ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર

Revision as of 11:49, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs)



રઘુનાથ-૧/રઘુનાથદાસ/રૂઘનાથ [ઈ.૧૭૧૯-ઈ.૧૮૧૪ દરમ્યાન હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અમદાવાદના વતની. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર શ્રી વ્રજભૂષણલાલ પાસે સંપ્રદાયની દીક્ષા. ‘કવિચરિત’ ઈ.૧૭૧૯ને કવિનું જન્મવર્ષ ગણે છે. કણબી વૈષ્ણવ ઓધવદાસના સત્સંગનો સારો લાભ કવિને મળ્યો હતો. એમની ભક્ત તરીકેની ખ્યાતિથી પ્રભાવિત થઈ પેશ્વા સરકારે એમને જમીન બક્ષિસ આપેલી. તેમણે નાનીમોટી અનેક કૃતિઓ રચી છે, જેમાંની કેટલીક તેમના પુત્ર હળધરના અવસાન પછી ગુમ થઈ હોવાનું કહેવાય છે. ૧૪ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’(મુ.), ૧૫ કડવાંનું ‘પ્રહ્લાદાખ્યાન’ (ર.ઈ.૧૮૦૨/સં.૧૮૫૮, ભાદરવા સુદ ૧૧, બુધવાર; મુ.), ૪ કડવાંનું ‘રુક્મિણી-વિવાહ’, કૃષ્ણે ગોવર્ધનપર્વત ઊંચક્યો હતો એ પ્રસંગને આલેખતી ૧૭ પદની ‘ગોવર્ધનલીલા’(મુ.), રાસપંચાધ્યાયીના પ્રસંગને આલેખતી ૯૫ પદનો ‘રાસ’(મુ.) એ કવિની આખ્યાનકલ્પ કૃતિઓ છે. પ્રેમલક્ષણા ભક્તિની કવિતાની પરંપરામાં રહી કૃષ્ણજીવનવિષયક ઘણાં પદો એમણે રચ્યાં છે. કૃષ્ણજન્મોત્સવને આલેખતાં ‘જન્માષ્ટમીની વધાઈઓ’નાં ૬૬ પદ(મુ.), કૃષ્ણે ગોપી અને જસોદા પાસે કરેલા તોફાનને આલેખતાં ‘બાળલીલાં’નાં ૨૦ પદ(મુ.), રાધાકૃષ્ણસંવાદ રૂપે આલેખાયેલાં ‘દાણલીલાં’નાં ૫૩ પદ (મુ.) અને ૨૧ સવૈયા(મુ.), ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતાં ‘પ્રેમપચીશી’નાં પદ(મુ.), કૃષ્ણ મથુરા ગયા ત્યાં સુધીના કૃષ્ણચરિત્રને આલેખતાં ૬૪ પદ(મુ.)-જેમાં ઓધવજીના સંદેશની ગરબીઓ સમાવિષ્ટ છે, ગોપીવિરહને આલેખતાં તિથિ, બારમાસ (મુ.) વગેરેનો એમાં સમાવેશ થાય છે. વૈષ્ણવધર્મની સાંપ્રદાયિક પરંપરાનો પ્રભાવ ઝીલી સમાસમાનાં પારણાંના ૧૧ પદ(મુ.), સાંજીનાં ૨૩ પદ(મુ.), હોરી-વસંતનાં ૫૨ પદ(મુ.), હિંડોળાનાં ૪૧ પદ(મુ.), થાળનાં ૧૨ પદ(મુ.), આરતીનાં ૩ પદ(મુ.), ધનતેરસનાં ૮ પદ(મુ.), દિવાળીનાં ૧૪ પદ(મુ.), વધાઇનાં ૧૪ પદ (મુ.), ૪૪ કડીની ‘વ્રજ ચોરાશી કોશની વનયાત્રાની પરિક્રમા’(મુ.) વગેરેની પણ કવિએ રચના કરી છે. એમણે વૈરાગ્યબોધનાં ૮૧ પદ(મુ.) અને રામજન્મોત્સવને આલેખતાં રામચંદ્રજીની વધાઈઓનાં ૧૬ પદ(મુ.) પણ રચ્યાં છે. એમનાં ઘણાં પદો વ્રજભાષામાં છે. વિવિધ રાગોમાં રચાયેલાં આ પદો ભાષાની સરળતા અને ચારુ ગેયત્વથી વૈષ્ણવમંદિરોમાં ઠીકઠીક લોકપ્રિય છે. ‘રાધાની કામળી’, ‘રુક્મિણીનો કાગળ’, ‘દશમસ્કંધ’ જેવી કૃતિઓ પણ એમણે રચી છે. એમને નામે નોંધાયેલી ‘રામાયણ’, ‘સારકોશ ભાગવત’, ‘સારકોશ છપ્પાવલી’ એ કૃતિઓની કોઈ હાથપ્રત અત્યારે ઉપલબ્ધ થતી નથી. કૃતિ : ૧. રસિક રૂઘનાથ કાવ્ય : ૧-૨, સં. રણછોડદાસ ઈ.વૈષ્ણવ અને ગોકળદાસ દ્વારકાદાસ, ઈ.૧૮૯૫ (+સં.);  ૨. ઓધવજીનો સંદેશો-ગરબીઓ, પ્ર. બાલાભાઈ નગીનદાસ, ઈ.૧૮૮૯; ૩. કાદોહન : ૩; ૪. નકાદોહન; ૫. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, ઈ.૧૯૬૬ (બીજી આ.); ૬. બૃકાદોહન : ૧, ૩, ૫, ૭; ૭. ભજનસાગર : ૨; ૮. ભસાસિંધુ; ૯. ભ્રમરગીતા (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુસાઇતિહાસ (૧૭૩): ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પાંગુહસ્તલેખો; ૭. પુગાસાહિત્યકારો; ૮. પ્રાકકૃતિઓ; ૯. મગુઆખ્યન; ૧૦. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ પંડ્યા, ઈ.૧૯૬૮; ૧૧. મસાપ્રકારો;  ૧૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો-ડિસે.. ૧૯૪૧-‘કવિ રઘુનાથદાસ, ચંદ્રકાન્ત મહેતા;  ૧૩. ગૂહાયાદી; ૧૪. ડિકૅટલૉગબીજે; ૧૫. ડિકૅટલૉગભાવિ; ૧૬. ફૉહનામાવલિ. [ચ.શે.]


રઘુનાથ-૨[ઈ.૧૮૧૬ સુધીમાં] : ‘શિવજીનો ગરબો’ (લે.ઈ.૧૮૧૬)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

રઘુનાથ-૩/રૂઘનાથ(ઋષિ [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. ૧૬ કડીની હિંદીમિશ્ર ગુજરાતી કૃતિ ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા. કૃતિ : ૧.ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈરસંગ્રહ; ૩. જૈસમાલા(શા).[ર.ર.દ.]

રઘુપતિ/રૂપવલ્લભ/રૂઘનાથ [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાનિધાનના શિષ્ય. એમની કૃતિઓ આ પ્રમાણે મળે છે : ‘નંદિષેણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૭), ‘શ્રીપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, પ્રથમ ભાદરવા સુદ ૧૩), ૨૫૦ કડીની ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૩/સં.૧૮૧૯, નેમિજન્મદિન), ૫૪૦ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, ફાગણ-૪, શનિવાર), ૬૨ કડીની ‘જૈનસાર-બાવની’ (ર.ઈ.૧૭૪૬/સં.૧૮૦૨, માગશર સુદ ૧૫), ૫૮ કડીની ‘પ્રાસ્તાવિક છપ્પય-બાવની’ (ર.ઈ.૧૭૬૯), ૫૭ કડીની ‘કુંડલિયા-બાવની’ (ર.ઈ.૧૭૯૨), ૪૨ કડીની ‘અક્ષર-બત્રીસી’ (ર.ઈ.૧૭૪૬), ૩૭ કડીની ‘ઉપદેશ-બત્રીસી’, ‘સગુણ-બત્રીસી’, ‘કરણી-છંદ’, ‘ગોડી-છંદ’, ૩૬ કડીનો ‘જિનદત્તસૂરિ-છંદ’, ‘વિમલજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, માગશર સુદ ૧૩), ‘(ગોડી) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૯૭૨, વૈશાખ-), ૩૨ કડીની ‘દોષગર્ભિત-સ્તવન’, ‘(બીકાનેર)શાંતિ-સ્તવન’ તથા ‘ગોચરીના દોષનું સ્તવન’, ૫૮ કડીની ‘ઋષિપંચમી’, ‘ઉપદેશ-પચીસી’, સવૈયાબદ્ધ ‘ચોવીસજિન-સવૈયા’(મુ.), હિંદીમાં ‘દાદાસાહેબ/જિનકુશળસૂરિકવિ’(મુ.) વગેરે. કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. સ્નાત્રપૂજા, દાદા સાહેબપૂજા તથા ઘંટાકર્ણવીરપૂજા, પ્ર. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રઘુરામ : આ નામે ‘પંદર-તિથિઓ’, ‘સાત-વાર’, ‘વનપર્વ’ (લે.ઈ.૧૮૪૯) તથા વેદાંતનાં પદ મળે છે. તેમના કર્તા કયા રઘુરામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પાંગુહસ્તલેખો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ; ૫. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૦-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ;  ૫. ડિકૅટલૉગબીજે. [ચ.શે.]

રઘુરામ-૧ [ઈ.૧૭૧૬માં હયાત] : અવટંકે દીક્ષીત. ઓરપાડના વતની. યજુર્વેદી બ્રાહ્મણ. પિતા સહદેવ. કવિએ પુરાણી નાના ભટ્ટના પુત્ર કૃષ્ણરામ પાસેથી અશ્વમેધની કથા સાંભળી ૧૨૧ કડવાંના ‘પાંડવાશ્વમેધ/અશ્વમેધ’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, શ્રાવણ સુદ ૨, બુધવાર; મુ.)ની રચના કરી છે. કવિને નામે નોંધાયેલું ‘લવકુશ-આખ્યાન’ વસ્તુત: ‘પાંડવાશ્વમેધ’નો જ એક ભાગ છે. આ ઉપરાંત કવિએ લાવણીમાં ૨૫ કડીની ‘નરસિંહ મહેતાની હૂંડી’(મુ.)ની પણ રચના કરી છે. આ કડીમાં પહેલી કડીનું ચોથું ચરણ દર ચોથી કડીએ આવર્તિત થાય છે તે ધ્યાનપાત્ર છે. કવિએ કેટલાંક પદોની (કૃષ્ણલીલાનાં ૨ પદ મુ.) પણ રચના કરી છે. કૃતિ : ૧. અશ્વમેધ, પ્ર. ગુલાબચંદ લ. ખેડાવાલા, ઈ.૧૮૫૮;  ૨. બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. કવિચરતિ : ૩; ૨. પાંગુહસ્તલેખો;  ૩. ગૂહયાદી.[ચ.શે.]

રઘો [                ] : ‘કરણરાજાનો પહોર’ના કર્તા. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘રંગો’ને આ કૃતિના કર્તા ગણે છે. ‘રાજામોરધ્વજની કસણી’(મુ.) કૃતિમાં કર્તાનામ ‘રગો’ છે પણ છે પણ તે ‘રઘો’ હોવાની શક્યતા વધુ છે. બન્નેના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત રીતેકહી શકાય એમ નથી. કૃતિ : બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને અન્ય, ઈ.૧૯૦૯. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહયાદી. [શ્ર.ત્રિ.]

રણછોડ/રણછોડદાસ : આ નામે ‘અર્જુન-ગીતા’, ‘રાસભાગવત’ (લે.ઈ.૧૬૭૭), ‘સલસખનપુરીનો ગરબો’ (લે.ઈ.૧૮૪૫), ‘રાસપંચાધ્યાયી’(મુ.), ‘કૃષ્ણજીનના મહિના’(મુ.), ‘રણછોડજીનો ગરબો’ (ર.ઈ.૧૮૧૩/સં.૧૮૬૯, આસો વદ ૮, રવિવાર; મુ.) તથા કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદો મળે છે. એ કૃતિઓના કર્તા કયા રણછોડ/રણછોડદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૭; ૨. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને અન્ય, ઈ.૧૯૦૯. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ફૉહનામાવલિ; ૪. મુપુગૂહસૂચી. [ચ.શે.]]

રણછોડ-૧ [ઈ.૧૬૫૩માં હયાત] : ૨૦ કડીના ‘આદ્યશક્તિનો ગરબો’ (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯ આસો-; મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [ચ.શે.]

રણછોડ-૨ [ઈ.૧૮મી સદી] : ખેડા જિલ્લાના ખડાલ ગામના ખડાયતા વૈષ્ણવ કવિ. પિતા નરસિંહદાસ. અવટંક મહેતા. ખડાલના દરબારથી નારાજ થઈ તેમણે નજીકમાં આવેલા તોરણ ગામમાં સ્થાયી વસવાટ કરેલો. નેસ્તી અને ધીરધારનો તેમનો વ્યવસાય હતો. દૂર પૂનમે ડાકોર રણછોડરાયનાં દર્શને જવાનો એમનો નિયમ હતો. તોરણામાં અને પાછળથી ગોધરા અને સુરતમાં તેમણે મંદિરોની સ્થાપના કરી હતી. એમના જીવનમાં ઘણા ચમત્કાર પ્રસંગો બન્યા હોવાનું અને ૧૦૫ વર્ષ જેટલું લાંબું આયુષ્ય તેમણે ભોગવ્યું હોવાનું મનાય છે. આ કવિની મોટાભાગની કવિતા પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનવૈરાગ્યની છે, પંરતુ રામજીવન વિશે પણ તેમણે કેટલીક કૃતિઓ રચી છે. ઉદ્દાલક ઋષિનો પુત્ર નાસકેત જંતુ રૂપે નર્કમાં સબડતા પોતાના પૂર્વજોને નર્કની યાતનામાંથી છોડાવે છે એ કથાને ૧૦ કડવાં ને ૨૨૪ કડીમાં કહેતી ‘નાસકેતજીનું આખ્યાન’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, ચૈત્ર સુદ ૧૩, ગુરુવાર; મુ.), ૮ કડવાંની ‘દશ અવતારની લીલા’ (ર.ઈ.૧૭૧૯/સં. ૧૭૭૯, જેઠ સુદ ૨, શનિવાર;મુ.), બ્રહ્માએ કૃષ્ણના ઈશ્વરીય સ્વરૂપની પરીક્ષા કરવા માટે ગોપબાળો અને ગાયોનું અપહરણ કર્યું એ પ્રસંગને વર્ણવતી ૧૦ કડવાંની ‘બ્રહ્મ-સ્તુતિ’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, જેઠ સુદ ૧૩; મુ.) ૩૨ કડવાંની ‘કર્મવિપાક’ (લે.ઈ.૧૭૬૯), ઉદ્ધવગોપીના પ્રસંગને આલેખતી ૩૫ કડવાંની ‘સ્નેહલીલા’(મુ.), કૃષ્ણના વેણુવાદનથી ગોપીઓ અને વ્રજની પ્રકૃતિ પર પડતા પ્રભાવને વર્ણવતી ૭૨ કડીની ‘વેણુગીત’(મુ.), કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉપાડી ગોકુળવાસીઓને ઇન્દ્રના કોપમાંથી ઉગારવા આપેલા આશ્રયના પ્રસંગને આલેખતી ૧૪ કડવાંની ‘ગોવર્ધનઉત્સવ/ગોવર્ધનઓચ્છવ/ઇન્દ્રઉત્સવ’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩ વૈશાખ-; મુ.) ૩૭ કડીની ‘રાધાવિવાહ’(મુ.), ૧૭ પદની ‘ચાતુરી/વ્રજશણગાર/રાધિકાજીનું રૂસણું’(મુ.)-એ ભાગવતના વિવિધ પ્રસંગો પર આધારિત એમની આખ્યાનકલ્પ રચનાઓ છે. કડવાંબંધનો આશ્રય લેવા છતાં વલણ-ઢાળ-ઊથલો એવો કડવાનો રચનાબંધ જાળવવા તરફ કવિનું લક્ષ નથી. ૩૫૮ કડીની રણછોડરાયની ભક્તિ કરતી ‘કેવળરસ’(મુ.), ૧૧૮ કડીની ‘વૃન્દાવનમાહાત્મ્ય’ (ર.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, શ્રાવણ-૫, રવિવાર; મુ.), ૯૬ કડીની ‘ભક્ત બિરદાવલી’(મુ.), ૧૫૧ કડીની ‘નામમાહાત્મ્ય’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, મહા-૧૫, રવિવાર; મુ.), ૬ ખંડ ને ૧૪૯ કડીની કૃષ્ણનાં ગોકુળપરાક્રમોને વર્ણવતી ‘બાળચરિત્ર’(મુ.), ‘હરિરસ’, ‘પાંચરંગ’(મુ.) વગેરે એમની અન્ય ભક્તિમૂલક લાંબી રચના છે. ‘રામકથા/રામચરિત્ર/રાવણ-મંદોદરીસંવાદ’નાં ૧૨ પદ(મુ.)માં તૂટક રૂપે રામજીવનના પ્રસંગો આલેખાયા છે. થાળ, આરતી, ગરબી, કક્કો ઇત્યાદિ પદપ્રકારની ને છપ્પા જેવી પણ અનેક કૃતિઓ કવિએ રચી છે, તેમાં ‘બારમાસી’ (ર.ઈ.૧૭૩૧/સં.૧૭૮૭, શ્રાવણ-શુક્રવાર; મુ.); શણગાર, વસંત, હિંડોળા, રાસ વગેરે કૃષ્ણલીલાનાં અનેક પદ(મુ.); ‘પ્રભાતસ્તવન’નાં ૧૮ પદ; ૩૪ કડીનો કક્કો; ૪૦ કડીની ‘ચેતવણી’; ૫૨ કડીના છપ્પાપ્રકારના ‘તાજણા’(સાટકા) જેવી જ્ઞાનવૈરાગ્યની કૃતિઓનો સમાવેશ થાય છે. ‘વ્રજવૃન્દાવનલીલા’, ‘શ્રી વૃન્દાવનલીલા શ્રી જુગલકિશોર સત્ય છે’, ‘રાધિકાજીની વધાઇ’, ‘વામનજીની વધાઈ’ (સર્વ મુ.) એમની ગુજરાતીની છાંટવાળી વ્રજભાષાની રચનાઓ છે. ‘બૃહત્ કાવ્યદોહન : ૨ અને ૭’માં મુદ્રિત ‘રણછોડનો ગરબો’ (ર.ઈ.૧૮૧૩/સં.૧૮૬૯, આસો વદ ૮, રવિવાર), ‘કૃષ્ણજીવનના મહિના’ તથા ‘રાસપંચાધ્યાયી’ વ્યાપક રીતે આ કવિની રચનાઓ હોવાનું સ્વીકારાયું છે, પરંતુ આ ત્રણે કૃતિઓ ‘રણછોડભક્તની વાણી’ના સાતે ભાગમાં મુદ્રિત સ્વરૂપે મળતી નથી. ‘રણછોડજીનો ગરબો’ તો એનો રચનાસમય જોતાં આ કવિની કૃતિ હોય એવી સંભાવના બહુ ઓછી છે. ‘દિલમાં દીવો કરો’, કે ‘હરિજન હોય તે હરિને ભજે’ જેવાં આ કવિને નામે મળતાં પદ રણછોડ-૫ને નામે પણ મળે છે. કૃતિ : ૧. રણછોડભક્તની વાણી : ૧-૭, પ્ર. બળદેવદાસ ત્રિ. ભગત, ઈ.૧૯૬૪ (બીજી આ.), ઈ.૧૯૫૭, ઈ.૧૯૬૭, ઈ.૧૯૬૭, ઈ.૧૯૬૭, ઈ.૧૯૭૮ (+સં.); ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૧, ૮; ૪. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને અન્ય, ઈ.૧૯૦૯. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાપઅહેવાલ : ૯-‘રણછોડ કવિ’, કેશવ હ. શેઠ; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬-‘પ્રેમલક્ષણા ભક્તિનો ગાયક કવિ રણછોડ’, કવિ રણછોડનાં પ્રભાતિયાં’, ‘ભક્તકવિ રણછોડની જ્ઞાનવાણી’, ‘ભક્તકવિ રણછોડના રાસ-ગરબા’, ‘ભક્તકવિ રણછોડની પદેતર કૃતિઓ’;  ૬. ભક્તકવિ રણછોડ; એક અધ્યયન, ગોહિલ નાથાભાઈ, ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફૉહનામાવલિ.[ચ.શે.]

રણછોડ(ભગત)-૩ [જ.ઈ.૨૯-૮-૧૭૧૭/સં. ૧૭૭૪, ભાદરવા સુદ ૪, ગુરુવાર] : જામનગર જિલ્લાના ધનાણીની આંબલડીના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા સંઘજી. માતા પ્રેમબાઈ.કૃષ્ણભક્તિનાં ધોળ અને પદો (૭ મુ.)ના કર્તા. કૃતિ : સામીપ્ય, એપ્રિલ ૧૯૮૪-‘આંબલડી (હાલાર)ના રણછોડ ભગતનાં ધોળ-પદ’, સં. કે. કા. શાસ્ત્રી (+સં.). [ચ.શે.]

રણછોડ(દીવાન)-૪ [જ.ઈ.૨૦-૧૦-૧૭૬૮/સં. ૧૮૨૪, આસો સુદ ૧૦-અવ. ઈ.૧૮૪૧/સં.૧૮૯૭, મહા/ફાગણ વદ ૬] : વડનગરા નાગર. પિતા અમરજી નાણાવટી. માતા ખુશાલબાઈ.પહેલાં જૂનાગઢ રાજ્યમાં અને પછી જામનગરના દીવાન. તેઓ સારા યોદ્ધા અને વિદ્યારસિક પુરુષ હતા અને ગુજરાતી સિવાય સંસ્કૃત, વ્રજ અને ફારસી ભાષાઓ જાણતા. શંકરના ઉપાસક હતા. સુધારક માનસવાળા હોવાને લીધે બાળકીને દૂધપીતી કરવાના અને સતી થવાના કુરિવાજો નાબૂદ કરવામાં તેમણે અંગ્રેજોને સહાય કરી હતી. શિવગીતાની ‘જ્ઞાનપ્રકાશ’ નામની ગદ્યટીકા (ર.ઈ.૧૮૦૯/સં.૧૮૬૩, જેઠ વદ ૫; મુ.), ૧૩ કવચમાં ‘ચંડીપાઠના ગરબા’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, આસો-૯; મુ.), ૬ ‘રહસ્યના ગરબા’, ‘રામાયણના રામાવળા’ (ર.ઈ.૧૮૨૩), ‘દ્રવ્યશુદ્ધિ’, ‘શ્રાદ્ધનિર્ણય’, ‘અશૌચનિર્ણય/સૂતકનિર્ણય’, ‘સોમવાર માહાત્મ્ય/સોમપ્રદેશનો મહિમા/પ્રદોષ માહાત્મ્ય’ એ ગુજરાતી કૃતિઓ એમણે રચી છે. એમણે ગુજરાતી અને ફારસીમાં રોજનીશી પણ લખી હોવાનો ઉલ્લેખ મળે છે. એ સિવાય વ્રજ-ગુજરાતીમાં ‘ઉત્સવ-માલિકા’ તથા ‘વિશ્વનાથ પરનો પત્ર’; વ્રજભાષામાં ‘શિવરહસ્ય’, ‘કુવલયાનંદ’, ગાણિતિક કોયડાવાળો ‘નાગરવિવાહ’, ‘બ્રાહ્મણની ચોરાસી નાતોનાં નામનાં કાવ્ય’, ‘દક્ષયજ્ઞભંગ’, ‘શિવવિવાહ/ઈશ્વરવિવાહ’, ‘શિવરાત્રિમાહાત્મ્ય’, ‘બૂઢેશ્વરબાવની’ના પર કવિત, ‘મોહનીછળ’, કામદહન-આખ્યાન’, ‘મદનસંજીવની’, ‘કાલખંજ-આખ્યાન’, ‘જાલંધર-આખ્યાન’, ‘અંધકાસુર-આખ્યાન’, ‘ભસ્માંગદ-આખ્યાન’, ‘શંખચૂડ-આખ્યાન’, ‘ત્રિપુરાસુર-આખ્યાન’, ‘ભક્તમાળા’ અને ‘બિહારી શતશઈ’ વગેર તથા ફારસીમાં ‘તારીખે સોરઠ/વાક્યાએ સોરઠ વ હાલાર’ અને ‘રુકાતે ગુનાગુન’ વગેરે કૃતિઓની રચના કરી છે. કૃતિ : ૧. ચંડીપાઠના ગરબા, સં. ગણપતરામ વે. ઓઝા, ઈ.૧૮૮૫ (+સં.); ૨. દીવાન રણછોડકૃત શિવગીતા, પ્ર. જાદવરાય લી. બૂચ, ઈ.૧૮૯૭ (+સં.); ૩ શ્રી દેવીમહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૮; ૪. શિવરહસ્ય : ૧ (અનુ. રણછોડજી દીવાનજી), પ્ર. જાદવરાય લી. બૂચ (+સં.); ૫. શ્રી શિવરાત્રિમાહાત્મ્ય, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૭૩; ૬. બૃકાદોહન : ૨. સંદર્ભ : ૧. *રણછોડજી દીવાનનું જન્મચરિત્ર, ગણપતરામ વે. ઓઝા, ૧૮૮૫; ૨. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, છોટુભાઈ ર. નાયક, ઈ.૧૯૫૦; ૩. ગુજરાતીઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો, ડાહ્યાભાઈ પી. દેરાસરી, ઈ.૧૯૩૭; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસારસ્વતો; ૬. સસામાળા;  ૭. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૮૬૩-‘ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ : રણછોડજી દીવાન’; ૧૦. એજન, જાન્યુ. ૧૮૭૨-‘રણછોડજીકૃત ગ્રંથો’;  ૮. ગૂહાયાદી; ૯. ફૉહનામાવલિ. [ચ.શે.]

રણછોડ-૫ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રામભક્ત કવિ. વતન ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાનું આગલોડ (અગસ્ત્યપુર) ગામ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા અનુપમરામ. માતા કુંવરબાઈ.અવટંકે જોશી. ગુરુ રામચંદદાસ મહારાજ. પહેલાં તેઓ હિંમતનગરની શાળામાં શિક્ષક હતા. પછી સંસારત્યાગ કરી ભજનમંડળી સ્થાપી ગામેગામ ખોટાં વહેમો અને માન્યતાઓનો વિરોધ કરી સદુપદેશ આપવા માંડ્યો. તેમનો જન્મ સંભવત: ઈ.૧૮૦૪માં થયો હતો અને ઈ.૧૮૨૨માં તેમણે સંસારત્યાગ કર્યો હોવાનું કહેવાય છે. એમની મુદ્રિત ૧ ‘થાળ’ કૃતિનો રચનાસમય ઈ.૧૮૩૫ મળે છે. એને આધારે ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં તેઓ હયાત હોવાનું નિશ્ચિત રૂપે કહી શકાય. મનની સુરતા (એકાગ્રતા) કેળવવાનો ઉપાય સૂચવતી ને રૂપકાત્મક વાણીમાં વૈરાગ્યબોધ આપતી ૧૦૬ કડીની ‘સુરતિબાઈનો વિવાહ’(મુ.) કવિની લાંબી રચના છે. એ સિવાય જ્ઞાનવૈરાગ્યનાં વિવિધ દેશીઓના ઢાળમાં રચાયેલાં ૧૮૭ પદ કવિને નામે મુદ્રિત મળે છે. સરળ ભાષામાં ઉદ્બોધન શૈલીનો આશ્રય લઈ કેટલીક અસરકારકતા આ પદોમાં કવિ સાધે છે. થોડાંક પદોમાં કૃષ્ણભક્તિ છે, પરંતુ ઈશ્વરબોધ અને જ્ઞાનબોધ તરફ કવિનો ઝોક વિશેષ છે તે સ્પષ્ટ વરતાય છે. રણછોડ-૨ને નામે જાણીતાં “દિલમાં દીવો કરો રે દીવો કરો” જેવાં પદો આ કવિને નામે પણ મુદ્રિત મળે છે અને ‘દિલમાં દીવો કરો’ પદ તો સંપાદકીય નોંધ પરથી આ કવિનું જ હોય એમ સંપાદકો માનતા જણાય છે. કૃતિ : રણછોડ ભજનાવલિ, સં. અંબાશંકર પ્ર. જોશી, ઈ.૧૯૩૩ (+સં.). સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [ચ.શે.]

રણછોડ-૬ [                ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ૧૭ કડીના ‘શ્રીજી મહારાજની ઉત્પત્તિ વિશે’(મુ.) તથા ૬ કડીના ‘માણકી ઘોડી વિશે’નાં પદોના કર્તા. ‘શ્રીજીની વાતો’ આ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : સહજાનંદવિલાસ, પ્ર. હિંમતલાલ બ. સ્વામિનારાયણ તથા ગીરધરલાલ પ્ર. માસ્તર, ઈ.૧૯૧૩. સંદર્ભ : ફૉહનામાવલિ. [ચ.શે.]

રણછોડ-૭ [                ] : મોટે ભાગે નડિયાદના મેવાડા બ્રાહ્મણ. પિતાનામ પૂર્ણાનંદ હોવાની સંભાવના. ‘શ્રાદ્ધ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]

‘રણજંગ’ : વજિયાની મુખબંધ અને વલણ વગરનાં ૧૭ કડવાંની ક્યાંક ભાષામાં હિન્દી અસર બતાવતી આ કૃતિ (મુ.) પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ પૂર્વે રચાયેલી છે. શસ્ત્રસજ્જ અને યુદ્ધતત્પર રાવણ અને રાવણસૈન્યના કે યુદ્ધના વર્ણનનાં બેત્રણ કડવાંને બાદ કરતાં બીજાં કડવાં ટૂંકાં છે. લંકાની સમૃદ્ધિ જોઈ રામને ઊપજતી નિરાશા, હનુમાન તથા અન્ય વાનરોએ આપેલું પ્રોત્સાહન, રામે રાવણને મોકલેલો વિષ્ટિસંદેશ, રાવણનો અહંકારયુક્ત પ્રત્યુત્તર, મંદોદરીએ રાવણને રામ સાથે યુદ્ધ ન કરવા માટે કરેલી વિનંતિ, રાવણે વિનંતિનો કરેલો અસ્વીકાર, યુદ્ધમાં રાવણનું મૃત્યુ અને રામનું અયોધ્યામાં આગમન એટલા પ્રસંગોને આલેખતી આ કૃતિમાં પ્રસંગ કે પાત્રને ખિલવવા તરફ કવિનું ઝાઝું લક્ષ નથી. એટલે નિરૂપણ ઊભડક લાગે છે, તો પણ યુદ્ધવર્ણન કે રાવણના વર્ણનમાં કવિ થોડી શક્તિ બતાવી શક્યા છે. કૃતિમાં આવતી રણયજ્ઞના રૂપકની વાત અને કેટલાક ઢાળોની પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ પર અસર જોવા મળે છે એ દૃષ્ટિએ આ કૃતિ નોંધપાત્ર ગણી શકાય.[ર.સો.]

રણધીર/રણસિંહ(રાવત)[                ] : ઉપદેશાત્મક અને પ્રભુભક્તિનાં છથી ૮ કડીનાં કેટલાંક ગુજરાતી-હિન્દી ભજનો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અભમાલા; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. નકાસંગ્રહ; ૪. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૫. ભજનસાગર : ૨.[શ્ર.ત્રિ.]

‘રણમલછંદ’ : શ્રીધર વ્યાસકૃત પ્રારંભના આર્યામાં રચાયેલા ૧૦ સંસ્કૃત શ્લોકો સહિત ૭૦ કડીમાં ઇડરના રાવ રણમલ અને પાટણના સૂબા મીર મલિક મુફર્રહ વચ્ચે થયેલા યુદ્ધના પ્રસંગને અને રાવ રણમલના વિજ્યને આલેખતું આ વીરસનું ઐતિહાસિક કાવ્ય (મુ.) છે. તૈમુરલંગની દિલ્હી પર ચઢાઈ, મીર મલિક મુફર્રહ પૂર્વેના પાટણના સૂબાઓ દફરખાન અને સમસુદ્દીનના રાય રણમલ સાથે થયેલો યુદ્ધ જેવી વીગતોના ઉલ્લેખ પરથી કહી શકાય કે કાવ્ય ઈ.૧૩૯૮ પછીથી રચાયું હશે. ચોપાઈ, સારસી, દુહા, પંચચામર, ભુજંગપ્રયાત વગેરે માત્રામેળ-અક્ષરમેળ છંદોનો ઉપયોગ, તેમાં પ્રયોજાયેલી, વ્યંજનોને કૃત્રિમ રીતે બેવડાવી વર્ણઘોષ દ્વારા વીરરસને પોષક ઓજસનો અનુભવ કરાવતી અપભ્રંશની ‘અવહઠ્ઠ’ પ્રકારની શૈલી, પ્રચુર માત્રામાં પ્રયોજાયેલા અરબી-ફારસી શબ્દો, વર્ણનોમાં અનુભવાતી કેટલીક અલંકારિકતા ઇત્યાદિ તત્ત્વોવાળું આ કાવ્ય કાવ્યત્વ અને ઇતિહાસ બંને દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. [જ.ગા.]


