ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ

From Ekatra Wiki
Revision as of 05:55, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search



શતનાથ [ઈ.૧૭૭૮ સુધીમાં] : જૈન. ૧૬૦ કડીના ‘અંજનાસુંદરીનો રાસ’ (લે.ઈ.૧૭૭૮)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

શવજી/શિવજી [ઈ.૧૭૭૪ સુધીમાં] : ‘કનકાઈની હમચી’ (લે.ઈ.૧૭૭૪) અને ‘સત્યભામાનું રૂસણું’ (લે.ઈ.૧૭૭૪-૭૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’ : દુહા-ચોપાઈની ૪૦ ગુજરાતી કડી અને ૨૦ ગુજરાતીમિશ્ર ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી જ્ઞાનાચાર્યની આ કૃતિ(મુ.) ‘બિલ્હણપંચાશિકા’ની પૂર્તિ તરીકે યોજાયેલી છે. આ કૃતિ કવિ ભૂવરની મૂળ સંસ્કૃત કૃતિ ‘શશિકલા-પંચાશિકા/બિલ્હણ-પંચાશત્પ્રત્યુત્તરમ્નરેન્દ્રતનયાસંજલ્પિતમ્’ (ર.ઈ.૧૫૪૫)ને આધારે રચાયેલી છે. ‘બિલ્હણ-પંચાશિકા’માં બિલ્હણના શશિકલા સાથેના શૃંગારાનુભવનું સ્મૃતિ રૂપે થયેલું ઉન્માદક ચિત્રણ છે, તો આ કાવ્યમાં શશિકલા નાયક સાથેના પોતાના વિહારનું સ્મૃતિમધુર ચિત્ર આલેખે છે. એમાં નાયકના રૂપવર્ણન ઉપરાંત જુદાજુદા પ્રસંગોના ચાતુરીભરેલા, કૌતુકમય પ્રણયવ્યવહારોનું નિરૂપણ છે ને કદાચ સ્ત્રીની આ ઉક્તિ હોઈ શૃંગારની માર્દવભરી સુરુચિપૂર્ણ સંયમિત અભિવ્યક્તિ થયેલી છે. ધ્રુવપંક્તિની જેમ વારંવાર આવતો “વાર વાર સંભારું તેહ, પ્રાણ પાહિ વાહલુ વર એહ” એ ઉદ્ગાર શશિકલાની ઘનિષ્ઠ પ્રીતિનો અભિવ્યંજક બને છે. [ભો.સાં.]

શંકર : આ નામે ‘શાલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૬૧૯) અને ગુજરાતી મિશ્ર રાજસ્થાનીમાં ‘નવગ્રહ-છંદ’ (લે.સં.૧૯મી સદી), શંકર શાહને નામે ‘ફલવર્ધિપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૩૯) તથા શંકર વાચકને નામે ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીનું ‘(અહિછત્રા) પાર્શ્વનાથ-સ્તવન’ એ જૈન કૃતિઓ મળે છે. તેમ જ આ નામે પાંચથી ૬ કડીનાં ભજનો (૪ મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે. કોઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ શંકરકૃત કૃષ્ણચરિત્રને આલેખતી ૬૦ કડીની ‘કૃષ્ણચરિત્ર-છંદ’(મુ.) મળે છે. આ કૃતિ ઈ.૧૫૭૪ આસપાસ રચાઈ હોવાનું અનુમાન થયું છે. એ સાચું હોય તો આ કૃતિના કર્તા શંકર-૧ હોઈ શકે. બીજી કૃતિઓના કર્તા કયા શંકર છે તે સ્પષ્ટ થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.);  ૩. અનુગ્રહ, જુલાઈ ૧૯૫૮-‘કૃષ્ણચરિત્ર-છંદ’, સં. ચિમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૪૨. [કી.જો.; શ્ર.ત્રિ.]

શંકર-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : વૈષ્ણવ કવિ. ૫૯ કડીની ‘જમ-ગીતા/ધરમ-ગીતા’ (ર.ઈ.૧૫૫૩; મુ.)ના કર્તા. કૃતિ : અરજુનગીતા, ધરમગીતા, વડો કક્કો અને પારણું અને ગરબી, પ્ર. મનસુખભાઈ ફકીરચંદ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

શંકર-૨ [૧૭મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઈજીના પ્રથમ પુત્ર ગિરિધરજીના પુત્ર મુરલીધરજી (જ.ઈ.૧૭૫૪)ના શિષ્ય. શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોના અભ્યાસી. ‘કલિપ્રબોધ’, ‘રસાનંદ’, ‘સારસિદ્ધાંત’, અને ‘સ્નેહમંજરી’ (બધી*મુ.)ના કર્તા. પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું ગુજરાતી ભાષામાં નિરૂપણ કરતી આ કૃતિઓ જૂનામાં જૂની ગણાઈ છે. એમની કૃતિઓમાં ‘જન સેવક’, ‘સેવક’, ‘સેવકદાસ’ ‘સેવકજન’ જેવી નામછાપ પણ મળે છે. કૃતિ : *અનુગ્રહ, વર્ષ ૧૫-. સંદર્ભ : કવિચરતિ : ૧-૨, ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

[શ્ર.ત્રિ.]શંકર(કવિ)-૩ [સં. ૧૭મી સદી] : જૈન. ‘દાતા સૂરસંવાદ’ (ર.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.

શંકર(મહારાજ)-૪ [ ] : માતાજીની સ્તુતિ કરતાં ચારથી ૯ કડીનાં ભજનો (૫ મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)  ૨. સત્સંદેશ શક્તિઅંક.[શ્ર.ત્રિ.]

[કી.જો.]શંકરદાસ-૧ [ઈ.૧૩૧૫માં હયાત] : જૈન. ‘સમરાસારંગનો કડખો’ (ર.ઈ.૧૩૧૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, વૈશાખ-જૈઠ ૧૯૮૬-‘સમરાસારંગનો કડખો’, સં. મોહનલાલ દ. દેશાઈ.

શંકરદાસ-૨[ ] : ‘શિવજીના બાર મહિના’ નામક કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]

શંભુનાથ [ ] : બહુચરાજીની સ્તુતિ કરતા ‘બહુચરાષ્ટક’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૩૨ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૧; ૩. શ્રીમદ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.[શ્ર.ત્રિ.]

શંભુરામ [ ] : વડોદરાના નાગર બ્રાહ્મણ. નાકરની અસર દર્શાવતું, ૩૦ કડવાંનું ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૭૩૯) તેમણે રચ્યું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

શાદુળ(ભગત) [ ] : સૌરાષ્ટ્રના સંત. દેવીદાસના શિષ્ય. ભજનો (૧ મુ.)ના કર્તા. કૃતિ : પુરાતનજ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬ (સુલભ આ.) (+સં.).[શ્ર.ત્રિ.]

શામજી [ ] : જૈન સાધુ. મોતીશા શેઠની યાત્રાને કેન્દ્રમાં રાખીને રચાયેલા ૧ ઢાળના ‘કુન્તાસર માહાત્મ્ય’ (ર.ઈ.૧૮૩૭ આસપાસ)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

શામદાસ(મહારાજ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતના શિષ્ય. જ્ઞાતિએ પંચાલ. કાશીપુરા ગામ (તા. વડોદરા)ના વતની અને ત્યાંની જ્ઞાનગાદીના સ્થાપક. ચારથી ૮ કડીનાં ભજનો (૮મુ.)ના કર્તા. તેમનાં ભજનોમાં ગુરુની મહત્તા અને સમચરાચરમાં વસેલા શ્રીહરિની સ્તુતિ ગાવામાં આવી છે. તેમ જ પંચતત્ત્વથી ન્યારા શબ્દાતીત નામતત્ત્વનો મહિમા કરવામાં આવ્યો છે. કૃતિ : ૧. ગુમુવાણી (+સં.); ૨. બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ૩’, છગનલાલ વિ. રાવળ. [દે.દ.]

શામનાથ(બાવો) [ ] : સાજણ વિશેના દોઢિયા દુહા (૨ મુ.)ના કર્તા. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨; ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]

