ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ

Revision as of 09:25, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs)




ગજકુશલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિનયકુશલની પરંપરામાં દર્શનકુશલના શિષ્ય. ૨૯ ઢાળના ‘ગુણાવલીગુણકરંડ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ગજરાજ(પંડિત) [ઈ.૧૫૪૦ પછી] : જૈન. હીરવિજયજીની દીક્ષા (ઈ.૧૫૪૦)ને અનુલક્ષીને રચાયેલા ‘હીરવિજયસૂરિના બારમાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧. [શ્ર.ત્રિ.]

ગજલાભ(ગણિ) [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ચારિત્ર્યલાભના શિષ્ય. વાચકપદ ઈ.૧૫૫૫માં. ૮૪ કડીની ‘બારવ્રતટીપ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૧) અને ૪ ઢાળની ‘જિનાજ્ઞા-હૂંડી/અંચલગચ્છની હૂંડી’ (મુ.)ના કર્તા. કૃતિ : આર્ય-કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘જિનાજ્ઞા વિધિપક્ષ(અંચલ)ગચ્છની હૂંડી’, સં. કલાપ્રભસાગરજી. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]

'ગજવિજય' : આ નામે ૨૪ કડીના ‘હીરવિજયઆદિવિષયક સવૈયા’ (લે. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા ગજવિજય છે તે નિશ્ચિત થતું નથી. આ નામે મળતી ‘સંગ્રહણી-રાસ’ (ર.ઈ.૧૭૨૧)ના કર્તા ગજવિજય-૨ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ગજવિજય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિ(આચાર્યકાળ ઈ.૧૬૨૬-ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ગજવિજય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. ૪૧૦ કડીની ‘જયસેનકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, આસો સુદ ૭, સોમવાર), ૩૯ ઢાળના ‘મુનિપતિ-રાસ’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ફાગણ સુદ ૬) અને ‘ગુણાવલી’ (ર.ઈ.૧૭૨૮)એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨);૨ મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ગજસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬૦૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૪૨ કડીની ‘નેમિચરિત્ર-ફાગ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ફાગણ-૬, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧. [કી.જો.]

ગજસાર[ઈ ૧૬૬૧ સુધીમાં] : જૈન સાધુ. ૨૨૨ ગ્રંથાગ્રની ‘પુંડરીક-કુંડરીકમુનિ-સંધિ’ (લે. ઈ.૧૬૬૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્રત્રિ.]

ગજાનંદ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વાચક વિવેકહર્ષ (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) તથા પંડિત જયાનંદના શિષ્ય. ૧૨૦ ગ્રંથાગ્રની ‘વિજયસિંહસૂરિ-સઝાય’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ:૨. [શ્ર.ત્રિ.]

ગજેન્દ્રપ્રમોદ [ઈ.૧૫૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૬૮ કડીની ‘ચિતોડચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૧૭/ઈ.૧૫૭૩, ફાગણ વદ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]

ગણદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક. હીરવિજયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)ની હયાતીમાં રચાયેલ, એમની પ્રશસ્તિ કરતી ૨ હિંદી સવૈયાવાળી ૫ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐસમાલા:૧; ૨. પસમુચ્ચય:૨. [શ્ર.ત્રિ.]

ગણપતરામ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નિરાંતસંપ્રદાયના ગોવિંદરામના શિષ્ય. જ્ઞાતિએ મેવાડા સુથાર. ઝણોર (જિ. ભરૂચ)ના વતની. અધ્યાત્મ-અનુભવ, ગુરુમહિમા અને વૈરાગ્યબોધને વિષય કરીને રચનાયેલાં પદો (કેટલાંક મુ.)ના કર્તા. કૃતિ : ગુમુવાણી (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]

ગણપતરામ-૨ [               ]: જ્ઞાતિએ બ્રાહ્મણ. સિસોદરા(જિ. ભરૂચ)ના વતની. એમનાં ગુરુસ્મરણનાં ૧૪ પદો (મુ.) તથા કેટલીક વાર જ્ઞાનની બારમાસી તરીકે ઓળખાવાયેલા ૧૪ કડીના ‘દ્વાદશ-મહિના’ (મુ.)માં બ્રહ્મજ્ઞાન કરાવનાર ગુરુનો મહિમા ભાવભક્તિપૂર્વક વર્ણવાયો છે. કવિનાં પદોમાં થોડીક હિન્દી ભાષાની છાંટ આવે છે અને ૯ પદો હોરીનાં છે. આથી, કેટલાક સંદર્ભોમાં આ કવિને નામે નોંધાયેલ વેદાન્તમાં પદો અને હોરીઓ ઉપર્યુક્ત પદો જ હોવાની સંભાવના છે. કૃતિ : બૃકાદોહન:૮. સંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ર.સો.]

ગણપતિ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : નરસાસુત. કાયસ્થ વાલ્મીક જ્ઞાતિ. આમોદના વતની. ૮ અંગ અને ૨૫૦૦ દુહામાં વિસ્તરતો એમનો ‘માધવાનલકામકંદલાદોગ્ધક-પ્રબંધ ’  (ર.ઈ.૧૫૧૮ કે ૧૫૨૮/સં. ૧૫૭૪ કે ૧૫૮૪ શ્રાવણ સુદ ૭, મંગળવાર; મુ.) માધવ અને કામકંદલાના સંયોગ-વિયોગ-શૃંગારના અત્યંત રસિકતાભર્યા કલ્પનાસમૃદ્ધ વિસ્તારી આલેખનથી ને મહાકાવ્યોચિત વિવિધ પદાર્થવર્ણનઠાઠથી મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં જુદી ભાત પાડે છે. સંસ્કૃત સાહિત્યપરંપરાથી પ્રભાવિત કવિનું આ કવિત્વ તેમ સમસ્યાવિનોદ વગેરેમાં પ્રગટ થતી એમની વિદગ્ધતા ઘણી ઊંચી કોટિનાં પ્રતીત થાય છે. કૃતિ : માધવાનલકામકંદલાપ્રબંધ:૧(અં.), સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાસ્વરૂપો; ૪. મસાપ્રવાહ;  ૫. આલિસ્ટઑઇ:૨. [જ.કો.]

ગણપતિદાસ [               ]: દુહા-ચોપાઈ અને ૩૬ સુધીનો સંખ્યાંક દર્શાવતાં પદોમાં રચાયેલા આ કવિના ‘પ્રાણજીવન-ગ્રંથ’ (મુ; તૂટક)માં આરંભમાં કૃષ્ણભક્તિનું મહિમાગાન અને પછીથી કૃષ્ણ સાથેના વિહારનું પ્રેમલક્ષણા ભક્તિના ભાવભર્યું આલેખન છે. કૃતિ : પથિક, ડિસે. ૧૯૭૯ - .‘કવિ ગણપતનો પ્રાણજીવન ગ્રંથ’, વિનોદ પંડ્યા. [શ્ર.ત્રિ.]

ગણા [               ]: ‘પંદર-તિથિ’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ:૧. [કી.જો.]

ગણેશ-૧ [               ]: ‘ગણેશ ગોરખ’ એવું નામ નોંધાયેલ મળે છે તેમાં ‘ગોરખ’ શું છે તે સમજાતું નથી. ‘અંબાજીનો ગરબો’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[[કી.જો.]}}

ગણેશ-૨ [               ]: અવટંકે જોશી. રાસલીલાનાં છૂટક પદના કર્તા. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.]

ગણેશજી [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ‘કર્મવિપાક-રાસ’ (ર.ઈ.૧૭૭૮)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

ગણેશરુચિ(ગણિ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયધર્મસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૪૭ - ઈ.૧૭૮૫)ની આજ્ઞાથી રચાયેલા, વિનયવિજય અને યશોવિજયકૃત ‘શ્રીપાલ-રાસ’ના ૨૪૦૦ ગ્રંથાગ્રના ટબાર્થ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]

ગદ [               ]: આ કવિનાં, ક્ષત્રિયોની મૂળ ૫ જાત તથા તેમની પેટાશાખાઓનાં નામ અને વિશિષ્ટતાઓને વર્ણવતું ‘ક્ષત્રિયોત્પત્તિ’ તથા રજપૂતાના તેમ જ ગુજરાતના મુખ્ય ૩૬ ગઢ અને તેમનાં રાજકુલોનાં નામો આલેખતું ‘છત્રીસગઢ’ એ ૨ ઐતિહાસિક કાવ્યો મળે છે. ટેન્ડા રાજપૂત, દેગમ પદમણી, રામદેવ પીર વગેરે ભવાઈના વેશોમાં ગવાતાં, સચોટ અને બળકટ ભાષામાં જીવનની વાસ્તવિક રીતિ-નીતિનું તલગામી નિદર્શન કરાવતાં અનેક કવિત અને છપ્પાઓ (કેટલાંક મુ.) પણ આ કવિના નામે મળે છે. તેમનાં કેટલાંક કવિતમાં હિંદી ભાષાની અસર દેખાય છે. ‘દેગમ પદમણીનો વેશ/રાજા દેગમનો વેશ’ (મુ.)ના ૧ પાઠમાં ‘કવિ ગદ કહે સુણો ઠકરો રે, વેશ તો રાજા દેગમનો લહું‘ એવી એ વેશની પ્રશસ્તિ કરતી ઉક્તિ મળે છે તેને સમગ્ર વેશના ગદના કર્તૃત્વને સૂચવનારી લેખવામાં મુશ્કેલી છે. એ કદાચ ગદનું ઉદ્ધૃત સુભાષિતવચન જ હોય. કૃતિ : ૧. ભવાઈ સંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, * ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, પ્ર. હરમણિશંકર ધ. મુનશી, -; ૩. શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુ પદ્યોનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ:૩(૨); ૩. ફાહનામાવલિ:૧; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [નિ.વો.]

ગદાધરદાસ [ઈ.૧૭૦૭ સુધીમાં] : ઓખા-અનિરુદ્ધની કથાને સંક્ષેપમાં વર્ણવતા અને નાકરની ‘ઓખાહરણ’ની પ્રત (લે.ઈ.૧૭૦૭)માં ઉમેરાયેલાં મળતાં ૧ પદ (મુ.) તથા કૃષ્ણભક્તિનાં કેટલાંક પદ (૧ મુ.)ના કર્તા. જાણીતા હિંદી કવિ ગદાધરદાસની કૃતિઓ ગુજરાતીમાં ઊતરી આવી હોય એવી સંભાવના પણ નકારી ન શકાય, કેમ કે ગુજરાતી હસ્તપ્રતોની પોથીઓમાં ગદાધરની હિંદી કૃતિઓ પણ મળે છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ:૧. [શ્ર.ત્રિ.]

ગમન [ ] : ‘મહિના’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

ગરબડદાસ [               ]: પદોના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

ગરબા : હરિ ભટ્ટના પુત્ર વલ્લભ મેવાડાના ગરબાઓ(મુ.)નાં વિપુલતા અને વૈવિધ્યે એમને ગરબાકવિ તરીકે અનન્ય સ્થાન અપાવ્યું છે. વલ્લભના ગરબાઓ શક્તિભક્તિ, કૃષ્ણભક્તિ અને સમાજચિત્રણ એમ વિવિધ વિષયોને આવરી લે છે. શક્તિભક્તિના ગુજરાતના ત્રણે મહત્ત્વનાં સ્થાનકોની દેવીઓ અંબા, બહુચરા ને મહાકાળીનું મહિમાગાન કરતા ને એમનું સ્વભાવોક્તિભર્યું કે આલંકારિક વર્ણન કરતા વલ્લભના અનેક સુગેય ગરબાઓમાંથી, દેવીના વસ્ત્રાલંકારની શોભા વર્ણવતો, એના ભાષામાધુર્ય ને અલંકારવૈભવને લીધે અનંતરાય રાવળે ગુજરાતીના ‘સૌંદર્યલહરી-સ્તોત્ર’ તરીકે ઓળખાવેલો ૬૨ કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો’; બહુચરાનું ભક્તિપૂર્ણ ગુણસંકીર્તન કરતો ને આંતરપ્રાસની ગૂંથણીવાળો ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો’ (ર. સં. અસ્પષ્ટ); લલિત રાગની ૧૫૭ કડીઓમાં ધનુષધારી માતાનું આલેખન કરતો ‘ધનુષધારીનો ગરબો’ (ર.ઈ.૧૭૩૬/સં. ૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર), પાવાગઢના રાજાના પતનપ્રસંગનું કથાગીત જેવું નિરૂપણ કરતો, નાટ્યાત્મક વિષયનિરૂપણથી, અલંકારયુક્ત આલેખનથી અને એના વાણીમાધુર્યથી લોકપ્રિય બનેલો ૭૩/૭૫ કડીનો ‘મહાકાળીનો ગરબો’ તથા દેવીના ભવ્ય રૂપનું આલેખન કરતો ‘ગાગરનો ગરબો’ વિશેષ નોંધપાત્ર છે. મહાકાળી વિશે કવિએ બીજો લાંબો ૨૩૦ કડીનો ‘કાલિકા-નવકલશ-સ્થાપનનો ગરબો’ (ર.સં. અસ્પષ્ટ) પણ રચ્યો છે. કેટલાક ગરબાઓમાં કવિની શાક્તસિદ્ધાંતની તથા તે અંગેના પોરાણિક ઇતિહાસની જાણકારી ગૂંથાયેલી છે તો કેટલાકમાં દેવીના પૂજનઅર્ચનની વિધિનું વર્ણન પણ થયેલું છે. ગરબાઓમાં કવિનો ભક્તિઉદ્રેક પણ ભળ્યો છે. કૃષ્ણભક્તિવિષયક ગરબાઓમાંથી રાધાનું વર્ણાનુપ્રાસી ને રૂઢ અલંકારવાળું ચિત્રણ કરતો ને રાધા-કૃષ્ણના મિલનાનંદને આલેખતો ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો’; વ્રજની ગોપીઓએ ઉદ્ધવને કરેલી અરજને અને કૃષ્ણ પરના ઉપાલંભને આલેખતો ૫૫ કડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવને અરજ’ તથા મીરાંના કાવ્ય સાથે વસ્તુસામ્ય ધરાવતો ૪૩ કડીનો ‘સત્યભામાનો ગરબો’ વિશેષ નોંધપાત્ર છે. ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓમાંથી, વૃદ્ધ પતિની યુવાન પત્નીના હૃદયસંતાપના દેવી આગળ કરાતા નિવેદનની રીતે ચાલતો ને એમાં સમાજના વિચિત્ર રિવાજો પરના કટાક્ષના કાકુને ઉપસાવતો ૨૯ કડીનો ‘કજોડાનો/ગોરમાનો ગરબો’ તથા ઈ.૧૭૩૧ના દુકાળની કરુણભીષણ અસરોને વર્ણવતો અને આ કોપમાંથી ઉગારવા દેવીને વીનવતો ૫૮ કડીનો ‘કળિકાળનો ગરબો’ (ર.ઈ.૧૭૩૧) વિશેષ જાણીતા છે.

ગરબી  : કૃષ્ણવિષયક ભક્તિશૃંગારનું આલેખન કરતી અને હીંચના તાલને કારણે સમૂહગત નૃત્યક્ષમતા ને ગેયતા ધરાવતી પ્રભુરામસુત દયારામની પદરચનાઓ ગરબીઓ તરીકે ઓળખાઈ છે. આ ગરબીઓની પ્રેમલક્ષણાભક્તિ ભાગવતપ્રેરિત છે એની લાંબી પૂર્વપરંપરા છે, પણ એમાં દયારામે ભાવ-વિભાવ-અનુભાવનું અને અભિવ્યક્તિતરાહનું અસાધારણ વૈવિધ્ય આણ્યું છે. અહીં ગોપાંગનાઓનાં આસક્તિ, અલ્લડ મુગ્ધભાવ, પરવશતા, વિરહવ્યાકુળતા, પ્રગલ્ભ વિલાસાકાંક્ષા માનિનીભાવ, રીસ, રોષ, સંયોગસુખ વગેરે અનેકવિધ હૃદયભાવો આલેખાયાં છે તેમાં કાવ્યશાસ્ત્રનિરૂપિત નાયિકાભેદ શોધી શકાય તેમ છે, પરંતુ આ આલેખન એવી તાજગીથી ને આગવી રીતે થયું છે કે એમાં દયારામની નારીહૃદયની ઊંડી સૂઝ વિશેષપણે પ્રગટ થતી જોઈ શકાય છે. કૃષ્ણનું પણ રસિકધૂર્ત નાયક તરીકેનું ચરિત્ર ઊભું થાય છે. ગરબીઓની માનવભાવોથી ધબકતી આ સૃષ્ટિએ ને એમાંના પ્રગલ્ભ શૃંગારે મુનશી જેવાને દયારામને ભક્તિકવિ નહીં પણ પ્રણયકવિ માનવા પ્રેર્યા છે. પણ દયારામની અન્ય રચનાઓની જેમ આ ગરબીઓ પણ એમની સાંપ્રદાયિક કૃષ્ણભક્તિનું પરિણામ છે અને એ ગરબીઓની મધુરભક્તિને ગુજરાતના નારીસમાજે ઉમળકાથી પોતના હૃદયમાં અને કંઠમાં ઝીલી છે. દયારામે પ્રેમની ઘેલછા ને મસ્તીના તથા નાયક-નાયિકાના રસિકચાતુર્યના આલેખનમાં વિનોદની કેટલીક સુંદર ક્ષણો ઝીલી છે. દયારામની ગોપી માત્ર દાસી નથી, સખી અને સ્વામિની પણ છે અને તેથી એમની ગરબીઓમાં તરલ, રમતિયાળ ભાવોના અપારવૈવિધ્યને અવકાશ મળ્યો છે, તો બીજી બાજુથી મીરાંમાં જે નરી કૃષ્ણસમર્પિતતા ને તેથી આવતી ભાવની ગહનતા-વેધકતા છે તે દયારામમાં આપણને અનુભવવા મળતી નથી. આ ગરબીઓ ભાવપરાયણ છે, કથન કે વર્ણનપરાયણ નહીં, તેમ છતાં એમાં કૃષ્ણરૂપ, રાધારૂપ, રાસક્રીડા, ઋતુ આદિનાં ચિત્રો પ્રસંગોપાત્ત આછા લસરકાથી મનોહર રીતે ઉઠાવાયાં છે. એક જ ભાવને સુઘડતાથી ને મનોરમ રીતે અભિવ્યક્ત કરતી દયારામની ગરબી કલાત્મક ઊર્મિકાવ્યના સુંદર નમૂના સમી બની રહે છે. અને એ છે નાટ્યાત્મક ઊર્મિકાવ્યો, કેમ કે લગભગ દરેક ગરબી ઉદ્ગાર રૂપે આપણી સમક્ષ આવે છે. થોડીક ગરબીઓ કૃષ્ણના ઉદ્ગાર રૂપે છે, કોઈક કૃષ્ણ-ગોપીના સંવાદ રૂપે છે, પણ ઘણીખરી ગરબીઓ ગોપીઓના ઉદ્ગાર રૂપે છે. એમાં આત્મોદ્ગાર છે તેમ સખી, કૃષ્ણ, ઉદ્ધવ, અક્રૂર, વાંસળી, મધુકર વગેરેને સંબોધન પણ છે. ક્વચિત્ વાંસળીના ઉદ્ગાર રૂપે પણ ગરબી આવે છે. ઉદ્ગારો-સંબોધનોમાં અંગતતાનો સૂર આવે છે, તો સંવાદોમાં તર્કચાતુર્ય કે વ્યંગવિનોદની આપલે રચાય છે. અભિવ્યક્તિનું આ વૈવિધ્ય ઘણું આકર્ષક છે. દયારામની એક લાક્ષણિક કલારીતિ તે રસિક ચમત્કૃતિપૂર્ણ ભાવપલટાની છે. કૃતક રીસ, રોષ, માન, તિરસ્કાર કે ઈર્ષ્યાનો ફુગ્ગો ફુલાતાં ફૂટી જાય, છદ્મવેશ ખસી જાય એ રચનારીતિને દયારામે પોતાની ગરબીઓમાં વારંવાર પ્રયોજી છે. ‘શ્યામરંગ સમીપે ન જાઉં’નું ગાણું ગાતી ગોપીનો ખરો હૃદયભાવ કાવ્યને અંતે, “દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે પલક ના નિભાવું” એમ પ્રગટ થઈ જાય છે. આ ગરબીઓમાં ગુજરાતી ભાષાનું અજબ માધુર્ય ને લાલિત્ય પ્રગટ થયું છે. દયારામે શબ્દોને લડાવ્યા છે ને ઘણીબધી ગરબીઓ ગોપીના ઉદ્ગાર રૂપે આવતી હોઈ બૈરક બોલીનો પણ કસ કાઢ્યો છે. નાજુક મનોભાવોને વ્યક્ત કરતા અનેક કાકુઓ અને સ્વાભાવિક તોયે વર્ણસંગીતભરી શબ્દરચના પણ દયારામની વિશેષતા છે. લય-ઢાળ અને ધ્રુવાની નૂતન ને વિવિધ આકૃતિઓએ ગરબીઓની ગેયતામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. ભાવ, ભાષા, લય - આ બધામાં દયારામને પૂર્વપરંપરાનો વારસો મળ્યો છે એમ અવશ્ય કહી શકાય પરંતુ દયારામે એને પોતાની આગવી સૂઝથી દીપાવ્યો છે. નવલરામ પંડ્યાની આ ઉક્તિ ગરબીઓના રસતત્ત્વને સમુચિત રીતે વર્ણવી આપે છે : “દયારામભાઈનું શૃંગારરૂપી રત્ન ખરા પાણીએ ચમકતું, નાયિકાભેદે વિસ્તીર્ણ, સુવર્ણ સરખા શબ્દોમાં જડિત અને તાલસુરના તેજોમય સિંધુમાં તરતું છે.” [જ.કો.]

