્તિકેય અને તારકાસુરની કથા]]
આ રીતે દુર્વાસા ઋષિ છ વાર આવ્યા, અને મુદ્ગલના મનમાં કશોય વિકાર ન જોયો, તેમનું મન શુદ્ધ જ જોયું. દુર્વાસા ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું, ‘આ લોકમાં તમારા જેવો ઈર્ષ્યાહીન, દાની બીજો કોઈ નથી. તમે ધૈર્યપૂર્વક ક્ષુધાધર્મ અને જિહ્વાશક્તિને પરાજિત કર્યા. આ જિહ્વા તો રસ ઇચ્છે છે, એટલે પુરુષને તે ખેંચી રાખે છે. પ્રાણ ભોજનમાં સ્થિર રહે છે, મન ખૂબ કઠિનતાથી વશમાં આવે છે. મનને એકાગ્ર કરીને ઇન્દ્રિયોને વશમાં રાખવું એ જ તપ કહેવાય. પુરુષાર્થ વડે મેળવેલા ધનને શુદ્ધ મન વડે આપવું બહુ અઘરું છે. તમે આ બધું સારી રીતે પાર પાડ્યું.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વૃષાદર્ભિ અને સપ્તર્ષિઓની કથા|વૃષાદર્ભિ અને સપ્તર્ષિઓની કથા]]
તમને મળીને હું બહુ રાજી થયો છું. તમે ઇન્દ્રિયજિત છો, તમારામાં ધીરજ છે, અન્ન વગેરેનું દાન કરવાની ઇચ્છા છે, શમ-દમ-સત્ય-ધર્મ તમારામાં વસે છે. તમે તમારાં કર્મ વડે સ્વર્ગને જીતી લીધું છે. તમારું દાન ધન્ય છે, દેવતાઓ પણ આ દાનની પ્રશંસા કરે છે, તમે સદેહે સ્વર્ગમાં જશો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/સૂર્ય અને જમદગ્નિની કથા|સૂર્ય અને જમદગ્નિની કથા]]
દુર્વાસા આમ કહેતા હતા ત્યારે દેવતાઓના એક દૂત વિમાનમાં બેસીને આવ્યા.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કીટ અને વ્યાસ|કીટ અને વ્યાસ]]
એ વિમાન સુવાસિત હતું, ઝાંઝરવાળું હતું; ત્યાં હંસ-સારસ હતા, ઇચ્છા પ્રમાણે તે વિહાર કરી શકતું હતું. તે દેવદૂતે કહ્યું, ‘હે મહર્ષિ, તમારાં કર્મો વડે આ વિમાન તમને મળ્યું છે, હવે તેમાં બેસો.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શંકરપાર્વતી સંવાદ|શંકરપાર્વતી સંવાદ]]
મુદ્ગલ ઋષિએ દેવદૂતને પૂછ્યું, ‘હું તમારા મોઢે સ્વર્ગવાસીઓના ગુણ જાણવા માગું છું. તેમનું તપ કેવું હોય છે, ત્યાં કેવાં સુખ-દુઃખ હોય છે? તમને હું મિત્ર માનીને પૂછું છું. સાત ડગલાં સાથે ચાલવાથી સજ્જનો મિત્ર બની જાય છે એવું સંતપુરુષો કહે છે. મારા પ્રશ્નોનો જે સાચો, યોગ્ય ઉત્તર હોય તે નિ:સંકોચ કહો. તમારી વાત સાંભળ્યા પછી મને જે ઠીક લાગશે તે કરીશ.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કાર્ત્તવીર્ય અર્જુનની કથા|કાર્ત્તવીર્ય અર્જુનની કથા]]
દેવદૂતે કહ્યું, ‘હે મહર્ષિ, તમારી બુદ્ધિ અકાર્યમાં કેમ રમે છે? તમે ઉત્તમ મનાતા સ્વર્ગના સુખ વિશે પણ મૂર્ખની જેમ પૂછી રહ્યા છો? આ લોકની ઉપર સ્વર્ગલોક છે, તેને સ્વર્લોક પણ કહે છે. તેની ઉપર દેવોનો માર્ગ છે, તેમાં દેવોના વિમાનોની આવજા થયા કરે છે. જેણે તપ કર્યું ન હોય કે મહાયજ્ઞ કર્યો ન હોય તે ત્યાં જઈ જ ન શકે. અસત્યવાદી અને નાસ્તિકો ત્યાં જઈ ન શકે. અહીં તો ધર્માત્મા, સંયમી, શાંત, જિતેન્દ્રિય, સાધુ, દાનધર્મ કરનારા અને યુદ્ધમાં વીરગતિ પામેલા જ જઈ શકે. એ પુણ્યશાળીઓના લોકમાં શમ, દમ રૂપી ધર્મ વડે ઉત્તમ કર્મો કરનારા જ જઈ શકે. દેવતા, સાધ્ય, મરુત, મહર્ષિ, યામ, ધામ, ગંધર્વ અને અપ્સરાઓના વિવિધ લોક છે. તે બધા લોક પરમ પ્રકાશિત, સુખ-તેજવાળા, સુંદર છે. ત્યાં તેત્રીસ હજાર યોજન વિસ્તારમાં ફેલાયેલો સુવર્ણમય મેરુપર્વત છે, દેવતાઓના ઉદ્યાનો છે. તેની ઉપર નંદન વગેરે ઉપવન છે. ત્યાં પુણ્યકર્મ કરનારા વિહાર કરે છે. ત્યાં ભૂખતરસ નથી, ત્યાં થાક નથી લાગતો, ઠંડી ગરમી નથી. ભયાનક કશું નથી. રોગ નથી. ત્યાં ખૂબ જ સુવાસ આવે છે. વાયુ શીતળ અને સુખદાયક છે, ત્યાં ઉચ્ચારાતા શબ્દો કર્ણપ્રિય હોય છે, સ્વર્ગમાં શોક નથી, વૃદ્ધાવસ્થા નથી, પ્રાયશ્ચિત્ત નથી, દુઃખ નથી. માનવી પોતે જે કાર્ય કરે છે તેના વડે આ લોક પ્રાપ્ત થાય છે. પોતપોતાનાં કર્મ અનુસાર સ્વર્ગવાસીઓનાં શરીર અગ્નિમય હોય છે, ત્યાં કોઈ માતા-પિતાથી જન્મ લેતું નથી. અહીં કોઈને પરસેવો થતો નથી, દુર્ગન્ધ આવતી નથી. ઝાડોપેશાબ નથી થતા, કોઈનાં વસ્ત્ર મેલાં થતાં નથી. દેવતાઓએ પહેરેલી દિવ્ય સુવાસવાળી, સુંદર માળાઓ કદી કરમાતી નથી. સ્વર્ગવાસીઓ દિવ્ય વિમાનોમાં બેસીને વિહાર કરે છે. ત્યાંના લોકો શોક, થાક, મોહ, દુષ્ટતાથી પર હોય છે. આ ઇન્દ્રલોકથી પણ ચઢિયાતો બીજો લોક નીચેના લોક કરતાં ઉપરનો લોક વધુ ચઢિયાતો છે. એ બધાથી ઉપરનો બ્રહ્માનો લોક સુંદર, દિવ્ય તેજથી ભરેલો છે. શુભ કર્મોથી પવિત્ર થયેલા ઋષિઓ ત્યાં જાય છે. ત્યાં ઋભુ નામના દેવ રહે છે. તે દેવોના પણ દેવ છે. તેમના પોતાના તેજથી પ્રકાશિત રહે છે. ત્યાં બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાં જે રહે છે તેમને સ્ત્રી, ધન બાબતે કશું દુઃખ નથી. તેઓ આહુતિ વડે જીવતા નથી, અમૃતભોજન કરતા નથી. તેમનું શરીર દિવ્ય છે, તેઓ શરીર ધરાવતા નથી. તેમને સુખની કશી ઇચ્છા થતી નથી. જો ત્યાં હર્ષ ન હોય, પ્રેમ ન હોય, સુખ ન હોય તો પછી ઘરડાપો કે મૃત્યુ તો હોય જ ક્યાંથી? સુખ નથી- તો દુઃખ નથી. રાગદ્વેષ પછી હોય ક્યાંથી? દેવતાઓ પણ આ દુર્લભ ગતિ ઝંખે છે. કામવશ, ઇન્દ્રિયભોક્તાઓ આ ગતિ પામી શકતા નથી. આ તેત્રીસ પ્રકારના લોક છે, અહીં બુદ્ધિશાળીઓ, દાનેશ્વરીઓ, કર્મબદ્ધ, નિયમબદ્ધ અને દાનધર્મ કરનારા જઈ શકે છે. તમને દાનેશ્વરીની ગતિ મળી છે. હવે તમે તમારા તપોબળથી જે સુખ મળ્યું છે તે હવે ભોગવો. અહીં જેઓ ઉત્તમ લોકો આવે છે તે બધા આનંદ પામે છે, સ્વર્ગના ગુણ તમે સાંભળ્યા, હવે તેના દોષ સાંભળો.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મરુત્ત રાજાની કથા|મરુત્ત રાજાની કથા]]
માનવી સ્વર્ગમાં જઈ કર્માનુસાર ફળ ભોગવે છે, બીજું કોઈ કામ તે કરી શકતો નથી. એટલે તે કર્મથી દૂર દૂર નીકળી જાય છે. કર્મફળ ભોગવી લીધા પછી મનુષ્યનું સ્વર્ગમાંથી પતન થાય છે. સદા સુખમાં રહેનારા લોકોનું આ પતન દુઃખદ ગણાય. સ્વર્ગમાં ઉપલા લોકની વધારે લક્ષ્મી જોઈને નીચલા લોકમાં રહેનારાઓને અસંતોષ થાય છે. ત્યાંથી પતન પામનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તે રજોગુણી થઈ જાય છે. જે સમયે સ્વર્ગમાંથી પતન થવાનું હોય છે તે સમયે તેની પુષ્પમાળા કરમાવા લાગે છે, ત્યારથી તેને પતનની બીક લાગવા માંડે છે. આ ભયાનક દુઃખ બ્રહ્મલોકમાં પણ જોવા મળે છે. સ્વર્ગમાંથી પતન પામનારાઓનો જન્મ મનુષ્ય તરીકે થાય છે. તે માનવી તરીકે ભાગ્યશાળી હોય છે, સુખી હોય છે. જો ત્યાં સારાં કર્મ ન કર્યાં તો નીચ અવસ્થા પામે છે. મૃત્યુલોકમાં કરેલાં કર્મનું ફળ સ્વર્ગલોકમાં ભોગવાય છે, એટલે કે મર્ત્યલોક કર્મભૂમિ છે અને સ્વર્ગલોક ફળભૂમિ છે. મુદ્ગલ, તમે જે પ્રશ્નો પૂછ્યા તેનો મેં ઉત્તર આપ્યો, હવે ચાલો, વિલંબ ન કરો.
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/અગસ્ત્ય ઋષિનો યજ્ઞ|અગસ્ત્ય ઋષિનો યજ્ઞ]]
દેવદૂતની આ બધી વાતો સાંભળીને મુદ્ગલ વિચારમાં પડ્યા અને પછી દેવદૂતને તેમણે કહ્યું, ‘તમને વંદન. તમારી ઇચ્છા થાય ત્યાં હવે તમે જાઓ. આવા દોષ-આવા સુખથી ભરેલા સ્વર્ગનું મારે કશું કામ નથી. જે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થવાનું હોય ત્યારે બહુ દુઃખ વેઠવું પડે, ઝાઝો પશ્ચાત્તાપ કરવો પડે એવા સ્વર્ગમાં મારે જવું નથી. જ્યાં લોકો શોક ન કરે, વ્યથા ન અનુભવે, ભ્રષ્ટ ન થાય એવા જ શાશ્વત સુખના પ્રદેશમાં હું તો જવા માગું છું.’
* [[ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/યુધિષ્ઠિરનો યજ્ઞ અને નોળિયો|યુધિષ્ઠિરનો યજ્ઞ અને નોળિયો]]
એમ કહીને મુદ્ગલે દેવદૂતને વિદાય કર્યા, પોતે ધર્મપૂર્વક જીવવા લાગ્યા. સ્તુતિ, નિંદા, ધૂળ, લાકડું, પથ્થર અને સોનામાં કશો ભેદ નથી એમ માન્યું. આમ ધ્યાન, જ્ઞાન અને યોગથી પવિત્ર થઈને થોડા સમયમાં સનાતન મોક્ષ પામ્યા.
{{Right | (આરણ્યક પર્વ ૨૪૬) }} <br>
=== સત્યવાન અને સાવિત્રીની કથા ===
મદ્ર દેશમાં અશ્વપતિ નામના એક રાજા. તે ધર્મજ્ઞ, બ્રાહ્મણભક્ત, સત્યવાદી, જિતેન્દ્રિય, દાનેશ્વરી, પ્રજાપ્રિય, પ્રાણીહિતરક્ષક હતા. ક્ષમાશીલ આ રાજા ખાસ્સા ઉમ્મરલાયક થયા તો પણ તેમને ત્યાં કોઈ સંતાન ન હતું, એટલે તેઓ દુઃખી દુઃખી હતા. પુત્ર પ્રાપ્તિ માટે આકરા નિયમ-વ્રતો પાળતા હતા. અવારનવાર થોડું થોડું ભોજન કરીને જિતેન્દ્રિય રહેતા હતા. આમ અઢાર વર્ષ નિયમપૂર્વક વીતાવ્યાં, ત્યારે છેલ્લે સાવિત્રી પ્રસન્ન થયાં. અગ્નિહોમમાં પ્રગટ થયાં, અને રાજાને કહ્યું, ‘હું તમારા બ્રહ્મચર્ય, યમનિયમ, ભક્તિથી પ્રસન્ન છું. તમારે જે વરદાન જોઈતું હોય તે માગો. ધર્મપાલનમાં કદી આળસ ન કરતાં.’ રાજાએ કહ્યું, ‘બ્રાહ્મણોએ મને કહ્યું હતું, પુત્ર જ પરમ ધર્મ છે. તો જો તમે પ્રસન્ન થયા હો તો આ વરદાન આપો. પુત્રપ્રાપ્તિ માટે આ યજ્ઞ કર્યો છે. મારા વંશને વધારનારા પુત્રો આપો.’
સાવિત્રીએ કહ્યું, ‘હે રાજન્, હું તમારા મનની વાત પહેલેથી જાણી ગઈ હતી, મેં બ્રહ્માને વાત કરી હતી, બ્રહ્માની કૃપાથી તમને નજીકમાં જ કન્યા પ્રાપ્ત થશે. હવે તમે કશું બોલતા નહીં, બ્રહ્માના કહેવાથી તમને વરદાન આપું છું.’
સાવિત્રીનું વરદાન રાજાએ સ્વીકારી લીધું અને દેવી અંતર્ધાન થયા પછી રાજા નગરમાં આવીને પ્રજાપાલન કરવા લાગ્યા. રાજાની પટરાણી સગર્ભા થઈ. આકાશમાં શુક્લપક્ષનો ચંદ્ર વિકસે તેમ તેનો ગર્ભ પણ વિકસવા લાગ્યો. પૂરા સમયે રાણીએ કમલનેત્રી કન્યાને જન્મ આપ્યો. પછી રાજાએ તેના સંસ્કારધર્મ કરાવ્યા. સાવિત્રીની કૃપાથી આ કન્યાનો જન્મ થયો હતો એટલે બધાએ તેનું નામ સાવિત્રી પાડ્યું. આ રાજકન્યા લક્ષ્મીની જેમ મોટી થવા લાગી અને થોડા સમયમાં યૌવનાવસ્થા પામી. પાતળી કટિ અને ઉત્તમ નિતંબોવાળી કન્યા કાંચનપ્રતિમા જેવી દેખાતી હતી એટલે બધાએ તેને દેવકન્યા જ માની. એનું એટલું બધું તેજ જોઈને કોઈ તેને પરણવાની ઇચ્છા કરતું ન હતંુ. એક દિવસ સાવિત્રીએ વ્રત કરી, માથાબોળ સ્નાન કરી અગ્નિની પૂજા કરીને વિધિવત્ બ્રાહ્મણો સાથે વેદપાઠ કરાવ્યા. પછી લક્ષ્મીરૂપા તે કન્યા દેવતાનો પ્રસાદ લઈ પિતા પાસે જઈ પહોંચી.
પિતાને પ્રસાદ આપીને વંદન કરતી તે ત્યાં બેઠી. પોતાની પુત્રી દેવકન્યા જેવી રૂપવાન હોવા છતાં તેને લાયક કોઈ પતિ મળતો ન હતો એટલે તે દુઃખી થઈ ગયા. રાજાએ કહ્યું, ‘તું વિવાહયોગ્ય થઈ ગઈ છે પણ હજુ કોઈ સામે ચાલીને તારું માગું કરવા આવતું નથી. એટલે હવે તું તારા જ જેવા કોઈ ગુણવાનને શોધી કાઢ. તું જેની સાથે લગ્ન કરવાનું નક્કી કરે તે મને દેખાડજે, હું જોઈ કરીને તેની સાથે તારું લગ્ન કરાવી આપીશ. એટલે કોઈ સુપાત્ર ખોળી લે. મેં પંડિતો પાસેથી જે સાંભળ્યું છે તે તું સાંભળ. જે પિતા કન્યાનો વિવાહ ન કરે તે નિંદાયોગ્ય છે. જે પતિ પત્નીના ઋતુકાળમાં તેની ઇચ્છા ન સંતોષે તે નિંદાયોગ્ય છે. જે પુત્ર વિધવા માતાની રક્ષા ન કરે તે નિંદાયોગ્ય છે. એટલે તું વેળાસર પતિને શોધવા જા. દેવતાઓ મારી નંદાિ ન કરે એ તું જોજે.’
એ પ્રમાણે પોતાની પુત્રીને કહી મંત્રીઓને યાત્રા માટે જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવા કહ્યું, અને પુત્રીને જવાની આજ્ઞા આપી. મનસ્વિની સાવિત્રી પિતાની વાત માનીને કોઈ પણ જાતના સંકોચ વિના લજ્જા પામતી, પિતાની વંદના કરીને ચાલી નીકળી. વનમાં જઈને વૃદ્ધ અને વડીલોને પ્રણામ કરતી કરતી બધા વનવિસ્તારમાં ઘૂમવા લાગી. તીર્થોમાં ધનદાન કરતી, બ્રાહ્મણોની સેવા કરતી રાજકન્યા બધા દેશોમાં ફરવા લાગી. એક દિવસ મદ્રરાજ સભામાં નારદ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે ઘણા બધા તીર્થોમાં અને આશ્રમોમાં ભમીભમીને સાવિત્રી મંત્રીઓની સાથે પિતાને ત્યાં પાછી આવી. તેણે પિતાને અને નારદને પ્રણામ કર્યા.
નારદે કહ્યું, ‘આ તમારી પુત્રી ક્યાં ગઈ હતી? ક્યાંથી આવી? તમે એનું લગ્ન કેમ કરતા નથી?’
અશ્વપતિએ કહ્યું, ‘મેં એટલા જ માટે તેને મોકલી હતી. તે આજે જ પાછી આવી છે. એની પાસેથી જ સાંભળો ત્યારે.’
‘સાવિત્રી, તું વિગતે બધી વાત કર.’ એમ જ્યારે પિતાએ કહ્યું ત્યારે સાવિત્રી બોલી, ‘શાલ્વ દેશમાં એક દ્યુમત્સેન રાજા છે, પાછળથી તે આંધળા થઈ ગયા. તે વેળા પુત્ર બહુ નાનો હતો. રાજાનું રાજ્ય શત્રુઓએ પડાવી લીધું. એટલે રાજા પત્ની અને બાળકને લઈને વનમાં જતા રહ્યા અને ત્યાં તપ કરવા લાગ્યા. એટલે રાજા પત્ની અને બાળકને લઈને વનમાં જતા રહ્યા. તે પુત્ર ત્યાં જ મોટો થયો, તે સત્યવાન મારો પતિ થઈ શકે.’
નારદ બોલી પડ્યા, ‘અરે, આ સાવિત્રીએ તો બહુ ખોટંુ કર્યું છે. જાણ્યા કર્યા વિના સત્યવાનની પસંદગી કરી બેઠી. એના માતાપિતા સત્યવાદી છે, એટલે જ બ્રાહ્મણોએ તેનું નામ સત્યવાન પાડ્યું. નાનપણથી તેને ઘોડા બહુ ગમતા હતા. એ માટીના ઘોડા બનાવ્યા કરતો, ચિત્રો પણ દોરતો. એ કારણે તેનું નામ ચિત્રાશ્વ પણ છે.
રાજાએ પૂછ્યું, ‘સત્યવાન તેજસ્વી, બુદ્ધિશાળી, માતાપિતાને આનંદ આપનારો તો છે ને!’
નારદે કહ્યું, ‘આ બાળક સૂર્ય જેવો તેજસ્વી, બૃહસ્પતિ જેવો બુદ્ધિશાળી, ઇન્દ્ર જેવો પરાક્રમી અને પૃથ્વી જેવો ક્ષમાવાન છે.’
‘સત્યવાન દાતા, બ્રાહ્મણભકત, રૂપવાન, ઉદાર છે કે નહીં?’
‘એ રતિદેવની જેમ દાન આપનારો છે, શિબિ જેવો સત્યવાદી છે. યયાતિ જેવો ઉદાર, ચંદ્ર જેવો સુંદર, અશ્વિનીકુમાર જેવો બળવાન અને રૂપવાન છે. તે જિતેન્દ્રિય છે, નમ્ર છે, વીર છે, ઇન્દ્રિયનિગ્રહી છે, તે બધાની સાથે મિત્રોની જેમ વર્તે છે, ઇર્ષાળુ તો છે જ નહીં, સંકોચશીલ છે.’
રાજાએ કહ્યું, ‘તમે એના ગુણો કહ્યા, તો દોષો કહો જોઉં.’
‘એક જ દોષ છે. બીજો દોષ નથી. આજથી એક વર્ષ પછી તેનું મૃત્યુ થશે.’
આ સાંભળી રાજાએ કહ્યું, ‘સાવિત્રી, તું કોઈ બીજો પતિ શોધી કાઢ. આના એક જ દોષે બધા ગુણને ઢાંકી દીધા છે. એક જ વરસ પછી તો તે મૃત્યુ પામશે.’
સાવિત્રીએ ઉત્તર આપ્યો, ‘પૈતૃક સંપત્તિ એક જ વાર વહેંચાય, કન્યાદાન એક જ વાર થાય, ‘હું આપું છું’ એમ એક જ વાર કહેવાય, તે દીર્ઘાયુષ્યવાળો હોય કે અલ્પ આયુષ્યવાળો, ગુણવાન હોય કે ગુણહીન હોય. મેં એક વાર પતિ તરીકે તેની પસંદગી કરી લીધી છે, હવે બીજો કોઈ પસંદ ન કરું. મનમાં નક્કી કર્યા પછી જ વાણી દ્વારા રજૂ થાય છે, અને પછી જ કર્મ થાય. મારું સાક્ષી મન છે.’
નારદે કહ્યું, ‘તમારી પુત્રી સાવિત્રી દૃઢ બુદ્ધિવાળી છે. એને તેના ધર્મથી કોઈ પણ રીતે વિચલિત કરી નહીં શકાય. સત્યવાનમાં જે ગુણ છે તે બીજામાં નથી. એટલે મારી દૃષ્ટિએ તે ભલે સત્યવાન સાથે લગ્ન કરે.’
રાજાએ નારદની વાત સ્વીકારી લીધી. સાવિત્રીના લગ્ન માટે શુભેચ્છાઓ આપી નારદે વિદાય લીધી. પછી રાજા પોતાની પુત્રીના લગ્નની તૈયારીમાં પડ્યા. પછી વૃદ્ધ બ્રાહ્મણ, ઋત્વિજ, પુરોહિત તથા સાવિત્રી સાથે દ્યુમત્સેનના આશ્રમે પહોંચ્યા. ત્યાં અંધ રાજા શાલ વૃક્ષ નીચે કુશના આસન પર બેઠા હતા. અશ્વપતિએ રાજષિર્ દ્યુમત્સેનનો સારી રીતે સત્કાર કરીને નમ્રતાથી પોતાના આગમનનું કારણ જણાવ્યું, ‘આ સાવિત્રી મારી પુત્રી છે, તમે પુત્રવધુ રૂપે તેનો સ્વીકાર કરો.’
‘રાજન્, અમે રાજ્ય ગુમાવી ચૂક્યા છીએ. વનમાં રહી તપસ્વીઓની જેમ જીવીએ છીએ. વનવાસ માટે તમારી પુત્રી તો ટેવાઈ નથી, તે આશ્રમમાં રહીને અહીંનાં બધાં દુઃખો કેવી રીતે વેઠશે?’
અશ્વપતિએ કહ્યું, ‘સુખદુઃખ તો આવે છે ને જાય છે. એ હું જાણું છું અને મારી પુત્રી પણ જાણે છે, તમે આવું ન બોલો. હું ચોક્કસ નિર્ણય કરીને જ અહીં આવ્યો છું. તમે મારું મન રાખો. હું પ્રેમપૂર્વક આવ્યો છું. મને નિરાશ ન કરો. આ સંબંધ બંનેને અનુરૂપ છે. આપણે બંને સરખા છીએ. એટલે મારી કન્યાને પુત્રવધૂ બનાવી સત્યવાન સાથે તેને પરણાવો.’
દ્યુમત્સેન બોલ્યા, ‘હું પહેલાં તમારી સાથે આ સંબંધ બાંધવાનો વિચાર કરતો જ હતો પણ અત્યારે રાજ્ય ઝૂંટવાઈ ગયું છે એટલે આમ કહું છું. મારી જૂની ઇચ્છા પાર પડી. તમે તો મારા અતિથિ છો એટલે ઇચ્છા હોય તે પાર પાડો.’
પછી આશ્રમના બધા બ્રાહ્મણોને બોલાવી સાવિત્રી-સત્યવાનનો વિવાહ કરી દીધો. રાજા અશ્વપતિ કન્યાદાન કરીને, બીજાં અનેક દાન કરીને પોતાના નગરમાં ગયા. સત્યવાન અને સાવિત્રી એકબીજાને મેળવીને ખૂબ આનંદિત થયા. પિતાની વિદાય પછી સાવિત્રીએ વસ્ત્રાભૂષણ દૂર કર્યાં અને વલ્કલ તથા કાષાય વસ્ત્રો પહેરી લીધાં. સેવા, ગુણો, નમ્રતાથી સાવિત્રી બધાને આનંદ આપવા લાગી. સાસુની શરીર સેવા, સસરાની વસ્ત્રભોજન સેવા કરતાં કરતાં મીઠી વાણીથી બધાને પ્રસન્ન કરવા લાગી. એવી જ રીતે પતિને પણ મધુર વાણીથી, ચતુરતાથી રીઝવવા લાગી. આમ આશ્રમમાં રહીને તેનો સમય વીતવા લાગ્યો. પણ રાતદિવસ, સૂતાઊઠતા, સાવિત્રીના મનમાં નારદે કહેલી વાત વારંવાર તેને યાદ આવ્યા કરતી હતી.
હવે જે દિવસે સત્યવાનનું મૃત્યુ થવાનું હતું તે ગોઝારો દિવસ પણ આવી પહોંચ્યો. નારદની ચેતવણી સાવિત્રીના કાનોમાં ગૂંજ્યાં કરતી હતી, એટલે તે હંમેશા છેલ્લા દિવસો ગણ્યા જ કરતી હતી. હવે જ્યારે સત્યવાનના મૃત્યુના ચાર દિવસ બાકી રહ્યા ત્યારે તેણે ત્રણ દિવસના ઉપવાસ આદર્યા અને રાતદિવસ તે જાગતી રહી, સાવિત્રીના સસરા આ વ્રત વિશે જાણીને બહુ દુઃખી થયા અને સાવિત્રીને સમજાવવા બોલ્યા,
‘તેં આદરેલું વ્રત ભારે કઠિન છે. ત્રણ રાત ખાધાપીધા વિના કાઢવા કેવી રીતે!’
‘પિતાજી, તમે ચિંતા ન કરો, હું આ વ્રત પાર પાડીશ. કશોક સંકલ્પ કરીને મેં આ વ્રત શરૂ કર્યું છે, અને સંકલ્પ જ બધાં કાર્યોને પ્રેરે છે.
‘હું એવું તો નથી કહી શકતો કે તું આ વ્રત માંડી વાળ. અમારા જેવા તો તને એમ જ કહેશે કે વ્રત પૂરું કર.’ આમ કહીને રાજા ચૂપ થઈ ગયા, સાવિત્રી દૃઢ મનોબળથી એ વ્રત કરવા લાગી.
સત્યવાનના મૃત્યુના આગલા દિવસે સાવિત્રી દુઃખી થઈને બેસી જ રહી, અને એમ તેણે આખી રાત વીતાવી. છેલ્લે દિવસે અગ્નિ પ્રગટાવી હવન કર્યો. સૂર્યોદય થતાં જ તેણે બધી વિધિ પતાવ્યો, પછી આશ્રમના બધા વૃદ્ધ, બ્રાહ્મણો, સાસુસસરાને પ્રણામ કર્યા. બધા વનવાસી તપસ્વીઓએ તેને સૌભાગ્યના તથા હિતકારક આશીર્વાદ આપ્યા.
ધ્યાનમગ્ન અને યોગરત સાવિત્રીએ તેમના આશીર્વાદ બરાબર સાંભળ્યા અને મનોમન કહ્યું, ‘ભલે, એમ જ થાય.’ નારદે જે કહ્યું હતું તેના પર વિચાર કરતી દુઃખી સાવિત્રી સત્યવાનનાં મૃત્યુની પ્રતીક્ષા કરવા લાગી. એકલી બેસી રહેલી સાવિત્રીને તેના સાસુસસરાએ કહ્યું, ‘હવે તો તારું વ્રત પૂરું થઈ ગયું છે એટલે તું ખાઈ લે.’
‘સૂર્યાસ્ત થાય ત્યારે મારી મનોકામના પૂરી થશે, પછી જ હું ખાઈશ, મારો આ સંકલ્પ છે અને તે હું પાર પાડીશ.’
જે વાત સાવિત્રી આમ કહી રહી હતી ત્યારે સત્યવાન ખભે કુહાડી નાખીને વનમાં જવા નીકળ્યો.
‘તમારે એકલાએ વનમાં જવાનું નથી. આજે હું તમારી સાથે આવીશ. હું તમને એકલા નહીં જવા દઉં.’
‘આ પહેલાં તું ક્યારે વનમાં ગઈ નથી, વનના રસ્તા દુઃખદાયક હોય છે. વળી તું વ્રત કરીને થાકી ગઈ હઈશ, પગે ચાલીશ કેવી રીતે?
‘વ્રતનો મને થાક લાગ્યો નથી, એનો કશો ભાર નથી. તમારી સાથે જવાનો મારામાં ઉત્સાહ છે, એટલે મને ન રોકતા.’
‘જો ચાલવા માટેની તારી તૈયારી હોય તો માતાપિતાની આજ્ઞા લઈ લે, પછી મારો વાંક ન નીકળે.’
એટલે સાવિત્રીએ સાસુસસરા પાસે જઈ પ્રણામ કરી કહેવા લાગી, ‘મારા પતિ ફળ લાવવા વનમાં જઈ રહ્યા છે. તમારી આજ્ઞા લઈને હું પણ તેમની સાથે વનમાં જવા માગું છું. હું તેમનો વિરહ વેઠી નહીં શકું. ગુરુજનો માટે તથા અગ્નિહોમ માટે ફળ અને સમિધ લેવા તમારા પુત્ર વનમાં જઈ રહ્યા છે. એમને જતા રોકવા પણ યોગ્ય નથી. હા, તેઓ કોઈ બીજા કામસર વનમાં જતા હોત તો રોકી શકાત. મને અહીં આવે લગભગ વરસ થવા આવ્યું છે પણ આજ સુધી હું આશ્રમની બહાર નીકળી નથી. આજે મારી ઇચ્છા ફૂલોથી છલકાતા વનને જોવાની છે.’
આ સાંભળી રાજાએ કહ્યું, ‘જ્યારથી સાવિત્રી અહીં આવી છે ત્યારથી તેણે કશું માગ્યું હોય એવું મને યાદ નથી. એટલે ભલે આજે તેની ઇચ્છા પૂરી થાય. સત્યવાનના માર્ગમાં કશો પ્રમાદ ન કરતી.’
આમ સાસુસસરાની આજ્ઞા લઈ બહારથી હસતી અને હૈયે કકળતી સાવિત્રી નીકળી પડી. કમલનયના સાવિત્રીએ મોરથી ભરચક સુંદર વનને જોયું. સત્યવાને કહ્યું, ‘પવિત્ર પાણીથી ઊભરાતી અને ખીલેલા પુષ્પોવાળા આ પર્વતો જો.’
સાવિત્રી એકીટશે સત્યવાનની એકેએક હિલચાલ પર નજર નાખી રહી હતી. નારદ મુનિનાં વચનોને યાદ કરતી સાવિત્રીએ હવે પતિના મૃત્યુને નજીકમાં આવી રહેલું જોયું. પતિની પાછળ પાછળ ધીરેથી ચાલી રહેલી સાવિત્રી એ સમય વિશે વિચારતી હતી. એેને કારણે તેનું હૃદય ભાંગી ગયું હતું. બળવાન સત્યકામે પત્નીની સહાયથી ફળ વીણીને ટોપલીમાં ભર્યાં. પછી લાકડીઓ તોડવા લાગ્યા. એમ કરતાં સત્યકામને શરીરે પરસેવો વળી ગયો. તેનું માથું દુઃખવા લાગ્યું. તે સાવિત્રી પાસે જઈને થાકેલા સ્વરે બોલ્યા, ‘આ પરિશ્રમને કારણે મારું માથું દુઃખે છે. મારું શરીર તૂટે છે, હૃદય નબળું થયું લાગે છે. અત્યારે મને સારું નથી લાગતું. મારા માથામાં જાણે સોયો ભોંકાતી હોય એમ લાગે છે. એટલે મારે સૂઈ જવું છે, બેસવાની શક્તિ નથી રહી.’
સાવિત્રી પતિની પાસે જઈને તેનું માથું ખોળામાં મૂકીને જમીન પર બેસી ગઈ. નારદની વાત યાદ કરતી તે મુહૂર્ત, ક્ષણ, દિવસનો મેળ પાડવા લાગી. થોડી વારે તેણે પીળા વસ્ત્રવાળા, સૂર્ય જેવા તેજસ્વી, માથે મુગટ પહેરેલા એક પુરુષને જોયા. સત્યવાનની પાસે ઊભેલા તે કાળો દેહ ધરાવતા હતા. તેમની આંખો રાતી હતી, હાથમાં ફાંસો હતો, તે પુરુષ સત્યવાનને જોઈ રહ્યો હતો. તેને જોઈને સાવિત્રીએ સત્યવાનનું માથું જમીન પર મૂકીને સાવિત્રી ધૂ્રજતા હૈયે આર્ત સ્વરે બોલી, ‘મને એટલી ખબર છે કે તમે કોઈ દેવતા છો. મનુષ્યોનું શરીર આવું નથી હોતું. બોલો, તમે કોણ છો અને શું કરવા માગો છો?’
યમરાજે કહ્યું, ‘સાવિત્રી, તું પતિવ્રતા છે, તપોરત છે એટલે તારી સાથે બોલી રહ્યો છું. હું યમરાજ છું. તારા પતિ સત્યવાનની જીવાદોરી સમાપ્ત થઈ ગઈ છે. એટલે એને પાશમાં બાંધીને લઈ જવા આવ્યો છું.’ પછી સાવિત્રીને પ્રસન્ન કરવા બોલવા લાગ્યા, ‘આ ધામિર્ક, રૂપવાન અને ગુણવાન સત્યકામને મારા દૂતો લઈ જાય એ યોગ્ય ન કહેવાય એટલા માટે હું જાતે તેને લેવા આવ્યો છું.’
એમ કહી સત્યવાનના શરીરમાંથી પાશબદ્ધ થયેલા અંગૂઠા જેવડા જીવને યમરાજે બળપૂર્વક ખેંચ્યો. સત્યવાનનું શરીર પ્રાણહીન થઈ ગયું, તેના શ્વાસ અટકી ગયા, એટલે શરીર તેજરહિત થઈ ગયું. જીવ જતો રહ્યો એ કારણે તેનું શરીર જોવું ન ગમે તેવું થઈ ગયું. પછી યમ તેને લઈને દક્ષિણ દિશામાં ચાલી નીકળ્યા. નિયમબદ્ધ, વ્રતબદ્ધ, ભાગ્યશાળી, પતિવ્રતા દુઃખે આકળવિકળ થઈને યમની પાછળ પાછળ ચાલવા લાગી.
‘સાવિત્રી, પતિની સાથે જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી તું આવી. હવે તું પતિ પ્રત્યેના ઋણમાંથી મુક્ત થઈ છે. તું પાછી જા અને પતિની મરણોત્તર વિધિ કર.’
‘જ્યાં મારા પતિને કોઈ લઈ આવે કે તેઓ પોતાની જાતે આવી ચઢે, ત્યાં મારે પણ જવું જોઈએ. આ સનાતન ધર્મ છે. તપ, ગુરુભક્તિ, પતિપ્રેમ, વ્રત અને તમારી કૃપાથી મારી ગતિ ક્યાંય પણ અટકવાની નથી. તત્ત્વદર્શી પંડિતો સાત ડગલાં સાથે ચાલવાની ઘટનાને મિત્રતાનું લક્ષણ કહે છે. હું મૈત્રીભાવે જે કહું તે તમે સાંભળો.
અજ્ઞાનીઓ નથી તો વનમાં રહેતા, નથી ધર્મ પાળતા, નથી ગુરુકુલમાં રહેતા કે નથી પરિશ્રમ કરી શકતા. જ્ઞાનીઓ જ જ્ઞાની સાથે વાર્તાલાપ કરે છે. એટલે જ સાધુઓએ ધર્મમહિમા કહ્યો છે. સજ્જનો જેને ધર્મ માને છે તે એક જ ધર્મ બધાએ પાળવાનો, બીજાત્રીજા ધર્મની વાત બાજુ પર. એટલે જ ધર્મ પ્રધાન છે.’
યમ બોલ્યા, ‘સાવિત્રી, હું તારી આ સ્પષ્ટ વાતોથી પ્રસન્ન થયો છું. સત્યવાનના પ્રાણને છોડીને જે ઇચ્છામાં આવે તે વર માગ, હું તને આપીશ. હવે તું પાછી જા.’
‘આશ્રમમાં મારા સસરા અંધ છે, રાજ્ય છિનવાઈ ગયું હોવાને કારણે તેઓ અત્યારે વનવાસ ભોગવી રહ્યા છે. તેઓ તમારી કૃપાથી દેખતા થાય, બળવાન સૂર્ય અને અગ્નિ જેવા તેજસ્વી રાજા બને.’
‘સાવિત્રી, તેં જે માગ્યું છે તે બધું મેં આપ્યું. તેં જે કહ્યું તે બધું થશે. હવે લાગે છે કે ચાલી ચાલીને તને થાક લાગ્યો છે. એટલે હવે ઝાઝો શ્રમ ન કર. પાછી ફર.’
‘હે દેવ, હું મારા પતિ પાસે તો છું તો પછી મને થાક ક્યાંથી? મારો તો એક માત્ર આશ્રય પતિ. તમે મારા પતિને જ્યાં લઈ જાઓ છો ત્યાં હું આવીશ. મારી બીજી વાત પણ સાંભળો. સજ્જનો સાથે એક જ વાર મળીએ તો ઘણું છે, પહેલી વાર મળ્યા પછી તે સજ્જન મિત્ર બની જાય છે. સજ્જનોનો સહવાસ ક્યારેય એળે જતો નથી. એટલે હમેશાં સજજનોની નિકટ રહેવું જોઈએ.’
‘હે સાવિત્રી, તું જે કહે છે તે મનને અનુકૂળ છે, પંડિતોની બુદ્ધિ પણ તેનાથી વિકસી શકે એટલે સત્યવાનની જિંદગી સિવાય જે ઇચ્છા હોય તે કહે.’
‘તારા સસરા બહુ જલદી રાજ્ય પાછું મેળવશે, તે સદા ધામિર્ક રહેશે. હવે તારું કાર્ય મેં પાર પાડી દીધું. તું પાછી જા. હવે વધુ શ્રમ ન કરીશ.’
‘હે યમરાજ, તમે પ્રજાને નિયમમાં બાંધી રાખી છે. તમે જ બધાના નિયંતા છો. બધાને તેમનાં કર્મ પ્રમાણે ફળ આપો છો. એટલે જ તમારું નામ યમ જાણીતું છે. હવે મારી વાત સાંભળો. વચન અને કાયાથી કોઈ પ્રાણીનો દ્રોહ ન કરવો, બધા પર દયાભાવ દાખવવો, દાન આપવું: આ સજ્જનોનો ધર્મ છે. મારા પતિની જેમ બીજાઓ પણ ટૂંકી આવરદાવાળા હોય છે. આ જગતના લોકો શક્તિ વગરના, આવડત વિનાના છે. છતાં સાધુપુરુષો શરણે આવેલા શત્રુ પર પણ દયા કરે છે.’
‘જેવી રીતે એક તરસ્યાને પાણી આનંદ આપે છે તેવી રીતે તારી વાણી પણ પ્રસન્ન કરે એવી છે. સત્યવાનના જીવનદાન સિવાય બીજું કાંઈ પણ માગ.’
‘મારા માતાપિતા રાજા હોવા છતાં પુત્ર વિનાના છે. એટલે તેમને સો ઔરસ પુત્રો થાય, એટલે મારા પિતાનો વંશ ચાલુ રહે. આ ત્રીજો વર.’
‘તારા પિતાની વંશપરંપરા ચાલુ રહે એવા સો તેજસ્વી પુત્ર થશે. તારી ઇચ્છા પૂરી થશે. તું બહુ દૂર સુધી આવી ગઈ છે, હવે પાછી જા.’
‘આ તો ક્યાં દૂર છે? મારું મન તો પતિથી સાથે દૂર દૂર સુધી જવા માટે ખૂબ જ ઉત્સાહી છે. એટલે તમારી પાછળ પાછળ આવતાં હું કશુંક કહેવા માગું છું. તમે સાંભળો.
‘તમે સૂર્યપુત્ર છો, બહુ પ્રતાપી છો એટલે વિદ્વાનો તમને વૈવસ્વત કહે છે. પ્રજા તમારા શમ અને ધર્મ પ્રમાણે રહે છે. એટલે તમારું નામ ધર્મરાજ છે.
માનવીઓને જેવો વિશ્વાસ સજ્જનોમાં હોય છે તેવો પોતાના આત્મામાં પણ નથી હોતો. એટલે જ બધા સજ્જનોને વધુ ચાહે છે. બધાં પ્રાણીઓ ઉપર પ્રેમ રાખવાથી જ વિશ્વાસ જન્મે છે. એટલે જ બધાં પ્રાણી મહાત્માઓનો વિશ્વાસ કરે છે.’
‘તું જે વાણી સંભળાવી રહી છે તેવી તારા સિવાય કોઈની પાસેથી મેં સાંભળી નથી. હું બહુ જ પ્રસન્ન છું, સત્યવાનના જીવન સિવાય જે માગવું હોય તે માગ.’
‘હે દેવ, મને અને સત્યવાનને શક્તિશાળી સો પુત્ર જન્મે, તેમનાથી અમારાં કુળની કીતિર્ વધે. આ ચોથો વર.’
‘જા, તને આનંદ આપનારા સો પુત્ર થશે. હવે તું બહુ શ્રમ ન કર. પાછી ફર. બહુ દૂર સુધી તું આવી ગઈ છે.’
‘સજ્જનોની પ્રકૃતિ હમેશા ધર્મમાં જ બદ્ધ રહે છે. સજ્જનો કદી દુઃખી નથી થતા, તેઓ પસ્તાતા નથી. સજ્જનો અભયદાન આપ્યા પછી ફરી જતા નથી. તેઓ ભૂત-ભવિષ્યના આશ્રય છે. સત્ય વડે સજ્જનો સૂર્ય પણ લઈ જાય છે, તેઓ તપ વડે પૃથ્વીને ધારણ કરી શકે છે. આ વ્રત આર્યો દ્વારા કરવા યોગ્ય છે, આ સનાતન ધર્મને જાણીને સાધુઓ ઉપકાર કરે છે, તેઓ ઉપકારના બદલામાં કશું લેવા માગતા નથી. સજ્જનો દ્વારા થતી કૃપા વ્યર્થ જતી નથી. તેમની કૃપાને કારણે ન અર્થ એળે જાય કે ન માન. એટલે જ ધર્મ સાધુપુરુષો પાસે રહે છે; એટલે જ ઉત્તમ માણસો ધર્મની રક્ષા કરે છે.
‘તમે મને સો પુત્રોનું વરદાન તો આપ્યું જ છે, તે પુણ્યમય દાંપત્ય વિના સિદ્ધ ન થાય. બીજા વરદાનની જેમ આ અંતિમ વરદાન નથી. એટલે જ હું માગું છું કે મારા આ પતિ સત્યવાન જીવે, હું વગર પતિએ તો મરેલી જ છું. હું પતિ વિના કોઈ સુખ ભોગવવા માગતી નથી, પતિ સાથે ન હોય તો સ્વર્ગમાં પણ જવા માગતી નથી, પતિ ન હોય તો ઐશ્વર્ય શા કામનાં? પતિ વિના જીવવા પણ નથી માગતી. તમે મને વરદાન આપ્યું છે કે તારા પેટે સત્યવાનથી સો પુત્ર થશે. હવે તમે મારા પતિને જ લઈ જાઓ છો, તો પછી આ વરદાન ફળશે કેવી રીતે? એટલે જ હું વરદાન માગું છું કે મારા પતિ જીવી જાય. એ જીવે તો જ તમારી વાણી ફળે.’
સૂર્યપુત્ર યમરાજ સાવિત્રીની વાતોથી પ્રસન્ન થયા અને ‘ભલે’ કહીેને સત્યવાનને તેમણે પોતાના પાશમાંથી મુક્ત કરી કહ્યું, ‘લે, કુલનંદિની, આ તારા પતિને મૂકી દીધો. હવે તેને કોઈ રોગ નહીં; અનેક અર્થ સિદ્ધ કરશે, હવે તું એને લઈ જઈ શકીશ. તું એની સાથે ચારસો વર્ષ સુખેથી વીતાવીશ. તારી સાથે અનેક યજ્ઞો કરીને કીતિર્ મેળવશે. તેને તારાથી સો પુત્ર થશે તે બધા પુત્ર-પૌત્રો જગતમાં વિખ્યાત થશે, તારા નામથી પ્રસિદ્ધ થશે. તારા માતાપિતાને સો પુત્ર થશે. એ બધા માલવીના પેટે જન્મ્યા એટલે પુત્રપૌત્રોથી વીંટળાઈને ઘણો સમય વીતાવશે.’
પ્રતાપી યમરાજ આવાં વરદાન આપીને તથા સાવિત્રીને પરત મોકલીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. સાવિત્રી પોતાના પતિને છોડાવીને જ્યાં સત્યવાનનું શબ પડ્યું હતું ત્યાં આવી ચઢી. પતિના શબ પાસે આવીને તેનું માથું પોતાના ખોળામાં મૂક્યું. સત્યવાન જાગીને સાવિત્રીને કહેવા લાગ્યા. તે દૂર દૂરથી આવેલું કોઈ પોતાની પત્નીને જોતું હોય તેમ તે જોવા લાગ્યા.
‘હું બહુ વાર સુધી સૂતો રહ્યો. તેં મને જગાડ્યો કેમ નહીં? પેલો કાળો પુરુષ મને ખેંચતો હતો તે ક્યાં જતો રહ્યો?
‘તમે મારા ખોળામાં ઘણો વખત સૂતા રહ્યા. બધાને નિયમમાં રાખનારા યમરાજ જતા રહ્યા. તમે બહુ થાકી ગયા છો અને હવે તમારી ઊંઘ પણ ઊડી ગઈ છે. જો તમારાથી ઊભા થઈ શકાતું હોય તો ઊઠો. અત્યારે મધરાત થઈ છે.’
તે જ વખતે સત્યવાન પૂરેપૂરા જાગી ગયા. ચારે દિશાઓ અને વનને જોઈને તે બોલ્યા, ‘હું આજે તારી સાથે ફળ લાવવા વનમાં આવ્યો હતો. પણ પછી લાકડાં ચીરતાં મારું માથું દુઃખવા લાગ્યું. બહુ પીડા થવાથી ઊભો રહી ન શક્યો. તારા ખોળામાં સૂઈ ગયો. આટલું મને યાદ છે. સૂઈ ગયો એટલે તરત જ ઊંઘી ગયો. પછી મને ઘોર અંધારું જણાયું. મેં એક તેજસ્વી પુરુષ જોયો. જો તું આ બધી ઘટના જાણતી હોય તો મને કહે. શું મેં સ્વપ્ન જોયું હતું કે પછી આ બધું સત્ય હતું.’
‘રાત ખાસ્સી થઈ ગઈ છે. એટલે હું તમને સવારે બધી વાત કરીશ. તમે હવે ઊભા થાઓ, ચાલો અને માતાપિતાને મળો. સૂરજ તો ક્યારનો ડૂબી ગયો, રાત અંધારી છે. ઘોર શબ્દ કરનારા નિશાચરો આનંદપૂર્વક ઘૂમી રહ્યા છે, વનમાં ભમતાં પશુઓનાં પગમાં પડતાં પાંદડાંનો અવાજ સંભળાય છે. શિયાળ દક્ષિણમાં જોઈને લાળી પાડે છે, ક્યારેક પશ્ચિમ દિશામાં મોં કરીને ચીસ પાડે છે. મારું હૃદય કાંપે છે.’
‘વનમાં તો કેટલું બધું અંધારું છે. રસ્તો દેખાતો નથી. તારાથી ચલાશે નહીં.’
‘આ વનમાં આગ લાગી છે, એક સૂકું વૃક્ષ સળગી રહ્યું છે. પવનને કારણે ક્યાંક ક્યાંક આગ દેખાય છે. હું ત્યાંથી આગ લાવીને આ લાકડીઓ સળગાવું છું. એટલે અજવાળું થશે, રસ્તો દેખાશે. તમે હવે સંતાપ ન કરો. તમે અસ્વસ્થ જણાઓ છો, જો તમે એને કારણે ચાલી ન શકો, અંધારામાં વનમાં રસ્તો ન દેખાય, તમે કહેતા હો તો રાત અહીં જ વીતાવીએ, સવારે આપણે નીકળીએ.’
‘હવે મારું માથું દુઃખતું નથી, શરીર પણ સાજુંસમું છે. થાય છે તારી સહાયથી ઘેર પહોંચીને માતાપિતાને મળીએ. હું ક્યારેય આટલો બધો સમય આશ્રમથી દૂર રહ્યો નથી. સાંજ પડે એટલે મારી માતા મને આશ્રમની બહાર જવા જ ન દે. દિવસે પણ હું ક્યાંક જઉં તો માતાપિતા ગભરાઈ જાય. ચોક્કસ મારા પિતા આશ્રમવાસીઓને લઈને મને શોધવા નીકળ્યા હશે. મને બહુ દુઃખ વેઠીને તેમણે ઉછેર્યો છે. તું બહુ મોડેથી આશ્રમમાં આવે છે એમ કહીને મને ઠપકો પણ બહુ આપ્યો છે. મને ચિંતા થાય છે, આજે મારા માટે તેઓ બંને કેટલી બધી ચિંતા કરતા હશે! તેમને ન મળીને મને પણ બહુ દુઃખ થાય છે, એક વખત રાતે રડતાં રડતાં તેમણે કહ્યું હતું, ‘અમે તારા વિના ઘડી પણ જીવી નહીં શકીએ. જ્યાં સુધી તું જીવતો રહીશ ત્યાં સુધી જ અમે જીવીશું. તું અમારી આંખ છે, આપણા વંશની પ્રતિષ્ઠા છે, તું પંડિદાતા છે એટલે કીતિર્ અને વંશને વિસ્તારનારો થા. મારા માબાપ બંને વૃદ્ધ છે. હું જ એમનો આધાર છું. આજે રાતે મને ન જોઈને એમના પર શું શું વીત્યું હશે? આ નિદ્રા આજે મને ક્યાંથી આવી ગઈ, એને કારણે જ આ દુઃખ આવી ચડ્યું. આ ઘોર આપત્તિમાં મારું જીવન સંશયગ્રસ્ત થઈ ગયું છે, માતાપિતાને મળ્યા વિના જીવી નહીં શકું. ચોક્કસ મારા અંધ પિતા ગભરાઈ જઈને કોઈ આશ્રમવાસીને પૂછી રહ્યા હશે. પિતા અને દૂબળી માતાની જેટલી મને ચિંતા થાય છે એટલી મારી ચિંતા હું કરતો નથી. તેઓ આજે મારે કારણે જ બહુ દુઃખમાં આવી પડ્યા છે. તેઓ જીવે તો જ હું જીવું. મારે એમનું પાલન કરવાનું છે. મારે એમનું પ્રિય કાર્ય કરવાનું છે એટલે જ જીવું છું.’
પિતૃપ્રેમી, પિતૃભક્ત, ધર્માત્મા સત્યવાન આમ કહી દુઃખે વ્યાકુળ થયા અને હાથ પ્રસારીને મોટે મોટેથી રડવા લાગ્યા. એટલે ધર્મપાલન કરનારી સાવિત્રી પતિને દુઃખી જોઈને પોતાના હાથ વડે તેનાં આંસુ લૂંછતાં બોલી, ‘જો મેં કશું તપ કર્યું હોય, અગ્નિમાં આહુતિ આપી હોય, તો એના પુણ્યથી મારા સાસુસસરાની રાત્રિ સુખે વીતે. મને યાદ નથી કે હું રમતગમતમાં પણ જૂઠું બોલી હોઉં. આ સત્યની શક્તિ તેમનું રક્ષણ કરે.’
‘સાવિત્રી, હું માતાપિતાને મળવા માગું છું, તું ચાલ, હવે મોડું ન કરીએ. હું મારા સોગંદ ખાઈને કહું છું કે જો તેમને કશું પણ થયું હશે તો હું જીવી નહીં શકું. જો તું ધર્મને અનુસરતી હો, મને જીવતો જોવા માગતી હો, મારું પ્રિય કરવા માગતી હો તો જલદી જલદી આશ્રમમાં જઈએ.’
પતિની આવી વાત સાંભળીને સાવિત્રી ઊભી થઈ, તેણે કેશ સરખા કર્યા, હાથ ઝાલીને પતિને બેઠા કર્યા. સત્યવાને ઊભા થઈને હાથ વડે શરીર લૂછ્યું, ચારે બાજુ જોયું, પછી ફળની ટોપલી જોઈ.
‘આ ફળને તમે સવારે લેવા આવજો. હું તમારી કુહાડી ઊંચકી લઉં છું.’ પછી સાવિત્રીએ ફળની એ ટોપલી એક વૃક્ષની ડાળીમાં પરોવી દીધી અને કુહાડી લઈને પતિ પાસે આવી. ડાબા ખભા પર સત્યવાનનો હાથ મૂક્યો અને જમણા હાથે સત્યવાનને વીંટળાઈને ચાલવા લાગી.
‘અહીં રોજેરોજ આવવાને કારણે બધા રસ્તા પરિચિત છે, વૃક્ષોની વચ્ચેથી ચાંદનીને કારણે બધા રસ્તા પણ દેખાય છે. હવે જે જગાએથી ફળ ચૂંટ્યાં હતાં તે જગા આવી ગઈ. હવે રસ્તાનો વિચાર કર્યા વિના નિરાંતે ચાલવા માંડ. આગળ જતાં બે રસ્તા પડશે, ઉત્તરના માર્ગે તું જલદી જલદી ચાલજે. હવે તો હું બહુ સ્વસ્થ અને બળવાન થયો છું. મારી ઇચ્છા માતાપિતાને તરત મળવાની છે.’
સત્યવાન અને સાવિત્રી આમ વાતો કરતાં કરતાં આશ્રમ તરફ જલદી જલદી ચાલવા લાગ્યા.
એ દરમિયાન રાજાની આંખો સારી થઈ ગઈ, તેઓ આજુબાજુની વસ્તુઓને જોવા લાગ્યા. પોતાની પત્ની શૈવ્યાને લઈને આશ્રમમાં પુત્ર શોધવા લાગ્યા, પરંતુ એ ન દેખાયો એટલે તે દુઃખી થઈ ગયા. બંને પતિપત્ની આશ્રમ, વન, નદી, સરોવરોમાં તેને શોધી વળ્યા. જરા પણ અવાજ થાય એટલે વહેમ પડે — સત્યવાન અને સાવિત્રી તો નથી ને! એટલે તરત ત્યાં જઈ ચઢતા. આમ પાગલની જેમ દોટ મૂકવાને કારણે તે બંનેના પગ ફાટી ગયા, ચીરા પડ્યા અને લોહી વહેવા લાગ્યું. કુશના કાંટા શરીરમાં બહુ ભોંકાયા. પછી આશ્રમવાસી બ્રાહ્મણો તેમની પાસે જઈને તેમને સમજાવી કરીને આશ્રમમાં લઈ આવ્યા. તપોધન બ્રાહ્મણોએ ભૂતકાળના રાજાઓની વાતો કરીને તેમને ધીરજ બંધાવી એટલે બંને શાંત થયા અને પુત્રના બાળપણને યાદ કરી કરીને તેઓ દુઃખી થયા, બંને કરુણ સ્વરે રુદન કરવા લાગ્યા, ‘અરે પુત્ર, અરે સાવિત્રી તમે બંને ક્યાં છો?’
સુવર્ચા બોલ્યા, ‘સત્યવાનની પત્ની સાવિત્રી તપ, દમ અને આચારયુકત છે. એટલે ચોક્કસ સત્યવાન જીવે જ છે.’
ગૌતમ બોલ્યા, ‘મેં વેદો અને તેનાં અંગોનો અભ્યાસ કર્યો છે. બહુ તપ કર્યું છે, બાળપણથી જ બ્રહ્મચર્ય પાળ્યું છે. ગુરુને — અગ્નિને સંતુષ્ટ કર્યા છે, બધાં જ વ્રત પાળ્યાં છે, વિધિપૂર્વક વાયુભક્ષણ કર્યું છે, ઉપવાસ કર્યા છે. આ તપના પ્રતાપે બધાનાં કર્મ જાણું છું, મારી વાત માનો — સત્યવાન જીવે જ છે.’
કોઈ શિષ્યે કહ્યું, ‘મારા ગુુરુના મોઢામાંથી નીકળેલી વાત કદી ખોટી ન પડે. એટલે હું પણ માનું છું કે સત્યવાન જીવે છે.
ઋષિઓએ કહ્યું, ‘સાવિત્રી વૈધવ્યનિવારણનાં બધાં લક્ષણો ધરાવે છે એટલે સત્યવાન જીવે જ છે.’
ભારદ્વાજ બોલ્યા, ‘સત્યવાનની પત્ની સાવિત્રી તપ, દમ, શુદ્ધાચાર ધરાવે છે. એટલે સત્યવાન જીવે છે એમ અમે માનીએ છીએ.’
દાલ્ભ્યે કહ્યું, ‘ જુઓ, જે રીતે તમને આંખો મળી, જે રીતે સાવિત્રીએ વ્રત કર્યાં, નિરન્તર કેટલાય ઉપવાસ કર્યા એટલે સત્યવાન જીવે છે.’
માંડવ્ય બોલ્યા, ‘આ શાન્ત દિશામાં પક્ષી, હરણ બોલે છે, તમે પણ રાજાને યોગ્ય ધર્મનું અનુષ્ઠાન કરી રહ્યા છો, એનાથી જણાય છે કે સત્યવાન જીવે છે.’
ધૌમ્યે કહ્યું, ‘તમારો પુત્ર બધી રીતે ગુણવાન છે, દીર્ઘ આયુષ્યનાં લક્ષણ ધરાવે છે, એટલે જણાય છે કે સત્યવાન જીવે છે.
સત્યવાદી તપસ્વી ઋષિઓની આવી આવી વાતો સાંભળીને રાજા દ્યુમત્સેન થોડા શાંત થયા, અને થોડી જ વારે પ્રસન્ન સાવિત્રી સત્યવાન સાથે આશ્રમમાં પ્રવેશી, બ્રાહ્મણોએ એ જોઈને કહ્યું, ‘તમારી આંખો પાછી આવી અને પુત્રને જુઓ છો એટલે અમને બહુ જ આનંદ થાય છે. અમે તમારી પ્રગતિ ઇચ્છીએ છીએ. તમને તમારો પુત્ર મળી ગયો, સાવિત્રી પણ આવી પહોંચી, તમને તમારી દૃષ્ટિ પાછી મળી ગઈ- આ ત્રણેને મેળવીને તમે સૌભાગ્યવૃદ્ધિ કરી રહ્યા છો. અમે બધાએ પહેલાં જે કહ્યું હતું તે જ પ્રમાણે થશે. એમાં જરાય શંકા નથી, બહુ જલદી સમૃદ્ધિ મળશે. તે સમયે તે બધા બ્રાહ્મણોએ અગ્નિ પ્રગટાવ્યો અને રાજાની પાસે બેસીને અગ્નિહોત્ર કરવા લાગ્યા. તે યજ્ઞમાં શૈવ્યા, સાવિત્રી અને સત્યવાન બ્રાહ્મણોની આજ્ઞાથી એક ખૂણામાં પ્રસન્ન થઈને બેઠા. પછી ઋષિઓએ જિજ્ઞાસાવશ થઈને સત્યવાનને પૂછ્યું, ‘ભાઈ, તું પત્નીને લઈને વેળાસર કેમ ન આવ્યો? આટલી મોડી રાતે કેમ આવ્યો? એવું તે શું કામ આવી પડ્યું હતું? તું ન આવ્યો એટલે તારા માતાપિતા અને અમે બધા પણ કેટલા દુઃખી દુઃખી થઈ ગયા. આ કોઈ અકસ્માત તો નથી જ, એટલે કહે જોઈએ.’
સત્યવાને કહ્યું, ‘હું પિતાની આજ્ઞા લઈને સાવિત્રી સાથે વનમાં ગયો, ત્યાં લાકડાં કાપતાં મારું માથું દુઃખવા લાગ્યું. મને લાગે છે કે એ દુઃખાવાને કારણે હું બહુ લાંબા સમય સુધી સૂતો જ રહ્યો. આવી રીતે હું આ પહેલાં કદી સૂતો નહતો. તમે દુઃખી ન થાઓ એટલે આટલી મોડી રાતે પણ આવ્યા. આ સિવાય બીજું કોઈ કારણ નથી.’
ગૌતમે કહ્યું, ‘તારા પિતાને આકસ્મિક રીતે આંખો મળી ગઈ. તેનું કારણ તને ખબર નથી. એ સાવિત્રી કહી શકશે. સાવિત્રી, તું જો આ આખી વાત જાણતી હોય તો મારે સાંભળવી છે. તારું તેજ સાવિત્રી જેવું જ છે. જો આમાં કશું ખાનગી ન હોય તો તું કહે. તું આ બધું જાણે છે, એટલે સાચેસાચું કહી દે.’
સાવિત્રી બોલી, ‘તમે જે કહ્યું તે સત્ય છે. તમારો કોઈ સંકલ્પ ખોટો નથી અને આમાં કશું ખાનગી નથી. હવે મારી વાત સાંભળો. હું જ્યારે પિતાને ત્યાં હતી ત્યારે મને નારદ ઋષિએ સત્યવાનના મૃત્યુની વાત કહી હતી. એ દિવસ આજે જ હતો, એટલે હું તેમની સાથે ને સાથે રહી. તે જ્યારે વનમાં સૂઈ ગયા ત્યારે યમરાજા પોતાના સેવકો સાથે આવી ચઢ્યા અને સત્યવાનને પાશબદ્ધ કરીને પિતૃઓ દ્વારા સેવિત દક્ષિણ દિશામાં જવા લાગ્યા. તે વખતે મેં યમરાજની વંદના કરી અને તેમણે મને પાંચ વરદાન આપ્યા. મેં માગ્યું — મારા સસરાને આંખો મળે, છિનવાઈ ગયેલું રાજ્ય મળે. આ બે વરદાન મારા સસરા માટે. મારા પિતાને સો પુત્રો થાય, મને સો પુત્રો થાય એ માગ્યું. પાંચમું વરદાન પતિ માટે માગ્યું, એનાથી સત્યવાનનું આયુષ્ય ચારસો વર્ષનું માગ્યું. મારા પતિ જીવે એટલા માટે વ્રત કર્યું હતું. મેં બધી વાત તમને કરી, હું બહુ આનંદમાં આજે છું — મારું બધું દુઃખ શમી ગયું.’
ઋષિઓએ કહ્યું, ‘સાવિત્રી, દુઃખને કારણે અંધકારથી ભરેલા સરોવરમાં ડૂબતા રાજાના કુલીન વંશમાં જન્મીને ધર્મ પાળીને પુણ્યશાલિની થઈ તેં ઉદ્ધાર કર્યો. આમ બધા ઋષિમુનિઓએ પતિવ્રતા સાવિત્રીની પ્રશંસા કરી અને પોતપોતાના ઘેર ગયા.
રાત્રિ પૂરી થતાં સવારે બધા મુનિઓ પોતપોતાનાં કાર્ય સમેટીને રાજા પાસે આવ્યા. બધા ઋષિઓ સાવિત્રીની કથા કહેતાં ધરાતા ન હતા. એટલે વારે વારે તેઓ રાજાને કહેતા હતા. એ દરમિયાન શાલ્વ દેશથી દ્યુમત્સેનના લોકો આવ્યા, અને મંત્રીએ રાજાને કહ્યું, ‘તમારો શત્રુ રાજા તેના પોતાના મંત્રીને હાથે જ માર્યો ગયો છે, રાજા ભલે અંધ હોય કે ન હોય, અમે તો તેમને જ રાજા બનાવીશું. એટલે અમે બધા અહીં આવ્યા છે. ચતુરંગિણી સેના તૈયાર છે અને રથ પણ. નગરમાં તમારી વિજય ઘોષણા થઈ ચૂકી છે, હવે તમે ચાલો અને લાંબા સમય સુધી પિતાપિતામહનું રાજ્ય ભોગવો.’
મંત્રીઓએ રાજાને દૃષ્ટિવાન, તેજસ્વી જોયા ત્યારે તેમની આંખો કૂતુહલથી પહોળી થઈ ગઈ અને બધા તેમના પગે પડ્યા. રાજાએ આશ્રમના બધા વૃદ્ધ બ્રાહ્મણોને વંદન કર્યા અને મંત્રીઓની સાથે નગરભણી ચાલી નીકળ્યા. શૈવ્યા સાવિત્રીની સાથે સ્વચ્છ વસ્ત્રો પાથરેલી પાલખીમાં બેઠી. નગરમાં પુરોહિતોએ પ્રેમથી રાજાનો અભિષેક કર્યો અને સત્યવાનને યુવરાજપદે બેસાડ્યો. ઘણા સમય પછી સાવિત્રીને સો પુત્રો જન્મ્યા. તે બધા પોતાના કુળની કીતિર્ વધારનારા, યુદ્ધવીર અને પીછેહઠ ન કરનારા હતા. એ જ રીતે માલવદેશની પટરાણીએ અશ્વપતિથી સો પુત્રોને જન્મ આપ્યો. આમ સાવિત્રીએ માતાપિતા, સાસુસસરા, પતિ — આ બધાનો ઉદ્ધાર કર્યો.
{{Right | (આરણ્યક પર્વ, ૨૭૭-૨૮૩) }} <br>
=== પરપુરંજયની કથા ===
(બ્રાહ્મણોની મહાનતા જાણવા પાંડવો માર્કંડેય ઋષિને પ્રશ્ન પૂછે છે ત્યારે તેઓ તેમને આ કથા કહે છે)
હૈહયવંશના એક રાજકુમાર પરપુરંજય શિકાર કરવા નીકળી પડ્યા. વૃક્ષો અને તણખલાંથી ભરેલા એક વનમાં ઘૂમતાં ઘૂમતાં રાજકુમારે કાળા હરણનું ચામડું ઓઢીને બેઠેલા એક મુનિને જોયા. રાજાએ હરણ માનીને તેનો શિકાર કર્યો. પછી જ્યારે ખબર પડી ત્યારે રાજાને બહુ પશ્ચાત્તાપ થયો, તે આકળવિકળ થઈ ગયા. પછી તે રાજાએ હૈહયવંશી રાજાઓ પાસે જઈને બધી વાત કરી. તે રાજાઓએ પણ ફળમૂળ ખાનારા મુનિના મૃત્યુની વાત જાણીને તથા રાજાને દુઃખી જોઈને બહુ શોક કર્યો. ‘આ મુનિપુત્ર કોણ છે?’ એમ પૂછીને તે ચારે બાજુ તેની શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેઓ અરિષ્ટનેમી મુનિના આશ્રમમાં જઈ પહોંચ્યા. બધા ઋષિને વંદન કરીને તેમની પાસે બેઠા. મુનિ તે બધાનો સત્કાર કરવા માગતા હતા. પરંતુ તે બધાએ ઋષિને કહ્યું, ‘અમે તમારી પાસેથી સત્કાર પામવા યોગ્ય નથી, અમારાથી એક બ્રાહ્મણનો વધ થઈ ગયો છે. અમારા જ કર્મદોષનું આ ફળ છે.’
તેમની વાત સાંભળીને મુનિ બોલ્યા, ‘તમે કયા બ્રાહ્મણનો ક્યાં વધ કર્યો છે? તમે બધા આ બધું વિગતે કહો અને મારા તપનું ફળ જુઓ.’
પછી તેમણે બધી વાત કહી. જ્યાં તેનો વધ થયો હતો ત્યાં ગયા પણ કોઈ શબ ન જોયું, એટલે તેને શોધવા લાગ્યા પણ કશું ન મળ્યું એટલે ખૂબ સંકોચ પામ્યા અને પછી અરિષ્ટનેમી પાસે આવ્યા. પછી તે ઋષિએ કહ્યું, ‘તમે જે મુનિનો વધ કર્યો છે તે મારો જ પુત્ર હતો, તપ અને વિદ્યાથી તે સમૃદ્ધ હતો. શું આ એ જ છે?’
એ મૃત પુત્રને સજીવન જોઈ રાજાઓને બહુ અચરજ થયું. ‘આ મરેલો બ્રાહ્મણ કેવી રીતે જીવતો થયો? આ શું કોઈ તપનું ફળ છે?’
મુનિએ કહ્યું, ‘અમારી ઉપર મૃત્યુનું સામર્થ્ય કદી ચાલી શકતું નથી. એનું કારણ સાંભળો. અમે સદા સત્યપાલન કરીએ છીએ. અમે કદી અસત્ય બોલતા નથી. અમે ધર્મપાલન કરીએ છીએ. જે બ્રાહ્મણોને માટે સુખદ કર્મ છે તે જ પાળીએ છીએ. પાપની વાત જીભે આણતા નથી એટલે જ અમને મૃત્યુનો ભય નથી. અમે અન્ન-જળ આપીને અતિથિપૂજા કરીએ છીએ, નોકરચાકરોને અન્ન આપીને પ્રસન્ન કરીએ છીએ. પવિત્ર-તેજસ્વી સ્થળે યોગસિદ્ધ મહાપુરુષોના સહવાસમાં રહીએ છીએ એટલે અમને મૃત્યુનો ભય નથી. હે રાજાઓ, હવે તમે નિરભિમાની થઈને નીકળો, હિંસાના પાપનો ડર રાખ્યા વિના.
=== હવે બ્રાહ્મણોની મહાનતાની બીજી કથા ===
મહર્ષિ વૈન્ય નામના રાજર્ષિએ અશ્વમેધ યજ્ઞ કરવા ઇચ્છ્યો હતો. તેમની પાસેથી ધન મેળવવાની ઇચ્છા અત્રિ મુનિને થઈ. રસ્તે જતાં જતાં તેમને વિચાર આવ્યો, બહુ ધનની ઇચ્છા નહીં કરવી, કારણ કે ધનને કારણે જ ધર્મનાશ થાય છે. આમ વિચારીને અત્રિ ઋષિએ વનમાં જવાની ઇચ્છા કરી. પછી પત્ની અને પુત્રોને બોલાવીને કહ્યું, ‘તમે બધા વનમાં ચાલો. ત્યાં કશા ઉપદ્રવ નહીં નડે, બહુ સુખ મળશે.’
આ સાંભળી ધર્માચરણ કરવાવાળી તેમની પત્નીએ કહ્યું, ‘તમે વૈન્ય રાજા પાસે જઈને બહુ ધનની યાચના કરો. તે રાજા યજ્ઞ કરી રહ્યા છે એટલે તમને બહુ ધન આપશે. ધન લાવીને નોકરચાકરો તથા પુત્રોને એ આપજો, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. ધર્મજ્ઞ મનુ વગેરેએ આને જ પરમ ધર્મ કહ્યો છે.’
અત્રિએ આ સાંભળી કહ્યું, ‘ઋષિ ગૌતમે મને કહ્યું છે કે રાજષિર્ વૈન્ય ધર્મ અને સત્યવ્રત પાળનારા છે. પણ ત્યાંના બ્રાહ્મણો મારા દ્વેષી છે. જ્યારથી ગૌતમ મુનિની વાત કાને પડી છે ત્યારથી ત્યાં જવાનો વિચાર માંડી વાળ્યો છે. જો હું ત્યાં જઈશ તો બધા કલ્યાણ, અર્થ, ધર્મયુકત મારી વાણીને નિરર્થક કહેશે. તને જો આ જ યોગ્ય લાગતું હોય તો હું જઈશ. રાજા વૈન્ય મને બહુ ધન આપશે, ગાયો આપશે.’
પત્નીને આમ કહી અત્રિ ઋષિ વૈન્ય રાજાના યજ્ઞમાં જઈ પહોંચ્યા અને રાજા વૈન્યની સ્તુતિ કરવા લાગ્યા. ‘હે રાજા, તમે જગતસ્વામી છો, તમે અહીંના પહેલા રાજા છો. ઋષિમુુનિઓ તમારી સ્તુુતિ કરે છે. તમારા સિવાય બીજું કોઈ ધર્મને જાણતું નથી.’
આ સાંભળી ગૌતમ ઋષિએ ક્રોધે ભરાઈને કહ્યું, ‘ અત્રિ, આવી વાણી ક્યારેય ન બોલતા, તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. અમારા પહેલા રાજા ઇન્દ્ર છે, તે જ પ્રજાપતિ છે.’
ગૌતમ ઋષિની વાત સાંભળીને અત્રિ બોલ્યા, ‘અમે જે બોલ્યા તે સત્ય છે. જેવા ઇન્દ્ર રાજા છે તેવા આ પણ છે. તમે જ ભ્રમનો ભોગ બનીને ભૂલો છો. તમારામાં જ બુદ્ધિ નથી.’
ગૌતમે કહ્યું, ‘અત્રિ, હું બધું જાણું છું, હું કશું ભૂલતો નથી. કશું કહેવાની ઇચ્છા કરનારા તમે જ ભૂલો છો. વ્યાવહારિક ઉન્નતિની ઇચ્છા મનમાં હોવાથી તમે રાજાની સ્તુતિ કરી રહ્યા છો.’
‘તમે નથી પરમ ધર્મ જાણતા, નથી પ્રયોજન જાણતા. તમે મૂર્ખ છો, બાળક છો. તમને કોઈ કયા કારણે વયસ્ક કહી શકે?’
બધા ઋષિમુનિઓ આગળ જ્યારે આ બંને વિવાદ કરી રહ્યા હતા ત્યારે યજ્ઞમાં બેઠેલા ઋષિઓ પૂછવા લાગ્યા, ‘આ બંને શા માટે વિવાદ કરી રહ્યા છે? આ બંનેને વેનની સભામાં કોણે આવવા દીધા? યજ્ઞના કયા અધિકારે તેઓ અહીં છે? આ મોટે મોટેથી બૂમો કેમ પાડે છે?’
ત્યારે બધા જ ધર્મના જાણકાર કાશ્યપે કહ્યું, ‘હે બ્રાહ્મણો, અમે બંને હવે તમને પ્રશ્ન કરીએ છીએ, તે સાંભળો. અત્રિ કહે છે. રાજા વૈન્ય બ્રહ્મા છે. હું એ નથી માનતો.’
તેમની વાત સાંભળી મહાત્મા મુનિઓ સંશયનિવારણ માટે ધર્મજ્ઞ સનતકુમાર પાસે ગયા અને બધી વાત તેમને કહી. એટલે સનત્કુમારે ખુલાસો કર્યો, ‘બ્રહ્મસત્તા અને ક્ષાત્રસત્તા સાથે જોડાય તથા ક્ષાત્રસત્તા બ્રહ્મસત્તા સાથે જોડાય તો રાજા જ પહેલા ધર્મ અને પ્રજાપતિ છે. તે જ રાજા ઇન્દ્ર, શુક્ર, ધાતા, બૃહસ્પતિ છે. જે ક્ષત્રિય રાજા જગતનો પાલક છે, તેને પ્રજાપતિ કહીએ — જે બધા પર અધિકાર ચલાવે તેને સમ્રાટ કહીએ. જે રાજાની સ્તુતિ આ બધા શબ્દોથી કરીએ તેની કોણ પૂજા ન કરે? જૂના જમાનામાં રાજા ધર્મના ઉત્પત્તિસ્થાન હતા. યુદ્ધવિજેતા, પ્રસન્ન, શીઘ્ર સ્વર્ગ આપનારા, શીઘ્ર વિજય મેળવનારા અને વિષ્ણુ નામથી જાણીતા હતા. સત્યના ઉત્પત્તિસ્થાન, યુદ્ધવિજેતા, સત્ય-ધર્મના પ્રવર્તક રાજાને અધર્મથી ડરતા મુનિઓએ ધર્મરક્ષક બનાવ્યા છે. જેવી રીતે સૂર્ય પોતાના તેજથી અંધકારનો નાશ કરે છે તેવી રીતે રાજા પણ પોતાના તેજથી અધર્મનો નાશ કરે છે. એટલે એવું જણાય છે કે રાજા બધામાં પ્રધાન છે અને ‘રાજા’ શબ્દથી પણ તે પ્રધાન જ ગણાય છે.
આ સાંભળીને વૈન્ય રાજા બહુ આનંદ પામ્યા, પછી અત્રિને તેમણે કહ્યું, ‘હે પ્રિય, મુનિએ મને સર્વદેવસમ્મત અને મનુષ્યશ્રેષ્ઠ કહ્યો એટલે હું તમને ઘણું ધન આપીશ. ઉત્તમ વસ્ત્ર અને અલંકારભૂષિત એક હજાર દાસીઓ આપીશ, દસ કરોડ સુવર્ણમુદ્રા, દસ ભાર સોનું આપીશ. તમે સર્વજ્ઞ છો.’
અત્રિ એ બધા ધનનો સ્વીકાર કરી પોતાને ઘેર ગયા, ધન પુત્રોને આપી વનમાં જતા રહ્યા.
{{Right | (ગીતાપ્રેસ, આરણ્યક પર્વ, ૧૮૪-૧૮૫) }} <br>
=== દીર્ઘાયુષ્ય કોનું? ===
બધા ઋષિઓએ અને પાંડવોએ માર્કંડેય મુનિને પૂછ્યું, ‘તમારાથી પણ મોટી વયના કોઈ છે?’
‘રાજા ઇન્દ્રદ્યુમ્ન મારાથી પણ મોટા છે. પુણ્યનાશ થવાથી જ્યારે તેઓ સ્વર્ગમાંથી પતન પામ્યા ત્યારે મારી પાસે આવ્યા હતા, તેમણે કહ્યું, ‘મારી કીતિર્ નાશ પામી. શું મને ઓળખો છો?’
‘અમે રસાયણશાસ્ત્ર જાણતા નથી. અમે તો તપ કરીને શરીર સૂકવી નાખીએ છીએ. એટલે તમે કોણ છો તે અમે નથી જાણતા. મારાથી પણ મોટી વયનો પ્રાકારકર્મ નામનો ઘુવડ હિમાલયમાં રહે છે. તમે તેની પાસે જાઓ, તે બહુ દૂર દૂર હિમાલય પર રહે છે.’
એટલે ઇન્દ્રદ્યુમ્ન અશ્વ થઈ ગયો અને હું એના પર સવાર થઈ ગયો. રાજા ઇન્દ્રદ્યુમ્ને તે ઘુવડને પૂછ્યું, ‘શું તું મને ઓળખે છે?’
તેણે થોડી વાર વિચાર કરીને કહ્યું, ‘હું તમને નથી ઓળખતો.’
આ સાંભળી રાજાએ ફરી તેને પૂછ્યું, ‘તારા કરતાં પણ મોટી વયનો કોઈ છે?’
ત્યારે ઘુવડે કહ્યું, ‘મારાથી પણ મોટી વયનો નાડીજંઘ નામનો એક બગલો છે. તે મારાથી પણ મોટી વયનો છે. તેને પૂછી જુઓ. પછી ઇન્દ્રદ્યુમ્ન મને અને ઘુવડને લઈને નાડીજંઘ જે સરોવરમાં રહેતો હતો ત્યાં ગયો, અમે તેને પૂછ્યું, ‘આ ઇન્દ્રદ્યુમ્ન રાજાને તું ઓળખે છે?’
તેણે થોડી વાર ધ્યાનમગ્ન થઈને કહ્યું, ‘હું આ રાજાને નથી જાણતો.’
પછી અમે તેને પૂછ્યું, ‘તારાથી પણ મોટી ઉમરનો કોઈ છે?’
તેણે કહ્યું, ‘આ જ સરોવરમાં અકૂપાર નામનો કાચબો મારા કરતાંય મોટી વયનો છે.’
કદાચ તે રાજાને ઓળખતો હોય એમ માની તેને પૂછવાનો વિચાર કર્યો. એ બગલાએ કાચબાને અમારો પરિચય આપ્યો. અમે તેને પૂછ્યું, ‘ અમે તને કશું પૂછવા આવ્યા છીએ. તું બહાર આવ.’
આ સાંભળી કાચબો સરોવરમાંથી બહાર આવ્યો.
અમે જ્યાં ઊભા હતા ત્યાં તે પાસે આવ્યો.
તેને આવતો જોઈ અમે પૂછ્યું, ‘તું ઇન્દ્રદ્યુમ્ન, તમારા માટે સ્વર્ગ તૈયાર છે, જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમે કીતિર્માન થાઓ. પુણ્યકર્મનો શબ્દ જ્યાં સુધી સ્વર્ગ અને પૃથ્વી પર રહે છે ત્યાં સુધી તે વ્યક્તિ સ્વર્ગમાં રહે છે જ્યારે કોઈ પ્રાણીનો અપયશ થાય છે ત્યારે તે નીચ લોકમાં રહે છે. એટલે મનુષ્યોએ હમેશા ઉત્તમ કર્મો કરવાં જોઈએ અને ખરાબ કર્મોમાંથી ચિત્તને દૂર રાખવું જોઈએ.’
આ સાંભળીને રાજાએ કહ્યું, ‘તમે અહીં ઊભા રહો. અમે આ બે વૃદ્ધોને તેમના સ્થાને પહેલાં પહોંચાડી આવીએ. એટલે રાજા મને તથા ઘુવડને અમારાં સ્થાને પહોંચાડી પેલા દિવ્ય રથ પર આરૂઢ લઈ ચાલ્યા ગયા.’
{{Right | (આરણ્યક પર્વ, ૧૯૧) }} <br>
=== જનક અને સુલભાની કથા ===
પ્રાચીન કાળમાં મિથિલામાં જનક નામના રાજા થઈ ગયા. તેમને બધા ધર્મધ્વજ કહેતા હતા. તેઓ વેદ, મોક્ષશાસ્ત્રમાં નિપુણ હતા, ઇન્દ્રિયો પર વિજય મેળવીને રાજ્ય કરતા હતા. વેદજ્ઞ પુુરુષો રાજાની સાધુવૃત્તિ સાંભળીને તેમના ચરિત્રને પ્રશંસતા હતા. તે સત્યયુગમાં યોગધર્મ પાળનારી સુલભા નામની સંન્યાસિની એકલી પૃથ્વી પર વિહરતી હતી. તે જ્યાં જ્યાં જતી ત્યાં તે ત્રિદંડી સાધુઓના મોઢે સાંભળતી કે પૃથ્વી પર મિથિલાપતિ જ મોક્ષધર્મ પાળે છે. બીજાઓના મોઢે સાંભળેલી આ વાત સાચી છે કે નહીં તે જાણવા માટે રાજા જનકને મળવાનો નિર્ધાર તેણે કર્યો. પછી તેણે યોગબળ વડે પોતાનું જૂનું રૂપ ત્યજીને એક સુંદર રૂપ ધારણ કર્યું. તે કમલનયની શીઘ્રગતિવાળા અસ્ત્રની જેમ પળવારમાં વિદેહનગરી પહોંચી ગઈ. અનેક સમૃદ્ધ લોકોથી ઊભરાતી સુંદર મિથિલાનગરીમાં પહોંચીને તે સંન્યાસિની ભિક્ષા લેવા માટે મિથિલાપતિને મળી.
રાજા તેનું સુુકુમાર શરીર, તેનું સૌંદર્ય જોઈ અચરજ પામ્યા, ‘આ કોણ છે? કોની કન્યા છે? ક્યાંથી આવી છે’ એમ વિચારવા લાગ્યા.
પછી રાજાએ તેનું સ્વાગત કર્યું, બેસવા ઉત્તમ આસન આપ્યું, તેના પગ ધોવડાવી ઉત્તમ અન્નદાન કરી તેને સંતોષી. ભોજન મેળવીને સુલભા પ્રસન્ન થઈ, સૂત્રાર્થના જાણકાર ઋષિઓની વચ્ચે, મંત્રીઓથી ઘેરાયેલા રાજાને મોક્ષધર્મ વિશે પૂછવા લાગી. ‘મિથિલાપતિ મુક્ત છે કે નહીં?’ એ બાબતે શંકા કરી યોગશક્તિની જાણકાર સુલભાએ મોક્ષધર્મના વિષય બાબતે પૂછવાની ઇચ્છા કરીને સૂક્ષ્મ રીતે રાજાની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. પોતાનાં નેત્રકિરણોથી રાજાનાં નેત્રકિરણોને વશ કર્યા, તેમના ચિત્તને વશ કર્યું. જનક રાજાએ પણ પોતાના વિજેતાપણા પર ગર્વ કરીને સુલભાના આશયને પરાજિત કરવાની ઇચ્છાથી તેનો અભિપ્રાય પોતાના અભિપ્રાય દ્વારા ગ્રહણ કર્યો, રાજાએ રાજચિહ્ન, છત્ર ત્યજ્યાં, સુલભાએ યતિચિહ્ન, ત્રિદંડ વગેરે ત્યજ્યાં. અને બંને વાતે વળગ્યા.
‘હે ભગવતી, તમને આ સંન્યાસદીક્ષા ક્યાંથી પ્રાપ્ત થઈ? તમે કોની કન્યા છો? ક્યાંથી આવ્યા છો? ક્યાં જશો? અવસ્થા પ્રમાણે શાસ્ત્રજ્ઞાન થતું નથી, જે સંપર્ક કર્યો છે તે બધાં વિશે વિશેષ જાણવા માગું છું. રાજા હોવા છતાં મેં બધાં રાજચિહ્ન બાજુ પર મૂક્યાં છે. હું તમને વિશેષ રૂપે જાણવા માંગું છું. મેં જેમની પાસેથી વૈશેષિક જ્ઞાન મેળવ્યું છે તે ગુરુનો પરિચય સાંભળો. પરાશરના સગોત્ર મહાત્મા વૃદ્ધ પંચશિખ મારા ગુરુ છે. હું તેમનો શિષ્ય. તેમની પાસેથી હું સાંખ્યજ્ઞાન, યોગવિદ્યા, રાજધર્મ શીખ્યો. આ ત્રણે પ્રકારના મોક્ષધર્મની પ્રાપ્તિ મને થઈ, આ વિશેના મારા બધા સંશયો નષ્ટ થઈ ગયા. આ ગુરુ અહીં ચાર મહિના રહ્યા હતા. તે સાંખ્યજ્ઞાની ગુુરુએ મને ત્રિવિધ મોક્ષધર્મનો હેતુ સમજાવ્યો પણ રાજ્ય ત્યજી દેવાની આજ્ઞા તેમણે મને આપી નહીં. એ ગુુરુનો ઉપદેશ ગ્રહીને રાગરહિત થઈને પરમ પદમાં વિલાસ કરતાં કરતાં ત્રણે પ્રકારની મોક્ષસંહિતાનું આચરણ કરું છું. મોક્ષસાધનનો મુખ્ય ઉપાય વૈરાગ્ય છે, જ્ઞાનના હેતુ માટે વૈરાગ્ય જન્મે છે અને વૈરાગ્યથી પુરુષ મુક્ત થાય છે. જ્ઞાન દ્વારા માનવી મુક્તિ માટે મથે છે, એ રીતે તેને આત્મજ્ઞાન મળે છે. આત્મજ્ઞાન જ માનવીને મોક્ષ અપાવે છે, એ જ રીતે મૃત્યુને જીતી શકે છે.
(આ વિશે વિસ્તૃત ચર્ચા જનક કરે છે અને પછી સુલભાને કહે છે)
‘તમારું રૂપ યોગાનુષ્ઠાન પ્રમાણે નથી, તમારામાં સુંદરતા, સુકુમારતા છે, યૌવન છે અને યોગપ્રભાવ તથા નિયમ છે. આ બધું પરસ્પરવિરુદ્ધ છે. તમે આ વિરુદ્ધ ધર્મનો આશરો લો છો એટલે મને શંકા થાય છે. તમારી દંડગ્રહણની ચેષ્ટા જ અર્થહીન છે, તે માટે શરીરને સૂકવી દેવું પડે છે, પરંતુ તમે એ નથી કરતાં. આ પુરુષ મુક્ત છે કે નહીં એવી શંકા કરીને તમે મને રૂપ વગેરેથી મોહ પમાડવા માગો છો, તમે મારા શરીરને વશ કરીને તેના પર બળાત્કારે અધિકાર જમાવ્યો છે. મારા શરીરમાં પ્રવેશ કરીને તમે વ્યભિચાર કર્યો. તમે બ્રાહ્મણી છો, હું ક્ષત્રિય છું. આપણો એકત્ર યોગ શક્ય નથી, તમે વર્ણસંકર ધર્મ ન પાળો. તમે મોક્ષધર્મમાં છો, હું ગૃહસ્થાશ્રમમાં છું. તમે મારી સગોત્રા છો કે નહીં તે હું નથી જાણતો. તમે મારા વિશે પણ કશું જાણતા નથી. જો તમે સગોત્રના શરીરમાં પ્રવેશ કર્યો તો તમે ત્રીજો ગોત્રસંકર દોષ કર્યો. જો તમારા પતિ જીવિત રહી ક્યાંક વસતા હોય તો તમે પરસ્ત્રી રૂપે મારે માટે અગમ્યા છો.’
જનક રાજાનાં આ બધાં વચન સાંભળતાં છતાં સુલભા સહેજેય વિચલિત ન થઈ. પછી તેણે નિર્ણય, પ્રયોજનની સ્પષ્ટતા કરી.
‘તમે મને પૂછ્યું — તું કોણ છે?’ આવું ન પૂછાય.
નેત્ર પોતાનું રૂપ જોઈ નથી શકતાં, કાન પોતાને ઓળખી શકતા નથી. ધૂળ અને પાણી એકબીજામાં ભળી જાય તો પણ એકબીજાને જાણી શકતાં નથી... ‘આ મને મળશે કે નહીં, તું કોણ, કોની, ક્યાંથી આવી’, આવા પ્રશ્નો પૂછવાનું પ્રયોજન શું?
સ્ત્રીના સહવાસ — વિહારકાળમાં રાજાની પરતંત્રતા હોય છે, મંત્રીસમાજમાં તેની સ્વતંત્રતા ક્યાં છે? ઘણી બાબતોમાં સલાહ આપનારા મંત્રીઓ સિંહાસન પર બેઠેલા રાજાને અવશ કરી દે છે. રાજાને સૂવું હોય તો પણ લોકો તેને સૂવા નહીં દે, કાર્યવશ ઊઠવું પડે છે. અહીં પણ તે સ્વતંત્ર નથી.
સ્ત્રીપુરુષના સહવાસની ચર્ચા સભામાં ન થાય. જેવી રીતે કમળપત્રનું જળ તેને ન સ્પર્શીને સ્થિર રહે છે એવી જ રીતે હું તમારો સ્પર્શ કર્યા વિના તમારામાં રહીશ. હું સ્પર્શ ન કરું અને છતાં જો તમને સ્પર્શજ્ઞાન થાય તો?
હું જન્મથી બ્રાહ્મણી નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી. હું ક્ષત્રિયાણી છું, શુદ્ધ વર્ણમાં જન્મ લીધો છે. મારા ચરિત્રને અપવિત્ર નથી કર્યું. તમે પ્રધાન નામના રાજાનું નામ સાંભળ્યું હશે. હું તેમના વંશમાં જન્મી છું. મારું નામ સુલભા છે. મેં મહાવંશમાં જન્મ લીધો અને મને અનુરૂપ પતિ ન મળ્યો ત્યારે મોક્ષ ધર્મ અંગીકાર કરીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતી એકલી એકલી વિહરું છું. હું કપટી સંન્યાસિની, બીજાનું હરણ કરનારી, ધર્મસંકર કરનારી નથી. હું માત્ર નિજધર્મમાં લીન છું. મારી પ્રતિજ્ઞામાં અસ્થિર નથી. વિચાર્યા વિના કશું બોલતી નથી. હું માત્ર તમારા મોક્ષધર્મનો માર્ગ જાણવા આવી છું. હું તમારા શરીરમાં એક રાત્રિ વસીશ. તમે મને આસન આપ્યું, માનવાચક વાણી કહી, મારુું આતિથ્ય કરી, પૂજા કરી. એટલે હું તમારા શરીરરૂપી સુંદર ગૃહમાં શયન કરી આવતી કાલે જતી રહીશ.’
જનક રાજા આ બધાનો ઉત્તર આપી ન શકયા.
{{Right | (શાન્તિ પર્વ, ૩૦૮) }} <br>
=== ઇન્દ્ર, ત્રિશિરા, વૃત્રાસુર કથા, નહુષ (ઇન્દ્રવિજય ઉપાખ્યાન) ===
વિખ્યાત દેવોમાં શ્રેષ્ઠ અને મહાતપસ્વી પ્રજાપતિ ત્વષ્ટા નામે જાણીતા હતા. ઇન્દ્ર પ્રત્યે દ્રોહબુદ્ધિ થવાથી તેમણે ત્રણ મસ્તકવાળો એક પુત્ર સર્જ્યો એવું કહેવાય છે. તે મહાતેજસ્વી બાળકનું નામ વિશ્વરૂપ હતું. તેણે સૂર્ય, ઇન્દુ (ચંદ્ર) અને અગ્નિ જેવા તેજસ્વી અને ભયંકર એવા ત્રણ મોં વડે ઇન્દ્રનું સ્થાન લેવાની પ્રાર્થના કરી. તે પોતાના એક મોં વડે વેદપાઠ કરતો હતો, બીજા મોં વડે સુરાપાન કરતો હતો અને ત્રીજા મોં વડે બધી દિશાઓને જાણે એવી રીતે જોતો હતો કે તે બધી દિશાઓને પી જશે. તે પુત્ર કોમળ સ્વભાવનો, જિતેન્દ્રિય, ધર્મ અને તપસ્યા માટે સદા ઉદ્યત રહેતો હતો. બીજાઓને માટે અત્યંત દુષ્કર કઠોર તપ કર્યું. તે અમિત તેજસ્વી બાળકનું તપોબળ અને શક્તિ જોઈને ઇન્દ્રને વિષાદ થયો, તે વિચારમાં પડી ગયા, ‘આ ઇન્દ્ર તો નહીં બની બેસે ને! તે ભોગવિલાસમાં પ્રવૃત્ત થાય અને તપસ્યામાંથી નિવૃત્ત થાય એવો કોઈક ઉપાય કરવો પડશે. કારણ કે મોટો થઈ રહેલો ત્રિશિરા ત્રણે લોકનો કોળિયો કરી જશે.’ આમ બહુ વિચાર કરીને બુુદ્ધિમાન ઇન્દ્રે ત્વષ્ટાપુત્રને લોભાવવા અપ્સરાઓને આજ્ઞા કરી. ‘જે રીતે ત્રિશિરા કામભોગમાં અત્યંત આસક્ત થઈ જાય તેવો પ્રયત્ન જલદી કરો, જાઓ એને લોભાવો, વિલંબ ન કરો. હે સુંદરીઓ, શૃંગાર અનુરૂપ વેશ ધારણ કરો, મનોહર હાવભાવ દાખવો, તેને લોભાવો, તમારું કલ્યાણ થાય, મારા ભયને શમાવો.’
અપ્સરાઓએ કહ્યું, ‘હે શક્ર, હે વલશત્રુ, અમે વિશ્વરૂપને લોભાવવાનો એવો પ્રયત્ન કરીશું જેથી તમને એનાથી કશો ભય ન થાય. હે દેવ, તપોનિધિ વિશ્વરૂપ પોતાનાં બે નેત્ર વડે બધાને દગ્ધ કરી રહ્યો છે. તેને લોભાવવા અમે બધી અપ્સરાઓ એક સાથે જઈએ છીએ. ત્યાં એને વશ કરવા અને તમારા ભયને નિવારવા અમે પૂરતો પ્રયત્ન કરીશું.’
ઇન્દ્રની આજ્ઞાથી તે સુંદર અપ્સરાઓ વિવિધ ભાવોથી લુબ્ધ કરતી ત્રિશિરા પાસે ગઈ. તે વિશ્વરૂપને પોતાનાં અંગોના સૌંદર્યનું દર્શન કરાવતી હતી, ત્યાં તે વિચરતી હતી, પરંતુ મહાતપસ્વી એ બધાને જોઈને હર્ષ વગેરે વિકારોનો ભોગ ન બન્યો. ઇન્દ્રિયોને વશમાં રાખીને પૂર્ણ સાગરની જેમ તે શાન્ત બેસી રહ્યા. તે બધી અપ્સરાઓ પૂરતો પ્રયત્ન કર્યા પછી ફરી શક્ર પાસે જઈ અને હાથ જોડીને બોલી, ‘હે પ્રભુ, આ તપસ્વી દુર્ઘષ છે, તેને ધૈર્યથી વિચલિત કરી શકાય તેમ નથી. હે મહાભાગ, હવે જે કાર્ય કરવું હોય તે કરો.’
ત્યારે મહામુનિ ઇન્દ્રે અપ્સરાઓનો આદરસત્કાર કર્યા પછી તેના વધનો ઉપાય તેઓ વિચારવા લાગ્યા. પ્રતાપી, બુુદ્ધિમાન, ઇન્દ્ર દેવ ત્રિશિરાના વધનો વિષય વિચારવા લાગ્યા. ‘આજે હું ત્રિશિરા પર વજ્રપ્રહાર કરીશ, તેથી તે નાશ પામશે. બળવાન પુરુષે પોતાનો શત્રુ દુર્બલ હોય તો પણ તેની ઉપેક્ષા કરવી ન જોઈએ.’
શાસ્ત્રોક્ત બુદ્ધિ વડે ત્રિશિરાના વધનો નિશ્ચય કરીને ક્રોધાયમાન ઇન્દ્રે અગ્નિ જેવું તેજસ્વી, ઘોર અને ભયંકર વજ્ર ત્રિશિરા પર છોડ્યું. તે વજ્રનો આકરો ઘા ખાઈને ત્રિશિરા મૃત્યુ પામ્યો અને પર્વતનું શિખર તૂટી પડે તેમ પૃથ્વી પર પડી ગયો. ત્રિશિરા વજ્રપ્રહારથી પ્રાણશૂન્ય થઈ પર્વતની જેમ પૃથ્વી પર પડેલા જોઈને પણ દેવેન્દ્રને શાંતિ ન થઈ. કારણ કે તેઓ મૃત્યુ પામ્યા છતાં પણ પોતાના તેજથી તે જીવતા લાગતા હતા. નિર્ભય શચીપતિ(ઇન્દ્ર)એ ત્યાં કામ કરતા કોઈ સુથારને જોયો. તેમણે તરત કહ્યું; ‘તું વિના વિલંબે આના માથાના ટુકડેટુકડા કરી નાખ. મારી આજ્ઞાનું પાલન કર.’
સુથારે કહ્યું. ‘આના ખભા વજનદાર અને વિશાળ છે. મારી કુહાડી તેના પર કામ નહીં લાગે, કોઈ પ્રાણીની હત્યાની સાધુઓએ નંદાિ કરી છે, એટલે આ કામ નહીં કરું.’
ઇન્દ્રે કહ્યું, ‘તું ભય પામીશ નહીં. મારી આજ્ઞાનું પાલન કર. મારી કૃપાથી તારી આ કુહાડી વજ્ર થઈ જશે.’
સુથારે પૂછ્યું, ‘આવું ઘોર કર્મ કરનારા તમે કોણ છો, તમારો પરિચય સાંભળવા ઇચ્છું છું, તમે યોગ્ય રીતે કહો.’
ઇન્દ્ર બોલ્યા, ‘હે સુથાર, તને જાણ થવી જોઈએ કે હું દેવરાજ ઇન્દ્ર છું. મેં જે કહ્યું છે તે કર, આ બાબતમાં બીજો વિચાર ન કર.’
સુથારે કહ્યું, ‘આવા ક્રૂર કર્મની તમને શરમ નથી આવતી? આ ઋષિકુમારની હત્યાથી બ્રહ્મહત્યા લાગશે તેનો ભય પણ તમને નથી લાગતો?’
ઇન્દ્રે કહ્યું, ‘આ મારો શક્તિશાળી શત્રુ હતો, તેને મેં વજ્રથી માર્યો છે. બ્રહ્મહત્યાના પાપમાંથી બચવા કોઈ દુષ્કર અનુષ્ઠાન કરીશ. આ મૃત્યુ પામ્યો છે છતાં મને એનો ભય લાગે છે. તું વિના વિલંબે એના મસ્તકના ટુકડા કર. હું તારા પર કૃપા કરીશ. મનુષ્યો યજ્ઞોમાં પશુનું મસ્તક તારા ભાગ રૂપે આપશે. આ મારો તારા માટેનો અનુગ્રહ છે. હવે તું જલદી મારું કાર્ય કર.’
આ સાંભળીને સુથારે મહેન્દ્રની આજ્ઞા પ્રમાણે કુહાડી વડે ત્રિશિરાના ત્રણ મસ્તકના ટુકડેટુકડા કરી નાખ્યા. મસ્તક કપાયું એટલે તેમાંથી ત્રણ મસ્તકવાળા કપંજિલ, તેતર અને ગૌરેય પક્ષીઓ પ્રગટ્યાં. ત્રિશિરા જે મોં વડે વેદપાઠ કરતા હતા અને સોમરસ પીતા હતા તેમાંથી વિના વિલંબે કપિંજલ પક્ષી બહાર આવ્યાં. જે મોં વડે જાણે દિશાઓને પી જશે એમ દિશાઓને જોતા હતા તેમાંથી તેતર નીકળ્યાં. ત્રિશિરાનું જે મસ્તક સુરાપાન કરતું હતું તેમાંથી ગૌરેય પક્ષી નીકળ્યાં. આ ત્રણે મસ્તક કપાઈ ગયાં એટલે ઇન્દ્રનો માનસિક તાપ દૂર થઈ ગયો. તેઓ પ્રસન્ન થઇને સ્વગૃહે ગયા, સુથાર પણ પોતાને ત્યાં ગયો. ત્વષ્ટા પ્રજાપતિને જ્યારે જાણ થઈ કે ઇન્દ્રે મારા પુત્રને મારી નાખ્યો છે ત્યારે ક્રોધથી તેમનાં નેત્ર રાતાં થઈ ગયાં, તેમણે આમ કહ્યું, ‘નિત્ય ક્ષમાશીલ, સંયમી, જિતેન્દ્રિય રહી તપસ્યારત મારા નિરપરાધી પુત્રની ઇન્દ્રે હત્યા કરી છે. એટલે હું પણ શક્રનો વધ કરવા વૃત્રાસુરનું સર્જન કરીશ. આજે જગતના લોકો મારું પરાક્રમ અને મારી તપસ્યાનું મહાન બળ જુઓ. સાથે સાથે તે પાપાત્મા અને દુરાત્મા દેવેન્દ્ર પણ જુએ.’ એમ કહીને ક્રોધે ભરાયેલા તપસ્વી અને મહાયશસ્વીએ અગ્નિ પ્રજ્વલિત કરીને વૃત્રાસુરને સર્જીને તેને કહ્યું, ‘હે ઇન્દ્રશત્રુ, તું મારી તપસ્યાના પ્રભાવથી અતિશય મોટો થા.’
તેઓ આટલું બોલ્યા ત્યાં તો સૂર્ય અને અગ્નિના જેવો તેજસ્વી વૃત્રાસુર આખા આકાશને આવરી લઈને બહુ મોટો થઈ ગયો. પ્રલયકાળના સૂર્ય જેવો તે દેખાતો હતો. તેણે પૂછ્યું, ‘હું શું કરું?’ ત્વષ્ટાએ ત્યારે કહ્યું, ‘ઇન્દ્રનો વધ કર.’ આવું કહ્યું એટલે તે સ્વર્ગલોકમાં ગયો. ત્યાર પછી વૃત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થયું. બંને ક્રોધે ભરાયેલા હતા. તેમની વચ્ચે અત્યંત ઘોર યુદ્ધ થયું. ત્યાર પછી વીર વૃત્રાસુરે ઇન્દ્રને પકડી લીધો અને મોં ખોલીને તે ઇન્દ્રને ગળી ગયો એટલે બધા દેવ ગભરાઈ ગયા. તે મહાસત્ત્વશાળી દેવતાઓએ વૃત્રાસુરનો નાશ કરવા બગાસાંઓની સૃષ્ટિ પેદા કરી. બગાસું ખાતી વખતે વૃત્રાસુરે પોતાનું મોં ઉઘાડ્યું ત્યારે વલનાશક ઇન્દ્ર પોતાનાં અંગોને સમેટીને બહાર આવી ગયો. ત્યારથી બધા લોકોના પ્રાણમાં જૃમ્ભાશક્તિ (બગાસું ખાવાની શક્તિ)નો નિવાસ થયો. તેના મોંમાંથી ઇન્દ્રને નીકળેલો જોઈ બધા દેવ પ્રસન્ન થયા. ત્યાર પછી વૃત્રાસુર અને ઇન્દ્રની વચ્ચે ફરી યુદ્ધ થવા લાગ્યું. ક્રોધે ભરાયેલા તે બંનેનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યા કર્યંુ. વૃત્રાસુર ત્વષ્ટાના તપ અને બલથી વ્યાપ્ત થઈ યુદ્ધમાં અતિ શક્તિશાળી થઈ મોટો થવા લાગ્યો ત્યારે ઇન્દ્ર યુદ્ધથી વિમુખ થઈ ગયા. તેમને નિવૃત્ત થયેલા જોઈ બધા દેવતાઓને બહુ દુઃખ થયું. ત્વષ્ટાના તેજથી મોહ પામેલા બધા દેવ દેવરાજ ઇન્દ્ર અને ઋષિઓ સાથે મંત્રણા કરવા લાગ્યા. ભયથી મોહ પામીને બધા દેવ ‘હવે શું કરીએ?’ એમ વિચારી અવિનાશી ભગવાન વિષ્ણુને શરણે ગયા, વૃત્રાસુરના વધની ઇચ્છાથી મંદરાચલ શિખર પર બેસી ગયા.
ઇન્દ્રે કહ્યું, ‘દેવતાઓ, વૃત્રાસુરે આ સંપૂર્ણ જગતને ઘેરી લીધું છે. એનો વિનાશ કરે એવું કોઈ અસ્ત્રશસ્ત્ર નથી. હું પહેલાં સમર્થ હતો પણ હવે હું અસમર્થ થઈ ગયો છું. તમારું કલ્યાણ કેવી રીતે કરું? મને તો તે દુર્જય પ્રતીત થાય છે. તે તેજસ્વી છે, મહાત્મા છે, યુદ્ધમાં તેના બળની, પરાક્રમની કોઈ સીમા નથી. તે ઇચ્છે તો દેવતા, દાનવ, મનુષ્યો સમેત ત્રિભુવનને ગળી જાય એવો છે. એટલે દેવતાઓ, આ બાબતમાં મારો નિશ્ચય સાંભળો. આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈએ, તેમને મળીને તે દુરાત્માના વધનો ઉપાય જાણીએ.’ ઇન્દ્રનું આ વચન સાંભળીને ઋષિઓને લઈને બધા દેવ સર્વના શરણદાતા મહાબલી વિષ્ણુ પાસે ગયા. વૃત્રાસુરના ભયથી પીડિત થઈને ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા, ‘હે વિષ્ણુ ભગવાન, તમે જ દૈત્યોના હાથમાંથી અમૃત છીનવ્યું અને યુદ્ધમાં બધાનો સંહાર કર્યો, મહા દૈત્ય બલિને બાંધીને ઇન્દ્રને દેવતાઓનો રાજા બનાવ્યો. તમે જ બધા લોકોના સ્વામી છો, તમારા વડે જ આ જગત વ્યાપ્ત છે, સર્વલોકના વંદનીય મહાદેવ છો. ઇન્દ્ર સમેત બધા દેવતાઓના આશ્રય છો. હે અસુરસુદન, વૃત્રાસુરે સમસ્ત જગતને આવરી લીધું છે.’
ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘મારે તમારું હિત અવશ્ય કરવું છે. હું તમને એક ઉપાય બતાવું છું, તેનાથી વૃત્રાસુરનો અંત આવશે. તમે બધા ઋષિઓ અને ગંધર્વો સાથે જ્યાં વૃત્રાસુર છે ત્યાં જાઓ. તમે તેની સાથે સંધિ કરી લો, તો જ તમે એને જીતી શકશો. દેવતાઓ, મારા તેજથી ઇન્દ્રનો વિજય થશે, હું એના ઉત્તમ શસ્ત્ર વજ્રમાં અદૃશ્યરૂપે પ્રવેશીશ. હે દેવતાઓ, તમે ઋષિઓ અને ગંધર્વોની સાથે જઈ વૃત્રાસુર સાથે સંધિ કરી લો. વિલંબ ન કરો.’ ભગવાન વિષ્ણુએ આમ કહ્યું એટલે ઋષિઓ અને દેવતાઓ એક સાથે મળીને ઇન્દ્રને આગળ કરીને વૃત્રાસુર પાસે ગયા. પોતાના તેજથી પ્રજ્વલિત થઈને દસે દિશાઓને તપાવતા તથા સૂર્ય-ચંદ્રની જેમ પ્રકાશ વિખેરતા, ત્રણે લોકોનો ગ્રાસ કરનારા વૃત્રાસુરને ઇન્દ્ર સમેત બધા દેવતાઓએ જોયો. ઋષિઓએ વૃત્રાસુર પાસે જઈને પ્રિય વચન કહ્યું, ‘હે દુર્જય, તારા તેજથી આ આખું જગત છવાઈ ગયું છે. છતાં તું બળવાન વાસવ(ઇન્દ્ર)ને જીતી શક્યો નથી. તમારા બંનેનું યુદ્ધ લાંબો સમય ચાલ્યું છે. દેવતાઓ, અસુરો અને માનવીઓ સમેત બધી પ્રજા દુઃખી થઈ રહી છે. અમે ઇચ્છીએ છીએ કે ઇન્દ્ર સાથે તારી કાયમી મૈત્રી થઈ જાય. તેનાથી તું સુખી થઈશ અને ઇન્દ્રના શાશ્વત લોક પર અધિકાર રહેશે.’
ઋષિઓની આવી વાત સાંભળીને મહા બળવાન વૃત્રાસુરે પ્રણામ કરીને કહ્યું, ‘મહાભાગ દેવતાઓ, મહર્ષિઓ, ગંધર્વો, તમે જે કંઈ કહેતા હતા તે મેં સાંભળ્યું. હવે મારી વાત સાંભળો. મારી અને ઇન્દ્ર વચ્ચે સંધિ કેવી? બે તેજસ્વી પુુરુષોમાં મૈત્રીસંબંધ કેવી રીતે સ્થપાય?’
ઋષિઓએ કહ્યું, ‘એક વાર સાધુ પુરુષોની સંગતની ઇચ્છા ચોક્કસ રાખવી જોઈએ. સાધુ પુરુષોનો સંગ થવાથી કલ્યાણ થશે. સાધુ પુરુષોના સંગની ઉપેક્ષા નહીં કરવી જોઈએ. એટલે સંતોનો સંગ પામવાની ઇચ્છા કરવી જોઈએ. સજ્જનોનો સંગ સુદૃઢ અને ચિરસ્થાયી હોય છે. ધીર મહાત્માઓ સંકટ સમયે હિતકર કર્તવ્યનો ઉપદેશ આપે છે. એટલે બુદ્ધિમાન પુરુષે સજ્જનોનો નાશ કરવો ન જોઈએ. ઇન્દ્ર સજ્જનો માટે સમ્માનીય છે. મહાત્મા પુરુષોનો આશ્રય છે. તે સત્યવાદી, ધર્મજ્ઞ, અ-દીન અને સૂક્ષ્મ બુદ્ધિવાળા છે. આવા ઇન્દ્ર સાથે તારી કાયમી સંધિ થઈ જાય, તું તેનો વિશ્વાસ પ્રાપ્ત કર. આનાથી વિરુદ્ધ કોઈ વિચાર કરવો ન જોઈએ.’
મહર્ષિઓની વાત સાંભળીને તેજસ્વી વૃત્રે તેમને કહ્યું, ‘ભગવન્, તમારા જેવા તપસ્વીઓ મારે માટે સમ્માનનીય છે. હે દેવતાઓ, હું અત્યારે જે કંઈ કહું છું તે બધું જો તમે સ્વીકારો તો આ શ્રેષ્ઠ ઋષિઓએ મને જે આજ્ઞા કરી છે તે બધી હું પાળીશ. હું ન સૂકી વસ્તુથી, ન ભીની વસ્તુથી, ન પથ્થરથી, ન લાકડીથી, ન શસ્ત્રથી, ન વજ્રથી, ન દિવસે ન રાતે, દેવતાઓ સમેત હું ઇન્દ્રથી મૃત્યુ પામું. આ શરતે દેવેન્દ્ર સાથે સદાકાળ મારી સંધિ થાય તો હું એને આવકારીશ.’
ત્યારે ઋષિઓએ ‘ભલે’ કહ્યું. આ પ્રકારે સંધિ થવાથી વૃત્રાસુરને પ્રસન્નતા થઈ. ઇન્દ્ર હર્ષ પામીને વૃત્રને મળતા રહ્યા પણ તેને મારવાના ઉપાયો વિચારતા જ રહ્યા. તે હમેશા ઉદ્વિગ્ન રહેતા હતા. વૃત્રાસુરનાં છિદ્ર જોયા કરતા હતા. એક દિવસ સમુદ્રકિનારે ઇન્દ્રે તે મહા અસુરને જોયો. તે સમયે સુંદર અને છતાં દારુણ સંધ્યાકાળનું મુહૂર્ત હતું. ભગવાન ઇન્દ્રે મહાત્મા વિષ્ણુના વરદાનનો વિચાર કરી મનમાં કહ્યું, ‘આ રૌદ્ર સંધ્યા છે, અત્યારે નથી રાત, નથી દિવસ. એટલે અત્યારે વૃત્રાસુરનો વધ કરવો જોઈએ. આ મારો સર્વસ્વહર્તા શત્રુ છે. અત્યારે જો મહાબળવાન, મહાકાય, મહાન અસુરને દગાફટકાથી મારી નહીં નાખું તો મારું હિત નહીં થાય. આમ વિચારતાં ઇન્દ્ર વિષ્ણુ ભગવાનનું વારંવાર સ્મરણ કરવા લાગ્યા. તે જ સમયે તેમની દૃષ્ટિ સમુદ્રમાંથી નીકળતા પર્વતાકાર ફીણ પર પડી. તેને જોઈને ઇન્દ્રે વિચાર્યું, આ ફીણ નથી શુષ્ક, નથી આર્દ્ર, નથી શસ્ત્ર, નથી અસ્ત્ર. એટલે હું વૃત્રાસુર પર તે ફેંકું. એનાથી તે ક્ષણવારમાં મૃત્યુ પામશે. આમ વિચારી ઇન્દ્રે તરત જ વૃત્રાસુર પર વજ્રસમેત ફીણનો પ્રહાર કર્યો. તે સમયે ભગવાન વિષ્ણુએ તે ફીણમાં પ્રવેશી વૃત્રાસુરને મારી નાખ્યો. વૃત્રાસુરનું મૃત્યુ થવાથી બધી દિશાઓનો અંધકાર દૂર થઈ ગયો. શીતલ સુખદ વાયુ વહેવા લાગ્યો, સમસ્ત પ્રજામાં આનંદ વ્યાપી ગયો. ત્યાર પછી દેવતા, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ, ઋષિ વિવિધ સ્તોત્ર વડે મહેન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા. જેમણે શત્રુનો વધ કર્યો છે અને જે બધા જીવો દ્વારા પૂજિત થઈ રહ્યા છે તેવા દેવો સમેત પ્રસન્ન ચિત્તવાળા ઇન્દ્રે બધાં પ્રાણીઓને સાંત્વન આપ્યું. ત્યાર પછી ધર્મજ્ઞ દેવરાજે ત્રિભુવનશ્રેષ્ઠ વિષ્ણુનું પૂજન કર્યું. આ પ્રકારે દેવતાઓને ભય પમાડનારા મહા પરાક્રમી વૃત્રાસુરના મૃત્યુથી ઇન્દ્ર દુઃખી થયા કારણ કે તેમણે અસત્યનો આશ્રય લીધો હતો. ત્રિશિરાના વધથી ઉત્પન્ન બ્રહ્મહત્યાએ તો તેમને પહેલેથી જ ઘેરી લીધા હતા. તે બધા લોકની સીમા પર જઈને બેસુધ, અચેત થઈ રહેવા લાગ્યા. પોતાના જ પાપથી પીડિત દેવેન્દ્રની જાણ કોઈને ન થઈ. પાણીમાં રહેનારા સાપની જેમ પાણીમાં જ સંતાઈને રહેવા લાગ્યા. બ્રહ્મહત્યાના ભયથી પીડાતા દેવરાજ અદૃશ્ય થઈ ગયા ત્યારે વૃક્ષહીન અને શુષ્ક ઉપવનવાળી પૃથ્વી નષ્ટ થઈ ગઈ. નદીઓનાં પોતથી વિચ્છિન્ન સરોવરનું પાણી સુકાઈ ગયું. બધા જીવોમાં અનાવૃષ્ટિને કારણે ક્ષોભ ઉપજ્યો. દેવતા અને સર્વ ઋષિઓ ત્રસ્ત થઈ ગયા. અરાજકતાને કારણે સંપૂર્ણ જગતમાં ભારે ઉપદ્રવો થવા લાગ્યા. ભયભીત થયેલા દેવતાઓ વિચારવા લાગ્યા કે હવે આપણા રાજા કોણ થશે? દેવરાજ સ્વર્ગમાં ન હતા એટલે દેવષિર્ પણ ભયભીત થઈને વિચારવા લાગ્યા, દેવતાઓમાંથી કોઈ સ્વર્ગના રાજા બનવા માગતું ન હતું.
ઋષિઓ, દેવતાઓ અને દેવેશ્વરોએ પરસ્પર મંત્રણા કરીને કહ્યું, ‘શ્રીમાન નહુષને દેવરાજના પદે બેસાડીએ.’ એવો નિર્ણય કરીને બધા નહુષ પાસે ગયા, ‘તમે અમારા રાજા થાઓ’ ત્યારે નહુષે પિતૃઓ તથા દેવતાઓ અને ઋષિઓને કહ્યું, ‘હું તો દુર્બળ છું. તમારું પરિપાલન કરવાની શક્તિ મારામાં નથી. બળવાન પુરુષ જ રાજા થાય. શક્રમાં જ બળની નિત્ય સત્તા છે.’ આ સાંભળીને બધા દેવતા અને ઋષિઓ ફરી બોલ્યા, ‘તમે અમારી તપસ્યાથી સંયુકત થઈને રાજ્યનું પાલન કરો. અમને બધાને એકબીજાનો ઘોર ભય લાગે છે એમાં કોઈ સંશય નથી. એટલે તમે રાજા તરીકે અભિષેક કરાવો અને સ્વર્ગના રાજા થાઓ. દેવતા, દાનવ, યક્ષ, ઋષિ, રાક્ષસ, પિતૃ, ગંધર્વ, પ્રાણી — જે કોઈ તમારી સામે આવે તેમને જોતાંવેંત તમે તેમનું તેજ હરી લેજો અને બળવાન થઈ જશો. એટલે સદા ધર્મને સામે રાખીને સર્વલોકના અધિપતિ થાઓ. તમે સ્વર્ગમાં રહીને બ્રહ્મર્ષિઓ અને દેવતાઓનું પાલન કરો.’ અને નહુષ પરમ દુર્લભ વર પામીને સ્વર્ગનું રાજ્ય મેળવીને નિરંતર ધર્મપરાયણ રહેવા છતાં કામભોગમાં આસક્ત થઈ ગયા. બધા જ દેવોદ્યાનમાં, નંદનવનનાં ઉપવનોમાં, કૈલાસમાં, હિમાલયના શિખર પર, મંદરાચલ, સરિતાઓમાં, અપ્સરાઓ અને દેવકન્યાઓથી ઘેરાઈને નહુષ અનેકવિધ ક્રીડાઓ કરવા લાગ્યા. કાનને અને મનને આનંદ આપતી દિવ્ય કથાઓ સાંભળતા હતા, તથા વાદ્ય સહિત મધુર સ્વરે ગવાતાં ગીત માણતા હતા. વિશ્વાવસુ, નારદ, ગંધર્વો અપ્સરાઓનો સમૂહ દેવેન્દ્રની સેવામાં રહેતો હતો, તથા છ ઋતુઓ મૂતિર્મંત થઈને તેમની સેવા કરતી હતી. તેમને માટે વાયુ મનોહર, સુખદ, શીતલ અને સુરભિયુક્ત થઈને વાતા હતા. આ પ્રકારે ક્રીડા કરતા કરતા નહુષની દૃષ્ટિ શક્રની પત્ની(શચી) ઉપર પડી. તેમને જોઈને તે દુષ્ટાત્માએ સર્વ સભાસદોને કહ્યું, ‘ઇન્દ્રની મહારાણી શચી મારી સેવામાં ઉપસ્થિત કેમ નથી થતી? હું દેવતાઓનો ઇન્દ્ર છું અને લોકોનો ઈશ્વર છું; શચી આજે મારા મહેલમાં શીઘ્ર આવે.‘
આ સાંભળી શચી મનમાં ખૂબ જ દુઃખી થયાં અને તેમણે બૃહસ્પતિને કહ્યું, ‘બ્રહ્મન, હું તમારી શરણે આવી છું, નહુષથી મારી રક્ષા કરો. તમે મને સર્વ લક્ષણયુક્ત, દેવરાજની પ્રિયા અને અત્યન્ત સુખભાગિની કહેતા હતા. ક્યારેય વિધવા ન થનારી, એકપત્ની વ્રતવાળા ઇન્દ્રની પત્ની અને પતિવ્રતા એમ પહેલાં કહ્યું હતું, તો હવે એ વાત સાચી પાડો. હે દ્વિજશ્રેષ્ઠ, તમારા મોંમાંથી પહેલાં કદી વ્યર્થ કે અસત્ય વચન નીક્ળ્યું નથી, તો તમારું પૂર્વોક્ત વચન સત્ય થવું જોઈએ.’ આ સાંભળી બૃહસ્પતિએ ભયથી મોહિત-વ્યાકુળ થયેલી ઇન્દ્રાણીને કહ્યું, ‘દેવી, મેં તમને જે કંઈ કહ્યું છે તે અવશ્ય સત્ય થશે. બહુ જલદી દેવરાજ ઇન્દ્રને અહીં જોઈશ. નહુષથી ભય ન પામીશ. હું સાચું કહું છું. થોડા જ દિવસોમાં હું ઇન્દ્રનો ભેટો કરાવીશ.’
જ્યારે રાજા નહુષે સાંભળ્યું કે ઇન્દ્રાણી અંગિરાના પુત્ર બૃહસ્પતિની શરણે ગઈ છે ત્યારે તે બહુ ક્રોધે ભરાયા. નહુષને ક્રોધે ભરાયેલા જોઈ દેવતાઓ ઋષિઓને આગળ કરીને તેમની પાસે ગયા. ભયાનક દેખાતા નહુષને તેમણે કહ્યું, ‘દેવરાજ, તમે ક્રોધ ન કરો. તમારા ક્રોધથી અસુર, ગંધર્વ, કિન્નર, મહાનાગ સમેત જગત ભયભીત થઈ ઊઠ્યું છે. આ ક્રોધ ત્યજી દો. તમારા જેવા પુરુષ બીજાઓ ઉપર ક્રોધ નથી કરતા. પ્રસન્ન થાઓ. શચી બીજા પુરુષની પત્ની છે. પારકી સ્ત્રીના સ્પર્શરૂપ પાપને મનમાંથી હાંકી કાઢો. તમે દેવરાજ છો, તમારું કલ્યાણ થાઓ, ધર્મપૂર્વક પ્રજાપાલન કરો.’
કામમોહિત થયેલાએ તેમની આવી વાત ન માની. દેવરાજે ઇન્દ્ર વિશે દેવતાઓને કહ્યું, ‘પહેલાં ઋષિપત્ની અહલ્યાના પતિ હોવા છતાં ઇન્દ્રે તેનું સતીત્વ નષ્ટ કર્યું હતું, તે વેળા એમને કેમ રોક્યા ન હતા? પૂર્વે ઇન્દ્રે બહુ ક્રૂર કર્મો કર્યાં છે. અનેક અધામિર્ક કૃત્ય, છળકપટ કર્યાં છે, ત્યારે તમે એમને કેમ રોક્યા ન હતા? શચી મારી સેવામાં આવે એમાં જ તેમનું હિત છે. દેવતાઓ, આમ થશે તો તમારું સદા કલ્યાણ થશે.’
દેવતાઓએ કહ્યું, ‘હે સુરેશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે અમે ઇન્દ્રાણીને લઈ આવીશું, તમે ક્રોધ ત્યજો અને પ્રસન્ન થાઓ.’
આમ કહીને બધા દેવતાઓ ઋષિઓને લઈને ઇન્દ્રાણીને આ અશુભ વચન કહેવા બૃહસ્પતિ પાસે ગયા, અને બોલ્યા, ‘હે દેવષિર્શ્રેષ્ઠ, અમે જાણ્યું છે કે ઇન્દ્રાણી તમારી શરણે આવી છે અને તમારે જ ત્યાં રહે છે. તમે એમને અભયવચન આપ્યું છે. હે મહાદ્યુતિ, આ દેવતાઓ, ગંધર્વો અને ઋષિઓ તમને વિનંતી કરે છે કે ઇન્દ્રાણીને નહુષને ત્યાં મોકલી આપો. અત્યારે નહુષ દેવતાઓના રાજા છે, એટલે ઇન્દ્ર કરતાં મહાન છે. સુંદર રૂપરંગ ધરાવતી શચી તેમને પતિ તરીકે સ્વીકારે.’
દેવતાઓની આવી વાત સાંભળીને આંસુ સારતી તે દેવીએ દીનભાવે બૃહસ્પતિને કહ્યું, ‘હું મારા પ્ર્રભુ ઇન્દ્રને ત્યજીને નહુષને પતિ બનાવવા માગતી નથી, એટલે હું તમારી શરણે આવી છું. એટલે હે બ્રહ્મન્, તમે મને આ મહાન ભયમાંથી ઉગારો.’
બૃહસ્પતિએ કહ્યું, ‘હું શરણાગતનો ત્યાગ કરી શકતો નથી. આ મારો નિર્ણય છે. હે અનંદિતા, હું ધર્મજ્ઞ છું, સત્યવાન છું એટલે તારો ત્યાગ કરી નહીં શકું. મેં ધર્મવચન સાંભળ્યાં છે, સત્યશીલ છું, શાસ્ત્રોમાં ધર્મનો જે ઉપદેશ છે તે જાણું છું. એટલે આ પાપકર્મ નહીં કરું. હે સુરગણો, તમે પાછા જતા રહો. આ વિશે બ્રહ્માએ જે કહ્યું હતું તે સાંભળો, ‘જે ભયભીત થઈને શરણે આવેલાને શત્રુના હાથમાં સોંપી દે છે તેણે વાવેલું બીજ ઊગી નીકળતું નથી, તેમને ત્યાં સમયસર વરસાદ પડતો નથી, તેમને જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈ રક્ષક મળતો નથી. જે ભયભીત થઈને શરણે આવેલાને શત્રુના હાથમાં સોંપી દે છે તે દુર્બલચિત્ત માનવી જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તે વ્યર્થ થઈ જાય છે. સ્વર્ગલોકમાંથી નીચે પડી જાય છે, દેવતાઓ તેનું હવિષ્ય સ્વીકારતા નથી. તેનાં સંતાનો અકાળે મૃત્યુ પામે છે, તેના પિતૃઓ સદા નરકવાસી રહે છે. જે ભયભીત થઈને શરણે આવેલાને શત્રુના હાથમાં સોંપી દે છે તેના પર ઇન્દ્ર વગેરે દેવતાઓ વજ્રનો પ્રહાર કરે છે. એટલે આવું જાણતો હોઈ હું શચી સોંપીશ નહીં.. લોકમાં શચી ઇન્દ્રની પ્રિય પટરાણી તરીકે વિખ્યાત છે. હે સુરશ્રેષ્ઠો, જે તેમના માટે હિતકર હોય, જેનાથી મારું હિત પણ સધાય એવું કાર્ય કરો, હું કદાપિ શચી નહીં સોંપું.’
ત્યારે દેવતાઓએ અંગિરાઓમાં શ્રેષ્ઠ ગુરુને કહ્યું, ‘હે બૃહસ્પતિ, શુભ પરિણામ આવે એવો ઉપાય બતાવો.’
બૃહસ્પતિએ કહ્યું, ’શુભા દેવી નહુષ પાસે થોડો સમય માગે. એનાથી તેમનું અને મારું હિત થશે. કાળ અનેક પ્રકારનાં વિઘ્ન પેદા કરે છે, અત્યારે નહુષ તમારા વરદાનને કારણે ગવિર્ષ્ઠ બની ગયો છે, એટલે કાળ જ તેને કાળના પાશમાં બાંધી દેશે.’
બૃહસ્પતિની આવી વાત સાંભળીને દેવતાઓ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, ‘હે બ્રહ્મન, તમે સારી વાત કહી છે. એમાં બધા દેવતાઓનું હિત છે. હે દ્વિજશ્રેષ્ઠ, આ માટે દેવીને પ્રસન્ન કરો.’ ત્યાર પછી અગ્નિ સહિત બધા દેવ ઇન્દ્રાણી પાસે જઈને બધા લોકના હિતમાં શાંતિથી બોલ્યા, ‘હે દેવી! આ સ્થાવર જંગમ બધું જગત તમે જ તો ધારણ કર્યું છે. તમે પતિવ્રતા છો, સત્યવાદી છો, એટલે તમે નહુષ પાસે જાઓ. તમારી કામના કરવાથી નહુષ બહુ જલદી નાશ પામશે. ઇન્દ્ર ફરી પોતાનું સૌન્દર્ય પ્રાપ્ત કરશે.’ પોતાની કાર્યસિદ્ધિ માટે આવો નિશ્ચય કરીને ઇન્દ્રાણી ભયંકર દૃષ્ટિવાળા નહુષ પાસે લજ્જાપૂર્વક ગઈ. વય અને રૂપથી સંપન્ન ઇન્દ્રાણીને જોઈને દુષ્ટાત્મા, કામને કારણે ભ્રષ્ટ બુદ્ધિવાળો નહુષ બહુ હર્ષ પામ્યો.
ઇન્દ્રાણીને જોઈને દેવરાજ નહુષે કહ્યું, ‘હે શુચિસ્મિતા, હું ત્રણે લોકનો સ્વામી છું, ઉત્તમ રૂપરંગવાળી સુંદરી, તું મને તારો પતિ બનાવી લે.’
નહુષે આમ કહ્યું એટલે પતિવ્રતા દેવી બહુ પવનમાં હાલતા કદલીથંભની જેમ ભયથી કાંપવા લાગી. તેમણે બ્રહ્માને પ્રણામ કર્યા અને ભયાનક દૃષ્ટિવાળા નહુષને હાથ જોડીને પોતાના માથાને સ્પર્શીને કહ્યું, ‘હે સુરેશ્વર, હું તમારી પાસે થોડો સમય માગું છું. દેવેન્દ્ર કઈ અવસ્થામાં છે, ક્યાં ગયા છે તેની જાણ નથી. હે પ્રભુ, જો ખાસ્સી તપાસ કર્યા પછી કશું નહીં જણાય તો તું તમારી સેવામાં ઉપસ્થિત થઈશ. હું તમને સત્ય કહું છું.’ ઇન્દ્રાણીએ આવું કહ્યું એટલે નહુષને આનંદ થયો. નહુષે કહ્યું, ‘તું જે મને કહે છે તેમ જ થાય. તું બધી તપાસ કરીને મારી પાસે આવજે, આ સત્ય યાદ રાખજે.’
નહુષની વિદાય લઈને તે શુભા તપસ્વિની ત્યાંથી નીકળીને ફરી બૃહસ્પતિના નિવાસે જઈ પહોંચી. તેમની વાત સાંભળીને અગ્નિ સહિત બધા દેવતાઓ એકાગ્ર થઈને ઇન્દ્રની શોધ માટે મંત્રણા કરવા લાગ્યા. પછી વાક્યવિશારદ દેવો દેવાધિદેવ વિષ્ણુ પાસે જઈને ઉદ્વિગ્ન ચિત્તે આમ બોલ્યા, ‘હે દેવેશ્વર, સુરગણેશ્વર(ઇન્દ્ર) બ્રહ્મહત્યાના પાપથી ડરી જઈને ક્યાંક છુપાઈ ગયા છે. હે પ્રભુ, તમે જ અમારા આશ્રય છો, જગતના પૂર્વજ છો, પ્રભુ છો. બધાં પ્રાણીઓની રક્ષા માટે તમે વિષ્ણુરૂપ ધારણ કર્યું છે. વૃત્રાસુર તમારી શક્તિથી જ મૃત્યુ પામ્યો છે છતાં ઇન્દ્રને બ્રહ્મહત્યા વળગી છે, સુરગણશ્રેષ્ઠ છે, હવે તેના મોક્ષનો ઉપાય બતાવો.’
દેવતાઓની વાત સાંભળીને વિષ્ણુએ કહ્યું, ઇન્દ્ર યજ્ઞ દ્વારા મારું પૂજન કરે, હું વજ્રધારીને પવિત્ર કરી દઈશ. પાકશાસન(ઇન્દ્ર) પવિત્ર અશ્વમેધ યજ્ઞ દ્વારા મારી આરાધના કરી અભય થઈને દેવેન્દ્રપદ પ્રાપ્ત કરશે, અને દુર્મતિ નહુષ પોતાના જ કર્મથી નાશ પામશે. દેવતાઓ, તમે આળસ ત્યજીને થોડો સમય આ કષ્ટ સહી લો.’
ભગવાન વિષ્ણુની આ શુભ, સત્ય તથા અમૃત જેવી વાણી સાંભળીને ઉપાધ્યાય, મહર્ષિઓ સહિત દેવતાઓ જ્યાં ભયથી વ્યાકુળ થઈને ઇન્દ્ર સંતાયા હતા ત્યાં ગયા. મહેન્દ્રની શુદ્ધિ માટે બ્રહ્મહત્યાના પાપનિવારણ માટે એક મહાન અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન થયું. ઇન્દ્રે બ્રહ્મહત્યાના પાપને વૃક્ષ, નદી, પર્વત, પૃથ્વી અને સ્ત્રીઓમાં વહેંચી દીધું. આમ બધાં જ ભૂતોમાં બ્રહ્મહત્યાનું વિભાજન કરી સુરેશ્વરે તેને ત્યજી દીધી અને મનને વશમાં રાખી પાપમુક્ત અને નિશ્ચંતિ થઈ ગયા. પરંતુ વલસૂદન ઇન્દ્ર જ્યારે પોતાનું સ્થાન ગ્રહણ કરવા આવ્યા ત્યારે દેવતાઓના વરદાનથી પોતાની દૃષ્ટિમાત્રથી બધાં પ્રાણીઓનું તેજ નષ્ટ કરવામાં સમર્થ, દુ:સહ નહુષને જોઈ તે કંપી ઊઠ્યા. ત્યાર પછી શચીપતિ અદૃશ્ય થઈ ગયા અને અનુકૂળ સમયની પ્રતીક્ષા કરવા બધાં પ્રાણીઓથી અદૃશ્ય રહી વિહરતા રહ્યા. ઇન્દ્ર ફરી અદૃશ્ય થયા એટલે શચી શોકમગ્ન થઈ ગયાં અને દુઃખી થઈને ‘હા, ઇન્દ્ર, હા ઇન્દ્ર’ એમ કહેતાં વિલાપ કરવા લાગ્યાં.
ત્યાર પછી તે બોલ્યાં, ‘જો મેં દાન આપ્યું હોય, હોમહવન કર્યા હોય, ગુરુજનોને સંતુષ્ટ કર્યા હોય, મારામાં સત્ય હોય તો મારું પતિવ્રતાપણું સુરક્ષિત રહે. ઉત્તરાયણના દિવસે આ પુણ્યશાળી અને દિવ્ય રાત્રિ આવી રહી છે, તેની અધિષ્ઠાત્રી દેવીને હું નમસ્કાર કરું છું, મારો મનોરથ સફળ થાઓ.’
એમ કહી શચીએ મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખી રાત્રિ દેવીની ઉપાસના કરી, પતિવ્રતા અને સત્યવાદી હોવાને કારણે ઉપશ્રુતિ નામવાળી રાત્રિદેવીનું આવાહન કર્યું, અને તેમને કહ્યું, ‘દેવી, જ્યાં દેવરાજ ઇન્દ્ર હોય તે સ્થાન મને દેખાડો. સત્યનું દર્શન સત્યથી થાય.’ ત્યાર પછી ઉપશ્રુતિ દેવી મૂતિર્મંત થઈને સાધ્વી શચી પાસે આવ્યાં. ઇન્દ્રાણીએ હર્ષ પામીને તેમનું પૂજન કર્યું, ‘હે સુંદર મુખવાળી, હું તમને ઓળખવા માગું છું, કહો, તમે કોણ છો?’
ઉપશ્રુતિએ કહ્યું, ‘દેવી, હું ઉપશ્રુતિ છું. તારી પાસે આવી છું, ભામિની, તારા સત્યથી પ્રભાવિત થઈને મેં દર્શન આપ્યાં છે. તું પતિવ્રતા છે, તે ઉપરાંત યમ-નિયમથી સંયુકત છે. હું વૃત્રાસુરનો વધ કરનાર ઇન્દ્રનું દર્શન તને કરાવીશ. તારું કલ્યાણ થાઓ. તું મારી પાછળ પાછળ જલદી આવ. તને સુરશ્રેષ્ઠ(ઇન્દ્ર)નાં દર્શન થશે.’
એમ કહીને ઉપશ્રુતિ દેવી ત્યાંથી ચાલી નીકળ્યાં, ઇન્દ્રાણી પણ તેમની પાછળ પાછળ નીકળ્યાં. દેવતાઓનાં અનેક વન, ઘણા પર્વત, હિમાલયને ઓળંગીને ઉત્તર ભાગમાં તે જઈ પહોંચ્યા. ત્યાર પછી અનેક યોજનોમાં વિસ્તરેલા સમુદ્ર પાસે જઈને વિવિધ પ્રકારનાંં વૃક્ષો-લતાઓથી સુશોભિત મહાદ્વીપમાં પ્રવેશ કર્યો. ત્યાં અનેક પ્રકારનાં પક્ષીઓવાળું એક દિવ્ય સરોવર જોયું. તે સરોવર સો યોજન લાંબું અને સો યોજન પહોળું હતું. તેમાં પાંચ રંગનાં હજારો કમળ ખીલેલાં હતાં. તેમના પર ભમરાઓ ગણગણતા હતા. ઉપશ્રુતિ દેવીએ એક કમળનાળ ચીરીને ઇન્દ્રાણી સહિત તેમાં પ્રવેશ કર્યો, ત્યાં એક તંતુમાં ઘૂસીને છુપાયેલા શતક્રતુ(ઇન્દ્ર)ને જોયા. અત્યંત સૂક્ષ્મ રૂપ ધરાવતા ઇન્દ્રને જોઈ ઉપશ્રુતિએ અને ઇન્દ્રાણીએ પણ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. ઇન્દ્રાણીએ ભૂતકાળનાં વિખ્યાત કાર્યોની પ્રશંસા કરી પુરન્દર(ઇન્દ્ર)નું સ્તવન કર્યું. પોતાની સ્તુતિ સાંભળીને ઇન્દ્ર દેવે શચીને પૂછ્યું, ‘તું અહીં શા માટે આવી છે અને મારો પત્તો કેવી રીતે તને મળ્યો?’ ત્યારે ઇન્દ્રાણીએ નહુષની કુચેષ્ટાનું વર્ણન કર્યું, ‘હે શતક્રતુ, ત્રણે લોકનું ઇન્દ્રત્વ પામીને નહુષ બળ, પરાક્રમ અને મદવાળો થઈ ગયો છે. તે દુષ્ટાત્માએ મને કહ્યું કે તું મારી સેવામાં ઉપસ્થિત થા. તે ક્રૂર રાજાએ મને થોડા સમયનો અવધિ આપ્યો છે. હે પ્રભુ, જો તમે મારી રક્ષા નહીં કરો તો તે મને વશમાં કરી લેશે. હે મહાબાહુ, આ કારણે હું સંતપ્ત થઈને તમારી પાસે આવી છું. પાપી નહુષને તમે મારી નાખો. દૈત્યો અને દાનવોનો વધ કરનાર હવે તમે હવે તમારી જાતને પ્રકટ કરો, અને દેવતાઓના પર રાજ્ય કરો.’
શચીએ આવું કહ્યું એટલે ભગવાન ઇન્દ્રે ફરી તેને કહ્યું, ‘આ પરાક્રમનો કરવાનો સમય નથી. અત્યારે નહુષ બહુ બળવાન થઈ ગયો છે. હે ભામિની, ઋષિઓએ હવ્ય અને કવ્ય આપીને તેની શક્તિ બહુ વધારી દીધી છે. હું અહીં નીતિથી કામ લઈશ, દેવી, તું એ નીતિનું પાલન કર. હે શુભા, તારે ગુપ્ત રીતે આ કાર્ય કરવાનું છે. ક્યાંય પ્રકટ ન કરીશ. મધ્યમ બાંધાની સ્ત્રી, તું એકાંતમાં નહુષની પાસે જઈને કહે, હે જગત્પતિ, તમે દિવ્ય ઋષિયાનમાં બેસીને મારી પાસે આવો. એમ થશે એટલે હું પ્રસન્ન થઈ તમારા વશમાં આવીશ.’ આવું નહુષને કહો.’
દેવરાજે આમ કહ્યું એટલે તેમની કમલનયની પત્ની ‘ભલે’ કહીને નહુષ પાસે ગયાં. તેમને જોઈને નહુષે વિસ્મય પામીને કહ્યું, ‘હે સુંદરી, તારું સ્વાગત છે. તારી શી સેવા કરું? હે કલ્યાણી, હું તારો ભક્ત છું. મારો સ્વીકાર કર. મનસ્વિની, તારે શું જોઈએ છે? હે કલ્યાણી, સુમધ્યમા, તારું જે કંઈ કાર્ય હશે તે હું કરીશ. હે સુશ્રોણી, તારે મારાથી લજ્જા પામવાનું નહીં. મારામાં વિશ્વાસ રાખ. દેવી, હું સત્યના સોગંદ ખાઈને કહું છું, તારું વચન પાળીશ.’
ઇન્દ્રાણીએ કહ્યું, ’હે જગત્પતિ, તમારી સાથે જે શરત થઈ હતી તે પૂરી કરવા માગું છું. સુરપતિ, પછી તો તમે મારા પતિ જ થવાના છો. દેવરાજ, મારા હૃદયની એક અભિલાષા છે, સાંભળો. જો તમે મારું આ કાર્ય કરશો, મારી વાત પ્રેમપૂર્વક માનશો તો હું તમારે અધીન થઈશ. સુરેશ્વર, પહેલાં જે ઇન્દ્ર હતા તેમનાં વાહન હાથી, ઘોડા, રથ હતાં, પરંતુ તમારું વાહન વિલક્ષણ હોવું જોઈએ, એવી મારી ઇચ્છા છે. વિષ્ણુ, રુદ્ર, અસુર, રાક્ષસોએ ઉપયોગમાં ન લીધું હોય તેવું વાહન હોવું જોઈએ. હે પ્રભુ, મહારાજ સપ્તષિર્ઓ એકઠા થઈ શિબિકામાં બેસાડી તમને ઊંચકી લાવે. મને આ ગમે છે. તમે તમારા પરાક્રમથી અને દૃષ્ટિ માત્રથી બધાનું તેજ હરી લો. દેવતાઓમાં કે અસુરોમાં તમારા જેવું કોઈ નથી. કોઈ ગમે તેવો બળવાન કેમ ન હોય, તમારી સામે ટકી જ ન શકે.‘
ઇન્દ્રાણીનું આવું વચન સાંભળીને નહુષ ખૂબ જ હર્ષ પામ્યો, તે અનિન્દિતાને તેણે કહ્યું, ‘હે વરવણિર્ની(સુંદરી), તેં અપૂર્વ વાહન બતાવ્યું, દેવી, મને પણ એ વાહન પસંદ છે, હે વરાનના(સુંદર મુખવાળી) હું તારા વશમાં છું. જે ઋષિઓને પણ પોતાનું વાહન બનાવી શકે તે પુરુષમાં કંઈ ઓછી શક્તિ નથી હોતી. હું તપસ્વી, બળવાન, ભૂત-ભવિષ્ય-વર્તમાનનો સ્વામી છું. હું કોપું તો આ સંસાર નહીં રહે, બધું મારા પર જ ટકી રહ્યું છે. હે શુચિસ્મિતા, આ દેવતા, દાનવ, ગંધર્વ, કિન્નર, નાગ, રાક્ષસ-ઉપરાંત બધા લોક પણ મારા ક્રોધ સામે ટકી નહીં શકે. હું જેને મારી આંખે જોઉં છું તેનું તેજ હરી લઉં છું. એટલે દેવી, હું તારું વચન પાળીશ, એમાં કોઈ સંશય નથી, બધા સપ્તષિર્ઓ — બ્રહ્મર્ષિઓ મારી પાલખી ઉપાડશે. હે વરવણિર્ની, મારાં માહાત્મ્ય અને સમૃદ્ધિ તું પ્રત્યક્ષ જો.’
સુંદર દેવીને એમ કહી નહુષે વિદાય આપી અને યમનિયમનું પાલન કરનારા ઋષિઓને પાલખી ઊંચકવા તૈયાર કર્યા. નહુષ પાસેથી વિદાય લઈને ઇન્દ્રાણીએ બૃહસ્પતિ પાસે જઈને કહ્યું, ‘નહુષે મારા માટે જે સમય નિશ્ચિત કર્યો હતો તે હવે બહુ ઓછો રહી ગયો છે. તમે જલદી ઇન્દ્રને શોધી કાઢો અને તમારી આ ભક્ત પર દયા કરો.’
ત્યારે બૃહસ્પતિએ ‘સારું’ કહીને કહ્યું, ‘દેવી, તું દુષ્ટાત્મા નહુષથી ડરીશ નહીં. તે નરાધમ હવે વધુ સમય ટકી નહીં શકે. હવે એ નાશ પામ્યો જ સમજ. તે ધર્મ નથી જાણતો. એટલે જ મહર્ષિઓને વાહન બનાવ્યા, હવે તે મૃત્યુ જ પામશે. વળી આ દુર્મતિના વિનાશ માટે હું એક યજ્ઞ કરીશ. શક્રને પણ શોધી કાઢીશ. તું ભય ન પામીશ. તારું કલ્યાણ થશે.’
ત્યાર પછી મહાતેજસ્વી બૃહસ્પતિએ દેવરાજને શોધી કાઢવા વિધિપૂર્વક અગ્નિ પ્રજ્વલિત કર્યો, અને એમાં ઉત્તમ હવિની આહુતિ આપી. આ હવનકુંડમાંથી ભગવાન અગ્નિદેવ સ્વયં પ્રગટ્યા અને અદ્ભુત સ્ત્રીવેશ ધારણ કરીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. મનની ગતિ ધરાવતા અગ્નિદેવ બધી જ દિશાઓ, વિદિશાઓ, પર્વતો, વનોમાં, પૃથ્વી પર, આકાશમાં ઇન્દ્રની શોધ કરીને નિમિષ માત્રમાં બૃહસ્પતિ પાસે પાછા આવી ગયા. તેમને કહ્યું, ‘હે બૃહસ્પતિ, મેં દેવરાજને ક્યાંય જોયા નહીં. એમની શોધ પાણી સિવાય બધે કરી જોઈ. પરંતુ હું કદી જળમાં પ્રવેશવાનું સાહસ નથી કરી શકતો. ત્યાં મારી ગતિ નથી. આ સિવાય કયું કાર્ય કરું?’ ત્યારે ગુરુએ કહ્યું, ‘હે મહાદ્યુતિ, તમે જળમાં પ્રવેશો.’
અગ્નિએ કહ્યું, ‘હું જળમાં પ્રવેશી નહીં શકું, એનાથી મારો વિનાશ થશે. હે મહાદ્યુતિ, હું તમારા શરણે છું. તમારું કલ્યાણ થાઓ. જળમાંથી અગ્નિ, બ્રાહ્મણમાંથી ક્ષત્રિય અને પથ્થરમાંથી લોખંડની ઉત્પત્તિ થઈ છે. તેમનું તેજ સર્વત્ર છે, પરંતુ જેમાંથી ઉત્પન્ન થયા હો તેમાં પ્રવેશતાં તે શમી જાય છે.’
બૃહસ્પતિએ કહ્યું, ‘અગ્નિદેવ, તમે બધા દેવતાઓના મુખ છો, તમે જ હવિષ્ય પહોંચાડો છો, બધાં પ્રાણીઓના અંતરમાં સાક્ષીવત્ ગૂઢ ભાવથી વિચરો છો, વિદ્વાનો તમને એક કહે છે, છતાં તમને ત્રણ પ્રકારના કહે છે. હે હુતાશન, જો તમે ત્યજી દેશો તો આ જગત તત્કાળ નાશ પામશે. બ્રાહ્મણો તમારી પૂજા કરીને, વંદના કરીને પોતાની પત્નીઓ તથા પુત્રોની સાથે તમારાં કર્મો દ્વારા પ્રાપ્ત થયેલી ચિરસ્થાયી ગતિને પ્રાપ્ત કરે છે. હે અગ્નિ, તમે હવિષ્યનું વહન કરનારા દેવ છે, તમે પોતે જ ઉત્તમ હવિ છો, વિદ્વાન પુરુષો યજ્ઞોમાં સત્રો અને યજ્ઞો દ્વારા તમારી જ આરાધના કરે છે.
હે હવ્યવાહન, સૃષ્ટિના સમયે ત્રણ લોકોને સર્જીને કાળ આવે ત્યારે ફરી પ્રજ્વલિત થઈને બધાનો સંહાર કરો છો. તમે સંપૂર્ણ વિશ્વનું ઉત્પત્તિસ્થાન છો અને તમે જ ફરી વિશ્વના પ્રલયકાળમાં આધાર છો. અગ્નિદેવ, તમને જ મેઘ અને વિદ્યુત કહે છે, તમારામાંથી જ્વાળાઓ નીકળીને બધાં પ્રાણીઓને દગ્ધ કરે છે. હે પાવક! તમારામાં જ બધું જળ સંચિત છે, તમારામાં જ આ સંપૂર્ણ જગત પ્રતિષ્ઠિત છે. ત્રણે લોકમાં તમને જેની જાણ ન હોય એવી એકે વસ્તુ નથી. બધા જ પદાર્થો પોતપોતાનાં પોતમાં પ્રવેશે છે. એટલે તમે નિ:શંક થઈ જળમાં પ્રવેશો, હું સનાતન વેદમંત્રો વડે તમને મોટા બનાવીશ.’
આ પ્રકારે સ્તુતિ થવાથી હવિષ્ય વહન કરનાર શ્રેષ્ઠ જ્ઞાની ભગવાન અગ્નિએ પ્રસન્ન થઈને બૃહસ્પતિને ઉત્તમ વાત કરી, ‘હું તમને ઇન્દ્રનું દર્શન કરાવીશ, હું તમને સત્ય કહું છું.’ ત્યાર પછી અગ્નિદેવ નાના ખાડાથી માંડી મોટા મોટા સમુદ્રોમાં પ્રવેશી જે સરોવરમાં શતક્રતુ છુપાયેલા હતા ત્યાં જઈ ચઢ્યા. એમાં કમળપુષ્પોની અંદર શોધ કરીને જોયું તો કમળનાળમાં સંતાયેલા ઇન્દ્રને જોયા. ત્યાંથી જલદી પાછા આવીને અગ્નિદેવે અણુ જેટલું શરીર ધારણ કરીને બેઠેલા ઇન્દ્રનું ઠેકાણું બતાવ્યું. ત્યારે દેવર્ષિઓ, ગંધર્વો સહિત બૃહસ્પતિએ વલસૂદન(વલરાક્ષસનો વધ કરનાર) ઇન્દ્રના ભૂતકાળનાં કર્મોનું વર્ણન કરતાં કરતાં તેમની સ્તુુતિ કરી. ‘હે ઇન્દ્ર, તમે અત્યંત દારુણ નમુચિ રાક્ષસનો વધ કર્યો હતો. શબર અને વલ જેવા દાનવોનો વધ કર્યો હતો. હે શતક્રતુ, તમે તમારા તેજસ્વી સ્વરૂપને વિસ્તારો, બધા શત્રુઓનો સંહાર કરો, હે વજ્રધારી, ઊઠો અને આવેલા દેવર્ષિઓનું દર્શન કરો. હે વિભુ, તમે કેટલા બધા દાનવોનો વધ કરીને બધા લોકોની રક્ષા કરી છે. વિષ્ણુ ભગવાનના તેજથી અત્યંત શક્તિશાળી બનેલા સમુદ્રના ફીણ વડે વૃત્રાસુરનો તમે વધ કર્યો હતો. તમે બધા જ ભૂતોમાં સ્તવન કરવા યોગ્ય છો, બધાના પૂજ્ય છો, તમારા જેવા આ જગતમાં કોઈ નથી. હે શક્ર, તમે જ બધા ભૂતોને ધારણ કરો છો, તમે જ દેવતાઓનો મહિમા વિસ્તાર્યો છે. હે મહેન્દ્ર, તમે શક્તિ મેળવો અને બધાં લોકની રક્ષા કરો.’ આ પ્રકારે સ્તુતિ કરવાથી દેવરાજ ધીમે ધીમે વૃદ્ધિ પામવા લાગ્યા. પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરીને તેઓ બળવાન થઈ ગયા. ત્યાર પછી ઇન્દ્રે ગુરુ બૃહસ્પતિને કહ્યું, ‘બ્રહ્મન્, ત્વષ્ટાનો પુત્ર મહાકાય વૃત્ર બધા જ લોકનો વિનાશ કરવા માગતો હતો, તેને મેં મારી નાખ્યો, હવે હું તમારું બીજું કયું કાર્ય કરું?’
બૃહસ્પતિએ કહ્યું, ‘માનવનૃપ નહુષે દેવર્ષિઓના પ્રભાવથી દેવરાજ્ય મેળવ્યું છે, તે બધાને બહુ દુઃખ પહોંચાડી રહ્યો છે.’
ઇન્દ્રે પૂછ્યું, ‘હે બૃહસ્પતિ, આ નહુષે કયું તપ કર્યું છે? તેને દેવોના દુર્લભ રાજ્યની પ્રાપ્તિ કેવી રીતે થઈ?’
બૃહસ્પતિએ કહ્યું, ‘જ્યારે તમે મહાન ઇન્દ્રપદનો ત્યાગ કર્યો ત્યારે દેવતાઓ ભયભીત થઇને બીજા ઇન્દ્રની ઇચ્છા કરવા લાગ્યા. દેવતાઓ, પિતૃઓ, ઋષિઓ અને ગંધર્વો ભેગા થઈને નહુષ પાસે ગયા. ત્યાં જઈને બોલ્યા, ‘તમે અમારા રાજા થાઓ, અને સંપૂર્ણ વિશ્વની રક્ષા કરો.’ આ સાંભળીને નહુષે તેમને કહ્યું, ‘મારામાં ઇન્દ્ર બનવાની શક્તિ નથી. એટલે તમે તમારા તપ અને તેજથી મને પુષ્ટ કરો.’ તેમણે આવું કહ્યું એટલે દેવતાઓએ પોતાનાં તપ અને તેજથી તેને સમૃદ્ધ કર્યો. પછી ભયાનક પરાક્રમી રાજા નહુષ સ્વર્ગનો રાજા બની ગયો. તે આમ ત્રણે લોકનું રાજ્ય પામીને દુરાત્મા નહુષ મહર્ષિઓને પોતાનું વાહન બનાવીને ઘૂમે છે. તે દૃષ્ટિપાત વડે બધાનું તેજ હરી લે છે; તેની દૃષ્ટિમાં ઝેર છે, બધા દેવતા અત્યંત ભયભીત થઈને ગૂઢ રૂપે વિચરે છે, પરંતુ નહુષની સામે જોતા નથી.’
અંગીરાના પુત્રોમાં શ્રેષ્ઠ બૃહસ્પતિ આમ કહી રહ્યા હતા ત્યારે લોકપાલ કુબેર, સૂર્યપુત્ર યમ, પુરાતન દેવતા ચંદ્ર અને વરુણ ત્યાં આવી પહોંચ્યા. તે બધા દેવરાજ ઇન્દ્રને કહેવા લાગ્યા, ‘હે શક્ર, તમે ત્વષ્ટાના પુત્ર વૃત્રનો વધ કર્યો. અમે શત્રુનો વધ કર્યા પછી તમને સકુશલ અને અક્ષત જોઈએ છીએ.’
તે લોકપાલો સાથે વાત કરતાં ઇન્દ્રે નહુષમાં બુદ્ધિભેદ ઉત્પન્ન કરવા માટે પ્રેરણા આપીને કહ્યું, ‘આ દેવતાઓનો રાજા નહુષ બહુ ઘોર બની રહ્યો છે. તેને સ્વર્ગમાંથી દૂર કરવામાં તમે મને સહાય કરો.’
આ સાંભળી તેમણે ઉત્તર આપ્યો, ‘નહુષ ઘોર રૂપવાળો છે. તેની દૃષ્ટિમાં વિષ છે, એટલે અમે તેનાથી બીએ છીએ. હે શક્ર, જો તમે રાજા નહુષને પરાજિત કરો તો અમે પણ યજ્ઞમાં ભાગ પામવાના અધિકારી થઈએ.’
ઇન્દ્રે કહ્યું, ‘મહર્ષિ, તમારું સ્વાગત છે. તમારા દર્શનથી મને આનંદ થયો છે. તમારી સેવામાં પાદ્ય, અર્ઘ્ય, આચમન, ગાય સમપિર્ત છે. મેં આપેલું ગ્રહણ કરો.’
મુનિશ્રેષ્ઠ પૂજા સ્વીકારીને આસન પર બેઠા, ‘વરુણદેવ, તમે જળના સ્વામી થાઓ. યમરાજ અને કુબેર પોતપોતાના સ્થાને પદ ગ્રહણ કરો. દેવતાઓ સહિત આપણે બધા ઘોર દૃષ્ટિવાળા શત્રુ નહુષને હરાવીશું.’
ત્યારે અગ્નિએ ઇન્દ્રને કહ્યું, ‘મને પણ ભાગ આપો. હું તમારી સહાય કરીશ.’ ત્યારે ઇન્દ્રે કહ્યું, ‘અગ્નિદેવ, મહાયજ્ઞમાં ઇન્દ્ર અને અગ્નિનો ભેગો હિસ્સો હશે, તેના પર તમારો પણ અધિકાર હશે.’
આ પ્રકારે વિચારીને પાકશાસન (ઇન્દ્ર) ભગવાન મહેન્દ્રે કુબેરને બધા યજ્ઞોના અને ધનના અધિપતિ બનાવ્યા. આ પ્રકારે વરદાયક શક્રે ખૂબ જ સત્કાર કરીને વૈવસ્વત યમને પિતૃઓનું તથા વરુણને જળનું સ્વામીત્વ આપ્યું.
જે સમયે બુુદ્ધિમાન દેવરાજ લોકપાલો સાથે બેસીને નહુષના વધનો ઉપાય વિચારતા હતા તે વખતે તપસ્વી ભગવાન અગત્સ્ય ત્યાં દેખાયા.
દેવેન્દ્રનું પૂજન કરીને અગત્સ્યે કહ્યું, ‘વિશ્વરૂપનો વિનાશ તથા વૃત્રાસુરનો વધ કરીને નિરંતર વૃદ્ધિ પામી રહ્યા છો. હે પુરદંર, એ પણ સારી વાત છે કે આજે નહુષ દેવતાઓના રાજમાંથી ભ્રષ્ટ થયો. હે વલસૂદન, સૌભાગ્યથી હું તમને શત્રુહીન જોઈ રહ્યો છું.’ ઇન્દ્રે ક્હ્યું, ‘મહર્ષિ, તમારું સ્વાગત છે. તમારા દર્શનથી મને આનંદ થયો છે. તમારી સેવામાં પાદ્ય, અર્ઘ્ય, આચમન, ગાય સમપિર્ત છે. મેં આપેલું ગ્રહણ કરો.’
મુનિશ્રેષ્ઠ પૂજા સ્વીકારીને આસન પર બેઠા. તે સમયે ઇન્દ્રે પ્રસન્ન થઈ વિપ્રશિરોમણિને પૂછ્યું, ‘હે ભગવન્, હું તમારા મોઢે સાંભળવા માગું છું કે પાપી વિચારવાળો નહુષ સ્વર્ગમાંથી કેવી રીતે ભ્રષ્ટ થયો?’
અગસ્ત્યે કહ્યું, ‘ઇન્દ્ર, બળને કારણે ઘમંડી થયેલો તે દુરાચારી અને દુરાત્મા રાજા નહુષ જે રીતે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયો તે પ્રિય સમાચાર સાંભળો. હે દેવ, મહાભાગ દેવષિર્ તથા નિર્મળ બ્રહ્મર્ષિઓ પાપાચારી નહુષનો ભાર ઊંચકીને થાકી ગયા હતા. તે સમયે તે મહર્ષિઓએ નહુષને એક શંકા કહી. ‘હે દેવેન્દ્ર, ગાયોના પ્રોક્ષણ વિશે જે મંત્ર વેદમાં કહ્યા છે તેને તમે સાચા માનો છો કે નહીં?’ નહુષની બુદ્ધિ તમોમય થવાથી મૂઢ થઈ ગયો હતો. તેણે કહ્યું, ‘હું માનતો નથી.’
ઋષિઓએ કહ્યું, ‘તું અધર્મમાં પ્રવૃત્ત થઈ રહ્યો છે એટલે ધર્મનું તત્ત્વ સમજ્યો નથી. પૂર્વે મહર્ષિઓએ આ બધા મંત્રોને પ્રમાણ ગણ્યા છે. હે ઇન્દ્ર, ત્યારે નહુષ મુનિઓ સાથે વિવાદ કરવા લાગ્યો અને અધર્મથી પીડાઈને તે પાપીએ મારા મસ્તકને લાત મારી. આને કારણે તેનું બધું તેજ નષ્ટ થઈ ગયું. તે રાજા શ્રીહીન થઈ ગયો. ત્યારે તમોગુણમાં ડૂબેલા ભયથી પીડાતા નહુષને મેં આમ કહ્યું.
‘પહેલાના બ્રહ્મર્ષિઓએ જેનું અનુષ્ઠાન કર્યું છે, જેને પ્રમાણભૂત માન્યું છે તે વેદને તુ સદોષ માને છે, વળી તેં મારા મસ્તકને લાત મારી છે. અરે પાપાત્મા, તું બ્રહ્મા જેવા તેજસ્વી ઋષિઓને વાહન બનાવીને તેમની પાસે પાલખી ઊંચકાવી રહ્યો છે, એટલે તું તેજહીન બન્યો છે. તારું પુણ્ય ક્ષીણ થઈ ગયું છે. એટલે સ્વર્ગથી ભ્રષ્ટ થઈને તું પૃથ્વી પર પડ. ત્યાં દસ હજાર વર્ષ સુધી સર્પના વેશે ભટકજે, જે અવધિ પૂરી થયા પછી ફરી સ્વર્ગ પામીશ.’ આમ દુરાત્મા નહુષ દેવતાઓના રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયો. બ્રાહ્મણોનો કંટક દૂર થયો. હવે આપણી વૃદ્વિ થઈ રહી છે. હે શચીપતિ, હવે તમે ઇન્દ્રિયો પર અને શત્રુઓ પર વિજય મેળવ્યો છે. મહર્ષિઓથી પૂજિત થઈ હવે સ્વર્ગમાં જાઓ અને ત્રણે લોકોની રક્ષા કરો. ત્યાર પછી મહર્ષિઓથી ઘેરાયેલા દેવતાઓ, પિતૃઓ, યક્ષ, નાગ, રાક્ષસ, ગંધર્વ, દેવકન્યાઓ, અપ્સરાઓ પ્રસન્ન થયાં. નદીઓ, સરોવરો, પર્વત અને સમુદ્ર પણ સંતુષ્ટ થયાં. તે બધાં ઇન્દ્ર પાસે આવીને કહેવા લાગ્યા, ‘હે શત્રુહર્તા, તમારો અભ્યુદય થઈ રહ્યો છે તે આનંદની વાત છે. બુદ્ધિમાન અગત્સ્યે પાપી નહુષને મારી નાખ્યો અને તેને સાપ બનાવી દીધો તે પણ અમારા માટે ખૂબ જ આનંદ અને હર્ષની વાત છે.’
ત્યાર પછી ઉત્તમ લક્ષણોવાળા ઐરાવત પર બેસીને ગંધર્વ અને અપ્સરાઓથી સ્તુુુતિ પામીને ઇન્દ્ર ત્યાંથી ચાલ્યા. મહાતેજસ્વી અગ્નિદેવ, મહર્ષિ કુબેર, બધા દેવતાઓ, ગંધર્વો અને અપ્સરાઓથી ઘેરાઈને વૃત્રાસુરના હર્તા ભગવાન ઇન્દ્ર ગંધર્વો અને અપ્સરાઓના મોઢે પોતાની સ્તુતિ સાંભળતા સ્વર્ગલોકે જવા નીકળ્યા. સો યજ્ઞ કરનારા ઇન્દ્ર ઇન્દ્રાણીને મળીને આનંદપૂર્વક સ્વર્ગનું પાલન કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન અંગિરાએ દર્શન આપ્યાં અને અથર્વવેદના મંત્રોથી દેવેન્દ્રનું પૂજન કર્યું, એટલે ભગવાન ઇન્દ્ર તેમના પર પ્રસન્ન થયા, અને તેમણે અથર્વાંગિરસને વરદાન આપ્યું, હે બ્રહ્મન્, તમે આ અથર્વાંગિરસ નામથી વિખ્યાત થશો અને તમને યજ્ઞભાગ મળશે. આ બાબતમાં મારું વચન ઉદાહરણરૂપ બનશે.’
આ પ્રકારે ભગવાન ઇન્દ્રે તે સમયે અથર્વાંગિરસની પૂજા કરીને તેમને વિદાય કર્યા. ત્યાર પછી બધા દેવતાઓ તથા તપોધન મહર્ષિઓની પૂજા કરીને દેવરાજ ઇન્દ્ર પ્રસન્નતાપૂર્વક ધર્માનુસાર પ્રજાનું પાલન કરવા લાગ્યા.
{{Right | (ઉદ્યોગપર્વ: ૯થી ૧૮) }} <br>
=== કેશિની અને સુધન્વાની કથા ===
(ધૃતરાષ્ટ્રને સમજાવવા જ્યારે વિદુર પ્રયત્ન કરે છે ત્યારે તેઓ કેશિની અને સુધન્વાનું દૃષ્ટાંત આપે છે)
કેશિનીએ વિરોચનને કહ્યું, ‘બ્રાહ્મણ શ્રેષ્ઠ કે દૈત્ય? જો બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય તો સુધન્વા બ્રાહ્મણ મારી શય્યા પર કેમ બેસી ન શકે?(હું સુધન્વા સાથે લગ્ન કેમ ન કરું?’)
વિરોચને કહ્યું, ‘કેશિની, અમે પ્રજાપતિનાં ઉત્તમ સંતાનો. આ આખું જગત અમારું જ છે. અમારી આગળ દેવતાઓ અને બ્રાહ્મણોની શી વિસાત?’
કેશિનીએ કહ્યું, ‘વિરોચન, અહીં બેસીને આપણે રાહ જોઈએ. આવતી કાલે સવારે સુધન્વા આવશે, તમને બંનેને એક સાથે જોઈશ.’
‘ભલે, તું જેમ કહે છે તેમ કરીશ. આવતી કાલે તું અમને બંનેને સાથે જોઈશ.’
સુધન્વાએ કહ્યું, ‘પ્રહ્લાદનંદન, હું તમારા આ સુવર્ણમય આસનને સ્પર્શી શકું છું, હું તમારી સાથે બેસી નહીં શકું. આપણે સાથે બેસીશું તો સરખા થઈ જઈશું.’
‘સુધન્વા, તમારા માટે ચટાઈ, કુશનું આસન પણ ચાલે, તમે મારી સાથે બેસવા માટે અયોગ્ય છો.’
‘તમારા પિતા પ્રહ્લાદ નીચે બેસીને જ ઉપર બેઠેલા મારા જેવાની સેવા કરતા હતા. તમે તો હજુ બાળક છો, ઘરમાં સુખે ઉછેર્યા છો, એટલે તમને આ બધાનું કશું જ્ઞાન નથી.’
‘સુધન્વા, એક કામ કરીએ. અસુરોની પાસે જેટલાં સોનું-ચાંદી, ગાય-ઘોડા હોય એ બધા હોડમાં મૂકું છું. આ વિષયના જે જાણકાર હોય તેની પાસે બંને જઈએ — પૂછીએ કે અમારા બેમાં શ્રેષ્ઠ કોણ છે?’
સુધન્વાએ કહ્યું, ‘વિરોચન, સોનું-ગાય-ઘોડા તમારી જ પાસે રાખો. આપણે પ્રાણને હોડમાં મૂકીને જાણકારને પૂછીએ.’
‘ભલે, પ્રાણને હોડમાં મૂકીને આપણે ક્યાં જઈએ? હું ન દેવતાઓ પાસે જઉં કે ન મનુષ્યો પાસે.’
‘પ્રાણને હોડમાં મૂકીને આપણે બંને તમારા પિતા પાસે જઈએ. મને શ્રદ્ધા છે કે પ્રહ્લાદ પોતાના પુત્રનું જીવન બચાવવા પણ અસત્ય નહીં બોલે.’
પ્રહ્લાદ મનોમન વિચારતા બોલ્યા, ‘સુધન્વા અને વિરોચન ક્યારેય સાથે ચાલતા નહોતા તે આજે ક્રોધે ભરાઈને એક જ માર્ગે કેમ આવી રહ્યા છે?’
પછી પ્રહ્લાદે વિરોચનને પૂછ્યું, ‘વિરોચન, શું તમે બંને મિત્રો થઈ ગયા છો? બંને એક સાથે કેવી રીતે? પહેલાં તો કદી સાથે ચાલ્યા જ ન હતા?’
વિરોચને કહ્યું, ‘મારે સુધન્વા સાથે કોઈ મૈત્રી થઈ નથી. અમે બંને પ્રાણોને હોડમાં મૂકીને અહીં આવ્યા છીએ. હું તમને પૂછું છું. મારા પ્રશ્નનો ખોટો ઉત્તર ન આપતા.’
પ્રહ્લાદે સેવકોને કહ્યું, ‘સુધન્વા માટે પાણી અને મધુપર્ક લાવો.’ પછી સુધન્વાને કહ્યું, ‘તમને દાનમાં આપવા એક સરસ ઊજળી ગાય રાખી મૂકી છે.’
‘પાણી અને મધુપર્ક તો મને રસ્તામાં જ મળી ગયા. તમે અમારા પ્રશ્નનો ઉત્તર આપો.’
‘તમે બે જણ છો. એમાં એક મારો પુત્ર છે, અને બીજી બાજુ તમે છો. તમારો વિવાદનો ઉકેલ મારા જેવો કેવી રીતે આણે? સુધન્વા, હું તમને પૂછું છું — જે સત્ય ન બોલે, અસત્ય નિર્ણય કરે તો એવા દુષ્ટ વક્તાના હાલ કેવા થાય?’
‘શોક્ય ધરાવતી સ્ત્રી, જુગારમાં હારેલો જુગારી, ભાર ખેંચીને થાકી ગયેલા મનુષ્યની રાતે જે હાલત થાય તે હાલત ખોટો ન્યાય આપનારની થાય. જે રાજા નગરમાં કેદી બનીને બહારના દરવાજે ભૂખનું દુઃખ વેઠતાં ઘણા બધા શત્રુઓને જુએ છે તેના જેવી હાલત ખોટો નિર્ણય બોલનારની હજાર પેઢીઓને નરકમાં ધકેલે છે. સોનાને માટે જૂઠું બોલનાર પોતાની બધી — ભૂતકાળની, ભવિષ્યની — પેઢીઓને નરકમાં ધકેલે છે. પૃથ્વી માટે જૂઠું બોલનાર પોતાનો સર્વનાશ વહોરી લે છે, એટલે તમે પૃથ્વીને માટે કદી જૂઠું ન બોલતા.’
પ્રહ્લાદે કહ્યું, ‘વિરોચન, સુધન્વાના પિતા અંગિરા મારા કરતાં ચઢિયાતા છે, સુધન્વા તારા કરતાં ચઢિયાતો છે, તેની માતા તારી માતાથી ચઢિયાતી છે. આજે તું હારી ગયો છે. હવે સુધન્વા તારા પ્રાણોનો સ્વામી છે, સુધન્વા! જો તું મને આપે તો વિરોચનને ફરી પામવા માગું છું.’
‘પ્રહ્લાદ, તમે ધર્મપાલન કર્યું છે, સ્વાર્થથી પ્રેરાઈને જૂઠું બોલ્યા નથી, એટલે આ દુર્લભ પુત્ર તમને પાછો સોંપું છું. મેં તમારો પુત્ર તો તમને સોંપી દીધો. પણ હવે તેણે કેશિની પાસે આવીને તેણે મારા પગ ધોવા પડશે.
{{Right | (ઉદ્યોગપર્વ, ૩૫) }} <br>
=== દમ્ભોદ્ભવની કથા ===
પ્રાચીન કાળમાં દમ્ભોદ્ભવ નામના રાજા સમગ્ર પૃથ્વી ઉપર રાજ કરતા હતા. તે મહારથી અને પરાક્રમી રાજા દરરોજ સવારે ઊઠીને બ્રાહ્મણોને, ક્ષત્રિયોને પૂછે. ‘મારી સાથે યુદ્ધવિદ્યામાં ચઢિયાતો હોય કે મારો બરોબરિયો હોય એવો આ જગતમાં કોઈ શસ્ત્રધારી શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય કે બ્રાહ્મણ એવો છે ખરો — આમ પૂછ્યા કરતા દમ્ભોદ્ભવ રાજા બહુ અભિમાનથી છકી જઈને બીજા કોઈને લેખમાં લીધા વિના આ પૃથ્વી પર ભમ્યા કરતા હતા. તે વેળા નિર્ભય, ઉદાર અને વિદ્વાન બ્રાહ્મણોએ વારંવાર આત્મપ્રશંસા કરનારા રાજાને ટોક્યા હતા. અને છતાં મહાઘમંડી, ઐશ્વર્યથી છકી ગયેલો તે રાજા બ્રાહ્મણોને વારંવાર પૂછ્યા કરતો હતો. એક દિવસે બ્રાહ્મણોને વારંવાર પૂછ્યા કરતો હતો. ક્રોધે ભરાઈને વારંવાર પૂછી રહેલા રાજાને કહ્યું,
‘જે પુરુષોમાં સિંહસમાન પરાક્રમી બે પુરુષોની મૈત્રી અનેક પ્રકારના ઐશ્વર્યોને જન્મ આપે છે. તમે એમના જેવા કદી થઈ નહીં શકો.’
આવું સાંભળીને રાજાએ કહ્યું, ‘ એ બે વીર પુરુષો છે ક્યાં? એમનો જન્મ ક્યાં થયો હતો? એમની સિદ્ધિઓ કઈ? એમનાં નામ?
‘નરનારાયણ નામના તપસ્વીઓ છે, માનવલોકમાં જ છે. તમે જઈને તેમની સાથે યુદ્ધ કરો. સાંભળ્યું છે કે વર્ણન ન કરી શકાય એવું ભારે તપ તેઓ ગંધમાદન પર્વત પર કરી રહ્યા છે.’