શામળ [ઈ.૧૮મી સદી] : પદ્યવાર્તાકાર. અમદાવાદના વેગનપુર (હાલનું ગોમતીપુર)માં વસેલા માળવા બાજુના શ્રીગોડ બ્રાહ્મણ. પિતા વીરેશ્વર, માતા આણંદબાઈ.કવિ પોતાને ‘શામળ ભટ્ટ’ તરીકે ઓળખાવે છે, પરંતુ તેમાં ‘ભટ્ટ’ શબ્દ કથાકાર બ્રાહ્મણના અર્થમાં પ્રયોજાયો છે. વસ્તુત: કવિની અવટંક ત્રવાડી હતી. તેઓ પોતાને ઘણીવાર ‘સામકી’ (=સામવેદી એટલે ત્રવાડી-ત્રિવેદી) એ રીતે ઓળખાવે છે એ વીગત અને સમર્થન આપે છે. તેઓ પોતાને નાહાના ભટના શિષ્ય તરીકે ઓળખાવે છે. “સંસ્કૃત માંહેથી શોધિયું, ભણ્યો દ્વિજ ગુર્જર ભાખ’ એ પંક્તિ પરથી લાગે છે કે નાહાના ભટ પાસેથી સંસ્કૃત પુરાણો પિંગળનું જ્ઞાન તેમણે મેળવ્યું હોય તથા સંસ્કૃત-પ્રાકૃત વાર્તાભંડારોનું તેમની પાસે બેસી શ્રવણ કર્યું હોય. વાર્તાકાર તરીકે ખ્યાતિ પ્રસરતાં માતર પરગણાના સિંહુજ ગામના રખીદાસે કવિને માનપૂર્વક સિંહુજ પોતાની પાસે બોલાવીને રાખ્યા હતા. એટલે કવિનું કેટલુંક સર્જન સિંહુજમાં થયું હતું. ‘શિવપુરાણ’ અને ‘પદ્માવતી’નાં રચનાવર્ષ ઈ.૧૭૧૮ એ ‘સૂડાબહોતેરી’નું રચનાવર્ષ ઈ.૧૭૬૫ મળે છે. એટલે એમનો જીવન અને રચનાકાળ ઈ.૧૮મી સદીમાં વિસ્તરેલો માની શકાય. કવિએ પહેલાં પુરાણી તરીકે કારકિર્દી શરૂ કરી પરંતુ સમવ્યવસાયીઓની ઇર્ષ્યાને લીધે ક્ષેત્ર છોડી તેઓ વાર્તાકાર બન્યા કે પોતાની ભાગવતકથાને શ્રોતાઓ ન મળવા દેનાર ભવાયાઓને બોધપાઠ આપવા તેમણે ભાગવતકથા છોડી બત્રીશ પૂતળીની વાર્તા શરૂ કરી કે પ્રેમાનંદ ને પ્રેમાનંદસુત વલ્લભ સાથે વ્યાવસાયિક સ્પર્ધા નિમિત્તે તેમને ઝઘડો થયેલો એવીએવી એના જીવન વિશે પ્રચલિત જનશ્રુતિઓને કોઈ આધાર નથી. શામળનાં વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જનમાં મોટાભાગનું સર્જન પદ્યવાર્તાઓનું છે, અને એમની કીર્તિ પણ આ વાર્તાઓ પર નિર્ભર છે. આ વાર્તાઓ સંસારીરસની માનવકથાઓ જ છે. ‘નરનારીની ચાતુરી, નરનારીનાં ચરિત્ર’ એમની વાર્તાઓનો વર્ણ્યવિષય રહ્યો છે. ‘ચરિત્ર’ એટલે વર્તન કે વ્યવહાર. એમાં એમની પ્રકૃતિના ઉમદા અંશો તેમ જ કામ, લોભ, વેર વગેરેએ વકરાવેલી માનસહજ નબળાઈઓનું વાસ્તવદર્શી પણ અતિરંજિત ચિત્રણ એમણે કુશળતાથી અને દુનિયાના જાણતલની અદાથી કર્યું જોવાય છે. એ ચિત્રણ જે પાત્રો અને ઘટનાઓની સૃષ્ટિની પીઠિકામાં એમણે કર્યું છે તે અલબત્ત અદ્ભુત રસની અને કલ્પનાપ્રધાન છે. એનું કારણ એ છે કે એમની વાર્તાઓનું વસ્તુ સ્મૃતિસંચિત પરંપરા પ્રાપ્ત લોકવાર્તાઓનું હોય છે, જે મોટા પ્રમાણમાં અદ્ભુતરસિક અને કાલ્પનિક હતું. પૂર્વભવસ્મૃતિ, પરકાયાપ્રવેશ, મૃતસંજીવન, સ્વર્ગપાતાલગમન, આકાશગમન, માણસ ને પોપટ, પુરુષ ને સ્ત્રી અને સ્ત્રીને બિલાડી બનાવી દેતાં કામણટૂમણ અને ચમત્કારો, જાદુઈ દંડ વગેરેના વાતાવરણથી તેમ જ માનવપાત્રો ભેગાં એટલી જ સાહજિકતાથી કામ કરતાં સિદ્ધો, જોગણીઓ, વેતાળ જેવાં અપાર્થિવ સત્ત્વો તથા હંસ, પોપટ, નાગ વગેરે જેવા તિર્યગ્યોનિના જીવોની પાત્રસેનાથી એ વાર્તાઓની સૃષ્ટિ પરીકથાઓની સૃષ્ટિ બની રહી છે. વર્ણાન્તર-લગ્નો, સ્નેહલગ્નો અને સ્વેચ્છાલગ્નો, પ્રેમ, વિજોગ, સંકટો, સાહસ, પ્રવાસ, ચમત્કારો વગેરેથી ભરપૂર તત્ત્વો આ વાર્તાઓનાં લાક્ષણિક તત્ત્વો છે. શામળને પરંપરાથી ચાલતી આવતી લોકવાર્તાઓનો ભંડાર બેઠો મળ્યો છે. “સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર” જેવી પંક્તિઓ દ્વારા એમણે એનો મુક્તપણે સ્વીકાર કર્યો છે. ‘સિંહાસન-બત્રીસી’ અને ‘સૂડાબહોતેરી’ જેવી એમની વાર્તામાળાઓ કે એમની સ્વતંત્ર લાગતી વાર્તાઓનાં વસ્તુ-વળાં કે કથાઘટકો ‘બૃહત્કથા’, ‘કથાસરિતસાગર’, ‘દશકુમારચરિત’, ‘બિલ્હણપંચાશિકા’, ‘સિંહાસનદ્વાત્રિંશિકા’, ‘વેતાલપંચવિંશતિ’, ‘શુકસપ્તતિ’ ‘ભોજપ્રબંધ’ વગેરેમાં તથા પુરોગામી જૈન-જૈનેતર વાર્તાકવિઓમાંથી ખોળનારા સંશોધકોને અવશ્ય મળી આવે તેમ છે. શામળની વિશિષ્ટતા કે આવડત પ્રાચીન વાર્તાભંડારનો સંયોજનકૌશલથી રસપોષક કે રસવર્ધક વિનિયોગ કરવામાં રહેલી છે. એ બાબતમાં તેઓ પ્રેમાનંદને મળતા આવે છે. મળેલી મૂળ કૃતિઓને પૂરા વફાદાર રહી તેમને માત્ર પોતાની ભાષામાં રજૂ કરવા જેટલો જ ઉદ્યમ તેઓ નથી કરતા. પોતાના સ્વતંત્ર રાહે ચાલી તેમાં ઘટતા ઉમેરા નવી ગોઠવણ પણ વાર્તાના લાભમાં કરતા એ ખચકાયા નથી. વાર્તાઓને વાર્તારસથી પૂર્ણ બનાવવાની સાથે શ્રોતાઓના મનોરંજન અર્થે સમસ્યાઓ દ્વારા ચાતુરી કે બુદ્ધિવિનોદનું તત્ત્વ યથાશક્ય પ્રમાણમાં તેમણે દાખલ કર્યું છે. સમસ્યાને વાર્તાનું એક સાધન કે અંગ બનાવવામાં તેઓ આમ તો જૂની પ્રણાલીને જ અનુસરે છે. પણ તેમની વિશિષ્ટતા નવી નવી સમસ્યાઓ શોધવામાં રહેલી છે. શબ્દરમત, ગણિતગમ્મત, ઉખાણાં, સગપણના કોયડા વગેરે વિવિધ સમસ્યા-પ્રકારોને તેઓ એવી વૈવિધ્યપૂર્ણ રીતે પ્રયોજે છે કે બહુધા એ કથાસંયોજનનો એક ભાગ બની જાય છે. મનોરંજનની સાથે શ્રોતાઓને ‘ડહાપણ’ શીખવવાના હેતુથી પાપ, પુણ્ય, દારિદ્ર્ય, દાતા, કરપી, સાહસ, મૃત્યુ, કામવૃત્તિ, વિદ્યા અને અનેક વિષયો પરનાં વ્યવહારબોધક સુભાષિતો પ્રસંગે કે અપ્રસંગે એમની વાર્તાઓમાં આવે છે. એમનો આ નીતિબોધ વ્યવહારનીતિ શીખવતી અનુભવવાણીથી આગળ જઈ ઊંચા સ્તરની ધાર્મિક-આધ્યાત્મિક ભૂમિકા સુધી પહોંચતો નથી, અને ઘણીવાર એ કથાપ્રવાહને વધુ પડતો આંતર્યા કરે છે. સમસ્યાઓ અને આ નીતિબોધક સુભાષિતોને લીધે નવલરામે શામળને ‘વાણિયાનો કવિ’ કહ્યા છે. શામળની કૃતિઓમાં સમસામયિક લોકચિત્રણ અન્ય મધ્યકાલીન કવિઓ કરતાં વિશેષ પ્રમાણમાં મળે છે. જુદીજુદી જ્ઞાતિઓ, તેમના વ્યવસાય, વ્યક્તિનામો, રીતરિવાજ, સામાજિક-ધાર્મિક અને શુકન-અપશુકન સંબંધી માન્યતાઓ, કામણટૂમણ અંગેના વહેમો અને લોકાચારની ભલે વાર્તાઓમાં દર્શાવેલા દેશકાળની છતાં શામળના જ સમયની અને તેમના લોકનિરીક્ષણનું ફળ લાગતી માહિતી તેમની વાર્તાઓમાંથી ઘણી મળે છે. વાર્તાકાર શામળને વાર્તાઓ દુહા-ચોપાઈમાં અને ક્યારેક તેની સાથે છપ્પામાં લખવી પડે છે તે એમના જમાનાની સાહિત્યપ્રણાલીને અનુસરીને જ. તેમનું સાધ્ય અને ઇષ્ટ તો વાર્તા જ રહી છે. પદ્યનો માધ્યમ કે સાધનથી વિશેષ ખપ તેમને મન વસ્યો જણાતો નથી. તેમના ઉપમા-દૃષ્ટાંતાદિ પ્રજાના સામાન્ય થરને સૂઝે તેવાં રોજિંદા જીવનવ્યવહાર અને નિરીક્ષણમાંથી આવતાં હોય એ પ્રકારનાં છે. કવિતા તરીકે ખપે અને કંઈક આકર્ષક લાગે એવું તેમની વાર્તાઓમાંથી મળતું હોય તો તે કેટલીક નાયિકાઓનાં સૌંદર્યવર્ણનો છે. પણ તેમાં એકની એક ભાષા અને ચિત્રણા તેઓ પ્રયોજતાં દેખાય છે. ક્યારેક વીર, શૃંગાર, હાસ્ય કે અદ્ભુત રસ તેમની કૃતિઓમાં અનુભવાય છે, પરંતુ એમાં કોઈ મોટા ગજાના કવિની સિદ્ધિ તેઓ બતાવતા નથી. એકંદરે કવિ તરીકે નહીં, પરંતુ વાર્તાકાર તરીકે તેઓ મોટા ગજાના સર્જક છે. ઉપર્યુક્ત લાક્ષણિકતાવાળી એમની વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ એવી છે જેમનાં સીધાં મૂળ કોઈ પ્રાચીન વાર્તામાં મળતાં ન હોય પરંતુ એમાંનાં કથાઘટકો જૂની કાવ્યપરંપરામાંથી આવ્યાં હોય. એવી વાર્તાઓમાં દુહા-ચોપાઈ-છપ્પાની ૭૪૬ કડીમાં શ્રીહઠના રાજપુત્ર ચંદ્રસેનના ચંદ્રાવતી અને અન્ય સ્ત્રી સાથેનાં પ્રેમ અને લગ્નની કથાને આલેખતી ‘ચંદ્ર-ચંદ્રાવતી’(મુ.) કવિની અવાંતર કથાઓ વગરની પ્રમાણમાં સાધારણ રચના છે. ‘પુષ્પસેનની વાર્તા’ તરીકે પણ ઓળખાતી દુહા-ચોપાઈબદ્ધ ૩૭૫ કડીની ‘પદ્માવતી’(ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૪-સુદ ૫, મંગળવાર; મુ.) વાર્તારસની દૃષ્ટિએ ‘ચંદ્ર-ચંદ્રાવતી’ કરતાં ચડિયાતી છે. ચંપાવતીના રાજકુમાર પુષ્પસેનના વણિકપુત્રી સુલોચના અને કુંતીભોજની કુંવરી પદ્માવતી સાથેનાં લગ્નની કથા એમાં કવિએ આલેખી છે. પણ આ પ્રકારની વાર્તાઓમાં દુહા-ચોપાઈની ૧૩૧૭ કડીની ‘મદનમોહના’(મુ.) કવિની પ્રતિનિધિ રૂપ રચના છે. વણિકપુત્ર મદન અને રાજકુંવરી મોહના વચ્ચેના પ્રેમ અને પરિણયની તથા મોહનાનાં સાહસકર્મોની કથાને અનેક અવાંતરકથાઓ સાથે એમાં કવિએ આલેખી છે. પુરુષપાત્રોને મુકાબલે સ્ત્રીપાત્રોની તેજસ્વિતા, સાહસિકતા કવિની આ અને અન્ય વાર્તાઓમાં જોવા મળે છે. પરંતુ જેમનાં મૂળ પ્રાચીન કથાપરંપરામાં હોય એ પ્રકારની વાર્તાઓનું શામળનું સર્જન વિપુલ છે. ત્યાં પણ મૂળ વસ્તુને પોતાની રીતે ફેરવી ગોઠવી કવિએ મૂક્યું હોય, એમાં નવી કથાઓ ઉમેરી હોય એવું બન્યું છે. આવી રચનાઓમાં ‘સિંહાસનબત્રીસી/બત્રીસ પૂતળીની વાર્તા’ કવિની મહત્ત્વાંકાક્ષી રચના છે. આ કૃતિની પહેલી ૧૫ વાર્તાઓ કવિએ ઈ.૧૭૨૧-૨૯ દરમ્યાન અમદાવાદમાં રચી અને બાકીની ૧૭ વાર્તાઓ સિંહુજમાં રહી ઈ.૧૭૪૫ સુધીમાં રચી. વાર્તામાં વાર્તાની પદ્ધતિએ લખાયેલી આ કૃતિ વિસ્તૃત કથાકોશ જેવી અને પુરોગામી કૃતિઓ કરતાં ઘણી જુદી અને વિલક્ષણ બની ગઈ છે. એમાં મૂળની તો બહુ થોડી વાર્તાઓ અને તે પણ બદલાયેલા ક્રમથી અહીં ઊતરી આવી છે. અનેક વાર્તાઓ વિવિધ વાર્તાપરંપરામાંથી અહીં આવીને ગોઠવાઈ છે. કેટલીક ‘ભાભારામની વાર્તા’ કે ‘ચમત્કારી ટીંબા’ની પ્રાસ્તાવિક કથા શામળનાં મૌલિક ઉમેરણ છે. ટીંબામાંથી મળેલા બત્રીસ પૂતળીઓવાળા ચમત્કારિક સિંહાસન પર ભોજરાજા બેસવા જાય ને સિંહાસનની દરેક પૂતળી એ સિંહાસન પર બેસનાર વિક્રમરાજાનાં પરાક્રમો વર્ણવતી કથા કહે એ રીતે આખી કૃતિનું સંયોજન થયું છે. એટલે આખી વાર્તાસૃષ્ટિનો નાયક વીર વિક્રમ છે. એના ઉદાર, સાહસિક, પરાક્રમી, પરદુ:ખભંજન વ્યક્તિત્વનો મહિમા કરવો એ આ વાર્તાઓનું પ્રયોજન છે. સમગ્ર કૃતિની અદ્ભુતરસિક સૃષ્ટિ, એમાંનાં બહુરંગી પાત્રો, એમાંની સમસ્યાબાજીઓનો ચતુરાઈભર્યો વિનોદ, કેટલાંક સ્ત્રીપાત્રોની તેજસ્વિતા - એ સૌ તત્ત્વોવાળી આ કૃતિ શામળની વાર્તાકાર તરીકેની સર્વશક્તિના નિચોડ સમી છે. પુરોગામીઓએ જેમનું સ્વતંત્ર રીતે સર્જન કર્યું છે તે ‘પંચદંડ’ અને ‘મડાપચીશી/વેતાલપચીશી’ની વાર્તાઓને પણ શામળે એમાં વિક્રમચરિત્રનો મહિમા જ આલેખાયો હોવાને લીધે ‘સિંહાસનબત્રીસી’ની અનુક્રમે પાંચમી અને બત્રીસમી વાર્તાઓ તરીકે ગૂંથી લીધી છે. દુહા-ચોપાઈની ૫૮૦ કડીની ‘પંચદંડ’(મુ.)માં વિક્રમરાજાના દમની ઘાંચણ સાથે લગ્ન અને દમનીની મા દેવદમનીના કહેવા મુજબ વિક્રમરાજાએ પાંચ દંડ કેવી રીતે મેળવ્યા તેની કથા આલેખાઈ છે. દુહા-ચોપાઈ-છપ્પાની ૨૮૧૪ કડીની ‘મડાપચીશી/વેતાલપચીશી’ (ર.ઈ.૧૭૪૫; મુ.)માં કવિએ બ્રાહ્મણપુત્ર અને સિદ્ધ વચ્ચેની કાતિલ સ્પર્ધા યોજીને અને અન્તે વિક્રમે બેઉ પર ઉપરકાર કર્યો એ રીતે કૃતિનો અંત આણીને, સ્થળો અને પાત્રોનાં નામ બદલી કે વાર્તાઓનાં વસ્તુ અને ક્રમમાં પરિવર્તન કરી પોતાની મૌલિકતા બતવી છે. વિક્રમનું મોં ખોલાવવા મડું દરેક વખતે કોઈ સમસ્યાપ્રધાન વાર્તા કહી વિક્રમને જવાબ આપવા મજબૂર કરે અને વિક્રમ જવાબ આપી બેસે એટલે એ પાછું વડ પર લટકી જાય એ ઘટના બધી વાર્તાઓનું સંયોજનસૂત્ર છે. એમાં આવતા લોકવ્યવહારના ને વ્યક્તિગત કોયડાઓ કૃતિમાં સમસ્યાનો રસ પૂરે છે. ચોપાઈ-દુહા-છપ્પાની ૬૩૫ કડીમાં રચાયેલી ‘નંદબત્રીશી’(મુ.) ‘સિંહાનબત્રીશી’ને મુકાબલે ઘણી નાની પણ શામળની એટલી જ નોંધપાત્ર રચના છે. પ્રધાન વૈલોચનના મનમાં પોતાની પત્ની પદ્મિનીના સતીત્વ વિશે શંકા જાગે છે ને પછી એ શંકાનું નિવારણ થાય છે એ મુખ્ય વાર્તાતંતુવાળી આ કૃતિ પુરોગામી કૃતિઓ કરતાં વધારે સુઘટ્ટ અને સારી રીતે ખીલવેલી છે. પદ્મિનીના પિતાને ત્યાં રમાયેલી પાસાની રમતનો આકર્ષક પ્રસંગ કવિનો મૌલિક ઉમેરો છે. વૈલોચનની શંકા ને એનું નિવારણ ઘણાં પ્રતીતિકર રીતે નિરૂપાયાં છે. નરનારીમાં કોણ ચડિયાતું એ વાદને કારણે પ્રેમીઓનાં ૨ વખત થતાં મિલનની કથાને આલેખતી ૨૭૩૨ કડીની ‘બરાસ-કસ્તૂરી’(મુ.) પ્રમાણમાં પ્રસ્તારી કૃતિ છે. મૂળ સંસ્કૃત ‘શુકસપ્તતિ’ની કથાઓ પર આધારિત ‘સૂડાબહોતેરી’(ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, શ્રાવણ સુદ ૧; મુ.) કવિના કવનકાળના અંતિમ ભાગની રચના ગણાય છે. અહીં કવિએ મૂળનાં કેટલાંક કથાનક છોડી દીધાં છે. કેટલાંક-મૌલિક અને કેટલાંક જૈન કથાઓમાંથી મેળવીને ઉમેર્યાં છે. આ ફેરફારની પાછળ સ્ત્રી-ચરિત્રની કથાઓને કૃતિમાં સમાવવાનો કવિનો હેતુ હોય એમ દેખાય છે. પ્રૌઢ વયનો વણિક બહારગામ જતી વખતે પોતાની યુવાન પત્નીના શીલની રક્ષા મેના-પોપટને સોંપતો જાય છે. વણિકની ગેરહાજરીમાં કામવિવશ વણિકપત્નીને પરપુરુષગમન કરતી રોકી રાખવા માટે પોપટ ૭૨ દિવસ સુધી જુદીજુદી વાર્તાઓ કહી તેને રોકી રાખે છે એ વાર્તાઓનું સંયોજનસૂત્ર છે. કેટલીક વાર્તાઓમાં નારીનું ચિત્રણ હીણું પણ બન્યું છે. આ સિવાય ‘ચંદનમલયા ગિરિની વાર્તા’ અને ‘ચંપકસેનની વાર્તા’ શામળે રચી છે. પદ્યવાર્તાઓ સિવાય બીજી કેટલીક કૃતિઓ પણ શામળે રચી છે. એમાં ૩ સંવાદમૂલક કૃતિઓ છે. ઉદ્યમ અને કર્મનો મહિમા કરવા માટે રચાયેલી દુહાબદ્ધ ‘ઉદ્યમકર્મ-સંવાદ’(મુ.) શિવશર્મા કમળા વચ્ચેના સંવાદ રૂપે ચાલે છે. એ કવિની પ્રારંભકાળની કૃતિ લાગે છે, તો પણ કવિની સંસારજ્ઞાન આપવાની શક્તિ અહીં દેખાય છે. રામાયણ આધારિત ૧૬૪થી ૩૮૪ સુધીની કડીસંખ્યા બતાવતી ‘અંગદવિષ્ટિ’(ર.ઈ.૧૭૪૩ કે ૧૭૫૨/સં.૧૭૯૯ કે ૧૮૦૮, આસો સુદ ૧૦, રવિવાર; મુ.)માં કવિએ હિન્દી-ગુજરાતી બન્નેનો ઉપયોગ કર્યો છે. ઝૂલણા, દોહરા, રોળા, છપ્પા વગેરેમાં રચાયેલી આ કૃતિ મુખ્યત્વે રાવણ-અંગદસંવાદ રૂપે ચાલે છે ને અંગદના મોઢામાં મૂકેલી વીરરસયુક્ત જોશીલી ભાષાથી ખાસ ધ્યાન ખેંચે છે. ૨૦૪ કડીની ‘રાવણ-મંદોદરી-સંવાદ’(મુ.) ‘અંગદવિષ્ટિ’ના અનુસંધાન રૂપે ચાલતી કૃતિ લાગે છે. રામ લંકા પર ચડી આવે છે એ પૂર્વકથા, રાવણ-મંદોદરી વચ્ચેનો સંવાદ તથા પ્રજાના અઢારે વર્ણનાં લોકોના સીતાને પાછી સોંપી દેવા સંબંધી રાવણને અપાયેલા અભિપ્રાય એમ ૩ ખંડમાં વહેંચાતી આ કૃતિ એમાંના વિનોદતત્ત્વથી ને કવિની લોકનિરીક્ષણની શક્તિથી ધ્યાનાર્હ બની છે. કવિ પાસેથી ૩ ધાર્મિક રચનાઓ મળે છે. ‘બ્રહ્મોત્તર ખંડ’ તરીકે ઓળખાવાયેલી, પુરાણકથા-આધારિત દુહા-ચોપાઈ-છપ્પામાં નિબદ્ધ ૨૨ અધ્યાયની ‘શિવપુરાણ’(ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૪, શ્રાવણ સુદ ૫, ગુરુવાર; મુ.)માં વિવિધ વાર્તાઓ દ્વારા શિવનો, તેમના પૂજનનો, પંચાક્ષરમંત્રનો, બિલિપત્ર વગેરેનો મહિમા કવિએ વર્ણવ્યો છે. ‘કાલિકાનો ગરબો/પતાઈ રાવળનો ગરબો’(મુ.)માં રાજપાટનો દંતકથામિશ્રિત ઐતિહાસિક પ્રસંગ ગેય રૂપે વર્ણવાયો છે. ‘રણછોડજીનો સલોકો’ તરીકે પણ ઓળખાવાયેલી ‘બોડાણાનું આખ્યાન’(મુ.)માં ભક્ત બોડાણા પર પ્રસન્ન થઈ દ્વારકાધીશ દ્વારકાથી ડાકોર આવ્યા એ પ્રસંગનું વર્ણન કરી ભગવાનની ભક્તવત્સલતાનો મહિમા કર્યો છે. ૧૮૦ કડીનો ‘રૂસ્તમનો સલોકો/અભરામ ભગતનો સલોકો’(ર.ઈ.૧૭૨૫; મુ.) કવિની ઐતિહાસિક વિષયવાળી રચના છે. સુજાત ખાન, રૂસ્તમ અને અભરામ કુલી એ ૩ ભાઈઓની વીરતાની પ્રશસ્તિ કરતું આ કાવ્ય એમાંના યુદ્ધવર્ણનથી અને એમાં મળતા ગુજરાતની રાજકીય અસ્થિરતાના ચિત્રથી નોંધપાત્ર છે. એ સિવાય અપૂર્ણ રૂપે મળતું ‘ઉત્કંઠનું આખ્યાન’ તથા ‘રખીદાસનું ચરિત્ર’ શામળે રચ્યાં હોવાનું મનાય છે. જો કે ‘રખીદાસનું ચરિત્ર’ની કોઈ હસ્તપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. શામળને નામે બીજી પણ કેટલીક કૃતિઓ નોંધાઈ છે. તેમાં ‘ભોજની વાર્તા’ એમાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાયના ઉલ્લેખ તથા એની અણધડ રચનારીતિને કારણે શામળકૃત હોવાની સંભાવના નથી. ‘જહાંદરશા બાદશાહની વાર્તા’ એ કોઈ ફારસી કૃતિનું ભાષાંતર અને એ ભાષાંતર મહેતાજી હરિશંકર દ્વારા થયું હોવાનું અનુમાન છે. ‘સુંદર કામદારની વાર્તા’ (લીથોમાં મુ.)ની કોઈ હાથપ્રત ઉપલબ્ધ નથી, એટલે એની અધિકૃતતા પણ શંકાસ્પદ છે. ‘વિદ્યાવિલાસિનીની વાર્તા/વિનેચટની વાર્તા ચંદ્ર-ઉદેની કૃતિ હોવાનું નિશ્ચિત થયું છે. ‘કામાવતીની વાર્તા’ શિવદાસકૃત છે. ‘ગુલબંકાવલી’ પણ રચનાના કઢંગાપણાને લીધે શામળકૃત હોવાની સંભાવના ઓછી છે. ‘રેવાખંડ’, ‘વિશ્વેશ્વરાખ્યાન’ ‘શનીશ્ચરાખ્યાન’ને શુકદેવાખ્યાન’ શામળને નામે નોંધાઈ છે ખરી, પરંતુ એમનીય કોઈ હાથપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. કૃતિ : ૧. અંગદવિષ્ટિ, પ્ર. મોહનલાલ હ. વ્યાસ, ઈ.૧૮૮૬; ૨. ઉદ્યમકર્મસંવાદ, સં. ત્રિભુવનદાસ જ. શેઠ, ઈ.૧૯૨૦; ૩. એજન, સં. હિમતલાલ ગ. અંજારિયા, ઈ.૧૯૨૦; ૪. કાષ્ટના ઘોડાની વાર્તા, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૫૫; ૫. ગોટકાની વારતા, પ્ર. લલ્લુભાઈ અમીચંદ, ઈ.૧૮૬૦; ૬. (શામળ ભટ્ટકૃત) ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા, સં. હીરાબેન રા. પાઠક. ઈ.૧૯૬૮; ૭. (શામળ ભટ્ટકૃત) નંદબત્રીશી અને કસ્તૂરચંદની વાર્તા. સં. ઈંદિરા મરચન્ટ અને રમેશ જાની, ઈ.૧૯૭૮; ૮. શામળકૃત નંદબત્રીસી સં. કીર્તિદા શાહ, ઈ.૨૦૦૭; ૯. નંદબત્રીશીની વાર્તા, પ્ર. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી,-; ૧૦. નંદબત્રીશીની વાર્તા, સં. દામોદર ભટ્ટ,-; ૧૧. (શામળકૃત) પંચદંડ અને બીજાં કાવ્યો, સં. મંજુલાલ મજમુદાર અને નાનાલાલ ન. શાહ, ઈ.૧૯૨૯; ૧૨. બત્રીસ પૂતળીની વાર્તા (ભાગ ૧થી ૧૦), સં. શાહ રણછોડલાલ મોતીલાલ, ઈ.૧૯૨૯; ૧૩. બરાસકસ્તૂરીની વાર્તા, પ્ર. ગોપાળ શેઠ પાંડુંરંગ માણપુરુકર, ઈ.૧૮૭૪; ૧૪. બોડાણાનું આખ્યાન, પ્ર. લલ્લુભાઈ કરમચંદ,-; ૧૫. મડાપચીશીની વાર્તા, સં. ગોપાળ શેઠ પાંડુંરંગ માણપુરુકર, ઈ.૧૮૭૧; ૧૬. મદનમોહના, સં. હીરાલાલ વ્ર. શ્રોફ, ઈ.૧૯૦૯; ૧૭. એજન, સં. અનંતરાય મ. રાવળ, ઈ.૧૯૫૫; ૧૮. એજન, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૫૫; ૧૯. (કવિ શામળ ભટ્ટ વિરચિત) રૂસ્તમનો સલોકો, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૫૬; ૨૦. વેતાલપચીશી, સં. જગજીવન મોદી, ઈ.૧૯૧૬; ૨૧. એજન, સં. અંબાલાલ સ. પટેલ, ઈ.૧૯૬૨ (+સં.); ૨૨. શામળ, સં. રણજિત પટેલ ‘અનામી’, ઈ.૧૯૬૧ (+સં.); ૨૩. શામળના છપ્પા, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૨ (બીજી આ.); ૨૪. શામળના છપ્પા (અને તેમની બીજી ચૂંટેલી કવિતાઓ), પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય,-; ૨૫. શામળસતસઈ, સં. દલપતરામ કવિ, ઈ.૧૮૬૮; ૨૬. શિવપુરાણ યાને બ્રહ્મોત્તર ખંડ, સં. ગંગાશંકર જ. કવીશ્વર, ઈ.૧૮૭૬; ૨૭. (ગૂર્જરકવિ શામળ ભટ્ટકૃત) શ્રી શિવપુરાણ (બ્રહ્મોત્તરખંડ), સં. નટવરલાલ ઈ.દેસાઈ, ઈ.૧૯૩૧ (+સં.); ૨૮. શુકબહોતરી, પ્ર. ઘનશ્યામ હ. વૈદ્ય, ઈ.૧૮૯૫; ૨૯. *સિંહાસન બત્રીશી, સં. રામચંદ્ર જાગુષ્ટે; ૩૦. *‘સિંહાસનબત્રીશી’, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૨૬; ૩૧. એજન (વાર્તા ૧૮થી ૨૨), સં. હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૦ (+સં.); ૩૨. સૂડાબહોતેરી, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૦૩;  ૩૩. બૃકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬, ૮. સંદર્ભ : ૧. શામળ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૮; ૨. શામળનું વાર્તાસાહિત્ય, નવલરામ જ. ત્રિવેદી, ઈ.૧૯૪૮; ૩. સાહિત્યકાર શામળ ભટ્ટ, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૭;  ૪. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪-‘કવિ શામળકૃત પંચદંડની વાર્તા’; ૫. કવિચરિત : ૩; ૬. ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત, ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, ઈ.૧૯૫૮ (ત્રીજી આ.) (+સં.); ૭. ગંધાક્ષત, અનંતરાય રાવળ, ઈ.૧૯૬૬-‘વાણિયાનો કવિ’; ૮. ગુમાસ્તંભો; ૯. ગુલિટરેચર; ૧૦. ગુસાઇતિહાસ : ૨; ૧૧. ગુસામધ્ય; ૧૨. ત્રણ જ્યોતિર્ધરો (અખો, શામળ, દયારામ), કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૩; ૧૩. નભોવિહાર, રા. વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘શામળ’; ૧૪. પ્રાકકૃતિઓ; ૧૫. પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ઇન્દુપ્રસાદ જે, ભટ્ટ, ઈ.૧૯૭૮; ૧૬. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમદાસ ભી. શાહ, ઈ.૧૯૬૫-‘શામળના સમયનો વિચાર’; ૧૭. સાહિત્યનિકષ, અનંતરાય રાવળ, ઈ.૧૯૫૮-‘વાર્તાકાર શામળ’; ૧૮. સ્વાધ્યાય અને સમીક્ષા, નગીનદાસ પારેખ, ઈ.૧૯૬૯-‘બારચરણના છપ્પા’;  ૧૯. કૅટલૉગગુરા; ૨૦. ગૂહાયાદી; ૨૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨૨. ડિકૅટલૉગબીજે; ૨૩. ડિકૅટલૉગભાવિ; ૨૪. ફાહનામાવલિ : ૨; ૨૫. મુપુગૂહસૂચી; ૨૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[અ.રા.]