ગર્ગ [ઈ.૧૭૦૪ સુધીમાં] : જૈન શ્રાવક. ગૌતમમલ્લના પુત્ર. ભૂલથી ‘અગરવાલ’ને નામે નોંધાયેલી ૧૫૯ કડીની ‘પાર્શ્વનાથ-આદિત્યવ્રત કથા’ (લે.ઈ.૧૭૦૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ગલાલ(શાહ) [ઈ.૧૭૨૭માં હયાત] : કડવાગચ્છના જૈન સંવરી. કડવામતના શાહ લાધાજીના શિષ્ય. શાહ પંચાઈણનાં ગુરુભક્તિ ને તપનો મહિમા કરતા તથા એમનું સમગ્ર જીવનચરિત્ર આલેખતા ૭ ઢાળ અને ૭૬ કડીના ‘સાહા પંચાઈણનો નિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, શ્રાવણ -; મુ.)ના કર્તા. કૃતિ : કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯.[કી.જો.]

ગલાલસાગર [ઈ.૧૭૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૯ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ગવરીદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]

ગવરીબાઈ/ગૌરીબાઈ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૦૯/સં. ૧૮૬૫, ચૈત્ર સુદ ૯] : જ્ઞાનમાર્ગી સ્ત્રીકવિ. જન્મ ડુંગરપુરમાં, લગભગ ઈ.૧૭૫૯માં. જ્ઞાતિ વડનગરા નાગર ગૃહસ્થ. ૫-૬ વર્ષની વયે લગ્ન. પણ ૮ જ દિવસમાં વૈધવ્ય પ્રાપ્ત થતા જ્ઞાનભક્તિ તરફ વળ્યાં. લખતાંવાંચતાં શીખી ઉપનિષદ, ગીતા, ભાગવતાદિ ગ્રંથોનું સેવન કર્યું ને સાધ્વી તરીકે પ્રતિષ્ઠા પામ્યાં. ડુંગરપુરનરેશ શિવસિંહે તેમને માટે ઈ.૧૭૮૦માં બંધાવેલા કૃષ્ણમંદિરમાં ઈ.૧૮૦૪ સુધી રહ્યાં તે દરમ્યાન યોગમાર્ગનો અભ્યાસ કરી ૧૫ દિવસ સુધી સમાધિમાં રહેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. પછીથી તીર્થયાત્રાએ નીકળી કાશીમાં નિવાસ કર્યો, જ્યાં કાશીનરેશ સુંદરસિંહે તેમની પાસેથી યોગ પ્રાપ્ત કર્યો. ત્યાં જ સમાધિ દ્વારા દેહવિસર્જન. બારમાસી, તિથિ, વાર, ગરબી વગેરે પ્રકારભેદો દર્શાવતાં તેમ જ ગુજરાતી ઉપરાંત હિંદી ને રાજસ્થાની ભાષાનો આશ્રય લેતાં ગવરીબાઈનાં પદો  (૬૦૯ મુ.)માં સગુણ-નિર્ગુણ-ઉપાસના તથા રામકૃષ્ણભક્તિનો સમન્વય થયેલો છે. સાચી અધ્યાત્મનિષ્ઠા, સમુચિત અલંકારોનો ઉપયોગ, વાણીની તળપદી છટા અને રાગ-ઢાળનું વૈવિધ્ય ગવરીબાઈને ગુજરાતની જ્ઞાનમાર્ગી કવયિત્રીઓમાં માનભર્યું સ્થાન અપાવે છે. ગવરીબાઈના ગદ્યનો નમૂનો તેમની ‘ગુરુશિષ્ય પ્રશ્નોત્તરી’(મુ.)માં જોવા મળે છે. હરિકૃષ્ણ મહારાજ તથા જિતામુનિ નારાયણના નિર્દેશ ધરાવતાં પદો આ ગવરીબાઈનાં હોઈ શકે, પરંતુ એ વિશે પ્રમાણભૂત રીતે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ગવરીકીર્તનમાલા, સં. ‘મસ્ત’, ઈ.૧૯૩૭ (+સં.); ૨. ગવરીબાઈનું જન્મચરિત્ર, અચરતલાલ મ. ભચેચ, ઈ.૧૮૮૨ - પદો;  ૩. બૃકાદોહન:૧; ૪. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.). સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨.ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી. [ચ.શે.]

ગંગ : ‘ગંગ’ તેમ જ ‘કવિ ગંગ’ એવી નામછાપથી ૨ નાની બોધાત્મક રચનાઓ (મુ.) મળે છે તે કયા ગંગની છે તે નક્કી થઈ શકતું નથી. ગંગને નામે ૫ કડીનું ‘અજિતનાથ-સ્તવન’ અને ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩) એ કૃતિઓ મળે છે તે ગંગ-૪ની હોવાની સંભાવના છે. તો કવિ ગંગને નામે ‘ભક્તમાળાચરિત્ર’ મળે છે તે કદાચ ગંગ-૨ની હોય. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈપ્રપુસ્તક:૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. લીંહસૂચી. [ર.સો.]

ગંગ-૧  [ઈ.૧૫૦૪ આસપાસ સુધીમાં] : સંભવત: શ્રાવક. મુખ્યત્વે તીર્થંકરસ્તુતિનાં એમનાં ૧૫ ગીતો (મુ.) મળે છે તોે તેમાં ભાષાની પ્રૌઢી તથા પ્રાસની ચમત્કૃતિ ધ્યાન ખેંચે છે. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ - ‘શ્રાવક - કવિ ગંગકૃત ગીતો’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ર.સો.]

ગંગ-૨ [સંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : ‘શુકદેવાખ્યાન/શુકસંવાદ’ (સંભવત: ર.ઈ.૧૬૪૧ - “પુરણ સંવછર સતાણું હો” અને લે. ઈ.૧૬૭૨)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ર.સો.]

ગંગ-૩ [ઈ.૧૭૨૨માં હયાત] : ‘ઓધવમાધવ-સંવાદ’ (ર.ઈ.૧૭૨૨)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ર.સો.]

'ગંગ(મુનિ)-૪/ગાંગજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં લખમીચંદના શિષ્ય. ૪ ખંડ, ૩૮ ઢાળ અને ૮૦૯ કડીના ‘રત્નસારતેજસાર-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, જેઠ સુદ ૬, ગુરુવાર), ૧૭ ઢાળના ‘ધન્નાનો રાસ’, ‘જંબૂસ્વામીનું ચોઢાળિયું/જંબૂસ્વામી-સઝાય’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, શ્રાવણ સુદ ૨; મુ.), ૬ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય’ (ર.ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, પ્રથમ ભાદરવા વદ ૫, બુધવાર; *મુ.), ૧૩ કડીની ‘સીમંધરવિનતિ’ (ર.ઈ.૧૭૧૫/સં. ૧૭૭૧, ભાદરવા સુદ ૧૩; મુ.) અને ૭ કડીની ‘પાર્શ્વજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા.):૨; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : જૈગૂકવિઓ:૨;૩(૧). [ર.સો.]

ગંગદાસ-૧ [ઈ.૧૫૪૩માં હયાત] : જુઓ ગંગાદાસ-૧.

ગંગાદાસ-૨ [ઈ.૧૬૦૩માં હયાત]; લોંકાગચ્છના જૈન સાધુ. જશવંતમુનિના જીવનકાળ (ઈ.૧૫૭૮-ઈ.૧૬૩૨)માં રચાયેલ ‘જશવંત આચાર્યના બારમાસા’ (ર.ઈ.૧૬૦૩/સં. ૧૬૫૯, કારતક સુદ ૭)ના કર્તા. આ કૃતિ ભૂલથી ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય ગંગદાસને નામે નોંધાયેલી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

'ગંગદાસ-૩ [ઈ.૧૬૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય. ૧૨૮ કડીના ‘વંકચૂલ-રાસ’ (ર.ઈ.૧૬૧૫/સં. ૧૬૭૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૧). [ર.સો.]

'ગંગવિજય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદ્યવાર્તાકાર. તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં નિત્યવિજયના શિષ્ય. એમનો, ૫૪ ઢાળ અને ૧૨૫૬ કડીમાં કુસુમશ્રી અને વીરસેનનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવતો ‘કુસુમશ્રી-રાસ’ (ર.ઈ.૧૭૨૧/સં. ૧૭૭૭, કારતક સુદ ૧૩, શનિવાર; મુ.) તેની રસપ્રદ કથનશૈલી તથા ચતુરાઈપૂર્વક પોતાની શીલરક્ષા કરતી ધનવતીની, ૧૫ ઢાળ જેટલો વિસ્તાર ધરાવતી, દૃષ્ટાંતકથાને કારણે નોંધપાત્ર બને છે. આ કવિએ ૩ ખંડનો ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૧૬ કે ૧૭૨૬/સં. ૧૭૭૨ કે ૧૭૮૨, કારતક વદ ૧૦, ગુરુવાર) પણ રચ્યો છે. કૃતિ : આકામહોદધિ :૧(+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર;  ૨. જૈગૂકવિઓ:૨,૩(૨); ૩. લીંહસૂચી. [ર.સો.]

ગંગસાહેબ : જુઓ ગંગારામ-૧. ગંગા(દાસી)-૧/ગંગાબાઈ [               ]: ઉપદેશના ૧ પદ(મુ.)નાં કર્તા.

કૃતિ : પ્રાકાસુધા:૧. [દે.જો.]

ગંગા(સતી)-૨/ગંગાબાઈ  [               ]: સંત કવયિત્રી. પરંપરાથી મળતી માહિતી અનુસાર વાઘેલા રાજપૂતની દીકરી. લગ્ન ધોળા જંકશન પાસેના સમઢિયાળાના કહળુભા (કહળસંગ) ગોહેલ સાથે. કૌટુંબિક સંસ્કારને કારણે નાનપણથી ભક્તિ તરફ વળેલાં ગંગાબાઈએ એનો રંગ પતિને પણ લગાડ્યો અને પુત્ર અજોભા ઉંમરલાયક થયા પછી બંનેએ ભજનકીર્તનમાં જ જીવન જોડ્યું. ગાયને જીવતી કરવાનો ચમત્કાર કરવાની ફરજ પડતાં સ્વૈચ્છિક રીતે સમાધિ સ્વીકારનાર પતિ કહળુભાની પાછળ એમણે પણ ૫૩મા દિવસે સમાધિ લીધી. વચ્ચેના ૫૨ દિવસ એમણ ેપુત્રવધૂ પાનબાઈ (ફૂલબાઈ નામ પણ નોંધાયેલું મળે છે)ને રોજ ૧-૧ ભજન સંભળાવી ભક્તિમાર્ગની શીખ દીધી. ગંગાસતીના ચાલીસેક ઉપલબ્ધ પદો (મુ.)માંથી વીસેક પદોમાં પાનબાઈને સંબોધન થયેલું મળે છે. ભજનિકોમાં સારો પ્રચાર પામેલાં આ પદોમાં ભક્તિ અને યોગસાધનાથી માંડીને પરમતત્ત્વના સાક્ષાત્કાર સુધીની વિવિધ ભૂમિકાઓનું નિરૂપણ છે. સચોટ અને સરળ રીતે પૂરા આત્મીયભાવથી થયેલ કથન અને “વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ !” જેવી કેટલીક માર્મિક પંક્તિઓથી ગંગાબાઈનાં પદો ધ્યાનપાત્ર બને છે. કૃતિ : ૧. ગંગા સતી એમ બોલિયાં રે, સં. સુનંદા વોહોરા, ઈ.૧૯૭૫ (+સં.); ૨. ગંગા સતીનાં ભજનો, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, -(+સં.); ૨. ગંગા સતીનાં ભજનો, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, -(+સં.); ૩. સતી ગંગાબાઈ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૬૯;  ૪. સોસંવાણી. [દે.જો.].

ગંગાદાસ : આ નામે ‘સુદામાખ્યાન’ (લે.ઈ.૧૬૬૦ આસપાસ) અને પદો એ જૈનેતર કૃતિઓ મળે છે. તે ગંગાદાસ-૧ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફાહનામાવલિ:૨.[ર.સો.]

ગંગાદાસ-૧/ગંગદાસ [ઈ.૧૫૪૩માં હયાત] : સુરતના નરસંગપુરાના વતની. જ્ઞાતિએ વણિક. પર્વતસુત. ૧૪૩ રોળાબંધી છપ્પામાં લખાયેલી આ કવિની ‘લક્ષ્મીગૌરી-સંવાદ’(ર.ઈ.૧૫૪૩) લક્ષ્મી અને પાર્વતી વચ્ચેના ચાતુરીપૂર્ણ ને વિનોદરસિક સંવાદોમાં રચાયેલી, વચ્ચેવચ્ચે લોકોક્તિઓ અને સુભાષિતોની ગૂંથણીવાળી કૃતિ છે. આ ઉપરાંત આ કવિએ ‘મહાપુરાણની વિનતિ’ રચી હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧ કવિચરિત:૧-૨;  ૨. રાહસૂચી:૧. [ર.સો.]

ગંગાદાસ-૨ [ઈ.૧૭૦૭માં હયાત] : અવટંકે ભવાની. ખાખરસરનો વતની. ઈ.૧૭૦૭માં ખંભાત પરગણાના પાદરા ગામના લોકોએ જમાબંધી ભરી નહીં તેથી નવાબ અલીખાનની ફોજ આવતાં તેની સામે લડીને તેને હાર આપનાર ભાણ વગેરે ગામલોકોની પ્રશસ્તિ કરતા ‘ભાણનો સલોકો’ના રચનાર આ કવિને ગામલોકોએ ૭ વીઘાં જમીન આપેલી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ:૧. [ર.સો.]

ગંગાબાઈ : જુઓ ગંગા.

ગંગારામ : આ નામે કૃષ્ણ અને રાધાજીનાં તેમ જ અન્ય પદો નોંધાયેલાં છે. તે ગંગારામ-૧ હોવાનું નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [ર.સો.]

ગંગારામ-૧/ગંગાસાહેબ [અવ.ઈ.૧૮૨૭] : રવિભાણ-સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના આ પુત્રે રવિસાહેબ સાથે તીર્થયાત્રાઓ પણ કરી હતી. પછીથી એ પિતા સાથે રહ્યા હતા અને રાપર (કચ્છ)માં જીવત્સમાધિ લીધેલી. આ કવિનાં આરતી, થાળ વગેરે પ્રકારો બતાવતાં પદો (મુ.)માં સંપ્રદાયની જ્ઞાન-ભક્તિ-યોગની સાધનાનું અનુસરણ છે પણ એમાં ભક્તિની આરતનું સંવેદન વિશેષ ધ્યાન ખેંચે છે. એમનાં પદો હિન્દી ભાષાની અસર બતાવે છે તેમ કેટલાંક હિન્દીમાં પણ છે. કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.)(+સં.); ૨. રવિભાણસંપ્રદાયની વાણી:૧, પ્ર. મંછારામ મોતી,-; ૩. સતવાણી. સંદર્ભ : ૧. આગુસંતો; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.સો.]