રાજા આ વાત જિરવી ન શક્યા. તેમણે તો રથ, હાથી, ઘોડા, ઊંટ, પાયદળ, ગાડા વગેરે વડે સેના સજ્જ કરીને અજેય એવા તપસ્વીઓ જ્યાં રહેતા હતા ત્યાં કૂચ આદરી. રાજા તે દુર્ગમ અને ભયાનક ગંધમાદન પર્વત પર અજેય તપસ્વીઓ પાસે જઈ પહોંચ્યા. તે બંને ભૂખેતરસે દુર્બળ થઈ ગયા હતા. તેમના આખા શરીરની નાડીઓ દેખાતી હતી, તાપતડકો અને પવન વેઠી વેઠીને સાવ કંતાઈ ગયા હતા. પાસે જઈને રાજાએ પગે લાગીને એમના ખબરઅંતર પૂછ્યા. નર-નારાયણે રાજાનો આદરસત્કાર કર્યો, પાણી, ફળ-મૂળ આપીને ભોજનનું કહ્યું. પછી પૂછ્યું, ‘અમે તમારી શી સેવા કરીએ?’
‘મેં મારા બાહુબળથી આખી પૃથ્વી જીતી લીધી છે, બધા શત્રુઓને મારી નાખ્યા છે. હવે હું તમારી સાથે યુદ્ધ કરવાની ઇચ્છાથી અહીં આવ્યો છું. આ મારો મનોરથ બહુ જૂનો છે. માની લો કે અતિથિસત્કાર આ જ રીતે કરો.’
‘રાજન્, આ અમારો આશ્રમ ક્રોધ અને લોભ વિનાનો છે. અહીં ક્યારેય યુદ્ધ થતું નથી. અસ્ત્ર, શસ્ત્ર અને કુુુટિલ મનોવૃત્તિવાળો મનુષ્ય રહી જ શકે કેવી રીતે? આ પૃથ્વી પર ક્ષત્રિયો ઘણા છે, તમે એમની સાથે યુદ્ધ કરીને તમારી ઇચ્છા પૂરી કરો.’
આ બંને તપસ્વીઓએ વારંવાર આમ કહીને રાજાની ક્ષમા માગી, તેમને સમજાવ્યા, તો પણ દમ્ભોદ્ભવ તો યુદ્ધની માગણી કરીને બંનેને પડકારતા જ રહ્યા. એટલે નર તપસ્વીએ હાથમાં એક મૂઠી રેતી લઈને કહ્યું, ‘લો, યુદ્ધની ઇચ્છા છે ને! આવો અને કરો યુદ્ધ. તમારાં બધાં અસ્ત્રશસ્ત્ર લો, આખી સેનાને તૈયાર કરો. આજે તમારો યુદ્ધોત્સાહ ખતમ કરી દઈશ.’
‘તપસ્વીઓ, જો તમે આ જ શસ્ત્રને યોગ્ય માનો છો તો પણ હું તમારી સાથે યુદ્ધ કરીશ, એટલા માટે તો અહીં આવ્યો છું.’
એમ કહીને દમ્ભોદ્ભવે અને એના સૈનિકોએ તપસ્વી નરને મારી નાખવા બધી બાજુથી બાણો છોડવા માંડ્યાં. શત્રુના શરીરને છિન્નભિન્ન કરી નાખનારાં બાણ ચલાવતા દમ્ભોદ્ભવની પરવા કર્યા વિના તપસ્વીએ એ ભયંકર બાણોને નિવાર્યાં. પછી કોઈનાથી ન હારનાર તપસ્વીએ રાજા ઉપર ઐષીકાસ્ત્ર ફેંક્યું, તેનું નિવારણ અશક્ય હતું. આમ દમ્ભોદ્ભવના સૈનિકોનાં આંખ, કાન, મસ્તક વીંધી નાખ્યાં. આખું આકાશ શ્વેત શ્વેત થઈ ગયું. એટલે રાજાનો પરાભવ કરનારા તપસ્વીએ કહ્યું, ‘આજથી તમે બ્રાહ્મણોના હિતચિંતક બનો, ધર્માત્મા બનો. ફરી કદી આવું સાહસ ન કરતા. અભિમાનથી છકી જઈને નાનામોટા રાજાઓ પર કોઈ પ્રકારે આક્ષેપ ન કરતા. એમાં જ તમારું હિત છે. તમે નમ્ર, નિર્લોભી, અહંકારરહિત, મનસ્વી, જિતેન્દ્રિય, ક્ષમાશીલ, કોમળ, કલ્યાણકારી બનીને પ્રજા પાલન કરો. હવે હું તમને વિદાય આપું છું. આવું ન કરતા. બ્રાહ્મણોના ખબરઅંતર પૂછતા રહેજો.’
પછી રાજા બંને તપસ્વીઓને પગે લાગીને રાજધાનીમાં પાછા ગયા, અને ધર્મમાં મન પરોવવા લાગ્યા. આમ મહા તપસ્વી નરે આ અદ્ભુત કાર્ય કર્યું હતું. તેમનાથી પણ વધુ ગુણ નારાયણમાં હતા.
{{Right | (ઉદ્યોગપર્વ, ૯૪) }} <br>
=== માતલિ જમાઈની શોધમાં ===
ત્રિલોકના રાજા ઇન્દ્રના સારથિ માતલિને એક જ કન્યા હતી અને તે પોતાના રૂપને કારણે લોકોમાં વિખ્યાત હતી. તે દેવરૂપિણી કન્યા ગુણકેશી નામથી પ્રસિદ્ધ હતી. તે શોભાથી અને સુંદર કાયાથી બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ હતી. તેના વિવાહનો સમય આવ્યો એટલે એ વિશે માતલિ પત્ની સાથે વિચારવિમર્શ કરવા લાગ્યો. ‘જેઓ શ્રેષ્ઠ શીલસ્વભાવના છે, જે ઊંચા કુટુંબમાં ઉત્પન્ન થયેલા યશસ્વી અને ઉત્તમ બળવાળા છે તે લોકોને ત્યાં કન્યા હોવી દુઃખની વાત છે. તે માતૃકુલને, પિતૃકુલને તથા પતિકુલને સંશયમાં મૂકી દે છે. મેં માનસદૃષ્ટિને આધારે દેવલોક અને મનુષ્યલોકને હરીફરીને પુત્રી માટે વર શોધ્યો છે પણ મને કોઈ વર પસંદ પડતો નથી. મેં દેવતાઓ, દૈત્યો, ગંધર્વો, મનુષ્યો અને ઋષિઓને પણ જોયા, પણ કોઈ યોગ્ય વર નથી મળતો. ત્યારે રાત્રે પત્ની સુધર્મા સાથે મંત્રણા કરીને નાગલોકમાં જવાનો વિચાર કર્યો. ‘દેવતાઓ અને મનુષ્યોમાં તો ગુણકેશીનો સમોવડિયો કોઈ રૂપવાન યુવાન મળ્યો નથી. નાગલોકમાં એને લાયક કોઈ પાત્ર અવશ્ય મળી આવશે.’ સુધર્મા સાથે વાતચીત કરીને ઇષ્ટ દેવની પરિક્રમા કરી, કન્યાનું મસ્તક સૂંઘ્યું અને મહીતલ(પાતાળ)માં પ્રવેશ્યો. તે જ વેળા વરુણદેવને મળવા જતા નારદનો આકસ્મિક ભેટો નાગલોકની દિશામાં જતા માતલિને થઈ ગયો. નારદે પૂછ્યું, ‘તું ક્યાં જવા નીકળ્યો છે? તારી આ યાત્રા અંગત છે કે શતક્રતુની આજ્ઞાથી છે?’ ત્યારે વરુણને મળવા જતા નારદે આમ પૂછ્યું એટલે માતલિએ પોતાનું કાર્ય યથાવત્ જણાવ્યું. ત્યારે મુનિએ માતલિને કહ્યું, ‘આપણે સાથે જઈએ. હું પણ સલિલ (જળ)ના સ્વામીના દર્શન કરવા દેવલોકથી આવ્યો છું. વસુધા (પૃથ્વી)ની નીચે આવેલ સર્વનો પરિચય કરીશ, હે માતલિ! ત્યાં આપણે યોગ્ય વરને જોઈ પસંદ કરીશું.’ ત્યાર પછી માતલિ અને નારદ બંને મહાત્માઓએ પૃથ્વીના પેટાળમાં પ્રવેશી જળના સ્વામી લોકપાલ વરુણનાં દર્શન કર્યાં. દેવર્ષિઓની જેમ નારદ અને મહેન્દ્રની જેમ માતલિનાં સત્કાર-પૂજા કરવામાં આવ્યાં. ત્યાર પછી બંનેએ પ્રસન્ન થઈને પોતાનું કાર્ય જણાવ્યું અને વરુણની આજ્ઞા લઈને તેઓ નાગલોકમાં વિહરવા લાગ્યા. નારદ પાતાળલોકમાં વસતાં બધાં પ્રાણીઓને ઓળખતા હતા. એટલે માતલિને બધી વસ્તુઓનો પરિચય વિસ્તારથી કરાવવા બેઠા. નારદે કહ્યું, ‘સૂત, તેં પુત્રો અને પૌત્રોથી ઘેરાયેલા વરુણદેવનું દર્શન કર્યુ, આ વરુણનું સમૃદ્ધશાળી સર્વતોભદ્ર નિવાસસ્થાન છે. આ ગોમતિ વરુણના મહાપ્રાજ્ઞ પુત્ર છે. શીલ, સદાચાર, પવિત્રતાને કારણે તેમનું વિશિષ્ટ સ્થાન છે. વરુણના આ પુત્ર પુષ્કર છે. તેમનાં નેત્ર કમળ સરખાં છે, રૂપવાન છે, દર્શનીય છે. સોમપુત્રીએ પતિ તરીકે તેમને પસંદ કર્યા છે. સોમની બીજી પુત્રી જ્યોત્સ્ના કાલી નામથી જાણીતી છે, રૂપમાં સાક્ષાત્ લક્ષ્મી છે. તેણે અદિતિના જ્યેષ્ઠ પુત્ર સૂર્યદેવને પતિ બનાવ્યા છે. હે સુરપતિસખા, આ વરુણીનું ભવન છે, તે આખું કાંચનનું છે. અહીં પહોંચીને જ દેવગણ દેવત્વલાભ કરે છે. જે દૈત્યોનાં રાજ્ય છિનવાઈ ગયાં છે તેમનાં તેજસ્વી શસ્ત્રો અહીં જોવા મળે છે. આ બધાં અક્ષય અસ્ત્રશસ્ત્ર છે, શત્રુ પર પ્રહાર કરીને ફરી પાછા આવી જાય છે, દૈત્યોએ બનાવેલાં અસ્ત્ર પણ છે. તેજસ્વી અગ્નિદેવ વરુણદેવના સરોવરમાં પ્રકાશિત થાય છે. આ ધૂમ્રહીન અગ્નિદેવે વિષ્ણુના ચક્રને અવરુદ્ધ કરી દીધા હતા. વજ્રની ગાંઠને ‘ગાંડી’ કહે છે. ધનુષ્ય એનું જ બનેલું છે એટલે તેને ગાંડીવ કહે છે. લોકસંહાર માટે એનું નિર્માણ થયું છે. દેવતાઓ નિત્ય એની રક્ષા કરે છે. આ ધનુષ્ય જરૂર પડે ત્યારે લાખગણી શક્તિ મેળવી ધીરે ધીરે બળવાન થાય છે અને નિત્ય અવિચળ રહે છે. બ્રહ્મવાદી બ્રહ્માએ આ પ્રચંડ ધનુષનું નિર્માણ કર્યું હતું. રાક્ષસ જેવા રાજાઓમાં જે અદમ્ય છે તેમનું પણ દમન કરી શકે છે. આ ધનુષ્ય રાજાઓ માટે એક મોટું અસ્ત્ર છે, તેનું વર્ણન ઇન્દ્રે પણ કર્યું છે. આ મહાન અભ્યુદયકારી ધનુષને સલિલરાજ વરુણના પુત્ર ધારણ કરે છે. આ છત્રમાંથી પડેલું પાણી ચંદ્ર જેવું નિર્મળ જળ અંધકારથી આચ્છન્ન થઈને વહે છે, એટલે તેનું દર્શન થતું નથી. હે માતલિ, અહીં બહુ અદ્ભુત વસ્તુઓ છે પરંતુ બધાને જોવા બેસીશું તો તારા કાર્યમાં વિલંબ થશે એટલે હવે અહીંથી જલદી નાગલોકમાં પ્રયાણ કરીએ. આ નાગલોકના નાભિસ્થાનમાં (મધ્ય ભાગમાં) આવેલું નગર પાતાલ કહેવાય છે. આ નગરમાં દૈત્ય અને દાનવો વસે છે.
હે માતલિ, જો તને અહીં કોઈ ગુણવાન વર દેખાય તો આપણે પ્રયત્ન કરીને તેની પસંદગી કરીએ. જળની અંદર એક ઈંડું છે, તે પોતાની પ્રભાથી દેદીપ્યમાન દેખાય છે. જ્યારથી આ સૃષ્ટિનો આરંભ થયો છે ત્યારથી આ ઈંડું નથી ફૂટતું, નથી આમતેમ હાલતું. તેની જાતિ કે સ્વભાવ વિશે કશું સંભળાયું નથી. તેના માતાપિતા વિશે કોઈ જાણતું નથી. હે માતલિ, કહે છે કે પ્રલયકાળમાં આ ઈંડાની અંદરથી એક મોટી આગ પ્રગટશે, જે બધાં જ ચરાચર સૃષ્ટિને, ત્રિલોકને ભ્રષ્ટ કરી નાખશે.’
નારદની આ વાતો સાંભળીને માતલિએ કહ્યું, ‘મને અહીં કોઈ પણ વર પસંદ પડ્યો નથી.’
(હવે પક્ષીલોકના પરિચય અહીં બહુ વિગતે આપવામાં આવ્યા છે)
...
‘હે માતલિ, જો આમાં તારી રુચિ ન હોય તો બીજે જઈએ, હવે જ્યાં તને ગમે તેવો વર મળી રહે ત્યાં તને લઈ જઉં.
‘હે માતલિ, આ રસાતલ નામે ઓળખાતું પૃથ્વીનું સાતમું તલ છે...
(હવે નાગોનું વર્ણન વિગતે કરવામાં આવ્યું છે)
...
ત્યારે માતલિ સ્થિર થઈને એક નાગનું નિરીક્ષણ કરીને પ્રસન્ન થઈ ઊઠ્યા અને તેમણે નારદને પૂછ્યુું, ‘હે દેવષિર્, કૌરવ્ય અને આર્યકની આગળ કાન્તિમાન અને દર્શનીય નાગકુમાર ઊભો છે, તે કોના કુળને આનંદિત કરનારો છે? તેના માતાપિતા કોણ છે? કોનો પૌત્ર છે, કોના વંશની મહાન ધ્વજાની જેમ શોભામાં વૃદ્ધિ કરી રહ્યો છે? હે દેવષિર્, આ પોતાનાં એકાગ્રતા, ધૈર્ય, રૂપ, યૌવન — આ બધાંને કારણે મારા મનમાં વસી ગયો છે, આ ગુણકેશીનો ઉત્તમ વર થવાને યોગ્ય છે.’
માતલિને સુમુખના દર્શનથી પ્રસન્ન થયેલા જોઈ નારદે ત્યારે તે નાગકુમારના જન્મ, કર્મ અને માહાત્મ્યનો પરિચય આપવા માંડ્યો. ‘ઐરાવત કુળમાં જન્મેલો આ સુમુખ છે, તે આર્યકનો પૌત્ર અને વામનનો દૌહિત્ર છે, તેના પિતા ચિકુર છે, થોડા સમય પહેલાં ગરુડે તેમનો ગ્રાસ કરી લીધો છે.’
ત્યારે માતલિએ પ્રસન્ન થઈને નારદને કહ્યું, ‘આ શ્રેષ્ઠ ભુજગ (નાગ) જમાઈ તરીકે મને પસંદ છે. હું એનાથી પ્રસન્ન છું. તમે એને માટે પ્રયત્ન કરો. હું આ નાગપતિને મારી પુત્રી આપવા માગું છું.’ નારદે કહ્યું, ‘આ ઇન્દ્રના સખા અને સારથિ માતલિ છે. તેમનામાં પવિત્રતા, શીલ, સદ્ગુણો છે. તેઓ તેજસ્વી હોવા ઉપરાંત બલ, પરાક્રમથી સંપન્ન છે. ઇન્દ્રના મંત્રી, મિત્ર, સારથિ છે. પ્રત્યેક યુદ્ધમાં તે વાસવ(ઇન્દ્ર)ની સાથે જ હોય છે. તેમનો પ્રભાવ ઇન્દ્ર કરતાં થોડો ઓછો છે. દેવાસુર સંગ્રામમાં સહ અશ્વોથી જોડાયેલા દેવરાજના ઉત્તમ રથનું સંચાલન-નિયંત્રણ તેઓ મનથી જ કરે છે. તેઓ પોતાના અશ્વો દ્વારા જે શત્રુઓને જીતી લે છે, તેમને ઇન્દ્ર બાહુબળ વડે પરાજિત કરે છે. તેમની એક કન્યા છે, રૂપમાં પૃથ્વી પર તેનો જોટો નહીં જડે. તેનું નામ છે ગુણકેશી. તે સત્ય, શીલ, સદ્ગુણથી સંપન્ન છે. આ માતલિ અતિશય પ્રયત્ન કરીને પોતાની કન્યા માટે વર શોધવા ત્રણ લોકમાં ફરતા ફરતા અહીં આવ્યા છે, તમારો પૌત્ર સુમુખ જમાઈ તરીકે તેમને પસંદ છે. હે સૌમ્ય નાગશ્રેષ્ઠ, જો તમને આ સંબંધ યોગ્ય લાગતો હોય તેો જલદી તેમની પુત્રી સાથે વિવાહ કરવાનો નિર્ણય કરો. જેવી રીતે વિષ્ણુના ઘરે લક્ષ્મી, અગ્નિના ઘરે સ્વાહા શોભે છે એવી રીતે આ સુંદરી ગુણકેશી તમારા કુળમાં શોભશે. એટલે તમે તમારા પૌત્ર માટે આનો સ્વીકાર કરો. જેવી રીતે ઇન્દ્રને શચી છે તેવી રીતે તમારા પૌત્રને અનુરૂપ ગુણકેશી તમારા અને ઐરાવત પ્રત્યે અમારા હૃદયમાં વિશેષ માન છે, આ સુમુખ પણ શીલ, પવિત્રતા, ઇન્દ્રિયસંયમ જેવા ગુણોથી સંપન્ન છે. પિતૃહીન હોવા છતાં અમે આ ગુણોને કારણે અમે એમની વરણી કરી છે. આ માતલિ સ્વયં કન્યાદાન કરવા આતુર છે, તમારે પણ એમ એમનો આદર સત્કાર કરવો જોઈએ.’
નાગરાજ આર્યક પ્રસન્નતાપૂર્વક દીનભાવથી બોલ્યા, ‘દેવષિર્, મારો પુત્ર મૃત્યુ પામ્યો અને પૌત્ર પણ મૃત્યુ પામવાનો છે. તમારા વચન માટે મને બહુ આદર છે, અને આ માતલિ જે ઇન્દ્રની સાથે રહેનારો છે, તે કોને પ્રિય ન હોય? પરંતુ મહામુનિ, હું દુર્બલતાથી ચિતામાં પડ્યો છું, આ બાળકનો પિતા મારો પુત્ર હતો, તે ગરુડનું ભોજન બની ગયો, આ દુઃખથી અમે પીડાઈએ છીએ. જ્યારે ગરુડ અહીંથી જઈ રહ્યા હતા ત્યારે ફરી કહેતા ગયેલા કે બીજા મહિને હું સુમુખને પણ ખાઈ જઇશ. અને આમ જ થશે, અમે ગરુડનો નિશ્ચય જાણીએ છીએ. સુપર્ણ(ગરુડ)ના આ વચનથી અમારો આનંદ નષ્ટ થઈ ગયો છે.‘
માતલિએ આર્યકને કહ્યું, ‘આ વિશે મેં એક નિર્ણય કર્યો છે, મેં તમારા પૌત્રને જમાઈ તરીકે તો સ્વીકાર્યો જ છે એ તો નિશ્ચિત છે. આ નાગકુમાર મારી અને નારદની સાથે ત્રિલોકપતિ ઇન્દ્ર પાસે જઈને તેમના દર્શન કરે. ત્યાર પછી હું શેષ કાર્ય દ્વારા એના આયુષ્ય વિશે જાણકારી મેળવીશ અને ગરુડ એને મારે નહીં એ માટે પણ પ્રયત્ન કરીશ. નાગરાજ, તમારું કલ્યાણ થાઓ. કાર્યસિદ્ધિ માટે મારી સાથે સુમુખને આવવા દો.’ ત્યાર પછી મહાતેજસ્વી સજ્જનોએ સુમુખને સાથે રાખીને કાન્તિમાન ઇન્દ્રનાં દર્શન કર્યાં. ત્યાં ચતુર્ભુજ વિષ્ણુ પણ ઉપસ્થિત હતા. દેવષિર્ નારદે માતલિ સંબંધિત આખી વાત બધાને કરી.
એટલે વિષ્ણુએ ભુવનેશ્વર પુરંદર(ઇન્દ્ર)ને કહ્યું, ‘તમે એને અમૃત આપી દેવતાઓની જેમ અમર બનાવી દો. હે વાસવ(ઇન્દ્ર), માતલિ, નારદ અને સુમુખ — આ બધા તમારી પાસેથી ઇચ્છાનુસાર દાન મેળવી તેમનો અભીષ્ટ મનોરથ પૂર્ણ કરી લે.’ ત્યારે પુરંદરે વૈનતેય (વિનતાપુત્ર, ગરુડ)ના પરાક્રમનો વિચાર કરી વિષ્ણુને કહ્યું, ‘તમે જ એને ઉત્તમ આયુષ્ય આપો ને!’
વિષ્ણુએ કહ્યું, ‘પ્રભુ, વિશ્વનાં સર્વ ચરાચર પ્રાણીઓના ઈશ્વર તમે છો. તમે જેને આયુષ્ય આપો તેને મિથ્યા કરવાનું સાહસ કોનામાં છે?’ ત્યારે ઇન્દ્રે તે નાગને લાંબું આયુષ્ય આપ્યું પણ વલાસુર અને વૃત્રાસુરનો વધ કરનારા ઇન્દ્રે તેને અમૃત ન આપ્યું. ઇન્દ્રનું વરદાન પામીને સુમુખનું મોં પ્રસન્ન પ્રસન્ન થઈ ઊઠ્યું. વિવાહ કરીને તે ઇચ્છાનુસાર પોતાને ઘેર ગયો. નારદ અને આર્યક બંને કૃતકૃત્ય થઈ મહાતેજસ્વી દેવરાજની અર્ચના કરીને પ્રસન્નતાપૂર્વક પોતાને ઘેર ગયા.
મહાબલી ગરુડે ઇન્દ્રે સુમુખને દીર્ઘાયુષ્ય આપ્યું તેની કથા યથાર્થ રૂપે સાંભળી. તે સાંભળીને આકાશચારી સંપૂર્ણ પાંખોના પ્રચંડ વાયુથી ત્રણે ભુવનને કંપાવતો ઇન્દ્ર પાસે દોડી ગયો. ‘ભગવાન્, મારી ક્ષુધામાં તમે અવજ્ઞા કરીને અંતરાય શા માટે ઊભો કર્યોં? મને ઇચ્છાનુસાર કાર્ય કરવાનું વરદાન આપ્યા પછી એમાંથી ફરી કેમ જાઓ છો? બધાં પ્રાણીઓનાં સ્વામી વિધાતાએ સંપૂર્ણ પ્રાણીસૃષ્ટિનું સર્જન કરતી વેળાએ મારો આહાર નિશ્ચિત કર્યો હતો. એમાં તમે વિઘ્ન કેમ ઊભું કરો છો? તે મહાનાગને મારા ભોજન માટે મેં પસંદ કરી રાખ્યો હતો. એના દ્વારા મારે મારા વિશાળ પરિવારનું ભરણપોષણ કરવાનું હતું. હવે મારી વાત અવળી થઈ ગઈ. તે દીર્ઘાયુ થઈ ગયો એટલે તેને બદલે હું બીજાની હિંસા નથી કરી શકતો. સ્વેચ્છાચારને નિમિત્તે તમે રમતો રમી રહ્યા છો. હે વાસવ, હવે હું પ્રાણત્યાગ કરીશ. મારા પરિવારમાં અને મારે ઘેર જે ભરણપોષણ યોગ્ય પ્રાણીઓ છે તે પણ ભોજન વિના પ્રાણત્યાગ કરશે. હવે તમે સંતોષ પામજો. વલ અને વૃત્રના વધ કરનારા દેવ, હું આને જ યોગ્ય છું. ત્રણે લોક પર શાસન કરવાને સમર્થ હોવા છતાં હું બીજાની સેવા કરું છું. હે ત્રિલોકનાથ, તમે હો તો ભગવાન વિષ્ણુ પણ મારી જીવિકા રોકવામાં કારણરૂપ ન હોઈ શકે. વાસવ, ત્રણે લોકનો ભાર સદા તમારી ઉપર જ છે. મારી મા પણ દક્ષની પુત્રી છે, મારા પિતા કશ્યપ છે. હું પણ અનાયાસે બધા લોકનો ભાર ઝીલી શકું છું. બીજાં પ્રાણીઓ સહી ન શકે એટલું બળ મારામાં છે. મેં પણ દૈત્યો સાથેની લડાઈમાં મોટું પરાક્રમ કર્યું છે. મેં શ્રુતશ્રી, શ્રુતસેન, વિવસ્વાન, રોચનામુખ, પ્રસન્ન, કાલકાક્ષ નામના દૈત્યોનો વધ કર્યો હતો. વળી હું રથની ધજા ઉપર રહી તમારા નાના ભાઈ વિષ્ણુની સેવા કરું છું. એમનું વાહન બની તેમનો ભાર ઝીલું છું એટલે તમે મારી ઉપેક્ષા કરો છો? વિષ્ણુ ભગવાન સિવાય આ ભાર વેઠવા બીજું કોણ સમર્થ છે? મારાથી વધુ બળવાન કોણ છે? હે વાસવ, તમે મારી અવજ્ઞા કરીને મારું ભોજન છિનવી લીધું છે, તેને કારણે તમારા અને વિષ્ણુ ભગવાન દ્વારા મારું સમગ્ર ગૌરવ નષ્ટ થઈ ગયું છે. હે વિષ્ણુ! અદિતિના ગર્ભમાંથી બળ અને પરાક્રમથી સુશોભિત દેવતા ઉત્પન્ન થયા છે, આ બધામાં વિશેષતાની દૃષ્ટિએ અધિક શકિતશાળી તો તમે છો. હે તાત, હું તમને મારી પાંખના એક ભાગ ઉપર બેસાડીને થાક્યા વિના ફેરવું છું. ધીરે રહીને વિચારો કે અહીં સૌથી વધુ બળવાન કોણ છે?’ ગરુડની આ વાતો ભયંકર પરિણામવાળી હતી, તે સાંભળીને ચક્રપાણિ વિષ્ણુએ કોઈનાથી ક્ષુબ્ધ ન થનાર ગરુડને ક્ષુબ્ધ કરતા કહ્યું,
‘હે ગરુડ, તું છે તો દુર્બલ, પણ તારી જાતને બહુ બળવાન માને છે, હે અંડજ, મારી આગળ તું કદી બળની પ્રશંસા ન કરીશ. સમગ્ર ત્રિલોક મળીને મારા શરીરનો ભાર વહેવા અસમર્થ છે. હું જ મારો ભાર વહું છું અને તને ધારણ કરું છું. તું મારા જમણા હાથનો ભાર ઊંચકી જો. જો તું આ એકને ધારણ કરીશ તો તારી આત્મપ્રશંસા સફળ થયેલી માનીશ.’ એમ કહી ભગવાને પોતાનો જમણો હાથ ગરુડના ખભા પર મૂકયો, તેના ભારથી પીડિત અને વિહ્વળ થયેલો ગરુડ અચેતન થઈ પડી ગયો. પર્વતો સમેત પૃથ્વીનો જેટલો ભાર હોઈ શકે તેટલો એક જ હાથનો છે એનો અનુભવ ગરુડને થયો. અત્યંત બળવાન ભગવાન અચ્યુતે (વિષ્ણુએ) ગરુડને બળપૂર્વક દબાવ્યો ન હતો એટલે તેમના જીવનનો નાશ ન થયો. તે ભારથી અત્યંત પીડાઈને ગરુડની પાંખો વિકૃત થઈ ગઈ. તેમનું શરીર શિથિલ થઈ ગયું. તેણે અચેત અને વિહ્વળ થઈને પાંખો ત્યજી દીધી. અચેત અને વિહ્વળ થયેલા વિનતાપુત્રે વિષ્ણુને પ્રણામ કરી દીનભાવે કહ્યું.
‘ભગવન્, તમે સંસારના સારતત્ત્વ સમાન તમારા આ હાથે હું દબાઈને પૃથ્વી પર પડી ગયો છું, એ હાથ તમે સ્વાભાવિક રીતે મારા પર મૂક્યો હતો. હે દેવ, વિહ્વળ થવાથી હું બેસુધ થયો, તમારા બળ રૂપી અગ્નિથી પ્રજ્વળી જનાર અને તમારી ધજા પર રહેનાર આ પક્ષીને ક્ષમા કરો. હે વિભુ, મને તમારા આ પરમ બળનો ખ્યાલ ન હતો. એટલે જ હું મારા બળ અને પરાક્રમને બીજાઓ કરતાં ઘણાં વધારે માનતો હતો.’
ગરુડે આમ કહ્યું એટલે ભગવાને તેના પર કૃપાદૃષ્ટિ કરી, અને સ્નેહપૂર્વક કહ્યું, ‘હવે ઘમંડ ન કરીશ.’
{{Right | (ઉદ્યોગપર્વ, ૯૫થી ૧૦૩) }} <br>
=== વિશ્વામિત્ર-ગાલવ-માધવીની કથા ===
એક સમયે વિશ્વામિત્ર ઋષિ તપ કરી રહ્યા હતા ત્યારે સ્વયં ધર્મરાજ ભગવાન વસિષ્ઠનું રૂપ લઈને તેમની પરીક્ષા કરવા જઈ પહોંચ્યા. સપ્તષિર્ઓમાંના એક એવા વસિષ્ઠનું રૂપ લઈને ભૂખે પીડાતા કોઈ ભોજનની ઇચ્છાથી વિશ્વામિત્રના આશ્રમે આવ્યા. વિશ્વામિત્રે વહેલા વહેલા ઉત્તમ અન્ન આપવાની ઇચ્છાથી ચરુપાક બનાવવાનો આરંભ કર્યો. પરંતુ વસિષ્ઠ તે ભોજન માટે પ્રતીક્ષા કરી ના શક્યા. બીજા તપસ્વીઓએ આપેલું ભોજન વસિષ્ઠે જમી લીધું, ત્યાર પછી વિશ્વામિત્ર પણ અત્યંત ઉષ્ણ ભોજન લઈને ત્યાં આવી પહોંચ્યા. ભગવાન ધર્મરાજે કહ્યું, ‘મેં ભોજન કરી લીધું છે, હવે તમે રહેવા દો.’ અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા, ત્યારે મહા તેજસ્વી વિશ્વામિત્ર એમ ને એમ જ ઊભા રહી ગયા. કઠોર વ્રતનું પાલન કરનારા વિશ્વામિત્રે બંને હાથ વડે ભોજનનો થાળ માથા પર મૂક્યો અને આશ્રમની નજીક ઠૂંઠા વૃક્ષની જેમ ઊભા રહ્યા. તે અવસ્થામાં તેઓ માત્ર વાયુનું ભક્ષણ કરતા હતા. તે દિવસોમાં તેમના માટે આદર, માન, પ્રેમ રાખનારા ગાલવમુનિ વિશ્વામિત્રની પ્રસન્નતા માટે પ્રયત્નપૂર્વક તેમની સેવા કરવા લાગ્યા. ત્યાર પછી સો વર્ષ પૂરાં થયાં એટલે ફરી ધર્મરાજ વસિષ્ઠ મુનિનો વેશે લઈને ભોજનની ઇચ્છાથી કૌશિક એટલે કે વિશ્વામિત્ર ઋષિ પાસે આવ્યા. તેમણે ભક્ત અને બુદ્ધિમાન મહર્ષિ વિશ્વામિત્રને માથા પર ભોજનપાત્ર મૂકીને વાયુનું ભક્ષણ કરતા જોયા. ધર્મે તે ભોજન લીધું, તે ભોજન તાજું અને ગરમ હતું. ભોજન ખાઈને તે બોલ્યા, ‘વિપ્રઋષિ — બ્રહ્મર્ષિ, હું તમારા પર પ્રસન્ન છું’ એમ કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. ક્ષત્રિયત્વમાંથી બ્રાહ્મણત્વને પામેલી ધર્મરાજની વાતથી વિશ્વામિત્રને પ્રસન્નતા થઈ. પોતાના શિષ્ય ગાલવની સેવાચાકરી અને ભક્તિથી પ્રસન્ન થયેલા વિશ્વામિત્રે કહ્યું, ‘ગાલવ, હું તને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ આપું છું, તારે જ્યાં જવું હોય ત્યાં જા.’
આવી આજ્ઞા સાંભળીને ગાલવ મુનિએ પ્રસન્ન થઈને મહા તેજસ્વી મુનિવરને કહ્યું, ‘હું આપને ગુરુદક્ષિણામાં શું આપંુ? મનુષ્યનું કાર્ય દક્ષિણા દ્વારા જ સિદ્ધ થાય છે, દક્ષિણા આપનારને જ સિદ્ધિ વરે છે, દક્ષિણા આપનારને જ સ્વર્ગમાં યજ્ઞફળ પ્રાપ્ત થાય છે, દક્ષિણા જ શાન્તિપ્રદ હોય છે. એટલે હે ગુરુવર્ય કહો, હું ગુરુદક્ષિણામાં શું આપું?’
ગાલવની સેવાશુશ્રૂષાથી ભગવાન વિશ્વામિત્ર વશમાં આવી ગયા હતા, એટલે ગાલવે કરેલા ઉપકારનું મહત્ત્વ સમજીને વિશ્વામિત્રે તેમને કહ્યું, ‘જા... જા...’
વિશ્વામિત્રનું આમ બોલવું સાંભળીને પણ ગાલવે વારંવાર આગ્રહપૂર્વક કહ્યું, ‘હું શી ગુરુદક્ષિણા આપું?’
ગાલવે આમ વારંવાર કહ્યું એટલે વિશ્વામિત્ર ઋષિને ક્રોધ આવ્યો અને તે બોલ્યા, ‘ગાલવ, તું મને ચંદ્ર જેવા ઊજળા અને એક કાને કાળા એવા આઠસો અશ્વ લાવી આપ. હવે વિલંબ ન કર, જા.’
વિશ્વામિત્રે આમ કહ્યું એટલે ગાલવ ન બેસી શક્યા, ન સૂઈ શક્યા, ન ભોજન કરી શક્યા. ચિંતા અને શોકમાં ડૂબી જવાને કારણે ગાલવ ફિક્કા પડી ગયા, તેમનું શરીર સુકાઈને લાકડા જેવું થઈ ગયું. ખૂબ જ શોક કરતા અને ચિંતાની આગમાં દાઝેલા દુઃખી ગાલવ મુનિ વિલાપ કરવા લાગ્યા. મારા વળી ધનવાન મિત્રો ક્યાં છે? હું ધન ક્યાંથી લાવીશ? મારા માટે ધનનો સંગ્રહ ક્યાં થયો હશે? ચંદ્ર જેવા શ્વેત આઠસો અશ્વ મને ક્યાંથી મળશે?
આવી અવસ્થામાં મને ભોજનની રુચિ ક્યાંથી? સુખ ભોગવાની ઇચ્છા ક્યાંથી? આ જીવનનું પ્રયોજન ક્યું? જીવનનો મારો ઉત્સાહ જ મરી પરવાર્યો છે? હું સમુદ્રની પાર કે પૃથ્વીથી દૂર જઈને આ શરીરનો ત્યાગ કરીશ. મારા જીવનનું પ્રયોજન ક્યાં છે? જે નિર્ધન છે, જેના મનવાંછિત ફળની સિદ્ધિ નથી થઈ, વિવિધ કર્મફળથી વંચિત રહીને જે માત્ર ઋણભાર વધારી રહ્યો છે, એવા મનુષ્યને વિના ઉદ્યમનું જીવન શા કામનું? જે ઇચ્છાનુસાર પ્રેમસંબંધ સ્થાપીને મિત્રોનું ધન ભોગવીને તેમના ઉપકારનો બદલો વાળી શકતો ન હોય, તેણે જીવવાને બદલે મરી જવું જોઈએ. જે માનવી ‘હું આમ કરીશ’ કહીને કાર્ય ક્રવાની પ્રતિજ્ઞા કરે અને એ કાર્ય ન કરી શકે તો એ અસત્યવચનથી દાઝીને તે પુરુષનાં બધાં ઇષ્ટ કાર્યો નાશ પામે છે. સત્ય વિનાનું મનુષ્યજીવન શૂન્ય છે, મિથ્યાભાષીને સંતતિ નથી થતી, અસત્ય બોલનારને મહત્ત્વ નથી મળતું, તો પછી તેને શુભ ગતિ પ્રાપ્ત થાય જ કેવી રીતે? કૃતઘ્ન મનુષ્યને યશ ક્યાંથી મળે? એને સુખ ક્યાંથી? એનું સ્થાન શું? કૃતઘ્ન મનુષ્યનો વિશ્વાસ કોણ કરે? તેનો ઉદ્ધાર ન થાય. નિર્ધન અને પાપી મનુષ્યનું જીવન વાસ્તવમાં જીવન નથી. પાપી માનવી કુટુંબનું પોષણ કેવી રીતે કરી શકે? એવો માનવી પોતાનાં પુણ્યકર્મોનો નાશ કરાવીને પોતે પણ નાશ પામે છે. હું પાપી છું, કૃતઘ્ન છું, કૃપણ છું, મિથ્યાભાષી છું, ગુરુ પાસેથી તો કાર્ય કરાવી લીધું પણ ગુરુદક્ષિણા આપવાનું વચન આપ્યું છે તે પાળી શકતો નથી. એટલે હું કોઈ ઉત્તમ પ્રયત્ન કરીને મારા પ્રાણ ત્યજી દઈશ. મેં અત્યાર સુધી દેવતાઓ આગળ કોઈ યાચના કરી નથી. બધા દેવ યજ્ઞમાં મારો સમાદર કરે છે. હવે હું ત્રિભુવનના સ્વામી, બધાના શ્રેષ્ઠ આશ્રય એવા વિષ્ણુના શરણમાં જઉં છું, તેમની કૃપાથી સમસ્ત દેવતાઓને અને અસુરોને ઇચ્છાપ્રમાણે ભોગ પ્રાપ્ત થાય છે, તેવો અવિનાશી મહાયોગી વિષ્ણુના દર્શન મારે કરવા છે.’
ગાલવે આમ કહ્યું એટલે વિનતાનંદન ગરુડે અત્યંત પ્રસન્ન થઈને તેમનું પ્રિય કરવાની ઇચ્છાથી દર્શન આપ્યાં અને કહ્યું, ‘ગાલવ, તમે મારા પ્રિય મિત્ર છો, સુહૃદોમાં પણ સુહૃદ છો. મિત્રોનું કર્તવ્ય છે કે જો તેમની પાસે ધનવૈભવ હોય તો પોતાના સુહૃદનો ઇચ્છિત મનોરથ પૂરો કરે. હે વિપ્ર, મારો સૌથી મોટો વૈભવ ઇન્દ્રના નાના ભાઈ વિષ્ણુ છે, મેં પહેલાં તમારા માટે તેમની સમક્ષ નિવેદન કર્યું હતું અને તેમણે મારી ઇચ્છા પૂરી કરી હતી. તો ચાલો, આપણે બંને જઈએ, ગાલવ, હું તમને સુખપૂર્વક પૃથ્વીમાં અને સમુદ્રની પાર વિષ્ણુ જ્યાં છે ત્યાં તમને લઈ જઉં, ચાલો, મોડું ન કરીએ. વિષ્ણુ ભગવાને તમારી સહાય માટે મને કહ્યું છે, તો આપણે સૌથી પહેલાં કઈ દિશામાં જઈએ? હે દ્વિજશ્રેષ્ઠ ગાલવ, કહો, પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાંથી કઈ દિશામાં જઈએ?’
‘આ પૂર્વ દિશામાં સંપૂર્ણ લોકને ઉત્પન્ન કરનાર અને પ્રભાવિત કરનાર સૂર્યનો ઉદય થાય છે, આ દિશામાં ઋષિમુનિઓ સંધ્યાકાળે તપ કરે છે. આ દિશામાં સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરનારી બુદ્ધિ પહેલાં ઉત્પન્ન થઈ છે. ધર્મનાં નેત્ર જેવાં સૂર્યચંદ્ર પ્રગટ થાય છે, અહીં ધર્મ પ્રતિષ્ઠિત થયો છે. આ દિશામાં હવિનું હવન કરવાથી તે બધી જ દિશાઓમાં પ્રસરી જાય છે, આ દિશા દિવસનું તથા સૂર્યમાર્ગનું દ્વાર છે. આ દિશામાં દક્ષની કન્યાઓએ પ્રજા ઉત્પન્ન કરી હતી અને અહીં કશ્યપનાં સંતાનો મોટાં થયાં હતાં, અહીં દેવતાઓની શ્રી(લક્ષ્મી)નું મૂળ સ્થાન છે, અહીં શક્ર(ઇન્દ્ર)નો રાજ્યાભિષેક થયો હતો, આ દિશામાં દેવોએ તપ કર્યું હતું. આ કારણે આ દિશાને પૂર્વ કહે છે, બહુ પહેલાં આ દિશા દેવોથી છવાયેલી હતી. એટલે આ દિશા બધી દિશાની આદિ દિશા છે, સુખની ઇચ્છા રાખનારાઓએ દેવ વિષયક કાર્યો આ દિશામાં કરવાં જોઈએ. પ્રજાપતિ બ્રહ્માએ આ દિશામાં પહેલાં વેદગાન કર્યું હતું. સવિતાનારાયણ દેવે (સૂર્યે) અહીં બ્રહ્મવાદીઓને સાવિત્રી મંત્રનો ઉપદેશ આપ્યો હતો.
હે બ્રહ્મવર્ય, અહીં જ સૂર્યે શુક્લ યજુર્વેદના મંત્ર ઋષિને આપ્યા હતા. અને અહીં વરદાન પામેલા દેવ યજ્ઞમાં સોમરસનું પાન કરે છે. આ દિશામાં યજ્ઞો દ્વારા તૃપ્ત થયેલા અગ્નિ યોનિસ્વરૂપ જળનો ઉપભોગ કરે છે, અહીં પાતાલમાં આશ્રય લઈને વરુણે શ્રી(લક્ષ્મી) પ્રાપ્ત કરી હતી. અહીં પુરાતન ઋષિ વસિષ્ઠ થઈ ગયા હતા, અહીં તેમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને અહીં તેમનું મૃત્યુ થયું હતું. આ દિશામાં ઓમ-પ્રણવ મંત્રની સહ શાખાઓ પ્રગટી છે અને અહીં ઋષિમુનિઓ હવિષ્ય યજ્ઞમાં સોમરસનું પાન કરે છે. અહીં ઇન્દ્રે યજ્ઞ ભાગને માટે વનમાં વરાહ તથા અન્ય પ્રાણીઓ દેવલોકોને આપ્યાં હતાં, બીજાઓનું અહિત કરનારા, કૃતઘ્ન, અસુરલોકનો ક્રોધ કરીને સૂર્ય વિનાશ કરે છે અને તેમનું આયુષ્ય ઓછું કરે છે. આ પૂર્વ દિશા ત્રિલોકનું, સ્વર્ગનું અને સુખનું પ્રવેશદ્વાર છે. ઇચ્છા હોય તો આ દિશામાં આપણે બંને પ્રવેશીએ. હું જેમની આજ્ઞાને અધીન છું તે વિષ્ણુનું પ્રિય કાર્ય મારે કરવાનું છે, હું ગાલવ, કહો ત્યારે અહીંથી આગળ જઈએ કે બીજી દિશાનું વર્ણન પણ કરું તે તમે સાંભળો.
એક સમયે ભગવાન વિવસ્વાને (સૂર્યે) વેદની વિધિ પ્રમાણે ગુરુને દક્ષિણા રૂપે આ દિશાનું દાન કર્યું હતું, એટલે તેને દક્ષિણ દિશા કહે છે. હે બ્રાહ્મણ, ત્રણે લોકના પિતૃઓ આ દિશામાં પ્રતિષ્ઠિત છે અને ઉષ્મપ દેવોનો નિવાસ પણ છે એવું સાંભળ્યું છે. પિતૃઓની સાથે વિશ્વદેવો અહીં જ વસે છે, બધા લોકોમાં પિતૃઓની જેમ સરખો ભાગ પ્રાપ્ત કરે છે. હે વિપ્ર, આ દિશાને ધર્મનું બીજું દ્વાર કહે છે. અહીં ઋટિ અને લવ જેવા સૂક્ષ્મ કાલાંશો પર દૃષ્ટિ રાખીને બધાનો ચોક્કસ કાલનિર્ણય ગણવામાં આવે છે. દેવર્ષિ, પિતૃલોકના ઋષિ તથા રાજર્ષિઓ દુઃખરહિત થઈને સદા આ દિશામાં નિવાસ કરે છે.
અહીં રહીને ધર્મની પાસે પ્રાણીઓના ધર્મ, સત્ય અને કર્મો વિશે ચિત્રગુપ્ત દ્વારા સંભળાય છે, મૃતાત્માઓ અને તેમનાં કર્મ આ દિશામાં જોવા મળે છે. આ દિશામાં મૃત્યુ પછી બધા જીવોએ જવું પડે છે, અહીં અજ્ઞાન રૂપી અંધકાર છે, એટલે સુખપૂર્વક જઈ શકાતું નથી. પ્રતિકૂળ સ્વભાવ અને આચરણવાળા હજારો રાક્ષસો બ્રહ્માએ અહીં મૂક્યા છે, તેમનું દર્શન અપવિત્ર હૃદયવાળા લોકોને થાય છે. અહીં મંદરાચલની કુંજોમાં અને બ્રહ્મર્ષિઓનાં સદનોમાં ચિત્ત અને બુદ્ધિને આકર્ષનાર ગાથાઓનું ગાન ગંધર્વો કરે છે. એક જમાનામાં અહીં રૈવત નામના રાજા ગાથાઓ રૂપી સામગાન સાંભળતાં સાંભળતાં પત્ની, અમાત્ય અને રાજ્ય ત્યજીને વનમાં જતા રહ્યા હતા. હે બ્રાહ્મણ, આ દિશામાં સાવણિર્ મનુ અને યવક્રીતના પુત્રે સૂર્યની ગતિની મર્યાદા બાંધી હતી, તેનું ઉલ્લંઘન સૂર્ય કરતા નથી. અહીં પુલસ્ત્ય વંશના રાવણે તપ કરીને દેવતાઓથી નહીં મરું એવું વરદાન મેળવ્યું હતું. આ દિશામાં બનેલી ઘટનાને કારણે વૃત્રાસુર ઇન્દ્રનો શત્રુ બન્યો હતો. અહીં આવીને બધાના પ્રાણ ફરી પાંચ વિભાગમાં વહેંચાઈ જાય છે. હે ગાલવ, આ દિશામાં પાપી મનુષ્યો બળી મરે છે, વૈતરણી નદી આ નરકને ભોગવનારાઓથી ભરેલી રહે છે. આ દિશામાં આવીને મનુષ્યો સુખ અને દુઃખ પામે છે. દક્ષિણ દિશામાં આવીને સૂર્ય જળવૃષ્ટિ કરે છે. ઘનિષ્ઠ નક્ષત્રમાં શિશિરકાળે હિમવર્ષા કરે છે.
હે ગાલવ, એક સમયે હું ભૂખને કારણે ચિંતાતુર હતો, પરંતુ આ દિશામાં મને વિશાળ હાથી અને કાચબો પ્રાપ્ત થયા, તે બંને એકબીજા સાથે લડી રહ્યા હતા.
સૂર્ય સમાન તેજસ્વી શક્રધનુ મહર્ષિ અહીં રહેતા હતા, તેમને બધા કપિલ ઋષિ તરીકે ઓળખતા હતા. તેમણે સગરના પુત્રોને ભસ્મ કર્યા હતા. આ દિશામાં શિવ નામે ઓળખાતા વેદનિપુણ બ્રાહ્મણો રહેતા હતા. વેદોનો અભ્યાસ કરીને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. અહીં વાસુકિએ સાચવેલી તથા તક્ષક ને ઐરાવતે રક્ષેલી ભોગવતી નામની નગરી છે. અહીં મૃત્યુ પછી આવનારાં પ્રાણીઓને જે અંધકારનો ભેટો થાય છે તે અગ્નિ અને સૂર્ય દ્વારા પણ અભેદ્ય હોય છે. હે ગાલવ, આ દક્ષિણ માર્ગ છે, જો આ દિશામાં જવું હોય તો કહે નહીંતર પશ્ચિમ દિશાનું વર્ણન સાંભળ.
આ દિશા દિગ્પાલ રાજા અને જલના સ્વામી વરુણની પ્રિય દિશા છે, તે એમનું ઉત્પત્તિસ્થાન છે અને એમની પ્રતિષ્ઠા ત્યાં થઈ છે. દિવસ પૂરો થયા એટલે સૂર્ય સ્વયં પોતાનાં કિરણોનું અહીં વિસર્જન કરે છે. એટલે તેનું નામ પશ્ચિમ પડ્યું છે. એક સમયે ભગવાન કશ્યપે જલજંતુઓ અને જલની રક્ષા માટે આ દિશામાં વરુણનો અભિષેક કર્યો હતો. અંધકારનો નાશ કરવાવાળા ચંદ્ર રસોનું પાન કરીને શુક્લ પક્ષના આરંભે આ દિશામાં ઊગે છે. હે દ્વિજ, વાયુદેવે અહીં દૈત્યોને પરાઙ્મુખ, આબદ્ધ અને પીડિત કર્યા હતા, તેઓ નિ:શ્વાસ મૂકીને ધરાશાયી થઈ ગયા હતા. અહીં અસ્તાચલ છે, તે પોતાના પ્રીતિપાત્ર સૂર્યને નિત્ય ગ્રહણ કરે છે અને અહીંથી જ પશ્ચિમ સંધ્યાનો પ્રસાર થાય છે. દિવસના અંતે જીવલોકોની અર્ધી જિંદગી હરી લેવા માટે રાત્રિ અને નિદ્રા પ્રગટે છે. આ દિશામાં ઇન્દ્રે સૂતેલી સગર્ભા દિતિના ઉદરમાં પ્રવેશી ગર્ભનો છેદ કર્યો હતો અને અહીં મરુત્ગણોની ઉત્પત્તિ થઈ હતી. અહીં હિમાલયનો મૂળ ભાગ નિત્ય મંદરાચલ સુધી ફેલાઈને તેનો સ્પર્શ કરે છે, હજાર વર્ષોમાં પણ તેનો અંત પામવો અઘરો છે. આ દિશામાં સુવર્ણપર્વત તથા સુવર્ણકમલથી શોભતા ઉદધિના કિનારા સુધી સુરભિ દૂધ વહેવડાવે છે, અહીં સમુદ્રની મધ્યમાં સૂર્ય સમાન તેજસ્વી રાહુનો કબંધ દેખાય છે, આ રાહુ સૂર્ય અને ચંદ્રને મારી નાખવાની ઇચ્છા ધરાવતો હતો. આ જ દિશામાં હરિમેધા ઋષિની કન્યા ધ્વજવતીનો નિવાસ છે, સૂર્યની આજ્ઞા — થોભી જા — થોભી જા વડે આકાશમાં સ્થિર છે. હે ગાલવ, અહી વાયુ, જળ, અગ્નિ અને આકાશ — આ બધા રાત્રિ અને દિવસના દુઃખદ સ્પર્શનો ત્યાગ કરે છે, અહીંથી જ સૂર્ય તિર્યક્ ગતિથી ચકરાવો આરંભે છે. અહીં બધી જ્યોતિઓ સૂર્યમંડળમાં પ્રવેશે છે. અઠ્ઠાવીસ નક્ષત્રોમાંથી પ્રત્યેક અઠ્ઠાવીસમે દિવસે સૂર્યની સાથે વિચરણ કરીને ફરી સૂર્યમંડળથી પૃથક્ થાય છે. આ દિશાથી મોટા ભાગની જે નદીઓ નીકળે છે તેમનાં પાણીથી સાગર ભરાય છે, અહીં ત્રિભુવન માટે ઉપયોગી વરુણાલયમાં જલરાશિ સંચિત છે. અહીં સર્પરાજ અનન્તનો નિવાસ છે, આદિ — અંત વિનાના વિષ્ણુનું અહીં સર્વોત્તમ સ્થાન છે. અહીં અનલ(અગ્નિ)ના મિત્ર વાયુદેવનું ભવન છે, મરીચિપુત્ર મહર્ષિ કશ્યપ ઋષિનો આશ્રમ છે. હે ગાલવ, આમ મેં તમને પશ્ચિમનો માર્ગ બતાવ્યો. હવે કહો — શો વિચાર છે? ક્યાં જઈએ?
હે ગાલવ, આ માર્ગે જવાથી માનવી પાપમુક્ત થાય છે અને કલ્યાણને પામે છે, એટલે તેને ઉત્તારણનું ફળ આપનારી ઉત્તર દિશા કહે છે. આ ઉત્તર દિશા સુવર્ણનિધિઓનો ભંડાર છે, પૂર્વ અને પશ્ચિમ દિશાનો આ મધ્યમ માર્ગ છે. આ ઉત્તમ દિશામાં સૌમ્ય પ્રકૃતિના ન હોય, મનને વશ કર્યું ન હોય, ધર્મપાલન ન કરતા હોય એવા લોકો અહીં વસતા નથી. અહીં બદ્રિકાશ્રમ છે, આ આશ્રમમાં નરનારાયણ તથા શાશ્વત બ્રહ્મા વસે છે. હિમાલયના શિખર પર મહેશ્વર વસે છે, અહીં જ ચંદ્રની પ્રતિષ્ઠા દ્વિજરાજ તરીકે થઈ હતી. અહીં આકાશમાંથી અવતરતી ગંગાને મહાદેવે ઝીલી અને મનુષ્યલોકમાં વહેવડાવી હતી. અહી જ શંકરને પામવા પાર્વતીએ કઠોર તપ કર્યું હતું. અહીં શંકરે કામદેવ પર ક્રોધ કર્યો, તે વેળાએ હિમાલય ત્યાં હતા, ઉમા હતી, બીજા પણ હતા.
હે ગાલવ, આ દિશામાં કૈલાસ પર્વત ઉપર રાક્ષસો, યક્ષો અને ગંધર્વોના આધિપત્ય માટે ધનદાતા કુબેરનો અભિષેક થયો. અહીં રમ્ય ચૈત્રરથ વન છે, વૈખાનસ ઋષિનો આશ્રમ છે. અહીં મંદાકિની છે અને મંદરાચલ પર્વત છે. અહીં સૌગંધિક વનની રક્ષા થાય છે. ઘાસથી સુશોભિત કદલીવન છે, કલ્પવૃક્ષ છે. અહીં સંયમ પાળનારા સ્વૈરચારી સિદ્ધોના ઇચ્છાનુસાર ભોગ માટે અનુરૂપ વિમાનો છે. આ દિશામાં અરુંધતી અને સપ્તર્ષિ છે, સ્વાતિ નક્ષત્ર છે અને અહીં તેનો ઉદય થાય છે. આ ઉત્તર દિશામાં બ્રહ્મા યજ્ઞવિધિમાં પ્રવૃત્ત રહી નિવાસ કરે છે. નક્ષત્રો, ચંદ્ર અને સૂર્ય અહીં નિત્ય પરિભ્રમણ કરે છે. હે દ્વિજશ્રેષ્ઠ, અહી ધામ નામના સત્યવાદી — મહાત્મા મુનિ ગાયંતિકાદ્વારની રક્ષા કરે છે. તેમની મૂર્તિ, આકૃતિ કે તપસ્યા વિશે કોઈ જાણતું નથી. હે ગાલવ, તે હજારો યુગાન્તકાલનું આયુષ્ય ધરાવી કામભોગમાં રત છે. જેમ જેમ માનવી આ દ્વારથી આગળ વધે છે તેમ તેમ હિમમાં ઓગળતો જાય છે. અવિનાશી નરનારાયણને બાદ કરતાં કોઈ માનવી આ દ્વારથી આગળ ગયો નથી. આ દિશામાં કુબેરના આલય જેવો કૈલાસ છે, ત્યાં વિદ્યુત્પ્રભા નામની અપ્સરા જન્મી હતી, ત્રિલોકને માપવા જતાં વિષ્ણુએ અહીં પોતાનો પગ મૂક્યો હતો. ઉત્તર દિશામાં હરિપદચિહ્ન છે. ઉત્તર દિશાના ઉશીરબીજ સ્થળે રાજા મરુતે યજ્ઞ કર્યો હતો. અહીં મહાત્મા જીમૂત સમક્ષ હિમાલયની પવિત્ર, વિતલ સ્વર્ણનિધિ પ્રગટ્યો હતો. આ વિશાળ ધનરાશિ બ્રાહ્મણોને વહેંચી આપ્યો, માગેલા વરદાનથી આ ધન જૈમૂત નામથી પ્રસિદ્ધ થયું. હે ગાલવ, અહીં નિત્ય સવારે અને સાંજે બધા દિગ્પાલો મોટેથી પૂછે છે, કોઈને કશું કામ છે? આને લીધે અને અન્ય ગુણોને લીધે આ દિશા ઉત્કૃષ્ટ છે, બધાં શુભ કર્યો માટે ઉત્તમ છે, એટલે તે ઉત્તર કહેવાય છે.
હે તાત! આ રીતે મેં વારાફરતી બધી દિશાઓનું વર્ણન વિસ્તારથી કર્યું છે. કહો, કઈ દિશામાં જવું છે. હે દ્વિજ, હું તને આખી પૃથ્વી અને બધી દિશાઓનું દર્શન કરાવવા તત્પર છું. તું મારી પીઠ પર બેસી જા.’
ગાલવે કહ્યું, ‘હે ગરુડ, ભુજગશત્રુ, સુપર્ણ, હે વિનતાનંદન, તું પહેલાં મને પૂર્વ દિશામાં લઈ જા, જ્યાં ધર્મનાં નેત્ર જેવા સૂર્ય અને ચંદ્ર પ્રકાશે છે. પહેલાં જે દિશાનું વર્ણન કર્યું તે દિશામાં જઈએ, ત્યાં દેવતાઓનું સાન્નિધ્ય તેં બતાવ્યું છે; સત્ય અને ધર્મની સ્થિતિ પણ સારી રીતે તેં બતાવી છે. અરુણના નાના ભાઈ, હું બધા દેવતાઓનું દર્શન કરવા માગું છું.’
ત્યારે વિનતાનંદન ગરુડે વિપ્ર ગાલવને કહ્યું, ‘તું મારી પીઠ પર બેસી જા.’ એટલે ગાલવ ગરુડની પીઠ પર બેઠા.
ગાલવે કહ્યું, ‘હે સર્વનાશી ગરુડ, પ્રભાતે હજારો કિરણોથી સુશોભિત ભાસ્કરના જેવું જ તારું રૂપ દેખાય છે, હે પક્ષીરાજ, તારી પાંખોના ફફ્ડાટથી ઊખડેલાં વૃક્ષો પાછળ પાછળ આવે છે. તેઓ પણ આપણી સાથે આવવા માગતાં હોય એમ લાગે છે. હે આકાશગામી ગરુડ, તું તારી પાંખોના વેગથી ઉત્પન્ન થતા વાયુ દ્વારા સમુદ્ર, વન, પર્વત, કાનનોને તારી પાસે ખેંચી રહ્યો છે. પાંખોથી ઉત્પન્ન થતા વાયુના વેગથી માછલી, જલહસ્તી, મગરો સાથે સમુદ્રનું જલ આકાશમાં ઊછળી રહ્યું છે. મુખ અને આકાર એક હોય એવા મત્સ્વ, તિમિ, તિમિંગલો ને તથા હાથી, ઘોડા, માનવમુખ જેવા જલજંતુઓને ખળભળતાં જોઉં છું. મહાસાગરની ભીષણ ગર્જનાઓએ મારા કાન બહેરા કરી દીધા છે. હું નથી સાંભળી શકતો, નથી જોઈ શકતો, મારા બચાવનો કોઈ ઉપાય સૂઝતો નથી. હે ગરુડ, તારાથી બ્રહ્મહત્યા થઈ ન જાય તેનું ધ્યાન રાખજે. અત્યારે મને સૂર્ય દેખાતો નથી, દિશાઓ દેખાતી નથી, આકાશ પણ દેખાતું નથી. મને અંધકાર જ દેખાય છે, તારા શરીરને જોઈ શકતો નથી. તારી બંને આંખો બે ઉત્તમ મણિની જેમ દેખાય છે. હું નથી તારા શરીરને જોઈ શકતો કે નથી મારા શરીરને, પળે પળે જળમાંથી પ્રગટતી અગ્નિજ્વાળાઓ દેખાય છે. હે વિનતાનંદન, તું આ આગને હમણાં જ ઓલવી નાખ, ફરી બંને નેત્રોને શાંત કર અને તારી ગતિને ધીમી પાડ. હે ગરુડ, આ યાત્રાનું મારે કોઈ પ્રયોજન નથી, હે મહાવેગવાન, હું તારો વેગ સહી શકતો નથી. મેં ચંદ્રમા જેવા શુભ્ર અને એક કાને શ્યામ વર્ણના આઠસો અશ્વનું વચન ગુરુને આપ્યું છે. પરંતુ આ અશ્વ કેવી રીતે અપાશે તેનો કોઈ રસ્તો દેખાતો નથી. એટલે જ મેં મારા જીવનનો ત્યાગ કરવાનો રસ્તો અપનાવ્યો છે. મારી પાસે થોડુંય ધન નથી, કોઈ ધનવાન મિત્ર નથી, આ કાર્ય અઢળક ધન ખર્ચીને પણ સિદ્ધ ન થઈ શકે એવું છે.’
આ પ્રમાણેનાં દીન વચન સાંભળીને વિનતાનંદન ગરુડે રસ્તામાં જ ગાલવને હસતાં હસતાં કહ્યું,
‘જો તમે પ્રાણત્યાગ કરવા માગતા હો તો તમે બુદ્ધિશાળી નથી, કારણ કે મૃત્યુ કૃત્રિમ નથી, કાળ તો પરમેશ્વર છે. તમે પહેલેથી જ આ વાત કેમ ન કહી? મને ઉપાય દેખાય છે, તેનાથી કાર્ય સિદ્ધ થશે. ગાલવ, સમુદ્ર પાસે ઋષભ નામનો પર્વત છે, ત્યાં વિશ્રામ કરીને તથા ભોજન કરીને આપણે જઈશું.’
ત્યાર પછી ઋષભ પર્વતના શિખર પર ઊતરીને બંનેએ તપસ્વિની શાંડિલી બ્રાહ્મણીને જોઈ. ગરુડે તેમનું અભિવાદન કર્યું, ગાલવે તેમની પૂજા કરી. બ્રાહ્મણીએ પણ બંનેનું સ્વાગત કરીને બેસવા આસન આપ્યું, બંને ત્યા બેઠા. તપસ્વિનીએ તેમને શેષ વધેલું અને મંત્રયુક્ત સિદ્ધ અન્ન આપ્યું. તે આરોગીને બંને તૃપ્ત થયા, ભૂમિ પર સૂઈ ગયા, અને નિદ્રાવશ થઈ ગયા. થોડા જ સમય પછી ત્યાંથી જવાની ઇચ્છા થઈ એટલે ગરુડ જાગી ગયા. અને જોયું તો પોતાના શરીર પર પાંખો ન હતી. મોં અને પગ હોવા છતાં પાંખો વગર તે માંસપિંડ જેવા લાગ્યા. તેમને આ હાલતમાં જોઈને ગાલવે દુઃખી થઈને પૂછ્યું, ‘અહીં આવીને આ કેવું ફળ મળ્યું? આ અવસ્થામાં આપણે અહીં કેટલો સમય રહેવું પડશે? ધર્મને દૂષિત કરનારું કયું અશુભ ચિંતન તેં મનમાં કર્યુ, મારી દૃષ્ટિએ તારાથી કશું ધર્મવિરુદ્ધ થયું નહીં હોય.’
ત્યારે ગરુડે કહ્યું, ‘હે દ્વિજ, મેં તો એવો વિચાર કર્યો હતો કે આ સિદ્ધ તપસ્વિનીને જ્યાં પ્રજાપતિ છે ત્યાં પહોંચાડું, તેમણે તો સનાતન વિષ્ણુ, મહાદેવ જ્યાં હોય, જ્યાં ધર્મ યજ્ઞ હોય ત્યાં નિવાસ કરવો જોઈએ. હવે હું ભગવતીને પગે પડીને પ્રાર્થના કરું છું કે મેં મનમાં તમારું પ્રિય કરવાની ઇચ્છાથી આ વાત વિચારી છે. તમારા પ્રત્યે આદર હોવાથી અહીં આવો વિચાર કર્યો, કદાચ તમને યોગ્ય ન લાગ્યો હોય. આ સત્કૃત્ય છે કે દુષ્કૃત્ય — તમારા માહાત્મ્ય વડે મારા આ અપરાધની ક્ષમા કરો.’
આ સાંભળીને પ્રસન્ન થયેલી તપસ્પિનીએ પક્ષીરાજ અને વિપ્રને કહ્યું, ‘સુપર્ણ, તારી પાંખો સુંદર થશે, તું ભયભીત ન થઈશ, બીક ત્યજી દે. વત્સ, તેં મારી નિન્દા કરી છે, નિન્દા મારાથી વેઠાતી નથી, જે પાપી મારી નિન્દા કરશે તે પુણ્યલોકથી પતન પામશે. અશુભ લક્ષણો વિનાની અને અનિંદિત એવી મેં સદાચારનું પાલન કરીને આ ઉત્તમ સિદ્ધિ મેળવી છે. આચારથી ધર્મ પ્રાપ્ત થાય છે, આચારથી ધન પ્રાપ્ત થાય છે, આચારથી શ્રી પ્રાપ્ત થાય છે, આચાર અશુભ લક્ષણોનો નાશ કરે છે. એટલે હે ખગપતિ (પક્ષીરાજ) તમારે હવે જ્યાં જવું છે ત્યાં જાઓ. હવે તું મારી નિંદા ન કરીશ, કોઈ પણ સ્ત્રીની નિંદા કરવી અનુચિત છે. હવે તું પહેલાંની જેમ બલવાન અને શક્તિશાળી થઈ જઈશ.’ આમ કહેતાંની સાથે ગરુડની પાંખો વધુ શક્તિશાળી થઈ ગઈ. પછી શાંડિલીની આજ્ઞા લઈને જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા. ગાલવે બતાવેલા ઘોડા મળી ન શક્યા. ગાલવને આવતો જોઈ શ્રેષ્ઠ વિશ્વામિત્ર ઊભા રહી ગયા અને ગરુડની પાસે જઈને બોલ્યા, ‘હે બ્રાહ્મણ, તેં જાતે જે ધન આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે આપવાનો સમય આવી ગયો છે. હવે ઠીક લાગે તે કર. હું તારી પ્રતીક્ષા કરીશ, જે પ્રકારે કાર્ય સિદ્ધ થાય તેનો વિચાર કરો.’ ત્યારે દીન અને ખૂબ જ દુઃખી થયેલા ગાલવને ગરુડે કહ્યું, ‘મારી સામે વિશ્વામિત્ર જે બોલ્યા તે વિશે આપણે વિચાર કરીએ, ગુરુને ધન ચૂકવ્યા વિના તારાથી બેસી ન રહેવાય.’ ત્યાર પછી દીન ગાલવને શ્રેષ્ઠ ગરુડે કહ્યું, ‘પૃથ્વીની ભીતરના સારતત્ત્વને અગ્નિએ તપાવીને જેનું નિર્માણ કર્યું છે અને અગ્નિને પ્રદીપ્ત કરનારા વાયુએ જેનું શોધન કર્યું છે તે સુવર્ણને હિરણ્ય કહે છે. આ સર્વ હિરણ્યમય છે એટલે તેને હિરણ્ય કહે છે. તે આ જગતને ધારણ કરે છે અને બીજાઓ પાસે ધારણ કરાવે છે. એટલે તેનું નામ ધન છે, આ ધન ત્રણે લોકમાં કાયમ સ્થિર રહે છે.
ભાદ્રપ્રદ નક્ષત્રની સાથે જો શુક્રવારનો યોગ થાય તો અગ્નિ કુબેર માટે સંકલ્પ દ્વારા ધન નિર્માણ કરીને મનુષ્યોને આપે છે. અજૈકપાદ, અહિર્બુધ્ન્ય અને કુબેર — આ ત્રણે ધનની રક્ષા કરે છે. એટલે જેના પ્રારબ્ધમાં ધન નથી તેને ધન મળી શકતું નથી. અને ધન વિના તને ઘોડા નહીં મળી શકે. એટલે રાજર્ષિઓમાં ઉત્પન્ન થયેલા કોઈ રાજા પાસે જઈને ધનની માગણી કરીએ, નગરજનોને ત્રાસ આપ્યા વિના આપણને ધન આપીને કૃતાર્થ કરી શકે. ચંદ્રવંશના એક રાજા મારા મિત્ર છે, આપણે તેમની પાસે જઈએ, તેમની પાસે પુષ્કળ ધન છે. તેમનું નામ યયાતિ છે, તેઓ નહુષના પુત્ર છે. તેઓ સત્યવાદી છે, પરાક્રમી છે. તમે માગશો અને હું કહીશ એટલે તમને ધન આપશે. તેમની પાસે ધનપતિની જેમ મહાન વૈભવ છે, આવી રીતે દાન લઈને તમે ગુરુદક્ષિણા ચૂકવી દો.’
આમ બંને વાતો કરતા અને ઉચિત કર્તવ્ય મનમાં વિચારતા બંને નરપતિ, યયાતિને ત્યાં જઈ પહોંચ્યા. રાજાએ સત્કાર કરીને જે શ્રેષ્ઠ અર્ધ્ય, ભોજન આપ્યાં તે ગ્રહણ કરીને વિનતાપુત્રે આગમનનું પ્રયોજન બતાવ્યું.
‘હે નહુષપુત્ર, આ તપોનિધિ ગાલવ મારા મિત્ર છે. તેઓ અયુત વર્ષો સુધી વિશ્વામિત્રના શિષ્ય રહ્યા હતા. વિશ્વામિત્રે તેમની સેવાના ફળ રૂપે ઘેર જવાની આજ્ઞા આપી. ત્યારે તેમણે ગુરુને પૂછ્યું- ભગવન્, હું કઈ ગુરુદક્ષિણા આપું? અનેક વેળા આમ કહેવાથી ગુરુને ક્રોધ આવ્યો, શિષ્ય પાસે ધન નથી એ જાણવા છતાં તેમણે કહ્યું, ‘ગાલવ, મને કુળવાન આઠસો ઘોડા આપો, તેમનું શરીર ચંદ્ર જેવું હોય અને એના કાન શ્યામ હોય. એટલે જો મારી વાત માનો તો આ જ ગુરુદક્ષિણા. તપસ્વી વિશ્વામિત્રે આ વાત ક્રોધે ભરાઈને કહી હતી. આ દ્વિજશ્રેષ્ઠ શોકથી સંતપ્ત થયા, ગુરુદક્ષિણા ચૂકવી ન શક્યા એટલે તમારા શરણે આવ્યા છે. હે રાજા, તમારી પાસેથી ભિક્ષા ગ્રહણ કરીને ગુરુને ધન આપશે અને વ્યથામુક્ત થઈને તપ કરવા માંડશે. પોતાની તપસ્યાના એક અંશથી તમને પણ યોજશે. તમે તમારા રાજર્ષિતપથી પૂર્ણ છો છતાં બ્રહ્મતપથી વધુ પરિપૂર્ણ થશો. નરેશ્વર, હે મહીપતિ, અહીં દાન કરેલા અશ્વોના શરીરે જેટલા રોમ છે તેટલા અશ્વ દાન કરનારાઓને પરલોકમાં પ્રાપ્ત થશે. આ ગાલવ દાન માટે સુપાત્ર છે, તમે દાન આપવા સુપાત્ર છે. જેવી રીતે શંખમાં દૂધ હોય તેમ આપના હાથમાં આપેલું દાન શોભી ઊઠશે.’
ગરુડે આ પ્રકારે યથાર્થ અને ઉત્તમ વાત કહી. એટલે વારંવાર વિચારીને, નિશ્ચય કરીને હજારો યજ્ઞ કરનારા રાજા દાતા, ધનપતિ, પ્રભુ યયાતિ આ પ્રકારે બોલ્યા. રાજાએ પોતાના મિત્ર ગરુડ અને વિપ્રશ્રેષ્ઠ ગાલવને પોતાને ત્યાં જોઈને તથા તેમની ઉત્તમ ભિક્ષાની વાત સાંભળીને તેમણે વિચાર્યું, આ બંને સૂર્યવંશના બીજા રાજાઓને ત્યજીને મારી પાસે આવ્યા છે. એટલે તેઓ બોલ્યા, ‘હે નિષ્પાપ ગરુડ, આજે મારો જન્મ સફળ થયો છે, મારા કુળનો ઉદ્ધાર થઈ ગયો, મારા દેશનો ઉદ્ધાર થઈ ગયો. છતાં એક વાત કહું છું. પહેલાંના જેવો ધનવાન હવે હું નથી. મારો વૈભવ ક્ષીણ થઈ ગયો છે. હે ગરુડ, આવી દશામાં પણ હું તમારા આગમનને નિષ્ફળ કરવા માગતો નથી. આ વિપ્રવર્યની આશાનો પણ ભંગ કરવા માગતો નથી. હું તમને કશુંક આપીશ, જેથી આ કાર્ય થઈ શકશે. જો કોઈ યાચક હતાશ થાય તો રાજાના કુળનો વિનાશ થાય. હે વિનતાનંદન, જો કોઈ કશુંક માગે અને તેને ના પાડો તો એનાથી બીજું મોટું પાપ કશું નથી. જ્યારે કોઈ માનવી યાચના કરીને હતાશ અને નિષ્ફળ થાય છે ત્યારે તે મૃત જેવો બની જાય છે, પોતાનું હિત ન કરનારા ધનવાનના પુત્રો અને પૌત્રોના નાશ કરે છે. આ મારી પુત્રી ચાર કુળોની સ્થાપના કરનારી છે. દેવકન્યા જેવી કાંતિ છે, સર્વ ધર્મની વૃદ્ધિ કરનારી છે. હે ગાલવ, એના રૂપથી આકર્ષાઈને દેવ, મનુષ્યો, અસુરો સદા તેની કામના કરે છે. તો આ મારી પુત્રીને સ્વીકારો, એના શુલ્ક પેટે રાજાઓ પોતાનું રાજ્ય આપી દેશે, પછી આઠસો શ્યામકર્ણ અશ્વોની તો વાત જ ક્યાં? એટલે હે પ્રભુ, આ મારી પુત્રી માધવી સ્વીકારો અને મને વરદાન આપો કે મને દૌહિત્રો પ્રાપ્ત થાય.’
ત્યારે ગરુડની સાથેના ગાલવે એ કન્યાનો સ્વીકાર કર્યો તથા કહ્યું, ‘ભલે ફરી મળીશું.’ રાજાને એમ કહીને કન્યા સાથે તેમણે ત્યાંથી વિદાય લીધી. ત્યાર પછી ગરુડે કહ્યું, ‘હવે તને અશ્વોની પ્રાપ્તિનો માર્ગ મળી ગયો છે.’ અને તે પણ પોતાના નિવાસે ગયા. ગરુડના ગયા પછી ગાલવ તે કન્યાની સાથે વિચારવા લાગ્યા, રાજાઓમાં આ કન્યાનું શુલ્ક આપવામાં સમર્થ કોણ છે? મનમાં વિચારીને અયોધ્યાના ઇક્ષ્વાકુ વંશના નૃપતિશ્રેષ્ઠ પરાક્રમી હર્યશ્વની પાસે ગયા, તેઓ ચતુરંગિણી સેના ધરાવતા હતા. કોશ, ધનધાન્ય, સૈનિકો — બધાથી સંપન્ન હતા. નગરજનોના તે પ્રિય હતા. બ્રાહ્મણપ્રિય હતા, પ્રજાના હિતેચ્છુ હતા. તેમનું મન ભોગથી વિરક્ત હતું, ઉત્તમ તપ કરનારા તે હતા. હર્યશ્વ રાજાની પાસે જઈને ગાલવે કહ્યું, ‘રાજેન્દ્ર, મારી આ કન્યા સંતાનો દ્વારા કુળની વૃદ્ધિ કરનારી છે. તમે શુલ્ક આપીને પત્ની તરીકે તેનો સ્વીકાર કરો. હું તમને એનું શુલ્ક કહીશ, પછી તમે વિચારો.’
ત્યાર પછી તે નૃપોત્તમ હર્યશ્વે બહુ વિચાર કર્યો, સંતાનોની ઇચ્છાથી ઉષ્ણ નિશ્વાસ નાખીને બોલ્યા,
‘આ કન્યાના જે છ અંગ ઉન્નત હોવા જોઈએ તે ઉન્નત છે. જે પાંચ અંગ સૂક્ષ્મ હોવા જોઈએ તે સૂક્ષ્મ છે, ત્રણ અંગ ગંભીર છે અને પાંચ અંગ રાતાં છે. દેવતાઓ અને અસુરો માટે તે દર્શનીય છે, ગંધર્વવિદ્યાનું જ્ઞાન છે. અનેક લક્ષણોથી સંપન્ન છે અને અનેક સંતાનોને જન્મ આપી શકે છે. હે વિપ્રવર્ય, આ કન્યા ચક્રવર્તી પુત્રને જન્મ આપી શકે છે. મારો વૈભવ જોઈને તમે એનું શુલ્ક બતાવો.’
ગાલવે કહ્યું, ‘ઉત્તમ પ્રદેશ અને ઉત્તમ જાતિમાં જન્મેલા ચંદ્ર જેવા ઉજ્જ્વળ અને એક કાને શ્યામ વર્ણના આઠસો અશ્વ આપો. એટલે આ મારી વિશાલ નેત્રોવાળી શુભ લક્ષણોવાળી કન્યા જેવી રીતે અરણી અગ્નિ ઉત્પન્ન કરે છે તેમ તમારા તેજસ્વી પુત્રોને જન્મ આપશે.’ આ વાત સાંભળીને કામમોહિત બનેલા હર્યશ્વ મુનિશ્રેષ્ઠ ગાલવને કહેવા લાગ્યા, ‘તમારે જેવા અશ્વ જોઈએ છે તેવા મારી પાસે માત્ર બસો જ છે, પરંતુ બીજા સેંકડો અશ્વ છે, એટલે હે ગાલવ, હું આ કન્યા દ્વારા માત્ર એક જ સંતાનને જન્મ આપીશ. તમે મારો આ મનોરથ પૂરો કરો.’
આ સાંભળીને એ કન્યાએ મહર્ષિ ગાલવને કહ્યું, ‘મને કોઈ બ્રહ્મવાદીએ એક વરદાન આપ્યું હતું કે તું પ્રત્યેક પ્રસૂતિ પછી ફરી કુમારિકા થઈ જાઈશ. એટલે તમે બસો ઉત્તમ અશ્વ લઈને મને રાજાને સોંપી દો. આ પ્રકારે ચાર રાજાઓ પાસેથી બસો બસો અશ્વ લઈને તમારા આઠસો થઈ જશે અને મને ચાર પુત્રો થશે. હે વિપ્રવર, આ રીતે તમે ગુરુદક્ષિણા માટે મારો ઉપયોગ કરો. મારું આમ માનવું છે, પછી તો જેવી તમારી ઇચ્છા.’
કન્યાએ આમ કહ્યું એટલે ગાલવ મુનિએ ભૂપાલ હર્યશ્વને કહ્યું, ‘નરશ્રેષ્ઠ હર્યશ્વ, નિયત શુલ્કનો ચોથો ભાગ આપીને આ કન્યા લો અને એક પુત્રને જન્મ આપો.’
રાજાએ ગાલવ મુનિનું અભિવાદન કરીને તે કન્યા સ્વીકારી , યોગ્ય સમયે મનવાંછિત પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર વસુમના નામથી વિખ્યાત થયો, તે વસુઓના જેવો કાંતિમાન તથા ધનનું મોકળે મને દાન કરનારો થયો. ત્યાર પછી યોગ્ય સમયે બુદ્ધિમાન ગાલવ ત્યાં જઈ ચઢ્યા અને પ્રસન્ન હર્યશ્વને કહેવા લાગ્યા, ‘હે નરેશ, તમને ભાસ્કર(સૂર્ય) જેવો પુત્ર પ્રાપ્ત થયો. હવે ભિક્ષા માટે બીજા રાજા પાસે જવાનો સમય આવી ગયો છે.’ રાજા હર્યશ્વ સત્યવાદી હતા, પુરુષાર્થી હતા છતાં છસો અશ્વ દુર્લભ હતા એટલે માધવી પાછી સોંપી દીધી. માધવી ફરી કુમારિકા બનીને રાજલક્ષ્મી ત્યજીને ગાલવ મુનિની પાછળ પાછળ ચાલવા લાગી. જતી વખતે ગાલવે કહ્યું, ‘તમે આપેલા અશ્વ હમણાં તમારી પાસે જ રાખો.’ એમ કહીને ગાલવ કન્યાની સાથે દિવોદાસ રાજાને ત્યાં ગયા. ‘કાશીનરેશ અને ભીમસેનપુત્ર દિવોદાસ મહાપરાક્રમી છે અને વિખ્યાત છે. આપણે તેમની પાસે જઈએ, તું ધીરે ધીરે ચાલ, કશો શોક ન કરીશ. તે રાજા ધાર્મિક, સંયમી અને સત્યપરાયણ છે.’ ત્યાં ગયા એટલે રાજાએ ગાલવનો સત્કાર કર્યો અને તે રાજાને એ કન્યા દ્વારા સંતતિને જન્મ આપવા પ્રેર્યા. રાજાએ કહ્યું, ‘હે દ્વિજ, આ કથા મેં સાંભળી છે. એને વિસ્તારવાની કશી જરૂર નથી. તમારી વાત સાંભળીને મારા મનમાં સંતાનની આકાંક્ષા જાગી ઊઠી છે. બીજા રાજાઓ, પાસે ન જતાં તમે મારી પાસે આવ્યા એ મોટી વાત છે. આવું જ ભાવિ છે. ગાલવ, મારી પાસે પણ બસો જ અશ્વ છે, એટલે હું એક જ પુત્રને જન્મ આપીશ.’ એ વિપ્રવરે ભલે કહીને તે કન્યા રાજાને સોંપી, રાજાએ પણ વિધિપૂર્વક પાણિગ્રહણ કર્યું; જેવી રીતે સૂર્ય પ્રભાવતી સાથે, અગ્નિ સ્વાહા સાથે અને વાસવ (ઇન્દ્ર) શચી સાથે રમણ કરે તેવી રીતે રાજર્ષિ તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. જેવી રીતે ચંદ્રમા રોહિણી સાથે, યમરાજ ધૂમોર્ણા સાથે, વરુણ ગૌરી સાથે, ધનેશ્વર (કુબેર) ઋદ્ધિ સાથે, નારાયણ લક્ષ્મી સાથે, સમુદ્ર ગંગા સાથે, રુદ્ર રુદ્રાણી સાથે, પિતામહ વેદી સાથે, વસિષ્ઠનંદન અદૃશ્યંતી સાથે, વસિષ્ઠ અક્ષમાલા (અરંુધતી) સાથે, ચ્યવન સુકન્યા સાથે, પુલસ્ત્ય સંધ્યા સાથે, અગસ્ત્ય વૈદર્ભી સાથે, સત્યવાન સાવિત્રી સાથે, ભૃગુ પુલોમા સાથે, કશ્યપ અદિતિ સાથે, જમદગ્નિ રેણુકા સાથે, કૌશિક (વિશ્વામિત્ર) હૈમવતી સાથે, બૃહસ્પતિ તારા સાથે, શુક્ર શતપર્વા સાથે, ભૂમિપતિ ભૂમિ સાથે, પુરૂરવા ઉર્વશી સાથે, ઋચીક સત્યવતી સાથે, મનુ સરસ્વતી સાથે, રમણ કરે છે એવી રીતે દિવોદાસથી માધવીએ પ્રતર્દન નામના પુત્રને જન્મ આપ્યો. ત્યાર પછી યોગ્ય સમયે ભગવાન ગાલવ દિવોદાસ પાસે આવ્યા અને આમ બોલ્યા, ‘હે પૃથ્વીપતિ, હવે મને કન્યા પાછી આપો, તમે આપેલા અશ્વ સાચવી રાખો. શુલ્ક માટે હું અન્યત્ર જઈ રહ્યો છું.’ ધર્માત્મા દિવોદાસ પોતાની પ્રતિજ્ઞા પાળનારા હતા, એટલે તેમણે ગાલવને તે કન્યા સોંપી દીધી.
ત્યાર પછી તે યશસ્વિની કન્યા તે લક્ષ્મીને ત્યજીને વિપ્રવર્ય ગાલવની સાથે ચાલી નીકળી. પોતાના કાર્યની સિદ્ધિ માટે ગાલવનું મન વિચારતું હતું. તેઓ વિચારીને રાજા ઉશીનરને મળવા ભોજનગર જઈ પહોંચ્યા. તે રાજા પાસે જઈને ગાલવે કહ્યું, ‘રાજન, આ કન્યા તમારા માટે પૃથ્વીપાલન કરવામાં સમર્થ બે પુત્રોને જન્મ આપશે, એનાથી સૂર્ય, ચંદ્ર જેવા બે પુત્રોને જન્મ આપી કૃતાર્થ થશો. સમસ્ત ધર્મના જ્ઞાતા, આ કન્યાના શુલ્ક પેટે ચંદ્રમા જેવા ઉજ્જ્વળ અને એક કાને શ્યામ એવા ચારસો અશ્વ આપો. ગુરુદક્ષિણા માટે આ કાર્ય આદર્યું છે, મારે અશ્વનું કોઈ કામ નથી. જો તમારા માટે આ શક્ય હોય તો વિચારો. હે રાજર્ષિ, તમે નિ:સંતાન છો. એટલે આ જ કન્યાથી બે પુત્રોને જન્મ આપો, પુત્ર રૂપી નૌકાથી પિતૃઓનો તથા તમારો ઉદ્ધાર કરો. પુત્રફલનો ભોક્તા માનવી ક્યારેય સ્વર્ગમાંથી પતન પામતો નથી, નિ:સંતાન માનવી જેવી રીતે નરકમાં પડે તેવી રીતે આ માનવી સ્વર્ગમાંથી તેનું પતન થતું નથી.’ ગાલવની વાત સાંભળીને તથા અન્ય બાબતો સાંભળીને રાજા ઉશીનરે ઉત્તર આપ્યો. ‘વિપ્રવર્ય, તમે જે કહો છો તે મેં સાંભળી લીધું છે. પરંતુ વિધાતા બળવાન છે, મારું મન એનાથી સંતાન પ્રગટ કરવા આતુર છે. તમારે જેની જરૂર છે એવા બસો જ અશ્વ મારી પાસે છે. બીજી જાતિના તો કેટલાય અશ્વ છે. હે ગાલવ, હું પણ આ કન્યાના ગર્ભથી એક જ પુત્ર પામીશ. બીજાઓ જે માર્ગે ચાલ્યા છે એ જ માર્ગે હું પણ ચાલીશ. હું અશ્વનું પૂરેપૂરું મૂલ્ય ચૂકવી નહીં શકું. મારું ધન પુરવાસીઓ અને જનપરના લોકો માટે છે. મારા ઉપયોગ માટે નથી. જે રાજા પારકા ધનનું પોતાની ઇચ્છા પ્રમાણે દાન કરે છે, તેને ધર્મ અને યશ મળતા નથી. એટલે તમે આ દેવકન્યા જેવી સ્ત્રીને એક જ પુત્રને જન્મ આપવા મને આપો. હું તેનો સ્વીકાર કરીશ.’
આમ કલ્યાણવચનો કહેનારા રાજા ઉશીનરની પ્રશંસા ગાલવે બહુ પ્રશંસા કરી. કન્યા ઉશીનરને સોંપી ગાલવ વનમાં ગયા. જેવી રીતે પુણ્યાત્મા પુરુષ લક્ષ્મી પ્રાપ્ત કરે તેવી રીતે રાજા તે કન્યા સાથે રમણ કરવા લાગ્યા. તેમણે પર્વતોની કંદરાઓમાં, નદીઓના તટ પર, ઝરણાંની આસપાસ, વિચિત્ર ઉદ્યાનોમાં, વન — ઉપવનમાં, સુંદર અગાશીઓ પર, પ્રાસાદ શિખરોમાં વાયુના માર્ગમાં ઊડનારાં વિમાનો પર, ગર્ભગૃહોમાં માધવીની સાથે વિહાર કર્યો. ત્યાર પછી યોગ્ય સમયે રાજાને ત્યાં બાલસૂર્ય જેવો પુત્ર જન્મ્યો. મોટો થઈને તે નૃપશ્રેષ્ઠ શિવિના નામથી જાણીતો થયો. ત્યાર પછી વિપ્ર ગાલવ રાજા પાસેથી કન્યા પાછી લઈને ચાલી નીકળ્યા, રસ્તામાં તેમને વિનતાનંદન (ગરુડ) મળ્યા. તેમણે ગાલવને હસતાં હસતાં કહ્યું, ‘આજે હું તમને કૃતાર્થ થયેલા જોઉં છું.’ ગરુડની વાત સાંભળીને ગાલવે કહ્યું, ‘હજુ દક્ષિણાનો ચોથો ભાગ પૂરો કરવાનો બાકી છે,’ ત્યારે ગાલવને ગરુડે કહ્યું, ‘હવે તારે આ માટે પ્રયત્ન ન કરવો. તારી ઇચ્છા ફળશે નહીં. એક જમાનામાં કાન્યકુબ્જમાં રાજા ગાધિની પુત્રી સત્યવતીને પોતાની ભાર્યા બનાવવા માટે ઋચીક મુનિને તેની માગણી કરી હતી. ત્યારે રાજાએ કહ્યું હતું. ભગવાન આ કન્યાના શુલ્ક પેટે મને ચંદ્ર જેવા ઊજળા અને એક કાને શ્યામ એવા હજાર ઘોડા આપો. ત્યારે ભલે કહીને ઋચીક વરુણલોકમાં ગયા અને અશ્વતીર્થમાંથી એવા અશ્વ લાવીને ગાધિને આપ્યા. રાજાએ પુંડરીક યજ્ઞ કરીને બધા અશ્વ બ્રાહ્મણોને આપી દીધા. ત્યાર પછી રાજાઓએ બસો બસો અશ્વ ખરીદી પોતાની પાસે રાખ્યા. હે બ્રહ્મવર્ય, રસ્તામાં એેક નદી પાર કરવાની હતી. છસો અશ્વ ઉપરાંત બીજા ચારસો હતા. વિતસ્તા નદીમાં એ વહી ગયા. એટલે હવે એને ક્યાંયથી મેળવવા મુશ્કેલ છે. મને લાગે કે એ બસો અશ્વના બદલામાં આ કન્યા વિશ્વામિત્રને આપી દઈએ. છસો અશ્વ ઉપરાંત વિશ્વામિત્રની સેવામાં આ કન્યા આપીએ. આમ કરવાથી તારી બીક દૂર થશે અને તું કૃતકૃત્ય થઈશ. ત્યારે ‘ભલે’ કહીને ગાલવ છસો અશ્વ અને એ કન્યા લઈને વિશ્વામિત્ર પાસે ગયા. ગાલવે કહ્યું, ‘જેવા અશ્વ તમને જોઈતા હતા એવા છે, અને બાકીના બસોના બદલામાં આ કન્યા. રાજર્ષિઓએ આ કન્યા વડે ત્રણ ધાર્મિક પુત્રોને જન્મ આપ્યો છે. હવે તમે પણ એક પુત્રને જન્મ આપો. તો તેની સંખ્યા ચાર થશે. આ પ્રકારે તમારા આઠસો અશ્વની સંખ્યા પૂરી થશે. હું ઋણમુક્ત થઈશ, જેથી નિરાંતે તપ કરી શકીશ. એટલે કૃપા કરો.’
વિશ્વામિત્રે ગરુડ સામે, ગાલવ સામે જોયું, પરમ સુંદરી સામે જોયું અને કહ્યું,
‘ગાલવ, તેં સૌથી પહેલાં જ આમ કેમ ન કર્યું? હું એના વડે વંશ વધારનારા ચાર પુત્રોને જન્મ આપત. તો હવે એક પુત્રપ્રાપ્તિ માટે આ કન્યા સ્વીકારું છું. આ અશ્વ મારા આશ્રમમાં ચરશે.’ આમ કહીને આ તેજસ્વી વિશ્વામિત્રે તેની સાથે રમણ કરીને તેનાથી એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ અષ્ટક હતું. પુત્ર જન્મ્યો કે તરત મહાદ્યુતિ (મહાતેજસ્વી) વિશ્વામિત્રે ધર્મ — અર્થ — તથા અશ્વો તેને સોંપ્યા.
ત્યારે અષ્ટક ચંદ્રપુરીની જેમ પ્રભા ધરાવતી વિશ્વામિત્રની નગરીમાં ગયા, વિશ્વામિત્ર પોતાના શિષ્ય ગાલવને એ કન્યા સોંપીને વનમાં ગયા. ગુરુદક્ષિણા આપીને ગરુડની સાથે ગાલવ મનમાં સંતુષ્ટ થઈને કન્યાને કહેવા લાગ્યા, ‘તારો પહેલો પુત્ર ધનપતિ, બીજો શૂરવીર, ત્રીજો સત્યધર્મપરાયણ અને ચોથો યજ્ઞ કરવાવાળો થશે. તેં આ પુત્રો વડે તારા પિતાને ઉગાર્યા, એ ચાર રાજાઓને ઉગાર્યા, હવે મારી સાથે ચાલ. એમ કહી સર્પનાશક ગરુડની આજ્ઞા લઈને રાજકન્યાને તેના પિતાને સોંપી તેઓ વનમાં ગયા.
ત્યાર પછી રાજી યયાતિએ કન્યાનો સ્વયંવર વિચાર્યો અને ગંગાયમુના સંગમ પાસેના આશ્રમમાં રહેવા લાગ્યા. પછી હાથમાં હાર લઈ બહેન માધવીને રથમાં બેસાડી પૂરુ અને યદુ આશ્રમ પર ગયા. તે સ્વયંવરમાં નાગ, યક્ષ, મનુષ્ય, ગંધર્વો, પશુપક્ષી, પર્વત, વૃક્ષ વનમાં વસનારાઓ આવ્યા. તે આખું વન રાજાઓથી ઊભરાઈ ગયું અને બ્રહ્મા જેવા ઋષિઓથી એ વન ઘેરાઈ વળ્યું. ત્યાં આવેલા લગ્નોત્સુક રાજાઓનો પરિચય માધવીને અપાતો ગયો અને ત્યારે તે વરવર્ણિની કન્યાએ બધા વરને બાજુ પર મૂકીને તપોવનને વર તરીકે સ્વીકાર્યું. યયાતિપુત્રી રથમાંથી ઊતરીને બંધુઓને નમસ્કાર કરી પુણ્ય વનમાં ચાલી ગઈ અને ત્યાં તપસ્યા કરવા લાગી. વિવિધ દીક્ષાઓ, ઉપવાસ અને નિયમોનું પાલન કરતી આત્માને દોષમુક્ત કરતી વનમાં મૃગહરિણીની જેમ વિહરવા લાગી. એ જ રીતે તે વૈડૂર્ય મણિના અંકુરોની જેમ તિક્ત, મધુર, કોમળ ઘાસ ચરવા લાગી. પવિત્ર નદીઓનું વિમળ, શીતળ, પવિત્ર પાણી પીતી અને સિંહો વગરના, દાવાગ્નિ વિનાના નિર્જન અને ગાઢ વનોમાં, હરિણીઓની સાથે, વનચારિણી મૃગીની જેમ વિહાર કરતી હતી. બ્રહ્મચર્ય પાલન કરનારીએ મહાન ધર્માનુચરણ કર્યું.
(મહાભારત: ઉદ્યોગ પર્વ ૧૦૪-૧૧૮)
=== વિદુરોપાખ્યાન ===
(કુન્તા શ્રીકૃષ્ણને આ કથા કહી સંભળાવે છે.)
ઉત્તમ કુળમાં જન્મેલી, યશસ્વિની, તેજસ્વિની, જિતેન્દ્રિયા, ક્ષત્રિય ધર્મરતા, દીર્ઘદશિર્ની એક રાજપુત્રી હતી, તેનું નામ વિદુરા. રાજાઓની મંડળીમાં તે વિખ્યાત હતી. અનેક શાસ્ત્રોની જાણકાર વિદુરા મહાપુરુષોના ઉપદેશ સાંભળીને તેમાંથી ઘણું બધું જ્ઞાન મેળવતી હતી. એક વખત તેનો પુત્ર સિન્ધુરાજ સામે લડતાં લડતાં હારી ગયો, અને પછી સૂઈ ગયો. મિત્રોને આનંદ ન આપનાર, ધર્મને ન જાણનાર, શત્રુઓના આનંદની વૃદ્ધિ કરનાર પુત્રની નિંદા કરતી વિદુરા કહેવા લાગી,
‘તું મારા પેટે પાક્યો જ નથી. તારા પિતાએ તને જન્મ આપ્યો જ નથી, તારા જેવો કાયર અહીં આવ્યો જ ક્યાંથી? તું સંપૂર્ણરીતે ક્રોધ વગરનો છે, ક્ષત્રિયોમાં તારી ગણના ન કરી શકાય. તું ઉપરછલ્લી રીતે જ પુરુષ છે. તારું મન અને બીજું બધું નપુંસકો જેવું છે. શું તું જીવનભર નિરાશ રહીશ? હવે તો ઊઠ, તારા પોતાના કલ્યાણ માટે ફરી યુદ્ધનો ભાર વહન કર. પોતાને નિર્બળ માનીને આત્મતિરસ્કાર ન કર, આ આત્માનું પોષણ માત્ર થોડા ધનથી ન કર, મનને પરમ કલ્યાણકારક બનાવ, શુભ સંકલ્પો કર, ભયનો પૂરેપૂરો ત્યાગ કરીને દૃઢતાથી ઊભો રહી જા. અરે કાયર, ઊભો થા, આ રીતે શત્રુથી પરાજિત થઈને તેમને તું આનંદ આપે છે, તું બાંધવજનોને શોકગ્રસ્ત બનાવે છે, ઘરમાં પડ્યો ન રહે. જેવી રીતે નાનકડી નદી બહુ ઓછા પાણીથી છલકાવા માંડે છે, ઉંદરનું પેટ થોડા જ કણથી ભરાઈ જાય છે, એવી જ રીતે કાયરને સંતોષ આપવો તો બહુ સહેલું છે, તે તો થોડાથી જ રીઝી જાય છે. તું શત્રુરૂપી સાપના દાંત તોડતો હમણાં જ મરી જા. પ્રાણ જતા રહેવાનો ડર હોય તો પણ શત્રુની સામે યુદ્ધ કરી પરાક્રમ દેખાડ. આકાશમાં નિ:શંક થઈને ઊડતા બાજ પક્ષીની જેમ રણભૂમિમાં નિર્ભય બનીને વિચર અને ગર્જના કરીને અથવા ચૂપ રહીને શત્રુઓનાં છિદ્ર જોતો રહે. અરે કાયર! વજ્રના આઘાતથી મરેલા મડદાની જેમ અહીં નિશ્ચેષ્ટ થઈને કેમ સૂઈ રહ્યો છે? તું ઊભો થઈ જા, શત્રુઓથી પરાજિત થઈને અહીં પડ્યો ન રહે. લાચાર બનીને હારી ન જા. શૌર્યપૂર્ણ કાર્ય વડે તું પ્રસિદ્ધિ પામ. તું મધ્યમ, અધમ ભાવનું શરણ ન શોધ, યુદ્ધભૂમિમાં સિંહગર્જના કરીને ઊભો રહી જા. તિન્દુકની પ્રજ્વલિત લાકડીની જેમ ભલે બે ઘડી તો બે ઘડી પણ પ્રજ્વલિત થા, થોડા સમય માટે તું તારું પરાક્રમ કરી દેખાડ. જીવવાની ઇચ્છાથી લાકડાના ભૂસાની જેમ ધુમાડો ન કર, બે ઘડી પણ સળગતા રહેવું વધુ સારું પણ લાંબો સમય માત્ર ધુમાડો કરીને ધૂંધવાવું સારું નહીં. કોઈ પણ રાજાના ઘરમાં કોમળ સ્વભાવવાળા પુરુષનો જન્મ ન થવો જોઈએ, વીર પુરુષ યુદ્ધભૂમિ પર જઈ ઉત્તમ પુરુષાર્થ આચરીને ધર્મના ઋણમાંથી મુક્ત થઈ જાય છે, તે પોતાની નિન્દા નથી થવા દેતો. તે પુરુષને ફળ મળે કે ન મળે, તેનો શોક તે કરતો નથી. પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરીને શરીરમાં જીવ હોય ત્યાં સુધી કાર્ય કરતો રહે છે, પોતાને ધન મળે એવી ઇચ્છા તે કરતો નથી. ધર્મને આગળ કરીને પરાક્રમ દાખવ, અથવા બધાં પ્રાણીઓને માટે નિર્માયેલી ગતિ (મૃત્યુ)ને પામ. પણ આમ કાયર બનીને શા માટે જીવે છે? અરે કાયર! તારાં ઇષ્ટ કર્મ નાશ પામ્યાં, તારી સઘળી કીતિર્ ધૂળમાં મળી ગઈ, ભોગનું મૂળ સાધન રાજ્ય પણ છીનવાઈ ગયું, તો હવે શા માટે તું જીવે છે? માનવી ડૂબતી વખતે અથવા ઉપરથી નીચે પડતી વખતે પણ શત્રુનો પગ પકડે, આમ કરવા જતાં પોતાનો પૂરેપૂરો નાશ થઈ જાય તો પણ કોઈ રીતે દુઃખી ન થાય. ઉત્તમ જાતિના ઘોડા નથી થાકતા, નથી હાંફી જતા. આ વાત યાદ રાખીને યુદ્ધના ભાર પુરુષાર્થ કરીને ઉપાડ. તું ધીરજ ધર, સ્વાભિમાની બન. તારા પુરુષાર્થને ઓળખ, તારે કારણે ડૂબી જનારા વંશનો તું પોતે ઉદ્ધાર કર. બધા લોકો જેના પુરુષાર્થની તથા ચરિત્રની વાતો નથી કરતા તે જ પુરુષ તો માત્ર જનસંખ્યામાં વૃદ્ધિ જ કરે છે. મારી નજરે નથી તો તે સ્ત્રી કે નથી પુરુષ.
દાન, તપસ્યા, શૂરવીરતા, વિદ્યા અને ધર્મોપાર્જનની બાબતોમાં જેના યશની ગાથા લોકો ગાતા નથી તે માનવી પોતાની માતાનો પુત્ર નથી, મળમૂત્ર છે. જે શાસ્ત્રજ્ઞાન, તપસ્યા, ધન, પરાક્રમ વડે બીજાઓને પરાજિત કરે છે તે જ એવાં કાર્ય વડે પુરુષ નામને પાત્ર બને છે. નપુંસકો, કાપાલિકો, ક્રૂર અને કાયરો માટે ઉચિત ભિક્ષાવૃત્તિનો આશ્રય લેવાનો નહીં, તેનાથી અપયશ ફેલાય અને દુઃખ મળે. જે દુર્બળ મનુષ્યનું અભિવાદન શત્રુઓ કરે તે બધા લોકોથી અપમાનિત થાય છે. જે થોડાક જ લાભથી સંતુષ્ટ થઈ આશ્ચર્ય, દાખવે છે, તે બધી રીતે લાચાર, ક્ષુદ્ર જીવન વ્યતીત કરનાર હોય તેના જેવા ભાઈને પામીને કોઈ સુખી નથી થતું. તારી કાયરતાને કારણે અમે આ રાજ્યમાંથી નિર્વાસિત થઈશું અને બધાં સુખ ગુમાવી બેસીશું. અમે સ્થાનભ્રષ્ટ થઈને, અકિંચન થઈને ગુજરાન મેળવ્યા વિના મૃત્યુ પામીશું. તું સત્પુરુષોની વચ્ચે અશોભનીય કર્મ કરીશ. કુળ અને વંશની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવીશ. બધાં મનોવાંછિત સુખ વગરના અમે થઈશું, ગુજરાન વિના અમે મૃત્યુ પામીશું.
લાગે છે કે મેં પુત્રને બદલે કલિને જન્મ આપ્યો છે. કોઈ પણ તેજસ્વિની સ્ત્રી આવા ક્રોધહીન, ઉત્સાહહીન, બળહીન, શત્રુને આનંદ આપનાર કપૂતને જન્મ ન આપે. તું ધુમાડો કરવા લાંબો સમય સળગ નહીં, ક્ષણવાર માટે ભલે પણ શત્રુઓના માથે સળગ, શત્રુઓનો વધ કર. ક્રોધી રહેવું, ક્ષમારહિત રહેવું એ જ પૌરુષ છે. જે પુરુષ સદા ક્ષમાશીલ હોય, ક્રોધશૂન્ય હોય તે નથી તો સ્ત્રી કે નથી તો પુુરુષ. સંતોષી રહેવું અને ક્રોધશૂન્ય રહેવું — આ બંને સંપત્તિનો નાશ કરનારા છે. એવી જ રીતે શત્રુનો સામનો ન કરવો અને તેનાથી ડરી જવું એ પણ સંપત્તિનો નાશ કરે છે. નિરુત્સાહી પુુરુષ રાજ્યપ્રાપ્તિ જેવાં મોટાં ફળ ક્યારેય મેળવી શકતો નથી.
હે પુત્ર, તું આ બધા દોષમાંથી મુક્ત થઈ જા, હૃદયને વજ્ર જેવું કઠોર બનાવી પોતાનું રાજ્ય પાછું મેળવવાનો પ્રયત્ન કર. શત્રુઓનો સામનો કરવાથી જ પુરુષ કહેવાય છે, પણ જે પુરુષ સ્ત્રીની જેમ ઘરમાં જ બેસી રહીને જીવતો રહે છે તેનું જીવન તો મિથ્યા છે. સિંહની જેમ પ્રબળ પ્રતાપ વિસ્તારનાર, શૂરવીર રાજાના મૃત્યુ પછી પણ તેના શાસન હેઠળ રહેનારી પ્રજા સુખ ભોગવતી હૃષ્ટપુષ્ટ બને છે. જે બુદ્વિશાળી રાજા પોતાના પ્રિય ને અને સુખને ત્યજીને રાજલક્ષ્મીની શોધમાં પરોવાય છે તે ટૂંક સમયમાં જ મંત્રીઓના આનંદમાં વૃદ્ધિ કરે છે.’
આ સાંભળી પુત્રે કહ્યું, ‘જો હું મૃત્યુ પામું અને તું મને જ ન જુએ તો તને આખી પૃથ્વી મળી જાય તોય શું? રાજ્ય, ભૂષણ, ભોગ, સુખ, જીવનનું શું પ્રયોજન?
માએ કહ્યું, ‘નિર્ધન નીચ લોકો જે લોકમાં જાય છે ત્યાં આપણા શત્રુઓ જાય, આદરયુક્ત, તેજસ્વી પુરુષો જે લોકમાં જાય છે ત્યાં આપણા બાંધવજનો, સુહૃદ લોકો જાય. સેવકોથી અપમાનિત થનારા, પારકા અન્ને જીવનારા દીન, નિર્બળ અને મલિન ચિત્તવાળા લોકોની જેવી વૃત્તિ ન ધરાવ. બધા લોકો જેવી રીતે વરસાદ પાડતા મેઘ પર જીવે છે અને દેવતાઓ જેવી રીતે ઇન્દ્ર પર જીવે છે તેવી જ રીતે બ્રાહ્મણો અને સુહૃદો તારી પાસેથી આજીવિકા મેળવે. સારી રીતે પાકેલાં ફળવાળા વૃક્ષનો આશ્રય લઈને જેવી રીતે પક્ષીઓ જીવે છે, એવી જ રીતે બધાં પ્રાણીઓ જે ભાગ્યશાળી પુરુષનો આશ્રય લઈને જીવિકા મેળવે છે, એવા ભાગ્યશાળી પુરુષનું જીવન સાર્થક ગણાય. ઇન્દ્રના બાહુબળથી વૃદ્ધિ પામતા દેવતાઓની જેમ જે મહાવીર પુરુષના અતિ પ્રતાપને આધારે તેના બાંધવોનું સુખ વૃદ્ધિ પામે છે, સંસારમાં તેનું જ જીવન સાર્થક થાય છે. જે પુરુષ પોતાના બાહુબળને આધારે પોતાનું જીવન વીતાવે છે તે આ લોકમાં કીતિર્ પામીને છેવટે કલ્યાણકારી પરમ ગતિ પામે છે.
હે પુત્ર, જો તું આવી હીન અવસ્થામાં પુરુષાર્થ ત્યજી દેવા માગતો હોય તો અધમ પુરુષોથી સેવાતો નીચ માર્ગ પામીશ. ક્ષત્રિય કુળમાં જન્મ પામીને જે પુરુષ જીવવાની ઇચ્છાથી પોતાની શક્તિ અનુસાર પોતાના પરાક્રમ અને બળ પ્રકટ કરી પોતાનું તેજ રેલાવતો નથી પંડિતો તેને ચોર જ માને છે. મરણપથારીએ પડેલા રોગી માટે જેવી રીતે ઔષધિનો કશો અર્થ રહેતો નથી એવી રીતે અર્થયુક્ત, યુક્તિસંમત, ગુણસમુદ્ર ઉત્તમ વચન તારા માટે પ્રભાવહીન લાગી રહ્યાં છે. સિંધુરાજના ઘણા ટેકેદારો તેનાથી સંતુષ્ટ છે. પણ તે મૂર્ખ પોતાની નિર્બળતાને કારણે સ્વામી વ્યસનના ફ્ંદામાં ફસાય તેની રાહ જોઈ રહ્યા છે.
આ સિવાય જે પુરુષો સ્પષ્ટ રીતે તેની સાથે વેર બાંધે છે તેમનો પુરુષાર્થ જોઈ તારી સાથે જ તેની વિરુદ્ધ યુદ્ધ કરવામાં સામેલ થશે. તું એ બધાની સાથે મળીને શત્રુ વ્યસનમાં ફસાય તેની પ્રતીક્ષા કરતા કરતા દુર્ગ રૂપી પર્વતનો આશ્રય લે. તારો આ શત્રુ સિન્ધુરાજ અજર અને અમર તો નથી. અરે પુત્ર, તારું નામ સંજય — એટલે કે શત્રુઓને સારી રીતે જીતનારો, પણ સંજયનો એવો ગુણ મને તારામાં દેખાતો નથી, તું તારા નામને વ્યર્થ ન કરી તેને સાર્થક બનાવ. તારી શિશુ અવસ્થામાં દૃષ્ટિવાળા મહાન બુુદ્ધિશાળી જ્યોતિષીએ કહ્યું હતું, આ બાળક શરૂઆતમાં દુઃખ ભોગવી છેવટે બહુ ઉન્નતિ પામશે. એ બ્રાહ્મણના વચનનું સ્મરણ કરીને હું તારા વિજયની આશા રાખું છું. એટલે જ તને ચાનક ચઢાવી રહી છું, વારંવાર આ જ રીતે તને ચાનક ચઢાવતી રહીશ. જે પુરુષ પોતે યથાર્થ નીતિ પ્રમાણે આચરણ કરે છે, અને બીજાઓ પણ જેનું કાર્ય આચરણ સિદ્ધ થવાથી પ્રસન્ન થાય છે, તૃપ્તિ અનુભવે છે, તેનો મનોરથ ચોક્કસ સફળ થાય છે. આ કાર્ય કરવાથી મારા પૂર્વસંચિત વિષયનો નાશ થાય કે તેની વૃદ્ધિ થાય, હું કદી નિવૃત્ત નહીં થઉં એવો દૃઢ સંકલ્પ કરી તું યુદ્ધ નિમિત્તે પ્રયત્ન કર, એનાથી વિરુદ્ધનું કશું ન કર. શંબર મુનિ કહેતા હતા — જેના ઘરમાં આજે અન્ન નથી, કાલ માટે પણ નથી, એવી જ ચિંતા જો રહ્યા કરતી હોય તો એનાથી વધુ પાપી પુુરુષની બીજી તે કઈ દશા! પતિ અને પુત્રની હત્યાથી જે દુઃખ થાય તેનાથી વિશેષ દુઃખ આ દરિદ્રતાનું છે. દરિદ્રતાના દુઃખનું બીજું નામ જ મૃત્યુ છે. હું ઉત્તમ કુળમાં જન્મી છું, પતિ દ્વારા બધાં કલ્યાણકાર્ય કરીને સત્કૃત થઈ છું, બધા પર શાસન કરું છું, હું મારા પિતાના કુળમાંથી પતિના કુળમાં જેવી રીતે કોઈ કમલિની એક સરોવરમાંથી બીજા સરોવરમાં લવાય તેવી રીતે આવી છું. ભૂતકાળમાં મારા સ્વજનોએ મને કિમતી વસ્તુઓ અને અલંકારોથી ભૂષિત જોઈ છે, અનેક સુંદર વસ્ત્ર પહેરેલી જોઈ છે, આજે તેઓ મને ભારે દુઃખમાં પડેલી જુએ છે. સંજય, તું જ્યારે મને અને તારી પત્નીને દીન, હીન, અત્યંત દુઃખી જોઈશ ત્યારે તારા જીવનનો કશો અર્થ નહીં રહે. દાસ-દાસી, સેવકગણ, ગુરુ, ઋત્વિજ, પુરોહિત — આ બધાને જ્યારે આજીવિકા નહીં મળે ત્યારે આપણને ત્યજીને જતા રહેશે — તે જોઈને તારા જીવનનો કયો અર્થ? તું પહેલાં પ્રશંસનીય, યશોદાયી કર્મો કરતો હતો, એ બધાંને જો હું અત્યારે નહીં જોઉં તો મારા હૃદયમાં શાંતિ કેવી રીતે જોવા મળશે? કોઈ બ્રાહ્મણ જ્યારે મારી પાસે કશું માગશે અને ત્યારે હું એમ કહીશ કે મારી પાસે નથી, ત્યારે મારું હૃદય સાવ ભાંગી જશે, કારણ કે ભૂતકાળમાં મેં કે મારા સ્વામીએ બ્રાહ્મણોને ક્યારેય ના પાડી ન હતી. બધા લોકો આપણા આશ્રયે રહેતા હતા, આપણે કોઈના આશ્રયે જીવતા ન હતા. હવે જો બીજાનો આશ્રય લઈને જીવવું પડશે તો હું ચોક્કસ આત્મહત્યા કરીશ. અપાર દુઃખમાં જઈ પડેલાઓને ઉગારવામાં તું જ એક માત્ર આધાર બન. નૌકારહિત, વિપત્તિરૂપી સમુદ્ર પાર કરવામાં તું નૌકા બની જા. અત્યારે આપણને રહેવા માટે કોઈ સ્થાન નથી, તું એ સ્થાન ઊભું કર. મૃતવત્ થઈ ગયેલા અમને તું જીવિત કર.
તું જો જીવવાનો મોહ ત્યજી દઈશ તો બધા શત્રુ સાથે યુદ્ધ કરી શકીશ. અને જો કાયર બનીને, દુઃખી, નિરુત્સાહી જીવન જીવવું પડે તો તું તરત જ આ પાપમય જીવન ત્યજી દે. જે પુરુષ પરાક્રમી હોય છે તે એક જ શત્રુને મારીને પૃથ્વીમાં યશ પામે છે. ઇન્દ્ર એક જ વૃત્રાસુરનો વધ કરીને મહેન્દ્ર બની ગયા, તેમને એ સ્થાન મળ્યું તથા બધા લોકના ઈશ્વર બની ગયા. ઉત્સાહી વીર પુરુષ જ્યારે રણભૂમિમાં પોતાનું નામ સંભળાવીને પડકારે છે, શત્રુ સેનાનો આગલો ભાગ છિન્નભિન્ન કરે છે, પોતાના પરાક્રમ વડે મુખ્ય સેનાપતિઓને મારી નાખે છે, અને જ્યારે તે વીર એવા ભયંકર યુદ્ધ વડે મહાન યશ મેળવે છે ત્યારે શત્રુ ગભરાઈ જઈને તે વીર આગળ માથાં નમાવે છે. પરંતુ જે પુરુષ નપુંસકતાનો આધાર લે છે તે યુદ્ધમાં પોતાનું સમર્પણ કરી દે છે અને લાચાર બનીને યુદ્ધવિશારદ પરાક્રમી શત્રુના બધા મનોરથ પૂર્ણ કરે છે, તેને તૃપ્ત કરે છે. ઉત્સાહી અને સાહસિક પુરુષ ભલે ને રાજ્યનો નાશ થઈ જાય, પ્રાણનું સંકટ ઊભું થાય તો પણ શત્રુનો સંપૂર્ણ નાશ કરી દે છે. પરાક્રમ પ્રકટ કરવાથી જ સ્વર્ગદ્વાર મળે છે કે અમૃતતુલ્ય રાજ્યપદ મળે છે, એ દ્વાર તારા માટે અત્યારે બંધ થઈ ગયું છે એ વાત હૈયે ઘૂંટીને તું સળગતી આગની જેમ શત્રુઓની વચ્ચે પ્રવેશ. રણમેદાન પર શત્રુઓને હરાવ, ધર્મપાલન કર. કોઈ તને ગરીબ ન કહે, તારા શત્રુને ધનવાન ન કહે. દુઃખી એવી મને આપણા પક્ષના લોક જુએ નહીં, આનંદ પામતા શત્રુઓથી ઘેરાયેલા તને હું ન જોઉં. તું પહેલાંની જેમ આનંદિત થઈને વીરને છાજે એવાં કર્મ કરીને સૌવીર કન્યાઓની વચ્ચે આનંદનું પાત્ર બન, નિરુત્સાહી, પરાક્રમહીન બનીને સિન્ધુ દેશની કન્યાઓને વશ ન થા. રૂપવાન, વિદ્યાભૂષિત, ઉત્તમ કુળમાં જન્મેલા, વિખ્યાત, યશસ્વી યુવાન બળદની જેમ બીજાના ઇશારે ચાલે એ જ એનું મૃત્યુ. જો હું તને બીજાને વશ થઈ, તેની ખુશામત કરતો, તેની પાછળ પાછળ જતો જોઈશ તો મારા હૃદયમાં શાંતિ કેવી રીતે થશે? તારા કુળમાં બીજાની પાછળ પાછળ ચાલનારો પુરુષ ક્યારેય જન્મ્યો નથી, તું બીજાનો દાસ બનીને કદી જીવીશ નહીં. ક્ષત્રિયોના હૃદયને હું પૂરેપૂરું ઓળખું છું. ભૂતકાળના અને ત્યાર પછીના પંડિતોએ આ વિશે જે કહ્યું છે તે પણ હું જાણું છું. આ પૃથ્વી પર કોઈ પ્રસિદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મેલો જે પુરુષ બધા ધર્મના મર્મને જાણે છે તે ભયભીત થઈને જીવ બચાવવા કદી કોઈની આગળ ઝૂકે નહીં. પુરુષનો પુરુષાર્થ ઉદ્યમ જ છે. હમેશાં ઉદ્યમી જ બની રહેવું જોઈએ, કોઈની આગળ મસ્તક નહીં ઝુકાવવાનું. રણભૂમિ પર શરીરના ભલે ટુકડેટુકડા થઈ જાય તો પણ મસ્તક નહીં ઝુકાવવાનું. વીર પુરુષ મદોન્મત્ત હાથીની જેમ નિર્ભય બનીને બધે ભમે, ધર્મપાલન કરવા માત્ર બ્રાહ્મણ આગળ જ મસ્તક નમાવે. બધી જ જાતના લોકોને વશ કરીને, દુષ્ટોનો વિનાશ કરીને ઘણી બધી સહાય હોય કે ન હોય તો પણ આજીવન તે આવાં કાર્ય કરતો રહે છે.’
આ સાંભળી પુત્રે કહ્યું, ‘ક્રોધી, કરુણાહીન, શત્રુતાનો જ વિચાર કરનારી હે માતા, લાગે છે કે તારું હૃદય બહુ જ કઠોર લોખંડમાંથી બ્રહ્માએ બનાવ્યું છે. ક્ષત્રિય ધર્મ કેવો વિચિત્ર છે, તું મને બીજી સ્ત્રીના પુત્રની જેમ સમયને પોતાના એકના એક પુત્રને આ બધું સંભળાવી રહી છે? જો તું મને જ નહીં જુએ તો મારા આ સમસ્ત પૃથ્વીના રાજ્ય, ભૂષણ, ભોગ, સુખ અને જીવનથી પણ શું?’
આ સાંભળી માતા બોલી, ‘બુદ્ધિશાળી પુરુષોનાં બધાં કર્મ, ધર્મપૂર્ણ, અર્થપૂર્ણ હોય છે. એ જ ધર્મ અને અર્થ તરફ ધ્યાન દોરી તને યુદ્ધ કરવા પ્રેરણા આપી રહી છું. તારું પરાક્રમ પ્રગટ કરવાનો આ સમય આવી પહોંચ્યો છે, જો આ સમયમાં તું તારું કર્તવ્ય નહીં બજાવે તો લોકોમાં પ્રતિષ્ઠા ગુમાવીશ અને મારું અહિત કરીશ, તને અપયશથી ઘેરાયેલો જોઈ જો હું તને એ નિવારતાં થોડાં વાક્ય ન કહું તો આવા પુત્રસ્નેહને પંડિતો સામર્થ્યહીન પ્રીતિ અને ગર્દભીના પ્રેમ જેવો નિરર્થક સ્નેહ કહે છે. મૂર્ખ લોકો જે સ્વીકારે છે અને બુદ્ધિશાળીઓ જેની નિંદા કરે છે તે માર્ગ તું ત્યજી દે. આ ધરતી પર અવિદ્યા બહુ છે, એ જ અવિદ્યા પર બધી પ્રજા જીવે છે. ધર્મ અર્થ વગેરે ગુણયુક્ત, દેવતા અને મનુષ્યોએ સ્વીકારેલા, સાધુજનોના માન્ય આચરણ પર તું જો ચાલીશ તો તું મારો પ્રિય બની શકીશ, અન્યથા નહીં. જેઓ ઉન્નતિ ન કરતા પોતાના પુત્રો-પૌત્રોને ચાહે છે તેમની પ્રજાનું ફળ વ્યર્થ છે. મનુષ્યને યોગ્ય કર્તવ્ય ન કરનારા, નિંદાપાત્ર, અસદ્ કર્મ કરનારા અધમ લોકોને આ લોકમાં અને પરલોકમાં સુખ નથી મળતું. તું સમજી લે કે આ સંસારમાં ક્ષત્રિયોનો જન્મ યુદ્ધ કરીને વિજય મેળવવા, ક્રૂર કાર્ય કરવા તથા પ્રજાઓનું પાલન કરવા થયો છે. ક્ષત્રિય કાં તો યુદ્ધમાં વિજય મેળવે કે યુદ્ધમાં મૃત્યુ પામે: બંને રીતે તેને સ્વર્ગ સાંપડે છે. દુશ્મનોને વશ કરીને ક્ષત્રિય જે સુખ મેળવે છે તેવું સુખ પુણ્યયુક્ત સ્વર્ગના ઇન્દ્રભવનમાં પણ ન મળે. મનસ્વી પુરુષ શત્રુ પર વિજય મેળવવાની ઇચ્છા વડે જ શત્રુથી પરાજિત થવાને કારણે જન્મેલા ક્રોધની આગને દૂર કરી શકે છે. તે કાં તો પોતે મૃત્યુ પામે અથવા શત્રુને મારે — આ સિવાય બીજી કોઈ રીતે તેના હૃદયને શાંતિ મળી શકતી નથી. આ જગતમાં બુદ્ધિમાન પુરુષ ઓછી વસ્તુઓને પ્રેમ નથી કરતો, જેમને ઓછી વસ્તુઓ ગમે છે તે એક ને એક દિવસ તેના અનિષ્ટનું કારણ બની શકે છે. પ્રિય વસ્તુઓનો સાવ અભાવ થાય ત્યારે તેના કલ્યાણની સંભાવના નથી રહેતી, સમુદ્રમાં લય પામેલી ગંગાની જેમ તેનો સંપૂર્ણ અભાવ થઈ જાય છે.
આ સાંભળી પુત્ર બોલ્યો, ‘ખાસ કરીને પોતાના પુત્રને આવી વાત કરવી તને શોભતું નથી. અત્યારે તો મૂંગા રહીને શાંત ચિત્તે કેવળ કરુણા પ્રગટ કરવી જ તારે માટે યોગ્ય છે.’
માતાએ કહ્યું, ‘તું જે રીતે વિચારે છે તે રીતે તને હું વધારે ચાહતી થઈ છું. મારા વિશે જેવું કહેવું યોગ્ય હોય તે તું કહી રહ્યો છે, હું પણ એ પ્રમાણે તને પ્રેરણા આપી રહી છું. તું પહેલાં બધા જ વીરોને મોતને ઘાટ ઉતાર પછી તારી ખૂબ પ્રશંસા કરીશ. ભવિષ્યમાં બધી રીતે તું વિજયી થઈશ તેને હું પ્રત્યક્ષ જોઈ રહી છું.’
પુત્ર બોલ્યો, ‘મારી પાસ નથી ધન, નથી બળ. પછી મારો વિજય થાય કેવી રીતે? આવી દારુણ અવસ્થા જાણીને હું નિરાશ થઈને ચૂપ થઈ ગયો છું, દુષ્કર્મો વડે સ્વર્ગપ્રાપ્તિની આશા ન રખાય, એ જ રીતે મેં રાજ્ય પ્રાપ્ત કરવાની આશા ત્યજી દીધી છે. હું જેનાથી સમૃદ્ધ થઈ શકું એવો કોઈ ઉપાય તું જાણતી હો તો મને કહે, હું તારી એ વાત પૂરેપૂરી માનીશ.’
માતા બોલી, ‘પહેલાંની નિષ્ફળતાઓ જોઈને જાતને તુચ્છ ન માન, ક્યારેક ન મળવાપાત્ર સંપત્તિ મળી જાય છે તો ક્યારેક મળેલું ધન પણ નાશ પામે છે. મૂર્ખ બનીને ક્રોધે ભરાઈને કોઈ કાર્ય કરવું યોગ્ય નથી. બધા જ પ્રકારનાં કર્મોના ફળની સિદ્ધિમાં હમેશાં અનિત્યતા હોય છે. જે પુરુષ ફળની અનિત્યતાને જાણીને પણ કાર્ય કરે છે તેની અભિલાષા સિદ્ધ થાય અને ન પણ થાય. પણ જેઓ કર્મ કરતા જ નથી તેમના વિશે એક વાત તો નિશ્ચિત છે કે તેમના કર્મના ફળનો અભાવ રહે છે. પણ કાર્ય જો કરો તો ફળ મળે પણ અને ન પણ મળે. આરંભ કરતાં પહેલાં જે પુરુષ બધાં કાર્યોની અનિત્યતા જાણીને ઉદ્યમ કરે છે તે પોતાને પ્રતિકૂળ પીડા અને શત્રુઓની સમૃદ્ધિ — બંનેને દૂર કરે છે. એટલે કાર્યસિદ્ધિ મળશે જ એમ માનીને ઉત્સાહી થા અને દેવો-બ્રાહ્મણોની પૂજા કરીને, બીજાં મંગલ કાર્ય કરીને તું ઊભો થા, જાગૃત થા અને ઐશ્વર્યપ્રાપ્તિના કાર્યમાં પરોવાઈ જા. બુદ્ધિમાન રાજાની બહુ જલદી ઉન્નતિ થાય છે અને જેવી રીતે પૂર્વ દિશા ભગવાન સૂર્યને આલિંગે છે તેવી રીતે લક્ષ્મી દેવી તે પુરુષસિંહનું આલિંગન કરે છે. મેં જે આ બધી વાતો તને કરી છે તેને યોગ્ય તું છે, એટલે બધી શંકાઓ ત્યજીને પરાક્રમ દેખાડ, અત્યારે તું ઇચ્છિત પુરુષાર્થ કરવામાં સમર્થ છે. તારા શત્રુઓ ઉપર જેઓ ક્રોધે ભરાયા છે, જેઓ લોભી બન્યા છે, જેઓ એ શત્રુઓથી દુઃખી છે, જે ગર્વીલા છે, જેઓ અપમાનિત થયા છે, જેઓ તેમની સાથે યુદ્ધ કરવા ઇચ્છે છે તે બધાને તું તારા પક્ષમાં લઈ લે. જે પ્રકારે વાયુ બળવાન વાદળોને છિન્નભિન્ન કરી નાખે છે તેવી રીતે આવા પ્રયત્ન વડે તું આ ઘણા બધા લોકોને વશ કરવામાં સફળ થઈશ.
તું સૌથી પહેલાં તેમને વેતન આપીને સંતુુષ્ટ કર, તું પોતે બળવાન અને ઉત્સાહી રહે. બધાની સાથે પ્રેમથી બોલો, કાર્યસિદ્ધિ માટે મથો, ત્યારે બીજાઓ પણ તારું પ્રિય કરશે, તને પોતાનો નેતા, અગ્રણી બનાવશે — આમાં જરાય શંકા નથી. જ્યારે શત્રુને ખબર પડે છે કે મારો દુશ્મન પોતાના પ્રાણની પરવા કર્યા વિના યુદ્ધ કરવા ઊભો છે ત્યારે તે ઘરમાં વસતા સાપની જેમ તેનાથી ડરવા માંડે છે. તેને વધુ બળવાન માનીને જો તે પોતાને વશ કરવાનો પ્રયત્ન નહીં કરે તો તે શામદામ વડે પોતાને અનુકૂળ કરવાનો પ્રયત્ન કરશે, આમ થવાથી એક રીતે તેને વશ કરી શકાશે. સંધિ થવાથી સ્થાન અને રાજ્ય મેળવવાથી ધનની વૃદ્ધિ થશે, પુુરુષ ધનવાન થાય એટલે મિત્રો તેને સ્વીકારશે, તેનો આશરો લેશે. પરંતુ જો તે દૈવયોગે ધન-સંપત્તિ ખોઈ બેસે તો મિત્રો અને બાંધવો તેને ત્યજી દેશે. માત્ર ત્યજી નહીં દે, તેનો વિશ્વાસ પણ નહીં કરે, તેની નિંદા કરતાંય તેમને શરમ નહીં નડે. જે પુરુષ શત્રુને સહાયક બનાવી તેના પર વિશ્વાસ કરે છે તેને કદી રાજ્યપ્રાપ્તિ થશે — આ તો માત્ર સંભાવના છે. વાસ્તવમાં તેની આ આશા ક્યારેય સફળ નહીં થાય.
ગમે તેવી આપત્તિ કેમ ન આવે, રાજાએ એનાથી ડરવાનું ન હોય, અને ધારો કે મનમાં એવો ડર જાગે તો પણ એ ડર બહાર પ્રગટ નહીં કરવાનો. કારણ કે રાજાને ભયભીત જોઈને અમાત્ય સમેત બધા નિરુત્સાહી થઈ જાય છે, અને તેમના મનમાં જાતજાતના વિચાર આવે છે. આવું થાય ત્યારે કેટલાક શત્રુઓ સાથે ભળી જાય છે, કેટલાક સ્વામીને ત્યજી દે છે, અને જેમનું પહેલાં અપમાન કર્યું હતું તે બધા લાગ જોઈને પોતાના સ્વામી પર હુમલો કરવાની ઇચ્છા રાખે છે. જેઓ ખૂબ જ સુહૃદ છે તેઓ સામર્થ્યહીન ભલે હોય, બંધાયેલા વાછરડાવાળી ગાયની જેમ તેની પરતંત્રતાને, સ્વીકારી તેના કલ્યાણ કરવાની અભિલાષાથી સેવા કરે છે. ભાઈ-બંધુને પતિત જોઈને જેવી રીતે બાંધવો દુઃખ-શોક દાખવે છે. તેવી જ રીતે વિશ્વાસુ સુહૃદો મિત્રો સ્વામીની ખરાબ હાલત જોઈને દુઃખી થાય છે. સ્વામીને વ્યસનમાં પડેલો જોઈ જેઓ તનમનથી તેના રાજ્યની રક્ષા ઇચ્છે છે તેઓ જ ખરેખર મિત્ર છે, એવા તમારા જે સુહૃદો છે તેમનું તેં પહેલાં સમ્માન કર્યું છે, આવા સુહૃદોને તું ક્યારેય ભયભીત ન કરતો. તને ભયભીત જોઈને રખે તે તને ત્યજી ન દે.
તારા પ્રભાવ, પરાક્રમ અને વૃદ્ધિ જાણવાની ઇચ્છાથી મેં તને જે કહ્યું છે તે તારો આત્મવિશ્વાસ જગવવા, જેમ એક બળવાન નિર્બળને કહે તેવી રીતે. જો તને આ બધી વાત યોગ્ય લાગે અને મેં તને જોે ખરેખર સત્ય કહ્યું હોય તો તારી જાતને કઠોર બનાવીને તારા વિજય માટે ઊભો થઈ જા. તને ખબર નથી પણ આપણી પાસે ઘણા બધા ધનનો ભંડાર છે. મારા સિવાય કોઈને એ સ્થળની જાણ નથી. ત્યાં જે કંઈ ધન છે તે બધું તને આપું છું. આ સિવાય તારા ઘણા મિત્રો છે, સુહૃદો છે તે બધા તારા સુખદુઃખના સાથી છે, યુદ્ધમાં તેઓ કદી પીછેહઠ નહીં કરે, તેઓ સેંકડો શત્રુઓને મારી શકશે. કલ્યાણ ઇચ્છનારો પુુરુષ બળપૂર્વક જે કોઈ કાર્ય કરવા ઇચ્છે તો આવા શત્રુનાશી સહાયકો મંત્રી રૂપે બધાં કાર્ય કરે છે, ’
પુત્રે આ સાંભળી કહ્યું, ‘ તારી આ બધી વાતો ઉત્તમ છે, અર્થપૂર્ણ છે, એ સાંભળીને થોડી બુદ્ધિવાળાનો પણ અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ ન થાય? ભૂત-ભવિષ્ય જાણનારી તું મને આવું શિક્ષણ આપે ત્યારે મારા માટે કોઈ કાર્ય અઘરું નથી. હું કાં તો જળમાં ડૂબેલો થઈશ, કાં તો હું પૈતૃક રાજ્યનો ઉદ્ધાર કરીશ અથવા રણભૂમિ ત્યજીને સ્વર્ગમાં જઈશ. તારો ઉપદેશ મેં મૂગા મૂગા સાંભળ્યો, વચ્ચે વચ્ચે જરા બોલતો હતો. દુર્લભ અમૃત પીવાથી જેમ તૃપ્તિ નથી થતી તેમ તારી અમૃતવાણી સાંભળવાથી હું ધરાતો જ નથી. શત્રુઓનો નાશ કરવા, વિજયપ્રાપ્તિ કરવા હવે હું ઉત્સુક છું.’
{{Right | (ઉદ્યોગ પર્વ, ૧૩૧-૧૩૪) }} <br>
=== અંબોપાખ્યાન ===
(મહાભારતયુદ્ધ ભીષ્મ શિખંડી સાથે લડવા માગતા નથી ત્યારે દુર્યોધનને એ આખી કથા માંડીને ભીષ્મ કહે છે.)
મારા પિતા શંતનુ કાળધર્મ પામીને સ્વર્ગે સિધાવ્યા. મારી પ્રતિજ્ઞા પાળીને મેં મારા ભાઈ ચિત્રાંગદને રાજગાદી સોંપી. તેનું મૃત્યુ થયું એટલે સત્યવતીની સંમતિથી વિચિત્રવીર્યને રાજા બનાવ્યો. તે ઉમરમાં નાનો હતો, વિધિ અનુસાર મેં તેને રાજા બનાવ્યો એટલે તે હમેશા મારી આગળપાછળ જ રહેતો હતો. તેનું લગ્ન કરવું જોઈએ એમ મને લાગ્યું એટલે તેને યોગ્ય કન્યા શોધવાનું મેં નક્કી કર્યું. ત્યારે મારા કાને વાત આવી કે કાશીરાજને ત્યાં અંબા, અંબિકા અને અંબાલિકા — એમ ત્રણ કન્યાઓનો સ્વયંવર થવાનો છે. આ નિમિત્તે પૃથ્વી પરના બધા રાજાઓને બોલાવ્યા હતા. આ કન્યાઓમાં સૌથી મોટી અંબા, વચલી અંબિકા અને સૌથી નાની અંબાલિકા હતી. હું એક જ રથમાં બેસીને કાશીરાજને ત્યાં ગયો અને અલંકારોથી શૌભતી કન્યાઓને જોઈને કાશીરાજે બોલાવેલા રાજાઓને જોયા. યુદ્ધ કરવા માટે એકઠા થયેલા એ રાજાઓને પડકારી ત્રણે કન્યાઓને રથમાં બેસાડી. પરાક્રમ કરીને જ આ કન્યાઓને મેળવી શકાય એમ જાણીને ત્રણે કન્યાઓને રથમાં બેસાડીને રાજાઓને વારંવાર કહ્યું, ‘જુઓ શંતનુનંદન ભીષ્મ આ કન્યાઓનું અપહરણ કરી જાય છે. તમે પૂરેપૂરી તાકાતથી — આ કન્યાઓને છોડાવો. તમારી આંખો સામે હું આમનું હરણ કરી જઉં છું.’
એટલે બધા રાજા પોતાનાં અસ્ત્રશસ્ત્ર લઈને સામે આવ્યા, અસ્ત્રશસ્ત્ર લઈને તે રાજાઓ રથ, હાથી, ઘોડા પર બેસીને લડવા આવી પહોંચ્યા, તે બધાએ મને ચારે બાજુથી ઘેરી લીધો. મેં પણ તેમના પર બાણોની ઝડીઓ વરસાવી, ઇન્દ્ર જેવી રીતે દાનવોને પરાજિત કરે તેવી રીતે મેં એકલાએ બધા રાજાઓને જીતી લીધા. મારા ઉપર આક્રમણ કરનારા બધા રાજાઓની સુવર્ણજડતરવાળી ધ્વજાઓને એક જ બાણથી ભોંયભેગી કરી નાખી. મેં હસતાં હસતાં મારાં તીખાં બાણો વડે તેમના અશ્વ, હાથી, સારથિઓને મારી નાખ્યા. આવી રીતે અસ્ત્રશસ્ત્ર વડે આક્રમણ કર્યંુ એટલે બધા રાજા હારીને ભાગી ગયા. એમના પર વિજય મેળવીને હું હસ્તિનાપુર આવી ગયો. વિચિત્રવીર્ય માટે એ ત્રણે કન્યાઓ સત્યવતીને સોંપી દીધી અને કહ્યું,‘હું બધા રાજાઓને જીતીને વિચિત્રવીર્ય માટે કાશીરાજની આ કન્યાઓને લઈને આવ્યો છું.’ આંખોમાં આંસુ આણી સત્યવતીએ આનંદપૂર્વક મને અભિનંદન આપ્યા.
પછી સત્યવતીની સંમતિથી જ્યારે વિવાહનો સમય આવ્યો ત્યારે કાશીરાજની સૌથી મોટી કન્યા અંબાએ મને સંકોચપૂર્વક કહ્યું, ‘તમે તો બધાં શસ્ત્રો જાણનારા ધર્માત્મા છો. મારી ધર્મપૂર્ણ વાત સાંભળીને તમારે એનું પાલન કરવું જોઈએ. મેં પહેલેથી શાલ્વપતિને મનોમન પસંદ કરી લીધા છે. તેમણે પણ પિતાને કશું જણાવ્યા વગર મારો સ્વીકાર કર્યો છે. તમે શ્રેષ્ઠ કૌરવવંશમાં જન્મ્યા છો, ધર્મજ્ઞ છો, તો બીજાને વરવા માગતી એક સ્ત્રીને તમારા ઘરમાં કેવી રીતે રાખી શકો? હવે બુદ્ધિપૂર્વક વિચાર કરીને જે યોગ્ય લાગે તે કરો. તે શાલ્વરાજ મારી રાહ જોતા હશે. મારા પર કૃપા કરો. મેં સાંભળ્યું છે કે તમે પૃથ્વી પર સત્યરક્ષા કરનારા તરીકે જાણીતા છો. આ સાંભળીને મેં સત્યવતી, મંત્રી, બ્રાહ્મણ, પુરોહિતો. આ બધાને જાણ કરી અને તેમની સંમતિથી અંબાને શાલ્વરાજને ત્યાં જવાની આજ્ઞા આપી. તે પણ વૃદ્ધ બ્રાહ્મણો અને ધાત્રીઓ સાથે શાલ્વરાજને ત્યાં ચાલી ગઈ. ત્યાં જઈને તે કન્યાએ રાજાને કહ્યું, ‘હું તમારા માટે અહીં આવી છું.’
શાલ્વરાજે હસતાં હસતાં તેને કહ્યું, ‘તું પહેલેથી બીજાની થઈ ચૂકી છે એટલે હવે હું તને પત્ની બનાવવા માગતો નથી. તું ફરી ભીષ્મ પાસે જતી રહે. તેઓ તને બળપૂર્વક હરી ગયા હતા, હવે હું તારી સાથે લગ્ન કરવા માગતો નથી. જ્યારે યુદ્ધ કરીને ભીષ્મ તને બળજબરી કરીને લઈ ગયા હતા ત્યારે તું બહુ રાજી હતી. એટલે તું પહેલેથી જ બીજાની થઈ ચૂકી હતી. એટલે હવે હું તને પત્ની તરીકે સ્વીકારી શકતો નથી. હું શાસ્ત્ર, ધર્મ જાણું છું, બીજાઓને ધર્મપાલન માટે ઉપદેશ આપું છું. હવે મારા જેવો રાજા બીજાએ મેળવેલી સ્ત્રીને ઘરમાં કેવી રીતે રાખી શકું? હવે તારી ઇચ્છા હોય ત્યાં જા. આ સમય વીતી ન જાય.’
અમ્બા કામપીડિત થઈને કહેવા લાગી, ‘આવું ન કહો. તમે જે કહો છો તે કોઈ રીતે સાચું નથી. ભીષ્મ મને લઈ ગયા ત્યારે આનંદિત ન હતી. ભીષ્મે જ્યારે મારું અપહરણ કર્યું હતું ત્યારે હું પ્રસન્ન ન હતી ત્યારે તો હું રડતી હતી. નિરપરાધી એવી મને સ્વીકારો, ભક્તોને ત્યજી દેવાની વાત ધર્મમાં પ્રશંસનીય નથી ગણાતી. અને હું ગંગાનંદન ભીષ્મની આજ્ઞા લઈને જ અહીં આવી છું. મેં સાંભળ્યું છે કે ભીષ્મ મને વરવા માગતા ન હતા, તેમણે તો તેમના ભાઈને કારણે જ આ અપહરણ કર્યું હતું. ભીષ્મે મારી બીજી બે બહેનો અંબિકા અને અંબાલિકા સાથે વિત્રિત્રવીર્યનું લગ્ન કરાવી આપ્યું છે. હું તમારા સિવાય બીજા કોઈની ઇચ્છા કરતી નથી, હું સોગંદપૂર્વક કહું છું. હું કોઈ બીજાની થઈને તમારી પાસે આવી નથી. મારી જાતના સોગંદ ખાઈને આ કહી રહી છું. હું બીજા કોઈની ઇચ્છા કરતી નથી, તમારી જ કૃપા ઇચ્છું છું, તમે આ કન્યાને સ્વીકારો.
કાશીરાજની કન્યાએ આટલું બધું કહ્યા પછી પણ શાલ્વરાજે જૂની કાંચળી ઉતારી નાખતા સાપની જેમ તેને ત્યજી દીધી. કન્યાએ ઘણી ઘણી પ્રાર્થનાઓ કરી તો પણ શાલ્વરાજે તેના પર વિશ્વાસ ન કર્યો.
ત્યારે કાશીરાજની મોટી પુત્રી અંબાએ ક્રોધે ભરાઈને આંખમાં આંસુ આણીને બોલી, ‘તમે મને તરછોડી દીધી છે, હવે જ્યાં જ્યાં જઉં ત્યાં ત્યાં સજ્જનો મારી રક્ષા કરે, મેં જે કહ્યું છે તે બધું સત્ય જ છે.’
આવી વાણી સંભળાવી, કરુણ સ્વરે રુદન કરનારી કન્યાને નિર્દય શાલ્વરાજે ત્યજી દીધી. તે વારંવાર કહેવા લાગ્યો, ‘આમ દીર્ઘદૃષ્ટિ વિનાના ભીષ્મે કર્યું છે; મને ભીષ્મની બીક લાગે છે.’ આમ દીર્ઘદૃષ્ટિ વિનાના શાલ્વરાજે તેને કહ્યું એટલે લાચાર ટીટોડીની જેમ રુદન કરતી અંબા ત્યાંથી ચાલી નીકળી. તે કન્યા નગર બહાર નીકળીને વિચારવા લાગી. પૃથ્વી પર મારા જેવી હતભાગી કન્યા કોઈ નથી. હું બંધુજનોથી તો ત્યજાયેલી છું જ, શાલ્વે પણ મને ત્યજી દીધી. હવે હસ્તિનાપુર જવાની હિંમત થતી નથી. શાલ્વરાજ માટે તો ભીષ્મની સંમતિ લઈને હું નીકળી હતી. હવે આત્મનિંદા કરું, એ દુષ્ટ ભીષ્મનો તિરસ્કાર કરું કે મારો સ્વયંવર કરનાર મૂઢ પિતાની નિંદા કરું? મારો જ વાંક છે, એ દારુણ યુદ્ધ વખતે જ ભીષ્મના રથમાંથી ઊતરીને શાલ્વરાજના રથમાં કેમ બેસી ન ગઈ? એ જ બુદ્ધિહીનતાનું આ પરિણામ છે. ભીષ્મને ધિક્કારું છું, મંદબુદ્ધિ પિતાને પણ ધિક્કારું છું. પરાક્રમનું મૂલ્ય લગાવીને વેશ્યાની જેમ મારું હરણ થવા દીધું. મને ધિક્કાર છે, શાલ્વરાજને પણ ધિક્કાર, વિધાતાને પણ ધિક્કાર. એની ખોટી નીતિને કારણે જ મારા પર આ આફત આવી. મનુષ્ય પોતાના ભાગ્ય પ્રમાણે ફળ ભોગવે છે એ બરાબર, પણ આ બધી આપત્તિના મૂળમાં તો ભીષ્મ જ છે. એમની સામે વેર લેવું છે — એ તપ વડે લઉં કે પછી યુદ્ધ વડે લઉં. મારાં બધાં દુઃખોનું કારણ એ જ છે. પણ યુદ્ધમાં કયો રાજા ભીષ્મને જીતી શકે?’
આમ ચિંતા કરતી અંબા ધર્મજ્ઞ ઋષિઓના આશ્રમમાં જઈ પહોંચી. ત્યાં બધાથી વીંટળાઈને રાત્રિ વીતાવી. પછી અંબાએ અપહરણની વાત, શાલ્વરાજાએ ત્યજી દીધાની વાત બધાને કરી. ત્યાં એક તપોવૃદ્ધ, શાસ્ત્રઆરણ્યકોનો જાણકાર શૈખાવત્ય નામના મહાવિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓ લાચારી, દુઃખ અને શોકથી ત્રસ્ત થઈ નિ:શ્વાસ નાખીને બોલ્યા, ‘આ પરિસ્થિતિમાં તપસ્વી ઋષિઓ તો શું કરી શકે?’
પણ અંબાએ તેમને કહ્યું, ‘મારા પર કૃપા કરો. હું હવે સંન્યાસ લેવા માગું છું. ભલે કઠોર હશે તો પણ તપ કરીશ. મેં પૂર્વજન્મમાં થોડાં પાપ કર્યાં હશે એટલે અત્યારે એનાં ફળ ભોગવી રહી છું. એમાં તો કશી શંકા નથી, શાલ્વરાજે મારો ત્યાગ કર્યો છે એટલે મારા ભાઈઓ પાસે જવા માગતી નથી. હવે હું તપસ્યાકર્મના ઉપદેશ સાંભળવા માગું છું. તમે દેવતાઓ જેવા છો, મારા પર કૃપા કરો.’
ત્યારે તે મુનિએ એને ઘણી બધી દૃષ્ટાંતકથાઓ કહી, એને ધીરજ બંધાવી આપી અને બ્રાહ્મણોની સાથે મળીને તેનું કાર્ય કરી આપવાની પ્રતિજ્ઞા લીધી.
પછી બધા ઋષિમુનિઓ હવે આ વિશે શું કરી શકાય તેનો વિચાર કરવા લાગ્યા. કોઈએ કહ્યું, ‘આ કન્યાને તેના પિતાને ત્યાં મોકલી દેવી જોઈએ. કેટલાક બ્રાહ્મણોએ મારી નિંદા કરી. કેટલાકે શાલ્વરાજ પાસે જઈને તેને સોંપી દેવી એમ કહ્યું, તો કોઈએ કહ્યું, શાલ્વે તો તેને તરછોડી કાઢી છે એટલે હવે એવું કેવી રીતે થાય?
આમ અંદર અંદર વાત કરીને તેઓએ કન્યાને કહ્યું,‘આવી હાલતમાં તપસ્વીઓ શું કરી શકે? તું સંન્યાસની વાત ન કર. તું અમારી વાત સાંભળ. તું તારા પિતાને ત્યાં જતી રહે. જે કંઈ કરવા જેવું હશે તે તારા પિતા કરશે. તું ત્યાં નિરાંતે રહી શકીશ. ન્યાય પ્રમાણે તારા પિતા સિવાય કોઈ શ્રેષ્ઠ રક્ષક નથી. સ્ત્રી માટે તો પતિ કે પિતા-સમય અનુકૂળ હોય ત્યારે પતિ રક્ષક અને કાળ પ્રતિકૂળ હોય ત્યારે પિતા રક્ષક. તું છે રાજપુત્રી, તેમાંય પાછી સુકુમાર એટલે તારા માટે તપસ્યા દુઃખદ પુરવાર થશે. વળી આશ્રમમાં વસવાટ કરવાની જે કંઈ અડચણો હોય તે પિયરમાં નથી હોતી.
બીજા કેટલાકે કહ્યું, ‘આ નિર્જન, ભયંકર વનમાં તને એકલી જોઈને રાજાઓ તને પત્ની બનાવવા માગશે, એટલે તું અહીં રહેવાની ઇચ્છા જ ન કરતી.’
અંબાએ એ સાંભળી કહ્યું, ‘હું મારા પિતાને ત્યાં પાછી જઈ શકવાની નથી. જો જઉં તો ત્યાં બાંધવજનોની વચ્ચે અપમાનિત થઈને જ રહેવાનું આવે. નાનપણમાં મેં પિતાને ત્યાં વર્ષો ગાળ્યાં હતાં, પરંતુ અત્યારે હું તેમને ત્યાં નહીં જઉં. હું અત્યારે તો તપસ્વીઓથી રક્ષાઈને તપ જ કરવા માગું છું. પરલોકમાં પણ આવી દુર્ભાગી પરિસ્થિતિ ઊભી ન થાય, મારા સુખનો નાશ ન થાય એટલા માટે હું તપ જ કરીશ.’
તે બધા બ્રાહ્મણો આ પ્રકારનો વિચાર કરી રહ્યા હતા ત્યારે રાજષિર્ હોત્રવાહન ત્યાં આવી ચઢ્યા. બધાએ તેમનું સ્વાગત કરી વિધિપૂર્વક આસન, અદર્ય વગેરે આપ્યાં. તેઓ આરામ કરી બેઠા ત્યારે તપસ્વીઓ તેમની આગળ તે કન્યા સાથે વાતો કરવા લાગ્યા. અંબા અને કાશીરાજની બધી ઘટના સાંભળીને અંબાની માતાના પિતા હોત્રવાહન કાંપતા કાંપતા તે કન્યાને ખોળામાં લઈને તેને આશ્વાસન આપવા લાગ્યા. અંબા પાસેથી આખી વાત જાણી અને અંબાએ તેમને વિગતવાર બધી વાત કહી. ત્યારે દુઃખી અને શોકગ્રસ્ત રાજર્ષિએ મનોમન કશું કરવાનો નિર્ધાર કર્યો. તેમણે અંબાને કહ્યું, ‘તું પિતાને ત્યાં ન જતી. હું તારી માતાનો પિતા છું. હું મારું દુઃખ દૂર કરીશ. તું મારી સાથે રહે. તું જે રીતે સુકાઈ રહી છે તે પરથી લાગે છે કે તું અંદરથી બહુ બહુ દુઃખી છે. મારી વાત માનીને તું પરશુરામ પાસે જા. તેઓ તારું દુઃખ દૂર કરશે. ભીષ્મ જો તેમની વાત નહીં માને તો યુદ્ધ કરીને ભીષ્મનો તે વધ કરશે. એટલે તું પ્રલયકાળના અગ્નિ જેવા પરશુરામ પાસે જા. તે તને સન્માર્ગે લઈ જશે.’
ત્યારે વારેવારે રડતી કકળતી તે હોત્રવાહનને પ્રણામ કરીને બોલી, ‘હું તમારી આજ્ઞા માથે ચડાવીને જઈશ, પણ તે લોકખ્યાત ભાર્ગવને ક્યાં શોધવા? તેઓ મારું આ ભયાનક દુઃખ કેવી રીતે દૂર કરશે? તમે મને એ બધી વાત કરો, પછી હું ત્યાં જઈશ.’
‘સત્યવ્રતી, જમદિગ્નપુત્ર પરશુરામ આકરું તપ કરતા બેઠા હશે. વેદના જાણકાર ઋષિ, ગંધર્વ, અપ્સરાઓ હમેશાં તેમની સેવા કરે છે. તંુ ત્યાં જઈને તપોરત ભાર્ગવઋષિને પ્રણામ કરી મારી વાત કહેજે, પછી મારી ઇચ્છા કહેજે. મારું નામ લઈશ એટલે તે તારું કામ ચોક્કસ કરશે. બધા શસ્ત્રધારીઓમાં જે શ્રેષ્ઠ છે, તેઓ મારા મિત્ર છે, સુહૃદ છે.’
હોત્રવાહન આ વાત કરી જ રહ્યા હતા ત્યારે પરશુરામના પ્રિય સેવક અકૃતવર્ણ ત્યાં આવી ચઢયા. એટલે ત્યાંના સેંકડો મુનિઓ અને વયોવૃદ્ધ રાજા હોત્રવાહન પણ ઊભા થઈ ગયા. બધાએ એમના ખબરઅંતર પૂછીને એમની આસપાસ બેસી ગયા. ત્યાર પછી તેઓ પ્રસન્ન ચિત્તે ઘણી બધી દિવ્ય કથાઓ કહેવા લાગ્યા. એ કથાઓ પૂરી થયા પછી હોત્રવાહને મહર્ષિશ્રેષ્ઠ પરશુરામના સમાચાર પૂછયા, ‘અત્યારે પ્રતાપી પરશુરામ ક્યાં મળી શકે?’
અકૃતવર્ણે કહ્યું, ‘રાજષિર્ હોત્રવાહન મારા પ્રિય મિત્ર છે એમ કહીને પરશુરામ હમેશાં તમને યાદ કરે છે. હું માનું છું ત્યાં સુધી તમને મળવા કાલે સવારે તેઓ અહીં આવશે, એટલે તમને મળશે. આ કન્યા શા માટે વનમાં આવી છે? તમારે શી સગાઈ થાય છે? આ વાત જાણવાની મને બહુ ઇચ્છા છે.’
‘આ મારી દૌહિત્રી, કાશીરાજની મોટી પુત્રી તેની નાની બે બહેનો સાથે સ્વયંવરમાં જોડાઈ હતી. તેનું નામ છે અંબા, બહેનોનાં નામ છે અંબિકા અને અંબાલિકા. બધા ક્ષત્રિય રાજાઓ આ કન્યાઓ મેળવવા કાશીરાજને ત્યાં એકઠા થયા હતા. ત્યાં બહુ મોટો ઉત્સવ થયો હતો. તે વખતે મહા શક્તિશાળી ભીષ્મે બધા રાજાઓને પરાજિત કરીને આ કન્યાઓનું હરણ કર્યું. બધા રાજાઓને ભોંયભેગા કરી ભીષ્મ હસ્તિનાપુરમાં આવ્યા. સત્યવતીને બધી વાત કહી પોતાના ભાઈ વિચિત્રવીર્ય સાથે તેમનાં લગ્ન ગોઠવ્યાં. વિચિત્રવીર્યને લગ્ન નિમિત્તે ત્યાં જોઈને તથા માંગલિક સૂત્રબંધનથી સજાવેલા જોઈ આ કન્યાએ મંત્રીઓના દેખતાં ભીષ્મને કહ્યું, ‘મેં તો મનોમન શાલ્વરાજને પતિ તરીકે પસંદ કરી લીધા છે. એટલે તમારા ભાઈ સાથે મારું લગ્ન તમારા માટે અયોગ્ય ગણાય. ભીષ્મે સત્યવતીની આજ્ઞા લઈ, મંત્રીઓ સાથે મંત્રણા કરી એ કન્યાને જવા દીધી. ભીષ્મની આજ્ઞા લઈ આ કન્યા પ્રસન્નચિત્તે શાલ્વરાજ પાસે જઈ પહોંચી અને બોલી, ‘મેં મનોમન તમને જ પતિ તરીકે પસંદ કરી લીધા છે, ભીષ્મે મને સ્વતંત્ર કરી છે. પરંતુ શાલ્વરાજે આના ચારિત્ર્ય પ્રત્યે શંકા આણીને તેનો અસ્વીકાર કર્યો. એટલે તપ કરવાની ઇચ્છાથી તે અહીં આવી ચડી છે. મેં પણ કુટુંબનું નામ લીધું ત્યારે જ ઓળખી. પોતાની બધી આપત્તિઓના મૂળમાં તે ભીષ્મને જુએ છે.’
અંબાએ કહ્યું, ‘આ રાજા જે કંઈ કહે છે તે સત્ય છે. હોત્રવાહન મારી માતાના પિતા છે. હું લાજી મરીને તથા અપમાન થાય એ બીકે પિતાને ઘેર જવા માગતી નથી. મારી ઇચ્છા છે કે ભગવાન પરશુરામ મને જે કહેશે તે હું કરીશ.’
અકૃતવર્ણે કહ્યું, ‘બે જણે તને દુઃખ પહોંચાડ્યું, ભીષ્મે અને શાલ્વે. આ બેમાંથી તું કોની સાથે બદલો લેવા માગે છે તે મને કહે. જો શાલ્વ સાથે તું જો વિવાહ કરવા ઇચ્છતી હો તો પરશુરામ તારું હિત જોઈ તેની સાથે તારું લગ્ન કરાવી આપશે. હવે જો તું ભીષ્મને પરશુરામના હાથે હરાવવા માગતી એ પણ થઈ શકશે. મેં તારી વાત અને હોત્રવાહનની વાત સાંભળી. હવે પરશુરામે શું કરવાનું તે તું સારી રીતે વિચારી લે.’
અંબા બોલી, ‘ભીષ્મે તો કશું જાણ્યા વિના જ મારું હરણ કર્યું હતું. હું શાલ્વરાજને ચાહતી હતી એ વાત ભીષ્મ જાણતા ન હતા. તમે સારી રીતે આ બધું વિચારીને જે કંઈ યોગ્ય લાગે તે કરો. ભીષ્મ અને શાલ્વરાજ — આ બંને વિશે વિચારી તમે નક્કી કરો. મેં તો મારા દુઃખનું પૂરું કારણ તમને કહી સંભળાવ્યું છે. યુક્તિપૂર્વક જે કરવું વાજબી જણાય તે કરો.’
અકૃતવર્ણે કહ્યું, ‘તેં ધર્મની વાત ચીંધીને જે કહ્યું તે બરાબર. હવે આ વિશે મારે જે કહેવું છે તે તમે સાંભળો. જો ગાંગેય તને હસ્તિનાપુર લઈ ગયા ન હોત તો શાલ્વ પરશુરામની આજ્ઞાથી તને સ્વીકારત. પણ ભીષ્મે બધા રાજાઓને જીતીને તારું હરણ કર્યું છે એટલે તારા પર શાલ્વરાજને શંકા થઈ. ભીષ્મ પોતાના પરાક્રમ માટે અભિમાની છે, કાશી નગરીના વિજેતા છે એટલે ભીષ્મનો પ્રતિકાર કરવો તારા માટે યોગ્ય છે.’
આ સાંભળી અંબાએ કહ્યું, ‘મારા મનમાં પણ એવું જ છે. કોઈ પણ રીતે યુદ્ધમાં ભીષ્મનો વધ કરાવું. જેને કારણે મારા પર આ દુઃખ આવી પડ્યું છે તે શાલ્વ હોય કે ભીષ્મ હોય — તમારી દૃષ્ટિએ જે અપરાધી હોય તેને શિક્ષા કરો.’
આ બધી વાતોમાં તેમનો એ આખો દિવસ વીતી ગયો; સુખદ, શીતળ પવન વાયો એટલે રાત પણ વીતી ગઈ. બીજે દિવસે જટાધારી પરશુરામ શિષ્યોથી વીંટળાઈને ત્યાં આવી ચઢ્યા. ખભે કુહાડી અને હાથમાં તલવાર, બધા તપસ્વીઓ અને હોત્રવાહન રાજા, કન્યા હાથ જોડીને ઊભા રહી ગયા. સ્વસ્થ ચિત્તે મધુપર્ક વડે તેમની પૂજા કરી, યથોચિત રીતે પૂજા થયા પછી પરશુરામ બધાની સાથે આસન પર બેઠા.
બધા ઋષિઓ ભેગા થઈને જૂની કથાઓ કહેવા લાગ્યા. એ બધું પૂરું થયું એટલે હોત્રવાહને ભૃગુનંદન પરશુરામ સાથે વાત માંડી, ‘આ કન્યા કાશીરાજની પુત્રી અને મારી દૌહિત્રી છે. તેને એક કામ પડ્યું છે. તે જરા સાંભળો.’
‘બોલ, તારે શું કામ આવી પડ્યું છે. ’
પછી અમ્બા પ્રજ્વલિત અગ્નિ જેવા પરશુરામ પાસે ગઈ અને પોતાના કમળ જેવા હાથ વડે તેમના ચરણોનો સ્પર્શ કર્યો અને ત્યાં ઊભી રહી ગઈ. શોકમગ્ન અને દુઃખી અંબા આંખોમાં આંસુ આણતી શરણાગતની રક્ષા કરનારા પરશુરામ પાસે ગઈ.
‘તું જેવી રીતે હોત્રવાહનની વહાલી છે તેવી જ રીતે મારી પણ. તારા મનમાં જે હોય તે તું મને કહે. હું એ પ્રમાણે તારું કાર્ય કરી આપીશ.’
‘હે ભગવન્, આજે હું તમારા શરણે આવી છું. મહા ઘોર શોક રૂપી કાદવમાંથી મને બહાર કાઢો.’
પરશુરામ તેના રૂપ, યૌવન, શરીર અને અતિ કોમળતા જોઈ ચિંતા કરવા લાગ્યા, આ શું કહેશે? એમ વિચારી તેઓ લાંબા સમય સુધી ધ્યાન ધરીને બેઠા. ‘તારે જે કંઈ કાંઈ કરાવવું હોય તે મને કહે.’ એવું પરશુરામે કહ્યું. એટલે અંબાએ વિગતે પોતાની કથા કહી સંભળાવી. આ બધી વાત સાંભળીને અંબાને પરશુરામ કહેવા લાગ્યા, ‘હું ભીષ્મ પાસે મારો સંદેશ મોકલીશ. તેઓ મારી વાત ઉથાપશે નહીં. જો તે નહીં માને તો મારા શસ્ત્રો વડે યુદ્ધમાં તેના બાંધવો, અનુયાયીઓ — બધાને ભસ્મ કરી દઈશ. જો તેમની હત્યા તને કઠતી હોય તો શાલ્વરાજને તારા લગ્ન માટે કહીશ.’
અંબાએ કહ્યું, ‘શાલ્વરાજના વિષયમાં તો મારી વાત સાંભળીને ભીષ્મે મને મુક્ત કરી દીધી હતી. મેં શાલ્વરાજની પાસે જઈને બધી વાત કરી હતી પણ તેમણે મારા ચારિત્ર્ય પર શંકા કરીને મારો અસ્વીકાર કર્યો. હવે આ વિશે તમે પૂરો વિચાર કરીને જે કરવું યોગ્ય લાગે તે કરો. ભીષ્મ જ મારી આપત્તિના મૂળમાં છે. તેમણે જ બળજબરીથી મારું હરણ કર્યું હતું. જેને કારણે હું અત્યંત અપ્રિય દુઃખ ભોગવી રહી છું. તે તો ભીષ્મ જ છે, તમે એમનો જ વિનાશ યુદ્ધમાં કરો. ભીષ્મ અત્યંત દુઃખી છે, વિજય મેળવ્યો તેનું અભિમાન છે, કાશીનગરીમાં વિજેતા છે, એની હત્યા કરીને જ તમે બદલો લો. જે વખતે ભીષ્મે મારું અપહરણ કર્યું તે જ વખતે મારા મનમાં વિચાર આવ્યો હતો કે હું કોઈક રીતે આ મહાવ્રતી ભીષ્મની હત્યા કરાવું. હે રામ, આજે મારી આ ઇચ્છા પાર પાડો. ઈન્દ્રે જેવી રીતે વૃત્રાસુરનો વધ કર્યો હતો એવી રીતે તમે ભીષ્મનો વધ કરો.’
‘ભીષ્મનો વધ કરો’ એમ વારંવાર તેને બોલતી સાંભળીને રડતી અંબાને પરશુરામે કહ્યું.
‘બ્રાહ્મણોનાં કાર્યો સિદ્ધ કરવાનાં હોય તો જ હું શસ્ત્ર ધારણ કરું છું. એટલે શસ્ત્રની વાત પડતી મૂકીને તારું કયું કાર્ય કરું તે તું મને કહે. ભીષ્મ અને શાલ્વ બંને મારા કહેવાથી તરત જ મારી વાત માની લેશે. તું દુઃખી ના થઈશ, હું તારું કાર્ય અવશ્ય કરીશ. પણ બ્રાહ્મણોની આજ્ઞા વિના હું હાથમાં શસ્ત્ર નહીં લઉં. મેં પહેલેથી આવી પ્રતિજ્ઞા કરી છે.’
અંબાએ કહ્યું, ‘જે કોઈ પણ રીતે મને આ દુઃખમાંથી છોડાવો. આ આપત્તિ ભીષ્મને કારણે જ ઊભી થઈ છે એટલે તમે ભીષ્મનો નાશ કરો.’
‘તું જો કહીશ તો તારા માટે પૂજનીય ગણાય એવા ભીષ્મ હું કહીશ એટલે તારા બંને પગમાં માથું મૂકશે.’
‘હે રામ, જો તમે મારું પ્રિય કાર્ય કરવા માગતા હો તો યુદ્ધમાં તેનો વધ કરો. તમે કરેલી પ્રતિજ્ઞાને સાચી પાડી બતાવો.’
પરશુરામ અને અંબા વચ્ચે જ્યારે આ વાતચીત ચાલી રહી હતી ત્યારે અકૃતવર્ણે પરશુરામને કહ્યું, ‘શરણાગતા કન્યાને તરછોડતા નહીં. તમે અસુરની જેમ ગરજતા ભીષ્મને યુદ્ધમાં હણી નાખો. કાં તો ભીષ્મ તમારા બોલાવ્યાથી આવીને કહે કે હું હારી ગયો છું, કાં તો તે તમારી આજ્ઞાનું પાલન કરે.’ તો પણ આ કન્યાનું કાર્ય પૂરું થઈ જશે. તમારું વચન પણ સત્ય બનશે. બધા ક્ષત્રિયોને જીતીને તમે બ્રાહ્મણોની સામે પ્રતિજ્ઞા કરી જ હતી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર — જે કોઈ બ્રાહ્મણોનો દ્રોહી બનશે તેનો હું યુદ્ધમાં નાશ કરીશ. ભયભીત થઈને શરણે આવેલા તથા જીવનદાન માગનારાઓને જીવતાં સુધી ત્યજી નહીં દઉં. જે પુરુષ સામે આવેલા સંપૂર્ણ ક્ષત્રિય કુળનો યુદ્ધમાં વિનાશ કરશે તે અભિમાનીનો વધ હું કરીશ. આ કુરુવંશી ભીષ્મ પણ આ જ રીતે વિજયી થયા છે, એટલે રણભૂમિમાં આવી ચડેલા ભીષ્મ સાથે યુદ્ધ કરો.’
આ સાંભળી પરશુરામે કહ્યું, ‘ભૂતકાળમાં લીધેલી પ્રતિજ્ઞા હું યાદ કરું છું તો પણ જો આ કાર્ય શાંતિથી થઈ શકતું હોય તો સૌથી પહેલાં હું શાંતિનો આશ્રય લઈશ. કાશીરાજની કન્યાની અભિલાષા તો બહુ મોટી છે પણ તે પાર પાડવી રહી. એટલે આ કન્યાને લઈને હું જાતે ભીષ્મ પાસે જઈશ. જો તે મારી વાત નહીં માને તો અભિમાની ક્ષત્રિયને યુદ્ધમાં મારી નાખીશ. મારા બાણ વડે ઘવાયેલા મનુષ્યો જીવી શકતા એ વાત તો પહેલા જ ક્ષત્રિયોના યુદ્ધથી તમને જણાઈ ગયેલું ને!’
પરશુરામ આમ બોલીને તે બધાની સાથે જવાનો સંકલ્પ કરીને ઊભા થયા. પછી તપસ્વીઓ એ રાત ત્યાં વીતાવી, સવારે હોમ જપ અને નિત્યકર્મ કરીને મારો વધ કરવાની ઇચ્છાથી ત્યાંથી તે ચાલી નીકળ્યા. પછી પરશુરામ બ્રાહ્મણોને અને તે કન્યાને લઈને કુરુક્ષેત્ર ગયા. ત્યાં પહોંચીને પરશુરામને આગળ કરીને બધા તપસ્વીઓએ સરસ્વતી નદીના કાંઠે વિરામ કર્યો. પછી તેજસ્વી પરશુરામે ત્રીજે દિવસે મને સંદેશો મોકલ્યો કે હું આવી ગયો છું. એ મહાતપસ્વી પરશુરામને રાજ્યમાં આવેલા સાંભળીને હું પ્રસન્ન ચિત્તે તરત જ ત્યાં ગયો. બ્રહ્મચારીઓ, ઋત્વિજો, પુરોહિતો, બ્રાહ્મણો અને એક ગાય લઈને ત્યાં પહોંચ્યો. મને ત્યાં આવેલો જોઈ મારી પૂજા સ્વીકારીને તે બોલ્યા, ‘તમે કામરહિત હોવા છતાં શા પ્રયોજનથી કાશીરાજની કન્યાના સ્વયંવર વખતે તેનું હરણ કર્યું હતું? અને શા કારણે તેને ત્યજી દીધી? તમે એને ત્યજી દીધી એટલે આ તપસ્વિની પોતાના ધર્મથી ભ્રષ્ટ થઈ રહી છે. તમે એનો સ્પર્શ કર્યો, હવે કયો પુરુષ એને સ્વીકારે? તમે હરણ કર્યું એટલે શાલ્વે તેને સ્વીકારવાની ના પાડી. હવે મારી આજ્ઞાથી તમે આને સ્વીકારો. આ રાજપુત્રી પોતાના ધર્મનો લાભ મેળવે. રાજાઓનું આવું અપમાન કરવું તમને શોભે નહીં.’
પરશુરામને અપ્રસન્ન જોઈને મેં તેમને કહ્યું, ‘હું હવે કોઈ રીતે મારા ભાઈને આ કન્યા સોંપી નહીં શકું. તેણે જ મને કહ્યું હતું — હું શાલ્વની થઈ ગઈ છું. મારી સંમતિથી તે શાલ્વ પાસે ગઈ હતી. હવે ભય, દયા, લોભ, ધનની કોઈ ઇચ્છાથી હું મારો ક્ષાત્રધર્મ ત્યજી નહીં શકું, મારું વ્રત પહેલેથી છે.’
એટલે પરશુરામ રાતી આંખ કરીને મને કહ્યું, ‘જો તમે મારી વાત નહીં માનો તો હું તમને તમારા મંત્રીઓ સમેત મારી નાખીશ.’ તેઓ વારંવાર મને આમ કહેવા લાગ્યા. મેં બહુ વિનયપૂર્વક તેમને પ્રાર્થના કરી પણ તેઓ શાંત ન થયા. ફરી મેં તેમને પ્રણામ કરીને પૂછ્યું, ‘તમે મારી સાથે શા માટે યુદ્ધ કરવા માગો છો? બાલ્યાવસ્થામાં તમે જ મને ચાર પ્રકારની ધનુવિર્દ્યા શીખવાડી હતી, હું તમારો જ શિષ્ય છું.’
પરશુરામ ફરી રાતી આંખ કરીને બોલ્યા, ‘તમે મને ગુરુ માનો છો, અને મારે ખાતર પણ આ કન્યાને સ્વીકારતા નથી. આ સિવાય કોઈ રીતે તમને શાંતિ નહીં મળે. એટલે આ કન્યા સ્વીકારો અને કુળની રક્ષા કરો. તમે એનું હરણ કર્યું એટલે તે ભ્રષ્ટ થઈ ગઈ, હવે તેને કોઈ પતિ મળી શકતો નથી.’
શત્રુઓનાં નગરોને જીતનારા પરશુરામની આ વાત સાંભળીને મેં ફરી કહ્યું, ‘હે બ્રહ્મર્ષિ, શા માટે વૃથા શ્રમ કરો છો? આ વાત કોઈ રીતે બને નહીં. તમે મારા ગુરુ છો એટલે જ વિનયપૂર્વક કહું છું. આ કન્યાને મેં પહેલેથી જ ત્યજી દીધી છે. સ્ત્રીઓના મહાઅનર્થકારી દોષોને જાણનાર કયો પુરુષ સાપણની જેમ બીજામાં આસક્ત થયેલી સ્ત્રીને પોતાના ઘરમાં રાખી શકે? હું ઇન્દ્રના ભયથી પણ ધર્મ ત્યજી શકતો નથી. તમે મારા પર પ્રસન્ન થાઓ કે ન થાઓ, તમને જે યોગ્ય લાગે તે કરો. પુરાણમાં મહાત્મા મરુતે કહેલો શ્લોક કાને પડ્યો છે. કાર્ય-અકાર્યને ન જાણનાર, ખોટા માર્ગે ચાલનાર, અભિમાની ગુરુનો પણ દંડ કરવો જોઈએ. તમે મારા ગુરુ છો, એટલે જ પ્રેમવશ થઈને વારેવારે હું તમારું માન સાચવતો રહ્યો છું. પણ હવે ગુુરુના ધર્મને જાણતા નથી. એટલે હવે હું તમારી સાથે યુદ્ધ કરીશ. ગુરુને,ખાસ કરીને બ્રાહ્મણને, તેમાંય તપસ્વીને યુદ્ધમાં ન મરાય, આમ વિચારીને જ મેં તમને ક્ષમા કર્યા. પરંતુ ધર્મશાસ્ત્ર કહે છે, શસ્ત્ર ધારણ કરેલા અને યુદ્ધમાં રોકાયેલા બ્રાહ્મણને પણ ક્ષત્રિયની જેમ જે મારે છે તેને બ્રહ્મહત્યાનું પાપ ન લાગે. હું ક્ષત્રિય ધર્મનું પાલન કરનારો ક્ષત્રિય છું. જે તમારી સાથે જેવું આચરણ કરે એવું જ આચરણ તેની સાથે કરવામાં કોઈ પાપ નથી. ધર્મ અને અર્થ બાબતે કોઈનો કશો સંશય પડે તો અર્થને બાજુએ રાખીને ધર્મનું પાલન કરવું જોઈએ. સંશય કરવા યોગ્ય અર્થમાં પણ તમે નિરર્થક અને અન્યાયપૂર્વક વર્તી રહ્યા છો. હવે હું તમારી સાથે યુદ્ધ કરીશ, મારા બાહુબળ અને અલૌકિક પરાક્રમ તમે પણ જુઓ. આવી અવસ્થામાં પણ હું જે કરી શકીશ તે કરીશ. કુરુક્ષેત્રમાં યુદ્ધ કરીશ. દ્વન્દ્વયુદ્ધ નિમિત્તે ઇચ્છાનુસાર તૈયાર થઈ જાઓ. આ યુદ્ધમાં સેંકડો બાણોથી ઘવાઈને તમે મૃત્યુ પામશો, શસ્ત્રો વડે પવિત્ર થઈને પરલોકમાં જશો. એટલે યુદ્ધપ્રેમી રામ, તમે જાઓ અને કુરુક્ષેત્રમાં પાછા આવો. ત્યાં હું યુદ્ધ કરવા આવી પહોંચીશ. હું તમારા જૂના અભિમાનને દૂર કરીશ. મેં એકલાએ જ આ આખી પૃથ્વીના ક્ષત્રિયોને જીત્યા છે એવું અભિમાન બધી સભાઓમાં તમે કર્યા કરો છો તેનું કારણ સાંભળો ત્યારે. તે સમયે ભીષ્મ કે ભીષ્મ જેવા કોઈ ક્ષત્રિય ન હતા. નહીંતર તમારું અભિમાન દૂર થાત. શત્રુઓના દેશને જીતનારો ભીષ્મ હવે આ ધરતી પર છે. રામ યુદ્ધમાં તમારા આ અભિમાનને ચૂર ચૂર કરી નાખીશ.’