શાર્દૂલિયો [ ] : ‘એકાદશી-માહાત્મ્ય-કથા’ અને ‘હંસાવતી-આખ્યાન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] શાલિગ : જુઓ સાલિગ.

શાલિભદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૧૮૫માં હયાત] : રાસકવિ. રાજગચ્છના જૈન સાધુ. વજ્રસેનસૂરિના પટ્ટધર શિષ્ય. ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધની કથાને આલેખતી ૧૪ ઠવણીમાં વિભક્ત ૨૦૩ કડીની વીરરસપ્રધાન કૃતિ ‘ભરતેશ્વર-બાહુબલિ-રાસ’(ર.ઈ.૧૧૮૫/સં.૧૨૪૧, ફાગણ-૫; મુ.) એમાંનાં યુદ્ધવર્ણનો તથા ડિંગળશૈલીનો ઉપયોગ કરતી ઓજસયુક્ત શૈલીને લીધે ધ્યાન ખેંચતી મહત્ત્વની રચના છે. સામાન્ય માણસે અને શ્રવાકે જીવનમાં કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે સુપથ્ય શીખવચનો રજૂ કરતો, ચરણાકુલ, ચોપાઈ, સોરઠા, દુહા આદિના બંધમાં રચાયેલ ૬૩ કડીનો ‘બુદ્ધિ-રાસ/શાલિભદ્ર-રાસ/હિતશિક્ષા-પ્રબુદ્ધ-રાસ’ (લે.ઈ.૧૭૭૫; મુ.) પણ તેમની કૃતિ મનાય છે; જો કે લાલચન્દ્ર ગાંધી આ બંને રાસના કર્તા એક જ હોવા વિશે સાશંક છે. કૃતિ : ૧. ભરત-બાહુબલિ-રાસ, સં. લાલચંદ્ર ભ. ગાંધી, ઈ.૧૯૪૧; ૨. (શાલિભદ્રસૂરિકૃત) ભરતેશ્વર-બાહુબલિ-રાસ તથા બુદ્ધિ રાસ, સં. શ્રી જિનવિજ્ય મુનિ, ઈ.૧૯૪૧. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. દેસુરાસમાળા;  ૭. અખંડાનંદ, ઑક્ટો.૧૯૫૬-‘ભરતેશ્વર બાહુબલિ-રાસ’, કાન્તિલાલ બ. વ્યાસ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગગુરા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ભા.વૈ.]

શાલિભદ્ર(સૂરિ)-૨ [ઈ.૧૩૫૪માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. જૈન પરંપરાના મહાભારતના કથાવસ્તુ પર આધારિત, વસ્તુ આદિ સુગેય છંદો-ઢાળોનો સુંદર વિનિયોગ કરતો, ૧૫ ઠવણી ને ૩૦૦થી વધારે કડીઓમાં રચાયેલો ‘પંચપાંડવચરિત-રાસ /પાંચપાંડવ-રાસ’ (ર. ઈ.૧૩૫૪; મુ.) પૌરાણિક વિષયવાળી અત્યારે ઉપબલ્ધ પહેલી કૃતિ છે. મૂળ મહાભારતના કથાપ્રસંગથી ઘણા પ્રસંગોમાં જુદો પડતો આ રાસ કથાકથન તથા વર્ણનો અને છંદોપ્રયોગમાં કવિકૌશલ્યનો સુપેરે પરિચય કરાવે છે. આ કવિ અને ‘વિરાટપર્વ’ (ર. ઈ.૧૪૨૨ પૂર્વે)ના કર્તા એક હોવાનો સંભવ મોહનલાલ દ. દેશાઈએ રજૂ કર્યો છે. કૃતિ : ૧. ગુરાસાવલિ (+સં.); ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, ઈ.૧૯૬૦. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય; ૪. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૪-‘પંચપાંડવચરિત્રરાસુ’, ચંદ્રકાન્ત ટોપીવાળા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપુગૂહસૂચી. [ભા.વૈ.]


શાલિસૂરિ [ઈ.૧૪૨૨ પૂર્વે] : જૈન કવિ. કવિના ‘વિરાટપર્વ’માંથી માણિક્યસુંદર-સૂરિએ પોતાનો ‘પૃથ્વીચંદ્ર-ચરિત’ (ર.ઈ.૧૪૨૨)માં ૨ કડીની ૧-૧- પંક્તિ ઉદ્ધૃત કરી છે. એટલે કવિ ઈ.૧૪૨૨ પૂર્વે થઈ ગયા હોવાનું કહી શકાય. ૨ ખંડમાં વિભક્ત ૧૮૩ કડીનું ‘વિરાટપર્વ’  (ર.ઈ.૧૪૨૨ પૂર્વે; મુ.) મહાભારતની જૈન પરંપરાને બદલે વ્યાસકૃત મહાભારત કથાને અનુસરે છે અને કવિ માત્રામેળને બદલે અક્ષરમેળ છંદો પ્રયોજે છે એ દૃષ્ટિએ વિશિષ્ટ કાવ્ય છે. મહાભારતકથાના મુખ્ય કથાપ્રસંગોને જાળવી કવિએ સમગ્ર કૃતિમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવા તરફ લક્ષ આપ્યું છે. વક્તવ્યને ધારદાર બનાવવા પ્રયોજાયેલી લોકકિતોને લીધે કાવ્યની શૈલી લાક્ષણિક બની છે. ‘પંચપાંડવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૩૫૪)ના કર્તા શાલિભદ્રસૂરિ અને આ કાવ્યના કર્તા એક છે એવી સંભાવના મોહનલાલ દ. દેશાઈએ વ્યક્ત કરી છે. કૃતિ : ૧. વિરાટપર્વ, સં. ચિમનલાલ ત્રિવેદી, કનુભાઈ શેઠ, ઈ.૧૯૬૯;  ૨. ગુરાસાવલી. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). [ભા.વૈ.]

શાંતસૌભાગ્ય [ઈ.૧૭૩૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં પ્રેમસૌભાગ્યના શિષ્ય. ‘અગડદત્તઋષિની ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [શ્ર.ત્રિ.]

શાંતિ : શાંતિને નામે ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’ (મુ.) અને શાંતિસૂરિને નામે ૮ કડીનું ‘સીમન્ધર-સ્વામી-સ્તવન/જિનસ્તવન’ (ર. સ. ૧૪મું શતક), ‘અર્બુદાચલચૈત્યપરવાડિ-વિનતિ’, ૬ કડીની ‘હિયાલી’, ૧૧ કડીનો ‘શત્રુંજય-ભાસ/શત્રુંજય ઉમાહડા ધવલ’ (લે. ઈ.૧૪૭૯; મુ.), ૫ કડીનું ‘જીરાવલા-ગીત’ (લે. સં. ૧૭મું શતક) અને મૂળ પ્રાકૃત કૃતિ ‘જીવવિચાર’ પરનો ૫૧ કડીનો સ્તબક (લે. ઈ.૧૮૮૯) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા શાંતિસૂરિ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩;  ૨. જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬ - ‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. નયુકવિઓ; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શાંતિ(સૂરિ)-૧ [ઈ.૧૩૪૮ કે ૧૩૮૪માં હયાત] : જૈન સાધુ. આમ્રદેવસૂરિના શિષ્ય. ૧૨ ઢાળના ‘અજિતશાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૩૪૮ કે ૧૩૮૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શાંતિ(સૂરિ)-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬ની સદી મધ્યભાગ] : સાંડેરગચ્છના જૈન સાધુ. આમદેવસૂરિના શિષ્ય. તેઓ ઈ.૧૫૪૩ સુધી હયાત હતા એમ ‘જૈન ગૂર્જર કવિઓ’એ નોંધ્યું છે. દાનનો મહિમા સમજાવતો પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં રચાયેલો ને વિવિધ છંદોનો ઉપયોગ કરતો ૧૩૭ કડીનો ‘સાગરદત્ત-રાસ’ (ર.ઈ.૧૪૬૧-૬૩ આસપાસ) તથા ૧૫૦ કડીની ‘નવકાર-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શાંતિ(સૂરિ)-૩ [ઈ.૧૮૦૮ સુધીમાં] : ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/મણિભદ્ર વીરનું સ્તવન’ (લે. ઈ.૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિદાસને નામે પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શાંતિકુશલ : આ નામે ૪ કડીની ‘સીમંધર-સ્તુતિ’ (લે. ઈ.૧૭૯૩; મુ.), ૧૪ કડીની ‘જૂ-લીખ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.) અને ૪ કડીનું હિંદીમિશ્ર ગુજરાતીમાં ‘આદીશ્વર ભગવાનનું સ્તવન’ (મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા શાંતિકુશલ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ચૈતસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શાંતિકુશલ-૧ [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનની પરંપરામાં વિનયકુશલના શિષ્ય. ‘અંજનાસતી-રાસ’(ર.ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, મહા સુદ ૨ના દિને પ્રારંભ; સ્વહસ્તાક્ષરની પ્રત), ૩૧/૪૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન/તીર્થમાલા’ (ર.ઈ.૧૬૧૧; મુ.), ‘ઝાંઝરિયા-મુનિની સઝાય’ (ર.ઈ.૧૬૨૧/સં.ના ૧૬૭૭ વૈશાખ વદ ૧૧, બુધવાર), ૩૩/૩૭ કડીનો ‘અજારીસરસ્વતીછંદ/ભારતીસ્તોત્ર/શારદામાતાનો છંદ’(મુ.), ૪૧ કડીનો ‘ગોડીપાર્શ્વછંદ’ અને ૧૮ કડીની ‘સનત્કુમારચક્રવર્તીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ (+સં.) : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. સજઝાયમાળા (પં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શાંતિચંદ્ર(ઉપાધ્યાય) [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. તપગચ્છના વિજયપ્રભસૂરિ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ને વિષય બનાવી રચાયેલી ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૮મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શાંતિદાસ-૧ [ઈ.૧૫૬૯ સુધીમાં] : ‘લઘુબાહુબલિ-વેલિ’ (લે.ઈ.૧૫૬૯)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [શ્ર.ત્રિ.]

