The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય.'
- જયંત પાઠક
‘ગીત ગઝલ લખનારા કવિઓને કેન્દ્રમાં રાખીને એમ કહેવાયું છે કે આજનો કવિ ભાવકની વચ્ચે જઈને બેઠો છે પણ ગીતગઝલની પ્રકૃતિ કંઈક અંશે આ પ્રકારની છે. આમ છતાં આ ગીતગઝલો પરંપરાથી જુદા તો પડી જ આવ્યાં છે બાકી અત્યારે લખાતી ઘણી રચનાઓ કૃતક હશે એની ના નહીં. અતિ વાસ્તવવાદના આગમન પછી તો મગનછગનને પણ કવિ બનવાનો અધિકાર મળી ગયો.’ - શિરીષ પંચાલ
‘એ તો સ્વીકારવું જ પડશે કે છંદની એકવિધતાથી યાંત્રિકતા આવે છે અને એ યાંત્રિકતા કવિતાને નીરસ પણ બનાવે છે. આ એકવિધતાથી નિરસતા અટકાવવા કવિ તેમાં વૈવિધ્ય લાવતો હોય છે. આ વૈવિધ્ય આણવા કવિ વર્ણયોજના, શબ્દયોજના, વાક્યયોજના, વિરામ, યતિ, વ્યાક્યાન્ત, પ્રાસ આદિની સહાય લેતો હોય છે. એના પરિણામે કોઈ પણ કાવ્યપંક્તિનું વાચન એકદમ યાંત્રિક નથી થતું, એક જ છંદની અનેક પંક્તિ હોય ત્યાં પણ.'. -ભોળાભાઈ પટેલ
‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’ -હસુ યાજ્ઞિક
‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી.‘રે' મઠે તો એમને ફાંસી પણ આપી.' -અજિત ઠાકોર
‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.' -પ્રવીણ દરજી
‘કોઈપણ વિકાસ અને એનાં સીમાસ્થાનો વિશે વાત કરવી એટલા માટે અઘરી છે કે એના નિરીક્ષકનો પોતીકો વિભાવ પણ એમાં ભળેલો હોય છે. છતાં આવા વખતે સભાન લેખક બને તેટલો તટસ્થ રહી પોતાનાં નિરીક્ષણો, અવલોકનો નિર્દેશતો હોય છે.' -સંજુ વાળા