આ સાંભળી પરશુરામે પણ હસતાં હસતાં કહ્યું, ‘તમારી નિયતિમાં મારી સાથે યુદ્ધની ઇચ્છા છે જ. હવે હું તમારી સાથે કુરુક્ષેત્ર આવું છું. તમે પણ ત્યાં જઈ પહોંચો. ત્યાં તમારી માતા ગંગા સેંકડો બાણોથી તમને વીંધાયેલા તથા ગીધ, કાગડા, શિયાળ તમને મારી ખાતાં ભલે જુએ. તમારા જેવા મૂર્ખ, યુદ્ધપિપાસુ પુત્રને જન્મ આપનાર ભાગીરથી પણ હું તમને મોતને ઘાટ ઉતારીશ એટલે રુદન કરશે. તો ભીષ્મ, મારી સાથે ચાલો. રથ વગેરે જે લેવું હોય તે લઈ લો. આજે જ આપણે યુદ્ધ કરીશું.’
એટલે મેં પણ પરશુરામ આગળ મસ્તક ઝુકાવી કહ્યું, ‘ભલે.’
અને પછી પરશુરામ આવી વાતો કરીને યુદ્ધની ઇચ્છાથી કુરુક્ષેત્ર ગયા અને મેં નગરમાં જઈને સત્યવતીને બધી વાત કરી. માતાના આશીર્વાદ લઈને બ્રાહ્મણો પાસે વિધિ કરાવ્યો. ઉત્તમ અસ્ત્રશસ્ત્ર તૈયાર કર્યાં, વ્યાઘ્રચર્મથી શોભતા પાંડુ વર્ણા ઘોડા તૈયાર કરાવ્યા, ચાંદીનો રથ તૈયાર હતો. બધા સાધનો લઈને શ્રેષ્ઠ સારથિઓ તૈયાર કર્યા. તેઓ અશ્વવિદ્યાના જાણકાર હતા, તેમણે ઘણાં યુદ્ધ જોયાં હતાં. હું પણ માથા પર શ્વેત રંગનું છત્ર ધારણ કરીને કુરુક્ષેત્ર ગયો. શ્વેત વસ્ત્ર, શ્વેત ફેંટો, શ્વેત ચામરો, શ્વેત અલંકારો — આ બધું ધારણ કરીને આશીર્વાદ સાંભળતો સાંભળતો હસ્તિનાપુરથી નીકળી મેં કુરુક્ષેત્રનો માર્ગ પકડ્યો. કુશળ સારથિઓ મનોવેગી, વાયુવેગી ઉત્તમ અશ્વો ચલાવતા હતા એટલે બહુ જલદી અમે યુદ્ધભૂમિ પર પહોંચી ગયા. હું પરશુરામની સામે હાથમાં શંખ લઈને ઊભો રહી ગયો, અમે બંને એકબીજા ઉપર આક્રમણ કરવા તત્પર હતા. પછી મેં શંખ ફૂંક્યો. તે વખતે બ્રાહ્મણો, તપસ્વીઓ, વનવાસીઓ, દેવતાઓ, ઋષિઓ એ દિવ્ય યુદ્ધ જોવા ભેગા થયા. ચારે બાજુ દિવ્ય માળાઓ, દિવ્ય વાજિંત્રો, અને મેઘ નજરે પડ્યા. પરશુરામના અનુયાયીઓ પણ રણભૂમિ પર હતા. પછી બધાં પ્રાણીઓની હિતચિંતક ગંગાદેવી પણ આવ્યાં, ‘તું આ શું કરવા માગે છે? પરશુરામ પાસે જઈને વારે વારે કહીશ, તમે તમારા શિષ્ય સામે યુદ્ધ ન કરો. તું ક્ષત્રિય થઈને બ્રાહ્મણ પરશુરામ સાથે યુદ્ધ ન કર. તું શા માટે એમની સાથે યુદ્ધ કરવા માગે છે?’ એટલે મેં મારી માતાને પ્રણામ કરીને સ્વયંવરવાળી વાત વિગતે કહી સંભળાવી. મેં પરશુરામને પહેલાં પ્રસન્ન કર્યા હતા તે, કાશીરાજકન્યા અંબાની ઇચ્છા — આ બધું મેં કહી સંભળાવ્યુ. પછી મારી માતાએ પરશુરામ પાસે જઈને કહ્યું, ‘તમે તમારા શિષ્ય પરશુરામ સાથે યુદ્ધ ન કરો.’ અને એવી એવી વિનંતીઓ કરવા લાગી. ત્યારે તેમણે મારી માતાને કહ્યું, ‘તમે ભીષ્મને અટકાવો. તે મારી વાત માનતો નથી, એટલે જ યુદ્ધ કરવાનો છું.’ ગંગા પુત્રપ્રેમને વશ થઈને ફરી ભીષ્મને વિનંતી કરી પરંતુ ક્રોધથી રાતી આંખોવાળા ભીષ્મે માતાની વાત ન માની. પછી પરશુરામે યુદ્ધ માટે ભીષ્મને પડકાર્યા.
એટલે મેં હસતાં હસતાં કહ્યું, ‘હું રથમાં બેસીને જમીન પર ઊભેલા સાથે યુદ્ધ કરતો નથી.’
પરશુરામે હસીને કહ્યું, ‘પૃથ્વી મારો રથ અને વેદ ઉત્તમ અશ્વ જેવા વાહન છે. વાયુ મારો સારથિ, ગાયત્રી-સાવિત્રી-સરસ્વતી મારાં કવચ, આ બધાં વડે જ હું રક્ષાયેલો છું અને એ રીતે તમારી સાથે યુદ્ધ કરીશ.’ એમ કહીને મોટાં મોટાં બાણ વડે મને ઘેરી લીધો. પછી મેં પરશુરામને દિવ્ય રથ પર બેઠેલા જોયા, તેમની પાસે બધાં અસ્ત્રશસ્ત્ર હતાં. મન વડે નિર્માયેલા, વિશાળ નગર જેવા, દિવ્ય અશ્વોવાળા, સુવર્ણજડિત, ચંદ્ર-સૂરજનાં ચિહ્નોથી અંકિત ધજાવાળા રથને જોયો. આ રથમાં પરશુરામના મિત્ર અકૃતવર્ણ, પરશુરામના સારથિ હતા. ભાર્ગવ પણ ‘આવો, આવો’ મારો મનને આનંદિત કરી પડકારતા રહ્યા. મહા તેજસ્વી સૂર્ય જેવા, અપરાજિત, મહાશક્તિશાળી, ક્ષત્રિય ઉચ્છેદક તથા એકલા ઊભેલા પરશુરામ સામે હું એકલો હતો. તેમણે ત્રણ બાણ ચલાવ્યા, એટલે મેં ઘોડા રોક્યા, ધનુષ નીચે મૂકી તે ઋષિવર્યની વંદના કરવા ગયો, વિધિપૂર્વક પ્રણામ કરીને મેં કહ્યું, ‘પરશુરામ, તમે મારા જેવા હો, મારાથી ચઢિયાતા હો તો પણ હું યુદ્ધ કરીશ. તમે મારા ગુરુ છો, ધર્માત્મા છો, એટલે મને જયના આશીર્વાદ આપો.’ મારા કુશળ સારથિએ પોતાના, અશ્વોના અને મારા શરીરના બધા શલ્ય કાઢી નાખ્યા. સૂર્ય ઊગ્યો એટલે સારથિ નાહીધોઈ તૈયાર થયો, ઘોડાઓને પાણી પીવડાવ્યું એટલે તે તાજામાજા થઈ ગયા. ઘોડાને રથમાં જોડીને મને રણભૂમિમાં તે લઈ આવ્યો અને પછી ફરી યુદ્ધ શરૂ થયું. પ્રતાપી પરશુરામે મને કવચ સાથે રથમાં બેઠેલા જોઈ તરત જ તૈયારી કરી. યુદ્ધોત્સુક પરશુરામને જોઈ મેં ધનુષ બાજુ પર મૂક્યું અને તરત જ રથમાંથી ઉતરીને પહેલાંની જેમ તેમને પ્રણામ કરીને તેમની સામે નિર્ભય થઈને ઊભો રહી ગયો. પછી તેમણે બાણવર્ષા કરીને મને ઢાંકી દીધો, મેં પણ એવી જ રીતે તેમને બાણોથી ઢાંકી દીધા. પછી ક્રોધે ભરાઈને પરશુરામે મારા ઉપર સળગતા મોંવાળા સાપ જેવાં બાણ ચલાવ્યાં. મેં સેંકડો, હજારો બાણોથી તેમનાં બાણોને અધવચ્ચેથી જ તોડી પાડવાના પ્રયત્ન કર્યા. પછી અમે બંનેએ એક બીજા ઉપર દિવ્ય અસ્ત્રોનો મારો ચલાવ્યો. તેમના કરતાં મારી શ્રેષ્ઠતા પુરવાર કરવા તેમનાં અસ્ત્રોને મારાં અસ્ત્રોથી વાયવ્ય અસ્ત્રનું નિવારણ પરશુરામે ગુહ્યક અસ્ત્ર વડે કર્યું. મેં મંત્રેલું આગ્નેય અસ્ત્ર ઉગામ્યું તો પરશુરામે વારુણાસ્ત્ર વડે તેનો સંહાર કર્યો. આમ અમે બંનેએ એકબીજાનાં દિવ્ય અસ્ત્રોનું નિવારણ કર્યું. પછી પરશુરામે ક્રોધે ભરાઈને મારી છાતીમાં પ્રહાર કર્યો. એને કારણે હું બેસુધ થઈને રથમાં ઢળી પડ્યો. મારી આવી હાલત જોઈને તથા પરશુરામનાં બાણોથી વીંધાઈને મારો સારથિ ગાયની જેમ હાલત જોઈને આરડતો રથ લઈને ભાગ્યો. પછી અકૃતવર્ણ અને બીજા અનુયાયીઓ તથા અંબા ભાર્ગવના બાણથી સખત રીતે મને ઘવાયેલો જોઈ, રણમાંથી પીછેહઠ કરતો જોઈ આનંદથી બૂમો પાડવા લાગ્યા. એટલામાં મને ભાન આવ્યું, મેં સારથિને કહ્યું, ‘હવે મારી પીડા ઓછી થઈ છે, સ્વસ્થ થયો છું એટલે જ્યાં પરશુરામ છે ત્યાં મને લઈ જા.’ એટલે મારો સારથિ મારો રથ લઈને આગળ ચાલ્યો, વાયુ જેવી ગતિવાળા ઘોડા પણ મને ઉતાવળે ત્યાં લઈ ગયા- પરશુરામે ત્રણ બાણોથી મારાં બધાં બાણ કાપી નાખ્યાં. આ રીતે તેમનાં બાણોથી મારાં સેંકડો બાણોના ટુકડા થઈ ગયા. પછી ગુરુનો વધ કરવાની ઇચ્છાથી કાલદંડ જેવું ખૂબ જ પ્રકાશિત શસ્ત્ર ઉગામ્યું. તે બાણથી મોટા પાયા પર તેઓ વીંધાઈને અચાનક મૂચ્છિર્ત થઈ ગયા અને ધરતી પર ઢળી પડ્યા. સૂર્ય પતિત થાય અને આખા જગતમાં હાહાકાર મચી જાય તેવી રીતે પરશુરામને ઢળેલા જોઈ બધા ચીસરાણ કરવા લાગ્યા. બધા તપસ્વીઓ અને કાશીરાજકન્યા વ્યાકુળ થઈને પરશુરામ પાસે ધસી ગયા. તેમને વળગીને, પરશુરામ ઊભા થઈ ગયા, અને ધનુષ પર બાણ ચઢાવીને વિહ્વળ થઈ મને કહેવા લાગ્યા ‘ઊભો રહે, હવે તું મારા હાથે મરી જ ગયો સમજી લે.’
તે બાણ સનનન કરતું મારી છાતીની ડાબી બાજુએ વાગ્યું. પવનના મારથી જેવી રીતે વૃક્ષ ઊખડી જાય તેમ હું આકુળવ્યાકુળ થઈ ગયો. પછી પરશુરામે મારા બધા ઘોડાને મારી નાખ્યા અને બાણો વડે મને ઢાંકી દીધો. મેં પણ તેમનાં શસ્ત્રોના નિવારણ માટે શસ્ત્ર ઉગામ્યું. અમારા બંનેનાં બાણોથી આખું આકાશ ચારે બાજુથી ઢંકાઈ ગયું. એને કારણે સૂરજ દેખાતો બંધ થયો, જેવી રીતે વાદળ ઊંડે ઊંડેથી ગાજે એવી રીતે પવન રુંધાઈને અવાજ કરવા લાગ્યો. વાયુ, સામસામે ટકરાતાં બાણ અને સૂરજનાં કિરણો — આ બધાંને કારણે આગ પ્રગટી. બધાં બાણ અગ્નિથી સળગીને ભસ્મ થઈ ધરતી પર પડી ગયાં. પછી પરશુરામે સેંકડો હજારો, લાખો બાણો મારા પર વરસાવ્યાં. મેં પણ એ બધાં બાણ મારાં બાણ વડે કાપી નાખ્યાં. આમ ઘોર યુદ્ધ ચાલી રહ્યું હતું અને સંધ્યાકાળ થયો એટલે મારા ગુરુ નિવૃત્ત થયા.
ફરી બીજે દિવસે અમારું યુદ્ધ શરૂ કર્યું. અમે એકબીજા પર બાણ વર્ષા કરી, શક્તિઓ ચલાવી અને એ શક્તિઓ પણ કપાઈ ગઈ. દિવ્ય શસ્ત્ર-અસ્ત્ર પ્રયોજાયાં. બંને વીર ઘવાયા...
...પરશુરામનાં બાણોથી ઘવાયેલો મારો સારથિ ધરતી પર પડી ગયો અને થોડી વારમાં જ મૃત્યુ પામ્યો. હું ગભરાઈ ગયો. અસ્વસ્થ ચિત્તે પરશુરામ પર બાણવર્ષા કરવા લાગ્યો. સારથિ ન હોવાને કારણે શું કરવું તેનો વિચાર કરી રહ્યો હતો તો પણ પરશુરામે બાણ ચલાવી મને વીંધ્યો. મારી છાતીમાં એ ભયંકર બાણ વાગ્યું એટલે હું ધરતી પર પડી ગયો. હું મૃત્યુ પામ્યો એમ માની પરશુરામ મોટે મોટેથી ગરજવા લાગ્યા. પોતાના અનુયાયીઓની સાથે મળીને હર્ષોદ્ગાર કરવા લાગ્યા. જેઓ મારી નજીક હતા અને યુદ્ધ જોવા આવ્યા હતા તેઓ આમ મને ઢળી પડેલો જોઈ દુઃખી દુઃખી થઈ ગયા. મેં રથમાંથી નીચે પડીને સૂર્ય-અગ્નિ જેવા તેજસ્વી આઠ બ્રાહ્મણો જોયા, તેઓએ મને ઝીલી લીધો હતો એટલે હું જમીન પર પડી ગયો. તેમણે મને અધ્ધર જ ઝાલી રાખ્યો હતો અને મારા પર પાણીનો છંટકાવ થયો. ‘ડરશો નહીં, તમારું કલ્યાણ થશે’ એમ તેઓ વારંવાર કહેતા રહ્યા. તેમની વાતથી સ્વસ્થ થઈ હું ઊભો થયો એન નદીઓમાં શ્રેષ્ઠ એવી મારી માતા ગંગાને રથમાં બેઠેલી જોઈ. મારી માતાએ ઘોડાની લગામ ઝાલી રાખી હતી. પછી હું માતાની અને આષ્ટિર્ષેણ ઋષિને પ્રણામ કરી રથમાં બેઠો. મારી માતા રથ, ઘોડા અને બીજી સામગ્રીથી મારી રક્ષા કરતી હતી પણ મેં તેમને હાથ જોડીને વિદાય કર્યાં. વાયુવેગી તે ઘોડા ચલાવીને મેં સાંજ સુધી યુદ્ધ કર્યું. એક તીક્ષ્ણ બાણ વડે પરશુરામને મૂચ્છિર્ત કર્યા અને ધનુષ પડતું મૂકી ઘૂંટણભેર નીચે બેસી ગયા.
કેટલાય સુવર્ણનું દાન કરનારા મહાતેજસ્વી પરશુરામ આમ નીચે બેસી ગયા એટલે આકાશમાંથી લોહી વરસવા લાગ્યું. સેંકડો ઉલ્કાપાત થવા લાગ્યા, સૂર્યને અચાનક રાહુએ ગળી ગયો. જોરશોરથી પવન વાવા લાગ્યો. પૃથ્વી ધૂ્રજવા લાગી. ગીધ, કાગડા, બગલા જેવા માંસભક્ષી પક્ષી આજુબાજુ ઊડવા લાગ્યા. બધી દિશાઓ પ્રજ્વળી ઊઠી. શિયાળો લાળી પાડવા લાગ્યા, એમ ને એમ જ નગારાં વાગવા લાગ્યાં. પરશુરામ બેસુધ બનીને ધરતી પર ઢળી પડ્યા એટલે ઉત્પાતનાં ચિહ્નો વરતાવા લાગ્યા. સૂર્ય ધૂળથી, ઝાંખા થઈ અસ્તાચળે પહોંચી ગયા અને શીતળ પવનવાળી રાત્રિ આવી પહોંચી. અમે યુદ્ધ બંધ કર્યું: આમ તેવીસ દિવસ યુદ્ધ ચાલ્યું.
રાત્રે બ્રાહ્મણ, પિતૃઓ, દેવતા, નિશાચરોને મેં મસ્તક નમાવી પ્રણામ કર્યા. એકાંત સ્થળે પથારીમાં આડા પડીને મનોમન ચિંતા કરવા લાગ્યો. આજે ઘણા દિવસોથી પરશુરામ સાથે ઘેર સંગ્રામ ચાલે છે પણ હું તે મહાવીરને પરાજિત કરી શક્યો નથી. જો તેમને હરાવવાનું સામર્થ્ય મારામાં હોય તો દેવતાઓ પ્રસન્ન થઈને રાત્રે મને દર્શન આપશે. હું ઘવાઈને જમણા પડખે સૂતો હતો ત્યારે જે બ્રાહ્મણોએ મને ઝીલી રાખ્યો હતો તેમણે મને સ્વપ્નમાં દર્શન આપ્યા, અને કહ્યું,
‘ગાંગેય, ઊઠો, તમને કોઈ જાતનો ભય નથી. અમે તમારી રક્ષા કરીશું, તમે અમારી જ કાયા છો. જમદગ્નિપુત્ર કોઈ રીતે તમને યુદ્ધમાં હરાવી નહીં શકે. તમે જ તેમને હરાવશો. વિશ્વકર્માએ સર્જેલું પ્રસ્વાપ નામનું ઉત્તમ અસ્ત્ર છે, તેને પરશુરામ કે બીજું કોઈ પણ જાણતું નથી, એ અસ્ત્ર તમે પૂર્વજન્મમાં જાણતા હતા એટલે યુદ્ધકાળે તેનું જ્ઞાન તમને થઈ જશે. તમે એ અસ્ત્રનું સ્તર કરી દૃઢતાથી ચલાવજો. એનાથી પરશુરામનું મૃત્યુ નહીં થાય. તમને બ્રહ્મહત્યાનું પાપ નહીં લાગે. તમારા બાણથી ઘવાઈને તેઓ માત્ર સૂઈ રહેશે. આમ તમે એમને હરાવી શકશો. સવારે જાગીને રથમાં બેસીને તમે આમ જ કરજો. સૂવું કે મરવું — અમારે માટે સરખા છે. પરશુરામનું મૃત્યુ નહીં થાય. એટલે હવે આ અસ્ત્ર ધનુષ પર ચઢાવો. આમ કહી એ તેજસ્વી, એકસરખા દેખાતા આઠે બ્રાહ્મણ અંતર્ધાન થઈ ગયા.
રાત્રિ પૂરી થઈ એટલે હું જાગી ગયો. સ્વાનને યાદ કરી હું રાજી થયો. પછી અમારું ભયાનક યુદ્ધ શરૂ થયું. અમે બંનેએ એકબીજા ઉપર બાણવર્ષા કરી, એકબીજાનાં બાણોનું નિવારણ કર્યું. પરશુરામે ઇન્દ્રના વજ્ર જેવી કઠોર, યમદંડ જેવી, અગ્નિ જેવી પ્રજ્વળતી, બધી ચીજવસ્તુઓને ભસ્મ કરતી એક શક્તિ મારા ઉપર ફંગોળી, અને તે તરત જ મારા ખભામાં વાગી. ગેરુ વહેવડાવતા પર્વતની જેમ મારા શરીરમાંથી લોહી વહેવા માંડ્યું. એટલે મેં એક બાણ ચલાવીને પરશુરામના મસ્તકને વીંધ્યું. પછી તેમણે પણ ક્રોધે ભરાઈને એક બાણ વડે મને વીંધી નાખ્યો અને હું ધરતી પર ઢળી પડ્યો. પછી ભાનમાં આવીને પરશુરામ ઉપર વજ્ર જેવી શક્તિ ઉગામી. તે પરશુરામની છાતીને વીંધી ગઈ, તેઓ કાંપવા લાગ્યા. તેમના પ્રિય તપસ્વી બ્રાહ્મણ અકૃતવ્રણ તેમને શુભ વચનો કહી આશ્વાસન આપવા લાગ્યા. પછી પરશુરામે બ્રહ્માસ્ત્ર ઉગામ્યું, મેં પણ એ જ અસ્ત્ર ઉગામ્યું. એ બંને અમને સ્પર્શ્યા વિના જ આકાશમાં ભળી ગયા. બંને એકબીજા સાથે અથડાયાં એટલે આકાશમાં ચારે બાજુ આગ પ્રસરી ગઈ, બધા જીવ દુઃખી દુઃખી થઈ ગયા. ઋષિઓ, ગંધર્વો, દેવતાઓ ત્રાસી ઊઠયા. પર્વત, વન, વૃક્ષો સમેત પૃથ્વી કાંપવા લાગી, પ્રાણીઓ દુઃખી થઈને શોક કરવા લાગ્યા. આકાશ સળગી ઊઠ્યું, બધી દિશાઓમાં ધુમાડા ધુમાડા થઈ ગયા, આકાશમાં ઊડતાં પંખી પણ આકાશમાં રહી ન શક્યાં. દેવ, અસુર, રાક્ષસો સમેત બધા હાહાકાર કરવા લાગ્યા. આ જ સમય બહુ યોગ્ય છે એમ માનીને મેં તરત પ્રસ્વાપ અસ્ત્ર ઉગામવાની તૈયારી કરી. પેલા બ્રાહ્મણોએ કહ્યું હતું તેમ એ વિચિત્ર અસ્ત્ર મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું. ત્યારે ‘ભીષ્મ, પ્રસ્વાપાસ્ત્ર ન ઉગામો’ એવો અવાજ સંભળાયો. તો પણ મેં પરશુરામ પર ફેંકવા એ અસ્ત્ર ધનુષ પર ચઢાવી દીધું. ત્યારે નારદે મને કહ્યું, ‘જુઓ, આકાશમાં-દ્યુલોકમાં બધા દેવતા ઊભા છે, તેઓ બધા તમને અટકાવવા માગે છે. તમે આ અસ્ત્ર ન ચલાવો. પરશુરામ તપસ્વી, બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે, તમારા તો ગુરુ છે, એટલે તેમનું અપમાન ન કરો. પછી મેં આઠે બ્રાહ્મણોને આકાશમાં જોયા, તેમણે મને સ્મિતપૂર્વક કહ્યું, ‘નારદ કહે છે તેમ કરો. લોકનું પરમ કલ્યાણ કરનારી એ વાત છે. પછી મેં પ્રસ્વાપ અસ્ત્રનો નાશ કરી બ્રહ્માસ્ત્ર જ દીપાવ્યું. ક્રોધે ભરાયેલા પરશુરામે મેં પ્રસ્વાપનાસ્ત્રને પાછું વાળ્યું તે જોઈને બોલી ઊઠ્યા, ‘ભીષ્મે મને હરાવ્યો. હું મંદ બુદ્ધિનો છું.’
પછી પરશુરામે પોતાના પિતા, પિતામહ, બીજા પિતૃઓને જોયા. તેઓ બધા તેમને વીંટળાઈને ઊભા હતા. તે વખતે તેમને શાંત કરવા બોલ્યા, ‘તું ફરી કદી આવું સાહસ ન કરતો. ક્ષત્રિય ભીષ્મ સાથે યુદ્ધ ન કરતો, યુદ્ધ એ ક્ષત્રિયોનો ધર્મ છે, બ્રાહ્મણોનો ધર્મ વેદનો અભ્યાસ કરવો, વ્રત કરવા એ છે. પહેલાં કોઈ કારણે અમે તને આ શસ્ત્ર ધારણ કરવા કહ્યું હતું, તે કાર્ય તેં પાર પણ પાડ્યું હતું. ભીષ્મ સાથે આટલું યુદ્ધ બસ છે. હવે તું રણમેદાનમાંથી પાછો હઠ. હવે તું ધનુષ્ય પણ ધારણ ન કર, હવે તું તપ કર.’
બધા દેવતાઓએ પણ ભીષ્મને યુદ્ધ બંધ કરવા કહ્યું, ‘તમારા ગુુરુ સાથે યુદ્ધ ન કર. યુદ્ધમાં તેમને હરાવવા તમારા માટે યોગ્ય નથી. રણભૂમિમાં તેમનું યોગ્ય સમ્માન કરો. અમે પણ તમારા ગુુરુ છીએ. વસુઓમાં હવે તમે એકલા છો, આટલું જ બસ છે.’
પછી પરશુરામને કહ્યું, ‘શન્તનુ અને ગંગાના આ પુત્ર વસુ છે. રામ, તમે તેમને યુદ્ધમાં કેવી રીતે જીતશો? એટલે હવે તમે ખસી જાઓ. ઇન્દ્રધનુષ અર્જુન નરના અવતાર છે. ત્રણે લોકમાં તે સવ્યસાચી નામે ઓળખાય છે. વિધાતાએ ભીષ્મવધ તેમના દ્વારા કરાવવાનું આયોજન કર્યું છે.’
પરશુરામે પોતાના પૂર્વજોને કહ્યું, ‘હું યુદ્ધમાંથી ક્યારેય નિવૃત્ત નહીં થઉં એવું મેં વ્રત લીધું છે. પહેલાં પણ મેં યુદ્ધમાં પીછેહઠ કરી નથી. એટલે તમે ભીષ્મને યુદ્ધમાંથી નિવૃત્ત કરાવો. હું નિવૃત્ત નહીં થઉં.’
એટલે બધા ઋષિમુનિઓ નારદની સાથે આવીને મને કહેવા લાગ્યા, ‘તમે યુદ્ધ બંધ કરો. આ લોકોની વાત માની લો.’ ત્યારે મેં પણ ક્ષત્રિય ધર્મનું પાલન કરવા યુદ્ધ બંધ કરવાની ના પાડી,’ મેં પ્રતિજ્ઞા કરી છે કે હું કોઈ પણ રીતે પીઠમાં બાણોથી વીંધાઈને યુદ્ધ બંધ નહીં કરું. લોભ, કૃપણતા, ભય, અર્થ — કોઈ પણ કારણે હું મારા સનાતન ધર્મનો ત્યાગ કરી શકવાનો નથી.’
પછી નારદ, ઋષિમુનિઓ અને મારી માતા રણભૂમિમાં આવ્યાં, તો પણ હું ધનુષ ધારણ કરીને યુદ્ધ કરવા ઊભો જ રહ્યો. પછી તેઓ ફરી પરશુરામ પાસે ગયા.
‘ભાર્ગવ, બ્રાહ્મણોનું હૃદય તો માખણ જેવું કૂણું હોય છે. તમે શાંત થઈ જાઓ, યુદ્ધમાંથી નિવૃત્ત થઈ જાઓ. ભીષ્મનો વધ તમે નહીં કરી શકો, તમારો પણ વધ તે નહીં કરી શકે.’
આમ કહીને પરશુરામ પાસે શસ્ત્રસંન્યાસ લેવડાવ્યો. પછી મેં પેલા આઠ બ્રાહ્મણોને ફરી જોયા, ‘લોકહિતનું કાર્ય કરો. નમ્રતાથી ગુરુ પાસે જાઓ.’
વડીલોના કહેવાથી પરશુરામને નિવૃત્ત જોઈ લોકહિત માટે મેં બધાની વાત માની. શસ્ત્રોથી ઘવાયેલો હું પરશુરામ પાસે ગયો અને મેં પ્રણામ કર્યા. તેમણે પણ મને હસીને કહ્યું,
‘પૃથ્વીના બધા ક્ષત્રિયોમાં તમારા જેવો કોઈ ક્ષત્રિય નથી. આ યુદ્ધમાં તમે મને બહુ સંતોષ આપ્યો છે. હવે તમે જાઓ.’
પછી બધા તપસ્વીઓની વચ્ચે પેલી કન્યાને બોલાવીને કહ્યું, ‘મેં મારી શક્તિ પ્રમાણે મોટું પરાક્રમ કરીને જે યુદ્ધ કર્યું તે તમે બધાએ જોયું. મેં અનેક ઉત્તમ અસ્ત્ર ચલાવ્યાં તો પણ ભીષ્મને હરાવી ન શક્યો. મારી આટલી જ શક્તિ છે. એટલે હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા. હું તારા માટે બીજું તો શું કરી શકીશ? તું ભીષ્મ પાસે જ. તે સિવાય બીજો કોઈ આશ્રય નથી. મેં દિવ્ય અસ્ત્રો ચલાવ્યાં તો પણ ભીષ્મે મને હરાવ્યો. ’
આમ કહી તેમણે દીર્ઘ નિ:શ્વાસ નાખ્યો અને ચૂપ થઈ ગયા. પછી અંબાએ કહ્યું, ‘તમે જે કહો છો તે બરાબર. આ ભીષ્મને યુદ્ધમાં દેવતાઓ પણ હરાવી નહીં શકે. તમારામાં જેટલા શક્તિ, ઉત્સાહ હતાં તે અનુસાર મારું કાર્ય કર્યું, રણભૂમિમાં બળ, પરાક્રમ, અસ્ત્રો પ્રગટ કર્યા. તો પણ ભીષ્મને હરાવી ન શક્યા, પરંતુ હું ભીષ્મ પાસે કોઈ રીતે નહીં જઈ શકું. હું પોતે જ રણભૂમિમાં એમનો વધ કરી શકું એવા કોઈ સ્થાને જઈશ.’
આમ બોલતી તે કન્યા મારી હત્યાનો વિચાર કરતી ત્યાંથી જતી રહી. પરશુરામ મારી સંમતિ લઈને ઋષિમુનિઓની સાથે તે રસ્તે આવ્યા હતા તે રસ્તે થઈને મહેન્દ્ર પર્વત પર જતા રહ્યા. હું પણ બ્રાહ્મણોની પ્રશંસા ઝીલતો હસ્તિનાપુર ગયો, સત્યવતી માતાને બધી વાત કરી, તેમણે પણ મને અભિનંદન આપ્યાં. પછી મેં અંબાની વાત જાણવા માટે અત્યંત કુશળ બુદ્ધિમાન વ્યક્તિઓને કામ સોંપ્યું. તે બધા દૂત એ કન્યાના પ્રત્યેક દિવસની ગતિવિધિ મને જણાવવા લાગ્યા.
તે કન્યા તપસ્યા કરવાના સંકલ્પ સાથે વનમાં ગઈ. હું વ્યાકુળ, લાચાર, બેસુધ જેવો બની ગયો મને બ્રાહ્મણોની જ બીક લાગે છે. તપસ્યા કરનારા બ્રાહ્મણો સિવાય કોઈ ક્ષત્રિય યુદ્ધમાં મને હરાવી ન શકે. ‘કાશીરાજકન્યા વિશે તમે કશો શોક ન કરો. પુરુષાર્થ સિવાય દૈવને કોણ બદલી શકે?’
તે કન્યા આશ્રમમાં પ્રવેશીને યમુનાકાંઠે પોતાનો આશ્રમ બનાવી અલૌકિક તપસ્યા કરવા લાગી. આહાર ત્યજી દીધો, કૃશ, રુક્ષ, જટાધારિણી થઈને તે ધૂળ-કીચડ સાથે રહી, છ મહિના વાયુભક્ષણ કરીને તપ કરતી રહી. એક વરસ સુધી યમુનાતીરે નિરાહાર રહીને તપ કર્યું. પછી ઝાડ પરથી ખરેલાં પાંદડાં એક એક ખાઈને એક વર્ષ રહી. મહાક્રોધી તે તપસ્વિનીએ પગના અંગૂઠા પર ઊભા રહીને એક વર્ષ વીતાવ્યું. આ રીતે બાર વરસ તપ કરીને સ્વર્ગ, પૃથ્વીને અસ્વસ્થ કર્યાં. બીજાઓએ તેને સમજાવવાના બહુ પ્રયત્ન કર્યા તો પણ કોઈ તેને તપ કરતાં રોકી ન શક્યું. પછી અંબા સિદ્ધો, ચારણોવાળી વત્સભૂમિમાં પુણ્યશાળી, તપસ્વીઓના આશ્રમમાં ગઈ. તે સુંદર કન્યા બધાં પુણ્યતીર્થમાં સ્નાન કરતી ઇચ્છાપ્રમાણે ભ્રમણ કરવા લાગી. આમ નંદાશ્રમ, ચ્યવન આશ્રમ, બ્રહ્મસ્થાન, પ્રયાગ, દેવયજન, દેવઅરણ્ય, ભોગવતી, વિશ્વામિત્રઆશ્રમ, માંડવ્ય આશ્રમ, દિલીપ આશ્રમ, રામહૃદ અને પૈલ ગાર્ગ્યના આશ્રમોમાં ભ્રમણ કરતી રહી. કઠોર તપ કરીને બધાં તીર્થોમાં સ્નાન કર્યું. એક દિવસે જ જળમાંથી પ્રગટીને મારી માતા ગંગાએ તેને પૂછ્યું, ‘તું શા માટે આટલું ઘોર તપ કરે છે, મને સાચેસાચું કહે.’
એટલે તે કન્યાએ હાથ જોડીને કહ્યું, ‘પરશુરામ ભીષ્મને યુદ્ધમાં હરાવી ન શક્યા. તો હવે કોણ તેમને જીતી શકવાનો? હું પોતે જ ભીષ્મનો વધ કરવા આ ઘોર તપ કરી રહી છું. આ નિર્ધાર કરીને હું બધે ભ્રમણ કરી રહી છું. આગલા જનમમાં હું આ વ્રતનું ફળ મેળવી શકું.’
ત્યારે મારી માતાએ કહ્યું, ‘તારું આચરણ કુટિલ છે. તું તારી ઇચ્છા પાર પાડી નહીં શકે. જો તું ભીષ્મવધનો નિશ્ચય કરીને આમ વ્રત કરીશ અને એમ વ્રત કરતાં કરતાં જ મૃત્યુ પામીશ તો વાંકીચૂકી વહેતી નદી થઈ જઈશ. માત્ર વર્ષાઋતુમાં જ પાણી રહેશે, બાકીના આઠ મહિના તું સૂકીભઠ રહીશ. વર્ષા ઋતુમાં તો કોઈ તને પાર કરી નહીં શકે; કોઈને તારી ઊંડાઈનો ખ્યાલ નહીં આવી શકે.’
આમ કહીને મારી માતાએ તે કન્યાને વિદાય કરી. તો પણ આ કન્યા વ્રત કરીને ક્યારેક આઠ આઠ મહિના, તો ક્યારેક દસ દસ મહિના સુધી પાણી પણ પીતી ન હતી. તીર્થાટન કરતી કરતી તે ફરી વત્સભૂમિમાં આવી અને દોડતાં દોડતાં પડી ગઈ. તે ત્યાંની ભૂમિમાં વર્ષાકાળે વહેનારી, અનેક જળચરોથી ભરેલી, વાંકી અને ભયાનક નદી બની ગઈ, તેનું નામ પણ અંબા પડ્યું. તે પોતાની તપસ્યાના બળથી શરીરના અડધા ભાગથી નદી બની અને અડધા ભાગથી કન્યા પણ બની રહી.
બધા તપસ્વીઓએ તપ કરવાના દૃઢ નિર્ધારવાળી કન્યાને પૂછ્યું, ‘તપ કરીને તારે કરવું છે શું?’
તે કન્યાએ ઉત્તર આપ્યો, ‘ભીષ્મે મને પતિધર્મથી ભ્રષ્ટ કરીને મારો સર્વનાશ કર્યો છે. એમના વધ માટે જ આ તપ. મારે કંઈ સ્વર્ગ જોઈતું નથી. ભીષ્મને મારી નાખીને જ હું શાંત રહી શકીશ, આ મારો અફર નિર્ણય છે. એમને કારણે જ મારે નિરંતર દુઃખી થઈને રહેવું પડ્યું છે, પતિ ન પામી શકી, અત્યારે તો ન રહી પુરુષ, ન રહી સ્ત્રી, ગંગાપુત્ર ભીષ્મને માર્યા વિના હું નિવૃત્ત નહીં થઉં. આ મારો સંકલ્પ છે. સ્ત્રી તરીકે હું દુઃખી થઈ એટલે પુુરુષત્વ પામવાનો નિશ્ચય કરીને ભીષ્મ સાથે વેર વાળીશ. મને તમે રોકતા નહીં.’ ત્યારે શંકર ભગવાને એ તપસ્વીઓની વચ્ચે આ કન્યાને દર્શન આપ્યાં. ભગવાન તેને વરદાન આપવા તૈયાર થયા ત્યારે તેણે ભીષ્મવધનું જ વરદાન માગ્યું. મહાદેવે કહ્યું, ‘તું વધ કરીશ જ.’
આ સાંભળી તે કન્યાએ કહ્યું, ‘હું સ્ત્રી હોઉં તો યુદ્ધમાં જીતી કેવી રીતે શકું. સ્ત્રી હોવાને કારણે તપસ્યાએ મારું મન શાંત થઈ ગયું છે. તમે મને ભીષ્મવધનું વરદાન તો આપ્યું, હવે હું એ વધ કેવી રીતે કરું અને તમારું વરદાન સત્ય થાય તેમ કરો. હું યુદ્ધમાં ભીષ્મ સાથે લડીને તેમને મારી શકું એવો ઉપાય કહો.’
ભગવાને કહ્યું, ‘મારી વાણી કદી નિષ્ફળ ન જાય. એમ જ થશે. તું ભીષ્મને મારીશ, પુરુષત્વ પણ પામીશ, બીજા જનમમાં પણ પૂર્વજન્મની સ્મૃતિ રહેશે. દ્રુપદને ઘેર જન્મીને તું મહારથી, અસ્ત્રશસ્ત્રજ્ઞાતા, અનેક યુદ્ધ કરનારા, બધા માટે આદરપાત્ર યોદ્ધો બનીશ. મેં જે કહ્યું છે તે સાચું પડશે. થોડા સમય પછી તું પુરુષ થઈશ.’ આમ કહીને બ્રાહ્મણોના દેખતાં ભગવાન અંતર્ધાન થઈ ગયા.
પછી કાશીરાજકન્યા અંબાએ મહર્ષિઓના દેખતાં જ વનમાંથી લાકડાં ભેગાં કર્યાં, યમુનાકાંઠે ચિતા પ્રગટાવી અને ક્રોધે ભરાયેલી ‘હું ભીષ્મવધ નિમિત્તે આ અગ્નિમાં પ્રવેશું છું.’ એમ કહી અગ્નિમાં ભસ્મ થઈ ગઈ.
દ્રુપદ રાજાની ખૂબ જ પ્રિય પત્ની પુત્ર વિનાની હતી. રાજાએ પુત્ર માટે શંકર ભગવાનની તપસ્યા કરવા માંડી, તેઓ પણ મારો વધ કરવા માગતા હતા. પ્રસન્ન થયેલા શંકરે પુત્રના વરદાનને બદલે પુત્રીનું વરદાન આપ્યું.
‘ભગવાન, હું ભીષ્મવધ માટે એક પુત્રની ઇચ્છા રાખું છું.’
‘તમને પુત્ર મળશે પણ પહેલાં તો તે સ્ત્રી હશે, પાછળથી તે પુરુષ થશે. હવે તપ કરવાની જરૂર નથી. મારી વાત કદી અસત્ય નહીં થાય.’
રાજાએ મહાદેવે આપેલા વરદાનની વાત નગરમાં આવ્યા પછી રાણીને કરી. ‘મેં તો તપસ્યા વડે પુત્રપ્રાપ્તિ માટે બહુ પ્રયત્ન કર્યો પણ મહાદેવે કહ્યું કે પહેલાં પુત્રી રૂપે જન્મેલી કન્યા પાછળથી પુરુષ થશે. તેમને મેં વારંવાર પુત્ર માટે કહ્યું પણ મારી વાત ક્યારેય અસત્ય નહીં થાય, એટલે હવે એ વરદાન તો એવું ને એવું જ રહેશે.’ પછી દ્રુપદરાજની પત્નીએ ઋતુકાળ પછી દ્રુપદ સાથે સહવાસ કર્યો. અને દ્રુપદની પત્નીને દિવસો રહ્યા. રાજા પુત્રસ્નેહને કારણે પત્નીની બધા પ્રકારની સેવા આનંદથી કરવા લાગ્યો. પુત્રહીન રાજા માટે રાણીએ ઉત્તમ રૂપવાળી એક કન્યાને જન્મ આપ્યો. પુત્ર જન્મ્યો ન હતો તો પણ રાણી પાસે જાહેર કરાવ્યું કે અમારે ત્યાં પુત્ર જન્મ્યો છે. એ પુત્રીને પુત્ર સમાન ગણીને બધો જ વિધિ પણ કરાવ્યો. રાણીએ પણ પુત્ર પુત્ર કરીને તે કન્યાને સાચવી. દ્રુપદ અને રાણી સિવાય નગરમાં એમ જ બધાને કહ્યું. એને લોકો શિખંડી તરીકે ઓળખવા લાગ્યા. પણ હું એકલો જ નારદની વાણી, દેવવાલ્ય, અંબાની તપસ્યા — આ બધાને કારણે એ કન્યાના રહસ્યને જાણતો હતો. રાજાએ પોતાના સ્વજનોમાં બહુ પ્રયત્ન કર્યા, એ કન્યા લેખન અને શિલ્પમાં નિપુણ થઈ ગઈ. અસ્ત્રશસ્ત્રવિદ્યા શીખવા તે દ્રોણાચાર્યની શિષ્ય થઈ. પછી રાણીએ પુત્રની જેમ તેનો વિવાહ કરવા રાજાને વિનંતી કરી. ‘મારો શોક વધારનારી એ કન્યા યુવાન થઈ ગઈ છે, મહાદેવના વચનને કારણે મેં આ વાત છુપાવી રાખી છે. મહાદેવનું વચન તો કદી ખોટું થાય જ નહીં, ત્રણે લોકના કર્તાહર્તા અસત્ય કેવી રીતે બોલી શકે.’
‘મારી વાત તમને સ્વીકાર્ય હો તો સાંભળો. પછી તમારે જે કરવું હોય તે કરજો. કોઈ પણ રીતે આ કન્યાનો વિવાહ કરો. શંકર ભગવાનનું વચન સાચું જ પડશે.’
પછી રાજારાણીએ એ વાતનો નિશ્ચય કરીને દશાર્ણાધિપતિની કન્યાની પસંદગી કરી. રાજાઓમાં સિંહ જેવા દ્રુપદ રાજાએ કુળપરંપરા પ્રમાણે દશાર્ણાધિપતિની કન્યા સાથે શિખંડીનું લગ્ન કરાવી દીધું. તે રાજા પણ અજેય, શ્રેષ્ઠ હતો. વિવાહ થયા પછી આ બંને કન્યાઓ સંપૂર્ણ રીતે યુવાન થઈ. વિવાહ કરીને શિખંડી પણ પાછો આવ્યો. થોડા દિવસ તો પત્નીને ખબર ન પડી કે શિખંડી સ્ત્રી છે. છેવટે એ કન્યાએ શિખંડીને શિખંડિની જાણીને સંકોચપૂર્વક દુઃખી થઈને દાસીઓને અને સખીઓને આખી વાત જણાવી દીધી. દશાર્ણરાજની દાસીઓને આ સાંભળી બહુ દુઃખ થયું અને રાજાને ત્યાં દૂતીઓ દ્વારા સમાચાર મોકલાવ્યા. તે રાજાએ પણ આ છેતરપિંડીની વાત જાણી અને તે ખૂબ જ ક્રોધે ભરાયો. શિખંડિની કન્યાને પણ સ્ત્રી હોવું ન ગમ્યું એટલે પુરુષની જેમ પ્રસન્નતાથી રાજમહેલમાં ભમવા લાગ્યો. એ રાજાએ ગુસ્સે થઈને દ્રુપદ રાજા પાસે એક દૂત મોકલ્યો. તેણે રાજાને એકલાને જ કહ્યું,‘તમારી છેતરપિંડીથી દશાર્ણરાજાની ભારે માનહાનિ થઈ છે. તેમણે કહેવડાવ્યું છે-તમે જે મોહમાં પડીને તમારી કન્યા માટે મારી કન્યાનું માગું કર્યું છે એ તમારી દુષ્ટ મંત્રણાનું પરિણામ છે. તમે મારું અપમાન કર્યું છે. એટલે હવે આ છેતરપિંડીનું પરિણામ ભોગવજો. તમને સ્વજનો સહિત મારી નાખીશ.’
દૂતનું આ વચન સાંભળીને પકડાઈ ગયેલા ચોરની જેમ દ્રુુપદ એક શબ્દ પણ બોલી ન શક્યો. તેમણે દૂતોને કહ્યું-આ યોગ્ય નથી. આવો સંદેશો મોકલીને વેવાઈને પ્રસન્ન કરવા મથ્યા. પણ ફરી એ રાજાએ તપાસ કરાવીને જાણી લીધું કે શિખંડી દ્રુપદરાજની કન્યા જ છે. એટલે તેઓ તો યુદ્ધ કરવા નીકળી પડ્યા. તેમણે આ આખી વાત મિત્રોને પણ કરી. બહુ મોટું સૈન્ય એકઠું કરીને દ્રુપદ પર આક્રમણ કરવાની મારી ઇચ્છા છે. રાજા પોતાના મિત્રો સાથે આ બાબતમાં શું કરી શકાય તેનો વિચાર કરવા લાગ્યા. મિત્રોએ ઠરાવ્યું કે જો શિખંડી કન્યા જ હોય તો આપણે પાંચાલરાજને બાંધીને અહીં લઈ આવીશું. કોઈ બીજા રાજાને પાંચાલરાજ બનાવી શિખંડી સમેત દ્રુપદનો વધ કરીશું. ‘હું તમારો વધ કરીશ એટલે ચેતતા રહેજો.’ એવો સંદેશ ફરી દૂત સાથે દ્રુપદને મોકલાવ્યો. દ્રુપદ રાજા તો પહેલેથી ડરપોક હતા જ, અને તેમાં પાછી આ છેતરપિંડી, એટલે તે બહુ બી ગયા. દશાર્ણરાજાની પાસે દૂત મોકલી નિર્જન સ્થાનમાં બેસી રાણીને કહેવા લાગ્યા, ‘આપણા વેવાઈ હિરણ્યવર્મા સેના લઈને મારી સાથે યુદ્ધ કરવા આવી રહ્યા છે. આ કન્યા બાબતે શું કરવું એ મને અત્યારે સમજાતું નથી. મારા કાને વાત આવી છે કે લોકો શિખંડી કન્યા છે એવું બોલી રહ્યા છે, અને એટલે જ હું છેતરાઈ ગયો છું એમ કહીને રાજા ંમિત્રો, સેવકો સાથે આવીને મારો વધ કરવા માગે છે. હવે આ બાબતે જે કંઈ હોય તે તું મને કહે. તું કહીશ એ પ્રમાણે હું કરીશ. મારો જીવ જોખમમાં છે અને તમે માતા-પુત્રી પણ મહાક્લેશ અનુભવી રહ્યાં છો. બધાને આ આપત્તિમાંથી કેવી રીતે છોડાવી શકાય તે તું મને કહે. હું તું કહીશ એ પ્રમાણે ક્રરીશ, તું શિખંડીની બાબતે કશી ચિતા ન કરીશ. હું બધું વ્યવસ્થિત કરી દઈશ, તું પુત્રને જન્મ આપી ન શકી, મારે કારણે દશાર્ણ રાજા ઠગાઈ ગયા, એટલે હવે શું કરવું તે મને કહે.‘ શિખંડી કન્યા છે એ વાત જાણતા હોવા છતાં દ્વુપદરાજાએ બીજાઓની આગળ પોતાની નિર્દોષતા પ્રગટ કરવા પત્નીને પૂછ્યું, એટલે રાણીએ ઉત્તર આપ્યો.
‘પુત્ર ન હતો એટલે શોક્યોના ભયથી ડરીને કન્યા જન્મી તો પણ પુત્ર જન્મ્યો એ વાત કરી. તમે પણ મારી વાત માની. તમે કન્યાના જાતકર્મ સંસ્કાર પુત્રની જેમ કરાવ્યા. પછી દશાર્ણરાજની કન્યા સાથે તમે વિવાહ કર્યો. એટલે મેં પણ આ બાબતે થોડી ઉપેક્ષા કરી હતી.’
આ સાંભળીને દ્વુપદરાજાએ મંત્રીઓને સાચી વાત જણાવી પ્રજાના રક્ષણ માટે યોગ્ય ઉપાય વિશે વિચાર કરવા લાગ્યા. પોતે અસત્ય આચરણ કર્યું છે એ છતાં દશાર્ણરાજા હિરણ્યવર્મા સાથેના સંબંધને યોગ્ય જણાવી પ્રજાની રક્ષા કરવાનો નિશ્ચય એકાગ્ર ચિત્તે તેમણે કર્યો.
નગર સ્વાભાવિક રીતે જ રક્ષિત હતું, આપત્તિ પ્રસંગે રાજાએ બધી રીતે નગરને અલંકૃત કરીેને તેની સારી રીતે રક્ષા કરવાનો નિશ્વય કર્યો. દશાર્ણપતિ સાથે વિરોધ થવાને કારણે દ્રુપદ અને તેમની રાણી — બંને દુઃખી દુઃખી થઈ ગયા. સંબંધી સાથે મહાવિગ્રહ ન થાય એટલે મનોમન વિચારીને પિતાઓની પૂજા કરવા લાગ્યા. આવી રીતે દેવપૂજામાં રાજાને તલ્લીન જોઈને રાણીએ કહ્યું, ‘દેવતાઓની પૂજા હમેશાં લાભ કરાવે છે એવું સંતો કહે છે. દુઃખમાં ડૂબેલા આપણે માટે તો આ દેવપૂજા લાભદાયી જ થશે.’
જ્યારે દશાર્ણરાજ પાછા જતા રહે ત્યારે બ્રાહ્મણોનું સમ્માન કરી તેમને દક્ષિણા આપીશું, અને દેવપૂજા, અગ્નિહોમ કરીશું. યુદ્ધ કર્યા વગર જ શાંતિ થઈ જાય એવો ઉપાય વિચારો. દેવતાઓને રિઝવીને ઘણું બધું થઈ શકે છે. આ નગરની રક્ષા માટે મંત્રીઓ સાથે જે ચર્ચા કરી રહ્યા છો તે પ્રમાણે કરો. પુરુષાર્થ કરતાં કરતાં દૈવી પ્રારબ્ધ પૂર્ણ રૂપે સફળ થશે. નગરની રક્ષાના ઉપાય કેવી રીતે કરી શકાય એ મંત્રીઓની સાથે મળીને નક્કી કરો અને પછી દેવતાઓની પૂજા કરો.’
આ પ્રમાણે શોકમુક્ત થઈને માતાપિતાને વાત કરતાં જોઈ શિખંડી કન્યા બહુ સંકોચ પામી. આ બધા મારા કારણે દુઃખી છે એમ વિચારી તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યોં. અને અત્યંત દુઃખી થઈને તેણે ગૃહત્યાગ કર્યો, નિર્જન અને ગાઢ વનમાં જતી રહી. તે વનની રક્ષા સ્થૂલાકર્ણ નામનો મહાબલવાન યક્ષ કરતો હતો, તેના ભયથી એ વન નિર્જન થઈ ગયું હતું. ત્યાં સ્થૂલાકર્ણનું સુંદર નિવાસસ્થાન હતું, તેમાં ઊંચા તોરણ હતા, સ્વચ્છ ચૂના અને માટીથી લેપાયું હતું; મંદ, સુગંધિત પવન વાતો હતો. શિખંડીએ એ જ સ્થાને બેસીને ઘણા દિવસો સુધી આહાર કર્યા વિના શરીરને સૂકવવા માંડ્યું. સ્થૂલાવર્ણને તેના પર દયા આવી અને પાસે જઈને તેણે કહ્યું, ‘તું શા કારણે આવું વ્રત કરી રહી છે તે મને હમણાં ને હમણાં કહે.’
શિખંડીની બોલી, ‘મારું એક કાર્ય અસાધ્ય છે, તે તમારાથી નહીં થાય.’
‘હું ચોક્કસ એ કાર્ય કરીશ. હું ધનેશ્વર કુબેરનો સેવક છું, હું વરદાન આપી શકું છું. ન આપી શકાય એવા પદાર્થ પણ આપી શકું છું. જે માંગવું હોય તે માગ.’
પછી શિખંડિનીએ તે યક્ષને આખી કથા કહી સંભળાવી. — ‘આપત્તિમાં ફસાયેલા મારા પિતા બહુ જલદી મૃત્યુ પામશે, દશાર્ણરાજ ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા આવી રહ્યા છે. તે રાજા બહુ શક્તિશાળી છે. એટલે તમે મારી અને મારા માતાપિતાની રક્ષા કરો. તમે મારું દુઃખ દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે, એટલે એવો કોઈ ઉપાય શોધી કાઢો જેથી હું પુરુષ બની જઉં, જ્યાં સુધી હિરણ્યવર્મા અમારા નગરમાં નથી આવતા ત્યાં સુધી મારા પર કૃપા કરો.’
યક્ષ શિખંડીની વાત સાંભળીને મનોમન વિચારીને કહેવા લાગ્યો, ‘હું તારી ઇચ્છા પૂરી કરીશ. પણ મારી શરત છે, તે સાંભળ. થોડા સમય માટે હું મારું પુરુષત્વ આપું છું, પછી ચોક્કસ સમયે તારે મારી પાસે આવવાનું, હું સંકલ્પસિદ્ધ કામરૂપી ખેચર છું. હું જે ઇચ્છું તે પાર પાડી શકું છું. તું મારી કૃપા વડે નગરની અને તારા બાંધવોની રક્ષા કર. હું તારું સ્ત્રીત્વ ધારણ કરીશ. પણ તું પ્રતિજ્ઞા કર. તારું કામ પતી જાય પછી હું પુરુષત્વ પાછું આપીશ. તો જ હું તારું કામ કરીશ.
શિખંડીએ યક્ષની વાત સ્વીકારી, ‘હું તમારું પુરુષત્વ પાછું આપીશ. દશાર્ણરાજા જ્યારે પાછા ફરશે ત્યારે હું ફરી કન્યા થઈ જઈશ. અને તમે પુરુષ.’
આમ બંનેએ સોગંદ લીધા અને અરસપરસ જાતિ બદલી. સ્થૂલાકર્ણ સ્ત્રી બની ગયો. અને શિખંડી યક્ષ. પછી પ્રસન્ન ચિત્તે પુરુષત્વ પામીને તે નગરમાં પ્રવેશ્યો, પિતા પાસે જઈને બધી વાત કરી. રાજા તેની વાત સાંભળીને પ્રસન્ન થયા, પતિપત્નીએ પણ મહાદેવનું વરદાન યાદ કર્યું; પછી દશાર્ણરાજાને દૂત મોકલીને કહેવડાવ્યું, ‘મારો પુત્ર ખરેખર પુરુષ છે એ વાત પર વિશ્વાસ કરો.’
હિરણ્યવર્માએ દુઃખી થઈને, શોકાતુર થઈને દ્રુપદ રાજા પર આક્રમણ કર્યું. તેમણે કાંપિલ્યનગર પાસે જઈને એક શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને દૂત બનાવીને દ્રુપદ રાજા પાસે મોકલાવ્યો, ‘દૂત, તમે મારી વાત દ્રુપદને પહોંચાડજો. તમે કહેજો, હે નીચ બુદ્ધિવાળા રાજા, તેં મારી કન્યાનું લગ્ન મારી કન્યા સાથે કર્યું છે, હવે એનું પરિણામ ભોગવજે. એમાં જરાય શંકા નથી.’
આ સાંભળીને તે બ્રાહ્મણ દર્શાણરાજના કહેવાથી દ્રુપદરાજના નગર તરફ ગયો. જલદી તેમની નગરીમાં પહોંચ્યો. દ્રુપદરાજાએ અને શિખંડીએ ગાય, અર્ધ્ય આપીને તે બ્રાહ્મણનો સત્કાર કર્યો. પણ તે બ્રાહ્મણે પૂજા અસ્વીકારી, દશાર્ણરાજાએ કહેવડાવેલી વાત સંભળાવી, ‘હે નીચ રાજા, તમે તમારી કન્યાનો વિવાહ મારી કન્યા સાથે કરીને મને ઠગ્યો છે. એ પાપનું પરિણામ બહુ જલદી ભોગવજો. હું સેવકો, પુત્ર, સ્વજનો સાથે તમારો વિનાશ કરીશ.’
મંત્રીઓના દેખતાં પુરોહિતે રાજાને આવાં તિરસ્કૃત વાક્યો સંભળાવ્યાં. આ સાંભળી રાજાએ પ્રેમપૂર્વક કહ્યું, ‘હવે તમે જે મને કહ્યું છે તેનો ઉત્તર મારો દૂત તમને આપશે.’
દ્રુપદે પણ વેદજ્ઞ બ્રાહ્મણને દૂત તરીકે મોકલ્યો અને રાજાનો સંદેશો પહોંચાડ્યો. ‘તમે સ્પષ્ટ રીતે પરીક્ષા કરો. મારો પુત્ર ખરેખર કુમાર જ છે. તમને ન જાણે કોઈએ ખોટી વાત કરી છે. એ વાત પર તમારે વિશ્વાસ ન કરવો જોઈએ.’ એટલે દ્રુપદ રાજાની વાત સાંભળીને દશાર્ણરાજાએ વિચાર કર્યો, શિખંડી સ્ત્રી છે કે પુરુષ એ જાણવા માટે અત્યંત સુંદર સ્ત્રીઓને મોકલી. તે રાજાએ મોકલેલી સ્ત્રીઓએ સાચી ઘટના જાણી- શિખંડી ખરેખર પુરુષ છે એ સમાચાર પહોંચાડ્યા. રાજા તે વાત જાણીને ખૂબ જ રાજી થયો અને દ્રુપદની સાથે મળીને આનંદઓચ્છવ કર્યો. હિરણ્યવર્માએ શિખંડીને રાજી થઈને ઘણું ધન, હાથી-ઘોડા, ગાય-સેંકડો દાસીઓ આપ્યાં અને પછી શિખંડીને પોતાની કન્યા પણ આપી. દશાર્ણરાજા ક્રોધ દૂર કરીને, સંતોષ પામીને પોતાને નગર પાછા ગયા એટલે શિખંડી પણ ખૂબ આનંદમાં આવી ગયો.
થોડા સમય પછી ધનેશ્વર કુબેર ફરતા ફરતા સ્થૂલાકર્ણના નિવાસે આવી ચઢ્યા. આકાશમાં જ ઘૂમતા ઘૂમતા તેમની નજર એ નિવાસ પર પડી. વિવિધ પુષ્પમાળાઓ, સુગંધિત પદાર્થો, ચંદરવા, ધૂપ, ધજા-પતાકા, અન્ન, પેય, માંસ; હોમની સામગ્રીથી એ ઘર સજ્જ હતું. આવું સરસ, બધી રીતે સજાવેલું ઘર જોઈને પાછળ આવતા યક્ષોને તેમણે કહ્યું, ‘સ્થૂલાકર્ણનું નિવાસ તો સરસ રીતે સજાવેલું છે, પણ એ મન્દબુદ્ધિ હજુ મારી સામે આવતો કેમ નથી! તે જાણી કરીને અહીં આવતો નથી, એટલે તેને મહાદંડ આપવો જોઈએ.’
યક્ષોએ કહ્યું, ‘દ્રુપદરાજને ત્યાં શિખંડિની નામે એક કન્યા જન્મી હતી. સ્થૂલાકર્ણે કોઈ કારણે તેને પોતાનું પુરુષત્વ આપી દીધું. હવે તે સ્ત્રીરૂપે છે. ઘરમાં જ બેસી રહ્યો છે, સંકોચવશ તે તમારી પાસે આવતો નથી. હવે તમારે જે કરવું હોય તે કરો. વિમાન ભલે અહીં જ રહે.’
આ સાંભળી કુબેરે સ્થૂલાકર્ણને ત્યાં ને ત્યાં તરત બોલાવ્યો, તેઓ હું એને દંડીશ- એમ વારંવાર કહેવા લાગ્યા.
એટલે સ્ત્રીરૂપ ધારિણી સ્થૂલાકર્ણ કુબેરની આજ્ઞા સાંભળીને સંકોચપૂર્વક ત્યાં ઊભા રહી ગયો. ‘અરે પાપી, તે યક્ષોનું અપમાન કરીને શિખંડીને તારું પુરુષત્વ આપી દીધું અને તેનું સ્ત્રીત્વ લઈ લીધું. તેં બહુ અયોગ્ય કાર્ય કર્યું એટલે આજથી તું સ્ત્રી જ રહેજે અને તે કન્યા પુરુષ થઈ જશે.’
એમ કહી કુબેર યક્ષો અને રાક્ષસોની પૂજા ગ્રહીને એક પળમાં જ્યાં જવું હોય ત્યાં પહોંચી જનારા સેવકો ઠરાવેલા પોતાના નિવાસે ગયા. સ્થૂલાકર્ણ શાપ ભોગવતો ત્યાં રહેવા લાગ્યા. ઠરાવેલા સમયે શિખંડી તેની પાસે આવીને બોલ્યો, ‘હું આવી ગયો છું.’ સ્થૂલાકર્ણે વારંવાર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. યક્ષે શિખંડીને સરળતાથી આવી ચઢ્યો એટલે જે કંઈ ઘટના બની હતી તે કહી સંભળાવી. ‘મને તારા કારણે કુબેરનો શાપ મળ્યો છે, હવે તું ઘેર જઈને આનંદ મનાવ. તારું અહીથી જવું અને કુબેરનું આવવું — વિધાતાએ આ નક્કી કરી રાખ્યું હતું. એ કોઈ રીતે ટાળી ન શકાત.’ શિખંડી યક્ષની વાત સાંભળીને હર્ષ પામતો નગર પહોંચ્યો. તેણે કિમતી, સુગંધિત માળા અને ધન વડે બ્રાહ્મણોની-દેવતાઓની પૂજા કરી, મંદિર, ચોક શણગાર્યા. પાંચાલ રાજા પોતાનું પ્રયોજન સિદ્ધ થયું એટલે શિખંડી અને સ્વજનો સાથે આનંદ પામ્યા, ધનુવિર્દ્યા શીખવા પુત્રને દ્રોણાચાર્ય પાસે મોકલ્યો.
{{Right | (ઉદ્યોગ પર્વ, ૧૭૦-૧૯૩) }} <br>
=== મૃત્યુ ===
આદિકાળમાં મહાતેજસ્વી પિતામહ બ્રહ્માએ પ્રજાસૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સંહારની કોઈ યોજના ન હતી. આ જગતને પ્રાણીઓથી છવાયેલું અને મૃત્યુરહિત જોઈ પ્રાણીઓના સંહાર માટે તે ચિંતિત થયા. બહુ વિચાર્યા છતાં સંહારનો કોઈ ઉપાય ન મળ્યો. ત્યારે રોષને કારણે બ્રહ્માના શ્રવણ-નેત્રમાંથી અને અન્ય ઇન્દ્રિયોમાંથી અગ્નિ પ્રગટ થયો. આ અગ્નિ જગતને બાળી નાખવા બધી દિશાઓ અને વિદિશાઓમાં પ્રસરી ગયો. ત્યાર પછી આકાશ અને પૃથ્વી પર ચારે તરફ આગની પ્રચંડ જ્વાળાઓ પ્રસરી ગઈ. પ્રજ્વલિત કરાયેલા શક્તિશાળી અગ્નિદેવ મહાન ક્રોધના વેગથી બધાને ત્રાસ પમાડીને જગતને દઝાડવા લાગ્યા. આને કારણે ઘણાં સ્થાવર જંગમ પ્રાણીઓનો નાશ થયો. ત્યાર પછી નિશાચરોના સ્વામી રુદ્ર પરમશ્રેષ્ઠી બ્રહ્માના શરણે ગયા. પ્રજાહિતની કામનાથી આવેલા રુદ્રને જોઈ મહામુનિ પરમ દેવ બ્રહ્મા તેજથી પ્રજ્વલિત થતાં થતાં બોલ્યા, ‘ઇચ્છિત મનોરથ સિદ્ધ કરવા યોગ્ય પુત્ર, તું મારા માનસિક સંકલ્પથી જન્મ્યો છે. હું તારી કઈ ઇચ્છા પૂરી કરું? જે જોઈએ તે કહે. તારું સર્વ પ્રિય હું કરીશ.’
સ્થાણુ (રુદ્ર) બોલ્યા, ‘હે વિભુ, તમે પ્રજાસૃષ્ટિ માટે જાતે જ પ્રયત્ન કર્યો છે. તમે જુદા જુદા પ્રકારની પ્રાણીસૃષ્ટિ રચી અને તેની વૃદ્ધિ કરી. તમારા ક્રોધથી આ તમારી સમગ્ર પ્રજા પ્રજ્વળી ઊઠી છે, એમને માટે મારા હૈયામાં કરુણા પ્રગટી છે, આ પ્રજા પર કૃપા કરો.’
બ્રહ્માએ કહ્યું, ‘આ પ્રકારે જગતનો સંહાર થાય એવી મારી ઇચ્છા નથી. પૃથ્વીના હિત માટે મારા મનમાં ક્રોધ જાગ્યો. આ દેવીએ જ ભારથી પીડાઈને જગતના સંહાર માટે મને પ્રેર્યો હતો. તે સતી બહુ ભારથી દબાયેલી હતી. મેં ઘણા ઉપાયો વિચાર્યા, પણ સંહારનો કોઈ ઉપાય મળ્યો નહીં એટલે મારામાં ક્રોધ વ્યાપ્યો.’
રુદ્રે કહ્યું, ‘વસુધાસ્વામી, રોષ ન કરો, જગતનો સંહાર ન થાય એટલા માટે પ્રસન્ન થાઓ. આ સ્થાવર જંગમ પ્રાણીઓનો વિનાશ ન કરો. ભગવન્, તમારી કૃપાથી આ જગત ભૂત, ભવિષ્ય અને વર્તમાન- ત્રણ રૂપોમાં વિભક્ત થઈ જાય. તમે ક્રોધથી પ્રજ્વલિત થઈને ક્રોધપૂર્વક જે અગ્નિની સૃષ્ટિ સર્જી છે તે પર્વતશિખરો, વૃક્ષો, સરિતાઓને બાળી રહી છે. નાનાં જળાશયો, સર્વ પ્રકારનાં તૃણ લતા, સ્થાવરજંગમ જગતનો સંપૂર્ણ વિનાશ થઈ રહ્યો છે. આ પ્રકારે આ સમગ્ર જગત ભસ્મ થઈ રહ્યું છે. ભગવન્, પ્રસન્ન થાઓ, તમે રોષ ન કરો, આ જ મારે માટે તમે વરદાન થાઓ. તમે રચેલી સૃષ્ટિ કોઈ ને કોઈ રૂપે નષ્ટ થઈ રહી છે. એટલે તમારું આ તેજસ્વરૂપ જગતના સંહારને અટકાવી દે. પ્રજાહિતની કામનાથી તેમની સામે કૃપાથી જુએ, જેથી આ સમસ્ત જગત વિનાશમાંથી ઊગરી જાય. સંતાનોનો નાશ થવાથી જગતનાં બધાં પ્રાણીઓનો અભાવ ન થાય. હે આદિદેવ, તમે મને લોકોમાં લોકષ્ટાના પડે નિયુક્ત કર્યો છે. હે જગન્નાથ, આ ચરાચર જગત નષ્ટ ન થાય, એટલે નિત્ય કૃપા કરવા તત્પર પ્રભુ સામે હું પ્રાર્થી રહ્યો છું.’
પ્રજાહિત માટે આવું વચન સાંભળી ભગવાન બ્રહ્માએ પોતાના અંતરાત્મામાં જ તેજને સમાવી લીધું. ત્યારે ભગવાને અગ્નિનો ઉપસંહાર કરીને મનુષ્યો માટે પ્રવૃત્તિ નિવૃત્તિના માર્ગનો ઉપદેશ આપ્યો. આ ક્રોધાગ્નિ શમાવ્યો ત્યારે બ્રહ્મામાંથી એક નારી પ્રગટી. તેનાં જીભ, મોં અને આંખો પીળા અને લાલ રંગનાં હતાં. તપાવેલાં સુવર્ણકુંડળોથી શોભતી હતી, તેનાં બધાં આભૂષણ તપ્ત સુવર્ણનાં હતાં. તેમનામાંથી પ્રગટીને તે દક્ષિણ દિશામાં ઊભી રહી. બંને વિશ્વેશરોને જોઈને તે સ્મિત કરવા લાગી. સંપૂર્ણ લોકોના સ્વામી બ્રહ્માએ એ નારીને પોતાની પાસે બોલાવીને વારેવારે સાંત્વન આપતાં મધુર વાણીમાં ‘મૃત્યુ’ કહીને બોલાવી અને કહ્યું, ‘તું આ પ્રજાનો સંહાર કર. હે દેવી, તું સંહારબુદ્ધિથી મારા રોષમાંથી પ્રગટી છે. એટલે જડ અને પંડિત બંનેનો સંહાર કરતી રહે. મારી આજ્ઞાથી તારે આ કરવું પડશે. તેનાથી તારું કલ્યાણ થશે.’
આ પ્રકારે કહ્યું એટલે મૃત્યુ નામધારી તે કમલલોચના અબળા ચંતાિતુર થઈ અને ધૂ્ર્રસકે ધ્રૂસકે રડવા લાગી. પિતામહે એનાં બધાં આંસુ પ્રાણીજગતના હિત માટે પોતાના હાથમાં ઝીલી લીધાં. ત્યાર પછી તે અબળાએ દુઃખ પોતાની અંદર જ સમાવી દીધાં અને તે હાથ જોડીને બંનેની સામે ઊભી.
‘ભગવાન, વક્તાઓમાં શ્રેષ્ઠ પ્રજાપતિ, તમે મને આવી નારીના રૂપે કેમ જન્મ આપ્યો, હું જાણી કરીને આવું ક્રૂર કાર્ય કેવી રીતે કરી શકું? ભગવાન્, હું અધર્મથી ડરું છું. મારા પર પ્રસન્ન થાઓ. હું જ્યારે લોકોના પ્રિય પુત્રો, મિત્રો, ભાઈઓ, માતાઓ, પિતાઓ,પતિઓને મારવા માંડીશ ત્યારે તેમના સંબંધીઓ મારા વિશે ખરાબ વિચારશે, એટલે મને બહુ બીક લાગે છે. હે ભગવન્, રડતાં-કકળતાં દીન લોકોની આંખોમાંથી ટપકતાં આંસુથી હું બી ગઈ છું, અને તમારી શરણમાં આવી છું. હે દેવ, હે સુરોત્તમ, હે લોકપિતામહ, હું મસ્તક અને શરીર નમાવીને, હાથ જોડીને વિનયપૂર્વક તમારી શરણાગત બનીને આટલું જ ઇચ્છું છું કે મારે યમરાજના ભવનમાં જવું જ ન પડે. હે પ્રજેશ્વર (લોકેશ્વર), હું તમારી કૃપાથી તપસ્યા કરવા માગું છું: હે ભગવાન્, હે પ્રભુ, તમે મને આ જ વરદાન આપો. તમારી આજ્ઞાથી હું ઉત્તમ ધેનુકાશ્રમમાં જઈશ ત્યાં તમારી આરાધનામાં રત રહીને તીવ્ર તપ કરીશ. હે દેવેશ, હું રડતાં કકળતાં પ્રાણીઓના પ્રિય પ્રાણ લઈ નહીં શકું, આ અધર્મમાંથી મને બચાવો.’
બ્રહ્માએ કહ્યું, ‘હે મૃત્યુ, પ્રજાના સંહાર માટે જ સંકલ્પપૂર્વક તારી સૃષ્ટિ રચી છે. જા તું બધી પ્રજાનો સંહાર કર, બીજો કોઈ વિચાર ન કર. આ ઘટના આમ જ બનવાની છે. એમાં કોઈ પરિવર્તન નહીં થઈ શકે. તું લોકમાં નંદાિપાત્ર ન બન, મારી આજ્ઞાનું પાલન કર.’
આવું વચન સાંભળીને તે નારી બે હાથ જોડીને ભગવાનની સામે મોં કરીને ઊભી રહી અને તે બહુ પ્રસન્ન થઈ. પરંતુ પ્રજાહિતની કામનાથી સંહારકાર્યમાં મન ન પરોવ્યું. પ્રજેશ્વરોના સ્વામી બ્રહ્મા ચૂપ થઈ ગયા, પછી થોડી જ વારમાં તે પ્રસન્નતા અનુભવવા માંડ્યા. દેવેશ્વર બ્રહ્માએ બધા લોકની સામે જોઈને સ્મિત કર્યું, તેઓ ક્રોધશૂન્ય થયા એટલે બધા લોક પહેલાંની જેમ થઈ ગયા. અપરાજિત ભગવાનનો રોષ શમી ગયો એટલે તે કન્યા પણ તે બુદ્ધિમાન (બ્રહ્મા) પાસેથી જતી રહી. તે સમયે પ્રજાસંહાર વિશે કોઈ પ્રતિજ્ઞા કર્યા વગર મૃત્યુ ત્યાંથી જતી રહી અને ઉતાવળે જલદી જલદી ધેનુકાશ્રમમાં જઈ પહોેંચી. ત્યાં તેણે ઉત્તમ અને કઠોર વ્રતનું પાલન આરંભ્યું. દયાવશ થઈને પ્રજાનું હિત કરવાની ઇચ્છાથી ઇન્દ્રિયોને પ્રિય વિષયોમાંથી ખસેડી લઈને એકવીસ પદ્મ વર્ષ સુધી એક પગ પર ઊભી રહી.
ત્યાર પછી દસ હજાર વર્ષ સુધી મૃગોની સાથે તે વિચરતી રહી. પછી શીતળ અને નિર્મળ જળવાળી પુણ્યમયી નંદા નદીનાં પાણીમાં તેણે આઠ હજાર વર્ષો વીતાવ્યાં. આ પ્રકારે નન્દા નદીમાં નિયમો પાળીને રહી એટલે તે નિષ્પાપ થઈ ગઈ. વ્રત નિયમો પાળીને મૃત્યુ પહેલાં પુણ્યશાળી કૈશિકી નદીએ ગઈ અને ત્યાં વાયુજળનો આહાર કરીને ફરી કઠોર નિયમોનું પાલન કરવા લાગી. તે પવિત્ર કન્યાએ પંચગંગામાં તથા વેતસવનમાં ઘણી બધી તપસ્યાઓ દ્વારા શરીરને ભારે દુર્બળ કરી નાખ્યું. પછી તે ગંગાકિનારે અને મુખ્ય મેરુશિખરો પર પ્રાણાયામ કરીને પથ્થરની મૂતિર્ની જેમ નિશ્ચેષ્ટ બેસી રહી. પછી દેવતાઓએ જ્યાં યજ્ઞ કર્યા હતા ત્યાં, હિમાલયમાં, તે પરમ શુભા કન્યા નિખર્વ (દસ હજાર કરોડ) વર્ષો સુધી અંગૂઠા પર ઊભી રહી.
ત્યાર પછી તે પુષ્કર, ગોકર્ણ, નૈમિષ, મલયનાં તીર્થોમાં રહી મનને પ્રિય એવા નિયમો દ્વારા તેણે પોતાના શરીરને ખૂબ કૃશ કરી દીધું. તે અનન્યભાવે સદા પિતામહ બ્રહ્મામાં જ દૃઢ ભક્તિભાવ રાખતી હતી. પોતાના આચરણથી પિતામહને સંતુષ્ટ કર્યા. ત્યારે લોકોની ઉત્પત્તિના કારણરૂપ અવિનાશી બ્રહ્મા મનમાં પ્રસન્નતા અનુભવતા સૌમ્ય ભાવે બોલ્યા, ‘મૃત્યુ, તું શા માટે આટલું કઠોર તપ કરે છે.’ ત્યારે મૃત્યુએ ભગવાન પિતામહને ફરીથી કહ્યું, ‘દેવ, પ્રભુ, સર્વેશ્વર, હું તમારી પાસેથી એ જ વરદાન માગું છું — મારે આક્રોશ કરતી, ચિડાતી પ્રજાનો વધ કરવો ન પડે. હે મહાભાગ, ભયભીત થયેલી મને અભય આપો. હું એક નિરપરાધી નારી છું, આર્તભાવે તમારી યાચના કરું છું.’ ત્યારે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતાએ તેને કહ્યું,
‘મૃત્યુ, આ પ્રજાનો સંહાર કરવામાં તને અધર્મ નહીં લાગે. હે ભદ્રા, મારી કહેલી વાત કદી અસત્ય નહીં થાય. એટલે હે કલ્યાણી, તું ચાર શ્રેણીઓમાં વિભાજિત બધાં જ પ્રાણીઓનો સંહાર કર. સનાતન ધર્મ તને સર્વથા પવિત્ર રાખશે. લોકપાલ, યમ, તથા વિવિધ વ્યાધિ તને સહાય કરશે. હું અને દેવતાઓ તને ફરી વરદાન આપીશું, તેનાથી તું પાપમુક્ત બની તારા નિર્મલ સ્વરૂપથી વિખ્યાત થઈશ.’
તેમનું આ વચન સાંભળી મૃત્યુ હાથ જોડીને, માથું નમાવીને ફરી આમ બોલી, ‘હે પ્રભુ, મારા વિના જો આ કાર્ય થઈ શકતું ન હોય તો તમારી આજ્ઞા માથે ચઢાવું છું. પણ આ વિશે હું જે જાણું છું તે સાંભળો, ‘લોભ, ક્રોધ, અસૂયા, ઈર્ષ્યા, દ્રોહ, મોહ, નિર્લજ્જતા અને અન્યોન્યને કહેલી વાણી — આ બધા દોષ દેહનારીઓના દેહ ભેદે.’
બ્રહ્માએ કહ્યું, ‘મૃત્યુ, આમ જ થશે. તું ઉત્તમ રીતે પ્રાણીસંહાર કર. હે શુભા, તને પાપ નહીં લાગે, હું પણ તારો અનિષ્ટ વિચાર નહીં કરું. મેં તારાં આંસુનાં ટીપાં હાથમાં લઈ રાખ્યાં હતાં, તે પ્રાણીઓનાં પોતાના જ શરીરમાંથી જન્મેલા રોગ બની ઓછા આયુષ્યવાળાં પ્રાણીઓનો નાશ કરશે. તને અધર્મની પ્રાપ્તિ નહીં થાય. તું બીશ નહીં, તને પાપ નહીં લાગે. તું એમનો ધર્મ બનીશ, તે ધર્મની સ્વામિની થઈશ. એટલે નિત્ય ધર્મમાં તત્પર રહેવાવાળી અને ધર્માનુકૂલ જીવન વીતાવનારી ધરિત્રી બનીને આ સમસ્ત જીવોના પ્રાણનું નિયંત્રણ કર. કામ અને રોષનો ત્યાગ કરીને આ જગતનાં બધાં પ્રાણીઓનો સંહાર કર, એમ કરવાથી તને અક્ષય ધર્મની પ્રાપ્તિ થશે. મિથ્યાચારી પુુરુષોને તો તેમનો અધર્મ મારી નાખશે. તું ધર્માચરણ દ્વારા પોતાને જ પવિત્ર કર. અસત્યનો આશ્રય લેવાથી પ્રાણીઓ પોતાના જ પાપમાં ડૂબી જશે. એટલે કામ અને રોષનો ત્યાગ કરીને તું બધા જીવોનો સંહાર કર.’
ત્યાર પછી બ્રહ્માના ઉપદેશથી અને વિશેષત: તેમના શાપના ભયથી મૃત્યુ કહેવા લાગી, ‘બહુ સારુ. તમારી આજ્ઞા માથે ચડાવું છું.’
{{Right | (ગીતાપ્રેસ, દ્રોણ પર્વ, પરથી ૫૪) }} <br>
=== સૃંજય-પર્વત-નારદની કથા ===
શૈલ્ય રાજાનો એક પુત્ર નામે સૃંજય. તેના બે ઋષિમિત્રો પર્વત અને નારદ. એક દિવસ બંને મહર્ષિ સૃંજયને મળવા ગયા. રાજાએ બંનેની પૂજા કરી અને તેઓ ત્યાં રહ્યા. એક દિવસ ત્રણે બેઠા હતા ત્યારે સંજયની પુત્રી ત્યાં આવી ચઢી, રાજાને પ્રણામ કરી તે પાછલા ભાગે ઊભી રહી. પર્વતે હસતાં હસતાં પૂછ્યું, ‘આ સર્વ લક્ષણોવાળી ચંચળ કન્યા કોણ છે? આ સૂર્યની પ્રભા છે કે અગ્નિદેવની જ્યોત છે? કે પછી શ્રી હ્રીમ કીતિર્, ધૃતિ, પુષ્ટિ, સિદ્ધિ, ચંદ્રપ્રભા છે?’
એટલે રાજાએ પર્વતને કહ્યું, ‘આ મારી કન્યા છે. તે મારી પાસેથી વર માગે છે.’
આ સાંભળી નારદે કહ્યું, ‘જો તમારે પરમ કલ્યાણ જોઈતું હોય તો મારી સાથે તેનું લગ્ન ગોઠવી દો.’
પર્વત આ સાંભળી ગુસ્સે થઈને બોલ્યા, ‘મેં મનોમન પહેલાં જ આ કન્યા પસંદ કરી હતી. એટલે મારી પત્નીને તમે વરી બેઠા. એટલે હવે તમે સ્વર્ગના અધિકારી નહીં બનો.’
‘મનમાં સંકલ્પ કરીને, વાણી દ્વારા પ્રતિજ્ઞા કરીને, સંકલ્પજલ હાથમાં લઈને જ કન્યાદાન કરવામાં આવે છે, વર કન્યાનું પાણિગ્રહણ કરે છે. પણ આટલાથી પાણિગ્રહણ પર્યાપ્ત થતું નથી. એની પૂર્ણતા તો સપ્તપદીથી જ આવે. એટલે આ કન્યા ઉપર તમારો અધિકાર સ્થપાઈ જતો નથી. અને તમે મને શાપ આપ્યો, તમે પણ મારા વિના સ્વર્ગમાં જઈ નહીં શકો.’
આમ તે બંને એક બીજાને શાપ આપીને થોડો સમય ત્યાં રોકાઈ ગયા. રાજા સૃંજયે પુત્રપ્રાપ્તિ માટે પૂરેપૂરી શક્તિ વાપરીને ભોજન, પેય પદાર્થો, વસ્ત્ર આપીને બ્રાહ્મણોની આરાધના કરી. એક દિવસ રાજા પર પ્રસન્ન થઈ પુત્ર આપવાની ઇચ્છાવાળા બ્રાહ્મણોએ એકસાથે નારદજીને કહ્યું, ‘દેવષિર્, તમે રાજાને ઇચ્છનીય પુત્ર આપો.’
તપસ્યા, સ્વાધ્યાય કરનારા, વેદવેદાંગોમાં પારંગત બ્રાહ્મણોએ આવું કહ્યું એટલે નારદે ‘તથાસ્તુ’ કહીને તેમની વાત સ્વીકારી લીધી. ‘રાજષિર્, આ પ્રસન્ન થયેલા બ્રાહ્મણો તમને પુત્ર આપવા માગે છે, તો તમારે જેવો પુત્ર જોઈતો હોય તે માગો.’
નારદે આવું કહ્યું એટલે રાજાએ હાથ જોડીને સદ્ગુણી, યશસ્વી, કીતિર્માન, શત્રુદમન પુત્ર માગ્યો, ‘મુનિ, જેનાં મળ મૂત્ર, થૂંક, પરસેવો — બધું જ સુવર્ણ થઈ જાય.’
મુનિએ ‘એમ જ થશે’ કહ્યું અને રાજાને મનોવાંછિત પુત્ર જન્મ્યો.
મુનિની કૃપાથી તે પુત્ર સોનાની ખાણ પુરવાર થયો. રાજાને એવો જ પુત્ર જોઈતો હતો. રડે ત્યારે સોનાનાં આંસુ ઝરે. એટલે તેનું નામ સુવર્ણષ્ઠીવી પડ્યું. એ વરદાનને કારણે પુષ્કળ ધનપ્રાપ્તિ થઈ. રાજાએ, ઘર, કિલ્લા, પ્રવેશદ્વાર, બ્રાહ્મણોનાં નિવાસસ્થાન, પલંગ, આસન, થાળીવાટકા, રાજમહેલ- આ બધું સોનાનું કરાવી દીધું. જેમ દિવસો વીતે તેમ તેમાં વૃદ્ધિ થવા લાગી. દરમિયાન લૂંટારુઓએ રાજાના ધનવૈભવની વાત સાંભળીને લૂંટફાટ શરૂ કરી દીધી. એમાંના એક જણે કહ્યું, ‘આપણે રાજાના પુત્રનું હરણ કરી જઈએ. એ જ સુવર્ણની ખાણ છે. એટલે એને પકડવાનો પ્રયત્ન કરીએ. અને એમ લોભી લૂંટારાઓ રાજમહેલમાં પ્રવેશીને બળજબરીથી રાજકુમારને ઉઠાવી ગયા. તે લોકો સાચો ઉપાય જાણતા ન હતા એટલે વનમાં લઈ જઈને રાજકુમારને મારી નાખ્યો, તેના શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા, પણ જરાય ધન મળ્યું નહીં. તે મૃત્યુ પામ્યો એટલે તે વરદાયક વૈભવ નષ્ટ થઈ ગયો. એ રાજકુમારનો વધ કર્યા પછી મૂર્ખ, દુરાચારી લૂંટારા એકબીજાને મારવા લાગ્યા અને નાશ પામ્યા, ભયંકર નરકને તે પામ્યા.
મુનિના વરદાનથી જન્મેલા એ પુત્રને મરેલો જોઈ રાજા દુઃખી દુઃખી થઈ ગયો, અને વિલાપ કરવા લાગ્યો. એટલે એ સાંભળીને દેવષિર્ નારદ તેને આશ્વાસન આપવા આવ્યા; તથા અનેક પ્રતિષ્ઠિત પુુરુષોની કથાઓ તેમણે સંભળાવી. અને પછી ઉમેર્યું,
‘મેં જે કહ્યું તે તમે સાંભળ્યું અને સમજ્યા કે નહીં? શૂદ્ર જાતિની સ્ત્રી સાથે સંબંધ રાખનારા બ્રાહ્મણને અપાયેલું દાન જેવી રીતે નિષ્ફળ જાય એવી રીતે મારી આ બધી વાત વેડફાઈ તો નથી ગઈ ને?’
એટલે રાજાએ હાથ જોડીને કહ્યું, ‘આ બધાની કથાવાર્તાઓ સાંભળીને મારો બધો શોક દૂર થઈ ગયો છે, જેવી રીતે સૂર્ય અંધકારનો નાશ કરે છે એવી રીતે. હવે મારી વ્યથા દૂર થઈ ગઈ છે. બોલો શી આજ્ઞા છે?’
‘ચાલો, સારી વાત છે કે તમારો શોક દૂર થઈ ગયો. હવે જે ઇચ્છા હોય તે માગી લો. તમારી ઇચ્છા પાર પડશે. અમે અસત્ય બોલતા નથી.
‘તમે મારા પર પ્રસન્ન છો એમાં જ બધું આવી ગયું. તમે જેના પર પ્રસન્ન હો એને માટે તો આ જગતમાં કશુંય દુર્લભ નથી.’
‘લૂંટારુઓએ તમારા પુત્રને પશુની જેમ મારી નાખ્યો છે. તમારા એ પુત્રને કષ્ટપ્રદ નરકમાંથી બહાર કાઢી તમને પાછો આપું છું.’
નારદે આમ કહ્યું એટલે તરત જ રાજાનો પુત્ર ત્યાં પ્રગટ થયો, એ કુબેરપુત્ર જેવો દેખાતો હતો. પુત્ર પામીને રાજા ખૂબ આનંદ પામ્યો, અને પછી તેમણે ઉત્તમ દક્ષિણાઓવાળા યજ્ઞ કર્યા.
{{Right | (ગીતાપ્રેસ, દ્રોણ પર્વ, ૫૫થી ૭૦) }} <br>
 
=== ત્રિપુરાસુરની કથા ===
દેવદાનવ યુદ્ધમાં દેવોએ દાનવોને હરાવ્યા હતા, એટલે પછી તારકાસુરના ત્રણ પુત્ર તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી જીવતા રહ્યા. તેમણે કઠોર તપ કરતાં કરતાં ઉત્તમ નિયમો પાળ્યા, તપ કરીને તેમણે શરીર સૂકવી નાખ્યાં. તેમના તપ અને સંયમથી પ્રસન્ન થઈને બ્રહ્મા વરદાન આપવા આવ્યા. તે ત્રણેએ એક સાથે વરદાન માગ્યું કે અમે પ્રાણીઓથી મૃત્યુ પામીએ નહીં.
‘જગતમાં કોઈ અમર થઈ શકતું નથી, એટલે હવે તપ બંધ કરો. બીજું કાંઈ વરદાન માગો.’
દૈત્યોએ પરસ્પર ચર્ચા કરીને સર્વલોકેશ્વર બ્રહ્માને પ્રણામ કરીને કહ્યું, ‘તમે અમને વરદાન આપો કે આ જગતમાં અમે ત્રણ નગર બનાવીને રહીશું. એક હજાર વર્ષ પછી અમે એકબીજાને મળીશું. જ્યારે આ ત્રણ નગર એક થઈ જાય ત્યારે જે અમારાં ત્રણે નગરોનો એક જ બાણથી વિનાશ કરી શકે તે દેવના હાથે અમારું મૃત્યુ થાય.’
બ્રહ્મા તથાસ્તુ કહીને સ્વર્ગે ગયા. આ વરદાન મેળવીને ત્રણેએ પ્રસન્ન ચિત્તે વિચાર કર્યો, પછી એમણે દાનવપૂજિત વિશ્વકર્મા મય દાનવને ત્રણ નગર બનાવવા કહ્યું. બુદ્ધિમાન મયે પોતાના વિદ્યાબળથી એક સોનાનું, બીજું ચાંદીનું અને ત્રીજું લોખંડનું નગર બનાવ્યાં. સોનાનું નગર સ્વર્ગમાં, ચાંદીનું આકાશમાં અને લોખંડનું નગર પૃથ્વી પર બનાવ્યું. આ દરેક નગર ઇચ્છાનુસાર હરફર કરી શકતું હતું. દરેક નગર સો યોજન લાંબું, સો યોજન પહોળું હતું; તેમાં અનેક મહેલ, અટ્ટાલિકા, પ્રાકાર અને તોરણ હતાં. ત્યાં અનેક સુંદર સ્થાન હતાં, મોટામોટા રસ્તા હતા, અનેક પ્રાસાદ, અને દ્વાર હતાં અને શોભામાં એ બધું વૃદ્ધિ કરતું હતું. બધા નગરોના રાજા અલગ અલગ હતા. સોનાનું નગર તારકાક્ષના હવાલે હતું. ચાંદીના નગરમાં કમલાક્ષ અને લોખંડના નગરમાં વિદ્યુન્માલી રાજા થયા. આ ત્રણે પોતાના પ્રખર તેજ વડે ત્રણે લોકને હંફાવી પ્રજાપતિની ઘોર ઉપેક્ષા કરવા લાગ્યા. એ દાનવોની સાથે લાખો-કરોડો દાનવો ચારે બાજુથી આવ્યા. તે બધા ઐશ્વર્ય પામવા ત્યાં રહેવા માગતા હતા. એ બધાને મયદાનવ ઇચ્છાનુસાર અપ્રાપ્ય વસ્તુઓ આપતો હતો. તેના આશ્રયે બધા નિર્ભય બનીને રહેતા હતા. ત્રિપુરવાસીઓને જે જે ઇચ્છા થતી તે બધી મય રાક્ષસ પોતાની માયાથી પૂરી કરી દેતો હતો. તારકાક્ષના હરિ નામના પુત્રે કરેલા કઠોર તપથી પ્રજાપતિ પ્રસન્ન થયા. અમારા નગરમાં એક વાવ ઊભી થાય. એના પાણીનો એવો પ્રભાવ હોય કે શસ્ત્રથી મૃત થયેલો વીર એમાં જાય, તો તે જીવતો થાય અને વધુ બળવાન થાય.’ વરદાન પામીને તારકાક્ષના વીરપુત્રે પોતાના નગરમાં વાવ બંધાવી, તે મરેલાઓને જીવનદાન આપનારી હતી.
આનું પરિણામ એ આવ્યું કે જે દૈત્ય જે દૈત્ય જે રૂપે જે વેશમાં મરી જાય તેને એમાં ડૂબાવવાથી તેજ રૂપે અને તે જ વેશે જીવી જતો હતો. આમ વાવમાં નવજીવન મેળવીને ત્રણે નગરના દૈત્યોએ બધાને હેરાન કરવા માંડ્યા. તપ કરી બેઠેલા દૈત્યોનો હવે દેવોને બહુ ભય લાગવા માંડ્યો. યુદ્ધમાં કોઈ રીતે તેમને નાશ થતો ન હતો. હવે એ દૈત્યો લોભી બન્યા, મોહવશ બન્યા. તેઓ વિવેકહીન નફ્ફટ બનીને નગરોમાં વસાવેલા લોકોને લૂંટવા લાગ્યા. વરદાનને કારણે અભિમાની બનેલા તે દૈત્યો ઘણાં સ્થળેથી દેવતાઓને, તેમના સેવકોને ભગાડીને ત્યાં રહેવા લાગ્યા, ઇચ્છાનુસાર વિહાર કરવા લાગ્યા. પછી એ દુરાચારી દાનવો મર્યાદા બાજુ પર મૂકીને દેવતાઓના પ્રિય અરણ્ય, ઋષિમુનિઓના પવિત્ર આશ્રમ અને રમણીય જનપદોનો વિનાશ કરવા લાગ્યા. આ બધા દેવ સાથે મળીને દૈત્યોના અત્યાચાર કહેવા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માને પ્રણામ કરીને બધી વાત જણાવી તથા દૈત્યોનો વધ કેવી રીતે કરી શકાય તે પૂછ્યું, તેમની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું, ‘દેવદ્વેષી દાનવો હમેશા તમને હેરાન કરે છે એટલે મારો પણ અપરાધ છે. હું બધાને સમાન ભાવે જોઉં છું પણ અધર્મીઓને તો મારવા જોઈએ. તમે બધા જગતસ્વામી, વિજેતા શંકરને યોદ્ધા તરીકે સ્વીકારો, તે બધા દાનવોનો નાશ કરશે.’ બ્રહ્માની વાત સાંભળીને ઇન્દ્ર અને બીજા દેવતાઓ બ્રહ્માને આગળ કરીને શંકર પાસે ગયા અને શંકરની સ્તુુતિ કરી...
આ સ્તુતિ સાંભળીને શંકર પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, ‘તમારો ભય નિર્મૂળ થવો જોઈએ. બોલો, તમારું કયું કાર્ય કરું?’
શંકરનું આવું અભય વરદાન મળ્યું એટલે બ્રહ્માએ કહ્યું, ‘હું તમારી આજ્ઞાથી આ પ્રજાપતિપદે છું. મેં દાનવોને એક વરદાન આપ્યું હતું, તેને કારણે દાનવો બહુ છકી ગયા છે. તમારા સિવાય તેમનો વધ કોઈ કરી શકે એમ નથી. એટલે, તમે એનો વધ કરો. અમે બધા દેવ તમારા શરણે આવ્યા છીએ, તમે પ્રસન્ન થઈ કૃપા કરો અને આ દૈત્યોને મારો.’
‘તમારા બધા શત્રુઓનો નાશ તો કરી શકાય. પણ હું એકલો દેવતાઓના શત્રુ દૈત્યોને મારી નહીં શકું. તમે બધા એકઠા થાઓ, મારાં અસ્ત્ર તેજથી સંપન્ન થાઓ અને દેવતાઓને યુદ્ધમાં જીતી લો. એક થવાથી જ મહાબલી થઈ શકાય છે. ’
‘અમારાં જેટલાં તેજ અને બળ છે એનાથી બમણાં એ દૈત્યો પાસે છે એવું અમે માનીએ છીએ. અમે તેમનાં બળ અને તેજ જોયાં છે.’
‘જે પાપીઓએ અમારો અપરાધ કર્યો છે તે બધા મરવા જોઈએ. એટલે મારા બળ અને તેજનો અડધો હિસ્સો સ્વીકારીને એ શત્રુઓને મારી નાખો.’
‘અમે અમારા અડધા તેજને સહી નહીં શકીએ, એટલે તમે જ અમારું અર્ધું બળ લઈને તે શત્રુઓનો નાશ કરો.’
દેવતાઓએ શંકર ભગવાનની વાત સ્વીકારી અને દેવતાઓના તેજનો અડધો હિસ્સો લઈને શંકર બહુ તેજસ્વી બન્યા, વધુ બળવાન બન્યા, ત્યારથી શંકરનું નામ મહાદેવ પ્રસિદ્ધ થયું. ‘હું ધનુષબાણ લઈને રથમાં બેસીશ અને શત્રુઓનો નાશ કરીશ. રાક્ષસોને, ધરાશાયી કરી શકાય એટલા માટે તમે મારા માટે રથ, ધનુષ બાણ શોધી રાખો.’
‘અમે ત્રણે લોકોની બધી મૂતિર્ઓનું તેજ એકત્રિત કરીને તમારા માટે તેજસ્વી રથ બનાવીશું. વિશ્વકર્માએ બનાવેલો એ રથ ઉત્તમ હશે. પછી બધાએ શંકર ભગવાનનો રથ બનાવ્યો. વિશાળ નગરો, અનેક પર્વત, વન, દ્વીપોવાળી, બધાં પ્રાણીઓના આધારરૂપ પૃથ્વીને શિવનો રથ બનાવી. તે રથની ધુરા મંદરાચલ પર્વત, મહા નદી ગંગા રથના પૈંડાંની નાભિ બન્યાં. દિશા-પ્રદિશા રથનું આવરણ હતી. ચમકતા ગ્રહ અનુકર્ષ બન્યા, તારા રથની રક્ષા માટે જાળ બન્યા, ધર્મ-અર્થ-કામ: આ ત્રણેને જોડીને રથની બેઠક બનાવી. ફૂલફળ સમેત ઔષધિઓ અને લતાઓ ઘંટ બન્યા. સૂર્ય-ચંદ્ર રથનાં પૈડાં બન્યાં; રાત-દિવસ તેનાં અંગ બન્યા. ધૃતરાષ્ટ્ર વગેરે દશ નાગરાજ ઈષાદંડમાં સમાયા. શમી, ધૃતિ, મેધા, સ્થિતિ, સંનતિ, ગ્રહનક્ષત્ર તારા વગેરેએ છત્ર બનાવ્યું. ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર રથના ઘોડા બન્યા; સિનીવાલી, અનુમતિ, કુહૂ, સુવ્રતી રાકા ઘોડાની લગામો બની, તે દેવતાઓ લગામના કાંટા બન્યા. કર્મ, સત્ય, તપ, અર્થ લગામ બન્યા. મન રથની આધારભૂમિ બન્યું, સરસ્વતી આ રથની આગળ જનારો માર્ગ બની. પવનને કારણે અનેકરંગી ધજાપતાકા ફરફરવા લાગી. વીજળી અને ઇન્દ્રધનુ સમેત તે દિવ્ય રથ ઝગમગવા લાગ્યો.
આમ શત્રુનાશક એ રથ દેવતાઓએ બનાવ્યા. તે રથમાં ભગવાને પોતાના શસ્ત્ર-અસ્ત્ર મૂક્યાં, રથને આકાશવ્યાપી કરી તેના પર નંદીને બેસાડ્યો. બ્રહ્મદંડ, કાલદંડ, રુદ્રદંડ જ્વર બધી દિશાઓને પ્રકાશિત કરતા રથની રક્ષા કરવા તૈયાર થયાં. અથર્વા અને અંગિરા ઋષિ રથના પૈડાંના રક્ષક બન્યા. ઋગ્વેદ, સામવેદ, પુરાણ-આગળ ચાલવા લાગ્યા. ઇતિહાસ અને યજુર્વેદ પાછળથી રથની રક્ષા કરવા લાગ્યા; દિવ્ય વાણી-બધી વિદ્યા પાર્શ્વવર્તી બન્યાં. અંકુશ, કવચ, ઓંકાર શોભી ઊઠ્યા. શિવે છ ઋતુઓ સમેત સંવત્સર વડે વિચિત્ર ધનુષ બનાવ્યું, મનુષ્યોની કાલરાત્રિને એ ધનુષની પ્રત્યંચા બનાવી. વિષ્ણુ, અગ્નિ અને ચન્દ્રમા બાણ બન્યા. અગ્નિ અને ચન્દ્રમા સમગ્ર જગતનાં તેજ ગણાય, અને આખું જગત વિષ્ણુમય હોય છે. અનન્ત તેજસ્વી શિવનો આત્મા વિષ્ણુ છે. બાણોમાં પોતાના અસહ્ય ક્રોધને તથા ભૃગુ-અંગિરાના રોષથી જન્મેલ ક્રોધાગ્નિ મૂક્યો. ધૂમ્રવર્ણવાળા, ચર્મધારી, ભયંકર, હજારો સૂર્ય સમાન તેજસ્વી નીલલોહિત શંકર તેજોમય જ્વાળાઓથી વીંટળાઈને પ્રકાશવા લાગ્યા. જેમને હરાવવા મુશ્કેલ છે એવાઓને પણ હરાવનારા, સમર્થ, વિજયી, બ્રહ્મદ્વેષીઓનો નાશ કરનારા, ધામિર્કોના રક્ષક અને અધર્મીઓના વિનાશક શંકર છે.
એ દિવ્ય રથ જોઈને શિવે કવચ પહેર્યું. અને ધનુષ લઈને ચન્દ્રમા, વિષ્ણુ, અને અગ્નિવાળું દિવ્ય બાણ ચઢાવ્યું. દેવતાઓએ પવિત્ર સુવાસ વહેવડાવતા વાયુને શિવના રથના ઘોડા બનાવ્યા. મહાદેવ દેવતાઓને પણ બીવડાવતા અને પૃથ્વીને ધુ્રજાવતા દાનવોનો વધ કરવા રથમાં બેઠા. પછી પ્રસન્ન, વરદાન આપનારા, તલવાર, ધનુષ અને કવચધારી શિવે હસતાં હસતાં પૂછ્યું — ‘સારથિ કોણ બનશે?’
‘તમે જેને સારથિ બનાવવા ઇચ્છશો તે સારથિ થશે એમાં કોઈ શંકા નથી.’
‘તમે જ અંદર અંદર વિચારીને મારાથી શ્રેષ્ઠ દેવને સારથિ બનાવવામાં વિલંબ ન કરો.’
ભગવાનની વાત સાંભળીને બધા દેવ બ્રહ્મા પાસે ગયા, તેમને પ્રસન્ન કરીને કહ્યું, ‘દેવશત્રુઓના વધ માટે તમે જે કહ્યું હતું તે પ્રમાણે અમે કહ્યું. ભગવાન પ્રસન્ન છે. અમે અનેક વિચિત્ર આયુધોવાળો એક રથ બનાવ્યો છે પણ એવા ઉત્તમ રથનો સારથિ કોણ થશે તેની અમને નથી ખબર. તમે કોઈને સારથિ બનાવો. શત્રુઓને ભગાડનારો ઉત્તમ રથ અમે બનાવ્યો છે. પિનાકપાણિને યોદ્ધા બનાવીને તેમાં બેસાડ્યા છે, તેઓ દાનવોને બીવડાવી યુદ્ધ કરવા તૈયાર છે. ચારેય વેદ ઉત્તમ ઘોડા છે. વન અને પર્વતો સમેત પૃથ્વી રથ છે. નક્ષત્ર સમુદાય કવચ વગેરે છે, હવે સારથિની જ ખોટ છે. અમારામાં જે શ્રેષ્ઠ છે તેને સારથિ બનાવો. રથ, ઘોડા, યોદ્ધા — આ બધા સારથિ પર આધાર રાખે છે. કવચ, શસ્ત્ર, ધનુષની સફળતા સારથિ પર જ ટકે છે. અમારી દૃષ્ટિએ તો તમારા સિવાય બીજો કોઈ સારથિ દેખાતો નથી. તમે બધા દેવોમાં શ્રેષ્ઠ છો, સર્વગુણસંપન્ન છો. જગતના સ્વામી છો. તો તમે શિવના સારથિ બનીને ઉત્તમ અશ્વોને હાંકો.
દેવતાઓએ આ રીતે ત્રણે લોકના સ્વામી પિતામહ બ્રહ્માને નતમસ્તકે સારથિ બનાવવા પ્રસન્ન કર્યા.
‘દેવતાઓ, તમે જે કહ્યું એમાં જરાય ખોટું નથી. યુદ્ધ કરનારા શંકર ભગવાનના ઘોડા અમે હાંકીશું.’
અને એમ જગતના કર્તાહર્તા પિતામહ બ્રહ્માને દેવતાઓએ સારથિ બનાવ્યા.
લોકપૂજ્ય બ્રહ્મા જ્યારે રથ પર ચઢવા ગયા ત્યારે વાયુવેગી ઘોડા તરત જ જમીન પર માથું ટેકવી ઝૂક્યા. ત્રણે લોકના સ્વામી બ્રહ્માએ ઘોડાઓની લગામ પકડી અને તેમણે મનોવેગી, વાયુવેગી ઘોડા હંકાર્યા, રથ પર બેસીને ભગવાન શંકર જ્યારે દાનવોનો વધ કરવા નીકળ્યા ત્યારે હસતાં હસતાં તે બોલ્યા,
‘જ્યાં દૈત્યો છે ત્યાં તમે સાવધ થઈને ઘોડા હંકારી જાઓ. આજે તમે શત્રુઓને હરાવનારું મારું બાહુબળ જોશો.
પછી બ્રહ્માએ તે મનોવેગી ઘોડાને આકાશમાં ઊડતા હોય તેમ ચલાવ્યા અને દૈત્યો-દાનવોથી રક્ષાયેલા ત્રણે નગરોની દિશામાં હંકાર્યા.
શિવે ધનુષ પર પ્રત્યંચા ચઢાવી, પાશુપત્ર અસ્ત્રનું સ્મરણ કરી ત્રણે નગરને એકત્રિત કરવા ઇચ્છ્યું. આમ જ્યારે શિવે ધનુષ સજ્જ કર્યું ત્યારે કાળની પ્રેરણાથી ત્રણે નગર એક થઈ ગયાં. એમને એવી રીતે ભેગાં થયેલાં જોઈ દેવતાઓને બહુ આનંદ થયો, ઋષિઓ પણ આનંદિત થઈને સ્તુતિ કરવા લાગ્યા. પછી અસુરોને મારનારા, અવર્ણનીય -ઘોર રૂપ ધારી શિવ આગળ ત્રિપુરો આવ્યા. ભગવાન શંકરે દિવ્ય ધનુષની પણછ ખેંચી અને ત્રણે લોકનું સારભૂત બાણ ચલાવી ત્રણે નગરના દૈત્યોને પશ્ચિમ સમુદ્રમાં નાખી દીધા. તેમણે ક્રોધે ભરાઈને ત્રણે નગર અને નગરમાં રહેતા દાનવોને બાળી નાખ્યા. પછી પોતાના ક્રોધથી ઉત્પન્ન થયેલા અગ્નિને ભગવાને અટકાવ્યા, ‘તમે ત્રણે લોકને ભસ્મ ન કરતા.’ પછી બધા દેવતા, ઋષિઓ અને લોકો મહાતેજસ્વી શંકરની સ્તુતિ કરવા લાગ્યા. તેમની આજ્ઞા લઈને બ્રહ્મા અને બીજા દેવ જેવા આવ્યા હતા તેવા પોતપોતાના સ્થાને જતા રહ્યા.
{{Right |  (કર્ણ પર્વ, ૨૪) }} <br>
=== હંસ અને કાગડાની કથા ===
(કર્ણને નિરુત્સાહી કરવા તેના સારથિ બનેલા શલ્ય એક કથા કહે છે)
સમુદ્રકાંઠે એક ધનવાન વાણિયો રહેતો હતો. તે પોતાના ધર્મ પ્રમાણે યજ્ઞ, દાન કર્યા કરતો હતો. તે ક્ષમાવાન, કર્મરત અને પવિત્ર હતો. અનેક સંતાનોવાળો તે વાણિયો બધાં પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખતો હતો. ત્યાં ધર્માત્મા રાજાનું રાજ્ય હતું એટલે તે વાણિયો નિર્ભય બનીને રહેતો હતો. તેના પુત્રોનો એંઠવાડ ખાનારો એક કાગડો પણ ત્યાં રહેતો હતો. બાળકો તે કાગડાને દરરોજ માંસ, ભાત, દહીં, દૂધ, ખીર, ઘી, મધ આપતા હતા. આમ બધું ખાઈ ખાઈને તે કાગડો હૃષ્ટપુષ્ટ બન્યો, ઘમંડી બનીને પોતાના જેવા અને બીજા શ્રેષ્ઠ પક્ષીઓનું અપમાન કરવા લાગ્યા. એક દિવસ માનસરોવરના ગરુડ જેવા ઝડપથી ઊડનારા હંસ આવી પહોંચ્યા, તેમના શરીર પર ચક્રચિહ્ન હતાં અને તે પ્રસન્ન હતા. હંસોને જોઈને વણિકપુત્રોએ કહ્યું, ‘અરે કાગડા, તું તો બધાં પક્ષીઓમાં મહાન છે.’
ટૂંકી બુદ્ધિવાળાં બાળકોની વાતથી કાગડો તો છેતરાઈ ગયો અને મૂર્ખ-ગર્વીલો હોવાને કારણે તેમની વાત સાચી માનવા લાગ્યો. આમ તે પુષ્ટ અને અભિમાની કાગડો આ હંસોમાં શ્રેષ્ઠ કોણ છે એ જાણવા તેમની પાસે ગયો. એ હંસોમાં જે શ્રેષ્ઠ લાગ્યો તેને આ દુર્બુદ્ધિવાળા કાગડાએ પડકાર્યો અને કહ્યું, ‘ચાલ, આપણે બંને સાથે ઊડીએ.’
આમ બહુ બોલનારા કાગડાની વાત સાંભળીને હંસોએ હસીને કહ્યું.
‘અમે માનસરોવરવાળા હંસ છીએ, આ પૃથ્વી પર ઊડ્યા કરીએ છીએ અને દૂર દૂર ઊડનારા અમારા જેવાને બધાં પક્ષીઓ સન્માને છે. તું તો કાગડો છે અને અમારા જેવા લાંબા ઉડ્ડયન કરનારાને, વજ્ર જેવા દૃઢ શરીરવાળા બળવાન હંસોને સ્પર્ધા માટે પડકારવાની હિંમત કરે છે?’
આ સાંભળીને મૂર્ખ કાગડાએ હંસોની નિંદા કરતાં કહેવા માંડ્યું, ‘હું એકલો અનેક પ્રકારે ઊડવાની રીત જાણું છું. મારું પ્રત્યેક ઉડ્ડયન સો યોજનનું હોય છે. તે બધાં ઉડ્ડયન અદ્ભુત, વિચિત્ર છે. મારી કેટલીક રીતનાં નામ સાંભળો. ઉડ્ડીન, અવડીન, પ્રડીન, ડીન, નિડીન, સણ્ડીન , તિર્યગ્ડીન, વિડીન, પરિડીન, પરાડીન, સુડીન, અતિડીન, મહાડીન, નિડીન, પરિડીન, ગતાગત, પ્રતિગત, નિકુડીન વગેરે. આજે તમારા દેખતાં આ બધી વિવિધ રીતો વડે ઊડીશ, ત્યારે તમને મારું બળ જણાશે.’
કાગડાની વાત સાંભળીને એક હંસે હસતાં હસતાં કહ્યું, ‘તું એકસોએક પ્રકારે ઊડી જાણે છે એ વાત સાચી, પણ આ બધાં પક્ષી એક જ રીતે ઊડે છે. હું પણ એક જ રીતે ઊડીશ, મને બીજી રીતે ઊડતાં આવડતું નથી. તારી ઇચ્છા થાય તે રીતે તું અમારી સાથે ઊડવા માંડ.’
ત્યાં આવી ચઢેલા બધા કાગડા હંસની વાત સાંભળીને હસી પડ્યા, ‘આ કાગડાને સો રીતે ઊડતાં આવડે છે, તો એક જ રીતે ઊડતા જેને આવડે છે તે હંસ કેવી રીતે જીતશે? આ કાગડો તો બહુ બળવાન છે, ઘણી ઝડપે ઊડી શકે એવો છે, એટલે સો રીતને બાજુ પર રાખો, એક જ રીતે હંસને હરાવી દેશે.’
પછી બંને સ્પર્ધામાં ઊતરીને ઊડવા લાગ્યા. એક બાજુ એક જ રીતે ઊડનાર હંસ અને બીજી બાજુ સો રીતે ઊડનારો કાગડો. એક બાજુથી હંસ ઊડ્યો અને બીજી બાજુથી કાગડો ઊડ્યો. બધાં પક્ષીઓને ચકિત કરી દેવા અનેક રીતે જુદી જુદી રીતો જોઈને બધા કાગડા રાજી રાજી થઈ ગયા અને મોટે મોટેથી કા કા કરવા લાગ્યા. તેઓ પણ જરા જરા ઊડીને કહેતા હતા- આ એક રીત, આ બીજી રીત — અને એમ હંસોની મજાક કરવા લાગ્યા. તે બધા ઊડતા હતા, ક્યારેક જમીન પરથી ઝાડ પર અને ઝાડ પરથી જમીન પર. કાગડાના વિજય માટે શુભેચ્છા વ્યક્ત કરતા અનેક વાતો કરવા લાગ્યા. હંસ પોતાની એક મંદ ગતિથી ઊડતો હતો, તે થોડી વાર તો કાગડાની પાછળ રહી ગયો, અને જાણે કાગડાથી હારી ગયો હોય એમ લાગ્યું. આ જોઈને બધા કાગડાઓએ હંસની ગતિનું અપમાન કર્યું. અને હંસોને કહ્યું, ‘અરે આજે હંસ ઊડ્યો હતો તે તો કાગડાની પાછળ રહી ગયો. પછી આ સાંભળીને હંસે પશ્ચિમ દિશામાં ઊડવા માંડ્યું. અને સમુદ્રની ઉપર બહુ વેગે ઊડતો થયો. હવે કાગડો થાકી ગયો હતો, આરામ કરવા ક્યાંય જમીન ન દેખાઈ, ઝાડ દેખાયું નહીં, એટલે તે બી ગયો અને બેસુધ જેવો થવા લાગ્યો. તેના મનમાં વિચાર આવ્યો, ‘હું થાકી જઈશ તો આ પાણીથી છલોછલ સમુદ્રમાં ક્યાં ઊતરીશ? હજારો જીવવાળો આ સમુદ્ર મારા માટે ભયંકર છે. અને આ સમુદ્ર તો આકાશથીય મોટો લાગે છે.’
હંસ પણ આમ તેમ ઊડીને કાગડા તરફ જોવા લાગ્યો, તે બહુ આગળ ન ગયો, આવી દુઃખદ સ્થિતિમાં અને શરમજનક હાલતમાં પડેલા કાગડાને જોઈ હંસને મહાત્માઓનું વચન સાંભળ્યું, કાગડાને બચાવવા તેણે કહ્યું,
‘તેં વારંવાર ઊડવાની રીતનાં વખાણ બહુ કર્યાં, પણ આ કયા પ્રકારની રીત છે તેની વાત તો કરી નહીં. આ રીતનું નામ શું — તું તો તારી ચાંચ અને પાંખોથી વારેવારે પાણીને અડકી રહ્યો છે.’
કાગડો ખૂબ જ થાકી ગયો, ચાંચ અને પાંખ વડે પાણીને સ્પર્શતો સમુદ્રમાં પડી ગયો. ‘અરે કાગડા, તેં તો એવું કહ્યું હતું કે મને એક-સો એક રીતે ઊડતાં આવડે છે. ઊડવાની અનેક રીતો તે વર્ણવી તે બધી અત્યારે નકામી સાબિત થઈ.’
‘હે હંસ, હું એંઠવાડ ખાઈ ખાઈને બહુ અભિમાની થઈ ગયો હતો. એટલે મેં મારી જાતને ગરુડ માની લીધી. કાગડાઓને અને બીજાં પક્ષીઓને હું તિરસ્કારવા લાગ્યો. હવે હું જીવ બચાવવા તમારી શરણે આવ્યો છું. મને જમીન પર પહોંચાડી દો.’
આમ બોલતો તે કાગડો લાચાર થઈને કકળવા લાગ્યો, સમુદ્રમાં ડૂબવા લાગ્યો. હંસે આ કપરી દશામાં જઈ ચઢેલા, અને પાણીમાં ભીંજાઈને કાંપી રહેલા કાગડાના બે પગ પડકીને ઊઠાવ્યો અને પોતાની પીઠ પર બેસાડ્યો. બેસુધ કાગડાને પીઠ પર બેસાડી હંસ જ્યાંથી સ્પર્ધા શરૂ કરી હતી ત્યાં આવી પહોંચ્યો. કાગડાને તેની જગ્યાએ મૂકીને મનોવેગી હંસે પોતાના સ્થાને ઊડવા માંડ્યું.
{{Right | (કર્ણ પર્વ, ૨૮) }} <br>
 
(અર્જુન જ્યારે યુધિષ્ઠિર પર ક્રોધે ભરાય છે ત્યારે શ્રીકૃષ્ણ તેમને બે નાની કથા કહે છે.)
=== બલાક વ્યાધની કથા ===
જૂના જમાનામાં બલાક નામે એક વ્યાધ રહેતો હતો. તે પોતાની પત્નીનું અને પુત્રોનું ભરણપોષણ કરવા માટે હંસિક પશુઓનો શિકાર કરતો હતો, શિકાર કંઈ તેનો શોખ ન હતો. તે પોતાના વૃદ્ધ માતાપિતાનું અને બીજા આશ્રિતોનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. તે ધર્મનિષ્ઠ હતો, સાચું બોલતો અને કોઈ કરતાં કોઈની કૂથલી કરતો ન હતો.
એક દિવસ તે શિકાર કરવા વનમાં ગયો પણ કોઈ હંસિક પશુ નજરે ન પડ્યું. એટલામાં જ પાણી પીતા કોઈ હંસિક પ્રાણીને તેણે જોયું. તે પ્રાણી આંધળું હતું. તે નાક વડે સૂંઘીને જ પોતાનો વ્યવહાર ચલાવતું હતું. આવા પ્રાણીને વ્યાધે ક્યારેય જોયું ન હતું. તેણે તે જ વખતે તેનો વધ કરી નાખ્યો. તે પ્રાણી મૃત્યુ પામ્યું એટલે આકાશમાંથી તે વ્યાધ પર પુષ્પવર્ષા થઈ. અને તેવામાં જ વ્યાધને લઈ જવા માટે સ્વર્ગમાંથી એક વિમાન આવ્યું. તે વિમાન અપ્સરાઓના ગીતસંગીતથી અદ્ભુત લાગતું હતું. કહેવાય છે કે પેલા પ્રાણીએ પૂર્વજન્મમાં તપ કરીને ઘણાં પ્રાણીઓને મારી નાખ્યા હતા એટલે બ્રહ્માએ તેને અંધત્વનો શાપ આપ્યો હતો. આમ બધાં પ્રાણીઓનો વધ કરનારા પ્રાણીનો વધ કરીને બલાક સ્વર્ગે ગયો.
{{Right | (ગીતાપ્રેસ, કર્ણ પર્વ, ૬૯) }} <br>
=== કૌશિક બ્રાહ્મણની કથા ===
કૌશિક નામનો એક તેજસ્વી બ્રાહ્મણ આમ જોવા જઈએ તો બહુ ભણેલો ન હતો, શાસ્ત્રજ્ઞાન પણ તેનામાં ઓછું. તે પોતાના ગામ નજીક આવેલી નદીઓના સંગમ આગળ રહેતો હતો. તેણે હંમેશાં સાચું બોલવાનું વ્રત લીધું હતું. એટલે બધા તેને સત્યવાદી તરીકે ઓળખતા હતા. એક દિવસ લૂંટારુઓના ત્રાસથી બચવા કેટલાક લોકો વનમાં સંતાઈ ગયા. પણ ક્રોધે ભરાયેલા લૂંટારુઓ તેમનો પીછો કરતા ત્યાં આવી ચઢ્યા. તેમણે સત્યવાદી કૌશિક મુનિને પૂછ્યું, ‘ભગવન્, અહીં કેટલાક લોકો આવી ચઢ્યા છે, તેઓ કયા રસ્તે ગયા છે તે તમે જાણતા હો તો કહો.’
લૂંટારુઓએ આમ પૂછ્યું એટલે કૌશિક મુનિએ તો સાચેસાચું કહી દીધું. ‘આ વનમાં જ્યાં ઘણાં વૃક્ષો, વેલા અને ઝાડીઓ હોય ત્યાં તે બધા ગયા છે.’ આમ સાંભળીને તે નિર્દય લૂંટારુઓએ બધા લોકોને શોધીને મારી નાખ્યા એવું સાંભળ્યું છે. આમ વાણીનો દુરુપયોગ કરવાથી કૌશિક મુનિને પાપ લાગ્યું અને છેવટે તેમને નરક ભોગવવું પડ્યું, કારણ કે તે ધર્મના સૂક્ષ્મ તત્ત્વને જાણતા ન હતા.
{{Right | (ગીતાપ્રેસ, કર્ણ પર્વ, ૬૯) }} <br>
=== કર્ણને બ્રાહ્મણનો શાપ ===
(કર્ણ શલ્ય રાજાને કોઈ બ્રાહ્મણે આપેલા શાપની વાત કરે છે.)
એક સમયે હું શસ્ત્રવિદ્યા અજમાવવા વિજય નામના કોઈ બ્રાહ્મણના આશ્રમની આસપાસ ઘૂમતો હતો. તે વખતે અજાણતાં જ મારા એક ઘોર બાણથી તે બ્રાહ્મણની હોમધેનુનો વાછરડો વીંધાઈ ગયો. એટલે તે બ્રાહ્મણે મને કહ્યું, ‘તેં પ્રમાદવશ મારી ગાયના વાછરડાને મારી નાખ્યો છે. હું તને શાપ આપું છું. તું જ્યારે રણભૂમિમાં યુદ્ધ કરતો હોઈશ ત્યારે તને એક મોટો ભય નડશે. તારા રથનું પૈંડું ખાડામાં ગરકી જશે.’
તે બ્રાહ્મણના શાપની મને બહુ બીક લાગે છે. તે બ્રાહ્મણને પ્રસન્ન કરવા એક હજાર ગાય અને છસો બળદ આપવાની તૈયારી બતાવી પણ તેણે એનો અસ્વીકાર કર્યો. ત્યાર પછી મેં સાતસો હાથી અને સેંકડો દાસદાસીઓ આપવાની તૈયારી બતાવી પણ તે બ્રાહ્મણે તેનોય અસ્વીકાર કર્યો. શ્વેત વાછરડાવાળી ચૌદ હજાર કાળી ગાયો આપવા બેઠો તોય તે ન માન્યા. મેં સમૃદ્ધ ઘરબાર અને પુષ્કળ ધનસંપત્તિ આપવાની વાત કરી પણ તે કશું લેવા તૈયાર જ ન હતા. મેં મારા અપરાધની બહુ ક્ષમા માગી, પણ તેમણે કહ્યું, ‘મેં જે કહ્યું છે તે થશે ને થશે જ, તેમાં કોઈ મીનમેખ નહીં થાય. અસત્ય વાણી પ્રજાનો નાશ કરે છે એટલે હું ધર્મરક્ષા કરવા ખોટું નહીં બોલું. તું પ્રલોભનો આપીને બ્રાહ્મણવર્ગની ઉત્તમ ગતિવિધિનો નાશ ન કર. તેં પશ્ચાત્તાપ કરીને અને દાન વડે વાછરડાની હત્યાનું પ્રાયશ્ચિત્ત કરી લીધું છે. આ જગતમાં મારી વાતને કોઈ કરતાં કોઈ મિથ્યા કરી નહીં શકે. એટલે મારો શાપ એવો ને એવો જ રહેશે.’
{{Right | (ગીતાપ્રેસ, કર્ણ પર્વ, ૨૯) }} <br>
=== અધમ પ્રદેશોની ગતિવિધિ ===
(કર્ણ શલ્ય રાજાને કેટલાક અધમ પ્રદેશોની વાતો કહે છે.)
એક દિવસ મહારાજા ધૃતરાષ્ટ્રને ત્યાં કેટલાક બ્રાહ્મણો રોકાયા હતા અને તેમણે જાતજાતની વાતો કહી હતી. એક વૃદ્ધ અને જ્ઞાની બ્રાહ્મણે વાહીક અને મદ્ર દેશની કેટલીક વાતો કહી. જે પ્રદેશ હિમાલય, ગંગા, સરસ્વતી, યમુના, કુરુક્ષેત્રની બહાર છે અને જે સતલજ, બિયાસ, રાવિ, ચિનાબ, જેલમ અને સંધુિ નદીની વચ્ચે છે તે વાહીક તરીકે ઓળખાય છે, તે ધર્મબાહ્ય છે. તેનો ત્યાગ કરવો જોઈએ. ગોવર્ધન નામનો વડ અને સુભદ્ર નામનો ચૌટો રાજભવનના આંગણે છે. બાળપણથી મેં તે જોયા છે. હું એક ગુપ્ત કાર્ય કરવા માટે થોડા દિવસ તે પ્રદેશમાં રહ્યો હતો. ત્યાંના રહીશોના પરિચયને કારણે તેમના આચારવિચારની કેટલીક વાતો મારા જાણવામાં આવી. ત્યાં શાકલ નામનું એક નગર છે અને આપગા નામની નદી છે. જર્તિક નામે ઓળખાતા લોકો એ વિસ્તારમાં રહે છે. તેમનું ચારિત્ર્ય ઘૃણાસ્પદ છે. તેઓ શેકેલા જવ, અને લસણવાળું ગોમાંસ ખાય છે. અને ગોળનો બનાવેલો દારૂ પીએ છે. તેઓ બધી રીતે ભ્રષ્ટ છે. ત્યાંની સ્ત્રીઓ પુષ્પમાળા પહેરી, શણગાર કરીને, નિર્વસ્ત્ર થઈને નગરમાં અને ઘરઆંગણે ગાય છે, નાચે છે. ગધેડાઓની હોંચી હોંચી સાંભળીને તથા ઊંટના ગાંગરવાનો અવાજ સાંભળીને બહેકી જાય છે અને જાતજાતનાં ગીતો ગાય છે. ઋતુકાળમાં પણ ઘરની ચાર દીવાલોમાં તે રહેતી નથી. તે બધી સ્ત્રીઓ ભારે સ્વચ્છંદી હોય છે. મદોન્મત્ત બનીને એક બીજી સાથે હસીમજાક કરતી ફરે છે. ‘અરે હું તો મરી જ ગઈ, ઘાયલ થઈ ગઈ.’ એમ બોલી બોલીને નાચે છે. તહેવારોના દિવસોમાં તો તે અસંસ્કારી સ્ત્રીઓ સાનભાન ગુમાવીને બોલ્યા કરે છે. ત્યાં એક વાહીકવાસી આ દુષ્ટ સ્ત્રીઓનો સંબંધી હતો. તે વારે વારે ગણગણ્યા કરતો હતો, ‘અરે તે ઊંચી, ગોરી, આછી સાડી પહેરેલી મારી પ્રિયા મને યાદ કર્યા કરતી હશે, પથારીમાં પાસાં ઘસતી હશે. હું ક્યારે સતલજ અને રાવિ પાર કરીને મારા દેશમાં જઈશ, ક્યારે શંખના ચૂડા પહેરેલી સુંદરીઓને જોઈશ. જેમનાં નેત્રોની આસપાસ શૃંગાર કર્યો હોય, લલાટે કશી પિયળ કાઢી હોય, તેમને ક્યારે મળીશ. તે સ્ત્રીઓ કંબલ અને મૃગચર્મ પહેરે છે. ઊજળી પ્રિયદર્શના સુંદરીઓ, મૃદંગ, ઢોલ, શંખ વગેરે વાદ્યો સાથે નૃત્ય કરે છે. અમે ક્યારે ઉન્મત્ત બનીને ગધેડા, ઊંટ, ખચ્ચરો પર બેસીને શમી, પીલુ વગેરે વૃક્ષોવાળા વનમાંથી સુખે પ્રવાસ કરી શકીશું. પછી રસ્તે નિરાંતે પેટપૂજા કરીને સામે ભેટી જતા પ્રવાસીઓનાં કપડાં પડાવીને અમે ક્યારે તેમને મારીશું.
અસંસ્કારી લોકો આવા હોય છે. કયો શાણો પુરુષ બે ઘડી પણ તેમની સાથે બેસી શકે? આ લોકોના આચારવિચાર સાવ હલકા છે.
આ પ્રદેશમાં એક રાક્ષસી રહે છે. તે કૃષ્ણ પક્ષની ચૌદશે શાકલ નગરમાં રાતે દુંદુભિનાદ કરતી ગાય છે.
હું સુંદર વસ્ત્રો અને અલંકારોથી સજ્જ થઈને ગોમાંસ ખાઈને, ગોળનો દારૂ પીને, ઘણાં ઘેટાંબકરાં ખાઈને ઊજળી, ઊંચી સ્ત્રીઓની સાથે ગીતો ક્યારે ગાઈશ. જેઓ ભૂંડ, મરઘાં, ગાય, ગધેડા, ઊંટ, ઘેટાનું માંસ ખાતા નથી તેમનો જનમ એળે ગયો.
જે શાકલવાસીઓ, જે આબાલવૃદ્ધ, સ્ત્રીપુરુષો ઉન્મત્ત થઈને આવાં ગીત ગાતાં હોય તેઓ ધર્મ કેવી રીતે પાળી શકે?
એક બીજા બ્રાહ્મણે આરટ્ટ નામના પ્રદેશની વાત કરી. ત્યાં કોઈએ જવું ન જોઈએ. ત્યાં ધર્મકર્મ નથી. તેમના દ્રવ્યને દેવો, બ્રાહ્મણો, પિતૃઓ સ્વીકારતા નથી. આ પ્રદેશમાં લોકો કૂતરાઓની જોડે જ ખાય છે, તેઓ ઘેટી, ઊંટડી, ગધેડીનું દૂધ પીએ છે, એ જ દૂધનાં દહીં, ઘી આરોગે છે. આવા લોકોને તો દૂરથી જ નમસ્કાર.
{{Right | (કર્ણ પર્વ, ૩૦) }} <br>
 
=== ત્રિત અને તેના ભાઈઓની કથા ===
 
પ્રાચીન કાળમાં ત્રણ સગા ભાઈ હતા, ત્રણે ઋષિ હતા. તેમનાં નામ હતાં એકત, દ્વિત અને ત્રિત. ત્રણે સૂર્ય જેવા તેજસ્વી. તપ વડે બ્રહ્મલોકને જીતનારા હતા. તેમના યમનિયમ, તપ, ઇન્દ્રિયનિગ્રહથી તેમના ધર્મપરાયણ પિતા ગૌતમ ખૂબ જ રાજી રહેતા હતા. અને એમ પ્રસન્ન રહેતા ગૌતમ ઘણા સમયે પોતાના પુણ્યફળથી બ્રહ્મલોક જતા રહ્યા. તેમના યજમાન રાજા ગૌતમના ત્રણે પુત્રોનો એવો જ આદર કરતા હતા. તે ત્રણેમાં વિદ્યા અને કર્મથી ત્રિત શ્રેષ્ઠ હતા. તે પોતાના પિતા ગૌતમ જેવા હતા. એક દિવસ એકત અને દ્વિત યજ્ઞ અને ધન વિશે વિચારતા હતા. તેમને થયું કે ત્રિતને સાથે રાખીને યજમાનોના યજ્ઞ કરીએ અને દાનમાં પશુઓ મેળવીએ. યજ્ઞ કરીએ અને સોમરસ પીએ. ત્રણે ભાઈઓએ એવો વિચાર કરીને એમ જ કર્યું. પશુઓની ઇચ્છાથી યજમાનો પાસે જઈને યજ્ઞ કરાવી ઘણાં પશુ મેળવ્યાં. પછી પશુઓને લઈને પૂર્વ દિશામાં ચાલી નીકળ્યા. તે વેળા પ્રસન્ન ત્રિત આગળ ચાલતા હતા અને બંને ભાઈઓ પશુઓને હંકારતા પાછળ ચાલતા હતા. ગાયો ઘણી બધી હતી એટલે બંને ભાઈઓને વિચાર આવ્યો કે આપણે એવું કંઈક કરીએ જેથી આ બધી ગાયો આપણને જ મળે અને ત્રિતને ન મળે. તે તો યજ્ઞકાર્યમાં નિપુણ છે એટલે તેને તો ઘણી ગાયો મળતી રહેશે. આપણે આ ગાયોને લઈને ચાલતા થઈએ, ત્રિત છૂટો પડીને જ્યાં જવું હશે ત્યાં જશે.
ત્રિત રાતે એ બંને ભાઈઓની સાથે સાથે ચાલતો હતો. રસ્તામાં એક વરુ મળ્યું અને સરસ્વતીના કાંઠે જ એક મોટો કૂવો હતો, ત્રિત પોતાની સામે વરુ જોઈને બી જઈને ભાગ્યા. ભાગતા ભાગતા બધાંને માટે ભયાનક અને ઊંડા કૂવામાં જઈને પડ્યા. કૂવામાં પડતી વખતે મોટેથી ચીસ પાડી, અને બંને ભાઈઓએ સાંભળી. તેમને ખ્યાલ આવી ગયો કે ત્રિત કૂવામાં પડી ગયો છે. પણ બંને ભાઈને એક બાજુ વરુનો ડર અને બીજી બાજુ ગાયોનો લોભ, એટલે બંને ત્રિતને એકલો મૂકીને ચાલ્યા ગયા. આમ બંનેએ ગાયોના લોભે ત્રિતને ધૂળ, માટીથી ભરેલા નિર્જળ કૂવામાં જ પડી રહેવા દીધો. ત્રિત પાણી વિનાના, ધૂળ માટી અને વેલાથી છવાયેલા કૂવામાં પડીને પોતાને નરકવાસી પાપી માનવા લાગ્યા. પછી મૃત્યુથી ડરી ગયેલા અને સોમપાન વિનાના ત્રિત વિચારવા લાગ્યા કે આ કૂવામાં પડી રહીને હું સોમપાન કરીશ કેવી રીતે? આમ વિચારતા હતા ત્યાં લટકતી એક વેલ તેમણે જોઈ. ત્રિતે એવા હવડ કૂવામાં પાણીની કલ્પના કરી અને સંકલ્પ કરીને અગ્નિની સ્થાપના કરી. પોતાની જાતને હોતા માની લીધી. અને પછી સંકલ્પ કરીને મનમાં ને મનમાં જ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદની ઋચાઓ બોલવા લાગ્યા. એ ધૂળના રજકણોમાં પથ્થરની કલ્પના કરીને વેલમાંથી સોમરસ કાઢ્યો. પાણીમાં ઘીનો સંકલ્પ કરીને દેવતાઓના ભાગ પાડ્યા અને સોમરસ કાઢી તેની આહુતિ આપી. મોટેથી વેદમંત્રો ભણવા લાગ્યા. તે યજ્ઞ પૂરો થયો અને વેદપઠનનો શબ્દ આકાશ સુધી પ્રસરી ગયો, તે યજ્ઞ ચાલુ હતો ત્યારે મહાયજ્ઞ સાંભળી દેવતાઓ હચમચ્યા, પણ કોઈને કશી ખબર ન પડી. એ વેદમંત્રોનો ભયાનક અવાજ સાંભળીને દેવતાઓના પુરોહિત બૃહસ્પતિએ કહ્યું, ‘જેણે આ યજ્ઞ કર્યો છે ત્યાં ચાલો આપણે બધા જઈએ, જો આપણે નહીં જઈએ તો તપસ્વી ક્રોધે ભરાઈને બીજા દેવોનું નિર્માણ કરશે.’
બૃહસ્પતિની વાત સાંભળીને બધા દેવતાઓ ત્રિતના યજ્ઞસ્થળે પહોંચ્યા. ત્યાં જઈને ત્રિત ઋષિ જે કૂવામાં પડ્યા હતા તે કૂવો જોયો, યજ્ઞકાર્ય કરી રહેલા ઋષિને પણ જોયા. તેઓ કૂવામાં અત્યંત તેજસ્વી દેખાય છે એ જોઈને બધા દેવતાઓએ કહ્યું, ‘અમે પોતપોતાનો ભાગ લેવા અહીં આવ્યા છીએ.’
‘જુઓ, હું આ ભયાનક કૂવામાં પડ્યો છું, મને કશી સુધબુધ નથી.’
પછી ત્રિતે યથાવિધિ મંત્રોચ્ચાર કરીને દેવતાઓએ એમને વરદાન આપ્યું. તેઓ પણ ભાગ મેળવીને પ્રસન્ન થયા. પછી સંતુષ્ટ થયેલા દેવતાઓએ એમને વરદાન આપ્યું.
‘મને આ કૂવામાંથી બહાર કાઢો અને જે મનુષ્ય આ કૂવાને સ્પર્શે તેને સોમપાન કરનારાની સ્થિતિ પ્રાપ્ત થાય.’
તે જ વેળા એ કૂવામાંથી સરસ્વતી નદી નીકળી અને ત્રિત ઉપર આવી ગયા. તેમણે દેવતાઓની પૂજા કરી. ત્રિત પ્રસન્ન થઈ પોતાને ઘેર આવ્યા. બંને ભાઈઓને ત્રિતે કઠોર શાપ આપ્યો. ‘તમે ગાયોના લોભે મને જંગલમાં એકલો મૂકીને ચાલી આવ્યા. એટલે હું તમને શાપ આપું છું કે તમે મોટા મોટા દાંતવાળા વરુ થઈને જગતમાં રખડશો. તમારાં સંતાનો લાંગૂલ, રીંછ અને વાંદરા થશે.’
પછી તરત જ બંને ભાઈ વરુ થઈ ગયા.
{{Right | (શલ્ય પર્વ, ૩૫) }} <br>
=== મંકણક ઋષિની કથા ===
એક દિવસ મંડણક ઋષિનો હાથ કુશ ઘાસના આગલા ભાગથી છેદાઈ ગયો અને એમના હાથમાંથી લોહી ટપકવાને બદલે શાકનો રસ ટપકવા લાગ્યો. આ જોઈને તે ઋષિ ઉન્મત્ત બનીને નાચવા લાગ્યા. એને કારણે સ્થાવર જંગમ જગત પણ નાચવા લાગ્યું. બ્રહ્મા વગેરે દેવતાઓ અને ઋષિઓ મહાદેવ પાસે જઈને કહેવા લાગ્યા, ‘ભગવાન, એવું કશું કરો કે આ મુનિ નાચે નહીં.’
એટલે મહાદેવે મંકણક પાસે જઈને જોયું તો મુનિ આનંદમાં આવી જઈને નાચતા હતા. ત્યારે દેવતાઓના કલ્યાણ માટે મહાદેવે કહ્યું, ‘હે ધર્મજ્ઞ બ્રાહ્મણ, તમે શા માટે નાચો છો? તમારી આટલી બધી પ્રસન્નતાનું કારણ કયું છે? તમે તો ધર્મજ્ઞ તપસ્વીઓમાં અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છો.’
‘હે દેવાધિદેવ, મારા હાથમાંથી શાકરસ ઝરી રહ્યો છે તે તમે નથી જોતા? એને જોઈને જ હું ખુશ ખુશ થઈને નાચી રહ્યો છું.’
ઋષિની વાત સાંભળીને મહાદેવે હસતાં હસતાં કહ્યું, ‘અમને તો કશી નવાઈ લાગતી નથી. લો, તમે આ જુઓ.’
ઋષિને એમ કહીને મહાદેવે પોતાની આંગળીના આગલા ભાગથી અંગૂઠાને ચીર્યો. તેમાંથી બરફ જેવી ભસ્મ નીકળવા લાગી. આ જોઈને મંકણક શરમાઈ જઈને મહાદેવના પગે પડ્યા.
{{Right | (શલ્યપર્વ, ૩૭) }} <br>
મહોદર મુનિની કથા
રામ જ્યારે દંડકારણ્યમાં રહીને રાક્ષસોનો સંહાર કરતા હતા ત્યારે રામે એક રાક્ષસનો શિરચ્છેદ કર્યો, અને એ મસ્તક આકાશમાં ઊછળ્યું. દૈવયોગે એ મસ્તક મહોદર મુનિની સાથળનું હાડકું તોડીને તેમાં પ્રવેશી ગયું. એને કારણે મુનિ તીર્થયાત્રા કરી શકતા ન હતાં. તે મસ્તકમાંથી પરુ નીકળ્યું હતું. અને મુનિ વેદનાથી ત્રસ્ત થઈ ગયા. તો પણ તેઓ તીર્થોમાં ઘૂમતા જ રહ્યા. અને તે નદીકાંઠે, સમુદ્રકાંઠે રહેતા બીજા બધા મુનિઓને પોતાની આપવીતી સંભળાવતા જ રહ્યા.
બધાં તીર્થોમાં સ્નાન કરવા છતાં તેમની આપદા ટળી નહીં. તેમણે કેટલાક મુનિઓના મોઢે સાંભળ્યું કે સરસ્વતીનદીના કાંઠે ઔશનસ નામનું તીર્થ બધાં પાપ ધોઈ નાખે છે. એ સાંભળીને તે મુનિ ત્યાં પહોંચ્યા અને સ્નાન કર્યું, તરત જ પેલું મસ્તક તેમના પગમાંથી નીકળીને પાણીમાં જઈ ચડ્યું. ત્યાંથી પ્રસન્ન થઈને પોતાના આશ્રમ આવીને તેમણે બધા મુનિઓને એ કથા કહી. ત્યારથી તે તીર્થનું નામ કપાલમોચન પડ્યું.
{{Right | (શલ્ય પર્વ, અધ્યાય ૩૮) }} <br>
=== વસિષ્ઠ-વિશ્વામિત્ર-સરસ્વતીકથા ===
વસિષ્ઠ અને વિશ્વામિત્ર બંને તપ કરે, આ તપ કરતાં કરતાં બંને વચ્ચે સ્પર્ધા થઈ અને વેર બંધાયું. વસિષ્ઠનો આશ્રમ પૂર્વકાંઠે સ્થાણુ તીર્થમાં હતો અને પશ્ચિમ કાંઠે વિશ્વામિત્રનો આશ્રમ હતો... વિશ્વામિત્ર વધુ ચિંતા કર્યા કરતા હતા, વસિષ્ઠનું વધારે તેજ જોઈને તે દુઃખી થયા. હમેશાં ધર્મમગ્ન રહેતા વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો, ‘જો આ સરસ્વતી નદી ધર્મજ્ઞ, મહાન તપસ્વી વસિષ્ઠ ઋષિને, પોતાના વેગીલા જળપ્રવાહમાં અહીં તાણી લાવે તો હું વસિષ્ઠનો વધ કરી નાખું.’
આમ વિચારીને ઋષિ વિશ્વામિત્ર ક્રોધે ભરાયા અને રાતી આંખો કરીને બધી નદીઓમાં શ્રેષ્ઠ સરસ્વતીનું ધ્યાન ધર્યું. એટલે સરસ્વતી આકુળવ્યાકુળ થઈ ગઈ. વિશ્વામિત્ર બહુ ક્રોધે ભરાયા છે એ વાતની તેમને જાણ થઈ ગઈ. એટલે ઝાંખી, કાંપતી થઈને હાથ જોડીને વિશ્વામિત્ર પાસે આવી, સદ્યવિધવા સ્ત્રીની જેમ તે બહુ દુઃખી થઈ ગઈ અને મુનિને કહેવા લાગી, ‘બોલો, તમારી શી સેવા કરું?’
‘તું વસિષ્ઠને જલદી પાણીમાં વહેવડાવી લઈ આવ, આજે હું તેમને મારી નાખીશ.’
આ સાંભળી સરસ્વતી ખૂબ જ વ્યથિત થઈ ગઈ. કમલ જેવી આંખો ધરાવતી સરસ્વતી પવનમાં ધૂજતી લતાની જેમ કાંપવા લાગી. તેને આમ પ્રણામ કરતી અને કાંપતી જોઈને ક્રોધે ભરાયેલા વિશ્વામિત્રે કહ્યું, ‘વસિષ્ઠને લઈ આવ.’
નદીઓમાં શ્રેષ્ઠ એવી સરસ્વતી બંને ઋષિઓના સંભવિત શાપથી ભયભીત થઈ ગઈ. હવે શું થશે તેની ચિંતા કરવા લાગી. વસિષ્ઠ પાસે જઈને સરસ્વતીએ વિશ્વાંમિત્રે જે કંઈ કહ્યું હતું તે કહ્યું. બંને ઋષિઓ શાપ આપશે એના ડરથી તે વારેવારે કાંપતી હતી. વિશ્વામિત્ર ઋષિના ભયથી બહુ ડરી ગઈ હતી. નદીને કંતાયેલી, ઝાંખી અને ચિંતિત જોઈને વસિષ્ઠ બોલ્યા, ‘તું તારી રક્ષા કર. ઝડપી ગતિવાળી બનીને મને વિશ્વામિત્ર પાસે લઈ જા, બીજો કશો વિચાર તું કરતી નહીં. નહીંતર વિશ્વામિત્ર તને શાપ આપશે.’
દયાળુ વસિષ્ઠ ઋષિની આ વાત સાંભળીને સરસ્વતી વિચારવા લાગી, ‘હવે શું કરવાથી કલ્યાણ થાય?’ પછી તેને વિચાર આવ્યો, વસિષ્ઠે મારા ઉપર બહુ ઉપકાર કર્યા છે, એટલે એમનું કલ્યાણ થાય એવું કામ મારે કરવું જોઈએ.’
એક દિવસ વિશ્વામિત્ર ઋષિ તટ પર હોમ-જપ કરી રહ્યા હતા ત્યારે સરસ્વતીએ વિચાર્યું, ‘આ સમય બહુ સારો છે.’ એમ કહી કાંઠા ભાંગી નાખ્યા અને પોતાના વેગીલા પ્રવાહમાં વસિષ્ઠને તાણી ગઈ. વહેતા કિનારાઓની સાથે વસિષ્ઠ પણ વહેવા લાગ્યા, અને એવી અવસ્થામાં સરસ્વતીની સ્તુતિ કરવા લાગ્યા.
‘હે દેવી, પિતામહ બ્રહ્માના સરોવરમાંથી તું પ્રગટી છે, આ સમગ્ર જગત તારા ઉત્તમ જલથી પરિપૂર્ણ છે. તું આકાશમાં જઈને વાદળોને જળભર બનાવે છે, તારા કારણે જ અમે ઋષિઓ વેદનો અભ્યાસ કરીએ છીએ. તું પુષ્ટિ, દ્યુતિ, કીતિર્, સિદ્ધિ, બુદ્ધિ, ઉમા, વાણી અને સ્વાહા છે. આ સમગ્ર જગત તારે આધીન છે. તું પ્રાણીમાત્રમાં ચાર પ્રકારના રૂપે વસે છે.’
મહર્ષિ વસિષ્ઠની આવી સ્તુતિ સાંભળીને સરસ્વતીનો પ્રવાહ વધુ વેગીલો થયો, તે બ્રહષિર્ને વિશ્વામિત્રના આશ્રમે પહોંચાડીને વિશ્વામિત્રને વારેવારે કહેવા લાગી, ‘હું વસિષ્ઠને લઈ આવી છું.’
સરસ્વતીએ વસિષ્ઠને પોતાની પાસે આણ્યા એટલે ક્રોધે ભરાઈને વસિષ્ઠને મારવાનાં અસ્ત્ર શોધવા લાગ્યા. નદીએ વિશ્વામિત્રને પૂર્વ દિશામાં વધુ વેગથી વહેવડાવ્યા. વસિષ્ઠને દૂર વહેતા જોઈને વિશ્વામિત્ર ક્રોધે ભરાઈ બોલ્યા, ‘અરે સરિતાઓમાં શ્રેષ્ઠ એવી સરસ્વતી, તું મને છેતરીને જતી રહી એટલે હવે તારું પાણી રાક્ષસોને બહુ પ્રિય એવું લોહી થઈ જાય.’
વિશ્વામિત્રના શાપથી સરસ્વતીનું જળ લોહી થઈ ગયું અને એક વર્ષ સુધી રુધિરવાળું પાણી જ વહેવડાવતી રહી. સરસ્વતીની આવી દશા જોઈને ઋષિ, દેવતા, ગંધર્વ, અપ્સરા — બધા જ દુઃખી થયા. ત્યારથી આ તીર્થનું નામ જગતમાં વસિષ્ઠાપવાહ તરીકે જાણીતું થયું, વસિષ્ઠ ઋષિને વહેડાવ્યા પછી સરસ્વતી ફરી પોતાના જૂના માર્ગે વહેતી થઈ.
પણ પછી તો ઘણા બધા રાક્ષસો એ તીર્થ પર આવ્યા અને લોહી પીપીને બહુ આનંદથી ત્યાં રહેતા થયા. લોહી પીને તૃપ્ત થયેલા રાક્ષસો સુખી અને નિશ્ચંતિ બનીને નાચતા કૂદતા-જાણે તેમણે સ્વર્ગ જીતી જ લીધું ન હોય! એક દિવસ અનેક તપસ્વીઓ સરસ્વતીના કાંઠે તીર્થયાત્રા કરતા કરતા આવ્યા. બધાં તીર્થોમાં સ્નાન કરવા કરતા પ્રસન્ન થયેલા એ ઋષિઓ લોહી વહેવડાવતા તીર્થમાં જઈ પહોંચ્યા. તે તીર્થની આવી ભૂંડી દશા તેમણે જોઈ, નદીનું પાણી લોહીવાળું છે અને કેટલાય રાક્ષસો એ લોહી પી રહ્યા છે એ જોઈને કઠોર તપસ્યા કરનારા મુનિઓએ એ તીર્થના ઉદ્ધારનો પ્રયત્ન કર્યો. પછી તેમણે સરસ્વતીને બોલાવીને પૂછ્યું, ‘તારું પાણી લોહીથી કેવી રીતે રંગાઈ ગયું છે, તે એનું કારણ કહે, પછી એનો ઉપાય કરીએ.’
ઋષિઓની વાત સાંભળીને સરસ્વતીએ આખી વાત વિગતે કરી. તેને દુઃખી જોઈને ઋષિઓએ કહ્યું, ‘હવે આ બધા ઋષિઓ કોઈ ઉપાય કરશે.’ તેમણે પરસ્પર ચર્ચા કરીને સરસ્વતીને આ શાપમાંથી મુક્ત કરવી જોઈએ. બ્રાહ્મણોની એ વાણીથી સરસ્વતી પહેલાની જેમ નિર્મળ થઈને વહેવા લાગી.
ઋષિઓને સરસ્વતીને નિર્મળ કરી નાખી એટલે ભૂખેતરસે પિડાતા રાક્ષસો હાથ જોડીને એ મુનિઓ પાસે ગયા અને કહેવા લાગ્યા,
‘અમે સનાતન ધર્મથી ભ્રષ્ટ થયેલા રાક્ષસો છીએ, અત્યારે ભૂખે આકળવિકળ થયા છીએ. અમે જે પાપ કરીએ છીએ તે સ્વેચ્છાએ નથી કરતા. તમારા જેવા ધર્માત્માઓની અમારા પર કૃપા નથી થઈ એટલે અમે દુષ્કર્મ કર્યા કરીએ છીએ. એટલે અમારાં પાપ વધ્યા જ કરે છે અને અમે બ્રહ્મરાક્ષસો થઈ ગયા છીએ. જે ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બ્રાહ્મણોનો દ્વેષ કરે છે તે જગતમાં અમારા જેવા જ રાક્ષસો છે. જે માનવીઓ આચાર્ય, ઋત્વિજ, ગુરુ, વૃદ્ધ જનોનું અપમાન કરે છે તે પણ અહીં રાક્ષસ થાય છે. પાપી સ્ત્રીઓના યોનિદોષ પણ પાપને કારણે વધે છે. એટલે હે ઋષિમુનિઓ તમે બધાના ઉદ્ધારક બની શકો છો, તો અમારો પણ ઉદ્ધાર કરો.’
રાક્ષસોની એ વાત સાંભળીને એ બધા ઋષિઓએ રાક્ષસોની મુક્તિ માટે મહા નદીની સ્તુતિ કરીને કહ્યું,
‘જે અન્ન સડેલું હોય, જંતુઓએ કોરી ખાધું હોય, એંઠું હોય, રોગી મનુષ્યોએ આપેલું હોય, કૂતરાઓએ દૂષિત કર્યું હોય તે અન્નમાં રાક્ષસોનો ભાગ રહેશે. એટલે વિદ્વાનો આ જાણીકરીને આવું અન્ન ત્યજી દે, જે આવું અન્ન ખાશે તેણે રાક્ષસોનું અન્ન ખાધું એમ મનાશે. પછી ઋષિઓએ એ રાક્ષસોની મુક્તિ માટે સરસ્વતી પાસેથી વરદાન માગ્યું. ઋષિઓની આવી ઇચ્છા જાણીને સરસ્વતી અરુણા નામની પોતાની બીજી ધારા લઈ આવી. રાક્ષસોએ એમાં સ્નાન કર્યું અને પોતાનાં શરીર ત્યજીને સ્વર્ગમાં ગયા, અરુણામાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યામાંથી મુક્ત થવાય છે.
{{Right | (શલ્ય પર્વ, ૪૧-૪૨) }} <br>
=== ઉચાવતીની અને અરુન્ધતીની કથા ===
ભરદ્વાજ મુનિની પુત્રી ઉચાવતી અત્યન્ત સુંદર અને નાનપણથી બ્રહ્મચારિણી હતી. દેવરાજ ઇન્દ્રને પતિ બનાવવાનો નિશ્ચય કરીને તે કઠોર તપ કરી રહી હતી. સ્ત્રીઓ માટે અસામાન્ય કહેવાય, એવા અનેક નિયમોનું પાલન કરતાં કરતાં વર્ષો વીત્યાં. છેવટે તેના તપ, નિયમ, આચરણ, પ્રેમ જોઈને ઇન્દ્ર પ્રસન્ન થયા, તેઓ વસિષ્ઠનું રૂપ લઈને તેના આશ્રમમાં આવ્યા. તે કન્યાએ વિધિ પ્રમાણે તેમની પૂજા કરી. પછી તેણે પૂછ્યું, ‘બોલો, તમારી શી આજ્ઞા છે? જે આજ્ઞા હશે તે યશાશક્તિ પૂરી કરીશ. મારી ભક્તિ ઇન્દ્રમાં વિશેષ છે એટલે હું મારો હાથ તો તમને આપી નહીં શકું. મેં પ્રતિજ્ઞા કરી છે કે વ્રત, નિયમ, તપથી ત્રણે લોકના ઈશ્વર એવા ઇન્દ્રને પ્રસન્ન કરીશ.’
તે કન્યાનું આવું વચન સાંભળી ઇન્દ્ર તેની સામે જોઈને હસ્યા અને તેના વ્રતનિયમ જાણીને તેને સાંત્વન આપતાં બોલ્યા, ‘તું ઘોર તપ કરી રહી છે. દૃઢ સંકલ્પ કરીને તેં આ વ્રત આદર્યું છે. એ પાર પડશે. જગતમાં તપ વડે જ બધું પાર પડે છે, તપમાં જ બધું છે. આમ વિચારીને મનુષ્ય ઘોર તપ કરતાં કરતાં મૃત્યુ પામે છે અને દેવ બને છે. હવે મારી વાત સાંભળ. આ પાંચ બોર તને આપું છું, તેને તું પકવ.’
પછી તેને પૂછીને આશ્રમથી થોડે દૂર આવેલા ઇન્દ્રતીર્થમાં જઈને જપ કરતા બેઠા. તે કન્યાએ પવિત્ર થઈને આગ સળગાવી બોરને પકવવા શરૂ કર્યા: એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો પણ બોર પાક્યા નહીં. હવે સળગાવવા માટે લાકડાં પણ ન રહ્યાં, ત્યારે તેણે આગમાં પોતાનું શરીર હોમવા માંડ્યું. પછી તેણે પહેલાં તો પોતાના બે પગ સળગાવ્યા. સળગતા પગને ધીરે ધીરે આગમાં ધકેલતી હતી, અને વસિષ્ઠને પ્રસન્ન કરવા આવું ઘોર કર્મ કર્યું અને સળગતા પગ દઝાડતા હતા તેનો વિચાર પણ ન કર્યો.
આ જોઈને ઇન્દ્ર પ્રસન્ન થયા અને તે કન્યા આગળ પ્રગટ થયા, ‘તારી ભક્તિ, તારાં તપ અને નિયમથી હું પ્રસન્ન થયો છું. તારા મનની ઇચ્છા પૂરી થશે. હવે આ શરીર ત્યજીને તું સ્વર્ગમાં મારી સાથે રહીશ. આ તીર્થનું નામ બદરપાચન રહેશે.’
ભૂતકાળમાં આ તીર્થ પર અરુન્ધતીને મૂકીને સપ્તષિર્ હિમાલય જતા રહ્યા હતા. પછી ત્યાં જઈને નિર્વાહ માટે એ મુનિ ફળમૂળ લાવવાં વનમાં ગયા. હિમાલયના વનમાં રહેતા હતા ત્યારે ત્યાં બાર વર્ષ સુધી વરસાદ ન પડ્યો. તે ઋષિઓ ત્યાં આશ્રમ ઊભો કરીને જ રહેતા હતા. અરુંધતી પણ તપ કરતી રહી. તેનું કઠોર તપ જોઈને શંકર ભગવાન પ્રસન્ન થયા, તે બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા અને બોલ્યા, ‘તમે મને ભિક્ષા આપો.’
અરુન્ધતીએ કહ્યું, ‘અમારે ત્યાં અત્યારે અન્ન નથી એટલે આ બોર ખાઓ.’
‘આ બોર શેકી આપ.’
અરુન્ધતી બ્રાહ્મણને પ્રસન્ન કરવા સળગતી આગમાં બોર શેકવા લાગી. ત્યારે તેને દિવ્ય-પવિત્ર કથાઓ સંભળાતી થઈ. બાર વર્ષની ભયાનક અનાવૃષ્ટિ પૂરી થઈ ગઈ. કશું ખાધાપીધા વિના તે કથાઓ સાંભળતી રહી. એ બાર વર્ષ એક દિવસની જેમ વીતી ગયા. પછી સપ્તષિર્ પણ ફળ લઈને પાછા ફર્યા. શંકર ભગવાને પ્રસન્ન થઈને અરુન્ધતીને કહ્યું, ‘તું પહેલાં જેવી રીતે આ મુનિઓની સાથે જતી હતી તેવી જ રીતે જા. તારા તપ-નિયમથી હું પ્રસન્ન છું.’
પછી શંકર ભગવાન પોતાના રૂપમાં ત્યાં પ્રગટ થયા. સપ્તષિર્ઓને અરુન્ધતીની કથા સંભળાવી. ‘તમે હિમાલયમાં જે તપ કર્યું અને અરુન્ધતીએ ઘરમાં રહીને જે તપ કર્યું તે સમાન ન કહેવાય. અરુન્ધતીએ ઘોર તપ કર્યું, બાર વર્ષ સુધી કશું ખાધુંપીધું નહીં અને બોર સેકવામાં સમય વીતાવ્યો.’
પછી ભગવાને અરુન્ધતીને કહ્યું, ‘તારા મનમાં જે ઇચ્છા હોય તે માગ.’
મહાદેવની વાત સાંભળીને તામ્રવર્ણી આંખો ધરાવતી અરુન્ધતી બોલી, ‘જો તમે પ્રસન્ન થયા હો તો વરદાન આપો કે આ તીર્થનું અદ્ભુત ફળ સિદ્ધ થાય. જે ત્રણ રાત પવિત્ર થઈને અહીં રહી ઉપવાસ કરે તેન બાર વરસના ઉપવાસનું ફળ મળે.’
‘ભલે’ કહીને શંકર સ્વર્ગલોકમાં જતા રહ્યા. અરુન્ધતી ભૂખીતરસી હોવા છતાં થાકી ન હતી, ઝાંખી પડી ન હતી. એ જોઈને ઋષિઓ નવાઈ પામ્યા. અહીં પતિવ્રતા અરુન્ધતીને આ તીર્થમાં પરમ સિદ્ધિ સાંપડી હતી તેવી રીતે તેં પણ અહીં વ્રત કર્યું. પણ તેં આ વ્રતમાં વધુ આત્મસમર્પણ કર્યું છે, એટલે તને અરુન્ધતીને આપેલ વરદાન કરતાંય વિશેષ વરદાન આપું છું. જે આ તીર્થમાં એક જ રાત રહીને સ્નાન કરશે તે મૃત્યુ પછી દુર્લભ લોકમાં જશે.’
આમ ઉચાવતીને વરદાન આપીને ઈન્દ્ર સ્વર્ગે ગયા. તેમના જવાની સાથે પવિત્ર, સુવાસિત ફૂલોની વર્ષા થઈ. આકાશમાંથી દુન્દુભિનાદ થયો. પવિત્ર, સુગંધિત પવન વાયો. તે પોતાનું શરીર ત્યજીને ઈન્દ્રની પત્ની બની.
આ સુચાવતીની માતા ઘૃતાચી અપ્સરા હતી, એક દિવસ તેને જોઈને મુનિને વીર્યાવ થયો. ઋષિએ તે વીર્ય હાથમાં લેવા ગયા પણ તે પડિયામાં પડી ગયું, તેમાંથી આ ઉચાવતી પ્રગટી. ઋષિએ તેના બધા સંસ્કાર કર્યા, નામકરણ કર્યું અને પછી આશ્રમમાં મૂકીને હિમાલયમાં તપ કરવા જતા રહ્યા.
{{Right | (શલ્ય પર્વ, ૪૭) }} <br>
=== ચન્દ્ર અને રોહિણીની કથા ===
દક્ષ પ્રજાપતિએ પોતાની અનેક કન્યાઓમાંથી સત્તાવીસ કન્યાઓનો વિવાહ ચન્દ્ર સાથે કર્યો. તે બધી કન્યાઓ વિશાળ નેત્રોવાળી અને ખૂબ જ સુંદર હતી. પણ એ બધામાં સૌથી વધુ સુંદર રોહિણી હતી. એટલે ચન્દ્ર તેને સૌથી વધારે ચાહતા હતા. રોહિણી તેમની હૃદયસ્વામિની થઈ, તે હમેશા તેની જ સાથે સમય ગાળતા હતા. એટલે તેમની પત્નીઓ રિસાઈ ગઈ. તેઓ પિતા પાસે જઈને ફરિયાદ કરવા લાગી, ‘ચન્દ્રમા અમારી પાસે તો આવતા જ નથી, તે હમેશા રોહિણી સાથે જ રહે છે. એટલે હવે તમે તમારી પાસે રહીને તપ કરીશું.’
આ સાંભળી દક્ષે ચન્દ્રને કહ્યું, ‘તમે બધી પત્નીઓને સમાન ભાવે પ્રેમ કરો. તમને એનાથી બહુ મોટું પાપ નહીં લાગે.’
પછી દક્ષે પોતાની પુત્રીઓને કહ્યું, ‘તમે તમારે ઘેર જાઓ. મેં કહ્યું છે એટલે ચન્દ્ર તમને બધીને સારી રીતે રાખશે.’
દક્ષે તેમને વિદાય આપી એટલે તેઓ ચન્દ્રને ત્યાં ગઈ, પણ ચન્દ્ર તો ત્યાર પછી પણ રોહિણીને જ વધારે પ્રેમ કરતા રહ્યા. ફરી બધી કન્યાઓ પિતાને ત્યાં ગઈ અને કહ્યું, ‘ચન્દ્રમા અમારી સાથે તો રહેતા જ નથી. એટલે અમે બધી અહીં રહીને તત્પરતાથી તમારી સેવા કરીશું. તેમણે તમારી આજ્ઞા ન માની.’ ‘ચન્દ્ર, તમે બધી પત્નીઓને સમાન ભાવે ચાહો, નહીંતર હું તમને શાપ આપીશ.’
આમ કહીને બધીને વિદાય કરી, પણ ચન્દ્રે દક્ષની કોઈ વાત કાને ધરી નહીં, એ તો રોહિણી સાથે જ રહેતા હતા. ફરી બધી કન્યાઓ દક્ષ પાસે ગઈ અને બોલી, ‘ચન્દ્રે તમારી વાત માની જ નહીં, તે અમને પ્રેમ કરતા જ નથી, અમારી સાથે રહેતા જ નથી, રક્ષા કરો, ચન્દ્ર અમને પણ ચાહે એવો કોઈ ઉપાય કરો.’
કન્યાઓની વાત સાંભળીને દક્ષ બહુ ક્રોધે ભરાયા. ક્ષય રોગ પેદા કર્યો અને તે ચન્દ્રના શરીરમાં પેઠો. અને એને કારણે ચન્દ્ર દિવસે દિવસે ક્ષીણ થવા માંડ્યા. આ રોગમાંથી મુક્ત થવાના બહુ પ્રયત્ન કર્યા, યજ્ઞયાગાદિ કર્યા તો પણ શાપમુક્ત ન થઈ શક્યા. તેમના ક્ષીણ થવાને કારણે ઔષધિઓ ઉત્પન્ન થતી બંધ થઈ, જે ઉત્પન્ન થઈ તે પણ રસ, સત્ત્વ, સ્વાદ વિનાની થઈ. ઔષધિઓના નાશને કારણે બધાં પ્રાણીઓનો નાશ થવા માંડ્યો, ચન્દ્રના ક્ષયને કારણે બધી પ્રજા દુર્બળ અને ઝાંખી થઈ ગઈ. બધા દેવતા ચન્દ્ર પાસે જઈને કહેવા લાગ્યા, ‘તમારું રૂપ કેવી રીતે બદલાઈ ગયું? પહેલાંના જેવું તેજ કેમ નથી? તમે આનું કારણ કહો, આ ભય તમને કેવી રીતે ઘેરી વળ્યો? તમારી પાસેથી જાણીને અમે એનો કોઈ ઉપાય કરીશું.’
દેવતાઓની વાત સાંભળીને ચન્દ્રે દક્ષ પ્રજાપતિના શાપની વાત કરી. ચન્દ્રની વાત સાંભળીને બધા દેવ દક્ષ પ્રજાપતિ પાસે ગયા, ‘ભગવન્, હવે ચન્દ્ર ઉપર કૃપા કરીને તમે આ શાપ પાછો ખેંચી લો. ચન્દ્ર તો સાવ ખવાઈ ગયા છે, બહુ થોડો અંશ બાકી રહ્યો છે. તેમની આવી હાલતને કારણે બધા લોકો પણ ક્ષીણ થઈ ગયા છે. તમે કૃપા કરો. લતા, ઔષધિ, વિવિધ બીજ નહીં રહે, ઔષધિ નહીં હોય તો અમે ક્યાંથી ટકીશું? આ બધો વિચાર કરીને ચન્દ્ર પર કૃપા કરો.’
દેવતાઓની વાત સાંભળીને દક્ષે કહ્યું, ‘મારો શાપ મિથ્યા તો નહીં થાય પણ થોડો દૂર થશે. જો ચન્દ્ર પોતાની બધી પત્નીઓને સમાન ભાવે પ્રેમ કરે તો આ શાપ દૂર થઈ શકે. ચન્દ્રે સરસ્વતીના શ્રેષ્ઠ તીર્થમાં સ્નાન કરવાનું, તો તેમનું તેજ ફરી એવું જ થઈ જશે. મારી વાણી સત્ય છે. પણ થોડો શાપ તો રહેશે જ. અડધો મહિનો ચન્દ્ર ક્ષીણ થતા જશે અને અડધો મહિનો તેમની વૃદ્ધિ થતી રહેશે.’
દક્ષની આજ્ઞા સાંભળીને ચન્દ્ર સરસ્વતીના શ્રેષ્ઠ તીર્થ પ્રભાસમાં ગયા. ઋષિઓની આજ્ઞાથી અમાવાસ્યાને દિવસે સરસ્વતી તીર્થમાં સ્નાન કર્યું એટલે તેમનું તેજ વધી ગયું, શીતલ કિરણો મળ્યાં અને જગતને તેઓ પ્રકાશિત કરતા થયા. પછી બધા દેવતાઓએ દક્ષ પાસે જઈને તેમની વંદના કરી. બધા દેવતાઓને વિદાય કરીને ચન્દ્રને પ્રસન્નતાથી દક્ષ કહેવા લાગ્યા, ‘ તમે કદી સ્ત્રીઓનું કે બ્રાહ્મણોનું અપમાન ન કરતા. સાવચેતીપૂર્વક મારી આજ્ઞા પાળજો.’
એમ કહી ચન્દ્રને વિદાય આપી, પછી ચન્દ્ર પોતાને ઘેર ગયા. બધા દેવતા અને લોકો પહેલાંની જેમ જ રાજી થઈને રહેવા લાગ્યા.
{{Right | (શલ્યપર્વ, ૩૪) }} <br>
=== દેવલ મુનિની કથા ===
પ્રાચીન કાળમાં ગૃહસ્થધર્મા એક મહાત્મા દેવલ નામે થઈ ગયા. તે મન, વચન, કર્મથી બધાં પ્રાણીઓને સમાન ગણતા હતા, પવિત્ર બનીને ધર્મનું આચરણ કરતા હતા, ઇન્દ્રિયજિત હતા અને કોઈને દંડ આપતા ન હતા. ક્રોધ કર્યા વિના તે પોતાના નિંદા-પ્રશંસાને સમાન ગણતા હતા, પ્રિય-અપ્રિય, સોનું અને માટી — બધાંને એક સમાન ગણતા હતા. દેવતાઓ, બ્રાહ્મણો અને અતિથિઓની પૂજા કરતા હતા. સદા બ્રહ્મચર્ય પાળી ધર્મમાં તત્પર રહેતા હતા. એક દિવસ તેમને ત્યાં જૈગીષવ્ય નામના યોગી આવીને એક ચિત્ત થઈ ત્યાં રહેવા લાગ્યા. તે ઋષિએ યોગસિદ્ધિ મેળવી હતી. તે દેવલ ઋષિના આશ્રમમાં જ રહેતા હતા છતાં દેવલમુનિ તેમને બતાવવા ધર્માનુસાર સાધના જ કરતા ન હતા. આમ બંનેને સાથે રહેતાં ખાસ્સો સમય વીતી ગયો. દેવલ પેલા મુનિને ચોવીસ કલાક જોતા ન હતા. તેઓ તો ભોજન કે ભિક્ષા માટે જ દેવલ ઋષિના આશ્રમમાં આવતા હતા. સંન્યાસીના રૂપે આવેલા એ ઋષિને જોઈ દેવલ મુનિને બહુ ચિંતા થઈ. ‘હું કેટલાંય વર્ષોથી આ અતિથિની પૂજા કરું છું. વર્ષો વીતી ગયાં, પણ આ આળસુ ભિક્ષુ કશું બોલતા જ નથી.’ એવું વિચારી દેવલમુનિ આકાશમાર્ગે ઘડો લઈને સમુદ્રકાંઠે જવા નીકળ્યા. ત્યાં જઈને જોયું તો જૈગીષવ્ય પહેલેથી ત્યાં જ હતા. તેમને આશ્ચર્ય થયું, તેમણે વિધિપૂર્વક સ્નાન કરી નિત્યકર્મ કર્યું, જપ કર્યા. પછી દેવલ ઘડો ભરીને આશ્રમમાં આવ્યા તો ત્યાં જૈગીષવ્ય બેઠા જ હતા. તે વખતે પણ એ ઋષિ દેવલ સાથે કશું બોલ્યા નહીં; આશ્રમમાં સ્થિર બેઠા હતા. સમુદ્રજળમાં સ્નાન કરીને પોતાનાથી પણ વહેલા આશ્રમમાં આવેલા જોઈ દેવલ મુનિ વિચારમાં પડ્યા. તેમણે એ ઋષિનો યોગપ્રભાવ જોયો. પછી તે વિચારવા લાગ્યા કે મેં હમણાં તો તેમને સમુદ્રકાંઠે જોયા હતા. તે અહીં આશ્રમમાં કેવી રીતે આવી ગયા? પછી મંત્રવિદ્યામાં નિપુણ દેવલ મુનિ જૈગીષવ્યની પરીક્ષા કરવા ફરી આકાશમાં ઊડ્યા. ત્યાં તેમણે સિદ્ધોને જોયા. એ સિદ્ધો જૈગીષવ્યની પૂજા કરી રહ્યા હતા તે પણ જોયું. પછી તો દૃઢવ્રતધારી દેવલ મુનિ ક્રોધે ભરાયા, જૈગીષાયને સ્વર્ગલોકમાં, ત્યાંથી પછી એકાંતમાં યજ્ઞ કરનારા મુનિઓના ઉત્તમ લોકમાં, ત્યાંથી અગ્નિહોત્રીઓના લોકમાં, પછી દર્શ-પૌર્ણમાસ યજ્ઞ કરનારા તપોધનોના લોકમાં, ત્યાંથી પશુઓ વડે યજ્ઞ કરનારાના લોકમાં, ત્યાંથી દેવતાઓ વડે પૂજાતા વિમલલોકમાં જોયા. ત્યાંથી વિવિધ પ્રકારના ચાતુર્માસ યજ્ઞ કરનારા તપોધનોના લોકમાં જતાં જોયા.
આમ અનેક પ્રકારના લોકમાં જતા જોઈ દેવલ મુનિ જૈગીષવ્ય પાસે આવીને બે હાથ જોડીને બોલ્યા, ‘હું મોક્ષધર્મ પાળવા માગું છું.’
દેવલની વાત સાંભળીને તેમણે યોગનો ઉત્તમ વિધિ બતાવ્યો અને શાસ્ત્ર પ્રમાણે કર્તવ્ય-અકર્તવ્યનો ઉપદેશ આપ્યો. દેવલ સંન્યાસ લેવા માગતા હતા એટલે શાસ્ત્રવિધિ પ્રમાણે સંન્યાસ ગ્રહણ કરવાની ક્રિયાઓ કરી. તેમને સંન્યાસી થતા જોઈને બધા પિતૃઓ, ભૂતગણ કહેવા લાગ્યા કે અમને અન્નભાગ કોણ આપશે? બધેથી આ સાંભળીને દેવલે સંન્યાસ ત્યજવાની ઇચ્છા કરી. તેમને સંન્યાસ છોડતા જોઈ ફળ, ફૂલ, મૂળ, કુશ, ઔષધિઓ રડતાં કકળતાં કહેવા લાગ્યાં — આ મૂર્ખ દુર્મતિ દેવલ હવે પાછો આપણો નાશ કરશે. પહેલાં બધાં પ્રાણીઓને અભયદાન આપ્યું અને હવે પાછી મૂર્ખાઈ કરે છે.’
દેવલ વિચારમાં પડ્યા કે ગૃહસ્થજીવન અને સંન્યાસ-આમાં મારે માટે શ્રેયસ્કર શું છે, પછી પૂરેપૂરો વિચાર કરીને ગૃહસ્થાશ્રમ ત્યજીને તેમના તપની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે નારદે દેવોને કહ્યું, ‘જૈગીષવ્ય તપસ્વી નથી, તેણે તો પોતાનો પ્રભાવ દેખાડી દેવલને ભ્રમમાં નાખી દીધો.’ દેવતાઓએ નારદને કહ્યું, ‘તમે આવું ન કહો.’