શાંતિદાસ-૨ [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. ૬૪/૬૬ કડીના ‘શ્રીગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૦; મુ.)ના કર્તા. કૃતિ : ગૌતમસ્વામીરાસ, પ્ર. મીઠાભાઈ ક. શેઠ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૨; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

શાંતિદાસ-૩ [ ] : ચારથી ૬ કડીનાં કૃષ્ણની બાળલીલાનાં પદો (૧૩મુ.) અને સાતથી ૧૦ કડીનાં કૃષ્ણ-ગોપી લીલાનાં પદો (૧૦મુ.)ના કર્તા. તેમનાં પદો સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય છે અને ગવાય છે. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૧, ૫; ૪. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

‘શાંતિનાથ ભગવાનનો રાસ’ [ર.ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, વૈશાખ સુદ ૭, ગુરુવાર] : તપગચ્છના સુમતિવિજયશિષ્ય રામવિજય રચિત આ રાસ (મુ.) જૈનધર્મના ૧૬મા તીર્થંકર શ્રીશાંતિનાથ ભગવાનના ૧૨ ભવની સવિસ્તર કથા કુલ ૬ ખંડ, ૨૧૩ ઢાલ અને ૬૫૮૩ કડીમાં આપે છે. એમાં શાંતિનાથની પ્રધાન કથા સાથે તેમના મુખ્ય ગણધર શ્રીચક્રાયુધની સર્વ ભવની, મંગલકલશકુમાર, પુણ્યસાર, સુમિત્રાનંદ આદિની તેમ જ શ્રાવકના ૧૨ વ્રતો ઇત્યાદિની કથાઓ પણ ગૂંથી લેવામાં આવી છે. આ રાસ પંડિત અજિતપ્રભસૂરિના મૂળ સંસ્કૃત પદ્યમાં રચાયેલા ‘શાંતિનાથચરિત્ર’ પર આધારિત હોય એવું જણાય છે. સુશ્લિષ્ટ પદ્યબંધ અને ભાષાપ્રભુત્વ દાખવતા આ રાસના કવિએ રચેલા નીતિવૈરાગ્યબોધક શ્લોકો અને એમાં મુકાયેલા અન્ય કવિઓના દુહા, શ્લોક, ગાથાઓ કવિની કવિત્વશક્તિ અને તેમની સાંપ્રદાયિક અભિજ્ઞતાના દ્યોતક છે. [શ્ર.ત્રિ.]

શાંતિમંદિરશિષ્ય [ ] : જૈન સાધુ. ૭૧ કડીની ‘થંભણપાસ-વિવાહલુ’ (લે.સં. ૧૬મી સદી) કૃતિના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

શાંતિવિજય : આ નામે ૪ ઢાળની ‘સાસુવહુની સઝાય’ (ર.ઈ.સંભવત: ૧૭૯૩/સં. ૧૮૪૯, ભાદરવા વદ ૧, મંગળવાર; મુ.), ૭ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૮૧), ૩૪૨૫ કડીનો ‘ભવભાવનાપ્રકરણવાર્તિક’ (લે. ઈ.૧૮૨૬), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે. ઈ.૧૮૪૩), ‘સપ્તતિકાકર્મગ્રંથબાલાવબોધ’ (લે. સં. ૧૭મું શતક અનુ.), ૫ ડીની ‘અધ્યાત્મ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.), ૫ કડીની ‘જીવપ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૯મું શતક અનુ.), ૬ કડીની ‘ગહૂંલી’, ‘પંચમહાવ્રત-સઝાય’ અને ૨૦ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (મુ.) - એ કૃતિઓ મળે છે. ‘સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ’ના કર્તા શાંતિવિજય-૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા શાંતિવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શાંતિવિજય(ગણિ)-૧ [ઈ.૧૬૨૨ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. દેવેન્દ્રસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘કર્મગ્રંથપંચક’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૨૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શાંતિવિજય-૨ [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની ‘શત્રુંજયતીર્થમાલા’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. ‘કૅટલૉગ ઑફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ઇન ધ ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી’માં ધ્યાનવિષયક એક સઝાયના કર્તા આ શાંતિવિજય હોય એવી સંભાવના દર્શાવી છે, પણ તે માટેનો કોઈ આધાર મળતો નથી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

શાંતિવિજય-૩ [ ] : જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૧૪ કડીના ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શાંતિવિજયશિષ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીના ‘સુમતિનાથ સ્વામીનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈકાસંગ્રહ. [કી.જો.]

શાંતિવિમલ [ઈ.૧૫૯૮ સુધીમાં] : જૈન સાધુ. ૪૨ કડીની ‘ઉપશમરસપોષક-સઝાય’ (લે. ઈ.૧૫૯૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શાંતિસાગર(ગણિ)-૧ [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર-શ્રુતસાગરશિષ્ય. મૂળ સંસ્કૃત કૃતિ ‘કર્મવિપાકપ્રથમગ્રંથ’ પરના સ્તબકના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં સ્તબકનું નામ ‘કર્મસ્તવકર્મગ્રંથ સ્તબક’ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શાંતિસાગર-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગર (અવ. ઈ.૧૭૦૬)ની પરંપરામાં મતિસાગરના શિષ્ય. ‘વીશવિહરમાનજિન-સ્તવનસંગ્રહ/વીશી’ (ર. ઈ.૧૭૦૪), ૭ કડીનો ‘અમરસાગરગુરુ-ભાસ’, ‘ચતુર્વિંશતિ-જિન-સ્તવન’, ૩૨ કડીનો ‘નેમબારમાસ’, ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવન’, ૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ અને ૫ કડીની ‘હરિયાલી’ના કર્તા. મોટા ભાગની કૃતિઓ કવિના સ્વહસ્તાક્ષરમાં અને ઈ.૧૭૦૫માં લખાયેલી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શાંતિ(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘મુહપત્તીપડીલેહવિચાર-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

શિયળવિજ્ય/શીલવિજ્યશિષ્ય [ ] : જૈન સાધુ. ૧૧૦ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.) તથા ૧૧ કડીની ‘શિયળની ચુનકીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. સજઝાયમાળા(પં); ૬. સઝાયમાળા : ૧(જા). સંદર્ભ : દેસુરાસમાળા.

શિવકલશ [ઈ.૧૫૧૩માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવકુમારની પરંપરામાં જયવંતના શિષ્ય. ૩૦૩ કડીની ‘ઋષિદત્તામહાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શિવકીર્તિ [ ] : જૈન સાધુ. લક્ષ્મીકીર્તિના શિષ્ય. ૯ કડીના ‘મણિભદ્રજીનો છંદ/મણિભદ્રવીરસ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શિવચંદ/શિવચંદ્ર : ‘શિવચંદ પાઠક’ને નામે ૭ કડીનું ‘જ્ઞાનપદ-સ્તવન’(મુ.), ‘શિવચંદમુનિ’ને નામે ૫૭ કડીનું ‘જિનદત્તસૂરિ પાટમહોત્સવ કાવ્ય’ (ર.ઈ.૧૬૨૮), ‘શિવચંદ’ને નામે ‘દાદાજી-સ્તવન’ (લે.સં.૧૯મું શતક અનુ.), ૩ કડીનું ‘પાર્શ્વનાથ-ગીત’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૧૧ કડીનું ‘સાધારણજિન-સ્તવન’, ‘આદિજિન-ગંહૂલી’, ‘ઋષભજિનદેશના’, ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ‘નન્દીસૂત્ર-સઝાય’, ‘પંચમાંગ-સઝાય’, ‘વીરદેશના-સ્તવન’, ‘સમવસરણદેશના’, અને ૯/૧૦ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત/સઝાય’ (લે.સં.૧૮મું શતક અનુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શિવચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૫૧; ૩. રાહસૂચી : ૧; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શિવચંદ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં ક્ષેમકીર્તિશાખાના સમયસુંદરના શિષ્ય. ‘વીશ-સ્થાનકપૂજા’ (ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, ભાદરવા વદ ૧૦), ‘એકવીશ પ્રકારી પૂજા’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, મહા સુદ ૫, રવિવાર), ‘ઋષિમંડલપૂજા/ચતુર્વિંશતિજિનપૂજા/પૂજાની ચોવીશી’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, દ્વિતીય આસો સુદ ૫, શનિવાર; મુ.) અને ‘નંદીશ્વરપૂજા’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં ‘નંદીશ્વર-પૂજા’ની ર.ઈ.૧૮૧૫ મૂકી છે, પણ એનો કોઈ આધાર મળતો નથી. કૃતિ : ચોસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

શિવચંદ્ર-૨ [ ] : જૈન સાધુ. સમરચંદ્રસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘શ્રીવાસુપૂજ્યજિનરાજ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિપ્રકરણસંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. [શ્ર.ત્રિ.]

શિવજી-૧ [ ] : પદ-ગરબાના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

શિવજી(આચાર્ય)-૨ [ ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ અને ‘શાંતિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શિવદાસ : આ નામે ૧૨૫ કડીની ‘ક્યવન્ના-કનકાવતી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૧) મળે છે. તેના કર્તા કયા શિવદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શિવદાસ-૧ [ઈ.૧૪૪૭ કે ઈ.૧૫૧૭માં હયાત] : કવિના જીવન વિશે બીજી કોઈ માહિતી મળતી નથી, પરંતુ તે જૈનેતર છે એટલું એમની કૃતિઓ પરથી સમજાય છે. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૦૦ ઉપરાંત કડીની ‘કામાવતીની કથા’(ર.ઈ.૧૪૪૭ કે ૧૫૧૭/સં. ૧૫૦૩ કે ૧૫૭૩, ભાદરવા વદ ૮, રવિવાર; મુ.)ના કર્તા. મનુષ્યયોનિ અને પંખીયોનિના પહેલાં ૨ પૂર્વાવતારોમાં વિધિવશાત્ એકઠાં નહીં રહી શકેલાં કરણકુંવર અને કામાવતીની ૩ ભવની કથાને આલેખતી આ કૃતિ કૌતુકમય પ્રસંગો, કરણકુંવર-કામાવતીના આકર્ષક પાત્રચિત્રો, સંભોગ ને વિપ્રલંભનું મનભર નિરૂપણ ને આલંકારિક વર્ણનછટાને લીધે મધ્યકાલીન ગુજરાતીની ધ્યાનાર્હ પ્રેમકથા બની રહે છે. નરવાહન અને પદ્માવતીના ૨ પૂર્વભવો સાથે કુલ ૩ ભવની પ્રેમકથાને પહેલા ૨ ખંડમાં અને બાકીના ૨ ખંડમાં તેમના પુત્રો હંસ અને વચ્છની કથાને આલેખતી ૪ ખંડમાં વિભક્ત ને મુખ્યત્વે દુહા-ચોપાઈમાં નિબદ્ધ ૧૩૬૨ કડીની ‘હંસવાળી’(મુ.) નામક ધ્યાનાર્હ કૃતિ તથા વિજનગરના રાજકુમાર રૂપસેનનાં પરાક્રમો અને તેના કણયાપુરની રાજકુંવરી સાથેના પ્રેમ અને પરિણયની કથા કહેતી દુહા-ચોપાઈબદ્ધ ૧૨૫ કડીની ‘રૂપસેન-ચતુષ્પદિકા’(મુ.) એ ૨ કૃતિઓ પણ શિવદાસને નામે મળે છે. એમના કર્તા આ શિવદાસ હોવાની સંભાવના છે, જો કે એ માટે કોઈ નિશ્ચિત આધાર નથી. કૃતિ : ૧. કામાવતી (કવિ શિવદાસ), સં. મગનલાલ દ. જોષી અને નાથાલાલ ગૌ. ધ્યાની, ઈ.૧૯૦૩ (+સં.); ૨. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાકૃત કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬ (+સં.); ૪. લોકવાર્તાકાર શિવદાસકૃત કામાવતી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૭૨ (+સં.); ૫. શિવદાસકૃત રૂપસેન ચતુષ્પદિકા, સં. કનુભાઈ વ્ર. શેઠ, ઈ.૧૯૬૮ (+સં.); ૬. હંસવાળી-;  ૭. નકાદોહન;  ૮. સાહિત્ય, ઈ.૧૯૧૯થી ઈ.૧૯૨૧ના અંકો, સં. હરગોવિંદદાસ કાંટાવાળા-‘હંસા ચારખંડી’(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૬. ફત્રૈમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૭૭ અને જુલાઈ-સપ્ટે. ૧૯૭૮-‘શિવદાસકૃત કામાવતીની રચ્યાસાલ’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગભાવિ. [પ્ર.શા.]

શિવદાસ(વાચક)-૨ [ઈ.૧૫૫૨માં હયાત] : જૈન. ૨૫ કડીના ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શિવદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના નાગર બ્રાહ્મણ. ગુરુ ભૂધર વ્યાસ. તેમના ‘ડાંગવાખ્યાન’ એ ‘દ્રૌપદી સ્વંયવર’ની રચના વિજાપુરમાં થયેલી એટલે તેઓ કેટલોક વખત વિજાપુરમાં જઈને રહ્યા હતા એમ લાગે છે. તેમણે મહાભારત, ભાગવતાદિ પુરાણોની પ્રસિદ્ધ કથાઓને વિષય તરીકે લઈ સારી એવી સંખ્યામાં કડવાંબદ્ધ આખ્યાનો રચ્યાં છે. આકર્ષક કથાકથન એમનાં આખ્યાનોની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. એમની રચનાઓમાં મહાભારતનાં પર્વો પર આધારિત ૧૨ કડવાંનું ‘પરશુરામ-આખ્યાન’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, મહા સુદ ૭, રવિવાર; મુ.), શૃંગાર ને વીરરસવાળાં વર્ણનોથી ઓપતાં ૧૪ કડવાંનું ‘ડાંગવાખ્યાન’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, વૈશાખ સુદ ૧૨, મંગળવાર; મુ.)ને ૨૬ કડવાંનું ‘દ્રૌપદી-સ્વયંવર/મછવેધ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, મકરસંક્રાન્તિ; મુ.), ભાગવતના દશમસ્કંધના કૃષ્ણચરિત્રને સંક્ષેપમાં આલેખતું ૨૩ કડવાંનું ‘બાલચરિત્ર/બાળલીલા’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, મહા સુદ ૧૫)ને ૧૨મા સ્કંધની કથા પર આધારિત ૧૦ કડવાંનું ‘મુસલપર્વ’/મૌશલપર્વ’(મુ.), પદ્મપુરાણને વિષ્ણુપુરાણની કથા પર આધારિત જાલંધર ને નરકાસુરની કથા કહેતું વીરરસવાળું ૧૫ કડવાનું ‘જાલંધર-આખ્યાન’(મુ.) ને આ આખ્યાનનાં છેલ્લાં ૭ કડવાંની નરકાસુરની કથાને વિસ્તારી રચાયેલું ૧૮ કડવાંનું ‘નરકાસુરનું આખ્યાન’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬,-વદ ૮, રવિવાર); સ્કંદપુરાણની કથા પર આધારિત ૮ કડવાંનું ‘એકાદશી-માહાત્મ્ય’ (ર.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, માગશર સુદ ૧૫, ગુરુવાર/રવિવાર; મુ.), માર્કંડેયપુરાણની કથા પર આધારિત અંબિકાએ મહિષાસુર ને અન્ય રાક્ષસોના કરેલા વધની કથાને આલેખતું ૨૧ કડવાંનું ‘ચંડીઆખ્યાન/સ્વસ્તિપાઠની કથા’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, આસો સુદ ૮-; મુ.)નો સમાવેશ થાય છે. વિષ્ણુદાસની નામછાપ ધરાવતું ને વિષ્ણુદાસને નામે મુદ્રિત ૨૦ કડવાંનું ‘સભાપર્વ’ આ શિવદાસનું હોય એવી સંભાવના ‘કવિચરિત : ૧-૨’માં વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એ વિશે નિશ્ચિત રીતે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧ (શિવદાસકૃત) ચંડીઆખ્યાન, પ્ર. હરજીવન હરગોવનદાસ બુકસેલર, ઈ.૧૮૭૫; ૨. જાલંધર આખ્યાન, સં. રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૩૨;  ૩. બૃકાદોહન : ૪; ૪. મહાભારત : ૭; ૫. સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી, સં. ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૧;  ૬. પ્રાકાત્રૈમાસિક, ઈ.૧૮૮૭, અં. ૪-‘દ્રૌપદીસ્વયંવર અને એકાદશીમહિમા’ અને ઈ.૧૮૯૧ અં. ૪-‘પરશુરામઆખ્યાન અને ડાંગવાખ્યાન’. સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત કામાવતીની વાર્તા : ખંડ ૧ અને ૨, પ્રવિણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસારસ્વતો; ૬. મહાભારત : ૧;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફાહનામાવલિ : ૨; ૧૧. ફૉહનામાવલિ. [પ્ર.શા.]

શિવદાસ-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અમરેલીના વડનગરા નાગર. પિતાનું નામ વેલજી. ૩૪૦ ચંદ્રાવળામાં રચાયેલી ‘બાલચરિત્રના કૃષ્ણાવલા’ (ર.ઈ.૧૮૫૯) અને ૪૫૧ ચંદ્રાવળામાં રચાયેલી ‘ધ્રૂના ધ્રૂવાવળા’ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪.ફૉહનામાવલિ [પ્ર.શા.]

શિવદાસ(વાચક)-૫ [ ] : જૈન સાધુ. ગજસારના શિષ્ય. ૭/૨૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર(ગોડી)’ના કર્તા. ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા આ શિવદાસ હોય તો તેઓ ઈ.૧૬મી સદી મધ્યભાગમાં હયાત હતા એમ કહી શકાય. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શિવદાસશિષ્ય [ ] : ૨૩ કડવાંના ‘શિવવિવાહ’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. કૃતિને અંતે કવિએ આપેલી માહિતી મુજબ તેઓ અમદાવાદની રાજામહેતાની પોળના વતની અને શ્રીમાળી કુળના હતા. ‘ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑવ બી. જે. ઇન્સ્ટિટ્યુટ મ્યૂઝિયમ’માં આ કૃતિના કર્તા તરીકે શિવદાસને નોંધવામાં આવ્યા છે, પરંતુ કૃતિમાં કવિ પોતાને ‘શિવદાસ તણો હું દાસજી’ એ રીતે ઓળખાવે છે. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [જ.ગા.]