ગંગેવદાસ [               ]: માહુરાના શિષ્ય. એમનાં ૨ પદ મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગ અને ભક્તિમાર્ગની પરિભાષામાં પીરની સ્તુતિ છે. કૃતિ :૧. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૨. ભજનસાગર:૧. [ર.સો.]

ગાંગજી-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ) : જુઓ ગંગ(મુનિ)-૪.

ગાંગજી-૨ [               ]: ૩૭ કડીના ‘રાધા-રાસ’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

ગાંગજીસુત [ઈ.૧૬૫૩માં હયાત] : ‘ધર્મ-સંવાદ’ (ર.ઈ.૧૬૫૩)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

ગિરધર-૧ [જ.ઈ. ૧૭૮૩ - અવ. ઈ.૧૮૫૨] : જુઓ ગિરધરદાસ.

ગિરધરદાસ-૨ [               ] : દિશાવાળ ભટ્ટ. ખાંડ વગેરેને હરાવી દેતા અને દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા ૩૨ કડીના ‘આંબા-આખ્યાન/આંબાનો મહિમા’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુંધા : ૧ સંદર્ભ: ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [દે.જો.]

ગિરધરદાસ/ગિરધર [જ.ઈ.૧૭૮૭ - અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, ભાદરવા વદ ૧૧] : આખ્યાનકાર અને પદકવિ. માસર (તા. પાદરા) ગામમાં જન્મ. જ્ઞાતિએ દશા લાડ વણિક. પિતા ગરબડદાસ. પિતાનાં ૪ સંતાનોમાં તેઓ સૌથી મોટા હતા. માતાપિતાનું નાનપણમાં અવસાન. આરંભમાં તલાટીની નોકરી તેમણે કરેલી. પછીથી તેમની બહેન સદા વિધવા થતાં બનેવીની વડોદરાની શરાફી પેઢી તેમણે સંભાળી લીધી. તીર્થયાત્રા દરમ્યાન શ્રીનાથદ્વારા પાસેના આમધરા ગામે અવસાન. કવિએ એ જમાનાની ગામઠી વ્યવહાર પૂરતી કેળવણી લીધા બાદ સત્સંગબળે પુરાણાદિ સંસ્કૃત ગ્રંથોનો પરિચય મેળવેલો. કહેવાય છે કે સંસ્કૃત-હિન્દીનો કેટલોક અભ્યાસ બાળસ્નેહી વલ્લભવિજયજી ગોરજી મહારાજ પાસે માસરમાં તો કાવ્યશાસ્ત્રનો અભ્યાસ વડોદરામાં વલ્લભસંપ્રદાયની તેમને દીક્ષા આપનાર કાશીવાળા ગોસ્વામી પુરુષોત્તમજી મહારાજ પાસે કરેલો. તેમના પિતા તથા ૨ ભાઈઓ પણ કવિતા કરતા એમ કહેવાય છે. આમ આવા સાહિત્યિક વાતાવરણ સાથે ધાર્મિક વાતાવરણનો લાભ પણ એમને મળેલો. મથુરાના રાધાવલ્લભ-સંપ્રદાયના વડોદરામાંના મંદિરનો કારભાર આચાર્ય રંગીલલાલજી મહારાજે તેમને સોંપેલો. કવિના પુત્ર લલ્લુનું બાલવયે અને તે પછી તરત પત્ની સૂરજનું અવસાન થતાં કવિનો મોટાભાગનો સમય ભગવત્સેવા, સંતસમાગમ તથા શાસ્ત્રપુરાણનાં વચન શ્રવણ-કીર્તનાદિમાં તથા કાવ્યરચનામાં વ્યતીત થતો રહ્યો. કવિ ભક્તની એક પ્રવૃત્તિ રૂપે, પરમાર્થ માટે જાતે જ કાવ્યગ્રંથો રચી-લખીને બ્રાહ્મણોને તે આજીવિકા માટે આપતા અને પ્રસંગોપાત્ત જાતે રાગતાલમાં ગાઈ સંભળાવતા. એમની ખ્યાતિથી પ્રેરાઈ વૈકુંઠરાય નામના ગૃહસ્થે તેમને ૨ વરસ પોતાને ત્યાં રાખી રૂ. ૪૦૦નો પુરસ્કાર પણ આપેલો. આ કવિની કૃતિઓમાં સૌથી વધુ મહત્ત્વની ‘રામાયણ’  છે. ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી, અધ્યાયને નામે ઓળખાવાયેલાં ૨૯૯ કડવાં અને ૯૫૫૧ કડીની આ કૃતિ (ર.ઈ.૧૮૩૭/સં. ૧૮૯૩, માગશર વદ ૯, રવિવાર; મુ.) વાલ્મીકિરામાયણ ઉપરાંત અન્ય પૌરાણિક સામગ્રીનો પણ આધાર લે છે અને કેટલાક ફેરફારો અને ઉમેરણો પણ દર્શાવે છે. સમકાલીનતાના રંગો ધરાવતું છતાં મૂળ વ્યક્તિત્વને જરાય ન જોખમાવતું, માનવસહજ લાગણીઓથી ધબકતું પાત્રાલેખન, કવિની સવિશેષ ક્ષમતા પ્રગટ કરતું શાંત અને કરુણનું આલેખન તથા મધ્યકાલીન પરંપરાની અલંકારસમૃદ્ધિ અને વર્ણનસિદ્ધિ આ કૃતિનાં આસ્વાદ્ય અંશો છે. ગોકુળલીલા, મથુરાલીલા અને દ્વારકાલીલા એમ ૩ ખંડમાં કૃષ્ણના સમગ્ર વૃત્તાંતને નિરૂપતી ૨૧૨ અધ્યાય અને ૯૫૦૦ કડીની ‘કૃષ્ણચરિત્ર’  (ર.ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, મહા/વૈશાખ સુદ ૧૩, રવિવાર; મુ.) કવિની બીજી નોંધપાત્ર કૃતિ છે અને તે રામાયણનાં જેવાં જ શૈલીલક્ષણો ધરાવે છે. ૫૨ કડવાં અને ૧૮૪૫ કડીની ‘રાજસૂયયજ્ઞ’ (ર.ઈ.૧૮૩૧/સં. ૧૮૮૭, જેઠ સુદ ૧, શનિવાર; મુ.), ૩૨ કડવાં અને ૮૪૫ કડીની ‘પ્રહ્લાદ-આખ્યાન’ (ર.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, ચૈત્ર સુદ ૯, ગુરુવાર; મુ.) તથા ‘પદ’નામક ૨૬ કડવાં અને ૩૭૦ કડીની ‘તુલસી-વિવાહ’ (ર.ઈ.૧૮૧૫ કે ૧૮૨૨/સં. ૧૮૭૧ કે ૧૮૭૮ અસાડ સુદ ૭, બુધવાર; મુ.) એવાં જ શૈલીલક્ષણો ધરાવતી અન્ય આખ્યાનકૃતિઓ છે. તેમાં ‘રાજસૂયયજ્ઞ’માં કવિના ઊંડા અધ્યાત્મજ્ઞાનને પ્રગટ કરતું કૃષ્ણનું વ્યક્તિચિત્રણ, ‘પ્રહ્લાદ-આખ્યાન’માં નિશાળિયા પ્રહ્લાદને મુખે ભક્તિબોધના કક્કાની ગૂંથણી અને ‘તુલસીવિવાહ’માં લગ્નોત્સવના ગુજરાતી વાતાવરણનું વીગતપ્રચુર વર્ણન ધ્યાનાર્હ બને છે. આ ઉપરાંત ગિરધરદાસની ૨૬ કડીની ‘રાધિકાવિરહના દ્વાદશમાસ’ (મુ.), સંક્ષેપમાં સમગ્ર હનુમાનચરિત્રને સમાવી લેતી ૧૬ કડીની ‘પંદરતિથિ હનુમાનની’ (મુ.), ૧૪ કડીની રાધાના રૂપની શોભા વર્ણવતી ‘ધોળ હીંચનું’, ‘અંબિકાઅષ્ટક’, ‘કાલિઅષ્ટક/મહાકાળીની સ્તુતિ’ (મુ.), ૧૮ કડીની ‘પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ’ (મુ.) તેમ જ ગરબી, ધોળ વગેરે નામોથી ઓળખાવાયેલાં પ્રેમલક્ષણા ભક્તિનાં તથા ઉપદેશાત્મક પદો ને કુંડાળિયા, ઝૂલણા, સવૈયા જેવી પ્રકીર્ણ પ્રકારની રચનાઓ મળે છે. પદો તેમ જ પ્રકીર્ણ રચનાઓનો ઘણો ભાગ હિંદીમાં છે ને એમાં વસંતનાં, હિંડોળાનાં, હોળીનાં, રામજન્મસમયનાં એમ વિવિધ વિષયનાં પદો પણ મળે છે. કવિએ હિંદી ભાષામાં ‘દાણલીલા’ (ર.ઈ.૧૮૧૮), ‘જન્માષ્ટમીનાં પદ/શ્રીકૃષ્ણજન્મવર્ણન’ (ર.ઈ.૧૮૧૮), ‘રાધાકૃષ્ણનો રાસ’ (ર.ઈ.૧૮૧૯), ‘ગ્રીષ્મઋતુની લીલા’ (ર.ઈ.૧૮૨૧) ‘નામમંત્રમુક્તાવલિ’ (ર.ઈ.૧૮૨૮), ‘જન્માષ્ટમીનો સોહેલો’, ‘નરસિંહચતુર્દશીની વધાઈ’ વગેરે કેટલીક દીર્ઘ કૃતિઓ પણ રચેલી છે. કૃતિ : ૧. (શ્રી)કૃષ્ણચરિત્ર, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૮૯૫; ૨. કૃષ્ણચરિત્ર, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૭૮; ૩. *તુલસી-વિવાહ, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૮૫; ૪. પ્રહ્લાદ આખ્યાન, સં. જગજીવનદાસ દ. મોદી, સં. ૨૦૧૬; ૫. રામાયણ, પ્ર. શેઠ જમનાદાસ રૂઘનાથજી, ઈ.૧૮૭૧; ૬. એજન, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૮૧;  ૭. કાદોહન:૧; ૮. પ્રેમરસમાળા, પ્ર. બાજીભાઈ અમીચંદ ઈ.૧૮૬૬; ૯. પ્રાકામાળા : ૩, ૧૧; ૧૦ બૃકાદોહન:૪, ૬;  ૧૧. અનુગ્રહ, જાન્યુ. ૧૯૫૮ - ‘પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ’; ૧૨. હિન્દુ મિલન મંદિર, નવે. ૧૯૮૧, મે તથા જૂન ૧૯૮૨ - ‘કવિ ગિરધરકૃત ‘રાધાકૃષ્ણનો રાસ’, ‘વિનોદચંદ્ર ઓ. પુરાણી (+સં.). સંદર્ભ : ૧. કવિ ગિરધર - જીવન અને કવન, દેવદત્ત જોશી, ઈ.૧૯૮૨; ૨. ગિરધર, જગજીવનદાસ દ. મોદી, ઈ.૧૯૧૯;  ૩. ગૂહાયાદી. [દે.જો.]

ગિરધર-૨ [               ]: દિશાવાળ ભટ્ટ. દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા ૩૨ કડીના ‘આંબા-આખ્યાન/આંબાનો મહિમા’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુધા:૧. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [દે.જો.]

ગુગાણંદ [ઈ.૧૭૨૯ સુધીમાં) : જૈન. ભૂલથી ગુંગાનદને નામે નોંધાયેલી ૧૩ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૭૨૯)ના કર્તા. લહિયાના લેખનદોષને કારણે ‘ગુણાનંદ’નું ‘ગુગાણંદ’ થયું એમ હોય એવી પણ સંભાવના છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

‘ગુજરીનું લોકગીત’ : ગુર્જરપ્રજાના ઇતિહાસનું એક ઉજ્જવળ પાનું રજૂ કરતા આ લોકગીત(મુ.)નાં ૨-૩ રૂપાંતર-પાઠાંતર મળે છે તેમાંથી મેઘાણી-સંપાદિત ૧૩૭ જેટલી પંક્તિઓમાં વિસ્તરતો પાઠ એની સવિશેષ કાવ્યમયતાથી ધ્યાન ખેંચે છે. એમાં નિરૂપાયેલો પ્રસંગ શુદ્ધ ઇતિહાસનો ન હોય તોયે પ્રજાભાવનાના પ્રગટીકરણ રૂપે એને અવશ્ય જોઈ શકાય. બાગમાં ઊતરેલા કાબૂલના બાદશાહને જોવા નીકળેલી ગુજરી, એની સાસુએ ભય બતાવેલો તે મુજબ, બાદશાહને ત્યાં ફસાય છે અને એનો કાગળ વાંચીને ચડી આવેલા ૯ લાખ ગુર્જરોના પરાક્રમથી મુક્ત થાય છે. બાદશાહને ત્યાં રહી આવેલી ગુજરીનો, અલબત્ત, સાસુનણંદ સ્વીકાર કરતાં નથી, જેથી ગુજરી પાવાગઢ ચાલી જાય છે ને અલોપ થઈ મહાકાળી રૂપે પ્રગટે છે. ગુજરીના અસ્વીકારની આ વાતમાં જે ધાર્મિક-કોમી સંકુચિતતા પ્રગટ થાય છે તે ઝવેરચંદ મેઘાણીને ગુર્જરપ્રજાના ગૌરવ સાથે બંધબેસતી લાગી નથી અને તેથી એ અંશને તેઓ પાછળથી ઉમેરાયેલો ગણે છે, પણ અસ્વીકારની વાત પરંપરાગત હિંદુસંસ્કારને અનુરૂપ છે એ સ્વીકારવું જોઈએ. આ લોકગીતમાંથી ગુજરીનું મનોહર ને માનપ્રેરક વ્યક્તિત્વ ખડું થાય છે. પાદશાહને જોવા જવાની ઉત્સુકતા અનુભવતી, સાસુની સલાહને અવગણી ચાલી નીકળતી, કયા વેશે જવું તેના વિકલ્પો વિચારી મહિયારીનો વેશ સજતી, બાદશાહે ધરેલી લાલચો સામે “તેરે હાથીમેં ક્યા દેખના મેરે આંગણ ભૂરી ભેંસ રે”, “તેરી મૂછોમેં ક્યા દેખના, મેરે બકરેકું એસા પૂછ રે” જેવા નિર્ભીક જવાબો આપતી ને ૯ લાખ ગુર્જરો પોતાને બચાવવા ચડી આવશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતી ગુજરીમાં મુગ્ધ, અલ્લડ, ચતુર, સ્વસંસ્કારપ્રેમી ખુમારીવાળી ગુર્જરયુવતીનું તાદૃશ ચિત્ર આપણને સાંપડે છે. ગુજરી સાથે વાર્તાલાપ કરતા ને અંતે ગુર્જરોનું પરાક્રમ જોઈ “ગુજરી હમારી બેન રે” એમ કહી એની સોંપણી કરી દેતા બાદશાહના રંગરાગી છતાં અભિજાત વ્યક્તિત્વની પણ અહીં આછી, આકર્ષક રેખાઓ દોરાયેલી છે. ગીતમાં બાદશાહ-ગુજરીનો સજીવતાભર્યો સંવાદ જ ૭૦ જેટલી પંક્તિ રોકે છે. ગુજરીનું ટૂંકું વેશવર્ણન કે “તરવારોની તાળી પડે ને બરછી ચાવે પાન રે” (= લોહીથી રંગાય) જેવી ચમત્કારક તળપદી કલ્પના ધરાવતું નાનકડું યુદ્ધવર્ણન ગીતમાં ઔચિત્યથી ગૂંથાય છે. ઉત્તરહિંદના અન્ય ભાગોમાં પણ મળતું આ ગીત ગુર્જરપ્રજાના પ્રાચીન વારસા સમાન હોવાથી કે પ્રસંગને અનુલક્ષીને અહીં હિંદી ભાષાનો વિનિયોગ થયો લાગે છે પણ તે ઉપરાંત ઉક્તિઓ ઘડીક હિંદીમાં, ઘડીક ગુજરાતીમાં સરી જાય છે એ સ્વાભાવિક સુન્દરતાભર્યું લાગે છે. ગીતનો લય એકસૂરીલો પણ ગતિભર્યો છે જે નિરૂપ્ય વિષયવસ્તુને ઉઠાવ આપવામાં ખૂબ ઉપકારક થાય છે. બધી પંક્તિને આરંભે આવતા ‘કે’ના લટકામાં ને આવર્તનથી ચાલતી કથનપદ્ધતિમાં લોકગીતની લાક્ષણિક છટા અનુભવાય છે. કૃતિ : ૧. ચંદર ઊગ્યે ચાલવું, સં. પુષ્કર ચંદરવાકર, સં. ૨૦૨૦ (+સં.); ૨. રઢિયાળી રાત:૨, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૩ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી [જ.કો.]

ગુણ(સૂરિ) : આ નામે ૮ કડીનો ‘ઋષભદેવજી-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૨૪ કડીનું ‘આદિનાથ-વિનતિ-સ્તવન’ મળે છે. આ ગુણસૂરિ કયા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

ગુણકીર્તિ : આ નામે ‘કર્મવિપાકકાંડ’ (લે.ઈ.૧૮૨૧) એ જૈન કૃતિ નોંધાયેલી મળે છે તેના કર્તા ગુણકીર્તિ-૧ છે કે કેમ તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]

ગુણકીર્તિ(ભટ્ટારક)-૧ [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપૃચ્છા/પ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪) ગુણકીર્તિ તેમ જ ગુણભૂષણને નામે નોંધાયેલ મળે છે તે એક જ કૃતિ હોવા સંભવ છે. જો તેમ હોય તો ખરેખરું કર્તૃત્વ કોનું છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]

ગુણચંદ/ગુણચંદ્ર : આ નામથી ૯ કડીનું ‘ગતચોવીસી-સ્તવન’ (મુ.), ૭ કડીનું ‘વીસવિહરમાનજિન-સ્તવન’ (મુ.), ૯ કડીનું ‘અનાગતચતુર્વિંશતિ-સ્તવન’ (મુ.) અને અન્ય સ્તવન-સઝાય આદિ કૃતિઓ મળે છે તેના કર્તા કયા ગુણચંદ/ગુણચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘વિજયશેઠ-વિજયાશેઠાણી-સઝાય’ (ર.ઈ.૧૭૩૮ ગુણચંદ્ર-૧ની કૃતિ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. હરિભદ્રસૂરિકૃત મૂળ પ્રાકૃત ‘મુનિપતિચરિત્ર’ ઉપરના ગુણચંદ્રને નામે નોંધાયેલા સ્તબક (ર.ઈ.૧૭૯૨)ના કર્તા પણ ગુણચંદ્ર-૨ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ષટ્ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ગુણચંદ્ર-૧ [ઈ.૧૮મી સદી મધ્યભાગ) : જૈન સાધુ. જયચંદ્રની પરંપરામાં ગુલાલચંદ્રના શિષ્ય. ૧૩ કડીના ‘સીમંધરસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૭૩૭/સં. ૧૭૯૩, પોષ સુદ ૭; મુ.), ૧૧ કડીના ‘ગોડીજી-પાર્શ્વનાથસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, પોષ સુદ ૧૩, શનિવાર; મુ.) અને ૨૧ કડીના ‘જ્ઞાનપંચમીનું સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [શ્ર.ત્રિ.]