{{Right | (શલ્ય પર્વ, ૪૯) }} <br>
=== દધીચ અને સરસ્વતી ===
પ્રાચીન કાળમાં જિતેન્દ્રિય અને બુદ્ધિમાન દધીચ નામના ઋષિ હતા. તેમના ઉગ્ર તપને કારણે ઇન્દ્ર હમેશાં ડરતા હતા. અનેક પ્રકારના લોભ દેખાડ્યા છતાં તેઓ કશાથી મોહ પામતા ન હતા. ઇન્દ્રે અતિ સુંદર અલંબુસા અપ્સરાને તેમના તપોભંગ માટે મોકલી. સરસ્વતી નદીમાં દેવતાઓના તર્પણ કરતા દધીચ ઋષિ પાસે આવીને તે ઊભી રહી ગઈ. તે સુંદર અપ્સરાને જોઈને દધીચ ઋષિનું વીર્ય સરસ્વતી નદીમાં પડ્યું. એ મહા નદીએ પુત્ર માટે તે વીર્યને પોતાના ઉદરમાં સંગ્રહી લીધું અને તે સગર્ભા થઈ, પછી પુત્ર જન્મ્યો, એ પુત્ર લઈને તે દધીચ ઋષિ પાસે ગઈ. બીજા ઋષિઓની વચ્ચે બેઠેલા દધીચ ઋષિને એ પુત્ર આપ્યો, ‘લો, આ તમારો પુત્ર છે. તમારા માટે મને ભક્તિભાવ હોવાથી મેં એ ગર્ભ સાચવ્યો હતો. તમે જ્યારે અલમ્બુસા અપ્સરાને જોઈ ત્યારે તમારું વીર્ય પાણીમાં પડ્યું, તમારા પર ભક્તિભાવ હોવાને કારણે મેં એ વીર્ય ધારણ કર્યું. તમારું તેજ નષ્ટ ન થાય એવો વિચાર મને આવ્યો હતો. તો હવે આ ઉત્તમ પુત્રને લો.’
સરસ્વતીની એ વાત સાંભળીને દધીચ ઋષિએ પ્રસન્ન થઈને પુત્ર સ્વીકાર્યો; પુત્રને ગળે વળગાડ્યો, તેનું મસ્તક સૂંઘ્યું. પછી સરસ્વતીને વરદાન આપ્યું, ‘હે સરસ્વતી, તારા જળમાં તર્પણ કરવાથી વિશ્વદેવ, પિતૃઓ, અપ્સરાઓ, ગંધર્વો તૃપ્ત થશે.’ એમ કહી દધીચ સરસ્વતીની સ્તુતિ કરવા લાગ્યા.
‘તું પહેલાં સરોવરમાંથી પ્રગટી હતી. મહાવ્રતધારી મુનિઓ તને જાણે છે. તેં મારું પ્રિય કાર્ય સદા કર્યું છે. આ તારો મહાન પુત્ર સારસ્વત. એ તારા નામથી સારસ્વત તરીકે વિખ્યાત થશે. બાર વરસનો જ્યારે દુકાળ પડશે ત્યારે શ્રેષ્ઠ બ્રાહ્મણોને તે વેદાભ્યાસ કરાવશે. તું મારી કૃપાથી બધી પવિત્ર નદીઓમાં સર્વશ્રેષ્ઠ થઈશ.’
ઋષિની આ વાણી સાંભળીને, વરદાન પામીને સરસ્વતી તે પુત્રને પ્રસન્ન થઈને ઘેર લઈ ગઈ.
પછી જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે દધીચિ ઋષિનાં હાડકાંમાંથી બનાવેલા વજ્ર વડે ઇન્દ્રે ઘણા બધા રાક્ષસોને મારી નાખ્યા...
પછી બાર વર્ષનો ઘોર દુકાળ પડ્યો. એ દુકાળમાં મોટા મોટા ઋષિઓ ભૂખે વ્યાકુળ થઈને બધી દિશાઓમાં આમ તેમ ભટકવા લાગ્યા. તેમને ભટકતા જોઈ સારસ્વત મુનિને પણ બીજે જવાનું મન થયું. ત્યારે સરસ્વતીએ કહ્યું, ‘પુત્ર, તું અહીંથી ક્યાંય ન જઈશ. હું તને તારા માટે દરરોજ માછલી આપીશ. તું ખાઈને અહીં જ રહેજે.’
સરસ્વતીની વાત સાંભળીને સારસ્વત ત્યાં જ રોકાઈ ગયા અને દેવતા-પિતૃઓનું તર્પણ કરતા રહ્યા. દરરોજ ભોજન કરી પોતાના શરીરની રક્ષા કરતાં કરતાં વેદાભ્યાસ ચાલુ રાખ્યો. બાર વર્ષનો દુકાળ પૂરો થયો. હવે મહર્ષિઓ અધ્યયન માટે એકબીજાને પૂછવા લાગ્યા, ભૂખે વ્યાકુળ થઈને આમતેમ દોડ્યા કરવામાં ઋષિઓ વેદ ભૂલી ગયા હતા, વેદને યાદ રાખનાર કોઈ ન હતું. તેમાંથી કેટલાક ઋષિ સ્વાધ્યાય માટે સારસ્વત પાસે આવ્યા. એક મુનિએ નિર્જન વનમાં બેઠેલા વેદપાઠી મહામુનિ સારસ્વતને દેવતાસમાન તેજસ્વી જોયા; પછી તેમણે બીજા બધા ઋષિઓને કહી દીધું. તેઓ સારસ્વત પાસે આવીને બોલ્યા, ‘તમે અમને વેદ શીખવો.’
‘તમે બધા વિધિપૂર્વક મારા શિષ્ય બની જાઓ.’
‘તમે તો હજુ બાળક છો, અમને શિષ્ય કેવી રીતે બનાવશો?’
‘ધર્મ નષ્ટ થવો ન જોઈએ. જે અધર્મથી વેદોનું પ્રવચન કરે છે અને જે અધર્મથી વેદ સાંભળે છે તે બંનેનો વિનાશ થાય છે, નહીંતર એક બીજાના શત્રુ થઈ જાય છે. બ્રાહ્મણો મોટી ઉમર, વૃદ્ધત્વ, ધન, બંધુઓથી પોતાની જાતને મોટા માનતા ન હતા. ઋષિઓએ તો એમ જ કહ્યું છે કે જે કોઈ વેદોનું પ્રવચન કરી શકે તે જ મોટી વ્યક્તિ.’
સારસ્વતની આ વાત સાંભળી બધા ઋષિઓ વિધિપૂર્વક તેમના શિષ્ય બની ગયા અને તેમની પાસેથી વેદ જાણીને ધર્માચરણ કરવા લાગ્યા. સાઠ હજાર ઋષિઓ સારસ્વતના આસન માટે એક એક મૂઠી કુશ ઘાસ લાવતા હતા. અને તે બાળઋષિની આજ્ઞાનું પાલન કરતા હતા.
{{Right | (શલ્ય પર્વ, ૫૦)}} <br>
=== વૃદ્ધ કન્યાની કથા ===
પ્રાચીન કાળમાં મહાતપસ્વી કુણિર્ગર્ગ નામના મુનિ થઈ ગયા. તેમણે ઘોર તપ કરીને પોતાના મનમાંથી એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તેને જોઈને પ્રસન્ન થયેલા તે ઋષિનો પછી સ્વર્ગવાસ થયો. તે સુંદર કન્યા આશ્રમ બનાવીને ઉગ્ર તપ કરવા લાગી. દેવતા અને પિતૃઓની પૂજા કરતી થઈ. એમ જ બહુ કાળ વીતી ગયો. તેના પિતાએ પોતાના જીવતાં પુત્રીનો વિવાહ કરવા ઇચ્છ્યું હતું પણ તેને યોગ્ય પતિ ન મળ્યો એટલે વિવાહની ઇચ્છા મરી ગઈ. ઘોર તપ કરી શરીરને કલેશ પમાડતી તે નિર્જન વનમાં પિતૃઓ અને દેવતાઓના તર્પણમાં જ તલ્લીન થઈ ગઈ. બહુ શ્રમથી થાકી જવા છતાં તે પોતાને કૃતાર્થ માનતી હતી. એમ કરતાં કરતાં તે કન્યા વૃદ્ધ થઈ ગઈ, દુર્બળ થઈ ગઈ. જ્યારે એક પણ ડગલું ભરી શકવાની શક્તિ તેનામાં ન રહી ત્યારે પરલોક જવાની ઇચ્છા થઈ. નારદે તેને કહ્યું, ‘તારું લગ્ન થયું નથી, તું કન્યા છે એટલે તને પુણ્યલોક મળશે કેવી રીતે? તારી વાત અમે સાંભળી છે, તેં બહુ તપસ્યા કરી છે પણ પુણ્યલોકમાં જવાનો અધિકાર નથી.’
નારદની વાત સાંભળી ઋષિઓની સભામાં જઈ તે કન્યાએ કહ્યું, ‘જે મારી સાથે લગ્ન કરશે તેને હું મારું અડધું તપ આપી દઈશ.’
તેની આ વાત સાંભળી ગાલવપુત્ર શ્રૃંગવાન મુનિએ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યકત કરી અને પોતાની શરત સંભળાવી. ‘હું તારી સાથે લગ્ન કરીશ. એક નિયમ કરીએ, વિવાહ પછી હું એક જ રાત્રિ તારી સાથે ગાળીશ.’ કન્યાએ તેની વાત સ્વીકારી લીધી. પછી એ ઋષિએ તેની સાથે લગ્ન કર્યું. તે રાતે એ કન્યા સુંદર યુવતી બની ગઈ, સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરીને તે પતિ પાસે ગઈ. તેને પોતાની કાંતિ વડે ઘરને ઊજમાળું કરતી જોઈ શ્રૃંગવાન ખૂબ પ્રસન્ન થયા અને રાત્રિ તેની સાથે વીતાવી. સવારે તેણે પતિને કહ્યું, ‘તમે જે શરત કરી હતી તે પ્રમાણે એક રાત તમારી સાથે ગાળી છે, હવે તમારું કલ્યાણ થાય. હું જઉં છું.’
એમ કહી તે ત્યાંથી ચાલી નીકળી, જતાં જતાં તે બોલી, ‘જે માનવી એકાગ્ર બનીને આ તીર્થમાં સ્નાન કરશે અને જે એક રાત્રિ દેવતાઓનું તર્પણ કરી અહીં રોકાશે તેને અઠ્ઠાવન વર્ષના બ્રહ્મચર્યપાલનનું ફળ મળશે.’ અને તે શરીર ત્યજીને સ્વર્ગમાં જતી રહી.
શ્રૃંગવાન ઋષિ પણ તેના દિવ્ય રૂપનો વિચાર કરતા કરતાં વ્યાકુળ થઈ ગયા અને પ્રતિજ્ઞા પ્રમાણે તે કન્યાનું અડધું તપ દુઃખી થઈને ગ્રહણ કર્યું.
{{Right | (શલ્ય પર્વ, ૫૧) }} <br>
=== આસક્તિની કથા ===
(ધૃતરાષ્ટ્રને આશ્વાસન આપવા વિદુર એક રૂપકકથા કહે છે)
સંસારમાં જીવતો એક બ્રાહ્મણ હિંસક પશુઓથી ઊભરાતા એક વનમાં જઈ પહોંચ્યો. ત્યાં સિંહ, વાઘ, હાથી હતા, એમને જોઈને યમ પણ બી મરે. તે વન જોઈને બ્રાહ્મણ ગભરાયો, તેનાં રૂવાં ઊંચા થઈ ગયા. વનમાં કોઈ આશ્રયસ્થાન શોધવા આમતેમ દોડવા લાગ્યો, તે દોડ્યે ગયો પણ ક્યાંય આશરો ન મળ્યો. પછી તેણે જોયું તો એક ભયંકર સ્ત્રીએ તેને પકડી લીધો છે. પાંચ ફેણવાળા સાપ, મોટાં મોટાં વૃક્ષોથી ભરાયેલા વનમાં એક કૂવો હતો, તેના પર ઘાસ છવાયેલું હતું. બ્રાહ્મણ તે કૂવામાં પડી ગયો, અને વેલાને કારણે લટકી રહ્યો. છેક નીચે પડી ન ગયો. પગ ઉપર અને માથું નીચે એવી હાલત તેની હતી. કૂવાના થાળા આગળ એક મોટો હાથી ઊભો હતો. તેના છ મોં હતાં, બાર પગ વડે ચાલતો હતો. અને બ્રાહ્મણ પાસે જ આવી રહ્યો હતો. જે વેલાના આધારે લટકતો હતો ત્યાં નાની નાની ડાળીઓ પર મધમાખીઓ બેઠી હતી. બહુ સ્વાદિષ્ટ મધ તે વારેવારે પીવા માગતી હતી. મધની ધારા ઝરી રહી હતી અને બ્રાહ્મણ તે ચાટતો હતો. જીવનનો કોઈ શોક તેને નડ્યો નહીં. પછી જોયું તો જે વેલા પર તે લટકી રહ્યો હતો ત્યાં ઉંદરો તેમને કાપી રહ્યા હતા. વનના સાપ, વાઘ, ભયાનક સ્ત્રી, નીચે બેઠેલો નાગ, કૂવાના થાળે ઊભેલો હાથી, લતાને કાપતા ઉંદર, મધમાખોના ડંખોનો ભય. આમ સંસારસાગરમાં પડેલો માનવી આટલા બધા ભયની વચ્ચે પણ જીવવાની આશા રાખે છે.
આ વન એટલે સંસાર, સાપ એટલે જાતજાતના રોગ, ભયાનક સ્ત્રી એટલે યૌવન-રૂપનો નાશ કરનાર વૃદ્ધાવસ્થા, કૂવો એટલે મનુષ્યોનું શરીર, નાગ એટલે કાળ, વેલા એટલે જીવવાની આશા, હાથી એટલે સંવત્સર-ઉંદર એટલે દિવસ-રાત, મધમાખો એટલે કામના, મધ એટલે ઇચ્છાઓ....
{{Right | (સ્ત્રી પર્વ, અધ્યાય ૬) }} <br>
=== જનક અને જનકપત્નીની કથા ===
એક વાર રાજા જનક ધન, સંતાન, મિત્ર, વિવિધ રત્ન, સનાતન માર્ગ, યજ્ઞકર્મ વગેરેમાં ત્યાગ કરીને સાવ અકિંચન થઈ ગયા. તેમણે નિર્ભય, નિર્મત્સર, નિરાકાંક્ષી બનીને એક મૂઠી શેકેલા જવ ખાઈને ભિક્ષાવૃત્તિ અપનાવી લીધી. આ જોઈને તેમની પત્ની ક્રોધે ભરાઈને કહેવા લાગી.
‘રાજન્, ધનધાન્યથી ભરેલું આ રાજ્ય ત્યજીને શા માટે ભિક્ષાવૃત્તિ અપનાવી છે? મૂઠીભર જવ ખાવા એ તમને જરાય શોભતું નથી. તમારી પ્રતિજ્ઞા તો જુદી હતી અને તમારો વર્તાવ એનાથી સાવ જુદો છે. તમે આટલું મોટું રાજ્ય ત્યજીને સાવ નાની નાની વસ્તુઓમાં આનંદ લઈ રહ્યા છો. એક મૂઠી ભૂંજેલા જવથી તમે ક્યારેય દેવતા, ઋષિ, પિતૃઓ, અતિથિઓને સંતોષી નહીં શકો; એટલે તમારો આ પુરુષાર્થ નિષ્ફળ જશે. દેવતા, અતિથિઓ, પિતૃઓ — આ બધાને ત્યજીને અને કર્મ બાજુ પર રાખીને સંન્યાસ ધર્મ અપનાવી રહ્યા છો. પહેલાં તો તમે ત્રણે વેદના પંડિત એવા હજારો બ્રાહ્મણોના તથા સંસારના બધા લોકોના પાલનહાર હતા, અને આજે તેમની પાસેથી જ ભિક્ષા માગીને પેટ ભરવા જઈ રહ્યા છો. ઝગમગાટભરી રાજ્યલક્ષ્મી ત્યજીને કૂતરાની જેમ પારકા અન્નની આશા પર આમતેમ ભટકી રહ્યા છો. આમ થવાને કારણે તમારી માતા પુત્રહીન અને પત્ની પતિહીન બની ગઈ જણાય છે. ધર્મની ઇચ્છાવાળા બધા તમારી પાસે ઘણી આશા રાખીને બેઠા છે, તેઓ કોઈ ફળ ઇચ્છે છે. મોક્ષપ્રાપ્તિ તો શંકાસ્પદ છે, આ બધા અનુયાયીઓને નિરાશ કરીને કયા લોકમાં જવા માગો છો? ધર્મપત્નીનો ત્યાગ કરીને તમે જીવવા માગો છો એટલે તમે પાપી ગણાઓ. એનાથી આ લોકમાં અને પરલોકમાં તમારું કલ્યાણ કદી નહીં થાય. તમે શા કારણે દિવ્ય સુવાસિત વસ્તુઓ, માળા, અનેક પ્રકારનાં વસ્ત્ર અને અલંકાર ત્યજીને સંન્યાસી બનવા માગો છો? તમે બધાં પ્રાણીઓ માટે પવિત્ર પરબ જેવા હતા, ફળથી ભરચક વૃક્ષ જેવા હતા, આજે તમે બીજાની ઉપાસના કરવા તૈયાર થયો છો. જો હાથી પણ હાલ્યાચાલ્યા વિના પુરુષાર્થ વિના કશી પ્રાપ્તિ કરી શકતો ન હોય તો તમારા જેવાની તો વાત જ શી? જો તમારું કમંડળ તોડીફોડી નાખે, ત્રિદંડ અને એક મૂઠી જવ લેવાની વૃત્તિ તમને કેમ થઈ. જો એક મૂઠી જવ અને એક મૂઠી જવમાં કેમ લલચાયા છો? તમે પ્રતિજ્ઞા કરી હતી કે સ્વર્ગત્યાગી થયો છું એમ તમે જે પ્રતિજ્ઞા કરી હતી તે એળે નથી જતી? જો તમે ચિદાનંદમાં જ મસ્ત રહેવા માગતા હો તો પછી હું તમારી કોણ-તમે મારા કોણ? આ સ્થિતિ કેવી રીતે ચલાવાય. કરવાનું જ કર્તવ્ય હોય તો પૃથ્વી પર શાસન કરો, રાજમહેલ, શય્યા, વાહન, વસ્ત્રાભૂષણો — આ બધાંનો ઉપભોગ કરો.
શ્રીહીન, અત્યંત દરિદ્ર, મિત્રો-સ્વજનોનો ત્યાગ, અકિંચન અને નિર્ધન લોકની જેમ જે ઉત્તમ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરે છે તેનાથી કયો લાભ — આવો ત્યાગ તો વિડમ્બના છે. જે દાન આપ્યા જ કરે છે અને જે દાન લે છે એમાં શ્રેષ્ઠ કોણ? એ બંને વચ્ચે કેટલું અંતર છે તેનો વિચાર કરો. દંભી અને સદા દાન નિષ્ફ્ળ જાય છે. જેમ અગ્નિ કોઈ વસ્તુને સળગાવ્યા વિના ઓલવાતો નથી. તેમ હમેશ દાન માગનાર ટકે છે, જો દાન કરનાર રાજા જ ન હોય તો મોક્ષાર્થી પુરુષો જીવશે કેવી રીતે? આ પૃથ્વી પર જેના ઘરમાં અન્ન છે તે જ ગૃહસ્થ; જીવન જીવશે કેવી રીતે? આ પૃથ્વી પર જેના ઘરમાં અન્ન છે તે જ ગૃહસ્થ; ભિક્ષુકો તે ગૃહસ્થોના આશ્રયે જ જીવનનિર્વાહ કરે છે. બધાં પ્રાણી અન્નથી જીવન ટકાવે છે, એટલે અન્નદાતા પ્રાણદાતા કહેવાય છે. ગૃહસ્થાશ્રમમાંથી બહાર નીકળીને સંન્યાસીઓ ગૃહસ્થોના આશરે જ શરીરને ટકાવી પ્રતિષ્ઠા અને યોગ ને પામે છે. બધી વસ્તુઓનો ત્યાગ કરીને, મુંડન કરાવીને, ભીખ માગવાથી કોઈ સંન્યાસી બની શકતું નથી. જે સરલ ભાવે બધાં જ સુખનો ત્યાગ કરે છે તે જ સંન્યાસી કહેવાય. જે આમ આસક્તિરહિત થઈ બહારથી આસક્તિની વાત કરે, ંમિત્ર-શત્રુને સમાન માને તે બધાં બંધનોમાંથી મુકત થઈ શકે અને એવા પુરુષને જ મુકત કહેવાય. મૂર્ખ લોકો ઘણી બધી આશાઓ સેવીને, શિષ્યો- મઠ મેળવવા માગતા હોય અને પછી ગૃહત્યાગ કરીને દાન લેવા માટે કાષાય વસ્ત્ર પહેરીને, માથું મુંડાવીને સંન્યાસી બને છે. તેઓ ત્રિવિદ્યા, વાર્તા શાસ્ત્ર, પુત્ર-પત્ની ત્યજીને હૃદયનો મેલ દૂર ન થાય અને ભગવા વસ્ત્ર પહેરો તો એ માત્ર ગુજરાન માટે જ છે, મારી દૃષ્ટિએ તો આ ધર્મદંભીઓ જીવનનિર્વાહ માટે જ આ બધું કરે છે. તમે ઇન્દ્રિયજિત બનીને ભગવા વસ્ત્ર, મૃગચર્મ, કૌપીન ધરાવતા તથા મુંડન કરાવેલા કે જટાધારી સાધુસંન્યાસીઓનું પાલન કરો. ગુરુ માટે નિત્ય અગ્નિહોત્ર માટે સંમિધ લાવી યજ્ઞોનું અનુષ્ઠાન કરે છે, દાન કરે છે એનાથી મોટો ધર્માત્મા કોણ?’
{{Right | (શાન્તિપર્વ, ૧૮) }} <br>
=== શંખ લિખિત ===
શંખ અને લિખિત નામના બે ભાઈઓ કઠોર વ્રત કરતા હતા. બાહુદા નદીના કાંઠે ફળ, પુષ્પ, લતા અને સુંદર વૃક્ષોથી શોભતા અત્યન્ત રમણીય બે જુદા જુદા આશ્રમ હતા. એક વખત લિખિત ઋષિ શંખ ઋષિના આશ્રમમાં ગયા, તે વખતે શંખ ઋષિ આશ્રમમાં ન હતા. લિખિત શંખના આશ્રમમાં પહોંચીને પાકાં ફળ તોડવા લાગ્યા, એ ફળ ચૂંટીને તેનો આહાર કરવા લાગ્યા. એટલામાં શંખ ઋષિ આશ્રમમાં આવી પહોંચ્યા. ભાઈને ફળ ખાતો જોઈ શંખે પૂછ્યું, ‘આ ફળ ક્યાંથી મળ્યાં? તું શા માટે આ ફળ ખાય છે?’ ત્યારે મોટા ભાઈને પ્રણામ કરીને લિખિતે કહ્યું, ‘મેં આ જ આશ્રમમાંથી ફળ તોડીને લીધાં છે.’
તેની વાત સાંભળીને ઋષિ ક્રોધે ભરાઈને બોલ્યા, ‘ભાઈ, હું હતો નહીં; મારી આજ્ઞા વિના તેં ફળ ખાધાં એટલે તને ચોરીનું પાપ લાગ્યું. એટલે શિક્ષા થશે, તું રાજા પાસે જા, જઈને એમ ને એમ લીધેલી વસ્તુ બદલ લાગતા પાપની વાત કર, અને કહેજે,
‘હે મહારાજ, મેં આ પ્રકારે મને ન મળેલાં ફળ ખાધાં છે. એટલે તમે મને ચોર ગણજો. રાજધર્મ પાળવા મને શીઘ્ર દંડ આપો.’
આમ વડીલ ભાઈની આજ્ઞા પ્રમાણે વ્રતધારી મહાત્મા લિખિત રાજા સુદ્યુમ્ન પાસે આવ્યા.
દ્વારપાલના મોઢે લિખિત ઋષિના આગમનના સમાચાર સાંભળી રાજા પોતાના અમાત્યો સાથે ઋષિ પાસે જઈ પહોંચ્યા. તે બ્રહ્મજ્ઞાની ઋષિને પૂછ્યું, ‘હે ભગવન્, તમારું આમ આગમન શા કારણે થયું છે? તમે બોલો અને એ પાર પડશે.’
આ પ્રમાણે રાજાની વાત સાંભળીને મહર્ષિ લિખિતે કહ્યું, ‘મહારાજ, પહેલાં તો ‘જે આજ્ઞા થશે તે પ્રમાણે કરીશ.’ એવું તમે વચન આપો, પછી મારી વાત સાંભળીને એ પ્રમાણે કરજો. હે રાજા, મેં મારા મોટા ભાઈની આજ્ઞા વિના તેમના આશ્રમમાં જઈ ફળ તોડ્યાં અને ખાધાં, હવે વિના વિલંબે તમે મને દંડો.’
સુદ્યુમ્ને કહ્યું, ‘હે બ્રાહ્મણશ્રેષ્ઠ, રાજાના દંડપ્રયોગથી જ મનને શાંતિ મળે છે,’ એવું જો જ્ઞાન મળે છે તો રાજાના ક્ષમા કર્યા પછી જ પાપની શાંતિ થાય છે. તમે પવિત્ર કર્મ કરનારા, મહાન વ્રતધારી છો, મેં તમારો અપરાધ ક્ષમા કર્યો, તમને જવાની આજ્ઞા છે. તમારી બીજી કઈ ઇચ્છા છે તે કહો. હું તમારી ઇચ્છા પાર પાડીશ.’
મહારાજ સુદ્યુમ્ને આ પ્રકારે અપરાધ ક્ષમા કરી લિખિત ઋષિને સન્માનિત કર્યા, લિખિત ઋષિએ તેમની પાસે દંડ સિવાય બીજા કશાની અપેક્ષા રાખી ન હતી. રાજાએ મહાત્મા લિખિતના બંને હાથ કપાવી નાખ્યા, ને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા.
ત્યાર પછી લિખિત ઋષિ શંખ ઋષિ પાસે ગયા અને આર્ત બનીને બોલ્યા, ‘હે ભગવન્, મેં દંડ ભોગવ્યો છે, હવે મારા જેવા દુર્બુદ્ધિને તમે ક્ષમા કરો.’
શંખે કહ્યું, ‘હે ધર્મજ્ઞ, હું તારા પર ક્રોધે નથી ભરાયો, તેં મારું કશું અનિષ્ટ કર્યું નથી. તેં ધર્મનું ઉલ્લંઘન કર્યું હતું, એટલે જ તારી પાસે પ્રાયશ્ચિત્ત કરાવી પાપમુક્ત કર્યો છે. અત્યારે ત્વરાથી બાહુદા નદી પર જઈ દેવતા, ઋષિ, પિતૃઓનું વિધિપૂર્વક તર્પણ કર, હવે ક્યારેય અધર્મની આવી વૃદ્ધિ ન કરીશ.’
તે વચન સાંભળીને લિખિતે પવિત્ર નદીમાં સ્નાન કરી પિતૃતર્પણની જેવી ઇચ્છા કરી કે તરત જ કમળ સમાન આંગળીઓવાળા બે હાથ પ્રગટ થયા. વિસ્મય પામીને મોટા ભાઈ શંખ પાસે જઈને ભાઈને તે હાથ બતાવ્યા. તે બંને હાથ જોઈને શંખે કહ્યું, ‘મેં તપના પ્રભાવથી બંને હાથ ફરી ઉત્પન્ન કર્યા છે, તારે શંકા નહીં કરવાની. દૈવ જ આ વિષયના વિધિવિધાનને સફળ કરે છે.’
લિખિતે કહ્યું, ‘હે મહાતેજસ્વી દ્વિજશ્રેષ્ઠ, જો તમારા તપનો આવો પ્રભાવ છે તો તમે પહેલાં જ મને પવિત્ર કેમ ન કર્યો?’
શંખે કહ્યું, ‘હું તારો રાજા નથી કે દંડ કરીને ચોરીના પાપમાંથી મુક્ત કરી દઉં. દંડ કરીને અને દંડ ભોગવીને તમે બંને પિતૃઓની સાથે પવિત્ર થઈ ગયા.’
{{Right | (શાન્તિપર્વ, ૨૪) }} <br>
=== મુચકુન્દ અને કુબેર ===
મુચકુન્દ રાજાએ જ્યારે આખી પૃથ્વી જીતી લીધા પછી પોતાના બળની કસોટી કરવા અલકાનગરીના કુબેર પર આક્રમણ કર્યું. એ જોઈને કુબેરે રાક્ષસોને મુચકુન્દની સેનાઓનો વિનાશ કરવાની આજ્ઞા આપી; તેઓએ આજ્ઞાનું પાલન કર્યું. પોતાની સેનાનો વિનાશ થતો જોઈ પોતાના વિદ્વાન પુરોહિત વસિષ્ઠની નિંદા કરવા માંડી. આ સાંભળીને વસિષ્ઠે ઉગ્ર તપસ્યા કરીને રાક્ષસોનો વિનાશ કર્યો અને એ રીતે મુચકુન્દની વિજયયાત્રાનો માર્ગ મોકળો થયો.
કુબેર પોતાની સેનાનો નાશ જોઈને મુચકુન્દ પાસે જઈને કહેવા લાગ્યા, ‘ભૂતકાળમાં અનેક રાજા પોતાના પુરોહિતોના પ્રભાવ અને બળને કારણે તમારાથી પણ વધુ બળવાન પુરવાર થયા હતા, પણ તમે જે પ્રકારે આચરણ કર્યું તેવું કોઈએ કર્યું ન હતું. તે રાજાઓ અસ્ત્રવિદ્યાના ખાસ્સા જાણકાર હતા, બળવાન હતા અને છતાં મારી પાસે આવીને મને સુખદુઃખનાં સ્વામી માનીને મારી પૂજા કરતા હતા. તમારામાં બાહુબળ હોય તો તે દેખાડો. બ્રાહ્મણના બળ વડે અભિમાની થઈને નીતિમાર્ગ કેમ બાજુ પર રાખો છો?’
પછી મુચકુન્દે કુબેરને કહ્યું: ‘બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રજાપતિ દ્વારા સર્જાયા છે, એમનું બળ પરસ્પર ભિન્ન હોઈ જગતનું પાલન કરી શકે છે. બ્રાહ્મણો તપસ્યા અને મન્ત્રમાં કુશળ છે, ક્ષત્રિયો અસ્ત્ર અને બાહુબળમાં કુશળ છે. આ બંનેએ ભેગા મળીને પ્રજાપાલન કરવું જોઈએ. આ જ નીતિનું પાલન કરીને હું પ્રવૃત્ત થઉ છું. પછી મારી નિન્દા શા માટે?’
પછી કુબેરે પુરોહિતસહિત મુચકુન્દને કહ્યું, ‘જુઓ રાજન્, તમે જાણી લો કે હું ઈશ્વરની આજ્ઞા વિના કોઈને રાજ્ય આપતો નથી, અને ઈશ્વરની આજ્ઞા વિના કોઈનું રાજ્ય પડાવી લેતો નથી. તો પણ મેં તમને રાજ્ય આપ્યું છે તેના પર તમે શાસન કરો.’
મુચકુંદે કહ્યું, ‘હું તમે આપેલું રાજ્ય ભોગવવા માગતો નથી. મારા બાહુબળ વડે જેટલું રાજ્ય મેળવ્યું છે તે જ ભોગવીશ.’
મુચકુંદે નિર્ભય બનીને ક્ષાત્રધર્મ નિભાવ્યો તે જોઈને કુબેરને આશ્ચર્ય થયું. પછી મુચકુંદ ક્ષાત્રધર્મ પાળીને પોતાના બાહુબળથી મેળવેલી પૃથ્વી પર રાજ કરવા લાગ્યા.
{{Right | (શાન્તિપર્વ, ૭૫) }} <br>
=== કાલક મુનિની કથા ===
કોસલ રાજ્ય પર જ્યારે ક્ષેમદર્શી રાજા શાસન કરતા હતા ત્યારે કાલકવૃક્ષી મુનિ ત્યાં આવ્યા. તેમની પાસે એક પિંજરું હતું અને તેમાં એક કાગડો હતો. મુનિ રાજ્યની ગતિવિધિ જાણવા માગતા હતા એટલે કાગડાને લઈને રાજ્યભરની યાત્રા કરી. તેઓ અવારનવાર કહેતા હતા, ‘તમે બધા આ કાકવાણી શીખી લો. મને આ પક્ષી ત્રણે કાળની કથા કહે છે.’
આમ તેઓ કહેતા રહ્યા, ઘણા બધાની સાથે રાજ્યનો પ્રવાસ કર્યો. રાજ્યના અધિકારીઓના વર્તન વિશે પૂછ્યું, પછી બધા અધિકારીઓ રાજ્યલક્ષ્મીની જે ઉચાપત કરતા હતા તે બધી વાતો જાણી. ‘હું સર્વજ્ઞ છું’ એમ બોલતાં બોલતાં ઉત્તમ વ્રતધારી મુનિ કાગડાને લઈને રાજાને મળવા આવ્યા. કાગડાના કહેવા પ્રમાણે મુનિએ રાજમંત્રીને કહ્યું, ‘તમે અમુક સ્થળે રાજાની આટલી લક્ષ્મી પચાવી પાડી છે. જે રાજ્યની તિજોરીને તમે લૂંટી રહ્યા છો તે કેટલાક લોકો જાણે છે, આ કાગડાએ મને આવું કહ્યું. તમે તમારો અપરાધ કબૂલી લો.’
અને આ રીતે રાજ્યલક્ષ્મી ચોરનારા બીજા અધિકારીઓને પણ કહ્યું, ‘આ બધું મને કાગડાના કહેવાથી જણાયું છે. આ કાગડો કદી જૂઠું બોલ્યો નથી.’
આમ જ્યારે મુનિ બધા અધિકારીઓની ચોરી પકડીને રાતે નિદ્રાધીન થયા ત્યારે બધા રાજ્યાધિકારીઓએ મુનિની અવગણના કરીને કાગડાને બાણ વડે મારી નાખ્યો.
સવારે મુનિએ જ્યારે કાગડાને મરેલો જોયો ત્યારે રાજાને કહ્યું, ‘રાજન્, તમે પ્રજાના પ્રાણ છો, ધનના સ્વામી છો. હું તમારી પાસે અભયદાન માગું છું. તમારી જ આજ્ઞાથી મેં તમારી પાસે આવીને હિતકારક વચન કહ્યાં હતાં. તમે મારા મિત્ર છો, તમારા હિતની ચિંતા કરીને હું હૃદયમાં ભક્તિભાવ રાખું છું. મારા મિત્રના મૃત્યુથી હું બહુ દુઃખી છું. તેણે તો રાજાના હિતાર્થે બધી વાત કરી હતી અને તો પણ તેનો વધ થયો. જે કોઈ મિત્રને ઉપદેશ આપવા આવ્યો હોય, મિત્રના હિત માટે ક્રોધે ભરાઈને પણ હિત સાધતો હોય તો નિત્ય ઐશ્વર્ય અને ઉન્નતિની ઇચ્છા કરનારે એવાનાં વચનો માટે ક્ષમા કરવી જોઈએ. પણ અસાવધાન થઈને બીજાના મિત્રનો નાશ કરવો ન જોઈએ.’
રાજાએ મુનિની વાત સાંભળી કહ્યું, ‘હું મારા હિતની ઇચ્છા કર્યા જ કરું છું. એટલે મારા હિત માટે જે કંઈ કહેશો તે હું કેમ નહીં સાંભળું? તમે જે કંઈ કરવા માગતા હો તે કરો. હું તમારી સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે તમે જે કહેશો તે હું કરીશ.’
‘મહારાજ, હું તમારા સેવકોના દોષ-અદોષ, આચાર-દુરાચાર, જાણીને તમને કહેવા આવ્યો હતો. એ તમને ભયજનક બનવાના હતા — તે કહેવા પણ હું નમ્રભાવે આવ્યો હતો. જૂના જમાનાના નીતિશાસ્ત્રીઓએ રાજસેવકોના દોષોનું વર્ણન કર્યું છે. જેઓ રાજસેવા કરે છે તેમની ગતિ પાપી લોકો જેવી હોય છે. રાજાની સાથે આસક્ત થનારા એટલે વિષધારી સાપની સાથે આસક્ત થનારા. કારણ કે રાજાની આસપાસ ઘણા મિત્રો અને ઘણા દુશ્મનો હોય છે, રાજસેવકોને એ બધાનો ભય હોય છે, રાજાનો ભય પણ તેમને હોય છે. રાજાના નિકટવર્તી સેવકો એકે વાર પ્રમાદ ન કરે એવું પણ ન બને. એટલે રાજાની નિકટ રહીને ઐશ્વર્ય ઇચ્છનારાઓએ કદી પ્રમાદ કરવો નહીં: કારણ કે સેવકના પ્રમાદથી રાજાને ક્લેશ થાય છે, મર્યાદાભ્રષ્ટ થઈ જાય છે, જીવન શંકાશીલ બને છે. સળગતી આગ પાસે સાવધાન થઈને જનારાની જેમ રાજાની નિકટ રહેનારાઓએ હમેશા સાવધાન રહેવું જોઈએ.
એટલે જીવનની આશા ત્યજી દઈને રાજાની સેવા કરવી જોઈએ. રાજાની આગળ કુવચન કહેવાં, દુઃખી રહેવું, ખરાબ જગાએ બેસવું, અસભ્યતાથી બેસવું, દુષ્ટતા આદરવી આ બધાથી સાવધાન રહેવું.
મયના કહેવા પ્રમાણે રાજા પ્રસન્ન થાય તો દેવતાની જેમ તમારું કાર્ય કરે અને ખિજાય તો અગ્નિની જેમ બધું ભસ્મ કરી દે. આ વાત પૂરેપૂરી સાચી. છતાં હું તમારી સમૃદ્ધિમાં વૃદ્ધિ કરીશ. મારા જેવા અમાત્ય આપદ્કાળમાં બુદ્ધિની સહાય પૂરી પાડે છે, મારો આ કાગડો તમારો હિતેચ્છુ હતો, પણ તેને મારી નાખવામાં આવ્યો. હું પણ તમારું એવું જ કાર્ય કરી શકું છું, પણ તમારા સેવકો મને આ કાગડાની જેમ મારી નાખે તો? હું તમારી કે તમારા પ્રિય સેવકોની નિંદા નથી કરતો. તમે તમારું હિત-અહિત વિચારજો, બીજા પર વિશ્વાસ ન મૂકતા. તમારા કોશમાંથી ચોરી કરનારા પ્રજાનું કલ્યાણ ઇચ્છતા નથી. તે બધા સેવકોનો મારી સાથેનો વ્યવહાર શત્રુતાભર્યો છે જે તમારો વિનાશ કરીને રાજગાદી મેળવવા માગે છે તેનું કાર્ય તમારા સેવકોની સાંઠગાંઠથી સફળ થશે એટલે તમે સાવધાન રહેજો.
હું તેમનાથી ગભરાઈને બીજા આશ્રમમાં જઈશ. તેમણે તો મને મારી નાખવા બાણ માર્યું હતું પણ તેનાથી મારો કાગડો મરી ગયો છો. એ દુષ્ટ લોકોએ જ મારા કાગડાને યમલોક મોકલ્યો છે. હું મારા તપના પ્રભાવથી તેને જોઈ રહ્યો છું. અનેક મગર, મત્સ્ય, ઘડિયાળ, તિમિંગલથી ભરપુર આ રાજનીતિ રૂપી નદીમાં હું કાગડા વડે આગળ જઈ રહ્યો હતો. સ્થાણુ, પથ્થર, કાંટાવાળા તથા વાઘ-સિંહ-હાથીથી ભરપૂર વનરૂપી રાજ્યમાં અધિકારીઓને કારણે રહેવું મુશ્કેલ છે. દીવા વડે અંધારા કિલ્લાને અને નૌકા વડે જલદુર્ગને વટાવી જઈ શકાય પણ રાજાના દુર્ગની પાર જવાનો ઉપાય તો પંડિતો પાસે પણ નથી. તમારા રાજમાં અંધાર છે, તે અગમ છે, જો તમે પોતે એમાં વિશ્વાસ નથી મૂકી શકતા તો હું કેવી રીતે વિશ્વાસ મૂકું? આ રાજ્યમાં પાપપુણ્ય એકસમાન છે, પછી અહીં રહેવામાં કલ્યાણ નથી. અહીં સત્કાર્ય કે દુષ્કાર્ય કરનાર — બંનેનો નાશ થશે એમાં શંકા નથી. ખરાબ કાર્ય કરનારનો વધ કરવો ન્યાય ગણાય, પણ સત્કાર્ય કરનારનો વધ કેવી રીતે થાય? એટલે અહીં કાયમી નિવાસ ન કરી શકાય, જે પંડિતો છે તે તો અહીંથી જલદી ભાગી જાય છે.
જેમાં નૌકા ડૂબી જાય છે તેવી નદીની જેમ તમારી રાજનીતિ સર્વઘાતક જાળ જેવી છે. તમે મધમિશ્રિત અને વિષપૂર્ણ ભોજન જેવા છો, તમારા અભિપ્રાય મિથ્યા છે, તમારામાં સદ્ તત્ત્વ જ નથી. એટલે તમે મને તો ઝેરીલા સાપથી ભરેલા કૂવા જેવા લાગો છો....કૂતરા, ગીધ અને શિયાળથી વીંટળાયેલા રાજહંસ જેવા જણાઓ છો. તૃણ-લતાઓના ગુચ્છ મહાવૃક્ષના આશરે ઉપર ચઢી તેને ઢાંકી દે છે. પ્રચંડ દાવાનળથી બધાની સાથે તે વૃક્ષ પણ ભસ્મ થઈ જાય છે તેવી જ રીતે તમે પણ સેવકો સાથે નાશ પામશો. એટલે એવા સેવકોની શોધ ચલાવો. તમે જ એવા લોકોને મંત્રી બનાવો છો, પણ તે બધા તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમને ઇષ્ટ લાગતા સર્વનો નાશ કરવા માગે છે. એટલે જ હું રાજાની નિકટ રહેનારા બધા સેવકોને પૂરેપૂરા ઓળખી લેવા આ રાજગૃહમાં શંકાશીલ બનીને રહ્યો છું. શું આ રાજા જિતેન્દ્રિય છે? શું તેમાં રહેનારા રાજાને વશ રહીને વર્તે છે? બધી પ્રજા તેમને ચાહે છે? રાજા પોતાના પ્રજાજનોને ચાહે છે? એ લોકો જ તમને મારી વિરુદ્ધ ચડાવે છે. મેં તેમનું કશું અહિત કર્યું નથી તો પણ તેઓ મારામાં દોષ જુએ છે, એટલે હવે મારે અહીં રહેવું નહીં જોઈએ. પૂંછડી દબાવાથી ક્રોધે ભરાયેલા સાપ જેવા દુષ્ટ લોકોથી ડરીને રહેવું જોઈએ.’
આ સાંભળી રાજાએ કહ્યું, ‘હું બહુ આદર સહિત તમારી વંદના કરું છું. તમે મારે ત્યાં દીર્ઘ કાળ રહો. જેઓ તમને મારે ત્યાં નથી ઇચ્છતા તેમને હું કાઢી મૂકીશ. તેમને કચડી નાખવા જે કંઈ કરવું પડે તે કરીએ. દુષ્કૃત્યો માટે દંડ અને સત્કૃત્યોનો આદર- આ આપણે કેમ કરવું?’
મુનિએ કહ્યું, ‘આ કાગડાના વધનો વિચાર કરો. એની કશી જાણ કર્યા વિના વારાફરતી બધા સેવકોની પદવી છિનવી લો. પછી અપરાધનાં કારણોની વાત વિગતે જાણીને એક એકનો વધ કરવો. એક જ દોષવાળા ઘણા માણસો ભેગા મળીને અત્યંત અણીદાર કાંટાઓને પણ મસળી નાખે છે એટલે આ વાતની જાણ કોઈને થવી ન જોઈએ. અમે બ્રાહ્મણો સ્વભાવે દયાળુ છીએ, એટલે અમારો દંડ પણ કોમળ હોય છે. બીજાઓનું અને તમારું કલ્યાણ ઇચ્છીએ છીએ. હવે મારો પરિચય. મારું નામ કાલકવૃક્ષીય મુનિ. મને સત્યવચની માનીને તમારા પિતા મારું ખાસ સમ્માન કરતા હતા. તમારા પિતાના સ્વર્ગવાસ વખતે તમારા રાજ્યમાં ભારે સંકટ આવ્યું. ત્યારે મેં બધી કામના ત્યજીને તપસ્યા કરી. તમારા પર પ્રેમ હોવાથી અહીં આવ્યો. તમને વારે વારે કહું છું કે તમે ફરી કોઈના બહેકાવવામાં ન આવતા. તમે સુખદુઃખ બંને જોયાં છે. આ રાજ્ય તમને ઈશ્વરકૃપાથી સાંપડ્યું છે, તો પછી સેવકો પર રાજ્યનો ભાર નાખીને તમે પ્રમાદી કેમ થયા છો?’
કાલક મુનિએ એ રીતે કૌશલ્યના રાજ્યને ઉત્તમ બનાવ્યું.
{{Right | (શાંતિ પર્વ, ૮૩) }} <br>
=== વાઘ અને શિયાળની કથા ===
જૂના જમાનામાં સમૃદ્ધ પુરિકા નગરીમાં પરહિંસામાં રત, ક્રૂર, પુરુષોમાં અધમ એવો પૌરિક નામનો રાજા હતો. આયુષ્ય પૂરું થવાથી કોઈ ન ઇચ્છે એવી ગતિ પ્રાપ્ત કરીને પૂર્વકર્મના દોેષથી બીજા જન્મમાં તે શિયાળ થયો. પૂર્વ જન્મના ઐશ્વર્યને યાદ કરીને તે દુઃખ અને વૈરાગ્ય પામ્યો. બીજાઓ લાવી આપે તો પણ તે માંસભક્ષણ કરતો ન હતો. બધા જીવોમાં તે અહિંસક, સત્યવાદી, દૃઢવ્રતી હતો, યથાકાળે ખરેલાં ફળ ખાઈને તે જીવતો હતો. સ્મશાનમાં જ તે નિવાસ કરતો હતો. જન્મભૂમિ પ્રત્યેના પ્રેમને કારણે તે કોઈ અન્ય સ્થળે નિવાસ કરવા માગતો ન હતો. સમાન જાતિવાળા શિયાળોથી તે આ પ્રકારે પવિત્ર રહેતો હતો તે સહન ન થયું, તે બધા શાંતિથી તેની બુદ્ધિ વિચલિત કરવા લાગ્યા. તેમણે કહ્યું, ‘તું ભયાનક સ્મશાનમાં શુદ્ધ રહેવા માગે છે, તારી આવી વિપરીત બુદ્ધિ કેમ થઈ? તું અમારા જેવો થઈને રહે. અમે તને ભક્ષ્ય પદાર્થ લાવી આપીશું. પવિત્ર આચરણ ત્યજીને ભોજન કર, જે અમારું ભોજન છે તે જ તું આરોગ.’
જંબૂકે એ વચન સાંભળીને સ્થિર ચિત્તે, નિષ્ઠુર બન્યા વિના મધુર વચનથી ઉત્તર આપ્યો, ‘મારા જન્મનું કોઈ પ્રમાણ નથી, સારા આચરણથી કુળની પ્રતિષ્ઠા થાય છે, જેનાથી કુળનો યશ વધે તેવાં કર્મ કરવાની પ્રાર્થના કરું છું. સ્મશાનમાં રહેવા છતાં હું જે સમાધાન કહું છું તે સાંભળો, આત્મા જ કર્મફળ ભોગવે છે, આશ્રય કોઈ ધર્મનું લક્ષણ નથી. આશ્રમમાં રહીને જે ગૌદાન કરે છે તેનાથી શું તેનાં પાપ-દાન વ્યર્થ થઈ જાય છે? તમે બધા કેવળ સ્વાર્થથી, લોભથી માત્ર ભક્ષણ કરવામાં જ લીન રહો છો; એને કારણે જે દોષ પ્રાપ્ત થાય છે તેને મોહને કારણે જોઈ શકતા નથી. અસંતોષકારિણી, નિંદનીય વૃત્તિ ધર્મહાનિને કારણે દૂષિત થાય છે, આ લોકમાં અને પરલોકમાં અનિષ્ટ કરવાવાળી વૃત્તિમાં મારી અભિલાષા નથી.
કોઈ વિખ્યાત બળવાન વાઘે શિયાળને પવિત્ર અને પંડિત સમજીને પોતાની જેમ જ તેનું સન્માન કરીને તેને પોતાનો મંત્રી બનાવ્યો. ‘હે પ્રિય, તારી પ્રકૃતિ જાણી, તું મારી સાથે રાજકાર્ય કરવા ચાલ, ઇચ્છા પ્રમાણે ભોગ ભોગવ, જે પ્રિય ન હોય તેને ત્યજી દે. અમે તીક્ષ્ણ સ્વરૂપના કહેવાઈએ છીએ, તું કોમળતાયુક્ત વ્યવહાર કરતા કરતા હિતકારી કાર્ય કરીશ તો તારું કલ્યાણ થશે.’
ત્યાર પછી મહાત્મા મૃગેન્દ્રનાં વચનનું માન રાખીને નતમસ્તક થઈ વિનયપૂર્વક શિયાળે કહ્યું, ‘હે મૃગરાજ, મારે માટે તમે જે વાત કહી તે તમને છાજે એવી હતી, તમે જે ધર્માર્થી, કુશળ અને પવિત્ર મદદ શોધો છો તે યોગ્ય છે. હે વીર, અમાત્ય વિના એકલો રાજા પોતાના રાજ્યનું શાસન કરી શકતો નથી અથવા હે મહાભાગ, અનુરક્ત, નીતિજ્ઞ, ઉદ્યમશીલ, સદ્ભાવયુક્ત, કુશળ, બુદ્ધિશાળી, સ્વામીના હિતમાં રત, ઊંચા ચિત્તવાળા સહાયકોને મંત્રી બનાવીને તમે આચાર્ય અને પિતૃઓની જેમ તેમનું સન્માન કરો. હે મૃગરાજ, મને સંતોષ સિવાય બીજા કશામાં રુચિ નથી, હું સુખભોગ અને એની સાથેના ઐશ્વર્યની ઇચ્છા નથી કરતો. મારાં શીલ અને ચરિત્ર તમારા જૂના સેવકો સાથે નહીં મળે, તે શીલ વિનાના દુષ્ટ સેવકો મારી અને તમારી વચે ફૂટ પડાવશે. તમે બીજાં તેજસ્વી પ્રાણીઓના પણ પ્રશંસનીય આશ્રય છો, તમે પવિત્ર મનવાળા મહાભાગ પુરુષ અપરાધીઓ પ્રત્યે પણ દયાળુ છો. તમે દીર્ઘદ્રષ્ટા છો, મહાઉત્સાહી છો, ધર્માત્મા છો, મહાબળવાન છો, કૃતાર્થ છો, સફળ કાર્ય કરનારા અને ભોગોથી અલંકૃત છો. હું આત્મસંતોષી છું, મારી દુઃખમયી જીવિકા છે, રાજસેવાની વૃત્તિથી અણજાણ છું, કેવળ સ્વછંદતાથી વનની વચ્ચે ફર્યા કરું છું. જેઓ રાજાના આશ્રયમાં વસે છે, રાજાના નિકટના નિંદાજનિત દોષ તેમને થાય છે, વનવાસીઓનું વ્રત આચરણ આસક્તિરહિત તથા નિર્ભય હોય છે. અનાયાસે પ્રાપ્ત થયેલું જળ અને ભયયુક્ત સ્વાદિષ્ટ અન્ન આ બંનેની તુલના કરીએ તો જેમાં ભય ન હોય તેમાં જ સુખ છે. રાજાએ ખોટા આરોપોથી કલંકિત થયેલા લોકોને મૃત્યુદંડ આપ્યો છે, તેટલી સંખ્યામાં રાજાઓએ સાચા અપરાધીઓને દંડ નથી કર્યો. હે મૃગેન્દ્ર, જો આ રાજકાર્ય મારે કરવાનું છે એવો વિચાર તમે કરતા હો તો મારે જે પ્રકારે રહેવાનું થાય તેનો એક નિયમ કરવા માગું છું. મારાં સ્વજનોનું તમારે સન્માન કરવાનું, મારાં હિતકારી વચન તમારે સાંભળવા યોગ્ય છે, મારી જીવિકાની જે વ્યવસ્થા તમે વિચારી હશે તે તમારી નિકટ જ રહેશે. હું કદી તમારા બીજા મંત્રીઓ સાથે વિચારવિમર્શ નહીં કરું. તમારા જૂના મંત્રીઓ નીતિજ્ઞ હોવા છતાં મારા વિશે ખરુંખોટું કહેશે. હું એકાંતમાં માત્ર તમારી સાથે જ હિતકારી વાતો કરીશ. સ્વજનોની બાબતમાં તમારે પણ હિતાહિતની વાતો મને ન પૂછવી. મારી સાથે મંત્રણા કર્યા પછી તમારા જૂના મંત્રીઓની ભૂલ સાબીત થાય તો પણ તેમની હિંસા ન કરતા. મારા આત્મીયો પર ક્રોધે ભરાઈને તમે તેમનો દંડ ન કરતા.’
‘એમ જ થશે.’ મૃગેન્દ્રે એમ કહીને શિયાળનું સન્માન કર્યું, સન્માનિત થઈને વાઘના બુદ્ધિદાયક મંત્રીપદ પર બિરાજ્યા. વાઘના જૂના સેવકો શિયાળને નિજકાર્યમાં જોડાઈને સત્કૃત અને પૂજિત જોઈને બધા એક થઈને તેનો દ્વેષ કરવા લાગ્યા. દુષ્ટબુદ્ધિ મંત્રીઓએ મિત્રભાવે શિયાળને શાંત અને પ્રસન્ન કરીને પોતાની જેમ તેને પણ ખોટા માર્ગે ચાલવા સમજાવ્યો. આની પહેલાં તેઓ પરદ્રવ્ય ચોરી લેતા હતા, આ વેળા તેઓ આમ કરી ન શક્યા, શિયાળના નિયંત્રણને કારણે કશું પણ તેઓ લઈ શકતા ન હતા. તેઓ બધા શિયાળને વિચલિત કરવા માગતા હતા, અનેક પ્રકારનાં વચન અને ધનથી તેની બુદ્ધિને લોભી બનાવવા મથ્યા પરંતુ તે મહાપ્રાજ્ઞ શિયાળ કોઈ રીતે ધૈર્ય ગુમાવી બેસતો ન હતો, ત્યાર પછી બધાએ મળીને શિયાળનો નાશ કરવાનું નક્કી કર્યું, એવા પ્રયત્નો આરંભ્યા.
એક દિવસ વ્યાઘ્રને માટેનું માંસ તેને ત્યાં તૈયાર કરીને મૂક્યું હતું, તે બધાએ એ માંસ ત્યાંથી ઉઠાવીને શિયાળને ત્યાં મૂકી દીધું. આ માંસ જે કારણે જેના દ્વારા લાવવામાં આવ્યું હતું અને જેણે આ બાબતની સલાહ આપી હતી તે બધી વાતની ખબર શિયાળને હતી, પણ તેણે કશું કર્યું નહી. જ્યારે તે મંત્રી બન્યો હતો ત્યારે તેણે વાઘ સાથે નક્કી કર્યું હતું, જો મારી મૈત્રી જોઈતી હોય તો કોઈના ચઢાવ્યાથી મારો નાશ નહીં કરવો. વાઘના ભોજન માટે જે માંસ પીરસવાનું હતું તે ત્યાં નજરે ન પડ્યું; ત્યારે વાઘે આજ્ઞા કરી કે જેણે માંસ ચોર્યું હોય તેનો પત્તો મેળવો. કપટી સેવકોએ મૃગેન્દ્ર પાસે જઈને તે માંસનું વર્ણન કર્યું.
‘તમારા અત્યન્ત પ્રાજ્ઞ અને પંડિત મનાતા મંત્રીએ એ માંસની ચોરી કરી છે.’
ત્યાર પછી શિયાળની ચપળતા વિશે સાંભળીને વાઘ ગુસ્સે થયો, તેનાથી આ વાત સહન ન થઈ, શિયાળનો વધ કરવાનું તેણે નક્કી કર્યું. પહેલાના મંત્રીઓએ તેનું આ છિદ્ર જોઈને અંદરઅંદર કહેવા લાગ્યા, ‘આ શિયાળ આપણા બધાનું ભાવિ જોખમમાં મૂકી રહ્યો હતો, શિયાળનું કાર્ય જ્યારે આવું છે ત્યારે તે શું નહીં કરે? સ્વામી, તમે એને પહેલાં જેવો જોયો હતો તેવો તે હવે નથી. તે બોલવે જ ધમિર્ષ્ઠ છે, તેનું આચરણ દારુણ છે. આ પાપીએ છદ્મધર્મનો આશ્રય લીધો છે અને વૃથા આચરણ સ્વીકાર્યું છે, ભોજન માટે જ તેણે વ્રતનિયમો આદર્યા છે.’
માંસની ચોરી અને આખી વાત જાણીને વાઘે તે વેળા શિયાળનો વધ કરવાની આજ્ઞા આપી.
ત્યારે વાઘની વાત સાંભળીને તેની મા તેની પાસે આવી અને હિતકારક વાક્યો વડે તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. તે બોલી, ‘આ આ આખી વાત કપટયુક્ત છે, તે તારે કાને ધરવી ન જોઈએ. ઈર્ષ્યાને કારણે ઉગ્રતાયુકત અપવિત્ર પુરુષોના સંસર્ગજન્ય દોષ દ્વારા નિર્દોષ પુરુષ પણ દોષિત ગણાઈ જાય છે. કોઈ વ્યક્તિ સમુન્નત પ્રકૃષ્ટ કાર્ય સહન કરી શકતી નથી, એમાંથી જ વેરભાવ ઉત્પન્ન થાય છે. શુદ્ધ સ્વભાવવાળાનો લોભી દ્વેષ કરે છે, બળવાનનો દ્વેષ કાયર કરે છે, પંડિતોનો દ્વેષ મૂર્ખ કરે છે. અને મહાધનવાનનો દ્વેષ દરિદ્ર કરે છે, ધર્માત્માનો દ્વેષ અધર્મી અને સ્વરૂપવાનનો દ્વેષ કુરૂપ કરે છે. ઘણા પંડિતો અવિવેકી, લોભી અને કપટી હોય છે, બૃહસ્પતિ જેવા નિર્દોષો ઉપર દોષ લગાડે છે. તારા સૂના ઘરમાંથી માંસની ચોરી થઈ છે પણ જે પુરુષ આપવા છતાં માંસની ઇચ્છા નથી કરતો તે વિશે નિરાંતે વિચારી જો. જગતમાં જૂઠા લોકો સાચા જેવા અને સાચા લોકો જૂઠા જેવા દેખાય છે. લોકોના ભાવ જુદા જુદા દેખાય છે, એટલે એ વિશે પરીક્ષા કરવી યોગ્ય છે. આકાશનું તળિયું કઢાઈ જેવું દેખાય છે. અને આગિયો અગ્નિની જ્યોત જેવો દેખાય છે, પરંતુ આકાશને તળિયું નથી અને આગિયો અગ્નિ નથી. એટલે પ્રત્યક્ષ જે દેખાય છે તેની પણ પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કર્યા પછી, તપાસ કર્યા પછી કોઈ કાર્ય માટે આજ્ઞા કરવાથી પસ્તાવું પડતું નથી. હે પુત્ર, શક્તિશાળી રાજા થઈ બીજાઓનો નાશ કરવો તે એના માટે કોઈ મુશ્કેલ કામ નથી, પરંતુ આ લોકમાં પ્રભાવશાળી પુુરુષોમાં ક્ષમાનો ગુણ યોગ્ય અને યશસ્વી છે. હે પુત્ર, તેં આને સમસ્ત રાજ્યના મંત્રી પદે સ્થાપ્યો છે, તારા સામંતોમાં પણ એ વિખ્યાત થયો છે, જેની સાથે મંત્રણા કરી શકાય એવી વ્યક્તિ બહુ મહેનતે મળે છે, આ તારો સુહૃદ છે, તેની રક્ષા કર.’ શિયાળના એ શત્રુસમૂહમાંથી એક ધર્માત્મા શિયાળ ત્યાં આવ્યું અને જે રીતે આ આખું કપટકાર્ય થયું હતું તે બધું તેણે જણાવી દીધું. ત્યાર પછી તે શિયાળને સચ્ચરિત્ર જાણીને તેનો સત્કાર કર્યો અને તેને મુક્ત કર્યો. વારે વારે પ્રેમપૂર્વક તેને ભેટ્યો. નીતિશાસ્ત્રનું જ્ઞાન ધરાવતા એ શિયાળે મૃગેન્દ્રની આજ્ઞા લઈને તે જ અમર્ષથી સંતપ્ત થઈને પ્રાયોપવેશન વ્રતની ઇચ્છા કરી. શાર્દૂલે(વાઘે) પ્રેમને કારણે અશ્રુપૂર્ણ નેત્રે તે ધમિર્ષ્ઠ શિયાળનું આદરપૂર્વક સન્માન કરી તેને અનશન વ્રત કરવામાંથી છોડાવ્યો. વાઘ સ્નેહવશ સંભ્રાંત ચિત્ત થઈ ગયો હતો, એટલે શિયાળે ગદ્ગદ્ થઈને કહ્યું, ‘તમે મને પહેલાં પૂજ્યો પછી અપમાનિત કર્યો, મને શત્રુ જેવી સ્થિતિમાં મૂકી દીધો, એટલે હવે હું તમારી નિકટ રહી નહીં શકું. જે સેવકોને સ્વસંતુષ્ટ, સ્થાનભ્રષ્ટ, માનહીન કરી નાખવામાં આવે છે, જેને રાજા પુરસ્કૃત કરે છે અને જે ક્ષીણ, લોભી, ક્રૂર, કારાવાસના દગાફટકાનો ભોગ બન્યા હોય, જેમનું સર્વસ્વ છીનવી લેવાયું હોય, જે માની હોય અને અર્થલાભના ઇચ્છુક હોય, મહત્ત્વનું પદ પામવા માગતા હોય, જે દુઃખી હોય, રાજા પર આવી રહેલા સંકટની પ્રતીક્ષા કરતા હોય, જે છુપાઈ રહે છે, જે મનમાં કપટભાવ રાખે છે તે બધાં શત્રુઓની ગરજ સારે છે. મારું અપમાન થયું છે, અને ફરી તમે મંત્રીપદે બેસાડો છો, હું તમારો વિશ્વાસ કેવી રીતે સંપાદિત કરીશ? અને તમારી નિકટ સ્થિત રહેવાની ઇચ્છા હું કરીશ? મને સમર્થ સમજીને તમે મન્ત્રીપદ આપ્યું. મારી પરીક્ષા કરી. અને તમે જ સ્થાપેલા નિયમનું ઉલ્લંઘન કરી મને અપમાનિત કર્યો છે, સભાની વચ્ચે મને શીલવાન કહી વિખ્યાત કર્યો હતો. પ્રતિજ્ઞાની રક્ષા કરનારાઓએ તેનો દોષ કહેવો ન જોઈએ. હું જ્યારે અહીં આ પ્રકારે અપમાનિત થયો છું ત્યારે તમે મારા પર વિશ્વાસ કેવી રીતે મૂકશો? તમે વિશ્વાસ નહીં મૂકો એટલે મારું ચિત્ત વ્યાકુળ રહેશે. તમે શંકાશીલ અને હું ભયભીત, બીજાનાં છિદ્ર જોનારા સેવકો મારા પર સ્નેહ નહીં રાખે, તેઓ અસંતુષ્ટ રહેશે; મંત્રીનું આ કાર્ય પણ બહુ છળકપટવાળું છે. જુદી પડી ગયેલી વસ્તુ બહુ કષ્ટે જોડાય છે, અને જોડાયેલી વસ્તુ ખૂબ જ કષ્ટથી અલગ પડે છે, જે પ્રેમ અલગ પડીને પાછો બંધાય છે તે સ્નેહથી બંધાતો નથી. કોઈ ભીતશંકિત પુરુષ પોતાના અને પારકા — બંને સિવાય માત્ર સ્વામીનાં હિતકર કાર્યોમાં રસ લે છે, ઘણા બધા કાર્યની અપેક્ષા કરતાં માત્ર સ્વાર્થ માટે જ પ્રેમ કરનારા હોય છે, પરંતુ સ્નિગ્ધબંધુ અત્યંત દુર્લભ છે. રાજાઓનું ચિત્ત અત્યંત ચંચલ હોવાથી તેઓ માટે ઉત્તમ પુરુષને સમજવો બહુ કઠિન છે, સમર્થ અને શંકારહિત પુરુષ સેંકડોમાં એક હોય છે. મનુષ્યોની ઉન્નતિ અને અવનતિ અકસ્માત થયા કરે છે. કોઈનું ભલું કરીને ખરાબ કરવું, અને એને મહત્ત્વ આપી નીચે પાડવો — આ અલ્પબુદ્ધિનું પરિણામ છે.’
શિયાળે આ પ્રકારે ધર્મ અને અર્થપૂર્ણ બહુ શાંતિવચન કહી વાઘને પ્રસન્ન ક્રી તેની આજ્ઞા લઈ તે વનમાં ગયો. બુદ્ધિમાન શિયાળે તે વાઘની વિનંતી ન માની વ્રત પાળી દેહત્યાગ કર્યો અને પછી તે સ્વર્ગે ગયો.
{{Right | (શાન્તિપર્વ, ૧૧૨) }} <br>
=== ઊંટની દૃષ્ટાંતકથા ===
પ્રાજાપાત્ય યુગમાં એક મહાન ઊંટ હતું, તેને પૂર્વજન્મની સ્મૃતિ હતી; અરણ્યમાં તેણે વ્રત આદરી મોટું તપ કર્યું. તપ પૂરું થયું એટલે પિતામહ બ્રહ્મા પ્રસન્ન થયા; તેને વરદાન માગવા તેમણે કહ્યું, ઊંટે કહ્યું, ‘હે ભગવન્, તમારી કૃપાથી મારી ગરદન લાંબી થાય. હું ચરવા જઉં તો સો યોજન આગળની ખાદ્ય વસ્તુઓ ગ્રહણ કરી શકું.’ વરદાતા બ્રહ્માએ ‘તથાસ્તુ’ કહ્યું. ઊંટ પણ ઉત્તમ વર પામી પોતાના વનમાં ગયો. તે દુર્મતિ ઊંટે તે સમયે વરદાનના પ્રભાવથી આવવા જવામાં આળસ કરી. તે દુરાત્મા કાળથી મોહ પામીને ચરવા જવા માગતો ન હતો. એક સમયે તે સો યોજન લાંબી ગ્રીવા પ્રસારી નિ:શંક ચિત્તે ચરી રહ્યો હતો. તે સમયે ભારે પવન ફુંકાયો. તે ઊંટે માથું અને ગરદનને કંદરાની વચ્ચે નાખ્યાં. તે જ વેળા કોઈ શિયાળ ભીંજાયું અને ભૂખ્યું થયું. તે કષ્ટમાં આવી પડ્યું. પોતાની માદા સાથે તે ગુફામાં પ્રવેશ્યું. તે માંસજીવી શિયાળ થાક અને ભૂખે પીડાઈને ઊંટની ગરદન જોઈ તેનું ભક્ષણ કરવા લાગ્યું. ઊંટે જ્યારે આ જોયું ત્યારે ભારે દુઃખી થઈને ગરદન સમેટવા લાગ્યું, પોતાની ગરદનને ઉપર નીચે કરી રહ્યું હતું ત્યાં સુધીમાં તો શિયાળે અને તેની માદાએ તેનું ભક્ષણ કરી લીધું. આમ તે શિયાળ ઊંટને મારી નાખીને વર્ષા અને પવન શમ્યાં ત્યારે ગુફામાંથી બહાર નીકળ્યું.
{{Right | (શાન્તિપર્વ, ૧૧૩) }} <br>
=== કૂતરામાંથી પાછો કૂતરો ===
એક નિર્જન વનમાં કંદમૂળ, ફળનો આહાર કરીને જીવનારા એક નિષ્ઠાવાન, જિતેન્દ્રિય ઋષિ હતા. તેઓ દીક્ષાવ્રતવાળા, શાન્ત, સ્વાધ્યાયરત, પવિત્ર, ઉપવાસને કારણે વિશુદ્ધ ચિત્ત અને સર્વદા સત્માર્ગને અનુસરનારા હતા. તેઓ બુદ્ધિમાન હતા એટલે વનમાં રહેનારાં બધાં પ્રાણીઓ તેમની સમીપે જતા આવતાં હતાં. સિંહ, વાઘ, શરભ, ઉન્મત્ત હાથી, ગેંડા, રીંછ અને બીજા ભયંકર રૂપવાળાં પ્રાણીઓ, બધાં માંસાહારી પ્રાણીઓ એમની સાથે કુશળ પ્રશ્નો ચર્ચતા, શિષ્યભાવે કોઈ ઋષિના પ્રિય કાર્યોમાં પ્રવૃત્ત રહેતાં હતાં. આ બધાં પ્રાણીઓ ઋષિઓ સાથે સુખદ પ્રશ્નોની ચર્ચા કરતા, અને જેવા આવતાં તેવાં પોતપોતાનાં સ્થાને પાછા જતાં. તેમની વચ્ચે ગામડાગામનો એક કૂતરો મહામુનિને છોડીને ક્યાંય જતો ન હતો. તે મુનિનો ભક્ત હતા, તેમનામાં જ તે અનુરક્ત હતો, ઉપવાસથી કૃશ દુર્બલ હતો, તે (આહાર રૂપે) ફળ-મૂળ-જળ લેતો હતો અને શાન્ત, સાધુજીવન વીતાવતો હતો. મહર્ષિના પગ પાસે બેસી રહેતા એ કૂતરાના મનમાં મનુષ્યની જેમ પ્રેમ જાગ્યો અને અત્યંત સ્નેહબદ્ધ થઈ ગયો. ત્યાર પછી એક મહા બળવાન, માંસભક્ષી, ચિત્તો ક્રૂરકાળ અને યમરાજ જેવો ત્યાં આવી ચઢ્યો. તે તરસ્યો ચિત્તો જીભ કાઢીને, પૂંછડી ટટાર કરીને ક્ષુધાપીડિત થઈ કૂતરાનું માંસ ખાવા તેની પાસે જવા લાગ્યો. તે ક્રૂર ચિત્તાને જોઈ જીવવાની ઇચ્છાવાળા તે કૂતરાએ મુનિને જે કહ્યું તે સાંભળો, ‘હે ભગવન્, આ કૂતરાઓનો શત્રુ મને મારવાની ઇચ્છા કરે છે. હે મહામુનિ, તમારી કૃપાથી તેનાથી મને ભય ન થાય એવું કરો.’
મુનિએ કહ્યું, ‘હે પુત્ર, તું ચિત્તાથી મૃત્યુ પામીશ એવો ડર ન રાખ. તું તારું શ્વાનરૂપ ત્યજીને ચિત્તો થઈ જા.’ એટલે તે કૂતરો વિચિત્ર અંગવાળો કાબરચીતરો ચિત્તો થયો, તેના બધા દાંત મોટા થઈ ગયા, ત્યારે તે નિર્ભય બનીને વનની વચ્ચે રહેવા લાગ્યો. ત્યાર પછી એક ભયંકર શરીરવાળો, ભૂખે પીડાતો વાઘ તેની પાસે રુધિરલાલસાથી આવવા લાગ્યો. તે ચિત્તો વનવાસી, મોટી દાઢોવાળા ભૂખ્યા વાઘને જોઈને પોતાની જીવનરક્ષા માટે તે ઋષિની શરણે ગયો. સહવાસને કારણે ઋષિ એના પર પ્રેમ રાખતા હતા. એટલે જ તેમણે તે ચિત્તાને તેના શત્રુઓથી બળવાન વાઘ બનાવી દીધો. એટલે પેલા વાઘે ચિત્તામાંથી બની ગયેલો વાઘ પોતાની જાતિનો છે એ જોઈને માર્યો નહીં. એ કૂતરો તે સમયે વાઘ બનીને બળવાન થયો અને માંસાહારી બન્યો, હવે તેને ફલમૂળના ભોજનમાં રસ ન રહ્યો. મૃગરાજ સિંહ જેવી રીતે નિત્ય વનવાસી જીવોને મારી ખાવાની ઇચ્છા કરે છે તેવી રીતે તે વાઘ પણ એવો જ બન્યો. તે વાઘ એક દિવસ કુટીરની પાસે રહેનારા મૃગોને મારીને તેમના માંસથી તૃપ્ત થઈને સૂઈ રહ્યો હતો ત્યારે મત્તમેઘ જેવો એક ઉન્મત્ત હાથી ત્યાં આવી ચઢ્યો. તે હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરી રહ્યો હતો. તેનું માથું મોટું હતું, તેના શરીરમાં પદ્મચિહ્ન હતું. તેના વિશાળ દંતશૂળ, ખૂબ જ મોટું શરીર, મેઘગર્જના જેવો અવાજ — આવા મદોન્મત્ત હાથીને જોઈને તે વાઘ હાથીની બીકે તે ઋષિ પાસે ગયો. તે ઋષિશ્રેષ્ઠે તે વાઘને હાથી બનાવી દીધો. સાચો હાથી પેલા વાઘને મહામેઘ જેવો હાથી બનેલો જોઈ ભયભીત થયો. ત્યાર પછી તે હાથી શલ્લકી, તથા કમળવનમાં કમળપરાગથી વિભૂષિત થઈને આનંદિત બની ઘૂમવા લાગ્યો. ઋષિની કુટીરની પાસે રહીને તે સુંદર હાથીએ આમતેમ ઘૂમતાં ઘૂમતાં કેટલીય રાત્રિઓ વીતાવી.
ત્યાર પછી પહાડોની કંદરામાં રહેનારો લાલ રંગની યાળવાળો, હાથીઓના કુળનો નાશ કરનારો કાળ સમાન એક સિંહ ત્યાં આવી ચઢ્યો. એ સિંહને આવતો જોઈ તે હાથી તેના ભયથી થરથર કાંપવા લાગ્યો અને ઋષિની શરણાગતિ તેણે શોધી. ત્યાર પછી મુનિએ તે ગજરાજને સિંહ બનાવ્યો, એટલે સમાન જાતિના વનના સિંહની તેણે પરવા ન કરી. વનનો સિંહ તેને સિંહ બનતો જોઈ બીને ચાલ્યો ગયો. પછી તે નકલી સિંહ વનમાં મુનિના આશ્રમમાં સુખપૂર્વક વસવા લાગ્યો. તપોવનમાં રહેતા બીજાં ક્ષુદ્ર પશુઓ તેનાથી ભય પામીને જીવવાની ઇચ્છાથી તપોવનની પાસે ફરકતા બંધ થયા. ત્યાર પછી કોઈ કાળયોગથી બધાં જ પ્રાણીઓનો સંહાર કરનાર, લોહી પીનારો, અનેક પ્રકારનાં પ્રાણીઓના મનમાં ભય પેદા કરનાર આઠ પગ, ઊર્ધ્વ પગવાળો વનવાસી શરભ તે સિંહનો શિકાર કરવા મુનિના આશ્રમ પાસે આવી પહોંચ્યો. મુનિએ તે સમયે પેલા સિંહને અત્યંત બળવાન શરભ બનાવ્યો. જંગલી શરભ મુનિએ બનાવેલા અત્યંત ભયંકર, બળવાન શરભને સામે જોઈને, ભયભીત થઈને ત્વરાથી વનમાંથી ભાગી ગયો.
આમ તે કૂતરો મુનિ દ્વારા શરભ બન્યો, તેમની નિકટ સુખેથી સમય પસાર કરવા લાગ્યો. વનનાં બધાં પ્રાણીઓ શરભના ભયથી પોતાનો જીવ બચાવવા બધી દિશાઓમાં ભાગવા લાગ્યા. તે દુષ્ટ શરભ દરરોજ પ્રાણીઓનો વધ કરવા લાગ્યો. તે માંસના સ્વાદથી લુબ્ધ બનીને ફળ, કંદમૂળના ભોજનની ઇચ્છા કરતો ન હતો. થોડા દિવસ પછી અકૃતજ્ઞ શરભ લોહી પીવાની પ્રબળ ઇચ્છાથી અત્યંત મુગ્ધ બનીને ઋષિને મારવાની ઇચ્છા કરવા લાગ્યો. તે મહા બુદ્ધિશાળી મુનિ તપોબળ અને દિવ્ય દૃષ્ટિથી તેની દુષ્ટ ઇચ્છા જાણી ગયા. અને પછી તે કૂતરાને કહેવા લાગ્યા, ‘તું પહેલાં કૂતરો હતો, મારા તપોબળથી તું ચિત્તો બન્યો, ચિત્તામાંથી વાઘ બન્યો, વાઘમાંથી મદ ઝરતો હાથી બન્યો, હાથીમાંથી સિંહ બન્યો. જો તારા પર પ્રેમભાવ રાખીને અનેક રીતે તારું સર્જન કર્યું, પરંતુ તારો સંબંધ જે તે કુળ સાથે ન બંધાયો, તું તારા કુળનો સંબંધ ત્યજી ન શક્યો. હે પાપી, હું પાપરહિત હોવા છતાં તું મને મારવાની ઇચ્છા કરે છે, તો તું તારી જાતિ પાછી મેળવ અને કૂતરો બની જા.’
ત્યાર પછી મુનિદ્વેષી, દુષ્ટ ચિત્તવાળો, મૂર્ખ શરભ ઋષિના શાપથી ફરી પહેલાંનું મૂળ રૂપ પામીને કૂતરો બની ગયો.
{{Right | (શાંતિપર્વ, ૧૧૭) }} <br>
=== પ્રહ્લાદ અને શીલ ===
દૈત્ય હોવા છતાં પ્રહ્લાદે શીલનો આશ્રય લઈને ઇન્દ્રનું રાજ્ય હરી લીધું હતું અને ત્રણે લોકને પોતાના વશમાં કર્યા હતા. ત્યાર પછી મહાપ્રાજ્ઞ ઇન્દ્ર બે હાથ જોડીને બૃહસ્પતિ પાસે ગયા અને બોલ્યા, ‘હું મારા કલ્યાણનો ઉપાય જાણવા માગું છું.’
ત્યારે ભગવાન બૃહસ્પતિએ દેવેન્દ્રને પરમ કલ્યાણ સંબંધી જ્ઞાનની વાતો કરી. બૃહસ્પતિએ મોક્ષને ઉપયોગી જ્ઞાનની કથા કહી ‘આટલાથી જ કલ્યાણ છે.’ કહ્યું. દેવરાજે ફરી પૂછ્યું, ‘આનાથી વધારે કશું કલ્યાણદાયક છે કે નહીં?’
બૃહસ્પતિએ કહ્યું, ‘હે દેવેન્દ્ર, આ વિષયમાં હજુ જે વિશેષ છે તે મહાત્મા શુક્રાચાર્ય જાણે છે. તું તેમની પાસે જઈને આ વિશે પૂછ. તારું કલ્યાણ થાઓ.’
મહા તપસ્વી પરમ તેજસ્વી દેવરાજે પોતાના કલ્યાણ માટે પ્રેમથી ભાર્ગવ (શુક્રાચાર્ય) પાસેથી શ્રેયનું જ્ઞાન મેળવ્યું. મહાત્મા ભાર્ગવે ઉપદેશ આપ્યો તે પછી ઇન્દ્રે ફરી તેમને પૂછ્યું, ‘શું આનાથી વિશેષ છે?’
ધર્મજ્ઞ શુક્રાચાર્યે કહ્યું, ‘મહાનુભાવ પ્રહ્લાદને આ વિશે વધુ જ્ઞાન છે.’ ઇન્દ્ર આ સાંભળી હર્ષ પામ્યા. ત્યાર પછી પાકશાસન (ઇન્દ્ર) બ્રાહ્મણનો વેશ ધારણ કરી પ્રહ્લાદ પાસે જઈને બોલ્યા, ‘હું શ્રેય જાણવા માગું છું.’
‘હે દ્વિજવર, હું ત્રણે લોકના રાજ્યનું શાસન કરવા સદા તત્પર રહું છું, એટલે મને ઘડીની ફુરસદ નથી. હું તમને ઉપદેશ આપવા સમર્થ નથી.’
બ્રાહ્મણે કહ્યું, ‘હે રાજન્, જ્યારે તમને અવસર મળે ત્યારે હું ઉત્તમ આચરણવાળા વિષયનો ઉપદેશ સાંભળવાની ઇચ્છા રાખું છું.’
ત્યારે પ્રહ્લાદ તે બ્રાહ્મણ પર પ્રસન્ન થયા, ‘એમ જ થશે.’ કહી તે શુભ મુહૂર્તમાં તેને જ્ઞાનોપદેશ આપ્યો. બ્રાહ્મણે પણ યથાન્યાય ગુરુ સાથે એવો અત્યંત ભક્તિપૂર્ણ વ્યવહાર કર્યો અને મનથી બધી રીતે તેમની સેવા કરી.
વારંવાર બ્રાહ્મણે પ્રહ્લાદને પૂછ્યું, ‘હે અરિદમન, તમે કેવી રીતે ત્રણે લોકનું ઉત્તમ રાજ્ય મેળવ્યું? તેનું કારણ મને કહો.
પ્રહ્લાદે કહ્યું, ‘હે વિપ્રશ્રેષ્ઠ, હું મારી જાતને રાજા સમજીને ક્યારેય બ્રાહ્મણોની નંદાિ કરતો નથી. શુક્રાચાર્યે રચેલા નીતિશાસ્ત્રની વ્યાખ્યા થતી હોય ત્યારે હું ધ્યાનપૂર્વક તે સાંભળીને હૃદયમાં ઉતારું છું. તેઓ મને વિશ્વાસપૂર્વક ઉપદેશ આપીને નિયમબદ્ધ બનાવે છે. હું શુક્રાચાર્યે ચીંધેલા નીતિમાર્ગમાં સદા પ્રવર્તમાન રહું છું. બ્રાહ્મણોની સેવા કરું છું. તેમની નંદાિ ક્યારેય કરતો નથી. જેવી રીતે મધમાખો હમેશાં મધ એકઠું કરે છે તેવી જ રીતે ઉપદેશ કરનારા બ્રાહ્મણો મને ધર્માત્મા, જિતેન્દ્રિય અને સદા ક્રોધને કેવી રીતે જીતવો એ બધું શાસ્ત્રજ્ઞાન આપતા રહે છે. હું વાઙ્મય શાસ્ત્રોના ભાવાર્થને ગ્રહીને નક્ષત્રોમાં જેમ ચંદ્ર તેમ સ્વજનોની વચ્ચે જીવું છું. શુક્રાચાર્યનાં નીતિવચનો બ્રાહ્મણોને મોઢે સાંભળીને કર્મમાં પ્રવૃત્ત થઉં છું.’
પછી દૈત્યરાજે તે બ્રાહ્મણને કહ્યું, ‘તમે ગુરુ માનીને મારી સાથે વ્યવહાર કર્યો છે, એટલે તમે વર માગો. જે માગશો તે નિ:શંક આપીશ જ.’
તે બ્રાહ્મણે કહ્યું, ‘તમે મારી જિજ્ઞાસા સંતોષી દીધી.’
પ્રહ્લાદે ફરી કોઈ વર માગવા કહ્યું.
એટલે તે બ્રાહ્મણે કહ્યું, ‘જો તમે પ્રસન્ન થઈને મારી ઇચ્છા પૂરી કરવા માગતા હો તો તમારા શીલની મને ઇચ્છા છે.’
આ સાંભળી દૈત્યરાજ પ્રસન્ન તો થયા પણ તેમને બીક લાગી. આ કોઈ તેજસ્વી બ્રાહ્મણ નથી એવું વિચારવા લાગ્યા. છેવટે ‘ભલે એમ થશે.’ એમ કહી તે બ્રાહ્મણને વરદાન આપ્યું અને ખૂબ દુઃખી થયા. વરદાન મળ્યું એટલે તે બ્રાહ્મણ વિદાય થયા. પછી પ્રહ્લાદને બહુ ચંતાિ થઈ; તે કોઈ નિર્ણય કરી ન શક્યા. તેઓ જ્યારે આવી ચંતાિ કરી રહ્યા હતા ત્યારે તેમના શરીરમાંથી એક વિરાટકાય ને તેજસ્વી છાયામૂતિર્ નીકળી.
તેમણે તે મહાકાયને પૂછ્યું, ‘તમે કોણ છો?’
તેણે કહ્યું, ‘હે રાજન્, હું શીલ છું, તમે મારો ત્યાગ કર્યો છે એટલે જઉં છું. રાજન્, જે શિષ્ય થઈને તમારી સાથે સાવધાનીપૂર્વક હતા તે અનિંદિત દ્વિજવરની કાયામાં નિવાસ કરીશ, હે પ્રભુ.’ એમ કહીને તેજોમય શીલ અંતર્ધાન થઈ ઇન્દ્રના શરીરમાં સમાઈ ગયું. શીલ સ્વરૂપ તેજની વિદાય પછી એક બીજી તેજાકૃતિ પ્રહ્લાદના શરીરમાંથી નીકળી, તેમણે પૂછ્યું, ‘તમે કોણ છો?’
તેણે કહ્યું, ‘હે પ્રહ્લાદ, હું ધર્મ છું, જે સ્થળે તે દ્વિજશ્રેષ્ઠ છે ત્યાં હું જઈશ. હે દૈત્યરાજ, જ્યાં શીલ હોય છે ત્યાં જ હું પણ વસું છું.’
ત્યાર પછી તેજથી પ્રજ્વલિત એક બીજી મૂર્તિ મહાત્મા પ્રહ્લાદના શરીરમાંથી બહાર નીકળી. તેમણે પૂછ્યું, ‘તમે કોણ છો?’ પ્રહ્લાદે એવું પૂછ્યું એટલે તે મહાતેજસ્વી મૂર્તિ બોલી, ‘હું સત્ય છું. હું ધર્મને અનુસરીશ.’
આમ કહી સત્ય ધર્મની પાછળ ગયું. ત્યાર પછી બીજી એક વ્યક્તિ પ્રહ્લાદના શરીરમાંથી નીકળી અને તે મહાત્માએ પ્રહ્લાદે પૂછ્યું એટલે કહ્યું, ‘હે પ્રહ્લાદ, હું સદાચાર છું, જ્યાં સત્ય રહે છે ત્યાં હું પણ રહું છું.’
તેના ગયા પછી મહાન પ્રકાશવાન પુરુષ પ્રહ્લાદના શરીરમાંથી નીકળ્યો અને પ્રહ્લાદે પૂછ્યું એટલે કહ્યું, ‘હું બળ છું જ્યાં સદાચાર ત્યાં હું.’ એમ કહીને જ્યાં સદાચાર હતો ત્યાં તે ગયો.
ત્યાર પછી તેમની કાયામાંથી એક પ્રભામયી દેવી પ્રગટી, દૈત્યરાજ પ્રહ્લાદે પૂછ્યું એટલે તેણે કહ્યું, ‘હું લક્ષ્મી છું. હે સત્ય પરાક્રમી, હું તારા શરીરમાં નિરાંતે વસતી હતી, અત્યારે તને ત્યજીને જઉં છું. હું બળની અનુગામિની થતી હોઉં છું.’
ત્યાર પછી પ્રહ્લાદના અંતરમાં ભય પેદા થયો. તેમણે તેને ફરી પૂછ્યું, ‘હે કમલા, તું ક્યાં જાય છે? તું સત્યવ્રત ધારિણી લોકની પરમેશ્વરી દેવી છે, આ દ્વિજવર કોણ હતા? હું તે વાત યથાર્થરૂપે જાણવા માગું છું.’
લક્ષ્મીએ કહ્યું, ‘હે પ્રભુ,તમે જેમને ઉપદેશ આપ્યો હતો તે બ્રહ્મચારીના વેશે ઇન્દ્ર હતા. ત્રણે લોકમાં તમારું જે ઐશ્વર્ય હતું તેને કારણે જ આ બધાનું હરણ થયું છે. હે ધર્મજ્ઞ, તમે શીલની સહાયથી ત્રણે લોક ઉપર વિજય મેળવ્યો હતો, સુરરાજે એ વાત જાણીને તમારા શીલનું હરણ કર્યું છે. હે મહાબુદ્ધિમાન, ધર્મ, સત્ય, સદાચાર, બળ અને હું — અમારા બધાનું મૂળ શીલ છે એમાં તો કશો સંશય નથી.’
આમ કહીને લક્ષ્મી અને શીલ વગેરે ઇન્દ્રની પાસે જતા રહ્યા.
{{Right |  (શાંતિપર્વ, ૧૨૪) }} <br>
=== વીરદ્યુમ્ન અને તનુ ઋષિની કથા ===
મહર્ષિ તનુ ઋષિઓને ધર્મ અને અર્થની વાતો કહી રહ્યા હતા ત્યારે કોઈ રાજા સેના તથા નગરની સ્ત્રીઓ સાથે વેગીલા ઘોડાઓની સહાયથી ત્યાં પહોંચ્યો. વનમાં તેમનો પુત્ર ખોવાઈ ગયો હતો અને એને કારણે તેઓ બહુ દુઃખી હતા. અહીં તો મળશે જ એમ માનીને ત્યાં જઈ ચઢ્યા. પુત્ર નહીં મળે તો હું મરી જવા માગું છું — રાજાની આ વાત સાંભળીને તનુ ઋષિ ઘડી પર ધ્યાનસ્થ રહ્યા. તેમને એવો અવસ્થામાં જોઈ રાજા ધીરે ધીરે બોલ્યા, ‘દુર્લભ શું છે? આનાથી વધારે મોટું શું છે — એ મને તમે કહો.’
‘પહેલાં તમારા એ પુત્રે નાદાન બનીને અને પોતાના દુર્ભાગ્યે એક મહર્ષિનું અપમાન કર્યું હતું. એ ઋષિએ સોનાનો કળશ અને વલ્કલ માગ્યા હતા, તે ન મળ્યાં એટલે ઋષિ દુઃખી થઈ ગયા, નિરાશ થઈ ગયા. આ સાંભળી રાજા પણ નિરાશ થઈ ગયા. જેવી રીતે સપ્તષિર્ઓ ધ્રુવને વીંટળાઈ વળે છે તેવી રીતે બધા ઋષિઓ રાજાને વીંટળાઈ વળ્યા. પછી તેમણે રાજાને તેના આવવાનું કારણ પૂછ્યું, ‘મારું નામ વીરદ્યુમ્ન છે, મારો પુત્ર ભૂરિદ્યુમ્ન ખોવાઈ ગયો છે તેને શોધવા હું અહીં આવ્યો છું. તે મારો એકનો એક પુત્ર છે. તે હજુ તો બાળક છે. એ ન મળ્યો એટલે ચારે બાજુ શોધું છું.’
રાજાએ આમ કહ્યું તો પણ મુનિ નીચું માથું કરીને બેસી રહ્યા, રાજાને કશો ઉત્તર આપ્યો નહીં. ભૂતકાળમાં આ રાજાએ આ ઋષિનું સન્માન કર્યું ન હતું. તે પછી ઋષિ પછી નિરાશ થઈ ગયા. બીજા કોઈનું દાન નહીં સ્વીકારું એમ કરીને ત્યારે પણ સ્થિર થઈ ગયા હતા.
રાજાએ પૂછ્યું, ‘આશાથી વધુ દુર્બલતા કઈ છે? આ પૃથ્વી પર દુર્લભ શું છે?’
તનુ ઋષિ જૂની વાતનું સ્મરણ રાજાને કરાવતા બોલ્યા, ‘આશાવાન પુરુષના જેવાં દુર્બલ કોઈ નથી. આ જોઈને જ મેં રાજાઓ પાસે જઈને યાચના કરી હતી.’
રાજાએ આ વાત સાંભળીને તેનો સ્વીકાર કર્યો. પછી પૂછ્યું, ‘દુર્બલપણું શું છે? દુર્બલ શું છે?’
‘યાચક થઈને ધૈર્ય ધારણ કરવું, કોઈની પાસે યાચના ન કરવી, સંતોષ પામવો, એ દુર્લભ છે. યાચકનો તિરસ્કાર ન કરે તે દુર્લભ છે.’
આ બધી વાતો સાંભળીને રાજા પ્રસન્ન થયા, પછી બોલ્યા, ‘હું હવે તમારી કૃપા ઇચ્છું છું. મારા પુત્રનો ભેટો ઇચ્છું છું.’
એટલે તનુ ઋષિએ પોતાના તપ અને વિદ્યાથી રાજપુત્રને ત્યાં ઊભો કરી દીધો. પછી મુનિ પાસેના વનમાં જતા રહ્યા.
{{Right |  (શાન્તિપર્વ, ૧૨૬) }} <br>
=== દૂરદર્શી ===
એક છીછરા તળાવમાં ખૂબ મત્સ્ય હતા. તેમાં કાર્યકુશળ ત્રણ મત્સ્ય હતા, તેઓ સાથે વિહાર કરતા અને એકબીજાના ચાહક હતા. આમાં એકનું નામ પ્રાપ્તકાલજ્ઞ, બીજાનું દીર્ઘદર્શી અને ત્રીજાનું નામ દીર્ઘસૂત્રી હતું. એક વેળા મત્સ્યજીવી માછીમારોએ ચારે બાજુથી પાણી કાઢવાના માર્ગ દ્વારા તે તળાવના પાણીને નીચાણવાળા વિસ્તારમાં કાઢવા પ્રયત્ન કર્યો. આવા કાર્યને કારણે તે તળાવનું પાણી ઓછું થવા લાગ્યું. આ જાણીને દીર્ઘદર્શી મત્સ્ય અનાગત ભયને કારણે બીજા મિત્રોને કહેવા લાગ્યો, ‘આ જળાશયમાં રહેનારાં બધાં જ મત્સ્ય ઉપર આ આપત્તિ આવી છે. એટલે આપણો બહાર નીકળવાનો માર્ગ દૂષિત થાય તે પહેલા જ આપણે બીજી જગ્યાએ જેમ બને તેમ જલદી જતા રહીએ. જે અનાગત અનર્થને ઉત્તમ નીતિથી નિવારે છે તેના પ્રાણ કદી સંશયમાં આવતા નથી. તો તમારા લોકોની આ વિશે અભિરુચિ થતી હોય તો ચાલો બીજા જળાશયમાં જઈએ.’
આ સાંભળી દીર્ઘસૂત્રીએ કહ્યું, ‘તારી વાત બહુ સારી છે, પરંતુ મારો વિચાર એવો છે કે કોઈ બાબતે ઉતાવળ કરવી નહીં. ત્યાર પછી પ્રત્યુત્પન્નમતિએ દીર્ઘદર્શીને કહ્યું, ‘સમય આવશે ત્યારે હું ન્યાય અનુસાર કોઈ ઉપાય શોધવામાં કદી ભૂલ કરતો નથી.’
મહાબુદ્ધિમાન દીર્ઘદર્શી આ વાત સાંભળીને એ જ પાણીમાંથી બહાર નીકળીને બીજા એક ઊંડા તળાવમાં જતો રહ્યો. પછી જ્યારે માછીમારોએ જોયું કે એ તળાવનું લગભગ બધું પાણી વહી ગયું છે ત્યારે અનેક ઉપાયો વડે બધી માછલીઓને પકડી લીધી.
આ જળાશયનું પાણી વહી ગયું ત્યારે દીર્ઘસૂત્રી પણ બીજા મત્સ્યની જેમ ફસાઈ ગયો. જ્યારે માછીમારોએ દોરી વડે માછલીઓને ગૂંથવા માંડી ત્યારે પ્રત્યુત્પન્નમતિ પણ તેમની વચ્ચે પ્રવેશીને મોં વડે દોરી પકડીને બંધાઈ ગયો. તે મત્સ્ય જાળની દોરી મોંમાં લઈને બીજા મત્સ્યોની જેમ બંધાયેલો દેખાયો, માછીમારોએ બધા મત્સ્યને ગૂંથી લીધા. ત્યાર પછી નીતર્યા પાણીવાળા મોટા તળાવમાં બધા મત્સ્યને ધોવા માંડ્યા. ત્યારે પ્રત્યુપન્નમતિ મોંમાં ઝાલેલી દોરી છોડી તે બંધનમાંથી મુક્ત થયો અને તરત જ પાણીમાં જતો રહ્યો. અને બુદ્ધિહીન આળસુ મૂઢ દીર્ઘસૂત્રી નષ્ટેન્દ્રિય લોકોની જેમ મરણ પામ્યો.
આમ જે પુરુષ મૃત્યુ સામે હોય ત્યારે તેના મોહમાં પડીને તેને જાણી નથી શકતો તે દીર્ઘસૂત્રી મત્સ્યની જેમ તરત જ નાશ પામે છે.
{{Right | (શાંતિપર્વ, ૧૩૫) }} <br>
=== લોમશ બિલાડા અને પલિત ઉંદરની કથા ===
કોઈ એક મહા વનમાં લતાજાળવાળું, અનેક પક્ષીઓ ધરાવતું વિશાળ વટવૃક્ષ હતું. મોટી મોટી શાખાઓને કારણે તે મેઘ જેવું દેખાતું હતું. શીતળ છાયાવાળું એ મનોરમ વૃક્ષ સાપ, મૃગોથી છવાયેલું હતું. ત્યાં એક પલિત નામનો બુદ્ધિશાળી ઉંદર તે વડના મૂળિયાના આધારે સો દ્વારવાળું દર બનાવીને તેમાં રહેતો હતો. પક્ષીઓનો આહાર કરનારો લોમશ નામનો બિલાડો પહેલેથી જ તે વૃક્ષની શાખાનો આધાર લઈને નિરાંતે રહેતો હતો. કોઈ વનવાસી ચાંડાળ દરરોજ સાંજે સૂર્ય આથમે ત્યારે તે વૃક્ષની પાસે આવીને પશુપક્ષીઓને ફસાવવા જાળ બિછાવતો હતો. તે ચાંડાળ યથારીતિ જાળ પાથરીને ઘેર જઈને સૂઈ જતો અને રાત વીત્યે, સવાર પડે તે ત્યાં આવી ચઢતો હતો. પોતાનો સદાનો આતતાયી શત્રુ બિલાડો જાળમાં બંધાઈ ગયો એટલે પલિત ઉંદર તક શોધીને દરની બહાર આવ્યો અને નિર્ભય બનીને ચારે બાજુ ઘૂમવા લાગ્યો. ઉંદર વિશ્વસ્ત થઈને ખોરાકની શોધમાં ફરી રહ્યો હતો. થોડા સમય પછી તેણે જાળમાં મુકાયેલું માંસ જોયું. ઉંદર જાળ પર ચઢીને માંસ ખાવા લાગ્યો, અને જાળમાં ફસાયેલા શત્રુની મનમાં ને મનમાં મજાક ઉડાડવા લાગ્યો. તે માંસભક્ષણમાં લીન થયો હતો તે જ વખતે તેની નજર બીજી બાજુ ગઈ. તેણે એક બીજા ઘોર શત્રુને પોતાની પાસે આવતો જોયો. પૃથ્વી પર દર કરીને રહેનારા તે નોળિયાનું શરીર શરપુષ્પો જેવું હતું, તેની આંખો લાલ હતી અને તે ખૂબ જ ચંચળ હતો, તેનું નામ હરિ હતું. તે ઉંદરની ગંધે ત્વરાથી આવી ચઢ્યો હતો, તેનું ભક્ષણ કરવા જીભ લપલપાવતો મોં ઊંચું કરીને જમીન પર ઊભો રહ્યો. આ બાજુ તે વૃક્ષની બખોલમાં રહેનાર, નિશાચર, મોટા તીર જેવી ચાંચવાળું ચન્દ્રક નામનું ઘુવડ આવી ચઢ્યું. આ બંનેનું લક્ષ્ય ઉંદર, એટલે તે ભયભીત થઈને ચિંતા કરવા લાગ્યો. ‘આ અત્યંત દુઃખદ આપત્તિના સમયે ચારે બાજુથી ભય ઉત્પન્ન થયો છે, મૃત્યુ ઉપસ્થિત થયું હોય ત્યારે હિતૈષી પુરુષે શું કરવું જોઈએ?’ આમ ચારે બાજુથી ઘેરાયેલો અને ચારે બાજુ ભય વ્યાપેલો જોઈ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવા લાગ્યો. વિપદા નષ્ટ કરવાના ઉપાયો દ્વારા ક્લેશનિવારણ કરીને જીવનને વધાવવું યોગ્ય છે પરંતુ ચારે બાજુથી મારી સમીપ આ સંશયયુક્ત આપત્તિ આવી ચઢી છે. જો હું ધરતી પર જઈશ તો નોળિયો મને ખાઈ જશે. અહીં રહીશ તો ઘુવડ કોળિયો કરી જશે અને જાળ કાતરીને અંદર જઈશ તો બિલાડો ત્યાં ને ત્યાં મને ખાઈ જશે. પરંતુ મારા જેવા પ્રાજ્ઞે કદી પણ મોહ પામવો ન જોઈએ. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવનરક્ષા માટે પ્રયત્ન કરતો રહીશ. નીતિશાસ્ત્રના વિશારદો (જાણકારો), બુદ્ધિમાન, જ્ઞાની પુરુષ ભયાનક. આપદા આવે ત્યારે એમાં ડૂબી જતા નથી, એમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. આ સમયે બિલાડા ઉપર ઉપકાર કરવા સિવાય બીજો કોઈ ઉપાય મને સૂઝતો નથી, આ મારો કટ્ટર શત્રુ વિપત્તિમાં મુકાયો છે, એના પર મોટો ઉપકાર કરવો મને યોગ્ય લાગે છે. અત્યારે ત્રણ શત્રુઓથી ઘેરાઈને હું કેવી રીતે જીવનરક્ષા કરી શકીશ? આ બિલાડો મારો શત્રુ છે તો પણ એનો આશ્રય લેવો યોગ્ય લાગે છે. હું ક્ષત્રવિદ્યાનો આશ્રય લઈને તેના હિત માટે ઉપદેશ કરીશ, એના દ્વારા જ આ બધા શત્રુઓની બુદ્ધિપૂર્વક વંચના કરીને બચી જઈશ. આ મૂર્ખ બિલાડો મારો નિત્યશત્રુ છે, પરંતુ અત્યારે તે વિપત્તિમાં મુકાયો છે, સ્વાર્થ સાધવા માટે સંગતિ કરવા સિવાય જીવનરક્ષા થઈ શકે એમ નથી. એ આપત્તિગ્રસ્ત છે એટલે મારી સાથે સંધિ પણ કરી શકે. બળવાન પુરુષે આપત્તિના સમયે જીવનરક્ષા માટે નિકટવર્તી શત્રુ સાથે સંધિ કરવી જોઈને એવું આચાર્યો કહે છે. વિદ્વાન શત્રુ સારો, મૂર્ખ મિત્ર ક્યારેય ઉત્તમ ન કહેવાય. અત્યારે મારા શત્રુ બિલાડા પાસે જ મારા જીવનનો આધાર છે. જે હોય તે, હું એને આત્મમુક્તિનો ઉપાય બતાવીશ, આ શત્રુ મૂર્ખ હોવા છતાં મારા સહવાસથી પંડિત થઈ શકશે. એટલે સંધિવિગ્રહના સમય તથા પ્રયોજન પાર પાડવાનું જાણનાર ઉંદર ધીરજપૂર્વક બિલાડાને કહેવા લાગ્યો, ‘હે બિલાડા, હું મિત્રભાવે તને કહું છું, તું જીવે તો છે ને? હું તારા જીવનની રક્ષા ઇચ્છું છું કારણ કે આપણા બંને માટે તે શ્રેયસ્કર (કલ્યાણકારી) છે. હે સૌમ્ય, તું ભય ન પામીશ. તું પહેલાંની જેમ જ જીવતો રહીશ. હું તને આ આપત્તિમાંથી ઉગારીશ, તારા માટે હું પ્રાણ ત્યાગ કરીશ. આ બાબતમાં એક ઉપાય છે અને મારા અંત:કરણમાં તે પ્રતીત થાય છે, એના વડે તું મારી સહાયથી વિપદમાંથી છૂટીશ અને હું પણ શ્રેય પામીશ. મેં મારી બુદ્ધિ વડે બહુ વિચારીને આપણા બંનેના કલ્યાણ માટે એક ઉપાય વિચાર્યો છે, તે મારા અને તારા બંને માટે કલ્યાણકારી છે. હે માર્જાર, આ નોળિયો અને ઘુવડ પાપબુદ્ધિનો આધાર લઈ મારી સામે બેઠા છે, આ બંને જ્યાં સુધી આક્રમણ નથી કરતા ત્યાં સુધી મારા માટે મંગલ છે. આ વૃક્ષની ડાળી ઉપર બેઠેલો પાપાત્મા ઘુવડ ચીસો પાડીને મને જોઈ રહ્યો છે, એટલે હું તેનાથી બીને વ્યાકુળ થઈ રહ્યો છું. સાધુઓ તો સાત ડગલાં સાથે ચાલીને મિત્ર બની જાય છે, તું મારો વિદ્વાન મિત્ર છે, તું અને હું તો સર્વદા સાથે રહીએ છીએ, એટલે હું તારી સાથે મૈત્રીપૂર્ણ કાર્ય કરીશ, હવે તારે મૃત્યુથી ડરવાનું નથી. હે માર્જાર, તું મારા વગર તારી જાતે આ જાળ કાપી શકીશ નહીં, જો તું મારી હિંસા ન કરીશ તો હું તારું બંધન કાપી નાખીશ. તું આ વૃક્ષના આગલા ભાગમાં અને હું આ વૃક્ષના મૂળના આધારે વસી રહ્યો છું. આપણે બંને બહુ દિવસોથી આ વૃક્ષનો આશ્રય લઈને વસીએ છીએ, આ વાત તારાથી છાની નથી. જે બીજાનો વિશ્વાસ નથી કરતો અને જેનો કોઈ વિશ્વાસ નથી કરતું એવા બંનેની પંડિતો પ્રશંસા કરતા નથી. એટલે આપણા બંનેના સહવાસ અને પ્રીતિ નિત્ય વૃદ્ધિ પામે, પ્રયોજનનો સમય વીતી જાય તેની પંડિતો પ્રશંસા કરતા નથી. એટલે આ બાબતમાં આ જ યથાર્થ યુક્તિ સમજ. તું જો મારી જીવનરક્ષાની ઇચ્છા કરીશ તો હું પણ તારી જીવનરક્ષાની ઇચ્છા કરીશ. કોઈ મનુષ્ય લાકડીની મદદથી ઊંડી નદીને પાર કરે છે ત્યારે તે લાકડીને પણ કિનારે મૂકી દે છે, અને તે લાકડી પણ તેને ઉગારવામાં મદદ કરે છે. આ પ્રકારે આપણા બંનેના મિલનનું પરિણામ સુખદ રહેશે. હું તને જાળમાંથી છોડાવીશ અને તું પણ મને આપત્તિમાંથી ઉગારીશ.’ પલિત ઉંદર આ પ્રકારે બંને માટે હિતકારક, યુક્તિપૂર્ણ અને ગ્રહણીય વચન કહીને ઉત્તરની રાહ જોતો તેની સામે જોવા લાગ્યો.
ત્યાર પછી ઉંદરના શત્રુ એવા વિચક્ષણ બિલાડાએ તેનું યુક્તિપૂર્ણ તથા માનવા યોગ્ય સુંદર વચન સાંભળીને ઉત્તર આપ્યો, તે બુદ્ધિમાન અને વાક્યનિપુણ બિલાડાએ ઉંદરનાં વચન મનમાં બેવડાવીને પોતાની અવસ્થા જોઈને નીતિપૂર્વક તેની પ્રશંસા કરી. ત્યાર પછી તીક્ષ્ણ દાંતવાળા અને વૈડૂર્યમણિ જેવી આંખોવાળા લોમશ બિલાડાએ ઉંદરને ધીરે ધીરે જોઈને કહ્યું, ‘હે સૌમ્ય, તારું કલ્યાણ થાઓ. તું મારી જીવનરક્ષા માટે પ્રયત્નો કરે છે તેનાથી હું અત્યંત આનંદિત થઈને તને અભિનંદું છું. તું જો આપણા કલ્યાણનો ઉપાય જાણે છે તો કર, વિલંબ ન કર. હું આપત્તિમાં છું, તું મારાથી વધારે આપત્તિમાં છે. આપણે બંને આપદ્ગ્રસ્તોની સંધિ થવી જોઈએ. વિલંબનો અર્થ નથી. જેનાથી આપણું કાર્ય સિદ્ધ થાય તે જ કર; હું આ ક્લેશકારી વિપદામાંથી છૂટીને તારા કરેલા ઉપકારને ભૂલી નહીં જઉં, હું તને એનો બદલો વાળી આપીશ. હું મારા માનપાન ત્યજીને તારો અનુરક્ત, ભક્ત, શિષ્ય, તારો હિતેચ્છુ થઈ તારી આજ્ઞા પાળીશ, હું તારા શરણે છું.’
પોતાના કાર્યને જાણનારા પલિતે બિલાડાની એ વાત સાંભળીને તેને પોતાના વશમાં આવેલો જાણી અર્થયુક્ત હિતકારક કહ્યું, ‘તેં જે ઉદાર વચન કહ્યાં તે તારા જેવા માટે વિચિત્ર નથી, બંનેના હિત માટે મેં જે ઉપાય વિચાર્યો છે તે સાંભળ. મને નોળિયાનો બહુ ડર લાગે છે. એટલે હું તારી નજીક જાળમાં પ્રવેશીશ, હું તારી રક્ષા કરવા સમર્થ છું, એટલે મારી રક્ષા કરજે, મને મારી નાખીશ નહીં. આ બાજુ આ ક્ષુદ્ર ઘુવડ મારા પર આક્રમણ કરવા માગે છે તેનાથી પણ મને બચાવ. હે મિત્ર, હું સત્ય કહું છું કે તારાં બંધન કાપી નાખીશ.’
લોમશે પલિતની સુસંગત, યુક્તિપૂર્ણ વાત સાંભળીને આનંદમાં આવી જઈને તેને સ્વાગતવચનથી આવકાર્યો. પલિતની આ પ્રકારે પ્રશંસા કરી, પૂજા કરી તે વીર માર્જાર સુહૃદભાવ રાખીને પ્રસન્નતાથી અને ત્વરાથી પલિતને સન્માની આગળ બોલ્યો, ‘હે મિત્ર, જલદી આવ. તારું મંગલ થાય. તું મારો પ્રાણપ્રિય મિત્ર છે. હે બુદ્ધિમાન, તારી કૃપાથી જ હું નવજીવન પ્રાપ્ત કરીશ. આ સંકટ સમયે હું તારા પર જે કંઈ ઉપકાર કરી શકું તે તું મને કહે, હું એમ જ કરીશ. હે મિત્ર, આપણા બેમાં મૈત્રી જ રહે. આ વિપત્તિમાંથી મુક્ત થઈને હું મારા મિત્રો અને બંધુજનોની સાથે તારાં જે કંઈ પ્રિય અને હિતકર કાર્ય થશે તે બધા સિદ્ધ કરીશ. હે સૌમ્ય, આ આપત્તિમાંથી છૂટીને હું તારા હૃદયમાં પ્રીતિ જન્માવીશ, તું મારું પ્રિય કરનાર છે એટલે તારી પ્રસન્નતા અને સત્કાર પ્રાપ્ત કરીશ.’
ઉંદરે સ્વાર્થથી પ્રેરાઈને બિલાડાને આમ સંમત કરીને વિશ્વાસપૂર્વક શત્રુના પ્રદેશમાં પ્રવેશ કર્યો. બુદ્ધિમાન ઉંદર બિલાડાથી આશ્વસ્ત થઈને માતાપિતાની જેમ વિશ્વસ્ત થઈ તેની છાતી પર સૂઈ ગયો. બિલાડાના શરીરે ઉંદરને વીંટળાયેલો જોઈ નોળિયો અને ઘુવડ નિરાશ થયા અને પોતાના નિવાસે ચાલ્યા ગયા. ત્યાર પછી દેશકાળની ગતિને જાણનારો પલિત સમયની પ્રતીક્ષા કરતો બિલાડાના શરીરમાં છુપાઈને તેનાં બંધન થોડા થોડા કાપવા લાગ્યો. ત્યાર પછી બંધનના દુઃખથી ક્લેશ પામીને, બંધન કાપવામાં ઉંદર સ્ફૂર્તિરહિત થઈ, વિલંબ કરતો હતો તે જોઈને, બંધન કાપવામાં ત્વરા ન કરતા પલિતને પ્રોત્સાહિત કરતા બિલાડો બોલ્યો, ‘હે મિત્ર, તું વિલંબ કેમ કરે છે? પોતે કૃતાર્થ થયો એટલે અવજ્ઞા કરે છે? હે શત્રુનાશી, પારધિ આવી રહ્યો છે એટલે જલદી મારા બંધન છેદ.’
શીઘ્રતા કરવાવાળા બિલાડાને આમ કહેતો જોઈ બુદ્ધિમાન પલિતે અપક્વ બુદ્ધિવાળા બિલાડાને આત્મહિતક વાત કહી,
‘હે સૌમ્ય, તું મૌન ધારણ કર. શીઘ્રતા ન કર, ભય ન કર. હું સમયજ્ઞ છું, એટલે હું સમય ચૂકીશ નહીં, યોગ્ય અવસર ચૂકી નહીં જઉં. હે મિત્ર, કટાણે આરંભેલું કાર્ય તેના કર્તાને ફળદાયક નીવડતું નથી, અને એ કાર્ય સમય આવે કરવામાં આવે તો તેનાથી મહાન અર્થ સિદ્ધ થાય છે. તું કસમયે છૂટી જાય તો તારાથી મને ભયની સંભાવના છે, એટલે હે મિત્ર, સમયની પ્રતીક્ષા કર, શીઘ્રતા શા માટે કરે છે? હું જ્યારે સશસ્ત્ર ચાંડાલને અહીં આવતો જોઈશ ત્યારે તારા ઉપર સાધારણ જેવો ભય ઉપસ્થિત થશે ત્યારે તરત જ તારી જાળ કાપી નાખીશ. તે જ વખતે તું બંધનમુક્ત થઈને વૃક્ષની ઉપર જઈશ અને તને તારી જીવનરક્ષા સિવાય બીજું કોઈ કાર્ય જરૂરી નહીં લાગે. હે લોમશ, તું ત્રસ્ત થઈને, બી જઈને ભાગીશ એટલે હું દરમાં પેસી જઈશ, તું પણ વૃક્ષની શાખાનો આધાર લઈશ.’
ઉંદરે જ્યારે બિલાડાને આમ કહ્યું ત્યારે જીવવાની ઇચ્છાવાળા, વાક્યમર્મજ્ઞ મહામતિ લોમશે પોતાના હિતની વાત કરતાં કહ્યું, આત્મકાર્ય પૂરેપૂરી રીતે સિદ્ધ કરવા માટે ઉતાવળ કરીને લોમશે વિનયપૂર્વક વર્તાવ કરી બંધન છોડવામાં વિલંબ કરી રહેલા ઉંદરને કહ્યું, ‘સાધુઓ મિત્રકાર્ય પ્રીતિથી કરે છે, તારી જેમ નહીં. મેં જેવી ત્વરાથી તને આપત્તિમાંથી મુક્ત કર્યો તેવી રીતે તારે પણ ઉતાવળ કરીને મારું હિત સાધવું જોઈએ. હે મહાપ્રાજ્ઞ (બુદ્ધિમાન) અત્યારે જેનાથી આપણા બંનેનું કલ્યાણ થાય તે કરવા પ્રયત્ન કર. અથવા જો તું જૂના વેરને યાદ કરીને સમય વેડફીશ તો હે દુષ્ટ, આ પાપને કારણે તું મારી આવરદા ખતમ થતી જોઈશ. જો અજ્ઞાનવશ ભૂતકાળમાં મેં થોડાં પાપ કર્યાં હોય તો તે મનમાં ન લાવતો. હું ક્ષમા માગું છું, તું મારા પર પ્રસન્ન થા.’
બિલાડાએ આ પ્રકારે કહ્યું એટલે શાસ્ત્રના જાણકાર બુદ્ધિમાન ઉંદરે તે વેળા તેને આવું હિતકારક કહ્યું, ‘હે માર્જાર, તેં પોતાનું પ્રયોજન પાર પાડવા વ્યાકુળ થઈને જે કહ્યું તે મેં સાંભળ્યું, મેં પણ મારું પ્રયોજન પાર પાડવા જે કંઈ કહ્યું તે તું જાણે છે. જે અત્યંત ભયભીત પ્રાણી દ્વારા મિત્ર થયો છે અને જે જાતે જ ભયથી વિચલિત થઈને તેનો મિત્ર બન્યો છે, તે બંને મિત્રોની રક્ષા થવી જોઈએ. સાપના મોઢામાંથી પોતાનો હાથ જેમ બચાવીએ છીએ તેમ તેમની યથારીતિથી રક્ષા કરવી જોઈએ. જે વ્યક્તિ બળવાન સાથે સંધિ કરીને આત્મરક્ષાનો ઉપાય નથી કરતો તેમનો સુમેળ અપથ્ય અન્નની જેમ ઉપકારક નથી થતો. આ જગતમાં વિના કારણે કોઈ કોઈનો મિત્ર કે સુહૃદ નથી થતો, જેવી રીતે પાળેલા હાથીઓ વડે જંગલી હાથીઓને બાંધીએ છીએ તેવી રીતે સ્વાર્થની સહાયથી જ સ્વાર્થ સાધન બને છે. કાર્ય પૂરું થયા પછી કોઈ કાર્ય કરનાર સામે જોતું નથી, એટલે જ બધાં કાર્ય અધૂરાં રાખવાં જોઈએ. જ્યારે પેલો ચાંડાલ આવશે ત્યારે તે સમયે તેના ભયથી પીડિત થઈને તું ભાગી જવામાં રોકાયો હોઈશ, એટલે મને પકડી નહીં શકે. મેં ઘણા બધા તાંતણા કાપી નાખ્યા છે, હવે માત્ર એક જ તાંતણો બાકી છે. લોમશ, તું નિશ્ચંતિ રહે, એ પણ જલદી કાપી નાખીશ.’
આપત્તિમાં મુકાયેલા ઉંદર અને બિલાડાની આ વાતચીત ચાલતી રહી, રાત્રિ વીતી અને સવાર પડી. રાત્રિ વીતી અને પ્રભાત થયું એટલે લોમશ ભયભીત થયો. ત્યાર પછી સવારે એક વિકૃત, કૃષ્ણ-પિંગલ વર્ણવાળો, સ્થૂળ નિતંબવાળો, કેશરહિત, ક્રૂરમૂર્તિ, કૂતરાઓને સાથે રાખીને, ઊંચા કાનવાળો, વિશાળ મોંવાળો, મલિન, ક્રૂર દેખાવવાળો, હાથમાં શસ્ત્ર ધારણ કરેલો પરિઘ નામે ચાંડાલ ત્યાં આવી ચડ્યો. બિલાડો એ યમદૂત જેવા ચાંડાલને જોઈને ત્રસ્ત, ભયભીત થયો અને પલિતને કહેવા લાગ્યો, ‘મિત્ર, હવે શું કરીશ?’ તે બંને અત્યંત ભયભીત હતા અને બીજી બાજુ ભયાનક દેખાવવાળા ચાંડાલને જોઈ નોળિયો અને ઘુવડ પણ નિરાશ થયા. તેઓ પોતે બળવાન અને બુદ્ધિશાળી હોવા છતાં, ઘાતમાં સાથે બેઠેલા હોવા છતાં પેલાઓના સંગઠનને કારણે તેમના પર આક્રમણ કરવા અશક્ત થઈ ગયા. ઉંદર અને બિલાડાને કાર્ય માટે સંધિમાં જોડાયેલા જોઈ ઘુવડ અને નોળિયો તરત જ પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યાર પછી ઉંદરે બિલાડાનું બંધન કાપી નાખ્યું. બિલાડો જાળમાંથી છૂટતા વેંત તે ઝાડ પર ચઢી ગયો. મહાઘોર શત્રુ અને ભયાનક ભયમાંથી મુક્ત થઈને પલિત દરમાં પેસી ગયો અને લોમશ વૃક્ષની ડાળી પર ચઢી ગયો. આ બાજુ ચાંડાલે જાળ ઉપાડી, ચારે બાજુથી ઊલટાવીને જોઈ અને તે નિરાશ થઈ પોતાના નિવાસે જતો રહ્યો.
વૃક્ષની ડાળી પર બેઠેલો બિલાડો હવે વિપત્તિમાંથી છૂટ્યો અને દુર્લભ જીવન પ્રાપ્ત થયું એટલે દરમાં બેઠેલા પલિતને સાદ પાડીને તેણે કહ્યું,
‘હે મિત્ર, તું મારી સાથે વાતચીત કર્યા વિના જ તારા દરમાં જતો રહ્યો, હું તારો આભારી છું, તેં મારું કલ્યાણ કર્યું છે આ જાણીને તું મારા પર શંકા તો નથી કરતો ને! હે મિત્ર, આપત્તિના સમયે તું મારો વિશ્વાસપાત્ર થયા અને તેં મને જીવતદાન આપ્યું, હવે મૈત્રીના સુખભોગ સમયે તું મારી પાસે કેમ નથી આવતો? જે પહેલાં બહુ મૈત્રી કરીને પછી તે મિત્રને સાચવતો નથી તે નીચબુદ્ધિ મનુષ્ય કષ્ટદાયક આપત્તિઓના સમયે તે મિત્રોનો લાભ કરવામાં સમર્થ નથી થતો. મિત્ર, તેં સામર્થ્ય પ્રમાણે મારો સત્કાર કર્યો છે. મેં પણ આત્મસુખમાં આસક્ત થઈને તારી સાથે મૈત્રી કરી છે. એટલે મારી સાથે સુખભોગ કરવો યોગ્ય છે. મારા બધા મિત્ર, બાંધવજનો તારો સત્કાર કરશે, જેમ શિષ્યો ગુરુની સેવા કરે છે તેમ. તું તારો પ્રાણદાતા છે, હું તારું અને તારા બાંધવોનું સમ્માન કરીશ, કયો કૃતજ્ઞ પુરુષ પોતાના જીવનદાતાની પૂજા નથી કરતો? તું મારા શરીર, ઘર અને સર્વ ધનનો સ્વામી બન, તેનો શાસક બન, અને મને ઉપદેશ આપ. હે પ્રાજ્ઞ, તું મારો અમાત્ય બન, પિતાની જેમ મને કર્તવ્યનો ઉપદેશ આપ. મારા જીવનના સોગંદ ખાઈને કહું છું કે અમારાથી તને કશો ભય નથી. તું બુદ્ધિકૌશલમાં સાક્ષાત્ શુક્રાચાર્ય છે તને મંત્રણા કરતા આવડે છે, કેવી રીતે વિજય પામવો તે તને આવડે છે.’
માર્જારે આ પ્રકારે ઉંદરને પરમ શાંતિપૂર્ણ વચન કહ્યાં, ત્યારે પરમાર્થને જાણનારો ઉંદર આત્મહિતવાળાં વચન કહેવા લાગ્યો,
‘હે લોમશ, તેં જે કહ્યું તે મેં સાંભળ્યું, આ વિશે મારા કેટલાક સિદ્ધ વિચારો છે તે સાંભળ. મિત્રોને જાણવા જોઈએ અને શત્રુઓને ઓળખવા જોઈએ. આ જગતમાં મિત્ર અને શત્રુ વિશેની જાણકારી અત્યંત સૂક્ષ્મ અને પ્રાજ્ઞ લોકો ધરાવે છે. શત્રુરૂપી મિત્રો અને મિત્રરૂપી શત્રુઓની સાથે સાંત્વના-સંધિ થઈ ગયા પછી પણ તેઓ જ્યારે રાગ અને લોભના વશમાં આવી જાય છે ત્યારે તેઓ મિત્ર છે કે શત્રુ તે સમજવું મુશ્કેલ થઈ પડે છે. આ જગતમાં કોઈ સ્વાભાવિક રીતે કોઈનો મિત્ર નથી અને કોઈનો શત્રુ નથી, કાર્યવશ જ લોકો એકબીજાના મિત્ર અને શત્રુ થતા હોય છે. જેના જીવતા રહેવાથી પોતાનું પ્રયોજન સિદ્ધ થતું લાગે છે તે ત્યાં સુધી તે તેનો મિત્ર બની રહે છે, એ ભાવ જ્યાં સુધી ટકી રહે છે ત્યાં સુધી તે તેનો મિત્ર બની રહે છે. મૈત્રી અને શત્રુતા સ્થાયી નથી, સ્વાર્થને કારણે જ શત્રુ કે મિત્ર થતા હોય છે. કાળક્રમે મિત્ર પણ શત્રુ થાય અને શત્રુ પણ મિત્ર થાય, એટલે સ્વાર્થ જ અત્યંત બળવાન છે. જે મનુષ્ય પ્રયોજન જાણ્યા વિના મિત્રોનો માત્ર વિશ્વાસ કરે છે અને શત્રુઓનો અવિશ્વાસ કરે છે તેનું જીવન વિચલિત થાય છે. શત્રુ કે મિત્રના સંદર્ભે અર્થનું પ્રયોજન ન જાણી જે મનુષ્ય ઉત્તમ બુદ્ધિ જ ધરાવે છે તેની બુદ્ધિ પણ ચંચળ માનવી જોઈએ. અવિશ્વાસીનો વિશ્વાસ ન કરો, વિશ્વાસીનો પણ અત્યન્ત વિશ્વાસ કરવા યોગ્ય નથી, કારણ કે વિશ્વાસથી ઉત્પન્ન થયેલો ભય વિશ્વાસના મૂળનું નિકંદન કાઢે છે. પિતા, માતા, મામા, ભાણેજો, સંબંધીઓ, બાંધવજનો સ્વાર્થને કારણે જ પ્રિય થતા હોય છે. પ્રિય પુત્ર જો પતિત થાય તો માતાપિતા તેને ત્યજી દે છે, બધા પોતાની જ રક્ષા કરે છે, એટલે સ્વાર્થ કેવો સારયુક્ત છે તે જાણ. હે બુદ્ધિમાન, જે વિપત્તિમાંથી બહાર આવીને શત્રુના સુખના અસંદિગ્ધ ઉપાયો શોધે છે તેને હું કૃતજ્ઞ માનું છું, તું ઉપકારનો બદલો શા માટે વાળવા માગે છે? તું વટવૃક્ષ પરથી અહીં ઊતર્યો હતો પણ અહીં તો પહેલેથી જાળ બિછાવેલી હતી. તું ચપલતાને કારણે તેને ઓળખી ન શક્યો. મનથી ચંચળ બીજું કશું નથી, જે ચપલ પ્રાણી પોતાનું જ હિત નથી સાધતો તે બીજાનું હિત તો શું કરવાનો છે? એટલે ચંચલ ચિત્તવાળો નિશ્ચય બધાં કાર્ય નષ્ટ કરી દે છે. અત્યારે તું જે મને મધુર વચનો કહે છે તેનાથી મને પ્રસન્નતા થાય છે, એ સારું પણ તેનું જે મિથ્યાપણું છે તે હું તને વિસ્તારથી કહું છું તે સાંભળ. આ સંસારમાં મનુષ્ય કારણ અનુસાર જ બધાનો પ્રિય છે, કારણ અનુસાર જ દ્વેષપાત્ર બને છે, જીવ માત્ર સ્વાર્થી છે, વિના કારણ કોઈ કોઈનો પ્રિય નથી થતો. બે સગા ભાઈઓનો અને પતિપત્નીનો પ્રેમ પણ કારણવશ છે, સ્વાર્થવશ છે, આ જગતમાં કોઈના ય પ્રેમને હું નિષ્કારણ નથી સમજતો. ક્યારેક ક્યારેક ભાઈ, પત્ની કોઈ કારણે ક્રોધે ભરાય તો પણ તેઓ પરસ્પર જેવો પ્રેમ રાખે છે તેવો બીજા લોકો રાખતા નથી. આ જગતમાં કોઈ દાન દ્વારા પ્રિય થાય છે, કોઈ પ્રિય વાક્યથી વહાલું થાય છે, બીજાનો કાર્યસિદ્ધિ માટે મંત્ર, હોમ અને જયથી પ્રીતિ પ્રાપ્ત કરે છે. આપણા બેની પ્રીતિ વિશેષ કારણથી પ્રગટી હતી, અત્યારે એ કારણ રહ્યું નથી, એટલે એ અત્યારે રહી પણ ન શકે. એ કારણ ન રહે ત્યારે એનાથી જન્મેલી પ્રીતિ પણ નિવૃત્ત થઈ જાય છે.
હું તારો પ્રિય બની શકું એવું કયું કારણ છે? મને ખાઈ જવા સિવાય કોઈ કારણ છે? અત્યારે તારો જે સ્વાર્થ છે તે હું સારી રીતે જાણું છું. કાળ જ કારણને બદલે છે, સ્વાર્થ તેનું અનુસરણ કરે છે, બુદ્ધિમાન પુરુષ સ્વાર્થના વિષયને ઓળખે છે, એટલે જ લોકો પ્રાજ્ઞ પુરુષોનું અનુકરણ કરે છે. સ્વાર્થ જાણનારા વિદ્વાનો વિશે આવું વચન કહેવું તને યોગ્ય નથી. તું મારા માટે જે સ્નેહ દાખવે છે તે અસમય છે, તારા એ સ્નેહનું કારણ સ્વાર્થ છે. હું પણ મારા સ્વાર્થને કારણે વિચલિત થઈ શકતો નથી. સંધિ-વિગ્રહ વિશે મારો વિચાર સુનિશ્ચિત છે. આ બધા સંધિ-વિગ્રહો ક્ષણે ક્ષણે વાદળની જેમ અનેક રૂપ ધારણ કરે છે. તું આજે જ મારો શત્રુ થઈને અત્યારે મારો મિત્ર થઈ શકે છે, અને આજે પાછો મારો શત્રુ બની શકે છે. એ રીતે સ્વાર્થ-યોગોની કેવી ચપલતા છે તે જો. પહેલાં જ્યારે યોગ્ય કારણ હતું ત્યારે આપણી વચ્ચે મૈત્રી હતી, પણ કાળે જેનું નિર્માણ કર્યું હતું તે કારણ હવે નથી એટલે તે મૈત્રી પણ નથી. તું સ્વાભાવિક રીતે જ મારો શત્રુ હતો, પણ બીજા વેરીથી મારી રક્ષા કરવાનું સામર્થ્ય તારામાં હતું એટલે મિત્ર થયો હતો, એ મિત્રતાનું કાર્ય હવે પૂરું થયું છે, હવે તારા સ્વભાવે સહજ શત્રુભાવ મેળવી લીધો છે. હું પ્રાચીન આચાર્યોએ સર્જેલાં નીતિશાસ્ત્રોને જાણું છું, એટલે હું કેવી રીતે એ જાળમાં પ્રવેશું તે તું મને કહે. હું તારા શૌર્યને કારણે આપત્તિયુક્ત થયો છું, તું પણ મારી શક્તિના પ્રભાવે સંકટમુક્ત થયો છે, એટલે પરસ્પરનો અનુગ્રહ હવે નથી, એટલે હવે આપણે એકબીજાને મળવાની જરૂર નથી. હે સૌમ્ય, અત્યારે તું કૃતાર્થ થયો છે, મારું પ્રયોજન પણ પાર પડ્યું છે, એટલે મારું ભક્ષણ કરવા સિવાય તારે મારી સંગતનું કોઈ કાર્ય નથી. હું ભક્ષ્ય છું, તું ભોક્તા છે. હું નિર્બળ છું, તું બળવાન છે, આવા અસમાન સંબંધે આપણા બેની સંધિ થઈ શકતી નથી. અત્યારે તારા બુદ્ધિકૌશલના સંદર્ભે એમ જણાય છે કે આપત્તિમાં મુક્ત થયા પછી તું ભક્ષ્યની ઇચ્છા કરી રહ્યો છે. તું ભક્ષ્ય માટે જ બંધાયો હતો, મારી સહાય વડે મુક્ત થઈને હવે ભૂખે પીડાય છે. અત્યારે તું શાસ્ત્રસિદ્ધ બુદ્ધિનો આધાર લઈ મને ખાઈ જઈશ. મને ખબર છે કે તું ભૂખ્યો છે, તારા ભોજનનો સમય થયો છે. એટલે મને લક્ષ્ય બનાવીને તું સંધિ કરી, પોતાનું ભક્ષ્ય શોધી રહ્યો છે. મિત્ર, તું સ્ત્રી અને પુત્રોની વચ્ચે રહીને મારી સાથે સંધિ કરવા મથી રહ્યો છે. હું આ વાતમાં સંમત થતો નથી. તારી પ્રિય સ્ત્રી અને પુત્ર તારા ઉપર પ્રેમ રાખે છે, તારી સાથે તેઓ મને જોઈ આનંદિત થઈ મને શું નહીં ખાય? સમાગમનું કારણ પૂરું થયું છે, હવે હું તને ફરી મળીશ નહીં. જો તું મારા શુભ કર્મ માટે કૃતજ્ઞ છે તો મારા કલ્યાણની ચિંતા કર. જે અસત્ શત્રુ કલેશયુક્ત, ભૂખ્યો અને પોતાને માટે ભોજન શોધી રહ્યો હોય તેના સકંજામાં કયો બુદ્ધિમાન આવશે? તારું કલ્યાણ થાઓ. હું જઉં છું. હું તારાથી દૂર રહીને પણ વ્યાકુળ થઉં છું, હે લોમશ, એટલે હું તને મળી નહીં શકું, તું પાછો જા. બળવાન સાથે સંબંધ રાખવાનું દુર્બળ માટે ક્યારેય પ્રશંસાપાત્ર નીવડતું નથી. જે બળવાન હોય અને શાંતભાવથી જીવતો હોય તો પણ મારે એનાથી સદા ડરવું જોઈએ. તારે બીજું કોઈ પ્રયોજન હોય તો કહે, હું તારા માટે શું કરું? તારે જોઈતી બધી વસ્તુઓ આપી શકીશ. પરંતુ આત્મપ્રદાન નહીં કરી શકું. પોતાની જાત માટે સંતતિ, ધન, રત્ન, રાજ્યનો પણ ત્યાગ કરી શકાય છે, પોતાના સર્વસ્વનો ત્યાગ કરીને પણ પોતાની રક્ષા કરવી જોઈએ. મેં સાંભળ્યું છે કે પોતાની રક્ષા માટે જે ધન, રત્ન, ઐશ્વર્ય શત્રુને આપી દે છે તે સઘળું જીવતા રહો તો પાછું મળી શકે છે, આવું બન્યું છે. ધન, રત્નોની જેમ પોતાની જાતને શત્રુના હાથમાં સોંપી દેવી ઇષ્ટ નથી. પત્ની અને ધનનો ત્યાગ કરીને પણ પોતાની રક્ષા કરવી જોઈએ. જે પુરુષ આત્મરક્ષામાં તત્પર થઈને વિચારપૂર્વક કાર્ય કરે છે તેમને પોતાના દોષને કારણે આપત્તિ નડતી નથી. જે નિર્બળ પ્રાણી બળવાન શત્રુઓનો બરાબરનો તાગ મેળવે છે તેમની, આત્માર્થ પ્રગટ કરતી બુદ્ધિ કદી વિચલિત થતી નથી.
પલિત ઉંદરે જ્યારે માર્જારની સ્પષ્ટ નિંદા કરી ત્યારે માર્જાર શરમાઈ જઈને ઉંદરને કહેવા લાગ્યો,
‘હું જાણું છું કે તું મારો હિતેચ્છુ છું, અને આ તારી ઉત્તમ બુદ્ધિનું પરિણામ છે, તેં અર્થશાસ્ત્રની યથાર્થ આલોચના કરીને નીતિશાસ્ત્રનો સાર કહ્યો અને મારો ભિન્ન ભાવ જોઈ આ બધી વાત કરી. હે સાધુ, મને ખોટી રીતે સમજવાનું તારા માટે અયોગ્ય છે. તેં મને જીવતદાન આપ્યું છે એટલે મારી તારી મૈત્રી થઈ છે. હું ધર્મજ્ઞ, ગુણજ્ઞ, વિશેષ કરીને કૃતજ્ઞ અને મિત્રવત્સલ છું તારામાં અનુરક્ત થયો છું. એટલે મારી આગળ આવું આચરણ કરવું યોગ્ય નથી. તું કહે તો હું બાંધવો સમેત પ્રાણત્યાગ પણ કરી શકું છું. હે ધર્મજ્ઞ, પંડિતોએ મારા જેવા મનસ્વી પુરુષોના સંદર્ભે મરણને ધિક્કારથી જ જોયું છે. મારા વિશે તારે શંકા કરવાની જરૂર નથી.’
બિલાડાએ આ પ્રકારે પ્રશંસા કરી તે છતાં ઉંદરે માનસિક રીતે ગંભીર બિલાડાને કહ્યું,
‘હે મિત્ર, તું સાધુ છે આ વાત મેં સાંભળી. તારી વાતનો મર્મ જાણીને હું પ્રસન્ન છું, પરંતુ અત્યારે હું તારા પર વિશ્વાસ મૂકી શકતો નથી. તું પ્રશંસા કરીને કે ધન વડે મને વશ કરી શકીશ નહીં. હે સખા, પ્રાજ્ઞ પુરુષ વિના કારણે શત્રુના વશમાં નથી આવતા. આ વિશે શુક્રાચાર્યે બે ગાથા કહી છે તે સાંભળ:
જ્યારે પોતા ઉપર અને શત્રુ ઉપર એક જ પ્રકારની વિપત્તિ આવે ત્યારે નિર્બળ મનુષ્ય બળવાન શત્રુ સાથે સંધિ કરી સાવધ રહી પોતાનું કાર્ય પૂરું કરે અને કાર્ય પૂરું થયા પછી શત્રુનો વિશ્વાસ ન કરે. આ બધી અવસ્થાઓમાં પોતાના જીવનની રક્ષા કરવી યોગ્ય છે. જીવતા રહો તો જ દ્રવ્ય, સંતતિ રહે છે. કોઈનોય વિશ્વાસ ન કરવો શ્રેષ્ઠ છે. આ બધાં જ નીતિશાસ્ત્રોનો સંક્ષિપ્ત ઉપદેશ છે. મનુષ્ય માત્રનો અવિશ્વાસ કરવો પોતાના માટે અત્યંત હિતકારક છે. મનુષ્ય નિર્બળ હોવા છતાં સાવધાન રહીને કોઈનો વિશ્વાસ નહીં કરે તો તે શત્રુઓથી હણાશે નહીં, અને જો મનુષ્ય બળવાન થઈને પણ શત્રુનો વિશ્વાસ કરશે તો તે દુર્બળ શત્રુઓ દ્વારા પણ નાશ પામશે. હે માર્જાર, એટલે તારા જેવાઓથી બચીને આત્મરક્ષા કરવી યોગ્ય છે. તું પણ તારા શત્રુ, પાપી જાતિ ચાંડાલથી તારી રક્ષા કર.’
બિલાડો ઉંદરનું આવું વચન સાંભળીને ચાંડાળથી ભય પામીને શીઘ્રતાથી ત્યાંથી ભાગીને પોતાના દરમાં ઘૂસી ગયો. શાસ્ત્રાર્થ અને તત્ત્વનો જાણકાર ઉંદર પોતાની બુદ્ધિનું સામર્થ્ય પ્રદર્શિત કરી બીજા દરમાં પ્રવેશ્યો.
આ રીતે બુદ્ધિશાળી પલિત ઉંદરે એકલો અને નિર્બળ હોવા છતાં પોતાના બુદ્ધિબળ વડે શત્રુઓને સમીપથી જ પરાજિત કરી મુક્તિ મેળવી.
{{Right | (શાંતિપર્વ, ૧૩૬) }} <br>
=== પૂજની ચકલીની કથા ===
કાંપિલ્યના રાજા બ્રહ્મદત્તના અંત:પુરમાં પૂજની નામની ચકલી ઘણા સમયથી એમની સાથે રહેતી હતી. તે જીવજીવક પક્ષીની જેમ બધાં પ્રાણીઓની બોલી સમજી શકતી હતી અને તિર્યક્ જાતિમાં જન્મી હોવા છતાં સર્વજ્ઞ હતી, બધા જ ધર્મતત્ત્વની જાણકાર હતી. પૂજનીએ તે રાજમંદિરમાં એક સુંદર તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, તે જ અરસામાં રાણીને પણ એક પુત્ર જન્મ્યો. પૂજની સમુદ્રકિનારે હરતાંફરતાં બે ફળ લાવતી હતી, એક પોતાના પુત્ર માટે અને બીજું રાજપુત્ર માટે. આ રીતે તે અમૃત સમાન સ્વાદવાળા, બળ અને તેજની વૃદ્ધિ કરનારાં બે ફળમાંથી એક ફળ પોતાના પુત્રને આપતી હતી અને બીજું ફળ રાજપુત્રને આપતી હતી. રાજપુત્ર તે ફળ ખાઈને ખૂબ જ હૃષ્ટપુષ્ટ થયો. એક દિવસ તે રાજપુત્ર ધાત્રીના ખોળામાં બેસીને તે પક્ષીના બચ્ચા સાથે રમવા લાગ્યો. ત્યાર પછી તે રાજપુત્રે પોતાની સાથે જન્મેલા એ પક્ષીને કોઈ સૂના સ્થાને લઈ જઈ તેને મારી નાખ્યો અને પછી ધાત્રીના ખોળામાં પાછો બેસી ગયો. ત્યાર પછી પૂજની ફળ લઈને આવી અને ત્યાં તેણે રાજપુત્રે મારી નાખેલા અને જમીન પર પડેલા પોતાના પુત્રને જોયો. પોતાના પુત્રને મરેલો જોઈ પૂજનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં અને દુઃખથી સંતપ્ત થયેલી દીન પૂજની બોલી, ‘ક્ષત્રિયમાં સહવાસનો ભાવ, પ્રીતિ, સૌહાર્દ નથી હોતાં, આ લોકો કોઈ સ્વાર્થથી પ્રેરાઈને જ બીજાઓની પૂજા કરે છે અને કાર્ય પૂરું થયા પછી આશ્રિતોનો ત્યાગ કરી દે છે. સર્વનો વિનાશ કરનારા ક્ષત્રિયો પર વિશ્વાસ કરવો નહીં, આ લોકો અપકાર કર્યા પછી પણ નિરર્થક સાંત્વન આપતા રહે છે. આજે હું આ વિશ્વાસઘાતી, ક્રૂર, કૃતઘ્ન ક્ષત્રિય બાળક સામે વેર લઈશ. સાથે સાથે જન્મીને ઉછરેલા, સાથે ભોજન કરનારા અને શરણાગતનો વધ કરવાથી તેણે ત્રણ પ્રકારનાં પાપ કર્યાં છે.’
પૂજનીએ એમ કહીને પોતાની બંને પાંખો વડે રાજપુત્રની આંખો ફોડી નાખી અને આકાશમાં જઈ તે બોલી. ‘આ સંસારમાં જે પાપ ઇચ્છા કરીને થયાં છે તેનું ફળ એ જ સમયે પાપ કરનારાને મળે છે. જેમને પાપનો બદલો મળે છે તેમનાં પહેલાનાં શુભાશુભ ફળ નષ્ટ થતાં નથી. જો કોઈએ કરેલાં પાપકર્મનું કોઈ ફળ ન દેખાય તો પણ તેના પુત્ર, પૌત્ર, સ્વજનોમાં તે પાપકર્મનું ફળ જોવા મળે છે.’
બ્રહ્મદત્તે કહ્યું, ‘હે પૂજની, અમે તારો અપરાધ કર્યો છે, તેનું વેર તેં લઈ લીધું, એટલે આપણાં બંનેનાં પલ્લાં સરખાં થઈ ગયા, એટલે તું મારા જ નિવાસમાં રહે, બીજે ન જા.’
પૂજનીએ કહ્યું, ‘જેણે જે સ્થાને એક વાર કોઈનો અપરાધ કર્યો હોય પંડિતો ત્યાં વાસ કરનારની પ્રશંસા નથી કરતા, ત્યાંથી જતા રહેવામાં જ કલ્યાણ છે.’
(પછી બંને વચ્ચે ચાલતા સંવાદમાં અપરાધ-શિક્ષા-પ્રાયશ્ચિત્તની લાંબી ચર્ચા છે.)
{{Right | (શાંતિપર્વ, ૧૩૭) }} <br>
=== વિશ્વામિત્ર, દુકાળ અને ચાંડાળ ===
ત્રેતા અને દ્વાપર યુગના સંધિ સમયે જગતમાં દૈવને કારણે બાર વર્ષ સુધી ઘોર અનાવૃષ્ટિ થઈ. ત્રેતાના અન્તે તથા દ્વાપરના આરંભે પ્રજાની ખાસ્સી વૃદ્ધિ થઈ હતી. વરસાદ ન આવ્યો એટલે પ્રલયકાળ આવી ગયો. સહાક્ષે (ઇન્દ્રે) વર્ષા ન મોકલી, બૃહસ્પતિ પ્રતિકૂળ થઈ ગયા, ચંદ્રમંડળે પોતાનાં લક્ષણ ત્યજીને દક્ષિણ માર્ગથી ગમન કર્યું હતું. તે સમયે રાત્રિના અંતે ઝાકળ પડતું ન હતું, વાદળો દેખાવાની તો વાત જ શી, નદીઓનાં પાણી આછાં થઈ ગયાં અને બીજી નદીઓ અદૃશ્ય થઈ ગઈ. મોટાં સરોવર, સરિતાઓ કૂવા, ઝરણાં દૈવવશ કે સ્વાભાવિક અનાવૃષ્ટિને કારણે પાણી વિનાનાં, પ્રભાહીન થવાથી તે અલક્ષિત બન્યાં (ત્યાં કોઈ જતું ન હતું.) જલસ્થાન જલશૂન્ય બન્યાં, પાણીના અભાવે પરબો બંધ થઈ ગઈ, બ્રાહ્મણોના યજ્ઞ, વેદાધ્યયન, વષટકાર જેવાં મંગલ કાર્યો બંધ થયાં. કૃષિકાર્ય, ગોરક્ષાનો નાશ થયો. યજ્ઞના સ્તંભ, યજ્ઞ, સમસ્ત મહોત્સવો નાશ પામ્યા. ચારે બાજુ અસ્થિ, કંકાલ પડ્યાં હતાં, પ્રજા વ્યાકુળ થઈને હાહાકાર કરતી હતી, ઘણાં બધાં નગર શૂન્ય થઈ ગયાં, ગામ, ઘર આગથી સળગી ગયાં. બધા લોકોના સ્થાન ચોરને કારણે, કોઈ સ્થળ શસ્ત્રોને કારણે, કોઈ સ્થળ રાજાને કારણે અથવા ક્ષુધાતુર મનુષ્યોથી પીડાવાને કારણે, પરસ્પરના ભયને કારણે બધાં ગામ સૂનાં અને નિર્જન થઈ ગયાં. બધાં દેવસ્થળો નાશ પામ્યાં, બાળકો અને વૃદ્ધો મૃત્યુ પામ્યા; ગાય, બકરાં, ઘેટાં, ભેંસો મરણ પામ્યાં; બધા ભૂખાળવા હતા એટલે એકબીજાની વસ્તુઓ ચોરી જતા હતા. બ્રાહ્મણો મૃત્યુના ગ્રાસ બન્યા, રક્ષકો નાશ પામ્યા, ઔષધિઓ નષ્ટ થઈ, બીજું તો શું? પૃથ્વીલોકનાં બધાં પ્રાણી શ્યામ રંગના થઈ ગયાં. આ ભયાનક કાળ વેળાએ ધર્મ નાશ પામ્યો હતો એટલે મનુષ્યો ભૂખને કારણે એકબીજાનું માંસ ખાઈને ભ્રમણ કરતા હતા. અગ્નિના ઉપાસકો જપ, હોમ, નિયમ ત્યજીને, આશ્રમમાંથી ભાગી જઈને આમતેમ દોડતા હતા. બુદ્ધિમાન વિશ્વામિત્ર મહર્ષિ ભૂખે પીડાઈને ઘરબાર ત્યજી દઈ ચારે બાજુ દોડતા હતા. તેઓ એક વેળા વનની વચ્ચે પ્રાણઘાતક હિંસક ચાંડાળોની વસતીમાં જઈ ચઢ્યા. ત્યાં જઈને જોયું તો એ સ્થળ ભાંગેલા ઘડા, કૂતરાના ચામડાને ચીરનારાં હથિયાર, વરાહ, ગર્દભનાં તૂટેલાં હાડકાં, ઘટ વગેરેથી ભરચક હતું. મૃત્યુ પામેલા મનુષ્યોનાં વસ્ત્રો ચારે બાજુ હતાં, તેમનાં ઘર ઉતારી લીધેલી પુષ્પમાળાઓથી સજાયેલાં હતાં; તેમની ઝૂંપડીઓ સાપની કાંચળીઓથી સુશોભિત થયેલી હતી. તેમના દેવાલયે ઘુવડની પાંખોની ધજાઓ હતી, તે સ્થળો લોખંડની ઘંટડીઓથી શોભતાં હતાં, કૂતરાંના ટોળેટોળાં ત્યાં હતાં. મહર્ષિ ગાધિપુત્ર ક્ષુધાતુર થઈને ખાદ્ય પદાર્થો શોધવા પ્રયત્ન કરતા હતા. પરંતુ ભિક્ષા માગવા છતાં ક્યાંયથી તેમને માંસ, અન્ન, મૂળ, ફળ તથા બીજી કશી ભોજનની સામગ્રી મળી નહીં. ‘અરેરે, શી વિપદ આવી ચઢી છે.’ એમ વિચારીને વિશ્વામિત્ર નબળાઈને કારણે એ જ વસતીમાં એક ઘર આગળ ભૂમિ પર પડી ગયા. શું કરવાથી મારું ભલું થશે અને કઈ રીતે વગર અન્ને મારું નિરર્થક મૃત્યુ ન થાય એવી ચિંતા તે કરવા લાગ્યા. મુનિએ ચિંતા કરતાં કરતાં જોયું કે ચાંડાળને ત્યાં તાજેતરમાં જ શસ્ત્રથી મારેલા કૂતરાના માંસનો ટુકડો પડ્યો હતો. તે જોઈને મુનિ વિચાર કરવા લાગ્યા, અત્યારે જીવ બચાવવા માટે મારી પાસે બીજો કોઈ ઉપાય નથી, એટલે મારે માંસની ચોરી કરવી પડશે. આપત્તિ કાળમાં પ્રાણરક્ષા માટે બ્રાહ્મણે શ્રેષ્ઠ, સમાન કે હલકા મનુષ્યોના ઘરમાં ચોરી કરવી યોગ્ય છે, આ ચોરી નથી કહેવાતી એવું શાસ્ત્ર કહે છે. સૌથી પહેલાં હલકા માણસના ઘરમાંથી, પછી સમાન વ્યક્તિના ઘરમાંથી, અને એ પણ અસંભવ લાગે ત્યારે વિશિષ્ટ ધાર્મિકોના ઘરમાંથી ચોરી કરવી જોઈએ. એટલે જીવ જઈ રહ્યો છે ત્યારે આ ચાંડાલોના ઘરમાંથી કૂતરાનું માંસ ચોરીશ, કોઈની પાસેથી દાન લેવામાં જે દોષ છે તેનાથી વધારે દોષ મને આ ચોરીમાં દેખાતો નથી. મહામુનિ વિશ્વામિત્ર આવી બુદ્ધિથી ચાંડાલ રહેતા હતા ત્યાં સૂઈ ગયા. જ્યારે રાત ગાઢ અંધકાર વ્યાપ્યો અને ચાંડાલના ઘરના સૂઈ ગયા ત્યારે ભગવાન ધીમે રહીને ઊઠ્યા અને તેની ઝૂંપડીમાં પ્રવેશ્યા. તે કુરૂપ ચાંડાળ શ્લેષ્મયુક્ત આંખે નિદ્રાધીન લાગતો હતો પણ તે જાગતો હતો, મુનિને આવતા જોઈને રુક્ષ અને ફાટેલા અવાજે કહેવા લાગ્યો, ‘બધા સ્વજનો સૂઈ ગયા છે, એકલો હું જ જાગું છું, ત્યારે અત્યારે મારા ઘરમાં પેસીને માંસ ચોરવા કોણ દંડ ઉખાડે છે? હવે તું મરી જ ગયો જાણજે.’ એટલે વિશ્વામિત્ર ચોરીને કારણે વ્યાકુળ અને શરમિંદા થઈને તે સામે જ આવેલા ભયને જોઈને બોલ્યા, ‘એ તો હું.’
પવિત્ર અંત:કરણવાળા મહર્ષિનું આવું વચન સાંભળીને ચાંડાલ શંકિત ચિત્તે પથારીમાંથી બેઠો થઈ તેમની પાસે આવ્યો. બંને આંખોમાંથી આંસુ વહેવડાવતો, સમ્માનપૂર્વક હાથ જોડી તે વિશ્વામિત્રને કહેવા લાગ્યો, ‘હે બ્રહ્મન્, આટલી રાતે તમારે શું જોઈએ છે?’
ચાંડાળને ધીરજ બંધાવીને વિશ્વામિત્રે કહ્યું, ‘હું બહુ ભૂખ્યો છું, એટલે મરવા જેવો થઈને તારા ઘરમાંથી આ કૂતરાનું નિકૃષ્ટ માંસ લઈ જઈશ. મારો જીવ નીકળી રહ્યો છે, ક્ષુધાને કારણે મારી સ્મૃતિ નાશ પામી રહી છે, સ્વધર્મ સારી રીતે જાણતો હોવા છતાં હું કૂતરાનું માંસ ચોરી જવા તૈયાર થયો છું. મેં તમારી વસતીમાં ઘેર ઘેર ભિક્ષા માગી, ક્યાંય ન મળી એટલે અત્યારે પાપ કરવા તૈયાર થયો છું, હું આ કૂતરાનું નિકૃષ્ટ માંસ લઈ જઈશ. હું ભૂખે પીડાતો, પાપથી ઘેરાયેલો હું અહીં આવ્યો છું. ભોજનની ઇચ્છાવાળા એવા પુરુષને લાજશરમ હોતાં નથી. અત્યારે ભૂખને કારણે હું દૂષિત થયો છું. હું આ કૂતરાનું નિકૃષ્ટ માંસ લઈ જઈશ. અગ્નિદેવ બધા જ દેવતાઓના મુખ છે, પુરોહિત હોવાને કારણે પવિત્ર વસ્તુઓનું જ ભક્ષણ કરે છે, તેમને પણ સમય આજે સર્વભુક્ત (બધું જ ખાનારો) થવું પડે છે. એટલે હું સર્વભક્ષી થવા છતાં ધર્માનુસાર તો બ્રાહ્મણ જ છું.’
ચાંડાળે કહ્યું, ‘હે મહર્ષિ, મારી વાત સાંભળો. તે સાંભળીને જેનાથી તમારો ધર્મનાશ આ સંજોગોમાં નષ્ટ ન થાય એવું અનુષ્ઠાન કરો. પંડિતો કૂતરાં કરતાં શિયાળને નિકૃષ્ટ માને છે; તેની સાથળનું માંસ શરીરના ઉપલાભાગ કરતાં વધારે નિકૃષ્ટ હોય છે. હે મહર્ષિ, તમે જે નિશ્ચય કર્યો છે તે ઉત્તમ કાર્ય નથી. ચાંડાળનું અભક્ષ્ય માંસ લઈ જવું અત્યંત નીચ કર્મ છે. જીવવા માટે કોઈ બીજો ઉપાય વિચારો. હે મહામુનિ, માંસલોભથી તમારી તપસ્યા નષ્ટ થવી ન જોઈએ. તમે શાસ્ત્રોક્ત માર્ગ જાણો છો, તો પછી ધર્મસંકટ કરવું યોગ્ય નથી, તમે ધર્મજ્ઞોમાં અગ્રણી છો તો ધર્મનો ત્યાગ ન કરો.’
ચાંડાળની આ વાત સાંભળીને ભૂખે પીડાતા મહામુનિ વિશ્વામિત્રે ઉત્તર આપ્યો. ‘ભૂખ્યા પેટે રખડી રખડીને મેં બહુ સમય વીતાવ્યો છે, હવે પ્રાણ ટકાવવા માટે બીજો કોઈ ઉપાય નથી. જ્યારે જીવ જઈ રહ્યો હોય ત્યારે જે કોઈ કાર્ય વડે જીવિત રહેવાતું હોય તે કરવું, ત્યાર પછી સામર્થ્ય આવે ત્યારે ધર્માચરણ કરવું. ક્ષત્રિય માટે ઇન્દ્રની જેમ પાલન કરવું તે ધર્મ છે. અગ્નિની જેમ બ્રાહ્મણ માટે સર્વભક્ષી થવું એ ધર્મ છે. વેદ રૂપી અગ્નિ મારું બળ છે. હું એ જ બળનો આધાર લઈ અભક્ષ્ય માંસ ખાઈને અત્યારે ભૂખ શમાવીશ. જે કોઈ ઉપાયે જીવન ધારણ થઈ શકે, એવો પીડારહિત પ્રયત્ન કરવો જોઈએ. જીવન મૃત્યુ કરતાં શ્રેષ્ઠ છે, જીવતા રહીશું તો ફરી ધર્માચરણ કરી શકાશે. એટલે હું પ્રાણ ટકાવવા જ્ઞાનપૂર્વક અભક્ષ્ય ખાવા ઉદ્યત થયો છું. તું મને સાથ આપ. હું જીવતો રહીને ધર્માચરણ કરીશ, જેવી રીતે સૂર્ય વગેરે ઘોર અંધકારનો નાશ કરે છે એવી રીતે વિદ્યા અને તપોબળથી બધાં અશુભ કર્મોનો નાશ કરીશ.’
ચાંડાળે કહ્યું, ‘આ અભક્ષ્ય માંસ ખાઈને કોઈ પરમ આયુ મેળવી શકતો નથી, પ્રાણશક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી, અમૃતપાનની જેમ તૃપ્તિ થતી નથી. એટલે તમે કોઈ બીજી ભીખ માગો, કૂતરાના માંસમાં જીવ ન પરોવો, બ્રાહ્મણો માટે કૂતરો અભક્ષ્ય છે.’
વિશ્વામિત્રે કહ્યું, ‘આ દુર્ભિક્ષના સમયે બીજું માંસ સુલભ નથી, બીજું અન્ન મળવાનોય સંભવ નથી. મારી કશી સંપત્તિ નથી. હું ક્ષુધા નિમિત્તે નિરુપાય છું. નિરાશ છું, એટલે આ કૂતરાના માંસમાંથી ખટરસનો સ્વાદ લેવો ઉત્તમ માનું છું.’
ચાંડાળે કહ્યું, ‘હે દ્વિજ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો માટે પાંચ પ્રકારના પાંચ નખવાળા પશુ જ આપત્તિના સમયે ભક્ષ્ય માન્યા છે. આ બાબતમાં તમે જો શાસ્ત્રને પ્રમાણ માનો છો તો અભક્ષ્ય વસ્તુ ખાવા તત્પર ન થાઓ.’
વિશ્વામિત્રે કહ્યું, ‘અગસ્ત્ય મુનિએ ભૂખને કારણે વાતાપિ નામના અસુરનું ભક્ષણ કર્યું હતું, હું પણ આપત્તિગ્રસ્ત છું, ક્ષુધાર્ત છું, એટલે કૂતરાનું મહાનિકૃષ્ટ માંસ આરોગીશ.’
ચાંડાળે કહ્યું, ‘તમે બીજી કોઈ ભિક્ષા લઈ આવો. આમ અભક્ષ્યનું ભક્ષણ કરવું તમારા માટે યોગ્ય નથી. આ તમારું કર્તવ્ય નથી, અને છતાં જો તમારી ઇચ્છા હોય તો કૂતરાનું માંસ લઈ જાઓ.’
વિશ્વામિત્રે કહ્યું, ‘ધર્માચરણની બાબતમાં શિષ્ટ પુરુષો જ દૃષ્ટાંત રૂપ છે, એટલે હું તેમનાં ચરિત્રોનું અનુસરણ કરીશ. આ કૂતરાનું માંસ પવિત્ર સામગ્રી જેટલું જ ભક્ષણયોગ્ય છે.’
ચાંડાળે કહ્યું, ‘આ સાધુ પુરુષે જેવું આચરણ કર્યું હોય તે સનાતન ધર્મ નથી. ન કરવા જેવું કાર્ય કરવું તમારા માટે યોગ્ય નથી. છળ કરીને પાપમય કાર્ય ન કરો.’
વિશ્વામિત્રે કહ્યું, ‘કોઈ ઋષિ જેને પાતક કહેવાય અથવા જેની નિંદા કરી હોય એવું કોઈ કાર્ય કરતા નથી. પરંતુ અત્યારે હું કૂતરો અને હરણ બંનેને સરખા ગણું છું, હું કૂતરાનું નિકૃષ્ટ માંસ ખાઈશ.’
ચાંડાળે કહ્યું, ‘વાતાપિ બ્રાહ્મણોને ખાઈ જતો હતો એટલે મહર્ષિ અગસ્ત્યે બ્રાહ્મણોની પ્રાર્થના પ્રમાણે તેનું ભક્ષણ કર્યું હતું. એવી સ્થિતિમાં નરમાંસ ભક્ષણ દોષયુક્ત નથી. જેમાં પાપનો સ્પર્શ ન હોય તે ધર્મ છે અને બધા જ પ્રકારના ઉપાય વડે બ્રાહ્મણોની રક્ષા કરવી યોગ્ય હતી.’
વિશ્વામિત્રે કહ્યું, ‘હું બ્રાહ્મણ છું. મારા માટે આ મારું શરીર જ પરમ પ્રિય અને પૂજનીય મિત્ર છે, આ શરીરની રક્ષા માટે આ નિકૃષ્ટ માંસ લઈ જવા માગું છું. એટલે આવાં નૃશંસ કાર્યોનો મને ભય નથી લાગતો.’
ચાંડાળે કહ્યું, ‘હે વિદ્વદ્જન, સાધુપુરુષો પોતાના જીવનનો ત્યાગ કરે છે, તેઓ કોઈ અભક્ષ્યનું ભક્ષણ કરવામાં પ્રવૃત્ત નથી થતા, તેઓ ક્ષુધા પર વિજય મેળવીને આ લોકમાં સમસ્ત કામના પ્રાપ્ત કરે છે, એટલે તમે પણ ક્ષુધાના વેગને સહી લો અને ઇચ્છાનુસાર પ્રીતિલાભ મેળવો.’
વિશ્વામિત્રે કહ્યું, ‘પાપકર્મ કરીને પ્રાણત્યાગ કરવાથી પરલોકમાં શું થશે તેમાં સંશય થાય છે તે બરાબર, પણ એમ કરવાથી બધાં પુણ્યમય કર્મોનો નાશ થશે એમાં સંશય નથી. એટલે હું જીવનરક્ષા પછી વ્રતાદિમાં તત્પર રહી પ્રાયશ્ચિત્ત કરીશ. અત્યારે ધર્માચરણનું મુખ્ય સાધન શરીર છે તેની રક્ષા કરવી ઉચિત છે, એટલે જ હું અભક્ષ્ય માંસનું ભક્ષણ કરવા પ્રવૃત્ત થયો છું.’
ચાંડાલે કહ્યું, ‘હું ચોક્કસપણે માનું છું કે આ પતિત દુઃખદ કાર્યથી તમારે તમારી રક્ષા કરવી જોઈએ. જો બ્રાહ્મણ દુષ્કર્મ કરે તો તેમનું બ્રાહ્મણત્વ જતું રહે છે, એટલે જ હું તમને અટકાવું છું.’
વિશ્વામિત્રે કહ્યું, ‘દેડકા મોટે અવાજે બોલ્યા કરે છે, ગાયો કદી પાણી પીવાનું બંધ કરતી નથી. તને ધર્મોપદેશ કરવાનો જરાય અધિકાર નથી. એટલે તું આત્મપ્રશંસા ન કર.’
ચાંડાલે કહ્યું, ‘હે દ્વિજ, તમારા ઉપર મને દયા આવે છે એટલે સુહૃદભાવે હું આ ધર્માચરણનો ઉપદેશ આપું છું. જો તે તમને કલ્યાણદાયક લાગે તો એમ કરો, પણ લોભને કારણે કૂતરાનું માંસ ખાવાનું પાપ ન કરો.’
વિશ્વામિત્રે કહ્યું, ‘જો તું મારો સુહૃદ અને શુભેચ્છક હોય તો આ આપત્તિમાંથી મને ઉગાર. હું મારો ધર્મ જાણું છું, તું મને આ કૂતરાનું માંસ આપ.’
ચાંડાલે કહ્યું, ‘હે વિપ્ર, આ કૂતરાનું માંસ મારું ભક્ષ્ય છે, હું તમને તેનું દાન કરી શકતો નથી. મારા દેખતાં તમે એ લઈ જશો તો તેની ઉપેક્ષા કરી નહીં શકું. હું એનું દાન કરું અને તમે બ્રાહ્મણ થઈ એનું દાન સ્વીકારો તો આપણે બંને નરકમાં જઈશું.’
વિશ્વામિત્રે કહ્યું, ‘જો આજે હું પાપાચરણ કરીને શરીર રક્ષા કરતાં જીવતો રહીશ તો ભવિષ્યમાં પરમ પવિત્ર ધર્માચરણ કરીશ. હું પવિત્ર થઈને ધર્મ પામીશ, ઉપવાસ કરીને શરીરનો ત્યાગ કરવો અને અભક્ષ્યનું ભક્ષણ કરીને જીવતા રહેવું — આ બેમાં શું ચઢિયાતું છે તે મને કહે.’
ચાંડાળે કહ્યું, ‘વંશપરંપરાથી પ્રચલિત ધર્મ સંપાદનના વિષયમાં તો આત્મા જ સાક્ષી છે, એટલે આમાં પાપ છે કે નહીં એને તમે જ જાણો. જે વ્યક્તિ કૂતરાના માંસને ભક્ષ્ય કહીને તેનો આદર કરે છે, એને માટે બીજી કોઈ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય નથી.’
વિશ્વામિત્રે કહ્યું, ‘અભક્ષ્ય વસ્તુ ગ્રહણ કરવાથી કે તેનું ભોજન કરવાથી પાપ લાગે છે, એ હું માનું છું. પણ પ્રાણ જઈ રહ્યા હોય ત્યારે તે દોષયુક્ત નથી. આવાં શાસ્ત્રોમાં અપવાદ છે, જેમાં હિંસા કે મિથ્યા વ્યવહાર નથી, જે કાર્ય કરવાથી જનસમાજની વચ્ચે ખૂબ ટીકાપાત્ર નથી બનતા, એમ અભક્ષ્યભક્ષણ બહુ ભારે પાપનું કારણ નથી, જે આપત્તિના સમયમાં નિષેધ કરતાં વાક્યો છે તે આદરણીય નથી.’
ચાંડાળે કહ્યું, ‘જો અભક્ષ્યનું ભક્ષણ કરીને જ પ્રાણરક્ષા કરવી એ તમારું મુખ્ય કારણ હોય તો વેદ તથા અન્ય ધર્મ તમારી આગળ કશું જ નથી. દ્વિજવર, તમે અભક્ષ્ય ભક્ષણ કરવા માટેના આગ્રહો જણાવો છો ત્યારે ખાદ્યાખાદ્ય વસ્તુઓમાં કોઈ દોષ જ નથી એવું જણાય છે.’
વિશ્વામિત્રે કહ્યું, ‘અભક્ષ્ય ભોજન કરવાથી પાપ લાગે છે એવું શાસ્ત્રમાં કહ્યું નથી. સુરાપાન કરવાથી બ્રાહ્મણ પતિત થાય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે, બીજાં કર્મ નિષિદ્ધ છે, એમ અભક્ષ્ય ભક્ષણ પણ નિષિદ્ધ છે. આપત્તિકાળમાં કરેલાં સામાન્ય પાપથી પુણ્યકર્મ ઓછું નથી થતું!’
ચાંડાળે કહ્યું, ‘જે અયોગ્ય સ્થાનેથી, અનુચિત કર્મથી નિષિદ્ધ વસ્તુ લેવા માગે છે એ વિદ્વાનને તેનો સદાચાર જ અધર્મ આચરવામાંથી રોકે છે, પણ જે નીચ જાતિ ચાંડાલના ઘરમાંથી આગ્રહપૂર્વક કૂતરાનું માંસ લેવા માગે છે તેને તો ખરે જ દંડિત થવું પડે છે.’
ચાંડાળ તે સમયે મહર્ષિ વિશ્વામિત્રને આટલું કહીને નિવૃત્ત થયો. બુદ્ધિમાન વિશ્વામિત્ર માંસ લઈને જ ગયા. નિશ્ચય કરીને બેઠા હતા, એટલે કૂતરાનું નિકૃષ્ટ માંસ લઈને જ ગયા. તેઓ જીવન ટકાવી રાખવાની ઇચ્છાથી માંસ લઈને વનમાં પત્નીની સાથે ગયા.
તે જ વેળાએ વાસવે (ઇન્દ્રે) પ્રજાને સજીવન કરવા બહુ પાણી વરસાવ્યું, તેનાથી અન્ન વગેરે ઔષધિઓ ઉગાડી.
ભગવાન વિશ્વામિત્ર પણ ખાસ્સો સમય તપસ્યા કરીને પાપ બાળીને પરમ અદ્દભુત સિદ્ધિને વર્યા.
{{Right | (શાંતિપર્વ, ૧૩૯) }} <br>
=== કબૂતર અને કબૂતરીની કથા ===
કોઈ એક સ્થળે યમરાજ જેવા વિકટ રૂપવાળો ઘોર પાપી પક્ષીલોભી નિષાદ ભ્રમણ કરતો હતો. તેનું શરીર કાકોલ જેવું કાળું હતું, તે દયાહીન, પાપી હતો; તેની કમર પાતળી, ગરદન કૃશ, પગ નાના અને હડપચી લાંબી હતી. તે ઘોર કર્મ કરતો હતો એટલે તેને કોઈ સુહૃદ, સંબંધી, બાંધવ ન હતા, બધાએ તેનો ત્યાગ કર્યો હતો. આ નિષાદ જાળ હાથમાં રાખીને વનમાં સદા પક્ષીઓને મારીને તેમને વેચતો હતો. આ દુષ્ટાત્માએ આ વ્યવસાયમાં ઘણો સમય વીતાવ્યો, પોતાના કાર્યથી જે અધર્મ થતો હતો તેને તે જાણી ન શક્યો. તે આમ ભાર્યાની સાથે વિહાર કરતો સમય વીતાવતો હતો, દૈવયોગે મૂઢતાને કારણે બીજા કોઈ કામધંધામાં જવાની તેને વૃત્તિ ન થઈ.
એક વખત તે વનમાં ઘૂમી રહ્યો હતો ત્યારે ચારેકોરથી પ્રચંડ આંધી આવી, પવનનો વેગ વૃક્ષોને ઉખાડી પાડવા માગતો હોય તેવો લાગ્યો. જેવી રીતે સમુદ્ર નૌકાઓથી પરિપૂર્ણ હોય છે તેવી રીતે આકાશ મુહૂર્ત માત્રમાં વાદળ અને વીજળીથી છવાઈ ગયું. ખૂબ જ રાજી થયેલા ઇન્દ્રે જળધારાઓ વડે ક્ષણવારમાં વસુંધરાને સલિલ(પાણી)થી છલકાવી દીધી. ત્યારે તે નિષાદ ચેતનારહિત થઈને અને ઠંડીથી ધ્રૂજતો વ્યાકુળ ચિત્તે વનમાં ભટકવા લાગ્યો, તેને ઊંચીનીચી જમીનનો ખ્યાલ આવતો ન હતો, તેનો માર્ગ અને વનના માર્ગો પાણીથી ભરાઈ ગયા હતા. પવનના વેગથી પક્ષીઓ ભૂમિ પર પડી ગયાં હતાં, કેટલાંક પોતાના માળામાં લપાઈને બેઠાં હતાં. હરણ, સિંહ, વરાહ ઊંચા સ્થળે બેઠા હતા. જંગલી જીવો પ્રચંડ વાયુ અને વરસાદથી ત્રાસીને, ભયથી પીડાઈને અને ભૂખને કારણે વનમાં બધાં એક સાથે ભમી રહ્યા હતા. તે નિષાદ ઠંડીથી ધ્રૂજતો આગળ જઈ રહ્યો હતો, તે એક જગાએ ઊભો ન રહ્યો. એટલામાં જ તેણે વનમાં મેઘ જેવી વનસ્પતિને જોઈ. ત્યાર પછી ખીલેલા કુમુદદળવાળા પાણીથી ભરેલા મોટા તળાવની જેમ આકાશમંડળ થોડી જ વારમાં તારાઓથી શોભવા લાગ્યું. ઠંડીથી ધ્રૂજતા વ્યાધે વાદળો વિનાના આકાશ જોયું. તે દુરાત્માએ બધી દિશાઓ અને સીમાઓ જોઈ. અહીંથી તો મારું ગામ અને મારું ઘર બહુ દૂર છે. એમ વિચારીને તેણે તે વનમાં જ રાત્રિ વીતાવવાનો નિર્ણય કર્યો. પછી વનસ્પતિને બે હાથ જોડીને પ્રણામ કરી કહ્યું,
‘આ વૃક્ષની ઉપર જે દેવતાઓ છે તે બધાને શરણે હું આવ્યો છું.’ તે પક્ષીઘાતક મહા દુઃખમાં આવીને આમ બોલ્યો અને ભૂમિ પર પાંદડાં પાથરીને શિલા પર માથું મૂકીને સૂઈ ગયો.
વિચિત્ર પાંખોવાળું એક પંખી ઘણા સમયથી પોતાના સુહૃદો સાથે ત્યાં વસતું હતું. તેની પત્ની સવારે ચણવા માટે બહાર ગઈ હતી. રાત પડી ગઈ તો પણ તે પાછી આવી નહતી, એટલે તે પંખી દુઃખી થઈને કહેવા લાગ્યો, ‘આની પહેલાં પ્રચંડ વાયુ વાતો હતો, વરસાદ પડતો હતો, મારી પ્રિયા હજુ કેમ નથી આવી? શું કારણ છે કે તે હજુ આવી નથી? આ ઉપવનમાં મારી પ્રિયા સાજીસમી તો હશે ને? પ્રિયા વિના મારો માળો સૂનો સૂનો છે. મારી એ રાતા નેત્રવાળી, વિચિત્ર અંગોવાળી, મધુભાષિણી, પ્રિયા જો આજે નહીં આવે તો મારા જીવનનું કોઈ પ્રયોજન નથી. મારી પત્ની પતિધર્મરતા છે, સાધ્વી છે, પ્રાણથીય શ્રેષ્ઠ છે. એ તપસ્વિની જ જાણે છે કે હું થાકેલો છું અને ભૂખે પીડાઉં છું. તે મારામાં અનુરક્ત છે, હિતકારિણી છે, સ્નિગ્ધ મૂર્તિ અને પતિવ્રતા છે, તેના જેવી ભાર્યા જે પુરુષને હો તે આ પૃથ્વી પર ધન્ય છે, આ લોકમાં ભાર્યા જ પુરુષની પરમ નાથ કહેવાય છે, નિ:સહાય પુરુષના લોકયાત્રા નિર્વાહની બાબતમાં ભાર્યા જ સહાયક હોય છે, રોગયુક્ત અને નિત્ય કલેશમાં પડેલા મનુષ્ય માટે ભાર્યા સમાન બીજી કોઈ ઔષધિ નથી. જગતમાં ભાર્યા સમાન કોઈ બંધુ નથી, ભાર્યા સમાન કોઈ આશ્રય નથી અને જનસમાજમાં ધર્મસાધન વિશે ભાર્યા જેવો બીજો કોઈ સહાયક નથી.’
કબૂતર આ રીતે પીડિત થઈને વિલાપ કરી રહ્યો હતો ત્યારે નિષાદના હાથમાં પડેલી કબૂતરીએ પતિનો વિલાપ સાંભળ્યો. જે નારી ઉપર પતિ પ્રસન્ન નથી તેને સ્ત્રી કહેવી અયોગ્ય છે. અગ્નિને સાક્ષી બનાવીને સ્ત્રી જેની પત્ની બની તે જ એનો પતિ અને સ્ત્રી માટે પરમ આશ્રય છે. શિકારીના હાથમાં પડેલી કબૂતરી દુઃખથી કાતર થઈને ચિંતા કરતા પોતાના શોકગ્રસ્ત પતિને કહેવા લાગી, ‘હે નાથ, હું તમને કલ્યાણકથા કહું છું, તમે તે સાંભળીને એમ જ કરો; તમે એક શરણાગત પ્રાણીની વિશેષ રક્ષા કરો. એક શિકારી તમારા નિવાસ આગળ સૂઈ રહ્યો છે, તે ઠંડીથી ધ્રૂજતો અને ભૂખે પીડાતો છે. એટલે તેની યથોચિત સેવા કરો. જે કોઈ બ્રાહ્મણની હત્યા કરે, જે લોકમાતા ગાયને મારે અને જે શરણાગતની હત્યા કરે તે બધાનાં પાપ એક સરખાં છે, આપણી કપોત જાતિમાં ધર્મ અનુસાર જે વ્યવહાર છે તે જ રીતે તમારા જેવા બુદ્ધિમાન પુરુષે નિત્ય તેનું અનુકરણ કરવું ઉચિત છે. જે ગૃહસ્થ શક્તિ પ્રમાણે ધર્માચરણ કરે છે તે મૃત્યુ પછી અક્ષય લોકને પામે છે એવું સાંભળ્યું છે. અત્યારે તમે સંતાનોનું મોં જોયું છે, તમારા પોતાના શરીર માટેની દયા ત્યાગીને ધર્મ અને અર્થનો પરિગ્રહ કરીને જે પ્રકારે તેનું ચિત્ત પ્રસન્ન રહે તે પ્રકારે તેનો સત્કાર કરો.’