‘રણયજ્ઞ’ [ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬ ચૈત્ર સુદ ૨, રવિવાર] : રામાયણની રામ-રાવણ યુદ્ધની કથાને વિષય બનાવી રચાયેલું ને વિજ્યાના ‘રણજંગ’ની અસર ઝીલતું ૨૬ કડવાનું પ્રેમાનંદનું આ આખ્યાન(મુ.) છે તો કવિના સર્જનના ઉત્તરકાળની રચના, પરંતુ કાવ્યત્વની દૃષ્ટિએ મધ્યમ બરનું છે. રામ-રાવણ યુદ્ધની કથા આલેખવા તરફ જ કવિનું લક્ષ હોવા છતાં આખી યુદ્ધકથા વેધક ને પ્રભાવક બનતી નથી, કારણ કે કાવ્યનું સંકલન વિવિધ રીતે નબળું છે. રાવણ અને રામની સેનાના સરદારો તથા તેમના સૈન્યની લંબાણથી અપાયેલી વીગતો ભલે કોઈ પાત્રમુખે અપાઈ હોય છતાં નીરસ બને છે. કાવ્યના કેન્દ્રીય વીરરસની જમાવટ પણ નબળી છે. યુદ્ધવર્ણનો રવાનુકારી શબ્દો ને પરંપરાનુસારી અલંકારો ને વીગતોથી એકવિધ રીતે આવ્યાં કરતાં હોવાથી રોમાંચ વગરનાં છે. યુદ્ધનાં યુયુત્સા અને આતંક ઉપસાવવામાં કવિને ખાસ સફળતા મળતી નથી. હાસ્ય, કરુણ જેવા અન્ય રસો વીરને પોષક બનવાને બદલે હાનિ વિશેષ પહોંચાડે છે. મંદોદરીના વિલાપ ને વ્યથામાં કરુણનો કેટલોક હૃદ્ય સ્પર્શ છે, પરંતુ રામનાં હતાશા ને વિલાપ એમના વીરોચિત વ્યક્તિત્વને બહુ અનુરૂપ નથી. કુંભકર્ણને ઉઠાડવા માટે થતા પ્રયત્નો કે કુંભકર્ણ અને વાનરો વચ્ચેના યુદ્ધનાં વર્ણનમાં કવિએ જે હાસ્ય વહેવડાવ્યું છે તે સ્થૂળ કોટિનું તો છે, પરંતુ તે યુદ્ધના આતંક ને ગાંભીર્યને સાવ હણી નાખતું હોવાથી અરુચિકર પણ બને છે. એટલે રચનામાં પોષક-અપોષક અંશોનું ઔચિત્ય કે રસસંક્રાંતિ એ બંનેની પ્રેમાનંદીય શક્તિ આ આખ્યાનમાં પ્રગટ થતી નથી. રામ અને રાવણ યુદ્ધકથાના મુખ્ય શત્રુપાત્રો હોવા છતાં યુદ્ધકથાને અનુરૂપ એમનું ચરિત્ર બંધાતું નથી. રાવણના મનમાં રામ પ્રત્યે ભક્તિભાવ અને રામનું લાગણીશીલ ને નિર્બળ મનમાં રામ પ્રત્યે ભક્તિભાવ અને રામનું લાગણીશીલ અને નિર્બળ મન યુદ્ધકથાના નાયકોને અનુરૂપ નથી. આખ્યાનનો કંઈક આસ્વાદ્ય અંશ મંદોદરીની પતિપરાયણતાને પુત્રપરાયણતામાંથી જન્મતી વ્યથાનો છે. “આજનો દહાડો લાગે મુંને ધૂંધળો” એ એના મોઢામાં મુકાયેલું વિષાદભાવવાળું પદ આખ્યાનનો ઉત્તમાંશ છે. આખ્યાનની ઘણી હસ્તપ્રતો સં. ૧૭૪૧નો રચનાસમય આપે છે, પંરતુ વાર, તિથિ, માસના મેળમાં આવતું ન હોવાને લીધે એ વર્ષ શ્રદ્ધેય નથી. [જ.ગા.]

રણસિંહ(રાવત) : જુઓ રણધીર.

રતન/રયણ(શાહ) [                ] : શ્રાવક. ખરતરગચ્છના જિનપતિસૂરિની પ્રશસ્તિ કરતા સવૈયાની દેશીની ૨૦ કડીના ‘જિન પતિસૂરિ-ધવલ/ગીત/સ્તુતિ’(મુ.)ના કર્તા. જિનપતિસૂરિનું અવસાન ઈ.૧૨૨૧માં થયું એવો કાવ્યમાં ઉલ્લેખ છે, એટલે કાવ્યની રચના ત્યારપછી સંભવત: ઈ.૧૩મી સદીમાં થઈ હોય. આ નામે ૫૬ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે તે આ કવિની રચના હોવાની સંભાવના છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. ડિકૅટલૉગબીજે.[ર.ર.દ.]

રતનચંદ [ઈ.૧૮૩૮માં હયાત] : ૪૫ કડીની ‘શ્રીમતીના શીલની કથા’ (ર.ઈ.૧૮૩૮)ના ક્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

રતનજી : આ નામે ૮ કડીની ‘ઉમિયા-ઇશનો ગરબો’ કૃતિ મળે છે તેના કર્તા કયા રતનજી છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

રતનજી-૧ [ઈ.૧૬૫૭માં હયાત] : મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના બાગલાણના રહીશ. પિતાનામ ભાનુ કે હરિદાસ. ‘અશ્વમેધપર્વ’ની વિભ્રંશી રાજાની કથા પર આધારિત ૧૩ કડવાંનું ‘વિભ્રંશી રાજાનું આખ્યાન’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩, શ્રાવણ વદ ૮; મુ.)ના કર્તા. એમને નામે ‘દ્રૌપદીચીરહરણ’ કૃતિ નોંધાઈ છે પરંતુ તેની કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી. કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી.[ચ.શે.]

રતનદાસ/રત્નસિંહ [ઈ.૧૮મી સદી] : રવિભાણ સંપ્રદાયના કવિ. વાંકાનેરના વતની. જ્ઞાતિએ રજપૂત. ભાણસાહેબ (ઈ.૧૬૯૮-૧૭૫૫)ના ઉપદેશથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બન્યા. ૨૦ કડીનું ‘ચેલૈયા સગાળશા-આખ્યાન/કેલૈયાનો શલોકો’(મુ.), આત્મબોધનાં પદ તથા અન્ય ગુજરાતી-હિન્દી પદોની રચના એમણે કરી છે. કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૧૩, સં. પુરુષોત્તમ સોલંકી, ઈ.૧૯૭૦; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. બૃકાદોહન : ૫; ૪. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક;  ૫. સમાલોચક, જુલાઈ-સપ્ટે. ૧૯૧૧-‘કેટલીક અપ્રસિદ્ધ કવિતા’, છગનલાલ વિ. રાવળ (+સં.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ ઈ.૧૯૮૨;  ૪. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [ચ.શે.]

રતનબાઈ-૧ [ઈ.૧૫૭૯માં હયાત] : જૈન. સ્વાવલંબનના સાધન તરીકે રેંટિયાની પ્રશસ્તિ કરતી ૨૪ કડીની ‘રેંટિયાની સઝાય/ગીત/પદ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૭૫, મહા સુદ ૧૩; મુ.)નાં કર્તા. કૃતિ : પ્રાકાસુધા : ૪. સંદર્ભ : ૧. મસાપ્રકારો;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી.[ર.ર.દ.]

રતનબાઈ-૨ [ઈ.૧૭૮૧માં હયાત] : જ્ઞાનમાર્ગી સ્ત્રીકવિ. અમદાવાદનાં વતની. જ્ઞાતિએ નાગર. અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજી એ જ એમનાં પિતા અને ગુરુ. પિતાના સંતજીનથી પ્રભાવિત થઈ પતિની અનુમતિ લઈ એમણે સંસારનો ત્યાગ કરેલો. એમનાં ગુરુમહિમાનાં અને જ્ઞાનવૈરાગ્યનાં ૧૧ પદ(મુ.) મળે છે. કૃતિ : સન્તોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.). સંદર્ભ : ૧. અસપરંપરા; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫. [ચ.શે.]

રતનબાઈ-૩ [ઈ.૧૮મી સદી] : મુસ્લિમ સ્ત્રીકવિ. જ્ઞાતિએ વોરા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછિયાપુરનાં વતની. હરજરત શાહ કાયમુદ્દીનનાં શિષ્યા. જ્ઞાન અને ભક્તિની મધ્યકાલીન પદકવિતાના સંસ્કાર ઝીલી કલામ, ગરબી, ભજન શીર્ષકો હેઠળ એમણે જ્ઞાન-વૈરાગ્ય ને ભક્તિનાં પદો(મુ.) રચ્યાં છે. કાયમુદ્દીનને વિષય બનાવી રચાયેલાં પદો પર પ્રેમલક્ષણા ભક્તિની કવિતાની ઘેરી અસર છે. એમની ભાષા અરબી-ફારસી શબ્દોના ભારવાળી છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસામધ્ય. [ચ.શે.]

રતનિયો [                ] : ૨૬ કડીની ‘હૂંડી’(મુ.)ના કર્તા. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તેઓ સં. ૧૭મી સદીની આસપાસ થયા હોવાનું અનુમાન થયું છે. ‘રામૈયો રતનિયો’ નામછાપથી ભવાઈના ગણપતિના વેશના પ્રારંભમાં ગણપતિની સ્તુતિનું પદ (મુ.) મળે છે. ત્યાં કર્તાનામ ‘રતનિયો’ હોવાની સંભાવના છે. આ ‘રતનિયો’ને ‘હૂંડી’ના કર્તા એક જ હશે કે જુદા એ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨ (+સં.); ૨. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪; ૩. ભવાની ભવાઈપ્રકાશ, સં. મુનશી હરમણિશંકર ઘ. , ઈ.-,  ૪. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૪૩-‘રતનકૃત નરસિંહ મહેતાની હૂંડી’, ભોગીલાલ સાંડેસરા (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહસ : ૨; ૩. ગુસરસ્વતો. [ચ.શે.]

રતનીબાઈ [           ] : હરિજન સ્ત્રીકવિ. તેઓ નરસિંહ મહેતાનાં શિષ્ય હતાં એમ કહેવાય છે, પરંતુ એ માટે કોઈ આાધાર નથી. તેમનાં કૃષ્ણભક્તિનાં ૪ પદ(મુ.) મળે છે, તેમાં ૩ પદ નરસિંહ મહેતાનાં જીવનમાં બનેલા કહેવાતા હારપ્રસંગને લગતાં છે. કૃતિ : ૧. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [ચ.શે.]

રત્ન(મુનિ) : આ નામે ૫ કડીનું ‘સિદ્ધાચલ-સ્ત્વન’ (લે.સં. ૧૮મી સદી અનુ), ૬ કડીની ‘પરસ્ત્રીત્યાગ કરવાની સઝાય’(મુ.), ૫ કડીનું ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૭ કડીનું ‘સીમંધરસ્વામી સ્તવન’(મુ.) તથા કેટલીક હિન્દી રચનઓ મળે છે. આ કયા રત્ન(મુનિ) છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકપ્રકાશ : ૧;૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. શંસ્તવનાવલી; ૬. શોભનસ્તવનાવલી, પ્ર. શા. ડાહ્યાભાઈ ફતેહચંદ, ઈ.૧૮૮૭. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

રત્ન(સૂરિ)-૧ [                ] : કોરંટગચ્છના જૈન સાધુ. ૪૮ કડીની ‘ગયસુકુમાલ-ચોઢાળિયું’ (લે.સં.૧૮મી સદી)એ કૃતિના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ. [ર.ર.દ.]

રત્નકીર્તિ(સૂરિ)-૧ [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૨૧ કડીની ‘વિજ્યશેઠ-વિજ્યાશેઠાણીની સઝાય’ (લે.ઈ.૧૭૨૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રત્નકીર્તિ(સૂરિ)-૨ [                ] : દિગંબર જૈન સાધુ. ૫૭ કડીના ‘નેમિનાથ-ફાગ’ના કર્તા. સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય’, અગરચંદ નાહટા.[કી.જો.]

રત્નકીર્તિ(વાચક)-૩ [                ] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂનમચંદના શિષ્ય. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વના ૨૪ કડીના ‘પુણ્યરત્નસૂરિગુરુણાં-ફાગ’(મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય ત્રૈમાસિક, ફેબ્રુ. ૧૯૭૧- ‘વાચક રત્નકીર્તિકૃત ‘પુણ્યરત્નસૂરિફાગ’, અગરચંદ નાહટા (+સં.). [કી.જો.]

રત્નકુશલ(ગણિ)-૧ [ઈ.૧૫૯૬માં હયાત] : જૈન સાધુ. પંડિત મેહર્ષિગણિની પરંપરામાં દામા/દામર્ષિના શિષ્ય. ૨૦ કડીની ‘પાર્શ્વનાથસંખ્યા-સ્તવન/પાર્શ્વનાથાવલી’ (મુ.)ના કર્તા. કવિએ ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, આસો સુદ ૫, રવિવારના રોજ ‘પંચાશકવૃત્તિ’ની હસ્તપ્રત લખ્યાનું જાણવા મળે છે તે ઉપરથી તેઓ આ આરસામાં હયાત હોવાનું સમજાય છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧ (+સં.). સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. સૂર્યપૂર-રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૩. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.]

રત્નકુશલ-૨ [ઈ.૧૮૨૬ સુધીમાં] : ૫ કડીની ‘સપ્તવ્યસન-સઝાય’ (લે.ઈ.૧૮૨૬)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [ર.ર.દ.]

રત્નચંદ્ર : આ નામ ૨૫ કડીની ‘આદિનાથ-વિવાહલઉ’ (ર.ઈ.૧૬મી સદી) નામે જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા રત્નચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાકરૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ - ‘વિવાહલઉ’ સંજ્ઞક અન્ય જૈન રચનાયેં’, અગરચંદ નાહટા.[કી.જો.]

રત્નચંદ્ર(મુનિ)-૧ [ઈ.૧૫૯૨માં હયાત] : વડતપગચ્છના જૈનસાધુ. સમરચંદ્રના શિષ્ય. ૩૪૯૬ કડીની ‘પંચતંત્ર/પંચાખ્યાન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, આસો-૫, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રત્નચંદ્ર(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. શાંતિસૂરિના શિષ્ય. ૫૫૭૦ કડીના પ્રાકૃત ગ્રંથ ‘સમ્યકત્વ સપ્તતિકા’ પર ‘સમ્યકત્વ રત્નપ્રકાશ’ નામના બાલાવબોધ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬, પોષ સુદ ૧૩), ‘સમવસરણ-સ્તવન’ પરના બાલાવબોધ એ ગદ્યકૃતિઓ તથા સમ્યકત્વ પર ‘સંગ્રામસૂરકથા’ એ પદ્યકૃતિના કર્તા. આ ઉપરાંત સંસ્કૃતમાં કવિએ ધર્મસાગરના મતખંડનરૂપે ‘કુમતાહિવિષજાંગુલિ’ (ર.ઈ.૧૬૨૩) અને ‘પ્રદ્યુમ્નચરિતમહાકાવ્ય’ની રચના તેમ જ ‘નૈષધચરિત’ તથા ‘રઘુવંશ’ જેવાં મહાકાવ્યો, ભક્તામર આદિ જૈન સ્તોત્રો-સ્તવનો પર ટીકાઓ લખી છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈન કથા રત્નકોશ : ૩; પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૦; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩, (૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રત્નચંદ્ર-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ગુમાનચંદની પરંપરામાં દૂર્ગદાસના શિષ્ય. ૧૪ ઢાળની ‘ચંદનબાલા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૬) તથા હિંદી-રાજસ્થાની ભાષાની ૫ ઢાળની ‘નિર્મોહી રાજાની પાંચ ઢાળ’ (ર.ઈ.૧૮૧૮; મુ.)ના કર્તા. કૃતિ : જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. સેઠિયા, ઈ.૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

રત્નચંદ્ર-૪ [                ] : જૈન સાધુ. હરજી મલ્લજીના શિષ્ય. આરંભ-અંતમાં દુહા અને સૂત્રોને આધારે નવતત્ત્વોની સમજૂતી આપતાં ‘તત્ત્વાનુબોધ-ગ્રંથ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રકરણરત્નાકર : ૧, ભીમસિંહ માણક, ઈ.૧૮૭૬. [ર.ર.દ.]

રત્નચંદ્ર(સૂરિ)શિષ્ય [                ] : જૈન. ‘વર્કાણાપાર્શ્વગુણ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]

રત્નજ્ય [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં શિવનિધાન (ઈ.૧૫૯૬-ઈ.૧૬૨૪ દરમ્યાન હયાત)શિષ્ય મતિસિંહના શિષ્ય. ૨૪ કડીના ‘આદિનાથ-પંચકલ્યાણક-સ્તવન’ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [કી.જો.]

રત્નતિલકસેવક [                ] : જૈન સાધુ. ૮ કડીની ‘કાયાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. પ્રાસપસંગ્રહ : ૧. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]

રત્નદાસ [ઈ.૧૬૪૮માં હયાત] : નટપદ્ર કે નટવડના બ્રાહ્મણ કવિ. ઢાળ અને ઊથલાવાળાં તથા વિવિધ દેશીઓનાં બનેલાં ૩૦ કડવાનું ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪, કાર્તક સુદ ૪, ગુરુવાર; મુ.) એમણે રચ્યું છે. આ આખ્યાન પર નાકરના ‘હરિશ્ચંદ્રાખ્યાન’ની અસર છે. તેઓ પ્રેમાનંદના શિષ્ય હતા એવી પ્રચલિત થયેલી માન્યતાને કોઈ આધાર નથી. કૃતિ : ૧. ગૂર્જરકવિ રત્નદાસકૃત હરિશ્ચંદ્ર આખ્યાન, પ્ર. સુવિચારદર્શક મંડલિ, ઈ. ૧૮૯૧; ૨. હરિશ્ચન્દ્રાખ્યાન, સં. કેશવલાલ હ. ધ્રુવ, ઈ.૧૯૨૭ (+સં.). સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૩-‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવ’, કે.કા.શાસ્ત્રી.[ચ.શે.]

રત્નધીર [ઈ.૧૭૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષવિશાલની પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. ‘ભુવનદીપક’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૫૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[ર.ર.દ.]

રત્નનિધાન(ઉપાધ્યાય) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ઈ.૧૫૯૩માં ઉપાધ્યાયપદ. તેઓ વ્યાકરણના પ્રકંડ પંડિત હતા. ૬ કડીનું ‘વૈરાગ્ય-ગીત’, ‘નવહરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૭૭), ૧૭ કડીનું ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (ર.ઈ.૧૬૧૪ પછી; મુ.), ૨ કડીનું ‘ઉપદેશાત્મક પદ’, ૯ કડીનું ‘પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.), ‘સપ્તવ્યસન-સઝાય’ ઉપરાંત અનેક સ્તવનોના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ : ૩ (+સં.); ૨. જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રત્નપાલ [ઈ.૧૫૮૮માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. ‘અવંતીસુકુમાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૮), ‘ચોવીસી’, ‘તેરહકાઠિયા-ભાષા’ ‘વીશી’, સ્તવનો તથા સ્તુતિઓના કર્તા. સંદર્ભ : ૧. કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પ્ર. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]

રત્નપ્રભ(સૂરિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. મુનિશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૪૨૩માં ભટનેરનિવાસી નાહરવંશીય નયણાગરે ભટનેરથી મથુરા સુધી કાઢેલી સંઘયાત્રાનું વર્ણન કરતા ૫૪ કડીના ‘સંઘપતિ નયણાગર-રાસ’(મુ.)ના કર્તા. કૃતિની રચના સંઘયાત્રા પછી થઈ હોય, એટલે કવિ રત્નપ્રભનો હયાતીકાળ ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. કૃતિ : સંબોધિ, ઈ.૧૯૭૫-૭૬, ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણતિથિ વિશેષાંક-‘સંઘપતિ નયણાગર-રાસ’ (સં.૧૪૭૯કી ભટનેરસે મથુરાયાત્રા), સં. ભંવરલાલ નાહટા. (+સં.). [ર.ર.દ.]

રત્નપ્રભશિષ્ય [ઈ.૧૫૬૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘ગજસુકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

રત્નભૂષણ-૧ [ઈ.૧૬મી સદીનો અંતભાગ] : દિગંબર જૈન સાધુ. જ્ઞાનભૂષણની પરંપરામાં સુમતિકીર્તિના શિષ્ય. ‘રુક્મિણીહરણ’ના કર્તા. કૃતિમાં રચનાતિથિ (શ્રાવણ વદ ૧૧) મળે છે, પરંતુ રચનાસંવત મળતી નથી. કર્તાના ગુરુ સુમતિકીર્તિના ગુરુબંધુ સકલભૂષણે ઈ.૧૫૭૧માં ગ્રંથરચના કર્યાની નોંધ મળે છે એ દૃષ્ટિએ જોતાં કવિ રત્નભૂષણ ઈ.૧૬મી સદીના અંતમાં હયાત હોવાની સંભાવના થઈ શકે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

રત્નભૂષણ(ભટ્ટારક)-૨ [                ] : ‘ગર્ભાખ્યાન’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

રત્નમંડન(ગણિ) [ઈ.૧૪૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં નંદીરત્નના શિષ્ય. કવિની ૫૩ કડીની ‘નારીનિરાસ-ફાગુ’(મુ.)કામભાવનું નિરસન થાય એ રીતે નિરૂપોલી ‘વસંતવિલાસ’ની પ્રતિકૃતિ રૂપ કૃતિ છે. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડમાં વિભક્ત ‘નેમિનાથનવરસ-ફાગ’/રંગસાગરનેમિ-ફાગ’(મુ.) એના વિશિષ્ટ છંદસંયોજનને લીધે ધ્યાન ખેંચે છે. નેમિચરિત્ર વધુ આલેખવાને કારણે ફાગુનું હાર્દ એમાં ઓછું સચવાયું છે. ‘પ્રબંધરાજ/ભોજ-પ્રબંધ’ (ર.ઈ.૧૪૬૧), ‘ઉપદેશત-રંગિણી’, ‘જલ્પકલ્પલતા’, ‘સુકૃતસાગર’ વગેરે કવિની સંસ્કૃત રચનાઓ છે. કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ (+સં.); ૨. શમામૃતમ્, સં. મુનિ ધર્મવિજ્ય, સં. ૧૯૭૯;  ૪. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૭-‘ફાગુબંધ કાવ્યનું સ્વરૂપ અને નારીનિરાસ ફાગના કર્તા,’ અંબાલાલ પ્રે. શાહ; ૩ જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૧૭-‘રંગસાગરનેમિફાગ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. પ્રાકારૂપરંપરા; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]

રત્નરંગ(ઉપાધ્યાય) [ઈ.૧૫૨૬માં હયાત] : જૈન. પુણ્યનંદીકૃત ‘શીલરૂપકમાલા’ પરના ૧૦૯ કડીના બાલવબોધ (ર.ઈ.૧૫૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘પરિશિષ્ટ’, મુનિશ્રી પુણ્યવિજ્ય;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રત્નરાજ [ઈ.૧૬૮૩ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૭ કડીની ‘૨૨ અભક્ષ નિવારણ-સઝાય’ (ર.ઈ.૧૬૮૩ પહેલાં)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૨). [ર.ર.દ.]

રત્નરાજશિષ્ય [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધં]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિના શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તુતિ’ (ર.ઈ.૧૮૦૨ કે ઈ.૧૮૨૨/સં. ૧૮૫૮ કે સં. ૧૮૭૮, આસો વદ ૧૪)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કી.જો.]

રત્નલક્ષ્મી [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. વિજ્યશેખરના શિષ્ય. સ્વરવિષયક સામગ્રીનું નિરૂપણ કરતી ૮૭ કડીની ‘સ્વરપ્રકાશ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, મહા સુદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રત્નલાભ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. અમરમાણિક્યની પરંપરામાં ક્ષમારંગના શિષ્ય. ૩૫ કડીની ‘ઢંઢણકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, શ્રાવણ-૮, મંગળવાર/શુક્રવાર) તથા ‘શ્રીપાલપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ભાદરવા વદ ૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]

રત્નવર્ધન [ઈ.૧૬૭૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં રત્નજયના શિષ્ય. ‘ઋષભદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, આસો સુદ ૧૦, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

રત્નવલ્લભ [ઈ.૧૭૦૦માં હયાત] : જૈન. ‘ચંદ્રલેખાચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, ચૈત્ર વદ ૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]

રત્નવિજ્ય : આ નામે ૧૫ કડીની ‘ધનાજીની સઝાય’ (લે.ઈ.૧૮૩૯), ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘શાંતિનાથજિન-ચતુષ્ક’(મુ.), ૧૩ કડીની ‘નેમિનાથ-સઝાય’(મુ.) તથા ૧૩ કડીની ‘શીલ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રત્નવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. એકસોવીસ કલ્યાણકની પૂજા તથા સ્તવનોનો સંગ્રહ, પ્ર. શા. ગુલાબચંદ ફૂલચંદ, ઈ.૧૮૯૭; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. (કેવળકૃત) નેમવિવાહ તથા નેમનાથજીનો નવરસો તથા ચોક તથા નેમનાથનો સલોકો, પ્ર.શા. મોહનલાલ રુગનાથ, ઈ.૧૯૩૫ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રત્નવિજ્ય-૧ [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૬ કડીનું ‘અજિતનાથજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૨૯), ૮ ઢાળનું ૩ ચોવીસીના નામને વર્ણવતું ‘ત્રણ ચોવીસી-સ્તવન’ તથા ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રત્નવિજ્ય-૨ [ઈ.૧૭૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં પુણ્યવિજ્યના શિષ્ય. ૬૫ ઢાળની ૧૫૦૧ ગ્રંથાગ્ર ધરાવતી ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૦૮, આસો સુદ ૧૦, ગુરુવાર), ચૈત્યવંદનસંગ્રહ તથા ‘પ્રતિમાસ્થાપનગર્ભિત પાર્શ્વજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪.જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચિ. [ર.ર.દ.]

રત્નવિજય-૩ [ઈ.૧૭૫૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. જિનવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યભાવોને નિરૂપતી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, પોષ વદ ૭, રવિવાર; મુ.) ૫ કડીના ‘ગણધર-સ્તવન’(મુ.) તથા ૧૫ કડીની ‘ઋતુવંતીની સઝાય’ના કર્તા. કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ: ૩; ૨. જિસ્તમાલા; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈગૂસારત્નો : ૨; ૬. પ્રાચીન સઝાય તથા પદ સંગ્રહ : ૧, પ્ર. શ્રીમદ્વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સં. ૧૯૯૬; ૭. સ્નાસ્તસંગ્રહ. સંદર્ભ : જૈગૂકવિઓ: ૩(૧). [ર.ર.દ.]

રત્નવિજ્ય-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પંડિત માણેકવિજ્યના શિષ્ય. ૧૪ કડીના ‘નવપદ/સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, વસંત માસ)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

રત્નવિમલ : આ નામે ૪ કડીની ‘દીવાળી-સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ‘પુરંદરકુંવર-ચોપાઈ’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ રત્નવિમલ કયા છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૪૨.[ર.ર.દ.]

રત્નવિમલ-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતીમાં રચાયેલા ‘અમરતેજરાજા-ધર્મબુદ્ધિમંત્રી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)માં કર્તા. તેઓ રત્નવિમલ-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]

રત્નવિમલ-૨ [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષની પરંપરામાં વિમલમંડનના શિષ્ય. ૧૪૮ કડીના ‘દામનક-રાસ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

રત્નવિમલ-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપવિમલની પરંપરામાં નિત્યવિમલના શિષ્ય. ૨૧ ઢાળના ‘એલા-ચરિત્ર’ (ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, આસો વદ ૧૩) અને ‘ચોવીશી’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

રત્નવિમલ(પાઠક)-૪ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : વડખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. જિનચંદસૂરિની પરંપરામાં વાચક કનકસાગરના શિષ્ય. ૫૫૦ ગ્રંથાગ્રની ‘સનત્કુમાર-પ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૭/સં.૧૮૨૩, ભાદરવા સુદ ૨, રવિવાર), ‘મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૬/સં.૧૮૩૨, બીજો શ્રાવણ સુદ ૧૫), ૯ ઢાળના ‘ઇલાપુત્ર-રાસ’ (ર.ઈ.૧૭૮૩) તથા ૨૫ ઢાળની ‘તેજસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, પ્રથમ જેઠ વદ ૧૦, મંગળવાર) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો, ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]

રત્નવિમલ-૫ [                ] : જૈન સાધુ. લાભવિમલના શિષ્ય. ૪ કડીની ‘પંચમી-સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧. [ર.ર.દ.]

રત્નવિમલ-૬ [ ] : જૈન સાધુ. લક્ષ્મીવિમલના શિષ્ય. ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ : ૨, સં. જમનાભાઈ ભગુભાઈ, ઈ.૧૯૨૪(+સં.).[કી.જો.]

રત્નવિશાલ [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં ગુણરત્નના શિષ્ય. ૪૯૯ કડીની ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

રત્ન(સૂરિ)શિષ્ય-૧ [ઈ.૧૪૫૬માં હયાત] : જૈન. સુપાત્રદાનનો મહિમા કરતા ૩૬૬ કડીના ‘રત્નચૂડ-પ્રબંધ’ (ર.ઈ.૧૪૫૬)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]

રત્નશિષ્ય-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : જૈન. ‘વંક્ચૂલનો રાસ’ (ર.ઈ.૧૬૦૪)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]

રત્નશેખર(સૂરિ) : આ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’, ‘લઘુક્ષેત્રવિચાર (સચિત્રસુંદર)/લઘુક્ષેત્રસમાસપ્રકરણ-બાલાવબોધ’ (પંચચિત્ર સહિત)’ (લે.સં.૧૬મી સદી અનુ.) તથા સંસ્કૃતમાં ‘જલયાત્રાવિધિ’(મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રત્નશેખર છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જલયાત્રાદિ વિધિ, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૫૫. સંદર્ભ : ૧. ફૉહનામાવલિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.

રત્નશેખર-૧ [ઈ.૧૩૬૩માં હયાત] : જૈન સાધુ. ૭૫ કડીના ‘ગૌતમ-રાસ’ (ર.ઈ.૧૩૬૩)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]

રત્નશેખર(સૂરિ)/શિષ્ય : આ નામે ‘શત્રુંજ્યસંઘ-યાત્રાવર્ણન’ (ર.ઈ.૧૬૭૯), ૩૩/૪૦ કડીની ‘ગિરનારચૈત્ય-પરિપાટી/ચૈત્યપ્રવાડી-વિનતિ’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૯૪ કડીની ‘ચિત્રકોટચૈત્ય-પ્રવાડી’ (લે.સં.૧૭મી સદી), ૨૧ ‘હુબડા’, ૩૬/૪૧ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી’, ‘શાશ્વતજિન ચૈત્ય-પરિપાટી’ (લે.સં.૧૭૯૮), ‘આવશ્યકસૂત્ર પ્રથમ પીઠિકા-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૪૫), ‘અવશ્યકસૂત્ર નિર્યુક્તિ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૬૪) મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા રત્નશેખરસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ-પરિશિષ્ટ’;  ૨. મુપુગૂહસૂચી.[કી.જો.]

રત્નસાગર : આ નામે ૨૩ કડીની ‘આઇમુત્તા-સઝાય’(મુ.), ૬૯ કડીની ‘ચતુર્વિધધર્મ-ચોપાઈ કાકબંધ’, ૭ કડીની ‘પાર્શ્વનાથની હોરી’(મુ.) તથા ૧૦ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા રત્નસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જિભપ્રકાશ; ૩. જૈકાસાસંગ્રહ. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

રત્નસાગર-૧ [                ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજ્યસેનસૂરિના શિષ્ય. ચોપાઈની દેશીમાં રચાયેલા ૪૫ કડીના ‘કર્મ ઉપર છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦ (+સં.); ૨. સસન્મિત્ર : ૨. [ર.ર.દ.]

રત્નસિંહ-૧ : જુઓ રતનદાસ.

રત્નસિંહ-૨ [ ] : જૈન સાધુ. ૪ કડીની ‘આંચલિક ખંડનગર્ભિતઋષભજિન-સ્તુતિ’ તથા ૩૧ કડીની ‘સમવસરણવિચાર’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રત્નસિંહ(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. ૧૭ કડીની ‘આગમગચ્છ પટ્ટાવલી’(મુ.), ૧૧૨ કડીનો ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૪૬૦/સં. ૧૫૧૬, બીજો શ્રાવણ-૧૧, સોમવાર), ૧૦ કડીનું ‘(મગૂડીમંડન) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૪૬૦), મણિચૂડશેઠના પુત્ર રત્નચૂડની કથા દ્વારા દાનનો મહિમા સમજાવતો અવાંતર કથાઓવાળો, ૩૪૧/૪૨૫ કડીનો ‘ કડીનો ‘રત્નચૂડમણિચૂડ-રાસ’ (ર.ઈ.૧૪૫૩/સં. ૧૫૦૯, ભાદરવા વદ ૨, ગુરુવાર; મુ.), ૨૫૭ કડીનો ‘સુદર્શનશ્રેષ્ઠિ શીલપ્રબંધ’ (ર.ઈ.૧૫૧૫/સં.૧૫૭૧, જેઠ સુદ ૪, ગુરુવાર) ૩૪ કડીનું ‘સમોસરણ વર્ણન’ (*મુ.), ૬૪ કડીની ‘(રાધિકા) કૃષ્ણબારમાસા, ‘ગિરનારતીર્થમાલા’(મુ.), ‘દ્વાદશવ્રતનિયમ-સાર’ તથા પ્રાકૃતમાં ૮૧ કડીની ‘ઉપદેશમાલા કથાનક-છપ્પય’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. રત્નચૂડરાસ, હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૭૭;  ૨. પસમુચ્ચય; ૩. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૪. પ્રાતીસંગ્રહ : ૧; ૫. ગુજરાતી, દીપોત્સવી અંક, ૨૦૦૪-‘રત્નસિંહસૂરિકૃત સમોસરણ વર્ણન’-. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧, ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

રત્નસુંદર : આ નામે ‘ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૦૭ કડીનો ‘લક્ષ્મીસરસ્વતી-સંવાદ’ (લે.સં.૧૭મી સદી અનુ.) મળે છે તેમના કર્તા કયા રત્નસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

રત્નસુંદર(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. સૌભાગ્યરત્નસૂરિની પરંપરામાં ગુણમેરુસૂરિના શિષ્ય. ૧૮૫૧ ગ્રંથાગ્રની ચોપાઈબદ્ધ ‘સપ્તવ્યસનકથા ચુપાઈબંધ-રાસ’ (ર.ઈ.૧૫૫૮/સં.૧૬૪૧, પોષ સુદ ૫, રવિવાર), વિષ્ણુશર્માના મૂળ સંસ્કૃત ગ્રંથ પર આધારિત ૨૭૦૦ કડીની ‘કથાકલ્લોલ-ચોપાઈ/પંચકારણ/પંચાખ્યાન-રાસ/પંચોપાખ્યાન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, આસો સુદ ૫, રવિવાર), ‘રત્નાવતી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, શ્રાવણ વદ ૨, રવિવાર) તથા ‘રસમંજરી/શુકબહુતરીકથા-ચોપાઈ’(ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ ૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. દેસુરાસમાળા; ૭. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૭૯ (બીજી આ.); ૮. મરાસસાહિત્ય;  ૯. જૈનયુગ, પોષ ૧૯૮૪-‘શુકસપ્તતિ અને શુકબહોત્તરી (સુડીબહોત્તરી)’, મોહનલાલ દ. દેશાઈ;  ૧૦. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૧૧. ફૉહનામાવલિ. ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રત્નસુંદર-૨ [ઈ.૧૫૯૮ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નનિધાન ઉપાધ્યાયના શિષ્ય. ૧૩ કડીના ‘આદિનાથવૃદ્ધ-સ્તવન’ (લે.ઈ.૧૫૯૮) તથા અન્ય અનેક સ્તવનોના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રત્નસુંદર-૩ [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન. ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૧૦)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]

રત્નસુંદર(વાચક)-૪ [        ] : જૈન સાધુ. જિનહર્ષસૂરિના શિષ્ય. ૫ કડીના ‘શત્રુંજયગિરિપદ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [ર.ર.દ.]