શિવનિધાન(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં વાચક હર્ષસારના શિષ્ય. તેમણે ઘણા બાલાવબોધ રચ્યા છે. ‘શાશ્વતસ્તવન’ પરનો (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, શ્રાવણ વદ ૪), ‘લઘુસંગ્રહણી’ પરનો (ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૦, કારતક સુદ ૧૩), ‘કલ્પસૂત્ર’ પરનો (ર.ઈ.૧૬૨૪), પૃથ્વીરાજકૃત ૩૦૪ કડીની હિન્દી રચના ‘કૃષ્ણ-રુક્મિણીવેલી’ પરનો (ર.ઈ.૧૬૩૩) તથા જિનરાજસૂરિકૃત ૧૯ કડીના ‘ગુણસ્થાનગર્ભિતજિન-સ્તવન’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૩૬). બાલાવબોધ ઉપરાંત ૧૪ કડીની ‘ગજસુકુમાર-સઝાય’, ‘ચૌમાસી-વ્યાખ્યાન’ અને જેમાં ૨૮ વિધિવિધાનોનું સરલ વિવેચન છે તે ‘લઘુવિધિપ્રપા/ઉપાસનાવિધિ-વડીદીક્ષાવિધિ/વિધિપ્રકાશ’ કૃતિઓ પણ તેમણે રચી છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

‘શિવપુરાણ’ [ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૪, શ્રાવણ સુદ ૫, ગુરુવાર] : “ઉપાસક અંબા તણો મહારુદ્ર ઉપર મંન” એવા શામળની “ઇચ્છા માયા શિવની શકત્ય, જગત જનેતા જાયો જગત” અને “જડ ચેતન તરુવેલ કે ફૂલ, મહાદેવ સકળ સૃષ્ટિનું મૂળ” એવા મહાદેવ શિવનો, તેમના પૂજનનો, પંચાક્ષર મંત્રનો, બીલીપત્ર અને વિભૂતિનો મહિમા વાર્તાઓ દ્વારા ગાતી અને “શિવ પૂજો, શિવ શિવ કહો”ની શીખ ધ્રુવપદ પેઠે સંભાળતી છપ્પા, દુહા-ચોપાઈમાં નિબદ્ધ ૨૨ અધ્યાય ધરાવતી “બ્રહ્મોતર ખંડ” નામથી પણ ઓળખાયેલી ધાર્મિક રચના(મુ.). વાર્તાઓમાં વચ્ચેવચ્ચે કામ, જર, પાપ, દરિદ્રતા, પરનારીની પ્રીત, મૃત્યુ, સદ્વિદ્યા, દાતા, કરપી, જાચક વગેરે પર બોધક અનુભવવચનો શામળની આ પહેલી મનાતી કૃતિમાં પણ આવે છે એ નોંધપાત્ર છે. એવાં સામાન્ય કથનો કરતાં ઊંચા સ્તરની “મહારું તાહારું હું તું ટળે, જીવ શિવ બે એક’, “કારણ સઘળે મન તણું હર્ષ શોક સંસાર” અને “શિવને દેખો સર્વમાં” જેવી ક્યારેક ડોકાઈ જતી જ્ઞાનવાણી શામળ માટે આદર ઉપજાવે એવી છે. [અ.રા.]

શિવમાણિક્ય [ ] : જૈન. ૫૧ કડીના ‘સમ્યકત્વ-ચોપાઈ’ (લે.સં.૧૭મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

શિવરત્ન [ ] : અંચલગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નના શિષ્ય. ૯૮ કડીના ‘ચતુર્દશગુણસ્થાનકગર્ભિતશાંતિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. [શ્ર.ત્રિ.] શિવરાજ [ ] : જૈન. ૪ કડીની ‘નેમિનાથની હોરી’(મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [શ્ર.ત્રિ.]

શિવરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : માતાજીના ભક્ત. ૨૯ કડીનો ‘ભવાનીનો ગરબો’ (ર.ઈ.૧૭૭૦/સં.૧૮૩૬, આસો સુદ ૨, શુક્રવાર; મુ.), ૨૧ કડીનો ‘જગતજોગમાયાનો ગરબો’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૨ કડીનો ‘અંબાનો રાસ (મુ.), ૧૦ કડીની ‘આદ્યશક્તિની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦ આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૫ પંક્તિની ‘માતાજીની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૫; મુ.), ૪૫ કડીનો ‘અંબાજીનો ગરબો’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, શ્રાવણ સુદ ૧૪, બુધવાર; મુ.) તથા ૧૧, ૨૯ અને ૫૮ કડીના અન્ય ગરબા(મુ.)ના કર્તા. ૪૪ કડીના કાળીંગણીનો ગરબો(મુ.)માં ‘મકનસુત શિવરામ’ એવી નામછાપ મળે છે. બધી જ કૃતિઓની લખાવટ અને વિષયનું સામ્ય જોતાં એક જ કર્તાની અને તે મકનસુત શિવારમની હોવાની સંભાવના છે. આ નામે ૧૮ કડીનો ‘આશાપુરીનો ગરબો’ (ર.સં. સત્તર એકલંતરો, આસો-૧૩, રવિવાર; મુ.) મળે છે જે સમયદૃષ્ટિએ મેળમાં નથી, પણ વિષયદૃષ્ટિએ તે આ કર્તાએ રચ્યો હોવાની સંભાવના છે. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૩. ભજનસાગર : ૨; ૪. સતસંદેશ શક્તિઅંક,-. સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા ઈ.૧૯૬૮. [શ્ર.ત્રિ.]

શિવરાય [ ] : ૪૩ કડીની ‘મહાદેવ-વિવાહ’(મુ.)ના કર્તા. કૃતિ : નકાદોહન. [શ્ર.ત્રિ.]

શિવલક્ષ્મી [ ] : સ્ત્રીકવિ. આત્માની મુસાફરી વિશેનું ૬ કડીનું પદ(મુ.) તથા અન્ય પદોનાં રચયિતા. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧, ૨. સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ.૧૯૬૦;  ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

શિવલાલ(ઋષિ) [ઈ.૧૮૨૬માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. અનોપચંદ્રની પરંપરામાં પન્નાલાલના શિષ્ય ‘રામલક્ષ્મણ-સીતાવનવાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા વદ ૧) અને ‘મહાશતક-શ્રાવક-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શિવવિજ્ય(મુનિ) [ઈ.૧૬૫૬ સુધીમાં] : શીલવિજ્યના શિષ્ય. ૧૨ કડીની ‘આત્મશિક્ષોપરિ-સઝાય’ (લે.ઈ.૧૬૫૬)ના કર્તા. આ નામ ૧૩ કડીનું આગમ-સ્તવન’, ૯ કડીનું ‘તારંગાપાર્શ્વનાથ-સ્તવન’, ૧૬ કડીનું ‘દોઢસોકલ્યાણક-ચૈત્યવંદન’ અને ૧૧ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે, જેમના કર્તા પ્રસ્તુત શિવવિજ્ય હોવા સંભવ છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

શિવશંકર [ઈ.૧૮૨૯ સુધીમાં] : ‘સીમંતિનીની કથા’ (લે.ઈ.૧૮૨૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

શિવસમુદ્ર(ગણિ) [ઈ.ની ૧૫મી સદીના મધ્યભાગમાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિ (જ.ઈ.૧૩૭૪-અવ.ઈ.૧૪૪૩)ના શિષ્ય. ૧૭ કડીના ‘પાર્શ્વનાથજન્માભિષેક’ (લે.સં.૧૭મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શિવસાગર [ ] : જૈન સાધુ. હર્ષસાગરના શિષ્ય. ૨૩ કડીની ‘જીવદયાની-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [શ્ર.ત્રિ.]

શિવસુત [ ] : ૧૧ કડીના મહાકાળીના ગરબા (મુ.)ના કર્તા. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]

શિવસુંદર [ઈ.૧૫૪૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ૩૮ના ‘લુંકટમતનિર્લોઠન-રાસ’ (ર.ઈ.૧૫૪૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [શ્ર.ત્રિ.]

શિવાનંદ : આ નામે રૂપકગ્રંથિવાળું વૈરાગ્યબોધનું ૪ કડીનું ૧ પદ (મુ.) અને ૪ કડીનું કૃષ્ણકીર્તનનું ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા શિવાનંદ છે તે નિશ્ચત થતું નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [શ્ર.ત્રિ.]

શિવાનંદ-૧ [ ]: શિવભક્ત કવિ. સૂરતના વડનગરા નાગર. પિતા વામદેવ પંડ્યા. નાની વયે પિતાનું અવસાન થતાં કાકા સદાશિવ પંડ્યા પાસે રહી તેઓ મોટા થયા. પાછલી વયે તેમણે સંન્યસ્ત ધારણ કરેલું. એમનું અપરનામ સુખાનંદ હોવાનું નોંધાયું છે. કટુંબના વિદ્યાકીય વાતાવરણના સંસાકરોને લીધે તેઓ પણ સંસ્કૃતના સારા વિદ્વાનિ બન્યા હતા. એક માન્યતા મુજબ તેઓ ઈ.૧૬૪૪ કે ઈ.૧૬૫૪ સુધી હયાત હતા અને અવસાન વખતે તેમનું આયુષ્ય ૮૫ વર્ષનું હતું. બીજી માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫૮૦થી ઈ.૧૬૪૪ દરમ્યાન થઈ ગયા. તેઓ ઈ.૧૭૫૪માં હયાત હતા એમ પણ નોંધાયું છે, પરંતુ પહેલી માન્યતા વધારે શ્રદ્ધેય જણાય છે. શિવભક્તિ એ શિવાનંદની કવિતાનો મુખ્ય વિષય છે. આરતી, ધૂન, કીર્તન, થાળ, તિથિ, વાર વગેરે સ્વરૂપે મળતાં ને વિવિધ રાગના નિર્દેશવાળાં કવિનાં આશરે ૨૨૫ જેટલાં પદો(મુ.) પ્રાપ્ત થયા છે. એમાં શિવ, પાર્વતી, ગણપતિ ને નંદી(વૃષભ)ની સ્તુતિ કરતાં પદોની સંખ્યા મોટી છે. કેટલાંક હનુમાનસ્તુતિનાં પદો છે. શિવપુરાણ અને સંસ્કૃત સાહિત્યમાં મળતાં શિવ, પાર્વતી આદિનાં સ્તોત્રો પર આધારિત આ પદોને કવિના સંગીતજ્ઞાન અને સંસ્કૃતજ્ઞતાનો ઘણો લાભ મળ્યો છે. શિવ અને પાર્વતી માટે કવિએ પ્રયોજેલા અનેક પર્યાયવાચી શબ્દો અને શબ્દાવલિમાંથી જન્મતા પદમાધુર્ય દ્વારા એ અનુભવાય છે. શિવાનંદ જનસમાજમાં વિશેષ જાણીતા છે એમની આરતીઓથી. તિથિસ્વરૂપે રચાયેલી એમની ‘જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ’ની આરતી ગુજરાતના ખૂણેખૂણે પ્રચલિત છે. કવિએ શક્તિની આરતી સિવાય શિવ, ગણપતિ, દ્વાદશલિંગ, દશાવતાર, ભૈરવ, હરિહર, હનુમાન વગેરેની પણ આરતીઓ રચી છે. કવિનાં શિવમહિમાનાં પદો પર પ્રેમલક્ષણા ભક્તિના સંસ્કારો પડ્યા છે. વસંતના હોળીખેલનનાં પદો ને હિંડોળાનાં પદોમાં જોવા મળતા શિવ જટાધારી ને તપસ્વી કરતાં પાર્વતી-વલ્લભ ને લીલા-વિલાસી પતિ કે વસંતની માદકતાને અનુભવતા શંકર વિશેષ છે. શિવસ્તુતિ કરવાનો બોધ આપતાં પણ કટેલાંક પદ કવિએ રચ્યાં છે. પદોની ભાષા પર હિંદીની અસર વરતાય છે. કૃતિ : ૧. ભણે શિવાનંદ સ્વામી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૮૬ (+સં.);  ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૩. કાદોહન : ૨; ૪. બૃકાદોહન : ૩(+સં.), ૪, ૭(+સં.); ૫. ભસાસિંધુ; ૬. શ્રી શિવપદસંગ્રહ : ૧, પ્ર. અંબાલાલ શં. પાઠક તથા લલ્લુભાઈ કા. પંડ્યા, ઈ.૧૯૨૦. સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે.; ૬. ફૉહનામાવલિ; ૭. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

શિવાનંદ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા. સંદર્ભ : મસાપ્રવાહ. [શ્ર.ત્રિ.]

શીઘ્રાનંદ [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા. સંદર્ભ : ૧. સત્સંગના સંતો,-; ૨. સદવિદ્યા-૧. [શ્ર.ત્રિ.]

શીતળદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિભાણ સંપ્રદાયના કવિ. લાલદાસજીના શિષ્ય. સદ્ગુરુનો મહિમા દર્શાવતાં અને રવિસાહેબની સદ્ગુરુ તરીકેની શક્તિનો મહિમા કરતાં, પાંચથી ૮ કડીનાં પદો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. રવિભાણ સંપ્રદાયની વાણી : ૧, પ્ર. મંછારામ મોતી,-; ૩. સતવાણી. [શ્ર.ત્રિ.]

શીલ(મુનિ) [ ] : જૈન સાધુ. ૬૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]

શીલરત્ન(સૂરિ) [ઈ.૧૪૮૧ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જયાણંદસૂરિના શિષ્ય. ‘પરિગ્રહ-પરિમાણ’ (લે.ઈ.૧૪૮૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

‘શીલવતી-રાસ/શીલરક્ષાપ્રકાશ-રાસ’ [ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, વૈશાખ સુદ ૩] : તિલકવિજ્યશિષ્ય નેમવિજ્યની ૬ ખંડ ને ૮૪ ઢાળમાં વિસ્તરેલી, નીતિ ને શીલનો મહિમા કરતી આ પદ્યવાર્તા(મુ.) છે. રાજા રાજસિંહસેનની સુંદર ને વિદ્યાવાન કુંવરી શીલવતીનું સિંહરથરાજાના પરાક્રમી પુત્ર ચંદ્રગુપ્ત સાથે લગ્ન થાય છે, પણ દૈવયોગે કંઈક ગેરસમજ થતાં તરત જ ચંદ્રગુપ્ત એનાથી વિમુખ થઈ ઘર તજી જતો રહે છે. છૂપા વેશે ફરતો તે પોતાનાં બુદ્ધિબળ ને સાહસ પરાક્રમથી અનેક યુવતીઓને પરણે છે. પ્રીતિમતિ નામની એક પત્નીની સમજાવટથી શીલવતી તરફ તેનું મન વળતાં પ્રવાસ દરમ્યાન જ દૈવી ચમત્કારથી તે એક રાત્રે શીલવતીને મળે છે ને ફરી ઘર છોડી સાહસ-પરાક્રમમાં પરોવાય છે. સગર્ભા શીલવતીના ચારિત્ર્ય પર આક્ષેપ થતાં એને ઘર છોડવું પડે છે ને અનેક આપત્તિઓમાં ફસાતી આખરે દૈવયોગે એ ચંદ્રગુપ્તને મળે છે. કાવ્યાંતે બંને દીક્ષા લે છે. કરુણ, વીર ને અદ્ભુતરસભરી આ કથાની વર્ણનશૈલી પણ રસપ્રદ છે. કથા પ્રસંગો ઘણે સ્થાને અટપટા બન્યા છે, પણ કથાગૂંથણી સરસ હોવાથી કથાનો વિસ્તાર પણ સહ્ય બને છે. શીલવતીનું રૂપવર્ણન તથા પ્રત્યાખ્યાન દરમ્યાન જંગલમાં એણે વેઠેલો શારીરિક-માનસિક પરિતાપ કથા ને વર્ણન બંનેની દૃષ્ટિએ કંઈક અંશે પ્રેમાનંદના ‘નળાખ્યાન’નું સ્મરણ કરાવે એવાં છે. અનેક આડકથાઓમાં ફંટાતી આ કથામાં પ્રાચીન રીતરિવાજો ઉપરાંત દુરિતો, પરાક્રમો, ચમત્કારો, દૈવીકૃપા આદિનું પ્રમાણ ઘણું છે. કવિએ સાહસ, બુદ્ધિચાતુર્ય ને શીલનું ગૌરવ કર્યું છે તથા પ્રસંગકથન ને પાત્રચિત્રણથી તેમ ઘણી જગાએ સીધી રીતે નીતિ-ઉપદેશ પણ કર્યો છે. દુહાથી આરંભાતા ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ રાગોની દેશીઓની રીતે પણ આ કૃતિ નોંધપાત્ર છે. [ર.સો.]

શીલવિજ્ય : આ નામે ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા શીલવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]

શીલવિજ્ય-૧ [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શીલવિજ્યના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈની ૩૬૯ કડીમાં રચાયેલી ‘તીર્થમાલા’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [કી.જો.]

શીલવિજ્યશિષ્ય : જુઓ શિયળવિજય.