કબૂતર તેની પત્નીની ધર્મપ્રીતિવાળી વાણી સાંભળીને હર્ષ પામ્યો અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેણે પક્ષીનાશક વ્યાધને જોઈને યથાવિધિ યત્નપૂર્વક તેનો સત્કાર કર્યો, અને તે બોલ્યો, ‘તમારું સ્વાગત છે. કહો, તમારી શી સેવા કરું? તમે સંતાપ ન કરતા. તમે તમારા જ ઘરમાં છો એમ માનો. તમારી શી ઇચ્છા છે તે કહો, હું એ પાર પાડીશ. હું તમને પ્રેમપૂર્વક પૂછું છું, તમે અમારે ઘેર આવ્યો છો. પંચયજ્ઞ પ્રવૃત્ત ગૃહસ્થે વિશેષ યત્ન કરીને ઘેર આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહેતો હોવા છતાં જે મોહવશ થઈને પંચયજ્ઞ કરવામાં ઉદાસ રહે છે, તેની આ લોકમાં અને પરલોકમાં સદ્ગતિ થતી નથી. એટલે તમે નિરાંતે મને કહો, જે કહેશો તે હું કરીશ; મનમાં શોક ન કરો.’
કબૂતરની વાત સાંભળીને નિષાદે કહ્યું, ‘હું ઠંડીથી થરથર ધ્રૂજું છું, ઠંડીથી બચી શકાય એવો ઉપાય કર.’
નિષાદની વાત સાંભળીને કબૂતરે ભૂમિ પર પડેલાં પાંદડાં એકઠાં કર્યાં. અને અગ્નિ લાવવા પાંખો વીંઝી અને તે ચાલી નીકળ્યો. તે અંગારકર્મીને ત્યાંથી અગ્નિ લઈ આવ્યો અને સૂકાં પાંદડાંના ઢગલામાં એ અગ્નિ નાખ્યો. આ પ્રકારે બહુ આગ સળગાવીને શરણાગતને તેણે કહ્યું, ‘હવે વિશ્વસ્ત થઈને શરીરને ગરમાવો આપો.’ કબૂતરની વાત સાંભળીને નિષાદે ‘ભલે’ કહ્યું અને પોતાના શરીરને હૂંફાળું કર્યું. આગને કારણે તેનામાં જીવ આવ્યો, અને તે કબૂતરને કહેવા લાગ્યો, ‘હે વિહંગ, હું ભૂખે પીડાઉં છું, મને થાય છે કે તું કશું ભોજન મને આપ.’
કબૂતરે એ સાંભળીને કહ્યું, ‘તમારી ભૂખ મટાડી શકું એવી મારી પાસે કશી સંપત્તિ નથી. અમે તો વનવાસી છીએ, દરરોજ ચણ લાવીએ અને એના વડે જ નિર્વાહ ચાલે. મુનિઓની જેમ અમારી પાસે વનમાં ભોજ્યપદાર્થોનો સંગ્રહ નથી થતો.’ કબૂતર આમ કહીને દુઃખી થયો. ‘હવે મારે શું કરવું?’ એવી ચિંતા કરતો પોતાની વૃત્તિની ટીકા કરવા લાગ્યો. કબૂતર થોડી વાર માટે સાવધાન થયો અને પછી નિષાદને કહેવા લાગ્યો, ‘થોડી રાહ જો, હું તને તૃપ્ત કરીશ.’ આમ કહીને કબૂતરે સૂકાં પાંદડાંમાં વધુ આગ સળગાવીને શિકારીને કહ્યું, ‘મેં પહેલાં દેવતા, મુનિ, પિતૃઓ અને મહાનુભાવો પાસેથી સાંભળ્યું છે કે અતિથિપૂજનથી મહાન ધર્મપ્રાપ્તિ થાય છે. એટલે હું તમને સાચું જ કહું છું. તમે મારા ઉપર કૃપા કરો. મેં ઉત્તમ અતિથિપૂજા કરવા વિશે નિશ્ચય કરી લીધો છે.’
સત્ય પ્રતિજ્ઞા કરનારા તે કબૂતરે અગ્નિની ત્રણ વખત પ્રદક્ષિણા કરીને હસતાં હસતાં તેમાં પ્રવેશ કર્યો. કબૂતરને અગ્નિમાં પ્રવેશતું જોઈ ‘મેં આ શું કર્યું’ એમ મનોમન ચિંતા નિષાદ કરવા લાગ્યો. ‘હું કેટલો નૃશંસ અને નિંદનીય છું, મારા પોતાના કર્મદોષથી મને અધર્મ પ્રાપ્ત થશે.’
પંખીની આવી અવસ્થા જોઈને પોતાના કર્મની નિંદા કરતો નિષાદ અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યો.
ત્યાર પછી ક્ષુધાથી પિડાતો તે લોભી અગ્નિમાં ઝંપલાવી પડેલા કબૂતરને જોઈને ફરી દયાભાવથી બોલ્યો, ‘હું અત્યંત નૃશંસ અને બુદ્ધિહીન છું. મેં આ કેવું પાપ કર્યું? હું ખૂબ જ ક્ષુદ્રજીવી છું, આ કાર્યથી મારા હૃદયમાં જીવીશ ત્યાં સુધી પાપ ડંખશે.’ વારે વારે પોતાની નિંદા કરતો તે બોલ્યો, ‘હું શુભ કાર્ય ત્યજીને પક્ષીલોભી થયો છું. હું અત્યંત દુર્બુદ્ધિ છું, પાપિષ્ટ છું, ધિક્કાર છે મને... હું બહુ નિષ્ઠુર છું, એટલે જ મહાત્મા કપોતે પોતાના શરીરને બાળી નાખી પોતાનું માંસ આપ્યું છે. આ ત્યાગ વડે તેણે મને ધિક્કારીને ધર્માચરણનો ઉપદેશ આપ્યો, એમાં તો કશી શંકા નથી. હું સ્ત્રી-પુત્રોને ત્યજીને મારા પ્રિય પ્રાણ ત્યજીશ. અત્યંત ધાર્મિક મહાત્મા કપોતે મને ધર્મોપદેશ આપ્યો છે. જેવી રીતે ગ્રીષ્મ ઋતુમાં થોડા પાણીવાળું સરોવર સુકાઈ જાય છે એવી રીતે હું આજથી આ શરીરને બધા ભોગ વિનાનું કરીને સૂકવી નાખીશ. ભૂખતરસ અને તાપ વેઠીને, શરીર દુર્બળ કરીને ધમનીયુક્ત શરીરથી અનેક પ્રકારના ઉપવાસ વેઠીને પારલૌકિક ધર્મ આચરીશ. કેવું અચરજ છે, કબૂતરે દેહદાન કરીને અતિથિસત્કાર દાખવ્યો, હવે હું ધર્માચરણ કરીશ, કારણ કે ધર્મ જ પરમ ગતિ છે.’
‘ધર્મિષ્ઠ પક્ષીશ્રેષ્ઠમાં જેવો ધર્મ છે તેવો જ મારે મેળવવો છે.’ એમ કહી તે ક્રૂર કર્મ આચરનાર લોભી વ્યાધે કઠિન વ્રત લીધું અને એવો નિશ્ચય કરીને મહાપ્રસ્થાનનો આશ્રય લીધો. ત્યાર પછી પિંજરામાં પકડેલાં કબૂતરોને છોડી મૂક્યાં, પોતાની લાકડી, શલાકા, જાળ અને પિંજરું — આ બધું ત્યજી દીધું.
નિષાદના ગયા પછી પતિનું સ્મરણ કરીને પરમ દુઃખી કબૂતરી શોકથી મૂચ્છિર્ત થઈને બોલી,
‘નાથ, તમે મારું કદી અપ્રિય કર્યું હતું તે મને યાદ નથી આવતું. બહુ પુત્રોવાળી સ્ત્રીઓ પણ વિધવા થયા પછી શોક કરે છે, પતિ વિનાની મનસ્વિની નારી બાંધવોને માટે શોચનીય નીવડે છે. તમે સદા મારું લાલન કર્યું. સ્નેહસભર, મધુર, મનોહર વાક્યોથી અનેક રીતે મને સાંત્વન આપ્યું છે. હે પ્રિય, પર્વતની કંદરાઓમાં નદીનાં ઝરણાંમાં, સુંદર વૃક્ષોની ડાળીઓ પર મેં તમારી સાથે વિહાર કર્યો છે. આકાશમાં ઉડ્ડયન કરતી વખતે પણ તમારી સાથે સુખે વિહાર કરતી હતી. હે નાથ, મેં ભૂતકાળમાં તમારી સાથે જેટલા વિહાર કર્યા છે તે આજે તમારા જવાને કારણે કશું જ નથી. પિતા, માતા, પુત્ર સ્ત્રીને પરિમિત સુખ આપે છે. અપરિમિત સુખ આપનારા પતિની પૂજા કઈ સ્ત્રી નથી કરતી? સ્ત્રી માટે પતિ જેવો કોઈ નાથ નથી, પતિના જેવું સુખ નથી. સર્વસ્વ અને ધનનો ત્યાગ કર્યા પછી સ્ત્રીઓ માટે પતિ જ અવલંબન છે. હે નાથ, અત્યારે તમારા વિના મારા જીવનનું કશું પ્રયોજન નથી. કઈ સતી સ્ત્રી પતિ વગરની થઈને જીવવાને ઉત્સાહ ધરાવે?’
અત્યંત દુઃખી પતિવ્રતા કબૂતરીએ કરુણ સ્વરે અનેક રીતે વિલાપ કર્યા પછી અગ્નિમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તેણે પોતાના પતિને જોયો, તે વિચિત્ર વસ્ત્ર પહેરીને વિમાનમાં બેઠો હતો, અને મહાનુભાવો તેની બહુ પ્રશંસા કરતા હતા. તે વેળા કબૂતર વિચિત્ર માળા, વસ્ત્ર, સર્વ પ્રકારનાં અલંકારથી શોભતો, શતકોટિ વિમાનોમાં વિહાર કરનારા જનોથી ઘેરાયેલો હતો.
આમ કબૂતર પત્નીની સાથે વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ગયો અને પોતાના કર્માનુસાર પ્રિયા સાથે વિહાર કરવા લાગ્યો.
નિષાદે કબૂતરદંપતીને વિમાનમાં આરૂઢ થયેલા જોયા અને તેમને જોઈને દુઃખી થઈ તેમની સદ્ગતિ વિશે વિચારવા લાગ્યો. હું પણ કેવી રીતે તપ કરીને પરમ ગતિ પામીશ? તેણે મનોમન એવો નિશ્ચય કરીને ગમનની તૈયારીઓ કરવા માંડી. પક્ષીજીવી વ્યાધ મહાપ્રસ્થાનનો આશ્રય લઈ, સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છાથી નિશ્ચેષ્ટ થઈને, નિર્મમ થઈને વાયુ ભક્ષણ કરવા લાગ્યો.
ત્યાર પછી સુંદર, શીતળ જળવાળું, અત્યંત મંગલ, અનેક પ્રકારના કમળથી ભરચક એક મોટું સરોવર તેની નજરે પડ્યું. તરસ્યો માનવી એને જોઈને જ ધરાઈ જાય. વ્યાધ તે સમયે ઉપવાસને કારણે સાવ કૃશ થઈ ગયો હતો, તેણે તે રમણીય સરોવર સામે ખાસ દૃષ્ટિપાત કર્યા વિના જંગલી પ્રાણીઓવાળા એક વનમાં પ્રવેશ્યો. મહાન લક્ષ્ય સાધવાનો નિશ્ચય કરીને તે વનમાં પ્રવેશ્યો; પ્રવેશ કરતાંવેંત તે કાંટાળી ઝાડીઓમાં ફસાઈ ગયો. કાંટાથી તેનું શરીર ભેદાઈ ગયું અને લોહીલુહાણ થઈ ગયો. તો પણ તે અનેક પ્રાણીઓવાળા નિર્જન વનમાં ભમવા લાગ્યો. ત્યાર પછી વનમાં પુષ્કળ પવન વાયો, મોટાં મોટાં વૃક્ષો એકમેક સાથે અથડાયા અને મોટો દાવાનળ પ્રગટ્યો. ધીમે ધીમે પ્રલયકાળના અગ્નિની જેમ પ્રજ્વલિત થયેલો અગ્નિ ક્રુદ્ધ થઈને વિવિધ વૃક્ષો, લતા, પર્ણોવાળા વનને સળગાવવા લાગ્યો. અગ્નિદેવ જ્વાળાયુક્ત વાયુ વડે આગળ વધીને અગ્નિપુંજ વડે મૃગ-પક્ષીઓવાળા ઘોર વનને સળગાવવા લાગ્યા. વ્યાધ પોતાના શરીરનો ત્યાગ કરવા કૃતનિશ્ચય કરીને આનંદપૂર્વક અગ્નિની દિશામાં દોડ્યો. તે નિષાદ અગ્નિ વડે ભસ્મીભૂત થયો ત્યારે તેનાં બધાં પાપ ધોવાઈ ગયાં, અંતે તેને પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ. ત્યાર પછી પાપરહિત થઈને તે સ્વર્ગે સિધાવ્યો અને પોતાને યક્ષ, ગંધવી, સિદ્ધોની વચ્ચે ઇન્દ્રની જેમ શોભવા લાગ્યો. આ રીતે પતિવ્રતા કપોત-કપોતી નિષાદની સાથે પોતાના પુણ્ય વડે સ્વર્ગ ગયા.
{{Right | (શાંતિપર્વ, ૧૪૧-૧૪૫) }} <br>
=== ગીધ અને શિયાળની કથા ===
વંશના સર્વસ્વ એવા અને કાચી વયે મૃત્યુ પામેલા બાળકને લઈને કેટલાક બાંધવો દુઃખી અને શોકાર્ત થઈને રુદન કરતા હતા. તે મૃત બાળકને લઈને તેમણે સ્મશાનની દિશામાં પ્રયાણ કર્યું. ત્યાં જઈને ઊભા રહી ગયા અને અત્યંત દુઃખી થઈને રડવા લાગ્યા. તે સમયે તેમના રુદનનો અવાજ સાંભળીને કોઈ ગીધ ત્યાં આવીને બોલ્યું, ‘તમે લોકો આ એક માત્ર પુત્રને આ સ્થળે ફેંકીને જતા રહો, વિલંબ ન કરો. આ સ્થળે કાળને કારણે હજારો સ્ત્રી-પુરુષો આવે છે, બાંધવજનો યોગ્ય સમયે તેમનો ત્યાગ કરે છે. જુઓ આ જગત સુખ-દુઃખથી ભરેલું છે, ક્રમાનુસાર સંતાનોનો સંયોગ-વિયોગ થયા કરે છે. જે લોકો મૃત સંબંધીઓને લઈને સ્મશાનમાં આવે છે કે તેમની પાછળ તેઓ જાય છે તેઓ પોતાના આયુ પ્રમાણે યમલોકમાં જાય છે. એટલે ગીધ અને શિયાળોથી, અનેક પ્રેતોથી ઘેરાયેલા, બધાં પ્રાણીઓના ભયંકર ઘોર સ્મશાનમાં રહેવાની જરૂર નથી. પ્રિય હોય કે અપ્રિય કોઈ વ્યક્તિ કાળધર્મ પામ્યા પછી ફરી જીવિત થઈ શકતી નથી. બધાં પ્રાણીઓની આ જ ગતિ છે. મૃત્યુલોકમાં જેમણે જન્મ લીધો છે તેણે મૃત્યુ તો પામવું જ પડે. આવો કાળનો નિયમ હોય તો કોણ મૃત વ્યક્તિને ફરી જીવતી કરી શકે? કાર્ય સમાપ્ત થયા પછી બધા લોકો કામમાંથી પરવારે ત્યારે સૂર્ય અસ્ત પામે છે. એટલે તમે પુત્રસ્નેહ ત્યજીને પોતપોતાને ઘેર જાઓ.’
એટલે મોટે મોટેથી રડતા બાંધવજનો ગીધનું વચન સાંભળીને પુત્રને ત્યાં મૂકીને ઘેર જવા તૈયાર થયા. તેમણે ચોક્કસ માની લીધું કે હવે તે જીવી શકવાનો નથી, તો એના જીવનથી નિરાશ થઈને બધા બાળકને ત્યજીને જવાના માર્ગની વચ્ચે ઊભા રહ્યા. તે જ વેળા કાગડાના જેવા રંગવાળું એક શિયાળ ઘેર જઈ રહેલા માણસોને કહેવા લાગ્યું, ‘હે માનવીઓ, તમે નિર્દય છો. હે મૂઢ લાકો, જુઓ, જુઓ, હજુ તો સૂર્ય આથમ્યો નથી. એટલે તમે બાળકને પ્રેમ કરો, ભય ન પામો. મુહૂર્તનો ચમત્કાર થાય છે, કદાચ એનાથી બાળક જીવી પણ જાય. તમે લોકો બાળક માટેના સ્નેહ વગરના છો, જમીન પર તેને ત્યજીને શા માટે જાઓ છો? જેનો શબ્દ સાંભળીને તમે પ્રસન્ન થતા હતા, તે મધુર વાણી બોલનારા બાળક માટે શું તમને પ્રેમ નથી? પશુપક્ષી સંતાનોને ઉછેરીને કશું ફળ પામતા નથી, તો પણ બાળકો માટે તેમને કેટલો બધો પ્રેમ છે તે શું તમે જોતા નથી? કર્મસંન્યાસી મુનિઓના યજ્ઞની જેમ પશુપક્ષી કીટ વગેરે સ્નેહબદ્ધ પ્રાણીઓને સંતાનોના પાલનપોષણથી પરલોકમાં ફળની આશા નથી. તે પશુઓને આ લોકમાં કે પરલોકમાં પુત્રોમાં સ્નેહ ધરાવીને કોઈ લાભ થતો નથી, તો પણ તેઓ પ્રયત્નપૂર્વક પોતાનાં સંતાનોની રક્ષા કરે છે. પશુપક્ષીઓ મોટા થયા પછી ક્યારેય પોતાના માતાપિતાનું ભરણપોષણ કરતાં નથી તો પણ માબાપ સંતાનોને ન જુએ ત્યારે તેમના મનમાં શોક જન્મે છે. મનુષ્યોમાં એવો પ્રેમ ક્યાં છે? પોતાનાં સંતાનો માટે શોક ક્યાંથી? તમે તમારા વંશની વૃદ્ધિ કરનારા પુત્રને ત્યજીને ક્યાં જશો? તમે બહુ સમય સુધી આંસુ વહેવડાવતાં સ્નેહયુક્ત આંખે તેને જુઓ; આવાં પ્રિયજનોનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે. દુર્બળ, સ્મશાનમાં સ્થિત પુરુષોની પાસે તેમના બંધુજનો જ ઊભા હોય છે, બીજું કોઈ ત્યાં નથી હોતું. બધાને પોતાનો જીવ વહાલો હોય છે, બધા બીજાઓને સ્નેહ કરે છે, પશુપંખીઓનો સંતાનપ્રેમ જુઓ. નવા વિવાહ પ્રસંગે પુષ્પમાલાથી સુશોભિત વ્યક્તિની જેમ આ કમલનેત્રવાળા બાળકને ત્યજીને તમે શા માટે જાઓ છો?’
તે સમયે દીનતાપૂર્વક વિલાપ કરતા બાંધવો શિયાળનું વચન સાંભળીને બાળકના શરીરની રક્ષા કરવા પાછા ફર્યા.
ગીધે કહ્યું, ‘અરે આશ્ચર્ય છે! હે સત્ત્વહીન મનુષ્યો, તમે આ અલ્પબુદ્ધિ, ક્રૂર અને ક્ષુદ્ર શિયાળની વાત સાંભળીને કેમ નિવૃત્ત થાઓ છો? પંચભૂતમુક્ત, કાષ્ઠ બનેલા, શૂન્ય, જડ શબ માટે શા માટે શોક કરો છો? તમે તમારા માટે શોક કેમ નથી કરતા? તપ કરો, તેનાથી પાપ ભસ્મ થઈ જશે. તપ વડે બધું પામી શકશો. વિલાપ કરવાથી શું? અનિષ્ટ અને ભાગ્ય શરીરની સાથે જ જન્મે છે, એ જ અદૃષ્ટનો અનુગામી થઈને આ બાળક તમને અનન્ત શોકમાં નાખીને જાય છે. ધન, ગાય, સુવર્ણ, મણિરત્ન અને પુત્ર આ બધાંનું મૂળ કારણ તપ છે, અને તપ કરવાથી આ બધું પ્રાપ્ત થાય છે. જે પ્રાણી જેવું કર્મ કરે છે તેવું જ સુખદુઃખ પામે છે. જીવ સુખદુઃખ સાથે જન્મ લે છે. પિતાના કર્મથી પુત્રને અને પુત્રના કર્મથી પિતાને કોઈ સંબંધ નથી. પોતપોતાનાં સત્કૃત્ય કે દુષ્કૃત્યને ત્યજીને બધા ભિન્ન ભિન્ન માર્ગે જાય છે. તમે યત્નપૂર્વક ધર્માચરણ કરો અને અધર્મમાંથી નિવૃત્ત થાઓ; દેવતાઓ અને બ્રાહ્મણોની સેવા કરો. શોક અને દીનતા ત્યજી દો, પુત્રસ્નેહથી નિવૃત્ત થાઓ, આ સ્થળ ત્યજીને ત્વરાથી ઘેર જાઓ. જે જીવ શુભ કે અશુભ કર્મ કરે છે તે એના ફળ ભોગ તે જ પામે છે, અને બંધુજનો સાથે શો સંબંધ? બાંધવજનો પ્રિય પુત્રને ત્યજીને આ સ્થળે નિવાસ કરતા નથી. તેઓ સ્નેહ ત્યજીને અશ્રુપૂર્ણ આંખે ઘેર જતા રહે છે.
પંડિત હોય કે મૂર્ખ હોય, ધનવાન હોય કે નિર્ધન, બધાંએ શુભાશુભ કર્મથી યુક્ત થઈને કાળને વશ થવું પડે છે. શોક કરવાથી શું? ધર્માનુસાર સમદર્શી કાળ જ બધાનો નિયંતા છે. યુવાન, બાળ, વૃદ્ધ, ગર્ભસ્થ — બધા જ મૃત્યુને વશ થાય છે, જગતની ગતિ જ આવી છે.’
શિયાળે કહ્યું, ‘કેવું આશ્ચર્ય, હે મનુષ્યો, બાળક માટેના સ્નેહને કારણે ખૂબ જ શોક કરો છો, અલ્પબુદ્ધિ ગીધ તમારા સ્નેહબંધનને ઢીલું કરે છે. તેના સમભાવથી ભરેલાં વચન દ્વારા તમે દુસ્તર સ્નેહ ત્યજીને પોતાને સ્થાને જાઓ છો. વાછરડા વગરની ગાયોની જેમ પુત્રવિયોગથી સ્મશાનમાં શબની સેવા કરતા રુદન કરતાં કરતાં તમને બહુ દુઃખ થાય છે. પૃથ્વી પર મનુષ્યોને જે શોક થાય છે તે મેં આજે જાણ્યો. તમારા સ્નેહથી અને કરુણ વિલાપથી મારી આંખોમાંથી પણ આંસુ વહી રહ્યાં છે. સદા ઇચ્છિતની પ્રાપ્તિ માટે યત્ન કરવાથી દૈવ દ્વારા આ સિદ્ધ થાય છે, દૈવ અને પુરુષનો સંબંધ સમય પ્રમાણે સિદ્ધ થાય છે. સદા દુઃખ ન કરવું એ યોગ્ય છે કારણ કે શોકથી સુખ નથી મળતું, યત્ન કરવાથી પ્રયોજનસિદ્ધિ થાય છે, એટલે તમે નિર્દય થઈને શા માટે જાઓ છો? તમારા જ રક્તમાંસમાંથી ઉત્પન્ન થયેલા આ શરીર અને પિતૃઓના વંશવૃદ્ધિ કરનાર સંતાનને વનમાં ત્યજીને શા માટે જાઓ છો? સૂર્ય અસ્ત થાય, સંધ્યાકાળ થાય ત્યારે તમે આ બાળકને ઘેર લઈ જજો. અથવા એની સાથે અહીં જ રહેજો.’
ગીધે કહ્યું, ‘હે માનવીઓ, અત્યારે મારું આયુષ્ય હજાર વર્ષથી પણ વધારે હશે. પરંતુ પુરુષ, સ્ત્રી કે નપુંસક — કોઈ કરતાં કોઈ મર્યા પછી જીવતું થયું હોય એ મેં જોયું નથી. કેટલાંક શિશુ તો મૃત જ જન્મે છે, કેટલાંક જન્મીને મૃત્યુ પામે છે, કેટલાંક ચાલતાં શીખે ત્યારે તો કેટલાંક યુવાવસ્થામાં મૃત્યુ પામે છે. આ લોકમાં પશુ, પક્ષી આદિ જંગમનાં ભાગ્યફળ અનિત્ય છે, સ્થાવર-જંગમ બધા જ પરમ આયુને અધીન છે. પ્રિય સ્ત્રીના વિરહ ભોગવતા કે પુત્રશોકથી સંતપ્ત થયેલા લોકો દરરોજ આ સ્થળેથી ઘેર જતા રહે છે. બાંધવજનો આ લોકમાં હજારો અપ્રિય અને હજારો સેંકડો પ્રિય વ્યક્તિઓને ત્યજીને ખૂબ જ ભારે હૈયે ઘેર જાય છે. એટલે તમે આ શોચનીય અવસ્થાવાળા, જીવનહીન-તેજહીન બાળકનો ત્યાગ કરો, આનો જીવ બીજા શરીરમાં પ્રવેશ્યો છે, એટલે જ તેનું શરીર કાષ્ઠ જેવું થઈ ગયું છે. આ મૃત શરીરને ત્યજીને તમે જતા રહેવામાં કેમ આળસ કરો છો? અત્યારે આ બાળક માટેનો પ્રેમ નિરર્થક છે, એને ઘેરીને ઊભા રહેવાથી શું? અત્યારે આ બાળક આંખોથી જોતું નથી, કાનથી સાંભળતું નથી, તેને તમે ત્યજીને જલદી ઘરભેગા થઈ જાઓ. મારી આ વાત નિષ્ઠુર નથી, તે યુક્તિપૂર્વક છે, મોક્ષ ધર્મવાળી છે, એટલે કહું છું, તમે વિના વિલંબે તમારા સ્થાને જાઓ.’ બુદ્ધિ અને વિજ્ઞાનવાળી ગીધની ચૈતન્યપ્રદ વાણી સાંભળીને માનવીઓ નિવૃત્ત થયા.
શિયાળે કહ્યું, ‘હે મનુષ્યો, તમે ગીધની વાત સાંભળીને આ કાંચનવરણા, અલંકારવાળા તથા પિતૃઓનું પિંડદાન કરનાર પુત્રનો ત્યાગ શા માટે કરો છો? આ પુત્રનો ત્યાગ કરવાથી તમારાં સ્નેહ, વિલાપ, રુદનનો અંત નહીં આવે, ઊલટ તમારો સંતાપ વધી જશે. મેં સાંભળ્યું છે કે સત્ય પરાક્રમી રામચંદ્રે શંબુકનો વધ કર્યો પછી તે ધર્મબળ વડે કોઈ બ્રાહ્મણનો પુત્ર સજીવન થયો હતો. રાજર્ષિ શ્વેતનો પુત્ર પણ મૃત્યુ પામ્યો હતો પણ ધર્મનિષ્ઠ શ્વેતે તે પુત્રને સજીવન કર્યો હતો એવી જ રીતે કોઈ સિદ્ધ મુનિ કે દેવતા તમારું કરુણ રુદન સાંભળીને દયા દાખવી શકે છે.’
શિયાળની વાત સાંભળીને શોકાર્ત, પુત્રવત્સલ બાંધવજનોએ ઘેર જવાનો વિચાર માંડી વાળ્યો. બાળકનું મસ્તક ખોળામાં લઈને ખૂબ જ વિલાપ કરવા લાગ્યા.
ગીધે કહ્યું, ‘તમારાં આંસુથી આ બાળક ભીંજાયું છે, તમારા હાથ વડે એ દબાય છે. તે ધર્મરાજની યોજનાથી દીર્ઘનિદ્રા પામ્યું છે. તપસ્વીઓ પણ કાળને પીડિત કરી શકતા નથી, બધા સ્નેહબંધનનો નાશ અહીં થાય છે, આ પ્રેતોનું નગર છે. બાંધવજનો અહીં સેંકડો બાળકો તથા વૃદ્ધોનો ત્યાગ કરીને રાતદિવસ દુઃખી થઈને વસે છે. એટલે શોકભાર નિવારણથી કશું ફળ નહીં મળે. અત્યારે આ ફરી પુનર્જીવિત થાય એ વાતનો વિશ્વાસ ન કરો. આ બાળક શિયાળના વચનથી જીવતું નહીં થાય. જે મનુષ્ય કાળને વશ થઈ શરીર ત્યજે છે તે ફરી જીવિત ન થઈ શકે. શિયાળ જો પોતાના જેવાં સેંકડો શરીર આપે તો પણ સેંકડો વર્ષોમાંય આ બાળક જીવતું નહીં થાય. જો રુદ્ર, કાર્તિક, બ્રહ્મા, વિષ્ણુ તેને વરદાન આપે તો આ બાળક જીવતું થઈ શકે. તમારા અશ્રુપાતથી, આશ્વાસનયુક્ત સાંત્વનથી કે ઘણા સમય સુધી રુદન કરવાથી આ બાળક જીવતું નહીં થાય. હું, આ શિયાળ અને તમે બાંધવો. બધા ધર્મ-અધર્મ ગ્રહણ કરીને આ માર્ગે જઈ રહ્યા છીએ. એટલે બુદ્ધિમાન પુરુષે અપ્રિય વર્તાવ, કઠોર વચન, પરદ્રોહ, પરનારી પાસે પ્રેમની અભિલાષા, અધર્મ અને મિથ્યા વ્યવહારને ત્યજી દેવા જોઈએ. તમે લોકો સત્ય, ધર્મ, શુભ, ન્યાય, જીવદયા, શઠતાત્યાગ અને સરળતાનું અનુસરણ કરો. જેઓ માતાપિતા, બાંધવો, સુહૃદોને જીવતા નથી જોતા, તેમને માન નથી આપતા તેમના ધર્મને નુકસાન થાય જે નેત્રથી જોઈ શકતા નથી, જેમનાં અંગ કામ કરતાં નથી, તેમના શરીરનો અંત આવે ત્યારે તમે રડીને શું કરશો?’
બાળક પ્રત્યેના સ્નેહબંધનને કારણે આ શોકાર્ત બાંધવો ગીધની વાત સાંભળીને પુત્રને ભૂમિ પર સૂવડાવીને ઘેર જવા માંડ્યા. શિયાળે કહ્યું, ‘પ્રાણીઓના વિનાશનું આ સ્થાન મર્ત્યલોકનું દારુણ સ્થળ છે. અહીં પ્રિયજનોનો વિયોગ થાય છે. અહીંનું જીવન અત્યંત અલ્પ છે. આ જગતમાં અનેક પ્રકારના કુટિલ, અસત્ય વ્યવહાર, પ્રતિપાદ, અપ્રિય વચન વગેરે દુઃખ-શોકની વૃદ્ધિ કરનારા છે. આ જોઈને ઘડીભર માટે પણ મૃત્યુલોકમાં નિવાસ કરવાનું મને મન નથી. અહો, ધિક્કાર છે, તમે ગીધની વાત સાંભળીને જતા રહેવા માગો છો? તમે પુત્રશોકથી સંતપ્ત છો, બુદ્ધિહીન લોકોની જેમ, પ્રેમપૂર્ણ હોવા છતાં આ પાપી, ચંચલ બુદ્ધિવાળા ગીધની વાત સાંભળીને બાળક માટેનો પ્રેમ ત્યજીને અત્યારે કેવી રીતે ઘેર જવા માટે તૈયાર થાઓ છો? આ સુખદુઃખથી ભરેલા લોકની વચ્ચે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે, આ સિવાય કશું નથી. હે મૂઢ મનુષ્યો, વંશના શોકને જન્માવનારા આ રૂપવાન શિશુને ભૂમિ પર ત્યજીને તમે ક્યાં જશો? આ ઉત્તમ રૂપ અને યૌવનસભર તથા પોતાની કાંતિથી શોભાયમાન બાળકને હું મનોમન જીવિત જોઉં છું એમાં શંકા નથી. હે મનુષ્યો, આનું મૃત્યુ જ અનુચિત છે, તમે તેને અનાયાસ જ પામશો, જો તમે એને ત્યજીને જતા રહેશો તો પુત્રશોકથી ત્રસ્ત થઈને આજે જ તમે મૃત જેવા થશો. રાત્રે અહીં નિવાસ કરવાથી આ બાળકના સુખની સંભાવના જાણીને, પોતે સુખમાં રહેવાની ઇચ્છાથી અલ્પબુદ્ધિ લોકોની જેમ આને ત્યજીને ક્યાં જશો?’
નિત્ય સ્મશાનવાસી શિયાળ સ્વાર્થસિદ્ધિ માટે રાત્રિકાળની પ્રતીક્ષા કરતો હતો. અમૃતસમાન ધર્મવિરોધી પ્રિય વચનો દ્વારા એ બધા બાંધવોના ગમનને અટકાવીને તેમને મધ્યસ્થ કરી દીધા.
ગીધે કહ્યું, ‘આ અતિ ભયંકર વન્યપ્રદેશ પ્રેતોવાળો, રાક્ષસોવાળો, ઘુવડના ચિત્કારોવાળો છે. તે ઘોર, ભયાનક અને કાળા વાદળ સમાન અંધકારમય છે. તમે આ વનમાં શબનો ત્યાગ કરીને સમગ્ર પ્રેતકર્મ સમાપ્ત કરો. જ્યાં સુધી સૂર્યાસ્ત ન થાય અને જ્યાં સુધી દિશાઓ વિમળ છે ત્યાં સુધી તેને ત્યજીને તમે તેની ઉત્તરક્રિયા કરો. બાજ કર્કશ બોલે છે, શિયાળોની લાળી સંભળાય છે, સિંહ ગર્જી રહ્યા છે, સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો છે. સ્મશાનનાં વૃક્ષ ચિતાના કાળા ધુમાડાથી રંગાયાં છે, સ્મશાનમાં દેહધારીઓ નિરાહાર રહેવાથી ગર્જી રહ્યા છે. આ સ્મશાનની અંદર રહેનારાં પ્રાણીઓ અત્યંત પરાક્રમી અને ભયંકર છે, તે માંસાહારી છે, વિકૃત શરીરવાળાં છે. તેઓ તમને વશ કરી લેશે. દૂરથી પણ વનનો આ ભાગ ભયાનક છે, આજે તમને નિશ્ચિત અહીં ભય લાગશે. એટલે આ કાષ્ઠ સમાન શરીર ત્યજી દો, શિયાળની વાત માનતા નહીં. તમે જો જ્ઞાનવિમુખ થઈને શિયાળનાં નિષ્ફળ અને મિથ્યા વચન સાંભળશો તો બધા નાશ પામશો.’
શિયાળે કહ્યું, ‘હે મનુષ્યો, જ્યાં સુધી સૂર્ય અસ્તાચળે નથી જતો ત્યાં સુધી તમે બાળકના સ્નેહબંધનનું દુઃખ ન કરીને અહીં રહો. ભય ન રાખતા. તમે વિશ્વાસ રાખી રુદન કરતા બહુ સમય સુધી સંતાન સામે સ્નેહથી જુઓ, જ્યાં સુધી આદિત્ય (સૂર્ય) પ્રકાશિત છે ત્યાં સુધી અહીં રહો; આ માંસભક્ષી પક્ષીના કહેવાથી શું? તમે જો મોહવશ થઈને આ ગીધના નિષ્ઠુર અને દુઃખદ વચનને સાંભળશો તો તમારો આ પુત્ર ફરી જીવિત નહીં થાય.’
ગીધે કહ્યું, ‘સૂર્ય અસ્ત નથી થયો.’
શિયાળે કહ્યું, ‘સૂર્ય અસ્ત થયો.’
આમ ભૂખે પીડાતા બંને મરનારના બાંધવો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. ગીધ અને શિયાળ પોતપોતાનું કાર્ય સિદ્ધ કરવા તૈયાર હતા, બંને ભૂખતરસથી પીડાઈને શાસ્ત્રનો આધાર લઈ વાતો કરતા હતા. આ લોકો વિજ્ઞાનવિદ ગીધ અને શિયાળનાં અમૃત જેવાં વચનોથી ક્યારેક પ્રભાવિત થઈ ઊભા રહી જતા તો ક્યારેક ઘેર જવા તૈયાર થતા. છેવટે તેઓ શોક અને દીનતાથી રડતાકકળતા કાર્યદક્ષ ગીધ અને શિયાળનાં વચનોની નિપુણતાથી ભ્રમિત થવા છતાં ત્યાં નિવાસ કરવા તત્પર થયા.
આ પ્રકારે વિવાદ કરતા વિજ્ઞાનવિદ ગીધ, શિયાળ અને ત્યાં રોકાયેલા બંધુજનો સમક્ષ ભગવાન શંકર પ્રગટ્યા, તેમણે બાંધવોને કહ્યું, ‘હું શૂળધારી વરદાતા શંકર છું.’
ત્યારે તે દુઃખી બાંધવોએ ઊભા થઈ પ્રણામ કર્યાં અને કહ્યું, ‘હે ભગવન્, અમારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો છે, તમે કૃપા કરીને અમારા આ પુત્રને જીવતદાન આપો, અમે જીવનાર્થીઓને પણ જીવનદાન આપો.’
ભગવાન શંકરે આ વાત સાંભળી હાથમાં જળ લઈને બાળકને જીવતો કર્યો અને સો વર્ષનું આયુષ્ય આપ્યું. બધાં પ્રાણીઓના હિતેચ્છુ ભગવાન પિનાકપાણિએ ગીધ અને શિયાળની ભૂખ પણ શમાવી. ત્યાર પછી તે બધા હર્ષયુક્ત, કૃતકૃત્ય થઈને, અત્યંત આનંદિત થઈને ભગવાનને પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યા. ઉત્સાહ, દીર્ઘ પ્રયત્ન અને દૃઢ નિશ્ચયથી સત્વરે ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. દેવનો સંયોગ અને બંધુજનોનો દૃઢ નિશ્ચય જુઓ. તેઓ દુઃખી થઈને આંસુ સારી રહ્યા હતા અને ભગવાને તેમનાં આંસુ લૂછ્યાં. થોડા જ સમયમાં નિશ્ચયપૂર્વક કરેલી શોધને કારણે ભગવાન મહાદેવની કૃપાથી દુઃખી મનુષ્યો સુખી થયા. ભગવાન શંકરની કૃપાથી પુત્ર જીવતો થયો એટલે વિસ્મિત થયા, આનંદિત થયા. ત્યાર પછી તેમણે શિશુ અંગેનો શોક ત્યજીને સત્વરે નગરમાં આનંદપૂર્વક પ્રવેશ કર્યો.
{{Right | (શાંતિપર્વ, ૧૪૯)}} <br>
=== નારદ અને શીમળાની કથા ===
હિમાલય પર્વત ઉપર અનેક વર્ષો જૂનો, થડ અને ડાળીઓવાળો એક બહુ મોટો શીમળો હતો. મદોન્મત્ત હાથીઓનાં જૂથ અને જાતજાતનાં પશુ ઉનાળામાં ગરમીથી બચવા ત્યાં આવતાં હતાં. તે વૃક્ષની લંબાઈ ચારસો હાથ હતી; તેની ગાઢ છાયા અને પુષ્પોથી ભરચક હોવાને કારણે પોપટપોપટીનો સમૂહ પણ ત્યાં રહેતો હતો. સમૂહમાં પ્રવાસે નીકળેલા વણિક, વનવાસી તપસ્વીઓ અને બીજા પ્રવાસીઓ પણ શીમળા નીચે વિશ્રામ કરતા હતા.
એક વેળા મહર્ષિ નારદ તેના થડ અને અસંખ્ય ડાળીઓને જોઈ તેની પાસે આવીને કહેવા લાગ્યા. ‘અરે શાલ્મલિ, તું તો બહુ રમણીય, સુંદર છે. તને જોઈને હું બહુ પ્રસન્ન થયો છું. સુંદર, મૃગ, પક્ષી, હાથીઓનાં જૂથ આનંદ પામીને તારે ત્યાં રહે છે. તારા થડ અને ડાળીઓ પવનને કારણે કોઈ રીતે ભાંગી પડી હોય એમ હું જોતો નથી. આ વનની વચ્ચે જ્યારે પવન નિત્ય તારી રક્ષા કરે છે એટલે લાગે છે કે તે તારો મિત્ર છે અથવા તારા પર પ્રસન્ન છે. વેગવાન પવન વાય ત્યારે જુદાં જુદાં વૃક્ષોને અને પર્વતનાં શિખરને હચમચાવી શકે છે. પવિત્ર સુવાસિત પવન, પાતાળ, સરોવર, નદીઓ, સમુદ્રોને પણ સૂકવી શકે છે. આ મૈત્રીને કારણે પવન તારી રક્ષા કરે છે એમાં તો કશી શંકા નથી. એટલે જ અનેક ડાળીઓ સમેત પુષ્પ-પર્ણથી તું શોભે છે. તારું આ રમણીય રૂપ છે એટલે બધાં પક્ષી તારો આધાર લઈ પ્રસન્ન હૈયે વિહરે છે. વસંત ઋતુમાં મધુર કૂજન કરતાં આ પક્ષીઓનો મધુર ધ્વનિ કાનમાં અમૃતવર્ષા કરે છે. ગરમીથી ત્રાસેલા હાથીઓનાં ઝુંડ આનંદિત થઈને તારા આશરે સુખ પામે છે. અને એ જ રીતે બીજાં પ્રાણીઓ અને જીવોનો તું આશ્રયદાતા હોવાને કારણે મેરુ પર્વત જેવો શોભે છે. તપસ્વી બ્રાહ્મણો, સંન્યાસીઓના સમૂહ અહીં છે એટલે તારું આ સ્થાન મને તો સ્વર્ગ લાગે છે. બધે ઘૂમી વળતો ભયંકર વાયુ બંધુભાવથી કે મૈત્રીને કારણે સદા તારી રક્ષા કરે છે એમાં તો કશી શંકા નથી.‘હું તમારો જ છું.’ એમ તેં વાયુ આગળ બોલીને તેનો આત્મીય બન્યો છે અને એટલે જ તે નિત્ય તારી રક્ષા કરે છે. પવનના બળને કારણે ન ટૂટી જાય એવું કશું — વૃક્ષ, પહાડ, સ્થળ-જોતો નથી, હું માનું છું કે પવન આ બધાને ધરાશાયી કરી શકે છે. તું ડાળી, પાંદડાં સમેત વાયુથી રક્ષાતો હોવાને કારણે નિર્ભય બનીને અહીં નિવાસ કરે છે.’
શાલ્મલિએ કહ્યું, ‘હે બ્રહ્મન, વાયુ મારો કોઈ સખા, બંધુ કે મિત્ર નથી, મારી રક્ષા કરનાર બ્રહ્મા પણ નથી. મારાં તેજ અને બળ વાયુથી પણ પ્રબળ છે. પવન મારા બળ કરતાં અઢારમા ભાગ જેટલી શક્તિ પણ ધરાવતો નથી. જ્યારે વૃક્ષ, પર્વત અને બીજા બધાને ધ્રૂજાવતો તે અહીં આવે છે, ત્યારે હું તેને બળપૂર્વક થોભાવી શકું છું. મેં તોડફોડ કરનારા વાયુને ઘણી વાર અટકાવ્યો છે, એટલે વાયુના ક્રોધની પણ મને બીક લાગતી નથી.’
‘તારી બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે. વાયુ જેટલું બળવાન બીજું કોઈ નથી. કોઈ જગ્યાએ એવો બળવાન પાક્યો પણ નથી. ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ પણ વાયુ જેવા નથી, પછી તારી તો શી મજાલ? જગતમાં બધા જીવ પવનને કારણે જ ટક્યા છે, પવન જ તેમનો આધાર છે, તે જ પ્રાણદાતા અને ચૈતન્યપ્રદ છે. આ વાયુ શાંત હોય છે ત્યારે બધા જીવે છે અને તે અશાંત થાય છે ત્યારે બધા જીવ નાશ પામે છે. હવે જો આ બધા બળવાનોમાં અગ્રણી અને પૂજનીય વાયુની તું જો પૂજા ન કરતું હોય તો તારી મંદબુદ્ધિને કારણે. તું સાર વિનાનો છે એટલે જ માત્ર મોટી મોટી વાતો કરે છે, ક્રોધે ભરાઈને ખોટી વાતો કરે છે. તારી આ વાત સાંભળીને હું ક્રોધે ભરાયો છું, હું વાયુ પાસે જઈને તારી આ શેખી સંભળાવીશ. ચંદન, સ્પંદન, દેવદાર, વેતસ, બકુલ જેવાં બળવાન વૃક્ષ પણ વાયુનો આવો તિરસ્કાર કરતા નથી. તે બધાં વાયુનું તથા પોતાનું બળ જાણે છે. એટલે જ તે વૃક્ષ વાયુને પ્રણામ કરે છે, તું મોહવશ થઈને વાયુનું પ્રચંડ બળ જાણતો નથી, એટલે જ આમ બોલે છે.’
બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા નારદે શીમળાને આમ કહી વાયુ પાસે જઈને બધી વાત કરી.
‘હે વાયુ, હિમાલયની તળેટીમાં બહુ મોટા પરિવારવાળો, ડાળી-પર્ણવાળો શીમળો તમારું અપમાન કરે છે. તેણે તમારી વિરુદ્ધ બહુ આક્ષેપો કર્યા છે, તમારી પાસે એ બધું બોલવું મને શોભતું નથી. હું તમને બધામાં અગ્રણી, વરિષ્ઠ અને ગરિમાયુકત માનું છું. તમે ક્રોધે ભરાઓ તો યમ જેવા લાગો.’
નારદની વાત સાંભળીને વાયુ દેવ શીમળા પાસે જઈને ક્રોધથી બોલ્યા,
‘અરે શીમળા, અહીંથી પસાર થતા નારદ આગળ મેં તારી નિંદા કરી છે, એટલે હવે હું તેને મારા બળ અને પ્રભાવ દેખાડું છું. હું તને નથી ઓળખતો એવું નથી. હું તને પૂરેપૂરો જાણું છું. પિતામહે આ સૃષ્ટિ રચી ત્યારે મારા મૂળમાં વિશ્રામ કર્યો હતો. એમને કારણે જ હું તારા ઉપર ઉપકાર કરતો રહ્યો છું. અધમ વૃક્ષ, એટલે જ મેં તારી રક્ષા કરી છે, તું તારા બળને કારણે ટક્યો નથી. તું સામાન્ય લોકોની જેમ મારી અવજ્ઞા કરે છે, એટલે હવે પછી આવી અવજ્ઞા ન કરે એવી રીતે મારો પ્રભાવ દેખાડીશ.’
વાયુની વાત સાંભળીને શીમળાએ હસતાં હસતાં કહ્યું, ‘તું મારા પર ક્રોધે ભરાઈને કયું પરાક્રમ દેખાડીશ. તારી જાતને જ તું દેખાડ. મારા પર ગુસ્સો કર; તું ગુસ્સે થઈને શું કરીશ? તું શાસન કરવામાં સમર્થ છે તો પણ હું ડરતો નથી.’
શીમળાની વાત સાંભળીને વાયુએ કહ્યું, ‘કાલે તને મારું બળ દેખાડીશ.’
પછી વાયુદેવ જતા રહ્યા.
પછી શીમળાએ નારદને કહેલી વાતો યાદ કરવા લાગ્યો. મેં જે કહ્યું હતું તે બધું ખોટું હતું. હું વાયુનો મુકાબલો કરી નહીં શકું, વાયુ મારા કરતાં વધારે બળવાન છે. વાયુ હમેશા બળવાન જ છે. તેની આગળ હું કશું જ નથી. એ વાત તો બાજુએ રાખો, હું બીજાં વૃક્ષ કરતાંય નબળો છું. પરંતુ કોઈ પણ વૃક્ષ મારા જેવું બુદ્ધિશાળી નથી. એટલે બુદ્ધિબળ વડે પવનથી મારી જાતને રક્ષીસ. વનમાં ઊગેલાં બીજાં વૃક્ષ જો મારી જેમ બુદ્ધિનો આશ્રય લે તો ક્રોધી પવન તેમનું કશું બગાડી ન શકે. ક્રોધે ભરાઈને વાયુ જે રીતે ગતિ કરે છે તે હું જાણું છું, મૂર્ખા લોકોને એની કશી ખબર પડતી નથી.
શીમળાએ મનમાં આવો વિચાર કરીને પોતાનાં ડાળી, પાંદડાં પોતાની જાતે જ ખેરવી દીધાં. ડાળી, પત્ર, ફૂલ વગેરે ત્યજીને સવારે વાયુના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યો. પછી સવારે ક્રોધે ભરાયેલા પવન દેવ મોટાં મોટાં વૃક્ષોને હચમચાવતો શીમળા પાસે આવી પહોંચ્યા, ત્યાં આવીને જોયું તો શીમળો પર્ણપુષ્પ વિનાનો હતો. ખૂબ જ આનંદિત તથા આશ્ચર્યચકિત થઈને શીમળાને કહ્યું, ‘અરે તેં તારી જાતે જ બધી ડાળીઓ ખેરવી નાખી! હું પણ આવું જ કરવાનો હતો. તું તારી બુદ્ધિહીનતાને કારણે મારા પરાક્રમને વશ થઈને સાવ બોડો થઈ ગયો.’
શીમળો વાયુદેવની વાત સાંભળીને બહુ શરમાઈ ગયો અને નારદની વાત યાદ કરીને તેનું સ્મરણ કરી પશ્ચાત્તાપ કરવા લાગ્યો.
{{Right | (શાન્તિ પર્વ, ૧૫૦) }} <br>
=== કૃતઘ્ન ગૌતમની કથા ===
જમાનાઓ પહેલાં મધ્યપ્રદેશમાં એક બ્રાહ્મણ થઈ ગયો, તેને વેદ તો આવડતા જ ન હતા. ભીખ માગીને તે ગુજરાન ચલાવતો. એક વેળા કોઈ સાધનસંપન્ન ગામમાં ભીખ માગવા ગયો. તે ગામમાં એક ધનવાન લૂંટારો રહેતો હતો. અને તે પાછો જુદા જુદા પ્રકારના લોકોની લાક્ષણિકતાઓનો ખાસ્સો જાણકાર. બ્રાહ્મણો માટે એને બહુ માન, વળી તે સત્યવાદી હતો અને દાનવીર પણ. તે બ્રાહ્મણ તેને ત્યાં ગયો અને તેણે ભિક્ષા માગી, તે લૂંટારાએ તેને રહેવા એક ઘર આપ્યું, વરસ ચાલે એટલું ગુજરાન આપ્યું. નવાં વસ્ત્રો આપ્યાં, આટલું ઓછું હોય તેમ તેની સેવામાં એક સ્ત્રી પણ આપી, તેનો પતિ ક્યાંક ચાલ્યો ગયો હતો. બ્રાહ્મણ તો મનમાં રાજી રાજી થઈ ગયો અને તેના સુંદર ઘરમાં તે દાસીની સાથે આનન્દપૂર્વક રહેવા લાગ્યો. વળી તે દાસીનાં કુટુંબીજનોને પણ સહાય કરતો રહ્યો. આમ અનેક વર્ષો તેણે તે ભીલના ઘેર વીતાવ્યાં.
આ બ્રાહ્મણનું નામ હતું ગૌતમ. તે બાણ ચલાવીને લક્ષ્યવેધ કરવાની વિદ્યા બહુ પ્રયત્ન કરીને શીખવા લાગ્યો. વનવાસીઓની જેમ ગૌતમ પણ રોજ અરણ્યમાં જતો અને ઘૂમતો રખડતો, હંસોનો શિકાર કરતો રહેતો હતો. હિંસા આચરવામાં પ્રવીણ બન્યો. દયામાયા મળે નહીં. નિત્ય પ્રાણીઓની હત્યામાં રચ્યોપચ્યો રહેતો. લૂંટારાઓના સહવાસમાં તે પણ લૂંટારા જેવો બની ગયો. લૂંટારાઓના ગામમાં તે નિરાંતે સુખપૂર્વક રહેતો હતો, દરરોજ પક્ષીઓનો શિકાર કર્યા કરતો અને એમ કરતાં મહિનાઓ અને વર્ષો વીતી ગયાં.
એક દિવસ ત્યાં કોઈ બીજો બ્રાહ્મણ આવી ચઢ્યો. તે જટાધારી, વલ્કલધારી હતો અને મૃગચર્મ પણ સાથે હતું. આ બ્રાહ્મણ સ્વાધ્યાયપરાયણ, વિનયશીલ, પવિત્ર હતો. શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણે ભોજન લેતો, વેદપારંગત અને બ્રાહ્મણભક્ત હતો, તે પાછો ગૌતમના ગામનો જ હતો, તેનો પ્રિય સખા હતો, અને જ્યાં ગૌતમ રહેતો હતો એ જ ગામમાં ફરતો ફરતો આવી ચઢ્યો. તે શૂદ્રને ઘેર ભોજન કરતો ન હતો. એટલે એવા લોકોથી ભરેલા ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર શોધવા ઠેર ઠેર ભટકવા લાગ્યો. એમ કરતાં કરતાં તે ગૌતમને ઘેર જઈ પહોંચ્યો. તેટલામાં જ ગૌતમ પણ શિકાર કરીને ઘેર આવી પહોંચ્યો. બંને એકબીજાને મળ્યા.
તે બ્રાહ્મણે જોયું તો ગૌતમના ખભા પર મરેલો હંસ હતો, હાથમાં ધનુષબાણ હતાં, આખું શરીર લોહીથી લથબથ હતું. ઘેર આવેલો ગૌતમ નરભક્ષી રાક્ષસ જેવો દેખાતો હતો, તેનામાં બ્રાહ્મણત્વના કોઈ સંસ્કાર ન હતા. તેને આવી અવસ્થામાં પણ તે બ્રાહ્મણ ઓળખી ગયો. અને એને ઓળખીને બહુ લજ્જિત થયો. તેને કહેવા લાગ્યો: ‘અરે, મોહાંધ થઈને તું આ શું કરી રહ્યો છે? તું તો મધ્યદેશનો વિખ્યાત બ્રાહ્મણ હતો. તું અહીં લૂંટારો કેવી રીતે બની ગયો? અરે, તું તારા પૂર્વજોને યાદ કર, તેઓ કેવા વિખ્યાત હતા, કેવા વેદપારંગત હતા, અને તેમના વંશમાં જન્મેલો તું તો કુલાંગાર પાક્યો. હજુ પણ તું તારી જાતને ઓળખ, તું તો દ્વિજ છે, તે દ્વિજભાવને અનુરૂપ સત્ત્વ, શીલ, શાસ્ત્રજ્ઞાન, સંયમ અને દયાભાવને યાદ કરીને આ નિવાસસ્થાન ત્યજી દે.’
પોતાના હિતેચ્છુ મિત્રે જ્યારે આવું કહ્યું ત્યારે ગૌતમ મનોમન કશુંક નક્કી કરીને કરુણ સ્વરમાં બોલી ઊઠ્યો, ‘હે બ્રાહ્મણવર્ય, હું તો નિર્ધન છું, વેદની મને કશી જાણ નથી. એટલે હું તો ધન મેળવવા અહીં આવી ચઢ્યો છું. હે પ્રિયવર્ય, આજે તમારાં દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું. રાત અહીં ગાળી અને કાલે સવારે આપણે અહીંથી જતા રહીશું.’
તે બ્રાહ્મણ દયાળુ હતો, ગૌતમે આવું કહ્યું એટલે તે ત્યાં રોકાયો તો ખરો, પણ ત્યાંની કોઈ વસ્તુને હાથ લગાડ્યો નહીં, તે ભૂખ્યો હતો, ગૌતમે તેને ભોજન માટે કહ્યું તો પણ કોઈ રીતે ત્યાંનું અન્ન ખાવા તે તૈયાર થયો નહીં.
રાત વીતી અને સવાર પડી. પેલો બ્રાહ્મણ તો ત્યાંથી ચાલ્યો ગયો. ગૌતમ પણ ઘર છોડીને સમુદ્રની દિશામાં નીકળી પડ્યો. રસ્તામાં તેણે જોયું તો સમુદ્રકાંઠે રહેતા વ્યાપારીઓની એક ટુકડીએ ત્યાં પડાવ નાખ્યો હતો. પછી તેઓ ચાલી નીકળ્યા. તે પણ એમની સાથે સાથે સમુદ્રની દિશામાં નીકળી પડ્યો. એમ કરતાં કરતાં તેઓ એક પર્વતની ગુફા આગળ આવ્યા અને બધાએ ત્યાં પડાવ નાખ્યો. હજુ તો તેઓ આરામ કરતા હતા અને ત્યાં એક ગાંડા હાથીએ એમના પર હુમલો કર્યો. મોટા ભાગના લોકો મૃત્યુ પામ્યા. ગૌતમ કોઈક રીતે બચી ગયો, પરંતુ તે ખૂબ ગભરાઈ ગયો હતો એટલે કઈ દિશામાં જવું તે નક્કી ન કરી શક્યો. પોતાનો જીવ બચાવવા તે ઉત્તર દિશામાં ભાગી નીકળ્યો. વ્યાપારીઓનો સાથ તે ખોઈ બેઠો, એ પ્રદેશથી પણ ભ્રષ્ટ થઈને તે એકલો જંગલમાં આમતેમ કાયરની જેમ ભટકવા લાગ્યો. અને અચાનક તેને સમુદ્ર તરફનો માર્ગ મળી ગયો. એ રસ્તે જતાં તે એક અત્યંત સુંદર વનમાં આવી ચઢ્યો. બધાં વૃક્ષો ફૂલોથી શોભતાં હતાં. બધી ઋતુઓમાં ખીલનારાં આમ્રવૃક્ષો એ વનની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં. વનમાં શાલ, તાલ, તમાલ, રાળ, અગરુવૃક્ષ અને સુખડનાં વૃક્ષો હતાં. અહીંના રમણીય અને સુવાસિત પર્વતીય મેદાનોમાં ચારે બાજુ પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં. વળી, ત્યાં માનવીના મુખ જેવાં ભારુણ્ડ નામનાં પક્ષીઓ બોલતાં હતાં, સમુદ્રકાંઠે અને પર્વતો પર ક્યાંક ભૂલિંગમ નામનાં અને બીજાં પંખી પણ હતાં. પંખીઓના મધુર કલરવને સાંભળતો સાંભળતો ગૌતમ આગળ ચાલતો રહ્યો.
આ સુંદર પ્રદેશોમાં એક સ્થળે સોનેરી રેતીથી ભરેલા, સમતલ, સુખદ, વિચિત્ર અને સ્વર્ગસમાન પ્રદેશમાં એક વિશાળ વટવૃક્ષ હતું. ચારે બાજુ એની ઘટા વિસ્તરેલી હતી. સુંદર શાખાપ્રશાખાને કારણે એ વૃક્ષ કોઈ મોટા છત્ર જેવું દેખાતું હતું. એનાં મૂળિયાં ચંદનજળથી સીંચાતાં હતાં. બ્રહ્માની સભાની જેમ એ વૃક્ષ દિવ્ય પુષ્પોથી સમૃદ્ધ હતું. આ પરમ સુંદર વૃક્ષને જોઈને ગૌતમને પુષ્કળ આનન્દ થયો. આ વૃક્ષ પવિત્ર મંદિર જેવું હતું અને ખીલેલા છોડથી વીંટળાયેલું હતું. ગૌતમ એ વૃક્ષ પાસે ગયો અને આનન્દ પામીને તેની છાયામાં બેઠો. ગૌતમ ત્યાં બેઠો હતો અને પુષ્પોના સ્પર્શ પામેલી મંદ મંદ સુગન્ધિત હવા વહેવા લાગી, તે સુખદ અને કલ્યાણકારી હતી. તેના આખા શરીરને આનન્દ આપતી હતી. એ હવાથી ગૌતમને બહુ શાન્તિ મળી. એ સુખનો અનુભવ કરતો તે નિદ્રાધીન થઈ ગયો. સૂરજ પણ આથમી ગયો.
સૂર્યાસ્ત થયા પછી, સંધ્યાકાળે બ્રહ્મલોકમાંથી એક પક્ષી ત્યાં ઊતરી આવ્યું. એનું નિવાસસ્થાન આ વૃક્ષ હતું. તે મહર્ષિ કશ્યપનો પુત્ર હતો અને એનું નામ હતું નાડીજંઘ. તે બગલાઓનો રાજા મહા બુદ્ધિમાન હતો. આ અનુપમ પક્ષી પૃથ્વીલોકમાં રાજધર્મા નામે જાણીતું હતું. દેવકન્યા તેની માતા હતી એટલે આ વિદ્વાન પક્ષીના શરીરની કાન્તિ દેવસમાન હતી. તેના શરીર પરનાં આભૂષણો સૂર્યનાં કિરણોની જેમ ચમકતાં હતાં. આ દેવપુત્ર તેમનાં સર્વ અંગે વિભૂષિત હોવાને કારણે બહુ સુન્દર દેખાતો હતો. એ પક્ષીને નિહાળીને ગૌતમ આર્શ્ચચકિત થઈ ગયો. ત્યારે તે ભૂખ્યોતરસ્યો તો હતો જ, ચાલી ચાલીને લોથપોથ થઈ ગયો હતો. રાજધર્માને મારી નાખવાની ઇચ્છાથી તેની સામે જોવા લાગ્યો.
રાજધર્માએ તેની પાસે આવીને કહ્યું, ‘હે વિપ્ર, તમારું સ્વાગત કરું છું. આ મારું ઘર છે. સૂર્યનારાયણ આથમી ગયા છે, સંધ્યાકાળ થયો છે. મારે ઘેર આવેલા શ્રેષ્ઠ અતિથિ, તમે મારા પ્રિય છો. હું તમારી પૂજા શાસ્ત્રોક્ત વિધિથી કરીશ, આજે રાતે મારું આતિથ્ય માણો અને કાલે સવારે અહીંથી પ્રયાણ કરજો.’
પક્ષીની મધુર વાણી સાંભળીને ગૌતમને વિસ્મય થયું. કુતૂહલથી પ્રેરાઈને તે રાજધર્માની સામે જોવા લાગ્યો. ‘હે વિપ્રવર્ય, હું કશ્યપ ઋષિનો પુત્ર છું અને મારી માતા દક્ષ પ્રજાપતિની પુત્રી છે. તમે ગુણવાન અતિથિ છો અને તમારું સ્વાગત કરું છું.’ એમ કહીને વિધિપૂર્વક સત્કાર કર્યો. તેને બેસવા માટે શાલપુષ્પોનું આસન તૈયાર કર્યું. રાજા ભગીરથ રથમાર્ગે જ્યાં જ્યાં વિચર્યા હતા ત્યાં ત્યાંથી ગંગા વહેતી હતી, ત્યાંના જળપ્રવાહમાં મોટાં મોટાં માછલાં હતાં, એમાંથી કેટલાંક માછલાં તે બકરાજ લઈ આવ્યા. તે કશ્યપપુત્રને અગ્નિ પણ પ્રગટાવી આપ્યો, મોટાં માછલાં લાવીને ગૌતમને ધર્યાં. બ્રાહ્મણે આગમાં ભૂંજીને માછલાં ખાધાં અને તે તૃપ્ત થયો, તે બ્રાહ્મણનો થાક દૂર કરવા તે પોતાની પાંખોથી પવન ઢોળવા લાગ્યો. વિશ્રામ કરીને તે બેઠો એટલે રાજધર્માએ એનું ગોત્ર પૂછ્યું. ત્યારે તેણે એટલું જ કહ્યું, ‘મારું નામ ગૌતમ છે અને હું જન્મે બ્રાહ્મણ છું.’ તે એથી આગળ કશું બોલ્યો નહીં. પછી તે પક્ષીએ પાંદડાંની દિવ્ય શય્યા સજાવી, તે પુષ્પાચ્છાદિત હોવાને કારણે મહેંક મહેંક થઈ રહી હતી. ગૌતમ તેના પર સૂતો, એટલે વાતચીતમાં કુશળ પક્ષીએ તેને પૂછ્યું, ‘તમે અહીં શા માટે આવ્યા છો?’
ગૌતમે ઉત્તર આપ્યો, ‘હે મહામતિ, હું દરિદ્ર છું અને ધનપ્રાપ્તિ માટે હું ઘર છોડીને સમુદ્ર તરફ ચાલી નીકળ્યો છું.’
આ સાંભળીને રાજધર્માએ પ્રસન્નવદને કહ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, હવે તમારે ત્યાં જવાની જરૂર નથી, અહીં જ તમારો મનોરથ પૂર્ણ થશે. અહીંથી ધન લઈને તમે ઘેર જજો. હે પ્રભુ, ગુરુ બૃહસ્પતિના કહેવા પ્રમાણે અર્થલાભ ચાર પ્રકારે થતો હોય છે. વંશવારસાથી, અનુકૂળ પ્રારબ્ધથી, ધનપ્રાપ્તિ માટેના પુરુષાર્થથી, અને મિત્રના સહકારથી, હું તમારો મિત્ર થઈ ગયો, આપણી મૈત્રી ગાઢ થઈ ગઈ. એટલે તમને અર્થલાભ થાય તે માટે હું પ્રયત્ન કરીશ.’
બીજે દિવસે પ્રાત:કાળે રાજધર્માએ સુખનો ઉપાય વિચારીને ગૌતમને કહ્યું, ‘આ માર્ગે આગળ જાઓ. તમારું કાર્ય સિદ્ધ થશે, અહીંથી ત્રણ યોજન દૂર એક નગર છે. ત્યાં મહાબળવાન વિરૂપાક્ષ નામનો રાક્ષસરાજ રહે છે, તે મારો મિત્ર છે. તમે તેમની પાસે જાઓ, મારા કહેવાથી તેઓ તમને તમારી ઇચ્છા પ્રમાણે ધન આપશે. એમાં કોઈ સંશય નથી.’
તેમનું સાંભળીને ગૌતમ ત્યાંથી ચાલી નીકળ્યો, તેનો થાક દૂર થઈ ગયો હતો. ચન્દન અને અગરુનાં વૃક્ષોથી સમૃદ્ધ એવા તમાલવનમાંથી પસાર થતો થતો, વિશ્રામ કરતો કરતો, અમૃત સમાન ફળ ખાતો ખાતો તે તેજગતિએ ચાલતો હતો. અને એમ ચાલતાં ચાલતાં મેરુરાજ નામના નગરમાં જઈ પહોંચ્યો. તે નગરની આસપાસ પર્વતોની હારમાળા હતી, એનું પ્રવેશદ્વાર પણ એક પર્વત હતો. નગરરક્ષા માટે ચારે બાજુએ મોટી મોટી શિલાઓ હતી અને યન્ત્રો હતાં. પરમ બુદ્ધિમાન વિરૂપાક્ષને તેના અનુચરોએ સંદેશો પાઠવ્યો, ‘રાજન્, તમારા મિત્રે પોતાના એક પ્રિય અતિથિને તમારી પાસે મોકલ્યો છે, તેઓ એનાથી અત્યન્ત પ્રસન્ન છે.’
આ સમાચાર સાંભળીને રાક્ષસરાજે પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે નગરદ્વારેથી ગૌતમને હમણાં જ લઈ આવો. રાજસેવકોએ બ્રાહ્મણને કહ્યું, ‘ચાલો, ચાલો, જલદી ચાલો, રાજા તમને મળવા માગે છે. અમારા રાજા વિરૂપાક્ષ તમને જોવા આતુર છે. એટલે શીઘ્ર ગતિએ જઈએ.’ આમન્ત્રણ સાંભળીને જ બ્રાહ્મણનો થાક દૂર થઈ ગયો. તે વિસ્મય અનુભવતો નીકળી પડ્યો, રાજાની સમૃદ્ધિ જોઈને તેને ભારે વિસ્મય થતું હતું. રાક્ષસરાજને મળવાની ઇચ્છાથી તે સેવકોની સાથે રાજમહેલમાં જઈ પહોંચ્યો. રાજાને એના આગમનની સૂચના આપવામાં આવી. તે ઉત્તમ ખંડમાં પ્રવેશ્યો અને ત્યાં રાક્ષસરાજે તેનું પૂજનઅર્ચન કર્યું. પછી વિરૂપાક્ષે ગૌતમને તેના ગોત્ર વિશે, બ્રહ્મચર્યપાલન વિશે, તેના સ્વાધ્યાય વિશે પ્રશ્ન પૂછ્યા, પણ ગૌતમે પોતાના ગોત્ર સિવાય કોઈ ઉત્તર આપ્યો નહીં. આમ બ્રહ્મતેજવિહીન, સ્વાધ્યાયહીન અને માત્ર ગોત્રની જાણકારીવાળા તે બ્રાહ્મણને રાજાએ તેના નિવાસસ્થાન વિશે પૂછ્યું, ‘તારું નિવાસસ્થાન ક્યાં છે, તારી બ્રાહ્મણી કયા ગોત્રની છે? બધું જણાવ, ભય કાઢી નાખ, મારા પર વિશ્વાસ રાખ, સુખે રહે.’
ગૌતમે કહ્યું, ‘રાક્ષસરાજ, મારો જન્મ તો મધ્યદેશમાં થયો હતો, પરન્તુ અત્યારે હું એક ભીલના ઘેર રહું છું. મારી સ્ત્રી શૂદ્ર છે, એનું લગ્ન પહેલાં કોઈની સાથે થઈ ગયું હતું. આ સત્ય છે.’
આ સાંભળીને રાક્ષસરાજે વિચાર કર્યો કે આનું કાર્ય કેવી રીતે કરવું જોઈએ. મને પુણ્ય કેવી રીતે મળે? આમ તે બુદ્ધિપૂર્વક વિચારવા લાગ્યા. મનોમન તે બોલ્યા, ‘આ માત્ર જન્મે જ બ્રાહ્મણ છે. પરંતુ રાજધર્માનો સુહૃદ છે. કાશ્યપપુત્રે તેને મારી પાસે મોકલ્યો છે. તેનું પ્રિય તો કરીશ જ, તે મારા પર વિશ્વાસ રાખે છે, મારો ભાઈ છે. મારો બાંધવ છે, અને મારો મિત્ર પણ છે. આજે કાર્તિકી પૂણિર્મા છે. આજે હજારો ઉત્તમ બ્રાહ્મણ મારે ત્યાં ભોજન લેશે. એમાં આ પણ ભોજન લેશે. તેમની સાથે એને પણ ધન આપીશ. આજનો દિવસ પુણ્યકારી છે. આ બ્રાહ્મણ અતિથિ રૂપે અહીં આવ્યો છે અને મેં ધનદાન કરવાનો સંકલ્પ તો કરી જ રાખ્યો છે. તો હવે શો વિચાર કરવાનો?’
ત્યાર પછી ભોજનના સમયે હજારો વિદ્વાન બ્રાહ્મણો સ્નાન કરી, રેશમી વસ્ત્રો પહેરી, અલંકારો ધારણ કરીને આવી પહોંચ્યા. ત્યાં આવેલા બે શ્રેષ્ઠ બ્રાહ્મણોનું વિધિપૂર્વક સ્વાગત કર્યું. રાક્ષસરાજની આજ્ઞાથી સેવકોએ જમીન પર બ્રાહ્મણો માટે કુશનાં સુન્દર આસનો બિછાવ્યાં. રાજાએ સન્માનેલા તે શ્રેષ્ઠ બ્રાહ્મણો જ્યારે તે આસનો પર બેઠા ત્યારે રાક્ષસરાજે તલ, કુશ અને જળ વડે વિધિવત્ તેમનું પૂજન કર્યું. તે સૌમાં વિશ્વદેવો, પિતૃઓ અને અગ્નિદેવની ભાવના કરી ચન્દનની અર્ચા કરી, પુષ્પમાળા પહેરાવી, સુન્દર રીતે પૂજા કરી. આસન પર બેઠેલા તે બ્રાહ્મણો નક્ષત્રપતિ ચન્દ્રના જેવા શોભવા લાગ્યા. ત્યાર પછી રત્નજડિત સુન્દર થાળીઓમાં ઘીમાં બનાવેલાં પકવાન્ન પીરસીને બ્રાહ્મણો આગળ ધર્યાં. તેને ત્યાં અષાઢી પૂણિર્માએ તથા માઘપૂણિર્માએ નિત્ય ઘણા બ્રાહ્મણો પોતાની ઇચ્છાનુસાર ઉત્તમ ભોજન મેળવતા હતા. વિશેષ કરીને શરદ ઋતુ પૂરી થતાં આવતી કાર્તિકી પૂણિર્માએ તે બ્રાહ્મણોને રત્નોનું દાન કરતો હતો. ભોજન પછી બ્રાહ્મણો સમક્ષ પુષ્કળ સોનુંચાંદી, મણિમોતી, કિમતી હીરા, વૈડૂર્યમણિ, મૃગચર્મ, રત્નોના ઢગલા કરી તે વિરૂપાક્ષે તે દ્વિજવરોને કહ્યું, ‘હે બ્રાહ્મણદેવતાઓ, તમારી ઇચ્છા પ્રમાણે અને ઉત્સાહપૂર્વક આ રત્નો લઈ જાઓ અને જે થાળીઓમાં તમે જમ્યા છો તે પણ લઈ જાઓ.’
તે મહામના રાક્ષસરાજે એવું કહ્યું એટલે તે બ્રાહ્મણોએ ઇચ્છાનુસાર તે રત્નો લઈ લીધાં. સુન્દર અને મૂલ્યવાન રત્નો દ્વારા પૂજિત અને ઉજ્જ્વળ વસ્ત્રો પહેરેલાં બ્રાહ્મણો તો પ્રસન્ન થઈ ગયા. પછી રાક્ષસરાજે વિવિધ દેશોમાંથી આવેલા રાક્ષસોને હિંસા ન કરવાનું સૂચન કરીને બ્રાહ્મણોને ફરી કહ્યું, ‘આજે એક દિવસ માટે તમને રાક્ષસોનો કોઈ ભય નથી, એટલે આનન્દ કરો અને ઉતાવળે તમારા ઘરે જતા રહેજો.’
એ સાંભળીને બધા બ્રાહ્મણો ચારે દિશાઓમાં ભાગી ગયા. ગૌતમ પણ સુવર્ણનો ભારે બોજ લઈને બહુ મુશ્કેલી વેઠીને વડ પાસે આવી ગયો. ત્યાં પહોંચતાવેંત થાકી ગયો. તેને ભૂખ પણ લાગી હતી. ત્યાર પછી પક્ષીઓમાં શ્રેષ્ઠ રાજધર્માએ ગૌતમ પાસે આવીને તેનું સ્વાગત કર્યું. તે પક્ષીએ પોતાની પાંખો વડે પવન નાખ્યો અને તેનો થાક દૂર કરી દીધો. તેની પૂજા કરી અને ભોજનની વ્યવસ્થા કરી. ભોજન કરીને અને વિશ્રામ કરીને ગૌતમ વિચારવા લાગ્યો. લોભ અને મોહથી મેં સુન્દર સુવર્ણનો ભાર તો લીધો. હજુ તો મારે દૂર જવું છે. રસ્તામાં ખાવાનું શું કરીશ? ટકીશ કેવી રીતે? હવે શું કરું તો મારા પ્રાણ ટકી શકે? એમ ચિન્તા કરવા લાગ્યો. ત્યારે રસ્તે ભોજનની કોઈ વ્યવસ્થા ન હતી એટલે મનમાં વિચાર્યું, આ રાજધર્મા તો છે. એનામાં માંસ પુષ્કળ છે. એને મારીને હું જલદીથી ચાલવા માંડું.
રાજધર્માએ ગૌતમની રક્ષા માટે થોડે દૂર આગ સળગાવી હતી, પવનને કારણે એની જ્વાળાઓ ઊંચે ઊઠતી હતી. બકરાજને તેના પર વિશ્વાસ હતો, એટલે પાસે જ સૂઈ ગયો હતો. એટલામાં તે દુષ્ટાત્મા ગૌતમ વધ કરવાની ઇચ્છાથી ઊભો થયો અને સળગતી લાકડી વડે રાજધર્માને મારી નાખ્યો અને મારીને તે પ્રસન્ન થયો, પરન્તુ પાપના પરિણામ તરફ તેની દૃષ્ટિ ન ગઈ. તેણે મરેલા પક્ષીની પાંખો અને રોમ ઉખાડી નાંખ્યાં, બાકીનું શરીર આગમાં ભૂંજ્યું. સુવર્ણનો ભાર લઈને તે ઉતાવળે ત્યાંથી ચાલી નીકળ્યો.
તે દિવસે દક્ષકન્યાનો પુત્ર રાજધર્મા મિત્ર વિરૂપાક્ષ પાસે જઈ ન શક્યો. એટલે વ્યાકુળ થઈને વિરૂપાક્ષ ચિન્તા કરવા લાગ્યો. બીજો દિવસ વીત્યો એટલે તેણે પોતાના પુત્રને કહ્યું, ‘આજે પણ રાજધર્મા આવ્યો નથી. તે બકરાજ નિત્ય પ્રાત:કાળે બ્રહ્માની વન્દના કરવા જાય અને ત્યાંથી પાછા વળતાં તે મને મળ્યા વિના ઘેર જાય જ નહીં, આજે બે દિવસ વીતી ગયા, પરન્તુ તે અહીં આવ્યો નથી. મારા મનમાં શંકા થવા માંડી છે, તું મારા મિત્રની ભાળ કાઢ. તે અધમ બ્રાહ્મણમાં વિદ્યા ન હતી, બ્રહ્મતેજ ન હતું, તેના પર મને વહેમ આવે છે. ક્યાંક તેણે મારા મિત્રને મારી તો નહીં નાખ્યો હોય ને! એનાં લક્ષણો પરથી તો તે મને દુરાચારી, દુર્બુદ્ધિ, નિર્દય લાગતો હતો. તે દેખાવે પણ લૂંટારા જેવો લાગતો હતો. તે અહીંથી રાજધર્મા પાસે ગયો હતો, એટલે મારા મનમાં અશાંતિ છે. હે પુત્ર, તું શીઘ્ર રાજધર્મા પાસે જા અને જાણી લાવ કે બકરાજ જીવે છે કે નહીં, વિલંબ ન કરતો.’
પિતાની આજ્ઞાથી તે રાક્ષસોને લઈને પેલા વટવૃક્ષ પાસે ગયો અને તેને રાજધર્માનું હાડપિંજર મળ્યું. બુદ્ધિમાન રાક્ષસરાજનો પુત્ર રાજધર્માની આ હાલત જોઈને રડી પડ્યો. અને ગૌતમને પકડવા બધા પ્રયત્નો કર્યા. થોડેક દૂર જઈને ગૌતમને પકડી પાડ્યો. એની પાસેથી રાજધર્માનું શબ પણ મળ્યું. ગૌતમને લઈને તેઓ મેરુવ્રજ ગયા. ત્યાં રાજાને રાજધર્માનું શબ દેખાડ્યું. પાપાચારી અને કૃતઘ્ન ગૌતમને પણ રાજાની સામે ઊભો કરી દીધો. પોતાના મિત્રને આ દશામાં જોઈને મંત્રીઓ તથા પુરોહિતોની સાથે રાજા પણ રડવા લાગ્યા. તેમના નિવાસમાં આર્તનાદ થવા લાગ્યો. સ્ત્રીઓ, બાળકો સૌકોઈ શોકમાં ડૂબી ગયા, બધા અસ્વસ્થ થઈ ગયા.
રાજાએ પોતાના પુત્રને આજ્ઞા કરી, ‘આ પાપીને મારી નાખો, એનું માંસ રાક્ષસોને ભોજન માટે આપી દો. રાક્ષસો, આ પાપાત્મા છે, આતતાયી છે. એટલે તમારે એનો વધ કરવો જોઈએ.’
રાક્ષસરાજની આવી આજ્ઞા છતાં તેમણે એનું માંસ ખાવાની ઇચ્છા ન કરી, કારણ કે તે ઘોર પાપી હતો, તેમણે રાક્ષસરાજને કહ્યું, ‘મહારાજ, આનું માંસ દસ્યુઓને આપી દો. અમને એનું પાપ ખાવા ન કહો.’ બધાએ રાજાના ચરણોમાં મસ્તક નમાવી કહ્યું. રાજાએ એમની વાત માની લીધી, ‘આજે જ આ કૃતઘ્નને દસ્યુઓને હવાલે કરી દો.’ એ દસ્યુઓને પણ તેનું માંસ ખાવાની ના પાડી. માંસાહારી જીવો પણ એનું માંસ ખાવા તૈયાર ન હતા. બ્રહ્મહત્યારા, શરાબી, ચોર કે વ્રતભંગ કરનાર માટે શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત છે પણ કૃતઘ્ન માટે કોઈ ઉપાય નથી. મિત્રદ્રોહી, નૃશંસ, નરાધમ તથા કૃતઘ્નનું માંસ કીડાઓ પણ નથી ખાતા.
ત્યાર પછી વિરૂપાક્ષે રાજધર્મા માટે એક ચિતા તૈયાર કરાવી, તેને રત્નો, સુગન્ધિત ચન્દન અને વસ્ત્રોથી સજાવી. પક્ષીરાજનું શબ ચિંતા ઉપર ચઢાવી અને વિધિવત્ તેનો અગ્નિસંસ્કાર કર્યો. તે સમયે દક્ષકન્યા સુરભિદેવી ત્યાં આવી અને તેની ચિતા ઉપર ઊભી રહી ગઈ. તેના મોઢામાંથી દૂધનું ફીણ નીકળ્યું અને રાજધર્માની ચિતા પર પડ્યું. એનાથી બકરાજ સજીવન થયો અને ઊડીને વિરૂપાક્ષ પાસે ગયો. તે સમયે દેવરાજ ઇન્દ્ર વિરૂપાક્ષના નગરમાં આવ્યા અને રાજાને કહ્યું, ‘તમારા કારણે પક્ષીરાજને જીવનદાન મળ્યું.’ ઇન્દ્રે રાજાને એક ઘટના સંભળાવી. બ્રહ્માએ રાજધર્માને શાપ આપ્યો હતો. એક સમયે બકરાજ સમયસર બ્રહ્માની સભામાં પહોંચી ન શક્યા. એટલે તેમણે શાપ આપ્યો, ‘તે મૂર્ખ અને અધમ બગલો મારી સભામાં ન આવ્યો. એટલે હવે તેને હત્યાની વેદના ભોગવવી પડશે.’ બ્રહ્માના વચનુસાર ગૌતમે તેનો વધ કર્યો. બ્રહ્માએ જ અમૃત દ્વારા રાજધર્માને જીવતદાન આપ્યું છે. ત્યારે રાજધર્માએ ઇન્દ્રની વંદના કરીને કહ્યું, ‘તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો મારા મિત્ર ગૌતમને પણ સજીવન કરી આપો.’ એની વાત માનીને ઇન્દ્રે અમૃત છાંટીને ગૌતમને પણ સજીવન કરી આપ્યો. વાસણ, રત્નો, સુવર્ણસહિત ગૌતમ સજીવન થયો તે જોઈને બકરાજે તેને ગળે લગાડ્યો. ગૌતમને ધનસહિત વિદાય કરીને રાજધર્મ પોતાના ઘરમાં પ્રવેશ્યા. પછી વિધિવત્ બકરાજ બ્રહ્માની સભામાં ગયા અને બ્રહ્માએ તેનો આદરસત્કાર કર્યો. ગૌતમ પણ ભીલોના ગામમાં ગયો અને ત્યાં તે શૂદ્ર સ્ત્રી દ્વારા અનેક દુષ્ટ પુત્રોને જન્મ આપ્યો. તે દેવતાઓએ ગૌતમને શાપ આપ્યો, ‘આ પાપી કૃતઘ્ન છે, તે આ શૂદ્ર સ્ત્રી દ્વારા સંતાનોને જન્મ આપતો રહ્યો છે, એ પાપને કારણે તે નરકવાસી થશે.’
{{Right |  (શાંતિપર્વ, અધ્યાય ૧૬૨-૭) }} <br>
=== વરાહકથા ===
ભૂતકાળમાં નરકાસુર સમેત સેંકડો દાનવશ્રેષ્ઠ ક્રોધયુક્ત અને લોભયુક્ત થઈને બળના અભિમાનને કારણે ઉન્મત્ત થઈ ગયા હતા. આ સિવાય પણ ઘણા દાનવો દેવોની સમૃદ્ધિ જોઈને અસહિષ્ણુ થઈ ગયા હતા. દેવતાઓ અને દેવર્ષિઓ દાનવોથી ત્રસ્ત થઈને આમતેમ ભટકતા રહ્યા, દેવતાઓએ ઘોર રૂપ ધારીને મહાબળવાન દાનવોથી છવાયેલી પૃથ્વીને દાનવોનાં પાપથી પીડિત અને આર્ત જોઈ. પૃથ્વી તે સમયે ભારથી આક્રાન્ત, દુઃખી, અપકૃષ્ટ થઈને રસાતલમાં ડૂબતી જોઈ. આ જોઈને અદિતિના પુત્રો દેવતાઓ ત્રસ્ત થઈને બ્રહ્મા પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે બ્રહ્મન્, અમે દાનવોની દારુણ યાતના કેવી રીતે વેઠીશું?’
સ્વયંભૂ બ્રહ્મા દેવતાઓનું વચન સાંભળીને કહેવા લાગ્યા, ‘મેં આ આપત્તિ દૂર કરવાનો એક ઉપાય કર્યો છે. તેઓ વરદાનના પ્રભાવે બળ અને મદથી ઉન્મત્ત થયા છે. તે મૂઢ દાનવો વરાહ રૂપી ભગવાન વિષ્ણુને નથી જાણતા. એ હજારો મહાઘોર અધમ દાનવો ભૂમિની નીચે જ્યાં નિવાસ કરે છે ત્યાં વરાહ રૂપી વિષ્ણુ જઈને બધા દાનવોનો સંહાર કરશે.’
દેવતાઓ આ સાંભળીને ખૂબ આનંદ પામ્યા.
ત્યારપછી મહાતેજસ્વી ભગવાન વિષ્ણુ વરાહરૂપ ધારણ કરીને ભૂગર્ભમાં પ્રવેશ્યા ને દિતિપુત્રો તરફ દોડ્યા. કાલમોહિત દૈત્યો એકઠા થઈને અમાનુષી સત્ત્વને જોઈ સ્થિરભાવે સામનો કરવા તૈયાર થયા. ત્યાર પછી બધા ક્રોધે ભરાઈને સામે ગયા અને વરાહને ચારે બાજુથી ખેંચવા લાગ્યા. મહાકાય અને મહાબળવાન, ઉન્મત્ત દાનવો તે સમયે વરાહનું કશું બગાડી ન શક્યા. છેવટે તે બધા દાનવો ભયભીત અને વિસ્મિત થયા. હજારો દાનવો પોતાના જીવન વિશે શંકા કરવા લાગ્યા. ત્યાર પછી યોગસહાય યોગાત્માએ યોગનો આધાર લઈને દૈત્યો અને દાનવોે ક્ષોભ પમાડવા મોટા અવાજે ગર્જના કરી; તે અવાજથી બધા લોકમાં અને દસે દિશાઓમાં પડઘા પડ્યા. એ ભયાનક અવાજથી બધા લોકોના અંત:કરણમાં ક્ષોેભ પ્રગટ્યો. ઇન્દ્ર અને બીજા દેવતાઓ, બધી દિશાઓ ભયભીત થઈ ગયાં. સ્થાવરજંગમ સમસ્ત જગત તે અવાજથી મોહ પામી નિશ્ચેષ્ટ થયું. વરાહ ભગવાને રસાતલમાં જઈને પોતાની ખરીઓથી દાનવોના માંસ, મેદ, અસ્થિ (હાડકાં)ને છેદી ભેદી નાખ્યાં. તે ભૂતાચાર્ય, મહાયોગી પદ્મનાભ વિષ્ણુ આ મહાનાદથી સનાતન નામે વર્ણન પામ્યા છે. ત્યાર પછી સર્વ દેવતાઓએ જગત્પતિને પૂછ્યું. ‘હે દેવ, હે વિભુ, આ અવાજ શાનો છે અમે એ જાણવામાં સમર્થ નથી, આ શબ્દ કેવો છે? આ શબ્દ છે કોનો? આ જગત તેનાથી વિહ્વળ થઈ રહ્યું છે.’
એટલામાં જ વરાહરૂપધારી ભગવાન વિષ્ણુ મહર્ષિઓના સ્તુતિપાઠ, પછી રસાતલમાં ઉપસ્થિત થયા. તે મહાકાય, મહાબળવાન, મહાયોગી, ભૂતાત્મા, ભૂતભાવ ભગવાન વિષ્ણુ દાનવોનો વધ કરીને આવી રહ્યા છે. તે સર્વ ભૂતેશ્વર, યોગી, ઉત્પત્તિસ્થાન, આત્માનાય આત્મા, સર્વ પાપનો ક્ષય કરનાર કૃષ્ણ છે. તમે બધા હવે સ્થિર થઈ જાઓ. તેઓ અપરિચિત પ્રભાવાળા છે. મહાદ્યુતિ, મહાભાગ, મહાયોગી, ભૂતભાવન, મહાત્મા પદ્મનાભ, સાધુકાર્ય સિદ્ધ કરી અહીં આવ્યા છે. એટલે હે દેવતાઓ, તમારે શોક, સંતાપ કરવાની કે ભય પામવાની જરૂરત નથી. તે વિધિ, પ્રભાવ, સંશયકારક કાળ છે. આ જ મહાત્મા ભગવાને બધા લોકને ધારણ કરતી વેળાએ મોટો નાદ કર્યો હતો. બધાં ભૂતોના ઉદ્ભવરૂપ, બધા લોકો જેને નમસ્કાર કરે છે તે પુંડરીકાક્ષ (કમલનયન) અચ્યુત ઈશ્વર અહીં છે.’
{{Right | (શાંતિપર્વ, ૨૦૨) }} <br>
=== જાજલિ મુનિની કથા ===
જાજલિ નામના એક વનવાસી બ્રાહ્મણ અરણ્યમાં રહેતા હતા. તે મહાતપસ્વીએ સમુદ્રકિનારે બહુ તપસ્યા કરી. તે ધીમાન્ મુનિ નિયતાહારી, સંયત હતા; ચીર, મૃગછાલ અને જટા ધારણ કરેલા તે ઋષિ અનેક વર્ષો સુધી શરીર પર પંક જામવાને કારણે મલિન થઈ ગયા હતા. એક વેળા તે તેજસ્વી મુનિ જલયુક્ત પ્રદેશના લોકોને જોવા ઉત્સુક થઈને મનોવેગ જેવા વેગે વિચરવા લાગ્યા. ત્યાર પછી તેમણે વન, કાનન સમેત સમુદ્ર પર્યંતની પૃથ્વી જોઈને જલપ્રદેશમાં નિવાસ કરતાં કરતાં વિચરવા લાગ્યા. સ્થાવર જંગમ સંસારમાં મારી જેમ, મારી સાથે જળમાં, આકાશના નક્ષત્રલોકમાં આવજા કરી શકે એવું કોઈ નથી. તેઓ જ્યારે જળમુક્ત પ્રદેશોની વચ્ચે રહેતા મુનિ રાક્ષસોથી દૃશ્યમાન રહીને આવું કહી રહ્યા હતા ત્યારે પિશાચોએ કહ્યું, ‘તમારે આમ બોલવું ન જોઈએ. વારાણસીમાં તુલાધાર નામનો વણિક મહાયશસ્વી છે, તમે જે કહો છો તેવું તે પણ કહેતા નથી.’
મહાતપસ્વી જાજલિએ પિશાચોની એવી વાત સાંભળીને કહ્યું, ‘હું બુદ્ધિમાન યશસ્વી તુલાધારનું દર્શન કરીશ.’ ઋષિની વાત સાંભળીને પિશાચોએ તેમને સમુદ્રમાંથી ઊંચકીને કહ્યું, ‘હે દ્વિજોત્તમ, તમે આ જ રસ્તે આગળ વધજો.’ જાજલિ મુનિ ભૂતોની વાત સાંભળીને ઉદાસ ચિત્તે વારાણસીમાં તુલાધાર પાસે જઈને આમ બોલ્યા,
(શ્રોતા વક્તાને અટકાવીને જાજલિ મુનિના ભૂતકાળ વિશે જાણવા માગે તો...)
મહાતપસ્વી જાજલિ મુનિ ઘોર તપ કરતા હતા, પ્રભાતે અને સંધ્યાએ સ્નાન અને સાંધ્ય ઉપાસનામાં ડૂબ્યા રહેતા હતા. સ્વાધ્યાયરત મુનિ યથાનિયમ અગ્નિની સેવા કરતા હતા, વાનપ્રસ્થ વિધાનો જાણીને વેદવિદ્યાથી જ્વલંત રહેતા હતા. તેઓ વનમાં તપ કરતા હતા પરંતુ ધર્મની અવહેલના કરતા ન હતા. વર્ષાકાળે ખુલ્લા આકાશ નીચે અને હેમન્તમાં પાણીમાં ઊભા રહેતા હતા. ગ્રીષ્મ ઋતુમાં પવન અને તડકો વેઠતા, તો પણ તેમને ધર્મજ્ઞાન ન થયું. જમીન પર દુઃખદાયક શય્યાઓ પર સૂઈ જતા હતા, આકાશ નીચે ઊભા રહીને અંતરીક્ષમાંથી વરસતા પાણીને મસ્તક પર તેમણે ઝીલ્યું હતું. તેને કારણે તેમની જટા ગૂંચવાઈ ગઈ, તેઓ સદા વનમાં ઘૂમ્યા કરતા હતા એટલે તેમનું શરીર મલિન અને પંકિલ થઈ ગયું. તે મહાતપસ્વી ક્યારેક નિરાહારી રહ્યા, વાયુભક્ષી રહ્યા, કાષ્ઠની જેમ અવ્યગ્ર રહ્યા, કોઈ રીતે વિચલિત ન થયા. જરા પણ હિલચાલ કરતા ન હતા એટલે ઠૂંઠા વૃક્ષ જેવા લાગતા હતા, તે સમયે કુલિંગ પક્ષીએ તેમના માથામાં માળો બાંધ્યો. તે પક્ષી દંપતી તેમની જટામાં માળો બાંધી રહ્યા હતા ત્યારે તે દયાવાન મહર્ષિએ ઉપેક્ષા કરીને તે માળો દૂર ન કર્યો, એટલે તે વિહંગદપંતી વિશ્વસ્ત થઈને સહજ રીતે જ મહર્ષિના માથા પર જ વસવા લાગ્યું. વર્ષાકાળ વીત્યો એ શરદ્દ ઋતુ આવી ત્યારે કામમોહિત પક્ષીઓના પ્રાકૃતિક ધર્મપ્રમાણે સંતાનપ્રાપ્તિ માટે સમાગમ કર્યો અને વિશ્વસ્ત થઈને મુનિના મસ્તક પર જ ઈંડાં મૂક્યાં. તે ઘટના સંશિત વ્રતધારી વિપ્રને એની જાણ થઈ. તે જાણ્યા પછી પણ મહાતેજસ્વી જરા પણ વિચલિત ન થયા. ધર્મનિષ્ઠ રહેતા હોવાને કારણે અધર્મની કદી અભિલાષા કરતા ન હતા. આ બંને પંખી નિત્ય ચણવા જતા અને પછી ઋષિના મસ્તક પર આશ્વસ્ત થઈને, હર્ષ પામીને વસતા હતા. મુનિ હલનચલન કર્યા વિના, સમાધિનિષ્ઠ, વ્રતધારી બનીને પંખીનાં ઈંડાંની રક્ષા કરતા હતા. સમય વીત્યો એટલે ઈંડાં પુષ્ટ થયાં, તેમાંથી બચ્ચાં નીકળ્યા, તે મોટાં થયાં તો પણ જાજલિ વિચલિત ન થયા. હલનચલન કર્યા વિના, સમાધિસ્થ, વ્રતધારી ધર્માત્મા કુલિંગ પક્ષીનાં બચ્ચાંની રક્ષા કરતા રહ્યા, સમય આવ્યે પક્ષીઓને પાંખો આવી, મુનિને ખ્યાલ આવ્યો કે હવે બચ્ચાંને પાંખો ફૂટી છે. થોડા સમય પછી બુદ્ધિમાન, વ્રતધારી મહર્ષિ બચ્ચાંને ઊડતા જોઈ પ્રસન્ન થયા. પક્ષી દંપતી પોતાનાં બચ્ચાંને મોટાં થયેલાં જોઈ આનંદ પામ્યા અને નિર્ભય થઈને બચ્ચાં સાથે મુનિના મસ્તકે નિવાસ કરવા લાગ્યા. જ્યારે બચ્ચાંની પાંખો બરાબર પરિપક્વ થઈ, ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતાં હતાં અને સાંજે મુનિના મસ્તકે રહેતાં હતાં. વિપ્ર જાજલિ તે પંખીઓને આવતાં જતાં જોઈ જરાય વિચલિત ન થતા. કોઈ વેળા આ બચ્ચાં માતાપિતાથી અલગ પડીને પણ મુનિના મસ્તકે આવીને ફરી ઊડી જતાં હતાં. નિત્ય તેમના આવા આચરણ છતાં મુનિ વિચલિત થતા ન હતા. આ જ રીતે આખો દિવસ ચણ ચણીને પક્ષીનાં બચ્ચાં સાંજે નિવાસ માટે એ જ સ્થળે પાછા આવતાં હતાં. ક્યારેક પક્ષીવૃંદ સતત પાંચ દિવસ બહાર વીતાવીને છઠ્ઠા દિવસે જાજલિના મસ્તક પર બેસતું હતું, તો પણ મુનિ વિચલિત ન થયા. ધીમે ધીમે બચ્ચાં બળવાન અને પુષ્ટ થવાથી બહાર ઘણા દિવસ વીતાવી દેતા હતા, બીજે જઈને જલદી પાછા આવતાં ન હતાં. ક્યારેક તે પક્ષી એક મહિના માટે જતા રહેતાં, પાછા ન આવતાં પરંતુ જાજલિ પહેલાંની જેમ જ રહ્યા. આ પક્ષીઓ એક વખત ઊડીને જતાં રહ્યાં અને ત્યારે જાજલિએ વિસ્મય પામીને મનોમન વિચાર્યું કે હવે હું સિદ્ધ થયો છું. તેમના મનમાં અભિમાન પ્રગટ્યું. વ્રતનિષ્ઠ જાજલિ એ પક્ષીઓને એક વાર જતા જોઈને પોતાને સત્કારયોગ્ય સમજીને અત્યન્ત પ્રસન્ન થયા.
તે મહાન તપસ્વી મુનિએ નદીમાં સ્નાન કરી સંધ્યાતર્પણ કરી અગ્નિમાં આહુતિ આપી, પછી સૂર્યોદય થયો એટલે તેમની ઉપાસના કરી. પોતાના મસ્તક પર પક્ષીનાં બચ્ચાંને પૂરી રીતે મોટાં થયાં તે યાદ કરી જાજલિએ પોતાને ધર્માત્મા માન્યા અને આકાશમાં તાલ આપીને મોટેથી બોલ્યા, ‘મેં ધર્મ પ્રાપ્ત કરી લીધો છે.’ ત્યાર પછી આકાશવાણી થઈ કે ‘હે જાજલિ, તમે ધર્મની બાબતમાં તુલાધાર જેવા નથી થયા. વારાણસીમાં મહાજ્ઞાની તુલાધાર નામનો એક માણસ રહે છે. તમે જે કહ્યું તેવું વચન તે કહી શકતો નથી.’ જાજલિ મુનિ તે આકાશવાણી સાંભળીને ક્રોધે ભરાયા અને તુલાધારને મળવા પૃથ્વી પર ભટકવા લાગ્યા, જ્યાં સાંજ પડે ત્યાં જ તેઓ નિવાસ કરતા હતા. બહુ સમય વીત્યા પછી તે વારાણસી પહોંચ્યા અને ત્યાં ચીજવસ્તુઓ વેચતા તુલાધારને જોયા. ભાંડજીવી તુલાધાર વિપ્રવર્યને આવતા જોઈ હર્ષ પામીને ઊભા થયા અને સ્વાગત વડે આવકાર્યા. ‘હે બ્રહ્મન્, તમે મને મળવા આવી રહ્યા છો તે હું પહેલેથી જાણી ગયો હતો. દ્વિજશ્રેષ્ઠ, હું જે કહું છું તે સાંભળો. તમે સમુદ્રકિનારે પાણીવાળા સ્થળે મોટું તપ કર્યું છે, પહેલાં ક્યારેય તમે ધર્મનું નામ જાણતા ન હતા. હે વિપ્ર, જ્યારે તમે તપસ્યાથી સિદ્ધ થયા ત્યારે પક્ષીઓનાં બચ્ચાં તમારા માથા પર જન્મ્યાં, તમે તેમની યોગ્ય રક્ષા કરી. તે બચ્ચાંને જ્યારે પાંખો આવી અને ચણ મેળવવા ઊડી ગયાં ત્યારે તમે મનમાં નક્કી કર્યું કે પક્ષીઓનું પાલન કરવાથી ધર્મ પ્રાપ્ત થયો છે. ત્યાર પછી મારા સંદર્ભે આકાશવાણી થઈ તે તમે સાંભળી. સાંભળતાંવેંત તમે ક્રોધે ભરાયા અને એ નિમિત્તે અહીં આવ્યા. હે દ્વિજવર, તમારું કયું પ્રિય કાર્ય કરું તે કહો.’
બુદ્ધિમાન તુલાધારે જપ કરનારામાં શ્રેષ્ઠ જાજલિને આવું કહ્યું ત્યારે જાજલિએ તુલાધારને કહ્યું.
‘હે વણિકપુત્ર, તમે બધા રસ, ગંધ, વનસ્પતિ, ઔષધિ ફળફૂલ વેચો છો. તમે આ નૈષ્ઠિકી બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી, તમને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થયું. તમે આ બધી વાત વિસ્તારથી મને કહો.
(ત્યાર પછી તુલાધાર જીવનના મર્મ, આદર્શ વગેરેની ચર્ચા વિગતે કરે છે. સરખાવો ધર્મવ્યાધની કથા)
જાજલિને વધુ ધર્મોપદેશ તુલાધાર પક્ષીઓ પાસે અપાવે છે તે રસપ્રદ છે... તુલાધારે કહ્યું,
‘અનેક જાતનાં પક્ષીઓ ચારે બાજુ ભમી રહ્યાં છે. તમારા માથા પર જે પક્ષીઓ મોટાં થયાં તે પણ અહીં ઊડી રહ્યાં છે. આ બધાંએ આમતેમ પોતાના હાથપગ સંકોચી લીધાં છે. હે બ્રહ્મન્, તમે અત્યારે એમનું આવાહ્ન કરીને બોલાવો. આ જુઓ આ પક્ષીવૃંદ તમારું સન્માન કરી રહ્યાં છે. હે જાજલિ, પુત્રોને આવાહ્ન કરો, તમે એમના પિતા છો એમાં તો કોઈ શંકા નથી.’
ત્યાર પછી જાજલિ મુનિએ બોલાવ્યા એટલે પક્ષીઓએ અહિંસામય ધર્મયુક્ત દિવ્ય વચનો કહ્યાં,
‘અહિંસા, દયા આદિ ભાવો વડે કરેલું કર્મ આ લોકમાં અને બીજા લોકમાં ઉત્તમ ફળ આપે છે. હિંસા દ્વારા કરેલું કર્મ શ્રદ્ધા નષ્ટ કરે છે, શ્રદ્ધા નષ્ટ થાય પછી શ્રદ્ધાહીન મનુષ્યનો નાશ કરે છે. શ્રદ્ધાહીન પુરુષના કર્મમાં ત્રુટિ રહે તો વચન અને મન તે કર્મની રક્ષા કરી શકતા નથી. પુરાણોના જાણકાર બ્રહ્માએ કહેલી ગાથા કહ્યા કરે છે, ‘પહેલાં પવિત્ર અને અશ્રદ્ધાવાન તથા શ્રદ્ધાવાન અને અપવિત્ર પુરુષના વિત્તને દેવતાઓ યજ્ઞકર્મમાં એક સમાન માનતા હતા. શ્રોત્રિય હોવા છતાં પણ જે પુરુષ કૃપણતાનો વ્યવહાર કરે છે, તેના અને ધાન્ય વેચનારના અન્નને દેવતાઓએ એક સમાન ગણતા હતા. પ્રજાપતિએ તેમના આવા વર્તાવ માટે કહ્યું હતું, ‘હે દેવતાઓ, તમે બહુ અનુચિત કર્યું છે. ઉદાર પુરુષનું શ્રદ્ધાયુક્ત અન્ન પવિત્ર પણ અશ્રદ્ધાથી સિદ્ધ થયેલું અન્ન ભક્ષણીય નથી. એટલે ઉદારનું જ અન્ન ખવાય, કૃપણ અને વૃદ્ધિજીવીનું અન્ન ન ખાવું જોઈએ. કેવલ અશ્રદ્ધાવાન મનુષ્ય જ દેવતાઓને હવિદાન કરવાને પાત્ર નથી, તેનું અન્ન અભક્ષણીય છે, એવું ધર્મજ્ઞો કહે છે. અશ્રદ્ધા પરમ પાપ છે, શ્રદ્ધા પાપમોચની છે. જેવી રીતે સાપ કાંચળી દૂર કરે છે એવી રીતે શ્રદ્ધાવાન મનુષ્ય પાપ ત્યજે છે. શ્રદ્ધા સહિત નિવૃત્તિમાર્ગ ગ્રહણ કરવો બધી પવિત્રતામાં શ્રેષ્ઠ છે, શીલ વિષયક રાગ જેવા દોષોમાંથી જે મુક્ત છે તે જ શ્રદ્ધાવાન સદા પવિત્ર છે. તેને શીલ, તપસ્યા, ધર્માભ્યાસનું શું પ્રયોજન? આ શ્રદ્ધાવાન પુરુષ સાત્ત્વિકી, રાજસી અને તામસી એવી ત્રણ પ્રકારની શ્રદ્ધામાંથી જેવી શ્રદ્ધા ધરાવતો હોય તે એ જ નામે ઓળખાય છે. ધર્માર્થદર્શી સાધુઓએ આ પ્રકારે ધર્મવર્ણન કર્યું છે. ધર્મદર્શન નામના મુનિએ કહ્યું છે: તમે સ્પર્ધાનો ત્યાગ કરો, તેનાથી તમને પરમ ગતિ પ્રાપ્ત થશે. વેદવાક્યમાં શ્રદ્ધાવાન અને વેદાર્થ અનુષ્ઠાન કરનાર તુલાધાર અહીં ધર્માત્મા છે. હે જાજલિ, જે શ્રદ્ધાથી કર્તવ્યપૂર્વક ધર્મમાં વસે છે તે ગૌરવયુક્ત છે...
{{Right | (શાંતિપર્વ, ૨૫૩) }} <br>
=== ગૌતમ અને ચિરકારીની કથા ===
મહાપ્રાજ્ઞ ચિરકારી ગૌતમના પુત્ર હતા, તેઓ બહુ સમય સુધી વિચાર કર્યા પછી જ કાર્ય કરતા હતા. લાંબા સમય સુધી વિચારીને તેઓ વિષયો અંગે વિચારતા, મોડી રાત સુધી જાગતા રહેતા હતા, અને લાંબો સમય સૂઈ રહેતા હતા. બધાં કાર્ય પૂરા કરવામાં બહુ વિલંબ કરતા હતા, એટલે તેમનું નામ ચિરકારી પડ્યું. ઓછી બુદ્ધિવાળા અને દીર્ઘદૃષ્ટિ વિનાના લોકો તેમને આળસુ અને મંદ બુદ્ધિના કહેતા હતા. એક વખત પોતાની પત્નીનો માનસિક વ્યભિચાર જોઈને ગૌતમ ઋષિને તેનો વધ કરવાનું મન થયું. બીજા સંતાનોને કહેવાને બદલે તેમણે ચિરકારીને કહ્યું, ‘તું આ તારી પાપી માતાનો વધ કર.’
ચિરકારીએ સ્વભાવવશ વિલંબ કરીને ‘હા કરીશ’ કહ્યું, અને પછી બહુ સમય સુધી વિચારતો બેઠો. પિતાની આજ્ઞાનું પાલન કેવી રીતે કરું અને કેવી રીતે માતૃહત્યા ન થાય એવું કરું? ધર્મનિમિત્તે મોટું સંકટ આવ્યું છે, અને દુષ્ટોની જેમ કેવી રીતે આ ધર્મસંકટમાં નિમગ્ન થઉં? પિતાની આજ્ઞા માનવી પરમ ધર્મ છે અને માતાની રક્ષા કરવી પણ સ્વધર્મ છે. અને પુત્રત્વ સ્વતંત્ર નથી, આ બંનેની વચ્ચે કયો વિષય ધર્મની હાનિ રૂપ મને પીડિત નહીં કરે? સ્ત્રીહત્યા — ખાસ કરીને માતૃહત્યા કરવાથી કઈ વ્યક્તિ સુખી થઈ શકે અને પિતાની અવજ્ઞા કરવાથી કયા પુરુષને પ્રતિષ્ઠા સાંપડે? પિતાની અવજ્ઞા ન કરવી જોઈએ અને માતાની રક્ષા કરવી જોઈએ — આ બંને પરસ્પરવિરુદ્ધ વાતો છે, છતાં બંને કાર્ય કરવા ઉચિત છે. એટલે આ બંને ધર્મોનું અતિક્રમણ કેવી રીતે ન કરું?
પિતા પોતાના સદ્ચરિત્રના નામ અને વંશની રક્ષા માટે પત્ની દ્વારા જન્મ લઈને આત્મા ધારણ કરે છે. હું માતા અને પિતા દ્વારા પુત્ર રૂપે પ્રગટ્યો છું. મારી ઉત્પત્તિનું કારણ આ બંને છે, આવું જ્ઞાન મને કેમ નહીં થાય? જાતકર્મ સંસ્કાર અને ઉપનયન સંસ્કારના સમયે પિતાના આશીર્વાદ પિતાના ગૌરવનો નિશ્ચય કરાવવાનું સુદૃઢ પ્રમાણ છે. પિતા પ્રતિપાલન અને શિક્ષા આપવાને કારણ પુત્રનો ગુરુ છે તથા પરમ ધર્મનું સ્વરૂપ છે. પિતા જે આજ્ઞા આપે તે ધર્મ છે, વેદોમાં પણ આ સુનિશ્ચિત છે. પુત્ર પિતાનો પ્રીતિપાત્ર છે, પિતા પુત્રનું સર્વસ્વ છે. શરીર વગેરે જે કંઈ દેય પદાર્થ છે તે માત્ર પિતા જ પુત્રને આપી શકે છે.
(પછી વિસ્તારથી પિતા-પુત્રના સંબંધ વિશે લાંબી ચર્ચા ચાલે છે)
ચિરકારીએ આ રીતે લાંબો વિચાર કર્યા કર્યો એમાં બહુ સમય વીતી ગયો. ત્યાર પછી તેના પિતા તેની પાસે આવી પહોંચ્યા. મહાબુદ્ધિમાન મેધાતિથિ ગૌતમ તપસ્યામાં સમય વીતાવતા હતા, તે સમયે તેઓ પોતાની પત્નીના વધને અયોગ્ય સમજીને બહુ આંસુ વહેવડાવવા લાગ્યાં. શાસ્ત્રવાચન અને ધીરજના પ્રભાવે પશ્ચાત્તાપ કરીને બોલ્યા, ‘ત્રણે લોકના ઈશ્વર ઇન્દ્ર અતિથિવ્રત લઈને મારે આંગણે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા, મેં અતિથિવ્રતને અવલંબીને તેમનું સ્વાગત કર્યું, તેમને પ્રસન્ન કર્યા અને સમયોચિત વચનોથી સાંત્વના આપી, વિધિવત્ પાદ્ય, અર્ઘ્ય આપીને તેમની પરંપરા પ્રમાણે પૂજા કરી.
મેં તેમને કહ્યું, ‘હું તમારો છું, મારા આશ્રમમાં તમારા આગમનથી હું સનાથ થયો છું.’ દેવરાજ પ્રસન્ન થશે એમ માનીને મેં આ બધી વાત કરી હતી. ઇન્દ્રની ચંચળતાને કારણે અકુશળ ઘટના બની તેમાં મારી પત્નીનો કોઈ દોષ નથી. એ રીતે આ વિશે સ્ત્રી, ઇન્દ્ર કે હું — કોઈ અપરાધી નથી. ધર્મ વિશેનો પ્રમાદ જ આ બાબતમાં અપરાધી છે. ઊર્ધ્વરેખાઓ કહે છે, પ્રમાદથી ઈર્ષ્યાજનિત આપત્તિ આવે છે, હું ઈર્ષ્યાથી આકર્ષાઈને દુષ્કૃતના સાગરમાં ડૂબી ગયો છું. સાધ્વી નારીને પ્રમાદવશ થઈને મેં તેને મારી નાખવાની આજ્ઞા આપી, આ પાપમાંથી મને મુક્ત કરશે કોણ? મેં ઉદારબુદ્ધિ ચિરકારીને આજ્ઞા આપી, આજે જો તે વિલંબ કરે તો મને આ પાપમાંથી છોડાવશે. હે ચિરકારી, તારું કલ્યાણ થાય, તારું કલ્યાણ થાય, આજે જો તું ચિરકારી જ બની રહીશ તો તેં તારું નામ સાર્થક કર્યું ગણાશે. આજે તું મારી અને તારી માતાની રક્ષા કર. મેં પ્રાપ્ત કરેલી તપસ્યાની રક્ષા કર. આત્માને પાતકમાંથી ઉગાર અને ચિરકારી નામથી વિખ્યાત થા. તારી અસાધારણ બુદ્ધિમત્તાથી ચિરકારિત્વ ગુણ સહજ છે, આજે તારો આ ગુણ સફળ થાય, આજે તું ખરે જ ચિરકારી થઈ જા. હે ચિરકારી, તારી માતાએ તને મેળવવા માટે બહુ સમય આશા રાખી હતી, તને લાંબો સમય ગર્ભમાં રાખ્યો હતો, એટલે તું તારા ચિરકાલીન ગુણને સાર્થક કરો. સંતાપ થાય તો પણ તું વિલંબથી કાર્ય કરે છે, ના પાડીએ તો પણ મોડે સુધી સૂઈ રહે છે, અમારો ચિરસંતાપ જોઈને મારી આજ્ઞાપાલનમાં વિલંબ કરે છે.’
મહર્ષિ ગૌતમે આ પ્રકારે દુઃખી થઈને પાસે આવેલા ચિરકારીને જોયો. તે પણ પિતાને જોઈને દુઃખી થયો અને શસ્ત્ર ત્યજીને, માથું નમાવીને પિતાને પ્રસન્ન કરવા મથ્યો. ત્યાર પછી ગૌતમે માથું નમાવીને ભૂમિ પર પડેલા પુત્રને જોયો, પત્ની પણ લજ્જાથી પથ્થરની જેમ નિશ્ચલ ઊભેલી જોઈ. તેમણે અરણ્યમાં પત્ની અને પુત્રને પૃથક્ભાવથી ન જોયા. હત્યા કરવાની આજ્ઞા આપીને ગૌતમ આત્મકર્મ કરવા વનમાં જતા રહ્યા હતા, તેમનો પુત્ર હાથમાં શસ્ત્ર લઈને ઊભો હતો, તો પણ વિનીત ભાવે વિચારતો રહ્યો. ત્યાર પછી આશ્રમમાં આવીને પોતાને પગે પડેલા પુત્રને જોઈને એમ જ માન્યું કે ભયને કારણે શસ્ત્ર પકડવાની ચપળતા પુત્ર છુપાવી રહ્યો છે. ત્યાર પછી લાંબા સમય સુધી તેમણે તેની પ્રશંસા કરી, એનું મસ્તક સૂંઘ્યું, બંને હાથ ફેલાવીને આલિંગન આપ્યું અને ‘ચિરંજીવી થા’ એવો આશીર્વાદ આપ્યો. પ્રેમ અને હર્ષથી તેઓ પુત્રને અભિનંદી કહેવા લાગ્યા, હે ચિરકારી, તારું કલ્યાણ થાઓ, તું હંમેશ માટે ચિરકારી બન. તારું ચિરકારિત્વ સદા માટે થાય તો હું કદી દુઃખી નહીં થઉં. મુનિશ્રેષ્ઠ વિદ્વાન ગૌતમે ધીરબુદ્ધિવાળા ચિરકારી લોકોના ગુણોની પ્રશંસા કરતા, આવી ગાથા કહી. ‘સદા વિચાર કરીને મૈત્રી કરવી, વિચાર કરીને મૈત્રી સહસા તોડી નાખવી નહીં, બહુ વિચારીને થયેલી મૈત્રી ચિરંજીવ રહે છે. રાગ, દર્પ, માન, દ્રોહ, પાપકર્મ, અપ્રિય કાર્ય, કર્તવ્યના વિષયોમાં ચિરકારી મનુષ્ય શ્રેષ્ઠ છે, તેની પ્રશંસા થાય છે. બંધુ, સુહૃદ, સેવક અને સ્ત્રીઓના અવ્યક્ત અપરાધોની બાબતમાં ચિરકારી ઉત્તમ નીવડે છે.’
{{Right | (શાન્તિપર્વ, ૨૫૮) }} <br>
=== ઇન્દ્ર-વૃત્રાસુરના યુદ્ધની કથા ===
એક વેળા ઇન્દ્ર દેવગણો સાથે રથમાં આરૂઢ થયા હતા ત્યારે પુરમાં દ્વાર આગળ પર્વત સમાન વૃત્રને જોયો. તે પાંચસો યોજન ઊંચો હતો અને વિસ્તારમાં ત્રણસો યોજન હતો. ત્રણે લોકમાં દુર્જય એવા વૃત્રનું આ રૂપ જોઈને દેવતાઓ સંત્રસ્ત થયા, તેમને શાંતિ ન થઈ શકી. વૃત્રનું તે ઉત્તમ રૂપ જોઈને ઇન્દ્રની સાથળો ભયથી સહસા જકડાઈ ગઈ. ત્યાર પછી દેવાસુર સંગ્રામમાં મોટો નાદ થયો અને યુદ્ધનાં વાજાં વાગ્યાં. શક્રને ત્યાં જોઈને વૃત્રાસુરને સંભ્રમ, ભય કે ચિંતા ન થયાં, ઇન્દ્ર સાથે યુદ્ધ કરવાનાં કોઈ ચિહ્ન ન દેખાયાં. ત્યાર પછી ત્રિલોકમાં ઇન્દ્ર અને વૃત્રાસુરનું ભયાનક યુદ્ધ શરૂ થયું. તરવાર, પટ્ટિશ, શૂળ, તોમર, મુદ્ગર, વિવિધ શિલાઓ, મહાશબ્દ કરતા ધનુષ્ય, અનેક દિવ્ય અસ્ત્ર-શસ્ત્ર, પાવક (અગ્નિ) અને ઉલ્કા સમૂહ વડે દેવાસુર સૈન્ય દ્વારા આખું જગત છવાઈ ગયું. પ્રજાપતિ વગેરે દેવતાઓ, મહાભાગ ઋષિઓ આ યુદ્ધ જોવાને માટે ત્યાં આવ્યા. સિદ્ધ અને ગંધર્વો અપ્સરાઓ સહિત વિમાનોમાં આરૂઢ થઈને ભેગા થયા. ત્યારપછી ધર્મનિષ્ઠ વૃત્રાસુરે પથ્થરો અને પર્વતો વરસાવીને આકાશ છલકાવી દીધું અને દેવેન્દ્રને ઢાંકી દીધો. ત્યારે દેવતાઓએ ક્રોધે ભરાઈને સર્વ પ્રકારની શસ્ત્રવર્ષા કરીને વૃત્રાસુરની શિલાવર્ષાનો નાશ કરી દીધો. મહામાયાવી, મહાબલી વૃત્રાસુરે માયાયુદ્ધ વડે દેવેન્દ્રને બધી બાજુથી મોહિત કરી દીધો. જ્યારે ઇન્દ્ર વૃત્ર દ્વારા અત્યંત પીડાયા ત્યારે તેમનામાં મોહ વ્યાપ્યો, તે સમયે વસિષ્ઠે સામ ઉચ્ચારી તેમને ચૈતન્ય અર્પ્યું. તેમણે કહ્યું, ‘હે દેવેન્દ્ર, તમે દેવતાઓમાં શ્રેષ્ઠ છો, ત્રિલોકના બળથી સંયુક્ત છો, તો પછી શા માટે આ વિષાદ? અહીં જગત્પતિ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ભગવાન સોમદેવ તથા મહર્ષિઓ છે. તો તમારે સામાન્ય માનવીની જેમ મોહ પામવો ન જોઈએ. યુદ્ધમાં શ્રેષ્ઠ બુદ્ધિનો આશ્રય લઈ શત્રુઓનો સંહાર કરો. હે સુરેશ્વર, સર્વલોક જેને નમસ્કાર કરે છે તે ત્રિનેત્રધારી શિવ તમને જુએ છે, એટલે તમે મોહનો ત્યાગ કરો. હે શક્ર, આ બૃહસ્પતિ સમેત બ્રહ્મર્ષિઓ તમને જય મળે માટે દિવ્ય સ્તવન વડે તમારી સ્તુતિ કરી રહ્યા છે.’
મહાત્મા વસિષ્ઠે આ પ્રકારે ઇન્દ્રને બોધ આપ્યો ત્યારે પરાક્રમી વાસવ (ઇન્દ્ર)નું પરાક્રમ અનેકગણું થયું. ત્યાર પછી ભગવાને (પાકશાસને) બુદ્ધિ સ્થિર કરીને મહાન યોગયુક્ત થઈને વૃત્રાસુરની માયા દૂર કરી. અંગિરાના પુત્ર શ્રીમાન બૃહસ્પતિએ તથા પરમ ઋષિઓએ વૃત્રાસુરનું પરાક્રમ જોઈને લોકોનું હિત ઇચ્છીને મહેશ્વર (મહાદેવ) પાસે જઈને વૃત્રાસુરના નાશ માટે પ્રાર્થના કરી, ત્યાર પછી જગત્પતિ મહાદેવનું તેજ જ્વર રૂપે મહા રૌદ્ર વૃત્રના શરીરમાં પ્રવેશ્યું અને લોકસંરક્ષણમાં રત અને સર્વલોક દ્વારા પુજાતા ભગવાન વિષ્ણુએ ઇન્દ્રના વજ્રમાં પ્રવેશ કર્યો; ત્યાર પછી બુદ્ધિશક્તિ ધરાવતા બૃહસ્પતિ, મહાતેજસ્વી વસિષ્ઠ અને બધા મહર્ષિઓ લોકપૂજિત વરદ વાસવ (ઇન્દ્ર) પાસે જઈને એકાગ્ર મનથી બોલ્યા, ‘હે દેવેશ, હવે તમે વૃત્રાસુરનો વધ કરો.’
મહેશ્વરે કહ્યું કે ‘હે શક્ર, આ વૃત્ર મહા બળવાન છે, અને બળસમૂહથી એ પરિપૂર્ણ થયો છે. આ વૃત્ર વિશ્વવ્યાપી છે, સર્વગામી છે, અનેક માયાઓ સર્જી શકે છે એટલે જ તે વિખ્યાત છે. એટલે સુરેશ્વર, આ અસુરશ્રેષ્ઠ, ત્રિલોકદુર્જય વૃત્રનો વધ યોગનો આધાર લઈને કરો, તેની અવજ્ઞા ન કરો. આ વૃત્રાસુરે બળવાન થવા સાઠ હજાર વર્ષ તપ કર્યું હતું, બ્રહ્માએ તેને વરદાન આપ્યું હતું. હે સુરેશ્વર, તેમણે તેને યોગીઓનું મહત્ત્વ, મહામાયાત્વ, મહાન બળ અને શ્રેષ્ઠ તેજ આપ્યાં છે. હે ઇન્દ્ર, આ મારું તેજ તમારા શરીરમાં પ્રવેશે છે, આ તેજ વડે તેજસ્વી થાઓ અને જ્વરને કારણે વ્યગ્ર બનેલા દાનવનો વજ્ર વડે સંહાર કરો.’ ઇન્દ્રે કહ્યું, ‘હે ભગવાન્, તમારી કૃપાથી તમારા દેખતાં આ દુરાસદ દિતિપુત્રને વજ્રથી મારીશ.’
મહા અસુરના શરીરમાં શૈવજ્વર પ્રવેશ્યો એટલે દેવતાઓએ અને મહર્ષિઓએ હર્ષધ્વનિ કર્યો. ત્યાર પછી હજારો નગારાં, મોટો અવાજ કરતા શંખ, પખાવજ, ડિંડિમ વગેરે વાજિંત્રો વાગવા માંડ્યાં. બધા અસુરોની સ્મૃતિ ભુંસાઈ ગઈ. ક્ષણવારમાં જ તેમની પ્રબળ બુદ્ધિ નાશ પામી. શિવતેજ પ્રવેશેલું જાણીને દેવતાઓ તથા ઋષિઓ પ્રશસ્તિ કરીને ઇન્દ્રને પ્રોત્સાહિત કરવા લાગ્યા. યુદ્ધ સમયે જ્યારે મહાનુભાવ ઇન્દ્ર રથમાં બેઠા હતા અને ઋષિઓ સ્તુતિ કરતા હતા ત્યારે તેમનું રૂપ જોવાનું પણ અત્યંત અઘરું થઈ પડ્યું. વૃત્રાસુર જ્યારે તાવથી ઘેરાઈ ગયો ત્યારે તેના શરીરમાં નીચેનાં લક્ષણો પ્રવેશ્યાં. તેનું મોં ઘણું પ્રજ્વલિત અને ભયંકર વિવર્ણ થઈ ગયું, શરીર કાંપવા લાગ્યું, શ્વાસ જોરથી ચઢ્યો, શરીરનાં રૂવાંડાં ઊભા થઈ ગયાં, દીર્ઘ નિ:શ્વાસ શરૂ થયા. તેના મોઢામાંથી અશિવરૂપ અત્યંત દારુણ મહાઘોર રૂપવાળી શિયાળવી નીકળી, તે તેમની સ્મૃતિશક્તિ હતી. પ્રજ્વલિત અને પ્રદીપ્ત ઉલ્કાઓ તેના બંને પાર્શ્વમાંથી ખરવા લાગી. ગીધ, કંક અને વડ જેવા ભયંકર પક્ષી સંતુષ્ટ ચિત્તે વૃત્રાસુરની ઉપર એકઠા થઈ ચક્રની જેમ ભમતા ભમતા દારુણ શબ્દો ઉચ્ચારવા લાગ્યા. ત્યાર પછી મહાદેવના તેજથી પુષ્ટ થઈને શક્રે રથ પર ચઢીને, હાથમાં વજ્ર લઈને વૃત્રાસુરની સામે જોયું. તે સમયે તીવ્ર જ્વરને કારણે તે મહા અસુર અમાનુષી ધ્વનિ કરતો બગાસાં ખાવા લાગ્યો, જે સમયે તે બગાસું ખાઈ રહ્યો હતો તે જ સમયે ઇન્દ્રે તેના ઉપર વજ્ર છોડ્યું. તે કાલાગ્નિ જેવા, મહાતેજસ્વી વજ્રે તરત જ મહાકાય વૃત્રાસુરને મારી નાખ્યો. વૃત્રાસુરને મરેલો જોઈને ચારે બાજુથી દેવતાઓ હર્ષધ્વનિ કરવા લાગ્યા. દાનવશત્રુ, મહા યશસ્વી ઇન્દ્રે વિષ્ણુતેજવાળા વજ્રથી વૃત્રાસુરને મારીને સ્વર્ગમાં પ્રવેશ કર્યો.
ત્યાર પછી વૃત્રાસુરની મૃત કાયામાંથી મહાઘોર, રૌદ્રરૂપા, લોકભયાવહ બ્રહ્મહત્યા નીકળી. તેના દાંત વિકરાળ હતા, તેનું રૂપ ભયંકર, વિકૃત હતું, તેનો વર્ણ કાળો અને પીળો હતો, વાળ વિખરાયેલા હતા, તેનાં નેત્ર ઘોર હતાં. તેના ગળામાં નરમુંડની માળા હતી, તે કૃશ હતી, રુધિરથી ભીની એવી તેણે ચીર વસ્ત્ર ધારણ કર્યાં હતાં. તે ભયંકર રૂપવાળી સ્ત્રી નીકળતાં વેંત વજ્રધારી ઇન્દ્રને શોધવા લાગી. થોડા સમય પછી વૃત્રાસુરને મારનારા ઇન્દ્ર બધા લોકોના હિતની કામના કરીને સ્વર્ગ તરફ જઈ રહ્યા હતા. તે જ વખતે બ્રહ્મહત્યા એ તેજસ્વી શક્રને બહાર નીકળતા જોઈને તેમના ગળે વળગી અને ત્યારથી તે તેમના શરીરને વળગી રહી. દેવરાજને બ્રહ્મહત્યાની બીક લાગી તો એમાંથી છૂટવા કમળના બિસ તંતુમાં છુપાઈને અનેક વર્ષ વીતાવ્યાં હતાં. બ્રહ્મહત્યાએ તેમનો પીછો કર્યો અને યત્નપૂર્વક તેમને ત્યાં પકડ્યા, તેઓ નિશ્ચેષ્ટ થઈ ગયા. દેવેન્દ્રે તેનાથી મુક્તિ મેળવવા બહુ પ્રયત્ન કર્યો પરંતુ કોઈ રીતે તેઓ તે બ્રહ્મહત્યાથી છૂટી ન શક્યા. તેણે દેવેન્દ્રને પકડી જ રાખ્યા હતા. ત્યાર પછી ઇન્દ્રે પિતામહ પાસે જઈને મસ્તક નમાવી પ્રણામ કર્યાં. એક દ્વિજશ્રેષ્ઠની હત્યાથી જન્મેલી બ્રહ્મહત્યાએ ઇન્દ્રને જકડી લીધા છે તે જાણી બ્રહ્મા વિચારવા લાગ્યા. તે સમયે પિતામહે બ્રહ્મહત્યાને મધુર સ્વરે સાન્ત્વન આપીને કહ્યું, ‘હે ભામિની, તું આ ઇન્દ્રને છોડી દઈ અમારું પ્રિય કાર્ય કરો. હું તારી કઈ ઇચ્છા પાર પાડું? તારી અભિલાષા કઈ છે?’
બ્રહ્મહત્યાએ કહ્યું, ‘તમે ત્રિલોકપૂજિત છો, ત્રિલોકકર્તા છો, તમે પ્રસન્ન થયા છો તો મારી બધી કામનાઓ સંતોષાઈ જ ગઈ. હવે હું ક્યાં વસું તેનો નિર્ણય કરો. તમે લોકસંરક્ષણ માટે મર્યાદા બાંધી છે, તમે જ આ મહત્ત્વપૂર્ણ મર્યાદા સ્થાપીને તેને ચલાવી છે. હે સર્વલોકેશ્વર ધર્મજ્ઞ પ્રભુ, જો તમે પ્રસન્ન થયા છો તો હું શક્રના શરીરમાંથી જતી રહીશ પણ મારા નિવાસનો પ્રબંધ કરો.’ પ્રજાપતિએ તે સમયે બ્રહ્મહત્યાને કહ્યું, ‘ભલે’ પછી તેમણે યત્ન કરીને બ્રહ્મહત્યાને શક્રના દેહમાંથી છૂટી પાડી. ત્યાર પછી મહાનુભાવ સ્વયંભૂએ અગ્નિનું સ્મરણ કર્યું, અગ્નિ તરત જ ત્યાં આવીને બોલ્યા, ‘હે ભગવન્, હું તમારી સમક્ષ છું, હે શત્રુનાશી, મારે જે કરવાનું છે તેની આજ્ઞા આપો.’
બ્રહ્માએ કહ્યું, ‘શક્રને બ્રહ્મહત્યાથી છોડાવવા માટે હું તેના કેટલાક ભાગ કરીશ, તમે તેનો ચોથો ભાગ લઈ લો.’
અગ્નિએ કહ્યું, ‘હે લોકપૂજિત પ્રભુ, આ બ્રહ્મહત્યામાંથી મને કેવી રીતે મુક્તિ મળશે, તેનો વિચાર કરો. હું તત્ત્વત: આ વાત જાણવા માગું છું.’
બ્રહ્માએ કહ્યું, ‘જે મનુષ્ય તમોગુણને કારણે તમને પ્રજ્વલિત જોઈને પણ બીજાંજલિ અને સોમરસ તમને તર્પિત ન કરે તો બ્રહ્મહત્યા તરત જ તેનામાં જઈને વસશે, એટલે તમે માનસિક ચિંતા ન કરો.’
હવ્યકવ્યના ભોક્તા ભગવાન અગ્નિએ આ સાંભળી પિતામહના વચનનો સ્વીકાર કર્યો એટલે તરત જ બ્રહ્મહત્યાનો ચોથો ભાગ તેમને વળગ્યો. ત્યાર પછી પિતામહે વૃક્ષ, ઔષધિ અને તૃણોને આવાહન્ કરી કહેવા માંડ્યું,
વૃક્ષ, ઔષધિ અને તૃણ પણ ઉપર જણાવેલ બ્રહ્મહત્યા વિશે સાંભળીને અગ્નિની જેમ દુઃખી થઈને બ્રહ્માને કહેવા લાગ્યા, ‘હે લોકપિતામહ, અમે કેટલા સમયમાં મુક્ત થઈશું? અમે તો સ્વભાવથી જ સ્થાવર છીએ, અમને તમે મારી નાખો તે યોગ્ય નથી. અમે અગ્નિ, ઠંડી, વર્ષા, વાયુના વેગ, છેદન-ભેદનથી સતત સહન કરતા આવ્યા છીએ. તમારી આજ્ઞાથી આ બ્રહ્મહત્યા સ્વીકારીશું પણ એનાથી છૂટવાનો ઉપાય વિચારો.’
બ્રહ્માએ કહ્યું, ‘સંક્રાન્તિ, ગ્રહણ, પૂર્ણિમા, અમાવાસ્યાના દિવસોમાં જે મનુષ્ય મોહવશ થઈને તમારું છેદનભેદન કરશે તેને બ્રહ્મહત્યા વળગશે. ત્યાર પછી વૃક્ષ, ઔષધિ, તૃણસમૂહ બ્રહ્માની વાત સાંભળીને તેમની પૂજા કરીને પોતપોતાના સ્થાને ગયા. ત્યાર પછી લોકપિતામહે અપ્સરાઓને બોલાવી, તેમને મધુર વચનથી કહ્યું, ‘આ બ્રહ્મહત્યા, ઇન્દ્રના શરીરમાંથી નીકળી છે એટલે તમે તેનો ચોથો ભાગ ગ્રહણ કરો.’
અપ્સરાઓએ કહ્યું, ‘હે દેવેશ, હે પિતામહ, તમારી આજ્ઞા પ્રમાણે અમે એને સ્વીકારીશું પણ એનાથી અમારા છુટકારાનો ઉપાય વિચારો.’
બ્રહ્માએ કહ્યું, ‘જે પુરુષ રજસ્વલા સ્ત્રીઓ સાથે મૈથુન કરશે તેને તે જ સમયે બ્રહ્મહત્યા વળગશે, એટલે તમે માનસિક ચિંતા ત્યજી દો.’
‘ભલે’ એમ કહીને અપ્સરાઓ પ્રસન્ન ચિત્તે પોતપોતાના સ્થાને જઈ ક્રીડા કરવા લાગી.
ત્યાર પછી મહાતપસ્વી ત્રિલોકકર્તાએ જળનું સ્મરણ કર્યું, સ્મરણ કરતાંવેંત તેઓ ત્યાં આવી ચઢ્યા. તેમણે તેજસ્વી બ્રહ્માની પાસે જઈને પ્રણામ કરી કહ્યું, ‘હે શત્રુનાશી દેવ, તમારી આજ્ઞાનુસાર અમે આવી પહોંચ્યા છીએ, અમારે શું કરવાનું છે તે કહો.’
બ્રહ્માએ કહ્યું, ‘આ મહાભયા બ્રહ્મહત્યા વૃત્રાસુરમાંથી પ્રગટીને ઇન્દ્રના શરીરમાં પ્રવેશી હતી, અત્યારે તેનો ચોથો ભાગ તમે ગ્રહણ કરો.’
જળે કહ્યું, ‘તમે જે કહ્યું તેમ જ થશે, પણ સમય જોઈને હું એમાંથી મુક્ત થઉં તેવો ઉપાય કરવો ઉચિત છે. હે દેવેશ, આ સમગ્ર જગતના તમે જ એક માત્ર પરમ ગુરુ છો. અમને આ કલેશમાંથી ઉગારે એવા બીજા કોને અમે પ્રસન્ન કરીએ?’
બ્રહ્માએ કહ્યું, ‘જે મનુષ્ય મોહવશ થઈને અલ્પ વિચાર કરીને તમારામાં મળમૂત્રનો નિકાલ કરશે, છીંકશે તો બ્રહ્મહત્યા તરત જ તેને વળગશે, આ રીતે તમારો છુટકારો થશે, હું આ સત્ય કહું છું.’
આમ બ્રહ્માની આજ્ઞાથી બ્રહ્મહત્યા ઇન્દ્રને ત્યજીને ઉપર કહ્યા તે નિવાસસ્થાનોમાં ગઈ. આમ બ્રહ્મહત્યા ઇન્દ્રમાં પ્રવેશી હતી, પિતામહની કૃપાથી ઇન્દ્ર તેમાંથી છૂટ્યા અને તેમની આજ્ઞાથી ઇન્દ્રે અશ્વમેધ યજ્ઞ કર્યો. એ યજ્ઞથી તેઓ પવિત્ર થયા, શત્રુસંહાર કરીને શ્રીવાળા થયા, આનંદ પામ્યા. વૃત્રાસુરના લોહીમાંથી જે શિખંડ નામે કૂકડા જન્મ્યા તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ખાસ તો દીક્ષિત તપસ્વીઓ માટે અભક્ષ્ય છે.
{{Right |  (શાંતિપર્વ, ૨૭૨-૨૭૩) }} <br>
=== દક્ષયજ્ઞ ===
ભૂતકાળમાં સુમેરુ પર્વત પર ત્રિલોકપૂજિત, સર્વ રત્નોથી વિભૂષિત અને સવિતૃ મંડલાધિષ્ઠિત જ્યોતિષ્ક નામનું એક શિખર હતું. સર્વ લોકની વચ્ચે આ શિખર અપ્રમેય અને અઘર્ષણીય હતું. દેવાધિદેવ મહાદેવ સુવર્ણભૂષિત પર્યંકની જેમ તે સુવર્ણમય ધાતુથી વિભૂષિત પર્વતશિખરના તટ પર બિરાજતા હતા. શૈલરાજપુત્રી નિત્ય તેમની પડખે રહીને શોભાયમાન હતી, મહાનુભાવ દેવવૃંદ, અત્યંત તેજસ્વી વસુગણ, દેવોના વૈદ્ય બંને અશ્વિનીકુમારો, ગુહ્યકોથી ઘેરાયેલા કૈલાસના યક્ષોના રાજા કુબેર, અંગિરા, અન્ય દેવઋષિઓ, વિશ્વાસુ ગંધર્વ, મહર્ષિ નારદ અને પર્વત તથા અપ્સરાઓના ગણ ત્યાં આરાધના માટે આવતા હતા. તે સમયે વિવિધ સુગંધિત, સુખદ સ્પર્શવાળો, પવિત્ર, કલ્યાણપ્રદ વાયુ વાતો હતો. મોટાં મોટાં વૃક્ષ બધી જ ઋતુઓનાં પુષ્પથી સુશોભિત હતાં. વિદ્યાધર, સિદ્ધ, તપોધનો મહાદેવ, પશુપતિની ઉપાસના કરતા હતા. હે અનેક પ્રકારનાં ભૂતવૃંદ, મહારૌદ્ર રાક્ષસગણ, મહાબળવાન પિશાચ, મહાદેવનાં અનેક રૂપ તથા વિવિધ શસ્ત્રો ધરાવતા પ્રસન્ન ચિત્તવાળા સેવકો અનલ (અગ્નિ) જેવા તેજસ્વી હતા. ભગવાન નંદી પોતાના તેજથી પ્રદીપ્ત અને પ્રજ્વલિત શૂળ લઈને મહાદેવની આજ્ઞાનુસાર ત્યાં ઊભા હતા. સર્વ તીર્થોનાં જળમાંથી ઉદ્ભવેલી, સરિતાઓમાં શ્રેષ્ઠ એવી ગંગા મૂર્તિમાન થઈને તે દેવની ઉપાસના કરી રહી હતી. દેવર્ષિઓ અને અત્યંત મહાભાગ દેવતાઓ દ્વારા પુજાતા મહાદેવ ત્યાં નિવાસ કરતા હતા. થોડા સમય પછી દક્ષ નામના પ્રજાપતિએ પૂર્વોક્ત વિધિવિધાન પ્રમાણે યજ્ઞ કરવાનો સંકલ્પ કરી તેની તૈયારી કરવા માંડી. ઇન્દ્રાદિ દેવતાઓએ પરસ્પર સંમત થઈ તે યજ્ઞમાં જવાની અભિલાષા વ્યક્ત કરી. એવું કહેવાય છે કે મહાદેવની સંમતિથી મહાન દેવતાઓએ અગ્નિ સમાન પ્રજ્વલિત વિમાનો પર બેસીને ગંગાદ્વારમાં ગમન કર્યું હતું. તે સમયે શૈલરાજપુત્રી સાધ્વી દેવતાઓને જતા જોઈને પશુપતિ પતિને કહેવા લાગી, ‘હે તત્ત્વજ્ઞ ભગવન્, આ શક્ર અને બીજા બધા દેવ ક્યાં જાય છે? તે તમે યથાર્થ રીતે કહો. મને બહુ સંશય થાય છે.’
મહાદેવે કહ્યું, ‘મહાભાગ, દક્ષ પ્રજાપતિએ અશ્વમેધ યજ્ઞ માંડ્યો છે, દેવતાઓ તે યજ્ઞમાં જઈ રહ્યા છે.’
ઉમાએ કહ્યું, ‘તમે શા માટે તે યજ્ઞમાં નથી જતા? અને શા કારણે તમારે ત્યાં જવાનું નથી?’
મહાદેવે કહ્યું, ‘ભૂતકાળમાં દેવતાઓએ જ આવો નિશ્ચય કર્યો હતો. તેમણે બધા યજ્ઞોમાં મારો ભાગ રાખ્યો ન હતો. હે સુંદરી, પૂર્વઅનુષ્ઠાન પદ્ધતિના ક્રમથી દેવતાઓ ધર્માનુસાર મને યજ્ઞભાગ આપતા નથી.’
ઉમાએ કહ્યું, ‘હે ભગવન્, તમે બધાં જ પ્રાણીઓમાં ગુણોના સંદર્ભે અત્યંત પ્રભાવશાળી છો, તેજ, યશ અને શ્રી સંપત્તિમાં બધાથી અજય અને ઉત્તમ છો. (અઘૃષ્ય?) હે અનઘ મહાભાગ, યજ્ઞભાગથી તમને વંચિત કર્યા એટલે મને બહુ દુઃખ થાય છે, અપમાનથી મારું શરીર કાંપે છે.’
દેવીએ પોતાના પતિને આમ કહ્યું અને શોકથી દાઝેલા અંત:કરણથી મૌન ધારણ કર્યું. ત્યાર પછી દેવીના હૃદયને પીડતા ભાવને જાણીને નન્દીને કહ્યું, ‘તું અહીં જ ઊભો રહે.’ સર્વ યોગેશ્વરોના યોગેશ્વર મહાતેજસ્વી પિનાકપાણિ મહાદેવે યોગબળથી મહાભયંકર અનુચરોની સહાયથી તે યજ્ઞનો વિધ્વંસ કર્યો. ભૂતોની વચ્ચે કોઈ કોઈએ અત્યંત દારુણ અવાજ કર્યો, કોઈ વિકટ રૂપે હસવા લાગ્યા, કોઈએ યજ્ઞસ્થળમાં રુધિર રેલાવી હવ્યવાહનને છલકાવી દીધું. કોઈ કોઈ વિકૃત મુખવાળા ગણોએ યજ્ઞના સ્તંભ ઉખાડીને ઘૂમવા લાગ્યા, કેટલાકે મોઢા વડે પરિચારકોને ગળી ગયા. તે યજ્ઞપુરુષ બધી રીતે વીંધાઈ જાત એટલે હરણનું રૂપ લઈને આકાશમાં ગયો. તે યજ્ઞપુરુષને મૃગરૂપે જતો જોઈ ભગવાને ધનુષબાણ લઈ તેનો પીછો કર્યો. ત્યારે ક્રોધને કારણે અત્યંત તેજસ્વી મહાદેવના કપાળે પ્રસ્વદેબિંદુ પ્રગટ્યાં. એ ટીપાં પૃથ્વી પર પડતાંવેંત કાલાનલ જેવો અત્યંત મહાન અગ્નિ પ્રગટ્યો. તે અગ્નિમાંથી એક ભયંકર પુરુષ પ્રગટ્યો. તે અત્યંત હ્રસ્વ શરીરવાળો હતો, તેના બંને નેત્ર રાતાં હતાં, મૂછો પીળી હતી. વાળ વધેલા હતા, બાજ અને ઘુવડની જેમ તેનું શરીર રોમવાળું હતું. તે લાલ વસ્ત્રવાળો, કાળા વર્ણનો કરાલ પુરુષ હતો. જેવી રીતે અગ્નિ તણખલાના ઢગલાને બાળી નાખે તેવી રીતે તે મહાસત્ત્વશાળીએ યજ્ઞને સળગાવી દીધો. બધા દેવતાઓ તેનાથી ભય પામીને દશે દિશાઓમાં ભાગી ગયા. તે સમયે એ પુરુષના ભ્રમણથી પૃથ્વી કાંપવા લાગી અને ખૂબ જ વિચલિત થઈ. લોકોને ભયભીત કરનારો હાહાકાર શબ્દ ચારે બાજુથી સંભળાયો, તે જોઈને પિતામહ મહાદેવની પાસે આવીને કહેવા લાગ્યા, ‘હે દેવેશ્વર પ્રભુ, બધા સુરલોકો તમને યજ્ઞભાગ આપશે, એટલે તમારો ક્રોધ ત્યજો. હે પરંતપ, આ બધા દેવતા અને ઋષિઓ તમારા ક્રોધથી શાંતિ મેળવી શકવાના નથી. હે ધર્મજ્ઞ, જે પુરુષ તમારા પ્રસ્વેદમાંથી પ્રગટ્યો છે તે લોક મધ્યે જ્વર નામે વિખ્યાત થઈ વિહરશે. હે પ્રભુ, તમારા એક જ ભૂત સ્વરૂપના તેજને ધારણ કરવામાં સમસ્ત પૃથ્વી પણ સમર્થ નથી. એટલે તેને વિભક્ત કરો. મહાદેવે પ્રજાપતિનું વચન સાંભળ્યું, પોતાને હવે યજ્ઞભાગ મળશે તે જાણ્યું, એટલે અમિત પૂર્ણ તેજસ્વી બ્રહ્માને શિવે કહ્યું, ‘ભલે.’ ત્યારે પિનાકપાણિ શંકર પ્રજાપતિ બ્રહ્માએ આપેલ ઉચિત યજ્ઞભાગને પામી પરમ પ્રીતિથી ઉત્સાહિત થયા. સર્વ ધર્મજ્ઞ શિવે બધાં પ્રાણીઓની શાંતિ માટે જ્વરને અનેક પ્રકારે વિભક્ત કર્યો, બધા જીવોમાં જુદી જુદી રીતે આ જ્વરને સ્થાપ્યો. હાથીઓમાં મસ્તકતાપ,પર્વતોમાં શિલાજિત, જળમાં શેવાળ, સાપોમાં કાંચળી, ગાયબળદની ખરીઓમાં ખારેક, પૃથ્વીમાં ક્ષાર, પશુઓમાં દૃષ્ટિની ઝાંખપ, ઘોડાઓના ગળામાં માંસખંડ, મોરમાં શિખાભેદ, કોકિલમાં નેત્રરોગ — આ બધા વિવિધ જ્વર એવું સાંભળ્યું છે કે ઘેટાંઓમાં પિત્તભેદ, પોપટોમાં હિક્કિડા જ્વર છે. શાર્દૂલો (વાઘ)માં શ્રમજ્વર છે, મનુષ્યોમાં તો જ્વર નામથી જ જાણીતો છે. આ જ્વર મનુષ્યોના જન્મ, મરણ અને જન્મ-મરણની વચ્ચે હમેશાં પ્રવેશે છે. ભગવાન મહાદેવનો આ તેજજ્વર અત્યંત દારુણ છે, આ જ્વર સર્વનિયંતા, સર્વ પ્રાણીઓ તેને નમે છે, માન આપે છે.
{{Right | (શાંતિપર્વ, ૨૭૪) }} <br>
=== દક્ષયજ્ઞની કથા ===
હિમાલયની પાસે ગંગાદ્વાર છે, ત્યાં ઋષિઓ અને સિદ્ધ પુરુષોનો વાસ છે, પ્રજાપતિ દક્ષે ત્યાં પોતાના યજ્ઞનું આયોજન કર્યું હતું. આ સ્થળ ગંધર્વો અને યક્ષોથી ભરેલું હતું. વિવિધ વૃક્ષ, લતા ચારે બાજુ હતાં, ધર્માત્માઓમાં શ્રેષ્ઠ દક્ષ ઋષિઓથી ઘેરાયેલા હતા. પૃથ્વી, અંતરીક્ષ અને સ્વર્ગલોકના નિવાસીઓ પણ ત્યાં હતા, બધા જ પ્રજાપતિને હાથ જોડીને સેવા કરવા ઊભા હતા. દેવદાનવ, ગંધર્વ, પિશાચ, નાગ, રાક્ષસ, હાહા-હુહુ ગંધર્વો, તુંબુરુ, નારદ, વિશ્વાવસુ, વિશ્વસેન, તથા અન્ય ગંધર્વો — અપ્સરાઓ હતાં. આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય, મરુત્ગણ — આ બધા જ ઇન્દ્રની સાથે યજ્ઞમાં ભાગ લેવા પધાર્યા હતા. ઉષ્મપા (સૂર્યકિરણોનું પાન કરનારા), સોમપા (સોમરસ પીનારા) ધૂમપા (યજ્ઞમાં ધૂમ પીનારા) અને આજ્યપા (ઘી પીનારા) પિતૃઓ અને ઋષિઓ પણ બ્રહ્માની સાથે પધાર્યા હતા. આ ઉપરાંત ચાર પ્રકારનાં પ્રાણીઓ — જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ ત્યાં હતા. નિમંત્રિત બધા દેવતાઓ પત્નીઓ સાથે વિમાનમાં બેસીને આવ્યા ત્યારે પ્રજ્વલિત અગ્નિની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા. તે બધા દેવતાઓને ત્યાં જોઈને દધીચિ ઋષિ ક્રોધે ભરાઈને બોલ્યા, ‘જ્યાં રુદ્ર નથી તે ન યજ્ઞ છે, ન ધર્મ છે. આનું આયોજન કરનારાઓના વધ થશે, તેઓ બંધનમાં પડશે. અહો કાળનો કેવો વિપર્યય છે! આ યજ્ઞમાં અત્યંત ઘોર વિનાશ થશે, પરંતુ મોહવશ થઈને કોઈને દેખાતું નથી, સમજાતું નથી.’ આમ કહીને મહાયોગીએ સમાધિ લગાવીને જોયું તો તેમને મહાદેવ અને વરદા પાર્વતીનાં દર્શન થયાં. તેમની પાસે નારદ મહાત્મા પણ દેખાયા, તે જોઈને તેમને બહુ સંતોષ થયો. તેમને પ્રતીતિ થઈ કે આ દેવતાઓ એકમતિ છે એટલે જ શંકરને નિમંત્રિત કર્યા નથી. આનો ખ્યાલ આવ્યો એટલે ઋષિ ત્યાંથી દૂર ગયા અને ત્યાંં રહીને બોલ્યા, ‘અપૂજ્યની પૂજા કરવાથી અને પૂજ્યની પૂજા ન કરવાથી મનુષ્યહત્યા જેટલું પાપ લાગે છે. હું કદી અસત્ય બોલ્યો નથી અને બોલવાનો નથી. દેવતાઓ અને ઋષિઓની વચ્ચે સત્ય બોલું છું. ભગવાન શંકર જગતના ષ્ટા છે, બધા જીવોના રક્ષક છે, તમે જોજો — આ યજ્ઞમાં અગ્ર ભોક્તા તરીકે તેઓ આવશે.’
દક્ષે કહ્યું, ‘હાથમાં શૂળ અને માથે જટા રાખનારા ઘણા રુદ્ર અમારે ત્યાં છે. તેઓ અગિયાર સ્થળે રહે છે. તેમના સિવાય કોઈ મહેશ્વરને હું ઓળખતો નથી.’
દધીચિએ કહ્યું, ‘તમે બધાએ ભેગા મળીને આવો નિર્ણય કર્યો છે એટલે મહાદેવને નિમંત્રણ નથી. પણ હું શંકરથી શ્રેષ્ઠ કોઈ દેવને જોતો નથી. જો આ સત્ય હોય તો દક્ષનો આ વિપુલ યજ્ઞ નાશ પામશે.’
દક્ષે કહ્યું, ‘મહર્ષિ, જુઓ આ સુવર્ણપાત્રમાં મંત્રોથી પવિત્ર કરેલી બધી હવિ છે. આ યજ્ઞેશ્વર વિષ્ણુને સમર્પિત છે. તેમના જેવું કોઈ નથી. હું હવિ તેમને અર્પણ કરીશ. તેઓ જ હવિ અર્પિત કરવા માટેના સુપાત્ર છે.’
બીજી બાજુ પાર્વતીએ કહ્યું, ‘હું કયું વ્રત કરું, શાનું દાન કરું, કયું તપ કરું કે જેના પ્રભાવે મારા પતિને યજ્ઞનો અડધો કે ત્રીજો ભાગ મળે.’ ક્ષોભથી બોલતી પત્નીને સાંભળી શંકર હર્ષ પામ્યા અને બોલ્યા, ‘હે કૃશોદરી, તું મને જાણતી નથી... હું બધા યજ્ઞોનો ઈશ્વર છું. મારા સંદર્ભે કેવાં વચન બોલાવાં જોઈએ તે તું નથી જાણતી. હે વિશાલનેત્રા, જેમનું ચિત્ત એકાગ્ર નથી, તે ધ્યાનહીન અસાધુ લોકો મારા સ્વરૂપને જાણતા નથી. આ મોહને કારણે ઇન્દ્ર આદિ દેવતાઓ સમેત ત્રણે લોક મૂઢ થઈ ગયા છે. યજ્ઞમાં પ્રસ્તોતા મારી સ્તુતિ કરે છે. સામગાન કરનારા બ્રાહ્મણો રથન્તર સામના રૂપમાં મારો મહિમા ગાય છે: વેદજ્ઞ વિપ્રો મારું યજન કરે છે, ઋત્વિજો યજ્ઞભાગ મને અર્પણ કરે છે.’
દેવીએ કહ્યું, ‘પ્રાકૃત પુરુષ પણ સ્ત્રીઓની મંડળીમાં પોતાની પ્રશંસા કરે છે, પોતાની શ્રેષ્ઠતાનું ગીત ગાય છે, આમાં જરાય સંશય નથી.’
શંકરે કહ્યું, ‘દેવી, તનુમધ્યમા, વરારોહા, વરવર્ણિની, હું આત્મપ્રશંસા નથી કરતો, મારો પ્રભાવ જો. યજ્ઞ નિમિત્તે હું એક સૃષ્ટિ સર્જું છું તે જો.’
પ્રાણથીય પ્રિય એવી પત્ની ઉમાને આમ કહીને ભગવાન મહેશ્વરે પોતાના મોંમાંથી એક અદ્ભુત પ્રાણી પ્રગટાવ્યું, તે તેમનો હર્ષ વધારનાર હતું. તેમણે તેને આજ્ઞા કરી, ‘જા, દક્ષયજ્ઞનો વિનાશ કર.’ પછી તો ભગવાનના મોઢામાંથી નીકળેલા સિંહ જેવા પરાક્રમીએ પાર્વતીના દુઃખ અને ક્રોધના નિવારણ માટે રમતાં રમતાં દક્ષયજ્ઞનો વિનાશ કર્યો.
ભવાનીના ક્રોધમાંથી પ્રગટેલી મહાકાલી મહાકાય મહેશ્વરી પણ પોતાનું પરાક્રમ દેખાડવા તેની સાથે નીકળી પડી. મહાદેવની અનુમતિ જાણીને તેણે મસ્તક નમાવી પ્રણામ કર્યાં. તે વીરભદ્ર શૌર્ય, બળ અને રૂપમાં સંપન્ન હતો. ભગવાનનો તે વીર બધું કરવામાં સમર્થ હતો, તેનો ક્રોધ જ મૂર્તિમાન થઈને તે વીરના રૂપે પ્રગટ થયો હતો. તેનાં બળ, વીર્ય, શક્તિ અને પુરુષાર્થનો ક્યાંય અંત નહોતો. પાર્વતીના ક્રોધ અને દુઃખનું નિવારણ કરવાવાળો તે વીરભદ્ર નામે વિખ્યાત થયો. તેણે પોતાના રોમમાંથી રૌમ્ય નામના ગણેશ્વરો પ્રકટ કર્યા. તેઓ રુદ્રના જેવા હતા એટલે બધાનાં બળ-પરાક્રમ રુદ્ર જેવા જ હતાં. તે ભયાનક રૂપધારી, વિશાલકાય રુદ્રગણે સેંકડો અને હજારોની ટોળીઓ બનાવીને પોતાની કિકિયારીઓથી આકાશને ગજવ્યું અને દક્ષયજ્ઞનો નાશ કરવા ટૂટી પડ્યા. તે ભયાનક ધ્વનિઓથી ત્યાં આવેલા દેવતાઓ ત્રસ્ત થઈ ઊઠ્યા. પર્વતો ભાંગી ગયા, વસુંધરા કાંપવા લાગી, પવન વાવા લાગ્યો, સમુદ્ર ખળભળી ઊઠ્યો. તે સમયે અગ્નિ પ્રદીપ્ત થયો નહીં, સૂર્યપ્રકાશ ઝાંખો થઈ ગયો, ગ્રહ, નક્ષત્રો, ચન્દ્ર પ્રકાશતા બંધ થયા. દેવતા, ઋષિ, મનુષ્યો સંતાઈ ગયા, દક્ષથી અપમાનિત થયેલ રુદ્રગણે યજ્ઞશાળામાં આગ લગાડી. બીજા ઘોર ભૂત યજ્ઞના લોકોને મારવા લાગ્યા. કેટલાકે યૂપ ઉખાડ્યા, યજ્ઞસામગ્રીને બીજા રુદ્રોએ કચડી નાખી.
વાયુ અને મન જેવા વેગીલા પાર્ષદો આમતેમ દોડતા હતા, યજ્ઞને ઉપયોગી પાત્રો અને દિવ્ય આભરણોને ચૂરચૂર કરી નાખ્યા. વિખરાઈને નીચે પડતા ટુકડા આકાશમાંથી ખરતા તારા જેવા દેખાતા હતા. તે યજ્ઞભૂમિમાં જ્યાં ત્યાં દિવ્ય અન્ન, પાન અને ભોજન પદાર્થોના ઢગલા પર્વતો જેવા દેખાતા હતા. દૂધની નદીઓ વહેતી હતી, ઘી અને પાયસનો કીચડ થઈ ગયો હતો, દહીં અને મઠા પાણીની જેમ વહેતા હતા, ખાંડ-સાકર રેતીની જેમ વેરાયેલા હતા. ખટરસ વહેતા હતા, ગોળના સુંદર રેલા દેખાતા હતા, વિવિધ પ્રકારના ભક્ષ્ય હતાં, દિવ્ય પેય, લેહ્ય, ચોષ્ય એમ જે જે ભોજન મળ્યાં તે બધા રુદ્રગણો પોતાના વિચિત્ર મોં વડે ખાતા હતા, ચારે બાજુ ફંગોળતા હતા.
આ મહાકાય ભૂત રુદ્રના ક્રોધથી કાલાગ્નિ જેવા થઈને દેવતાઓની સેનાને ચારે બાજુથી ડરાવતા હતા અને ક્ષુબ્ધ કરતા હતા. અનેક પ્રકારની આકૃતિઓવાળા આ રુદ્રો રમતા હતા, સુર સ્ત્રીઓને ફંગોળતા હતા. બધા દેવતાઓએ પ્રયત્નપૂર્વક યજ્ઞની રક્ષા કરી તો પણ રુદ્રકર્માએ ચારે બાજુથી યજ્ઞને ભસ્મ કરી દીધો. ત્યાર પછી તેમણે ભૈરવનાદ કર્યો, તે બધાં પ્રાણીઓને માટે ભયંકર હતો. ત્યાર પછી તેમણે યજ્ઞપુરુષનું મસ્તક છેદી નાખ્યું અને સિંહનાદ કર્યો, મનોમન આનંદ કર્યો. ત્યારે બ્રહ્મા વગેરે દેવતાઓ અને દક્ષ પ્રજાપતિ — બધાએ હાથ જોડીને પૂછ્યું, ‘દેવ, તમે કોણ છો?’
‘બ્રહ્મન્, હું નથી રુદ્ર, નથી કોઈ દેવી, ન તો હું અહીં ભોજન કરવા આવ્યો છું. યજ્ઞ દેવીના ક્રોધનું કારણ બની ગયો છે, સર્વાત્મક પ્રભુ કોપાયમાન થયા છે. હું અહીં આવેલા બ્રાહ્મણોનું દર્શન કરવા કે કુતૂહલવશ થઈને આ યજ્ઞ જોવા પણ નથી આવ્યો, હું આ યજ્ઞનો વિધ્વંસ કરવા આવ્યો છું તે તમારે જાણવું જોઈએ. મારું નામ વીરભદ્ર છે, રુદ્રદેવના ક્રોધમાંથી હું જન્મ્યો છું, આ દેવી ભદ્રકાળી નામે વિખ્યાત છે, તે દેવીના ક્રોધમાંથી જન્મી છે. દેવદેવીએ અમને મોકલ્યા છે, એટલે અમે આ યજ્ઞભૂમિ પર આવ્યા છીએ. હે વિપે્રન્દ્ર, તમે ઉમાપતિ શંકર પાસે જાઓ, ભગવાનનો ક્રોધ પણ મંગલ છે, બીજાઓની પાસેથી મળેલું વરદાન પણ મંગલમય નથી હોતું.’ વીરભદ્રની વાત સાંભળીને ધર્મવેત્તાઓમાં શ્રેષ્ઠ દક્ષે ભગવાનને તુષ્ટ કરવા શિવસ્તુતિ કરવા માંડી, ‘જે સંપૂર્ણ જગતના શાસક, પાલક, મહાન આત્મા, શાશ્વત, સનાતન, અવ્યય (અવિકારી) છે, હું તેમની શરણાગતિ લઉં છું.’
ત્યારે અનેક નેત્રોવાળા, શત્રુજિત મહાદેવ પોતાના મોઢા દ્વારા પ્રાણ અને અપાન વાયુને અવરુદ્ધ કરીને બધી દિશાઓમાં દૃષ્ટિપાત કરતા સહસા અગ્નિકુંડમાંથી પ્રગટ્યા. પ્રલયકાળના અગ્નિ જેવા, હજારો સૂર્યની કાંતિ ધરાવતા શિવ દક્ષની સામે ઊભા અને સ્મિતપૂર્વક બોલ્યા, ‘બોલો, તમારું કયું કાર્ય કરું?’
ત્યારે દેવગુરુ બૃહસ્પતિએ મહાદેવને વેદોનો મહાધ્યાય સંભળાવ્યો, ત્યાર પછી પ્રજાપતિ અશ્રુપૂર્ણ નેત્રે ભય અને શંકા ધારણ કરી બોલ્યા, ‘ભગવન્, જો તમે પ્રસન્ન થયા હો, તમારો પ્રિય હોઉં, તમારા અનુગ્રહને પાત્ર હોઉં કે તમે મને વરદાન આપવા માગતા હો તો આ યજ્ઞસામગ્રી દીર્ઘકાળથી એકઠી કરી રાખી હતી, એમાંથી જે આગમાં સળગાવી દીધી છે, ખવાઈ ગઈ છે, નષ્ટ કરી નખાઈ છે કે ચૂરચૂર કરીને ફંગોળી દીધી છે તે બધી વ્યર્થ ન જાય.’
ત્યારે ધર્માધ્યક્ષ, પ્રજાપાલક, વિરૂપાક્ષ, ત્રિનેત્રધારી, ભગનેત્રહારી દેવેશ્વરે ‘તથાસ્તુ’ કહ્યું, મહાદેવ પાસેથી વરદાન મેળવીને દક્ષે ધરતી પર પગ ટેકવીને પ્રણામ કર્યા અને એક હજાર આઠ નામ દ્વારા ભગવાનનું સ્તવન કર્યું.
(હવે શંકરના ૧૦૦૮ નામોનું સ્તવન)<br>
મહાદેવની સ્તુતિ કરીને પ્રજાપતિ ચૂપ થઈ ગયા. ભગવાન પણ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, ‘હે સુવ્રતધારી દક્ષ, તમારી સ્તુતિથી હું બહુ પ્રસન્ન છું. વધુ તો શું કહું? તમે મારી નિકટ રહેશો. મારી કૃપાથી તમને એક હજાર અશ્વમેધ તથા સો બાજપેય યજ્ઞનું ફળ મળશે.’ ત્યાર પછી વાક્યવિશારદ, લોકનાથ શંકરે પ્રજાપતિને આશ્વાસન આપતી ઉત્તમ વાત કહી, ‘દક્ષ, આ યજ્ઞમાં ઊભા થયેલા વિઘ્ન માટે દુઃખી ન થતા. ભૂતકાળમાં પણ તમારા યજ્ઞનો ધ્વંસ કર્યો હતો. આ ઘટના પણ પૂર્વકલ્પ અનુસારની છે. હું તમને વરદાન આપું છું, તે સ્વીકારો. પ્રસન્નવદન અને એકાગ્ર ચિત્તે મારી વાત સાંભળો.’
(એમ કહી શંકર પાશુમત વ્રતનો મહિમા સમજાવે છે)
{{Right |  (ગીતાપ્રેસ, શાંતિપર્વ, ૨૮૪) }} <br>
=== ઉશનાની કથા ===
(ભૂતકાળમાં દાનવો દેવતાઓને ત્રાસ આપીને ભૃગુપત્નીના આશ્રમમાં કોઈ આપત્તિ વિના રહેવા લાગ્યા. દેવતાઓ ત્યાં પ્રવેશ કરવા સમર્થ ન હતા એટલે સર્વવ્યાપી વિષ્ણુના શરણે ગયા, વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે ભૃગુપત્નીનું મસ્તક છેદી નાખ્યું, ત્યારે જીવતા રહેલા અસુરોએ તેમના પુત્રનું શરણ લીધું. માતૃવધથી દુઃખી થયેલા ઉશના અસુરોને અભયદાન આપી દેવતાઓના વિષયમાં અત્યાચાર કરવામાં પ્રવૃત્ત થયા)
ઇન્દ્ર ત્રણે લોકના સ્વામી હતા અને યક્ષ તથા રાક્ષસોના સ્વામી કુબેર તેમના ધનાધ્યક્ષ હતા. યોગસિદ્ધ મહામુનિ શુક્રે ધનપતિ કુબેરના હૃદયમાં યોગબળથી પ્રવેશ કર્યો અને તેમનું બધું ધન હરી લીધું. ધન હરાઈ ગયું એટલે ધનપતિ સ્વસ્થ રહી ન શક્યા. તે ક્રોધે ભરાઈને વ્યાકુળ ચિત્તે દેવશ્રેષ્ઠ શિવ પાસે ગયા, પ્રિયદર્શન, અનેક રૂપવાળા, અમિત તેજસ્વી દેવશ્રેષ્ઠ, કલ્યાણકારી શિવ પાસે જઈને કહ્યું,
‘યોગાત્મા ભાર્ગવે યોગબળથી મારામાં પ્રવેશી મને રુદ્ધ કરીને મારું બધું ધન હરી લીધું છે. તે ઉશના યોગબળથી બધું ધન લઈને મારા શરીરમાંથી નીકળી ગયા છે.’ મહાયોગી મહેશ્વર આ સાંભળીને રાતાં નેત્ર કરી હાથમાં ત્રિશૂળ લઈને ઊભા થઈ ગયા. પરમ અસ્ત્ર લઈને ‘ક્યાં છે તે? તે ક્યાં છે?’ એમ વારંવાર બોલવા લાગ્યા. ઉશના તેમનું મન પારખીને તેમનાથી દૂર જતા રહ્યા. યોગ સિદ્ધ શુક્ર મહાત્મા શિવના રોષને જાણતા હતા એટલે તેમનાથી દૂર જતા રહ્યા. તેઓ ગમન, આગમન અને સ્થાનને જાણતા હતા. તેઓ વિચારવા લાગ્યા કે નજીક જઉં કે દૂર જઉં કે અહીં જ રહું. ત્યાર પછી યોગસિદ્ધ ઉશનાએ તપની સહાયથી મહેશ્વર વિશે ચિંતન કર્યું અને તેમણે શૂળની ઉપર વસવાનો નિશ્ચય કર્યો. તપસિદ્ધ શુક્રે તેમના એ રૂપને ઓળખી લીધું, અને મહાદેવે ધનુષવાળા હાથથી શૂળ નમાવ્યું. ઉગ્રાયુધ મહાદેવે અમિત તેજવાળા હાથ વડે શૂળને નમાવ્યું, એટલે તે શૂળનું નામ પિનાક પડ્યું. ઉમાપતિ રુદ્રે શૂળ વાંકું થયું એટલે ભાર્ગવ હાથમાં આવી ગયા એમ જોઈ તેમને હાથ વડે ઉઠાવીને મોઢામાં મૂકી દીધા. ઉશના મહાદેવના ઉદરમાં જઈને વિચરવા લાગ્યા...
એક સમયે મહાવ્રતી મહાદેવે સ્થાણુની જેમ જળમાં નિવાસ કરી તપ કર્યું હતું, એ તપ કરતાં દસ હજાર અર્બુદ વર્ષ વીતી ગયાં. તે દુશ્ચર તપસ્યા પૂરી કરી મહા હૃદમાંથી બહાર નીકળ્યા તો દેવાધિદેવ બ્રહ્મા ત્યાં પ્રગટ્યા. બ્રહ્માએ અવિનાશી શિવની પાસે જઈને તેમના કુશળ સમાચાર પૂછ્યા. તપ સારી રીતે થયું એવો ઉત્તર વૃષભધ્વજે (શંકરે) આપ્યો. ત્યાર પછી સદા સત્ય ધર્મમાં રત, અચિંત્ય સ્વભાવ, મહામતિ શંકરે જોયું કે તપસ્યાને કારણે શુક્રને પણ ઉત્કર્ષ લાભ થયો છે. મહાયોગી ઉશના તે તપ રૂપ ધનવાળા અને વીર્યવાન બનીને ત્રિલોકમાં વિરાજવા લાગ્યા. ત્યાર પછી પિનાકપાણિએ ધ્યાનયોગમાં સમાધિ લગાવી, ઉશના પણ ઉદ્વિગ્ન થઈ તેમના જઠરમાં લીન થયા. મહાયોગી ઉશના ઉદરમાંથી બહાર નીકળવાની ઇચ્છાથી દેવની સ્તુતિ કરવા લાગ્યા, પણ મહાદેવ પોતાના તેજ વડે તેમની ગતિ અટકાવતા હતા. ત્યાર પછી જઠરમાં રહેલા મહામુનિ વારંવાર દેવને કહેવા લાગ્યા, ‘હે પ્રભુ પ્રસન્ન થાઓ.’
ત્યારે મહાદેવે કહ્યું, ‘તમે મારા શિશ્નમાંથી બહાર નીકળો.’ મહાદેવે એમ કહી બધાં ઇન્દ્રિયદ્વારો બંધ કરી દીધાં. બધી રીતે ઘેરાયેલા ઉશના તે દ્વાર જોઈ શકતા ન હતા. મહાદેવના તેજથી દાઝીને આમતેમ ઘૂમતા રહ્યા. પછી તે શિશ્નમાંથી બહાર નીકળ્યા એટલે તેમનું નામ શુક્ર પડ્યું અને લિંગમાંથી નીકળવાને કારણે આપણી જેમ આકાશમંડળના મધ્યભાગમાં તેઓ ગતિ કરવામાં સમર્થ નથી.
મહાદેવે તે તેજપુંજથી જ્વલંત શુક્રને બહાર નીકળેલા જોઈ ક્રોધયુક્ત બનીને હાથમાં શૂળ લઈને ઊભા. પોતાના પતિને ક્રોધયુક્ત જોઈ દેવીએ શંકરને વાર્યા. દેવીએ શંકરને વાર્યા એટલે શુક્રને દેવીના પુત્રત્વનો લાભ મળ્યો. દેવીએ કહ્યું, ‘દેવ, જો શુક્ર આપણો પુત્ર થયો હોય તો તેનો વધ ન થાય. તમારા ઉદરમાંથી નીકળવાને કારણે કોઈ વિનાશ ન પામે.’
આ સાંભળી ભગવતી પર પ્રસન્ન થઈ સ્મિતપૂર્વક વારે વારે બોલ્યા, ‘અત્યારે તેને મન ફાવે ત્યાં જાય.’ ત્યાર પછી મહામુનિ ઉશના વરદ મહાદેવ અને ઉમાદેવીને પ્રણામ કરી પોતાની ઇચ્છાનુસાર ગયા.
{{Right | (શાંતિપર્વ, ૨૭૮) }} <br>
=== ઉપરિચરની કથા ===
ભૂતકાળમાં દેવતાઓએ શ્રેષ્ઠ બ્રહ્મર્ષિઓને કહ્યું, ‘અજ વડે યજ્ઞ કરવો એવું વિધાન છે.’ અહીં અજનો અર્થ બકરો થાય છે, બીજું કોઈ પશુ નહીં.’
ઋષિઓએ કહ્યું, ‘વેદની શ્રુતિ છે કે બીજ દ્વારા યજ્ઞ કરવો. બીજ એટલે જ અજ. એટલે બકરાનો વધ કરવો અયોગ્ય છે. યજ્ઞમાં પશુવધ કરવો સાધુઓનો ધર્મ નથી, આ સત્યયુગ સર્વશ્રેષ્ઠ છે, તો આમાં કેવી રીતે પશુહિંસા થઈ શકે?’
આમ દેવતાઓ અને ઋષિઓનો વિવાદ ચાલતો હતો ત્યારે અંતરીક્ષચર નૃપશ્રેષ્ઠ રાજા ઉપરિચર સમગ્ર બલવાહન સાથે ત્યાં આવી ચઢ્યા. બ્રાહ્મણો આકાશગામી વસુને સહસા ગમન કરતા જોઈને દેવતાઓને કહેવા લાગ્યા, ‘આ રાજા આપણી સમસ્યાનું નિવારણ કરશે. મહાત્મા વસુએ વિધિપૂર્વક યજ્ઞ કર્યો છે, તે દાનપતિ, શ્રેષ્ઠ અને સર્વ પ્રાણીઓના હિતરક્ષક છે, તે મહાન વસુ શાસ્ત્રથી વિરુદ્ધ કેવી રીતે કહેશે?’
દેવતાઓએ અને ઋષિઓએ આમ વિચારીને તેઓ વસુરાજ પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે રાજન, અજ અથવા ઔષધિ — આ બેમાંથી શાના વડે યજ્ઞ કરવો જોઈએ? અમારી સમસ્યાનો ઉકેલ આપો. તમારો ઉત્તર અમારા માટે પ્રમાણ બનશે.’
રાજા ઉપરિચરે હાથ જોડીને કહ્યું, ‘તમારી વચ્ચે કોનો કયો મત છે તે કહો.’
ઋષિઓએ કહ્યું, ‘હે રાજા, ધાન્ય વડે જ યજ્ઞ કરવો જોઈએ, એવું અમે માનીએ છીએ. દેવતાઓ એમ માને છે કે પશુ વડે જ યજ્ઞ કરવો જોઈએ. અમારા બેમાંથી કોની વાત સાચી છે તે તમે અમને કહો.’
ઉપરિચરે દેવતાઓનો અભિપ્રાય જાણીને તેમનો પક્ષ સ્વીકાર્યો, અજનો અર્થ બકરો છે એટલે તેના વડે જ યજ્ઞ કરવો યોગ્ય છે.’ એટલે સૂર્યસમાન તેજસ્વી મુનિઓએ ક્રોધિત થઈને વિમાનમાં બેઠેલા દેવપક્ષપાતી વસુને કહ્યું,
‘હે રાજન, તમે જે કારણે દેવતાઓનો પક્ષ લીધો છે તે જ નિમિત્તે તમે સ્વર્ગમાંથી પતન પામો. આકાશમાં વિહાર કરવાની તમારી શક્તિ નાશ પામો. અમારા શાપને કારણે તમે પૃથ્વી ભેદીને નીચે જશો.’
તે જ ઘડીએ રાજા નીચે પડ્યા અને ભૂમિના વિવર (છિદ્ર)માં પ્રવેશ્યા, પણ ભગવાન નારાયણની આજ્ઞાથી તેમની સ્મૃતિ નષ્ટ ન થઈ.