રત્નસુંદર-૫ [                ] : વડતપગચ્છના જૈન સાધુ. જયધીરના શિષ્ય. ૪૯ કડીના ‘આદીશ્વર-સ્તવન’ તથા ૨૧ કડીના અપભ્રંશમાં રચાયેલા ‘અર્બુદગિરિતીર્થબિંબપરિમાણ-સંખ્યાયુક્ત-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાડ-શ્રાવણ ૧૯૮૪-‘રત્નસુંદરકૃત શ્રી અર્બુદગિરિવર તીર્થબિંબ પરિમાણ સંખ્યાયુક્ત’, સં. ચતુરવિજ્ય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

રત્નસુંદર(ગણિ)શિષ્ય [ ] : જૈન. હરિભદ્રસૂરિવિરચિત ‘ધૂર્તાખ્યાન’ પરના બાલાવબોધ (મુ.)ના કર્તા. સંદર્ભ : ધૂર્તાખ્યાન, સં. જિનવિજ્યમુનિ, સં. ૨૦૦૦.[કી.જો.]

રત્નહર્ષ : આ નામે ૧૪ કડીની ‘શિખામણની સઝાય’, ‘ઉપદેશસિત્તરી’ (લે.ઈ.૧૮૮૩), ૨૧ કડીનું ‘ફલવર્ધિ-પાર્શ્વનાથ-સ્ત્વન’ તથા ૪૮ કડીનું ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા રત્નહર્ષ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રત્નહર્ષશિષ્ય [ઈ.૧૬૨૩માં હયાત] : જૈન. ‘મોતી કપાસિયાની ચોપાઇ’ (ર.ઈ.૧૬૨૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

રત્નાકર(ગણિ)-૧ [ઈ.૧૬૨૪માં હયાત] : જૈન સાધુ. ‘વૃદ્ધગર્ભ-વેલિ’ (ર.ઈ.૧૬૨૪)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]

રત્નાકર(સૂરિ)-૨ [ ] : જૈન સાધુ. ‘નંદીશ્વર-દ્વીપવિચાર-સ્તવન’ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં હેમહંસ (જ.ઈ.૧૩૭૫)ના શિષ્ય અને ‘રત્નાકર-પંચવિંશતિ’ના કર્તા રત્નસાગર/રત્નાકરસૂરિનો ઉલ્લેખ મળે છે તે અને આ રત્નાકરસૂરિ કદાચ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈન ગચ્છોની ગુરુ પટ્ટાવલીઓ’; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮. [ર.ર.દ.] રત્નાકરચંદ્ર(મુનિ) [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. હરિગીત તથા વસ્તુ છંદમાં રચાયેલી ૧૨ કડીની કવિ દેપાલની ‘સ્નાત્રપૂજા’માં અંતર્ગત, ‘આદિજિનજન્માભિષેક-કલશ’(મુ.), ૧૧ કડીની ‘(જીરાઉલ) પાર્શ્વનાથ-વિનંતી’ તથા ૧૦ કડીની ‘નેમિનાથ-વિનંતી’ ‘આદિનાથ-વિનતી’(મુ.) એ કૃતિઓના કર્તા. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ કવિ દેપાલકૃત સ્નાત્રપૂજામાં આ કર્તાની ‘આદિનાથ જન્માભિષેક-કલશ’ કૃતિનો ઉપયોગ થયેલો નોંધે છે એ મુજબ આ કર્તા કવિ દેપાલ (ઈ.૧૪૪૫-ઈ.૧૪૭૮)ના જીવનકાળ સુધીમાં થઈ ગયા હશે. કૃતિ: ૧. અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨; ૨. વિવિધ પૂજા સંગ્રહ: ૧થી ૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૨. વિવિધ પૂજા સંગ્રહ: ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪, (ચોથી આ.); ૩. સ્નાત્રપૂજા સ્તવન સંગ્રહ, પ્ર. નેમચંદભાઈ દેવચંદભાઈ, ઈ. ૧૯૧૬. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. જૈહાપ્રોસ્ટા; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ; જ.ગા.]

રત્નેશ્વર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : કવિ અને અનુવાદક. ડભોઈના શ્રીમાળી બ્રાહ્મણ. પિતા મેઘજી. સંસ્કૃતના સારા જ્ઞાતા. પોતાના ભાગવતના ‘દશમસ્કંધ’ના અનુવાદમાં કવિએ અંતભાગમાં ‘નૃસિંહસુત પરમાનંદ’ નામના ગુરુનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કવિને પ્રેમાનંદ સાથે સંબંધ હોવાની વાતને કે ‘પ્રાચીન કાવ્યમાળા’માં કવિના જીવન વિશે આપવામાં આવેલી માહિતીને બીજો કોઈ ચોક્કસ આધાર નથી. કવિની ધ્યાનાર્હ કૃતિ ‘ભાગવત’છે. એમણે સંપૂર્ણ ભાગવતનો અનુવાદ કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે સ્કંધ ૧ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, કારતક સુદ ૧૧, શનિવાર; મુ.), ૨ (ર.ઈ.૧૬૯૩/સં.૧૭૪૯, કારતક સુદ ૧૧, સોમવાર; મુ.), ૧૦ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, ભાદરવા સુદ ૫, રવિવાર; મુ.), ૧૧ (ર.ઈ.૧૬૮૪) અને ૧૨ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, શ્રાવણ સુદ ૧૦, સોમવાર) એમ ૫ સ્કંધ ઉપલબ્ધ થાય છે. ‘કવિચરિત’ ત્રીજો સ્કંધ ઉમેરી કુલ ૬ સ્કંધ પ્રાપ્ત થતા હોવાની માહિતી આપે છે. સળંગ ભાગવતને સૌપ્રથમ ગુજરાતીમાં ઉતારવાની દૃષ્ટિએ તેમ જ શ્રીધરની ટીકાને અનુસરી ભાગવતને મૂળની પ્રૌઢિ જાળવી ચોપાઇના ઢાળમાં ને સર્વજનભોગ્ય ભાષામાં ઉતારવાનો કવિનો પ્રયત્ન પ્રશસ્ય છે. ‘અશ્વમેઘપર્વ’ (ર.ઈ.૧૬૮૭; મુ.) જૈમિનીના એ વિષયના કાવ્યના મૂળ કથાભાગને જાળવી ૬૪ કડવામાં થયેલો મુક્ત અનુવાદ છે. વિવિધ રાગની દેશીઓના ૮ અધ્યાયવાળું ‘સ્વર્ગારોહણપર્વ’(મુ.) મહાભારતના પર્વનો અનુવાદ છે. કવિની મૌલિક કૃતિઓમાં પ્રબોધપંચાશિકા, વૈરાગ્યલતા, વૈરાગ્યદીપક અને વૈરાગ્યસાગર એ ૪ ગુચ્છોમાં વહેંચાયેલી ‘આત્મવિચારચંદ્રોદય/વૈરાગ્યબોધ’(મુ.) તેના માલિની, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, રથોદ્ધતા વગેરે અક્ષરમેળ વૃત્તોવાળા કાવ્યબંધ અને કવિની બહુશ્રુતતાના દ્યોતક એવાં અનેક દૃષ્ટાંતોની સહાયથી અપાયેલા દેહની ચંચળતા, સંસારીસુખનું મિથ્યાત્વ, તથા ઇશ્વરભક્તિના બોધને લીધે વિશિષ્ટ છે. ‘રાધાવિરહના બારમાસા’(મુ.) રસાવહ બારમાસી છે. દુહા અને માલિની છંદના મિશ્રબંધવાળી આ કૃતિ સંસ્કૃત કવિતાની અસર નીચે રાધાના વિરહભાવને આલેખવા છતાં કવિની મૌલકતાથી દીપે છે. ‘મૂર્ખાવલિ/મૂર્ખલક્ષણાવલિ’(મુ.), ‘સુજ્ઞાવલિ’(મુ.), કેટલાંક પદો (મુ.), તથા ‘ભગવદગીતા’, ‘મહિમ્નસ્તોત્ર’, ‘ગંગાલહરી’ ને ‘શિશુપાલવધ’ના અનુવાદ તથા બીજી કેટલીક કૃતિઓ રત્નેશ્વરની ગણાઈ છે, પરંતુ જૂની હસ્તપ્રતોના ટેકાનો અભાવે એ કૃતિઓને કવિની અધિકૃત કૃતિઓ ન ગણવાનું વલણ ‘કવિચરિત’નું છે. કૃતિ : ૧. અશ્વમેઘ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, નાથાલાલ પૂ. શાસ્ત્રી,-; ૨. આત્મવિચારચંદ્રોદય, સં. કાનજી વા. શાસ્ત્રી, ઈ.૧૮૬૯; ૩. શ્રમીદ્ ભાગવત સ્કંધ : ૧-૨, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૫;  ૪. પ્રાકામાળા : ૧૫ (+સં.); ૫. પ્રાકાસુધા : ૧; ૬. મહાભારત : ૭; સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૯. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકૃતિઓ; ૭. મસાપ્રકારો;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. ફૉહનામાવલિ. ૧૩. શ્રીમદ્ ભાગવત દશમસ્કંધ (કવિ રત્નેશ્વર મેઘજીકૃત), પ્ર. ગોરધનદાસ નારાયણભાઈ, ઈ.૧૮૭૧. [શ્ર.ત્રિ.]

રત્નો-૧ [ઈ.૧૭૩૯માં હયાત] : ખેડાના ભાવસાર. ‘મહિના’(ર.ઈ.૧૭૩૯/સં.૧૭૯૫, માગસર સુદ ૧૧, સોમવાર; મુ.) એ કવિની ઉત્તમ કવિત્વશક્તિનો પરિચય આપતી દુહાબદ્ધ ને પ્રાસાદિક બારમાસી છે. ૧૭ કડીની ‘દાણલીલા’ પણ એમની રચના છે. કૃતિ : બૃકાદોહન : ૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ગૂહાયાદી. [ચ.શે.]

રત્નો(ભગત)-૨ [ઈ.૧૯મી સદી] : ભક્ત કવિ. કચ્છ અંજારના વતની. આત્મારામના શિષ્ય. ઈ.૧૮૭૪ સુધી તેઓ હયાત હોવાની માહિતી મળે છે. ૮ પદનો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૧/સં.૧૮૯૭, ભાદરવા સુદ ૭, ગુરુવાર; મુ.), ૩૪ કડીની ‘બ્રહ્મકોકિલ’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, માગશર વદ ૮, રવિવાર; મુ.), ‘બ્રહ્મવિલાસ’ (ર.ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, શ્રાવણ વદ ૭, મંગળવાર; મુ.), ‘ગોપીગોવિંદની ગોઠડી’ (ર.ઈ.૧૮૬૧/સં.૧૯૧૭, કારતક સુદ ૧૪; મુ.), ૨૧ કડીની ‘તિથિ’, રાધાકૃષ્ણના રાસનાં પદ(મુ.), જ્ઞાનના ચાબખા (મુ.) વગેરે કાવ્યો એમણે રચ્યાં છે. સાધુશાઈ હિન્દીમાં ને કચ્છીમાં પણ તેમણે કેટલાંક કાવ્યો રચ્યાં છે. કૃતિ : ૧. રતના ભગતકૃત ભજનામૃત, પ્ર. મિસ્ત્રી જેઠાલાલ વિ. (બીજી આ.), ઈ.૧૯૨૭; ૨. ભજનસાગર : ૨; ૩. ભસાસિંધુ (+સં.). [ચ.શે.]

રવજી [ઈ.૧૬૩૩માં હયાત] : પિતા હરજી. વિવિધ રાગના નિર્દેશવાળાં ૫૩ કડવાંના ‘ઉદ્યોગ-પર્વ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, વૈશાખ સુદ ૯, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો. [શ્ર.ત્રિ.]

રવિ-૧ : [ઈ.૧૩૯૭માં હયાત] : ૫૪ કડીના ‘આદિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૩૯૭)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]

રવિ(મુનિ)-૨ [ઈ.૧૭૨૫માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘ગુરુ-ભાસ’ (ર.ઈ.૧૭૨૫) તથા ‘કેશવજીનો ભાસ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૦-‘બાલાપુર-ત્યાં નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય’, કાંતિસાગરજી. [ગી.મુ.] રવિ(યો)-૩ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : નડિયાદના સાઠોદરા નાગર. અંબામાતાની સ્તુતિ કરતા ૧૭ કડીના ‘બારમાસ’ (ર.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮, અસાડ વદ ૨, સોમવાર; મુ.), ૧૯ કડીની ‘તિથિઓ’ (ર.ઈ.૧૮૫૬/સં.૧૯૧૨, પોષ સુદ ૭, રવિવાર; મુ.) તથા ૨૭ કડીના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબીકા કાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

રવિકૃષ્ણ [ ] : ગરબા-ગરબીના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] રવિચંદ્ર-૧ [ઈ.૧૮૧૦ સુધીમાં] : જૈન. ૧૩ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (લે.ઈ.૧૮૧૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

રવિચંદ્ર-૨ [    ] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કુશલચંદ્રના શિષ્ય ૧૦ કડીની ‘સપ્તવ્યસન-સઝાય’ (લે.સં.૧૯મી સદી) તથા ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

રવિજેઠી [ઈ.૧૬૨૧ સુધીમાં] : જૈન. ૧૬ કડીના ‘(લોદ્રવાજી તીર્થમંડન) શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૨૧; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૫૦-‘શ્રી રવિજેઠીકૃત લોદ્રવાજી તીર્થમંડન શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ’, સં. રમણીકવિજ્યજી.[શ્ર.ત્રિ.]

રવિદાસ/રવિરામ/રવિ(સાહેબ) [જ.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, મહા સુદ ૧૫, ગુરુવાર-અવ. ઈ.૧૮૦૪] : રવિભાણ સંપ્રદાયના સંત કવિ. આમોદ તાલુકાના તણછા ગામમાં જન્મ. મૂળ નામ રવજી. જ્ઞાતિએ વીશા શ્રીમાળી વણિક. પિતા મંછારામ. માતા ઇચ્છાબાઈ.કુટુંબ પુષ્ટિમાર્ગી. ઈ.૧૭૫૩માં પોતાના મોસાળ બંધારપાડામાં ભાણસાહેબ સાથે સંપર્ક અને ત્યારથી તેમના શિષ્ય. ભાણસાહેબની સાથે શેરખીમાં વસવાટ અને પછી ત્યાંના ગાદીપતિ. મોરારસાહેબ, ગંગસાહેબ વગેરે એમના ૧૯ શિષ્યો હતા. વાંકાનેરમાં અવસાન. ખંભાળિયામાં તેમની સમાધિ આવેલી છે. જ્ઞાન, યોગ અને ભક્તિના સમન્વયનો અનુભવ કરાવતી રવિદાસ/રવિરામને નામે મળતી આ કવિની કૃતિઓમાં સાધુશાઈ હિંદીમાં લખાયેલી રચનાઓનું પ્રમાણ વિશેષ છે અને ઘણી ગુજરાતી કૃતિઓમાં પણ હિંદીનો પ્રભાવ વરતાય છે. ચોપાઈ, ઢાળ, દુહો કે સાખી એવાં રચનાબંધવાળાં ૨૧ કડવાંમાં રચાયેલી ‘ભાણગીતા/રવિગીતા’(મુ.) કે પૂર્વછાયા ચોપાઈબંધના ૭ અધ્યાયમાં રચાયેલી ‘મન:સંયમ/તત્ત્વસારનિરૂપણ’ (ર.ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, મહા સુદ ૧૧; મુ.) કવિના ધર્મવિચારને અને સંપ્રદાયની વિશિષ્ટ વિચારસરણીને સમજવા માટે ઉપયોગી છે. એ ઉપરાંત જ્ઞાન-યોગની સાધના તેમ જ આધ્યાત્મિક અનુભવના આનંદને વ્યક્ત કરતી અનુક્રમે ૧૦૭ અને ૧૦૯ કડીની ૨ બારમાસી (ર.ઈ.૧૭૫૩/સં.૧૮૦૯, મહા સુદ ૧૧ અને ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭, શ્રાવણ સુદ ૧૧; મુ.), સાખી-ચોપાઈની ૪૩ કડીની ‘બોધચિંતામણિ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, આસો સદ ૫; મુ.), ૩૭ કડીનો ‘સિદ્ધાન્ત-કક્કો’(મુ.), સાધુશાઈ હિન્દી અને ગુજરાતીમાં રચાયેલી ૨૫૭ છપ્પાની ‘કવિતછપ્પય’(મુ.) તથા ૩૫૦ જેટલાં હિન્દી-ગુજરાતી પદો(મુ.) કવિ પાસેથી મળે છે. ‘આત્મલક્ષી ચિંતામણિ’(મુ.), ‘ગુરુ-મહિમા’(મુ.), ‘ભાણપરિચરિ’, ‘સાખીઓ’(મુ.), ‘રામગુંજાર-ચિંતામણિ’(મુ.), ‘સપ્તભોમિકા’(મુ.) વગેરે એમની હિન્દી રચનાઓ છે. કૃતિ : ૧. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી, સં. નાનાલાલ પ્રા. વ્યાસ, ઈ.૧૯૭૬ (છઠ્ઠી આ.);૨.રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૩૩; ૩. રવિ-ભાણ સંપ્રદાયની વાણી : ૧-૨, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૩૬; ૪. ગુહિવાણી (+સં.);  ૫. બૃકાદોહન : ૬, ૭; ૬. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિન્દભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૦૫; ૭. સતવાણી (+સં.); ૮. સોસંવાણી (+સં.). સંદર્ભ : ૧. કૈવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી (અં.), યોગેન્દ્ર ત્રિપાઠી, ઈ.૧૯૫૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. ભાણલીલામૃત, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૬૫; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ. [દે.જો. , ચ.શે.]

રવિવિજ્ય [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૨)ના કર્તા. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]

રવિસાગરજી [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. હિંદીની છાંટ ધરાવતા ૧૬ કડીના ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [ગી.મુ.]

‘રસમંજરી’ [ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, અસાડ સુદ ૭, રવિવાર] : વછરાજની દુહા, ચોપાઈ, છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની આ પદ્યવાર્તા(મુ.)માં પ્રેમરાજ અને રસમંજરીના પ્રેમ-પરિણયની કથા નિમિત્તે સ્ત્રીચરિત્રની વાત કહેવાઈ છે. પત્નીને સ્ત્રીચરિત્ર લાવી આપવાનું વચન આપીને પરદેશ નીકળેલો સોમદત્તનો મૂર્ખ ને ભીરુ પુત્ર પ્રેમરાજ સ્ત્રીચરિત્રની શોધ કરતાં ધનાશેઠની પુત્રવધૂ રસમંજરીના પરિચયમાં કેવી રીતે આવે છે એ ઘટનાઓ કથાનો પૂર્વભાગ રચે છે. પરંતુ કથાનો રસિક ભાગ ઉત્તરાર્ધમાં રસિકમંજરીએ કરેલી યુક્તિ-પ્રયુક્તિઓ અને એ દ્વારા બતાવેલા સ્ત્રીચરિત્રના આલેખનમાં રહેલો છે. પ્રેમરાજ પ્રત્યે આકર્ષાયેલી રસિકમંજરી પોતે પતિની હત્યા કરે છે છતાં પોતે નિર્દોષ અને પતિ ચારિત્ર્યહીન હતો એવું સસરા-સાસુના મન પર ઠસાવે છે. પોતે કુલસ્ત્રી છે પણ સસરાની આબરૂ બચાવવા ખાતર પોતે પ્રેમરાજ સાથે જાય છે એવો સ્વાંગ રચતી સસરા પર પાડ ચડાવે છે, અને અંતમાં પદ્માવતીના સ્ત્રીચરિત્રની પરખ પતિને કરાવી પતિના હૃદયમાં પોતાનું સ્થાન દૃઢ કરી લે છે. એટલું જ નહીં પદ્માવતીને પણ એણે કરેલા દોષને ખુલ્લો પાડી શરમિંદી બનાવે છે અને પછી તેને પોતાની સાથે જ રાખી હંમેશની સખી બનાવી દે છે. શામળથી દોઢસો વર્ષ પૂર્વે પ્રેમાવતીની પ્રચલિત કથાને આધારે રચાયેલી આ પદ્યવાર્તા એની સુગ્રથિતતા અને પ્રવાહી કથાનિરૂપણથી ધ્યાનપાત્ર છે. [જ.ગા.]

‘રસિકવલ્લભ’ [ર.ઈ.૧૮૨૮/સં.૧૮૮૪, શ્રાવણ સુદ ૧૧, ગુરુવાર] : દયારામની આ કૃતિ(મુ.)માં મુખબંધ અને ઢાળ એ અંશો ધરાવતા ૧૦૯ કડવાં છે, જેને કવિએ ‘પદ’ તરીકે ઓળખાવ્યાં છે અને દરેક કડવામાં ૮ કડી છે, જેને કવિએ ૧૦ ‘ચરણ’ કહ્યાં છે (પહેલી ૨ કડીઓને ૪ ગણવામાં આવી જણાય છે). આ તત્ત્વવિચારાત્મક ગ્રંથ છે ને પૂર્વપક્ષ-પ્રતિપક્ષની શૈલીએ ગુરુશિષ્ય સંવાદ રૂપે એનું આલેખન થયું છે એનો ઉદ્દેશ શંકરાચાર્યના કૈવલાદ્વૈતસિદ્ધાંતનું ખંડન કરી વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈતસિદ્ધાંતનું પ્રતિપાદન કરવાનો છે. શિષ્યની તીર્થયાત્રાના વર્ણનથી આરંભાતી આ કૃતિમાં કૈવલાદ્વૈતના પ્રતિબિંબવાદ, આભાસવાદ, માયાવાદ અને વિવર્તવાદનું ખંડન કરી પરબ્રહ્મ તરીકે શ્રીકૃષ્ણનું સાકાર સ્વરૂપ, રાધાજી તેમની શક્તિસ્વરૂપા, જગત શ્રીકૃષ્ણ પરબ્રહ્મનું લીલાકાર્ય અને તેથી સત્ય, પ્રવાહી મર્યાદા અને પુષ્ટિ એમ ત્રિવિધ જીવસૃષ્ટિ અંશી પ્રભુ શ્રીકૃષ્ણના અંશો છે-એ શુદ્ધાદ્વૈતસિદ્ધાંતની ઉપપત્તિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અન્ય સાધનો કરતાં ભક્તિની શ્રેષ્ઠતા બતાવી અનન્યાશ્રયનો આગ્રહ પ્રગટ કરવામાં આવ્યો છે. દયારામની ચુસ્ત સંપ્રદાયનિષ્ઠા અને કવચિત્ અન્યમતીઓ વિશે અસહિષ્ણુતાભર્યા ઉદ્ગારો કરવા સુધી અને આ તત્ત્વવિચારના ગ્રંથમાં પ્રેમલક્ષણાભક્તિ સમેત નવધાભક્તિ, સત્સંગમહિમા ઉપરાંત નામનિવેદનસંસ્કાર, તુલસીદલ અને ગોપીચંદનમહિમા, યમુનામહિમા, તિલકમહિમા, ગોમહિમા અને ચરણામ્રતમહિમાનાં સાંપ્રદાયિક નિરૂપણો દાખલ કરી દેવા સુધી પહોંચી છે. આથી સંપ્રદાયને માટે તો આ એક સર્વગ્રાહી ને શ્રદ્ધેય સિદ્ધાન્તગ્રંથ બની રહે છે. આ વાદગ્રંથમાં રસાત્મકવર્ણનની તક કવચિત જ લેવામાં આવી છે. વિચારના સમર્થન માટે પૌરાણિક દૃષ્ટાંતોના વિનિયોગથી લોકભોગ્યતા આવી છે. ઉપમાદિ અલંકારોની સહાય પ્રચુરતાથી લેવામાં આવી છે પરંતુ એમાં નૂતન સામર્થ્ય ભાગ્યે જ જોવા મળે છે. ભાષા સરળ અને પ્રવાહી છતાં એમાં પ્રસન્નતા ને માધુર્ય ખાસ લાવી શકાયાં નથી. એટલે કે આ ગ્રંથ એક વિચારગ્રંથ રહે છે, કાવ્યની રસાત્મકતા એમાં લાવી શકાઈ નથી. આ ગ્રંથના તત્ત્વવિચાર તેમ જ દૃષ્ટાંતાદિકમાં કવિને ભાગવત, ભગવદ્ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, પુષ્ટિપથના ષોડશગ્રંથો, વલ્લભાખ્યાન વગેરેની સહાય મળેલી છે.[સુ.દ.]

રહેમતુલા [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખોજા કવિ અને સૈયદ. અવટંકે શાહ. સૈયદ ઇમામ શાહની વફાત (અવ. ઈ.૧૫૧૩) બાદ તેમના ધર્મપત્નીએ રહેમતુલાને બોલાવેલા. ત્યારબાદ તેમણે કડી ગામમાં વસવાટ કર્યો. તેમના વંશજો કડીવાલ સૈયદો તરીકે ઓળખાય છે. સૈયદ હસન પીરના પૂર્વજ. ૧૧ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪(+સં.).[ર.ર.દ.]

રહેમાન [ ] : ૨ કડીના એક સોરઠા(મુ.)ના કર્તા. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]

રંકુ [ ] : કૃષ્ણજન્મવિષયક ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાવિનોદ : ૧ [શ્ર.ત્રિ.]

રંગ : આ નામે ‘નેમનાથનું સ્તવન’(મુ.), ૧ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વજિન-કવિત’(મુ.), હિન્દીની અસરવાળું ૩ કડીનું ‘પારસનાથજીનું સ્તવન’(મુ.) અને ૫ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ‘રંગકવિ’ને નામે ૧૯ કડીનો ‘ખીચડ-રાસ’ (લે.ઈ.૧૭૪૬), ‘રંગવિબુધ’ને નામે ૫ કડીનું ‘સુપાસજિન-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ‘રંગમુનિ’ને નામે ‘રાત્રિભોજનનાં ચોઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૧) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિના કર્તા કયા ‘રંગ’ - છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. મોતીશાનાં ઢાળીયાં, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ.૧૯૧૪; ૪. રત્નસાર : ૩; ૫. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

રંગકલશ [ ] : રાજસ્થાની-ગુજરાતી મિશ્ર ભાષામાં મળતા ‘શત્રુંજ્ય-સ્તવન’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]

રંગકુશલ : આ નામે ૭ કડીની ‘આત્મહિતોપદેશ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.) અને ‘પંચકર્મગ્રંથ’ પર બાલાવબોધ (લે.સં. ૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા રંગકુશલ છે તે સ્પષ્ટ થતું નથી. ૨૫ કડીના ‘ભવવૈરાગ્યહોલી-ફાગ’ (ર.ઈ.૧૬૧૨)ના કર્તા સમયદૃષ્ટિએ રંગકુશલ-૧ હોવાની શક્યતા છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]


રંગકુશલ-૧[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં કનકસોમગણિના શિષ્ય. ‘અમરસેન-વયરસેન-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, અસાડ સુદ-), ૪૮ કડીના ‘સ્થૂલભદ્ર-રાસ (શીલવિષયે)’ (ર.ઈ.૧૫૮૮ અને ‘મહાવીર સત્તાવીસભવ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, જેઠ વદ ૧૩)ના કર્તા. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

રંગપ્રમોદ [ઈ.૧૯૫૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનચંદના શિષ્ય. ‘ચંપક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, વૈશાખ વદ ૩)ના કર્તા. સંદર્ભ: ૧. યુજિનચંદ્રસૂરિ.,  ૨. જૈગૂકવિઓ: ૩(૨)., ૩. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

‘રંગરત્નાકરનેમિનાથ-પ્રબંધ’: જુઓ ‘નેમિરંગરત્નાકર-છંદ’.

રંગવલ્લભ: આ નામે ‘નેમિ-બારમાસ’ (અંશત: મુ.) અને ૧૨ કડીનું ‘સ્થૂલભદ્ર-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ બંને કૃતિઓના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ: જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧ [શ્ર.ત્રિ.]

રંગવિજય: આ નામે ૩૧ કડીની હિન્દીની છાંટવાળી ‘પાર્શ્વનાથ-લાવણી’ (ર.ઈ.૧૮૪૫/સં. ૧૯૦૧, અધિક શ્રાવણ-., મુ.) ‘વૈરાગ્યસઝાય’ (લે. ઈ.૧૭૬૦), સં. ૧૮૫૨, ચૈત્ર વદ ૨, રવિવારે કરેલી યાત્રાના વર્ણનને નીરૂપતું ૧૦ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, શ્રાવણ વદ ૧૩., મુ.), ૨૩/૨૪ કડીની ‘નેમિજિન પંદરતિથિ-સઝાય’ (લે. ઈ.૧૮૦૭), ‘ગહૂંલી’ (લે. ઈ.૧૮૧૦), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન(પંચાસરા)’ (લે.ઈ.૧૮૧૩/૧૫), ૯ કડીનું ‘આદિજન-સ્તવન’, ૬ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, ૯ કડીનું ‘જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન’(મુ.), હિન્દીની અસરવાળું ૩ કડીનું નેમજીને લગતું પદ(મુ.), ૯ કડીની ‘પંચમારકસક્લસંઘ પરિમાણ-સઝાય’, ૫ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.) અને ૧૦ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રંગવિજય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ: ૩., ૨. જિસ્તકાસંદોહ: ૨., ૩. જૈકાપ્રકાશ : ૧., ૪. જૈકાસંગ્રહ., ૫. જૈપ્રપુસ્તક : ૧., ૬. જૈરસંગ્રહ., ૭. દેસ્તસંગ્રહ.,  ૮. જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૯-‘મુનિ શ્રી રંગવિજયજી વિરચિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન’, સં. જયંતવિજયજી. સંદર્ભ: ૧. દેસુરાસમાળા.,  ૨. મુપુગૂહસૂચી., ૩. લીંહસૂચી., ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

રંગવિજય-૧ [ઈ.૧૬૭૭માં હયાત] : જૈન. ૬૦ ગ્રંથાગ્રના ‘નેમિરાજીમતી-લેખ’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [શ્ર.ત્રિ.]

રંગવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદની પરંપરામાં કૃષ્ણવિજ્યના શિષ્ય. ૧૦ કડીના ‘પ્રભાતી-સ્તવન’, ૬ કડીના ‘શંખેશ્વર પાર્શ્વજિન-સ્તવન’(ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨-સુદ ૭, સોમવાર; મુ.), ૪ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તુતિ’(મુ.), ૧૦ કડીનું ‘પ્રભાતી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૭), ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૮૦૯), અનુક્રમે ૬ અને ૨૩ કડીનાં ૨ ‘નેમિજિન પંદરતિથિ-સ્તવનો/નેમિનાથજીની પંદર-તિથિ’ અને આદિનાથ, ચંદ્રપ્રભુ, પદ્મપ્રભુ અને મહાવીરને લગતાં ચારથી ૧૧ કડીનાં સ્તવનોના કર્તા. કૃષ્ણવિજ્યશિષ્યને નામે મળતા ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા પણ પ્રસ્તુત રંગવિજ્ય હોવાની શક્યતા છે. કૃતિ : શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

રંગવિજ્ય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં અમૃતવિજ્યના શિષ્ય. ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ફાગણ સુદ ૫, શુક્રવારે ભરૂચમાં થયેલી પાર્શ્વનાથની પ્રતિષ્ઠાની વિધિ વર્ણવતું ૧૯ ઢાળનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા કલ્પ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૩; મુ.), ૭ ઢાળ અને ૭૬ કડીનું ‘મહાવીર સ્વામીનું સત્તાવીસ ભવનું સ્તવન’ (ર.ઈ.૧૭૯૮;મુ.), ૧૮ ઢાળ અને ૩૫૦ ગ્રંથાગ્રવાળો ‘પાર્શ્વનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, આસો વદ ૧૩; મુ.), હિન્દીની અસરવાળું ૫ કડીનું ‘ગોડી પાર્શ્વનાથ(ગોડીજી)ની આરતી’, ૩ કડીનું ‘રાજુલનું ગીત’, હિન્દી-ગુજરાતી મિશ્રમાં ૪ કડીનું ‘સુમતિનાથજિન-સ્તવન’(મુ.), ૭/૯ કડીની ‘વિજ્યજિનેન્દ્ર-સૂરિ-ગહૂંલી/ભાસ/સઝાય’, ચારથી ૧૧ કડીનાં પાર્શ્વનાથ, ધર્મનાથ અને નેમનાથનાં સ્તવનો(મુ.) અને ચારથી ૭ કડીના કુંથુજિન, નેમિજિન અને શાંતિજિનનાં સ્તવનો, ‘સદયવચ્છ સાવલિંગાનો રાસ’ (લે.ઈ.૧૮૦૩) અને નેમરાજુલની ૪-૪ કડીની હિન્દીમાં ૨ હોરી (મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં ‘આધ્યાત્મિક પદસંગ્રહ’ની અંદર અમૃતને નામે મુકાયેલાં પદ આ રંગવિજ્યનાં છે. કૃતિ : ૧. ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ : ૧; ૩ જૈકાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ; ૫. પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દીપાલી કલ્પસ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯; ૬. રત્નસાર : ૨; ૭. શંસ્તવનાવલી;  ૮. જૈન સત્યપ્રકાશ, માર્ચથી મે ૧૯૪૨-‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા કલ્પ-સ્તવન’, સં. જયંતવિજ્યજી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકરૂપરંપરા;  ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

રંગવિનય : આ નામે હિન્દીમિશ્ર ગુજરાતીમાં ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના દેહપ્રમાણનું સ્તવન’(મુ.) અને ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના આયુષ્યપ્રમાણનું સ્તવન’(મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રંગવિનય છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : અરત્નસાર. [શ્ર.ત્રિ.]

રંગવિનય-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરંગના શિષ્ય. ૬૫૧ કડીની ‘કલાવતી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, માગશર સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

રંગવિમલ [ઈ.૧૫૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩૦૦ ગ્રંથાગ્રની ‘દ્રૌપદી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, કારતક સુદ ૧૧, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

રંગવિલાસ(ગણિ) [ઈ.૧૭૨૧માં હયાત] : ખરતરગચ્છના ૬૫મા પટ્ટધર જિનચંદ્રના શિષ્ય. ૨૯૩ કડીની ‘અધ્યાત્મકલ્પદ્રુમ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.)ના કર્તા. મુનિસુંદરની સંસ્કૃત કૃતિ ‘અધ્યાત્મકલ્પદ્રુમ’નો એ અનુવાદ છે. કૃતિ : અધ્યાત્મકલ્પદ્રુમ(મુનિસુંદરકૃત), પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, ઈ.૧૯૬૫ (પાંચમી આ.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]

રંગસાર [ઈ.૧૫૭૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ભાવહર્ષના શિષ્ય. ‘ઋષિદત્તાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

રંગીલદાસ [અવ.ઈ.૧૮૩૨] : વૈષ્ણવ ભક્તકવિ. ત્રિકમદાસના પાંચમાં પુત્ર. ‘દ્રૌપદી-આખ્યાન’ અને ‘સ્તુતિમાલા’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, છોટુભાઈ ર. નાયક, ઈ.૧૯૫૦; ૨. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર, સં. નટવરલાલ ઈ.દેશાઈ, નયનસુખરાય વિ. મજમુદાર, ઈ.૧૯૩૦. [શ્ર.ત્રિ.]