શુકાનંદ [જ.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫, માગશર વદ ૫ - અવ. ઈ.૧૮૬૯/સં.૧૯૨૫, માગશર વદ ૫ કે ૩૦] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું મૂળ વતન નડિયાદ પણ ડભાણમાં નિવાસ. જન્મ ડભાણમાં. પૂર્વાશ્રમનું નામ જગન્નાથ ભટ્ટ. ઈ.૧૮૧૬માં મુક્તાનંદ સ્વામીને હસ્તે દીક્ષા. દીક્ષાનામ શુકાનંદ. તેઓ સહજાનંદ સ્વામીની સેવામાં સતત રહેતા અને તેમનાં પત્રો પુસ્તકો લખવાનું કામ કરતાં. તેમની નિષ્ઠાને લીધે ‘શુકદેવજી’ની ઉપમા પામેલા. તેમની પાસેથી ‘હરિગીતા’ની ટીકા (ર.ઈ.૧૮૪૬/સં.૧૯૦૨, જેઠ સુદ ૧૧, શુક્રવાર; મુ.), ‘દશમસ્કંધ’નો અનુવાદ (*મુ.), ‘ધર્મામૃત’નો અનુવાદ (*મુ.), શતાનંદકૃત સંસ્કૃતગ્રંથ ‘સત્સંગી જીવનમ્’ની ટીકા રૂપે રચાયેલો ‘સત્સંગદીપ’(*મુ.), ‘ધાર્મિક સ્તોત્ર’ની ટીકા, ગોપાળાનંદકૃત ‘ભગવદગીતાભાષ્યમ્’ની ટીકા, ‘પ્રાર્થનામાળા’ (૧૮ ગદ્યખંડો મુ.) વગેરે કૃતિઓ મળે છે. તેમણે ઘણા સંસ્કૃતગ્રંથો પણ રચ્યા છે. કૃતિ : ૧. શ્રી હરિગીતા (શુકાનંદ મુનિની ટીકા સહિત), પ્ર. મનસુખરામ મૂળજી, ઈ.૧૮૬૭; ૨. સત્સંગી જીવનમ્ (શુકાનંદ ટીકા સહિત), પ્ર. મહારાજ શ્રીપતિપ્રસાદ, ઈ.૧૯૩૦; ૩. ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા શુકાનંદસ્વામીની વાતો, પ્ર. મિસ્ત્રી જેરામરામજી, ઈ.૧૯૩૯ (+સં.). સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-પરિશિષ્ટ-૧-‘સ્વામિનારાયણ, સંપ્રદાયના લેખકો અને તેના લેખની માહિતી’; ૨. શુકાનંદસ્વામી-શતાનંદ સ્વામિ, શાસ્ત્રી હરિદાસ, ઈ.૧૯૭૯; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, ઈ.૧૯૫૩; ૪. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, ઈ.૧૯૭૪; ૫. સદ્વિદ્યા, જાન્યુ. ૧૯૫૪. [શ્ર.ત્રિ.]

શુભચંદ્ર : આ નામે ‘અષ્ટાણી-(અઠાઈ) વરતનો રાસ’ (લે.ઈ.૧૮૧૫) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા શુભચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.ર.દ.]

શુભચંદ્રાચાર્ય [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. ‘મહાવીરસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]

શુભવર્ધન : આ નામે ૫ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૬૮) મળે છે. તેના કર્તા શુભવર્ધન-૧ છે કે અન્ય કોઈ તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

શુભવર્ધન-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં સાધુવિજ્યના શિષ્ય. ૧૦૯ કડીના ‘આચાર-શતક’ (ર.ઈ.૧૫૩૪) તથા ‘સઉણા-શતક/સ્વપ્ન-શતક’ના કર્તા. આ ઉપરાંત એમણે પ્રાકૃત ભાષામાં ‘વર્ધમાન દેશના’ (ર.ઈ.૧૪૯૬) અને ‘દશશ્રાવક-ચરિત્ર’ નામની કૃતિઓ રચી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

શુભવર્ધન(પંડિત)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૬૫૬ કડીની ‘અષાઢભૂતિ-રાસ/ચતુષ્પદિ’, ૮૬/૯૬ કડીની ‘ગજસુકુમાર-રાસ/ગીત/સઝાય’ (ર.ઈ.૧૫૩૫), ‘સ્થૂલિભદ્ર-રાસ’, ૩૧ કડીની ‘(કુમરગિરિમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૭), ૧૯ કડીની ‘મન:થિરીકરણ-સઝાય’, ‘અઢાર નાતરાનું ચોઢાળિયું’, ૯૮ કડીની ‘દેવકીજીના ઢળિયા’, ‘ચેલણાજીનું ચોઢાળિયું’, ‘જીરાઉલા-ભાસ’, ‘નેમિનાથ-ભાસ’, ‘મેતાર્યઋષિ-ભાસ’, ૨ ‘રજિમતી-ભાસ’, ‘ચાર-ગતિની ઢાળો’, ‘વિદ્યાસાગરસૂરિ-ભાસ’, ‘સમકિત-ભાસ’, ‘સમવસરણ-ભાસ’ તથા ‘શત્રુંજ્ય-ભાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. યુજિનચંદ્રસૂરિ;  ૮. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય, રાસ સંદોહ’, હીરાલાલ ર. કપડિયા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

શુભવિજ્ય : આ નામે ૧૦૬ કડીનું ‘સીમન્ધરજિન છ આરાનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૪), ૬ કડીનું ‘ચૌદસ બાવન ગણધર ચૈત્યવંદન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૮૧ ગ્રંથાગ્રનું ‘મહાવીર-સ્તવન’, ‘લોઢણ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ‘ક્ષેત્રસમાસ-સ્તબક’ (લે.ઈ.૧૮૭૮), ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ચોમાસીદેવવંદન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શુભવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

શુભવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યના શિષ્ય. ૫૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫/સં.૧૬૭૧(?), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૧) તથા ‘પાંચ બોલનો મિચ્છામી દોકડો-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૦ પછી)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

શુભવિજ્ય-૨ [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યવિજ્યની પરંપરામાં લક્ષ્મીવિજ્યના શિષ્ય. ‘ગજસિંહરાજનો રાસ’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩ આસો સુદ ૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]

શુભવિજ્ય-૩ [જ.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. ક્ષમાવિજ્યની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. પિતાનું નામ રહિદાસ ગાંધી. માતાનું નામ રાજકોર. વીરગામના વીસા શ્રીમાળી વાણિયા. મૂળનામ મહીદાસ. જસવિજ્યને હાથે ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, ચૈત્ર-૫ના દિવસે ખંભાતમાં દીક્ષા. દીક્ષાનામ શુભવિજ્ય. ૧૨ કડીની ‘નેમનાથ/મૌન એકાદશીનું સ્તવન’(મુ.), ૧૬ કડીનું ‘શાશ્વતાચૈત્યોનું ચૈત્યવંદન’(મુ.), ૧૮ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૯ કડીનું ‘સીમંધર-સ્તવન’(મુ.) તથા ૧૦ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગંહૂલી સંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. પંડિત વીરવિજ્યકૃત પૂજાઓ આદિ પ્રભુપૂજાગર્ભિત ભક્તિધર્મ વિનતિરૂપ અરજી, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, સં. ૧૯૩૮;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

શુભવિજ્ય-૪ [ ] : જૈન સાધુ. વિમળવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : શોભનસ્તવનાવલી, પ્રા.શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ, શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

‘શુભવીર’ : જુઓ વીરવિજ્ય-૪

શુભશીલ(ગણિ) : આ નામે ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે.સં. ૧૯મી સદી) મળે છે તેના કર્તા કયા શુભશીલગણિ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]

શુભશીલ(ગણિ)-૧ [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. ‘પ્રસેનજિત-રાસ’ (ર.ઈ.૧૪૫૨)ના કર્તા. આ ઉપરાંત ‘વિક્રમ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૩૪), ‘પ્રભાવક-કથા’ (રઈ.૧૪૪૮), ‘કથાકોશ/ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ’ (ર.ઈ.૧૪૫૩), ‘શત્રુંજ્યકલ્પ-કથા/વૃત્તિ’ (ર.ઈ.૧૪૬૨), ‘શાલિ-વાહન-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪), ‘સ્નાત્ર-પંચાશિકા’(મુ.), ‘પૂજા-પંચાશિકા’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે. જુઓ મુનિસુંદરશિષ્ય. કૃતિ : સ્નાત્રપંચાશિકા, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, ઈ.૧૮૭૪. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧; ૩(૧). [ર.ર.દ.]

શુભસુંદર [ ] : જૈન સાધુ. મુનિ પદ્મસુંદરના શિષ્ય. ૧૩ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

શેખાજી [ ] : કૃષ્ણલીલાનાં પદ (૧૦ કડીનું ૧ મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુધા : ૩. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

શેધજી : જુઓ શેધજી.

‘શેણી-વિજાણંદની ગીતકથા’ : વેદા કુટુંબની આહિર કે ચારણ કન્યા શેણી અને જંતર વગાડતા વિજાણંદ વચ્ચેના પ્રેમની કથાને આલેખતા આશરે ૩૪ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે શેણીની ઉક્તિ રૂપે અને પછી શેણી વિજાણંદ વચ્ચેના સંવાદ રૂપે ચાલતા આ દુહાઓમાં વિજાણંદના જંતરને સાંભળી શેણીના મનમાં જન્મતો અનુરાગ, ગામ છોડી ચાલ્યા જતા વિજાણંદને પાછો વાળવા મથતી ને એમાં નિષ્ફળ બનેલી શેણીની વિજોગ-વેદના, વિજાણંદનો વિજોગ ન ખમાતાં શેણીનું હિમાલય જઈ હાડ ગાળવા બેસી જવું, બરફમાં અડધી ગળી ગયેલી શેણીને પાછી વાળવા વિજાણંદની વિનંતિ ને શેણીએ તેનો કરેલો અસ્વીકાર તથા વિજાણંદનું જંતર સાંભળતાં સાંભળતાં શેણીનું મૃત્યુ એવા કથાતંતુ આ દુહાઓમાં વણાય છે. આ દુહાઓમાં શેણીના વિજાણંદ માટેના ઉત્કટ પ્રેમને અને શેણીની વિજોગવેદનાને માર્મિક અભિવ્યક્તિ સાંપડી છે. [જ.ગા.]

શેધજી/શેઘજીશેધજી/શેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના વતની. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ કાશી. નાગજી ભટ્ટનો તેઓ પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે, એના પરથી લાગે છે કે આ પુરાણી પાસેથી પૌરાણિક કથાઓ સાંભળી એમણે પોતાનાં આખ્યાનો રચ્યાં હશે. વિષ્ણુદાસના સમકાલીન આ કવિએ પૌરાણિક કથાઓ પર આધારિત આખ્યાનો મૂળ પ્રસંગમાં કેટલાક ફેરફાર કરીને વિશેષત: કથાતત્ત્વ જાળવી રચ્યાં છે. અંબરિષ રાજા અને પ્રહ્લાદની કૃષ્ણભક્તિનો મહિમા કરતું ૧૪ કડવાંનું ‘અંબરિષ-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, ચૈત્ર સુદ ૩, શનિવાર) ને ૧૮ કડવાં સુધી ઉપલબ્ધ થતું અપૂર્ણ ‘પ્રહલાદ-આખ્યાન’ તથા દ્વારિકાવર્ણન ને વિપ્રના પાત્રાલેખનથી ધ્યાન ખેંચતું ૧૨ કડવાંનું ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.) કવિની ભાગવત આધારિત કૃતિઓ છે. એમનું રામાયણ આધારિત ૧૮ કડવાનું ‘હનુમાન-ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, માગશર વદ ૨, રવિવાર) હનુમાનનાં પરાક્રમો ને તેની રામભક્તિને આલેખે છે. ૧૩ કડવાંનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, માગશર સુદ ૫, ગુરુવાર), ભીમ-કીચકયુદ્ધ અને દ્રૌપદીની ભયભીત મનોદશાને સારી રીતે વર્ણવતું ૨૧ કડવાનું ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, અસાડ સુદ ૫, રવિવાર), મધ્યકાલીન કવિતામાં સ્વતંત્ર કૃતિ રૂપે પહેલી વખત મળતું, પાંડવોને પજવવા માટે આવેલા કૌરવોને ગંધર્વો સાથે થયેલા યુદ્ધની કથાને આલેખતું ‘વનપર્વ’ પર આધારિત ૧૧ કડવાંનું ‘ઘોષયાત્રા/ચિત્રસેનનું આખ્યાન’ (ર.ઈ.૧૫૯૪/સં.૧૬૫૦, જેઠ સુદ ૧૫, સોમવાર; મુ.) તથા વર્ણનોમાં કવિત્વના ચમકારા બતાવતું અને કવિનાં અન્ય આખ્યાનોને મુકાબલે વિશેષ પ્રૌઢિવાળું ૧૩ કડવાંનું ‘સભાપર્વ/રાજસૂયયજ્ઞની કથા’ (ર.ઈ.૧૫૯૫) કવિની મહાભારત આધારિત રચનાઓ છે. કૃતિ : ૧. કાશીસુત શેધજી-એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪ (+સં.); ૨. ઘોષયાત્રા અને ચિત્રસેનનું આખ્યાન, સં. જશભાઈ કા. પટેલ, ઈ.૧૯૫૭. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાકકૃતિઓ; ૪. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬;  ૫. ગૂહાયાદી. [બ.પ.]

શોભજી [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

શોભાચંદ [ઈ.૧૭૬૬માં હયાત] : જૈન સાધુ. ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

શોભામાજી/‘હરિદાસ’ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : વલ્લભાચાર્યના વંશમાં થયેલા પોરબંદરના રણછોડજી ગોસ્વામી (જ.ઈ.૧૭૨૨)ના પત્ની. ‘હરિદાસ’ ઉપનામથી એમણે કાવ્યરચના કરી છે. ક્યારેક ‘શોભા’ કે ‘શોભા હરિદાસ’ નામછાપ પણ મળે છે. આ કવયિત્રીએ ભાગવતની લીલાઓના પ્રકરણવાર અને અધ્યાયવાર સાર આપતાં ૧૩ ધોળ, નવરાત્રિના ૧૫ ગરબા તેમ જ વલ્લભાચાર્ય, વિઠ્ઠલનાથજી અને શ્રીનાથજીનાં ધોળ (સર્વ મુ.)ની રચના કરી છે. ભાગવતના ધોળમાં કવિનું સંસ્કૃતનું જ્ઞાન તથા ગરબામાં એમની રસશાસ્ત્રની જાણકારી દેખાય છે. કૃષ્ણભક્તિનું નિરૂપણ કરતો ૩૬ કડીનો ‘કક્કો’ પણ તેમની પાસેથી મળ્યો છે. કૃતિ : *૧. નવરાત્રના ગરબા, સં. કાશીરામ ક. શાસ્ત્રી, માંગરોળ,-; ૨. વૈષ્ણવી ધોળપદસંગ્રહ, સં. કે. કા. શાસ્ત્રી,-. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગોપ્રભકવિઓ; ૪. પુગુસાહિત્યકારો;  ૫. ગૂહયાદી. ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ.[ર.સો.]

‘શૃંગારમંજરી’ [ર.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, આસો સુદ ૪, ગુરુવાર] : વિનયમંડનશિષ્ય જયવંતસૂરિકૃત દુહા, ચોપાઈ, તોટક, સવૈયા વગેરે છંદો તથા દેશીઓનો નિર્દેશ કરતી ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની આ રાસકૃતિ(મુ.)માં શીલવતીનું ચરિત્ર વર્ણવાયું છે. પશુપંખીની બોલી સમજતી શીલવતી રાત્રિ વેળાએ શિયાળની લાળી સાંભળી નદીમાં તરતા શબ પર રહેલાં પાંચ રત્ન લેવા જાય છે તેથી એનો પતિ અજિતસેન એના પર વહેમાય છે અને તેનો ત્યાગ કરે છે. શીલવતીને પિયર વળાવવાં જતાં તેના સસરા રત્નાકરને રસ્તામાં શીલવતીના આ જ્ઞાનની જાણ થાય છે અને શીલવતીની નિર્દોષતાની ખાતરી થાય છે. શીલવતીને ઘરે પાછી લાવી અજિતસેનનો વહેમ પણ નિર્મુળ કરે છે. રાજાએ પૂછેલા સવાલોના સાચા ઉત્તરો શીલવતીની મદદથી આપીને મુખ્ય પ્રધાન બનેલા અજિતસેનને રાજાની સાથે યુદ્ધમાં જવાનું થાય છે. શીલવતીએ આપેલા તેના શીલના પ્રતીક રૂપ અમ્લાન પદ્મને જોઈને, આ વાત પર વિશ્વાસ ન બેસતાં રાજા પોતાના ૪ પ્રધાનોને શીલવતીનો શીલભંગ કરવા મોકલે છે. શીલવતી યુક્તિપૂર્વક એ ચારેયને કેદ કરે છે અને યુદ્ધમાં વિજયી બનીને પાછા ફરેલા રાજાને સોંપી દે છે. રાજા શીલવતીનું બહુમાન કરે છે. દૃષ્ટાંતકથા રૂપે ૭૫૦ જેટલી કડીમાં વિસ્તરતી પાતાલસુંદરીની સ્ત્રીચરિત્રની કથાને સમાવતા આ રાસનું મૂળ કથાવસ્તુ તો સંક્ષિપ્ત છે. કૃતિ દીર્ઘ બની છે તે કવિની મોકળાશભરી નિરૂપણરીતિને કારણે. મંગલશ્લોકમાં સરસ્વતીના સૌન્દર્યનું પણ નવેક કડી સુધી આલંકારિક વર્ણન કર્યા વિના કવિ રહી શક્યા નથી. કૃતિમાં શૃંગારવર્ણન, સમસ્યા અને સુભાષિતોની પ્રચુર સામગ્રી કવિએ વણી લીધી છે. કૃતિનું ‘શૃંગારમંજરી’ એ નામ સહેતુક જણાય છે, કેમ કે એમાં ૫૦૦-૭૦૦ કડીઓ રોકતું શૃંગારવર્ણન આવે છે તેમ જ ઘણાંબધાં સ્નેહવિષયક સુભાષિતો પણ ગૂંથાય છે. સંયોગશૃંગારના નિરૂપણમાં વસંતવિહારનિમિત્તે ફાગુનો કાવ્યબંધ અંતર્ગત થયો છે, તો વિરહનિરૂપણમાં બારમાસી, વર્ષાવર્ણન, પનિહાં, અણખિયાં તથા પત્રલેખન એવી ભાવચરિત્રણની વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ કર્યો છે. આ પંડિત કવિ ૧૦ સ્મરદશાઓનો નામોલ્લેખ કરવાનું પણ ચૂક્યા નથી. કવિનું પાંડિત્ય સમસ્યાઓની યોજનામાં પણ દેખાય છે. સમસ્યાઓના ઉત્તરો ઘણીવાર ચિત્રબંધો રૂપે અપાયા છે ને ગણિતની કૂટ સમસ્યાઓ પણ અહીં ઉપયોગમાં લેવાયેલી છે. કવિ તેમ જ પાત્રોના ઉદ્ગારો રૂપે આવતાં સુભાષિતો કહેવતો, રૂઢિપ્રયોગો તથા દૃષ્ટાંત જેવા અલંકારોના વિનિયોગથી અસરકારક બનેલા છે. શૃંગારના અનેક મનોભાવોના નિરૂપણોમાં તેમ યમકાદિક શબ્દાલંકારો ને ઉપમા, રૂપકો આદિ અર્થાલંકારોના આયોજનમાં કર્તાની પ્રૌઢ કવિત્વશક્તિ પ્રતીત થયા વિના રહેતી નથી. [ર.ર.દ.]