બીજી બાજુ દેવતાઓ એકઠા થઈને ઉપરિચર વસુના શાપવિમોચન નિમિત્તે ચિંતા કરવા લાગ્યા, આ રાજાના સુકૃતનું ફળ છે. તે મહાત્મા રાજા આપણા કારણે શાપગ્રસ્ત થયા છે. આપણે એકત્ર થઈને તેમનું અતિપ્રિય કરવું જોઈએ. દેવતાઓ આ વિશે પ્રયત્નશીલ થાય, એવો મનોમન નિશ્ચય કરીને ઉપરિચરને કહેવા લાગ્યા, ‘હે રાજન્, તમે બ્રહ્મણ્ય દેવદેવતા તથા અસુરોના ગુરુ હરિમાં ભક્તિ રાખો છો એટલે તેઓ તમારા પર પ્રસન્ન થઈને તમને શાપમુક્ત કરશે. મહાત્મા બ્રાહ્મણોનું સમ્માન કરવું જોઈએ. તેમના તપોબળનું જ આ ફળ છે. તમે આકાશમાંથી ભ્રષ્ટ થઈને પાતાળમાં પડ્યા છો ત્યારે અમે એક અનુગ્રહ (કૃપા) કરીશું. જ્યાં સુધી તમે ભૂમિના વિવરમાં રહેશો ત્યાં સુધી મહાત્મા બ્રાહ્મણોની સહાયથી યજ્ઞ સમયે ઉત્તમ રીતે હોમની વસુધારા પામશો, અમારા ધ્યાનથી તમને વસુધારાની પ્રાપ્તિ થશે, તેને કારણે તમને ગ્લાનિ સ્પર્શશે નહીં. ભૂમિ વિવરમાં રહેશો તે દરમિયાન તમને ભૂખતરસ નહીં લાગે. વસુધારાનું પાન કરવાથી તમે તેજપુંજ દ્વારા પરિપૂર્ણ થશો. અમારી પ્રીતિને કારણે તમે બ્રહ્મલોકમાં જશો.’
દેવતાઓ આમ રાજાને વેરદાન આપી પોતપોતાના સ્થાને ગયા. તપોધન ઋષિઓ પણ પોતાના આશ્રમોમાં ગયા. ઉપરિચરે વિષ્વક્સેન ભગવાનની સતત પૂજા કરી અને નારાયણ મુખોચ્ચારિત મંત્રજાપ કરવા લાગ્યા. ભૂમિવિવરમાં નિવાસ છતાં પંચ મહાકાળમાં પંચયજ્ઞ દ્વારા સુરપતિ હરિની પૂજા કરતા હતા. ભગવાન નારાયણ તે અનન્ય ભક્ત, જિતાત્મન રાજાની ભક્તિથી પ્રસન્ન થયા. વરદ ભગવાન વિષ્ણુ તે સમયે નિકટ વસતા, મહાવેગશાળી ગરુડને કહેવા લાગ્યા, ‘હે મહાભાગ, તું મારી આજ્ઞાથી મારામાં અનુરક્ત ધર્માત્મા સમ્રાટ રાજા વસુ પાસે જા. તેઓ બ્રાહ્મણોના પ્રકોપને કારણે વસુધાતલમાં પ્રવેશ્યા છે. તો પણ બ્રાહ્મણો તેમના વડે સદા સમ્માનિત રહ્યા છે, એટલે તું રાજા પાસે જા. હે ગરુડ, ભૂમિવિવરમાં સુરક્ષિત રહેલા તે અધશ્ચર (પાતાળવાસી)ને મારી આજ્ઞાથી ત્વરાથી ખેચર (આકાશગામી) કરો.’
એટલે મારુતવેગી (પવનવેગી) ગરુડે પાંખો વીંઝીને જ્યાં વસુ વસતા હતા તે સ્થાનમાં પ્રવેશ કર્યો. વિનતાપુત્ર સહસા તેમને ઉપાડીને આકાશમાં ઊડ્યા અને ત્યાં છોડી દીધા. તે જ મુહૂર્તથી તે રાજા ફરી ઉપરિચર બન્યા અને તે નૃપોત્તમ બ્રહ્મલોકમાં ગયા.
{{Right | (શાંતિપર્વ, ૩૨૪) }} <br>
=== મહાપદ્મ નગરવાસી બ્રાહ્મણની કથા ===
ગંગાનદીના જમણા કિનારે મહાપદ્મ નામના ઉત્તમ નગરમાં એકાગ્ર ચિત્તવાળો કોઈ બ્રાહ્મણ રહેતો હતો. સૌમ્ય સ્વભાવના એ બ્રાહ્મણનો જન્મ સોમકુળમાં થયો હતો, વેદ જાણીને સંશયનું છેદન કર્યું હતું; તે ધર્મરત, ક્રોધ જીતનારો, નિત્યતૃપ્ત અને જિતેન્દ્રિય હતો. તે અહિંસાવ્રતી, સત્યવાદી, સજ્જનસંમત હતો. ન્યાયથી મળેલા ધનવાળો અને બ્રાહ્મણોચિત શીલવાળો હતો. તે સગાસંબંધીઓથી વીંટળાયેલો, મિત્ર સ્ત્રી પુત્રવાળો ઉત્તમ વિખ્યાત કુળમાં વિશિષ્ટ વૃત્તિ રાખીને નિવાસ કરતો હતો. પોતાના અનેક પુત્રો જોઈને મહાન કર્મમાં લાગી ગયો અને કુલધર્મના આશ્રયે ધર્માચરણ કરવામાં જ મન પરોવ્યું. ત્યાર પછી વેદોક્ત ધર્મ, શાસ્ત્રોક્ત ધર્મ અને શિષ્ટો દ્વારા આચરવામાં આવતો ધર્મ — આ ત્રિવિધ ધર્મનું ચિંતન કરવા લાગ્યો. શું કરવાથી મારું શુભ થાય, મારું કર્તવ્ય કયું અને કયો ધર્મ મારું પરમ અવલંબન છે? આમ વિચારીને તે ખિન્ન થયો અને કશો નિશ્ચય કરી ન શક્યો. તે પરમ ધર્મનો આધાર લઈ કલેશ કરી રહ્યો હતો ત્યારે એક અતિથિ બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે એ અતિથિનો સત્કાર કર્યો, અતિથિ સુખપૂર્વક બેઠો પછી તે અતિથિને પૂછવા લાગ્યો,
‘હે અનઘ, તમારા વાક્માધુર્યથી હું સ્નેહબદ્ધ થયો છું, તમારી ઉપર મારો મિત્રભાવ છે, હું જે કહું છું તે સાંભળો. પુત્રોને જન્મ આપ્યા સુધી મેં ગૃહસ્થધર્મ પાળ્યો છે, હવે હું કયો પરમ ધર્મ સ્વીકારું? કયા માર્ગને અનુસરું? આત્માનો આશ્રય લઈને આત્મજ્ઞાન માટે એકાંતમાં જ નિવાસ કરવાની મારી ઇચ્છા છે. પણ કોઇ કાર્ય કરવાની ઇચ્છા કે અભિલાષા કરતો નથી. મારું આયુષ્ય પુત્રથી ફળ પામવાની ઇચ્છામાં વીત્યું, હવે હું પારલૌકિક પાથેય ગ્રહણ કરવા માગું છું. આ સંસાર પાર જવાની અભીપ્સા (ઇચ્છા) થઈ છે કે સંસાર તરી જવા હું ધર્મમયી નૌકા ક્યાંથી લાવીશ? સાત્ત્વિક લોકોને પણ મેં સંસારની માયામાં ફસાયેલા જોયા છે, પ્રજાસમૂહ ઉપર યમરાજની કેતુ માલાઓ લહેરાતી જોઈ છે. મારું મન ભોગકાળમાં પ્રાપ્ત વિષયભોગમાં અનુરક્ત નથી, પરિવ્રાજકો બીજાને ત્યાં ભીખ માગે છે તે જોઈને યતિધર્મમાં પણ મન ચોંટતું નથી. એટલે હે અતિથિ, તમે બુદ્ધિબળનો આશ્રય લઈને ધર્મતત્ત્વ વડે મને ધર્મમાં સ્થાપો.’
બુદ્ધિમાન અતિથિ ધર્માભિલાષી બ્રાહ્મણની વાત સાંભળી મધુર વાણીમાં કહેવા લાગ્યો, ‘હું પણ આ વિષયમાં મોહ પામી રહ્યો છું, મારો મનોરથ પણ આવો જ છે. બહુ દ્વારવાળા સાધનવાળા સ્વર્ગની પ્રાપ્તિ માટે હું બહુ વિચાર કરી શક્યો નથી. કેટલાક દ્વિજ મોક્ષને શ્રેષ્ઠ કહે છે, કેટલાક યજ્ઞફળને શ્રેષ્ઠ કહે છે, કેટલાક વાનપ્રસ્થ આશ્રમમાં જીવે છે તો કેટલાક ગૃહસ્થાશ્રમના આશ્રયે જીવે છે. કોઈએ રાજધર્મ શોધ્યો છે. કોઈ આત્મ ફળનો આશ્રય લે છે. કોઈ કોઈ ગુરુસેવા કરે છે, કેટલાક મૌનવ્રતને શ્રેષ્ઠ માને છે, કેટલાક માતાપિતાની સેવા કરીને સ્વર્ગે ગયા છે, કોઈ અહિંસા દ્વારા અને સત્ય વચન દ્વારા સ્વર્ગ પામ્યા છે. કોઈ પુરુષ યુદ્ધમાં શત્રુ સાથે લડતાં મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા છે. કેટલાક ઉચ્છવૃત્તિનો આશ્રય લઈ સ્વર્ગવાસી થયા છે. કોઈ કોઈ બુદ્ધિમાન પુરુષ વેદવ્રતપરાયણ, સ્વાધ્યાય અનુરક્ત, પ્રસન્નચિત્ત અને જિતેન્દ્રિય થઈને સ્વર્ગમાં જઈ સુખભોગ કરે છે. કેટલાક માત્ર સરળ હોવાથી સ્વર્ગે ગયા, કેટલાક સરળ સ્વભાવવાળા કુટિલો દ્વારા મૃત્યુ પામીને શુદ્ધ ચિત્તવાળા થઈ સ્વર્ગે ગયા, જેવી રીતે વાયુને કારણે વાદળ આઘાંપાછાં થઈ જાય છે તેવી રીતે અનેક અનાવૃત ધર્મો દ્વારા આપણી બુદ્ધિ પણ ભ્રાન્તિયુક્ત થઈ ગઈ છે.’
અતિથિએ કહ્યું, ‘હે વિપ્ર, મારા ગુરુએ આપેલા ઉપદેશ પ્રમાણે હું યથાતથ કહું છું, તે તમે સાંભળો.’
પહેલા સર્ગમાં જ્યાં ધર્મચક્ર પ્રવર્ત્યું હતું ત્યાં નૈમિષ તીર્થમાં ગોમતીના કાંઠે નાગપુર નામનું નગર હતું. ત્યાં દેવતાઓએ યજ્ઞ કર્યો હતો. ત્યાં યજ્ઞ કરીને રાજાઓમાં શ્રેષ્ઠ માંધાતા ઇન્દ્રને પણ અતિક્રમી ગયા હતા. ત્યાં પદ્મનાભ નામનો વિખ્યાત ચક્ષુ:શ્રવા મહાનાગ વસતો હતો. તે ત્રણ માર્ગમાં સ્થિત રહીને મન, વચન અને કર્મ વડે પ્રાણીઓને પ્રસન્ન કરતો હતો. સામ, દામ, દંડ, ભેદની સહાયથી વિષમ માર્ગે જઈ ચઢેલાને રસ્તે લાવતો હતો અને સ્વયં નેત્રાદિ ઇન્દ્રિયોને ધ્યાન વડે રક્ષતો હતો. તમે તેની નજીક જઈને વિધિપૂર્વક મનોવાંછિત વિષય અંગે પૂછી શકો, તે તમને પરમ ધર્મ બતાવશે, મિથ્યા ધર્મનું પ્રદર્શન નહીં કરે. તે નાગ બધાનું આતિથ્ય કરે છે, તે બુદ્ધિમાન છે, શાસ્ત્રજ્ઞ છે, ઉત્તમ ગુણવાળો અને ઇચ્છવાયોગ્ય ઘણા બધા ગુણોવાળો છે. તે પ્રકૃતિથી જળ સમાન નિર્મળ છે, સદા અધ્યયનમાં રત રહે છે; તપસ્યા, ઇન્દ્રિયનિગ્રહ અને અતિ ઉત્તમ ચરિત્રવાળો છે. તે યજ્ઞ કરનારો, દાનેશ્વરી, ક્ષમાવાન, સચ્ચરિત્ર, સત્યવાદી, અસૂયા વગરનો, શીલવાન અને સંયતેન્દ્રિય છે. યજ્ઞમાંથી બચેલા અન્નનું ભોજન કરનારો, અનુકૂળ વાત કરનારો, હિતૈષી, વિનયી, શ્રેષ્ઠ વિષયોમાં કૃતાર્થ, કૃતજ્ઞ, શત્રુહીન, પ્રાણીઓના હિતમાં નિયુક્ત ગંગાના જળ સ્વરૂપ પવિત્ર અને ઉચ્ચ વંશમાં ઉત્પન્ન થયો છે.’
બ્રાહ્મણે કહ્યું, ‘મારા ઉપર ભારે બોજ હતો, આજે તે તમે ઉતારી દીધો. મેં તમારી વાત સાંભળી તે આનંદદાયક છે. માર્ગમાં ચાલીને થાકેલાને પથારી, સ્થાનરહિતને બેસવા આશ્રય, તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન મળવાથી જેવો સંતોષ થાય તેવો તમારી વાત સાંભળીને થયો છે. અતિથિને સમય પર ઇચ્છિત અન્ન, સમય પર અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં મનને શાંતિ, વૃદ્ધને પુત્રલાભ, મનોમન વિચારેલા પ્રીતિયુક્ત પુરુષનું દર્શન આ બધાંની જેમ તમારાં મોઢે સાંભળેલાં આ વચન મને આનંદ આપે છે. પ્રજ્ઞાવચનના હેતુથી તમે ઉપદેશ આપીને મને નેત્રદાન કર્યું છે, એ સાંભળીને હું આકાશ સામે જોઉં છું અને કર્તવ્યનો વિચાર કરું છું, તમે જે કહ્યું છે તે પ્રમાણે હું અવશ્ય કરીશ. હે સાધુ, તમે આ રાત મારી સાથે ગાળો, સવારે સુખેથી ઊઠીને આશ્વસ્ત થઈ જ્યાં જવું હોય ત્યાં જજો. અત્યારે ભગવાન સૂર્ય ઝાંખા થયા છે અને અસ્ત પામી રહ્યા છે.’
ત્યાર પછી તે અતિથિએ બ્રાહ્મણે કરેલા અતિથિસત્કાર પછી ત્યાં જ રાત્રિ વીતાવી. બંને વચ્ચે મોક્ષધર્મ વિશે વાર્તાલાપ કરીને રાત્રિ દિવસની જેમ વીતાવી. સવારે તે અતિથિ પોતાના કાર્યસિદ્ધિની અભિલાષા રાખતા બ્રાહ્મણ દ્વારા તેની શક્તિ પ્રમાણે પૂજિત થઈને ચાલ્યો ગયો. તે ધર્મિષ્ઠ બ્રાહ્મણ કર્તવ્યકાર્યનો નિશ્ચય કરી સ્વજનોની અનુમતિ લઈને અતિથિએ સૂચવ્યા પ્રમાણે તે ભુજગેન્દ્રના સ્થળે જવા નીકળ્યો.
તે બ્રાહ્મણ વિચિત્ર વન, તીર્થ અને સમસ્ત સરોવરો વટાવતો કોઈ મુનિ પાસે જઈ ચઢ્યો. બ્રાહ્મણે અતિથિના કહેવા પ્રમાણે મુનિને નાગેન્દ્ર વિશે પૂછ્યું અને ત્યાંથી નાગ વિશે જાણીને ફરી આગળ જવા નીકળ્યો. તે બ્રાહ્મણ નાગના સ્થાને જઈ ‘ભો:’ શબ્દ ઉચ્ચારીને બોલ્યો, ‘હું આવ્યો છું.’ પતિવ્રતા, ધર્મવત્સલ, રૂપવાન નાગપત્નીએ તેનું વચન સાંભળી તેને દર્શન આપ્યું. ધર્મપરાયણ નાગપત્નીએ ત્યાં આવેલા બ્રાહ્મણની વિધિપૂર્વક પૂજા કરી અને સ્વાગત કર્યું અને પછી કહ્યું, ‘બોલો વિપ્ર, શું કરું?’
બ્રાહ્મણે કહ્યું, ‘હું તમારાં ઉત્તમ, મધુર, પવિત્ર વચન સાંભળીને વિશ્રામ પામ્યો છું, સત્કૃત થયો છું. અત્યારે ઉત્તમ નાગેન્દ્રનાં મારે દર્શન કરવાં છે. તેમનું દર્શન એ જ મારું પરમ કાર્ય છે, મારી એ જ ઇચ્છા છે. એટલે જ હું અહીં આવ્યો છું.’
નાગપત્નીએ કહ્યું, ‘હે આર્ય, હે વિપ્ર, મારા પતિ એક મહિના માટે સૂર્યના રથ ખેંચવા ગયા છે, પંદરેક દિવસ પછી તમે તેમનું દર્શન કરી શકશો. મારા પતિના ગમનનું કારણ તો તમે જાણ્યું. તમારું જે કાર્ય હોય તે કહો.’
બ્રાહ્મણે કહ્યું, ‘હે દેવી, હું નાગરાજના દર્શન માટે નિશ્ચય કરીને અહીં આવ્યો છું, એટલે તેમની પ્રતીક્ષા કરતો આ મહાવનમાં રહીશ. તેઓ આવે ત્યારે તમે અવ્યગ્રભાવે મારા આવવાના સમાચાર આપશો, પછી તેઓ મને દર્શન આપે એવી વિનંતી કરજો. હું ત્યાં સુધી રાહ જોઈશ, પરિમિત આહાર લઈ ગોમતી નદીના કાંઠે રહીશ.’ ત્યાર પછી તે બ્રાહ્મણ વારે વારે નાગપત્નીને આમ કહી ગોમતી નદીના કાંઠે જતો રહ્યો.
તે તપસ્વી બ્રાહ્મણ નિરાહાર નિવાસ કરતો હતો એટલે ભુજંગવૃંદ દુઃખી થયું. નાગરાજના ભાઈ, પુત્ર, ભાર્યા એકઠા થઈને તે બ્રાહ્મણ પાસે જઈને તેની પૂજા કરીને અસંદિગ્ધ રીતે બોલ્યા, ‘હે ધર્મવત્સલ તપોધન, તમને અહીં આવ્યાને છ દિવસ થઈ ગયા. પરંતુ ભોજન વિશે કશું કહ્યું નથી. તમે અતિથિરૂપે અહીં છો, અને અમે તમારી સેવામાં ઉપસ્થિત છીએ. અતિથિસત્કાર અમારું કર્તવ્ય છે, કારણ કે અમે બધા જ નાગેન્દ્રનાં કુટુંબીજનો છીએ. હે બ્રાહ્મણશ્રેષ્ઠ, આહારના હેતુથી ફળ, મૂળ, પર્ણ, દૂધ કે અન્ન લેવાં જોઈએ. તમે આહારનો ત્યાગ કર્યો અને આ વનમાં વસો છો એટલે અમારા ધર્મમાં વિક્ષેપ પડે છે. અમારા વંશમાં કોઇ ભ્રૂણહત્યા કરનાર, અહિત કરનાર રાજા, મિથ્યાભાષી નથી. દેવતાઓ, અતિથિઓ અને બાંધવો ભૂખ્યા હોય તો કોઈ પોતાનું ભોજન કરી લેતું નથી.’
બ્રાહ્મણે કહ્યું, ‘તમારો ઉપદેશ એ જ મારો આહાર થયો. નાગરાજને આવવામાં હવે આઠ રાત્રિ જ બાકી છે. જો આઠ રાત પછી તેઓ નહીં આવે તો હું ભોજન કરીશ, આ જ નિમિત્તે મેં વ્રત લીધું છે. તમે સંતાપ ન કરો, જ્યાંથી આવ્યા છો ત્યાં જાઓ, મેં જે વ્રત લીધું છે તેનો ભંગ કરવો તમારા માટે યોગ્ય નથી.’ ભુજંગવૃંદ બ્રાહ્મણ દ્વારા અનુજ્ઞાત થઈ અને અકૃતાર્થ થઈ જતું રહ્યું.
ત્યાર પછી ઘણા દિવસનો સમય પૂરો થવાથી નાગદેવતા કૃતાર્થ થઈને સૂર્યની આજ્ઞા મેળવી પોતાના સ્થાને આવ્યા. તેમની પત્ની પગ ધોવા પાણી, પાદ્ય આદિ લઈને તેમની પાસે આવી, ત્યારે તેમણે સાધ્વીને પૂછ્યું,
‘હે કલ્યાણી, મેં જે વિધિ બતાવી હતી તે વડે તું મારા જેવા દેવતા અને અતિથિઓના પૂજનમાં તત્પર તો રહી હતી ને? હે સુશ્રોણી, સ્ત્રીબુદ્ધિને કારણે મારા વિયોગમાં અકૃતાર્થ ધર્મથી મુક્ત થઈને પૂજનકાર્યમાં શિથિલતા તો નથી કરી ને?’
નાગપત્નીએ ઉત્તર આપ્યો, ‘શિષ્યોએ ગુરુસેવા, બ્રાહ્મણોએ વેદાધ્યયન, સેવકોએ સ્વામીની આજ્ઞાનું પાલન અને રાજાએ પ્રજાપાલન કરવું એ ધર્મ છે. બધાં પ્રાણીઓનું રક્ષણ કરવું એને જ આ લોકમાં ક્ષત્રિયધર્મ કહ્યો છે. આતિથ્યયુક્ત યજ્ઞકાર્ય કરવું તે વૈશ્યોનો ધર્મ છે. વિપ્ર, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણે વર્ણની સેવા કરવી એ શૂદ્રનો ધર્મ છે. હે નાગેન્દ્ર, બધાં પ્રાણીઓના હિતની ઇચ્છા કરવી તે ગૃહસ્થનો ધર્મ છે. નિયતાહાર અને નિત્ય વ્રતચર્યા એ બધાનો ધર્મ છે. ઇન્દ્રિયોના ધર્મ સંબંધથી વિશેષ પ્રકારનો ધર્મ હોય છે. હું કોનો છું, ક્યાંથી આવ્યો છું, હું કોણ છું, અમારું કોણ છે? — મોક્ષ-આશ્રમમાં આ પ્રકારના જ્ઞાનનું પ્રયોજન હોય છે. હે નાગરાજ, ભાર્યાનું પતિવ્રતાપણું એ જ પરમ ધર્મ છે. તમારા ઉપદેશ પ્રમાણે હું એને યથાર્થ રૂપથી જાણું છું, એટલે ધર્મરત થયેલી તમારા આશ્રયે કે ધર્મ જાણીને હું સતપથ છોડી વિષમ પથમાં પગ કેવી રીતે મૂકી શકું? હે મહાભાગ, દેવતાઓ વિશે ધર્મ પરિત્યક્ત નથી થયો અને અતિથિસત્કારમાં હું આળસરહિત થઈ સદા નિયુક્ત રહું છું. આજે પંદરેક દિવસથી અહીં એક બ્રાહ્મણ આવ્યા છે. તેમણે મને પોતાનું પ્રયોજન કહ્યું નથી, તે માત્ર તમારા દર્શનની ઇચ્છા રાખે છે. તે કઠોરવ્રતી બ્રાહ્મણ ગોમતી કિનારે બ્રહ્મપારાયણ કરતા તમારા દર્શને બેઠા છે. હે નાગેન્દ્ર, તે મહાભાગ બ્રાહ્મણે મારી પાસે પ્રતિજ્ઞા કરાવી હતી કે નાગરાજ આવે એટલે મારી પાસે મોકલજો એટલે આ સાંભળીને તમારે તે સ્થળે જવું જોઈએ. તે બ્રાહ્મણને દર્શન આપવા તમારું કાર્ય છે.’
નાગે પૂછ્યું, ‘હે શુચિસ્મિતા, તેં બ્રાહ્મણ રૂપે જેમને જોયા છે તે કોણ છે? મનુષ્ય છે કે દેવતા? હે યશસ્વિની, મનુષ્ય થઈને કોણ મને જોઈ શકશે? અને દર્શન માટે અભિલાષી થઈને કોઈ આવું આજ્ઞાપૂર્વકનું વચન બોલી શકે છે? હે ભામિની, દેવતા, અસુરો અને મહર્ષિઓમાં સુરભિગંધવાહક બળવાન નાગગણ જ મહાવીર્યશાળી અને મહાવેગવાન હોય છે. તે સૌને વંદનીય છે, પોતાના સેવકોને માટે વરદ છે, હું પણ તેમનો અનુયાયી છું, શ્રુતિ કહે છે કે મનુષ્યોના ધનાધ્યક્ષ આપણે છીએ.’
નાગપત્નીએ કહ્યું, ‘હે નાગરાજ, તેમના રૂપ અને સરળતાથી ખ્યાલ આવે છે કે તે દેવતા નથી. તમારા તો તે ભક્ત છે અને અત્યંત પવિત્ર સ્વભાવવાળા બ્રાહ્મણ છે. જળની ઇચ્છા કરવાવાળા ચાતકની જેમ કાર્યાન્તરના આકાંક્ષી છે. જેવી રીતે વર્ષાપ્રિય ચાતક વર્ષાની ઇચ્છા કરે તેમ તે તમારા દર્શનની આકાંક્ષા કરે છે. તમે તે દેવતા પ્રત્યે કોઈ વિઘ્ન ઊભું ન કરતા. સમાન વંશમાં ઉત્પન્ન થઈ કોઈ અતિથિની ઉપેક્ષા કરી શકતા નથી. એટલે સહજ રોષ ત્યજીને તેને દર્શન આપવાં એ તમારે માટે ઉચિત છે. તેનો આશાભંગ કરી અત્યારે આત્માને દગ્ધ કરવો યોગ્ય નથી. જે લોકો આશા રાખીને નિકટ આવ્યા છે તેમનાં આંસુ ન લૂછનાર રાજા હોય કે રાજપુત્ર હોય, તે ભ્રૂણહત્યાના પાપમાં પડવાનો. મૌન વડે જ્ઞાનફળની પ્રાપ્તિ થાય છે, દાનના આશ્રયથી મહત્ યશ અને સત્ય વચન દ્વારા આ લોકમાં વાગ્મિતા લાભીને મનુષ્ય પરલોકમાં પૂજાય છે. ભૂમિદાન કરવાથી આશ્રમવાસી ઋષિઓનો મળવા જેવું સ્થાન મળે છે. નષ્ટના ઉપાર્જનથી અવશ્ય ફળભોગ પ્રાપ્ત થાય છે. અભિપ્રેત, અસંક્લિષ્ટ, આત્મહિતકર કર્મ કરવાથી કોઈ નરકમાં પડતું નથી. ધર્મવિદ મહાત્મા આવું જ વચન કહેશે.’
નાગે કહ્યું, ‘હે પતિવ્રતા, મારામાં અભિમાન કે અહંકાર નથી. જાતિદોષથી પહેલાં હું અહંકારથી પ્રમત્ત હતો. પરંતુ મારો આ સંકલ્પજનિત રોષ અત્યારે તારા વાચા-અગ્નિથી બળી ગયો. હે સાધ્વી, મોહિત કરતો બીજો કોઈ દોષ રોષથી અધિક નથી, અને ક્રોધને કારણે તો ભુજંગો નિંદાપાત્ર ગણાય છે. શક્રનો પ્રતિસ્પર્ધી પ્રતાપી દશગ્રીવ (રાવણ) ક્રોધવશ થયો અને યુદ્ધમાં રામચંદ્રના હાથે મૃત્યુ પામ્યો. હોમધેનુના વાછરડાંનું અપહરણ પરશુરામ કરી ગયા એ સાંભળી ક્રૂર અને ક્રોધી કાર્ત્તવીર્યના પુત્રો મૃત્યુ પામ્યા હતા. તારાં આ વચન સાંભળીને તપસ્યામાં વિઘ્નકારી, કલ્યાણકારી કાર્યોમાં બાધક એવા ક્રોધનો નિગ્રહ કર્યો. હે વિશાલનયના, તું મારી કદી વિખૂટી ન પડનારી અને ગુણશાળી ભાર્યા છે, હું મારા અને મારા સૌભાગ્યની પ્રશંસા વિશેષ રૂપે કરું છું. હવે જ્યાં બ્રાહ્મણ છે ત્યાં જઉં છું. તે જે કહેશે તે કરીશ. તે અતિથિ નિ:સંદેહ કૃતાર્થ થઈને વિદાય લેશે.’
નાગરાજ મનોમન તે બ્રાહ્મણના કાર્યની ચિંતા કરી, તેના પર વિચાર કરીને તેમની પાસે ગયા. સ્વભાવથી જ ધર્મવત્સલ તે બુદ્ધિવાન નાગરાજ બ્રાહ્મણની પાસે જઈને બોલ્યા,
‘હે બ્રહ્મન્, મને ક્ષમા કરો, તમને પૂછું છું, તમે ક્રોધ ન કરતા. તમે અહીં શા નિમિત્તે આવ્યા છો? શું પ્રયોજન છે? તમારી સામે આવીને સ્નેહપૂર્વક પૂછું છું, તમે આ ગોમતીના નિર્જન તટ પર કોની ઉપાસના કરો છો?’
બ્રાહ્મણે કહ્યું, ‘મારું નામ ધર્મારણ્ય છે. પદ્મનાભ નાગરાજના દર્શન કરવા અહીં આવ્યો છું. મેં તેમના સ્વજનો પાસેથી જાણ્યું કે તેઓ અહીં નથી. આટલી વાત જાણીને હું તેમની પ્રતીક્ષા કરી રહ્યો છું, જેવી રીતે ખેડૂત વર્ષાની રાહ જુએ તેવી રીતે. હું યોગમુક્ત અને નિરોગી રહીને તે નાગરાજ અક્લેશ અને કલ્યાણકારી રહે તે માટે વેદપાઠ કરું છું.’
નાગે કહ્યું, ‘અહો તમે ચરિત્રશાળી, સજ્જન છો. હે મહાભાગ, તમારા ચરિત્રની કથા તો શું કહું? તમે મારા પર અત્યંત સ્નેહદૃષ્ટિ રાખો છો. હે વિપ્રર્ષિ, હું એ જ નાગ છું, તમે જેવા મને જાણો છો તેવો જ હું છું, તમે ઇચ્છા પ્રમાણે આજ્ઞા કરો, હું તમારું પ્રિય કાર્ય શું કરું? સ્વજનોના મોઢે તમારા આગમનના સમાચાર સાંભળ્યા, એટલે હું તમને જોવા માટે અહીં આવ્યો છું. હે દ્વિજશ્રેષ્ઠ, તમે અહીંથી આજે કૃતાર્થ થઈને જશો. તમે વિશ્વાસ રાખીને મને તમારી અભિલાષા જણાવો. તમે વિશેષ ગુણ વડે અમને બધાને ખરીદી લીધા છે. કારણ કે તમે તમારું હિત ત્યજીને મારા નિમિત્તે અનુધ્યાયી થયા છો.’
બ્રાહ્મણે કહ્યું, ‘હે મહાભાગ ભુજંગ, તમારા દર્શનાર્થે હું અહીં આવ્યો છું. હું અર્થ-અનભિજ્ઞ છું એટલે તમને કશું પૂછવાની ઇચ્છા કરું છું. હું આત્માનાં વિશ્રામસ્થાનનું અન્વેષણ કરતા આત્મસ્થ થયો અને મહાપ્રાજ્ઞ આત્માની ઉપાસના કરું છું. તમે ચંદ્રકિરણ સદૃશ સુખકર હૃદયકારી આત્મપ્રકાશિત નિજગુણોથી વિખ્યાત છો. હે નાગરાજ, મારા મનમાં જે પ્રશ્ન થયો છે તેનો ઉત્તર આપી આ સંદેહ દૂર કરો, પછી હું પ્રયોજનનો વિષય કહીશ તે તમે સાંભળજો. તમે પર્યાયક્રમથી સૂર્યદેવનો એકચક્ર રથ ખેંચવા જાઓ છો, ત્યાં તમને કશું આશ્ચર્યજનક દેખાયું હોય તો કહો -’
નાગે કહ્યું, ‘જેવી રીતે પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર બેસે છે એવી જ રીતે સૂર્યનાં સહ કિરણોના આધારે દેવતાઓ સમેત સિદ્ધ અને મુનિજનો વસે છે. સૂર્યકિરણના આધારે મહાન વાયુ આકાશમાં વાય છે ત્યાં આનાથી વધારે આશ્ચર્ય બીજું તો શું? આ સૂર્યનું જ સ્વરૂપ શુક નામનો શ્યામ મેઘ છે, તે આકાશમાં વર્ષાકાળે જળ વરસાવે છે, તેનાથી વિશેષ અચરજ શું? આઠ મહિના સુધી સૂર્ય પોતાના કિરણોથી આકર્ષિત કરી કાળક્રમે જળ વરસાવે છે તેનાથી વધારે આશ્ચર્ય કયું? જેના તેજોવિશેષમાં નિત્ય આત્મા પ્રતિષ્ઠિત છે, જેનાથી આ સચરાચરવાળી પૃથ્વીએ બીજ ધારણ કર્યાં છે. જેમાં મહાબાહુ, શાશ્વત, અક્ષર, અનાદિનિધન પરમ દેવ બિરાજે છે એનાથી વધારે મોટું આશ્ચર્ય કયું છે? નિર્મળ આકાશમાં અંબરમણિની મદદથી મેં જે આશ્ચર્યોનું આશ્ચર્ય જોયું છે તે સાંભળો. ભૂતકાળમાં સૂર્ય મધ્યાહ્નકાળે બધા લોકોને તપાવી રહ્યા હતા ત્યારે સૂર્ય જેવો જ એક તેજસ્વી પુરુષ દેખાયો. તે સર્વ બાજુથી પ્રકાશિત થઈ રહ્યો હતો. તે પોતાના તેજ અને કાન્તિ વડે બધા લોકોને પ્રકાશિત કરી આદિત્યમંડળની પાસે આવવા લાગ્યા. જે અગ્નિમાં આહુતિ અપાઈ હોય એવા અગ્નિજ્યોતિને પોતાના તેજપુંજ અને કિરણો દ્વારા આવરીને તે અનિર્દેશ્ય રૂપે બીજા સૂર્યના જેવા આવીને ઊભા રહ્યા. તેમનું આગમન થયું એટલે વિવસ્વાને તેમને મળવા માટે પોતાનો હાથ લંબાવ્યો, તેમણે પણ પૂજા કરવા માટે પોતાનો જમણો હાથ લંબાવ્યો. ત્યાર પછી તે આકાશને ભેદીને રવિમંડળમાં પ્રવેશ્યા, તે તેજ આદિત્યમાં મળી ગયું અને ક્ષણેકમાં એકત્રિત થયું. તે વેળા બંનેનાં તેજ એકત્રિત થયાં એટલે અમને સંદેહ થયો કે રથમાં બેઠેલા અને આગંતુક — બેમાં સૂર્ય કોણ? જ્યારે અમને સંદેહ થયો ત્યારે અમે સૂર્યને પૂછ્યું, આકાશને આક્રમકતા આ બીજા સૂર્ય જેવા આવી ચઢેલા કોણ છે?’
સૂર્યે કહ્યું, ‘આ વાયુના મિત્ર અગ્નિ કે અસુર કે પન્નગ નથી. આ મુનિ ઉચ્છવૃત્તિ વ્રત વડે સિદ્ધ થઈ સ્વર્ગમાં આવ્યા છે. આ ફલમૂળ આહારી તથા સૂકાં પર્ણ ખાનારા અને છેવટે જળ, વાયુનું પાન કરી જીવન ધારણ કરનારા સમાધિમાં નિષ્ઠાવાન બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણે વેદપાઠ વડે ભગવાન ઋગ્વેદની બધી રીતે સ્તુતિ કરી હતી, એના વડે જ સ્વર્ગદ્વાર ઉઘાડી અહીં પધાર્યા છે. હે નાગરાજ, તેમને કોઈ વિષયમાં આસક્તિ ન હતી, તેઓ સદા ઉચ્છવૃત્તિ અને શિલાચાર વૃત્તિ વડે જીવિકા ચલાવતા હતા, તે બ્રાહ્મણ બધાં પ્રાણીઓના હિતકર કાર્યોમાં રત હતા. ઉત્તમ ગતિ મેળવનારાં પ્રાણીઓ પર દેવતા, ગંધર્વ, અસુર, પન્નગ — પ્રભુત્વ સ્થાપી શકતા નથી.’
નાગે કહ્યું, ‘હે દ્વિજ, તે સૂર્યમંડળમાં મેં આવું આશ્ચર્ય જોયું હતું. હે બ્રાહ્મણ, ઉચ્છવૃત્તિથી સિદ્ધ થયેલો મનુષ્ય ઇચ્છાનુસાર પૂરી રીતે સિદ્ધ થઈ તે સિદ્ધસ્થાનમાં જાય છે, સૂર્ય સહિત પૃથ્વીનું પરિભ્રમણ કરવામાં સમર્થ થાય છે.’
બ્રાહ્મણે કહ્યું, ‘હે ભુજગ, આ આશ્ચર્ય છે એમાં સંદેહ નથી. તમે યથાર્થ કથા કહીને મને માર્ગ દેખાડ્યો છે, એટલે હું પ્રસન્ન થયો છું. હે ભુજગશ્રેષ્ઠ, તમારું કલ્યાણ થાઓ. હવે હું જઉં છું. સંપ્રેષણ-નિયોજન વડે હું તમારો સ્મરણીય થયો.’
નાગે કહ્યું, ‘હે દ્વિજ, તમે તમારા હૃદયની વાત કર્યા વિના ક્યાં જાઓ છો? જેને માટે તમે અહીં આવ્યા છો તે કાર્ય કહો. હે દ્વિજ, તમે કહો ન કહો, મારાથી જ્યારે તમારું કાર્ય પૂરું થશે ત્યારે મને પૂછી, મારી અનુમતિ અનુસાર, તમારા ઇચ્છિત સ્થાને જવા સમર્થ થશો. હે વિપ્રર્ષિ, તમે પ્રણયવાન થઈને આ સ્થળે મને એકલો જોઈ વૃક્ષમૂળમાં સમાગતની જેમ ત્યજીને જતા રહો એ તમારા માટે યોગ્ય નથી. હે વિપ્રવર, હું તમારો ભક્ત છું, તમે પણ મારામાં નિ:સંશય અનુરક્ત છો. આ બધા લોક તમારા અનુગત છે. એટલે મારા જેવો મિત્ર હોય પછી તમને શી ચિંતા છે?’
બ્રાહ્મણે કહ્યું, ‘હે આત્મતત્ત્વ જાણનારા મહાપ્રાજ્ઞ ભુજગ, દેવતા પણ તમારાથી ચઢિયાતા નથી એ યથાર્થ છે. હે ભુજગ, જે તમે છો તે હું છું, જે હું છું તે તમે છો, તમે જે આદિત્ય-અન્તર્વર્તી પુરુષની કથા કહી તેમાં જ તમે, હું, આકાશ આદિ સઘળું તેમાં જ વસી રહ્યું છે. હે નાગરાજ, મને પુણ્યસંચય વિશે શંકા હતી. હવે હું તમારા ઉપદેશ પ્રમાણે પરમાર્થ સાધન માટે ઉચ્છવ્રત કરીશ. આ મારો નિશ્ચય છે. તમારા લીધે મારું કાર્ય અત્યંત ઉત્તમ રીતે સંપન્ન થયું. હે ભુજગ, તમારું કલ્યાણ થાય. હવે હું કૃતાર્થ થયો.’
આ બ્રાહ્મણે કૃતનિશ્ચયી થઈને નાગરાજને આમંત્રી દીક્ષા વડે ઉચ્છવ્રત કરવા અભિલાષી થઈ ભૃગુવંશી ચ્યવનનો આશ્રય લીધો. ચ્યવન ઋષિએ તેને સંસ્કાર્યો એટલે તે ધર્મનિષ્ઠાવાન થયો.
{{Right | (શાંતિપર્વ, ૩૪૧-૩૫૩) }} <br>
=== શ્વેતકેતુ અને સુવર્ચલાની કથા ===
બ્રહ્મર્ષિ દેવલ ક્રિયાકાંડ કરનારા, ધર્મજ્ઞ તથા બ્રાહ્મણો — દેવતાઓને પૂજનારા હતા. તેમની પુત્રી સુવર્ચલા પ્રમાણસર બાંધાની હતી. તે વિવાહયોગ્ય બની એટલે તેના પિતા વિચારવા લાગ્યા, મારી આ પુત્રી કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણને આપવી જોઈએ. વળી તે પ્રિયભાષી, તપસ્વી, અવિવાહિત હોવો જોઈએ, પણ એવી વ્યક્તિ એટલી સુલભ ક્યાં છે? ચિંતાતુર પિતા પાસે જઈને સુવર્ચલાએ કહ્યું, ‘પિતાજી, તમે તો પરમ બુદ્ધિમાન છો, વિદ્વાન છો, હવે તમે મારો પતિ કેવો શોધશો? જે અન્ધ હોય અને આંખવાળો પણ હોય.’
‘દીકરી, તારી આ ઇચ્છા પાર પડે એવી શક્યતા મને તો દેખાતી નથી. કોઈ વ્યક્તિ એક સાથે અંધ અને દેખતો પણ હોય-એ શી રીતે બને? મને દુઃખ થાય છે. ગાંડી થઈ છે કે શું?’
‘હું ગાંડી નથી. બહુ બહુ વિચારીને મેં આ વાત કહી છે. આવો કોઈ દેવજ્ઞ પતિ મળી જાય તો તે મારું ભરણપોષણ કરી શકે. તમે જે બ્રાહ્મણોને મારો હાથ સોંપવા ઇચ્છતા હો તે બધાને અહીં બોલાવો. હું એમાંથી મારી પસંદનો પતિ પસંદ કરીશ.’
પછી પુત્રીને ‘ભલે’ કહીને પોતાના શિષ્યોને તેમણે કહ્યું, ‘વેદવિદ્યા જાણનારા, નિષ્કલંક માતાપિતા ધરાવતા, શુદ્ધ આચારવિચારવાળા, નિરોગી, બુદ્ધિશાળી, શીલ-સત્ત્વવાળા, વર્ણસંકર ન હોય તેવા, વેદોક્ત વ્રત પાળનારા, સ્નાતક, માતાપિતા જીવતા હોય અને મારી કન્યા સાથે વિવાહ કરવા માગતા બધા બ્રાહ્મણોને તમે અહીં બોલાવી લાવો.’
મુનિની વાત સાંભળીને શિષ્યોએ આશ્રમોમાં, ગામડાંમાં જઈને બ્રાહ્મણોને આ વાત જણાવી. અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણો દેવલ ઋષિના અને તે કન્યાના પ્રભાવને જાણતા હતા એટલે એ બધા ત્યાં આવ્યા. દેવલ ઋષિએ આવનારા ઋષિઓ અને ઋષિકુમારોનું સન્માન કરી તેમની પૂજા કરી, પછી પુત્રીને કહ્યું, ‘દીકરી, અહીં પધારેલા મુનિઓ વેદ-વેદાંગમાં પારંગત છે, કુલીન છે — શીલવાન છે. મારે માટે તો એ બધા પુત્રો જેવા છે. એમાંથી તારે જે ઋષિકુમારોને પતિ તરીકે પસંદ કરવા હોય તેને પસંદ કરી લે. હું એની સાથે તારું લગ્ન કરાવી આપીશ.’
કાંચનવર્ણી, શુભલક્ષણો ધરાવતી, યર્શાસ્વની, સુવર્ચલા, બ્રાહ્મણોને પ્રણામ કરતી બોલી, ‘જે અંધ હોય અને અંધ ન હોય એ જ મારો પતિ બની શકે.’
તેની વાત સાંભળીને બધા ઋષિઓ એકબીજાનું મોં જોવા લાગ્યા. કેટલાક તેઓ કન્યા નાદાન છે. એમ માનીને ચૂપ રહ્યા. જુદા જુદા દેશોમાં રહેતા એ મુનિઓ જેવા આવ્યા હતા તેવા ક્રોધિત થઈ ચાલ્યા ગયા. કન્યા તો પિતાને ત્યાં જ રહી ગઈ.
તે સમયે શ્વેતકેતુ નામના ઋષિ આખી વાત જાણીને તે કન્યા સાથે લગ્ન કરવા માટે દેવલ ઋષિના આશ્રમે આવી પહોંચ્યા. તેઓ બ્રહ્મચારી, ન્યાયવિશારદ, બ્રહ્મચારી, વેદજ્ઞ, કર્મકાંડકુશળ, આત્મતત્ત્વના જાણકાર, સદ્ગુણી હતા.
દેવલે તેમનો આદરસત્કાર કરી પોતાની પુત્રીને કહ્યું, ‘આ ઋષિકુમાર શ્વેતકેતુ છે, તે પંડિત છે, વેદવેદાંતમાં પારંગત છે. તું એમને પસંદ કરી લે.’
પિતાની વાત સાંભળી કન્યાએ ભંવાં ચઢાવીને ઋષિ સામે જોયું. ત્યારે શ્વેતકેતુ બોલ્યા, ‘ભદ્રા, હું તમારા માટે જ અહીં આવ્યો છું. હું અંધ છું. અને સંદેહરહિત હોવાને કારણે આંખોવાળો જ છું. હે સુંદરી, મારી પસંદગી કર. પરમાત્માની શક્તિની જ જીવ બધું જુએ છે, સ્પર્શે છે, સૂંઘે છે, બોલે છે, બધો સ્વાદ લે છે. તત્ત્વચિંતન કરે છે, તે પરમાત્મા જ ચક્ષુ કહેવાય. જે આ ચક્ષુ ન ધરાવે તે અંધ ગણાય. લૌકિક ઇન્દ્રિયજગત સાથે મારો સંબંધ નથી. એટલે હું અંધ છું. પરમાત્માનું ધ્યાન ધરીને એના પર જ ટકું છું. બધા પદાર્થોને સમાનભાવે જોઉં છું, ઈર્ષ્યા-દ્વેષ વિનાનો છું. તારું ભરણપોષણ કરવાની ક્ષમતા છે. એટલે મને પસંદ કર.’
આ સાંભળી સુવર્ચલા બોલી, મેં મનથી તમારી પસંદગી કરી લીધી. આ મારા પિતા પાસે તમે મારું માગું કરો.’
પછી દેવલે શ્વેતકેતુને પોતાની કન્યા આપી દીધી. અને બંનેનો સંસાર આરંભાયો.
{{Right | (ગીતાપ્રેસ, શાન્તિ પર્વ, ૨૨૦) }} <br>
=== પ્રલય અને સર્જનની કથાઓ ===
પ્રલયકાળે હજાર ચતુર્યુગ વીત્યા, બધા લોકો માટે પ્રલયકાળ આવ્યો, સ્થાવરજંગમ બધાં પ્રાણીઓ અવ્યક્તમાં લીન થયા; જગત અંધકારથી પૂર્ણ — અગ્નિ, વાયુ, પૃથ્વી વિનાનું અને જળવત્ ચૈતન્ય માત્ર સમુદ્ર જેવું સર્વત્ર વ્યાપ્યું, અંધકારની જેમ અદ્વિતીય બ્રહ્મના પોતાના મહિમામાં નિવાસ કરવા લાગ્યું; જ્યારે રાત્રિ દિવસ, સત્ અસત્, વ્યક્ત પરમાણી, માયા વિચિત્રિત અવ્યક્ત કશું જ ન હતું. કેવળ નિર્વિશેષ બ્રહ્મ જ સ્થિર હતું. આવી અવસ્થામાં નારાયણના ગુણ ઐશ્વર્ય આદિના આધાર અક્ષય, અજય, અનિન્દ્રિય, અગ્રાહ્ય, અસંભવ, સત્ય, અહિંસા, રત્નવત્ ભાવરૂપ, લલામભૂત, વિવિધ પ્રવૃત્તિ વિશેષ, અક્ષર, જરા અને મૂર્તિ વિવર્જિત, સર્વવ્યાપી, સર્વકર્તૃ, શાશ્વત તમ સન્નિધાનથી ચિદાત્મ થયું હતું, તે અહં પ્રત્યયના વિષય અવ્યય શ્રીહરિ છે.
આ વિષયમાં વેદનું પ્રમાણ છે. સૃષ્ટિની પહેલાં ન દિવસ હતો, ન રાત્રિ, ન સત્ હતું — ન અસત્ હતું, કેવળ અંધકાર જ સામે હતો, તે વિશ્વરૂપ થઈ રહ્યો હતો. એ અંધકાર વિશ્વની જનની છે..... ત્યાર પછી તમથી સર્જાયેલા પદ્મયોનિ પુરુષથી બ્રહ્માનું સર્જન થયું, તે પુરુષે પ્રજાસમૂહને ઉત્પન્ન કરવાની ઇચ્છાથી બંને નેત્રમાંથી અગ્નિ અને ચંદ્રમા સર્જ્યા. ત્યાર પછી ભૂતોની ઉત્પત્તિ થઈ, ધીમે ધીમે પ્રજાસમૂહો બ્રાહ્મણ અને ક્ષત્રિયો રૂપે ઉત્પન્ન થયા. જે સોમ છે, તે જ બ્રહ્મ છે, જે બ્રહ્મ છે, તે જ બ્રાહ્મણ છે, જે અગ્નિ છે તે ક્ષત્રિય છે, ક્ષત્રિયથી બ્રાહ્મણ બળવાન છે. બ્રાહ્મણોની પ્રબળતાનો ગુણ બધાને પ્રત્યક્ષ છે. બ્રાહ્મણોથી ચઢિયાતા જીવ પહેલાં ન હતા, જે લોકો પ્રજ્વલિત અગ્નિમાં આહુતિ આપે છે એમને નિમિત્ત આ વાત છે. બ્રહ્મામાંથી બધાં પ્રાણીઓનું સર્જન થયું છે. બધાં પ્રાણીઓને પ્રતિષ્ઠિત કરીને ત્રણે લોકને ધારણ કરી રહ્યા છે.
આ જ રીતે મંત્રવાદ થયો છે. હે અગ્નિ, વિશ્વના યજ્ઞોના હોતા થાઓ. દેવોના અને મનુષ્યોના, પ્રજાના હિતકર થાઓ.
(આ પછી બ્રાહ્મણોનો મહિમા ગાવામાં આવ્યો છે.)
સત્યથી વિશેષ કોઈ ધર્મ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, આ લોકમાં અને પરલોકમાં બ્રાહ્મણોથી ચઢિયાતું કોઈ નથી...
અહલ્યાનો ધર્મ ભ્રષ્ટ કરવાને કારણે ઇન્દ્ર લીલા રંગની મૂછોવાળા થઈ ગયા, વિશ્વામિત્રના નિમિત્તે ઇન્દ્ર વૃષણ વિનાના થયા એટલે તેમને ઘેટાનાં વૃષણ લગાડવા પડ્યા. બંને અશ્વિનીકુમારોને યજ્ઞભાગ ન આપ્યો એટલે ચ્યવન ઋષિએ વજ્ર ઉગામી ઇન્દ્રની ભુજાઓ સ્તંભિત કરી દીધી. યજ્ઞનો વિધ્વંસ થયો એટલે દક્ષે ભારે તપ કર્યું અને ક્રોધે ભરાઈને રુદ્રના લલાટમાં એક ત્રીજી નેત્રાકૃતિ સર્જી. ત્રિપુર નિવાસી દૈત્યોના વધ માટે દીક્ષા નિમિત્તે પાસે આવેલા રુદ્ર પર પોતાની જટા ઉખાડીને નાખી, એ જટાઓથી ઉત્પન્ન થયેલા સર્પસમૂહથી શિવને ભારે પીડા થઈ અને તેમનો કંઠ ભૂરો થયો. પહેલા મન્વંતરમાં નારાયણે તેમનો કંઠ પકડ્યો હતો એટલે રુદ્રદેવ નીલકંઠ થયા.
અમૃત ઉત્પન્ન કરવા પુરશ્ચરણ કરવા નિમિત્તે અંગિરાપુત્ર બૃહસ્પતિએ જળનો સ્પર્શ કર્યો પણ તે સ્વચ્છ ન થયું. એટલે ક્રોધે ભરાઈને બૃહસ્પતિ બોલ્યા, ‘મારો સ્પર્શ કરવાથી પણ તું નિર્મળ ન થયું, પ્રસન્ન ન થયું, એટલે આજથી મગર, કાચબા, મત્સ્ય વગેરે પ્રાણીઓથી તું કલુષિત થઈશ. આ શાપને કારણે સમગ્ર જળ પ્રાણીઓથી ઊભરાયું.’
ત્યાર પછી હિરણ્યકશિપુને આગળ કરીને પોતાની બહેન અને વિશ્વરૂપની માતા પાસે જઈને અસુરોએ વરદાન માગ્યું, ‘તમારો આ પુત્ર ત્વષ્ટાતનય ત્રિશિરા વિશ્વરૂપ દેવતાઓનો પુરોહિત થયો છે. તેણે દેવતાઓને પ્રત્યક્ષ અને અમને પરોક્ષ યજ્ઞભાગ આપ્યો છે. એટલે દેવતાઓની સંખ્યા વધે છે અને અમારી ઘટે છે. એટલે તમે એને ના પાડો, ત્રિશિરા અમારા વશમાં રહે તેવી આજ્ઞા આપો.’ એટલે વિશ્વરૂપની માતા નંદનવનમાં ગઈ અને પુત્રને તેણે કહ્યું, ‘તું બીજાઓનો પક્ષ લઈને માતુલપક્ષનો વિનાશ કેમ કરે છે? આ તને શોભતું નથી.’
વિશ્વરૂપ માતાના વચનનું ઉલ્લંઘન ન થઈ શકે એમ માનીને તેનો આદરસત્કાર કર્યા પછી હિરણ્યકશિપુ પાસે ગયો. બ્રહ્માનો પુત્ર વસિષ્ઠને કારણે શાપગ્રસ્ત થયો હતો. ‘તેં મારું અપમાન કરીને બીજા હોતાને આમંત્ર્યો છે એટલે આ યજ્ઞ સમાપ્ત નહીં થાય અને વિલક્ષણ પ્રાણી દ્વારા તારું મૃત્યુ થશે.’ એ શાપને કારણે હિરણ્યકશિપુનો વધ થયો. ત્યાર પછી માતૃપક્ષની વૃદ્ધિ કરવા વિશ્વરૂપે ઘોર તપસ્યા કરી. તેનો તપોભંગ કરવા ઇન્દ્રે ઘણી સુંદર અપ્સરાઓને મોકલી. તેમને જોઈને વિશ્વરૂપનું મન ચંચલ થયું. થોડા સમયમાં તે તેમનામાં આસક્ત થયો. તેને આસક્ત જાણી અપ્સરાઓએ કહ્યું, ‘અમે જ્યાંથી આવી છીએ ત્યાં જઈએ છીએ.’
ત્વષ્ટાપુત્રે કહ્યું, ‘તમે ક્યાં જાઓ છો? મારી સાથે રહો, તમારું કલ્યાણ થશે.’ અપ્સરાઓએ કહ્યું, ‘અમે દેવાંગના અપ્સરાઓ છીએ. અમે પહેલેથી પ્રભાવશાળી ઇન્દ્રનું વરણ કર્યું છે.’ એટલે વિશ્વરૂપે કહ્યું, ‘આજથી ઇન્દ્ર આદિ દેવતાઓનો પ્રભાવ નહીં રહે.’ એમ કહી તેણે મંત્રજાપ આરંભ્યો. એ મંત્રનો કારણે ત્રિશિરા બહુ મોટો થયો. એક મોઢાથી બધા લોકોની વચ્ચે બ્રાહ્મણો દ્વારા થઈ રહેલા યજ્ઞમાં સોમપાન કરવા લાગ્યો. બીજા મોઢે અન્ન ગ્રહણ કર્યું અને ત્રીજા મોઢે ઇન્દ્ર સમેત બધા દેવતાઓનું તેજ પીવા લાગ્યો. ત્યારે તેને અસાધારણ મોટો થયેલો જોઈ, સોમરસથી શરીરે પુષ્ટ થયેલો જોઈ દેવતાઓ સહિત ઇન્દ્ર ચિંતાતુર થયા. છેવટે ઇન્દ્ર અને દેવતાઓ બ્રહ્મા પાસે જઈને બોલ્યા, ‘વિશ્વરૂપ બધા યજ્ઞોમાં વિધિપૂર્વક સોમપાન કરે છે, અમે બધા યજ્ઞભાગથી વંચિત છીએ, અસુરો વૃદ્ધિ પામે છે અને અમે ક્ષય. એટલે અમારું કલ્યાણ થાય એવો ઉપાય કરો.’
બ્રહ્માએ કહ્યું, ‘ભૃગી વંશના મહર્ષિ દધીચિ તપ કરી રહ્યાં છે તેમની પાસે જાઓ, તેઓ પોતાનું શરીર ત્યજે એવો ઉપાય કરો. જ્યારે તે શરીર ત્યજે ત્યારે તેમનાં હાડકાંમાંથી વજ્ર બનાવો.’
પછી જ્યાં દધીચિ ઋષિ તપ કરી રહ્યા હતા ત્યાં ઇન્દ્ર અને દેવતાઓ ગયા, ત્યાં જઈને કહેવા લાગ્યા, ‘તમારી તપસ્યા તો બરાબર ચાલે છે ને? એમાં કોઈ વિઘ્ન તો નથી ને?’
દધીચિએ કહ્યું, ‘તમારું સ્વાગત છે, કહો તમારી શી સેવા કરું? તમે જે કહેશો તે કરીશ.’
દેવતાઓએ કહ્યું, ‘બધા લોકોના હિત માટે તમારે શરીર ત્યજી દેવાનું.’
ત્યાર પછી મહાયોગી દધીચિએ સુખદુઃખને સમાનગણી આત્માને પરમાત્મા સાથે જોડી શરીરત્યાગ કર્યો. જ્યારે તેમનો આત્મા શરીરથી અળગો થયો ત્યારે તેનાં અસ્થિમાંથી સર્જાયેલા અભેદ્ય વજ્ર વડે ઇન્દ્રે વિશ્વરૂપનાં ત્રણે મસ્તક છેદી નાખ્યાં. ત્યાર પછી ત્વષ્ટાએ ઇન્દ્રના શત્રુ વૃત્રનું સર્જન કર્યું. ઇન્દ્રે તે વૃત્રનો પણ વધ કર્યો. હવે ઇન્દ્રને બેવડી બ્રહ્મહત્યા લાગી. તેના ભયથી ઇન્દ્ર સ્વર્ગ છોડીને જતા રહ્યા. દેવતાઓનું રાજ્ય ત્યજીને ઇન્દ્ર જળમાંથી પ્રગટેલા માનસરોવર વાસિની શીતલા નલિની પાસે ગયા. ઐશ્વર્યના યોગબળથી અણુ જેવા બનીને મૃણાલતંતુમાં પ્રવેશી ગયા. બ્રહ્મહત્યાના ભયથી ઇન્દ્ર છુપાઈ ગયા એટલે જગત ઈશ્વર વિનાનું થયું. રજસ્ અને તમસ્ — આ બંનેએ દેવતાઓ પર આક્રમણ કર્યું. મહર્ષિઓના મંત્ર નિસ્તેજ થયા. રાક્ષસોની વૃદ્ધિ થઈ. વેદપાઠ બંધ થયા. ઇન્દ્ર વિનાના લોકો નિર્બલ થયા અને સરળતાથી જીતી શકાય એવા થયા. દેવતાઓ અને ઋષિઓએ આયુના પુત્ર નહુષને દેવરાજ બનાવ્યા. નહુષ બધાં પ્રાણીઓનું તેજ હરી લેનાર લલાટમાં પાંચસો જ્યોતિયુક્ત થઈ સ્વર્ગનું રાજ કરવા લાગ્યા. બધા લોકો પ્રકૃતિસ્થ થયા, સ્વસ્થ અને હૃષ્ટ થયા.
નહુષે કહ્યું, ‘શચિ સિવાય ઇન્દ્રની બધી ઉપભુક્ત વસ્તુઓ અહીં છે.’
શચી પાસે જઈને બોલ્યા, ‘હે સુભગા! હું દેવતાઓનો ઇન્દ્ર છું, તું મારી સેવા કર.’
શચીએ કહ્યું, ‘તમે પ્રકૃતિથી ધર્મવત્સલ છો, ચંદ્રવંશમાં ઉત્પન્ન થયા છો. એટલે પરસ્ત્રીગમન તમને ન શોભે.’
નહુષે કહ્યું, ‘હું ઇન્દ્રપદ બેઠો છું. ઈન્દ્રના રાજ્ય, રત્ન, બધા પર મારો અધિકાર. તું ઇન્દ્રની ઉપભોક્તા એટલે તારા ઉપભોગથી અધર્મ ન થાય.’
શચીએ કહ્યું, ‘મારું એક વ્રત છે, તે હજુ પૂરું થયું નથી. વ્રત પૂરું થાય ત્યારે સ્નાન કરી હું તમારી પાસે આવીશ.’
શચીની વાત સાંભળીને નહુષે વિદાય લીધી. શચી વ્યાકુળ થઈને બૃહસ્પતિ પાસે ગઈ. તેને વ્યાકુળ જોઈ સમાધિસ્થ થયા અને તેને ભર્તૃકાર્યમાં તત્પર જાણી બોલ્યા, ‘તું પતિવ્રતા ધર્મ અને તપસ્યા વડે વરદાત્રી ઉપશ્રુતિ દેવીને નિમંત્ર. તે તને ઇન્દ્ર બતાવશે.’ ત્યાર પછી શચીએ મહાનિયમવતી થઈને વરદા ઉપશ્રુતિનું આવાહન મંત્ર વડે કર્યું. તે દેવી શચી પાસે ગયાં અને બોલ્યાં, ‘હું તારી સામે છું, તારા નિમંત્રણથી આવી છું. તારું શું પ્રિય કરું?’
શચીએ મસ્તક નમાવી પ્રણામ કરી બોલી, ‘હે ભગવતી, તમે મારા પતિનું દર્શન કરાવો. તમે સત્યરૂપિણી છો, પરમ શ્રેષ્ઠા છો.’ ઉપશ્રુતિ શચીને માનસરોવર લઈ ગઈ. ત્યાં મૃણાલની નાળમાં સૂક્ષ્મ રૂપે બેઠેલા ઇન્દ્રને દેખાડ્યા. ઇન્દ્ર પોતાની પત્નીને કૃશ અને દુઃખી જોઈને ચિંતા કરવા લાગ્યા. ‘અરે મારે કેટલું બધું દુઃખ જોવાનું આવ્યું. હું સંતાયો એટલે મારી દુઃખાર્ત્તા પત્ની મને શોધવા અહીં આવી.
ઇન્દ્રે પૂછ્યું, ‘કેમ છે?’
શચિએ ઇન્દ્રને કહ્યું, ‘નહુષ મને પત્ની બનાવવા માગે છે. મેં એની પાસે થોડો સમય માગ્યો છે.’
ઇન્દ્રે કહ્યું, ‘તું જઈને નહુષને કહે. તમે ઋષિઓના વાહન પર આરૂઢ થઈને મને લઈ જાઓ. ઇન્દ્રના અનેકવિધ ઉત્તમ, મહાન વાહનો છે, મેં ઇચ્છાનુસાર બધાં યાનો પર આરોહણ કર્યું છે. તમે કોઈ બીજા નવા વાહનમાં બેસીને આવો.’
ઇન્દ્રે આમ કહ્યું એટલે શચી હર્ષ પામીને જતી રહી. ઇન્દ્ર પણ ફરી કમળનાળમાં પ્રવેશી ગયા.
ઇન્દ્રાણીને આવેલી જોઈને નહુષે કહ્યું, ‘તારી સમયાવધિ પૂરી થઈ છે.’ પછી ઇન્દ્રે કહેલી વાત શચીએ કહી. ત્યાર પછી નહુષ મહર્ષિઓના વાહનમાં બેસીને શચી પાસે જવા લાગ્યા. ત્યારે મિત્રાવરુણના પુત્ર અને કંુભમાંથી જન્મેલા મહર્ષિ અગસ્ત્યે જોયું કે નહુષ ઋષિઓને ત્રાસ આપી રહ્યો છે. પોતાના પગ વડે તેમને સ્પર્શે છે. એટલે અગસ્ત્યે નહુષને કહ્યું, ‘અકાર્યમાં પ્રવૃત્ત નહુષ, તું પૃથ્વી પર પડ. જ્યાં સુધી પર્વત અને ભૂમિ રહેશે ત્યાં સુધી તું સર્પ રહીશ.’
મહર્ષિનું વચન સાંભળતાંવેંત નહુષ વાહનમાંથી નીચે પડ્યો.
ફરી ત્રણે લોક ઇન્દ્ર વિનાના સૂના પડ્યા. દેવતાઓ અને ઋષિઓ ઇન્દ્રના નિમિત્તે વિષ્ણુની શરણે ગયા, ‘હે ભગવન્, બ્રહ્મહત્યાના પાપમાંથી ઇન્દ્રની રક્ષા કરો.’ દેવતાઓ અને ઋષિઓની વાત સાંભળીને વરદ વિષ્ણુએ તેમને કહ્યું, ‘ઇન્દ્ર અશ્વમેધ યજ્ઞ કરે, તો ફરી ઇન્દ્રપદ પામશે.’
દેવતાઓ અને ઋષિઓએ જ્યારે ક્યાંય ઇન્દ્રને ન જોયા ત્યારે તેમણે શચીને કહ્યું, ‘હે સુભગા, તું ઇન્દ્રને અહીં લઈ આવ.’
શચી ફરી એ સરોવરે ગઈ. ઇન્દ્ર એ સરોવરમાંથી બહાર આવ્યા અને બૃહસ્પતિ પાસે ગયા. પછી કૃષ્ણસારંગ અશ્વ વડે યજ્ઞ કર્યો, તેને જ વાહન બનાવી બૃહસ્પતિએ સુરપતિ ઇન્દ્રને તેના સિંહાસન પર બેસાડ્યા. દેવરાજની સ્તુતિ દેવતાઓએ અને ઋષિઓએ કરી એટલે ઇન્દ્ર સ્વર્ગમાં રહેતા થયા. બ્રહ્મહત્યા સ્ત્રી, અગ્નિ, વનસ્પતિ અને ગાયમાં વહેંચાઈ ગઈ. આમ ઇન્દ્ર બ્રહ્મતેજથી વૃદ્ધિ પામીને શત્રુનો વધ કરી ફરી પોતાના પદે પ્રતિષ્ઠિત થયા હતા.
<center> * </center>
ભૂતકાળમાં મહર્ષિ ભરદ્વાજ આકાશગંગામાં જઈને તેમાં જ આચમન કરતા હતા. ત્યારે ત્રણ પગ વડે ત્રિલોકને માપતા વિષ્ણુ તેમની પાસે આવ્યા. ભરદ્વાજે થોડું પાણી લઈ વિષ્ણુના વક્ષ:સ્થળમાં છાંટ્યું, ત્યારથી વક્ષસ્થળ ચિહ્નયુક્ત થયું.
<center> * </center>
અદિતિએ દેવતાઓના નિમિત્તે અન્ન રાંધ્યું હતું, તે ખાઈને અસુરોને મારવાનો ઉદ્દેશ હતો. તે સમયે વ્રત સમાપ્ત કરીને બુધ અદિતિ પાસે ગયા અને તેમણે ભિક્ષા માગી. ‘દેવતાઓ પહેલાં ભોજન કરશે, બીજા કોઈને પણ ભોજન નહીં મળે.’ આમ અદિતિએ બુધને ભિક્ષા ન આપી. ભિક્ષા ન મળી એટલે ક્રોધે ભરાઈને અંડ નામધારી વિવસ્વાનના બીજા જન્મ વખતે અદિતિના ઉદરનો અંડ માર્યો. મૃત અંડમાંથી પ્રગટ થવાને કારણે શ્રાદ્ધદેવ વિવસ્વાન માર્તંડના નામે જાણીતા થયા.
<center> * </center>
દક્ષની પુત્રીઓ સાઈઠ હતી. એમાંથી કશ્યપને તેર, ધર્મને દસ, મનુને દસ, ચંદ્રને સત્તાવીસ કન્યાઓ આપી. ચંદ્રમાને આપેલી બધી કન્યાઓ એકસરખી રૂપવાન હતી અને નક્ષત્રના નામે જાણીતી હતી. બધી એકસમાન હોવા છતાં ચંદ્રમા રોહિણીને વધુ ચાહતા હતા. બીજી પત્નીઓએ ઈર્ષ્યા કરીને પિતા પાસે જઈને વાત કરી, ‘હે ભગવન્, અમે બધી એકસરખી રૂપવાન હોવા છતાં સોમ (ચંદ્રમા) રોહિણીને વધુ ચાહે છે.’
દક્ષે કહ્યું, ‘ચંદ્રને ક્ષયરોગ થશે.’
દક્ષના શાપથી ક્ષય ચન્દ્રમાના શરીરમાં પ્રવેશ્યો. ક્ષયવાળા ચન્દ્ર દક્ષ પાસે ગયા. ‘તમે બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર કરતા નથી.’ તે સમયે ઋષિઓએ ચન્દ્રને કહ્યું, ‘તમે ક્ષયથી ક્ષીણ થાઓ છો. એટલે પશ્ચિમ દિશામાં સમુદ્ર પાસેના હિરણ્ય સરોવરમાં સ્નાન કરો.’ એટલે ચન્દ્ર તે સરોવરે ગયા. સ્નાન કરીને તેઓ પાપમુક્ત થયા. ત્યારથી આ સ્થળ પ્રભાસ તીર્થથી વિખ્યાત થયું. એ દક્ષશાપથી આજે પણ ચન્દ્ર કૃષ્ણપક્ષમાં અમાસ સુધી ક્ષીણ થાય છે અને શુક્લ પક્ષમાં તેની વૃદ્ધિ થાય છે. તેનું મંડલાકર સ્વરૂપ મેઘની શ્યામ રેખાથી આચ્છન્ન દેખાય છે. તે મેઘ સદૃશ વર્ણનો છે. તેનો નિર્મળ અંશ શશકલંક રૂપે પ્રકાશિત છે.
<center> * </center>
સ્થૂલશિરા નામના મહર્ષિએ સુમેરુ પર્વતની પૂર્વોત્તર દિશામાં તપ કર્યું હતું. તેઓ તપ કરી રહ્યા હતા ત્યારે સર્વગંધવાહક પવિત્ર વાયુએ તેમના શરીરને સ્પર્શ કર્યો. તેઓ તપસ્યાથી તપ્ત અને કૃશ હતા. એટલે વાયુના સ્પર્શથી તેઓ પ્રસન્ન થયા. ત્યારે અનિલ વ્યંજન પારિતોષિક ચિહ્નસ્વરૂપ વનસ્પતિઓએ પુષ્પશોભા ન પ્રગટાવી. તે વનસ્પતિઓને મહર્ષિએ શાપ આપ્યો કે તમે સર્વ કાળમાં અપુષ્પિત રહેશો.
<center> * </center>
ભૂતકાળમાં સર્વ લોકના હિત માટે નારાયણ વડવામુખ નામના મહર્ષિ બન્યા હતા. સુમેરુ પર્વત પર જઈને તપ કરતાં કરતાં સમુદ્રનું આવાહન કર્યું પરંતુ સમુદ્ર તેમની નજીક આવ્યો નહીં. તેમણે ક્રોધે ભરાઈને પોતાના શરીરની ગરમીથી સમુદ્રજળને ચંચળ કરી નાખ્યું, અને પ્રસ્વેદ ઝરણાની જેમ વહ્યો, સમુદ્ર ખારો થઈ ગયો. તેમણે સમુદ્રને કહ્યું, ‘તારું પાણી પીવાલાયક નહીં રહે. તારું જળ વડવામુખ વડે પીવાલાયક રહેશે. આજે પણ સમુદ્રજળ વડવામુખની સહાયથી પીવા લાયક બને છે.
<center> * </center>
રુદ્રદેવે હિમાલયપુત્રી ઉમાની કામના કરી હતી. તે જ વખતે મહર્ષિ ભૃગુએ હિમાલય પાસે જઈને કહ્યું, ‘આ ઉમા મને આપો.’ હિમાલયે કહ્યું, ‘એનું લગ્ન શંકર સાથે થશે.’ ભૃગુએ કહ્યું, ‘હું કન્યાને વરવાની ઇચ્છાથી અહીં આવ્યો હતો. પરંતુ તમે કન્યા આપવાની ના પાડી છે, હવે તમે રત્નોના ભંડાર નહીં રહો.’ આજે પણ આ વાત હિમાલય માટે સાચી છે.
{{Right | (શાન્તિપર્વ, ૩૨૯) }} <br>
=== હયગ્રીવ ===
ભૂતકાળમાં જગતના સમુદ્રો એક થઈ ગયા એટલે ધરણી જળમય બની ગઈ. જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં અને આકાશ મનમાં લીન થયું એટલે મન મહત્ તત્ત્વમાં લીન થયું અને વ્યક્ત અવ્યક્ત પ્રકૃતિમાં, પુરુષમાં અને પુરુષ પરબ્રહ્મમાં લીન થયું એટલે સર્વ તમોમય બન્યું, વિશેષ લુપ્ત થયું અને એને કારણે કશું જણાતું ન હતું. તમ: સન્નિધાનથી જગત્કારણભૂત બ્રહ્મ પ્રગટ થયું. તેમનું મૂળ છે અમૃતતત્ત્વ. તમ દ્વારા જ બ્રહ્મે વૈરાગ્ય શરીર અવલંબીને વિશ્વ નામ ધારણ કર્યું છે. તેને જ અનિરુદ્ધ કહે છે અને એને જ પંડિતો પ્રધાન કહે છે. તે પ્રધાન એટલે જ અવ્યક્ત અને ત્રિગુણાત્મક. તે અવસ્થામાં વિદ્યાશક્તિથી સંપન્ન સર્વવ્યાપી ભગવાન શ્રી હરિએ યોગનિદ્રાનો આશ્રય લઈ જળમાં શયન કર્યું હતું. તે સમયે વિવિધ ગુણોથી ઉત્પન્ન થનારી સૃષ્ટિ વિશે વિચારતા પોતાના ગુણનું સ્મરણ થયું. પછી તેમાંથી અહંકાર પ્રગટ્યો. તે અહંકાર જ ચાર મોંવાળા બ્રહ્મા છે, તે કલ્યાણકારી હિરણ્યગર્ભ લોકપિતામહ છે. તે કમલનયન બ્રહ્મા અહંકારમાંથી પ્રગટીને સહદલવાળા કમળમાં બેસી ગયા, તે દ્યુતિમાન છે અને સનાતન છે. તે અદ્ભુત રૂપવાળા બ્રહ્માએ પહેલાં જળમય સમસ્ત લોક જોયા. ત્યાર પછી પરમેષ્ઠી વિવિધ પ્રાણીઓ સર્જ્યાં. તે કમળપત્ર સૂર્ય સમાન તેજસ્વી હતું, તેના પર નારાયણની પ્રેરણાથી ગુણપ્રધાન જળનાં બે બિંદુ પડ્યાં હતાં, આદિ અન્ન વિનાના ભગવાન અચ્યુતે તે બે બિંદુ જોયાં, તેમાં એક બિંદુ મધ જેવું આભા અને સુંદર પ્રભાવાળું હતું. તે સમયે નારાયણની આજ્ઞાથી તામસ મધુ નામના દૈત્યના આકારમાં પરિણત થયું અને બીજું બિંદુ કઠોર હતું. એટલે રજ:પ્રધાન કૈટભના રૂપે પ્રગટ થયું. તે બંને તમસ અને રજસથી યુક્ત શ્રેષ્ઠ, બળવાન, હાથમાં ગદા લઈને મધુ અને કૈટભ જન્મતાં વેંત ચારે બાજુ દોડવા લાગ્યા. તેમણે સુંદર વિગ્રહ અને ચાર વેદને સર્જનારા અત્યંત તેજસ્વી બ્રહ્માને અરવિંદ (કમળ)ની વચ્ચે જોયા. ત્યાર પછી વિશાળ શરીરવાળા બંને અસુરશ્રેષ્ઠોએ બ્રહ્માના દેખતાં વેદ છિનવી લીધા. બંને દાનવશ્રેષ્ઠો સનાતન વેદોેને લઈને પૂર્વીય મહોદધિના માર્ગે પાતાળમાં જતા રહ્યા. વેદો છિનવાઈ ગયા એટલે બ્રહ્મા મોહવશ બન્યા, વેદવિહીન થઈ પરમ ઈશ્વરને કહેવા લાગ્યા, ‘વેદ મારા પરમ નેત્ર છે, વેદ મારું પરમ બળ છે, વેદ મારું પરમ ધામ છે, વેદ મારા ઉપાસ્ય છે. બંને બળવાન દાનવો બળપૂર્વક મારા વેદ હરી ગયા, વેદ વિના મને બધા લોક અંધકારમય ભાસે છે, વેદ વિના કેવી રીતે લોકોની સૃષ્ટિ સર્જું? અરે, વેદનો નાશ થવાથી મહદ્ દુઃખ થાય છે, મારા શોકમય દ્રવ્યને તીવ્ર દુઃખથી પીડા આપે છે. આ સમયે શોકાર્ણવ (શોકસમુદ્ર)માં ડૂબેલા મને અહીંથી કોણ ઉગારશે? કોણ નષ્ટ થયેલા વેદ લઈ આવશે? હું કોનો પ્રિય થઈશ?’ બ્રહ્મા આમ વિચારતા રહ્યા ત્યારે તેમને હરિના સ્તોત્ર માટે બુદ્ધિ પ્રગટી. ત્યાર પછી બ્રહ્મા હાથ જોડી પરમ જાપ મંત્ર જપવા લાગ્યા.
‘હે બ્રહ્મહૃદય, તમને નમસ્કાર, મારા પૂર્વજ, તમને પ્રણામ. લોકના આદિ કારણ, ભુવનશ્રેષ્ઠ, સાંખ્યયોગનિધિ, હે વિભુ, પ્રણામ. વ્યક્ત જગત અને અવ્યક્ત પરમાણુ વગેરે સર્જનાર અચિન્ત્ય. તમે ક્ષેમકર પન્થના નિવાસી, અયોનિજ, વિશ્વભુક્ત અને સર્વ પ્રાણીઓના અન્તરાત્મા, હે લોકધામ, તમે સ્વયંભૂ, હું તમારી કૃપાથી જન્મ્યો છું, પહેલાં તમારા દ્વારા જ દ્વિજોથી સત્કૃત મારો માનસજન્મ થયો છે. બીજી વાર તમારા નેત્રમાંથી મારો જન્મ થયો, તમારા પ્રસાદ (કૃપા)થી ત્રીજી વાર મહત્ત્વપૂર્ણ વાચિક જન્મ થયો. મારો ચોથો જન્મ તમારા કાનમાંથી થયો, પાંચમો જન્મ નાસિકામાંથી થયો, તમારાથી મારો છઠ્ઠો જન્મ અંડજ કહેવાયો. હે અમિતપ્રભ (અત્યંત તેજસ્વી) આ સાતમો જન્મ પદ્મમાંથી થયો છે. સર્ગે સર્ગે ત્રિગુણવર્જિત તમારા પુત્ર રૂપે જન્મતો રહું છું. હે પુંડરીકાક્ષ (કમલનયન) શુદ્ધ સત્ત્વમય શરીરથી હું જન્મ્યો છું, તમે ઈશ્વર, સ્વયંભૂ, પુરુષોત્તમ છો, તમે મને વેદરૂપી ચક્ષુવાળો સર્જ્યો છે, અત્યારે મારા નેત્રરૂપી વેદ છિનવાઈ ગયા છે, એટલે હું અંધ છું. તમે જાગૃત થઈને મને ચક્ષુદાન કરો, હું તમારો પ્રિય છું, અને તમે મારા પ્રિય છો.’
સર્વતોમુખ ભગવાન પુરુષે આ પ્રકારની સ્તુતિ સાંભળીને નિદ્રાનો ત્યાગ કર્યો, વેદકાર્ય કરવા માટે ઐશ્વર્ય પ્રયોગથી બીજું શરીર ધારણ કર્યું. ત્યારે સુંદર નાસિકાવાળા શરીર વડે ચંદ્રપ્રભા જેવા થઈને શુભ્ર હયશિરા રૂપે વેદના આલય બન્યા. નક્ષત્ર અને તારાઓવાળું આકાશ તેમનું મસ્તક બન્યું, સૂર્યકિરણો સમાન પ્રકાશવાળા તેમના કેશ અત્યંત લાંબા હતા. આકાશ અને પાતાળ તેમના બંને કાન હતા, બધાં પ્રાણીઓને ધારણ કરનારી પૃથ્વી લલાટ, પુણ્યા મહાનદીઓ ગંગા અને સરસ્વતી તેમની ભ્રમરો હતી. ચન્દ્ર અને સૂર્ય તેમનાં બંને નેત્ર, સંધ્યા તેમની નાસિકા, ઓમકાર તેમનું આભૂષણ અને વીજળી તેમની જીભ થઈ. સોમપાન કરનારા પિતૃઓ તેમના દાંત, ગોલોક અને બ્રહ્મલોક તેમના હોઠ અને ગુણપ્રધાન કાલરાત્રિ તેમની ગ્રીવા હતી. નાના મૂર્તિઓ વડે છવાયેલા આ હયશિરા અંતર્હિત થઈને પાતાળમાં પ્રવેશ્યા. રસાતલમાં પ્રવેશી પરમ યોગનો આધાર લઈ શિક્ષા સંબંધી સ્વર વડે ઓમ સ્વર ઉત્પન્ન કર્યો. તે નાદ અને સ્વરથી વિશિષ્ટ સ્નિગ્ધ અને અનુનાદવાળો સ્વર રસાતલમાં પ્રગટી બધાં પ્રાણીઓને હિતકર થયો. ત્યાર પછી બંને અસુરોએ વેદોને કાળપાશથી બદ્ધ કરીને રસાતલમાં ફેંકી દીધા અને જ્યાં શબ્દ થતો હતો ત્યાં દોડ્યા. તે જ વેળા હયગ્રીવ રૂપધારી હરિએ પાતાળમાં પડેલા વેદ લઈ લીધા અને બધા વેદ બ્રહ્માને આપ્યા અને તે પોતાની પ્રકૃતિને પામ્યા. પૂર્વીય સમુદ્ર તટે વેદોના આશ્રય અને વેદોના ઉદ્ધાર માટે જ ભગવાન અશ્વશિરા બન્યા હતા. દાનવ મધુ અને કૈટભે વેદધ્વનિના સ્થળે કશું ન જોઈ વેગથી જ્યાં વેદો ફેંક્યા હતા ત્યાં આવી ચઢ્યા, ત્યાં પણ કશું ન હતું. પછી તે બળવાનશ્રેષ્ઠ અસુરો અત્યંત વેગે પાતાળમાંથી ઉપર આવ્યા અને આદિ પુરુષને જોયા. તે ચંદ્રમા જેવા વિશુદ્ધાત્મા, ઉજ્જ્વળ પ્રભાવાળા અને ગૌર વર્ણવાળા હતા. અનિરુદ્ધ શરીરવાળા હતા. તે અત્યંત પરાક્રમી ભગવાન યોગનિદ્રામાં સૂતા હતા. પાણી ઉપર શેષનાગની શય્યા ભગવાનના શરીરને અનુરૂપ હતી અને જ્વાલામાલાથી અલંકૃત હતી. તેના પર વિશુદ્ધ ગુણસંપન્ન સુંદર શોભાવાળા ભગવાન સૂતા હતા, તેમને જોઈને બંને દાનવ મોટેથી હસવા લાગ્યા. રજસ્ અને તમસ્ યુક્ત બંને બોલ્યા, ‘આ શ્વેત વર્ણવાળો પુરુષ નિદ્રાધીન થયો છે. ખરે જ આણે પાતાળમાંથી વેદોનું હરણ કર્યું છે, આ કોનો પુત્ર છે? કોણ છે? શા માટે ભોગશય્યા પર સૂતો છે?’
બંને દૈત્યોએ આમ કહી હરિને જગાડ્યા, પુરુષોત્તમે વિબુદ્ધ (સભાન) થઈને તેમને યુદ્ધાર્થી માન્યા. તે બંને અસુરોને જોઈને યુદ્ધ કરવામાં મન પરોવ્યું, અને પછી બંને સાથે નારાયણનું યુદ્ધ થયું. મધુ અને કૈટભનું શરીર રજ અને તમથી વ્યાપ્ત હતું. મધુસૂદને બ્રહ્માનું સમ્માન કરીને બંનેનો વધ કર્યો. પુરુષોત્તમે ત્વરાથી તેમનો નાશ કર્યો અને વેદ પાછા લાવી બ્રહ્માનો શોક દૂર કર્યો. વેદથી સત્કૃત થયા એટલે બ્રહ્માએ સ્થાવરજંગમ લોકોની સૃષ્ટિ સર્જી. હરિ પિતામહ બ્રહ્માને લોકસર્જનની ઉત્તમ બુદ્ધિ અર્પીને ત્યાંથી અંતર્ધાન થઈને જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. હરિએ હયશિર ધારણ કરીને બંને દાનવોનો વધ કર્યો અને પ્રવૃત્તિ ધર્માર્થ માટે તેમણે તે શરીરને ધારણ કર્યું હતું.
{{Right |  (શાન્તિપર્વ, ૩૩૫) }} <br>
=== ગૌતમી, સર્પ, વ્યાધની કથા ===
ગૌતમી નામની એક શમયુક્ત વૃદ્ધ બ્રાહ્મણીએ પોતાના પુત્રને સર્પદંશથી મરેલો જોયો. ત્યાર પછી અર્જુનક નામના વ્યાધે ક્રોધિત થઈને તે સાપને પકડ્યો અને જાળમાં બાંધીને તે ગૌતમી પાસે લાવ્યો, અને બોલ્યો, ‘આ અધમ સાપે તમારા પુત્રને મારી નાખ્યો છે, તો એનો વધ કેવી રીતે કરું તે ત્વરાથી કહો, તેને આગમાં નાખું કે તેના ટુકડા કરી નાખું? આ બાળકનો હત્યારો, પાપી બહુ સમય જીવતો રહેવો ન જોઈએ.’
ગૌતમીએ કહ્યું, ‘હે અર્જુનક, તું એને છોડી દે, તારામાં બુદ્ધિ નથી, તેનો વધ ન કર. જે પ્રારબ્ધ છે તેને કોઈ ટાળી નહીં શકે, એની ઉપેક્ષા કરીને કોણ પોતાના પર પાપનો ભાર લાદશે? જેઓ ધર્મને અનુસરે છે તેઓ જ હલકા બની નૌકાની જેમ સમુદ્ર પાર કરે છે, જેઓ પાપથી ભારે થાય છે તે પાણીમાં પડેલા શસ્ત્રની જેમ ડૂબી જાય છે. એને મારવાથી મારો પુત્ર જીવતો થવાનો નથી, સાપ જીવતો રહેશે તો તારું શું અહિત થવાનું છે? આ પ્રાણવાળા જીવને મારી ક્યો માનવી યમરાજના અનંત લોકમાં જશે?’
વ્યાધે કહ્યું, ‘હું જાણું છું. ગુણ અવગુણ જાણનારા બધાના દુઃખે દુઃખી થતા નથી. પરંતુ આ ઉપદેશ સ્વસ્થ લોકો માટે છે, દુઃખી માટે નથી. એટલે આ ક્ષુદ્ર સાપને હું મારી નાખીશ. શમયુક્ત માનવી કાલયોગે આનો નાશ થયો છે એમ માની શોક કરતા નથી અને પ્રતિકાર કરનારા પુરુષ આ સમયે શત્રુને મારીને શોક ત્યજે છે, બીજા લોક કલ્યાણનો નાશ થતાં સદા તેને માટે શોક કર્યા કરે છે, એટલે મારે હાથે એનો વધ થવાથી તમે શોક ન કરતા.’
ગૌતમીએ કહ્યું, ‘સમાન લોકોને હાનિથી પીડા થતી નથી, કારણ કે સજ્જનો સદા ધર્મપરાયણ રહી આનંદ પામે છે. આ બાળકનું આ જ સમયે મૃત્યુ નિશ્ચિત હતું. એટલે આ સાપનો નાશ કરવામાં અસમર્થ છું કારણ કે આ ધર્મ નથી. બ્રાહ્મણોએ કોપ ન કરવો જોઈએ, કોપ કરીને બીજાઓને દુઃખ કેવી રીતે આપશે? હે સાધુ, તું પણ કોમળ બનીને ક્ષમા કર અને આ સાપને છોડી મૂક.’
વ્યાધે કહ્યું, ‘આને મારવાથી અક્ષય લાભ છે. બળવાનોએ શીઘ્ર લાભ ઉઠાવવો પ્રશંસાપાત્ર છે. કાલથી આજે જે લાભ થશે તે આ કુત્સિતને મારવાથી શ્રેયસ્કર હશે.’
ગૌતમીએ કહ્યું, ‘શત્રુને પરાજિત કરી તેને મારવાથી ક્યો અર્થ લાભ? શત્રુને પોતાના વશમાં કરી એને ન છોડવાથી કેવી શાંતિ? હે સૌમ્ય, શા માટે આ સાપના અપરાધને ક્ષમા ન કરું? ક્યા કારણે આને છોડાવવા માટે યત્ન ન કરું?’
વ્યાધે કહ્યું, ‘હે ગૌતમી! એક સાપથી અનેક જીવની રક્ષા કરવી યોગ્ય છે, અનેકને ત્યાગીને એકની રક્ષા કરવી યોગ્ય નથી. ધર્મજ્ઞ મનુષ્ય અપરાધીને ત્યજી દે છે, એટલે તમે આ પાપી સાપનો વધ કરો.’
ગોતમીએ કહ્યું, ‘હે વ્યાધ, આ સાપને મારવાથી મારો પુત્ર જીવતો થશે નહીં; એનો વધ કરવાથી મને કોઈ પુણ્ય મળવાનું નથી. એટલે એને છોડી મૂક.’
વ્યાધે કહ્યું, ‘દેવરાજે વૃત્રાસુરને મારીને શ્રેષ્ઠ પદ મેળવ્યું, મહાદેવે દક્ષયજ્ઞનો વિધ્વંસ કરી યજ્ઞભાગ મેળવ્યો, એટલે તમારે દેવતાઓનું અનુસરણ કરવું જોઈએ. આ સાપને હમણાં જ મારી નાખો, એમાં વિચાર ન કરો.’
વ્યાધે ગૌતમીને વારંવાર સાપનો વધ કરવા ઉશ્કેરી પણ મહાભાગા એ પાપમાં ન પડી. ત્યાર પછી પાશથી પીડાતો સાપ કષ્ટપૂર્વક મનુષ્યની વાણીમાં બોલ્યો, ‘બાલિશ અર્જુનક, આમાં મારો ક્યો વાંક? હું પરાધીન અને પરવશ છું. મૃત્યુએ જ મને આને માટે પ્રેરણા આપી. તેના વચનથી મેં એને દંશ દીધો છે, કોઈ કોપ કે કશી ઇચ્છાથી નહીં. આમાં જો પાપ હોય, જેણે મને પ્રેરણા આપી છે તેને એ પાપ લાગે.’
વ્યાધે કહ્યું, ‘હે ભુજંગ, પન્નગ (સાપ), જો તેં બીજાને વશ થઈ આ કાર્ય કર્યું છે તો પણ આ ઘટનાનું કારણ તું જ છે, એટલે તું પણ પાપમાં ભાગીદાર. હે પન્નગ, જેવી રીતે માટીનું વાસણ બનાવવામાં દંડ, ચક્ર વગેરે કારણ હોય છે તેવી રીતે તું પણ આ બાળકના મૃત્યુમાં કારણ છે. જે પાપ કરે છે તેનો હું વધ કરવાનો, તું પાપી છે અને આ વિષયમાં તું પોતાને કારણ કહે છે.’
સાપે કહ્યું, ‘જેવી રીતે ચક્ર, દંડ બધા જ પરાધીન છે તેવી રીતે હું પણ મૃત્યુને વશ છું. એટલે મારા આ દોષ ન કહેવાય. અથવા તમે જો આ જ રીતે સમ્મત થતા હો તો દંડચક્ર પરસ્પરના પ્રયોજક થઈ શકે. પરસ્પરની પ્રેરણાથી થતા કાર્યકારણ ભાવમાં શંકા ઊપજે છે. જો એમ માનીએ તોય મારો દોષ નથી. હું વધ થવાને પાત્ર નથી, પાપી નથી. જો તમે આમાં કોઈનું પાપ સમજતા હો તો તે બધાં કારણોના સમુદાય પર પાપ લાગી શકે.’
વ્યાધે કહ્યું, ‘જો તું વિનાશ કાર્યમાં પોતાને કારણ રૂપ કે કર્તા નથી માનતો તો પણ આ વિનાશમાં સાક્ષાત્ સંબંધથી તું જ કારણ છે એટલે મારી દૃષ્ટિએ તું વધયોગ્ય છે. હે પન્નગ, પાપકાર્ય કરીને પણ જો કર્તા પોતાને જવાબદાર ન સમજે તો આ વિષયમાં કોઈ પણ કારણ ન થઈ શકે. એટલે આ ઘટનામાં તો તું જ કર્તા છે, એટલે તું વધયોગ્ય છે, શું કામ મોટી મોટી વાતો કરે છે?’
સાપે કહ્યું, ‘કર્તા કારણ રહે, ન રહે, કર્તા વિના કાર્યની ઉત્પત્તિ ન થઈ શકે, એટલે આ તુલ્ય હેતુના સ્થળે મૃત્યુનું જ કારણ વિશેષ રીતે વિચારવું જોઈએ, એ જ દોષી છે. હે વ્યાધ, જો હું કારણ હોઉં, અને તમારી દૃષ્ટિએ આ ઘટનાનો કર્તા હોઉં તો મારો પ્રયોજક કર્તા કોઈ બીજો છે, આ જીવનો હત્યારો એ જ છે, એ જ પાપી.’
વ્યાધે કહ્યું, ‘હે દુર્બુદ્ધિ સાપ, તું જાણીજોઈને આ બાળકના મૃત્યુનું કારણ બન્યો છે, મારા હાથે તારો વધ થશે, વધ્ય હોવા છતાં વારે વારે શી વાતો કર્યા કરે છે?’
સાપે કહ્યું, ‘હે વ્યાધ, જેવી રીતે ઋત્વિજો યજ્ઞમાં ઘીની આહુતિ આપીને આ લોકમાં કે પરલોકમાં તેના ફળમાં ભાગીદાર નથી થતા તેવી રીતે આ વિષયમાં ફળ સંબંધી મારી પણ એવી જ સ્થિતિ છે.’
મૃત્યુ પ્રેરિત સાપ વારંવાર આમ કહેતો રહ્યો એટલે મૃત્યુ ત્યાં ઉપસ્થિત થયું અને સાપને કહેવા લાગ્યું,
‘હે પન્નગ, મેં કાળ દ્વારા પ્રેરિત થઈ તને પ્રેરણા કરી. એટલે આ બાળકના વિનાશમાં તું જવાબદાર નથી, હું પણ આમાં જવાબદાર નથી. જેવી રીતે વાયુ વાદળોને આમ તેમ વિખેરી નાખે છે એવી રીતે હું કાળના વશમાં છું. જે કંઈ સાત્ત્વિક, રાજસિક, તામસિક ભાવ છે તે બધા કાલાત્મક હોઈ પ્રાણીમાત્રમાં વસે છે. હે સર્પ, દ્યુલોકમાં કે ભૂલોકમાં જેટલા સ્થાવરજંગમ પદાર્થો છે તે બધા કાલાત્મક છે, એટલે આ જગત કાલાત્મક કહેવાય છે. આ લોકમાં પ્રવૃત્તિનિવૃત્તિ જે કંઈ તેમની વિકૃતિઓ છે તે બધી કાલાત્મક સ્વરૂપની છે. હે પન્નગ, આદિત્ય (સૂર્ય), ચંદ્રમા, વિષ્ણુ, જળ, વાયુ, શતક્રતુ (ઇન્દ્ર), અગ્નિ, આકાશ, પૃથ્વી, મિત્ર, ઔષધિ, વસુ, સરિતા, સાગર, ભાવઅભાવ આ બધા જ કાળ વડે વારે વારે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. હે સર્પ, આ બધું જાણ્યા પછી પણ તું મને દોષી સમજે છે. જો આમાં હું દોષી તો તું પણ દોષી.’
સાપે કહ્યું, ‘હે મૃત્યુ, હું તમને નિર્દોષસદોષ કહેતો નથી, હું માત્ર એટલું જ કહું છું કે તમારા વડે પ્રેરિત થયો છું. જો કાળને દોષ લાગતો હોય, અથવા એને દોષ ન આપી શકાય, તો એ દોષની પરીક્ષા કરવાનું કામ મારું નથી, આ વિષયમાં હું અધિકારી નથી. મારા ઉપર લગાડાયેલા દોષનું નિવારણ જે તે રીતે કરવું મારું કર્તવ્ય છે. એ જ રીતે આ ઘટનામાં મૃત્યુ દોષિત નથી એ જોવું તે પણ મારું પ્રયોજન છે.’
પછી સાપે અર્જુનકને કહ્યું, ‘તમે મૃત્યુની વાત સાંભળી. હવે હું નિરપરાધી છું, મને બાંધી રાખીને દુઃખી કરવો તમને શોભતું નથી.’
વ્યાધે કહ્યું, ‘મેં તારી અને મૃત્યુની વાત સાંભળી, પણ એનાથી તારી નિર્દોષતા સાબીત થતી નથી. મૃત્યુ અને તું આ જીવના વિનાશમાં કારણ છો, તમને બંનેને હું કારણ માનું છું. જે કારણ નથી તેને કારણ કહેતો નથી. સાધુઓને દુઃખી કરનાર દુરાત્મા મૃત્યુને ધિક્કાર છે, તું આ પાપનું કારણ છે, એટલે કે તારો તો વધ કરીશ જ.’
મૃત્યુએ કહ્યું, ‘અમે કાળથી પરવશ છીએ અમે તેની આજ્ઞાનું પાલન કરીએ છીએ. એટલે જો તમે સરખી રીતે વિચારો તો અમને દોષિત કહી નહીં શકો.’
વ્યાધે કહ્યું, ‘હે મૃત્યુ, હે પન્નગ, જો તમે બંને કાળવશ છો તો મને હર્ષ અને ક્રોધ કેમ થાય છે તે વાત સ્પષ્ટ કહો, મારે જાણવું છે.’
મૃત્યુએ કહ્યું, ‘આ જગતમાં બીજાં પ્રાણીઓમાં જે કાર્યો થાય છે તેના પ્રયોજક કાળ છે. હે વ્યાધ, કાળની પ્રેરણાથી જ બધું થાય છે. આ વાત મેં પહેલાં પણ તને કહી છે. અમે બંને કાળના વશ થઈને તેના આદેશનું પાલન કરીએ છીએ. એટલે તું આ બાબતમાં અમને દોષિત ઠરાવી નહીં શકે.’
ત્યાર પછી તો આ ધર્માર્થના વિષયમાં કાળ સ્વયં ત્યાં આવ્યા અને વ્યાધને, સાપને અને મૃત્યુને કહેવા લાગ્યા,
‘હે વ્યાધ, હું, આ મૃત્યુ, આ સાપ — અમે ત્રણે આ જીવના મૃત્યુની ઘટનામાં અપરાધી નથી. કોઈના મૃત્યુના પ્રયોજન નથી. આ બાળકે જેવું કર્મ કર્યું હતું તે કર્મ જ એના મૃત્યુનું પ્રેરક છે. એના વિનાશનું કારણ કોઈ બીજું નથી, આ જીવ પોતાના કર્મથી મૃત્યુ પામે છે. આ બાળકે જેવું કાર્ય કર્યું હતું તે પ્રમાણે જ એને મૃત્યુ પ્રાપ્ત થયું છે. એટલે તેનું કાર્ય જ તેના વિનાશનું કારણ છે. આપણે બધા કર્મના વશીભૂત છીએ. જગતમાં કર્મ જ પુત્રની જેમ લોકોનું અનુગમન કરે છે. કર્મ જ સુખદુઃખ, પાપપુણ્ય, સંબંધનું દ્યોતક છે. જેવી રીતે આ લોકમાં બધાં કર્મ પરસ્પરના પ્રયોજક હોય છે તેવી રીતે અમે બધા કર્મથી પ્રેરિત છીએ. જેવી રીતે કુંભાર માટીમાંથી ઈચ્છા પ્રમાણે ઘાટ બનાવે છે, મનુષ્ય પણ પોતે કરેલાં કર્મ પ્રમાણે ફળ મેળવે છે.’
કાળે આમ કહ્યું એટલે ગૌતમીએ નિશ્ચય કર્યો કે બધા લોકો પોતાના કર્મનું ફળ જ ભોગવે છે, અને તે અર્જુનકને કહેવા લાગી, ‘કાળ, સર્પ અને મૃત્યુ — આમાંથી કોઈ આ ઘટનાનું કારણ નથી. આ બાળક પોતાનાં કર્મોથી કાળ દ્વારા મૃત્યુ પામ્યો છે. મેં પણ પૃત્રશોકપ્રદ કર્મ કર્યું જેનાથી મારો પુત્ર પંચત્વ પામ્યો છે. એટલે અત્યારે કાળ, મૃત્યુ તેમના સ્થાને જાય. હે અર્જુનક, તું પણ આ સાપને છોડી દે.’
ત્યાર પછી કાળ, મૃત્યુ, સાપ જેવા આવ્યા હતા તેવા ગયા. અર્જુનક અને ગૌતમી શોકરહિત થયાં.
{{Right | (અનુશાસન પર્વ, ૧) }} <br>
=== સુદર્શન અને ઓઘવતીની કથા ===
મનુના વંશજોમાં દુર્જય નામનો વિખ્યાત રાજા થઈ ગયો. દુર્જયને દુર્યોધન નામનો એક પુત્ર થયો અને તેની કાયા ઇન્દ્ર જેવી હતી, તેનું તેજ અગ્નિ જેવું હતું. ઇન્દ્ર જેવા પરાક્રમી, યુદ્ધમાં પીછેહઠ ન કરનારા રાજાના રાજ્યમાં લોકો શ્રી અને પરાક્રમમાં એકસરખા હતા. અનેક પ્રકારનાં ધાન્ય, પશુ, ધન, રત્નોથી તેનાં રાજ્ય અને નગર છલોછલ હતાં. તેના રાજ્યમાં કોઈ કૃપણ નહીં, કોઈ દરિદ્ર નહીં, કોઈ મનુષ્ય રોગી નહીં, કોઈ દુર્બળ નહીં, તે રાજા ઉદાર, મધુરભાષી, અસૂયાહીન, જિતેન્દ્રિય, ધર્માત્મા, દયાવાન, પરાક્રમી હતો. તે વિધિપૂર્વક યજ્ઞ કરનાર, વાગ્વીર, મેધાવી, બ્રહ્મનિષ્ઠ, સત્યવચની, કોઈનું અપમાન ન કરનાર, દાનવીર, વેદવેદાંત જાણનારો હતો. આ પુરુષશ્રેષ્ઠની કામના શીતળ જળવાળી, કલ્યાણકારી, પુણ્યશાળી દેવનદી નર્મદાએ કરી અને તેની પત્ની બની. આ રાજાને નર્મદા દ્વારા સુદર્શના નામે રાજીવલોચના (કમલનયની) કન્યા જન્મી, તે માત્ર નામથી જ નહીં, રૂપથી પણ સુદર્શના હતી. દુર્યોધનની આ કન્યા અતિ સુંદર હતી, સ્ત્રીઓમાં આટલી સુંદર કન્યા કદી જન્મી ન હતી. સાક્ષાત્ અગ્નિ બ્રાહ્મણનું રૂપ લઈને રાજકન્યા સુદર્શનાને વરવાની ઇચ્છાથી રાજા પાસે ગયા હતા. ‘આ બ્રાહ્મણ અસવર્ણ અને દરિદ્ર છે એમ વિચારીને રાજાએ તે વિપ્રને સુદર્શના આપવાની ના પાડી. ત્યાર પછી એ રાજાએ આરંભેલા યજ્ઞમાંથી હવ્યવાહન અગ્નિ જતા રહ્યા, રાજા દુર્યોધને તે સમયે ઋત્વિજોને કહ્યું, ’હે દ્વિજશ્રેષ્ઠો, મારાથી કે તમારાથી કયું દુષ્કૃત્ય થયું છે જેથી કુપુરુષના ઉપકારની જેમ અગ્નિ જતા રહ્યા છે. આ આપણો નાનો અપરાધ નથી, કારણ કે અગ્નિ અદૃશ્ય થઈ ગયા છે, આ મારું કે તમારું પાપ છે, એના પર વિચારો.’
તે સમયે બધા બ્રાહ્મણો રાજાનું વચન સાંભળીને નિયમનિષ્ઠ અને વાક્સંયમથી અગ્નિદેવને શરણે ગયા. શરદ્ ઋતુના સૂર્ય જેવા તેજસ્વી અગ્નિદેવે બ્રાહ્મણોને દર્શન આપ્યાં. ત્યાર પછી મહાત્મા અગ્નિએ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને કહ્યું, ‘હું દુર્યોધનની કન્યાને વરવા માગું છું.’
આ સાંભળીને બ્રાહ્મણો વિસ્મય પામ્યા અને અગ્નિએ કહેલી વાત સવારે રાજા પાસે જઈને તેમણે કરી. બુદ્ધિમાન રાજાએ બ્રાહ્મણોના મોઢે આ વાત સાંભળીને પરમ હર્ષ પામી કહ્યું, ‘ભલે, એમ જ થશે.’ રાજાએ ભગવાન અગ્નિ પાસે જઈને શુલ્ક રૂપે વરદાન માગ્યું કે ‘હે ચિત્રભાનુ (અગ્નિ) આ સ્થળે તમે સદા નિવાસ કરો.’ ભગવાન અગ્નિદેવે રાજાનું વચન સાંભળીને કહ્યું, ‘ભલે, એમ જ થશે.’
ત્યારથી માહિષ્મતી નગરીમાં અગ્નિદેવ સદા વિદ્યમાન છે, સહદેવ જ્યારે દક્ષિણ દેશમાં વિજય માટે ગયા હતા ત્યારે તેમણે અગ્નિદેવને જોયા હતા. પછી રાજા દુર્યોધને વસ્ત્રાભૂષણ સહિત તે કન્યા મહાત્મા પાવક (અગ્નિ)ને અર્પી. અગ્નિએ પણ યજ્ઞમાં જેવી રીતે વસુધારા ઝીલાય તેવી રીતે રાજકન્યા સુદર્શનાને વેદોક્ત વિધિથી ગ્રહણ કરી. તે કન્યાનાં રૂપ, શીલ, કુળ, શરીર સંપત્તિ, શ્રી જોઈને અગ્નિદેવ પ્રસન્ન થયા અને તેને ગર્ભવતી બનાવી. તે રાજકન્યાએ સુદર્શન નામના પુત્રને જન્મ આપ્યો, તેણે બાલ્યાવસ્થામાં જ બધા જ સનાતન વેદનું અધ્યયન કર્યું હતું. તે સમયે નૃગ રાજાના પિતામહ ઓઘવાન્ નામના રાજા હતા, તેમને ઓઘવતી નામની કન્યા અને ઓઘરથ નામનો કુમાર સંતાનોમાં હતા. ઓઘવાને સ્વયં વિદ્વાન સુદર્શનને પોતાની દેવરૂપિણી કન્યા પત્ની રૂપે આપી. સુદર્શને તે ઓઘવતી સાથે ગૃહસ્થાશ્રમમાં રત રહીને કુરુક્ષેત્રમાં નિવાસ કર્યો હતો. મહાતેજસ્વી, ધીમાન સુદર્શને ગૃહસ્થધર્મનું પાલન કરતાં કરતાં મૃત્યુને જીતી લેવાની પ્રતિજ્ઞા કરી હતી. પાવકપુત્રે ઓઘવતીને કહ્યું,
‘તારે અતિથિઓના સંદર્ભે કોઈ પ્રતિકૂળ આચરણ નહીં કરવું. અતિથિ જેના જેનાથી સંતોષ પામે તે બધું તારે આપવું, જો એમ કરવા જતાં તારી જાત આપવી પડે તો પણ એમાં વિચાર ન કરવો. હે સુશ્રોણી, મારા હૃદયમાં સદા અતિથિસેવાનું વ્રત છે, ગૃહસ્થો માટે અતિથિસેવાથી વિશેષ કોઈ વ્રત નથી. હે શોભના, હે વામઉરુ, જો તું મારું આ વચન માને તો અવ્યગ્ર રહીને સાદ હૃદયમાં આ વચન ધારણ કરી રાખજે. હે કલ્યાણી, હે અનઘા(પાપરહિતા) હું ઘરમાં હોઉં કે બહાર, મારું વચન તને પ્રમાણ લાગતું હોય તો અતિથિની અવમાનના કદી ન કરતી.’
મર્યાદાશીલ ઓઘવતી હાથ જોડી મસ્તકે લગાવી તેને કહેવા લાગી, ‘તમારી આજ્ઞાનું પાલન ન કરું એવું કોઈ કાર્ય નથી.’
તે વખતે મૃત્યુ સુદર્શનને જીતવા માટે એનું છિદ્ર શોધવા તેની પાછળ પાછળ ભમ્યા કરતું હતું. જ્યારે અગ્નિપુત્ર સુદર્શન સમિધ લાવવા માટે બહાર ગયા ત્યારે યમ તેજસ્વી બ્રાહ્મણ વેશે અતિથિ થઈને આવી ઓઘવતીને કહેવા લાગ્યા, ‘હે વરવણિર્ની, જો તને ગૃહસ્થાશ્રમ ધર્મ યોગ્ય લાગ્યો હોય તો હું તારા દ્વારા અતિથિસત્કાર પામવા માગું છું.’
યશસ્વિની રાજપુત્રીએ તે વિપ્રનું આવું વચન સાંભળીને વેદોક્ત વિધિ પ્રમાણે તેનો અતિથિસત્કાર કર્યો, તે બ્રાહ્મણને આસન અને પાદ્ય આપીને ઓઘવતી બોલી, ‘હે વિપ્રવર, તમારું શું પ્રયોજન છે? હું તમને શું આપું?’
ત્યારે તે બ્રાહ્મણ રાજપુત્રી સુદર્શનાને કહેવા લાગ્યો, ‘હે કલ્યાણી, હું તને ઇચ્છું છું. તું નિ:શંક થઈને એવું આચરણ કર. હે રાજકન્યા, જો તને ગૃહસ્થાશ્રમ પ્રમાણ હોય તો તું જાત સમર્પી મારું પ્રિય કર.’
રાજપુત્રીએ બીજી બીજી વસ્તુઓ આપવાની વાત કરી, તો પણ તેણે શરીર સિવાય બીજી કોઈ માગણી ન કરી. ત્યારે પતિની વાત યાદ કરીને તે રાજકન્યાએ લજ્જા પામીને કહ્યું, ‘ભલે.’ ત્યાર પછી તે કન્યા ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવાની ઇચ્છાવાળા પતિનું વચન યાદ કરીને તે વિપ્રર્ષિની સાથે ઘરમાં પ્રવેશ કર્યો. તે દરમિયાન સુદર્શન સમિધ લઈને ઘેર આવ્યા. રૌદ્ર ભાવવાળું મૃત્યુ કોઈ સુહૃદની જેમ પાછળ પાછળ આવતું હતું.
અગ્નિપુત્ર આશ્રમમાં આવીને ઓઘવતીને, ‘તું ક્યાં છે?’ એમ કહી વારે વારે બોલાવવા લાગ્યા. તે બ્રાહ્મણે બંને હાથે સુદર્શનાનો સ્પર્શ કર્યો હોવાથી તે સાધ્વી પતિવ્રતા પતિને કોઈ ઉત્તર આપી ન શકી. હું ઉચ્છિષ્ટ થઈ ગઈ એમ માનીને પતિથી લાજ પામીને તે સાધ્વી મૂગી થઈ ગઈ, કશું બોલી નહીં. ત્યાર પછી સુદર્શને ફરી તેને બોલાવી, ‘અરે સાધ્વી, તું ક્યા છે? તે ક્યાં ચાલી ગઈ? મારી સેવા કરતાં ચઢિયાતું કયું કામ છે? પતિવ્રતા, સત્યવ્રતી, સદા સરળ પ્રિયતમા આજે પહેલાંની જેમ બોલતી કેમ નથી?’
એ સાંભળી કુટીરમાંથી બ્રાહ્મણે સુદર્શનને ઉત્તર આપ્યો, ‘હે અગ્નિપુત્ર, હું બ્રાહ્મણ છું, અતિથિ રૂપે આવ્યો છું. તારી ભાર્યાએ દૃઢ મન કરીને અનેક પ્રકારના અતિથિસત્કાર વડે મારી ઇચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું છે. આ વિધિથી આ શુભાનના મારું સમ્માન કરે છે, આ વિશે તારે જે કહેવું હોય તે તું કહી શકે છે.’
અતિથિવ્રતનો ત્યાગ કરવાથી તે પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થશે અને હું તેનો વધ કરીશ. એમ વિચારતું મૃત્યુ લોહદંડ હાથમાં લઈને ઊભું રહી ગયું. સુદર્શન આ સાંભળીને મન, વચન, કર્મ, નેત્રમાંથી ઈર્ષ્યા અને ક્રોધ ત્યજીને હસતાં હસતાં કહેવા લાગ્યા. ‘હે વિપ્રવર, તમારા સુરતથી મને પરમ પ્રસન્નતા થશે. કારણ કે ઘેર આવેલા અતિથિનો સત્કાર કરશે ગૃહસ્થનો ધર્મ છે. જે ગૃહસ્થના ઘરમાં અતિથિ પુજાય છે તેનાથી મોટો કોઈ ધર્મ નથી એવું વિદ્વાનો કહે છે. મારા પ્રાણ, મારી પત્ની, અને બીજું ધન — આ બધું અતિથિઓને આપીશ, આ મારું વ્રત છે. હે વિપ્ર, મારું આ વાક્ય અસંદિગ્ધ છે, આ સત્ય સિદ્ધ કરવા હું મારા સોગંદ ખાઉં છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અને અગ્નિ આ પાંચ તથા બુદ્ધિ, આત્મા, મન, કાળ અને દિશા — બધા મળીને આ દસ ગુણ દેહધારીઓના શરીરમાં સ્થિત રહીને સુકૃત — દુષ્કૃત કર્મોને જુએ છે. આજે મેં જે કહ્યું છે તે મિથ્યા નથી, એ સત્યની સહાયથી દેવતાઓ મારું પાલન કરે અને જો એ અસત્ય હોય તો મને બાળીને ભસ્મ કરી નાખે.’
ત્યાર પછી ‘આ સત્ય છે, એમાં કશું અસત્ય નથી.’ એનો શબ્દ ચારે બાજુથી સંભળાવા લાગ્યો.
ત્યાર પછી તે બ્રાહ્મણ કુટીરની બહાર નીકળ્યો, તે વાયુની જેમ પોતાના શરીરને પૃથ્વી અને આકાશને પરિપૂર્ણ કરીને ઊભો રહ્યો. ત્યાર પછી શિક્ષાનુસાર ત્રણે લોકને અનુનાદિત કરતા તે ધર્મજ્ઞનું નામ લઈને તેમણે કહ્યું,
‘હે અનઘ, તારું કલ્યાણ થાવ. હું ધર્મ છું. હું જિજ્ઞાસાથી અહીં આવ્યો હતો. તારામાં સત્ય છે એ જાણીને તારા પર મારી પ્રીતિ થઈ છે. છિદ્રાન્વેષી મૃત્યુ તારો પીછો કરતું હતું, તેને તેં જીતી લીધું છે. અને તેં ધૈર્ય વડે તેને વશ કરી લીધું છે. તારી આ પતિવ્રતા સાધ્વી સ્ત્રીને સ્પર્શ તો શું એની સામે જોવાની શક્તિ પણ ત્રિલોકમાં કોઈની નથી. તે તારા અને એના પોતાના પતિવ્રતા ગુણોથી રક્ષાઈ છે; તે સાધ્વી જે કહેશે તે સત્ય જ હશે, તે મિથ્યા નહીં થાય. આ બ્રહ્મવાદિની પોતાની તપસ્યાથી જગતને પાવન કરવા માટેની શ્રેષ્ઠ નદી થશે. આ મહાભાગ અડધા શરીરથી ઓઘવતી નામની નદી થશે અને અડધા શરીરથી તારી સેવા કરશે, યોગ નિત્ય તેના વશમાં રહેશે. તેં તપોબળથી જે લોક પ્રાપ્ત કર્યા છે તે લોકમાં, ત્યાં જવાથી આ લોકમાં આવવું નહીં પડે. તું આ જ દેહ વડે તે સનાતન શાશ્વત લોકમાં જઈશ. મૃત્યુ તારાથી પરાજિત થયું છે. તેં ઉત્તમ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે. તેં તારા આત્મબળથી મનોભવ થઈને પંચમહાભૂતોને અતિક્રમ્યા છે. તેં આ ગૃહસ્થ ધર્મની સહાયથી કામ અને ક્રોધને જીત્યા છે. આ રાજકન્યાએ તારી સેવાના આશ્રયે સ્નેહ, રાગ, આળસ, મોહ, દ્રોહને સારી રીતે જીત્યા છે. ત્યાર પછી ભગવાન વ્યવસાય શ્વેત રંગના હજાર અશ્વોવાળા ઉત્તમ રથને લઈને તેમની સમીપ ઉપસ્થિત થયા. તે સુદર્શને અતિથિ વિષયમાં મૃત્યુ, આત્મા, સર્વલોક, પંચભૂત, બુદ્ધિ, કાલ, મન, વ્યોમ, કામ, ક્રોધને પણ જીત્યા હતા. આમ ગૃહસ્થાશ્રમી પુરુષ માટે અતિથિ જેવો બીજો કોઈ દેવ નથી, મનમાં આ વાત દૃઢ કરી લો. અતિથિપૂજાથી મનોમન જે શુભચિંતન કરે છે તેની તુલના સો યજ્ઞફળ સાથે પણ ન થઈ શકે. એટલે જ પંડિતો કહે છે કે અતિથિસત્કારનું ફળ તેનાથી પણ વધારે છે. શીલવાન સત્પાત્ર અતિથિની જો પૂજા નથી થતી તો તે અપૂજિત અતિથિ પુણ્યફળ આપીને જતો રહે છે.’
{{Right | (અનુશાસન પર્વ, ૨) }} <br>
=== વિશ્વામિત્રના જન્મની કથા ===
ભરતવંશમાં અજમીઢ નામના યજ્ઞકર્મવાળા અને ધાર્મિકશ્રેષ્ઠ રાજા થઈ ગયા. તેમને એક પાટવી પુત્ર જહ્નુ હતો, ગંગા નદી તેમની પુત્રી તરીકે ઓળખાય છે. એમનો મહાયશસ્વી પુત્ર સિંધુદ્વીપ તેમના જ જેવા ગુણવાળો હતો.
સિંધુદ્વીપનો પુત્ર મહાબલિ રાજર્ષિ બલાકાશ્વ હતો. સાક્ષાત્ ધર્મ જેવો તેમને વલ્લભ નામે પુત્ર જન્મ્યો. અને તેમને ઇન્દ્ર સમાન તેજસ્વી કુશિક નામે પુત્ર થયો. કુશિકનો પુત્ર રાજા ગાધિ. તે અપુત્ર હોવાથી વનમાં રહેતા હતા. જ્યારે તે વનમાં હતા ત્યારે તેમને ત્યાં એક કન્યા જન્મી, તેનું નામ સત્યવતી, પૃથ્વી પર તેના જેવી કોઈ રૂપવતી ન હતી. ચ્યવન મુનિના પુત્ર ભાર્ગવ ઋચીક નામે જાણીતા તપસ્વી હતા. તેમણે રાજાની આગળ સત્યવતીનું માગું કર્યું. શત્રુનાશી ગાધિરાજે ઋચીક દરિદ્ર છે એમ માની કન્યા આપવાનીં ના પાડી. ઋચીક મુનિ પાછા ફરી રહ્યા હતા ત્યારે રાજવીશ્રેષ્ઠે તેમને કહ્યું, ‘ જો તમે મારી કન્યા ઇચ્છતા હો તો એનું શુલ્ક આપો.’
ઋચીકે કહ્યું, ‘હું તમને કેટલું શુલ્ક આપું તે નિ:સંદેહ કહો, એમાં બીજો કોઈ વિચાર ન કરતા.’
ગાધિ બોલ્યા, ‘હે ભાર્ગવ, ચંદ્રકિરણ જેવા પ્રકાશવાળા, વાયુ સમાન વેગીલા અને જેનો એક કાન શ્યામ હોય એવા એક હજાર ઘોડા મને આપો.’
ત્યાર પછી ભૃગુશ્રેષ્ઠ ચ્યવન મુનિના પુત્રે અદિતિપુત્ર વરુણદેવને કહ્યું, ‘એક કાન શ્યામ અને ચંદ્ર સમાન કાંતિમાન, વાયુ સમાન વેગવાળા એક હજાર ઘોડા હું તમારી પાસે યાચું છું.’
આદિત્ય વરુણદેવે એ ભૃગુશ્રેષ્ઠ ઋષિને કહ્યું, ‘ભલે, તમારે જે સ્થળે તે ઘોડાની અભિલાષા હશે ત્યાં એક હજાર ઘોડા ઉપસ્થિત થઈ જશે.’
ત્યાર પછી ઋચીક મુનિએ ધ્યાન ધર્યું એટલામાં મહાતેજસ્વી ચંદ્રમા જેવા એક હજાર શ્યામકર્ણી અશ્વો ત્યાં ગંગાજળમાંથી પ્રગટ્યા. કાન્યકુબ્જ પાસે જ્યાં ગંગા તટે આ ઘોડા પ્રગટ્યા તે સ્થળને આજે પણ લોકો અશ્વતીર્થ કહે છે. ત્યાર પછી રાજા ગાધિને ઋચીક ઋષિએ પ્રીતિપૂર્વક શુલ્કાર્થે એક હજાર શુભ્ર અશ્વો આપ્યા. ગાધિરાજ તે જોઈને વિસ્મય પામ્યા અને શાપભયથી અલંકૃત કરેલી પોતાની કન્યા ઋચીક મુનિને અર્પી.
બ્રહ્મર્ષિશ્રેષ્ઠ ઋષિએ વિધિપૂર્વક પાણિગ્રહણ કર્યું, તે પણ ઋષિને પતિ રૂપે પામીને પ્રસન્ન થઈ. બ્રહ્મર્ષિ તેના ચરિત્રથી સંતુષ્ટ થયા અને અત્યંત સૌંદર્યવતી પત્નીને વર આપવા તૈયાર થયા. તે રાજકન્યાએ બધી વાત માતાને અને પિતાને કહી. માતાએ નીચું મોં કરીને ઊભેલી પુત્રીને કહ્યું, ‘હે પુત્રી, તારા પતિ મને પણ પુત્ર આપવા કૃપા કરી શકે છે, તેઓ મહાતપસ્વી છે, સમર્થ છે.’
માતાની આ વાત સાંભળીને તે ત્વરાથી પતિ પાસે જઈને માતાની ઇચ્છા કહી સંભળાવી. ત્યારે ઋચીકે કહ્યું, ‘હે કલ્યાણી, મારી કૃપાથી તને અને તારી માતાને પુત્ર જન્મશે, તારી માતાનો પ્રેમપૂર્વકનો અનુરોધ નિષ્ફળ નહીં જાય. આપણા વંશની વૃદ્ધિ કરનારો ગુણવાન પુત્ર થશે. અને તારી માતાને પણ વંશપરંપરા જાળવનારો પુત્ર જન્મશે. હે કલ્યાણી, તારી માતા ઋતુસ્નાતા થઈને પીપળાના વૃક્ષને ભેટે અને તું ઉમરાના વૃક્ષને, તમારા બંનેની ઇચ્છા ફળશે. હે શુચિસ્મિતા, આ મંત્રયુક્ત બે ચરુ છે, તમે એક એક ખાઈ લેજો. પછી તમને પુત્ર થશે.’
સત્યવતી ખૂબ જ હર્ષ પામીને માતા પાસે ગઈ અને ઋચીક મુનિએ જે કહ્યું હતું તે બધું કહ્યું, બે ચરુની વાત પણ કરી. ત્યારે તેની માતાએ પુત્રી સત્યવતીને કહ્યું, ‘હે પુત્રી, તારી મા હોવાને કારણે હું વધુ માનનીય છું, એટલે હું કહું તેમ કર. તારા પતિએ તને આપેલો ચરુ મને આપ, અને મારા માટેનો ચરુ તું લઈ લે. હે શુચિસ્મિતા, અનિન્દિતા, હું તારી મા છું, જો તને મારી વાત માન્ય હોય તો આપણે વૃક્ષો પણ અદલબદલ કરી તેમને ભેટીએ. ભગવાન ઋચીકે પણ અવશ્ય આમ જ કર્યું હશે. હે સુમધ્યમા, એટલે જ મને તારા વૃક્ષ અને ચરુમાં મારી ઇચ્છા જાગી છે. જે રીતે તારો ભાઈ શ્રેષ્ઠ નીવડે એમ તું વિચાર.’
સત્યવતી અને તેની માતા: બંનેએ બંને ચરુની અદલાબદલી કરી. પછી બંનેને દિવસો રહ્યા.
ભૃગુશ્રેષ્ઠ ઋષિએ પોતાની પત્નીને સગર્ભા જોઈને દુઃખી થઈને કહ્યું, ‘હે કલ્યાણી, તમે ચરુની અદલાબદલી કરી છે એમ લાગે છે. એવી જ રીતે વૃક્ષોને ઊલટી રીતે જ ભેટ્યાં છો. મેં તારા ચરુમાં વિશ્વ બ્રહ્મતેજ ભર્યું હતું. અને તારી માતાના ચરુમાં ક્ષાત્રતેજ ભર્યું હતું. હવે તું ત્રિલોકમાં પોતાના ગુણોથી વિખ્યાત વિપ્રને જન્મ આપશે. તારી મા શ્રેષ્ઠ ક્ષત્રિય પુત્રને જન્મ આપશે. મેં આખું વિચારીને કર્યું હતું ને હે શુભાંગના, તું અને તારી માતા આમાં ફેરફાર કરીને બેઠાં છો, એટલે તારી મા વિપ્રને જન્મ આપશે, તું પ્રચંડ કાર્ય કરનાર ક્ષત્રિયને જન્મ આપીશ. હે ભામિની, માતૃસ્નેહમાં તણાઈને આ સારું કાર્ય નથી કર્યું.’
તે સુંદર સત્યવતી આ સાંભળીને શોકાર્ત, દુઃખી થઈને મનોહર લતાની જેમ ભૂમિ પર પડી ગઈ. થોડા સમય પછી ગાધિરાજની પુત્રી હાથ જોડીને માથું નમાવીને બ્રાહ્મણ શ્રેષ્ઠ પતિને કહેવા લાગી, ‘હે વેદજ્ઞ વિપ્રર્ષિ, હું તમારી પત્ની છું. પ્રસન્ન થઈને મારા પર કૃપા કરો, મારે ક્ષત્રિય પુત્ર નથી જોઈતો. તમને એમ લાગતું હોય તો મારો પૌત્ર ભલે ઉગ્ર કર્મી ક્ષત્રિય થાય. પણ મારો પુત્ર ક્ષત્રિય ન થવો જોઈએ. મને આ વર આપો.’
મહા તપસ્વી ઋચીકે કહ્યું, ‘ભલે.’ ત્યાર પછી સત્યવતીએ શુભ લક્ષણોવાળા જમદગ્નિને જન્મ આપ્યો. અને યશસ્વિની ગાધિરાજની પત્નીએ બ્રહ્મર્ષિના પ્રભાવથી બ્રહ્મવાદી વિશ્વામિત્રને જન્મ આપ્યો. વિશ્વામિત્રે ક્ષત્રિય થઈને પણ બ્રાહ્મણત્વનો લાભ લીધો, બ્રાહ્મણવંશના કર્તા બન્યા.’
{{Right | (અનુશાસન પર્વ, ૪) }} <br>
=== ઇન્દ્ર અને પોપટની કથા ===
કાશીરાજના પ્રદેશમાં એક વ્યાધ ઝેરી બાણ સાથે રાખીને ગામમાંથી બહાર નીકળી હરણની શોધ કરી રહ્યો હતો. મહાવનમાં માંસલોભી વ્યાધે થોડે દૂર હરણને જોઈ તેના પર બાણ ચલાવ્યું. અમોઘ બાણ ચલાવનારા તે શિકારીએ મૃગવધ માટે બાણ માર્યું પણ નિશાન ચૂકી જવાથી તે બાણ એક મોટા વૃક્ષને વીંધી ગયું. વિષમાં ઝબકોળેલા તે બાણ વડે બળપૂર્વક વૃક્ષ વીંધાયું એટલે તેના ફળ, પાંદડાં ખરી પડ્યાં અને તે સુકાવા લાગ્યું. તે વૃક્ષની આવી અવસ્થા થવા છતાં તેની બખોલમાં લાંબા સમયથી રહેનારો એક પોપટ વૃક્ષ પર પ્રેમ હોવાને કારણે ત્યાં ને ત્યાં જ રહેવા લાગ્યો. તે ધર્માત્મા કૃતજ્ઞ ક્યાંય જતો આવતો ન હતો, કશું ખાતો ન હતો. તે એટલો દૂબળો થઈ ગયો કે તેનાથી બોલી પણ શકાતું ન હતું. તે પોતે વૃક્ષની સાથે સાથે સુકાવા લાગ્યો. આ ઉદાર, મહા સત્ત્વયુક્ત બુદ્ધિવાળા, સુખદુઃખને સમાન ગણનારા ધૈર્યવાન પોપટની વાત જાણીને ઇન્દ્રને અચરજ થયું. તેમણે વિચાર્યું, આ પંખી પક્ષીઓની જાતમાં જન્મીને અસંભાવ્ય પારકા દુઃખે દયાભાવ દાખવી રહ્યો છે. અથવા ઇન્દ્રને આ બાબતમાં કશું અચરજ ન થયું, કારણ કે બધાં પ્રાણીઓમાં તથા બધી જાતિઓમાં દયા અને નિષ્ઠુરતા જોવા મળતા હોય છે. ત્યાર પછી ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને પૃથ્વી પર ઊતર્યા અને તે પોપટને કહેવા લાગ્યા,
‘હે પક્ષીશ્રેષ્ઠ, દક્ષની દૌહિત્રી શુકી તારા દ્વારા ઉત્તમ પ્રજાવાળી થઈ છે. હું તને પૂછું છું કે તું શા માટે આ વૃક્ષનો ત્યાગ કરતો નથી?’
આમ ઇન્દ્રે પૂછ્યું એટલે પોપટે માથું નમાવીને પ્રણામ કરી કહ્યું, ‘દેવરાજ, તમારું સ્વાગત છે, તપને કારણે હું તમને ઓળખી ગયો છું.’
ત્યાર પછી સહાક્ષ ઇન્દ્રે, ‘સાધુ સાધુ’ કહ્યું, ‘શું આશ્ચર્યયુક્ત વિજ્ઞાન છે?’ એમ વિચારી મનોમન તેના તપની પ્રશંસા કરવા લાગ્યા.
વલસૂદન (વલનો વધ કરનાર) ઇન્દ્રે આ શુભ કર્મ કરનારા પરમ ધાર્મિક પોપટને જાણીને પણ વૃક્ષ સાથેની સુહૃદતા વિશે પૂછ્યું.
‘આ વૃક્ષ પર્ણહીન, ફલહીન છે; સુકાઈ ગયું છે. પક્ષીઓને માટે રહેવા લાયક નથી. આ મહાવનમાં બીજાં, પુષ્કળ વૃક્ષો છતાં તું આનું સેવન શા માટે કરે છે? આ મહાવનમાં બીજાં અનેક વૃક્ષો છે, એમનાં કોટર પર્ણવાળાં છે, દેખાવે સુંદર છે, તે વૃક્ષો પર પક્ષીઓને હરવા ફરવા પૂરતી જગા છે. હે ધીર પક્ષી, આ વિશે બુદ્ધિપૂર્વક વિચારીને તું આ નિર્જીવ, સામર્થ્યહીન, સારહીન, શ્રીહીન, સૂકા વૃક્ષનો ત્યાગ કર.’
ધર્માત્મા પોપટે ઇન્દ્રની વાત સાંભળીને, દીર્ઘ નિ:શ્વાસ નાખીને દુઃખી થઈને કહ્યું,
‘હે શચીપતિ, દેવરાજ, દૈવનું ઉલ્લંઘન થઈ શકતું નથી. તમે જે વિશે પ્રશ્ન પૂછ્યો છે તે વિશે સાંભળો. હું આ વૃક્ષ પર જન્મ્યો, બાલ્યાવસ્થાથી ઊછર્યો છું, સદ્ગુણી બન્યો છું, શત્રુઓથી કદી ત્રાસ પામ્યો નથી. હે અનઘ(પાપરહિત), હું પારકાના દુઃખે દુઃખી થઉં છું; દયાળુ, ભક્ત અને અનન્ય ગતિવાળો છું. તમે કરુણા કરીને મારામાં શા માટે વૈફલ્યનો ભાવ પ્રગટાવો છો? સાધુઓના મહાન ધર્મનું લક્ષણ દયા છે. એનાથી જ તેઓ સદા પ્રસન્ન રહે છે. બધા દેવતાઓ ધર્મ વિશે કશી શંકા થાય ત્યારે તમને જ પૂછે છે. હે દેવ, આ જ કારણે તમે દેવતાઓના અધિપતિ છો. હે સહાક્ષ, મારા જેવા ભક્તને આ વૃક્ષત્યાગ માટે કહેવું તમને શોભતું નથી. જ્યારે આ વૃક્ષ સમર્થ હતું ત્યારથી હું તેનો આશ્રિત છું. આજે હું કેવી રીતે તેનો ત્યાગ કરું? એ કેમ બને?’
ઇન્દ્ર તેની વાત સાંભળીને હર્ષ પામ્યા. તે ધર્મજ્ઞ પોપટના દયા ભાવથી અત્યંત સંતુષ્ટ થઈને બોલ્યા, ‘તું વર માગ.’ ત્યારે પોપટે એ વૃક્ષ ફરી પાછું લીલુંછમ્મ થાય એવો વર માગ્યો. દેવરાજ તે પોપટની વૃક્ષ પરની દૃઢ ભક્તિ અને શીલસંપદા જાણીને પ્રસન્ન થયા અને તરત જ તે વૃક્ષને અમૃતથી સીંચ્યું, ત્યાર પછી તે વૃક્ષ પોપટની દૃઢ ભક્તિથી ફળફૂલપર્ણ અને સુંદર શાખાઓથી શ્રીસંપન્ન બન્યું.
{{Right |  (અનુશાસન, ૫) }} <br>
=== શૂદ્ર અને તપસ્વી બ્રાહ્મણની કથા ===
હિમાલયના પવિત્ર પાર્શ્વ ભાગમાં બ્રહ્માશ્રમ હતો. તે અનેક પ્રકારનાં વૃક્ષો, ગુલ્મો, લતાઓથી ભરચક હતો. ત્યાં મૃગ, પક્ષીઓ, સિદ્ધ, ચારણો વસતાં હતાં. પુષ્પિત કાનનને કારણે તે આશ્રમ રમ્ય હતો. અનેક બ્રહ્મચારીઓ તથા વ્રતપરાયણ તપસ્વી પુરુષોથી આશ્રમ શોભતો હતો. સૂર્ય અને અગ્નિ જેવા તેજસ્વી મહાભાગ બ્રાહ્મણો ત્યાં નિવાસ કરતા હતા. આ આશ્રમ નિયમ વ્રતથી સંપન્ન, દીક્ષિત, મિતાહારી, શુદ્ધ ચિત્તવાળા તપસ્વીઓથી ઊભરાતો હતો. વેદની ઋચાઓના ગાનથી તે આશ્રમ નાદવાળો હતો, ત્યાં ઘણા વાલખિલ્ય, સંન્યાસીઓ હતા.
એક સમયે કોઈ દયાવાન શૂદ્ર ઉત્સાહપૂર્વક તે આશ્રમમાં આવ્યો. શૂદ્રને આશ્રમમાં આવેલો જોઈ ત્યાં રહેતા તપસ્વીઓએ તેનો આદરસત્કાર કર્યો. દેવતાઓ સમાન મહાન તેજસ્વી તથા વિવિધ દીક્ષાઓવાળા મુનિઓને જોઈને તે શૂદ્રને ભારે હર્ષ થયો. પછી તેના મનમાં પણ ‘હું તપ કરું’ એનો વિચાર ઉદ્ભવ્યો. તે કુલપતિના પગે પડીને બોલ્યો,
‘હે દ્વિજવર, તમારી કૃપાથી હું ધર્માચરણ કરવા માગું છું. હે ભગવન્, તમે મને ધર્મતત્ત્વ કહો અને સંન્યાસની દીક્ષા આપો, હે ભગવન્, હું શૂદ્ર વર્ણનો છું, એટલે તમારી સેવા કરવા માગું છું. મારા પર કૃપા કરો.’
કુલપતિએ કહ્યું, ‘સંન્યાસી ચિહ્ન ધારણ કરી શૂદ્ર આ સ્થાને નિવાસ ન કરી શકે. જો તારી ઇચ્છા હોય તો અહીં રહે અને શૂશ્રૂષા કરતો રહેજે.’
મુનિએ જ્યારે આમ કહ્યું ત્યારે તે વિચારવા લાગ્યો, ‘હું અહીં શું કરીશ? મને ધર્મમાં અત્યંત શ્રદ્ધા છે, હવે સમજાયું, શૂદ્રની નિયતિ આ જ છે. હું મારું પ્રિય કાર્ય કરીશ.’
એટલે આશ્રમથી દૂર જઈને એક કુટીર બનાવી અને ત્યાં પૂજા માટે વેદી, નિવાસસ્થાન, દેવતાઓનું સ્થાન વગેરે ઊભાં કર્યાં. તે કુટીરમાં રહીને નિયમસ્થ રહી સુખ અનુભવવા લાગ્યો. સ્નાન કરીને તે દેવસ્થાનોમાં નિયમપૂર્વક બલિ ચઢાવીને, હોમ કરીને દેવતાઓની પૂજા કરતો હતો. સંકલ્પ, નિયમ પાળીને, જિતેન્દ્રિય બનીને ફળાહાર કરતો હતો. તેની પાસે જે અન્ન, ઔષધિ અને ફળ હતાં તે વડે અતિથિઓની પૂજા કરતો હતો. આમ ઘણો સમય વીતી ગયો. ત્યાર પછી કોઈ મુનિ સત્સંગ કરવા તેના આશ્રમમાં આવ્યા. સ્વાગત, વિધિવત્ પૂજા કરીને શૂદ્રે તેમને સંતુષ્ટ કર્યા. અનુકૂળ કથાઓ કહી તે પરમ તેજસ્વી સંયમેન્દ્રિય ધર્માત્મા ઋષિને યથાવત્ પૂછ્યું. આમ ઋષિ શૂદ્ર સંન્યાસીને જોવા વારેવારે તેમના આશ્રમે આવતા હતા.
ત્યાર પછી તે શૂદ્રે તપસ્વીને કહ્યું, ‘હું પિતૃકાર્ય કરવા માગું છું, તમે મારા પર અનુગ્રહ કરો.’
તે ઋષિએ હા પાડી. તે શૂદ્ર સ્નાન કરીને શુદ્ધ થયો અને ઋષિ માટે પાદ્ય લઈ આવ્યો. ત્યાર પછી દર્ભ, વનૌષધિ, અન્ન, પવિત્ર આસન લઈ આવ્યો. દક્ષિણ દિશાને આવરીને વ્રતીનું આસન પશ્ચિમમાં રાખ્યું, આ શાસ્ત્રવિરુદ્ધ હતું એટલે ઋષિએ શૂદ્રને કહ્યું, ‘આ આસનનો આગલો ભાગ પૂર્વાભિમુખ કરો અને તમે શુદ્ધ થઈને ઉત્તરાભિમુખ બેસો.’ ઋષિએ કહ્યા પ્રમાણે શૂદ્રે એમ કર્યું. મેધાવી શૂદ્રે દર્ભ, અર્ઘ્ય હવ્યકવ્ય વગેરે વડે જેમ પિતૃકાર્ય કરવું જોઈએ તેમ કર્યું. અને એ કાર્ય સંપન્ન થયું ત્યારે તે બ્રાહ્મણે ત્યાંથી વિદાય લીધી. તે શૂદ્ર ધર્મમાર્ગમાં સ્થિર રહ્યો.
તે શૂદ્ર તપસ્વી બહુ સમય તપ કરીને વનમાં જ મૃત્યુ પામ્યો. તે મહાતેજસ્વી શૂદ્ર પૂર્વજન્મનાં સત્કૃત્યોને કારણે રાજવંશમાં જન્મ્યા. તે વિપ્રર્ષિ પણ મૃત્યુ પામ્યા અને પુરોહિત કુટુંબમાં જન્મ્યા. આમ તે શૂદ્ર અને તપસ્વી તે સ્થાનમાં જન્મીને ક્રમેક્રમે વૃદ્ધિ પામતાં પામતાં વિદ્યાકુશળ થઈ ગયા. ઋષિ અથર્વવેદ સહિત ત્રણે વેદોમાં નિષ્ણાત થયા. સૂત્રોક્ત યજ્ઞ તથા જ્યોતિષશાસ્ત્રમાં પારદર્શી થયા. સાંખ્ય શાસ્ત્રમાં તેમની પ્રીતિ વૃદ્ધિ પામી.
તે રાજપુત્રના પિતા સ્વર્ગ સિધાવ્યા એટલે શુદ્ધિ પછી મંત્રીએ અને પ્રજાએ તેમનો રાજ્યાભિષેક કર્યો. અભિષેક થયા પછી તે ઋષિને પણ પોતાના પુરોહિત બનાવ્યા. રાજા તેને પુરોહિત બનાવીને પરમ સુખે રહેવા લાગ્યા, ધર્માનુસાર પ્રજાપાલન કરીને રાજ્ય ચલાવતા હતા. તે રાજા સદા ધર્મકાર્યમાં રત હોય ત્યારે પુત્યાહવાચનના સમયે પુરોહિતને જોઈને ક્યારેક હસતા, ક્યારેક મોટેથી હસતા. આમ અનેક વેળા રાજાએ પુરોહિતનો ઉપહાસ કર્યો. વારે વારે અને સતત રાજા દ્વારા થતા ઉપહાસથી પુરોહિતને ક્રોધ વ્યાપ્યો. પછી પુરોહિતે એક વેળા રાજાની સમીપે તેને અનુકૂળ કથાઓ કહી પ્રસન્ન કર્યા. પછી પુરોહિતે રાજાને કહ્યું, ‘હે મહાદ્યુતિ રાજા, મારી ઇચ્છા છે કે મને એક વરદાન આપો.’
રાજીએ કહ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, હું તમને સો વરદાન આપી શકું છું, એક શા માટે? આપણા સ્નેહ, બહુમાનને કારણે તમને ન આપવા જેવું કશું નથી.’
પુરોહિતે કહ્યું, ‘હે મહારાજ, જો તમે પ્રસન્ન થયા હો તો એક વરદાન આપો. તમે જો આપવાના હો તો સાચું બોલજો, ખોટું ન કહેતા.’
રાજાએ તેને કહ્યું, ‘ભલે, પરંતુ જો હું જાણતો હોઈશ તો કહીશ, નહીં જાણતો હોઉં તો નહીં કહું.’
પુરોહિતે કહ્યું, ‘દરરોજ ધર્મકાર્ય સંદર્ભે પુણ્યાહવચન વખતે અને શાન્તિહોમ વેળાએ તમે મારી સામે જોઈને શા માટે હસો છો? તમે હસો છો એટલે હું લજ્જિત થઉં છું, તમે ઇચ્છાનુસાર સાચું કહો, તમે બીજી વાત ન કરો. તમારું હસવું અકારણ નથી. એની પાછળ ચોક્કસ કારણ છે. મને આ વિશે બહુ જિજ્ઞાસા થાય છે. તમે યથાર્થપણે મારી આગળ વાત કરો.’
રાજાએ કહ્યું, ‘જ્યારે તમે આમ કહ્યું છે તો આ વાત કહેવા જેવી નથી છતાં હું અવશ્ય કહીશ, તમે એકમના થઈને સાંભળો. હે દ્વિજશ્રેષ્ઠ, ગયા જન્મે હું શૂદ્ર હતો, પછી શ્રેષ્ઠ તપસ્વી થયો. તે સમયે તમે પણ ઉગ્ર તપ કરનાર ઋષિ હતા. હે અનઘ બ્રાહ્મણ, ત્યારે તમે પ્રસન્ન થઈને તથા મારા પર અનુગ્રહ કરવા મને પિતૃકાર્યનો ઉપદેશ આપ્યો હતો. હે મુનિશ્રેષ્ઠ, તમે મારા પિતૃકાર્યમાં વ્રતીના આસન, દર્ભ, હવ્યકવ્ય વગેરે સંદર્ભે મને જેમ કહ્યું હતું તે પ્રમાણે બધું કાર્ય કર્યું હતું. આટલા જ કર્મદોષથી તમે મારા પુરોહિત કુળમાં જન્મ્યા અને હું રાજા થયો છું. હે વિપ્રવર્ય, આ કાળની અવળી ગતિ જુઓ, હું શૂદ્ર થઈને પણ જાતિસ્મર થયો અને તમે મુનિ હોવા છતાં પુરોહિત થયા. તમે મને જે ઉપદેશ આપ્યો હતો તેનું જ આ ફળ છે. હે દ્વિજશ્રેષ્ઠ, આ જ કારણે હું તમને જોઈને હસું છું. તમારો ઉપહાસ કે અનાદર કરવા હસતો નથી. કારણ કે તમે મારા ગુરુ છો. આ વિપરીત ગતિને જોઈને મારું મન દુઃખી થાય છે. હું મારા અને તમારા પૂર્વજન્મની વાતોને સ્મરીને જ તમને જોઈ હસંુ છું. આમ જ મને ઉપદેશ કરવાથી તમારી તપસ્યા નષ્ટ થઈ, એટલે તમે પુરોહિતકર્મ ત્યજીને આવતા જન્મનો વિચાર કરો. હે દ્વિજ, તમે આનાથી પણ વધીને કોઈ અધમ યોનિ પ્રાપ્ત ન કરો. આ વિપુલ ધનરાશિ વડે પુણ્યાત્મા બનવાનો પ્રયત્ન કરો.’
રાજાની વિદાય માગીને તે પુરોહિતે બ્રાહ્મણોને બહુ દાન આપ્યું. ધન, ભૂમિ અને ગ્રામ આપ્યાં. તેમણે કેટલાંક વ્રતો ધારણ કરી તીર્થયાત્રા કરી, ત્યાં વિવિધ દાન કર્યાં. બ્રાહ્મણોને ગોદાન અને વિવિધ વસ્તુઓનું દાન કરીને પવિત્ર ચિત્ત થઈ આત્મવાન થયા, એ જ આશ્રમમાં જઈ વિપુલ તપ કરવા લાગ્યા. ત્યાર પછી પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી તે બ્રાહ્મણ ત્યાંના આશ્રમવાસી ઋષિઓના આદરપાત્ર બન્યા.
{{Right | }} <br> (અનુશાસન ૧૦)
=== ભંગાશ્વન રાજાની કથા ===
ભૂતકાળમાં ભંગાશ્વન નામના એક ધાર્મિક રાજા થઈ ગયા. પુત્ર ન હોવાથી તેમણે એ માટે યજ્ઞ કર્યો. તે મહાબળવાન રાજર્ષિએ ઇન્દ્રના દ્વેષી અગ્નિષ્ટુ નામનો યજ્ઞ આરંભ્યો. પ્રાયશ્ચિત્ત કરવા માટે અને પુત્રપ્રાપ્તિ માટે અગ્નિષ્ટુ યજ્ઞ કરવામાં આવે છે. આવો યજ્ઞ થઈ રહ્યો છે તે જાણીને સુરેશ્વર ઇન્દ્ર તે રાજાનું કોઈ છિદ્ર શોધવા લાગ્યા. થોડા સમય પછી રાજા મૃગયા માટે વનમાં ગયા ત્યારે ઇન્દ્રે એ ઉત્તમ સમય છે એમ માનીને તેને મોહવશ કરી દીધો. ઇન્દ્ર દ્વારા મોહિત અને ભ્રાન્ત થઈને એકલા એકલા અશ્વની સહાયથી ભ્રમણ કરતાં કરતાં ભૂખતરસથી પીડાઈને રાજા દિશાઓ ભૂલી ગયા. પરિશ્રમ અને તરસથી વ્યાકુળ થઈને આમ તેમ ભમીભટકીને નિર્મળ જળવાળું એક સરોવર જોયું. તેમણે ઘોડાને નવડાવીધોવડાવી પાણી પીવડાવ્યું અને પાણી પીવડાવી એક વૃક્ષના થડે તેને બાંધ્યો પછી તે રાજા પોતે પાણીમાં ઊતર્યા અને તેમાં સ્નાન કરતાં વેંત રાજા નારીમાં ફેરવાઈ ગયા. પોતાને સ્ત્રીરૂપે જોઈ રાજાને શરમ આવી, મનમાં ચિંતા થઈ, રાજાની ઇન્દ્રિયો અને ચેતના વ્યાકુળ થઈ ગયાં. તે સ્ત્રીવેશે વિચારવા લાગ્યા, ‘હવે હું ઘોડા પર કેવી રીતે બેસીશ? નગરમાં કેવી રીતે જઈશ? અગ્નિષ્ટુ યજ્ઞ વડે મને સો ઔરસ, બળવાન પુત્રો થયા છે. હું તેમને શું કહીશ? પત્નીઓ, નગરવાસીઓને શું કહીશ? ધર્મજ્ઞ ઋષિઓ કહે છે કે મૃદુતા, કૃશતા અને વ્યાકુળતા સ્ત્રીઓના ગુણ છે અને વ્યાયામ, કઠોરતા, પરાક્રમ પુરુષોના ગુણો. અત્યારે મારું પૌરુષ નાશ પામ્યું છે અને કોઈક રીતે સ્ત્રીત્વ હું પામ્યો છું. સ્ત્રીત્વને કારણે હવે ઘોડા પર બેસવાનો ઉત્સાહ કેવી રીતે આવશે?’
આમ વિચારીને રાજા અત્યંત દુઃખી થઈ ઘોડા પર બેઠા અને સ્ત્રીરૂપે નગરમાં આવ્યા. તેમના પુત્રો, પત્નીઓ, સેવકો, પુરવાસી ‘આ શું થઈ ગયું?’ એમ વિચારી બહુ વિસ્મય પામ્યા.
ત્યાર પછી સ્ત્રીરૂપે બોલનારાઓમાં શ્રેષ્ઠ રાજર્ષિએ કહ્યું, ‘હું સેના લઈને મૃગયા માટે નીકળ્યો હતો. દૈવવશાત્ ભ્રાન્ત ચિત્તે એક ઘોર વનમાં પ્રવેશ્યો. તે ભયંકર વનમાં તરસે મારો જીવ જતો હતો, ત્યાં મેં પક્ષીઓથી છવાયેલું એક સરોવર જોયું. એમાં સ્નાન કરવાથી હું સ્ત્રી બની ગયો. આ બધું દૈવને કારણે થયું એમાં તો કોઈ સંશય નથી.’ તે રાજા પુત્ર, પત્નીઓ અને ધનસંપત્તિથી અતૃપ્ત રહ્યો. છેવટે સ્ત્રીરૂપ ધરાવતા તે શ્રેષ્ઠ રાજાએ પુત્રોને કહ્યું, ‘હે પુત્રો, તમે પરસ્પર પ્રીતિપૂર્વક રહીને રાજ્ય સંભાળો. હવે હું વનમાં જઉં છું.’
રાજા એમ કહી રાજ્ય પુત્રોને સોંપી વનમાં ગયા. વનમાં આવીને તે સ્ત્રી કોઈ તપસ્વીના આશ્રમમાં ગઈ અને એમની પાસે રહેવા લાગી. આશ્રમમાં તે તપસ્વીથી તેને સો પુત્રો થયા. તે પોતાના પુત્રોને સાથે લઈને આગલા પુત્રોની પાસે જઈને કહેવા લાગી, ‘તમે બધા હું પુરુષ હતો ત્યારના પુત્રો છો. આ હું સ્ત્રી થઈ તે વેળાના પુત્રો છે. તમે બધા એક સંપ થઈને ભ્રાતૃભાવથી આ રાજ્ય ભોગવો.’ ત્યારે તે બધા ભાઈ મળીને રાજ્ય ભોગવવા લાગ્યા.
દેવરાજ ઇન્દ્ર આ બધા પુત્રોને ભ્રાતૃભાવથી ઉત્તમ રાજ્ય ભોગવતા જોઈને ક્રોધે ભરાયા અને મનોમન વિચારવા લાગ્યા, મેં તો આ રાજર્ષિ ઉપર ઉપકાર કર્યો, એના પર અપકાર તો થયો જ નહીં. ત્યાર પછી દેવરાજ શતક્રતુ(ઇન્દ્ર)એ બ્રાહ્મણવેશે તે નગરમાં જઈ એ રાજકુમારો વચ્ચે કુસંપ કરાવ્યો.
તેમણે કહ્યું, ‘એક પિતાના પુત્રો વચ્ચે ભ્રાતૃપ્રેમ નથી રહેતો. દેવો અને દાનવો એક જ પિતા કશ્યપના પુત્રો છે, તો પણ તેઓ રાજ્ય માટે અંદરઅંદર ઝગડે છે. તમે ભંગાશ્વન રાજાના પુત્રો છો. અને આ બધા તપસ્વીપુત્રો છે. જો દેવ અને દાનવો એક જ ઋષિ કશ્યપના પુત્રો હોવા છતાં બંને વચ્ચે પ્રેમ નથી, તો આ તપસ્વીના પુત્રો તમારા પૈતૃક રાજ્ય ભોગવે છે એ આશ્ચર્ય છે.’ ઇન્દ્રે આ રીતે ફૂટ પડાવી. એટલે બધા જ રાજપુત્રો પરસ્પર યુદ્ધ કરીને નાશ પામ્યા. આ વાત જાણીને તપસ્વિની દુઃખી થઈને રડવા લાગી. ઇન્દ્ર બ્રાહ્મણવેશે તે તાપસી પાસે જઈને બોલ્યા, ‘હે સુંદરી, તું શા માટે સંતાપ કરે છે?’
તે સ્ત્રી બ્રાહ્મણને જોઈ કરુણ સ્વરે કહેવા લાગી, ‘હે બ્રહ્મન્, મારા બસો પુત્ર મૃત્યુ પામ્યા. હે વિપ્રવર, પહેલાં હું રાજા હતો, તે વેળા મને સો રૂપવાન અને વિક્રમી પુત્રો હતા. ત્યાર પછી મૃગયા નિમિત્તે હું વનમાં ગયો, ત્યાં ભ્રમિત થઈ ભટકવા લાગ્યો. હે દ્વિજોત્તમ, એ વનની વચ્ચે એક સરોવરમાં સ્નાન કરવાથી હું સ્ત્રી બની ગયો. પછી પુત્રોને રાજગાદી આપીને વનમાં જતો રહ્યો. સ્ત્રી રૂપે એક તપસ્વી દ્વારા મને સો પુત્રો થયા. હું તેમને નગરમાં લઈ ગઈ. હે દ્વિજ, કાળથી પ્રેરાઈને તેમની વચ્ચે વેર થયું અને પરસ્પર લડીને બધા નાશ પામ્યા. હું દૈવ દ્વારા પરાજિત થઈને અત્યારે શોક કરી રહી છું.’
ઇન્દ્રે તેને દુઃખી જોઈ કઠોર વચન કહ્યું, ‘હે ભદ્રા, જ્યારે તું રાજા હતો ત્યારે તેં મને બહુ દુઃખ પહોંચાડ્યું હતું. હું અધિષ્ઠિત હતો છતાં તે મારું આહ્વાન ન કર્યું અને અગ્નિષ્ટુ યજ્ઞ કર્યો. હે દુર્બુદ્વિ, હું ઇન્દ્ર છું. મેં જ તારા પર વેર વાળ્યું છે.’
તે સમયે સ્ત્રી વેશે રાજર્ષિ ઇન્દ્રને જોઈને તેમના ચરણે પડ્યા અને કહ્યું. ‘હે દેવશ્રેષ્ઠ, તમે પ્રસન્ન થાઓ. મેં પુત્રની ઇચ્છાથી તે યજ્ઞ કર્યો હતો. દેવેશ્વર, તમારે મને ક્ષમા આપવી જોઈએ.’
આ પ્રકારે પ્રણામ કરવાથી ઇન્દ્રે સંતુષ્ટ થઈ વરદાન આપવા કહ્યું, ‘હે રાજન, તમને પુરુષ રૂપે પુત્રો થયા અને સ્ત્રી રૂપે પુત્રો થયા. હવે એમાંથી હું કોને જીવતા કરું?’
તાપસીએ હાથ જોડીને કહ્યું, ‘હે શક્ર, સ્ત્રી રૂપે મને જે પુત્રો થયા તેને જીવાડો.’
ઇન્દ્ર વિસ્મય પામ્યા, પ્રસન્ન થઈને તેમણે તે સ્ત્રીને પૂછ્યું, ‘પુરુષ રૂપે થયેલા પુત્રો પર તને દ્વેષભાવ કેમ? અને સ્ત્રી રૂપે જે પુત્રો જન્મ્યા તેમના ઉપર વધુ સ્નેહ કેમ? હું તેનું કારણ જાણવા માગું છું. એટલે તું આ વિશે મને કહે.’
સ્ત્રીએ કહ્યું, ‘હે દેવરાજ, સ્ત્રી પુત્રોને વધુ ચાહે છે, પુરુષનું એવું નથી. એટલે સ્ત્રીરૂપે થયેલા પુત્રો જ જીવે.’
ઇન્દ્ર તાપસીનું આ વચન સાંભળી પ્રેમથી બોલ્યા, ‘હે સત્યવાદિની, તારા બધા જ પુત્રો જીવશે. હે વ્રતધારી રાજેન્દ્ર, તું ઇચ્છાનુસાર વરદાન માગ. પુરુષત્વ — સ્ત્રીત્વ જેની ઇચ્છા હોય તે માગ.’
સ્ત્રીએ કહ્યું, ‘હું સ્ત્રીત્વની ઇચ્છા રાખું છું.’
દેવરાજે આ વાત સાંભળી ફરીથી કહ્યું, ‘પુરુષત્વનો ત્યાગ કરીને સ્ત્રીત્વ શા માટે જોઈએ છે?’
સ્ત્રીરૂપ ધારી રાજાએ ઇન્દ્રનું વચન સાંભળીને કહ્યું, ‘હે દેવેન્દ્ર, પુરુષ સાથેના સમાગમથી સ્ત્રીને જ પુરુષ કરતાં વધારે વિષયસુખ મળે છે. એટલે હું સ્ત્રીત્વ પસંદ કરું છું. હે દેવરાજ, એ સત્ય છે કે સ્ત્રી રૂપે જ રતિસુખ વધારે મળે છે. એટલે હું સ્ત્રી રૂપે સુખી છું. હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ.’
‘ભલે.’ એમ કહી ઇન્દ્ર તાપસીની વિદાય લઈને દેવલોકમાં ગયા.
{{Right |  (ગીતાપ્રેસ, અનુશાસન, ૧૨) }} <br>
=== શ્રીકૃષ્ણ અને મહાદેવ ===
બુદ્ધિમાન રુક્મિણીપુત્રે શંબરાસુરનો વધ કર્યો, ત્યાર પછી બાર વર્ષે જાંબવતીએ મને કશુંક કહેવાની ઇચ્છા કરી, રુક્મિણીના પુત્રો પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ વગેરેને જોઈ જામ્બવતી પુત્રની કામના કરતી મારી નિકટ આવીને બોલી,
‘હે અચ્યુત, તમારા જેવો જ શૂર, બળવાનોમાં શ્રેષ્ઠ મનોહર રૂપસંપન્ન, અને નિષ્પાપ પુત્ર જલદીથી આપો. હે યદુકુલશ્રેષ્ઠી, ત્રણે લોકમાં તમારે માટે કશું અપ્રાપ્ય નથી. ઇચ્છા કરવાથી તમે અન્ય લોકોની સૃષ્ટિ રચી શકો છો. તમે બાર વર્ષ તપ કરીને શરીર સૂકવી દીધું અને પશુપતિની આરાધના કરીને રુક્મિણીને પુત્રો સંપડાવ્યા. ચારુદેષ્ણ, સુચારુ, ચારુદેષ, યશોધર, ચારુશ્રવા, પ્રદ્યુમ્ન અને શંભુ. આ બધા સુંદર અને વિક્રમી પુત્રોને રુક્મિણીએ જન્મ આપ્યો, એ જ રીતે મને પણ એક બળવાન પુત્ર આપો.’
દેવીએ આ પ્રકારે મને કહ્યું એટલે મેં તે સુમધ્યમા(સુંદર સ્ત્રી)ને કહ્યું, ‘હે રાણી, તું મને જવા દે, હું તારું વચન પાળીશ.’ એટલે તેણે મને કહ્યું, ‘તમે વિજય ને મંગળ માટે પ્રયાણ કરો. હે યાદવ, બ્રહ્મા, શિવ, કાશ્યપ, નદીઓ, મનના અનુગામી દેવતા, ક્ષેત્ર, ઔષધિઓ, યજ્ઞવાહ, છંદસમૂહ, ઋષિગણ, ધરા, સમુદ્ર, દક્ષિણા, સ્તોમ, તારાગણ, પિતૃઓ, ગ્રહ, દેવપત્નીઓ, દેવમાતાઓ, મન્વંતર, ગાયો, ચંદ્રમા, સૂર્ય, હરિ, સાવિત્રી, બ્રહ્મવિદ્યા, ઋતુ, વર્ષ, રાત્રિ, ક્ષણ, લવ, મુહૂર્ત, નિમેષ, યુગપર્યાય: આ બધાં જ તમે જ્યાં જાઓ ત્યાં તમારી રક્ષા કરે, હે અનઘ, અપ્રમત્ત (સચેત) રહીને ઇષ્ટ માર્ગે પ્રયાણ કરો.’
જ્યારે તેણે મારું આ પ્રકારે સ્વસ્તિઅયન કર્યું, ત્યાર પછી કપીન્દ્ર પુત્રીની આજ્ઞા લઈને પુરુષશ્રેષ્ઠ પિતા અને માતા તથા રાજા આહુક (ઉગ્રસેન) પાસે ગયો. વિદ્યાધરપુત્રીએ દુઃખી થઈને મને જે વાત કરી હતી તે મેં તેમને કહી; અતિ કષ્ટથી તપ માટે જવા તેમની અનુજ્ઞા લીધી. ગદ અને મહાબળવાન બળદેવની અનુમતિ માગી. ત્યાર પછી ગુરુજનોની આજ્ઞા મેળવી ગરુડનું સ્મરણ કર્યું. તેણે મને હિમાલય પર પહોંચાડ્યો અને પછી મેં એને વિદાય કર્યો. તે ઉત્તમ પર્વત પર મેં અદ્ભુત વસ્તુઓ જોઈ. અહીં તપ કરવા માટેનો શ્રેષ્ઠ, ઉત્તમ આશ્રમ મેં જોયો. તે વૈયાધ્રપદ્યગોત્ર મહાત્મા ઉપમન્યુનો દિવ્ય આશ્રમ હતો. દેવતાઓ, ગંધર્વો એની પૂજા કરતા હતા. બ્રાહ્મી લક્ષ્મી પણ ત્યાં હતી. ધવ, કકુભ, કદંબ, નારિયેળ, કુરબક, કેતકી, જાંબુ, પાટલ, વટ, વરુણક, વત્સનાભ, બીલી, સરલ, કપિત્થ, પ્રિયાલ, સાલ, તાલ, પુન્નાગ, અશોક, આમ્રવૃક્ષ, અતિમુક્ત, ભલ્લાતક (ભીલામો), મધૂક, ચંપક, પનસ, અને બીજા વિવિધ ફળફૂલવાળાં અનેક વૃક્ષોથી તે વન ઘેરાયેલું હતું. તે આશ્રમ પુષ્પો, ગુલ્મો, લતાઓથી ભરચક હતો અને કેળનાં પુષ્પોથી તેની શોભામાં અભિવૃદ્ધિ થતી હતી.
વિવિધ પક્ષીઓનાં ખાદ્ય ફળ અને વૃક્ષો તે વનના અલંકાર હતા, યથાસ્થાને જોવા મળતી વનરાજીઓની તે વન શોભતું હતું. રુરુ, વારણ(હાથી), વાઘ, સિંહ, ચિત્તા, કુરંગ (હરણ), મોર, માર્જાર, સર્પ, મૃગસમૂહ, ભેંસ અને રીંછથી તે આશ્રમ ભરેલો હતો. ત્યાં વિવિધ પુષ્પોની પરાગરજ્થી સુવાસિત, ગજમદથી સુવાસિત, દિવ્ય સ્ત્રીઓના સંગીત જેવો, સુખદ વાયુ વાતો હતો. તે સ્થળ જળધારા ધ્વનિ, પક્ષીઓની શુભ કૂજન, હાથીઓની ચીસ, કિન્નરોનાં ઉદાર ગીત, સામગાન કરનારા ઋષિઓના મંગલ પવિત્ર ધ્વનિથી શોભતો હતો. બીજા પુરુષો મનમાં જેની કલ્પના ન કરી શકે એવાં સરોવરોથી અલંકૃત અને કુશથી છવાયેલા વિશાળ અગ્નિગૃહોથી શોભતો હતો. તે આશ્રમ પુણ્યપવિત્ર જળવાળી જાહ્નવીથી સદા વિભૂષિત હતો. અને ત્યાં અગ્નિ સમા તેજસ્વી તથા ધર્માત્માઓમાં શ્રેષ્ઠ મહાત્માઓ અને મહર્ષિઓ એ આશ્રમને શોભાવતા હતા.
આ આશ્રમમાં વાયુ અને જળ પીનારા, જપમગ્ન, ચિત્તશુદ્ધિ કરનારા, ધ્યાનનિષ્ઠ યોગીઓ; યજ્ઞનો ધુમાડો, કેટલાંક ઉષ્ણ કિરણો અને દૂધ પીને જીવનારા બ્રાહ્મણેન્દ્રો હતા. અહીં કેટલાક ગાયોની સાથે જ વિચરતા હતા, કેટલાક ખાદ્ય વસ્તુઓને પથ્થરથી વાટીને ખાતા હતા, તો કેટલાક દાંત વડે જ ખાતા હતા, કેટલાક કિરણો, ફીણ પીને જીવતા હતા. કેટલાક મૃગોની સાથે ફરતા હતા. અત્યંત કષ્ટથી નિયમો પાળનારા અનેક પ્રકારના તપસ્વીઓનાં દર્શન કરી મને એ આશ્રમમાં જવાની ઇચ્છા થઈ. આકાશમાં રવિમંડળની જેમ શોભતા એ આશ્રમ પુણ્યકર્મ કરનારા મહાત્મા શિવ આદિ દેવતાઓ વડે ઉત્તમ રીતે પૂજાતો હતો. મહાતપસ્વી મહાત્માઓના પ્રભાવ અને સદ્ગુણોવાળા સાન્નિધ્યથી ત્યાં નોળિયા અને સાપ, વાઘ અને હરણાં મિત્રની જેમ સાથે ક્રીડા કરતા હતા. ત્યાં વેદ વેદાંત પારંગત બ્રાહ્મણોવાળા તથા બધાં પ્રાણીઓ માટે મનોરમ આશ્રમમાં વિવિધ નિયમોથી વિખ્યાત મહાત્મા મહર્ષિઓથી શોભતા આશ્રમમાં પ્રવેશતાં વેંત મેં જટાચીરધારી પ્રભુને જોયા. તેજ અને તપસ્યા વડે અગ્નિ સમાન દેદીપ્યમાન, શાંત, યુવાન દ્વિજવર ઉપમન્યુ શિષ્યોની વચ્ચે હતા. મેં મસ્તક નમાવી તેમની વંદના કરી, પછી તે બોલ્યા,
‘હે પુંડરીકાક્ષ(કૃષ્ણ), તમારું સ્વાગત છે. તમે પૂજ્ય હોવા છતાં મારી પૂજા કરો છો, તમે તો અમારા માટે દર્શનીય છો અને છતાં તમે અમારા દર્શનની ઇચ્છા રાખો છો, એટલે અમારું તપ સફળ થયું.’
મેં હાથ જોડીને તેમને મૃગ, પક્ષી, અગ્નિહોત્ર, ધર્મ અને શિષ્યોના કુશળ સમાચાર પૂછ્યા. ત્યાર પછી ભગવાન પરમ વચન બોલ્યા, ‘હે કૃષ્ણ, તમને તમારા જેવો પુત્ર નિશ્ચિત પ્રાપ્ત થશે. તમે ઉત્તમ તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરો. અહીં મહાદેવ પત્ની સાથે ક્રીડા કરે છે. હે જનાર્દન, પહેલાંના સમયમાં ઋષિઓ સાથે દેવતાઓએ આ જ સ્થળે તપસ્યા, બ્રહ્મચર્ય, સત્ય, અને ઇન્દ્રિયનિગ્રહ કરીને દેવતાશ્રેષ્ઠ મહાદેવને તુષ્ટ કરીને શુભ કામનાઓ પ્રાપ્ત કરી હતી. હે શત્રુહર્તા, તમે જેની પ્રાર્થના કરો છો તે તપોનિધિ અને તેજના નિધિ અચિંતનીય શિવ દેવીની સાથે શુભની પ્રાપ્તિ અને અશુભની નિવૃત્તિ કરતા અહીં છે.
મેરુ પર્વતને કંપાવનારો હિરણ્યકશિપુ (આ કોઈ બીજા હિરણ્યકશિપુની વાત લાગે છે) નામનો દાનવ હતો, તેણે શંકરની કૃપાથી અર્બુદ વર્ષો સુધી બધા જ અમર દેવતાઓનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હતું. તેનો પુત્ર મંદર હતો, તેણે મહાદેવના વરદાનથી અર્બુદ વર્ષ સુધી ઇન્દ્ર સાથે યુદ્ધ કહ્યું હતું. હે કેશવ, વિષ્ણુનું ઘોર ચક્ર અને ઇન્દ્રનું વજ્ર પહેલાં એ ગ્રહના અંગોમાં વાગી શક્યું ન હતું. જ્યારે બળવાન ગ્રહે દેવતાઓને બહુ પીડ્યા ત્યારે દેવતાઓએ પણ મહાદેવના આપેલા વરદાનના પ્રભાવથી દાનવોનો વિનાશ કર્યો, દેવતાઓની બુદ્ધિથી તેઓ અંદરઅંદર કલહ કરીને નાશ પામ્યા. મહાદેવે વિદ્યુત્પ્રભ દાનવ પર પ્રસન્ન થઈ તેને ત્રિલોકનું આધિપત્ય આપ્યું, તે એક લાખ વર્ષો સુધી બધા લોકોનો ઈશ્વર બન્યો. તું નિત્ય મારો અનુચર રહીશ એવું વરદાન પણ આપ્યું. તેને સહ અયુત પુત્રો આપ્યા. ભગવાને તેને રાજ્ય ઉપરાંત કુશદ્વીપ પણ આપ્યો. બ્રહ્મા દ્વારા સર્જાયેલા શતમુખ નામના મહાસુરે સો વર્ષ સુધી પોતાના માંસ વડે અગ્નિને તૃપ્ત કર્યો, ભગવાન શંકરે પ્રસન્ન થઈને કહ્યું, ‘હું તારા માટે શું કરું?’
શતમુખે તેમને કહ્યું, ‘દેવાધિદેવ, તમારી કૃપાથી મને અદ્ભુત યોગશક્તિ આપો, મને શાશ્વત બળ આપો. પહેલાં સ્વયંભૂના પુત્ર ઋતુએ પણ પુત્રાર્થે યોગ વડે ત્રણસો વર્ષ ભગવાન શંકરનું ધ્યાન ધર્યું હતું. ભગવાને ક્રતુને તેના જેવા એક હજાર પુત્રો આપ્યા. હે કૃષ્ણ, દેવોએ વર્ણવેલા યોગેશ્વર શંકરને તમે નિ:સંદેહ જાણો છો. ભૂતકાળમાં ઇન્દ્રે વાલખિલ્ય મુનિઓનું અપમાન કર્યું હતું, તે ઋષિઓએ ક્રોધે ભરાઈને તપ કર્યું અને એ વડે ભગવાન રુદ્રને પ્રસન્ન કર્યા.
દેવશ્રેષ્ઠ જગત્પતિ પ્રસન્ન થઈને બોલ્યા, ‘તમે લોકો તપસ્યા દ્વારા અમૃત હરી જનારા ગરુડને જન્મ આપશો. (ગરુડની કથા આદિપર્વમાં જુદી રીતે આવે છે.)
ભૂતકાળમાં મહાદેવના રોષથી સઘળું જળ નાશ પામ્યું હતું, ત્યારે દેવતાઓએ સપ્તકપાલ દ્વારા બીજું જળ મેળવ્યું હતું. અત્રિ મુનિની બ્રહ્મવાહિની ભાર્યાએ પતિનો ત્યાગ કરીને પ્રતિજ્ઞા કરી હતી કે હવે કોઈ રીતે હું તે મુનિને વશ નહીં થઉં, એમ કહીને તે મહાદેવના શરણે ગઈ હતી.(પ્રાચીન ચરિત્રકોશમાં અનસૂયાને લગતી આવી કોઈ કથાનો નિર્દેશ નથી) અત્રિના ભયથી નિરાહાર રહીને મહાદેવને પ્રસન્ન કરવા ત્રણસો તપ કર્યું હતું, મૂસલો પર તે સૂઈ રહી હતી. મહાદેવે પ્રસન્ન થઈને તને નિ:સંદેહ પુત્ર થશે અને તારા વંશમાં તે તારા જ નામથી ખ્યાત થશે. હે કેશવ, સંક્ષિતાત્મા શાકલ્યે નવસો વર્ષ મનોયજ્ઞ વડે દેવની આરાધના કરી હતી. ભગવાને પ્રસન્ન થઈને તેને કહ્યું, ‘તું ગ્રંથકાર થઈશ, ત્રણે લોકમાં તારી અક્ષય કીર્તિ થશે. તારું કુલ અક્ષય રહેશે, મહર્ષિઓથી અલંકૃત થશે. સતયુગમાં સાવર્ણિ નામના વિખ્યાત ઋષિ હતા, તેમણે અહીં છ હજાર વર્ષ સુધી તપ કર્યું હતું. ભગવાન રુદ્રે સાક્ષાત્ દર્શન આપીને કહ્યું, ‘હે અનઘ, હું તારા પર પ્રસન્ન છું. તું અજર, અમર થઈ લોકમાં વિખ્યાત ગ્રંથકાર થઈશ. હે માધવ, ભૂતકાળમાં મેં દેવાધિદેવ પશુપતિનું સાક્ષાત્ દર્શન કર્યું હતું, તે પણ સાંભળો. મહાદેવની આરાધના શા માટે કરી હતી તે પણ સાંભળો. ભૂતકાળમાં દેવાધિદેવ મહેશ્વર પાસેથી જે સાંભળ્યું હતું તે આજે સંપૂર્ણ રીતે કહું છું.
સત્યયુગમાં વેદવેદાંગ પારંગત મહાયશસ્વી વ્યાઘ્રપાદ નામના ઋષિ હતા. હું તેમનો પુત્ર, ધૌમ્ય મારો નાનો ભાઈ. હે માધવ, એક વેળા હું ધૌમ્યની સાથે રમતાં રમતાં મુનિઓના આશ્રમમાં આવી ચઢ્યો. ત્યાં મેં દૂધાળી ગાયને દોહવાતી જોઈ, દૂધ અમૃત સમાન સ્વાદિષ્ટ હતું. પછી તે પાણીમાં લોટ ઘોળીને આવી અને આ દૂધ છે એવું કહીને બંને ભાઈઓને પીવા આપ્યું. (સરખાવો: અશ્વત્થામાના શૈશવની આવી કથા.) હે તાત, મેં પહેલાં એક વખત ગાયનું દૂધ પીધું હતું, એટલે તે રસ મને ન ભાવ્યો. ત્યાર પછી મેં બાળવશ મારી માતાને કહ્યું,
‘હે મા, મને ભોજનમાં દૂધ-ભાત આપ.’