રાઘવ : આ નામે ગુરુમહિમાનાં અને ઉપદેશાત્મક, કવચિત્ હિન્દીની છાંટવાળાં, પાંચથી ૬ કડીનાં કેટલાંક પદો(મુ.)-એ જૈનેતર કૃતિઓ અને ૨૩ કડીનો ‘કલ્યાણજી-સલોકો’ એ જૈન કૃતિ મળે છે. આ કૃતિઓનાં કર્તા કયા રાઘવ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. ભસાસિંધુ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭-‘કતિપય ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]

રાઘવદાસ-૧/રાઘોદાસ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સામદાસના શિષ્ય. પ્રીતમના પુરોગામી. સંભવત: જ્ઞાતિએ લોહાણા. ‘અધ્યાત્મ રામાયણ’ (ર.ઈ.૧૭૨૨) અને ‘ભગવદ-ગીતા’ (ર.ઈ.૧૭૨૯)ના કર્તા. ગુજરાતીમાં પ્રથમ વખત ‘અધ્યાત્મ-રામાયણ’ની રચના તેમણે કરી એ દૃષ્ટિએ તેમની કૃતિ વિશિષ્ટ છે. આમ તો મુખ્યત્વે મૂળ કૃતિને સંક્ષેપમાં મૂકવાનું કવિનું વલણ દેખાય છે, પરંતુ રાવણના મૃત્યુ પછી તેની રાણીઓનાં વિલાપમાં રુદનગીત મૂકી કરુણને ઘેરો બનાવવામાં કે રામરાજ્યવર્ણનમાં કવિની મૌલિકતા દેખાય છે. તેમના પુત્ર હરિદાસે તેમની કૃતિઓ વ્યવસ્થિત કરી હતી અને તેથી પ્રતોમાં રચયિતા તરીકે એમનું નામ મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. સ્વાત્રૈમાસિક, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાસ અને તત્સુત હરિદાસનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

રાઘવદાસ-૨ [ ] : માતાજીના ભક્ત. ૧૭થી ૧૩૮ કડી સુધીના અંબા અને બહુચરાજીના ગરબા તથા છંદ(મુ.)ના કર્તા. કૃતિ : દેવીમહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ : ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [શ્ર.ત્રિ.]

રાચો [     ] : જૈન. ‘રાચા-બત્રીસી’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

રાજ(કવિ)(મુનિ) : આ નામે ‘રાવણમંદોદરી-સંવાદ’, ૧૧ કડીનું ‘નલદમયંતી-ગીત’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ૪૦ કડીનું ‘વિરહ દેશાતુરી-ફાગુ.’ એ રચનાઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રાજ(કવિ)(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬-‘જૈન કવિયોં કે ‘સંવાદ’ સંજ્ઞક રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રાજ-૧ : જુઓ સોમહર્ષશિષ્ય લક્ષ્મીવલ્લભ.

રાજઅમર [ ] : ભક્તિની મહત્તા ગાતા ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સોસંવાણી.[શ્ર.ત્રિ.]

રાજકીર્તિ : આ નામે ૨૫ કડીનું ‘ચઉવિશજિન-સ્તવન’, ‘સદયવત્સ-ચરિત્ર-રાસ’ (લે.ઈ.૧૫૯૬) તથા ‘ભરતબાહુબલિ-છંદ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રાજકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૩. જૈગૂકવિઓ : ૩(૧)[ર.ર.દ.]

રાજકીર્તિ-૧/કીર્તિ [ઈ.૧૪૭૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિજ્યચંદ્રસૂરિની પરંપરામાં રામચંદ્રના શિષ્ય. ૧૭૮ કડીના ‘આરામશોભા-રાસ’ (ર.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, આસો સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. પ્રસ્તુત કૃતિ ‘ઇતિહાસની કેડી’માં ‘કીર્તિ’ નામના કવિને નામે નોંધવામાં આવી છે પરંતુ તે રાજકીર્તિની જ કૃતિ છે. કેમ કે, માત્ર કવિનામના નિર્દેશવાળી પંક્તિ “કર જોડી રાજકીરતિભણિ”ને બદલે “કર જોડી કીરતિ પ્રણમઈ” એમ મળે છે જેને આધારે તે ‘કીર્તિ’ નામના કવિની હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બાકી આખી કૃતિ સમાન છે. સંદર્ભ : ૧. આરામશોભારાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫;  ૩. જૈમગૂકરચનાએં : ૧.[કી.જો.]

રાજકીર્તિમિશ્ર [ઈ.૧૩૯૩માં હયાત] : સંભવત: અણહિલપુર પાટણનિવાસી બ્રાહ્મણ શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર’ (ર.ઈ.૧૩૯૩; અંશત: મુ.)ના બાલાવબોધના કર્તા. પાટણમાં રહેતા મોઢ જ્ઞાતિના એક વણિક કુટુંબના પુત્રો અને સંબંધીઓના અભ્યાસ માટે આ બાલાવબોધ રચાયો હતો. એ રીતે આ બાલાવબોધની વ્યવહારુ ઉપયોગિતા સ્પષ્ટ છે. સાથે સાથે બાલાવબોધમાં પ્રયોજાયેલું સંસ્કૃતપ્રધાન શિષ્ટ ગુજરાતી ગદ્ય પણ નોંધપાત્ર છે. મધ્યકાલીન ગુજરાતનાં તોલ, માપ અને નાણાંનાં કોષ્ટકો સવિશેષ ધ્યાનપાત્ર છે, કારણ કે ચૌલુક્ય અથવા સોલંકીયુગના સિક્કાઓના પુષ્કળ ઉલ્લેખો સાહિત્ય અને અભિલેખોમાંથી મળ્યા છે; પણ એ સિક્કાઓની પ્રત્યક્ષ પ્રાપ્તિ વિરલ છે. કવિ રાજકીર્તિએ આ બાલાવબોધમાં એ સિક્કાઓનાં કોષ્ટક આપ્યા છે જેની મદદથી એ સમયમાં પ્રચલિત સિક્કા અથવા ચલણનું મૂલ્ય પણ જાણી શકાય છે. ‘ગણિતસાર’ના આ બાલાવબોધની રચના ચૌલુક્યવંશના પતન પછી થોડાક દસકા બાદ થયેલી છે એ રીતે તેનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૧૨-‘મધ્યકાલીન ગુજરાતનાં તોલમાપ અને નાણાં વિશે કેટલીક માહિતી’, ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ ચીમનલાલ ડાહ્યાભાઈ.[ભો.સાં.]

રાજકુંવરબાઈ : જુઓ રાજબાઈ.

રાજચંદ્ર(સૂરિ) : આ નામે ૧૯ કડીની ‘રાત્રિભોજન નિવારક-સઝાય’(મુ.), ‘જંબૂપૃચ્છા-રાસ’ તથા ૨૨ કડીની ‘શાંતિજિન-સઝાય’ (ર.ઈ.૧૭૪૧) એ કૃતિઓ મળે છે, પણ તેમના કર્તા કયા રાજચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. લીંહસૂચી[કી.જો.]

રાજચંદ્ર-૧/રાયચંદ [જ.ઈ.૧૫૫૦/સં.૧૬૦૬, ભાદરવા વદ ૧, રવિવાર] : નાગોરી તપગચ્છની પાર્શ્વચંદ્રશાખાના જૈન સાધુ. સમરચંદ્રના શિષ્ય. માતા કમલાદે. પિતા જાવડશા દોસી. જન્મનામ રાયમલ્લ. સમરચંદ્ર પાસે ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯ને દિવસે દીક્ષા, દીક્ષાનામ રાજચંદ્ર. શય્યમપવસૂરિકૃત મૂળ પ્રાકૃત સૂત્ર ‘દશવૈકાલિક’ પર ૩૦૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૬૧૧/૧૬૨૨), ૫૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉવવાઈ/ઔપપાતિકસૂત્ર’ પરના બાલાવબોધ, પ્રાચીન ગુજરાતીમાં ૫૪૮૮ કડીનો ‘રાજપ્રશ્નીયોગપાંગ-સસ્તબક’ તથા ૯ અને ૧૧ કડીની ૨ ‘પાર્શ્વચંદ્રસૂરિસ્તુતિ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

રાજતિલક(ગણિ) [ઈ.૧૨૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. તેઓ જિનપ્રબોધસૂરિના શિષ્ય હતા અને તેમણે ઈ.૧૨૬૬માં આચાર્યપદ મેળવ્યું હતું. તેમણે અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૩૫ કડીના ‘શાલિભદ્રમુનિ-રાસ’(મુ.)ની રચના કરી છે. કૃતિ : ૧. પ્રાગુકાસંચય (+સં.);  ૨. જૈનયુગ, ચૈત્ર ૧૯૮૩-‘રાજતિલકગણિકૃત શાલિભદ્રરાસ’, સં. મણિલાલ બ. વ્યાસ. સંદર્ભ : ૧. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૩-‘શાલિભદ્રરાસના કર્તા રાજતિલકનો સમય’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]

રાજતિલક(ગણિ)શિષ્ય [ ] : જૈન. ‘ગૌતમપૃચ્છા પ્રકરણ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[કી.જો.]

રાજધર [ઈ.૧૫૬૫માં હયાત] : ૨૭ કડવાંના ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, ભાદરવા સુદ ૫, શુક્રવાર)ના કર્તા. તેમણે વચ્છરાજ વ્યાસ પુત્ર માધવ પાસેથી સાંભળી આ કથા રચી હોય એમ લાગે છે. એમાં ‘નૃત્યરાસ’ પદ્ધતિનો કાવ્યબંધ વિશેષ રૂપે ધ્યાનાર્હ છે. ‘વિક્રમ પ્રબંધ/પંચદંડની વાર્તા’ (૧૧૭થી ૩૦૮ કડી મુ.) નામની કૃતિ રાજધરને નામે મળે છે. આ કૃતિના કર્તા પણ ઉક્ત રાજધર હોવાની અને તેમાંની ભાષા પર રાજસ્થાનીની અસર વરતાય છે. એટલે તેઓ રાજસ્થાન બાજુના પ્રદેશના હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. આ કૃતિ પર નરપતિના ‘પંચદંડ’ની અસર અનુભવાય છે તેમ જ એમાં દેવદમની વિક્રમના દરબારમાં દ્યુત રમવા જાય છે ત્યારે દેવદમનીનું કવિએ કરેલું વર્ણન ધ્યાનાર્હ છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૦૯થી ફેબ્રુ. ૧૯૧૦-‘કવિ રાજધર પ્રણિત વિક્રમપ્રબંધ’, સં. રણજિતરામ વાવાભાઈ. સંદર્ભ : ૧. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨. [શ્ર.ત્રિ.]

રાજધર્મ [   ] : જૈન સાધુ. રાજસાગરના શિષ્ય. સ્વહસ્તાક્ષરમાં લખેલા ‘દામન્નકકુલપુત્ર-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

રાજપાલ : આ નામે ‘હરિવાહનરાય-રાસ’ (ર.ઈ.૧૫૯૬) મળે છે જે સમયદૃષ્ટિએ રાજપાલ-૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]

રાજપાલ-૧ [ઈ.૧૪૮૭માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. અવટંકે દોશી. તેમની રચેલી સઝાય (ર.ઈ.૧૪૮૭) મળે છે. સંદર્ભ: જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. [કી.જો.]

રાજપાલ(મુનિ)-૨ [ઈ.૧૫૬૬માં હયાત] : પીંપલકગચ્છની પૂર્ણચંદ્ર શાખાના જૈન સાધુ. પદ્મતિલકસૂરિની પંરપરામાં વિમલપ્રભસૂરિના શિષ્ય. ૯૫૫ કડીના ‘જંબૂકુમાર/જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, મહા વદ ૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. લીંહસૂચી. [ર.ર.દ.]

રાજબાઈ/રાજકુંવરબાઈ [ ] : સોરઠનાં સ્ત્રી કવિ તેઓ પુષ્ટિસંપ્રદાયનાં હતાં. તેમની પુષ્ટિસંપ્રદાયના એક પેટા વિભાગ ભરરુચિ સંપ્રદાયની ‘સ્વાનુભવસિદ્ધાંત સ્વવિરહાવસ્થા જ્ઞાપક-વિજ્ઞપ્તિઓ’(મુ.) નામની કૃતિ મળે છે. તેમાં દેશાવર, મારુ, હાલારી, લલિત, ધનાશ્રી વગેરે જુદા જુદા રાગોમાં ૧૮ વિજ્ઞપ્તિઓ અને ૩૬ દુહા છે. આ કૃતિનું વિષયવસ્તુ પ્રભુના અલૌકિક ગૂઢ સ્વરૂપની અનન્ય ભક્તિનું છે. એ ભક્તિને ખાતર સંસારનો ત્યાગ કરવાની તત્પરતા, સાચા સ્નેહની ટેક તથા ખુમારી કેળવવાં પડે છે જગતની ઉપેક્ષા સહન કરવી પડે છે; જેને રસિયા રૂપે કલ્પ્યા છે તે રિસાયેલા પ્રભુને મનામણાં કરવા પડે છે અને ભવોભવ એ પ્રભુને વરવાની ઇચ્છા સેવવી પડે છે. સજબાઈ ‘સોરઠી મીરાં’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની રચનામાં પણ મીરાંબાઈના જીવન અને કવનની અસર દેખાયછે. કૃતિ : સ્વાનુભવ સિદ્ધાંત સ્વવિરહાવસ્થા જ્ઞાપક વિજ્ઞપ્તિઓ, પ્ર. પ્રેરણા પ્રકાશન મંદિર, ઈ.૧૯૫૨ (બીજી આ.). સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૫-‘રાજકુંવરબાઈ સોરઠિયાણી’, કુમેદબેન પરીખ.

રાજમલ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. ‘સમયસાર પ્રકરણ વચનિકા’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

રાજરત્ન/રાજરતન(ઉપાધ્યાય)(વાચક) : રાજરતનને નામે ૧૩ કડીની ‘નેમરાજુલના બારમાસા’(મુ.), ૮ કડીની ‘નેમજીના સાતવાર’(મુ.), ૧૬ કડીની ‘રાજુલની પંદર-તિથિ’ રાજરત્ન ઉપાધ્યાયને નામે ૨૫ કડીની ‘ચોવીસ તીર્થંકર-સવૈયા’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૨૪ કડીની ‘ચોમાસી-દેવવંદન’ અને રાજરત્નવાચકને નામે ૪ કડીની ‘અષ્ટમી-સ્તુતિ’(મુ.), ‘જ્ઞાતાધર્મ કથાંગસૂત્રની સઝાયો’ (લે.ઈ.૧૬૭૩), ‘ચાર પ્રત્યેક બુદ્ધની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૧ કડીનો ‘માણિભદ્રજીનો છંદ’(મુ.) આ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા રાજરતન/રાજરત્ન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. જૈસમાલા (શા) : ૩; ૪. જૈસસંગ્રહ(ન); ૫. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રાજરત્ન(સૂરિ)-૧ [ઈ.૧૫૪૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિવેકરત્નની પરંપરામાં સાધુહર્ષના શિષ્ય. ‘હરિબલમાછી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩/સં.૧૫૯૯, આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]

રાજરત્ન(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિ-વિશાલસોમસૂરિની પરંપરામાં જયરત્નના શિષ્ય. ૫૪૭ કડીનો ‘નર્મદાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૩૯), ૩૧ ઢાળનો ‘કૃષ્ણપક્ષી-શુક્લપક્ષી-રાસ/વિજ્યશેઠ વિજ્યાશેઠાણી-રાસ’ (ર.ઈ.૧૬૪૦), ૭૦૯ કડીનો ‘રાજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, પોષ-૧૦, રવિવાર) તથા પર કડીનું ‘નેમિનાથગુણવર્ણન-સ્તવન(ગિરનારમંડન)’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬-‘કડખાની દેશી અને જૈન સાહિત્ય’, હીરાલાલ ર. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧)(૨); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રાજરત્ન-૩ [ઈ.૧૭૯૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમરત્નની પરંપરામાં ક્ષમારત્નના શિષ્ય. ૨૭ ઢાળની ‘ઉત્તમકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, આસો સુદ ૨, બુધવાર) તથા ૯ કડીની ‘મુનિસુવ્રતજિન-સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ: જૈનકાપ્રકાશ: ૧. સંદર્ભ: ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ: ૩(૧).  [ર.ર.દ.]

રાજલાભ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: ખરતરગચ્છના જૈન સાધુ. વાચક હીરકીર્તિસૂરિની પરંપરામાં રાજહર્ષના શિષ્ય ‘ભદ્રાનંદ/આનંદસંધિ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, પોષ સુદ ૧૫, સોમવાર), ‘દાન-છત્રીસી’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, મહા વદ ૨, સોમવાર), ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬, આસો સુદ ૫), ૪૮ કડીનો ‘નેમિ-સલોકો’ (ર.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, જેઠ-૧૧), ૨૯ કડીનું ‘વીર ૨૭ ભવ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૪, કારતક સુદ ૧૧), ૨ કડીની ‘હીરકીર્તિ પરંપરા’ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, મહા સુદ ૫; મુ.), ૨૩ કડીની ‘સ્વપ્નાધિકાર’ (ર.ઈ.૧૭૦૯/સં.૧૭૬૫, શ્રાવણ સુદ ૭), ‘ઉત્તરાધ્યાયન ૩૬-ગીત’, ‘વીશી’, ૨૮ કડીનો ‘ગોડી-છંદ’ તથાા ‘હીરકીર્તિસ્વર્ગાગમન-ગીત’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ ‘કતિપય ઔર સિલોકે’, સં. અગરચંદ નાહટા;  જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨). [ર.ર.દ.]

રાજવિજ્ય : આ નામે ૧૩/૧૪ કડીની ‘મેતારજમુનિની સઝાય’ (લે.ઈ.૧૬૫૬; મુ.), ૧૫ કડીના ‘નેમરાજિમતી-બારમાસ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, શ્રાવણ સુદ ૧૫, શુક્રવાર) તથા ૭/૧૫ કડીની ‘રુક્મિણીની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રાજવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ‘નેમરાજિમતી-બારમાસ’ સમયદૃષ્ટિએ રાજવિજ્ય-૧ની હોવાની સંભાવના થઈ શકે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. દેસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ; ૫. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રાજવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. કવિ શિવદાસકૃત ‘કામાવતીની કથા’નું અનુસરણ કરતો ૩૮ ઢાળનો ‘શીલસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯, આસો સુદ ૧૦; રવિવાર), ૭ ઢાળનો ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૮૦) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩. સંદર્ભ : ૧. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત ‘કામાવતી’ની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રાજવિજ્ય(પંડિત)-૨ [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનના શિષ્ય. ૧૫ કડીની ‘આશાતના-સઝાય/સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(ન). સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [ર.ર.દ.]

રાજશીલ(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુહર્ષના શિષ્ય. દુહા, ચોપાઈ અને વસ્તુ છંદમાં રચાયેલી ૨૦૨ કડીમાં વિક્રમ અને ખાપરાચોરનાં ચરિત્રોને આધારે શીલ અને ધર્માચરણનો મહિમા નિરૂપતો ‘વિક્રમ ખાપરાચરિત-ચોપાઈ/વિક્રમાદિત્યખાપરા-રાસ’ (ર.ઈ.૧૫૦૭/સં.૧૫૬૩, જેઠ સુદ ૭; મુ.), ૨૬૩ કડીની ‘અમરસેન વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮) તથા અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૨૪૦/૪૧૬ ગ્રંથાગ્રની ‘૩૬ ઉત્તરાધ્યયન સૂત્ર-ગીતો/ઉત્તરાધ્યયનની સઝાયો’ એ કૃતિઓના કર્તા. કૃતિ : વિક્રમખાપરાચરિત્ર (રાજશીલકૃત), કથામંજૂષા શ્રેણિ-૫, સં. કનુભાઈ વ્ર. શેઠ અને ધનવંત તિ. શાહ, ઈ.૧૯૮૨. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રાજશીલ(પાઠક)-૨ [ઈ.૧૭૮૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪૫૦ ગ્રંથાગ્રના ‘સિંદુરપ્રકર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

રાજશેખર(સૂરિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : મલધાર/હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. અભયદેવસૂરિની પરંપરામાં તિલકસૂરિના શિષ્ય. સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વિદ્વાન. આરંભની દોહરાની અને પછી રોળા છંદની કડીઓ ધરાવતા ૭ ખંડ અને ૨૫/૨૭ કડીના નેમિનાથ તથા રજિમતિના વિવાહનું નિરૂપણ કરતા ‘નેમનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૪૯ આસપાસ; મુ.)ના કર્તા. આ ઉપરાંત કવિએ સંસ્કૃત ભાષામાં શ્રીધરાચાર્યકૃત તર્કશાસ્ત્રના ગ્રંથ ‘ન્યાયકંદલી’ પરની ટીકા ‘પંજિકા’ (ર.ઈ.૧૩૨૯), પ્રાકૃત કાવ્ય ‘દ્વાયાશ્રય’ (કુમારપાલચરિત) પર વૃત્તિ (ર.ઈ.૧૩૩૧), ‘ચતુર્વિંશતિ-પ્રબંધકોશ’ (ર.ઈ.૧૩૩૯), ‘રત્નાવતારપંજિકા’, ‘વિનોદકથાસંગ્રહ’, ૧૮૦ કડીનો ‘ષડદર્શનસમુચ્ચય’ તથા ‘સ્વાદવાદકલિકા/દીપિકા’ નામની રચનાઓ પણ કરી છે ‘ચતુર્વિંશતિ-પ્રબંધ’માં સંસ્કૃત ભાષાની સાથે દોહરા રૂપે પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો છે. કૃતિ : ૧. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૨. પ્રાફાગુસંગ્રહ;  ૩. નવચેતન, દિવાળી અંક નવે.-ડિસે. ૧૯૬૯-‘રમુજી લોકવાર્તાઓનો એક સંસ્કૃત સમુચ્ચય રાજશેખરસૂરિકૃત વિનોદકથાસંગ્રહ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧, ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘પરિશિષ્ટ’; ૮. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૮૬૯-‘લક્ષણસેન પ્રબંધ’, કવિ દલતરામ ડાહ્યાભાઈ; ૯. એજન, સપ્ટે. ૧૯૬૧-‘મલધારી રાજશેખરસૂરિકૃત નેમિનાથ ફાગ’ (સં.૧૪૦૫ આસપાસ), કે.કા.શાસ્ત્રી; ૧૦. એજન, ઑક્ટો. ૧૯૬૧-‘ચર્ચાપત્ર-નેમિનાથફાગુ’, નગીનદાસ પારેખ;  ૧૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. જૈમગૂકરચનાએં : ૧; ૧૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રાજસમુદ્ર : આ નામે ‘આદીશ્વર-સ્તવન’ (લે.ઈ.૧૬૫૫), ૫ કડીનું ‘આત્મશિક્ષા-ગીત’, ૧૧ કડીનું ‘ઋષભજિન-રાગમાલા-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘કુમતિ-સઝાય’, ૮ કડીની ‘મયણ રેહાની સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘રામસીતા-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ‘શાલિભદ્ર-સઝાય’, ૧૨ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન’(મુ.), ૭ કડીની ‘હિત-શિક્ષા-સઝાય’, ૫ કડીની ‘હિતોપદેશ-સઝાય’ તથા રાજસ્થાનીગુજરાતીમાં ‘બૃહત્ આલોચના-સ્તવન’ મળે છે. આ રાજસમુદ્ર-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અરત્નસાર; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. રાપુહસૂચી : ૪૨. ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રાજસમુદ્ર-૧ : જુઓ જિનરાજસૂરિ(જિનસિંહશિષ્ય). રાજસાગર(વાચક) : આ નામે ૩૩૭ કડીની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૬૨૫), ૨૬ કડીનું ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ‘પરદેશીરાય-રાસ (ર.ઈ.૧૬૨૧), ૨૪ કડીની ‘સિમંધરજિન-વિનતિ’ તથા ૧૪ કડીનું ‘ત્રણ ચોવીસી ૭૨ જિન-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા રાજસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રાજસાગર(પંડિત)-૧ : જુઓ મુક્તિસાગર-૧.

રાજસાગર-૨ [ઈ.૧૫૮૭ લગભગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં હર્ષસાગરના શિષ્ય ૨૮ કડીની ‘લુંકામતનિમૂલનિકંદન-સઝાય’ (ર.ઈ.૧૫૮૭ લગભગ)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રાજસાગર(વાચક)-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પંરપરામાં સૌભાગ્ય સાગરસૂરિના શિષ્ય. ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, પોષ વદ ૭, ગુરુવાર) તથા ૫૦૫ કડીના ‘રામસીતા-રાસ/લવકુશ-આખ્યાન/રાસ/શીલ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૭૭૨, જેઠ સુદ ૩, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રાજસાર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મનિધાનની પરંપરામાં વાચક વિદ્યાસાગરના શિષ્ય. ‘કુંડરિક-પુંડરિક-સંધિ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, પોષ સુદ ૭) તથા ‘કુલધ્વજકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪, આસો સુદ ૧૫, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકીં સૂચી’, અગરચંદ નાહટા;  ૬. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]

રાજસિંહ(ઉપાધ્યાય) : આ નામે ‘વિજ્યદેવસૂરિ-રાસ’ મળે છે તેના કર્તા રાજસિંહ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : દેસુરાસમાળા. [ર.ર.દ.]

રાજસિંહ(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. નયરંગ વાચકની પરંપરામાં વિમલવિજ્યના શિષ્ય. ‘વિદ્યાવિલાસ/વિનય-રાસ/વિનયચટ-રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, વૈશાખ) તથા ૨૭ ઢાળ અને ૫૫૧ ગ્રંથાગ્રની ‘આરામશોભા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, જેઠ સુદ ૯), ‘જિનરાજસૂરિ-ગીત’, ‘પાર્શ્વ-સ્તવન’ તથા ‘વિમલ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. આરામશોભા રાસ (કથામંજૂષા શ્રેણી પુસ્તક-૭), સં. જયંત કોઠારી અને કીર્તિદા જોશી; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. યુજિનચંદ્રસૂરિ;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]

રાજસુંદર : આ નામે ‘ચતુવિંશતિજિન-નમસ્કાર’ (લે.ઈ.૧૭૨૦) તથા ‘ગજસિંહ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, જેઠ સુદ ૧૫) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રાજસુંદર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. જો કે, ‘ગજસિંહ-ચોપાઈ’ સમયદૃષ્ટિએ જોતાં કદાચ રાજસુંદર-૨ની હોય પણ તે નિશ્ચિત નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રાજસુંદર-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની પિપ્પલકશાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘પાર્શ્વજિન-સ્તવન(ગુણસ્થાનવિચારગર્ભિત)-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯), ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૧૧) તથા ૧૯ કડીની ‘ખરતરગચ્છ પિપ્પલકશાખા ગુરુપટ્ટાવલી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, વૈશાખ વદ ૬, સોમવાર-સ્વલિખિતપ્રત; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૫૧. [ર.ર.દ.]

રાજસુંદર-૨/ભાગચંદ [ઈ.૧૭૧૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. હીરકીર્તિની પરંપરામાં વાચક રાજલાભના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, માગશર સુદ-; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

રાજસોમ : આ નામે ‘નવકારવાલી-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) નામની કૃતિ મળે છે. તેના કર્તા રાજસોમ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : રાપુહસૂચી : ૪૨.[કી.જો.]

રાજસોમ-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં જયકીર્તિના શિષ્ય. ૧૨ કડીનું ‘સમયસુંદર-ઉપાધ્યાય-ગીત’ (ર.ઈ.૧૬૪૬ પછી; મુ.), ‘કલ્પસૂત્ર (૧૪ સ્વપ્ન)-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, શ્રાવણ સુદ ૬), ‘ઇરિયાવહી મિથ્યા દુષ્કૃત્યસ્વપ્ન’ પર બાલાવબોધ, ‘ફારસી-સ્તવન’ તથા ‘શ્રાવક આરાધના(ભાષા)’-એ કૃતિઓના કર્તા. કર્તાની પ્રસ્તુત કૃતિઓમાંથી ‘શ્રાવક-આરાધના(ભાષા)’ એ કૃતિને ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ ખરતરગચ્છના સમયસુંદરની પરંપરામાં જયકીર્તિના શિષ્ય રાજરત્નની ગણે છે જે સાચું નથી. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રાજહર્ષ-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લલિતકીર્તિ ઉપાધ્યાયના શિષ્ય. ‘થાવચ્ચા શુકસેલગ-ચોપઈ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, માગશર સુદ ૧૩, સોમવાર), ‘અર્હન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, મહા સુદ ૧૫, ગુરુવાર) તથા ૩૦ કડીની ‘નેમિ/યાદવ-ફાગ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-‘રાજહર્ષ-વિરચિત નેમિ-ફાગ’, સં. જ્ઞાનવિજ્ય (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. પ્રાકારૂપરંપરા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ; ૨, ૩(૨); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રાજહર્ષ-૨ [ઈ.૧૬૪૭માં હયાત] : જૈન સાધુ. હીરકીર્તિના શિષ્ય. ૨૬ કડીના ‘ચતુર્વિંશતિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૫ વિ સં. ૧૭૦૩માં રાજહર્ષગણિ વિરચિત ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, સં. કાંતિસાગર (+સં.). [ર.ર.દ.]

રાજહંસ : રાજહંસ ઉપાધ્યાયને નામે ૧૧ કડીનું ‘સનત્કુમાર-ઋષિગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.), રાજહંસને નામે ‘કૃતકર્મરાજાધિકાર-રાસ’ (ર.ઈ.૧૫૩૮) તથા ૭ કડીનું ‘જિનરંગસૂરિ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે. ‘જિનરંગસૂરિ-ગીત’માંથી મળતા નિર્દેશો મુજબ એ કૃતિ જિનરંગસૂરિ (સં. ૧૬૭૮-સં.૧૭૧૦)ની હયાતીમાં રચાઈ હોય એમ લાગે છે. તેને આધારે આ કૃતિ ઈ.૧૭મી સદીના મધ્યભાગમાં રચાઈ હોવાનું અનુમાન થઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

રાજહંસ(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬૦૬ પૂર્વે] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષતિલકના શિષ્ય. શય્યમભવસૂરિકૃત ‘દશવૈકાલિક-સૂત્ર’ પરના ૨૦૦૦/૩૨૭૫ ગ્રંથાગ્ર ધરાવતા બાલાવબોધ (લે.ઈ.૧૬૦૬ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

રાજહંસ-૨ [ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પંરપરામાં કમલલાભના શિષ્ય. ‘વિજ્યશેઠ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૮૨, મહા સુદ ૫) તથા ૮ કડીના ‘કમલલાભ-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩-‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, સં. અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

રાજારામ : આ નામે રામાયણનો સંક્ષેપમાં સાર આપતી ૯/૧૦ પદની ‘રામકથા/રામચંદરજીનાં કડવાં’ (૯મુ.), કૃષ્ણલીલાનાં ત્રણથી ૧૭ કડીનાં ૧૭ પદ(મુ.), આઠવાર, ગરબી, ‘નાગદમન’ (લે.ઈ.૧૮૫૯), ‘કૃષ્ણચરિત્ર’ તથા જ્યોતિષવિષયક પદો-એ કૃતિઓ નોંધાઈ છે. આ બધી કૃતિઓના કર્તા કયા રાજારામ છે તે નિશ્ચિત થતું નથી. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ ‘શ્રીકૃષ્ણ-ચરિત્ર’ તથા ‘બૃહત્ કાવ્યદોહન’માં મુદ્રિત પદોના કર્તાને સંવત ૧૮મી સદીમાં મૂકે છે અને પિતાનામ રણછોડ હોવાનું અનુમાન કરે છે. ‘શ્રીકૃષ્ણ-ચરિત્ર’માં કૃષ્ણલીલાનાં પદો હોય એ સંભવિત છે. કૃતિ : ૧. નકાદોહન : ૩; ૨. બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

રાજારામ-૧ [ર.ઈ.૧૮૦૮માં હયાત] : સુરતના બ્રાહ્મણ. ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, અસાડ સુદ ૫, બુધવારે ખેડાવાળ જ્ઞાતિના માણેકબાઈ સતી થયેલા તે પ્રસંગને વર્ણવતા ૯૨ કડીના ‘સતી-આખ્યાન’ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, અસાડ સુદ ૧૪, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : નકાસંગ્રહ(+સં.). [શ્ર.ત્રિ.]