ગુણચંદ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. સૂરજમલ્લના શિષ્ય. ‘ધન્ના-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૮૭/સં. ૧૮૪૩, કારતક સુદ ૧૫) અને ૫૭ કડીના ‘ચંદ્રગુપ્ત-સોળસ્વપ્ન-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૯૪/સં. ૧૮૫૦, ભાદરવા સુદ, ૪, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧,૨). [શ્ર.ત્રિ.]

ગુણચંદસૂરિ-૩ [               ]: જૈન સાધુ. એમના દુહાની દેશીની ૧૬ કડીના ‘વસંત-ફાગુ’ (લે.સં. ૧૬મી સદી અનુ.; મુ.)માં નારીસૌંદર્યનું અને શૃંગારભાવનું તાજગીભર્યા અલંકારો અને અભિવ્યક્તિની મનોરમ છટાથી વર્ણન થયેલું છે અને ધર્મભાવની અસરથી મુક્ત એવી જૈનમુનિની રચના તરીકે એ ધ્યાન ખેંચે છે. ભાષાની પ્રાચીનતા જોતાં આ કૃતિ સં. ૧૫મી સદીની રચના હોવાનું અનુમાન થઈ શકે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ગુસાઇતિહાસ:૧. [શ્ર.ત્રિ.]

ગુણધીર(ગણિ) [               ]: જૈન સાધુ. મૂળ સંસ્કૃત ‘સિદ્ધહેમ-આખ્યાન’ પરના બાલાવબોધના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]

ગુણનંદન [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની વડશાખાના જૈન સાધુ. સાગરચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનપ્રમોદના શિષ્ય. ૩૩૦ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, કારતક સુદ ૫, સોમવાર) તથા ઈ.૧૬૧૪માં વાચકપદ પ્રાપ્ત કરનાર ગુરુ જ્ઞાનપ્રમોદના અવસાન સુધીનું ચરિત્ર સંક્ષેપમાં વર્ણવતા ૯ કડીના ‘વાચકજ્ઞાનપ્રમોદ-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’ સં. અગરચંદ નાહટા;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ગુણનિધાનસૂરિ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ.મૂળ અપભ્રંશ કૃતિ ‘ભાવના-સંધિ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૪૯૭)ના કર્તા. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૨૦ - ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજીનું ભાષણ’નું પરિશિષ્ટ. [કી.જો.]

ગુણનિધાન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૩૪માં હયાત] : જૈન. અંચલગચ્છના ભાવસાગરશિષ્ય ગુણનિધાનસૂરિના શિષ્ય. ‘સેવક’ને નામે નોંધાયેલી ૧૨૨ કડીની ‘આદિનાથદેવ-ધવલ/રાસ’ (ર.ઈ.૧૫૩૪/સં. ૧૫૯૦, કારતક સુદ ૯ ગુરુવાર)ના કર્તા. માત્ર ‘સેવક’ નામછાપવાળી ૪૬ કડીની ‘આર્દ્રકુમાર-વિવાહલો’, ૨૬ કડીની ‘નેમિનાથના ચંદ્રાવળા’, ૨૭ કડીની ‘ખંધકકુમાર-સઝાય’ અને ૫ કડીની ‘શાંતિજિન-આરતી’ એ કૃતિઓ આ કવિને નામે નોંધાયેલી મળે છે, પરંતુ એ અજ્ઞાતકર્તૃક ગણવી જોઈએ એમ લાગે છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપૂગૂહસૂચી.[કી.જો.]

ગુણપાલ [ઈ.૧૫૧૮ સુધીમાં] : ‘રાયસલ્લવાલંભ-ગીત’ વગેરે કેટલીક જકડીઓ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ગુણપ્રભ : આ નામે ૭ કડીની ‘નવકાર-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.) તથા ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે ગુણપ્રભ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ગુણપ્રભ-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન સાધુ. ૩ કડીના ‘નેમિ-ગીત’ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ગુણપ્રભ(સૂરિ)-૨ [               ]: જૈન સાધુ. એમની ૧૦૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’નો ર.સં. ૧૬(૦)૮, આસો વદ ૯ને ગુરુવાર (ઈ.૧૫૫૨) અને સં. ૧૭૨૯ (ઈ.૧૬૭૩) નોંધાયેલ મળે છે, તેમાંથી બીજો કદાચ લેખનસંવત હોય. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.[કી.જો.]

ગુણભૂષણ (ભટ્ટારક) [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. જુઓ ગુણકીર્તિ-૧. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]

ગુણરત્ન(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. દર્શનશાસ્ત્રના વિદ્વાન આ સૂરિએ સંસ્કૃત ભાષામાં ‘ક્રિયારત્નસમુચ્ચય’ (ર.ઈ.૧૪૧૦; *મુ.) રચ્યો છે તેમાં તત્કાલીન ગુજરાતી ભાષાનાં ક્રિયાપદરૂપોનું પણ સદૃષ્ટાંત નિરૂપણ કરેલું છે. આ ઉપરાંત, ગુણરત્નસૂરિએ સંસ્કૃતમાં ‘કલ્પાંતરવાચ્ય’ (ર.ઈ.૧૪૦૧), હરિભદ્રસૂરિકૃત ‘ષટ્દર્શનસમુચ્ચય’ પર ટીકા, સપ્તતિકા આદિ કેટલાક ધાર્મિક ગ્રંથોની અવચૂરિઓ (ર.ઈ.૧૪૦૩) તથા અન્ય ગ્રંથો રચ્યાં છે. કૃતિ : * ક્રિયારત્નસમુચ્ચય, પ્ર. યશોવિજયજી જૈન પાઠશાળા, ઈ.૧૯૦૮. સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. ગુસાઇતિહાસ:૧; ૩. જૈસાઇતિહાસ.[ક.શે.]

ગુણરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય અને જ્ઞાનસાગર (ઈ.૧૫મી ઉત્તરાર્ધ)ના ગુરુબંધુ. ૧૪૩ કડીના ‘આદિનાથ/ઋષભ-રાસ’ તથા ૩૯૭/૪૬૩ કડીના ‘ભરત-બાહુબલિપવાડુ/પ્રબંધ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

ગુણરત્ન(સૂરિ)-૩/ગુણરત્ન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. આણંદમેરુને નામે પણ નોંધાયેલી મળતી ‘કાલિકસૂરિ-ભાસ’ના કર્તા ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં હયાત) છે કે એમના શિષ્ય છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી.[ક.શે.]

ગુણરત્ન-૪ [ઈ.૧૫૭૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં વિનયસમુદ્રના શિષ્ય. ૧૦૬ કડીની ‘સંયતિસંજય-સંધિ’ (ર.ઈ.૧૫૭૪/સં. ૧૬૩૦, શ્રાવણ સુદ ૫)ના કર્તા. એમણે ‘નમસ્કાર-પ્રથમપદ-અર્થા’ (*મુ.) નામની વિશિષ્ટ કૃતિ રચી હોવાનો ઉલ્લેખ મળે છે, પંરતુ તે કઈ ભાષામાં છે તેની સ્પષ્ટતા નથી. કૃતિ : *અનેકાર્થ-રત્નમંજૂષા, - સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]

ગુણરત્ન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જુઓ ગુણરત્નસૂરિ-૩.

ગુણરંગ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. પ્રમોદમાણિક્યના શિષ્ય. ‘શત્રુંજયયાત્રાપરિપાટી’ (ર.ઈ.૧૫૫૦), ૩૨ કડીના ‘સામાયિક વૃદ્ધ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૩/સં. ૧૬૪૯, કારતક -), ૨૩ કડીના ‘અજિત-સમવસરણસ્તવન’, ‘અષ્ટોતરશત-નવકારવાલી-મણકા-સ્તવન’, ૧૫ કડીના ‘જિનપ્રતિમા-સ્તવન’ તથા ૧૫ અને ૫ કડીના ૨ ‘પાર્શ્વનાથસ્તોત્ર’ના કર્તા. ગુણરંગને નામે નોંધાયેલી ૮ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૫૭૮)ના કર્તા આ કવિ હોય એવી સંભાવના છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [ક.શે.]

ગુણરાજ [ઈ.૧૫૭૪માં હયાત] : જૈન સાધુ. ૧૦૬ કડીની ‘સંમતિ-સંધિ’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.[કી.જો.]

ગુણલાભ [               ]: જૈન સાધુ. ૧૪ કડીની ‘પૌષધવ્રત-ભાસ’ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.] ગુણવંત(ઋષિ) [ઈ.૧૬૪૮ સુધીમાં] : જૈન સાધુ. ૩૫૦ કડીની ‘પ્રભાવતી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૪૮)ના કર્તા. [શ્ર.ત્રિ.]

ગુણવિજય/ગુણવિજય(ગણિ) : ગુણવિજયગણિને નામે ૬૧૯ ગ્રંથાગ્રનો ‘ધમ્મિલકુમાર-પુણ્યપદ્મમકરન્દ-રાસ’ (ર.ઈ.૧૬૨૪) તથા ‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૬૯) નોંધાયેલ છે તેમ જ ગુણવિજયને નામે ‘અલ્પબહુત્વ’ પરનો બાલાવબોધ, ‘જિનસ્તવન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી અનુ.), વિજયદેવસૂરિ વિશેની કેટલીક કૃતિઓ તથા કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવન-સઝાય મળે છે. આ ગુણવિજય કયા છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ:૧; ૩. સઝાયમાળા (પં.) સંદર્ભ : ૧ જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

ગુણવિજય(ગણિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં પંડિત કનકવિજયના શિષ્ય. જીવદયાનો વિષય લઈને રચાયેલા એમના દુહા-દેશીબદ્ધ ૧૨૫ કડીના ‘કોચરવ્યવહારી-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, આસો વદ ૯; મુ.)માં ખંભાતના સુલતાન પાસેથી ૧૨ ગામનો અધિકાર મેળવી અમારિ પ્રવર્તાવનાર કોચરનું વૃત્તાંત વર્ણવાયું છે. આ ઉપરાંત, આ કવિએ ‘પ્રિયંકરનૃપ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, આસો સુદ ૧૩) તથા ૧૭૬/૨૭૬, કડીની ‘(કાશીદેશાધીશ)જયચંદ્ર/જયતચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, આસો સુદ ૯)એ કૃતિઓ પણ રચેલી છે. કૃતિ : ઐરાસંગ્રહ:૧(+સં.). સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

ગુણવિજય(વાચક)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં કમલવિજયના શિષ્ય વિદ્યાવિજયના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧૩ કડીમાં વિજયસિંહસૂરિને આચાર્યપદ મળ્યું ત્યાં સુધીનું વૃત્તાંત, સર્વ આનુષંગિક ઐતિહાસિક માહિતી ગૂંથી લઈને, માંડીને વર્ણવતા એમનો ‘વિજયસિંહસૂરિવિજયપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, આસો સુદ ૧૦; મુ.) તથા ૫૪ કડીનો ‘વિજયસેનસૂરિનિર્વાણ-રાસ/વિજયસેનસૂરિ-સઝાય’ એમાંની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. આ કવિએ, આ ઉપરાંત, ૯૫ કડીની ‘નેમિજિન/નેમીશ્વર-ફાગુ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૬૮૧, વસંત માસ-; મુ.), ૮૪ કડીની ‘(બંભણવાડમંડન)મહાવીરફાગ-સ્તવન’, ‘શીલ-બત્રીસી’ (મુ.), ‘સાતસોવીસ-જિનનામ/તીર્થંકર-સ્તવન’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, ચૈત્ર -, રવિવાર) તથા ૧૩ કડીની ‘સામાયિક-સઝાય’ એ કૃતિઓ રચેલી છે. તેમણે સંસ્કૃતમાં હેમવિજયકૃત અપૂર્ણ ‘વિજયપ્રશસ્તિ’માં છેલ્લા ૫ સર્ગો ઉમેરી સમગ્ર પર ‘વિજયદીપિકા-ટીકા’ (ર.ઈ.૧૬૩૨) તથા ‘કલ્પકલ્પલતાટીકા’ રચેલ છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(+સં.); ૨. ઐસમાલા:૧; ૩. જિસ્તકાસંદોહ:૧; ૪. જૈઐકાસંચય(+સં.);  ૫. સ્વાધ્યાય, નવે. ૧૯૮૦ - ‘કવિ ગુણવિજયકૃત નેમીશ્વર ફાગુ’, સં. કનુભાઈ વ્ર. શેઠ (+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ,  ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. લીંહસૂચી. [ક.શે.]

ગુણવિજય-૩ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિની પરંપરામાં કુંવરવિજયના શિષ્ય. વિજયાણંદસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૨૦-ઈ.૧૬૫૫)માં રચાયેલ ૫ ઢાળ અને ૪૯ કડીના ‘ગુણમંજરીવરદત્ત/જ્ઞાનપંચમી/સૌભાગ્યપંચમી-સ્તવન’ તથા ૧૧ કડીની ‘ઋષભદેવ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ:૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧;[ક.શે.]

ગુણવિજય-૪ [ઈ.૧૭૫૯ સુધીમાં] : જૈન સાધુ. નયવિજયના શિષ્ય. ૬ કડીના ‘સુજાતજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૫૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ક.શે.]

ગુણવિજય-૫ [               ]: જૈન સાધુ. જયવિજયના શિષ્ય ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી. [ક.શે.]

ગુણવિનય : આ નામે ‘નેમિ-ધમાલ’, ‘પ્રભંજના-સઝાય’ વગેરે કોઈક કૃતિઓ નોંધાયેલી છે તે ગુણવિનય-૧ની જ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ભા.વૈ.]

