ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ

Revision as of 04:41, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)


જ્ઞ



જ્ઞાન : જ્ઞાનસૂરિને નામે ‘ચોમાસીદેવવંદનાવિધિ’ (લે. ઈ.૧૭૯૩) તથા ‘જ્ઞાન’ એ નામછાપથી ‘વીસવિહરમાનજિન-ગીત’ તેમ જ હિંદી અને ગુજરાતી સ્તવન, ગીત, દુહા, ગહૂંલી વગેરે પ્રકારની કૃતિઓ (કેટલીક મુ.) મળે છે તે કયા જ્ઞાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૨૧૮ કડીની ‘સ્ત્રીચરિત્ર-રાસ’ (લે.ઈ.૧૬૧૪) લોંકાગચ્છના નાનજીશિષ્ય જ્ઞાનદાસને નામે પણ નોંધાયેલી છે પરંતુ તે માટે કૃતિમાંથી કશો આધાર મળતો નથી. કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨ જૈકાસાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ર.મુ.પુગૂહસૂચી; ૩. રાહસૂચી:૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

‘જ્ઞાનઉદ્યોત’ : જુઓ જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર.

જ્ઞાનકલશ(મુનિ) [ઈ.૧૩૫૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનોદયસૂરિના શિષ્ય. ઈ.૧૩૫૯/સં. ૧૪૧૫ના અસાડ સુદ ૧૩ને દિને ખંભાત નગરીમાં અજિતનાથના મંદિરમાં તરુણપ્રભાચાર્યને હાથે જિનોદયસૂરિનો પટ્ટાભિષેક થયો તે વર્ણવતી અને તે પ્રસંગે રચાયેલી જણાતી, રોળા-સોરઠા આદિ છંદોની ૩૭ કડીની ‘જિનોદયસૂરિપટ્ટાભિષેક-રાસ’(મુ.)એ કૃતિના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૨).[કા.શા.]

જ્ઞાનકીર્તિ-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. સોમસુંદરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૪૦૧-ઈ.૧૪૪૩)માં રચાયેલી ૯ કડીની ‘સોમસુંદરસૂરિ-સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. જૈનસત્યપ્રકાશ, મે ૧૯૪૨ - ‘શ્રી તપાગચ્છ ગુર્વાવલી અને શ્રી સોમસુંદરસૂરિ-સ્તુતિ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.).[શ્ર.ત્રિ.]

જ્ઞાનકીર્તિ-૨ [ઈ.૧૬૮૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના બ્રહ્મમતના સ્થાપક વિનયદેવસૂરિની પરંપરામાં વિજયકીર્તિસૂરિના શિષ્ય. ૧૯ ઢાલના ‘ગુરુ-રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, મહા સુદ ૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]

જ્ઞાનકુશલ : આ નામે ‘સુભદ્રાસતી-સઝાય’ મળે છે તે કયા જ્ઞાનકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી.[કા.શા.]

જ્ઞાનકુશલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ-જિનરંગસૂરિના શિષ્ય. તેમનું ૫ કડીનું ‘જિનરંગસૂરિ-ગીત’ (મુ.) મળે છે તેમાં જિનરંગ સૂરિનો પાઠક રંગવિજય એ નામથી જ ઉલ્લેખ છે એટલે એ કૃતિ રંગવિજયને નામે દીક્ષિત (ઈ.૧૬૨૨) આ ગુરુ ઉપાધ્યાય બન્યા તે અરસામાં રચાયેલી ગણાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.):.[કા.શા.]

જ્ઞાનકુશલ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં કીર્તિકુશલના શિષ્ય. ૪ ખંડ, ૫૬ ઢાળ અને ૧૮૮૫ કડીની ‘પાર્શ્વનાથ-ચરિત્ર/શંખેશ્વરપાર્શ્વ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, માગશર વદ ૪; લે. ઈ.૧૬૬૫, સ્વલિખિત પ્રત)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કા.શા.]

‘જ્ઞાન-ગીતા’ [ઈ.૧૬૧૬/સં. ૧૭૬૨, કારતક સુદ ૧, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી પરંપરાનું નરહરિકૃત આ ગીતા-કાવ્ય (મુ.) ૧૭ કડવાં અને ૩૪૨ કડીની રચના છે. દરેક કડવામાં ‘ઢાળ’ને નામે ઓળખાવાયેલા પૂર્વછાયાના બંધના અંશ ઉપરાંત ‘દ્રૂપદ’ને નામે ઓળખાવાયેલી અને જુદા જુદા રાગોના નિર્દેશવાળી તેમ જ દેશી ચાલની કેટલીક કડીઓ અને ૧ કે વધુ સંસ્કૃત શ્લોકો ગૂંથાયેલા છે. આ સંસ્કૃત શ્લોકોનું કર્તૃત્વ નરહરિનું હોવાનું જણાતું નથી, તેથી સંમતિશ્લોક તરીકે એ ઉદ્ધૃત થયા જણાય છે. દરેક કડવામાં આ શ્લોકોનો અર્થવિસ્તાર થતો રહે છે. આ જાતનાં ઘણાં ગીતાકાવ્યોમાં સંવાદનો આશ્રય લેવામાં આવ્યો છે, પરંતુ અખાની ‘અખે-ગીતા’ની જેમ નરહરિની આ ‘જ્ઞાન-ગીતા’ સંવાદ રૂપે રચાયેલી નથી. વેદાન્તતત્ત્વની ચર્ચા કરતા નરહરિના આ ગ્રંથના બ્રહ્મસ્વરૂપ, નિર્ગુણ બ્રહ્મનો ચોવીસ તત્ત્વો રૂપે થયેલો વિસ્તાર, સંસારનું મિથ્યાત્વ અને વિશ્વની બ્રહ્માકારતા, જીવ-બ્રહ્મની અભિન્નતા, નિષ્કામ કર્મ, યોગ, ભક્તિ અને જ્ઞાનાનુભવ અને સાધનામાર્ગો, સિદ્ધ યોગીસંતજ્ઞાનીનું સ્વરૂપવર્ણન, સંતસંગતનો પ્રભાવ વગેરે વિષયોનું નિરૂપણ છે. ૧ કડવામાં એમણે સાંખ્ય સિદ્ધાંતોનો પણ સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે. એ નોંધપાત્ર છે કે નરહરિ સગુણ સૃષ્ટિનો વિસ્તાર નિર્ગુણમાંથી થયો છે, નિર્ગુણ એ કારણ છે ને સગુણ એ કાર્ય છે, એ રીતે સગુણ-નિર્ગુણનું એકત્વ સ્થાપિત કરે છે. સંસારનું મિથ્યાત્વ પ્રબોધવાની સાથે એ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા સમજાવી જીવબ્રહ્મની અભિન્નતાનું પ્રતિપાદન કરે છે અને વિશ્વને બ્રહ્માકાર જોવા સુધી પોતાની વાતને લઈ જાય છે. નરહરિની દૃષ્ટિએ બ્રહ્મ સાથેની અભેદાનુભૂતિનું પ્રથમ સોપાન ભક્તિ છે, તો બીજું સોપાન જ્ઞાન છે એટલે કે એમને જ્ઞાનનિષ્ઠ ભક્તિ કે ભક્તિથી અનુપ્રાણિત જ્ઞાન જ ઇષ્ટ છે. જેના હૃદયમાં ભક્તિજ્ઞાન વિલસે છે એનું એ અખાની જેમ આહ્લાદક વર્ણન કરે છે. જ્ઞાનમાર્ગી પરંપરામાં સર્વત્ર છે તેમ નરહરિમાં જ્ઞાન એ શુષ્ક શાસ્ત્રજ્ઞાન નથી, પણ અનુભવનો પર્યાય છે. ભક્તિ એ પ્રારંભ છે, પછી વિજ્ઞાન, પછી અપરોક્ષાનુભૂતિ ને પછી બ્રહ્મરસ - આવો ક્રમ એમને અભિપ્રેત જણાય છે. સાધકે ચંચળ મનને સ્થિર કરવાનું હોય છે, પણ એ માટે કાયાકલેશની એમને જરાય જરૂર લાગતી નતી. એ અજપા જાપ અને મનને સહજ શૂન્યમાં સ્થિર કરવાની વાત પર ભાર મૂકે છે. નરહરિમાં હઠયોગના ‘શૂન્ય’ અને ‘અનહદ’નો સ્વીકાર છે પરંતુ મુખ્યત્વે સહજ સાધના જ અભિમત હોય એવું લાગે છે. આત્મવિવેક, આવરણમુક્ત બનવું, નિષ્કામ કર્મયોગ - આ પ્રક્રિયાઓનું પણ અહીં ઉદ્બોધન થયું છે. અંતે કવિ બંધમોક્ષની વાસનાને બાળી નાખવાનું એટલે કે જન્મમરણનો ભય ટાળીને સદા મુક્ત જ હોવાનો અનુભવ કરવાનું કહે છે, કેમ કે જે પોતાને બંધનમાં માને તેને જ મોક્ષની વાસના થાય. આખ્યાનમાં હોય છે તેવી, આગલા કડવાના વક્તવ્યનો સાર પછીના કડવાના પ્રારંભમાં આપી દેવાની પદ્ધતિ નરહરિએ સ્વીકારી છે. આથી કેટલીક પુનરુક્તિઓને ટાળી શકાઈ નથી. સિદ્ધયોગી-સંત-જ્ઞાનીનાં લક્ષણો વર્ણવતાં કવિએ ઘણો વિસ્તાર કર્યો છે પણ આ જાતનો સંતમહિમા જ્ઞાનમાર્ગી પરંપરાનો એક મહત્ત્વનો ઉન્મેષ છે. નરહરિની આ કૃતિનો મુખ્ય ગુણ તે વેદાન્ત જેવા દુર્બોધ વિષયને દૃષ્ટાંતોની મદદથી સરળ સુબોધ બનાવીને થયેલું નિરૂપણ છે. સંસારનું મિથ્યાત્વ, જીવ-બ્રહ્મની અભિન્નતા, બ્રહ્મ ને જગતનો સંબંધ જેવા વિષયો સમજાવવા માટે યોજાયેલાં દૃષ્ટાંતો ઘણાંખરાં પરંપરાગત છે પણ દૃષ્ટાંતો અર્થપૂર્ણ છે ને ઓઘ રૂપે આવીને કથયિત્વને સચોટ રીતે મૂર્ત કરી આપે છે. બ્રહ્મસ્વરૂપનું ‘નિર્વાણ વાણી’માં, નેતિ નેતિની ભાષામાં થયેલું વર્ણન લાક્ષણિક છે તો ‘શૂન્યમાં સોહામણો’ એવા હરિની ગતિનું વર્ણન પણ પ્રભાવક છે. સિદ્ધયોગીના વર્ણનમાં “અજરને જારે, અમરને મારે” એ જાતની અવળવાણીનો થયેલો ઉપયોગ ધ્યાન ખેંચે એવો છે. નરહરિની ‘જ્ઞાન-ગીતા’નો લાભ અખાને ક્યાંક-ક્યાંક મળ્યો હોવાનું નોંધાયું છે પણ વસ્તુત: આ કવિઓ એક લાંબી ચાલી આવતી પરંપરામાંથી પોષણ મેળવતા રહ્યા છે તેથી કેટલીક સમાનતા સ્વાભાવિક છે અને બધા કવિઓ એક જ પરંપરાનો વારસો ભોગવે છે એમ કહેવું જોઈએ.[સુ.જો.]