રાજુ(ઋષિ)-૧ [ઈ.૧૫૭૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં કમલશેખરના શિષ્ય. ૩૩૩ કડીના ‘શિશુપાલ-રાસ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, આસો વદ ૧૦, બુધવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

રાજુ-૨ [ ] : પદ-ગરબાના કર્તા. સંદર્ભ : ૧. ગૂહયાદી; ૨. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]

રાજે [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામના મોલેસલામ મુસ્લિમ કવિ. તેમના કેટલાક ચુસરામાં ‘કહે રાજે રણછોડ’ એવી પંક્તિ મળે છે તેના પરથી તેમના પિતાનું નામ રણછોડ હોવાનું અનુમાન થયું છે. પરંતુ ‘રણછોડ’ શબ્દ ત્યાં કૃષ્ણવાચક હોવાની સંભાવના છે. એમના કેટલાક ચુસરામાં ‘કહે રાજે રઘનાથ’ એવી પણ પંક્તિ મળે છે ત્યાં પણ ‘રઘનાથ’ શબ્દ રામવાચક લાગે છે. દયારામના નજીકના પુરોગામી તરીકે પ્રેમલક્ષણાભક્તિ અને જ્ઞાનબોધની મધુર ને પ્રાસાદિક કવિતા રચનાર કવિ તરીકે રાજે નોંધપાત્ર છે. કૃષ્ણના ગોકુળજીવનના ઘણા પ્રસંગોને લઈ એમણે કૃતિઓ રચી છે. એમાં સાખી ને ચોપાઈની ચાલનાં ૧૮ ટૂંકાં કડવાંમાં રચાયેલી ‘રાસપંચાધ્યાયી/કૃષ્ણનો રાસ’(મુ.)માં ભાગવતના મૂળ પ્રસંગને અનુસરી કવિએ ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની ઉત્કટ પ્રીતિનો મહિમા કર્યો છે. ૧૦૦ કડીની ‘ગોકુળલીલા’(મુ.) બાળકૃષ્ણે જસોદા અને ગોપીઓ પાસે કરેલાં તોફાનને વર્ણવે છે. પ્લવંગમની ૫૦ કડીઓમાં રચાયેલી ‘ચુસરાસોહાગી’(મુ.)માં કવિ ગોપી રૂપે દીન ભાવે કૃષ્ણના પ્રેમની ઝંખના કરે છે. સવૈયાની ૩૨ કડીની ‘માંનસમો’(મુ.)માં કૃષ્ણ દૂતી દ્વારા પોતાથી રિસાયેલી રાધાને મનાવવાનો પ્રયત્ન કરે છે એ પ્રસંગને વિશેષ દૂતી અને રાધાના સંવાદ દ્વારા આલેખ્યો છે. સવૈયાની ૨૪ કડીના ‘દાણસમુ’(મુ.)માં ગોપી, કૃષ્ણ અને જસોદા વચ્ચેના સંવાદરૂપે દાણલીલાના પ્રસંગને આલેખી એમાંથી કૃષ્ણના નટખટ ચરિત્રને ઉપસાવ્યું છે. ગોપીવિરહના ૨ ‘બારમાસ’(મુ.)માંથી ૧ મથુરા ગયેલા કૃષ્ણની રાહ જોતી ગોપીના વિરહભાવ અને દૈન્યને એટલી મધુર વાણીમાં વ્યક્ત કરે છે કે ગુજરાતીની એ સત્ત્વશીલ મહિનાકૃતિ બની રહે છે. ૪ પદની ‘રાધિકાજીના સ્વપ્નમાં પરણ્યાં વિશે’(મુ.)માં રાધાની માતા રાધાએ કૃષ્ણ સાથે લગ્ન કરી લીધાં છે એવું સ્વપ્ન આવતાં રાધાને લગ્ન કરવા બદલ ઠપકો આપે છે અને રાધા સ્વબચાવ કરે છે એ પ્રસંગને સંવાદરૂપે આલેખ્યો છે. ૨૫ કડીની ‘વસંતઋતુની સાખીઓ’(મુ.), ‘વ્રેહગીતા/વિરહગીતા’ (ર.ઈ.૧૭૧૨), ‘રુક્મિણીહરણ’ અને ‘વિનંતડી’ અન્ય કૃષ્ણભક્તિની રચનાઓ છે. પરંતુ કવિની ખરી કવિત્વશક્તિ પ્રગટ થાય છે એમનાં ૧૫૦ જેટલાં મુદ્રિત રૂપે મળતાં પદોમાં. વિવિધ રાગઢાળમાં રચાયેલાં આ પદો રચનારીતિના વૈવિધ્ય, ભાષાનું માધુર્ય, કલ્પનાની ચમત્કૃતિ અને ભાવની આર્દ્રતાથી કવિને સારા પદકવિમાં સ્થાન અપાવે એવાં સત્ત્વશીલ છે. કવિની જ્ઞાનવૈરાગ્યમૂલક રચનાઓની અંદર પ્લવંગમ છંદમાં રચાયેલા ૫૦ ‘જ્ઞાનચુસરા’માં સંસારની માયાનો ત્યાગ કરી હરિભજન કરવાનો બોધ તળપદી ભાષાના પોતવાળી ઉદ્બોધન શૈલીમાં કવિ આપે છે. પરંતુ કુંડળિયામાં રચાયેલી ‘વૈરાગ્યબોધ/જ્ઞાનબોધ’(મુ.) વધારે ભાવસભર કૃતિ છે. પ્રારંભમાં એમાં ઇશ્વરસ્મરણનો બોધ છે. પણ પછીથી કવિ આર્દ્ર ભાવ ઇશ્વરકૃપા યાચે છે અને ક્યારેક કૃષ્ણ મિલન માટે ગોપી રૂપે ઉપાલંભનો પણ આશ્રય લે છે. એ સિવાય ૪૫ કડવાંની ‘પ્રકાશ-ગીતા’, ૧૩૫ દુહાની ‘સતશિખામણ’ તથા કેટલાંક જ્ઞાનમૂલક પદો(મુ.) કવિની બીજી જ્ઞાનમૂલક કૃતિઓ છે. ‘પ્રબોધ-બાવની’(મુ.), ‘જ્ઞાનષોડશકળા’(મુ.), ‘બિરહ-બારમાસ’(મુ.), વગેરે કવિની હિન્દી કૃતિઓ છે. આ સિવાય કવિએ બીજી કૃતિઓ રચી હોવાની માહિતી મળે છે, પરંતુ તેમની કોઈ હાથપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા : ૨, ૩, ૪, ૫ (+સં.); ૩. બૃકાદોહન : ૧, ૭. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨, ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; પ. પ્રાકકૃતિઓ;  ૬. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, ભોગીલાલ સાંડેસરા; ૭. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨; ૧૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

રાજેન્દ્રવિજ્ય [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભગવાનશિષ્ય. ‘૨૧ પ્રકારી પૂજા’ (ર.ઈ.૧૮૧૦/સં.૧૮૬૬, કારતક સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

રાજેન્દ્રસાગર : આ નામે ૧૧ કડીનું ‘૨૪ તીર્થંકર-ગીત’(મુ.) મળે છે. તેના કર્તા કયા રાજેન્દ્રસાગર છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [ર.ર.દ.]

રાજેન્દ્રસાગર-૧ [ઈ.૧૭૭૭માં હયાત] : જૈન સાધુ. ‘વૃદ્ધની સઝાય’ (ર.ઈ.૧૭૭૭)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]

રાઠો [ ] : ભક્ત. ૮ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧, ૨. ભજનસાગર : ૨. [શ્ર.ત્રિ.]

‘રાણક-રાખેંગારની ગીતકથા’ : જૂનાગઢના રાજા ‘રા’ખેંગારને સિંહલદ્વીપના પરમાર રાજા રોરની, પિતાથી તરછોડાઈને કુંભારને ત્યાં ઊછરેલી, પુત્રી રાણકદેવી સાથે લગ્ન કરવાને કારણે સિદ્ધપુર-પાટણના રાજા સધરા જેસિંહ સાથે વેર બંધાય છે. સધરો જૂનાગઢ પર ચઢાઈ કરી રા’ખેંગારની હત્યા કરે છે અને રાણકદેવી વઢવાણ પાસે ભોગાવો નદીને કિનારે સતી થાય છે એ કથાને બહુધા કોઈને કોઈ પાત્રના સંબોધન રૂપે આલેખતા ૩૯ દુહા-સોરઠા(મુ.) મળે છે. એમાંના કેટલાક દુહા મેરુતુંગાચાર્યના ‘પ્રબંધચિંતામણિ’માં મળે છે, જે આ લોકકથાની પ્રાચીનતાને સૂચવે છે. કથાનો પ્રારંભનો દુહો એના કાવ્યચમત્કૃતિપૂર્ણ નિરૂપણથી ધ્યાન ખેંચે છે. રાણકદેવી રાજકુટુંબની બહાર કુંભારને ઘરે ઊછરી તેથી રાજકુંવરી મટી જતી નથી એ વાત ‘આંગણ આંબો રોપિયો, શાખ પડી ઘરબાર’ એ દૃષ્ટાંતથી સુંદર રીતે કહેવાઈ છે. પરંતુ કથામાં મર્મસ્પર્શી દુહા તો રા’ખેંગારના મૃત્યુ પછી રાણકે કરેલા વિલાપના છે. ઠપકો, મગરૂરી, નિરાશા, ગુસ્સો, અસહાયતા જેવા ભાવોથી પુષ્ટ થયેલો એ કરુણ રાણકદેવીના પુત્ર માણેરાની હત્યા વખતે પરાકાષ્ઠાએ પહોંચે છે. કરુણની એ તીવ્રતા અતિશયોક્તિથી પ્રભાવક રીતે વ્યક્ત થઈ છે. રાણકદેવી સધરાને સંબોધી કહે છે કે “પાંપણને પણગે, ભણ્ય તો કૂવા ભરાવીએં, માણેરો મરતે, શરીરમાં સરણ્યું વહે.” કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સોરઠી ગીતકથાઓ; સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (બીજી આ.).[જ.ગા.]

રાણા [ઈ.૧૪૧૫માં હયાત] : પારસી કવિ. કામદીનના પુત્ર. પૂર્વજો દ્વારા સંસ્કૃત ભાષામાં અનૂદિત થયેલા ગ્રંથો ‘અર્દાવિરાફનામા’, ‘ખોરદેહ અવસ્થા’ તથા ‘બહમનયશ્ત’ના એમણે ઈ.૧૪૧૫માં ગુજરાતી અનુવાદ કર્યા છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯.[ર.ર.દ.]

રાણાસુત [ઈ.૧૬૩૧માં હયાત] : ‘અંગદ’ નાટકનો આધાર લઈને રચેલાં ૩૦ કડવાંનાં ‘મહિરાવણનું આખ્યાન’ (ર.ઈ.૧૬૩૧;મુ.) કૃતિના કર્તા. કૃતિ : સાહિત્ય, જૂન-નવે. ૧૯૨૬-‘રાણાસુતકૃત મહિરાવણાખ્યાન’, સં. હરગોવનદાસ દ્વા. કાંટાવાળા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી.[કી.જો.]

રાણીંગ(મેર) [ ] : વેલાબાવાના શિષ્ય. મૈયારી ગામના ગરાસિયા. ૫ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૨૮. [શ્ર.ત્રિ.]

રાધાબાઈ/રાધેબાઈ : ‘રાધે’ નામછાપવાળી કૃષ્ણભક્તિની ૩ ગરબીઓ ‘વસન્ત’ માાસિકમાં મુદ્રિત થઈ છે. એમના સંપાદકે કૃતિઓને વડોદરાના મરાઠી બ્રાહ્મણ કવયિત્રી રાધાબાઈની હોવાનું કહ્યું છે, પરંતુ આ ગરબીઓની ભાષાનું લાલિત્ય અને શુદ્ધ ગુજરાતી રૂપ ‘પ્રાચીન કાવ્યમાળા’માં રાધાબાઈને નામે મુદ્રિત કૃતિઓની ભાષાથી સાવ જુદું પડી જાય છે. એટલે આ ગરબીઓની રચયિતા રાધબાઈ કોઈ જુદી કવયિત્રી હોવાનું જણાય છે. રાધાબાઈને નામે ‘રાધાની અસવારી’ અને ‘ચાતુરી’ એ બે રચનાઓ મળે છે. તેમની રચયિતા આ રાધેબાઈ છે કે અન્ય કોઈ રાધાબાઈ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. જુઓ રાધીબાઈ. કૃતિ : વસન્ત, શ્રાવણ ૧૯૬૭-‘કવિ રાધાબાઈ’, છગનલાલ વિ. રાવળ (+સં.). સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૪-‘વડોદરા રાજ્યની સ્ત્રીકવિઓ’, ડાહ્યાભાઈ લ. પટેલ;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.[ચ.શે.]

‘રાધાવિરહના બારમાસ’ : દુહાની ૪ કડી અને માલિનીનો ૧ શ્લોક એ રીતે થયેલી દરેક મહિનાની બાંધણીવાળા રત્નેશ્વરના આ મહિના (મુ.) માગશરથી શરૂ થઈ કારતકમાં પૂરા થાય છે. કૃતિના કેન્દ્રમાં વિરહભાવ જ છે, પરંતુ એનો અંત કૃષ્ણમિલનના આનંદોલ્લાસથી આવે છે. કાવ્યની નાયિકા આમ તો રાધા છે, પણ એના વિરહભાવનું નિરૂપણ એવું વ્યાપક ભૂમિકાએ થયું છે કે એ પ્રિયતમના મિલનને ઝંખતી કોઈપણ વિરહિણી સ્ત્રીનો વિરહભાવ બની રહે છે. દરેક મહિનામાં વિરહિણી રાધા અને પ્રકૃતિનું જે ચિત્ર કવિએ આલેખ્યું છે તેના પર સંસ્કૃત કવિતાની ઘેરી અસર જોઈ શકાય છે. પ્રકૃતિ બહુધા ભાવની ઉદ્દીપક તરીકે આવે છે, પણ કવિના સ્વાનુભવમાંથી આવ્યાં હોય એવાં માર્મિક સ્વાભાવોક્તિપૂર્ણ ચિત્રો કાવ્યના ભાવને વિશેષ ઉઠાવ આપે છે. જેમ કે ગ્રીષ્મઋતુનું વર્ણન કરતાં કવિ કહે છે, “મારે આંગણે લીમડો, છાયા શીતલ ક્રોડ” કે ભાદરવાના વર્ણનમાં, “પાટ થકી રે જળ ઊતર્યાં, નદીએ ચીકણા ઘાટ.” “માધવ વિના કોણ મારશે, મન્મથની રે ફોજ” જેવી ઔચિત્યભંગ ચૂકતી કોઈક પંક્તિઓ કાવ્યમાં પ્રવેશી ગઈ છે, પરંતુ સમગ્રતયા ગુજરાતીની આ ધ્યાનપાત્ર બારમાસી છે. [શ્ર.ત્રિ.]

રાધીબાઈ [   ] : રાધાબાઈને નામે જાણીતાં આ કવયિત્રીની ‘રાધી’ નામછાપથી કેટલીક કૃતિઓ ‘પ્રાચીનકાવ્યમાળા’માં મુદ્રિત રૂપે મળે છે. કૃતિઓમાં મળતી માહિતીને આધારે તેઓ વટપુરી (વડોદરા)નાં વતની અને કોઈ અવધૂતનાથ બાવાનાં શિષ્યા હતાં. તેમણે પોતાની કેટલીક કૃતિઓ ઉજ્જયિની ને બીજે સ્થળે રચી હોવાનો ઉલ્લેખ પણ મળે છે. એ સિવાય તેઓ જ્ઞાતિએ મરાઠા બ્રાહ્મણ હતાં, તેમણે પોતાનાં ગુરુ સાથે ભારતનાં વિવિધ તીર્થસ્થળોની યાત્રા કરેલી અને તેઓ ઈ.૧૮૩૪માં હયાત હતાં જેવી બીજી વીગતો એમનાં વિશે અન્યત્ર પ્રાપ્ત થાય છે. આ કવયિત્રીની મુદ્રિત રૂપે ઉપલબ્ધ થતી કૃતિઓ આ પ્રમાણે છે : અભંગની ચાલના ગરબાઢાળમાં રચાયેલી ૫૪ કડીની ‘કૃષ્ણ-બાળલીલા’ ને ૧૦૧ કડીની ‘મીરાંમાહાત્મ્ય’ તથા અન્ય ગરબાઢાળોમાં રચાયેલી ૬૩ કડીની ‘કૃષ્ણવિવાહ’, ૧૦૧ કડીની ‘કંસવધ’ને ૧૧૫ કડીની ‘મુચુકુંદમોક્ષ’ એ પ્રસંગમૂલક રચનાઓ છે. એ સિવાય કૃષ્ણભક્તિનાં ને જ્ઞાનવૈરાગ્યનાં અન્ય ૪૭ ગરબી-પદ છે જેમાં ‘દત્તાત્રયની ગરબી’નો પણ સમાવેશ થાય છે. આ કૃતિઓનું કાવ્યત્વ સામાન્ય કોટિનું છે અને ભાષા મરાઠી ને હિન્દીના અતિરેકવાળી છે. ‘ઇટુ-મીઠું’, ‘દૈત્ય-મૈત્ય’, ‘ભાઈ-ઘાઈ’, ‘મતવાલે-બાલે’, ‘બડાઈ-લુગાઈ’ જેવા અસુભગ પ્રાસ એમાં સતત જોવા મળે છે. આ કૃતિઓને હાથપ્રતોનો કોઈ ટેકો નથી અને છોટાલાલ ન. ભટ્ટની કૃતિઓની ભાષા સાથે આ કૃતિઓની ભાષાનું કેટલુંક મળતાપણું છે, એટલે આ કૃતિઓ બનાવટી હોવાનું ને છોટાલાલ ન. ભટ્ટે પોતે રચીને રાધાબાઈને નામે ચડાવી દીધાની શંકા વ્યક્ત થઈ છે. જુઓ રાાધાબાઈ/રાધેબાઈ. કૃતિ : પ્રાકામાળા : ૬(+સં.). સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ અને કલાદીપ છોટાલાલ ન. ભટ્ટ, વિષ્ણુપ્રસાદ જાની, ઈ.૧૯૭૮; ૨. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન કે. વોરા, ઈ.૧૯૬૦; ૩. કવિચરિત : ૩; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય; ૬. ગુસાપઅહેવાલ : ૪-‘વડોદરા રાજ્યની સ્ત્રીકવિઓ’, ડાહ્યાભાઈ લ. પટેલ; ૭. ગુસારસ્વતો;  ૮. ગૂહાયાદી.[ચ.શે.]

રામ : આ નામે મળતી જૈનેતર કૃતિઓમાં રાધાકૃષ્ણની શૃંગારક્રીડાને પદસદૃશ ૭ કડવાંની ૪૮ કડી અને ૧ પદમાં આલેખતી ‘અમૃતકચોલડાં/રાધાકૃષ્ણ-ગીત’ (મુ.) પ્રાસાદિક રચના છે. દરેક કડવાના પ્રારંભમાં ત્રૂટક તરીકે ઓળખાવાયેલી ૧ કડી પદના ભાવાર્થનું સૂચન કરે છે અને તેનો અંતિમ શબ્દ પદની પછીની કડીનો પ્રારંભક શબ્દ બની પદને સાંકળી-બંધવાળું બનાવે છે. કૃતિના પ્રાસઅનુપ્રાસ ને પદમાધુર્ય શૃંગારભાવને પોષક બનીને છે. કૃતિનું ભાષાસ્વરૂપ જોતાં એ રામ-૨ની હોઈ શકે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત, ‘ભક્તવેલ’, ‘દાણચાતુરી’ અને ‘પંચીકરણ(ટીકા સાથે)’ એ જૈનેતર કૃતિઓ પણ મળે છે. તો ૧ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.ઈ.૧૮૦૭), ૪ કડીની ‘ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન’(મુ.), ૩ કડીની ‘જિનપૂજાનું ચૈત્યવંદન’(મુ.), ૭ કડીની ‘ગહૂંલી’(મુ.), ૫ કડીનું ‘સામાન્ય જિન-સ્તવન’(મુ.), હિંદીની અસરવાળું ૩ કડીનું ‘પરમાત્માનું ચૈત્યવંદન’(મુ.) તથા ૧૪ કડીની ‘મૃગાપુત્રની સઝાય’(મુ.) એ રામ અને રામમુનિના નામે ૯ કડીની ‘અધ્યાત્મ-સઝાય’-એ જૈન કૃતિઓ મળે છે. આ બધી જ કૃતિઓના કર્તા કયા રામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૩. ચૈસ્તસંગ્રહ : ૧; ૪ જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈકાસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. સસન્મિત્ર(ઝ);  ૯. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૬-‘કવિ રામની બે પ્રાચીન રચનાઓ, સં. મંજુલાલ મજમુદાર. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[ચ.શે. ; શ્ર.ત્રિ.]

રામ-૧ [ઈ.૧૫૨૭ સુધીમાં] : ‘સોની રામ’ને નામે જાણીતા આ કવિએ વિશિષ્ટ પદ્યબંધવાળા ૨૬ કડીના ‘વસંતવિલાસ’(લે.ઈ.૧૫૨૭; મુ.) એ ફાગુકાવ્યની રચના કરી છે. કૃતિના અંતમાં “ગાયો રે જેહવઉ તેહવઉ સોની રામ વસંત” એવી પંક્તિ છે. એને આધારે કૃતિના કર્તા ‘સોની રામ’ ગણવામાં આવે છે, પરંતુ કૃતિની પ્રારંભની બીજી અને ચોથી કડીમાં ‘રામ ભણઈ’ એવી પંક્તિ છે, એટલે કૃતિના કર્તા કોઈ રામ લાગે છે અને ‘સોની’ શબ્દ નામનો ભાગ નહીં, પરંતુ કર્તાના વ્યવસાય કે તેમની જ્ઞાતિનો સૂચક હોય એમ માનવા પ્રેરે છે. કૃતિના પ્રારંભમાં મુકાયેલા સંસ્કૃત શ્લોક પરથી કવિ સંસ્કૃતના જ્ઞાતા હોય એમ લાગે છે, અને કૃતિમાં નિરૂપાયેલો રુક્મિણીનો કૃષ્ણ માટેનો વિરહભાવ તેઓ કૃષ્ણભક્ત હોવાનું સૂચવે છે. કૃતિના ભાષાસ્વરૂપને લક્ષમાં લઈ તે સં. ૧૭મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે. પરંતુ કૃતિની ઈ.૧૫૨૭માં લખાયેલી પ્રત મળી આવી છે. એટલે કર્તા ત્યાં સુધીમાં થયા હોય એમ કહી શકાય. રુક્મિણીવિરહનું આ ફાગુ વસંતની માદકતાનું કમોદ્દીપક વર્ણન ને રુક્મિણીની વિરહવ્યથાના મર્મસ્પર્શી નિરૂપણથી ધ્યાનપાત્ર ફાગુકૃતિ બની રહે છે. કૃતિ : વસંતવિલાસ-ઍન ઑલ્ડ ગુજરાતી ફાગુ. સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૪૨ (અં.) (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. મુપુગૂહસૂચી. [કા.શા. , કી.જો.]

v [ઈ.૧૫૩૧માં હયાત] : વૈષ્ણવ કવિ તળાજાના વતની હોવાની સંભાવના. ચોપાઈની ૫૧ કડીની ‘વૈષ્ણવ-ગીત’ (ર.ઈ.૧૫૩૧/સં.૧૫૮૭, આસો સુદ ૧૩; મુ.) રચનાબંધ અને વક્તવ્ય બન્ને દૃષ્ટિએ કવિની લાક્ષણિક કૃતિ છે. ‘કહુ રામ-નઈં તે કિમ ગમઈ?’ એ દરેક કડીને અંતે આવર્તન પામતી પંક્તિવાળો ૧૫ કડીનો પહેલો, ‘કહિ શ્રીરામ, વૈષ્ણવજન તેહ’ આવર્તનવાળી ૨૨ કડીનો બીજો અને ‘કહિ શ્રીરામ, વૈષ્ણવ મઝ ગમઈ’ના આવર્તનવાળી ૧૪ કડીનો ત્રીજો એમ ૩ ખંડમાં કૃતિ વહેંચાઈ છે. પંક્તિઓનું આ આવર્તન વિચારને અસરકારક બનાવવામાં ઉપકારક બને છે. કૃતિના પહેલા ખંડમાં કયા આચારવિચારવાળા મનુષ્યો પોતાને નથી ગમતા એની વાત કવિ કરે છે અને બાકીના ૨ ખંડોમાં વૈષ્ણવ કેવો હોય તેનાં લક્ષણો આપે છે. વૈષ્ણવ મનુષ્યનાં જે લક્ષણો વર્ણાવયાં છે તેમાં વૈષ્ણવ અને જૈન આચારવિચારનો કવિએ કરેલો સમન્વય ધ્યાનપાત્ર છે. સાચો વૈષ્ણવ જીવહિંસા કે રત્રિભોજન ન કરે ને વિલાસવૃત્તિ પર સંયમ કેળવે એમ જ્યારે કવિ કહે છે ત્યારે વૈષ્ણવનાં આ લક્ષણો પર જૈનવિચારનો પ્રભાવ જોઈ શકાય. કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૬-‘કવિ રામની બે પ્રાચીન રચનાઓ’, સં. મંજુલાલ મજમુદાર.[ચ.શે.]

રામ(ભક્ત)-૩/રામદાસ [ઈ.૧૬૦૪માં હયાત] : અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિ. તેઓ સૌરાષ્ટ્રના કુતિયાણાના, ખંભાતના અથવા અમદાવાદ જિલ્લાના હોવાનું અનુમાન થયું છે, પરંતુ તે માટે ચોક્કસ કોઈ આધાર નથી. આ કવિની ‘એકાદશસ્કંધ’ કૃતિમાં ‘ભટ નારાએણ વૈકુંઠ કથા કહી રે’ એવા ઉલ્લેખ પરથી એમને નારાયણ ભટ્ટ તરીકે ઓળખાવવામાં આવેલા, પરંતુ વાસ્તવમાં નારાયણ નામ કવિના ગુરુનું હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. એમની ‘યોગવાસિષ્ઠ’ કૃતિમાં આવતા વિશ્વનાથ નામ પરથી એ નામના પણ કવિના ગુરુ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. ભગવદ્ગીતાનો દુહા-ચોપાઈ બંધમાં અધ્યાયવાર સાર આપતી ને ગીતાનો પહેલો ગુજરાતી અનુવાદ ગણાતી ‘ભગવદ્-ગીતા/ભગવદ્-ગીતાનો સાર/ભગવંત-ગીતા’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, આસો સુદ ૧૨, રવિવાર; મુ.), ભાગવતના ત્રીજા સ્કંધના ૨૪થી ૩૩ અધ્યાયમાં વર્ણવેલા કપિલ મુનિના જીવનપ્રસંગને ૫ કડવાં ને ૩૩૧ પંક્તિઓમાં સારાનુવાદ રૂપે આપતું ને મુખ્યત્વે કથાના જ્ઞાનભાગ પર ધ્યાન કેન્દ્રિત કરતું અલ્પ કાવ્યશક્તિવાળું ‘કપિલમુનિનું આખ્યાન’ (મુ.), આરંભના ૨ કડવાંમાં એકાદશીકથા અને બાકીનાં ૩ કડવાંમાં મત્સ્યપુરાણ આધારિત અંબરિષકથાને વર્ણવતું ‘અંબરિષ-આખ્યાન’, સારાનુવાદ જેવી ૧૫ કડવાંની ‘ભાગવત-એકાદશસ્કંધ’ અને ૨૧ સર્ગની ‘યોગવાસિષ્ઠ’ એ એમની કૃતિઓ છે. ‘ગૂજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી’ ‘રાસલીલા-પંચાધ્યાયી’ કૃતિ આ કવિની માને છે, તથા ભાગવતના તૃતીય, ષષ્ઠ, અને દશમ સ્કન્ધના રચિયતા કોઈ સારસ્વત બ્રાહ્મણ રામ(દાસ)ને અને આ રામ(ભક્ત)ને એક ગણે છે, પરંતુ ‘ગુજરાતના સારસ્વતો’માં આ બન્ને કવિઓને જુદા ગણવામાં આવ્યા છે. રામકૃષ્ણને નામે જે ‘ભગવદ્-ગીતા’ મળે છે તે આ રામભક્તની છે. કૃતિ : ૧. શ્રી ભગવદ્ગીતા પ્રાકૃત ભાષા પ્રબંધ (રામભક્ત), પ્ર. શા. કરશનદાસ મોહનલાલ, ઈ.૧૯૦૫; ૨. ત્રણ ગુજરાતી ગીતાઓ, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૮૭(+સં.); ૩. સગુકાવ્ય. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ.;  ૬. સંશધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬-‘મધ્યકલીન ગુજરાતી સાહિત્યમાં અંબરીષકથા’;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફાહનામાવલિ : ૨; ૧૧. ફૉહનામાવલિ. [ચ.શે.]

રામ(મુનિ)-૪ [ઈ.૧૬૫૫માં હયાત] : જૈન સાધુ. માનવિમલના શિષ્ય. ૧૯૫ કડીના ‘ચંદનમલયાગિરી-રાસ’ (ર.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]

રામ-૫ [ઈ.૧૭૪૯માં હયાત] : સરદડ (સ્ટ્રીધાય?)ના વતની. ભાગવતને આધરે ૧૨ સ્કંધ (ર.ઈ.૧૭૪૯) એમણે રચ્યા છે. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ચ.શે.]

રામ-૬ [ઈ.૧૭૭૪ સુધીમાં] : મકનના પુત્ર. ‘કાલગણીનો છંદ’ (લે.ઈ.૧૭૭૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે.]

રામ-૭ [     ] : સર્વદેવના પુત્ર. જ્ઞાતિએ કૌશિક ગોત્રના નાગર. ગુજરાતીમાં શબ્દ, કારક, સમાસ, ક્રિયા વગેરેની સમજૂતી આપતી વ્યાકરણવિષયક ‘ઉકતીયકમ્’ કૃતિના કર્તા. કૃતિની ભાષા ઈ.૧૬મી સદીના મધ્યભાગની લાગે છે. સંદર્ભ : જેસલમેર જૈન ભાંડાગરીય ગ્રન્થનામ સૂચિપત્રમ્(સં.), સં.સી.ડી. દલાલ અને એલ.બી. ગાંધી, ઈ.૧૯૨૩. [ચ.શે.]

રામ-૮ [ ] : જૈન સાધુ. સુમતિસાગરના શિષ્ય. ૬ કડીના ‘સુમતિજિન તથા શાંતિજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧.[શ્ર.ત્રિ.]

રામ-૯/રામૈયો [ ] : વેલા બાવાના શિષ્ય. ડેરવાવના વતની. જ્ઞાતિએ ખાંટ. મૂળનામ રામ ઢાંગડ. એમના ગુરુમહિમાંનાં પદો (૧૩ મુ.) મળે છે. આ પદો એમાં ભળેલા એમના ગુરુના વ્યક્તિત્વના કેટલાક રંગોને કારણે વિશિષ્ટ તાજગીનો અનુભવ કરાવે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. સંતસમાજ ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧; ૩. સોસંવાણી; ૪. સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (+સં.). [ચ.શે.]

રામકૃષ્ણ : આ નામે ‘ભક્તમાળ’ તથા કૃષ્ણભક્તિ અને જ્ઞાન-વૈરાગ્યનાં પદો(મુ.) મળે છે. આ કૃતિઓ કયા રામકૃષ્ણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. જ્ઞાન-વૈરાગ્યનાં પદો કદાચ રામ(ભક્ત)-૩નાં હોય. જુઓ રામ(ભક્ત)-૩. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાવિનોદ : ૧; ૨. ભજનસાગર : ૨; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]

રામકૃષ્ણ-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : વૈષ્ણવ કવિ. સંખેડાના નાગર. અવટંકે મહેતા. તેમનાં ૧૩૦ જેટલાં કૃષ્ણભક્તિનાં પદ (એકની ર.ઈ.૧૭૦૧ અને બીજાની ર.ઈ.૧૭૦૮; મુ.) મળે છે. એમનાં પદોમાં ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં શૃંગારભાવનાં પદોની સંખ્યા વિશેષ છે. આ શૃંગારભાવમાં માધુર્ય અને સંયમ છે. કોઈક પદમાં લોકબોલીનો રણકો ને લોકજીવનનો સ્પર્શ અનુભવાય છે. આ કવિએ માતાના ગરબાઓ જેવા મુખ્યત્વે આસો મહિનામાં આવતાં વિવિધ પર્વોને વિષય બનાવી કૃષ્ણભક્તિના ગરબા રચ્યા છે તે નોેંધપાત્ર છે. ૧ ગરબાની અંદર ભાઈબીજના દિવસે કૃષ્ણ બહેન સુભદ્રાને ઘરે આવે છે ત્યારે સુભદ્રાનાં ચિત્તમાં ઊઠતા ઊમળકાને કવિએ પ્રાસદિક ભાષામાં આલેખ્યો છે. ‘રાસપંચાધ્યાયી’ નામની કૃતિ પણ આ કવિએ રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ૧૨ કડવાંની ‘ગજેન્દ્રમોક્ષ’(મુ.) કૃતિ રામકૃષ્ણ-૨ની હોવાનું માને છે, પરંતુ તે આ કવિની કૃતિ છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૧, ૨, ૩, ૬;  ૨. ફાર્બસ ત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૫-‘અજ્ઞાત વૈષ્ણવ કવિ રામકૃષ્ણ’, મંજુલાલ મજમુદાર (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]

રામકૃષ્ણ-૨ [ઈ.૧૭૦૨માં હયાત] : જૂનાગઢના કુંતલપુર (કુતિયાણા)ના કનોજિયા જ્ઞાતિના બ્રાહ્મણ. પિતા વિશ્રામ. પૂર્વછાયા અને ચોપાઈબંધના કડવાસદૃશ ૧૫ ખંડ ને ૯૬૩ કડીના મહાભારતના ‘સ્વર્ગારોહણપર્વ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૧૩, ગુરુવાર; મુ.)ના કર્તા. મૂળ કથાનો આછો તંતુ જાળવી કવિએ પાંડવોનાં ધર્મ અને સત્યની કસોટી કરવા માાટે નવા પ્રસંગો ઉમેર્યા છે. તેમ જ મધ્યકાલીન ભાવનાઓ અને વિચારો પણ અંદર ગૂંથી લીધાં છે. જુઓ રામકૃષ્ણ-૧. કૃતિ : મહાભારત : ૭, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૯(+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

રામચંદ્ર(સૂરિ) : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’(લે.ઈ.૧૪૬૧) મળે છે. તેના કર્તા કયા રામચંદ્રસૂરિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી.[શ્ર.ત્રિ.]

રામચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૪૬૧માં હયાત] : મડાહગચ્છના જૈન સાધુ. કમલપ્રભના શિષ્ય. ૪૦૦૦ કડીના ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૬૧)ના કર્તા. આ કૃતિ અમરચંદ્ર તેમ જ આસચંદ્રને નામે પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મસાપ્રવાહ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

રામચંદ્ર-૨/રામચંદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં પદ્મરંગના શિષ્ય. ‘મૂલદેવ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૫), ૩ ઢાલ અને ૩૪ કડીના ‘દસપચ્ચ ખાણનું સ્તવન/દશપ્રત્યાય આખ્યાન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, પોષ સુદ ૧૦; મુ.), હિન્દી-રાજસ્થાનીમાં વૈદકને લગતાં ‘રામવિનોદ’ (ર.ઈ.૧૬૬૨-૬૩), ૩૯ કડીની ‘નાડીપરીક્ષા’, ૧૩ કડીની ‘માનપરિમાણ’ અને ‘સારંગધરભાષા/વૈદ્યવિનોદ’ (ર.ઈ.૧૬૭૦/સં. ૧૭૨૬, વૈશાખ સુદ ૧૫)ના કર્તા. ‘ઉપદેશકો-રાસો’ (ર.ઈ.૧૬૭૩) એ હિન્દી કૃતિ પણ આ કર્તાની હોવાની શક્યતા છે. ‘લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર’માં ‘દશ પ્રત્યાય આખ્યાન-સ્તવન’ની ર.સં.૧૭૭૧ નોંધાઈ છે તેમાં છાપભૂલ હોવા સંભવ છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ : ૧; ૩. જિભપ્રકાશ; ૪. દેસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

રામચંદ્ર-૩ [ઈ.૧૬૭૭ સુધીમાં] : ‘કૃષ્ણલીલા’ (લે.ઈ.૧૬૭૭ અનુ.) તથા પદોના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી.[ચ.શે.]