હે માધવ, દુઃખ અને શોકથી ઘેરાઈને મારી માએ લાડથી મને હૈયે ચાંપી, મારું મસ્તક સૂંઘી કહ્યું, ‘હે પુત્ર, નિત્ય વનમાં રહેતા કન્દમૂળફળનું ભોજન કરનારા ઋષિઓના આશ્રમમાં દૂધ-ભાત ક્યાંથી? હે પુત્ર, વરદ સ્થાણુ વિરૂપાક્ષને પ્રસન્ન કર્યા વિના દૂધ — ભાત અને સુખદાયક વસ્ત્ર ક્યાંથી? હે પુત્ર, તું બધી રીતે મહાદેવને શરણ જા. તેમની કૃપાથી બધાં જ મનવાંછિત ફળ પ્રાપ્ત થશે.’ માતાની વાત સાંભળીને મહાદેવ માટે મારામાં નૈષ્ઠિક ભક્તિ પ્રગટી. મેં તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા, પગના અંગૂઠા પર ઊભા રહીને દિવ્ય હજાર વર્ષ વીતાવ્યાં. શરૂઆતનાં સો વર્ષ કેવળ ફળાહાર કર્યો, બીજાં સો વર્ષ સૂકાં પાંદડાં ખાધાં, ત્રીજા સો વર્ષ માત્ર પાણી પીધું. પછીનાં સાત વર્ષ માત્ર વાયુ પર જીવ્યો. પછી સર્વલોકેશ્વર મહાદેવ પ્રસન્ન થયા. બધા દેવતાઓથી ઘેરાઈને મહાયશસ્વી વજ્રપાણિ સહાંશનું રૂપ લઈને પ્રગટ્યા. તે સુધા જેવા સુંદર, રક્તવર્ણી આંખોવાળા, ઊંચા કાનવાળા, મદોત્કટ, ચાર સૂંઢવાળા, ચાર દંતૂશળવાળા, મહાન ઐરાવત પર બેસીને પોતાના તેજથી દીપ્ત થઈને અહીં આવ્યા. તેમના મસ્તકે કિરીટ મુગટ હતો, ગળામાં હાર હતો, હાથે કેયૂર હતા. તેમના માથા પર સફેદ છત્ર હતું, દિવ્ય ગંધર્વોના સંગીતનો મધુર ધ્વનિ થતો હતો, અપ્સરાઓ તેમની સેવા કરતી હતી. દેવરાજે મને કહ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, હું તારા પર પ્રસન્ન થયો છું. મનમાં જે ઇચ્છા હોય તે કહે.’
ઇન્દ્રનું વચન સાંભળી હું પ્રસન્ન ન થયો. હે કૃષ્ણ, મેં દેવરાજને કહ્યું, ‘હું મહાદેવ સિવાય તમારી કે બીજા કોઈ દેવ પાસેથી કશું ઇચ્છતો નથી. હું આ સત્ય કહું છું. ભગવાન પશુપતિ કહેશે તો હું કૃમિ થઈશ કે અનેક શાખાઓવાળું વૃક્ષ થઈશ. અને મહાદેવ સિવાય બીજા કોઈની કૃપાથી ત્રિભુવનનું રાજ્ય — ઐશ્વર્ય પણ મળશે તો પણ નહીં લઉં. ભગવાન શંકરની આજ્ઞા હશે તો કીટ કે પતંગિયું થઈ જઈશ. પણ હે શક્ર, તમે આપો તે ત્રિલોક પણ મને ન ખપે. મસ્તક પર અર્ધચંદ્રવાળા નિર્મલ મુકુટ ધરાવનારા ભગવાન પશુપતિ પ્રસન્ન ન થાય ત્યાં સુધી જન્મ, મરણ, સેંકડો જન્મો લઈને શરીરનાં કષ્ટ સહન કરતો રહીશ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ વડે પ્રકાશિત, ત્રિભુવનના સારભૂત, અપાર એક માત્ર પુરુષ, અજર, અમર રુદ્રને પ્રસન્ન કર્યા વિના આ જગતમાં કયો પુરુષ શાંતિ પ્રાપ્ત કરી શકશે?’
ઇન્દ્રે કહ્યું, ‘જો તું શંકર સિવાય બીજા કોઈ દેવની કૃપા નથી મેળવતા માગતો તો એ ઈશ્વરની સત્તાનું પ્રમાણ શું છે?’
ઉપમન્યુએ કહ્યું, ‘બીજા કોઈ કારણનો શો હેતુ? બધાં જ કારણોના કારણ શંકર છે, દેવતાઓ બીજા કોઈના લિંગની પૂજા કરે છે એવું મેં નથી સાંભળ્યું. મહેશ્વર સિવાય બધા દેવતાઓએ કોઈ અન્ય દેવના લિંગની પૂજા કરી છે અથવા પહેલાં કોઈની પૂજા કરી છે? જો તમે સાંભળી હોય તો વર્ણવો. બ્રહ્મા, વિષ્ણુ અને દેવતાઓ સમેત તમે પણ જે લિંગની પૂજા કરો છો તેનાથી વિશેષ શ્રેષ્ઠ કોણ છે? એટલે એ જ બધાથી શ્રેષ્ઠ છે. હે વલસૂદન(વલનો વધ કરનાર ઇન્દ્ર) હું એ જ મહેશ્વરના વરદાનની અથવા મૃત્યુની કામના કરું છું, તમે ઇચ્છામાં આવે ત્યાં જાઓ અથવા નિવાસ કરો. મારી ઇચ્છા છે કે મહેશ્વર જ મને વરદાન આપે. અથવા શાપ આપે, બીજા દેવતાઓનાં સર્વ કામ ફળપ્રદ હોવા છતાં હું તેમની આકાંક્ષા કરતો નથી.’
દેવરાજને આમ કહીને હું દુઃખથી વ્યાકુળ વ્યાકુળ થઈ ગયો, રુદ્ર શા માટે મારા પર પ્રસન્ન થતા નથી એની ચિંતા કરવા લાગ્યો અને ક્ષણેકમાં મેં એ ઐરાવતને જોયો. હંસ, કુન્દ અને ચંદ્ર જેવો શ્વેત, મૃણાલ, કુમુદ જેવી પ્રભાવાળો, સાક્ષાત્ ક્ષીરસાગર જ વૃષભનું રૂપ લઈને ઊભો હતો. એ મહાકાય વૃષભનું પૂંછડું કાળું હતું, નેત્ર મધની જેમ પિંગળવર્ણા હતા, તે સુવર્ણની છડીઓથી આભૂષિત હતો. તેનાં નેત્ર રાતાં હતાં, નાસિકા મોટી હતી, કાન, કટિ અને પડખાં અત્યંત સુંદર હતાં, તે દર્શનીય હતો. તે વૃષભનું કકુદ સ્કન્ધપૂરણ થઈને અધિષ્ઠિત હતું. હિમાલય પર્વતના શિખર કે શ્વેત વાદળો જેવા વૃષભ પર ભગવાન દેવાધિદેવ ઉમા સહિત પૂનમના ચંદ્રની જેમ શોભતા હતા. તેમના તેજથી પ્રગટેલી અગ્નિની તથા સહ સૂર્યની દીપ્તિ ગરજતા મેઘો સમેત ચારે દિશાઓમાં વ્યાપ્ત હતી. મહા તેજસ્વી ઈશ્વર પ્રલય કાળના સંવર્તક અનલની જેમ જાણે બધાં પ્રાણીઓને ભસ્મ કરવા પ્રગટ્યા છે એવું લાગતું હતું. તે પોતાના તેજથી ચારે તરફ વ્યાપી રહ્યા હતા, તેમની સામે જોવું અઘરું હતું, હું ઉદ્વિગ્ન ચિત્તે વિચારવા લાગ્યો કે આ શું છે?
એટલામાં જ જે તેજ દસે દિશાઓમાં વ્યાપ્ત હતું તે દેવની માયાથી થોડા જ સમયમાં પ્રશાંત થઈ ગયું. પછી મેં ધુમાડા વિનાના અગ્નિની જેમ સૌમ્યદર્શન, મનોહર સર્વાંગી પાર્વતીની સાથે પરમેશ્વરને વૃષભ પર જોયા. તેઓ નીલકંઠ, મહાત્મા, તેજનિધિ, અઢાર હાથવાળા, બધાં આભરણો સમેત ભગવાન સ્થાણુ હતા. શ્વેત વસ્ત્ર અને શ્વેત માલાધારી શ્વેત ધજાવાળા, અજેય, શ્વેત યજ્ઞોપવિતવાળા ભગવાનનાં મેં દર્શન કર્યા.
પોતાના જ જેવા પરાક્રમી દિવ્ય અનુચરો સાથે હતા, આ લોકો ગાતા હતા, નાચતા હતા, કૂદતા હતા. બાલેન્દુના મુકુટવાળા, શ્વેત વર્ણવાળા દેવ શરદ્ના ચંદ્રની જેમ પ્રગટ્યા. ત્રણ ઊગેલા સૂર્યની જેમ તેમનાં ત્રણે નેત્ર પ્રકાશિત હતા. તે દેવના ઉજ્જ્વળ પ્રભાવવાળા ગૌર શરીરમાં સુવર્ણમય કમલોથી ગુંથાયલી, રત્નભૂષિત માળા શોભતી હતી. હે ગોવિંદ, અમિત તેજસ્વી મહેશ્વરના સર્વ તેજોમય મૂર્તિમાન અસ્ત્રોને મેં જોયાં. મહાત્માના ઇન્દ્રધનુષ જેવું, પિનાક નામે ઓળખાતું ધનુષ મહાન પન્નગ(સાપ) રૂપે પ્રગટ્યું હતું. તે સાત ફેણવાળો, મહાકાય, તીક્ષ્ણ દંત અને વિષને કારણે મત્ત હતો. તેની મહાન ગ્રીવા પ્રત્યંચાવાળી હતી. તે પુરુષશરીર ધારણ કરીને સ્થિર હતો. પ્રલયકાળના અગ્નિ અને સૂર્યસમાન પ્રકાશિત ભગવાનનું શર હતું. ત્યાં અત્યંત ભયંકર મહાન દિવ્ય પાશુપત અસ્ત્ર હતું. તે અદ્વિતીય, અનુપમ, બધાં પ્રાણીઓને ભય પમાડનારું અને વિશાળકાય હતું, પોતાના મોઢામાંથી સ્ફુલ્લંગોિ જેવા અગ્નિની વર્ષા કરી રહ્યું હતું. તે એક ચરણવાળું, મોટી દાઢોવાળું, સહ શિર, સહોદર, સહભુજ, સહ જિહ્વા અને સહ નેત્ર રૂપથી આગ ફેંકી રહ્યું હતું. હે મહાબાહુ, તે પાશુપત અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નારાયણસ્ત્ર, ઇન્દ્ર-શસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, વારુણ્યાસ્ત્રથી પણ ચઢી જાય એવું અને સર્વશસ્ત્રવિઘાતક હતું. હે ગોવિંદ, મહાદેવ રમત રમતમાં તેના એક જ બાણથી ક્ષણભરમાં દૈત્યોનાં ત્રણે નગરોને બાળીને ભસ્મ કર્યાં હતાં. તે અસ્ત્ર જો મહાદેવની ભુજાઓમાંથી છૂટે તો અર્ધા નિમેષમાં ચરાચર ત્રણે લોકને નિ:સંદેહ ભસ્મ કરી મૂકે.
આ લોકમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓમાં આ શસ્ત્રથી કોઈ અવધ્ય નથી. હે તાત, મેં તે ઉત્તમ, અદ્ભુત અસ્ત્ર જોયું હતું. એના જેવું અથવા એનાથી ચઢિયાતું, ગુહ્ય, પરમ અસ્ત્ર જોયું. બધા લોકમાં તે ત્રિશૂળ નામે ઓળખાય છે. શૂલપાણિના હાથમાંથી જો છૂટે તો તે સમસ્ત પૃથ્વીમંડળને વિદીર્ણ કરી નાખે, સમુદ્રને શોષી લે, સમસ્ત જગતને નષ્ટ કરી નાખે, ભૂતકાળમાં આ ત્રિશૂળ વડે ચક્રવર્તી, ત્રિલોકવિજ્યી રાજા માંધાતા સેના સહિત માર્યા ગયા હતા. હે ગોવિંદ, તે રાજા મહાબલવાન, મહાપરાક્રમી, ઇન્દ્ર જેવો વિક્રમી હતો. તે અસ્ત્ર લવણના હાથમાંથી છૂટતાંવેંત રાજાનો નાશ થયો. તેનો આગલો ભાગ અતિ તીક્ષ્ણ છે, તે મહા ભયંકર અને રોમાંચકારી છે, માનો તે પોતાની ભ્રમરો ત્રણ સ્થળે વાંકી કરીને ઊભું છે. હે કૃષ્ણ, ધુમાડા વગરનું, જ્વાળાઓ સમેત કૃષ્ણવર્ણું તે શસ્ત્ર સૂર્યની જેમ પ્રગટ્યું હતું, તે હાથમાં સાપ ઝાલેલા અવર્ણનીય શક્તિમાન પાશધારી યમ જેવું દેખાતું હતું. ભગવાન રુદ્ર પાસે મેં તે જોયું હતું. ભૂતકાળમાં મહાદેવે પ્રસન્ન થઈને પરશુરામને ક્ષત્રિયોનો નાશ કરનાર તીક્ષ્ણ ધારવાળું પરશુ આપ્યું હતું, તેનાથી મહાયુદ્ધમાં ચક્રવર્તી કાર્ત્તવીર્ય મૃત્યુુ પામ્યો હતો, મેં તેમની પાસે આ પણ જોયું હતું. હે ગોવિંદ, અક્લિષ્ટ કર્મણા જમદગ્નિપુત્ર પરશુરામે તેના વડે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી. તે તીક્ષ્ણ ધારવાળું, ભયંકર મોંવાળું, સર્પયુક્ત કંઠવાળા મહાદેવના કંઠના અગ્ર ભાગે હતું. પ્રજ્વલિત અગ્નિ સમાન તે પરશુ શૂલધારી શંકર પાસે હતું.
 
હે અનઘ, તે ધીમાન પાસે બીજાં પણ અસંખ્ય દિવ્ય શસ્ત્રો હતાં. તમને મુખ્ય મુખ્ય અસ્ત્રોની વાત કરી. તે દેવની જમણી બાજુએ લોકપિતામહ બ્રહ્મા હંસ સમેત મનોવેગી દિવ્ય વિમાનમાં બેઠેલા હતા. ડાબી બાજુએ શંખચક્રગદાધારી ભગવાન નારાયણ વિનતાપુત્ર (ગરુડ) પર બિરાજેલા હતા. પાર્વતી દેવીની નજીક બીજા પાવક (અગ્નિ)ની જેમ સ્ક્ન્દ કંઠમાં શક્તિ ધારણ કરી મયૂર પર આરૂઢ હતા. શંકર સમ્મુખ શૂલ ગ્રહણ કરીને બીજા શંકરની જેમ ઊભેલા નંદીને મેં જોયા. સ્વાયંભુવ આદિ મનુ, ભૃગુ ઋષિઓ તથા ઇન્દ્ર સમેત દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા. તે બધા મહાદેવને ચારે તરફથી ઘેરીને, પ્રણામ કરીને ઊભા હતા. દેવતાઓએ તે સમયે વિવિધ સ્તોત્રોથી મહાદેવની સ્તુતિ કરી હતી.
(અહીં શંકરની અનેક રીતે સ્તુતિ કરી છે.)
ત્યાર પછી મારા મસ્તક પર શીતળ જળવાળા, દિવ્ય ગંધવાળી પુષ્પવૃષ્ટિ થઈ. દેવતાઓના કિંકરો (સેવકો) દિવ્ય દુંદુભિ વગાડવા લાગ્યા. પવિત્ર સુગંધવાળો સુખદાયક પવન વાવા લાગ્યો. ત્યાર પછી વૃષભ પર પત્ની સાથે બેઠેલા મહાદેવે મને પ્રસન્ન કરવા બધા દેવતાઓને કહ્યું, ‘આ મહાત્મા ઉપમન્યુ મારી એકાગ્ર ભાવે જે પરમ ભક્તિ કરે છે તે જુઓ.’
શૂલપાણિએ આમ કહ્યું એટલે દેવતાઓ હાથ જોડીને વૃષભધ્વજને પ્રણામ કરીને બોલ્યા, ‘હે ભગવન્, દેવદેવેશ, લોકનાથ, જગત્પતિ, આ દ્વિજવર તમારી પાસેથી બધાં જ કામ્યફળ મેળવે.’
ભગવાન શંકર બ્રહ્મા અને બીજા દેવતાઓનું આવું વચન સાંભળી પ્રસન્ન થઈ મને કહેવા લાગ્યા,
‘હે વત્સ, હે મુનિપુંગવ, હું તારા પર પ્રસન્ન છું, તું મારું દર્શન કર, હે વિપ્રર્ષિ, તું મારો દૃઢ ભક્ત છે, મારી જિજ્ઞાસા સંતોષાઈ છે, તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. તારા મનની જે અભિલાષા હશે તે હું પાર પાડીશ.’
મહાદેવનાં વચન સાંભળી મારી આંખોમાંથી હર્ષાશ્રુ વહેવાં લાગ્યાં અને મને રોમાંચ થયા.
હું પૃથ્વી પર દંડવત્ પ્રણામ વારંવાર કરીને હર્ષ પામી ગદ્ગદ્ થઈ કહેવા લાગ્યો, ‘જ્યારે સાક્ષાત્ મહાદેવ જ પ્રસન્ન થઈને ઊભા હોય તો આજે જ મારો જન્મ થયો, આજે મારું તપ સફળ થયું. દેવતાઓ આરાધના કરીને જે અમિત વિક્રમી દેવનું દર્શન કરી શકતા નથી તેમનું મેં દર્શન કર્યું, એટલે મારાથી વિશેષ કોણ ધન્ય હશે? વિદ્વાનો આ જ સમ્મુખવર્તી મૂર્તિ રૂપ સનાતન પરમ તત્ત્વનું ધ્યાન કરે છે. આ મૂર્તિ બીજા દેવની અપેક્ષાએ વિશિષ્ટ મૂર્તિ હોવા છતાં પરાત્પર, અક્ષર, ષડ્વિંશક સ્વરૂપથી વિખ્યાત છે. સમસ્ત તત્ત્વોનું આદિ કારણ, અવ્યય, સર્વ તત્ત્વોના વિધાનના જ્ઞાતા અને પ્રધાન પુરુષેશ્વર જ આ દેવ છે. તેમણે જ પોતાના જમણા અંગમાંથી લોકસંભવ બ્રહ્માને અને ડાબા અંગમાંથી લોકરક્ષા માટે વિષ્ણુને ઉત્પન્ન કર્યા છે. યુગાન્ત આવે ત્યારે ભગવાન રુદ્રને પોતાનાં અંગોમાંથી પ્રગટાવે છે. આ સ્થાવર જંગમ સમસ્ત જગતના સંવર્તક અગ્નિની જેમ મહાતેજસ્વી કાલસ્વરૂપે સંહાર કરે છે. આ મહાદેવ ચરાચર જગતનું સર્જન કરે છે. અને કલ્પાન્તે બધાની સ્મૃતિનો લોપ કરી વસે છે. તે બધે જ ગમન કરે છે, સર્વભૂતાત્મા છે, બધા ભૂતોના ઉદ્ભવ અને વૃદ્ધિનું નિત્ય સર્વવ્યાપી હોવા છતાં બધા દેવતાઓથી અદૃશ્ય રહે છે. હે શંકર ભગવાન, જો તમે પ્રસન્ન થયા હો અને વરદાન આપવા માગતા હો તો હું વર માગું છું કે તમારામાં મારી શાશ્વત ભક્તિ રહે. હે વિભુ, હે સુરશ્રેષ્ઠ, ભૂત — વર્તમાન અને જે કંઈ ભવિષ્ય છે તે બધું તમારી કૃપાથી જાણી શકું, હું મારા બાંધવો સહિત અક્ષય દૂધભાતનું ભોજન કરું અને મારા આશ્રમમાં સદા તમારું સાન્નિધ્ય રહે.’
લોકપૂજિત, ચરાચર ગુરુ મહાતેજસ્વી મહેશ્વર મારી આવી પ્રાર્થના સાંભળીને બોલ્યા, ‘હે દ્વિજવર, તું મારી કૃપાથી અજર-અમર થઈશ, મુનિ, તું જ્યાં ઇચ્છીશ ત્યાં દૂધ-ભાત મળશે. તારી કામના બધે જ સફળ થશે, તને દૂધ-ભાતની નિકટતા મળશે, તું અમૃત સહિત દૂધ-ભાત ખાઈશ. તું બંધુ જનોની સાથે દૂધ-ભાતનું ભોજન એક કલ્પ સુધી કરીશ. ત્યાર પછી તું મારી પાસે આવીશ. હે દ્વિજોત્તમ, હું નિત્ય આશ્રમની સમીપ રહીશ. હે વત્સ, મરજી પ્રમાણે નિવાસ કર, કશી ઉત્કંઠા કરીશ નહીં, તું મારું સ્મરણ કરીશ અને તને દર્શન આપીશ.’
કોટિ સૂર્યની પ્રભાવાળા ભગવાન આમ કહીને વરદાન આપીને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. હે કૃષ્ણ, આ પ્રકારે સમાધિમાં મેં દેવાધિદેવના દર્શન કર્યા. તે ધીમાને જે કંઈ કહ્યું હતું તે બધું મને પ્રાપ્ત થયું. હે કૃષ્ણ, તમે આ બધું પ્રત્યક્ષ નિહાળો, અહીં સિદ્ધ, ઋષિ, વિદ્યાધર, યક્ષ, ગંધર્વ, અને અપ્સરાવૃંદ છે. જુઓ, અહીંનાં વૃક્ષ સદા મનોહર, ફળફૂલથી ભરચક છે; ઋતુ ઋતુનાં ફૂલોથી, સ્નિગ્ધ પલ્લવથી પરિપૂર્ણ, ઉત્તમ શાખાઓવાળાં આ વૃક્ષ છે. હે મહાબાહુ, અહીં ભગવાનની કૃપાથી બધું દિવ્ય ભાવયુક્ત છે. હે માધવ, જો ભગવાને અહીં રહેનારા બધા ઉપર, સહ લોકો ઉપર કૃપા કરી છે તો તમારા ઉપર કૃપા કેમ નહીં કરે?
તમારા જેવા શ્રદ્ધાવાન, બ્રાહ્મણપૂજક, કોમળ પુરુષનો સહવાસ તો દેવતાઓને માટે પણ પ્રશંસનીય છે. હું તમને જપમંત્ર આપું છું, એના દ્વારા તમે ભગવાન શંકરનું દર્શન કરી શકશો.’
શ્રીકૃષ્ણ બોલ્યા,
મેં તેમને કહ્યું કે હે મહામુનિ, તમારી કૃપાથી હું દૈત્યદળોનો સંહાર કરનારા ત્રિદશેશ્વર મહાદેવનું દર્શન કરીશ. આઠમે દિવસે તે વિપ્રે મને વિધિપૂર્વક દીક્ષા આપી. હું દંડધારી, મુંડાવેલા મસ્તકવાળા, કુશચીરવાળો, અને ઘૃતાક્ત થયો, મેં મેખલા ધારણ કરી. એક મહિનો ફળાહાર કર્યો, બીજો મહિનો પાણી પીને કાઢ્યો; ત્રીજા, ચોથા, પાંચમા મહિને વાયુભક્ષણ કર્યું. હાથ ઊંચા કરીને, અતન્દ્રિત મને, એક પગ પર ઊભા રહીને મેં તપ કર્યું. ત્યાર પછી મેં આકાશમંડળમાં સહ સૂર્યોનું તેજ જોયું. તે તેજની વચ્ચે એક વિશેષ તેજમંડળ જોયું, તે ઇંદ્રધનુષથી છવાયેલું હતું, વિદ્યુત્માલા તેના ગવાક્ષ જેવી હતી. તે તેજ નીલ પર્વતના જેવું હતું. મેઘમાલા બકપંક્તિઓથી શોભતી હતી. મહાદ્યુતિવાન ભગવાન શંકર તપ, તેજ, કાન્તિ, દીપ્તિવાળાં ભાર્યા સાથે હતા. ભગવાન મહેશ્વર દેવી સાથે શોભતા હતા, જાણે ચંદ્રમા સહિત સૂર્ય મેઘમંડળમાં ન હોય! મેં રોમાંચિત શરીર અને વિસ્મયપૂર્ણ નેત્રો વડે બધા દેવસંઘની ગતિ જેવા અને બધાના દુઃખભંજન એવા હરને (શંકરને) જોયા. આ કિરીટધારી, ગદાધારી, શૂલપાણિ, વ્યાઘ્રાંબરધારી, જટાધારી, દંડપાણિ, પિનાકી, વજ્રધારી, હતા; તેમણે તીક્ષ્ણ દાંતવાળા, શુભાંગદ, સર્પમય યજ્ઞોપવિત ધારણ કર્યું હતું. વક્ષસ્થળ પર અને ઘુંટણ સુધી અનેક વર્ણની દિવ્ય માળાઓ ધારણ કરી હતી, શરદ્ ઋતુમાં સાંજે ચંદ્રમા દેખાય તેમ મેં તેમના દર્શન કર્યા. પરિધિથી ઘેરાયેલા, શરદ્ ઋતુમાં દુષ્પ્રેક્ષ્ય પ્રકાશિત સૂર્ય જેવા, ભૂતગણોથી ઘેરાયેલા મહાદેવ મુશ્કેલીથી દેખાતા હતા.
મનને વશમાં રાખનારા શુભ કર્મશીલ એવા વૃષભ પર બેઠેલા શંકરની સ્તુતિ કરતા હતા. આદિત્ય ગણ, વસુ, સાધ્ય, વિશ્વદેવ, અશ્વિનીકુમારો વિશ્વસ્તુતિ દ્વારા તે વિશ્વદેવની સ્તુતિ કરતા હતા.
(શંકરની વિવિધ રીતે સ્તુતિ)
તે સમયે મહાદેવની સામે જોવાની શક્તિ મારામાં ન હતી. પછી ભગવાને મને કહ્યું, ‘હે કૃષ્ણ, મારું દર્શન કરો અને ઇચ્છા હોય તે વર માગો.’
મેં મસ્તક નમાવી દેવની વંદના કરી, ઉમા દેવી પ્રસન્ન થયાં, પછી મેં બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા મહાદેવની સ્તુતિ કરી.
(ફરી મહાદેવની સ્તુતિ)
ત્યાર પછી મેં મનને સંયત કરી મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા અને તેજપુંજવાળા ભગવાનને કહ્યું,
‘હે ભગવાન્, ધર્મમાં દૃઢતાવાળા, યુદ્ધમાં શત્રુનાશી, શ્રેષ્ઠ યશ, ઉત્તમ બળ, યોગપ્રેમી, દસ હજાર પુત્રો માગું છું, તમારું સાન્નિધ્ય માગું છું.’
મહાદેવે મારી પ્રાર્થના સાંભળી ‘તથાસ્તુ’ કહ્યું.
ત્યાર પછી જગન્માતા, ધરણી, તપોનિધિ, સર્વપાવની ઉમા દેવીએ મને કહ્યું, ‘હે નિષ્પાપ, ભગવાને તમને સાંબ નામનો પુત્ર આપ્યો. હવે તમે આઠ વરદાન મારી પાસે માગો. હું તે આપીશ.’
મેં તે સમયે મસ્તક ઝુકાવી દેવીને પ્રણામ કરી કહ્યું,
‘હે માતા, બ્રાહ્મણો પર ક્રોધ ન કરું, પિતાને પ્રસન્ન રાખું, શતપુત્ર, પરમ ભોગ, કુટુંબપ્રીતિ, માતાકૃપા, શમપ્રાપ્તિ અને કાર્યદક્ષતા માગું છું.’
દેવીએ મને કહ્યું, ‘અમર સમાન પ્રભાવવાળા, તમે જે માગ્યું તે મળશે. આ સિવાય બીજા આઠ વરદાન આપું છું, હું મિથ્યા બોલતી નથી. તમે મહાપ્રભાવશાળી હશો, અસત્ય નહીં બોલો, સોળહજાર પત્નીઓ મળશે, તેઓની તમારા પર પ્રીતિ રહેશે, બધું અક્ષય રહેશે. બાંધવજનોમાં પરમ પ્રીતિ પામશો, શરીર સુંદર રહેશે, દરરોજ સાત હજાર અતિથિઓ તમારે ત્યાં ભોજન કરશે, મેં તમને આ આઠ વરદાન આપ્યા.’
આમ પાર્વતી પરમેશ્વર ચોવીસ વરદાન આપીને નિજગણો સાથે અંતર્ધાન થઈ ગયા.
{{Right | (અનુશાસન પર્વ, ૧૪-૧૬) }} <br>
=== અષ્ટાવક્રના પાણિગ્રહણની કથા ===
ભૂતકાળમાં મહાતપસ્વી અષ્ટાવક્રે વિવાહની ઇચ્છાથી મહાત્મા વદાન્ય નામના ઋષિ પાસે તેમની કન્યાનું માગું કર્યું. સુપ્રભા નામની તે કન્યા પૃથ્વી પર અનુપમ રૂપવાળી હતી. રૂપ, શીલ, ચારિત્ર્યવાળી તે સાધ્વી હતી. વસંત ઋતુમાં જેવી રીતે પુષ્પિત વનસૌંદર્ય મનને હરી લે છે તેવી રીતે તે કન્યાના દૃષ્ટિપાતે તેમનું મન હરી લીધું. વદાન્ય ઋષિએ તેમને કહ્યું, ‘હું કેવી રીતે તમને મારી કન્યા આપીશ તે સાંભળો. અત્યારે તમે પવિત્ર ઉત્તર દિશામાં જાઓ, ત્યાં તમે તેને જોશો.’
અષ્ટાવક્રે તેમને પૂછ્યું, ‘ત્યાં જઈને મારે કોનું દર્શન કરવાનું છે? તમે મને કહો, અત્યારે તમે જે કહેશો તે હું કરીશ.’
વદાન્ય ઋષિ બોલ્યા, ‘કુબેરની અલકાપુરી ઓળંગી, તમે હિમાલયને પણ ઓળંગી જશો, ત્યારે તમે સિદ્ધ અને ચારણોથી પુજાતા રુદ્રનું સ્થાન જોશો. તે સ્થળ હર્ષયુક્ત, નૃત્ય કરતા, અનેક મુખવાળા પાર્ષદો અને દિવ્યાંગ રાગયુક્ત પિશાચો તથા અનેક પ્રકારના વન્ય પ્રમથગણોને જોશો. પાણિતાલ, સુતાલ, શમ્યાતાલ વગેરે દ્વારા પ્રસન્નચિત્ત નૃત્યકારો દ્વારા મહાદેવ પુજાય છે. તે પર્વત પર નિવાસ કરવો ઈશ્વરને ગમે છે એટલે તે લોક દિવ્ય કહેવાય છે એવું સાંભળ્યું છે. મહાદેવ ત્યાં નિત્ય વસે છે, તેમનો પરિષદગણ સદા ત્યાં નિવાસ કરે છે. દેવી પાર્વતીએ શંકર માટે અહીં દુષ્કર તપ કર્યું હતું. એટલે આ ભગવાનનું અને દેવીનું ઇષ્ટ સ્થળ છે એવું કહેવાય છે. ત્યાં મહાદેવના સમીપે જ ઉત્તર ભાગમાં એક મોટો કૂવો છે, ઋતુ, કાલરાત્રિ અને દિવ્ય માનવીઓ મૂર્તિમાન થઈને મહાદેવની ઉપાસના કરે છે. તમે એ સ્થાનને વટાવી આગળ જજો.
પછી તમે મેઘ સમાન નીલ વર્ણનું, મનોહર, રમણીય વન જોશો. ત્યાં એક સ્ત્રીને જોશો. તે તપસ્વિની, મહાભાગા વૃદ્ધા દીક્ષાપરાયણ છે, તે દર્શનીય છે, પૂજનીય છે. જ્યારે તમે એનું દર્શન કરીને પાછા આવશો ત્યારે મારી કન્યાનું પાણિગ્રહણ કરી શકશો. જો મારું કહ્યું કરવા માગતા હો તો ત્યાં જાઓ.’
અષ્ટાવક્રે કહ્યું, ‘હે સાધુ, તમે જે કહ્યું છે તે જ હું કરીશ, તમારું વચન સત્ય થાઓ.’
ત્યાર પછી ભગવાન ઉત્કર્ષશાળી ઉત્તર દિશામાં સિદ્ધ, ચારણોવાળા ગિરિશ્રેષ્ઠ હિમાલય પર ગયા. ત્યાં જઈને ધર્મદાયિની બાહુદા નામની નદીના કાંઠે પ્રવેશ્યા. અત્યંત વિમળ અશોક તીર્થમાં સ્નાન કરી, દેવતાઓનું તર્પણ કરી ત્યાં સુખપૂર્વક કુશશય્યા પર નિવાસ કરવા લાગ્યા. રાત્રિ વીત્યા પછી તે દ્વિજવરે સવારે ઊઠીને સ્નાન કર્યું, વેદમંત્રોથી સ્તુતિ કરી અગ્નિ પ્રગટાવ્યો અને યજ્ઞ કર્યો. પછી ઇન્દ્રાણી કૂવે જઈ ત્યાં વિશ્રામ કરવા બેઠા. ત્યાર પછી કૈલાસ પર્વતની દિશામાં ગમન કર્યું. ત્યાં જઈને દેદીપ્યમાન એક કાંચનદ્વાર જોયું અને મહાત્મા કુબેરનાં કમળપુષ્પોથી શોભતી મંદાકિની જોઈ. ત્યાર પછી કમળપુષ્પોવાળી નદીનું સદા રક્ષણ કરતા મણિભદ્ર વગેરે રાક્ષસ ભગવંતને જોઈને ઊભા થયા. તેમણે પણ તે ભીમપરાક્રમી રાક્ષસોનું અભિવાદન કરી કહ્યું, ‘ધનપતિ કુબેરને શીઘ્ર મારા આગમનના સમાચાર આપો.’
એ રાક્ષસોએ એમ કર્યું અને ભગવંતને કહ્યું, ‘રાજાઓના રાજા કુબેર પોતે તમારી પાસે આવી રહ્યા છે. ભગવાનને તમારા આગમનની અને કારણની જાણ છે. તમે આ તેજથી પ્રજ્વલિત મહાભાગને જુઓ.’
ત્યાર પછી વિશ્રવાપુત્રે (કુબેર) અનિંદિત બ્રહ્મર્ષિ અષ્ટાવક્ર પાસે આવીને વિધિવત્ કુશળ સમાચાર પૂછ્યા.
‘હે દ્વિજ, તમે સુખપૂર્વક આવી પહોંચ્યા છો ને? મારી પાસે તમે કઈ આશા રાખો છો? તમે જે કહેશો તે કરીશ. હે દ્વિજોત્તમ, તમે સ્વેચ્છાથી મારા ભવનમાં પ્રવેશો. અહીં સત્કૃત અને કૃતકાર્ય થઈને નિર્વિઘ્ને ગમન કરશો.’
કુબેર દ્વિજોત્તમને સાથે લઈને પોતાના ભવનમાં પેઠા અને ત્યાં જઈને તેમણે આસન, પાદ્ય અને અર્ઘ્ય આપ્યા. ત્યાં બંને બેઠા પછી મણિભદ્ર વગેરે યક્ષ, ગંધર્વ, રાક્ષસો વગેરે સેવકો ત્યાં બેઠા. બધા બેઠા એટલે કુબેરે કહ્યું, ‘જો તમારી ઇચ્છા હોય તો અપ્સરાઓ નૃત્ય કરે. તમારી સેવા અને તમારું આતિથ્ય કરવા મારું પરમ કર્તવ્ય છે.’ ત્યારે મુનિએ મધુર વાણીમાં કહ્યું, ‘ભલે.’
પછી ઉર્વરા, મિશ્રકેશી, રંભા, ઉર્વશી, અલંબુસા, ઘૃતાચી, ચિત્રા, ચિત્રાંગદા, રુચિ, મનોહરા, સુકેશી, સુમુખી, હાસિની, પ્રભા, વિદ્યુતા, પ્રશમા, દાન્તા, વિદ્યોતા, રતિ — અને એવી અન્ય ઉત્તમ અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગંધર્વગણ વિવિધ વાદ્યો વગાડવા લાગ્યો. દિવ્ય ગીત સંવત્સર આરંભાયો, મહાત્મા મહાતપસ્વી ઋષિ દેવલોકોના એક વર્ષ સુધી ત્યાં બેઠા અને આનંદિત રહ્યા.
ત્યાર પછી રાજા વૈશ્રવણ (કુબેર) ભગવંતને કહેવા લાગ્યા, ‘હે વિપ્ર, જોતજોતાંમાં અહીં આગળ જ એક સંવત્સર (વર્ષ)થી વધુ સમય વીતી ગયો. હે બ્રહ્મન્, આ વિષયનું નામ ગાંધર્વ છે, તે મનોહર છે, અત્યારે તમારી ઇચ્છા હોય તો આમ જ ચાલવા દઈએ, અથવા તમે જે કહો તે. તમે પૂજનીય અતિથિ છો, આ ગૃહ પણ તમારું જ છે. તમારી જે આજ્ઞા હશે તેમ કરીશ, અમે સૌ તમારે અધીન છીએ.’
એટલે ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા, ‘હે ધનેશ્વર, યથાયોગ્ય રીતે મારી પૂજા થઈ છે, હવે હું જઈશ. હે ધનાધિપ, હું પ્રસન્ન છું, તમે જે કંઈ કર્યું તે તમને શોભે એવું જ હતું. તમારી કૃપા અને મહાત્માની આજ્ઞાથી હવે હું જઉં છું. તમે બુદ્ધિમાન અને સમૃદ્ધ રહેજો.’
ત્યાર પછી ભગવાન ત્યાંથી ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા અને કૈલાસ, મંદર અને હિમાલય પર્વત પર વિહાર કરવા લાગ્યા. તે બધા જ મહા શૈલોને (પર્વતોને) ઓળંગી ઉત્તમ કિરાતસ્થાને પહોંચ્યા, સ્થિર ચિત્તે તે સ્થાનની પ્રદક્ષિણા કરી, મસ્તક નમાવીને પ્રણામ કર્યા. પૃથ્વી પર ઉત્તરના એ સ્થાનથી તેઓ પવિત્ર આત્મા થઈ ગયા. તે પર્વતની ત્રણ વાર પ્રદક્ષિણા કરીને પ્રસન્નતાથી ઉત્તર દિશામાં સમથળ ધરતી પર ચાલવા લાગ્યા, ત્યાર પછી તેમણે એક બીજું રમણીય વન જોયું. બધી ઋતુઓનાં ફૂલ, ફળ, મૂળ, પક્ષીઓવાળું તે વન હતું, વનપ્રાન્તો અનેક સ્થળે શોભતા હતા. ભગવાને ત્યાં એક દિવ્ય આશ્રમ જોયો. ત્યાં વિવિધ રત્નોથી શોભતો કાંચનપર્વત હતો, મણિમય ભૂમિ પર સુંદર સરોવર હતું, તે ઉપરાંત બીજાં પણ સુરમ્ય દૃશ્યો જોઈને મહર્ષિનું મન અતિ પ્રસન્ન થઈ ઊઠ્યું. તેમણે ત્યાં કુબેરભવનથી પણ ચઢિયાતું, અદ્ભુત, સુંદર, રત્નોથી શોભતું એક દિવ્ય કાંચનગૃહ જોયું. તે સ્થળે ઉત્તમ વિવિધ પ્રાસાદો પર્વતોની જેમ શોભતા હતા, વિવિધ રત્નો હતાં, સુંદર વિમાન હતાં. મંદાર પુષ્પોથી ઊભરાતી મંદાકિની નદી ત્યાં વહેતી હતી. સ્વયંપ્રભાવાળા મણિ અને હીરાથી તે ભૂમિ સુશોભિત હતી. અનેક સુંદર મણિતોરણ, મોતીઓની માળા, મણિરત્નોથી વિભૂષિત; મનોહર, દર્શનીય, રમ્ય વસ્તુઓથી આ આશ્રમ બહુ મનોહર હતો. ઋષિએ ચારે બાજુ સર્વત્ર મનોહર દૃશ્ય જોયું, ત્યારે તેમને ચિંતા થઈ કે હું ક્યાં રહીશ? ત્યાર પછી દ્વારે જઈને બોલ્યા, ‘અહીં જે કોઈ હોય તે જાણે કે હું અતિથિ તરીકે આવ્યો છું.’ ત્યારે તેમની વાત સાંભળીને અનેક રૂપધારિણી, મનોહર સાત કન્યાઓ ઘરમાંથી બહાર આવી. તેમણે જે જે કન્યાને જોઈ તે તે કન્યાએ તેમનું મન હરી લીધું, મનને રોકવામાં અસમર્થ થયા અને તેઓ દુઃખી થયા. ત્યાર પછી તે ધીમત વિપ્રના મનમાં ધૃતિ પ્રગટી અને ત્યારે તે પ્રમદા (યુવતી)ઓએ તેમને કહ્યું, ‘ભગવાન, તમે ઘરમાં આવો.’
તે બ્રાહ્મણ એ સુંદરીઓ અને ભવનને જોઈ કુતૂહલવશ થયા અને ઘરમાં પ્રવેશ્યા. અંદર જઈને તેમણે એક સ્વચ્છ વસ્ત્રધારિણી અને સર્વ આભરણો સમેત એક વૃદ્ધાને પલંગ પર બેઠેલી જોઈ. એમને જોતાં જ વિપ્ર બોલ્યા, ‘તમારું કલ્યાણ થાઓ.’ તે સ્ત્રીએ પણ એવો જ પ્રતિભાવ આપ્યો અને વિપ્રવરને બેસવા કહ્યું...
અષ્ટાવક્રે કહ્યું, ‘બધી સ્ત્રીઓ અંંદર જતી રહે. જે અત્યંત જ્ઞાની અને પ્રશાંત ચિત્તવાળી હોય તે જ મારી પાસે રહે, બાકી સૌ પોતાની ઇચ્છા પ્રમાણે જાય.’
ત્યાર પછી તે બધી કન્યાઓ ઋષિની પ્રદક્ષિણા કરીને ઘરમાંથી જતી રહી, કેવળ તે વૃદ્ધા જ ત્યાં રહી.
ઋષિ પ્રકાશિત શય્યા પર સૂઈને વૃદ્ધાને કહેવા લાગ્યા, ‘હે ભદ્રા, રાત્રિ વીતી રહી છે એટલે તમે પણ સૂઈ જાઓ.’
પરસ્પર વાતચીત દરમિયાન જ્યારે વિપ્રે આમ કહ્યું ત્યારે બીજા દિવ્ય શયન પર વૃદ્ધા પણ સૂતી. ત્યાર પછી ઠંડી લાગે છે એવું નિમિત્ત શોધીને તે કાંપતી આવી અને મહર્ષિની શય્યા પર જઈ ચઢી. ભગવાને આવેલી વૃદ્ધાનું સ્વાગત કર્યુ, તેમનો સત્કાર કર્યો, અને તે વૃદ્ધાએ પ્રેમથી બંને હાથે ઋષિને આલિંગન આપ્યું. ઋષિને કાષ્ઠ અને ભીંતની જેમ નિર્વિકાર જોઈ, દુઃખી થઈ તે વૃદ્ધાએ તેમની સાથે વાર્તાલાપ આરંભ્યો. તેણે કહ્યું, ‘હે વિપ્રવર, પુરુષને પામીને સ્ત્રીઓ કામવિષયમાં ધૃતિ રાખે છે, એટલે કામવશ થઈને હું તમારી પાસે આવી છું, મારી ઇચ્છા પાર પાડો. હે વિર્ષિષ, તમે પ્રસન્ન થઈને મારી સાથે સમાગમ કરો, મને ભેટો, તમારાથી હું બહુ કામવશ થઈ છું. હે ધર્માત્મન્, તમારી તપસ્યાનું પ્રાથિત ફળ પ્રશંસનીય છે, એટલે જ તમને જોઈને તમારી સેવામાં છું. તમે મને સ્વીકારો. મારું આ ભવન ધન, બીજું જે જે જુઓ છો તે બધાના તમે સ્વામી, અને નિ:શંક મારા સ્વામી તો ખરા જ. તમે મારો સંગ કરો, હું તમારી બધી ઇચ્છાઓ પૂરી કરીશ. હે વિપ્ર, સર્વ કામફળપ્રદ આ રમણીય વનમાં તમે મારી સાથે ક્રીડા કરો, હું તમારી વશીભૂત થઈશ, અહીં દિવ્ય, માનુષી કામ વિષયોનો ઉપભોગ કરીશું. પુરુષના સંસર્ગથી અમને જે પરમ ફળ પ્રાપ્ત થાય છે તેનાથી ચઢિયાતું સુખ સ્ત્રીઓ માટે કશું નથી. મન્મથપ્રેરિત (કામપ્રેરિત) સ્ત્રીઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે, કામસંતપ્ત થઈને ધગધગતી ધૂળ પર ચાલવાથી તેના પગ દાઝતા નથી.’
અષ્ટાવક્રે કહ્યું, ‘હે ભદ્રા, હું ક્યારેય પરસ્ત્રીગમન કરતો નથી. ધર્મશાસ્ત્રોમાં પરદારાગમનને અત્યંત દૂષિત કહ્યું છે. હે ભદ્રા, હું સત્યના સોગંદ ખાઈને કહું છું કે આ સંસાર આશ્રમમાં પ્રવેશ કરવાની મારી ઇચ્છા છે. હું વિષયોથી અનભિજ્ઞ છું, માત્ર ધર્માર્થે સંતતિ જોઈએ છે. હું પુત્રો દ્વારા શ્રેષ્ઠ લોકમાં જઈશ. હે ભદ્રા, તમે ધર્મ જાણો અને આનાથી દૂર રહો.’
સ્ત્રીએ કહ્યું, ‘હે દ્વિજ, અનિલ, અગ્નિ, વરુણ કે બીજા કોઈ દેવ સ્ત્રીઓને પ્રિય નથી, રતિશીલ નારીઓને તો માત્ર રતિપતિ જ પ્રિય છે. હજાર સ્ત્રીઓમાં એક સ્ત્રી સંયમી જોવા મળશે, અને લાખો સ્ત્રીઓમાં એકાદ પતિવ્રતા હશે. આ સ્ત્રીઓ પિતા, માતા, કુળ, બાંધવોને નથી જાણતી. ભર્તા પર ભક્તિ, પુત્રોમાં સ્નેહ અને દિયરોનો સમાદર તે નથી કરતી. જેવી રીતે નદીઓ તટને નિર્મૂળ કરે છે તેવી જ રીતે આ સ્ત્રીઓ રતિની ઇચ્છા કરીને કુળનો વિનાશ કરે છે, પ્રજાપતિએ આ મૂઢ સ્ત્રીઓના બધા દોષ જાણીને જ આ કહ્યું હતું.’
ત્યારે એકાગ્ર થઈને ઋષિએ તે સ્ત્રીને કહ્યું, ‘તમે ઇચ્છાનુસાર બેસો, ભોગની અભિલાષાથી સ્વેચ્છાચાર થાય છે. મારે શું કરવું તે કહો.’
તે સ્ત્રીએ કહ્યું, ‘હે ભગવન્, દેશકાળ અનુસાર તમે અનુભવ કરીને જુઓ. હે મહાપ્રાજ્ઞ, તમે અહીં રહો, કૃતકૃત્ય થઈને જજો.’
બ્રહ્મર્ષિએ તેને કહ્યું, ‘ભલે, અહીં રહેવાનો ઉત્સાહ રહેશે ત્યાં સુધી તમારી સમીપ નિ:શંક રહીશ.’
અંતે ઋષિ એ સ્ત્રીને જરાગ્રસ્ત જોઈને ચિંતા કરતા કરતા સંતપ્ત થયા. તે વિપ્રર્ષિએ તે સ્ત્રીના જે જે અંગો જોયાં, ત્યાં એમની દૃષ્ટિ રમતી ન હતી, તેના રૂપથી પરાજિત થતી હતી, તેમણે વિચાર્યું, આ ગૃહની અધિષ્ઠાત્રી દેવી છે, કોઈના શાપથી તે કુરૂપ થઈ છે, આની કુરૂપતાનું કારણ જાણવા સહસા પ્રયત્ન કરવો મારે માટે યોગ્ય નથી, આ વાત જાણવા માટે આમ જ ચિંતા કરતા કરતા વ્યાકુળ ચિત્તે ઋષિનો દિવસ પૂરો થયો. ત્યાર પછી તે સ્ત્રીએ કહ્યું, ‘હે ભગવન્, સૂર્યનું સંધ્યારાગરંજિત રૂપ જુઓ, અત્યારે હું તમારા માટે શું લાવું?’
તેઓ બોલ્યા, ‘અત્યારે મારા માટે સ્નાન જળ લાવો. પછી હું એકાગ્ર ચિત્તે, જિતેન્દ્રિય બનીને સંધ્યાપૂજા કરીશ.’
ત્યાર પછી તે સ્ત્રીએ ઋષિને કહ્યું, ‘ભલે એમ કરીએ.’
તે દિવ્ય તેલ અને સ્નાનવસ્ત્ર લઈ આવી. મુનિની આજ્ઞાથી તે સ્ત્રીએ મહાત્માના શરીરે તેલ લગાડયું અને તે સ્ત્રીએ તેમને ઉઠાડ્યા એટલે તે સ્નાનશાલામાં ગયા, તે ઋષિ ઉત્તમ ભદ્રાસન પર બેઠા. આસન પર તેઓ બેઠા એટલે તે સ્ત્રીએ ધીમે ધીમે હાથના સુખસ્પર્શ દ્રારા ઋષિને સ્નાન કરાવ્યું અને તેમની આગળ વિધિવત્ દિવ્ય ઉપચારો ધર્યા.
મહાવ્રતી મુનિ તે સ્ત્રીએ આપેલા ઉષ્ણ જળથી નાહ્યા, અને તે સ્ત્રીના સુખદ સ્પર્શ વડે સેવા પામીને રાત વીતી ગઈ તે જાણી ન શક્યા. પછી મુનિ પરમ વિસ્મિત થઈને ઊભા થયા, તેમણે પૂર્વદિશામાં સૂર્યોદય જોયો. તેઓ વિચારમાં પડી ગયા કે આ મારો મોહ છે કે ખરેખર સૂર્યોદય થયો છે, ત્યાર પછી સૂર્યોપાસના કરીને તેમણે તે સ્ત્રીને કહ્યું, ‘હવે અત્યારે શું કરું?’
તે સ્ત્રી તેમના માટે અમૃત સમાન અન્ન લઈ આવી, ઋષિ તે અન્નના સ્વાદથી ખૂબ જ આકર્ષાયા, તે પર્યાપ્ત છે એમ માની ન શક્યા, એ પૂરું થઈ ગયું તેમ કહી ન શક્યા. દિવસ પૂરો થયો અને સાંજ પડી. ત્યાર પછી ભગવાનને શયન માટે કહ્યું, બંનેની જુદી જુદી શય્યાઓ પથરાઈ.
અષ્ટાવક્રે કહ્યું, ‘હે ભદ્રા, મારું મન પરસ્ત્રીમાં રાચતું નથી. હે ભદ્રા, તમે ઊભા થાઓ, આ પાપથી દૂર રહો.’
તે સ્ત્રી બ્રહ્મર્ષિએ પાછી કાઢી એટલે ધીરજપૂર્વક બોલી, ‘હું સ્વતંત્ર છું, એટલે મારો સમાગમ કરવાથી તમને ધર્મછળ નહીં લાગે.’
અષ્ટાવક્રે કહ્યું, ‘સ્ત્રીઓ સ્વાધીન નથી, સ્ત્રીઓ ખરેખર પરાધીન છે, પ્રજાપતિનો મત છે કે સ્ત્રીઓ સ્વતંત્રતાને પાત્ર નથી.’
તે સ્ત્રી બોલી. ‘હે વિપ્ર, કામપીડા મને વ્યાકુળ કરી રહી છે, તમારા માટે મારી ભક્તિ જુઓ. જો મને સંતુષ્ટ નહીં કરો તો તમારા માટે તે અધર્મ કહેવાશે.’
અષ્ટાવક્રે કહ્યું, ‘યથેચ્છાચારી મનુષ્યને બધાં પાપ આકર્ષે છે. હે ભદ્રા, હું ધીરજપૂર્વક મનને ધીર રાખી શકું છું, એટલે તમે તારી શય્યા પર જાઓ.’
સ્ત્રીએ કહ્યું, ‘હે વિપ્ર, હું મસ્તક નમાવી તમને પ્રણામ કરું છું, મારા પર કૃપા કરો. હું પાપરહિત, પૃથ્વી પર પડેલી મારા જેવી શરણાગતની રક્ષા કરો. જો તમે પરસ્ત્રીગમનમાં દોષ જુઓ છો તો હું આત્મસમર્પણ કરું છું, તમે મારું પાણિગ્રહણ કરો. હું સાચું કહું છું, તમને કોઈ દોષ નહીં લાગે, હું સ્વતંત્ર છું, જે અધર્મ થશે તે મને થશે.’
‘હે ભદ્રા, તમે સ્વતંત્ર કેવી રીતે? તમે મને સમજાવો. જગતમાં કોઈ સ્ત્રી એવી નથી જે સ્વતંત્ર રહેવા લાયક છે. કુંવારી હોય ત્યારે પિતા રક્ષણ કરે છે, યુવાવસ્થામાં પતિ રક્ષા કરે છે, વૃદ્ધાવસ્થામાં પુત્ર રક્ષા કરે છે, એટલે સ્ત્રી સ્વતંત્ર રહી જ શકતી નથી.’
‘હું કુમારી અવસ્થામાં બ્રહ્મચર્ય પાળતી હતી. એટલે નિ:શંક કન્યા જ છું, હે વિપ્ર, બુદ્ધિહીન વાત ન કરો, મારી શ્રદ્ધા વિફળ ન કરો.’
અષ્ટાવક્રે કહ્યું, ‘જેવી મારી સ્થિતિ તેવી તમારી સ્થિતિ, જેવી તમારી સ્થિતિ તેવી મારી. વદાન્ય ઋષિ મને ઓળખવા માટે જે પરીક્ષા કરવા માગે છે તેમાં આ ખરેખર વિઘ્ન તો નથી ને?’
આ સ્ત્રીને પહેલાં વૃદ્ધાવસ્થામાં જોઈ, હવે તેને દિવ્ય આભરણો સહિત કન્યા રૂપે જોઉં છું, આ પરમ આશ્ચર્ય છે. આ મારા માટે શું કલ્યાણપ્રદ નીવડશે? આનું પરમ રૂપ પહેલાં કેવી રીતે જીર્ણ થયું હતું? અત્યારે તો એને કન્યા રૂપે જોઉં છું, પછી શું થશે? કામદમન કરવાનું સામર્થ્ય મારામાં છે, એ ધીરજથી કોઈ રીતે વિચલિત ન થઈને પહેલાં પ્રાપ્ત થયેલી કન્યાનો ત્યાગ નહીં કરું, મારી રુચિ પણ નથી, હું ધૈર્યપૂર્વક જ ધર્માનુસાર જ પત્ની પ્રાપ્ત કરીશ.
... ... ...
અષ્ટાવક્રે તે સ્ત્રીને પૂછ્યું, ‘તમે કેવી રીતે રૂપ પરિવર્તન કરો છો? અસત્ય ન બોલતાં. બ્રાહ્મણ પાસેથી માન પામવાની ઇચ્છા હોય તો સત્ય કહેજો.’
તે સ્ત્રી બોલી, ‘સ્વર્ગ કે પૃથ્વી — જે કોઈ સ્થાને વસો ત્યાં સ્ત્રીપુરુષોનો આવા જ અભિપ્રાય છે. હે સત્ય વિક્રમ, સાવધાન થઈને આ વિષે સાંભળો. હે નિષ્પાપ, તમે મને ઉત્તર દિશા સમજો. તમે સ્ત્રીચાપલ્ય જોયું,
હે સત્યપરાક્રમી, તમે ધર્મભ્રષ્ટ ન થઈને બધા લોક જીતી લીધા છે. તમને દૃઢ કરવા તમારી પરીક્ષા કરતી હતી. મૈથુન માટેનો જ્વર વૃદ્ધ સ્ત્રીઓને પણ હોય છે. અત્યારે પિતામહ તમારા પર પ્રસન્ન છે, દેવતાઓ પ્રસન્ન છે. જે કાર્ય માટે તમે અહીં આવ્યા તે સફળ થયું. તે કન્યાના પિતા વદાન્યે તમને ઉપદેશ આપવા મારી પાસે મોકલ્યા હતા, એ બધું કાર્ય પૂરું થયું. તમે બહુ સારી રીતે હવે ઘેર જાઓ, તમને હવે શ્રમ નહીં પડે. હે વિપ્ર, તે કન્યા તમને મળશે અને તે પુત્રવતી થશે. તમે જિજ્ઞાસાવશ મને પ્રશ્ન કર્યો અને મેં તમને તેનો ઉત્તર આપ્યો. બ્રાહ્મણની આજ્ઞા ત્રણે લોકમાં સદા અનુલ્લંઘનીય હોય છે. હે વિપ્રર્ષિ અષ્ટાવક્ર, તમે પુણ્યનો આ સંયમ કરીને જાઓ, હવે બીજું શું સાંભળવું છે? હું તે પણ યથાતથ કહીશ. હે દ્વિજશ્રેષ્ઠ, તમારે નિમિત્તે ઋષિએ મારા પર કૃપા કરી છે. તેમના સમ્માન માટે મેં તમને આટલું કહ્યું.’
તે વિપ્ર હાથ જોડીને ઊભા થયા, એમની આજ્ઞા પાળીને તેઓ પોતાને ઘેર પાછા આવ્યા. ઘરમાં વિશ્રામ કરીને, સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા, ન્યાયપૂર્વક તે બ્રાહ્મણ વદાન્યને મળવા નીકળ્યા. તે સમયે તેમણે વિપ્રને તેની યાત્રા વિશે પૂછ્યું, એટલે પ્રસન્ન થઈને બધી વાત કરી. ‘હું તમારી આજ્ઞા પ્રમાણે ગંધમાદન પર્વત પર ગયો, ત્યાંથી ઉત્તર દિશામાં ગયો, અને એક મહાન દેવી જોયાં. તેમણે મારી પરીક્ષા લીધી, તમારું નામ કહ્યું. પછી તેમની વાત સાંભળી, આજ્ઞા લીધી અને ઘેર આવ્યો.’
વિપ્રવર બોલ્યા, ‘તમે ઉત્તમ પાત્ર છો, એટલે નક્ષત્ર, તિથિ જોઈ મારી કન્યાનું પાણિગ્રહણ કરો.’
પરમ ધર્માત્મા અષ્ટાવક્રે, ‘ભલે એમ થાઓ.’ કહીને તે કન્યાનું પાણિગ્રહણ કર્યું અને તે અત્યંત પ્રસન્ન થયા. તે દ્વિજવર, પરમ સુંદર કન્યાને ભાર્યારૂપે પામી શોકહીન અને પ્રસન્ન થઈને પોતાના આશ્રમમાં સુખે રહેવા લાગ્યા.
{{Right | (અનુશાસન પર્વ ૨૦-૨૨) }} <br>
=== મતંગ અને ગર્દભીની કથા ===
કોઈ બ્રાહ્મણને મતંગ નામનો પુત્ર હતો, તે કોઈ અન્ય વર્ણના પુરુષથી જન્મ્યો હોવા છતાં જાત કર્મના સંસ્કારથી તે બ્રાહ્મણતુલ્ય જ હતો. પિતાની આજ્ઞાથી તે કોઈનો યજ્ઞ કરાવવા શીઘ્રગામી ગર્દભવાળા રથ પર ચઢીને નીકળ્યો. રથ ખેંચવાવાળો ગર્દભ નાની વયનો હતો. એણે તેની માના દેખતાં વારેવારે મારીને ગર્દભના નાકને ઈજા કરી. પુત્રપ્રેમી ગર્દભી નાકમાં ઊંડો ઘા પડેલો જોઈને બોલી, ‘હે પુત્ર, શોક ન કર, તારા ઉપર ચાંડાળ સવાર થયો છે. બ્રાહ્મણો આવા દારુણ નથી હોતા. બ્રાહ્મણો બધાના મિત્ર હોય છે. બધાં પ્રાણીઓના શાસ્તા આચાર્ય શું ક્યારેય કોઈના પર પ્રહાર કરે? આ સ્વભાવથી પાપ વૃત્તિવાળો છે એટલે બાળક પર દયા નથી કરતો. તે પોતાની જાતિનો જ આદર કરે છે, જાતિ સ્વભાવ બુદ્ધિ પર નિયંત્રણ કરે છે.’
મતંગ ગર્દભીનું આવું દારુણ વચન સાંભળીને તરત જ રથમાંથી ઊતરીને ગદર્ભીને પૂછ્યું, ‘હે કલ્યાણી, મારી માતા કોનાથી દૂષિત થઈ છે? તેં મને ચાંડાળ કેવી રીતે માન્યો? મને જલદીથી કહે. મેં કોના વડે ચાંડાળ જાતિમાં જન્મ લીધો છે? મારું બ્રાહ્મણત્વ કેવી રીતે નાશ પામ્યું છે? તને આ ઘટનાની જાણ કેવી રીતે થઈ? હે મહાપ્રાજ્ઞી, તું આ વિશે યથાર્થ કહે.’
ગર્દભી બોલી, ‘તું યૌવનથી ઉન્મત થયેલી બ્રાહ્મણી અને ચાંડાળ નાપિત (વાળંદ) દ્વારા જન્મ્યો છે, તું ચાંડાલ છે એટલે તારું બ્રાહ્મણત્વ નષ્ટ થયું છે.’
ગર્દભીની વાત સાંભળીને મતંગ ઘેર પાછો આવ્યો, એને આવેલો જોઈ એના પિતાએ કહ્યું,
‘મેં તને યજ્ઞસિદ્વિના મોટા કાર્યમાં નિયુક્ત કર્યો હતો, તો પછી તું શા માટે પાછો આવ્યો? તારી તબિયત તો સારી છે ને?’
મતંગે કહ્યું, ‘જે પુરુષ ચાંડાળ કે એનાથીય ઊતરતી જ્ઞાતિનો હોય તે કેવી રીતે કુશળ રહી શકે? હે પિતા, આ જેની મા છે તે કુશળ કેવી રીતે? હે પિતા! માનવેતર જાતિમાં જન્મેલી ગર્દભી મને બ્રાહ્મણી અને ચાંડાળનો પુત્ર કહે છે, એટલે હું મોટું તપ કરીશ.’
પિતાને આમ કહીને મોટું તપ કરવા કૃતનિશ્ચયી બન્યો. મહા અરણ્યમાં જઈને વનમાં તપ કરવા લાગ્યો. કાલક્રમે મતંગ ઉત્તમ રીતે બ્રાહ્મણત્વ મેળવવા ઘોર તપ આદરી દેવતાઓને સંતાપ આપવા લાગ્યો. તેને આવી રીતે તપ કરતો જોઈ દેવરાજ બોલ્યા, ‘હે મતંગ, તું માનવભોગ ત્યજીને શા નિમિત્તે તપ કરી રહ્યો છે? હું તને વરદાન આપું છું, ઇચ્છા થાય તે માગી લે. તારા મનમાં જે હોય તે બધું માગ, વાર ન લગાડીશ.’
મતંગે કહ્યું, ‘હું બ્રાહ્મણત્વ મેળવવા આ તપ કરી રહ્યો છું, તે પ્રાપ્ત થશે ત્યારે જ અહીંથી જઈશ.’
ઇન્દ્રે તેની વાત સાંભળીને કહ્યું, ‘જેમનું અંત:કરણ સ્વચ્છ ન હોય તેમને માટે બ્રાહ્મણત્વ શક્ય નથી. બધાં પ્રાણીઓમાં બ્રાહ્મણત્વ શ્રેષ્ઠ છે, આ તપ વડે એ ઇચ્છા પાર પડી નહીં શકે. એ શ્રેષ્ઠતા માટે તપ કરવા જતાં તું તરત જ નાશ પામીશ. દેવતા, અસુર અને મનુષ્યોમાં જે પરમ પવિત્ર તરીકે વર્ણવાયું છે તે બ્રાહ્મણત્વ ચંડાળજાતિમાં જન્મેલો પુરુષ કોઈ રીતે પ્રાપ્ત કરી ન શકે.’
દૃઢ નિશ્ચયી, ઉત્તમ વ્રતી મતંગ ઇન્દ્રની એવી વાત સાંભળીને સો વર્ષ સુધી એક પગે ઊભો રહીને તપ કરતો રહ્યો.
એટલે મહાયશસ્વી ઇન્દ્રે ફરી તેને કહ્યું, ‘હે મતંગ, તું અત્યંત દુર્લભ પરમ સ્થાન પ્રાપ્ત કરવા માગે છે. હે પુત્ર, તું સાહસ ન કર. આ તારા ધર્મનો માર્ગ નથી. અપ્રાપ્ય વિષયની પ્રાર્થના કરવાથી થોડા જ સમયમાં તે નષ્ટ થશે. તે મતંગ, તું વારંવાર મારી ના છતાં બધા પ્રકારનાં તપ વડે પરમ પદ પ્રાપ્ત કરવા માગે છે, પણ તને સફળતા નહીં મળે. પશુપક્ષી યોનિના બધા જીવ જો મનુષ્યત્વ પ્રાપ્ત કરી લે તો તે પહેલાં પુલ્કસ કે ચાંડાળ થઈને જન્મ લે છે. હે મતંગ, આ લોકમાં વ્યભિચારી કે પાપયોનિમાં જો કોઈ જીવ દેખાય તો તે એ જ જાતિમાં લાંબો સમય ભમતો રહેશે. સહ વર્ષ પછી તે શૂદ્ર યોનિમાં રહે છે. એ જ યોનિમાં તે વારંવાર પરિભ્રમણ કરે છે. ત્યાર પછી ત્રીસ ગણો સમય વીતે ત્યારે તે વૈશ્ય જાતિમાં જન્મે છે, એ જ જાતિમાં તેને વારંવાર જન્મ લેવો પડે છે. પછી સાઠ ગણો સમય વીતે ત્યારે તે ક્ષત્રિય જાતિમાં જન્મે છે, એ જ જાતિમાં લાંબો સમય તેને ભમવું પડે છે. ફરી સાઠ ગણો સમય વીતે ત્યારે તે હલકા પ્રકારના બ્રાહ્મણને ઘેર જન્મે છે; ત્યાં પણ તેને ઘણો સમય ભમવું પડે છે. ત્યાર પછી બસો ગણો સમય વીતે ત્યારે અસ્ત્રશસ્ત્ર વડે જીવિકા ચલાવતા બ્રાહ્મણને ત્યાં જન્મ લે છે, આમ છતાં તે જાતિમાંય બહુ સમય સુધી પરિભ્રમણ કરવું પડે છે. ત્યાર પછી ત્રણસો વર્ષનો સમય વીતે ત્યારે ગાયત્રીનો જાપ કરનારા બ્રાહ્મણને ત્યાં એનો જન્મ થાય છે. એવો જન્મ મળ્યા પછી પણ બહુ સમય સુધી એ જ કુળમાં વારે વારે જન્મ લે છે. ફરી ચારસો વર્ષે તે ક્ષોત્રિય કુળમાં જન્મ લે છે, એ કુળમાં પણ લાંબો સમય ભ્રમણ કરે છે. હે પુત્ર, આ જ રીતે કામ દ્વેષ, ક્રોધહર્ષ, અતિમાન, અતિવાદ વગેરે દોષ તે દ્વિજાધમમાં પ્રવેશે છે. તે જો એ શત્રુઓ પર વિજય મેળવી શકે તો સદ્ગતિ પ્રાપ્ત કરી શકે, અથવા જો એ શત્રુઓ તેને જીતી લે તો તાલ વૃક્ષની ટોચ પરથી પડતા ફળની જેમ નીચે પડી જાય છે. હે મતંગ, મેં તને જે કહ્યું તેના સારી રીતે વિમર્શ કરી બીજા મનગમતા વરની પ્રાર્થના કર. બ્રાહ્મણત્વ દુર્લભ છે.’
આ સાંભળીને મતંગ બહુ શોકમગ્ન થયો. ગયામાં જઈ સો વર્ષ અંગૂઠા પર ઊભો રહ્યો. એવું સાંભળ્યું છે કે તે ધર્માત્મા દુષ્કર યોગનો આધાર લઈ અત્યંત કૃશ થઈ ગયો નાડીઓ ઊપસી આવી, અસ્થિચર્મ ખરી ગયું. બધાં પ્રાણીઓનું હિત જોનારા વાસવે (ઇન્દ્રે) તેને ખરતું જોઈને ત્યાં ધસી ગયા અને તેને ઝાલી રાખ્યું.
ઇન્દ્રે કહ્યું, ‘મતંગ, અત્યારે બ્રાહ્મણત્વ કામાદિ શત્રુઓથી ઘેરાયેલું છે, બ્રાહ્મણોની પૂજા કરવાથી સુખ મળે છે અને પૂજા ન કરવાથી દુઃખ. સર્વ પ્રાણીઓનું યોગક્ષેમ બ્રાહ્મણત્વમાં સ્થાપિત થયું છે, પિતૃઓ અને દેવગણ બ્રાહ્મણોથી તૃપ્ત થયા છે. હે મતંગ, બ્રાહ્મણ બધા ભૂતોમાં શ્રેષ્ઠ વર્ણવાયો છે. તેને જે ઇચ્છા થાય છે તે તેને ફળીભૂત થાય છે. જીવ અનેક યોનિમાં પ્રવેશ કરીને વારે વારે જન્મ લે છે અને ત્યારે ક્યારેક બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરે છે.’
મતંગે કહ્યું, ‘હું દુઃખી છું અને મને શા માટે દુઃખી કરો છો? મરેલાને શું કામ મારો છો? જે પુરુષ બ્રાહ્મણત્વ પામીને પણ પામ્યો નથી એનો શોક કરું છું. હે શતક્રતુ, જો ક્ષત્રિય વગેરે ત્રણ વર્ણો માટે બ્રાહ્મણત્વ દુર્લભ છે, અને દુર્લભ હોઈ માનવો તેનું અનુષ્ઠાન નથી કરતા, ધનસદૃશ બ્રાહ્મણત્વ પામીને જે પુરુષ એનું અનુષ્ઠાન નથી કરતો તે પાપીઓમાં પાપી અને તેનાથી ય અધમ છે. બ્રાહ્મણત્વ પામવું જ દુષ્પ્રાપ્ય છે, પ્રાપ્ત થયા પછી તેનું પાલન કરવું અઘરું છે, આ દુર્લભ વિષય પામીને પણ મનુષ્ય તેનું અનુષ્ઠાન નથી કરતો. હે શક્ર, એકાંતવાસ, નિર્દ્વન્દ્વ, અહિંસા, ઇન્દ્રિયદમન અને દાનનો આધાર લીધા પછી પણ હું શા માટે બ્રાહ્મણત્વ પ્રાપ્તિ માટે અપાત્ર છું? હે પુરંદર, હું સ્વેચ્છાપૂર્વક વિહાર કરું, ઇચ્છાનુસાર રૂપ ધારણ કરી આકાશગામી થઉં, બ્રાહ્મણ ક્ષત્રિયના વિરોધ વિના પૂજા પ્રાપ્ત થાય અને મારી અક્ષય કીર્તિ થાય એવું કરો.’
ઇન્દ્રે કહ્યું, ‘તું છંદોદેવ નામથી વિખ્યાત થઈશ અને સ્ત્રીઓ તને પૂજશે.’ આવું વરદાન આપી ઇન્દ્ર અંતર્ધાન થયા. મતંગ પણ પ્રાણ ત્યજીને તે પરમ પદ પામ્યો.
{{Right |  (અનુશાસન, ૨૮-૩૦) }} <br>
=== વીતહવ્યને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ ===
ધર્માનુસાર પ્રજાપાલન કરનાર મહાત્મા મનુને શર્યાતિ નામે પુત્ર હતો. એ જ શર્યાતિના વંશમાં હૈહય અને તાલજંગ નામના બે રાજા થયા, તેઓ વત્સના પુત્ર હતા. હેહયની દસ પત્નીઓથી તેને સો પુત્ર થયા, તેઓ શૂરવીર અને યુદ્ધમાં અપરાજિત હતા. તે બધા એક સરખા રૂપ અને પ્રભાવવાળા હતા, વિદ્વાન અને યુદ્ધશાળી હતા. ધનુર્વેદ અને વેદના વિષયોમાં પારંગત હતા. કાશી રાજ્યમાં દિવોદાસના પિતામહ હર્યશ્વ નામના રાજા હતા, વીતહવ્યના પુત્રોએ હર્યશ્વના રાજ્ય પર આક્રમણ કરીને ગંગાયમુનાની વચ્ચે યુદ્ધમાં તે રાજાને મારી નાખ્યો. તે મહારથી હૈહયપુત્ર તે નરશ્રેષ્ઠને મારીને નિર્ભય થઈને વત્સરાજની રમ્ય નગરીમાં પ્રવેશ્યો. હર્યશ્વના પુત્ર સાક્ષાત્ ધર્મસમાન, દેવતુલ્ય સુદેવનો કાશી રાજ્ય પર રાજ્યાભિષેક થયો, તે કાશીરાજનો ધર્માત્મા પુત્ર પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. વીતહવ્યના બધા પુત્રોએ આક્રમણ કરીને તેને પણ યુદ્ધમાં પરાજિત કર્યો. હૈહયપુત્રો તેને યુદ્ધમાં પરાજિત કરી સ્વસ્થાને જેવા આવ્યા હતા તેવા પાછા ફર્યા, ત્યાર પછી સુદેવનો પુત્ર દિવોદાસ કાશીરાજ બન્યો. મહાતેજસ્વી દિવોદાસે મહાત્મા હૈહયવંશીઓનું બળ જાણીને ઇન્દ્રની આજ્ઞાથી વારાણસી નગરી વસાવી. ત્યાં વિપ્ર, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર લોકો હતા. ત્યાં બજારો અનેક દ્રવ્યોથી પૂર્ણ અને વૈભવપૂર્ણ હતા. તે નગરી ગંગાના ઉત્તર કાંઠે અને ગોમતીના દક્ષિણ કાંઠે ઇન્દ્રની અમરાવતીની જેમ દિવોદાસે વસાવી. પૃથ્વીપતિ રાજશાર્દૂલ દિવોદાસ ત્યાં રાજ કરતા હતા ત્યારે હૈહયોએ ફરી આક્રમણ કર્યું. મહાબળવાન, મહા તેજસ્વી દિવોદાસ નગરીની બહાર જઈને હૈહયોની સાથે દેવાસુર સંગ્રામની જેમ યુદ્ધ કરવા લાગ્યા. તેમણે એક હજાર દિવસ સુધી યુદ્ધ કર્યું, આ યુદ્ધમાં દિવોદાસના ઘણાં વાહનો મૃત્યુ પામ્યાં, તેમની દશા પણ ખરાબ થઈ ગઈ. તે પૃથ્વીપતિ દિવોદાસ સેના અને કોશ નાશ પામ્યા એટલે પાટનગર ત્યજી પલાયન થઈ ગયા.
તે રાજા ધીમાન ભારદ્વાજના આશ્રમમાં હાથ જોડીને શરણે ગયા. તેમણે કહ્યું, ‘હે ભગવન્, વૈતહવ્યવંશના પુત્રોએ યુદ્ધમાં મારા કુળનો વિનાશ કર્યો છે, હું એકલો જ દુઃખી થઈને તમારા શરણે આવ્યો છું. હે ભગવન્, તમે શિષ્યસ્નેહ વડે મારી રક્ષા કરવા સમર્થ છો. તે પાપકર્મીઓએ મારા વંશને ઉજ્જડ કરી નાખ્યો છે.’
પ્રતાપવાન મહાભાગ ભરદ્વાજ ઋષિએ કહ્યું, ‘બીશ નહીં, બીશ નહીં. તારો ભય દૂર થશે. હું તારા પુત્ર નિમિત્તે આજે યજ્ઞ કરીશ, તે વડે તું સહ વૈતહવ્યોને પરાજિત કરી શકીશ.’
ત્યાર પછી ભરદ્વાજ ઋષિએ પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો. તે યજ્ઞના પ્રભાવથી રાજાને પ્રતર્દન નામનો પુત્ર થયો. તે પુત્ર જન્મીને તરત જ તેર વર્ષના યુવાન જેવો થઈ ગયો. તે સમયે તેણે બધા વેદ — ધનુર્વેદ પામી લીધા. ધીમાન ભરદ્વાજ યોગબળથી તેના શરીરમાં પ્રવેશ્યા, સર્વ લોકના તેજનો સંચય કરીને તેના શરીરમાં પ્રવેશ્યા. ત્યાર પછી પ્રતર્દન કવચ, ધનુષ્ય અને બાણ લઈને અગ્નિની જેમ દેદીપ્યમાન થયા. શરાસન ધારણ કરી ધનુષ્ય કંપાવતા મેઘસદૃશ બાણોની વર્ષા કરતા ચાલી નીકળ્યા. સુદેવપુત્ર રાજા દિવોદાસ પુત્રને જોઈને પરમ હર્ષ પામ્યા. અને મનોમન વૈતહવ્યના પુત્રોને સળગી મરેલા કલ્પ્યા. ત્યાર પછી રાજા દિવોદાસ પ્રતર્દનને યુવરાજપદે સ્થાપી પોતાને કૃતકૃત્ય માની આનંદ પામ્યા. પછી વૈતહવ્યના પુત્રોનો વિનાશ કરવા પુત્રને અરિદમનને મોકલ્યો. તે પરાક્રમી શત્રુનગરી પર વિજય મેળવવા રથમાં બેસી વૈતહવ્યોની નગરીમાં ગંગાપાર કરીને જઈ પહોંચ્યો. વૈતહવ્યના પુત્રોએ રથઘોષ સાંભળીને શત્રુઓના રથને પીડનારા સમર્થ નગરાકાર રથ લઈને પુરીની બહાર નીકળ્યા. વિચિત્ર પ્રકારના યુદ્ધ કરવાવાળા, નરવ્યાઘ્રો ધનુષ ઉઠાવીને બાણવર્ષા કરતા કરતા પ્રતર્દનની સામે ચાલી નીકળ્યા. જેવી રીતે વાદળ હિમાલય પર જળવર્ષા કરે છે તેવી રીતે તેઓ રાજા ઉપર અનેક પ્રકારની અસ્ત્રવર્ષા કરવા લાગ્યા. મહાતેજસ્વી રાજા પ્રતર્દને પોતાનાં અસ્ત્રોથી તેમનાં બધાં અસ્ત્રોનું નિવારણ કરીને અગ્નિસદૃશ તેજસ્વી બાણો વડે તે બધાને મારી નાખ્યા.
ભલ્લાસ્ત્ર વડે તેમનાં મસ્તકોના સેંકડો — હજારો ટુકડા થઈ ગયા. તેમનાં બધાં રુધિરવાળાં અંગો કિંશુક (પલાશ, કેસૂડો) વૃક્ષ પરથી ફૂલ ખરે તેમ નીચે ખરી પડ્યાં. બધા પુત્રોના મૃત્યુને કારણે વૈતહવ્ય નગર છોડીને ભૃગુના આશ્રમમાં જઈ પહોંચ્યા. તે રાજા વૈતહવ્ય ભૃગુ ઋષિને શરણે ગયો. ઋષિએ તેને અભયદાન આપ્યું, શિષ્યને આશ્રય આપ્યો. ત્યાર પછી તેમનો પીછો કરતા કરતા દિવોદાસપુત્ર પણ એ આશ્રમમાં જઈ પહોંચ્યા. ત્યાં જઈને બોલ્યા, ‘મહાત્મા ભૃગુના શિષ્યોમાંથી કોણ કોણ અહીં છે? હું મુનિના દર્શન કરવા માગું છું, તેમને મારી વાત પહોંચાડો.’
ભૃગુ મુનિએ પ્રતર્દનના આગમનના સમાચાર સાંભળી તે જ વખતે આશ્રમની બહાર નીકળી તે રાજાનું પરમ વિધિપૂર્વક સ્વાગત કર્યુ; ભૃગુએ તે રાજેન્દ્રને પૂછ્યું, ‘કયા કાર્ય માટે તમે અહી આવ્યા છો?’
ત્યારે રાજાએ ભૃગુને આગમનનું કારણ જણાવ્યું, ‘હે ભગવન્, રાજા વૈતહવ્યને તમે આશ્રમની બહાર કાઢો. તેમના પુત્રોએ મારા સમસ્ત કુળનો વિનાશ કર્યો છે, કાશીનું રાજ્ય તથા તેનો રત્નસંચય નષ્ટ થયો છે. આ બળના ઘમંડથી ભરેલા રાજાના સો પુત્ર મારા હાથે મૃત્યુ પામ્યા છે, હવે હું એનો વધ કરીને પિતાના ઋણમાંથી મુક્ત થઈશ.’
ધર્મશ્રેષ્ઠ ભૃગુએ કૃપાવાન થઈને રાજાને કહ્યું, ‘અહીં કોઈ ક્ષત્રિય નથી, આ બધા તો બ્રાહ્મણો છે.’
પ્રતર્દન ભૃગુ ઋષિનું વચન સાંભળીને મુનિનો ચરણસ્પર્શ કરીને ધીરેથી હસતાં બોલ્યો, ‘હે ભગવન્, આમ થવાથી પણ હું નિ:સંશય કૃતકૃત્ય થયો. કારણ કે તે રાજાને મારા પરાક્રમથી સ્વજાતિમાંથી દૂર કર્યો. હવે મને જવાની આજ્ઞા આપો, મારા કલ્યાણનો વિચાર કરજો. મેં રાજાનો જાતિત્યાગ કરાવ્યો.’
ત્યાર પછી રાજા પ્રતર્દન ભૃગુમુનિની આજ્ઞાથી જેવી રીતે સાપ વિષ બહાર કાઢીને ચાલ્યો જાય તેવી રીતે ત્યાંથી જતો રહ્યો. વૈતહવ્યે ભૃગુના માત્ર વચન દ્વારા બ્રહ્મર્ષિત્વ અને બ્રહ્મવાદિત્વનો લાભ મેળવ્યો.
રૂપમાં ઇન્દ્ર જેવો ગૃત્સમદ નામનો પુત્ર તેમનો હતો. ‘તું ઇન્દ્ર છે’ એમ કહીને દૈત્યોએ એને પકડી લીધો હતો. ઋગ્વેદમાં ગૃત્સમદની કથા છે. ત્યાં તેની પૂજા બ્રાહ્મણો કરતા હતા. બ્રહ્મર્ષિ ગૃત્સમદ બ્રહ્મચારી હતા. તેમનો પુત્ર સુચેતા પણ બ્રાહ્મણ હતો. સુચેતાનો પુત્ર વર્ચા, વર્ચાનો પુત્ર વિહવ્ય, વિહવ્યનો પુત્ર વિતત્ય, વિતત્યનો પુત્ર સત્ય, સત્યનો પુત્ર સંત, સંતનો પુત્ર શ્રવા, શ્રવાનો પુત્ર તમ, તમનો પુત્ર પ્રકાશ, પ્રકાશનો પુત્ર વિજયીઓમાં શ્રેષ્ઠ વાગિન્દ્ર હતો. વાગિન્દ્રનો પુત્ર વેદવેદાંગમાં પારંગત હતો, ઘૃતાચી અપ્સરાએ પ્રમતિના પુત્ર રુરુને જન્મ આપ્યો. રુરુએ પ્રમદ્વરા દ્રારા શુનક નામનો પુત્ર જન્મ્યો, તેનો પુત્ર શૌનક નામે વિખ્યાત થયો. નરાધિપ વૈતહવ્ય પણ આમ ક્ષત્રિય થઈને ભૃગુની કૃપાથી બ્રાહ્મણ થઈ ગયા.’
{{Right | (અનુશાસન ૩૧) }} <br>
=== વિપુલે ગુરુપત્નીની કરેલી રક્ષા ===
દેવશર્મા નામના એક વિખ્યાત મહાભાગ ઋષિ હતા, તેમની ભાર્યાનું નામ રુચિ હતું. પૃથ્વીમાં એના જેવી સુંદરી કોઈ ન હતી. દેવ, ગંધર્વ, દાનવો અને ખાસ કરીને તો ઇન્દ્ર તેનું રૂપ જોઈને ઉન્મત્ત થઈ જતા હતા. નારીઓનું ચરિત્ર જાણનારા મહામુનિ દેવશર્મા યથાશક્તિ અને ઉત્સાહપૂર્વક પોતાની ભાર્યાની રક્ષા બધી રીતે કરતા હતા. ઇન્દ્ર પરસ્ત્રીગામી હતો એ વાત તેઓ જાણતા હતા. એટલે તેઓ પત્નીની રક્ષા કરતા હતા. એક વેળા તે ઋષિએ યજ્ઞ કરવાની ઇચ્છા પ્રગટ કરી, તે સમયે તેઓ વિચારવા લાગ્યા કે પત્નીની રક્ષા કેવી રીતે કરવી. મહા તપસ્વીએ મનોમન ભાર્યાની રક્ષાનો ઉપાય વિચારીને ભાર્ગવગોત્રી પોતાના પ્રિય શિષ્ય વિપુલને બોલાવીને કહ્યું, ‘હે પુત્ર, હું યજ્ઞ કરવા માટે બહાર જઈશ. સુરેશ્વર (ઇન્દ્ર) રુચિને ચાહે છે, તું શક્તિ પ્રમાણે તેની રક્ષા કરજે. ઇન્દ્ર વિશે તું સાવધ રહેજે, કારણ કે તે વિવિધ રૂપ ધારણ કરી શકે છે.’
આ સાંભળીને અગ્નિ અને સૂર્ય સમાન તેજસ્વી, સદૈવ ઉગ્ર તપ કરવાવાળા, નિયતેન્દ્રિય તપસ્વી, ધર્મજ્ઞ, સત્યવાદી વિપુલે ઉત્તર આપ્યો, ‘ભલે એમ કરીશ.’ જ્યારે ગુરુ જવા નીકળ્યા ત્યારે તેણે ઋષિને ફરી પૂછ્યું, ‘શક્ર આવે ત્યારે તેમનાં કેવાં કેવાં રૂપ હોય છે, તે સમયે તેમનું શરીર કેવું હોય છે અને તેજ કેવું હોય છે? તમે મને એની સમજ પાડો.’
ત્યાર પછી ભગવાન મહાનુભાવ વિપુલને ઇન્દ્રની માયાનું વર્ણન કરવા લાગ્યા, ‘હે વિપ્રર્ષિ, વલનો વધ કરનાર પાકશાસન (ઇન્દ્ર) અનેક પ્રકારની માયા રચી શકે છે, તે અવારનવાર અનેક રૂપ ધારણ કરે છે. ક્યારેક તે કિરીટી, વજ્રધારી ધનુષ ધારણ કરીને, મુકુટવાળા, કાને કુંડળવાળા હોય છે, તો ક્યારેક ઘડીવારમાં ચાંડાળ જેવા દેખાય છે. ક્યારેક શિખાવાળા, ક્યારેક જટાવાળા, ક્યારેક ચીરવસ્ત્રવાળા, ક્યારેક વિશાળ શરીરવાળા, ક્યારેક સ્થૂળ તો ક્યારેક કૃશ દેખાય છે, તે ક્યારેક ગૌર, ક્યારેક શ્યામ તો ક્યારેક કૃષ્ણ વર્ણવાળા દેખાય છે, ક્યારેક કુરૂપ — ક્યારેક રૂપવાન, ક્યારેક મૂઢ, ક્યારેક મૌનધારી, ક્યારેક વામન ક્યારેક ખૂબ જ લાંબા બને છે. ક્યારેક બ્રાહ્મણ, ક્યારેક ક્ષત્રિય, ક્યારેક વૈશ્ય, તો ક્યારેક શૂદ્ર થઈ જાય છે. શતક્રતુ (ઇન્દ્ર) ક્યારેક અનુલોમ તો ક્યારેક પ્રતિલોમ બને છે. તે પોપટ, કાગડો, કોયલ અને હંસનું રૂપ લે, ક્યારેક સિંહ, વાઘ, હાથીનું રૂપ અવારનવાર લે. દેવ, દૈત્ય અને રાજાઓનું શરીર પણ ધારણ કરે, તે અત્યંત કૃશ, વાત રોગથી પીડાતા પક્ષી જેવા તો ક્યારેક વિકૃત વેશવાળા બને છે. ક્યારેક તે ચોપગા, બહુરૂપી, બાલિશ બને છે, તે મક્ષિકા અને મચ્છર જેવું રૂપ પણ ધારણ કરે છે. હે વિપુલ, કોઈ તેમને પકડી શક્તું નથી, વિશ્વકર્તા પણ તેમને ઓળખી નથી શકતા. ઇન્દ્ર અદૃશ્ય થાય ત્યારે જ્ઞાનનેત્રથી નજરે પડે છે, પછી વાયુરૂપ બની જાય છે. હે વિપુલ, ઇન્દ્ર આવી રીતે સદા નવાં નવાં રૂપ ધારણ કરે છે એટલે સુંદરી રુચિની કાળજીપૂર્વક રક્ષા કરજે. યજ્ઞનું નૈવેદ્ય ચાટવાની ઇચ્છા કરતા કૂતરા જેવા દેવેન્દ્ર રુચિનો સ્પર્શ કરી ન શકે એની સંભાળ રાખજે.’
આમ કહીને મહાભાગ દેવશર્મા મુનિ યજ્ઞ માટે ચાલી નીકળ્યા. વિપુલ પણ ગુરુની વાત સાંભળીને ચિંતાતુર થયો, મહાબળવાન ઇન્દ્રથી ગુરુપત્નીની રક્ષા કરવા તત્પર રહ્યો. તેણે વિચાર્યું, સુરેન્દ્ર અત્યંત પરાક્રમી, દુર્ઘષ અને માયાવી છે તો ગુરુપત્નીની રક્ષા કરવા શું કરી શકાય? આશ્રમ અને કુટીર બંધ કરીને ઇન્દ્રને દૂર રાખવો શક્ય નથી, કારણ કે તે અનેક રૂપ લઈ શકે છે. દેવરાજ વાયુ રૂપે જઈને ગુરુપત્નીને સ્પર્શી શકે, એટલે આજથી હું તેમના શરીરમાં પ્રવેશીને રહીશ. હું પૌરુષથી તો તેમની રક્ષા કરી શકીશ નહીં; કારણ કે હરિવાહન ઇન્દ્ર બહુ રૂપ ધારણ કરી શકે છે. એટલે યોગબળ દ્વારા હું ઇન્દ્રથી તેમની રક્ષા કરી શકીશ. ગુરુપત્નીની રક્ષા માટે હું સંપૂર્ણ અંગોથી તેમનામાં સમાઈ જઈશ. દિવ્ય જ્ઞાન ધરાવતા મહાતપસ્વી, મારા ગુરુ આજે પત્નીને પરપુરુષ દ્વારા દૂષિત થયેલી જોશે તો ક્રોધે ભરાઈને તેઓ નિ:સંશય મને શાપ આપશે. જેવી રીતે અન્ય સ્ત્રીની રક્ષા મનુષ્ય નથી કરી શકતા એવી જ રીતે આની રક્ષા કરવી મારા માટે અશક્ય છે, સુરેન્દ્ર તો ખૂબ માયાવી છે, હું તો સંશયમાં પડી ગયો છું. અત્યારે તો મારે ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ ઉચિત લાગે છે, જો હું એ પાલન કરી શકીશ તો બહુ જ આશ્ચર્યની વાત ગણાશે. હું યોગબળથી ગુરુપત્નીના કલેવરમાં પ્રવેશ કરું અને રજોરૂપથી મુક્ત રહેવાથી મારો કોઈ અપરાધ ગણાશે નહીં. જેવી રીતે પથિક સૂના સ્થાને વાસ કરે છે તેમ હું ગુરુપત્નીના શરીરમાં નિવાસ કરીશ. જેવી રીતે કમળપત્ર પર જળબિંદુ નિર્લિપ્ત ભાવે સ્થિર રહે છે તેવી જ રીતે સાવધ રહીને તેમના શરીરમાં સ્થિર રહીશ. આમ ધર્મની આલોચના કરીને, કે બધી રીતે વેદવેદાંગની આલોચના કરીને, ગુરુની અને પોતાની તપસ્યાનું અવલોકન કરીને, મનોમન નિશ્ચય કરીને ભૃગુવંશી વિપુલે ગુરુપત્નીની રક્ષા માટે મહાન પુરુષાર્થ આદર્યો.
મહાતપસ્વી વિપુલ ગુરુપત્ની પાસે બેસીને, અનિંદિતાંગી ગુરુપત્નીને અનેક કથાઓથી લોભાવવા લાગ્યા. વિપુલે પોતાનાં નેત્રોના તેજથી રુચિનાં બંને નેત્રોનું તેજ સંયોજિત કર્યું. અને જેવી રીતે પવન આકાશમાં પ્રવેશે તેવી રીતે તે તેના શરીરમાં પ્રવેશ્યો. મુનિ વિપુલ છાયાની જેમ લક્ષણોથી લક્ષણોમાં, મુખમાંથી મુખમાં પ્રવેશી હલનચલન વિના સ્થિર ભાવે નિવાસ કરવા લાગ્યા. ત્યાર પછી વિપુલ ગુરુપત્નીના શરીરને સ્તંભિત કરી તેની રક્ષામાં નિયુક્ત થઈ સ્થિર રહ્યા. ગુરુપત્ની પોતાના શરીરમાં પ્રવેશેલા વિપુલને જાણી ન શકી. જ્યાં સુધી તે મહાત્માના ગુરુ યજ્ઞ સમાપ્ત કરીને પોતાના આશ્રમમાં ન આવ્યા ત્યાં સુધી વિપુલ બધી રીતે ગુરુપત્નીની રક્ષા કરવામાં પ્રવૃત્ત રહ્યા.
ત્યાર પછી એક વાર ઇન્દ્ર દિવ્ય સૌંદર્યવાળા શરીરે આશ્રમમાં આવ્યા, તે અપ્રતિમ મોહક સુંદર રૂપ ધારણ કરીને, દર્શનીય બનીને આશ્રમમાં પ્રવેશ્યા. તેમણે તે સમયે ચિત્રાલેખનની જેમ સ્તબ્ધ નયના અને નિશ્ચેષ્ટ વિપુલનું કલેવર જોયું. તથા ભરાવદાર નિતંબ અને પયોધર(સ્તન)વાળી, પદ્મપત્ર સમાન વિશાલ નેત્રવાળી, પૂર્ણચંદ્ર મુખવાળી રુચિને જોઈ. ઇન્દ્રને જોઈને રુચિએ ઊભા થવાની ઇચ્છા કરી, તેના રૂપથી વિસ્મિત થઈને ‘કોણ છો?’ કહેવાની ઇચ્છા તેને થઈ. વિપુલ દ્વારા રક્ષાયેલી તે ઊભા થવાની ઇચ્છા છતાં ઊભી થઈ ન શકી. ત્યારે દેવેન્દ્રે તેને પરમ મનોહર વચન કહ્યાં, ‘હે શુચિસ્મિતા, હું દેવેન્દ્ર છું, તારા જ માટે અહીં આવ્યો છું. હે સુંદર ભ્રમરવાળી, હું તારા સંકલ્પિત કામથી વિહ્વળ બનીને આવ્યો છું, સમય વીતી રહ્યો છે, વિલંબ ન કર.’
ઇન્દ્ર આ કહી રહ્યા હતા ત્યારે ગુરુપત્નીના શરીરમાં રહેલા વિપુલ મુનિએ એ સાંભળ્યું અને દેવરાજને જોયા પણ ખરા. વિપુલ દ્વારા સ્તંભિત થઈ ગયેલી અનિંદિતા રુચિ ઊભી થઈ ન શકી, કશું બોલી ન શકી. તે ભૃગુવંશી, મહાતેજસ્વી વિપુલે ગુરુપત્નીનો આશય જાણીને બળપૂર્વક યોગ વડે રુચિને નિગ્રહ કરી રાખી. તેણે તેની બધી ઇંદ્રિયો યોગબંધન વડે બદ્ધ કરી દીધી. શચીપતિએ રુચિને યોગબળથી મોહિત અને નિર્વિકાર જોઈને લજ્જિત થઈ ફરી કહ્યું, ‘આવ, આવ.’
રુચિએ તેમને પ્રત્યુત્તર આપવાની ઇચ્છા કરી, પરંતુ વિપુલે ગુરુપત્નીની વાણીને ફેરવી નાખી, રુચિના ચંદ્રસમાન મુખમાંથી સંસ્કારી વચન નીકળ્યું, ‘તમે શા માટે અહી આવ્યા છો?’ પરવશ હોઈ રુચિ આમ બોલીને લજ્જિત થઈ, ઇન્દ્ર પણ સંત્રસ્ત થયા અને અન્યમનસ્ક થઈ સ્થિર રહ્યા. દેવરાજ ઇન્દ્રે તેનો આ વિકૃત ભાવ જાણી દિવ્ય દૃષ્ટિ વડે તેની સામે જોયું,
તેમણે આદર્શ(આયનો)માં પ્રતિબિંબની જેમ ગુરુપત્નીના શરીરમાં વિપુલના શરીરને જોયું. પુરંદર(ઇન્દ્ર) ઘોર તપસ્યાયુક્ત વિપુલને જોઈને બી ગયા.
અને શાપના ભયથી ત્યાં જ ઊભા રહ્યા. મહાતપસ્વી વિપુલ ગુરુપત્નીના શરીરમાંથી નીકળી પોતાના શરીરમાં પ્રવેશ્યા અને ઇન્દ્રને કહેવા લાગ્યા, ‘હે અજિતેન્દ્રિય, પાપી, કામી પુરંદર, દેવ લોકો અને મનુષ્યો લાંબા સમય સુધી તારી પૂજા નહીં કરે. ગૌતમે તારા આખા શરીરે ભગચિહ્ન લગાડ્યા પછી તું મુક્ત થયો હતો તે ભૂલી ગયો? તને યાદ છે ને? હું તને મૂઢમતિ, અકૃતાત્મા અને અસ્થિર જાણું છું. હે મૂઢ, હે પાપી, આ મારા દ્વારા રક્ષાયેલી છે, તું જ્યાંથી આવ્યો ત્યાં પાછો ચાલ્યો જા. હે મૂઢાત્મા, આજે હું મારા તેજથી તને ભસ્મ કરવા માગતો નથી. મેં કૃપા કરીને તને ભસ્મ કરવાની ઇચ્છા નથી કરી. મારા ધીમાન ગુરુ તને પાપીને જોઈને તરત જ નિ:શેષ કરી નાખશે. હે ઇન્દ્ર, તું ફરી આવું કર્મ ન કરીશ, બ્રાહ્મણવૃંદ તમારા માટે માનનીય છે, એટલે બ્રહ્મબળથી પીડાઈને પુત્રો અને સેવકો સમેત નાશ ન પામતો પોતાને અમર સમજીને જો તું સ્વેચ્છાચારી રહીશ તો યાદ રાખજે, કોઈ તપસ્વીનું અપમાન ન કરીશ, કારણ કે તપ વડે કશું અસાધ્ય નથી.’
ઇન્દ્ર મહાનુભાવ વિપુલનું વચન સાંભળીને લજ્જિત થઈ કશું કહ્યા વિના ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. મુહૂર્ત જેટલો સમય વીત્યા પછી મહાતપસ્વી દેવશર્મા ઇચ્છાનુસાર યજ્ઞ સમાપ્ત કરીને આશ્રમમાં આવ્યા. ગુરુ આવ્યા એટલે પ્રિયકાર્ય કરવાવાળા વિપુલે અનંદિતા ગુરુપત્નીની કેવી રીતે રક્ષા કરી તે બધી વાત કરી. તે શાંતચિત્ત ગુરુવત્સલ વિપુલ ગુરુને નમન કરી પહેલાંની જેમ અશંકિત થઈ ગુરુની સેવા કરવા લાગ્યો. ગુરુ વિશ્રામ કરી ભાર્યા સાથે બેઠા ત્યારે વિપુલે ઇન્દ્રની બધી વાત કરી. પ્રતાપી મુનિશ્રેષ્ઠ વિપુલનું વચન સાંભળી તેના સ્વભાવ, ચરિત્ર, તપસ્યા, નિયમથી સંતુષ્ટ થયા.
વિપુલની ગુરુસેવાવૃત્તિ, પોતાના માટેની ભક્તિ અને ધર્મમાં સ્થિરતા જોઈ ગુરુએ ‘સાધુ, સાધુ’ કહીને ધન્યવાદ આપ્યા. ધર્માત્મા દેવશર્માએ શિષ્યને ધર્મપરાયણ જોઈને કહ્યું, ‘વર માગ.’ ગુરુવત્સલ વિપુલે ગુરુ પાસે વર માગ્યો. વર મેળવી ગુરુની આજ્ઞાથી ઉત્તમ તપ કરવા પ્રવૃત્ત થયો. તે મહાતપસ્વી દેવશર્મા પણ વલ અને વૃત્રાસુરનો વધ કરનારા ઇન્દ્રથી નિર્ભય થઈને ભાર્યા સહિત નિર્જન વનમાં વિહાર કરવા લાગ્યા.
{{Right |  (અનુશાસન ૪૦, ૪૧)}} <br>
=== ચ્યવન ઋષિ અને માછીમારો ===
ભૂતકાળમાં ભૃગુવંશી મહાવ્રતી ચ્યવન ઋષિએ પાણીમાં નિવાસ કરવાનો આરંભ કર્યો. અભિમાન, ક્રોધ, હર્ષ, શોકને પરહરી બાર વર્ષ સુધી મૌન સેવીને જલવાસી વ્રતધારી રહ્યા. શીતળ કિરણોવાળા ચંદ્રની જેમ બધાં પ્રાણીઓ અને જલચર જીવોમાં તે ઋષિએ પરમ પવિત્ર વિશ્વાસ પ્રગટાવ્યો હતો. સ્થિર ચિત્તે અને પવિત્ર થઈને દેવતાઓને પ્રણામ કરીને ગંગા અને યમુનાની વચ્ચેના પાણીમાં તેમણે પ્રવેશ કર્યો હતો. ગંગા યમુનાના વાયુ સમાન ભયંકર વેગને તેમણે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો હતો. ગંગા, યમુના અને બીજી સરિતાઓ, તળાવો ઋષિની પ્રદક્ષિણા કરતાં હતાં, તેમને કદી પીડા આપતાં ન હતાં. તે મહામુનિ પાણીમાં લાકડાની જેમ રહેતા હતા. ત્યાર પછી તે ધીમાન મુનિ એના ઉપર ઊભા રહેતા હતા. તે જળચર પાણીઓના પ્રીતિપાત્ર હતા, માછલીઓ પ્રસન્નચિત્તે તેમને સૂંઘતી હતી. આમ પાણીમાં રહેતાં રહેતાં ઘણો સમય વીતી ગયો.
ત્યાર પછી એક વેળા કોઈ પ્રદેશના માછીમારો હાથમાં જાળ લઈને ત્યાં ગયા. ઘણી બધી માછલીઓ પકડવાનો નિર્ધાર કરીને તેઓ ત્યાં આવ્યા હતા. ખૂબ જ બળવાન, શૂર, પાણીમાં ભ્રમણ કરવાની આદતવાળા, ઘણા નિષાદોએ ત્યાં જાળ નાખવાનો નિર્ધાર કર્યો. તે સ્થળે પાણીમાં ઘણી માછલીઓ હતી, એટલે સતત જાળ નાખતા રહ્યા, ત્યાર પછી માછલીઓની આકાંક્ષા રાખનારા કેવટોએ અનેક ઉપાયો કરીને જાળ વડે ગંગા અને યમુનાના પાણીને આચ્છાદિત કર્યું. તેમણે તે સ્થાને બધી બાજુથી જે જાળ નાખી હતી તે દૃઢ, નવા સૂતરથી બનેલી, લાંબીપહોળી હતી. પછી બધા પાણીમાં ઊતરીને જોરથી જાળ ખેંચવા લાગ્યા. તે બધા નિર્ભય, પ્રસન્ન અને પરસ્પરના સહકારથી તે જાળમાં માછલીઓ અને બીજા જલચરોને બાંધવા લાગ્યા.
તેમણે યદૃચ્છાથી માછલીઓથી ઘેરાયેલા ચ્યવન ઋષિને પણ જાળમાં ખેંચી લીધા. લીલા રંગના મૂછો — દાઢીવાળા, શરીરે નદીની શેવાળથી લેપાયેલા, શંખ વગેરે જલજંતુઓના નખથી છવાયેલા, વિચિત્ર પેટવાળા મુનિને તેમણે જોયા. વેદપારંગત મુનિ જાળમાં ખેંચાઈ આવ્યા તે જોઈને બધા હાથ જોડી, મસ્તક નમાવી જમીન પર આડા પડ્યા. જાળ દ્વારા ખેંચાવાને કારણે શોક, ત્રાસ અને સ્થળના ઘર્ષણથી માછલીઓ મરી ગઈ. મુનિ તે સમય માછલીઓનો સંહાર જોઈ દીર્ઘ નિ:શ્વાસ નાખવા લાગ્યા, નિષાદોએ કહ્યું, ‘હે મહામુનિ, અમે અજાણતાં જે પાપ કર્યું છે તે માટે અમને ક્ષમા કરો. અમે તમારું કયું પ્રિય કાર્ય કરીએ, અમને આજ્ઞા આપો.’
માછલીઓની વચ્ચે બેઠેલા મહામુનિ માછીમારોનું વચન સાંભળીને બોલ્યા, ‘અત્યારે મારી જે પરમ ઇચ્છા છે તે તમે ધ્યાનથી સાંભળો. હું માછલીઓની સાથે મારા પ્રાણ ત્યજીશ અથવા એમની સાથે હું વેચાઈ જઈશ, પાણીમાં તેમનો સહવાસ થયો છે એટલે હું તેમને ત્યજી શકીશ નહીં.’
મુનિએ જ્યારે આમ કહ્યું ત્યારે નિષાદો ભયથી કાંપવા લાગ્યા, ફીકા મોંવાળા, દુઃખી માછીમારોએ રાજા નહુષ પાસે જઈને બધી વાત કરી.
આવી રીતે ચ્યવન મુનિને આવેલા જાણીને નહુષ મંત્રી અને પુરોહિતની સાથે ત્વરાથી ગયા. રાજાએ યથા રીતિ શરીરશુદ્ધિ કરીને હાથ જોડ્યા, મસ્તક નમાવી પ્રણામ કર્યા, પોતાની ઓળખ આપી. રાજાના પુરોહિતે સત્યવ્રતી દેવકલ્પ મહાભાગની પૂજા કરી.
નહુષે કહ્યું, ‘હે ભગવન્, હું તમારું કયું પ્રિય કાર્ય કરું? કહો જોઈએ. એ કાર્ય ગમે તેટલું દુષ્કર હશે તો પણ હું પાર પાડીશ.’
ઋષિ બોલ્યા, ‘મત્સ્યજીવી કેવટો બહુ થાકી ગયા છે, એટલે તેમને માછલીઓના મૂલ્યની સાથે મારું મૂલ્ય પણ ચૂકવી દો.’
નહુષે કહ્યું, ‘હે પુરોહિત, ભગવાન ભૃગુનંદને જેવું કહ્યું છે તે કરો, નિષાદોને એક હજાર સુવર્ણમુદ્રા આપો.’
ચ્યવને કહ્યું, ‘હે રાજા, સહ મુદ્રા જેટલું મૂલ્ય મારું નથી. તમે શું વિચારો છો? તમારી બુદ્ધિ વડે મારું યોગ્ય મૂલ્ય કરો.’
નહુષે કહ્યું, ‘નિષાદોને એક લાખ મુદ્રા આપો. હે ભગવન્, આ જ તમારું મૂલ્ય છે ને? અથવા હજુ વધારે આપવા માગો છો?’ ચ્યવને કહ્યું, ‘હે રાજવીશ્રેષ્ઠ, એક લાખ સોનામહોરો જેટલું મારું મૂલ્ય નથી. યોગ્ય મૂલ્ય આપો, મંત્રીઓની સલાહ લો.’
‘હે પુરોહિત, નિષાદોને એક કરોડ મુદ્રા આપો. જો આ પણ ઓછું પડતું હોય તો એનાથીય વધારે આપો.’
ચ્યવને કહ્યું, ‘હે તેજસ્વી મહારાજ, મારું મૂલ્ય કરોડ કે એથી વધારે ધન જેટલું નથી. બ્રાહ્મણો સાથે વિચાર કરીને મને યોગ્ય મૂલ્ય આપો.’
નહુષે કહ્યું, ‘હે દ્વિજવર, નિષાદોને અર્ધું રાજ અથવા આખું રાજ આપી દો. મારી દૃષ્ટિએ આ યોગ્ય મૂલ્ય છે, તમારી બુદ્ધિમાં આ સિવાય બીજું કોઈ મૂલ્ય સૂઝે છે?’
ચ્યવને કહ્યું, ‘હે મહારાજ, અડધું કે આખું રાજ્ય મારા માટે પૂરતું નથી. ઋષિઓ સાથે વિચાર કરીને યોગ્ય મૂલ્ય આપો.’
ચ્યવન મુનિની વાત સાંભળી નહુષ રાજા બહુ દુઃખી થયા, તે વેળા મંત્રી અને પુરોહિત સાથે વિચારવા લાગ્યા, તે સમયે ગાયના ગર્ભથી જન્મેલા, ફળમૂળનું ભોજન કરનારા એક વનવાસી મુનિ નહુષની પાસે આવ્યા. તે દ્વિજવરે નહુષ રાજાને કહ્યું, ‘તમે જે પ્રકારે સંતુષ્ટ થશો તે જ રીતે હું એમને પ્રસન્ન કરીશ. હું હસીમજાકમાં પણ જૂઠું બોલ્યો નથી. તો પછી અત્યારે જૂઠું બોલું કેવી રીતે? હું જે કહીશ તે તમારે શંકા કર્યા વિના કરવાનું.’
નહુષે કહ્યું, ‘હે ભગવન્, મહર્ષિ ભૃગુનંદનનું કેટલું મૂલ્ય થાય તે મને કહો. ભગવન્, આમ કહીને મારું, મારા રાજ્યનું, વંશનું રક્ષણ કરો, ભગવન ચ્યવન ક્રોધે ભરાય તો ત્રણે લોકોનો નાશ કરી શકે છે, હું તો બાહુબલ ધરાવું છું, તપસ્યા વગરનો છું, એટલે મને જે નષ્ટ કરશે તેમાં કઈ વિચિત્રતા છે? હે વિપ્રર્ષિ, હું મંત્રી — પુરોહિત સાથે સંકટના અગાધ જળમાં ડૂબી રહ્યો છું, મહર્ષિનું મૂલ્ય વિશેષ રીતે કરજો.’
પ્રતાપશાળી ગૌ — શિશુએ નહુષની વાત સાંભળી મંત્રીઓ સાથે રાજાને હર્ષયુક્ત કરી કહ્યું, ‘હે મહારાજ, હે પૃથ્વીપાલ, બધા વર્ણોમાં બ્રાહ્મણ અને ગાય શ્રેષ્ઠ છે, મૂલ્યવાન છે. ગાય અને બ્રાહ્મણનું મૂલ્ય આંકી ન શકાય. એટલે તમે એમના મૂલ્ય પેટે ગાય સમજો.’
રાજા નહુષ મહર્ષિની વાત સાંભળીને મંત્રી — પુરોહિત સમેત ખૂબ હર્ષ પામ્યા. કઠોર વ્રતનું પાલન કરનાર ભૃગુનંદન ચ્યવન મુનિ પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે ભાર્ગવ, તમે ઊઠો, તમારું મૂલ્ય એક ગાય જેટલું અંકાયું છે.’
ચ્યવને કહ્યું, ‘હે અનઘ(પાપરહિત), હવે હું ઊઠું છું. તમે મારું સાચું મૂલ્ય આંક્યું છે. હું આ લોકમાં ગાયના જેવું બીજું કોઈ ધન જોતો નથી. હે રાજન્, ગાયોનાં નામ, ગુણોની કથા કરવી, એ સાંભળવું, ગાયનું દાન કરવું, દર્શન કરવું — આ બધાંની બહુ પ્રશંસા થઈ છે. આ બધાં કાર્ય પાપહારી છે, કલ્યાણકારક છે. ગાયો સદા લક્ષ્મીનું મૂળ છે, ગાયોમાં પાપ નથી, ગાયો સદા મનુષ્યોને અન્ન અને દેવતાઓને હવિ આપે છે. ગાયોમાં જ સ્વાહા અને વષટકાર હોય છે, ગાયો જ યજ્ઞોને સફળ બનાવે છે અને તે જ યજ્ઞના મુખ સ્વરૂપ છે. ગાયોમાં દિવ્ય અક્ષય અમૃત વહે છે, બધાના નમસ્કારને યોગ્ય છે. તે અમૃતના સ્થાને છે. પૃથ્વી પર તેજ અને શરીરથી ગોવૃંદ અગ્નિ સમાન છે, ગાયો ઉત્તમ, મહાન, તેજનો અંબાર છે, પ્રાણીઓ માટે સુખદા છે. ગાયો જે સ્થળે નિર્ભય થઈને શ્વાસ લે છે, તે સ્થાનને અલંકૃત કરતી ત્યાંનાં પાપ નિવારે છે. ગાયો સ્વર્ગનાં સોપાન જેવી છે, ગાયો સ્વર્ગમાંય પૂજાય છે, ગાયો દૈવી સ્વરૂપ છે, તે કામદુધા છે, ગાયથી શ્રેષ્ઠ કશું નથી. હે રાજેન્દ્ર, ગાયોનું આ માહાત્મ્ય મેં કહ્યું, તેના ગુણોનું સંક્ષેપમાં આલેખન છે, તેના ગુણોનું વર્ણન કરવું તો અશક્ય છે.’
નિષાદોએ કહ્યું, ‘હે મુનિ, તમે અમારી સાથે જ વાર્તાલાપ કર્યો, તમે જે દર્શન આપ્યાં, સાધુઓની સાથે સાત ડગલાં ચાલવાથી મૈત્રી થાય છે. એટલે પ્રભુ, અમારા પર પ્રસન્ન થાઓ. જેવી રીતે અગ્નિ સમસ્ત હવિનો ઉપભોગ કરે છે એવી જ રીતે તમે અમારા દોષોને બાળી નાખનારા પ્રતાપવાન પુરુષાગ્નિ છો. હે વિદ્વાન, અમે તમને નમીને પ્રસન્ન કરીએ છીએ, અમારા પર કૃપા કરીને આ ગાયને સ્વીકારો.’
ચ્યવને કહ્યું, ‘જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ સૂકાં તણખલાં સળગાવે છે તેવી રીતે દીન, કૃપણ, મુનિ, વિષધર સર્પનાં નેત્ર મનુષ્યોને આમૂલ ભસ્મ કરે છે. હે કેવટલોકો, તમે આપેલી ગાય સ્વીકારું છું. તમે નિષ્પાપ થઈને જાળમાં પકડેલી માછલીઓની સાથે સ્વર્ગમાં જાઓ.’
ત્યાર પછી તે પવિત્ર મહર્ષિની કૃપાથી તેમના વચન અનુસાર માછલીઓની સાથે નિષાદો સ્વર્ગમાં ગયા.
રાજા નહુષ માછલીઓની સાથે નિષાદોને સ્વર્ગમાં જતા જોઈ નવાઈ પામ્યા.
ત્યાર પછી ગૌ — શિશુ અને ચ્યવન મુનિ — બંનેએ નહુષને યથોચિત વર માગવા કહ્યું. પૃથ્વીપતિ, પરાક્રમી નહુષે તે સમયે પ્રસન્ન થઈને કહ્યું, ‘તમારી કૃપા છે.’
આ ઇન્દ્ર સમાન રાજાએ ધર્મમાં નિષ્ઠા રહે એવો વર માગ્યો. તેમણે પણ કહ્યું, ‘તથાસ્તુ.’
રાજાએ પ્રસન્ન થઈને બંને ઋષિઓની વિધિવત્ પૂજા કરી. ચ્યવન મુનિ દીક્ષા પૂરી કરીને પોતાના આશ્રમમાં ગયા. મહાતેજસ્વી ગૌશિશુ પણ પોતાના આશ્રમે ગયા.
બધા નિષાદ, માછલીઓ સ્વર્ગમાં ગયા. રાજા નહુષ પણ વરદાન પામી પોતાના નગરમાં ગયા.
{{Right |  (અનુશાસન, પ૦-૫૧) }} <br>
=== ચ્યવન ઋષિ અને કુશિકની કથા ===
તપોનિધિ ચ્યવન ઋષિને એક વેળા મનોમન સમગ્ર ગુણ, દોષ અને બલાબલનો નિશ્ચય કરીને સમગ્ર કુશિકવંશને ભસ્મ કરી નાખવાની ઇચ્છા થઈ. તેઓ કુશિક પાસે જઈને બોલ્યા, ‘હે નિષ્પાપ, તમારી સાથે રહેવાનું મને મન થયું છે.’
કુશિકે કહ્યું, ‘હે ભગવન્, અતિથિસેવાનો ધર્મ પંડિત લોકો ધારણ કરે છે અને બુદ્ધિમાન વિદ્વાનો કન્યાદાનના સમયે આ ધર્મની વાત કરે છે. હે તપોધન, એ ધર્મમાર્ગનું પાલન અત્યાર સુધી થઈ ન શક્યું, એને હવે કર્તવ્ય સમજીને કરીશ, એટલે હવે મને આજ્ઞા કરો.’
કુશિક રાજાએ મહામુનિ ચ્યવનને બેસવા આસન આપ્યું અને મુનિ જ્યાં બેઠા હતા ત્યાં ભાર્યા સાથે તેઓ જઈ પહોંચ્યા. રાજાએ જલપાત્ર ગ્રહણ કરીને મુનિના પગ ધોવા પાણી આપ્યું અને તે મહાત્માના અર્ઘ્ય વગેરે કાર્યો સંપન્ન કર્યાં. ત્યાર પછી મહાનુભાવ, નિયતવ્રતી રાજાએ અવ્યગ્રપણે ચ્યવન ઋષિને યથાવિધિ મધુપર્ક આપ્યો. આમ વિપ્રવર્યનો સત્કાર કરી તેમણે પૂછ્યું, ‘હે ભગવન્, અમે બંને તમારી સેવામાં છીએ, કહો અમે શું કરીએ? હે મુનિ, જો રાજ્ય, ધન, ગાય, યજ્ઞ, દાનનું પ્રયોજન હોય તો મને આજ્ઞા કરો, હું તમને બધું દાન કરી શકું છું. આ ગુહ, રાજ્ય, ધર્માસન બધું જ તમારું છે, તમે જ રાજા છો, હું તમને અધીન સેવક છું.’
કુશિકે આમ કહ્યું એટલે ભાર્ગવ ચ્યવન પરમ હર્ષ પામીને તેમને કહેવા લાગ્યા, ‘હે રાજન, રાજ્ય, ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર, ગાય, દેશ, યજ્ઞ — આ કશાની મને ઇચ્છા નથી. મને જે ઇચ્છા છે તે સાંભળ. જો તારી ઇચ્છા હશે તો હું કોઈ નિયમ લઈશ. તમે બંને પતિપત્ની નિ:શંક હૃદયે મારી સેવા કરજો.’
આમ સાંભળીને દંપતીએ અત્યંત હર્ષ પામીને ઋષિને કહ્યું, ‘ભલે.’
રાજા કુશિક પ્રસન્ન થઈ તેમને મહેલમાં લઈ ગયા અને બધી દર્શનીય વસ્તુઓ દેખાડી. પછી તેમને કહ્યું, ‘હે તપોધન, આ શય્યા છે. તમે ઇચ્છાનુસાર અહીં નિવાસ કરો. અમે તમારી પ્રીતિ પૂરી કરવા પ્રયત્ન કરીશું.’
તેમનો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં સૂર્ય આથમ્યો, ચ્યવન મુનિએ અન્ન અને જળ લાવવા કહ્યું, રાજા કુશિકે પ્રણામ કરી કહ્યું, ‘હે ભગવન, તમને કેવું અન્ન ગમશે? કેવા ભોજનની સામગ્રી મંગાવું?’
ચ્યવન ઋષિએ હર્ષ પામીને રાજાને ઉત્તર આપ્યો, ‘યુક્તિસંગત અન્ન લાવો.’ તે વચનનો આદર કરીને રાજા બોલ્યા, ‘એમ જ થશે.’ રાજાએ તેમને યુક્તિસંગત અન્ન આપ્યું. ધર્મજ્ઞ ચ્યવને ભોજન પછી દંપતીને કહ્યું, ‘હે રાજન્, હવે મને નિદ્રા આવે છે, એટલે સૂઈ જવા માગું છું.’
પછી ચ્યવન મુનિ શય્યાગૃહમાં જઈને સૂઈ ગયા. રાજા પત્ની સાથે ત્યાં તેમની સેવામાં રહ્યા. ભાર્ગવે કહ્યું, ‘હું સૂઈ જઉં તો મને ઉઠાડતા નહીં. તમે મારી ચરણસેવા કરતા કરતા રાત્રે જાગતા રહેજો.’ ધર્મજ્ઞ રાજાએ નિ:શંકપણે કહ્યું, ‘એમ જ થશે.’ રાત્રિ વીતી ગયા પછી પણ ન જગાડ્યા. તે દંપતી મહર્ષિની આજ્ઞા પ્રમાણે પ્રયત્ન કરીને તેમની સેવા કરવા લાગ્યા. ત્યારે ભગવાને રાજાને એકવીસ દિવસ સુધી નિદ્રાવસ્થામાં સમય વીતાવ્યો. રાજા કુશિક પત્ની સાથે નિરાહાર રહીને ચ્યવનની આજ્ઞા પ્રમાણે તેમની સેવામાં પ્રસન્ન રહી ઉપાસના કરવા લાગ્યા. પછી તપોધન ભાર્ગવ જાતે જ ઊઠ્યા અને કશું કહ્યા વગર બહાર નીકળ્યા. રાજા રાણી ભૂખથી પીડાતાં હતાં, શ્રમથી દુર્બળ હતાં, તો પણ તેમની પાછળ પાછળ ચાલ્યાં. મુનિએ તેમની સામે પણ જોયું નહીં. પત્ની સાથે રાજા કુશિક જોતા રહ્યા અને ભાર્ગવ ચ્યવન અદૃશ્ય થઈ ગયા, તે સાથે જ રાજા પૃથ્વી પર પડી ગયા. મુહૂર્ત વીત્યા પછી ધીરજપૂર્વક મહા તેજસ્વી રાજા ભાર્યા સાથે તેમને શોધવા લાગ્યા. ઋષિને ન જોયા પછી રાજા ભાર્યા સાથે પાછા આવ્યા, તે વખતે તેમની ચેતના જતી રહી હતી અને તેઓ લજ્જિત થયા હતા. દીન વદને તેઓ નગરમાં પ્રવેશી કોઈની સાથે બોલ્યા નહીં,
ચ્યવન મુનિના કાર્યની જ ચિંતા કરવા લાગ્યા. ત્યાર પછી શૂન્ય ચિત્તે પોતાના ભવનમાં પ્રવેશ કર્યો ત્યારે ભૃગુનંદનને તે જ શય્યા પર સૂતેલા જોયા. બંને જણ ઋષિને જોઈને અચરજ પામ્યા, આશ્ચર્યકારક ઘટના જોઈને વિચારવા લાગ્યા. મુનિના દર્શનથી એમનો થાક ઊતરી ગયો. યથાસ્થાને સ્થિર થઈ ફરી ઋષિની ચરણસેવા કરવા લાગ્યા. હવે મુનિ બીજા પડખે સૂઈને આરામ કરવા લાગ્યા.
ચ્યવન ઋષિ જેટલા દિવસ એક પડખે હતા એટલા દિવસ બીજે પડખે નિદ્રાધીન થયા. પતિપત્નીએ ભયથી શંકિત થઈને કોઈ રીતે પોતાના મનમાં વિકાર ન આવવા દીધો. જાગીને મુનિએ કહ્યું, ‘હવે મારા આખા શરીરે તેલ ચોળો, હું નાહીશ.’ બંને પતિપત્ની ભૂખ્યાં હતાં તો પણ એમનું વચન સ્વીકારી કિંમતી શતપાક તેલ લઈ આવ્યા અને સેવા કરવા લાગ્યા. મહાતપસ્વી ભાર્ગવે આ પર્યાપ્ત છે એવું કશું કહ્યું નહીં. જ્યારે ભાર્ગવે રાજારાણીને નિર્વિકાર જોયા ત્યારે સહસા ઊઠીને સ્નાનશાળામાં ગયા, ત્યાં રાજાને છાજે તેવી બધી જ વસ્તુ — સ્નાનજળ — તૈયાર હતી. રાજાના દેખતાં જ એ બધાનો અનાદર કરી મુનિ ત્યાંથી જ અંતર્ધાન થયા. દંપતીએ આ વિશે કશી અસૂયા ન કરી. પછી ભૃગુનંદને સ્નાન કરીને સિંહાસન પર બેસીને પતિપત્નીને દર્શન આપ્યાં. પત્નીની સાથે રાજા પ્રસન્ન ચિત્તે અને નિર્વિકાર રહીને નમ્રતાથી કહ્યું, ‘ભોજન તૈયાર છે.’ મુનિએ રાજાને ભોજન લાવવા કહ્યું. રાજા પત્ની સાથે બધું અન્ન લઈને મુનિ પાસે આવ્યા. અનેક પ્રકારનાં માંસ, વિવિધ શાક, વિવિધ પીણાં, રસાળ પિષ્ટક, મોદક, રસાળ અપૂપ(પૂરી), અનેક રસ, મુનિભોજન યોગ્ય વનફળ, વિચિત્ર ફળ, રાજ્યભોગ, બોર, ઈંગુદ, કાશ્મર્ય, ભલ્લાતક, ગૃહસ્થ અને વનવાસીને ખાવા યોગ્ય બધી સામગ્રી રાજાએ શાપના ભયથી મંગાવી હતી. ચ્યવન ઋષિ સામે આ બધી સામગ્રી ધરી. ચ્યવન મુનિએ બધી ભોજનસામગ્રીને, શય્યા — આસનને સફેદ સુંદર વસ્ત્રોમાં ઢાંકી ભોજનને, વસ્ત્રોને સળગાવી દીધાં. મહાવ્રતી દંપતીને ક્રોધ ન થયો. તેમના દેખતાં મુનિ પાછા અંતર્ધાન થઈ ગયા. શ્રીમાન રાજર્ષિ ભાર્યા સાથે મૌનવ્રત ધારણ કરી તે રાતે ઊભા રહ્યા, તે વખતે પણ તે ક્રોધે ન ભરાયા. રાજભવનમાં નિત્ય વિવિધ અન્ન અને ઉત્તમ શય્યા, ઘણા સ્નાનપાત્રો તૈયાર રખાતાં હતાં, અનેક પ્રકારનાં વસ્ત્ર તેમની સેવામાં રહેતાં હતાં, ચ્યવન ઋષિએ કોઈ ખામી જોઈ નહી; વિપ્રર્ષિએ ફરી રાજાને કહ્યું, ‘હું જ્યાં કહું ત્યાં મને તમે ભાર્યા સાથે રથમાં લઈ જાઓ.’
રાજાએ નિ:શંક થઈને મહર્ષિને કહ્યું, ‘એમ જ થશે. હે ભગવન્, અમે તમને ક્રીડારથમાં લઈ જઈએ કે યુદ્ધરથમાં લઈ જઈએ?’
રાજાએ જ્યારે પ્રસન્ન ચિત્તે મુનિને આમ કહ્યું ત્યારે ચ્યવન મુનિએ હર્ષપૂર્વક શત્રુના નગર પર વિજય પામનારા રાજાને કહ્યું, ‘તમારા યુદ્ધરથને જલદીથી સજ્જ કરો. તે રથમાં અસ્ત્ર-શસ્ત્ર, પતાકા, શક્તિ, કણયષ્ટિ મુકાવો.’ રથ સો કિંકિણી શબ્દથી સંપન્ન, તોમરોથી શોભતો, તલવારો અને સેંકડો ઉત્તમ બાણોથી ભરેલો હતો.
‘ભલે, એમ જ થશે.’ રાજાએ કહ્યું ને તે મહારથને સજ્જ કરીને આણ્યો. રથની ડાબી બાજુએ પત્નીને અને જમણી બાજુએ રાજાએ પોતાને રથ સાથે જોડ્યા. ત્રિદંષ્ટ્ર અને સોયની અણી જેવો એક ચાબુક પણ રથમાં મૂક્યો. આ બધું રથમાં ગોઠવીને રાજાએ કહ્યું, ‘હે ભૃગુનંદન, તમે કહો — હું રથને ક્યાં લઈ જઉં? હે વિપ્રર્ષિ, તમે જ્યાં કહેશો ત્યાં હુ રથને લઈ જઈશ.’
આ સાંભળીને ભગવંતે કહ્યું, ‘અહીંથી ધીરે ધીરે એક એક ડગલું ભરીશું. જેથી મને શ્રમ ન પડે, એ રીતે મારી ઇચ્છા પ્રમાણે તમે બંને ચાલો. તમે મને સુખ મળે એ રીતે રથને લઈ જાઓ અને બધાં લોકો એ જુએ. રસ્તામાંથી કોઈ પથિકને ખસેડતા નહીં. મારે એમને દાન આપવંુ છે. બ્રાહ્મણો મારી પાસે જે માગશે તે હું તેમને આપીશ, આ બધું તમે જોજો, એમાં બીજો કશો વિચાર ન કરતા.’
એ સાંભળીને રાજાએ સેવકોને કહ્યું, ‘મુનિ જે જે વસ્તુ માગે તે બધું નિ:શંક થઈને આપજો.’
ત્યાર પછી વિવિધ પ્રકારનાં રત્ન, સ્ત્રીવૃંદ, ઘેટાંબકરાં, સુવર્ણાલંકારો, પર્વત સમાન હાથીઓ સમેત રાજાના બધા મંત્રીઓ તે ઋષિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. નગરવાસીઓ આર્ત થઈને હાહાકાર કરવા લાગ્યા. રાજા અને રાણી બંને તીક્ષ્ણ ચાબૂક દ્વારા માર ખાતા, આગલા કપાળ, પીઠ અને કમર પર ઘા થયા હોવા છતાં તેઓ નિર્વિકાર ભાવે રથ ખેંચતા હતા. તે બંને પચાસ રાત્રિ સુધી ઉપવાસ કરવાથી દૂબળા પડી ગયા હતા, તેમનાં શરીર કાંપી રહ્યાં હતાં, તો પણ તેઓ તે ઉત્તમ રથને ખેંચતા રહ્યા. તેઓ પુષ્કળ ઘવાયાં હતાં, તેમના ઘામાંથી લોહી નીકળતું હતું. એને કારણે તેઓ કેસૂડાનાં વૃક્ષ જેવા લાગતાં હતાં. નગરવાસીઓ તેમને જોઈને શોકપરાયણ થઈ ગયાં હતાં. અને મુનિના શાપના ભયને કારણે કશું કહી શકતાં ન હતાં. બબ્બે માણસો અંદરોઅંદર કહેવા લાગ્યા કે, ‘આ તપસ્યાનું ફળ જુઓ, આપણને ક્રોધ થયો હોવા છતાં કશું કહી શકતા નથી. આ મહર્ષિનું બળ જુઓ, પત્ની સમેત રાજાની અદ્ભુત ધીરજ જુઓ. આ બંને થાકી ગયા હોવા છતાં ખૂબ જ કષ્ટથી રથ ખેંચે છે, ભૃગુનંદને તેમનામાં વિકાર જરાય જોયો નથી. ત્યાર પછી ભૃગુનંદન ઋષિ તેમને નિર્વિકાર જોઈને કુબેરની જેમ તેમનું બહુ ધન દાનમાં આપવા લાગ્યા. તો પણ રાજા પ્રસન્ન ચિત્તે તેમને સૂચવેલાં કાર્ય કરવામાં અચકાયા નહીં, એટલે મુનિશ્રેષ્ઠ ભગવાન તેમના પર પ્રસન્ન થયા.
તે શ્રેષ્ઠ રથમાંથી ઊતરીને તે દંપતીને મુક્ત કર્યું. રથમાંથી મુક્ત કરીને વિધિવત્ તેમણે કહ્યું, ભાર્ગવ તે સમયે પ્રસન્ન ચિત્તે સ્નિગ્ધ, ગંભીર વચન બોલ્યા, ‘હું તમને શ્રેષ્ઠ વરદાન આપીશ, જે ઇચ્છા હોય તે કહો.’
તે વિદ્વાન મુનિશ્રેષ્ઠે સ્નેહપૂર્વક અમૃતમય હાથ વડે દંપતીનો સ્પર્શ કર્યો. રાજાએ કહ્યું, ’હે ભાર્ગવ, તમારી કૃપાથી અમને શ્રમ લાગ્યો નથી. અત્યારે તમારા પ્રભાવથી અને ધ્યાનથી શ્રમવિહીન થયા છીએ.’
ભગવાન ચ્યવને ત્યારે કહ્યું, ‘મેં પહેલાં જે કહ્યું છે તે વૃથા નહીં થાય. તે થશે જ. હે રાજા, પવિત્ર ગંગાતટ અત્યંત રમણીય છે, હું થોડો સમય વ્રતધારી થઈને અહીં રહીશ. હે પુત્ર, તમે નગરમાં જાઓ, વિશ્રામ કરીને ફરી અહીં આવજો, કાલે પત્ની સહિત તમે મને અહીં જ જોશો. તમે ક્રોધ ન કરતા, તમારા શ્રેયનો સમય આવી પહોંચ્યો છે, તમારા હૃદયની આકાંક્ષા પાર પડશે જ.’
આવું સાંભળીને કુશિક રાજા પ્રસન્ન ચિત્તે અર્થસભર બોલ્યા, ‘હે મહાભાગ, અમને ક્રોધ નથી. તમારી કૃપાથી પવિત્ર થયા છીએ. આ તેજ અને બળથી યુવાન થયા છીએ. મારા અને મારી પત્નીના શરીરમાં ચાબુક વડે જે ઘા તમે કર્યા હતા તે હવે અમારાં ગાત્રોમાં જોતો નથી. અત્યારે હું પત્ની સહિત સ્વસ્થ છું. હે મુનિ, આ દેવીને મેં પહેલાં જેવી જોઈ હતી તેનાથીય વિશેષ શ્રીથી સંપન્ન અને દિવ્ય અપ્સરા જેવી મનોહર જોઉં છું. હે મહામુનિ, તમારી કૃપાથી જ આ બધું બન્યું છે. હે સત્ય પરાક્રમી ભગવન્, તમારા જેવા મુનિઓ માટે કશું જ આશ્ચર્ય નથી.’
આ સાંભળીને ચ્યવન મુનિએ કુશિકને કહ્યું, ‘હે નરાધિપ, તમે કાલે પત્નીને લઈને અહીં આવજો.’
રાજા આ પ્રકારે સાંભળીને ઋષિને પ્રણામ કરીને તેમની આજ્ઞા પ્રમાણે દેવરાજ જેવી કાંતિવાળા શરીરે નગરમાં પ્રવેશ્યા. ત્યાર પછી પુરોહિતની સાથે અમાત્યો, સેનાપતિ, ગણિકાઓ સમેત બધા લોકો તેમની પાછળ પાછળ ચાલ્યા. પરમ શ્રીથી શોભતા રાજા પ્રજાથી ઘેરાઈને અત્યંત પ્રસન્નતાથી નગરમાં પ્રવેશ્યા, બંદીજનો તેમની સ્તુતિ કરતા હતા. નગરમાં પ્રવેશીને રાજાએ પહેલાંની જેમ ક્રિયાઓ કરી, પત્ની સાથે ભોજન કરીને રાત્રિ વીતાવી. તે સમયે તેઓ જરારહિત થયા, પરસ્પરનું દેવસદૃશ યૌવન તે દ્વિજશ્રેષ્ઠે આપેલા શ્રીસંપન્ન નવું શરીર ધારણ કરીને શયન કરી આનંદ પામ્યા.
ભૃગુકુળની કીર્તિ વધારનારા તપોધન ચ્યવને પોતાના સંકલ્પથી બહુવિધ રત્નોવાળું, અત્યંત રમણીય તપોવન ઊભું કર્યું અને શતક્રતુ(ઇન્દ્ર)ની અમરાવતીમાં પણ એ બધું દુર્લભ હતું.
રાત્રિ પૂરી થઈ એટલે મહામના રાજા જાગ્રત થયા અને નિત્ય કર્મો સમાપ્ત કરીને, પત્ની સાથે તપોવનમાં ગયા. ત્યાં પહોંચીને નૃપતિએ ગંધર્વનગર જેવો મણિઓથી જડેલા સહ સ્તંભોવાળો એક કાંચનમહેલ જોયો. રાજા ત્યાં તે બધા દિવ્ય પદાર્થો જોવા લાગ્યા. રમ્ય શિખરો, અલંકૃત પર્વત, કમલ પુષ્પવાળા નલિનીદલ, અનેક પ્રકારની ચિત્રશાળાઓ, વિવિધ તોરણો ત્યાં રાજાએ જોયાં. સુવર્ણપ્રસાદની ભૂમિ સોને મઢેલી હતી અને ક્યાંક લીલું ઘાસ હતું. ત્યાં આંબા, પ્રફુલ્લ કેતકી, ઉદ્રાલક, ધવ, અશોક, મુચકુંદ, પુષ્પિત અતિમુક્ત, ચંપો, તિલક, પનસ, વંજુલ, પુષ્પિત કર્ણિકાર(ગરમાળો)નાં વૃક્ષો ત્યાં હતાં. આ બધું તેમણે જોયું શ્યામ, વારણપુષ્પ, અષ્ટાપદિકા લતાઓને ચારે બાજુ વીંટળાયેલી રાજાએ જોઈ. ક્યાંક બધી ઋતુનાં પદ્મ, ઉત્પલ, અન્ય વૃક્ષોનાં ફૂલ; વિમાન જેવા, કમળ જેવા ઊંચા પ્રાસાદ જોયા, ક્યાંક ઉત્તમ શીતળ જળ, ક્યાંક ઉષ્ણ જલ, ક્યાંક વિચિત્ર આસનો અને ક્યાંક ઉત્તમ શય્યાઓ હતાં. બહુ મૂલ્ય આવરણોવાળા સુવર્ણપલંગો, અનેકવિધ ભોજનપદાર્થ ખૂબ જ સુંદર રીતે સજાવેલા હતા. વાણીકુશળ, શુક, સારિકા, ભૃંગરાજ, કોયલ, શતપત્ર, કોયષ્ટિક, કૂકડા, મયૂર, પુત્રક, જીવજીવક, ચકોર, વાનર, હંસ, સારસ, ચક્રવાક વગેરે અત્યંત મનોહર પક્ષીઓ ચારે બાજુ જોયાં. ક્યાંક ક્યાંક અપ્સરાઓ અને ગધર્વો, વિહાર કરતા હતા. ક્યાંક આલિંગનબદ્ધ સ્ત્રીપુરુષો જોયાં, ક્યારેક રાજા તેમને જોતા હતા, તે દેખાતા ન હતા.
રાજાએ ત્યાં ઉત્તમ મધુર ગીતધ્વનિ, વેદાધ્યયનના ધ્વનિ, હંસોની મધુર વાણી સાંભળી. રાજાએ તે અતિ અદ્ભુત દૃશ્ય જોઈને મનોમન વિચાર્યું કે આ સ્વપ્ન છે, ચિત્તભ્રમ છે કે બધું સત્ય છે? આશ્ચર્ય છે કે હું શરીર સાથે જ પરમ ગતિને પામ્યો છું, આ પવિત્ર ઉત્તમ કુરુદેશ છે કે અમરાવતી છે? અરે, હું જે અદ્ભુત જોઈ રહ્યો છું તે શું છે? આમ વિચારવા લાગ્યા. અને ત્યાં મુનિપુંગવને જોયા. મણિયુક્ત સ્તંભોવાળા સુવર્ણ — વિમાનમાં દિવ્ય શય્યા પર તે સૂતા હતા. તેમને જોઈને અતિ આનંદપૂર્વક રાજા પત્ની સાથે તેમની પાસે ગયા અને શય્યા સમેત ઋષિ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી રાજાએ તેમને બીજા વનપ્રદેશમાં, કુશના આસન પર તે મહાવ્રતધારી મુનિને જોયા. આમ તેમણે પોતાના યોગબળથી રાજાને મોહિત કરી દીધા. ત્યાર પછી તે વન, અપ્સરાગણ, ગંધર્વ, વૃક્ષો અદૃશ્ય થયાં. ગંગાકિનારો પાછો નિ:શબ્દ થયો. ત્યાં પહેલાંની જેમ કુશ અને વલ્મીક એવા ને એવા રહ્યા. પછી રાજા પત્ની સાથે ઋષિનું આવું પરમ અદ્ભુત કાર્ય જોઈને અત્યંત વિસ્મિત થયા. પછી હર્ષયુક્ત થઈને કુશિકે પત્નીને કહ્યું, ‘હે ભદ્રા, ઋષિની કૃપાથી અત્યંત દુર્લભ વિચિત્ર ઘટનાઓ જોઈએ છીએ. ભૃગુકુલશ્રેષ્ઠ મુનિના તપોબળ સિવાય આનું શું કારણ હોઈ શકે? જે મનોરથથી પ્રાપ્ત નથી થતું તે તપસ્યાથી પ્રાપ્ત થાય છે. ત્રિલોકના રાજ્યથી પણ તપસ્યા ચઢી જાય છે, ઉત્તમ તપસ્યા વડે જ એ તપોબળથી ઋષિ આ બધી માયા સર્જી શકે છે. મહાત્મા બ્રહ્મર્ષિ ચ્યવનનો પ્રભાવ કેવો છે? તેઓ તપોબળને કારણે ઇચ્છા કરવાથી બીજા લોક સર્જી શકે છે. બ્રાહ્મણો જ પુષ્ણવાક્ ઉત્તમ બુદ્ધિવાળા, પુણ્યકર્મી થઈને જન્મે છે, આ લોકમાં ચ્યવન મુનિ સિવાય આવું કાર્ય કરવા કોણ ઉત્સાહી થઈ શકે છે? આ લોકમાં મનુષ્યો માટે બ્રાહ્મણત્વ દુર્લભ છે. રાજ્ય સુલભ છે, બ્રાહ્મણત્વના પ્રભાવથી જ આપણે રથે જોડાયા હતા.’
રાજા આમ વિચાર કરતા હતા ત્યાં ચ્યવન મુનિને એમના આગમનની જાણ થઈ. રાજાને જોઈને તેમણે કહ્યું, ‘ત્વરાથી આવો.’
આ સાંભળીને રાજા પત્ની સાથે મહામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને વંદનીય મુનિને મસ્તક નમાવી પ્રણામ કર્યાં. તે ધીમાન્ મુનિએ રાજાને આશિષ આપી, તેમને ધીરજ બંધાવીને બેસવા કહ્યું. ત્યાર પછી શાંત ચિત્તે ભાર્ગવ મુનિએ રાજાને તૃપ્ત કરતી વાણીંમાં કહ્યું, ‘હે રાજન્, તમે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને છઠ્ઠા મનને સંપૂર્ણ રીતે જીતી લીધાં છે, એટલે જ કલેશમુક્ત છો, તમે મારી પૂરેપૂરી પૂજા કરી છે, તમારામાં જરા જેટલુંય પાપ નથી. હવે મને મારા સ્થાને જવાની અનુમતિ આપો. જેવો આવ્યો હતો તેવો જઈશ. હું તમારા પર પ્રસન્ન છું, તમે વર માગો.’
કુશિકે કહ્યું, ‘હે ભૃગુશ્રેષ્ઠ, હું તમારી સામે અગ્નિમાં પડેલા પુરુષની જેમ રહીને ભસ્મ નથી થયો એ જ મારે માટે ઘણું છે. હે નિષ્પાપ ભૃગુનંદન, તમે મારા પર પ્રસન્ન થયા અને ઉત્તમ વ્યવહારથી મારું કુળ પવિત્ર થઈ ગયું એ જ મારું તો વરદાન છે. તમે મારા ઉપર કૃપા કરી, મારા જીવનનું પ્રયોજન સફળ થયું, આ જ મારા રાજ્ય અને તપસ્યાનું પરમ ફળ છે. હે ભૃગુનંદન, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને જ્યાં સંશય છે તેનો મને ઉકેલ આપો.’
ચ્યવને કહ્યું, ‘હે નરશ્રેષ્ઠ, મારી પાસેથી વરદાન પણ પામો અને તમારા મનમાં જે શંકા છે તે પણ કહો, હું તમારી બધી કામનાઓ પૂરી કરીશ.’
કુશિકે કહ્યું, ‘હે ભગવન્ ભાર્ગવ, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મારા ઘરમાં તમે શા માટે નિવાસ કર્યો હતો. તે કહો, હું એ જાણવા માગું છું. હે મુનિપુંગવ, એકવીસ દિવસ એક જ પડખે સૂતા, કશું કહ્યા વિના જતા રહ્યા, અકસ્માત્ અંતર્ધાન થયા, ફરી પાછા દર્શન આપ્યાં. ફરી એકવીસ દિવસ બીજા પડખે સૂતા રહ્યા, તેલ ચોળાવીને જતા રહ્યા. મારા ઘરમાં વિવિધ ભોજનની સામગ્રી મંગાવી અગ્નિ વડે બાળી નાખી, સહસા રથમાં બેસીને ફર્યા, ધનનું દાન કર્યું, દિવ્ય વનનું પ્રદર્શન કર્યું, અનેક પ્રકારના સુવર્ણમય પ્રાસાદ પ્રગટાવ્યા. મણિ અને વિદ્રુમના પાયાવાળા પલંગો પ્રદર્શિત કર્યા, પછી એ બધું અદૃશ્ય કર્યું. હે મહામુનિ, આ બધાંનું કારણ જાણવાની મને ઇચ્છા છે. આ બધાં વિશે રાતદિવસ વિચાર કરતા અત્યંત મુગ્ધ થઈ ગયો છું. આ બધા વિશે વિચાર કરીને પણ હું કોઈ નિશ્ચય પર આવી શક્યો નથી, એટલે આ બધા વિશે સત્ય અને યથાર્થ રીતે જાણવા માગું છું.’
ચ્યવન ઋષિએ કહ્યું, ‘હે પાર્થિવ, આ બધી ઘટનાઓ જે કારણે થઈ છે તે તમે પૂર્ણ રૂપે સાંભળો. તમે આ પૂછ્યું એટલે હું કહ્યા વિના રહી શકતો નથી. ભૂતકાળમાં દેવતાઓ સમક્ષ બ્રહ્માએ જે કહ્યું હતું તે મેં સાંભળ્યું હતું. હું એ બધી વાત કરું છું. બ્રહ્માએ કહ્યું કે બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે વિરોધને કારણે બંને કુળમાં સંકર થશે. તેજ અને પરાક્રમયુક્ત તમારો એક પૌત્ર જન્મશે. હું મારા વંશની રક્ષા કરવા માટે તમારી પાસે આવ્યો હતો. કુશિક વંશનો નાશ કરવાની કામના કરી તમારા કુટુંબને ભસ્મ કરવું હતું. મેં તમારા ઘરમાં રહીને તમારામાં કોઈ દોષ ન જોયો. એટલે જ હે રાજર્ષિ, તમે જીવો છો, નહીંતર મૃત્યુ પામત. આમ વિચારીને હું એકવીસ દિવસ એક પડખે સૂતો હતો, કે કોઈ મને વચ્ચે જગાડે, પરંતુ હે રાજવીશ્રેષ્ઠ, હું સૂઈ ગયો ત્યારે તમે તમારી પત્ની સાથે મારી સેવા કરતા રહ્યા.
મારો નિદ્રાભંગ ન કર્યો એટલે હું મનોમન પ્રસન્ન થયો, હે મહારાજ, હું ઊઠીને બહાર નીકળ્યો તે સમયે જો તમે મને પૂછ્યું હોત કે ક્યાં જાઓ છો તો હું તમને શાપ આપત. ફરી હું અંતર્ધાન થયો, પાછો હું તમારા ઘરે આવી યોગના આધારે એકવીસ દિવસ સૂઈગયો. તમે ભૂખે રિબાઈને કે શ્રમથી થાકીને મારી અસૂયા કરશો એવું વિચારીને જ મેં તમને ક્ષુધાથી પીડા પહોંચાડી હતી. હે રાજા, આટલું થયું છતાં તમારા અને તમારી પત્નીના મનમાં જરા જેટલોય ક્રોધ ન થયો, એટલે જ હું તમારા પર પ્રસન્ન થયો. ભોજનની બધી સામગ્રી મંગાવીને મેં બાળી નાખી, એનો ભાવાર્થ આવો હતો. જો તમે મત્સર બનીને મારા વિશે ક્રોધ કરશો તો હું તમને શાપ આપત, પણ તમે તે વખતે મને કશું કહ્યું નહીં. ત્યાર પછી રથ પર ચઢીને મેં કહ્યું કે તમે તમારી પત્ની સાથે રથ સાથે જોતરાઓ. તમે એ પણ કર્યું. તમે જરાય શંકા વિના રથ હાક્યો, હું તમારા પર પ્રસન્ન થયો. તમારું ધન જ્યારે લોકોને દાન કરતો હતો ત્યારે પણ તમે ક્રોધ ન કર્યો. એટલા જ માટે હું તમારા પર, તમારી પત્ની પર પ્રસન્ન થયો. ફરી મેં વન સર્જ્યું તમારી પ્રસન્નતા માટે, મેં તમને સ્વર્ગ દેખાડ્યું. એ વનની વચ્ચે તમે દિવ્ય દર્શન કર્યું. તે સ્વર્ગની એક ઝાંખી હતી. આ જ શરીર વડે તમે બંનેએ ઘડીભર સ્વર્ગસુખનો અનુભવ કર્યો. તપસ્યા અને ધર્મનો પ્રભાવ બતાવવા માટે મેં આમ કર્યું હતું. તે સમયે આ બધું જોઈને તમારા મનમાં જે ઇચ્છા થઈ તેની પણ મને જાણ થઈ. તમે નરેન્દ્રત્વ કે, દેવેન્દ્રપદને બાજુ પર મૂકીને બ્રાહ્મણત્વની અને તપસ્વીની આકાંક્ષા કરી છે. તમે બ્રાહ્મણત્વને દુર્લભ કહ્યું તે સાચું છે. બ્રાહ્મણત્વ મળ્યા પછી ઋષિત્વ દુર્લભ છે, ઋષિત્વ મળ્યા પછી તપસ્વિતા વિશેષ દુર્લભ છે. તમારી આ કામના પૂરી થશે. કુશિક વડે કૌશિક દ્વિજ જન્મશે, તમારી ત્રીજી પેઢીએ બ્રાહ્મણત્વ પ્રગટશે. ભૃગવંશીઓના તેજથી તમારો વંશ બ્રાહ્મણત્વ પામશે.
તમારો પૌત્ર તપસ્વી થશે, અગ્નિસદૃશ તેજસ્વી બ્રાહ્મણ થશે. તે દેવવૃંદ, મનુષ્ય અને ત્રણે લોકમાં ભય પ્રગટાવશે. હું તમને આ સત્ય કહું છું. હે રાજર્ષિ, ‘તમને જે અભિલાષા મનમાં હોય તે માગો. હું તીર્થાટન કરવા જઉં છું. સમય વીતી રહ્યો છે.’
કુશિકે કહ્યું, ‘હે મહામુનિ, તમે મારા પર પ્રસન્ન થયા છો એ જ મારા માટે વરદાન છે. હે નિષ્પાપ, તમે જે કહો છો તે સત્ય થાઓ. મારો પૌત્ર તપસ્વી બ્રાહ્મણ જ થાય. મારું કુળ બ્રાહ્મણનું થાય એ જ મારે માટે વરદાન છે. ભગવન્, મારી ઇચ્છા છે કે આ વાત તમે વિસ્તારથી કહો, હું સાંભળવા માગું છું. હે ભૃગુનંદન, કેવી રીતે મારા કુળમાં બ્રાહ્મણત્વ આવશે? મારો સમ્માનિત બાંધવ કોણ હશે?’
ચ્યવને કહ્યું, ‘હે રાજન, જે નિમિત્તે હું તમારો વિનાશ કરવા આવ્યો હતો તે મારે તમને કહેવું જોઈએ. હું રાજન, ક્ષત્રિયો ભૃગુવંશીઓના પહેલેથી યજમાન છે. દૈવવશ એમાં વિભિન્નતા છે. બધા ક્ષત્રિયો દૈવદંડથી પીડાઈને ભૃગુવંશીઓની હત્યા કરશે અને તેમના ગર્ભોનોય નાશ કરશે. ત્યાર પછી અમારા કુળમાં ભાર્ગવ ગોત્રની વૃદ્ધિ કરનાર અગ્નિદેવ તથા સૂર્ય સમાન તેજસ્વી ઔર્વ નામનો મહાતેજસ્વી પુરુષ થશે. તે ત્રણે લોકનો નાશ કરવા કોપાગ્નિ પ્રગટાવશે. તે અગ્નિ પર્વતો અને વનો સમેત પૃથ્વીમંડળને ભસ્મ કરશે. થોડા સમય પછી તે મુનિશ્રેષ્ઠ સમુદ્રમાં વડવાનલના મોઢામાં તે અગ્નિને નાખીને શાંત કરશે. હે નિષ્પાપ, તેમનો પુત્ર ભૃગુનંદન ઋચીક પાસે સમસ્ત ધનુર્વેદ લઈ ઉપસ્થિત થશે. દૈવ કારણથી ક્ષત્રિયોનો નાશ કરવા તે ધનુર્વેદ ધારણ કરી પોતાના પુત્રને તેની શિક્ષા આપશે. તે તપસ્યા વડે શુદ્ધ ચિત્તવાળા મહાભાગ જમદગ્નિ થશે, ભૃગુશ્રેષ્ઠ જમદગ્નિ એ ધનુર્વેદ ઝીલશે. હે નૃપશ્રેષ્ઠ, તે ઋચીક તમારા કુળની ઉન્નતિ માટે તમારા વંશની કન્યા સાથે પરણશે. મહાતપસ્વી ઋચીક તમારી પૌત્રી અને ગાધિની પુત્રીને પામીને તેના ગર્ભથી ક્ષત્રિયધર્મી બ્રાહ્મણ પુત્ર રામને જન્મ આપશે.
હે મહાતેજસ્વી રાજન, તમારા વંશમાં ગાધિ દ્વારા મહાતેજસ્વી, તેજમાં બૃહસ્પતિ જેવો, અત્યંત ધાર્મિક, મહા તપસ્વી, વિપ્રકર્મ કરનાર વિશ્વામિત્ર નામના ક્ષત્રિયપુત્રને જન્મ આપશે. પિતામહની આજ્ઞાથી તે પરિવર્તનના વિષયમાં ગાધિની પત્ની અને પુત્રી — નિમિત બનશે. આ અન્યથા નહીં, તમારી ત્રીજી પેઢી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરશે. તમે ભાર્ગવોના સંબંધી થશો.’
તે સમયે ધર્માત્મા રાજા કુશિકે ચ્યવન મુનિનું આ વચન સાંભળીને આનંદ પામીને કહ્યું, ‘ભલે એમ થાઓ.’
મહાતેજસ્વી ચ્યવને ફરી રાજાને પાસે વરદાન માગવા કહ્યું, ત્યારે રાજાએ કહ્યું,
‘હે મહામુનિ, તમારી પાસે હું વરદાન માગું છું. મારો વંશ બ્રાહ્મણકુળમાં વિકસે અને વંશ ધર્મમાં આસ્થા રાખે.’
રાજાની વાત સાંભળી ચ્યવન મુનિએ કહ્યું, ‘ભલે એમ થશે.’ ત્યાર પછી રાજાની અનુમતિ લઈ ઋષિ તીર્થાટન કરવા નીકળ્યા.
{{Right | (અનુશાસન, ૫૨થી ૫૬) }} <br>
=== નૃગ રાજાની કથા ===
ભૂતકાળમાં જ્યારે દ્વારકા નગરી ઊભી થઈ રહી હતી ત્યારે તૃણ — લતાથી છવાયેલો એક મોટો કૂવો નજરે પડ્યો. તે કૂવાનું જળ પીવા માગતા લોકો બહુ શ્રમ કરીને ઘાસ વગેરે કાઢવા લાગ્યા. ત્યાર પછી તેમણે કૂવાની વચ્ચોવચ એક મહાકાય કાચીંડો જોયો,. તેને કાઢવા હજારો પ્રયત્ન કર્યા. દોરડા અને ચામડાના પટ્ટાઓથી બાંધીને પણ તે પર્વત સમાન કાચીંડાને બહાર કાઢી ન શક્યા, ત્યારે બધા લોકો જનાર્દન (કૃષ્ણ) પાસે આવ્યા. તેમણે કહ્યું, ‘એક બહુ મોટો કાચીંડો કૂવાની વચ્ચે છે અને એને બહાર કાઢી શકે એવું કોઈ નથી.’ વાસુદેવે નૃગ રાજા રૂપે કાચીડાને બહાર કાઢ્યો, તેને પૂછવાથી જાણવા મળ્યું. તે રાજાએ પોતાનું પ્રયોજન જણાવ્યું અને ભૂતકાળમાં કરેલા સહ યજ્ઞની વાત પણ કરી.
તે સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમે તો સદા શુભ કાર્યો કર્યાં છે, પાપ કર્યું જ નથી. તો પછી હે નરેન્દ્ર, તમે કેવી રીતે આ દુર્ગતિને પામ્યા, તમારું આ સ્વરૂપ કેવી રીતે થયું? હે રાજન્, અમે સાંભળ્્યું છે કે ભૂતકાળમાં તમે એક લાખ ગાયોનું દાન કર્યું હતું. પછી સો અને ત્યાર પછી બીજી સો ગાયોનું દાન કર્યું, એંસી લાખ ગાયોનું દાન કર્યું, હે રાજા, તમારા આ બધા દાનનું ફળ ક્યાં ગયું?’
નૃગ રાજાએ કૃષ્ણને કહ્યું, ‘વિદેશ ગયેલા એક અગ્નિહોત્રી બ્રાહ્મણની એક ગાય ભૂલથી અમારા ગોધણમાં આવી ચઢી. અમારા પશુપાલકોએ એ ગાયની ગણત્રી પણ મારી હજાર ગાયોમાં કરી લીધી. મેં પરલોકના ફળની આશાએ તે ગાય પણ આપી દીધી. પેલો અગ્નિહોત્રી બ્રાહ્મણ વિદેશથી પાછો આવ્યો અને પોતાની ગાય શોધવા લાગ્યો, બીજા બ્રાહ્મણને ત્યાં તે ગાય જોઈ, તેણે કહ્યું, ‘આ ગાય મારી છે.’ બંને આપસમાં ઝઘડતા ઝઘડતા મારી પાસે આવ્યા અને બોલ્યા, ‘તમે જ દાતા તથા તમે જ હર્તા છો.’
દાન લેનારા બ્રાહ્મણને તે ગાયના બદલામાં એક હજાર ગાય આપીશ એમ કહી નમ્રતાપૂર્વક મેં ગાય માગી ત્યારે તેણે મને કહ્યું, ‘આ ગાય દેશકાલને અનુકૂળ, દૂધાળુ, ક્ષમાશાલિની, વત્સલા, સ્વાદિષ્ટ દૂધ આપનારી છે, ધન્ય છે, તે મારા ઘરમાં જ રહે. દરરોજ મારે ત્યાં માતૃહીન મારા દૂબળા પુત્રને દૂધ આપે છે. એટલે હું તે નહીં આપું.’ એમ કહી તે ચાલ્યો ગયો ત્યારે મેં બીજા બ્રાહ્મણને તે ગાયના બદલામાં એક લાખ ગાય આપવા કહ્યું, ત્યારે તે બોલ્યો, ‘હું રાજાઓનો ઉપકાર નથી લેતો. મારી આજીવિકા મેળવવા હું સમર્થ છું, મને મારી જ ગાય લાવી આપો.’ મેં તેને ઘોડા, સોના, ચાંદી, રથ આપવાની વાત કરી પણ તે ન માન્યો. તે બ્રાહ્મણ જતો રહ્યો. એટલામાં જ કાળવશ હું મૃત્યુ પામ્યો. પિતૃલોકમાં ધર્મરાજ પાસે પહોંચ્યો. ધમરાજે મારું સમ્માન કરી કહ્યું, ‘હે મહારાજ, તમારાં પુણ્યકર્મ અસંખ્ય છે, તેની ગણત્રી કરી શકાતી નથી, પણ તમે ભૂલથી એક પાપ કર્યું છે, પહેલાં તે પાપનું ફળ ભોગવો, અથવા પાછળથી ભોગવો. તમારી જે ઇચ્છા હોય તેમ કરો. હું રક્ષક છું એવી તમારી પ્રતિજ્ઞા પેલા બ્રાહ્મણની ગાય ખોવાઈ જવાથી મિથ્યા થઈ, બ્રાહ્મણના ધનનું અપહરણ કરવાથી ત્રણ પ્રકારનાં પાપ તમને લાગ્યાં.’
મેં ધર્મરાજને કહ્યું, ‘હે પ્રભુ, હું પહેલાં પાપફળ ભોગવીશ, પછી પુણ્યફળ.’ એમ કહ્યું કે તરત જ હું પૃથ્વી પર પડ્યો. પડતાં પડતાં ધર્મરાજે મોટેથી કહેલી વાત સાંભળી. જનાર્દન વાસુદેવ તમારો ઉદ્ધાર કરશે. હજાર વર્ષ પૂરાં થયે, તમારું પાપ નાશ પામશે, તમે પોતાના પુણ્યકર્મ વડે શાશ્વત લોક પામશો. મેં નીચું માથું કરીને જોયું તો હું કૂવામાં પડ્યો હતો. તિર્યક યોનિ પામવા છતાં પૂર્વજન્મની સ્મૃતિ ટકી રહી હતી. હે કૃષ્ણ, તમે મારો ઉદ્ધાર કર્યો છે, તમારા તપોબળ સિવાય બીજું શું કારણ હોઈ શકે? હવે મને આજ્ઞા આપો, હું સ્વર્ગે જઈશ.’
કૃષ્ણે તેને આજ્ઞા આપી, રાજા તેમને પ્રણામ કરી દિવ્ય માર્ગે સ્વર્ગમાં ગયા.
{{Right | (અનુશાસન, ૬૯) }} <br>
=== નચિકેત અને યમ ===
બુદ્ધિમાન ઉદ્દાલક ઋષિએ યજ્ઞની દીક્ષા સ્વીકારીને પુત્ર નચિકેતને પોતાની સેવા કરવા કહ્યું, તે યજ્ઞ પૂરો થયો એટલે પુત્રને તેમણે કહ્યું, ‘હું સ્નાન કરતી વેળાએ અને વેદપાઠ કરતી વખતે નદીકિનારે સમિધ, કુશ, પુષ્પ અને પાણીથી ભરેલો કળશ ભૂલી ગયો છું, તું જઈને તે બધી વસ્તુઓ અહીં લઈ આવ.’
નચિકેત ત્યાં ગયો પણ તેને કશું મળ્યું નહીં, નદીના વેગીલા પ્રવાહમાં બધું વહી ગયું હતું. તેણે પિતા પાસે જઈને કહ્યું, ‘મને ત્યાં કશંુ ન દેખાયું.’
ઉદ્દાલક મુનિ ત્યારે ભૂખતરસથી વ્યાકુળ અને થાકેલા હતા. એટલે તેમણે પુત્રને શાપ આપ્યો, ‘તું યમના દર્શન કર ત્યારે.’
પિતાના વચનવજ્રથી પીડિત થઈને હાથ જોડી તે બોલ્યો, ‘પ્રસન્ન થાઓ.’ આટલું કહેતાંવેંત તે ચૈતન્ય ગુમાવી ધરતી પર પડી ગયો. નચિકેતને પૃથ્વી પર પડેલો જોઈ ‘આ મેં શું કર્યું?’ કહી દુઃખથી મૂર્ચ્છા પામી તે પોતે નીચે પડી ગયા. દુઃખી થઈને પુત્રને ગળે વળગાડ્યો અને દિવસ તથા ભયંકર રાત્રિ વીતાવી. સુકાઈ ગયેલી અનાજની ખેતી જેમ વર્ષાથી હરીભરી થાય છે તેમ કુશ પર પડેલો નચિકેત પિતાના આંસુના સ્પર્શ સળવળ્યો. મૃત્યુ પામીને પાછા આવેલા, જાણે ઊંઘમાંથી ઊઠેલા, દિવ્ય ગંધવાળા પુત્રને પિતાએ પૂછ્યું, ‘હે પુત્ર, શું તેં સ્વકર્મથી શુભ લોકો પર વિજય મેળવ્યો છે? મેં દૈવબળથી તને ફરી પ્રાપ્ત કર્યો, તારું આ શરીર માનુષી નથી, તે દિવ્ય છે.’
પરલોકની બધી ઘટનાના પ્રત્યક્ષદર્શી પુત્રે પિતાએ પૂછ્યું એટલે બીજા સાધુ મહર્ષિઓની વચ્ચે બધી વાર્તા કહેવા લાગ્યો,
‘હું તમારી આજ્ઞાનું પાલન કરવા માટે અહીંથી નીકળ્યો અને અત્યંત વિશાળ, રુચિર પ્રભાવવાળી યમપુરીમાં આવીને સભા જોઈ. અત્યંત પ્રભાવાળી તે સેંકડો યોજનની કાંચનભૂમિ પર પોતાનું તેજ રેલાવી રહી હતી. હું યમરાજને ત્યાં પહોંચ્યો એટલે મને આસન આપવા આજ્ઞા કરી. તેમને પાદ્ય અર્ઘ્યથી મારી પૂજા કરી. પછી મેં સદસ્યોથી ઘેરાયેલા અને પૂજ્યમાન યમને મૃદુ સ્વરે કહ્યું, ‘હે ધર્મરાજ, હું તમારે ત્યાં આવ્યો છું એટલે હું જે લોકને માટે યોગ્ય હોઉં તેની વાત કરો.’
યમે કહ્યું, ‘હે સૌમ્ય, તું મૃત્યુ પામ્યો નથી. તારા તેજસ્વી પિતાએ માત્ર આટલું જ કહ્યું હતું કે તું યમનું દર્શન કર. હે વિપ્ર, તારા પિતા પ્રજ્વલિત અગ્નિ સમાન તેજસ્વી છે, હું તેમની વાત મિથ્યા ન કરી શકું. હે તાત, તેં મારું દર્શન કર્યું, હવે પાછો જા. તારા દેહકર્તા પિતા શોક કરે છે. તારી કઈ ઇચ્છા પૂરી કરું? તું મારો પ્રિય અતિથિ છે. એટલે ઇચ્છા થાય તે વર માગ.’
ધર્મરાજની વાત સાંભળી મેં કહ્યું, ‘જે સ્થળે આવ્યા પછી કોઈ પાછું જઈ શકતું નથી તે સ્થળે હું આવ્યો છું. જો તમે મને વરદાન આપવા માગતા હો તો પુણ્યાત્મા પુરુષોના સમૃદ્ધ લોક જોવા માગું છું.’ ત્યાર પછી તે દેવે વાહનવાળા પ્રકાશિત ઉત્તમ પ્રભાવાળા તેજસ્વી યાન પર બેસાડી પુણ્યાત્માઓને પ્રાપ્ત થનારા બધા લોકનું દર્શન કરાવ્યું. મેં ત્યાં મહાત્માના તેજસ્વી ગૃહ જોયા, તેમનું નિર્માણ અનેક પ્રકારનું હતું, અને બધા પ્રકારનાં રત્નોથી તે નિર્માયાં હતાં. તે બધા ચંદ્રમંડળ જેવાં તેજોમય હતાં, નાની નાની ઘંટડીઓવાળી ઝાલર હતી, ત્યાં સેંકડો માળ હતા, તેમાં જલાશય અને વન હતાં, તે વૈડૂર્ય અને સૂર્યની જેમ પ્રકાશિત હતા, કેટલાંક રૂપાનાં, કેટલાંક સોનાનાં હતાં. ઊગતા સૂર્યજેવા રાતા ઘણા બધા હતા. કેટલાક સ્થાવર હતા, કેટલાક જંગમ.
ત્યાં ખાણીપીણીના મોટા મોટા ઢગલા હતા, વિપુલ સંખ્યામાં વસ્ત્રો, શય્યા હતાં, સર્વ મનોકામનાઓ પૂરી કરનારા વૃક્ષ તે ભવનોમાં હતાં. ત્યાં નદીઓ, વીથિઓ(માર્ગો), સભાગૃહ, વાવ, તળાવ, તૈયાર કરેલા ઘોષ કરનારા સેંકડો રથ હતા. દૂધ વહેવડાવતી નદીઓ, પર્વત, ઘી, નિર્મલ જળ, વૈવસ્વત (યમ)ની અનુમતિથી અત્યાર સુધી ન જોયેલાં સ્થળ જોયા. આ બધું જોઈને મેં પુરાણપ્રભુ ધર્મરાજને કહ્યું, ‘આ બધી દૂધ અને ઘીની નદીઓ કોના માટે છે?’
(પછી યમ દાનનો મહિમા, ગોદાનનો મહિમા વિગતે સમજાવે છે, ગાયનું મહત્ત્વ પણ વર્ણવે છે.)
ધર્મરાજની આ બધી વાત સાંભળીને મેં મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યાં અને તેમની આજ્ઞાથી તમારા ચરણોમાં આવ્યો છું.’
{{Right |  (અનુશાસન, ૭૦) }} <br>
=== કપિલા ગાયોની કથા ===
પ્રાચીન કાળમાં સ્વયંભૂ બ્રહ્માએ દક્ષને આજ્ઞા કરીને કહ્યું કે તમે પ્રજાને જન્મ આપો. ત્યારે પ્રજાહિત માટે તેમના જીવનનિર્વાહની વ્યવસ્થા કરી. જેવી રીતે દેવતાઓ અમૃતના આધારે છે તેવી રીતે બધી પ્રજા આજીવિકાના આધારે છે. જીવો આજીવિકા માટે બ્રહ્મા પાસે ગયા. ત્યારે મનમાં ને મનમાં એનો વિચાર કરીને પ્રજાપતિએ આજીવિકા માટે અમૃત પીધું અને તૃપ્ત થયા, તેમના મોંમાંથી સુરભિ(સુવાસ) પ્રગટી; તેની સાથે જ સુરભિ ગાય પણ પ્રગટી. પ્રજાપતિએ તેને પોતાની પુત્રી માની. પછી સુરભિએ સુવર્ણરંગી કપિલા ગાયોને જન્મ આપ્યો. જેવી રીતે નદીઓના તરંગોમાંથી ફીણ થાય છે તેવી રીતે બધા પ્રકારનું દૂધ આપનારી ગાયોનાં દૂધમાંથી ફીણ પ્રગટ્યું. આ ફીણ વાછરડાના મોંમાંથી પૃથ્વી પર વસતા મહાદેવના માથા પર પડ્યું. આને કારણે તેમણે ક્રોધે ભરાઈને કપિલાને ભસ્મ કરવા તેની સામે જોયું. જેવી રીતે સૂરજ વાદળોને રંગબેરંગી બનાવે છે તેવી રીતે મહાદેવના તેજે કપિલા ગાયોને જુદા જુદા રંગવાળી બનાવી દીધી. જે ગાયો ત્યાંથી ભાગીને ચંદ્રના શરણે ગઈ તેમના રંગ બદલાયા નહીં. પછી ક્રોધે ભરાયેલા મહાદેવને પ્રજાપતિએ કહ્યું, ‘તમે અમૃતથી અભિસિક્ત થયા છો. ગાયોનું દૂધ એંઠું નથી હોતું. જેવી રીતે ચંદ્રમા અમૃત ઝીલીને ફરી એની વર્ષા કરે છે તેવી જ રીતે આ રોહિણી ગાયો અમૃતથી ઉત્પન્ન થયેલું દૂધ આપે છે. વાયુ, અગ્નિ, સુવર્ણ, સમુદ્ર અને દેવતાઓએ પીધેલું અમૃત દૂષિત નથી હોતું તેવી રીતે વાછરડાએ પીધા પછી ગાયો પણ દૂષિત નથી થતી. આ ગાયો ઘી અને દૂધ વડે બધા લોકોનું ભરણપોષણ કરશે. બધા જ આના અમૃતમય ઐશ્વર્યની ઇચ્છા કરે છે.’ પછી મહાદેવને પ્રસન્ન કરવા ગાયો ઉપરાંત એક વૃષભ આપ્યો. મહાદેવે પ્રસન્ન થઈને તે વૃષભને પોતાની ધજા આપી, તેને પોતાનું વાહન બનાવ્યો અને તેમનું નામ વૃષભધ્વજ પડ્યું.
{{Right | (અનુશાસન પર્વ, ૭૬}} <br> )
=== કાર્તિકેય અને તારકાસુરની કથા ===
 
સર્વશ્રેષ્ઠ હિમાલય પર્વત પર મહાનુભાવ ભગવાન શૂલધારી રુદ્રની સાથે રુદ્રાણી દેવીનો વિવાહ થયો અને પછી ભગવાન સાથે દેવી બેઠા હતા ત્યારે બધા દેવતાઓ ઉદ્વિગ્ન બનીને મહાદેવ પાસે આવ્યા. બેઠેલા મહાદેવ અને વરદા દેવીને મસ્તક નમાવી પ્રણામ કરી તેઓ બોલ્યા, ‘હે દેવ, હે અનઘ (નિષ્પાપ) દેવી સાથેનો તમારો સમાગમ થયો છે, તે તપસ્વી અને તપસ્વિનીનો તથા મહાતેજસ્વી અને તેજ- સ્વિની સાથેનો છે, તમારું તેજ અમોઘ છે, દેવીનું તેજ પણ અમોઘ છે. હે પ્રભુ, તમારો પુત્ર અત્યંત બળવાન થશે. તે ત્રણે લોકની વચ્ચે કોઈને બાકી નહીં રાખે, આ નિશ્ચિત છે. હે વિશાલ લોચનવાળા, અમે બધા દેવતાઓ તમારા શરણે આવ્યા છીએ. ત્રિલોકના હિત માટે અમને વરદાન આપો. તમે સંતાન નિમિત્તે તમારા ઉત્તમ તેજને અટકાવો.’
દેવતાઓની વાત સાંભળીને ભગવાન વૃષભધ્વજે (શંકરે) ‘ભલે’ કહ્યું, તેમણે દેવોની વાત સ્વીકારી પોતાના વીર્યને ઊર્ધ્વમાં ધારણ કર્યું એટલે તેમનું નામ ઊર્ધ્વરેતા પડ્યું. આ પ્રકારે મારા ભાવી સંતાનનો ઉચ્છેદ કર્યો એમ વિચારીને સ્ત્રીભાવથી ક્રોધે ભરાઈને દેવતાઓને કઠોર વચન રુદ્રાણીએ કહ્યાં, ‘સંતતિની ઇચ્છા કરનારા મારા સ્વામીએ તમારા વડે સંતતિલાભ ગુમાવ્યો તેવી જ રીતે તમે બધા દેવતાઓ સંતતિ વિનાના થશો. હે આકાશચારી દેવતાઓ, આજે તમે જેવી રીતે મારી સંતતિનો ઉચ્છેદ કર્યો છે તેવી રીતે તમને સંતાન નહીં થાય.’
આ શાપ અપાયો ત્યારે અગ્નિદેવ ત્યાં ન હતા. દેવીના આવા શાપથી દેવતાઓ નિ:સંતાન રહ્યા. તે સમયે રુદ્રદેવે અપ્રતીમ તેજ ધારણ કર્યું હતું. થોડા સમયે એમાંથી થોડું તેજ સ્ખલિત થઈને પૃથ્વી પર પડ્યું. તે અદ્ભુત તેજ પૃથ્વી પર પડતાંની સાથે જ અગ્નિમાં ભળીને વૃદ્ધિ પામવા લાગ્યું. તે સમયે ઇન્દ્રાદિ દેવ તારક નામના અસુરને કારણે બહુ સંતાપ પામ્યા હતા. આદિત્ય, વસુ, રુદ્ર, મરુત, અશ્વિનીકુમારો તથા સાધ્ય — આ બધા ગણ તે દૈત્યના પરાક્રમથી ભયભીત હતા. દેવતાઓનાં નિવાસ, વિમાન, નગર, ઋષિઓના આશ્રમ — અસુરોએ છિનવી લીધાં હતાં. આ બધા દેવતા, ઋષિઓ દીન ભાવે અજર પ્રભુ બ્રહ્મા પાસે ગયા.
દેવતાઓએ કહ્યું, ‘હે પ્રભુ, તમે જેને વરદાન આપ્યું છે તે તારક અસુર દેવતાઓને અને ઋષિઓને પીડી રહ્યો છે. એટલે તેને મારવાની યુક્તિ બતાવો. હે પિતામહ, એનાથી અમે ભયભીત થયા છીએ, અમને બચાવો, અમારી બીજી કોઈ ગતિ નથી.’
બ્રહ્માએ કહ્યું, ‘આ લોકમાં બધાં પ્રાણીઓ મારે માટે સરખાં છે. મને અધર્મમાં રુચિ નથી. એટલે દેવતાઓ અને ઋષિઓને ત્રાસ આપનારા તારકાસુરનો સવેળા વધ કરો. હે સુરશ્રેષ્ઠ, વેદ અને ધર્મનો નાશ થવો ન જોઈએ, આ વિશે મેં એક માર્ગ શોધ્યો છે, તેનાથી તમારું દુઃખ દૂર થશે.’
દેવોએ કહ્યું, ‘તમારા વરદાનથી તે દૈત્ય બળથી અભિમાની થયો છે, એટલે દેવતાઓ એને મારી શકશે નહીં, તો તેનો વધ થશે કેવી રીતે? પિતામહ, તારકાસુરે તમારી પાસે જ વરદાન માગ્યું હતું કે હું દેવ, દાનવ, રાક્ષસોના હાથે ન મરું. રુદ્રાણીની પુત્રકામના નષ્ટ થવાથી તેમણે દેવતાઓને શાપ આપ્યો છે કે તમને કોઈ સંતાન નહીં થાય.’