જ્ઞાનચંદ્ર : આ નામે ‘ચિત્રસંભૂતિ-રાસ’, ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’, ભૂલથી ‘શીતલતરુ-રાસ’ને નામે ઉલ્લેખાયેલ ‘શીલ-રાસ’, ‘શીલપ્રકાશ’, ‘સંખ્યાતાઅસંખ્યાતા- વિચાર’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘જિનસ્તવન-ચોવીસી’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘જિનસ્તવન-ચોવીસી’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ‘સંભવજિન-પદ’ મળે છે તે કયા જ્ઞાનચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૪૧ ઢાળ અને આશરે ૫૯૫ કડીની ધર્મબોધપ્રધાન ‘કેશીપ્રદેશીપ્રતિબોધ-રાસ/પરદેશી રાજાનો રાસ’ (લે.ઈ.૧૬૪૨; મુ.) સુમતિસાગરશિષ્ય જ્ઞાનચંદ્રની ગણાવાયેલી છે પરંતુ કૃતિમાંથી એને માટે કશો આધાર મળતો નથી. એ કાવ્યમાં આવતી ‘જગતગુરુશ્રી દયાધર્મ જયકાર’ એ પંક્તિને કારણે ગુરુનામ દયાધર્મ હોવાનું પણ મનાયું છે પરંતુ, ‘દયાધર્મ’ શબ્દ સામાન્ય અર્થનો વાચક હોઈ એ ઉચિત જણાતું નથી. જિનસાગરસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૧૮-ઈ.૧૬૬૪)માં રચાયેલી ‘ઋષિદત્તા-ચોપાઈ’ પણ સુમતિસાગરશિષ્ય તેમજ ગુણસાગરશિષ્ય જ્ઞાનચંદ્રને નામે મુકાયેલી મળે છે તેમાંથી કઈ હકીકત યથાર્થ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : પ્રાચીન જૈન રાસ સંગ્રહ : ર. પ્ર. જીવણલાલ છ. સંઘવી, ઈ.૧૯૭૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી, ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કા.શા.]

જ્ઞાનચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : સોરઠગચ્છના જૈન સાધુ. ક્ષમાચંદ્રસૂરિની પરંપરામા ંવીરચંદ્રસૂરિના શિષ્ય. એમની ૩ ખંડ અને દુહા, ચોપાઈ, વસ્તુ વગેરે છંદોની ૧૦૩૪ કડીની ‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’  (ર.ઈ.૧૫૪૩/સં. ૧૫૯૯, માગશર સુદ ૧૦, ગુરુવાર) પ્રાસાદિક વાર્તાકથન તેમ જ આલંકારિક વર્ણનો તથા સુભાષિતોની ગૂંથણીને કારણે આ વિષયની જૈન કૃતિઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તેમણે ૩ ખંડ અને ૯૧૮ કડીની ‘વંકચૂલનો પવાડો/રાસ’ (ર.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, ચૈત્ર સુદ ૬, ગુરુવાર) તથા વેતાલપચીસીકથા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૭/સં. ૧૫૯૩, શ્રાવણ વદ ૯, ગુરુવાર) આ રાસકૃતિઓ રચેલી છે. સંદર્ભ : ૧. સ્વાધ્યાય ઑક્ટો. ૧૯૬૩-‘જ્ઞાનચંદ્રની ‘સિંહાસનબત્રીસી’, રણજિત પટેલ’ (અનામી);  ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. મુપુગૂહસૂચી.[કા.શા.]

જ્ઞાનચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગર (ઈ.૧૬૨૯ હયાત)ના શિષ્ય. ૧૭ કડીની ‘જુગબાહુજિનવિનંતી-સ્તવન’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કા.શા.]

જ્ઞાનચંદ્ર-૩ [               ]: જૈન સાધુ. રૂપવિજયના શિષ્ય. ૯ કડીના ‘મહાવીરજિન-સ્તવન’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કા.શા.]

જ્ઞાનચંદ્ર-૪ [               ]: જૈન સાધુ. વિશેષચંદના શિષ્ય. ચંદાને સંદેશા રૂપે રચાયેલી ૧૮ કડીની ભાવપ્રવણ ‘બારમાસ’ (મુ.) અને ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’ એ કૃતિઓના કર્તા. પહેલી કૃતિ ભૂલથી વીરચંદશિષ્ય જ્ઞાનચંદને નામે અને બીજી કૃતિ વિશેષચંદ નામે નોંધાયેલી છે. કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ-ચૈત્ર ૧૯૮૬- - ‘જ્ઞાનચંદકૃત બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]

જ્ઞાનતિલક : આ નામે ૧૫ કડીની (નવસારીમંડન) શામળા પાર્શ્વનાથ-રાસ વિનતિ’ તથા ૪૯ કડીની ‘નેમિનાથ-ધમાલ’ એ કૃતિઓ મળે છે તેના કર્તા કયા જ્ઞાનતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

જ્ઞાનતિલક-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરની પરંપરામાં પદ્મરાજના શિષ્ય. કેટલાંક સ્તવનો આ કવિએ રચ્યાં છે. તેમણે ‘ગૌતમ કુલક’ પર સંસ્કૃતમાં ટીકા (ર.ઈ.૧૬૦૪) પણ રચી છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[શ્ર.ત્રિ.]

જ્ઞાનદાસ [ઈ.૧૫૬૭માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. નાનજીના શિષ્ય. ૪૯૬/૫૮૪ કડીના ‘યશોધરચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૬૭/સં. ૧૬૨૩, કારતક સુદ ૮, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

જ્ઞાનધર્મ (ઈ.૧૬૭૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રાજસારના શિષ્ય. ‘દામન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૯/સં. ૧૭૩૫ આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

જ્ઞાનનિધાન [ઈ.૧૬૬૩માં હયાત] : ખરતરગચ્છના કીર્તિરત્ન શાખાના જૈન સાધુ. કુશલકલ્લોલની પરંપરામાં મેઘકલશના શિષ્ય. ‘વિચાર-છત્રીસી’ (ર.ઈ.૧૬૬૩/સં. ૧૭૧૯, વૈશાખ-૧૨, શુક્રવાર) એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