રામચંદ્ર-૪ [ઈ.૧૭૩૧ સુધીમાં] : પાર્શ્વગચ્છના જૈન સાધુ. હીરચંદ-ચંદ્રના શિષ્ય મૂળ નેમિચંદ્રકૃત ‘દ્રવ્યસંગ્રહ’ના ૧૧૦૦ ગ્રંથાગ્રના બાલાવબોધ/વ્યાખ્યાન (લે.ઈ.૧૭૩૧)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

રામચંદ્ર-૫ [ઈ.૧૮૦૪માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. લોંકાશાની પરંપરામાં લક્ષ્મીચંદના શિષ્ય. બાળપણમાં માતાવિહીન બની દેશાંતર સેવનાર તેજસારકુમારના અદ્ભુતરસિક જીવનપ્રસંગોનું આલેખન કરતો, પંરપરાગત છતાં વિવિધ વીગતપ્રચુર વર્ણનો, અવારનવાર ગૂંથાતાં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી સુભાષિતોથી તેમ જ ભાષામાં ક્વચિત નજરે પડતી-મરાઠીની છાંટથી ધ્યાન ખેંચતો, ૧૦૯ ઢાળનો ‘તેજસારનો રાસ’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, ભાદરવા સુદ ૫; મુ.) અને ૫ કડીના ૧ પ્રભાતિયા (મુ.)ના કર્તા. કૃતિ : ૧. તેજસારનો રાસ, પ્ર. મોતીચંદ કે. વાંકાનેરવાલા, ઈ.૧૯૦૦. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

રામચંદ્ર-૬ [ઈ.૧૮૨૨માં હયાત] : જૈન. ૫૧ કડીના ‘જેસલમેર-સલોકો’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, કારતક સુદ ૧૫, મંગળ/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭-‘છૈ ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]

રામચંદ્ર-૭ [ઈ.૧૮૪૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘પાંચ ચરિત્ર ૩૬ દ્વાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૮૪૪/સં.૧૯૦૦, કારતક વદ ૨)ના કર્તા. તેઓ રામચંદ્ર-૮ હોવાની સંભાવના છે પરંતુ એ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈન સત્યપ્રકશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]

રામચંદ્ર-૮ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની ક્ષેમકીર્તિ શાખાના જૈન સાધુ. શિવચંદના શિષ્ય. ૧૦ કડીની ‘દશાર્ણભદ્રની સઝાય’(મુ.), ૧૦ કડીનું ‘શ્રી ફલવર્ધિમંડન પાર્શ્વજિન-સ્તવન’(મુ.), રાજસ્થાની અસર દર્શાવતી ‘કર્મબંધવિચાર’ (ર.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭ કારતક-૫) અને ‘તેર કાઠિયા-સઝાય’ (ર.ઈ.૧૮૫૪/સં.૧૯૧૦, ભાદરવા સુદ ૧૦) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

રામચંદ્ર-૯ [સં.૧૯મી સદી] : અમદાવાદના વતની. જ્ઞાતિએ બારોટ. ટોપીવાળાનાં કવિતના રચયિતા. એમનાં કઠિયાવાડનાં રાજ્યો પર અંગ્રેજોએ પોતાની હકૂમત જમાવી તેનું અને કંપની સરકારના પ્રભાવનું વર્ણન છે. ભાષામાં હિંદીની છાંટ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨.  ૨. ગૂહાયાદી : ૩; ફાહનામાવલિ : ૧.[ચ.શે.]

રામચંદ્ર(મુનિ)(ઉપાધ્યાય)-૧૦ [ ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘નવકારમહામંત્ર-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

રામચંદ્ર(બ્રહ્મચારી)-૧૧ [ ] : ‘સાહેલી-સંવાદ’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [નિ.વો.]

રામચંદ્ર-૧૨ [ ] : જૈન. અવટંકે ચૌધરી. ૧૮૭૫ ગ્રંથાગ્રની ‘ચતુર્વિંશતિજિન-પૂજા’ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]

રામજી : આ નામે ‘નાગદમન’ (લે.સં.૧૯મી સદી અનુ.) અને ‘સુભાષિતો’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

રામદાસ : આ નામે ‘નવરસ’ તથા કેટલાંક કૃષ્ણભક્તિ અને જ્ઞાનવૈરાગ્યનાં પદ (૩ મુ.) મળે છે. તેમનાં કર્તા કયા રામદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧-૨; ૩. ફૉહનામાવલિ.[નિ.વો.]

રામદાસ-૧ [ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ખંભાતના વતની. તેઓ વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-૧૫૮૬)ના સમયમાં હયાત હતા. ‘મધુકરના મહિના/મધુકરના ૧૨ માસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.[ચ.શે.]

રામદાસ-૨ : જુઓ રામ(ભક્ત)-૩.

રામદાસ-૩ [ઈ.૧૬૩૭માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરપરામાં ઉત્તમના શિષ્ય. ૪ ખંડ અને ૮૨૩ કડીના ‘પુણ્યપાલનો રાસ’ (ર.ઈ.૧૬૩૭/સં.૧૬૯૩, જેઠ વદ ૧૩, ગુરુવાર)ના કર્તા. આ નામે મળતું, હિન્દીની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.) અને ૯૩ કડીનું ‘કર્મરેખાભવાની-ચરિત્ર’ એ કૃતિઓ પણ આ રામદાસની હોવા સંભવ છે. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. કૅટલૉગગુરા; ૪. જૈગૂકવિઓ : ૩(૧,૩).[શ્ર.ત્રિ.]

રામદાસ-૪ [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ. તેમણે ઘણાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે. સંદર્ભ : ૧. મસાપ્રવાહ; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ; સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશજીદાસ, ઈ.૧૯૭૪ (બીજી આ.).[ચ.શે.]

રામદાસસુત [ઈ.૧૫૯૩માં હયાત] : ભરૂચના વતની મન્થ/મન્ય એવું એમનું નામ હોવાનું કહેવાય છે. પણ એ બહુ આધારભૂત નથી. એમનું ૧૫ કડવાંનું ‘અંબરીષ-આખ્યાન’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, શ્રાવણ સુદ ૧૦) સંકલનાની દૃષ્ટિએ શિથિલ, પરંતુ અન્ય અંબરીષકથા પર રચાયેલાં આખ્યાનો કરતાં વર્ણનો ને ભાષાના લાલિત્યમાં જુદી ભાત પાડે છે. ‘કૃષ્ણલીલા’ કૃતિ પણ એમણે રચી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અંબરીષકથા.’ [ચ.શે.]

રામદેવ [ ] : મહિના અને પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. [જ.ગા.]

‘રામદેવનો વેશ’ : ‘રામદેશનો વેશ’ તરીકે પણ જાણીતો અસાઇતકૃત આ ભવાઇવેશ(મુ.) બધા ભવાઇવેશોમાં સૌથી લાંબો, સામાન્ય રીતે વહેલી પરોઢે અને ભવાઈની પૂર્ણાહુતિ વખતે છેલ્લે ભજવાતો વેશ છે કોઈ ચોક્કસ કથાને બદલે વિવિધ વિષયો અંગેની માહિતી, વ્યવહારિક ડહાપણનાં સુભાષિતો અને સમસ્યાવાળી બેતબાજીથી લગભગ આખો વેશ ભરેલો છે. વેશના પ્રારંભમાં કવિત અને દુહાઓમાં નવનિધ, ચૌદ વિદ્યા, બાર બાણાવળી, પૃથ્વીનું માપ, પૃથ્વીની વહેંચણી, સૃષ્ટિની ઉત્પત્તિ, રજપૂતોની ઉત્પત્તિ, રજપૂતોની જુદી જુદી જાતિઓ, પૃથ્વીનાં વિવિધ નામ, નવ ખંડ, રાજપૂત રાજવંશોની વંશાવળીઓ વગેરે અનેક વિષયોની માહિતી અપાઈ છે, અને એ માહિતીઓની વચ્ચેવચ્ચે વ્યવહારુ ઉપદેશનાં સુભાષિતો આવે છે. જેમ કે, પર્વતથી ઊંચું કોણ? તો તપ. ચંદ્રથી નિર્મળ કોણ? તો દાન. ઝેરથી કડવું કોણ? તો દુષ્ટ માણસ વગેરે. આ માહિતી સુભાષિતોની વચ્ચે પૃથ્વીની ઉત્પત્તિની, પૃથ્વીના ખંડોની, ચાર ભાઈબંધોની વાર્તાઓ ગદ્યમાં મુકાઈ છે. વેશના અંતિમ ભાગમાં ઘોઘાના રાજકુંવર રામદેવ/રામદેશ અને પાવાગઢ/પાલવગઢની રાજકુંવરી સલુણા વચ્ચેના પ્રેમ અને લગ્નની કથા આલેખાઈ છે. કથા તો અહીં નિમિત્ત છે. એ બહાને રામદેવ અને સલુણા વચ્ચેના સંવાદ રૂપે દુહા અને છપ્પામાં અનેક સમસ્યાઓની આતશબાજી ઉડાવવામાં આવી છે. સમસ્યાબાજી પૂરી થયા પછી રામદેવ ને સલુણાના લગ્ન નિમિત્તે લગ્નગીતો આવે છે અને મહિના, તિથિ પણ આવે છે. વેશની ઉપલબ્ધ થતી વિવિધ વાચનાઓ મૂળ વેશમાં ઘણાં ઉમેરણ થયાં હોવાનું સૂચવે છે. કેટલાંક કવિતોમાં કરુણાનંદ કે પિંગલ એવી નામછાપ પણ મળે છે. [જ.ગા.]

રામનાથ : આ નામે કૃષ્ણભક્તિનાં પદ (૬ કડીનું ૧ પદ મુ.) તથા ૮ કડીની માતાજીની સ્તુતિ(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા રામનાથ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં પ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

રામનાથ-૧ [ઈ.૧૭૪૪ સુધીમાં] : સુરતના શિવઉપાસક. તેમના અવસાન બાદ, તેમના શિષ્ય રાજગીરે ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, મહા સુદ ૫ ને સોમવારે એક શિવાલયમાં શિવપ્રતિમા પધરાવી તેને ‘રામનાથ મહાદેવ’ નામ આપેલું. તેમણે ઘણાં પદો અને વચનામૃતો રચ્યાં હતા. સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાંક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. [શ્ર.ત્રિ.]

રામનાથ-૨ [ઈ.૧૭૬૯માં હયાત] : યજુર્વેદી બ્રાહ્મણ. ૪૮૦ કડીના ‘રણછોડજીનું આખ્યાન’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૬-‘રામનાથકૃત રણછોડજીનું આખ્યાન’, સં. મગનભાઈ દે. દેસાઈ. [શ્ર.ત્રિ.]

‘રામબાલચરિત’ : આ નામે મુદ્રિત સ્વરૂપે મળતાં ભાલણનાં ૪૦ પદ ને એમાંના જ ‘રામલીલા’ને નામે મુદ્રિત રૂપે મળતાં ૧૫ પદવાળી આ કૃતિ કવિની અપૂર્ણ રહેલી ને અંતિમ કૃતિ હોવાનું અનુમાન છે. રામના જીવન સાથે સંબંધિત આ પદોમાં રામના જન્મથી સીતા-સ્વયંવર સુધીના રામજીવનના પ્રસંગો આલેખાયા છે એટલે પ્રસંગ તો વિશેષત: ભાવનિરૂપણ માટેનું આલંબન બની રહે છે. જો કે ૩૦થી ૪૦ સુધીનાં પદોમાં કથનનું પ્રાધાન્ય અનુભવાય છે. કવિની ઉત્તમ રચનાઓમં ગણાતી આ કૃતિનો આસ્વાદ્ય અંશ એમાં થયેલું વાત્સલ્યરસનું નિરૂપણ છે. રામના જન્મથી કૌશલ્યા, દશરથ ને અયોધ્યાવાસીઓના હૃદયમાં જન્મતો આનંદ, બાળક રામે કૌશલ્યા પાસે કરેલા તોફાન, રામને માટે ચિંતિત બની ઊઠતી કૌશલ્યા વગેરેનું હૃદયંગમ આલેખન કવિએ કર્યું છે. એમાં બાળક રામનાં તોફાનોનું આલેખન કરતી વખતે બાળસ્વભાવ ને બાળચેષ્ટાઓનાં સ્વાભાવોક્તિવાળાં જે ચિત્રો કવિએ આલેખ્યાં છે તે કવિની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિનાં દ્યોતક છે. જેમ કે સુમિત્રાએ લાવેલી શેરડીના કટકા બાજુએ મૂકી ‘પાળી’ ચાવતા રામ, પગે બાંધેલા ઘૂઘરાના અવાજથી ચમકતા રામ, હાથની કુમળી આંગળીઓ ‘ચણિયારે ઘાલતા રામ’ વગેરે એનાં દૃષ્ટાંત છે. પદમાધુર્ય પણ આ પદોનું આકર્ષક તત્ત્વ છે. ભાવનિરૂપણ વખતે કવિની આત્મલક્ષિતા વખતોવખત બહાર તરી આવે છે, જે કવિના હૃદયમાં રહેલી રામભક્તિની દ્યોતક છે. [શ્ર.ત્રિ.]

રામવર્ધન [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન સાધુ. ૧૦ કડીના ‘નેમિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

રામવિજ્ય : આ નામે મૂળ સંસ્કૃત રચના ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર-અષ્ટમપર્વ-અરિષ્ટનેમિજિનચરિત્ર’નો સ્તબક (ર.ઈ.૧૭૬૮), ૨૭ કડીની ‘ત્રણતત્ત્વ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૯ કડીનું ‘ઉત્તરાધ્યાયન-સૂત્ર ૩૬ અધ્યયન ૩૬ ભાસ’ (લે.ઈ.૧૮૨૮), ૬ કડીનું ‘ગોડીજિન-સ્તવન’(મુ.), ૯ કડીની ‘નિદ્રાની સઝાય’(મુ.), ૧૩ કડીની ‘રુક્મિણીની સઝાય’(મુ.), ૧૧ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’, ૯/૧૦ કડીનું ‘વિજ્યધર્મસૂરિગીત/સઝાય’, ૨૦ ગ્રંથાગ્રનું ‘શીતલજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૨૧) અને નેમરાજુલ, આદિજિન, પંચાસરા, પાર્શ્વનાથ વગેરેને વિષય બનાવતી સઝાયો મળે છે. વાચક ‘રામ-વિજ્ય’ને નામે ૯ કડીની ‘ગહૂંલી’(મુ.), ૯ કડીનું ‘ગિરનારભૂષણ નેમનાથનું સ્તવન’(મુ.) અને ૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’(મુ.) મળે છે. તપગચ્છની ગુરુપરંપરાને અનુલક્ષી ૧૧ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’, ૯/૧૦ કડીની ‘વિજ્યધર્મસૂરિ-ગીત/સઝાય’ તથા ‘ત્રિષષ્ટિ સલાકાપુરુષચરિત્ર-અષ્ટમપર્વ-અરિષ્ટનેમિજિનચરિત્રનો સ્તબક’ના કર્તા તપગચ્છના રંગવિજયના શિષ્ય રામવિજ્ય હોવાની શક્યતા છે. ‘વાચક રામવિજ્ય’ને નામે મળતી કૃતિઓના કર્તા સુમતિવિજ્યશિષ્ય રામવિજ્ય હોવાની શક્યતા છે. અન્ય કૃતિઓના કર્તા કયા રામવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈકાસંગ્રહ; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. રત્નસાર : ૨; ૮. લઘુ ચોવીશી વીશી સંગ્રહ, પ્ર.શા. કુંવરજી આણંદજી, ઈ.૧૯૩૯; ૯. સિસ્તવનાવલી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

રામવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક કનકવિજ્યના શિષ્ય. ‘વિજ્યદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૬/સં.૧૭૧૨, આસો વદ ૨), ૩૦ કડીની ‘અનાથી મુનિની સઝાય’(મુ.) અને ૧૬ કડીની ‘મેતારજમુનિની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ(ન); ૩. સઝાયમાળા(પં). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ: ૩(૨); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

રામવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં સુમતિવિજ્યના શિષ્ય. યશોવિજ્યના સમકાલીન. યશોવિજ્યજી તેમની લોકપ્રિય વ્યાખ્યાનશૈલીના પ્રશંસક હતા. ‘તેજપાલ-રાસ’ (ર.ઈ.૧૭૦૪), ‘ધર્મદત્તઋષિ-રાસ’ (ર.ઈ.૧૭૧૦), ૬ ખંડમાં વહેંચાયેલો ‘શાંતિનાથ ભગવાનનો રાસ’(ર.ઈ.૧૭૨૯/સં.૧૭૮૫, વૈશાખ સુદ ૭, ગુરુવાર; મુ.), ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ સાતમે સ્વર્ગવાસ પામેલા લક્ષ્મીસાગરસૂરિના જીવનને વર્ણવતો, ૧૨ ઢાળનો ‘લક્ષ્મીસાગરસૂરિ-નિર્વાણ-રાસ’(મુ.) જેવી રાસકૃતિઓ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૪ આસપાસ; મુ.), ૨૦ ‘વિહરમાન-સ્તવન/વીશી’, ૮ કડીની ‘શિખામણની સઝાય’(મુ.), ૮ કડીનું ‘મહાવીરસ્વામીનું સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગોડીપાર્શ્વનમસ્કાર-સ્તુતિ’(મુ.), ૭ કડીનું ‘અજિતનાથનું સ્તવન’, સાત નય ઉપર મોટી સઝાયો, આદીશ્વર, ગોડીપાર્શ્વનાથ, સિદ્ધચક્ર આદિને અનુલક્ષીને સ્તવનો(મુ.), ૭ કડીની ‘વીરને વિનતિ’(મુ.) અને ચૈત્યવંદનો(મુ.) તથા ‘નેમિનાથચરિત્ર-બાલાવબોધ’ વગેરે કૃતિઓ મળે છે. ઈ.૧૭૨૫માં તેમણે સંસ્કૃતમાં ‘ઉપદેશમાલા’ પર વૃત્તિ (ર.ઈ.૧૭૨૫; મુ.) પણ રચી છે. કૃતિ : ૧. અસ્તમંજુષા, ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈઐરાસમાળા : ૧; ૬. જૈન કથારત્નકોષ : ૮, સં. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૩; ૭. જૈપ્રપુસ્તક : ૧; ૮. જૈરસંગ્રહ; ૯. દેસ્તસંગ્રહ; ૧૦. પ્રાસપસંગ્રહ : ૧; ૧૧. સસન્મિત્ર(ઝ);  ૧૨. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘આત્મનિંદા ને વીરને વિનંતી’. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂસારત્નો : ૧; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

રામવિજ્ય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિમલવિજ્ય(ઉપાધ્યાય)ના શિષ્ય. ૫૪ કડીની ‘ભરતબાહુબલીનું દ્વિઢાળિયું/બાહુબલ-સઝાય’ (ર.ઈ.૧૭૧૫/સં.૧૭૭૧, ભાદરવા સુદ ૧, રવિવાર; મુ.), ૬૩/૬૪ કડીની ‘ગોડીપાસ-સ્ત્વન/છંદ’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, આસો સુદ ૧૦), ૩ ઢાળનું ‘મહાવીરસ્વામીના પંચકલ્યાણકનું સ્તવન/વીરજિન પંચકલ્યાણક’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, અસાડ સુદ ૫; મુ.), ૭૩ કડીનો ‘વિજ્યરત્નસૂરિ-રાસ/સઝાય’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, ભાદરવા સુદ ૨ પછી; મુ.), ૪ ઢાલનું ‘(૨૪ તીર્થંકરનું) આંતરાનું સ્તવન’(ર.ઈ.૧૭૧૭; મુ.), ૫ કડીની ‘કુમતિ વિશે સઝાય’(મુ.), ૧૫ કડીની ‘ખંધકમુનિની સઝાય’, ૬ કડીનું ‘ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન’(મુ.), ‘ચોવીશી’ (સ્વલિખિતપ્રત; મુ.), ૯ કડીની ‘રોહિણી તપ-સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં ૫ કડીનું ‘ધર્મજિન-સ્તવન’(મુ.), ૫ કડીની ‘પાર્શ્વનાથજીની હોરી’ અને ૫ કડીનું ‘મલ્લિજિન-સ્તવન’(મુ.) મળે છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ઐસમાલા : ૧; ૩.(શ્રી)ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૪. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૫. જિભપ્રકાશ; ૬. જિસ્તકાસંદોહ : ૨, ૭. જિસ્તમાલા; ૮. જિસ્તસંગ્રહ; ૯. જૈકાપ્રકાશ : ૧; ૧૦. જૈગૂસારત્નો : ૧; ૧૧. જૈપ્રપુસ્તક : ૧; ૧૨. જૈસમાલા(શા) : ૩; ૧૩. જૈસસંગ્રહ(ન); ૧૪. દેસ્તસંગ્રહ; ૧૫. લઘુચોવીશી વીશી સંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, ઈ.૧૯૩૯; ૧૬. સસન્મિત્ર(ઝ);  ૧૭. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘વીરભક્તિ’, સં. નિર્મળાબહેન. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. પાંગુહસ્તલેખો;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

રામવિજ્ય-૪/રૂપચંદ [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છની ક્ષેમકીર્તિ શાખાના જૈન સાધુ. શાંતિહર્ષની પરંપરામાં દયાસિંહ-અભયસિંહના શિષ્ય. જૈન હોવા છતાં સંસ્કૃતનાં શૃંગારપ્રધાન કાવ્યો પર તેમણે લખેલા બાલાવબોધ ધ્યાનાર્હ છે. ‘ભર્તૃહરિશતકત્રય-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૩૧/સં.૧૭૮૮, કારતક વદ ૧૩), ‘અમરુશતક-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૨), ‘ભક્તામરસ્તોત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, જેઠ સુદ ૧૧), ૨૧ કડીના ‘ત્રિપુરાસ્તોત્ર’ પરનો હિન્દી સ્તબક (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, મહા વદ ૨, સોમવાર), ‘સમયસર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, આસો-), ‘નવતત્ત્વ-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૭૮), ‘મહાવીર ૭૨ વર્ષાયુ ખુલાસા-પત્ર’, ‘વિવાહ પડલભાષા’ એમની આ પ્રકારની રચનાઓ છે. એ સિવાય ૪૯૫ કડીનો ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૭૫૮/સં.૧૮૧૪, પોષ સુદ ૧૦), ૯ ઢાળ અને ૪૭ કડીનો ‘નેમિનવરસો’ (મુ.) જેવી રચનાઓ અને ‘આબુયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૫), ‘ફલોધિ પાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૬૭/સં.૧૮૨૩, માગશર વદ ૮), ૧૪ કડીનું ‘અલ્પબહુત્વ-સ્તવન’, ૩૨ કડીનું ‘નયનિક્ષેપા-સ્તવન’, ‘સહસ્ત્રકૂટ-સ્તવન’ જેવાં સ્તવનો પણ તેમની પાસેથી મળ્યાં છે. ‘ગૌતમીય-મહાકાવ્ય’ (ર.ઈ.૧૭૫૧), ‘ગુણમાલાપ્રકરણ’ (ર.ઈ.૧૭૫૮), ‘ચતુર્વિંશતિજિનસ્તુતિ-પંચાશિકા’ (ર.ઈ.૧૭૫૮) તેમની સંસ્કૃત રચનાઓ છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

રામવિજ્ય-૫ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવ/વિજ્યધર્મની પરંપરામાં રંગવિજ્યના શિષ્ય. મૂળ હેમચંદ્રસૂરિના ‘પરિશિષ્ટપર્વ(ત્રિષષ્ટિ)’ના સ્તબક (ર.ઈ.૧૭૪૬/૧૭૭૮) અને મૂળ જિનકીર્તિસૂરિની ઈ.૧૭૭૪ની સંસ્કૃત રચના ‘ધન્યશાલિભદ્ર-ચરિત્ર (દાનકલ્પદ્રુમ)’ પરના ૯ પલ્લવના સ્તબક (ર.ઈ.૧૭૭૭/૧૭૭૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

રામવિજ્ય(મુનિ)-૬ [ ] : જૈન સાધુ. વિજ્યઉદયસૂરિના શિષ્ય. ૧૧ કડીની ગુરુવિષયક ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. તપગચ્છના વિજ્યાણંદસૂરિની પરંપરાના વિજ્યઉદયસૂરિ (અવ.ઈ.૧૭૮૧) અને આ વિજ્યઉદયસૂરિ એક હોય તો આ કર્તાને ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં મૂકી શકાય. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ, ભાગ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]

રામવિજ્ય-૭ [ ] : જૈન સાધુ. પ્રેમવિજ્યના શિષ્ય. ૧૨૯ કડીની ‘અષ્ટપ્રકારીપૂજા’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

રામવિમલ [ઈ.૧૭૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરત્નની પરંપરામાં કુશલવિમલના શિષ્ય. ૬૫ કડીના ‘સૌભાગ્યવિજ્યનિર્વાણ-રાસ’ (સાધુગુણ-રાસ)’ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, ફાગણ વદ ૭; સ્વલિખિતપ્રત) અને ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

રામશંકર [ ] : અવટંકે ભટ્ટ. જ્ઞાતિએ બ્રાહ્મણ. ઢાળ અને સાખી બંધવાળાં ૬ કડવાંના ‘પારવતી-વિવાહ’(મુ.)ના કર્તા. કૃતિ : નકાદોહન. [નિ.વો.]

રામશિષ્ય [ ] : ૫ કડીના ‘સિદ્ધચક્રનું સ્તવન/આંબેલની ઓળીનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. સસન્મિત્ર(ઝ). [શ્ર.ત્રિ.]

રામસિંહ [ઈ.૧૮૪૩ સુધીમાં] : જૈન. ૭ કડીના ‘ચતુર્વિંશતિજિન ગણધર-સ્તવન’ (લે.ઈ.૧૮૪૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

રામા(કર્ણવેધી) [અવ. ઈ.૧૫૩૮] : કડવાગચ્છના જૈન સાધુ. ઈ.૧૫૩૦માં થરાદમાં તેમણે ખીમા શાહથી જુદી પડી કડવામતની જુદી શાખા શરૂ કરેલી. તેમની પાસેથી ‘વીરવિવાહલો/વીરનાહવિવાહલું’ (ર.ઈ.૧૫૩૬/૧૫૩૮), ‘લુંપક હુંડી’ (ર.ઈ.૧૫૩૬) અને ‘પરી પુનાંકો દિએ હુએ પત્ર’ - એ કૃતિઓ મળી છે. સંદર્ભ : ૧. કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન, ૧૯૫૩-‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]

રામાનંદ : આ નામ ‘પંચકોષવર્ણન’ તથા ગુજરાતી-હિન્દી પદો (૩ મુ.) મળે છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.[ચ.શે.]

‘રામાયણ’-૧ : જુઓ કર્મણ(મંત્રી) કૃત ‘સીતાહરણ’.

‘રામાયણ’-૨ [ર.ઈ.૧૮૩૭/સં.૧૮૯૩, માગશર વદ ૯, રવિવાર] : ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક ૨૯૯ કડવાં અને ચોપાઈને નામે ઓળખાવાયેલી વિવિધ દેશીબંધની ૯૫૫૧ કડીની આ આખ્યાનકૃતિ(મુ.) ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમાન્નાટક, પદ્મપુરાણ, અગ્નિપુરાણ, યોગવાશિષ્ઠ, શ્રીમદ્ ભાગવત, હરિવંશ, આનંદરામાયણ વગેરેનો તેમ જ અત્રતત્ર રામચરિતમાનસ, અધ્યાત્મરામાયણ, ગીતાવલી, મહાભારત વગેરેનો આધાર લીધો છે. કવિએ પોતે આધારસ્થાનોનો નિર્દેશ કર્યો છે તેમાં ક્યાંક સરતચૂક પણ થયેલી છે. કવિએ નાકર, શ્રીધર, પ્રેમાનંદ, શામળ, કૃષ્ણાબાઈ, દયારામ એ પુરોગામીઓની પણ અસર, પ્રસંગો અને શૈલી પરત્વે, ઝીલી છે. આ સર્વગ્રાહી સભરતાથી કૃતિ મધ્યકાલીન પરંપરામાં જુદી તરી આવે છે. મૂળ કથાવસ્તુમાં કવિએ કેટલાક ફેરફાર ને કેટલાંક ઉમેરણો પણ કર્યા છે. જેમ કે, અહલ્યાપ્રસંગમાં રામના ચરણસ્પર્શને બદલે રામની ચરણરજ પવનમાં ઊડીને શલ્યાને સ્પર્શી જતાં અહલ્યા થઈ એવું નિરૂપણ કવિ કરે છે. અશ્વમેધવૃત્તાંતમાં નાનકડો મૌલિક વિનોદપ્રસંગ મળે છે : અશ્વ પર બાંધેલા પતરામાં “સ્ત્રીવિપ્રસાધુજન સાથે યુદ્ધ ન કરીશ વીર” લખેલું જોઈ રામનો સાળો લક્ષ્મીનિધિ તાડિકાવધને યાદ કરાવી મશ્કરી કરે છે ત્યારે રામ જવાબ આપે છે કે તમે જનકવિદેહીના પુત્ર વીરરસમાં ન સમજો. રામબાલચરિત્ર તથા અધ્યાત્મ-રામાયણને અનુસરતો તત્ત્વવિચાર એ પણ ગિરધરના આ રામાયણની વિશિષ્ટતા છે. પાત્રો પરત્વે મૂળનું યથાતથ પ્રતિબિંબ ઝીલવાનો કવિએ પ્રયત્ન કર્યો છે પરંતુ કથાપ્રસંગો અનેક ઠેકાણેથી ઉપાડ્યા હોવાથી પાત્રો વાલ્મીકિરામાયણનાં સીધાં અનુકરણ જેવાં ન લાગતાં વૈવિધ્યસભર રેખાઓવાળાં બન્યાં છે. પોતાના સમયની સામાજિકતાનું કવિએ પાત્રોમાં આરોપણ થવા દીધું છે. છતાં પાત્રોના મૂળ વ્યક્તિત્વ જરાય જોખમાતાં નથી. પાત્રો છેક દેવકોટિનાં અને રાક્ષસકોટિનાં નહીં પરંતુ માનવકોટિનાં બની રહ્યાં છે. પ્રતાપી અને ભવ્ય, પાત્રોમાં માનવસહજ નિર્બળતાનો તો દાનવકોટિનાં પાત્રોમાં માનવસહજ લાગણીશીલતાનું કવિએ આલેખન કર્યું છે. માનવીય આકાંક્ષાઓ, ચિત્તવૃત્તિનાં ઘમસાણો, સબળતા-નિર્બળતા વગેરેનું આ આલેખન રસપ્રદ બન્યું છે. કૃતિમાં કરુણ, શાંત, વીર અન શૃંગારરસ મુખ્ય છે. શાંત અને કરુણમાં કવિની પ્રતિભાનો અંશ સવિશેષ જોવા મળે છે. મધ્યકાલીન પરંપરાની અલંકારસમૃદ્ધિ અને વર્ણનસિદ્ધિ પણ આ કૃતિના નોંધપાત્ર અંશો છે. કવિની બાનીમાં સંસ્કૃત અને હિન્દી ભાષાનો પ્રભાવ છે.[દે.જો.]

‘રામાયણ’-૩ [ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦, ગુરુવાર] : ૧૨૫ જેટલાં કડવાં ને ૫૦૦૦ જેટલી કડીઓ ધરાવતી વીકાસુત નાકરની આ કૃતિ ખંડિત રૂપે પ્રાપ્ત થયેલી છે. બાલકાંડ અને અયોધ્યાકાંડ ભેગા થઈ જવાથી એ કુલ ૬ કાંડ ધરાવે છે. છેલ્લા ઉત્તરકાંડનું કર્તૃત્વ નાકરનું હશે કે કેમ એ વિશે શંકા થાય છે, કેમ કે કૃતિનો રચનાસમય પાંચમાં યુદ્ધકાંડને અંતે દર્શાવાય છે. ઉત્તરકાંડમાં ‘ભીમકવિ’, ‘કૃષ્ણભીમ’ એવા ઉલ્લેખો મળે, એમાં વાલ્મીકિ-રામાયણને વળગીને માત્ર કથાસાર આપવામાં આવ્યો છે ને આગળના કાંડો જેવી પ્રવાહિતા એમાં નથી. મૂળ રામકથાને પ્રવાહી અને ભાવવાહી રીતે રજૂ કરતી આ કૃતિમાં કવિએ કથાપ્રસંગોમાં કેટલાક ફેરફારો પણ કર્યા છે. હનુમાન એની માતા અંજનીને રામકથા કહી સંભળાવે છે એવું નિરૂપી એમણે કથાની ભૂમિકામાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે, તે ઉપરાંત કેટલાક પ્રસંગોને એમના મૂળ સાહજિક ક્રમમાં મૂકી સરળતા સાધી છે. જેમ કે, મૂળમાં શ્રવણકથા અયોધ્યાકાંડમાં પાછળથી, પૂર્વે બનેલી ઘટના તરીકે આવે છે, અહીં એ કથાને આગળ લઈ લેવામાં આવી છે. કેટલાક પ્રસંગો કવિએ ટાળ્યા છે, તો કવચિત્ નવા દાખલ કર્યા છે. મહાભારતની હરિશ્ચન્દ્રકથા કવિએ અહીં દાખલ કરી છે, સંભવત: રામ સમક્ષ રજૂ થયેલી દૃષ્ટાંતકથા તરીકે. ભયભીત થતા રાવણને આવેલું સ્વપ્ન, અંગદવિષ્ટિ પ્રસંગે કૃત્રિમ સીતાને સભામાં લાવવી વગેરે કેટલાક પ્રસંગો કવિકલ્પિત જણાય છે. શ્રવણને એની પત્ની સાથે માબાપને રાખવા કે તજી દેવા અંગે સંવાદ થાય છે એવું નાકર આલેખે છે તેમાં પૌરાણિક કૃતિમાં રામકાલીન જીવનના રંગો ભરવાનું એમનું વલણ દેખાય છે. કૃતિમાં હૃદ્ય ભાવનિરૂપણો અવારનવાર મળ્યાં કરે છે-લંકાદહન પછી સીતાના અંગને ઊનો પવન લાગશે તેની ચિંતા હનુમાન કરે છે, સીતાને પ્રાપ્ત કરવા માટે રામનું રૂપ ધારણ કરવાનું સૂચન થાય છે ત્યારે રાવણ પરપત્ની તો માતા લાગે એવો ગૌરવભર્યો ઉત્તર આપે છે વગેરે. લક્ષ્મણ મૂર્છાવશ થાય છે તે વખતનો રામવિલાપ અસરકારક છે, તે ઉપરાંત અયોધ્યાકાંડમાં શબ્દસામર્થ્યથી થયેલું સીતાનું ગાનઆલાપ દ્વારા પોતાનો પ્રભાવ પ્રગટ કરતા મોહિનીરૂપ શ્રીહરિનું, રામના સ્વાગત માટેની અયોધ્યાના નગરજનોની તૈયારીનું, ભાવોચિત ઢાળનો વિનિયોગ કરીને થયેલું વાનરસેનાધિપતિઓની ઓળખાણવિધિનું વગેરે વર્ણનો પણ મનોરમ છે. રામસીતાદિ પાત્રોનું ચિત્રણ સુરેખ થયું છે. પ્રેમાનંદને-ખાસ કરીને ‘રણયજ્ઞ’માં-આ કૃતિએ કેટલીક સામગ્રી પૂરી પાડેલી જણાય છે.[ચિ.ત્રિ.]

રામૈયો-૧ [ઈ.૧૮૩૬ સુધીમાં] : કારતકથી આસો સુધીના મહિનામાં સીતાવિયોગને આલેખતા ને રામના મિલનના આનંદ સાથે પૂરા થતા ૧૨/૧૩ કડીના ‘સીતાજીના બારમાસા’ (લે.ઈ.૧૮૪૧ લગભગ; મુ.)ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રોતની સંકલિત યાદી’ ‘રાધાકૃષ્ણના બારમાસ’ (લે.ઈ.૧૮૩૬), ‘ગૂજરાત પ્રાન્તના જૂના કવિઓ વિશેની હકીકત’ ‘દસ અવતારની લીલા’ એ કૃતિઓ આ કર્તાની ગણે છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૫; ૨. ભસાસિંધુ : ૨; ૩. સીતાજીના મહિના, પ્ર. બાલાભાઈ નગીનભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે; ૪. ફૉહનામાવલિ. [ચ.શે.]