ગુણવિનય(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ તથા ગદ્યકાર. ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. ક્ષેમરાજ ઉપાધ્યાયની પરંપરામાં ઉપાધ્યાય જયસોમના શિષ્ય. ‘ખંડપ્રશસ્તિ’ની ટીકા (ર.ઈ.૧૫૮૫) તથા ‘જિનરાજસૂરિ-અષ્ટક’ (ર.ઈ.૧૬૨૦)નાં રચનાવર્ષોને આધારે કવિનો જીવનકાળ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ સુધીમાં મૂકી શકાય. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ ઈ.૧૫૯૨માં લાહોરમાં અકબરને મળ્યા ત્યારે તેમના શિષ્યવૃંદમાં આ કવિ હતા. ત્યાં ઈ.૧૫૯૩માં એમને વાચનાચાર્યની પદવી આપવામાં આવેલી. એમની નવીનવી કાવ્યરચનાઓ સાંભળીને જહાંગીરે તેમને ‘કવિરાજ’નું પદ આપ્યાની માહિતી પણ નોંધાયેલી છે. ‘ખંડપ્રશસ્તિ’ જેવા કઠિન કાવ્ય ઉપરની ટીકાથી જેમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ થતો જણાય છે તેવા આ કવિ સંસ્કૃત ભાષાના પણ મોટા વિદ્વાન હોવાનું દેખાઈ આવે છે. ૧૨૦૦૦ શ્લોકોમાં વિસ્તરતી એમની ‘હુંડિકા’ (ર.ઈ.૧૬૦૯) જેવી સંગ્રહાત્મક કૃતિમાં ૧૫૦થી વધુ ગ્રંથોનો નિર્દેશ છે તે બતાવે છે કે કવિએ જૈન શાસ્ત્રગ્રંથો ઉપરાંત કાવ્યસાહિત્યાદિ અન્ય ગ્રંથોનું પણ ઊંડું અધ્યયન કર્યું છે. એમની કેટલીક કૃતિઓની સુંદર મરોડદાર અક્ષરોમાં સ્વલિખિત પ્રત મળે છે તે તેમની પંડિત તરીકેની ચીવટ અને ચોકસાઈને પણ આભારી હોય. કવિની ગુજરાતી કૃતિઓની પદાવલિમાં તેમની ભાષાની સજ્જતાએ પ્રભાવ પાડેલો છે. કવિની કૃતિઓમાં જોવા મળતું અપાર દેશીવૈવિધ્ય એમની સંગીતના જ્ઞાનની શાખ પૂરે છે. કવિની કથાત્મક કૃતિઓમાં અકબરબાદશાહ અને જિનચંદ્રસૂરિના મેળાપમાં નિમિત્તરૂપ થયેલા બિકાનેર રાજ્યના મંત્રી કર્મચંદ્રનો તથા તેના પૂવજોનો વીગતપ્રચુર ઇતિહાસ આપતો ૨૨૯ કડીનો દેશીબદ્ધ ‘કર્મચંદ્રવંશાવલિ-પ્રબંધ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, મહા વદ ૧૦; મુ.) કવિના ગુરુ જયસોમની સંસ્કૃત કૃતિ પરથી રચાયેલો છે અને ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. કવિની રાસાત્મક કૃતિઓમાં ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ. (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, કારતક સુદ ૧૫ કે માગશર - ૧૦; મુ.) સૌથી વધારે મહત્ત્વની છે. મુખ્યત્વે દેશીબદ્ધ ૬૧ ઢાળ અને ૧૨૨૬ કડીની આ કૃતિ જિનકીર્તિસૂરિવિરચિત ‘દાનકલ્પદ્રુમ’ તથા જ્ઞાનસાગરગણિવિરચિત ‘ધન્યકુમાર-ચરિત્ર’ને આધારે રચાયેલી છે પણ ‘દાનકલ્પદ્રુમ’ને મુકાબલે એ ઘણો સંક્ષેપ બતાવે છે તેમ જ કેટલાંક વર્ણનો, વર્ણવિન્યાસાદિનું ચાતુર્ય, અલંકારરચનાની પ્રૌઢિ, સંસ્કૃત ઉપરાંત હિંદી-રાજસ્થાની-ફારસી પદાવલિ તથા તળપદાં કહેવતો-રૂઢિપ્રયોગોથી સમૃદ્ધ બાની એ બધામાં કવિનું ઉત્તમ કવિત્વ પ્રગટ કરે છે. જૈન નલકથાને અનુસરતો, મુખ્યત્વે દેશીબદ્ધ ૧૬ ઢાળ અને ૩૫૩ કડીનો ‘નલદવદંતી-પ્રબંધ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૬૫, આસો વદ ૬, સોમવાર; મુ.) થોડાંક હૃદ્ય પ્રસંગચિત્રણો સાથે બહુધા સીધું કથાકથન કરે છે અને ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’નાં જેવાં જ શૈલીલક્ષણો પ્રગટ કરે છે. કવિની અન્ય રાસકૃતિઓ આ પ્રમાણે છે : ૧૭૩ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ/સંધિ’ (ર.ઈ.૧૫૯૮/સં. ૧૬૫૪, અસાડ વદ ૮), ‘અંજનાસુંદરી-પ્રબંધ’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, ચૈત્ર સુદ ૧૩, બુધવાર), ૨૬૮ કડીની ‘ઋષિદત્તા-ચોપાઈ.(ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, ચૈત્ર સુદ ૯, રવિવાર), ૧૦૯ કડીની ‘ગુણસુંદરીપુણ્યપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯), ૧૦૯ કડીની ‘જમ્બૂ-રાસ’ (ર.ઈ.૧૬૧૪/૧૬૭૦, શ્રાવણ સુદ ૧૦, શુક્રવાર), ૧૭૦ કડીની ‘મૂલદેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, જેઠ સુદ ૧૩, મંગળ/શુક્રવાર), ૨૪૨ કડીની ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, જેઠ સુદ ૧૩, મંગળ/શુક્રવાર), ૨૪૨ કડીની ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, શ્રાવણ સુદ ૯, શનિવાર), ‘અગડદત્ત-રાસ’ તથા ‘દુમુહપ્રત્યેકબુદ્ધ-ચોપાઈ’. શ્રાવિકા જીવિએ ઈ.૧૫૯૯માં ગુણવિનય પાસે બાર વ્રત લીધાં તેનું વર્ણન કરતી ‘બારવ્રતજોડી/રાસ’ ગુણવિનયની જ કૃતિ છે એમ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. ૨૪૭ કડીની ‘જીવસ્વરૂપ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૮/૧૬૧૧) તથા અન્ય મતોનું ખંડન કરતી ૧૩૦૦ ગ્રંથાગ્રની ‘પ્રશ્નોત્તરમાલિકાપાર્શ્વચંદ્રમત-(દલન)-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭), ‘અંચલમતસ્વરૂપવર્ણન’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, મહા સુદ ૬, બુધવાર), ‘લુંપકમતતમોદિનકર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, શ્રાવણ વદ ૬, શુક્રવાર) અને ૩૮૨ કડીની ‘તપાએકાવનબોલ-ચોપાઈ.(ર.ઈ.૧૬૨૦) એ કૃતિઓ કવિનો જૈનધર્મવિષયક સઘળા આચાર-વિચારોનો ઊંડો અને બારીક અભ્યાસ દર્શાવે છે. ‘ધર્મસાગર-ત્રીસબોલખંડન/ત્રિંશદ્ઉત્સૂત્રનિરાકરણ-કુમતિમતખંડન’ ગદ્યમાં કે પદ્યમાં હોવાનું નિશ્ચિત થતું નથી તે ઉપરાંત કવિએ તપગચ્છના ધર્મસાગરના ‘ઉત્સૂત્રખંડન’ના પ્રત્યુત્તર રૂપે સંસ્કૃતમાં ‘ઉત્સૂત્રોત્ઘાટન-કુલક’ (ર.ઈ.૧૬૦૯) એ કૃતિ રચી હતી તેનું આ ગુજરાતી નામાંતર થયું હોય એવી શક્યતા પણ નકારી ન શકાય. કવિની પ્રકીર્ણ રચનાઓમાં ઈ.૧૫૮૮માં થયેલી યાત્રાને વર્ણવતી ૩૨ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી’, ૩૨ કડીનું ‘ચારમંગલગીત’ (ર.ઈ.૧૬૦૪), ‘શત્રુંજયયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, ફાગણ સુદ ૧૩), ૩૧ કડીની ‘ખરતરગચ્છગુર્વાવલી/ગુરુપટ્ટાવલી’ (મુ.) ‘ચોવીસજિન-સ્તવન’, જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ અને જિનરાજસૂરિ વિશેનાં કેટલાંક ગીતો તથા અન્ય સ્તવનો વગેરેનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક રચનાઓ હિંદીમાં પણ છે. ગદ્યમાં આ કવિએ ‘જયતિહુઅણ-સ્તોત્ર’, ‘બૃહત્સંગ્રહણી’, ‘નમોત્થુણમ્’, ‘કલ્પસૂત્ર’, ‘આદિ-સ્તવન’ અને ‘પ્રણિપાતવરદંડક’ એ કૃતિઓ પર બાલાવબોધ, ‘ભક્તામર’ પર ટબો તથા ‘તપોલઘુવિચારસાર’ રચ્યા હોવાની માહતી મળે છે. સંસ્કૃતમાં ઉપર નિર્દેશેલી કૃતિઓ ઉપરાંત ‘નેમિ-ગીત’, ‘દમયંતી-કથા/નલ-ચંપૂ’, ‘રઘુવંશ’, ‘વૈરાગ્ય-શતક’ જેવી કાવ્યકૃતિઓ પર તેમ જ ‘સંબોધસપ્તતિકા’, ‘લઘુઅજિતશાંતિ-સ્તવ’, જયસોમકૃત સંસ્કૃત ‘કર્મચંદ્રમંત્રીવંશ-પ્રબંધ’ જેવી જૈન ધર્મની કૃતિઓ ઉપર ટીકા કે વૃત્તિ રચેલી છે. તેમણે ‘વિચારરત્નસંગ્રહલેખન’ તથા ‘સવ્વત્થશબ્દાર્થસમુચ્ચય’ નામની સ્વતંત્ર કૃતિઓ પણ રચેલી છે. કૃતિ : ૧. ધન્ના-શાલિભદ્ર ચોપાઈ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૩ (+સં.); ૨. નલદવદંતી પ્રબંધ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦(+સં.);  ૩. ઐજૈકાસંગ્રહ; ૪. ઐરાસંગ્રહ:૩ (+સં.); ૫. જૈઐકાસંચય(+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ભા.વૈ.]

ગુણવિમલ [ઈ.૧૬૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં પંડિત વિનયવિમલના શિષ્ય. ૨૭ કડીના ‘(દિલ્હીમંડન)વીરજિનપૂજાવિધિ-સ્તવન’ (લે.ઈ.૧૬૩૯; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧;[ચ.શે.]

ગુણશેખર: [ ] જૈન સાધુ. ૫ કડીની ‘અમરસાગરસૂરિ-ભાસ’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

ગુણસમુદ્ર(સૂરિ) [ઈ.૧૫૩૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૩ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૫૩૮)ના કર્તા. એને પૌર્ણમિકગચ્છના ગુણસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે પણ એને માટે કશો આધાર નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ગુણસમુદ્ર(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : નગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિ(ઈ.૧૫મી સદી મધ્યભાગમાં હયાત)ના શિષ્ય. ભૂલથી ઉદયને નામે નોંધાયેલી ૩૫૬ કડીની ‘શકુનચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧ - ‘૨૮ ગુણરત્નસૂરિ’;  ૨. આલિસ્ટઑઇ: ૨; ૩. જૈગૂકવિઓ:૩(૧). [કી.જો.]

ગુણસાગર : આ નામે ૧૯ કડીની ‘અઢીદ્વીપમુનિની સઝાય’ (મુ.), ‘શ્રી-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી), ૨૮ કડીની ‘ચિંતામણિ-પાર્શ્વનાથવિનતિ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ૪ ઢાળ અને ૨૪ કડીની ‘નરદુ:ખવર્ણનગર્ભિત-આદિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૬૮; મુ.), ૧૬ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’ ૧૬ કડીના ‘ખામણા’ તથા ૨૦ ગ્રંથાગ્ર ધરાવતી ‘પુણ્ય-સઝાય’ મળે છે. આ ગુણસાગર કયા છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ:૨; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી:૨; ૫. હજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]

ગુણસાગર-૧ [ઈ ૧૬૨૫ સુધીમાં] : મલધારગચ્છના જૈન સાધુ. હેમસૂરીશ્વરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્રના ‘નેમિચરિત્રમાલા’ (લે.ઈ.૧૬૨૫)ના કર્તા. અભયદેવસૂરિશિષ્ય ને ‘નેમિચરિત’ના કર્તા હેમચંદ્રસૂરિના સીધા શિષ્ય આ હોય તો એમનો સમય ૧૨મી સદી ગણાય પરંતુ કૃતિની ભાષા મોડા સમયનું સૂચન કરે છે. આથી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ કૃતિ ગુણસાગર-૪ની જ હોવાનું અને કવિએ ‘નેમિચરિત’નો આધાર લીધેલો હોઈ હેમસૂરીશ્વરને પોતાના ગુરુ ગણાવ્યા હોવાનું અનુમાન કર્યું છે. પરંતુ આ જાતના અનુમાનનું પણ સમર્થન કરવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.]

ગુણસાગર-૨ [ઈ.૧૬૨૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં મુક્તિસાગર(રાજસાગરસૂરિ)ના શિષ્ય. ૭૨ કડીની ‘સમ્યક્ત્વમૂલ-બારવ્રત-સઝાય’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, મહા સુદ ૧૩, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[ચ.શે.]

ગુણસાગર-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના જૈન સાધુ. ગજસાગરસૂરિના શિષ્ય. ગજસાગરસૂરિના અવસાન (ઈ.૧૬૦૩) સુધીની માહિતી આપતા ૧૦૫ કડીના ચરિત્રાત્મક રાસ ‘ગજસાગરસૂરિનિર્વાણ’ના કર્તા. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈહાપ્રોસ્ટા.[ચ.શે.]

ગુણસાગર-૪ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છના જૈન સાધુ. વિજયઋષિની પરંપરામાં પદ્મસાગરસૂરિના શિષ્ય. એમનો ૯ ખંડ અને ૧૫૧ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ઢાળસાગરહરિવંશ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.) વસુદેવચરિત્ર, કૃષ્ણબલદેવચરિત્ર, નેમિનાથચરિત્ર, સાંબપ્રદ્યુમ્નચરિત્ર અને પાંડવકથાના સમાવેશ કરતી જૈન પરંપરાની મહાભારતકથા વિસ્તારથી અને વીગતપ્રચૂર રીતે વર્ણવે છે તથા લાક્ષણિક ધ્રુવાઓવાળી સુંદર અને ગેય દેશીઓ, દૃષ્ટાંતપૂર્વક અપાયેલો ધર્મોબોધ, કેટલાંક નોંધપાત્ર ભાવાલેખન ને વર્ણનો, આંતરપ્રાસનો વિનિયોગ અને ભાષામાં હિંદી અસર એ લાક્ષણિકતાઓ ધરાવે છે. આ સિવાય તેમની અન્ય કૃતિઓ આ પ્રમાણે છે : ૨૦ ઢાળનો ‘કયવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૬૨૦), ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ૨૯ કડીની ‘મનગુણત્રીસી-સઝાય’ (મુ.), ૩૨ કડીની ‘સ્થૂલિભદ્ર-ગીત’ તથા મુખ્યત્વે હિંદીમાં ૨૧ કડીનો ‘(હસ્તિનાપુર મંડન) શાંતિજિનવિનતિરૂપ-છંદ’(મુ.). કૃતિ : ૧. ઢાલસાગર, પ્ર. મગનલાલ ઝ. શાહ, સં. ૧૯૪૬;  ૨. ચૈસ્તસંગ્રહ:૨, ૩; ૩. પ્રાછંદસંગ્રહ;૪. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. ડિકૅટેલૉગભાઈ: ૧૯(૨); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]

ગુણસાગર-૫ [ઈ.૧૬૬૮માં હયાત] : જૈન સાધુ. ‘ચંદનબાલા ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[ચ.શે.]

ગુણસાર [ ] : જૈન સાધુ. ૧૫ ડીના ‘શ્રાદ્ધવિધિભાવના-કુલક’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ગુણસેન [ ઈ.૧૬૨૯માં હયાત] : સાગરચંદ્રસૂરિશાખાના જૈન સાધુ. વાચક સુખનિધાનજીના શિષ્ય. ૨ કડીના ‘સુખનિધાનગુરુ-ગીત’ (સ્વલિખિત, લે.ઈ.૧૬૨૯; મુ.), ‘જિનકુશલસૂરિ-ગીત’ તથા અન્ય સ્તવનોના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). [કી.જો., ચ.શે.] સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.

ગુણસૌભાગ્ય-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. વિજયદાનસૂરિના શિષ્ય. ૫ કડીની ‘(થંભણ)પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]

ગુણસૌભાગ્ય(સૂરિ)-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જુઓ વિનયમંડનશિષ્ય જયવંતસૂરિ.

ગુણહર્ષ : પંડિત ગુણહર્ષને નામે ૭ કડીની ‘વીરગૌતમ- સઝાય’ મળે છે તેના કર્તા ગુણહર્ષ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

ગુણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૨-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ૧૦ ઢાળ અને ૧૨૦ કડીના ‘મહાવીરજિનનિર્વાણ-સ્તવન/મહાવીરજિન-દીપાલિકામહોત્સવ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૮; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

ગુણહર્ષશિષ્ય [               ]: જૈન. ૨૩ કડીની ‘જિનદાસ-સોભાગદે-સઝાય/શિયલપાલન-સઝાય’ (મુ.)ના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે પરંતુ ૪ કડીની ‘અગિયારશની સ્તુતિ’(લે.ઈ.૧૭૧૩) અને ૧૭ કડીની ‘ગૌતમસ્વામી-સ્તવન’ એ કૃતિઓના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય છે કે અનુયાયી શ્રાવક છે તે નક્કી થઈ શકતું નથી. જુઓ લબ્ધિવિજય. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.[કી.જો.]

ગુણાકર-૧ [ઈ.૧૨૪૦માં હયાત] : એમને નામે નાગાર્જુનકૃત ‘આશ્ચર્યયોગમાલા/યોગરત્નમાલા’ પરની ગુજરાતી ‘અમૃતરત્નાવલીટીકા’ (ર.ઈ.૧૨૪૦) નોંધાયેલી છે. પરંતુ ગુજરાતી ટીકાના કર્તૃત્વનો આધાર સ્પષ્ટ નથી. ગુણાકરે નાગાર્જુનની કૃતિ પર સંસ્કૃતમાં ટીકા (ર.ઈ.૧૨૪૦) રચેલી છે તેનો આ અજ્ઞાતકર્તુક અનુવાદ પણ હોઈ શકે. સંદર્ભ : ડિકૅટલૉગ ભાઈ:૧૬(૧). [ચ.શે.]

ગુણાકર(સૂરિ)-૨ [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ધનપાલકૃત ‘સાવયવિહિ’ના અનુવાદરૂપ, વસ્તુ, ભાસ અને ઢાળના પદબંધ ધરાવતા, શ્રાવકોને સમ્યગ્ આચાર પ્રબોધતા, ૫૦ કડીના અપભ્રંશમિશ્ર ગુજરાતી ભાષાના ‘શ્રાવકવિધિ-રાસ’ (ર.ઈ.૧૩૧૩/૧૩૧૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ - ‘ગુણાકરસૂરિકૃત શ્રાવક-વિધિરાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપૂગૂહસૂચી.[ચ.શે.]

ગુણાતીતાનંદ [જ.ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧, આસો સુદ ૧૫, મંગળવાર-અવ.ઈ.૧૮૬૭/સં. ૧૯૨૩, આસો સુદ ૧૨, ગુરુવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સહજાનંદશિષ્ય. જામનગર પાસે ભાદરા ગામે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. જન્મનામ મૂળજી. પિતાનામ ભોળાનાથ શર્મા. માતાનામ સાકરબા. બાળપણથી જ ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો. પહેલાં રામાનંદસ્વામીના અનુયાયી ભક્ત. પછીથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી સહજાનંદ પાસે ઈ.૧૮૧૦માં દીક્ષા લીધી. જૂનાગઢ મંદિરના પ્રારંભથી જ દેખભાળનું કામ કર્યું અને પછીથી મહંતપદે આવ્યા. અક્ષરવાસ ગોંડલમાં. સ્વામી સહજાનંદે તેમને અક્ષરમૂર્તિ તરીકે ઓળખાવ્યા હતા. પ્રતાપી વ્યક્તિત્વ ધરાવતા ગુણાતીતાનંદે ધર્મપ્રચાર અને સમાજસુધારાનું અસરકારક કામ કરી સંપ્રદાયમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુણાતીતાનંદે અનેક પ્રસંગોએ ધર્મબોધની અને સહજાનંદસ્વામીની વાતો કરેલી તે (મુ.) એમના જાગાભક્ત વગેરે કેટલાક ભક્તો દ્વારા નોંધાયેલી છે. એમાં કેટલાક ભાગોમાં ગુણાતીતાનંદસ્વામીનાં વચનો જ ઉતારવામાં આવ્યાં છે, પરંતુ કેટલાક ભાગોમાં પ્રસંગનો સંદર્ભ એટલી વીગતે વર્ણવાય છે કે તેનું કર્તૃત્વ ગુણાતીતાનંદસ્વામીનું ન જ ગણી શકાય. એ ભાગો કેટલેક અંશે ચરિત્રવર્ણનના બની જાય છે. સ્વામીની વાતોમાં બોલચાલની સરળ શૈલીમાં અને દૃષ્ટાંત સાથે ધર્મબોધ અપાયેલો જોવા મળે છે. કૃતિ : ૧. ગુણાતીતાનંદસ્વામીની વાતો, સં. બાલમુકુંદદાસજી, સં. ૧૯૭૫; ૨. ગુણાતીતાનંદસ્વામીની વાતો, પ્ર. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૬(ત્રીજી આ.) (+સં.). સંદર્ભ : ગુણાતીતાનંદ સ્વામી: ૧-૨, સં. હર્ષદરાય ત્રિ. દવે, ઈ.૧૯૭૭ (બીજી. આ.)[હ.ત્રિ.]

ગુમાન [               ]: કૃષ્ણભક્તિનાં પદના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.]