‘જ્ઞાન-બત્રીસી’ : આ શીર્ષકથી મુદ્રિત મળતી ધીરાની ૩૨ કાફીઓમાં બ્રહ્માનુભવ, વૈરાગ્યભક્તિબોધ ઉપરાંત મિથ્યાચાર પરના પ્રહારોનું આલેખન થયું છે. આ આલેખનમાં સળંગસૂત્રતા ઝાઝી વરતાતી નથી અને દરેક કાફી સ્વતંત્ર રચના હોવાની છાપ પડે છે. આત્મતત્ત્વની ખોજ માટે ઉદ્યુક્ત થવા પ્રબોધતા ધીરાભગતે એ આત્મતત્ત્વનાં, વિશ્વંભર સ્વરૂપનાં, એની ગહન ગતિનાં ને બ્રહ્માનુભવની સ્થિતિનાં અત્યંત પ્રભાવક વર્ણનો કર્યાં છે. એ યોગમાર્ગી રૂપકોનો આશ્રય લે છે ને આત્મતત્ત્વને ઇન્દ્રિયોરૂપી દશ દરવાજાવાળા પંચરંગી બંગલારૂપ શરીરમાં વિરાજેલા અલખધણી તરીકે વર્ણવે છે, તેમ આસમાનરૂપી શીશ અને રવિશશીરૂપી લોચન જેવાં લક્ષણોથી વિશ્વંભર ઈશ્વરનું ભવ્ય મૂર્ત ચિત્ર સર્જે છે. શૂન્ય શિખર પર વિરાજતા વિશ્વંભરનું કે એની ગહન ગતિનું વર્ણન પણ મનમાં વસી જાય એવું છે ને સોહાગી ભેટ્યાના અનુભવનું “અંબાડીએ ગજરાજ ગળિયો, ઘોડાને ગલી ગયું જીણ” એવી અવળવાણીથી થયેલું પ્રત્યક્ષીકરણ તો ઘણું ચમત્કારક છે. આ વર્ણનો ધીરાભગતની અનુભવમસ્તીનાં પરિચાયક બને છે ને તેથી એ “પ્રગટ ખેલ ખેલું રે, દેદાર તેને દેખાડું” એમ ખુમારીભર્યા ઉદ્ગાર કરે છે એ યથાર્થ લાગે છે. ભક્તિ-વૈરાગ્યબધની તેમ જ મિથ્યાચારોના ખંડનની કાફીઓમાં ધીરા-ભગતની લાક્ષણિક દૃષ્ટાંતશક્તિ પ્રગટ થાય છે ને ઘણી વાર વાણીની બલિષ્ઠ છટાઓ પણ નજરે પડે છે. સંપ્રદાય બાંધીને બેસતા ધર્મગુરુઓને એ માર્મિક રીતે પૂછે છે કે “કોઈ સિંહનો વાડો બતાવો.” વાડાબંધીનો તિરસ્કાર કરનાર ધીરાભગત કલ્પતરુ શા સંતના સમાગમની તો ભારપૂર્વક હિમાયત કરે છે, પણ એમના તત્ત્વવિચારમાં અનુભવનું જ મહત્ત્વ હોઈ એને ઉપકારક હોય ત્યાં સુધી જ અન્ય આચારોને સ્થાન છે એમ સમજાય છે.[ર.દ.]

જ્ઞાનભૂષણ : આ નામે ૩૩ કડીનો ‘પાણીજયણા-રાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા જ્ઞાનભૂષણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

જ્ઞાનભૂષણ-૧ [ઈ.૧૫૭૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. એકાંતર સંસ્કૃત શ્લોકો ધરાવતા ૫૦૧ કડીના ‘આદીશ્વર-ફાગ’ (લે.ઈ.૧૫૭૮)ના કર્તા. સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્યો’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]

જ્ઞાનમૂર્તિ (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ગુણમૂર્તિસૂરિના શિષ્ય. ૬ ખંડ, ૫૮ ઢાળ અને ૧૨૯૬ કડીની ‘રૂપસેનરાજર્ષિચરિત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, આસો સુદ ૫), ‘બાવીસપરિષહ-ચોપાઈ (ર.ઈ.૧૬૬૯), ‘પ્રિયંકર-ચોપાઈ’ તથા ગદ્યમાં ‘સંગ્રહણી-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

જ્ઞાનમેરુ : જ્ઞાનમેરુગણિની નામછાપ ધરાવતી ‘કુગુરુ-છત્રીસી’ (મુ.) મળે છે તે જ્ઞાનમેરુ-૧ની કૃતિ તરીકે નોંધાયેલી છે પરંતુ એ હકીકત માટે પર્યાપ્ત આધાર નથી. કૃતિ : જૈનયુગ, માગશર-પોષ ૧૯૮૬-‘જ્ઞાનમેરુકૃત કુગુરુછત્રીસી ચોપાઈ’. [શ્ર.ત્રિ.]

જ્ઞાનમેરુ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં મહિમસુંદરના શિષ્ય. એમના ૩ ખંડ, ૧૬ ઢાળ અને ૧૮૬/૨૦૨ કડીના ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, પ્રથમ આસો સુદ ૧૩)માં ‘રિદ્ધિ તો નારીના કર્મે હોય’ તેવી ગુણાવલીની દલીલથી બધું લઈને ચાલી ગયેલા ગુણકરંડનો પડકાર ઝીલી પોતાના બુદ્ધિચાતુર્યથી બધી સમૃદ્ધિ પુન: પ્રાપ્ત કરનાર ગુણાવલીની અદ્ભુતરસિક કથા આલેખાઈ છે અને પુણ્યનો પ્રભાવ વર્ણવાયો છે. ૩૭ કડીની ‘વિજયશેઠ વિજયાસંબંધ/પ્રબંધ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ફાગણ સુદ ૧૦) એ આ કવિની અન્ય કૃતિ છે. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

જ્ઞાનરુચિ : જુઓ ઉદયધર્મશિષ્ય મંગલધર્મ.

જ્ઞાનવર્ધન [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કુશલવર્ધન (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૭ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્ત્રોત’ના કર્તા. કૃતિ હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬) દરમ્યાન રચાઈ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

જ્ઞાનવિજય : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’, ૫ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૧૩ કડીની ‘નેમ-બારમાસા’ (લે. ઈ.૧૭૫૯) એ કૃતિઓ મળે છે તે કયા જ્ઞાનવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘નેમ-બારમાસા’ ભૂલથી ન્યાનવિજયને નામે નોંધાયેલ છે. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

જ્ઞાનવિજય-૧ [ઈ.૧૬૬૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘દશવૈકાલિક-દશ-અધ્યયન-સઝાય/દશવૈકાલિકસૂત્ર-સઝાય’ (ર.ઈ.૧૬૬૭)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

જ્ઞાનવિજય-૨ [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં સૂરવિજયના શિષ્ય. મૂળ સંસ્કૃત રચના ‘કલ્પસૂત્ર’ પરના ‘જ્ઞાનદીપિકા’ નામના બાલાવબોધ (લે.ઈ.૧૭૦૭)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ.[શ્ર.ત્રિ.]

જ્ઞાનવિજય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયઋદ્ધિસૂરિની પરંપરામાં હસ્તિવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, આસો વદ ૩૦; ૧ સ્તવન મુ.) અને ‘મલય-ચરિત્ર’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧).[શ્ર.ત્રિ.]

જ્ઞાનવિજય-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય. ૭ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, માગસર સુદ ૩; મુ.) તથા ‘શાંતિનાથ-વિનતિ’ના કર્તા. ‘શાંતિનાથ વિનતિ’ ભૂલથી લક્ષ્મીપ્રતાપને નામે નોંધાયેલી છે. સંદર્ભ : લીંહસૂચી.[શ્ર.ત્રિ.]

જ્ઞાનવિજય-૫ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયધર્મસૂરિના શિષ્ય. વિજયધર્મસૂરિના આચાર્યકાળ (ઈ.૧૭૫૩-ઈ.૧૭૮૫) દરમ્યાન રચાયેલી તેમની ગુણપ્રશસ્તિ કરતી ૯ કડીની ‘વિજયધર્મસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાળા(+સં.).[શ્ર.ત્રિ.]

જ્ઞાનવિજય-૬ [ઈ.૧૮૧૯માં હયાત] : જૈન સાધુ. ‘વીરભાણ ઉદયભાણ-રાસ’ (ર.ઈ.૧૮૧૯)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]

જ્ઞાનવિજય-૭ [               ]: વડતપગચ્છના જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ‘નેમરાજુલ-ગીત’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

જ્ઞાનવિજયશિષ્ય [               ]: જૈન સાધુ. ૭ કડીની ‘સંભવનાથસ્વામી-સ્તવન’, ૭ કડીની ‘પદ્મપ્રભુસ્વામી-સ્તવન’ અને ૭ કડીની ‘શાંતિનાથસ્વામી-સ્તવન’ એ મુદ્રિત કૃતિઓના કર્તા. કૃતિ : જિગુસ્તમાલા.[કી.જો.]

જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણિ) [જ. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪-અવ ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૪, ગુરુવાર] : તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિનય-વિમલ-ધીરવિમલના શિષ્ય. મૂળ નામ નાથુમલ્લ. ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠના પુત્ર. માતા કનકાવતી. દીક્ષા ઈ.૧૬૪૬. દીક્ષાનામ નયવિમલ. અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કરી કાવ્ય, તર્ક, ન્યાય, યોગ આદિ શાસ્ત્રોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ઈ.૧૬૭૧માં પંન્યાસ/ગણિપદ. હજુ ગણિ હતા ત્યારે એમણે શીઘ્રકવિત્વથી સંસ્કૃતમાં સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી એથી પ્રભાવિત થઈ વિજયપ્રભસૂરિએ એમને જ્ઞાનવિમલસૂરિ તરીકે સંબોધેલા એમ કહેવાય છે. આચાર્યપદ ઈ.૧૬૯૨/૧૬૯૩માં અને જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ. આ કવિએ આનંદઘન તથા યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે ને ‘નવપદની પૂજા’ યશોવિજય, દેવચંદ્ર અને એમની સંકલિત રૂપે મળે છે એ એમનો સમકાલીનો સાથેનો ગાઢ, આદરભર્યો સંબંધ સૂચવે છે. અવસાન અનશનપૂર્વક ખંભાતમાં. આ કવિએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં કૃતિઓ રચી છે - એટલી કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ એમ કહેવાયું છે. તેમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક, સ્તુત્યાત્મક બધા પ્રકારની છે. એ બધામાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિકૌશલોની પ્રૌઢિનો પણ પરિચય થાય છે. કવિની કથાત્મક કૃતિઓમાં, પૂર્વભવના આયંબિલતપને કારણે કેવલીપદને પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખતો, ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરતો, મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ ‘ચંદ્રકેવલીનો રાસ  ‘આનંદમંદિર-રાસ’ (ર.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, મહા સુદ ૧૩; મુ.) એના વિસ્તારને કારણે જ નહીં પણ એના પ્રચુર કથારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધર્મબોધ તથા વ્યુત્પન્ન કવિત્વને કારણે સૌથી વધુ ધ્યાનાર્હ કૃતિ બને છે. આ વ્યુત્પન્ન કવિત્વ નાયક-નાયિકાભેદ-નિરૂપણ, સુભાષિત-સમસ્યાદિની ગૂંથણી, અલંકારરચના તથા સુગેય દેશીઓ ને અન્ય કાવ્યબંધોના વિનિયોગમાં પ્રગટ થાય છે. રોહિણીતપનો મહિમા દર્શાવતો, મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૩૧ ઢાળનો ‘અશોકચન્દ્રરોહિણી-રાસ’  (ર.ઈ.૧૭૧૬ કે ૧૭૧૮/સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ ૫; મુ.) પૂર્વભવવૃત્તાંતોથી પ્રસ્તાર પામેલો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે અને ઘણો સાંપ્રદાયિક ધર્મતત્ત્વબોધ સમાવાયો છે, પરંતુ એમાં પણ વર્ણનો, અલંકારયોજનાઓ, ભાષાછટા વગેરેમાં કવિના કવિત્વનો સુભગ પરિચય થાય છે. ૩૫ ઢાળ અને ૬૦૮ કડીના દુહા-દેશીબદ્ધ ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, માગશર સુદ ૧૩, બુધવાર; મુ.)માં દૃષ્ટાંતકથાઓ સાથે જંબૂસ્વામી અને એની ૮ પટરાણીઓનો સંવાદ આલેખાયો છે. રૂપક, ઉપમાવલિ અને લૌકિક દૃષ્ટાંતોથી કૃતિ કેટલેક અંશે રસાવહ બની છે. ૩૮ ઢાળ અને આશરે ૧૦૦૦/૧૧૦૦ કડીની ‘રણસિંહરાજર્ષિ-રાસ’ તથા ૨૦/૨૨ ઢાળની ‘સુસઢ-રાસ’ કવિની અન્ય રાસકૃતિઓ છે. ૮ ઢાળ અને ૨૦૬ કડીની ‘બારવ્રતગ્રહણટીપ-રાસ’ (ર.ઈ.૧૬૯૪; મુ.)માં સંપ્રદાયને અભિમત વ્રતનિયમોની યાદી ને સમજૂતી છે, તો ૧૪ ઢાળ અને આશરે ૫૦૦ કડીની ‘સાધુવંદના-રાસ’ (ર. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, કારતક વદ ૧૦, ગુરુવાર; મુ.)માં જૈન શાસ્ત્રગ્રંથોને આધારે ઋષભદેવના ગણધરોથી માંડીને સો પ્રાચીન સાધુજનોની નામાવલિ આપવામાં આવી છે અને કેટલેક સ્થાને ટૂંકું ચરિત્રસંકીર્તન પણ છે. કવિની કથાતત્ત્વવાળી અન્ય કેટલીક કૃતિઓ પણ છે. જુદા જુદા રાગોના નિર્દેશવાળી દેશીઓમાં રચાયેલી ૭૩ કડીની ‘સૂર્યાભ-નાટક’ (ર.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, મહા/વૈશાખ સુદ ૧૩; મુ.)માં સૂર્યાભદેવે અપ્સરાઓની મદદથી મહાવીરસ્વામી સમક્ષ રજૂ કરેલ ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ વર્ણવાયો છે. અને વાદ્યો, નૃત્યપ્રકારો વગેરેની યાદી પણ સમાવિષ્ટ થઈ છે. ૯ ઢાળ અને ૮૨ કડીની ‘તીર્થમાલાયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, જેઠ સુદ ૧૦; મુ.)માં કવિએ કરેલી સુરતથી મારવાડ સુધીની તીર્થયાત્રાનું વર્ણન છે, તો ૭ ઢાળની અન્ય ‘તીર્થમાલાયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૭૧૯; મુ.)માં વિજયદેવસૂરિ, વિજયસેનસૂરિ વગેરેના ટૂંકા ચરિત્રગાન સાથે વિજયસેનસૂરિની પ્રેરણાથી વજિયો અને રાજિયો એ બે શ્રેષ્ઠિઓએ કરેલા પ્રતિષ્ઠા મહોત્સવોનાં વર્ણન છે. પર્યુષણપ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટે નિર્માયેલ ૧૫ ઢાળની ‘કલ્પસૂત્ર-વ્યાખ્યાન-ભાસ’(મુ.)માં અનેક ધર્મકથાઓનાં સંક્ષેપમાં નિર્દેશ છે. આ કવિએ સ્તુતિ-સ્તવન-ચૈત્યવંદન-સઝાયાદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં રચેલી છે, જેમાંની ઘણી મુદ્રિત પણ મળે છે. એમણે સિદ્ધાચલનાં જ ૩,૬૦૦ સ્તવનો રચ્યાં હોવાનું કહેવાય છે. કવિએ રચેલાં તીર્થવિષયક સ્તવનોમાં ૩૫ કડીનું ‘અર્બુદગિરિતીર્થનું સ્તવન’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, વૈશાખ સુદ ૩; મુ.), ૨ ઢાળ અને ૨૫ કડીનું ‘તારંગગિરિતીર્થનું સ્તવન’ (મુ.) તથા ૩ ઢાળ અને ૨૫ કડીનું ‘રાણકપુરતીર્થનું સ્તવન’ (મુ.) જેવાં સ્તવનો જે-તે તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગૌલિક માહિતી ગૂંથી લે છે. કવિએ ૨ ચોવીસી (મુ.), ૨ વીસી (મુ.) ઉપરાંત અનેક તીર્થંકર સ્તવનો રચ્યાં છે. ૨ ચોવીસીમાંની એક જ્ઞાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમ જ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે, જ્યારે બીજી ચોવીસીમાં તીર્થંકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. કવિના વિષયનિરૂપણ આદિના વૈવિધ્યનો ખ્યાલ આપતાં અન્ય નોંધપાત્ર જિનસ્તવનો આ પ્રમાણે છે : ૪ ઢાળ અને ૬૮ કડીનું ‘શાશ્વતી જિનપ્રતિમા-સંખ્યામય-સ્તવન’ (મુ.), ૪ ઢાળ અને ૧૬ કડીનું ‘સત્તરિસયજિનસ્તવન’ (મુ.), ૫ ઢાળ અને ૨૮ કડીનું ‘અધ્યાત્મગર્ભિત-સાધારણ-જિનસ્તવન’ (મુ.), દેશીઓ ઉપરાંત તોટક આદિ છંદોને ઉપયોગમાં લેતું, ૫ ઢાળ અને ૮૧ કડીનું ‘શાંતિનાથજિનનું સ્તવન’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, અસાડ વદ ૯, શુક્રવાર; મુ.), કાવ્ય અને ફાગની ૩૧ કડીનું ‘અધ્યાત્મભાવગર્ભિત-પાર્શ્વનાથજિન-સ્તવન’ (મુ.), ૧૫ કડીનું ‘બાવનઅક્ષરમય-જિન-સ્તવન’ (મુ.), ૬૩ કડીનું ‘મૌન-એકાદશી માહાત્મ્ય-ગર્ભિતમલ્લિનાથ-સ્તવન’, ‘પંચપરમેષ્ટિ-સ્તવન’ તથા ૮૫ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૨). ૪ ઢાળ અને ૪૧ કડીનો ‘શાંતિનાથજિન-કલશ’ (મુ.), ૪ ઢાળ અને ૩૬ કડીનો ‘પાર્શ્વનાથજિન-કલશ’(મુ.) તથા હિંદીમાં ૨૯ કડીનો ‘ચતુર્વિંશતિજિન-છંદ’ (મુ.) એ અન્ય નામથી રચાયેલાં તીર્થંકર-સ્તવનો જ છે. સિદ્ધસેન દિવાકરની ૪૪ કડીની સંસ્કૃત કૃતિ ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ને આધારે થયેલી ૪૫ ગીતોની રચના (મુ.) પણ સ્તુત્યાત્મક છે. કવિએ અન્ય વિષયોનાં સ્તવનો પણ રચ્યાં છે, જેમકે ૭ ઢાળ અને ૮૧ કડીનું ‘જિનપૂજાવિધિનું સ્તવન’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦, બુધવાર; મુ.), ૩ ઢાળ અને ૧૭ કડીનું ‘જ્ઞાનપંચમીતિથિનું સ્તવન’ (મુ.), ૬ ઢાળ અને ૫૬ કડીનું ‘પંચમીતિથિનું સ્તવન’ (મુ.), ૫ ઢાલ અને ૪૨ કડીનું ‘મૌન એકાદશીનું સ્તવન’ (મુ.), ૬ ઢાળ અને ૮૧ કડીનું ‘વીસસ્થાનકતપોવિધિનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, પોષ વદ ૮, બુધવાર; મુ.); ૬ ઢાળ અને ૧૩૨ કડીનું ‘ત્રિષષ્ટિસલાકાપુરુષ-સ્તવન’ (મુ.), ૩ ઢાળનું ‘ચોત્રીસઅતિશય-સ્તવન’ (મુ.) વગેરે. અમાસ અને બન્ને પક્ષની ભેગી સ્તુતિ સાથે ૧૭ સ્તુતિ રૂપે રચાયેલ ‘પંદરતિથિની સ્તુતિઓ’ (મુ.) તથા ‘આઠમતિથિની સ્તુતિઓ’ ઉપરાંત અનેક તીર્થંકરસ્તુતિઓ જ્ઞાનવિમલે રચેલી છે. એ જ રીતે યશોવિજય અને દેવચંદ્રના સ્તવનો સાથે સંકલિત રૂપે મળતાં ‘નવપદપૂજાનાં ચૈત્યવંદન’ ઉપરાંત અનેક ચૈત્યવંદન પણ એમણે રચ્યાં છે. આ કવિનાં અગિયાર ગણધરનાં, દિવાળીનાં, ચૈત્રી પૂનમનાં, મૌન એકાદશીનાં તથા ચોમાસીનાં/ચોવીસ જિનનાં એ દેવવંદનો (બધાં મુ.) મળે છે. કવિએ મુનિઓ તથા સતીઓ વિશેની તેમ જ સાંપ્રદાયિક આચારવિચારોને વર્ણવતી અનેક સઝાયો રચી છે. તેમાંથી કેટલીક સઝાયો કથાત્મક પણ બનેલી છે. એમની કેટલીક નોંધપાત્ર સઝાયો આ પ્રમાણે છે : ૬ ઢાળ અને ૬૮ કડીની ‘સુદર્શન શેઠ (કેવલી)ની સઝાય’ (મુ.), ૪૭ કડીની ‘નાગદત્ત-શેઠની સઝાય’ (મુ.), ૪૨ કડીની ‘સુવ્રત્ત-ઋષિ-સઝાય’ (મુ.), ૪૦ કડીની ‘અવંતીસુકુમાલની સઝાય’ (મુ.), તોટકદુહા-દેશીબદ્ધ ૧૧ ઢાળની ‘નરભવદશદૃષ્ટાંતાધિકાર-સઝાય’(મુ.), ‘દશાવિધયતિધર્મની સઝાયો’ (*મુ.), ૧૪ ઢાળની ‘તેર કઠિયાની સઝાય’ (મુ.), ૩૫ કડીની ‘જીવરાશિની સઝાય’ (મુ.), ૪ ઢાળ અને ૩૫ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ (મુ.) અને ૫/૬ ઢાળની ‘નવકારભાસ/નવપદાધિકાર-સઝાય’ (મુ.). જ્ઞાનવિમલે રચેલા વિપુલ સાહિત્યમાં એમણે રચેલા ગદ્ય બાલાવબોધોનો પણ સમાવેશ થાય છે. એ બાલાવબોધો આ પ્રમાણે છે : પોતાની ‘પ્રશ્નદ્વાત્રિંશિકા’ પર, યશોવિજયકૃત ‘આઠયોગદૃષ્ટિની સઝાય’ પર આશરે ૧૦૦૦ ગ્રંથાગ્રનો (મુ.), તથા સાડાત્રણસો ગાથાના ‘સીમંધરજિન-સ્તવન’ પર આશરે ૧૨૦૦ ગ્રંથાગ્રનો, ‘આનંદઘન-ચોવીસી’ પર ૭૨૮ ગ્રંથાગ્રનો (મુ.), નેમિદાસકૃત ‘પંચપરમેષ્ઠિમંત્રરાજ-ધ્યાનમાલા/અનુભવલીલા’ પર, ‘યતિપ્રતિક્રમણસૂત્ર/પગામ-સઝાય પર (ર.ઈ.૧૬૮૭), ‘ચૈત્યવંદન-દેવવંદન-પ્રત્યાખ્યાન એ ત્રણ ભાષ્ય’ પર આશરે ૧૭૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૭૦૨), ‘પાક્ષિક ક્ષામણ’ પર ૫૫૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૭૧૭/સં. ૧૭૭૩, મહા-૮), ‘લોકનાલ’ પર, ‘સકલાર્હત’ પર, ‘નવતત્ત્વપ્રકરણ’ પર ૫૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૬૮૩), ‘ચતુ: શરણ પ્રકીર્ણક’ પર, ‘ઉપાસક દશાંગસૂત્ર’ પર ૧૯૦૭ ગ્રંથાગ્રનો, ‘સંગ્રહણીપ્રકરણ’ પર (ર.ઈ.૧૬૭૬), ‘અજિતશાંતિ-સ્તવન’ પર ૧૨૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૭૦૭) અને ‘અધ્યાત્મકલ્પદ્રુમ’ પર ૮૦૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૭૧૪). ગદ્ય રૂપે એમણે ‘સપ્તનય-વિવરણ’ પણ કરેલ છે. જ્ઞાનવિમલનું સાહિત્યસર્જન, આ રીતે, બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે, પરંતુ એમાં એમણે અલંકારરચના, પદ્યબંધ, દષ્ટાંતબોધ, ભાષાપ્રૌઢી વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશસ્ય છે. જ્ઞાનવિમલે સંસ્કૃતમાં ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર-વૃત્તિ’, ગદ્યબદ્ધ ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૯), ‘સંસારદાવાનલસ્તુતિ-વૃત્તિ’ અને ‘પ્રશ્નદ્વાત્રિંશિકા-સ્તોત્ર’ તેમ જ પ્રાકૃતમાં ‘નરભવદૃષ્ટાંતો-પનયમાલા’ રચેલ છે. કૃતિ : ૧. ‘આનંદઘન બાવીશી’ પર જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક, સં. કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦; ૨. ચંદકેવલીનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૨; ૩. એજન, સં. કપૂરચંદ ૨. વારૈયા, સં. ૨૦૩૫; ૪. જંબૂસ્વામિરાસ તથા બાર વ્રતની ટીપનો રાસ, સં. કેશવલાલ પ્રે. મોદી, ઈ.૧૯૧૮;  ૫. પ્રાસ્તરત્નસંગ્રહ : ૧, ૨. (+સં.); ૬. સાધુવંદનારાસ, સં. મુક્તિવિમલગણિ, ઈ.૧૯૧૭;  ૭. અસસંગ્રહ; ૮. અસ્તમંજૂષા; ૯. આકામહોદધિ : ૧(+સં.), ૫ ; ૧૦. કસસ્તવન; ૧૧. ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૧૨. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૩; ૧૩. જિનગુણ પદ્યાવળી, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૫; ૧૪. જિભપ્રકાશ; ૧૫. જિસ્તમાલા; ૧૬. જૈકાપ્રકાશ : ૧; ૧૭. જૈરસંગ્રહ; ૧૮. જૈસસંગ્રહ (ન.); ૧૯. *તીર્થમાલા, પ્ર. જૈ. એ. ઈ.ઑફ ઇન્ડિયા, -; ૨૦. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૦; ૨૧. દેવવંદનમાળા, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૧; ૨૨. દેસ્તસંગ્રહ; ૨૩. નસ્વાધ્યાય : ૩; ૨૪. પર્યૂષણ માહાત્મ્ય, પ્ર. અમદાવાદની વિદ્યાશાલા, ઈ.૧૮૮૨; ૨૫. પૂજાસંગ્રહ, પ્ર. ભનીબહેન, ઈ.૧૯૩૬; ૨૬. પ્રકરણ રત્નાકર : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬; ૨૭. પ્રાતીસંગ્રહ : ૧; ૨૮. પ્રાસપસંગ્રહ : ૧; ૨૯. સજઝાયમાળા (પં.); ૩૦. સઝાયમાલા, મુ. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. ૧૯૨૧; ૩૧ સસન્મિત્ર (ઝ.) સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. કેટલૉગગુરા; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકેટેલૉગભાઈ : ૧૭(૪), ૧૯(૨૦); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]

