ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ

From Ekatra Wiki
Revision as of 16:05, 8 November 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


અ-કથાસાહિત્ય(Non Fiction)  અ-કાલ્પનિક નિરૂપણ સાહિત્યિક હોઈ શકે કે કેમ એવો મહત્ત્વનો પ્રશ્ન નોર્મન મેય્ લર, ટોમ વૂલ્ફ, માઇકેલ હેર જેવાનાં લખાણોને કારણે ઊભો થયો છે. આ લખાણોમાં આધાર હકીકતનો છે પરંતુ એમાં અભિવ્યક્તિ સાહિત્યિક કક્ષાએ પહોંચે છે. આવી કૃતિઓને કાલ્પનિક સામગ્રી રૂપે મૂલવવાની કે હકીકત રૂપે મૂલવવાની છે એવો પ્રશ્ન પણ સ્વાભાવિક બને છે. આ પ્રકારનાં અ-કાલ્પનિક નિરૂપણને બાહ્યજગત સાથે સંબંધ હોય છે પણ સાથે સાથે એને પોતાની ધ્યાન ખેંચનારી આકૃતિ પણ હોય છે. આવાં અ-કાલ્પનિક નિરૂપણ કે નવલમાં આંતર કે બાહ્યજગત તરફ સંપૂર્ણ ઢળ્યા વગર નિરૂપણ સમતુલ થવાનો પ્રયત્ન કરતું હોય છે. વર્ષા અડાલજાની ‘ગાંઠ છૂટ્યાની વેળા’ જેવી નવલકથાને આ સમસ્યા અંતર્ગત આવરી શકાય. જીવનકથા, ઇતિહાસ અને નિબંધ જેવાં, તથ્યો અને વાસ્તવો સાથે કામ પાડતાં નિરૂપણાત્મક ગદ્યલખાણો પણ આ સંજ્ઞા દ્વારા ઓળખાવાય છે. ચં.ટો.

અક્ષરમુષ્ટિ જુઓ, કાવ્યગોષ્ઠિ

અક્ષરમેળ છંદો જુઓ, પિંગળશાસ્ત્ર

અક્ષરા  ‘અક્ષરા’ની સ્થાપના ૧૯૭૯માં વડોદરા શહેરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવા કરવામાં આવી. આ સંસ્થા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પ્રતિવર્ષ સત્રો યોજી સાહિત્યનાં વિવિધ પાસાં અને નવી વિભાવનાઓની ચર્ચા કેન્દ્રમાં રાખે છે. ‘અક્ષરા’ પ્રતિમાસ એક કાર્યક્રમનું આયોજન કરે છે. પરિસંવાદો અને શિબિરો યોજે છે. એની પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળાઓમાં કવિશ્રી ‘સુન્દરમ્’ વ્યાખ્યાનમાળા, શ્રી શિવશંકર શુક્લ વ્યાખ્યાનમાળા અને શ્રી ભાઈલાલ કોન્ટ્રાક્ટર વ્યાખ્યાનમાળા છે. ઉપરાંત ‘સત્રસંવાદ’ને નામે યોજાયેલાં સત્રોમાં રજૂ થયેલા નિબંધોના સંચયો પ્રકાશિત કરવામાં આવે છે. આ સંસ્થા એના પદાધિકારીઓ અને કાર્યવાહકો લોકશાહી ઢબે નીમે છે. મ.ઓ.