રામૈયો-૨ [ ] : સાદળના શિષ્ય. પદો (૧ મુ.)ના કર્તા. કૃતિ : અભમાલા. [ચ.શે.]

રામૈયો-૩ : જુઓ વેલાબાવાના શિષ્ય રામ-૯.

રામો [ ] : જ્ઞાન-વૈરાગ્ય અને સંતસમાગમનો ઉપદેશ આપતા ૧૦૭ છપ્પા(મુ.) અને ૩૪ કડીના ‘કક્કા’(મુ.)ના કર્તા. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮. [ચ.શે.]

રાય : આ નામે કુંડરિક અને પુંડરિક એ ભાઈઓના વિલાસ અને સંયમની કથા કહેતી ૪ ઢાળની ‘કુંડરિક-પુંડરિકની સઝાય’(મુ.) મળે છે. અહીં કર્તાનામ ‘રાયચંદ’ પણ હોવાની સંભાવના છે, પરંતુ આ કયા ‘રાયચંદ’ છે એ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : જૈસસંગ્રહ(જૈ)(+સં.).[કી.જો.]

રાયચંદ-૧ : જુઓ સમરચંદ્રશિષ્ય રાજચંદ્ર-૧. રાયચંદ-૨ [ઈ.૧૬૨૫માં હયાત] : જૈન સાધુ. પદ્મસાગરની પરંપરામાં ગુણસાગરના શિષ્ય. ૮૮ કડીના ‘વિજ્યશેઠ-વિજ્યાસતી-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૨, કારતક સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]

રાયચંદ-૩ [ઈ.૧૭૪૧માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ભાગચંદની પરંપરામાં ઋષિ ગોવર્ધનજીના શિષ્ય. ૪૮ કડીની ‘અવંતિસુકુમાલ-ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ અમાસ), ‘થાવચ્ચાકુમારનું ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૩૯ કે ૧૭૪૧/સં. ૧૭૯૫ કે ૧૭૯૭, આસો સુદ ૧૦; મુ.) તથા ૨૧ કડીની ‘મેઘરથરાજાની સઝાય’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, માસ ખમણ દિવસ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. રત્નસાર : ૨; ર.પ્ર.શા.હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૨. સજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]

રાયચંદ(ઋષિ)-૪ [ઈ.૧૮મી સદી] : લોંકાગચ્છના જૈન સાધુ. ભૂધરજીની પરંપરામાં જેમલજીના શિષ્ય. ‘ચિત્તસમાધિ/દર્શન-પચીસી’ (ર.ઈ.૧૭૭૭; મુ.), ‘લોભ-પચીસી’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, આસો સુદ-; મુ.), ‘જ્ઞાન-પચીસી’ (ર.ઈ.૧૭૭૯; મુ.), ૨૭ કડીની ‘જોબન-પચીસી’ (ર.ઈ.૧૭૮૪) તથા ‘કપટ-પચીસી’ આ ૫ પચીસીઓ; ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૧/સં.૧૮૩૬, આસો સુદ ૫), ૬૨ ઢાલની ‘મૃગલેખાની ચોપાઈ/મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, ભાદરવા વદ ૧૧), ૨૮ ઢાલની ‘નર્મદાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૫/સં.૧૮૪૧, માગશર-) તથા ‘નંદન-મણિહાર-ચોપાઈ’; ૪ ઢાલ અને ૪૫ કડીની ‘મરુદેવી-માતાની ઢાળો/સઝાય’ (ર.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫ જેઠ-; મુ.), ‘અષાઢભૂતિની પાંચ ઢાલની સઝાય’ (ર.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, આસો વદ ૧૦; મુ.), ૬ કડીની ‘ચંદનબાલા-સઝાય’, ૪ ઢાળની ‘ચેતનપ્રાણીની સઝાય’, ૧૬ કડીની ‘વાદ-સઝાય’(મુ.), ‘સીતાસમાધિની સઝાય’, ૨૧ કડીની ‘નાલંદા પાડાની સઝાય’(મુ.) વગેરે સઝાયો; ‘રાજિમતી રહનેમિનું પંચઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫ આસો-; મુ.), ૬ ઢાળની ‘ચેલણા-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૬૪/સં.૧૮૨૦ વૈશાખ સુદ ૬; મુ.), ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘આઠ પ્રવચનમાતા-ચોપાઈ/ઢાલ’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, ફાગણ વદ ૧; મુ.), ‘દેવકી-ઢાલ’ (ર.ઈ.૧૭૮૩) આદિ ઢાળિયાં; તેમ જ ‘વીરજિન-છંદ’ (ર.ઈ.૧૭૭૭; મુ.), ‘ગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૭૭૮/સં. ૧૮૪૫, ભાદરવા સુદ ૯; મુ.), ૪૭ ઢાળનું ‘ઋષભ-ચરિત્ર (ર.ઈ.૧૭૮૪/સં.સં. ૧૮૪૦ આસો સુદ ૫), ‘મહાવીરજિનદિવાળી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૯; મુ.), ૧૩ અને ૧૫ કડીનાં ‘મરૂદેવીમાતાનાં ૨ સ્તવન’ (ર.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, કારતક વદ ૭ અને ર.ઈ.૧૭૯૪/દ્બટ.૧૮૫૦, જેઠ-; મુ.), ૧૯ કડીનું ‘શિવપુરનગરનું સ્તવન’ (ર.ઈ.૧૭૬૪; મુ.), ૧૬ કડીનું ‘આઠજિનવરનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૦; મુ.), ‘સીમંધર-સ્તવન’ (ર.ઈ.૧૭૮૦; મુ.) તથા હિન્દીમિશ્ર રાજસ્થાની ભાષામાં રચેલી નાનીમોટી અનેક કૃતિઓ આ કવિ પાસેથી મળી છે. કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ સેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈરસંગ્રહ; ૩. જૈસમાલા(શા) : ૧, ૨; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૬. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (૭મી આ.); ૭ વિવિધ રત્નસ્તવનસંગ્રહ : ૩, સં. ગોવિંદરામ ભી. ભણસાલી, ઈ.૧૯૨૪; ૮. શ્રાવક સ્તવનસંગ્રહ : ૨, ૩, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૯. સસન્મિત્ર (ઝ) સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

રાયદાસ[ ] : ‘કૃષ્ણલીલાનાં પદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]

રાયભદ્ર : જુઓ રાજભદ્ર.

રાયમલ(બ્રહ્મ) [ઈ.૧૬મી કે ૧૭મી સદીમાં હયાત] : જૈન સાધુ. ‘નેમીશ્વર-ફાગ’ (ર.ઈ.૧૬મી કે ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુ-કાવ્ય’, અગરચંદ નાહટા.[કી.જો.]

રાવજી [ઈ.૧૬૪૮માં હયાત] : જૂનાગઢના વડનગરા નાગર ગૃહસ્થ. ‘વિનતિ’ (ર.ઈ.૧૬૪૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી.[નિ.વો.]

‘રાવણમંદોદરી-સંવાદ’-૧ : કવિ શામળની ૨૦૪ કડીની (મુ.) રચના. એ ‘અંગદવિષ્ટિ’ના અનુસંધાન રૂપે કવિએ લખી હોવાનું અનુમાન સં. ૧૮૦૮ની રચ્યાસાલવાળી હસ્તપ્રતમાં ‘અંગદવિષ્ઠિ’ના અંત સાથે એની આરંભની ૨૦-૨૨ કડીઓ જોડી દેવામાં આવી છે તે પરથી બાંધવાનું મન થાય. બીજી રીતેય, એમાં પ્રયોજાયેલા ‘અંગદવિષ્ટિ’ના જેવા જ છંદોને એ સંવાદકૌશલની એવી જ અને બીજી વિશિષ્ટ ઝલકને કારણે એ ‘અંગદવિષ્ટિ’ના જોટાની રચના પ્રતીત થાય છે. રામ વાનરસેના સાથે લંકા પર ચડી આવ્યાની પૂર્વકથા કૃતિનો પૂરો અર્ધો ભાગ રોકે છે. ઉત્તરરાર્ધના અર્ધા ભાગમાં કૃતિને સાર્થનામ ઠરાવતો રાવણ અને મંદોદરી વચ્ચેનો સંવાદ એના બાકીના અર્ધા ભાગમાં પ્રજાના અઢારે વર્ણના પ્રતિનિધિઓની સીતા પાછાં સોંપવા સંબંધમાં રાવણને મળતી સલાહ આવે છે. આમ, આ કૃતિ પોતાની રીતે સ્વતંત્ર ઊભી રહી શકે છતાં એકબીજા સાથે અનુસંધિત થઈ શકે એવા ત્રણ ભાગ કે ખંડની સંમિશ્રિત ત્રિમૂર્તિ બની છે. એનો સૌથી રસિક ભાગ એનો છેવટનો ત્રીજો ભાગ છે. એનો પ્રધાન રસ વિનોદનો છે. એ વિનોદ શામળની વાર્તાઓમાં આવતી સમસ્યાઓના બુદ્ધિવર્ધક મનોરંજન કરતાં જુદા પ્રકારના લોકરંજક ચાતુર્યનો છે. વિપ્ર, વૈશ્ય, કણબી, સઈ, એમ બધા વ્યવસાયીઓના કુલ ૫૮ પ્રતિનિધિઓની રાવણને અપાતી સલાહમાં દરેકની દલીલ તથા દૃષ્ટાંત પોતપોતાના વ્યવસાયની લાક્ષણિકતામાંથી આવતાં બતાવી, તેમાં લોકાનુભવી નીપજ જેવી કહેવતો કે ઉક્તિઓનો ઉપયોગ કુશળતાથી કરી લઈ, શામળે પોતાની વિનોદરસિકતા સાથે લોકનિરીક્ષણ અને કહેવતોની પોતાની જાણકારીનો સારો પરિચય કરાવ્યો છે. “એક તો નામ શ્રીરામજી કેરું, બીજો અક્કલ થકી ઉખાણો” અને “જેને જેહ વણજ તે સૂઝે’(૧૭૬)’ એ કવિની પંક્તિઓ કવિએ શું સાધવા માગ્યું હતું અને સફળતાપૂર્વક સાધ્યું છે તે બતાવી આપે છે. “ભીખ તેને પછી ભૂખ શાની?” (વિપ્ર), “ક્યાં ગોલાને ઘેર ગાયો હતી ?” (ગોલો), “પાન ખાઈ મુખ કરીએ રાતું” (તંબોળી), “હડબડવું નહીં, હિંમત રાખવી, તેલ જો તેલની ધાર જો રે”(ઘાંચી), “નાચવા બેઠો ત્યાં ઘૂંઘટો શાનો”(ભવાયો), “શું ઘડો કે ઘેડ ઊતરશે, ચાક ઉપર હજી પિંડો છે”(કુંભાર)-આના જેવા આ કૃતિના અનેક પંક્તિખંડો આગળની વાતને ટેકો આપશે. કહેવતો અને અનુભવમૂલક લોકોકિતઓના વિનિયોગ અને પ્રદર્શનની માંડણ, શ્રીધર, અખાજી જેવા પુરોગામીઓની પ્રણાલી શામળે આમ પોતીકી વિશિષ્ટતા સાથે આમાં લંબાવી કહેવાય. કાવ્યની છેલ્લી લીટીઓ એમ સૂચવે છે કે રાવણે રાત્રિચર્યામાં પ્રજાજનોને સીતા-પ્રકરણમાં પોતાને વિશે આમ બોલતાં સાંભળ્યા છે. એમાં કેટલાક ઉદ્ગારો રાવણની ઇતરાજી વહોરી લે એવા હોઈ ભરસભામાં રાવણને તે કહેવાયા હોય એ બહુ સંભવિત ન લાગે.[અ.રા.]

‘રાવણમંદોદરી-સંવાદ’-૨ [ર.ઈ.૧૫૦૯] : શ્રીધર અડાલજાની મૂળ પ્રસંગને આલેખતી અષ્ટપદી ચોપાઈની ૨૦૪ અને અંતે પૂર્વછાયામાંની ચોપાઈની ૫ કડી મળી કુલ ૨૦૯ કડીની આ કૃતિ(મુ.) માંડણની “પ્રબોધ-બત્રીશી” જેવી ઉખાણાગ્રથિત રચના છે. કાવ્યનો પ્રસંગ તો મંદોદરી રાવણને રામ સાથે યુદ્ધ ન કરવા માટે સમજાવે છે એ છે, પરંતુ “કરિસી કવિત ઉખાણી કરી” એમ પ્રારંભમાં અને “મઈં ઉખાણા અતિ ઘણા, કીધા કવિત મઝારિ” એમ કાવ્યના અંતમાં કહી કાવ્યરચનાનો પોતાનો ઉદ્દેશ કવિએ સ્પષ્ટ કરી દીધો છે. એટલે દરેક કડીમાં ઓછામાં ઓછું ૧ ઉખાણું (-રૂઢોક્તિ) અને વધુમાં વધુ ૩-૪ ઉખાણાં વક્તવ્યમાં ગૂંથી લેવાયાં છે. યમકનો આશ્રય લઈ દરેક કડીના પ્રારંભના શબ્દને આગલી કડીના છેલ્લા શબ્દ સાથે સાંકળી રચનાબંધને બીજી રીતે પણ કવિએ વિશિષ્ટ બનાવ્યો છે. મંદોદરીની સમજાવટ અને રાવણનો એ સમજવા માટે ઇનકાર એ રીતે જ લગભગ આખું કાવ્ય ચાલે છે, પરંતુ બંને વચ્ચેનો સંવાદ ધીમે ધીમે ઉગ્ર બનતો જઈ આખરે રાવણ મંદોદરીને મારી નાખવા તત્પર બને છે ને મયદાનવ મંદોદરીને છોડાવે છે અને ત્યારે પણ રાવણ બ્રહ્માની સમજાવટને ગણકારતો નથી. છેલ્લી ૩ ચોપાઈ કવિના કથનમાં ચાલે છે તેમાં રાવણની હત્યા, રામનું અયોધ્યામાં આગમન વગેરેનું સંક્ષેપમાં કથન થયું છે. કૃતિમાં ઉખાણાં ગૂંથવાનો ઉપક્રમ મુખ્ય હોવાને લીધે પાત્રના ગૌરવને ઉચિત ન હોય એવી ઉક્તિઓ સંવાદમાં આવે છે. જેમ કે, રાવણ મંદોદરીને “તું ઘર ઘણાં તણી પરુહણી”, “માંડ રાંડ થવા સાદરી, કરિ કાલુ મુખ પીહરિ જઈ” કે “સુંખિણી, સાપિણી નિ પાપિણી એ ત્રિણી ન હુઈ આપણી” જેવી ઉક્તિઓથી આવેશમાં આવી નવાજે છે અને મંદોદરી પણ ક્યારેક “લંપટ લાજવિહુણો લવઈ” ને “માઈ ન માસી ગાધિ ગોત્ર” એવું રાવણ માટે કહી નાખે છે, પરંતુ મંદોદરીની ઉક્તિઓ વિશેષત: મર્યાદા છોડતી નથી. એની સામે રાવણ પ્રાકૃત કોટિના પતિ જેવો જ વિશેષ લાગે છે. જો કે ઉખાણાં દૃષ્ટાંતરૂપ બની ઘણી જગ્યાએ અસરકારક બની આવે છે. સ્ત્રીની નિર્બળતાને બતાવવા માટે રાવણ કહે છે, “બોહડ માહિ વશી દાદુરી, સોય કિમ જાણિ સાગર તરિ?” તો પોતાને છોડી સીતા પાાછળ ગાંડા થયેલા રાવણને મંદોદરી કહે છે, “ખાજાં લાડુ પગિ ખેસવી, રાવણ રાબ રંધાવિ નવી”. આમ તે સમયની લોકભાષાને જાણવા માટે કૃતિ ધ્યાનપાત્ર છે.[જ.ગા.]

રાવો(ભક્ત) [ ] : અંબાજીની સ્તુતિના ગરબા (૭ મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય, તથા શક્તિકાવ્ય, સં. શેઠ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે, ઈ.૧૯૨૩; ૨. બૃકાદોહન : ૫. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી.[નિ.વો.]

‘રાસલીલા’ : વૈકુંઠદાસની ચોપાઈના ચાલ અને દોઢનાં બનેલાં ૩૯ પદોની આ કૃતિ(મુ.)માં ભાગવતના ‘રાસપંચાધ્યાયી’ના પ્રસંગ પર આધારિત કૃષ્ણ-ગોપીની રાસલીલાનો પ્રસંગ આલેખાયો છે. કથન, વર્ણન ને સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં પ્રારંભથી અંત સુધી પ્રસંગકથન પર કવિની સતત નજર રહી છે. એટલે કૃષ્ણની વાંસળી સાંભળી ગોપીઓનું ઘરકામ ને સ્વજનોને છોડી શરદપૂનમની મધ્ય રાત્રિએ વનમાં ચાલી નીકળવું, ગોપીઓને ઘરે પાછા ફરવા માટે કૃષ્ણે વિનંતિ કરવી, ગોપીઓએ શોકાકુળ બની પ્રત્યુત્તર આપવો, કૃષ્ણનું ગોપીઓ સાથે રાસ રમવું, ગોપીઓના મનમાં અભિમાન જાગવાથી કૃષ્ણનું અંતર્ધાન થઈ જવું, ગોપીઓનું વિરહવ્યાકુળ બની કૃષ્ણને શોધવું ને વિલાપ કરવો, કૃષ્ણનું પુન: પ્રગટ થવું, પોતા પ્રત્યેનો સાચો સ્નેહ કોને કહેવાય તે ગોપીઓને સમજાવવું અને ગોપીઓ સાથે રાસ રમવું-એ બધી ઘટનાઓ કવિ આલેખે છે. પરંતુ પ્રસંગકથન કરતા કરતા કવિ વર્ણનની તક જવા દેતા નથી. વ્યાકુળ ગોપીઓ, ગોપીઓનો શણગાર, કૃષ્ણ-ગોપી-રાસનાં ઔચિત્યપુર:સર વર્ણનો કરી કવિએ કૃતિને રસાવહ બનાવી છે. પ્રાસ-અનુપ્રાસ, અલંકારો ને સંસ્કૃતમય ભાષાના શિષ્ટ પોતનો પણ કૃતિને આસ્વાદ્ય બનાવવામાં મહત્ત્વનો ફાળો છે. દોઢના પ્રથમ શબ્દને ચાલના અંતિમ શબ્દ સાથે સાંકળી કવિએ પદને સુબદ્ધ બનાવ્યું છે.[જ.ગા.]

રાસો (ભક્ત) [ ] : અંબા માતાની સ્તુતિ કરતી ૫ કડીની ૧ ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.[શ્ર.ત્રિ.]

રાંકૈઓ [ઈ.૧૮૪૩ સુધીમાં] : પદો (લે.ઈ.૧૮૪૩)ના કર્તા. સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨. ફૉહનામાવલિ. [નિ.વો.]

રાંમ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પારસી કવિ. ભરૂચના વતની. કાન્હક્ષ/કાંહનાનના પુત્ર. રામયાર તરીકે પણ જાણીતા ને પારસી ધર્મગ્રંથોના અભ્યાસી આ વિદ્વાન દસ્તૂરે જરથૂસ્ત પયગંબરના જીવનના કેટલાક પ્રસંગોનું ચોપાઈની ૪૩૬ કડીઓમાં નિરૂપણ કરતા ‘જરથૂસ્ત પયગમ્બરનું ગીત’ (ર.ઈ.૧૫૧૬ અનુ.) કાવ્યની રચના કરી છે. ગેયતત્ત્વવાળી આ કૃતિ ૧૬મા શતકના પારસી સમાજનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત એમણે ‘સદ્દરે નસર’ નામના ફારસી ગ્રંથનો આશરે ઈ.૧૫૫૯માં પહેલીવાર ગુજરાતી અનુવાદ કર્યો છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા (૧-૨), પેરીન દારા ડ્રાઇવર, ઈ.૧૯૭૪, ઈ.૧૯૭૯. [ર.ર.દ.]

રિખભરિખભ : જુઓ ઋષભ. રિધિપર્વત [ ] : જૈન. ૬૦ ગ્રંથાગ્રની ‘બારવ્રત-સઝાય’ના કર્તા. કૃતિ રિધિપર્વતને નામે નોંધાયેલી છે પણ તે નામ શંકાસ્પદ લાગે છે. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.[ગી.મુ.]


રિદ્ધિ : જુઓ ઋદ્ધિ-.

ચોવીસીજિન-ગુણમાલા [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ૫૪ કડીની ‘ચોવીસીજિન-ગુણમાલા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા. સમયની દૃષ્ટિએ ભાનુચંદ્ર કરમોચકના શિષ્ય ઋદ્ધિચંદ્ર જેમણે ઈ.૧૬૩૯માં ‘મેતરાજ-સઝાય’ રચી હતી એ અને આ કવિ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]


રિદ્ધિવિજ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘આત્મશિક્ષા-સઝાય’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ગી.મુ.]

‘રુક્મિણીહરણ’-૧v x [ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, મહા સુદ ૧૩, શુક્રવાર] : દેવીદાસ ગાંધર્વનું ૩૦ કડવાં ને ૫૫૪ કડીઓમાં રચાયેલું આ આખ્યાનકાવ્ય (મુ.) ગુજરાતીની રુક્મિણીવિષયક કૃતિઓમાં નોંધપાત્ર લેખાય એવું છે. ભાગવતકથાને અનુસરતા આ કાવ્યમાં કવિએ પાત્ર અને પ્રસંગોનાં વર્ણનોને બહેલાવ્યાં છે, જેમાં ગુજરાતીતાના અંશો પણ ઠીકઠીક દાખલ થયાં છે. શિશુપાલ સાથે વિવાહ નક્કી થતાં રુક્મિણીના મનમાં જાગતી નિરાશાની ને કૃષ્ણવિયોગની ને પછી કૃષ્ણના પત્ર દ્વારા મળતાં સધિયારાથી થતી એની પ્રસન્નતાની મનસ્થિતિઓનાં ને લગ્નસહજ રુક્મિણીના દેહસૌન્દર્યનાં તેમ જ સૈન્ય, યુદ્ધ, લગ્નોત્સવ આદિનાં રોચક વર્ણનોથી આખ્યાનમાં વીર, શૃંગાર ને હાસ્યરસના નિરૂપણને સારો અવકાશ મળ્યો છે. કથાના ભાવ-અંશોને ઉપસાવી આપતા મધુર સુગેય દેશીબંધો ને ખૂબ લોકપ્રિય થયેલાં લગ્નગીતો આ આખ્યાનની મોટી વિશેષતા છે. અલંકારોનો કવિએ વ્યાપક ઉપયોગ કર્યો છે ને એમની નિરૂપણશૈલીમાં લાલિત્ય છે.[ર.સો.]

‘રુક્મિણીહરણ’-૨  : ભગવતની રુક્મિણીહરણની કથા પર આધારિત ને દેવીદાસના ‘રક્મિણીહરણ’ની અસર ઝીલતું પ્રેમાનંદનું આ જો કે મધ્યમકક્ષાનું આખ્યાન (મુ.) છે, પરંતુ ગુજરાતીમાં રચાયેલી રુક્મિણીહરણવિષયક કથાને આલેખતી કૃતિઓમાં અવશ્ય નોંધપાત્ર છે. પ્રેમશૌર્યની આ કથામાં પ્રારંભનાં ૧૨ કડવાંમાં કવિએ કૃષ્ણ અને શિશુપાલ વચ્ચે રુક્મિણી માટે થનાર યુદ્ધની ભૂમિકા તૈયાર કરી છે અને એ ભૂમિકા તૈયાર કરવામાં નારદમુનિના પાત્રને કલહપ્રિય બતાવ્યું છે. ૧૩થી ૧૮ કડવાં સુધી કૃષ્ણ અને બલરામના પહેલાં શિશુપાલ સાથે અને પછી રુક્મૈયા સાથેના યુદ્ધની કથા છે. અંતિમ ૭ કડવાંમાં કૃષ્ણ-રુક્મિણીનો લગ્નોત્સવ આલેખાયો છે. કૃતિના પ્રારંભમાં રુક્મિણીની કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઉત્સુકતા એ કૃષ્ણ સાથે થયેલા વિવાહ ફોક થવાથી જન્મેલા સંતાપમાંથી કવિએ કેટલુંક વિપ્રલંભનું આલેખન કરવાની તક મેળવી લીધી છે, તો પણ શૃંગાર નહીં, વીર જ આખ્યાનનો મુખ્ય રસ છે. શિશુપાલ અને રુકમૈયા સાથેના યુદ્ધનું વર્ણન કવિનાં અન્ય યુદ્ધવર્ણનોમાં બહુધા બને છે તેમ અહીં પણ હાસ્યના રંગથી રંગાયેલું છે. ખરેખર તો કવિનું રસજમાવટ કરવાનું કૌશલ અહીં ઓછું છે. રુક્મિણીના વિવાહ કોની સાથે કરવા એ બાબત પિતા-પુત્ર વચ્ચે પડેલા ઝઘડા વખતે “આ ઘર-વઢવાડે વિનાશ થાશે” કહી ઝઘડો શાંત પાડતી રુક્મિણીની માતા, રુક્મૈયાને મારી નાખવા કૃષ્ણ તૈયાર થાય ત્યારે “એને મારો તો તાતની આણ રે” કહી ભાઈને બચાવતી રુક્મિણી કે કૃષ્ણ સાથે નાસી આવેલી રુક્મિણીના મનમાં લગ્ન વખતે માતાપિતાની ખોટ સાલતી હતી તેને દૂર કરવા શંકર-પાર્વતીએ આપેલું રુક્મિણીનું કન્યાદાન વગેરે સ્થાનોએ પ્રસંગો ને પાત્રોને કવિ કેવી સહજ રીતે ગુજરાતી બનાવે છે તે અનુભવાય છે. ‘દશમસ્કંધ’ અંતર્ગત ૨૦ કડવાંમાં પ્રેમાનંદે નિરૂપેલી રુક્મિણીવિવાહની અધૂરી કથા કાવ્યગુણમાં આ આખ્યાન કરતાં ચડિયાતી છે. એટલે ઉમાશંકર જોશી આ આખ્યાનના પ્રેમાનંદકર્તૃત્વ વિશે શંકા સેવે છે, પરંતુ એ સિવાય એને પ્રેમાનંદનું ન માનવા માટે બીજું કોઈ ચોક્કસ પ્રમાણ અત્યારે ઉપલબ્ધ નથી. [જ.ગા.]

રુચિરવિમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. માનવિમલની પરંપરામાં ભોજવિમલના શિષ્ય. ૩૩ ઢાલના ‘મત્સ્યોદર-રાસ’ (ર.ઈ.૧૬૮૦) તથા ‘સ્તવન-ચોવીશી’ (ર.ઈ.૧૭૦૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૨; ૬. મુપુગૂહસૂચી.[ગી.મુ.]

રુસ્તમ  : જુઓ રૂસ્તમ.

રૂખડ  : આ નામે ગણપતિની સ્તુતિ કરતું ૫ કડીનું ૧ પદ (મુ.) મળે છે. તેની અંતિમ પંક્તિમાં “દશનામ ચરણે ભણે રૂખડિયો”માં ‘દશનામ’ શબ્દ ગુરુનું નામ સૂચવે છે કે બીજું કંઈ તે સ્પષ્ટ થતું નથી. બીજા ગુરુમહિમાના ૫ કડીના ભજન(મુ.)માં “વાઘનાથ ચરણે બોલ્યો રૂખડિયો” એવી પંક્તિ મળે છે. તેમાં ‘વાઘનાથ’ ગુરુનામ હોવાની સંભાવના છે. હિંદીની છાંટવાળું ૬ કડીનું બીજું વૈરાગ્યભાવનું ભજન પણ આ નામે મળે છે. એ ત્રણેના કર્તા રૂખડ એક જ છે કે જુદા તે સ્પષ્ટ કહી શકાતું નથી. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ૧૯૫૦ (છઠ્ઠી આ.). [કી.જો.]

રૂઘનાથ-૧ : જુઓ રઘુનાથ-૧.

રૂઘનાથ-૨  : જુઓ રઘુપતિ.

રૂઘનાથ-૩ [ઈ.૧૮૦૬માં હયાત] : પિતાનામ વાઘજી. દેવસ્થળના વડનગરા નાગર બ્રાહ્મણ. ઈ.૧૮૫૮માં લીથોમાં છપાયેલ ‘પ્રહ્લાદના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૮૦૬/સં.૧૮૬૨, વૈશાખ સુદ-)ના કર્તા. પ્રસ્તુત કૃતિના ૫૭૦ ચંદ્રાવાળા (આશરે ૩૪૨૦ પંક્તિઓ)માં શિશુપાલથી પ્રહ્લાદના રાજ્યશાસન સુધીની કથા રજૂ થઈ છે. કૃતિ : પ્રહ્લાદના ચંદ્રવાળા,-. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગુસારસ્વતો;  ૩. કદહસૂચિ; ૪. ગૂહાયાદી.[ચ.શે.]

રૂઘનાથ(ઋષિ)-૪ : જુઓ રઘુનાથ-૩.

રૂપ/રૂપો : આ નામે માતાજીની સ્તુતિ કરતાં ૬-૬ કડીનાં ૨ પદ(મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે. તો ‘આબુજીનો છંદ’ (લે.સં. ૧૯મી સદી), ૧૧૨/૧૧૩ કડીનો ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૫૪), ૮ કડીની ‘રહનેમિની સઝાય’ (મુ.) અને ૮ કડીની હિંદી કૃતિ ‘નેમિનાથ-ધમાલ’(મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આમાંની ૮ કડીની ‘રહનેમિની સઝાય’ને કેટલાક સંદર્ભો રૂપવિજ્ય-૨ની માને છે પણ એ માટે નિશ્ચિત આધાર નથી. આ બધી કૃતિઓ કયા રૂપ/રૂપોની છે એ વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૫. સસન્મિત્ર (ઝ) સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. રાપુહસૂચી : ૪૨; ૫. રાહસૂચી : ૧; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો. , કી.જો.]

રૂપ-૧ [ઈ.૧૮૩૨માં હયાત] : નાગોરી લોંકાગચ્છના જૈન સાધુ. ‘૨૮ લબ્ધિ-પૂજા’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, માગશર સુદ ૧૨)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ આ કવિ રૂપચંદ-૩ હોવાનું અનુમાન કર્યું છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]

રૂપચંદ/રૂપચંદ્ર : આ નામે ૯ ઢાલ અને ૪૭ કડીમાં નેમરાજુલકથાના મુખ્ય પ્રસંગ-અંશોને ટૂંકમાં પણ પ્રાસાદિક અને રસાવહ રીતે આલેખતી ‘નેમિનાથ નવરસો’ (લે.ઈ.૧૭૮૯;મુ.), ૫ કડીની ‘નેમજીનો ચોમાસો’(મુ.), ૨૧ કડીની ‘વૈરાગ્યની સઝાય’, ૨૦ કડીની ‘સારશિખામણ-સઝાય’, ઋષભદેવ, મહાવીર, સુવિધિનાથ પરનાં કેટલાંક સ્તવનો(મુ.), ‘દોહા શતક’ (લે.ઈ.૧૮૧૫), ૮ કડીની ‘ભક્તવત્સલ મહાવીર’(મુ.), ૭ કડીની ‘વીર નિર્વાણ-ગૌતમનો પોકાર’(મુ.), હિંદીમાં ‘આમલ કી ક્રીડા’(મુ.), ‘વૈરાગ્યોપદેશક-સઝાય’(મુ.), ‘નેમ રાજુલની હોરીનું પદ’, ‘પટ્ટાવલી’, ‘નેમિજીનો વિવાહ’, ‘પંચકલ્યાણ પૂજાનું મંગલ’ તથા રાજસ્થાનીમાં લખાયેલી ૨ ‘આત્મબોધની સઝાય’ (લે.ઈ.૧૭૮૯) મળે છે. ૫ કડીની ‘મનને શિખામણની સઝાય’(મુ.) તથા ઋષભજિન, મહાવીર, પાર્શ્વજિન પરનાં કેટલાંક સ્તવનો ‘રૂપચંદ કહે નાથ નિરંજન’ એ પ્રકારની નામછાપથી જુદાં પડે છે. ૧૧૯ ગ્રંથાગ્રની ‘પરમાર્થ દોહરા’ એ રચના ‘પંડિત રૂપચંદ’ નામછાપ દર્શાવે છે. પ્રસ્તુત બધી જ કૃતિઓના કર્તા કયા રૂપચંદ છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ ૭ કડીની ‘નેમ-પદ’, ૨૦ કડીની ‘નેમ રાજિમતી-ગીત’, ૬ કડીની ‘પાર્શ્વજિન(ગોડીજિન)-ગીત’, ૩ કડીની ‘સંભવજિન-ગીત’ અને ૩ કડીની ‘સુવિધિજિન-ગીત’ આ કૃતિઓને રૂપચંદ(મુનિ)-૪ને નામે મૂકે છે પણ તે માટે નિશ્ચિત આધાર મળતો નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. જૈસમાલા(શા) : ૩; ૬. જૈસસંગ્રહ(ન);  ૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘મહાવીરનું પરોપકારી જીવન’, કાપડિયા નેમચંદ ગી; ૮. એજન, ઑક્ટો. નવે. ૧૯૧૪-. સંદર્ભ : ૧. મસાપ્રકારો;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ડિકૅટલૉગબીજે; ૪. ફૉહનામાવલિ; ૫. મુપુગૂહસૂચી; ૬. રાપુસૂચી : ૪૨; ૭. રાહસૂચી : ૧; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

રૂપચંદ-૧ : જુઓ દયાસિંહશિષ્ય રામવિજ્ય.

રૂપચંદ્ર(પાઠક)-૨ [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીના ‘જિનલાભ-સૂરિ-ગીત’(મુ.)ના કર્તા. જિનલાભસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૭૮)ના સમયને આધારે આ કવિ ઈ.૧૮મી સદીમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિવિજ્ય (+સં.). [ર.સો.]