જ્ઞાનવિમલશિષ્ય [               ]: જૈન. ૧૯ કડીની ‘જિનદત્તસઝાય-અતિથિસંવિભાગે’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

જ્ઞાનશીલ : આ નામે અનુક્રમે ૪ અને ૫ કડીની ‘નેમિનાથ-ભાસ’ અને ‘નેમિનાથરાજુલ-ભાસ’ (બંનેની લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. આ કયા જ્ઞાનશીલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

જ્ઞાનશીલ-૧ [ઈ.૧૫૦૪માં હયાત] : જૈન સાધુ. ‘સુપનવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૪)ના કર્તા. સમય જોતાં આ કવિ હેમવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૪૯૨થી ઈ.૧૫૨૭)ના શિષ્ય. જ્ઞાનશીલ હોવાની શક્યતા છે. સંદર્ભ : રાપૂહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]

જ્ઞાનસમુદ્ર-૧ [ઈ.૧૬૪૭માં હયાત] : જૈનસાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં વાચક ગુણરત્નના શિષ્ય. ‘જ્ઞાન-છત્રીસી’ (ર.ઈ.૧૬૪૭)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]

જ્ઞાનસમુદ્ર-૨ : જુઓ શ્રીભૂષણશિષ્ય જ્ઞાનસાગર.