બ્રહ્માએ કહ્યું, ‘હે દેવશ્રેષ્ઠો, તે શાપ અપાયો ત્યારે અગ્નિદેવ ત્યાં ન હતા, તેઓ સંતાનને જન્મ આપશે. તે સર્વ દેવ, દાનવ, રાક્ષસ, મનુષ્ય, ગંધર્વ, નાગ અને પક્ષીઓને અતિક્રમી જે તારકાસુરનો તમને ભય લાગે છે તેને શક્તિ અસ્ત્ર વડે મારી નાખશે, અને બીજા દેવશત્રુઓને પણ મારી નાખશે. સનાતન સંકલ્પને જ કામ કહે છે, તે રુદ્રનું તેજ સ્ખલિત થઈને અગ્નિમાં પડ્યું છે. તે મહાન તેજ વડે અગ્નિદેવ બીજા અગ્નિની જેમ ગંગાના પેટે દેવશત્રુઓનો વધ કરનાર એક પુત્રને જન્મ આપશે. અગ્નિ શાપના ભયથી છુપાઈ રહેલા હતા. એટલે તેમને શાપ લાગ્યો નહીં; હે દેવતાઓ, તમારો ભય દૂર કરનાર પાવકનંદન (અગ્નિપુત્ર) જન્મ લેશે. હવે તમે અગ્નિ દેવને શોધી કાઢો. હે નિષ્પાપ દેવો, મેં તમને તારકાસુરના વધનો ઉપાય કહ્યો. તેજસ્વીઓના શાપ તેજસ્વી પુરુષોને પ્રભાવિત કરતા નથી. સાધારણ બળવાન પ્રબળ પુરુષ આગળ બળવાન થઈ શકતો નથી. તપસ્વી પુરુષોનું કામ સંકલ્પ અથવા અભિરુચિના નામે વિખ્યાત છે. તે સનાતન અગ્નિ છે. તે વર આપનારા અવધ્યોનો નાશ કરવામાંય સમર્થ છે. અગ્નિ જગતના પાલક, અનિર્દેશ્ય, સર્વગ, સર્વભાવન, બધાં પ્રાણીઓના હૃદયમાં વસે છે, રુદ્ર કરતાંય જ્યેષ્ઠ અને શક્તિશાળી છે. તે તેજરાશિ હુતાશનની જલદી શોધ કરો, તે અગ્નિ તમારી ઇચ્છા પૂરી કરશે.’
મહાનુભાવ દેવની વાત સાંભળીને સંકલ્પ સિદ્ધ થયેલા દેવતાઓએ અગ્નિને શોધવા વિદાય લીધી. ઋષિઓએ અને દેવતાઓએ અગ્નિના દર્શનની ઇચ્છાથી ત્રણે લોક શોધવા માંડ્યા, બધાનું મન એમાં જ હતું. પરમ તપસ્યાવાળા, તેજસ્વી અને લોકવિખ્યાત સિદ્ધગણ અગ્નિને શોધવા બધા લોકમાં ઘૂમવા લાગ્યા. પરંતુ જળમાં છુપાઈ ગયા હોવાને કારણે અગ્નિ દેખાતા ન હતા. એટલે દેવતાઓ તેમના સુધી પહોંચી ન શક્યા.
ત્યાર પછી અગ્નિના તેજથી પ્રદીપ્ત થઈને અને દુઃખી થઈને એક જલચર દેડકો રસાતલમાંથી ઉપર આવીને અગ્નિનું દર્શન કરવા ઉત્સુક દેવતાઓને કહેવા લાગ્યો, ‘હે દેવગણ, અગ્નિદેવ રસાતલ તળે નિવાસ કરે છે, પ્રભુ! હું તેમના સંતાપથી દુઃખી થઈને અહીં આવ્યો છું. હે દેવગણ, ભગવાન હવ્યવાહન (અગ્નિ) પોતાના તેજ વડે જળનો સંસર્ગ કરીને તેમની વચ્ચે સૂતા છે. અમે તેમના પ્રભાવને કારણે સંતાપ પામ્યા છીએ. હે દેવતાઓ, જો તમારી ઇચ્છા અગ્નિનાં દર્શન કરવાની હોય અને એમની સહાયથી કોઈ કાર્ય કરાવવા માગતા હો તો જાઓ, ત્યાં તમને મળશે. હે દેવતાઓ, તમે જાઓ. અમે અગ્નિના ભયથી દુઃખી થઈને બીજી જગાએ જઈશું.’ દેડકો આટલું કહીને તરત જ જળમાં પેસી ગયો. અગ્નિએ દેડકાની દુષ્ટતા જાણી લીધી અને તેને શાપ આપ્યો, ‘તને રસજ્ઞાન નહીં થાય.'
સર્વશક્તિમાન અગ્નિદેવ દેડકાને આવો શાપ આપીને બીજા સ્થળે નિવાસ કરવા જતા રહ્યા; તેમણે દેવતાઓને દર્શન ન આપ્યાં. હવે દેવતાઓએ દેડકા ઉપર કેવી કૃપા કરી? દેવતાઓએ કહ્યું, ‘અગ્નિના શાપથી તમે જિહ્વા વિનાના થયા તો પણ તમે અમારી કૃપાથી અનેક પ્રકારનાં વાક્યો બોલી શકશો. બિલવાસી થઈને રહેતા હોવાને કારણે તમે અચેતન, નિષ્પ્રાણ, શુષ્ક થઈ ગયા પછી પણ પૃથ્વી તમને ધારણ કરશે. તમે બધા ઘોર અંધકારવાળી રાતે પણ હરીફરી શકશો.’
દેડકાઓને આમ કહીને અગ્નિની શોધમાં દેવતાઓ પૃથ્વી પર વિચરવા લાગ્યા. પરંતુ હુતાશનને જોઈ ન શક્યા. ત્યાર પછી સુરેન્દ્રના ઐરાવત સમાન કોઈ હાથીએ દેવતાઓને કહ્યું, ‘અગ્નિદેવ અશ્વત્થ (પીપળો)માં વસે છે.’ ત્યારે અગ્નિએ પુષ્કળ ક્રોધે ભરાઈને તે હાથીઓને શાપ આપ્યો, ‘તમારા બધાની જીભ ઊલટી થઈ જશે.’
હાથીઓને શાપ આપીને અગ્નિદેવ પીપળામાંથી નીકળીને શયનની ઇચ્છાથી શમી વૃક્ષમાં પ્રવેશ્યા. સત્યપરાક્રમી દેવતાઓએ હાથીઓ ઉપર પણ કૃપા કરી. દેવતાઓએ કહ્યું, ‘તમે અવળી જીભથી પણ બધા પ્રકારના આહાર ખાઈ શકશો અને મોટેથી બોલી શકશો. પરંતુ કોઈ અક્ષર મોંમાંથી નીકળશે નહીં.’ દેવતાઓએ આમ કહીને અગ્નિની શોધ ચલાવી. અગ્નિ પીપળાામાંથી નીકળીને શમી વૃક્ષમાં બેસી રહ્યા. ત્યાર પછી પોપટના મોઢે અગ્નિના નિવાસની વાત જાણીને દેવતાઓ ત્યાં દોડ્યા. એટલે અગ્નિએ પોપટને શાપ આપ્યો કે તું વાણીહીન થઈશ. અગ્નિએ એની જીભ અવળી કરી નાખી. દેવતાઓએ અગ્નિને જોયો, દયા આણીને પોપટને કહ્યું, ‘તારી વાણી નાશ નહીં પામે. જીભ એંઠી રહેશે તો પણ તારી વાણી બાળકની જેમ વૃદ્ધોને નહીં સમજાય, પણ અવ્યક્ત, મધુર, અદ્ભુત અને મનોહર રહેશે.’
શુક પક્ષીને આમ કહીને દેવતાઓએ શમી વૃક્ષમાં અગ્નિદેવને જોઈને શમી વૃક્ષને બધાં કાર્યો માટે અગ્નિનું પવિત્ર સ્થાન બનાવ્યું, ત્યારથી અગ્નિ શમી વૃક્ષમાં દેખાવા લાગ્યા. તે સમયથી માનવીઓને શમીની શાખામાંથી અગ્નિ પેદા કરવાનો ઉપાય સૂઝ્યો. હે ભાર્ગવ, રસાતલમાં જે બધું પાણી અગ્નિના સ્પર્શવાળું થયું હતું, જે પાણીમાં અગ્નિ સૂતા હતા અને અગ્નિના તેજ વડે ઉત્તમ થયું હતું તે જળ પર્વતના ઝરણા દ્વારા પોતાની ગરમી કાઢે છે. તે સમયે અગ્નિ દેવતાઓને જોઈને દુઃખી થયા અને તેમને પૂછ્યું, ‘તમે શા માટે આવ્યા છો?’
દેવતાઓએ અને ઋષિઓએ અગ્નિને કહ્યું, ‘અમે તમને જે કાર્યમાં જોતરીએ તે તમારે કરવું પડશે. તે કરવાથી તમારો પણ ઉત્તમ મહાન ગુણ પ્રગટ થશે.’
અગ્નિએ કહ્યું, ‘હે દેવતાઓ, તમારે શું કામ પડ્યું છે તે કહો. હું તે પૂર્ણ કરીશ. હું તમારો આજ્ઞાંકિત છું. આ વિશે તમારે કશો વિચાર કરવાનો ન હોય.’
દેવતાઓ બોલ્યા, ‘તારક નામનો અસુર બ્રહ્માના વરદાનને કારણે અભિમાની થઈ ગયો છે. પોતાના પરાક્રમથી અમને પીડા પહોંચાડે છે. તમે એના વધનો કોઈ ઉપાય કરો. હે પાવક(અગ્નિ), આ મહાભાગ દેવતાઓ, પ્રજાપતિઓ અને ઋષિઓની રક્ષા કરો. હે પ્રભુ, તેજયુક્ત મહાવીર પુત્રને જન્મ આપો. હે હવ્યવાહન, તે અસુરથી ઉત્પન્ન થયેલો પુત્ર અમારા ભયનો નાશ કરશે. અમને બધાને મહાદેવી (પાર્વતી)નો શાપ છે. અત્યારે તમારા પરાક્રમ સિવાય અમારા માટે બીજો કોઈ માર્ગ નથી. હે પ્રભુ, અમારી રક્ષા કરો.’
ત્યારે હવ્યકવ્ય ગ્રહણ કરનારા અગ્નિએ કહ્યું, ‘ભલે એમ જ થશે.’ એમ કહીને તેઓ ભાગીરથી ગંગા પાસે ગયા. તેની પાસે જઈને તેનો સહવાસ કર્યો અને તે જ વેળા ગંગાને ગર્ભ રહ્યો. તે ગર્ભ ગંગાના ઉદરમાં ઝડપથી મોટો થયા લાગ્યો. ગર્ભના તેજથી ગંગા વિહ્વળ થઈ, અચેત થઈ અને તેને સંતાપ થયો. તેનાથી એ વેઠાયું નહીં, અગ્નિ દ્વારા ગંગામાં સ્થપાયેલો તે ગર્ભ મોટો થઈ રહ્યો હતો ત્યારે કોઈ અસુરે ત્યાં મોટેથી ગર્જના કરી. આકસ્મિક રીતે થયેલા આ મહાનાદથી ગંગા ડરી જઈને સંભ્રાંતલોચન થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. તે વિહ્વળ, ચેતનાહીન અને સંજ્ઞારહિત થઈને પોતાને અને ગર્ભને સાચવી ન શકી. ત્યારે ગંગાનાં બધાં અંગ તેજયુક્ત થયાં, ગર્ભના બળથી તે આક્રાંત થઈ અને કાંપતી કાંપતી અગ્નિદેવને કહેવા લાગી, ’હે ભગવન્, હું તમારા આ તેજને ધારણ કરી શકું એમ નથી. આ તેજથી હું વિમૂઢ થઈ રહી છું, અત્યંત અસ્વસ્થ થઈ છું, હું વિહ્વળ થઈ ગઈ છું, મારી ચેતના લુપ્ત થઈ છે, હે તપ્તોમાં શ્રેષ્ઠ, હું આ તેજને ધારણ કરી શકતી નથી. એટલે દુઃખે હું તેનો ત્યાગ કરું છું. સ્વેચ્છાથી તેનો ત્યાગ કરતી નથી.
હે દેવ વિભાવસુ, (અગ્નિ) મનથી ક્યારેય આની સાથે મારો સંસ્પર્શ નથી. હે મહાદ્યુતિ, આપત્તિને કારણે તમારી સાથે અત્યંત સૂક્ષ્મ સંબંધ થયો છે. હે હુતાશન, આ સંદર્ભે જે કોઈ દોષ, ગુણ, ધર્માધર્મ હશે તેની જવાબદારી તમારી છે એમ હું માનું છું.’
ત્યાર પછી અગ્નિએ તેને કહ્યું, ‘મારા તેજવાળો આ ગર્ભ ધારણ કરો, એનાથી મહાસુખ તથા ફળ પ્રાપ્ત થશે.એટલે આ ધારણ કરો, તમે પોતાની શક્તિ વડે આ ધરતીને ધારણ કરવામાં સમર્થ છો, તો મેં મૂકેલા ગર્ભને ધારણ કરવા સિવાય તમારે બીજું કશું કરવાનું નથી.’ દેવતાઓ અને અગ્નિએ ના પાડી તે છતાં સરિતાઓમાં શ્રેષ્ઠ એવી ગંગાએ ગિરિશ્રેષ્ઠ મેરુ પર્વત પર ગર્ભ ત્યજી દીધો. તે ગર્ભ ધારણ કરવામાં સમર્થ હોવા છતાં રુદ્રતેજથી પરાભવ પામી અને તે ગર્ભને ધારણ કરી ન શકી. જ્યારે ગંગાએ વૈશ્વાનર (અગ્નિ) સમાન પ્રભાવાળા ગર્ભનો ત્યાગ કર્યો ત્યારે અગ્નિએ સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાને પૂછ્યું, ‘ગર્ભ સુખ રૂપે જન્મ્યો તો હતો ને? તેનો વર્ણ કેવો છે? રૂપે કેવો છે? તે કયા તેજથી યુક્ત છે, એ બધી વાત કરો.’
ગંગાએ કહ્યું, ‘હે અનલ(અગ્નિ), તે ગર્ભ સુવર્ણમય છે, તેનું તેજ તમારા જેવું છે, વિમલ સુવર્ણ સમાન તે પ્રદીપ્ત ગર્ભે પર્વતને પ્રકાશિત કર્યો છે. હે તપ્તમાં શ્રેષ્ઠ, આ ગર્ભ પદ્મ અને ઉત્પલ કમળવાળા સરોવરની જેમ શીતલ છે. તેની સુવાસ કદંબપુષ્પ જેવી છે. સૂર્ય જેવા તેજયુક્ત ગર્ભનાં કિરણો વડે પૃથ્વી અને પર્વતનું જે કંઈ દ્રવ્ય સ્પર્શાયું છે તે બધું કાંચન જેવું દેખાય છે. આ ગર્ભ તેજ વડે સચરાચર ત્રિલોકને પ્રદીપ્ત કરીને પર્વત, નદી, ઝરણાંમાં દોડી રહ્યો છે. હે હવ્યવાહન (અગ્નિ) તમારો પુત્ર આવા ઐશ્વર્યવાળો છે, તેજમાં તે સૂર્ય અને વૈશ્વાનર જેવો અને કાંતિમાં બીજા ચંદ્ર જેવો છે.’
આટલું કહીને તે દેવી અંતર્ધાન થઈ ગયાં. તેજસ્વી પાવક પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરીને પોતાના ઇષ્ટ પ્રદેશમાં જતા રહ્યા. આ બધાં કાર્ય અને ગુણોને કારણે દેવતાઓ અને ઋષિઓએ અગ્નિનું નામ ‘હિરણ્યરેતા’ પાડ્યું. પૃથ્વી દેવી પણ વસુમતી નામથી પ્રખ્યાત થઈ.
ગંગાના ઉદરમાંથી પડેલો અગ્નિ દ્વારા ઉત્પન્ન થયેલો તે અદ્ભુત દર્શનવાળો, મહાતેજસ્વી ગર્ભ દિવ્ય શરવણમાં જઈને ત્યાં મોટો થવા લાગ્યો. બાલસૂર્ય જેવા તેજવાળા બાળકને કૃત્તિકાઓએ જોયો, સ્નેહવશ પોતાના સ્તનનું દૂધ પીવડાવીને તેઓ પાળવા લાગી. આને કારણે તે પરમ દ્યુતિવાળા બાળકનું નામ કાર્તિકેય પડ્યું. શિવના સ્કન્દિન વીર્યથી ઉત્પન્ન થવાને કારણે તેનું નામ સ્કંદ પડ્યું અને ગુહા(ગુફા)માં વાસ કરવાને કારણે તેનું નામ ગુહ પડ્યું. એ જ રીતે અગ્નિનો પુત્ર સુવર્ણ થયો. અનેક પ્રકારના સુવર્ણોમાં જાંબૂનદ નામનું સુવર્ણ શ્રેષ્ઠ છે, દેવતાઓનું પણ તે આભૂષણ છે. ત્યારથી સુવર્ણ જાતરૂપ નામે વિખ્યાત છે, સુવર્ણ ભગવાન અગ્નિ, ઊશ અને પ્રજાપતિ સ્વરૂપ છે. કનક બધી પવિત્ર વસ્તુઓમાં અત્યંત પવિત્ર છે. સોમ અને જાતરૂપ અગ્નિ રૂપે તે વર્ણવાય છે. તે સર્વ રત્નોમાં ઉત્તમ અને સમસ્ત ભૂષણોમાં ઉત્તમ ભૂષણ છે, બધી પવિત્ર વસ્તુઓ કરતાં પવિત્ર અને બધા મંગલોમાં મંગલ છે.
(અહીં અચાનક કાર્તિકેયની કથા અટકી જાય છે, યુધિષ્ઠિરના પૂછવાથી વળી તે થોડા પુનરાવર્તન સાથે આગળ ચાલે છે.)
... ... ...
આ બાળક કૃત્તિકાઓ દ્વારા મોટો થયો એટલે સચરાચર ત્રિલોકના તેનું નામ કાર્તિકેય પડ્યું, તે ઉપરાંત સ્કંદ, ગુહ નામે પણ તે જાણીતો થયો. પછી તેત્રીસ દેવતાઓ, દિગીશ્વર સમેત દશ દિશાઓ, રુદ્ર, ધાતા, વિષ્ણુ, યજ્ઞ, પૂષા, અર્યમા, નક્ષત્રો, ગ્રહ, સૂર્ય અને દેવતાઓનાં પ્રાણીઓ — આ બધાં કુમારને જોવા આવ્યા. ઋષિઓ તેની સ્તુતિ કરવા લાગ્યા, ગંધર્વોએ ગીત ગાયાં. બ્રાહ્મણોને પ્રિય કુમારને છ મોં, બાર નેત્ર, બાર હાથ, વિશાળ સ્કંદ, અને અગ્નિ — સૂર્ય સમાન તેજ હતાં. શરગુલ્મમાં સૂતેલા કુમારને જોઈ દેવતાઓ અને ઋષિઓ પણ હર્ષ પામ્યા અને માની લીધું કે તારકાસુર મૃત્યુ પામ્યો છે.
દેવતાઓએ કુમાર માટે બધી પ્રિય વસ્તુઓ લાવી આપી. તે જ્યારે રમતો થયો ત્યારે દેવતાઓએ તેને રમવા માટે અનેક પ્રકારનાં પક્ષી આપ્યાં. ગરુડે વિચિત્ર રંગનાં પીંછાંવાળો મોર લાવી આપ્યો. રાક્ષસોએ વરાહ અને મહિષ (પાડો) આપ્યા. વરુણે અગ્નિ સમાન કૂકડો આપ્યો, ચંદ્રે ઘેટું આપ્યું, સર્પે રુચિરા (સુંદર) પ્રભા આપી. ગાયોની માતાએ તેને એક લાખ ગાયો આપી, અગ્નિએ ગુણસભર બકરો આપ્યો, ઇલાએ ફૂલ અને ફળ આપ્યા. સુધન્વાએ ગાડું અને અનેક કૂબરવાળો રથ આપ્યો. વરુણે દિવ્ય, સુંદર હાથી અને શુભ ભુજંગ (સાપ) આપ્યા. સુરેન્દ્રે (ઇન્દ્રે) સિંહ અને વાઘ આપ્યા. દ્વિપીને બીજા અનેક પ્રકારનાં હિંસક પ્રાણીઓ આપ્યાં, અનેક પ્રકારનાં ઘોર પ્રાણીઓ, વિવિધ છત્ર આપ્યાં. રાક્ષસો અને અસુરો તેના અનુગામી થયા. તારકાસુરે તેને વૃદ્ધિ પામતો જોઈ અનેક રીતે મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને મારવામાં તે નિષ્ફળ રહ્યો. દેવતાઓએ તે ગુહાવાસી (કાર્તિકેય)ને સેનાપતિ બનાવી પૂજ્યો અને તારકાસુરના ત્રાસ વર્ણવ્યા. અત્યંત પરાક્રમી દેવસેનાપતિએ વૃદ્ધિ પામીને તારકાસુરને પોતાની અમોઘ શક્તિ વડે મારી નાખ્યો. કુમારે રમતાં રમતાં તે અસુરને મારી નાખ્યો ત્યારે ઇન્દ્ર પાછા દેવતાઓના રાજ્યમાં સિંહાસને બેઠા.
{{Right |  (અનુશાસન પર્વ, ૮૩-૮૬) }} <br>
=== વૃષાદર્ભિ અને સપ્તર્ષિઓની કથા ===
કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, ભરદ્વાજ, ગૌતમ, વિશ્વામિત્ર, અને જમદગ્નિ — આ સપ્તર્ષિઓ હતા. (અન્યત્ર મરીચિ, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠને સપ્તર્ષિ કહ્યા છે.) વળી સાધ્વી અરુંધતી પણ. આ બધાની એક સેવિકા ગંડા હતી, તેનો પતિ પશુસખ નામે શૂદ્ર હતો. તે સૌ સનાતન બ્રહ્મલોક પામવા આ પૃથ્વી પર તપ કરતા કરતા વિહરતા હતા. એક કાળે બહુ સમય સુધી વર્ષા ન થઈ, તે વખતે બધા જ ક્ષુધાતુર થઈને બહુ મુશ્કેલીએ જીવી રહ્યા હતા. ભૂતકાળમાં કોઈ યજ્ઞમાં યજ્ઞકર્તા શિવિરાજના પુત્રે ઋત્વિજોને દક્ષિણા પેટે પોતાનો પુત્ર આપી દીધો હતો. તે અલ્પાયુ હોવાથી મૃત્યુ પામ્યો. ક્ષુધાથી પીડાતા તે ઋષિઓ તે મૃત પુત્રને ચોતરફથી ઘેરીને ઊભા રહ્યા. ક્ષુધાર્ત ઋષિઓ યાજકના પુત્રને મરેલો જોઈ તેને સ્થાલીમાં રાંધ્યો. આ મર્ત્યલોકમાં અન્ન ન હોવાને કારણે તપસ્વીઓએ શરીરરક્ષા કરવા કૃચ્છવૃત્તિ અપનાવી હતી.
મહીપતિ (પૃથ્વીપતિ) શૈવ્ય વૃષાદર્ભિએ માર્ગમાંં ક્લેશયુક્ત ઋષિઓને રાંધતા જોયા. તેમણે કહ્યું, ‘દાન લેવાથી પુરુષ દુર્ભિક્ષ(દુકાળ) અને ભૂખના દુઃખમાંથી મુક્ત થાય છે. હે તપોધનો, પુષ્ટિ માટે તમે પ્રતિગ્રહ સ્વીકારો. મારી પાસે જે ધન છે તે તમે માગો. યાચક બ્રાહ્મણ મને પ્રિય છે. હું તમને પ્રત્યેકને એક હજાર ખચ્ચરી આપું, તમને વૃષભ સાથે શીઘ્રગા સફેદ રૂપોવાળી સારી રીતે પ્રસૂતિ પામેલી ગાયો આપું. એક કુળનો ભાર વહેવામાં સમર્થ એવા દસ હજાર બળદ આપું, પહેલી જ વાર ગાભણી થયેલી યુવાન, શ્રેષ્ઠ પ્રકૃતિવાળી, ઉત્તમ દૂધાળુ ગાયો આપું.
ઉત્તમ ગ્રામ, ડાંગર, જવ, રસ, રત્ન અને એ ઉપરાંત જે બધી દુર્લભ વસ્તુઓ છે તે આપી શકું છું, કહો આમાંથી શું આપું? તમે આ અભક્ષ્ય પદાર્થની ઇચ્છા ન કરો. તમારા લોકોના પોષણ માટે શું આપું?’
ઋષિઓએ કહ્યું, ‘હે રાજન્, રાજાઓનાં દાન ઉપર ઉપરથી મધુર હોય છે. પણ ઊંડેથી વિષ જેવાં હોય છે. તમે એ વાત જાણવા છતાં અમને પ્રલોભન કેમ આપો છો? દેવતાઓને બ્રાહ્મણના શરીરનો આશરો છે, દેવસ્વરૂપ બ્રાહ્મણ તપસ્યા દ્વારા શુદ્ધ થાય છે, પ્રસન્ન થાય છે અને દેવતાઓને પ્રસન્ન કરે છે. એક દિવસમાં બ્રાહ્મણ જે તપસ્યા કરે છે તે કદાચ રાજાનો પ્રતિગ્રહ દાવાનળની જેમ તેનો વિનાશ કરે છે. હે રાજન, દાન સમેત તમે સદા કુશળ રહો. તમે યાચકોને બધાનું દાન કરો.’ એમ કહી ઋષિઓ બીજે માર્ગે ચાલ્યા ગયા. તેઓ જે માંસ રાંધતા હતા તે અપક્વ જ રહી ગયું. તે બધા ઋષિઓ એ ત્યજીને આહાર માટે વનમાં ગયા. ત્યાર પછી રાજાએ મંત્રીઓને વનમાં મોકલીને તેમની પાસે ઉમરાનાં ફળ તોડાવી ઋષિઓને તેનું દાન કરવાનો પ્રયાસ કર્યો. મંત્રીઓએ ઉમરાનાં અને બીજાં વૃક્ષોનાં ફળમાં સુવર્ણમુદ્રાઓ ભરી, એ સુવર્ણભરેલાં ફળ ઋષિઓને આપવા દોડી ગયા. તે બધા વજનદાર ફળને ઋષિઓ ઓળખી ગયાં, તેમને અગ્રાહ્ય સમજીને અત્રિ બોલ્યા, ‘અમે મૂઢ કે મંદબુદ્ધિ નથી. અમને જાણ છે કે આ ફળ સુવર્ણથી ભરેલાં છે, એટલે સાવધ રહીને અમે જાગૃત રહીએ છીએ. આ લોકમાં આને ગ્રહણ કરવાથી પરલોકમાં અમારે ભારે કિંમત ચૂકવવી પડશે. આ લોકમાં અને પરલોકમાં જે સુખ પામવા માગે છે તેને માટે આ અગ્રાહ્ય છે.’
અને એ રીતે બધા ઋષિઓએ આવા દાનની નિંદા કરી.
અરુંધતીએ કહ્યું, ‘આ લોકમાં ધર્મ માટે દ્રવ્યસંચયની ભલામણ કેટલાક કરે છે પણ આ લોકમાં દ્રવ્યસંચય કરતાં તપસ્યાસંચય વધુ ઇષ્ટ છે.’
ગંડાએ કહ્યું, ‘મારા સ્વામી અત્યંત બળવાન હોવા છતાં આ પ્રતિગ્રહના પ્રચંડ ભયથી ડરી રહ્યા છે ત્યારે મને નિર્બળને વધુ ભય લાગે છે.’
પશુસખે કહ્યું, ‘લોભ વગેરે દોષથી ધર્મભ્રષ્ટ થવાથી શ્રેષ્ઠ સ્થાન મળતું નથી. બ્રાહ્મણો આ સ્થાનને જ ધન માને છે. એટલે હું ઉત્તમ શિક્ષા માટે આ વિદ્વાનોની ઉપાસના કરું છું.’
ઋષિઓએ કહ્યું, ‘જેની પ્રજા ભ્રામક ફળદાન કરવા આપે છે અને જે ફળ રૂપે સુવર્ણનું દાન કરે છે તે રાજા દાનસમેત કુશળ રહે.’ આમ કહીને તે વ્રતધારી ઋષિઓ ફળો ત્યજીને બીજે ચાલી ગયા.
રાજા વૃષાદર્ભિ સેવકોની વાત સાંભળીને કોપાયમાન થયા અને એના પ્રતિકારનો નિશ્ચય કરીને ઘેર જતા રહ્યા. તેમણે આહવનીય અગ્નિ પાસે જઈ આકરા નિયમો પાળીને પવિત્ર સંસ્કૃત મંત્રો દ્વારા એક એક આહુતિ આપવાની શરૂઆત કરી. તે અગ્નિમાંથી લોકભયંકરી એક કૃત્યા નીકળી, રાજાએ તેનું નામ યાતુધાની રાખ્યું. કાલરાત્રિના જેવી તે કૃત્યા હાથ જોડીને વૃષાદભિ પાસે ઊભી રહી અને બોલી, ‘હું શું કરું?’
રાજાએ કહ્યું, ‘સપ્તર્ષિઓ અને અરુંધતી પાસે જા, તે બધાના તથા દાસીના અને તેના પતિના નામના અર્થ મનોમન પામી લે. અને તે બધાનાં નામ જાણીને બધાંનો નાશ કર, તેમના વિનાશ પછી જ્યાં જવું હોય ત્યાં જજે.’
યાતુધાની સ્વરૂપિણી ‘એમ જ કરીશ’ કહીને જે વનમાં મહર્ષિઓ વિહરતા હતા ત્યાં ગઈ.
અત્રિ અને બીજા ઋષિઓ તે વનમાં ફળમૂળ ખાઈને ફરતા હતા. તે સમયે તેમણે મોટા, સુંદર ખભાવાળા, હાથપગમુખ પેટ ધરાવતા એક સ્થૂળ શરીરવાળા પરિવ્રાજકને કૂતરા સાથે જોયો. અરુંધતી તે સર્વાંગે સુંદર પરિવ્રાજકને જોઈ ઋષિઓને કહેવાં લાગ્યાં, ‘શું તમે આવા નહીં થાઓ?’
વસિષ્ઠે કહ્યું, ‘આપણી જેમ તેને આજે અગ્નિહોત્ર થયો કે નહીં, સવાર સાંજ હોમ કરવો જોઈએ તેની ચિંતા નથી. એટલે કૂતરા સમેત તે મોટો થયો છે.’
અત્રિએ કહ્યું, ‘ભૂખને કારણે આપણી શક્તિ ઓછી થઈ છે. અને મહામહેનતે શીખેલી વેદવિદ્યા નષ્ટ થઈ છે તેવી રીતે આની નથી થઈ, એટલે જ તે કૂતરાની સાથે પુષ્ટ થયો છે.’
વિશ્વામિત્રે કહ્યું, ‘ભૂખને કારણે આપણો શાસ્ત્રોક્ત પ્રતિપાદિત ધર્મ જેવી રીતે જીર્ણ થયો છે તેવી રીતે આનો નથી થયો, આ આળસુ છે, માત્ર ભૂખ સંતોષવા જ તે પુરુષાર્થ કરે છે, એટલે જ તે કૂતરા સાથે પુષ્ટ થયો છે.’
જમદગ્નિએ કહ્યું, ‘આપણે જેવી રીતે વરસ ભરના અન્ન અને કાષ્ઠની ચિંતા કરીએ છીએ તેવી રીતે તેને કશી ચિંતા કરવી પડતી નથી, એટલે તે કૂતરા સમેત પુષ્ટ છે.’
કશ્યપે કહ્યું, ‘જેવી રીતે આપણા ચાર ભાઈઓ ‘અન્ન આપો, અન્ન આપો,’ કહીને ભોજન માગે છે તેવી રીતે તેને કશી ચિંતા નથી, એટલે તે કૂતરા સમેત પુષ્ટ છે.’
ભરદ્વાજે કહ્યું, ‘આપણને જેવી રીતે પત્નીના કલંકિતપણાનો શોક છે તેવો કોઈ શોક આ વિચારશૂન્ય બ્રાહ્મણને થયો નથી. તેથી આ પુરુષ કૂતરાની સાથે પુષ્ટ છે.’
ગૌતમે કહ્યું, ‘આપણી જેમ કુશથી ગૂંથેલી મેખલા અને મૃગચર્મ આ પુરુષને ત્રણ વર્ષ સુધી ધારણ કરવી પડી નથી. એટલે આ પુરુષ કૂતરાની સાથે સાથે પુષ્ટ થયો છે.’
ત્યાર પછી કૂતરાને લઈને આવેલા તે સંન્યાસીએ મહર્ષિઓને જોઈને તેમની પાસે જઈ, યથાન્યાય તેમનો સ્પર્શ કર્યો.
તેમણે પરસ્પર કુશળ સમાચાર કહ્યા અને પછી કહ્યું, ‘અમે ક્ષુધાતૃપ્તિ માટે આ વનમાં ભ્રમણ કરી રહ્યા છીએ.’ પછી તેઓ ભેગા મળીને રહેવા લાગ્યા.
તે બધાનો એક નિશ્ચય હતો, બધાનું કાર્ય એક જ હતું. વનમાં ફળમૂળનો સંગ્રહ કરીને વિહરવા લાગ્યા. એક વેળા તેમણે ભમતાં ભમતાં ઉત્તમ વિરલ વૃક્ષોથી ઘેરાયેલું, સ્વચ્છ — પવિત્ર જલવાળું એક સુંદર સરોવર જોયું. તે પ્રાત:કાળના સૂર્ય જેવું રાતા કમળથી શોભતું હતું, વૈડૂર્ય મણિના વર્ણ જેવા પદ્મપત્રોથી પૂર્ણ હતું. ત્યાં જળચર પક્ષીઓ હતાં. તેમાં પ્રવેશ માટે એક દ્વાર હતું, કોઈ કમળ કે પાણી લઈ શકે એમ ન હતું. ત્યાં ઊતરવા માટે પગથિયાં હતાં. કાદવ ન હતો.
વૃષાદર્ભિ રાજાએ મોકલેલી વિકૃત દેખાવની કૃત્યા અર્થાત્ યાતુધાની તે સરોવરરક્ષક હતી. શુનસખ સમેત બધા મહર્ષિઓ મૃણાલ(કમળ) માટે તે કૃત્યારક્ષિત સરોવર પર ગયા. મહર્ષિઓએ સરોવરના કિનારે અત્યંત વિકરાળ યાતુધાનીને જોઈ. તેમણે પૂછ્યું, ‘તું એકલી અહીં કોના માટે રહે છે? સરોવરના કિનારાનો આશ્રય લઈ રહેવાનો હેતુ કયો? તું શું કરવા માગે છે તે કહે.’
યાતુધાનીએ કહ્યું, ‘હું ગમે તે હોઉં, તમારે મને કશું પૂછવું ન જોઈએ. હે તપોધનો, આ સરોવરની હું રક્ષક છું. એટલું જાણો.’
ઋષિઓએ કહ્યું, ‘અમને ખૂબ તરસ લાગી છે, અમારી પાસે ખાવાનું કશું નથી, તું રજા આપે તો અમે મૃણાલ લઈએ.’
યાતુધાનીએ કહ્યું, ‘તમે એક શરતે કમળ લઈ શકશો. એક એક જઈ પોતાનું નામ અને તેનો અર્થ કહીને મૃણાલ લો, વિલંબ ન કરતા.’
ક્ષુધાથી વ્યાકુળ ચિત્તવાળા અત્રિએ જાણી લીધું કે આ કૃત્યા ઋષિઓને મારી નાખવા માગે છે.
તેમણે કહ્યું, ‘જે આ સમગ્ર સંસારને પાપમાંથી બચાવે છે તેને અત્રિ કહેવામાં આવે છે. જે પાપથી રક્ષે છે તે અત્રિ છે. જે કામ ક્રોધ જેવા શત્રુ જેનો આધાર લે છે તેને અર એટલે કે પાપ કહે છે, જે પાપથી બચાવે છે તે અરાત્રિ છે, એટલે જે અરાત્રિ છે તે જ અત્રિ છે; અદ્નો અર્થ મૃત્યુ છે, એમાંથી જે બચાવે છે તે પણ અત્રિ છે; એટલે ધર્મ પણ અત્રિપદ વાચ્ય છે, અદ્ય અર્થાત્ વર્તમાન કાળમાં જે ત્રણ વખત અધિગત નથી થતો, જે અવસ્થા સર્વપાપવિનાશિની છે તેને અરાત્રિ કહે છે, હે સુંદરી, હું અરાત્રિ છું તો મારું નામ અત્રિ છે.’
યાતુધાની બોલી, ‘હે મહામુનિ, તમે મારી આગળ નામ અને અર્થ કહ્યા તે સમજવા અઘરા છે, એટલે તમે જાઓ, સરોવરમાં ઊતરો.’
વસિષ્ઠે કહ્યું, ‘મારું નામ વસિષ્ઠ, મહાન હોવાને કારણે મને વસિષ્ઠ કહે છે. હું ગૃહસ્થાશ્રમમાં વસું છું. એટલે વસિષ્ઠત્વ છું, વાસ કરવાને કારણે વસિષ્ઠ છું, એમ સમજો.’
યાતુધાનીએ કહ્યું, ‘તમે પોતાના નામનો જે અર્થ કહ્યો તેના તો અક્ષરાર્થ પણ સમજી નથી શકાતા. તમે જાઓ, સરોવરમાં ઊતરો.’
કશ્યપ બોલ્યા, ‘હું દરેક શરીરમાં એક છું, એટલે મારું નામ કશ્ય છે. કશ્યની રક્ષા કરું છું, એટલે કશ્યપ છું. જે પૃથ્વી પર વૃષ્ટિ કરે છે તે કુપપ એટલે સૂર્ય, કુ-પપ એટલે બાર સૂર્ય મારો પુત્ર એટલે હું કુપપ છું; દીપ્તિમાન હોવાથી કશ્ય અને કાશ પુષ્પ જેવા કેશ છે એટલે મારું નામ કાશ્ય. આ નામ ધારણ કરો.’
યાતુધાની બોલી, ‘તમે જે રીતે તમારું નામ કહ્યું તે સમજાતું નથી. જાઓ સરોવરમાં ઊતરો.’
ભરદ્વાજે કહ્યું, ‘જે મારા શિષ્ય નથી, જે પુત્ર નથી તેમનું હું પાલન કરું છું. દેવતા, ભાર્યા, દ્વાજ(વર્ણસંકર)નું પાલન કરું છું એટલે હું ભરદ્વાજ છું.’
યાતુધાની બોલી, ‘તમારા નામનો અર્થ, અક્ષરાર્થ કરવા અત્યંત કષ્ટદાયી છે. જાઓ, સરોવરમાં ઊતરો.’
ગૌતમે કહ્યું, ‘જિતેન્દ્રિય હોવાથી ગોપદ, સ્વર્ગ — પૃથ્વીને વશ કર્યાં છે એટલે ગોદમ. બીજા કોઈ મારું દમન કરી શકતા નથી. એટલે અદમ છું. મારી ગો (કિરણ) વડે તમનો નાશ થયો એટલે મારું નામ ગૌતમ.’
યાતુધાનીએ કહ્યું, ‘મારી આગળ તમે જે નામની વ્યાખ્યા કરી તે સમજવાની મારી શક્તિ નથી. જાઓ, સરોવરમાં ઊતરો.’
વિશ્વામિત્ર બોલ્યા, ‘વિશ્વના દેવો મારા મિત્ર છે, હું ગાયોનો — ઇન્દ્રિયોનો મિત્ર છું, એટલે જગતમાં બધા વિશ્વામિત્ર કહે છે.’
યાતુધાની બોલી, ‘તમારા નામનો અર્થ, અક્ષરાર્ધ બહુ કષ્ટથી બોલાય છે, તે સમજી નહીં શકાય. જાઓ, સરોવરમાં ઊતરો.’
જમદગ્નિ બોલ્યા, ‘યજ્ઞના અગ્નિમાંથી હું જન્મ્યો છું. એટલે મારું નામ જમદગ્નિ છે.’
યાતુધાનીએ કહ્યું, ‘તમે જેવી રીતે મારી આગળ તમારું નામ કહ્યું તે સમજવું કઠણ છે. જાઓ, સરોવરમાં ઊતરો.’
અરુંધતી બોલ્યાં, ‘પર્વત, ધરા અને વસુધા — માં વસું છું. પતિની અનુગામિની છું, પતિના મનનો અનુરોધ કરું છું એટલે હું અરુંધતી છું.’
યાતુધાની બોલી, ‘તમારા નામનો અર્થ, અક્ષરાર્ધ બહુ કષ્ટથી બોલાય છે, તે હું સમજી શકતી નથી. તમે જાઓ, સરોવરમાં ઊતરો.’
ગંડાએ કહ્યું, ‘અગ્નિમાંથી સંભવેલી હે કૃત્યા, મોંના એક ભાગને વિદ્વાનો ગંડ કહે છે, મારો કપોલ ઊંચો છે એટલે હું ગંડા.’
યાતુધાનીએ કહ્યું, ‘તમારા નામનો અર્થ અને અક્ષરાર્થ મુશ્કેલીથી બોલાય છે, તે સમજાતો નથી. તમે જાઓ અને સરોવરમાં ઊતરો.’
પશુસખ બોલ્યા, ‘હે પશુઓને જોતાંવેંત તેમની રક્ષા કરું છું, તેમનું મનોરંજન કરું છું, એટલે મારું નામ પશુસખ.’
ધાતુયાની બોલી, ‘તમારા નામનો અર્થ અને અક્ષરાર્થ મુશ્કેલીથી બોલી શકાય, તે સમજાતો નથી. તમે જાઓ. સરોવરમાં ઊતરો.’
શુનસખે કહ્યું, ‘હે ધાતુયાની, આ ઋષિઓએ જેવી રીતે પોતાનાં નામ કહ્યાં, એવી રીતે કહેવાનો ઉત્સાહ મને નથી. એટલે મને શુન:સખા કે ધર્મસખા કે મુનિસખા સમજ.’
ધાતુયાનીએ કહ્યું, ‘તમે સંદિગ્ધ ભાષામાં પોતાનું નામ સમજાવ્યું છે. એટલે ફરી એક વાર સરખી રીતે કહો.’
શુનસખે કહ્યું, ‘મેં એક વાર કહ્યું તેને જો તું સમજી ન હોય તો આ ત્રિદંડના આઘાતથી તરત જ બળીને ભસ્મ થઈ જા.’
યાતુધાની કૃત્યા તે સમયે બ્રહ્મદંડ સમા ત્રિદંડનો માર ખાતાં વેંત પૃથ્વી પર પડી અને ભસ્મ થઈ ગઈ.
શુનસખા તે મહાબળવાન યાતુધાનીને મારીને ભૂમિ પર ત્રિદંડ મૂકીને ત્યાં જ ઘાસ પર બેસી ગયા.
ત્યાર પછી મુનિવૃંદ સ્વેચ્છાએ કમળપુષ્પ અને મૃણાલ લઈને આનંદપૂર્વક સરોવરમાંથી બહાર નીકળ્યા. તેમણે અત્યંત શ્રમપૂર્વક મૃણાલ એકઠા કરી જુદા જુદા બાંધ્યાં, સરોવરકાંઠે મૂકીને સરોવરજળ વડે તર્પણ કરવા લાગ્યા. તેઓ પાણીમાંથી બહાર નીકળ્યા અને જોયું તો ત્યાં એકઠા કરેલાં મૃણાલ ન હતાં.
ઋષિઓ બોલ્યા, ‘અમે ક્ષુધાતુર થઈને જે મૃણાલ લાવ્યા હતા તેને ન જાણે કયા નૃશંસ મનુષ્યે ચોરી લીધાં છે.’
બધા ઋષિઓ એકબીજા પર શંકા કરતા આમ પૂછવા લાગ્યા. ત્યારે બધાને સોગંદ ખાવા કહ્યું. તે બધા ક્ષુધાર્ત હતા, શ્રમથી થાક્યા હતા, એટલે એમ જ કરીશું એમ શુનસખને કહી બધા સોગંદ ખાવા તૈયાર થયા.
અત્રિએ કહ્યું, ‘જેણે મૃણાલ લીધાં છે તેને ગાયનો પગથી સ્પર્શ કરવાનું, સૂર્ય સામે જોઈને પેશાબ કરવાનું અને અનધ્યાયના સમયે અધ્યયન કરવાનું પાપ લાગે.’
વસિષ્ઠે કહ્યું, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને લોકોની વચ્ચે અનધ્યાયના સમયે વેદપાઠ કરવાનું, ક્રીડા કે મૃગયા નિમિત્તે કૂતરાઓને આકર્ષવાનું, સંન્યાસી થઈને સ્વેચ્છાચારી બનવાનું, શરણાગતને મારવાનું, શુલ્ક્ લઈને કન્યાવિક્રય કરવાનું, ખેડૂત પાસે ધનની અભિલાષા કરવાનું પાપ લાગે.’
કશ્યપ બોલ્યા, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને દરેક વિષય પર વાત કરવાનું, બીજાઓનું ધન લેવાનું અને ખોટી સાક્ષી આપવાનું અને માંસાહાર કરવાનું, વૃથા દાન કરવાનું, દિવસે સ્ત્રીસમાગમ કરવાનું પાપ લાગે.’
ભરદ્વાજ બોલ્યા, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને ધર્મત્યાગી થઈને સ્ત્રીજાતિ, કુટુંબીજનો અને ગાયો સાથે નિષ્ઠુર વ્યવહાર કરવાનું કે બ્રાહ્મણને વાદમાં પરાજિત કરવાનું પાપ લાગે. વળી તેને ગુરુને બાજુએ રાખી ઋગ્વેદ, યજુર્વેદનો પાઠ કરવાનું અને તૃણયુક્ત અગ્નિમાં હોમ કરવાનું પાપ લાગે.’
જમદગ્નિએ કહ્યું, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને જળમાં વિષ્ટા કરવાનું, દૂધાળુ ગાયને મારવાનું, ઋતુકાળ સિવાય સ્ત્રીસમાગમ કરવાનું પાપ લાગે. જેણે મૃણાલ ચોર્યાં છે તેને બધા સાથે દ્વેષભાવ રાખવાનું, ભાર્યા દ્વારા કમાણી કરવાનું, બાંધવોથી દૂર રહેવાનું, હંમેશાં બધા સાથે વેર રાખવાનું અને પરસ્પર અતિથિ બનવાનું પાપ લાગે.’
ગૌતમ બોલ્યા, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તેને વેદપાઠ કરી એને ત્યજી દેવાનું, ત્રણ અગ્નિ ત્યજી દેવાનું અને સોમરસનું વેચાણ કરવાનું પાપ લાગે. એક માત્ર કૂવાના પાણીથી જે પ્રદેશમાં જીવાતું હોય ત્યાં બ્રાહ્મણ થઈને પણ પૈસા લઈને જે કામ કરે છે તેવા બ્રાહ્મણના જેવું પાપ લાગે.’
વિશ્વામિત્રે કહ્યું, ‘જેણે મૃણાલ ચોર્યાં છે તે જીવતો હોવા છતાં બીજાઓ તેના ગુરુજનો અને સેવકોનું પાલન કરે, તેને તથા જેની દુર્ગતિ થઈ હોય, જેને પુત્રો હોય તેને જે પાપ લાગે તે પાપ લાગે. જેણે મૃણાલ ચોર્યાં છે તેને અપવિત્ર રહેવાનું, વેદને મિથ્યા માનવાનું, સંપત્તિનો અહંકાર કરવાનું, બ્રાહ્મણ થઈને ખેતી કરવાનું, મત્સરી હોવાનું પાપ લાગે. જેણે મૃણાલ ચોર્યાં છે તેને વર્ષાકાળે યાત્રા કરવાનું, સેવક થવાનું, રાજાના પુરોહિત તથા યજ્ઞના અનધિકારીઓથી યજ્ઞ કરાવવાનું પાપ લાગે.’
અરુંધતી બોલ્યાં, ‘જે સ્ત્રીએ મૃણાલ લીધાં હોય તેને નિત્ય સાસુની નિંદા કરવાનું, પતિનું મન દૂભવવાનું અને એકલા એકલા સ્વાદિષ્ટ ખાવાનું પાપ લાગે. જેણે મૃણાલ ચોર્યાં છે તેને સ્વજનોનો અનાદર કરી ઘરમાં રહેવાનું, દિવસ પૂરો થયા પછી સાથરો ખાવાનું, અભાગી — અવીરની મા હોવાનું પાપ લાગે.’
ગંડા બોલી, ‘જેણે મૃણાલ ચોર્યાં હોય તેને સર્વદા અસત્ય બોલવાનું, સાધુજનોનો વિરોધ કરવાનું, શુલ્ક લઈને કન્યાદાન કરવાનું, રસોઈ કરીને એકલા ભોજન કરવાનું, દાસ્યકર્મ કરીને જીવવાનું, પાપકર્મ કરી મૃત્યુ વહોરવાનું પાપ લાગે.’
પશુસખે કહ્યું, ‘જેણે મૃણાલ ચોર્યાં હોય તેને બીજા જનમમાં દાસ થઈ જન્મ લેવાનું, સંતાનહીન, નિર્ધન હોવાનું અને દેવતાઓને નમન ન કરવાનું પાપ લાગે.’
શુનસખે કહ્યું, ‘જેણે મૃણાલની ચોરી કરી છે, તે બ્રહ્મચારી, યજુર્વેદ જાણનારા કે સામવેદ જાણનારા બ્રાહ્મણને કન્યાદાન કરે, તે બ્રાહ્મણ અથર્વવેદ ભણીને સ્નાતક બને.’
ઋષિઓએ કહ્યું, ‘હે શુનસખ, તમે જે સોગંદ લીધા તે તો, બ્રાહ્મણોની અભિલાષા જ હોય છે, એટલે તમે જ મૃણાલ ચોર્યાં છે.’
શુનસખે કહ્યું, ‘તમે અત્યારે તમારું ધન ન જોઈને કૃતકર્મા થઈ જે વાત કરી તે સત્ય છે, એમાં કશું મિથ્યા નથી. મેં જ મૃણાલ ચોર્યાં છે. આ બધાં મૃણાલ મેં જ લઈ લીધાં છે. મેં તમારી પરીક્ષા કરવા આમ કર્યું છે, તમારી રક્ષા કરવા હું અહીં આવ્યો હતો. અત્યંત ક્રુદ્ધ યાતુધાની કૃત્યા તમને મારી નાખવા માગતી હતી. હે તપોધનો, રાજા વૃષાદર્ભિએ તેને મોકલી હતી, મેં તેને મારી નાખી છે. એ દુષ્ટ પાપિણી કૃત્યા તમારા માટે અગ્નિથી પ્રગટી હતી. હે વિપ્રો, હું આ જ કારણે અહીં આવ્યો હતો, હું ઇન્દ્ર છું. તમે બધા લોભ ત્યાગીને અક્ષય લોક પામ્યા છે. હે દ્વિજગણ, તમે અહીંથી ચાલો. તમે લોકો બહુ જલદી સમસ્ત લોક પામશો.’
પછી મહર્ષિઓ પ્રસન્ન થઈને પુરુંદરને કહેવા લાગ્યા, ‘ભલે એમ થાય.’ એમ કહી બધા દેવરાજ સાથે સ્વર્ગમાં ગયા.
{{Right | (અનુશાસન પર્વ, ૯૪-૯૫) }} <br>
=== સૂર્ય અને જમદગ્નિની કથા ===
ભૂતકાળમાં ભગવાન ભાર્ગવ પોતે જ ધનુષ લઈ રમત કરતા હતા, વારંવાર સંધાન કરીને બાણ ચલાવતા હતા. રેણુકા પ્રદીપ્ત તેજથી છોડેલાં બાણ વારે વારે તેમને આપતી હતી. ધનુષ્યની પણછની ટંકાર અને બાણ છૂટતાં થતા શબ્દથી તે ખૂબ હર્ષ પામતા હતા. તે વારે વારે બાણ મારતા હતા અને રેણુકા દૂરથી લાવીને તેમને આપતી હતી. સૂર્યના ભ્રમણના નક્ષત્રોની મધ્યે રોહિણી અને જ્યેષ્ઠા સાથે આવ્યા ત્યારે મધ્યાહ્ને જમદગ્નિએ શીઘ્રગામી બાણ ચલાવી રેણુકાને કહ્યું, ‘હે વિશાલનયની, જા, ધનુષમાંથી છોડેલાં બાણ લાવ. હે સુંદર, ભ્રમરવાળી, હું ફરી બાણ મારીશ.’
ચાલતી વખતે સૂર્યના તાપથી ભામિનીના પગ અને મસ્તક થાકી ગયા, એટલે ઘડી ભર વૃક્ષની છાયામાં તે ઊભી રહી. કાજળવાળાં નેત્રો ધરાવતી તે યશસ્વિની થોડી વાર ઊભી રહી અને પતિના શાપના ભયથી બાણ લાવવા ફરી ચાલી. તે બાણ લઈને પાછી ફરી, તેના બંને પગે ફોલ્લા પડ્યા એટલે પીડા પામતી તે પાછી ફરી અને પતિના ભયથી કાંપતી ત્યાં ઊભી.
જમદગ્નિએ ક્રોધે ભરાઈને શુભાનના પત્નીને પૂછ્યું, ‘હે રેણુકા, તું કેમ મોડી આવી?’
રેણુકાએ કહ્યું, ‘હે તપોધન, મારું માથું અને બંને પગ બહુ તપી ગયા હતા, સૂરજના તાપથી બચવા વૃક્ષની છાયામાં ઊભી હતી. એટલે બાણ લાવવામાં મોડું થયું. હે તપોધન, તમે આ સાંભળીને ક્રોધ ન કરતા.’
જમદગ્નિએ કહ્યું, ‘હે રેણુકા, હું આજે જ તને પીડા આપનારા ઉદ્દીપ્ત કિરણોવાળા સૂર્યને મારા બાણ વડે — અસ્ત્રાનલ વડે નીચે પાડી નાખીશ.’
જમદગ્નિ તો દિવ્ય ધનુષ્ય ઝાલીને ઘણાં બાણ હાથમાં રાખીને જે દિશામાં સૂર્ય જઈ રહ્યા હતા ત્યાં મોઢું કરીને ઊભા રહ્યા. સૂર્ય તેમને બદ્ધકવચ જોઈને બ્રાહ્મણ વેશે આવીને બોલ્યા, ‘સૂર્યે તમારો ક્યો અપરાધ કર્યો છે? સૂર્ય આકાશમાં રહી પૃથ્વી પરના રસ આકર્ષે છે. અને વર્ષા ઋતુમાં એ જ રસ વરસાવે છે. હે વિપ્ર, તેનાથી જ મનુષ્યોના સુખ માટે અન્ન પાકે છે, અન્ન પ્રાણ છે, આ તો વેદમાં કહ્યું છે. કિરણો દ્વારા ઘેરાયેલો સૂર્ય આકાશમાં વાદળો છે એટલે આ સાત દ્વીપવાળી પૃથ્વી પર જળવર્ષા થાય છે. એ જ જળ ઔષધિ, લતા, પત્ર, પુષ્પ સર્જે છે. વર્ષાજળથી બધું અન્ન રૂપે ઉત્પન્ન થાય છે. હે ભાર્ગવ, જાતકર્મ વગેરે બધાં કાર્ય, વ્રત, ઉપનયન, ગોદાન, વિવાહ, યજ્ઞસમૃદ્ધિ, યજ્ઞ, બધા પ્રકારના દાન, સંયોગ, વિત્તસંચય, તમે જેટલા વિષય જાણો છો તેમાં અન્નથી જ બધું ચાલે છે. જે ઉત્તમ પદાર્થો છે, જે ઉત્પાદક પદાર્થ છે તે બધા અન્ન વડે સર્જાય છે, આ બધું તમે જાણો જ છો, એ જ હું તમને કહું છું. હે વિપ્ર, તમે આ બધા વિષય જાણો છો. હે વિર્પિષ, એટલે હું તમને પ્રાર્થના કરીને પ્રસન્ન કરું છું, સૂર્યને પાડવાથી તમને શું મળશે?’
અગ્નિસદૃશ પ્રભા ધરાવતા જમદગ્નિ મુનિ સૂર્યની આ પ્રાર્થનાથી પણ શાંત ન થયા. ત્યાર પછી વિપ્રવેશી સૂર્યે હાથ જોડીને મુનિને નમન કર્યાં. અને મૃદુસ્વરે કહ્યું, ‘સૂર્ય તો સદા ચાલ્યા જ કરે છે, જો સદા ગમનશીલ સૂર્ય ચાલ્યા જ કરે તો તમે એને વીંધશો કેવી રીતે?’
જમદગ્નિ બોલ્યા, ‘મારું લક્ષ્ય સ્થિર હોય કે ગતિમાન. હું જ્ઞાનચક્ષુ વડે જાણી ગયો છું કે તમે જ સૂર્ય છો એટલે આજે હું તમને શિક્ષા કરીશ અને વિનયશીલ બનાવીશ. હે દિવાકર, અપરાહ્ન સમયે તમે અર્ધા નિમેષ સમય માટે ઊભા રહી જાઓ છો તે સમયે તમને વીંધીશ. હે ભાસ્કર, આ વિશે મારો બીજો કોઈ વિચાર નથી.’
સૂર્યે કહ્યું, ‘ધનુર્ધરોમાં શ્રેષ્ઠ વિર્પિષ, તમે મને વીંધશો એમાં કશો સંશય નથી. હું તમારો અપરાધી છું તો પણ મને અત્યારે તો શરણાગત જાણો.’
સૂર્યની વાત સાંભળીને ભગવાન જમદગ્નિએ હસીને કહ્યું, ‘હે સૂર્ય, તમારે ડરવાની જરૂર નથી, કારણ કે તમે પ્રણિપાત થયા છો. બ્રાહ્મણોની સરળતા, પૃથ્વીની સ્થિરતા, ચંદ્રની સુંદરતા, વરુણની ગંભીરતા, અગ્નિની દીપ્તિ, સુમેરુની પ્રભા, સૂર્યનો તાપ — આ બધાને જે અતિક્રમે તે જ શરણાગતને મારી શકે. જે શરણાગતને મારે છે તેને ગુરુપત્નીગમન, બ્રહ્મહત્યા, સુરાપાનનું પાપ લાગે છે. હે તાત, આ દુનીતિ અપરાધ વિશે વિચારો. તમારાં કિરણોથી તપેલા માર્ગે લોકો સુખે ચાલી રહે, તેનો ઉપાય કહો,
સૂર્યે તેમને છત્ર અને પાદુકા આપ્યા. ‘મારાં કિરણોથી બચવા મસ્તકની રક્ષા કરતું આ છત્ર અને પગને બચાવનાર ચર્મપાદુકા સ્વીકારો. આજથી આ લોકમાં બધાં દાનોમાં આનો પ્રચાર થશે, એનું દાન ઉત્તમ, અક્ષય ફળ આપશે.’
{{Right |  (અનુશાસન પર્વ, ૯૭-૯૮) }} <br>
=== કીટ અને વ્યાસ ===
એક વેળા બ્રહ્મભૂત વિપ્રવર કૃષ્ણ દ્વૈપાયન (વ્યાસ) ક્યાંક જઈ રહ્યા હતા. તેમણે ગાડાના માર્ગમાં ઉતાવળે દોડતા એક કીડાને જોયો. બધાં પ્રાણીઓની ગતિના જ્ઞાતા અને શરીરધારી બધાં પ્રાણીઓની ભાષાના જાણકાર સર્વજ્ઞ વેદવ્યાસે તે સમયે કીટને જોઈને કહ્યું, ‘હે કીટ, તું અત્યંત ભયભીત છે અને ઉતાવળો દેખાય છે, તું દોડીને ક્યાં જાય છે? કોનાથી તું બીએ છે?’
કીટે ઉત્તર આપ્યો, ‘હે મહાબુદ્ધિશાળી, અત્યારે આવી રહેલા ગાડાનો અવાજ સાંભળીને મને બીક લાગે છે. આ અવાજ અત્યંત દારુણ છે. હું આ અવાજ જ્યારે સાંભળું છું ત્યારે મને વહેમ જાય છે કે આ મને કચડી તો નહીં નાખે ને? એટલે હું અહીંથી જલદી ભાગી રહ્યો છું. ગાડાના બળદ મહાભાર ખેંચે છે, તેઓ હાંકે છે, બહુ જોરથી તેમને હંકારાય છે. હે પ્રભુ, મને તેમનો અવાજ પાસે સંભળાય છે. ગાડામાં બેઠેલા માણસોના વિવિધ અવાજ પણ સંભળાય છે. મારા જેવા કીટ યોનિમાં જન્મેલા જીવને આવા અવાજ સાંભળવા કદાચ અશક્ય છે, એટલે જ દારુણ ભયથી આ સ્થળ છોડી રહ્યો છું. પ્રાણીઓને મૃત્યુનો ભય લાગે છે, જીવન બધાને દુર્લભ લાગે છે, એટલે જ હું બીને ભાગું છું, સુખ ત્યજીને દુઃખમાં ન પડું.’
વ્યાસે આ સાંભળીને કહ્યું, ‘હે કીટ! તું કેવી રીતે સુખ અનુભવે? તું તિર્યક્ યોનિમાં છે એટલે તને મરણમાં સુખ લાગે છે, એવું સમજાય છે. તું શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને બીજી અનેક ભોજ્ય વસ્તુઓને જાણતો નથી. હે કીટ, એટલે તારે માટે મૃત્યુ જ કલ્યાણકારી છે.’
કીટ બોલ્યો, ‘હે મહાપ્રાજ્ઞ, જીવ બધી રીતે સુખમાં રત રહે છે. એટલે અત્યારે પણ હું સુખી છું એટલે જ હુંં જીવવા ઇચ્છું છું. અહીં પણ આ શરીરમાં દેહ પ્રમાણે બધા વિષયો છે, મનુષ્યના અને તિર્યક્ જીવોના ભોગ જુદા જુદા છે. હે પ્રભુ, હું પહેલાં શ્રીમંત શૂદ્ર હતો. હું બ્રાહ્મણોને આદર આપતો ન હતો. હું ક્રૂર, કંજૂસ અને વ્યાજખોર હતો. હું તીક્ષ્ણભાષી, બુદ્ધિ વડે લોકોને ઠગનારો, બધા જ પ્રકારના લોકોનો દ્વેષી હતો. અંદર અંદર છળ કરીને બીજાઓનું ધન છિનવી લેતો હતો. ઘરમાં સેવકો અને અતિથિઓને બાજુએ મૂકીને સૌથી પહેલાં ભોજન કરતો હતો. મત્સરી બનીને સ્વાદ લેવાની ઇચ્છાથી અને નિર્દય બનીને ભોજન કરવાની ઇચ્છા રાખતો હતો. ધનસંચયની ઇચ્છાને કારણે દેવ અને પિતૃયજ્ઞમાં શ્રદ્વાપૂર્વક અન્ન આપતો ન હતો, પહેલાં આપવા યોગ્ય દાનની ઇચ્છા કરીને પણ પછી તે આપતો ન હતો. ગુપ્તભાવે જેઓ શરણાગત થઈ મારો આશરો લેતા અને જેઓ ડરીને મારા શરણાગત થતા હતા, હું તેમનો અકસ્માત ત્યાગ કરતો અને જેઓ અભય પ્રાર્થના કરતા તેમનું હું રક્ષણ કરતો ન હતો. બીજાઓનાં ધનધાન્ય, સુંદરીઓ, અદ્ભુત વસ્ત્ર, સંપત્તિ જોઈને હું નિરર્થક દ્વેષ કરતો હતો. બીજાઓનું સુખ જોઈને હું ઈર્ષા કરતો હતો. બીજાઓનો ઉત્કર્ષ મને ગમતો ન હતો, બીજાઓના ધર્મ, અર્થ કામનો નાશ કરતો હતો, અને ઇચ્છા પ્રમાણે વર્તન કરતો હતો. પૂર્વજન્મમાં મેં ઘણાં નૃશંસ કાર્યો કર્યાં હતાં. જેવી રીતે પ્રિય પુત્રનો ત્યાગ કરવાથી દુઃખ થાય તેવી રીતે અત્યારે એ કર્મોનું સ્મરણ કરીને મને પશ્ચાત્તાપ થાય છે. મેં કરેલાં કેટલાંક સત્કર્મોનું ફળ જાણું છું, મેં વૃદ્ધ માતાની સેવા કરી હતી, બ્રાહ્મણનો આદર કર્યો હતો. એક વાર જાતિ-ગુણવાળો કોઈ અતિથિ મારે ઘેર આવ્યો હતો, મેં તેની પૂજા કરી હતી, એટલે જ પૂર્વજન્મની સ્મરણશક્તિએ મારો ત્યાગ કર્યો નથી. હે તપોધન, એ જ શુભ-પુણ્ય કર્મ દ્વારા ભવિષ્યમાં સુખ પામવા માગું છું. તમારી પાસે હું કલ્યાણ વિશે સાંભળવા માગું છું.
વ્યાસે કહ્યું, ‘હે કીટ, તું જે તિર્યક્ યોનિમાં જન્મીને શુભ કર્મ માટે મોહ પામતો નથી તે મારે જ કારણે મારા દર્શનથી તને મોહ નથી થતો. હું તપોબળથી દર્શન દ્વારા તારો ઉદ્ધાર કરીશ. તપોબળથી ચઢી જાય એવું બીજું કોઈ બળ નથી. મને જાણ છે કે તું તારાં પાપકર્મોને કારણે જ કીટ તરીકે જન્મ્યો છે, જો તું ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખીશ તો તને શ્રેષ્ઠ ધર્મ પ્રાપ્ત થશે. દેવ, મનુષ્ય અને તિર્યક્ વગેરે પોતે કરેલાં કર્મોનાં ફળ ભોગવી લે છે. મનુષ્યોના ધર્મ અને અર્થ કામસિદ્ધિ માટે જ સ્વીકારાય છે. વાણી, બુદ્ધિ અને હાથપગ વિનાનો વિદ્વાન કે મૂર્ખ — કઈ વસ્તુ ત્યાગશે? એ તો બધા પુરુષાર્થોથી જાતે ત્યક્ત થયેલો છે. હે કીટ, એક શ્રેષ્ઠ વિપ્ર જીવિત રહીને સૂર્યચંદ્રની પૂજા કરે છે અને ઉત્તમ, પવિત્ર કથાઓ કહે છે તેને ત્યાં તું જન્મીશ. બ્રાહ્મણત્વ પ્રાપ્ત થવાથી અનાસક્ત ભાવે કર્મફળ ભોગવીશ અને બધા જીવોનો ત્યાગ કરીશ, ત્યારે હું તને બ્રહ્મવિદ્યા સમજાવીશ, જ્યાં ઇચ્છીશ ત્યાં પહોંચાડીશ.’
{{Right | (અનુશાસન પર્વ?, ૧૧૮-૧૧૯) }} <br>
=== શંકરપાર્વતી સંવાદ ===
જ્યાં સિદ્ધ અને ચારણો વસતા હતા, જ્યાં વિવિધ પ્રકારની ઔષધિઓ હતી અને જ્યાં વિવિધ પુષ્પોથી છવાયેલાં હોવાને કારણે સ્થળ રમણીય દેખાતું હતું, જ્યાં અપ્સરાઓની મંડળીઓ હતી અને ભૂતોનાં ટોળાં રમતાં હતાં એવા પરમ પવિત્ર હિમાલય પર્વત પર ધર્માત્મા મહાદેવ તપ કરતા હતા. ત્યાં તેઓ સેંકડો ભૂતગણોથી ઘેરાયેલા રહી પ્રસન્ન લાગતા હતા. આ ભૂતોનાં રૂપ વિકૃત હતાં, કેટલાંકના રૂપ દિવ્ય અને અદ્ભુત હતાં. કેટલાક સિંહ, વાઘ, હાથી જેવા હતા, તેમાં બધી જ જાતિઓ એકઠી થયેલી હતી, કેટલાકનાં મોં શિયાળ, ચિત્તા, રીંછ, બળદ જેવાં હતાં. કેટલાક ઘુવડ જેવા, કેટલાક ભયંકર ભૂત વરુ અને બાજ જેવાં હતાં, કેટલાંક વિવિધ વર્ણવાળાં હરણ જેવા હતાં. તેમનામાં અનેક જાતિઓ ભળેલી હતી. કિન્નર, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, ભૂતગણ પણ ત્યાં હતા. તે સભા દિવ્ય પુષ્પોવાળી, દિવ્ય તેજવાળી, દિવ્ય ચંદનથી અર્ચિત, દિવ્ય ધૂપની સુગંધથી પૂર્ણ હતી. દિવ્ય વાજિંત્રોનો ધ્વનિ થયા કરતો હતો, મૃદંગ અને પ્રણવના ધોધ વહેતા હતા. શંખ અને ભેરીઓના અવાજો આવતા હતા. ચારે બાજુ નાચતા ભૂત સમુદાય અને મયૂર શોભામાં વૃદ્ધિ કરતા હતા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી, તે દિવ્ય સભા દેવર્ષિઓના જૂથથી શોભતી હતી; મનોહર, અનિર્વચનીય અને અદ્ભુત હતી. મહાદેવના તપ વડે તે પર્વત શોભી રહ્યો હતો. સ્વાધ્યાયરત વિપ્રોનો બ્રહ્મઘોષ સંભળાતો હતો. તે પર્વત ભમરાઓના ગુંજનથી અપ્રતિમ લાગતો હતો. તે સ્થળ ભયંકર હોવા છતાં મહાન ઉત્સવવાળંુ લાગતું હતું. તે જોઈને મુનિસમુદાયને ખૂબ જ પ્રસન્નતા થઈ. ત્યાં મહાભાગ મુનિઓ ઊર્ધ્વરેતા સિદ્ધો, મરુત્ગણ, વસુગણ, સાધ્યો, ઇન્દ્ર સમેત દેવતાઓ, યક્ષો, નાગ, પિશાચો, લોકપાલો, અગ્નિ, બધા જ પવન અને મોટા ભૂતગણો આવ્યા હતા.
ઋતુઓ અદ્ભુત પુષ્પો વિખેરી રહી હતી. ઔષધિઓ પ્રજ્વલિત થઈને તે વનને પ્રકાશિત કરી રહી હતી. ત્યાંના રમ્ય પર્વત શિખરો પર લોકોને પ્રિય લાગતાં પક્ષીઓ પ્રસન્ન થઈ નૃત્ય કરતાં હતાં. અને કૂજન કરતાં હતાં. દિવ્ય ધાતુઓથી શોભતા પર્યંકની જેમ પર્વતશિખરે બેઠેલા મહામના શંકર શોભા પામી રહ્યા હતા. વસ્ત્ર તરીકે તેમણે વ્યાઘ્રચર્મ પહેર્યું હતું. સિંહચર્મ ઉત્તરીય રૂપે હતું, ગળામાં સર્પયુક્ત યજ્ઞોપવિત હતું. લાલ રંગનાં આભૂષણ હતાં, મૂછો કાળી હતી, મસ્તકે જટા હતી, દેવદ્રોહીને ભય પમાડે એવા ભીમ સ્વરૂપ રુદ્ર હતા. તેમની ધ્વજામાં વૃષભચિહ્ન હતું, તે બધાં પ્રાણીઓ અને ભક્તોના ભયને દૂર કરનારા હતા.
તેમનું દર્શન કરીને બધા મહર્ષિઓએ અવનિ(પૃથ્વી) પર મસ્તક ટેકવી પ્રણામ કર્યા, તે સર્વ ઋષિઓ બધાં પાપોથી મુક્ત, ક્ષમાશીલ અને કલ્મષ વિનાના હતા. તે ભૂતનાથનું ભયાનક સ્થળ ખૂબ જ શોભા ધરાવતું હતું. તે અત્યંત દુર્ઘષ અને મોટા સર્પોથી ભરેલું હતું. વૃષભધ્વજ(શંકર)નું તે સ્થળ અદ્ભુત શોભાવાળું બન્યું. તે સમય ભૂતગણોની સ્ત્રીઓથી ઘેરાયેલાં શૈલજા(પાર્વતી) બધાં તીર્થજળથી ભરેલો ઘડો લઈને ત્યાં આવ્યા. તેમણે પણ શંકરના જવાં વસ્ત્ર પહેર્યાં હતાં, તેમનાં જેવાં જ વ્રત કરતાં હતાં. તેમની પાછળ પાછળ તે પર્વતમાંથી પ્રગટેલી બધી નદીઓ ચાલી રહી હતી. પાર્વતી બહુવિધ સુંગધ વિખેરતાં વિખેરતાં ભગવાન શિવ પાસે આવ્યાં, તેઓ પણ હિમાલયના પાર્શ્વભાગને સેવતાં હતાં.
આવતાં વેંત ચારુહાસિની દેવીએ નર્મ વિનોદ માટે પોતાના બંને હાથ વડે શંકરનાં બંને નેત્ર ઢાંકી દીધાં. તે નેત્રો બંધ થતાંની સાથે સમસ્ત જગત અંધકારમય, ચૈતન્યહીન થયું અને હોમ, વષ્ટકાર બંધ થઈ ગયા. લોકોનાં મન અસ્થિર થઈ ગયાં, બધે ત્રાસ છવાઈ ગયો, જાણે સૂર્યનો વિનાશ થયો હોય તેમ ભૂતપતિનાં નેત્ર મીંચાવાથી સંસારની સ્થિતિ થઈ ગઈ.
પછી ક્ષણવારમાં જગતનો અંધકાર દૂર થઈ ગયો, શિવના લલાટમાંથી દીપ્તિમય મહાજ્વાળા પ્રગટી. તેમના કપાળમાં આદિત્ય(સૂર્ય) સમાન ત્રીજું નેત્ર પ્રગટ્યું. તેની જ્વાળાએ પર્વતને મથી નાખ્યો. પ્રજ્વલિત અગ્નિ જેવા ત્રીજા નેત્રવાળા શંકરને જોઈ વિશાળલોચના ગિરિસુતા (પાર્વતી) એ પ્રણામ કર્યાં અને ચકિત થઈને તે જોવાં લાગ્યાં. સાલ, સરલ વૃક્ષોવાળાં, રમ્ય ચંદનવૃક્ષો અને દિવ્ય ઔષધિઓથી શોભતું તે વન સળગી રહ્યું હતું. મૃગો ભયભીત થઈને દોડ્યા અને મહાદેવ પાસે આવ્યા, તે સભા સૂનકારવાળી થઈ ગઈ. આકાશને સ્પર્શતી તે આગ બાર સૂર્યો સમાન પ્રકાશિત થઈ બીજા પ્રલયાગ્નિની જેમ દેખાતી હતી. તે આગથી ક્ષણવારમાં હિમાલય પર્વત સળગી ગયો. ધાતુઓ, વિશાળ શિખર, ઝરણાં, વન, બધી ઔષધિઓ બળીને ભસ્મ થઈ ગઈ. તે પર્વતને ભસ્મ થયેલો જોઈ શૈલરાજપુત્રી હાથ જોડીને ભગવાનને શરણે ગઈ. મહાદેવે ત્યારે ઉમાને સ્ત્રીસ્વભાવગત મૃદુ જોઈ, પિતાની આપત્તિ જોઈ દુઃખી થયેલી જોઈ અને પ્રેમપૂર્વક હિમાલય સામે જોયું. ક્ષણવારમાં હિમાલય પૂર્વવત્ સ્થિતિમાં આવી ગયો, અને દર્શનીય બની ગયો. પક્ષીગણ આનંદિત થયો અને વનનાં વૃક્ષો પુષ્પિત થયાં. પહેલાંની જેમ જ હિમાલયને પ્રકૃતિસ્થ જોઈને દેવી પ્રસન્ન થયાં અને સર્વ પ્રાણીઓના ઈશ્વર એવા પોતાના પતિને કહેવા લાગ્યાં, ‘હે મહાવ્રતી, શૂલપાણિ, સર્વભૂતેશ ભગવાન, મને સંશય થાય છે એટલે મારી શંકાનું નિવારણ કરો. તમારા લલાટમાં ત્રીજું નેત્ર શા માટે પ્રગટ્યું? શા માટે પક્ષીઓ અને વન સહિત પર્વત ભસ્મ થયો? પછી ક્ષણભરમાં તમે મારા પિતાને પ્રકૃતિમય અને પહેલાંની જેમ વૃક્ષોથી છાઈ દીધાં?’
મહેશ્વરે કહ્યું, ‘હે અનંિદિતા દેવી, તેં બાળસ્વભાવે મારી આંખો મીંચી દીધી, એને કારણે ક્ષણવારમાં બધા લોક અંધકારમય થઈ ગયાં. હે પર્વતપુત્રી, જ્યારે બધા લોક આદિત્યરહિત થવાને કારણે અંધકારમય બન્યા ત્યારે પ્રજાની રક્ષા કરવા માટે મેં ત્રીજું નેત્ર ખોલ્યું. તે નેત્રના મહાન તેજથી પર્વત સળગ્યો. અને હે દેવી, તારી પ્રીતિ માટે મેં ક્ષણવારમાં પર્વતને યથાવત્ કર્યો.’
ઉમાએ કહ્યું, ‘હે ભગવન્, તમારું પૂર્વ દિશાભિમુખ મોં ચંદ્રસદૃશ શોભાવાળુ અને દર્શનીય છે, ઉત્તર અને પશ્ચિમ દિશાનાં મુખ પણ શ્રી કાંતિવાળાં છે. પણ દક્ષિણ દિશાનું મુખ ભયંકર છે, તમારા માથે કપિલ જટા શા માટે? તમારો કંઠ શા માટે મોરની પાંખ જેવો ભૂરો થયો? શા માટે હાથમાં સતત પિનાક ધનુષ રાખો છો? તમે નિત્ય જટિલ અને બ્રહ્મચારી શા માટે રહો છો? હે નિષ્પાપ ભૂતપતિ, વૃષભધ્વજ, હું તમારી સહધર્મચારિણી છું, તમારી ભક્ત છું, તો તમારે મારા સર્વ સંશયનું નિવારણ કરવું જોઈએ.’
ભગવાન પિનાકપાણિ શૈલાધિરાજની પુત્રીની આ વાત સાંભળી તેની ધૃતિ અને બુદ્ધિથી પ્રસન્ન થયા. પછી તે દેવે કહ્યું, ‘જે કારણોથી મારાં આ બધાં રૂપ સર્જાયાં છે તે હે સુભગા, હવે સાંભળ.
ભૂતકાળમાં બ્રહ્માએ તિલોત્તમા નામની એક ઉત્તમ નારી સર્જી હતી. બધાં રત્નોમાંથી તલ તલ લઈને તે શુભાનું સર્જન કર્યું હતું. હે દેવી, અપ્રતિમ રૂપવાળી તે શુભાનના મને પ્રલોભિત કરતી મારી પ્રદક્ષિણા કરવા આવી. તે સુંદર દંતપંક્તિવાળી સુંદરી જે દિશામાં મારી પ્રદક્ષિણા કરતી ચાલી તે દિશામાં મારું મનોહર મુખ પ્રગટ થયું. તેને જોવાની ઇચ્છા કરતો હું યોગબળથી ચતુર્મૂતિર્ અને ચતુર્મુખ થયો. એ રીતે મોં મારા યોગનું દર્શન કરાવ્યું. પૂર્વ દિશાના વદન વડે ઇન્દ્રપદનું અનુશાસન કરું છું. હે અનિંદિતા, ઉત્તર મુખ વડે તારી સાથે ક્રીડા કરું છું. મારું પશ્ચિમ મુખ દર્શનીય છે. તે બધાં પ્રાણીઓ માટે સુખદ છે, દક્ષિણ મુખ રૌદ્ર અને ભયંકર છે, તેના વડે પ્રજાનો સંહાર થાય છે. બધા લોકોનાં હિત માટે જટિલ અને બ્રહ્મચારી થયો છું. દેવકાર્યની સિદ્ધિ માટે મેં હાથમાં પિનાક ધારણ કર્યું છે. એક વેળા ઇન્દ્રે મારી શ્રી લેવા મારા ઉપર વજ્ર ચલાવ્યું હતું, તે વજ્રે મારો કંઠ બાળી દીધો એટલે હું શ્રીકંઠ થયો.’૧
ઉમાએ પૂછ્યું, ‘અહીં બીજાં ઉત્તમ વાહનો હોવા છતાં તમારું વાહન વૃષભ શા માટે?’
મહેશ્વરે કહ્યું, ‘બ્રહ્માએ દૂધ આપનાર અમૃતધેનુ સુરભિ સર્જી, તે મેઘની જેમ દૂધ વરસાવતી હતી, સુરભિ જન્મીને દૂધ રૂપી અમૃત વરસાવતી અનેક રૂપે પ્રગટી. તેના વાછરડાના મોંમાંથી નીકળેલું ફીણ મારા શરીર પર પડ્યું. એ પછી મારા રોષથી દાઝેલી તે ગાયો અનેક વર્ણની થઈ ગઈ. પાછળથી અર્થવેત્તા ગુરુ (બ્રહ્મા)એ મને શાંત કર્યો, અને મને ધ્વજચિહ્ન તથા વાહન રૂપે આ વૃષભ આપ્યો.’
ઉમા બોલ્યાં, ‘હે ભગવન, વિશ્વમાં રૂપસંપન્ન ઘણાં પ્રકારનાં નિવાસસ્થાન છે, તે બધાં ત્યજીને આ સ્મશાનમાં કેમ રમો છો? કેશ અને હાડકાંથી ભરેલા, ભયંકર કપાલ, ઘટસંકુલ, અનેક ગીધ શિયાળોથી ઊભરાતા સ્મશાનમાં, અપવિત્ર માંસ, મેદ, શોણિત (લોહી), વેરવિખેર આંતરડાંવાળા, શિયાળોના ધ્વનિવાળા સ્મશાનમાં શા માટે રહો છો?’૨
મહેશ્વર બોલ્યા, ‘હું પવિત્ર સ્થાનોની શોધમાં પૃથ્વી પર રાત્રિચર્યા કરું છું, પરંતુ સ્મશાનથી ચઢી જાય એવી જગ્યા બીજે ક્યાંય નથી. એટલે બધાં નિવાસોની વચ્ચે વડની ડાળીઓથી છવાયેલી અને છિન્ન પુષ્પમાલાઓથી શોભતા સ્મશાનમાં મારું મન વધારે રાચે છે. હે શુભાનના, આ બધા મારા ભૂતગણ સ્મશાનમાં રમે છે, હે દેવી, ભૂતગણો સિવાય ક્યાંય રહેવાનો ઉત્સાહ નથી. (સુંદર મુખવાળી) આ સ્મશાનવાસને મેં પવિત્ર અને સ્વર્ગીય માન્યું છે. પવિત્રતાની અભિલાષા કરનારા આ પરમ પવિત્ર સ્થાનની ઉપાસના કરે છે.’
{{Right | (આ પછી ધર્મચર્ચા છે) }} <br>
{{Right | (અનુશાસન ૧૨૭-૧૨૮)}} <br>
=== કાર્ત્તવીર્ય અર્જુનની કથા ===
માહિષ્મતી નગરીમાં સહ ભુજાવાળો મહાબલી કાર્ત્તવીર્ય અર્જુન નામનો રાજા અખિલ જગતમાં શાસન કરતો હતો. તે હૈહયવંશી પરાક્રમી વીરે રત્નાકરવતી, સાગરાંબરા, દ્વીપવાળી પૃથ્વી પોતાના અંકુશમાં રાખી હતી. તેમણે કોઈક કારણે દત્તાત્રેય મુનિને પોતાનું સઘળું ધન આપી દીધું હતું. તે રાજાએ ક્ષાત્રધર્મને સ્વીકારી, વિનય અને વિધિ પ્રમાણે તે મુનિની આરાધના કરી હતી. મુનિએ પ્રસન્ન થઈને ત્રણ વરદાન માગવા કહ્યું, એ ત્રણ વરદાનની વાત સાંભળીને રાજાએ કહ્યું, ‘યુદ્ધ વેળાએ મારે હજાર હાથ થાય, ઘરમાં મારા બે જ હાથ રહે. યુદ્ધમાં બધા સૈનિકો મારી સહ ભુજા જુએ. હે વિપુલ વ્રતધારી, હું મારા પરાક્રમથી સમગ્ર પૃથ્વીને જીતી લઉં. ધર્માનુસાર તેનું અતંદ્રિત રીતે પાલન કરું. હે વિપ્રવર્ય, આ ત્રણ વરદાન સિવાય એક ચોથું વરદાન જોઈએ છે. જો તમારા આશ્રયે રહીને હું અસત્યના પંથે ચાલું તો સંતો મને અટકાવે.’
રાજાની આ વાત સાંભળીને તે વિપ્રે ‘તથાસ્તુ’ કહ્યું. આમ તે દીપ્તિવાન રાજાનાં બધાં વરદાન સફળ થયાં. ત્યાર પછી તે રાજા સૂર્ય અને અગ્નિસદૃશ રથ પર ચઢીને પરાક્રમના મોહમાં કહેવા લાગ્યો, ‘વીર્ય, ધૈર્ય, યશ, શૌર્ય, પરાક્રમ અને તેજમાં મારા જેવો કોણ છે?’
એનું વાક્ય પૂરું થયું એટલે અંતરીક્ષમાં અશરીરી વાણી થઈ. ‘હે મૂઢ, શું તું નથી જાણતો કે બ્રાહ્મણ ક્ષત્રિયથી ચઢી જાય છે. બ્રાહ્મણ ક્ષત્રિયની સાથે મળીને આ લોકમાં પ્રજાની રક્ષા કરે છે.’
અર્જુને કહ્યું, ‘હું જો સંતોષ પામું તો બધાં પ્રાણીઓની સૃષ્ટિ સર્જી શકું છું અને ક્રોધે ભરાઉં તો બધાનો વિનાશ કરી શકું એટલે મન, વચન અને કર્મથી મારા માનવા પ્રમાણે બ્રાહ્મણ શ્રેષ્ઠ નથી. બ્રાહ્મણ શ્રેષ્ઠ છે તે પૂર્વપક્ષ છે અને ક્ષત્રિય શ્રેષ્ઠ છે તે ઉત્તર પક્ષ છે. તમે બ્રાહ્મણ અને ક્ષત્રિયને સાથે મૂક્યા છે પણ બંનેમાં વિશેષ અંતર છે. બ્રાહ્મણો ક્ષત્રિયોનો આશ્રય લે છે પરંતુ ક્ષત્રિય બ્રાહ્મણનો આશ્રય લેતા નથી. વેદાધ્યયન નિમિત્તે ક્ષત્રિયોની સહાયથી તેઓ ભોજન કરે છે. પ્રજાસમૂહના પાલનનો ધર્મ ક્ષત્રિયો બજાવે છે, ક્ષત્રિયોને કારણે બ્રાહ્મણોની આજીવિકા ચાલે છે, તો પછી ક્ષત્રિયો કરતાં બ્રાહ્મણ કેવી રીતે ચઢિયાતા? બધાં પ્રાણીઓથી ચઢિયાતા, ભિક્ષુક, પોતાને શ્રેષ્ઠ માનનારા બ્રાહ્મણોને હું પરાધીન બનાવીશ. સ્વર્ગલોકની ગાયત્રી કન્યાએ અસત્ય કહ્યું છે, હું અવશ અને મૃગચર્મ ધારણ કરનારા બ્રાહ્મણોને જીતી લઈશ. ત્રણે લોકમાં એવો કોઈ નથી જે મારું રાજ્ય છિનવી શકે. એટલે હું બ્રાહ્મણથી શ્રેષ્ઠ છું. આજે હું બ્રાહ્મણપ્રધાન લોકને ક્ષત્રિયપ્રધાન કરીશ. યુદ્ધમાં મારા બળને સહન કરવાનો કોઈનો ઉત્સાહ નથી.’
અર્જુનની વાત સાંભળીને નિશાચરી ભયભીત થઈ. ત્યારે અંતરીક્ષમાં રહેતા વાયુએ કહ્યું,
‘આ કલુષિત ભાવ ત્યજીને બ્રાહ્મણોને નમસ્કાર કરો. આ વિશે પાપાચરણ કરવાથી તારા રાજ્યમાં ક્ષોભ જન્મશે. હે મહીપાલ, મહા બલવાન બ્રાહ્મણો જ તને શાંત કરશે. તે તને ઉત્સાહરહિત કરીને દેશવટો આપશે.’
આમ સાંભળીને રાજાએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો?’
‘હું દેવદૂત પવન છું, અને તને હિતકારી વાત કરું છું.’
અર્જુન બોલ્યો, ‘અહો! અત્યારે તમે બ્રાહ્મણો માટે ભક્તિ અને અનુરાગ પ્રગટ કરો છો, પૃથ્વીની જેમ બ્રાહ્મણોને ક્ષમાવાન કહો છો, તો એવો બ્રાહ્મણ બતાવો.’
વાયુએ કહ્યું, ‘હે મૂઢ, મહાત્મા બ્રાહ્મણોના થોડા ગુણ સાંભળ. હે રાજન, તેં જેનું નામ લીધું તેમનાથીય બ્રાહ્મણો ચઢી જાય છે. પૃથ્વી અંગરાજની સાથે સ્પર્ધા કરીને પોતાનું મહીત્વ ત્યજી અદૃશ્ય થઈ હતી, તેને વિપ્ર કશ્યપે રોકી રાખી હતી. રાજન, બ્રાહ્મણો આ લોકમાં અને સુરલોકમાં નિત્ય અક્ષય છે. ભૂતકાળમાં અંગિરાએ પોતાના તેજથી સમગ્ર જળનું પાન કર્યું હતું. તે મહા તપસ્વી દૂધની જેમ પૃથ્વીનું જળ પીને તૃપ્ત થયા ન હતા. ત્યાર પછી તેમણે મોટો પ્રવાહ વહેવડાવી સમગ્ર પૃથ્વીને પરિપૂર્ણ કરી હતી. તેમના ક્રોધને કારણે મેં પણ જગતનો ત્યાગ કર્યો અને તેમનાથી ભય પામીને બહુ સમય અગ્નિહોત્રમાં વીતાવ્યો હતો. ભગવાન પુરંદર (ઇન્દ્ર) અહલ્યાની કામના કરી ગૌતમનો શાપ વ્હોરી બેઠા હતા. ધર્મની રક્ષા માટે જ ઇન્દ્રનો વધ ન કર્યો. હે રાજન, સમુદ્ર મીઠા પાણીથી ભરેલો હતો, બ્રાહ્મણોના શાપથી તે ખારો થયો. સુવર્ણવર્ણ નિર્ધૂમયુક્ત ઊર્ધ્વશિખ કવિને અંગિરા ઋષિએ શાપ આપ્યો હતો. સગરના પુત્રોએ મહોદધિની ઉપાસના કરી હતી તે બધા દ્વિજના શાપથી ભસ્મ થઈ ગયા. હે નરનાથ, તું બ્રાહ્મણતુલ્ય નથી, તું તારા કલ્યાણની ચિંતા કર; ભગવાન ગર્ભસ્થ બ્રાહ્મણોને પણ સદા નમસ્કાર કરે છે. દંડક રાજાઓનું વિશાળ રાજ્ય બ્રાહ્મણને કારણે નાશ પામ્યું; તાલજંઘ નામના મહાન ક્ષત્રિય વંશનો નાશ ઔર્વ ઋષિએ એકલે હાથે કર્યો. તને પણ દત્તાત્રેયની કૃપાથી પરમ દુર્લભ રાજ્ય, બળ, ધર્મ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થયાં છે. હે અર્જુન, તું બ્રાહ્મણ રૂપી અગ્નિની પૂજા શા માટે કર્યા કરે છે? તેઓ જ બધાના હવ્યકવ્યનું વહન કરે છે, શું તંુ એમને નથી જાણતો? શ્રેષ્ઠ બ્રાહ્મણ પ્રત્યેક પ્રાણીનો પાલનકર્તા છે. બ્રાહ્મણને જીવલોકનો કર્તા જાણીને પણ તું શા માટે મોહ પામે છે? અવ્યક્ત અને અવ્યય પ્રભુ બ્રહ્માએ આ સ્થાવર જંગમ એવા નિખિલ વિશ્વની રચના કરી, તે પણ બ્રાહ્મણ છે. કેટલાક મૂર્ખ બ્રહ્માને ઈંડામાંથી ઉત્પન્ન થયેલા માને છે, ફૂટેલા ઈંડામાંથી પર્વત, દિક્મંડળ, જલ, પૃથ્વી અને આકાશની ઉત્પત્તિ થઈ છે. પણ આમ નથી, જે અજન્મા હોય તે કેવી રીતે જન્મ લઈ શકે? પણ આકાશ અંડ રૂપે છે, એટલે પિતામહ આકાશમાંથી પ્રગટ્યા છે. તે વેળા કશો આધાર ન હતો તો બ્રહ્માએ કેવી રીતે નિવાસ કર્યો? એનું વર્ણન કરો એમ કહીશ તો હે રાજન, સર્વ તેજોગત પ્રભુ અહંકાર કહેવાય છે. હે રાજન, અંડ નામનું કશું નથી, તે બ્રહ્માનું અસ્તિત્વ છે. તેઓ જ જગતના વિધાતા — ઉત્પાદક છે.’
આટલી કથા સાંભળીને રાજા ચૂપ થઈ ગયા. વાયુએ ફરી કહેવા માંડયું.
‘ભૂતકાળમાં અંગ નામના રાજાએ બ્રાહ્મણોને દક્ષિણા રૂપે આ પૃથ્વી આપી દેવાની ઇચ્છા કરી, એટલે પૃથ્વી ચિંતાતુર થઈ. પૃથ્વીએ વિચાર્યું, હું બધાં પ્રાણીઓને ધારણ કરનારી છું, બ્રહ્માની પુત્રી છું, તો પછી રાજા મને શા માટે બ્રાહ્મણોને આપવા માગે છે? જે હશે તે, હું ભૂમિત્વનો ત્યાગ કરીને બ્રહ્મલોકમાં ચાલી જઈશ. એટલે રાજા રાજ્યહીન થઈ જશે. એમ વિચારી તે જતી રહી. તેને જતી જોઈને કશ્યપ મુનિએ પોતાના શરીરનો ત્યાગ કરીને મહીની કાયામાં પ્રવેશ કર્યો. હે નૃપ(રાજા), ત્યારે પૃથ્વી તૃણવાળી, ઔષધિઓવાળી થઈ, અનેક રીતે સમૃદ્ધ થઈ, પૃથ્વી પર ધર્મની સ્થાપના થઈ, બધો ભય નિર્મૂળ થયો. હે રાજન, આમ દેવપરિમાણવાળા ત્રીસ હજાર વર્ષ સુધી વિપુલ વ્રતધારી, અતંદ્રિત કશ્યપ પૃથ્વી રૂપે રહ્યા. પછી પૃથ્વી બ્રહ્મલોકમાંથી પાછી આવી, તેણે કશ્યપને વંદન કર્યાં અને તે વેળા મહાનુભાવ કશ્યપની પુત્રી હોવાને કારણે તે કાશ્યપી નામે વિખ્યાત થઈ. હે રાજન, કશ્યપ આવા બ્રાહ્મણ હતા, કશ્યપથી ચઢી જાય એવો કોઈ ક્ષત્રિય હોય તો બતાવ.’
આટલી કથા સાંભળીને રાજા ચૂપ રહ્યા. પવને આગળ બોલવા માંડ્યું, ‘સોમની દુહિતા(પુત્રી) પરમ રૂપ સુંદરી હતી, ઉતથ્ય સાથે તેનું લગ્ન કરવાનું સોમે વિચાર્યું. તે મહાભાગા યશસ્વિનીએ ઉતથ્ય સાથે લગ્ન સ્વીકાર્યું અને તેમને પામવા ત્યારે તપ કર્યું. પછી સોમના પિતા અત્રિએ ઉતથ્યને બોલાવી તે યશસ્વિનીનું દાન કર્યું, બહુ દક્ષિણા આપનારા ઉતથ્યે પણ વિધિપૂર્વક તેનો ભાર્યારૂપે સ્વીકાર કર્યો. વરુણદેવે પહેલેથી તે યુવતીની ઇચ્છા કરી હતી, એટલે તેમણે વનમાં આવેલા આશ્રમ પાસે જઈને યમુનાના કિનારે તેનું અપહરણ કર્યું. જળના સ્વામી વરુણ તેને પોતાની પરમ અદ્ભુત નગરીમાં લઈ આવ્યા, ત્યાં છ હજાર દીવા હતા. વરુણપુરીથી ચઢિયાતું બીજું કોઈ રમ્ય કે ચઢિયાતું નગર નથી. તે પ્રાસાદો, અપ્સરાઓ અને દિવ્ય ધામોથી શોભતું હતું, હે રાજન, જલેશ્વર (વરુણ) ત્યાં તે સુંદરી સાથે ક્રીડા કરવા લાગ્યા. નારદે ઉતથ્યને તેમની પત્નીના અપહરણના અને તેના પર થયેલા બળાત્કારના સમાચાર આપ્યા. નારદ પાસેથી આ સમાચાર સાંભળીને ઉતથ્યે ત્યારે નારદને કહ્યું, ‘તમે વરુણ પાસે જઈને મારો આકરો સંદેશો આપો, મારી વાત માનીને ભાર્યાને સોંપી દો, તમે શા માટે તેનું અપહરણ કર્યું, તમે લોકોના લોકપાલ છો. લોકોના વિલોપકારી નહીં, સોમે તેની કન્યા મને પત્ની રૂપે આપી છે, તમે એનું અપહરણ કેમ કર્યું?’
ઉતથ્યનો આ સંદેશ નારદે વરુણને કહ્યો, ‘તમે તેની ભાર્યાને મુક્ત કરો.’
ત્યારે વરુણે કહ્યું, ‘તે મારી પ્રિય ભાર્યા છે, તેનો હું ત્યાગ કરી નહીં શકું.’
વરુણે આમ કહ્યું એટલે નારદે ઉતથ્ય મુનિ પાસે જઈને ખિન્ન વદને સમાચાર આપ્યા, ‘હે મહામુનિ, વરુણે મારું ગળું ઝાલીને કાઢી મૂક્યો. તે તમારી પત્ની પાછી નહીં આવે. હવે તમારે જે કરવું હોય તે કરો.’
મહાતપસ્વી ઉતથ્ય નારદની વાત સાંભળીને બહુ ક્રોધે ભરાયા, પ્રજ્વલિત થયા, પોતાના તેજપ્રભાવથી બધું જળ પીવા લાગ્યા. જ્યારે જળ પીવાઈ રહ્યું હતું ત્યારે સુહૃદોએ વરુણનો તિરસ્કાર કર્યો તો પણ વરુણે તેમની પત્ની સોંપી નહીં. ત્યારે દ્વિજશ્રેષ્ઠ ઉતથ્યે ક્રોધે ભરાઈને ભૂમિને કહ્યું, ‘છ હજાર દીવાવાળું સ્થળ મને બતાવ.’
ત્યારે સમુદ્ર સુકાઈ ગયો એટલે કે સરકી ગયો એટલે ત્યાંનું સ્થાન ઊંચુંનીચું થઈ ગયું. ત્યારે ત્યાંથી વહેનારી સરસ્વતીને કહ્યું, ‘હે ભીરુ સરસ્વતી, તું અદૃશ્ય થઈને મરુપ્રદેશમાં જતી રહે. તું જતી રહીશ એટલે આ પ્રદેશ પુણ્યહીન બની જશે.’
તે પ્રદેશ પૂરેપૂરો સુકાઈ ગયો એટલે વરુણ ભદ્રાને લઈને ઉતથ્ય મુનિને શરણે ગયા. તેમણે આંગિરસને તેમની ભાર્યા પાછી સોંપી. હે હૈહય, ઉતથ્ય પોતાની પત્નીને પામીને પ્રસન્ન થયા અને જગત તથા વરુણ જળના દુઃખમાંથી મુક્ત થયા. હે નરાધિપ, મહાતેજસ્વી ઉતથ્યે પોતાની પત્ની મેળવ્યા પછી વરુણને જે કહ્યું તે સાંભળ. ‘હે જલાધિપ(જળનો સ્વામી) તારા આક્રોશ છતાં હું મારી પત્નીને તપસ્યાથી પામ્યો છું.’ એમ કહીને ઋષિ પત્નીને લઈને પોતાના ભવનમાં ચાલ્યા ગયા.
હે રાજન્, ઉતથ્ય આવા શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. તને પૂછું છું કે ઉતથ્યથી ચઢિયાતો ક્ષત્રિય કોણ છે તે મને બતાવ.’
રાજા આટલી વાત સાંભળીને ચૂપ રહ્યા. ‘હે મહારાજ, દ્વિજશ્રેષ્ઠ અગસ્ત્યની મહત્તા સાંભળો.
અસુરોએ દેવતાઓને હરાવીને તેમનો ઉત્સાહ મોળો કર્યો. તેમનો યજ્ઞભાગ તથા સ્વધા મંત્ર દ્વારા પિતૃઓને અપાયેલા કવ્યાદિ પણ અસુરો લઈ ગયા. હે હૈહયશ્રેષ્ઠ, એવું કહેવાય છે કે મનુષ્યોનું યજ્ઞકર્મ નષ્ટ થવાથી દેવગણ ઐશ્વર્ય ગુમાવીને પૃથ્વી પર ભમી રહ્યા હતા. ત્યાર પછી એક સમયે તે દેવતાઓએ આદિત્ય સમાન તેજ ધરાવતા વિપુલવ્રતી, દીપ્તિમાન અગસ્ત્યને જોયા. તેમણે મહાત્મા યશસ્વી ઋષિને જોઈને પ્રણામ કર્યા અને યોગ્ય અવસરે કહ્યું, ‘હે મુનિપુંગવ, અમે યુદ્ધમાં દાનવોથી પરાજિત થયા છીએ, ઐશ્વર્ય ગુમાવી બેઠા છીએ, તમે અમને આ તીવ્ર ભયમાંથી ઉગારો.’
અગસ્ત્યને આ સાંભળીને ખૂબ જ કોપ થયો અને તેજસ્વી કાલાગ્નિની જેમ પ્રજ્વલિત થઈ ગયા. તે સમયે હજારો દાનવો તે પ્રદીપ્ત કિરણોથી દાઝીને અંતરીક્ષમાંથી નીચે પડ્યા. દૈત્યો અગસ્ત્યના તેજથી દાઝીને પૃથ્વી અને સ્વર્ગ — બંને લોક ત્યજીને દક્ષિણમાં જતા રહ્યા. બલિ તે વેળા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા, એટલે તેઓ અને બીજા દૈત્યો ભસ્મ ન થયા. ત્યારે રજ શાંત પડવાથી દેવતાઓ બધા લોકમાં વ્યાપી ગયા. ત્યારે તેમણે ફરી અગસ્ત્યને પ્રાર્થના કરી, ‘પૃથ્વી પર રહેતા અસુરોનો નાશ કરો.’ હે રાજન્, દેવતાઓની વાત સાંભળીને અગસ્ત્યે કહ્યું, હું પૃથ્વી પરના દાનવોનો નાશ કરવા શક્તિમાન નથી. એનાથી મારી તપસ્યા નષ્ટ પામે. એટલે આ કાર્ય અશક્ય છે.’
હે રાજન્, આ પ્રકારે પવિત્ર આત્માવાળા ભગવાન અગસ્ત્યે પોતાના તેજથી, તપથી દાનવોને પ્રજ્વલિત કર્યા હતા. હે નિષ્પાપ, અગસ્ત્ય આવા બ્રાહ્મણ હતા, મેં તેમનું વર્ણન કર્યુ. હવે તું કહે, અગસ્ત્ય કરતાં ચઢિયાતો ક્ષત્રિય કોણ છે?’
રાજા આ સાંભળીને ચૂપ થઈ ગયો. પછી વાયુ બોલ્યા, ‘હવે યશસ્વી વસિષ્ઠનું મુખ્ય કર્મ સાંભળ.’
વસિષ્ઠનું નિવાસસ્થાન જાણીને મનોમન તેમની શરણાગતિ સ્વીકારીને સરોવર કિનારે જઈને યજ્ઞ આરંભ્યો. પર્વત જેવું શરીર ધરાવતા ખલિન નામના અસુરોએ યજમાનકાર્યમાં દેવતાઓને વ્યગ્ર અને યજ્ઞદીક્ષાથી કૃશ જોઈને તેમનો વિનાશ કરવાની તેમને ઇચ્છા થઈ. તેમની નજીકમાં જ બ્રહ્માના વરદાનવાળું સરોવર હતું. દાનવો ઘવાઈને એ સરોવરમાં સ્નાન કરતાં વેંત સાજાસમા થઈ જતા હતા. તેઓ મહાઘોર પર્વતો, પરિઘ અને વૃક્ષો વડે સરોવર જળને સો યોજન ઊંચે ઉછાળતા હતા. ત્યારે દસ હજાર દાનવોએ દેવતાઓને પીડ્યા, તેઓ ભાગીને વાસવ (ઇન્દ્ર) પાસે ગયા. શક્ર(ઇન્દ્ર) પણ દાનવોથી પીડાઈને વસિષ્ઠને શરણે ગયા. પછી ભગવાન વસિષ્ઠે તેમને અભયદાન આપ્યું. દેવતાઓને દુઃખી જાણીને પોતાના તેજથી સહેજ પણ પ્રયત્ન વિના ખલિન નામના દાનવોને ભસ્મ કર્યા. મહાતપસ્વી વસિષ્ઠ કૈલાસની દિશામાં જનારી ગંગા નદીને તે દિવ્ય સરોવરમાં લઈ આવ્યા. ગંગાએ ત્યાં આવતાં વેંત સરોવરનો બંધ તોડી નાખ્યો. સરોવર આમ ભેદાયું અને જે પ્રવાહ નીકળ્યો તે સરયૂ નદીથી જાણીતો થયો. જે સ્થળે ખલિન દાનવો મૃત્યુ પામ્યા તે પ્રદેશ ખલિન નામે જાણીતો થયો. આમ ઇન્દ્ર સમેત બધા દેવોની રક્ષા મહાત્મના વસિષ્ઠે કરી હતી, અને બ્રહ્માનું વરદાન પામનારા દૈત્યોનો પણ નાશ કર્યો. હે અનઘ (નિષ્પાપ), મેં તને વસિષ્ઠ ઋષિનું કર્મ કહી સંભળાવ્યું. હું કહું છું બ્રાહ્મણ જ શ્રેષ્ઠ છે. તું જ કહે વસિષ્ઠથી ચઢિયાતો ક્ષત્રિય કોણ છે?’
અર્જુને આટલી કથા સાંભળીને મૌન ધારણ કર્યું. ત્યારે વાયુ કહેવા લાગ્યા, ‘હે હૈહયશ્રેષ્ઠ, હવે મારી પાસેથી મહાત્મા અત્રિનું કર્મ સાંભળ.’
દેવતાઓ અને દાનવો ઘોર અંધકારમાં એકઠા થઈને યુદ્ધ કરતા હતા. તે યુદ્ધમાં રાહુએ બાણવર્ષા કરીને સૂર્ય અને ચંદ્રને વીંધ્યા. અંધકારથી ઘેરાયેલા દેવતાઓ બળવાન દાનવો દ્વારા હણાવા લાગ્યા. અસુરોથી વીંધાયેલા અને નબળા પડી ગયેલા દેવતાઓએ તપસ્વી અત્રિને કહ્યું, સૂર્ય અને ચંદ્રને દાનવોએ વીંધી નાખ્યા છે. અમે પણ અંધારા સ્થાનમાં શત્રુઓ દ્વારા મૃત્યુ પામી રહ્યા છીએ. અમને શાંતિ નથી. હે પ્રભુ, અમને ભયમાંથી ઉગારો.’
ઋષિ બોલ્યા, ‘હું તમારી રક્ષા કેવી રીતે કરું?’
દેવતાઓએ કહ્યું, ‘તમે અંધકારનાશક સૂર્ય અને ચંદ્ર થઈને અમારા શત્રુઓનો નાશ કરો.’
દેવતાઓનું વચન સાંભળીને અત્રિ તે સમયે પ્રિયદર્શન સોમ(ચંદ્ર) થયા અને સૌમ્ય સૂર્ય મૂર્તિ જેવા દેખાયા અને દેવતાઓ સામે જોયું. તે સમયે અત્રિએ સૂર્ય, ચંદ્રને કાંતિમાન ન જોયા એટલે પોતાના તેજથી તે સ્થળે પ્રકાશ ફેલાવ્યો. જગતને અંધકાર વિનાનું અને પ્રકાશિત કર્યું. પોતાના તેજ વડે દેવતાઓના શત્રુઓને પરાજિત કર્યા. અત્રિ દ્વારા મહાન અસુરોને પ્રજ્વલિત થતા જોઈને, પોતાને પણ રક્ષિત જોયા અને દાનવોને પરાક્રમ કરી મારી નાખ્યા. અત્રિએ સૂર્યને તેજસ્વી કર્યો, દેવતાઓનું રક્ષણ કર્યું, દાનવગણનો નાશ કર્યો. આમ તેજસ્વી અત્રિએ ઉત્તમ કાર્ય કર્યું. હે રાજર્ષિ, અદ્વિતીય, જપમગ્ન, મૃગચર્મધારી, ફળાહાર કરનારા અત્રિ મુનિએ જે કાર્ય કર્યું હતું તેનું અવલોકન કરો. મેં શ્રેષ્ઠ મહાત્મા અત્રિનું કાર્ય સવિસ્તર કહ્યું, હવે કહો, અત્રિથી ચઢિયાતો ક્યો ક્ષત્રિય છે?’
અર્જુન એ સાંભળીને ચૂપ રહ્યો. વાયુએ તેને કહ્યું, ‘હવે ચ્યવન ઋષિનું મોટું કર્મ સાંભળ.
બંને અશ્વિનીકુમારો આગળ તેમને સોમપાન કરાવવાની પ્રતિજ્ઞા કરી ચ્યવન ઋષિએ ઇન્દ્રને કહ્યું, ‘આ બંનેને સોમપાન કરાવો.’
ઇન્દ્રે કહ્યું, ‘અમે તેમનો ત્યાગ કર્યો છે. તેઓ કેવી રીતે સોમપાન કરી શકે? દેવતાઓ તેમની પ્રશંસા નથી કરતા. તમે અમને આવી વાત ન કરો. હે મહાવ્રતધારી, અમે અશ્વિનીકુમારોની સાથે સોમપાન કરવાની ઇચ્છા નથી કરતા. બીજા દેવતાઓને મન થાય તો પીએ. પણ હું તેમની સાથે ઉત્સાહથી સોમપાન નહીં કરું.’
ચ્યવને કહ્યું, ‘હે વલસૂદન (વલનો વધ કરનાર), જો તમે મારી વાત નહીં માનો તો યજ્ઞમાં હું તમારું અભિમાન નષ્ટ કરીશ, તે વખતે તમે સોમપાન કરશો.’ ત્યાર પછી અશ્વિનીકુમારોના હિતાર્થે ચ્યવને સહસા યજ્ઞકર્મનો આરંભ કર્યો. તેમના મંત્રોથી દેવતાઓ અભિભૂત થયા. ઇન્દ્ર તે યજ્ઞના આરંભથી ક્રોધે ભરાયા અને વજ્ર લઈને હાથમાં એક મોટો પર્વત ઊંચકી ચ્યવન સામે દોડી ગયા, તેમનાં નેત્રો અમર્ષથી ભરેલાં હતાં. તપસ્વી ચ્યવને ઇન્દ્રને આવતા જોઈ જળ છાંટી વજ્ર અને પર્વત સમેત તેમને સ્તંભિત કરી દીધા. મહામુનિ ચ્યવને અગ્નિમાં મંત્રાહુતિ નાખીને મહાઘોર મદને ઇન્દ્રશત્રુ બનાવી સર્જ્યો. તેના સહ દાંત સો યોજન લાંબા હતા, તેની પરમ દારુણ દાઢ બસો યોજન લાંબી હતી, એનો એક હોઠ ભૂમિ પર અને બીજો હોઠ આકાશને અડતો હતો. જેવી રીતે બધી માછલીઓ નિમિ નામની મોટી માછલીના મોંમાં સમાઈ જાય છે તેમ ઇન્દ્ર સમેત બધા દેવતાઓ તેના જિહ્વામૂળમાં સ્થિર થયા. મદના મોંમાં પડેલા દેવતાઓએ અંદર અંદર મંત્રણા કરીને ઇન્દ્રને કહ્યું, ‘આ દ્વિજવરને પ્રણામ કરો. અમે પ્રસન્ન થઈને અશ્વિનીકુમારો સાથે સોમપાન કરીશું.’ ત્યાર પછી ઇન્દ્રે પ્રણામ કરી ચ્યવન ઋષિની વાત સ્વીકારી. ચ્યવન ઋષિએ અશ્વિનીકુમારોને સોમપાન કરાવ્યું. પછી મુનિશ્રેષ્ઠ પરાક્રમી ચ્યવન ઋષિએ યજ્ઞકાર્ય સમાપ્ત કર્યું અને મદને જુગાર, મૃગયા, મદ્યપાન અને સ્ત્રીઓમાં વહેંચી દીધો. હે રાજન, મનુષ્યોનો નાશ નિ:શંક આ દોષોથી થાય છે એટલે મનુષ્યે આ દોષો ત્યજવા. હે મહારાજ, ચ્યવનનું કર્મ મેં કહ્યું. હું કહું છું બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તું જ કહે ચ્યવનથી શ્રેષ્ઠ ક્યો ક્ષત્રિય છે?’
આ સાંભળીને અર્જુન ચૂપ થઈ ગયો એટલે પવને ફરી કહ્યું, ‘હે રાજા, બ્રાહ્મણોનાં મુખ્ય કર્મ સાંભળ. જ્યારે ઇન્દ્ર અને બીજા દેવ મદના મોંમાં ચાલ્યા ગયા હતા ત્યારે ચ્યવને તેમની ભૂમિ પડાવી લીધી. બંને લોક છિનવાઈ જતાં દેવગણ દુઃખી થયા અને શોકગ્રસ્ત થઈ મહાત્મા બ્રહ્માને શરણે ગયા. તેમણે કહ્યું, ‘હે લોકપૂજિત પ્રભુ, અમે જ્યારે મદના મોઢામાં હતા ત્યારે ચ્યવન મુનિએ અમારી ભૂમિ હરી લીધી, કપ નામના દાનવે સ્વર્ગલોક હરી લીધો.’
બ્રહ્માએ કહ્યું, ‘હે ઇન્દ્રાદિ દેવો, તમે બ્રાહ્મણોનું શરણ લો. તેમને પ્રસન્ન કરીને પહેલાંની જેમ બંને લોક પામશો.’
ત્યારે દેવતાઓ બ્રાહ્મણોના શરણાર્થી થયા. બ્રાહ્મણોએ પૂછ્યું, ‘અમે કોનો જય કરીએ?’ બ્રાહ્મણોની એવી વાત સાંભળીને દેવતાઓએ કહ્યું, ‘અત્યારે તમે કપ નામના દૈત્યોને જીતો.’
બ્રાહ્મણોએ કહ્યું, ‘અમે દૈત્યોને ભૂમિ પર જીતવા સમર્થ છીએ.’ પછી બ્રાહ્મણોએ કપનાશ માટે કાર્ય આરંભ્યું. કપ લોકોએ ધની નામના દૂતને તેમની પાસે મોકલ્યો. ધનીએ કપોએ કહેલી વાત કરી. ‘સમસ્ત કપ લોક તમારા જેવો છે, તો અત્યારે આ શું થઈ રહ્યું છે? તેઓ પણ વેદના જાણકાર છે, બધા યજ્ઞ કરે છે, બધા સત્યવ્રતી છે, મહર્ષિઓ સમાન છે. તેમનામાં શ્રી વસે છે. તેઓ પણ શ્રી ધારણ કરે છે, તેઓ વૃથા સ્ત્રીગમન કરતા નથી, વૃથા માંસભક્ષણ કરતા નથી. પ્રજ્વલિત અગ્નિમાં હોમ કરે છે. ગુરુજનોનાં વચન પાળે છે. તે બધા નિયત ચિત્તવાળા છે, બાળકોને ખાવાની વસ્તુઓ વહેંચીને આપે છે. તેઓ ધીમે ધીમે આવે છે, રજસ્વલા સ્ત્રીનું સેવન કરતા નથી, જે ભૂખ્યા છે તેમને જમાડ્યા પછી ભોજન કરે છે, દિવસે સૂતા નથી. આ બધા અને આ સિવાય અનેક ગુણવાળા લોકોને તમે શા માટે જીતવા માગો છો? આ કાર્ય બંધ કરો, નિવૃત્ત થવાથી તમારું મંગળ થશે.’
બ્રાહ્મણોએ કહ્યું, ‘અમે દેવદ્રોહી કપગણને જીતીશું, દેવતાઓની સાથે અમે પણ અમિત્રભાવે રહીએ છીએ. એટલે માટે કપ વધ્ય છે. હે ધની, તું જ્યાંથી આવ્યો છે ત્યાં જતો રહે.’
ધનીએ કપગણ પાસે જઈને કહ્યું, ‘બ્રાહ્મણો આપણું પ્રિય કરનારા નથી.’ એ સાંભળી કપગણ અસ્ત્રશસ્ત્ર લઈને બ્રાહ્મણોની સામે ધસ્યો. કપ લોકો ઊંચી ધ્વજા લઈને આક્રમણ કરવા આવતા હતા. તે જોઈને તેમના પ્રાણનાશ માટે બ્રાહ્મણોએ અગ્નિ ફેંક્યો. બ્રાહ્મણોએ કરેલી સનાતન અગ્નિવર્ષા કપગણનો નાશ કરીને આકાશમાં વાદળની જેમ પથરાઈ. બધા દેવતા, યશસ્વી બ્રહ્મા દ્વિજગણોની પ્રશંસા કરવા લાગ્યા. પછી દેવતાઓના તેજ અને વીર્યની વૃદ્ધિ થઈ અને તેમણે ત્રણે લોકમાં પુજાઈને અમરત્વ મેળળ્યું.’
પવનદેવે આ કથા કહી ત્યારે અર્જુને તેમની પૂજા કરી કહ્યું, ‘હે પ્રભુ, હું બધી રીતે બ્રાહ્મણો માટે જ જીવું છું. વ્રતનિષ્ઠ થઈને બ્રાહ્મણોને નિત્ય પ્રણામ કરુંં છું. દત્તાત્રેયની કૃપાથી મેં બળ પ્રાપ્ત કર્યું છે, આ લોકમાં મારી કીર્તિ થઈ છે, મેં મહાન ધર્મ મેળવ્યો છે. હે પવનદેવ, તમે બ્રાહ્મણોનાં જે અદ્ભુત કર્મ વર્ણવ્યાં તે મેં સાવધ થઈને સાંભળ્યાં.’
વાયુએ કહ્યું, ‘તમે બ્રાહ્મણોની રક્ષા કરો, ઇન્દ્રિયનિગ્રહ કરો, ક્ષત્રિયધર્મ પાળો. દીર્ઘ કાળ પછી તમને ભૃગુવંશીઓ દ્વારા મોટો ભય નડશે.’
{{Right | (અનુશાસન, ૧૩૭-૧૪૨) }} <br>
=== મરુત્ત રાજાની કથા ===
પ્રજાપતિ દક્ષને દેવતા અને અસુરો એમ ઘણા પુત્રો હતા, અને તે પરસ્પર સ્પર્ધા કરતા હતા. એ જ રીતે અંગિરાના બે પુત્ર સંવર્ત અને બૃહસ્પતિ, તે બંને પરસ્પર સ્પર્ધા કરવાથી જુદા જુદા સ્થાને રહેતા હતા. પરંતુ બૃહસ્પતિ અવારનવાર સંવર્તને દુઃખી કરતા હતા. જ્યેષ્ઠ બંધુ દ્વારા વારે વારે પીડા પામવાને કારણે સંવર્ત દિગંબર થઈને ધનસંપત્તિનો ત્યાગ કરીને વનવાસ માટે નીકળી પડ્યા. ઇન્દ્રે બધા અસુરોને જીતીને — મારીને ત્રણે લોકનું ઇન્દ્રત્વ પ્રાપ્ત કર્યું. પછી અંગિરાના મોટા પુત્ર બ્રાહ્મણશ્રેષ્ઠ બૃહસ્પતિને પોતાના પુરોહિત બનાવ્યા. અપ્રતિમ બળવાન, વીર્યસંપન્ન ઇન્દ્ર જેવા તેજસ્વી, ધર્માત્મા, સંશિતવ્રતી રાજા કરંધમ પહેલાં અંગિરાના યજમાન હતા. રાજન, ત્યાં વાહન, યોદ્ધા, વિવિધ દ્રવ્ય, ધ્યાન દ્વારા અને મુખવાયુ દ્વારા પ્રગટ થતાં હતાં. રાજાએ પોતાના ગુણોથી બધા રાજાઓને વશ કર્યા હતા. પોતાને ઇષ્ટ એટલા સમય સુધી જીવતા રહી સદેહે સ્વર્ગ ગયા. ત્યાર પછી યયાતિની જેમ ધર્મજ્ઞ, શત્રુનાશી અવિક્ષિત નામના તેમના પુત્રે પૃથ્વી પર અંકુશ જમાવ્યો, પોતાના પરાક્રમ અને ગુણો વડે પિતાની જેમ રાજ્ય કર્યું. ઇન્દ્ર સમાન વીર્યવાન મરુત્ત તેમના પુત્ર હતા. સમુદ્ર સમેત સમગ્ર પૃથ્વી તેમનામાં અનુરક્ત હતી. તે રાજા સદા દેવરાજ ઇન્દ્રની સ્પર્ધા કરતા હતા અને ઇન્દ્ર પણ તેમની સ્પર્ધા કરતા હતા. એટલું જ નહીં, ઇન્દ્રે અનેક પ્રયત્નો કર્યા પછી પણ તે ગુણવાન, પવિત્ર ચિત્તવાળા પૃથ્વીપતિ મરુત્ત કરતાં વધુ કશું પ્રાપ્ત કરી ન શક્યા. દેવતાઓ સહિત ઇન્દ્ર જ્યારે તેમનાથી આગળ વધી ન શક્યા ત્યારે ઇન્દ્રે બૃહસ્પતિને બોલાવીને કહ્યું,
‘હે બૃહસ્પતિ, જો તમે મારું કોઈ પ્રિય કાર્ય કરવા માગતા હો તો કોઈ રીતે મરુત્તરાજનાં પિતૃકર્મો અને દેવકર્મો ન કરાવતા. હે બૃહસ્પતિ, આ ત્રણે લોકનું રાજ્ય અને ઇન્દ્રત્વ મેં જ પ્રાપ્ત કર્યાં છે. મરુત્ત તો માત્ર પૃથ્વીપતિ જ છે. હે બ્રહ્મન, તમે અમર્ત્ય સુરપતિનું યજ્ઞકાર્ય કરાવીને મર્ત્ય રાજા મરુત્તનું યજ્ઞકાર્ય કેવી રીતે કરાવી શકો? તમારું કલ્યાણ થાઓ. તમે મને માત્ર તમારો યજમાન માનો અથવા મહીપતિ મરુત્તને સ્વીકારો, અથવા મરુત્તનો ત્યાગ કરીને મારો સ્વીકાર કરો.’
આમ સાંભળીને બૃહસ્પતિ ઘડી ભર વિચારમાં પડ્યા, પછી તેમણે કહ્યું, ‘તમે બધાં પ્રાણીઓના અધિપતિ છો. તમારા દ્વારા જ બધા લોક પ્રતિષ્ઠિત છે, તમે નમુચિ, વિશ્વરૂપ અને વલનો વધ કર્યો છે. હે વલસૂદન, હે અદ્વિતીય વીર, તમે ઉત્તમ સંપત્તિ મેળવી છે, તમે જ સદૈવ પૃથ્વી અને સ્વર્ગનું પાલન કરો છો. એટલે હે દેવગણેશ્વર (ઇન્દ્ર), હે પાકશાસન (ઇન્દ્ર) તમારો પુરોહિત થઈને હું કઈ રીતે મર્ત્ય મરુત્તનો પુરોહિત થઈશ? હે દેવેન્દ્ર, તમે નિશ્ચંતિ રહો, હું ક્યારેય મર્ત્ય મરુત્તના યજ્ઞમાં સુવા (યજ્ઞમાં ઘી જેના વડે હોમાય છે તે કાષ્ઠનું સાધન, સરવો) નહીં કરું, મારું આ વચન ધ્યાનમાં રાખજો. અગ્નિ શીતળ થઈ જાય, મેદિની(પૃથ્વી) ઊંધી થઈ જાય, સૂર્ય પ્રકાશ આપતો બંધ થઈ જાય તો પણ મારી વાત અસત્ય નહીં થાય.’
તે સમયે બૃહસ્પતિનું આ વચન સાંભળીને મત્સરસહિત થઈને શક્રે પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
દેવરાજ ઇન્દ્ર સમક્ષ બૃહસ્પતિની આ પ્રતિજ્ઞા સાંભળીને મરુત્ત રાજાએ એક ઉત્તમ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. વાક્કુશળ કરંધમપૌત્ર મરુત્ત મનોમન યજ્ઞનો સંકલ્પ દૃઢ કરીને બૃહસ્પતિ પાસે જઈને બોલ્યા, ‘હે ભગવાન, હે તપોધન, ગુરુ, મેં તમને પહેલાં પણ યજ્ઞનો પ્રસ્તાવ કહ્યો હતો, તમે મને આજ્ઞા આપી હતી. હવે હું એ યજ્ઞ કરવા માગું છું. તે માટે બધી સામગ્રી ભેગી કરી છે. હું તમારો યજમાન છું. એટલે આ બધી સામગ્રી ગ્રહણ કરીને યજ્ઞ કરાવો.’
બૃહસ્પતિએ ઉત્તર આપ્યો, ‘હે પૃથ્વીપતિ, હું તમારો યજ્ઞ કરાવવા માગતો નથી. દેવરાજ સમક્ષ મેં પ્રતિજ્ઞા લીધી છે. હું તેમનો પુરોહિત છું.’
મરુત્તે કહ્યું, ‘હું તમારા પિતાના સમયથી તમારો યજમાન છું, તમારું ખૂબ જ સમ્માન કરું છું. તમે મારા ઋત્વિજ નથી થયા એવું નથી. હું તમારી સેવા કરું છું, એટલે મને સ્વીકારો.’
બૃહસ્પતિ બોલ્યા, ‘હે મરુત્ત, હું અમર્ત્યનો યજ્ઞ કરાવીને મર્ત્યનો યજ્ઞ નહીં કરું. એટલે તમે જાઓ કે ન જાઓ, હવે હું મનુષ્યોના યજ્ઞકાર્યમાંથી નિવૃત્ત થયો છું. હે મહાબાહુ, હું તમારો યજ્ઞ કરાવી નહીં શકું. તમારે જેને ઉપાધ્યાય કરવા હોય અને જે તમારો યજ્ઞ કરવા સંમત થાય તેને સ્વીકારી લો.’
બૃહસ્પતિનું આવું વચન સાંભળીને નૃપતિ મરુત્ત અત્યંત લજ્જિત થયા અને ખિન્ન થઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં નારદ મળ્યા. દેવર્ષિ નારદને મળ્યા એટલે રાજાએ વિધિવત્ પ્રણામ કર્યા. નારદે કહ્યું, ‘હે રાજર્ષિ, તમે આટલા નિરાશ કેમ છો? હે નિષ્પાપ, તમે કુશળ તો છો ને! ક્યાં ગયા હતા? ત્યાં શું તમને અપ્રીતિનો અનુભવ થયો? હે રાજન્, હે પાથિર્વશ્રેષ્ઠ, જો મારે સાંભળવા લાયક હોય તો મને એ વિશે કહો. હું બધા પ્રયત્ન કરીને તમારું દુઃખ દૂર કરીશ.’
મહર્ષિ નારદની વાત સાંભળીને ઉપાધ્યાયના વિયોગની બધી વાત કરી. ‘હું અંગિરાના પુત્ર દેવગુરુ બૃહસ્પતિને યજ્ઞમાં ઋત્વિજ બનાવવા તેમના દર્શને ગયો, તેમણે મારી પ્રાર્થના અસ્વીકારી. હું મનુષ્ય છું એટલે ગુરુએ મને ત્યજી દીધો. હે નારદ, હવે જ્યારે ગુરુ દ્વારા દૂષિત અને ત્યક્ત છું તો જીવવાની ઇચ્છા મને નથી.’
રાજાની આ વાત સાંભળીને દેવર્ષિ નારદ અવિક્ષિતપુત્ર મરુત્તને પોતાની સંજીવની વાણીથી કહેવા લાગ્યા, ‘અંગિરાના પુત્ર ધાર્મિક સંવર્ત દિગંબર થઈને પ્રજાને મોહિત કરતા બધી દિશાઓમાં ભ્રમણ કરે છે. જો બૃહસ્પતિ તમને યજમાન બનાવવા માગતા નથી તો તમે એમની પાસે જાઓ, તે પ્રસન્ન થઈ તમારો યજ્ઞ કરાવશે.’
મરુત્તે કહ્યું, ‘હે વાગ્પટુ નારદ, તમારા આ વચનથી હું જીવિત થયો છું. પણ મને કહો કે સંવર્તનો મેળાપ ક્યાં થશે? અને મારે તેમની સાથે કેવો વર્તાવ કરવો? તેઓ મારો ત્યાગ ન કરે તે માટે શું કરવું? તેઓ જો મારો ત્યાગ કરશે તો હું જીવી નહીં શકું.’
નારદે ઉત્તર આપ્યો, ‘સંવર્ત વારાણસી નગરીમાં ઉન્મત્ત વેશે સુખપૂર્વક વિહાર કરે છે, ઉપાસના કરે છે. હે પૃથ્વીપતિ, તમે તે નગરીના દ્વારે ઊભા રહી ક્યાંક એક શબ મુકાવો, તે શબને જોઈને જે પાછા ફરી જાય તે સંવર્ત એમ માનજો. તે વીર્યવાન સંવર્ત જ્યાં જાય ત્યાં તેની પાછળ જજો, એકાંત સ્થાને હાથ જોડીને તેમને શરણે જજો. જો સંવર્ત તમને પૂછે કે મારું ઠેકાણું કોણે આપ્યું તો કહેજો કે નારદે આપ્યું છે. જો તેઓ મારી પાસે આવવા મારું ઠેકાણું પૂછે તો નિ:શંકપણે કહેજો કે તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો છે.’
રાજર્ષિએ નારદની વાત સાંભળી ‘બહુ સારું’ કહી તેમની પૂજા કરી, અને તેમની આજ્ઞાથી વારાણસી ચાલ્યા ગયા. મહા યશસ્વી મરુત્તે વારાણસી નગરી જઈને નારદની વાત યાદ રાખીને એ નગરીના દ્વારે એક શબ ગોઠવી દીધું. વિપ્રવર્ય સંવર્ત થોડા સમયમાં પુરીના દ્વારે આવ્યા પણ શબ જોઈને ત્યાંથી જ પાછા વળી ગયા. અવિક્ષિતપુત્ર મહીપાલ (પૃથ્વીપતિ) મરુત્ત સંવર્તની નિકટ જઈને હાથ જોડીને તેમની પાછળ પાછળ ગયા. સંવર્તે મહારાજ મરુત્તને પોતાની પાછળ પાછળ આવતા જોઈને નિર્જન સ્થાને પહોંચી ધૂળ, કાદવ, થૂંક અને વિષ્ટા રાજા સામે ફેંક્યા. મહીપતિ સંવર્તે આમ અડચણો ઊભી કરી તો પણ હાથ જોડી તેમને પ્રસન્ન કરવા તેમની પાછળ ગયા. થોડા સમયે સંવર્ત થાકીને અનેક શાખાઓવાળા વડની શીતળ છાયામાં બેઠા.
સંવર્તે કહ્યું, ‘તમે મને કેવી રીતે ઓળખ્યો, કોણે મારો પરિચય આપ્યો? જો તમે મારા પ્રિય થવા માગતા હો તો બધું સાચી રીતે કહો, જો તમે સાચું કહેશો તો તમારા બધા મનોરથ સફળ થશે, અસત્ય બોલશો તો તમારા મસ્તકના સાત ટુકડા થઈ જશે.’
મરુત્તે કહ્યું, ‘તમારો પરિચય રસ્તે ભ્રમણ કરનારા નારદે આપ્યો. તેમણે મને તમારું સ્થાન બતાવ્યું. તમે મારા ગુરુપુત્ર છો, એ જાણીને મને વધારે પ્રીતિ થઈ છે.’
સંવર્ત બોલ્યા, ‘તે નારદ મને યાજ્ઞિકના રૂપે જાણે છે. આ તમે સત્યવચન કહ્યું. હવે એ કહો — તેઓ અત્યારે ક્યાં છે?’
મરુત્તે કહ્યું, ‘દેવર્ષિશ્રેષ્ઠે તમારો પરિચય અને તમારું સ્થાન કહી મને જવાની આજ્ઞા આપી અને પછી અગ્નિમાં પ્રવેશ કર્યો છે.’
સંવર્ત મરુત્તની આ વાત સાંભળી ખૂબ સંતુષ્ટ થયા અને બોલ્યા, ‘આ કાર્ય હું કરીશ.’
તે ઉન્મત્ત બ્રાહ્મણ કઠોર વાચા વડે મરુત્તની નિંદા કરી બોલ્યા, ‘હું વાયુરોગગ્રસ્ત છું. એટલે મારા ચિત્તમાં જે સમયે વિચાર આવે તે હું કરું છું. હંુ વિકૃતરૂપ છું. તું મારા જેવા પાસે શા માટે યજ્ઞ કરાવવા માગે છે? યજ્ઞકાર્યમાં સમર્થ મારા ભાઈ બૃહસ્પતિ ઇન્દ્ર દ્વારા સમ્માનિત છે, તેઓ ઇન્દ્રના યજ્ઞકાર્યમાં નિયુક્ત છે. તું એમની સહાયથી તારું કાર્ય સિદ્ધ કર. મારા મોટાભાઈ બૃહસ્પતિએ મારા આ શરીર સિવાય ઘરમાં જે કંઈ સામગ્રી હતી, ગૃહદેવતા હતા તે બધું છિનવી લીધું છે. હે અવિક્ષિતપુત્ર, તે મારા પૂજ્ય છે એટલે તેમની અનુમતિ વિના કોઈ રીતે તમારો યજ્ઞ કરી શકીશ નહીં, એટલે જો યજ્ઞ કરાવવા ઇચ્છા રાખતા હો તો બૃહસ્પતિ પાસે જઈને તેમની અનુમતિ લઈ આવો, પછી હું યજ્ઞ કરીશ.’
મરુત્તે કહ્યું, ‘હે સંવર્ત, હું તમારી પાસે બૃહસ્પતિનો વૃત્તાંત કહું છું તે સાંભળો. હું પહેલાં બૃહસ્પતિ પાસે ગયો હતો. ઇન્દ્રે તેમને ના પાડી છે એટલે મને યજમાન બનાવવા માગતા નથી. તેમણે મને કહ્યું, કે ઇન્દ્રે મને એવું કહ્યું: મારા જેવા અમર્ત્ય યજમાનને મેળવીને તમે મર્ત્ય મરુતનો યજ્ઞ ન કરાવતા. તે પાથિર્વ મરુત્ત હંમેશાં મારી સ્પર્ધા કર્યા કરે છે. વૃત્રાસુર અને વલને મારનારા ઇન્દ્રની આ વાતને તમારા ભાઈએ ‘ભલે એમ જ થશે’ કહીને એ વાત માની લીધી.
હે મુનિવર, તમે નિશ્ચય માનજો કે તેમને દેવરાજનો આશ્રય છે અને મને યજમાન બનાવવા માગતા નથી. એટલે જ હું સર્વસ્વ અર્પણ કરીને પણ તમારી પાસે યજ્ઞ કરાવવા માગું છું. તમારી પાસેથી મેળવેલા ગુણ વડે ઇન્દ્રને પણ અતિક્રમવા માગું છું. હે બ્રહ્મન્, હું વગર અપરાધે તે બૃહસ્પતિ દ્વારા અસ્વીકૃત થયો છું, એટલે મારું મન ફરી તેમની પાસે જવાની ના પાડે છે.’
સંવર્તે કહ્યું, ‘હે પાથિર્વ, જો તું મારી બધી ઇચ્છાઓ પૂરી કરીશ તો તારાં બધાં કાર્ય ચોક્કસ પૂરાં થશે. હું જ્યારે તારા યજ્ઞકાર્યમાં જોડાઈશ ત્યારે બૃહસ્પતિ અને ઇન્દ્ર બંને અત્યંત ક્રોધે ભરાઈને મારો દ્વેષ કરશે, ત્યારે તારે મારા પડખે ઊભા રહેવું પડશે. તું મને સાથ આપીશ તેનો વિશ્વાસ મને કેવી રીતે આવશે? એટલે તું મારા મનનો સંશય દૂર કર. જો એમાં કોઈ ત્રુટિ રહી જશે તો હું ક્રોધે ભરાઈને તને બંધુજનો સાથે તને ભસ્મ કરી દઈશ.’
મરુત્તે કહ્યું, ‘હે બ્રહ્મન્, જો હું તમારો સાથ છોડું તો જ્યાં સુધી સૂર્ય પ્રકાશિત રહે, સમસ્ત પર્વતો ટકી રહે ત્યાં સુધી મને ઉત્તમ લોકની પ્રાપ્તિ ન થાય. જો હું તમારો સાથ છોડી દઉં તો હું ક્યારેય આ જગતમાં શુદ્ધ બુદ્ધિ પામી ન શકું અને હું વિષયાસક્તિમાં જ રચ્યોપચ્યો રહું.’
સંવર્તે કહ્યું, ‘હે અવિક્ષિતપુત્ર સાંભળ, જેવી રીતે સત્કર્મોમાં તારો સુંદર મનોયોગ થયો છે તેવી રીતે મારા અંત:કરણમાં પણ તારો યજ્ઞ કરાવવાની ઇચ્છા થઈ છે. હે મહારાજ, હું તને ઉત્તમ અક્ષય દ્રવ્યપ્રાપ્તિનો માર્ગ દેખાડીશ અને તું ગંધર્વો — દેવતાઓ સહિત ઇન્દ્રને નીચો પાડી શકીશ. રાજ્ય કે ધનની મારી ઇચ્છા નથી, હું માત્ર ભ્રાતા અને ઇન્દ્ર બંનેની વિરુદ્ધ કાર્ય કરીશ. હું તને સત્ય વચન કહંુ છું કે નિશ્ચય તને ઇન્દ્રની બરોબરીનો કરાવીશ અને તારું પ્રિય કરીશ.
‘હિમાલયના પાછલા ભાગમાં મુંચવાન પર્વત છે. ભગવાન ઉમાપતિ ત્યાં નિત્ય તપસ્યા કરે છે. ત્યાંની વનસ્પતિઓ, વૃક્ષોની નીચે, ઊંચાં શિખરો પર, શૈલરાજની ગુફાઓમાં ઇચ્છાનુસાર સુખપૂર્વક શૂલપાણિ મહાતેજસ્વી ભગવાન મહેશ્વર અનેક ભૂતગણોથી ઘેરાઈને ઉમા સાથે નિત્ય નિવાસ કરે છે.
(પછી ત્યાં રહેતા નિવાસીઓનાં નામ, રુદ્રનાં અનેક નામ)
આમ મહાદેવને નમસ્કાર કરી, તેમના શરણાગત થઈને તું સુવર્ણ મેળવીશ. તમારા સેવકો ત્યાં સુવર્ણ લેવા જાય. ત્યાર પછી કરંધમના પૌત્ર મરુત્તે સંવૃતનું આવું સાંભળીને એમ જ કર્યું. અલૌકિક રૂપે યજ્ઞની બધી તૈયારીઓ કરી. તેમના શિલ્પીઓએ ત્યાં સુવર્ણમય પાત્ર તૈયાર કર્યા. પછી બૃહસ્પતિ મરુત્ત રાજાની દેવતાઓથી પણ વધુ સમૃદ્ધિની વાત સાંભળી અત્યંત સંતાપ કરવા લાગ્યા. બૃહસ્પતિ મનોમન, ‘મારો શત્રુ સંવર્ત અત્યંત ધનવાન થશે.’ એવી ચિંતા કરીને સંતપ્ત, વિવર્ણ અને અતિ કૃશ થયા. ત્યારે દેવરાજ બૃહસ્પતિના અત્યંત સંતાપની વાત સાંભળીને દેવતાઓને સાથે લઈ તેમની પાસે જઈ કહેવા લાગ્યા,
‘હે બૃહસ્પતિ, તમને સુખે નિદ્રા તો આવે છે ને? તમારી ઇચ્છા મુજબ પરિચારક ગણ છે ને? તમે દેવતાઓના સુખની કામના કરો છો ને? દેવગણ તમારું પાલન કરે છે ને?’
બૃહસ્પતિએ કહ્યું, ‘હે મહેન્દ્ર, હું નિરાંતે સૂઈ જઉં છું, મારી ઇચ્છા પ્રમાણે પરિચારકગણ છે, હું હંમેશાં દેવતાઓના સુખની કામના કરું છું અને દેવગણ પણ પરમ આદરથી મારું પાલન કરે છે.’
ઇન્દ્રે કહ્યું, ‘હે બ્રહ્મન્, તો પછી કયા કારણે તમને માનસિક અને શારીરિક દુઃખ થાય છે? આજે તમે શા કારણથી ઉદાસ અને વિવર્ણ છો? જે કારણે તમને દુઃખ થાય છે તે મને કહો. હું તે જ વખતે તમને દુઃખ પહોંચાડનારનો વધ કરીશ.’
બૃહસ્પતિએ કહ્યું, ‘હે મઘવા(ઇન્દ્ર), મેં સાંભળ્યું છે કે મરુત્ત ઉત્તમ દક્ષિણાઓવાળો મહાયજ્ઞ કરવાનો છે. એમ પણ સાંભળ્યું છે કે સંવર્ત તેનો યજ્ઞ કરાવે છે. મારી ઇચ્છા છે કે સંવર્ત આ યજ્ઞ ન કરાવે.’
ઇન્દ્રે કહ્યું, ‘હે વિપ્ર, તમારી ઇચ્છાનુસારના ભોગ તમારી પાસે છે. તમે દેવતાઓના મંત્રજ્ઞ ઉત્તમ પુરોહિત છો. જન્મ-મૃત્યુ બંનેને જીતી લીધાં છૈ, તો સંવર્ત શું કરી લેશે?’
બૃહસ્પતિએ કહ્યું, ‘હે દેવેન્દ્ર, શત્રુઓની વચ્ચે કોઈને સમૃદ્ધ જોઈને દુઃખ થાય છે. અસુરોમાં તમે જેને વધુ સમૃદ્ધ જુઓ છો તેમના પર ભિન્ન ભિન્ન સ્થાને દેવતાઓને સાથે લઈને આક્રમણ કરો છો, તેમને મારી નાખવા માગો છો. દેવેન્દ્ર, એવી જ રીતે મારા શત્રુ સંવર્તને સમૃદ્ધ થતો સાંભળીને દુઃખે વિવર્ણ થયો છું. હે મઘવન્, એટલે તમે સર્વ ઉપાય કરીને તે સંવર્ત કે મરુત્તનું દમન કરો.’
બૃહસ્પતિનું વચન સાંભળીને ઇન્દ્રે અગ્નિને બોલાવી કહ્યું, ‘હે અગ્નિદેવ, અહીં આવો. મારો સંદેશ લઈ મરુત્ત પાસે જાઓ. બૃહસ્પતિને મરુત્તની પાસે તેમની સંમતિથી પહોંચાડી દેજો. ત્યાં જઈને કહેજો કે બૃહસ્પતિ તમારો યજ્ઞ કરાવશે ને તમને અમર કરી દેશે.’
અગ્નિએ કહ્યું, ‘હે મઘવન્, હું બૃહસ્પતિને મરુત્તની પાસે પહોંચાડવા તમારો દૂત બનીને અત્યારે ત્યાં જઉં છું. આમ કરીને હું બૃહસ્પતિનું સમ્માન વધારીશ અને દેવેન્દ્રનું વચન સત્ય કરીશ.’
ત્યાર પછી મહાત્મા ધૂમકેતુ અગ્નિદેવ, હિમાલયમાં ઇચ્છાનુસાર વહેનારા મહાવેગશાળી શબ્દાયમાન વાયુની જેમ બધી વનસ્પતિઓ અને લતાઓને કચડીને ત્યાંથી ચાલી નીકળ્યા.
મરુત્તે કહ્યું, ‘હે મુનિ, આજે હું એક વિસ્મયકારક ઘટના જોઈ રહ્યો છું. અગ્નિદેવ પોતાનું રૂપ લઈને અહીં આવી રહ્યા છે. એટલે તમે એમને આસન, જળ, પાદ્ય અને ગાય આપો.’
અગ્નિએ કહ્યું, ‘હે નિષ્પાપ, હું તમારા આસન, જળ અને પાદ્ય અભિનંદનપૂર્વક ગ્રહણ કરું છું. હું ઇન્દ્રની આજ્ઞાનુસાર તેમનો દૂત બનીને અહીં આવ્યો છું.’
મરુત્તે કહ્યું, ‘હે ધૂમકેતુ, શ્રીમાન દેવરાજ સુખે તો છે ને? તે અમારા પર સંતુષ્ટ છે ને? દેવગણ તેમની આજ્ઞા પાળે છે ને? હે દેવ, આ બધું તમે મને યથાવત્ કહો.’
અગ્નિએ કહ્યું, ‘હે પાર્થિવેન્દ્ર, દેવરાજ ઇન્દ્ર પરમ સુખે નિવાસ કરે છે, બધા દેવગણ તેમને વશ છે. તેઓ તમારી સાથે અખૂટ પ્રીતિ રાખવા માગે છે. તમે દેવરાજનો સંદેશ હવે સાંભળો. જે કામ માટે તેમણે મને મોકલ્યો છે તે સાંભળો. તેઓ મારી સાથે બૃહસ્પતિને મોકલવા માગે છે. હે રાજન્, તે ગુરુ તમારું યજ્ઞકાર્ય કરાવશે, તમે મર્ત્ય છો, તમને અમર બનાવશે.’
મરુત્તે ઉત્તર આપ્યો, ‘આ દ્વિજશ્રેષ્ઠ સંવર્ત જ મારું યજ્ઞકાર્ય કરશે. હું તે બૃહસ્પતિને હાથ જોડું છું, હવે મારે તેમનું કોઈ પ્રયોજન નથી, મહેન્દ્રનો યજ્ઞ કરાવીને મારા જેવા મર્ત્ય મનુષ્યનું યજ્ઞકાર્ય કરવામાં તેમની શોભા નહીં રહે.’
અગ્નિએ કહ્યું, ‘જો બૃહસ્પતિ તમારું યજ્ઞકાર્ય કરશે તો દેવરાજની કૃપાથી દેવલોકમાં જેટલા લોક છે તે બધા તમને સુલભતાથી પ્રાપ્ત થશે, તમે મહાયશસ્વી થઈને નિશ્ચય સ્વર્ગ પર વિજય પામશો. હે નરેન્દ્ર, બૃહસ્પતિ તમારું યજ્ઞકાર્ય કરશે તો મનુષ્યલોક, દેવલોક, સમસ્ત દેવરાજ્ય, પ્રજાપતિસર્જિત બધા લોક પર તમે વિજય પામશો.’
સંવર્તે કહ્યું, ‘હે પાવક, તમે મરુત્તની પાસે બૃહસ્પતિને લાવવા અહીં ક્યારેય ન આવતા. જો તમે આવશો તો ધ્યાન રાખજો કે હું ક્રોધે ભરાઈને દારુણ દૃષ્ટિથી તમને ભસ્મ કરી નાખીશ.’
ત્યારે ધૂમકેતુ અગ્નિદેવ ભસ્મ થવાના ભયથી વ્યથિત થઈ પીપળાના પાનની જેમ કાંપવા લાગ્યા, અને દેવતાઓ પાસે પાછા ગયા. મહાત્મા શક્ર હવ્યવાહન અગ્નિને જોઈ બૃહસ્પતિના દેખતાં જ પૂછવા લાગ્યા. ‘હે જાતવેદ, તમે બૃહસ્પતિને રાજા મરુત્ત પાસે લઈ જવા મારા કહેવાથી ત્યાં ગયા હતા, તેનું શું થયું? રાજાએ શું કહ્યું? તેમણે એ વાત સ્વીકારી કે નહીં?’
અગ્નિએ કહ્યું, ‘મેં મરુત્તને તમારો સંદેશ વારે વારે સંભળાવ્યો, પણ તે સંમત ન થયા. તેમણે બૃહસ્પતિને હાથ જોડીને પ્રણામ કહ્યા છે અને કહ્યું કે ‘સંવર્ત જ મારું યજ્ઞકાર્ય કરશે.’ તેમણે એમ પણ કહ્યું કે મનુષ્યલોક, સ્વર્ગલોક અને પ્રજાપતિના જે બધા ઉત્કૃષ્ટ લોક છે તેમને પામવા ઇન્દ્ર સાથે સમાધાન કરવું પડે તો પણ બૃહસ્પતિને યજ્ઞના પુરોહિત બનાવવા માગતો નથી.’
ઇન્દ્રે કહ્યું, ‘તમે ફરી મરુત્ત પાસે જાઓ અને મારા અર્થયુક્ત સંદેશથી તેને સાવધાન કરો. જો તે તમારા વચનનું પાલન નહીં કરે તો હું એના પર વજ્રપ્રહાર કરીશ.’
અગ્નિએ કહ્યું, ‘હે વાસવ(ઇન્દ્ર), આ ગંધર્વરાજ હવે દૂત બનીને જાય. મને ત્યાં જવાની બીક લાગે છે. બ્રહ્મચર્યસંપન્ન સંવર્તે તીક્ષ્ણ રોષથી મને કહ્યું છે, જો તમે બૃહસ્પતિને લઈને મરુત્ત પાસે ફરી કોઈ રીતે આવશો તો હું ક્રોધે ભરાઈને દારુણ દૃષ્ટિથી તમને ભસ્મ કરી દઈશ. ઇન્દ્ર, તેમની આ વાત સમજી લો.’
ઇન્દ્રે કહ્યું, ‘હે જાતવેદ, તમે બધાને પ્રજ્વલિત કરો છો, તમારા સિવાય કોઈ ભસ્મકર્તા નથી, તમારા સ્પર્શથી જ બધા ભય પામે છે. હે હવ્યવાહન (અગ્નિ), એટલે તમે જે કહ્યું તે હું માની શકતો નથી.’
અગ્નિએ કહ્યું, ‘હે દેવેન્દ્ર, તમે આત્મબળથી સમગ્ર પૃથ્વી અને સ્વર્ગલોક પ્રાપ્ત કર્યા છે, પરંતુ આમ રહેવા છતાં વૃત્રાસુરે કેવી રીતે તમારા સ્વર્ગનું અપહરણ કર્યું હતું?’
ઇન્દ્રે કહ્યું, ‘હે અગ્નિ, હું પર્વતોને ક્રોધ વડે જંગમ કરી શકું છું પણ શત્રુઓએ આપેલ સોમનું પાન નથી કરતો, નિર્બળ પર વજ્ર ચલાવતો નથી, તો પણ એવો ક્યો માનવી છે જે મને કષ્ટ આપવા મારા પર પ્રહાર કરે? હે અગ્નિ, હું કાલકેય જેવા અસુરોને આકાશમાંથી પકડીને પૃથ્વી પર પાડી શકું છું, સ્વર્ગમાંથી પ્રહ્લાદનું પ્રભુત્વ સમાપ્ત કરીશ, તો મર્ત્ય માનવોમાં કોણ છે જે મને દુઃખ આપવા મારા પર પ્રહાર કરે?’
અગ્નિએ કહ્યું, ‘હે મહેન્દ્ર, પહેલાં મહર્ષિ ચ્યવને રાજા શર્યાતિનો યજ્ઞ કરાવી અશ્વિનીકુમારોની સાથે એકલા સોમપાન કર્યું હતું. તમે એમના પર ક્રોધે ભરાઈને શર્યાતિના યજ્ઞનું નિવારણ કરતા રહ્યા, શર્યાતિના તે યજ્ઞનું એક વાર સ્મરણ કરો. તમે ઘોર વજ્ર લઈને ચ્યવન પર પ્રહાર કરવા તત્પર થયા હતા, તે વિપ્રે ક્રોધે ભરાઈને પોતાના તપોબળથી વજ્ર સમેત તમારો હાથ ગ્રહી લીધો હતો. ત્યાર પછી ક્રોધે ભરાઈને એક ભયાનક રૂપવાળો શત્રુ પેદા કર્યો, વિશ્વરૂપ ભયંકર મદ નામના અસુરને જોઈને જ તમે ત્યારે આંખો મીંચી દીધી હતી. તે વિશાળ દાનવનો એક હોઠ પૃથ્વી પર અને બીજો હોઠ સ્વર્ગમાં હતો, સેંકડો યોજન લાંબા તેના હજારો દાંત હતા, એટલે તે વિકરાળ દેખાતો હતો, એમાંથી ચાર દાંત ગોળ, મોટા અને રજતસ્તંભની જેમ શ્વેત અને બસો યોજન લાંબા હતા. તે મદ દાનવ તમને મારવા માટે દાંત કચકચાવીને ઘોર ત્રિશૂળ ઉઠાવી તમારી સામે દોડ્યો હતો. હે દાનવોના હર્તા, તે સમયે વિકરાળ અસુરને જોઈને તમે એવા થઈ ગયા કે બધા તમને જ જોવા લાગ્યા. ત્યાર પછી એનાથી ભય પામીને તે મહર્ષિ ચ્યવનની શરણાગતિ લીધી. હે શક્ર, ક્ષાત્રબળથી બ્રહ્મબળ ચઢિયાતું છે, બ્રાહ્મણથી ચઢિયાતી બીજી કોઈ શક્તિ નથી. એટલે બ્રહ્મતેજને સારી રીતે ઓળખ્યા પછી સંવર્તને જીતવાની ઇચ્છા કરતો નથી.’
ઇન્દ્રે કહ્યું, ‘એ વાત સાચી છે કે બધાં બળમાં બ્રહ્મબળ શ્રેષ્ઠ છે, બ્રાહ્મણોથી શ્રેષ્ઠ કોઈ નથી. પરંતુ હું મરુત્તનું બળ કદાપિ સાંંખી શકીશ નહીં. તેના પર ઘોર વજ્રથી પ્રહાર કરીશ. હે ગંધર્વ ધૃતરાષ્ટ્ર, હવે તમે મારા દૂત બનીને સંવર્તને મળેલા એ રાજાને કહો કે તમે બૃહસ્પતિને આચાર્ય બનાવીને યજ્ઞની દીક્ષા લો. જો તમે એવું નહીં કરો તો ઇન્દ્ર તમારા પર ઘોર વજ્રપ્રહાર કરશે.’
ત્યાર પછી ધૃતરાષ્ટ્ર ગંધર્વે નરેન્દ્ર મરુત્ત પાસે જઈને ઇન્દ્રનો સંદેશ આપ્યો, ‘હે નરેન્દ્ર, હું ધૃતરાષ્ટ્ર, હું ગંધર્વ છું. ઇન્દ્રનો સંદેશ તમને પહોંચાડવા આવ્યો છું. લોકાધિપતિ મહાત્માએ તમારા માટે જે કહેવડાવ્યું છે તે સાંભળો, — તમે બૃહસ્પતિ પાસે યજ્ઞ કરાવો. જો આમ નહીં કરો તો હું તમારા પર ઘોર વજ્રપ્રહાર કરીશ.’
મરુત્તે કહ્યું, ‘તમે, પુરંદર(ઇન્દ્ર), વિશ્વદેવ, વસુગણ અને અશ્વિનીકુમારો — આ બધા જ જાણે છે કે આ લોકમાં મિત્રદ્રોહી પુરુષની નિષ્કૃતિ નથી થતી, બધા લોકો આમ જ માને છે. બૃહસ્પતિ દેવશ્રેષ્ઠ મહેન્દ્રનું યજ્ઞકાર્ય કરે અને મારું યજ્ઞકાર્ય સંવર્ત કરશે. અત્યારે બૃહસ્પતિ અને ઇન્દ્રનાં વચન મને રુચતાં નથી.’
ગંધર્વે કહ્યું, ‘હે રાજસિંહ, આકાશમાં ગરજતા ઇન્દ્રનો ઘોર નાદ સંભળાય છે. લાગે છે કે મહેન્દ્ર તમારા ઉપર વજ્રપ્રહાર કરશે. હે રાજન્, તમે તમારા કલ્યાણનો વિચાર કરો. આ જ સમય છે.’ મરુત્તે ધૃતરાષ્ટ્ર ગંધર્વની વાત સાંભળી અને આકાશમાં ઇન્દ્રનો ઘોર ધ્વનિ સાંભળ્યો, એટલે તેમણે તપોનિધિ, ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ સંવર્તને શક્રની આ વાત કરી.
મરુત્ત બોલ્યા, ‘હે વિપ્રેન્દ્ર, ઇન્દ્ર દૂરથી જ વજ્રપ્રહાર કરવા માગે છે, તે દૂર ઊભા છે એટલે દેખાતા નથી. હું તમારે શરણે છું. તમે મારી રક્ષા કરો, મને તમે અભયદાન આપો. એ વજ્રધારી ઇન્દ્ર દશે દિશાઓને પ્રકાશિત કરતા આવી રહ્યા છે અને તેમના ભયાનક, અમાનુષ ધ્વનિથી યજ્ઞશાળાના બધા સદસ્ય ભયભીત થઈ ગયા છે.’
સંવર્તે કહ્યું, ‘હે રાજસિંહ, ઇન્દ્રના ભયનું નિવારણ થશે. હું હમણાં જ સ્તંભિની વિદ્યા વડે તમારા આ ઘોર ભયનો નાશ કરીશ. તમે ધીરજ રાખો, ઇન્દ્રથી પરાજિત થવાનો ભય છોડો. હે નૃપ, તમે ઇન્દ્રથી ના બીશો. હું તેમને અત્યારે સ્તંભિત કરું છું. મારા સ્તંભનથી બધા દેવતાઓનાં અસ્ત્રશસ્ત્ર નિષ્ફળ થશે. દશે દિશામાં વજ્ર જાય, આંધી આવે, ઇન્દ્ર સ્વયં વર્ષા રૂપે અહીં જળ વરસાવે, સમસ્ત જળ આકાશમાં વ્યર્થ વહેશે. આ જે સૌદામિની (વીજળી) દેખાય છે તે વ્યર્થ છે, તમે ના ડરશો. ઇન્દ્ર, કામનાઓની વર્ષા કરે, તમારો વધ કરવા જે વજ્ર ઉગામ્યું છે, વાયુ વહેવડાવે છે તે બધું તેમના જ હાથમાં રહે. તમે ભય ન પામતા. અગ્નિદેવ તમારી ચારે બાજુથી રક્ષા કરો.’
મરુત્તે કહ્યું, ‘હે વિપ્રવર, અત્યારે વજ્રનો અને વાયુનો મહાભંયકર અવાજ સંભળાય છે, એટલે મારું હૃદય વારે વારે કાંપે છે, આજે મને શાંતિ નથી.’
સંવર્ત બોલ્યા, ‘હે નરનાથ, તે ઉગ્ર વજ્રનો ભય આજે ન ધરો. હું અત્યારે વાયુ થઈને વજ્રને નિષ્ફળ કરું છું. ભયમુક્ત થઈને તમારા મનમાં જે અભિલાષા હોય તે કહો, વરદાન માગો, હું તમારી કઈ ઇચ્છા પૂરી કરું?’
મરુત્તે કહ્યું, ‘હે વિપ્રવર્ય, ઇન્દ્ર પ્રત્યક્ષ થઈને યજ્ઞમાં સહસા આવે અને પોતાનો હવિષ્ય ભાગ ગ્રહણ કરે, દેવગણ પણ પોતાના સ્થાને બેસી જાય, પોતપોતાનો યજ્ઞભાગ લે અને સોમપાન કરે. હું આ વરદાન માગું છું.’
સંવર્તે કહ્યું, ‘હે મહારાજ, સોમરસ પીનારા ઇન્દ્ર બધા દેવતાઓ સાથે અશ્વો જોડેલા રથમાં આ યજ્ઞ માટે આવી રહ્યા છે. મારા મંત્રો દ્વારા આજે આ યજ્ઞમાં તેમનું આવાહન કર્યું છે. જુઓ મંત્રબળથી તેમનાં શરીર ખેંચાઈને અહીં આવી રહ્યા છે.’
દેવરાજ ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ અશ્વોવાળા રથમાં બેસીને દેવતાઓ સાથે સોમપાનની ઇચ્છાથી અવિક્ષિતપુત્ર અપ્રમેયાત્મા રાજા મરુત્તના યજ્ઞમાં આવ્યા. દેવતાઓ સમેત ઇન્દ્રને આવતા જોઈ મરુત્તે સંવર્તની સાથે આગળ આવીને આવકાર આપ્યો. પ્રસન્ન ચિત્તે શાસ્ત્રાનુસાર ઉત્તમ રીતે તેમના કુશળ સમાચાર પૂછ્યા, તેમની પૂજા કરી, સંવર્તે દેવરાજ સાથે વાત કરી.
સંવર્ત બોલ્યા, ‘હે ઇન્દ્ર, તમારું સ્વાગત છે. આજે તમારા આગમનથી આ યજ્ઞ અત્યંત શોભી ઊઠશે. હે વલવૃત્રહર્તા, આજે મેં તૈયાર કરેલ સોમરસનું પાન કરજો.’
મરુત્ત બોલ્યા, ‘હે સુરેન્દ્ર, મારા નમસ્કાર, તમે કુશળ નેત્રે મને જુઓ. તમારા આવવાથી મારો યજ્ઞ અને મારું જીવન સફળ થયાં. બૃહસ્પતિના નાના ભાઈ સંવર્ત મારો યજ્ઞ કરાવે છે.’
ઇન્દ્રે કહ્યું, ‘હે રાજન્, તમારા ગુરુ બૃહસ્પતિના નાના ભાઈ અત્યંત તેજસ્વી તપોધન સંવર્તને જાણું છું. તેમના આવાહનથી જ આવવું પડ્યું છે. આજે હું તમારા પર અત્યંત પ્રસન્ન છું, તમારા પરનો મારો ક્રોધ હવે નથી.’
સંવર્તે કહ્યું, ‘હે દેવરાજ, જો તમે પ્રસન્ન થયા હો તો તમે સ્વયં યજ્ઞનું વિધાન કહો, તમે બધી રીતે કરો. હે સુરેન્દ્ર, આ બધા જ લોક જાણે.’
અંગિરાપુત્ર સંવર્તનું વચન સાંભળીને ઇન્દ્રે પોતે દેવતાઓને આજ્ઞા આપી, ‘તમે બધા ચિત્રવિચિત્ર સુંદર હજારો સભાગૃહ તૈયાર કરો. ગંધર્વો અને અપ્સરાઓ માટે શીઘ્ર સુંદર સ્તંભવાળા મંડપો તૈયાર કરો. ત્યાં ચઢવા માટે સીડીઓ બનાવો. યજ્ઞશાળાના જે સ્થળે હજારો અપ્સરાઓ નૃત્ય કરશે તે સ્થળને સ્વર્ગની જેમ સુસજ્જ કરો.’
દેવરાજે આમ કહ્યું એટલે દેવતાઓએ પ્રસન્ન થઈ તેમની આજ્ઞા પ્રમાણે બધું ઊભું કર્યું, પછી પૂજિત અને પ્રસન્ન ઇન્દ્રે મરુત્તને કહ્યું, ‘હે નરેન્દ્ર, આ સ્થળે તમારી સાથે મારા મિલનથી તમારા અન્ય પૂર્વજો અને અન્ય દેવતાઓ સંતુષ્ટ થઈ તમે ધરેલું હવિષ્ય ગ્રહણ કરશે. અગ્નિદેવ માટે લાલ રંગની અને વિશ્વદેવો માટે અનેક રૂપવાળી વસ્તુઓ આપો. બ્રાહ્મણ શ્રેષ્ઠ અહીં આવીને જેમના ચંચલ શિશ્નનો સ્પર્શ કર્યો છે તે નીલ રંગના વૃષભો સ્વીકારે.’
આમ મરુત્તનું યજ્ઞકાર્ય વૃદ્ધિ પામતું ગયું. તે યજ્ઞમાં બધા દેવ પીરસવા લાગ્યા અને બ્રાહ્મણોએ પૂજેલા, ઉત્તમ અશ્વોવાળા ઇન્દ્ર આ યજ્ઞમાં સદસ્ય બનીને બેઠા હતા. બીજા અગ્નિ સમાન તેજસ્વી મહાત્મા સંવર્તે ઊંચા સ્વરે દેવતાઓનું આવાહન કર્યું. અને પ્રસન્ન ચિત્તે મંત્રો દ્વારા અગ્નિમાં ઘીની આહુતિ આપી. વલસૂદન ઇન્દ્રે અને બધા સોમપાન કરનારા દેવતાઓએ સુખપૂર્વક સોમપાન કર્યું. બધા તૃપ્ત, પ્રસન્ન, પ્રીતિયુક્ત થયા અને પછી બધા દેવતા મરુત્તની અનુમતિ લઈ જતા રહ્યા. શત્રુનાશી રાજા મરુત્તે પ્રસન્ન ચિત્તે ડગલે ડગલે સુવર્ણના ઢગલા કરાવી બ્રાહ્મણોને બહુ ધન આપ્યું. તે વેળા તેઓ ધનેશ કુબેર જેવા શોભતા હતા. જે ધન બાકી રહ્યું હતું તે બધું રાજાએ કોશમાં આપ્યું અને ગુરુઆજ્ઞાથી ત્યાંથી નિવૃત્ત થઈ સાગર સમેત વસુંધરા પર રાજ કર્યું.
{{Right | (આશ્વમેધિક પર્વ, ૫-૧૦) }} <br>
=== અગસ્ત્ય ઋષિનો યજ્ઞ ===
(વૈશમ્પાયન જનમેજયને દાનનો મહિમા સમજાવતી વખતે આ કથા કહે છે)
ભૂતકાળમાં બધાં પ્રાણીઓ પ્રત્યે અનુકંપા ધરાવતા અગસ્ત્ય મુનિએ બાર વર્ષ ચાલે એવા યજ્ઞની દીક્ષા લીધી. તે મહાયજ્ઞમાં અનેક પ્રકારના તેજસ્વી ઋષિઓએ ભાગ લીધો હતો. સાથે સાથે ત્યાં યાચકો પણ હતા. એ યજ્ઞ માટે અગસ્ત્ય ઋષિએ યથાશક્તિ અન્ન ભેગું કરી રાખ્યું હતું, વિધિ પ્રમાણે બધું થઈ રહ્યું હતું. કશું જ અયોગ્ય ન હતું, અને છતાં ઇન્દ્રે વર્ષા ન કરી. યજ્ઞમાં વચ્ચે વચ્ચે મુનિગણ ચર્ચા કરવા લાગ્યા, ‘આ આપણા યજમાન નિરભિમાની બનીને અન્નદાન તો કરે જ છે, પરંતુ વરસાદ પડતો નથી, તો ખેતરોમાં અનાજ પાકશે કેવી રીતે? આ ઋષિનો યજ્ઞ તો બાર વરસ ચાલવાનો, તો બાર વરસ સુધી ઇન્દ્ર વરસાદ નહીં મોકલો તો માત્ર હું માનસ યજ્ઞ કરીશ, યજ્ઞનો સનાતન વિધિ એવો જ છે. જો ઇન્દ્ર બાર વરસ સુધી વરસાદ નહીં મોકલે એટલે તમે બધા વિચાર કરીને આ દિશામાં કશુંક કરો.’ આ સાંભળી અગસ્ત્ય ઋષિએ બધાને પ્રણામ કરીને કહ્યું, ‘જો ઇન્દ્ર બાર વરસ સુધી વરસાદ નહીં મોકલે તો હું નિયમોનું પાલન કરીને બીજા યજ્ઞ કરીશ. મેં કેટલાંય વરસોથી આ બીજયજ્ઞ ભેગું કર્યું છે, તે બીજ વડે યજ્ઞ પૂરો કરીશ. આમાં કોઈ વિઘ્ન નહીં નડે આ યજ્ઞને નિષ્ફ્ળ કરવાની શક્તિ કોઈનામાં નથી. ઇન્દ્ર વર્ષા કરે તો ઠીક છે, નહીં તો તેમને દેવતાઓની વચ્ચે સ્થાન નહીં આપીએ. અને આ બધું કરવા છતાં પણ જો ઇન્દ્ર પ્રસન્ન નહીં થાય તો હું પોતે ઇન્દ્ર બનીને પ્રજાને જીવતી રાખીશ. દરેકને પૂરતો આહાર મળી રહેશે. ત્રણે લોકમાં જે કંઈ સુવર્ણ કે બીજું ધન હોય તો બધાં ધન અહીં આવી ચઢે. દિવ્ય અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર, વિશ્વાવસુ તથા બીજા ગંધર્વો અહીં આવી ચઢશે. ઉત્તર કુરુક્ષેત્રમાં જે કંઈ ધન છે તે બધું અહીં મળશે. સ્વર્ગ, સ્વર્ગવાસી દેવતા, ધર્મ પોતે અહીં આવશે.
અગસ્ત્યે જેવું કહ્યું હતું તેવું બધું થયું. તે મુનિનું તપોબળ જોઈને ઋષિઓ પ્રસન્ન થયા, આશ્ચર્યચકિત થયા અને તે બોલ્યા, ‘હે મુનિ, તમારી વાતોથી અમને ખૂબ જ પ્રસન્નતા થઈ છે, પરંતુ અમે તમારા તપનો વિનાશ કરવા માગતા નથી. તમારા આ યજ્ઞથી અમે સંતુષ્ટ છીએ અને ન્યાયી અન્નથી જ ઇચ્છા રાખીએ છીએ. અમે યજ્ઞ, દીક્ષા, હોમ અને બીજાં જે કાર્ય કરવા માગીએ છીએ તે બધું અહીં છે. અમે તો ન્યાયથી મેળવેલાં અન્નથી થતો યજ્ઞ ઇચ્છીએ છીએ. બીજા કશાની અપેક્ષા નથી. ન્યાયથી મેળવેલું અન્ન જ અમારું ભોજન છે. આ કાર્યમાં જોડાયેલા રહીશું. બ્રહ્મચર્યનું પાલન કરીને ન્યાય પ્રમાણે વેદ પ્રાપ્ત કરીશું. અમે નિયમ પ્રમાણે જ ઘરબાર છોડીને આવ્યા છીએ, ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ તપ કરીશું. તમને અહિંસક બુુદ્ધિ જ પ્રિય છે. એટલે અમે તમારા પર પ્રસન્ન થઈશું. તમારો યજ્ઞ પૂરો થાય ત્યારે તમે અમને વિદાય આપશો અને અહીંથી નીકળીને પોતપોતાને ઘેર જઈશું.’
ઋષિમુનિઓ આમ વાતો કરી રહ્યા હતા ત્યારે દેવરાજ પુરન્દરે મહર્ષિનું તપોબળ જોઈને વરસાદ મોકલ્યો. અને અગસ્ત્ય ઋષિનો યજ્ઞ પૂરો થયો ત્યાં સુધી ઇન્દ્ર વરસાદ મોકલતા રહ્યા. ઇન્દ્રે બૃહસ્પતિને આગળ રાખીને અગસ્ત્ય ઋષિ પાસે આવી તેમને પ્રસન્ન કર્યા. યજ્ઞ પૂરો થયા પછી અગસ્ત્ય મુનિએ પ્રસન્ન થઈને ઋષિમુનિઓને વિધિવત્ વિદાય કર્યા.
{{Right | (આશ્વમેધિક પર્વ, અધ્યાય ૯૫) }} <br>
=== યુધિષ્ઠિરનો યજ્ઞ અને નોળિયો ===
(મહાભારતકારે હમેશા સાદગી, સંયમને પ્રાધાન્ય આપ્યું, અને એટલે જ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં એક ચમત્કારિક ઘટના પણ આલેખી.)
રાજસૂય યજ્ઞ માટે જ્યારે યુધિષ્ઠિર પર પુષ્પવૃષ્ટિ થઈ હતી ત્યારે અડધું અંગ સોનાનું હોય તેવો એક નોળિયો ત્યાં આવી ચઢ્યો અને તે મનુષ્યની વાણીમાં બોલ્યો, ‘તમારો આ યજ્ઞ એક બ્રાહ્મણના જેવો તો નથી જ.’ અને પછી એ આખો પ્રસંગ વર્ણવે છે. એક બ્રાહ્મણ બહુ ઓછું અન્ન લાવીને જીવન જીવતો હતો. એના ઘરમાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ હતા. આ ચારે જણ સાદાઈથી, સંયમથી જીવતા હતા. એવામાં ત્યાં દુકાળ પડ્યો, બ્રાહ્મણ પાસે કશું ન હતું, ખેતરોનો પાક નાશ પામ્યો હતો. બ્રાહ્મણ પરિવારને ભૂખ્યા રહેવાનો આવ્યો. એક વેળા તેને થોડા જવ મળ્યા. એમાંથી તેમણે ભાખરી તૈયાર કરી. તેઓ ભોજન કરવા બેઠા હતા ત્યાં કોઈ બ્રાહ્મણ અતિથિ આવ્યો. બ્રાહ્મણને તેમણે જમાડ્યો. તો પણ તેની ભૂખ શમી નહીં, એટલે એની પત્નીએ પોતાના ભાગનું ભોજન આપી દીધું. બ્રાહ્મણ દંપતીએ પુષ્કળ આગ્રહ કર્યો એટલે અતિથિએ તે ભોજન સ્વીકાર્યું પણ તોય તે ભૂખ્યો રહ્યો, એટલે બ્રાહ્મણપુત્રે પોતાના ભાગનું ભોજન આપી દીધું, તો પણ અસંતુષ્ટ રહેલા અતિથિને છેવટે પુત્રવધૂએ ભોજન આપ્યું. આ દાનથી બધા સંતુષ્ટ થયા. એ બધા સ્વર્ગે ગયા પછી હું દરમાંથી બહાર નીકળ્યો, ત્યાં વેરાયેલા કણમાં આળોટવાથી મારું અડધું અંગ સુવર્ણનું થયું, પછી હું ઘણે બધે સ્થળે ભમ્યો છું, અને તો પણ મારું બાકીનું શરીર સોનાનું ન જ થયું.’
(પાછળથી જનમેજય આ નોળિયા વિશે પૂછે છે ત્યારે વૈશમ્પાયન એ કથા કહે છે)
જમદગ્નિ ઋષિએ શ્રાદ્ધ કરવાનો સંકલ્પ કર્યો એટલે તેમની કામધેનુ જાતે જ તેમની પાસે આવી અને ઋષિએ પોતે એને દોહી. દૂધ પવિત્ર અને નવા વાસણમાં મૂક્યું. પછી ક્રોધ રૂપ ધારણ કરીને તે વાસણમાં પ્રવેશ્યા. તેઓ ઋષિની પરીક્ષા લેવા માગતા હતા. ઋષિ આવી ઘટના જોઈને શું કહે છે તેની તેમને જિજ્ઞાસા થઈ. ક્રોધે એ દૂધને વલોવ્યું. મુનિએ આ બધું જાણ્યા કર્યા પછી પણ ક્રોધ ન કર્યો. ભૃગૃશ્રેષ્ઠ જમદગ્નિ પાસે બે હાથ જોડીને ક્રોધ ઊભા રહી ગયા. તે બોલ્યા, ‘હે ભાર્ગવ, હું પરાજિત થયો. ભૃગુવંશી બ્રાહ્મણો બહુ ક્રોધી હોય છે એવી વાત મેં સાંભળી હતી. પરંતુ આજે એ વાત ખોટી સાબીત થઈ, તમારો વિજય થયો. તમે મહાત્મા છો, ક્ષમાવાન છો, એટલે આજથી હું તમારે વશ. તમારા તપની મને બીક લાગે છે. એટલે તમે મારા પર પ્રસન્ન થાઓ.’
જમદગ્નિએ આ સાંભળી કહ્યું, ‘મેં તમને સાક્ષાત્ જોયા છે. તમે મારો કોઈ અપરાધ કર્યો નથી. હું તમારા પર ક્રોધે ભરાયો નથી. તમે નિશ્ચંતિ બનીને જાઓ. મેં પિતૃઓ માટે આ દૂધનો સંકલ્પ કર્યો હતો. એ પિતૃઓ જ એના સ્વામી છે. તેમની પાસેથી જ તમે વધુ જાણી શકશો એટલે તમે જાઓ.’
જમદગ્નિની આવી વાત સાંભળીને ભયભીત થયેલા ક્રોધ પિતૃઓના અભિશાપથી નોળિયા રૂપે જન્મ્યા. તેમણે શાપના અંત માટે પિતૃઓને વિનંતી કરી. ત્યારે તેઓ બોલ્યા, ‘જ્યારે તમે ધર્મની નિંદા કરશો ત્યારે આ શાપમાંથી મુક્ત થશો.’
તેમણે જ નોળિયાને યજ્ઞસ્થાનનું અને ધર્મારણ્યનું ઠેકાણું બતાવ્યું હતું, તે ધર્મરાજની નિંદા કરવા માટે જ દોડતો દોડતો યજ્ઞસ્થળે આવી ચઢ્યો હતો. તેણે જ્યારે કહ્યું, ‘તમારો યજ્ઞ પેલા બ્રાહ્મણની તોલે ન આવે’ ત્યારે તે નોળિયો શાપમુક્ત થયો.
{{Right | (આશ્વમેધિક પર્વ, અધ્યાય ૯૨થી ૯૪, ૯૬) }} <br>
 
<center>•  •  • </center>
 
{{Right | }} <br>
{{Poem2Close}}

Latest revision as of 04:31, 28 January 2024


મહાભારતની કથાઓ-૨