ગુમાનચંદ [ઈ.૧૮૧૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં ખુશાલચંદના શિષ્ય. ‘કેશીગૌતમ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૮૧૧/સં. ૧૮૬૭, માગશર સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]

ગુરુદાસ [ઈ.૧૬૩૬માં હયાત] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમિનાથરેખતા-છંદ’, ‘ધ્યાન-છત્રીસી’ તથા ૧ સઝાય (ર.ઈ.૧૬૩૬)ના કર્તા. સંદર્ભ : કૅટલૉગગુરા. [શ્ર.ત્રિ.]

‘ગુરુશિષ્ય-સંવાદ’ [ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર] : અખાની આ કૃતિ (મુ.) દોહરા-ચોપાઈની અનુક્રમે ૪૯, ૭૫, ૧૧૧ અને ૮૫ કડીઓ તથા પંચભૂતભેદ, જ્ઞાનનિવદયોગ, મુમુક્ષુમહામુક્તલક્ષણ અને તત્ત્વજ્ઞાનનિરૂપણ એવાં નામાભિધાન ધરાવતા ૪ ખંડોમાં વહેંચાયેલી છે. પ્રથમ ખંડમાં ૫ મહાભૂતોનાં લક્ષણો સદૃષ્ટાંત સમજાવ્યાં છે, બીજા ખંડમાં માયાએ ઊભા કરેલા ભેદો દર્શાવી મનનું કર્તૃત્વ સ્પષ્ટ કર્યું છે અને જ્ઞાનપૂર્વકના નિર્વેદ એટલે કે વૈરાગ્યનો બોધ કર્યો છે. ત્રીજા ખંડમાં અણલિંગી અવસ્થા પ્રાપ્ત કરેલ તત્ત્વદર્શીનાં સત્યભાષણ આદિ ૩૦ ગુણલક્ષણો વર્ણવ્યાં છે અને સદેહી ને વિદેહી, જોગી, ભોગી ને કર્મઠ વગેરે તત્ત્વદર્શી હોઈ શકે છે એ સમજાવ્યું છે; ચોથા ખંડમાં દ્રવ્યાદ્વૈત, ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને એ સૌની ઉપર રહેલી કેવલાદ્વૈત ભૂમિકાને સ્ફુટ કરી છે. કૃતિના અંતમાં “હું હુંને પ્રણમી કહું” એ શિષ્યની ઉક્તિમાંથી સૂચવાતો ગુરુશિષ્યની એકતાનો વિચાર અખાની કેવલાદ્વૈતની ભૂમિકાને અનુરૂપ છે. સંવાદશૈલી, પારિભાષિક ને લૌકિક દૃષ્ટાંતો અને કેટલીક વર્ણનછટાઓથી કૃતિ રસાવહ બની છે. મુમુક્ષુનું અને બ્રહ્માનુભવના સમુલ્લાસનું વર્ણન જેવાં કેટલાંક વર્ણનો એની મનોરમતાથી ધ્યાન ખેંચે છે. કૃતિ ૨૪૦ ચોપાઈ અને સંમતિના ૧૪ શ્લોક ધરાવે છે એવો ઉલ્લેખ ૧ પ્રતના પાઠમાં હોવાનું નોંધાયું છે, પરંતુ મુદ્રિત વાચનામાં સંમતિના શ્લોકો નથી. [જ.કો.]

ગુલાબ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. બુરહાનપુરના સંઘે વિજયક્ષમાસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૧૭-ઈ.૧૭૨૯)ને કરેલી વિનંતી વર્ણવતી ૭ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. તથા માર્ચ, ૧૯૪૧ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.).[શ્ર.ત્રિ.]

ગુલાબવિજય [ઈ.૧૭૯૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋદ્ધિવિજયની પરંપરામાં માનવજિયના શિષ્ય. ૧૫૦ ગ્રંથાગ્રના ‘સમેતશિખરગિરિ-રાસ’ (ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, અસાડ વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]

ગુલાબશેખર [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. મેઘશેખરના શિષ્ય. ૫ કડીના ‘ઘૃતકલ્લો-પ્રભુપાર્શ્વનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ફાગણ વદ ૪, મુ.)ના કર્તા. કૃતિ : જૈરસંગ્રહ. [શ્ર.ત્રિ.]

ગુલામઅલી [અવ. ઈ.૧૭૯૭] : દેલમી ઉપદેશક પરંપરાની નિઝારી સૈયદ. પીર સદરુદ્દીનના કડીમાં વસેલા વંશજોમાંના આ સૈયદે કચ્છના કેરા ગામમાં સ્થાયી વસવાટ કરી ધર્મોપદેશનું કામ કરેલું. એ ‘ગુલમાલીશાહ’ને નામે જાણીતા થયેલા. કરાંચીમાં અવસાન. મકબરો કેરામાં. એમને નામે દોહરા-ચોપાઈબદ્ધ ‘મનહર’ નામનો જ્ઞાનબોધક પદોનો સંગ્રહ (*મુ.) મળે છે ને મુખ્યત્વે હિંદી ભાષાના ગણાય એવા કોઈક છૂટક પદ પણ મુદ્રિત મળે છે. કૃતિ : સૈઇશાગીસંગ્રહ:૪(+સં.). સંદર્ભ : ૧. ક્લેક્ટૅનિયા:૧, સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૨. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, *ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૩. *બિબ્લિઓગ્રાફી ઑવ ઇસ્લાઈલી લિટરેચર, સં. આઈ.કે. પૂનાવાલા, ઈ.૧૯૭૭; ૪. મહાગુજરાતના મુસલમાનો: ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯. [પ્યા.કે.]

ગુલાલ : આ નામે ‘માણિભદ્ર-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તેના કર્તા કયા ગુલાલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]

ગુલાલ-૧ [ઈ.૧૭૬૫માં હયાત]: ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં કેસરના શિષ્ય. ‘તેજસારકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, શ્રાવણ સુદ ૮, રવિવાર)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [શ્ર.ત્રિ.]

ગુલાલવિજય [ઈ.૧૭૨૬માં હયાત] : જૈન સાધુ. ‘નલદમયંતી-રાસ’ (ર.ઈ.૧૭૨૬)ના કર્તા. સંદર્ભ : (મહીરાજકૃત) નલ-દવદંતી રાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]

ગેબનાથ [               ]: ‘પંદર-તિથિ (મુ.)ના કર્તા. કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.]

ગેબીરામ [               ]: પદોના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

ગેમલજી/ગેમલદાસ/ઘેમલસી (૧૯મી સદી) : અવટંકે ગોહિલ. જ્ઞાતિએ રજપૂત. કૂકડ (ભાવનગર પાસે)ના રહીશ. ભાવનગરના ઠાકોર વજેસિંહ (ઈ.૧૮૧૬-ઈ.૧૮૫૨)ના સમકાલીન. જબરા શિકારી ગેમલજી ખદરપરના હરિદાસજીના પરચાનો અનુભવ થતાં તેમના શિષ્ય બનેલા. આ પછી તેમણે પોતાનું જીવન ભક્તિ-કીર્તનમાં જ ગાળ્યું. અવસાન કેવદરા ગામમાં. તેમણે જીવતાં સમાધિ લીધેલી એમ કહેવાય છે. આ કવિએ ક્યારેય ‘ગેમલ’ ગેમલદાસ’ એવી નામછાપ ધરાવતાં પદ-ગરબીઓ (કેટલાંક મુ.) રચ્યાં છે, તેમાંથી ઘણી થાળ, દાણ, ઉદ્ધવ-સંદેશ વગેરે પ્રસંગોના ગોપીભાવની રચનાઓ છે થોડાંક પદો હરિભક્તિનો ઉપદેશ પણ આપે છે. સાદી પણ પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી આ રચનાઓમાંથી ‘હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે’ એ લોકપ્રિય બનેલું પદ ક્વચિત્ ‘પ્રેમળદાસ’ને નામે ચડી ગયું છે. ‘ઘેમલસી’ની નામછાપ સાથે મુદ્રિત ૩ પદો પણ આ જ કવિનાં જણાય છે. કૃતિ : ૧ અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ - ‘ગેમલજી ગોહિલનાં પદો’ (+સં.); ૨. નકાદોહન; ૩. પરિચિત પદ સંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૪. પ્રાકાસુધા:૨; ૫. બૃકાદોહન:૮; ૬. ભજનસાગર:૧; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા; સં. ૧૯૪૪. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

ગેમલમલ્લ [               ]: જ્ઞાનમાર્ગનાં પદના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[કી.જો.]

ગોકુલ : ગોકુળદાસને નામે મુદ્રિત થયેલાં કૃષ્ણલીલાનાં ૩ પદોમાં નામછાપ માત્ર ‘ગોકુલ’ મળે છે, તે ઉપરાંત રાગ વસંતનાં ભક્તિવૈરાગ્યવિષયક ૩ પદો ‘ગોકુલ’ને નામે નોંધાયેલાં છે. આ કયા ગોકુલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : બૃકાદોહન:૭. સંદર્ભ : ફૉહનામાવલિ:૨. [શ્ર.ત્રિ.]

ગોકુલ-૧ [ઈ.૧૭૧૦માં હયાત] : ૧૩ કડીની ‘પ્રેમ-ગીતા’ (ર.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : ફૉહનામાવલિ. [કી.જો.]

ગોકુલદાસ  : આ નામે ૬૨ કડીનો ‘કાળકાનો ગરબો’ (મુ.), દાણલીલાના સવૈયા તથા વસંતનાં પદ મળે છે તે કયા ગોકુલદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ:૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ, સં. ૧૯૩૩. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

ગોકુલદાસ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧૨)ના અનુયાયી ભક્ત. જ્ઞાતિએ નાગર. વતન વડોદરા. ‘નિત્યચરિત્ર’ના કર્તા. તેમના ‘પ્રાકટ્યરસઉત્સવ’માંથી ૧ માંગલ્ય મુદ્રિત હોવાની માહિતી નોંધાયેલી છે તે ઉપર્યુક્ત કૃતિનો જ અંશ છે કે અલગ કૃતિ છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ધોળ તેમ જ સંસ્કૃત-ગુજરાતીમિશ્ર ભાષામાં ૧ અષ્ટક પણ રચેલ છે. ગોપાલદાસ વ્યારાવાળાના ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ના ગુજરાતપ્રસંગવિષયક બીજા તરંગ ‘રસિકરસ’ (ર.ઈ.૧૬૪૩; મુ.)માં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે. કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ - ‘રસિકરસ ગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.). સંદર્ભ : ૧ ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો.[કી.જો.]

ગોકુલદાસ-૨ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્તકવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

ગોકળદાસ-૩ [ઈ.૧૮મી સદી] : રામાનંદી સાધુ. કણઝટના વતની અને નિરાંતના ગુરુ. નિરાંત ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯૫૨ દરમ્યાન થઈ ગયા, એટલે આ કવિ પણ ઈ.૧૮મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું માની શકાય. તેમનાં સદ્ગુરુનો મહિમા કરતાં ને જ્ઞાનબોધનાં હિંદીની છાંટવાળાં ૩ ભજન(મુ.) મળે છે. કૃતિ: શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળદાસ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૫૯ (+સં.). [શ્ર.ત્રિ.]

ગોકુલનાથજી [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી અને ભક્તકવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]

ગોકુલભાઈ [જ. ૧૬૦૯/સં. ૧૬૬૫, વૈશાખ વદ ૧૧-અવ. ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ગોકુલનાથજીના અનુયાયી ભક્ત. નારાયણદાસના પુત્ર. ભરૂચના વતની. ૨૦-૨૨ની વયે તેઓ ગોકુલ અને આગ્રા જઈ વસેલા અને દેહનિર્વાહ અંગે ત્યાં વેપાર કર્યો હતો. અહીં તેમને ગોકુલેશપ્રભુનો મેળાપ થયો ત્યાર પછી લૌકિકમાં રહેવા છતાં તેઓ અલૌકિક જીવન જીવવા લાગ્યા. એમના ૧૧૩ માંગલ્ય અને ૯૫૦૦ કડીના ‘સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ’ (ર.ઈ.૧૬૫૨; અંશત: મુ.) સં. ૧૬૯૬ (ઈ.૧૬૩૦), માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા ગોકુલેશપ્રભુના પ્રાકટ્યદિનના મહોત્સવને ૫૦ ઉપરાંત માંગલ્યમાં અને તે પહેલાંના ૧ વર્ષના અન્ય સર્વસામાન્ય ઉત્સવોને ૩૦ માંગલ્યમાં વર્ણવે છે. કાવ્યમાં આવતી વસ્ત્ર-આભૂષણ આદિની માહિતીઓ તથા સંગીતકારો, ભગવદીઓની નામાવલિઓ ઐતિહાસિક-સામાજિક દૃષ્ટિએ નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ ભક્તકવિએ ‘મંગળરસ’, ‘રસાનંદોત્સવ’, ‘નિત્યચરિત્ર’, ‘સ્વરૂપવર્ણન’, ‘સેવાપ્રકાર’, પ્રબોધનું પદ અને વિનંતીનું પદ જેવાં કેટલાંક પદો તથા ધોળ(મુ.) રચ્યાં છે. કૃતિ : ૧. (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬;  ૨. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘શ્રી સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ’ (+સં.) સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘ભક્તરાજ ગોકુલભાઈ.’ [કી.જો.]

ગોડીદાસ [ઈ.૧૬૯૯માં હયાત] : જૈન. ૨૪ ઢાળ અને ૬૦૫/૭૦૫ કડીના ‘નવકાર-રાસ/રાજસિંહરત્નવતી-રાસ’ (૨.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, આસો સુદ ૧૦, મંગળવાર)માં “પ્રભુ પાસ ગોડીદાસ પભણે” એવી પંક્તિ મળે છે, પરંતુ અન્યત્ર પણ ગોડીપાર્શ્વનાથની કૃપાનો ઉલ્લેખ થયેલો છે તેથી કોઈ અજ્ઞાતનામા કર્તાએ પોતાનો ગોડીના દાસ તરીકે નિર્દેશ કર્યો હોય એમ પણ બને. તપગચ્છના વિજયરત્નસૂરિના રાજ્યકાળમાં રચાયેલી આ કૃતિના કર્તા વિજયરત્નસૂરિના કોઈ શિષ્ય કે અનુયાયી શ્રાવક હોઈ શકે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ગોદડ [ઈ.૧૮૫૦ સુધીમાં] : એમના પદો (લે.ઈ.૧૮૫૦)માંથી કેટલાંક મુદ્રિત મળે છે. જ્ઞાન અને ભક્તિનો બોધ કરતાં આ પદોમાંથી કેટલાંક હિંદી ને કચ્છીમાં છે, તો કોઈમાં હિંદીની છાયા પણ છે. કૃતિ : ૧. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સંતસમાજ ભજનાવળી:૨, પ્ર. શાહ નાનાલાલ ધ.-. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]

ગોદડદાસ [ઈ.૧૭૪૬માં હયાત] : ‘સ્વાંતહર્ણ-ચોપાઈ’ (૨.ઈ.૧૭૪૬)ના કર્તા. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧; ૨. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]

ગોધો/ગોવર્ધન [ ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૮ કડીની ‘રતનસીઋષિની ભાસ’ એ કૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

ગોનુ [ઈ.૧૫૦૩ આસપાસ સુધીમાં] : જૈન. ચાંદાસુત. વીતરાગધર્મનું માહાત્મ્ય વર્ણવતા ૫ કડીના ૧ ગીત (લે.ઈ.૧૫૦૩ આસપાસ; મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ - ‘શ્રવાક કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [નિ.વો.]

ગોપાળ : આ નામે જ્ઞાન, ભક્તિ વગેરે વિષયનાં ઘણાં પદો (કેટલાંક મુ.) મળે છે તે ગોપાળ-૧નાં જ હોઈ તેમને નામે જ નિર્દેશ્યાં છે. પરંતુ ૧૬૨ કડીનો સીધાસાદા કથનથી ચાલતો ‘બોડાણો’(મુ.) એમની કૃતિ હોવાનો સંભવ જણાતો નથી. ‘શ્રીકૃષ્ણજીવણજીનો મહિમા’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા ગોપાળ પણ ક્યા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : બૃકાદોહન:૭. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફૉહનામાવલિ.[ર.સો.]

ગોપાળ-૧/ગોપાળદાસ [ઈ.૧૬૪૯માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે અડાલજા. પિતા ખીમજી નારણદાસ. જ્ઞાતિએ મોઢ વણિક. સોમરાજના શિષ્ય. સુરતના વતની હોવાનું કહેવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ થતો નથી. પાછળથી અમદાવાદ આવી વસેલા જણાય છે. ઘણા સંદર્ભોમાં ગોપાળદાસ તરીકે ઉલ્લેખાયેલા આ કવિની સઘળી કૃતિઓમાં ‘ગોપાળ’ ‘દાસ ગોપાળ’ એવી નામછાપ મળે છે. ૨૩ કડવાંમાં ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી એમની ‘ગોપાળ-ગીતા/જ્ઞાનપ્રકાશ’ (૨.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, વૈશાખ-૮, મંગળવાર; મુ.) શાંકરવેદાંત અનુસાર જગતની ઉત્પત્તિ, એનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, બ્રહ્મ આદિને દૃષ્ટાંતોની મદદથી સરળ રીતે ને ક્યાંક વિસ્તારથી વર્ણવતી, આપણી જ્ઞાનગીતાઓની પરિપાટીની કૃતિ છે. એમની ૧૮ સાખીઓ (મુ.)માં પણ અજ્ઞાનીઓ પર હળવા ઉપાલંભો કરી સરળ ભાષામાં અને લોકગમ્ય દૃષ્ટાંતાદિથી જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો છે. રૂપકોનો આશ્રય લેતી ‘બુદ્ધિવહુને શિખામણ’ (મુ.) તથા સત્સંગમહિમા, જ્ઞાનવૈરાગ્યબોધ, કૃષ્ણભક્તિ વગેરે વિશેનાં ઘણાં મુદ્રિત-અમુદ્રિત પદો ‘ગોપાળ’ નામછાપથી મળે છે તે આ કવિની જ રચનાઓ હોવાનું સમજાય છે. ‘માળાનો મરમ’ એવા શીર્ષકથી પણ નોંધાયેલા ૧ પદમાં તો ગુરુ સોમરાજનો ઉલ્લેખ પણ મળે છે. કૃતિ : (ગોપાલદાસકૃત) જ્ઞાનપ્રકાશ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, સં. ૧૯૮૯;  ૨. પ્રાકાવિનોદ:૧; ૩. પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતી કવિઓની ભક્તિ, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા:૧, મુ. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૪. બૃકાદોહન:૩,૫ , ૭; ૫. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા. , ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ. [ર.સો.]