જ્ઞાનસાગર : આ નામે ૯ કડીની ‘સ્યાદ્વાદગુણકથનવીર-સ્તવન’, ‘ત્રીસચોવીસીજિન-સ્તવનાવલિ’, ૫૦ ગ્રંથાગ્રની ‘ખંધકકુમાર-સઝાય’, ‘બાહુબલિની સઝાય’ (મુ.), અન્ય સ્તવન, સઝાય, વસંત, ધમાલ, હોળી, હરિયાળી વગેરે પ્રકારની કૃતિઓ તથા ‘પિંડવિશુદ્ધિ બાલાવબોધ’ નોંધાયેલી છે તે કયા જ્ઞાનસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૩ ઢાળની ‘શિયળ વિશે શિખામણની સઝાય’ (મુ.) વિદ્યાસાગરશિષ્ય જ્ઞાનસાગરને નામે નોંધાયેલી મળે છે પરંતુ કૃતિમાં ગુરુનામનો નિર્દેશ ન હોઈ તેમનું કર્તુત્વ સંદિગ્ધ ગણાય. ૯ કડીની ‘પાર્શ્વગીત’ ગુણદેવસૂરિશિષ્ય જ્ઞાનસાગરને નામે નોંધાયેલ છે, પરંતુ કૃતિમાં એવો પરિચય મળતો નથી. ‘સમ્યકત્વવિચારગર્ભિત-મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦) સમય દૃષ્ટિએ ક્ષમાલાભશિષ્ય જ્ઞાનસાગરની કૃતિ હોવાનું જણાય પરંતુ એ વિશે પણ નિશ્ચિતપણે કશું કહેવાય તેમ નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. સજઝાયમાલા : ૧(શ્રા.). સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

જ્ઞાનસાગર (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય શ્રીપાલરાજા અને મદનસુંદરીની જાણીતી કથા વર્ણવતા ૨૭૨ કડીના ‘શ્રીપાલનરેન્દ્ર-રાસ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૬૫ કે ૧૪૭૫/સં. ૧૫૨૧ કે ૧૫૩૧, માગશર સુદ ૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. નયુકવિઓ;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

જ્ઞાનસાગર-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં રવિસાગરના શિષ્ય. ઈ.૧૫૯૬માં હયાત હોવાની માહિતી મળે છે. તેમણે ૭૩ કડીની ‘નેમિનાથ ચંદ્રાઉલા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯) એ કૃતિ રચી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); હેજૈજ્ઞાસૂચિ: ૧.[કા.શા.]

જ્ઞાનસાગર[બ્રહ્મ)-૩/જ્ઞાનસમુદ્ર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દિગંબર, કાષ્ઠાસંઘના જૈન સાધુ. શ્રીભૂષણના શિષ્ય. કવિના ગુરુ શ્રીભૂષણે (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) મૂળ સંસ્કૃતમાં લખેલી કૃતિ ‘અનંતવ્રત’નું જેમાં અનુકરણ કરવામાં આવ્યું છે તે ૫૪ કડીની ‘અનંતચતુર્દશી કથા’, ૫૩ કડીની ‘અઠાહીવ્રતકથા/અષ્ટાહ્નિકાવ્રતકથા’, ૭૯ કડીની ‘આકાશપંચમીકથા’, ૫૫ કડીની ‘દશલાક્ષણિકકથા’, ૪૧ કડીની ‘નિર્દોષ સપ્તમીકથા’, ‘નિસલ્યષષ્ટમી વ્રતકથા,’ ‘નેમરાજુલ-બત્રીસી’, ૪૪ કડીની ‘રત્નત્રયવ્રતકથા’, ૪૩ કડીની ‘સુગંધદશમી વ્રતકથા’, ૩૪ કડીની ‘સોલકારણવ્રતકથા’ અને ‘શ્રાવણદ્વાદશીકથા’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ૨, હીરાલાલ કાપડિયા, ઈ.૧૯૬૮;  ૨. કેટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩ (૨).[કા.શા.]

જ્ઞાનસાગર-૪ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ગજસાગરસૂરિની પરંપરામાં લલિતસાગર-માણેકસાગરના શિષ્ય. ઈ.૧૬૪૧માં કવિ હયાત હોવાની માહિતી મળે છે. તેમની કૃતિઓમાં ઉલ્લેખાયેલા આધારગ્રંથો તેમના વિશાળ જ્ઞાનની પ્રતીતિ કરાવે છે. કવિની અનેક રાસાત્મક કૃતિઓ મળે છે તેમાંથી ૩૧ ઢાળ અને ૫૧૫ કડીની દુહા-દેશીબદ્ધ ‘સનત્કુમારચક્રીનો રાસ’ (ર. ઈ.૧૬૭૪ કે ૧૬૮૧/સં. ૧૭૩૦ કે ૧૭૩૭, માગશર વદ ૧, મંગળ/શુક્રવાર; મુ.)માં ૨૦ ઢાળ સુધી સનત્કુમારનાં પરાક્રમોનું અદ્ભુતરસિક વૃત્તાંત છે અને પછીના ભાગમાં એના રૂપ-અભિમાનની બોધક કથા છે. કૃતિમાં પ્રગટ થતી, અલંકારોનો પ્રસંગોપાત્ત સમુચિત વિનિયોગ કરતી કવિની વર્ણનકળા ધ્યાનાર્હ છે. ૧૯ ઢાળ અને ૩૦૧ કડીની ‘આર્દ્રકુમારનો રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, ચૈત્ર સુદ ૧૩, સોમવાર; મુ.) આર્દ્રકુમારના પૂર્વભવનું વૃત્તાંત વીગતે વર્ણવે છે અને ભાવવિચારનિરૂપણ મોકળાશથી કરે છે. આ બંને કૃતિઓ ઉપરાંત અન્ય કૃતિઓમાં પણ વિવિધ ગેય દેશીઓનો સરસ વિનિયોગ થયેલો છે. અન્ય રાસાત્મક કૃતિઓ આ પ્રમાણે છે : ૪ ખંડ, ૪૭ ઢાળ અને દુહા-દેશીબદ્ધ ૯૩૬ કડીની, શુકરાજની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતી શુકરાજ ઉપરાંત અન્ય પાત્રોના પૂર્વભવોની કથાને પણ ગૂંથી લેતી અને સિદ્ધાચલનું માહાત્મ્ય ગાતી ‘શુકરાજ-આખ્યાન/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૧૩, સોમવાર; *મુ.), ૪૦ ઢાળ અને ૧૧૩૧ ગ્રંથાગ્રની ‘સિદ્ધચક્ર/શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૮૦/સં. ૧૭૨૬, આસો વદ ૮, ગુરુવાર; *મુ.), ૧૬ ઢાળ અને ૧૮૭ કડીની ‘ઈલાચીકુમાર-ચોપાઈ/ચોપાઈ/ઈલાપુત્ર ઋષિ-રાસ’(ર.ઈ.૧૬૬૩/સં. ૧૭૧૯, આસો સુદ ૨, બુધવાર; મુ.), ૩ ખંડ અને ૧૦૦૬ કડીની ‘ધમ્મિલવિલાસ-રાસ’(ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, કારતક સુદ ૧૩, ગુરુવાર), ૬૨ ઢાળની ૧૪૩૫ કડીની ‘શાંતિનાથ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૪/સં. ૧૭૨૦, કારતક વદ ૧૧, રવિવાર), ૩૯ ઢાળની ૭૪૫ કડીની ‘ચિત્રસંભૂતિ ઋષિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, પોષ સુદ ૧, ગુરુવાર), ૧૬ ઢાળ અને ૨૧૧ કડીની ‘આષાઢાભૂતિ-ચોપાઈ/પ્રબંધ/રાસ’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પોષ વદ ૨), ૧૬ ઢાળ અને ૨૮૩ કડીની ‘નંદિષેણમુનિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૯/સં. ૧૭૨૫, કારતક વદ ૮, મંગળવાર), ૭૨૧ કડીની ‘પરદેશી રાજાનો રાસ’ (ર.ઈ.૧૬૬૮ કે ૧૬૭૮/સં. ૧૭૨૪ કે ૧૭૩૪, જેઠ સુદ ૧૩, રવિવાર) ‘ધન્ના-ચરિત્ર’ (ર.ઈ.૧૬૭૧) અને ‘શાંબકુમારપ્રદ્યુમ્નકુમાર-રાસ’. ૫ ઢાળ અને ૫૯ કડીની ‘ધન્નાઅણગાર-સઝાય’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, શ્રાવણ સુદ ૨, મંગળ/શુક્રવાર; મુ.), ૯ ઢાળ અને ૭૮ કડીની ‘સ્થૂલિભદ્ર-નવરસો/સ્થૂલિભદ્રકોશા-ગીત’ (*મુ.), ૫ ઢાળ અને ૫૦ કડીની ‘રામચંદ્રલેખ’ (ર.ઈ.૧૬૬૭/સં. ૧૭૨૩, આસો સુદ ૧૩), ૩૬ કડીની ‘આબુચૈત્યપરિપાટી/ઋષભ-સ્તવન’ (મુ.) અને ‘ચોવીસી’ એ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃતિ : ૧. (શ્રી) સનતકુમાર ચક્રીનો રાસ, પ્ર. જૈન જ્ઞાનદીપક સભા, ઈ.૧૮૮૬.  ૨. એલાચીકુમારનો ષટ્ઢાલિયો તથા આર્દ્રકુમારનો રાસ, મુ. જગદીશ્વર પ્રેસ, ઈ.૧૮૮૭; ૩. એજન, મુ. સવાઈભાઈ રાયચંદ,-; ૪. એલાયચીકુમારનો રાસ તથા બાર ભાવના અને અઢાર પાપસ્થાનકાદિની સઝાયોનો સંગ્રહ,-, ઈ.૧૮૮૫; ૫. જૈસસંગ્રહ(ન.); ૬. મોસસંગ્રહ;  ૭. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬-‘જ્ઞાનસાગર કૃત આબુની ચૈત્યપરિપાટી’. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. પાર્શ્વ, ઈ.૧૯૬૮;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ: ૨, ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ ૧૯(૧,૨); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