‘શૃંગારશત’ : વિવિધ અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં રચાયેલું અજ્ઞાતકર્તૃક ૧૦૫ કડીનું શૃંગારરસનું આ મનોરમ કાવ્ય(મુ.) તેના છંદોબંધથી માંડી અનેક રીતે ગુજરાતી કવિતામાં વિશિષ્ટ બની રહે એવું છે. કાવ્યની રચનાનું ચોક્કસ વર્ષ મળતું નથી. એટલે કાવ્ય ક્યારે રચાયું એ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. પરંતુ કાવ્યની ભાષાના સ્વરૂપને આધારે તે સં. ૧૩૫૦-૧૪૫૦ દરમ્યાન રચાયું હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણની પંક્તિઓ વગર સીધો જ કાવ્યનો પ્રારંભ અને સમાપનની પંક્તિઓ વગર આવતો કાવ્યનો અંત પણ વિલક્ષણ છે. એટલે કાવ્યને આપાયેલું શીર્ષક લિપિકારે આપ્યું હોય કે કવિએ આપ્યું હોય. ભર્તૃહરિ ને અમરુકવિના શૃંગારશતકો જેવું કાવ્ય રચવાનો કવિનો પ્રયાસ હોય એમ લાગે છે. એ રીતે ગુજરાતીમાં આ પ્રકારનું કાવ્ય રચવાનો કવિનો પહેલો પ્રયાસ કહી શકાય. કાવ્યના શીર્ષક પરથી સૂચવાય છે તેમ સ્ત્રીપુરુષ વચ્ચેની શૃંગારક્રીડાને આલેખવી એ કવિનું લક્ષ્ય છે, પરંતુ કવિ પ્રકૃતિમાં બદલાતી વિવિધ ઋતુઓ સાથે શૃંગારક્રીડાને એવી રીતે સાંકળે છે કે ઋતુપરિવર્તનની સાથે કામક્રીડાના રૂપમાં પરિવર્તન થતું બતાવે છે. પ્રારંભની ૩૮ કડીઓમાં નાયિકાના રૂપ ને શણગારનું વર્ણન, નાયિકાનો વિરહભાવ અને પ્રિયતમને જોઈ કામઘેલી બનતી નાયિકાને આલેખી કવિએ કામોત્કટ નાયિકાનું ચિત્ર દોર્યું છે. ૩૯થી ૬૧ કડી સુધીના વસંતવર્ણનમાં ઉદ્દીપક વસંત, સ્ત્રીપુરુષની શૃંગારકેલિ અને પ્રવાસે ગયેલા પથિકની વ્યાકુળતા આલેખાય છે. અહીં સુધીના કવિએ કરેલા આલેખનમાં પરંપરાનો પ્રભાવ સારી પેઠે વરતાય છે. પરંતુ ૬૨મી કડીથી શરૂ થયેલા ગ્રીષ્મવર્ણનથી આલેખન વધારે વાસ્તવિક ને જીવંત બનવા માંડે છે. ગીષ્મવર્ણનમાં ‘સઇણિલોક અગ્ગસઇ પુઢણાં’, જેવાં સ્વભાવોક્તિચિત્રો દોરાય છે. અગાસી, ચાંદની, રાત્રિની શીતળતા ને ઝીણાં વસ્ત્રો-કામભાવ જાગવા માટેની અનુકૂળ સ્થિતિ! ૭૦થી ૮૨ કડી સુધીના વર્ષાવર્ણનમાં “દિસિ ચડઈ ચિહું ચંચલ આભલાં” ને “અવનિ નીલતૃણાંકુરુસંકુલા” જેવાં સ્વભાવોક્તિચિત્રો દોરાય છે. પછી બહાર જળની ધારાઓ, વખતોવખત વીજપ્રકાશથી આલોકિત થઈ ઊઠતાં ગોખ ને જાળિયાં ને વ્યાપી વળતો ઘોર અંધકાર, એ વાતાવરણની વચ્ચે શૃંગાર અને વિરહની ભૂમિકા રચાય છે. ૮૩થી ૮૮ કડી સુધીના શરદવર્ણનમાં વચ્ચે શૃંગાર અને વિરહની ભૂમિકા રચાય છે. “દિસિ દસઈ હિય હૂઇ મોકલી” કહી સ્વાતિ નક્ષત્રમાં વરસતું જળ ક્યાંક કોઈક સીપમાં મોતી જન્માવશેની વાત શૃંગારસમાધિની સુખદ પરિણતિનો સંકેત કરે છે. ૮૯થી ૯૩ કડી સુધીના હેમંતવર્ણનમાં હેમંતમાં ખીલેલી પ્રકૃતિ, સુશોભિત વસ્ત્રો ને સ્વાદિષ્ટ ભોજનની વચ્ચે કામસુખ ભોગવાય છે. ૯૪થી ૧૦૫ કડી સુધી ચાલતાં શિશિરવર્ણનમાં “તાપિઉં ભાવઈ તાઢી વેલાં સીઆલઈ” જેવી ઠંડી ઋતુમાં કવિ વિશેષ પ્રગલ્ભ બની “ભુજ ભુજિઈં મુસ્ખિસ્યઉ મુખિ સંમિલઈ” “ઉરઉરિઈં ઉદરોદરિ પીડીઈ”, “સુરતુ આસનિ દંપતિ મંડીઈં” એ શબ્દોથી કામભોગની અવસ્થા વર્ણને છે. રવાનુકારી શબ્દો, કોમળ વ્યંજનો અને પ્રાસઅનુપ્રાસયુક્ત કોમળ પદાવલિ પણ શૃંગારભાવને ઘણાં પોષક બને છે. કૃતિ : ભારતીયવિદ્યા, તૃતીય ભાગ, સં. ૨૦૦૦-૨૦૦૧-‘શૃંગારશત’, સં. જિનવિજ્યમુનિ. [જ.ગા.]

શ્રવણ(સરવણ)-૧ [ઈ.૧૬૦૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ‘ઋષિદત્તા-રાસ’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, પોષ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

શ્રાવણ-૨ [ ] : માર્ગીપંથના કવિ. નકલંકી અવતાર ક્યારે થશે, તેનું સાવગત કોણ કેવી રીતે કરશે, તેના સાગરીતો કોણ હશે, એ અવતાર થતાં શાં શાં પરિવર્તનો થશે-એ સઘળી વીગતોનું નિરૂપણ કરતા ૧૩ કડીના ‘આગમ’(મુ.)ના કર્તા. એ સિવાય કળિયુગનું વર્ણન કરતાં ઉત્તર દિશામાંથી આવનાર સાયબાના સ્વરૂપ ને તેના સૈન્યને વર્ણવતાં ‘આગમ’ કે પરમતત્ત્વની અનન્યતાને બતાવતાં ને તેને ઓળખવાનો બોધ કરતાં ભજનો(મુ.) પ્રાપ્ત થાય છે. તેમના રચયિતા પણ આ કવિ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૩. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૪. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૫. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૬. સતવાણી. [ર.ર.દ.]

શ્રીકરણ(વાચક) : આ નામે ૮ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય/દશમાધ્યાયની સઝાય/સમોવસરણની સઝાય’ (મુ.) મળે છે. આ કર્તા શ્રીકરણ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. દેસ્તસંગ્રહ; ૩. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

શ્રીકરણ-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. ૮ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮) અને ૪ કડીની ‘શીલગીત’(મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

શ્રોદત્ત [ઈ.૧૫૦૭માં હયાત] : અંચલગચ્છના શ્રાવક કવિ. વિવેકરત્નસૂરિના શિષ્ય. ૧૦૮ કડીના ‘મહાવીર-વિવાહલું’ (ર.ઈ.૧૫૦૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

શ્રીદેવ-૧ [ઈ.૧૬૯૩માં હયાત] જૈન સાધુ. જ્ઞાનચંદના શિષ્ય. ૮ કડીની હિન્દીપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ‘રહનેમિ-સઝાય’(મુ.), શિષ્ય કલ્યાણની સહાયથી રચાયેલી ‘થાવચ્ચામુનિ-સંધિ’ (ર.ઈ.૧૬૯૩/સં.૧૭૪૯, માગશર વદ ૭), ૧૩ ઢાળની ‘સાધુવંદના’, ૨૭૬ કડીની ‘ઋષભવિવાહ-ધવલ’, ‘નાગશ્રી-ચોપઈ’, ‘ધનાઅણગાર-સઝાય’ તથા અન્ય કેટલીક સઝાયોનાં કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭. સંદર્ભ : ૧. પ્રાકારૂપંરપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી. [કી.જો.]

શ્રીદેવ-૨ [ઈ.૧૭૧૬માં હયાત]: જ્ઞાનમાર્ગી કવિ. પાટણના વતની. ૪૮૪ કડીની ‘હસ્તામલક’, ‘નરબોધ’(ર.ઈ.૧૭૧૬), ‘પંચીકરણ’, ‘માતરનો ગરબો’ના કર્તા. તેમણે કબીરનાં પદોના અનુવાદ પણ કર્યાં છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ;  ૫. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ;  ૫. ડિકૅટલૉગબીજે. [કી.જો.]

શ્રીદેવ-૩ [ ] : ‘માતરનો ગરબો’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

શ્રીધન [ઈ.૧૫૯૬ સુધીમાં] : ‘રામસીતા-રાસ’ (લે.ઈ.૧૫૯૬)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

શ્રીધર : આ નામે ‘અરનારી’ નામક કૃતિ મળે છે તે કયા શ્રીધરની છે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

શ્રીધર-૧ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : ઈડરના રાવ રણમલના આશ્રિત બ્રાહ્મણ કવિ. અવટંક વ્યાસ. તેઓ ઈડરના રાવ પુરોહિત હોવાનું પણ અનુમાન થયું છે. તેમનાં કાવ્યોમાં મૂકેલા સંસ્કૃત શ્લોકો પરથી તેઓ સંસ્કૃતના જ્ઞાતા હોવાની સંભાવના છે. ‘રણમલછંદ’ના આરંભમાં મૂકેલી સંસ્કૃત આર્યામાં મળતાં તૈમૂરલંગની ચડાઈ (ઈ.૧૩૯૮)ના નિર્દેશ પરથી કવિએ એ સમય દરમ્યાન કાવ્ય રચ્યું હોવાનું લાગે છે. તો તેઓ ઈ.૧૪મી સદીના અંતભાગમાં હયાત હતા એમ કહી શકાય. ઈડરના રાવ રણમલ અને પાટણના સૂબા મીર મલિક મુફર્રહ વચ્ચ થેયલા યુદ્ધ (ઈ.૧૩૯૦ આસપાસ) અને તેમાં રણમલના થયેલા વિજ્યની કથા આલેખતી ૭૦ કડીની ‘રણમલ-છંદ’(મુ.) કવિની વીરરસવાળી અને ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વ ધરાવતી કૃતિ છે. એમાં પ્રયોજાયેલી વીરરસને પોષક અપભ્રંશની ‘અવહઠ્ઠ’ પ્રકારની ભાષા તેની વિશિષ્ટતા છે. માર્કંડેયપુરાણના દેવીચરિત્ર અથવા ચંડીઆખ્યાનને આધારે રચાયેલો ૧૨૦ કડીનો ‘ઈશ્વરી-છંદ/દેવીકવિત/ભગવતી ભાગવત/સપ્તસતી/સહસ્ત્ર-છંદ’ તથા ૧૨૭ કડીએ અધૂરો રહેલો ‘ભાગવતદશમસ્કંધ/કવિત ભાગવત’ કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : પંગુકાવ્ય. સંદર્ભ : ૧. રણમલ્લછંદ અને તેનો સમય, સૈયદ અબુઝફર નદવી, ઈ.૧૯૪૧; ૨. આકવિઓ; ૩. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૪. કવિચરિત : ૧-૨; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામધ્ય; ૭. ગુસારૂપરેખા : ૧; ૮. ગુસારસ્વતો; ૯. ગુલિટરેચર; ૧૦. નભોવિહાર, રા. વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘પ્રા. ગુ. કાવ્ય સાહિત્યનું વિહંગાવલોકન’; ૧૧. મસાપ્રવાહ;  ૧૨. આલિસ્ટઑઇ : ૨; ૧૩. ગૂહાયાદી ૧૪. જૈગૂકવિઓ : ૩(૨); ૧૫. ડિકૅટલૉગભાવિ; ૧૬. ફૉહનામાવલિ; ૧૭. મુપુગૂહસૂચી; ૧૮. લીંહસૂચી. [ચ.શે.]

શ્રીધર-૨ [ઈ.૧૫૦૯માં હયાત] : જૂનાગઢના મોઢ અડાલજા વણિક. પિતા સહમા મંત્રી. અષ્ટપદી ચોપાઈની ૨૦૪ અને અંતે પૂર્વછાયામાંથી ચોપાઈની ૫ કડી મળી કુલ ૨૦૯ કડીની ‘રાવણમંદોદરી-સંવાદ’(ર.ઈ.૧૫૦૯; મુ.) એ કવિની ધ્યાનપાત્ર ઉખાણાગ્રથિત રચના છે. આમ તો મંદોદરી રાવણને રામ સાથે યુદ્ધ ન કરવા સમજાવે છે અને રાવણ એ વાત સમજવાનો ઇનકાર કરે છે એ કાવ્યનો મુખ્ય પ્રસંગ છે, અને આખું કાવ્ય મુખ્યત્વે બંનેના સંવાદ રૂપે ચાલે છે. પરંતુ કાવ્યની દરેક કડીમાં ૧ કે વધુ ઉખાણાં ગૂંથી તથા ‘કરિસી કવિત ઉખાણી કરી’ એમ કાવ્યનો ઉદ્દેશ સ્પષ્ટ કરી કવિએ મુખ્ય આશય કૃતિમાં પોતાના સમયમાં ભાષાની અંદર પ્રચલિત ઉખાણાં (રૂઢોેક્તિઓ) ગૂંથી લેવાનો રાખ્યો છે. એમ કરવા જતાં પાત્રના ગૌરવને હાનિ પહોંચાડે એવી ઘણી ઉક્તિઓ કાવ્યમાં પ્રવેશી ગઈ છે, તેમ છતાં તે સમયની લોકભાષાને સમજવા માટે આ મહત્ત્વની કૃતિ છે. નરસિંહની ઢાળની કડીઓમાં સાંકળી કરવાને લીધે બંધની દૃષ્ટિએ થોડું જુદું પડતું, પદસદૃશ ૧૬ કડવાંનું, શિવભીલડીનાં સંવાદ રૂપે રચાયેલું ‘ગૌરીચરિત્ર/મૃગલી-સંવાદ’(મુ.) કવિનું આખ્યાનકોટિનું કાવ્ય છે. કૃતિ : ૧. પ્રબોધબત્રીશી અને રાવણમંદોદરીસંવાદ, સં. મ. બ. વ્યાસ, ઈ.૧૯૩૦; ૨. બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. સસામાળા; ૭. વિદ્યાપીઠ, માર્ચ-એપ્રિલ ૧૯૭૧-‘શ્રીધરની કહેવતો’, દિનેશ શુક્લ;  ૮. ગૂહાયાદી; ૯. જૈગૂકવિઓ : ૧; ૧૦. લીંહસૂચી. [ચ.શે.]

શ્રીધર-૩ [જ.ઈ.૧૬૧૯-અવ.ઈ.૧૬૬૪] : જુઓ રૂપસિંહજી શિષ્ય કેશવજી.

શ્રીધર્મ [ ] : જૈન સાધુ. ‘દશશ્રાવક બત્રીસી-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

‘શ્રીપતિ’ [જ.ઈ.૧૬૧૯-અવ.ઈ.૧૬૬૪] : જુઓ રૂપસિંહજીશિષ્ય કેશવજી.

શ્રીપાલ(ઋષિ) [ઈ.સ. ૧૬૦૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ગદ્યકર્તા. ૨૯૫૦ શ્લોકના ‘દશવૈકાલિકસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. લીંહસૂચી. [કી.જો.]