ગોપાળ-૨ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના કવિ. એમના, સાંકળી પ્રકારની રચના ધરાવતા ૧૪૧ કડીના ‘સહજાનંદસ્વામીના સલોકા’(મુ.)માં ભગવાનના અવતારો તથા ચમત્કારોની પૂર્વભૂમિકા સાથે સહજાનંદસ્વામીનું, એમના અક્ષરવાસ સુધીનું ચરિત્રવર્ણન થયેલું છે. ૧૯ પદના ‘લક્ષ્મીવિવાહ’ (મુ.)માં લક્ષ્મી તથા પુરુષોત્તમ નારાયણનો લગ્નપ્રસંગ સરળ અને પ્રવાહી ભાષામાં આલેખાયેલ છે ને સહજાનંદસ્વામી પુરુષોત્તમ નારાયણનો જ અવતાર છે એવું દર્શાવાયું છે. આ ઉપરાંત આ કવિનાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યવિષયક ૧૫ પદો (મુ.) તેમ જ, ગોલોકવર્ણન, સહજાનંદભક્તિ અને સહજાનંદવિરહનાં ૧૬ પદો (મુ.) મળે છે. કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, પ્ર. કોઠારી વ્રજલાલ જી. , સં. ૧૯૯૮; ૨. (શ્રી) પ્રકટ પુરુષોત્તમ વિવાહ, તુલસીવિવાહ, રુક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજી મહારાજના શલોકા અને વૃત્તિવિવાહ, પ્ર. મહંત પુરાણી હરિસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧.[હ.ત્રિ.]

ગોપાળ-૩ [               ]: કલ્યાણદાસના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિનાં ૧ પદ (મુ.)ના કર્તા. એમને નામે મુકાયેલ અન્ય પદ ખીમજીસુત ગોપાલનું છે. કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.).[ર.સો.]

ગોપાળ-૪ [               ]: અવટંકે ભટ્ટ. પિતા રામ. બાલાપોરના વતની. સંભવત : સોમપૂજક સોમપુરા બ્રાહ્મણ. એમની કૃતિ ‘ફૂલાં-ચરિત્ર/સ્ત્રીશિક્ષાપ્રકરણ’ (મુ.) માધવકૃત ‘રૂપસુંદરકથા’ જેવી અક્ષરમેળ વૃત્તોની રચના હોવાને લીધે ને એના ભાષાસ્વરૂપને આધારે અભ્યાસીઓ આ કવિને માધવ (ઈ.૧૬૫૦માં હયાત)નો સમકાલીન ગણે છે. ૪૧ કડીનું આ ‘ફૂલાં-ચરિત્ર’ એના મોટા ભાગમાં સાસરે જતી ફૂલાંને એની માએ આપેલી શિખામણ વર્ણવે છે અને છેલ્લી કેટલીક કડીઓમાં ફૂલાંનાં સંયોગશૃંગારનું પ્રગલ્ભ નિરૂપણ કરે છે. “કીધોે ગ્રંથ ભાષાવિચિત્ર” એવી પંક્તિ મળે છે તેમ જ હસ્તપ્રતની પુષ્પિકામાં “ભાષાવૈચિત્ર્યે સ્ત્રીશિક્ષાપ્રકરણં સમાપ્તં” એવો ઉલ્લેખ મળે છે એથી આ કાવ્ય કવિના ‘ભાષાવિચિત્ર’ નામના ગ્રંથનું કોઈ પ્રકરણ હોવાનું અનુમાન થયું છે. કૃતિ : ૧. રૂપસુંદરકથા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૭૩ (બીજી આ.);  ૨. *સાહિત્ય, એપ્રિલ ૧૯૨૦ - ‘ફૂલાં ચરિત્ર’, સં. છોટાલાલ ન. ભટ્ટ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી.[ર.સો.]

ગોપાળ-૫ [               ]: જૈન. ૨૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સલોકો’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭ - ‘સલોકાસંચયમાં વધારો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી.[શ્ર.ત્રિ.]

ગોપાલજી : જુઓ ગોપાલદાસ.

ગોપાલજી-૧ [               ]: આવટંકે પાંડે. તેમણે ગુજરાતીમાં ‘રામાયણ’ રચ્યું છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫; ૨. મસાપ્રવાહ. [કી.જો.]

ગોપાલદાસ/ગોપાલજી : ગોપાલદાસને નામે ‘કૃષ્ણચરિત્ર’ (લે.ઈ.૧૮૪૭ લગભગ), ‘રસસિંધુ’ તથા વ્રજ-ગુજરાતીમિશ્ર દુહાઓ (લે.ઈ.૧૮૧૪), ‘રણછોડજીના શ્લોક’ (લે.ઈ.૧૮૦૦), તથા ગોપાલદાસ/ગોપાલજીને નામે વ્રજગુજરાતીમિશ્ર ૧૫૨ ચોખરા (લે.ઈ.૧૬૩૦ લગભગ) નોંધાયેલ છે. આ કયા ગોપાલદાસ/ગોપાલજી છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]

ગોપાલદાસ-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. નરોડાના વતની. ઈ.૧૫૨૯ની ગુજરાતયાત્રા વખતે વલ્લભાચાર્યે એમને વૈષ્ણવ બનાવ્યા. એમનું કૃષ્ણભક્તિનું ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : પુગુસાહિત્યકારો - ૧ પદ (+સં.).[કી.જો.]

ગોપાલદાસ-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : રૂપાલ (ઉત્તર ગુજરાત)ના વણિક. પિતા રામદાસ, વૈષ્ણવઆચાર્ય વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ની કૃપાથી એમનું જન્મજાત મૂંગાપણું ગયેલું ને એમની ‘વલ્લભાખ્યાન’ નામની કૃતિ પણ આ કૃપાનું જ પરિણામ છે એવી જનશ્રુતિ છે. ‘આખ્યાન’ નામક ૯ કડવાંમાં રચાયેલું ‘વલ્લભાખ્યાન/નવાખ્યાન’ (મુ.) મુખ્યત્વે પુરુષોત્તમના અવતારરૂપ વિઠ્ઠલનાથજીની લીલાઓનું વર્ણન કરે છે તથા વિઠ્ઠલનાથજીના પુત્ર ઘનશ્યામજીના પરિણીત જીવન (લગ્ન ઈ.૧૫૯૨)ના નિર્દેશને પણ સમાવી લે છે. સંપ્રદાયમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતું આ આખ્યાન વર્ણનછટા અને ગેયતાની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. કવિએ આ ઉપરાંત રાસલીલાનું વર્ણન કરતું ‘ભક્તિપીયૂષ’ તથા કીર્તનો તેમ જ ધોળ રચ્યાં હોવાનું નોંધાયું છે. કવિએ ધોળ, પદ નરસિંહ મહેતાને નામે પણ રચ્યાં છે એવી માન્યતા છે. કૃતિ : ૧. વલ્લભાખ્યાન તથા મૂલપુરુષ, પ્ર. ધીરજલાલ દલપતરામ, ઈ.૧૮૬૩; ૨. વલ્લભાખ્યાન, પ્ર. પુષ્ટિમાર્ગીય યુવક પરિષદ, ઈ.૧૯૬૫;  ૩. બૃકાદોહન : ૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાસ્વરપો; ૩. ગોપ્રભકવિઓ;  ૪. અનુગ્રહ, જૂન ૧૯૬૦ - ‘શ્રી ગોપાલદાસ ‘વલ્લભાખ્યાન’ના કર્તા અને રૂપાપરી-રૂપાલનો પ્રાચીન ઇતિહાસ’, લલ્લુભાઈ છ. દેસાઈ. [ર.સો.]

ગોપાલદાસ-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વ્યારા (દક્ષિણ ગુજરાત)ના વૈષ્ણવ વણિક. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧)ના શિષ્ય. વૈષ્ણવોના ભરરુચીપંથનો આધાર તેમનું સાહિત્ય છે ને તેથી તેમને જ્ઞાનશક્તિનો અવતાર ગણાવાયા છે. પ્રાકટ્યસિદ્ધાંત (અંશત: મુ.), ગુજરાતપ્રસંગ/રસિકરસ (૨.ઈ.૧૬૪૩; મુ.), તૃતીય તરંગ, માલોદ્ધાર (અંશત: મુ.) અને પંચમ તરંગ - એ ૫ તરંગો તથા દરેક તરંગમાં કેટલાંક માંગલ્યોમાં વહેંચાયેલો એમનો ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ (અંશત: મુ.) એ ગ્રંથ વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલજીનું ટૂંકું ચરિત્ર આપી ગોકુલનાથજીના ચરિત્રનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે તથા ઐતિહાસિક પ્રબંધ તરીકે ઘણું મહત્ત્વ ધરાવે છે. ‘રસિકરસ’ના પહેલા ૫ માંગલ્યની પુષ્પિકામાં જાની જમુનાદાસનું તથા છેલ્લા માંગલ્યને અંતે પુષ્પિકામાં વડોદરાના નાગર ગોકલદાસનું સહકર્તૃત્વ હોવાનો નિર્દેશ નોંધાયો નથી તેથી આ હકીકત ખાસ ધ્યાન ખેંચે છે. એમના ‘સ્વરૂપરસાવલિ’માં શ્રીજી અને ભક્તોના આધિદૈવિક સ્વરૂપ તથા જીવનનું વર્ણન છે. કવિના અન્ય ગ્રંથો ‘તત્ત્વાર્થદોહન’, ‘ભક્તભાવાર્થ’, ‘મનપ્રબોધ’, ‘ગોકુલેશપુર’ વગેરે છે. કવિએ ગુજરાતી તેમ જ વ્રજ ભાષામાં ગોકુલનાથજીના જન્મ, વિવાહ આદિ પ્રસંગોને અનુલક્ષીને વર્ણનાત્મક અને લલિતમધુર ભાષાભિવ્યક્તિ ધરાવતાં ધોળ અને પદ (કેટલાંક મુ.) રચ્યાં છે. ૬૬ કડીનું ગોકુલનાથજીની દિનચર્યાને વર્ણવતું ‘નિત્યચરિત્રનું ધોળ’, ગોકુલનાથજીના આગમનની વધાઈ ગાતું ૩૧ કડીનું પદ તથા ૨૦ કડીનું ‘ગોકુલેશજીના અઠ્યોતેર ભગવદીયનું ધોળ’ એ એમની આ પ્રકારની દીર્ઘ રચનાઓ છે. કૃતિ : ૧. (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. ગોકુલેશજીનું જીવનચરિત્ર, મગનલાલ લા. ગાંધી, સં. ૧૯૭૮ - ‘પ્રાકટ્યસિદ્ધાંત’માંથી ઉદ્ધરણો;  ૩. અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ - ‘રસિકગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.); ૪. એજન, જાન્યુ. તથા માર્ચ ૧૯૫૮ - ‘મલોદ્ધારચરિત્ર’; ૫. એજન, એપ્રિલ, જૂન તથા સપ્ટે. ૧૯૬૩ - ‘પ્રાકટ્યસિદ્ધાંત’. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ.[ર.સો.]

ગોપાલદાસ-૪ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન. ‘મલયસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]

ગોપાલદાસ-૫ [ઈ.૧૬૪૯માં હયાત] : જુઓ ખીમજીસુત ગોપાળ.

ગોપાળદાસ-૬ [               ]: મેવાડના કવિ. એમનું રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ૧ ભજન મુદ્રિત મળે છે. કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬ (+સં.).[કી.જો.]

ગોપાળાનંદ [જ.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, શ્રાવણ સુદ ૧૫ કે ઈ.૧૭૮૧/સં.૧૮૩૭, મહા સુદ ૮, સોમવાર-અવ.ઈ.૧૮૫૩/સં. ૧૯૦૮, વૈશાખ વદ ૪/૫, રવિવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. જન્મ ટોરડા (તા. ભિલોડા, જિ. સાબરકાંઠા) ગામે ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં, મૂળ નામ ખુશાલ ભટ્ટ. પિતા મોતીરામ, માતા કુશળબા (જીવીબા). ઈ.૧૭૯૩ સુધી મુડેટીમાં ન્યાય, વ્યાકરણ, વેદવેદાંત, અષ્ટાંગયોગ અને મીમાંસાનો અભ્યાસ. સરસવણીમાં થોડો સમય શિક્ષક તરીકે કામ કરેલું. ઈ.૧૮૦૨માં લગ્ન. ઈ.૧૮૦૮માં સહજાનંદસ્વામી પાસે દીક્ષા, સહજાનંદસ્વામીના અવસાન બાદ ૨૨ વર્ષ સુધી સંપ્રદાયના સુકાની બની રહ્યા. દેહત્યાગ વડતાલમાં. સાદી સંસ્કારી ભાષામાં તથા દૃષ્ટાંતપૂર્વક વેદાંતરહસ્યની સમજૂતી આપતી તથા શ્રીજીની ભક્તિનો બોધ કરતી, સત્સંગીજનોના પ્રશ્નોના ઉત્તર રૂપે કહેવાયેલી એમની વાતો મુદ્રિત થયેલી છે. આ ઉપરાંત એમણે ‘અદ્વૈતખંડન’, ‘વાર્તાવિવેક’, ‘સંપ્રદાયનાં પાનાં’, ‘પૂજાપદ્ધતિ’ તથા કેટલાક છૂટક નિબંધોની રચના કરી છે ને પોતાના જ સંસ્કૃત ‘ભક્તિસિદ્ધિ’ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એમણે સહજાનંદનાં ‘વચનામૃતો’નું સંપાદન કર્યું છે અને ‘શિક્ષાપત્રી’નું મરાઠીમાં ભાષાંતર પણ કર્યું છે. સંસ્કૃતના પંડિત આ સાધુએ ‘ભક્તિસિદ્ધિ’ ઉપરાંત ‘હરિસ્વરૂપનિર્ણય’, ‘વિવેકદ્વીપ’, ‘હરિભક્તનામાવલિ’, ‘વિષ્ણુયાગ’ એ ગ્રંથો તથા પ્રસ્થાનત્રયી, શ્રીમદ્ભગવદ્ ગીતા, ઉપનિષદો તેમ જ ભાગવતના કેટલાક સ્કંધની ટીકા કે ભાષ્ય સંસ્કૃતમાં રચ્યાં છે. કૃતિ : ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા શુકાનંદ સ્વામીની વાતો, પ્ર. મિસ્ત્રી જેરામ રાવજી, ઈ.૧૯૩૯ (+સં.). સંદર્ભ : ૧. અનાદિ મહામુક્ત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૯૭૮; ૨. યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, ઈ.૧૯૭૨;  ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં.૨૦૩૦ (બીજી આ.).[હ.ત્રિ.]

ગોપીભાણ [               ]: ‘ભાણ’ કદાચ જાતિનામ હોય. ‘ઈશ્વરવિવાહ/મહાદેવજીનો વિવાહ’ એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]

ગોમતીબહેન [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુળનાથનાં અનુયાયી ભક્ત. પિતા હરિદાસભાઈ.માતા રામાબાઈ.આ કવયિત્રીના સંબંધમાં ઈ.૧૬૩૪નો નિર્દેશ છે, તે શાની સાલ છે સ્પષ્ટ થતું નથી. ગોકુલનાથજીની નિજલીલાને વર્ણવતાં ૫૦ માંગલ્યના ‘કવનરસ’ (અપૂર્ણ)નાં કર્તા. તેઓ વિદેહ થયાં તેથી ઈ.૧૬૯૫માં શ્રી ગોકુલભાઈના પુત્ર નાગરદાસભાઈએ આ કૃતિ પૂરી કરી હતી. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો.[કી.જો.]

ગોવર્ધન-૧ [ઈ.૧૬૧૮માં હયાત] : જૈન. ૩૭ કડીની ‘સ્થૂલિભદ્રમદનયુદ્ધ’ (ર.ઈ.૧૬૧૮/સં.૧૬૭૪, માગશર સુદ ૧૨, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]

ગોવર્ધન-૨ [ઈ.૧૭મી સદી] : અવટંકે પંડ્યા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથજીના અનુયાયી ભક્તકવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

ગોવર્ધન-૩ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવસંપ્રદાયના કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

ગોવર્ધન-૪ [ઈ.૧૮૨૫માં હયાત] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (ર.ઈ.૧૮૨૫)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કા.શા.]

ગોવર્ધન-૫ [               ]: ૧૭ અધ્યાયના ‘કૃષ્ણ-ગરુડ-સંવાદ’ના કર્તા. કૃતિમાં ર.સં.૧૩૨૪ (ઈ.૧૨૬૮) મળે છે પરંતુ કૃતિ એટલી વહેલી રચાઈ હોય એમ જણાતું નથી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી.[કા.શા.]

ગોવર્ધન(સૂરિ)-૬ [               ]: જૈન સાધુ. ‘તીર્થમાલા-નમસ્કાર’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]}}

ગોવર્ધન-૭ [               ]  : જુઓ ગોધો.