જ્ઞાનસાગર-૫/ઉદયસાગર(સૂરિ) [જ.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩, ચૈત્ર સુદ ૧૩-ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. નવાનગર (જામનગર)ના ઓશવંશના શાહ કલ્યાણજીના પુત્ર. માતાનું નામ જયવંતી. સંસારી નામ ઉદયચંદ્ર/ગોવર્ધન. ઈ.૧૭૨૧માં દીક્ષા. દીક્ષાનામ જ્ઞાનસાગર. ઈ.૧૭૪૧માં આચાર્યપદ. નામ ઉધયસાગરસૂરિ. એ જ વર્ષમાં ગચ્છેશપદ મળ્યું. આ પ્રભાવશાળી આચાર્યે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અને જિનાલયોના જીર્ણોદ્ધારનું કામ કર્યું હતું તેમ જ પારસીઓને તેમના ધર્મમાં પણ હિંસામાં પાપ રહેલું છે એમ સમજાવ્યું હતું. અવસાન સુરતમાં ઈ.૧૭૭૦/સં. ૧૮૨૬, આસો સુદ ૨ના રોજ થયું હોવાનું કહેવાયું છે પણ તેમનો એક પ્રતિષ્ઠાલેખ સં. ૧૮૨૭નો મળે છે તથા એક પટ્ટાવલી તેમને સં. ૧૮૨૮ સુધી હયાત જણાવે છે, આથી તેમના અવસાનકાળની ચોક્કસ માહિતી શોધવાની રહે છે. તેમનો ૬ અધિકાર, ૯૫ ઢાળ તથા ૪૩૭૧ કડીનો દુહા-દેશીબદ્ધ ‘ગુણવર્મા-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, અસાડ સુદ ૨; મુ.)માં જિનપૂજાનો મહિમા બતાવતા ગુણવર્માના વૃત્તાંતની સાથે તેના સત્તર પુત્રોની, સત્તર પ્રકારની પૂજાઓનાં અલગ અલગ ફળ દર્શાવતી પૂર્વભવકથાઓ ગૂંથી લેવામાં આવી છે. શીલમહિમા આદિ અન્ય પ્રકારના ધર્મબોધને પણ સમાવી લેતી આ કૃતિમાં બહુધા સંસ્કૃત અને ક્યારેક પ્રાકૃતમાંથી પણ કાવ્ય, સુભાષિતાદિના વિસ્તૃત ઉદ્ધરણો આપવામાં આવ્યા છે તે નોંધપાત્ર છે. આ ઉપરાંત આ કવિએ ૫૨ ઢાળની ‘કલ્યાણસાગરસૂરિનો રાસ’ (ર. ઈ.૧૭૪૬/સં. ૧૮૦૨, શ્રાવણ સુદ ૬; *મુ.), આર્દ્ર ભક્તિભાવયુક્ત ‘ચોવીશી’ (ઈ.૧૭૨૫?/ઈ.૧૭૩૨?; મુ.), ૯ ઢાળની ‘ભાવપ્રકાશ/છ ભાવ-સઝાય’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, આસો-, ગુરુવાર; મુ.), ૫ ઢાળની ‘સમકિતની સઝાય’ (ર.ઈ.૧૭૩૦; મુ.), ૧૧ કડીની ‘ચોત્રીસ અતિશયનો છંદ/સ્તવન’ (મુ.), ‘સ્થૂલિભદ્ર-સઝાય’, ૫ ઢાળની ‘ષડાવશ્યક-સઝાય’ (મુ.) એ કૃતિઓ રચેલી છે. એમણે હિન્દી તથા મરાઠીમાં નેમિનાથવિષયક ગીતો રચ્યાં હોવાનું જણાવાયું છે. ‘સ્નાત્રપંચાશિકા’ (ર.ઈ.૧૭૪૮), ‘કલ્પસૂત્રલઘુવૃત્તિ’ (ર.ઈ.૧૭૪૮), ‘શ્રાવકવ્રતકથા’, ‘શાંતિનાથ-ચરિત્ર’ તથા કેટલીક અવચૂરિઓ તેમની સંસ્કૃત રચનાઓ છે. કૃતિ : ૧. *કલ્યાણસાગરસૂરિનો રાસ, પ્ર. શાહ ગોલાભાઈ તથા દેવજીભાઈ માણેક, સં. ૧૯૮૧; ૨. ગુણવર્મારાસ, પ્ર. જૈન ધર્મ વિદ્યાપ્રસારક વર્ગ, ઈ.૧૯૦૬;  ૩. અચલગચ્છે સ્નાત્રપૂજાદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૯૭; ૪. રત્નસાર : ૨, પ્ર. શા. હરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૫. * વિધિપક્ષગચ્છીય મુનિ કૃત શ્રી જિનપૂજા સ્તવન સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક,-; ૬. સજઝાયમાળા : ૧ (શ્રા.] સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી.[કા.શા.]

જ્ઞાનસાગર (વાચક)-૬ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ક્ષમાલાભના શિષ્ય. તેમની ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘નળદવદંતીચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, જેઠ સુદ ૧૦, બુધવાર; મુ.) દુહામાં ઝડપથી કથાનક કહી જવાની અને ઢાળમાં પ્રસંગજન્ય ઊર્મિનું રસિક નિરૂપણ કરવાની રીતિ તથા તેમાં પ્રગટ થતી કવિની અલંકારરચનાની શક્તિથી ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત તેમણે ૩૩ ઢાળની ‘કવયન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, આસો સુદ ૧૦ ગુરુવાર) તથા ૫-૫ કડીની ૨ ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : બે લઘુ રાસકૃતિઓ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૪. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદજી નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨). [કા.શા.]

જ્ઞાનસાગર(ઉપાધ્યાય)-૭ [ઈ.૧૭૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરસૂરિના શિષ્ય. પાટણવાસી કીકાના પૌત્ર તારાચંદે કાઢેલા સંઘની, યાત્રામાર્ગમાં આવતાં નાનાંમોટાં ગામો અને સંઘમાં સામેલ વ્યક્તિઓના ઉલ્લેખ સાથેની વીગત રજૂ કરતી કૃતિ ‘તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૩થી નવે. ૧૯૪૩ - ‘ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજીગણિકૃત ‘તીર્થમાલા સ્તવન’, સં. જયંતવિજયજી(+સં.).[કા.શા.]

જ્ઞાનસાગર-૮ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર’ - અંતર્ગત ‘અરિષ્ટનેમિચરિત્ર’ ઉપરના બાલાવબોધ (ર.ઈ.૧૭૭૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

જ્ઞાનસાગરશિષ્ય : આ નામે ‘વીસ સ્થાનક-તપવિધિ’ (ર.ઈ.૧૭૭૩/સં. ૧૮૨૯, માગશર વદ ૧૦) એ કૃતિ નોંધાયેલી છે તે કયા જ્ઞાનસાગરશિષ્યની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.[કા.શા.]

જ્ઞાનસાગર(ગણિ) શિષ્ય-૧ [ઈ.૧૮૮૯ સુધીમાં] : જૈન સાધુ. ધર્મસાગરગણિ-હર્ષસાગરગણિની પરંપરામાં જ્ઞાનસાગરગણિના શિષ્ય. ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કવિને સંવત ૧૮મી સદીમાં મૂકે છે. એમણે ‘ધન્યકુમારચરિત્ર-દાનકલ્પદ્રુમ’ પર બાલાવબોધ (લે. ઈ.૧૮૮૯) વાર્તારૂપે રચ્યો છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]

જ્ઞાનસાગરશિષ્ય-૨ [               ]: સંભવત: તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરના શિષ્ય. ૧૨૦૦ ગ્રંથાગ્રના ‘સમ્યકત્વ સ્તવ-બાલાવબોધ’ના કર્તા. ‘જ્ઞાનઉદ્યોત’ને નામે રચના કરતા જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોગસાગરની ‘સમ્યકત્વમૂલ બારવ્રતવિવરણ’ને મળતી જ એકબે પંક્તિ આ કૃતિમાં મળે છે તેથી આ કૃતિ પણ તેમની હોવાની શક્યતા છે. કૃતિ : પ્રકરણરત્નાકર : ૨, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કા.શા.]