શ્રીભટ્ટ [ ] : ‘ગીતાસાર’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

શ્રીમેરુ(શિષ્ય) [ઈ.૧૭૦૫ સુધીમાં] : જૈન સાધુ. ‘શોભન-સ્તુતિ’ ચતુર્વિંશતિકા-સ્તબક’ (લે.ઈ.૧૭૦૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

શ્રીવલ્લભ(સૂરિ) [ઈ.૧૭૦૫ સુધીમાં] : જૈન સાધુ. જ્ઞાનવિમલ ઉપાધ્યાયના શિષ્ય. ગુજરાતી ભાષામાં ૯૩ કડીની ‘નમસ્કારમહામંત્ર-સ્તવન’ તથા અન્ય સંસ્કૃત કૃતિઓ ‘શીલોચ્છનામકોષ પર ટીકા’ (ર.ઈ.૧૫૯૮), ‘વિજ્યદેવમહાત્મ્ય’ (ર.ઈ.૧૫૯૯), ‘અભિધાનનામમાલા-વૃત્તિ’ (ર.ઈ.૧૬૧૧) વગેરેના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]

શ્રીવંત : આ નામે ૪૪ ઢાળની ‘ઋષભદેવ-વિવાહલો’ (ર.ઈ.૧૫૧૯ લગભગ), ૨૩૬ કડીની ‘આદિનાથ-વિવાહલો/ઋષભદેવધવલપ્રબંધ - વિવાહલુ, ‘હૂંડી’, ‘ઢોલિયાવર્ણન’ તથા સ્તુતિ આદિ અનેક કૃતિઓ મળે છે. આ કર્તા શ્રીવંત-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, ‘ઋષભદેવ-વિવાહલો’ અને ‘આદિનાથ-વિવાહલો’ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૨-‘શ્રી સીમંધર શોભાતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ’, અગરચંદ નાહટા; ૨. એજન, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

શ્રીવંત-૧ [ઈ.૧૫૭૫માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કમલવિજ્યના શિષ્ય. ૧૬૫ કડીની ‘દંડકવિચારગર્ભિતશાંતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૭૫) તથા ૧૦૩ કડીની ‘જિનપ્રતિમા હૂંડી-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

શ્રીવિજ્ય [ ] : જૈન સાધુ. ૬૩ કડીના ‘બાસઠ-બોલગર્ભિતશાંતિપાર્શ્વનાથ-જિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. તપગચ્છના રામવિજ્યના શિષ્ય શ્રીવિજ્યગણિ જેમણે ઈ.૧૫૩૭માં રઘુવંશ પર ટીકા લખી એ જ કવિ આ હોય તો તેમનો સમય ઈ.સ.ની ૧૬મી સદીનો પૂર્વાર્ધ થાય. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

શ્રીસાગર(બ્રહ્મ) [ઈ.૧૬૨૫માં હયાત] : ‘આદિત્યવાર-કથા’ (ર.ઈ.૧૬૨૫)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

શ્રીસાર [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નહર્ષ વાચકના શિષ્ય. ‘ગુણસ્થાન ક્રમારોહ પર બાલાવબોધ’ (ર.ઈ.૧૬૨૨), ‘સત્તરભેદી પૂજાગર્ભિત શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૧૧ ઢાલની ‘જિનરાજસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, અસાડ વદ ૧૩; મુ.), ‘પાર્શ્વનાથ-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ૨૫૨ કડીની ‘આનંદશ્રવાક-સંધિ’ (ર.ઈ.૧૬૨૯), ‘મોતીકપાસિયા-સંવાદ’ (ર.ઈ.૧૬૩૩), ૫૨ કડીની ‘કવિતબાવની/સાર-બાવની’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, આસો સુદ ૧૦), ‘વાસુપૂજ્યરોહિણી-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬), ૪ ઢાળનું ‘ઉજમણા નિમિત્ત રોહિણી-સ્તવન’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, શ્રાવણ સુદ ૪; મુ.), ૭૦ કડીની ‘ઉપદેશ-સિત્તરી/ગર્ભવેલી/જીવભવઉત્પત્તિનું વર્ણન/તંદુલ થયાની સૂત્ર-સઝાય’ (મુ.), ૧૪ કડીની ‘મેઘકુમાર-સઝાય’(મુ.), ૨૦/૨૧ કડીનું ‘ફલવર્ધિપાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૨૧ કડીની ‘સ્યાદવાદની સઝાય’(મુ.), ‘કૃષ્ણરુક્મિણી-વેલિ-બાલાવબોધ’, ગૌતમપૃચ્છા-સ્તવન’, ‘જય-વિજ્ય/જયવિનય-ચોપાઈ’, ‘તમાકુ-ગીત’, ૧૪ કડીનું ‘દશશ્રાવક-ગીત’, ‘જિનપ્રતિમા-સ્થાપના-સ્તવન’ તથા રાજસ્થાનીમિશ્ર હિન્દી ભાષામાં ૨૦ કડીની ‘સ્વાસ્થ્ય-સઝાય’(મુ.) અને સંસ્કૃતમાં ‘મહાવીરસ્તુતિ-વૃત્તિ’, ‘અનેક શાસ્ત્રસારસમુચ્ચય’, છ કાંડમાં ‘નામ-કોશ’ જેવી અનેક કૃતિઓની એમણે રચના કરી છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ (+સં.); ૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ; પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૪. જૈસમાલા (શા) : ૨; ૫. જૈસસંગ્રહ (જૈ); ૬. જૈન સુબોધ સ્તવનસંગ્રહ, સં. જુગરાજ ભૈં. શેઠિયા, ઈ.૧૯૨૩; ૭. જ્ઞાનાવલી; ૮. ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્રકા. શ્રાવક મંગળદાસ લ. સં. ૧૯૬૯; ૯. સજઝાયમાલા(શ્રા) : ૧;  ૧૦. જૈન સત્યપ્રકાશ ફેબ્રુ. ૧૯૪૯-‘પાર્શ્વનાથ-સ્તોત્ર’, સં. રમણિકવિજ્યજી; ૧૧. એજન, ફેબ્રુ. ૧૯૪૬-‘ફલવર્ધિ પાર્શ્વનાથસ્તુતિ’, સં. શોર્લોટ ક્રાઉઝે (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય; ૫. યુજિનચંદ્રસૂરિ;  ૬. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. જૈહાપ્રોસ્ટા; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

શ્રીસુખનિધિભાઈ [ઈ.૧૭૭૯માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના કવિ. તેઓ ગોધરાના મોટાભાઈની નાની બેનના દીકરા થાય. તેમણે ‘શ્રી વલ્લભરત્નરસાવલી’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૨૫, પોષ સુદ ૭) નામનો ગ્રંથ તથા ‘વલ્લભદાસ’ એવી નામછાપથી ઘણાં ધોળ તથા પદની રચના કરી છે. સંદર્ભ : ગોપ્રભકવિઓ. [કી.જો.]

શ્રીસુંદર-૧ [ઈ.૧૫૮૦/ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં હર્ષવિમલના શિષ્ય. ૨૮૪ કડીનો ‘અગડદત્ત-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૧૦ કે ર.ઈ.૧૬૩૬/સં.૧૬૬૬, કારતક-૧૧, શનિવાર), ૧૧ કડીનું ‘જિનચંદ્રસૂરિ-ગીત’(મુ.) તથા અન્ય કેટલીક નાનીમોટી કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

શ્રીસોમ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં સમયકીર્તિના શિષ્ય. ૧૩ ઢાળની ‘ભુવનાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, માગશર વદ ૫, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ; ૨, ૩(૨). [કી.જો.]

શ્રીહર્ષ : આ નામે કોઈ જૈન કવિની ૧૦ કડીની ‘સાસુવહુ-વિવાદ’ કૃતિ મળે છે. તેના કર્તા શ્રીહર્ષ -૧ છે કે કેમ તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]

શ્રીહર્ષ-૧ [ઈ.૧૬૪૪માં હયાત] : જૈન સાધુ. જ્ઞાનપદ્મના શિષ્ય. ‘કર્મગ્રંથ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

શ્રુતરંગજી : આ નામે ૬ કડીની ‘નંદિષેણ-સઝાય’(મુ.), ૧૬ કડીના ‘નેમિનાથ-બારમાસ’ (લે.ઈ.૧૫૧૮), ૧૫ કડીનું ‘પદ્માવતી-ગીત’ (લે.ઈ.૧૮૫૯), ૪૮ કડીનું નેમિનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શ્રુતરંગ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]

શ્રુતસાગર : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગુણાવલિ-બુદ્ધિપ્રકાશ-રાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા શ્રુતસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [પા.માં.]

શ્રુતસાગર(મુનિ)-૧ [ઈ.૧૫૮૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યસાગરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નના શિષ્ય. ૧૯ ઢાળ અને ૨૦૮ કડીના ‘શ્રીદત્ત (વૈરાગ્યરંગ)-રાસ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, આસો વદ ૧૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

શ્રુતસાગર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય. ‘ઋષિમંડલ’ ઉપર રચેલા બાલાવબોધ (ર.ઈ.૧૬૧૪) તથા સંસ્કૃતકૃતિ ‘ચતુર્દશીપાક્ષિકવિચાર’ (ર.ઈ.૧૬૨૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]

શ્રુતસાગર-૩ [ ] : તપગચ્છના જૈન સાધુ. જગતચંદ્રની પરંપરાના કે તેમના શિષ્ય. ૬૨ કડીના ‘કર્મવિપાક (કર્મગ્રંથ)-૧’ પરના સ્તબક (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

શ્રુતસાગરશિષ્ય [ ] : જૈન સાધુ. ૨૧ કડીની ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

‘શ્રેણિક-અભયકુમાર-ચરિત’ : મુખ્યત્વે વસ્તુ, દુહા અને ચોપાઈ ને કવચિત્ છપ્પાને પ્રયોજતી ૩૬૮ કડીની દેપાલકૃત આ રાસ-કૃતિ(મુ.) શ્રેણિક અને તેના પુત્ર અભયકુમારના બુદ્ધિચાતુર્યની રસપ્રદ કથા કહે છે. આ વિષયની એ સૌથી પહેલી ગુજરાતી કૃતિ તરીકે નોંધપાત્ર ઠરે છે. પ્રસેનજિતરાજાએ પોતાના સો પુત્રોની પરીક્ષા કરવા યોજેલી કસોટીમાં શ્રેણિક પાર ઊતર્યો પણ એ માટે એણે ખાજાંનો ભૂકો કરવો પડ્યો, કૂતરાની પંગતમાં જમવું પડ્યું ને બળતા ઘરમાંથી ઉત્તમ વસ્તુ તરીકે એ ભંભ નામનું વાજિંત્ર લવ્યો, તેથી ગમાર ગોવાળિયો કહીને રાજાએ એને રાજસભામાં આવવાની મના કરી. દેશાટને નીકળેલો શ્રેણિક પોતાની પાસેની મંત્રવિદ્યા ઉપરાંત વજ્રાકરપર્વતના અધિદેવતાની કૃપાથી મળેલા રત્નોના પ્રતાપે સંકટોમાંથી બચે છે અને રાજાની અવકૃપાથી ગરીબ બની ગયેલા ધનશ્રેષ્ઠીને સહાયરૂપ થઈ પોતે પણ સંપત્તિવાન બને છે ને એની પુત્રી સુનંદાને પરણે છે. પુત્રના ચાલ્યા જવાનું દુ:ખ અનુભવતા પ્રસેનજિતને સાર્થવાહ પાસેથી શ્રેણિકની ભાળ મળે છે ને એને લાગણીભરેલા ઠપકાના પત્રો મોકલે છે; જેના શ્રેણિક પણ યોગ્ય ઉત્તરો આપે છે. છેવટે એ પોતાની નગરીમાં આવી રાજ્યધુરા સંભાળે છે. મંત્રીની યોગ્ય પસંદગી માટે પાણી વગરના કૂવામાંથી કશા સાધન વિના વીંટી કાઢી આપવાની કસોટી એ રચે છે. ગર્ભાવસ્થામાં જ જેને પોતે છોડ્યો હતો એ એનો પુત્ર અભયકુમાર આ વીંટી પોતાના બુદ્ધિચાતુર્યથી કાઢી આપે છે ને પિતાપુત્રનું મિલન થાય છે. કથાપ્રસંગોને સામાન્ય રીતે લાઘવથી રજૂ કરતી આ કૃતિમાં પ્રવાહિતા અને પ્રસાદિકતા છે ને કવચિત્ વર્ણન, મનોભાવનિરૂપણ ને સુભાષિત વચનથી એમાં અસ્વાદ્ય અંશો પણ આવ્યા છે. વસ્તુ-છંદના અર્ધચરણને બેવડાવીને કવિએ એની ગેયતા વધારી છે એ ધ્યાનાર્હ છે.[જ.કો.]

ષટપ્રજ્ઞદાસ/ષષ્ટમદાસ : જુઓ આંબાજી.

‘ષડઋતુવર્ણન’ : ૬ ખંડની દયરામકૃત આ રચના(મુ.)માં દરેક ખંડમાં ૧૨ કડી અને અંતે શાર્દૂલવિક્રીડિત અને માલિની એ અક્ષરમેળ વૃત્તોની ૨ કડીઓ છે. કૃતિ રાધાના સખી પ્રત્યેના ઉદ્ગાર રૂપે રચાયેલી છે અને વર્ષાઋતુથી આરંભાઈ ગીષ્મઋતુ આગળ પૂરી થાય છે પ્રકૃતિવર્ણન ને વિરહશૃંગારના પરંપરાગત નિરૂપણોનો લાભ લેતી આ કૃતિમાં સઘન ચિત્રાત્મકતા છે ને અનુપ્રાાસ, યમક આદિ શબ્દાલંકરણોનો થોડોક અતિરેકભર્યો આશ્રય લેવાયો છે. પ્રસંગાનુરૂપ નૂતન કલ્પના પણ આપણને સાંપડે છે. જેમ કે, રાધા કહે છે કે કામદેવે મને છેતરવા માટે આ આકાશની માયાવી રચના કરી છે-પ્રિયતમના વર્ણનું (નીલ) આકાશ, મેઘધનુષ તે પીતાંબર, બગલાની હાર અને મોતીની માળા, વાદળો તે ગાયો ને ચાતક ‘પિયુ પિયુ’ કરી મારામાં પ્રતીતિ જન્માવે છે. અંતમાં રાધાને પિયુ કૃષ્ણનાં ‘ભાવાત્મક’ ‘સ્ફુટદર્શન’ થાય છે અને રાધા કહે છે : “વિરલા લહે કો એ મરમને, એ વિરહ ભિન્ન જાતી, જ્યમ લોહારની સાણસી [ક્ષણુ] શીતલ ક્ષણુ તાતી.” એટલે કે આ લૌકિક વિરહશૃંગારનું કાવ્ય નથી, આ વિરહ ભક્તિનું કાવ્ય છે.[સુ.દ.]

‘ષડાવશ્યક-બાલાવબોધ-વૃત્તિ’ [ર.ઈ.૧૩૫૫/સં.૧૪૧૧, આસો વદ ૩૦, શનિવાર] : તરુણપ્રભસૂરિકૃત આશરે ૭૦૦૦ ગ્રંથાગ્રની આ ગદ્યકૃતિ(મુ.) મધ્યકાલીન ગુજરાતી બાલાવબોધ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જૈન શ્રાવકોએ પાળવાના વ્રતનિયમો અને વિધિનિષેધો નિરૂપતા આવશ્યકસૂત્રના એમાં માત્ર શબ્દાર્થ નથી, વિસ્તૃત સમજૂતી પણ છે. એ સમજૂતીમાં અનેક ઇતર શાસ્ત્રીય આધારોનો વિવરણપૂર્વક વિનિયોગ કરી લેવામાં આવ્યો છે ને એ રીતે એમાં મૂળસૂત્ર પાઠ ઉપરાંત સેંકડો પ્રાચીન ગાથાઓ ને શ્લોકો-જેમાં ઘણાં હિન્દુ શાસ્ત્રોનાં પણ છે-ઉદ્ધૃત થયાં છે. આમ કૃતિ એક આકરગ્રંથ બની રહે છે. વ્રતનિયમોના પાલનમાં થતા ગુણદોષો સમજાવતાં કવિએ દૃષ્ટાંત રૂપે ૨૩ જેટલી કથાઓ આપી છે, જેમાં કવિની ભાષ્યકાર ઉપરાંત કથાકારની શક્તિ પણ પ્રગટ થાય છે. કવિએ સ્વરચિત સંસ્કૃત સ્તવનો પણ કૃતિમાં ગૂંથી લીધાં છે. શિષ્ટ સંસ્કૃત પદાવલિ ને દીર્ઘ સમાસો પણ ધરાવતી ગદ્યપ્રૌઢિ, વિષયપ્રસંગ અનુસાર લાંબાંટૂંકાં વાક્યોના વિનિયોગથી સધાતી પ્રવાહિતા ને પ્રાસાદિકતા તથા ક્યારેક સાહિત્યિક અભિવ્યક્તિનો આશ્રય લેવાથી નીપજતી રમણીયતા કવિને એક નોંધપાત્ર ગદ્યકાર તરીકે સ્થાપી આપે છે. કૃતિની કવિના સમયની (ઈ.૧૩૫૬ અને ઈ.૧૩૬૨) તેમ જ કવિએ સંશોધેલી હસ્તપ્રતો પ્રાપ્ય હોઈ એ સમયની ભાષાનો શ્રદ્ધેય નમૂનો એમાં સાંપડે છે ને કૃતિ ભાષા-અભ્યાસની દૃષ્ટિએ મહત્ત્વની ઠરે છે.[ર.ર.દ.]