રૂપચંદ(બ્રહ્મ)-૩ [ઈ.૧૭૪૫માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. અનુપમચંદના શિષ્ય. ‘કેવલ સત્તાવની’ (ર.ઈ.૧૭૪૫/સં.૧૮૦૧, મહા સુદ ૫), ‘બંગલાદેશ-ગઝલ’ અને હિંદી કૃતિ ‘લઘુબ્રહ્મ-બાવની’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]

રૂપચંદ(મુનિ)-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. મેઘરાજના માનસિંઘશિષ્ય-કૃષ્ણમુનિના શિષ્ય. આ કવિએ ૪૧ ઢાલની ‘શ્રીપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ફાગણ વદ ૭, રવિવાર), ‘ધર્મપરીક્ષાનો રાસ’ (ર.ઈ.૧૮૦૩/સં.૧૮૬૦, માગશર સુદ ૫, શનિવાર), ૧૩ ઢાળની ‘પંચેન્દ્રિય-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૭/સં.૧૮૭૩, વૈશાખ સુદ ૮, રવિવાર; મુ.), ૩૪ ઢાલની ‘રૂપસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, શ્રાવણ સુદ ૪, ગુરુવાર), વિક્રમના સમયના, અદ્ભુતરસિક લોકકથાના અંબડ નામના પાત્રનું ચિત્ર આલેખતી, ચોપાઈ બંધના ૮ ખંડમાં રચાયેલી ‘અંબડ-રાસ’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, જેઠ સુદ ૧૦, બુધવાર) તથા ‘સમ્યકત્વકૌમુદી કથા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૬) એ કૃતિઓની રચના કરી છે. કવિની ભાષા પર રાજસ્થાનીનો પ્રભાવ ઘણો પ્રબળ છે. કૃતિ : જ્ઞાનાવલી : ૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭. રાપુહસૂચી : ૪૨. [ર.સો.]

રૂપચંદ-૫ [ ] : જૈન સાધુ. ક્લયાણજીના પુત્ર. વિયોગના બારમાસના વર્ણન પછી અધિકમાસમાં મિલનની કથાને આલેખતી ૩૦ કડીની ‘નેમિનાથ-તેરમાસા’(મુ.)ના કર્તા. ચચ્ચાર માસના વર્ણનમાં જુદી જુદી દેશીઓ તથા ધ્રુવપદોનો ઉપયોગ આ કાવ્યમાં થયો છે તે આ કાવ્યની વિશેષતા છે. કૃતિના સંપાદકે કૃતિ સં. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં રચાઈ હોવાનું અનુમાન કર્યું છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧(+સં.). [ર.સો.]

‘રૂપચંદકુંવર-રાસ’ [ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, માગશર સુદ ૫, રવિવાર] : ૬ ખંડ અને ૨૫૦૦ ગ્રંથાગ્રની નયસુંદરની આ કૃતિ(મુ.) મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ છે, પરંતુ એમાં વસ્તુ, આર્યા, ચરણાકુળ છપ્પા, કુંડળિયા, સોરઠા, રેખતા, અનુષ્ટુપ તેમ જ દેશી ઢાળોનો પણ વ્યાપક વિનિયોગ થયો છે. સંસ્કૃત ઉદ્ધરણોમાં ઉપજાતિ, વસંતતિલકા આદિ ઘણા છંદો જોવા મળે છે. ‘શ્રવણસુધારસ-રાસ’ તરીકે પણ ઓળખાવેયલી આ કૃતિના આરંભમાં જ કવિએ નવ રસોથી યુક્ત એવી રચના કરવાનો નિર્ધાર એકંદરે પળાયો જણાય છે. આ રાસમાં રૂપચંદકુંવર અને સોહગસુંદરીનું કાલ્પનિક રસિક કથાનક, અનેક દૃષ્ટાંતકથાઓ સાથે આલેખાયું છે. કનોજની રાજપુત્રી સોહગસુંદરી પોતાની સમસ્યાઓની પૂર્તિ કરી શકે એવા ચતુર નરની શોધમાં છે. ગુપ્તવેશે નીકળેલ વિક્રમને દાસી એની પાસે લઈ જાય છે પણ વિક્રમ સંકેતોના અર્થ સમજી શકતો નથી. વણિકપુત્ર રૂપચંદ સમસ્યાપૂર્તિ કરે છે ને સોહગસુંદરી સાથે પરણે છે. વિક્રમ મારઝૂડથી રૂપચંદ પાસથી સમસ્યાઓનો અર્થ જાણવા કોશિશ કરે છે પણ પ્રેમમગ્ન રૂપચંદ અડગ રહે છે. છેવટે પ્રધાનની સૂચના અનુસાર વિક્રમ પોતાની પુત્રી મદનમંજરી રૂપચંદને પરણાવી એની મધ્યસ્થીથી સમસ્યાઓના અર્થ જાણે છે. જોઈ શકાય છે કે સમસ્યા આ કૃતિની વસ્તુસંકલનાનો અનિવાર્ય ભાગ છે. કવિએ સમસ્યાઉકેલ શ્રોતાઓ સમક્ષ પણ છેક છેલ્લે જ કર્યો છે એટલે વસ્તુસંકલનામાં કૌતુકરસ સાદ્યંત જળવાઈ રહ્યો છે. રૂપચંદ-સોહગસુંદરીની ગોષ્ઠીમાં અનેક સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી સમસ્યાઓ આવે છે ને સોહગસુંદરી રૂપચંદને જે પ્રેમસભર પત્ર પાઠવે છે તેમાં પણ સમસ્યા ગૂંથાય છે. પુણ્યશ્રીની દૃષ્ટાંતકથા પણ સમસ્યા-આધારિત છે. આમ સમસ્યારસ કૃતિમાં વ્યાપી રહે છે. દૃષ્ટાંતકથા પોતે જ એક સંપૂર્ણ માતબર કથા બની રહે એવું અહીં બની રહે છે અને દૃષ્ટાંતકથામાં પણ દૃષ્ટાંતકથા ગૂંથાય છે. અહીં વિક્રમચરિત્ર કરતાં સ્ત્રીચરિત્ર ચઢિયાતું છે એમ બતાવતી મનમોહિનીની કથા, સમસ્યાઓ ઉકેલી આપતી પુણ્યશ્રીની કથા, સમકિતનો મહિમા પ્રગટ કરતી બિંબય અને બિંબારાણીની કથા તથા ઢોલુ-ઢોલડી એ આહીરદંપતીની રસિક કથા ગૂંથાયેલી છે. કૃતિમાં ઠેરઠેર સુભાષિતો વેરાયેલાં છે, જેમાં સંસ્કૃત શ્લોકો ને પ્રાકૃત ગાથાઓ ઉપરાંત કબીરનાં પદોનો પણ ઉપયોગ થયો છે. પુણ્યનો પ્રતાપ, વિદ્યા અને વિદ્વાનનો મહિમા, સામુદ્રિક લક્ષણો, સંગીતની મોહિની, વિયોગવેધની વ્યથા વગેરે અનેક વિષયો અંગેનું લોકડહાપણ રજૂ કરતાં આ સુભાષિતોમાં કવિની બહુશ્રુતતા અને પાંડિત્ય પ્રગટ થાય છે. તે જ રીતે પ્રદેશ, નગર, પાત્રો, વસ્ત્રાલંકારો, પાત્રની મન:સ્થિતિ આદિના વર્ણનોમાં પણ કવિનાં નિરીક્ષણ અને જાણકારીનો પરિચય મળે છે. માળવાદેશ, ઉજ્જયિનીનગરી, રૂપચંદનો જન્મોત્સવ, રૂપચંદનો લગ્નોત્સવ, સોહગસુંદરીનો રૂપછાક, રૂપચંદ-સોહગસુંદરીનો વિલાસાનંદ, રાજાને મળવા ધનદત્ત શ્રેષ્ઠીની સાથે ઊમટેલાં નગરનાં મહાજનો આદિનાં વર્ણનો આ દૃષ્ટિએ નોંધપાત્ર બન્યાં છે. વર્ણનોમાં વીગતસભરતા છે. તે ઉપરાંત ઉપમાદિ અલંકારો, દૃષ્ટાંતો અને પ્રાસાનુપ્રાસાદિની ગૂંથણી ધ્યાન ખેંચે છે. બોધાત્મક અંશોને પ્રચુરતાથી વણી લેતી આ કૃતિનો છઠ્ઠો ખંડ સવિશેષ બોધાત્મક બની ગયો છે, જેમાં રૂપચંદ સિદ્ધસેનસૂરિ પાસેથી દેશના પ્રાપ્ત કરી વૈરાગ્યને માર્ગે વળે છે. કૃતિની ભાષા વેગીલી, પ્રવાહી અને પ્રૌઢિયુક્ત છે. ઔચિત્યપૂર્વક આવતાં અને વક્તવ્યને ચોટદાર બનાવતાં ઉખાણાં-કહેવતોનો બહોળા હાથે થયેલો વિનિયોગ કવિની ભાષાસજ્જતાની સાખ પૂરે છે. [કા.શા.]

રૂપરામ [ ] : કૃષ્ણની વાંસળીથી વિરહાકુળ ગોપીઓનું અને તેમના કૃષ્ણ સાથેના રાસને વર્ણવતા ૪૨ કડીના ‘રાસનો ગરબો/કૃષ્ણની વાંસળી’(મુ.)ના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે.[કી.જો.]

રૂપવલ્લભ : જુઓ વિદ્યાનિધાનશિષ્ય રઘુપતિ.

રૂપવિજ્ય : આ નામે ૯ કડીનું ‘એકાદશી-સ્તવન’(મુ.), ૨૧ કડીની ‘ગૌતમપૃચ્છા-સઝાય’(મુ.), ૬ કડીની ‘પાર્શ્વનાથ મહિમા-લાવણી’(મુ.), ૯ કડીનું ‘મલ્લિનાથજિન-સ્તવન’(મુ.), ૫ કડીનું ‘શંખેશ્વર-પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ૫/૬ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’(મુ.), ૭ કડીની ‘ગહૂંલી’, ૫ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’, ૫, ૭ અને ૨૫ કડીનાં ‘નેમિનાથ-સ્તવન’, ૯ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) તથા ૩ ઢાળનું ‘સંઘવી ત્રિકમજીના સંઘનું વર્ણન’ (લે.સં.૧૯મી સદી અનુ.), ‘વિજ્યજિનેન્દ્રસૂરિ-સઝાય’ એ કૃતિઓ મળે છે, પરંતુ આ કૃતિઓના કર્તા કયા રૂપવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. પ્રાસપસંગ્રહ : ૧; ૪. રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૭; ૫. શંસ્તવનાવલી; ૬. સજઝાયમાળા(પં.); ૭. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

રૂપવિજ્ય-૧ [ઈ.૧૭૫૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિનયવિજ્ય(ઉપાધ્યાય)ના શિષ્ય. આ કવિની કૃતિઓમાં, રાજુલની ઊર્મિની ઉત્કટતાને અસરકારકતાથી આલેખતો ૧૯ કડીનો ‘નેમ રાજુલલેખ/નેમિજિન રાજિમતીલેખ/રાજુલનો પત્ર’ (લે.ઈ.૧૭૫૯; મુ.), સળંગ ચોપાઈબંધમાં રચાયેલી ‘ચૈત્યવંદન-ચોવીસી’(મુ.), ૩ કડીનું ‘શાશ્વતા જૈનોનું ચૈત્યવંદન’(મુ.) તથા ઘડપણ, શિખામણ, નવકારવાલી, નંદિષેણમુનિ, સોળ સતી, ચિત્ત બ્રહ્મદત્ત પરની સઝાયો (સર્વ મુ.) અને ૨૬ કડીનું ‘ચતુવિંશતિ જિન-નમસ્કાર’, ‘સાધારણજિન-સ્તવન’ તથા ૫ કડીનું ‘નેમનાથ-સ્તવન’ મળે છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જૈસમાલા(શા) : ૨; ૫. જૈસસંગ્રહ(જૈ); ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. લઘુ ચોવીશી વીશી સંગ્રહ, પ્ર. શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૮. સજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

રૂપવિજ્ય-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિનવિજ્યની પરંપરામાં પદ્મવિજ્યના શિષ્ય. તેમની કૃતિઓ નીચે મુજબ છે : ૪ ખંડ અને ૪ ઢાળમાં રચાયેલો, ભીમદેવના વણિક પ્રધાન વિમળનું ચરિત્ર આલેખતો અને ૧૯મી સદીમાં રચાયેલો હોવા છતાં જૂની ગુજરાતીનાં ઘણાં રૂપો દેખાડતો ‘વિમલ-રાસ’ (ર.ઈ.૧૮૪૪/સં.૧૯૦૦, અસાડ સુદ ૧૩, રવિવાર), ‘સમેતશિખર પરનાં ૩ સ્તવનો’ (૧ની ર.ઈ.૧૮૦૨/સં.૧૮૫૯, માગશર સુદ ૭, ગુરુવાર; મુ.), ૧૨ ઢાલ ૩૨૯ કડીનો ‘પદ્મવિજ્યનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૮૦૬/સં.૧૮૬૨, વૈશાખ સુદ ૩; મુ.), ‘વીસ સ્થાનકની પૂજાઓ’ (ર.ઈ.૧૮૨૭/સં.૧૮૮૩, ભાદરવા સુદ ૧૧; મુ.), ૪૭ ઢાળની ‘પિસ્તાળીસ આગમની પૂજા’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, આસો-૩, શનિવાર; મુ.), ૧૧ ઢાળ, ૮૯ કડીની ‘પંચજ્ઞાનની પૂજા’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, શ્રાવણ સુદ ૫; મુ.), ૧૩૨ કડીની ‘પંચકલ્યાણક-પૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, મહા સુદ ૧૫; મુ.), ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિઓ રૂપ ત્રીસેક લઘુ કૃતિઓનાં ‘મૌન એકાદશી-દેવવંદન’, ‘ગુણસેન કેવલી-રાસ’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૧, કારતક વદ ૭, મંગળવાર), ૨૫૦૦ કડીનો ‘સનતકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૯). આ ઉપરાંત અજિનાથ, કેસરિયાજી, તારંગા, નેમિનાથ, પદ્મપ્રભુ, પાર્શ્વજિન, વીરજિન, સિદ્ધાચલ આદિ પરનાં અનેક સ્તવનો; અષ્ટપ્રવચનમાતા, આત્મબોધ, મન:સ્થિરિકરણ, પડિક્કમણ, રહનેમિ આદિ પરની સઝાયો; મલ્લિનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, શાંતિનાથ આદિ પરનાં ચૈત્યવંદનો, ગોડી પાર્શ્વનાથ તથા શંખેશ્વરની લાવણીઓ; ગૌતમ, મહાવીરસ્વામી તથા કલ્પસૂત્ર પરની કેટલીક ગહૂંલીઓ; ‘વરકાણાજીનો છંદ’, નવાંગ પૂજનના ૧૦ દુહા, વીર-પૂજા, અષ્ટપ્રકારી અને નંદીશ્વરદીપની પૂજા, ધ્યાનગીતા આદિ અનેક લઘુકૃતિઓ આ કવિએ રચી છે. આમાંથી મોટા ભાગની મુદ્રિત છે. આ કવિના ગદ્યગ્રંથો આ મુજબ છે : દેવેન્દ્રસૂરિકૃત પ્રાકૃતસ્તોત્ર પરનું ‘સમવરણ-સ્તવન પ્રકરણ-સ્તબક’, જયતિલકસૂરિકૃત ‘સમ્યકત્વસંભવ/સુલસા-ચરિત્ર’ પરનો ૨૬૮૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૮૪૪) તથા જિનહર્ષકૃત ‘વિચારામૃત સંગ્રહ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૮૩૭/સં.૧૮૯૩, શ્રાવણ સુદ ૫, બુધવાર). ૧૦ કડીની ‘અરણિકમુનિની સઝાય’(મુ.), હિંદીમાં રચાયેલી ૯ કડીની ‘કેસરિયાજીની લાવણી’ (ર.ઈ.૧૮૦૩), ‘મહાવીર સત્તાવીશભવ-સ્તવન’ તથા ૬ કડીની ‘રાજર્ષિપ્રસન્નચંદ્ર-સઝાય’ (મુ.) - એ કૃતિઓ આ કવિની કૃતિઓ તરીકે નોંધાઈ છે પણ એમાં ગુરુપરંપરાનો નિર્દેશ નથી. રૂપવિજ્યની લાંબી કૃતિઓમાં તેમની સંસ્કૃત સાહિત્યાલંકારની જાણકારી તથા ધર્મ, જ્ઞાન અને સંસારવ્યવહારની સૂઝ દેખાય છે. તેમની લઘુકૃતિઓમાં દેશી ઢાળો ને છંદોનું વૈવિધ્ય તથા વર્ણમધુર એ અનુપ્રાસયુક્ત રચનારીતિ ધ્યાનપાત્ર છે. કૃતિ : ૧. આકામહોદધિ : ૫; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જિનગુણ સ્તવનાવલિ તથા ગહૂંલી સંગ્રહ, સં. મુનિમાનવિજ્ય, ઈ.૧૯૨૪; ૪. જિભપ્રકાશ; ૫. જિભસ્તકાસંદોહ : ૧; ૬. જિસ્તમાલા; ૭. જૈઐરાસમાળા : ૧; ૮. જૈકાપ્રકાશ : ૧; ૯. જૈકાસંગ્રહ; ૧૦. જૈન કથા રત્નકોષ : ૭, પ્ર. ભીમજી ભી. માણક; ઈ.૧૮૯૨; ૧૧. જૈપ્રપુસ્તક : ૧; ૧૨. જૈરસંગ્રહ; ૧૩. જૈસસંગ્રહ; ૧૩. જૈસસંગ્રહ(જૈ); ૧૪. દેસ્તસંગ્રહ; ૧૫. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ.૧૮૮૪; ૧૬. પ્રાસપસંગ્રહ : ૧; ૧૭. મોસસંગ્રહ; ૧૮. શંસ્તવનાવલી; ૧૯. સસન્મિત્ર(ઝ); ૨૦. સ્નાત્રપૂજા આદિ પૂજાનો સંગ્રહ, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૨;  ૨૧. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘વીરપૂજા’-. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭. ફાહનામાવલી : ૧; ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

રૂપવિજ્યશિષ્ય [ ] : ‘નંદીશ્વરદ્વીપ સ્તવનાદિ અનેક સ્તવનસંગ્રહ’ના કર્તા. તપગચ્છના પદ્મવિજ્યશિષ્ય લક્ષ્મીવિજ્ય આ કૃતિના કર્તા હોય એવી પણ સંભાવના છે. સંદર્ભ : લીંહસૂચી.[જ.ગા.]

રૂપવિમલ [ઈ.૧૬૭૨માં હયાત] : જૈન સાધુ. કનકવિમલના શિષ્ય. ‘ભક્તામર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, ચૈત્ર વદ ૧, સોમવાર) નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[ર.સો.]

રૂપશંકર [ઈ.૧૮૩૩ સુધીમાં] : તેમણે ‘માતાજીની હમચી’ (લે.ઈ.૧૮૩૩)ની રચના કરી છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]

રૂપસાગર [ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. તિલકસાગરના શિષ્ય. ૭ કડીના ‘નેમિજિન-ગીત’ (લે.ઈ.૧૬૯૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

રૂપસીભાઈ [ઈ.૧૮૨૧ આસપાસ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ૫૯ કડીની ‘વિચારવિલાસ’(મુ.) કૃતિના કર્તા. ઈ.૧૮૨૧માં કવિને સહજાનંદ સ્વામીનો સમાગમ થયો એવો ઉલ્લેખ કૃતિમાં મળે છે તે પરથી કવિ તે સમય દરમ્યાન થયા હોવાની સંભાવના છે. કૃતિ : ૧. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૨. છંદ-રત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારજ, સં. ૧૯૪૧.[કી.જો.]

રૂપસુંદર [ઈ.૧૬૨૧માં હયાત] : પૂર્ણામાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રની પરંપરામાં લક્ષ્મીચંદ્રના શિષ્ય રંગસુંદર(વાચક)ના શિષ્ય. ૩૨૫ કડીના ‘દીપશિખ-રાસ’ (ર.ઈ.૧૬૨૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

રૂપસૌભાગ્ય [ ] : જૈન સાધુ. દુહા, ચોપાઈ અને દેશીમાં રચાયેલા ૬ ઢાળના ‘સમવસરણ-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.; મુ.)ના કર્તા. કૃતિ : પ્રકરણાદિ વિચાર ગર્ભિત સ્તવન સઝાય સંગ્રહ, પ્ર.શા. માધવજી ડુંગરશી, ઈ.૧૯૩૩. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

રૂપહર્ષ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રાજવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘જિનરત્નસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનરત્નસૂરિ (જ.ઈ.૧૬૧૪-અવ. ઈ.૧૬૫૫)ના સમયમાં લખાઈ હોવાથી કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં હયાત હશે એમ કહી શકાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). રૂપાબાઈ [ ] : ૫ કડીના ૧ પદ(મુ.)નાં કર્તા. કૃતિ : કાફીસંગ્રહ, પ્ર. ક. જા, સં. ૧૯૪૦.[કી.જો.]

રૂપાંદે : આ નામે ૨ ભજનો(મુ.) મળે છે. બંને ભજનોનાં કર્તા એક જ રૂપાંદે છે કે જુદાં તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. રાજસ્થાનીમાં સંત કવયિત્રી તરીકે જાણીતાં રૂપાંદે જોધપુર રાજ્યમાં આવેલા માલાણીના રાજવી મલ્લિનાથ-માલાજીનાં પત્ની હતાં અને સંભવત: કોઈ ધારુ મેઘવાળ અથવા ઉગમશી એમના ગુરુ હતા એમ મનાય છે. એમના જીવન વિશે અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે. રાજસ્થાનીમાં એમને નામે ભજનો મળે છે, જે બધાં એક જ રૂપાંદેએ રચ્યાં હોય એવી શક્યતા રાજસ્થાની વિદ્વાનોને ઓછી લાગે છે. ગુજરાતીમાં મળતા ૧ ભજનમાં રાજસ્થાની ભાષાની છાંટ છે અને માલા રાવળ અને રૂપાંદે વચ્ચેના સંવાદ રૂપે વૈરાગ્યબોધ અપાયો છે. બીજા ભજનની અંતિમ પંક્તિમાં “ઉમરસીની ચેલી સતી રૂપાંદે બોલ્યાં રે જી” એવો સંદર્ભ મળે છે, અને ભાષા શુદ્ધ ગુજરાતી છે. કૃતિ : ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ચંદર ઊગ્યે ચાલવું!, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૬૪; ૨. સોરઠી સ્ત્રી સંતો, કાલિદાસ મહારાજ, ઈ.૧૯૫૮; ૩. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હિરાલાલ માહેશ્વરી, ઈ.૧૯૮૦ (અં.).[કી.જો.]

રૂપાંબાઈ [સં. ૧૮મી સદી] : વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્ત કવયિત્રી. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીનાં શિષ્યા. પ્રાંતિજનાં વતની. તેમણે વિવાહ ઉત્સવનાં પદ અને શોભન(મુ.), કેટલાંક ધોળ (૫ મુ.), ‘ગોકુળનાથજીનો વિવાહ-ખેલ’, ૨ ગુજરાતી અષ્ટપદીની રચના કરી છે. ૧૩૪ પ્રસંગોના ‘નિત્યચરિત્ર’ની પણ તેમણે રચના કરી હોવાનું કહેવાય છે. કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, સં. ૨૦૨૨ (બીજી આ.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. [કી.જો.]


રૂસ્તમ/રુસ્તમ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : પારસી કવિ. સુરતના વિદ્વાન દસ્તૂર. પિતા પેશુતન ખોરશેદ. નવસારીના દસ્તૂર બરજોર કામદીન કેકોબાદ સંજાણાના શિષ્ય. ફારસી, પહેલવી જેવી ભાષાઓના સારા જ્ઞાતા. સંસ્કૃત, વ્રજથી પણ પરિચિત હોવાની શક્યતા. તેમનો જન્મ ઈ.૧૬૧૯માં ને ઈ.૧૬૩૫માં થયો હોવાનું અનુમાન થયું છે. પારસી મોબેદો વચ્ચેના પત્રવ્યવહારોમાં મળતા ઉલ્લેખો અને કવિની કૃતિઓના રચના સમયને આધારે તેઓ ઈ.૧૬૫૦થી ઈ.૧૬૮૦ (૭૯) દરમ્યાન હયાત હતા એમ નિશ્ચિતપણે કહી શકાય. કવિને પ્રેમાનંદ સાથે પરિચય હતો કે નહીં તે કહેવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. અરબી, ફારસી, પહેલવી, સંસ્કૃત ઇત્યાદિના સંસ્કારવાળી પારસીશાઈ ગુજરાતીમાં પારસી ધર્મગ્રંથોમાંથી કથાપ્રસંગો લઈ મધ્યકાલીન આખ્યાનશૈલી અને છંદોની અસર ઝીલી આખ્યાનપ્રકારની કૃતિઓ રચનાર આ પહેલાં પારસી કવિ છે. કવિનો મુખ્ય ઉદ્દેશ આમ તો પારસી ધર્મના સિદ્ધાંતો સામાન્ય પારસીજનો સુધી પહોંચાડવાનો હતો, પરંતુ આ કૃતિઓ કવિની કવિત્વશક્તિનો પણ ઠીક ઠીક પરિચય કરાવે છે. એમાં ફિરદોસીના ‘શાહનામા’ની અંદર આવેલી સ્યાવશકથા પર આધારિત ‘સ્યાવશનામું’(ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, ભાદરવા વદ ૭; મુ.) કવિની સૌથી વિશેષ નોંધપાત્ર આખ્યાનકૃતિ છે. ઘટનાપ્રચુર અને રસસભર આ કૃતિ સંયોજન, ભાવનું આલેખન કે અલંકારોના વૈચિત્ર્યમાં કવિની મૌલિક પ્રતિભાનો પરિચય કરાવે છે. ચોપાઈબદ્ધ ‘અર્દાવિરાફ-નામુ’(ર.ઈ.૧૬૭૨) અર્દાવિરાફની કથા દ્વારા નર્કની યાતનાઓથી બચવા મનુષ્યે કેવાં પાપકર્મોથી બચવું અને ક્યા પુણ્યકાર્યો કરવાં જોઈએ એનો બોધ આપે છે. જરથોસ્તના જીવનના ચમત્કારયુક્ત પ્રસંગો પર આધારિત ચોપાઈબદ્ધ ‘જરથોસ્તનામું’(ર.ઈ.૧૬૭૪/યજદજર્દી સન ૧૦૪૪, ફવર્દીન માસ, ખુર્દાદ રોજ;*મુ.)ના ઉપદેશમાં કેટલાક વિષયોમાં ભારતીય ધર્મપરંપરાનો પ્રભાવ જોઈ શકાય છે. ‘સાત અમશાસ્પંદનું કાવ્ય’(મુ.)માં પૃથ્વીનું સંચાલન કરતી ૭ દિવ્યશક્તિઓ શું કાર્ય કરે છે અને તેમને પ્રસન્ન કરવા કેવા આચાર વિચારનું દરેક પારસીએ પાલન કરવું એનો બોધ છે. ‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય’(મુ.)માં પૃથ્વીનું સંચાલન કરતી ૭ દિવ્યશક્તિઓનું શું કાર્ય કરે છે અને તેમને પ્રસન્ન કરવા કેવા આચાર વિચારનું દરેક પારસીએ પાલન કરવું એનો બોધ છે. ‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય’(મુ.) કવિના સમયમાં પારસી મોબેદો વચ્ચે થયેલી ખૂનામરકીની ઐતિહાસિક ઘટના કાવ્યવિષય બની હોવાને લીધે વિશિષ્ટ મહત્ત્વ ધારણ કરે છે. એમને નામે ‘અસ્પંદીઆરનામેહ’ કૃતિ મળે છે, પણ તેનું કર્તૃત્વ સંદિગ્ધ છે. કૃતિ : ૧. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા : ૨, પેરીન દારા ડ્રાઇવર, ૧૯૭૯ (+સં.); ૨. મોબેદ રુસ્તમ પેશુતન હમજીઆરનું જરથોસ્તનામું, સં. બહેરામગોર અંકલેસરીઆ, -; ૩. સ્યાવશનામું, સં. તેહમુરસ દી. અંકલેસરીઆ, ઈ.૧૮૭૩. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨. [ર.ર.દ.]

‘રૂસ્તમનો સલોકો’  : સલોકો એટલે સ્તુતિકાવ્ય. સ્તુતિ કોઈના શૌર્યની હોય એ કારણે એને ‘પવાડો’ નામ પણ મળ્યું છે. ‘અભરામ કુલીનો સલોકો’ અને ‘રૂસ્તમનો પવાડો’ નામથી પણ ઓળખાવાયેલી શામળની આ ૧૮૦ કડીની રચના (ર.ઈ.૧૭૨૫; મુ.)નો વિષય સુજાતખાન, રૂસ્તમ અને અભરાંમ કુલી એ ત્રણ ભાઈઓની વીરતાનો છે. રાજકીય અરાજકતા જેવી ગુજરાતની સ્થિતિનો ખ્યાલ આપતા આ ઐતિહાસિક કથાકાવ્યમાંનું યુદ્ધવર્ણન ધ્યાન ખેંચે એવું કહેવાય. ‘સાંભલી વાત્યે’ પોતે આ ‘સલોકો બાંધો’ હોવાનું ‘સાંમલજી બ્રાહ્મણ શ્રીઘોડ જાત્યે’ કહે છે.[અ.રા.]

‘રેવંતગિરિ-રાસ’ : નાગેન્દ્રગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય વિજ્યસેનસૂરિકૃત ૪ કડવક ને ૪૦ કડીનો મુખ્યત્વે દુહા-સોરઠાની દેશીઓમાં રચાયેલો આ રાસ(મુ.) રેવંતગિરિ/ગિરનાર/ઉર્જયંત પર્વતની તળેટી અને પર્વત પર બંધાયેલાં મંદિરો અને ત્યાં ઊભી કરવામાં આવેલી સગવડો વિશેની માહિતી આપે છે, એટલે ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વનો છે. કાવ્યના કવિ વસ્તુપાળ-તેજપાળના ગુરુ હતા અને તેમણે વસ્તુપાળ-તેજપાળ સાથે ગિરનારની યાત્રા ઈ.૧૨૩૨માં કરેલી તેનો લેખ ગિરનાર પર મળે છે. એટલે કાવ્યની રચના પણ એ અરસામાં થઈ હોવાનું અનુમાન થયું છે. કાવ્યની અપભ્રંશની અસરવાળી જૂની ગુજરાતી ભાષા પણ આ અનુમાનને ટેકો આપે છે. કાવ્યના પહેલાં કડવકમાં વસ્તુપાળ-તેજપાળ ગિરનારની તળેટીમાં તેજલપુર વસાવે છે એની માહિતી છે. બીજા કડવકમાં કુમારપાળના દંડક આંબડે ગિરનાર ચડવા માટે બંધાવેલાં પગથિયાં અને વચ્ચે મુકાવેલી પરબો, સિદ્ધરાજના દંડક સાજને ગિરનાર પરના નેમિભુવનનો કરાવેલો ઉદ્ધાર તથા ભાવડશાહે કરાવેલા સોનાના અમલસારની વીગત છે. ત્રીજા કડવકમાં કાશ્મીરથી સંઘ લઈને આવેલા અજિત અને રત્ન નામના બે ભાઈઓએ કરેલી નેમિપ્રતિમાની સ્થાપના, વસ્તુપાળે કરાવેલા ઋષભેશ્વરના મંદિર, તેજપાળે બંધાવેલા કલ્યાણકત્રયના મંદિરની તથા દેપાળ મંત્રીએ કરેલા ઇંદ્રમંડપના ઉદ્ધારની વાત છે. ચોથા કડવકમાં ગિરનાર પરનાં વિવિધ ધર્મસ્થાનોની વીગત આપી છે. ઐતિહાસિક વીગત આપ્યા પછી પણ કવિનું લક્ષ તો ગિરનારનાં તીર્થધામોનો મહિમા કરવાનું છે એ કાવ્યમાં આવતા ઉલ્લેખો પરથી સમજી શકાય છે. કાવ્યત્વની દૃષ્ટિએ જો કે આ કાવ્ય વિશેષ મહત્ત્વનું ન લાગે, તો પણ એમાંના વર્ણપ્રાસ ગેયત્વપોષક છે તથા ગિરનારની વનરાજીનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે.[શ્ર.ત્રિ.]

રેવા(બ્રહ્મ) [ઈ.૧૬૭૭ સુધીમાં] : તેમણે ગુજરાતી તથા હિન્દી ભાષામાં પદો (લે.ઈ.૧૬૭૭)ની રચના કરી છે. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

રેવા ભારથી [ ] : મનહરના શિષ્ય. કવિએ ભજનો (૩ મુ.)ની રચના કરી છે. કૃતિ : ૧. અભમાલા; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. પરમાનંદ પ્રકાશ પદમાલા, સં. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (બીજી આ.);  ૪. સ્વાધ્યાય ત્રૈમાસિક, મે ૧૯૬૫-‘નેત્રમાલા’, કેશવરામ કા. શાસ્ત્રી. [કી.જો.]

રેવાશંકર : આ નામે ‘જન્મોતરી જોવાના દોહા’ મળે છે પણ તે કયા રેવાશંકરના છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

રેવાશંકર-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વડનગરા નાગર બ્રાહ્મણ ગૃહસ્થ. જૂનાગઢના ગોસ્વામી ગોવર્ધનેશના શિષ્ય. ત્રિકમદાસ ભવાનીશંકર વ્યાસના સાતમા પુત્ર. નરસિંહ મહેતાના કાકા પર્વતથી વંશાનુક્રમે બારમા પુરુષ હોવાનું મનાય છે. તેમની હયાતીનો સમય ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ઈ.૧૭૮૪થી ઈ.૧૮૫૩ નોંધે છે અને ‘સચિત્ર સાક્ષારમાળા’ તેમનું અવસાન ઈ.૧૮૩૭ના અરસામાં થયું હોવાનું દર્શાવે છે. કવિ ફારસી, અરબી, વ્રજ, ગુજરાતી તેમ જ મરાઠીમાં પ્રવીણ હતા તથા કાવ્યપિંગળના પણ જાણકાર હતા. તેઓ રણછોડજી દીવાનના પ્રતિસ્પર્ધી હોવાનું પણ નોંધાયું છે. તેઓએ ‘કૃષ્ણલીલા’ (તેમાં અંતર્ગત ‘બાળલીલા’ની ૬૭ કડી મુ.), ચંદ્રાવળામાં રચાયેલી ‘શ્રીકૃષ્ણજન્મ-ચરિત્ર’ (તેમાં અંતર્ગત ‘નાગદમનલીલા’, ‘દ્વારકાવર્ણન/લીલા’ મુ.), ‘ડાકોરલીલા’, ચંદ્રાવળામાં રચાયેલું ‘ત્રિકમદાસનું ચરિત્ર’(મુ.), ‘દશમસ્કંધ’, ‘દશમસાર’, ‘વલ્લભકુળ’, તડાંના દુહા, જ્ઞાતિને લગતાં કાવ્યો, ‘રાસલીલા’, રણછોડજીનું કાવ્ય’(મુ.) તથા અન્ય પદોની રચના કરી છે કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર, સં. નટવરલાલ ઈ.દેસાઈ અને નયનસુખરાય વિ. મજમુદાર, ઈ.૧૯૩૦ (+સં.); ૩. બૃકાદોહન : ૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, છોટુભાઈ ર. નાયક, ઈ.૧૯૫૦; ૩. ગુમાસ્તંભો; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પુગુસાહિત્યકારો; ૭. પ્રાકકૃતિઓ; ૮. રસામાળા;  ૯. ગૂહાયાદી. [ચ.શે.]