જ્ઞાનસુંદર-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અભયવર્ધનના શિષ્ય. ૪૧ કડીના ‘સૂયગડાંગસૂત્રઅધ્યયન સોળમાની સઝાય’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, જેઠ વદ ૨)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]

જ્ઞાનસુંદર-૨ [ઈ.૧૬૬૦માં હયાત] : ખરતર ગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં વિજયકીર્તિગણિ-ચારિત્રકુશલગણિના શિષ્ય. ‘મચ્છોદર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૦/સં. ૧૭૧૬ કારતક વદ ૧૩-ધનતેરસ)ના કર્તા. આ કવિ ભૂલથી અભયવર્ધનશિષ્ય ગણાવાયા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

જ્ઞાનસોમ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લઘુ તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં વિમલસોમ (આચાર્યકાળ ઈ.૧૬૧૧-ઈ.૧૬૪૨)ના શિષ્ય. હેમસોમની પાટે આવેલ વિશાલસોમને વિષય કરીને રચાયેલ ૩૭ કડીના ‘ગુરુ-બાર માસ’ તેમ જ ગુરુવિષયક તથા અન્ય ગીતોના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

જ્ઞાનહર્ષ : આ નામે ‘દામન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૪) મળે છે તે જ્ઞાનહર્ષ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

જ્ઞાનહર્ષ-૧ [ઈ.૧૬૪૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિશેખરના શિષ્ય. ઈ.૧૬૪૯માં હયાત હોવાની માહિતી મળે છે. ૧૩ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ તેમણે રચ્યું છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[કી.જો.]

જ્ઞાનહર્ષ-૨ [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન ધર્મસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૫-ઈ.૧૬૯૦)ના શિષ્ય. ૨ ઢાળના ‘જિનધર્મસૂરિ-ગીત’(મુ.) તથા હિંદીમાં ૩૪ કડીની ‘જિનદત્તસૂરિ અવદાત-છપ્પય’ (અંશત: મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [કી.જો.]

જ્ઞાનહર્ષ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષ (અવ. ઈ.૧૮૩૬)ના શિષ્ય. ‘સુગુરુ-પચીસી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૧. સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦.[કી.જો.]

જ્ઞાનાચાર્ય [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : સંસ્કૃતજ્ઞ કવિ. જૈન કે જૈનેતર તે કૃતિમાંથી નિશ્ચિત થતું નથી. પરંતુ એ જૈન હોવાના મતને વધુ વિદ્વાનોનો ટેકો છે. આ કવિની, દુહા, ચોપાઈની ૧૫૨ કડીની ‘બિલ્હણ-પંચાશિકા’  (લે. ઈ.૧૫૭૦; મુ.) કાશ્મીરી કવિ બિલ્હણના શશિકલા સાથેના વિલાસોના સ્મરણોદ્ગારો રૂપે પ્રાપ્ત થતી ને બિલ્હણની જ રચના મનાતી સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’નું અને એમાં કથાભાગ ઉમેરીને થયેલા સંસ્કૃત ‘બિલ્હણકાવ્ય’નું ગુજરાતી રૂપાંતર છે ને શૃંગારના પ્રગલ્ભ ઉન્મત્ત આલેખનથી ધ્યાન ખેંચે છે. ૪૦ દુહા-ચોપાઈની ગુજરાતી કડી અને ૨૦ ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી ‘શશિકલા-પંચાશિકા’  (મુ.) ઉપર્યુક્ત કાવ્યની પૂર્તિ રૂપે કવિ ભૂવેરે રચેલી ‘શશિકલા-પંચાશિકા’ (ર.ઈ.૧૫૪૫)નો મુક્ત અનુવાદ છે ને તેમાં શશિકલાનો ઉદ્ગારો રૂપે નાયક સાથેના શૃંગારવિહારનું સુરુચિપૂર્ણ આલેખન છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૪;  ૨. સાહિત્ય, જુલાઈ ૧૯૩૨ - ‘બિલ્હણકાવ્ય (ગુજરાતી પદ્યાનુવાદ)’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. મધ્યકાલીન પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪; ૪. મસાપ્રવાહ;  ૫. ગુજરાતી, દીપોત્સવી અંક ઈ.૧૯૧૫ - ‘બિલ્હણ પંચાશિકા’ ચી. ડા. દલાલ; ૬. ગુજરાતી દીપોત્સવી અંક ઈ.૧૯૩૦ - ‘શશિકલાકાવ્ય,’ ‘વનમાળી;  ૭. ગૂહાયાદી; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧)[ભો.સાં.]

‘જ્ઞાનીનાં લક્ષણ’  : બાપુસાહેબ ગાયકવાડકૃત કાફી-પ્રકારનાં ૨૪ પદોની આ કૃતિ (મુ.)જ્ઞાની સંતનાં લક્ષણો વર્ણવે છે એમાં સંતની સરલતા, સહજતા, સાર્વજનિકતા ને ઉદારતા પર મુકાયેલો ભાર ધ્યાન ખેંચે છે. અંતે પોતાની વાત વણિક કાંટે તોળીને જોઈ જુએ, બ્રાહ્મણશાસ્ત્રમાં શોધી જુએ, પણ શૂદ્રને તો એ વાતો સીધી લાગશે (અને ક્ષત્રિય પોતે જ છે) એમ એ કહે છે તે આ સંદર્ભમાં તેમ જ દૃષ્ટાંતમૂલક લોકભોગ્ય અભિવ્યક્તિના સંદર્ભમાં પણ સૂચક છે. દબાવીએ ત્યારે બેસી જાય ને ફુલાવીએ ત્યારે ફૂલે એ ફૂલકાના દૃષ્ટાંતથી બાપુસાહેબ સમજાવે છે કે સંત કદી રિસાતા કે દુભાતા નથી. એમની ટેક વાયરાના જેવી હોય છે જે ફૂલ કે નરકના ભેદ વિના સર્વત્ર વાય છે. સંત પરાધીન નથી છતાં, બાપુસાહેબ કહે છે, એમનામાં પરાધીનતા હોય છે એટલે કે ‘ગાડીમાં બેસો’ કહો તો ગાડીમાં બેસે, ‘પગે ચાલો’ કહો તો પગે ચાલે એવી સરલતા હોય છે. પણ ‘પંથ ચલાવે ને પરોણો બને’ એ જોગી નથી તેમ જોગીરાજ એકલવિહારી હોય છે - વાંસ ભેગા થાય તો સળગી ઊઠે ને ઘૂઘરા ભેગા થાય તો ઘોંઘાટ થાય. આ ઉપરાંત અનાસક્તિ, વૈરાગ્યભાવ, આત્મધ્યાન આદિ સંતનાં લક્ષણો પણ અહીં વર્ણવાયાં છે.[દે.દ.]


જ્યેષ્ઠમલ્લ/જેઠમલ : ‘જેઠમલ’ને નામે ૧૪ કડીની ‘ગુણગ્રાહક થવા વિશેની સઝાય’ (મુ.) તથા ‘જ્યેષ્ઠમલ્લ’ને નામે ૧૬ કડીની ‘સમવસરણની સઝાય’ (ર.ઈ.૧૭૯૭; મુ.) અને હિન્દી ભાષામાં ‘શીતળનાથ સ્વામીનું સ્તવન’ (મુ.) મળે છે તે જ્યેષ્ઠમલ્લ-૧ છે કે કેમ તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ૧૯૮૨ (સાતમી આ.)[શ્ર.ત્રિ.]

જ્યેષ્ઠમલ્લ-૧/જેઠા (ઋષિ) [ઈ.૧૮૨૩માં હયાત] : જૈન સાધુ. ઋષિ રૂપચંદના શિષ્ય. ‘સમકિતસાર પ્રશ્નોત્તરપચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૨૩) તથા ૨૪ કડીની ‘ચિત્ત અને બ્રહ્મદત્તની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈસસંગ્રહ (જૈ.). સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

જ્યોતિરત્ન [ઈ.૧૭૪૯માં હયાત] : જૈન સાધુ. મહિમાપ્રભસૂરિના શિષ્ય. ‘ભાવપ્રભસૂરિનિર્વાણ’ (ર.ઈ.૧૭૪૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

જ્યોતિવિમલ [ઈ.૧૭૩૯માં હયાત] : જૈન સાધુ. ‘સદયવચ્છ-સંબંધ’ (ર.ઈ.૧૭૩૯)ના કર્તા. સંદર્ભ : દેવાનંદ સુવર્ણાંક, સં. ‘કેસરી’, પ્રકાશન વર્ષ નથી - ‘જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ.[કી.જો.]