ગોવિંદ : આ નામે મુખ્યત્વે જૈનેતર રચનાઓમાં ચોપાઈબંધમાં ૬ કડવાંમાં ભક્તગાથાની રીતે રચાયેલ ‘મામેરું’ (લે.ઈ.૧૬૭૨ લગભગ; મુ.), સંસ્કૃત પરંપરાનો પ્રભાવ બતાવતું, કૃષ્ણે કમાડ ઠોકતાં શણગાર સજી રહેલાં રાધાજીએ તેમની સાથે કરેલા શ્લેષયુક્ત પ્રશ્નોત્તર નિરૂપતું શૃંગારચાતુરીયુક્ત ‘રાધાના સોળ શણગાર’ (લે.ઈ.૧૭૬૩; *મુ.), મંડપ, સ્વયંવરસભા, વાદ્યો, સીતારૂપ, આભૂષણો, ભોજન, પહેરામણી ઇત્યાદિનાં અલંકારિકા વર્ણનો ને યાદીઓથી વિસ્તાર સાધતો પૂર્વછાયા-ચોપાઈબદ્ધ ૧૩ કડવાં અને ૧૯૨ કડીનો ‘રઘુનાથજીનો વિવાહ’ (લે.ઈ.૧૮૫૩), ‘એકાદશીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૨૪ કે ર.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, ફાગણ વદ ૮, બુધવાર), ‘સૂરજદેવનો છંદ’ (લે.ઈ.૧૭૭૨ લગભગ), રામવનવાસની ૧૩ સાખીઓ, ૧ પુષ્ટિમાર્ગીય પદ (મુ.), કૃષ્ણકીર્તનનાં કેટલાંક પદો (મુ.) તથા અન્ય હિન્દી ગુજરાતી પદો મળે છે તે ક્યા ગોવિંદ છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી. ગોવિંદજી, ગોવિંદરામ વગેરે નામ ધરાવતા કવિઓ પણ કવચિત્ પોતાને માટે ‘ગોવિંદ’, ગોવિંદો’ એવું ટૂંકું નામ કે ‘ગોવિંદદાસ’ નામ પણ વાપરતા દેખાય છે. એટલે ‘ગોવિંદ’ નામછાપવાળી આ કૃતિઓ વિશે નિર્ણય કરવો વધારે મુશ્કેલ બને છે. આ ઉપરાંત ૧૮ કડીની ‘દ્વાદશમાસગૂઢાર્થોપદેશ-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.) અને ૨૫ કડીના ‘ચોવીસજિન-સવૈયા’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ જૈન રચનાઓ મળે છે પણ તેના કર્તા કયા ગોવિંદ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. નકાદોહન; ૩. સગુકાવ્ય;  ૪. *કવિતા, -, ‘રાધાના સોળ શણગાર’, સં. મંજુલાલ મજમુદાર. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાસ્વરૂપો;  ૪. સ્વાધ્યાય પુ. ૧૫ અં. ૧ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૫. હિન્દુ મિલન મંદિર, નવે. ૧૯૮૨ - ‘ગોવિંદરચિત રઘુનાથજીનો વિવાહ’, દેવદત્ત જોશી;  ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિ; ૮. મુપુગૂહસૂચી. [ચ.શે.; શ્ર.ત્રિ.]

ગોવિંદ-૧ [ઈ.૧૬૪૯માં હયાત] : મોરાસુત. સુરતના વતની. કંસારા કુલ, ભાનુ જાતિ (ભણસાળી?). સંભવત: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. તેમનું ‘સુધન્વા-આખ્યાન’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, શ્રાવણ સુદ ૨, બુધવાર) કરુણ અને વીરરસનું આલેખન કરતું, વર્ણનપ્રધાન અને તેથી લાંબાં બનેલાં ૧૫ કડવાંમાં રચાયેલું કાવ્ય છે. સંદર્ભ : કવિચરિત : ૧-૨.[ચ.શે.]

ગોવિંદ-૨ [ઈ.૧૭૭૪/૧૭૮૪ સુધીમાં] : કેવળરામના પુત્ર. ‘ભાગવત’ (લે.ઈ.૧૭૭૪/૧૭૮૪) એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[ચ.શે.]

ગોવિંદ-૩ [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. જેસિંઘજીના શિષ્ય. દુહા-ચોપાઈમાં રચાયેલી ૭ ઢાળની ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ભાદરવા વદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : સંતકુમારરી ચોપી, પ્ર. શેઠ મુલતાનમલજી, -.[કી.જો.]

ગોવિંદ-૪ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ કે પછી ] : અવટંકે ગઢવી. ભાવનગરના ઠાકોરની ઉત્પત્તિ લોકકથામાં જાણીતા હંસરાજ અને વચ્છરાજમાંથી બતાવતા ૧ સંક્ષિપ્ત લખાણમાં આ કવિનું ૧૬ કડીનું ગીત મળે છે, જેમાં ભાવનગરના રાજા વખતસિંહે (ઈ.૧૭૭૨-ઈ.૧૮૧૬) બક્ષિસ માટે આવેલ ગઢવીથી મોઢું સંતાડ્યું એ પ્રસંગ વર્ણવાયો છે. કવિની ભાષા રાજસ્થાનીમિશ્ર છે. ગદ્યલખાણ આ જ કવિનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ:૧.[ચ.શે.]

ગોવિંદ(મુનિ)-૫ [               ]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસાગરસૂરિના શિષ્ય. ‘સિન્દુરપ્રકારકાવ્ય-ચોપાઈ (પ્રબોધતરંગિણી)’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ગોવિંદ-૬ [               ]: ૧૩૩ કડીના ‘માઈપુરાણ-ચોપાઈ/માઈશાસ્ત્ર’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

ગોવિંદજી/ગોવિંદદાસ  : ગોવિંદજીને નામે ‘બારમાસ’ (લે.ઈ.૧૬૭૩) મળે છે તે ઉપરાંત, કોઈ ગોવિંદદાસને નામે કૃષ્ણે રાધાનો હાર ચોરી લીધો તે પ્રસંગે કૃષ્ણ-રાધાના સંવાદને આલેખતી ૫ પદની ‘રાધાહાર’ (મુ.), ‘દાણલીલા’ અને છૂટક પદો એ કૃતિઓ મળે છે. તેમાંથી પહેલી ૨ મુદ્રિત કૃતિમાં કવચિત્ ગોવિંદદાસ એવી નામછાપ મળે છે છતાં મોટા ભાગનાં પદ-કડવાં ‘ગોવિંદજી’ એવી નામછાપ દર્શાવે છે. આ ગોવિંદજી ઉપર્યુક્ત ‘બારમાસ’ના કર્તા હોઈ શકે. વળી જુઓ કુબેરજી. ગોવિંદદાસના નામથી ‘દામોદરાખ્યાન’, ‘ભોજનવર્ણનથાળ’ (લે.ઈ.૧૭૪૬ લગભગ) તથા કેટલાંક પદ મળે છે. તેમાંથી ‘થાળ’ ભૂલથી ગોવિંદરામ-૨ ને નામે પણ નોંધાયેલ છે. ગોવિંદજી, ગોવિંદરામ નામ ધરાવતા કવિઓ પોતાને માટે ‘ગોવિંદ’ કે ‘ગોવિંદદાસ’ નામ વાપરતા હોવાનું જણાય છે, તેથી ગોવિંદદાસને નામે મળતી કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે. જુઓ ગોવિંદરામ. ચધિદાસ/મતિસારને નામે નોંધાયેલ ‘કાલિનાગદમની સંવાદ’માં “સમવાદ કાલી તણુ મતિસારઈ, ચધિદાસ દાસાંન સાંઈ ચીતારઈ” એ છેલ્લી પંક્તિમાં મતિસાર કે ચધિદાસ એ શબ્દોને કર્તાનામના વાચક તરીકે જોવા મુશ્કેલ છે. પરંતુ તે પૂર્વેની “ગોયંદાસ રાઆસરા ગુણ ગાયા” એ પંક્તિમાંથી ગોવિંદદાસ કર્તા હોવાનું સમજાય છે. ‘રાઆસરા’ એ શબ્દ એમની વિશેષ ઓળખ બતાવે છે પણ એનો અર્થ સ્પષ્ટ નથી. કૃતિ : ૧. બૃકાદોહન:૩ (+સં.); ૨. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૧૮૬૩ - ‘સતભામાનું રૂસણું’. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.[ચ.શે.]

ગોવિંદદાસ-૧ [ઈ.૧૭૦૨ સુધીમાં] : ‘રામમંજરી’ (લે. ઈ.૧૭૦૨)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]

ગોવિંદદાસ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : દ્વારકાદાસશિષ્ય. રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ.ઈ.૧૮૦૪)ના પ્રશ્નોના ઉત્તરરૂપે ‘જન ગોવિંદ’ એવી નામછાપથી રચાયેલા ૨ પદ્યપત્રો (મુ.)માં કવિનું અધ્યાત્મજ્ઞાન તથા એ જ્ઞાનને સરળ દૃષ્ટાંતોથી રજૂ કરવાની એમની હથોટી દેખાઈ આવે છે. કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯.[ચ.શે.]

ગોવિંદરામ/ગોવિંદાસ : ગોવિંદરામ/ગોવિંદદાસને નામે ‘રુક્મિણી વિવાહ/રુક્મિણીહરણ’ (લે.ઈ.૧૭૩૪) તથા ગોવિંદરામને નામે ‘સુભદ્રાહરણ’ (લે.ઈ.૧૭૨૬) તેમ જ કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદો મળે છે. ઉપરાંત, સં. ૧૯મી સદીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ગોવિંદરામનો પણ ઉલ્લેખ થયેલો છે. આ ગોવિંદરામ કયા છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા ઈ.૧૯૫૮; ૨. પ્રાકાસુધા:૧. સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. પુગુસાહિત્યકારો;  ૩. આલિસ્ટઑઇ:૨; ૪. ગૂહાયાદી.[ચ.શે.]

ગોવિંદરામ-૧  [ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોસાંઈજી એટલે કે વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સેવક. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે ગોપીઓ અને માતા જસોદાએ ભોગવેલી વિરહદશાને વર્ણવતી ૫૨ કડીની ‘ભ્રમર-ગીતા’ (લે. ઈ.૧૮૪૧; મુ.) આ કવિની ૧ લાંબી રચના છે. એમના ‘ગોવિંદ’ કે ‘જન ગોવિંદ’ નામછાપ ધરાવતાં ૩ ધોળ (મુ.) મળે છે જેમાંથી ૧ વિઠ્ઠલનાથજી વિશેનું છે. કૃતિ : ૧. ભ્રમરગીતા (+સં.);  ૨. અનુગ્રહ, ઑગસ્ટ ૧૯૫૮ - ‘ભ્રમરગીતા’, સં. ચીમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

ગોવિંદરામ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : રાજારામના પુત્ર. નગીનાબાદના વતની અને જ્ઞાતિએ બાજ ખેડાવાળ બ્રાહ્મણ. ધર્મે વૈષ્ણવ હોવાનું સમજાય છે પરંતુ પોતાના ગુરુ તરીકે કલ્યાણ અને પ્રીતમનો નિર્દેશ કરે છે. એમનાં ‘મધુરાં’ નામક ૨૪ કડવાં અને ૫૯૫ કડીનું ‘હરિશ્ચંદ્ર-આખ્યાન’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, આસો સુદ ૭, ગુરુવાર; મુ.) હરિશ્ચંદ્રની પ્રસિદ્ધ કથાને પ્રાસાદિક રીતે આલેખે છે. તેને નામે ‘અરજીનાં પદો’ (ર.ઈ.૧૭૮૭) તથા ‘આઠવાર’ પણ નોંધાયેલ છે. કૃતિ : પ્રાકાસુધા:૪ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૩;  ૨. ગૂહાયાદી.[ચ.શે.]

ગોવિંદરામ-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : આમોદ (જિ. ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. ‘અલીખાં પઠાણ’ કાવ્ય પરથી એ વૈષ્ણવ હોય એવું જણાય છે. એમના ભાઈ મયારામ ભટ્ટે સ્વામનારાયણ સંપ્રદાય સ્વીકારેલો. ‘બૃહત્ કાવ્યદોહન’ એમનો હયાતીકાળ ઈ.૧૭૮૧થી ઈ.૧૮૧૪ નોંધે છે પણ તેને માટેનો આધાર સ્પષ્ટ નથી. આ કવિને નામે મૂકવામાં આવતી ૬૨ કડીની કળિયુગનાં લક્ષણો વર્ણવતી ‘કળિયુગનો ધર્મ’ (ર.ઈ.૧૭૮૧/૧૭૮૨; મુ.)માં કવિનામછાપ નથી તે ઉપરાંત કવિની અન્ય રચનાઓ કુંડળિયામાં છે ત્યારે આ રચના ગરબી રૂપે રચાયેલી જોવા મળે છે. એટલે આ કૃતિ ગોવિંદરામની રચના હોવાનું થોડું શંકાસ્પદ બની જાય છે. કવિની અન્ય રચનાઓ(મુ.)માં ‘ઉપદેશ વિશે’ નામક ૪૭ કડીની, કૃષ્ણના મહિમા વિશેની ૨૭ કડીની, ઋષિપત્નીઓની કૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ વર્ણવતી ૧૭ કડીની, ઉમિયા-શિવનો પ્રસંગ આલેખતી ૯ કડીની, નરસિંહ મહેતાના મામેરા વખતનો સમોવણનો પ્રસંગ આલેખતી ૧૧ કડીની, રાવણે કરેલા સીતાહરણને વર્ણવતી ૬ કડીની, અલીખાં પઠાણની વૈષ્ણવભક્તિની પ્રશસ્તિ કરતી ૩ કડીની અને હોકાના અનિષ્ટ વિશેની ૪ કડીની - એ રચનાઓનો સમાવેશ થાય છે. ઋષિપત્નીઓની પ્રેમભક્તિ વર્ણવતી કૃતિમાં થોડીક કડી છપ્પામાં અને તે પણ વ્રજભાષામાં મળે છે. ‘ઉપદેશ વિશે’માં અંતર્ગત અસંતલક્ષણના કેટલાક કુંડળિયા અલગ રચના તરીકે મુદ્રિત પણ મળે છે. ‘ભ્રમર-ગીતના ચંદ્રાવળા’ (લે.ઈ.૧૮૨૩) પણ આ કવિને નામે નોંધાયેલ છે. કૃતિ : ૧. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧; ૨. બૃકાદોહન:૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[ચ.શે.]

ગોવિંદરામ(મહારાજ)-૪ [ઈ.૧૯મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંત મહારાજના ૧૬ મુખ્ય શિષ્યોમાંના એક. જદાખાડી(જિ. સુરત)ની જ્ઞાનગાદીના આચાર્ય મૂળ પીપળિયા(જિ. ભરૂચ)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. દેહની નશ્વરતા, ગુરુમહિમા, નામમહિમા, બ્રહ્મમિલનનો આનંદ વગેરે વિષયો ધરાવતાં ને તિથિ, ધોળ, ફાગ આદિ પ્રકારોનો આશ્રય લેતાં એમનાં ૨૭ પદો મુદ્રિત મળે છે. એમનું ફાગનું પદ મુખ્યત્વે હિંદી ભાષામાં છે. કૃતિ : ગુમુવાણી (+સં.).[દે.દ.]

ગોવિંદાચાર્ય [ ] : જૈન સાધુ. ૪૦૦ ગ્રંથાગ્રની ‘અજિતશાંતિસ્તવન-વૃત્તિ’ એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]

ગોવિંદો [               ]: ‘જ્ઞાનનો રેંટિયો’ અને રામજીનાં પદના કર્તા. સંદર્ભ : ગુજૂકહકીત.[ચ.શે.]

ગૌતમ-૧ [               ]: ભાદરવાસુત. સોલંકીઓની જુદીજુદી શાખાઓનાં નામવર્ણન આપતી કૃતિ ‘સોલંકીઓની સાત શાખ’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨; ફૉહનામાવલિ:૧.[શ્ર.ત્રિ.]

ગૌતમ-૨ [               ]: જૈન. કેટલાંક હિંદી-ગુજરાતી સ્તવનો(મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ:૧.[કી.જો.]

ગૌતમવિજય : આ નામે ૧૦ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૦ કડીની ‘રેવતીશ્રાવિકાકથા-સઝાય’ એ કૃતિઓ મળે છે તે ગૌતમવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

ગૌતમવિજય-૧ [               ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ૫ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી. અનુ.) અને ૮ કડીના ‘(લીંબડીમંડન)શાંતિજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

‘ગૌતમસ્વામી-રાસ’ [ર.ઈ.૧૩૫૬/સં. ૧૪૧૨, કારતક સુદ ૧] : જિનકુશલસૂરિશિષ્ય વિનયપ્રભ-ઉપાધ્યાયરચિત, ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદોબદ્ધ ૬૩ કડીનો આ રાસ (મુ.) મહાવીરસ્વામીના ગણધર ગૌતમનું જીવનવૃત્તાંત વર્ણવે છે, જે પૂર્વાશ્રમમાં વૈદિક બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ હતા અને મહાવીરસ્વામીના શાસ્ત્રાર્થથી પ્રભાવિત થઈ એમના શિષ્ય બન્યા હતા. કાવ્યમાં વિશેષે ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા થયો છે અને એમને કેવળજ્ઞાની બનતાં વિલંબ થયો તેની કથા વીગતે રજૂ થઈ છે.પૂર્વાશ્રમમાં ઇન્દ્રભૂતિ અને કેવળજ્ઞાની ગૌતમસ્વામીનાં આલંકારિક વર્ણનોમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે. એમાં પણ ગૌતમસ્વામીના સૌભાગ્ય, ગુણ, લબ્ધિ અને જિનશાસનમાંના સ્થાનને ‘પૂનમને દિવસે ચંદ્ર જેમ શોભે છે, તેમ જિનશાસનમાં આ મુનિવર શોભે છે’ જેવી રમણીય ઉપમાવલિઓથી રજૂ કરવાનો પ્રયાસ ધ્યાન ખેંચે છે. કૃતિની પ્રત્યેક ભાસના અંતે એ ભાસમાં નિરૂપિત કથાનકનો ટૂંક સાર આપતી, વસ્તુ છંદની ૧-૧ કડીની યોજના આ કાવ્યની રચનાગત વિશિષ્ટતા છે. માત્રામેળ છંદોને ‘તો’ અને ‘એ’ જેવા ઘટકોના ઉપયોગથી સુગેય બનાવ્યા છે. કૃતિ સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બની છે તેનું કારણ તેની સામગ્રી હશે તેમ આ ગેયતા પણ હશે. આ કૃતિની ઘણીબધી હસ્તપ્રતો મળે છે અને એમાં પાછળથી પ્રક્ષેપ થયેલો પણ જણાય છે. કૃતિ ઉદયવંત/મંગલપ્રભ/વિજયપ્રભ/વિજયભદ્ર/વિનયવંત વગેરે ઘણાં કર્તાનામોથી મળે છે, પણ એમાંનાં થોડાંક નામો વાચનદોષને કારણે આવેલાં છે, જ્યારે અન્ય નામો પાછળથી ઉમેરાયેલી કડીઓમાંથી વાંચવામાં આવ્યાં છે. પરંતુ કાવ્યના રચનાસમયની નજીકની જ ઈ.૧૩૭૪ની પ્રત વિનયપ્રભનું નામ કર્તા તરીકે સ્પષ્ટ રીતે આપે છે. એ જ પ્રત, ઉમેરણ તથા કડી-વિભાજનના ફરકને કારણે ૪૫થી ૮૧ સુધીની કડીસંખ્યા દર્શાવતી આ કૃતિની કડીસંખ્યા ૬૩ નિશ્ચિત કરી આપે છે. [ર.ર.દ.]

ગૌરીબાઈ : જુઓ ગવરીબાઈ.